Atmadharma magazine - Ank 104
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૯
સળંગ અંક ૧૦૪
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
જેઠસંપાદકવર્ષ નવમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૮વકીલઅંકઃ ૮
સાધક–સંતોની ધૂન!
આત્માની રમણતાની ધૂનમાં
અતીન્દ્રિય આનંદનો ભોગવટો લેતા,
સહજાનંદનો અનુભવ લેતા, ......જેવી
સિદ્ધ ભગવાનની દશા છે તેવી દશાનો
અનુભવ કરતા.....મુનિ ચાલ્યા આવતા
હોય....સાધકસંતો આત્માના
આનંદરસમાં લીન રહે છે. આત્મ–
સ્થિરતા કેમ વધતી જાય તેની જ તેમને
ધૂન છે, આહાર કેમ નથી મળતો તેની
તેમને જરાપણ ધૂન નથી.
સાધકના હૃદય બહારથી કલ્પી
શકાય એવાં નથી.
સમયસાર–બંધઅધિકારનાં પ્રવચનોમાંથી.
છુટક નકલ૧૦૪વાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
પૂ. ગુરુદેવનો ૬૩ મો જન્મોત્સવ
વૈશાખ સુદ બીજે પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીની ૬૩ મી જન્મજયંતિનો કલ્યાણકારી મહોત્સવ ખાસ
ઉલ્લાસપૂર્વક ઊજવાયો હતો; તેમાં દર વર્ષની માફક સવારમાં દેવ–ગુરુ–શાસ્ત્ર દર્શન, પૂજન, પ્રવચનયાત્રા,
ભક્તિ વગેરે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક ભક્તજનો તરફથી ૬૩ના મેળવાળી રકમો
જાહેર કરવામાં આવી હતી, તેમાં લગભગ ૩૩૦૦ રૂા. થયા હતા.
શ્રી સમવસરણ પ્રતિષ્ઠાનો ૧૧ મો વાર્ષિકોત્સવ
વૈશાખ વદ છઠ્ઠે શ્રી સમવસરણની પ્રતિષ્ઠાના દસ વર્ષ પૂર્ણ થઈને ૧૧ મો વાર્ષિકોત્સવ ઊજવાયો હતો.
આ પ્રસંગે શ્રી દેવ–ગુરુ–શાસ્ત્ર દર્શન–પૂજન–ભક્તિ તેમજ શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા વગેરે કાર્યક્રમો રાખવામાં
આવ્યા હતાં. આજના મંગલ પ્રસંગના ખાસ પ્રવચનમાં સમવસરણ સંબંધી વાત વિસ્તારથી આવી હતી અને
‘ખરેખર સમવસરણને કોણે માન્યું કહેવાય?’ એ પૂ. ગુરુદેવશ્રીએ પોતાની વિશિષ્ટ ઢબે સમજાવ્યું હતું.
શ્રી માનસ્તંભ–શિલાન્યાસ મહોત્સવ
વૈશાખ વદ સાતમે મુમુક્ષુઓના ઘણા જ ઉલ્લાસની વચ્ચે, પરમ પૂજ્ય પરમ કૃપાળુ ગુરુદેવશ્રીની મંગલ
છાયામાં, પવિત્રાત્મા પૂ. ભગવતી બેનશ્રી ચંપાબેનના સુહસ્તે શ્રી માનસ્તંભજીના શિલાન્યાસનો મહોત્સવ થયો
હતો. સવારમાં દેવ–ગુરુ–શાસ્ત્ર દર્શન બાદ શિલાન્યાસ વિધિ થઈ હતી. તેમાં પ્રથમ પૂજનાદિ થયા બાદ
પૂ. ગુરુદેવશ્રીએ માંગળિક સંભળાવ્યું હતું. માંગળિક બાદ તુરત (સવારમાં છ વાગે) ખૂબ જ ઉત્સાહમય
વાતાવરણ વચ્ચે પૂ. ભગવતી બેનશ્રી ચંપાબેને શિલાન્યાસની મંગલ શરૂઆત કરી હતી, અને ત્યાર પછી શેઠ શ્રી
નાનાલાલભાઈ વગેરેએ પણ શિલાન્યાસ કર્યું હતું. ત્યાર બાદ જિનમંદિરમાં પૂજન થયું હતું. આજે મંગલ
પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રીએ માનસ્તંભનો મહિમા સમજાવ્યો હતો. આજે માનસ્તંભ સંબંધી ભક્તિ પણ ખાસ
ઉલ્લાસથી કરવામાં આવી હતી.
શ્રી સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટનનો અને સમયસારજીની સ્થાપનાનો વાર્ષિકોત્સવ
વૈશાખવદ આઠમે શ્રી સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટનનો અને તેમાં શ્રી સમયસારજીની સ્થાપનાનો ૧પમો
વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ દિવસે સવારમાં દેવ–ગુરુ–શાસ્ત્રનાં દર્શન, પૂજન બાદ શ્રી સમયસારજીની
રથયાત્રા નીકળી હતી. પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રીએ સમયસારના પહેલા કળશ ઉપર ખાસ પ્રવચન કરીને
સમયસારનું માંગળિક કર્યું હતું. પ્રવચન બાદ શાસ્ત્ર પૂજન થયું હતું. બપોરે સમયસારજીની સ્વાધ્યાય થઈ હતી.
ભક્તિમાં આજે સમયસારજીની સ્થાપના કરીને ખાસ શાસ્ત્ર ભક્તિ કરવામાં આવી હતી.
–આ પ્રમાણે વૈશાખ વદ છઠ્ઠ–સાતમ ને આઠમ એ ત્રણે દિવસો મંગલ મહોત્સવપૂર્વક ઉજવાયા હતા,
અને ભક્તજનોએ બહુ ઉલ્લાસપૂર્વક તેમાં ભાગ લીધો હતો. શ્રી માનસ્તંભજીના શિલાન્યાસ પ્રસંગે માનસ્તંભ–
ફંડ આગળ ચાલ્યું હતું; તેમાં લગભગ રૂા. એકલાખ ને બે હજાર થયા છે. (ફંડની વિગત આવતા અંકે અપાશે.)
***
વૈશાખ સુદ ૧૩ ના રોજ ભાઈશ્રી વછરાજ ગુલાબચંદના મકાનનું વાસ્તુ હતું; આ પ્રસંગ નિમિત્તે તેમણે
પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન પોતાને ઘેર કરાવ્યું હતું, અને લગભગ રૂા. ૨પ૦) જુદા જુદા ખાતામાં અર્પણ કર્યા
હતા.
***
સવારના પ્રવચનમાં શ્રી નિયમસારજી–ભાગવતશાસ્ત્ર વંચાતું હતું તે પૂર્ણ થઈને વૈશાખ સુદ પાંચમથી
શ્રી કાર્તિકેયસ્વામી રચિત દ્વાદશઅનુપ્રેક્ષાનું વાંચન શરૂ થયું છે; બપોરે શ્રી પંચાસ્તિકાય વંચાય છે.
***

PDF/HTML Page 4 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૮ઃ ૧પ૧ઃ
આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?
(૯)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭
નયોદ્વારા આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના
ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના વિશિષ્ટ અપૂર્વ
પ્રવચનોનો સાર.
(અંક ૧૦૩ થી ચાલુ)
*
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે–પ્રભો ‘આ
આત્મા કોણ છે અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે?’ તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવ
કહે છે કે ‘આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે, અને અનંત નયાત્મક
શ્રુતજ્ઞાન–પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે તે જણાય છે.’ આવા આત્મદ્રવ્યનું ૪૭
નયોથી વર્ણન કર્યું છે; તેમાંથી ૧૪ મા દ્રવ્યનય ઉપરનું વિવેચન ચાલે છે.
* * *
(૧૪) દ્રવ્યનયે આત્માનું વર્ણન
દરેક આત્મામાં એકેક સમયે અનંત ધર્મોની રિદ્ધિ છે, તેને કોઈ બીજાના આશ્રયની જરૂર નથી. આવા
આત્માને ખ્યાલમાં લીધા વિના અનાદિથી અજ્ઞાની જીવ ભવભ્રમણ કરી રહ્યો છે; જ્યાં સુધી યથાર્થ આત્મા
જ્ઞાનમાં અને રુચિમાં ન આવે ત્યાં સુધી તે ભવભ્રમણ ટળે નહિ. આત્મજ્ઞાન વગર અનંતવાર બાહ્ય ત્યાગી કે
પંડિત થઈને પણ જીવ ભવમાં રઝળ્‌યો; શાસ્ત્ર પણ અનંતવાર ભણ્યો, પણ આત્માને ન જાણ્યો; પોતાના
આત્માનો જેવો સ્વભાવ છે તેને જાણ્યા વિના પર સન્મુખ રહીને જ બધુંય કર્યું છે, પોતાના આત્મસ્વભાવની
અંતરસન્મુખ થઈને તેની રુચિ–પ્રતીતિ કદી કરી નથી. જો આત્મસ્વભાવની રુચિ–પ્રતીતિ કરે તો આ ભવભ્રમણ
રહે નહિ. જેને ભવભ્રમણનો ત્રાસ લાગ્યો છે અને આત્માને સમજીને ભવભ્રમણથી છૂટવા માગે છે એવા જિજ્ઞાસુ
જીવને અહીં આચાર્યદેવ આત્માનું સ્વરૂપ સમજાવે છે.
આત્મા કેવો છે તેની આ વાત ચાલે છે; તેમાં આ ચૌદમો બોલ છે. આત્મા ત્રિકાળી દ્રવ્ય છે; તેની
ભૂતકાળમાં જે પર્યાયો થઈ ને ભવિષ્યમાં જે પર્યાયો થશે તે પર્યાયોપણે પણ આત્મા વર્તમાનમાં જણાય એવો
તેનો સ્વભાવ છે. ભૂત–ભવિષ્યની પર્યાયોને જાણી લેવાની તાકાત જ્ઞાનમાં જ છે, ઈંદ્રિયોમાં કે રાગમાં એવી
તાકાત નથી. જુઓ, જ્ઞાનની કેટલી મોટાઈ છે! તે ભવિષ્યની સિદ્ધ પર્યાયપણે આત્માને વર્તમાનમાં જાણી લ્યે
છે. આત્મામાં અનંતા ગુણ–પર્યાયો છે તે બધાયને જ્ઞાન જાણી લ્યે એવી તેનામાં તાકાત છે. ત્રણ કાળના
પર્યાયોપણે થનારું મારું દ્રવ્ય છે–એમ જ્યાં જાણે ત્યાં જ્ઞાન દ્રવ્યસ્વભાવની સન્મુખ થઈને, વિકલ્પ તૂટીને
વીતરાગતા ને કેવળજ્ઞાન થયા વિના રહે નહિ. દ્રવ્યસન્મુખ દ્રષ્ટિ થતાં જ વર્તમાનપર્યાયમાં અંશે શુદ્ધતારૂપ ભાવ
થયો એટલે કે ભૂત–ભવિષ્યની પર્યાયપણે દ્રવ્યને જાણનાર જીવને વર્તમાન પર્યાયમાં નિર્મળતા પ્રગટેલી છે;
વર્તમાન પર્યાયમાં અંશે નિર્મળતા સહિત ભૂત–ભવિષ્યની પર્યાયપણે દ્રવ્યને જાણે–એવો આ દ્રવ્યનય છે.
જે જીવને કેવળજ્ઞાન પ્રગટવાનું છે તે જીવમાં કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ તો સદાય છે. ‘કેવળજ્ઞાનની
શક્તિ’ અને ‘કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ’–એ બંને જુદી ચીજ છે; કેવળજ્ઞાનની શક્તિ તો અભવ્યમાં પણ છે,
પરંતુ કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ તેનામાં નથી. અભવ્યમાં કેવળજ્ઞાનની શક્તિરૂપ સ્વભાવ છે, પણ તેને

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૧પ૨ઃ આત્મધર્મઃ ૧૦૪
કેવળજ્ઞાનપર્યાય કદી પ્રગટે નહિ–એવો પણ તેનો સ્વભાવ છે. અહીં તો, જે જીવ પોતાના દ્રવ્યસ્વભાવને નક્કી
કરે તે જીવને પોતામાં કેવળજ્ઞાન અલ્પકાળે પ્રગટે એવો સ્વભાવ હોય જ, તેને કેવળજ્ઞાન ન પ્રગટે–એમ બને
નહિ. વર્તમાન પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટ ન હોવા છતાં ‘ભવિષ્યમાં કેવળજ્ઞાનની પર્યાયપણે મારો આત્મા
થવાનો છે’–એમ જેણે નક્કી કર્યું તેણે કોની સામે જોઈને તે નક્કી કર્યું? દ્રવ્યમાં કેવળજ્ઞાન થવાનો સ્વભાવ
ત્રિકાળ ભર્યો છે તેની સામે જોઈને તેણે તે નક્કી કર્યું છે, એટલે વર્તમાનમાં તો તે સાધક થઈ ગયો છે ને
અલ્પકાળે તેને કેવળજ્ઞાનદશા પ્રગટી જશે.
***
અહીં દ્રવ્યનયના દ્રષ્ટાંતમાં બાળકનું દ્રષ્ટાંત આપ્યું છે; તે બાળક એવો છે કે જે આયુષ્યવંત છે અને
ભવિષ્યમાં શેઠ થવાનો છે; તેને લોકો ભાવી પર્યાયપણે લક્ષમાં લઈને કહે છે કે ‘આ શેઠ છે; ત્યાં ભવિષ્યમાં શેઠ
થનાર બાળક વર્તમાનમાં શેઠ તરીકે પ્રતિભાસે છે એવો તેનો ધર્મ છે. તેમ સિદ્ધાંતમાં એવો જીવ લેવો કે જે
ભવિષ્યમાં સિદ્ધ થનાર છે, તે વર્તમાનમાં સિદ્ધપણે પ્રતિભાસે એવો તેનો ધર્મ છે. ધર્મી પોતે પોતાના આત્માને
ભવિષ્યની સિદ્ધપર્યાયપણે વર્તમાનમાં જુએ છે. આ દ્રવ્યમાં ભવિષ્યમાં આ પર્યાય થવાની છે–એમ પોતાના
જ્ઞાનમાં તે વાત આવી ગઈ ત્યારે દ્રવ્યનય લાગુ પડયો.
શ્રી ભગવાનની વાણીમાં આવ્યું કે ‘આ જીવ ભવિષ્યમાં સિદ્ધ થશે.’ બીજા શ્રુતજ્ઞાનીના ખ્યાલમાં તે
વાત આવી અને ‘આ આત્મા સિદ્ધ છે’ એમ ભાવી પર્યાયપણે તે આત્માને વર્તમાનમાં ખ્યાલમાં લીધો, તો તે
જ્ઞાનમાં દ્રવ્યનય છે; ત્યાં દ્રવ્યનયથી જોતાં ભવિષ્યની સિદ્ધ–પર્યાયપણે જણાય તેવો ધર્મ તો તે આત્માનો છે;
ભગવાનની વાણીને લીધે કે જ્ઞાનને લીધે તે ધર્મનું હોવાપણું નથી.
દ્રવ્યનયમાં બીજો દાખલો શ્રમણ થઈ ગયેલાં રાજાનો આપ્યો છે. પહેલાં રાજા હોય ને પછી વૈરાગ્ય
પામીને મુનિ થઈ ગયા હોય, છતાં પૂર્વની રાજા પર્યાય તરીકે વર્તમાનમાં ભાસે એવો તેનો ધર્મ છે. સનત્કુમાર
ચક્રવર્તી મુનિ થયા ને તેમને રોગ થયો; ત્યાં દ્રવ્યનયથી એમ કહેવાય કે ‘આ સનત્કુમાર ચક્રવર્તીને રોગ થયો.’
–એ રીતે પૂર્વની પર્યાય તરીકે જણાય એવો વસ્તુનો એક ધર્મ છે.
દ્રવ્યને ભૂતકાળની પર્યાયપણે જાણવું કે ભવિષ્યકાળની પર્યાયપણે જાણવું તે બંને પ્રકારો દ્રવ્યનયમાં
સમાઈ જાય છે. ભૂતકાળની પર્યાયરૂપે ઓળખાય એવો ધર્મ જુદો ને ભવિષ્યની પર્યાય રૂપે ઓળખાય એવો ધર્મ
જુદો–એમ જુદા જુદા બે ધર્મો નથી, એક જ ધર્મમાં તે બંને પડખા સમાઈ જાય છે.
નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ એ ચારે નિક્ષેપો થાય એવા ચાર ધર્મો દરેક આત્મામાં છે; વસ્તુ પોતે
અનંત ધર્મોનો પિંડ છે, તેમાં કાંઈ એકેક ધર્મ જુદા પડતા નથી. એકેક ધર્મ તે એકેક નયનો વિષય છે ને આખી
વસ્તુ પ્રમાણનો વિષય છે. શ્રુતજ્ઞાન જાણનાર છે ને ધર્મો તેનો વિષય છે, એક નયનો વિષય એક ધર્મ છે.
વસ્તુમાં અનંત ધર્મો છે તેમાંથી એક પણ અંશને જો ઓછો માને તો વસ્તુ જ સિદ્ધ થાય નહિ. આત્માને સર્વથા
ક્ષણિક ધર્મવાળો જ માનનાર બૌદ્ધની કે સર્વથા કૂટસ્થ ધર્મવાળો જ માનનાર વેદાંત વગેરેની કોઈ વાત આમાં
રહેતી નથી; કેમ કે તે તો બધા એકાંત એક પક્ષને જ પૂરું માનનારા છે એટલે તેનો એક પક્ષ પણ સાચો રહેતો
નથી. અંશ અંશપણે ત્યારે સાચો કહેવાય કે જો અંશીના બીજા અંશોને પણ માનતો હોય! પરંતુ જે એક અંશને
જ આખું સ્વરૂપ માની લ્યે તેને તો અંશ અંશ તરીકે પણ ન રહ્યો ને અંશી પણ ન રહ્યો, એટલે તેને તો અંશી કે
અંશ એકેય સાચા નથી.
જો કોઈ આત્માને સર્વથા શુદ્ધ જ માને, ને તેની પર્યાયમાં ક્ષણિક અશુદ્ધતારૂપ ધર્મ છે તેને ન માને તો
એક જ અંશને આખી વસ્તુ માનતાં તેનો અંશ અંશ તરીકે ન રહ્યો, તેમજ બીજા અંશો ન માન્યા એટલે અંશી
પણ ન રહ્યો.–એટલે કે વસ્તુ જ તેની શ્રદ્ધામાં ન આવી, તેની શ્રદ્ધા મિથ્યા થઈ. વસ્તુ તો અનંત ધર્મવાળી જેમ
છે તેમ છે.
એજ પ્રમાણે જે આત્મામાં એકલી ક્ષણિક અશુદ્ધતાને જ માને ને સામાન્ય શુદ્ધ પડખું છે તેને ન માને તો
તેને પણ અંશ કે અંશી એકેય રહેતા નથી, એટલે કે તેની શ્રદ્ધા મિથ્યા થાય છે. અનંતધર્મવાળી વસ્તુમાં કાંઈ પણ
આઘુંપાછું માને તો ચાલે તેમ નથી.

PDF/HTML Page 6 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૮ઃ ૧પ૩ઃ
જેણે એક ધર્મને જ આખો આત્મા માન્યો તેને તો તે ધર્મ અંશ તરીકે પણ સાચો ન રહ્યો. અંશ સાચો
કયારે કહેવાય? કે આખાના સ્વીકારપૂર્વક અંશને સ્વીકારે તો અંશ સાચો કહેવાય; આખાના સ્વીકાર વગર અંશ
કોનો? આખી વસ્તુના સ્વીકારપૂર્વક તેના અંશને જાણે તો અંશી અને અંશ બંને યથાર્થ રહે છે. આ રીતે અંશી
અને અંશ (અર્થાત્ વસ્તુ અને તેના ધર્મ) એ બંનેનું યથાર્થ જ્ઞાન સાથે જ છે. અખંડ અંશીને માન્યા વગર તેના
અંશનું યથાર્થ જ્ઞાન હોય નહિ તેમજ અંશીના બધા અંશોને સ્વીકાર્યા વગર અંશીનું યથાર્થ જ્ઞાન થાય નહિ;
એટલે અનેકાન્તમાં તો જરાય અધૂરાશ નથી રહેતી ને એકાન્તવાદીનો જરાય અંશ પણ સાચો રહેતો નથી,
એકમાં પૂરું સત્ય છે ને બીજામાં અંશ પણ સત્ય નથી.
દ્રવ્યનય એમ જાણે છે કે સિદ્ધ, તીર્થંકર, ગણધર, ચક્રવર્તી, વાસુદેવ–બળદેવ વગેરે જે જે પર્યાય
ભવિષ્યમાં થવાની છે તે તે પર્યાય થવાનો ધર્મ દ્રવ્યમાં વર્તમાનમાં જ છે; તે પર્યાય પ્રગટયા પહેલાં તે પર્યાય
થવાનો ધર્મ તો આત્મામાં ત્રિકાળ છે એટલે કોઈ સંયોગોના કારણે તે પર્યાય થાય છે એ વાત રહેતી નથી.–આમ
જે સમજે તેને સંયોગદ્રષ્ટિ છૂટીને સ્વભાવદ્રષ્ટિ થયા વગર રહે નહિ. આ રીતે સ્વભાવદ્રષ્ટિ થવી તે જ નયનું
તાત્પર્ય છે.
–એ પ્રમાણે ચૌદમા દ્રવ્યનયથી આત્માનું વર્ણન પૂર્ણ થયું.
(૧પ) ભાવનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય ભાવનયે, પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રીની માફક, તત્કાળના (વર્તમાન) પર્યાયરૂપે ઉલ્લસે છે –
પ્રકાશે છે–પ્રતિભાસે છે; જેમ પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રી પુરુષત્વરૂપ પર્યાયરૂપે પ્રતિભાસે છે તેમ આત્મા
ભાવનયે વર્તમાન પર્યાયરૂપે જણાય છે.
ત્રિકાળી દ્રવ્ય ઉલ્લસીને વર્તમાન પર્યાયપણે પ્રતિભાસે છે એવો તેનો ધર્મ છે. પર્યાય તો દ્રવ્યમાં સમાય,
પરંતુ અહીં તો કહે છે કે આખું દ્રવ્ય વર્તમાન પર્યાયમાં ઉલ્લસી આવે છે એટલે કે ભાવનયથી જોતાં વર્તમાન
વર્તતી પર્યાયપણે દ્રવ્ય દેખાય છે. વર્તમાન સમ્યગ્દર્શન પર્યાય હોય ત્યાં આત્મા જ સમ્યગ્દર્શનપણે દેખાય છે.
‘આત્મા સમ્યગ્દ્રષ્ટિ છે, આત્મા મુનિ છે, આત્મા કેવળજ્ઞાની છે’ એમ વર્તમાન પર્યાયપણે દ્રવ્યને જોવું તે
ભાવનય છે; અને દ્રવ્યમાં એવો એક ધર્મ છે કે વર્તમાન પર્યાયપણે તે જણાય.
અહીં આચાર્યદેવે સ્ત્રીનો દાખલો આપીને સમજાવ્યું છે. શાસ્ત્રકાર આચાર્ય ભગવાન તો વીતરાગી સંત
છે; વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે જે દ્રષ્ટાંત લક્ષમાં આવ્યું તે દ્રષ્ટાંત નિઃશંકપણે આપ્યું છે, તેમાં પોતાને તો
વીતરાગભાવ છે. જેમ કોઈ વાર પુરુષના જેવી ચેષ્ટારૂપે સ્ત્રી પ્રવર્તતી હોય ત્યારે તે સ્ત્રી પુરુષપણે પ્રતિભાસે છે,
તેમ વર્તમાન પર્યાયપણે પ્રવર્તતું દ્રવ્ય પણ ભાવનયથી તે પર્યાયપણે પ્રતિભાસે છે. પર્યાય તો દ્રવ્યમાં તન્મય
થઈને પરિણમે છે પણ અહીં તો કહે છે કે દ્રવ્ય પોતે ઉલ્લસીને તે તે કાળના પર્યાયમાં તન્મય થઈ જાય છે, એટલે
તે પર્યાયપણે જણાય છે. શુદ્ધ સમ્યગ્દર્શન વગેરે પર્યાયો થઈ તે પર્યાયમાં તન્મયપણે આખું દ્રવ્ય જ પ્રતિભાસે છે,
એવો આત્માનો સ્વભાવ છે. સમ્યગ્દર્શનાદિ પર્યાય થઈ તેમાં તન્મયપણે આત્મા જ પ્રતિભાસે છે એટલે કે
આત્મા જ સમ્યગ્દર્શન છે–એમ ભાવનયે પ્રતિભાસે છે.
આખું દ્રવ્ય વર્તમાન પર્યાયપણે જણાય એવો અનાદિ અનંત સ્વભાવ છે, જ્યાં આવો સ્વભાવ નક્કી
કર્યો ત્યાં નિર્મળ પર્યાયમાં ઉલ્લસતું દ્રવ્ય પ્રતિભાસ્યું. પર્યાયમાં દ્રવ્ય ઉલ્લસતું પ્રતિભાસે છે,–પણ કોને? કે જેણે
દ્રવ્યને પ્રતીતમાં લીધું છે તેને. આ રીતે અહીં સાધકના સમ્યક્ પર્યાયોની વાત છે. કેવળી ભગવાન તો
નયાતિક્રાન્ત છે. તેમને નયથી કાંઈ સાધવાનું રહ્યું નથી; ને અજ્ઞાની જીવને તો દ્રવ્યનું ભાન નથી તેથી તેને પણ
પર્યાયમાં દ્રવ્ય ઉલ્લસતું ભાસતું નથી; તેણે તો વિકલ્પને અને રાગને જ આત્મા માન્યો છે એટલે તેને તો
પર્યાયમાં રાગ જ ઉલ્લસતો ભાસે છે. જેને અખંડ દ્રવ્યનું ભાન છે એવા સાધક જીવને પર્યાયમાં દ્રવ્ય ઉલ્લસતું
પ્રતિભાસે છે. તે જ્યારે ભાવનયથી જુએ છે ત્યારે સમ્યગ્દર્શનાદિ વર્તમાન પર્યાયપણે આખો આત્મા તેને ભાસે
છે. એ પ્રમાણે વર્તમાનપર્યાયરૂપે ઉલ્લસતું પ્રતિભાસે એવો દ્રવ્યનો ધર્મ છે. અજ્ઞાનીના આત્મામાં પણ આવો ધર્મ
તો છે, પરંતુ તેને પોતાને દ્રવ્યનું ભાન

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૧પ૪ઃ આત્મધર્મઃ ૧૦૪
નથી એટલે ‘વર્તમાન પર્યાયમાં દ્રવ્ય ઉલ્લસે છે’ એમ તેને પ્રતિભાસતું નથી, તેથી તેને ભાવનય હોતો નથી.
દ્રવ્ય પોતે પર્યાયપણે ઉલ્લસે છે–એમ જેને ભાસે તે બહારના આશ્રયે પર્યાયની નિર્મળતા થવાનું માને નહિ. મારી
વર્તમાન પર્યાયમાં મારું દ્રવ્ય ઉલ્લસે છે એમ જેને પ્રતિભાસ્યું તેને દ્રવ્યસન્મુખ દ્રષ્ટિ ગઈ ને સમ્યગ્જ્ઞાન થયું અને
તેને ભાવનય લાગુ પડયો; આ સિવાય ભાવનય હોતો નથી કેમ કે ભાવનય તે સમ્યગ્જ્ઞાનનો અંશ છે.
સર્વજ્ઞભગવાને અનંત ધર્મોવાળો આત્મા પ્રત્યક્ષ જોયો છે, તેવો જ અનંતધર્મોવાળો આત્મા સાધકને
શ્રુતજ્ઞાનપ્રમાણથી પરોક્ષ ખ્યાલમાં આવે છે, તેમાં અંશે સ્વસંવેદનપ્રત્યક્ષ પણ છે. શ્રુતજ્ઞાનમાં અનંત નયો સમાય
છે; એવા શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરીને, જેવો સર્વજ્ઞે જોયો તેવો આત્મા પોતાના ખ્યાલમાં આવ્યા વિના જ્ઞાન
સમ્યક્ પ્રમાણ થાય નહિ, તેથી અહીં આચાર્યદેવે આત્માની યથાર્થ ઓળખાણ કરાવી છે.
અહીં ૪૭ નયોથી આત્મસ્વભાવનું વર્ણન કર્યું છે, તેમાંથી ૧પ મા નય ઉપરનું વિવેચન પૂરું થયું. છેલ્લે
નામ–સ્થાપના–દ્રવ્ય અને ભાવ એ ચાર નયોથી આત્માનું વર્ણન કર્યું. હવે સામાન્યનય અને વિશેષનયથી
આત્માનું વર્ણન કરે છે.
(૧૬) સામાન્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય સામાન્યનયે, હાર–માળા–કંઠીના દોરાની માફક, વ્યાપક છે; જેમ મોતીની માળાનો દોરો સર્વ
મોતીમાં વ્યાપે છે તેમ આત્મા સામાન્યનયે સર્વ પર્યાયોમાં વ્યાપે છે.
ભાવનયથી આત્મા વર્તમાન પર્યાયપણે પ્રતિભાસે છે એટલે કે વર્તમાન એક પર્યાયમાં વ્યાપેલો
પ્રતિભાસે છે–એમ કહ્યું, અને અહીં કહે છે કે સામાન્યનયથી આત્મા બધી પર્યાયોમાં વ્યાપક એક દ્રવ્યપણે દેખાય
છે. આ સામાન્યનય એમ બતાવે છે કે હે જીવ! તારી પર્યાયમાં સદાય તું જ વ્યાપક છો, તારી પર્યાયમાં કોઈ
બીજો આવતો નથી; એટલે તારી પર્યાય પ્રગટવા માટે તારે કોઈ પર સામે જોવાનું રહેતું નથી, પણ તારા દ્રવ્યની
સામે જ જોવાનું રહે છે.
જે પોતાની પર્યાયમાં કદી વ્યાપક નથી એવા પરદ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખતાં નિર્મળ પર્યાય પ્રગટતી નથી,
પણ જે પોતાની સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે એવા સ્વદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતાં તેના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટે
છે, તે ધર્મ છે. આ સિવાય નિર્દોષ આહારના કારણે ધર્મ થાય એમ જેણે માન્યું તેણે પોતાની ધર્મ–પર્યાયમાં
આત્માને વ્યાપક ન માન્યો પણ અચેતન આહારને પોતાની પર્યાયમાં વ્યાપક માન્યો; પણ આહાર તો પરદ્રવ્ય
છે, તે પોતાની પર્યાયમાં વ્યાપતું નથી તો તેના કારણે ધર્મ કેમ થાય? પોતાની પર્યાયમાં પોતાનો આત્મા વ્યાપક
છે તે જ ધર્મનું કારણ છે.
દેવ–ગુરુ–શાસ્ત્ર પણ આ આત્માની પર્યાયમાં વ્યાપતા નથી; તેથી તે દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિનો ભાવ
કે દુઃખી જીવોની સેવા વગેરેનો ભાવ તે પુણ્યભાવ છે, પણ તે ધર્મની ક્રિયા નથી. ધર્મની ક્રિયા કઈ?–કે અનંત
ધર્મને ધરનાર એવા નિજ આત્માને પ્રથમ શ્રદ્ધા–જ્ઞાનમાં નક્કી કરવો ને પછી તેમાં એકાગ્ર થવું તે ધર્મની ક્રિયા
છે. ધર્મી એવો જે આત્મા તેના આધારે જ ધર્મની ક્રિયા થાય છે, આત્મા સિવાય પરના આધારે ધર્મની ક્રિયા
થતી નથી.
પહેલાં દ્રવ્યનયથી આત્માને ચૈતન્યમાત્ર કહીને અભેદપણું બતાવ્યું; અને અહીં સામાન્યનયથી આત્માનું
સમસ્ત પર્યાયોમાં વ્યાપકપણું કહીને સામાન્યપણું બતાવે છે; આ બધા એકેક ધર્મ છે અને તે એકેક નયનો વિષય
છે. સર્વ ગુણ–પર્યાયોમાં આત્મદ્રવ્ય જ એકરૂપે વ્યાપક છે એટલે તે સામાન્ય છે.–આમ સામાન્ય ધર્મથી દ્રવ્યને
જાણવું તે સામાન્યનય છે.
દરેક ધર્મના વર્ણનમાં આચાર્યદેવે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે; અહીં મોતીની માળાનું દ્રષ્ટાંત છે. જેમ
માળા તેના બધા મોતીમાં વ્યાપેલી છે, માળાનો દોરો અમુક મોતીમાં હોય ને અમુક મોતીમાં ન હોય–એમ નથી,
બધા મોતીમાં માળાનો દોરો સળંગ છે; વળી તે માળાનું દરેક મોતી ક્રમસર ગોઠવાયેલું છે, તે આડુંઅવળું થતું
નથી. તેમ આત્મદ્રવ્ય તેની અનાદિ અનંતકાળની બધી પર્યાયોમાં વ્યાપેલું છે, કોઈ પણ પર્યાય આત્મદ્રવ્ય
વગરની હોતી નથી; તેમ જ તે બધી પર્યાયો ક્રમસર છે, કોઈ પર્યાય આડીઅવળી થતી નથી. આ

PDF/HTML Page 8 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૮ઃ ૧પપઃ
રીતે દ્રવ્યનો એવો વ્યાપકધર્મ છે કે પોતાના સમસ્ત પર્યાયોમાં તે વ્યાપે છે.
ભાવનયે જોતાં વર્તમાનપર્યાયપણે જ દ્રવ્ય પ્રતિભાસે છે;
દ્રવ્યનયે જોતાં ભૂત–ભાવીપર્યાયપણે દ્રવ્ય પ્રતિભાસે છે;
અને સામાન્યનયે જોતાં ત્રણકાળના પર્યાયોમાં વ્યાપકપણે દ્રવ્ય પ્રતિભાસે છે.–આનો અર્થ જ એ થયો કે
વર્તમાનની પર્યાય વર્તમાનમાં છે, ભૂતકાળની પર્યાય ભૂતકાળમાં છે ને ભવિષ્યની પર્યાય ભવિષ્યમાં છે, કોઈ
પર્યાય આઘી પાછી થતી નથી. જો ભવિષ્યની પર્યાયનો ક્રમ દ્રવ્યમાં નિશ્ચિત ન હોય તો ભાવિપર્યાયપણે દ્રવ્ય
પ્રતિભાસી શકે જ નહિ. જેમ મોતીની માળામાં મોતીનો ક્રમ આઘોપાછો થતો નથી, તેમ ત્રણકાળની
પર્યાયમાળામાં વ્યાપક એવા દ્રવ્યમાં કોઈ પર્યાયનો ક્રમ આઘોપાછો થતો નથી; અને પરને લીધે કોઈ પર્યાય થતી
નથી એ વાત પણ આમાં આવી જ ગઈ. દ્રવ્યની પર્યાયો તેના સ્વઅવસરે જ થાય છે, આગળ–પાછળ થતી
નથી–એ વાત ૯૯ મી ગાથાના પ્રવચનોમાં વિશેષ વિસ્તારથી આવી ગઈ છે.
અહીં અધ્યાત્મનયો છે તેથી નય અને નયના વિષયરૂપ ધર્મને એકરૂપે વર્ણવે છે. વસ્તુના અનંત ધર્મોમાં
અનંત નયો વ્યાપે છે–એમ કહીને નયોની સ્વસન્મુખતા બતાવી છે; આ નયો પરમાં વ્યાપતા નથી પણ વસ્તુના
નિજધર્મોમાં વ્યાપે છે એટલે પર સામે જોવાનું ન રહ્યું પણ વસ્તુની સામે જ જોવાનું રહ્યું.
અહીં કહે છે કે આત્મદ્રવ્યમાં એક એવો ધર્મ છે કે પોતાની સમસ્ત પર્યાયોમાં તે વ્યાપે છે; કોઈ પર પદાર્થ
તો આત્માની પર્યાયમાં વ્યાપતા નથી ને રાગાદિભાવોમાં કે પર્યાયમાં પણ એવી તાકાત નથી કે તે સર્વ પર્યાયોમાં
વ્યાપે! આથી આ વ્યાપક–ધર્મને સ્વીકારવા જતાં દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે. આત્મદ્રવ્યમાં જ એવો ધર્મ છે કે
સર્વ પર્યાયોમાં તે વ્યાપે છે. પર્યાય તે તે કાળે દ્રવ્યમાં તન્મય થઈને વ્યાપે છે અને દ્રવ્ય પોતાની બધી પર્યાયોમાં
વ્યાપે છે; એટલે કોઈ નિમિત્ત ઉપર, વિકલ્પ ઉપર કે પર્યાય ઉપર મુખ્યપણે જોવાનું ન રહ્યું, પણ દ્રવ્ય ઉપર જ
જોવાનું રહ્યું. અનાદિથી જીવની દ્રષ્ટિ જ પોતાના દ્રવ્ય ઉપર પડી નથી, પણ સંયોગ અને વિકારમાં જ દ્રષ્ટિ રાખી
છે. સામાન્યનયે સર્વ પર્યાયોમાં વ્યાપક એવા આત્મદ્રવ્યને જે જાણે તેને નિર્મળ પર્યાય થયા વિના રહે નહિ.
એકેક ધર્મ એવો છે કે તેને યથાર્થપણે નક્કી કરવા જતાં આખું દ્રવ્ય જ નક્કી થઈ જાય છે. બધા ધર્મોનો આધાર
તો આત્મદ્રવ્ય છે, તેથી તે ધર્મોને જોતાં ધર્મી એવું આત્મદ્રવ્ય જ પ્રતીતમાં આવી જાય છે ને તેના આશ્રયે
સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટે છે.
પ્રશ્નઃ–આત્મદ્રવ્ય સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે એમ કહ્યું, તો શું વિકારપર્યાયમાં પણ આત્મા વ્યાપક છે?
ઉત્તરઃ–હા; વિકારપર્યાયમાં પણ તે સમયપૂરતો આત્મા વ્યાપક છે;–પણ આમ જેણે નક્કી કર્યું તેને
પોતાની પર્યાયમાં એકલો વિકારભાવ જ નથી હોતો, પરંતુ સાધકભાવ હોય છે. કેમ કે ‘વિકાર–ભાવ કર્મને લીધે
થતો નથી એટલે કે તેમાં કર્મ વ્યાપક નથી, તે વિકારપર્યાયમાં પણ આત્મદ્રવ્ય જ વ્યાપક છે’ આમ જેણે નક્કી
કર્યું તેને વિકાર વખતે પણ દ્રવ્યની પ્રતીતિ ખસતી નથી, એટલે ‘પર્યાયમાં દ્રવ્ય વ્યાપક છે’ એમ નક્કી કરનારને
એકલા વિકારમાં જ વ્યાપકપણું રહેતું નથી પણ સમ્યક્ત્વાદિ નિર્મળપર્યાયમાં વ્યાપકપણું હોય છે, અને તેને જ
આવો સામાન્યનય હોય છે.
એ રીતે સામાન્યનયથી આત્માનું વર્ણન કર્યું, હવે તેની સાથે વિશેષનયથી આત્માનું વર્ણન કરે છે.
(૧૭) વિશેષનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય વિશેષનયે, માળાના એક મોતીની માફક અવ્યાપક છે; જેમ માળાનું એક મોતી આખી
માળામાં વ્યાપતું નથી તેથી તે અવ્યાપક છે, તેમ આત્માની એક પર્યાય સમસ્ત પર્યાયોમાં વ્યાપતી નથી તેથી
વિશેષનયે આત્મા અવ્યાપક છે.
જે આ અનંત ધર્મો છે તે બધા ધર્મોને આત્માએ ધારી રાખ્યા છે; તેથી અનંત ધર્મવાન અખંડ આત્માની
પ્રતીતમાં આ બધાય ધર્મોની પ્રતીત આવી જાય છે. જો આત્માના બધાય ધર્મોમાંથી એક પણ ધર્મનો નિષેધ કરે
તો તેને ધર્મી એવો અખંડ આત્મા પ્રતીતમાં

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૧પ૬ઃ આત્મધર્મઃ ૧૦૪
આવે નહિ, ને યથાર્થ આત્મા પ્રતીતમાં આવ્યા વિના કોઈ રીતે કલ્યાણનો માર્ગ પ્રગટે નહિ.
દ્રવ્ય અપેક્ષાએ આત્મા સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે–એવા વ્યાપકસ્વભાવને સામાન્યનય જાણે છે; અને
આત્માની એકેક પર્યાય બધી પર્યાયોમાં વ્યાપતી નથી એટલે પર્યાય અપેક્ષાએ અવ્યાપકસ્વભાવ છે–એમ
વિશેષનય જાણે છે.
‘નય’ તે સ્વ–પરપ્રકાશક પ્રમાણજ્ઞાનનો અંશ છે, પ્રમાણથી જાણેલા અનંત ધર્માત્મક પદાર્થના એક
અંશને મુખ્ય કરીને જાણે તે નય છે. નયજ્ઞાન વસ્તુમાં એક ધર્મને મુખ્ય કરીને જાણે છે, પણ તે વખતે વસ્તુમાં
બીજા જે અનંત ધર્મો રહેલા છે તેમનો તે નિષેધ નથી કરતું. જો બીજા ધર્મોનો સર્વથા નિષેધ કરીને એક ધર્મને જ
જાણે તો વસ્તુનું પ્રમાણજ્ઞાન નથી, તેમજ તે નય નથી પણ નયાભાસ છે.
પર્યાય અપેક્ષાએ આત્મા સર્વવ્યાપક નથી, કેમ કે એક પર્યાય બીજી પર્યાયમાં વ્યાપતી નથી; એટલે એક
પર્યાયમાંથી બીજી પર્યાય પ્રગટતી નથી, તેથી પર્યાય પ્રગટવા માટે પર્યાયની સામે જોવાનું ન રહ્યું પણ સામાન્ય
વ્યાપક એવા દ્રવ્ય સામે જોવાનું રહ્યું. મિથ્યાત્વ પર્યાય ટળીને દ્રવ્યના આશ્રયે સમ્યક્ત્વ પર્યાય પ્રગટી. તે બંને
પર્યાયમાં દ્રવ્ય વ્યાપક છે, પણ સમ્યક્ત્વપર્યાયમાં મિથ્યાત્વપર્યાય વ્યાપક નથી; આ રીતે દ્રવ્યપણે આત્મા વ્યાપક
છે ને પર્યાયપણે અવ્યાપક છે. પર્યાય અપેક્ષાએ પણ જો આત્મા પોતાની સર્વ પર્યાયોમાં વ્યાપક હોય તો
મિથ્યાત્વપર્યાય પણ બધી પર્યાયોમાં વ્યાપક થઈ જાય એટલે પર્યાયમાંથી મિથ્યાત્વ કદી ટળી જ ન શકે! માટે
પર્યાય અપેક્ષાએ આત્મા વ્યાપક નથી. મિથ્યાત્વ પર્યાય ટળીને સમ્યક્ત્વપર્યાય થતાં જાણે કે આખો આત્મા
પલટી ગયો હોય–તેમ પર્યાય અપેક્ષાએ જણાય છે.
સાધકની સમ્યગ્જ્ઞાનપર્યાય વધીને કેવળજ્ઞાન થતું નથી પણ તે અધૂરી પર્યાયનો અભાવ થઈને દ્રવ્યમાંથી
કેવળજ્ઞાનપર્યાય પ્રગટે છે; પૂર્વની પર્યાયનો તે કેવળજ્ઞાનપર્યાયમાં અભાવ છે. સાધકની સમ્યગ્જ્ઞાનપર્યાય થઈ તે
કેવળજ્ઞાનપર્યાયમાં અવ્યાપક છે પણ દ્રવ્ય પોતે કેવળજ્ઞાનપર્યાયમાં વ્યાપક છે. માટે, કેવળજ્ઞાનપર્યાય પ્રગટ
કરવા કોની સામે જોવું?–વ્યાપક એવા દ્રવ્યની સન્મુખતાથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. જ્યાં સાધકની નિર્મળ
સમ્યગ્જ્ઞાનપર્યાય પણ કેવળજ્ઞાનપર્યાયમાં વ્યાપતી નથી તો પછી રાગાદિભાવ તો આત્માની નિર્મળપર્યાયમાં કેમ
વ્યાપે?
પર્યાયના આશ્રયે પર્યાય થતી નથી, કેમ કે એક પર્યાય બીજી પર્યાયમાં અવ્યાપક છે; મોક્ષમાર્ગની
પર્યાયમાંથી મોક્ષપર્યાય પ્રગટતી નથી કેમ કે મોક્ષપર્યાયમાં મોક્ષમાર્ગની પર્યાય અવ્યાપક છે. જ્યાં એક નિર્મળ
પર્યાય પણ બીજી પર્યાયને મદદ નથી કરતી, તો પછી શુભરાગરૂપ વિકારી પર્યાય કે શરીરાદિ જડની પર્યાય
આત્માને ધર્મની પર્યાયમાં મદદ કરે એ વાત કયાં રહી? એક પર્યાયનું બીજી પર્યાયમાં અવ્યાપકપણું છે માટે
પર્યાયનો આશ્રય છોડ, ને સર્વ પર્યાયમાં વ્યાપક એવા દ્રવ્યનો આશ્રય કર.
આત્મા અવ્યાપક છે એટલે કે તે તે કાળે વર્તતી પર્યાયને જ તે પ્રાપ્ત કરે છે, તે એક પછી એક પર્યાયને
પામે છે, એક સાથે બધી પર્યાયોને પામતો નથી;–આવું અવ્યાપકપણું તે પણ આત્માનો એક ધર્મ છે, અને તે
ત્રિકાળ છે. અવ્યાપકપણું પર્યાય–અપેક્ષાએ હોવા છતાં તે ધર્મ તો આત્મદ્રવ્યનો છે, એટલે પર્યાયનો વ્યય થઈ
જવા છતાં આત્માના અવ્યાપકધર્મનો નાશ થઈ જતો નથી; બીજી ક્ષણે બીજા ક્ષણની પર્યાયમાં જ આત્મા વ્યાપે
છે, એ રીતે તેનો અવ્યાપકધર્મ ચાલુ જ રહે છે. વિશેષપણે જોતાં તે તે સમયની પર્યાયમાં આત્મા વ્યાપે છે અને
સામાન્યપણે જોતાં આત્મા પોતાની ત્રણેકાળની સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે.
અજ્ઞાની લોકો કોઈ ઈશ્વરને સર્વ પદાર્થોમાં વ્યાપક માને છે, તે તો ભ્રમણા છે. અહીં તો કહે છે કે
ચૈતન્યપરમેશ્વર એવો તારો આત્મા જ તારી સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે, એ સિવાય આત્મામાં કોઈ બીજું
વ્યાપતું નથી ને આત્મા કોઈ બીજામાં વ્યાપતો નથી. આવા તારા આત્માનો ભરોસો કર તો તેના આશ્રયે તારું
કલ્યાણ પ્રગટે. દ્રવ્યપણે વ્યાપક અને પર્યાયપણે અવ્યાપક એવા બંને ધર્મો આત્મામાં એક સાથે જ રહેલા છે.
આવા બધા ધર્મોથી આત્મવસ્તુનો નિર્ણય કરતાં બધાં વિરુદ્ધ પડખાં ટળીને જ્ઞાનની નિર્મળતા થાય છે.
***

PDF/HTML Page 10 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૮ઃ ૧પ૭ઃ
જેમ માળા બધા મોતીમાં રહેલી છે, પણ માળાનું એક મોતી બીજા મોતીમાં રહેલું નથી. તેમ આત્મદ્રવ્ય
બધા ગુણ–પર્યાયોમાં વ્યાપક છે, પણ તેની એક પર્યાય બીજી પર્યાયમાં વ્યાપક નથી. દ્રવ્ય–ગુણ ત્રિકાળ તે ને તે
જ રહે છે ને પર્યાયો ક્ષણે ક્ષણે નવી નવી થાય છે. પહેલી ક્ષણે અજ્ઞાનદશા હતી ને બીજી ક્ષણે જ્ઞાનદશા થઈ, તો
ત્યાં પહેલાંની અજ્ઞાનપર્યાય બીજી જ્ઞાનપર્યાયમાં અવ્યાપક છે, પણ દ્રવ્ય તો બંને પર્યાયોમાં વ્યાપક છે.
કેવળજ્ઞાન સાદિ–અનંત એવું ને એવું રહે છે, પરંતુ તેમાં પણ પહેલા સમયની કેવળજ્ઞાન પર્યાય બીજા
સમયની પર્યાયમાં વ્યાપતી નથી. બીજા સમયે ‘એવી ને એવી’ પર્યાય થવા છતાં ‘તે ને તે જ’ પર્યાય નથી.
એક સમયની પર્યાયમાં ત્રણકાળને જાણવાનું સામર્થ્ય હોવા છતાં તે પોતે તો એક સમય જ ટકે છે. ક્ષાયિકભાવને
સાદિ–અનંત કહ્યો તે તો પ્રવાહે છે, પણ તેમાં પહેલી ક્ષણનો ક્ષાયિકભાવ બીજી ક્ષણે રહેતો નથી, બીજી ક્ષણે
બીજો નવો ક્ષાયિકભાવ પ્રગટે છે.–એ પ્રમાણે પર્યાયોનું પરસ્પર અવ્યાપકપણું છે. આવો યથાર્થ નિર્ણય કરતાં
પર્યાયના આશ્રયની બુદ્ધિ છૂટીને દ્રવ્યસન્મુખ બુદ્ધિ થતાં સાધકભાવ પ્રગટે છે.
(૪૭ નયોથી આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેમાંથી ૧૭ મા નય ઉપરનું વિવેચન અહીં પૂરું થયું.)
***
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે તો સમ્યગ્જ્ઞાન અને ધર્મ થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનંત ધર્મો રહેલા
છે. તે આત્માનું જ્ઞાન કરાવવા માટે અહીં આત્માની શક્તિઓનું વર્ણન ચાલે છે. અત્યાર સુધીમાં નીચેની સાત
શક્તિઓનું વર્ણન થયું છે.
(૧) સૌથી પહેલાં જીવત્વશક્તિ બતાવી; જડમાં અસ્તિત્વ છે પણ જીવત્વ નથી, આત્મામાં જીવત્વ
ત્રિકાળ છે તેથી તે ચૈતન્યપ્રાણવડે સદા જીવી રહ્યો છે. આત્મા પરને જીવાડે કે પોતે પરથી જીવે–એવું તેનું સ્વરૂપ
નથી.
(૨) બીજી ચિતિશક્તિ છે; જો આ ચિતિશક્તિ ન હોય તો આત્મા જડ થઈ જાય, અને જીવને જાણે
કોણ? આ ચેતનાશક્તિ સદા જાગૃતિસ્વરૂપ છે.
(૩–૪) દશિશક્તિ અને જ્ઞાન શક્તિ કહીને ચેતનાની ક્રિયા બતાવી; દર્શન સમસ્ત પદાર્થોના સામાન્ય
અવલોકનરૂપ છે, ને જ્ઞાન સમસ્ત પદાર્થોને વિશેષપણે જાણનારું છે.
(પ) પાંચમી સુખશક્તિ કહીને તેમાં સમ્યક્ત્વ અને ચારિત્ર બંનેનું ફળ સમાવી દીધું. જ્ઞાનદર્શનમય
આત્માની પ્રતીતિ કરે તેવી એક સમ્યક્ત્વશક્તિ છે, અને તેમાં લીન થાય તેવી ચારિત્રશક્તિ છે. આત્માની પ્રતીત
કરીને તેમાં લીન થતાં પરમ અનાકુળ શાંત–આહ્લાદરૂપ સુખનો અનુભવ થાય છે. આવી સુખશક્તિ આત્મામાં
ત્રિકાળ છે.
(૬) છઠ્ઠી વીર્યશક્તિ છે. આત્માનું સુખ સમ્યક્ પુરુષાર્થપૂર્વક પ્રગટે છે, તે પુરુષાર્થ અર્થાત્ વીર્યશક્તિ
આત્મામાં ત્રિકાળ છે; તેના વડે સ્વરૂપની રચના થાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં આત્માનું વીર્ય છે.
(૭) સાતમી પ્રભુત્વશક્તિના વર્ણનમાં તો અદ્ભુત વાત કરી. આ પ્રભુત્વને લીધે આત્માના દ્રવ્ય–ગુણ–
પર્યાય સ્વતંત્રતાથી શોભી રહ્યાં છે. આ પ્રભુત્વશક્તિ આત્માના પ્રતાપને અખંડ રાખે છે, આત્માની પ્રભુતા
આત્મામાં જ ભરી છે એમ તે બતાવે છે.
એ પ્રમાણે સાત શક્તિઓનું વર્ણન કર્યું; હવે વિભુત્વ નામની આઠમી શક્તિનું વર્ણન કરે છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧પ૮ઃ આત્મધર્મઃ ૧૦૪
૮ઃ વિભુત્વ શક્તિ
આત્માની વિભુતાનું વર્ણન
ર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે. આત્મા પોતાના બધા
ગુણ–પર્યાયોમાં વ્યાપેલો વિભુ છે, તેમજ તેના જ્ઞાનાદિ દરેક ગુણ પણ સર્વભાવોમાં વ્યાપનારા છે. જો એક ગુણ
બધા ગુણોમાં વ્યાપેલ ન હોય તો અનંતગુણનો અભેદપિંડ અનુભવમાં આવી શકે નહિ અને બધા ગુણની
અભેદતાનો આનંદ આવી શકે નહિ. ‘વિભુ’ નો અર્થ વ્યાપક થાય છે. વિભુત્વશક્તિથી આત્મા વિભુ છે, એટલે
પોતાના સર્વભાવોમાં રહેલો હોવા છતાં એક ભાવરૂપ છે. જ્ઞાનગુણ બધા ગુણોમાં વ્યાપે છે એવું જ્ઞાનનું વિભુત્વ
છે. એ પ્રમાણે અનંતા ગુણો છે તેમાંથી દરેક ગુણ બીજા બધા ગુણોમાં વ્યાપક છે–એ રીતે અનંતગુણોનું વિભુત્વ
જાણવું. રાગ–દ્વેષ વગેરેમાં એવું વિભુત્વ નથી કે તે આત્માના સમસ્ત ભાવોમાં વ્યાપે. આત્માના વિભુત્વમાં
રાગાદિ ભાવો ખરેખર વ્યાપતા જ નથી; એક સમયની રાગ પર્યાય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે બધા ગુણોમાં
વ્યાપી શકતી નથી; જો રાગ ત્રિકાળી ગુણમાં વ્યાપક થઈ જાય તો તો તે કદી જુદો પડી શકે નહિ. એક સમય
પૂરતો રાગ બીજા ગુણોમાં તો નથી વ્યાપ્યો, પણ અખંડ ચારિત્રગુણમાં પણ તે વ્યાપ્યો નથી. જ્યારે આત્માની
શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, જીવત્વ, અસ્તિત્વ વગેરે શક્તિઓ તો બધા ગુણોમાં ત્રિકાળ ફેલાયેલી છે.–આવો આત્માની
વિભુતા–શક્તિનો વૈભવ છે; તેને જાણતાં રાગાદિ ભાવો પ્રત્યેનો ઉત્સાહ લૂખોલસ થઈ જાય છે, ને રુચિનો
ઉત્સાહ ત્રિકાળી સ્વભાવ તરફ વળી જાય છે.
આત્મા લોકાલોકમાં વ્યાપેલો નથી, પણ પોતાના સમસ્ત ભાવોમાં વ્યાપેલો છે. અહીં વિકારી ભાવોને
આત્માના ગણ્યા નથી કેમ કે આ તો સ્વભાવશક્તિનું વર્ણન છે. આત્મા બહારમાં સર્વવ્યાપક નથી પણ અંદર
પોતાના ભાવોમાં સર્વવ્યાપક છે, પોતાના અનંતગુણ–પર્યાયસ્વરૂપમાં આત્મા વ્યાપેલો છે. બહારમાં સર્વથી ભિન્ન
ને અંતરમાં સર્વવ્યાપક–એવો આત્માનો વિભુત્વ–સ્વભાવ છે. આત્માનો મહિમા બહારમાં ક્ષેત્રની વિશાળતાથી
નથી, આત્માનું ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં તેનું સ્વભાવસામર્થ્ય અચિંત્ય–અમર્યાદિત છે, તેના વડે જ આત્માનો
મહિમા છે. જેને અંતરના સ્વભાવમહિમાનું ભાન નથી એવા બાહ્યદ્રષ્ટિ જીવો જ બહારમાં સર્વવ્યાપકતાથી
આત્માનો મહિમા માને છે, પણ આત્મા પરમાં કદી વ્યાપતો જ નથી.
શરીર તો આત્મામાં કદી વ્યાપ્યું જ નથી ને આત્મા કદી શરીરમાં વ્યાપ્યો નથી.
રાગ આખા આત્મામાં વ્યાપ્યો નથી ને આત્મા રાગમાં વ્યાપ્યો નથી.
નિર્મળ પર્યાય આત્મામાં એક સમય પૂરતી વ્યાપક છે પણ તે ત્રિકાળ વ્યાપક નથી.
અસ્તિત્વ વગેરે ગુણો છે તે તો આત્મામાં ત્રિકાળ વ્યાપક છે. દ્રવ્ય ‘છે’ ગુણ ‘છે’ પર્યાય ‘છે’ શ્રદ્ધા
‘છે’ જ્ઞાન ‘છે’ ચારિત્ર ‘છે’–એમ બધામાં હોવાપણું વ્યાપેલું છે. એ જ પ્રમાણે જ્ઞાન વગેરે ગુણો પણ બધામાં
વ્યાપક છે. આ રીતે વિભુત્વશક્તિનું સ્વરૂપ જાણતાં ત્રિકાળી આત્મા જ લક્ષમાં આવી જાય છે. ત્રિકાળી તત્ત્વની
સામે જોઈને તેની શક્તિઓનો યથાર્થ નિર્ણય થાય છે.
સ્તુતિમાં એમ આવે કે ‘હે નાથ! આપ વિભુ છો.’ ત્યાં કાંઈ બીજા ભગવાન આ આત્મામાં વ્યાપનારા
નથી. લોકાલોકને જાણે એવું આત્માનું વિભુત્વ છે, પણ લોકાલોકમાં વ્યાપે એવું તેનું વિભુત્વ નથી. આત્મા
પોતામાં રહીને ત્રણકાળ ત્રણલોકને જાણે છે. આખું તત્ત્વ એકરૂપ થઈને પોતામાં અખંડ વ્યાપકપણે રહ્યું છે, એકેક
શક્તિ પણ આખા તત્ત્વમાં વ્યાપીને પડી છે. સર્વભાવોમાં પ્રસરવા છતાં એક ભાવરૂપ રહે એવું વિભુત્વ છે; અનંત
ભાવોમાં વ્યાપેલો હોવા છતાં આત્મા એકપણે જ રહે છે. એકપણે રહીને અનંતમાં વ્યાપે છે પણ અનંતરૂપ થઈ
જતો નથી. તેમ જ જ્ઞાન, દર્શન વગેરે દરેક ગુણો પણ પોત–પોતાનું એકપણું રાખીને આખા આત્મામાં વ્યાપેલા છે,
એક ગુણ અનંતગુણોમાં વ્યાપી રહ્યો છે. અસ્તિત્વ બધા ગુણમાં વ્યાપક, જ્ઞાન બધા ગુણમાં વ્યાપક, આનંદ બધા
ગુણમાં વ્યાપક–એ પ્રમાણે અનંતી શક્તિઓનું વિભુત્વ સમજી લેવું. ‘વિભુત્વશક્તિ’ તો એક છે. પણ તેણે આખા
આત્માને અને બધા ગુણોને વિભુતા આપી છે; જેમ અસ્તિત્વગુણથી બધા

PDF/HTML Page 12 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૮ઃ ૧પ૯ઃ
અસ્તિરૂપ છે તેમ વિભુત્વશક્તિથી બધા વિભુસ્વરૂપ છે.
એક ગુણ બીજા અનંત ગુણોમાં વ્યાપે છે ને એક ગુણમાં બીજા અનંતગુણો વ્યાપે છે. કોઈ એક ગુણ
એવો નથી કે જ્યાં બીજા ગુણો વ્યાપ્યા ન હોય. જુઓ, આ આત્માના અંતરંગ સમાજનો સંપ! અનંત ગુણોનો
સમાજ પરસ્પર વ્યાપીને ત્રિકાળ કેવો સંપીને રહ્યો છે! જ્ઞાનગુણ સર્વમાં વ્યાપક છે એવી જ્ઞાનની વિભુતા છે,
અસ્તિત્વગુણ સર્વમાં વ્યાપક છે એવી સત્તાની વિભુતા છે. અસ્તિત્વમાં જો જ્ઞાન ન હોય તો અસ્તિત્વ અચેતન
ઠરે; અને જ્ઞાનમાં જો અસ્તિત્વ ન હોય તો જ્ઞાન અભાવરૂપ ઠરે. તેમ જ આનંદમાં જો જ્ઞાન ન હોય તો
આનંદગુણ જ્ઞાનવગરનો જડ થઈ જાય, અને જો જ્ઞાનમાં આનંદ ન હોય તો જ્ઞાન આનંદ વગરનું લૂખુંલસ થઈ
જાય.–એમ બધા ગુણો એકબીજામાં વ્યાપી રહ્યા છે. પુણ્ય–પાપના વિકારીભાવો તો એક ગુણની એક સમયપૂરતી
પર્યાયમાં જ વ્યાપક છે, બીજા અનંત ગુણોમાં કે બીજા સમયની પર્યાયમાં તે વિકારીભાવો વ્યાપતા નથી; માટે
વિકારમાં વિભુત્વ નથી, વિકાર વસ્તુનું સ્વરૂપ નથી. અનંતા ગુણોમાં એક ગુણ વ્યાપક ને એક ગુણમાં અનંતા
ગુણો વ્યાપક–આવો આત્મગુણોનો સમાજ છે.
અસ્તિત્વ બધામાં વ્યાપીને બધાને અસ્તિપણે રાખે છે,–જેમ કે જ્ઞાનનું અસ્તિત્વ, આનંદનું અસ્તિત્વ,
વગેરે.
વસ્તુત્વ બધામાં વ્યાપીને બધા ગુણોના પ્રયોજનને સિદ્ધ કરે છે,–જેમ કે જ્ઞાનનું પ્રયોજન જાણવું તે,
આનંદનું પ્રયોજન અનાકુળ આહ્લાદ આપવો તે, વગેરે.
દ્રવ્યત્વગુણ બધામાં વ્યાપીને બધાને પરિણમાવે છે,–જેમ કે જ્ઞાનનું પરિણમન, આનંદનું પરિણમન,
વગેરે. આત્મદ્રવ્ય પરિણમતાં તેના બધા ગુણોનું પરિણમન થઈ જાય છે.
પ્રમેયત્વગુણે બધામાં વ્યાપીને બધા ગુણોને પ્રમેયરૂપ બનાવ્યા; ચેતનાએ બધામાં વ્યાપીને બધાને
ચેતનરૂપ બનાવ્યા; વિભુત્વે બધામાં વ્યાપીને બધાને વ્યાપકરૂપ બનાવ્યા.
–એ પ્રમાણે એક વિભુત્વશક્તિને સ્વીકારતાં અનંતગુણનો અખંડ સમાજ ઊભો થાય છે. એવા
અખંડતત્ત્વની દ્રષ્ટિ તે જ ધર્મીની દ્રષ્ટિ છે. ધર્મી જીવ એકેક સમયની પર્યાયને કે એકેક શક્તિના ભેદ પાડીને
મુખ્યપણે નથી જોતો, પણ ત્રિકાળી તત્ત્વને જ મુખ્યપણે જુએ છે, ધર્મીની દ્રષ્ટિ ત્રિકાળી તત્ત્વ ઉપર થંભી ગઈ છે.
એક ઘરમાં રહેનારા દસ માણસો એકબીજામાં વ્યાપી શકતા નથી પણ ચૈતન્યઘરમાં રહેનારા અનંતગુણો
એક બીજામાં વ્યાપક છે. એક જ ઘરમાં રહેનારા દસ માણસોમાં તો કોઈ કયાંયથી આવ્યો હોય ને કોઈ કયાંયથી
આવ્યો હોય, તથા અલ્પકાળમાં કોઇ કયાંક ચાલ્યો જાય ને કોઈ કયાંય ચાલ્યો જાય, ત્યાં તો કોઈને કોઈ સાથે
લાગતું વળગતું નથી, બધા જુદેજુદાં જ છે; પરંતુ આત્માના અનંતગુણો તો ત્રિકાળ ભેગાં ને ભેગાં જ રહેનારા
છે, કદી જુદા પડતા નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેનામાં સંસારભાવ વ્યાપે, સંસારભાવને ઉત્પન્ન
કરીને તેમાં વ્યાપે એવું આત્માના કોઈ ગુણનું સ્વરૂપ નથી.
જેમ સોનામાં તેની પીળાશ બધે વ્યાપક છે, ચીકાશ બધે વ્યાપક છે. વજન બધે વ્યાપક છે, તેમ
ચૈતન્યધાતુમાં અનંતગુણો સર્વવ્યાપક છે. ને ચૈતન્યવસ્તુ એક પિંડ પણે સર્વગુણોમાં વ્યાપેલી છે, આવી
આત્માની વિભુતા છે. ‘એક આત્મા ક્ષેત્રથી સર્વવ્યાપક વિભુ છે અર્થાત્ જડ અને ચેતન સમસ્ત પદાર્થોમાં
વિભુનો વાસ છે’–એમ અજ્ઞાની કહે છે; પણ અહીં તો એક આત્મા પોતાના અનંત ગુણોમાં સર્વવ્યાપક રહીને,
જડ–ચેતન બધાનો જાણનાર વિભુ છે–એમ શ્રી સર્વજ્ઞ કહે છે.
અસ્તિત્વને મુખ્ય કરીને જુઓ તો આત્માના બધા ગુણોમાં અસ્તિત્વપણું ભાસે, જીવત્વ શક્તિને મુખ્ય
કરીને જોતાં બધા ગુણોમાં જીવત્વ ભાસે, જ્ઞાનને મુખ્ય કરીને જોતાં બધા ગુણોમાં જ્ઞાન ભાસે, આનંદને મુખ્ય
કરીને જોતાં બધા ગુણોમાં આનંદ ભાસે; એમ એક ગુણ સાથે જ અનંતગુણનો પિંડ સંકળાયેલો છે. એક ગુણનો
ભેદ પાડીને લક્ષમાં લેવો તે રાગનો વિકલ્પ છે, અનંતગુણના અભેદપિંડને લક્ષમાં લેવો તેમાં વીતરાગતા છે.
જુઓ, આંખ–કાન વગેરે ઈંદ્રિયો બંધ કરીને પણ અંતરમાં ‘હું જ્ઞાન છું, હું સહજ આનંદ છું’ એમ
વિચાર થાય છે ને! તે વિચાર કોણ કરે છે? કઈ સામગ્રીથી તે વિચાર કરે છે? વિચાર કરનારો એટલે કે જ્ઞાન
કરનારો આત્મા પોતે જ છે; બાહ્ય સામગ્રીનો અભાવ હોવા છતાં અંતરમાં અખંડ સ્વભાવસામગ્રી પડી છે તેના
અવલંબને પોતે વિચાર કરે છે. આત્માના અંતરમાં કાંઈ આંખ–કાન વગેરે ઈંદ્રિયો નથી. બાહ્ય

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૬૦ઃ આત્મધર્મઃ ૧૦૪
ઈંદ્રિયો તેમ જ રાગના અવલંબન વગર જ આત્માની ચૈતન્યસત્તામાં જ્ઞાનનું કાર્ય થાય છે. માટે નક્કી થાય છે કે
ઈંદ્રિયોથી કે રાગથી ચૈતન્યસત્તા જુદી છે. અનંતગુણનો એકરૂપ ગાંઠડો અંદરમાં ભાસે છે તે કોની હયાતીમાં
ભાસે છે? રાગની સત્તામાં કે જડ ઈંદ્રિયોની સત્તામાં તે ભાસતો નથી પણ ચૈતન્યસત્તાની હયાતીમાં જ
અનંતગુણનો એકરૂપ ગાંઠડો ભાસે છે. તે ચૈતન્ય સત્તાના સ્વીકારથી ધર્મની શરૂઆત થાય છે.
શરીરાદિ પરવસ્તુનો તો આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં ત્રિકાળ અભાવ છે. જે ક્ષણપૂરતા રાગાદિ
વ્યવહાર પરિણામ થાય છે તે આખા દ્રવ્યમાં કે તેના ગુણોમાં વ્યાપતા નથી, બધા ગુણની પર્યાયમાં પણ તે
રાગાદિ વ્યાપતા નથી અને એક ગુણની બધી પર્યાયોમાં પણ તે વ્યાપતા નથી, માત્ર એક ગુણની એક પર્યાયમાં
સમય પૂરતા જ તે રાગાદિ ભાવો છે. જ્યારે તે જ વખતે આ બાજુ અંતરમાં અનંત ગુણ–પર્યાયમાં ત્રિકાળ
વ્યાપક અખંડ વિભુતાવાળો ભગવાન આત્મા છે.–તો કોની મુખ્યતા કરવી? કોનો આદર–બહુમાન કરવું?–
ક્ષણિક રાગનું કે અખંડ વિભુતાવાળા આત્માનું? અખંડવિભુનો અનાદર કરીને તૂચ્છ રાગનો આદર કરવો તે
મહાન અધર્મ છે; ધર્મી જીવ તો અખંડ વિભુ એવા નિજ આત્માનો જ આદર કરે છે, ધર્મીની અંર્તદ્રષ્ટિમાં
રાગનો અભાવ છે.
આ પહેલાં આચાર્યદેવે ૧૮૨ મા કલશમાં પણ આત્માને ‘વિભુ’ કહ્યો હતો. ત્યાં કહ્યું હતું કે વિભુ એવા
શુદ્ધ ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી; સમસ્ત વિભાવોથી રહિત શુદ્ધચૈતન્યભાવ તે વિભુ છે. ત્યાં સર્વ ગુણ–
પર્યાયોમાં વ્યાપક એવો વિભુનો અર્થ કર્યો હતો. આત્મા અને તેનો દરેક ગુણ સમસ્ત ગુણ–પર્યાયોમાં વ્યાપક છે
એવી આત્માની વિભુતા છે. બહારની લક્ષ્મી વગેરેની વિભુતા આત્મામાં નથી. જે જીવ પોતાના શુદ્ધચૈતન્ય
વિભુત્વનો વિશ્વાસ કરે તેને અનંત ગુણની વિભૂતિ–કેવળજ્ઞાનાદિ નિજવૈભવ પ્રગટે.
જ્ઞાનમાત્ર આત્મામાં આ વિભુત્વ વગેરે અનંતી શક્તિઓ એક સાથે જ રહેલી છે.
અહીં આઠમી વિભુત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
***
ર્તમાનમાં જ ત્રિકા
દરેક વસ્તુ વર્તમાનપણે વર્તી રહી છે; વર્તમાન વર્તતા
દ્રવ્યમાં જ ત્રિકાળ ટકવારૂપ સામર્થ્ય છે. વર્તમાન એક સમયમાં
ત્રિકાળ ટકવારૂપ એકરૂપ સામર્થ્ય તે દ્રવ્ય છે. આત્માને ‘અખંડ
જ્ઞાયક’ કહીને ત્રિકાળી એકરૂપ દ્રવ્યસ્વભાવ જણાવવો છે. સમય
સમય વર્તીને ત્રિકાળ થાય છે–એમ ‘ત્રિકાળથી’ (કાળના
લંબાણથી) જ્ઞાયકને લક્ષમાં લેવો તેમ સમજવાનું નથી, પણ
ચૈતન્યમૂર્તિ આત્મા ત્રિકાળ ટકનારી અનંત શક્તિસામર્થ્યરૂપે
વર્તમાનમાં જ પૂરો છે એમ સમજવાનું છે, અર્થાત્ જે વર્તમાનમાં
જ છે તે ત્રિકાળ છે. વર્તમાનમાં જ હું અખંડ પૂરો છું એવી જે દ્રષ્ટિ
તે દ્રવ્યદ્રષ્ટિ છે ને તે જ સમ્યક્ દ્રષ્ટિ છે. તે દ્રષ્ટિ પ્રગટ થવામાં
અનંત પુરુષાર્થ છે, અને તે થતાં દર્શનમોહ તથા અનંતાનુબંધી
કષાયનો અભાવ થાય છે.
(જુઓ સ. પ્ર. ભાગ ૧ પૃઃ ૧પ૯)

PDF/HTML Page 14 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૮ઃ ૧૬૧ઃ
ધર્મી જીવની દ્રષ્ટિ કોના ઉપર છે?
મહત્વનું કાર્ય શું?
નાદિ અનંત આત્માને એકરૂપ, અખંડ, અભેદ જ્ઞાયકપણે જાણે તેણે જ તેનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું
કહેવાય. આત્માનું અખંડ સ્વરૂપ જેના ધ્યાનમાં નથી તેને તેનું યથાર્થ જ્ઞાન થતું નથી. ‘અનાદિ અનંત’ કહેતાં
કાળ ઉપર લક્ષ નહિ દેતાં અનંત ગુણનો અખંડ પિંડ પોતાપણે ત્રિકાળ ટકનારો, વર્તમાનમાં પૂર્ણ શક્તિરૂપ, ધુ્રવ
છે, તેને લક્ષમાં લેવો, તેનામાં ત્રણે કાળની અનંત શક્તિ વર્તમાનમાં અભેદપણે ભરી પડી છે. આવા અખંડ
દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ તે જ સમ્યગ્દ્રષ્ટિ છે.
પર સંયોગની અપેક્ષા છોડીને અને વર્તમાન અવસ્થાના ભેદને ગૌણ કરીને, વર્તમાન અવસ્થા પાછળ જે
સામાન્ય, ત્રિકાળી શુદ્ધ, શ્રદ્ધા–જ્ઞાન અને આનંદ વગેરે અનંતગુણોથી ભરપૂર અખંડ સ્વરૂપ છે તેનું લક્ષ કરતાં
અખંડ જ્ઞાયકપણે જે જણાયો તે જ પરમાર્થસ્વરૂપ આત્મા છે. તે જ્ઞાયકપણે જણાયો તે જ હું છું–એમ અંતરથી
માનવું તે સમ્યગ્દર્શન છે. હું અખંડ જ્ઞાયકજ્યોત એકરૂપ છું, અનંતકાળ ટકનાર વર્તમાનમાં પરિપૂર્ણ છું–એમ
પ્રગટ શુદ્ધ જ્ઞાયકભાવને લક્ષમાં લઈને અંતરમાં અનુભવથી જાણવું તે સમ્યગ્જ્ઞાન છે. આમાં જે કાંઈ ગૂઢ હતું તે
ઘણું સ્પષ્ટ કરીને કહ્યું છે, પણ હાથમાં લઈને બતાવાય તેવું નથી; કેમકે વસ્તુ તો અંર્તઅનુભવનો વિષય છે.
જાતે તૈયાર થઈ, ઝીલી, ઓગાળીને અંતરમાં પચાવે તો અવશ્ય ગુણ થાય.
આવું વસ્તુસ્વરૂપ સમજવું એ જ ખરેખર મહત્વનું કાર્ય છે. આત્માનો નિરપેક્ષ, અભેદ, આખો સ્વભાવ
વર્તમાનમાં સાક્ષાત્ શુદ્ધપણે જે રીતે છે તે રીતે અનાદિથી લક્ષમાં લીધો નથી. પરથી જુદા એકત્વની વાત કદી
પ્રીતિથી સાંભળી પણ નથી, તેથી સમજવું મુશ્કેલ લાગે છે. પણ ‘સમજ પીછે સબ સરલ હૈ.’ સમ્યગ્દર્શન
પ્રગટવા માટે શરૂઆતમાં જ સમજવાની આ વાત છે. વર્તમાનમાં દરેક સમયે આત્મા પૂર્ણ સ્વરૂપ હોવાથી તેને જ
શ્રદ્ધાનો વિષય (લક્ષ્ય–ધ્યેય) બનાવી શુદ્ધ અખંડપણે લક્ષમાં લેવા જેવો છે. તે શુદ્ધ આત્મા જ સમ્યગ્દર્શનનો
વિષય છે. વર્તમાન વિકારી અવસ્થા તથા અધૂરી નિર્મળ પર્યાય તેને ગૌણ કરીને, વર્તમાન વર્તતી એક એક
અવસ્થા સાથે જ દરેક સમયમાં અનંત ચૈતન્યશક્તિરૂપે જે આખો સામાન્ય ધુ્રવ સ્વભાવ છે તે ધર્મી જીવની
દ્રષ્ટિનો વિષય છે. તેના ઉપર દ્રષ્ટિ કરીને તેને લક્ષમાં લેવો તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે, અને તે જ
ધર્મીજીવનું મહત્વનું કાર્ય છે.
(સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃષ્ટ ૧૬૨–૩ ઉપરથી)
***
* ધ્યાન રાખજો *
આત્મદ્રવ્ય એકરૂપ જ્ઞાયકપણે વર્તમાનમાં પૂર્ણ છે, તે
ધુ્રવસ્વભાવની દ્રષ્ટિ તે સમ્યક્ દ્રષ્ટિ છે. ધ્યાન રાખજો કે આ
અલૌકિક વસ્તુ છે. અનંત કાળથી સ્વભાવની વાત સમજાણી
નથી, એટલે વસ્તુનો પરમ ગંભીર મહિમા લાવી, લક્ષ રાખી
સમજવું જોઈએ. વસ્તુની શ્રદ્ધા વિના સમ્યગ્જ્ઞાન–ચારિત્ર હોય
શકે નહિ. ‘આ અઘરું છે માટે ન સમજાય’ એ વાત કાઢી
નાંખજો. અનાદિનો અણઅભ્યાસ છે તેથી આત્મસ્વરૂપ સમજવું
મોંઘું લાગે છે; પણ જો તેનો પરમ મહિમા લાવીને સમજવા
માંગે તો સ્વવિષય છે તેથી સમજાય જ.
(સ. પ્ર. ભાગ ૧ઃ પૃ. ૧૬૦)

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૬૨ઃ આત્મધર્મઃ ૧૦૪
* ‘નિકટવર્તી
શિષ્યજનને શ્રી આચાર્યોનો ઉપદેશ’ *
જે હજી શુદ્ધ જ્ઞાયક આ આત્માને સમજયો નથી પણ તે સમજવાની જેને ધગશ છે એવા નિકટવર્તી
શિષ્યજનને સમયસારમાં આચાર્યદેવ શુદ્ધઆત્માનું સ્વરૂપ સમજાવે છે; આત્માને અને તેના ધર્મોને સ્વભાવથી
અભેદપણું છે તોપણ તેમાં નામથી ભેદ ઉપજાવીને વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન
છે, ચારિત્ર છે.
કથનમાં ભેદ આવતો હોવા છતાં ઉપદેશકનો અભિપ્રાય અભેદ આત્મસ્વભાવ બતાવવાનો છે, તેમ
સાંભળનાર શિષ્યને વિકલ્પ હોવા છતાં તેનું વલણ તો અભેદ આત્મસ્વભાવને સમજવાનું જ છે. આવો શિષ્ય
અલ્પકાળે અભેદ આત્મા સમજી જવાનો છે તેથી તેને ‘નિકટવર્તી’ કહ્યો છે; નિમિત્ત તરીકે શ્રી ગુરુનો નિકટવર્તી
છે ને ઉપાદાન તરીકે પોતાના આત્મસ્વભાવનો નિકટવર્તી છે.
શિષ્યને ‘નિકટવર્તી’ કહ્યો તેમાં એકલી ક્ષેત્રની નિકટતાની વાત નથી પરંતુ ભાવથી પણ નિકટતા
છે, એટલે કે જેવું સ્વરૂપ શ્રી ગુરુ સમજાવે છે તેવું ઝીલીને સમજવાની તૈયારીવાળો છે. કોઈ જીવ ક્ષેત્રથી
ભલે ભગવાનના સમવસરણમાં બેઠો હોય છતાં અંદર જો તેને રાગની અને વ્યવહારની રુચિ હોય તો તે
ખરેખર નિકટવર્તી શિષ્ય નથી; અને એકવાર પણ શ્રીગુરુ પાસેથી પરમાર્થ આત્મસ્વરૂપની વાત સાક્ષાત્
સાંભળીને જેને તે રુચિ છે એવો શિષ્ય ક્યારેક ક્ષેત્રથી દૂર હોય તોપણ અંતરની રુચિ અપેક્ષાએ તો તે
નિકટવર્તી છે.
જુઓ, સમજાવનાર ઉપદેશક કેવા હોય અને સમજનાર શિષ્ય કેવો હોય તે વાત આમાં આવી જાય છે.
સમજાવનાર ઉપદેશક એવા હોવા જોઈએ કે જેઓ શુદ્ધ આત્મા બતાવીને તેનો જ આશ્રય કરાવવા માંગતા હોય;
એ સિવાય નિમિત્તના કે વ્યવહારના આશ્રયથી ધર્મ મનાવતા ન હોય. અને સમજનાર શિષ્ય પણ એવો હોય કે
પોતાના શુદ્ધાત્માને સમજીને તેનો આશ્રય કરવા માંગતો હોય, એ સિવાય વિકારના કે ભેદના આશ્રયની રુચિ
તેને ન હોય. આવા નિકટવર્તી શિષ્યને શ્રી ગુરુ આત્માનું સ્વરૂપ સમજાવે છે કે જો ભાઈ! આત્મા જ્ઞાન–દર્શન–
ચારિત્ર સ્વરૂપ છે. આમ સમજાવતાં વચ્ચે ગુણ–ગુણીના ભેદરૂપ વ્યવહાર આવે છે ખરો, પણ સમજાવનારનું કે
સમજનારનું વજન તે ભેદ ઉપર નથી, શ્રી ગુરુનું પ્રયોજન અભેદ આત્માને દેખાડવાનું છે અને શિષ્ય પણ તેવા
જ આત્માનો અનુભવ કરવા માંગે છે.
શિષ્યને હજી શુદ્ધાત્માના વિકલ્પવાળો શુદ્ધનય છે, પરંતુ તેની રુચિનું જોર વિકલ્પ ઉપર નથી પણ અભેદ
સ્વરૂપ તરફ છે, એટલે શુદ્ધ આત્માનો અનુભવ કરીને તે વિકલ્પને તોડી નાંખશે. અનાદિ કાળમાં જીવને
શુદ્ધનયનો જે વિકલ્પરૂપ પક્ષ થયો છે તેની આ વાત નથી, આ તો અભેદ સ્વરૂપમાં ઢળવા માટેનો વિકલ્પ છે,
શિષ્યના લક્ષમાં વિકલ્પનું પ્રયોજન નથી પણ અભેદસ્વરૂપમાં ઢળવાનું જ પ્રયોજન છે; તેથી તે વિકલ્પ તૂટીને
અભેદ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય જ–એવી જ વાત અહીં લીધી છે.
શ્રી ગુરુ અભેદ આત્માનું સ્વરૂપ સમજાવવા માટે ઉપદેશ આપે છે, તો તેમનો ઉપદેશ ઝીલીને અભેદ–
આત્માનો અનુભવ કરનાર શિષ્ય પણ સામે છે જ. દાતાર જાગે અને દાન લેનાર ન નીકળે એમ બને નહિ.–
તીર્થંકર ભગવાનના દિવ્યધ્વનિનો ધોધ છૂટે અને તે ઝીલનારા શ્રી ગણધરાદિ ન હોય એમ બને નહિ; શ્રી
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી છાંસઠ દિવસ સુધી તો વાણી બંધ રહી પણ અષાડ વદ એકમે જ્યાં
વાણીનો ધોધ છૂટયો ત્યાં સામે ગણધરપદ માટે ગૌતમ તૈયાર હતા. તેમ અહીં અજ્ઞાની નિકટવર્તી શિષ્યને,
આત્મામાં ગુણ–ગુણીનો વ્યવહારે ભેદ ઉપજાવીને આચાર્યદેવ અભેદઆત્મસ્વરૂપ સમજાવે છે અને તે
તત્કાલબોધક ઉપદેશ પામીને શિષ્યજન અંતરમાં અભેદસ્વભાવની સન્મુખ થઈને તુરત જ સમજી જાય છે.–
આવા નિકટવર્તી શિષ્યજનને જ લીધા છે.
સ્વભાવથી તો આત્માને અભેદપણું છે, ભેદનો વિકલ્પ ઊઠે તે તેના સ્વરૂપમાં નથી પણ નવો ઉપજે છે–

PDF/HTML Page 16 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૮ઃ ૧૬૩ઃ
એમ બતાવવા માટે અહીં આચાર્યદેવે કહ્યું કે ‘ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ નામથી ભેદ
ઉપજાવી–વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે.’ પણ જે પંડિત પુરુષ
પરમાર્થથી અભેદ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે તેને ગુણ–ગુણીના ભેદનો વિકલ્પ ઉપજતો નથી, તેને તો
આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે. જુઓ! આવા પોતાના આત્માને સમજવો તે જ ખરું કર્તવ્ય છે. આવા આત્માને જે
સમજે તેને જ આચાર્યદેવ ‘પંડિત’ કહે છે, આવો આત્મા સમજ્યા વગરની પંડિતાઈ કે ત્યાગ તે તો બધું
થોથાં છે.
આત્માનું જે પરમાર્થરૂપ જાણ્યા વિના અનાદિકાળથી ચારે ગતિમાં જીવ દુઃખી થઈ રહ્યો છે તે
પરમાર્થસ્વરૂપ જાણવાની હવે જેને દરકાર જાગી છે, અને ભેદનો નિષેધ કરીને અભેદ આત્મસ્વરૂપમાં ઢળવાની
જિજ્ઞાસાથી જેને પ્રશ્ન ઊઠયો છે–એવા, સમજણના નિકટવર્તી શિષ્યજનને સમજાવવા માટે શ્રી આચાર્યદેવને
વિકલ્પ ઊઠયો છે. આ પંચમકાળ છે એટલે અહીં ઉપદેશક તરીકે શ્રી તીર્થંકરદેવને નથી લીધા પણ આચાર્યને
લીધા છે. તે આચાર્યદેવ અભેદ આત્મસ્વરૂપ સમજાવવા માટે, અભેદમાં પણ ભેદ ઉપજાવીને ઉપદેશ કરે છે; કેમ
કે શિષ્યને હજી અભેદસ્વરૂપના અનુભવની ખબર નથી તેથી તેને સમજાવવા માટે કથનમાં ભેદ પાડીને
વ્યવહારથી ઉપદેશ આપે છે, પણ ત્યાં પ્રયોજન તો અભેદસ્વરૂપ બતાવવાનું છે, વ્યવહારનો આશ્રય કરાવવાનું
પ્રયોજન નથી; એટલે ભેદનો નિષેધ કરીને અભેદ સ્વરૂપ તરફ વળે તો જ પરમાર્થ આત્મા સમજાય છે, પણ જો
ભેદનો જ આશ્રય કરીને રોકાઈ જાય તો પરમાર્થ આત્મા લક્ષમાં આવતો નથી. જેમ કોઈ માણસ બીજાને
આંગળી ચીંધીને દેખાડે કે ‘જો, આ ચંદ્ર!’ ત્યાં તેનું પ્રયોજન ચંદ્ર દેખાડવાનું છે, કાંઈ આંગળી દેખાડવાનું
પ્રયોજન નથી. જો આંગળી સામે જોયા કરે તો ચંદ્ર દેખાતો નથી પણ આંગળીનું લક્ષ છોડીને ચંદ્ર સામે લક્ષ કરે
ત્યારે ચંદ્ર દેખાય છે; તેમ ‘જ્ઞાન તે આત્મા’ એવા ગુણગુણીના ભેદરૂપ જે વ્યવહારકથન છે તેનું પ્રયોજન પણ
પરમાર્થસ્વરૂપ આત્મા જ દેખાડવાનું છે. સાંભળનાર જ્યારે ભેદનું લક્ષ છોડીને અભેદ સ્વરૂપને લક્ષમાં લ્યે છે
ત્યારે જ ભેદને વ્યવહાર કહેવાય છે, જો અભેદસ્વરૂપ ને લક્ષમાં ન લ્યે અને એકલા વ્યવહારના જ લક્ષમાં રોકાય
તો તેને માટે ભેદને વ્યવહાર કહેવાય નહિ. અહીં તો જેને અંતરમાં અભેદ જ્ઞાયક સ્વભાવ તરફ વળવાની રુચિ છે
એવા નિકટવર્તી શિષ્યને લીધો છે.
અજ્ઞાની હોવા છતાં ‘નિકટવર્તી’ કહીને આચાર્યદેવે શિષ્યની સમજવાની લાયકાત બતાવી છે. ભેદનો–
વ્યવહારનો નિષેધ કરીને અભેદસ્વભાવ તરફ વળવાની જેને રુચિ છે અને તેની વાત સાંભળવા જે રુચિપૂર્વક
ઊભો છે–એવો શિષ્યજન દ્રવ્યથી ને ભાવથી નિકટવર્તી છે.–આવો શિષ્ય અલ્પકાળમાં આત્મસ્વરૂપ સમજી જશે
અને તેને માટે આચાર્યદેવ નિમિત્ત કહેવાશે. પણ જે જીવને ભેદનો–વ્યવહારનો નિષેધ કરીને અભેદસ્વરૂપમાં
ઢળવાની વાત રુચતી નથી ને વ્યવહારના આશ્રયથી ધર્મ માનીને તેની જ પક્કડમાં અટકયો છે તે જીવ તો
સમજવાને માટે નિકટવર્તી નથી; તેના ઉપાદાનમાં ભેદનો નિષેધ કરીને અભેદસ્વરૂપમાં ઢળવાની લાયકાત નથી
તેથી તે જીવ આચાર્યદેવને સમજણનું નિમિત્ત કહે એવો પ્રસંગ તેને આવવાનો નથી, માટે આચાર્યદેવ નિમિત્તપણે
પણ તેવા જીવને સમજાવતા નથી.
જે શિષ્યે હજી અભેદ આત્માને પકડયો નથી પણ અભેદસ્વરૂપ સમજવાનો તે કામી છે–નિકટવર્તી છે
એવા શિષ્યને સમજાવવા માટે અભેદમાં ભેદ ઉપજાવીને આચાર્યદેવ સમજાવે છે. જે જ્ઞાનીઓએ અભેદસ્વરૂપને
પકડી લીધું છે તેમને કાંઈ ભેદદ્વારા અભેદ સમજાવવાનું રહ્યું નથી, અને જે જીવ પરમાર્થસ્વરૂપ સમજવાનો કામી
નથી તેને પણ શ્રી આચાર્યદેવ ઉપદેશતા નથી. જે જીવ પરમાર્થ આત્માનું સ્વરૂપ સમજવાનો જિજ્ઞાસુ હોય અને
આરાધક થઈને અલ્પકાળે સિદ્ધ થાય–એવા જ જીવને અહીં આચાર્યદેવે નિકટવર્તી શિષ્ય તરીકે લીધો છે. ‘હું
સિદ્ધ અને તું પણ સિદ્ધ’–આમ પહેલેથી આત્મામાં સિદ્ધપણું સ્થાપીને વાત ઉપાડી છે. તે શ્રવણ કરતાં રુચિપૂર્વક
જેણે પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું, તેણે પોતે અલ્પકાળમાં સિદ્ધ થઇ જવા માટે તે સિદ્ધપણું સ્થાપ્યું છે.
આત્માનું સિદ્ધપણું સ્વીકારીને ઉલ્લાસપૂર્વક આ અભેદ પરમાર્થઆત્માનું શ્રવણ કરવા જે ઊભો છે તે નિકટવર્તી
શિષ્ય પરમાર્થઆત્મસ્વરૂપ સમજીને સિદ્ધ થઈ જશે.
શ્રી સમયસાર ગા. ૭ ઉપરના પ્રવચનમાંથી.
વીર સં.ઃ ૨૪૭૭ અષાડ વદ ૧

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૬૪ઃ આત્મધર્મઃ ૧૦૪
પુર્ણ સ્વરૂપના લક્ષે જ ધર્મની શરૂઆત
અલ્પજ્ઞતા વખતે પણ સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય
જે વસ્તુનું જે સ્વરૂપ હોય તે પરિપૂર્ણ જ હોય છે. આત્માનું સ્વરૂપ ‘ચેતન છે’ તે ચેતનાપણાથી
પરિપૂર્ણ છે, તેનામાં અચેતનપણું બિલકુલ નથી, અને જડનું સ્વરૂપ અચેતન છે, તે અચેતનપણાથી
પરિપૂર્ણ છે, તેનામાં ચેતનપણું બિલકુલ નથી. આત્મા ત્રણેકાળે ચેતનસ્વરૂપ છે અને જડ ત્રણેકાળે
અચેતનસ્વરૂપ છે.
‘જાણનાર’ તત્ત્વમાં ‘ન જણાય’ એવું બિલકુલ હોય નહિ અને ‘નહિ જાણનાર’ તત્ત્વમાં કાંઈ પણ
જાણપણું હોય નહિ. જાણનાર તત્ત્વમાં જો કાંઈ પણ ‘અજાણપણું’ હોય તો તે તત્ત્વ જ જાણનાર ન રહે; અને
નહિ જાણનાર તત્ત્વમાં કાંઈ પણ જાણપણું હોય તો તે અચેતન રહે નહિ.
જાણનાર તત્ત્વ આત્મદ્રવ્ય છે, તે જાણવામાં પૂરું છે; અને નહિ જાણનાર તત્ત્વ જડ દ્રવ્યો છે, તે નહિ
જાણવામાં પૂરા છે. એ રીતે ચેતન અને જડ બંને પદાર્થો પોતપોતાના સ્વભાવમાં પૂરા છે.
આત્માના ચેતનસ્વભાવને બદલાવીને તેને જડ બનાવી દે, અથવા જડના અચેતનસ્વભાવને
પલટાવીને તેનામાં અંશે પણ ચેતનપણું કરી દે–એવી જગતમાં કોઈની તાકાત નથી. વસ્તુનું જેવું સ્વરૂપ
હોય તેવું પોતાના જ્ઞાનથી જાણે–એવી આત્માની તાકાત છે, પણ વસ્તુના સ્વરૂપને ફેરવવાની તાકાત તો
તીર્થંકરોમાં પણ નથી.
‘આત્મા પરિપૂર્ણ ચેતનસ્વરૂપ છે’ એમ કબુલતાં જ, ‘રાગ–દ્વેષ તેનું સ્વરૂપ નથી’ એ વાત તેમાં
આવી જ જાય છે; કેમકે જ્ઞાનમાં જો રાગ–દ્વેષ હોય તો જ્ઞાન પૂરું જાણી શકે નહિ. માટે રાગ અને જ્ઞાન
ખરેખર ભિન્ન ભિન્ન છે, ધર્મી જીવને પર્યાયમાં અલ્પ રાગ–દ્વેષ હોવા છતાં તેને અંતરમાં એવું ભાન છે કે
આ રાગ–દ્વેષ તે મારું ખરું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો અખંડ જ્ઞાનમય છે. જે જીવ અશુભ કે શુભ કોઈ
પણ જાતના રાગાદિને પોતાનું સ્વરૂપ માને તેણે પોતાના આત્માને પૂર્ણ જ્ઞાનસ્વરૂપે માન્યો નથી. પૂરા
જ્ઞાનમાં રાગ–દ્વેષ ન હોય, ને જ્યાં રાગ–દ્વેષ હોય ત્યાં પૂરું જ્ઞાન ન હોય. આ રીતે ‘હું પૂર્ણ જ્ઞાનસ્વરૂપ
છું’ એમ સ્વીકારતાં જ ‘હું રાગસ્વરૂપ નથી’ એવું ભેદજ્ઞાન પણ આવી જાય છે. જ્ઞાન અને રાગની
એકતાની બુદ્ધિ છૂટયા વગર અંતરમાં શુદ્ધ આત્માની રાગરહિત શ્રદ્ધા કે અનુભવ થાય નહિ. જો આત્માને
શુદ્ધ જ્ઞાનસ્વરૂપે ઓળખીને તેનો મહિમા કરે અને તેમાં જ આત્મબુદ્ધિ કરે, તો તે શુદ્ધજ્ઞાન સ્વરૂપથી અન્ય
સમસ્ત પરવસ્તુઓ અને પરભાવોમાંથી આત્મબુદ્ધિ છૂટી જાય છે, એનું નામ સમ્યક્શ્રદ્ધા અને સમ્યગ્જ્ઞાન
છે. જેને શુદ્ધજ્ઞાન સ્વરૂપમાં જ આત્મબુદ્ધિ કરી છે અને વિકારમાં આત્મબુદ્ધિ છોડી દીધી છે તે જીવને
અનુક્રમે શુદ્ધજ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા થતી જાય છે ને વિકાર ટળતો જાય છે. એમ કરતાં કરતાં છેવટે
સંપૂર્ણ વિકાર ટળી જાય છે ને જ્ઞાનનો પૂર્ણ વિકાસ ખીલી જાય છે; તે આત્માને ‘સર્વજ્ઞ’ કહેવાય છે. તે
સર્વજ્ઞ પરમાત્માને સર્વજ્ઞદશા પ્રગટયા પહેલાં રાગ–દ્વેષ હતા, પણ તે આત્માનું ખરૂં સ્વરૂપ ન હતું તેથી
ટળી ગયા, અને પૂર્ણજ્ઞાન પ્રગટી ગયું. તે સર્વજ્ઞની જેમ આ આત્માનો સ્વભાવ પણ પૂર્ણજ્ઞાન સ્વરૂપ છે,
પર્યાયમાં અધૂરું જ્ઞાન તે રાગ–દ્વેષ છે–તે તેનું ખરું સ્વરૂપ નથી.–આ પ્રમાણે આત્માની સમજણ કરવી તે
ધર્મની પહેલી રીત છે; આવા આત્માની સમજણ કર્યા વગર બીજી કોઈ રીતે ધર્મની શરૂઆત થતી નથી.
પૂર્ણ સ્વભાવના લક્ષે જ ધર્મની શરૂઆત થાય છે, એ સિવાય પરના લક્ષે, વિકારના લક્ષે કે અપૂર્ણતાના
લક્ષે ધર્મની શરૂઆત થતી નથી.

PDF/HTML Page 18 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૮ઃ ૧૬પઃ
વર્તમાન પર્યાયમાં તો અધૂરું જ્ઞાન છે, તો તે અધૂરા જ્ઞાનમાં પૂરા જ્ઞાન સ્વભાવની ખબર શી રીતે
પડે?–એમ કોઈને પ્રશ્ન ઊઠે તો તેનું સમાધાનઃ જેમ આંખ દોઢ તસુની હોવા છતાં આખા શરીરને જાણી લે
છે, તેમ પર્યાયમાં જ્ઞાનનો વિકાસ અલ્પ હોવા છતાં પણ જો તે જ્ઞાન સ્વસન્મુખ થાય તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપી
આત્માને સ્વસંવેદનથી તે જાણે છે. કેવળજ્ઞાન થયા પહેલાં અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદનપ્રત્યક્ષથી
પૂર્ણજ્ઞાનસ્વરૂપી આત્માનો નિઃસંદેહ નિર્ણય થાય છે. જેમ જ્ઞાન બહારમાં સ્થૂળ પદાર્થોને જાણવામાં અટકી
રહ્યું છે, તેમ જ્ઞાનને જો અંતર્મુખ કરો તો તે જ્ઞાન આત્માને જાણે છે. જે સાકરની નાની કટકી ઉપરથી
આખી સાકરના સ્વાદનો નિર્ણય થઈ જાય છે, તેમ જ્ઞાનની અલ્પ પર્યાયને અંતર્મુખ કરતાં તેમાં
પૂર્ણજ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. કોઈ એમ કહે કે ‘અધૂરું જ્ઞાન પૂરા આત્માને જાણી ન શકે, પૂરું
જ્ઞાન થાય ત્યારે જ પૂરા આત્માને જાણે’–તો તેની વાત જૂઠી છે. જો અધૂરું જ્ઞાન પૂરા આત્માને ન જાણી
શકે તો તો કદી સમ્યગ્જ્ઞાન થાય જ નહિ. અધૂરું જ્ઞાન પણ સ્વસન્મુખ થઈને આખા આત્મસ્વભાવને જાણે
છે તથા પ્રતીત કરે છે; આવું જ્ઞાન અને પ્રતીત કરે ત્યારે જ સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. અધૂરી
પર્યાય જ્યારે અંતર્મુખ થઈને પૂરા સ્વભાવમાં અભેદ થઈ ત્યારે અધૂરા–પૂરાના ભેદ ઉપર લક્ષ ન રહ્યું, ને
પરિપૂર્ણ દ્રવ્ય જ શ્રદ્ધા–જ્ઞાનમાં આવ્યું, તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. અવસ્થામાં પૂર્ણતા પ્રગટી
ન હોવા છતાં અભેદ દ્રવ્યને પ્રધાન કરીને પૂર્ણ આત્માને દેખવો તેનું નામ ‘શુદ્ધનય’ છે. શુદ્ધનય તે
સમ્યગ્જ્ઞાનનો અંશ છે. તે શુદ્ધનયનો એવો સ્વભાવ છે કે અધૂરી દશા વખતે પણ આત્માને શુદ્ધ–પરિપૂર્ણ
સ્વભાવે જ તે દેખે છે, રાગાદિભાવોને તે પોતાનું સ્વરૂપ માનતો નથી. જ્ઞાનનો ઉઘાડ અલ્પ હોવા છતાં જો
અંર્તસ્વભાવ તરફ વળીને તે સ્વભાવને કબુલે તો તે સમ્યગ્જ્ઞાન છે અને તે મોક્ષનું કારણ છે. અને
જ્ઞાનનો ઉઘાડ ઘણો હોવા છતાં જો અંતરસ્વભાવ તરફ ન વળે ને રાગાદિને જ પોતાનું સ્વરૂપ માનીને ત્યાં
અટકી જાય તો તે મિથ્યાજ્ઞાન છે.
આત્મા પર વસ્તુઓથી તો સદાય જુદો જ છે. આત્મામાં પોતામાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ અને ક્ષણિક
પર્યાયસ્વભાવ એમ બે પડખાં છે; તેમા ક્ષણિક પર્યાય કરતાં ત્રિકાળી દ્રવ્યનું માહાત્મ્ય અનંતગણું છે. તેથી
દ્રવ્ય અને પર્યાય બંનેના સ્વરૂપને જે જ્ઞાન યથાર્થપણે જાણે તે જ્ઞાન દ્રવ્યસ્વભાવમાં એકાગ્ર થયા વિના રહે
જ નહિ.
જેમ પાંચ મીંડાની સાથે એક એકડો હોય, ત્યાં જો પાંચ મીંડાને પહેલાં મૂકીને પછી એકડો મૂકો તો
(૦૦૦૦૦૧) તે સંખ્યાની કિંમત માત્ર ‘એક’ જ થાય છે, અને તેમાં જો એકડાને અગ્ર બનાવીને તેને પાંચ
મીંડાની પહેલાં મૂકો તો (૧૦૦૦૦૦) તે સંખ્યાની કિંમત એક લાખ ગણી વધી જાય છે. આ તો એક દ્રષ્ટાંત છે.
તેમ આત્મામાં ત્રિકાળી દ્રવ્ય અને વર્તમાન પર્યાય બંને એક સાથે છે; તેમાં પર્યાયને મુખ્ય કરીને આત્માનો
અનુભવ કરતાં તે અશુદ્ધ અને અપૂર્ણપણે જ જણાય છે; પણ જો અખંડ દ્રવ્યસ્વભાવને અગ્ર બનાવીને–એટલે કે
દ્રવ્યને મુખ્ય કરીને લક્ષમાં લ્યો તો આત્મા શુદ્ધ અને પૂર્ણસ્વરૂપે જણાય છે. વસ્તુમાં એકલી અવસ્થાને જુદી
પાડીને જોતાં વસ્તુનો પૂર્ણ મહિમા જણાતો નથી પણ તે અપૂર્ણ ભાસે છે, પણ પર્યાયને અંતર્મુખ દ્રવ્યમાં એકાગ્ર
કરીને દ્રવ્યની પ્રધાનતાથી આત્માનો અનુભવ કરતાં સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક પૂર્ણ શુદ્ધ આત્માનું અનુમાન અને
પ્રતીત થાય છે. આ રીતે અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદનથી આત્મા જણાય છે. ત્યાં જેટલા અંશે રાગનું અને
ઈદ્રિયોનું અવલંબન તૂટીને સ્વસંવેદન થયું છે તેટલું તો પ્રત્યક્ષપણું છે, પણ હજી પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન પ્રગટયું નથી
તેથી નય અને અનુમાન પણ છે.
જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કર્યા વગર એટલે કે જ્ઞાનને અંતરમાં વાળીને અંશે રાગરહિત કર્યા વગર પૂર્ણ
જ્ઞાનસ્વરૂપ આત્માનું સંવેદન થાય નહિ; જ્ઞાન અર્નંસ્વભાવમાં એકાગ્ર થઈને પરિણમ્યું ને રાગપણે ન
પરિણમ્યું–તેનું નામ ભેદવિજ્ઞાન અને ધર્મ છે.
(શ્રી સમયસાર કલશ ૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. વીર સં. ૨૪૭૬ શ્રાવદ ૭)

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૬૬ઃ આત્મધર્મઃ૧૦૪
કાદવમાં કમળ
આત્મજ્ઞાની સંત ગુહવાસમાં રહ્યા હોવા છતાં
અંતરથી ઉદાસ....ઉદાસ હોય છે. અહો! તેમની
અંતરદશાની શી વાત! અજ્ઞાની કરતાં એમના કાળજા
જુદા હોય છે.....તેમના હૃદયમાં આંતરા હોય
છે....એમના અંતર પલટા જુદા હોય છે. અજ્ઞાની એને
ક્યાં કાળજે માપશે?
ધાવમાતા છોકરાને નવરાવે, ધવરાવે અને રમાડે
તેમજ એની સગી માતા પણ નવરાવે, ધવરાવે અને
રમાડે; ત્યાં બંનેની ક્રિયા એક સરખી દેખાય છતાં
ભાવમાં ધણાં આંતરા હોય છે. તેવી રીતે અજ્ઞાની
અને જ્ઞાનીની ક્રિયા બહારથી એક સરખી દેખાય પણ
ભાવમાં ધણા આંતરા હોય છે.
જ્ઞાની ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં એનું અંતર હૃદય
જુદું જ હોય છે. તે સમજે છે કે હું પરમાનંદમૂર્તિ છું,
એક રાગનો કણિયો પણ મારો નથી; નબળાઈને
લઈને આ અસ્થિરતમાં જોડાઉં છું તે મારા આનંદની
લૂંટ છે, મને કલંક છે; આ ક્ષણે વીતરાગ થવાતું હોય
તો બીજું કાંઈ જોઈતું નથી.–આવું જ્ઞાનીનું હૃદય છે.
આ તો જ્ઞાનીના હૃદયની થોડી વ્યાખ્યા થઈ,
બાકી જ્ઞાનીનું હૃદય કેવું નિર્લેપ છે તે સાધારણ કેમ
જાણી શકે? એ તો જે જાણે તે જાણે! સાધકના હૃદય
બહારથી કલ્પી શકાય તેવા નથી.
–સમયસાર–બંધઅધિકારના પ્રવચનો ઉપરથી

PDF/HTML Page 20 of 21
single page version

background image
પોરબંદરમાં શ્રી જિનમંદિરનું ખાતમુહુર્ત
પૂ. ગુરુદેવશ્રીના પુનિત પ્રભાવે સૌરાષ્ટ્ર દેશમાં ઠેર ઠેર વીતરાગી જિનમંદિરો થયા છે ને થતા જાય છે.
પોરબંદરમાં પણ એક જિનમંદિર થવાનું છે, તેનું ખાત મુહૂર્ત વૈશાખ સુદ ૧૩ ને બુધવારે સવારે નવ વાગે થયું હતું.
આ પ્રસંગે શેઠશ્રી નેમિદાસ ખુશાલભાઈના મકાનેથી સૌ ભાઈ–બેનો વાજતે–ગાજતે નીકળીને, બજારમાં થઈ,
‘જુની તિજોરી’ ના નામથી ઓળખાતા મકાને આવ્યા હતા અને ત્યાં સેંકડો માણસોની હાજરીમાં ઉલ્લાસપૂર્વક
ખાતમુહુર્તવિધિ થઈ હતી. પૂજનાદિ બાદ શેઠ શ્રી ખીમચંદ જેઠાલાલ તથા તેમના ધર્મપત્ની જયાકુંવર બેનના સુહસ્તે
શ્રી જિનમંદિરનું ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે પોતાનો ઉલ્લાસ વ્યક્ત કરતાં શેઠશ્રી નેમિદાસભાઈએ જણાવ્યું હતું
કે ‘અહો! પોરબંદરના આંગણે ભગવાન પધારે તે આપણું અહોભાગ્ય છે!’ શેઠ શ્રી ખીમચંદભાઈએ પણ
ખાતમુહુર્ત સંબંધી પ્રસંગોચિત ભાષણ કર્યું હતું, અને આવું મંગલકાર્ય કરવાનું સૌભાગ્ય પોતાને પ્રાપ્ત થયું તે બદલ
પોતાનો પ્રમોદ અને ઉલ્લાસ વ્યક્ત કરીને, પોતાના તરફથી રૂા. પ૦૦૧) શ્રી પોરબંદર જિનમંદિરને આપવાની ઉદાર
જાહેરાત કરી હતી; તેમજ પોરબંદરના શ્રી ઝીણીબેને એક પ્રતિમાજી માટે રૂા. પ૦૧ આપવાનું જાહેર કર્યું હતું.
–પોરબંદરમાં આ મંગલકાર્યની શરૂઆત કરવા માટે ત્યાંના શેઠશ્રી નેમિદાસભાઈ વગેરે મુમુક્ષુઓને ધન્યવાદ!
શ્રી જૈન–વિદ્યાર્થી ગૃહ સોનગઢ
અહીં જે જૈન–વિદ્યાર્થીગૃહ શરૂ કરવામાં આવ્યું છે તેના તાત્કાલિક ખર્ચને પહોંચી વળવા માટે એક
કામચલાઉ ફંડ એકઠું કરવામાં આવ્યું છે તેમાં નીચેની રકમો મળી છે.
૧૦૦૦) શ્રી કાળિદાસ રાઘવજી જસાણી, રાજકોટ
પ૦૦) શ્રી જેઠાલાલ હંસરાજનાં માતુશ્રી, મોરબી
પ૦૦) શ્રી નેમીદાસ ખુશાલદાસ, પોરબંદર૨પ૦) શ્રી ફુલચંદ ચતુરભાઈ, સુરેન્દ્રનગર
પ૦૦) શ્રી મોહનલાલ વાઘજીભાઈ, કરાંચીવાળા૧૦૦) શ્રી નાનચંદ ભગવાનજી ખારા, અમરેલી
પ૦૦) શ્રી ખીમચંદ જેઠાલાલ, રાજકોટકુલ રૂા. ૩૩પ૦ ફંડ ચાલુ છે.
ઉપરોક્ત વિદ્યાર્થીગૃહમાં દાખલ થવા ઈચ્છનારે નીચેના સરનામે વેળાસર અરજી મોકલી આપવી.
અહીંની ગુરુકુળ હાઈસ્કૂલ તાં. ૧૬–૬–પ૨ ના રોજ ખુલવાની છે.
મોહનલાલ કાળિદાસ જસાણી.
નેમીદાસ ખુશાલદાસ
મંત્રીઓ, શ્રી જૈન–વિદ્યાર્થીગૃહ સોનગઢ
શ્રી જૈન દર્શન શિક્ષણવર્ગ
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો છે; વર્ગમાં ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે. એકંદર
૧૪૦ જેટલા વિધાર્થીઓ વર્ગમાં દાખલ થયા છે, એ ઉપરાંત બીજા મોટી ઉમરના પણ અનેક જિજ્ઞાસુ ભાઈઓ
વર્ગનો લાભ લે છે.
દ્રવ્યદ્રષ્ટિ તે જ સમ્યગ્દ્રષ્ટિ’
‘દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ છે’ ‘પર્યાયમૂઢ તે પરસમય છે.’
જેની દ્રષ્ટિ શુદ્ધ દ્રવ્ય ઉપર છે તે સમ્યગ્દ્રષ્ટિ છે; અને જે એકલી પર્યાયને લક્ષમાં લઈને તેને જ આખું
આત્મસ્વરૂપ માને છે તે પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
દ્રવ્યદ્રષ્ટિનો વિષય શું છે અને પર્યાયદ્રષ્ટિનો વિષય શું છે?
દ્રવ્યદ્રષ્ટિનો વિષય–દ્રવ્ય, શુદ્ધ, અભેદ, પ્રધાન, નિશ્ચય, સત્યાર્થ, ભૂતાર્થ પરમાર્થ છે.
પર્યાયદ્રષ્ટિનો વિષય–પર્યાય, અશુદ્ધ, ભેદ, ગૌણ, વ્યવહાર, અસત્યાર્થ, અભૂતાર્થ, ઉપચાર છે.
‘જ્ઞાયક સ્વભાવ તે હું’ એવી શુદ્ધ સ્વભાવદ્રષ્ટિ પ્રગટ કર્યા વિના જો પર્યાયની મલિનતાને જાણવા જશે
તો ‘રાગ તે જ હું’ એવી એકત્વબુદ્ધિથી મિથ્યાત્વ થશે; કેમકે સ્વભાવમાં એકત્વબુદ્ધિ નથી એટલે વિકારમાં
એકત્વબુદ્ધિ થયા વિના રહેશે નહિ. જેમ ખરેખર નિશ્ચય વગર વ્યવહાર હોતો નથી તેમ શુદ્ધ દ્રવ્યના જ્ઞાન વગર
પર્યાયનું યથાર્થ જ્ઞાન થતું નથી. જ્ઞાયકસ્વભાવ તે હું એવી વીતરાગીદ્રષ્ટિ થયા વગર જ્ઞાન રાગને જાણી શકે
નહિ. જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થયા પછી, રાગને જાણતાં જ્ઞાન તેની સાથે એકાકાર થતું નથી પણ ભિન્ન રહીને
જ જાણે છે; તે જ્ઞાન ક્ષણે ક્ષણે સ્વભાવમાં એકતાપણે ને રાગથી ભિન્નતાપણે જ પરિણમી રહ્યું છે,–આનું નામ
ભેદજ્ઞાન છે ને તે અપૂર્વ ધર્મ છે. શુદ્ધ આત્મદ્રવ્યની દ્રષ્ટિથી જ આવા અપૂર્વ ધર્મની શરૂઆત થાય છે.
શ્રી સમયસાર ગા. ૬ ઉપરના પ્રવચનમાંથી
વીર સં. ૨૪૭૭ અષાડ સુદ ૧૧