: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
* પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી વર્દ્ધમાનને *
જિજ્ઞાસુનું પ્રથમ કર્તવ્ય–આત્મતત્ત્વનો નિર્ણય
[સમ્યક્ત્વ–જીવન લેખમાળા: લેખાંક – ૧૧]
સુખ કહો કે સમ્યક્ત્વ કહો–તે જીવને વહાલું છે.
જેમાં સુખ ભર્યું છે. એવા પોતાના જ્ઞાનસ્વરૂપનો સાચો
નિર્ણય જ્ઞાનવડે કરવો તે જ સમ્યક્ત્વની રીત છે. જેણે
એવો નિર્ણય કર્યો તેને પાત્રતા થઈ ને તેને અંતરમાં
અનુભવ થશે જ.
સમ્યગ્દર્શન થતાં પહેલાંં સંસાર–દુઃખોથી ત્રાસીને આત્માનો આનંદ પ્રગટ કરવા
માટેની ભાવના જાગે છે.
હે ભાઈ! તારે સુખી થવું છે ને?–તો તું તારા સાચા સ્વરૂપને ઓળખ, –કે જેમાં
ખરેખર સુખ ભર્યું છે. આત્માના સ્વરૂપનો પહેલાંં સાચો નિર્ણય કરવાની વાત છે. અરે,
તું છો કોણ? શું ક્ષણિક પુણ્ય–પાપનો કરનાર તે જ તું છો? ના, ના, તું તો જ્ઞાન કરનાર
જ્ઞાનસ્વભાવી છો. પરને ગ્રહનાર કે છોડનાર તું નથી, ચેતકભાવ જ તું છો. આત્માનો
આવો નિર્ણય તે જ ધર્મની પહેલી શરૂઆતનો (સમ્યગ્દર્શનનો) ઉપાય છે. આવો
નિર્ણય ન કરે ત્યાંસુધી સમ્યગ્દર્શનની પાત્રતામાં પણ નથી. મારો સહજ સ્વભાવ
જાણવાનો છે–આવો જ્ઞાનસ્વભાવનો નિર્ણય શ્રુતજ્ઞાનના બળથી થાય છે, ને તે જ
સમ્યક્ત્વની રીત છે. જેણે જ્ઞાનમાં સાચો નિર્ણય કર્યો તેને પાત્રતા થઈ, ને તેને અંતરમાં
અનુભવ થવાનો જ છે. માટે તત્ત્વનિર્ણય તે જિજ્ઞાસુ જીવનું પ્રથમ કર્તવ્ય છે.
હું જ્ઞાનસ્વભાવી જાણનાર છું, જ્ઞેયમાં ક્યાંય રાગ–દ્વેષ કરીને અટકવું તેવો મારો
જ્ઞાનસ્વભાવ નથી. પર ગમે તેમ હો, હું તો તેનો માત્ર જાણનાર છું, મારો જાણનાર
સ્વભાવ પરનું કાંઈ કરનાર નથી; પણ જ્ઞાનસ્વભાવ સાથે મારામાં શ્રદ્ધા–શાંતિ–આનંદ
વગેરે અનંત સ્વભાવો છે. હું જેમ જ્ઞાનસ્વભાવી છું તેમ જગતના બધા આત્માઓ
જ્ઞાનસ્વભાવી છે; તેમાં તેઓ પોતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાનભાવરૂપે