
પોતાનું જે સત્ય જ્ઞાનસ્વરૂપ છે તેની ઓળખાણ જીવે કદી કરી નહિ તેથી તેનું સંસારભ્રમણ
ન મટ્યું. અજ્ઞાન ટળીને આત્માની ઓળખાણ કેમ થાય તેની આ વાત છે.
આત્મા તેનાથી અત્યંત જુદો, સુખરૂપ, સદા સર્વજ્ઞસ્વભાવી પવિત્ર છે.
ને તે ભૂતાર્થ છે. રાગાદિભાવો તેમાં અભૂતાર્થ છે. શુદ્ધનયના અનુભવમાં રાગાદિ છે જ
નહિ; ગુણ–પર્યાયના ભેદ પણ તે અનુભવમાં નથી. ભેદના વિકલ્પરહિત એકાકાર
જ્ઞાયકવસ્તુનો અભેદઅનુભવ તે સમ્યગ્દર્શન છે, ને તેની સાથે ચૈતન્યનો અતીન્દ્રિય આનંદ
છે. તે અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે તો આખી દુનિયા લૂખીલસ જેવી લાગે. આવા
ચૈતન્યની અનુભૂતિમાં ભેદ દેખાતા નથી માટે તેને અભૂતાર્થ કહ્યા છે. આત્મામાં ગુણ–
પર્યાયો છે જ નહિ એમ ‘અભાવ’ ગણીને અભૂતાર્થ નથી કહ્યા; ગુણ–પર્યાયો તો વિદ્યમાન
છે; પણ શુદ્ધજ્ઞાયકભાવરૂપ એક અભેદતત્ત્વના અનુભવમાં તે ગુણ–પર્યાયના ભેદ દેખાતા
નથી, માટે તેને ‘ગૌણ’ કરીને અભૂતાર્થ કહેલ છે. આવા આત્માને ઓળખવો તે સમ્યગ્દર્શન
છે. અરે, પોતાના આવા ગંભીર ચૈતન્યતત્ત્વનું પહેલાંં લક્ષ તો બાંધો. સત્નું સાચું લક્ષ
કરીને તેને અનુભવમાં લેતાં સમ્યગ્દર્શન થાય ને અતીન્દ્રિય આનંદરૂપે આત્માનો સ્વાદ
આવે. આ અત્યંત મધુર ચૈતન્યરસ, જગતના બધા રસથી વિલક્ષણ છે, તેનો સ્વાદ જીવે
સમ્યગ્દર્શન પહેલાંં કદી ચાખ્યો ન હતો તે સ્વાદ સમ્યગ્દર્શનમાં આવ્યો, ત્યાં જગતના બધા
રસ તેને માટે લૂખ્ખા નીરસ થઈ ગયા.