Atmadharma magazine - Ank 111
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૦
સળંગ અંક ૧૧૧
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ દસમું, અંક ત્રીજો, વીર સં. ૨૪૭૯ પોષ (વાર્ષિક લવાજમ ૩ – ૦ – ૦)
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
પૂર્ણતાનો પંથ
હે ભાઈ! જો તારે ધર્મ કરવો હોય, પૂર્ણતા પ્રગટ કરવી હોય તો તારે
તારા આત્મસ્વભાવને અપૂર્ણ કે વિકારી માનવો પાલવશે નહિ. જો તું તારા
આત્માને અપૂર્ણ અને વિકારવાળો જ માની લઈશ તો તારા આત્મામાંથી તે
અપૂર્ણતા અને વિકાર ટળશે શી રીતે? અને પૂર્ણતા ને શુદ્ધતા આવશે ક્યાંથી?
પોતાના આત્માને અપૂર્ણ અને વિકારીપણે જ લક્ષમાં લેતાં અપૂર્ણતા અને
વિકાર ટળતા નથી, પણ આત્માના પૂર્ણ શુદ્ધ સ્વભાવને શ્રદ્ધામાં લઈને તેનું
અવલંબન કરતાં પૂર્ણતા અને શુદ્ધતા પ્રગટી જાય છે અને અપૂર્ણતા તથા
અશુદ્ધતા ટળી જાય છે. આ રીતે આત્માના શુદ્ધ પરિપૂર્ણ સ્વભાવના લક્ષે જ
પૂર્ણતાના પંથની શરૂઆત થાય છે.
–પ્રવચનમાંથી.

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુવર્ણપુરી – સમાચાર [માગસર વદ આઠમ]
માનસ્તંભ : સોનગઢમાં ૬૩ ફૂટ ઊંચા સંગેમરમરના માનસ્તંભનું જે કાર્ય ચાલી રહ્યું છે તેમાં
નીચેની ત્રણ પીઠિકાઓનું ચણતર પૂરું થતાં તેના ઉપર ભગવાનની બેઠકનો પથર–કે જેમાં હાથીઓ કોતરેલા છે
તે–સ્થાપન કરવાનું મુહૂર્ત માગસર સુદ એકમને દિવસે હતું. આ પ્રસંગે મુમુક્ષુઓને ઘણો ઉલ્લાસ હતો. પ્રથમ
પરમ પૂ. ગુરુદેવશ્રીએ માંગળિક સંભળાવ્યા બાદ પૂ. બેનશ્રી–બેનજીના પવિત્ર હસ્તે ભગવાનની બેઠકનું સ્થાપન
થયું હતું. માનસ્તંભમાં ૨૫૦ મણનો સાથીયાવાળો પત્થર ચડાવવાની તૈયારી ચાલી રહી છે.
માગસર સુદ એકમના રોજ ભાઈશ્રી શાંતિલાલ ગીરધરલાલના મકાનનું વાસ્તુ હતું; આ પ્રસંગ
નિમિત્તે તેમણે પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન પોતાને ત્યાં કરાવ્યું હતું અને જુદા જુદા ખાતામાં લગભગ એક હજાર
રૂા. વાપર્યા હતા, તેમાંથી રૂા. ૫૦૧/– શ્રી માનસ્તંભના પ્રતિષ્ઠા મહોત્સવ ખાતે આપ્યા હતા.
શ્રી કશળચંદ્રજી મહારાજનો સ્વર્ગવાસ : માગસર સુદ પાંચમના રોજ શ્રી કશળચંદજી મહારાજ ૭૩
વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. પ્રથમ તેઓ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષિત થયા હતા પરંતુ છેલ્લા પંદર
વર્ષથી પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના સત્સમાગમનો લાભ લેવા માટે તેમની સેવામાં તેઓ રહેતા હતા. તેમને
છેલ્લા આઠેક દિવસથી પેટમાં કાંઈક વ્યાધિ અચાનક થયો હતો અને માગસર સુદ પાંચમે બપોરે સાડાત્રણ વાગે
પૂ. ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં તેઓ સ્વર્ગવાસ પામ્યા હતા આ આકસ્મિક પ્રસંગથી મુમુક્ષુમંડળમાં સર્વત્ર વૈરાગ્ય
છવાઈ ગયો હતો. પૂ. ગુરુદેવશ્રી અનેકવાર વૈરાગ્યભીના ભાવે કહેતા કે જીવનમાં જેણે આત્માની દરકાર કરીને
તત્ત્વનું ચિંતન–મનન કર્યું હશે તથા વૈરાગ્યનો અભ્યાસ અને ઘૂંટણ કર્યું હશે તેને મૃત્યુ પ્રસંગે જાગૃતિપૂર્વક
સમાધિમરણ થશે. આવી અનિત્યતાના પ્રસંગ દેખીને બીજાએ ચેતવા જેવું છે.
• બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
(૧) માગસર વદ ત્રીજના દિવસે વીંછીયાના હિંમતલાલ કેશવલાલ ડગલી તથા તેમના ધર્મપત્ની
મરઘાબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે; તે માટે તેમને
ધન્યવાદ!
(૨) માગસર વદ આઠમના દિવસે ખંડવાના મોજીલાલ ઘાસીરામ પોરવાડ તથા તેમના ધર્મપત્ની
જૈનાબાઈ–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે; તે માટે તેમને
ધન્યવાદ!
પ્રવચનમાં સવારે મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર વ્યાખ્યાન થાય છે તેમાં ચોથો અધ્યાય શરૂ થયેલ છે;
બપોરે દ્રવ્યસંગ્રહ ઉપર પ્રવચનો થતા હતા તે માગસર વદ પાંચમના રોજ પૂર્ણ થયેલ છે, અને માગસર વદ
છઠ્ઠથી અનુભવપ્રકાશ ઉપર પ્રવચનો શરૂ થયેલ છે.
• કુંદકુંદપ્રભુના આચાર્યપદ – આરોહણનો મહોત્સવ
માગસર વદ આઠમના રોજ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવની આચાર્યપદવીના આરોહણનો પવિત્ર દિવસ
હતો. કુંદકુંદપ્રભુની શાસન સમ્રાટ પદવીનો વાર્ષિક મહોત્સવ સોનગઢમાં ઉત્સાહપૂર્વક ઊજવાયો હતો. સવારમાં
દેવ–ગુરુ–શાસ્ત્ર દર્શન અને કુંદકુંદપ્રભુજીનું ખાસ પૂજન કરવામાં આવ્યું હતું. પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચનમાં
કુંદકુંદાચાર્યભગવાનનો પરમ મહિમા સમજાવ્યો હતો. સોનગઢમાં સીમંધર પ્રભુજીનું સમવશરણ છે તેમાં કુંદ–
કુંદપ્રભુજી મહાવિદેહમાં પધાર્યા છે–એ દ્રશ્ય છે. તેમજ માનસ્તંભની પીઠિકાઓમાં કુંદકુંદપ્રભુજીનું વિદેહગમન
વગેરે ખાસ દ્રશ્યો કોતરવામાં આવ્યા છે; કુંદકુંદપ્રભુજીનો મહિમા સમજવા માટે એ બધું દર્શનીય છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
જિ
• • •
• • •
શા
• • •
• • •
જિનશાસને ખરેખર ક્યારે જાણ્યું કહેવાય?
જિનશાસન એટલે શું અને જિનશાસનને કોણે જાણ્યું
કહેવાય તે વાત સમયસારની પંદરમી ગાથામાં અદ્ભુત રીતે
વર્ણવી છે; તેમાં રહેલું જૈનશાસનનું અતિશય મહત્વનું રહસ્ય પૂ.
ગુરુદેવશ્રીએ આ પ્રવચનમાં ખુલ્લું કર્યું છે. દરેક જિજ્ઞાસુઓએ તેમ
જ વિદ્વાનોએ આ ગાથાનું રહસ્ય ખાસ વિચારવાયોગ્ય છે.


શુદ્ધ
આત્મા તે જિનશાસન છે; એટલે જે જીવ પોતાના શુદ્ધ આત્માને દેખે છે તે સમસ્ત જિનશાસનને
દેખે છે.–એ વાત શ્રી આચાર્યદેવ સમયસારની ૧૫મી ગાથામાં કહે છે–
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને,
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.
જૈનશાસનનો મર્મ આચાર્યદેવે આ ગાથામાં ખુલ્લો મૂક્યો છે. જે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત,
અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની
અનુભૂતિ છે; જેણે આવા શુદ્ધ આત્માને જાણ્યો તેણે સર્વ જિનશાસનને જાણ્યું. આખા જૈનશાસનનો સાર શું?–કે
પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે; શુદ્ધ આત્માના અનુભવથી વીતરાગતા થાય છે અને તે જ જૈનધર્મ
છે, જેનાથી રાગની ઉત્પત્તિ થાય તે જૈનધર્મ નથી. ‘હું બંધનવાળો અશુદ્ધ છું’–એમ જે પર્યાયદ્રષ્ટિથી પોતાના
આત્માને અશુદ્ધ જ દેખે છે તેને રાગની ઉત્પત્તિ થાય છે, અને રાગ તે જૈનશાસન નથી, તેથી જે પોતાના
આત્માને અશુદ્ધપણે જ દેખે છે પણ શુદ્ધ આત્માને દેખતો નથી તેને જૈનશાસનની ખબર નથી; આત્માને કર્મના
સંબંધવાળો જ દેખનાર જીવ જૈનશાસનની બહાર છે. જે જીવ આત્માને કર્મના સંબંધવાળો જ દેખે છે તેને
વીતરાગભાવરૂપ જૈનધર્મ થતો નથી. અંર્તસ્વભાવની દ્રષ્ટિ કરીને જે પોતાના આત્માને શુદ્ધપણે અનુભવે છે
તેને જ વીતરાગભાવ પ્રગટે છે અને તે જ જૈનધર્મ છે. માટે આચાર્યભગવાન કહે છે કે જે જીવ પોતાના
આત્માને કર્મના સંબંધરહિત એકાકાર વિજ્ઞાનઘનસ્વભાવપણે દેખે છે તે સમસ્ત જૈનશાસનને દેખે છે.
જુઓ આ જૈનશાસન! લોકો બહારમાં જૈનશાસન માની બેઠા છે, પણ જૈનશાસન તો આત્માના
શુદ્ધસ્વભાવમાં છે. ઘણા લોકોની એવી ભ્રમણા છે કે જૈનધર્મ તો કર્મપ્રધાન છે. પરંતુ અહીં તો આચાર્યદેવ સ્પષ્ટ
કહે છે કે આત્માને કર્મના સંબંધવાળો દેખવો તે ખરેખર જૈનશાસન નથી પણ આત્માને કર્મના સંબંધવગરનો
શુદ્ધ દેખવો તે જૈનશાસન છે જૈનધર્મ કર્મ પ્રધાન તો નથી પણ કર્મના નિમિત્તે જીવની પર્યાયમાં જે વિકાર થાય
તે વિકારની પ્રધાનતા પણ જૈનધર્મમાં નથી. જૈનધર્મમાં તો ધુ્રવ જ્ઞાયક પવિત્ર આત્મસ્વભાવની જ પ્રધાનતા છે;
તેની પ્રધાનતામાં જ વીતરાગતા થાય છે. વિકારની કે પરની પ્રધાનતામાં વીતરાગતા થતી નથી માટે તેની
પ્રધાનતા તે

PDF/HTML Page 5 of 21
single page version

background image
: પોષ: : ૪૩:
જૈનધર્મ નથી. જે જીવ પોતાના જ્ઞાયક પરમાત્મતત્ત્વને ન સમજે તે જીવ જૈનધર્મને પામ્યો નથી; અને જેણે
પોતાના જ્ઞાયક પરમાત્મતત્ત્વને જાણ્યું છે તે સમસ્ત જૈનશાસનના રહસ્યને પામી ચૂક્યો છે. પોતાના શુદ્ધ જ્ઞાયક
પરમ આત્મતત્ત્વની અનુભૂતિ તે નિશ્ચયથી સમગ્ર જિનશાસનની અનુભૂતિ છે. કોઈ જીવ ભલે જૈનધર્મમાં કહેલાં
નવતત્ત્વને વ્યવહારથી માનતો હોય, ભલે અગિયાર અંગને જાણતો હોય, તથા ભલે જૈનધર્મમાં કહેલી વ્રતાદિની
ક્રિયાઓ કરતો હોય, પરંતુ જો અંતરંગમાં પરદ્રવ્ય અને પરભાવોથી રહિત શુદ્ધ આત્માને તે ન જાણતો હોય તો
તે જૈનશાસનથી બહાર છે, તેણે ખરેખર જૈનશાસનને જાણ્યું જ નથી.
‘ભાવપ્રાભૃત’માં શિષ્ય પૂછે છે કે : જિનધર્મને ઉત્તમ કહ્યો તો તે ધર્મનું સ્વરૂપ શું છે? ત્યારે તેના
ઉત્તરમાં આચાર્યદેવ ધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે કે :–
पूयादिसु वयसहियं पुण्णं हि जिणेहिं सासणे भणियं।
मोहक्खोहविहीणो परिणामो अप्पणो धम्मो।।
८३।।
જિનશાસનને વિષે જિનેન્દ્રદેવે એમ કહ્યું છે કે પૂજાદિકમાં અને વ્રતસહિત હોય તેમાં તો પુણ્ય છે; અને
મોહ–ક્ષોભરહિત આત્માના પરિણામ તે ધર્મ છે.
કોઈ લૌકિક જનો તથા અન્યમતિ એમ કહે છે કે પૂજા વગેરેમાં તથા વ્રત–ક્રિયાસહિત હોય તે જૈનધર્મ
છે;–પરંતુ એમ નથી. જુઓ, જે જીવ વ્રત–પૂજા વગેરેના શુભરાગને ધર્મ માને છે તેને ‘લૌકિક જન’ અને
‘અન્યમતિ’ કહ્યો છે. જૈનમતમાં જિનેશ્વર ભગવાને વ્રત–પૂજાદિના શુભભાવને ધર્મ કહ્યો નથી, પણ આત્માના
વીતરાગભાવને જ ધર્મ કહ્યો છે. તે વીતરાગભાવ કેમ થાય? કે શુદ્ધ–આત્મસ્વભાવના અવલંબને જ
વીતરાગભાવ થાય છે; માટે જે જીવ શુદ્ધ આત્માને દેખે છે તે જ જિનશાસનને દેખે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પણ શુદ્ધ આત્માના અવલંબનથી જ પ્રગટે છે, તેથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પણ શુદ્ધ આત્માના
સેવનમાં સમાઈ જાય છે; તથા શુદ્ધ આત્માના અનુભવથી જે વીતરાગભાવ પ્રગટ્યો તેમાં અહિંસા ધર્મ પણ
આવી ગયો અને ઉત્તમ ક્ષમાદિ દસ પ્રકારનો ધર્મ પણ તેમાં આવી ગયો. આ રીતે જેટલા પ્રકારે જૈનધર્મનું કથન
છે તે બધા પ્રકારો શુદ્ધ આત્માના અનુભવમાં સમાઈ જાય છે. તેથી જે શુદ્ધાત્માની અનુભૂતિ તે સમસ્ત
જિનશાસનની અનુભૂતિ છે.
અહો! આ એક ગાથામાં કુંદકુંદાચાર્યદેવે જૈનદર્શનનું અલૌકિક રહસ્ય ગોઠવી દીધું છે, જૈનશાસનનો મર્મ
શું છે તે આ ગાથામાં બતાવ્યો છે.
આત્મા જ્ઞાનઘનસ્વભાવી છે, તે કર્મના સંબંધવગરનો છે. આવા આત્મસ્વભાવને દ્રષ્ટિમાં ન લેતાં કર્મના
સંબંધવાળી દ્રષ્ટિથી આત્માને લક્ષમાં લેવો તે રાગબુદ્ધિ છે, તેમાં રાગની–અશુદ્ધતાની–ઉત્પત્તિ થાય છે તેથી તે
જૈનશાસન નથી. ભલે શુભવિકલ્પ થાય ને પુણ્ય બંધાય, પણ તે જૈનશાસન નથી. આત્માને અસંયોગી શુદ્ધ
જ્ઞાનઘનસ્વભાવપણે દ્રષ્ટિમાં લેવો તે વીતરાગીદ્રષ્ટિ છે ને તે દ્રષ્ટિમાં વીતરાગતાની જ ઉત્પત્તિ થાય છે તેથી તે જ
જૈનશાસન છે. જેનાથી રાગની ઉત્પત્તિ થાય અને સંસારમાં રખડવાનું બને તે જૈનશાસન નથી. પણ જેના
અવલંબનથી વીતરાગતાની ઉત્પત્તિ થાય ને ભવભ્રમણ મટે તે જૈનશાસન છે.
આત્માની વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા તથા કર્મનો સંબંધ છે પણ તેના ત્રિકાળી સહજ સ્વભાવમાં
અશુદ્ધતા કે કર્મનો સંબંધ નથી, ત્રિકાળી સહજ સ્વભાવ તો એકરૂપ વિજ્ઞાનઘન છે.–આમ આત્માના બંને
પડખાંને જાણીને, ત્રિકાળી સ્વભાવના મહિમા તરફ વળીને આત્માને શુદ્ધપણે અનુભવવો તે ખરો અનેકાન્ત છે
અને તે જ જૈનશાસન છે. આવા શુદ્ધ આત્માની અનુભૂતિ તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
હું વિકારી અને કર્મના સંબંધવાળો છું–એમ પર્યાયદ્રષ્ટિથી આત્માને લક્ષમાં લેવો તે તો રાગની ઉત્પત્તિનું
કારણ છે અને જો તેના આશ્રયે લાભ માને તો મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. માટે આત્માને કર્મના સંબંધવાળો
ને વિકારી દેખવો તે જિનશાસન નથી; બીજી રીતે કહીએ તો આત્માને પર્યાયબુદ્ધિથી જ જોનાર જીવ મિથ્યાદ્રષ્ટિ
છે. પર્યાયમાં વિકાર હોવા છતાં તેને મહત્વ ન આપતાં, દ્રવ્ય–દ્રષ્ટિથી શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે
સમ્યગ્દર્શન અને જૈનશાસન છે. અંતરમાં જ્ઞાનરૂપ ભાવશ્રુત અને બાહ્યમાં ભગવાનની વાણીરૂપ દ્રવ્યશ્રુત–તે
બધાનો સાર એ છે કે જ્ઞાનને અંર્તસ્વભાવમાં વાળીને આત્માને શુદ્ધ અબદ્ધસ્પૃષ્ટ દેખવો. જે એવા આત્માને
દેખે તેણે જ જૈનશાસનને જાણ્યું છે અને તેણે જ સર્વ ભાવશ્રુતજ્ઞાન તથા દ્રવ્યશ્રુત–જ્ઞાનને જાણ્યું છે. જુદા જુદા
અનેક શાસ્ત્રોમાં અનેક પ્રકારની

PDF/HTML Page 6 of 21
single page version

background image
: ૪૪ : આત્મધર્મ: ૧૧૧
શૈલીથી કથન કર્યું હોય પણ તે બધાય શાસ્ત્રોનું મૂળ તાત્પર્ય તો પર્યાયબુદ્ધિ છોડાવીને આવો શુદ્ધ આત્મા જ
બતાવવાનું છે. ભગવાનની વાણીનાં જેટલાં કથન છે તે બધાનો સાર એ છે કે શુદ્ધ આત્માને જાણીને તેનો
આશ્રય કરવો. જે જીવ એવા શુદ્ધ આત્માને ન જાણે તે બીજાં ગમે તેટલાં શાસ્ત્રો જાણતો હોય ને વ્રતાદિ પાળતો
હોય તોપણ તેણે જૈનશાસનને જાણ્યું નથી.
જૈનશાસનમાં કહેલો આત્મા જ્યાં વિકાર વગરનો અને કર્મના પણ સંબંધ વગરનો છે તો પછી આ સ્થૂળ
શરીરના આકારવાળો તો તે ક્યાંથી હોય? આવા આત્માને જે જાણતો નથી અને જડ શરીરના આકારથી
આત્માને ઓળખે છે તેણે જૈનશાસનના આત્માને જાણ્યો નથી. ખરેખર ભગવાનની વાણી કેવો આત્મા
દેખાડવામાં નિમિત્ત છે?–અબદ્ધસ્પૃષ્ટ એકરૂપ શુદ્ધ આત્માને ભગવાનની વાણી દેખાડે છે; એવા આત્માને જે
સમજે છે તે જ જિનવાણીને ખરેખર સમજ્યો છે. જે એવા અબદ્ધસ્પૃષ્ટ ભૂતાર્થ આત્મસ્વભાવને ન સમજે તે
જિનવાણીને સમજ્યો નથી. કોઈ એમ કહે કે હું ભગવાનની વાણીને સમજ્યો છું પણ તેમાં કહેલા ભાવને (–
અબદ્ધસ્પૃષ્ટ શુદ્ધ આત્મસ્વભાવને) સમજ્યો નથી,–તો આચાર્યદેવ કહે છે કે ખરેખર તે જીવ ભગવાનની વાણીને
પણ સમજ્યો નથી ને ભગવાનની વાણી સાથે ધર્મનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ તેને પ્રગટ્યો નથી. પોતે પોતાના
આત્મામાં શુદ્ધઆત્માના અનુભવરૂપ નૈમિત્તિકભાવ પ્રગટ ન કર્યો તેને ભગવાનની વાણી ધર્મનું નિમિત્ત પણ ન
થઈ, તેથી ખરેખર તે ભગવાનની વાણીને સમજ્યો જ નથી. ભગવાનની વાણીને સમજ્યો એમ ક્યારે કહેવાય?
–કે ભગવાનની વાણીમાં જેવો કહ્યો તેવો ભાવ પોતામાં પ્રગટ કરે તો જ તે ભગવાનની વાણીને સમજ્યો છે ને
તે જ જિનશાસનમાં આવ્યો છે. જે જીવ એવા આત્માને ન જાણે તે જૈનશાસનની બહાર છે.
બહારમાં જડ શરીરની ક્રિયાને આત્મા કરે અને તેની ક્રિયાથી આત્માને ધર્મ થાય–એમ જે દેખે છે
(અર્થાત્ માને છે) તેને તો જૈનશાસનની ગંધ પણ નથી. તથા કર્મને લીધે આત્માને વિકાર થાય કે
વિકારભાવથી આત્માને ધર્મ થાય–એ વાત પણ જૈનશાસનમાં નથી. આત્મા શુદ્ધ વિજ્ઞાનઘન છે, તે બહારમાં
શરીરાદિની ક્રિયાને તો કરતો નથી, શરીરની ક્રિયાથી તેને ધર્મ થતો નથી, કર્મ તેને વિકાર કરાવતું નથી તેમ જ
શુભ–અશુભ વિકારી ભાવથી તેને ધર્મ થતો નથી. પોતાના શુદ્ધ વિજ્ઞાનઘન સ્વભાવના આશ્રયે જ તેને
વીતરાગભાવરૂપ ધર્મ થાય છે. જે જીવ આવા આત્માને અંતરમાં નથી દેખતો, અને કર્મના નિમિત્તે આત્માની
અવસ્થામાં થતા ક્ષણિક વિકાર જેટલો જ આત્માને દેખે છે તે પણ જનશાસનને દેખતો નથી; કર્મ સાથે નિમિત્ત–
નૈમિત્તિક સંબંધ વગરનો જે સહજ એકરૂપ શુદ્ધજ્ઞાનસ્વભાવી આત્મા છે તેને શુદ્ધનયથી જે જીવ દેખે છે તેણે જ
જૈનશાસનને દેખ્યું છે અને તે જ સર્વ શાસ્ત્રોના સારને સમજ્યો છે.
(૧) જૈનશાસનમાં કર્મ સાથેના નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું જ્ઞાન તો કરાવે છે પરંતુ જીવને ત્યાં જ રોકી
રાખવાનું તેનું પ્રયોજન નથી, પણ તે નિમિત્ત–નૈમિત્તિક સંબંધની દ્રષ્ટિ તોડાવીને અસંયોગી આત્મસ્વભાવની
દ્રષ્ટિ કરાવે છે. માટે કહ્યું કે જે જીવ કર્મના સંબંધરહિત આત્માને દેખે છે તે સર્વ જૈનશાસનને દેખે છે.
(૨) મનુષ્ય, દેવ વગેરે પર્યાયોથી જોતાં અન્ય–અન્યપણું હોવા છતાં આત્માને તેના જ્ઞાયકસ્વભાવથી
એકાકાર–સ્વરૂપે દેખવો તે જ જૈનશાસનનો સાર છે. પર્યાયદ્રષ્ટિએ આત્મામાં અનેરા–અનેરાપણું થાય છે
ખરું, અને શાસ્ત્રમાં તેનું પણ જ્ઞાન કરાવે છે, પરંતુ તે પર્યાય જેટલો જ આત્મા બતાવવાનો જૈનશાસ્ત્રોનો
આશય નથી, પણ એકરૂપ જ્ઞાયકબિંબ આત્મા બતાવવો તે શાસ્ત્રોનો સાર છે અને એવા આત્માના
અનુભવથી જ સમ્યગ્જ્ઞાન થાય છે. જેણે આવા આત્માનો અનુભવ કર્યો તેણે દ્રવ્યશ્રુતરૂપ તેમ જ
ભાવશ્રુતરૂપ જૈનશાસનને જાણ્યું.
(૩) આત્માની અવસ્થામાં જ્ઞાન–દર્શન–વીર્ય વગેરેનું ઓછા વધતાપણું થાય છે, પણ ધુ્રવસ્વભાવથી
જોતાં આત્મા હીનાધિકતારહિત એકરૂપ નિશ્ચલ છે. પર્યાયની હીનાધિકતાના પ્રકારોનું શાસ્ત્રે જ્ઞાન કરાવ્યું છે
પણ તેમાં જ અટકાવવાનો શાસ્ત્રનો આશય નથી, કેમકે પર્યાયની અનેકતાના આશ્રયે રોકાતાં એકરૂપ શુદ્ધ
આત્માનું સ્વરૂપ અનુભવમાં આવતું નથી. શાસ્ત્રોનો આશય તો પર્યાયનો આશ્રય છોડાવીને નિયત–એકરૂપ
ધુ્રવ આત્મસ્વભાવનું અવલંબન કરાવવાનો છે, તેના અવલંબનથી જ મોક્ષમાર્ગ સધાય છે. એવા
આત્મસ્વભાવનું અવલંબન લઈને અનુભવ કરવો તે જૈનશાસનનો અનુભવ છે. પર્યાયના અનેક ભેદોની દ્રષ્ટિ
છોડીને અભેદદ્રષ્ટિથી શુદ્ધ આત્માનો અનુભવ કરવો–તે શાસ્ત્રોનો અભિપ્રાય છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: પોષ: ૨૪૭૯ : ૪૫:
(૪) ભગવાનના શાસ્ત્રમાં જ્ઞાન–દર્શન–ચારિત્ર ઈત્યાદિ ગુણભેદથી આત્માનું કથન કર્યું છે, પણ ત્યાં તે
ભેદના વિકલ્પમાં જીવને રોકવાનો શાસ્ત્રનો આશય નથી; ભેદનું અવલંબન છોડાવીને અભેદ આત્મસ્વભાવ
બતાવવો તે જ શાસ્ત્રોનો આશય છે. ભેદના આશ્રયે તો રાગની ઉત્પત્તિ થાય છે ને રાગ તે જૈનશાસન નથી;
માટે જે જીવ ભેદના લક્ષે થતા વિકલ્પથી લાભ માનીને તેના આશ્રયમાં રોકાય ને આત્માના અભેદ સ્વભાવનો
અનુભવ ન કરે તો તે જૈનશાસનને જાણતો નથી. અનંત ગુણથી અભેદ આત્મામાં ભેદનો વિકલ્પ છોડીને,
અભેદસ્વરૂપે તેને લક્ષમાં લઈને તેના વલણમાં એકાગ્ર થવાથી નિર્વિકલ્પતા થાય છે, આ જ બધા તીર્થંકરોની
વાણીનો સાર છે ને આ જ જનશાસન છે.
(પ) આત્મા ક્ષણિક વિકારથી અસંયુક્ત છે; તેની અવસ્થામાં ક્ષણિક રાગાદિભાવ થાય છે પણ તેનો
અનુભવ કરવો તે જૈનશાસન નથી. સ્વભાવદ્રષ્ટિથી જોતાં આત્મામાં વિકાર છે જ નહિ. ક્ષણિક વિકારથી
અસંયુક્ત એવા શુદ્ધ ચૈતન્ય–ઘનસ્વરૂપે આત્માને અનુભવવો તે જ અનંતા સર્વજ્ઞ અરિહંતપરમાત્માઓનું હાર્દ
અને સંતોનું હૃદય છે; બાર અંગ ને ચૌદપૂર્વની રચનામાં જે કાંઈ કહ્યું છે તેનો સાર એ જ છે. નિમિત્ત, રાગ કે
ભેદનાં કથનો ભલે હોય, તેનું જ્ઞાન પણ ભલે હો, પરંતુ એ બધાને જાણીને કરવું શું?... કે પોતાના આત્માને
પરદ્રવ્યો અને પરભાવોથી ભિન્ન અભેદ જ્ઞાનસ્વભાવે અનુભવવો, એવા આત્માના અનુભવથી જ પર્યાયમાં
શુદ્ધતા થાય છે. જે જીવ એ પ્રમાણે શુદ્ધ આત્માને દ્રષ્ટિમાં લઈને અનુભવે તે જ સર્વ સંતોના હૃદયને અને
શાસ્ત્રોના રહસ્યને સમજ્યો છે.
જુઓ, આ શુદ્ધ આત્માના અનુભવની વીતરાગી વાર્તા! વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર સિવાય આવી વાત
કોણ કરી શકે? વીતરાગી અનુભવની આવી વાર્તા સાંભળવા જે જીવ પ્રેમથી ઊભો છે તેને જૈનશાસનના દેવ–
ગુરુ–શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા છે તેમ જ તેમના વિનય અને બહુમાનનો શુભરાગ પણ છે, પરંતુ તે કાંઈ જૈનદર્શનનો
સાર નથી, તે તો બહિર્મુખ રાગભાવ છે. અંતરમાં સ્વસન્મુખ થઈને દેવ–ગુરુ–શાસ્ત્રે જેવો કહ્યો તેવા આત્માનો
રાગરહિત અનુભવ કરવો તે જ જૈનશાસનનો સાર છે.
જુઓ, આ અપૂર્વ કલ્યાણની વાત છે. આ કોઈ સાધારણ વાત નથી, પણ જે સમજતાં અનાદિકાળના
ભવભ્રમણનો અંત આવી જાય–એવી આ વાત છે. આત્માની દરકાર કરીને આ વાત સમજવા જેવી છે. બહારની
ક્રિયાથી અને પુણ્યથી આત્માને લાભ થાય–એમ માનવાની વાત તો ઘણી દૂર રહી, અહીં તો કહે છે કે હે જીવ! તું
એ બહારની ક્રિયાને ન જો, પુણ્યને પણ ન જો, પણ અંતરમાં જ્ઞાનમૂર્તિ આત્માને જો. ‘પુણ્ય તે હું છું’–એવી દ્રષ્ટિ
કાઢિ નાંખ, ને ‘હું જ્ઞાયકભાવ છું’–એવી દ્રષ્ટિ કર. દેહાદિ બહારની ક્રિયાથી તેમ જ પુણ્યથી પણ પાર એવા
જ્ઞાયક–સ્વભાવી આત્માને અંતરમાં અવલોકવો તે જ જૈનદર્શન છે. એ સિવાય વ્રત અને પૂજાદિકને લોકો
જૈનદર્શન કહે છે પણ તે ખરેખર જૈનદર્શન નથી. વ્રત ને પૂજાદિકમાં તો ફક્ત શુભરાગ છે ને જૈનધર્મ તો
વીતરાગભાવસ્વરૂપ છે.
પ્રશ્ન:– આવો જૈનધર્મ કર્યો કેટલાએ?
ઉત્તર:– અરે ભાઈ! તારે તારું કરવું છે કે બીજાનું? પહેલાંં તું પોતે તો પોતાના આત્મામાં સમજ, અને
જૈન થા, પછી તને બીજાની ખબર પડશે. પોતે પોતાના આત્માને સમજીને હિત કરી લેવા માટેની આ વાત છે.
બાકી આવા વીતરાગી જૈનધર્મનું સેવન કરી કરીને જ પૂર્વે અનંતા જીવો મુક્તિ પામ્યા છે; અત્યારે દુનિયામાં
અસંખ્ય જીવો આવો ધર્મ સેવી રહ્યા છે; મહાવિદેહ ક્ષેત્રમાં તો આવા ધર્મની ધીકતી પેઢી ચાલી રહી છે, ત્યાં
તીર્થંકરો સાક્ષાત્ વિચરે છે. તેમની ધ્વનિમાં આવા ધર્મનો ધોધ વહે છે, ગણધરો તે ઝીલે છે, ઈન્દ્રો તેને આદરે
છે, ચક્રવર્તી વગેરે તેનું સેવન કરે છે; તેમ જ ભવિષ્યમાં પણ અનંત જીવો આવો ધર્મ પ્રગટ કરીને મુક્તિ પામશે.
પણ તેમાં પોતાને શું? પોતાને તો પોતાના આત્મામાં જોવાનું છે. બીજા જીવો મુક્તિ પામે તેથી કાંઈ આ જીવનું
હિત થઈ જતું નથી અને બીજા જીવો સંસારમાં રખડે તેથી કાંઈ આ જીવનું હિત અટકતું નથી. પોતે જ્યારે
પોતાના આત્માને સમજે ત્યારે પોતાનું હિત થાય છે. એ રીતે પોતાના આત્માને માટેની આ વાત છે, બાકી આ
તત્ત્વ તો ત્રણેકાળે દુર્લભ છે ને તે સમજનારા જીવો પણ વિરલા જ હોય છે. માટે પોતે સમજીને પોતાના
આત્માનું હિત સાધી લેવું.
–શ્રી સમયસાર ગા. ૧૫ ઉપર
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: ૪૬: આત્મધર્મ: ૧૧૧
‘આત્મા કોણ છે
ને કઈ રીતે પમાય?’
[૧૩]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીના
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
(અંક ૧૦૯ થી ચાલુ)
• ‘પ્રભો! આ આત્મા કોણ છે અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે’–એમ જિજ્ઞાસુ
શિષ્ય પૂછે છે.
• તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવ કહે છે કે ‘આત્મા અનંત ધર્મોવાળું એક
દ્રવ્ય છે અને અનંત નયાત્મક શ્રુતજ્ઞાન–પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે તે
જણાય છે.
• આવા આત્મદ્રવ્યનું ૪૭ નયોથી વર્ણન કર્યું છે, તેમાંથી ૨૩ નયો ઉપરના
પ્રવચનો અત્યાર સુધીમાં આવી ગયા છે, ત્યારપછી આગળ અહીં
આપવામાં આવે છે.
(૨૪) જ્ઞાનજ્ઞેય–અદ્વૈતનયે આત્માનું વર્ણન
આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે; જ્ઞાન અને જ્ઞેયના અદ્વૈતરૂપ નયે જોતાં તે આત્મદ્રવ્ય, મોટા
ઇંધનસમૂહરૂપે પરિણત અગ્નિની માફક, એક છે.
જિજ્ઞાસુ શિષ્યે પૂછયું હતું કે પ્રભો! આ આત્મા કેવો છે? તેનું સ્વરૂપ શું છે? તેનો આ ઉત્તર ચાલે છે.
આત્મા ચૈતન્યસ્વરૂપ વસ્તુ છે, તેનામાં અનંત ધર્મો છે. ખરેખર આત્મા પોતે પોતામાં છે ને પર પરમાં છે,
આત્મામાં પર પદાર્થો આવી જતા નથી; પરંતુ આત્માનો જ્ઞાનસ્વભાવ એવો વિશાળ છે કે તેમાં બધાય જ્ઞેયો
જણાય છે. જેમ અગ્નિના મોટા ભડકામાં અનેક જાતના લાકડા વગેરે બળતાં હોય ત્યાં અગ્નિનો એક મોટો ભડકો
જ દેખાય છે. તેમ આત્માની જ્ઞાનજ્યોતિનું એવું મોટું સામર્થ્ય છે કે બધા જ્ઞેયોને તે જાણી લ્યે છે, તે અપેક્ષાએ
જ્ઞાન જાણે કે બધા જ્ઞેયો સાથે અદ્વૈત હોય! –એમ કહ્યું છે. એકલું જ્ઞાન જાણે પોતે અનંત પદાર્થોપણે થતું હોય–
એમ બધા જ્ઞેયોને જાણવાને તેનો સ્વભાવ છે. આ સ્વભાવ કોઈ નિમિત્તોને લીધે કે રાગને લીધે નથી, જગતમાં
કેવળી ભગવાન વગેરે છે માટે આ આત્મામાં તેનું જ્ઞાન કરવાનો ધર્મ છે–એમ નથી. જ્ઞાન કરવાનો ધર્મ તો
પોતાના કારણે છે ને જ્ઞેયો તેમના કારણે છે, કોઈના કારણે કોઈ નથી.
જ્ઞાન અને જ્ઞેયપદાર્થો કદી એકમેક થઈ જતા નથી, પણ જ્ઞાનસ્વભાવી આત્મામાં એક એવો સ્વ–
પરપ્રકાશકધર્મ છે કે લોકાલોકના સમસ્ત જ્ઞેયો જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયાં હોય–એમ જણાય છે. પહેલાંં
૨૦૦મી ગાથામાં પણ કહ્યું હતું કે ‘એક જ્ઞાયકભાવનો સર્વ જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા,
અનંત, ભૂત–વર્તમાન–ભાવી વિચિત્ર પર્યાયસમૂહવાળાં, અગાધસ્વભાવ અને ગંભીર એવાં સમસ્ત દ્રવ્યમાત્રને–
જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં

PDF/HTML Page 9 of 21
single page version

background image
: પોષ : ૨૪૭૯ : ૪૭:
કોતરાઈ ગયાં હોય...ચીતરાઈ ગયાં હોય...દટાઈ ગયાં હોય...ખોડાઈ ગયાં હોય...ડૂબી ગયાં હોય...સમાઈ ગયાં
હોય...પ્રતિબિંબિત થયાં હોય એમ એક ક્ષણમાં જ શુદ્ધ આત્મા પ્રત્યક્ષ કરે છે.’ આવા જ્ઞેયજ્ઞાયક સંબંધને લીધે જ્ઞાન
અને જ્ઞેયો જાણે કે એકમેક હોય–એમ પ્રતિભાસે છે; તોપણ આત્મા પોતાના જ્ઞાનસ્વભાવની એકતાને છોડીને પર
જ્ઞેયો સાથે એકમેક થઈ ગયો નથી. જ્ઞાનની જ એવી વિશેષતા છે કે જ્ઞેયો તેમાં જણાય છે, પણ કાંઈ જ્ઞેયોને લીધે
જ્ઞાન થતું નથી. ભગવાનની વાણી હતી માટે તેને લીધે આત્માને જ્ઞાન થયું–એમ નથી, સામે સાક્ષાત્ તીર્થંકર
ભગવાન કે તેમની પ્રતિમા બિરાજતા હતા માટે તે જ્ઞેયને લીધે જ્ઞાન થયું–એમ નથી, સમ્મેદશિખરજી કે ગિરનારજી
તીર્થં હતા માટે તે જ્ઞેયને લીધે તેનું જ્ઞાન થયું–એમ નથી; તેમ જ તે તે પ્રકારના જ્ઞેયોનું જ્ઞાન આત્મામાં નથી થતું–
એમ પણ નથી. આત્માનો પોતાનો જ જાણવાનો સ્વભાવ છે તેથી તે જાણવારૂપે પરિણમે છે, ત્યાં સ્વપરપ્રકાશક
સ્વભાવને લીધે પરજ્ઞેયો જ્ઞાનમાં જણાતાં, આત્મા તે જ્ઞેયોની સાથે જાણે કે એક થઈ ગયો હોય–એમ જ્ઞાન અને
જ્ઞેયના અદ્વૈતનયથી ભાસે છે, આવો પણ આત્માનો એક ધર્મ છે. આ ધર્મથી જુએ તોપણ અનંતધર્મવાળો
શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા જ અંતરમાં દેખાય છે. આવો ચૈતન્યસ્વભાવ ખ્યાલમાં લીધા વિના શ્રદ્ધા–જ્ઞાન સાચા થાય
નહિ, અને સાચા શ્રદ્ધા–જ્ઞાન થયા વિના ગમે તેટલા દયા વગેરેના શુભભાવ કરે તોપણ તેનાથી જીવનું કાંઈપણ
હિત થાય નહિ; શુભભાવથી સંસારમાં સંયોગની પ્રાપ્તિ થાય, પણ સ્વભાવની પ્રાપ્તિ ન થાય, મુક્તિ ન થાય.
આત્માનો સ્વભાવ શું?..... કે જ્ઞાન. જ્ઞાન સિવાય આ જડ શરીર–મન–વાણીને લક્ષમાંથી છોડી દ્યો ને
અંદરની શુભ–અશુભ લાગણીને પણ લક્ષમાંથી છોડી દ્યો, તે બધાથી પાર અંતરમાં એકલા જ્ઞાનને લક્ષમાં લ્યો,
તે જ્ઞાનસ્વભાવી આત્મા છે. આવો આત્મા ખરેખર પરજ્ઞેયોથી જુદો છે, પણ તેના જ્ઞાનમાં પરજ્ઞેયો જણાય છે
તેથી જ્ઞાન અને જ્ઞેયનું અદ્વૈત હોય એમ કહેવાય છે. જેમ છાણાં–લાકડાં વગેરે અનેક પ્રકારના ઇંધનને બાળનારો
મોટો અગ્નિ એક જ લાગે છે, તેમાં છાણાં લાકડાં વગેરે જુદા દેખાતા નથી, તેમ જાણનાર સ્વભાવ વડે આત્મા
પોતે પોતાના જ્ઞાનમાં પરિણત થઈને અનંત જ્ઞેયપદાર્થોના જ્ઞાનરૂપે પરિણમે છે, ત્યાં જાણે કે બધા
જ્ઞેયપદાર્થોપણે એક જ્ઞાન જ પરિણમી ગયું હોય–એમ જ્ઞાનજ્ઞેયના અદ્વૈતનયે પ્રતિભાસે છે. જુઓ, અહીં જ્ઞાન
અને જ્ઞેયનું એકપણું સાબિત નથી કરવું, પણ જ્ઞાનસામર્થ્યમાં બધા જ્ઞેયો જણાય છે–એમ સાબિત કરીને
આત્માનો જ્ઞાનસ્વભાવ ઓળખાવવો છે. પરજ્ઞેયો તો ત્રણેકાળે પરમાં જ રહે છે પણ જ્ઞાનમાં જણવાની
અપેક્ષાએ તેમને જ્ઞાન સાથે અદ્વૈત કહીને જ્ઞાનનું સામાર્થ્ય જણાવ્યું છે. અનંતા સિદ્ધો વગેરે જ્ઞેયો છે તેમને લીધે
અહીં તેનું જ્ઞાન થાય છે એમ નથી, પણ જ્ઞાનનું જ એવું દિવ્ય સામર્થ્ય છે તેથી જ્ઞાન પોતે જ તેવા જ્ઞેયોના
પ્રતિભાસરૂપે પરિણમે છે, જ્ઞાનની જ એવી મોટાઈ છે કે સમસ્ત જ્ઞેયોના જ્ઞાનપણે પોતે એક જ ભાસે છે.
જેમ અગ્નિનો એવો સ્વભાવ છે કે રૂના મોટા મોટા લાખો ધોકડાં તેમ જ લાકડાના ગંજને બાળીને પોતે
ભડકારૂપે પરિણમી જાય, તેમ જ્ઞાનનો સ્વભાવ એવો છે કે એક ક્ષણમાં સમસ્ત દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવને
જાણવારૂપે પરિણમી જાય છે. અરીસો તો સ્થૂળ વસ્તુ છે, તેમાં બહુ દૂરની, ભૂત–ભવિષ્યની કે પાછળની વસ્તુઓ
જણાતી નથી, અરીસો પોતે જડ વસ્તુ છે, તે કાંઈ જાણતો નથી; પરંતુ જ્ઞાનનો સ્વભાવ તો બધું ય જાણવાનો છે,
દૂરનું તેમ જ ભૂત–ભવિષ્યનું બધું જ્ઞાન જાણે છે. જ્ઞાન પોતાની સન્મુખ રહીને બધાને જાણી લેવાના
સ્વભાવવાળું છે.
વસ્તુનો સ્વભાવ શું છે તે ઓળખવું જોઈએ. જુઓ, મોટા ઊછળતા સમુદ્રમાં લાખો મણની સ્ટીમર તરે
છે તેમ જ લાકડાની ઝીણી કટકી પણ તરે છે. લાખ મણ વજનનું હોય તોપણ લાકડું પાણીમાં તરે છે, ને
પાઈભાર લોઢું પણ પાણીમાં ડૂબી જાય છે, તેનું કારણ?–કે એવો જ એ પદાર્થોનો સ્વભાવ છે. તેના તે
સ્વભાવને જાણ્યો કોણે? કોઈ ઈન્દ્રિયોથી તે સ્વભાવ જાણાતો નથી, પણ જ્ઞાનથી જ તે જણાય છે. બીજાના
સ્વભાવને પણ જ્ઞાન જાણે છે એટલે જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે. પણ અજ્ઞાનીને પોતાના જ્ઞાન–સ્વભાવની
ખબર નથી, તેને પરનો મહિમા ભાસે છે પણ પરને જાણનાર પોતાનું જ્ઞાન છે તેનો તેને મહિમા આવતો નથી.
જો જ્ઞાનની મહત્તા ભાસે તો તો સંસારસમુદ્રથી તરી જાય, કેમ કે જ્ઞાનનો તરવાનો સ્વભાવ છે.
અનંતા
જ્ઞેયોથી ઊછળતા સમુદ્રની મધ્યમાં પડવા છતાં મારા જ્ઞાનનો સ્વભાવ તેમનાથી ભિન્ન રહીને તરવાનો છે, મારા
જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે પણ ક્યાંય પરમાં અહંપણું કરીને અટકે

PDF/HTML Page 10 of 21
single page version

background image
: ૪૮: આત્મધર્મ: ૧૧૧
એવો મારા જ્ઞાનનો સ્વભાવ નથી. બધાય જ્ઞેયોના જ્ઞાનપણે પરિણમવા છતાં તે જ્ઞેયોથી જુદો ને જુદો રહે–એવો મારો
સ્વભાવ છે.–આમ જો પોતાના જ્ઞાનસ્વભાવની પ્રતીત કરે તો સમ્યગ્દર્શન થાય અને ભવસમુદ્રથી તે જીવ તરી જાય.
આત્માનો જાણવાનો સ્વભાવ છે તો તે કોને ન જાણે? જેનો જાણવાનો સ્વભાવ હોય તે પૂરું જ જાણે,
તેના જ્ઞાનસામર્થ્યમાં મર્યાદા ન હોય. અધૂરું જાણે તો તેના પરિણમનની કચાશ છે, પણ સ્વભાવસામર્થ્યમાં
કચાશ નથી. આ વાત સાધક જીવને માટે છે કેમ કે નયો સાધકને જ હોય છે. પોતાની પર્યાયમાં કચાશ હોવા
છતાં સાધક જીવ અંતર્મુખદ્રષ્ટિ વડે પોતાના પરિપૂર્ણ સ્વભાવને પ્રતીતમાં લ્યે છે.
આત્માનો સ્વભાવ બધાને જાણવાનો છે, પણ કોઈ પરને પોતાનું કરે એવો તેનો સ્વભાવ નથી;
જગતમાં નરક વગેરે બીજા જીવોના દુઃખની તેને ખબર પડે પણ તેના જ્ઞાન ભેગું કાંઈ તે જીવોના દુઃખનું વેદન
પોતાને થતું નથી. જેમ કોઈને વીંછી કરડયો હોય ત્યાં તેને કેવું દુઃખ થાય છે તે બીજા માણસો જાણે છે, પણ તે
જોનારા માણસોને કાંઈ તેવા દુઃખનું વેદન થતું નથી; તેમ બધા પદાર્થોને જાણવામાં ક્યાંય રાગ–દ્વેષ કરવાનું
આત્માનું સ્વરૂપ નથી.
અજ્ઞાની માને છે કે મારે અમુક વસ્તુ વગર ચાલતું નથી; પણ જ્ઞાની તેને સમજાવે છે કે અરે ભાઈ! તું
તો જ્ઞાન છો, તેં તારા જ્ઞાન સિવાયના પરપદાર્થો વિના જ આનાદિથી ચલાવ્યું છે; બધા આત્માને પર વસ્તુ
વિના જ ચાલી રહ્યું છે, પણ જ્ઞાન વગર એક ક્ષણ પણ ચાલતું નથી. જો જ્ઞાન ન હોય તો આત્માનો જ અભાવ
થઈ જાય. પર્યાયમાં અલ્પ રાગ–દ્વેષ થતા હોવા છતાં ‘હું તો જ્ઞાન છું’ –એમ જેણે નક્કી કર્યું તે જીવ આરાધક
થયો, હવે જ્ઞાનમાં એકાગ્રતાના જોરે વચ્ચેથી બાધકભાવ તો નીકળી જવાનો છે ને જ્ઞાન પૂરું ખીલી જવાનું છે.
અજ્ઞાની લોકો તો બહારમાં જ ‘મારે આ ખપે ને આ ન ખપે’–એમ પરદ્રવ્યના અભિમાનમાં રોકાઈ
ગયા છે, પણ અંતરમાં ‘હું જ્ઞાન છું’ એની તેને ખબર નથી. જ્ઞાની તો જાણે છે કે હું જ્ઞાનસ્વભાવ છું, મારે જ્ઞાન
કરવા માટે જ્ઞેય તરીકે બધા પદાર્થો ખપે છે, પણ કોઈ પણ પર જ્ઞેય મારામાં ખપતું નથી; મારા જ્ઞાનસામર્થ્યમાં
બધાય પદાર્થો જ્ઞેય તરીકે ભલે જણાય, પણ કોઈ પણ પરજ્ઞેયને મારાપણે હું સ્વીકારતો નથી. અરે જીવ!
એકવાર પ્રતીત તો કર કે મારો જ્ઞાનસ્વભાવ છે, મારામાં બધાને જાણી લેવાનું સામર્થ્ય છે, પર જ્ઞેયોના
અવલંબન વગર મારા સ્વભાવના અવલંબનથી જ સમસ્ત લોકાલોકનો હું જ્ઞાયક છું.–આવા જ્ઞાયકપણાની
પ્રતીત કરે તો આખા જગતથી ઉદાસીનતા થઈને જ્ઞાન અંતરમાં ઠરી જાય.
લોકાલોકને લઈને જીવને તેનું જ્ઞાન થાય છે એમ નથી, જો લોકાલોકને લીધે તેનું જ્ઞાન થતું હોય તો
બધા જીવોને લોકાલોકનું જ્ઞાન થઈ જવું જોઈએ કેમ કે લોકાલોક તો સદાય છે; માટે જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી
જ જ્ઞાન થાય છે. આવા નિજસ્વભાવની પ્રતીત કરીને તે જ્ઞાન સ્વભાવની એકની ભાવનામાં જ વ્રતાદિ બધું
સમાઈ જાય છે. બાર ભાવના તે વ્યવહારથી છે, ખરેખર બારે ભાવનાનો આધાર તો આત્મા છે; આત્માના
આશ્રયે સાચી બાર ભાવના છે, બાર પ્રકારના ભેદ ઉપરના લક્ષે તો વિકલ્પ થાય છે. માટે કોઈ પણ નયથી
આત્માના ધર્મનું વર્ણન કર્યું હોય, પણ તે ધર્મદ્વારા ધર્મી એવા અખંડ આત્માને દ્રષ્ટિમાં લઈને તેનું અવલંબન
કરવું એ જ તાત્પર્ય છે. અહીં ૨૪મા જ્ઞાનજ્ઞેય–અદ્વૈતનયથી આત્માનું વર્ણન પૂરું થયું

(૨૫) જ્ઞાનજ્ઞેય–દ્વૈતનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેય દ્વૈત નયે, પરનાં પ્રતિબિંબોથી સંપૃક્ત દર્પણની માફક, અનેક છે. જેમાં અનેક ચીજોનું
પ્રતિબિંબ ઝળકતું હોય એવો અરીસો પોતે અનેકરૂપ થયો છે તેમ જ્ઞાનમાં અનેક પ્રકારના પર જ્ઞેયો ઝળકે છે–
જણાય છે, ત્યાં જ્ઞાન પોતાના સ્વભાવથી જ એવી અનેકતારૂપ પરિણમ્યું છે, પરજ્ઞેયો કાંઈ જ્ઞાનમાં નથી પેઠા.
આખો ભગવાન આત્મા અનંત ધર્મનો ઘણી તે પ્રમાણ–જ્ઞાનનો વિષય છે; ને તે પ્રમાણજ્ઞાનના કિરણ વડે
તેનો એકેક ધર્મ જણાય છે. પ્રમાણપૂર્વક જ નય હોય છે. તેમાંથી અહીં ૨૫મા નયથી આત્માનું વર્ણન ચાલે છે.
પહેલાંં જ્ઞાનજ્ઞેયના અદ્વૈતનયથી આત્માને એક કહ્યો, તેમાં પણ આત્મા પરથી તો જુદો જ છે, ને અહીં જ્ઞાન–
જ્ઞેયના દ્વૈતનયથી આત્માને અનેક કહ્યો, તેમાં પણ પરથી તો જુદો જ છે. એકપણે તેમ જ અનેકપણે ભાસે એવો
આત્માનો જ સ્વભાવ છે. આત્મામાં તે બંને ધર્મો એકસાથે જ છે. આત્માનું એકપણું જોનાર નય હો કે અનેકપણું
જોનાર નય હો–તે બધા નયો આત્માને જ તે તે ધર્મની

PDF/HTML Page 11 of 21
single page version

background image
: પોષ: ૨૪૭૯ : ૪૯ :
મુખ્યતાથી દેખે છે, પણ પરને લીધે આત્માનો ધર્મ છે–એમ તે માનતા નથી. એકપણું તથા અનેકપણું એ બંનેને
પરસ્પર વિરોધ છે, પણ પ્રમાણજ્ઞાન તે વિરોધને ટાળીને આત્મસ્વભાવને સિદ્ધ કરે છે.
જેમ અરીસામાં મોર, સોનું, આંબા, જાંબુડા, લીમડા વગેરે અનેક પદાર્થોનું પ્રતિબિંબ દેખાતાં અરીસાની
પણ અનેકતા ભાસે છે તેમ ચૈતન્યજ્યોત અરીસો ભગવાન આત્મા અનેક પદાર્થોને જાણતાં તેનું જ્ઞાન પણ
અનેકતારૂપે પરિણમે છે, તેથી આત્મામાં અનેકપણાંરૂપ ધર્મ પણ છે. જ્ઞેયોનું અનેકપણું જ્ઞેયોમાં છે, તેમનાથી તો
આત્મા જુદો છે, પણ અર્હંત–સિદ્ધ, જડ–ચેતન વગેરે અનેક જ્ઞેય પદાર્થોને જાણતાં જ્ઞાન પોતે પોતાના સ્વભાવથી
જ અનેકતારૂપે થાય છે, તે અનેકતા કાંઈ પરજ્ઞેયોને લીધે થતી નથી. જેમ અરીસામાં અનેક પદાર્થોનું પ્રતિબિંબ
દેખાય છે તે અરીસાની જ અવસ્થા છે, અરીસો પોતાના સ્વચ્છ સ્વભાવથી તેવી જ અનેકાકારરૂપ પર્યાયે
પરિણમ્યો છે, તેમ જ્ઞાન પણ પોતાના સ્વ–પરપ્રકાશક સ્વભાવને લીધે અનેક જ્ઞેયાકારોરૂપ પરિણમે છે, તે
જ્ઞાનની પોતાની અવસ્થા છે, પરજ્ઞેયોનો આકાર જ્ઞાનમાં આવી જતો નથી.
જુઓ, આ આત્માના ધર્મોનું વર્ણન ચાલે છે, આત્માના પોતાના વૈભવનું આ વર્ણન છે; આવા ધર્મો વડે
ધર્મી–આત્મા ઓળખાય છે. આવા ધર્મો વડે આત્માને જાણે તો સ્વભાવની રુચિ અને સમ્યગ્જ્ઞાન થાય, તથા
તેમાં એકાગ્રતા વડે મુક્તિ થાય.
પ્રશ્ન:– આત્માના આટલા બધા ધર્મો જાણવા તે તો ઉપાધિ અને રાગનું કારણ થાય?
ઉત્તર:– અરે ભાઈ! આત્માનું સ્વરૂપ જ આવું છે, તેથી આત્માના આ ધર્મોને જાણવા તે કાંઈ ઉપાધિ કે
રાગનું કારણ નથી, પરંતુ આ ધર્મોથી આત્માને જાણતાં રાગ તૂટીને જ્ઞાનની નિર્મળતા વધે છે, એટલે
નિરુપાધિકપણું થાય છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં લોકાલોકની અનેકતા જણાતી હોવા છતાં તેમના જ્ઞાનમાં
ઉપાધિ નથી, વિકલ્પ નથી પણ વીતરાગતા છે. અનેકતાને પણ જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાનમાં અનેકતા
જણાય તે કાંઈ રાગનું કારણ નથી. જ્ઞાનનો દ્વૈતસ્વભાવ પોતાનો છે, તે લોકાલોકને લીધે નથી. જ્ઞાનમાં
લોકાલોકનો જે પ્રતિભાસ થાય છે તે કાંઈ લોકાલોકની અવસ્થા નથી પણ તે તો જ્ઞાન પોતે જ પોતાના તેવા
ધર્મરૂપે પરિણમ્યું છે, લોકાલોક તો જ્ઞાનની બહાર છે.–આમ દ્વૈતનયથી અનેકાકાર જ્ઞાનસ્વભાવી આત્માને
જાણવો તે સમ્યગ્જ્ઞાન અને વીતરાગતાનું કારણ છે. જેમ જેમ વિશેષ વિશેષ પડખાંથી આત્મસ્વભાવનો નિર્ણય
કરે તેમ તેમ જીવને જ્ઞાનની વિશુદ્ધતા વધતી જાય છે અને રાગ તૂટતો જાય છે. વસ્તુના સ્વરૂપનું સાચું જ્ઞાન કદી
પણ ઉપાધિનું કે રાગનું કારણ થાય નહિ.
આત્મા જ્ઞાનસ્વભાવી છે તે સમસ્ત જ્ઞેયોને જાણવાના સ્વભાવવાળો છે; તેનું જ્ઞાન એકરૂપે રહેવા છતાં
અનેક જ્ઞેયોના જ્ઞાનપણે અનેકરૂપ પણ થાય છે–એવો તેનો ધર્મ છે. એકપણે રહેવું તે પણ આત્માનો ધર્મ છે ને
અનેકપણે થવું તે પણ આત્માનો જ ધર્મ છે. આત્મામાં તે બંને ધર્મો એકસાથે રહેલા છે, ને એવા અનંત ધર્મોનો
પિંડ ચૈતન્યમૂર્તિ આત્મા છે.
જ્ઞાનમાં અનેક પદાર્થો જણાતાં, અને પદાર્થોના જ્ઞાનપણે તે પરિણમ્યું છે; ત્યાં જ્ઞાન પોતાનું છે, જ્ઞેયોનું
નથી; અને જ્ઞેયો જ્ઞેયોમાં છે, જ્ઞાનમાં નથી. આ રીતે જ્ઞાન અને જ્ઞેયોનું ભિન્નપણું છે. જ્ઞાનમાં પોતાના
સ્વભાવથી દ્વૈતપણું–અનેકપણું ભાસવા છતાં તે ઉપાધિ નથી તેમ જ રાગનું કારણ નથી. આ બધા ધર્મો
આત્માના છે, તે ધર્મોવડે આત્માનું જ્ઞાન થતાં પ્રમાણ–સમ્યગ્જ્ઞાન થાય છે, તે જ્ઞાન રાગનું કારણ નથી પણ
વીતરાગતાનું જ કારણ છે.
જુઓ, અહીં કહેવાય છે એવા અનંત ધર્મોનો પિંડ થઈને પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે, તે પ્રમાણનો વિષય છે.
આત્માના આ બધા ધર્મોમાંથી એક પણ ધર્મને ઓછો કલ્પે તો પરિપૂર્ણ આત્મદ્રવ્ય પ્રતીતમાં આવતું નથી તેમ
જ આત્માનું સાચું થાન થતું નથી. સાધક ધર્માત્મા અનંતા ધર્મોને ભિન્નભિન્નરૂપે ભલે ન જાણી શકે, પરંતુ
પોતાના જ્ઞાનમાં આવી શકે એવા પ્રયોજનભૂત ધર્મો વડે તે અનંતધર્મસ્વરૂપ આત્માને સ્વાનુભવપૂર્વક જાણે છે,
આત્માના અનંત ધર્મોની તેને નિઃશંક પ્રતીતિ છે, તેમાં શંકા પડતી નથી.
જેને હજી આત્માના સ્વરૂપમાં જ શંકા વેદાતી હોય તે જીવ ભલે ત્યાગી થઈને બેસે, પણ તેને સાચાં વ્રત
હોય જ નહિ, કેમ કે તેને હજી મિથ્યાત્વનું મોટું

PDF/HTML Page 12 of 21
single page version

background image
: ૫૦ : આત્મધર્મ : ૧૧૧
શલ્ય ટળ્‌યું નથી તો પછી વ્રતાદિ ક્યાંથી હોય? તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે निःशल्यो व्रती–શલ્યરહિત જીવ જ
વ્રતી હોય છે. જ્યાં મિથ્યાત્વાદિ શલ્ય વિદ્યમાન હોય ત્યાં વ્રત હોય નહિ. સ્વાનુભવપૂર્વક યથાર્થ આત્મદ્રવ્યને
જાણીને નિઃશંક ન થાય અને મિથ્યાત્વાદિ શલ્યને ન ટાળે ત્યાં સુધી સાચા વ્રતાદિ હોતા નથી.
જ્ઞાનમાં પરનું પ્રતિબિંબ પડે છે એમ કહેવાય છે ત્યાં ખરેખર કાંઈ જ્ઞાનમાં પરપદાર્થોનું પ્રતિબિંબ પડતું
નથી, પણ જ્ઞાનની જ તેવી અવસ્થા દેખાય છે. જ્ઞાન તો અરૂપી છે ને ઝાડ વગેરે તો રૂપી છે, તો અરૂપીમાં રૂપી
વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે પડે? જ્ઞાનમાં પરને પણ જાણવાની તાકાત છે તેથી તેમાં પર જણાય છે તે અપેક્ષાએ
જ્ઞાનમાં પરનું પ્રતિબિંબ કહ્યું છે. જ્ઞાનનું સ્વ પરપ્રકાશક સામર્થ્ય બતાવવા માટે નિમિત્તથી તેમ કહ્યું છે. જો
જ્ઞાનમાં ખરેખર પરનું પ્રતિબિંબ પડતું હોય તો કોલસાનું પ્રતિબિંબ પડતાં જ્ઞાન કાળું થઈ જાય, દસ હાથ ઊંચા
લીમડાનું પતિબિંબ પડતાં જ્ઞાનને પણ દસ હાથ પહોળું થવું પડે! પણ એમ થતું નથી, જ્ઞાન પોતે સાડા ત્રણ
હાથમાં રહીને પણ દસ હાથના લીમડાને જાણી લ્યે છે; માટે પરજ્ઞેયનો આકાર કે પ્રતિબિંબ જ્ઞાનમાં આવતા
નથી, પણ જ્ઞાન તેને જાણી લે છે તે અપેક્ષાએ જ્ઞાનમાં તેનું પ્રતિબિંબ કહ્યું છે.
જ્ઞાન પોતાના જ્ઞાનભાવપણે એકરૂપ હોવા છતાં, અનેક જ્ઞેયો જણાય છે તે અપેક્ષાએ તેનામાં અનેકતા
પણ છે. જ્ઞાનમાં અનેક પદાર્થો જણાતાં જે અનેકતા થાય છે તે ઉપાધિ કે મેલ નથી પણ જ્ઞાનનું જ સ્વરૂપ છે.
જેમ અરીસામાં કોલસાનું પ્રતિબિંબ જણાતાં જે કાળાપણું દેખાય છે તે કાંઈ અરીસાનો મેલ નથી પણ તે તો તેની
સ્વચ્છતાનું પરિણમન છે; તેમ જ્ઞાનમાં અનેક જ્ઞેયો જણાતાં જે અનેકરૂપતા થાય છે તે કાંઈ જ્ઞાનનો મેલ નથી
પણ જ્ઞાનની સ્વચ્છતાનો તેવો સ્વભાવ છે કે બધા જ્ઞેયો તેમાં જણાય. સાકરને, લીમડાને કે લીંબુને જાણતાં જ્ઞાન
કાંઈ મીઠું કડવું કે ખાટું થઈ જતું નથી, કેમ કે જ્ઞાનમાં પરજ્ઞેયનો અભાવ છે, તે તે પ્રકારના અનેકવિધ પદાર્થોના
જ્ઞાનપણે થવાનો જ્ઞાનનો સ્વભાવ છે.
જેમ જ્ઞાન પરપદાર્થને જાણે છે પણ પરની ઉપાધિ જ્ઞાનમાં નથી, તેમ ખરેખર તો જ્ઞાન
વિકારને પણ જાણે છે પણ જ્ઞાનમાં વિકારની ઉપાધિ નથી. જેમ કોઈને પૂર્વે કાંઈ દોષ થયો હોય અને વર્તમાન
જ્ઞાનમાં તે યાદ આવે કે અમુક વર્ષ પહેલાંં મને આ જાતના ખરાબ પરિણામ થયા હતા; તો ત્યાં પૂર્વના વિકારી
પરિણામનું જ્ઞાન થાય છે પણ તે જ્ઞાન ભેગી કાંઈ પૂર્વના વિકારી પરિણામની ઉપાધિ આવી જતી નથી. જ્ઞાન
પોતે વિકાર વગરનું રહીને વિકારને પણ જાણે–એવો તેનો સ્વભાવ છે. અનેક પ્રકારના સમસ્ત જ્ઞેયોને
જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે પણ રાગ કરવાનો તેનો સ્વભાવ નથી. જ્ઞાન વખતે સાથે જે રાગ થાય તે દોષ છે
તેથી તે તો નીકળી જાય છે, પણ જ્ઞાનમાં જે અનેકતા (અનેક પદાર્થોનું જ્ઞાન) થાય છે તે તો તેનો સ્વભાવ છે,
જો તેને કાઢી નાંખો તો તો જ્ઞાનનો જ નાશ થઈ જાય, એટલે કે જો જ્ઞાનની અનેકતા થાય છે તેને ન માને તો
જ્ઞાનસ્વભાવ પ્રતીતમાં આવતો નથી. માટે હે ભાઈ! તું ધીરો થઈને તારા જ્ઞાનસ્વભાવની પ્રતીત કર. તારા
જ્ઞાનસ્વભાવમાં કેવા કેવા ધર્મો રહેલા છે તે આચાર્યદેવ ઓળખાવે છે, માટે તેનો મહિમા લાવીને ઓળખાણ કર.
અહો, આત્માનું જ્ઞાનસામર્થ્ય! જ્ઞાન કોને ન જાણે? બધાને જાણે. જાણવું તે કાંઈ દોષનું કારણ નથી.
પૂર્વના વિકારનું જ્ઞાન કરવું તે કાંઈ દોષ નથી. પણ જેણે વર્તમાનમાં આત્માનો શુદ્ધસ્વભાવ જાણ્યો હોય ને તે
સ્વભાવમાં વિકાર નથી એમ જાણ્યું હોય તે જ પૂર્વના વિકારનું યથાર્થ જ્ઞાન કરી શકે. તે જ્ઞાન કાંઈ વિકારનું
કારણ નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં શું ન જણાય? કેવળીભગવાન પૂર્વે નિગોદદશામાં હતા તેને પણ જાણે છે,
જગતની બધી ગૂઢમાં ગૂઢ બાબતોને પણ તે જાણે છે, છતાં તેમના જ્ઞાનમાં કિંચિત્ પણ વિકાર થતો નથી.–તો હે
જીવ! શું તારામાં પણ તેવો સ્વભાવ નથી? ? સર્વજ્ઞનો તેવો સ્વભાવ પ્રગટ્યો ક્યાંથી? અંદર આત્મામાં તેવો
સ્વભાવ શક્તિરૂપે હતો જ, તેના જ અવલંબને તે પ્રગટ્યો છે. ને તારા આત્મામાં પણ તેવો જ જ્ઞાનસ્વભાવ છે,
અંતર્મુખ થઈને તેની પ્રતીત કરીને તેનું અવલંબન કર તો તારામાં પણ સર્વજ્ઞ જેવું સ્વભાવસામર્થ્ય પ્રગટી જાય.
સર્વજ્ઞ ભગવાન થયા તેમની શક્તિમાં અને તારા આત્માની શક્તિમાં કાંઈ ફેર નથી, સર્વજ્ઞ કરતાં તારા
આત્માની શક્તિમાં કિંચિત્ પણ ઓછા–

PDF/HTML Page 13 of 21
single page version

background image
: પોષ: ૨૪૭૯ : ૫૧ :
પણું નથી. જો આત્મામાં સર્વજ્ઞ જેટલી જ પરિપૂર્ણ તાકાત ન હોય તો સર્વજ્ઞતા ક્યાંથી આવશે? વર્તમાન
પર્યાયમાં હીનતા અને વિકારીભાવ થાય તે દોષ છે, પણ ચૈતન્યના જ્ઞાનસામર્થ્યમાં પૂર્વનો વિકાર જણાય તે કાંઈ
દોષ નથી, તે તો જ્ઞાનનું તે પ્રકારનું સામર્થ્ય છે. ચૈતન્યને પાપથી ભિન્ન રાખીને પાપનું જ્ઞાન કરે–તે તો ચૈતન્યની
સ્વચ્છતાનો મહિમા છે. જ્ઞાન આંધળું નથી કે વિકારને ન જાણે. વિકારને ન કરે એવો જ્ઞાનનો સ્વભાવ છે, પણ
પૂર્વે જે વિકાર થઈ ગયો તેને ન જાણે–એવો કાંઈ જ્ઞાનનો સ્વભાવ નથી. કોઈ જીવ વિકારનું જ્ઞાન કાઢી નાંખવા
માંગે તો તેને જ્ઞાનસ્વભાવની જ ખબર નથી. અરે ભાઈ! વિકાર જણાય છે તે તો તારા જ્ઞાનનું સામર્થ્ય છે, માટે
તે જ્ઞાનસામર્થ્યને જાણ તો તેના અવલંબને વિકાર ટળી જશે. આત્માનો વિકાસ થતાં વિકાર ટળી જશે પણ
વિકારનું જ્ઞાન નહિ ટળે. બધાનું જ્ઞાન કરીને જ્ઞાનપણે રહેવું ને વિકારપણે ન થવું–તે જ આત્માનો સ્વભાવ છે.
પોતાના જ્ઞાનમાં અનેક પર પદાર્થોને જાણતાં જ્ઞાનની અનેકતા થાય છે, પણ તે જ્ઞાન કાંઈ પરરૂપે થઈ જતું
નથી.–આમ પોતાના જ્ઞાનની પ્રતીત કરવી જોઈએ.
સાકર ગળી છે, અફીણ કડવું છે, લીંબુને દેખતાં જીભમાં પાણી આવી જાય ને આંબલી દેખતાં મોઢામાં
અમી ઝરે–એ પ્રમાણે બધા પદાર્થોની પ્રતીત કરે છે, તથા આંબલી મોઢામાં લીધા વિના માત્ર તેને દેખતાં મોઢામાં
અમી ઝરે છે–એમ માને છે, તો હે ભાઈ! પરજ્ઞેયો જ્ઞાનમાં પ્રવેશ્યા વિના ચૌદ બ્રહ્માંડના સમસ્ત જ્ઞેય પદાર્થોને
દેખતાં આત્મામાં તેનું જ્ઞાન થાય ને અપૂર્વ આનંદનો રસ ઝરે–એમ તારા જ્ઞાનસ્વભાવની પ્રતીત કેમ નથી
કરતો? જ્ઞાનસ્વભાવને ચૂકીને પરજ્ઞેયોમાં મારાપણું માનીને તેમાં રાગ–દ્વેષ કરીને અટક્યો ત્યારે પૂરું જ્ઞાન ન
થયું ને આત્મામાં આનંદનો રસ ન ઝર્યો. પણ બધા જ્ઞેયોથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને ઓળખતાં જેમ છે
તેમ જાણનાર રહ્યો ને ક્યાંય રાગ–દ્વેષમાં ન અટક્યો ત્યાં પૂર્ણ જ્ઞાન થયું ને આત્મામાં અપૂર્વ અમૃત ઝર્યું.
જ્ઞાનસ્વભાવની પ્રતીત સિવાય બીજા કોઈ ઉપાયથી આત્માના સહજ આનંદરૂપી અમૃતનો અનુભવ થાય નહિ.
–અહીં ૨૫ મા જ્ઞાનજ્ઞેય દ્વૈતનયથી આત્માનું વર્ણન પૂરું થયું. હવે નિયતિનય તથા અનિયતિનયથી
આત્મ–દ્રવ્યનું વર્ણન કરશે.
સુખી થવું હોય તેણે શું કરવું?
જીવ જ્ઞાનસ્વભાવી છે, તે સુખી થવા માંગે છે; વર્તમાનમાં
તેને અલ્પજ્ઞતા અને દુઃખ છે તેને ટાળીને તે સર્વજ્ઞતા અને સુખ
પ્રગટ કરવા માંગે છે. તો સર્વજ્ઞતા એટલે કે એક સમયમાં પરિપૂર્ણ
જાણે એવું જ્ઞાન; તે સર્વજ્ઞતા પ્રગટવાની તાકાત ક્યાં છે? શરીરની
ક્રિયામાં, સંયોગોમાં કે નિમિત્તમાં સર્વજ્ઞતા પ્રગટવાની તાકાત નથી,
રાગમાં પણ તે તાકાત નથી અને વર્તમાન અલ્પજ્ઞ પર્યાય છે
તેનામાંથી પણ સર્વજ્ઞતા પ્રગટે એવી તેની તાકાત નથી. આત્માના
ધુ્રવ જ્ઞાનસ્વભાવમાં સર્વજ્ઞતા પ્રગટવાની તાકાત સદાય ભરી છે. તે
જ્ઞાનસ્વભાવનો વિશ્વાસ કરીને તેનું અવલંબન લેતાં સર્વજ્ઞતા અને
પૂર્ણ આનંદ પ્રગટ થાય છે. એટલે જેણે સુખી થવું હોય તેણે પોતાના
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવાનું આવ્યું.
–પ્રવચનમાંથી.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: ૫૨: આત્મધર્મ: ૧૧૧
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
[૧૩]
અસંકુચિતવિકાસત્વ શક્તિ
ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિદ્દવિલાસ સ્વરૂપ અસંકુચિતવિકાસત્વ નામની શક્તિ છે, આ શક્તિ
પણ આત્માના જ્ઞાનમાત્રભાવમાં ભેગી જ પરિણમે છે. સંકોચ વગરનો વિકાસ થાય–એવો ચૈતન્યનો વિલાસ છે.
અમુક જ ક્ષેત્ર અને અમુક જ કાળને જાણે ને પછી વધારે ન જાણી શકે–એવી કોઈ મર્યાદા ચૈતન્યના વિકાસમાં
નથી. ચૈતન્યનો એટલો વિકાસ થાય કે તેમાં જરાય સંકોચ ન રહે, અમર્યાદિત કાળ અને અમર્યાદિત ક્ષેત્રને પણ તે
જાણી લ્યે–એવા અસંકુચિતવિકાસરૂપ ચૈતન્યસ્વભાવ છે. આત્મામાં અનાદિઅનંત એવો સ્વભાવ છે કે તેના
ચૈતન્યવિકાસમાં મર્યાદા નથી; અમુક ક્ષેત્ર અને કાળને જાણ્યા પછી હવે વિકાસ બસ થાવ–એવી હદ તેનામાં નથી.
આત્મા પોતે ભલે અસંખ્યપ્રદેશી છે પણ તેથી કાંઈ તેની ચૈતન્યશક્તિનો વિલાસ મર્યાદિત થઈ ગયો નથી,
અસંખ્યપ્રદેશી હોવા છતાં અનંત–અનંત અમર્યાદિત ક્ષેત્રને જાણે–એવી તેની તાકાત છે. ક્ષેત્રથી અનંતપ્રદેશી કે
સર્વવ્યાપક હોય તો જ તેની અનંત શક્તિ કહેવાય–એમ નથી. પોતે અલ્પક્ષેત્રમાં રહીને સર્વક્ષેત્રને જાણી લે છે
તથા એક સમયમાં ત્રણકાળને જાણી લે છે, જાણવામાં કાંઈ સંકોચ થતો નથી–આવી અસંકુચિત વિકાસરૂપ શક્તિ
આત્મામાં સદાય છે. લોકાલોકમાં જેટલા જ્ઞેયો છે તેના કરતાં અનંતગુણા હોત તો તેને પણ જાણી લેવાની જ્ઞાનની
બેહદ તાકાત છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તેને જાણવામાં ક્ષેત્રની કે કાળની હદ ન હોય.
આત્મા જાણે છે પોતાના અસંખ્યપ્રદેશમાં,–પણ જાણે છે અનંત ક્ષેત્રને! તેમ જ તે જાણે છે એક જ સમયમાં,
પણ અનંત અમર્યાદિત કાળને જાણે છે. જુઓ આ ચૈતન્યનો વિલાસ. આ ચૈતન્યવિલાસને કોઈ કેદમાં પૂરી શકે
નહિ; જેમ કોઈ માણસને જેલમાં પૂર્યો હોય, પણ તે માણસ જેલની ઓરડીમાં બેઠો બેઠો પોતાના જ્ઞાનમાં બહારના
પદાર્થોને જાણે–તો શું તેના જ્ઞાનને કોઈ રોકી શકે તેમ છે? તને જેલમાં પૂર્યો છે માટે જેલની બહારનું જ્ઞાન તને નહિ
કરવા દઉં–એમ શું કોઈ તેને રોકી શકે છે? તેમ આત્માના બેહદ જ્ઞાનવિલાસને કોઈ રોકી શકતું નથી, તેને કેદમાં
પૂરી શકાતો નથી. અમુક ક્ષેત્ર તથા અમુક કાળને જાણે એટલો જ શક્તિનો વિકાસ થાય ને પછી વધારે વિકાસ ન
થઈ શકે–એવો મર્યાદિત સ્વભાવ નથી, પણ અમર્યાદિતપણે સર્વ ક્ષેત્ર અને સર્વ કાળને જાણે એવો સંકોચરહિત
વિકાસ થવાનો આત્માનો સ્વભાવ છે. અલ્પજ્ઞતા ને અલ્પવીર્ય વગેરે સંકોચપણે રહેવાનો આત્માનો સ્વભાવ નથી,
શક્તિનો પરિમિત વિકાસ રહે–એવો તેનો સ્વભાવ નથી, પણ અસંખ્યપ્રદેશમાં ને એક સમયમાં પૂરું અમર્યાદિત
કેવળજ્ઞાન તથા બેહદ વીર્ય, આનંદ વગેરે વિકાસ પામે–એવો અમર્યાદિત આત્મસ્વભાવ છે.
જુઓ, આવી અમર્યાદિત શક્તિનો પૂર્ણ વિકાસ કોના આશ્રયે પ્રગટે? નિમિત્તનો, વિકારનો કે મર્યાદિત
પર્યાયનો આશ્રય કરતાં અમર્યાદિત સામર્થ્ય પ્રગટતું નથી, પણ ઊલટું પર્યાયનું સામર્થ્ય સંકોચાઈ જાય છે;
આત્માનો ત્રિકાળ અમર્યાદિત સ્વભાવ છે તેનો આશ્રય કરીને પરિણમતાં પર્યાયમાં પણ અમર્યાદિત
ચૈતન્યશક્તિ વ્યક્તપણે ઊછળે છે, પ્રગટ થાય છે. પ્રથમ આવા નિજસ્વભાવની પ્રતીત કરવી તે ધર્મની શરૂઆત
છે. વર્તમાન પર્યાયમાં અલ્પ વિકાસ હોવા છતાં દ્રવ્યસન્મુખદ્રષ્ટિથી પોતાના પૂર્ણ વિકાસ થવારૂપ
સ્વભાવસામર્થ્યની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. અને પોતાના પૂર્ણ સામર્થ્યની પ્રતીત ન કરતાં, પર્યાયના
અલ્પ વિકાસ જેટલો જ પોતાને માનીને ત્યાં અટકી જવું તે પર્યાયમૂઢતાનું મિથ્યાત્વ છે.
અજ્ઞાની જીવો આત્માને નમાલો, તુચ્છ અને સામર્થ્યહીન માની રહ્યા છે, તેને આચાર્યદેવ આત્માનો
બેહદ સામર્થ્યરૂપ સ્વભાવ બતાવે છે કે જો ભાઈ! આ અલ્પ સામર્થ્ય જેટલો જ સંકુચિત તારો આત્મા નથી પરંતુ
સંકોચ વગરનો બેહદ વિકાસ થાય–એવું તારા આત્માનું અચિંત્ય સામર્થ્ય છે. આત્માના પ્રદેશો તો અસંખ્ય છે
એટલે તેનું સ્વક્ષેત્ર મર્યાદિત છે, પરંતુ મર્યાદિત ક્ષેત્રવાળો હોવા છતાં તેનાં જ્ઞાનમાં ક્ષેત્રને જાણવાની એવી કોઈ
મર્યાદા નથી કે અમુક જ ક્ષેત્રનું જાણે! તેના ચૈતન્ય–સામર્થ્યનો એવો અમર્યાદિત વિલાસ છે કે ગમે તેટલા ક્ષેત્રનું
ન ગમે તેટલા કાળનું જાણવામાં તેને ક્યાંય સંકોચ નથી, મર્યાદા નથી, કે થાક લાગતો નથી. ઘણું જાણ્યું માટે
જ્ઞાન થાકી ગયું અથવા જ્ઞાનમાં સંકડાશ પડી–એવું કદી બનતું નથી; આત્માનો ચૈતન્યસ્વભાવ સંકોચ વગરનો
છે. પોતાના ચૈતન્યવિકાસથી લીલામાત્રમાં ત્રણકાળ–ત્રણલોકને જાણી લ્યે અને સાથે બેહદ આનંદને

PDF/HTML Page 15 of 21
single page version

background image
: પોષ : ૨૪૭૯ : ૫૩ :
ભોગવે–આવી અદ્ભુત ચૈતન્યવિલાસની મોજ છે. અજ્ઞાની મૂઢ જીવો બહારમાં વિષય–કષાયમાં મોજ માની રહ્યા
છે પણ તે તો આકુળતા છે–દુઃખ છે, તેને પોતાની અતીન્દ્રિય ચૈતન્યમોજની ખબર નથી તેથી જ તે બહારના
ઈન્દ્રિય–વિષયોમાં મોજ કલ્પે છે. જ્ઞાની તો જાણે છે–કે મારા ચૈતન્યના વિલાસમાં જ મારી મોજ છે; તે જ્ઞાની
બહારના ઈન્દ્રિયવિષયોમાં સ્વપ્ને પણ મજા માનતા નથી.
ચૈતન્યનો વિલાસ કેવો છે? કે સંકોચ વિનાનો અમર્યાદિત તેનો વિકાસ છે, અમુક જ જાણે–એવી તેની
મર્યાદા નથી; તેમ જ ચૈતન્યનો જે પૂર્ણ વિકાસ પ્રગટ્યો તે ફરીને કદી સંકોચ પામતો નથી. આત્માની સ્વભાવ
શક્તિને કાળ કે ક્ષેત્રની મર્યાદા નથી. પંચમકાળ છે અને ભરતક્ષેત્ર છે માટે આત્માની સ્વભાવશક્તિમાં કાંઈ
સંકોચ થઈ ગયો–એમ નથી; સ્વભાવસામર્થ્ય ત્રણેકાળે એકરૂપ છે. ચૈતન્યના વિલાસને કોઈ ક્ષેત્ર કે કાળની
મર્યાદામાં બાંધી શકાય નહિ, જે ક્ષેત્ર–કાળની મર્યાદા બાંધે છે તે ચૈતન્યતત્ત્વને કેદમાં બાંધે છે; ચૈતન્યતત્ત્વનો
અમર્યાદિત વિલાસરૂપ અસંકુચિતવિકાસસ્વભાવ છે તેનો તો કાંઈ નાશ થતો નથી, તે તો અત્યારે પણ દરેક
આત્મામાં છે, પરંતુ તેને જે જાણતો નથી તેને સંસારપરિભ્રમણ થાય છે.
અહીં આ શક્તિઓનું વર્ણન કરીને એમ બતાવવું છે કે જ્ઞાનમાત્ર આત્મામાં આ બધી શક્તિઓ પણ
ભેગી જ રહેલી છે તેથી આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહેતાં એકાંત થઈ જતો નથી પણ અનેકાંત સ્વયમેવ પ્રકાશે છે;
એવા અનેકાન્તમૂર્તિ આત્માને ઓળખતાં તેના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટે છે એને તેની બધી શક્તિઓ
નિર્મળપણે પરિણમવા માંડે છે. આ બધી શક્તિઓ વડે જ્ઞાયકસ્વરૂપ આત્મા જ લક્ષિત થાય છે, એનાથી ભિન્ન
બીજું કાંઈ લક્ષિત થતું નથી; કેમ કે અનંત શક્તિઓનો પિંડ આત્મા પોતે જ છે. આવા અનેકાન્તસ્વરૂપ
આત્માને જાણવો તે જ જિનનીતિ છે. જુઓ, આ જૈનધર્મની લોકોત્તર નીતિ! આગળ ૨૬૫ મા કળશમાં કહેશે
કે આવી અનેકાન્તાત્મક વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાન્ત સાથે મેળવાળી દ્રષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા,
સ્યાદ્વાદની અત્યન્ત શુદ્ધિને જાણીને, જિનનીતિને એટલે કે જિનેશ્વરદેવના માર્ગને નહિ ઉલ્લંઘતા થકા,
સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે.
‘જ્ઞાનસ્વરૂપ’ કહીને આત્માને ઓળખાવ્યો છે, પરંતુ આત્મામાં કાંઈ એકલો જ્ઞાનગુણ જ નથી પણ જ્ઞાન
સાથે બીજા અનંત ગુણો છે. તે બધા ગુણો સહવર્તી છે અને તેની પર્યાયો ક્રમેક્રમે એક પછી એક થાય છે તેથી
પર્યાયો ક્રમવર્તી છે. પર્યાય તો નવી થતી જાય છે ને બીજા સમયે નાશ પામી જાય છે, ગુણો નવા થતા નથી તેમ જ
કદી નાશ પણ થતા નથી. દ્રવ્ય ત્રિકાળ અનંતગુણનો પિંડ છે. આવો આત્મસ્વભાવ સમજતાં પરથી ઉપેક્ષા થઈને
પોતાના સ્વભાવનો આશ્રય થાય છે તેનું નામ ધર્મ છે. આત્માની એકેય શક્તિ પરમાં નથી, તેથી પરની સામે જોયે
આત્મા જાણાતો નથી ને તેના ગુણો પ્રગટતા નથી. ફક્ત ક્ષણિક પર્યાય ઉપર જુએ તો પણ અનંતશક્તિવાળો
આત્મા જણાતો નથી. જ્ઞાનાદિ અનંતગુણનો જે પિંડ છે તેને અભેદપણે લક્ષમાં લ્યે તો આત્મા યથાર્થસ્વરૂપે જણાય.
હું શરીર વગેરે પરનાં કામ કરું–એમ જે માને તેની પર્યાય તો પરને જોવામાં જ અટકી ગઈ, પરથી ભિન્ન
પોતાના આત્મા સામે તે જુએ નહિ એટલે તેનું મિથ્યાત્વ ટળે નહિ અને તેને ધર્મલાભ થાય નહિ. આત્માના
ગુણો વડે જ્યારે પરથી ભિન્નપણું જાણ્યું અને પર તરફનું વલણ છોડીને આત્મા તરફ વલણ કર્યું ત્યારે, પહેલાંં
પરલક્ષે જે જ્ઞાન–દર્શન–આનંદ–વીર્ય વગેરે ગુણો સંકુચિત હતા તેમનો હવે પર્યાયમાં વિકાસ પ્રગટ્યો. સ્વભાવમાં
તો વિકાસ થવાનું સામર્થ્ય હતું જ, તે હવે પર્યાયમાં પ્રગટ્યું. આત્મામાં આવો અસંકુચિતવિકાસધર્મ છે એટલે
તેના બધા ગુણોમાં સંકોચ વગરનો અમર્યાદિત વિકાસ થાય–એવો તેનો સ્વભાવ છે.
હું પરનું કાર્ય કરું ને પર મારું કાર્ય કરે, તથા પુણ્ય–પાપ તે જ મારું કર્તવ્ય છે–એમ જીવ માનતો ત્યારે
પરાધીન ઊંધી દ્રષ્ટિને લીધે તેના જ્ઞાન–દર્શન–સુખ–વીર્ય વગેરેની પર્યાયો સંકોચરૂપ હતી, તેનો વિકાસ મર્યાદિત
હતો; હવે અનંતશક્તિરૂપ નિજસ્વભાવની પ્રતીત કરીને તેના આશ્રયે લીન થતાં જ્ઞાનાદિનો અમર્યાદિત વિકાસ
ખીલી જાય છે. આત્માનું જ્ઞાન સર્વથા બીડાઈ જઈને આત્મા જડ થઈ જાય–એમ કદી બનતું નથી; નિગોદની
હલકામાં હલકી અવસ્થામાં પણ જ્ઞાનનો અમુક ક્ષયોપશમભાવ તો હોય છે એટલે એટલો અલ્પવિકાસ તો ત્યાં
હતો, પણ તે સંકોચરૂપ હતો, મર્યાદિત હતો,–આત્માનો સ્વભાવ એવો નથી, સંકોચ વગરનો પરિપૂર્ણ વિકાસ
થાય–એવો આત્માનો સ્વભાવ છે. હજી પર્યાયમાં પૂર્ણતા પ્રગટી ગયા પહેલાંં આવા પરિપૂર્ણ સ્વભાવને પ્રતીતમાં
લેવાની આ વાત છે,

PDF/HTML Page 16 of 21
single page version

background image
: ૫૪ : આત્મધર્મ : ૧૧૧
એટલે સાધકદશાની આ વાત છે. પહેલાંં પોતાના પૂર્ણ સ્વભાવને ઓળખીને પ્રતીતમાં પણ ન લ્યે તો તેને
પર્યાયમાં પૂર્ણતા ક્યાંથી આવશે? કોના આધારે તે પોતાની પૂર્ણતાને સાધશે! પરના આધારે લાભ માનશે તો
તો ઊલટું મિથ્યાત્વનું પોષણ થશે. માટે આચાર્યપ્રભુ કહે છે કે બીજા બધા સાથેના સંબંધને ભૂલી જા અને
એકલા તારા આત્માને તેના અનંતગુણો વડે લક્ષમાં લે.–આ જ સાધક થઈને સિદ્ધ થવાનો રસ્તો છે.
બીજા પદાર્થોને એકવાર લક્ષમાંથી કાઢી નાંખ અને તારા આત્માને જુદો લક્ષમાં લે. જો, આ આત્મા છે
ને! –‘હા.’ તેનામાં જ્ઞાન વગેરે ગુણો છે ને! –‘હા.’ હવે તે આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોને પરથી પૃથક્ રાખે
છે કે પર સાથે એકમેક થઈ જાય છે? આત્માના ગુણો પરથી તો જુદા જ છે. જેમ કે આ સુખડની લાકડી છે, તે
લાકડીના સુગંધ વગેરે ગુણો હાથથી જુદા છે કે એકમેક છે? જુદા છે. જેમ સુખડની લાકડીના ગુણો હાથથી
એકમેક નથી પણ જુદા છે તેમ આત્માના જ્ઞાનાદિ ગુણો છે તે કોઈ બીજાની સાથે એકમેક નથી પણ જુદા જ છે.
જો પોતાના જુદા ગુણો ન હોય તો પદાર્થ જ જુદો સિદ્ધ ન થાય. આત્માના ગુણો પરથી પૃથક્ અને આત્મા સાથે
એકમેક છે; આવા પોતાના ગુણોથી આત્મા ઓળખાય છે. તેથી આત્માની ઓળખાણ કરાવવા માટે તેના ગુણો
કયા કયા છે તેનું આ વર્ણન ચાલે છે.
આત્માનું જ્ઞાન પ્રત્યક્ષ થઈને પરિપૂર્ણ વિકસિત થાય–એવો તેનો સ્વભાવ છે; પર્યાયમાં તે પૂર્ણ વિકાસ
ક્યારે પ્રગટ થાય? કે ત્રિકાળી પ્રત્યક્ષ પરિપૂર્ણ સ્વભાવનો આશ્રય કરીને પરિણમે ત્યારે પર્યાયમાં પૂર્ણ વિકાસ
થાય. એ સિવાય વિકારનો આશ્રય કરીને લાભ માને તો પર્યાયનો વિકાસ ન થાય પણ વિકાર થાય. અને જડનું
હું કરું એમ માનીને જડના આશ્રયમાં રોકાય તો આત્મા જડ તો ન થઈ જાય પણ તેની પર્યાય સંકોચરૂપ રહે,
પર્યાયનો જે વિકાસ થવો જોઈએ તે ન થાય. પરના લક્ષે કે વિકારના લક્ષે આત્માની પર્યાયમાં સંકોચ થાય છે ને
વિકાસ થતો નથી એટલે કે ધર્મ થતો નથી. જીવની પર્યાયમાં અનાદિથી સંકોચ છે, તે સંકોચ ટળીને સંકોચ
વગરનો વિકાસ કેમ પ્રગટે–તે અહીં આચાર્યદેવ બતાવે છે. આત્મામાં જ્ઞાનાદિનો અમર્યાદિત વિકાસ થવાની
શક્તિ ત્રિકાળ છે, તેની પ્રતીત કરતાં તે પ્રતીત કરનારી પર્યાય પણ વિકાસ પામી જાય છે. અહીં તો આત્મા
ત્રિકાળ સંકોચરહિત વિકાસરૂપ ચૈતન્યવિલાસથી પરિપૂર્ણ જ છે, પર્યાયમાં વિકાસ ન હતો ને પ્રગટ થયો–એવી
પર્યાયદ્રષ્ટિની અહીં પ્રધાનતા નથી.
મારી પર્યાયો મારા દ્રવ્યમાંથી આવે છે ને દ્રવ્ય તો પરિપૂર્ણ છે–આમ સ્વસન્મુખ થઈને દ્રવ્યની પ્રતીત કરે
તો તેના આશ્રયે અમર્યાદિતપણે ચૈતન્યનો વિકાસ થઈને કેવળજ્ઞાન થાય. આત્માના સ્વભાવમાં અમર્યાદિત
શક્તિ હોવા છતાં તેની પર્યાયમાં અલ્પતા કેમ થઈ? જો સ્વભાવનો આશ્રય કરે તો તો સ્વભાવ જેવી જ પર્યાય
થાય, પણ સ્વભાવનો આશ્રય છોડીને પર્યાય પરાશ્રયમાં અટકી તેથી તેમાં અલ્પતા થઈ. જ્ઞાન પર તરફ વળ્‌યું
તેથી તે અલ્પ થયું, શ્રદ્ધાએ પરમાં એકત્વ માનતાં તે મિથ્યા થઈ, ચારિત્રની સ્થિતિ પરમાં થતાં આનંદને બદલે
આકુળતાનું વેદન થયું, વીર્ય પણ પર તરફના વલણથી અલ્પ થયું. એ રીતે પર તરફના વલણમાં અટકવાથી
પર્યાયમાં અલ્પતા થઈ, સંકોચ થયો, તે અલ્પતા અને સંકોચ ટળીને પૂર્ણતાનો વિકાસ કેમ થાય તેની આ વાત છે.
આત્મામાં જીવનશક્તિ છે તેને ભૂલીને શરીર અને અન્ન વગેરેથી પોતાનું જીવન માનતો, ત્યારે આત્માની
શક્તિ સંકોચાયેલી હતી, તેને બદલે હવે જીવત્વ શક્તિનું ભાન કર્યું કે હું તો મારા ચૈતન્યપ્રાણથી જ ત્રિકાળ
જીવનારો છું, એટલે સ્વાશ્રયે સાચા ચૈતન્યજીવનનો વિકાસ થયો.
પહેલાંં પોતાની સ્વાધીન શક્તિને ભૂલીને ચેતના તથા દર્શન–જ્ઞાનને પરાશ્રયે માનતો, ત્યારે તેની પર્યાય
સંકોચરૂપ હતી, હવે જ્યાં સ્વાધીન શક્તિનું ભાન થયું ત્યાં તેના આશ્રયે ચેતના તથા દર્શન–જ્ઞાનનો બેહદ
વિકાસ પ્રગટી ગયો.
એ જ પ્રમાણે પહેલાંં પોતાની સ્વાધીન સુખશક્તિને ભૂલીને પરમાં સુખ માનતો ત્યારે સુખને બદલે
આકુળતાનું વેદન કરતો હતો, તેને બદલે હવે સુખશક્તિ તો આત્મામાં છે એવું ભાન થતાં આત્માના આશ્રયે
સુખનો વિકાસ થયો.
પહેલાંં પરમાં સુખ માનતો ત્યારે આત્માનું વીર્ય પણ પરમાં રોકાતું એટલે સંકોચરૂપ હતું, તેને બદલે હવે
તે વીર્ય સ્વભાવ તરફ વળતાં સ્વાશ્રયે તેનો વિકાસ ખીલ્યો.
વળી, પહેલાંં પોતાની પ્રભુતાને ચૂકીને પરને પ્રભુતા આપતો તેથી પર્યાયમાં પ્રભુતા પ્રગટી ન હતી, તેને બદલે

PDF/HTML Page 17 of 21
single page version

background image
: પોષ : ૨૪૭૯ : ૫૫ :
હવે નિજસ્વભાવની સ્વાધીન પ્રભુતાનું ભાન થતાં તેના આશ્રયે પ્રભુતા પ્રગટ થઈ.
પોતાની અનંત શક્તિઓમાં વિભુત્વ ભૂલીને આત્માને પરમાં વ્યાપક માનતો ત્યારે તેની શક્તિ
સંકોચાયેલી હતી, પોતાની સ્વતંત્ર વિભુતાનું ભાન થતાં સ્વાશ્રયે વિભુત્વનો વિકાસ થયો.
વળી સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વશક્તિ પોતામાં છે તેને ભૂલીને અલ્પજ્ઞતા જેટલો માન્યો ત્યારે દર્શન–
જ્ઞાનનું પરિણમન અલ્પ–મર્યાદિત–સંકોચવાળું હતું, તેને બદલે હવે આત્મા જ સર્વદર્શી અને સર્વજ્ઞ સ્વભાવવાળો
છે એવું ભાન થતાં તેના આશ્રયે સર્વદર્શિતા અને સર્વજ્ઞતાનો અમર્યાદિત વિકાસ ખીલી જાય છે.
પોતાના સ્વચ્છ ઉપયોગસ્વભાવને ભૂલીને પોતાના ઉપયોગને મલિન–રાગાદિમય માનતો ત્યારે તેના
ઉપયોગમાં લોકાલોક જણાતા ન હતા, હવે આત્માના સ્વચ્છસ્વભાવનું ભાન થતાં તેના
આશ્રયે ઉપયોગની એવી સ્વચ્છતા ખીલી કે તેમાં લોઢાલોક જણાય છે.
વળી પહેલાંં પોતાની પ્રકાશશક્તિને ભૂલીને પોતાના જ્ઞાનને પરાશ્રયે જ માનતો અટલે પોતાનું પ્રત્યક્ષ
સ્વસંવેદન થતું ન હતું. હવે પોતાની સ્વાધીન પ્રકાશશક્તિને જાણતાં જ્ઞાન અંતર્મુખ થઈને સ્વયંપ્રકાશમાન એવું
પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રકાશિત થયું.
આ રીતે, અહીં આત્માની જીવત્વ આદિ બાર શક્તિઓનું વર્ણન કર્યું તે પ્રમાણે, આત્માની શક્તિ જ્યારે
પરાશ્રયમાં રોકાય ત્યારે તેના વિકાસની મર્યાદા રહે છે અર્થાત્ તે સંકુચિત રહે છે, ને આત્મસ્વભાવનો આશ્રય
કરતાં બધી શક્તિઓના પરિણમનમાં અમર્યાદિત વિકાસ ખીલી ઊઠે છે. ભલે નિગોદમાં હો કે પછી નવમી
ગ્રૈવેયકમાં હો, પણ જેને પોતાના આત્મસ્વભાવનો આશ્રય નથી ને પરાશ્રયની રુચિ છે તે જીવનું પરિણમન
મર્યાદિત–સંકુચિત રહે છે, અમર્યાદિત વિકાસ તેને થતો નથી. જે જીવ અનંતશક્તિસંપન્ન ચૈતન્યભગવાન એવા
પોતાના આત્માને જાણીને તેના આશ્રયે પરિણમે છે તેને પોતાની પર્યાયમાં જ્ઞાન વગેરેનો બેહદ વિકાસ ખીલી
જાય છે. જીવ શું કરે? કાં તો આત્માને ભૂલી પરાશ્રયમાં રોકાઈને પોતાની પર્યાયમાં સંકોચ પામે, અને કાં તો
આત્માનું ભાન કરીને તેમાં એકાગ્રતા વડે પર્યાયમાં વિકાસ પામે; આ બે સિવાય ત્રીજું કાંઈ તે કરી શકતો નથી,
એટલે કે પોતાના જ પરિણમનમાં સંકોચ કે વિકાસ સિવાય પરના પરિણમનમાં તો જીવ કાંઈ કરી શકતો જ
નથી–એ નિયમ છે. અને પોતાના પરિણમનમાં પણ જે સંકોચ થાય તે ખરેખર જીવનો મૂળસ્વભાવ નથી, સંકોચ
વગરનો પરિપૂર્ણ વિકાસ થાય–એવો જીવનો સ્વભાવ છે. આવા સ્વભાવનું જે ભાન કરે તેને તે સ્વભાવના
આશ્રયે પર્યાયનો વિકાસ થતાં થતાં અમર્યાદિત ચૈતન્યવિલાસ પ્રગટી જાય છે.
પ્રશ્ન:– આત્મા શરીરમાં રહે છતાં તેનું કાંઈ ન કરે?
ઉત્તર:– અરે ભાઈ, ખરેખર આત્મા શરીરમાં રહ્યો જ નથી, આત્મા તો પોતાની અનંત શક્તિઓમાં રહ્યો છે.
પ્રશ્ન:– પણ વ્યવહારથી તો શરીરમાં રહેલો કહેવાય છે ને?
ઉત્તર:– ભાષાની પદ્ધતિથી, આત્મા શરીરમાં રહ્યો કહેવાય છે પરંતુ ભાષાની પદ્ધતિ જુદી છે ને
સમજણની પદ્ધતિ જુદી છે. વસ્તુસ્વરૂપ શું છે તે સમજે નહિ અને માત્ર ભાષાના શબ્દોને જ પકડીને તેવું
વસ્તુસ્વરૂપ માની લ્યે તો તે જીવ અજ્ઞાની છે. આત્મા શરીરમાં રહ્યો છે એમ કહેવું તે તો નિમિત્ત અને સંયોગનું
કથન છે, પણ વસ્તુસ્વરૂપ તેમ નથી. આત્માનું યથાર્થસ્વરૂપ શું છે તે સમજ્યા વિના સમ્યગ્જ્ઞાન થાય નહિ.
આત્માનું પરમાર્થસ્વરૂપ શું છે તે સમજ્યા વગર જીવને પર્યાયબુદ્ધિ અને દેહબુદ્ધિ મટે જ નહિ. દેહની
ક્રિયા હું કરું, દેહની ક્રિયાથી મને લાભ થાય, વ્યવહારનો શુભરાગ કરતાં કરતાં તેનાથી મારું કલ્યાણ થઈ જાય–
એવી જેની માન્યતા છે તેને પર્યાયબુદ્ધિ અને દેહબુદ્ધિ ઊભી જ છે, તેણે ખરેખર આત્માને દેહથી ભિન્ન જાણ્યો જ
નથી. અનાદિથી સ્વભાવને ભૂલીને પર્યાયબુદ્ધિ અને દેહબુદ્ધિથી જ પર્યાયમાં સંકોચ રહ્યો છે ને તેથી જ સંસાર
છે, એટલે પર્યાયબુદ્ધિથી જ સંસાર છે. દેહના સંબંધ વિનાનો ને રાગથી પણ પાર, પોતાની જ્ઞાનાદિ અનંત
શક્તિઓથી પરિપૂર્ણ–એવા સ્વભાવને જાણીને તેમાં તન્મયતા કરતાં પર્યાયનો વિકાસ થઈને મુક્તિ થઈ જાય છે,
ને સંકોચ તથા સંસાર ટળી જાય છે. આત્મામાં એવી ત્રિકાળશક્તિ જ છે કે પ્રતિબંધ વગરનો અમર્યાદિત
ચૈતન્યવિલાસ પ્રગટે, આ શક્તિનું નામ ‘અસંકુચિત–વિકાસત્વ શક્તિ’ છે.
(ચાલુ)

PDF/HTML Page 18 of 21
single page version

background image
: ૫૬ : આત્મધર્મ : ૧૧૧
જીવનું કલ્યાણ કેમ ન થયું?
[શ્રી ગુરુકલ્યાણનો સાચો ઉપાય સમજાવે છે]

આ શરીરનો સંયોગ તો ક્ષણિક છે, તે જીવની સાથે કાયમ રહેનાર નથી. જીવ જ્ઞાનસ્વરૂપી ત્રિકાળ
ટકનાર છે તે શરીરથી ભિન્ન છે. અજ્ઞાની જીવ પોતાના જ્ઞાન–સ્વરૂપ આત્માને ભૂલીને પોતાને શરીર જેટલો જ
માને છે, તેથી નવા નવા શરીરો ધારણ કરીને અનાદિકાળથી ભવભ્રમણમાં રખડી રહ્યો છે. અહો! ચોરાશીના
અવતારમાં રખડતાં જીવે બીજું તો બધું ય કર્યું પણ એક પોતાના શુદ્ધ આત્માનું ભાન કદી કર્યું નથી. આ દુર્લભ
મનુષ્યભવ પામીને એ જ કરવા જેવું છે.
જુઓ, શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે–
યમ નિયમ સંયમ આપ ક્યિો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો;
વનવાસ લયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો.
• • • •
સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;
વહ સાધન વાર અનંત ક્યિો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો;
અબ કયોં ન વિચારત હૈ મનસેં, કછુ ઓર રહા ઉન સાધનસેં.
‘હું ચૈતન્યતત્ત્વ છું’ એવા અનુભવ વિના અનંતકાળથી પંચ મહાવ્રત, ભગવાનની ભક્તિ, દાન,
શાસ્ત્રાભ્યાસ, બાહ્ય ત્યાગ વગેરે કરી કરીને પણ જીવ સંસારમાં જ રખડયો છે; અંતરમાં ચિદાનંદી ભગવાન
આત્મા કોણ છે તેનું એક સમય પણ તેણે ભાન કર્યું નથી; તે ભાન વગર સમ્યગ્દર્શન થાય નહિ અને સમ્યગ્દર્શન
વગર ભવભ્રમણ મટે નહિ.
સમ્યગ્દર્શનના મહિમાની જીવને ખબર નથી; અનાદિકાળમાં સમ્યગ્દર્શન વગર આકરા નિયમો લીધા,
બાહ્ય ત્યાગ કર્યો, ઈન્દ્રિયદમન કર્યું, વ્રત–તપ કર્યા, શાસ્ત્ર વાંચ્યા, પણ અંતરમાં અખંડ ચૈતન્યસ્વભાવ છે તે
તરફ વળીને એકાગ્ર ન થયો. જીવને દિશાભ્રમ થઈ ગયો છે એટલે અંતરની દિશા સૂઝતી નથી ને બહારમાં
કલ્યાણના ઉપાય કરી રહ્યો છે, પણ બહારના ઉપાયથી કદી કલ્યાણ થતું નથી.
આત્માને લક્ષમાં લીધા વિના પરથી ને પુણ્યથી લાભ માનીને તેમાં અટકી રહ્યો છે; મોટા રાજપાટ
છોડીને અથાગ ત્યાગ ને મંદ કષાય કરીને તેમાં કૃતકૃત્યતા માની લીધી, વળી મૌન રહ્યો ને તેમાં ધર્મ માની
લીધો; જંગલની ગુફામાં જઈને કલાકોના કલાકો સુધી દ્રઢ પદ્માસન લગાવીને બેઠો, પણ જેનું ધ્યાન કરવાનું છે
તેને તો તે ઓળખતો નથી એટલે શુભરાગમાં એકાગ્ર થઈને તેને જ ધર્મ માની લીધો. આ રીતે પોતાની
કલ્પનાથી અનેક ઉપાયો જીવે કર્યા પણ હજી સુધી તેનું કિંચિત્ કલ્યાણ થયું નહિ. તેથી જ્ઞાની તેને કરુણાપૂર્વક
કહે છે કે અરે જીવ! હવે તું વિચાર તો ખરો કે અત્યાર સુધી આટઆટલા ઉપાયો કરવા છતાં કાંઈ પણ હાથ ન
આવ્યું, તો કલ્યાણનો સાચો ઉપાય કાંઈક બીજો જ લાગે છે. મેં અત્યાર સુધી જે જે ઉપાયો કર્યા તે બધા ઉપાયો
જૂઠા છે ને કલ્યાણનો ઉપાય તેનાથી જુદી જાતનો છે.–આમ વિચારીને ગુરુગમે સાચા ઉપાયની ઓળખાણ કર.
વિકારને અને જડની ક્રિયાને આત્માના ધર્મનું સાધન માનીને અનાદિથી તે સાધન કર્યાં, પણ તેનાથી
આત્માનું કાંઈ કલ્યાણ થયું નહિ. વળી અજ્ઞાની જીવ અંદરના ચૈતન્યભગવાનને ચૂકીને બહારના ભગવાનના
જપ જપ્યો ને ઢગલાબંધ ઉપવાસાદિ કરીને તપ તપ્યો, ઘરબાર પ્રત્યે ઉદાસીનતા ધારણ કરી ને જંગલમાં જઈને
બેઠો, –એમ પર લક્ષે બધું કર્યું, પણ તે બધાથી જુદો આત્મા પોતે કોણ છે તેની પ્રતીતિ કરી નહિ. શાસ્ત્રો વાંચ્યા
ને વાદવિવાદ કરીને ખંડન–મંડન કર્યું,–આવા આવા સાધનો

PDF/HTML Page 19 of 21
single page version

background image
: પોષ : ૨૪૭૯ : ૫૭ :
જીવે અનંતવાર કર્યા અને તેમાં ધર્મ માન્યો છતાં હજી સુધી તેના ભવભ્રમણનો કાંઈ નિવેડો ન આવ્યો કેમ કે
મૂળભૂત સાધન બાકી રહી ગયું છે, ખરું સાધન શું છે એની જ જીવને ખબર નથી. માટે શ્રીગુરુ કહે છે કે અરે
પ્રભુ! તું કેમ હવે અંતરમાં વિચારતો નથી કે તે બધાથી બીજું શું સાધન બાકી રહ્યું? હે ભાઈ! તું વિચાર તો કર
કે કલ્યાણ કેમ ન થયું? કલ્યાણનું મૂળસાધન સદ્ગુરુ વિના પોતાના સ્વચ્છ દે સમજાય તેવું નથી. શુદ્ધ આત્માના
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન જ વિના જીવનું કલ્યાણ થયું નથી.
અરે આત્મા! તારી ચૈતન્યજાત બધાથી ભિન્ન છે, એમાં પુણ્ય–પાપ તે તારું સ્વરૂપ નથી, શરીરની
ક્રિયાઓનું પ્રવર્તન પણ તારું નથી, તુ તો જાણનાર ચૈતન્યમૂર્તિ છો. અંતરમાં આવા ચૈતન્યની મુખ્યતા તે જ
સાચું સાધન છે, સદ્ગુરુગમ વગર તે સમજાય તેમ નથી.
ચૈતન્યતત્ત્વ અંતરમાં છે તેને ભૂલીને જગતના જીવો બહારમાં બહુ દોડયા. ધર્મ તો અંતરમાં
આત્મસ્વભાવના આધારે છે તેના ભાન વગર પુણ્ય–પાપમાં ધર્મ માનીને બહારમાં દોડ કરી. પણ અંતરના
ચૈતન્યનો ચમકાટ કાંઈ બહારની દોડથી ખીલે? તારા આત્મધર્મને ખીલવવા હે જીવ! તું ધીરો થા, ધીરો થઈ
ગુરુગમને સાથે લઈને અંતરમાં ઉતર. અનંતકાળનું તારું ચૈતન્યતત્ત્વ તારા ખ્યાલમાં આવ્યું નથી અને તેં
બહારમાં દોટ મૂકી છે, પણ તારા કલ્યાણનો પંથ બહારમાં નથી. શુદ્ધાત્માની પ્રીતિથી વિચારતાં અંતરમાં સમીપ
જ કલ્યાણ છે, કલ્યાણનો પંથ અંતરમાં છે, પોતાના કલ્યાણનો પંથ પોતાથી દૂર નથી; પણ ગુરુગમથી સાચી
સમજણ કરીને ચૈતન્યમાં પ્રીતિ જોડવી જોઈએ. એક સમય પણ પોતાની સ્વભાવજાતને જાણવાનો સાચો પ્રયત્ન
જીવે કર્યો નથી, આત્માના સ્વભાવનો સીધો રસ્તો છોડીને ઊંધે રસ્તે જ દોડયો છે ને તેથી જ સંસારમાં રખડે છે.
અનાદિથી કદી નહિ કરેલો એવો સાચો ઉપાય જ્ઞાની તેને સમજાવે છે. ભાઈ, તું રસ્તો ભૂલ્યો! તારા કલ્યાણનો
ઉપાય તેં બહારમાં માન્યો પણ કલ્યાણનો માર્ગ તો અંતરમાં છે. તારા સ્વભાવના આશ્રયે જ તારી મુક્તિનો
માર્ગ છે. પ્રથમ આવા સાચા માર્ગને તું જાણ અને એનાથી વિપરીત બીજા માર્ગની માન્યતા છોડી દે તો આ
અંતરના માર્ગથી તારું કલ્યાણ થશે ને તારા ભવભ્રમણનો અંત આવશે.
–પ્રવચનમાંથી.
ધન્ય છે તે સમ્યગ્દ્રષ્ટિને.
સમ્યગ્દ્રષ્ટિ પોતાના પૂર્ણ આત્માને આમ માને છે કે
અહો! અમે તો ચૈતન્ય છીએ, આ દેહ અમે નથી. અમારા
આત્માને સિદ્ધ ભગવાનથી જરાય ઓછો માનવો અમને
પાલવતો નથી, અમે અમારા આત્માને સિદ્ધસમાન પરિપૂર્ણ જ
સ્વીકારીએ છીએ. અંર્તસ્વભાવના અવલોકન તરફ વળતાં
ન્યાલ કરી દ્યે એવો અમારો ચૈતન્યભંડાર છે. અંર્તસ્વભાવની
રુચિ વડે આઠ વર્ષની રાજકુમારિકા પણ આવું આત્મભાન કરે
છે. પૂર્વે આત્માની દરકાર કર્યા વગર વિષયકષાયમાં જીવન
વિતાવ્યું હોય છતાં પણ જો વર્તમાનમાં રુચિ ફેરવી નાંખીને
આત્માની રુચિ કરે તો આવું અપૂર્વ આત્મભાન થઈ શકે છે.
–પ્રવચનમાંથી.

PDF/HTML Page 20 of 21
single page version

background image
: ૫૮ : આત્મધર્મ : ૧૧૧
જિ....ન....રા....જ....નાં વ....ધા....મ....ણાં
[લાખ લાખ દીવડાની આરતિ..........એ રાગ]
(વીર સં. ૨૪૭૮ ના વૈશાખ વદ સાતમે શ્રી માનસ્તંભજીના શિલાન્યાસ મહોત્સવ
પ્રસંગે ગવાયેલી ખાસ ભક્તિ)
લાખ લાખ વાર જિનરાજનાં વધામણાં...
અંતરીયું હર્ષે ઊભરાય...............આજ મારે મંગળ વધામણાં....
....આજ મારે દૈવી વધામણાં...
આજ મારે ઉત્તમ વધામણાં....૧.
મોતીનો થાળ ભરી માનસ્તંભ વધાવીએ....
કેસર–ચંદનની પૂજા રચાવીએ...
આનંદથી લઈએ વધાઈ...આજ મારે મંગળ વધામણાં....૨.
ગુરુજી પ્રતાપથી માનસ્તંભ નીહાળીયા....
દર્શનથી દીલડાં અમ હરખાઈયા....
આનંદ ઉરમાં ન માય...આજ મારે મંગળ વધામણાં....૩.
માનસ્તંભ દેખતાં ગર્વ ગળે છે....
ભવ્ય જીવોનાં હૃદય ખીલે છે....
મહિમા એ જિનની અદ્ભુત....આજ મારે મંગળ વધામણાં....૪.
સુવર્ણપુરે સુવર્ણ માનસ્તંભ પધારીયા....
અવનવા ભૂમિના રંગો રંગાઈયા....
નવ નવા દ્રશ્યો દેખાય...આજ મારે મંગળ વધામણાં....૫.
‘ધર્મસ્તંભ’ એ ગગને અડે છે.....
જગના જીવોને આમંત્રણ કરે છે....
–‘આવો! આવો! ધર્મકાળ’....આજ મારે મંગળ વધામણાં....૬.
ઋદ્ધિ છે જિનરાજ તણી એ....
શોભા છે સમોસરણ તણી એ.....
દર્શને હૃદયો પલટાય...આજ મારે મંગળ વધામણાં....૭.
મુક્તિનાં દ્વાર ગુરુરાજે ઉઘાડીયા....
ધર્મસ્તંભના સ્થાપન કરાવીયા....
જયકાર જગતે ગવાય....આજ મારે મંગળ વધામણાં....૮.
પુનિત પગલે જિનરાજ પધાર્યા....
ઉન્નત પવિત્ર માનસ્તંભ પધાર્યા....
ગુરુદેવને હરખ ન માય....આજ મારે મંગળ વધામણાં....૯.
શ્રી ગુરુરાજના પગલે પગલે....
નવ નવી મંગળ પ્રભા પ્રકાશે......
નિત નિત વૃદ્ધિ થાય...આજ મારે મંગળ વધામણાં....૧૦.