: ૨૦ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
જ્ઞાની તો જગતની અપેક્ષા છોડીને, પોતે શૂરવીરપણે હરિના મારગને એટલે કે મોક્ષના
માર્ગને સાધે છે. જગતની સામે જોઈને કે રાગની સામે જોઈને બેસી રહેવું એ તો
કાયરનું કામ છે, એવા કાયર જીવો ભગવાનના મોક્ષમાર્ગને સાધી શકતા નથી.
મોક્ષમાર્ગને વીતરાગભાવથી સાધવો એ તો શૂરવીરોનું કામ છે. રાગથી છૂટો પડીને
પોતે પોતાના ચૈતન્યના આનંદને અનુભવમાં લેવો–એ તે કાંઈ રાગનું કે વિકલ્પનું
કામ નથી, એ તો અંદર ભેદજ્ઞાનવડે રાગથી છૂટા પડીને ચૈતન્યના સ્વસંવેદન વડે જ
થાય છે.–એવું અપૂર્વ સ્વસંવેદન કરનાર ધર્માત્મા–જ્ઞાનીના અદ્ભુત કાર્યને
કોઈ વિરલા જ ઓળખે છે. ને એવી અદ્ભુત જ્ઞાનદશાને જે ઓળખે છે તે પોતે
રાગથી ભિન્ન જ્ઞાનચેતનારૂપ થઈને સંસારના જન્મ–મરણથી છૂટી જાય છે.
• મુમુક્ષુની પાત્રતા •
દયા શાંતિ સમતા ક્ષમા,
સત્ય ત્યાગ વૈરાગ્ય.
હોય મુમુક્ષુ ઘટ વિષે,
એહ સદાય સુજાગ્ય.(આત્મસિદ્ધિ)
જે જીવ મુમુક્ષુ છે તેના અંતરમાં સદાય દયા શાંતિ
સમતા ક્ષમા સત્ય ત્યાગ અને વૈરાગ્યાદિ ભાવો હોય છે. જે જીવ
મુમુક્ષુ છે–જે શુભ રાગને પણ તોડીને પરમવીતરાગભાવરૂપ
મોક્ષને ઈચ્છે છે–તેને ક્રોધ કેમ ગમે? તેને અશાંતિ કે અસત્ય
કેમ ગમે? જ્યાં વારંવાર અંતરમાં ચૈતન્યના અનુભવ માટેની
ભાવનાઓ ઘૂંટાય છે ત્યાં વિષય–કષાયના પરિણામો એકદમ
શાંત થઈ જાય છે. ક્રોધમાં અસત્યમાં વિષયોમાં જેના પરિણામ
લવલીન રહેતા હોય તેનામાં મુમુક્ષુતા ક્યાંથી જાગે?
અહા, મુ... મુ... ક્ષુ એટલે તો મોક્ષનો પથિક! એના
પરિણામોનો ઝુકાવ સંસાર તરફ ન હોય, સંસારથી વિમુખ
થઈને ચિદાનંદસ્વરૂપને જ તે વારંવાર ભાવે છે. ને. એવી ઉત્તમ
ભાવના પાસે અશુભપરિણામ બિચારા કેમ ટકી શકે? ત્યાં તો
પરિણામોમાં વૈરાગ્ય–કોમળતા વગેરે પાત્રતા સહેજે હોય છે.