Atmadharma magazine - Ank 100
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૯
સળંગ અંક ૧૦૦
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
માઘસંપાદકવર્ષ નવમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૮વકીલઅંકઃ ૪
સિદ્ધ અને સમકિતી
મ્યગ્દર્શન પ્રગટ થતાં
આત્માનો અનુભવ થાય છે. જેવો
સિદ્ધ ભગવાનને અનુભવ હોય છે
તેવો ચોથે ગુણસ્થાને સમકિતી
જીવને અનુભવ હોય છે; સિદ્ધને
પૂર્ણ અનુભવ હોય છે ને
સમકિતીને અંશે અનુભવ હોય છે,
પણ જાત તો તે જ, સમકિતી
આનંદસાગરના અમૃતનો અપૂર્વ
સ્વાદ લઈ રહ્યો છે, આનંદના
ઝરણામાં મોજ માણી રહ્યો છે.
–સમયસાર બંધઅધિકારના પ્રવચનોમાંથી.
છુટક નકલ૧૦૦વાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુવર્ણપુરી–સમાચાર
પોષ –પૂર્ણિમા
* પરમ પૂજ્ય ગુરુદેવશ્રી સુખ–શાંતિમાં બિરાજે છે. સવારના પ્રવચનમાં શ્રી નિયમસાર
વંચાય છે, તેમાં ૧૧પ ગાથા વંચાય ગઈ છે, બપોરના પ્રવચનમાં નવમી વખત સમયસાર વંચાય છે,
તેમાં ૪૭ શક્તિઓનું વર્ણન ચાલે છે. આ ઉપરાંત બપોરે ભક્તિ, રાત્રે તત્ત્વચર્ચા વગેરે કાર્યક્રમ
નિયમિત ચાલુ છે.
* સૌરાષ્ટ્રમાં પ્રથમ માનસ્થંભ–ધર્મધ્વજ
ગતાંકમાં જણાવેલ સ્વ. ભાઈ હસમુખની યાદગીરીમાં તેમના સ્નેહીજનો તરફથી આશરે
૨૧૦૦૦, રૂા. શુભ દાનમાં વાપરવા માટે કાઢવામાં આવ્યા છે; તેમાંથી ૧૧૦૦૦, રૂા. સોનગઢમાં
‘માનસ્થંભ’ કરાવવા માટે આપવામાં આવ્યા છે. અને એ ઉપરાંત બીજા રૂા. ૧પ૦૦૦, શેઠ શ્રી
નાનાલાલભાઈ તથા તેમના ધર્મપત્ની જડાવબેન તરફથી આપવામાં આવ્યા છે. એ રીતે એકંદર રૂા.
૨૬૦૦૦, માનસ્થંભ માટે મળ્‌યા છે. આ ઉપરાંત માનસ્થંભ માટે રૂા. પ૦૦૧, રાણપુરના શેઠ
નારણદાસ કરસનજી તરફથી મળ્‌યા છે. ‘આત્મધર્મ’ ના પહેલા જ વર્ષના આઠમાં અંકમાં માનસ્થંભ
કરવા બાબતની જાહેરાત કરી હતી તે પવિત્ર કાર્ય હવે તુરતમાં જ શરૂ થઈ જશે. ‘માનસ્થંભ’ એટલે
માની જીવોના માનને ગાળી નાખનારો, ધર્મનો ઉન્નત સ્થંભ. એ આકાશચુંબી ધર્મસ્થંભને દૂરદૂરથી
જોતાં જ ખ્યાલમાં આવી જાય કે અહીં શ્રી જિનેન્દ્રદેવ અને જિનધર્મની પ્રાપ્તિનું સ્થાન છે, એટલે
માનસ્થંભ એ ખરેખર ‘જૈનધર્મનો ધ્વજ’ છે, એવો પવિત્ર, ઉન્નત અને ભવ્ય ધર્મસ્થંભ કરાવવાની
સુવર્ણપુરીના ભક્તજનોની ભાવના હવે કાર્યરૂપ પરિણમશે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં કયાંય
‘માનસ્થંભ’ ન હતો, એટલે સૌરાષ્ટ્રમાં આ પહેલવહેલો માનસ્થંભ–ધર્મધ્વજ–રોપાશે.
* સમયસારનું પ્રકાશનઃ પંચાસ્તિકાયનું ભાષાંતર
ગુજરાતી સમયસારની પહેલી આવૃત્તિ ઘણા વખતથી અપ્રાપ્ય હતી, અને આ પવિત્ર
પરમાગમની માગણી અનેક જિજ્ઞાસુઓ તરફથી રહ્યા કરતી હતી. હવે તે સમયસારની બીજી આવૃત્તિ
છાપવાનું શરૂ થયું છે. આવૃત્તિ અમૃતચંદ્રસૂરિની મૂળ સંસ્કૃત ટીકા સહિત છપાય છે. સંસ્કૃત ટીકા
સહિત સમયસારની બીજી આવૃત્તિ છપાવવાની ભાવના આત્મધર્મના પહેલા જ અંકમાં જણાવી હતી,
અને તે ભાવના અનુસાર સમયસાર છપાવાના સમાચાર આ ૧૦૦ માં અંકે અપાય છે.
આ ઉપરાંત ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના પંચાસ્તિકાય પરમાગમનો ગુજરાતી અનુવાદ
કરવાનું મંગલકાર્ય પણ ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે પ્રારંભ કરી દીધું છે. આ રીતે હવે
સમયસાર–પ્રવચનસાર–નિયમસાર અને પંચાસ્તિકાય એ ચારે–‘કુંદકુંદપ્રભુના રત્નચતુષ્ટ’ નો લાભ
ગુજરાતી ભાષામાં મળશે.
*વૈરાગ્ય–પ્રસંગ
માગશર વદ ૧૩ ને બુધવારની રાત્રે અમરેલીના ભાઈશ્રી મૂળજી ભગવાનજી ખારા રંગુનમાં
દમના દરદથી સ્વર્ગવાસ પામ્યા છે; તેઓ પૂ. ગુરુદેવશ્રીના ભક્ત અને તત્ત્વાભ્યાસના પ્રેમી હતા.
જગતમાં હરહંમેશ બનતા આવા પ્રસંગો ઉપરથી દેહની ક્ષણભંગુરતા અને ચિદાનંદી ચૈતન્યની નિત્યતા
લક્ષમાં લઈને, જિજ્ઞાસુ જીવોએ જીવનમાં ક્ષણેક્ષણે ચૈતન્યની ભાવના અને દેહાદિ પ્રત્યે વૈરાગ્ય કરવા
જેવું છે.
*

PDF/HTML Page 4 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૮ઃ ૬૭ઃ
‘આત્મા કોણ છે
ને
કઈ રીતે પમાય?’
(૬)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં
૪૭ નયોદ્વારા આત્મદ્રવ્યનું વર્ણન કર્યું
છે તેના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર
(અંક ૯૯ થી ચાલુ)
*
(૧૨) નામનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય નામનયે, નામવાળાની માફક, શબ્દબ્રહ્મને સ્પર્શનારું છે. જેમ નામવાળો પદાર્થ તેના
નામરૂપ શબ્દથી કહેવાય છે તેમ નામનયે આત્મા શબ્દબ્રહ્મથી કહેવાય છે. જેમ ‘સાકર’ એવા નામ વડે
સાકર પદાર્થ કહેવાય છે તેમ ‘આત્મા’ એવા નામવડે આત્મપદાર્થ કહેવાય છે. શબ્દનો આત્મામાં અભાવ
છે, પણ શબ્દબ્રહ્મ વડે કહી શકાય–વાચ્ય થાય–એવો નામનયથી આત્માનો સ્વભાવ છે. આત્મા પોતે શબ્દ
બોલી શકે છે–એવો આનો અર્થ નથી પણ શબ્દો બોલાય તેનાથી આત્મા વાચ્ય થાય એવો તેનો સ્વભાવ
છે, તે અપેક્ષાએ આત્મા શબ્દબ્રહ્મને સ્પર્શનારો છે. શબ્દબ્રહ્મ પોતે તો જડ છે, જીવ પોતે કાંઈ શબ્દબ્રહ્મનો
કર્તા નથી. જીવ પોતે શબ્દબ્રહ્મ વડે પોતાને કહે છે–એમ ન સમજવું. શબ્દબ્રહ્મનો કર્તા તો જડ છે, પણ
વાણીના શબ્દદ્વારા આત્મા વાચ્ય થાય છે, એટલો સંબંધ છે, તેથી આત્મા શબ્દબ્રહ્મને સ્પર્શે છે એમ
નામનયથી કહેવામાં આવ્યું છે. આત્માને જાણે છે તો જ્ઞાન, કાંઈ વાણીમાં જાણવાનું સામર્થ્ય નથી.
‘આત્મા’ એવો શબ્દ બોલાતાં આત્મા નામનો પદાર્થ જ્ઞાનના લક્ષમાં આવે છે, માટે નામનયે આત્મા તે
શબ્દને સ્પર્શે છે. ‘આત્મા’ એવો શબ્દ કહેવાની તાકાત કાંઈ આત્મામાં નથી, શબ્દ કહેવાની તાકાત તો
ભાષાવર્ગણામાં છે; તે વાણીથી વાચ્ય થાય એવો ધર્મ આત્મામાં અનાદિઅનંત છે. સિદ્ધભગવાનના
આત્મામાં પણ આ ધર્મ છે. સિદ્ધને પોતાને વાણી નથી પણ ‘સિદ્ધ’ ‘ભગવાન’ ‘પરમાત્મા’ એવા શબ્દથી
તે કહેવાય છે; માટે નામનયે સિદ્ધનો આત્મા પણ શબ્દબ્રહ્મને સ્પર્શે છે.
‘અર્હંત ભગવાનને વાણી છે માટે તેમનામાં તો આ ધર્મ હોય, પણ સિદ્ધભગવાનને વાણી નથી
માટે તેમનામાં આ ધર્મ ન હોય’–એમ નથી. ખરેખર કોઈ આત્મા વાણીવાળો છે જ નહિ, પણ વાણીથી
વાચ્ય થાય એવા ધર્મવાળો છે. આત્મામાં વાણીનો અભાવ છે, પણ વાણીથી વાચ્ય થાય તેવા ધર્મનો
અભાવ નથી. તે ધર્મ તો આત્માનો પોતાનો જ છે, કાંઈ વાણીને લીધે તે ધર્મ નથી. ‘આત્મા’ એવો શબ્દ
છે માટે તેને લીધે આત્માનો વાણીથી વાચ્ય થવાનો ધર્મ છે–એમ નથી. વાણી અને આત્મા પૃથક છે,
આત્માને પોતાને વાણી નથી પણ આત્મા વાણીથી વાચ્ય થાય છે. જો આત્મા શબ્દબ્રહ્મને બિલકુલ ન
સ્પર્શતો હોય એટલે કે શબ્દથી બિલકુલ

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૬૮ઃ આત્મધર્મઃ ૧૦૦
વાચ્ય ન થતો હોય તો સર્વજ્ઞના દિવ્યધ્વનિનો ઉપદેશ નકામો જાય! આત્મા સર્વથા વાણીથી અગોચર નથી, જે
જીવ શબ્દ ઉપરથી આત્માને સમજી જાય તેને કથંચિત્ વાણીગોચર કહેવાય છે. ચૈતન્યભગવાન આત્મા તે
પરમબ્રહ્મ છે ને તેની દ્યોતક વાણી તે શબ્દબ્રહ્મ છે. તે શબ્દબ્રહ્મને આત્મા સ્પર્શે છે એટલે કે તે શબ્દબ્રહ્મથી
આત્માનું વર્ણન થાય છે.
‘સિદ્ધભગવંતો અશરીરી, ચૈતન્યમૂર્તિ, પરમસુખી છે’–એમ કહેતાં સિદ્ધનું સ્વરૂપ લક્ષમાં આવે છે; માટે
સિદ્ધમાં પણ કથંચિત્ વચનગોચર થવાનો ધર્મ છે. જો સર્વથા વચનાતીત હોય તો ‘સિદ્ધભગવંતો અશરીરી,
ચૈતન્યમૂર્તિ, પરમસુખી છે’–એટલું પણ વચનમાં ન આવી શકે. આત્મા સર્વથા વચનાતીત નથી. આત્મા શબ્દને
જાણે છે, તેના વાચ્યરૂપ પદાર્થને પણ જાણે છે, અને તેનું જે જ્ઞાન થયું તે જ્ઞાનને પણ જાણે છે; એ રીતે શબ્દ,
અર્થ અને જ્ઞાન એ ત્રણેને આત્મા જાણે છે.
વાણી દ્વારા આત્માના અનેક ધર્મોનું વિવેચન કરતાં ક્રમ પડે અને વાર લાગે. પણ જ્ઞાનમાં સમજતાં વાર
ન લાગે. વસ્તુમાં એક સાથે અનંતધર્મો છે તે બધાને ક્રમ વગર એક સમયમાં જાણી લેવાની જ્ઞાનની તાકાત છે.
શબ્દનું પરિણમન થતાં અસંખ્ય સમય લાગે છે, શબ્દમાં એક સમયમાં કહેવાની તાકાત નથી, ‘આત્મા’ એટલું
કહેતાં અસંખ્ય સમય વીતી જાય છે. વસ્તુમાં અનંતધર્મો એક સાથે છે ને તેને એક સમયમાં જાણવાની જ્ઞાનની
તાકાત છે. દરેક આત્મામાં એવી જ્ઞાનતાકાત ભરેલી છે; તે જ્ઞાનસામર્થ્યનો વિશ્વાસ કરીને સમજવા માંગે તો બધું
સમજાય તેમ છે. જ્ઞાન સામર્થ્યનો અવિશ્વાસ કરીને ‘મને નહિ સમજાય’ એમ માની લ્યે તો તેના જ્ઞાનનો
પુરુષાર્થ કયાંથી ઊછળે?
જગતમાં વાણી છે અને વાણી દ્વારા આત્માનું વર્ણન થઈ શકે છે,–એવા આત્માના ધર્મને જાણે તેનું નામ
‘નામનય’ છે. ત્યાં જ્ઞાનને કારણે વાણી નથી ને વાણીને કારણે જ્ઞાન નથી; તેમ જ વાણી છે માટે આત્મામાં
તેનાથી વાચ્ય થવાનો ધર્મ છે–એમ નથી અને આત્માનો ધર્મ છે માટે વાણી છે–એમ પણ નથી, આત્મા સર્વથા
અવક્તવ્ય નથી. ‘આત્મા અવક્તવ્ય છે’ એમ કહેનારે પણ આત્માના અવક્તવ્ય ધર્મનું તો કથન કર્યું કે નહિ?–
માટે આત્મા વક્તવ્ય સિદ્ધ થઈ ગયો; છતાં આત્માને સર્વથા અવક્તવ્ય કહે તો તે સ્વવચનબાધિત છે.
‘આત્માનો સ્વભાવ અવક્તવ્ય છે’ એમ પોતે કહેતો હોવા છતાં આત્માને સર્વથા અવક્તવ્ય માને તો તે, ‘મારા
મોઢામાં જીભ નથી’ એમ કહેનારની જેમ જૂઠો છે. આત્માનો સ્વભાવ નામનયે વાણીથી વક્તવ્ય છે અને
વાણીમાં તે કહેવાનો ધર્મ છે. કોઈ પણ શબ્દ હોય તે વાચ્ય વગરનો ન હોય. જો પદાર્થમાં વાચ્ય થવાનો સ્વભાવ
ન હોય તો વાણી બતાવે કોને?–વાણીએ કહ્યું શું? ‘સત્ પ્રરૂપણા’ હોય છે એટલે કે જે સત્ હોય તેનું જ
પ્રરૂપણ–કથન હોય. સર્વથા અસત્ હોય તેનું વાચક પણ ન હોય. નામ છે તેનું વાચ્ય પણ છે, નામ સર્વથા
નિરર્થક નથી. ‘ભગવાન’ એવો શબ્દ, ‘ભગવાન’ એવો પદાર્થ અને ‘ભગવાન’ એવું જ્ઞાન–એ ત્રણે સત્ છે;
‘ભગવાન’ એવો શબ્દ ભગવાન પદાર્થને બતાવે છે અને જ્ઞાન તેમ જાણે છે. એ રીતે શબ્દસમય, અર્થ–સમય ને
જ્ઞાનસમય એ ત્રણે સત્ છે.
વસ્તુ અનંતધર્મવાળી છે. તેને સ્વીકાર્યા વગર જ્ઞાન પ્રમાણ થતું નથી અને પ્રમાણજ્ઞાન વગર આત્માની
પ્રાપ્તિ થતી નથી.
શબ્દથી વાચ્ય થાય એવો આત્માનો ધર્મ છે; આ ધર્મ કબૂલવા માટે કાંઈ શબ્દ સામે જોવું પડતું નથી,
પણ આત્મા સામે જોઈને આ ધર્મની કબૂલાત થાય છે, કેમ કે ધર્મ તો આત્મામાં રહેલો છે, કાંઈ શબ્દમાં
રહેલો નથી. લક્ષ્મીચંદ અને પાનાચંદ એવા નામના બે માણસો બેઠા હોય, ત્યાં ‘લક્ષ્મીચંદ’ એમ કહેતાં
લક્ષ્મીચંદ નામનો માણસ જ આવે છે, ‘લક્ષ્મીચંદ’ કહેતાં પાનાચંદ આવતો નથી, કેમ કે લક્ષ્મીચંદ એવા
નામથી ઓળખાય તેવો ધર્મ લક્ષ્મીચંદમાં છે પણ પાનાચંદમાં નથી. અને પાનાચંદ એવા શબ્દથી પાનાચંદ
ઓળખાય છે, એવો તેનો ધર્મ છે. તેમ ‘આત્મા’ એવો શબ્દ કહેતાં આત્મા ચૈતન્યમૂર્તિ વસ્તુ ખ્યાલમાં આવે
છે, પણ કાંઈ ‘આત્મા’ શબ્દ કહેતાં લાકડાનો કટકો ખ્યાલમાં નથી આવતો.–એ રીતે નામનયથી આત્મદ્રવ્ય
શબ્દબ્રહ્મને સ્પર્શનારું છે.
*
આત્મામાં નામથી વાચ્ય થવાનો ધર્મ જો ન હોય તો વાણીદ્વારા તેનો ઉપદેશ આપી ન શકાય. ‘આત્મા

PDF/HTML Page 6 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૮ઃ ૬૯ઃ
દેહથી ભિન્ન જ્ઞાનમૂર્તિ છે, આત્મા પરનો અકર્તા છે’–વાણી એમ વાણી દ્વારા તેનું કથન થઈ શકે છે, અને તેનાથી
આત્મા વાચ્ય થાય એવો આત્માનો એક ધર્મ છે. જડમાં આત્માનો ધર્મ નથી પણ જડથી વાચ્ય થાય તેવો તેનો
ધર્મ છે. વાણી જડ છે ને આત્મા ચેતન છે, માટે વાણીથી આત્મા કોઈ રીતે વાચ્ય ન જ થાય–એમ નથી. જો
વાણીથી આત્માનું સ્વરૂપ કહી શકાતું ન હોય તો સંતોએ કરેલી શાસ્ત્રરચના નિરર્થક ઠરે, અને પોતાને જેવો
આત્માનો અનુભવ થયો તેવો બીજાને કોઈ રીતે સમજાવી શકાય જ નહિ. જો કે વાણી તો માત્ર નિમિત્ત છે પણ
આત્મામાં તેવો ધર્મ છે કે વાણી દ્વારા તે વાચ્ય થાય.
જુઓ, અહીં નામનયે આત્મા વાણીથી વાચ્ય છે–એમ કહ્યું, અને ‘અપૂર્વ અવસર’ માં શ્રીમદ્ કહે છે કેઃ
‘જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શકયા નહિ તે પણ શ્રી ભગવાન જો......
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’
–ત્યાં તો વાણીના લક્ષે જ રોકાય તો આત્મા સમજાતો નથી એમ બતાવવા કહ્યું છે. વાણીનું આલંબન
છોડાવીને આત્માના સ્વભાવનો અનુભવ કરવા માટેનું તે કથન છે. સર્વજ્ઞની વાણીમાં પણ આત્મા પૂરો કહી
શકાયો નહિ માટે તું વાણીનું લક્ષ છોડીને આત્મા તરફ વળ–એમ બતાવવા તે કથન છે.
અહીં પણ ધર્મને જાણીને આત્મા તરફ વળવું તે જ તાત્પર્ય છે. ‘વાણીથી વાચ્ય થાય એવો ધર્મ છે’ એમ
કહીને વાણીની સામે જોવાનું નથી કહ્યું, પણ વાણીથી વાચ્ય થવારૂપ ધર્મને તારા આત્મામાં શોધ, તારા
આત્માની સન્મુખ થઈને આ ધર્મની પ્રતીત કર. શબ્દ સામે જોવાથી આ ધર્મની પ્રતીત નહિ થાય.
જે જીવો કથનનો આશય સમજે નહિ, વસ્તુસ્વરૂપ શું છે તે લક્ષમાં લ્યે નહિ ને માત્ર શબ્દોની
આંટીઘૂંટીમાં ગૂંચવાઈ જાય તેને શાસ્ત્રમાં ‘શબ્દમલેચ્છ’ કહ્યા છે. ચૈતન્યબ્રહ્મ આત્માને સમજે તો નિમિત્તરૂપ
વાણીને શબ્દબ્રહ્મ કહેવાય. વાણીમાં ચૈતન્યને કહેવાની તાકાત છે તેથી તે શબ્દબ્રહ્મ છે,–પણ કોને?–કે જે સમજે
તેને. જે વાણીનો આશય સમજે નહિ તેને તો વાણી નિમિત્ત તરીકે પણ આત્માને દેખાડનારી ન થાય. આત્માને
સમજે તેને માટે શબ્દબ્રહ્મ નિમિત્ત છે, જે આત્માને સમજે નહિ ને શબ્દમાં અટકે તે તો ‘શબ્દમલેચ્છ’ છે.
પોતાની યોગ્યતા ન હોય તો વાણી શું કરે? પોતે અંતર સ્વભાવસન્મુખ થઈને સમજે તો તેને માટે વાણી
‘શબ્દબ્રહ્મ’ કહેવાય, ને જે પોતે ન સમજે ને વાણીના લક્ષમાં જ અટકે તેને શબ્દમલેચ્છ કહેવાય છે. વાણીના
લક્ષે પુણ્ય બંધાશે, પણ સમ્યગ્દર્શન જ્ઞાનરૂપ ધર્મ નહિ થાય.
જુઓ, આ નયોનું કથન છે. જે નય સાપેક્ષ હોય એટલે કે બીજા અનંત ધર્મોની અપેક્ષાસહિત હોય તે જ
નય સમ્યક્ છે. બીજા અનંત ધર્મોનો સર્વથા નિષેધ કરીને એક ધર્મને માને તો તે મિથ્યાનય છે. નામનયે આત્મા
વાણીથી વાચ્ય છે–એમ કહેતાં માત્ર વાણીને જ વળગે તો તેણે અનંતધર્મવાળા આત્માને જાણ્યો નથી, ને તેણે
એક ધર્મનું પણ જ્ઞાન સાચું નથી. નામનયનું તાત્પર્ય વાણીનો આશ્રય કરવાનું નથી પણ અનંતધર્મવાળા આત્મા
તરફ વળવું તે જ તેનું તાત્પર્ય છે.
જૈનશાસન સિવાય બીજા મતમાં આત્માને સર્વથા નિત્ય કે સર્વથા ક્ષણિક, સર્વથા શુદ્ધ કે સર્વથા અશુદ્ધ
માને છે, તેમને નય કહેવાય નહિ. એકેક નય અપેક્ષાએ પણ તે સાચા નથી, કેમ કે તેઓ તો બીજા પડખાંનો
તદ્ન નિષેધ કરે છે; એટલે તેમણે તો પૂરી વસ્તુને જ જાણી નથી, તેથી તેમનો એક અંશ પણ સાચો નથી.
જૈનશાસનમાં તો અનંતધર્માત્મક સર્વાંગ–પૂરી વસ્તુના સ્વીકારપૂર્વક તેના એકેક અંગને (ધર્મને) જાણે છે તેથી
તે સમ્યક્ નય છે. અંશ કોનો છે? તે વસ્તુના ભાન વિના અંશને અંશ તરીકે પણ જાણ્યો ન કહેવાય.
મિથ્યાદ્રષ્ટિઓના એકાંત મતમાં તો સર્વાંગી વસ્તુને જાણ્યા વગર માત્ર તેના એકેક અંશને પકડીને તેટલું જ
વસ્તુસ્વરૂપ માની લીધું છે, તેથી તેને અંશનું જ્ઞાન પણ સાચું નથી ને વસ્તુનું પણ જ્ઞાન નથી.
હે ભાઈ! શબ્દથી વાચ્ય થવારૂપ ધર્મ તો આત્માનો છે, ને તે ધર્મની સાથે બીજા અનંતધર્મો પણ
આત્મામાં રહેલા છે, માટે તું શબ્દ સામે ન જો, એક ધર્મના ભેદ સામે ન જો, પણ અનંતધર્મના પિંડ આત્માની
સામે

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૭૦ઃ આત્મધર્મઃ ૧૦૦
જો. વાણી ઉપરથી લક્ષ ઉઠાવીને તારા ધર્મને તારા આત્મામાં શોધ. વાણી સામે ન જોતાં તેના વાચ્યને જો.
વાણીથી વાચ્ય થાય તેવો ધર્મ તારામાં જ છે, તારો ધર્મ કાંઈ વાણીમાં નથી.
શબ્દ છે માટે આત્મા વાચ્ય થાય છે–એમ નથી; અને આત્મામાં વાચ્ય થવાનો ધર્મ છે માટે વાણી તેને
કહે છે–એમ નથી; આત્માના ધર્મને અને વાણીને કારણકાર્યપણું નથી. વાચ્ય થવારૂપ ધર્મ આત્માનો છે, ને
વાચક થવારૂપ ધર્મ વાણીનો છે. બંને સ્વતંત્ર છે.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એવા જે ચાર નયો છે તે તો જ્ઞાન છે, તેમના વિષયભૂત જે ચાર ધર્મો
છે તે નિક્ષેપ છે, અને શબ્દો તો જડ છે. નય તે જ્ઞાન છે, નિક્ષેપ તે વસ્તુનો ધર્મ છે ને વાણી જડ છે,–એમ જ્ઞાન,
પદાર્થ અને વાણી એવા ત્રણ પ્રકાર થયા.
નય પ્રમાણપૂર્વક જ હોય છે. આખી વસ્તુના જ્ઞાનપૂર્વક તેના એક અંશને જાણે તેને નય કહેવાય. પણ
આખી વસ્તુના જ્ઞાન વિના તેના એક અંશને જ આખું સ્વરૂપ માની લ્યે તો તેણે અંશને અંશ તરીકે ન જાણ્યો,
તેથી તેનું અંશનું જ્ઞાન પણ મિથ્યા છે. જેમ કોઈ માણસ એક પાઈને જ આખો રૂપિયો માની લ્યે તો તેનું પાઈનું
જ્ઞાન પણ ખોટું છે.
પ્રશ્નઃ– પાઈ તે રૂપિયાનો ૧૯૨મો ભાગ છે, માટે તેટલા અંશે તો તે સાચો છે ને?
ઉત્તરઃ– ના; તેણે તો પાઈને જ રૂપિયો માન્યો છે માટે તેનો અંશ પણ સાચો નથી. પાઈ તે રૂપિયો નથી
પણ રૂપિયાનો એક અંશ છે–એમ જાણે તો તેનો અંશ સાચો કહેવાય. તેમ કોઈ જીવો વસ્તુને એકાંત નિત્ય માને
તો તેનો નિત્ય–અંશ પણ સાચો નથી. કેમ કે તેણે તો નિત્ય–અંશને જ વસ્તુ માની લીધી એટલે તેને અંશ
અંશપણે ન રહ્યો ને વસ્તુ પણ ન રહી; વસ્તુ અનંતધર્મવાળી છે ને નિત્યપણું પણ તેનો એક ધર્મ છે–એમ
ઓળખે તો જ નિત્ય–અંશ સાચો કહેવાય, અને તેને જ નય હોય.
પ્રશ્નઃ– નયજ્ઞાન સ્વ–પરપ્રકાશક છે કે નહિ?
ઉત્તરઃ– હા; નયજ્ઞાન પણ સ્વ–પરપ્રકાશક છે, કેમ કે નય તે પ્રમાણનો અંશ છે તેથી, જેમ પ્રમાણ
સ્વપરપ્રકાશક છે તેમ નય પણ સ્વ–પરપ્રકાશક છે.
પ્રશ્નઃ– નય સ્વ–પરપ્રકાશક કઈ રીતે છે?
ઉત્તરઃ– નય આત્માના ધર્મને પણ જાણે છે ને પોતે પોતાને (નયને) પણ જાણે છે. નય પોતાના
વિષયરૂપ ધર્મને જાણે છે અને ‘મને આ ધર્મનું જ્ઞાન થયું’ એમ જ્ઞાનને પોતાને પણ જાણે છે–એ રીતે નય સ્વ–
પરપ્રકાશક છે. અહીં નયજ્ઞાન પોતે સ્વ, અને તેમાં જે ધર્મ જણાય તે પર,–એમ સ્વ–પરનો અર્થ છે. એ રીતે
નયજ્ઞાન પણ સ્વ–પરપ્રકાશક ઉપયોગરૂપ છે. દરેક નયો સ્વ–પરપ્રકાશક છે, આવું નયનું સામર્થ્ય છે. વાણીમાં
સ્વને કે પરને જાણવાનું સામર્થ્ય નથી. વાણી દ્વારા કહેવાતા ધર્મને જોવો કયાં?–આત્મામાં; માટે દરેક નયનો
ઉપયોગ સ્વતરફ વળે છે.
આ નયો ગૂંચવણ ઊભી કરનારા દોરડાં નથી, પણ વસ્તુના ધર્મોનું જ્ઞાન કરાવીને વસ્તુસ્વરૂપ સ્પષ્ટ
કરનારા છે. નયોની વિવક્ષા સમજવી તેમાં જ્ઞાનની સૂક્ષ્મતા અને વિશાળતા છે. ન સમજે તેને ગૂંચવણ જેવું અને
કિલષ્ટ લાગે છે. આ સમજવાનો કંટાળો ન લાવતાં, રુચિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જેમ આખા સળંગ તાકામાંથી વચ્ચેનો એક દોરો કાઢી નાંખો તો તાકો આખો ન રહ્યો પણ તેના કટકા
થઈ ગયા. તેમ આત્મા અનંતધર્મનો પિંડ છે, તેના અનંતધર્મમાંથી એક પણ ધર્મને જો કોઈ કાઢી નાંખે (ન
માને) તો આત્મદ્રવ્ય આખું ન રહ્યું પણ ખંડિત થઈ ગયું, એટલે કે તેની શ્રદ્ધામાં પૂરો આત્મા ન આવ્યો તેથી
તેની શ્રદ્ધા જ મિથ્યા થઈ.
છદ્મસ્થના જ્ઞાનમાં અનંતધર્મ જુદા જુદા ન જણાય; સાધક જીવ પોતાના જ્ઞાનની શક્તિ પ્રમાણે
પ્રયોજનભૂત ધર્મોને તો ઓળખે છે અને બાકી બીજા અનંતા ધર્મો સર્વજ્ઞભગવાને કહ્યા તે પ્રમાણે છે–એમ પ્રતીત
કરે છે; જો અનંતધર્મોની પ્રતીત પણ ન કરે અને પ્રયોજનભૂત ધર્મોને જાણે પણ નહિ–તો તો શ્રદ્ધા–જ્ઞાન સાચાં
થાય નહિ.
અહીં આચાર્યદેવે પ્રથમ તો આત્માને અનંતધર્મવાળો બતાવ્યો છે ને પછી તેના ૪૭ ધર્મોનું ૪૭ નયોથી
વર્ણન કર્યું છે. તેમાં બાર ધર્મો ઉપરનું વિવેચન પૂરું થયું. હવે તેરમો ધર્મ કહેવાશે.
*

PDF/HTML Page 8 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૮ઃ ૭૧ઃ
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
(૪)
* જ્ઞાન શક્તિ *
ત્માના જ્ઞાનમાત્ર ભાવમાં અનંત શક્તિઓ ઊછળે છે, તેનું આ વર્ણન ચાલે છે; તેમાંથી જીવત્વશક્તિ,
ચિતિશક્તિ અને દશિશક્તિ–એ ત્રણ શક્તિઓનું વર્ણન કર્યું. હવે ચોથી શક્તિનું વર્ણન કરે છે.
આત્માની જ્ઞાનશક્તિ સાકાર ઉપયોગમયી છે; જ્ઞાન પદાર્થોના વિશેષ આકારોને પણ જાણે છે તેથી તેને
સાકાર કહેવાય છે. જ્ઞાનશક્તિનો એવો મહાન વિશેષ સ્વભાવ છે કે તે બધા પદાર્થોને વિશેષપણે ભિન્ન ભિન્ન
જાણે છે. ‘આ જીવ, આ અજીવ, આ જ્ઞાન, આ દર્શન, આ સુખ’ એમ બધાને પૃથક્ પૃથક્ જ્ઞાન જાણે છે. જ્ઞાન
સિવાય બીજી કોઈ શક્તિમાં આવું સામર્થ્ય નથી. આત્મા ઈંદ્રિયોથી કે રાગથી જાણે–એવી તો અહીં વાત જ નથી,
પણ પર તરફ વળીને રાગસહિત જાણે તેવા જ્ઞાનની પણ આ વાત નથી; અહીં તો સ્વ તરફ વળીને રાગરહિત
બધું જાણે તેવી આત્માની જ્ઞાનશક્તિ છે તેની વાત છે.
જગતમાં અનંતા આત્માઓ, એકેક આત્મામાં અનંત ગુણો, એકેક ગુણની અનંત પર્યાયો અને એકેક
પર્યાયમાં અનંત અવિભાગપ્રતિચ્છેદો છે; આત્માની એક સમયની જ્ઞાનપર્યાયમાં અનંતા સિદ્ધો અને કેવળી
ભગવંતો જ્ઞેયપણે આવી જાય એવું એકેક પર્યાયનું અનંતુ સામર્થ્ય છે.
પર્યાયમાં જે એકેક સમયનું જ્ઞાન છે તે ત્રિકાળી જ્ઞાનશક્તિમાંથી પરિણમે છે. શક્તિનો સમુદ્ર ભર્યો છે
તેમાંથી પર્યાયોનો પ્રવાહ પ્રવહે છે. સાદિ–અનંત કાળ સુધી કેવળજ્ઞાનની પર્યાયો પ્રવહ્યા કરે તોપણ જ્ઞાનશક્તિમાં
જરાય હીનતા ન થાય–એવું જ્ઞાનશક્તિનું અચિંત્ય સામર્થ્ય છે.
આત્માનું જ્ઞાન કોઈ પરના આશ્રયે, આંખ વગેરે નિમિત્તોના આશ્રયે કે રાગના આશ્રયે પરિણમતું નથી,
પણ આ ત્રિકાળી જ્ઞાનશક્તિના આશ્રયે જ સમય સમયનું જ્ઞાન પરિણમે છે. તે એક સમયના જ્ઞાનપર્યાયમાં
સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયોનું જ્ઞાન થઈ જાય છે. જ્ઞાનમાં આખો આત્મા જણાય, તેનો જ્ઞાનગુણ જણાય, દર્શન
જણાય સુખ જણાય, તેમ જ કેવળજ્ઞાનાદિ પર્યાયો પણ જણાય,–આવી એકેક સમયની જ્ઞાનપરિણતિની તાકાત
છે. એવી જ્ઞાનપરિણતિ જેમાંથી પ્રગટે એવી જ્ઞાનશક્તિ આત્મામાં ત્રિકાળ છે. આવી શક્તિવાળા આત્માની
પ્રતીત કરે તેને કેવળજ્ઞાનની શંકા રહે નહિ.
જ્ઞાનની એકેક પર્યાયમાં અનંત સામર્થ્ય છે. એક સમયના જ્ઞાનમાં ત્રણકાળનાં સમસ્ત પદાર્થોનું જ્ઞાન
સમાઈ જાય છે. જ્ઞાનમાં દર્શનનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન, સુખનું જ્ઞાન, દ્રવ્યનું જ્ઞાન–એમ બધાનું જ્ઞાન છે. રાગને
પણ જ્ઞાન જાણે છે, પણ જ્ઞાનમાં રાગ નથી, તેમ જ રાગને લીધે જ્ઞાન થતું નથી. જ્ઞાન કરવાનો આત્માનો
સ્વભાવ છે પણ વિકાર કરવાનો આત્માનો સ્વભાવ નથી. માટે જ્ઞાનીના હૃદયમાં રાગનો વાસ નથી પણ શુદ્ધ
આત્માનો જ વાસ છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૭૨ઃ આત્મધર્મઃ ૧૦૦
અહો! જ્ઞાનીના હૃદયમાં તીર્થંકર વસે છે, જ્ઞાનીના અંતરમાં સિદ્ધ ભગવાન વસે છે. સિદ્ધ ભગવાન અને તીર્થંકર
ભગવાનનો જેવો આત્મા છે તેવો જ મારો આત્મા છે–એમ જેણે પરમાત્મા જેવા પોતાના આત્માની પ્રતીત કરી
છે તે ધર્માત્માના હૃદયમાં અનંતા સિદ્ધ ભગવંતોનો અને તીર્થંકર દેવોનો વાસ છે. જેણે પોતાના પૂર્ણ સ્વભાવનો
ભરોસો કર્યો તેણે પોતાના આત્મામાં સિદ્ધોને અને તીર્થંકરોને સ્થાપ્યા અને રાગને કે અપૂર્ણતાને આત્મામાંથી
કાઢી નાંખ્યા,–તેનો નિષેધ કર્યો. જ્ઞાનીના આત્મામાં તીર્થંકરનો વાસ છે, તીર્થંકરદેવ તેના કાળજામાં બેસીને બોલે
છે, જે તીર્થંકરદેવ કહે છે તે જ જ્ઞાનીનું હૃદય બોલે છે; કેમ કે તીર્થંકર જેવા જ પરિપૂર્ણ પોતાના આત્માને તેણે
પ્રતીતમાં લઈને અનુભવ કર્યો છે. અહો! મારા જ્ઞાનનો સ્વભાવ એવો છે કે ત્રણકાળના સમસ્ત તીર્થંકરોને એક
સમયમાં જાણી લઉં; એક નહિ પણ અનંત તીર્થંકરોને અને સિદ્ધોને મારા જ્ઞાનની એક પર્યાયમાં સમાવી દઉં–
એવો વિશાળ મારા જ્ઞાનનો મહિમા છે,–એમ જ્ઞાનીને પ્રતીત છે.
ત્રણકાળના તીર્થંકરોને જાણે, સિદ્ધોને જાણે, સંતોને–ધર્માત્માઓને જાણે, તેમ જ ઊંધા પડેલા જીવોને
પણ જાણે, અભવ્યને પણ જાણે ને અજીવને પણ જાણે, અનંત અનંત આકાશ છે તેને પણ જાણે–આવું
જ્ઞાનશક્તિનું સ્વરૂપ છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે કોને ન જાણે? જ્ઞાન પોતે પોતામાં જ એકાગ્ર રહીને
બધાને જાણી લ્યે છે, જાણવા માટે તેને કયાંય બહાર લંબાવું નથી પડતું. આવા જ્ઞાનને કયાં શોધવું? શરીરની
ક્રિયામાં કે શાસ્ત્રના શબ્દોમાં ગોતવા જાય તો આવું જ્ઞાન ન મળે, સમ્મેદશિખર તીર્થના પહાડ ઉપર કે મંદિરમાં
જઈને ગોતે તો ત્યાં પણ આવું જ્ઞાન મળે નહિ; આ જ્ઞાન તો આત્માની નિજશક્તિ છે એટલે આત્મામાં
અંતરશોધ કરે તો આવું જ્ઞાન મળે. આત્મામાં આ જ્ઞાનશક્તિ તો ત્રિકાળ છે પણ તેનો વિશ્વાસ કરતાં પર્યાયમાં
તેનો વિકાસ પ્રગટે છે.
જ્ઞાન તો અભેદ–ભેદ, સામાન્ય–વિશેષ બધાને જાણે છે એટલે જ્ઞાનના વિષયમાં અનંત વિશેષ પ્રકારો
પડે છે; દર્શનના વિષયમાં તેવા વિશેષો પડતા નથી. ત્રણે કાળમાં જે જે સમયે જેમ થવાનું છે તેમ તેને જાણી
લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે, પણ તેમાં કાંઈ આઘુંપાછું કરવાનો કે રાગદ્વેષ કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી.
આવા જ્ઞાનની જે પ્રતીત કરે તેનું જ્ઞાન આત્મા તરફ વળ્‌યા વગર રહે નહિ. આત્મા જ્ઞાનાદિ અનંત શક્તિઓથી
અભેદ છે તેના આશ્રયે જ ધર્મ થાય છે.
અહીં ત્રીજી અને ચોથી શક્તિમાં દશિશક્તિ અને જ્ઞાનશક્તિનું વર્ણન કર્યું; અને આગળ નવમી અને
દસમી શક્તિમાં સર્વદર્શિત્વ તથા સર્વજ્ઞત્વશક્તિનું વર્ણન કરશે, તેમાં આ દશિશક્તિ તથા જ્ઞાનશક્તિનું વિશેષ
સામર્થ્ય બતાવશે.
(અહીં ચોથી જ્ઞાનશક્તિનું વર્ણન પૂરું થયું.)
*
(વીર સં. ૨૪૭પ કારતક સુદ ૬)
જુઓ, આ ધર્મની વાત છે.
જેણે આત્માનો ધર્મ કરવો હોય તેણે શું કરવું?–કે પોતાના આત્માને ઓળખવો.
આત્મા કેવો છે?–તેનામાં શું છે?–કે આત્મા પોતાની અનંતી શક્તિવાળો છે, તેનામાં જ્ઞાન છે, દર્શન છે,
સુખ છે, જીવન છે, પ્રભુતા છે, ઇત્યાદિ અનંત શક્તિઓ છે, આત્મામાં પોતાની અનંતી સ્વચ્છ શક્તિઓ ભરેલી
છે, પણ તેનામાં વિકાર, શરીર કે સ્ત્રી–પુત્ર–લક્ષ્મી વગેરે કાંઈ નથી. એટલે જેને આત્માના ધર્મની ખરી ભાવના
હોય તેને તે વિકાર, શરીર વગેરેની ભાવના ન હોય; જેને વિકાર, શરીર સ્ત્રી–પુત્ર–લક્ષ્મી કે સ્વર્ગ જોઈતાં હોય
તેને આત્માનો ધર્મ જોઈતો નથી, કેમકે તે કોઈ વસ્તુઓમાં આત્માનો ધર્મ નથી, અને આત્મામાં તે કોઇ વસ્તુઓ
નથી. કોઈ પરવસ્તુથી આત્માનો ધર્મ થતો નથી અને આત્માના ધર્મથી કોઈ પરવસ્તુઓ મળતી નથી. આત્મા
પોતે પોતાની અનંતશક્તિઓથી ભરપૂર ભંડાર છે, તેના જ આધારે તેને ધર્મ થાય છે. માટે આત્માની સન્મુખ
થઈને તેમાં શોધે તો ધર્મ મળશે. ધર્મ કરનારે પ્રથમ પોતાના આત્માને ઓળખવો જોઈએ.
ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાનલક્ષણથી ઓળખાય છે. જ્ઞાનલક્ષણથી ઓળખાતો આત્મા અનંતધર્મનો પિંડ છે.
તેમાંથી આત્માનો ધર્મ પ્રગટે છે. જ્યાં જે માલ ભર્યો હોય ત્યાંથી તે માલ મળે. આ શરીરની દુકાનમાં તો

PDF/HTML Page 10 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૮ઃ ૭૩ઃ
જડનો માલ ભર્યો છે, તેની ક્રિયામાંથી આત્માના ધર્મનો માલ નહિ મળે. અને ચૈતન્યભગવાન આત્માની દુકાને
અનંતગુણોનો ખજાનો ભર્યો છે, ત્યાંથી જ્ઞાનાદિ ધર્મનો માલ મળશે પણ વિકાર તેમાંથી નહિ મળે.
જેમ અફીણવાળાની દુકાને તો સારું અફીણ મળે પણ કાંઈ માવો કે હીરા ન મળે; અને કંદોઈની
દુકાને માવો મળે પણ તેની દુકાને કાંઈ અફીણ ન મળે; ઝવેરીની દુકાને હીરા મળે પણ તેની દુકાને કાંઈ
અફીણ ન મળે. તેમ જેને અફીણ જેવા વિકારી–શુભાશુભભાવો જોઈતા હોય તેને આત્માના સ્વરૂપમાં તે મળે
તેમ નથી; વિકારી ભાવો અને જડની કિયા તે તો અફીણની દુકાન જેવા છે, તેમાંથી ચૈતન્યનો નિર્મળ ધર્મ
મળી શકે તેમ નથી. અને ચૈતન્યમૂર્તિ આત્મા અનંતશક્તિનો ભંડાર છે તે ઝવેરી અને કંદોઈની દુકાન જેવો
છે. આત્માના સ્વરૂપમાં વિકારને સંઘરી રાખે તેવી કોઈ શક્તિ નથી, તેમ જ પૈસા વગેરેને સંઘરી રાખે એવી
પણ કોઈ શક્તિ તેનામાં નથી. આત્માની જીવત્વશક્તિમાં એવી તાકાત છે કે આત્માના ચૈતન્યજીવનને
ત્રિકાળ ટકાવી રાખે, પણ તે જીવત્વશક્તિમાં એવી તાકાત નથી કે તે પૈસાને, શરીરને કે વિકારને આત્મામાં
ટકાવી રાખે. માટે જેને આત્માનું ચૈતન્યજીવન જોઈતું હોય તેણે આત્માની ભાવના કરવી ને વિકારની–
વ્યવહારની ભાવના છોડવી. જેને રાગની–વ્યવહારની ભાવના છે તેને અનંતશક્તિના પિંડ ચૈતન્યની ભાવના
નથી. આત્મા તો પોતાની જ્ઞાનાદિ અનંતશક્તિનો પિંડ છે, તેનામાં બીજા આત્માઓ નથી, બીજાના કોઈ
ગુણો કે પર્યાયો પણ તેનામાં નથી; પોતાના સ્વભાવ સિવાય કોઈ પણ બીજા સંયોગોને આત્મા પોતામાં
ભેળવે એવી તેની તાકાત નથી, અને પર્યાયના ક્ષણિક પુણ્ય–પાપને પણ બીજા સમયે ટકાવી રાખે એવી
એની તાકાત નથી. પહેલા સમયે જે વિકાર થયો તે તો બીજા સમયે ટળી જ જાય, તેને કોઈ પણ આત્મા
ટકાવી ન શકે. પણ પોતે પોતાની નિર્વિકારી અનંતી શક્તિને એક સાથે ત્રિકાળ ટકાવી રાખે એવું આત્માનું
સામર્થ્ય છે. તેમ જ જ્ઞાન–દર્શનથી એક સમયમાં બધાને જાણે–દેખે એવી તેની તાકાત છે, પણ કયાંય
ઘાલમેલ કરવાની કે પરને પોતાનું કરવાની આત્માની તાકાત નથી. આવા ભગવાન આત્માની દુકાને
ચૈતન્યશક્તિ મળે પણ વિકાર ન મળે, એટલે કે આત્મસ્વભાવની સન્મુખ થતાં ચૈતન્યના પરિણમનમાં
અનંતશક્તિઓ નિર્મળપણે પરિણમે છે, પણ વિકાર પરિણમતો નથી.
*
મોક્ષમાર્ગનું પ્રથમ પગથિયું
ત્મા અને જડ બંને પદાર્થો તદ્ન ભિન્ન છે. બંનેમાં દરેક ક્ષણે પોતપોતાની અવસ્થા સ્વતંત્રપણે
થાય છે. આત્મા જડથી તદ્ન ભિન્ન છે એમ જાણ્યા વિના આત્મસ્વરૂપની રુચિ થાય નહિ, રુચિ વિના શ્રદ્ધા
નહિ, શ્રદ્ધા વિના સ્થિરતા નહિ, સ્થિરતા વિના મુક્તિ નહિ. આત્મામાં થતી એક સમયની ક્ષણિક વિકારી
અવસ્થાને ધ્યાનમાં ન લેતાં એકલા જ્ઞાયક ધુ્રવસ્વભાવને લક્ષમાં લઈ તેમાં ઠર્યો તે તો જ્ઞાતા જ છે. સ્વભાવે
આત્મા નિર્વિકારી, આનંદઘન, સચ્ચિદાનંદસ્વરૂપ, જ્ઞાતા–દ્રષ્ટા, સ્વાવલંબી અને સ્વતંત્ર છે; એવા આત્મા
તરફની દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે અને તે સ્વભાવમાં સ્થિરતા થવી તે
સમ્યક્ચારિત્ર છે, આ જ મુક્તિનો માર્ગ છે.
આત્માનો સ્વભાવ અરૂપી જ્ઞાનઆનંદનો ઘન જ છે; આત્મામાં ક્ષણવર્તી વિકારી ભાવો દેખાય છે
તે તરફ દ્રષ્ટિ કરવામાં ન આવે.......ને નિત્ય એકરૂપ સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવામાં આવે તો આત્મા
અબંધ, નિર્વિકારી, નિર્મળ, આનંદરૂપ ચૈતન્યજ્યોતિ છે. વર્તમાન અવસ્થામાં પુણ્ય પાપના ક્ષણિક વિકાર
અને મતિ–શ્રુત જ્ઞાનઅવસ્થા વર્તે છે તેના ભેદ રહિત, વિકલ્પરહિત, એકાકાર એકલો જ્ઞાયક ધુ્રવપણે
વર્તમાનમાં પૂરો જણાયો તે તો જ્ઞાતા જ છે. એમ પર નિમિત્તના ભેદ રહિત, ઉપાધિ રહિત, એકાકાર
જ્ઞાયક સામાન્ય ધુ્રવપણે આત્માને ઓળખવો તે જ સમ્યગ્દ્રષ્ટિ–પરમાર્થદ્રષ્ટિ છે, તે જ મોક્ષમાર્ગનું પ્રથમ
પગથિયું છે.
(જુઓ, સમયસાર–પ્રવચનઃ ૧ પૃ. ૧પ૮–૯)
*

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૭૪ઃ આત્મધર્મઃ ૧૦૦
શ્રી સમયસારની છઠ્ઠી–સાતમી ગાથામાં આવી જતા –
વ્યવહારનયના ચાર પ્રકારો અને
નિશ્ચયના આશ્રયે તેમનો નિષેધ
પંચાધ્યાયીમાં ગા. પ૨પ થી પપ૧માં વ્યવહારનયના ચાર પ્રકારોનું વર્ણન કર્યું છે, તેનું મૂળ સમયસારની
છઠ્ઠી–સાતમી ગાથામાં રહેલું છે. સમયસારની છઠ્ઠી–સાતમી ગાથામાંથી એ ચારે પ્રકારના વ્યવહાર નીકળે છે અને
‘જ્ઞાયકભાવ’ બતાવીને તે ચારે પ્રકારના વ્યવહારનો નિષેધ કરાવ્યો છે.
વ્યવહારનયના ચાર પ્રકારો આ પ્રમાણે છે–
(૧) ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર
(૨) અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર
(૩) ઉપચરિત સદ્ભૂત વ્યવહાર
(૪) અનુપચરિત સદ્ભૂત વ્યવહાર
(૧) ઉપચરિત અસદ્ભૂત વ્યવહારઃ વ્યક્ત રાગ એટલે કે બુદ્ધિપૂર્વકનો રાગ તે જીવનો છે એમ જાણવું
તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે.
(૨) અનુપચરિત અસદ્ભૂત વ્યવહારઃ અવ્યક્ત રાગ એટલે કે અબુદ્ધિપૂર્વકનો રાગ તે જીવનો છે
એમ જાણવું તે અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર છે.–આ બંને વ્યવહારોને ‘અસદ્ભૂત’ કહીને રાગથી જીવને
જુદો ઓળખાવ્યો છે. શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં
‘णवि होदि अप्पमत्तो ण पमत्तो’ એટલે કે જે જ્ઞાયકભાવ
છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી–એમ કહ્યું છે તેમાં ઉપરના બંને પ્રકારના વ્યવહારનો નિષેધ
આવી જાય છે.
(૩) ઉપચરિત સદ્ભૂત વ્યવહારઃ જ્ઞાન પરને જાણે છે એમ કહેવું, અથવા તો જ્ઞાનમાં રાગ જણાતાં
‘રાગનું જ્ઞાન છે’ એમ કહેવું, તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે.
–છઠ્ઠી ગાથામાં ‘णाओ जो सो उ सो चेव’ એટલે કે જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે–એમ કહ્યું
છે તેમાં આ ત્રીજા પ્રકારના વ્યવહારનો નિષેધ આવી જાય છે.
(૪) અનુપચરિત સદ્ભૂત વ્યવહારઃ ‘જ્ઞાન તે આત્મા’ ઇત્યાદિ ગુણ–ગુણી ભેદ પાડવા તે
અનુપચરિત સદ્ભૂત વ્યવહાર છે.
–સાતમી ગાથામાં ‘णवि णाणं ण चरितं ण दंसणं जाणगो सुद्धो’ એટલે કે જ્ઞાયક આત્માને
નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી, તે તો શુદ્ધ જ્ઞાયક જ છે–એમ કહ્યું છે તેમાં
ગુણગુણી ભેદરૂપ અનુપચરિત સદ્ભૂતવ્યવહારનો પણ નિષેધ આવી જાય છે.
(પ) ‘જ્ઞાયકભાવ’ તે નિશ્ચય છે.
એ રીતે સમયસારની છઠ્ઠી–સાતમી ગાથામાં નિશ્ચય ‘જ્ઞાયકભાવ’ ના આશ્રયે ઉપરના ચારે પ્રકારના
વ્યવહારનો નિષેધ થઈ જાય છે.
અહીં, પરનું આત્મા કાંઈ કરે એવો પર સાથેના સંબંધવાળો વ્યવહાર તો લીધો નથી તેથી તેના
નિષેધની પણ વાત કરી નથી. અહીં તો આત્માની પર્યાયમાં થતા વ્યવહારની જ વાત લીધી છે અને તેનો જ
નિષેધ કર્યો છે.
અહીં જે પાંચ પ્રકારો કહ્યા છે તેમાં પહેલો–પહેલો પ્રકાર બીજા–બીજા પ્રકારનો સાધક છે અને બીજો–
બીજો પ્રકાર પહેલા–પહેલા પ્રકારને સાધ્ય છે.
આ વિષય ઉપરના વિસ્તૃત પ્રવચનો અહીં સામે પાને આપવામાં આવ્યા છે.
*

PDF/HTML Page 12 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૮ઃ ૭પઃ
શ્રી સમયસારની છઠ્ઠી–સાતમી ગાથામાં આવી જતા–
વ્યવહારનયના ચાર પ્રકારો અને
નિશ્ચયના આશ્રયે તેમનો નિષેધ
***
શ્રી સમયસાર ગાથા ૬–૭ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી.
વીર સં. ૨૪૭૬ અષાડ સુદ ૧૦ થી ૧પ
*
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬.
આ છઠ્ઠી ગાથામાં આચાર્યદેવ કહે છે કે આત્મા જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત–અપ્રમત્ત નથી. અહીં જ્ઞાયકભાવ
પ્રમત્ત–અપ્રમત્ત નથી એમ કહીને, પર્યાયમાં કાંઈક રાગાદિ ભાવો થાય છે તેનો નિષેધ કર્યો છે; એટલે જીવની
પર્યાયમાં કાંઈક રાગાદિ ભાવો છે એવો વ્યવહાર આમાં આવી જાય છે ખરો, પણ જ્ઞાયકસ્વભાવનો આશ્રય
કરાવવા તેનો નિષેધ છે. આ છઠ્ઠી ગાથામાં ત્રણ પ્રકારના વ્યવહારનો નિષેધ કરીને જ્ઞાયકભાવ બતાવ્યો છે.
ચોથા પ્રકારના વ્યવહારનો નિષેધ સાતમી ગાથામાં કરશે.
(૧) ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર અને તેનો નિષેધ
જ્ઞાયકભાવ શુભ–અશુભ ભાવોરૂપે પરિણમતો નથી–એમ કહ્યું તે નિશ્ચય છે, અને પર્યાયમાં જે વ્યક્ત
રાગાદિ જણાય છે તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે. પોતાના જ્ઞાનમાં જે પુણ્ય–પાપના ભાવો જણાય છે અને
આ ભાવો મારાં છે–એમ ખ્યાલમાં આવે છે તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે. રાગ આત્માનો છે એમ જાણવું
તેને ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય કહીને એમ સમજાવે છે કે નિશ્ચયથી તે રાગ તારું સ્વરૂપ નથી, તારા
અનારોપ જ્ઞાયકભાવમાં રાગ નથી.
(૨) અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર અને તેનો નિષેધ
જ્યાં અલ્પજ્ઞના ખ્યાલમાં ન આવી શકે તેવો સ્થૂળ વિકાર છે ત્યાં, અલ્પજ્ઞના ખ્યાલમાં ન આવી શકે
એવો સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો વિકાર પણ છે; તેને જીવનો કહેવો તે અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર છે એટલે કે
પરમાર્થે તે જીવનું સ્વરૂપ નથી. જ્ઞાયકભાવ પ્રમત્ત કે અપ્રમત્ત નથી એમ કહ્યું તેમાં અબુદ્ધિપૂર્વકના રાગનો પણ
નિષેધ આવી જાય છે. પ્રમત્તદશા વખતે (–છઠ્ઠા ગુણસ્થાને) બુદ્ધિપૂર્વકનો રાગ છે અને તે વખતે અબુદ્ધિપૂર્વકનો
રાગ પણ છે. જ્ઞાયકભાવ પ્રમત્ત–અપ્રમત્ત નથી એમ કહીને તે બંને પ્રકારના રાગનો નિષેધ કર્યો છે. એ રીતે છઠ્ઠી
ગાથાના પહેલા પદમાં ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર તેમ જ અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર એ બંનેનો નિષેધ
આવી જાય છે. સમયસારની રચના ઘણી ગંભીર છે.
સમ્યક્ અને મિથ્યા નયોનું લક્ષણ
પંચાધ્યાયીકાર સમ્યક્ અને મિથ્યાનયોનું લક્ષણ વર્ણવતાં પ૬૧ મી ગાથામાં કહે છે કે જે નય
‘તદ્ગુણ–સંવિજ્ઞાન’ એટલે કે વસ્તુના પોતાના ભાવને બતાવનાર હોય તે સમ્યક્ નય છે. એક વસ્તુને
બીજી વસ્તુ સાથે સંબંધ બતાવે તેને તો ત્યાં નયાભાસ કહ્યો છે; કેમ કે પરના ભાવને પોતાનો કહેવાથી શું
સાધ્ય છે? વ્યવહારે

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૭૬ઃ આત્મધર્મઃ ૧૦૦
પણ આત્મા પરનો તો કર્તા નથી. વ્યવહારે આત્મા રાગનો કર્તા છે, કેમ કે રાગ તે પોતાની પર્યાયનો ભાવ છે
તેથી તેમાં ‘તદ્ગુણસંવિજ્ઞાન’ લાગુ પડે છે.
‘અસદ્ભૂત વ્યવહાર’ શું બતાવે છે?
તારા દ્રવ્યની પ્રભુતામાં તો વિકાર નથી, પણ પર્યાયમાં વિકાર છે. અસદ્ભૂત વ્યવહારથી તે વિકારને
જીવનો કહીને એમ બતાવ્યું છે કે તારી પર્યાયમાં જે વિકાર થાય છે તે કોઈ બીજું કરાવતું નથી, પણ તેમાં તારી
પર્યાયની પ્રભુતા છે–એમ તું જાણ; વિકાર થવાની લાયકાત તારી પર્યાયની છે. તે વિકારને ‘અસદ્ભૂત
વ્યવહાર’ કહેતાં જ તેમાં એ વાત આવી ગઈ કે નિશ્ચયથી તે તારું સ્વરૂપ નથી. ચૈતન્યના સ્વભાવમાં વિકાર
નથી તેથી તે ‘અસદ્ભૂત’ છે, અને પોતાની પર્યાય છે માટે તે ‘વ્યવહાર’ છે. એ રીતે, પર્યાયમાં રાગ છે તેને
ઓળખીને સ્વભાવમાં તેનો નિષેધ કરવા માટે તેને ‘અસદ્ભૂત વ્યવહાર’ કહ્યો છે. ત્યાં જે વ્યક્ત રાગ છે તે
ઉપચરિતઅસદ્ભૂત વ્યવહાર છે અને જે અવ્યક્તરાગ છે તે અનુપચરિતઅસદ્ભૂત વ્યવહાર છે.
અસદ્ભૂત વ્યવહારથી વિકારને જીવનો કહીને વિકારમાં પોતાની પર્યાયની પ્રભુતા બતાવી છે એટલે કે
પોતાની પર્યાય જ સ્વતંત્રપણે વિકારને કરે છે એમ બતાવ્યું છે, અને દ્રવ્યના ત્રિકાળી સ્વભાવમાં તેનો નિષેધ
કર્યો છે. અસદ્ભૂત વ્યવહારથી વિકાર જીવનો છે–એમ જે સમજે તે જીવ વિકારનું કારણ પરને માને નહિ, તેમજ
વિકારને પોતાનું પરમાર્થસ્વરૂપ માને નહિ. વિકારને અસદ્ભૂત–વ્યવહારથી જીવનો કહેતાં જ તેમાં એ બંને વાત
આવી જાય છે કે નિશ્ચયથી વિકાર તે જીવનું સ્વરૂપ નથી તેમ જ પર ચીજ જીવને વિકાર કરાવતી નથી. વિકારની
લાયકાત પોતાની વર્તમાન પૂરતી પર્યાયની છે તેથી તેને વ્યવહાર કહીને નિશ્ચયસ્વભાવમાં તેનો નિષેધ કર્યો.
આત્મા પરનું કરે એવો તો કોઈ નય જ નથી તેથી તેના નિષેધની પણ વાત અહીં લીધી નથી.
પર્યાયમાં વિકારનું અસ્તિત્વ છે તે વ્યવહારનું જ્ઞાન કરાવીને, તે વિકાર છોડાવવા નિશ્ચય
સ્વભાવના આશ્રયે તેનો નિષેધ
શ્રી પંચાસ્તિકાયની ૨૭ મી ગાથામાં કહે છે કે આસ્રવ–બંધપણે કે સંવર–નિર્જરા–મોક્ષપણે પરિણમવામાં
આત્મા જ પ્રભુ છે, આત્મા સ્વતંત્રપણે તે પર્યાયરૂપે પરિણમે છે, કોઈ બીજું તેને પરાણે પરિણમાવતું નથી.
જ્ઞાનપ્રધાન કથનમાં દ્રવ્ય–પર્યાય બંનેનું જ્ઞાન કરાવવા એમ કહ્યું કે વિકારપણે આત્મા જ પરિણમે છે. પણ ત્યાં
એ વાત સમજી લેવી કે કથન અસદ્ભૂત વ્યવહારનયથી છે.
અહીં દ્રવ્યદ્રષ્ટિ કરાવવા કહે છે કે નિશ્ચયથી જ્ઞાયકભાવ શુભ–અશુભ વિકારપણે પરિણમતો જ નથી તેથી
તે પ્રમત્ત કે અપ્રમત્ત નથી. દ્રવ્યસ્વભાવમાં વિકારનો નિષેધ કર્યો કે આત્મા વિકારપણે થતો જ નથી. તે નિષેધ
કયારે કર્યો? જો પર્યાયમાં વિકાર બિલકુલ થતો જ ન હોય તો તેનો નિષેધ કરવાની પણ જરૂર ન પડે. સાધક
જીવ પોતે પર્યાયમાં અલ્પ વિકારપણે પરિણમે છે તેથી તેનો સ્વભાવના આશ્રયે નિષેધ કર્યો છે. વ્યવહારે પોતાની
પર્યાયમાં વિકાર થવાની પ્રભુતા છે એટલે કે વિકારપણે આત્મા પરિણમે છે એમ અસદ્ભૂત વ્યવહારનયથી
જાણીને નિશ્ચયથી તેનો નિષેધ કર્યો. વિકાર કોઈ પર સંયોગ કરાવતા નથી તેમ જ આત્મા પર સંયોગમાં કાંઈ
ફેરફાર કરી શકતો નથી એટલે કે પરમાં તો આત્માની પ્રભુતા નથી તેથી પરનો તો નિષેધ કરવાનું રહેતું નથી.
જે પોતાની પર્યાયની પ્રભુતાથી કરતો હોય તેનો નિષેધ કરી શકાય. પર કરાવતું હોય તો તેને રોકી ન શકાય.
વિકારમાં આત્માની એક સમયપૂરતી પર્યાયની પ્રભુતા છે, અને દ્રવ્યની પ્રભુતા ત્રિકાળ છે તેમાં વિકાર નથી.
વિકારમાં આત્માની પ્રભુતા છે એમ અસદ્ભૂત વ્યવહારથી જ્ઞાન કરાવીને દ્રવ્યની પ્રભુતામાં તેનો નિષેધ કર્યો. તું
જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લે, પર્યાય ઉપરથી તારું લક્ષ ખેંચી લે. પરમ શુદ્ધ જ્ઞાયકસ્વભાવની સન્મુખ દ્રષ્ટિ કરવાથી
પર્યાયમાં શુદ્ધતા થશે. તારી પર્યાયમાં તારા અપરાધથી વિકાર થાય છે માટે તેને વ્યવહાર કહ્યો પણ તારું પરમાર્થ
સ્વરૂપ બતાવવા તેનો નિષેધ કરીએ છીએ. વિકાર પોતાની પર્યાય છે તેથી તેને વ્યવહાર કહીને–અભૂતાર્થ
ગણીને–તેનો નિષેધ કર્યો, પણ પરનો નિષેધ ન કર્યો કેમ કે પર સાથે તો આત્માને કાંઈ સંબંધ નથી. સ્વભાવને
ચૂકીને પોતાની પર્યાયમાં પોતે વિકાર કરે છે ને સ્વભાવના લક્ષે પોતે તેને ટાળે છે.
બધા અધ્યાત્મના મૂળિયાં આ સમયસારમાં રહેલાં છે.
કુંભાર ઘડો કરે કે આત્મા દેહની ક્રિયા કરે એ વાતને તો અહીં નયાભાસમાં ગણી છે. આત્મા પરનો

PDF/HTML Page 14 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૮ઃ ૭૭ઃ
તો કર્તા નથી તેથી તેના નિષેધની વાત કરી નથી. આત્મા રાગને વ્યવહારે કરે છે તેથી તે વ્યવહારનો નિષેધ
કરાવ્યો છે. હે ભાઈ! નિશ્ચયથી તું જ્ઞાયકસ્વરૂપ છે, તારા જ્ઞાયકસ્વરૂપમાં રાગ નથી; તે જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ
કર, તો પર્યાયમાં થતા વિકારનો નિષેધ થઈ જાય.
અહીં તો પોતામાં ને પોતામાં જ નયો લીધા છે. પોતામાં ત્રિકાળી સ્વભાવ તે મુખ્ય અને અવસ્થા તે
ગૌણ, એટલે સ્વભાવ તે નિશ્ચય અને અવસ્થા તે વ્યવહાર–એ નિશ્ચય–વ્યવહાર લીધા છે. પણ સ્વ તે મુખ્ય ને
પરદ્રવ્ય તે ગૌણ, સ્વ તે નિશ્ચય અને પર તે વ્યવહાર–એમ અહીં નથી લીધું. આ રીતે પહેલાં પોતામાં જ નય
સમજાવીને, વિકારથી સ્વભાવનું ભેદજ્ઞાન કરાવીને, પછી પર સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ કેવો હોય તે
બતાવવા બીજા વ્યવહારની વાત કરશે. અહીં ‘જ્ઞાયકભાવ પ્રમત્ત–અપ્રમત્ત નથી’ એમ કહીને પોતાની પર્યાયમાં
થતા બે પ્રકારના અસદ્ભૂત વ્યવહારનો નિષેધ કર્યો.
(૩) ઉપચરિત સદ્ભૂત વ્યવહાર અને તેનો નિષેધ
છઠ્ઠી ગાથામાં ‘જ્ઞાત તે તો તે જ છે’ એમ કહ્યું તેમાં વ્યવહારનયના ત્રીજા પ્રકારનો–ઉપચરિત
સદ્ભૂત વ્યવહારનો નિષેધ આવ્યો. ખરેખર જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે, છતાં ‘જ્ઞાન
પરને જાણે છે’ એમ કહીને પરની અપેક્ષાથી જ્ઞાનને ઓળખાવવું તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે. રાગ
જીવનો છે–એમ કહેવું તે તો અસદ્ભૂત વ્યવહાર છે, અને જ્ઞાન રાગને જાણે છે–એમ કહેવું તે ઉપચરિત
સદ્ભૂત વ્યવહાર છે. જ્ઞાયક તે જ્ઞાયક જ છે–એ નિશ્ચય છે. રાગને જાણતી વખતે પણ જ્ઞાન જ્ઞાનપણે જ રહ્યું
છે, જ્ઞાન રાગપણે થઈ ગયું નથી. જ્ઞાન પરને જાણે છે એટલે કે પરનું જ્ઞાન થાય છે એમ કહેવું તે ઉપચરિત
સદ્ભૂત વ્યવહાર છે. નિશ્ચયથી પરનું જ્ઞાન નથી, જ્ઞાનમાં પર જણાતું નથી, જ્ઞાન તો જ્ઞાન જ છે;
પરાલંબનની અપેક્ષા પણ જ્ઞાયક આત્માને નિશ્ચયથી નથી. એ રીતે જ્ઞાયક તે જ્ઞાયક જ છે એમ કહેતાં
વ્યવહારના ત્રીજા પ્રકારનો નિષેધ થયો.
એ પ્રમાણે (૧) ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર. (૨) અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર અને (૩)
ઉપચરિત સદ્ભૂત વ્યવહાર–એ ત્રણ પ્રકારનો વ્યવહાર અને જ્ઞાયકભાવના આશ્રયે તે ત્રણેયનો નિષેધ છઠ્ઠી
ગાથામાં આવ્યો.
હવે વ્યવહારનયનો ચોથો પ્રકાર ‘અનુપચરિત સદ્ભૂત વ્યવહાર’ છે; આ, વ્યવહારનો છેલ્લામાં છેલ્લો
અને સૂક્ષ્મ પ્રકાર છે, વ્યવહાર તરીકે તે ઊંચામાં ઊંચો નય છે, તેનો નિષેધ સાતમી ગાથામાં આવશે.
જ્ઞાયક આત્મા પ્રમત્ત–અપ્રમત્ત નથી એમ કહીને, ઉપચરિત અસદ્ભૂત તેમ જ અનુપચરિત અસદ્ભૂત–
એવા બંને પ્રકારના સ્થૂળ વ્યવહારનયોને તો પહેલા જ ઊડાડયા; અને પછી ‘જ્ઞાયક તે તો તે જ છે’ એમ કહીને
વ્યવહારનયના ત્રીજા પ્રકારને (ઉપચરિત સદ્ભૂત વ્યવહારને) ઊડાડયો. હવે ‘આત્મા જ્ઞાયક છે’ એવા ગુણ–
ગુણી ભેદરૂપ સૌથી છેલ્લો સૂક્ષ્મ અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય બાકી છે, તેનો પણ નિષેધ સાતમી ગાથામાં
કર્યો છે. એ વ્યવહારનો નિષેધ કરતાં નિશ્ચય આવે છે, એટલે કે રાગ, પર્યાય કે ગુણ–ગુણી ભેદ એ બધા ઉપરનું
લક્ષ છોડીને એકરૂપ જ્ઞાયક આત્માને લક્ષમાં લેવો તે નિશ્ચય છે.
પ્રભુ! તારી પ્રભુતાનો અધિકાર તારામાં છે, પરમાં તારી પ્રભુતા નથી; તારી પ્રભુતાને તું તારામાં જ જો.
તારા દ્રવ્યની ત્રિકાળી પ્રભુતામાં તો વિકાર નથી, પણ ક્ષણિક પર્યાયની પ્રભુતાથી તું વિકાર કરે છે તેથી તારા
દ્રવ્યની પ્રભુતા બતાવીને તે વિકારનો નિષેધ કરીએ છીએ. તારા સ્વભાવમાં પરનો અભાવ તો સહજ છે જ,
અને તારા દ્રવ્યસ્વભાવમાં વિકારનો પણ અભાવ છે; જો તું તે સ્વભાવની દ્રષ્ટિ કર તો વિકારનો નિષેધ થાય છે.
માટે સ્વભાવદ્રષ્ટિ કરાવીને વિકારનો નિષેધ કરાવવાની આ વાત છે.
પર ચીજ તો તારાથી સદાય જુદી જ છે તેથી તેને દૂર કે નજીક કરવાનું તારે કાંઈ બળ કરવું પડતું
નથી. તારી પર્યાયમાં વિકારી ભાવ તારા ઊંધા પ્રયત્નથી થાય છે તેનો નિષેધ તારા જ્ઞાયકસ્વભાવના
બળથી થાય છે. આમ બતાવવા માટે અમે વિકારને વ્યવહારથી તારો કહીએ છીએ. કાંઈ તેનો આશ્રય
કરીને અટકવા માટે તેને વ્યવહાર નથી કહ્યો, પણ તેનો આશ્રય છોડાવીને જ્ઞાયકસ્વભાવનો આશ્રય
કરાવવા માટે તેને વ્યવહાર કહ્યો છે.
આત્મા જ્ઞાયક છે–તે નિશ્ચય છે. નિશ્ચયથી આત્મા શુદ્ધ જ્ઞાયક છે એમ કહેતાં જ તેમાં રાગાદિરૂપ ચારે

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૭૮ઃ આત્મધર્મઃ ૧૦૦
પ્રકારના વ્યવહારનો નિષેધ આવી ગયો. રાગ થાય તેમાં વ્યવહારે આત્માની પર્યાયની પ્રભુતા છે પણ તે રાગ
જીવનું મૂળ સ્વરૂપ નથી તેથી તેને અસદ્ભૂત વ્યવહાર કહીને તેનો નિષેધ કર્યો. હવે, જ્ઞાનમાં રાગ જણાતાં કોઈને
એમ પ્રશ્ન થાય કે રાગનો નિષેધ કરવા છતાં જ્ઞાનમાં રાગ જણાય છે તો ખરો!–તો કહે છે કે જ્ઞાન રાગને જાણે
છે એમ કહેવું તે પણ વ્યવહાર છે, ખરેખર તો જ્ઞાન જ્ઞાનને જ જાણે છે. જ્ઞાન રાગનું નથી પણ જ્ઞાન જ્ઞાનનું જ
છે–એમ નિશ્ચય કહીને ઉપચરિત સદ્ભૂત વ્યવહારનો પણ નિષેધ કર્યો. પ્રથમ તો પર્યાયમાં તે તે પ્રકારનો
વ્યવહાર છે એમ જે જાણે તે જીવ નિશ્ચયના આશ્રયે તે વ્યવહારનો નિષેધ કરે. પણ પર્યાયમાં વ્યવહાર છે એટલું
પણ જે ન જાણે તેને તો તે વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચયનો આશ્રય કરવાનું અને વ્યવહારનો નિષેધ
કરવાનું કાંઈ રહેતું નથી.
છઠ્ઠી ગાથામાં આત્માને જ્ઞાયક કહેતાં ત્રણ પ્રકારના વ્યવહારનો નિષેધ થયો. તેનો નિષેધ કરતાં
‘પર્યાયમાં તે છે’ એમ વ્યવહારની કબૂલાત આવી જાય છે, પણ નિશ્ચય જ્ઞાયકભાવની દ્રષ્ટિ કરતાં તે વ્યવહારનો
નિષેધ થઈ જાય છે.
(૪) અનુપચરિત સદ્ભૂત વ્યવહાર અને તેનો નિષેધ
છઠ્ઠી ગાથામાં બાકી રહી ગયેલા અનુપચરિત સદ્ભૂત વ્યવહારનો નિષેધ કરવા માટે આચાર્યદેવે સાતમી
ગાથા લીધી છે. એકરૂપ શુદ્ધ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરવા છતાં સાધકને પર્યાયમાં હજી રાગ–દ્વેષ પણ રહે છે કેમ
કે આત્મામાં કથંચિત્ ગુણગુણીભેદ છે. આ ગુણગુણીભેદને લક્ષમાં લેવો તે અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય છે.
પરમાર્થે જ્ઞાયક તો જ્ઞાયક જ છે, તેનામાં નિશ્ચયથી જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદ પણ વિદ્યમાન નથી.
ગુણગુણીભેદના લક્ષે અભેદ આત્માનો અનુભવ થતો નથી, તેથી તે ગુણગુણીભેદરૂપ અનુપચરિત સદ્ભુત
વ્યવહારનો પણ નિષેધ કરીને એક નિશ્ચય જ્ઞાયકભાવ જ આદરવા જેવો છે.–આમ બતાવીને તે વિષય
આચાર્યદેવ પૂરો કરશે.
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર–કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહિ, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭.
જ્ઞાન દર્શન–ચારિત્રના ભેદથી આત્માને ઓળખાવવો તે પણ વ્યવહાર છે. આ ગાથામાં શુદ્ધ
જ્ઞાયકભાવ બતાવીને તે વ્યવહારનો પણ નિષેધ કર્યો છે. એકરૂપ જ્ઞાયકભાવ છે તે નિશ્ચય છે, તે
જ્ઞાયકસ્વભાવમાં વિકાર કે ભેદ નથી. પરંતુ પર્યાયમાં વિકાર અને ભેદ છે, તે વ્યવહાર છે; તે વ્યવહારના
ચાર પ્રકાર છે. જેણે નિશ્ચયસ્વભાવનો આશ્રય પ્રગટ કરીને તે વ્યવહારનો નિષેધ કર્યો છે એવા સાધકને
વ્યવહારનું યથાર્થ જ્ઞાન હોય છે.
(૧) સાધક જાણે છે કે હજી મારી પર્યાયમાં વિકાર થાય છે. તેમાં જે પ્રગટ ખ્યાલમાં પકડી શકાય છે
એવા બુદ્ધિપૂર્વકના વિકારને આત્માને જાણવો તે ઉપચરિતઅસદ્ભૂત વ્યવહારનય છે.
(૨) જે વખતે બુદ્ધિપૂર્વકનો વિકાર છે તે વખતે પોતાના ખ્યાલમાં ન આવી શકે એવો અબુદ્ધિપૂર્વકનો
વિકાર પણ છે; તેને જાણવો તે અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનય છે.
(૩) જ્ઞાતાસ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની વિકારને પણ જાણે છે; ત્યાં, ‘જ્ઞાનમાં વિકાર જણાય છે’ એમ
કહેવું તે ઉપચરિતસદ્ભૂત વ્યવહારનય છે. અને–
(૪) સાધકને રાગરહિત જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થઈ હોવા છતાં હજી પર્યાયમાં રાગ પણ થાય છે;
જ્ઞાયકસ્વભાવની શ્રદ્ધામાં રાગનો નિષેધ થયો હોવા છતાં, ગુણભેદને કારણે ચારિત્રની પર્યાયમાં હજી રાગ થાય
છે.–આવા ગુણભેદથી આત્માને જાણવો તે અનુપચરિતસદ્ભૂત વ્યવહારનય છે.
‘આત્મા જ્ઞાયક છે’ એમ અભેદ આત્માને લક્ષમાં લેવો તે નિશ્ચયનય છે. તે નિશ્ચયને લક્ષમાં લેતાં
ઉપરના ચારે પ્રકારના વ્યવહારનો નિષેધ થઈ જાય છે. તેમાંથી પહેલા ત્રણ પ્રકારોનો નિષેધ છઠ્ઠી ગાથામાં
આવ્યો, અને ચોથા પ્રકારના વ્યવહારનો નિષેધ સાતમી ગાથામાં આવ્યો.
આત્મા પરથી તો તદ્ન ભિન્ન છે, પર સાથે તો તેને કાંઈ સંબંધ નથી. આત્માથી ભિન્ન પદાર્થને આત્માના
માનવા અથવા આત્મા તેનું કાંઈ કરે એમ માનવું તેને તો નયાભાસ કહીને મિથ્યાનયમાં જ ગણ્યા છે. ‘तद्गुण
संविज्ञान’ એટલે કે વસ્તુના પોતાના ભાવને જ વસ્તુનો જણાવે તેને જ નય ગણ્યો છે. આત્માનો વ્યવહાર
આત્માના ભાવમાં હોય, આત્માથી બહારના પદાર્થમાં આત્માનો વ્યવહાર ન હોય. તેથી અહીં, આત્મામાં જે

PDF/HTML Page 16 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૮ઃ ૭૯ઃ
વિકાર થાય તેને આત્મા જાણવો–એને જ છેલ્લામાં છેલ્લો સ્થૂળ વ્યવહાર ગણ્યો છે. રાગ થાય તે પણ આત્માનો
અંશ છે તેથી તેમાં આત્માનો વ્યવહાર હોઈ શકે. પરંતુ પરનું આત્મા કાંઈ કરે એવો તો આત્માનો વ્યવહાર નથી,
તે તો નયાભાસ છે.
‘આત્માને અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે’–એવું શાસ્ત્રનું વાક્ય છે તે અસદ્ભૂતવ્યવહારનયનું
કથન છે. પોતાના સ્વભાવથી આત્માને અશુદ્ધપણું નથી પણ પરદ્રવ્યના સંયોગ ઉપર લક્ષ કરતાં તેની પર્યાયમાં
અશુદ્ધતા થાય છે. પરદ્રવ્ય તો આત્માથી ભિન્ન જ છે, પરદ્રવ્યનો સંયોગ કાંઈ આત્મામાં આવી ગયો નથી, પણ
તેના લક્ષે આત્માની અવસ્થામાં અશુદ્ધતા થાય છે; તે અશુદ્ધતાને આત્મા જાણવો તે અસદ્ભૂત વ્યવહારનય છે.
અને જ્ઞાયકભાવ કદી અશુદ્ધતારૂપે પરિણમતો નથી–એવા જ્ઞાયકભાવને આત્મા જાણવો તે નિશ્ચય છે. તે
નિશ્ચયના આશ્રયે અશુદ્ધતારૂપ વ્યવહારનો નિષેધ થઈ જાઈ છે, એનું નામ ધર્મ છે. નિશ્ચયસ્વરૂપના આશ્રયથી જ
ધર્મની શરૂઆત થાય છે અને તેના જ આશ્રયે સાધકદશા વધીને પૂર્ણ થાય છે.
(આ વિષયના પ્રવચનનો બીજો હપ્તો હવે પછી આપવામાં આવશે.)
***
પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વંચાયેલા
સુશાસ્ત્રોની યાદી
શ્રી સમયસાર૧૪ શ્રી યોગસાર (અમિતગતિ આચાર્ય)
શ્રી નિયમસાર૧પ શ્રી ઇષ્ટોપદેશ
શ્રી પ્રવચનસાર૧૬ શ્રી સમયસાર–નાટક
શ્રી પંચાસ્તિકાય૧૭ શ્રી મોક્ષમાર્ગપ્રકાશક
શ્રી અષ્ટપ્રાભૃત૧૮ શ્રી તત્ત્વજ્ઞાન તરંગિણી
શ્રી પરમાત્મ–પ્રકાશ૧૯ શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા
શ્રી ષટ્ખંડાગમ (ભાગ ૧)૨૦ શ્રી અનુભવપ્રકાશ
શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા૨૧ શ્રી ઉપાદાન–નિમિત્તનો સંવાદ (ભૈયા ભગવતીદાસજી કૃત)
શ્રી પદ્મનંદી પચીસી૨૨ શ્રી ઉપાદાન–નિમિત્ત દોહા (પં. બનારસીદાસજી રચિત)
૧૦ શ્રી સમાધિશતક૨૩ શ્રી ઉપાદાન–નિમિત્તની ચિઠ્ઠી (પં. બનારસીદાસજી)
૧૧ શ્રી તત્ત્વાર્થસાર૨૪ શ્રી પરમાર્થ વચનિકા (પ. બનારસીદાસજી)
૧૨ શ્રી આત્માનુશાસન૨પ શ્રી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી (પં. ટોડરમલ્લજી)
૧૩ શ્રી બહદ્ દ્રવ્યસંગ્રહ
–સં. ૧૯૯૧ બાદ ઉપરના શાસ્ત્રો ઉપર પૂ. ગુરુદેવશ્રીએ સભામાં વિસ્તૃત પ્રવચનો કર્યા છે. એ ઉપરાંત
ગોમટ્ટસાર, ષટ્ખંડાગમ, કષાયપ્રાભૃત, મહાબંધ, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, આદિપુરાણ વગેરે પુરાણો, તત્ત્વાર્થસૂત્ર,
સર્વાર્થસિદ્ધિ, તત્ત્વાર્થરાજવાર્તિક, શ્લોકવાર્તિક, પ્રમેયકમલમાર્તંડ, આપ્તમીમાંસા, અષ્ટસહસ્રી, ભગવતી
આરાધના, વસુબિંદુ પ્રતિષ્ઠાપાઠ, રત્નકરંડ શ્રાવકાચાર તેમ જ પંચાધ્યાયી વગેરે અનેક અનેક શાસ્ત્રોના ખાસ
મહત્વના ભાગો ઉપર પણ તેઓશ્રીએ પ્રવચનમાં વિવેચન કર્યું છે.
***

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૮૦ઃ આત્મધર્મઃ ૧૦૦
वंदित्तु सव्वसिद्धे
(શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરનારની જવાબદારી)
‘वंदित्तु सव्वसिद्धे’ એમ કહીને શ્રી કુંદકુંદાચાર્યદેવ સમયસારની શરૂઆતમાં માંગળિક તરીકે સર્વ સિદ્ધ
ભગવંતોને નમસ્કાર કરે છે...જેમને પૂર્ણ જ્ઞાન અને આનંદ ખીલી ગયા છે ને રાગાદિનું અભાવ થયો છે એવાં
સર્વ સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો!
સિદ્ધને નમસ્કાર કરનાર જીવ કેવો હોય? નમસ્કાર કરનારને પોતાને તો પૂર્ણ જ્ઞાન ખીલ્યું નથી
ને અપૂર્ણજ્ઞાન છે, કેમ કે પૂર્ણજ્ઞાન ખીલી ગયા પછી કોઈને નમસ્કાર કરવાનું રહે નહિ. પોતાને
વર્તમાનમાં અપૂર્ણ જ્ઞાન હોવા છતાં પૂર્ણ જ્ઞાનીને નમસ્કાર કરે છે તો તે કોની સન્મુખ રહીને નમસ્કાર
કરશે? અપૂર્ણ જ્ઞાનની સન્મુખ રહીને પૂર્ણ જ્ઞાનનો સ્વીકાર કરી શકાય નહિ. જ્યાં પૂર્ણ જ્ઞાન
પ્રગટાવવાની તાકાત ભરી હોય તેની સન્મુખતા કરે તો જ પૂર્ણજ્ઞાનનો સ્વીકાર થઈ શકે. હું અલ્પજ્ઞ હોવા
છતાં સર્વનો આદર કરું છું–તેમને નમું છું–મારા જ્ઞાનમાં તેમને સ્થાપું છું, આમ નમસ્કાર કરનારને
પોતાને ‘પૂર્ણ જ્ઞાન પ્રગટવાનો આધાર કોણ છે’ તેની દ્રષ્ટિ થયા વિના ખરેખર પૂર્ણ જ્ઞાનને નમસ્કાર ન
થઈ શકે. તેથી, સર્વજ્ઞને નમસ્કાર કરવામાં ખરેખર તો પોતાના જ્ઞાનસ્વભાવમાં જ નમવાનું–ઢળવાનું
આવ્યું.
સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે તેણે એમ જાણવું જોઈએ કે તેમનું પરિપૂર્ણજ્ઞાન ઈંદ્રિયોના કે પુણ્ય–પાપના
આધારે ખીલ્યું નથી પણ અંતરના અનાદિઅનંત જ્ઞાનસ્વભાવના આધારે જ તે જ્ઞાન ખીલ્યું છે. માટે મારા
જ્ઞાનનો આધાર પણ મારો જ્ઞાનસ્વભાવ જ છે. કોઈ વિકાર કે નિમિત્ત મારા જ્ઞાનનો આધાર નથી. જો
શુભભાવના આધારે જ્ઞાન ખીલ્યું એમ માને તો પૂર્ણ થયા પછી તે જ્ઞાન ટકી શકે નહિ કેમકે ત્યાં શુભરાગનો તો
અભાવ છે. જો રાગ કે ઇન્દ્રિયોના આધારે જ્ઞાન થતું હોય તો તો તેમનો અભાવ થતાં સિદ્ધને જ્ઞાનનોય અભાવ
થઈ જાય! માટે જે જીવ રાગ કે ઈંદ્રિયોના આધારે જ્ઞાન માને તે પૂર્ણજ્ઞાની એવા સિદ્ધ ભગવાનને ખરેખર
નમસ્કાર કરી શકે નહિ એટલે કે પોતાના સ્વભાવ તરફ તે વળી શકે નહિ. આત્માની ત્રિકાળી જ્ઞાનશક્તિના
આધારે જ કેવળજ્ઞાન પ્રગટે છે એમ સમજીને, દ્રવ્યસ્વભાવની સન્મુખ જઈને જે પ્રતીત કરે તેણે જ અનંત સિદ્ધ
ભગવંતોને ખરું વંદન કર્યું છે.
આ ગાથામાં ‘वंदित्तु सव्वसिद्धे’ દ્વારા કુંદકુંદાચાર્યદેવે સર્વ સિદ્ધોને નમસ્કાર કર્યા છે, તેને આજે
લગભગ બે હજાર વર્ષ વીતી ગયા; તે દરમિયાન પણ દરેક છ મહિના ને આઠ સમયે છસો ને આઠ (૬૦૮) સિદ્ધ
નવા નવા થયા જ કર્યા છે; એટલે, શ્રી કુંદકુંદાચાર્યદેવે સિદ્ધોને વંદન કર્યું ત્યારે સિદ્ધોની જે સંખ્યા હતી તેના
કરતાં અત્યારે તેમાં લાખો સિદ્ધોની સંખ્યા વધી ગઈ છે. તે સિદ્ધભગવંતોને પુણ્ય–પાપ નથી છતાં સર્વજ્ઞપણું ટકી
રહ્યું છે, તો તે સર્વજ્ઞપણું વસ્તુસ્વભાવના આધારે જ પ્રગટયું છે ને ટકયું છે. આવા સિદ્ધભગવંતોને વંદન કરનાર
જીવ પોતાના પુણ્ય–પાપરહિત સ્વભાવનો આદર અને વિશ્વાસ કર્યા વિના સિદ્ધોને ખરું વંદન કરી શકતો નથી.
‘હું સિદ્ધોને વંદન કરું છું’ એટલે કે મારી પર્યાયમાં અલ્પજ્ઞતા ને રાગદ્વેષ હોવા છતાં તેનો આદર ન કરતાં, હું
પૂર્ણ વસ્તુસ્વભાવની સન્મુખ જાઉં છું.....વસ્તુસ્વભાવમાં પરિણમું છું.–આનું નામ સ્વભાવદ્રષ્ટિ–દ્રવ્યદ્રષ્ટિ છે અને
આનું જ નામ સિદ્ધને વંદન છે.
સર્વજ્ઞ ભગવાનને વર્તમાન પરસન્મુખતાનો કોઈ વિકલ્પ ન હોવા છતાં સર્વજ્ઞતા ટકી છે તો તે સર્વજ્ઞતા
તેમને સ્વસન્મુખતાથી જ પ્રગટી ને ટકી છે–એમ

PDF/HTML Page 18 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૮ઃ ૮૧ઃ
સમજીને જે પોતે પોતાના સ્વભાવની સન્મુખ થયો તેણે સર્વજ્ઞને ભાવનમસ્કાર કર્યા છે. આવા નમસ્કાર તે
મોક્ષનું કારણ છે. જુઓ, આ નમસ્કારનો મહિમા! ! પૂર્વે કદી જીવે આવા નમસ્કાર કર્યા નથી.
એક વાર વંદે જો કોઈ
તેને ચતુર્ગતિ ભ્રમણ ન હોય.
અહીં કહ્યું તે રીતે ઓળખીને જો એકવાર પણ ભગવાનને નમસ્કાર કરે તો તેને અલ્પકાળે મુક્તિ થયા
વિના રહે નહીં, ને પછી તેને ચારગતિમાં ભ્રમણ થાય નહિ.
જેને એકવાર પણ આત્માના સ્વભાવની આ વાત રુચી જાય પછી તેને, જો આત્મા ચૈતન્ય મટીને જડ
થઈ જાય તો તેની રુચિ ફરે! અર્થાત્ આત્માનો ચૈતન્યસ્વભાવ મટીને કદી જડ થાય નહિ ને તેની રુચિ ફરે નહિ.
ધુ્રવસ્વભાવના આધારે થયેલી રુચિ સ્વભાવ સાથે કાયમ ટકી રહે છે ને અલ્પકાળે તેની મુક્તિ થઈ જાય છે.
આવી રુચિ પ્રગટવા માટે સ્વભાવ સિવાય બીજું કોઈ કારણ છે જ નહિ.
અહીં, જેમને પૂર્ણ જ્ઞાન પ્રગટી ગયું છે એવા સિદ્ધોને નમસ્કાર કઈ રીતે થાય તે વાત ચાલે છે. પૂર્ણ
કેવળજ્ઞાનપર્યાય પોતાને વર્તમાન વર્તતી નથી અને જેમને તે દશા પ્રગટ વર્તે છે તેમને પોતાના જ્ઞાનમાં કબૂલ
કરવા છે, તો જ્ઞાન કોના તરફ વળીને તે સ્વીકારશે? પરની સામે જોઈને પૂર્ણ જ્ઞાનની યથાર્થ કબૂલાત નહિ
આવે. પૂર્ણ જ્ઞાનના આધારરૂપ જે ગુણી એટલે કે આત્મસ્વભાવ, તેની સન્મુખ થયા વિના તે પૂર્ણ જ્ઞાનને
સ્વીકારી શકાશે નહિ. સ્વભાવની સન્મુખ થઈને અતીન્દ્રિયજ્ઞાનનો અંશ પોતામાં પ્રગટ કરે ત્યારે જ પૂર્ણ
અતીન્દ્રિય એવા કેવળજ્ઞાનની કબૂલાત થાય અને ત્યારે જ સિદ્ધ ભગવાનને સાચા નમસ્કાર કર્યા કહેવાય. એટલે
સિદ્ધને નમસ્કાર કરનારો જીવ સ્વભાવસન્મુખ સાધક થઈ ગયો, ને અલ્પકાળે તે સિદ્ધ થશે. આ રીતે
સાધકભાવની શરૂઆત થઈ જાય એવા માંગળિકથી આચાર્યભગવાને આ સમયસારની શરૂઆત કરી છે. તે
આજે ફરીથી–નવમી વખત–પ્રવચનમાં વંચાય છે.
વીર સં. ૨૪૭૬ પ્ર. અષાડ વદ ૩,
શ્રી સમયસાર ગા. ૧ ઉપર
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.
***
મિથ્યાદ્રષ્ટિ અનંત સંસારી
જીવરાશિની ઊંધી શ્રદ્ધા
રાગ–દ્વેષ–મોહ અશુદ્ધ પરિણતિરૂપ
જીવદ્રવ્ય પરિણમે છે તેને વિષે, પરદ્રવ્ય એટલે
કે કર્મ–શરીરાદિ નોકર્મ તથા બાહ્ય સામગ્રી
રૂપ પુદ્ગલ દ્રવ્યનું નિમિત્ત પામીને જીવ
રાગાદિ અશુદ્ધ પરિણમે છે–એવી શ્રદ્ધા જે
કોઈ જીવરાશિ કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે,
અનંત–સંસારી છે.
જુઓ, સમયસાર કલશટીકાઃ પૃઃ ૨પ૮–૯
***

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૮૨ઃ આત્મધર્મઃ ૧૦૦
* રાગ–દ્વેષનું મૂળ પ્રેરક કોણ? *
(રાગ દ્વેષનું મૂળ કારણ મિથ્યાત્વ છે)
કોઊ સિષ્ય કહૈ સ્વામી રાગ દોષ પરિનામ,
તાકૌ મૂલ પ્રેરક કહહુ તુમ કૌન હૈ;
પુગ્ગલ કરમ જોગ કિંધૌં ઈંદ્રિનિકૌ ભોગ,
કિંધૌં ધન કિંધૌં પરિજન કિંધૌં ભૌન હૈ.
ગુરુ કહૈ છહૌં દર્વ અપને અપને રૂપ,
સબનિકો સદા અસહાઈ પરિનૌન હૈં;
કોઊ દરવ કાહૂકૌ ન પ્રેરક કદાચિ તાતૈં,
રાગ દોષ મોહ મૃષા મદિરા અચૌન હૈં. ૬૧.
અર્થઃ–શિષ્ય પ્રશ્ન કરે છે કે હે સ્વામી! રાગ–દ્વેષ પરિણામોનું મુખ્ય કારણ (–મૂળ પ્રેરક) કોણ છે?–
પૌદ્ગલિક કર્મ છે? કે ઈંદ્રિયોનો ભોગ છે? અથવા ધન છે? ઘરના લોક છે? કે ઘર છે? તે આપ કહો.
ત્યાં શ્રી ગુરુ સમાધાન કરે છે કે–છએ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં સદા નિજાશ્રિત
પરિણમન કરે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યની પરિણતિને માટે કદી પણ પ્રેરક થતું નથી; માટે રાગ–
દ્વેષનું મૂળ કારણ મોહ–મિથ્યાત્વરૂપી મદિરાપાન છે.
(ઉપર આપેલા સવૈયા–કાવ્ય પં. બનારસીદાસજીએ સમયસારના કળશ ૨૧૯ ઉપરથી બનાવેલ છે.)
–જુઓ, સમયસાર–નાટક પૃઃ ૩પ૧–૨
***
મૂરખ જીવને શ્રીગુરુનો ઉપદેશ
(અજ્ઞાનીઓના વિચારમાં રાગ–દ્વેષનું કારણ)
કોઉ મૂરખ યોં કહૈં, ‘રાગ–દોષ પરિનામ,
પુગ્ગલકી જોરાવરી, વરતૈ આતમરામ.
૬૨
જ્યોં જ્યોં પુગ્ગલ બલ કરૈ, કરિ કરિ કર્મ જ ભેષ;
રાગદોષકો પરિનમન, ત્યોં ત્યોં હોઈ વિશેષ.’ ૬૩
(અજ્ઞાનીઓને સત્યમાર્ગનો ઉપદેશ)
ઈહિવિધિ જો વિપરીત પખ, ગહૈ સદ્હૈ કોઈ;
સો નર રાગ વિરોધ સૌં, કબહું ભિન્ન ન હોઈ; ૬૪.
સુગુરુ કહૈ જગમેં રહૈ, પુગ્ગલ સંગ સદીવ;
સહજ સુદ્ધ પરિનમનિકો, ઔસર લહૈ ન જીવ. ૬પ.
તાતૈ ચિદભાવનિ વિષૈ, સમરથ ચેતન રાઉ;
રાગ વિરોધ મિથ્યાતમૈં, સમકિતમૈં સિવ ભાઉ. ૬૬
અર્થઃ–કોઈ કોઈ મૂર્ખ એવું કહે છે કે આત્મામાં રાગ–દ્વેષ ભાવ પુદ્ગલની જબરજસ્તીથી થાય છે; વળી
તેઓ કહે છે કે કર્મરૂપ પરિણમનના ઉદયમાં પુદ્ગલ જેમ જેમ જોર કરે છે તેમ તેમ બાહુલ્યતાથી (–વિશેષપણે)
રાગ–દ્વેષ પરિણામ થાય છે.
શ્રી ગુરુ કહે છે કે જે કોઈ આ પ્રકારે ઊંધી હઠ ગ્રહણ કરીને શ્રદ્ધા કરે છે તે કદી પણ રાગ–દ્વેષ–મોહથી
છૂટી શકતો નથી; કેમ કે જગતમાં પુદ્ગલનો સંગ તો સદાય રહે છે તેથી (જો પુદ્ગલ જોરાવરીથી રાગ–દ્વેષ
કરાવતું હોય તો) સહજ શુદ્ધ પરિણમવાનો અવસર જીવ કદી પામે નહીં. માટે ચૈતન્યભાવને ઉપજાવવામાં
ચેતનરાજા જ સમર્થ છે; તે મિથ્યાત્વની દશામાં તો રાગ–દ્વેષ ભાવ ઉપજાવે છે અને સમ્યક્ત્વદશામાં શિવભાવ
અર્થાત્ જ્ઞાન–દર્શન–સુખ વગેરે ઉપજાવે છે.
(અહીં આપેલા પાંચ દોહા પં. બનારસીદાસજીએ સમયસારના કળશ ૨૨૦–૨૨૧ ઉપરથી બનાવેલ છે.)
–જુઓ સમયસાર–નાટક પૃઃ ૩પ૨–૪

PDF/HTML Page 20 of 21
single page version

background image
૧૦૦
અંકની સાથે સાથે ‘આત્મધર્મના અંકોનો પ્રથમ સૈકો પૂર્ણ થાય છે. વીર સં. ૨૪૬૯ ના
માગસર સુદ બીજે પ્રસિદ્ધ થયેલા પ્રથમ અંકથી શરૂ કરીને આજ સુધીના ૧૦૦ અંકોમાં જે કાંઈ પણ
પીરસાયું છે તે બધુંય પરમકૃપાળુ પૂ. ગુરુદેવશ્રીની અમૃતવાણીનો જ નિચોડ છે; તેથી સો અંકની
સમાપ્તિના આ પ્રસંગે તેઓશ્રીના પાવન ચરણારવિંદમાં અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ.
જેમ પૂ. ગુરુદેવશ્રીની પવિત્ર મુદ્રા ચૈતન્યતેજથી ચમકી રહી છે તેમ તેઓશ્રીની અપૂર્વવાણી
આત્મશૌર્યથી ઊછળી રહી છે. આત્મધર્મની શરૂઆતથી માંડીને આજ સુધીના કોઈ પણ વર્ષની ફાઈલ કે
અંક વાંચો તો આજે પણ તે વાણીમાં તાજેતાજું આત્મિક શૌર્ય ઝળકી રહેલું દેખાશે. આત્મિક શૌર્યના
ઉલ્લાસ વગરનું ઢીલુંઢફ કથન પૂ. ગુરુદેવશ્રીની વાણીમાં કદી આવી શકતું નથી. તેઓશ્રી તો સદાય એમ જ
કહે છે કેઃ અરે જીવ! આત્મામાં જ રહેલી પરમાત્મશક્તિની પ્રતીત કરીને તારા આત્મિક શૌર્યને ઉછાળ!
તારો આત્મા નમાલો કે તુચ્છ નથી પણ સિદ્ધ પરમાત્મા જેવા પૂર્ણ સામર્થ્યવાળો પ્રભુ છે, માટે તે પૂર્ણતાના
લક્ષે તારા આત્મવીર્યને ઉપાડ!
–ખરેખર! પૂ. ગુરુદેવશ્રીની વાણી અપૂર્વ ચમક ભરેલી અને શૌર્યપ્રેરક છે. જે જીવ પાત્ર થઈને
તેઓશ્રીની વાણીને ઝીલે તેનું આત્મિક શૌર્ય જરૂર ઊછળી જાય. અહો! પોતાની અપૂર્વ વાણી દ્વારા પાત્ર
જીવોને પ્રભુતા આપનાર ગુરુદેવનો ઉપકાર અહીં કઈ રીતે વ્યક્ત કરીએ!!
પૂ. ગુરુદેવશ્રીની પ્રત્યક્ષ વાણીએ જેમ અનેક સુપાત્ર શ્રોતાઓને સન્માર્ગમાં સ્થાપ્યા છે તેમ
‘આત્મધર્મ’ દ્વારા પણ તેઓશ્રીની વાણીએ અનેક સુપાત્ર જીવોને સન્માર્ગમાં આકર્ષ્યા છે. પૂ. ગુરુદેવશ્રીની
વાણીમાં ઝરતા જૈનશાસનના મૂળભૂત કલ્યાણકારી વિષયો ચૂંટી ચૂંટીને આત્મધર્મમાં અપાય છે; તેનો દરેક
અંક આજે પણ એવો ને એવો પઠનીય–મનનીય છે; તેના અંકો જૂના થવા છતાં તેમાં ભરેલ આત્મશૌર્યની
ઝલક ઝાંખી નથી પડતી. જેમણે આત્મધર્મના સો એ સો અંકો ન વાંચ્યા હોય તેઓ ૧ થી ૧૦૦ સુધીના
બધા અંકો જરૂર વાંચે અને અંતરમાં વિચાર કરે કે, જેમની વાણીના અંશમાં પણ આટલું ઉગ્ર આત્મતેજ
પ્રકાશી રહ્યું છે તેમના અંતર–આત્મપરિણમનમાં પુરુષાર્થનો કેવો દિવ્ય પ્રવાહ વહેતો હશે! ! !
આત્મધર્મમાં અનેક વખત કહેવાઈ ગયેલી વાતને અહીં પ્રસંગોચિત ફરીને યાદ કરીએ છીએ કેઃ
એકલી શાસ્ત્રની વાણી તે તો ફક્ત બહિરંગ નિમિત્ત છે. દેશનાલબ્ધિ માટે જિજ્ઞાસુઓને ખરું અંતરંગ
નિમિત્ત તો સમ્યક્પણે પરિણમતા સત્પુરુષનો સાક્ષાત્ ચૈતન્યમૂર્તિ આત્મા જ છે; માટે એકલા આત્મધર્મના
વાંચનથી કે અન્ય શાસ્ત્રોના વાંચનથી સંતોષ ન માનતાં સાક્ષાત્ ચૈતન્યમૂર્તિ ગુરુદેવનો સીધો સમાગમ
કરવો. તે જ હિતનું કારણ છે.
અહો! આત્માર્થી જીવોને અપૂર્વ કલ્યાણના દાતાર એવા પૂ. ગુરુદેવશ્રીને અને તેઓશ્રીની
સ્વરૂપબોધક વાણીને ફરીફરીને, એવી ભાવનાસહિત નમસ્કાર કરીએ છીએ કે–તેઓશ્રીની કૃપાદ્રષ્ટિ નીચે
‘આત્મધર્મ’ ના માસિક–સૈકાની માફક વાર્ષિક–સૈકો ઊજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાઓ.......
સંચાલકો
* * *