Atmadharma magazine - Ank 103
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૯
સળંગ અંક ૧૦૩
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 23
single page version

background image
વૈશાખસંપાદકવર્ષ નવમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૮વકીલઅંકઃ ૭
‘મંગલ વધાઈ’
અહા......ધન્ય તે વૈશાખ સુદ બીજ.....અને
ધન્ય તે ઉમરાળા નગરી...... કે જ્યાં માતા
ઉજમબાએ શ્રી કહાનકુંવર જેવા ધર્મરત્નને જન્મ
આપીને ભારતના અનાથ આત્માર્થીઓને સનાથ
કર્યા.......એ મંગલ જન્મની આજે ૬૩ મી વધાઈ છે.
આખું ભારત જાણે કે ભૂલું પડી ગયું હતું–એવા
સમયે, ભૂલા પડેલા આત્માર્થી જીવોનો ઉદ્ધાર કરવા
પૂજ્ય ગુરુદેવશ્રી પધાર્યા.....અને શ્રી તીર્થંકરોના
અપ્રતિહત મુક્તિમાર્ગમાં સ્વયં નિઃશંકપણે વિચરતા
થકા આત્માર્થી જીવોને પણ એ મુક્તિમાર્ગે દોરી રહ્યા
છે કે અરે મોક્ષાર્થી જીવો! તીર્થંકર ભગવંતો જે માર્ગે
મુક્ત થયા તે માર્ગ આ જ છે.........આ સિવાય બીજો
કોઈ મુક્તિનો માર્ગ છે જ નહિ......તમે નિઃશંકપણે
આ માર્ગે ચાલ્યા આવો.
છુટક નકલ૧૦૩વાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 23
single page version

background image
મંગલ મહોત્સવ
તીર્થધામ સોનગઢમાં જે ભવ્ય માનસ્થંભનું નિર્માણ થવાનું છે તેના શિલાન્યાસનું
(ખાતમુહૂર્તનું) મંગલ મુહૂર્ત વૈશાખ વદ સાતમ શુક્રવાર તા. ૧૬–પ–પ૨ના શુભ દિને
સવારના છ વાગ્યે રાખેલ છે.
સોનગઢમાં શ્રી સીમંધર ભગવાનના સમવસરણની જે ભવ્ય રચના છે તેની
પ્રતિષ્ઠા વીર સં. ૨૪૬૮ ના વૈશાખ વદ છઠ્ઠ ને ગુરુવાર તા. ૧પ–પ–પ૨ ના રોજ શ્રી
સમવસરણની પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થાય છે.
વૈશાખ વદ આઠમે શ્રી જૈન સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટનનો ૧પમો વાર્ષિકોત્સવ
છે. તેમજ સ્વાધ્યાય મંદિરમાં શ્રી સમયસારજીની મહાપૂજનીક સ્થાપનાનો ૧પમો
વાર્ષિકોત્સવ પણ તે જ દિવસે છે.
આ બધા મંગલ પ્રસંગો ઉલ્લાસપૂર્વક ઉજવાશે; આ પ્રસંગે સર્વે જિજ્ઞાસુ ભક્તજનોને
લાભ લેવા વિનંતિ છે.
* * *
‘ચૈત્ર સુદ તેરસ’
સોનગઢમાં ચૈત્ર સુદ તેરસે દર વર્ષ પ્રમાણે ભગવાન શ્રી મહાવીર પ્રભુનો
જન્મકલ્યાણક મહોત્સવ તેમ જ પૂ. ગુરુદેવશ્રીના પરિવર્તનનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો
હતો. આ ઉપરાંત શ્રી માનસ્થંભજીનો પાયો ખોદવાની મંગલ શરૂઆત થઈ હતી.
આજથી ૧૭ વર્ષ પહેલાં ચૈત્ર સુદ તેરસ ને મંગળવારે બપોરે લગભગ સવા વાગે
પૂ. ગુરુદેવશ્રીએ મંગલ ‘પરિવર્તન’ કર્યું અને ત્યારથી પ્રસિદ્ધપણે દિગંબર જૈનધર્મની
મહાપ્રભાવના થવા લાગી. આ વર્ષે બરાબર એ જ દિવસે અને એ જ ટાઈમે, એ
ધર્મપ્રભાવનાના મહાન પ્રતીક સ્વરૂપ શ્રી માનસ્થંભજી ના પાયા ખોદવાની મંગલ
શરૂઆત પૂ. બેનશ્રીબેનના સુહસ્તે થઈ. જ્યારે હાથમાં કોદાળી લઈને પૂ. બેનશ્રીબેને
પાયો ખોદવાની મંગલ શરૂઆત કરી ત્યારે વાજિંત્રોના નાદ વચ્ચે ભક્તજનોએ ઘણા
ઉલ્લાસ–પૂર્વક જયજયકારથી એ પ્રસંગને વધાવ્યો હતો.
***
શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ
સોનગઢમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વૈશાખ વદ ત્રીજ સોમવાર તા. ૧૨–
પ–પ૨ થી શ્રી જૈનદર્શનના અભ્યાસ માટેનો શિક્ષણવર્ગ શરૂ થશે; અને જેઠ સુદ બારસ
ગુરુવાર તા. પ–૬–પ૨ સુધી આ વર્ગ ચાલશે. વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા જિજ્ઞાસુ
જૈનબંધુઓ પણ આ વર્ગનો લાભ લઈ શકશે. શિક્ષણવર્ગમાં દાખલ થનારને માટે ભોજન
તથા રહેવાની સગવડ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી થશે.
જેમને આ શિક્ષણવર્ગમાં દાખલ થવા ઇચ્છા હોય તેમણે નીચેના સરનામે સૂચના
મોકલી દેવી અને તા. ૧૦–પ–પ૨ વૈશાખ વદ એકમના રોજ હાજર થઈ જવું. દાખલ
થનારને બિછાનું સાથે લાવવું.
‘શિક્ષણ વર્ગ’
શ્રી જૈનસ્વાધ્યાય મંદિર
સોનગઢઃ સૌરાષ્ટ્ર
*

PDF/HTML Page 4 of 23
single page version

background image
‘જિનના સમોસરણ સૌ જયવંત વર્તો.......! ’
‘પ્રત્યક્ષ જિનવર દર્શને બહુ હર્ષ એલાચાર્યને
ૐકાર સૂણતાં જિનતણો, અમૃત મળ્‌યું મુનિ હૃદયને’
આજથી દસ વર્ષ પહેલાં–વીર સં. ૨૪૬૮ના વૈશાખ વદ છઠ્ઠે સોનગઢમાં શ્રી સીમંધર ભગવાનના
સમવસરણની રચના થઈ, અને એ સમવસરણમાં શ્રી કુંદકુંદાચાર્ય પ્રભુની પણ પ્રતિષ્ઠા થઈ. આ વૈશાખ વદ છઠ્ઠે
એ ધન્ય પ્રસંગને દસ વર્ષ પૂરા થાય છે.
અહો! પૂ. ગુરુદેવશ્રીનો અચિંત્ય પ્રતાપ,–કે જેણે સીમંધરનાથના
સમવસરણને આ સુવર્ણપુરીમાં ઊતાર્યું.....ને ભક્તોને ભગવાનનો ભેટો કરાવ્યો. આ કાળે આવા સમવસરણના
દર્શન થાય છે તે પણ મુમુક્ષુ જીવોના મહા સદ્ભાગ્ય છે.
પ્રતિષ્ઠા ઉત્સવ વખતે જ્યારે કુંદકુંદાચાર્યદેવની પ્રતિષ્ઠા માટે સીમંધર ભગવાનના સમવસરણમાં તેમનો
પ્રવેશ થઈ રહ્યો હતો ત્યારનું ભાવ પ્રેરક દ્રશ્ય નીરખતાં કેટલાક ભક્તો ને એમ થતું હતું કેઃ ‘અહા! સીમંધર
ભગવાનના સમવસરણમાં આવીને કુંદકુંદાચાર્યદેવ તેઓશ્રીને વંદન કરી રહ્યા છે–એ પવિત્ર પ્રસંગ જાણે કે
પોતાની નજર સમક્ષ જ બની રહ્યો હોય!’
‘શ્રી સમવસરણના દર્શન કરતાં, શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્ય સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના
સમવસરણમાં ગયા હતા તે પ્રસંગ મુમુક્ષુઓનાં નેત્રો સમક્ષ ખડો થાય છે અને તેની સાથે સંકળાયેલાં અનેક
પવિત્ર ભાવો હૃદયમાં સ્ફુરતાં મુમુક્ષુઓનું હૃદય ભક્તિ ને ઉલ્લાસથી ઊછળી પડે છે. શ્રી સમવસરણ–મંદિર થતાં,
મુમુક્ષુઓને તેમના અંતરનો એક પ્રિયતમ પ્રસંગ દ્રષ્ટિગોચર કરવાનું નિમિત્ત પ્રાપ્ત થયું છે.’
આ સમવસરણના પ્રતિષ્ઠા–મહોત્સવ વખતે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ ‘સમવસરણની સ્તુતિ’
ઉપર ભક્તિ ભરેલાં પ્રવચનો કરેલા, તેમાં જ્યારે–
‘આચાર્યને મન એકદા જિન વિરહતાપ થયો મહા,
–રે! રે! સીમંધર જિનના વિરહા પડયા આ ભરતમાં.

PDF/HTML Page 5 of 23
single page version

background image
–એ કડી આવેલી ત્યારે પૂ. ગુરુદેવશ્રીએ ગદ્ગદભાવે સીમંધર પ્રભુ અને કુંદકુંદ પ્રભુ પ્રત્યેની જે અતિશય
ભક્તિ વ્યક્ત કરેલી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. હાલમાં પણ, સમવસરણ–સ્તુતિમાં જ્યારે ઉપરની કડી
ગવાતી હોય છે ત્યારે પૂ. ગુરુદેવશ્રી આંખો મીંચીને કોઈ વિશિષ્ટ ઊંડા વિચારમાં મગ્ન થઈ જતા હોય એમ
મુમુક્ષુઓને દેખાય છે.
પૂ. ગુરુદેવશ્રી ઘણી વાર ભક્તિભીના અંતરથી કહે છે કેઃ ‘ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો
ઉપકાર છે, અને તેમના દાસાનુદાસ છીએ’ ................... શ્રીમદ્ ભગવત્કુંદકુંદાચાર્ય મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ
વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે
અણુમાત્ર શંકા નથી.....કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ, એ વાત એમ જ છે; માનો તો પણ એમ જ છે, ન
માનો તો પણ એમ જ છે. યથાતથ્ય વાત છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણ સિદ્ધ છે.
અહો! જેમણે પુનિત ચરણથી ભરત ભૂમિને પાવન કરી તે સીમંધર તાતને નમસ્કાર હો......! ...... જે
સંતોની ઊંડી ઊંડી ભક્તિના બળે ભગવાન ભરતે પધાર્યા તે સંતોને નમસ્કાર હો.............
***
“નમું હું તીર્થનાયકને, નમું ૐકાર નાદને; ૐકાર સંઘર્યો જેણે, નમું તે કુંદકુંદને.
અહો ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો; જિન–કુંદ–ધ્વનિ આપ્યાં, અહો! તે ગુરુકહાનનો.”
***
જૈન–વિદ્યાર્થી ગૃહ, સોનગઢ
ગતાંકમાં જાહેર થયા મુજબ અહીં જૈન–વિદ્યાર્થીગૃહ
ચાલુ થઈ ગયેલ છે. હવે તે ગૃહમાં દાખલ થવા ઇચ્છનાર નવા
વિદ્યાર્થીએ મે માસની આખર તારીખ સુધીમાં અહીં નીચેના
સરનામે અરજી મોકલી આપવી, કારણ કે મર્યાદિત સંખ્યામાં જ
વિદ્યાર્થીઓને દાખલ કરવાની યોજના છે. તે મુજબ જો વિદ્યાર્થી
સંખ્યા થઈ જશે તો ત્યારપછી જે અરજી આવશે તે સ્વીકારી
શકાશે નહિ. માટે મુકરર કરેલ તારીખ પહેલાં વિદ્યાર્થીએ પ્રવેશ
માટેની અરજી મોકલી આપવી.
વિદ્યાર્થી દીઠ માસિક ભોજન ખર્ચ રૂા. ૨પ) પચીસ
લેવાનું નક્કી થયેલ છે.
આ વિદ્યાર્થીગૃહમાં ઓછામાં ઓછા ગુજરાતી પાંચમા
ધોરણ તથા તેની ઉપરના વિદ્યાર્થીઓને દાખલ કરવામાં
આવશે. સોનગઢમાં હાઇસ્કૂલ મેટ્રીક સુધીની છે.
મોહનલાલ કાળિદાસ જસાણી,
નેમિદાસ ખુશાલદાસ શેઠ,
મંત્રીઓ
શ્રી જૈન–વિદ્યાર્થીગૃહ
c/o શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢઃ સૌરાષ્ટ્ર

PDF/HTML Page 6 of 23
single page version

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૩૧ઃ
શુદ્ધાત્માના નિર્વિકલ્પ અનુભવ માટે ઝંખતો શિષ્ય
શ્રી સમયસારની પહેલી જ ગાથામાં આચાર્યદેવે આત્મામાં સિદ્ધપણાની સ્થાપના કરી કે હું સિદ્ધ અને
તું પણ સિદ્ધ. સિદ્ધ–ભગવાનના આત્મામાં અને આ આત્મામાં સ્વભાવથી કાંઈ ફેર નથી. આ વાતનો ઘણી
અપૂર્વ રુચિથી સ્વીકાર કરીને શિષ્યને પોતાનો શુદ્ધાત્મા સમજવાની ઝંખના થઈ. તેથી તે શુદ્ધાત્માનું સ્વરૂપ
જાણવાની જિજ્ઞાસાથી તેણે પ્રશ્ન પૂછયો કે હે નાથ! એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ!
હે પ્રભો! જે શુદ્ધ આત્માને જાણ્યા વિના હું અત્યાર સુધી રખડયો, તે શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે? તે કૃપા કરીને
મને બતાવો.
આવા શિષ્યને શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવવા શ્રી આચાર્યપ્રભુએ છઠ્ઠી ગાથામાં ‘જ્ઞાયકભાવ’ નું
વર્ણન કર્યું; ત્યાં વિકારનો અને પર્યાય ભેદનો તો નિષેધ કર્યો, પણ હજી ગુણભેદરૂપ વ્યવહારના નિષેધની વાત
ત્યાં આવી ન હતી. તેથી સાતમી ગાથાની શરૂઆતમાં શ્રી આચાર્યદેવે શિષ્યના મુખમાં પ્રશ્ન મુકાવ્યો છે કે પ્રભો!
દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદથી પણ આ આત્માને અશુદ્ધપણું આવે છે, અર્થાત્ ‘આત્મા જ્ઞાન છે–દર્શન છે–
ચારિત્ર છે’ એમ લક્ષમાં લેવા જતાં પણ ભગવાન શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી માત્ર વિકલ્પની ઉત્પત્તિ
થઈને અશુદ્ધતાનો અનુભવ થાય છે, તો તેનું શું કરવું?
જુઓ! શિષ્યના પ્રશ્નમાં સૂક્ષ્મતા! કોઈ બહારની વાતને તે યાદ નથી કરતો, શરીરની ક્રિયા કે પુણ્ય–
પાપની વાત પણ નથી પૂછતો; અંદરમાં ગુણગુણી ભેદનો વિકલ્પ ઊઠે છે તે પણ તેને ખટકે છે એટલે તેનાથી
આગળ વધીને શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા માટે તેને આ પ્રશ્ન ઊઠયો છે. છઠ્ઠી ગાથામાં શ્રી
ગુરુજી પાસેથી મહા વિનય અને પાત્રતાપૂર્વક જ્ઞાયક સ્વરૂપનું શ્રવણ કરીને તેવો અનુભવ કરવા માટે અંતર
મંથન કરતાં કરતાં ‘હું જ્ઞાયક છું’ એમ લક્ષમાં લેવા માંડયું; પરંતુ તેમાં ગુણગુણી ભેદનો વિકલ્પ ઊઠયો.
ત્યાં પોતાની શુદ્ધાત્મરુચિના જોરે શિષ્યે એટલું તો નક્કી કરી લીધું કે હજી આ ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠે
છે તે પણ શુદ્ધાત્માના અનુભવને રોકનાર છે, આ વિકલ્પ છે તે અશુદ્ધતા છે તેથી તે પણ નિષેધ કરવા જેવો
છે. શિષ્યને રુચિ અને જ્ઞાનમાં એટલી તો સૂક્ષ્મતા થઈ ગઈ છે કે ગુણગુણીભેદના વિકલ્પથી પણ
શુદ્ધઆત્માનો અનુભવ પાર છે–એમ નક્કી કરીને તે ગુણગુણીભેદના વિકલ્પથી પણ છૂટો પડવા માગે છે;
ગુણગુણીભેદના વિકલ્પથી પણ આગળ કાંઈક અભેદ વસ્તુ છે તેને લક્ષમાં લઈને તેનો અનુભવ કરવા માટે
અંતરમાં ઊંડો ઊંડો ઊતરતો જાય છે. અને તે વાત શ્રી ગુરુના મુખથી સાંભળવા માટે વિનયથી પૂછે છે કે
પ્રભો! જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદથી આત્માને લક્ષમાં લેવા જતાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠે છે ને
અશુદ્ધતાનો અનુભવ થાય છે, તો શું કરવું?
શ્રી આચાર્યભગવાન પણ શિષ્યની અત્યંત નિકટ પાત્રતા દેખીને તેને શુદ્ધઆત્માનું સ્વરૂપ સમજાવે છે;
શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં સાતમી ગાથામાં કહે છે કે આ ભગવાન જ્ઞાયક એક આત્મામાં જ્ઞાન–દર્શન–
ચારિત્ર એવા ગુણભેદ વ્યવહારથી જ કહેવામાં આવ્યા છે, પરમાર્થથી તો ભગવાન આત્મા એક અભેદ છે. માટે
‘એક અભેદ જ્ઞાયક આત્મા’ ને લક્ષમાં લઈને અનુભવ કરતાં, ‘હું જ્ઞાન છું’ ઇત્યાદિ ગુણગુણીભેદના વિકલ્પોનો
પણ નિષેધ થઈ જાય છે ને શુદ્ધઆત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે.
શ્રી સમયસાર ગા. ૭ ઉપરના પ્રવચનમાંથી
વીર સં. ૨૪૭૭ અષાડ વદ ૨

PDF/HTML Page 7 of 23
single page version

background image
ઃ ૧૩૨ઃ આત્મધર્મઃ ૧૦૩
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
(૮)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયો દ્વારા
આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર
(અંક ૧૦૨થી ચાલુ)
*
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે–પ્રભો! ‘આ આત્મા કોણ છે
અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે?’ તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવ કહે છે કે ‘આત્મા અનંત
ધર્મોવાળું એક દ્રવ્ય છે, અને અનંત નયાત્મક શ્રુતજ્ઞાન પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે તે જણાય
છે.’ આવા આત્મદ્રવ્યનું અહીં ૪૭ નયોથી વર્ણન ચાલે છે; તેમાં દ્રવ્યનય, પર્યાયનય, અસ્તિત્વ–
નાસ્તિત્વ આદિ સપ્તભંગીના સાત નયો, વિકલ્પનય, અવિકલ્પનય, નામનય અને
સ્થાપનાનય–એ તેર નયોથી આત્મદ્રવ્યનું જે વર્ણન કર્યું તેનું વિવેચન અત્યારસુધીમાં આવી ગયું
છે. ત્યાર પછી આગળનું અહીં આપવામાં આવે છે.
*
(૧૪) દ્રવ્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અનંત ધર્મસ્વરૂપ છે; તેને દ્રવ્યનયથી જોતાં, બાળક શેઠની માફક અને શ્રમણ રાજાની માફક
અનાગત અને અતીત પર્યાયે તે પ્રતિભાસે છે. જેમ કોઈ બાળક ભવિષ્યમાં શેઠ થવાનો હોય ત્યાં ‘આ શેઠ છે’
એમ ભાવિપર્યાયપણે તે ખ્યાલમાં આવે છે, તથા કોઈ જીવ પહેલાં રાજા હોય ને પછી મુનિ થઈ ગયો હોય ત્યાં
‘આ રાજા છે’ એમ ભૂતકાળની પર્યાયપણે તે ખ્યાલમાં આવે છે, તેમ દ્રવ્યનયથી જીવદ્રવ્ય પોતાની ભાવી તેમ
જ ભૂત પર્યાયોપણે ખ્યાલમાં આવે છે–એવો તેનો ધર્મ છે.
આત્મા વર્તમાન પર્યાયપણે જ જણાય ને ભૂત–ભાવી પર્યાયોપણે અત્યારે ન જણાય–એમ નથી; દ્રવ્ય
પોતાની ભૂત–ભવિષ્યની પર્યાયોપણે પણ વર્તમાનમાં જણાય છે એવો તેનો ધર્મ છે અને જ્ઞાનનો પણ ત્રણ
કાળને જાણી લેવાનો સ્વભાવ છે. ‘ભવિષ્યની પર્યાય જ્યારે થાય ત્યારે તેને જાણે, અત્યારે ન જાણે’ એમ જે
માને તેને સર્વજ્ઞની કે વસ્તુના સ્વભાવની ખબર નથી. કોઈ આત્માને ભવિષ્યમાં સિદ્ધપર્યાય થવાની હોય, ત્યાં
‘આ આત્મા સિદ્ધ છે’ એમ ભાવિપર્યાયપણે વર્તમાનમાં દ્રવ્ય જણાય છે. ભૂત–ભવિષ્યની પર્યાયોપણે
વર્તમાનમાં જણાય એવો દ્રવ્યનો ધર્મ છે, ને તે ધર્મને જાણનાર શ્રુતજ્ઞાનને દ્રવ્ય નય કહે છે.
પહેલો દ્રવ્યનય કહ્યો હતો અને આ ચૌદમો દ્રવ્યનય કહ્યો તે બંનેના વિષયમાં ફેર છે. પહેલાં જે દ્રવ્યનય
કહ્યો તેનો વિષય તો સામાન્ય ચૈતન્યમાત્ર દ્રવ્ય છે, અને આ દ્રવ્યનયનો વિષય તો ભૂત–ભાવી પર્યાયવાળું દ્રવ્ય
છે, એટલે અહીં પર્યાયની વાત છે.
દ્રવ્યની જે જે પર્યાયો ભૂતકાળમાં થઈ અને જે જે પર્યાયો ભવિષ્યમાં થવાની છે તે તે પર્યાયોપણે દ્રવ્ય
વર્તમાનમાં જણાય એવો તેનો સ્વભાવ છે. જે દ્રવ્યમાં જે જે જાતની ભવિષ્યની પર્યાય થવાની છે તે તે જાતનો
ધર્મ તે દ્રવ્યમાં ત્રિકાળ પડયો છે. ભવિષ્યની પર્યાયો તો તેના કાળે થશે, પણ જે પર્યાયો થવાની છે તેવો ધર્મ તો
વસ્તુમાં અનાદિ અનંત છે જ. બધા દ્રવ્યોમાં પોતપોતાની ત્રિકાળી પર્યાયો થવાનો ધર્મ પડયો છે. ભવિષ્યમાં
કોઈ આત્મા સિદ્ધ થવાનો હોય અને અત્યારે તે નિગોદમાં પડયો હોય, તે નિગોદના આત્મામાં પણ ભાવી
સિદ્ધપર્યાય થવાનો ધર્મ તો વર્તમાનમાં પડયો છે. વર્તમાનમાં તેને સિદ્ધપર્યાય પ્રગટ નથી પણ ભવિષ્યમાં જે
સિદ્ધપર્યાય થવાની છે તે પર્યાય થવાનો ધર્મ તો તેનામાં અત્યારે પણ રહેલો છે.
શ્રી ઋષભદેવ, મહાવીર વગેરે ભગવંતોના આત્માને અત્યારે તો સિદ્ધદશા વર્તે છે; તે સિદ્ધજીવોને પૂર્વે
તીર્થંકરત્વ પર્યાય હતી; દ્રવ્યનયથી તેમનો આત્મા અત્યારે ભૂતકાળની તીર્થંકરપર્યાયપણે ઓળખાય છે. ઋષભાદિ

PDF/HTML Page 8 of 23
single page version

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૩૩ઃ
‘દ્રવ્યસ્વભાવનું’ ખાસ વર્ણન
–જેમાં ક્રમબદ્ધપર્યાયનો મુખ્ય સિદ્ધાંત પણ
વિશિષ્ટપણે સમજાઈ જાય છે
*
ચોવીસ ભગવંતો અત્યારે કાંઈ તીર્થંકરપણે વિચરતા નથી, અત્યારે તો તેઓ સિદ્ધદશામાં બિરાજે છે,
છતાં વર્તમાનમાં તેમને તીર્થંકરપણે લક્ષમાં લઈને તેમની સ્તુતિ પૂજા કરવી તે દ્રવ્યનય છે; અને ભૂતકાળની
તીર્થંકરાદિ પર્યાયપણે અત્યારે લક્ષમાં આવે છે એવો તે આત્મદ્રવ્યમાં ધર્મ છે. એ જ પ્રમાણે ભવિષ્યકાળની
પર્યાયપણે પણ લક્ષમાં આવે એવો દ્રવ્યનો ધર્મ છે. જેમ કે શ્રેણિક રાજાનો આત્મા અત્યારે તો નરકમાં છે, તે
ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. ‘આ તીર્થંકર છે’ એમ ભવિષ્યની તીર્થંકરપર્યાયપણે તેમને અત્યારે લક્ષમાં લેવા
તે દ્રવ્યનય છે. ત્યાં ભવિષ્યની તીર્થંકરપર્યાયપણે અત્યારે લક્ષમાં આવે છે તેવો તે આત્મામાં ધર્મ છે. વર્તમાનમાં
તો નરકપર્યાય હોવા છતાં, ભૂતકાળની શ્રેણિકપર્યાયરૂપે તેમ જ ભવિષ્યકાળની તીર્થંકરપર્યાયરૂપે તે આત્મા
ખ્યાલમાં આવે છે એવો તેનો એક ધર્મ છે.
શ્રી કુંદકુંદ ભગવાન પહેલાં મુનિદશામાં હતા, અત્યારે એમનો આત્મા સ્વર્ગમાં છે; પૂર્વની
મુનિદશારૂપે તેમના આત્માને અત્યારે લક્ષમાં લેવો તે દ્રવ્યનય છે. આ ભૂતકાળની પર્યાયની વાત કરી, તે
જ પ્રમાણે ભવિષ્યની પર્યાયનું પણ સમજવું. દ્રવ્યમાં ત્રણે કાળની પર્યાયો નિશ્ચિત છે; જો દ્રવ્યની
ત્રણેકાળની પર્યાયો નિશ્ચિત ન હોય તો ભૂત–ભાવિપર્યાયોપણે તેનું જ્ઞાન થઈ શકે નહિ. દ્રવ્યની
ત્રણેકાળની પર્યાયો નિશ્ચિત છે એમ નક્કી કર્યું તેમાં પુરુષાર્થ ઊડી જતો નથી, પણ તેમાં તો દ્રવ્યની
સન્મુખતા થઈને મોક્ષ–માર્ગનો અપૂર્વ પુરુષાર્થ પ્રગટી જાય છે. કેમ કે ભવિષ્યની પર્યાય થવાનો ધર્મ તો
દ્રવ્યનો છે, તેથી ભવિષ્યની પર્યાયનો નિર્ણય કરવા જતાં દ્રવ્યની સન્મુખ થઈને દ્રવ્યનો જ નિર્ણય થઈ જાય
છે એટલે તેમાં દ્રવ્યદ્રષ્ટિનો પુરુષાર્થ આવી જાય છે. દ્રવ્ય તરફ વલણ થઈને દ્રવ્ય–પર્યાયની એકતા થઈ તે
જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે, એનાથી જુદો બીજો પુરુષાર્થ નથી.
જે દ્રવ્યમાં ચક્રવર્તીપણું, તીર્થંકરપણું, સિદ્ધપણું વગેરે પર્યાયો થાય છે તે દ્રવ્યમાં તેવો સ્વભાવ
અનાદિથી જ છે. તીર્થંકર થનારા અમુક આત્માઓ જ હોય છે અને તેમને જ તીર્થંકર–નામકર્મ બંધાય છે;
એ સિવાય બીજા સામાન્ય જીવો સોળ ભાવના ભાવીને તીર્થંકર–નામકર્મ બાંધવા માગે તો એમ કાંઈ
તીર્થંકરનામકર્મ બંધાતું નથી. તીર્થંકર થનારા ખાસ આત્મામાં જ તીર્થંકર પર્યાય થવાનો અનાદિ સ્વભાવ
હોય છે. એ જ પ્રમાણે ચક્રવર્તીપણું, ગણધરપણું, બળદેવપણું, વાસુદેવપણું, વગેરે પર્યાયો થવાનું પણ તે તે
પ્રકારના ખાસ આત્મામાં અનાદિથી સિદ્ધ થયેલ છે, એવો તે તે દ્રવ્યનો અનાદિસ્વભાવ છે. તે તીર્થંકરપણું
વગેરે પર્યાયો જ્યારે પ્રગટ હોય ત્યારે તો તે ભાવનયનો વિષય છે. અને તે પર્યાય પ્રગટ થયા પહેલાં
અથવા તો પ્રગટ થઈ ગયા પછી તે પર્યાયપણે દ્રવ્યને જાણવું તેનું નામ દ્રવ્યનય છે. કોઈ જીવો ભૂતકાળમાં
તીર્થંકર થઈ ગયા અને કોઈ જીવો ભવિષ્યમાં તીર્થંકર થશે, તેઓ વર્તમાનમાં ‘આ જીવ તીર્થંકર છે’ એમ
ભૂત–ભાવી પર્યાયપણે લક્ષમાં આવે છે, –એવો તે દ્રવ્યનો ધર્મ છે; અને તે ધર્મદ્વારા આત્માને લક્ષમાં
લેનારા જ્ઞાનને દ્રવ્યનય કહેવાય છે.
બધા જીવોની પર્યાયો સરખી હોતી નથી, જુદી જુદી થાય છે; એવી પર્યાય થવાનો દ્રવ્યનો સ્વભાવ
અનાદિથી નક્કી થઈ ગયેલો છે. દ્રવ્યની પર્યાયનો અનાદિ સંતતિપ્રવાહ નક્કી થઈ ગયેલો છે; તેમાં કાંઈ આડું–
અવળું કે ફેરફાર થાય નહિ. કોઈ જીવ બળદેવ થાય,

PDF/HTML Page 9 of 23
single page version

background image
ઃ ૧૩૪ઃ આત્મધર્મઃ ૧૦૩
કોઈ ચક્રવર્તી થાય, કોઈ તીર્થંકર થાય, કોઈ એક જ ભવમાં ચક્રવર્તી અને તીર્થંકર બંને પદવી પામે, કોઈ
સામાન્ય કેવળી થઈને મોક્ષ પામે,–એ વગેરે પર્યાયોની યોગ્યતા તે તે દ્રવ્યના સ્વભાવમાં અનાદિથી જ છે.
પર્યાય અપેક્ષાએ તે પર્યાય નવી પ્રગટતી દેખાય છે. પણ દ્રવ્યના સ્વભાવમાં તો અનાદિથી જ તે પર્યાય
થવાનું નક્કી થઈ ગયેલું છે. આવું દ્રવ્યનું સ્વરૂપ જે નક્કી કરે તેને પર્યાયબુદ્ધિ છૂટીને દ્રવ્યની પ્રતીત થઈ
ગઈ, તે સાધક થઈ ગયો, હવે દ્રવ્યના આશ્રયે તેને અલ્પકાળમાં સિદ્ધ પર્યાય પ્રગટી જશે એટલે દ્રવ્યનયે તો
તે વર્તમાનમાં સિદ્ધ થઈ ગયો. આ રીતે, સાધક જીવ આ નયો વડે પોતે પોતાના આત્માને જુએ છે–એવી
અહીં વાત છે; અજ્ઞાનીને તો નય હોતા નથી. કોઈ જીવ ભવિષ્યમાં સિદ્ધ થવાનો છે પણ વર્તમાનમાં અજ્ઞાની
છે; તો તે અજ્ઞાનભાવ વખતે પણ ભવિષ્યમાં સિદ્ધ થવાનો તેના દ્રવ્યનો સ્વભાવ છે, પણ તેને પોતાને તેની
ખબર નથી; બીજો જ્ઞાની પોતાના જ્ઞાનની નિર્મળતાથી તેને જાણી લ્યે છે. વર્તમાન અજ્ઞાન–દશા હોવા છતાં
ભવિષ્યમાં ભગવાન થવાનો તે જ આત્મદ્રવ્યનો ધર્મ તેનામાં વર્તમાન પડયો છે–આમ જે જાણે તેને
પર્યાયબુદ્ધિથી રાગ–દ્વેષ થાય નહિ ને પોતામાં વર્તમાન અજ્ઞાન–દશા રહે નહિ. વર્તમાન પર્યાયમાં
અજ્ઞાનીપણું અને વળી તે જ ક્ષણે તેનામાં ભવિષ્યમાં સિદ્ધપર્યાય થવાનો ધર્મ!–એ ધર્મને કોની સામે જોઈને
નક્કી કરશે? વર્તમાનમાં અજ્ઞાની–પર્યાય છે તેની સામે જોઈને કાંઈ ભવિષ્યની સિદ્ધપર્યાયનો નિર્ણય થાય
નહિ. સિદ્ધપર્યાય થવાની તાકાત તો દ્રવ્યના સ્વભાવમાં ભરી છે, એટલે પોતામાં દ્રવ્યસ્વભાવનો નિર્ણય થયા
વિના ‘આ જીવ ભવિષ્યમાં સિદ્ધ થવાનો છે’ એવો સામા જીવના ધર્મનો નિર્ણય થઈ શકે નહિ. આ રીતે,
ભવિષ્યની પર્યાયપણે જણાય એવો દ્રવ્યનો સ્વભાવ છે તેને જે જાણે તે પોતે તો વર્તમાનમાં સાધક થઈ જાય
છે. વસ્તુમાં જે પર્યાયો થાય છે તે પર્યાયો થવાનો સ્વભાવ તો તેનામાં અનાદિથી એટલે વસ્તુમાં પ્રાપ્તની જ
પ્રાપ્તિ છે. દ્રવ્યનો સ્વભાવ જ અનાદિઅનંત પર્યાયોથી વ્યવસ્થિત છે.
આત્મામાં ભૂતકાળે જે પર્યાયો થઈ કે ભવિષ્યકાળે જે પર્યાયો થશે તે તે પદનો પદવીધર આત્મા પોતે છે;
જીવદ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે દ્રવ્યનયે તે ભૂતભાવી પર્યાયોપણે જણાય છે. જે જીવને ભવિષ્યમાં જે પર્યાય
થવાની જ નથી ને ભૂતકાળમાં પણ થઈ નથી તેનામાં તે જાતની પર્યાય થવાનો ધર્મ જ અનાદિ અનંત નથી;
અને જે જીવને ભવિષ્યમાં જે જાતની પર્યાય થવાની છે તેનામાં તે જાતની પર્યાય થવાનો ધર્મ અનાદિથી જ
રહેલો છે. દ્રવ્યનયે જે દ્રવ્યમાં જે પદવી સ્થિત છે તે પલટે નહિ, અને જે પદવી ન હોય તે કદી થાય નહિ. આમાં
ક્રમબદ્ધ પર્યાયનો મહા સિદ્ધાંત પણ સમાઈ જાય છે.
અહો! ભાવી પર્યાયપણે વર્તમાનમાં લક્ષિત થાય એવો પણ દ્રવ્યનો ધર્મ છે; અનાદિ અનંત કાળના
સમયોમાં જેવા જેવા પર્યાયો છે તેવો દ્રવ્યનો અનાદિ સ્વભાવ જ છે; એટલે ‘હું આવી પર્યાયરૂપે થાઉં’–એવી
પર્યાયની માગણી (પર્યાયની ભાવના) જ યથાર્થ નથી. પણ પર્યાય થવાનો ધર્મ દ્રવ્યમાં છે–એમ દ્રવ્યને લક્ષમાં
લઈને તેની ભાવનામાં એકાગ્ર થતાં જ્ઞાન નિર્વિકલ્પ થાય છે ને નિર્મળ પર્યાય પ્રગટી જાય છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં
દ્રવ્યની જ ભાવના છે, તેને પર્યાયની બુદ્ધિ નથી એટલે આવી પર્યાયને ટાળું ને આવી પર્યાય પ્રગટ કરું–એવો
પર્યાય બુદ્ધિનો વિષમભાવ કે ખદબદાટ તેને હોતો નથી. જ્ઞાની મોક્ષની ભાવના ભાવે છે–એમ ક્યારેક
વ્યવહારથી કહેવાય પણ ખરેખર તો જ્ઞાનીની દ્રષ્ટિમાં અખંડ દ્રવ્યની જ ભાવના છે. ભવિષ્યની મોક્ષ પર્યાય
થવાનો ધર્મ દ્રવ્યમાં પડયો છે, તેથી તે દ્રવ્યની ભાવનામાં મોક્ષપર્યાય ખીલી જાય છે. ‘જ્ઞાનીને બંધ–મોક્ષ પ્રત્યે
સમભાવ છે’ એનો આશય એમ છે કે જ્ઞાનીને અખંડ દ્રવ્યની ભાવનામાં ‘બંધ ટાળું ને મોક્ષ કરું’ એવો
પર્યાયબુદ્ધિનો વિકલ્પ નથી. આ રીતે દ્રવ્યની ભાવનામાં જ મોક્ષનો વીતરાગી પુરુષાર્થ આવી જાય છે; પણ
પર્યાયની ભાવનામાં તો રાગની ઉત્પત્તિ થાય છે.
ત્રણકાળની પર્યાયપણે દ્રવ્ય જણાય છે–એવો દ્રવ્ય સ્વભાવ જેણે નક્કી કર્યો તેને પર્યાયની ભાવના રહેતી
નથી પણ સ્વભાવ બુદ્ધિથી જ તેનું પરિણમન થાય છે એટલે ક્ષણે ક્ષણે તેની પર્યાય નિર્મળ થતી જાય છે; અમુક
પર્યાયને ફેરવીને અમુક પર્યાય કરું–એવી પર્યાયબુદ્ધિ તેને રહેતી નથી. પર્યાયો તો દ્રવ્યના સ્વભાવ પ્રમાણે થાય
છે ને દ્રવ્યનો સ્વભાવ અનાદિ અનંત સ્વયંસિદ્ધ છે.–જેણે આવો દ્રવ્યસ્વભાવ નક્કી કર્યો તેનું જ્ઞાન સ્વભાવના
આશ્રયે નિર્મળ થઈ જ ગયું અને તેને મોક્ષમાર્ગ શરૂ

PDF/HTML Page 10 of 23
single page version

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૩પઃ
થઈ ગયો. હવે તે પર્યાયના પદની સામે મુખ્યપણે જોતો નથી, દ્રવ્યની મુખ્યતાની ભાવનામાં અલ્પકાળે તેની
મુક્તિ થઈ જાય છે.
જ્યાં દ્રવ્યના સ્વભાવને નક્કી કરીને જ્ઞાન તેમાં એકાગ્ર થયું ત્યાં વચ્ચે તીર્થંકરાદિ કેવી પદવી આવે છે
તેના ઉપર જ્ઞાનનું વજન ન રહ્યું. જ્ઞાને આખા દ્રવ્યને વિશ્વાસમાં લઈ લીધું, તે દ્રવ્યમાં જે જે પદ ભર્યાં છે તે
બહાર આવ્યા વિના રહેશે નહિ. જેણે આખું દ્રવ્ય નક્કી કર્યું તેને દ્રવ્યમાંથી કેવળજ્ઞાન અને સિદ્ધપદ તો અલ્પકાળે
આવ્યા વિના રહે જ નહિ; વચ્ચે તીર્થંકરાદિ પદ તો કોઈને હોય ને કોઈને ન પણ હોય. વચ્ચે તીર્થંકરાદિ જે પદ
હશે તે આવ્યા વિના રહેશે નહિ.
જે દ્રવ્યમાં જે પર્યાય થવાનો ધર્મ છે તે દ્રવ્યમાં તે પર્યાય થયા વિના રહેવાની નથી. જે જે પર્યાય થવાની
છે તે પ્રકારનો દ્રવ્યનો અનાદિ સ્વભાવ જ છે એટલે પ્રાપ્તની પ્રાપ્તિ છે, દ્રવ્યમાં જે પર્યાય થવાનો સ્વભાવ છે તે
જ પર્યાય વ્યક્ત થાય છે. વસ્તુનો આવો ધર્મ અનાદિ અનંત છે. આવા વસ્તુ ધર્મને નક્કી કરતાં ત્રિકાળી દ્રવ્યનું
સમ્યગ્જ્ઞાન થાય છે, તે સમ્યગ્જ્ઞાનનો સ્વ–પરપ્રકાશક સ્વભાવ છે. અનંત ધર્મવાળા વસ્તુ સ્વભાવનો નિર્ણય
કરીને સાધક જીવ સ્વભાવના આશ્રયે જ્ઞાતાદ્રષ્ટાપણે સ્વ–પર પ્રકાશક રહ્યો, ત્યાં તેના જ્ઞાનના સ્વ–પરપ્રકાશક
સામર્થ્યનો જેવો વિકાસ હશે તેવા જ જ્ઞેયો આવશે, અને દ્રવ્યમાં તીર્થંકર, ગણધર, ચક્રવર્તી વગેરે જે પર્યાય
થવાનો ધર્મ છે તે જ પર્યાય થશે.
કોઈ આત્મદ્રવ્ય ચક્રવર્તી પદ પામીને મોક્ષ જાય એવા અનાદિ સ્વભાવવાળું હોય ને કોઈ દ્રવ્ય તીર્થંકર
પદ પામીને મોક્ષ જાય એવા અનાદિ સ્વભાવવાળું હોય, કોઈ દ્રવ્ય ચક્રવર્તી પદ તેમજ તીર્થંકરપદ બન્ને પદ
પામીને મોક્ષ જાય એવા સ્વભાવવાળું હોય, કોઈ ગણધર થઈને મોક્ષ જાય, કોઈ બળદેવ થઈને મોક્ષ જાય, કોઈ
અનુક્રમે બળદેવ અને ચક્રવર્તી એમ બંને પદ પામીને મોક્ષ જાય–એ પ્રમાણે દ્રવ્યનો તે પ્રકારનો અનાદિ સ્વભાવ
જ હોય છે; અને કોઈ દ્રવ્ય ચક્રવર્તી, બળદેવ કે તીર્થંકરાદિ કોઈ પદ પામ્યા વગર સામાન્ય કેવળીપણે મોક્ષ પામે–
એવો પણ તેનો અનાદિ સ્વભાવ જ છે. કોઈ જીવ એક જ ભવમાં ચક્રવર્તીપદ અને તીર્થંકરપદ–એ બંને પદ પામે;
પણ બળદેવ કે વાસુદેવપદ હોય અને તે જ ભવે તીર્થંકર પદ પામે–એમ ન બને; તીર્થંકરપણે મોક્ષ જનાર તે જ
પર્યાય પામીને મોક્ષ જાય, તે પર્યાય ફરે નહિ, બળદેવ થઈને મોક્ષ જવાની યોગ્યતાવાળો જીવ બળદેવ પર્યાય
પામીને જ મોક્ષ જાય ને તીર્થંકર થઈને ન જાય;–એ પ્રમાણે જે દ્રવ્યમાં જે પર્યાય થવાનો સ્વભાવ હોય તે જ
પર્યાય થાય છે. કોઈ કહે કે એક આત્મા તીર્થંકર થઈને મોક્ષ પામે ને બીજો આત્મા એમ ને એમ સામાન્યપણે
મોક્ષ પામે,–ગુણમાં બંને સરખા, છતાં આમ કેમ? તો અહીં કહે છે કે–તેવી પર્યાય થવાનો તે દ્રવ્યનો અનાદિધર્મ
છે. અહો! આમાં નિર્વિકલ્પતા છે–વીતરાગતા છે, ‘આમ કેમ’ એવો વિષમભાવનો પ્રશ્ન રહેતો નથી. ‘આમ
કેમ?’–કે એવો જ એ દ્રવ્યનો સ્વભાવ! એટલે પોતાને પોતાના દ્રવ્યસ્વભાવની સન્મુખ જોઈને જ્ઞાતાદ્રષ્ટાભાવ
થઈ જાય છે, એવું આ નિર્ણયનું ફળ છે.
પરને લીધે મારી પર્યાય થાય અથવા તો હું પરની પર્યાયમાં કાંઈ ફેરફાર કરી દઉં–એવી માન્યતાના
ભાવમાં તો મિથ્યાત્વની અનંતી વિષમતા છે, અને હું મારી પર્યાયોમાં ફેરફાર કરું–એવી જે પર્યાયને ફેરવવાની
બુદ્ધિ છે તેમાં પણ પર્યાયદ્રષ્ટિની વિષમતા છે. ધર્મી જીવ તો જાણે છે કે મારી જે પર્યાય થવાની છે તે મારા
દ્રવ્યમાંથી જ થવાની છે અને મારા દ્રવ્યના સ્વભાવ પ્રમાણે જ તે પર્યાય થવાની છે; એટલે દ્રવ્ય–સ્વભાવના
આશ્રયે તેને પર્યાયબુદ્ધિનો વિષમભાવ ટળી ગયો છે. તે સાધક જીવ પોતાની એકેક પર્યાયને જુદી પાડીને ભલે ન
જાણી શકે, પણ સામાન્યપણે તેને એવો નિઃસંદેહ નિર્ણય થઈ ગયો છે કે મારી બધી પર્યાયો થવાનો ધર્મ મારા
દ્રવ્યમાં જ ભર્યો છે; આથી તે સાધકના અભિપ્રાયમાં સદા સ્વદ્રવ્યનો જ આશ્રય વર્તે છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
જુઓ, આમાં ક્યાંય કાંઈ ફેરવવું નથી; દ્રવ્યશક્તિ અનાદિ–અનંત છે, તેને ફેરવવી નથી, તે દ્રવ્યમાં જે
જે પર્યાયો થવાનો ધર્મ છે તે પર્યાયને ફેરવવી નથી, શુભાશુભ વિકલ્પને ફેરવવા નથી. નિમિત્તને ફેરવવા નથી,
સંયોગને ફેરવવા નથી–એ બધું જેમ છે તેમ છે, તેને નક્કી કરીને પોતે પોતાના અંર્ત સ્વભાવસન્મુખ થઈને
વીતરાગી જ્ઞાતાભાવે રહી ગયો ત્યાં પોતાની પર્યાય મોક્ષમાર્ગ અને મોક્ષરૂપે પરિણમી જાય છે.–આવી ધર્મની
રીત છે. બધું જેમ છે તેમ નક્કી કરતાં પોતાની સંયોગીદ્રષ્ટિ છૂટીને સ્વભાવદ્રષ્ટિ થઈ જાય છે

PDF/HTML Page 11 of 23
single page version

background image
ઃ ૧૩૬ઃ આત્મધર્મઃ ૧૦૩
એટલે આત્મામાં મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે.
વસ્તુની અનાદિઅનંત પર્યાયો વસ્તુના સ્વભાવમાં અનાદિથી નિર્માણ થઈ ગયેલી છે, ઈશ્વર વગેરે કોઈ
બીજો પદાર્થ તેની પર્યાયનું નિર્માણ કરનાર નથી. જીવની પર્યાયને બીજો તો ન ફેરવે, પણ જીવ પોતેય પોતાની
પર્યાયના ક્રમને તોડીને તેને આઘી પાછી કરી ન શકે. અહીં કોઈને એમ શંકા થાય કે–જો દ્રવ્ય પોતે પણ પોતાની
અવસ્થામાં ફેરફાર ન કરી શકે તો તો પુરુષાર્થ ન રહ્યો! તેનું સમાધાનઃ ભાઈ! એ વાત ઘણી વાર કહેવાઈ ગઈ
છે કે પોતાની ત્રણેકાળની પર્યાયો પોતાના દ્રવ્યમાંથી જ આવે છે એમ જેણે નક્કી કર્યું છે તેની દ્રષ્ટિ પોતાના
સ્વદ્રવ્ય ઉપર પડી છે ને તેમાં જ મોક્ષનો પરમ પુરુષાર્થ સમાઈ જાય છે. મારી પર્યાય પરમાંથી નહિ આવે પણ
મારા દ્રવ્યસ્વભાવમાંથી જ આવશે, અને તેમાં ફેરફાર નહિ થાય–આમ નક્કી કરનારે કોની સામે જોઈને તે નક્કી
કર્યું છે? નિમિત્ત સામે કે પર્યાય સામે જોઈને તે નક્કી થતું નથી, પણ બધી પર્યાયો થવાનો ધર્મ જેનામાં ભર્યો છે
એવા અખંડ દ્રવ્યની સામે જોઈને જ તે નક્કી થાય છે. આ રીતે આમાં દ્રવ્યના આશ્રયનો અપૂર્વ પુરુષાર્થ આવી
જાય છે, ને તે જ મોક્ષનો પુરુષાર્થ છે.
દ્રવ્યનયથી જોતાં ભૂત–ભાવીની પર્યાયરૂપે દ્રવ્ય જણાય છે–એવો તેનો એક ધર્મ છે. આચાર્યદેવે વસ્તુના
ધર્મોનું જે વર્ણન કર્યું છે તેમાં ઘણી ગંભીરતા છે. દ્રવ્યનયવાળો સાધક એમ જાણે છે કે વર્તમાનમાં જ મારા દ્રવ્યમાં
ભવિષ્યની પર્યાય થવાનો સ્વભાવ પડયો છે એટલે સત્નો જ ઉત્પાદ થાય છે અને મારી પર્યાય પ્રગટવા માટે મારે
કયાંય પરાશ્રય સામે જોવાનું રહેતું નથી પણ મારા સત્ દ્રવ્યની સામે જ જોવાનું રહે છે. દ્રવ્યનો જે સમયે જેવી
પર્યાય થવાનો સ્વભાવ છે તે સમયે તેવી જ પર્યાય થાય, તેવો જ વિકલ્પ આવે અને તેવો જ સંયોગ હોય. આમ
નક્કી કરનારને શું કરવાનું રહ્યું?–કે જેમાંથી પર્યાયો પ્રગટે છે એવું પોતાનું ત્રિકાળી સત્ દ્રવ્ય કેવું છે તેનું જ્ઞાન
કરીને તેમાં એકાગ્ર થવાનું જ રહ્યું; એ સિવાય કયાંય પરમાં કે પોતાની પર્યાયમાં ફેરફાર કરવાનું રહેતું નથી.
શંકાઃ– આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે–એ તો ઠીક, પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં
પણ તેનો કાબુ નહિ?
સમાધાનઃ– અરે ભાઈ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ, પછી
તારી કોને ફેરવવું છે? મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ નક્કી કરતાં જ પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ
ગઈ, તે પર્યાય હવે ક્રમેક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવ્યમાં
અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું ક્યાં રહ્યું? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય
આવશે ક્યાંથી?–દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઇ લીધું (–શ્રદ્ધા–જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં
પર્યાયો કાબુમાં આવી જ ગઈ એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક્ નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી
કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ફરીને સમ્યગ્જ્ઞાન થયું, મિથ્યા શ્રદ્ધા પલટીને સમ્યક્ દર્શન થયું.–એ પ્રમાણે નિર્મળ
પર્યાયો થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી ને પર્યાયના ક્રમની ધારા તૂટી નથી.
દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં
ભેગો જ આવી ગયો.
સ્વ કે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ
ઠરી ગયું એટલે એકલો વીતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. બસ! જ્ઞાનમાં
જ્ઞાતાદ્રષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને
ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે; જ્ઞાતાભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ તે
મિથ્યા બુદ્ધિ છે.
જ્ઞાની ધર્માત્માને ચક્રવર્તી વગેરે પદ આવે ત્યાં તેને એમ નથી થતું કે આવી પર્યાય આવી તેના કરતાં હું
નિર્ધન હોત તો! પોતાની જે ભૂમિકા છે તે અનુસાર પર્યાયમાં રાગ અને સંયોગ આવ્યા વિના રહે નહિ. ચક્રવર્તી
આદિ પર્યાય થાય તે પણ મારા દ્રવ્યનો તે પ્રકારનો ધર્મ છે, દ્રવ્યમાં જે જે પર્યાય થવાનો અનાદિ સ્વભાવ છે તે
પર્યાય ફરે નહિ–આમ જાણતો થકો ધર્મી પોતાના દ્રવ્ય તરફના વલણથી પર્યાયનો જ્ઞાતા રહે છે; ચક્રવર્તી પદમાં
જે અલ્પ રાગ અને સંયોગ છે તેનો તે ખરેખર જ્ઞાતા જ છે; ‘આવી પર્યાય અને આવો સંયોગ કેમ આવ્યો’
એવો વિષમભાવ તેના જ્ઞાનમાંથી

PDF/HTML Page 12 of 23
single page version

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૩૭ઃ
ટળી ગયો છે. ‘સંયોગની કે રાગની ભાવના ન હોવા છતાં વચ્ચે રાગ પર્યાય કેમ આવી?’–એમ જ્ઞાનીને શંકા કે
વિષમભાવ થતો નથી. જ્ઞાની તો જાણે છે કે સંયોગ તો મારાથી પર છે અને રાગ પર્યાય તે પણ મારો ત્રિકાળી
દ્રવ્ય સ્વભાવ નથી. આમ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીને વીતરાગ ભાવ જ વધતો જાય છે. આનું નામ સમ્યક્
ધર્મ છે.
બે કેવળી ભગવાનમાં એકને તીર્થંકરપદ હોય ને બીજાને ન હોય, મુનિઓમાં કોઈકને આચાર્ય પદવી હોય
ને બીજાને ન હોય, સાધકમાં કોઈને વિશેષ પુણ્યનો યોગ હોય ને કોઈને વિશેષ પુણ્યનો યોગ ન પણ હોય,–ત્યાં
ધર્મીને અંદરની પવિત્રતાની શંકા પડતી નથી. તે તે પ્રકારની વિશેષ પર્યાય થાય એવો તે તે દ્રવ્યનો સ્વભાવ જ
છે. પોતાના દ્રવ્યસ્વભાવને સ્વીકારીને તેમાં જ્યાં પર્યાયની એકતા થઈ ત્યાં મોક્ષનું પ્રયોજન સિદ્ધ થઈ જાય છે,
પછી વચ્ચે તીર્થંકરાદિ વિશેષ પદવી હોય કે ન હોય–તેને જ્ઞાની જાણે છે, પણ તેની સાથે મોક્ષમાર્ગનો સંબંધ નથી;
મોક્ષમાર્ગ તો અંતરના અખંડ દ્રવ્યના આશ્રયે જ છે.
અહીં તો કહે છે કે આત્મામાં ભવિષ્યમાં જે પર્યાય થવાની છે તે પર્યાયપણે વર્તમાનમાં તે જણાય–
એવો તેનો સ્વભાવ છે. દ્રવ્યનયથી જોતાં આત્મા આવા સ્વભાવવાળો જણાય છે. જેમ જ્યોતિષી ભવિષ્યમાં
જે થવાનું હોય તેને જાણે પણ જે થવાનું હોય તેને કાંઈ આઘું પાછું ન કરી દે; તેમ દ્રવ્યમાં એવો એક
સ્વભાવ છે કે તેમાં ભવિષ્યમાં જે પર્યાય થવાની હોય તે પર્યાયરૂપે તે વર્તમાનમાં જણાય, પણ તે પર્યાયમાં
ફેરફાર થાય–એવો તેનો સ્વભાવ નથી. જ્યોતિષી શું જુએ? જે થવાનું હોય તે જુએ; ભવિષ્યમાં આ કાળે
આવું ગ્રહણ થશે–એમ તે જાણે, પણ શું તે ગ્રહણને ફેરવી શકે?–ન જ ફેરવી શકે. બસ! જેમ થવાનું છે તેમ
તેણે જાણ્યું છે. તેમ અહીં ત્રિકાળી દ્રવ્યના અનાદિ અનંત પર્યાયો થવાનો જેવો ધર્મ છે તેવો જ્ઞાન જાણે છે;
જ્ઞાન તેનો નિષેધ ન કરે અને તેને ફેરવે પણ નહિ. દ્રવ્યમાં ભવિષ્યની જે જે પર્યાયો થવાની હોય તે પર્યાય
થયા પહેલાં, વર્તમાનમાં પણ, તેનામાં તે તે પર્યાયો થવાનો ધર્મ રહેલો છે; અને તે ભાવિપર્યાયપણે દ્રવ્યને
વર્તમાનમાં જાણી લ્યે એવો શ્રુતજ્ઞાનનો એક પ્રકાર છે, તેનું નામ દ્રવ્યનય છે. વસ્તુની અનંત પર્યાયોમાંથી
દરેકને જુદી પાડીને શ્રુતજ્ઞાની ભલે ન જાણી શકે, પણ સામાન્યપણે તો તેના નિર્ણયમાં આવી ગયું છે કે
દ્રવ્યમાં ત્રણ કાળની જે જે પર્યાયો છે તે બધી પર્યાયો થવાનો દ્રવ્યનો પોતાનો સ્વભાવ છે. આવો નિર્ણય
હોવાથી કોઈ પણ પર્યાય વખતે ધર્મીને દ્રવ્યદ્રષ્ટિ ખસતી નથી. આવો દ્રવ્યસ્વભાવ સમજ્યા પછી તેનું ઘુંટણ
અને તેમાં એકાગ્રતા રહે તેનું નામ ચારિત્ર છે.
જ્યાં સ્વભાવ સન્મુખ સાધકદશા થઈ ત્યાં ‘હું અલ્પકાળે સિદ્ધ થવાનો છું’ એમ સાધકને નિર્ણય થઈ
જાય છે. ભવિષ્યમાં અલ્પકાળે સિદ્ધદશા થવાની છે ત્યાં ‘હું સિદ્ધ છું’ એમ ભાવી પર્યાયરૂપે વર્તમાનમાં પોતાનો
આત્મા જણાય–એવો તેનો ધર્મ છે, અને શ્રુતજ્ઞાનનો તેવું જાણવાનો સ્વભાવ છે.
જુઓ! અહીં તો જેને ભવિષ્યમાં સિદ્ધપર્યાય થવાની છે એવા આત્માની જ વાત લીધી છે એટલે કે
ભવ્યજીવની જ વાત લીધી છે. જેને ભવિષ્યમાં સિદ્ધ પર્યાય થવાની છે તે પોતે પોતાને વર્તમાનમાં સિદ્ધપણે
દ્રવ્યનયથી જાણે છે. આ નયો સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાનીને જ હોય છે. ભવિષ્યમાં સિદ્ધપર્યાય થવાનો જેના દ્રવ્યનો
સ્વભાવ છે અને જેનું પોતાનું જ્ઞાન ભાવિ–સિદ્ધપર્યાયપણે પોતાના દ્રવ્યને જાણનાર છે એવા સમ્યગ્જ્ઞાનીની જ
અહીં વાત છે. તેને જ યથાર્થ દ્રવ્યનય હોય છે. અભવ્ય વગેરેને કદી સિદ્ધપર્યાય થવાની નથી, તેમ જ તેનામાં તે
પ્રકારની પર્યાયપણે દ્રવ્યને જાણે એવો નય પણ હોતો નથી. તે પોતે પોતાના દ્રવ્યસ્વભાવને જાણતો નથી. તેના
દ્રવ્યના સ્વભાવને કે ભૂત–ભાવિ પર્યાયને બીજા શ્રુતજ્ઞાની જાણે છે, પણ તે પોતે પોતાને જાણતો નથી; અને જે
જીવ પોતે જાણે છે તેને પોતાને તો ભવિષ્યમાં સિદ્ધપર્યાય થવાનો જ સ્વભાવ છે; સિદ્ધ–પર્યાય ન થવાની હોય
તેવા જીવો તો તેને પરજ્ઞેયમાં છે, સ્વજ્ઞેયમાં તો સિદ્ધપર્યાય થવાની જ છે. આ વાત જાણે અને તેને મોક્ષપર્યાય ન
થાય એમ બને જ નહિ. અભવ્યની અહીં વાત નથી; અહીં તો જે પોતે પોતાના સ્વભાવને જ્ઞાનનું જ્ઞેય બનાવીને
જાણે એવા મોક્ષગામી જીવની જ વાત છે; જ્ઞાનની અને વસ્તુના સ્વભાવની એકતાની વાત છે. નયોદ્વારા
વસ્તુસ્વભાવને સાધીને તેમાં જ્ઞાનની એકતા કરવા માટે અહીં નયોથી આત્માનું વર્ણન કર્યું છે. આ વાત
આચાર્યદેવ ૧૯ મા કલશમાં કહેશે કે “આ રીતે સ્યાત્કારશ્રીના વસાવટને વશ

PDF/HTML Page 13 of 23
single page version

background image
ઃ ૧૩૮ઃ આત્મધર્મઃ ૧૦૩
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
*
૭ઃ પ્રભુત્વ શક્તિ
આત્માની પ્રભુતાનું અદ્ભુત વર્ણન
અનંત ધર્મરૂપ આત્મા છે, તેને ‘જ્ઞાનમાત્ર’ કહીને ઓળખાવ્યો તેથી એકાંત થઈ જતો નથી, કેમ કે
જ્ઞાનમાત્ર ભાવ પરિણમતાં તેની સાથે અનંત ધર્મોનું પરિણમન ભેગું જ ઊછળે છે તેથી જ્ઞાનમાત્ર ભાવને
અનેકાંતપણું છે. અહીં જ્ઞાનમાત્ર ભાવની સાથે રહેલા ધર્મોનું વર્ણન ચાલે છે.
આત્મામાં ‘પ્રભુત્વ’ નામની એક શક્તિ છે, તેથી અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી આત્મા સદા
શોભી રહ્યો છે. જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવાસ્વાતંત્ર્યથી
(સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે. જેમ આત્મામાં
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, જીવન વગેરે શક્તિઓ છે તેમ આ પ્રભુત્વશક્તિ પણ છે. આત્માના દ્રવ્ય–ગુણ–
પર્યાય ત્રણેમાં પ્રભુતા રહેલી છે. આત્મામાં ક્યાંય પામરતા નથી પણ પ્રભુતા છે; દ્રવ્યમાં પ્રભુત્વ છે,
જ્ઞાનાદિ અનંતગુણોમાં પ્રભુત્વ છે ને પર્યાયમાં પણ પ્રભુત્વ છે. દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેની સ્વતંત્રતાથી
આત્મા શોભી રહ્યો છે. આત્માના દ્રવ્યની ગુણની કે પર્યાયની પ્રભુતાના પ્રતાપને ખંડિત કરવા કોઈ સમર્થ
નથી. કોઈ નિમિત્ત વગેરે પરવસ્તુથી કે પુણ્યથી આત્મા શોભતો નથી પણ પોતાની અખંડ પ્રભુતાથી જ
આત્મા શોભે છે. જેટલા પ્રભુ થયા તે બધાય પોતાના આત્માની પ્રભુતાને જાણી–જાણીને જ થયા છે,
પ્રભુતા ક્યાંય બહારમાંથી નથી આવી. પામરતામાંથી પ્રભુતા નહિ આવે, પણ આત્મસ્વભાવ ત્રિકાળ
પ્રભુતાનો પિંડ છે તેમાંથી જ પ્રભુતા આવશે.
______________________________________________________________________________
વર્તતા નયસમૂહો વડે જીવો જુએ તોપણ અને પ્રમાણ વડે જુએ તોપણ સ્પષ્ટ અનંત ધર્મોવાળા નિજ
આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધ ચૈતન્યમાત્ર દેખે છે જ.” એટલે પોતાના શુદ્ધચૈતન્ય માત્ર આત્મસ્વભાવને દેખવો તે
જ આ બધાય નયોનું તાત્પર્ય છે.
વસ્તુ અનાદિઅનંત છે, તેમાં વર્તમાન એક પર્યાય પ્રગટ છે, તે સિવાયની ભૂત–ભવિષ્યની પર્યાયો
અપ્રગટ છે; તે ભૂત–ભવિષ્યની અપ્રગટ પર્યાયોપણે વર્તમાનમાં જણાય એવો દ્રવ્યનો ધર્મ છે. દ્રવ્ય
વર્તમાનપર્યાય જેટલું જ નથી પણ તે તો ત્રણકાળની પર્યાયના સામર્થ્યનો પિંડ છે. વર્તમાન પર્યાય જ જણાય
ને ભૂત–ભવિષ્યની પર્યાયો જ્ઞાનમાં ન જણાય–એમ નથી, વર્તમાન પર્યાયની માફક ભૂત–ભવિષ્યની પર્યાયો
પણ જ્ઞાનમાં જણાય છે. શ્રુતજ્ઞાનથી સામાન્યપણે એમ ખ્યાલમાં આવે છે કે આ દ્રવ્યે પૂર્વે અનંત ભવો કર્યા
છે; ને જો વિશેષ નિર્મળતા થાય તો શ્રુતજ્ઞાનીને પૂર્વના અસંખ્ય વર્ષોના અનેક ભવો ખ્યાલમાં આવી જાય
છે. જીવ અનાદિનો છે ને તેની પર્યાયો પણ અનાદિથી છે. પૂર્વે એકલું દ્રવ્ય જ હતું ને પર્યાયો ન હતી–એમ
નથી, કેમકે પર્યાય વગરનું દ્રવ્ય કદી હોય નહિ. પૂર્વે મોક્ષપર્યાય આ જીવને કદી થઈ નથી, કેમ કે જો
મોક્ષપર્યાય થઈ હોય તો તેને આ સંસાર હોય નહિ; માટે અત્યાર સુધીનો અનાદિકાળ જીવે જુદા જુદા
ભવમાં જ ગાળ્‌યો છે. આ રીતે શ્રુતજ્ઞાનમાં દ્રવ્યની ભૂત–ભાવિ પર્યાયો પણ પ્રતિભાસે છે. પૂર્વ ભવની
પર્યાયપણે જણાય એવો આત્મામાં ધર્મ છે. એક દ્રવ્યનયમાં આટલું સામર્થ્ય છે કે દ્રવ્યની ભૂત ભવિષ્યની
પર્યાયોને નક્કી કરી શકે; દ્રવ્યમાં આવો જ્ઞેયધર્મ છે ને જ્ઞાનમાં તેવું જાણવાનો ધર્મ છે. આ એક ધર્મને પણ
યથાર્થ નક્કી કરતાં ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ પ્રતીતમાં આવ્યા વગર રહેતું નથી.
(–ચાલુ)

PDF/HTML Page 14 of 23
single page version

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૩૯ઃ
માટે પહેલાં પોતાની પ્રભુતાનો વિશ્વાસ કરો.
આ વખતે (વીર સં. ૨૪૭પના) સુપ્રભાત–મંગલમાં આ પ્રભુત્વ શક્તિનું વર્ણન આવ્યું હતું. બેસતા વર્ષે
લોકો શરીર–મકાન વગેરે બહારની શોભા કરે છે, પણ અહીં તો અંતરમાં આત્માની શોભાની વાત છે. ઘર
વગેરેની શોભામાં આત્માની શોભા નથી પણ પોતાની પ્રભુત્વ શક્તિથી જ આત્માની અખંડ શોભા છે,
આત્માનો પ્રતાપ અખંડ છે.
ચૈતન્ય ભગવાન અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે શોભી રહ્યો છે; જગતના કોઈ નિમિત્તો કે પ્રતિકૂળ સંયોગો
તેની શોભાને નુકશાન કરી શકતા નથી તેમજ કોઈ અનુકૂળ સંયોગો તેની શોભાને સહાય પણ કરતા નથી, તે
પોતે પોતાના અખંડિત પ્રતાપથી શોભે છે, એવી પ્રભુતા આત્મામાં ત્રિકાળ છે. દ્રવ્યમાં પ્રભુતા છે, ગુણમાં પ્રભુતા
છે ને પર્યાયમાં પણ પ્રભુતા છે. દ્રવ્યગુણની પ્રભુતાના સ્વીકારથી પર્યાયમાં પણ પ્રભુતા પ્રગટી ગઈ છે.
દ્રવ્યદ્રષ્ટિથી જોતાં આત્માની પ્રભુતામાં કદી વિકાર થયો જ નથી. પર્યાયમાં એકેક સમયનો વિકાર કરતાં
કરતાં અત્યારસુધીનો ગમે તેટલો કાળ ગયો ને ગમે તેટલી મલિનતા થઈ, પરંતુ દ્રવ્યની પ્રભુતાને તોડવા તે કોઈ
સમર્થ નથી, દ્રવ્યની પ્રભુતા તો અખંડ પણે એવી ને એવી શોભી રહી છે, તેમાં અંશમાત્ર ખંડ પડયો નથી; તેમ
જ ગુણનું પ્રભુત્વ પણ એવું ને એવું અખંડિત છે; અને એકેક સમયની પર્યાય પણ પરની અપેક્ષા વગર સ્વાશ્રયે
સ્વતંત્રતાથી શોભી રહી છે. આ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની પ્રભુતા જયવંત વર્તી રહી છે. પ્રભુત્વશક્તિ આત્માના
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપી રહી છે, તેથી આત્મા પોતે પ્રભુ છે.
‘હે પ્રભુ, હે પ્રભુ! શું કહું......’ એમ બીજાને પોતાના પ્રભુ કહેવા તે વિનયથી વ્યવહારનું કથન છે;
ખરેખર આ આત્માનો પ્રભુ કોઈ બીજો નથી, પોતે જ પોતાની પ્રભુત્વ–શક્તિનો ધણી છે, સ્વતંત્રતાના અખંડ
પ્રતાપથી પોતે શોભે છે તેથી પોતે જ પોતાનો પ્રભુ છે. આત્માની પ્રભુતાનો પ્રતાપ એવો અખંડિત છે કે અનંત
અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહો આવે તોય તેનો પ્રતાપ ખંડિત થતો નથી, અરે! ક્ષણિક પુણ્ય–પાપની વૃત્તિથી પણ
તેની પ્રભુતાનો પ્રતાપ ખંડિત થતો નથી; કેમકે આત્માની પ્રભુત્વશક્તિ તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે
ને ત્રિકાળ છે, વિકાર કાંઈ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપતો નથી તેમજ તે ત્રિકાળ નથી, માટે તે ક્ષણિક વિકાર
વડે પણ આત્માની પ્રભુતા ખંડિત થઈ જતી નથી. આત્માની આવી પ્રભુતા છે તે દ્રવ્ય–દ્રષ્ટિનો વિષય છે. આવી
આત્માની પ્રભુતા જેને બેઠી તેને પર્યાયમાં કેવળજ્ઞાનરૂપી પ્રભુતા પ્રગટયા વગર રહે નહિ.
ધર્મી જાણે છે કે મારી પ્રભુતા મારામાં છે, મારી પ્રભુતાથી જ મારી શોભા છે; મારી પ્રભુતાનો પ્રતાપ
એવો અખંડિત છે કે ત્રણલોકમાં કોઈ દ્રવ્ય–ગુણ–પર્યાય મારા દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતાની શોભાને લૂંટનાર
નથી. મારું પ્રભુત્વ અનાદિ અનંત છે, હું મારી અખંડ સ્વતંત્રતાના પ્રતાપથી શોભી રહ્યો છું. મારા એકેક ગુણમાં
પણ પ્રભુત્વ છે, જ્ઞાનમાં જાણવાનું પ્રભુત્વ છે કે એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે, શ્રદ્ધામાં પ્રતીતિનું
એવું પ્રભુત્વ છે કે એક ક્ષણમાં પરિપૂર્ણ પરમાત્માને પ્રતીતમાં લ્યે, દર્શનમાં દેખવાનું પ્રભુત્વ છે, આનંદમાં
આહ્લાદનું પ્રભુત્વ છે. એ રીતે જ્ઞાન–શ્રદ્ધા આનંદ વગેરે ગુણો પોતાના અખંડ પ્રતાપથી શોભી રહ્યા છે. દ્રવ્ય–
ગુણની જેમ એકેક સમયની પર્યાયમાં પણ મારી પ્રભુતા છે. પર્યાયમાં અલ્પ રાગદ્વેષ થાય છે તે ગૌણ છે, તેનો
ત્રિકાળી આત્મસ્વરૂપમાં અભાવ છે. આત્માની પ્રભુતા કદી અધૂરી કે પરની ઓશિયાળી થઈ જ નથી, તે તો
ત્રિકાળ અબાધિત છે, તેનો સ્વાધીન પ્રતાપ અખંડ છે. વિકારમાં તો પ્રભુત્વ જ નથી કેમ કે તે ત્રિકાળી દ્રવ્ય
ગુણમાં કે સમસ્ત પર્યાયોમાં વ્યાપતો નથી. આત્માની પ્રભુતાતો ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં તેમ જ સમસ્ત પર્યાયોમાં
વ્યાપનારી છે.
જેને પોતાની ચૈતન્ય પ્રભુતાનું ભાન નથી એવા અજ્ઞાની જીવો પર સંયોગથી પોતાની મોટપ માને છે ને
તે સંયોગ મેળવવાની ભાવના કરે છે. બહારમાં રિદ્ધિ સિદ્ધિ મળે ને શરીર સારું રહે એવી બહારના પદાર્થોની
ભાવના અજ્ઞાની કરે છે પણ પોતે પોતાના સ્વભાવની રિદ્ધિ–સિદ્ધિ અને પ્રભુતાથી ભરેલો છે તેની ઓળખાણ ને
ભાવના કરતો નથી. જેણે પોતાના સુખ માટે પર વસ્તુની જરૂર માની તેણે પોતાના આત્માની પ્રભુતા માની
નથી પણ પામરતા માની છે, તેથી તેને પર્યાયમાં પ્રભુતા પ્રગટતી નથી. અહીં તો કહે છે કે ત્રિકાળી પ્રભુતાના
સ્વીકારથી પર્યાયમાં જે પ્રભુતા પ્રગટી તેના પ્રતાપને ખંડિત કરવા જગતમાં કોઈ ક્ષેત્ર, કોઈ કાળ કે કોઈ સંયોગ
સમર્થ નથી.

PDF/HTML Page 15 of 23
single page version

background image
ઃ ૧૪૦ઃ આત્મધર્મઃ ૧૦૩
શ્રદ્ધાની એકેક સમયની પર્યાયમાં એવી ત્રેવડ છે કે આખા પરિપૂર્ણ દ્રવ્યને તે પ્રતીતમાં લઈ લે છે. શ્રદ્ધા–
જ્ઞાન–આનંદ વગેરે ગુણોની એકેક પર્યાયે દ્રવ્યની અખંડતાને ટકાવી રાખી છે. જો જ્ઞાન વગેરે કોઈ પણ ગુણની
એક જ પર્યાય કાઢી નાખો તો ગુણનું અનાદિ–અનંત અખંડપણું રહેતું નથી, અને ગુણ અખંડ ન રહેતાં દ્રવ્ય પણ
અખંડ રહેતું નથી; માટે એકેક પર્યાયમાં પણ પ્રભુત્વ છે. દ્રવ્ય અનંત ગુણનો પિંડ છે ને ગુણ અનાદિ અનંત
પર્યાયોનો પિંડ છે; એટલે દ્રવ્યની પ્રભુતા તેના સમસ્ત ગુણોમાં ને સમસ્ત પર્યાયોમાં ફેલાયેલી છે, તે બધાય
સ્વતંત્રતાથી શોભી રહ્યાં છે. આત્માની અનંત શક્તિઓમાંથી જો એક શક્તિને પણ કાઢી નાંખો તો દ્રવ્યની
પ્રભુતા ખંડિત થઈ જાય; તેમ જ જ્ઞાન–દર્શન–અસ્તિત્વ વગેરે કોઈ એક ગુણની એક સમયની અવસ્થા કાઢી
નાંખો તો પણ ગુણ અનાદિ અનંત અખંડ નથી રહેતો પણ તે ખંડિત થઈ જાય છે. અહીં એકેક સમયની પર્યાયની
પણ પ્રભુતા સિદ્ધ થાય છે.
પર્યાય એક સમયની જ છે માટે તેને તુચ્છ–અસત્ માને ને તેની સ્વતંત્ર પ્રભુતા ન સ્વીકારે, તો પર્યાયની
પ્રભુતા વગર દ્રવ્યની અખંડ પ્રભુતા જ સિદ્ધ નહિ થાય. જેમ કોઈ માણસ ૧૦૦ વર્ષની ઉંમરનો હોય, તેના ૧૦૦
વર્ષમાંથી એક સમય પણ જો કાઢી નાંખો તો તેનું ૧૦૦ વર્ષનું અખંડપણું નથી રહેતું પણ એક તરફ પ૦ વર્ષ
અને બીજી તરફ પ૦ વર્ષમાં એક સમય ઓછો–એમ બે ખંડ પડી જાય છે; તેમ જો દ્રવ્યના એક પણ પર્યાયની
સત્તાને કાઢી નાંખો તો દ્રવ્યનો પ્રતાપ ખંડિત થઈ જાય છે, પર્યાય વગર આખું દ્રવ્ય જ સિદ્ધ થઈ શકતું નથી. આ
રીતે દ્રવ્યની એકેક પર્યાયમાં પણ અખંડ પ્રતાપ છે.–આવી આત્માની પ્રભુતાશક્તિ છે.
આત્માની પ્રભુતા અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલી છે, જેમ એકેક પર્યાયમાં પ્રભુતા છે તેમ એકેક પ્રદેશમાં પણ
પ્રભુતા છે, પ્રદેશે પ્રદેશે પ્રભુતા ભરી છે. અનાદિઅનંત એક પ્રદેશ બીજા પ્રદેશરૂપે થતો નથી. બીજા અનંત
જીવોના અનંત પ્રદેશોથી ભિન્ન પોતાનું સ્વાધીન અસ્તિત્વ તે ટકાવી રાખે છે–એવી પ્રદેશની પ્રભુતા છે. આત્મામાં
પર્યાયની પ્રભુતા અને પ્રદેશની પ્રભુતામાં એટલો ફેર છે કે એક પર્યાય તો આત્માના સર્વક્ષેત્રમાં–બધા પ્રદેશમાં
વ્યાપક છે, પણ એક પ્રદેશ સર્વપ્રદેશોમાં વ્યાપક નથી; પર્યાય સર્વપ્રદેશમાં વ્યાપક છે પણ તે એક જ સમય પૂરતી
છે, અને એક પ્રદેશ સર્વપ્રદેશમાં વ્યાપક ન હોવા છતાં તે ત્રિકાળ છે. ક્ષેત્ર ભલે નાનું હોય તો પણ તેમાં ય પ્રભુતા
છે, ને પર્યાયનો કાળ ભલે ઓછો હોય તો પણ તેમાંય પ્રભુતા છે. ભગવાન આત્માનો કોઈ અંશ પ્રભુતાથી
ખાલી નથી. જો પોતાના આત્માની આવી અખંડ પ્રભુતા જાણે તો કોઈ પર વસ્તુને પ્રભુતા ન આપે એટલે કે
પરનો આશ્રય ન કરે, પરાશ્રય છોડીને પોતાની પ્રભુતાનો આશ્રય કરે એનું નામ ધર્મ છે ને એ જ મુક્તિનો
ઉપાય છે. આત્માની પ્રભુતાના સ્વીકારમાં સ્વાશ્રયનો સ્વીકાર છે ને સ્વાશ્રયના સ્વીકારમાં મુક્તિ છે. જો કોઈ
નિમિત્ત સંયોગ વગેરે પરના આશ્રયે લાભ માને તો પોતાની પ્રભુતાની પ્રતીત રહેતી નથી, તેમ જ પર્યાયમાં
થતા અલ્પ વિકારને પ્રભુતા આપી દે તોપણ પોતાની પ્રભુતાની પ્રતીત રહેતી નથી. સંયોગ અને વિકાર વગરની
આત્માની અનંત ગુણોથી અખંડ પ્રભુતા છે.
અજ્ઞાની કહે છે કે દ્રવ્ય–ગુણમાં તો સ્વતંત્ર પ્રભુતા છે, પણ પર્યાય પરના આશ્રયે થાય છે. જેણે પર્યાયને
પરના આશ્રયે થતી માની છે તેણે ખરેખર દ્રવ્ય–ગુણની સ્વાધીન પ્રભુતાને પણ જાણી નથી. જ્યાં દ્રવ્ય–ગુણની
પ્રભુતાને સ્વીકારી ત્યાં પર્યાય પણ દ્રવ્ય–ગુણ તરફ વળી ગઈ ને તેમાં પણ પ્રભુતા થઈ ગઈ; આ રીતે દ્રવ્ય–
ગુણની સન્મુખ વળ્‌યા વિના દ્રવ્ય–ગુણની પ્રભુતાને પણ ખરેખર સ્વીકારી ન કહેવાય. જો ખરેખર દ્રવ્ય–ગુણની
પ્રભુતા સ્વીકારે તો પર્યાયનું વલણ પરાશ્રયથી છૂટીને અંતર્મુખ થયા વિના રહે નહિ. જેમ ત્રિકાળી દ્રવ્યગુણ સત્–
અહેતુક છે તેમ એકેક સમયની પર્યાય પણ સત્–અહેતુક છે. પર્યાયનું કારણ પરવસ્તુઓ તો નથી, તેમ જ જો
પર્યાયનું કારણ દ્રવ્ય–ગુણને કહો તો તે દ્રવ્ય–ગુણ તો બધા જીવોને એક સરખા છે છતાં પર્યાયમાં ફેર કેમ પડે
છે? માટે દરેક પર્યાયમાં પોતાની અકારણીય પ્રભુતા છે. પર્યાયનું આવું નિરપેક્ષપણું કબુલ કરતાં પર્યાયનું નિર્મળ
પરિણમન જ થતું જાય છે; કેમ કે નિરપેક્ષતા કબુલ કરનારી પર્યાય સ્વદ્રવ્ય તરફ ઝૂકેલી છે. અહો! દ્રવ્યનો અંશે
અંશ સ્વતંત્ર છે, એક અંશમાત્ર પણ પરાધીન નથી.–આવી પ્રતીત કરનારને સ્વભાવ–આશ્રિત નિર્મળ પરિણમન
જ થઈ રહ્યું છે.
પ્રભુત્વશક્તિએ આખા આત્માને પ્રભુતા આપી છે; એકલા પ્રભુત્વગુણમાં જ પ્રભુતા છે એમ નથી, પણ
આખા દ્રવ્યમાં, તેના સમસ્ત ગુણોમાં તેમ જ દરેક પર્યાયમાં

PDF/HTML Page 16 of 23
single page version

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૪૧ઃ
પ્રભુતા છે.–આવી પ્રભુતાને જાણવાથી જીવ પોતાના અનંત પ્રભુત્વને પામે છે. આવી પોતાની પ્રભુતાનું શ્રવણ–
મંથન કરીને તેનો મહિમા–રુચિ અને તેમાં લીનતા કરવી તે અપૂર્વ મંગળ છે.
સમ્યક્શ્રદ્ધાએ આખા આત્માની પ્રભુતાની પ્રતીત કરી છે, પર્યાયની પ્રભુતાએ આખા દ્રવ્યની પ્રભુતાનો
સ્વીકાર કર્યો છે. હવે તે દ્રવ્યના જ લક્ષે એકાગ્ર થઈને પૂર્ણ કેવળજ્ઞાનરૂપી પ્રભુતા થશે. તે પ્રભુતાના
અપ્રતિહતભાવમાં વચ્ચે કોઈ વિઘ્ન કરનાર આ જગતમાં નથી.
આત્માની પ્રભુતા કેવડી હશે?–શું મેરુપર્વત જેવડી હશે! તો કહે છે કે ના; મેરુની ઉપમા તો તેને બહુ
નાની પડે. ક્ષેત્રની વિશાળતાથી આત્માની પ્રભુતાનું માપ ન નીકળે, એક સમયની પર્યાયમાં અનંતા મેરુને જાણી
લ્યે–એવું તેનું ભાવપ્રભુતાનું સામર્થ્ય છે. આત્માની એક જ્ઞાનપર્યાય એક સાથે સમસ્ત લોક–અલોકને જાણી લ્યે
છતાં હજી અનંતું જાણે તેવું સામર્થ્ય બાકી રહી જાય છે; એટલે લોકાલોકની ઉપમાથી પણ એક જ્ઞાનપર્યાયના
સામર્થ્યનું ય પૂરું માપ નથી નીકળતું, તો આખા આત્માની પ્રભુતાના સામર્થ્યની શું વાત કરવી? આત્માની એક
પર્યાયની આવડી મોટી પ્રભુતાનો જેને વિશ્વાસ અને આદર થયો તે જીવ પોતાની પર્યાયમાં કોઈ પરનો આશ્રય
ન માને, રાગનો આદર ન કરે, અપૂર્ણતામાં તેને ઉપાદેય ભાવ ન રહે, તે તો પૂરા સ્વભાવના આશ્રયે પૂરી દશા
પ્રગટ કર્યે જ છૂટકો કરે. પૂર્ણ ધ્યેયને લક્ષમાં લીધા વગરની શરૂઆત સાચી હોય નહિ; કેમ કે પૂર્ણ ધ્યેય જેના
લક્ષમાં નથી આવ્યું તે તો અધૂરી દશાનો ને વિકારનો આદર કરીને ત્યાં જ અટકી જશે, તેને પૂર્ણતા તરફનો
પ્રયત્ન ઊપડશે નહિ. જેને આત્માની પ્રભુતાનો વિશ્વાસ આવ્યો તેને પૂર્ણતાના લક્ષે શરૂઆત થઈ ગઈ એટલે
તેના આત્મામાં સમ્યગ્દર્શનરૂપી પરોઢિયું થયું–અંશે સુપ્રભાત શરૂ થયું, હવે અલ્પકાળમાં સુપ્રભાત થશે ને
કેવળજ્ઞાનરૂપી ઝગમગતો સૂર્ય ઊગશે. આચાર્યદેવ કહે છે કે એવું સુપ્રભાત જયવંત વર્તે છે. તે સુપ્રભાત પ્રગટયા
પછી કદી અસ્ત થતું નથી.
અહો જીવો! પ્રતીત તો કરો.......તમારી પ્રભુતાની પ્રતીત તો કરો.....તમારા જ્ઞાન સ્વભાવમાં તમારી
પ્રભુતા ભરી છે તેનો વિશ્વાસ તો કરો, ‘હું એક સમયના વિકાર જેટલો તુચ્છ–પામર નથી પણ મારો આત્મા
ત્રણલોકનો ચૈતન્યનાથ છે, હું જ અનંત શક્તિવાળો પ્રભુ છું.’–એમ પોતાની પ્રભુતાનો એવો દ્રઢ વિશ્વાસ કરો કે
ફરીથી કદી કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગમાં સુખ કે દુઃખની કલ્પના ન થાય અને અખંડ પ્રતાપવંત કેવળજ્ઞાન
લેવામાં વચ્ચે વિઘ્ન ન આવે.
અખંડ પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભાયમાનપણું તે પ્રભુતાનું લક્ષણ છે. આત્મામાં એવો અખંડ પ્રતાપ
છે કે અનંતી પ્રતિકૂળતાના ગંજ આવી પડે તોય પોતાની પ્રભુતાને તે ન છોડે, કોઈને આધીન થઈ જાય એવો
તેનો સ્વભાવ નથી; તેને કોઈ પરની ઓશિયાળ ન કરવી પડે, કોઈના ઓજસમાં–પ્રભાવમાં તે અંજાઈ ન જાય,
કોઈથી ભય ન પામે,–આવી સ્વાધીન પ્રભુતાથી આત્મા શોભી રહ્યો છે. આત્માના સ્વભાવ કરતાં મોટો કોઈ
જગતમાં છે જ નહિ તો તેને કોનો ભય? જે જીવ કલ્પના કરીને રાગથી કે સંયોગથી પોતાની પ્રભુતાને ખંડિત
માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને અહીં આચાર્યદેવ તેની પ્રભુતા બતાવે છે.
આત્માની પ્રભુતા આત્મામાં છે ને જડની પ્રભુતા જડમાં છે, એકેક પરમાણુમાં તેની પ્રભુતા છે. કોઈ
કોઈની પ્રભુતાને ખંડિત કરતા નથી. અજ્ઞાનીઓ એમ કહે છે કે જગતના જડ–ચેતનમાં સર્વત્ર એક પ્રભુ રહેલો
છે,–તેની વાત તો મિથ્યા છે; અહીં તો કહે છે કે ચેતનમાં ને જડમાં–બધા પદાર્થોમાં પોતપોતાની પ્રભુતા રહેલી
છે. આત્માની ક્રિયા આત્માની પ્રભુતાથી થાય છે ને જડની ક્રિયા જડની પ્રભુતાથી થાય છે. કોઈની પ્રભુતા
બીજામાં ચાલતી નથી. જેમ અન્યમતિ એમ માને છે કે ઈશ્વરે જગતને બનાવ્યું તેમ જૈનમતમાં રહેલા પણ કોઈ
એમ માને કે મેં પર જીવને બચાવ્યો, –તો તે બંને જીવો પ્રભુતાની પ્રતીત વગરના મિથ્યાદ્રષ્ટિ છે. અહો! દરેક
દ્રવ્ય પોતપોતાની પ્રભુતામાં સ્વતંત્રતાથી શોભી રહ્યું છે. અહીં તો જીવની પોતાની પ્રભુતાની વાત છે. પોતાની
પ્રભુતાને ચૂકીને પરનો આશ્રય માનવો તેમાં જીવની શોભા નથી. રાગાદિથી જીવની શોભા નથી. જીવની શોભા
પોતાની પ્રભુત્વશક્તિથી છે. તે પ્રભુતાની પ્રતીત કરવી તે જ ધર્મ છે પ્રભુતા શક્તિને માનતાં અખંડ આત્મા
પ્રતીતમાં આવે છે, તે–જ ધર્મીની દ્રષ્ટિમાં ઉપાદેય છે. જુઓ! આ સ્વતંત્રતાનો ઢંઢેરો છે, આ સ્વતંત્રતાનો ઢંઢેરો
એકેક આત્માને પ્રભુ જાહેર કરે છે.
પરમેશ્વર કયાં રહે છે? ... પ્રભુને કયાં શોધવો? –તો કહે છે કે તારો પ્રભુ તું જ છો, તારો પ્રભુ તારાથી

PDF/HTML Page 17 of 23
single page version

background image
ઃ ૧૪૨ઃ આત્મધર્મઃ ૧૦૩
બહાર બીજે ક્યાંય નથી; તારા આત્મામાં જ પ્રભુતાશક્તિ છે તેથી આત્મા પોતે જ પરમેશ્વર છે. અંતર્મુખ નજર
કરીને તેનો વિશ્વાસ કર!
જેમ સૂર્ય અને અંધકાર કદી એક થતા નથી અને સૂર્ય અને પ્રકાશ કદી જુદા નથી; તેમ ભગવાન ચૈતન્ય
સૂર્ય રાગાદિ અંધકાર સાથે કદી એક થતો નથી ને પોતાના જ્ઞાનપ્રકાશથી તે કદી જુદો નથી.–આવા આત્માની
શ્રદ્ધા કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન છે.
જુઓ તો ખરા, એકેક શક્તિના વર્ણનમાં આચાર્ય ભગવાને કેટલા ગંભીર ભાવો ભરી દીધા છે. આ એક
જ શક્તિમાં પ્રતાપ.....અખંડતા......સ્વતંત્રતા...શોભા......અને પ્રભુતા.......એવા પાંચ બોલ મૂકીને આત્માને પ્રભુ
તરીકે વર્ણવ્યો છે.
બધા આત્મામાં પ્રભુત્વશક્તિ સરખી છે. જેમ ઘઉંનો ઢગલો પડયો હોય તેમાં દરેક દાણો જુદો છે પણ
ઘઉંની જાત એક જ છે; અને તેને પીસીને લોટ કરતાં બધાં દાણામાંથી ઘઉંનો લોટ જ થાય, કોઈ ઘઉંમાંથી
બાજરાનો લોટ કે ધૂળ ન થાય. તેમ વિશ્વમાં અનંતા આત્માઓનો ગંજ પડયો છે, તેમાં દરેક આત્મા જુદો છે,
દરેક આત્મામાં પોતપોતાની ચૈતન્યપ્રભુતા ભરી છે; તેને પીસીને લોટ કરતાં એટલે કે પ્રતીત કરીને પરિણમન
કરતાં એક સાથે અનંત ગુણોની પ્રભુતાનું પરિણમન થાય છે, પણ આત્માની પ્રભુતા પરિણમીને તેમાંથી રાગ
નીકળે–એવું તેનું સ્વરૂપ નથી.
અહો! ધર્મી જાણે છે કે મારી સ્વાધીન પ્રભુત્વશક્તિ અનાદિઅનંત છે; મારી પ્રભુતાને કોઈ બીજાની જરૂર
નથી તેમજ કર્મ વગેરેથી તે ખંડિત થતી નથી; ગમે તેવા રોગ–તૃષા વગેરે અનંત પ્રતિકૂળતા આવે છતાં મારી
પ્રભુતાના એક અંશને પણ કોઈ ખંડિત કરી શકે તેમ નથી. અધર્મી જીવ એમ માને છે કે અરેરે! હું પામર અને
પરાધીન છું, પરંતુ તે વખતેય તેની પ્રભુતા તો તેનામાં પડી જ છે પણ તેને તેની પ્રતીત નથી તેથી તેનું નિર્મળ
પરિણમન થતું નથી. પ્રભુતાને ભૂલીને એકાંત પામરતા માની તે એકાંત મિથ્યાત્વ છે. શ્રી કાર્તિકેયા– નુપ્રેક્ષામાં
કહે છે કે ‘સમકિતી પોતાના આત્માને તૃણસમાન સમજે છે’ ત્યાં તો પ્રભુતાની પ્રતીત સહિત પર્યાયના વિવેકની
વાત છે; અહો! કયાં દિવ્ય કેવળજ્ઞાન! અને કયાં મારી અલ્પજ્ઞતા!–એમ વિવેક કરીને દ્રવ્યના આશ્રયે પૂર્ણ
પર્યાય પ્રગટ કરવાની ભાવના ભાવે છે. જો એકલી પામરતા જ માનશે અને પ્રભુતા નહિ ઓળખે, તો પામરતા
ટળીને પ્રભુતા આવશે શેમાંથી?
પોતાને રાગવાળો કે દેહાદિવાળો માનતાં પોતાની પ્રભુતાનું અપમાન થાય છે તેનું અજ્ઞાનીને ભાન નથી
એટલે બહારમાં કોઈ અપમાન કરે ત્યાં ‘મારું નાક કપાણું’ એમ પોતાનું અપમાન માને છે, તેમ જ બહારની
અનુકૂળતાથી પોતાની મોટાઈ માને છે, તે દેહદ્રષ્ટિ–બહિરાત્મા છે. અંતરાત્મા ધર્મી જીવ તો એવો નિઃશંક છે કે
બહારમાં કોઈ અપમાન કરે કે શરીર છેદાય તો પણ મારી પ્રભુતાને તોડવાની કોઈની તાકાત નથી; મારા
સ્વભાવમાં શ્રદ્ધાનું, જ્ઞાનનું, અસ્તિત્વનું, જીવનનું, સુખનું–વગેરે અનંત ગુણનું પ્રભુત્વ છે તેની એક કોરને પણ
ખંડિત કરવા કોઈ સમર્થ નથી.
લ્યો, આ બેસતા વર્ષના સ્વભાવ–અભિનંદન! લૌકિકમાં તો ‘તમને લક્ષ્મી વગેરે મળો’ એમ કહીને
અભિનંદન આપે છે, તે ખરા અભિનંદન નથી; અહીં તો ‘તારા આત્મામાં ત્રિકાળ પ્રભુતા છે’ એમ કહીને શ્રી
આચાર્યદેવ પ્રભુતાના અભિનંદન આપે છે,–આત્માને તેની પ્રભુતાનો ભેટો કરાવે છે.
અખંડ પ્રતાપવાળી પ્રભુતાથી આત્મા સદાય શોભી રહ્યો છે, પંચમકાળે પણ તેની પ્રભુતા ખંડિત થઈ
નથી. કોઈ કહેઃ અત્યારે અહીં કેવળજ્ઞાન અને મનઃ પર્યય જ્ઞાનનો તો વિચ્છદ છે ને? તો આચાર્યદેવ કહે છે કે
અરે ભાઈ! આત્માની સ્વભાવ પ્રભુતાનો અંશમાત્ર વિચ્છેદ થયો નથી, તે સ્વભાવ પાસે પર્યાયની મુખ્યતા કરે
છે જ કોણ? સાધક તો પોતાના સ્વભાવને મુખ્યકરીને કહે છે કે અહો! મારી પ્રભુતા એવી ને એવી વિદ્યમાન છે.
આત્મા પોતે અખંડિત જ્ઞાન પ્રકાશથી મંડિત એવો પંડિત છે. અખંડિત આત્માની પ્રભુતામાં જે પ્રવીણ હોય તે જ
સાચો પંડિત છે. કેવળજ્ઞાન અને સિદ્ધ પદ પ્રગટવાની તાકાત આત્મામાં સદાય ભરી છે. કેવળજ્ઞાન તો પર્યાય છે,
તેને પ્રગટ કરવાની અખંડ તાકાત આત્મામાં ભરી છે. આવા અખંડિત પ્રતાપવાળા સ્વાતંત્ર્યથી શોભિત
આત્માની પ્રભુતા છે. આત્માની પ્રભુતામાં કદી ખામી નથી, શોભામાં અશોભા નથી, અખંડ પ્રતાપમાં ખંડ નથી
ને સ્વાતંત્ર્યમાં પરાધીનતા નથી.

PDF/HTML Page 18 of 23
single page version

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૪૩ઃ
આત્માની સ્વતંત્રતાનો પ્રતાપ અખંડિત છે, તે કોઈથી ખંડિત કરી શકાતો નથી. ઘાતિકર્મોથી પણ
આત્માનો પ્રતાપ હણાતો નથી; પૂર્વના ઘણાં પાપો વર્તમાન પર્યાયના પ્રતાપને ખંડિત કરતા નથી,–એવી
પર્યાયની સ્વતંત્ર પ્રભુતા છે.
શ્રી તીર્થંકરો એમ કહે છે કે જેવા અમે તેવો તું. કોઈ વાત ન સમજાય એવું તારા જ્ઞાન સ્વરૂપમાં છે જ
નહિ, બધું જ સમજવાની તારા જ્ઞાનની તાકાત છે. જો કાંઈ પણ ન સમજાય તેવું હોય તો તો જ્ઞાનનો પ્રતાપ
ખંડિત થઈ જાય. માટે હે જીવ! તું વિશ્વાસ કર કે મારા જ્ઞાનમાં કેવળજ્ઞાન જેટલી પૂરી તાકાત ભરી છે. તું
તારામાં ને મારામાં ભેદ ન પાડ. જેણે આત્માની પ્રભુતા ભૂલીને તીર્થંકરને મોટપ આપી તે પોતાની પ્રભુતા
લાવશે ક્યાંથી?
‘દીન ભયો પ્રભુ પદ જપે રે, મુક્તિ કહાંસે હોય?’
પોતે દીન થઈને પારકાની પ્રભુતાને જપ્યા કરે, પણ પોતે પોતાની પ્રભુતાને ન સ્વીકારે તો મુક્તિ
ક્યાંથી થાય? જેવા સિદ્ધ તેવો જ હું, સિદ્ધમાં અને મારામાં કાંઈ ફેર નથી–એમ પોતાની પરમાત્મ શક્તિનો
વિશ્વાસ અને ઉલ્લાસ આવ્યા વિના મુક્તિ થવી હરામ છે. જો લાકડાને કે મડદાંને ધર્મ થાય તો દેહની ક્રિયાથી
ધર્મ થાય! જો દેહની ક્રિયાથી ધર્મ થતો હોય તો તો સૌથી પહેલાં દેહને જ ધર્મ અને મુક્તિ થાય! દેહ તો જડ છે,
તેમાં ચૈતન્યનો ધર્મ છે જ નહિ, તો તેની ક્રિયા વડે આત્માને ધર્મનો લાભ ક્યાંથી થાય?–
‘मूलंनास्ति कुतः
शाखा?’ આત્મા પોતે અનંત ધર્મોનો ભંડાર છે, તેની જ ક્રિયાથી એટલે કે તેના આશ્રયે પરિણમનથી જ ધર્મ
થાય છે.
કોઈ તીર્થંકર ભગવાન ઉપર, ગુરુ ઉપર કે સિદ્ધ ભગવાન વગેરે પરની પ્રભુતા ઉપર ધર્મીની દ્રષ્ટિ નથી,
પોતાની નબળી પર્યાય ઉપર પણ તેની દ્રષ્ટિ નથી, પ્રભુત્વશક્તિના અખંડ પિંડ એવા પોતાના આત્મા ઉપર જ
ધર્મીની દ્રષ્ટિ છે, તેનો જ મહિમા, તેની જ રુચિ અને તેની જ મુખ્યતા છે, તેની મુખ્યતાનો ભાવ છૂટીને કદી
બીજાનો મહિમા આવતો નથી. અજ્ઞાની જીવ એક સમયના વિકાર જેટલો જ આખો આત્મા માને છે, મારામાં
પ્રભુતા નથી પણ હું તો પામર છું એમ તે માને છે એટલે પોતાની પ્રભુતાને ચૂકીને પરને પ્રભુતા આપી–આપીને
તે સંસારમાં રખડે છે. આચાર્યદેવ સમજાવે છે કે અહો! આત્મામાં ત્રિકાળ પોતાની પ્રભુતા છે, સિદ્ધ ભગવાન
જેવી જ આત્માની પ્રભુતા છે તેમાં જરાય ફેર નથી. હે ભાઈ! જે પ્રભુતા તું બીજાને આપે છે તે પ્રભુતા તો
તારામાં જ ભરી છે; માટે બહારમાં જોઈને સિદ્ધનો મહિમા કરવા કરતાં તારા અંતરમાં જ સિદ્ધપણાની તાકાત
ભરી છે તેનો વિશ્વાસ અને મહિમા કર. તારો પ્રભુ તું જ છો, કોઈ બીજો તારો પ્રભુ નથી. આત્મામાં અંતર્મુખ
થઈને પ્રતીત કર કે હું જ મારો પ્રભુ છું; મારા સ્વભાવ સિવાય બીજા કોઈની પ્રભુતા મારામાં નથી; મારામાં
રાગની કે એકલી પર્યાયની પણ પ્રભુતા નથી. ત્રિકાળ અખંડ સ્વભાવવાળો મારો આત્મા જ સ્વતંત્રતાથી
શોભિત પ્રભુ છે.–જુઓ, આનું નામ સ્વતંત્રતા અને સ્વરાજ્ય છે; આ સિવાય બીજું બધું થોથેથોથાં છે.
* કોઈ કહે કે અરે! દેશ પરાધીન......નેતાઓ જેલમાં.....છતાં કહેવું કે આત્મા સ્વાધીન.....એ કઈ રીતે?
તો કહે છે કે અરે ભાઈ! આત્માને બહારની પરાધીનતા છે જ કયાં? આત્માને કોઈ રાજા પરાધીન કરી શકે
નહિ, મોંઘવારીથી આત્મા પરાધીન થાય નહિ, ગમે તેટલી પ્રતિકૂળતામાં ય સ્વાધીન શાંતિને છોડેનહિ એવો
આત્માનો સ્વભાવ છે. રાજા ભલે જેલમાં પૂરે પણ જેલમાં બેઠો બેઠો આત્માના ધ્યાનની શ્રેણી માંડે તો અંદર
કોણ રોકનારું છે? સ્વભાવનો આશ્રય કરીને જે નિર્મળ પ્રભુતા પ્રગટી તેના પ્રતાપને ખંડિત કરનાર જગતમાં
કોઈ સંયોગ છે જ નહિ.
આત્મા દ્રવ્યદ્રષ્ટિએ સ્વાધીન છે ને પર્યાયદ્રષ્ટિએ પરાધીન છે–એમ સમયસાર નાટકમાં કહ્યું છે, ત્યાં એમ
નથી કહ્યું કે કર્મ જીવને પરાણે પરાધીન કરે છે; પરંતુ અજ્ઞાની જીવ પોતાની પ્રભુતાને ભૂલીને સ્વભાવની
આધીનતા ચૂક્યો તેથી પર્યાયદ્રષ્ટિમાં તે પરાધીન થયો છે, એમ ત્યાં કહ્યું છે. પરંતુ આ શક્તિઓના વર્ણનમાં તો
‘આત્મા પોતે પોતાની મેળે પરાધીન થયો છે’ એ વાત પણ નથી. અહીં તો સાધકની વાત છે; સાધક જીવ
આત્માની પ્રભુતામાં પરાધીનતાને ભાળતો જ નથી. પોતાની પ્રભુતા–
______________________________________________________________________________
ઈ. સ. ૧૯૪૪માં થયેલા છઠ્ઠી વખતના સમયસાર–પ્રવચનોનો આ ભાગ છે.

PDF/HTML Page 19 of 23
single page version

background image
ઃ ૧૪૪ઃ આત્મધર્મઃ ૧૦૩
ની સંભાળ કરીને સાધક કહે છે કે મારા શાંતિ પરિણામને ફેરવવા ત્રણકાળ ત્રણલોકમાં કોઈ સમર્થ નથી; મારી
પ્રભુત્વશક્તિ સ્વાધીન છે, જગતનો કોઈ સંયોગ મારી પ્રભુતાને તોડવા સમર્થ નથી. મારા સ્વરૂપમાં પરાધીનતા
નથી, સંયોગથી પરાધીનતા નથી, ને પરિણતિ સંયોગથી ખસીને સ્વરૂપમાં અભેદ થઈ તેમાં પણ પરાધીનતા
નથી,–એ રીતે સાધકને ક્યાંય પરાધીનતા છે જ નહિ.
જ્ઞાનીની દ્રષ્ટિ આત્માના ત્રિકાળી અખંડ પ્રતાપ ઉપર છે, તેમાં અપૂર્ણતાનો ને વિકારનો તો નિષેધ
છે જ, નિષેધ કરવો નથી પડતો. આત્માના દરેક ગુણો પણ અખંડ પ્રતાપથી શોભી રહ્યા છે, ને પર્યાય પણ
સ્વતંત્ર પ્રતાપથી શોભે છે; એટલે શાસ્ત્રથી જ્ઞાન થાય, અથવા વ્યવહારરત્નત્રયનો શુભરાગ કરતાં કરતાં
નિશ્ચયરત્નત્રય થાય એ વાત રહેતી નથી. આત્મસ્વરૂપ દ્રવ્ય–ગુણ પર્યાયનો પ્રતાપ સ્વતંત્રતાથી જ શોભે
છે, પરતંત્રતાથી શોભતો નથી. આત્માની એવી પ્રતાપવંતી સંપદા છે કે સિદ્ધ જેવી સંપદાને પોતામાંથી
પ્રગટ કરે.
‘મને મારા આત્માની મોટપ નથી જણાતી’ એમ કહેનારો રુચિની ઊંધાઈથી પોતાની મોટપને
સ્વીકારતો નથી. તે અજ્ઞાની પોતાની પ્રભુતાને ભૂલીને, કાળ–કર્મ–નિમિત્ત વગેરે પરને પ્રભુતા આપે છે ને
પોતાને પામર માને છે. પણ ભાઈ! એટલો તો વિચાર કર કે પરને પ્રભુતા આપનારો કોણ છે? પરને પ્રભુતા
આપનારો પોતે પ્રભુતાથી ખાલી ન હોય. તારી પ્રભુતાનો તેં પરમાં આરોપ કરી દીધો છે, ખરેખર તો તારામાં જ
તારી પ્રભુતા ભરી છે. સિદ્ધ ભગવંતોને જે પ્રભુતા પ્રગટી તે કયાંથી પ્રગટી?–આત્મામાંથી જ પ્રગટી કે બહારથી?
સિદ્ધ ભગવાનને જે પ્રગટી તે આત્મામાંથી જ પ્રગટી છે અને એવું જ સામર્થ્ય તારામાં પણ ભર્યું છે. આવી
પોતાની પ્રભુતાની પ્રતીત કરતાં પોતે પ્રભુ થઈ જાય છે, ને પ્રભુતાની ના પાડીને નમાલો માનનાર નિગોદમાં
જાય છે. પ્રભુતાની પ્રતીતમાં પ્રભુતા છે ને નબળાઈની જ પ્રતીતમાં નિગોદ છે. માટે હે ભાઈ! તું આવા પ્રભુતાથી
ભરેલા આત્માની પ્રતીત કર કે જેના પ્રતાપમાં કદી ખંડ ન થાય ને સિદ્ધ પદ મળ્‌યા વગર રહે નહિ.–આવું તારી
પ્રભુતાનું માંગળિકપણું છે. પ્રભુત્વ શક્તિ અને આત્મા ત્રિકાળ અભેદ છે, તેની પ્રતીત કરતાં પર્યાયમાં મંગળ
થાય છે.
સાધકને પર્યાયમાં અલ્પ રાગ થાય તેના ઉપર દ્રષ્ટિ નથી, તે રાગ વખતે ય સ્વભાવના અખંડ
પ્રતાપ ઉપર દ્રષ્ટિ પડી છે; સ્વભાવની પ્રભુતાને ભૂલીને કદી રાગની મુખ્યતા તેની દ્રષ્ટિમાં થતી નથી,
રાગ વખતે રાગની અધિકતા નથી પણ પ્રભુતાની જ અધિકતા છે, પ્રભુતાની પ્રતીત કરીને તેમાં દ્રષ્ટિ
પરિણમી ગઈ છે. આવી પ્રભુતાની દ્રષ્ટિ વગર ધર્મ થતો નથી. આત્મા પોતાની પ્રભુતાથી કદી જુદો પડતો
નથી; રાગ તો બીજી ક્ષણે છૂટી જાય છે તેથી તેની સાથે ખરેખર આત્માને એકતા નથી, ને પરથી તો
ત્રિકાળ જુદો જ છે. આ રીતે, પ્રભુતાને સ્વીકારતાં જ રાગ અને પર સાથેની એકતાબુદ્ધિનું પરિણમન
છૂટીને ત્રિકાળી સ્વરૂપમાં એકતારૂપ પરિણમન થાય છે, એટલે પોતાની પ્રભુતાને સ્વીકારતાં જીવ પ્રભુ
થાય છે.
અહો! ભગવન! તારી પ્રભુતા તું બહારમાં કયાં શોધે છે? તારી પ્રભુતા તો તારા દ્રવ્ય–ગુણ–
પર્યાયમાં છે, તારા અસંખ્ય પ્રદેશી તત્ત્વમાં અનંત ગુણોની પ્રભુતા ભરેલી છે; તેનો અચિંત્ય મહિમા
પ્રતીતમાં લેતાં દુનિયાનો મહિમા ટળીને અંતર્મુખ દશામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટીને મુક્તિ થઈ
જાય છે.
‘જય હો..... આત્માની પ્રભુતાનો!’
અહીં સાતમી પ્રભુત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
આત્માની વિભુતાનું વર્ણન આવતા અંકે વાંચો.
*

PDF/HTML Page 20 of 23
single page version

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૪પઃ
વિકલ્પના
અભાવરૂપ પરિણમન કયારે થાય?
*
ઘણા જીવો વિકલ્પનો અભાવ કરવા માંગે છે અને સ્થૂળ વિકલ્પો ઓછા થતાં એમ માને છે કે
વિકલ્પનો અભાવ થયો. પણ ખરેખર વિકલ્પનો અભાવ કરવા ઉપર જેનું લક્ષ છે તેને વિકલ્પનો અભાવ
થતો નથી, પરંતુ જેનામાં વિકલ્પનો અભાવ જ છે એવા શુદ્ધચૈતન્યને લક્ષમાં લઈને એકાગ્ર થતાં વિકલ્પનો
અભાવ થઈ જાય છે. હું આ વિકલ્પનો નિષેધ કરું–એમ વિકલ્પનો નિષેધ કરવા તરફ જેનું લક્ષ છે તેનું લક્ષ
શુદ્ધ આત્મા તરફ વળ્‌યું નથી પણ વિકલ્પ તરફ વળ્‌યું છે, એટલે તેમાં તો વિકલ્પની ઉત્પત્તિ જ થાય છે. શુદ્ધ
આત્મદ્રવ્ય તરફ વળવું તે જ વિકલ્પના અભાવની રીત છે. ઉપયોગનું વલણ અંતર્મુખ સ્વભાવ તરફ વળતાં
વિકલ્પ તરફનું વલણ છૂટી જાય છે.
‘વિકલ્પનો નિષેધ કરું’ એવા લક્ષથી વિકલ્પનો નિષેધ થતો નથી પણ વિકલ્પની ઉત્પત્તિ થાય છે.
કેમ કે, ‘આ વિકલ્પ છે અને તેનો નિષેધ કરું’ એવું લક્ષ કર્યું ત્યાં તો વિકલ્પના અસ્તિત્વ ઉપર જોર ગયું
પણ વિકલ્પના અભાવરૂપ સ્વભાવ તો દ્રષ્ટિમાં ન આવ્યો, એટલે ત્યાં માત્ર વિકલ્પનું ઉત્થાન જ થાય છે.
‘આ વિકલ્પ છે અને તેનો નિષેધ કરું’–એમ વિકલ્પના અસ્તિત્વ સામે જોતાં તેનો નિષેધ નહિ થાય. પણ
‘હું જ્ઞાયક સ્વભાવ છું’ એમ સ્વભાવના અસ્તિત્વની સામે જોતાં વિકલ્પના અભાવરૂપ પરિણમન થઈ
જાય છે. પહેલાં આત્મસ્વભાવનું શ્રવણ–મનન કરીને તેને લક્ષમાં લીધો હોય અને તેનો મહિમા જાણ્યો હોય
તો તેમાં અંતર્મુખ થઈને વિકલ્પનો અભાવ કરે. પણ આત્મસ્વભાવનો મહિમા લક્ષમાં લીધા વિના કોના
અસ્તિત્વમાં ઊભો રહીને વિકલ્પનો અભાવ કરશે! વિકલ્પનો અભાવ કરવો તે પણ ઉપચારનું કથન છે,
ખરેખર વિકલ્પનો અભાવ કરવો નથી પડતો; પણ અંર્તસ્વભાવ સન્મુખ જે પરિણતિ થઈ તે પરિણતિ
પોતે વિકલ્પના અભાવ સ્વરૂપ છે, તેનામાં વિકલ્પ છે જ નહિ તો કોનો અભાવ કરવો? વિકલ્પની ઉત્પત્તિ
ન થઈ તે અપેક્ષાએ વિકલ્પનો અભાવ કર્યો એમ કહેવાય; પણ તે સમયે વિકલ્પ હતો અને તેનો અભાવ
કર્યો છે–એમ નથી.
એક તરફ ત્રિકાળ ધુ્રવ જ્ઞાનસ્વભાવનું અસ્તિત્વ છે ને બીજી તરફ ક્ષણિક વિકલ્પનું અસ્તિત્વ છે; ત્યાં
ધુ્રવ જ્ઞાયક સ્વભાવમાં વિકલ્પનો અભાવ છે. તે જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લઈને એકાગ્ર થતાં વિકારના
અભાવરૂપ પરિણમન થઈ જાય છે. ત્યાં ‘હું જ્ઞાયક છું ને વિકાર નથી’ એમ બે પડખાં ઉપર લક્ષ નથી હોતું પણ
‘હું જ્ઞાયક’ એમ અસ્તિ સ્વભાવને લક્ષમાં લઈને તેનું અવલંબન કરતાં વિકારનું અવલંબન છૂટી જાય છે.
સ્વભાવની અસ્તિરૂપ પરિણમન થતાં વિકારની નાસ્તિરૂપ પરિણમન પણ થઈ જાય છે, સ્વભાવમાં પરિણમેલું
જ્ઞાન પોતે વિકારના અભાવરૂપ પરિણમેલું છે. તેને સ્વભાવની અસ્તિ અપેક્ષાએ ‘સમ્યક્ એકાંત’ કહેવાય, અને
સ્વભાવની અસ્તિમાં વિકારની નાસ્તિ છે–એ અપેક્ષાએ તેને જ ‘સમ્યક્ અનેકાન્ત’ કહેવાય. સ્વભાવની
અસ્તિને લક્ષમાં લીધા વગર (–સમ્યક્ એકાંત વગર) એકલી વિકારની નાસ્તિને લક્ષમાં લેવા જાય તો ત્યાં
‘મિથ્યા એકાંત’ થઈ જાય છે અર્થાત્ તેને પર્યાયબુદ્ધિથી વિકારના નિષેધરૂપ વિકલ્પમાં એકત્વબુદ્ધિ થઈ જાય છે
પણ વિકલ્પના અભાવરૂપ પરિણમન થતું નથી. આથી આત્મસ્વભાવનું એકનું જ સારી રીતે અવલંબન કરવું તે
જ વિકલ્પના અભાવરૂપ પરિણમનની રીત છે.
ચર્ચા ઉપરથીઃ
અષાડ વદ ૩ વીર સંઃ ૨૪૭૭
*