Atmadharma magazine - Ank 116
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૦
સળંગ અંક ૧૧૬
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
જેઠસંપાદકવર્ષ દસમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૯વકીલઅંકઃ ૯
હે ભવ્યજીવ! તું તારી
બુદ્ધિ શુદ્ધ આત્મામાં જોડ. એ
શુદ્ધ આત્મસ્વભાવની ભાવના
કરી કરીને જ ભૂતકાળના
મુમુક્ષુ જીવો મુક્તિ પામ્યા છે,
ભવિષ્યમાં મુક્ત થનારા જીવો
એ જ રીતે મુક્ત થશે ને
અત્યારે પણ મહાવિદેહ વગેરે
ક્ષેત્રમાં ભવ્યજીવો એ જ
રીતથી મુક્ત થાય છે.
–નિયમસાર પ્રવચનો.
છુટક નકલ૧૧૬વાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુ....વ...ર્ણ....પુ....રી સ...મા....ચા...ર..
* પુ. ગુરુદેવશ્રીનો જન્મોત્સવ
વૈશાખ સુદ બીજે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનો ૬૪મો જન્મોત્સવ ભક્તિ અને ઉલ્લાસપૂર્વક ઊજવાયો હતો.
આ પ્રસંગે બહાર ગામના અનેક મુમુક્ષુઓ તરફથી મંગલ–ભાવનારૂપ સંદેશા આવ્યા હતા. કેટલાક ભક્તજનો
તરફથી ‘૬૪’ ની રકમો જાહેર કરવામાં આવી હતી, તેમાં લગભગ ૨પ૦૦) ઉપરાંત રકમ થઈ હતી. અને
પોરબંદરના શેઠ શ્રી નેમિદાસ ખુશાલદાસ તથા તેમનાં ધર્મપત્ની તરફથી બોટાદના જિનમંદિરને રૂા. ૬૪×૧૦૦
ચોસઠસોની સહાયતા અર્પણ કરવામાં આવી છે. આજના મંગલ સુપ્રભાતે માનસ્તંભ ઉપર બિરાજમાન વિદેહી–
નાથ સીમંધરપ્રભુની યાત્રા કરવા માટે પુ. ગુરુદેવ માનસ્તંભ ઉપર પધાર્યા હતા. સાંજે સીમંધરપ્રભુની આરતિ
૬૪ દીપકોથી ઉતારવામાં આવી હતી. પૂ. ગુરુદેવશ્રી અનેક ભવ્ય મુમુક્ષુ જીવોના જીવનના આધાર અને
ભવભ્રમણથી થાકેલા જીવોનું વિશ્રામસ્થાન છે, તેથી દર વર્ષે વિધવિધ ઉલ્લાસપૂર્વક તેઓશ્રીનો પવિત્ર
જન્મોત્સવ ઊજવાય છે.
*માનસ્તંભના અદ્ભુત ભક્તિ
માનસ્તંભમાં સીમંધર પ્રભુજીની પ્રતિષ્ઠા ચૈત્ર સુદ દસમે થઈ છે, તેથી દર મહિનાની સુદ દસમે
માનસ્તંભમાં ચતુર્દિશ બિરાજમાન સીમંધર પ્રભુનું વિશેષ પૂજન કરવામાં આવે છે તેમ જ સાંજની ભક્તિ પણ
માનસ્તંભના ચોકમાં જ કરવામાં આવે છે. આ વૈશાખ સુદ દસમે માનસ્તંભજીની માસીક તિથિ ઉપરાંત શ્રી
મહાવીર પ્રભુજીના કેવળજ્ઞાન–કલ્યાણકનો મંગલ–દિવસ હતો; તેથી સહજ ઉલ્લાસ આવી જતાં સાંજે આશ્રમમાં
પુ. બેનશ્રી–બેને ઘણી અદ્ભુત ભક્તિ કરાવી હતી. એ પાવન ભક્તિમાં ભાગ લેવાનું સૌભાગ્ય જેમને મલ્યું હતું
એવા અનેક ભક્તો કહેતા હતા કે “સોનગઢમાં બાર વર્ષમાં કદી ન થઈ હોય એવી એ અદ્ભુત ભક્તિ હતી...
આવી અદ્ભુત ભક્તિ અમે કદી જોઈ નથી...એ વખતે રોમેરોમ ભક્તિરસમાં ભીંજાઈ જતા હતા.” અને ત્રણ
કલાક સુધી ચાલેલી એ પરમ પાવન ભક્તિ જોવાનું સૌભાગ્ય જેમને નહોતું સાંપડયું તે ભક્તજનો એવી ભાવના
કરતા હતા કે અરેરે! આવી પાવન ભક્તિ જોવાનું સૌભાગ્ય અમને ક્યારે મળે? માનસ્તંભ પ્રતિષ્ઠા–મહોત્સવનો
ઉત્સાહ હજી પુરો થતો નથી તેથી ભક્તિના વિધવિધ પ્રસંગો વારંવાર બન્યા કરે છે, પણ તેમાં આ ભક્તિનો
પ્રસંગ જુદી જ જાતનો હતો. સોનગઢની ભક્તિના ઇતિહાસમાં એ ભક્તિપ્રસંગનું ગૌરવભર્યું સ્થાન ચિંરજીવ
બની રહેશે.
પૂ. ગુરુદેવશ્રી અનેકવાર માનસ્તંભની યાત્રા કરવા માટે ઉપર પધારે છે; ત્યાંના ઊંચાઊંચા ગગનચૂંબી
વાતાવરણમાં સીમંધર પ્રભુજી સન્મુખ આ માસમાં ત્રણ વખત પૂ. ગુરુદેવશ્રીએ સમૂહભક્તિ (ભાઈઓમાં)
ગવડાવી હતી. પૂ. ગુરુદેવની સાથે સાથે માનસ્તંભની યાત્રા તથા ભક્તિમાં મુમુક્ષુઓને ઘણો હર્ષ થતો હતો.
ત્યાંના ઉપશાંત વાતાવરણમાં પુ. ગુરુદેવના શ્રીમુખથી ભક્તિરસની ઉપશાંત ધારા વહેતી અને ભક્તજનો એ
પાવન ધારા ઝીલીને શાંત રસમાં તરબોળ થતા હતા. બહેનોના મંડળમાં પણ માનસ્તંભની સમૂહ યાત્રા અને
ભક્તિ પૂ. બેનશ્રીબેને બે વાર કરાવી છે. કેટલીકવાર માનસ્તંભ ઉપર ખાસ વિશેષ પુજન કરવામાં આવે છે.
સોનગઢનો માનસ્તંભ ૬૩ ફૂટ ઊંચો છે, તેના ઉપર ચડવા માટે કાયમી કોઈ ગોઠવણ નથી. હમણા તો
માનસ્તંભનું પોલીશકામ ચાલતું હોવાથી પાલખ બાંધેલા હતા, તેથી તે પાલખ દ્વારા ઉપર જઈ શકાતું હતું.
(અનુસંધાન ટાઈટલ પૃષ્ટ ૩ ઉપર)
–ઃ સુધારોઃ–
૧– પેજ નંબર ૧૭૧ ઉપર જ્યાં ‘ભવ્યજીવોના કલ્યાણને માટે સંતોએ કેવો ઉપદેશ કર્યો?’–એ નામનો
લેખ પૂરો થાય છે ત્યાં છપાયું છે કે “કેવળજ્ઞાન કલ્યાણક પ્રસંગનું આ પ્રવચન આ અંકમાં જુદું આપવામાં
આવ્યું છે.” પરંતુ ભૂલથી તે લેખ છાપવું રહી ગયું છે. તો તે હવે પછીના અંકમાં આપવામાં આવશે.
૨– પેજ નંબર ૧૭૩ ના હેડિંગની ત્રીજી લાઈનમાં ટાઈપ ભૂલને કારણે ‘પ્રથમ’ ને બદલે ‘મપ્રથ’
છપાયું છે તો સુધારીને વાંચશો.

PDF/HTML Page 4 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૬૩ઃ
સાધકના આંગણે મોક્ષના માંડવા
અને
સિદ્ધોની સ્થાપના
*
અપૂર્વ સમ્યગ્દર્શન થવાની રીત
સિદ્ધદશાને સાધવા નીકળેલા સાધક જીવ
પોતાના મોક્ષના માંડવે ભગવાનને
ઉતારતાં કહે છે કેઃ હે સિદ્ધ ભગવાન!
મારા આત્મામાં બિરાજો...હું મારા
આત્મામાં સિદ્ધપણું સ્થાપુ
છું....દ્રવ્યદ્રષ્ટિથી જેણે પોતાના આત્માને
સિદ્ધસમાન પ્રતીતિમાં લીધો તેણે જ
આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું....તેના
આંગણે મોક્ષના માંડવા નંખાયા....હવે
અલ્પકાળમાં તેને સિદ્ધદશા થયા વિના
રહેશે નહીં.
અહો! સમ્યગ્દર્શન તો જગતમાં અપૂર્વ–
અચિંત્ય–મહિમાવંત ચીજ છે; સમ્યગ્દર્શન થતાં
જ આખું પરિણમન ફરી જાય છે. જેને
સમ્યગ્દર્શન થયું તેના ચૈતન્ય–આંગણે
મુક્તિના માંડવા નંખાયા, તેના આત્મામાં
સિદ્ધભગવાનના સંદેશ આવી ગયા.....એને
અનંત ભવમાં રખડવાની શંકા ટળી ગઈ અને
અલ્પકાળમાં મુક્તિ થવાનો નિઃસંદેહ વિશ્વાસ
પ્રગટ થયો.–આવું અપૂર્વ–પરમ–અચિંત્ય
સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે શું ઉપાય છે તે
આ લેખમાં વાંચો.
[માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન
ચૈત્ર સુદ એકમના દિવસે બપોરના પ્રવચનમાંથીઃ (૧) ]
ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપીને જ આચાર્યદેવે
સમયસારની શરૂઆત કરી છે. જેમ દીકરાના લગ્ન વખતે જાનમાં સાથે મોટા શ્રીમંતોને રાખે છે કે જેથી કન્યાને
પરણ્યા વગર પાછા ન આવે. તેમ અહીં સાધક જીવ પોતાના મોક્ષના માંડવે ભગવાનને ઉતારે છે. સિદ્ધદશાને
સાધવા નીકળેલા સાધક કહે છે કે હે સિદ્ધ ભગવાન! મારા આત્મામાં બિરાજો; હું મારા આત્મામાં સિદ્ધપણું
સ્થાપું છું; આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું હવે મારી સિદ્ધદશા પાછી ન ફરે, અલ્પકાળમાં સિદ્ધદશા પ્રગટયે જ છૂટકો.
જેણે પોતાના આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપ્યા તે જીવ વ્યવહારના આશ્રયથી લાભ ન માને પણ સિદ્ધ જેવા
પોતાના ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરે. આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ કરીને મોક્ષના
મહોત્સવ ઊજવવાની આ વાત છે. ખરેખર દ્રવ્યદ્રષ્ટિ વગર આત્મામાં સિદ્ધપણાની સ્થાપના થતી નથી;
પર્યાયદ્રષ્ટિથી જુઓ તો તો આત્મામાં વિકાર છે; તે વિકારની દ્રષ્ટિ છોડીને, દ્રવ્ય–દ્રષ્ટિથી જેણે પોતાના આત્માને
સિદ્ધ સમાન પ્રતીતમાં લીધો તેણે જ આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું...તેના આંગણે મોક્ષના માંડવા નંખાયા....હવે
અલ્પકાળમાં તેને સિદ્ધદશા થયા વિના રહેશે નહીં.

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૧૬૪ઃ આત્મધર્મઃ ૧૧૬
જુઓ, આ પંચકલ્યાણકનો મોટો મહોત્સવ છે ને સમ્યગ્દર્શનની અપૂર્વ વાત આવી છે. સમ્યગ્દર્શન એટલે
કે ધર્મની શરૂઆત કેમ થાય, ચોથું ગુણસ્થાન કેમ પ્રગટે? તેની આ વાત છે. આત્માના ભૂતાર્થ સ્વભાવના
આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
આત્માનો ધર્મ શરીર–મન–વાણીમાં, મકાનમાં કે પર્વત ઉપર નથી, ધર્મ તો જીવની પોતાની પર્યાયમાં છે;
અને જીવનો અધર્મ પણ બહારમાં નથી, અધર્મ પણ પોતાની પર્યાયમાં છે. જે જીવ પોતાના ચૈતન્યસ્વભાવને
ચૂકીને પરથી ધર્મ માને છે તેને પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ અધર્મ છે. તે અધર્મ ટાળીને ધર્મ કરવા
માંગે છે. તે ધર્મ થવાની તાકાત વસ્તુમાં છે. આત્માના સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ
થાય છે. જો વસ્તુમાં ધર્મ થવાની તાકાત ન હોય તો ક્યાંથી આવે? જેને સમ્યગ્દર્શન જોઈતું હોય–શાંતિ જોઈતી
હોય–આનંદ જોઈતો હોય–ધર્મ જોઈતો હોય તેને ક્યાં જોવું? સુખ અને શાંતિનું ધામ ક્યાં છે? શરીર વગેરે
પરમાં તો શાંતિ કે સુખ નથી, રાગમાં પણ સુખ કે શાંતિ નથી; જે સમ્યગ્દર્શન અને શાંતિ પ્રગટ કરવા માગે છે
તેને વર્તમાનપર્યાયમાં સમ્યગ્દર્શન–શાંતિ નથી, પર્યાયનો આશ્રય કરવાથી પણ સુખ કે શાંતિ થતા નથી,
આત્માના ધુ્રવ ચૈતન્યસ્વભાવમાં સુખ–શાંતિનું સામર્થ્ય છે, તે ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી જ પર્યાયમાં સુખ–
શાંતિ–સમ્યગ્દર્શન–ધર્મ થાય છે. ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ કલ્યાણ છે તેથી ભૂતાર્થનો જ આશ્રય કરવા જેવો
છે; વ્યવહાર તો અભૂતાર્થ છે માટે તે આશ્રય કરવા જેવો નથી, તેના આશ્રયે કલ્યાણ થતું નથી. અભેદ વસ્તુનું
પ્રતિપાદન કરતાં વચ્ચે ભેદ આવે છે ખરો, પણ તે ભેદરૂપ વ્યવહાર આશ્રય કરવા જેવો નથી. પોતામાં
અભેદસ્વભાવનું અવલંબન લેવા જતાં વચ્ચે ભેદનો વિકલ્પ આવે છે પણ તે આશ્રય કરવા જેવો નથી; ભેદના કે
વિકલ્પના અવલંબનમાં રોકાય તો સમ્યગ્દર્શન થતું નથી, અભેદરૂપ ભૂતાર્થસ્વભાવની સન્મુખ થવાથી જ
સમ્યગ્દર્શન થાય છે.
અનાદિથી મિથ્યાદ્રષ્ટિ જીવો વ્યવહારના આશ્રયે ધર્મ માને છે, તેઓને આચાર્યદેવ સમજાવે છે કે અરે
મૂઢ! વ્યવહારના આશ્રયે લાભ નથી, તારો એકરૂપ ચૈતન્યસ્વભાવ ભૂતાર્થ છે તેની દ્રષ્ટિથી જ સમ્યગ્દર્શન થાય
છે, માટે ભૂતાર્થ સ્વભાવ જ આશ્રય કરવા જેવો છે–એમ તું સમજ. વ્યવહારના અવલંબને આત્માનું પરમાર્થ
સ્વરૂપ જણાતું નથી, શુદ્ધનયના અવલંબનથી આત્માના પરમાર્થસ્વરૂપને જાણવું તે સમ્યગ્દર્શન છે.
શુદ્ધનય કતકફળના સ્થાને છે તે વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ પાણી અને કાદવ મળેલાં હોય ત્યાં
મૂર્ખ લોકો તો કાદવ અને પાણીના વિવેક વગર તે પાણીને ગંદુ જ માનીને મેલા પાણીનો જ અનુભવ કરે છે;
અને પાણીના સ્વચ્છ સ્વભાવને જાણનારા કેટલાક વિવેકી જનો તો પોતાના હાથથી પાણીમાં કતકફળ
નાંખીને પાણી અને કાદવના વિવેક દ્વારા નિર્મળ જળનો અનુભવ કરે છે.–આ રીતે પાણીનું દ્રષ્ટાંત છે. તેમ
આત્માની પર્યાયમાં પ્રબળ કર્મના સંયોગથી મલિનતા થઈ છે; ત્યાં જેને આત્માના શુદ્ધસ્વભાવ અને વિકાર
વચ્ચેનું ભેદજ્ઞાન નથી એવા અજ્ઞાની જીવો તો આત્માને મલિનપણે જ અનુભવે છે. તેને અહીં આચાર્યદેવ
સમજાવે છે કે હે જીવ! આ મલિનતા દેખાય છે તે તો ક્ષણિક અભૂતાર્થ છે, તે તારો કાયમી સ્વભાવ નથી,
તારો અસલી–ભૂતાર્થ સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યરૂપ છે, તેને તું શુદ્ધનય વડે દેખ; શુદ્ધનય વડે તારા આત્માને
કર્મથી અને વિકારથી જુદો જાણ. સંયોગી દ્રષ્ટિથી ન જોતાં શુદ્ધનયનું અવલંબન લઈને આત્માના ભૂતાર્થ
સ્વભાવની પવિત્રતાનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે.
‘भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो’
એટલે કે ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય છે–એમ કહીને આચાર્યદેવે સમ્યગ્દર્શનનો
મહાન સિદ્ધાંત બતાવ્યો છે.
આત્માના પરમાર્થ શુદ્ધસ્વભાવ ઉપર તો અજ્ઞાનીની દ્રષ્ટિ નથી, એટલે કર્મના સંયોગની અને
અશુદ્ધતાની જ દ્રષ્ટિ કરવાથી તેની દ્રષ્ટિમાં પોતાનો જ્ઞાયક એકાકાર સ્વભાવ તિરોભૂત થયો છે–ઢંકાઈ ગયો છે;
કર્મોએ નથી ઢાંક્યો પણ પોતાની ઊંધી દ્રષ્ટિથી તે ઢંકાઈ ગયો છે. અજ્ઞાની જીવ અંતરમાં પોતાના
જ્ઞાયકસ્વભાવને તો દેખતો નથી ને કર્મને જ દેખે છે, તેને ‘પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત’ કહ્યો છે. કર્મના કારણે
વિકાર થયો એમ જે માને છે અથવા તો આત્માને એકલો વિકારી જ અનુભવે છે પણ શુદ્ધપણે અનુભવતો નથી
તે પણ પુદ્ગલકર્મમાં જ સ્થિત છે, આત્મા તરફ તેની દ્રષ્ટિ વળી નથી.
જ્ઞાનાવરણ કર્મે જ્ઞાનને રોકયું–એ નિમિત્તનું કથન છે, ખરેખર કર્મે જ્ઞાનને રોકયું નથી; પણ જ્ઞાનપર્યાય

PDF/HTML Page 6 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૬પઃ
પોતાની લાયકાતથી હીણી પરિણમી છે અને તેમાં જ્ઞાનાવરણ કર્મ નિમિત્ત છે–એમ બતાવવા ગોમ્મટસાર
વગેરેમાં નિમિત્તથી કથન કર્યું છે. જો ખરેખર જડકર્મને જીવની પર્યાયનું કર્તા માને તો તે પણ ઈશ્વરને જગત્કર્તા
માનનાર જેવો જ થયો. જેમ ઈશ્વર જીવોને સ્વર્ગ–નરકમાં લઈ જનાર નથી, તેમ કર્મને કારણે જીવને સ્વર્ગ–નરક
કહેવા તે પણ ઉપચારથી જ છે, ખરેખર ચારે ગતિ તે જીવનો ઔદયિકભાવ છે, તે જીવનું સ્વતત્ત્વ છે, જડના
કારણે નથી. અહીં તો તે ઔદયિકભાવોથી પણ પાર એવા શુદ્ધજ્ઞાનાનંદસ્વભાવને સ્વતત્ત્વ તરીકે બતાવવો છે.
તેને જાણ્યા વગર સમ્યગ્દર્શન થતું નથી. હજી તો પર્યાયને જ પરથી થતી માને તે જીવ પરનું લક્ષ છોડીને ત્રિકાળી
નિરપેક્ષ તત્ત્વને દ્રષ્ટિમાં ક્યાંથી લ્યે? અજ્ઞાની જીવ શુદ્ધજ્ઞાનાનંદજળને તો અનુભવતો નથી ને આત્માને
અશુદ્ધરૂપે જ અનુભવે છે, એટલે કર્મ ઉપર જ તેની દ્રષ્ટિ છે તેથી તેને ‘પુદગલકર્મના પ્રદેશમાં સ્થિત’ કહ્યો છે.
ક્ષણિક વિકારી ભાવને જ આત્મા માનીને જે અટકી જાય છે તે જીવ વ્યવહારમગ્ન છે, ‘વ્યવહારમાં
મગ્ન’ કહો કે ‘પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત’ કહો–બંને સરખા છે. અહીં આચાર્યભગવાન સમજાવે છે કે ભાઈ!
તારું ત્રિકાળ વિદ્યમાન સ્વરૂપ શું છે તેને ઓળખ; એને ઓળખવાથી જ સમ્યગ્દર્શન થઈને તારા ભવભ્રમણનો
અંત આવશે. એ સિવાય બહારનું જાણપણું તે કાંઈ ખરી વિદ્યા નથી–તેનાથી કલ્યાણ નથી, વિદ્યમાન એવા
આત્મતત્ત્વને જાણવું તે જ સાચી વિદ્યા છે, તે વિદ્યાથી મુક્તિ થાય છે. શુદ્ધ નય કતકફળના સ્થાને છે તેથી જેઓ
શુદ્ધનયનો આશ્રય કરીને આત્માના પરમાર્થસ્વરૂપને દેખે છે તેઓ જ આત્મસ્વભાવનું સમ્યક્ અવલોકન
કરનારા સમ્યગ્દ્રષ્ટિ છે, જેઓ આત્માના પરમાર્થસ્વરૂપને દેખતા નથી તેઓ સમ્યગ્દ્રષ્ટિ નથી.
અહો! સમ્યગ્દર્શન તો જગતમાં અપૂર્વ–અચિંત્ય મહિમાવંત ચીજ છે; સમ્યગ્દર્શન થતાં જ આખું
પરિણમન ફરી જાય છે. જેને સમ્યગ્દર્શન થયું તેના ચૈતન્યઆંગણે મુક્તિના માંડવા નંખાયા, તેના આત્મામાં
સિદ્ધભગવાનના સંદેશ આવી ગયા....એને અનંત ભવમાં રખડવાની શંકા ટળી ગઈ અને અલ્પકાળમાં મુક્તિ
થવાનો નિઃસંદેહ વિશ્વાસ પ્રગટ થયો.–આવું અપૂર્વ–પરમ–અચિંત્ય સમ્યગ્દર્શન પ્રગટવા માટે અંતરના ચિદાનંદ
પરમાત્મા સિવાય બીજા કોઈનું અવલંબન છે જ નહિ. સ્થૂળ જીવોએ સમ્યગ્દર્શનને ઓળખ્યા વગર બહારથી
સમ્યગ્દર્શન માની લીધું છે, અહીં આચાર્યભગવાને શુદ્ધનયથી ભૂતાર્થસ્વભાવનું અવલંબન કરાવીને
સમ્યગ્દર્શનનો યથાર્થ ઉપાય બતાવ્યો છે. આ ઉપાયથી જે સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને અલ્પકાળમાં ભવનો
અભાવ થઈ જાય.
*
‘આત્મહિત’ માટે સંતોની શિખામણ
ગતમાં બીજા જીવો ધર્મ પામે કે ન પામે તેમાં
પોતાને શું? પોતાને તો પોતાના આત્મામાં જોવાનું છે.
બીજા જીવો મુક્તિ પામે તેથી કાંઈ આ જીવનું હિત થઇ
જતું નથી અને બીજા જીવો સંસારમાં રખડે તેથી કાંઇ
આ જીવનું હિત અટકતું નથી. પોતે જ્યારે પોતાના
આત્માને સમજે ત્યારે પોતાનું હિત થાય છે; આ રીતે
પોતાના આત્માને માટેની આ વાત છે. સતતત્ત્વ તો
ત્રણે કાળે દુર્લભ છે ને તે સમજનારા જીવો પણ વિરલા
જ હોય છે, માટે પોતે સમજીને પોતાના આત્માનું હિત
સાધી લેવું.
–પ્રવચનમાંથી.
‘નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.’

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૧૬૬ઃ આત્મધર્મઃ ૧૧૬
ભવ્ય જીવોના કલ્યાણ માટે
સંતોએ કેવો ઉપદેશ કર્યો?
(માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન કેવળજ્ઞાન કલ્યાણકના
દિવસે પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચનઃ વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૯)
આ પ્રવચનમાં શું વાંચશો?
*ભૂતાર્થ સ્વભાવના અવલંબનનો ઉપદેશ *સમ્યગ્દર્શન
વગેરેનું ખરું સાધન * જૈનધર્મ અને તેની અહિંસા * અંતરની
ચૈતન્યશક્તિ અને તેનો મહિમા * ભગવાનની અહિંસા *ખરો
સત્યધર્મ * શુદ્ધનયના આશ્રયે જ આનંદની પ્રાપ્તિ *
ભગવાન કોના ઉપર પ્રસન્ન થયા? * આનંદની પ્રાપ્તિ કેમ
થાય? * હે જીવ! તું તારું સંભાળ! * બધા જીવોને માટે
કલ્યાણનો પંથ એક જ છે * સત્ય તત્ત્વની વિરલતા *
ચૈતન્ય–મહિમાને ચૂકીને મૂઢ જીવ જડનો ને રાગનો સ્વામી થાય
છે *કોલાહલ છોડીને સત્ય સમજવાનો ઉપદેશ * અન્ય
કોલાહલ છોડીને અભ્યાસ કરે તો અલ્પકાળમાં સ્વરૂપની પ્રાપ્તિ
થાય * કેવળજ્ઞાન *નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન અને
દિવ્યધ્વનિ તરીકેનો ઉપદેશ.
*
*ભૂતાર્થસ્વભાવના અવલંબનનો ઉપદેશ*
ધર્મ કેમ થાય તે વાત આ સમયસારની અગિયારમી ગાથામાં આચાર્યદેવ બતાવે છે–
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.
આત્માના પરમાર્થસ્વભાવને ઓળખીને તેનો આશ્રય કરવાથી જ જીવને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
ધર્મ થાય છે, એ સિવાય બહારની કોઈ ક્રિયાના આશ્રયે ધર્મ થતો નથી. અનાદિકાળથી પરના અને રાગના
આશ્રયે ધર્મ માનીને અજ્ઞાની જીવો સંસારમાં રખડી રહ્યા છે, પણ આત્માના ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિ
અનંતકાળમાં કદી એક સેકંડ પણ પ્રગટ કરી નથી, અને એવી દ્રષ્ટિ કર્યા વગર કદી ધર્મ થતો નથી. અજ્ઞાની જીવો
વ્યવહારના આશ્રયથી ધર્મ થવાનું માની રહ્યા છે, પરંતુ વ્યવહારના આશ્રયનું ફળ તો સંસાર છે. પરિપૂર્ણ
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા તે ભૂતાર્થ છે, તે ભૂતાર્થસ્વભાવનો પક્ષ એટલે કે આશ્રય જીવે પૂર્વે કદી કર્યો નથી. મોક્ષ
તો આત્માના ભૂતાર્થસ્વભાવના અવલંબને જ થાય છે, તેથી ભવ્ય જીવોના કલ્યાણને માટે આચાર્યદેવે ભૂતાર્થ
સ્વભાવના અવલંબનનો જ ઉપદેશ આપ્યો છે અને વ્યવહારનું અવલંબન છોડવાનો ઉપદેશ કર્યો છે.
*સમ્યગ્દર્શન વગેરેનું ખરું સાધન*
આ વાત સમજ્યા વગર જીવે અનંતકાળમાં બધું કર્યું પણ તેથી કાંઈ કલ્યાણ થયું નહિ. શ્રીમદ્ રાજચંદ્ર
કહે છે કે–

PDF/HTML Page 8 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૬૭ઃ
યમ નિયમ સંયમ આપ ક્યિો પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો;
વનવાસ રહ્યો મુખમૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગાય દિયો.
*
સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે મતમંડન ખંડન ભેદ લિયે;
વહ સાધન વાર અનંત કિયો તદપિ કછૂ હાથ હજૂ ન પર્યો.
અબ કયોં ન વિચારત હૈ મનસેં કછૂ ઓર રહા ઉન સાધનસેં.
–ઉપર પ્રમાણે બધું અનંતવાર જીવ કરી ચૂક્યો અને તે કરતાં કરતાં લાભ થશે એમ માન્યું, પરંતુ તેને
કાંઈ લાભ થયો નહિ. કેમ કે અંતરમાં પોતાની સ્વભાવશક્તિ તે જ સમ્યગ્દર્શન વગેરેનું સાધન છે, તે ખરા
સાધનને સમજ્યો નહિ અને બહારમાં સાધન માન્યું. અંતરમાં ચિદાનંદી ભગવાન આત્મા પોતે કોણ છે તેના
ભાન વગર સમ્યગ્દર્શન થાય નહિ ને ભવભ્રમણ મટે નહિ.
આત્મા અનંતગુણનો પિંડ છે તેના જ અવલંબને સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટે છે. જેમ લીંડીપીપરમાં
ચોસઠપોરી તીખાસની શક્તિ છે તેમાંથી જ તે તીખાસ પ્રગટે છે, કાંઈ ખરલમાંથી તે તીખાસ નથી આવતી, તેમ
આત્માના સ્વભાવમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરેનું પરિપૂર્ણ સામર્થ્ય ભર્યું છે તેમાંથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પ્રગટે છે, કોઈ નિમિત્તમાંથી કે રાગના અવલંબનથી તે સમ્યગ્દર્શનાદિ થતા નથી. સમ્યગ્દર્શન પોતે પર્યાય છે
પરંતુ પર્યાયના આશ્રયે તે પ્રગટતું નથી, ભૂતાર્થ દ્રવ્યના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટે છે. નિમિત્તમાં, વ્યવહારમાં
કે પર્યાયમાં એવી તાકાત નથી કે તેનું અવલંબન કરવાથી સમ્યગ્દર્શન પ્રગટે, અંતરના ભૂતાર્થસ્વભાવમાં જ એવી
તાકાત છે કે તેના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટી જાય છે. શક્તિ છે તેમાંથી વ્યક્તિ થાય છે, તેથી પોતાની
સ્વભાવશક્તિ ઉપર ધર્મીની દ્રષ્ટિ છે, નિમિત્ત વગેરે સંયોગ ઉપર ધર્મીની દ્રષ્ટિ નથી. આવી અંર્તશક્તિને દ્રષ્ટિમાં
લઈને તેનું અવલંબન કરવું તે અપૂર્વ ધર્મ છે. અનાદિકાળથી જીવે આવી દ્રષ્ટિ કદી પ્રગટ કરી નથી. અજ્ઞાની
જીવોને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર
કરે છે. જિનવાણીમાં પણ વ્યવહારનો ઘણો ઉપદેશ છે, પરંતુ તે વ્યવહારના આશ્રયનું ફળ તો સંસાર જ છે.
પરમાર્થસ્વભાવ સમજાવતાં વચ્ચે ભેદરૂપ વ્યવહાર આવી જાય છે, પરંતુ તે વ્યવહારના આશ્રયથી લાભ નથી;
વ્યવહારના આશ્રયથી લાભ માનનાર તો સંસારમાં જ રખડે છે; તે જીવોને શુદ્ધનયનો પક્ષ એટલે કે આશ્રય તો
કદી આવ્યો નથી અને તેનો ઉપદેશ પણ વિરલ છે–ક્યાંક ક્યાંક છે; તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધનયના ગ્રહણનું
ફળ મોક્ષ જાણીને તેનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે. શુદ્ધનય ભૂતાર્થ છે–સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી જ
સમ્યક્ત્વ થાય છે; એને જાણ્યા વિના જીવ જ્યાંસુધી વ્યવહારમાં મગ્ન છે ત્યાંસુધી આત્માનાં જ્ઞાન–શ્રદ્ધાનરૂપ
નિશ્ચયસમ્યક્ત્વ થતું નથી.
*જૈનધર્મ અને તેની અહિંસા*
જુઓ, આ જૈનધર્મ! જૈનધર્મ કયાંય બહારમાં કે રાગમાં નથી પણ અંતરમાં આત્મસ્વભાવના અવલંબને
જ જૈનધર્મ છે. પર જીવોની દયા અને અહિંસા વગેરેનો શુભભાવ તે ખરેખર જૈનધર્મ નથી જૈનધર્મ તો
વીતરાગભાવ છે. જૈનધર્મની ખરી અહિંસા તો એ છે કે જ્ઞાનસ્વભાવના અવલંબનમાં ટકતાં રાગાદિભાવોની
ઉત્પત્તિ જ ન થાય. લોકો પરજીવની અહિંસામાં ધર્મ માનીને અટકી ગયા છે; પણ અરે ભાઈ! ‘હું પરને બચાવું
ને રાગથી મને લાભ થાય’–એવી મિથ્યા માન્યતાને લીધે તારો આત્મા જ હણાઈ રહ્યો છે; પહેલાં સાચી
સમજણ કરીને તારા આત્માની તો દયા પાળ!
* અંતરની ચૈતન્યશક્તિ અને તેનો મહિમા *
જેમ મોરના ઈંડામાં મોર થવાની તાકાત છે, તેમ ચૈતન્યશક્તિમાં કેવળજ્ઞાન થવાની તાકાત છે. સર્વજ્ઞ
પરમાત્મા થયા તેમને કેવળજ્ઞાન કયાંથી આવ્યું? શું શરીરના મજબૂત સંહનનમાંથી કે રાગમાંથી આવ્યું?–ના,
તેમાંથી નથી આવ્યું પણ વર્તમાનમાં આત્મદ્રવ્ય પરિપૂર્ણ શક્તિનો પિંડ છે તેમાં અંતર્મુખ થઈને તેના અવલંબને જ
કેવળજ્ઞાન પ્રગટયું છે; દ્રવ્યમાં સામર્થ્યરૂપે હતું તે જ પર્યાયમાં વ્યક્ત થયું છે. સાડાત્રણ હાથનો સુંદર મોર કયાંથી
આવ્યો?–નાના ઈંડામાં તેવી શક્તિ હતી તેમાંથી એન્લાર્જ એટલે કે વિકાસ થઈને મોર થયો છે. તેમ આત્માની

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૧૬૮ઃ આત્મધર્મઃ ૧૧૬
ચૈતન્યશક્તિની પ્રતીત કરતાં તેનો વિકાસ થઈને શક્તિમાંથી કેવળજ્ઞાન પ્રગટી જાય છે.
અહો! અંદર શક્તિરૂપે ચૈતન્યભગવાન બિરાજે છે પણ જીવોને તેનો મહિમા ખ્યાલમાં આવતો નથી.
‘સ્વભાવ’ શું છે તે લક્ષમાં આવતું નથી એટલે કયાંક બીજાના આશ્રયે ધર્મ માનીને અટકી જાય છે. આખો
આત્મા......પરિપૂર્ણ ચૈતન્યભગવાન.....અંતર્મુખદ્રષ્ટિનો વિષય છે, ઈંદ્રિયો કે રાગના અવલંબનથી તે જણાય તેવો
નથી. જેમ પાણી વર્તમાનમાં ઊનું હોવા છતાં તેનો મૂળ સ્વભાવ ઠંડો છે–તે નિર્ણય કોણે કર્યો? ઊના વખતે ઠંડો
સ્વભાવ આંખથી તો દેખાતો નથી, હાથથી સ્પર્શાતો નથી પણ જ્ઞાનથી જ તેનો નિર્ણય થાય છે; તેમ આત્માની
વર્તમાન પર્યાયમાં વિકાર હોવા છતાં ચૈતન્યસ્વભાવ શાંત–શીતળ છે તેનો નિર્ણય પણ અંતર્મુખી– જ્ઞાનથી જ
થાય છે, ઈંદ્રિયોમાં કે રાગમાં તેવી તાકાત નથી પણ જ્ઞાનમાં જ તેવી તાકાત છે. અતીન્દ્રિય–રાગરહિત જ્ઞાન જ
સ્વસંવેદનપ્રત્યક્ષથી આત્માને જાણે છે. ઈંદ્રિયો વડે અનુમાનથી જણાય એવો આત્મા નથી, મનના અવલંબને
અંદર શુભપરિણામ થાય તેનાથી પણ આત્મા જણાય તેવો નથી; જેટલો વ્યવહાર છે તેનામાં એવી તાકાત નથી
કે તેના અવલંબને પરમાર્થસ્વભાવ પ્રતીતમાં આવે! એટલે વ્યવહારના આશ્રયે કદી ધર્મ થતો જ નથી, પહેલેથી
પરમાર્થસ્વભાવનો આશ્રય તે જ ધર્મનો ઉપાય છે.
* ભગવતી અહિંસા *
જે ક્ષણે અંતર્મુખ થઈને પરમાર્થસ્વભાવને દ્રષ્ટિમાં લીધો તે ક્ષણે જ અપૂર્વ સમ્યગ્દર્શન ધર્મની શરૂઆત
થાય છે. અંતર્મુખ થઈને આવા ચિદાનંદસ્વભાવનું ભાન કરવું અને તેમાં ઠરવું તે જ ‘ભગવતી અહિંસા’ છે, તે
જ અહિંસા આત્માનું હિત કરનારી છે, તે અહિંસાને જ ભગવાને ધર્મ કહ્યો છે. આ સિવાય પરજીવની અહિંસાનો
શુભભાવ તે તો રાગ છે, રાગ કાંઈ ધર્મ નથી. બહારમાં ભલે કોઈ જીવની હિંસા ન થતી હોય પણ અંદરમાં
જેટલી રાગની ઉત્પત્તિ થાય તેટલી હિંસા છે, અને અંર્તસ્વરૂપમાં એકાગ્રતા થતાં રાગની ઉત્પત્તિ જ ન થાય તે
વીતરાગી અહિંસા છે ને તે જ ધર્મ છે.
* ખરો સત્ય ધર્મ *
વળી પરમાર્થરૂપ ભગવાન આત્મા જ સત્ય પરમેશ્વર છે. વ્યવહાર તો અભૂતાર્થ હોવાથી અસત્ છે ને
આત્માનો ભૂતાર્થ સ્વભાવ તે સત્ છે, તે સત્ના આશ્રયે જ પરમાત્મદશા પ્રગટે છે; માટે આત્માના આવા
ભૂતાર્થસ્વભાવને જાણવો તે જ ખરો સત્યધર્મ છે. શુભભાવથી વ્યવહારસત્ય અનંતવાર પાળ્‌યું પણ પરમાર્થ સત્
એવા ભૂતાર્થ–આત્માના ભાન વગર ધર્મ થયો નહિ. આ રીતે અહિંસા–સત્ય વગેરે બધા ધર્મો આત્માના
પરમાર્થસ્વભાવના આશ્રયમાં આવી જાય છે. અજ્ઞાની લોકો અહિંસા–સત્ય વગેરે બધું બહારમાં માની રહ્યા છે
પણ તે યથાર્થ નથી.
* શુદ્ધનયના આશ્રયે જ આનંદની પ્રાપ્તિ *
સચ્ચિદાનંદ ભગવાન આત્માનું અવલંબન લઈને તેની પ્રતીત કરવી અને તેમાં એકાગ્ર થવું તે ધર્મ છે.
ચૈતન્યને ચૂકીને વ્યવહારના અવલંબનથી જે લાભ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્યવહારનું ફળ તો સંસાર છે.
શુદ્ધનયનું ફળ મોક્ષ છે, પણ તે શુદ્ધનયનો પક્ષ તો જીવોને કદી આવ્યો નથી. જ્ઞાનીને સાધકદશામાં વ્યવહાર હોય
છે ખરો, પણ તે વ્યવહારના આશ્રયથી જ્ઞાની કદી લાભ માનતા નથી. જેને આત્માનો આનંદ જોઈતો હોય–શાંતિ
જોઈતી હોય તેણે આ રીત સમજવી પડશે. જેમ શેરડી મીઠા રસની કાતળી છે તેમ આત્મા આનંદ રસની કાતળી
છે, તેમાં ભેદજ્ઞાનરૂપી છરો મારતાં આનંદરસનો અનુભવ થાય છે. સ્વભાવમાં આનંદ ભર્યો છે તેમાંથી જ
આનંદની પ્રાપ્તિ થાય છે, બહારમાંથી આનંદ આવતો નથી. જો આત્મામાં જ આનંદસ્વભાવ ન હોય તો કદી
આનંદ પ્રાપ્ત થાય નહીં.
* ભગવાન કોના ઉપર પ્રસન્ન થયા? * * આનંદની પ્રાપ્તિ કેમ થાય? *
જુઓ, પોતામાં કેવળજ્ઞાન અને પૂર્ણ આનંદ પ્રગટ કરીને તીર્થંકર ભગવંતોએ દિવ્યધ્વનિ વડે જગતના
જીવોને તેનો ઉપાય બતાવ્યો. જે જીવ તે ઉપાય સમજીને પોતાના અંતરમાંથી વીતરાગી આનંદ પ્રગટ કરે તેને
ભગવાન આનંદનું નિમિત્ત થાય; જેણે પોતાના આત્માના આશ્રયે વીતરાગી પ્રસન્નતા પ્રગટ કરી તે જીવ
ભગવાન ઉપર આરોપ કરીને વિનયથી એમ કહે છે કે ‘શ્રી તીર્થંકર ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા.’ પણ
ભગવાન તો વીતરાગ છે તેઓ કાંઈ કોઈ ઉપર પ્રસન્ન થઈને કાંઈ આપી દેતા નથી. અનંતા તીર્થંકરો પૂર્વે થયા,
સીમંધરનાથભગવાન વગેરે તીર્થંકરો અત્યારે મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે ને અનંતા

PDF/HTML Page 10 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૬૯ઃ
તીર્થંકરો ભવિષ્યમાં થશે; ભગવાને કહેલું વસ્તુસ્વરૂપ સમજીને જે પોતામાં આનંદ પ્રગટ કરે તેને ભગવાન
આનંદનું નિમિત્ત છે અને નિમિત્ત તરીકે ભગવાન આનંદના દાતાર છે. પણ જે પોતે ન સમજે તેને કાંઈ
ભગવાન સમજાવી દેતા નથી અને તેને માટે ભગવાન આનંદનું નિમિત્ત પણ નથી. ભગવાનનો પરમ આનંદ
ભગવાન પાસે રહ્યો, આ જીવ પોતે શુદ્ધનયનું અવલંબન લઈને સ્વભાવનો આશ્રય કરે તો તેને કલ્યાણ અને
આનંદની પ્રાપ્તિ થાય છે. શુદ્ધનયના આશ્રય વગર કદી કલ્યાણ કે આનંદની પ્રાપ્તિ થતી નથી. ત્રણેકાળના
જીવોને માટે સાચો આનંદ પ્રાપ્ત કરવાની આ એક જ રીત છે. અરિહંત ભગવંતોએ આ જ ઉપાયથી પોતાના
આત્મામાં પૂર્ણ અતીન્દ્રિય આનંદ પ્રગટ કર્યો અને બીજા જીવોને આ જ ઉપાય ઉપદેશ્યો.
* હે જીવ! તું તારું સંભાળ! *
પ્રશ્નઃ– આપ જે વાત સમજાવો છો તે વાત તો બરાબર સાચી જ છે, પણ તેનાથી સમાજને શું લાભ થાય?
ઉત્તરઃ– જુઓ ભાઈ! પહેલી વાત તો એ છે કે પોતાને પોતાનું જોવાનું છે. સમાજનું ગમે તે થાય–તેની
ચિંતા છોડીને પોતે પોતાનું સંભાળવું. મધદરિયે ડબકાં ખાતો હોય ત્યારે સમાજની કે કુંટુંબની ચિંતા કરવા નથી
રોકાતો પણ હું દરિયામાં ડૂબતો કેમ બચું?–તે માટે જ ઉપાય કરે છે, તેમ સંસારસમુદ્રમાં રખડતાં માંડ માંડ
મનુષ્યભવ મલ્યો છે ત્યારે મારા આત્માનું હિત કેમ થાય, મારો આત્મા સંસાર–ભ્રમણથી કેમ છૂટે–એ જ જોવાનું
છે, પારકી ચિંતામાં રોકાય તો આત્મહિત ચૂકાઈ જાય છે. આ વાત તો પોતે પોતાનું હિત કરવાની છે. દરેક જીવ
સ્વતંત્ર છે, તેથી સમાજના બીજા જીવોનું હિત થાય તો જ પોતાનું હિત થઈ શકે એવું કાંઈ પરાધીનપણું નથી.
માટે હે જીવ! તું તારા હિતનો ઉપાય કર.
* બધા જીવોને માટે કલ્યાણનો પંથ એક જ છે *
બીજી વાત એ છે કે જે ઉપાયથી એક જીવને હિત થાય તે જ બધા જીવોને માટે હિતનો ઉપાય છે. સમાજ
તે કાંઈ જુદી વસ્તુ નથી પણ ઘણા જીવોનો સમૂહ તે સમાજ છે; તેમાંથી જે જે જીવો આ સત્ય વાત સમજશે તે તે
જીવોનું કલ્યાણ થશે. કલ્યાણનો પંથ બધા જીવોને માટે ત્રણકાળે એક જ પ્રકારનો છે. ત્રણેકાળના સર્વે જીવોને
સત્યથી જ લાભ થાય, અસત્યથી કદી કોઈને લાભ થાય જ નહિ.
અહીં ‘સત્ય’ એટલે શું? કે આત્માનો ભૂતાર્થસ્વભાવ તે જ સત્ય છે, તેના જ આશ્રયે જીવનું કલ્યાણ
થાય છે. આત્માના શુદ્ધ ચિદાનંદસ્વભાવના આશ્રય વગર ત્રણકાળ ત્રણલોકમાં કોઈને શાંતિ થતી નથી. અજ્ઞાની
ભલે શુભરાગ કરે પણ તે ધર્મ નથી, તેમ જ તે શુભરાગના ફળમાં સાચી શાંતિ મલતી નથી.
* સત્યતત્ત્વની વિરલતા *
અહો! ચિદાનંદસ્વભાવના આશ્રયની આ વાત સમજવી તે તો અપૂર્વ છે અને સાંભળવી પણ દુર્લભ છે.
બાહ્ય ક્રિયાકાંડથી ને શુભરાગથી ધર્મ મનાવનારા તો જગતમાં ઘણા છે પણ શુદ્ધનયના આશ્રયનો ઉપદેશ
જગતમાં બહુ વિરલ છે, તો તે સમજનારા તો વિરલ જ હોય–એમાં શું આશ્ચર્ય છે! યોગસારમાં કહે છે કે–
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
વળી કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ તત્ત્વની વિરલતા બતાવતાં કહે છે કે –
विरलाः निश्रृण्वन्ति तत्त्व विरलाः जानन्ति तत्त्वतः तत्त्वं।
विरलाः भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।।२७९।।
જગતમાં તત્ત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપે વિરલા જ જાણે છે,
જાણીને પણ તત્ત્વની ભાવના અર્થાત્ વારંવાર અભ્યાસ વિરલા જ કરે છે, અને અભ્યાસ કરીને પણ તત્ત્વની
ધારણા તો વિરલાને જ થાય છે.
એક તો જગતમાં યથાર્થ આત્મસ્વરૂપની વાત સંભળાવનાર જ્ઞાની જ મલવા બહુ મોંઘા છે. અને જ્ઞાની
પાસેથી તે વાત સાંભળવા મળે ત્યારે ‘આ તો નિશ્ચયની કથની છે’ એમ કહીને મૂઢ અજ્ઞાની જીવો તેની અરુચિ
કરે છે. ‘અહો! આ તો હું અનંતકાળથી જે નથી સમજ્યો એવી મારા સ્વભાવની અપૂર્વ વાત છે’– એમ
અંતરથી આદર લાવીને સાંભળનારા જીવો વિરલા હોય છે. મૂઢ જીવોને વ્યવહારની એટલે કે રાગની

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૭૦ઃ આત્મધર્મઃ ૧૧૬
અને બાહ્યક્રિયાની વાત સાંભળતાં હોંશ આવે છે ને ચૈતન્યતત્ત્વની અપૂર્વ વાત સાંભળતાં કંટાળો આવે છે. પણ અરે
ભાઈ! આ વાત સમજ્યા વગર તારું કલ્યાણ થાય તેમ નથી. ભગવાન! એકવાર અંતરના ચૈતન્યસ્વભાવ તરફ
તારી દ્રષ્ટિ ફેરવ. બહારનો મહિમા ભૂલી જા ને અંતરનો મહિમા લક્ષમાં લે....તો તારું કલ્યાણ થાય.
* ચૈતન્ય–મહિમાને ચૂકીને મૂઢ જીવ જડનો ને રાગનો સ્વામી થાય છે *
અહો! એક સમયમાં કેવળજ્ઞાન પ્રગટે એવી શક્તિ આત્મામાં છે, પરંતુ પરમાં એક પરમાણુને પણ ફેરવી
શકે એવી શક્તિ આત્મામાં નથી કેમ કે આત્મા જડનો સ્વામી નથી. પોતાને શરીર વગેરે જડનો સ્વામી માને તે
તો મોટો મૂઢ છે, અને ભૂતાર્થ ચૈતન્યસ્વભાવના મહિમાને ભૂલીને જે જીવ રાગનો સ્વામી થાય તે પણ મૂઢ છે.
જડનો સ્વામી તો જડ હોય. જડથી ભિન્ન પોતાના ચૈતન્ય–સ્વરૂપનું જેને ભાન છે તે કદી જડનું સ્વામીપણું
માનતો નથી એટલે કે શરીર વગેરેની ક્રિયા મારે લીધે થાય છે–એમ તે માનતો નથી. જડ શરીરાદિની ક્રિયા
મારાથી થાય છે–એમ જે માને છે તેણે જડથી ભિન્ન આત્માનું ભાન જ નથી. અનાદિકાળથી જીવે શરીરાદિની
ક્રિયાનો અને રાગાદિ વ્યવહારનો પક્ષ કર્યો છે એટલે કે તેમના આશ્રયે ધર્મ માનીને ત્યાં જ પર્યાયને એકાગ્ર કરી
છે, પરંતુ દેહથી ને રાગથી પાર એવા પોતાના ભૂતાર્થ ચૈતન્યસ્વભાવનો પક્ષ જીવે કદી કર્યો નથી. તેથી જીવ
સંસારમાં રખડી રહ્યો છે.
* કોલાહલ છોડીને સત્ય સમજવાનો ઉપદેશ *
અહીં આચાર્યભગવાન સમજાવે છે કે હે જીવ! વ્યવહારનયનો વિષય તો અભૂતાર્થ છે, તેના આશ્રયે તારું
કલ્યાણ નથી માટે તેનો આશ્રય છોડ, અને શુદ્ધનયના વિષયરૂપ પરમાર્થઆત્માનો આશ્રય કર. તે ભૂતાર્થ છે,
તેના આશ્રયે તારું કલ્યાણ છે. બહારની ક્રિયાથી કે શુભરાગરૂપ વ્યવહારના આશ્રયથી કલ્યાણ થશે–એવા તારા
મિથ્યા કોલાહલને છોડ ને અમે કહીએ છીએ તે રીતે સમજીને તારા શુદ્ધસ્વભાવનો અનુભવ કર.
જે જીવ આ વાત સમજતો નથી અને વિરોધ કરે છે તેને તેના આત્મહિતની વાત મીઠાશથી આચાર્યદેવ
સમજાવે છે કેઃ
विरम! किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य पण्मासमेकम्।
हृदयसरसि पुंसः पुद्गलद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।। ३४।।
–હે ભવ્ય! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક
ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈને દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો....કે એમ કરવાથી
પોતાના હૃદય–સરોવરમાં, જેનું તેજ–પ્રતાપ–પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય
છે.–અર્થાત્ જરૂર પ્રાપ્તિ થશે.
* અન્ય કોલાહલ છોડીને અભ્યાસ કરે તો..... *
જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ એટલે કે અનુભવ જરૂર થાય; જો પરવસ્તુ હોય તો
તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે પણ ભૂલી રહ્યો છે. જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં
સ્વરૂપપ્રાપ્તિ માટે છ મહિના અભ્યાસ કરવાનું કહ્યું તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેની પ્રાપ્તિ
તો અંતમુહૂર્તમાં થઈ જાય છે. પણ કોઈ શિષ્યને તે કઠણ લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે અને કહ્યું છે કે હે
ભાઈ! જો સમજવામાં બહુ કાળ લાગશે તો છ મહિનાથી અધિક નહિ લાગે, માટે તું અંતરમાં આનો અભ્યાસ
કર. અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડીને આમાં ઉદ્યમ કરવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે.
જુઓ, અહીં ‘અન્ય કોલાહલ’ છોડીને અભ્યાસ કરવાનું કહ્યું છે, એક પરમાર્થ ચૈતન્યસ્વરૂપ સિવાય
બીજા કોઈના આશ્રયથી લાભ થાય કે વ્યવહાર કરતાં કરતાં તેનાથી ધર્મ થઈ જાય–એવી માન્યતા તે બધો
નકામો કોલાહલ છે. તે કોલાહલ છોડીને અંતરમાં ચૈતન્યના પરમાર્થ સ્વરૂપની સન્મુખતાનો અભ્યાસ કરે તો
અલ્પકાળમાં તેનો અનુભવ જરૂર થાય.
* કેવળજ્ઞાન *
અહો! ચૈતન્યના અદ્ભુત–અચિંત્ય નિધાન અંતરમાં ભર્યા છે. હે ચિદાનંદનાથ! કેવળજ્ઞાન થવાનું
સામર્થ્ય તારી અંર્તશક્તિમાં ભર્યું છે, તેમાં અંતર્મુખ થઈને પ્રતીત અને એકાગ્રતા કરતાં કેવળજ્ઞાન પ્રગટી
જશે....(ખ..ળ...ભ...ળા...ટ...)

PDF/HTML Page 12 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૭૧ઃ
* નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન અને દિવ્યધ્વનિ તરીકેનો ઉપદેશ *
–માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન ચૈત્ર સુદ નોમના દિવસે ઉપરનું પ્રવચન ચાલી રહ્યું હતું ત્યાં
તો ભગવાન શ્રી નેમિનાથપ્રભુને કેવળજ્ઞાન પ્રગટયું અને અચાનક એ કેવળજ્ઞાન–કલ્યાણકનો આશ્ચર્યકારી
ખળભળાટ ફેલાઈ ગયો. ભગવાનનું દિવ્ય સમવસરણ રચાયું...એ સમવસરણમાં બિરાજમાન ભગવાનનું
ભક્તિપૂર્વક પૂજન કરીને હજારો ભક્તજનો દિવ્યધ્વનિ સાંભળવા ઉત્સુક બન્યા. આ પ્રસંગે ભગવાનના
દિવ્યધ્વનિ તરીકે અપૂર્વ પ્રવચન કરતાં પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું કેઃ “ભગવાનનો ઉપદેશ ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત
છે....ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ લાભ થવાનું ભગવાને કહ્યું છે.....જે જીવ શુદ્ધનયથી ભૂતાર્થસ્વભાવનો આશ્રય
કરીને પોતાના આત્મામાં ધર્મની વૃદ્ધિ કરે તે જ ભગવાનની દિવ્યવાણીનો ખરો શ્રોતા છે....”
કેવળજ્ઞાન–કલ્યાણક પ્રસંગનું આ પ્રવચન આ અંકમાં જુદું આપવામાં આવ્યું છે.
*
કેવળજ્ઞાનનો સ્વીકાર કરનાર જીવને
અનંત ભવની શંકા રહેતી નથી
[માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ચૈત્ર સુદ એકમના દિવસે બપોરના પ્રવચનમાંથી (૨) ]
* અહો! કેવળજ્ઞાન શું છે તેના મહિમાની જગતને ખબર
નથી, અને તે કેવળજ્ઞાનની પ્રતીત કરવામાં કેવો અપૂર્વ પુરુષાર્થ
આવી જાય છે તેની પણ અજ્ઞાનીને ખબર નથી.....જેના જ્ઞાનમાં
કેવળજ્ઞાનનો સ્વીકાર છે તેને અનંતભવની શંકા નથી અને જેને
અનંતભવની શંકા છે તેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનો સ્વીકાર થયો
નથી, જેમ કેવળી ભગવાનને ભવ નથી તેમ કેવળજ્ઞાનની પ્રતીત
કરનારને ભવની શંકા રહેતી નથી. કેવળજ્ઞાનની પ્રતીત અને
અનંત ભવની શંકા–એ બંને સાથે રહી શકતા નથી...જ્ઞાની
બેધડકપણે કહે છે કે ભવરહિત એવા કેવળજ્ઞાનનો જેણે નિર્ણય
કર્યો તેને અનંત ભવ હોતા જ નથી, કેવળી ભગવાને તેના અનંત
ભવ દેખ્યા જ નથી. *
શ્રી સીમંધર ભગવાન મહાવિદેહક્ષેત્રમાં કેવળજ્ઞાનસહિત અત્યારે બિરાજી રહ્યા છે, ત્યાં બીજા પણ અનેક
કેવળી ભગવંતો વિચરે છે. કેવળી ભગવાનનો આત્મા રાગ–દ્વેષરહિત એકલો જ્ઞાયકબિંબ થઈ ગયો છે. આવા
કેવળી ભગવાનને જેણે પોતાના જ્ઞાનમાં સ્વીકાર્યા તેને જ્ઞાયકભાવ પ્રતીતમાં આવી ગયો; હવે ‘મારે અનંતભવ
હશે’–એવી શંકા તેને હોય જ નહિ કેમ કે જ્ઞાનસ્વભાવમાં ભવ નથી. કેવળી ભગવાનનો પોતાના જ્ઞાનમાં
સ્વીકાર કરે અને અનંત ભવની શંકા પણ રહે–એમ કદી બને નહિ. જેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનો સ્વીકાર છે તેને
અનંત ભવની શંકા નથી, અને જેને અનંત ભવની શંકા છે તેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનો સ્વીકાર થયો નથી. જેમ
કેવળજ્ઞાની ભગવાનને ભવ નથી તેમ તે કેવળજ્ઞાનની પ્રતીત કરનારને ભવની શંકા રહેતી નથી.
અહો! કેવળજ્ઞાન શું છે તેના મહિમાની જગતને ખબર નથી અને તે કેવળજ્ઞાનની પ્રતીત કરવામાં કેવો
અપૂર્વ પુરુષાર્થ આવી જાય છે તેની પણ અજ્ઞાનીને ખબર નથી. જૈનસંપ્રદાયમાં જન્મ્યા એટલે સાધારણપણે તો
‘કેવળી ભગવાન છે’ એમ કહે, પણ કેવળજ્ઞાની કેવા હોય તે

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૭૨ઃ આત્મધર્મઃ ૧૧૬
ઓળખીને નિર્ણય કરતા નથી. હે ભાઈ! ‘કેવળજ્ઞાની છે’ એમ તું કહે છે, પણ તે ક્યાં છે? મહાવિદેહમાં સીમંધર
ભગવાન છે તેમનું કેવળજ્ઞાન તો ત્યાં રહ્યું, પણ તારી પ્રતીતમાં કેવળજ્ઞાન આવ્યું છે? જો તારી પ્રતીતમાં
કેવળજ્ઞાન આવ્યું હોય તો તને અનંત ભવની શંકા હોય જ નહિ. કેવળજ્ઞાનનો નિર્ણય જ્ઞાનસ્વભાવના
અવલંબને જ થાય છે, રાગના અવલંબનથી થતો નથી; કેવળજ્ઞાન પ્રગટ થવાનું સામર્થ્ય ક્યાંય શરીરમાં કે
રાગમાં નથી પણ મારા જ્ઞાનસ્વભાવમાં જ કેવળજ્ઞાન થવાનું સામર્થ્ય છે–આમ જેણે પ્રતીત કરી તેને શ્રદ્ધા
અપેક્ષાએ કેવળજ્ઞાન થયું, અને ભવની શંકા ટળી ગઈ. “કેવળી ભગવાને મારા અનંત ભવ દીઠા હશે” એવી
શંકા મિથ્યાદ્રષ્ટિને જ પડે છે, સમકિતીને કદી એવી શંકા પડતી નથી. “હું અનંત સંસારમાં રખડીશ.....” એવી
જેને શંકા છે તેને જ્ઞાયકભાવની–કેવળજ્ઞાનની પ્રતીત નથી, તે અનંત ભવની શંકાવાળો જીવ કેવળજ્ઞાનને નથી
દેખતો પણ કર્મને જ દેખે છે. ભવરહિત એવા કેવળી ભગવાનને જે દેખે છે તેને તો, જેમાં ભવ નથી એવો
પોતાનો જ્ઞાયકભાવ પ્રતીતમાં આવી ગયો છે, તેને હવે અનંત ભવ હોતા જ નથી અને કેવળી ભગવાને પણ
તેના અનંત ભવ જોયા જ નથી. તેમ જ તેને પોતાને પણ અનંત ભવની શંકા રહેતી નથી.
સાધુ નામ ધરાવીને પણ જો કોઈ એમ કહે કે ‘હજી અમને ભવ્ય–અભવ્યનો કાંઈ નિર્ણય થઈ શકતો
નથી અને અનંત ભવની શંકા મટતી નથી’–તો તે જીવ તીવ્ર મિથ્યાદ્રષ્ટિ છે, તેણે કેવળી ભગવાનને માન્યા નથી.
જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિવાળાને જ કેવળજ્ઞાનનો સ્વીકાર થાય છે, કર્મ ઉપરની દ્રષ્ટિવાળાને કેવળજ્ઞાનનો સ્વીકાર
થતો નથી. આ રીતે કેવળી ભગવાનની પ્રતીત ભૂતાર્થસ્વભાવના આશ્રય વગર થતી નથી. જગતમાં કેવળજ્ઞાની
ભગવાન છે એમ સ્વીકારનારે આત્મામાં કેવળજ્ઞાનનું સામર્થ્ય સ્વીકાર્યું છે; કેવળજ્ઞાન થવાનું સામર્થ્ય પોતામાં
છે–તે સામર્થ્યની સન્મુખ થઈને જ કેવળજ્ઞાનનો યથાર્થ સ્વીકાર થાય છે, તે સિવાય કેવળજ્ઞાનની પ્રતીત થતી
નથી.
કોઈ કુતર્કી એમ કહે કે ‘આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પણ જો કેવળી ભગવાને અનંત ભવ દીઠા
હશે તો તેમાંથી એક પણ ભવ ઘટવાનો નથી’–તો જ્ઞાની બેધડકપણે તેનો નકાર કરીને કહે છે કે અરે મૂઢ! જેણે
કેવળજ્ઞાનનો નિર્ણય કર્યો છે તેને અનંતભવ હોતા જ નથી, જેણે ભવરહિત કેવળજ્ઞાનનો નિર્ણય કર્યો તેના
અનંતભવ કેવળી ભગવાને દેખ્યા જ નથી.
केवलज्ञान में सब नोंध हैं, ત્રણકાળમાં કયારે શું બન્યું ને કયારે શું બનશે–તે બધું કેવળજ્ઞાનમાં
જણાઈ ગયું છે. કેવળજ્ઞાનમાં જે જણાયું તેમાં કિંચિત્ ફેરફાર થાય નહિ. પણ, કેવળજ્ઞાનના આવા અચિંત્ય
સામર્થ્યનો જેણે નિર્ણય કર્યો–તેને અલ્પકાળમાં જ મુક્તિ થવાની છે–એમ ભગવાનના કેવળજ્ઞાનમાં નોંધાઈ
ગયું છે.
જેણે કેવળજ્ઞાનને સ્વીકાર્યું છે તેને આત્માના પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્યની ખબર છે, એટલે સ્વભાવ ઉપર
તેની દ્રષ્ટિ છે, તે પોતાને અલ્પજ્ઞ કે અશુદ્ધતા જેટલો જ નથી અનુભવતો, પણ પૂર્ણ જ્ઞાનસ્વભાવની સન્મુખ
થઈને સાધકભાવપણે પરિણમે છે. કેવળી ભગવાન દ્રવ્યથી તેમ જ પર્યાયથી પૂર્ણ જ્ઞાયક છે, અને પરમાર્થથી
મારો સ્વભાવ પણ તેવો જ જ્ઞાયક છે, મારામાં પણ કેવળજ્ઞાનનું સામર્થ્ય છે–એમ અજ્ઞાની જીવ પ્રતીત નથી
કરતો; તે તો એકલા વ્યવહારની ને રાગની જ પ્રતીત કરીને અશુદ્ધપણે જ પોતાને અનુભવે છે. જેને પોતાના
જ્ઞાયકભાવનું ભાન નથી ને પોતાને અશુદ્ધપણે જ અનુભવે છે તે જીવ ખરેખર કેવળજ્ઞાનીને નથી દેખતો પણ
કર્મને અને વિકારને જ દેખે છે, તેને સંસારની જ રુચિ છે.–એવા જીવને ભવની શંકાનું વેદન ટળતું નથી.
ભૂતાર્થસ્વભાવના અવલંબન વગર કેવળજ્ઞાનની પણ પ્રતીત થતી નથી અને ભવની શંકા મટતી નથી; અને
ભૂતાર્થસ્વભાવનું અવલંબન લઈને જ્યાં કેવળજ્ઞાનનો નિર્ણય કર્યો ત્યાં ભવની શંકા સ્વપ્ને પણ વેદાતી નથી કેમ
કે સ્વભાવમાં ભવ નથી. જ્યાં અનંત ભવની શંકા છે ત્યાં સ્વભાવની જ શંકા છે, જ્યાં સ્વભાવની નિઃશંકતા
થઈ ત્યાં ભવની શંકા રહેતી નથી કેવળજ્ઞાનની પ્રતીત અને અનંત ભવની શંકા–એ બંને સાથે રહી શકતા નથી.
‘પોતાનો આત્મા ભવ્ય છે કે અભવ્ય–એ ભગવાન જાણે!’ એમ જે કહે છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેણે
ભગવાનને માન્યા જ નથી; ભગવાન પણ એમ જ દેખે છે કે આ જીવ મિથ્યાદ્રષ્ટિ છે. હું તો અલ્પકાળમાં મોક્ષ
પામનારો ભવ્ય જ છું ને અભવ્ય નથી–એટલી પણ નિઃશંકતા હજી જેને નથી થઈ, અને અનંત અનંતકાળમાં
કદી પણ સમ્યગ્દર્શન ન થાય એવો અભવ્ય હોવાનો જેને સંદેહ વર્તે

PDF/HTML Page 14 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૭૩ઃ
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ–સોનગઢ
પરીક્ષા–વર્ષ નવમું
(પ્રથમ શ્રેણી)
સમયઃ સવારના ૯–૧પ થી ૧૧) (તા. ૧–૬–પ૩
સોમવાર.
પ્રશ્નઃ૧. સાત તત્ત્વોનાં નામ લખો અને મિથ્યાદ્રષ્ટિ જીવ અનાદિથી તે સાત તત્ત્વોની કેવી કેવી ભૂલ કરે છે તે
સ્પષ્ટતાથી જણાવો. (માર્ક ૨૮)
પ્રશ્નઃ ૨. કોઈ પણ ચારની વ્યાખ્યા લખો.
(૧) અગૃહીત મિથ્યાદર્શન, (૨) કુધર્મ, (૩) ગૃહીત મિથ્યાજ્ઞાન, (૪) અનેકાંત,
(પ) કુગુરુ, (૬) ગૃહીત મિથ્યાચારિત્ર, (૭) સમ્યગ્દર્શન.
(માર્ક ૧૨)
પ્રશ્નઃ ૩. કોઈ પણ પાંચના શબ્દાર્થ આપો.
(૧) વીતરાગ વિજ્ઞાન, (૨) કુબોધ, (૩) શ્રુત, (૪) ભેદજ્ઞાન, (પ) કુલિંગ,
(૬) ભાવહિંસા, (૭) ઉપયોગ, (૮) ઉપલનાવ.
(માર્ક ૧૦)
પ્રશ્નઃ ૪. કોઈ પણ પાંચની વ્યાખ્યા લખો.
(૧) ગુણ, (૨) ધર્મદ્રવ્ય, (૩) અગુરુલઘુત્વ ગુણ, (૪) આહારવર્ગણા, (પ) ધ્રૌવ્ય,
(૬) પ્રમેયત્વગુણ, (૭) આહારક શરીર.
(માર્ક ૨૦)
પ્રશ્નઃ પ. કોઈ પણ ચારના જવાબ લખો.
(૧) જીવ શરીરરૂપે કેમ ન થાય? (૨) પાંચ શરીરનાં નામ લખો. (૩) એક દ્રવ્યમાં એકી
સાથે કેટલી અર્થપર્યાય હોય? (૪) ત્રિકાળ સ્વભાવવ્યંજનપર્યાય કયા કયા દ્રવ્યોને હોય?
(પ) કયા જીવને વધારેમાં વધારે શરીર હોય? અને તે કયા કયા? (૬) દ્રવ્યોમાં આકાર
શા કારણે હોય?
(માર્ક ૧૨)
પ્રશ્નઃ ૬. નીચેના પદાર્થો દ્રવ્ય છે? ગુણ છે? કે પર્યાય છે? તે ઓળખી કાઢો.
(૧) સમ્યગ્દર્શન, (૨) પ્રકાશ, (૩) દ્વેષ, (૪) વસ્તુત્વ, (પ) પરમાણુ, (૬) સંગીત,
(૭) ચેતના, (૮) ચાલવું, (૯) ત્રિકોણ.
[अ] ઉપરના પદાર્થોમાંથી જે દ્રવ્ય હોય તેનો વિશેષ ગુણ લખો.
[ब] જે ગુણ હોય તે કયા દ્રવ્યનો કેવી જાતનો (સામાન્ય કે વિશેષ) ગુણ છે તે જણાવો.
[क] અને જે પર્યાય હોય તે કયા દ્રવ્યની કેવી પર્યાય (વ્યજંનપર્યાય કે અર્થપર્યાય) છે તે લખો.
(માર્ક ૧૮)
(આ પ્રશ્નના જવાબો આવતા અંકમાં વાંચો)

PDF/HTML Page 15 of 21
single page version

background image
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ–સોનગઢ
પરીક્ષા–વર્ષ નવમું
બીજી શ્રેણી (મધ્યમ શ્રેણી)
સમયઃ– સવારના ૯–૧પ થી ૧૧) (તા. ૧–૬–પ૩
સોમવાર.
પ્રશ્નઃ ૧. જીવના નવ અધિકારનાં નામ લખી તેમાંથી ભોક્તૃત્વ અને અમૂર્તત્વ અધિકારમાં જે જે
નયથી કથન કરવામાં આવ્યું હોય તે લખી તે દરેક નય શું બતાવે છે તે સમજાવો. (માર્ક ૧૮)
પ્રશ્નઃ ૨.. ઉપયોગની વ્યાખ્યા લખો.
. કોઈ જીવ પરોપકારી કાર્ય કરવામાં શરીરનો ઉપયોગ કરી શકે કે નહિ?
તે કારણ આપી સમજાવો.
. સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શનમાં શું ફેર છે? બંનેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સરખાવો.
. એક વિદ્યાર્થીએ બીજા પાસેથી માનસ્તંભની પ્રતિષ્ઠા વખતે જે નિમંત્રણ પત્રિકા નીકળી હતી
તેની વિગત સાંભળી. પછી તેણે તે નિમંત્રણ પત્રિકા પોતાના હાથમાં લઈને માન–સ્તંભનું ચિત્ર
જોયું. તે તેના ઉપરથી માનસ્તંભ કેવો હોય તેનો વિશેષ વિચાર કરવા લાગ્યો. આમાં શ્રવણ,
ચિત્રનું જોવું, અને વિશેષ વિચારમાં કયા કયા ઉપયોગ થયા તે અનુક્રમે લખો. (માર્ક ૧૮)
પ્રશ્નઃ ૩. નીચેનામાંથી ગમે તે પાંચના જવાબ કારણ સહિત લખો.
(૧) ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બંને એક જ સમયે હોય?
(૨) સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન બંને એક કાળે હોય?
(૩) એક દ્રવ્યમાં બે વ્યંજનપર્યાય એક જ સમયે હોય?
(૪) અસ્તિત્વ ગુણ અને સ્થિતિહેતુત્વ બંને એક દ્રવ્યમાં એક સાથે હોય? ને હોય તો કયા દ્રવ્યમાં?
(પ) ગતિ (ગમન) અને ગતિહેતુત્વ બંને એક જ દ્રવ્યમાં હોય?
(૬) માણસ ચાલે છે ત્યારે તેનો પડછાયો તેની સાથે ચાલે છે?
(૭) માનસ્તંભનાં દર્શન ચક્ષુથી કર્યા તે ચક્ષુદર્શન છે?
(માર્ક ૧પ)
પ્રશ્નઃ ૪. નીચેના પદાર્થોમાં કયો અભાવ છે તે કારણ આપી સમજાવો.
(૧) સિદ્ધપણાનો સંસાર દશામાં, (૨) ઘડીયાળનો કાંટો અને કાલાણુ વચ્ચે, (૩) મતિ
જ્ઞાનનો શ્રુતજ્ઞાનમાં, (૪) જીવે વિકાર કર્યો માટે કર્મ બંધાયા. તેમાં વિકાર અને કર્મ વચ્ચે,
(પ) જડ ઈંદ્રિયો અને જડ મન. (માર્ક ૧પ)
પ્રશ્નઃ પ. નીચેના પદાર્થો દ્રવ્ય છે, ગુણ છે, કે પર્યાય છે તે ઓળખી કાઢો.
(૧) તીખાશ. (૨) અચક્ષુદર્શન, (૩) અઠવાડીયું, (૪) સમુદ્ઘાત, (પ) ચેતન, (૬)
અવગાહનહેતુત્વ, (૭) મૃગજળ, (૮) સૂક્ષ્મત્વ.
(માર્ક ૨૦)
() ઉપરના પદાર્થોમાંથી જે દ્રવ્ય હોય તેનો વિશેષ ગુણ લખો.
() જે ગુણ હોય તે કયા દ્રવ્યનો ને કેવી જાતનો ગુણ છે તે જણાવો.
() જે પર્યાય હોય તે કયા દ્રવ્યના કયા ગુણનો વિકારી કે અવિકારી તેમ જ અર્થ કે
વ્યંજનપર્યાય છે તે બતાવો.
પ્રશ્નઃ ૬. . કોઈપણ ચારની વ્યાખ્યા લખો. (માર્ક ૧૪)
(૧) વર્ગણા, (૨) નિશ્ચયનય, (૩) અવાંતરસત્તા, (૪) આહારવર્ગણા, (પ) લોકાકાશ,
(૬) ચક્ષુદર્શન,
. (૧) તાવ ઉતરી ગયો, (૨) એક જીવે ક્રોધ મટાડી ક્ષમા કરી. આ બેમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ સમજાવો.
(આ પ્રશ્નોના જવાબો આવતા અંકમાં વાંચો)

PDF/HTML Page 16 of 21
single page version

background image
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ–સોનગઢ
પરીક્ષા–વર્ષ નવમું
ત્રીજી શ્રેણી (ઉત્તમ શ્રેણી)
સમયઃ– સવારના ૯–૧પ થી ૧૧ તા. ૧–૬–પ૩
સોમવાર.
પ્રશ્નઃ ૧. ભાવલિંગી મુનિ કોને કહે છે, તેમનાં અંતરંગ અને બાહ્ય ચિહ્નો શું છે અને તેમની બાહ્ય
પ્રવૃત્તિ કેવી હોય છે તે વિષે ૨૦ લીટીનો નિબંધ લખો. (માર્ક ૨૦)
પ્રશ્નઃ ૨. વીતરાગ–વિજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરહંતાદિક વડે કેવી રીતે થાય છે તે કારણ
આપીને સમજાવો. અથવા
મંગળ કરનારને જિનશાસનના ભક્ત દેવાદિક સહાયમાં નિમિત્ત કેમ બનતા નથી તેનાં
કારણ આપો.
(માર્ક ૧૬)
પ્રશ્નઃ ૩. સમર્થ કારણની વ્યાખ્યા લખો; અને () એક જીવને વર્તમાનમાં ઔપશમિક સમ્યગ્દર્શન
પ્રગટે છે તેમાં તથા () મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન એક મુનિને અનંત ચતુષ્ટય પ્રગટે છે
તેમાં–તે વ્યાખ્યામાં આવેલ નિયમો સ્પષ્ટ રીતે સમજાવો. (માર્ક ૧૬)
પ્રશ્નઃ ૪. નીચેની માન્યતાવાળા કયા અભાવનો નકાર કરે છે? તે કારણો આપીને સમજાવો.
(ગમે તે ચારના જવાબ લખવા.) (માર્ક ૧૬)
(૧) વર્તમાનમાં એક જીવને અજ્ઞાન વર્તે છે કારણ કે તેને કુગુરુનો ઉપદેશ મળ્‌યો છે.
(૨) અત્યારે એક જીવને મિથ્યાત્વ વર્તે છે, તેને ટાળીને તે કદી સમ્યગ્દર્શન પ્રગટ કરી શકશે નહિ.
(૩) પૂર્વે એક જીવે ઘણો વિકાર કર્યો હતો તેથી તે વર્તમાનમાં પણ વિકાર કરે છે.
(૪) કેવળી ભગવાનને ચાર અઘાતિ કર્મો બાકી છે તેથી તેઓ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકતા નથી.
(પ) પવનનો ઝપાટો આવતાં વૃક્ષનાં પાંદડાં ચાલ્યાં ને તેથી તેની નીચે પડછાયો પડયો.
પ્રશ્નઃ પ. નીચેનું કથન કયા નયનું છે ને તેમાં નિશ્ચય–વ્યવહાર સમજાવો. (ગમે તે ચારના જવાબ લખવા.)
(માર્ક ૧૬)
(૧) કોઈ જીવ પ્રબળ કર્મના ઉદયને કારણે અગિયારમા ગુણસ્થાનેથી પડીને મિથ્યાત્વી થઈ જાય છે.
(૨) જીવ સ્વપુરુષાર્થ વડે અનંત વીર્ય પ્રગટ કરી શકે છે.
(૩) ભગવાનનો દિવ્યધ્વનિ જીવોને તત્ત્વજ્ઞાનનું કારણ છે.
(૪) અનાદિકાળથી અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાન તથા મોહભાવને લીધે સંસારમાં
પરિભ્રમણ કરે છે.
(પ) શ્રી સીમંધર ભગવાનનાં દર્શન કરવાથી મને શુભ ભાવ થયો.
(૬) ધર્માસ્તિકાયના અભાવને લીધે સિદ્ધ ભગવાન અલોકમાં જઈ શકતા નથી.
(૭) શ્રેણિક રાજા નરકગતિ નામકર્મના ઉદયને કારણે નરકમાં ગયા.
પ્રશ્નઃ ૬. . નીચેનામાંથી ગમે તે ચારની વ્યાખ્યા લખો. (માર્ક ૮)
અવગ્રહ, મંગળ, મોક્ષમાર્ગ, ઉપાદાન કારણ, સંકલેશ પરિણામ, પ્રધ્વંસાભાવ, ચેતના.
નીચેની પંક્તિઓ સમજાવો.
(માર્ક ૮)
ઉપાદાન બલ જહં તહાં, નહિ નિમિત્તકો દાવ,
એક ચક્રસોં રથ ચલે, રવિકો યહૈ સ્વભાવ.
સધૈ વસ્તુ અસહાય જહાં, તહાં નિમિત્ત હૈ કૌન,
જ્યોં જહાજ પરવાહમેં, તિરે સહજ વિન પૌન.
(આ પ્રશ્નોના જવાબ આવતા અંકમાં વાંચો.)

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૭૬ઃ આત્મધર્મઃ ૧૧૬
પૂ. ગુરુદેવશ્રીની જન્મભૂમિ ઉમરાળા નગરીમાં
* જન્મભૂમિ–સ્થાન–મંદિરનું શિલાન્યાસ–મુહૂર્ત *
પૂ. ગુરુદેવશ્રીના જન્મથી અને બાલ્યજીવનથી પાવન થયેલી ઉમરાળાનગરી સોનગઢથી લગભગ સાત
ગાઉ અને ધોળા જંકશનથી લગભગ બે ગાઉ દૂર આવેલ છે. આજથી ૬૩ વર્ષ પહેલાં શ્રી મોતીચંદભાઈને ત્યાં
ઉજમબા માતાની કૂંખે શ્રી કહાનકુમારનો જન્મ થતાં એ ધામ પાવન બન્યું. પૂ. ગુરુદેવશ્રીના મંગલકારી જન્મથી
જે ઘર પવિત્ર બન્યું તે ઘર ફરીથી નવું બાંધવા માટે તથા તેની બાજુમાં સ્વાધ્યાય અને પ્રવચન વગેરે માટે
સ્વાધ્યાય મંદિર બાંધવાની કેટલાક ભક્તજનોની ભાવના હતી. આ વૈશાખ સુદ પૂર્ણિમાએ તે જન્મસ્થાન–ભૂમિનું
શિલાન્યાસ મુહૂર્ત પૂ. ભગવતી બેનશ્રી ચંપાબેનના પવિત્ર હસ્તે ઘણા ઉત્સાહપૂર્વક થયું હતું.
આ મંગલ પ્રસંગે પૂ. બેનશ્રીબેનની સાથે સોનગઢના કેટલાક ભક્તજનો પણ ઉમરાળા ગયા હતા અને તે
સંઘને ‘જન્મભૂમિ યાત્રાસંઘ’ નામ આપ્યું હતું. સોનગઢથી ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુના જિનબિંબને પણ
ઉમરાળા પધરાવવામાં આવ્યા હતા. વૈશાખ સુદ પૂર્ણિમાના રોજ સવારમાં શ્રી શાંતિનાથ પ્રભુજી સહિત
ભક્તજનો ગાજતે–વાજતે ગામમાં ફરીને જન્મભૂમિસ્થાને આવ્યા હતા. તે પાવન સ્થાનમાં પ્રભુજીને બિરાજમાન
કરીને પૂજનાદિ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તજનોના અતિશય આનંદ અને ઉલ્લાસપૂર્ણ
વાતાવરણની વચ્ચે ઘણા જ ભક્તિભાવથી એ જન્મભૂમિસ્થાનનું શિલાન્યાસ થયું હતું. (જે મકાનમાં પૂ.
ગુરુદેવશ્રીનો જન્મ થયો હતો તે જીર્ણ થવાની તૈયારી હોવાથી તેને બદલે તે જ સ્થળે તેવી જ ડીઝાઈનવાળું બીજું
નવું મકાન તૈયાર કરવાનું છે, તેનું આ શિલાન્યાસ થયું હતું.)
શિલાન્યાસ બાદ તે જ સ્થળે ઘણા ઉલ્લાસપૂર્વક પૂ. બેનશ્રીબેને અદ્ભુત ભક્તિ કરાવી હતી. તેમાં
“વાહ વા....જી.....વાહ”ની ખાસ ધૂન લેવડાવી હતી–
ઉજમબાએ બેટો જાયો........વાહ વા......જી......વાહ.......
કહાન કુંવર જાયો...............વાહ વા.......જી.....વાહ......
જગનો તારણહાર જાયો........ વાહ વા.......જી....વાહ....
–એ ધૂન વખતે ભક્તજનોના હૃદય આનંદથી ઊછળતા હતા. ભક્તિ પછી ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ
શાહે આ પ્રસંગને લગતું એક ભાષણ કર્યું હતું તેમાં તેમણે આ જન્મભૂમિસ્થાનની તથા આજના મંગલ–પ્રસંગની
વિશિષ્ટતા બતાવીને, તેનો ભક્તિયુક્ત મહિમા વર્ણવ્યો હતો. આ પ્રસંગે સોનગઢથી આવેલા ભક્તજનો તરફથી
લગભગ રૂા. ૨૭૦૦ ની રકમો જન્મભૂમિસ્થાન માટેના ફંડમાં આપવામાં આવી હતી. ઉમરાળાના ભાઈઓ–શેઠ
કુંવરજી જાદવજી, આણંદજી નાગરદાસ, ધીરજલાલ હરજીવન, ગંગાબેન, રતિલાલ પ્રાગજી, જયંતિલાલ મણીલાલ,
હેમચંદ ચત્રભુજ વગેરેએ આ જન્મભૂમિસ્થાન માટે ઉત્સાહ બતાવ્યો છે.
એ પવિત્ર જન્મભૂમિસ્થાનનું શિલાન્યાસ અને ભક્તિ કરીને પછી પૂ. ગુરુદેવનું ગામ જોવા માટે બધા
ભક્તજનો ગામમાં ગયા. પૂ. ગુરુદેવના બાલજીવનના સાથીદાર એક ભાઈ સાથે આવીને ધૂલી નિશાળ, રમવાનું
સ્થાન વગેરે સ્થળો બતાવતા અને સાથે સાથે બાલપણના કોઈ પ્રસંગનો ઉલ્લેખ કરતા; જે ભૂમિમાં ગુરુદેવ
જન્મ્યા, જે ભૂમિમાં પારણે ઝૂલ્યા, ગોઠણભેર ચાલીને અને નાનકડી પગલીઓથી જે સ્થાનની રજને પાવન કરી.
તે પવિત્ર રજને ભક્તિપૂર્વક સૌ મસ્તકે ચડાવતા હતા. જ્યાં ગુરુદેવ ભણ્યા–જ્યાં રમ્યા–જે કૂવાનું પાણી પીધું–
જ્યાં વૈરાગ્યજીવનના વિચારો અને મંથન કર્યું વગેરે અનેક સ્થળો જોતાં મુમુક્ષુઓના હૈયામાં અનેકવિધ
પ્રેરણાઓ જાગતી હતી. એ સ્થળો જોતાં જોતાં ઉમરાળા નગરીને પ્રદક્ષિણા કરી ત્યારે અયોધ્યા નગરીની
પ્રદક્ષિણા યાદ આવી જતી હતી. અને પગલે પગલે ભક્તજનોથી બોલાઈ જતું કે–
તુજ પાદપંકજ અહીં થયા આ દેશને પણ ધન્ય છે;
આ ગામપુર જ ધન્ય છે, તુજ માત કુળ જ વંદ્ય છે.
તારાં કર્યાં દર્શન અરે! તે લોક પણ કૃતપુણ્ય છે;
તુજ પાદથી સ્પર્શાઈ એવી આ ધૂલિને પણ ધન્ય છે.
આ રીતે જન્મભૂમિ સ્થાનના શિલાન્યાસ–મહોત્સવ પ્રસંગે જન્મભૂમિસ્થાનની યાત્રાથી બધાને ઘણો હર્ષ
અને આનંદ થયો હતો. આ જન્મભૂમિસ્થાનમાં શ્રી જિનેન્દ્રદેવના પ્રતિમાજીનું સ્થાપન કરવાની પણ ભાવના છે.

PDF/HTML Page 18 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૭૭ઃ
મા...ન...સ્તં...ભ
(૧) સોનગઢનો માનસ્તંભ
સોનગઢમાં જે માનસ્તંભ છે તે ૬૩ ફૂટ ઊંચો છે; આ આખોય માનસ્તંભ આરસનો બનેલો છે. તેમાં
ઉપર તેમ જ નીચે ચારે દિશામાં શ્રી સીમંધર ભગવાન બિરાજમાન છે, અને નીચેની ત્રણે પીઠિકાઓમાં
જૈનધર્મના ઐતિહાસિક ચિત્રો કોતરેલા છે. આ માનસ્તંભમાં સીમંધર પ્રભુજીની પ્રતિષ્ઠા પરમ પૂજ્ય સદ્ગુરુદેવ
શ્રી કાનજી સ્વામીના મંગલકારી હસ્તે વીર સં. ૨૪૭૯ ના ચૈત્ર સુદ ૧૦ ને બુધવારે થઈ છે.
(૨) માનસ્તંભ તે શું છે? અને ક્યાં ક્યાં છે?
માનસ્તંભ તે કીર્તિસ્તંભ નથી પણ જૈનધર્મનો સ્તંભ છે. કીર્તિસ્તંભ તે તો લૌકિક વસ્તુ છે અને
માનસ્તંભ તો જિનેન્દ્રધર્મનો વૈભવ બતાવનાર ધર્મસ્તંભ છે; તેને ‘ધર્મવૈભવ’ પણ કહેવાય છે અને ઇન્દ્ર વગેરે
જીવો તેનું સન્માન કરે છે તેથી તેને ‘ઇન્દ્રધ્વજ’ પણ કહેવાય છે.
આ મનુષ્યલોકમાં જ મહાવિદેહક્ષેત્ર છે, ત્યાં અત્યારે સીમંધર ભગવાન વગેરે તીર્થંકરો વિચરે છે, તેમના
સમવસરણમાં ચારે બાજુ ચાર માનસ્તંભ છે. માનસ્તંભને દેખતાં જ મિથ્યાદ્રષ્ટિ જીવોનું અભિમાન ગળી જાય છે.
આ મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ–સમૂદ્રો છે, તેમાં અહીંથી આઠમો નંદીશ્વર દ્વીપ છે, ત્યાં શાશ્વત જિનમંદિરો
અને માનસ્તંભો છે. ત્રિલોકસારમાં તેને ‘ધર્મવૈભવ’ તરીકે વર્ણવ્યા છે.
ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવલોકમાં પણ શાશ્વત માનસ્તંભો છે; તે માનસ્તંભમાં સાંકળથી લટકતા
પટારામાં તીર્થંકરો માટેનાં આભૂષણો રહે છે.
સૌધર્મ સ્વર્ગના માનસ્તંભમાં ભરતક્ષેત્રના તીર્થંકરોનાં આભરણ રહે છે.
ઈશાન સ્વર્ગના માનસ્તંભમાં ઐરાવતક્ષેત્રના તીર્થંકરોના આભરણ રહે છે.
સનત્કુમાર સ્વર્ગના માનસ્તંભમાં પૂર્વવિદેહક્ષેત્રના તીર્થંકરોના આભરણ રહે છે.
માહેન્દ્રસ્વર્ગના માનસ્તંભમાં પશ્ચિમવિદેહક્ષેત્રના તીર્થંકરોના આભરણ રહે છે.
આ માનસ્તંભમાં રહેલા આભૂષણો લઈને ઈંદ્ર તીર્થંકરને (ગૃહસ્થદશામાં) પહોંચાડે છે.
વળી આ પૃથ્વીની નીચે ભવનપતિ અને વ્યંતર દેવોના નિવાસસ્થાન આવેલા છે, ત્યાં પણ શાશ્વત
જિનમંદિરો છે ને તેની સામે શાશ્વત માનસ્તંભો છે.
આ ઉપરાંત અત્યારે ભારતમાં પણ શ્રી સમ્મેદશિખરજી, મહાવીરજી, પાવાગઢ, અજમેર, જયપુર–
સંગ્રહસ્થાન, તારંગા, આરા, ચિત્તોડ, દક્ષિણ કન્નડ, મૂલબિદ્રી, કારકલ, શ્રવણ બેલગોલા મ્હૈસુર વગેરે અનેક
સ્થળોએ માનસ્તંભો છે.
*
______________________________________________________________________________
(અનુસંધાન પૃષ્ઠ ૧૭૨ થી ચાલુ)
છે તે જીવ ભવરહિત એવા કેવળી ભગવાનની પ્રતીતનો પુરુષાર્થ ક્યાંથી લાવશે?–એનામાં તો ધર્મ
પામવાની પાત્રતા પણ નથી; ભવરહિત એવા કેવળી ભગવાનની વાણી કેવી હોય–તેનો નિર્ણય પણ તે કરી
શકશે નહિ. કોઈ જીવ રાગથી ધર્મ થશે એમ માને, દેહની ક્રિયાથી ધર્મ માને, અને કહે કે હું કેવળી ભગવાનનો
ભક્ત છું,–તો ખરેખર તે જીવ કેવળી ભગવાનનો ભક્ત નથી, તે કેવળી ભગવાનને માનતો જ નથી, તે તો
વ્યવહારમૂઢ છે; તે અજ્ઞાની જીવ એકલા વિકારની ને વ્યવહારની જ હયાતી સ્વીકારે છે પણ પરમાર્થરૂપ
જ્ઞાયકભાવની હયાતીને સ્વીકારતો નથી એટલે તે વ્યવહારથી જ વિમોહિત ચિત્તવાળો મિથ્યાદ્રષ્ટિ છે.
ભૂતાર્થસ્વભાવની સન્મુખ થઈને આત્માને શુદ્ધપણે જે અનુભવે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે; જેણે પોતાના
ભૂતાર્થસ્વભાવનું અવલંબન લઈને જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો તેણે જ ખરેખર કેવળી ભગવાનને માન્યા છે
અને તે જ ભગવાનનો ખરો ભક્ત છે. ભગવાનના આવા ભક્તને ભવની શંકા રહેતી નથી, અલ્પકાળમાં
ભવનો નાશ કરીને તે પોતે પણ ભગવાન થઈ જાય છે.

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૭૮ઃ આત્મધર્મઃ ૧૧૬
* સર્વજ્ઞભગવાનની
વ્યવહારસ્તુતિ
પણ કોને હોય? *
મવસરણમાં બિરાજમાન શ્રી તીર્થંકર ભગવાનની સ્તુતિ આ પ્રમાણે કરવામાં આવે છે કે હે
જિનેન્દ્ર! આપનું શરીર પરમ સુંદર અને અવિકાર છે, આપનો દેહ દિવ્ય પરમઔદારિક છે; જન્મ્યા
ત્યારથી આપને આહાર હતો પણ નિહાર ન હતો, ને પરમાત્મદશા થયા પછી તો આહાર ન રહ્યો; આપનું
રૂપ સર્વને પ્રિય લાગે છે. આપની વાણી ભવ્યજીવોને અમૃત જેવી લાગે છે; આપની મુદ્રા સમુદ્ર જેવી
અતિ ગંભીર છે, આપના જ્ઞાનમાં બધું પ્રતિભાસ્યું હોવાથી મુદ્રા ઉપર જરાપણ વિસ્મય કે કુતૂહલતા થતી
નથી; વળી આપની મુદ્રા ચળાચળતા રહિત છે, દુનિયાના વિવિધ બનાવો જ્ઞાનમાં પ્રતિભાસવાં છતાં
આપની મુદ્રા વીતરાગતાથી જરાપણ ચલાયમાન થતી નથી. વળી હે નાથ! આપની ધર્મસભામાં સિંહ
અને હરણ, બિલાડી અને ઉંદર વગેરે જાતિવિરોધી પ્રાણીઓ પણ શાંત થઈ નિર્ભયપણે એકસાથે બેસે છે
ને કોઈ કોઈની હિંસા કરતાં નથી.–આવા આવા પ્રકારે શરીરાદિકના વર્ણનથી ભગવાનની જે સ્તુતિ
કરવામાં આવે છે તે વ્યવહારથી જ છે, પરમાર્થે શરીરાદિના સ્તવનથી આત્માની સ્તુતિ થતી નથી; કેમકે
શરીરનું રૂપ કે દિવ્યધ્વનિ વગેરે કાંઈ ભગવાનનું ખરું સ્વરૂપ નથી, તે તો પુણ્યનું ફળ છે, ભગવાનનો
આત્મા તેનાથી જુદો છે. જો તે બાહ્ય પુણ્યના ફળના વર્ણનને જ ભગવાનનું ખરું સ્વરૂપ માની લ્યે અને
તે પુણ્યથી ભિન્ન સર્વજ્ઞ ભગવાનના સ્વરૂપને ન ઓળખે (એટલે કે જ્ઞાનસ્વભાવી આત્માને ન ઓળખે)
તો તે જીવ અજ્ઞાની છે, તે બહુ તો પુણ્ય બાંધે, પણ તેને ભગવાનની સાચી સ્તુતિ (નિશ્ચયથી કે
વ્યવહારથી) હોતી નથી. ભગવાન આત્માના પરમાર્થ સ્વરૂપને જે જાણે તેને જ ભગવાનની સાચી સ્તુતિ
હોય છે. ભગવાન આત્માનું પરમાર્થ સ્વરૂપ જે જીવ જાણે તે પુણ્યને આત્માનું સ્વરૂપ માને નહિ, પુણ્યથી
ધર્મ માને નહિ, દેહની ક્રિયાને આત્માની માને નહિ. કથનમાં ભલે દેહનું વર્ણન આવે, પરંતુ તે વખતે ય,
‘ભગવાનનો આત્મા તો દેહથી જુદો જ્ઞાનસ્વરૂપ છે, વીતરાગ છે અને મારો આત્મા પણ તેવો જ
જ્ઞાનસ્વરૂપ વીતરાગ છે’–એવું લક્ષ જો અંતરમાં હોય તો જ ત્યાં ભગવાનની વ્યવહાર સ્તુતિ છે; પણ જો
તેવું લક્ષ ન હોય તો તો વ્યવહારસ્તુતિ પણ સાચી નથી, કેમકે નિશ્ચયના લક્ષ વગર વ્યવહાર પણ ન
હોય. જેને નિશ્ચયનું લક્ષ નથી તે જીવ ખરેખર ભગવાનની સ્તુતિ નથી કરતો, પણ વિકારની અને જડની
સ્તુતિ કરે છે; ભગવાનને તો તે ઓળખતો નથી, તે તો શરીરને અને પુણ્યના ફળને જ ભગવાન માને
છે. ધર્મીને દેહથી અને રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન છે, તેને ભગવાનની સ્તુતિનો શુભરાગ
થાય અને શરીરના ગુણની વાત વ્યવહારે આવે, પણ ત્યાં તે ધર્મીનું લક્ષ તો જ્ઞાનસ્વરૂપ આત્મા ઉપર છે,
ભગવાનના આત્માના ગુણ સાથે તે પોતાના આત્માના ગુણને માપે છે, અને જેટલો ગુણનો અંશ પ્રગટય
ો તેટલી ભગવાનની સ્તુતિ થઈ એમ તે જાણે છે; તે જ ભગવાનનાં સાચાં ગાણાં ગાય છે. ભગવાનનો
ભક્ત અલ્પજ્ઞતાને કે રાગને આદરતો નથી, પણ રાગરહિત સર્વજ્ઞસ્વભાવને જ આદરે છે. ત્યાં જે
શુભરાગ રહ્યો તેને ‘ભગવાનની વ્યવહાર સ્તુતિ’ નો આરોપ આવે છે. કેવળી પ્રભુ જેવો મારો આત્મા,
જેનાથી ધર્મ થાય ને જન્મ–મરણ ટળે, એમ જેણે પોતાના જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તે જીવ
ભગવાનનો ભક્ત થયો, તે જિનેન્દ્રનો નંદન થયો.....તેને ઈંદ્રિયાધીનપણું ટળ્‌યું એટલે તે જિતેન્દ્રિય
થયો....ધર્માત્મા થયો. આ રીતે જ્ઞાનસ્વભાવી આત્માનું સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન કરવું તે જ
ભગવાનની વાસ્તવિક સ્તુતિ છે અને ત્યાં જ વ્યવહાર સ્તુતિ હોય છે.
(–સોનગઢ પ્રતિષ્ઠા–મહોત્સવનાં પ્રવચનમાંથીઃ સં. ૧૯૯૭)
*

PDF/HTML Page 20 of 21
single page version

background image
* શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ
સોનગઢમાં દર વર્ષે ઉનાળાની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ માટે જૈનદર્શન શિક્ષણવર્ગ ખોલવામાં આવે
છે–તે પ્રમાણે આ વર્ષે પણ ખોલવામાં આવ્યો હતો. આ વર્ગની શિક્ષણ–શૈલિ જોઈને અનેક લોકો પ્રભાવિત થાય
છે. આ વર્ષે શિક્ષણવર્ગમાં એકંદરે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. અને વર્ગના ચાર વિભાગ કરવામાં
આવ્યા હતા. સૌથી ઉત્તમ શ્રેણી (ત્રીજી શ્રેણી) માં મોક્ષમાર્ગ–પ્રકાશક, ઉપાદાન–નિમિત્તના દોહા તથા
જૈનસિદ્ધાંત પ્રવેશિકા ચાલતા હતા, મધ્યમ શ્રેણીમાં દ્રવ્યસંગ્રહ તથા જૈનસિદ્ધાંત પ્રવેશિકા ચાલતા હતા, પ્રથમ
શ્રેણીમાં છહઢાળા તથા જૈનસિદ્ધાંત પ્રવેશિકા ચાલતા હતા, અને બાલવર્ગમાં જૈનબાળપોથી તથા જૈનસિદ્ધાંત
પ્રવેશિકા ચાલતા હતા. વર્ગનું શિક્ષણ લગભગ ૨૨ દિવસ ચાલ્યું હતું, ત્યારબાદ પરિક્ષા લેવામાં આવી હતી અને
વિદ્યાર્થીઓને ૧૭પ રૂા. ના પુસ્તકો ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. આ વખતની પરીક્ષાના પ્રશ્ન–પેપર આ
અંકમાં છાપવામાં આવ્યા છે; તેના જવાબો આવતા અંકમાં છપાશે. બાલવર્ગની પરીક્ષા મૌખિક લેવામાં આવી
હતી. પરીક્ષામાં વિશેષ માર્ક મેળવીને ઊંચા નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓ નીચે મુજબ હતાઃ–
ત્રીજી શ્રેણી–(ઉત્તમ શ્રેણી)
(૧) જગદીશચંદ્ર નવલચંદ શાહઃમુંબઈમાર્ક ૯૪
(૨) મણિયાર રસિકલાલ ધરમશીઃવઢવાણ માર્ક ૯૨
(૩) મહેન્દ્રકુમાર પાટનીઃકિશનગઢ માર્ક ૯૧
(૪) વકીલ શીવલાલ દેવચંદ દોશીઃરાજકોટમાર્ક ૯૦
(પ) જેઠાલાલ ચુનીલાલ વકીલ માર્ક ૮૯
બીજી શ્રેણી (મધ્યમ શ્રેણી)
(૧) ગુણવંતરાય મનસુખલાલ શાહપોલારપુરમાર્ક ૯૦
(૨) રજનીકાન્ત જસરાજભાઈ શાહઅમદાવાદમાર્ક ૮૨
(૩) હરીન્દ્ર જસરાજભાઈ શાહઅમદાવાદમાર્ક ૮૦
(૪) મનસુખલાલ કપુરચંદ દોશીવડીયામાર્ક ૭૯
(પ) વાડીલાલ મનસુખલાલ શાહગોરડકામાર્ક ૭૨
પ્રથમ શ્રેણી (તથા )
(૧) ચંદુલાલ રાઘવજી બરવાળામાર્ક ૯૯
(૨) અંબાલાલ ગુલાબચંદ ગુજરવદીમાર્ક ૯૭
જયસુખલાલ જગજીવનવાંકાનેરમાર્ક ૯૭
(૩) જયંતિલાલ શાંતિલાલ મુંબઈમાર્ક ૯૬
(૪) બળવંતરાય ટપુલાલવડીયામાર્ક ૯પ
(પ) મનહરલાલ ઉત્તમચંદવડીયામાર્ક ૯૪
(૬) ધીરજલાલ રાયચંદ રાણપુરમાર્ક ૯૩
સતીશચંદ્ર શાંતિલાલ સોનગઢમાર્ક ૯૩
(૭) ભૂપતરાય નાગરદાસભાવનગરમાર્ક ૯૨
(૮) પ્રતાપદાન ચંદ્રદાનપોલારપુરમાર્ક ૯૧
વૈશાખ વદ છઠ્ઠ–આઠમના મહોત્સવો દર સાલ મુજબ ઉજવવામાં આવ્યા હતા.
સૂચનાઃ
“આત્મધર્મ” ના ચૈત્ર માસના અંકમાં ૧૨૨ મા પાને બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લેનારના નામોમાં ભાઈ
હરગોવિંદભાઈ ખારા–એમ નામ લખાઈ ગયું છે તેને બદલે રસનાળના ભાઈ શ્રી હરગોવિંદદાસ મોતીચંદ શેઠ–
એ પ્રમાણે નામ વાંચવું.