Atmadharma magazine - Ank 105
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૯
સળંગ અંક ૧૦પ
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
અષાઢસંપાદકવર્ષ નવમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૮વકીલઅંકઃ ૯
“ ૐકાર ધ્વનિના નાદ”
अहो.........ધન્ય એ પાવન ભૂમિ
વિપુલાચલ.....આજથી ૨પ૦૬ વર્ષ પહેલાં એ તીર્થભૂમિ
ઉપર તીર્થંકરદેવના ૐકારધ્વનિના નાદ ગૂંજતા
હતા......ને ગણધરાદિ સંતો તે ઝીલીને પાવન થતા
હતા.
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી
સર્વાંગેથી દિવ્યધ્વનિના ધોધ છૂટયા..........ગૌતમપ્રભુ
ગણધરપદવી પામ્યા તથા પરમાગમ શાસ્ત્રોની રચના
થઈ–એ પવિત્ર પ્રસંગોનો મહાન દિવસ એટલે ‘અષાડ
વદ એકમ.’
‘અહો, આજના જ દિવસે તીર્થંકરદેવનો ૐકાર
ધ્વનિ છૂટયો’–એમ પોતાના જ્ઞાનમાં કેવળજ્ઞાન
સાથેની સંધિ કરીને ભવ્ય જીવો તેનો મહોત્સવ ઊજવે
છે. ઠેઠ કેવળજ્ઞાનથી પરંપરા ચાલી આવેલા ૐકાર
ધ્વનિના નાદ મહાભાગ્યે આજે પણ સાંભળવા મળે છે.
છુટક નકલ૧૦પવાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
વીરશાસન જયંતી મહોત્સવ
ગધ દેશની રાજગૃહી નગરીમાં વિપુલાચલ પર્વત ઉપર શ્રી મહાવીર પ્રભુજીનું
સમવસરણ શોભી રહ્યું છે. વૈશાખ સુદ દસમે પ્રભુજીને કેવળજ્ઞાન થઈ ગયું છે અને ભવ્ય
જીવોનાં ટોળેટોળાં પ્રભુજીની દિવ્યદેશના ઝીલવા માટે ચાતકની જેમ તલસી રહ્યાં છે......કે
કયારે પ્રભુનો દિવ્યધ્વનિ છૂટે અને કયારે એ દિવ્યદેશના ઝીલીને પાવન થઈએ! ! !
.......પણ પ્રભુનો દિવ્યધ્વનિ હજી છૂટતો નથી.....દિવસો પર દિવસો વીતતા જાય
છે....છાંસઠ છાંસઠ દિવસ વીતી ગયા.......હવે તો અષાડ માસ પૂરો થયો ને શ્રાવણ વદ એકમ
(ગુજરાતી અષાડ વદ એકમ) આવી.......!
–એ દિવસના સુપ્રભાતે ગૌતમસ્વામી વીરપ્રભુજીના સમવસરણમાં
પધાર્યા......માનસ્તંભને દેખતાં અભિમાન ગળી ગયું..........ને વીરપ્રભુજીની દિવ્યવાણીનો
ધોધ છૂટયો......તીર્થંકરપ્રભુની અમોઘ દેશના શરૂ થઈ.....અનેક સુપાત્ર જીવો એ
તત્કાલબોધક દેશના ઝીલીને રત્નત્રયથી પાવન થયા....ગૌતમસ્વામી ગણધરપદ પામ્યા ને
દિવ્યધ્વનિમાંથી ઝીલેલું રહસ્ય બારઅંગરૂપે ગૂંથ્યું. એ ધન્યદિને ભવ્યજીવોના આનંદ અને
ઉલ્લાસની શી વાત!!
અહો!
‘સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી.....
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની.’
વીરપ્રભુના શ્રીમુખથી વહેલી એ સ્યાદ્વાદ–ગંગાનો પવિત્ર પ્રવાહ અછિન્નધારાએ
વહેતો થકો આજેય અનેક મુમુક્ષુઓને પાવન કરી રહ્યો છે. આ અષાડ વદ એકમે
જગત્કલ્યાણકારી શ્રી વીરશાસનપ્રવર્તનના ૨પ૦૬ વર્ષ પૂર્ણ થઈને ૨પ૦૭મું વર્ષ પ્રારંભ
થશે.... વીરશાસન જયંતીના એ મંગલ–મહોત્સવને મુમુક્ષુઓ આજેય હોંશપૂર્વક ઊજવે છે.
‘સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો, જિનજીનો ૐકાર નાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૐકાર નાદ રે,
જિનજીની વાણી ભલી રે.
હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.’
*

PDF/HTML Page 4 of 21
single page version

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૭૧ઃ
સમવસરણ કોને અને કયારે હોય?
(સમવસરણનો સ્વીકાર કરનાર જીવ કેવો હોય?)
વીર સં. ૨૪૭૮ના વૈશાખ વદ છઠ્ઠ સોનગઢમાં ભગવાનશ્રી
સીમંધરપ્રભુના સમવસરણની પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થઈને અગિયારમું વર્ષ
બેઠું, તે મહોત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવશ્રીનું મંગલ–પ્રવચન.
*
જે સમવસરણનો દિવસ છે; અહીં સોનગઢમાં સીમંધરભગવાનના સમવસરણની પ્રતિષ્ઠા થઈ
તેને દસ વર્ષ પૂરા થઈને આજે અગિયારમું વર્ષ બેસે છે. જુઓ સમવસરણ શું ચીજ છે અને તેને કબૂલનારે
કેટલું કબૂલ કરવું જોઈએ? પ્રથમ તો જગતમાં ભિન્ન ભિન્ન અનંત આત્માઓ છે; અનાદિથી આત્મા
પોતાના સ્વભાવનું ભાન ભૂલીને ચાર ગતિમાં રખડતો હતો. પછી આત્માનું યથાર્થ ભાન કર્યું ને પૂર્ણ
વીતરાગતા ન થઈ ત્યાં રાગ રહ્યો; તે રાગમાં કોઈ જીવને એવો શુભરાગ હોય કે તેનાથી તીર્થંકરનામકર્મ
બંધાય. જેનાથી તીર્થંકરનામકર્મ બંધાય એવા પરિણામ અમુક ખાસ જીવને જ આવે છે, ને તેને જ
તીર્થંકરનામકર્મ બંધાય છે. કોઈ જીવ એમ ઈચ્છે કે ‘મારે તીર્થંકર થવું છે માટે હું શુભરાગ કરીને કે
સોળકારણ ભાવના ભાવીને તીર્થંકરનામકર્મ બાંધું’–તો એમ તીર્થંકર થવાતું નથી. તીર્થંકરનામકર્મ જેમાંથી
બંધાય એવો રાગ સમ્યગ્દ્રષ્ટિની ભૂમિકામાં જ આવે છે, પણ ધર્મી જીવને તે રાગની કે તીર્થંકરનામકર્મની
ભાવના હોતી નથી. અને સમકિતી જીવોમાં પણ બધાયને તીર્થંકરનામકર્મ નથી બંધાતું. બધા સમકિતી
જીવોને રાગ એકસરખો નથી હોતો. રાગ તે આત્માના ચારિત્રગુણની વિપરીત અવસ્થા છે. જ્ઞાનીને
રાગરહિત સ્વભાવનું ભાન હોવા છતાં પણ, જ્યાં સુધી વીતરાગતા ન થાય ત્યાંસુધી રાગ હોય છે; પણ
તેમાં જેના નિમિત્તે તીર્થંકરનામકર્મ બંધાય એવા પ્રકારનો રાગ તો અમુક જીવને જ હોય છે. અને
ત્યારપછી તે રાગ ટાળીને વીતરાગતા પ્રગટ કરી સર્વજ્ઞ થાય ત્યારે જ તે તીર્થંકરનામકર્મનો ઉદય આવે છે.
ત્યાં ઈંદ્ર વગેરે આવીને ભક્તિપૂર્વક તે તીર્થંકરભગવાનના સમવસરણની દૈવી રચના કરે છે. આવું
સમવસરણ અત્યારે આ ભરતક્ષેત્રમાં નથી, પણ જ્યારે અહીં મહાવીર પરમાત્મા બિરાજતા હતા ત્યારે
સમવસરણ હતું ને દેવો આવીને ભગવાનની સેવા કરતા હતા. અત્યારે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમન્ધર
પરમાત્મા તીર્થંકરપણે બિરાજે છે, તેમને આવું સમવસરણ છે. અહીં તો તેનો નમૂનો છે.
જુઓ, સમવસરણને સ્વીકારતાં કેટલું સ્વીકારવાનું આવ્યું?
આત્મા છે, તે એક જ નથી પણ ભિન્ન ભિન્ન અનંત આત્માઓ છે;
તેની અવસ્થામાં વિકાર છે.
તે વિકારના નિમિત્તે કર્મ બંધાય છે, એટલે કે જગતમાં અજીવતત્ત્વો પણ છે.
તીર્થંકરનામકર્મ અમુક જીવને જ બંધાય છે, બધાને બંધાતું નથી, એટલે જીવોના પરિણામની વિચિત્રતા છે.
પર્યાયમાંથી વિકાર ટળીને સર્વજ્ઞદશા પ્રગટે છે, ને એવી સર્વજ્ઞદશામાં તીર્થંકરને સમવસરણ હોય છે.
અત્યારે આ ક્ષેત્રે એવા તીર્થંકર નથી; આ સિવાય મહાવિદેહ વગેરે ક્ષેત્રો આ પૃથ્વી ઉપર છે અને ત્યાં
સીમંધરાદિ તીર્થંકરો વિચરે છે.
આ રીતે, જગતમાં જીવ છે, અજીવ છે, જીવની પર્યાયમાં વિકાર છે, વિકાર ટળીને પરમાત્મદશા પ્રગટી
શકે છે, મહાવિદેહ વગેરે ક્ષેત્રો છે–આ બધું કબૂલે ત્યારે સમવસરણને માની શકે.
જગતમાં અનંત આત્માઓ ભિન્ન ભિન્ન છે; દરેક આત્માનો જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વભાવ છે, અને ક્ષણે ક્ષણે
તેની અવસ્થા પલટે છે. તે અવસ્થામાં શ્રદ્ધા–જ્ઞાન સાચાં થવા છતાં ચારિત્રગુણની અવસ્થામાં અંશે વિપરીતતા પણ
રહે છે. ચારિત્રની વિપરીતતાથી રાગ થાય છે, તે રાગ દરેક જીવને એકસરખો નથી હોતો, પણ તેમાં દરેક

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૧૭૨ઃ આત્મધર્મઃ ૧૦પ
આત્માને તારતમ્યતા હોય છે; કોઈને અમુક પ્રકારનો રાગ આવે ને કોઈને બીજા પ્રકારનો રાગ આવે. કોઈ જીવ
એમ માને કે ‘મારે અમુક જ પ્રકારનો રાગ કરવો છે’ તો તે જીવ રાગનો કર્તા થાય છે, તે મિથ્યાદ્રષ્ટિ છે. ‘હું
જ્ઞાનમૂર્તિ છું, રાગનો એક અંશ પણ મારું સ્વરૂપ નથી’–આમ જેને આત્માનું ભાન થયું હોય પણ હજી પૂર્ણ
વીતરાગતા પ્રગટી ન હોય, તેવા જીવોમાં જે જીવ તીર્થંકર થવાને લાયક હોય તેને જ તીર્થંકરનામકર્મ બંધાય
એવી જાતના પરિણામ આવે છે, ને તેને જ તીર્થંકરનામકર્મ બંધાય છે; પછી સર્વજ્ઞ–પરમાત્મદશા પ્રગટ થતાં તેને
સમવસરણની વિભૂતિનો સંયોગ હોય છે.
જુઓ, અંદરમાં રાગરહિત ચિદાનંદ સ્વભાવનું ભાન....છતાં પર્યાયમાં ચારિત્રની નબળાઈનો રાગ....
અને તેમાં પણ જેના નિમિત્તે તીર્થંકરનામકર્મ બંધાય એવી જાતનો રાગ, તે રાગના નિમિત્તે સામે
તીર્થંકરપ્રકૃતિરૂપે પરિણમવાની લાયકાતવાળા પરમાણુઓ તથા તેના ફળમાં સમવસરણની રચના અને
આત્માની પૂર્ણ વીતરાગ દશામાં પણ સમવસરણની વિભૂતિનો સંયોગ–આ બધુંય માને તો જ સમવસરણને
યથાર્થપણે સ્વીકારી શકે.
તીર્થંકરપ્રકૃતિ કોને બંધાય?–કે જેને આત્માનું ભાન હોય ને રાગનો આદર ન હોય તેને; અને તે પ્રકૃતિનું
ફળ કયારે આવે?–કે જ્યારે તે રાગ ટાળીને વીતરાગી સર્વજ્ઞદશા પ્રગટે ત્યારે. તીર્થંકરપ્રકૃતિ બંધાય તે કાંઈ
આત્માના ધર્મનું ફળ નથી, તે તો રાગથી બંધાય છે. આત્માના ધર્મથી કર્મનું બંધન થાય નહિ. તીર્થંકરપ્રકૃતિનું
બંધન તો નીચલી દશામાં ધર્મીને થાય છે પણ તેનો ઉદય તેરમા ગુણસ્થાને જ આવે છે. જે રાગથી તીર્થંકરપ્રકૃતિ
બંધાણી તે રાગ ટળી ગયા પછી જ તે પ્રકૃતિનો ઉદય આવે છે.–આ વાત સમજવા જેવી છે.
તીર્થંકર પ્રકૃતિના ફળમાં સમવસરણ હોય છે. જ્યાં રાગરહિત સ્વભાવની દ્રષ્ટિ પ્રગટી હોય તે ભૂમિકામાં
જ તે પ્રકૃતિ બંધાય છે, અને જ્યાં રાગરહિત સર્વજ્ઞદશા પ્રગટી હોય ત્યાં જ તેનો ઉદય આવે છે; એટલે ખરેખર
જેને રાગરહિત સ્વભાવની દ્રષ્ટિનું અને સર્વજ્ઞદશાનું ભાન હોય તે જ સમવસરણને માની શકે.
જેને સામગ્રીનો રાગ છે તેને સામગ્રીની પૂર્ણતા હોતી નથી. જેને સામગ્રીનો રાગ છૂટી ગયો છે તેને જ
સામગ્રીની પૂર્ણતા હોય છે. જુઓ, અહીં તીર્થંકરની વાત લેવી છે. તીર્થંકરને પુણ્યસામગ્રીની પૂર્ણતા હોય છે, પણ
તેમને સામગ્રી તરફના વલણનો ભાવ જ રહ્યો નથી, તેઓ તો આત્માના પૂર્ણાનંદના ભોગવટામાં જ લીન છે.
જેને પુણ્યસામગ્રીના ભોગવટાની ઈચ્છા છે તેને પુણ્યસામગ્રીની પૂર્ણતા હોતી નથી. તીર્થંકરના પુણ્ય સર્વોત્કૃષ્ટ
હોય છે પણ તેનું ફળ સાધકદશામાં આવતું નથી, રાગ ટાળીને કેવળજ્ઞાન થયા પછી જ તે તીર્થંકરપ્રકૃતિનું ફળ
આવે છે; પણ તે વખતે તે જીવને સામગ્રીના ભોગવટાનો રાગભાવ હોતો નથી. પહેલાં નીચલી દશામાં રાગરહિત
પૂર્ણસ્વભાવની દ્રષ્ટિ પ્રગટી, તે ભૂમિકામાં તીર્થંકરપ્રકૃતિ બંધાણી; અને પછી અંતરમાં પૂર્ણ સ્વભાવની ભાવના
ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન થયું, ત્યાં બહારમાં તીર્થંકરપ્રકૃતિનો ઉદય આવ્યો ને સમવસરણની રચના થઈ; પણ
તે કેવળીભગવાનને સંયોગના ભોગવટા તરફનું વલણ રહ્યું નથી. અહો! સો સો ઈંન્દ્રો આવીને તીર્થંકરના
ચરણકમળને ભક્તિથી પૂજે છે ને દેવી સમવસરણ રચે છે છતાં ભગવાનને રાગ નથી, ભગવાન તો પોતાના
સ્વરૂપના પૂર્ણાનંદના ભોગવટામાં લીન છે. આવી પૂર્ણાનંદી વીતરાગદશાવાળા જીવને જ સમવસરણનો યોગ
હોય છે, રાગી જીવને સમવસરણ હોતું નથી; તેથી સમવસરણ માનનારે આત્માની આવી દશાની ઓળખાણ
કરવી જોઈએ. જે આવી ઓળખાણ કરે તેને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા રહે જ નહિ. અહો! આત્માની પૂર્ણ
પરમાત્મદશા પ્રગટી જાય છતાં દેહનો અને સમવસરણનો સંયોગ રહે.....પવિત્રતા અને પુણ્યનો આવો મેળ
તીર્થંકરને હોય છે. જૈનદર્શન સિવાય આવી વાત બીજે કયાં છે?–ક્યાંય નથી. તેથી આ વાત કબૂલનાર જીવ
જૈનદર્શન સિવાય બીજાને માને નહિ.
આત્મા છે, તેનામાં અનંત ગુણો છે, તેનું સમય–સમયનું સ્વતંત્ર પરિણમન છે; તેમાં ચારિત્રગુણની
વિપરીતદશામાં રાગ થાય છે, તે રાગના નિમિત્તે કોઈ જીવને તીર્થંકરનામકર્મ બંધાય છે ને તેના ફળમાં
સમવસરણ રચાય છે.–આ બધું સ્વીકારે તો જ સમવસરણને માન્યું કહેવાય. આત્માના ત્રિકાળી સ્વભાવને,
પર્યાયને, રાગને અને સંયોગને–એ બધાયને જે સ્વીકારે તેને પર્યાયની, રાગની કે સંયોગની ભાવના હોતી નથી
પણ પોતાના ત્રિકાળી સ્વભાવની જ ભાવના હોય છે. આ બધી કબૂલાત આવ્યા વગર તીર્થંકરને કે તીર્થંકરના
સમવ–

PDF/HTML Page 6 of 21
single page version

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૭૩ઃ
સરણને યથાર્થપણે માની શકે નહિ. જૈનદર્શનની એકપણ વાતને યથાર્થ કબૂલતાં તેમાંથી આખી વસ્તુસ્થિતિ
ઊભી થઈ જાય છે.
ત્રિકાળી સામર્થ્યથી પરિપૂર્ણ ધુ્રવસ્વભાવ, ક્ષણિક પર્યાય, રાગ અને સંયોગ–એ ચારે પ્રકાર એકસાથે
વિદ્યમાન છે; ત્યાં તેને જાણનાર ધર્મીની રુચિ ધુ્રવસ્વભાવ ઉપર જ પડી છે; ક્ષણિક પર્યાયની રાગની કે સંયોગની
રુચિ તેને હોતી નથી. ધર્મીએ પોતાની દ્રષ્ટિને અંતર્મુખ કરીને ધ્રુવચિદાનંદ સ્વભાવને જ દ્રષ્ટિનો વિષય બનાવ્યો
છે. જેને ધ્રુવસ્વભાવની દ્રષ્ટિ પ્રગટી નથી તેને રાગની ને સંયોગની ભાવના ખસતી નથી. સમવસરણનો સંયોગ
આત્માનો લાવ્યો લવાતો નથી, તે તો જગતના પરમાણુઓનું પરિણમન છે.
જગતમાં જીવ અને જડ બધી વસ્તુઓ ક્ષણે ક્ષણે સ્વતંત્રપણે પરિણમી રહી છે. તેમાં અનાદિથી તે
પ્રકારની ખાસ લાયકાત જેનામાં હોય તે જીવને જ તીર્થંકરનામકર્મ બંધાય એવા પ્રકારના શુભપરિણામ આવે છે,
ને તેના ઉદય વખતે બહારમાં સમવસરણની રચના થાય એવું પરમાણુઓનું પરિણમન હોય છે. સમકિતી
ધર્માત્માને તો સમવસરણના સંયોગની કે જે ભાવથી તીર્થંકરપ્રકૃતિ બંધાણી તે શુભભાવની ભાવના હોતી નથી,
તેને તો પોતાના અસંયોગી ચૈતન્યતત્ત્વની જ ભાવના છે; મિથ્યાદ્રષ્ટિ જીવને સંયોગની ને રાગની ભાવના છે,
તેને કદી તીર્થંકરનામકર્મ બંધાતું નથી.
જુઓ તો ખરા, જગતમાં જીવોના પરિણામોની વિચિત્રતા! એક જીવને સમવસરણ રચાય, ને બીજાને ન
રચાય, તેનું કારણ શું? અનેક સમ્યગ્દ્રષ્ટિ જીવો હોય તેમનામાં પણ કોઈકને જ તીર્થંકરનામકર્મ બંધાય તેવા
પ્રકારના શુભપરિણામ આવે, ને બીજા જીવોને તેવા પરિણામ કદી આવે જ નહિ. એ જ પ્રમાણે કોઈક જીવને
આહારકશરીર બંધાય એવા પ્રકારનો શુભરાગ આવે ને બીજા જીવોને અનાદિથી માંડીને મોક્ષ પામતા સુધીના
કાળમાં કદી પણ તેવા પ્રકારના પરિણામ ન આવે. કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવને સર્વાર્થસિદ્ધિનો ભવ મળે એવી જાતના
પરિણામ થાય ને કોઈ સમ્યગ્દ્રષ્ટિને પહેલા સ્વર્ગનું ઈંદ્રપદ મળે તેવા પરિણામ થાય; કોઈ જીવ ચક્રવર્તી થઈને
પછી મુનિ થઈને મોક્ષ પામે; કોઈ જીવ સાધારણ મનુષ્ય થઇને પછી મુનિ થઇને મોક્ષ પામે; કોઇ જીવ કેવળજ્ઞાન
થયા પછી અંતમુહૂર્તમાં જ સિદ્ધ થઈ જાય અને કોઈ જીવ કેવળજ્ઞાન થયા પછી કરોડો–અબજો વર્ષોસુધી
મનુષ્યદેહમાં અરિહંતપણે વિચરે.–સંસારમાં જીવોના પરિણામની આવી વિવિધતા છે ને નિમિત્તરૂપે પુદ્ગલના
પરિણમનમાં પણ તેવી વિવિધતા છે. બધાય જીવો અનાદિથી ચાલ્યા આવે છે, દ્રવ્યે અને ગુણે બધા જીવો સરખા
છે, છતાં પરિણામમાં ભિન્ન ભિન્ન પ્રકારો થાય છે–તેનું કારણ શું? તેનું કારણ કોઈ નથી, પણ સંસારમાં
પરિણામોની એવી જ વિચિત્રતા છે. બે કેવળી ભગવંતો હોય, તેમને બંનેને કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવ સરખો
હોવા છતાં ઉદયભાવ એકસરખો હોતો નથી, ઉદયભાવમાં કંઈકને કંઈક ફેર હોય છે. ધર્મી જીવ પોતાના એકરૂપ
સ્વભાવની દ્રષ્ટિ અને ભાવના રાખીને સંસારની આવી વિચિત્રતાનો વિચાર કરે છે, તેમાં તેને ક્ષણે ક્ષણે વૈરાગ્ય
અને શુદ્ધતા વધતા જાય છે, તે સંવર–નિર્જરાનું કારણ છે.
મોક્ષગામી જીવોમાં પણ તીર્થંકર થનારા તો અમુક જીવો જ હોય છે. ઘણા જીવોને તો અનાદિઅનંત
કાળમાં તીર્થંકરપણાનો ભાવ જ કદી ન આવે; આત્માનું ભાન કરીને તેમાં એકાગ્ર થઈ કેવળજ્ઞાન પ્રગટ કરીને
મોક્ષ પામી જાય, પણ વચ્ચે જેનાથી તીર્થંકરનામકર્મ બંધાય એવા પ્રકારનો શુભરાગ કદી ન આવે, અને કોઈ
જીવને તીર્થંકરનામકર્મ બંધાય એવા પ્રકારનો ભાવ આવે. મોક્ષ તો બંને જીવો પામે, પણ તેમના પરિણામમાં
વિચિત્રતા છે. એનું કારણ શું? એનું કારણ તે તે પર્યાયની તેવી જ યોગ્યતા! આ એક ‘યોગ્યતાવાદ’ (એટલે કે
સ્વભાવવાદ) એવો છે કે બધા પ્રકારોમાં લાગુ પડે અને બધા પ્રકારોનું સમાધાન કરી નાંખે. આ નક્કી કરતાં
પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય થાય છે ને ‘આમ કેમ?’ એવો પ્રશ્ન જ્ઞાનમાં રહેતો નથી.
જુઓ, આ સંસારના સ્વરૂપની વિચારણા! કોણ આ વિચાર કરે છે? ‘હું જ્ઞાનસ્વભાવ છું, મારા
સ્વભાવમાં સંસાર નથી’ એવા ભાનપૂર્વક ધર્મી જીવ સંસારનાં સ્વરૂપનો વિચાર કરે છે; સંસારરહિત સ્વભાવની
દ્રષ્ટિ જેને પ્રગટી નથી તેને સંસારના સ્વરૂપનો યથાર્થ વિચાર હોતો નથી. જેનાથી તીર્થંકરનામકર્મ બંધાય,
જેનાથી સર્વાર્થસિદ્ધિનો ભાવ મળે, જેનાથી આહારક શરીર મળે, તથા જેનાથી ઇન્દ્રપદ કે ચક્રવર્તીપદ મળે–એવા
પ્રકારના પરિણામ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, પણ સમ્યગ્દ્રષ્ટિને તેની ભાવના હોતી નથી, તેમ જ બધાય
સમ્યગ્દ્રષ્ટિઓને તેવા

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૧૭૪ઃ આત્મધર્મઃ ૧૦પ
પ્રકારનાં પરિણામ નથી આવતા; જેનામાં તે તે જાતની લાયકાત હોય તેને જ તેવા પરિણામ થાય છે. કોઈક
સમ્યગ્દ્રષ્ટિને પણ અનાદિ–સાંત સંસારમાં તેવી જાતના પરિણામ કદી આવતા નથી. અરે, સંસારમાં જેમણે કદી
સ્વર્ગનો કે નરકનો એકપણ ભવ કર્યો ન હોય, અનાદિ નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ પામી જાય–એવા
જીવો પણ હોય છે. જુઓ તો ખરા વિચિત્રતા! કોઈ જીવો તો અનંતવાર સ્વર્ગના ને નરકના અવતાર કરી
ચૂકયા ને કોઈ જીવને અનાદિ–સાંત સંસારમાં સ્વર્ગ કે નરકનો ભવ થાય તેવા પરિણામ જ ન આવ્યા. એક જીવ
તો ચક્રવર્તી કે તીર્થંકર થઈને મોક્ષ પામે છે ને બીજો જીવ સાધારણ રાજા પણ થતો નથી, સાધારણ મનુષ્ય થઈને
જ મોક્ષ પામે છે. જીવોના તે તે જાતના વિકલ્પોની વિચિત્રતા છે. ધર્મીને આવી વિચિત્રતા દેખીને આશ્ચર્ય થતું
નથી, કેમ કે તે એકલી વિચિત્રતાને જ નથી દેખતો, પણ એકરૂપ ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિને મુખ્ય રાખીને
પર્યાયની વિચિત્રતાનું જ્ઞાન કરે છે. આવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને જ સંસારના બધા પડખાઓનું ભાન હોય છે ને
તેને જ ‘સંસારભાવના’ હોય છે, એકલી પર્યાયબુદ્ધિવાળા અજ્ઞાની જીવને ‘સંસારભાવના’ હોતી નથી, સ્વભાવ
શું અને સંસાર શું–એનું જ તેને ભાન નથી. અજ્ઞાનીને પોતાના ધુ્રવસ્વભાવનું ભાન નહિ હોવાથી તે તો
પર્યાયોની વિચિત્રતાને દેખીને રાગ–દ્વેષ અને વિસ્મયતામાં જ અટકી જાય છે, ને જ્ઞાનીને તો સ્વભાવનું ભાન
હોવાથી પર્યાયબુદ્ધિ હોતી નથી, એટલે પર્યાયોની વિચિત્રતા દેખીને તેને વિસ્મયતા થતી નથી પણ ક્ષણે ક્ષણે
વીતરાગતા વધતી જાય છે.
જુઓ, આ બાર વૈરાગ્યભાવના! આ ભાવનાઓમાં પણ ખરેખર તો પોતાના સ્વભાવનું જ અવલંબન
છે. સ્વભાવના અવલંબને જેટલી વીતરાગતા પ્રગટી તેટલી જ ખરી વૈરાગ્યભાવના છે; વચ્ચે શુભવિકલ્પ હોય
તેની આમાં મુખ્યતા નથી. આવી બાર ભાવના અજ્ઞાનીને યથાર્થ હોતી નથી. અખંડ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ નથી
અને વિચિત્રતાના પરિણામ ઉપર જ જેની રુચિ છે તેને પર્યાયની વિચિત્રતામાં રાગ–દ્વેષ થયા વિના રહેતા નથી.
ધર્મી જીવ સંસારનું સ્વરૂપ વિચારે છે ત્યાં તેને પર્યાયબુદ્ધિ હોતી નથી, પણ ચિદાનંદ સ્વભાવ ઉપરની દ્રષ્ટિપૂર્વક
તેને આ પ્રકારના વિચારની શ્રેણી ચાલે છે તેનું નામ ‘સંસારભાવના’ છે, તેમાં તેને પર્યાયની વિચિત્રતાનું
વિસ્મય થતું નથી.
‘હું એક અખંડ જ્ઞાયકમૂર્તિ છું, ક્ષણિક સંસાર મારા સ્વભાવમાં નથી’–આવા ભાનપૂર્વક ધર્મી જીવ
પોતાના વૈરાગ્યની વૃદ્ધિ અર્થે સંસારનું સ્વરૂપ વિચારે છે કે અહો! આ સંસારમાં કોઈ જીવો તો એવા છે કે
જેઓ અનાદિકાળથી તિર્યંચ–પંચેન્દ્રિયપણું પામ્યા જ ન હોય, તેને તેવી જાતના ભાવ જ અનાદિથી કદી
આવ્યા ન હોય, ને નિગોદમાંથી નીકળી સીધો મનુષ્ય થઈ મોક્ષ પામી જાય; તથા કોઈ જીવો એવા છે કે બે
ઇન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીના અનંત ભવો કરી ચૂકયા હોય, સાતમી નરકથી માંડીને નવમી ગ્રૈવેયક
સુધીના અનંત ભવ થઈ ગયા હોય એવા પરિણામ તેને આવે.–આવી આ સંસારની વિચિત્રતા છે. ધર્મી
જીવને સ્વ–પરની પર્યાયની અનેક પ્રકારની વિચિત્રતા ખ્યાલમાં આવતાં તેમાં વિસ્મયતા લાગતી નથી કે
પર્યાયબુદ્ધિથી રાગ–દ્વેષ થતા નથી, ‘આમ કેમ?’ એવી શંકાનો પ્રશ્ન તેને થતો નથી. સંસારમાં પર્યાયોની
એવી જ વિવિધતા હોય. આ પ્રમાણે દ્રવ્યના ભાનપૂર્વક ધર્મી જીવ પર્યાયને જાણે છે, તેમાં તેને પર્યાયબુદ્ધિ
નથી. જે જીવ એકલા પરની સામે જોઈને એવા ને એવા તીવ્ર રાગ–દ્વેષમાં વર્તી રહ્યો છે, વીતરાગતાનો અંશ
પણ પ્રગટ કરતો નથી અને કહે છે કે ‘જેમ થવાનું હશે તેમ થશે’–તો તે તો પ્રમાદી અને સ્વચ્છંદી છે, તેને
વસ્તુનું કાંઈ ભાન નથી. ‘જે પર્યાય થવાની હોય તે જ થાય છે, તેને ફેરવી શકાતી નથી’–આમ જે
યથાર્થપણે જાણે તેને દ્રવ્યબુદ્ધિ થયા વિના રહે નહિ. પર્યાય સ્વતંત્ર છે એમ માનનારની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવી
જોઈએ, અને જેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય તેને પર્યાયમાં કેટલી વીતરાગતા થઈ જાય? દ્રવ્યસ્વભાવના
મહિમાના જોરે તેને ક્ષણે ક્ષણે શુદ્ધતા વધતી જાય છે ને રાગ–દ્વેષ ઘટતા જાય છે; આવા ધર્મીને વસ્તુસ્વરૂપની
યથાર્થ ભાવના હોય છે.
ધર્માત્મા સમ્યગ્દ્રષ્ટિ તો અંતરમાં ધુ્રવસ્વભાવનું અવલંબન લઈને પડયો છે, ત્યાં ધુ્રવદ્રવ્યના અવલંબને
સમયે સમયે શુદ્ધપર્યાય થતી જ જાય છે, એટલે તેને પર્યાય ફેરવવાની આકુળતા હોતી નથી. ‘હું આ કાળે આવી
જ પર્યાય કરું’ એમ જેને પર્યાય

PDF/HTML Page 8 of 21
single page version

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૭પઃ
ફેરવવાની બુદ્ધિ છે તે પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, તેને પર્યાયની સ્વતંત્રતાની પ્રતીત નથી, તેમ જ દ્રવ્ય–ગુણની પણ
પ્રતીત નથી. જગતમાં અનંતા જીવો જુદા જુદા છે; તેમના દ્રવ્ય–ગુણ સરખાં હોવા છતાં પર્યાયો એકસરખી થતી
નથી, પર્યાયમાં વિચિત્રતા છે; આવો જ વસ્તુનો પર્યાયસ્વભાવ છે. તેને ધર્મી જાણે છે અને તેને જ વસ્તુસ્વરૂપનું
યથાર્થ ચિંતન હોય છે. દ્રવ્ય–ગુણ એકસરખા હોવા છતાં પર્યાયના પ્રકારમાં ફેર કેમ?–એવો સંદેહ કે વિસ્મયતા
જ્ઞાનીને નથી; વિચિત્રતાના કાળે વિચિત્રતા છે; ત્યાં પોતાના એકરૂપ સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને ધર્મી તે
વિચિત્રતાને જાણે છે.
આજે સમવસરણનો માંગલિક દિવસ છે; સમવસરણને યથાર્થપણે કબૂલતાં આત્માના સ્વભાવની
કબૂલાત પણ ભેગી આવી જાય છે. વસ્તુસ્થિતિની એકપણ વાત યથાર્થ કબૂલે તો અંદરમાં જ્ઞાનસ્વભાવી
આત્માની પ્રતીત થયા વિના રહે નહિ, અને જ્ઞાનસ્વભાવની કબૂલાત વગર એકપણ વાતનો યથાર્થ નિર્ણય
થાય નહિ. તીર્થંકર, પુણ્ય, સમવસરણ વગેરે એકપણ તત્ત્વને યથાર્થ કબૂલવા જતાં આખી વસ્તુસ્થિતિ ઊભી
થઈ જાય છે.
જગતમાં તીર્થંકરો અનાદિથી થતા જ આવે છે અને સમવસરણ પણ અનાદિથી છે. ભગવાન મહાવીર
પરમાત્મા જ્યારે અહીં બિરાજતા હતા ત્યારે અહીં પણ સમવસરણ હતું; અને સીમંધર ભગવાન અત્યારે
પૂર્વદિશામાં મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપણે સાક્ષાત્ બિરાજે છે, ત્યાં અત્યારે સમવસરણ છે, સંત મુનિઓના ટોળાં
ત્યાં વિચરે છે; ત્યાં ભગવાનની દિવ્યવાણીમાં એકસાથે બાર અંગનો ધોધ આવે છે, એક સમયમાં પૂર્ણતા આવે
છે, ને બાર સભામાં સમજનારા જીવો પોતપોતાની યોગ્યતા પ્રમાણે સમજે છે. અત્યારે અહીં પણ કહેનારના
અભિપ્રાયની જેટલી ગંભીરતા હોય તે પ્રમાણે કાંઈ બધા સાંભળનારા સરખું સમજતા નથી પણ સૌ પોતપોતાના
ક્ષયોપશમભાવની યોગ્યતા પ્રમાણે સમજે છે. સીમંધર ભગવાનનું જે સમવસરણ છે તે તો મહાઅલૌકિક છે,
ઈંદ્રોને રચેલું છે, ને ત્યાં તો ગણધર વગેરે બિરાજમાન છે, અહીં તો ફક્ત તેનો નમૂનો છે.
જગતમાં ભિન્ન ભિન્ન અનેક જીવો છે, તેનાં દ્રવ્ય–ગુણ ત્રિકાળ એકરૂપ છે ને પર્યાય પલટે છે, પર્યાયમાં
વિકાર છે, તેમાં કોઈ જીવને તીર્થંકરનામકર્મના પરમાણુ બંધાય છે ને તેના ફળમાં સમવસરણ રચાય છે; તે
સમવસરણમાં ઈચ્છા વિના તીર્થંકર ભગવાનનો દિવ્યધ્વનિ છૂટે છે, ને તે ઉપદેશ ઝીલનારા ગણધરાદિ જીવો ત્યાં
હોય છે.–આમ બધાની અસ્તિ કબૂલે તો જ સમવસરણને માની શકે.
ઘણાં વર્ષ વ્રત–તપ કરે કે યથાર્થ ચારિત્ર પાળે તેથી કાંઈ તીર્થંકરનામકર્મ બંધાઈ જતું નથી, પણ તે
પ્રકારની ખાસ લાયકાતવાળા જીવને જ તે બંધાય છે. કોઈ જીવ ભાવલિંગી સંત હોય, હજારો વર્ષથી શુદ્ધચારિત્ર
પાળતા હોય છતાં તેને તીર્થંકરનામકર્મ ન બંધાય, અને ગૃહવાસમાં રહેલા શ્રેણિક જેવા અવિરતી સમ્યગ્દ્રષ્ટિને
પણ તીર્થંકરનામકર્મ બંધાઈ જાય. જુઓ તો ખરા, જીવોના પરિણામની લાયકાત! કોઈ જીવ તો આત્માનું ભાન
કરીને યથાર્થ ચારિત્રદશા પ્રગટ કરીને મુનિ થાય છે, હજારો વર્ષ આત્માના જ્ઞાન–ધ્યાનમાં રહે છે છતાં તેને
તીર્થંકરનામકર્મ નથી બંધાતું; ને ચોથા ગુણસ્થાને કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવને પણ તીર્થંકરનામકર્મ બંધાઈ જાય છે.
ત્યાં મુનિને એમ શંકા નથી પડતી કે ‘અરે! આ અવિરતિ સમ્યગ્દ્રષ્ટિને તીર્થંકરનામકર્મ બંધાયું ને મને
ચારિત્રદશા હોવા છતાં મારે તીર્થંકરનામકર્મ કેમ ન બંધાયું? શું મારા ચારિત્રમાં કાંઈ ખામી હશે?’ મુનિને તો
ભાન છે કે મારા વીતરાગી ચારિત્રનું ફળ બહારમાં ન આવે. ચારિત્રના ફળમાં તો કેવળજ્ઞાન થઈને મોક્ષદશા
પ્રગટે. તીર્થંકરનામકર્મ તો રાગનું ફળ છે. આત્માના ચારિત્રના ફળમાં તો અંદરમાં શાંતિ આવે. શું ચારિત્રથી
કાંઈ કર્મ બંધાય? ચારિત્ર તો ધર્મ છે, તેનાથી બંધન થાય નહિ અને જે ભાવથી બંધન થાય તેને ધર્મ કહેવાય
નહિ. સમ્યગ્દ્રષ્ટિને રાગથી તીર્થંકરનામકર્મ બંધાય છે, ત્યાં તેને તેની ભાવના નથી ને તે રાગને ધર્મ માનતા
નથી. જુઓ, આ સંસારભાવના!
‘સંસારભાવના’ એમ કહ્યું તેમાં કાંઈ સંસારની ભાવના કે રુચિ નથી, રુચિ અને ભાવના તો સ્વભાવની
જ છે. ધર્મી જીવ પોતાના સ્વભાવની દ્રષ્ટિ રાખીને સંસારનું સ્વરૂપ ચિંતવતાં તેનાથી વૈરાગ્ય વધારે છે તેનું નામ
‘સંસારભાવના’ છે. અંર્તતત્ત્વના ભાન વિના બાર ભાવના યથાર્થ હોતી નથી.
જગતમાં અનેક જીવો છે, તેઓ દ્રવ્યથી ને ગુણથી સરખા હોવા છતાં કોઈ જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૧૭૬ઃ આત્મધર્મઃ ૧૦પ
ને કોઈ જીવ નથી બાંધતા. કોઈ જીવ ક્ષાયિક સમ્યગ્દર્શનવાળો હોય છતાં તેને તીર્થંકરનામકર્મ નથી બંધાતું ને
કોઈ જીવ ક્ષયોપશમ સમકિતવાળો હોય છતાં તેને તીર્થંકરનામકર્મ બંધાય છે,–તેનું કારણ? તે તે પર્યાય સત્ છે,
તે જ કારણ છે, બીજું કોઈ કારણ નથી, એટલે ‘આમ કેમ’ એવો પ્રશ્ન રહેતો નથી. વસ્તુ સત્સ્વરૂપ છે. દ્રવ્ય
સત્, ગુણ સત્ ને પર્યાય પણ સત્–એમ સત્ની પ્રતીત કર તો ‘આમ કેમ’ એવો પ્રશ્ન નહિ રહે પણ તારા
જ્ઞાનસ્વભાવની પ્રતીત થઈને વીતરાગતા પ્રગટશે.
આજે સમવસરણનો દિવસ છે ને સંસારભાવનાનું વર્ણન ચાલે છે. જગતમાં વિચિત્રતા છે; જીવો
ભિન્ન ભિન્ન છે, જીવદીઠ પરિણામો ભિન્ન ભિન્ન છે, તેના નિમિત્તે કર્મ બંધાય તે પણ ભિન્ન ભિન્ન છે, અને
તેના ફળમાં સંયોગ મળે તે પણ ભિન્ન ભિન્ન પ્રકારનો છે, કોઈને સમવસરણાદિનો સંયોગ હોય છે. સંસારની
આવી વિચિત્રતા જેને બેસે તેને પર્યાયની વિચિત્રતા દેખીને સંદેહ થતો નથી. સંસારઅનુપ્રેક્ષાની પપ મી
ગાથામાં સ્વામીકાર્તિકેય મુનિરાજ કહે છે કે અહો! જગતમાં સંસારની ચારે ગતિમાં અનેક પ્રકારના દુઃખો
સહન કરવા છતાં જીવ સદ્ધર્મમાં બુદ્ધિ કરતો નથી. આ સામાન્ય જીવોની વાત છે. ધર્મીને તો સદ્ધર્મની
બુદ્ધિ છે. ‘સત્’ એવો જે પોતાનો જ્ઞાનસ્વભાવ, તેનું જેને અંતરમાં ભાન છે તેને સંયોગ–વિયોગ દેખીને
તેમાં પર્યાયબુદ્ધિ થતી નથી; ‘આમ કેમ’ એવો પ્રશ્ન થતો નથી, કેમ કે પદાર્થ સત્ છે એટલે તેની પર્યાયની
યોગ્યતા પ્રમાણે જ સંયોગ–વિયોગ હોય. સ્વભાવની દ્રષ્ટિપૂર્વક આવી ભાવના ભાવવાથી વૈરાગ્યની વૃદ્ધિ
થઈને ધર્મી જીવને અંતરમાં એકાગ્રતા વધતી જાય છે ને સહજ આનંદ વધતો જાય છે, તેથી આ ભાવનાઓ
ભવ્ય જીવોને આનંદની જનની છે. અહો! આ ભાવનાઓ ભાવવા જેવી છે. જીવોએ વિષય–કષાયની
ભાવના અનાદિકાળથી ભાવી છે, પણ અંતરમાં વસ્તુના ભાનસહિત આવી વૈરાગ્યભાવના કદી ભાવી નથી.
આ શાસ્ત્રમાં છેલ્લે સ્વામી કાર્તિકેય મુનિરાજ કહેશે કે જિનવચનની ભાવના માટે આ ભાવનાઓની રચના
કરી છે. પહેલાં ‘જિનવચન’ કોને કહેવાય તે નક્કી કરવું જોઈએ. જિનવચનમાં કહેલાં દ્રવ્ય–ગુણ–પર્યાય એ
ત્રણેનું સ્વરૂપ જેમ છે તેમ સમજીને અને પ્રતીત કરીને ધર્મી જીવ આ ભાવનાઓ ભાવે છે, તેમાં તેને
વીતરાગી શ્રદ્ધા, વીતરાગી જ્ઞાન અને વીતરાગી આનંદનો અંશ પ્રગટ છે. બાર ભાવનાઓનું ચિંતવન તે
જ્ઞાન–વૈરાગ્યની વૃદ્ધિનું કારણ છે. બાર ભાવના ભાવનારની લાયકાત કેટલી? કે જેને વસ્તુસ્વરૂપનું યથાર્થ
ભાન હોય તે જ ખરેખર બાર ભાવનાઓ ભાવી શકે. સમ્યગ્દર્શન વગર આ બાર ભાવના યથાર્થ હોતી નથી.
‘જિનવચનની ભાવના અર્થે’ આ ભાવના રચી છે એટલે જેને જિનવચન અનુસાર વસ્તુસ્વરૂપનું ભાન હોય
તેને જ આ બાર ભાવના હોય. જિનવચનથી વિરુદ્ધ કહેનારા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને જે માનતો હોય તેને
બાર ભાવનાનું ચિંતવન સાચું હોય નહિ.
અહો, સંસારમાં વિચિત્ર સંયોગો અને વિચિત્ર પરિણામો, તેનું કારણ શું?–કે પર્યાયનો તેવો વિચિત્ર
સ્વભાવ છે. હું દ્રવ્યે–ગુણે ત્રિકાળ એકરૂપ છું એવી અંર્તદ્રષ્ટિપૂર્વક ધર્મી જીવ પર્યાયોની વિચિત્રતાને જાણે છે.
ક્ષણક્ષણનો વિધવિધ રાગ અને સંયોગ, તથા તેને જાણનારું જ્ઞાન એ બધા સ્વતંત્ર છે, તેમ જ તે ક્ષણે
ધ્રુવસ્વભાવ પણ સ્વતંત્ર છે–એમ બધાને જાણીને ધર્મી જીવ ધુ્રવસ્વભાવને આદરે છે, તેની રુચિ કરીને તેમાં
એકાગ્રતા કરે છે.
અહો! આશ્ચર્ય છે કે જગતમાં જીવો આ મનુષ્યઅવતાર પામીને પણ ક્ષણિક રાગ અને સંયોગને જ દેખે
છે અને ત્યાં જ પોતાનું સર્વસ્વ માની લ્યે છે; પણ જેના ત્રિકાળી ચારિત્રગુણની એક સમયની ઊલટી અવસ્થા
થઈને રાગ થયો છે એવા ધુ્રવ ચિદાનંદ સ્વભાવને સ્વીકારતા નથી, અંતર્મુખ થઈને પોતાના ધુ્રવસ્વભાવને
દેખતા નથી; ત્રિકાળી પરમ તત્ત્વને ચૂકીને માત્ર વર્તમાન પર્યાયને અને બાહ્ય સંયોગને જ સ્વીકારે છે, તેથી
સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે.–આમ ધર્મી જીવ સંસારભાવના ચિંતવે છે. આ ભાવના ભાવનારને પોતાને
તો ચિદાનંદસ્વભાવનું ભાન છે, ને પર્યાયબુદ્ધિ છૂટી ગઈ છે, એટલે તેને હવે આવા સંસારમાં પરિભ્રમણ થવાનું
નથી.
(સ્વામીકાર્તિકેયાનુપે્રક્ષા ગાથાઃ પ૬)
વળી સંસારઅનુપ્રેક્ષામાં ધર્મી જીવ વિચારે છે કે આ સંસારમાં ધનવાન હોય તે ક્ષણમાં નિર્ધન થઈ જાય
છે અને નિર્ધન હોય તે ધનવાન થઈ જાય છે; રાજા હોય તે ક્ષણમાં કિંકર થઈ જાય છે ને કિંકર

PDF/HTML Page 10 of 21
single page version

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૭૭ઃ
હોય તે રાજા થઈ જાય છે.
નિર્ધનતામાંથી સધનતા થાય ત્યાં અજ્ઞાનીને તેમાં એકત્વબુદ્ધિથી રાગ થાય છે સધનપણાના સંયોગમાં
જ તેને સુખબુદ્ધિ છે; અને સધનપણું પલટીને જ્યાં નિર્ધનતા થાય ત્યાં એકત્વબુદ્ધિથી તેને દ્વેષ થાય છે. સધનતા
કે નિર્ધનતા બંને વખતે ધર્મીને પોતાના ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવનું ભાન છે એટલે તેને સંયોગમાં એકત્વબુદ્ધિ
થતી નથી, ને સ્વભાવને ચૂકીને રાગ–દ્વેષ થતા નથી.
નિર્ધનતા કે સધનતા થાય તે તેનો (જડનો) કાળ છે, આત્મા તેનો કર્તા નથી; તે વખતે દ્વેષ કે
રાગનો ભાવ થાય તે ચારિત્રની પર્યાયનો કાળ છે, લક્ષ્મીના કારણે તે રાગ–દ્વેષ નથી, તેમ જ તે રાગ–દ્વેષ
આત્માનું સ્વરૂપ નથી; સધનતા વખતે ‘આ સધનતા છે’ એમ જાણે અને નિર્ધનતા વખતે ‘નિર્ધનપણું છે’
એમ જાણે, તે જ્ઞાનનો પોતાનો કાળ છે, તે જ્ઞાન પરને લીધે કે રાગ–દ્વેષને લીધે થયું નથી, અને તે જ્ઞાનના
અંશ જેટલો જ આત્માનો સ્વભાવ નથી, આત્મા અખંડ જ્ઞાનસ્વભાવી છે.–આમ જાણે તો અંદર બધું
સમાધાન થઈ જાય. સધનતા વગેરે સંયોગમાં, રાગ–દ્વેષમાં કે તે વખતના જ્ઞાનના અંશમાં જ ધર્મીને ‘હું’
પણું વેદાતું નથી પણ અખંડ ચિદાનંદ તત્ત્વમાં જ હું પણું વેદાય છે, અખંડ દ્રવ્ય ઉપર જ તેની દ્રષ્ટિ પડી છે.
ત્રણલોકના નાથ તીર્થંકરદેવે કહેલી, સંતોએ ઝીલેલી ને વસ્તુના સ્વભાવમાં ભજેલી એવી આ ચીજ
છે, તે પ્રમાણથી કહેવાય છે. મોક્ષમાર્ગની આ જ રીત અને આ જ માર્ગ છે, બીજો માર્ગ નથી, એક તરફ
સંયોગ અને બીજી તરફ સ્વભાવ, બંને એક સમયે છે, ત્યાં દ્રષ્ટિ કોના ઉપર પડી છે તેના ઉપર ધર્મ–અધર્મનો
આધાર છે. બહારમાં નિર્ધનતા થઈ, અણગમાનો ભાવ થયો અને જ્ઞાનમાં તે જણાયું, ત્યાં અજ્ઞાની તેટલાને
જ દેખે છે પણ તે વખતે સંયોગ અને રાગથી રહિત પોતાના પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવને તે દેખતો નથી.
અરે ભાઈ! તું નિર્ધન નથી, રાગ જેટલો નથી, પર્યાય જેટલો પણ તું નથી, તું તો જ્ઞાન અને આનંદથી
પરિપૂર્ણ છો, તારામાં ત્રિકાળ જ્ઞાનશક્તિનો એવો અખૂટ ભંડાર ભર્યો છે કે કેવળજ્ઞાનપર્યાય પ્રગટવા છતાં તે
ખૂટે નહિ; આવા સ્વભાવ સામર્થ્યનો વિશ્વાસ કરીને તેમાં એકાગ્ર થા તો કેવળજ્ઞાનના નિધાન પ્રગટે. અહો!
દરેક આત્મા અંદર પરમાત્મશક્તિથી પરિપૂર્ણ છે, પણ જીવો અંતર્મુખ વળતા નથી તેથી જ સંસારમાં રખડી
રહ્યા છે. ધર્મી જીવે પોતે તો પોતાના સ્વભાવમાં અંતર્મુખ થઈને પોતાનું સંસારભ્રમણ ટાળ્‌યું છે, તેને આવી
સંસાર અનુપ્રેક્ષા હોય છે.
*
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે –
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ
અગાઉની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ બીજ ને બુધવાર તા. ૨૩–
૭–પ૨ થી શરૂ કરીને શ્રાવણ વદ દસમ ને શુક્રવાર તા. ૧પ–૮–પ૨ સુધી,
સોનગઢમાં શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે
એક જૈનદર્શન શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. ખાસ કરીને પ્રૌઢ ઉંમરના
ભાઈઓ માટે આ વર્ગ ખોલવામાં આવ્યો છે. જે જૈન મુમુક્ષુભાઈઓને વર્ગમાં
અભ્યાસ કરવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે સૂચના મોકલી દેવી, અને
વખતસર આવી જવું. (આ વખતે વર્ગમાં પૂર્વે ચાલી ગયેલા અભ્યાસ ઉપરાંત
નવો અભ્યાસ કરાવવામાં આવશે. વર્ગમાં આવનારે બેડીંગ અને લોટો સાથે
લાવવા)
–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૭૮ઃ આત્મધર્મઃ ૧૦પ
“માનસ્તંભની મંગલ–ભેરી”
(અહો! જૈનધર્મનો વૈભવ!)
* * *
સુવર્ણપુરી–તીર્થધામમાં વૈશાખ વદ સાતમના રોજ શ્રી
માનસ્તંભજીનું શિલાન્યાસમૂહૂર્ત થયું; તે મંગલ પ્રસંગે
માનસ્તંભનો મહિમા બતાવનારું પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન.
માનસ્તંભ તે શું છે? ક્યાં ક્યાં છે? માનસ્તંભનો સંયોગ કોને
હોય? અધ્યાત્મદ્રષ્ટિ સાથે માનસ્તંભનો મેળ કઈ રીતે છે?–
ઇત્યાદિ અનેક રહસ્ય આ પ્રવચનમાં ખુલ્લાં કર્યા છે.
* * *
જે અહીં માનસ્તંભના શિલાન્યાસનું મુહૂર્ત થયું. માનસ્તંભ તે શું ચીજ છે તેની કેટલાક જીવોને ખબર
નથી એટલે તેમને નવીનતા લાગે છે. શ્રી તીર્થંકર ભગવાનની ધર્મસભામાં ચારે બાજુ માનસ્તંભ હોય છે અને
તેને દેખતાં જ મિથ્યાદ્રષ્ટિ જીવોનું અભિમાન ગળી જાય છે.
આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન થયા પછી હજી પૂર્ણ વીતરાગતા ન થઈ હોય ત્યાં રાગ હોય
છે, ને તે રાગથી કોઈ જીવને તીર્થંકરનામકર્મ બંધાઈ જાય છે. તીર્થંકર થનાર હોય તે જીવને જ આવા
પ્રકારના પરિણામ આવે છે. કોઈ પૂછે કે–કેમ? તો એનું કોઈ કારણ નથી; તે જીવને કાંઈ પૂર્વે
તીર્થંકરનામકર્મ બંધાયેલું નથી કે જેના ઉદયથી તીર્થંકરનામકર્મના પરિણામ થાય. જે જીવ તીર્થંકર થવાનો
હોય તેને સમ્યગ્દર્શન પછી એવા પ્રકારના પરિણામ થઈ જાય છે. સમ્યગ્દર્શન પછી પણ બધા જીવોને
એકસરખા પરિણામ હોતા નથી. તીર્થંકરનો જીવ જ એવો છે કે તેને એવા પ્રકારના શુભ પરિણામ થાય છે
ને તીર્થંકરપ્રકૃતિ બંધાય છે. ત્યારપછી તે રાગ ટળીને કેવળજ્ઞાન થયા પછી તે તીર્થંકરપ્રકૃતિનો ઉદય આવે
છે, ત્યારે ઇન્દ્રો આવીને દૈવી સમવસરણ રચે છે, તેમાં ચારે બાજુ માનસ્તંભ હોય છે. તે સમવસરણનો
અહીં તો નમૂનો છે. મહાવિદેહક્ષેત્રમાં અત્યારે શ્રી સીમંધર પરમાત્મા તીર્થંકરપણે બિરાજે છે ત્યાં ઈંદ્રોએ
રચેલું સમવસરણ છે ને તેમાં ચાર માનસ્તંભો છે. તે માનસ્તંભ મિથ્યાદ્રષ્ટિ–માની જીવોનું અભિમાન ગાળી
નાંખે છે. અહીં ભગવાનને એવી પુણ્યપ્રકૃતિનો ઉદય છે ને સામા જીવના પરિણામની તેવી લાયકાત છે.
ભલે મિથ્યાદ્રષ્ટિનો મિથ્યાત્વભાવ કદાચ ન છૂટે, પણ માનસ્તંભ વગેરે ધર્મવૈભવ જોતાં જ એક વાર તો
તેને તીર્થંકર ભગવાનનું બહુમાન આવી જાય કે અહો! આ પુરુષ કોઈ જુદી જાતનો અલૌકિક છે! આમ
બહુમાન આવતાં તેનું અભિમાન ગળી જાય છે.
તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થતાં ઈંદ્રો આવીને સમવસરણ રચે છે, તેમાં માનસ્તંભ વગેરેની અલૌકિક
રચના કરે છે; પછી પોતે જ રચેલાં તે સમવસરણની અલૌકિક શોભા નિહાળતાં દેવો પણ આશ્ચર્યમાં પડી જાય છે
કે અહો! આવી અદ્ભુત રચના!! આ રચના અમે કરી નથી, ભગવાનના પુણ્યપ્રતાપે જ આ રચના થઈ ગઈ
છે. ભગવાન તો વીતરાગ છે, તેમને સમવસરણ સાથે કાંઈ લેવા–દેવા નથી. જેને અંદરમાં ચૈતન્યની ઋદ્ધિનું
ભાન થયું હોય તેને જ આવા પુણ્ય બંધાય છે. ભગવાનને અંદરમાં તો કેવળજ્ઞાન અને અનંત આનંદની વિભૂતિ
પ્રગટી છે ને બહારમાં સમવસરણની વિભૂતિનો પાર નથી.
ભગવાન મહાવીર પરમાત્મા જ્યારે આ ભરતક્ષેત્રમાં તીર્થંકરપણે વિચરતા હતા ત્યારે અહીં પણ
સમવસરણ રચાતા અને તેમાં માનસ્તંભ હતા; તેને દેખીને માનીનાં માન ગળી જતા હતા. ભગવાનને કેવળજ્ઞાન
થયા પછી ઈંદ્રોએ સમવસરણ રચ્યું, પણ છાંસઠ દિવસ સુધી ભગવાનની દિવ્યવાણી ન છૂટી. ત્યારે ઈંદ્ર અવધિ–

PDF/HTML Page 12 of 21
single page version

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૭૯ઃ
જ્ઞાનથી જોયું કે ગૌતમબ્રાહ્મણ છે તે ભગવાનના પ્રથમ ગણધર થવાના છે અને તેની સભામાં ગેરહાજરી છે.
પછી બ્રાહ્મણનો વેષ લઈને ગૌતમને વાદવિવાદના બહાને સમવસરણમાં તેડી લાવે છે. તે વખતે તો ગૌતમ હજી
મિથ્યાદ્રષ્ટિ છે. પણ સમવસરણ નજીક આવીને માનસ્તંભ દેખતાં જ તેનું બધું અભિમાન ગળી જાય છે, અને
‘અહો! આવી આશ્ચર્યકારી વિભૂતિ! આ પુરુષ કોઈ જુદી જાતના છે’ એમ ભગવાનનું બહુમાન આવે છે ને
તેમની સ્તુતિ કરે છે. પછી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને ભગવાનના ગણધર બને છે, ને બારઅંગ
ચૌદપૂર્વની રચના કરે છે. અત્યારે મહાવિદેહક્ષેત્રમાં સીમંધરાદિ વીસ તીર્થંકર ભગવંતો વિચરે છે, તેમના
સમવસરણમાં માનસ્તંભ સાક્ષાત્ મોજૂદ છે.
આ મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો છે; તેમાં અહીંથી આઠમો ‘નંદીશ્વર’ નામનો દ્વીપ છે. તે નંદીશ્વર
દ્વીપમાં શાશ્વત જિનમંદિરો છે અને તે મંદિરોની સામે શાશ્વત માનસ્તંભો છે. જેમ સર્વજ્ઞ પરમાત્મા મનુષ્યલોકમાં
સદાય હોય જ છે, તેનો કદી વિરહ થતો નથી તેમ તે પરમાત્માની પ્રતિમા પણ જગતમાં શાશ્વત છે.
નંદીશ્વરદ્વીપમાં રત્નમણિના શાશ્વત જિનબિંબોની સામે માનસ્તંભો છે તેને શાસ્ત્રમાં ‘ધર્મવૈભવ’ કહીને વર્ણવ્યા
છે. જુઓ, આ મધ્યલોકમાં નંદીશ્વરદ્વીપમાં શાશ્વત જિનમંદિરો અને શાશ્વત માનસ્તંભો છે, ત્યાંની શોભાનો પાર
નથી; વર્ષમાં ત્રણવાર કારતક, ફાગણ અને અષાડ માસમાં આઠમથી પૂનમ સુધી દેવો ત્યાં ભક્તિ કરવા જાય છે
અને મહોત્સવ ઊજવે છે.
શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તી મહા દિગંબર સંત હતા, છઠ્ઠા–સાતમા ગુણસ્થાને વીતરાગી આનંદમાં
ઝૂલતા હતા; તેમણે ‘ત્રિલોકસાર’ શાસ્ત્રમાં ત્રણલોકની રચનાનું વર્ણન કર્યું છે. તેમાં નંદીશ્વરદ્વીપનું વર્ણન કરતાં
ત્યાંના માનસ્તંભને ‘ધર્મવિભવ’ કહ્યા છે. પરમાર્થવૈભવ તો આત્મામાં છે, અનંતગુણોના નિજવૈભવથી આત્મા
પરિપૂર્ણ છે; અને બહારમાં નંદીશ્વરદ્વીપ વગેરેમાં જે શાશ્વત જિનબિંબ તથા માનસ્તંભ વગેરે ધર્મવિભવ છે તે
નજરે જોવાનું ભાગ્ય દેવોને જ મળે છે, મનુષ્યો ત્યાં થઈ શકતા નથી. સમવસરણ, માનસ્તંભ વગેરે ધર્મવૈભવ
જોવાનું ભાગ્ય પુણ્યવંત જીવોને જ સાંપડે છે, પુણ્ય વગર એવો ધર્મવૈભવ જોવા મળતો નથી.
આ પૃથ્વીની નીચે ભવનપતિ તેમ જ વ્યતંર દેવોના નિવાસસ્થાન આવેલા છે, ત્યાં પણ શાશ્વત
જિનમંદિરો અને જિનપ્રતિમાઓ છે, તેની સામે શાશ્વત માનસ્તંભો છે.
આ રીતે પહેલાં મધ્યલોકના માનસ્તંભની વાત કરી, ને પછી અધોલોકના માનસ્તંભની વાત કરી,
ઊર્ધ્વલોકમાં પણ માનસ્તંભ છે તેની વાત હવે કહેવાય છે.
ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવલોકમાં પણ શાશ્વત માનસ્તંભો છે. તેમાં પહેલાં સૌધર્મસ્વર્ગનો માનસ્તંભ ૩૬
યોજન ઊંચો છે. આવા અનેક માનસ્તંભો છે. તે માનસ્તંભના ઉપર–નીચેના લગભગ છ–છ યોજન છોડીને
વચ્ચેના ૨૪ યોજનમાં રત્નની સાંકળથી લટકતા પટારા છે, તેમાં તીર્થંકરો માટેના આભુષણો રહે છે. ઈંદ્ર તેમાંથી
આભૂષણો લઈને તીર્થંકરને પહોંચાડે છે. જુઓ, તીર્થંકરના દાગીના પણ સ્વર્ગમાંથી આવે છે. તીર્થંકર એવા
પુણ્યવંત પુરુષ છે કે જન્મે ત્યારથી જ તેમને શરીરમાં અશુચિ હોતી નથી. તીર્થંકરદેવ માતાના સ્તનનું દૂધ પણ
પીતા નથી. તેમને માટે દાગીના, વસ્ત્ર અને ભોજન વગેરે સ્વર્ગમાંથી આવે છે. ભગવાને દીક્ષા લીધા પહેલાંની
આ વાત છે, દીક્ષા પછી મુનિદશામાં તો વસ્ત્ર કે દાગીના હોતા જ નથી.
તીર્થંકરો માટેનાં આભરણો સ્વર્ગના માનસ્તંભોમાં રહેલા છે.
(૧) સૌધર્મસ્વર્ગમાં જે માનસ્તંભ છે તેના પટારામાં ભરતક્ષેત્રના તીર્થંકરોના આભરણો છે.
(૨) ઈશાનસ્વર્ગમાં જે માનસ્તંભ છે તેના પટારામાં ઐરાવતક્ષેત્રના તીર્થંકરોના આભરણો છે.
(૩) સનત્કુમાર સ્વર્ગમાં જે માનસ્તંભ છે તેના પટારામાં પૂર્વ–વિદેહક્ષેત્રના તીર્થંકરોના આભરણો છે.
(૪) માહેન્દ્રસ્વર્ગમાં જે માનસ્તંભ છે તેના પટારામાં પશ્ચિમ–વિદેહક્ષેત્રના તીર્થંકરોનાં આભરણો છે.
આ માનસ્તંભો દેવો દ્વારા પણ પૂજ્ય છે.
જુઓ, આ બધું શાશ્વત છે. આ કાંઈ કલ્પના નથી પણ સર્વજ્ઞદેવે જ્ઞાનમાં જોયેલી જગતની વસ્તુસ્થિતિ
છે. જગતને આ વાત માન્યે છૂટકો છે. આજ માને.....કાલ માને કે ભવાંતરમાં માને,–પણ માન્યે છૂટકો છે.
અહો! જૈનધર્મનો વૈભવ!! જુઓ તો ખરા, અંદરમાં ચૈતન્યસ્વભાવનો પરમ અદ્ભુત વૈભવ ને બહારમાં

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૮૦ઃ આત્મધર્મઃ ૧૦પ
માનસ્તંભ વગેરેનો અદ્ભુત વૈભવ. જૈનધર્મનો આવો વૈભવ સાધારણ જીવોને તો જોવા પણ નથી મળતો;
પુણ્યવંત જીવોને જ જોવા મળે છે, અને તેમાં પણ અંદરનો ચૈતન્યવૈભવ તો પુણ્યથી પણ પાર છે.
અહો! તીર્થંકર ભગવંતોના અંદરના વૈભવની તો શી વાત!! પણ તેમના પુણ્યનો વૈભવ પણ અલૌકિક
છે; અંદરમાં તો આત્માની પવિત્રતા વડે ચૈતન્યનો કેવળજ્ઞાનાદિ વૈભવ પ્રગટયો છે ને બહારમાં પુણ્યના ફળમાં
સમવસરણાદિ વૈભવનો સંયોગ થાય છે; તે સમવસરણમાં ચારે બાજુ માનસ્તંભ હોય છે. તેને દેખતાં જ માની
જીવોના અભિમાનના ચૂરેચૂરા થઈ જાય છે. જુઓ, તીર્થંકરોના પુણ્ય! ગૃહસ્થદશામાં તો તેમને માટે દાગીના
વગેરે સ્વર્ગમાંથી આવે છે ને કેવળજ્ઞાન થતાં સમવસરણાદિ રચાય છે. આવા પુણ્યપરિણામ તીર્થંકર થનાર
આત્માને જ આવે છે. પણ એ ધ્યાન રાખજો કે આ પુણ્યની સાથે અંદરમાં પવિત્રતા પણ પડી છે; તે પવિત્રતા જ
આત્માને તારે છે હો....કાંઈ પુણ્ય તારતા નથી. પુણ્યના ફળમાં તો બહારનો વૈભવ મળે. ને પવિત્રતાથી અંદરનો
કેવળજ્ઞાન વૈભવ પ્રગટે. અહો! આ તે કેવો વૈભવ! તીર્થંકરને બહારમાં સમવસરણના વૈભવનો પાર નથી છતાં
ભગવાનને તેમાં ક્યાંય રાગનો અંશ પણ નથી, ભગવાન તો આત્માના પરમશાંત આનંદરસમાં ઝૂલે છે...પરથી
અત્યંત ઉપેક્ષાભાવ પ્રગટીને અકષાયી ચૈતન્યબિંબ થઈ ગયા છે. અહો......અંદરમાં આટલો
ઉપેક્ષાભાવ..........અને આવી વીતરાગી પરિણતિ....છતાં બહારમાં આવા વૈભવનો સંયોગ!–તેને જોતાં જ માની
જીવોનું માન ગળી જાય છે. ભગવાનના સમવસરણમાં માનસ્તંભને દેખતાં જ પાત્ર જીવને એમ થઈ જાય છે કે
આવો જેનો વૈભવ છે તે આત્મા કેવો? અહો, વૈભવનો પાર નથી છતાં એને રાગનો અંશ પણ નથી.–આમ
બહુમાન આવતાં અભિમાન છૂટી જાય છે. માનસ્તંભ માની જીવોના માનને ગાળી નાંખે છે એવો ઉલ્લેખ
પુરાણોમાં ઠેકાણે–ઠેકાણે આવે છે.
જેઓ આત્મસ્વરૂપમાં ઝૂલતા મહાન સંત હતા, પંચ મહાવ્રતના પાળનારા અને વારંવાર નિર્વિકલ્પ
અનુભવમાં લીન થનારા હતા તથા છઠ્ઠા ગુણસ્થાને આવતાં જેમનો એકેક વિકલ્પ સત્યને સ્થાપનાર હતો–એવા
વીતરાગી સંતોનું આ કથન છે. સાધક જીવને આત્માની પવિત્રતા સાથે કેવા વિશિષ્ટ પુણ્ય હોય છે ને તે પુણ્યના
ફળમાં બહારમાં કેવો સંયોગ હોય છે–તેનું જ્ઞાન કરાવ્યું છે. સમવસરણાદિનો સંયોગ મળે એવા પુણ્ય ધર્માત્માને
આત્માની પવિત્રતાની સાથે જ બંધાય છે, અજ્ઞાનીને એવા પુણ્ય હોતા નથી. છતાં પણ, સમવસરણનો સંયોગ
મળવો તે તો વિકારનું–પુણ્યનું ફળ છે, તે કાંઈ આત્માના ધર્મનું ફળ નથી,–આમ સમજે તો સંયોગથી અને
વિભાવથી ભેદજ્ઞાન થઈને સ્વભાવનું સમ્યગ્જ્ઞાન થઈ જાય. જ્યાં આત્માના જ્ઞાન–આનંદની પૂર્ણદશારૂપ વૈભવ
પ્રગટયો ત્યાં પૂર્ણવૈભવ હોય છે. આત્માની સિદ્ધદશા થતાં પુણ્યના પરમાણુઓ છૂટી જાય છે ને બહારનો સંયોગ
પણ છૂટી જાય છે. અંદરનો ચૈતન્યવૈભવ જ્યાં પૂરો થયો ત્યાં તીર્થંકરોને બહારમાં સમવસરણ વગેરે પૂર્ણવૈભવ
હોય છે; તે સમવસરણમાં માની જીવોના માનને ગાળી નાંખનારા માનસ્તંભ હોય છે. વળી નંદીશ્વરદ્વીપમાં,
ઊર્ધ્વલોકમાં સ્વર્ગમાં તથા અધોલોકમાં ભવનવાસી દેવોના નિવાસસ્થાનમાં પણ માનસ્તંભો છે, અને ભારતમાં
પણ અત્યારે ઘણા સ્થળે માનસ્થંભો છે.
ચામુંડરાય રાજા થઈ ગયા, તેઓ જૈનધર્મી હતા અને દીક્ષા લઈને મુનિ થયા હતા; રાજાઓમાં મુનિ
થનારા તે છેલ્લા રાજા હતા. તે ચામુંડરાયના કુળના એક પંડિત सुव्वय्य शास्त्री (કારકલ–મૈસૂરના) છે, તે
અહીંના પ્રેમી છે. અહીં જ્યારે ‘શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમ’ નું ઉદ્ઘાટન થયું ત્યારે તે આવ્યા હતા અને
અહીંની વાત સાંભળીને ખુશી થયા હતા. ‘વસ્તુની યોગ્યતાથી જ દરેક કાર્ય થાય છે, અહો! આ
‘યોગ્યતા’ તો અપૂર્વ વસ્તુ સ્થિતિને જાહેર કરે છે, તેમાં એકલો જ્ઞાયકભાવ અને વીતરાગતા છે’–એ વાત
તેમને અપૂર્વ લાગી. તે શાસ્ત્રીજી એમ વાત કહેતા હતા કે અમારા દેશમાં ૯૦ ફૂટ ઊંચો એક જ પથ્થરમાંથી
કોતરેલો માનસ્તંભ છે. આ ઉપરાંત અજમેરમાં ૮૨ ફૂટ ઊંચો માનસ્તંભ છે; શ્રી સમ્મેદશિખરજી, પાવાગઢ,
ચિત્તોડ, માંગીતુંગી, મહાવીરજી, આરા, તારંગા, મૂલબિદ્રી, દક્ષિણ કન્નડ, શ્રવણબેલગોલા વગેરે ઠેકાણે પણ
માનસ્તંભ છે. આ રીતે માનસ્તંભ એ કાંઈ નવું નથી. અહીં માનસ્તંભ કરવાનો વિચાર દસ વર્ષ પહેલાં
આવેલો; આજે તેનું મુહૂર્ત થયું. તેમાં મુમુક્ષુઓએ ઘણો ઉલ્લાસ દેખાડયો છે. હાલમાં સૌરાષ્ટ્રમાં કોઈ ઠેકાણે
માનસ્તંભ ન હતો ને પહેલવહેલો

PDF/HTML Page 14 of 21
single page version

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૮૧ઃ
અહીં–સોનગઢમાં થાય છે, તેથી અજાણ્યા લોકોને નવું લાગે છે.
સોનગઢમાં મૂળનાયક ભગવાન તો સીમંધર ભગવાન,
શાસ્ત્ર તો સમયસાર,
સમવસરણ તો અષ્ટભૂમિવાળું અને તેમાં વળી
કુંદકુંદાચાર્યદેવ ઊભેલા,
થાંભલા વિનાનો મોટો પ્રવચન–મંડપ,
અને વળી આ મોટો માનસ્તંભ!
–આ બધું ઘણા લોકોને નવું લાગે તેવું છે. પણ ભાઈ! એ કાંઈ નવું નથી, તને ખબર નથી એટલે નવું
લાગે છે.
વળી ઘણાને એમ પ્રશ્ન થાય છે કે અધ્યાત્મની દ્રષ્ટિ સાથે માનસ્તંભનો મેળ કઈ રીતે છે? તેનો ખુલાસો
પણ આમાં આવી ગયો છે. ધર્મી જીવને રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વભાવની અધ્યાત્મદ્રષ્ટિ પ્રગટી હોવા છતાં, હજી
પૂર્ણ વીતરાગતા ન થઈ હોય ત્યાં ધર્મપ્રભાવના વગેરેનો શુભભાવ આવે છે, તેમાં માનસ્તંભ વગેરે કરાવવાનો
ભાવ પણ આવે છે. અધ્યાત્મદ્રષ્ટિ હોવા છતાં આવો ભાવ આવે તેમાં કાંઈ વિરોધ નથી જો કોઈ એમ કહે કે
‘અધ્યાત્મદ્રષ્ટિવાળાને શુભભાવ આવવો જ ન જોઈએ’–તો તેમ કહેનારને અધ્યાત્મદ્રષ્ટિ શું છે તેનું ભાન નથી
અને પુણ્યતત્ત્વની પણ તેને ખબર નથી. રાગની ભૂમિકામાં વિચિત્ર પ્રકારના રાગભાવ આવે છે, તેમાં ધર્મીને
દેવ–ગુરુ–ધર્મની ભક્તિપ્રભાવનાનો ભાવ થયા વિના રહેતો નથી. માનસ્તંભ એ પણ ધર્મની પ્રભાવનાનું કારણ
છે. જે જીવને સાચા દેવ–ગુરુ–ધર્મની પ્રભાવનાનો ઉલ્લાસભાવ નથી આવતો, ને એકલા અશુભરાગમાં જ ખૂંચી
રહ્યો છે તેને તો સંસાર અને ધર્મના નિમિત્તો વચ્ચેનો વિવેક કરતાં પણ નથી આવડતો. જીવના રાગને લીધે કાંઈ
બહારનાં કાર્યો બનતા નથી, બહારના કાર્યો તો તેના કારણે સ્વયં બને છે. પણ જેને ધર્મનો પ્રેમ હોય તેને ધર્મના
નિમિત્તોનું પણ બહુમાન આવ્યા વિના રહેતું નથી. કોઈ એમ માને કે ‘આપણે આવી બહારની પ્રવૃત્તિમાં ન
પડવું, આપણે તો આત્માના જ વિચારમાં રહેવું’–તો તે પણ વસ્તુસ્થિતિને સમજતો નથી. ભાઈ! બહારની
પ્રવૃત્તિને તો ક્યાં કોઈ પણ જીવ કરી શકે છે? રાગ વખતે રાગની દિશા કઈ તરફ વળે છે તેની આ વાત છે.
અધ્યાત્મદ્રષ્ટિવાળાને બહારનો વિકલ્પ ન જ આવે–એવું નથી, તેમ જ જીવને વિકલ્પ આવ્યો માટે બહારમાં
માનસ્તંભ વગેરે કાર્ય થાય છે–એમ પણ નથી. જેને ધર્મનો પ્રેમ હોય તેને એવો વિકલ્પ આવે છે કે અહો!
માનસ્તંભ દ્વારા જૈનધર્મના વૈભવને જગત દેખે અને ધર્મની પ્રભાવના થાય! તેમાં નિમિત્ત તરીકે વીતરાગી દેવ–
ગુરુ–ધર્મનું બહુમાન છે ને પરમાર્થે પોતાના પૂર્ણસ્વભાવનું બહુમાન છે. ભક્તિ–પ્રભાવનાનો શુભવિકલ્પ કોઈક
જીવોને તો અંતરની સમજણપૂર્વક આવે છે, કોઈકને સાધારણ લક્ષપૂર્વક આવે છે અને કોઈક જીવોને સમજ્યા
વગર પણ શુભવિકલ્પ આવે છે. આ શુભવિકલ્પથી ધર્મ થાય છે–એમ નથી કહેવું પણ નીચલી દશામાં
અધ્યાત્મદ્રષ્ટિવાળાને કે અધ્યાત્મદ્રષ્ટિ વગરનાને પણ તેવો શુભરાગ આવે છે અને તે પુણ્યબંધનું કારણ છે; તેને
જો ન માને તો તે જીવે પુણ્યતત્ત્વને જાણ્યું નથી. જીવના શુભવિકલ્પને લીધે જડની ક્રિયા થઈ એમ નથી, તેમ જ
જડની ક્રિયા થવાની હતી માટે જીવને શુભવિકલ્પ કરવો પડયો એમ પણ નથી; અજીવની ક્રિયા અજીવના કારણે
થાય છે–એનું ધર્મીને બરાબર ભાન છે, પણ રાગના કાળે તેને ધર્મપ્રભાવના વગેરેમાં ઉલ્લાસપરિણામ આવ્યા
વિના રહેતા નથી. જેમ–સંસારમાં જેને સ્ત્રી વગેરેનો પ્રેમ છે તેને તેના પોષણનો અશુભભાવ આવે છે, તેમ જેને
ધર્મનો પ્રેમ હોય તેને ધર્મના નિમિત્તો પ્રત્યે તથા પ્રભાવના વગેરેમાં શુભભાવ આવે છે. જો તેને ન સ્વીકારે તો
તે જીવને સંસાર અને ધર્મ વચ્ચેનો વિવેક નથી, અને જો તે રાગને જ ધર્મ માની લ્યે તો તેને પણ સ્વભાવ અને
વિભાવનું ભેદજ્ઞાન નથી. અધ્યાત્મદ્રષ્ટિવાળા જીવ રાગને ધર્મ નથી માનતા, છતાં નીચલી દશામાં રાગ આવે છે
ખરો; અધ્યાત્મદ્રષ્ટિ પછી જેમને સ્વભાવમાં લીન થઈને પૂર્ણ વીતરાગતા પ્રગટી ગઈ હોય તેમને કોઈ પ્રકારનો
રાગ હોતો નથી. જે ભૂમિકાની જે સ્થિતિ હોય તે જાણવી જોઈએ.
બહારની પ્રવૃત્તિ તો કોઈ જીવ કરી શકતો જ નથી, એટલે બહારના સંયોગ ઉપરથી ધર્મ–અધર્મનું માપ
નથી. ધર્મીને પૂર્વના પુણ્યના કારણે બહારમાં સંયોગના ગંજ દેખાય છતાં જ્ઞાની મૂંઝાતા નથી. તેમ જ તેમને એમ
શંકા નથી પડતી કે ‘વધારે સંયોગ છે માટે મને વધારે બંધન થઈ જશે!’ બહારમાં ઝાઝા સંયોગ

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૮૨ઃ આત્મધર્મઃ ૧૦પ
હોય માટે રાગની પ્રવૃત્તિ વધી ગઈ ને સંયોગ ઘટયા માટે રાગની પ્રવૃત્તિ ઘટી ગઈ–એમ નથી. સંયોગો તેના
કારણે હોય અને રાગ પણ હોય, પણ તે વખતે જીવની દ્રષ્ટિ કયાં પડી છે?–રાગ અને સંયોગ ઉપર જ દ્રષ્ટિ છે કે
સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે? તેના ઉપર ધર્મ–અધર્મનું માપ છે.
ધર્મી જીવ પોતાના ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ રાખીને સ્વપરપ્રકાશક જ્ઞાનમાં રાગને અને સંયોગને પણ
જાણે છે; પણ મારા કારણે પરનાં કામ થયા અથવા તો પરજ્ઞેયોને કારણે મને જ્ઞાન થયું–એમ ધર્મી માનતા નથી;
તેમ જ જ્ઞાનને કારણે રાગ કે રાગને કારણે જ્ઞાન થયું–એમ પણ તે માનતા નથી. સંયોગથી તથા રાગથી ભિન્નતા
ને જ્ઞાનસ્વભાવમાં એકતા–એવા વિવેકને લીધે તેને ક્ષણે ક્ષણે સ્વભાવમાં જ્ઞાનની એકાગ્રતા થતી જાય છે, ને
રાગ ટળતો જાય છે–એનું નામ ધર્મ છે. ધર્મી જાણે છે કે મારા સ્વભાવના આશ્રયે જ્ઞાનનું સમય સમયનું સ્વતંત્ર
પરિણમન થાય છે, ને સામે જ્ઞેય પદાર્થોમાં પણ સમયસમયનું સ્વતંત્ર પરિણમન થાય છે. મારા સ્વ–
પરપ્રકાશકજ્ઞાનસામર્થ્યની જેવું જાણવાની લાયકાત હોય તેવું જ જ્ઞેય સામે હોય; ને રાગના કાળે તેવો જ રાગ
હોય; છતાં કોઈને કારણે કોઈ નથી, જ્ઞાનને લીધે રાગ કે સંયોગ નથી. સંયોગને લીધે જ્ઞાન કે રાગ નથી અને
રાગને લીધે જ્ઞાન કે સંયોગ નથી. આમ જાણનાર ધર્મી જીવ સંયોગ અને રાગની રુચિ છોડીને ચિદાનંદ–
સ્વભાવની જ રુચિ અને ભાવના કરે છે. આવો સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્યારે સંસારનું સ્વરૂપ વિચારે ત્યારે તીર્થંકરો,
સમવસરણ, માનસ્તંભ વગેરેનું સ્વરૂપ પણ વિચારે છે,–આમાં ઘણાં ઊંડા ન્યાયો છે તે અંદરથી સમજે તો ખબર
પડે.
જુઓ, આજે અહીં માનસ્તંભનું મુહૂર્ત કર્યું તેના માંગળિકમાં આ ‘માનસ્તંભની ભેરી’ વગાડી......આ
માનસ્તંભ એમ જાહેર કરે છે કે ‘હે જીવો! જો તમારે સત્ય ધર્મ જોઈતો હોય અને તે સમજીને આત્માનું કલ્યાણ
કરવું હોય તો આ વીતરાગમાર્ગમાં જ છે.’ (અહીં તાલીના ગડગડાટથી શ્રોતાજનોએ માનસ્તંભની આ મંગલ–
ભેરીને ઝીલી હતી.)
અહો.....વસ્તુસ્વરૂપ શું છે તેનો ધીરજથી વિચારીને નિર્ણય કરવો જોઈએ. અંદર વસ્તુસ્વરૂપના નિર્ણય
વગર બહારથી કલ્યાણ થઈ જવાનું નથી. અનંતકાળમાં દુર્લભ એવો આ મનુષ્યદેહ મળ્‌યો, સત્સમાગમ મળ્‌યો
અને વીતરાગે કહેલું વસ્તુસ્વરૂપ કાને પડયું, તો હવે યથાર્થ વસ્તુસ્વરૂપ શું છે–કે જેના સ્વીકારથી ભવનો નાશ
થાય? તેની રુચિ કરીને બરાબર સમજવું જોઈએ. જીવોએ અનાદિકાળમાં સત્ય વાતને અંતરની રુચિપૂર્વક કદી
સાંભળી નથી, જો એકવાર પણ અંતરમાં ઉલ્લાસ પ્રગટ કરીને રુચિપૂર્વક સાંભળે તો તેનો મોક્ષ થયા વિના રહે
નહિ.
***
–જ્ઞાની ‘ના’ પાડે છે–
આત્માની સત્તા કેવી છે તેની ખબર ન હોય તેથી
ઉપયોગ બીજે રખડતો હોય, અને માને કે મેં આટલી ક્રિયા કરી
છે માટે મને ધર્મ થાય છે.–પણ જ્ઞાની ના પાડે છે અને કહે છે
કે, ભાઈ રે! પ્રથમ તું તને સમજ; પ્રથમ સાચી સમજણ કરી
તારી સ્વતંત્રતાનો નિર્ણય કર.
–શ્રી સમયસાર–પ્રવચનો ભા. ૧ પૃ. ૪૯

PDF/HTML Page 16 of 21
single page version

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૮૩ઃ
સિદ્ધનું સ્વરૂપ અને સિદ્ધિનો પંથ
(જૈન શિક્ષણવર્ગની ઉત્તમશ્રેણીની પરીક્ષામાં પુછાયેલા પહેલા પ્રશ્નના ઉત્તરરૂપ નિબંધ)
‘કર્મબંધ સૌ કાપીને પહોંચ્યા મોક્ષ સુથાન,
નમું સિદ્ધ પરમાત્મા ધ્યાન કરું અમલાન.’
સિદ્ધપણું તે આત્માની સંપૂર્ણ શુદ્ધ, પરિપૂર્ણ નિર્વિકારી પર્યાય છે. નિશ્ચયથી દરેક આત્મા સિદ્ધ જેવો છે.
‘સિદ્ધસમાન સદા પદ મેરો’ એમ પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરીને તેમાં એકાગ્ર થવું તે સિદ્ધપદનો
ઉપાય છે. આત્માની વિકારીદશાનું નામ સંસાર છે. સિદ્ધભગવાન જેવો મારો આત્મા છે–તેને ભૂલીને, શરીર તે હું
છું ને શરીરાદિની ક્રિયા હું કરી શકું છું–એવી જે મિથ્યા માન્યતા છે તે સંસારનું મૂળ છે, તેથી તે મિથ્યાત્વને
મહાપાપ કહેવામાં આવે છે. જો આત્માનું ભાન કરીને તે મિથ્યાત્વનો નાશ કરે તો અલ્પકાળમાં જીવ સિદ્ધ થયા
વિના રહે નહિ.
સિદ્ધદશા એટલે મોક્ષ; મોક્ષ શું છે અને તેનો ઉપાય શું છે, તે બાબતમાં આ આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ’
આત્માની પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે અને તે મોક્ષ જેનાથી પમાય છે એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે
મોક્ષનો ઉપાય છે.
સ્વભાવથી તો બધા આત્મા સિદ્ધ જેવા છે, પણ અવસ્થામાં સિદ્ધદશા નવી પ્રગટે છે. જો પોતાના
સ્વભાવનો વિશ્વાસ કરીને તેમાં એકાગ્ર થાય તો સિદ્ધદશા પ્રગટે. આત્મસિદ્ધિમાં પણ કહ્યું છે કે–
‘સર્વ જીવ છે સિદ્ધસમ,
જે સમજે તે (સિદ્ધ) થાય.’
–તેથી સિદ્ધ થવા માટે સૌથી પહેલાં પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરવી જોઈએ.
તત્ત્વાર્થસૂત્રના પહેલા જ સૂત્રમાં કહે છે કે
‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’–સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર તે મોક્ષનો માર્ગ છે; ત્રણેકાળે કોઈ પણ જીવને માટે આ એક જ મોક્ષનો માર્ગ છે,–કેમ કે ‘એક હોય ત્રણ
કાળમાં પરમારથનો પંથ.’
***
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસારની શરૂઆતમાં જ ‘वंदित्तु सव्वसिद्धे’ એમ કહીને સર્વે સિદ્ધ
ભગવંતોને નમસ્કાર કર્યા છે અને આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું છે; વર્તમાનમાં પોતાને સિદ્ધદશા પ્રગટ ન હોવા
છતાં, જેવું સામર્થ્ય સિદ્ધ ભગવંતોમાં છે તેવું જ સામર્થ્ય મારા આત્મામાં પણ છે–એમ સ્વભાવસામર્થ્યનો વિશ્વાસ
કરીને ધર્મીજીવ પોતાના આત્મામાં સિદ્ધપણાની સ્થાપના કરે છે. એ રીતે, કુંદકુંદ ભગવાને કહ્યા પ્રમાણે આત્મામાં
સિદ્ધપણું સ્થાપીને તેનો આદર કરતાં કરતાં, સ્વભાવ તરફના ઉત્સાહના બળે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનસહિત
ચારિત્રદશા પ્રગટ થતાં તે મુનિ થાય છે.–આવા મુનિવરો મોક્ષમાર્ગે વિચરે છે.
મુનિ થઈને અંર્તસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરતાં કરતાં, ઉપયોગને આત્મામાં સ્થિર કરીને
ક્ષપકશ્રેણી માંડીને ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન–કેવળદર્શન–અનંતસુખ અને અનંતવીર્ય એવા ચતુષ્ટય
પ્રગટ કરે છે. એ દશાનું વર્ણન કરતાં ‘અપૂર્વ અવસર’ માં કહે છે કે–

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૮૪ઃ આત્મધર્મઃ ૧૦પ
‘ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં
ભવનાં બીજ તણો આત્યંતિક નાશ જો;
સર્વ ભાવ જ્ઞાતાદ્રષ્ટા સહ શુદ્ધતા
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.’
–અહો, ધન્ય એ દશા! એવી અરહંતદશા પ્રાપ્ત થયા પછી અલ્પકાળમાં બાકીના ચાર અઘાતિ કર્મોનો
પણ અભાવ કરીને જીવ સિદ્ધ થાય છે અને સ્વભાવઊર્ધ્વગમન કરીને એક સમયમાં સિદ્ધલોકમાં પહોંચી જાય છે,
જ્યાં અનંત સિદ્ધભગવંતો બિરાજી રહ્યા છે ત્યાં તે સિદ્ધભગવંતોની વસતીમાં જઈને સાદિ–અનંતકાળ આત્માના
સહજસુખને ભોગવ્યા કરે છે. અહો–
‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન–જ્ઞાન અનંત સહિત જો.’
આવા સિદ્ધ ભગવંતોને આઠે કર્મોનો અભાવ હોય છે, તથા આઠ મહાગુણો પ્રગટયા હોય છે; તેમને
શરીર પણ હોતું નથી. તેમને કદી સંસારમાં અવતાર થતો નથી, એવી ને એવી સિદ્ધદશામાં તેઓ સદા વર્ત્યા કરે
છે. એ સિદ્ધદશામાં એકલા ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા સિવાય બીજા કોઈ પણ પદાર્થોનો સંબંધ હોતો નથી.
બહારની કોઇ પણ સામગ્રી વગર તેઓ પોતાના સ્વભાવથી જ પૂર્ણ સુખી છે.
ધન્ય એ સહજ સુખી સિદ્ધદશા! આવી સિદ્ધદશા પ્રાપ્ત કરવી એ જ આત્માર્થીઓનું જીવનધ્યેય છે; અને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ સિદ્ધિનો ઉપાય છે.
આચાર્યશ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તી દ્રવ્યસંગ્રહમાં સિદ્ધનું સ્વરૂપ વર્ણવતાં કહે છે કેઃ–
निष्कर्म्माणः अष्टगुणाः किंचिदूनाः चरमदेहतः सिद्धाः।
लोकाग्रस्थिताः नित्याः उत्पादव्ययाभ्यांस युक्ताः।। १४।।
સિદ્ધ જીવ કેવા છે? જ્ઞાનાવરણ આદિ આઠકર્મોથી રહિત છે; સમ્યક્ત્વ આદિ આઠ ગુણોથી સહિત છે;
છેલ્લા શરીરથી કાંઈક ઓછો તેમનો આકાર છે; નિત્ય છે તેમ જ ઉત્પાદ–વ્યય સહિત છે; અને લોકના છેડે સ્થિત
છે; આવા સિદ્ધ જીવો છે.
આવા સિદ્ધ ભગવંતો અનંત છે, અને છ મહિના ને આઠ સમયે જગતમાંથી ૬૦૮ જીવો સિદ્ધ થયા જ કરે છે.
તે સિદ્ધ ભગવંતોમાં અનંત ગુણો છે પણ તેમાં સંક્ષેપથી આઠ ગુણો મુખ્ય કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે–(૧)
ક્ષાયિક સમ્યક્ત્વ (૨) કેવળજ્ઞાન (૩) કેવળદર્શન (૪) અનંતવીર્ય (પ) સૂક્ષ્મત્વ (૬) અવગાહનત્વ (૭)
અગુરુલઘુત્વ અને (૮) અવ્યાબાધ અનંતસુખ. (તેના વિસ્તાર માટે બૃહત્ દ્રવ્યસંગ્રહની ૧૪ મી ગાથા જુઓ.)
સિદ્ધ ભગવંતોને પોતાના સ્વભાવથી જ પરિપૂર્ણ સુખ હોય છે, કાંઈ બાહ્ય સામગ્રીનું સુખ નથી. સિદ્ધ–
ભગવાનની જેમ કોઈ પણ જીવોને બાહ્યસામગ્રીથી સુખ થતું નથી; અજ્ઞાની જીવો પોતાની પર્યાયમાં કલ્પના
કરીને પરમાં સુખ માને છે, ત્યાં તે પરવસ્તુમાંથી કાંઈ તેને સુખ વેદાતું નથી પણ તે પોતાની કલ્પનાને જ વેદે છે.
અને સિદ્ધભગવંતોને બહારની સામગ્રી વગર, પોતાના આત્મસ્વભાવમાંથી ઉત્પન્ન પરમાર્થસુખ છે. મોહ અને
રાગ–દ્વેષ તે આકુળતા છે, આકુળતા તે દુઃખ છે, ને આકુળતાનો અભાવ તે સુખ છે. સિદ્ધ ભગવંતોને મોહ–
રાગ–દ્વેષનો સર્વથા અભાવ છે તેથી તેમનો આત્મા જ સુખસ્વરૂપે થઈ ગયો છે; તેમને એક સમયમાં પરિપૂર્ણ
જ્ઞાન હોવાથી પરિપૂર્ણ સુખ છે, તે સુખ બાહ્ય વિષયો વિનાનું અને અતીન્દ્રિયસ્વભાવથી ઉત્પન્ન થયેલું છે. કેવળી
ભગવંતોના સુખની પ્રશંસા કરતાં કુંદકુંદાચાર્યદેવ કહે છે કે–
‘અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંતને
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગ પ્રસિદ્ધને.’
શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા કેવળી ભગવંતોનું અને સિદ્ધ ભગવંતોનું સુખ અતિશય, આત્મોત્પન્ન,
વિષયાતીત (અતીન્દ્રિય) અનુપમ, અનંત અને અવિચ્છિન્ન છે.
અહો! આવું સુખ સર્વપ્રકારે પ્રાર્થનીય છે. જે જીવ સિદ્ધભગવંતોના આવા સુખને ઓળખે તે જીવ
ઈંદ્રિયવિષયોમાં સુખ માને નહિ; આત્મા સિવાય કોઈ પણ પરમાં પોતાનું સુખ માને નહિ, પણ ‘મારું સુખ

PDF/HTML Page 18 of 21
single page version

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૮પઃ
મારા સ્વભાવમાં જ છે’ એમ સમજીને, પરદ્રવ્યોથી નિરપેક્ષ થઈને સ્વભાવનો આશ્રય કરતાં અલ્પકાળમાં સિદ્ધ
થઈ જાય છે.
***
જેઓ સિદ્ધ થઈ ગયા છે તેઓ પણ ‘આત્મા’ છે. નિશ્ચયથી જેવા સિદ્ધ જીવો છે તેવા જ બધા જીવો
છે, તેમનામાં અને આ જીવના સ્વભાવમાં પરમાર્થે કાંઈ ફેર નથી. જેઓ સિદ્ધ થયા તેમને તે સિદ્ધપણું
પોતાના આત્મામાંથી જ પ્રગટયું છે, કાંઈ બહારમાંથી સિદ્ધપણું નથી આવ્યું. જેઓ સિદ્ધપરમાત્મા થઈ ગયા
છે તેઓ પણ, સિદ્ધ થયા પહેલાં શરીર વગેરેને પોતાનું માનીને રાગ–દ્વેષ–મોહથી સંસારમાં રખડતા હતા;
પછી દુર્લભ મનુષ્યપણું પામીને સત્સમાગમમાં કોઈક ધન્ય પળે સ્વસન્મુખ પુરુષાર્થવડે અપૂર્વ ભેદવિજ્ઞાન
પ્રગટ કર્યું, ને સિદ્ધ જેવા પોતાના શુદ્ધ ચિદાનંદભગવાનનો અનુભવ કર્યો; ત્યારથી તે ભવ્યાત્માની
પરિણતિએ અંર્તસ્વરૂપમાં જ પોતાનું સુખ દેખ્યું, ને બર્હિવિષયોમાં મારું સુખ નથી–એમ જાણીને ત્યાંથી
તેની પરિણતિ ઉદાસીન થવા લાગી.
એ પ્રમાણે બહારથી ઉદાસ થઈને અંર્તસ્વરૂપમાં વળતાં વળતાં જ્યારે વિશેષ વીતરાગતા થઈ ત્યારે
ગૃહસ્થપણું છોડીને, ધન–વસ્ત્રાદિ સમસ્ત પરિગ્રહરહિત થઈ ચારિત્રદશા અંગીકાર કરીને મુનિ થયા. મુનિદશામાં
શુદ્ધ–આત્માના ઉગ્ર ધ્યાન વડે સમસ્ત રાગ–દ્વેષ–મોહનો નાશ કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું ને પછી અલ્પકાળમાં
દેહ છોડીને તે આત્મા અશરીરી ચૈતન્યબિંબ સિદ્ધપદને પામ્યો.
–એ રીતે ભેદજ્ઞાનના ફળમાં તેમને સિદ્ધદશા પ્રગટી. સમયસારમાં કહ્યું છે કે–
‘भेदविज्ञानतः सिद्धाः
सिद्धा ये किल केचन’
અર્થાત્ જે કોઈ સિદ્ધ થયા છે, તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.
જેમ તે આત્માએ પોતાની શક્તિમાંથી જ સિદ્ધદશા પ્રગટ કરી, તેમ આ આત્મામાં પણ સિદ્ધ થવાની
શક્તિ છે. જેમ લીંડીપીપરના સ્વભાવમાં તીખાશ ભરી છે, તેમાંથી જ ચોસઠપોરી તીખાશ પ્રગટે છે, તેમ
આત્માના સ્વભાવમાં સિદ્ધ થવાની તાકાત ભરી છે તેમાંથી જ સિદ્ધદશા પ્રગટે છે. સિદ્ધ ભગવંતો આ
આત્માના અરીસા સમાન છે. જેમ સ્વચ્છ અરીસામાં મોઢું દેખાય છે તેમ સિદ્ધ ભગવાનને ઓળખતાં
પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન થાય છે કે હે આત્મા! જેવા સિદ્ધ છે તેવો જ તારો સ્વભાવ છે; કેવળજ્ઞાનાદિ
જે જે ગુણો સિદ્ધ ભગવાનને પ્રગટ છે તે બધા ગુણો તારા સ્વભાવમાં ભર્યા છે, ને રાગાદિ જે જે ભાવો
સિદ્ધ ભગવાનમાંથી નીકળી ગયા છે તે તે ભાવો તારું સ્વરૂપ નથી.–આ પ્રમાણે પોતાના આત્માનું
શુદ્ધસ્વરૂપ ઓળખીને તેમાં એકાગ્રતા વડે વિકારનો અભાવ કરીને જીવ અલ્પકાળમાં સિદ્ધિને પામે છે, ને
એ સિદ્ધદશામાં લોકાલોકના જ્ઞાતાદ્રષ્ટાપણે રહીને સાદિઅનંતકાળ જીવ પોતાના સ્વભાવ સુખને ભોગવ્યા
કરે છે.
‘नमो सिद्धाणं’......अहो! शुद्ध आत्मस्वरूपने पामी चूकेला ते सिद्ध भगवंतोने नमस्कार
हो...‘सिद्धाः सिद्धि मम दीसन्तु’–તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો!
***
....... તો જ્ઞાની શું કહે?
કોઈ કુતર્કથી પુણ્ય વડે ધર્મ મનાવે તો જ્ઞાની તેને સત્ય
ન માને, પરંતુ કહે કે જેમ ઝેર ખાવાથી અમૃતના ઓડકાર કદી
ન આવે તેમ જે ભાવે બંધન થાય તે ભાવે કદી મોક્ષ તો ન
થાય પણ મોક્ષમાર્ગની શરૂઆત પણ તેનાથી ન થાય.
સમયસાર–પ્રવચનો ભા. ૧ પૃ. ૧૪પ

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૮૬ઃ આત્મધર્મઃ ૧૦પ
સુવર્ણપુરી–માનસ્તંભ
સુવર્ણપુરી તીર્થધામમાં ૬૨ ફૂટ ઊંચો, આરસનો ભવ્ય માનસ્તંભ તૈયાર થાય છે. માનસ્તંભની નીચે
વીતરાગી સંતોના અને ભક્તિના વિધવિધ દ્રશ્યોથી તેમ જ સૂત્રોથી સુશોભિત ત્રણ પીઠિકાઓ બનશે;
માનસ્તંભમાં નીચના ભાગમાં ચાર અને ઉપરના ભાગમાં ચાર–એમ કુલ આઠ પ્રતિમાજી શ્રી સીમંધર
ભગવાનના બિરાજમાન થશે. આ માનસ્તંભ સૌરાષ્ટ્રની એક ખાસ દર્શનીય વસ્તુ બનશે. આ માનસ્તંભના
શિલાન્યાસનું મંગલમુહૂર્ત વૈશાખ વદ સાતમે થયું, તે વખતે પરમ પૂ. ગુરુદેવશ્રીએ માનસ્તંભ સંબંધી જે ખાસ
પ્રવચન કર્યું હતું તે આ અંકમાં છપાયું છે; તેમાં–માનસ્તંભ તે શું ચીજ છે? જગતમાં કયે કયે ઠેકાણે માનસ્તંભ
છે? માનસ્તંભનો સંયોગ કેવા જીવને હોય? અધ્યાત્મદ્રષ્ટિ સાથે માનસ્તંભનો મેળ કઈ રીતે છે? ઇત્યાદિ અનેક
વિગતોનું સ્પષ્ટીકરણ આવી જાય છે. ‘ધર્મવૈભવ’ ના આ મંગલકાર્યને મુમુક્ષુ ભક્તજનોએ ઘણા ઉલ્લાસથી
વધાવી લીધું છે.
શિલાન્યાસ પ્રસંગ દરમિયાન માનસ્તંભ–ફંડ આગળ વધીને એક લાખ ઉપરાંત થઈ ગયું હતું. ફંડની
વિગત નીચે મુજબ છે–
૯૨૬૦૭) ‘આત્મધર્મ’ અંક ૧૦૩ માં જણાવ્યા મુજબ.૧૦૧) ત્રિભુવન ફૂલચંદ ખારા વીંછીયા
૧૦૦૦)લાખાણી દામોદર ચત્રભુજ રાજકોટ ૧૦૧) શાહ જગજીવન નાગરદાસ રાણપુર
પ૦૧)મોદી હરગોવિંદ દેવચંદ સોનગઢ ૧૦૧) શાહ છગનલાલ મોનજી લાઠી
પ૦૧)શેઠ પ્રેમચંદ ભગવાનજી તથા નાનચંદ
ભગવાનજી ખારા અમરેલી
૧૦૧) મણીબેન વેલજી મોરબી
પ૦૧)શેઠ મુળજી ભગવાનજી ખારા અમરેલી ૧૦૧) શેઠ અમૃતલાલ નરસીભાઈ સોનગઢ
પ૦૧)પૂતળીબાઈ (શેઠ ખીમચંદ જેઠાલાલના
માતુશ્રી) સોનગઢ
૧૦૧) કામદાર કાળીદાસ હકમચંદ બોટાદ
૨પ૦)વકીલ તલકશી માણેકચંદ વઢવાણ શહેર ૧૦૧) શેઠ મયાચંદ છગનલાલ ચિત્તલ
૨પ૧)શેઠ મોહનલાલ કાનજી ઘીયા રાજકોટ ૧૦૧) શેઠ માણેકચંદ રણછોડ મુંબઈ
૨પ૧)કસુંબાબેન મુળજી લાખાણી રાજકોટ ૧૦૧) શેઠ મગનલાલ વશરામ લાઠી
૨પ૧)એક મુમુક્ષુ બેન હા. નાનાલાલ ભાઈ ૧૦૦) શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ વઢવાણ શહેર
૨૦૦)શેઠ મોહનલાલજી પાટની કલકત્તા ૧૦૦) દોશી જેચંદ તલકશી મુંબઈ
૧પ૧)માસ્તર હીરાચંદ ભાઈચંદ રાજકોટ ૧૦૧) ધીરજબેન પ્રાણજીવન સોનગઢ
૧પ૧)વૃજલાલ ફૂલચંદ ભાયાણી લાઠી ૧૦૧) વિદ્યાબેન પ્રાણજીવન સોનગઢ
૧પ૧)મહેતા લાભશંકર છગનલાલ રાજકોટ પ૧) ચિ. રોહિતકુમાર સોનગઢ
૧૦૧)શેઠ જીવણલાલ મુળજીભાઈ વઢવાણ કેમ્પ ૧૦૧) શેઠ ચીમનલાલ મગનલાલ ભાવનગર
૧૦૧)શેઠ નારણ રાજપાળ લાઠી ૧૦૧) લીમડીના મુમુક્ષુબહેનો લીમડી
૧૦૧)છબલબેન તંબોળી જામનગર ૧૦૧) વોરા હરજીવન નાગજી ચૂડા
૧૦૧)દીવાળીબેન દફતરી લીંબડી ૮૦) વીંછીયા મુમુક્ષુમંડળ વીછીયા
૧૦૧)જિતેન્દ્રકુમાર વિનયચંદ્ર બરવાળા પ૧) રંભાબેન ઉકાભાઈ લાઠી

PDF/HTML Page 20 of 21
single page version

background image
પ૧) શાંતિલાલ રતિલાલ શાહ લીમડીપ૧) વૃજલાલ ફૂલચંદના ધર્મપત્ની કમળાબેન લાઠી
પ૦) નાઈરોબીના ત્રણ બહેનો, હા. કસ્તુરબેન
નાઈરોબી પ૧) વૃજલાલ ફૂલચંદ ભાયાણીના માતુશ્રી લાઠી
પ૧) કોઠારી કેવળચંદ ઝવેરચંદ ચોટીલાપ૧) દોશી મગનલાલ લેરાભાઈ વઢવાણ
પ૧) કોઠારી ગુલાબચંદ ઝવેરચંદ ચોટીલા પ૧) ગાંધી મણીલાલ જસવીર રાજકોટ
પ૧) શેઠ નાનચંદ અનોપચંદ રાજકોટ પ૧) મોહનલાલ જેચંદભાઈ ખારા અમરેલી
પ૧) સુરત મુમુક્ષુમંડળ સુરત પ૧) શેઠ મોહનલાલ ગોકળદાસ અમદાવાદ
પ૧) મરઘાબેન જગજીવન રાજકોટ પ૧) ભાયાણી હીરાલાલ ચુનીલાલ ભાવનગર
પ૧) કાન્તાબેન જગજીવન લીમડી પ૧) શેઠ ગોવીંદજી કુબેરદાસ ધ્રાંગધ્રા
પ૧) શેઠ વાડીલાલ જીવરાજ રાણપુર પ૧) શેઠ રતિલાલ મોહનલાલ મુંબઈ
પ૧) શાન્તાબેન ગુલાબચંદ પ૧) મણીબેન દલપતભાઈ શેઠ ધ્રાંગધ્રા
પ૧) કમળાબેન રાજકોટ પ૧) મેતા કાળીદાસ ચત્રભુજ ગારિયાધાર
પ૧) જડાવબેન રાજકોટ પ૦) શીવકુંવરબેન રાજકોટ
પ૧) મુમુક્ષુબહેનો સુદામડા૧૬૨૨) જુદા જુદા મુમુક્ષુઓ તરફથી મળેલી
પચાસથી નીચેની રકમો
૧૦૨૪૧૩ા (એક લાખ બે હજાર ચારસો સવા તેર)
*
જીવ અને શરીર વચ્ચે કેટલું અંતર!
परद्रव्यं परद्रव्यं स्वद्रव्यं द्रव्यमात्मनः।
सम्बन्धोपि तयोर्नास्ति यथायं सह्यविन्ध्ययोः।।१६८।।
(અર્થ) પરદ્રવ્ય સદા પરદ્રવ્ય જ રહે છે ને સ્વદ્રવ્ય સદા સ્વદ્રવ્ય
જ રહે છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બંનેને કાંઈ પણ સંબંધ નથી;–જેમ
સહ્યાચળ પર્વત અને વિંધ્યાચળ પર્વતને પરસ્પર કોઈ સંબંધ નથી તેમ.
(ભાવાર્થ) જેમ સહ્યાચળ અને વિંધ્યાચળ એ બંને પર્વત સર્વથા
ભિન્ન ભિન્ન છે, તેમનો પરસ્પર કોઈ સંબંધ નથી, તેમ આત્મા અને
શરીરાદિક પરદ્રવ્ય બંને સર્વથા ભિન્ન છે, તેમને પરસ્પર કોઈ પ્રકારનો
સંબંધ નથી.
(પ્રબોધસાર પૃ. ૧૪૪)
(અહીં સામાયિક કરનાર શ્રાવકની ભાવના તરીકે આ વર્ણન કર્યું
છે; તેથી આના કરતાં વિરુદ્ધ જેની ભાવના હોય તેને સામાયિક હોતી
નથી–એમ પણ ગર્ભિતપણે સમજી લેવું.)
*