: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
આત્માના સ્વભાવનું ભાન થતાં અંદર કૃતકૃત્યતા વેદાય છે. અહો, મારી પ્રભુતા
મારામાં છે, મારી પ્રભુતાને હું અત્યાર સુધી ભૂલ્યો, તેથી રખડ્યો; મારા આનંદ–
સ્વરૂપથી ચ્યુત થઈને વિષયો તરફના ઝંપાપાતથી હું દુઃખી જ થયો. પણ હવે મને મારા
આત્માની અપૂર્વ પ્રાપ્તિ થઈ. આવા આત્માની પ્રાપ્તિ એટલે કે શ્રદ્ધા–જ્ઞાન–રમણતા તે
સમાધિનું કારણ છે.
વર્તમાન અપૂર્વ દશા સહિત પોતાની પૂર્વ દશાને પણ અંતરાત્મા વિચારે છે કે
અરેરે! ઈન્દ્રિયવિષયોમાં મેં અનંતકાળ વીતાવ્યો છતાં તેનાથી અંશમાત્ર તૃપ્તિ ન થઈ,
પણ હવે વિષયાતીત અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવને જાણતાં અપૂર્વ તૃપ્તિ થઈ ગઈ.
વર્તમાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો ત્યારે પૂર્વના ઈન્દ્રિયવિષયો પ્રત્યેથી
ઉદાસીનતા થઈ ગઈ ને એમ વિષાદ થયો કે અરેરે! મારા ચૈતન્યઆનંદને ચૂકીને પૂર્વે
ઈન્દ્રિયવિષયોમાં મેં વ્યર્થ અનંતકાળ વીતાવ્યો.
જેણે આત્માના અતીન્દ્રિય અમૃતનો સ્વાદ ચાખ્યો તેને વિષયો વિષ જેવા લાગે
છે....પર વિષયો તરફની લાગણી તેને દુઃખરૂપ લાગે છે, આત્માના નિર્વિકલ્પ આનંદના
વેદન સિવાય બીજે ક્્યાંય તે પોતાનો આનંદ સ્વપ્નેય માનતો નથી. જેને વિષયોની
મીઠાશ લાગતી હોય કે રાગની મીઠાશ લાગતી હોય તેણે અતીન્દ્રિય આત્માના
વીતરાગી અમૃતનો સ્વાદ ચાખ્યો નથી.
એક તરફ અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા છે;
બીજી તરફ બાહ્યમાં સુખ વગરના ઈન્દ્રિયવિષયો છે;
ત્યાં જેમાં સુખ માને તે તરફ જીવ ઝૂકે છે. જે જીવ અંતરમાં અતીન્દ્રિય આત્મ–
સ્વભાવ તરફ ઝૂકે છે તે તો પોતાના અતીન્દ્રિયસુખને અનુભવે છે; અને જે જીવ બાહ્ય–
વિષયોમાં સુખ માનીને ઈન્દ્રિયવિષયો તરફ ઝૂકે છે તે ઘોર સંસારના દુઃખને પામે છે.
સામસામા બે માર્ગ છે.
(૧) અતીન્દ્રિય સ્વભાવને ચૂકીને ઈન્દ્રિયવિષયો તરફ ઝૂકાવ તે સંસારમાર્ગ છે. અને
(૨) ઈન્દ્રિયવિષયોમાં સુખબુદ્ધિ છોડીને અંતરના જ્ઞાનાનંદસ્વભાવમાં ઝૂકાવ તે
મોક્ષમાર્ગ છે.–જ્યાં ગમે ત્યાં જાવ.
અહો, આત્મામાં આનંદના નિધાન ભર્યા છે તે સંતો દેખાડે છે; પણ અજ્ઞાનથી
અંધ થયેલા મૂઢ જીવો પોતાના આનંદનિધાનને દેખતા નથી.