Atmadharma magazine - Ank 122
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૧
સળંગ અંક ૧૨૨
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः
વર્ષ અગિયારમુંસમ્પાદકઃમાગશર
અંક બી જોરામજી માણેકચંદ દોશી૨૪૮૦
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
* જિનશાસનનો સાર *
સર્વ જિનશાસનનો સાર શું?–કે જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્મા તે સર્વ
જિનશાસનનો સાર છે, આત્માનો સ્વભાવ શું, વિકાર શું અને પર શું–એ ત્રણેને
જાણીને, વિકાર અને પરથી ભિન્ન એવા શુદ્ધઆત્મસ્વભાવમાં અંતર્મુખ થઈને
એકાગ્ર થવું તે જૈનશાસન છે. જેણે શુદ્ધઆત્માને જાણ્યો તેણે સર્વ જૈનશાસનને
જાણ્યું છે; અને જે પોતાના આત્માને નથી જાણતો તેણે જૈનશાસનને જાણ્યું નથી.
જૈનશાસન તે કોઈ બહારની ચીજ નથી પણ શુદ્ધઆત્માની અનુભૂતિ તે જ
જૈનશાસન છે, અને તે આત્માની વીતરાગી નિર્મળ પર્યાય છે. જિનશાસનના સર્વ
શાસ્ત્રોનું તાત્પર્ય પોતાના શુદ્ધઆત્માને જાણીને તેમાં એકાગ્ર થવું તે જ છે. જે જીવ
પર્યાયને અંતરમાં વાળીને વીતરાગભાવ પ્રગટ કરે તે પોતે જિનશાસન છે, અને
સર્વે શાસ્ત્રોના સારને તેણે જાણ્યો છે, શાસ્ત્રસમુદ્રમાં રહેલું પરમ ચૈતન્યરત્ન તેણે
પ્રાપ્ત કરી લીધું છે.
– પ્રવચનમાંથી
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
વાર્ષિક લવાજમછૂટક નકલ
ત્ર ણ રૂ પિ યા(૧૨૨)ચાર આના
જૈન સ્વાધ્યાય મંદિરઃ સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
નિરંતર.....ભાવવા.....જેવી.....ભાવના
હું જાણનાર છું–એમ જાણનાર તત્ત્વનું લક્ષ રાખવું.
દેહ તે હું નથી, દેહ મારો નથી, હું તો દેહથી ભિન્ન જાણનાર છું.
જાણનારમાં મુંઝવણ નથી.
શરીરમાં વ્યાધિ છે પણ જ્ઞાનમાં વ્યાધિ નથી.
મારામાં વ્યાધિ નથી, હું તો વ્યાધિનો જાણનાર છું.
શરીરમાં ભીંસ પડે પણ જ્ઞાનમાં ભીંસ નથી.
જ્ઞાન તો ધીર–શાંત–જાણનાર છે.–આમ આત્માનું લક્ષ રાખવું.
હું દેહ સાથે એકમેક થઈને કદી રહ્યો નથી,
હું તો મારા જ્ઞાન સાથે જ એકમેક છું.
કદી પણ મારા જ્ઞાનથી છૂટીને હું દેહસ્વરૂપ થયો નથી,
દેહમાં રહ્યો છતાં દેહથી જુદો જ છું.
દેહનો વિયોગ થવા છતાં મારા જ્ઞાનતત્ત્વનો કદી નાશ થતો નથી.
રોગાદિ શરીરમાં થાય, પરંતુ શરીર હું નથી, હું તો અતીન્દ્રિજ્ઞાન છું, મારા જ્ઞાનમાં
રોગાદિનો પ્રવેશ નથી.
અહો! એ જ્ઞાનતત્ત્વ કેવું!–કે ગમે તેવા વ્યાધિ વગેરે પ્રસંગ વખતે પણ જેના લક્ષે
શાંતિ રહે....જેના લક્ષે સર્વ પ્રકારની મુંઝવણ ટળી જાય......
અહો! આવું જ્ઞાનમય આનંદતત્ત્વ!! તે હું જ છું.
–આવું લક્ષ રાખે તેને મૃત્યુ વખતે મુંઝવણ થતી નથી; તે વખતે ય તેને ચૈતન્યની
જાગૃતિ રહે છે. ભિન્નતાની આવી ભાવના જીવનમાં નિરંતર ભાવવા જેવી છે.
(–એક પ્રસંગ ઉપરથી.)

PDF/HTML Page 4 of 21
single page version

background image
[સં...પા...દ...કી...ય]
આજના યુવક બંધુઓને.....
હે યુવાન બંધુ!
જેમાં તારા બુદ્ધિ–બળનો સદુપયોગ થાય એવી એક હિતકારી વાત આજે તારા માટે
અહીં કરું છું.
હે બંધુ!
તું તારા અત્યાર સુધીના જીવનને વિચારપૂર્વક જો, અને વિચાર કર કે અત્યાર સુધીના
જીવનમાં તેં એવું શું કર્યું છે કે જેથી તારું હિત થાય....તને શાંતિ થાય....અને તારા જીવનની તને
સફળતા લાગે!
–જો હજી સુધી તારા જીવનમાં તેં એવું કાંઈ પણ કર્તવ્ય ન કર્યું હોય, ને ખોટા માર્ગે જ
તેં તારું જીવન વીતાવ્યું હોય,–તો હે બંધુ! હવે તું જાગ...જાગીને દ્રઢતાપૂર્વક એવું કાંઈક કાર્ય
કરવાનો ઉદ્યમી થા કે જેથી તારું હિત થાય....અને તારા બુદ્ધિ–બળની સફળતા થાય.
હે યુવાન બંધુ!
હવે તને એમ જિજ્ઞાસા થશે કે મારે મારા બુદ્ધિ–બળને એવા કયા કાર્યમાં રોકવા કે જેથી
મારું હિત થાય ને બુદ્ધિ–બળની સફળતા થાય!!
સાંભળ ભાઈ! જો તને હિતકાર્ય કરવા માટેની જિજ્ઞાસા જાગી છે તો તે માટેનું કર્તવ્ય તને
બતાવું છું.
હે જિજ્ઞાસુ!
પ્રથમમાં પ્રથમ તું આસ્તિક તો હશે જ. ‘આત્મા છે, આત્માને પૂર્વજન્મ છે, મોક્ષ છે’–
એટલું તો તું જરૂર માનતો જ હશે. જો અત્યાર સુધી આ બાબતમાં તેં વિચાર ન કર્યો હોય તો
હવે આ જ ક્ષણે તેનો વિચાર કરીને માન.
‘આત્મા છે, પૂર્વજન્મ છે, મોક્ષ છે’–એવી આસ્તિક્યતા (વિશ્વાસ) કર્યા પછી તું તારી
સ્વાધીનતા જાણ....કે હું એક સ્વાધીન જીવ છું, મને કોઈ બનાવનાર નથી તેમ જ મારે કોઈ
બીજાને આધીન થઈને ગુણ–દોષ કરવા પડે એમ પણ નથી; મારા ગુણ કે દોષ, પુણ્ય કે પાપ,
ધર્મ કે અધર્મ, હિત કે અહિત, સંસાર કે મોક્ષ, જ્ઞાન કે અજ્ઞાન–તે બધું મારા જ હાથમાં છે.
આવી આત્મ–સ્વાધીનતા જાણ્યા પછી–‘જીવ શું ચીજ છે, તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? કેવા
કર્તવ્યથી તેનું અહિત થાય છે ને કેવા કર્તવ્યથી તેનું હિત થાય?’–તે જાણવાની જરૂર છે, અને
તને પણ ચોક્કસ તે જાણવાની જિજ્ઞાસા થશે. તેથી તે હવે પછી કહીશ.
* * *
માગશરઃ ૨૪૮૦ ઃ ૨૭ઃ

PDF/HTML Page 5 of 21
single page version

background image
હે ઉત્સાહી યુવાન!
તારા સાંસારિક કાર્યોમાં તને સફળતા ન મળી હોય...સંસારમાં ચારે તરફની
પ્રતિકૂળતાથી તું ઘેરાઈ ગયેલો હો–તોપણ...તું હતોત્સાહ ન થઈશ, નિરાશ ન થઈશ.... મુંઝાઈને
તારા જીવનના ઉત્સાહને તોડી ન નાંખીશ...પરંતુ તેવે વખતેય તારા બુદ્ધિ–બળને બરાબર
જાગૃત અને સ્થિર રાખીને એમ વિચારજે કે સંસારમાં ગમે તેવી પ્રતિકૂળતાનો પ્રસંગ હોવા
છતાં મારાથી મારા હિતનો ઉદ્યમ ન થઈ શકે એવું કદી પણ નથી; કોઈ સંજોગોની એવી તાકાત
નથી કે મારા ધાર્મિક ઉત્સાહબળને તોડી શકે!
લૌકિક ભણતર કે વેપાર, ગૃહવાસ કે નોકરી વગેરે લૌકિક કાર્યોમાં સફળતા કે
નિષ્ફળતાનું કારણ જુદું છે, ને ધાર્મિકબળ તેનાથી તદ્ન જુદી ચીજ છે. માટે હે ભાઈ! તને ફરી
ફરીને કહેવાનું કે–જગતથી તું ભલે નાસીપાસ થયો હો........પણ તારા આત્મહિત માટેના
ઉત્સાહમાં તું નાસીપાસ ન થઈશ....અત્યારે આ ઘડીએ જ તારા સમસ્ત બુદ્ધિ–બળનો ઉપયોગ
આત્મહિતને માટે કરવાનો તું નિર્ણય કર. બસ! આ નિર્ણય કરતાં જ તેની દ્રઢતાના જોરે તારા
જીવનમાં એક નવી દિશા ખૂલશે અને અત્યાર સુધીમાં તને ન થઈ હોય એવી શાંતિ થશે.
જીવનમાં અનેકવિધ પ્રતિકૂળતા આવવી તે કાંઈ અસાધારણ વાત નથી, પરંતુ તે પ્રસંગે
પોતાના બુદ્ધિ–બળને સ્થિર રાખીને પ્રતિકૂળતા સામે પણ પોતાના ધાર્મિક ઉત્સાહને ટકાવી
રાખવો ને હિતકર્તવ્યમાં ઉદ્યમી થવું તે સાચો પુરુષાર્થ છે.
હે યુવકભાઈ!
જગતના કાર્યોમાં જો તને નિષ્ફળતા મળતી હોય તો તું સમજ કે પૂર્વજન્મમાં તેં
પાપકાર્યો કરેલાં છે....અને જગતના કાર્યોમાં સફળતા થતી હોય તો તું એમ સમજ કે તે તારા
પૂર્વજન્મના પુણ્યકાર્યોનું જ ફળ છે.–પરંતુ જેનાથી તારા આત્માનું હિત થાય એવું ધર્મકાર્ય તો
તારે આ જન્મમાં નવા જ પ્રયત્નથી કરવાનું છે. માટે હે બંધુ! તું તારા પોતાના જ હિતને માટે
તે નવીન પ્રયત્ન ની દિશાને સમજવા ઉદ્યમી થા.
નોંધઃ
(જિજ્ઞાસુ યુવાન બંધુઓ આ લેખ વાંચ્યા પછી તે સંબંધી પોતાના કાંઈ વિચારો
સંપાદકની જાણ માટે મોકલવા હોય તો ખુશીથી મોકલાવે.)
સંસારનું મૂળ
અજ્ઞાની પોતાના રાગાદિ દોષો પરથી માને છે,
તેમ જ પોતાના જ્ઞાનાદિ ગુણો પણ પરથી માને છે,
એટલે તેને આત્માના સ્વાધીન ગુણોની શ્રદ્ધા નથી અને
ગુણવાન એવા આત્માની પણ ખરેખર તેને શ્રદ્ધા નથી.
પરમાંથી પોતાના ગુણ લેવા માંગે છે–એવી તેની
પરાધીનબુદ્ધિ જ મિથ્યા હોવાથી દુઃખરૂપ છે. જેનાથી તે
જીવ પોતાના દોષ માને છે તેના ઉપર એકત્વબુદ્ધિથી
અનંતો દ્વેષ કરે છે, અને જેનાથી પોતાના ગુણ માને છે
તેના ઉપર એકત્વબુદ્ધિથી અનંતો રાગ કરે છે;–આ
અનંત સંસારના પરિભ્રમણનું મૂળકારણ છે.
મોક્ષનું મૂળ
જ્ઞાની ધર્માત્મા જાણે છે કે હું પરથી જુદો છું,
મારા ગુણ–દોષ પણ પરથી ભિન્ન છે; રાગાદિ દોષ કે
જ્ઞાનાદિ ગુણ મને પરને લીધે થતા નથી; રાગાદિ દોષ
તે મારી પર્યાયનો અપરાધ છે ને જ્ઞાનાદિ ગુણ તો
મારો સ્વભાવ જ છે.–આમ જાણતો હોવાથી જ્ઞાનીને
પર સાથે એકત્વબુદ્ધિપૂર્વકના રાગ–દ્વેષ થતા જ નથી,
અને પોતાના ગુણસ્વભાવની પ્રતીત તેને કદી ખસતી
નથી; એટલે અનંતસંસારના પરિભ્રમણનું મૂળ તેને
છેદાઈ ગયું છે, ને મોક્ષનું મૂળ કારણ એવું ભેદજ્ઞાન
તેને પ્રગટયું છે.
ઃ ૨૮ઃ આત્મધર્મઃ ૧૨૨ઃ

PDF/HTML Page 6 of 21
single page version

background image
આત્મકલ્યાણને માટે ઝંખતા જિજ્ઞાસુઓને આ લેખ વાંચતાં
એમ થશે કેઃ અહો! મહા ઉપકારી સંતો સિવાય આત્મ–
કલ્યાણની આવી વાત્સલ્યભરી અદ્ભુત પ્રેરણા કોણ આપે!
*************************************************
અરે જીવ! ચૈતન્યના અનુભવ વગરનું જીવન તને કેમ ગોઠે છે?–હે જીવ!
હવે તો તું જાગૃત થા...જાગૃત થઈને, અમે તને તારું ચૈતન્યસ્વરૂપ બતાવ્યું તેનો
અનુભવ કરવા માટે ઉદ્યમી થા. મોહની મૂર્છામાં હવે એક ક્ષણ પણ ન ગુમાવ.
ચૈતન્યનું જીવન પ્રાપ્ત કરવા માટે એકવાર તો આખાય જગતથી છૂટો પડીને
અંતરમાં તારા ચૈતન્ય–વિલાસને દેખ. આમ કરવાથી તને અપૂર્વ કલ્યાણની પ્રાપ્તિ
થશે. હે ભાઈ! હે વત્સ! હવે તારે આ જીવનમાં એ જ કરવા જેવું છે.
*************************************************
[૧]
જે જીવને ચૈતન્યસ્વરૂપ આત્માની ખબર નથી અને અજ્ઞાનભાવથી જડ સાથે તથા વિકાર સાથે એકમેકપણું
માની રહ્યો છે તેને આચાર્યદેવે સમજાવ્યું કે હે ભાઈ! તારો આત્મા તો સદાય ચૈતન્યસ્વરૂપ છે, તારો ચૈતન્યસ્વરૂપ
આત્મા જડ સાથે કદી એકમેક થઈ ગયો નથી. માટે હે જીવ! હવે તું જડ સાથે એકમેકપણાની માન્યતાને છોડ અને
તારા ચૈતન્યસ્વરૂપ આત્માને દેખ. જડથી ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ અમે તને બતાવ્યું, તે જાણીને હવે તું પ્રસન્ન થા,–
સાવધાન થા.
–આમ અનેક પ્રકારથી આચાર્યદેવે સમજાવ્યું; છતાં આટલાથી પણ કોઈ જીવ ન સમજે તો ફરીને તેને પ્રેરણા
કરતાં આચાર્યદેવ કહે છે કે–
अयि! कथमपि मृत्वा तत्त्वकौतूहली सन्
अनुभव भवमूर्तेः पार्श्चवर्ती मुहूर्तम् ।
पृथगथ विलसंतं स्वं समालोक्य येन
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम् ।। २३।।
રે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ તત્ત્વનો કૌતૂહલી થા, ચૈતન્યતત્ત્વને જોવા માટે
મહા પ્રયત્ન કર. આ શરીરાદિ મૂર્ત દ્રવ્યોનો બે ઘડી પાડોશી થઈને, તેમનાથી ભિન્ન એવા તારા આત્માનો અનુભવ
કર. તારા આત્માનો ચૈતન્યવિલાસ સમસ્ત પર દ્રવ્યોથી ભિન્ન છે, તેને દેખતાં જ સમસ્ત પર દ્રવ્યો સાથે એકપણાનો
તારો મોહ છૂટી જશે.
[૨]
અહીં, મરીને પણ ચૈતન્યમૂર્તિ આત્માનો અનુભવ કર–એમ કહીને તે કાર્યની પરમ મહત્તા બતાવી છે. હે
ભાઈ! તારા સર્વ પ્રયત્નને તું
માગશરઃ ૨૪૮૦ ઃ ૨૯ઃ

PDF/HTML Page 7 of 21
single page version

background image
આ તરફ વાળ. એક આત્મ–અનુભવ સિવાય જગતના બીજા બધા કામો કરવામાં જાણે કે મારું મૃત્યુ થઈ ગયું હોય–
એમ તેમનાથી ઉદાસીન થઈને, આ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરવા માટે જ ઉદ્યમી થા....સર્વ પ્રકારના ઉદ્યમ
વડે અંતરમાં વળીને તારા આત્માને પરથી જુદો દેખ.
[૩]
અરે જીવ! ચૈતન્ય તત્ત્વના અનુભવ વગરનું જીવન તને કેમ ગોઠે છે? આત્માના ભાન વગરના જીવોનું
જીવન અમને તો મડદા જેવું લાગે છે. જ્યાં ચૈતન્યની જાગૃતિ નથી, અરે! પોતે કોણ છે તેની જ પોતાને ખબર નથી–
એને તે જીવન કેમ કહેવાય? હે જીવ! હવે તો તું જાગૃત થા....જાગૃત થઈને, અમે તને તારું ચૈતન્યસ્વરૂપ બતાવ્યું
તેઓ અનુભવ કરવા ઉદ્યમી થા. મોહની મૂર્છામાં હવે એક ક્ષણ પણ ન ગુમાવ. ચૈતન્યનું જીવન પ્રાપ્ત કરવા એકવાર
તો આખાયે જગતથી છૂટો પડીને અંતરમાં તારા ચૈતન્ય–વિલાસને દેખ. એમ કરવાથી તારો અનાદિનો મોહ છૂટીને
તને અપૂર્વ કલ્યાણની પ્રાપ્તિ થશે.
હે ભાઈ! હે વત્સ! હવે તારે આ જીવનમાં એ જ કરવા જેવું છે. તને અઘરું લાગતું હોય અને ગભરામણ થતી
હોય તો અમે તને કહીએ છીએ કે હે ભાઈ! એ અઘરું નથી, પણ પ્રયત્નથી સહેલું છે; ફક્ત એકવાર તું જગતના બધા
પરદ્રવ્યોથી જુદો પડી તેનો પાડોશી થઈ જા, ને જગતથી ભિન્ન ચૈતન્યતત્ત્વને દેખવા માટે કુતૂહલ કરીને અંતરમાં તેનો
ઉદ્યમ કર.–આમ કરવાથી તને અંતરમાં આનંદસહિત ચૈતન્યનો અનુભવ થશે અને તારી મુંઝવણ મટી જશે.
[૪]
પરમાં કાંઈક નવીન વાત આવે ત્યાં તેને જાણવાનું કેવું કુતૂહલ કરે છે! તો અનાદિકાળથી નહિ જાણેલ એવું
પરમ મહિમાવંત ચૈતન્યતત્ત્વ, તેને જાણવા માટે કુતૂહલ કેમ નથી કરતો? ‘આત્મા કેવો છે’–તે જાણવાનું એકવાર
તો કુતૂહલ કર. જગતની દરકાર છોડીને આત્માને જાણવાની દરકાર કર. અરે જીવ! જગતનું અવનવું જાણવાની હોંશ
અને ચૈતન્યતત્ત્વને જાણવામાં બેદરકારી,–એ તને નથી શોભતું. માટે ચૈતન્યને જાણવાની વિસ્મયતા લાવ ને
દુનિયાની દરકાર છોડ. દુનિયા તને મૂર્ખ કહેશે, અનેક પ્રકારની પ્રતિકૂળતા કરશે, પણ તે બધાયની ઉપેક્ષા કરીને
અંતરમાં ચૈતન્યભગવાન કેવા છે તેને જોવાનું એક જ લક્ષ રાખજે. જો દુનિયાની અનુકૂળતા–પ્રતિકૂળતામાં રોકાઈશ
તો તારા ચૈતન્યભગવાનને તું જોઈ શકીશ નહિ. માટે દુનિયાની દરકાર છોડીને....એકલો પડીને...અંતરમાં પોતાના
ચૈતન્ય સ્વભાવને દેખવાનો મહાન ઉદ્યમ તું કર.
[પ]
આચાર્યદેવ અત્યંત કોમળતાથી પ્રેરણા આપે છે કે હે બંધુ! અનાદિકાળથી તું આ ચોરાશીના કૂવામાં પડયો
છે, તેમાંથી શીઘ્ર બહાર નીકળવા માટે તું મરીને પણ તત્ત્વનો કૌતૂહલી થા. અહીં ‘મરીને પણ કૌતૂહલી થવાનું કહ્યું
તેમાં પરાકાષ્ઠાની વાત કરી છે. મૃત્યુ સુધીના ઉત્કૃષ્ટ પ્રસંગને લક્ષમાં લઈને તું આત્માને જોવાનો કૌતૂહલી થા....
મરણ પ્રસંગ ભલે આવે નહિ પણ તું તેટલી ઉત્કૃષ્ટ હદને લક્ષમાં લઈને ચૈતન્યને જોવાનો ઉદ્યમ કર. ‘મરીને પણ’
એટલે કે દેહ જતો હોય તો ભલે જાય પણ મારે તો આત્માનો અનુભવ કરવો છે. ‘મરીને’ એમ કહ્યું તેમાં ખરેખર
તો દેહદ્રષ્ટિ છોડવાનું કહ્યું છે; મરતાં તો દેહ છૂટે છે પણ હે ભાઈ! તું આત્માને જોવા ખાતર જીવતાં જ દેહની દ્રષ્ટિ
છોડી દે....‘દેહ તે હું’
ઃ ૩૦ઃ આત્મધર્મઃ ૧૨૨

PDF/HTML Page 8 of 21
single page version

background image
–એવી માન્યતા છોડી દે.
[૬]
ચૈતન્યતત્ત્વને જોવા માટે કુતૂહલ કરવાનું કહ્યું તે શિષ્યની ચૈતન્યને જોવા માટેની તાલાવેલી અને ઉગ્રતા
બતાવે છે. તું પ્રમાદ છોડીને ઉગ્ર પ્રયત્ન વડે ચૈતન્યતત્ત્વને દેખ. જેમ સરકસ વગેરેના નવા નવા પ્રસંગ જોવામાં
કુતૂહલ છે એટલે ત્યાં એક નજરે જોઈ રહે છે, ત્યાં ઝોકાં આવતા નથી, પ્રમાદ કરતો નથી, તેમ હે ભાઈ!
શરીરાદિકથી ભિન્ન એવા તારા ચૈતન્યતત્ત્વને જોવા માટે જગતની પ્રતિકૂળતાનું લક્ષ છોડીને અંતરમાં કુતૂહલ કર,
પૂર્વે કદી નહિ જોયેલ એવા પરમ ચૈતન્ય ભગવાનને જોવા માટે તાલાવેલી કર....પ્રમાદ છોડીને તેમાં ઉત્સાહ કર.
[૭]
જેને ચૈતન્યતત્ત્વના અનુભવની તાલાવેલી લાગી હોય તે જીવ જગતની મૃત્યુ સુધીની પ્રતિકૂળતાને પણ
ગણકારતો નથી. સામે પ્રતિકૂળતા તરીકે મરણ સુધીની વાત લીધી અને અહીં ચૈતન્યને જોવા માટે તાલાવેલી–
કુતૂહલની વાત લીધી,–એ રીતે સામસામી ઉત્કૃષ્ટ વાત લીધી છે. ચૈતન્યતત્ત્વને જોવા માટે, સામે શરીર જતાં સુધીની
પ્રતિકૂળતા લક્ષમાં લઈને તેની દરકાર જેણે છોડી, તે જીવ સંયોગની દ્રષ્ટિ છોડીને અંતરના ચૈતન્યસ્વભાવમાં વળ્‌યા
વગર રહેશે નહિ. અસંયોગી ચૈતન્ય તત્ત્વનો અનુભવ કરવાની જેને કામના છે તે જીવ, બહારમાં શરીરના વિયોગ
સુધીની પ્રતિકૂળતા આવે તોપણ મુંઝાતો નથી...ડરતો નથી. અહીં એ વાત પણ સમજી લેવી કે ચૈતન્યના અનુભવનો
કામી જીવ જેમ જગતની પ્રતિકૂળતાને ગણકારતો નથી તેમ જગતની અનુકૂળતામાં તે હોંશ પણ નથી કરતો, તેમ જ
બહારના જાણપણામાં સંતોષ માનીને તે અટકી જતો નથી. અંતરમાં એક ચૈતન્યતત્ત્વનો જ મહિમા તેના હૃદયમાં વસે
છે, એ સિવાય બીજા બધાયનો મહિમા તેના હૃદયમાંથી છૂટી ગયો છે. એટલે ચૈતન્યના મહિમાના જોરે તે જીવ
સંયોગનું અને વિકારનું લક્ષ છોડીને, તેમનાથી ભિન્ન ચૈતન્યતત્ત્વનો અનુભવ કર્યા વગર રહેશે નહિ.
[૮]
અખંડ ચૈતન્ય સામર્થ્યને ચૂકીને જેને અલ્પતામાં ને વિકારમાં એકપણાની બુદ્ધિ છે તેને સંયોગમાં પણ
એકપણાની બુદ્ધિ પડી જ છે; સંયોગમાં એકપણાની બુદ્ધિ વગર અલ્પતામાં કે વિકારમાં એકપણાની બુદ્ધિ થાય નહિ.
જો સંયોગમાંથી એકત્વબુદ્ધિ ખરેખર છૂટી હોય તો સંયોગ–રહિત સ્વભાવમાં એકત્વબુદ્ધિ થઈ હોવી જોઈએ.
અહીં આચાર્યદેવ અપ્રતિબુદ્ધ શિષ્યને સમજાવે છે. હે જીવ! અનાદિથી તારા ભિન્ન ચૈતન્યતત્ત્વને ચૂકીને,
બાહ્યમાં શરીરાદિ પર પદાર્થો સાથે એકપણાની માન્યતાથી તેં જ મોહ ઊભો કર્યો હતો, હવે દેહાદિકથી ભિન્ન ચૈતન્ય
તત્ત્વની ઓળખાણ કરતાં જ તારો તે મોહ ટળી જશે. માટે સર્વ પ્રકારે તું તેનો ઉદ્યમ કર.
[૯]
આચાર્યદેવ કહે છે કે હે શિષ્ય! મરીને પણ તું તત્ત્વનો કૌતૂહલી થા. જુઓ, શિષ્યમાં ઘણી પાત્રતા અને
તૈયારી છે તેથી, મરીને પણ તત્ત્વનો કૌતૂહલી થવાની આ વાત સાંભળવા તે ઊભો છે, અંતરમાં સમજીને આત્માનો
અનુભવ કરવાની તેને ભાવના છે, ધગશ છે, એટલે જિજ્ઞાસાથી સાંભળે છે. તેને પોતાને પણ અંતરમાં એટલું તો
ભાસી ગયું છે કે આચાર્યભગવાન
માગશરઃ ૨૪૮૦ ઃ ૩૧ઃ

PDF/HTML Page 9 of 21
single page version

background image
મને ‘મરીને પણ આત્માનો અનુભવ કરવાનું કહે છે તો જરૂર મારે પણ એ જ કરવા જેવું છે, ગમે તેમ કરીને પણ
મારે મારા ચૈતન્યનો અનુભવ કરવો તે જ મારું કર્તવ્ય છે.–આવો શિષ્ય અંતરમાં અપૂર્વ પ્રયત્નવડે અલ્પકાળમાં જ
ચૈતન્ય તત્ત્વનો અનુભવ જરૂર કરશે.
[૧૦]
જેને અંતરમાં ચૈતન્યતત્ત્વ જાણવાનું કુતૂહલ જાગ્યું અને તે માટે શરીરનો નાશ થવા સુધીની પ્રતિકૂળતાને
પણ સહન કરવા તૈયાર થયો, તે જીવ પોતાના પ્રયત્નવડે ચૈતન્યમાં વળ્‌યા વગર રહેશે નહિ. શરીરને જતું કરીને પણ
મારે આત્માને જોવો છે–એમ લક્ષમાં લીધું તેમાં એ વાત આવી જ ગઈ કે હું શરીરથી જુદો છું, મારે શરીરાદિ પર
વસ્તુ વગર જ ચાલે છે. શરીર છોડીને પણ ચૈતન્ય તત્ત્વનો અનુભવ કરવા માટે જે તૈયાર થયો તેને શરીરમાં
પોતાપણાની બુદ્ધિ તો સહેજે ટળી જાય છે, શરીર જતાં પણ મને મારા આત્માનો અનુભવ રહી જશે–એવું
ભિન્નતત્ત્વનું લક્ષ તેને થઈ ગયું છે.
હે જીવ! તારો આત્મા ચૈતન્યસ્વરૂપ છે તે સંસારરહિત છે, આવા સંસારરહિત ચૈતન્યતત્ત્વનો અનુભવ
કરવા માટે, આખાય સંસારપક્ષની દરકાર છોડીને તું ચૈતન્ય તરફ વળ; આમ કરવાથી આખા સંસારથી ભિન્ન એવા
તારા પરમ ચૈતન્યતત્ત્વનો તને અનુભવ થશે, અને તારું પરમ કલ્યાણ થશે.
આ પ્રમાણે આચાર્યદેવે આત્મકલ્યાણની અદ્ભુત પ્રેરણા કરી.
“અહો! મહા ઉપકારી સંતો સિવાય આત્મકલ્યાણની આવી વાત્સલ્યભરી અદ્ભુત પ્રેરણા કોણ આપે?”
*
જગતના સમસ્ત પદાર્થોમાં સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધ્રુવ બતાવ્યાં છે તે
ભગવાનની સર્વજ્ઞતાનું ચિહ્ન છેઃ સર્વજ્ઞ ભગવાનની ઓળખાણપૂર્વક, સર્વજ્ઞ
ભગવાને કહેલાં યથાર્થ વસ્તુસ્વરૂપનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો તે ધર્મી
થવા માટેનું પ્રથમ કર્તવ્ય છે.
*
દરેક વસ્તુનું સ્વરૂપ ઉત્પાદ–વ્યય–ધ્રુવ–સ્વરૂપ છે. ઉત્પાદ એટલે ઉપજવું, વ્યય એટલે નાશ થવો; અને ધ્રુવ
એટલે ટકી રહેવું. વસ્તુમાં આવા ઉત્પાદ–વ્યય–ધુ્રવ ત્રણે એક સમયમાં એક સાથે છે.
વસ્તુ પોતાના મૂળ સ્વરૂપમાં ધ્રુવ રહીને, તેનામાં સમયે સમયે નવી નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે અને તે
જ સમયે તેની જુની અવસ્થાનો વ્યય થાય છે.
આ ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં મોટો સિદ્ધાંત છે કે જે સમયે જે અવસ્થાનો ઉત્પાદ થાય તે જ સમયે તે અવસ્થાનો
વ્યય ન થાય. તેમ જ જે પર્યાયનો ઉત્પાદ થયો તે બીજા સમયે ટકે નહિ એટલે કે એક ને એક પર્યાય લંબાઈને બે
સમય ટકે નહિ, બીજા સમયે તેનો વ્યય થઈ જાય. ત્યારે ધુ્રવસ્વભાવ તો ઉત્પાદ–વ્યય વગર સદાય એવો ને એવો
એકરૂપ ટકી રહે છે. તે ધ્રુવસ્વભાવનું લક્ષ કરતાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો ઉત્પાદ અને મિથ્યાત્વાદિ પર્યાયનો
વ્યય થઈ જાય છે.
ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ જે સત્ છે તેમાં કાંઈ ગ્રહવા–છોડવાનું રહેતું નથી પણ જ્ઞાતાપણું જ

PDF/HTML Page 10 of 21
single page version

background image
રહે છે. પર દ્રવ્યો પોતપોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ સત્ છે એટલે તેમાં આત્મા કાંઈ કરતો નથી. અને આત્મા પોતે
પણ સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ સત્ છે, તે સમય–સમયના સત્માં કાંઈ ફેરફાર કરવાનું કે ગ્રહણ–ત્યાગ
કરવાનું રહેતું નથી, એકલું જ્ઞાતાપણું રહે છે. આ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ સત્સ્વભાવના નિર્ણયમાં જ્ઞાન અને
વીતરાગતા આવી જાય છે.
આત્મામાં પૂર્વની અવસ્થાઓ તો વીતી ગઈ છે–એટલે તેને શું છોડવી? તેનો વ્યય થઈ ગયો છે એટલે તેને
છોડવાપણું રહેતું નથી.
ભવિષ્યની પર્યાય હજી થઈ જ નથી એટલે તેમાં પણ શું છોડવું?
અને વર્તમાનમાં જે અવસ્થા ઉત્પાદરૂપ વિદ્યમાન છે તેને પણ શું છોડવી? કેમકે વર્તમાનમાં તો તે ‘છે’,
વિદ્યમાન કહેવી અને તે જ સમયે તેને છોડવાનું કહેવું–એ બંને એક સાથે બની શકે નહિ. અને બીજા સમયે તો તે
અવસ્થાનો વ્યય થઈ જ જશે, એટલે બીજા સમયે પણ તેને શું છોડવી? અને ધ્રુવ તો સદા વિદ્યમાન છે તેમાં કાંઈ
ગ્રહણ–ત્યાગ નથી.
આ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ સત્ વસ્તુ જેમ છે તેમ છે, તેમાં કાંઈ છોડવાપણું છે જ નહિ, આવું વસ્તુસ્વરૂપ
જ્ઞાનમાં આવ્યું ત્યાં વીતરાગભાવ જ રહી જાય છે. વીતરાગભાવ વખતે વિકારની ઉત્પત્તિ થતી નથી તે અપેક્ષાએ
વિકારને છોડયો એમ કહેવાય છે. પરંતુ આ રાગ છે અને તેને હું છોડું–એવી બુદ્ધિથી રાગ છૂટતો નથી.
પૂર્વે જે રાગ થઈ ગયો તે તો અત્યારે વ્યયરૂપ છે એટલે તે રાગને છોડવાનું રહેતું નથી. ભવિષ્યની પર્યાય
હજી થઈ જ નથી એટલે તેમાંથી રાગ છોડું એ વાત પણ રહેતી નથી. અને વર્તમાન પર્યાયમાં રાગ છે તે તો
ઉત્પાદરૂપ વર્તે છે–તે સત્ છે–તેને વર્તમાનમાં છોડી શકાતો નથી. સમય–સમયના ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ આવા
વસ્તુસ્વભાવનો નિર્ણય કરતાં ગ્રહણ–ત્યાગનો આકુળભાવ છૂટીને વીતરાગી જ્ઞાનભાવ પ્રગટે છે. આ રીતે ઉત્પાદ–
વ્યય–ધુ્રવરૂપ સત્સ્વભાવની ઓળખાણ તે મોક્ષમાર્ગ છે.
જગતના સમસ્ત પદાર્થોમાં સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવ બતાવ્યાં છે તે ભગવાનની સર્વજ્ઞતાનું ચિહ્ન છે,
સર્વજ્ઞ સિવાય સમય–સમયના ઉત્પાદ–વ્યય–ધ્રુવને બીજો જાણી શકે નહિ. સ્વયંભૂ સ્તોત્રમાં આચાર્ય સમન્તભદ્ર
સ્વામી કહે છે કે હે નાથ!
स्थिति–जनन–निरोध–लक्षणं
चरमचरं न जगत् प्रतिक्षणम्।
इति जिन! सकलज्ञ–लांछनं
वचनमिदं वदतांवरस्य ते।। ४।।
જનન–વ્યય–ધ્રૌવ્ય લક્ષણં જગત્ પ્રતિક્ષણં,
ચિત–અચિત આદિ સે પૂર્ણ યહ હરક્ષણં;
યહ કથન આપકા ચિહ્ન સર્વજ્ઞ કા
હૈ વચન આપકા આપ્ત ઉત્કૃષ્ટ કા.
हे मुनिसुव्रत जिन! आप वदतांवर हैं–प्रवक्ताओं में श्रेष्ठ हैं, आपका यह वचन कि ‘चर और अचर
जगत् प्रतिक्षण स्थिति–जनन–निरोधलक्षण को लिए हुए है’–यह आपकी सर्वज्ञता का चिह्न है–જગતમાં
જડ–ચેતન, સૂક્ષ્મ સ્થૂળ કે મૂર્ત–અમૂર્ત સમસ્ત પદાર્થોમાં પ્રતિક્ષણ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યને એકસાથે લક્ષિત કરવા તે
સર્વજ્ઞતા વગર બની શકતું નથી, તેથી હે ભગવાન! આપના આવા પરમ અનુભૂત વચનથી સ્પષ્ટ સૂચિત થાય છે કે
આપ સર્વજ્ઞ છો.
આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાનની ઓળખાણપૂર્વક, સર્વજ્ઞ ભગવાને કહેલા યથાર્થ વસ્તુસ્વરૂપનો પોતાના
જ્ઞાનમાં નિર્ણય કરવો તે ધર્મી થવા માટેનું પ્રથમ કર્તવ્ય છે.
(–પ્રવચનમાંથી)
માગશરઃ ૨૪૮૦ઃ ૩૩ઃ

PDF/HTML Page 11 of 21
single page version

background image
શ્રી ગુરુચરણનો ઉપાસક
****************************************
શ્રી પદ્મપ્રભ–મુનિરાજ નિયમસારની ટીકામાં કહે છે કે–
को नाम वक्ति विद्वान् मम च परद्रव्यमेतदेव स्यात्।
निजमहिमानं जानन् गुरुचरणसमर्च्चना समुद्भूतम् ।। १३२।।
ગુરુચરણોના સમર્ચનથી (એટલે કે સમ્યક્ભક્તિથી) ઉત્પન્ન થયેલા નિજ મહિમાને
જાણતો કોણ વિદ્વાન ‘આ પરદ્રવ્ય મારું છે’ એમ કહે?
શ્રી ગુરુના વિનયપૂર્વક જેણે પોતાના આત્મસ્વભાવને જાણ્યો છે અને પરદ્રવ્યના એક
અંશને પણ પોતાનું માનતો નથી તે જ સાચો વિદ્વાન છે. અને એવા જીવને જ પ્રત્યાખ્યાન હોય
છે. જેને પરથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપનું ભાન નથી અને પર દ્રવ્યને પોતાનું માને છે–
પરની ક્રિયા હું કરું છું એમ માને છે તેણે ખરેખર ગુરુના ચરણની સાચી ઉપાસના કરી નથી, અને
તેને પ્રત્યાખ્યાન હોતું નથી.
સાચા ગુરુ કેવા હોય તે પણ આમાં આવી જાય છે. સમસ્ત પર દ્રવ્યોથી ભિન્ન પોતાના
ચિદાનંદ સ્વરૂપના મહિમાને જે જાણતા હોય અને પર દ્રવ્યના અંશને પણ પોતાનું ન માનતા હોય
તેમ જ ઉપદેશમાં પણ તેમ ન કહેતા હોય તે સાચા ગુરુ છે; અને એવા ગુરુની ભક્તિપૂર્વક જેણે
પોતાના નિજ મહિમાને જાણ્યો છે–સ્વપરનું યથાર્થ ભેદજ્ઞાન કર્યું છે તે જ ગુરુના ચરણનો સાચો
ઉપાસક છે. આ સિવાય જેમણે પોતે આત્મ સ્વરૂપના મહિમાને જાણ્યો ન હોય, ને પર દ્રવ્યને
પોતાનું માનતા હોય, શરીરાદિની ક્રિયા આત્મા કરે છે એમ ઉપદેશતા હોય તે સાચા ગુરુ નથી
પણ કુગુરુ છે. અને ‘કોઈ પણ દ્રવ્ય મારું છે, તેની ક્રિયા હું કરું છું અથવા તે મને કાંઈ લાભ કરે
છે’–એમ જે જીવ માને છે તે જીવ ગુરુના ચરણનો સાચો ઉપાસક નથી, તે ગમે તેટલાં શાસ્ત્રો
જાણતો હોય તોપણ જ્ઞાનીઓ તેને વિદ્વાન કહેતા નથી અને તેને સાચું પ્રત્યાખ્યાન હોતું નથી.
(–પ્રવચનમાંથી)
* * *
ઃ ૩૪ઃ આત્મધર્મઃ ૧૨૨

PDF/HTML Page 12 of 21
single page version

background image
અરિહંત ભગવાને ઓળખો
(અનાદિના મોહનો ક્ષય કરીને અપૂર્વ સમ્યગ્દર્શન પામવાની રીત)
(શ્રી પ્રવચનસાર ગા. ૮૦ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી તારવેલુંઃ લેખાંકઃ ૨)
*શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર હો.
*જેણે પોતાના આત્માનું અપૂર્વ હિત કરવું હોય તેણે પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે ઓળખવું
જોઈએ; અને તે ઓળખવા માટે અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખવું જોઈએ. અરિહંત ભગવાનને
ઓળખતાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાય છે.
* * *
*અરિહંત ભગવાનના આત્માને જાણતાં અનુમાન પ્રમાણથી પોતાના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થાય છે કે અહો!
મારા આત્માનું સ્વરૂપ તો આવું સર્વ પ્રકારે શુદ્ધ છે, પર્યાયમાં વિકાર તે મારું ખરું સ્વરૂપ નથી, અરિહંતમાં
જે નથી તે મારું સ્વરૂપ નથી, જેટલું અરિહંતમાં છે તેટલું જ મારા સ્વરૂપમાં છે, નિશ્ચયથી મારાંમાં અને
અરિહંતમાં કાંઈ ફેર નથી,–આવી આત્મપ્રતીતિ થતાં, અજ્ઞાન અને વિકારનું કર્તૃત્વ છૂટીને જીવ પોતાના
સ્વભાવ તરફ વળ્‌યો એટલે સ્વભાવમાં પર્યાયની એકતા થતાં સમ્યગ્દર્શન થયું. હવે પુરુષાર્થ દ્વારા તે
સ્વભાવના જ આધારે રાગદ્વેષ સર્વથા ક્ષય કરી, અરિહંત ભગવાન જેવી જ પૂર્ણ દશા તે જીવ પ્રગટ કરશે.
* આ વાત ખાસ સમજવા જેવી છે, આમાં એકલા પરની વાત નથી. અરિહંત ભગવાનને જાણવાનું કહ્યું તેમાં
ખરેખર તો આત્માના પૂર્ણ શુદ્ધસ્વરૂપને જાણવાનું કહ્યું છે. અરિહંત ભગવાન જેવા જ આ આત્માના પૂર્ણ
શુદ્ધ સ્વભાવ સ્થાપીને તેને જાણવાની વાત કરી છે. જે જીવ પુરુષાર્થ વડે શુદ્ધસ્વભાવને જાણે તેને ધર્મ થાય,
જે જીવ આવું જાણવાનો પુરુષાર્થ ન કરે તેને ધર્મ થાય નહિ. આ રીતે આમાં યથાર્થ જ્ઞાન અને પુરુષાર્થ બંને
સાથે છે; અને સત્ નિમિત્ત તરીકે અરિહંતદેવ છે–તે વાત પણ આવી જાય છે. અરિહંત ભગવાન સિવાય
બીજા કુદેવાદિને જે માનતો હોય તેને મોહક્ષય થતો નથી.
* * *
* ધ્યાન રાખજો, આ અપૂર્વ વાત છે; આમાં એકલા અરિહંતની વાત નથી પણ પોતાના આત્માને ભેળવીને
વાત છે. અરિહંત ભગવાન સાથે પોતાના આત્માની એમ મેળવણી કરવી જોઈએ કેઃ ‘અહો! આ આત્મા
તો કેવળજ્ઞાનસ્વરૂપ છે, તેમને પૂર્ણ જ્ઞાનસામર્થ્ય છે ને વિકાર જરાપણ નથી, મારો આત્મા પણ અરિહંત
જેવા જ સ્વભાવવાળો છે.’
* –આવી પ્રતીત જેણે કરી તેને હવે સ્વદ્રવ્ય તરફ જ વળવાનું રહ્યું, પણ નિમિત્તો તરફ વળવાનું ન રહ્યું, કેમ કે
પોતાની પૂર્ણદશા પોતાના સ્વભાવમાંથી આવે છે, નિમિત્તમાંથી આવતી નથી; તેમ જ તેને પુણ્ય–પાપ તરફ
કે અધૂરી દશા તરફ પણ જોવાનું ન રહ્યું કેમ કે તે પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી, તેમાંથી પૂર્ણદશા
આવતી નથી. જેમાં પૂર્ણદશા પ્રગટવાનું સામર્થ્ય છે એવા પોતાના દ્રવ્ય–ગુણમાં જ પર્યાયની એકાગ્રતા
કરવાનું રહ્યું, આવી એકાગ્રતાની ક્રિયા કરતાં કરતાં પર્યાય–શુદ્ધ થઈ જાય છે ને મોહ ટળી જાય છે.
માગશરઃ ૨૪૮૦ ઃ ૩પઃ

PDF/HTML Page 13 of 21
single page version

background image
*–એવી એકાગ્રતાની ક્રિયા કોણ કરે? જેણે પ્રથમ અરિહંત ભગવાનને ઓળખ્યા હોય અને અરિહંત જેવું
પોતાના આત્માનું સ્વરૂપ ખ્યાલમાં લીધું હોય તે જીવ પર્યાયની અશુદ્ધતા ટાળીને શુદ્ધતા પ્રગટ કરવા માટે
પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતાનો પ્રયત્ન કરે. પરંતુ જે જીવ અરિહંત ભગવાનને ઓળખતો નથી,
અરિહંત જેવા પોતાના સ્વરૂપને ઓળખતો નથી અને પુણ્ય–પાપને જ પોતાનું સ્વરૂપ માની રહ્યો છે તે જીવ
અશુદ્ધતા ટાળીને શુદ્ધતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે નહિ. માટે સૌથી પહેલાં આત્માનું શુદ્ધ–સ્વરૂપ ઓળખવું
જોઈએ અને તે માટે અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખવા જોઈએ.–આ ધર્મની રીત છે.
* * *
*અત્યારે આ ભરતક્ષેત્રે અરિહંત ભગવાન વિચરતા નથી, પરંતુ અહીંથી થોડે દૂર મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર
ભગવાન વગેરે તીર્થંકરો અરિહંતપણે સાક્ષાત્ વિચરે છે. ક્ષેત્રથી અમુક અંતર હોવા છતાં ભાવથી પોતે
પોતાના જ્ઞાનમાં અરિહંત ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરે તો તેમાં ક્ષેત્રનું અંતર નડતું નથી. જેણે અરિહંત
ભગવાન જેવા પોતાના આત્મસ્વભાવનો નિર્ણય કર્યો તેને તો પોતાના ભાવમાં અરિહંત ભગવાન સદાય
નજીક જ વર્તે છે. ‘જેવા અરિહંત તેવો હું’ એવી પ્રતીતના જોરે ભાવમાંથી તેણે અરિહંત ભગવાન સાથેનું
અંતર તોડી નાખ્યું છે.
* * *
*કોઈને એમ શંકા થાય કે અત્યારે તો અરિહંત નથી તો તેમનું સ્વરૂપ કઈ રીતે નક્કી થાય?–તેનું સમાધાનઃ
અહીં અરિહંતની હાજરીની વાત નથી કરી પણ અરિહંતનું સ્વરૂપ જાણવાની વાત કરી છે. અહીં અરિહંતની
સાક્ષાત્ હાજરી હોય તો જ તેમનું સ્વરૂપ જાણી શકાય–એમ નથી. અત્યારે આ ક્ષેત્રે અરિહંત ભગવાન નથી
પણ મહાવિદેહ ક્ષેત્રે તો અત્યારે પણ અરિહંત ભગવાન સાક્ષાત્ બિરાજે છે, અને જ્ઞાનદ્વારા તેમના સ્વરૂપનો
નિઃસંદેહ નિર્ણય થઈ શકે છે.
* * *
*સામે અરિહંત ભગવાન સાક્ષાત્ બિરાજતા હોય ત્યારે પણ જ્ઞાનદ્વારા જ તેમનો નિર્ણય થાય છે.
પરમઔદારિક શરીર, સમવસરણ, દિવ્યધ્વનિ, તે કાંઈ ખરેખર અરિહંત ભગવાનનું સ્વરૂપ નથી, એ બધું
તો આત્માથી જુદું છે. ચૈતન્યસ્વરૂપ આત્મા તે દ્રવ્ય, જ્ઞાન–દર્શનાદિ તેના ગુણો, અને કેવળજ્ઞાન–અતીન્દ્રિય
આનંદ વગેરે પર્યાય,–આવા દ્રવ્ય–ગુણ–પર્યાયથી અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખે તો અરિહંતને
ઓળખ્યા કહેવાય.
* * *
*ક્ષેત્રથી નજીક અરિહંતની હાજરી હોય કે ન પણ હોય તેની સાથે સંબંધ નથી પણ પોતાના જ્ઞાનમાં તેમના
સ્વરૂપનો નિર્ણય છે કે નહિ તેની સાથે સંબંધ છે. ક્ષેત્રથી નજીક અરિહંતપ્રભુ બિરાજતા હોય પરંતુ તે વખતે
જો જ્ઞાનવડે જીવ તેમના સ્વરૂપનો નિર્ણય ન કરે તો તે જીવને આત્માનું સ્વરૂપ જણાય નહિ અને તેના માટે
તો અરિહંત ભગવાન ઘણા દૂર છે.
––અને અત્યારે ક્ષેત્રથી નજીક અરિહંતપ્રભુ ન હોવા છતાં પણ જો પોતાના જ્ઞાનવડે અરિહંત પ્રભુના
સ્વરૂપનો નિર્ણય કરે તો તેને માટે અરિહંતપ્રભુ નજીક હાજરાહજૂર છે.
* * *
ઃ ૩૬ઃ આત્મધર્મઃ ૧૨૨

PDF/HTML Page 14 of 21
single page version

background image
*અત્યારે આ ભરતક્ષેત્રમાં પંચમકાળે સાક્ષાત્ અરિહંત ભગવાનની ગેરહાજરીમાં પણ જે આત્માઓએ
પોતાના જ્ઞાનમાં અરિહંત ભગવાનના સ્વરૂપનો (–દ્રવ્ય–ગુણ–પર્યાયનો) ખરો નિર્ણય કર્યો છે અને તેવું જ
પોતાનું સ્વરૂપ છે એમ જાણ્યું છે તેઓને માટે તો અરિહંત ભગવાન સાક્ષાત્ મોજૂદ બિરાજે છે.
* * *
*જુઓ, આમાં કોનો મહિમા?–અરિહંત ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરનારા જ્ઞાનનો મહિમા છે. ભાઈ રે!
આ ક્ષેત્રે અરિહંત નથી, પણ અરિહંતને નક્કી કરનારું તારું જ્ઞાન તો છે ને! તે જ્ઞાનના જોરે અરિહંતનો
નિર્ણય કરીને ક્ષેત્રભેદ નડતો નથી.–અહો! અરિહંત પ્રભુના વિરહને ભૂલાવી દ્યે એવી આ વાત છે.
* * *
*જેણે પોતાના ભાવમાં ભગવાનને નજીક કર્યા તેને તો ભગવાન સદાય નજીક જ વર્તે છે અને જેણે પોતાના
ભાવમાં ભગવાનને દૂર કર્યા (–એટલે કે ભગવાનને ન ઓળખ્યા) તેને ભગવાન દૂર છે,–પછી ક્ષેત્રથી ભલે
નજીક હો.
* * *
*દ્રવ્ય–ગુણ–પર્યાયથી અરિહંત ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરતાં આખો સ્વભાવ પ્રતીતમાં આવી જાય છે.
અરિહંત ભગવાનને પૂર્ણ નિર્મળદશા પ્રગટી તે કયાંથી પ્રગટી? જ્યાં સામર્થ્ય હતું તેમાંથી પ્રગટી. સ્વભાવમાં
પૂર્ણ સામર્થ્ય હતું તેની સન્મુખતાથી તે દશા પ્રગટી. મારો સ્વભાવ પણ અરિહંત ભગવાન જેવો પરિપૂર્ણ છે,
સ્વભાવસામર્થ્યમાં કાંઈ ફેર નથી. બસ! આવી સ્વભાવસામર્થ્યની પ્રતીત કરતાં જ મોહ ટળે છે ને સમ્યક્ત્વ
થાય છે.–આ સમકીતનો ઉપાય છે.
* * *
*જેમ અરિહંત ભગવાન પોતાના જ્ઞાનમાં બધું જાણે છે, પરંતુ પરદ્રવ્યનું કાંઈ કરતા નથી, તેમ જ રાગ–દ્વેષ–
મોહ પણ તેમને નથી, તેમ મારો આત્મા પણ તેવો જ જાણનાર સ્વરૂપી છે;–આમ જ્ઞાનસ્વભાવની પ્રતીત
કરવી તે મોહક્ષયનું કારણ છે.
* * *
*જે જીવ આવી જ્ઞાનસ્વભાવની પ્રતીત ન કરે અને વિપરીત માને તેણે ખરેખર અરિહંત ભગવાનને પણ
ઓળખ્યા નથી અને તે અરિહંત ભગવાનનો સાચો ભક્ત નથી.
* * *
*જેણે અરિહંત ભગવાનના સ્વરૂપને જાણ્યું અને તે દ્વારા પોતાના આત્મસ્વરૂપનો નિર્ણય કર્યો તે જીવ
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે, તે જ સાચો જૈન છે, તે જિનેશ્વરદેવનો લઘુનંદન છે. પ્રથમ જિનેન્દ્રદેવ જેવો પોતાનો
સ્વભાવ છે એવો નિર્ણય કરવો તે જૈનપણું છે અને પછી સ્વભાવના અવલંબને પુરુષાર્થ દ્વારા તેવી પૂર્ણદશા
પ્રગટ કરવી તે જિનપણું છે. અરિહંતને ઓળખ્યા વિના, અને તેમના જેવા પોતાના નિજ સ્વભાવને જાણ્યા
વિના સાચું જૈનપણું હોઈ શકે નહિ, એટલે ધર્મ થાય નહિ.
* * *
*અહો! અરિહંત ભગવાન પોતાના સ્વભાવથી જ સ્વયં સુખી છે, ઇન્દ્રિય–વિષયો વગર
માગશરઃ ૨૪૮૦ ઃ ૩૭ઃ

PDF/HTML Page 15 of 21
single page version

background image
જ તેમનો આત્મા સુખરૂપે પરિણમી રહ્યો છે, માટે સુખ તે આત્માનું જ સ્વરૂપ છે. સ્વભાવથી જ સ્વયમેવ
સુખરૂપ થયેલા અરિહંત ભગવંતોને આહાર, પાણી, દવા કે વસ્ત્ર વગેરેની જરૂર પડતી નથી; આ પ્રમાણે
અરિહંતના આત્માને ઓળખીને તેની સાથે પોતાના આત્માને મેળવે તો પોતાનો સ્વતંત્ર સ્વભાવ પ્રતીતમાં
આવે કે અહો! કોઈ સંજોગોમાં મારું સુખ નથી, સુખ તો મારો પોતાનો સ્વભાવ છે, એકલો મારો સ્વભાવ
જ સુખનું સાધન છે. આવી સમજણ થતાં સમ્યગ્દર્શન થાય છે.
* * *
* અરિહંત ભગવાનને પરિપૂર્ણ અતીન્દ્રિય સુખ છે; તેમની ઓળખાણ થતાં અતીન્દ્રિય સુખની ઓળખાણ થાય
છે ને ઈન્દ્રિય–વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી જાય છે.
* * *
*અરિહંત ભગવાનને પૂર્વે અજ્ઞાનદશા હતી પછી જ્ઞાનદશા પ્રગટી; આ અજ્ઞાન અને જ્ઞાન બંને દશામાં
અરિહંતને જે ટકી રહેલ છે તે આત્મદ્રવ્ય છે. જે આત્મા પહેલાં અજ્ઞાનદશામાં હતો તે જ અત્યારે જ્ઞાનદશામાં
છે–આવી પહેલાં–પછીની જોડરૂપ જે સળંગ પદાર્થ તે દ્રવ્ય છે. પર્યાયો પહેલાં–પછીની જોડરૂપ નથી પણ છૂટી
છૂટી છે, પહેલી અવસ્થા તે બીજી નથી, બીજી અવસ્થા તે ત્રીજી નથી–આમ અવસ્થામાં પરસ્પર જુદાપણું
છે. અને દ્રવ્ય તો જે પહેલા સમયે હતું તે જ બીજા સમયે છે, બીજા સમયે હતું તે જ ત્રીજા સમયે છે–એમ
દ્રવ્યમાં સળંગપણું છે,–આમ ઓળખે તો એકલી પર્યાયબુદ્ધિ ટળી જાય ને દ્રવ્યસન્મુખતા થઈ જાય.
* * *
*કઈ અવસ્થા વખતે દ્રવ્યસામર્થ્ય નથી? બધી અવસ્થા વખતે દ્રવ્યસામર્થ્ય એવું ને એવું એકરૂપ છે. જેટલું
અરિહંત ભગવાનનું દ્રવ્યસામર્થ્ય છે તેટલું જ પોતાનું દ્રવ્યસામર્થ્ય છે આ ઓળખાણ કરતાં એમ પ્રતીત થાય
છે કે અત્યારે મારે અધૂરી દશા હોવા છતાં અરિહંત ભગવાન જેવી પૂર્ણદશા પણ મારામાંથી જ પ્રગટવાની છે
અને તે પૂર્ણદશામાં પણ હું જ ટકી રહેવાનો છું.
* * *
*દ્રવ્યનું વિશેષણ તે ગુણ છે; જેમકે સોનું કેવું? કે સોનું પીળું, સોનું ભારે, સોનું ચીકણું; તેમ આત્મદ્રવ્ય કેવું?
આત્મા જ્ઞાનસ્વરૂપ, આત્મા દર્શનસ્વરૂપ, આત્મા ચારિત્રસ્વરૂપ; આ પ્રમાણે જ્ઞાનાદિ વિશેષણો આત્મદ્રવ્યને
લાગુ પડે છે એટલે તે આત્માના ગુણો છે. જેટલા ગુણો અરિહંત ભગવાનના આત્મામાં છે તેટલા જ ગુણો
આ આત્મામાં છે. અરિહંતના અને આ આત્માના દ્રવ્ય–ગુણમાં ફેર નથી. પર્યાયમાં જે ફેર છે તે દ્રવ્યના
અવલંબને ટળી જાય છે.
* * *
*અરિહંત જેવા થવાનો ઉપાય શું?–કે અરિહંત ભગવાન જેવા જ પોતાના દ્રવ્ય–ગુણ છે એમ ઓળખીને તેનું
અવલંબન કરવું તે અરિહંત જેવા થવાનો ઉપાય છે.
* * *
*જેટલા અરિહંતો થયા તે બધાય અરિહંત ભગવંતોએ પોતાના દ્રવ્યનું અવલંબન કરીને જ અરિહંતદશા
પ્રગટ કરી છે. તેમ સર્વે જીવોને માટે પોતાના દ્રવ્યનું અવલંબન કરવું
ઃ ૩૮ઃ આત્મધર્મઃ ૧૨૨

PDF/HTML Page 16 of 21
single page version

background image
તે જ સમ્યગ્દર્શનનો અને અરિહંતપદનો ઉપાય છે.
* * *
*આ આત્માનો સ્વભાવ અરિહંત ભગવાન જેવો કઈ રીતે છે તે જાણ્યા વિના, દયા–ભક્તિ–વ્રત પૂજા કે
શાસ્ત્ર–અભ્યાસ વગેરે ગમે તેટલું કરે તોપણ, કોઈ રીતે ધર્મ થતો નથી. ધર્મ કરવા માટે શરૂઆતનું કર્તવ્ય
એ છે કે અરિહંત ભગવાનનો અને તેમના જેવા પોતાના આત્માનો નિર્ણય કરવો.
* * *
*અરિહંત ભગવાનના સ્વભાવમાં અને આ આત્માના સ્વભાવમાં નિશ્ચયથી કાંઈપણ તફાવત માને તો તે
જીવ પામર છે–મિથ્યાદ્રષ્ટિ છે, તેને ધર્મ થતો નથી.
* * *
*અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને લક્ષમાં લેતાં પોતાના પરમાર્થ સ્વરૂપનો ખ્યાલ આવે છે;
ભગવાનના દ્રવ્ય–ગુણ પૂરા છે ને તેમની પર્યાય સંપૂર્ણ જ્ઞાનમય છે એમ નિર્ણય કરતાં, મારા દ્રવ્ય–ગુણ તો
પૂરા છે ને પર્યાય સંપૂર્ણ જ્ઞાનરૂપ વિકારરહિત હોવી જોઈએ–એમ પ્રતીત થાય છે; અને એ પ્રતીતના જોરે
પૂર્ણતા તરફનો પુરુષાર્થ ઉપડે છે.
* * *
*‘પૂર્ણતાના લક્ષે શરૂઆત’ એટલે જેવા અરિહંત તેવો હું–એવા લક્ષે ધર્મની શરૂઆત થાય છે.
સ્વભાવસામર્થ્યની પૂર્ણતા ભાસ્યા વગર કોની ઓથે ધર્મ કરશે? પામરતાની ઓથે ધર્મની શરૂઆત થતી
નથી, પણ પ્રભુતાને ઓળખીને તેના જોરે પ્રભુતાનો પુરુષાર્થ ઉપડે છે. પોતાની પ્રભુતાને જાણ્યા વગર
ધર્મના અપૂર્વ પુરુષાર્થનો સાચો ઉલ્લાસ ઉપડે જ નહિ.
* * *
*અરિહંત ભગવાનની સાથે સરખામણી કરીને જીવ પોતાના આત્મસ્વરૂપને નક્કી કરે છે કે જેવા અરિહંત
ભગવાન છે તેવો જ હું છું; આ પ્રમાણે અરિહંતના સ્વરૂપને જાણતાં જીવ સ્વ–સમયને જાણી લે છે, અને
સ્વ–સમયને જાણતાં તેનો મોહ ટળી જાય છે.–આ અપૂર્વ ધર્મની શરૂઆત છે.
* * *
*અરિહંત ભગવાનની પર્યાયમાં રાગનો અભાવ છે, માટે રાગ તે આત્માનું અસલી સ્વરૂપ નથી;–આ રીતે
અરિહંત ભગવાનને ઓળખતાં આત્મા અને રાગનું ભેદજ્ઞાન થાય છે.
* * *
*જ્ઞાનપર્યાય એક સમય પુરતી જ હોવા છતાં તેનામાં ત્રિકાળી દ્રવ્યનો નિર્ણય કરવાનું સામર્થ્ય છે. સર્વજ્ઞ
ભગવાનના પરિપૂર્ણ દ્રવ્ય–ગુણ–પર્યાયને તેમ જ તેવા પોતાના આત્માને નિર્ણયમાં લઈ લ્યે એવું સામર્થ્ય
જ્ઞાનનું જ છે, રાગમાં એવું સામર્થ્ય નથી. અંતર્મુખ થઈને ત્રિકાળી સ્વભાવ સાથે તન્મય થઈ જાય–એવી
એક સમયની જ્ઞાનપર્યાયની તાકાત છે, પરંતુ કોઈપણ રાગમાં એવી તાકાત નથી કે અંતર્મુખ થઈને
જ્ઞાનસ્વભાવ સાથે તન્મય થઈ શકે!
* * *
*અરિહંત ભગવાનનો આત્મા સર્વતઃ વિશુદ્ધ છે, તેમની પર્યાય પણ અનંત ચૈતન્યશક્તિસંપન્ન છે; આમ
લક્ષમાં લીધું તે વખતે પોતાને તેવી શુદ્ધ પર્યાય વર્તતી નથી પણ રાગ વર્તે છે, છતાં ‘રાગ તે મારી
અવસ્થાનું મૂળ સ્વરૂપ નથી, મારી અવસ્થા અરિહંત
માગશરઃ ૨૪૮૦ ઃ ૩૯ઃ

PDF/HTML Page 17 of 21
single page version

background image
ભગવાન જેવી અનંત ચૈતન્યશક્તિસંપન્ન રાગરહિત હોવી જોઈએ’–એમ નિર્ણય થાય છે. અને એવો
નિર્ણય થતાં રાગ સાથેની એકત્વબુદ્ધિ છૂટીને સ્વભાવ સાથે એકત્વબુદ્ધિ થાય છે, એટલે મોહ ટળીને
સમ્યગ્દર્શન થાય છે.
* * *
*જે જ્ઞાનપર્યાયે અરિહંત ભગવાનના આત્માનો નિર્ણય કર્યો તેનામાં પોતાના ત્રિકાળી સ્વરૂપનો નિર્ણય
કરવાની પણ તાકાત છે. ત્રિકાળી વસ્તુનો નિર્ણય કરવામાં ત્રિકાળ જેટલો વખત નથી લાગતો પણ વર્તમાન
એક પર્યાય દ્વારા ત્રિકાળી વસ્તુનો નિર્ણય થાય છે.
* * *
*જીવને સુખ જોઈએ છે; આ જગતમાં સંપૂર્ણ સુખી શ્રી અરિહંત પ્રભુજી છે; એટલે ‘સુખ જોઈએ છે’ તેનો
અર્થ એ થયો કે અરિહંત ભગવાન જેવી દશારૂપે પોતાને થવું છે. જેણે અરિહંત ભગવાનને ઓળખ્યા હોય
તેમ જ પોતાના આત્માને અરિહંત ભગવાન જેવો જાણ્યો હોય, તે જ અરિહંત ભગવાન જેવી દશારૂપે
થવાની ભાવના કરે. આ રીતે, અરિહંત ભગવાનને ઓળખ્યા વિના સુખનો સાચો ઉપાય બની શકતો નથી.
* * *
*મારે અરિહંત ભગવાન જેવું પૂર્ણ સુખ પ્રગટ કરવું છે એટલે અરિહંત ભગવાન જેવું સામર્થ્ય મારા આત્મામાં
છે–આમ જેણે કબૂલ્યું. તેણે અરિહંત ભગવાન જેવા દ્રવ્ય–ગુણ–પર્યાય સિવાય બધું પોતામાંથી કાઢી નાંખ્યું–
એટલે કે તે મારું સ્વરૂપ નથી એમ પ્રતીત કરી. આત્મા પરનું કાંઈ કરે, નિમિત્તથી લાભ નુકશાન થાય કે
શુભરાગથી ધર્મ થાય–એ બધી માન્યતા ટળી ગઈ, કેમ કે અરિહંત ભગવાનના આત્મામાં તે કાંઈ નથી.
* * *
*અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણતાં પોતાના આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ઓળખાય
છે; એ પ્રમાણે આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણીને, બધી પર્યાયોને અને ગુણોને એક ચૈતન્યદ્રવ્યમાં જ
અંતર્ગત કરતાં એકાકાર ચૈતન્યદ્રવ્ય જ લક્ષમાં રહી જાય છે. તે ક્ષણે સર્વે વિકલ્પોની ક્રિયા અટકી જાય છે,
અને મોહનો નાશ થઈને અપૂર્વ સમ્યગ્દર્શન થાય છે.
* * *
*અરિહંત ભગવાન સાથે સરખાવીને આત્માનાં દ્રવ્ય–ગુણ–પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ જેણે નક્કી કર્યું હોય, તે
ગુણ–પર્યાયોને એક પરિણમતા દ્રવ્યમાં સમાવીને દ્રવ્યને અભેદપણે લક્ષમાં લઈ શકે. અરિહંત જેવા પોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણીને, જેણે ગુણ–પર્યાયોને એક દ્રવ્યમાં સંકેલ્યા તેણે પર્યાયને અંતર્મુખ કરીને
આત્માને પોતાના સ્વભાવમાં જ ધારી રાખ્યો, ત્યાં મોહ કોના આધારે રહે?–એટલે નિરાશ્રય થયેલો મોહ
તે ક્ષણે જ ક્ષય પામે છે. જેટલી દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતા થઈ તેટલો ધર્મ છે.
* * *
*આવા
ઃ ૪૦ઃ આત્મધર્મઃ ૧૨૨

PDF/HTML Page 18 of 21
single page version

background image
અભેદ ચૈતન્યનો અનુભવ કરવો તેમાં અપૂર્વ પુરુષાર્થ છે.
* * *
*જુઓ, આ જ્ઞાનનું સામર્થ્ય! અહો! એક સમયની જ્ઞાનપર્યાયમાં અનંત કેવળી ભગવંતોનો નિર્ણય કરવાની
તાકાત છે. જે જ્ઞાને અરિહંત ભગવાનના કેવળજ્ઞાનનો નિર્ણય કર્યો તે જ્ઞાનમાં પોતાના સ્વભાવનો પણ
નિર્ણય કરવાની તાકાત છે.
* * *
*વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જેવું હોય તેવું માને તો વસ્તુસ્વરૂપ અને માન્યતા બંને એક થતાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન
થાય છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે જાણવા માટે અરિહંત ભગવાનને ઓળખવાની જરૂર છે કેમકે
અરિહંત ભગવાન દ્રવ્ય–ગુણ–પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ છે. જેવા અરિહંત ભગવાન છે તેવો જ્યાં સુધી આ
આત્મા ન થાય ત્યાં સુધી તેની પર્યાયમાં દોષ છે–અશુદ્ધતા છે. અરિહંત ભગવાન જેવી અવસ્થા કયારે
થાય? પહેલાં અરિહંત ભગવાન જેવું પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ નક્કી કરે ત્યારે સમ્યગ્દર્શન–જ્ઞાન પ્રગટે
છે એટલે કે અરિહંત ભગવાન જેવો અંશ પ્રગટે છે, અને પછી તે શુદ્ધ સ્વરૂપમાં લીન થતાં સર્વ મોહનો નાશ
થઈને સાક્ષાત્ અરિહંત ભગવાન જેવી દશા થઈ જાય છે.
* * *
*અરિહંત ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે–એમ પોતાના આત્માને ભેળવીને, અરિહંતના સ્વરૂપને ઓળખતાં
પોતાના સ્વરૂપમાં પણ નિઃશંકતા થઈ જાય છે; જો પોતાના સ્વભાવની નિઃશંકતા ન થાય તો અરિહંતના
સ્વરૂપનો પણ યથાર્થ નિર્ણય નથી. જેણે અરિહંતનો અને અરિહંત જેવા પોતાના સ્વરૂપનો નિર્ણય કર્યો તેણે
મોહક્ષયનો ઉપાય મેળવી લીધો છે.
* * *
*અહો! અરિહંત ભગવાન જેવા પૂર્ણસ્વરૂપી આત્માનો સાક્ષાત્ અનુભવ છે–તો પછી શું નથી? ભલે
પંચમકાળ હો ને સાક્ષાત્ અરિહંત ભગવાનનો વિરહ હો, પણ જેણે અંતરમાં અરિહંત ભગવાન જેવા
પોતાના સ્વભાવનો અનુભવ કર્યો છે તેણે સમસ્ત મોહની સેનાને જીતવાનો ઉપાય પ્રાપ્ત કરી લીધો છે.–
આમ ધર્મીને નિઃશંકતા હોય છે કે મારો સ્વભાવ મોહનો નાશક છે.
* * *
*અરિહંત ભગવાન સર્વથા મોહરહિત થઈ ગયા છે અને તે અરિહંત ભગવાન જેવો આત્માનો સ્વભાવ છે એમ
જેણે પ્રતીત કરી તેને પણ અલ્પકાળમાં જ સમસ્ત મોહનો નાશ થઈ જાય છે. ધર્મી જાણે છે કે અરિહંત ભગવાન
જેવો મારો સ્વભાવ છે, તે સ્વભાવ મોહનો નાશક છે; અને એ સ્વભાવની પ્રાપ્તિ તો મને થઈ છે, તેથી મોહનો
સર્વથા ક્ષય થશે–એમાં શંકા પડતી નથી. અમારા આત્મામાં બધું જ સામર્થ્ય છે–તેના જોરે દર્શનમોહ તેમ જ
ચારિત્રમોહ બંનેનો સર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રગટ કરીને સાક્ષાત્ અરિહંતદશા પ્રગટ કરશું.
હે જીવો!
તમે અરિહંત ભગવાનને ઓળખો અને
અરિહંત જેવા પોતાના આત્માને ઓળખો
*
માગશરઃ ૨૪૮૦ ઃ ૪૧ઃ

PDF/HTML Page 19 of 21
single page version

background image
જ્ઞાનતત્ત્વ
જ્ઞાનતત્ત્વથી વિપરીત એવા રાગ વડે
ધર્મ માનવો તે તો, મીંદડીને
બોલાવીને તેને દૂધ પાઈ દેવા જેવું છે.
*
ત્મા જ્ઞાનતત્ત્વ છે. તે જ્ઞાનતત્ત્વ રાગથી તેમ જ દેહથી ક્રિયાથી જુદું છે. જ્ઞાનતત્ત્વમાં
રાગ કે દેહની ક્રિયા નથી, અને રાગવડે કે દેહની ક્રિયાવડે જ્ઞાનતત્ત્વ પમાતું નથી. આવા
જ્ઞાનતત્ત્વને જાણ્યા વિના અજ્ઞાનીઓ શુભરાગને ધર્મ માને છે. રાગ તો આત્માના વીતરાગી
ધર્મમાં વિઘ્નરૂપ છે તેને બદલે અજ્ઞાની જીવો તે રાગને ધર્મનું કારણ માનીને તેનો આદર કરે છે.
જ્ઞાની તો પોતાના જ્ઞાનતત્ત્વને રાગથી જુદું જાણે છે એટલે તે રાગને ધર્મનું કારણ કદી માનતા
નથી. વચ્ચે શુભરાગ થઈ જાય તે જુદી વાત છે, પણ રાગને ધર્મનું કારણ માનીને તેનો આદર
કરવો તે તો મોટી ભૂલ છે. રાગનો આદર કરનારને આત્માના નિર્દોષ જ્ઞાનતત્ત્વની પ્રીતિ નથી.
જેમ દૂધનો કટોરો ભર્યો હોય ત્યાં મીંદડી આવીને દૂધ પી જાય–તે જુદી વાત છે ને મીંદડીને
બોલાવીને દૂધ પાઈ દેવું તે જુદી વાત છે; દૂધપાક કરવા માટે પાંચ શેર દૂધ લઈ રાખ્યું હોય, ને
મીંદડી આવે ત્યાં તેનો આદર કરીને તેને દૂધ પાઈ દ્યે, તો તેને દૂધપાક કરવાની હોંશ જ નથી, તે
દૂધપાક કરશે શેમાંથી?
તેમ જે જીવ ધર્મ કરવા માંગે છે તે જીવ, જો શુભરાગથી ધર્મ માનીને તેનો જ આદર કરશે
તો તેનું બધુંય જ્ઞાનતત્ત્વ શુભભાવના આદરરૂપી મીંદડી પી જશે, રાગથી જુદું જ્ઞાનતત્ત્વ તો તેની
દ્રષ્ટિમાં ન રહ્યું, તો તે જીવ રાગરહિત ધર્મ શેમાંથી કરશે? ખરેખર તેને ધર્મ કરવાની રુચિ જ
નથી. શુભભાવરૂપી મીંદડીનો આદર કરીને જ્ઞાનતત્ત્વને રાગથી જ ઢાંકી દીધું, તો હવે શેમાં રહીને
તે જીવ ધર્મ કરશે? વચ્ચે શુભરાગ આવી જાય તે જુદી વાત છે પણ તેને ધર્મ માનીને આદર ન
કરવો જોઈએ, કેમ કે રાગ તો જ્ઞાનતત્ત્વથી વિપરીતભાવ છે, રાગના આધારે કદી ધર્મ થતો નથી.
ધર્મ તો જ્ઞાનતત્ત્વના જ આધારે થાય છે. માટે ચૈતન્યમૂર્તિ જ્ઞાનતત્ત્વનો આદર, તેની રુચિ, તેનું
બહુમાન, તેના પ્રત્યે હોંશ અને તેનું અવલંબન કરવું તે જ ધર્મ કરવાની રીત છે.
(–રાત્રિચર્ચા ઉપરથી)
ઃ ૪૨ઃ આત્મધર્મઃ ૧૨૨

PDF/HTML Page 20 of 21
single page version

background image
એક સમયમાં બે
[મોક્ષ અને બંધના કારણરૂપ ભાવો]
ધર્મી જીવને એક જ સમયમાં સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવથી નિર્જરા, અને તે જ સમયમાં શુભરાગથી બંધન,–
એમ એક સાથે બંને હોય છે.
–પરંતુ, એક જ ભાવથી નિર્જરા અને બંધ થાય નહિ; જે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ છે તે તો નિર્જરાનું જ
કારણ છે, તેનાથી બંધન થતું નથી. તેમ જ શુભરાગ તે બંધનું જ કારણ છે, તેનાથી નિર્જરા થતી નથી.
–આ રીતે મોક્ષના કારણરૂપ ભાવને અને બંધના કારણરૂપ ભાવને જુદા જુદા ઓળખવા જોઈએ.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગભાવ તો મોક્ષનું જ કારણ છે. અને મિથ્યાત્વ તથા રાગાદિભાવ બંધનું જ
કારણ છે.
જે ભાવો મોક્ષનું કારણ હોય તે જ ભાવો બંધનું કારણ થાય નહિ અને જે ભાવો બંધનું કારણ હોય તે જ
ભાવો મોક્ષનું કારણ થાય નહિ.
પુરુષાર્થસિદ્ધિઉપાયમાં અમૃતચંદ્ર–આચાર્યદેવે કહ્યું છે કે–
येनांशेन सुद्रष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।।
येनांशेन ज्ञानं तेनांशेनास्य बन्धन नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।।
येनांशेन चरित्रं तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांतशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।। [–२१२–२१३–२१४]
આ આત્માને જે અંશથી સમ્યગ્દર્શન છે તે અંશથી બંધન નથી, તથા જે અંશથી તેને રાગ છે તે અંશથી
બંધન થાય છે;
જે અંશથી તેને જ્ઞાન છે તે અંશથી બંધન થતું નથી, અને જે અંશથી તેને રાગ છે તે અંશથી બંધન થાય છે;
વળી જે અંશથી તેને ચારિત્ર છે તે અંશથી બંધન થતું નથી, અને જે અંશથી રાગ છે તે અંશથી તેને બંધન
થાય છે.
એ રીતે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ કે જે મોક્ષનું કારણ છે, તેનાથી કદી બંધન થતું નથી, રાગથી જ
બંધન થાય છે.
रत्नत्रयमिह हेतुर्निर्वाणस्यैव भवति नान्यस्य
आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः ।। २२०।।
આ જગતમાં રત્નત્રયરૂપ ધર્મ નિર્વાણનો જ હેતુ થાય છે, અન્યનો નહિ; અને જે પુણ્યનો આસ્રવ થાય છે તે
આ શુભોપયોગનો અપરાધ છે.
જે ભાવે મોક્ષ થાય તે ભાવે કદી બંધન ન થાય.
જે ભાવે બંધન થાય તે ભાવે કદી મોક્ષ ન થાય.
માટે મોક્ષના કારણરૂપ ભાવોને અને બંધના કારણરૂપ ભાવોને ભિન્ન ભિન્ન સ્વરૂપે ઓળખવા જોઈએ.
(–પ્રવચન ઉપરથી.)
*