: ૨૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
૬. અશુચિત્વ–અનુપ્રેક્ષા
અશુચિનો ભંડાર એવો આ મનુષ્યદેહ, તેની મમતા છોડીને, અશરીરી
આત્મભાવનામાં રત થવું, ને અશુચીરૂપ એવા ક્રોધાદિ ભાવોથી પણ
આત્માને જુદો અનુભવવો–એમ પાંચ ગાથા દ્વારા આ છઠ્ઠી
ભાવનામાં બતાવ્યું છે.
* * * * *
૮૩. હે ભવ્ય! તું આ દેહને અશુચિમય જાણ; આ દેહ સમસ્ત કુત્સિત–અપવિત્ર
વસ્તુનો પિંડલો છે, ઉદરમાં કૃમિ–કીડા–જૂ તથા નિગોદાદિ જીવોથી ભરેલો છે,
અત્યંત દુર્ગન્ધમય છે, અને મળ–મૂત્રનું ઘર છે.
૮૪. અત્યંત પવિત્ર, રસવાળા, સુગંધી અને મનોહર એવા દ્રવ્યો પણ દેહનો સંબંધ
થતાંવેંત ઘૃણાસ્પદ અને અત્યંત દુર્ગંધી થઈ જાય છે.
૮૫. કર્મરૂપ વિધિએ આ મનુષ્ય દેહને અશુચિમય બનાવ્યો છે–તેથી તું એમ જાણ કે
તેનાથી વિરક્ત થવા માટે જ તેને અશુચિરૂપ બનાવ્યો છે; છતાં અજ્ઞાની જીવ
ફરીને તેમાં જ અનુરક્ત થાય છે.
૮૬. એ રીતે શરીરને અશુચિમય દેખવા છતાં પણ જીવો તેમાં અનુરાગ કરે છે, અને
જાણે કે તે પૂર્વે કદી મળ્યો ન હોય એમ સમજીને તેને આદરપૂર્વક સેવે છે.
૮૭. દેહનું આવું સ્વરૂપ જાણીને જે જીવ સ્ત્રી વગેરે અન્યના દેહપ્રત્યે વિરક્ત થાય છે
અને નિજદેહમાં પણ અનુરાગ કરતો નથી, દેહથી ભિન્ન આત્મસ્વરૂપમાં સમ્યક્
પ્રકારે રત થાય છે તેને અશુચિ–અનુપ્રેક્ષા સાર્થક છે.
અશુચિ જાણી દેહને, કરે આત્મઅનુરાગ;
તેને સાચી ભાવના, તે કહીએ મહાભાગ.
[છઠ્ઠી અશુચિઅનુપ્રેક્ષા પૂર્ણ]
અશુચીપણું વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખકારણો એનાથી જીવ પાછો વળે.
–શ્રી કુંદકુંદસ્વામી.