Atmadharma magazine - Ank 128
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અગિયારમું, અંક આઠમો, જેઠ, સં. ૨૦૧૦ (વાર્ષિક લવાજમ ૩–૦–૦)
૧૨૮
અપૂર્વ આત્મશાંતિ
ભગવાન! અનાદિકાળમાં કદી નહિ પ્રગટેલ એવી અપૂર્વ શાંતિનું વેદન
કેમ પ્રગટે... સમ્યગ્દર્શન કેમ થાય તેની આ વાત છે. ભાઈ, અનંતકાળના
અજાણ્યા મુક્તિના પંથ....તે સત્સમાગમ વગર સમજાય તેવા નથી. તારા
ચૈતન્યમાં જીવનશક્તિ પડી છે....આનંદના નિધાન તારી શક્તિમાં ભર્યાં છે,
તેની સન્મુખ થઈને એકવાર તેની પ્રતીત કર, તો અપૂર્વ અતીન્દ્રિય શાંતિનો
અંશ પ્રગટે. કોઈ બહારની ક્રિયાના કારણે, કે અંદરના શુભ પરિણામ થાય
તેના અવલંબને આત્માની અપૂર્વ શાંતિ પ્રગટે એમ બનતું નથી; તારા જ્ઞાનને
અંતર્મુખ કરીને ચિદાનંદ સ્વભાવને જાણતાં તે અપૂર્વ શાંતિ પ્રગટે છે.

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૧૪૬ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા
(૧–૨) સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર દરમિયાન પરમ પૂજ્ય સદ્ગુરુદેવ સુરેન્દ્રનગર પધાર્યા
ત્યારે વેદી–પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વૈશાખ સુદ ત્રીજના રોજ વીંછીયાવાળા ભાઈશ્રી મણીલાલ
સુખલાલ શાહ તથા તેમના ધર્મપત્ની શાન્તાબેન –એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી છે; તેમજ લીંબડીવાળા મહાસુખલાલ નાનચંદ મણીઆર તથા તેમના ધર્મપત્ની
ચંપાબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ માટે તે સર્વેને
અભિનંદન.
* * *
(૩) સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર દરમિયાન પરમ પૂજ્ય સદ્ગુરુદેવ લીંબડી પધાર્યા ત્યારે
વૈશાખ સુદ સાતમના રોજ ત્યાંના ભાઈશ્રી ખીમચંદ બાલચંદ તથા તેમના ધર્મપત્ની શકરીબેન
–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તે માટે તેમને અભિનંદન.
* * *
(૪–૫) સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર દરમિયાન પરમ પૂજ્ય સદ્ગુરુદેવ રાણપુર પધાર્યા ત્યારે
વેદી–પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વૈશાખ સુદ તેરસના રોજ ત્યાંના ભાઈશ્રી કાનજી લેરાભાઈ
વસાણી તથા તેમના ધર્મપત્ની જતનબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર
કરી છે; તેમ જ ભાઈશ્રી હરગોવનદાસ મૂળચંદ શાહ તથા તેમના ધર્મપત્ની વિજયાબેન –એ
બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ માટે તે સર્વેને અભિનંદન.
* * *
(૬) સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર દરમિયાન પરમ પૂજ્ય સદ્ગુરુદેવ વીંછીયા મુકામે પધાર્યા
ત્યારે વૈશાખ વદ અગિયારસના રોજ ત્યાંના ભાઈશ્રી માણેકચંદ કરસનજી શાહ તથા તેમના
ધર્મપત્ની છબલબેન –એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર
કરી છે. તે માટે તેમને અભિનંદન.
સૂચના :–
–પરમ પૂજ્ય સદ્ગુરુદેવ જેઠ સુદ છઠ્ઠના રોજ
સોનગઢ પધારે છે; સોનગઢમાં પુસ્તક વેચાણ
વિભાગ અને જૈન અતિથિ સેવા સમિતિ વગેરેની
વ્યવસ્થા પૂર્વવત્ ચાલુ થઈ જશે. હવેથી પત્રવ્યવહાર
સોનગઢના સરનામે કરવો.
–આત્મધર્મના ગયા અંકમાં મોરબી–
વાંકાનેરમાં પૂ. ગુરુદેવના પવિત્ર હસ્તે મુંબઈના જે બે
પ્રતિમાજી પ્રતિષ્ઠિત થયાનું જણાવ્યું છે તે બંને
પ્રતિમાજી સાંતાક્રુઝના એક મુમુક્ષુ ભાઈએ પોતાને
ત્યાં ગૃહચૈત્યાલયમાં બિરાજમાન કરવા માટે
પ્રતિષ્ઠિત કરાવ્યા છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૪૭ :
વઢવાણશહેર, સુરેન્દ્રનગર, રાણપુર અને બોટાદમાં
જિનબિંબ વેદી–પ્રતિષ્ઠા મહોત્સવ
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ જિનેન્દ્ર શાસનની મહાન પ્રભાવના કરતા કરતા સૌરાષ્ટ્રમાં
વિચરી રહ્યા છે અને ગામેગામ જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા કરતા જાય છે. ગુરુદેવના પ્રભાવે
નિતનિત મંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યા છે.
* વઢવાણ શહેર *
વાંકાનેરથી વિહાર કરતાં કરતાં ચૈત્ર વદ ૪ ના રોજ પૂ. ગુરુદેવ વઢવાણ શહેર પધાર્યા,
ત્યારે ભક્તજનોએ ઘણા ઉલ્લાસપૂર્વક પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ચૈત્ર વદ છઠ્ઠથી
આઠમ સુધી જિનમંદિરમાં સીમંધરાદિ ભગવંતોની વેદી–પ્રતિષ્ઠાનો ઉત્સવ ઊજવાયો હતો.
વઢવાણમાં ઉપરના ભાગમાં જિનમંદિર છે અને નીચેના ભાગમાં સ્વાધ્યાયમંદિર છે; વેદી–
પ્રતિષ્ઠિાનો મંડપ સ્વાધ્યાય મંદિરમાં હતો. ચૈત્ર વદ છઠ્ઠના રોજ રથયાત્રા કાઢીને શ્રી
જિનેન્દ્રભગવાનને વેદી–મંડપમાં બિરાજમાન કર્યા હતા અને ઝંડારોપણ થયું હતું; તેમજ વેદી–
પ્રતિષ્ઠા માટે આચાર્ય–અનુજ્ઞા વિધિ થઈ તેમાં વઢવાણના મુમુક્ષુસંઘે વેદી–પ્રતિષ્ઠા ઉત્સવ માટે
પૂ. ગુરુદેવની આજ્ઞા લીધી હતી, તેમજ ગુરુદેવના પ્રતાપે વઢવાણના આંગણે
જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાનો આવો સુઅવસર પ્રાપ્ત થયો તે માટે પોતાનો ઉલ્લાસ અને
ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. તથા વીસ–વિહરમાન ભગવંતોનું પૂજન તેમજ જિનેન્દ્ર–અભિષેક
થયો હતો. અને ઈન્દ્ર–પ્રતિષ્ઠા થઈ હતી. ચૈત્ર વદ સાતમના રોજ જલયાત્રા નીકળી હતી, તેમજ
યાગમંડલવિધાન પૂજા થઈ હતી; અને જિનમંદિર, વેદી, કલશ તથા ધ્વજની શુદ્ધિ થઈ હતી,
તેમાં મુખ્ય વિધિ પૂ. બેનશ્રીબેનના પવિત્ર હસ્તે થઈ હતી. ચૈત્ર વદ આઠમના રોજ સવારે પરમ
પૂજ્ય ગુરુદેવના મંગલ કરકમળથી જિનમંદિરમાં જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા
પ્રસંગે ભક્તજનોને ઘણો ઉલ્લાસ હતો. વઢવાણ શહેરના જિનમંદિરમાં મૂળનાયક તરીકે
સીમંધર ભગવાન બિરાજમાન છે, તેમની આજુબાજુમાં મહાવીર ભગવાન તથા શાંતિનાથ
ભગવાન બિરાજમાન છે; આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. તેમજ સ્વાધ્યાય
મંદિરમાં સમયસારજી પરમાગમની પ્રતિષ્ઠા પણ પરમ પૂ. ગુરુદેવના મંગલ હસ્તે થઈ હતી.
પ્રતિષ્ઠા પ્રસંગે વઢવાણ શહેરના ભક્તજનોને ઘણો ઉલ્લાસ હતો. શાંતિયજ્ઞ બાદ સાંજે
જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી, અનેક પ્રકારે આ રથયાત્રા શોભતી હતી અને પૂ.
ગુરુદેવ પણ સાથે પધાર્યા હતા. આ રીતે ઘણા ઉલ્લાસપૂર્વક ભગવાનનો વેદી–પ્રતિષ્ઠા મહોત્સવ
ઊજવાયો હતો. આ માટે વઢવાણ શહેરના મુમુક્ષુ સંઘને ધન્યવાદ ઘટે છે.
વઢવાણ શહેરમાં પૂ. ગુરુદેવ એકંદર સાત દિવસ રહ્યા હતા. છેલ્લા દિવસોમાં
ટાઉનહોલમાં ભગવાનને બિરાજમાન કરીને ભક્તિ કરવામાં આવી હતી; તેમજ માનસ્તંભ
પ્રતિષ્ઠા મહોત્સવ
(અનુસંધાન માટે જુઓ પાના નં. ૧૬૧)

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૪૮ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
પ્રથમ ભૂમિકા
સ્વસન્મુખ થઈને આત્માની પ્રતીતિ કરવી–નિર્વિકલ્પ અનુભવ કરવો તે
પ્રથમ અપૂર્વ ધર્મ છે........બહારમાં સંયોગી વર્તતા હોવા છતાં, ‘હું જ્ઞાનાનંદ સ્વરૂપ
આત્મા પુણ્ય–પાપથી પાર છું, સંયોગો મારાથી ભિન્ન છે’ એવી અંર્તદ્રષ્ટિનું
પરિણમન સમકિતીને થઈ ગયું છે. સમ્યગ્દર્શનની ભૂમિકામાં નવતત્ત્વોનું જ્ઞાન કેવું
હોય અને ત્યાગ–વૈરાગ્ય કેવા પ્રકારનો હોય તે સમજવું જોઈએ.
[વૈશાખ સુદ ૧ ના રોજ સુરેન્દ્રનગરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન]
સમ્યગ્દર્શન એટલે આત્માની પ્રથમ ધર્મદશા ક્યાંથી શરૂ થાય છે તેની આ વાત છે. આત્મા એક સ્વતંત્ર
તત્ત્વ છે. જગતમાં અનંતા જીવો છે, તે દરેક જીવદ્રવ્ય અનંત ગુણનો પિંડ છે મારો આત્મા અનંતગુણનો
ચૈતન્યપિંડ છે, એટલે કે હું જીવ દ્રવ્ય છું; શરીરાદિક અજીવ છે તે હું નથી, મારી અવસ્થામાં ક્ષણિક શુભ–અશુભ
ભાવો થાય છે તે પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ છે, તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી પણ ઉપાધિભાવ છે; અને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્દોષ ભાવ પ્રગટે તે સંવર–નિર્જરા ને મોક્ષ તત્ત્વ છે. આ પ્રમાણે નવતત્ત્વોને
ભેદથી જાણે તે પણ હજી સમ્યગ્દર્શન નથી. પણ આવા નવતત્ત્વોને જેમ છે તેમ પહેલાંં જાણવા જોઈએ. અને
આવા નવતત્ત્વોને જાણતાં પોતાને અંતરમાં વિવેક થઈ જાય કે પુણ્ય–પાપને સાધીને ધર્મ મનાવનારા કુદેવ–
કુગુરુ કેવા હોય? ને સંવર–નિર્જરા–મોક્ષરૂપ ધર્મને સાધનારા સાચા દેવ–ગુરુ કેવા હોય? તથા તેમની વાણી કેવી
હોય? આ રીતે નવતત્ત્વોના નિર્ણયમાં દેવ–ગુરુ–શાસ્ત્રનો નિર્ણય પણ આવી જાય છે.
અહીં તો હજી આગળની વાત બતાવવી છે. નવ–તત્ત્વને જાણીને પણ તેમાંથી એક શુદ્ધ ચિદાનંદ આત્માને
જ દ્રષ્ટિમાં લઈને તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન છે.
નવ તત્ત્વોને જેમ છે તેમ જાણતાં કુદેવ–કુગુરુ–કુધર્મની રુચિ ને આદર છૂટી જાય છે, તથા સાચા દેવ–
ગુરુ–ધર્મ તરફ વલણ થાય છે, તેમજ પુણ્ય–પાપથી ધર્મ થવાની માન્યતા છૂટી જાય છે –આ પ્રકારનો ત્યાગ
પ્રથમ ભૂમિકામાં હોય છે. ‘ત્યાગ–વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન’ એમ કહ્યું છે તેમાં આ આશય છે.
નવતત્ત્વનું જ્ઞાન કરે તેમાં કુદેવ–કુગુરુની માન્યતાનો ત્યાગ આવી જાય છે. આવો ત્યાગ થયા પછી પણ પોતે
જ્યાં સુધી નવતત્ત્વના વિકલ્પોમાં અટકે, ને અભેદ આત્માને દ્રષ્ટિમાં ન લ્યે ત્યાં સુધી સમ્યગ્દર્શન થાય નહિ.
જેમ કંદોઈની દુકાને મીઠાઈ લેવા જાય ત્યાં તેનો ભાવ પૂછે છે, તથા ત્રાજવા–તોલાનું માપ નક્કી કરે છે, પછી
મીઠાઈ ખાતી વખતે તેનું લક્ષ હોતું નથી; તેમ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો અનુભવ કરનાર જીવ પહેલાંં
નવતત્ત્વોને જાણીને તેનો વિચાર કરે છે. નય–પ્રમાણ–નિક્ષેપના પ્રકારોથી નવતત્ત્વોનો વિચાર કરે છે, પણ તેમાં
હજી શુભરાગ છે; પછી આત્માના સ્વભાવ તરફ વળીને નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરતી વખતે તે વિકલ્પો
હોતા નથી. આનું નામ સમ્યગ્દર્શન છે, ને ત્યાંથી ધર્મની શરૂઆત છે.
આત્માનો નિર્ણય કરવા માટે નવે તત્ત્વો જેમ છે તેમ જાણવા જોઈએ. હું ધર્મ કરવા માગું છું, તો ધર્મ તે
આત્માનો નિર્વિકારી અરૂપી ભાવ છે. તે ભાવ કોઈક વસ્તુના આધારે હોય. સંવર–નિર્જરાનો ભાવ આત્મામાં
પ્રગટ કરીને મોક્ષને સાધનારા સંતો તે ગુરુ છે. અને મોક્ષ–તત્ત્વનો નિર્ણય કર્યો તેમાં, તે મોક્ષભાવ જેમને પ્રગટી
ગયો છે એવા અનંતા જીવો આ જગતમાં છે એની પણ પ્રતીત આવી જાય. પૂર્વના અનંતકાળમાં મોક્ષદશા
પામેલા જીવો અનંતા થઈ ગયા છે. તેમાં પણ અનંતા જીવો દેહરહિતપણે સિદ્ધદશામાં બિરાજે છે; અને કેટલાક
જીવો શરીર રહિત એવી અરિહંત દશામાં પણ આ જગતમાં ક્યાંક વર્તે છે. આ બધાનો નિર્ણય નવતત્ત્વના
નિર્ણયમાં

PDF/HTML Page 6 of 21
single page version

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૪૯ :
સમાઈ જાય છે. આ રીતે નવતત્ત્વોને જાણતાં તેનાથી વિપરીત માનનારાનો આદર છૂટી જાય છે તે પ્રથમ ત્યાગ
છે, અને પુણ્ય–પાપથી ધર્મ થાય એવી ઊંધી રુચિ છૂટી જાય છે તે વૈરાગ્ય છે. આ પ્રકારે નવતત્ત્વોનું જ્ઞાન થાય
તેનું નામ ચિત્તશુદ્ધિ છે; અને તે સમ્યગ્દર્શનની પ્રથમ ભૂમિકા છે.
જગતમાં નવે તત્ત્વો છે; મોક્ષતત્ત્વ છે, તે મોક્ષદશા પ્રગટ કરનારા અનંત જીવો જગતમાં છે, ને હું પણ
મારી મોક્ષદશાને સાધવા માંગું છું. તો તે મોક્ષદશા ક્યાંથી આવશે? મારા આત્માના સ્વભાવમાં જ પૂર્ણ શુદ્ધ
મોક્ષદશા પ્રગટવાનું સામર્થ્ય છે; તેમાંથી જ મોક્ષદશા પ્રગટશે. મારી મોક્ષદશા શરીરાદિ અજીવની ક્રિયામાંથી નહિ
આવે, પુણ્ય–પાપ કે આસ્રવ–બંધના વિકારી ભાવોમાંથી પણ મારી મોક્ષદશા નહિ આવે; અને સ્વભાવના
અવલંબને સંવર–નિર્જરા રૂપ જે અધૂરી નિર્મળ દશા પ્રગટી તે અધૂરી દશાના અવલંબને પણ પૂર્ણ મોક્ષદશા નહિ
આવે. મોક્ષદશાનું સામર્થ્ય મારા આત્મસ્વભાવમાં જ છે, તે સ્વભાવના અવલંબને જ મારી મોક્ષદશા પ્રગટી
જશે. આ રીતે સ્વસન્મુખ થઈને આત્માની પ્રતીતિ કરવી–નિર્વિકલ્પ અનુભવ કરવો તે પ્રથમ અપૂર્વ ધર્મ છે.
“હે ભાઈ! તું સમજીને તારામાં ઠર” –એમ જ્ઞાની કહે છે, તેમાં નવે તત્ત્વો સાબિત થઈ જાય છે. ‘તું
સમજ’ એમ કહ્યું એટલે અત્યાર સુધી સમજ્યો ન હતો, ઊંધી સમજણ હતી–તેમાં આસ્રવ–બંધ ને પુણ્ય–પાપ
સમાઈ ગયા. તથા સમજવાનું કહ્યું –તો સમજે એવી તાકાત જીવમાં છે, એટલે કે જીવ જ્ઞાનસ્વભાવી છે એ વાત
આવી ગઈ. જીવને સમજવાનું કહ્યું, એટલે સમજશક્તિ વગરના બીજા અજીવ તત્ત્વો પણ જગતમાં છે–એ વાત
તેમાં આવી જાય છે. વળી અત્યાર સુધી નહોતો સમજ્યો ને હવે નવી અપૂર્વ સમજણ કરવાનું કહ્યું તેમાં સંવર–
નિર્જરા તત્ત્વ આવી જાય છે. સમજીને સ્વભાવમાં ઠરતાં મોક્ષદશા થઈ જાય છે. આવું સમજીને સ્વરૂપમાં ઠરનારા
સાચા દેવ–ગુરુ છે, આથી વિપરીત મનાવનારા તે કુદેવ કુગુરુ છે.
‘ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન’ એમ કહ્યું તેમાં ત્યાગની વ્યાખ્યા કેટલી? તેની આ વાત
છે. બહારમાં ઘરબાર વગેરેના ત્યાગ વગર સમ્યગ્જ્ઞાન ન થાય એમ એનો અર્થ નથી. ચક્રવર્તીને છ ખંડનો
વૈભવ હોય, હજારો રાણીઓ હોય છતાં અંતરમાં ચિદાનંદ સ્વરૂપ આત્માનું સમ્યગ્જ્ઞાન હોય છે. માટે તે બહારનો
ત્યાગ હોય તો જ સમ્યગ્જ્ઞાન થાય એવો એનો અર્થ નથી. બહારમાં સંયોગો વર્તતા હોવા છતાં ‘હું જ્ઞાનાનંદ
સ્વરૂપ આત્મા પુણ્ય–પાપથી પાર છું’ એવી અંર્તદ્રષ્ટિનું પરિણમન સમકિતીને થઈ ગયું છે. અહીં તો કહેવું છે કે
નવતત્ત્વોને જાણતાં કુતત્ત્વોની માન્યતાનું વલણ છૂટી જાય તેનું નામ ત્યાગ છે, ને એવા ત્યાગ વગર સમ્યગ્જ્ઞાન
થાય નહિ. સમ્યગ્જ્ઞાન થયા પછી ચૈતન્યસ્વરૂપમાં વિશેષ લીન થતાં રાગ–દ્વેષ છૂટી જાય, તેના પ્રમાણમાં
બહારનો ત્યાગ સહજ હોય છે. પણ પરવસ્તુને આત્મા લ્યે કે છોડે એવો તેનો સ્વભાવ નથી. નવતત્ત્વ શું છે ને
તે નવતત્ત્વના વિકલ્પથી પાર આત્માનો નિર્વિકલ્પ સ્વભાવ શું છે? તે સમજ્યા વગર ગમે તેટલા તપ કે ત્યાગ
કરે, પણ તેમાં કિંચિત્ ધર્મ નથી; અભવ્ય જીવો પણ એવા શુભભાવરૂપ વ્રત–તપ કરે છે, અને દરેક જીવ
આત્માના ભાન વગર એવા શુભભાવરૂપ વ્રત–તપ અનંતવાર પૂર્વે કરી ચૂક્યો છે, તે ધર્મનું કારણ નથી. આ
ધર્મની અપૂર્વ વાત છે. અનાદિની પોતાની ઊંધી કલ્પના છોડીને સત્સમાગમે સાંભળીને નવતત્ત્વનો નિર્ણય
કરવો તે સમ્યગ્દર્શન માટેનું આંગણું છે. ભાઈ! ચૈતન્યસ્વભાવનો અનુભવ કરવા જતાં આવું આંગણું આવે છે,
છતાં આંગણું તે અનુભવ નથી, અભેદ સ્વભાવનું અવલંબન લઈને ભગવાન આત્માનો એકલાનો અનુભવ
કરતાં આંગણું પણ છૂટી જાય છે ને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થાય છે. શ્રેણીક રાજાને વ્રત–તપ ન હતા છતાં આવું
સમ્યગ્દર્શન હતું. સીતાજીને પેટમાં બે બાળકો હતા છતાં તે વખતે આવું આત્મભાન તેમને વર્તતું હતું. રાગ હોય
છતાં અંતરમાં ભાન વર્તે છે કે મારું સ્વરૂપ આ રાગથી જુદુ છે. હું તો ચિદાનંદમૂર્તિ છું એવી દ્રષ્ટિ ધર્મીને વર્તતી
હોય છે. અહીં તો કહે છે કે એકલા નવતત્ત્વના ભેદના વિચારમાં જ રોકાય, ને અંતરના અભેદ સ્વભાવની
સન્મુખ થઈને તેનો નિર્વિકલ્પ અનુભવ ન કરે ત્યાંસુધી સમ્યગ્દર્શન થાય નહિ. નવતત્ત્વને જેમ છે તેમ જાણીને
અંતરમાં અભેદ આત્મસ્વભાવનું એકનું જ અવલંબન લઈને તેનો નિર્વિકલ્પ અનુભવ કરતાં અપૂર્વ સમ્યગ્દર્શન
થાય છે, તે ધર્મની શરૂઆત છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૫૦ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
હે જીવ!
એક ક્ષણ પણ તારા સ્વરૂપનો વિચાર કર!
नाहं किंचिन्न मे किंचिद् शुद्धचिદ્રૂपकं विना।
तस्मादन्यत्र मे चिंता वृथा तत्र लयं यजे।।
તત્ત્વજ્ઞાનતરંગિણીનો દસમો શ્લોક છે, તેમાં કહે છે કે–આત્મા શુદ્ધચિદ્રૂપ છે, તે સિવાય બીજું કાંઈ
આત્મા નથી, અને દેહાદિક કોઈ પદાર્થો આત્માના નથી; તેથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના ચિંતવન સિવાય
બીજા પદાર્થોની ચિંતા વ્યર્થ છે. દેહથી ભિન્ન મારું ચિદાનંદ–સ્વરૂપ શું છે તેનો હે જીવ! તું વિચાર કર.
ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ તત્ત્વ છે, તે આ દેહથી ભિન્ન છે. સર્વજ્ઞ ભગવાને કહેલા આત્માનું સ્વરૂપ
જીવોએ કદી એક સેકંડ પણ જાણ્યું નથી. આત્માને ઓળખ્યા વિના પૂર્વે પુણ્ય તેમજ પાપના ભાવો કરીને ચારે ગતિના
અવતારમાં અનંતવાર રખડી ચૂક્યો છે. આત્મા નવો નથી પણ અનાદિનો છે, છે ને છે. તેને કોઈએ બતાવ્યો નથી ને
તેનો કદી નાશ થતો નથી. તો અત્યાર સુધી આત્મા ક્યાં રહ્યો? કે સ્વર્ગ–નરકના તેમજ ઢોર અને મનુષ્યના
અવતારમાં અત્યાર સુધી જીવ રખડયો છે. તીવ્ર દંભ–કુટિલતા અને વક્રતા કરે તે તિર્યંચ થાય છે, તેનું શરીર આડું
હોય છે. મહા તીવ્ર પાપો કરે તે મરીને નરકમાં જાય છે. કાંઈક સરલતા વગેરે પુણ્ય પરિણામથી મનુષ્ય થાય છે, ને
દયાદિના વિશેષ શુભ પરિણામથી દેવલોકમાં જાય છે. પણ મારું જ્ઞાનસ્વરૂપ શું છે, દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વનું સ્વરૂપ
શું છે તેના ભાન વગર ભવભ્રમણ મટતું નથી. તેથી અહીં આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે સમજાવે છે.
શ્રીમદ્ રાજચંદ્ર નાની ઉંમરમાં કહે છે કે–
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
જામનગરમાં જામસાહેબે માંગણી કરી ત્યારે તેમના બંગલે આ કડી તેમને સંભળાવી હતી. શ્રીમદ્
રાજચંદ્રને સાત વર્ષની નાની વયમાં જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, આ ભવ પહેલાંં હું ક્યાં હતો તેનું ભાન થયું
હતું. પછી સોળ વર્ષની ઉંમરે ‘મોક્ષમાળા’ બનાવી, તેમાં ૧૦૮ પાઠ છે; તેમાં ‘અમૂલ્ય તત્ત્વવિચાર’ના પાઠમાં
પાંચ કડી છે. તેની આ એક કડી છે; તેમાં કહે છે કે–
‘હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો ર્ક્યાં,
તો સર્વ આત્મિકજ્ઞાનના સિદ્ધાંતતત્ત્વો અનુભવ્યાં.’
અરે જીવો! અંતરમાં એક ક્ષણ વિચાર તો કરો કે આ દેહમાં રહેલો આત્મા શું ચીજ છે? બહારની લક્ષ્મી
ને બહારનું રાજ્ય તે તો પૂર્વના પુણ્યથી મળે છે, તેમાં કાંઈ આત્માનું હિત નથી; પણ અંતરમાં ચૈતન્ય લક્ષ્મીનું
ભાન કરીને આત્માના સામ્રાજ્યની પ્રાપ્તિ કરવી તે જ સાચું રાજ્ય છે, તેમાં જ આત્માની શોભા અને હિત છે.
અંતરમાં વિચાર કરે તો પૂર્વભવનું પણ જ્ઞાન થઈ શકે છે. આ દેહનો સંયોગ તો હમણાં થયો, ત્યાર પહેલાંં પણ
આત્મા ક્યાંક બીજે હતો. દેહ તો નવા નવા બદલે છે ને આત્મા અનાદિનો એનો એ જ છે, તો તેનું વાસ્તવિક
સ્વરૂપ શું છે? આવો સ્વરૂપનો વિચાર અને નિર્ણય કદી એક સેકંડ પણ કર્યો નથી.
જ્ઞાની કહે છે કે અહો! હું તો શુદ્ધચિદ્રૂપ છું; શુદ્ધચિદ્રૂપ–આનંદસ્વરૂપ સિવાય આ જગતમાં બીજું કાંઈ
મારું નથી, અને હું કોઈનો નથી. શરીર તે મારી ચીજ નથી, ને અંદર રાગાદિકની વૃત્તિઓ થાય છે તે ક્ષણિક છે,
તે પણ મારું વાસ્તવિક સ્વરૂપ નથી. શુદ્ધચિદ્રૂપ જ હું છું, એ સિવાય બીજું કાંઈ હું નથી. અરે ભગવાન!! તારા
આવા સ્વરૂપનો વિચાર તો કર. ભાઈ, બીજી લૌકિક કેળવણી ભણ્યો તેમાં કાંઈ તારું હિત નથી; પણ આત્માનું
સ્વરૂપ શું છે તેનો અંર્તવિચાર કરીને તેની કેળવણી લે, તેની ઓળખાણ કર, તો આત્માનું હિત થાય ને ભવ–
ભ્રમણથી છૂટકારો થાય. એક નાના ગામડામાં પટેલ પૂછતા હતા કે ‘મહારાજ! આ ભવના અવતારનો ક્યાંય
અંત ખરો? આ દુઃખનો ક્યાંય આરો ખરો?’ ત્યારે થયું કે :

PDF/HTML Page 8 of 21
single page version

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૫૧ :
ભાઈ! તેં બહુ સારો પ્રશ્ન પૂછયો. ભાઈ, તળાવમાં પણ આરો હોય છે તેમ આ ભવભ્રમણનો પણ આરો છે; પણ
અંતરમાં દેહથી ભિન્ન આત્માનું ચિદાનંદ સ્વરૂપ શું છે તેની ઓળખાણ કરે તો ભવના અંતનો પોતાને ભણકાર
આવી જાય!
એકવાર ૧૬–૧૭ વર્ષની ઉંમરે કવિતા બનાવી તેમાં એવો ભણકાર આવ્યો કે–
“શિવરમણી રમનાર તું...તૂં હી દેવનો દેવ....”
અંદરથી એવી સ્ફુરણા આવી કે : અરે આત્મા! તું કોણ છે? “શિવરમણી રમનાર તું” એટલે પુણ્ય–
પાપના વિકારરહિત જે નિર્મળપરિણતિ રૂપી શિવરમણી, તેની સાથે તું રમનાર છો; અંતરના નિર્વિકારી
આનંદનો ભોગવટો કરવાનો તારો સ્વભાવ છે. અને ‘તૂં હી દેવનો દેવ’ હે આત્મા! સર્વજ્ઞ થયા તે ક્યાંથી
થયા? આત્માના સ્વભાવમાંથી જ થયા છે; તારા આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત ભરી છે, એટલે ‘તૂં હી દેવનો
દેવ.’ આત્મામાં પૂર્ણ સર્વજ્ઞ થવાનો સ્વભાવ ભર્યો છે. જુઓ, આ આત્માના ભણકાર! અંદર એકવાર તો
વિચાર તો કરો કે અંદર હું કોણ છું? અત્યારે મહાવિદેહમાં સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાન બિરાજે છે,
તેમના ઉપદેશમાં આત્માનું સ્વરૂપ સાંભળીને નાના–નાના આઠ વર્ષના રાજકુમારો પણ અંતરમાં તેનો વિચાર
કરીને અપૂર્વ આત્મજ્ઞાન પામી જાય છે. અંતરના શુદ્ધ ચિદાનંદ તત્ત્વનો વિચાર કરીને તેનો અનુભવ કરવો તે
આ જન્મ–મરણના ફેરાથી છૂટવાનો ઉપાય છે.
ધર્માત્માઓને જન્મ–મરણમાં રખડી રહેલા પ્રાણીઓ ઉપર દયા આવે છે. સ્વર્ગના દેવને પુણ્યનો ઠાઠ
હોય, તેને જોઈને પણ જ્ઞાનીને તો તેની દયા આવે છે કે અરેરે! આ પ્રાણી આત્માના ભાન વગર જીવન
પૂરું કરીને ચોરાશીના અવતારમાં નરકની ગોદમાં રખડશે. લોકો કહે છે કે દયા પાળો! પણ ભાઈ રે!
આત્માના ભાન વગર તારો આત્મા આ ભવભ્રમણમાં ભાવમરણે મરી રહ્યો છે ને અનંતું દુઃખ ભોગવી
રહ્યો છે તેની તો દયા પાળ! અરેરે! હવે મારો આત્મા આ અવતારથી કેમ છૂટે? આ ભયંકર ભાવમરણના
ત્રાસથી મારો આત્મા કેમ છૂટે? એનો અંતરમાં વિચાર તો કર! પાપના ફળમાં દુઃખી થઈ રહેલા ઢોર
વગેરેને દેખીને તો જગતના ઘણા જીવોને દયા આવે છે. પરંતુ જ્ઞાનીને તો, પુણ્યના ફળ ભોગવી રહેલા
દેવો ઉપર પણ દયા આવે છે; કેમકે આત્માના ભાન વગર પુણ્યના ફળમાં લીન થઈ ગયા છે તેથી પાપ
બાંધીને ઢોરમાં રખડશે. આત્માના ભાન વગર દેવો પણ દુઃખી છે. માટે હે ભાઈ! આ ભવભ્રમણથી તને
થાક લાગ્યો હોય તો હવે અંતરમાં વિચાર કર કે મારું સ્વરૂપ શું છે? આ દેહથી ભિન્ન મારો આત્મા શું
ચીજ છે? આવો વિચાર કરીને સત્સમાગમે તેની ઓળખાણ કરવી તે ભવભ્રમણથી છૂટવાનો ઉપાય છે.
સંયોગો હું નહિ ને પુણ્ય–પાપ પણ હું નહિ, હું તો ચિદાનંદસ્વરૂપ આત્મા છું; શુદ્ધચિદ્રૂપ સિવાય બીજું કાંઈ
મારું નથી; શરીર મારું નથી, વાણી મારી નથી, ને અંદર પુણ્ય–પાપની લાગણી ઊઠે તે પણ મારું તત્ત્વ
નથી, મારું તત્ત્વ તો અંદરમાં કાયમી ચિદાનંદ સ્વરૂપ છે. આવો વિચાર પણ જીવે કદી કર્યો નથી.
આચાર્યદેવ કહે છે કે અરે! આવો મનુષ્ય–અવતાર પામીને જેઓ આત્માનું ભાન કરતા નથી, સત્સમાગમે
તેનો વિચાર પણ કરતા નથી તે તો
‘मनुष्यरूपेण मृगाश्चरंति’ ભલે બહારની ગમે તેટલી કેળવણી ભણ્યો
પણ અંદરમાં હું આત્મા કોણ છું, તેનું ભણતર ન ભણ્યો તો તેનું બધું ભણતર થોથેથોથાં છે, તેમાં ક્યાંય
આત્માનું હિત નથી. માટે હે ભાઈ! આ મનુષ્ય અવતાર પામીને આત્માના સ્વરૂપનો વિચાર કર. તારો
આત્મા આનંદકંદ છે તેના લક્ષ વગર કુસંગમાં અનંતકાળ ગાળ્‌યો, પણ હવે સત્સમાગમે આત્માનો વિચાર
તો કર. આ શરીર તો ચાલ્યું જશે. બાળક–યુવાન કે વૃદ્ધ તે તો દેહની દશા છે, તે તારું સ્વરૂપ નથી, તું તો
દેહથી ભિન્ન જ્ઞાન–આનંદસ્વરૂપ છો. જેમ ચણાના એકેક દાણામાં મીઠાશની તાકાત પડી છે તેમાંથી જ તે
મીઠાશ પ્રગટે છે, તેમ તારા આત્મામાં આનંદની તાકાત પડી છે, અંતર્મુખ અવલોકન કરતાં તેમાંથી જ
આનંદ વ્યક્ત થાય છે; અનાદિથી આવા સ્વરૂપની એક ક્ષણ પણ ઓળખાણ કરી નથી. સત્સમાગમે
આત્માના સ્વરૂપનું શ્રવણ કરીને તેનો વિચાર અને નિર્ણય કરવો તે આ ભવભ્રમણથી છૂટવાનો ઉપાય છે.
– કેરાળા ગામમાં પરમપૂજ્ય ગુરુદેવનું સુંદર પ્રેરક પ્રવચન :
વીર સં. ૨૪૮૦, વૈશાખ સુદ પાંચમ.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૫૨ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
આત્માના શુદ્ધસ્વરૂપની સમજણ
પ્રભો! બહારના જુદા જુદા સાધનમાં તું આનંદ માને છે તે
ભ્રમ છે, તારા આનંદનું સ્થાન બહારમાં નથી પણ તારા અસંખ્ય
ચૈતન્યપ્રદેશમાં જ તારો અખંડ આનંદ ભર્યો છે; તેને પ્રતીતમાં
લઈને અંતર્મુખ દ્રષ્ટિ કર તો તને તારા અતીન્દ્રિય આનંદનો સ્વાદ
અનુભવમાં આવે, અને ભવભ્રમણના દુઃખનો અંત આવે.
[વાંકાનેરમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું પ્રવચન]
(વીર સં. ૨૪૮૦, ચૈત્ર સુદ ૯)
આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તેનું ભાન કરીને, તેમાં એકાગ્રતા વડે આત્મસ્વભાવને સાધીને જેઓ સર્વજ્ઞ
થયા, એવા સર્વજ્ઞભગવાને આત્માનો સ્વભાવ જેવો જોયો અને દિવ્યધ્વનિમાં કહ્યા તેવો આત્માને ઓળખે તો
સમ્યગ્જ્ઞાન થાય; સર્વજ્ઞ થવાની તાકાત આત્મામાં પડી છે તેમાંથી જ સર્વજ્ઞતા વ્યક્ત થાય છે. જો વસ્તુમાં
પોતામાં તાકાત ન હોય તો તે ક્યાંયથી આવે નહિ અને અંતરશક્તિમાં જ જે તાકાત ભરી છે તે કોઈ બહારના
કારણથી પ્રગટતી નથી. જેમ લીંડીપીપરના એકેક દાણામાં ચોસઠપોરી તીખાશ થવાની તાકાત છે. તેમ એકેક
આત્મામાં પરિપૂર્ણ સર્વજ્ઞતા થવાની તાકાત છે, આત્મામાં જ સર્વજ્ઞ થવાની તાકાત છે એ વાત જીવે કદી
યથાર્થપણે સાંભળી નથી. ખરેખર સાંભળી ક્યારે કહેવાય? કે સર્વજ્ઞભગવાને અને સંતોએ જે કહ્યું તેનો આશય
પોતે સમજે તો સાંભળ્‌યું કહેવાય.
અહીં જિજ્ઞાસુ શિષ્ય જ્ઞાની સંતગુરુ પાસે જઈને ઝંખનાથી પૂછે છે કે પ્રભો! મને આત્માનું જ્ઞાન કેમ
થાય? આત્માનો અતીન્દ્રિય આનંદ કઈ રીતે આવે? જેને આત્માનું જ્ઞાન થયું છે, આત્માના આનંદનો અનુભવ
થયો છે એવા ગુરુ પાસે જઈને શિષ્ય પ્રશ્ન પૂછે છે : પ્રભો! શુદ્ધઆત્માનું સ્વરૂપ શું છે કે જેને જાણવાથી
આત્માનો અતીન્દ્રિય આનંદ અનુભવમાં આવે, અને ભવભ્રમણના દુઃખથી છૂટકારો થાય?
ત્યારે શ્રીગુરુ તેને ઉત્તર આપતાં કહે છે કે– હે ભાઈ! શુદ્ધનયથી આત્માના શુદ્ધસ્વરૂપને જાણતાં તેના
આનંદનો અનુભવ થાય છે ને ભવભ્રમણનો અંત આવી જાય છે. પર્યાયમાં ક્ષણિક અશુદ્ધતા હોવા છતાં
અંર્તદ્રષ્ટિથી શુદ્ધનય વડે આત્મસ્વભાવને જોતાં વિકારરહિત શુદ્ધઆત્માનો અનુભવ થાય છે. વિકાર અને
બંધન વગરનો આત્મસ્વભાવ ત્રિકાળ છે તેની સન્મુખ દ્રષ્ટિથી સમ્યગ્દર્શન થાય છે.
અબદ્ધસ્પૃષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને
અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.
શિષ્યને શુદ્ધ આત્મા જાણવાની જિજ્ઞાસા થઈ તેથી તેણે પ્રશ્ન પૂછયો કે પ્રભો! આપ કહો છો તેવા
શુદ્ધઆત્માનો અનુભવ કઈ રીતે થાય? પર્યાયમાં વિકાર હોવા છતાં શુદ્ધ આત્મા કઈ રીતે અનુભવમાં આવે?
તેના ઉત્તરમાં આચાર્યભગવાન સમજાવે છે કે હે ભાઈ! વિકારી ભાવો અભૂતાર્થ છે તે આત્માનો મૂળભૂત
સ્વભાવ નથી, તેથી આત્માના ભૂતાર્થ સ્વભાવની સન્મુખ થઈને અનુભવ કરતાં તે વિકારરહિત શુદ્ધપણે આત્મા
અનુભવાય છે.
ભગવાન! તારા આત્માના શુદ્ધસ્વરૂપને જાણવાનો યથાર્થ પ્રયત્ન તેં કદી કર્યો નથી. તેને જાણવાનો
ઉપાય

PDF/HTML Page 10 of 21
single page version

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૫૩ :
કોઈ બહારના કારણોથી થતો નથી. પણ સંયોગ અને વિકારથી રહિત એવા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની
સન્મુખ થઈને તેનું જ્ઞાન કરવું તે જ ઉપાય છે. જેમ કાચલી ને છોતાં તે સફેદ ટોપરા સાથે એકમેક થઈ ગયા
નથી પણ જુદા છે, તેમ શરીરરૂપી છોતાં ને કર્મરૂપી કાચલા તે ચૈતન્યગોળા સાથે એકમેક થઈ ગયેલા નથી પણ
જુદા છે. તેમજ ટોપરામાં ઉપરની રાતી છાલ છે તે પણ સફેદ ટોપરાનું વાસ્તવિક સ્વરૂપ નથી પણ જુદું છે એટલે
ખમણીથી છોલીને તેને જુદું પાડી શકાય છે. તેમ ચૈતન્યમૂર્તિ આત્મામાં ક્ષણિક પુણ્યપાપની વિકારી લાગણી થાય
છે તે ઉપરની છાલ જેવો ઉપાધિભાવ છે, વાસ્તવિક સ્વરૂપ નથી, શુદ્ધનયથી જોતાં તે વિકારથી જુદું શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ જણાય છે. આવા જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માને જાણવાથી સમ્યગ્દર્શન થાય છે. હે શિષ્ય! તારે
આત્માનો આનંદ જોઈતો હોય, ધર્મ જોઈતો હોય, તો આવા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શુદ્ધનયથી દ્રષ્ટિમાં લે.
આત્મા આ શરીરથી જુદો છે. શરીરની આકૃતિ દેખાય છે તે જડ છે, તેનાથી ભિન્ન અરૂપી આત્મા છે તે
અસંખ્યપ્રદેશી છે. ચાર ગતિના પરિભ્રમણમાં જુદા જુદા અનેક આકારો થાય છે તે પણ આત્માનું વાસ્તવિક
સ્વરૂપ નથી, તે જુદા જુદા આકારોથી લક્ષમાં લેતાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ લક્ષમાં આવતું નથી. આત્મા
ત્રિકાળ એકરૂપ અસંખ્યપ્રદેશી છે. અસંખ્યપ્રદેશી ચૈતન્યમૂર્તિ આત્મા ત્રિકાળ એવો ને એવો છે, શરીરના
સંયોગથી તે જુદો છે. આવા જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મામાં જ સુખ છે, એ વાત અજ્ઞાનીને બેસતી નથી ને બહારના
સાધનથી સુખ માને છે. પ્રભો! બહારનાં જુદા જુદા સાધનમાં તું આનંદ માને તે ભ્રમ છે, તારા આનંદનું સ્થાન
બહારમાં નથી, પણ તારા અસંખ્ય પ્રદેશમાં જ તારો અખંડ આનંદ ભર્યો છે. તેને પ્રતીતમાં લઈને અંતર્મુખ દ્રષ્ટિ
કર તો તને તારા અતીન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવમાં આવે. ભાઈ! તારું ચૈતન્યક્ષેત્ર તો આનંદના પાક પાકે
તેવું છે; આવા આત્માની દ્રષ્ટિ કર તો આત્મજ્ઞાન થાય, ને ભવનો અંત આવે. આત્માના સ્વભાવની આવી દ્રષ્ટિ
થયા પછી ધર્મીને શુભરાગ પણ થાય, તેમજ આવી દ્રષ્ટિ થયા પહેલાંં પણ દેવ–ગુરુના બહુમાન ભક્તિ વગેરેનો
શુભરાગ થાય, અને તે રાગના નિમિત્ત તરીકે જિનમંદિર, વીતરાગી પ્રતિમા, પંચકલ્યાણક મહોત્સવ વગેરે હોય
છે. આત્માના આનંદમાં ઝૂલતા વીતરાગી સંત ગુરુઓ પ્રત્યેનો ભક્તિભાવ તેમજ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની
સ્થાપના પૂજા વગેરેનો ભક્તિભાવ ધર્મીને આવ્યા વિના રહે નહિ. એકલા શુભરાગમાં ધર્મ માનીને રોકાઈ જાય
તો તે અજ્ઞાની છે. ધર્મ તો જુદી ચીજ છે, ધર્મ કરનારની દ્રષ્ટિ રાગ ઉપર ન હોય, ધર્મ તો જ્ઞાનાનંદ સ્વરૂપના
અવલંબને જ થાય છે. છતાં ધર્મની ભૂમિકામાં તેવો રાગ આવ્યા વિના રહેતો નથી. સંસારના પ્રસંગનો રાગ તો
સાંજની સંધ્યા જેવો છે, તેની પાછળ અંધારું છે, ને ધર્મના નિમિત્ત તરીકે વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે
ભક્તિભાવ આવે તે સવારની સંધ્યા જેવો છે, તે રાગનો આદર છોડીને ચૈતન્યની દ્રષ્ટિ કરતાં સમ્યગ્જ્ઞાનરૂપી
પ્રભાત ખીલી જશે. રાગનો આદર કરીને ધર્મ મનાવે તો તે અજ્ઞાની છે, અને વીતરાગી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેનો
શુભરાગ સર્વથા આવે જ નહિ એમ માને તો તે પણ શુષ્ક અજ્ઞાની છે. જેને ધર્મની જિજ્ઞાસા છે, તેને ધર્મ પામ્યા
પહેલાંં તેમજ ધર્મ પામ્યા પછી પણ ધર્માત્માઓ પ્રત્યે બહુમાન અને આદરનો ભાવ આવ્યા વિના રહેતો નથી.
પણ અંદરમાં રાગરહિત જ્ઞાનાનંદ સ્વરૂપ ઉપરની દ્રષ્ટિથી જ ધર્મ થાય છે. તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે
ઈન્દ્રો આવીને મોટો મહોત્સવ કરે અને પગે ઘૂઘરા બાંધીને ભક્તિથી નાચી ઊઠે. ઈન્દ્ર–ઈન્દ્રાણી પોતે પણ
એકાવતારી છે, આત્માના ભાનવાળા છે, તેમને પણ તીર્થંકર ભગવાનને જોતાં એવો ભક્તિભાવ ઊછળી જાય
છે. અહો, નાથ! આ તારો છેલ્લો અવતાર છે, આ જ ભવમાં આત્માના પરિપૂર્ણ સ્વરૂપને સાધીને આપ
કેવળજ્ઞાન અને મુક્તિ પામશો. ધર્મની જિજ્ઞાસાવાળા જીવને સાચાં દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે ભક્તિનો આવો ભાવ
આવ્યા વિના રહેતો નથી. સર્વજ્ઞ ભગવાન, વીતરાગી સંત અને ધર્માત્મા પ્રત્યે આદરભાવ જેને નથી આવતો
તેને ધર્મની પ્રીતિ જ નથી. છતાં જે રાગ આવે છે તે રાગના અવલંબનથી ધર્મ થઈ જાય છે એમ પણ નથી. શુદ્ધ
જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા તે રાગથી પણ પાર છે, એવા આત્માની અંતર્મુખ દ્રષ્ટિ કરવી તે જ ધર્મ છે. આવા
આત્માની દ્રષ્ટિ કરે તો જ સમ્યગ્દર્શન અને ધર્મ થાય છે; આ સિવાય બીજું કોઈ સાધન નથી.
*

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૫૪ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
પરમાત્મપદ પામવા માટેનો છેલ્લો અવતાર
મહાવીર ભગવાનના જન્મકલ્યાણક–મહોત્સવ સંબંધી પ્રવચન
[વાંકાનેરમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે,
ચૈત્ર સુદ ૧૩ ના મંગલ દિને પરમ પૂજ્ય ગુરુદેવનું પ્રવચન]
આજે મહાવીર ભગવાનના જન્મ–કલ્યાણકનો દિવસ છે. પરમાત્મપદ પામવા માટેનો આ છેલ્લો
અવતાર હતો, આ ભવમાં ભગવાનને પૂર્ણાનંદ પરમાત્મદશાની પ્રાપ્તિ થઈ, તેથી તેને યાદ કરીને ભગવાનના
જન્મનો મહોત્સવ ઊજવાય છે. ભગવાનને આત્માનું જ્ઞાન તો પૂર્વભવોમાં જ હતું, પછી આ ભવમાં પૂર્ણ
ચારિત્રદશા પ્રગટ કરીને ભગવાને કેવળજ્ઞાન પ્રગટ કર્યું. તે કેવળજ્ઞાન–કલ્યાણક આજે બપોરે ઊજવાશે.
કેવળજ્ઞાન થયા પછી ઈન્દ્રોએ સમવસરણની રચના કરી, ને દિવ્યધ્વનિમાં ભગવાનનો ઉપદેશ નીકળ્‌યો; તે
ઉપદેશમાં ભગવાને શું કહ્યું? ભગવાને કહ્યું કે હે આત્મા! તારે સુખી થવું છે, તો તે સુખ ક્યાં છે? બહારમાં
ક્યાંય સુખ નથી પણ તારા અંર્તસ્વભાવમાં જ સુખ છે. અંતરના જ્ઞાનાનંદ સ્વભાવની પ્રતીત કરીને તેમાં
એકાગ્રતા વડે સુખ પ્રગટે છે. પ્રભો! પરમાં તારું સુખ નથી, શરીરમાં સુખ નથી, લક્ષ્મીમાં સુખ નથી, સ્ત્રીમાં કે
આબરૂમાં સુખ નથી, સંયોગમાં તારું સુખ નથી તેમ સંયોગમાં દુઃખ પણ નથી. હવે ‘સંયોગમાં સુખ છે’ એવી જે
કલ્પના તેં કરી છે, તે કલ્પનામાં પણ તારું સુખ નથી. ભગવાન! તારા સુખનું અસ્તિત્વ ક્યાં છે? સુખની સત્તા
ક્યાં છે? જ્ઞાનાનંદ સ્વભાવના અસ્તિત્વમાં જ તારું સુખ છે. તારા સુખનું અસ્તિત્વ તારાથી જુદું ન હોય.
સ્વભાવમાં જ સુખ છે તેને બહારના સાધનની જરૂર નથી. જેમ દરિયાના પાણીમાં મધ્યબિંદુ ઊછળીને ભરતી
આવે છે; બહારથી ભરતી આવતી નથી. સેંકડો નદીના પાણી આવે કે સેંકડો ઇંચ વરસાદ એક સાથે પડે, પણ
તેનાથી દરિયામાં ભરતી આવતી નથી, પણ અંદરના પાણીના દળના મધ્ય–બિંદુની તાકાતથી દરિયામાં ભરતી
આવે છે. ભલે ગમે તેટલી ગરમી હોય પણ દરિયાના મધ્યબિંદુની તાકાત ઊછળીને જે ભરતી આવે તે રોકાય
નહિ. તેમ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મામાં જ્ઞાનાનંદની ભરતી કેમ આવે? ધર્મના તરંગ કેમ ઊછળે? બહારના
સંયોગમાંથી તો આત્મામાં ધર્મની ભરતી ન આવે. પાંચ ઈન્દ્રિયો અને મનના અવલંબનથી પણ આત્મામાં
ધર્મની ભરતી ન આવે. અને અંદર શુભ–અશુભ પરિણામ થાય તેનાથી પણ આત્મામાં ધર્મની ભરતી ન આવે.
પણ અખંડ ચૈતન્યદળ છે તેના અવલંબને જ્ઞાનાનંદની ભરતી આવે છે. બહારમાં ગમે તેવા પ્રતિકૂળ સંયોગો
હોય પણ અંર્તદ્રષ્ટિના અવલંબને આત્માનું મધ્યબિંદુ ઊછળીને જે જ્ઞાનાનંદના તરંગ ઊછળે તેને તે કોઈ રોકી
શકે નહિ. અંર્તસ્વભાવના અવલંબન વગર બહારના કોઈ કારણથી આત્મામાં જ્ઞાનાનંદની ભરતી આવે નહિ.
લૌકિક કળાનું જાણપણું કે શાસ્ત્રનું જાણપણું તેમાંથી પણ આત્માના જ્ઞાનાનંદની ભરતી આવતી નથી. અતીન્દ્રિય
આનંદ કહો કે ધર્મ કહો, તે અંર્તસ્વભાવના અવલંબનથી જ પ્રગટે છે. જીવો સુખને ઈચ્છે છે પણ તેના કારણને
સેવતા નથી. જીવો દુઃખને ઈચ્છતા નથી પણ દુઃખના કારણમાં સતતપણે વર્તે છે. અહીં ભગવાન કહે છે કે હે
ભાઈ! તારું સુખ તારા જ્ઞાનાનંદસ્વભાવમાં જ છે, એ સિવાય સંયોગમાં કે સંયોગ તરફના ભાવમાં તારું સુખ
નથી. આવું લક્ષ તો કર, અંતરમાં સુખ છે એવું વલણ તો કર, આત્મા પોતાની પ્રભુતાની તાકાતથી શોભે એવી
આ વાત છે. આ જ સાચું સ્વરાજ છે. આત્મા પોતે પોતાના ચૈતન્યની પ્રભુતાથી શોભે એનું નામ સાચું સ્વરાજ
છે. આ સિવાય બહારમાં સંયોગના ઢગલા હોય તેના વડે આત્માની કાંઈ શોભા નથી. સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં
ત્રણકાળ ત્રણલોક જણાય છે ને પૂર્ણાનંદનો અનુભવ છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૫૫ :
આવા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ ભગવાનને પ્રગટ્યા તે ક્યાંથી પ્રગટ્યા? અંદર આત્માના સ્વભાવમાં
તાકાત ભરી છે તેમાંથી જ તે વ્યક્ત થયા છે. એકેક આત્મામાં પરિપૂર્ણ જ્ઞાનાનંદની તાકાત ભરી છે. દરેક આત્મા
સ્વભાવ–શક્તિએ ભગવાન જેવો જ પરિપૂર્ણ છે; અહો! આવા અતીન્દ્રિય જ્ઞાનસામર્થ્યની પ્રતીત કરો...તેની
રુચિ કરો... તેની ઓળખાણ કરો. આવા આત્મસ્વભાવની પ્રતીત કર્યા વગર ચાર ગતિનું પરિભ્રમણ મટે નહિ.
કોઈ કહે કે ‘નરકમાં જવાની બંધી આપો.’ પણ ભાઈ! જેને સ્વર્ગના અવતારની કે પુણ્યની પ્રીતિ છે તેને ચારે
ગતિના અવતારનો ભાવ ઊભો જ છે. આત્માના જ્ઞાનાનંદ સ્વભાવને ઓળખીને તેને અગ્રેસર કર, એટલે કે
સંયોગની કે સંયોગ તરફના ભાવની મુખ્યતા ન કર, પણ અંતરના સ્વભાવની શક્તિએ અગ્ર કરીને તેની
મુખ્યતા આપ, તેનું અવલંબન કર, તો તેના અવલંબને સમ્યગ્દર્શન વગેરે પ્રગટે ને ચારે ગતિનું પરિભ્રમણ ટળે.
ધર્મ એટલે અતીન્દ્રિય આનંદ; ધર્મ એટલે સુખ; તે ધર્મમાં મુખ્યતા કોની? પર્યાયમાં ક્ષણિક રાગ છે,
બહારમાં સંયોગ વર્તે છે અને અંતરમાં ત્રિકાળી જ્ઞાનાનંદ–સ્વભાવ પડ્યો છે, આ રીતે ત્રિકાળી સ્વભાવ, ક્ષણિક
વિભાવ, અને બહારનો સંયોગ એ ત્રણે પ્રકાર એકસાથે વર્તે છે, તેમાં કોની પ્રધાનતા કરવાથી ધર્મ થાય? કોને
મુખ્ય કરવાથી અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય? સંયોગો અને નિમિત્તો તો પરવસ્તુ છે, આત્મામાં તેનો
અભાવ છે એટલે તેના અવલંબનથી ધર્મ થતો નથી, અને અંદર ક્ષણિક પુણ્ય–પાપના ભાવો થાય છે તેમાં પણ
આત્માની શાંતિ કે ધર્મ નથી. અંતરમાં ચિદાનંદસ્વભાવ ધુ્રવ છે તેની મુખ્યતા કરીને તેનું અવલંબન કરતાં
અતીન્દ્રિય આનંદ પ્રગટે છે, આ જ ધર્મની રીત છે. આ વિધિ સિવાય બીજી રીતે જે ધર્મ મનાવે, સંયોગની કે
રાગની મુખ્યતાથી ધર્મ મનાવે તો તે જીવને ધર્મની વિધિની ખબર નથી, અને તેવું મનાવનારા દેવ–ગુરુ કે
શાસ્ત્ર પણ યથાર્થ નથી. અહો! આત્માનો અતીન્દ્રિય આનંદ તો આત્માના સ્વભાવમાં જ છે. આવા આત્માના
ભાન પછી મુનિદશા પ્રગટે તેનું સ્વરૂપ તો અલૌકિક છે. સ્વરૂપમાં લીન થઈને આત્માના અતીન્દ્રિય આનંદના
અમૃતમાં એવી લીનતા થાય કે આહારાદિની વૃત્તિ ન ઊઠે, વસ્ત્રનો તાણો પણ લેવાની વૃત્તિ ન ઊઠે, આવી
આનંદની લીનતાનું નામ ચારિત્ર અને તપ છે. હજી તો આત્માના જ્ઞાનાનંદસ્વરૂપનું સમ્યક્ભાન પણ ન હોય
તેને તો ધર્મના પહેલા પગથિયાની પણ ખબર નથી. અહીં આચાર્યદેવ કહે છે કે ભાઈ! અંતરના ભૂતાર્થ
સ્વભાવના અવલંબનથી તારા જ્ઞાનાનંદસ્વભાવનો અનુભવ કર, શુદ્ધનયથી તારા આત્માને જાણ; અંતરની દ્રષ્ટિ
ઊઘડયા વગર વ્રત તપ આવશે નહિ. પર્વત ઉપર ચડનારની દ્રષ્ટિ ઉપરના શિખર તરફ હોય છે; તેમ જેને ઊંચે
ચડવું હોય–ઊંચી દશા પ્રગટ કરવી હોય તેની દ્રષ્ટિ આત્માના ઊર્ધ્વસ્વભાવ તરફ હોય છે. પુણ્ય–પાપથી પાર ને
સંયોગથી પાર એવો જ્ઞાનાનંદ ઊર્ધ્વસ્વભાવ છે, તે સ્વભાવના અવલંબનથી ધર્મી મોક્ષમાર્ગમાં ઊંચે ચડે છે.
ચિદાનંદ સ્વભાવની મુખ્યતાની દ્રષ્ટિ વગર અનંતવાર જીવે વ્રત–તપના શુભપરિણામ કર્યાં ને તેમાં ધર્મ માન્યો,
પણ તેનું ભવભ્રમણ ન મટયું. જેમ ચણાને શેકતાં દાળિયા થાય, તેમાં મીઠાશ આવે ને વાવો તો ઊગે નહિ; તેમ
આત્મામાં દાળિયા કેમ થાય એટલે કે આનંદનો અનુભવ પ્રગટે ને જન્મ–મરણ ટળે તેની આ વાત છે. જ્ઞાનાનંદ
સ્વભાવને ઓળખીને તેમાં એકાગ્રતારૂપી અગ્નિવડે શેકતાં જન્મ–મરણનું બીજ બળી જાય છે ને આત્માનો
અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. આવી સાચી સમજણ કરવી તે અપૂર્વ છે. ભગવાન મહાવીર પ્રભુને જન્મથી જ
આવું આત્મજ્ઞાન તો હતું જ, ને પછી ચારિત્રદશા પ્રગટ કરીને આત્માના પૂર્ણાનંદને ભગવાન આ જ ભવમાં
પામ્યા, ને ભવનો નાશ કરીને અપૂર્વ મુક્તદશા પ્રગટ કરીને, ભગવાન સાદિઅનંત પૂર્ણાનંદ સિદ્ધદશામાં
બિરાજમાન થયા. આવા ભગવાનના જન્મ–કલ્યાણકનો આજે મંગલ દિવસ છે. ભગવાન તો હજારો વર્ષ પહેલાંં
થઈ ગયા, પણ તેની સ્મૃતિ કરીને વર્તમાનમાં પોતાના આત્મામાં તેવો ભાવ પ્રગટ કરવો તે મંગળ છે.
ચિદાનંદસ્વભાવનું ભાન કરનારને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની યથાર્થ ઓળખાણ અને બહુમાન હોય છે. કેસર
લેવા જાય ત્યાં તેનું બારદાન પણ સારું ઊંચું હોય છે, કોથળામાં કેસર ન લેવાય; તેમ આત્માના ચિદાનંદ
સ્વભાવનું જેને ભાન કરવું છે તેને નિમિત્ત તરીકે સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા હોય તેની યથાર્થ ઓળખાણ હોય
છે. હજી સાચા નિમિત્તને પણ ન ઓળખે ને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને નિમિત્ત તરીકે આદરે તેને તો ધર્મની પાત્રતા
પણ નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર તો એમ બતાવે છે કે ભાઈ! તારો ધર્મ તારા આત્માના અવલંબને જ છે,
(અનુસંધાન પાના નં. ૧૫૬ ઉપર)

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૫૬ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
ધર્મની શરૂઆત
કેવી રીતે થાય?
[વાંકાનેરમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન
ચૈત્ર સુદ ૧૦ ના પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી]
શુદ્ધ આત્માનો અનુભવ એટલે કે સમ્યગ્દર્શન કેમ થાય? તેની આ વાત છે. આત્માનો જ્ઞાનસ્વભાવ છે,
તેનું ભાન કરીને તેમાં લીનતા વડે ભગવાને સર્વજ્ઞતા ને પરિપૂર્ણ શાંતિ પ્રગટ કરી. આ આત્મા પણ એવી
પરિપૂર્ણ શાંતિ પ્રગટ કરવા ચાહે છે ને અશાંતિ ટાળવા માગે છે. તો જે શાંતિ પ્રગટ કરવા માગે છે તે શાંતિ
પોતાના સ્વભાવમાં જ ભરી છે. પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ તે અશાંતિ છે ને સંવર–નિર્જરા–મોક્ષ તે શાંતિ છે.
પોતાના જ્ઞાનાનંદસ્વભાવમાં જ શાંતિ ભરી છે, પણ પોતાના સ્વભાવની યથાર્થ વાત જીવે કદી રુચિથી સાંભળી
પણ નથી. તેથી આચાર્યદેવ સમયસારની ચોથી ગાથામાં કહે છે કે–
શ્રુત પરીચિત અનુભૂત સર્વને કામભોગબંધનની કથા,
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના.
અનાદિકાળમાં ચૈતન્યસ્વભાવને ચૂકીને ‘સંયોગમાં સુખ છે, ને પુણ્ય–પાપમાં સુખ છે’ –એવી ઊંધી રુચિ
જીવે કરી છે એટલે તેની જ વાત પ્રીતિથી સાંભળી છે, પણ ‘સંયોગથી પાર ને પુણ્ય–પાપથી પાર મારા ચિદાનંદ
સ્વભાવમાં જ મારું સુખ છે’ એવી યથાર્થ રુચિ કદી કરી નથી તેથી તેની વાત પણ પ્રીતિથી કદી સાંભળી નથી.
આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપના અવલંબને તો સંવર–નિર્જરા–મોક્ષરૂપ નિર્મળદશા પ્રગટે એવો સ્વભાવ છે.
જે આસ્રવ–બંધના ભાવો થાય છે તે ચૈતન્યસ્વભાવના અવલંબને પ્રગટતા નથી પણ પરના અવલંબને પ્રગટે છે.
ઈન્દ્ર એકાવતારી હોય છે, લાખો વિમાનનો સ્વામી છે પણ અંતરમાં જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન છે, મતિ–શ્રુત–
અવધિજ્ઞાન સહિત છે. જ્યાં તીર્થંકરનો જન્મ થાય ત્યાં જગતમાં આશ્ચર્યનો ખળભળાટ થાય, ઈન્દ્રને
અવધિજ્ઞાનથી ખબર પડે કે અહો! ત્રિલોકનાથ તીર્થંકરનો અવતાર થયો. તરત જ સાત પગલા સામે જઈને
ભગવાનને વંદન કરે છે, ને ભગવાનનો જન્મ–કલ્યાણક ઉત્સવ કરવા આવે છે; અને ભગવાનને જોઈને
ભક્તિથી નાચી ઊઠે છે. ધર્માત્માને ધર્મનો એવો ઉલ્લાસભાવ આવ્યા વિના રહેતો નથી. ધર્મની પ્રીતિ હોય તેને
ધર્માત્મા પ્રત્યે આદરભાવ આવ્યા વિના રહેતો નથી. પણ ધર્મીને અંતરમાં ભાન છે કે મારા જ્ઞાનાનંદ સ્વરૂપનો
સ્વાદ તો આ રાગથી પણ પાર છે. રાગરહિત અતીન્દ્રિય શાંતિનો સ્વાદ આવે એનું નામ ધર્મ છે.
પર્યાયમાં રાગાદિભાવો દેખાય છે–બંધન દેખાય છે, છતાં તેનાથી રહિત અબંધ જ્ઞાનસ્વભાવનો અનુભવ
કેમ થઈ શકે? એમ શિષ્યે પૂછયું છે, તેને અહીં આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ! રાગાદિભાવો કે કર્મોનો
સંયોગ
તારા (અનુસંધાન પાના નં. ૧૫૭ ઉપર)
(અનુસંધાન પાના નં. ૧૫૫ થી ચાલુ)
રાગના કે નિમિત્તના અવલંબને તારો ધર્મ નથી. આવું અપૂર્વ ભાન કરવું તે જ ધર્મની પહેલી શરૂઆતની વિધિ છે.
પ્રભુ! તેં બીજા ઉપાયો ર્ક્યા પણ સાચી સમજણનો રસ્તો પૂર્વે કદી લીધો નથી, અને એના વિના કદી ધર્મ થતો નથી.
તેં આત્માના ભાન વગર ચારે ગતિના અવતાર અનંતવાર કર્યા છે, પણ ભવ અને ભવના કારણ વગરનો તારો
જ્ઞાનાનંદ સ્વભાવ છે, તે સ્વભાવની દ્રષ્ટિ કર તો ભવનો અંત આવે; આ સિવાય બહારના કારણથી ભવનો અંત
આવે નહિ. માટે જેને ભવનો અંત લાવવો હોય ને આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રગટ કરવો હોય તેણે અંતરના ધુ્રવ
જ્ઞાનાનંદ સ્વભાવને લક્ષમાં લઈને તેની રુચિ અને બહુમાન કરવા જેવા છે; તેની મુખ્યતા કરીને તેનું અવલંબન
કરવાથી ધર્મ થાય છે ને ભવભ્રમણનો અંત આવીને પૂર્ણાનંદરૂપ મોક્ષદશા પ્રગટે છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૫૭ :
(પાના નં. ૧૫૬ થી ચાલુ)
જ્ઞાનસ્વભાવ સાથે એકમેક થઈ ગયા નથી, તારા ભૂતાર્થ સ્વભાવમાં તે રાગાદિભાવો પેસી ગયા નથી પણ જુદા
જ છે; એટલે આત્માના ભૂતાર્થસ્વભાવની સન્મુખ થઈને અનુભવ કરતાં રાગ અને બંધનરહિત શુદ્ધઆત્માનો
અનુભવ થાય છે. ને શુદ્ધનયથી આવા આત્માનો અનુભવ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે, તે જ ધર્મની
શરૂઆત છે. આ સિવાય શુભરાગથી બીજું ગમે તે કરે તે પુણ્યબંધનું કારણ છે પણ તેમાં કિંચિત્ ધર્મ નથી. ધર્મ
તો આવા ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિ જ થાય છે.
પોતાના ભૂતાર્થસ્વભાવને ચૂકીને અનાદિથી પરને અને વિકારને પોતાનું માનીને તેને રાખવા માંગે છે.
અનાદિથી શરીરાદિને પોતાનું માનીને રાખવા માંગે છે પરંતુ એક રજકણ પણ આત્માનો થયો નથી, તે તો
ત્રણેકાળ આત્માથી જુદા જ છે. તેમજ પર્યાયમાં અનાદિથી પુણ્ય–પાપના ભાવો કરતો આવે છે પણ અંતરના
ધુ્રવસ્વભાવ સાથે તે એકમેક થઈ ગયા નથી, તે વિકારી ભાવો ઉપર ને ઉપર જ તરે છે પણ સ્વભાવમાં પ્રવેશતા
નથી. જેમ પાણીમાં તેલ ઉપર જ તરે છે તેમ ચિદાનંદ સ્વભાવમાં પુણ્ય–પાપના ભાવો અંદર પ્રવેશતા નથી પણ
બહાર જ રહે છે. માટે અંતરના સ્વભાવની સન્મુખ થઈને રાગરહિત સ્વભાવનો અનુભવ થઈ શકે છે. અજ્ઞાની
પુણ્ય–પાપના ભાવમાં જ એકપણું માનીને તેનો જ અનુભવ કરે છે, તેથી પુણ્ય–પાપરહિત ચિદાનંદ સ્વભાવનો
અનુભવ તેને થતો નથી. ધર્મીને પુણ્ય–પાપના ભાવો થતા હોવા છતાં, તે જ વખતે પુણ્ય–પાપથી પાર
ચિદાનંદસ્વભાવ ઉપર તેની દ્રષ્ટિ પડી છે, એટલે ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિમાં તે પોતાના આત્માને રાગરહિત
શુદ્ધપણે અનુભવે છે. આ રીતે અંર્તમુખ થઈને શુદ્ધનય વડે શુદ્ધઆત્માનો અનુભવ થઈ શકે છે. અને આવા
અનુભવથી જ ધર્મની શરૂઆત થાય છે.
સુખ અને દુઃખ શું છે?
ભાઈ રે! તારું સુખ તારા આત્માથી બહાર ન હોય.
આત્માનો આનંદ બહારમાં નથી ને આત્માનું દુઃખ પણ
બહારમાં નથી. પરમાં સુખ છે એમ જે માને છે તેને આત્માના
સુખની શ્રદ્ધા નથી. ભાઈ! પહેલાંં તું પ્રતીત કર કે મારું સુખ
મારામાં છે, સંયોગમાં મારું સુખ નથી.
આ દેહથી ભિન્ન જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા શું ચીજ છે તે વાત જીવોએ અનંતકાળમાં એક
ક્ષણ પણ જાણી નથી. જીવ સુખને ગોતે છે, પણ વાસ્તવિક સુખ ક્યાં છે તેની તેને ખબર નથી.
આત્માના સ્વભાવમાં સુખ છે તેને ભૂલીને બહારના સંયોગમાંથી સુખ લેવા માંગે છે, પણ સંયોગમાં
ક્યાંય આત્માનું સુખ નથી. આત્માનો સ્વભાવ પોતે જ સુખથી ભરેલો છે, પણ તેને ભૂલીને પુણ્ય–
પાપની આકુળતાને વેદે છે તે દુઃખ છે. પુણ્ય–પાપથી પાર મારું જ્ઞાનાનંદ સ્વરૂપ છે એમ જો અંતર્મુખ
થઈને સમ્યક્–પ્રતીતિ કરે તો તે ક્ષણે જ આત્માના અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. આ સુખ
કહો કે ધર્મ કહો, તે જુદી ચીજ નથી. ધર્મ અત્યારે કરે અને સુખ પછી મળે એમ નથી. જે ક્ષણે
આત્માના સ્વભાવની સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મ કરે તે ક્ષણે જ અપૂર્વ અતીન્દ્રિય સુખનો અંશ પ્રગટે
છે. પુણ્ય–પાપના વિકારી ભાવો કરે તેની આકુળતાનું વેદન પણ વર્તમાનમાં છે, અને
જ્ઞાનાનંદસ્વરૂપનું ભાન કરીને તેમાં જેટલી એકાગ્રતા કરે તેટલી અનાકુળ શાંતિનું વેદન પણ
વર્તમાનમાં જ છે; બહારના સંયોગો તો જુદા છે, તેનું વેદન આત્માને નથી.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૫૮ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
લક્ષ્મી, શરીર વગેરે સંયોગોમાં સુખ છે એમ અજ્ઞાનીએ ભ્રાંતિથી માન્યું છે. પણ સંયોગમાં સુખ
કદી જોયું નથી. પુણ્ય–પાપની આકુળતાની વૃત્તિ ઊઠે તે દુઃખ છે, પણ અજ્ઞાનીને તે દુઃખ દેખાતું
નથી. આત્માનો શાંત અનાકુળ ચૈતન્ય–સ્વભાવ છે, તે સ્વભાવના અવલંબને જ અનાકુળ સુખ
પ્રગટે છે.
જેમ અગ્નિની જ્યોતનો સ્વભાવ પાચક, પ્રકાશક અને દાહક છે; તેમ ભગવાન આત્મા
ચૈતન્ય–જ્યોત છે; તેના સમ્યક્ દર્શનનો સ્વભાવ એવો પાચક છે કે આખા ચૈન્તન્યસ્વભાવને
પ્રતીતિમાં પચાવી દે છે; સમ્યગ્જ્ઞાનનો સ્વભાવ સ્વ–પર પ્રકાશક છે; અને સમ્યક્ ચારિત્રનો
સ્વભાવ વિકારને બાળીને ભસ્મ કરવાનો છે; આવા દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વભાવવાળો
ભગવાન આત્મા પોતે આનંદથી ભરપૂર છે. આત્માનો આનંદ બહારમાં નથી, ને આત્માનું દુઃખ
પણ બહારમાં નથી. પરમાં સુખ છે એમ જે માને છે તેને આત્માના સુખની શ્રદ્ધા નથી, પરમાં
સુખ માનનારો આત્માના સુખને માનતો નથી. ભાઈ રે! તારું સુખ તારા આત્માથી બહાર ન
હોય. શરીરથી–પૈસા વગેરેથી મને સુખ મળશે એમ જે જીવ પરપદાર્થોને આત્મબુદ્ધિથી ગ્રહણ
કરે છે તે બહિરાત્મા છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર રૂપી ત્રિદોષનો રોગ
અનાદિથી જીવને લાગુ પડ્યો છે, તેથી તેને આકુળતાનું દુઃખ દેખાતું નથી, પણ સંયોગમાં
સુખને માટે ઝાંવા નાખે છે તે જ દુઃખ છે. તે દુઃખ આત્માનો કાયમી સ્વભાવ નથી પણ વિકૃતિ
છે. સુખ આત્માનો કાયમી સ્વભાવ છે ને દુઃખ તેની ક્ષણિક વિકૃત દશા છે. જો આત્માના
સ્વભાવમાં જ સુખ ન હોય તો બહારથી આવે નહિ; અને દુઃખ જો આત્માનો સ્વભાવ હોય તો
તે કદી ટળી શકે નહિ. તેમજ આત્માની ક્ષણિક અવસ્થામાં જો દુઃખ ન હોય તો તેને વર્તમાનમાં
અતીન્દ્રિય પૂર્ણ આનંદનો અનુભવ હોવો જોઈએ. માટે નક્કી કરવું જોઈએ કે સંયોગની
અનુકૂળતા કે પ્રતિકૂળતામાં જીવનું સુખ–દુઃખ નથી. જીવની પોતાની ક્ષણિક અવસ્થામાં અજ્ઞાન
અને વિકારીવૃત્તિઓ થાય છે તે દુઃખરૂપ છે, તે દુઃખ જીવનો કાયમી સ્વભાવ નથી, જીવનો
કાયમી સ્વભાવ તો અતીન્દ્રિય જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ છે. આવા જ્ઞાનાનંદ સ્વભાવની રુચિ
કરીને તેની અંર્તપ્રતીતિ કરતાં ચૈતન્યના અતીન્દ્રિય સુખનું વેદન થાય છે, તેનું નામ ધર્મ છે.
ભાઈ, પહેલાંં તું પ્રતીત કર કે મારું સુખ મારામાં છે, સંયોગમાં મારું સુખ નથી. ચૈતન્ય–
સ્વભાવને ચૂકીને બહારના વિષયો ઉપર લક્ષ જતાં શુભ–અશુભ લાગણી થાય તે દુઃખ છે.
સંસાર શું છે? સંસાર તે જીવની અરૂપી વિકારી અવસ્થા છે. બહારના સંયોગમાં સંસાર નથી.
ગરીબની ઝૂંપડી પણ અહીં પડી રહે છે ને મોટા ચક્રવર્તીના મહેલ પણ અહીં જ પડ્યા રહે છે.
જો તે સંયોગોમાં જીવનો સંસાર હોય તો તે સંયોગો છૂટતાં જીવનો સંસાર પણ છૂટી જાય ને
તેની મુક્તિ જ થઈ જાય! પણ એમ નથી. જ્ઞાનાનંદ સ્વરૂપને ચૂકીને ‘પર મારાં, શરીરાદિકની
ક્રિયા મારી’ એવો જે પર પદાર્થમાં અહંપણાનો મિથ્યાભાવ છે તે જ સંસારનું મૂળ છે, ને મરતાં
તે મિથ્યાભાવને સાથે લઈ જાય છે. આનું નામ સંસાર છે. બહારના સંયોગોમાં જીવનો ધર્મ કે
અધર્મ નથી, ધર્મ કે અધર્મ તે જીવની પોતાની અવસ્થાનો અરૂપી ભાવ છે ને તેનો કર્તા જીવ
પોતે છે.
અજ્ઞાની જીવ પોતાના સ્વભાવમાં સુખ છે તેને જાણતો નથી, તે સુખનો ઉપાય પણ
જાણતો નથી, અને બહારમાં પ્રતિકૂળ સંયોગોને દૂર કરીને દુઃખ ટાળવા માંગે છે, ને સુખ પણ
બહારના

PDF/HTML Page 16 of 21
single page version

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૫૯ :
સંયોગોમાંથી લેવા માંગે છે, તે ભ્રમણા છે. જુઓ, કોઈવાર અપમાન થાય તેવા પ્રસંગે તે
અપમાનના અસહ્ય વેદનથી દુઃખી થઈને શરીર પણ છોડવા માંગે છે. એટલે શરીરને દૂર કરીને
પણ દુઃખ મુક્ત થઈને સુખી થવા માંગે છે. શરીર છોડીને પણ સુખી થવા માંગે છે, તો તેનો શું
અર્થ થયો? શરીર જતાં શું રહેશે? એકલો આત્મા રહેશે. એટલે શરીર વિના પણ સુખી થઈ
શકાય છે–શરીર વગર એકલા આત્મામાં સુખ છે એટલું તો સાબિત થયું. સંયોગમાં સુખ નથી
પણ આત્મામાં જ સુખ છે આવી ઓળખાણ કરે, તો સંયોગની રુચિ છૂટે ને આત્માના
સ્વભાવની રુચિ થાય. આત્માના જ્ઞાનાનંદસ્વભાવની સમ્યક્ પ્રતીતિ અને એકાગ્રતા કરતાં
અતીન્દ્રિય સુખ પ્રગટે છે. આ સિવાય બહારમાં સુખ નથી તેમજ બહારના કોઈ ઉપાયથી સુખ
પ્રગટતું નથી. આત્માનું જ્ઞાનાનંદ સ્વરૂપ શું છે તેના અંતરભાન વગર, બહારમાં ધર્મનું સાધન
માનીને ગમે તેટલા ઉપાય કરે તે બધા ઉપાયો જૂઠા છે. ભાઈ, સુખના ઉપાય કાંઈક જુદા છે,
અનંતકાળમાં કદી એક સેકંડ પણ તેં વાસ્તવિક ઉપાયનું સેવન કર્યું નથી. જે કાંઈ કર્યું તે બધું
એકડા વગરના મીંડા સમાન છે. આત્માનું યથાર્થ સ્વરૂપ શું છે, તેને દુઃખ કેમ છે અને તેને સુખ
કેમ પ્રગટે તે વાત સત્સમાગમે શ્રવણ–મનન કરીને સમજવી જોઈએ. આત્માની સાચી સમજણ
થતાં ધર્મીની દ્રષ્ટિ પલટી જાય છે. અહો! હું તો ચૈતન્યનિધિ આત્મા છું, આ દેહાદિક સંયોગો
પર છે, તેમાં ક્યાંય મારું સુખ નથી ને હું તેનો સ્વામી નથી. મારા આત્મામાં જ સુખ સ્વભાવ
ભર્યો છે, આમ સ્વભાવસામર્થ્યનું અપૂર્વ ભાન થાય છે; ને આવું ભાન થતાં જ ધર્મની શરૂઆત
થાય છે; આ સિવાય બીજા કોઈ ઉપાયે ધર્મ કે સુખ થતું નથી.
–લીંબડી શહેરમાં પૂજ્ય સદ્ગુરુદેવનું પ્રવચન
વીર સં. ૨૪૮૦, વૈશાખ સુદ ૭
જીવનું કાર્ય ક્ષેત્ર કેટલું?
હે જીવો! આત્મા ઉપયોગસ્વરૂપ છે, પોતાના
ઉપયોગ સિવાય પરની ક્રિયા કોઈ આત્મા
ત્રણકાળમાં કરી શકતો નથી. ભાઈ! જડની ને પરની
ક્રિયા કરવાના અભિમાનમાં તારો આત્મા રોકાઈ
ગયો પણ તે પરની ક્રિયા તારા હાથમાં નથી. તારું
જ્ઞાનાનંદ સ્વરૂપ પરથી ભિન્ન છે તેની ઓળખાણ
કર; તેની ઓળખાણ વગર બીજી કોઈ રીતે ભવનો
અંત આવે તેમ નથી.
આ સમ્યગ્દર્શનનો અધિકાર ચાલે છે. હું દેહ–મન–વાણીથી પાર શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ છું
–એવું આત્માનું સમ્યક્ ભાન જીવે પૂર્વે એકક્ષણ પણ કર્યું નથી, ને રાગાદિક તથા દેહાદિકની
ક્રિયાનું અભિમાન કરીને ચાર ગતિમાં રઝળ્‌યો છે. આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, જડથી તે જુદો છે;
આત્મા પોતાના શુદ્ધ કે અશુદ્ધ ભાવો સિવાય બીજું કાંઈ બહારમાં કરી શકતો નથી. જીવ કાં તો
પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન કરીને શુદ્ધ ઉપયોગરૂપ નિર્મળ ભાવોને કરે, અને કાં તો
જ્ઞાનાનંદ સ્વરૂપને ભૂલીને અજ્ઞાન ભાવે રાગાદિ ભાવોનો કર્તા થાય; પણ શરીરાદિક જડની
ક્રિયાને તો

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬૦ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
કોઈ જીવ કરી શકતો નથી, જીવ પરને બચાવી શકતો નથી એ વાત ખરી, પણ એનો અર્થ
એવો નથી કે પરજીવને બચાવવાનો ભાવ તે પાપ છે. પરજીવને બચાવવાનો શુભભાવ તે ધર્મ
નથી તેમ પાપ પણ નથી, પરંતુ તે પુણ્ય છે. અને પરજીવને હું બચાવી શકું છું એવી ઊંધી
માન્યતા તે મિથ્યાત્વ છે, ને મિથ્યાત્વ તે મોટું પાપ છે. ભૂખ્યા ઢોરને ઘાસ–પાણી ખવરાવવાનો
ભાવ, કે બળતા ઢોર વગેરેને ઉગારવાનો ભાવ તેને કોઈ પાપ મનાવે તો તેની વાત જૂઠી છે.
અહીં ભાવની વાત છે, બહારની ક્રિયા થવી કે ન થવી તે આ આત્માને આધીન નથી. પરજીવ
બચે કે ન બચે તે તો તેના આયુષ્ય પ્રમાણે થાય છે; પણ હું પરને બચાવું એવી લાગણી થાય તે
પુણ્ય છે, તે પાપ નથી, તેમજ તે ધર્મ પણ નથી. જીવ શું, જડ શું, પાપ શું, પુણ્ય શું, ને ધર્મ શું?
એ બધા તત્ત્વોને જેમ છે તેમ ઓળખવા જોઈએ.
પર જીવને સુખ થાય કે દુઃખ થાય, તે જીવે કે મરી જાય તેનું પુણ્ય–પાપ આ જીવને નથી,
પણ હું પરને સુખી કરું, પરને દુઃખી કરું, જીવને બચાવું, કે જીવને મારું, એવો જે શુભ–અશુભ
ભાવ જીવ કરે છે તેનું પુણ્ય કે પાપ જીવને થાય છે. હજી ધર્મ તો જુદી જ ચીજ છે. પ્રભો! તારા
ચૈતન્યતત્ત્વના જ્ઞાન વિના ધર્મ થાય નહિ. ભાઈ! જડની ને પરની ક્રિયા કરવાના અભિમાનમાં
તારો આત્મા રોકાઈ ગયો, પણ તે પરની ક્રિયા તારા હાથમાં નથી. તારો જ્ઞાનાનંદ સ્વરૂપ
આત્મા પરથી ભિન્ન શું ચીજ છે, તેની ઓળખાણ કર, તે અપૂર્વ ધર્મ છે.
કેવળી ભગવાન સર્વજ્ઞ પરમાત્માનું વીતરાગી જીવન થઈ ગયું છે; તેમને પરોપકાર
વગેરેની શુભવૃત્તિ પણ હોતી નથી. ઈચ્છા વગર સહજપણે દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ નીકળે છે.
તેમાં ભગવાને એમ કહ્યું કે : હે જીવો! આત્મા ઉપયોગ સ્વરૂપ છે, પોતાના ઉપયોગ સિવાય
પરની ક્રિયા કોઈ આત્મા ત્રણકાળમાં કરી શકતો નથી. જ્ઞાની કે અજ્ઞાની કોઈ જીવ પરમાં એક
રજકણનો પણ ફેરફાર કરવા સમર્થ નથી. જડની ક્રિયા સ્વતંત્ર છે, તેનો કર્તા આત્મા નથી.
આત્મા પોતાના સ્વભાવને ભૂલીને, પરનું હું કરું એવી ઊંધી માન્યતા કરીને અજ્ઞાનભાવે શુભ–
અશુભ ઉપયોગ રૂપે પરિણમે તે સંસારનું કારણ છે; અને પરથી ભિન્ન–રાગથી ભિન્ન પોતાના
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું સમ્યક્ ભાન કરીને અંતર્મુખ શુદ્ધ ઉપયોગરૂપે પરિણમે તે ધર્મ છે ને તે
મોક્ષનું કારણ છે.
જાણતાં ધર્મીને પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની જ અધિકતા વર્તે છે, એટલ નવે તત્ત્વોમાં
ધર્મીને પોતાનો આત્મા એક જ ભૂતાર્થસ્વભાવપણે પ્રકાશમાન છે. સ્વ–પરપ્રકાશક જ્ઞાનની
સ્વચ્છતામાં નવે તત્ત્વો જણાય છે, પણ નવતત્ત્વોને જાણતાં ધર્મીનું જ્ઞાન પરમાં કે વિકારમાં
એકત્વ પામતું નથી; એકાકાર ચિદાનંદ સ્વભાવની એકતાપણે જ ધર્મીનું જ્ઞાન વર્તે છે; એ રીતે
ધર્મીની દ્રષ્ટિમાં એક શુદ્ધઆત્મા જ પ્રકાશમાન છે.
આત્માનું જ્ઞાન પરને જાણતાં તેમાં જ એકપણું માનીને રોકાઈ જાય ને પોતાના ભિન્ન
જ્ઞાનસ્વભાવને ભૂલી જાય તે મિથ્યાજ્ઞાન છે, ને તે સંસાર–ભ્રમણનું કારણ છે. જ્ઞાન અંતર્મુખ
થઈને પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જાણીને તેમાં એકતા કરે તે મોક્ષનું કારણ છે, તેમાં ચૈતન્યની
શાંતિનું વેદન છે. પછી તે જ્ઞાન પુણ્ય–પાપ વગેરેને જાણે તોપણ તેમાં એકતા પામતું નથી.
અહો, ભગવાનના સમવસરણમાં દેડકાં ને ચકલાં પણ અંતરના સ્વભાવની સન્મુખ થઈને
આવું

PDF/HTML Page 18 of 21
single page version

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૬૧ :
આત્મભાન પામી જતા હતા. આ તો અંતરની રુચિનો વિષય છે. અંતરની રુચિ કરીને
સ્વભાવને પકડવાનો પ્રયત્ન જીવે પૂર્વે કદી કર્યો નથી, અને આવા સ્વભાવના અંર્તભાન વગર
બીજું ગમે તેટલું કરે તોપણ ભવનો અંત આવે તેમ નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ શું છે તેના
સમ્યક્ભાન વગર ખરેખર જૈનપણું હોય નહિ. જૈન એટલે જીતનાર; કોને જીતવું છે? કોઈ
પરને જીતવાનું નથી; પણ ‘શરીરની ક્રિયા હું કરું ને પુણ્ય–પાપ જેટલો હું છું’ એવી જે
અનાદિની મિથ્યાબુદ્ધિ છે તેને, આત્માના જ્ઞાયકસ્વભાવની યથાર્થ ઓળખાણ વડે જીતવી,
એટલે કે સમ્યક્ ભાન વડે અનાદિના મિથ્યાત્વનો નાશ કરવો તેનું નામ જૈનપણું છે. શ્રાવકપણું
અને મુનિપણું તે તો હજી આથી પણ ઘણી ઊંચી અલૌકિક આત્મદશા છે. આત્માનું સમ્યક્
ભાન થતાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થઈ, અંતરના ચૈતન્ય–નિધાન દેખ્યાં, એનું નામ
સમ્યગ્દર્શન છે, અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે.
[વીર સં. ૨૪૮૦ વૈશાખ સુદ ૪ના રોજ
સુરેન્દ્રનગરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન]
[અનુસંધાન પાન ૧૪૭ થી ચાલુ]
(સોનગઢ) ની ફિલ્મ બતાવવામાં આવી હતી. પૂ. ગુરુદેવના પ્રવચનોનો લાભ પણ લોકો ઘણા
ઉમંગથી લેતા હતા. ચૈત્ર વદ અગિયારસના રોજ વઢવાણ શહેરથી વિહાર કરીને પૂ. ગુરુદેવ
જોરાવરનગર પધાર્યા હતા.
* સુરેન્દ્રનગર *
જોરાવરનગરથી વિહાર કરીને ચૈત્ર વદ ૧૨ ના રોજ પૂ. ગુરુદેવ સુરેન્દ્રનગર પધાર્યા,
ત્યારે ભક્તજનોએ ઘણા ઉલ્લાસપૂર્વક પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ચૈત્ર વદ
અમાસથી વૈશાખ સુદ ત્રીજ સુધી જિનમંદિરમાં શાંતિનાથ વગેરે ભગવંતોની વેદી–પ્રતિષ્ઠાનો
ઉત્સવ, તેમજ પરમ પૂજ્ય ગુરુદેવનો ૬૫ મો જન્મોત્સવ ઊજવાયો હતો. સુરેન્દ્રનગરનું
જિનમંદિર સુંદર અને રળિયામણું છે; એ ઉપરાંત જિનમંદિરના ચોકમાં જ જુદું સ્વાધ્યાય મંદિર
છે. વેદીપ્રતિષ્ઠાનો મંડપ સ્વાધ્યાય મંદિરમાં હતો. ચૈત્ર વદ અમાસના રોજ રથયાત્રા કાઢીને શ્રી
જિનેન્દ્રભગવાનને વેદી મંડપમાં બિરાજમાન કર્યા હતા અને ઝંડારોપણ થયું હતું; તેમજ વેદી–
પ્રતિષ્ઠા માટે આચાર્યઅનુજ્ઞા વિધિ થઈ તેમાં સુરેન્દ્રનગરના મુમુક્ષુ સંઘે વેદી–પ્રતિષ્ઠા ઉત્સવ
માટે પૂ. ગુરુદેવની આજ્ઞા લીધી હતી તેમ જ ગુરુદેવના પ્રતાપે સુરેન્દ્રનગરના આંગણે જિનેન્દ્ર
ભગવાનની પ્રતિષ્ઠાનો આવો સુઅવસર પ્રાપ્ત થયો તે માટે પોતાનો ઉલ્લાસ અને ભક્તિભાવ
વ્યક્ત કર્યો હતો; તથા વીસ વિહરમાન ભગવંતોનું પૂજન તેમજ જિનેન્દ્ર–અભિષેક થયો હતો,
અને ઈન્દ્ર–પ્રતિષ્ઠા થઈ હતી. વૈશાખ સુદ એકમના રોજ જલયાત્રા નીકળી હતી, તેમજ
યાગમંડલ વિધાનપૂજા થઈ હતી; અને જિનમંદિર–વેદી–કલશ તથા ધ્વજની શુદ્ધિ થઈ હતી, તેમાં
મુખ્ય વિધિ પૂ. બેનશ્રીબેનના પવિત્ર હસ્તે થઈ હતી. વૈશાખ સુદ બીજના શુભ દિને પરમ
પૂજ્ય સદ્ગુરુદેવનો પાંસઠમો જન્મોત્સવ ઊજવાયો હતો; સવારે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ
ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે ટૂંક વક્તવ્ય દ્વારા ગુરુદેવના જીવનના મુખ્ય પ્રસંગો
જણાવ્યા હતા તેમજ સદ્ગુરુનો મહિમા બતાવ્યો હતો. ત્યારબાદ, સુરેન્દ્રનગરમાં પૂ. ગુરુદેવનો
જન્મોત્સવ ઊજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ સુરેન્દ્રનગરના મુમુક્ષુ સંઘની

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૬૨ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
વતી શેઠ મગનલાલ લેરાભાઈએ ઉલ્લાસ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. પાસંઠમા
જન્મોત્સવ નિમિત્તે ‘૬૫’ ના મેળવાળી રકમનું ફંડ થયું હતું; રાત્રે બાલિકાઓએ
‘જન્મોત્સવની વધાઈ’ સંબંધી નાનો સંવાદ કર્યો હતો; તેમજ ભક્તિ થઈ હતી. વૈશાખ સુદ
ત્રીજના રોજ સવારે પરમ પૂજ્ય ગુરુદેવના મંગલ કરકમલથી જિનમંદિરમાં જિન્દ્રભગવંતોની
પ્રતિષ્ઠા થઈ, પ્રતિષ્ઠા પ્રસંગે સુરેન્દ્રનગરના ભક્તજનોને ઘણો ઉલ્લાસ હતો. સુરેન્દ્રનગરના
જિનમંદિરમાં મૂળનાયક તરીકે શાંતિનાથ ભગવાન બિરાજમાન છે, તેમની આજુબાજુમાં
સીમંધર ભગવાન અને સુમતિનાથ ભગવાન બિરાજમાન છે, તેમજ શ્રી મહાવીર ભગવાન
બિરાજમાન છે. જિનમંદિરમાં પ્રતિષ્ઠા બાદ સ્વાધ્યાયમંદિરમાં સમયસારજી પરમાગમની પ્રતિષ્ઠા
પણ પરમ પૂ. ગુરુદેવના મંગલ હસ્તે થઈ હતી. ત્યારબાદ શાંતિયજ્ઞ બાદ સાંજે જિનેન્દ્રદેવની
ભવ્ય રથયાત્રા નીકળી હતી. હાથી સહિત જિનેન્દ્રદેવ વગેરે અનેક પ્રકારે આ રથયાત્રા શોભતી
હતી, અને પૂ. ગુરુદેવ પણ સાથે પધાર્યા હતા. રાત્રે બાલિકાઓએ ‘મહારાજા શ્રેણીક, મહારાણી
ચેલણા અને અભયકુમાર’ નો સુંદર સંવાદ કર્યો હતો. આ રીતે ઘણા ઉલ્લાસપૂર્વક ભગવાનનો
વેદી–પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. આ માટે સુરેન્દ્રનગરના મુમુક્ષુ સંઘને ધન્યવાદ ઘટે છે.
સુરેન્દ્રનગરમાં પૂ. ગુરુદેવ એકંદર સાત દિવસ રહ્યા હતા. છેલ્લે દિવસે જિનમંદિરમાં પૂ.
ગુરુદેવે ભક્તિ ગવડાવી હતી; એક દિવસે “તીર્થધામ સોનગઢ” ની ફિલ્મ પણ બતાવવામાં
આવી હતી. પૂ. ગુરુદેવના પ્રવચનોનો લાભ પણ લોકો ઘણા ઉમંગથી લેતા હતા. વૈશાખ સુદ
ચોથના રોજ સુરેન્દ્રનગરથી વિહાર કરીને લીંબડી અને ચૂડા થઈને પૂ. ગુરુદેવ રાણપુર તરફ
પધાર્યા હતા.
* રાણપુર *
વૈશાખ સુદ દસમના રોજ પૂ. ગુરુદેવ રાણપુર પધાર્યા, ત્યારે ભક્તજનોએ ઘણા
ઉલ્લાસપૂર્વક પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વૈશાખ સુદ ૧૧ થી ૧૩ સુધી
જિનમંદિરમાં મહાવીરાદિ ભગવંતોની વેદી–પ્રતિષ્ઠાનો ઉત્સવ ઊજવાયો હતો. અહીં જિનમંદિર
માટેનું જે વિશાળ મકાન છે તેમાં જ સ્વાધ્યાય મંદિર છે, ત્યાં વેદી–પ્રતિષ્ઠાની વિધિ થઈ હતી.
વૈશાખ સુદ ૧૧ ના રોજ રથયાત્રા કાઢીને શ્રી જિનેન્દ્રભગવાનને વેદી–મંડપમાં બિરાજમાન કર્યા
હતા અને ઝંડારોપણ થયું હતું; તેમજ વેદી–પ્રતિષ્ઠા માટે આચાર્યઅનુજ્ઞા વિધિ થઈ, તેમાં
રાણપુરના મુમુક્ષુ સંઘે વેદી–પ્રતિષ્ઠા ઉત્સવ માટે પૂ. ગુરુદેવની આજ્ઞા લીધી હતી, તેમજ
ગુરુદેવના પ્રતાપે રાણપુરના આંગણે જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો આવો સુઅવસર પ્રાપ્ત
થયો તે માટે પોતાનો ઉલ્લાસ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો; તથા વીસ વિહરમાન
ભગવંતોનું પૂજન તેમજ જિનેન્દ્રઅભિષેક થયો હતો; વૈશાખ સુદ ૧૨ ના રોજ ઈન્દ્રપ્રતિષ્ઠા થઈ
હતી તેમજ જલયાત્રા નીકળી હતી અને યાગમંડલ વિધાન પૂજન થયું હતું; અને જિનમંદિર–
વેદી–કલશ તથા ધ્વજની શુદ્ધિ થઈ હતી, તેમાં મુખ્ય વિધિ પૂજ્ય બેનશ્રીબેનના પવિત્ર હસ્તે
થઈ હતી. વૈશાખ સુદ તેરસના રોજ સવારે પરમ પૂજ્ય ગુરુદેવના મંગલ કરકમલથી
જિનમંદિરમાં જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા થઈ, પ્રતિષ્ઠા પ્રસંગે રાણપુરના ભક્તજનોને ઘણો
ઉલ્લાસ હતો. રાણપુરના જિનમંદિરમાં મૂળનાયક તરીકે મહાવીર ભગવાન બિરાજમાન છે;
તેમની આજુબાજુમાં સીમંધર ભગવાન ને આદિનાથ ભગવાન બિરાજમાન છે, તેમજ શ્રી
પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. આ ઉપરાંત જિન મંદિરમાં સમયસારજી

PDF/HTML Page 20 of 21
single page version

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૬૩ :
પરમાગમની પ્રતિષ્ઠા પણ પરમ પૂ. ગુરુદેવના મંગલ હસ્તે થઈ હતી. ત્યારબાદ શાંતિયજ્ઞ બાદ સાંજે ભક્તિપછી
જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી. હાથી સહિત જિનેન્દ્રદેવ વગેરે અનેક પ્રકારે આ રથયાત્રા શોભતી
હતી, અને પૂ. ગુરુદેવ પણ સાથે પધાર્યા હતા. આ રીતે ભગવાનનો વેદી–પ્રતિષ્ઠા મહોત્સવ ઘણા ઉલ્લાસપૂર્વક
ઊજવાયો હતો. આ માટે રાણપુરના મુમુક્ષુ સંઘને ધન્યવાદ ઘટે છે.
રાણપુરમાં પૂ. ગુરુદેવ એકંદર સાત દિવસ રહ્યા હતા. છેલ્લે દિવસે જિનમંદિરમાં પૂ. ગુરુદેવે ભક્તિ
ગવડાવી હતી. પૂ. ગુરુદેવના પ્રવચનનો લાભ પણ લોકો ઘણા ઉમંગથી લેતા હતા. વૈશાખ વદ બીજના રોજ
રાણપુરથી બોટાદ તરફ પૂ. ગુરુદેવે વિહાર કર્યો હતો.
* બોટાદ *
વૈશાખ વદ ત્રીજના રોજ પૂ. ગુરુદેવ બોટાદ પધાર્યા, ત્યારે ભક્ત જનોએ ઘણા ઉલ્લાસપૂર્વક પૂ. ગુરુદેવનું
સ્વાગત કર્યું હતું. અને વૈશાખ વદ ૫–૬–૭ ના ત્રણ દિવસ સુધી જિનમંદિરમાં શ્રેયાંસનાથ વગેરે ભગવંતોની
વેદી–પ્રતિષ્ઠાનો ઉત્સવ ઊજવાયો હતો. બોટાદનું જિનમંદિર શિખર તેમજ ઘૂમટ સહિત ભવ્ય છે. વેદી–પ્રતિષ્ઠાની
વિધિ જિનમંદિરમાં જ થઈ હતી. વૈશાખ વદ પાંચમના રોજ રથયાત્રા કાઢીને શ્રી જિનેન્દ્ર ભગવાનને વેદી–
મંડપમાં બિરાજમાન કર્યા હતા, અને ઝંડારોપણ થયું હતું; તેમજ વેદી–પ્રતિષ્ઠા માટે આચાર્યઅનુજ્ઞા વિધિ થઈ,
તેમાં બોટાદના મુમુક્ષુસંઘે વેદી–પ્રતિષ્ઠા ઉત્સવ માટે પૂ. ગુરુદેવની આજ્ઞા લીધી હતી, તેમજ ગુરુદેવના પ્રતાપે
બોટાદના આંગણે જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો આવો સુઅવસર પ્રાપ્ત થયો તે માટે પોતાનો ઉલ્લાસ અને
ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો, તેમજ વીસ વિહરમાન ભગવંતોનું પૂજન તેમજ જિનેન્દ્ર અભિષેક થયો હતો.
વૈશાખ વદ છઠ્ઠના રોજ ઈન્દ્ર–પ્રતિષ્ઠા થઈ હતી તેમજ જલયાત્રા નીકળી હતી, અને યાગમંડલ વિધાન પૂજન થયું
હતું. સાંજે જિનમંદિર–વેદી–કલશ અને ધ્વજની શુદ્ધિ થઈ હતી, તેમાં મુખ્યવિધિ પૂજ્ય બેનશ્રીબેનના પવિત્ર હસ્તે
થઈ હતી. વૈશાખ વદ સાતમના રોજ સવારે પરમ પૂજ્ય ગુરુદેવના મંગલ કરકમલથી જિનમંદિરમાં જિનેન્દ્ર
ભગવંતોની પ્રતિષ્ઠા થઈ, પ્રતિષ્ઠા પ્રસંગે બોટાદના ભક્તજનોને ઘણો ઉલ્લાસ હતો. બોટાદના જિનમંદિરમાં
મૂળનાયક તરીકે શ્રી શ્રેયાંસનાથ ભગવાન બિરાજમાન છે; તેમની આજુબાજુમાં શીતલનાથ ભગવાન અને
સીમંધર ભગવાન બિરાજમાન છે, તેમજ શ્રી શાંતિનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે.
જિનમંદિરમાં સમયસારજી પરમાગમની પ્રતિષ્ઠા પણ પૂજ્ય ગુરુદેવના મંગલ હસ્તે થઈ હતી.
બોટાદમાં પૂ. ગુરુદેવ એકંદર છ દિવસ રહ્યા હતા. વૈશાખ વદ આઠમના રોજ સોનગઢમાં સમયસારજી
પરમાગમની પવિત્ર પ્રતિષ્ઠાનો વાર્ષિકોત્સવ હતો તે નિમિત્તે અહીં સમયસારજીની પૂજા થઈ હતી, તેમજ પૂ.
ગુરુદેવે ભક્તિ ગવડાવી હતી. પૂ. ગુરુદેવના પ્રવચનનો લાભ પણ લોકો ઘણા ઉમંગથી લેતા હતા. વૈશાખ વદ ૯
ના રોજ બોટાદથી વિહાર કરીને પૂ. ગુરુદેવ વીંછીયા પધાર્યા છે.
* ઉમરાળા *
વીંછીયા ચાર દિવસ રોકાઈને પરમ પૂજ્ય ગુરુદેવ જન્મધામ ઉમરાળા નગરીમાં પધારશે. જેઠ સુદ બીજે
પૂ. ગુરુદેવ ઉમરાળા પધારશે. અને ત્યાં સુદ બીજ–ત્રીજ–ચોથના રોજ “કહાનગુરુ જન્મધામ”ના ઉપરના
ભાગમાં જિનમંદિરમાં સીમંધર ભગવાનની વેદી–પ્રતિષ્ઠાનો મહોત્સવ ઊજવાશે. ત્યારબાદ જેઠ સુદ પાંચમનો
ઉત્સવ પણ ત્યાં જ થશે. અને જેઠ સુદ છઠ્ઠ ને રવિવાર તા. ૬–૬–૫૪ ના રોજ ઉમરાળાથી વિહાર કરીને
તીર્થધામ સોનગઢમાં પધારશે.
લગભગ સાડાચાર માસના આ વિહાર દરમિયાન પરમ પ્રભાવક કહાનગુરુદેવની મંગલકારી છાયામાં
અનેક મંગલકાર્યો થયા છે અને ઠેરઠેર જૈનશાસનની ઘણી મહાન પ્રભાવના થઈ છે. સૌથી પ્રથમ ઉમરાળામાં
‘ઉજમબા સ્વાધ્યાય–ગૃહ’નું તેમજ ‘જન્મસ્થાન’નું ઉદ્ઘાટન, વડીઆમાં જિનમંદિરનું ઉદ્ઘાટન, ત્યારબાદ
તીર્થધામ ગિરનારજીની સંઘસહિત ઉલ્લાસભરી યાત્રા, ત્યારબાદ પોરબંદર–મોરબી–વાંકાનેર ત્રણ શહેરોમાં
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા, સુરેન્દ્રનગરમાં પાંસઠમો જન્મોત્સવ, અને વઢવાણ–સુરેન્દ્રનગર–રાણપુર–બોટાદ તથા
ઉમરાળામાં વેદી–પ્રતિષ્ઠા, તેમજ બીજા કેટલાક ગામોમાં નૂતન જિનમંદિરો માટેની જાહેરાત–આવા આવા અનેક
મંગલકારી પ્રસંગો દ્વારા જિનેન્દ્ર શાસનની અદ્ભુત પ્રભાવના કરીને (જેઠ સુદ છઠ્ઠના રોજ) પૂ. ગુરુદેવ સોનગઢ
પધારતા હોવાથી સોનગઢમાં વિશિષ્ટ ભક્તિભાવથી પરમ પૂજ્ય ગુરુદેવનું ભવ્ય સ્વાગત કરવાની ભક્તજનોની
ભાવના છે. અહો! પરમ પૂજ્ય ગુરુદેવની પરમ પાવન મંગલછાયા આ કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન શાંતિદાયક
છે, અને તેઓ શ્રીનો પવિત્ર ધર્મપ્રભાવ અનેક સુપાત્ર જીવોનું કલ્યાણ કરી રહ્યો છે; દિનદિન વૃદ્ધિગત થઈ
રહેલો, પૂ. ગુરુદેવનો પરમ પ્રભાવ ભવ્યજીવોનું કલ્યાણ કરો.