Atmadharma magazine - Ank 127
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અગિયારમું, અંક સાતમો, વૈશાખ, સં. ૨૦૧૦ (વાર્ષિક લવાજમ ૩–૦–૦)
૧૨૭
પ્રભુ! તેં આત્માના ભાન વગર ચારે ગતિના અવતાર અનંતવાર
કર્યા છે, પણ ભવ અને ભવના કારણ વગરનો તારો જ્ઞાનાનંદ સ્વભાવ
છે, તે સ્વભાવની દ્રષ્ટિ કર તો ભવનો અંત આવે; આ સિવાય બહારના
કારણથી ભવનો અંત આવે નહિ. માટે જેને ભવનો અંત લાવવો હોય ને
આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રગટ કરવો હોય તેણે અંતરના ધુ્રવ
ચિદાનંદ સ્વભાવને લક્ષમાં લઈને તેની રુચિ અને બહુમાન કરવા જેવું
છે; તેની મુખ્યતા કરીને તેનું અવલંબન કરવાથી ધર્મ થાય છે ને
ભવભ્રમણનો અંત આવીને પૂર્ણાનંદરૂપ મોક્ષદશા પ્રગટે છે.

PDF/HTML Page 3 of 21
single page version

background image
(૧) વિહાર દરમિયાન પરમ પૂજ્ય ગુરુદેવ ધ્રોળ પધાર્યા ત્યારે ફાગણ વદ ૮ નાં
રોજ ત્યાંના ભાઈશ્રી હરિલાલ દોલતભાઈ તથા તેમના ધર્મપત્ની–એ બંનેએ સજોડે
આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે.
(૨–૩) વિહાર દરમિયાન પરમ પૂજ્ય ગુરુદેવ મોરબી પધાર્યા ત્યારે ભગવાનની
પ્રતિષ્ઠાના મંગલ દિને ચૈત્ર સુદ બીજના રોજ ત્યાંના મુમુક્ષુ–મંડળના એક આગેવાન
કાર્યકર ભાઈશ્રી ચંદુલાલ ત્રિભુવનદાસ ઘડિયાલી તથા તેમના ધર્મપત્ની શાન્તાબેન–એ
બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તેમજ
ભાઈશ્રી રતિલાલ હીરાચંદ મહેતા તથા તેમના ધર્મપત્ની ચંચળબેન–એ બંનેએ સજોડે
આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે.
(૪–૫) વિહાર દરમિયાન પરમ પૂજ્ય ગુરુદેવ વાંકાનેર પધાર્યા ત્યારે
પંચકલ્યાણક પ્રતિષ્ઠાના ચૈત્ર સુદ ૧૩ ના મંગલ દિને ત્યાંના ભાઈ શ્રી પ્રભુદાસ લાલચંદ
શેઠ તથા તેમના ધર્મપત્ની–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે
અંગીકાર કરી છે; તેમજ ત્યાંના ભાઈ શ્રી કરસનદાસ હરજીવન શાહ તથા તેમના
ધર્મપત્ની–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે.
(૬) વિહાર દરમિયાન પરમ પૂજ્ય ગુરુદેવ વઢવાણ શહેર પધાર્યા ત્યારે
ભગવાનની વેદી–પ્રતિષ્ઠાના શુભપ્રસંગે ચૈત્ર વદ ૮ ના રોજ ત્યાંના ભાઈશ્રી છોટાલાલ
મોહનલાલ કામદાર તથા તેમના ધર્મપત્ની જયાબેન–એ બંનેએ સજોડે આજીવન
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે.
(૭–૮) વિહાર દરમિયાન પરમ પૂજ્ય ગુરુદેવ જોરાવરનગર પધાર્યા ત્યારે ચૈત્ર
વદ ૧૧ ના રોજ ત્યાંના મુમુક્ષુ–મંડળના આગેવાન કાર્યકર ભાઈશ્રી અમુલખ લાલચંદ તથા
તેમના ધર્મપત્ની કંચનબેન–એ બંનેએ સજોડે બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર
કરી છે, તેમજ ત્યાંના ભાઈશ્રી કસ્તુરચંદ પ્રાણજીવન દોઢીવાળા તથા તેમના ધર્મપત્ની
ચંપાબહેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે.
–બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનારા ઉપરના સર્વે ભાઈઓ તેમજ બહેનોને અભિનંદન!

PDF/HTML Page 4 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૭ : ૧૨૭ :
મોરબી શહેરમાં
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ
જિનેન્દ્ર શાસનના પરમ પ્રભાવક પૂ. ગુરુદેવના પુનિત પ્રતાપે સૌરાષ્ટ્રના ભક્તજનોને
ઠેર–ઠેર જિનેન્દ્ર ભગવંતોનો ભેટો થઈ રહ્યો છે, અને ભગવાનના પંચકલ્યાણકના અદ્ભુત
મહોત્સવોનું મહાન સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જિનેન્દ્ર ભગવાનનું યથાર્થ સ્વરૂપ બતાવીને તેમજ
જિનેન્દ્રદેવે કહેલા ધર્મનું સ્વરૂપ સમજાવીને પૂ. ગુરુદેવ ભક્તજનો ઉપર પરમ ઉપકાર કરી રહ્યા
છે.
પરમ કૃપાળુ ગુરુદેવના પ્રતાપે મોરબી શહેરમાં ભવ્ય જિનમંદિર તૈયાર થયું અને તેમાં
મહાવીરાદિ ભગવંતોની પ્રતિષ્ઠાનો ભવ્ય પંચ–કલ્યાણક–મહોત્સવ પૂ. ગુરુદેવની મંગલકારી
છાયામાં ઉજવાયો.
ફાગણ વદ ૧૦ના મંગલદિને મહાવીરનગર (પ્રતિષ્ઠા–મંડપ)માં શ્રી જિનેન્દ્ર ભગવાનની
પધરામણી થઈ તથા નાંદી વિધાન અને ઝંડારોપણ થયું હતું. તેમજ વીસ વિહરમાન તીર્થંકરોનું
પૂજનવિધાન શરૂ થયું હતું. ફાગણ વદ ૧૧ ના રોજ સવારમાં જલયાત્રા વિધિ થઈ હતી.
જલયાત્રાના જુલૂસમાં પૂ. બેનશ્રીબેન સુવર્ણકલશો લઈને ચાલતાં હતાં તે દ્રશ્ય ઘણું શોભતું
હતું. સાંજે વીસ વિહરમાન તીર્થંકરોનું પૂજન પૂર્ણ થયું હતું, અને જિનેન્દ્રદેવનો અભિષેક થયો
હતો.
ફાગણ વદ ૧૨ ના રોજ પરમ પૂજ્ય ગુરુદેવ મોરબી પધાર્યા હતા ત્યારે મુમુક્ષુ મંડળે
તેમજ શહેરના ભક્તજનોએ અત્યંત ઉલ્લાસથી પૂ. ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પછી પૂ.
ગુરુદેવ સમક્ષ આચાર્ય–અનુજ્ઞાવિધિ થઈ હતી; તેમાં મોરબીના મુમુક્ષુ સંઘે પરમ પૂજ્ય
ગુરુદેવની સ્તુતિ કરીને, જિનેન્દ્ર ભગવાનનો પંચકલ્યાણક–પ્રતિષ્ઠા મહોત્સવ માટે આજ્ઞા માગી
હતી. પૂ. ગુરુદેવે તે માટે આજ્ઞા આપીને માંગળિક સંભળાવ્યું હતું. તરત જ ઈન્દ્રપ્રતિષ્ઠા થઈ
હતી, અને ત્યારબાદ પૂ. ગુરુદેવના સ્વાગતનું તેમજ ઈન્દ્ર–પ્રતિષ્ઠાનું સંયુક્ત જુલૂસ શહેરમાં ફર્યું
હતું. શહેરમાં ફરીને મહાવીરનગરમાં આવ્યા બાદ પૂ. ગુરુદેવે માંગળિક સંભળાવીને તેના
અપૂર્વ ભાવો સમજાવ્યા હતા. બપોરે પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું. હજારો મુમુક્ષુઓની
ભવ્યસભા પૂ. ગુરુદેવની અધ્યાત્મવાણી સાંભળીને સ્તબ્ધ થઈ જતી હતી.
રાત્રે, પંચકલ્યાણક–મહોત્સવના પ્રારંભમાં સૌથી પ્રથમ મંગલાચરણ રૂપે આઠ કુમારિકા
બહેનોએ વિધિનાયક શ્રી મહાવીર ભગવાનની સ્તુતિ કરી હતી, ત્યારબાદ ભગવાનના ગર્ભ
કલ્યાણકની પૂર્વક્રિયાનું દ્રશ્ય થયું હતું. તેમાં પ્રથમ, મહાવીર ભગવાનનો જીવ પૂર્વ ભવે
પુષ્પોત્તર વિમાનમાં બિરાજે છે ને ત્યાં તેનું આયુષ્ય છ મહિના બાકી રહ્યું છે તે ભાવ
બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌધર્મ સ્વર્ગની સભાનો દેખાવ થયો હતો, તેમાં સૌધર્મ
ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણે છે કે છ મહિના બાદ મહાવીર ભગવાન ત્રિશલામાતાની કૂંખે
આવવાના છે; તેથી કુંડલપુરીને શણગારવાની તેમજ સિદ્ધાર્થરાજાને ત્યાં પંદર મહિના સુધી
રત્નવૃષ્ટિ કરવાની કુબેરને આજ્ઞા આપે છે, તેમજ

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૨૮ : આત્મધર્મ–૧૨૭ : વૈશાખ : ૨૦૧૦ :
આઠ દેવીઓને ત્રિશલામાતાની સેવા માટે મોકલે છે –એ બધા ભાવો બતાવવામાં આવ્યા હતા.
ઈન્દ્રાદિક દેવો આવીને ભગવાનના માતા–પિતાનું બહુમાન કરે છે ને વસ્ત્રાભૂષણની ભેટ ધરે
છે; તથા આઠ દેવીઓ માતાજીની સેવા કરે છે. માતાજી સોળ મંગલ–સ્વપ્નો દેખે છે–ઈત્યાદિ
સુંદર દ્રશ્યો થયા હતા. આ ઉપરાંત મહાવીર ભગવાનના પૂર્વ ભવો (ભીલ, સિંહ વગેરે)નું દ્રશ્ય
બતાવીને ઇંદોરના પ્રતિષ્ઠાચાર્ય પં. નાથુલાલજી શાસ્ત્રીએ તેની સમજણ આપી હતી.
ફાગણ વદ ૧૩ ના રોજ સવારમાં ગર્ભકલ્યાણકનું દ્રશ્ય થયું હતું. તેમાં દેવીઓ ત્રિશલા–
માતાની સેવા કરે છે, માતાજી સવારમાં ઊઠીને મંગલ સ્તુતિ કરે છે, અને પછી રાજસભામાં
જઈને ૧૬ સ્વપ્નોનું વર્ણન કરે છે. સિદ્ધાર્થ મહારાજા તે સ્વપ્નના ઉત્તમ ફળ તરીકે તીર્થંકર
ભગવાનના ગર્ભાવતરણનું વર્ણન કરે છે. ત્યારબાદ આઠ દેવીઓ ભગવાનની માતા સાથે
આધ્યાત્મિક તત્ત્વચર્ચા કરે છે અને વિધવિધ પ્રશ્નો પૂછે છે. માતાજી વિદ્વત્તાપૂર્ણ જવાબ આપે છે
એ બધા ભાવોના દ્રશ્યો થયા હતા. (ભગવાનના માતા–પિતા તરીકે શેઠ શ્રી મોહનલાલ
કાળીદાસ તથા તેમના ધર્મપત્ની શિવકુંવર બેન હતા.)
બપોરે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ, જિનમંદિરશુદ્ધિ, વેદીશુદ્ધિ, ધ્વજશુદ્ધિ તેમજ
કલશશુદ્ધિની વિધિ થઈ હતી. આ વિધિ જિનમંદિરમાં ઘણા ઉલ્લાસપૂર્વક થઈ હતી. પૂ. બેનશ્રી
બેનજીએ ઘણી ભક્તિથી હૃદયના ઉમંગપૂર્વક વેદીશુદ્ધિ તેમજ કળશ–ધ્વજશુદ્ધિ કરી હતી. એ
પવિત્ર આત્માઓના મંગલ હસ્તે ભગવાનના ધામની શુદ્ધિ થતી દેખીને ભક્તોને ઘણો હર્ષ
થતો હતો. ઈન્દ્ર–ઈન્દ્રાણી તેમજ દેવીઓએ પણ શુદ્ધિની ક્રિયા કરી હતી. ભગવાનની બેઠક ઉપર
સ્વસ્તિક સ્થાપન વગેરે મંગલવિધિ પૂ. બેનશ્રીબેનના પવિત્ર હસ્તે થઈ હતી. કલામય ધ્વજદંડ
અને સુર્વણકલશ ભવ્ય લાગતા હતા. સાંજે પરમ પૂ. ગુરુદેવ જિનમંદિરે પધાર્યા ત્યારે
તેઓશ્રીના પરમપાવન હસ્તે ધ્વજ અને કલશ ઉપર મંગલ સ્વસ્તિક કરાવ્યા હતા. પરમકૃપાળુ
ગુરુદેવે પોતાના મંગલ–હસ્તે સ્વસ્તિક કર્યો તે દ્રશ્ય જોઈને ભક્તો ઘણા પ્રસન્ન થયા હતા. રાત્રે
સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવની ફિલ્મનો કેટલોક ભાગ બતાવવામાં આવ્યો હતો,
તે જોઈને એ અદ્ભુત પ્રતિષ્ઠા–મહોત્સવના ભક્તિ ભરેલા પ્રસંગોનું સ્મરણ થતું હતું.
ફાગણ વદ ૧૪ ના રોજ મહાવીર ભગવાનના જન્મકલ્યાણકનો મહોત્સવ ઘણા ઉત્સાહથી
સુંદર રીતે થયો હતો. સવારમાં ત્રિશલામાતાની કુંખે શ્રી મહાવીર ભગવાનનો જન્મ થવાની
મંગલ વધાઈ દેવીઓએ આપી હતી. ચારે બાજુ વાજિંત્રોના મંગલનાદ થતા હતા. ઈન્દ્રસભામાં
ભગવાનના જન્મની ખબર પડતાં જ ઈન્દ્રોએ પ્રભુજીને વંદન કર્યું અને તરત જ ઐરાવત હાથી
ઉપર બેસીને ભગવાનના જન્મધામની ત્રણ પ્રદક્ષિણા કરી હતી. પ્રદક્ષિણા બાદ ઈન્દ્રાણીએ
બાલ–પ્રભુજીને તેડીને હર્ષપૂર્વક ઈન્દ્રના હાથમાં આપ્યા હતા; પછી હાથી ઉપર બિરાજમાન
કરીને પ્રભુજીને મેરુપર્વત ઉપર લઈ જવાનું ભવ્ય જુલૂસ નીકળ્‌યું હતું. શહેરના રસ્તાઓમાં આ
જુલૂસ ઘણું શોભતું હતું. અજમેરની ભજનમંડળી પણ સાથે હોવાથી પ્રસંગ ઘણો ઉલ્લાસભર્યો
હતો. જન્માભિષેકના જુલૂસમાં પૂ. ગુરુદેવ પણ સાથે પધાર્યા હતા. આ પ્રસંગે નદીકિનારે
સુશોભિત મેરુ પર્વતની રચના કરવામાં આવી હતી. મેરુ પર્વત પાસે પહોંચતાં ત્યાં હાથીએ
ત્રણ પ્રદક્ષિણા કરી ને પછી પાંડુક શિલા ઉપર પ્રભુજીને બિરાજમાન કર્યા. સુપ્રભાતના પ્રકાશમાં
મેરુ ઉપર બિરાજમાન પ્રભુજીનું દ્રશ્ય અત્યંત ભવ્ય લાગતું હતું. એ વખતે

PDF/HTML Page 6 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૭ : ૧૨૯ :
ભગવાનને નીરખતાં એમ થતું હતું કે અહો, નાથ! ધન્ય આપનો અવતાર! ધન્ય આપનો
જન્મ!! આ અવતારમાં જ આત્માના પૂર્ણહિતને સાધીને આપ તીર્થંકર થશો....ને જગતના
અનેક ભવ્યજીવોનો ઉદ્ધાર કરશો. આ આપનો છેલ્લો અવતાર છે...એ બાલક પ્રભુજીને
નીરખતાં ભક્તોને બહુ આનંદ થતો હતો...પછી ઈન્દ્રોએ તેમજ અનેક ભક્તજનોએ અતિશય
ઉલ્લાસપૂર્વક વીર–કુંવર ભગવાનનો જન્માભિષેક કર્યો...તે પ્રસંગે ચારે તરફ ભક્તિભર્યું પ્રસન્ન
વાતાવરણ છવાઈ ગયું હતું. અભિષેક બાદ ભગવાનને દિવ્ય વસ્ત્રાભૂષણ પહેરાવીને પાછા
આવીને માતાજીને સોંપ્યા હતા. અને ત્યાં ઈન્દ્ર વગેરેએ ભક્તિપૂર્વક તાંડવનૃત્ય કર્યુ હતું. સર્વે
ભક્તજનો ભગવાનના જન્મની ખુશાલી મનાવતા હતા.
બપોરે ભગવાન શ્રી વીરકુંવરનું પારણું ઝુલાવવાની ક્રિયા થઈ હતી. અનેક ભક્તજનો
ભક્તિપૂર્વક ભગવાનનું પારણું ઝુલાવતા હતા; સુશોભિત પારણામાં ભગવાનને નીરખી
નીરખીને પૂ. બેનશ્રીબેન હરખાતા હતા અને ફરી ફરીને ભાવપૂર્વક પારણું ઝુલાવતા હતા, તથા
ચામર વગેરેથી વિધવિધ પ્રકારની ભાવભરી ભક્તિ કરતા હતા. ભગવાન પ્રત્યેના તેમના
ભાવો જોઈ–જોઈને ભક્તોને ઘણો આનંદ થતો હતો. અજમેરની ભજન–મંડળીના ભાઈઓ
પોતાની વિશેષ શૈલીથી ભગવાનનું પારણું ઝુલાવતા હતા અને ભક્તિ કરાવતા હતા.
રાત્રે સિદ્ધાર્થ મહારાજાના રાજદરબારનો દેખાવ થયો હતો. ભગવાન મહાવીર
બાલ્યાવસ્થા પૂર્ણ કરીને યુવાવસ્થામાં વર્તે છે. એકવાર તેમના જન્મોત્સવની વર્ષગાંઠનો ખાસ
પ્રસંગ ઊજવવા દેશોદેશના રાજાઓને આમંત્રણ આપીને ખાસ રાજદરબાર ભરાયો છે.
દેશોદેશના રાજા–મહારાજાઓ આવીને ભક્તિપૂર્વક ભગવાનને ભેટ ધરે છે.
ભગવાન મહાવીરકુમાર રાજસભામાં બિરાજી રહ્યા છે, તે પ્રસંગે અચાનક ગુપ્તિ–સુગુપ્તિ
નામના બે ચારણઋદ્ધિધારક આકાશમાંથી દિગંબર મુનિવરો ત્યાંથી નીકળે છે અને દૂરથી
મહાવીર કુમારને દેખતાં જ તેમની આશંકાઓનું નિવારણ થઈ જાય છે, તેથી પ્રસન્ન થઈને
તેઓ શ્લોક બોલે છે અને મહાવીર ભગવાનને “સન્મતિનાથ” એવું ખાસ નામ આપે છે. આ
પ્રસંગ સુંદર અને ભાવવાહી હતો; તેમાં પણ ઉપર આકાશમાંથી બે મુનિવરો નીચે ઉતરી રહ્યા
છે એ દેખાવ તો બહુ જ અદ્ભુત હતો.
રાજદરબાર પ્રસંગે કેટલાક મહારાજાઓ પોતાની રાજકુંવરીના વિવાહ મહાવીર કુમાર
સાથે કરવા માટે માગણી કરે છે; તેમાંથી યશોદાકુમારી સાથે વિવાહ માટે સિદ્ધાર્થરાજા મહાવીર
કુમાર સમક્ષ સૂચન મૂકે છે. ‘પણ અલ્પકાળમાં મારે મહાન આત્મકાર્ય કરવાનું છે’ એમ
વિચારી ભગવાન વૈરાગ્ય પામે છે, ભગવાનને જાતિસ્મરણ થાય છે, અને પરણવાની ના
પાડીને દીક્ષા માટે તૈયાર થાય છે... ત્રિશલામાતાને ભગવાનની આ વાત સાંભળતાં પ્રથમ તો
આઘાત થાય છે પણ પછી મહાવીર ભગવાન વૈરાગ્યપૂર્વક સમજાવે છે તેથી પ્રસન્નતાપૂર્વક
ભગવાનને દીક્ષા લેવાની રજા આપે છે...આ બધા દ્રશ્યોના ભાવ બતાવવામાં આવ્યા હતા.
ફાગણ વદ અમાસના રોજ, ભગવાન મહાવીર બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતવન કરે છે
ને દીક્ષા માટે તૈયાર થયા છે. ત્યારે લૌકાંતિક દેવો આવીને ભગવાનની સ્તુતિ કરે છે ને
ભગવાનના વૈરાગ્યનું અનુમોદન કરતાં કહે છે કે “અહો, વૈરાગ્યમૂર્તિ મહાવીર ભગવાન! આ
ભવ તન અને ભોગને અનિત્ય વિચારીને, આત્માના ચિદાનંદ સ્વરૂપમાં પૂર્ણપણે સમાઈ જવા
માટે આપશ્રી જે વૈરાગ્યભાવના ભાવી રહ્યા છો તેને અમારી

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૩૦ : આત્મધર્મ–૧૨૭ : વૈશાખ : ૨૦૧૦ :
અત્યંત અનુમોદના છે. હે નાથ! મિથ્યાત્વાદિ ભાવોને જીવોએ પૂર્વે અનંતવાર ભાવ્યા છે પણ
સમ્યક્ત્વાદિ ભાવોને પૂર્વે કદી ભાવ્યા નથી. પૂર્વે નહિ ભાવેલી એવી અપૂર્વ ભાવનાને–રત્નત્રય
ભાવનાને આ ભાવી રહ્યા છો. હે નાથ! આપ વીતરાગી મુનિદશા અંગીકાર કરીને આત્માના
અતીન્દ્રિય આનંદમાં ઝુલતાં ઝુલતાં શીઘ્ર કેવળજ્ઞાન પામો અને આપના દિવ્યધ્વનિ વડે
ભવ્યજીવોને માટે મોક્ષમાર્ગના દ્વાર ખુલ્લાં કરો...”
ત્યારબાદ ઈન્દ્રો પાલખી લઈને દીક્ષાકલ્યાણક ઉજવવા આવે છે. પ્રથમ રાજવીઓ પછી
વિદ્યાધરો ને પછી દેવો ભગવાનની પાલખી લઈને દીક્ષા વનમાં જાય છે ને ત્યાં સિદ્ધભગવંતોને
નમસ્કાર કરીને ભગવાન સ્વયં દીક્ષિત થાય છે. લાલબાગના વિશાળ વનમાં ભગવાનનો
દીક્ષા–પ્રસંગ અત્યંત શોભતો હતો. દીક્ષા પ્રસંગે ભગવાનના કેશલોચનની વિધિ પૂ. ગુરુદેવના
સુહસ્તે થઈ હતી. બહુ જ ભક્તિ અને વૈરાગ્યભાવનાપૂર્વક પૂ. ગુરુદેવે પ્રભુજીનો કેશલોચ કર્યો
હતો. ત્યારબાદ ભગવાન નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થયા ને સાતમું ગુણસ્થાન તથા
મનઃપર્યયજ્ઞાન થયું. ત્યારબાદ ભગવાન તો વનવિહાર કરી ગયા. દીક્ષાવનમાં પૂ. ગુરુદેવે
અદ્ભુત વૈરાગ્ય–પ્રવચન દ્વારા ભગવાનની દીક્ષાનું સ્વરૂપ બતાવ્યું હતું તથા તે ધન્ય અવસરની
ભાવના ભાવી હતી. એ પ્રવચન બાદ વનમાં જ અજમેરની સંગીત મંડળીએ મુનિરાજની ભક્તિ
કરી હતી. તેમાં ‘ઐસે મુનિવર દેખે વન મેં ...જાકો રાગ દ્વેષ નહિ મન મેં’ ઈત્યાદિ ભજનો વડે
ભાવભરી ભક્તિ થઈ હતી; પછી ભગવાનના કેશનું સમુદ્રમાં ક્ષેપણ કરવામાં આવ્યું હતું. બપોરે
મુનિરાજ શ્રી મહાવીરપ્રભુની ભક્તિ થઈ હતી.
રાત્રે : ભગવાન શ્રી મહાવીરપ્રભુ મુનિદશામાં બિરાજી રહ્યા છે. વનમાં ધ્યાનસ્થ
પ્રભુજીને જોઈને કાપાલિક રુદ્ર ક્રોધિત થઈ ભગવાન ઉપર ઘોર ઉપસર્ગો કરે છે, પત્થરોની વર્ષા
કરે છે, જલવર્ષા કરે છે, ભયંકર અગ્નિવર્ષા કરે છે, પણ પ્રભુજી તો નિઃશંકપણે ધ્યાનમાં અડગ
ઊભા છે, તેથી વિશેષ ક્રોધિત થઈને બાણનો વરસાદ વરસાવે છે પરંતુ તેના બાણો થંભી જાય
છે. છેવટે ભયંકર સર્પોનું રૂપ ધારણ કરીને ઉપસર્ગ કરે છે, પણ એ વીતરાગી મુનિરાજ જરાપણ
ચલિત થતા નથી.... છેવટે રુદ્ર તે ભગવાનના ચરણે નમી જાય છે ને ગદગદ ભાવે ક્ષમા માગે
છે. દેવો આવીને ભગવાનની ભક્તિ કરે છે–ઈત્યાદિ ભાવો બતાવવામાં આવ્યા હતા. ઘોર
ઉપસર્ગ–પ્રસંગો વખતની ભગવાનની પરમ ધૈર્યતા અને ગંભીરતા જોઈને ભક્તોનું હૃદય તેમના
ચરણોમાં નમી જતું હતું. આઠ–દસ હજાર માણસોનો સમૂહ એકીટશે સ્તબ્ધ થઈને આ દ્રશ્ય
નીરખતો હતો. ઉપસર્ગ દૂર થતાં ચારે બાજુ આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.
ચૈત્ર સુદ એકમના રોજ સવારના પ્રવચન બાદ ભગવાન શ્રી મહાવીર મુનિરાજના
આહાર–દાનની વિધિ થઈ હતી. ભગવાનને પડગાહન કરીને નવધાભક્તિપૂર્વક ભક્તજનો
આહારદાન દેતા હતા તે દ્રશ્ય દર્શનીય હતું. આહારદાન પ્રસંગ શ્રી. મંજુલાબેન મયાશંકર
દેસાઈને ત્યાં થયો હતો. આ પ્રસંગ ઘણો ઉલ્લાસમય હતો.
બપોરે પરમપૂજ્ય સદ્ગુરુદેવના પરમપાવન હસ્તે સર્વે જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ
થયો હતો. પૂ. ગુરુદેવે ઘણા ભાવપૂર્વક સર્વે જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ કર્યો હતો; તે
જોઈને ભક્તો ઘણા આનંદથી ભક્તિ અને જયનાદ કરતા હતા. શ્રી જિનેન્દ્રદેવ અને જિનેશ્વરના
લઘુનંદનનું આવું ભક્તિભર્યું સુમિલન જોઈને મુમુક્ષુઓના હૃદયમાં ભક્તિ ઉલ્લસતી હતી.
બપોરે ભગવાનના કેવળજ્ઞાન–કલ્યાણકનો મહોત્સવ

PDF/HTML Page 8 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૭ : ૧૩૧ :
થયો હતો. ભગવાનને કેવળજ્ઞાન થતાં સમવસરણની રચના થઈ હતી. વિધવિધ શણગારથી
રચાયેલા સમવસરણની મધ્યમાં ગંધકુટી ઉપર બિરાજમાન મહાવીર ભગવાન બહુ શોભતા
હતા. આ પ્રસંગે ભગવાનના દિવ્યધ્વનિરૂપે પૂ. ગુરુદેવે અદ્ભુત પ્રવચન કર્યું હતું. રાત્રે
સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી.
ચૈત્ર સુદ બીજના રોજ સવારમાં પાવાપુરીમાં ભગવાન બિરાજમાન છે, ને પછી
યોગનિરોધ કરીને ભગવાન અપૂર્વ નિર્વાણદશાને પામ્યા, એ નિર્વાણ–કલ્યાણક થયો હતો. આ
વખતે પાવાપુરીનું સુંદર દ્રશ્ય રચવામાં આવ્યું હતું. આ રીતે શ્રી મહાવીર જિનેન્દ્ર ભગવાનના
પંચકલ્યાણક પૂર્ણ થયા હતા.
પંચકલ્યાણક બાદ, પ્રતિષ્ઠિત થયેલા મહાવીરાદિ જિનેન્દ્રભગવંતો જિનમંદિરે પધાર્યા
હતા. ભગવાન પધાર્યા ત્યારે ભક્તોને ઘણો જ ઉલ્લાસ હતો, અને ચારે બાજુ આનંદમય
વાતાવરણ છવાઈ ગયું હતું. પરમ કૃપાળુ પૂ. ગુરુદેવના પાવન હસ્તે વેદી ઉપર
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા થઈ હતી. મોરબીનું જિનમંદિર ઘણું ભવ્ય અને સુંદર છે, લગભગ
૬૦ હજાર રૂા
. ના ખર્ચે તે તૈયાર થયું છે. તેમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાન અને તેમની
આજુબાજુમાં શ્રી મલ્લિનાથ ભગવાન, તથા શ્રી પાર્શ્વનાથભગવાન બિરાજમાન છે. આ
ઉપરાંત શ્રી નેમિનાથ ભગવાન, વાસુપૂજ્ય ભગવાન (સ્ફટિકના) અને મહાવીર ભગવાન
(વિધિનાયક) બિરાજમાન છે, અને ઉપરના ભાગમાં મહાવિદેહી શ્રી સીમંધર ભગવાન, શ્રી
બાહુભગવાન અને શ્રી ચંદ્રબાહુ ભગવાન બિરાજમાન છે. ઉપરાંત જિનમંદિરમાં શ્રી સમયસારજી
શાસ્ત્રની સ્થાપના પણ પૂ. ગુરુદેવના પવિત્ર કરકમળથી થઈ હતી. જિનમંદિરમાં બિરાજમાન
ભગવંતોની પરમ શાંત મુદ્રા દેખી દેખીને ભક્તજનોના હૈયાં ભક્તિથી નાચી ઊઠતા હતા.
ભગવાનની પ્રતિષ્ઠા બાદ જિનમંદિર ઉપર સુંદર કલશ અને ધ્વજ ચઢાવવામાં આવ્યા હતા.
સાંજે : પૂ. ગુરુદેવના પ્રવચન બાદ ભગવાન શ્રી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી
હતી. આ રથયાત્રા ઘણી જ પ્રભાવક હતી. ભગવાન સન્મુખ અજમેરની સંગીત મંડળીની ખાસ
ભક્તિ, ચાંદીના રથમાં શાસ્ત્રજી, ઈન્દ્રધ્વજ વગેરેથી રથયાત્રા શોભતી હતી, અને તેમાં પણ
હાથી ઉપર પૂ. બેનશ્રીબેન હાથમાં ધર્મધ્વજ લઈને બિરાજતા હતા, એ દ્રશ્યથી રથયાત્રાની
શોભા અનેકગણી વધી ગઈ હતી. આવી પ્રભાવશાળી રથયાત્રા જોઈને ભક્તોને ઘણો આનંદ
થયો હતો. રથયાત્રા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ફરીને જિનમંદિર આવી હતી ને ત્યાં અદ્ભુત
ભક્તિ થઈ હતી.
રાત્રે બાલિકાઓએ “મહારાણી ચેલણા, શ્રેણિક અને અભયકુમાર”નો સુંદર સંવાદ કર્યો
હતો; આ સંવાદમાં જૈનધર્મનો મહાન પ્રભાવ જોઈને હજારો માણસો પ્રભાવિત થયા હતા.
મહારાણી ચેલણાને શ્રેણિકના રાજ્યમાં જૈનધર્મ વગર બધું સુનકાર લાગે છે, તેને ક્યાંય ચેન
પડતું નથી. છેવટે ધૈર્યપૂર્વક તે મહારાજા પાસેથી જૈનધર્મ માટે બધું કરવાની છૂટ મેળવે છે.
અભયકુમાર અને ચેલણા સમ્યગ્દર્શનાદિ સંબંધી તત્ત્વચર્ચા કરે છે, ચેલણા રાણી બૌદ્ધગુરુઓની
પરીક્ષા કરે છે, શ્રેણિક રાજા દિગંબર મુનિરાજ ઉપર ઘોર ઉપસર્ગ કરે છે, તે પ્રસંગે ચેલણા
આઘાતથી મૂર્છિત થઈ જાય છે–એ દ્રશ્ય જોતાં લોકોના હૃદય થંભી જતા હતા. તરત જ ચેલણા
અને અભયકુમાર જંગલમાં જઈને મુનિરાજનો ઉપસર્ગ દૂર કરે છે. શ્રેણિક પણ સાથે જાય છે. તે
પોતાના ઘોર પાપની ક્ષમા માંગે છે, ને મુનિરાજથી પ્રભાવિત થઈને જૈનધર્મ અંગીકાર કરે છે. આ

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૩૨ : આત્મધર્મ–૧૨૭ : વૈશાખ : ૨૦૧૦ :
પ્રભાવશાળી દ્રશ્ય જોઈને ભક્તોને બહુ આનંદ થતો હતો. પછી સારી નગરીમાં જૈનધર્મનો
પ્રભાવ ફેલાય છે, ને આખી પ્રજા જૈનધર્મ અંગીકાર કરે છે. એકવાર મહાવીર ભગવાન
રાજગૃહીમાં પધારે છે, ત્યારે અભયકુમાર અને ચેલણારાણી વૈરાગ્ય ભાવના ભાવતા
ભગવાનના સમવસરણમાં જાય છે....એ સંવાદ પૂરો થાય છે.
ચૈત્ર સુદ ત્રીજના રોજ શાંતિયજ્ઞ થયો હતો. શાંતિયજ્ઞ બાદ ભગવાનના દર્શન
કરીને, મોરબી સંઘના ભાઈઓ તેમજ ઈન્દ્ર–ઈન્દ્રાણી વગેરે પરમ પૂ. ગુરુદેવના દર્શન
કરવા આવ્યા હતા. ત્યાં ગુરુદેવની ભાવભીની સ્તુતિ કરીને, તેઓશ્રીનો પરમ ઉપકાર
વ્યક્ત કર્યો હતો. બપોરે પ્રવચન પછી જિનમંદિરમાં ભક્તિ થઈ હતી, તેમાં પૂ.
ગુરુદેવશ્રીએ મહાવીર પ્રભુનું સ્તવન ગવડાવીને બહુ ઉલ્લાસભરી ભક્તિની શરૂઆત કરી
હતી. તે દિવસે ગુરુદેવની ભક્તિની ધૂન જોઈને બધાને ઘણો હર્ષ થયો હતો. રાત્રે
માનસ્તંભ–મહોત્સવની ફિલ્મનો બાકીનો ભાગ બતાવવામાં આવ્યો હતો.
પરમ પૂજ્ય ગુરુદેવના મહાન પ્રતાપે મોરબી શહેરમાં દિ. જૈન સંઘે ભવ્ય જિનમંદિર
બંધાવ્યું અને તેમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો આવો પંચકલ્યાણક–મહોત્સવ
ઉજવાયો. પરમ કૃપાળુ પૂ. ગુરુદેવના આવા અપાર ઉપકારોનું વર્ણન થઈ શકે તેમ નથી.
સૌરાષ્ટ્રના લોકોને દિ. જૈન ધર્મ શું છે તેની પણ થોડા વર્ષો પહેલાંં ખબર ન હતી, તેને
બદલે પૂ. ગુરુદેવના અલૌકિક ધર્મ–પ્રભાવથી આજે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર દિ. જૈનધર્મના ઊંડા
મૂળ રોપાયા છે, અને જૈનશાસનની મંગલ–પ્રભાવના દિન દિન વૃદ્ધિગત થઈ રહી છે.
પરમ પ્રતાપી ગુરુદેવનો મહાન પ્રભાવના ઉદય જયવંત વર્તો કે જેના પ્રતાપે સૌરાષ્ટ્રના
ભક્તજનોને ઠેર ઠેર જિનેન્દ્ર ભગવાનનો ભેટો થાય છે ને આખું સૌરાષ્ટ્ર તીર્થધામ બની
ગયું છે. જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક–મહોત્સવ ઉલ્લાસપૂર્વક કરાવવા માટે
મોરબી દિ. જૈન સંઘના મુમુક્ષુ ભાઈઓને અનેક ધન્યવાદ ઘટે છે.
પ્રતિષ્ઠા–મહોત્સવ બાદ પૂ. ગુરુદેવ ચૈત્ર સુદ પાંચમ સુધી મોરબીમાં બિરાજ્યા હતા; અને
ચૈત્ર સુદ છઠ્ઠના રોજ સવારે મોરબી જિનમંદિરમાં મહાવીર ભગવાનની મંગલ સ્તુતિ કરાવીને
વાંકાનેર તરફ વિહાર કર્યો હતો. આ પ્રતિષ્ઠા–મહોત્સવમાં વિધિ કરાવવા માટે ઇંદોરના પંડિત શ્રી
નાથુલાલજી શાસ્ત્રી આવ્યા હતા અને તેમણે સુંદર રીતે બધી વિધિ કરાવી હતી, તે માટે તેમનો
આભાર માનવામાં આવે છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૭ : ૧૩૩ :
આત્માની સાચી
શાંતિ કેમ થાય?
વાંકાનેરમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન
પરમ પૂજ્ય સદ્ગુરુ દેવનું પ્રવચન
[વીર સં. ૨૪૮૦, ચૈત્ર સુદ ૯]
શિષ્ય પૂછે છે કે પ્રભો! આત્માની શાંતિ કેમ મળે? આત્માની શાંતિનો ઉપાય શું છે?
અનાદિકાળથી સંસારની ચાર ગતિમાં રઝળતાં ક્યાંય સાચી શાંતિ થઈ નથી. નરકમાં ને સ્વર્ગમાં,
તિર્યંચમાં ને મનુષ્યમાં અનાદિકાળથી અવતાર ધારણ કર્યા, અને તેના કારણરૂપ પાપ તેમજ
પુણ્યભાવો અનંતવાર કર્યા છે પણ તેમાં ક્યાંય આત્માની શાંતિ પામ્યો નથી. આત્માની શાંતિની
જિજ્ઞાસાથી હવે શિષ્ય પૂછે છે કે પ્રભો! મને મારા આત્માનું ભાન થાય અને શાંતિ થાય એનો
ઉપાય શું છે? આવું પૂછનારને આત્માની આસ્થા છે, જેની પાસે પૂછે છે એવા જ્ઞાની ગુરુની
આસ્થા પણ થઈ છે અને આત્માનું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા થઈ છે, એવા શિષ્યને
આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ! દેહાદિનો સંયોગ તેમજ અવસ્થાનો ક્ષણિક વિકાર દેખાય છે તે
તારા આત્માના સ્વભાવ સાથે એકમેક થઈ ગયા નથી; ક્ષણિક સંયોગ અને વિકારની દ્રષ્ટિ
છોડીને, આત્માના ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી જોતાં ભગવાન આત્મા કર્મથી બંધાયેલો નથી
તેમજ વિકાર પણ તેની સાથે એકમેક થઈ ગયેલ નથી. આવા ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી આત્મા
શુદ્ધસ્વભાવપણે અનુભવાય છે; ને તેમાં અતીન્દ્રિય શાંતિનો અનુભવ થાય છે; આ સમ્યગ્દર્શનની
રીત છે.
લક્ષ્મી વગેરેનો રાગ ઘટાડીને ધર્મપ્રભાવના માટે પ્રતિષ્ઠા–મહોત્સવ વગેરે કાર્યોમાં લક્ષ્મી
વાપરવાનો શુભભાવ ધર્મીને પણ આવે, છતાં તે વખતે ધર્મી જાણે છે કે આ રાગ તો સંયોગના
લક્ષે થાય છે ને મારો સ્વભાવ તો અસંયુક્ત છે, રાગથી પણ મારો સ્વભાવ અસંયુક્ત છે. હે
ભાઈ! જો તારે અનંતકાળની ભૂખ ભાંગવી હોય ને ધર્મની શરૂઆત કરવી હોય, અપૂર્વ
આત્મશાંતિ જોઈતી હોય તો અંતરમાં શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવનું અવલંબન કર. દેવ–ગુરુ–ધર્મ
પ્રત્યે ભક્તિનો આહ્લાદ આવે, ભગવાનનો જન્મ થતાં ઈન્દ્રોના આસન કંપાયમાન થાય ને
ઈન્દ્રો આવીને ભક્તિથી નાચી ઊઠે. તીર્થંકરના જન્મ પહેલાંં પંદર માસ અગાઉ ઈન્દ્રો આવીને
ભગવાનના માતા–પિતાની સેવા કરે, ઉપરથી રત્નોની વર્ષા કરે છે. માતા પાસે આવીને કહે છે
કે હે દેવી! છ મહિના પછી આપની કુંખે ત્રિલોકનાથ તીર્થંકરનો આત્મા આવવાનો છે. હે
માતા! આપ ભગવાનના જ નહિ પણ ત્રણલોકના માતા છો! હે રત્નકુંખધારિણી માતા! આપ
ત્રિલોકનાથ તીર્થંકરને જન્મ દેનારા છો. આવો ભક્તિનો ભાવ આવે, છતાં તે વખતે તે રાગથી
પાર ચિદાનંદ સ્વભાવ ઉપર ધર્મીની દ્રષ્ટિ પડી છે. ચિદાનંદ સ્વરૂપ આત્માને કેમ પ્રાપ્ત કરવો
તેની આ વાત છે. ભગવાન
(અનુસંધાન માટે જુઓ : પાના નં. ૧૪૩ ઉપર)

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૩૪ : આત્મધર્મ–૧૨૭ : વૈશાખ : ૨૦૧૦ :
માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ અને–
શુદ્ધનયના અવલંબનનો ઉપદેશ
[સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે ચૈત્ર સુદ પાંચમે પૂ. ગુરુદેવનું પ્રવચન]
આચાર્યદેવ કહે છે કે અહો! જીવોએ કદી નહિ જોયેલું એવું
આત્માનું પરથી ભિન્ન શુદ્ધ એકત્વ જ્ઞાયકસ્વરૂપ હું મારા
આત્મવૈભવથી દેખાડું છું. જીવોને અનંતકાળથી જે સમજવાનું
બાકી રહી ગયું છે તે હું સમજાવું છું. સંસારમાં અજ્ઞાનીઓને બધું
સુલભ છે, એકમાત્ર આત્મસ્વભાવની સમજણ જ પરમ દુર્લભ છે.
(ગતાંકથી ચાલુ)
સમ્યગ્દર્શનનો અફર ઉપાય
જુઓ, આ સમકીતનો પુરુષાર્થ! આવો પુરુષાર્થ પૂર્વે કદી જીવે કર્યો નથી. કોઈ કહે કે અમે
પુરુષાર્થ તો ઘણો કરીએ છીએ પણ સમકીત થતું નથી. તો જ્ઞાની કહે છે કે અરે ભાઈ! તારી વાત
જૂઠી છે; યથાર્થ કારણ આપે અને કાર્ય ન આવે એમ બને નહિ. જો કાર્ય નથી પ્રગટતું તો સમજ
કે તારા પ્રયત્નમાં ભૂલ છે. સમ્યગ્દર્શન થવાની જે રીત છે તે રીતે અંતરમાં યથાર્થ પ્રયત્ન કરે અને
સમ્યગ્દર્શન ન થાય એમ બને જ નહિ. ખરેખર અપૂર્વ સમ્યગ્દર્શનનો સાચો ઉપાય શું છે તે જીવે
જાણ્યું જ નથી, ને બીજા વિપરીત ઉપાયને સાચો ઉપાય માની લીધો છે. જ્યાં ઉપાય જ ખોટો હોય
ત્યાં સાચું કાર્ય ક્યાંથી પ્રગટે? માટે અહીં આચાર્ય ભગવાનને સમ્યગ્દર્શનનો સાચો અને અફર
ઉપાય બતાવ્યો છે. જો આ ઉપાય સમજે અને આ રીતે શુદ્ધનયનું અવલંબન લઈને અંતરના
જ્ઞાનાનંદસ્વભાવને પકડે તો સમ્યગ્દર્શનનો અપૂર્વ અનુભવ અને ભેદજ્ઞાન જરૂર થઈ જાય.
‘શુદ્ધનયનું અવલંબન’ એટલે શું?
પ્રશ્ન :– અહીં શુદ્ધનયનું અવલંબન લેવાનું કહ્યું પરંતુ શુદ્ધનય તો જ્ઞાનનો અંશ છે, પર્યાય
છે, શું તે અંશના અવલંબને સમ્યગ્દર્શન થાય?
ઉત્તર :– શુદ્ધનયનું અવલંબન ખરેખર ક્યારે થયું કહેવાય? એકલા અંશનો ભેદ પાડીને
તેના જ અવલંબનમાં જે અટક્યો છે તેને તો શુદ્ધનય છે જ નહિ; જ્ઞાનના અંશને અંતરમાં વાળીને
જેણે ત્રિકાળી દ્રવ્યની સાથે અભેદતા કરી છે તેને જ શુદ્ધનય હોય છે, અને આવી અભેદ દ્રષ્ટિ કરી
ત્યારે શુદ્ધનયનું અવલંબન લીધું એમ કહેવાય છે. એટલે ‘શુદ્ધનયનું અવલંબન’ એમ કહેતાં તેમાં
પણ દ્રવ્ય–પર્યાયની અભેદતાની વાત છે; પરિણતિ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થઈને જે
અનુભવ થયો તેનું નામ શુદ્ધનયનું અવલંબન છે, તેમાં દ્રવ્ય પર્યાયના ભેદનું અવલંબન નથી.
જોકે શુદ્ધનય તે જ્ઞાનનો અંશ છે–પર્યાય છે, પરંતુ તે શુદ્ધનય અંતરના ભૂતાર્થ સ્વભાવમાં અભેદ
થઈ ગયો છે એટલે ત્યાં નય અને નયનો વિષય જુદા ન રહ્યા. જ્યારે જ્ઞાનપર્યાય અંતરમાં
વળીને શુદ્ધ દ્રવ્ય સાથે અભેદ થઈ ત્યારે જ શુદ્ધનય નિર્વિકલ્પ છે. આવો શુદ્ધનય કતકફળના
સ્થાને છે; જેમ મેલા પાણીમાં કતકફળ–ઔષધિ નાખતાં પાણી નિર્મળ થઈ જાય છે તેમ કર્મથી
ભિન્ન શુદ્ધ આત્માનો અનુભવ શુદ્ધનયથી થાય છે, શુદ્ધનયથી ભૂતાર્થ સ્વભાવનો અનુભવ કરતાં
આત્મા અને

PDF/HTML Page 12 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૭ : ૧૩૫ :
કર્મનું ભેદજ્ઞાન થઈ જાય છે.
ભવરોગ મટાડવાની સાચી ઔષધિ
જુઓ આ સાચી ઔષધિ! અનાદિથી જીવને મિથ્યાત્વરૂપી રોગ લાગુ પડ્યો છે, તે આ શુદ્ધનયરૂપી
ઔષધિથી મટે છે. સ્વસન્મુખ પુરુષાર્થ વડે શુદ્ધનયનું અવલંબન લઈને શુદ્ધઆત્માનો અનુભવ કરતાં જ તત્કાળ
ભેદજ્ઞાન થઈ જાય છે અને અનાદિનો ભ્રમણારોગ મટી જાય છે. આ વાત અપૂર્વ સમજવા જેવી છે, આ સમજીને
અંતરમાં તેનો યથાર્થ નિર્ણય કરવો તે સમ્યગ્દર્શનનું કારણ છે. ખરું તો આ જ કરવા જેવું છે, આ સિવાય બીજું
તો બધું થોથાં છે, તેમાં ક્યાંય આત્માનું હિત નથી.
સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિનું માપ કરવાની રીત
ત્રિકાળી ભૂતાર્થ સ્વભાવનું અવલોકન કરવું તે જ સમ્યક્ અવલોકન છે; જેઓ ભૂતાર્થસ્વભાવનું અવલંબન
કરે છે તેઓ જ સમ્યક્ સ્વભાવનું અવલોકન કરનારા સમ્યગ્દ્રષ્ટિ છે, આ સિવાય બીજા જેઓ અભૂતાર્થનો આશ્રય
કરે છે એટલે કે નિમિત્તના–રાગના–પર્યાયના કે ભેદના આશ્રયથી કલ્યાણ માને છે–તેઓ સમ્યગ્દ્રષ્ટિ નથી, કેમકે
તેઓ આત્માના અખંડ પરિપૂર્ણ સ્વરૂપને નથી દેખતા પણ ક્ષણિક અંશને જ દેખે છે તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.
સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું માપ બહારની ક્રિયા ઉપરથી કે કષાયની મંદતા ઉપરથી થઈ શકતું નથી, પણ
અંતરની દ્રષ્ટિ ક્યાં પડી છે તેના ઉપરથી સમ્યક્ત્વ કે મિથ્યાત્વનું માપ નીકળે છે. પુત્ર મરી જાય ત્યાં સમકીતિ–
જ્ઞાનીને શોક થઈ જાય ને આંખમાં ચોધાર આંસુએ રોતો હોય, છતાં તે વખતેય તેને દ્રષ્ટિમાં ભૂલ નથી, માત્ર
અસ્થિરતાનો રાગ છે તેનો અલ્પદોષ છે. અને અજ્ઞાની તેવા પ્રસંગે કદાચ ન રોતો હોય ને વૈરાગ્યની વાત કરતો
હોય, છતાં તેને દ્રષ્ટિમાં ભૂલ છે, રાગના આશ્રયથી લાભ માનતો હોવાથી તેને ઊંધી દ્રષ્ટિનો અનંતો દોષ છે. આ
અંતરની દ્રષ્ટિના માપ બહારથી નીકળે તેવા નથી સમ્યગ્દ્રષ્ટિને પોતાની ભૂમિકાના પ્રમાણમાં આર્ત્ત–રૌદ્ર ધ્યાનના
પરિણામ પણ ક્યારેક થઈ જાય, તે રોતો હોય કે લડાઈ વગેરે ક્રિયામાં ઊભો હોય, છતાં તે વખતેય દ્રષ્ટિમાંથી
પોતાના પરમાર્થ સ્વભાવનું અવલંબન છૂટયું નથી એટલે તેને દ્રષ્ટિનો દોષ નથી–શ્રદ્ધામાં ભૂલ નથી, તેથી
મિથ્યાત્વાદિ ૪૧ કર્મપ્રકૃતિઓનું બંધન તો તેને થતું જ નથી. ને અજ્ઞાનીને તો શુભપરિણામ વખતેય દ્રષ્ટિના દોષને
લીધે મિથ્યાત્વાદિ કર્મપ્રકૃતિનું બંધન પણ થયા જ કરે છે. ધર્મીને જે રાગ–દ્વેષ થઈ જાય છે તે પરના કારણે થતા
નથી, તેમજ સ્વભાવની દ્રષ્ટિ છૂટીને પણ થતા નથી, ફક્ત ચારિત્રના પુરુષાર્થમાં મચક ખાઈ જાય છે. અજ્ઞાનીને
એમ લાગે છે કે બહારના પ્રતિકૂળ પ્રસંગને લીધે જ્ઞાનીના પરિણામ બગડયા, પણ જ્ઞાનીની અંર્તદ્રષ્ટિની તેને ખબર
નથી. અજ્ઞાની તો તે શુભાશુભ પરિણામ વખતે તેમાં જ એકાકાર થઈને ભૂતાર્થ સ્વભાવને ભૂલી જાય છે, ને જ્ઞાની
તો અંતર્દષ્ટિ વડે પોતાના ભૂતાર્થ સ્વભાવને તે શુભાશુભ પરિણામથી જુદો ને જુદો અનુભવે છે. બસ! અંતરમાં
ચિદાનંદ ભૂતાર્થસ્વભાવનો આશ્રય ન છૂટવો તેનું નામ સમ્યગ્દર્શન છે. એક ને એક પ્રસંગમાં અજ્ઞાની શુભ–
પરિણામથી શાંતિ રાખે ને તે જ વખતે જ્ઞાનીને જરાક ખેદના પરિણામ થઈ જાય, છતાં જ્ઞાનીને તો તે વખતે
અંતરમાં ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી સમ્યક્ત્વનું પરિણમન થઈ રહ્યું છે, ને અજ્ઞાની તો ભૂતાર્થસ્વભાવનું ભાન પણ
નથી તેથી તેને મિથ્યાત્વનું પરિણમન થાય છે.
અનાદિથી ભવભ્રમણ કેમ થયું અને તે કેમ અટકે?
હે જીવ! અનાદિથી તેં તારા ભૂતાર્થ સ્વભાવનો સંગ કદી કર્યો નથી, પરના સંગથી લાભ માની–માનીને જ
તું સંસારમાં રખડી રહ્યો છે. અસંયોગી ચૈતન્ય સ્વભાવનો સંગ છોડીને નિમિત્તનો સંગ કર્યો તેથી પરાધીન ભાવે તું
સંસારમાં રખડયો. હવે સ્વસન્મુખ થઈને તારા ભૂતાર્થ સ્વભાવનો મહિમા દેખ અને પરના સંગની બુદ્ધિ છોડીને
તેનો સંગ કર, તો તે ભૂતાર્થ સ્વભાવના સંગથી તારું ભવભ્રમણ ટળી જશે. જડ કર્મે જીવને રખડાવ્યો નથી, પરંતુ
જીવે પોતે પોતાના ભૂતાર્થસ્વભાવનો આશ્રય ન કર્યો તેથી જ તે રખડયો છે એટલે કે પોતે પોતાની ભૂલથી જ
રખડયો છે. પૂજામાં પણ આવે છે કે–
‘करम बिचारे कौन भूल मेरी अधिकाई’
–હંમેશા પૂજામાં એ શબ્દો બોલી જાય પણ તેનો અર્થ શું છે તે વિચારે નહિ અને કર્મના જોરને લીધે
સંસારમાં રખડયો એમ અજ્ઞાની માને છે. પણ અરે ભાઈ! જો જડ કર્મ તને રખડાવે તો તારું રખડવાનું ક્યારે

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૩૬ : આત્મધર્મ–૧૨૭ : વૈશાખ : ૨૦૧૦ :
ટળે? જો કર્મ જ રખડાવતું હોય તો તારે તો કાંઈ છૂટકારાનો ઉપાય કરવાનું રહ્યું જ નહિ. વળી જો કર્મના
વાંકથી સંસાર હોય તો જડકર્મને ઉપદેશ દેવો જોઈએ કે હે જડકર્મ! તું હવે ખસી જા. પરંતુ કદી કોઈ શાસ્ત્રમાં
જડને તો ઉપદેશ કર્યો નથી, ઉપદેશ તો જીવને માટે જ કર્યો છે. કેમકે પોતાના દોષથી જ જીવ રખડયો છે ને
પોતાના દોષ ટાળીને તે મુક્તિનો ઉપાય કરે છે. માટે હે જીવ! તું તારા આત્માને કર્મથી જુદો દેખ. કર્મ મને
રખડાવે છે એમ જે માને છે તેણે હજી પોતાના આત્માને કર્મથી ભિન્ન દેખ્યો નથી, તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.
અહીં તો કહે છે કે વ્યવહારના અવલંબનથી જે લાભ માને છે તેણે પણ કર્મથી ભિન્ન શુદ્ધઆત્માને દેખ્યો નથી, તે
પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. કર્મથી ભિન્ન ભૂતાર્થ આત્મસ્વભાવને દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય
નથી; ભૂતાર્થસ્વભાવને અનુસરનારાઓ જ સમ્યગ્દ્રષ્ટિ છે, માટે શુદ્ધનયના વિષયભૂત એવો ભૂતાર્થસ્વભાવ જ
આશ્રય કરવા યોગ્ય છે; ભૂતાર્થ સ્વભાવ તે હું–એવી અંર્ત–દ્રષ્ટિથી આત્માને દેખવો તે સમ્યક્દર્શન છે. ‘ભૂતાર્થ
સ્વભાવનું અવલંબન’ તે એક જ પ્રકારે ધર્મ છે, તેમાં જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સમાઈ જાય છે.
પછી વ્યવહારથી તેને ગમે તે પ્રકારે સમજાવે, પણ મૂળ વસ્તુ તો આ છે. ગુણસ્થાન વગેરેના અનેક પ્રકારો છે
તથા તેના નિમિત્તો પણ ભિન્ન ભિન્ન અનેક પ્રકારના છે, પર્યાયમાં તે બધું સત્ છે, પરંતુ તે બધો
વ્યવહારનયનો વિષય છે, તેના અવલંબનથી સમ્યગ્દર્શનાદિ થતા નથી. પરમાર્થનયના ધ્યેયરૂપ ભૂતાર્થસ્વભાવ
એક જ પ્રકારનો છે. તેથી શુદ્ધસ્વભાવની દ્રષ્ટિમાં ભેદ નથી, તે સ્વભાવના અવલંબને જ સમ્યગ્દર્શનાદિ થાય છે,
ને ભવભ્રમણ ટળે છે.
–માટે જેને ધર્મ કરવો છે એવા જીવોએ શુદ્ધ–આત્માને દેખનારો શુદ્ધનય જ આશ્રય કરવા જેવો છે,
અશુદ્ધ આત્માને દેખનારો વ્યવહારનય આશ્રય કરવા જેવો નથી. આ પ્રમાણે આચાર્યદેવે અગિયારમી ગાથામાં
શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપ્યો. આ સમજીને, જ્ઞાનને અંતરના ભૂતાર્થસ્વભાવ તરફ વાળીને અનુભવ કરતાં.
શુદ્ધઆત્માના આનંદનો અપૂર્વ અનુભવ અને સમ્યગ્દર્શન થાય છે, તેનું નામ ધર્મ છે.
* * * * *
જોરાવરનગરમાં જિનમંદિર માટેની જાહેરાત
સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર દરમિયાન પરમ પૂજ્ય ગુરુદેવ ચૈત્ર
વદ ૧૧ ના રોજ જોરાવરનગર પધાર્યા, તે પ્રસંગે ત્યાંના મુમુક્ષુ
ભાઈઓને ઘણો ઉત્સાહ હતો, અને જોરાવરનગરમાં જિનમંદિર
બંધાવવા માટેની ઉલ્લાસભરી જાહેરાત પૂ. ગુરુદેવની મંગલ છાયામાં
કરી હતી; તે માટે નીચે મુજબ રકમો જાહેર કરી હતી.–
૨૫૦૧) – શેઠ અમુલખ લાલચંદભાઈ
૧૦૦૧) – શેઠ અનુપચંદ છગનલાલ
૨૦૧) – શેઠ કસ્તુરચંદ પ્રાણજીવન.
આ ઉપરાંત લગભગ ૯૦૦) રૂા. પરચુરણ રકમોમાં થયા હતા.
જિનમંદિર કરાવવાની આ ઉલ્લાસભરી જાહેરાત માટે ત્યાંના મુમુક્ષુ
ભાઈઓ–ખાસ કરીને અમુલખભાઈ વગેરેને અભિનંદન ઘટે છે. પરમ
પૂજ્ય ગુરુદેવ પગલે પગલે જૈનધર્મની મહાન પ્રભાવના કરતા જાય
છે, અને અમૃતમય ઉપદેશધારા વડે અનેક ભક્તજનો ઉપર ઉપકાર
કરતા જાય છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૭ : ૧૩૭ :
ધર્મની ભૂમિકામાં
ભગવાનની ભક્તિનો ભાવ
વાંકાનેરમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય ગુરુદેવનું પ્રવચન
[વીર સં. ૨૪૮૦, ચૈત્ર સુદ ૧૧]
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેની આ વાત છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યે જ ધર્મ અને શાંતિ
થાય છે. જીવ પોતાનું સારું કરવા માંગે છે, હિત કરવા માંગે છે, સુખી થવા માંગે છે, તો તેનો અર્થ શું થયો?
પ્રથમ તો વર્તમાનમાં સારું નથી–હિત નથી–સુખ નથી, તેથી તે મેળવવા માંગે છે. તો જે સુખ–હિત લેવા માગે છે
તે સુખ અથવા હિત ક્યાં છે? શેમાંથી સુખ લેવા માંગે છે? અહિત ટાળવા માંગે છે, તો તે અહિત ક્યાં છે?
અને હિત કરવા માંગે છે, તો તે હિત ક્યાં છે? તે જાણવું જોઈએ. અહિત કહો, અધર્મ કહો કે દુઃખ કહો, તે
આત્માનો અસલી સ્વભાવ હોય તો કદી ટળી શકે નહિ. અને જો સંયોગમાં અહિત હોય તો તે સંયોગ છૂટતાં
અહિત છૂટી જવું જોઈએ. સંયોગમાં પણ અધર્મ નથી અને આત્માના સ્વભાવમાં પણ અધર્મ નથી; અધર્મ કે
અહિત તે આત્માની ક્ષણપૂરતી વિકૃત દશા છે. અને આત્માનો મૂળસ્વભાવ હિતરૂપ છે. તે સ્વભાવના અવલંબને
જ અહિત ટળીને હિતદશા પ્રગટે છે. ક્ષણિક વિકાર તે જ પોતાનું પૂર્ણ સ્વરૂપ છે એમ માનવું તે મોટો અધર્મ છે.
ક્ષણિક વિકાર હોવા છતાં તે વિકાર રહિત શુદ્ધસ્વરૂપ છે તે કઈ રીતે જણાય તેની આ વાત છે. ભાઈ! ક્ષણિક
વિકારની દ્રષ્ટિ છોડીને, તારા ત્રિકાળી સ્વભાવને દ્રષ્ટિમાં લે તો તારો આત્મા અબંધસ્વભાવી છે તે લક્ષમાં આવે
ને સંસારનો નાશ થઈને મુક્તિના ભણકાર આત્મામાં આવી જાય.
જેમ ટોપરામાં સફેદ ગોટો છે તે છાલાંથી અને કાચલીથી જુદો છે, તેમજ અંદરની રાતી છાલથી પણ
જુદો છે. તેમ ભગવાન આત્મા ચૈતન્યગોળો દેહથી અને કર્મથી જુદો છે, તેમજ અંદરના ક્ષણિક રાગાદિથી પણ
જુદો છે. ક્ષણિક સંયોગ તરફથી જોતાં વર્તમાનમાં કર્મના સંબંધવાળો દેખાય છે પણ તેના મૂળ જ્ઞાયકસ્વભાવ
તરફ જઈને જોતાં તે કર્મના સંબંધ વગરનો છે. જેમ કમળનું પાન પાણીના સંયોગ તરફથી જોતાં તેને પાણી
સાથે સંબંધ દેખાય છે, પણ કમળનો સ્વભાવ કોરો પાણીથી અલિપ્ત રહેવાનો છે, તે સ્વભાવની સમીપ જઈને
જોતાં તે કમળ પાણીથી સ્પર્શાયેલું નથી, કમળનો સ્વભાવ તો પાણીથી અલિપ્ત જ છે; તેમ ક્ષણિક કર્મના સંબંધ
અપેક્ષાએ જોતાં આત્મા બંધાયેલો દેખાય છે, પણ આત્માનો મૂળસ્વભાવ તો કર્મના સંબંધ વગરનો અબદ્ધ છે,
એવા સ્વભાવની સન્મુખ લક્ષ કરીને જોતાં ભગવાન આત્મા શુદ્ધસ્વભાવપણે અનુભવાય છે. એકલી પર્યાય
અને સંયોગ સામે જોઈને અનાદિથી પોતાને અશુદ્ધ અને સંયોગવાળો જ માન્યો તેથી સંસારમાં રખડયો છે. પણ
જો અંતર્મુખ થઈને શુદ્ધસ્વભાવને દ્રષ્ટિમાં લ્યે તો અનાદિનો મિથ્યાભાવ એક ક્ષણમાં દૂર થઈ જાય છે. એક
ક્ષણની સમજણથી અનાદિની અણસમજણ દૂર થઈ જાય છે. અનાદિથી આત્માના યથાર્થ સ્વભાવની દ્રષ્ટિ જીવે
કદી કરી નથી. હજી તો યથાર્થ સ્વરૂપ સમજાવનાર સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની જેને ઓળખાણ નથી, તેના પ્રત્યે
વિનય–બહુમાનનો ભાવ ઊછળતો નથી એવા જીવો તો વ્યવહારથી પણ ભ્રષ્ટ છે. ભલે મોઢેથી નિશ્ચયની વાતો
કરે, પણ હજી વ્યવહારમાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો વિવેક જેને નથી તે તો ભ્રષ્ટ અને સ્વચ્છંદી છે. કોઈકની વાત
ચોરીને પોતાના નામે ચડાવે અને ગુરુનું નામ છુપાવે તે તો વ્યવહારમાં પણ ભ્રષ્ટ છે અને નિશ્ચયમાં પણ ભ્રષ્ટ
છે. ભાઈ! દુનિયામાં વસ્તુ લેવા જાય તો દુકાન શોધીને પરીક્ષા કરે છે, તો ધર્મ જોઈતો હોય, તો તે ધર્મની દુકાન
ક્યાં છે? ધર્મનું સ્વરૂપ બતાવનાર દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા હોય? તે પરીક્ષા કરીને ઓળખવું

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૩૮ : આત્મધર્મ–૧૨૭ : વૈશાખ : ૨૦૧૦ :
જોઈએ. હજી તો જેના દેવ–ગુરુ–શાસ્ત્ર જ ખોટા છે તેની પાસે આત્માના સ્વભાવની યથાર્થ વાત હોય જ નહિ;
એવા કુદેવ–કુગુરુને જે માનતો હોય તેની તો અહીં વાત નથી, તે તો તીવ્ર મિથ્યાત્વમાં પડેલા છે. અહીં તો જેને
સાચા દેવ–ગુરુ પ્રત્યે વિનય બહુમાન છે, અને ભક્તિથી આવીને પૂછે છે કે પ્રભો! આત્માનું શુદ્ધસ્વરૂપ છે તે કઈ
રીતે જણાય? એવા જિજ્ઞાસુ શિષ્યને અહીં આચાર્યદેવ સમજાવે છે. પાણીના સંયોગમાં રહ્યું હોવા છતાં તે જ
વખતે કમળના સ્વભાવની સમીપ જઈને જોતાં તેનો સ્વભાવ પાણીથી અલિપ્ત જ છે. તેમ ભગવાન આત્મા
અનાદિથી કર્મના સંયોગમાં રહ્યો હોવા છતાં તેના મૂળ જ્ઞાનસ્વભાવને લક્ષમાં લ્યો તો આત્મા કર્મના સંબંધ
વગરનો છે. વર્તમાન બંધાયેલી અવસ્થાથી જોતાં આત્માને કર્મનો સંબંધ અને બંધન છે, એટલો
નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, પરંતુ આત્માના ભૂતાર્થ એકાકાર જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લઈને અનુભવ કરતાં
તેમાં કર્મનો સંબંધ છે જ નહિ. ક્ષણિક અવસ્થામાં કર્મનો સંબંધ છે તે અભૂતાર્થ છે, એટલે ભૂતાર્થ સ્વભાવની
દ્રષ્ટિથી તે કર્મના સંબંધથી રહિત એવા શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકે છે. જુઓ, આ અનેકાન્ત!! ક્ષણિક
પર્યાયમાં વિકાર અને કર્મનો સંબંધ છે, અને તે જ વખતે ભૂતાર્થસ્વભાવ વિકાર વગરનો અને કર્મના સંબંધ
વગરનો છે, તે બંને પ્રકારને લક્ષમાં લઈને ભૂતાર્થસ્વભાવ તરફ જ્ઞાન ઢળી ગયું તેનું નામ શુદ્ધનય છે, તે જ
અનેકાન્તનું ફળ છે.
જેમ ગાયની ડોકમાં દોરડું બાંધ્યું હોય ત્યાં દોરડાની અપેક્ષાએ જોતાં ગાય બંધાયેલી છે, પણ ગાયના
સ્વભાવની અપેક્ષાએ જુઓ તો દોરડું અને ડોક એકમેક થયા નથી પણ જુદા જ છે. તેમ ભગવાન આત્માનો
જ્ઞાનસ્વભાવ છે, કર્મના સંયોગની અપેક્ષાએ જોતાં આત્મા બંધાયેલો છે પણ આત્માના જ્ઞાનસ્વભાવને લક્ષમાં
લઈને જોતાં તેમાં કર્મનું બંધન છે જ નહિ. ધર્મી જાણે છે કે બંધન અવસ્થા જેટલો હું નથી, હું તો જ્ઞાનસ્વભાવ
છું. સરોગ અવસ્થા હોવા છતાં તે સરોગ અવસ્થા વખતે પણ નિરોગ અવસ્થાનું જ્ઞાન થઈ શકે છે, સરોગ
અવસ્થા તે નિરોગઅવસ્થાનું જ્ઞાન થવામાં રોકતી નથી. તેમ અવસ્થામાં સરોગતા એટલે વિકાર હોવા છતાં, તે
વિકારરહિત નિર્દોષ જ્ઞાનાનંદ સ્વભાવ હું છું–એવું જ્ઞાન ભૂતાર્થદ્રષ્ટિથી થઈ શકે છે. અને આવા શુદ્ધ આત્માનું
ભાન હોવા છતાં ભગવાનની ભક્તિનો ભાવ આવે, મોટા હાથી લાવીને ભગવાનની રથયાત્રા કાઢે, ભક્તિથી
નાચી ઊઠે, આવો શુભરાગ આવે છતાં ધર્મીને અંતરમાં પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન ખસતું નથી. ઈન્દ્ર
એકાવતારી છે, તેને આત્માનું ભાન હોય છે ને એક ભવ કરીને મોક્ષ પામવાના છે, છતાં તેને પણ ભગવાનના
જન્મ–કલ્યાણક વગેરે પ્રસંગે ભક્તિનો ભાવ ઊછળી જાય છે. ઈન્દ્રો આવીને ભગવાનનો મોટો જન્મોત્સવ કરે
છે, તેનો દેખાવ આજે થયો. અહીં તો સ્થાપના છે, પણ એવું જગતમાં સાક્ષાત્ બનતું આવ્યું છે. અહો!
તીર્થંકરનો જન્મ થાય ત્યારે ઈન્દ્ર આવીને મહોત્સવ કરે, અને બાળક ભગવાનને હાથમાં લઈને ભગવાનનું રૂપ
નીરખે ત્યાં આશ્ચર્ય પામી જાય છે, હજાર આંખો બનાવીને ભગવાનનું રૂપ નીહાળે છે, છતાં તૃપ્તિ થતી નથી,
એવું તો અદ્ભુત રૂપ હોય છે. પૂર્વે આત્માના ભાન સહિતની ભૂમિકામાં એવો શુભભાવ થયો તેના ફળમાં આ
શરીર મળ્‌યું છે. ભગવાનનો આત્મા તો અલૌકિક, ને ભગવાનનું શરીર પણ અલૌકિક હોય છે. ભગવાનના
પંચકલ્યાણકનો મહોત્સવ અહીં જેવો ઊજવાય છે એવા મહોત્સવો અનંતવાર થઈ ગયેલા છે. મહાન સંતો
મુનિઓએ પ્રતિષ્ઠા–વિધિના શાસ્ત્રો રચ્યાં છે. અંતરમાં ચિદાનંદ સ્વભાવનું ભાન હોય અને આવા પંચકલ્યાણક
મહોત્સવ વગેરેનો ભાવ પણ આવે એવી ધર્મીની ભૂમિકા હોય છે આત્માનું ભાન થયા પછી પૂજા–ભક્તિનો
ભાવ આવે જ નહિ એમ કોઈ કહે તો તેને ધર્મની ભૂમિકાનું ભાન જ નથી. અને એકલા શુભરાગને જ ધર્મ
માની લ્યે તો તેને પણ ધર્મનું ભાન નથી અહીં તો અપૂર્વ વાત છે. ક્ષણિક વિકાર હોવા છતાં આત્માનો ભૂતાર્થ
સ્વભાવ શુદ્ધચૈતન્ય છે તેમાં તે વિકાર નથી, આવા ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી શુદ્ધઆત્માની અનુભૂતિ પ્રગટ
કરવી તે અપૂર્વ ધર્મ છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૭ : ૧૩૯ :
–વાંકાનેર શહેરમાં–
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ

જિનેન્દ્ર શાસનના પરમ પ્રભાવક પૂ. ગુરુદેવના પુનિત પ્રતાપે સૌરાષ્ટ્રના ભક્ત જનોને ઠેરઠેર
જિનેન્દ્રભગવંતોનો ભેટો થઈ રહ્યો છે, અને ભગવાનના પંચકલ્યાણકના અદ્ભુત મહોત્સવોનું મહાન સૌભાગ્ય
પ્રાપ્ત થાય છે. જિનેન્દ્ર ભગવાનનું યથાર્થ સ્વરૂપ બતાવીને તેમજ જિનેન્દ્રદેવે કહેલા ધર્મનું સ્વરૂપ સમજાવીને પૂ.
ગુરુદેવ ભક્તજનો ઉપર પરમ ઉપકાર કરી રહ્યા છે.
પરમ કૃપાળુ ગુરુદેવના પ્રતાપે વાંકાનેર શહેરમાં ભવ્ય જિનમંદિર તૈયાર થયું અને તેમાં વર્દ્ધમાન આદિ
ભગવંતોની પ્રતિષ્ઠાનો ભવ્ય પંચકલ્યાણક–મહોત્સવ પૂ. ગુરુદેવની મંગલકારી છાયામાં ઊજવાયો.
ચૈત્ર સુદ ૭ ના શુભ દિને વર્દ્ધમાનનગર (પ્રતિષ્ઠા–મંડપ)માં શ્રી જિનેન્દ્રભગવાનની પધરામણી થઈ,
અને ઝંડારોપણ થયું હતું. તેમ જ વીસ વિહરમાન તીર્થંકરોનું પૂજનવિધાન શરૂ થયું હતું. ચૈત્ર સુદ ૮ના રોજ
સવારમાં મૃત્તિકાનયન તથા અંકુરારોપણ વિધિ થઈ હતી. તેમજ પરમ પૂજ્ય ગુરુદેવ વાંકાનેર પધર્યા હતા ત્યારે
મુમુક્ષુ મંડળે તેમજ શહેરના ભક્તજનોએ અત્યંત ઉલ્લાસથી પૂ. ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સાંજે વીસ
વિહરમાન તીર્થંકરોનું પૂજન પૂર્ણ થયું હતું અને જિનેન્દ્રદેવનો અભિષેક થયો હતો.
ચૈત્ર સુદ ૯ ના રોજ સવારમાં નાંદીવિધાન થયું હતું. ત્યારબાદ પૂ. ગુરુદેવ સમક્ષ આચાર્ય–અનુજ્ઞાવિધિ
થઈ હતી; તેમાં વાંકાનેરના મુમુક્ષુ સંઘે પરમ પૂજ્ય ગુરુદેવની સ્તુતિ કરીને, જિનેન્દ્રભગવાનના પંચકલ્યાણક
પ્રતિષ્ઠા–મહોત્સવ માટે આજ્ઞા માગી હતી. પૂ. ગુરુદેવે તે માટે આજ્ઞા આપીને માંગળિક સંભળાવ્યું હતું. તરત જ
ઈન્દ્રપ્રતિષ્ઠા થઈ હતી; અને પૂ. ગુરુદેવના પ્રવચન બાદ ઈન્દ્રપ્રતિષ્ઠાનું જુલૂસ શહેરમાં ફર્યું હતું. હંમેશા સવાર–
બપોર પૂ. ગુરુદેવનું પ્રવચન થતું હતું, હજારો મુમુક્ષુઓની ભવ્યસભા પૂ. ગુરુદેવની અધ્યાત્મ–વાણી સાંભળીને
સ્તબ્ધ થઈ જતી હતી.
રાત્રે, પંચકલ્યાણક મહોત્સવના પ્રારંભમાં સૌથી પ્રથમ મંગલાચરણરૂપે આઠ કુમારિકા બહેનોએ
વિધિનાયક શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ કરી હતી, ત્યારબાદ ભગવાનના ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયાનું દ્રશ્ય
થયું હતું. તેમાં પ્રથમ, નેમિનાથ ભગવાનનો જીવ પૂર્વભવે દેવલોકમાં બિરાજે છે ને ત્યાં તેનું આયુષ્ય છ મહિના
બાકી રહ્યું છે તે ભાવ બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌધર્મ સ્વર્ગની સભાનો દેખાવ થયો હતો. તેમાં
સૌધર્મઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણે છે કે છ મહિના બાદ નેમિનાથ ભગવાન શિવાદેવી માતાની કુંખે આવવાના છે,
તેથી શૌરીપુરને શણગારવાની તેમજ સમુદ્રવિજય મહારાજાને ત્યાં પંદર માસ સુધી રત્નવૃષ્ટિ કરવાની કુબેરને
આજ્ઞા આપે છે, તેમજ આઠ દેવીઓને શિવાદેવી માતાની સેવા માટે મોકલે છે–એ બધા ભાવો બતાવવામાં
આવ્યા હતા. ઈન્દ્રાદિક દેવો આવીને ભગવાનના માતા–પિતાનું બહુમાન કરે છે ને વસ્ત્રાભૂષણની ભેટ ધરે છે;
તથા આઠ દેવીઓ માતાજીની સેવા કરે છે. માતાજી સોળ મંગલ સ્વપ્નો દેખે છે ઈત્યાદિ સુંદર દ્રશ્યો થયા હતા.
ચૈત્ર સુદ ૧૦ ના રોજ સવારમાં ગર્ભકલ્યાણકનું દ્રશ્ય થયું હતું. તેમાં દેવીઓ શિવાદેવી માતાની સેવા કરે
છે, માતાજી સવારમાં ઊઠીને મંગલસ્તુતિ કરે છે, અને પછી રાજસભામાં જઈને ૧૬ સ્વપ્નોનું વર્ણન કરે છે.
સમુદ્ર–મહારાજા તે સ્વપ્નના ઉત્તમ ફળ તરીકે તીર્થંકરભગવાનના ગર્ભાવતરણનું વર્ણન કરે છે. ત્યારબાદ આઠ
દેવીઓ ભગવાનની માતા સાથે આધ્યાત્મિક તત્ત્વચર્ચા કરે છે અને વિધવિધ પ્રશ્નો પૂછે છે, માતાજી વિદ્ધત્તાપૂર્વક
જવાબ આપે છે–એ બધા ભાવોના દ્રશ્્યો થયા હતા (ભગવાનના માતા–પિતા તરીકે શેઠ શ્રી ખીમચંદ જેઠાલાલ
તથા તેમના ધર્મપત્ની જયાકુંવરબેન હતા)
ત્યારબાદ સવારે પૂ. ગુરુદેવના પ્રવચન પછી જલયાત્રાવિધિ થઈ હતી. જલયાત્રાનું જુલૂસ પણ શોભતું
હતું. બપોરે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ, જિનમંદિર–શુદ્ધિ તેમ જ વેદીશુદ્ધિ

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૪૦ : આત્મધર્મ–૧૨૭ : વૈશાખ : ૨૦૧૦ :
અને ધ્વજ વગેરેની શુદ્ધિની વિધિ થઈ હતી. આ વિધિ જિનમંદિરમાં ઘણા ઉલ્લાસપૂર્વક થઈ હતી. પૂ.
બેનશ્રીબેનજીએ ઘણી ભક્તિથી હૃદયના ઉમંગપૂર્વક વેદીશુદ્ધિ તેમજ ધ્વજશુદ્ધિ કરી હતી. એ પવિત્ર આત્માઓના
મંગલ હસ્તે ભગવાન ધામની શુદ્ધિ થતી દેખીને ભક્તોને ઘણો હર્ષ થતો હતો. ઈન્દ્ર–ઈન્દ્રાણી તેમજ દેવીઓએ
પણ શુદ્ધિની ક્રિયા કરી હતી. ભગવાનની બેઠક ઉપર સ્વસ્તિક સ્થાપન વગેરે મંગલવિધિ પૂ. બેનશ્રીબેનના
પવિત્ર હસ્તે થઈ હતી. કલામય ધ્વજદંડ અને કલશ ભવ્ય લાગતા હતા.
ચૈત્ર સુદ ૧૧ના રોજ નેમિનાથ ભગવાનના જન્મ કલ્યાણકનો મહોત્સવ ઘણા ઉત્સાહથી સુંદર રીતે થયો
હતો. સવારમાં શિવાદેવી માતાની કુંખે શ્રી નેમિનાથ ભગવાનનો જન્મ થવાની મંગલ–વધાઈ દેવીઓએ આપી
હતી. ચારે બાજુ વાજિંત્રોના મંગલનાદ થતા હતા. ઈન્દ્રસભામાં ભગવાનના જન્મની ખબર પડતાં જ ઈન્દ્રોએ
પ્રભુજીને વંદન કર્યું અને તરત જ ઐરાવત હાથી ઉપર બેસીને ભગવાનનો જન્મકલ્યાણક ઉત્સવ ઊજવવા
આવ્યા. માતાના મહેલે આવીને ઈન્દ્રાણીએ ઘણા વાત્સલ્યભાવપૂર્વક ભગવાનને તેડીને ઈન્દ્રના હાથમાં આપ્યા,
અને ઈન્દ્રે બહુ હર્ષ અને ભક્તિપૂર્વક હજાર નેત્રોથી ભગવાનના દિવ્યરૂપને નીહાળ્‌યું. ત્યારબાદ હાથી ઉપર
બિરાજમાન કરીને પ્રભુજીને મેરુપર્વત ઉપર લઈ જવાનું ભવ્ય જુલૂસ નીકળ્‌યું હતું. શહેરના રસ્તાઓમાં આ
જુલૂસ ઘણું શોભતું હતું. અજમેરની ભજન મંડળી પણ સાથે હોવાથી પ્રસંગ ઘણો ઉલ્લાસભર્યો હતો.
જન્માભિષેકના જુલૂસમાં પૂ. ગુરુદેવ પણ સાથે પધાર્યા હતા. આ પ્રસંગે સુશોભિત મેરુપર્વતની રચના કરવામાં
આવી હતી. મેરૂપર્વત પાસે પહોંચતાં ત્યાં હાથીએ ત્રણ પ્રદક્ષિણા કરીને પછી પાંડુકશિલા ઉપર પ્રભુજીને
બિરાજમાન કર્યા. સુપ્રભાતના પ્રકાશમાં મેરુ ઉપર બિરાજમાન પ્રભુજીનું દ્રશ્ય અત્યંત ભવ્ય લાગતું હતું. એ
વખતે ભગવાનને નીરખતાં એમ થતું હતું કે અહો, નાથ! ધન્ય આપનો અવતાર! ધન્ય આપનો જન્મ!! આ
અવતારમાં જ આત્માના પૂર્ણ હિતને સાધીને આપ તીર્થંકર થશો....ને જગતના અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર
કરશો. આ આપનો છેલ્લો અવતાર છે. એ બાલક–પ્રભુજીને નીરખતાં ભક્તોને બહુ આનંદ થતો હતો. પછી
ઈન્દ્રોએ તેમજ અનેક ભક્તજનોએ અતિશય ઉલ્લાસપૂર્વક નેમકુંવર ભગવાનનો જન્માભિષેક કર્યો.... તે પ્રસંગે
ચારે તરફ ભક્તિભર્યું પ્રસન્ન વાતાવરણ છવાઈ ગયું હતું. અભિષેક બાદ ભગવાનને દિવ્ય વસ્ત્રાભૂષણ
પહેરાવીને પાછા આવીને માતાજીને સોંપ્યા હતા અને ત્યાં ઈન્દ્ર વગેરેએ ભક્તિપૂર્વક તાંડવ–નૃત્ય કર્યું હતું. સર્વે
ભક્તજનો ભગવાનના જન્મની ખુશાલી મનાવતા હતા.
બપોરે ભગવાન શ્રી નેમકુંવરનું પારણું ઝુલાવવાની ક્રિયા થઈ હતી. અનેક ભક્તજનો ભક્તિપૂર્વક
ભગવાનનું પારણું ઝુલાવતા હતા. સુશોભિત પારણામાં ભગવાનને નીરખી નીરખીને પૂ. બેનશ્રીબેન પ્રસન્ન થતા
હતા અને ફરી ફરીને ભાવપૂર્વક પારણું ઝુલાવતા હતા, તથા ચામર વગેરેથી વિધવિધ પ્રકારની ભાવભરી ભક્તિ
કરતા હતા. ભગવાન પ્રત્યેના તેમના ભાવો જોઈ જોઈને ભક્તોને ઘણો આનંદ થતો હતો. અજમેરની
ભજનમંડળીના ભાઈઓ પોતાની વિશેષ શૈલીથી ભગવાનનું પારણું ઝુલાવતા હતા અને ભક્તિ કરાવતા હતા.
રાત્રે સમુદ્રવિજય મહારાજાના રાજદરબારનો દેખાવ થયો હતો, તેમાં શ્રીકૃષ્ણ–બળદેવ વગેરે પણ
ઉપસ્થિત હતા અને યદુવંશમાં નેમિનાથ તીર્થંકરનો જન્મ થયો તેથી બધા હર્ષ મનાવતા હતા. પછી વસંતઋતુમાં
રાજકુમારો નેમિનાથકુમાર સાથે ખેલવા ગયા છે, ત્યાં નેમિકુમાર શ્રીકૃષ્ણના પટરાણીને વસ્ત્ર ધોવાનું કહેતાં તે
ના પાડે છે, અને નેમિકુમાર જઈને શ્રીકૃષ્ણનો શંખ ફૂંકે છે, તેની નાગશય્યા ઉપર સૂવે છે, ને તેના ધનુષ્યનો
ટંકાર કરે છે ઈત્યાદિ દેખાવ થયો હતો. નેમિકુમાર બાલ્યાવસ્થા પૂર્ણ કરીને યુવાવસ્થામાં વર્તે છે, તેમના
વિવાહની તૈયારી ઉગ્રસેન મહારાજાની પુત્રી રાજીમતી સાથે થાય છે, દેશોદેશના રાજા–મહારાજાઓ ભેટ લઈને
આવે છે, અને નેમિકુમારની જાન જુનાગઢ તરફ જાય છે. ત્યાં પશુઓનો પોકાર સાંભળતાં જ નેમિકુમાર રથને
થંભાવી દે છે. આ પ્રસંગે રથના સારથી સાથે બહુ જ વૈરાગ્યભર્યો સંવાદ થાય છે, અને છેવટે ભગવાન
પરણવાનો વિચાર બંધ રાખીને રથને પાછો વાળે છે. આ બધા દ્રશ્યો સુંદર રીતે થયા હતા. બીજી તરફ–રાજીમતી
એકાએક રથને અદ્રશ્ય થતો દેખીને તેની સખીને તેનું કારણ પૂછે છે. આ પ્રસંગે સખી સાથે રાજીમતીનો સુંદર
સંવાદ થાય છે. અને ભગવાનના વૈરાગ્યની ખબર પડતાં રાજીમતી પોતે પણ પરણવાનો વિચાર બંધ રાખીને,
ભગવાન જે પાવન પંથે વિચર્યા તે પંથે વિચરવાની ભાવના ભાવે છે–એ પ્રસંગ સંવાદ દ્વારા બતાવવામાં આવ્યો
હતો. આ પ્રસંગ ઘણો જ વૈરાગ્યપ્રેરક હતો.

PDF/HTML Page 18 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૭ : ૧૪૧ :
ચૈત્ર સુદ ૧૨ ના રોજ ભગવાન નેમિનાથ બાર વૈરાગ્યભાવનાઓનું ચિંતવન કરીને દીક્ષા માટે તૈયારી
કરે છે. તે વખતે પાછળથી રાજીમતી પણ અર્જિકા થવાની વૈરાગ્યભાવના ભાવે છે. તેનું ઘણું વૈરાગ્યભર્યું કાવ્ય
ગવાયું હતું. ભગવાનને વૈરાગ્ય થતાં લૌકાંતિક દેવો પોતાનો નિયોગ બજાવવા આવે છે, આવીને ભગવાનની
સ્તુતિ કરે છે ને ભગવાનના વૈરાગ્યનું અનુમોદન કરતાં કહે છે કે “અહો, વૈરાગ્યમૂર્તિ નેમિનાથ ભગવાન!
વિવાહ સમયે વૈરાગ્ય ધારણ કરીને આપશ્રી જગતને વીતરાગતાનો અક ભવ્ય આદર્શ આપી રહ્યા છો. આ
સંસારના ભોગ ખાતર આપનો અવતાર નથી પણ આત્માના મોક્ષ ખાતર આપનો અવતાર છે. આ ભવ, તન
અને ભોગથી વિરક્ત થઈને આત્માના ચિદાનંદ સ્વભાવમાં પૂર્ણપણે સમાઈ જવા માટે આપ જે વૈરાગ્ય ચિંતન
કરી રહ્યા છો તેને અમારી ભાવભરી અનુમોદના છે.”
ત્યારબાદ ઈન્દ્રો પાલખી લઈને દીક્ષા–કલ્યાણક ઊજવવા આવે છે. પ્રથમ રાજવીઓ, પછી વિદ્યાધરો ને
પછી દેવો ભગવાનની પાલખી લઈને દીક્ષાવનમાં જાય છે ને ત્યાં સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને ભગવાન
સ્વયં દીક્ષિત થાય છે શહેરના બાગમાં ભગવાનનો દીક્ષાપ્રસંગ અત્યંત શોભતો હતો. દીક્ષાપ્રસંગે ભગવાનના
કેશલોચની વિધિ પૂ. ગુરુદેવના સુહસ્તે થઈ હતી. બહુ જ ભક્તિ અને વૈરાગ્યભાવપૂર્વક પૂ. ગુરુદેવે પ્રભુજીનો
કેશલોચ કર્યો હતો. ત્યારબાદ ભગવાન નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થયા ને સાતમું ગુણસ્થાન તથા મનઃપર્યયજ્ઞાન
થયું; અને પછી ભગવાન તો વનવિહાર કરી ગયા. દીક્ષાવનમાં પૂ. ગુરુદેવે અદ્ભુત વૈરાગ્ય પ્રવચન દ્વારા
ભગવાનની દીક્ષાનું સ્વરૂપ બતાવ્યું હતું, તથા તે ધન્ય અવસરની ભાવના ભાવી હતી. એ પ્રવચન બાદ વનમાં
જ અજમેરની સંગીત મંડળીએ મુનિરાજની ભક્તિ કરી હતી, તેમાં “ઐસે મુનિવર દેખે વનમેં....જાકે રાગ–દ્વેષ
નહિ મનમેં” ઈત્યાદિ ભજનો વડે ભાવભરી ભક્તિ થઈ હતી; પછી ભગવાનના કેશનું સમુદ્રમાં ક્ષેપણ કરવામાં
આવ્યું હતું. બપોરે મુનિરાજ શ્રી નેમિનાથ પ્રભુની ભક્તિ થઈ હતી, રાત્રે સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા–
મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી તે જોઈને એ અદ્ભુત પ્રતિષ્ઠા–મહોત્સવના ભક્તિ ભરેલા પ્રસંગોનું
સ્મરણ થતું હતું.
ચૈત્રસુદ ૧૩ ના રોજ ભગવાન મહાવીર પ્રભુના જન્મ–કલ્યાણક મહોત્સવ નિમિત્તે સવારમાં
વર્દ્ધમાનનગરથી પ્રભાત–ફેરી નીકળીને શહેરના મુખ્ય લત્તાઓમાં ફરી હતી. આ પ્રભાત–ફેરી ઘણી સુંદર અને
ઉલ્લાસપૂર્ણ હતી. લોકો જાગી જાગીને પ્રભાત–ફેરી નીરખવા બહાર આવતા હતા. આ પ્રભાત–ફેરી દ્વારા મહાવીર
પ્રભુના જન્મનો પાવન સંદેશ શહેરમાં ફેલાઈ ગયો હતો. સવારે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ ભગવાન શ્રી નેમિનાથ
મુનિરાજના આહારદાનની વિધિ થઈ હતી. ભગવાનને પડગાહન કરીને નવધાભક્તિપૂર્વક ભક્તજનો આહારદાન
દેતા હતા, તે દ્રશ્ય દર્શનીય હતું. આહારદાન પ્રસંગ શેઠ શ્રી છગનલાલ ભાઈચંદને ત્યાં થયો હતો. આ પ્રસંગ ઘણો
ઉલ્લાસમય હતો, અને આહારદાન પછી મુનિરાજ નેમિપ્રભુની ઘણી ભક્તિ થઈ હતી.
બપોરે પરમ પૂજ્ય સદ્ગુરુદેવના પરમ પાવન હસ્તે સર્વે જિનબિંબો ઉપર અંકન્યાસવિધિ થયો હતો. પૂ.
ગુરુદેવે ઘણા ભાવપૂર્વક સર્વે જિનબિંબો ઉપર અંકન્યાસવિધિ કર્યો હતો; તે જોઈને ભક્તો ઘણા આનંદથી ભક્તિ
અને જયનાદ કરતા હતા. શ્રી જિનેન્દ્રદેવ અને જિનેશ્વરના લઘુનંદનનું આવું ભક્તિભર્યું સુમિલન જોઈને
મુમુક્ષુઓના હૃદયમાં ભક્તિ ઉલ્લસતી હતી.
બપોરે ભગવાનના કેવળજ્ઞાન–કલ્યાણકનો મહોત્સવ થયો હતો. ભગવાનને કેવળજ્ઞાન થતાં
સમવસરણની સુંદર રચના થઈ હતી. વિધવિધ શણગારથી રચાયેલા સમવસરણની મધ્યમાં ગંધકુટી ઉપર
બિરાજમાન નેમિનાથ ભગવાન બહુ શોભતા હતા. આ પ્રસંગે ભગવાનના દિવ્યધ્વનિરૂપે પૂ. ગુરુદેવે અદ્ભુત
પ્રવચન કર્યું હતું. પ્રવચન પછી સમવસરણની અદ્ભુત ભક્તિ થઈ હતી. રાત્રે સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા–
મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી.
ચૈત્ર સુદ ૧૩ (બીજી) ના રોજ સવારમાં ગિરનાર ઉપરથી ભગવાનના નિર્વાણકલ્યાણકનું દ્રશ્ય થયું હતું.
ગિરનાર ઉપર ભગવાન બિરાજમાન છે ને પછી યોગનિરોધ કરીને ભગવાન અપૂર્વ નિર્વાણદશાને પામ્યા, તથા
દેવોએ આવીને નિર્વાણ–કલ્યાણક ઊજવ્યો. આ પ્રસંગે ગિરનારજી પર્વતની ઘણી સુંદર રચના થઈ હતી.
આ રીતે ભગવાન શ્રી નેમિનાથપ્રભુના પંચકલ્યાણક પૂર્ણ થયા હતા.
પંચકલ્યાણક બાદ, પ્રતિષ્ઠિત થયેલા વર્દ્ધમાનાદિ જિનેન્દ્રભગવંતો જિનમંદિરે પધાર્યા હતા. ભગવાન પધાર્યા

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૪૨ : આત્મધર્મ–૧૨૭ : વૈશાખ : ૨૦૧૦ :
ત્યારે ભક્તોને ઘણો જ ઉલ્લાસ હતો, અને ચારે બાજુ આનંદમય વાતાવરણ છવાઈ ગયું હતું. પરમ કૃપાળુ
પૂજ્ય ગુરુદેવના પાવન હસ્તે વેદી ઉપર જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા થઈ હતી. વાંકાનેરનું જિનમંદિર ઘણું ભવ્ય
અને સુંદર છે, લગભગ ૫૫ હજાર રૂા
. ના ખર્ચે તે તૈયાર થયું છે, તેમાં મૂળનાયક શ્રી વર્દ્ધમાન ભગવાન અને
તેમની આજુબાજુમાં શ્રીપાર્શ્વનાથ ભગવાન તથા શ્રી આદિનાથ ભગવાન બિરાજમાન છે. આ ઉપરાંત શ્રી
શાંતિનાથ ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. અને ઉપરના ભાગમાં મહાવિદેહી શ્રી સીમંધર
ભગવાન બિરાજમાન છે. આ ઉપરાંત જિનમંદિરમાં શ્રી સમયસારજી શાસ્ત્રની સ્થાપના પણ પૂ. ગુરુદેવના
પવિત્ર કરકમળથી થઈ હતી. જિનમંદિરમાં બિરાજમાન ભગવંતોની પરમ શાંત મુદ્રા દેખી દેખીને ભક્તજનોના
હૈયાં ભક્તિથી નાચી ઊઠતા હતા. ભગવાનની પ્રતિષ્ઠા બાદ જિનમંદિર ઉપર સુંદર કલશ અને અને ધ્વજ
ચઢાવવામાં આવ્યા હતા. બપોરે જિનમંદિરમાં ભક્તિ થઈ હતી, તેમાં પૂ. ગુરુદેવશ્રીએ મહાવીર ભગવાનનું
સ્તવન ગવડાવીને બહુ ઉલ્લાસભરી ભક્તિની શરૂઆત કરી હતી. પૂ. ગુરુદેવની ભક્તિ સાંભળીને બધાને ઘણો
હર્ષ થયો હતો.
સાંજે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ ભગવાન શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી, આ રથયાત્રા ઘણી
જ પ્રભાવક હતી. પૂ. ગુરુદેવ પણ રથયાત્રામાં સાથે પધાર્યા હતા. ભગવાન સન્મુખ અજમેરની સંગીત મંડળીની
ખાસ ભક્તિ, ચામર–છાત્ર–તોરણ–સ્વપ્નો વગેરેનો સુંદર શણગાર, રથ, ઈન્દ્રધ્વજ, વગેરેથી રથયાત્રા શોભતી
હતી, તેમાં પણ હાથી ઉપર પૂ. બેનશ્રીબેન હાથમાં ધર્મધ્વજ લઈને બિરાજતા હતા એ દ્રશ્યથી રથયાત્રાની શોભા
અનેકગણી વધી ગઈ હતી. આવી પ્રભાવશાળી રથયાત્રા જોઈને ભક્તોને ઘણો આનંદ થયો હતો, રથયાત્રા
શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ફરીને જિનમંદિર આવી હતી, ને ત્યાં અદ્ભુત ભક્તિ થઈ હતી.
રાત્રે બાલિકાઓએ “ચંદના સતી”નો સુંદર સંવાદ કર્યો હતો. મહાવીર ભગવાનના જન્મથી શરૂ કરીને
ચંદનાના વૈરાગ્ય સુધીના વિધવિધ પ્રસંગો તેમાં બતાવવામાં આવ્યાં હતા. ચંદનાનું અપહરણ થાય છે, ચંદનાને
બેડી પહેરાવીને કોટડીમાં પૂરી દીધી છે, ને ભગવાનને આહારદાન માટેની ભાવના ભાવતાં ભાવતાં તેની બેડી
તૂટી જાય છે ઈત્યાદિ દેખાવો ઘણા સુંદર રીતે થયા હતા.
શાંતિયજ્ઞ ચૈત્ર સુદ તેરસની બપોરે થયો હતો. શાંતિયજ્ઞ બાદ ભગવાનના દર્શન કરીને, વાંકાનેર સંઘના
ભાઈઓ તેમજ ઈન્દ્ર–ઈન્દ્રાણી વગેરે પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન કરવા આવ્યા હતા, અને ભાવભીની
ભક્તિપૂર્વક ગુરુદેવનો પરમ ઉપકાર વ્યક્ત કર્યો હતો.
પરમ પૂજ્ય ગુરુદેવના મહાન પ્રતાપે વાંકાનેર શહેરમાં દિ. જૈન સંઘે ભવ્ય જિનમંદિર બંધાવ્યું અને તેમાં
જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો આવો પંચકલ્યાણક મહોત્સવ ઊજવાયો. પરમ કૃપાળુ પૂ. ગુરુદેવના આવા
અપાર ઉપકારોનું વર્ણન થઈ શકે તેમ નથી. સૌરાષ્ટ્રના લોકોને દિ. જૈનધર્મ શું છે તેની થોડા વર્ષો પહેલાંં ખબર
પણ ન હતી, તેને બદલે પૂ. ગુરુદેવના અલૌકિક ધર્મપ્રભાવથી આજે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર દિ. જૈનધર્મના ઊંડા મૂળ
રોપાયા છે અને જૈનશાસનની મંગલ પ્રભાવના દિનદિન વૃદ્ધિગત થઈ રહી છે. પરમ પ્રતાપી ગુરુદેવનો મહાન
પ્રભાવના ઉદય જયવંત વર્તો કે જેના પ્રતાપે સૌરાષ્ટ્રના ભક્તજનોને ઠેરઠેર જિનેન્દ્રભગવાનનો ભેટો થાય છે ને
આખું સૌરાષ્ટ્ર તીર્થધામ બની ગયું છે. જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ ઉલ્લાસપૂર્વક
કરાવવા માટે વાંકાનેર દિ. જૈન સંઘના મુમુક્ષુ ભાઈઓને અનેક ધન્યવાદ ઘટે છે. આ પ્રતિષ્ઠા–મહોત્સવમાં વિધિ
કરાવવા માટે ઇંદોરના પ્રતિષ્ઠાચાર્ય પંડિત શ્રી નાથુલાલજી શાસ્ત્રી આવ્યા હતા અને તેમણે સુંદર રીતે બધી વિધિ
કરાવી હતી, તે માટે તેમનો આભાર માનવામાં આવે છે. પ્રતિષ્ઠા–મહોત્સવ બાદ, ચૈત્ર સુદ ૧૪ ના રોજ
સવારમાં વાંકાનેર જિનમંદિરમાં વર્દ્ધમાન ભગવાનની મંગલ સ્તુતિ કરાવીને પૂ. ગુરુદેવે વઢવાણ તરફ વિહાર
કર્યો હતો.

PDF/HTML Page 20 of 21
single page version

background image
(અનુસંધાન પૃષ્ઠ ૧૩૩ થી ચાલુ)
આત્મા પોતે અંતરમાં કલ્યાણની મૂર્તિ છે, રાગના અવલંબને કે બહારના સાધનથી
આત્માનું કલ્યાણ થતું નથી. આ અપૂર્વ વાત સમજ્યે જ જીવનું કલ્યાણ થાય છે, એટલે
આત્માની સાચી સમજણ કરવી તે જ વિસામો છે ભાઈ! પહેલાંં આત્માની સમજણનો
ઉપાય કર. દયા, ભક્તિ વગેરેનો રાગભાવ વચ્ચે હોય પણ તે કાંઈ શાંતિનો ઉપાય નથી.
રાગ અને સંયોગથી પાર વાસ્તવિક ચૈતન્યસ્વરૂપ શું છે તેની સમજણ કરવી તે જ શાંતિનો
રસ્તો છે. ભાઈ! તારા આત્મામાં તારી પ્રભુત્વશક્તિ ભરી છે. તારી પ્રભુતા તારામાં પડી
છે, તેની સન્મુખ થઈને પ્રતીત કરવી તે પ્રભુતાનો ઉપાય છે. જ્ઞાની તો વિધિ બતાવે, પણ
તે વિધિ સમજીને તેનો પ્રયોગ તો પોતાને જાતે કરવો પડે. અંતરમાં સ્વભાવ–સન્મુખ
થઈને પોતે જાતે પ્રયોગ કરે તો યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન થાય. અજ્ઞાની વિકારની અને સંયોગની
તાકાતને દેખે છે, પણ વિકારથી પાર ધુ્રવ જ્ઞાનાનંદ સ્વભાવ એવો ને એવો પડ્યો છે તેની
તાકાત અને મહિમા અજ્ઞાનીને દેખાતો નથી. વિકાર તો ક્ષણે–ક્ષણે પલટી જાય છે ને
જ્ઞાનાનંદ સ્વભાવ એવો ને એવો ધુ્રવ એકરૂપ રહે છે. આવા સ્વભાવની સન્મુખ થઈને
તેમાં એકાગ્રતા કરવી તે જ અપૂર્વ ધર્મની રીત છે. આ વાત કોને સમજાવાય છે? જેનામાં
સમજવાની તાકાત છે તેને આ વાત સમજાવાય છે. જ્ઞાની સંતો જાણે છે કે જીવોમાં આ
વાત સમજવાની તાકાત છે, જીવો આ વાત સમજી શકશે એમ જાણીને જ્ઞાનીઓ આવો
ઉપદેશ આપે છે. “હું સમજવાને લાયક છું” એવું લક્ષ કરીને જિજ્ઞાસાથી પ્રયત્ન કરે તો આ
વાત સમજાયા વગર રહે નહિ. આ કાંઈ જડને નથી સંભળાવતા, કીડી–મકોડાને નથી
સંભળાવતા, પણ જેનામાં સમજવાની તાકાત છે અને સમજવાની જિજ્ઞાસાથી જે સાંભળવા
આવ્યો છે તેને આ વાત સમજાવે છે.
હે ભાઈ! તારો આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે. શરીરાદિક તો જડ અજીવતત્ત્વ છે,
શુભ–અશુભ ભાવો થાય તે તો આસ્રવ અને બંધતત્વ છે; તે જીવનું સ્વરૂપ નથી.
જ્ઞાનપર્યાય અંતર્મુખ થઈને અભેદ થતાં જે નિર્મળદશા થઈ તે સંવર–નિર્જરા–મોક્ષતત્ત્વ છે,
તે નિર્મળ દશા આત્માથી જુદી નથી પણ આત્મા સાથે અભેદ છે, તેથી તે આત્મા જ છે.
અંર્તસ્વભાવમાં ઢળતાં નિર્મળપર્યાય આત્મા સાથે અભેદ થાય છે. ભૂતાર્થસ્વભાવની
દ્રષ્ટિથી જોતાં નવે તત્ત્વોમાં એક શુદ્ધઆત્મા જ પ્રકાશમાન છે. જડથી ને પુણ્ય–પાપથી પાર,
તથા નિર્મળ–પર્યાય પ્રગટી તેમાં અભેદ શુદ્ધઆત્મા છે, આવા શુદ્ધઆત્માની દ્રષ્ટિ પ્રગટી
ત્યાં ધર્મીને એક શુદ્ધઆત્માની જ મુખ્યતા છે; સ્વ–પરપ્રકાશક જ્ઞાન ખીલ્યું તેમાં સંયોગને
તેમજ રાગને જાણે પણ શુદ્ધઆત્માની મુખ્યતા ધર્મીની દ્રષ્ટિમાંથી કદી ખસે નહિ.
અવસ્થામાં વિકાર હોવા છતાં આવા શુદ્ધઆત્માની દ્રષ્ટિ કઈ રીતે થાય તે વાત આચાર્યદેવ
વિશેષપણે દ્રષ્ટાંત આપીને સમજાવશે.