Atmadharma magazine - Ank 129
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અગિયારમું, અંક નવમો, અષાઢ, સં. ૨૦૧૦ (વાર્ષિક લવાજમ ૩–૦–૦)
૧૨૯
સ્વતંત્ર... પરિણમન
જગતના દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વગુણ હોવાથી તેનું પરિણમન સ્વતંત્રપણે
થઈ જ રહ્યું છે, કોઈ બીજું દ્રવ્ય તેને પરિણમાવતું નથી, એટલે કે એક વસ્તુ
બીજી વસ્તુનું કિંચિત્ પણ કરી શકતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે
એમ જે માને છે તેણે વસ્તુના દ્રવ્યત્વગુણને જાણ્યો નથી એટલે કે વસ્તુસ્વરૂપ
જાણ્યું નથી. જડ કે ચેતન દરેક પદાર્થમાં સમયે સમયે પોતાના સ્વરૂપથી જ
સ્વતંત્ર પરિણમન થઈ રહ્યું છે. જ્ઞાન હોય તો જ વસ્તુનું પરિણમન થાય એમ
નથી. જડ વસ્તુમાં જ્ઞાન ન હોવા છતાં દ્રવ્યત્વશક્તિને લીધે તે જડ વસ્તુમાં
પણ સમયે સમયે પોતાના કારણે સ્વતંત્ર પરિણમન થઈ જ રહ્યું છે, તેનો
કર્તા કોઈ બીજો નથી.

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૧૬૬ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું
સોનગઢમાં આગમન
[તે પ્રસંગે ભક્તજનોએ કરેલું ભાવભીનું ભવ્ય સ્વાગત]
સૌરાષ્ટ્રમાં વિહાર દરમિયાન અનેક પ્રકારનાં મંગલ કાર્યો દ્વારા મહાન ધર્મપ્રભાવના કરીને, જેઠ સુદ
છઠ્ઠના રોજ પરમ પૂજ્ય ગુરુદેવ સોનગઢ પધાર્યા છે. પૂ. ગુરુદેવના આ વિહાર દરમિયાન ગિરનારજી તીર્થની
મહાન યાત્રા, ત્રણ ઠેકાણે પંચકલ્યાણ પ્રતિષ્ઠા, પાંચ ઠેકાણે વેદી પ્રતિષ્ઠા, તેમજ અનેક સ્થળે નૂતન જિનમંદિરના
નિર્માણની જાહેરાત થઈ, તે ઉપરાંત ગામે ગામે હજારો લોકોની સભામાં વીતરાગી ધર્મની અમૃતવર્ષા થઈ. આમ
ગુરુદેવના પુનિત પ્રતાપે ટૂંકા વખતમાં ઘણી મહાન પ્રભાવના થઈ. ઠેર ઠેર જિનેન્દ્ર ભગવંતોની સ્થાપના અને
અદ્ભુત ધર્મ પ્રભાવનાના મંગલકાર્યો કરીને જેઠ સુદ છઠ્ઠના રોજ પૂ. ગુરુદેવ તીર્થધામ સોનગઢ પધાર્યા ત્યારે
ભક્તજનોએ ઘણા જ ઉલ્લાસથી અંતરના ઉમળકા પૂર્વક ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સ્વાગત–મહોત્સવમાં ભાગ
લેવા માટે ગામેગામથી ભક્તજનો આવ્યા હતા, અને સુવર્ણનગરીને ખૂબ શણગારી હતી. ગુરુદેવ પધારતાં
આખી નગરીની શોભા પલટી ગઈ હતી ને ચારે કોર પ્રસન્નતાનું વાતાવરણ છવાઈ ગયું હતું. ગુરુદેવ પધારતાં
જ ભક્તજનોએ ચારે બાજુથી પુષ્પવૃષ્ટિ કરીને ગુરુદેવને ભક્તિથી વધાવ્યા હતા, સ્વાગત દરમિયાન આખે રસ્તે
હાથી ઉપરથી ભક્તજનો પુષ્પવૃષ્ટિ કરતા હતા. દૂરથી માનસ્તંભનાં દર્શન થતાં જ ગુરુદેવે ભાવપૂર્વક વંદન કર્યા
હતા; પછી સીમંધરનાથ ભગવાનને ભેટતાં ગુરુદેવે ભક્તિપૂર્વક રત્નવૃષ્ટિથી ભગવાનને વધાવ્યા હતા. સીમંધર
ભગવાન અને તેમના લઘુનંદન ગુરુદેવના મિલનનું આવું ભક્તિ ભર્યું દ્રશ્ય જોઈને ચારે બાજુથી આનંદના
હર્ષનાદપૂર્વક ભક્તજનો વધાવતા હતા. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવે સ્વાધ્યાય મંદિરમાં પુનીત પ્રવેશ કર્યો ત્યારે
ભક્તજનોએ ઘણા ઉલ્લાસપૂર્વક રત્નવૃષ્ટિ કરીને ગુરુદેવને વધાવ્યા હતા. ગુરુદેવ પધારતાં આજે સ્વાધ્યાય
મંદિરની શોભા કોઈ જુદી જ જાતની લાગતી હતી. આ પ્રસંગે પૂ. ગુરુદેવના સ્વાગતની હૈયાની ઉર્મિઓ વ્યક્ત
કરતાં સમસ્ત ભક્તજનોની વતી ભાઈ શ્રી. હિંમતલાલભાઈએ કહ્યું હતું કે : હે પરમ કૃપાળુ ગુરુદેવ! સૌરાષ્ટ્રમાં
વિહાર દરમિયાન ઠેકાણે ઠેકાણે જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા અને જૈનધર્મની મહા પ્રભાવના કરીને આપ પુન:
સોનગઢ પધારો છો, આપના પુનિત પગલાંથી સોનગઢ ભૂમિ ફરી ગઈ છે, આખું વાતાવરણ ફરી ગયું છે, અમે
સૌ હૃદયની ઉર્મિથી આપનું સ્વાગત કરીએ છીએ, અને ભક્તિપૂર્વક આપને વધાવીએ છીએ. હે ગુરુદેવ! હવે
આપ શાશ્વતપણે અહીં બિરાજો અને અમ મુમુક્ષુઓનાં હૃદયમંદિરમાં જિનપ્રતિષ્ઠા કરાવો... નિજ પ્રતિષ્ઠા
કરાવો... આપ અમારા આત્મામાં સાચી જિનપ્રતિષ્ઠા કરાવો અને અમારા અનાદિના ભવભ્રમણનો અંત આવે
એ અમારી ભાવના પૂરી કરો. (ઈત્યાદિ)
ત્યારબાદ પરમ પૂજ્ય ગુરુદેવે માંગળિક સંભળાવ્યું હતું, તેમાં કહ્યું હતું કે : ભગવાન આત્મા પોતે મંગળ
છે, આત્માના સ્વભાવમાંથી સમ્યગ્દર્શનાદિ જે નિર્મળદશા પ્રગટી તે માંગળિક છે, આ મંગળ સાદિ અનંતકાળ
ટકી રહે છે. કેવળજ્ઞાન પામવાની તાકાત આત્મામાં છે, કેવળજ્ઞાન પામવાની લાયકાતવાળો આત્મા પોતે ત્રિકાળ
મંગળરૂપ છે. આત્મામાંથી કેવળજ્ઞાનાદિ દશા પ્રગટી તે સાદિ અનંતકાળ ટકી રહે છે. આત્માની અશુદ્ધદશા તે
સંસાર છે, તે અમંગળ અને નાશવંત છે, અનાદિના સંસારનો અંત આવી જાય છે, પણ જે નિર્મળ મોક્ષદશા
પ્રગટી તેનો કદી અંત આવતો નથી, આ રીતે આત્માના સ્વભાવમાંથી નિર્મળ દશા પ્રગટ કરવી તે શાશ્વત
માંગળિક છે. જે નિર્મળદશા પ્રગટી તે આત્મા સાથે અભેદ રહે છે તેથી તે આત્મા પણ માંગળિક છે.
માંગળિક બાદ પૂ. બેનશ્રીબેને સ્વાગત ગીત ગવડાવ્યું હતું. આ રીતે સોનગઢમાં પૂ. ગુરુદેવના
સ્વાગતનો ભવ્ય ઉત્સવ થયો હતો.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૬૭ :
* ધર્મની દુર્લભતા *
પુણ્ય–પાપની વાત જીવને સુલભ લાગે છે; પણ પુણ્ય–
પાપથી પેલે પાર કંઈક ચીજ છે––એ વાત અનાદિથી જીવને
લક્ષમાં આવી નથી. પુણ્ય–પાપથી પાર જ્ઞાનાનંદ સ્વભાવની
સન્મુખ થઈને તેની નિર્વિકલ્પ પ્રતીતિ પૂર્વે અનંતકાળમાં એક
ક્ષણ પણ જીવે કરી નથી તેથી તે દુર્લભ છે.
આ નિશ્ચયપંચાશત અધિકાર છે એટલે આત્માનું પરમાર્થ સ્વરૂપ શું છે તેનું આમાં વર્ણન છે. અનંતકાળમાં
જીવ શું નથી સમજ્યો તેની આ વાત છે. જીવે અનંતકાળથી બીજું બધું સાંભળ્‌યું છે અને અનુભવ્યું છે પણ
આત્માનું વાસ્તવિક ચિદાનંદ સ્વરૂપ શું છે તે કદી સાંભળ્‌યું પણ નથી. તેથી શાસ્ત્રકાર કહે છે કે––
श्रुतपरिचितानुभूतं सर्वं सर्वस्य जन्मने सुचिरम्।
न तु मुक्तयेऽत्र सुलमा शुद्धात्मज्योतिरूपलब्धिः।।
આત્માના સ્વભાવની ઉપલબ્ધિ સિવાય બીજું બધું જીવોને સુલભ છે. શુદ્ધાત્માને ભૂલીને વિષય–
કષાયની વાત તો જીવે અનંતવાર સાંભળી છે ને અનુભવી છે, પણ તે તો સંસારનું કારણ છે. શુદ્ધાત્માની
ઉપલબ્ધિ કે જે મોક્ષનું કારણ છે તે જ જીવને દુર્લભ છે.
પુણ્ય–પાપની વાત જીવે પૂર્વે સાંભળી છે અને તે પુણ્ય–પાપનો અભ્યાસ પણ અનાદિથી કર્યો છે પણ
પુણ્યપાપથી પાર ચિદાનંદ સ્વરૂપ આત્મા શું ચીજ છે તે કદી લક્ષમાં લીધું નથી તેથી તે દુર્લભ છે. લક્ષ્મી કેમ મળે,
સ્વર્ગ કેમ મળે? એવી બંધકથા જીવોએ અનાદિથી સાંભળી છે, પણ મારું સ્વરૂપ પુણ્ય–પાપ રહિત નિર્દોષ
ચિદાનંદ છે એવી અબંધ આત્માની વાત યથાર્થ લક્ષપૂર્વક કદી સાંભળી નથી. લક્ષ્મી વગેરે મળે ત્યાં અજ્ઞાની
એમ માને છે કે પૂર્વે ધર્મ કર્યો હશે તેનું આ ફળ છે. પણ ભાઈ! એ ધર્મનું ફળ નથી, લક્ષ્મી વગેરે સામગ્રી મળે
તે તો પૂર્વના પુણ્યનું ફળ છે, અને ધર્મ તો જુદી ચીજ છે. પુણ્ય અને ધર્મ એ બંને જુદી ચીજ છે. એ વાત જીવોને
લક્ષમાં આવતી નથી. પુણ્યની રુચિ જીવને અનાદિથી છે એટલે પુણ્યની વાત તો અનાદિથી સાંભળી છે તેથી તે
સુલભ છે, પણ પુણ્ય તો રાગ છે, તે રાગથી પાર આત્માનું પરમાર્થસ્વરૂપ શું છે તેની કદી રુચિ જીવે કરી નથી,
ને તેનું શ્રવણ પણ જીવોને દુર્લભ છે. આત્માને જેનાથી બંધન થાય એવી વાત જીવે પૂર્વે અનંતવાર સાંભળી છે–
અનુભવી પણ છે; પરંતુ જેના અનુભવથી મુક્તિ થાય એવી શુદ્ધઆત્માની વાત જીવે પૂર્વે કદી સાંભળી નથી–
અનુભવી નથી. પુણ્ય–પાપના ભાવો થાય તેમાં આકુળતા છે–દુઃખ છે, અને તે વિનાનું આત્માનું સ્વરૂપ શુદ્ધ
સિદ્ધ સમાન છે એવા આત્માને લક્ષમાં લેવો તે અપૂર્વ છે. સમયસારની ચોથી ગાથામાં જે વાત કરી છે તે વાત
અહીં છઠ્ઠા શ્લોકમાં કરે છે.
જુઓ, આજે અહીં જિનમંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠાનો મંગલ દિવસ છે ને આ શ્લોકમાં શુદ્ધ આત્માની
અલૌકિક વાત આવી છે. આત્માનું વાસ્તવિક શુદ્ધસ્વરૂપ શું છે તેને ભૂલીને પુણ્ય–પાપની વાત જીવે પૂર્વે સાંભળી છે,
પણ અંતરમાં દેહથી ભિન્ન ને પુણ્ય–પાપથી પાર જ્ઞાનાનંદ સ્વરૂપ હું છું––એવું સમ્યક્ભાન કરે તો ધર્મ થાય. શરીર
તો જડ છે, આત્મા તેનાથી ભિન્ન ચીજ છે. હાથીનું શરીર ઘણું મોટું છે છતાં તેની બુદ્ધિ ઓછી છે, ને મનુષ્યનું શરીર
નાનું હોવા છતાં બુદ્ધિ વધારે હોય છે આવું દેખાય છે. જો શરીર અને આત્મા એક હોય તો મોટા શરીરવાળાને
વધારે બુદ્ધિ હોવી જોઈએ, ને નાના શરીરવાળાને ઓછી બુદ્ધિ હોવી જોઈએ. પણ એવો મેળ દેખાતો નથી. માટે
ભગવાન આત્મા દેહથી પાર જ્ઞાનાનંદ સ્વરૂપ છે. અને પુણ્ય–પાપ પણ તેનું વાસ્તવિક સ્વરૂપ નથી. ચૈતન્યતત્ત્વ
દેહ–મન–વાણીથી પાર છે, રાગથી પણ પાર છે. આવા ચૈતન્યતત્ત્વની વાર્તા જીવે રુચિપૂર્વક સાંભળી નથી. પુણ્ય
અનંતવાર કર્યાં ને સ્વર્ગમાં પણ અનંતવાર ગયો; પણ જ્ઞાનતત્ત્વના લક્ષ વગર આત્માની શાંતિ જરાપણ મળી નહિ.
બહારના સંયોગો જીવને સુખ કે દુઃખ આપતા નથી. સંયોગથી પાર, સિદ્ધસમાન આત્મા અંતરમાં છે તેની સન્મુખ
થઈને તેની પ્રતીત કર, તો તને સમ્યગ્દર્શન થશે અને આત્માના અતીન્દ્રિય સુખનો અનુભવ થશે આ સિવાય શુભ
રાગ થાય તે કંઈ તારા સુખનો ઉપાય નથી. ધર્મીને શુભરાગ થાય ખરો, ભગવાનની

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૬૮ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
ભકિત–પૂજા–પ્રભાવના વગેરેનો ભાવ થાય, પણ ત્યાં ધર્મી જાણે છે કે આ રાગ તે મારા ધર્મનું સાધન નથી.
પહેલાં સાચી શ્રદ્ધા કરવી જોઈએ. ધર્મ શું ચીજ છે તેનું લક્ષ જીવે કદી કર્યું નથી, ને પુણ્યને જ ધર્મ માનીને
સંસારમાં રખડયો છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ જે જીવ સમજે તેને તે સમજાવનારા દેવ–ગુરુ પ્રત્યે પ્રમોદ અને
ભકિતનો ઉમંગ આવ્યા વિના રહે નહિ. પૂર્વે શુદ્ધઆત્માને કદી લક્ષમાં લીધો નથી તેથી ખરેખર તેની વાત
સાંભળી જ નથી––એમ શાસ્ત્રકાર કહે છે. પુણ્ય કરીને અનંતવાર સ્વર્ગમાં ગયો, પણ આત્મા અતીન્દ્રિય
આનંદનો સાગર છે તે પુણ્ય–પાપથી પાર છે, તેને એક ક્ષણ પણ રુચિમાં લીધો નથી. જેમ લીંડીપીપરના દાણે
દાણે તીખાશ ભરી છે, ને ચણાના દાણે દાણે મીઠાશ ભરી છે, તેમ એકેક આત્માના સ્વભાવમાં સર્વજ્ઞતા અને
પરિપૂર્ણ આનંદનું સામર્થ્ય ભર્યું છે. આવા આત્માની એકવાર પણ પ્રતીત કરે તો અપૂર્વ સમ્યગ્દર્શન થાય. જેમ
પર્વત પર વીજળી પડે ને તેના કટકા થઈ જાય પછી તે રેણથી સંધાય નહિ; તેમ આત્માનું યથાર્થ ભાન કરીને
એક સેકંડ પણ સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને અનંતભવનો નાશ થઈ જાય, ને અલ્પકાળમાં તેની મુક્તિ થઈ જાય,
પછી તેને ફરીને અવતાર રહે નહિ, અહો! સમ્યગ્દર્શન શું ચીજ છે તે વાત જીવોને ખ્યાલમાં પણ આવી નથી.
સમ્યગ્દર્શન થયું ત્યાં સિદ્ધ ભગવાન જેવા અતીન્દ્રિય આનંદનું અંતરમાં વેદન થાય છે, આત્મામાંથી શાંતિના
અપૂર્વ ઓડકાર આવે છે. આવા સમ્યગ્દર્શન વગર શુભભાવ કરીને પુણ્ય બાંધે, પણ ધર્મ ન થાય. પુણ્યના
પરિણામ થાય તેમાં આત્માના ગુણ દાઝે છે. તે પુણ્યના ફળમાં લક્ષ્મી વગેરે મળી છે, તે લક્ષ્મીને જે જીવ પાપમાં
જ ખર્ચે છે પણ ભગવાનની ભક્તિ–ધર્મ–પ્રભાવના વગેરે શુભમાં વાપરવાનો ભાવ કરતો નથી, તેવા જીવને
માટે કાગડાનો દાખલો આપીને પદ્મનંદી પંચવિંશતિના દાનઅધિકારમાં સમજાવે છે કે : અરે ભાઈ! કાગડાને
બળેલી ખીચડી મળે ત્યાં તે પણ “કો.. કો..” કરીને બીજા કાગડાને ભેગા કરે છે; તો પૂર્વે તારા ગુણ દાઝ્યા
ત્યારે પુણ્ય થયા, અને તે પુણ્યના ફળમાં તને આ લક્ષ્મીનો સંયોગ મળ્‌યો, તો અત્યારે કાંઈક દયા–દાનાદિના
કાર્યમાં ન વાપર ને એકલા પાપભાવ જ કર, તો કાગડા કરતાંય તું ગયો!! આવો શુભરાગનો ઉપદેશ પણ
શાસ્ત્રમાં આવે; ત્યાં પાપથી છોડાવવા માટે તે ઉપદેશ છે પણ તે પુણ્યભાવ કરવાથી તને ધર્મ થઈ જશે એવો
તેનો આશય નથી. મુક્તિ તો આત્માના ચિદાનંદ સ્વભાવની પ્રતીત અને એકાગ્રતા કરે તો જ થાય. આવા
જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની શ્રદ્ધા અને ઓળખાણ વગર શુભરાગ કરીને તેને સામાયિક ને પ્રતિક્રમણરૂપ ધર્મ
માને તે ભ્રમણા છે. ભાઈ! આત્માનું જ્ઞાનાનંદ સ્વરૂપ રાગથી પાર છે, તેનું સમ્યક્ ભાન કર્યા પછી તેમાં
એકાગ્રતા થતાં રાગ ટળી જાય તેનું નામ સામાયિક અને પ્રતિક્રમણરૂપ ધર્મ છે. હજી અનાદિના મિથ્યાત્વનું
પ્રતિક્રમણ કેમ થાય તેની આ વાત છે. પહેલાંં આત્માનું સમ્યગ્જ્ઞાન કરીને મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરે, તેના વિના
ધર્મની શરૂઆત કદી થતી નથી પુણ્ય અને પાપથી પેલેપાર કંઈક ચીજ છે તે વાત જીવને અનાદિથી લક્ષમાં આવી
નથી. બહારમાં શરીરની ક્રિયા થાય તે તો જડ છે, તેમાં તો ધર્મ નથી, અને અંદર શુભપરિણામ થાય તે પણ
ધર્મનું કારણ નથી. અંતરમાં મારું જ્ઞાનાનંદ સ્વરૂપ દેહથી ને પુણ્યથી પાર છે તેની સન્મુખ થઈને સમ્યક્પ્રતીતિ
કરવી તે પ્રથમ ધર્મ છે. આવા ધર્મનું ભાન હોવા છતાં સમ્યકદ્રષ્ટિ ધર્માત્માને ભગવાનની ભક્તિ, પૂજા, પ્રતિષ્ઠા
વગેરેનો ભાવ આવે છે. અત્યારે મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા સાક્ષાત્ તીર્થંકરપણે બિરાજે છે, ત્યાં લાખો
કેવળી ભગવંતો અને સંતો બિરાજે છે, સમકિતી જીવો ત્યાં અનેક છે; ઈન્દ્રો આવીને સમવસરણમાં ભગવાનની
ભક્તિ કરે છે. ઈન્દ્ર સમકિતી છે, આત્માનું ભાન છે ને એકાવતારી છે, પણ જ્યાં તીર્થંકર ભગવાનનો જન્મ થાય
ત્યાં હાથમાં તેડીને ભગવાનના દિવ્યરૂપને ભક્તિથી એક હજાર નેત્રોથી નીરખે છે, અહો, ભગવાન થવા માટેનો
આ અવતાર છે, આ ચરમશરીરી અવતાર છે, ભગવાન આ અવતારમાં જ આત્માના પૂર્ણાનંદને સાધીને જન્મ–
મરણનો નાશ કરશે, આવો ભક્તિભાવ ઈન્દ્રને પણ આવે છે ને ભક્તિથી ભગવાન પાસે થનગન નાચે છે. પણ
તે વખતેય અંતરમાં ભાન છે કે આ રાગથી પાર મારું ચિદાનંદ સ્વરૂપ છે, તેના જ અવલંબને મારી મુક્તિ છે.
સર્વજ્ઞ ભગવાન અને સાચા ગુરુ પ્રત્યે જેને ભક્તિ અને બહુમાનનો ભાવ ન આવે તે તો સ્વચ્છંદમાં પડેલા છે,
અને એવો શુભભાવ આવે તેને જ ધર્મ માનીને રોકાઈ જાય તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. આત્માનું જ્ઞાનાનંદ સ્વરૂપ
તે રાગથી પાર છે, તે જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ થઈને તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવી તે અપૂર્વ ધર્મ છે; એવી
પ્રતીતિ જીવે પૂર્વે અનંતકાળમાં એક ક્ષણ પણ કરી નથી તેથી તે દુર્લભ છે. માટે સત્સમાગમે યથાર્થ શ્રવણ મનન
કરીને, આત્માના શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપની અપૂર્વ ઓળખાણ અને પ્રતીતિ કરવી તે ધર્મ છે.
[રાણપુરમાં ભગવાનની વેદી–પ્રતિષ્ઠાપ્રસંગે પૂ. ગુરુદેવનું પ્રવચન. વીર સં. ૨૪૮૦, વૈશાખ સુદ ૧૩]
*

PDF/HTML Page 6 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૬૯ :
જિજ્ઞાસુની વિચારણા
અજ્ઞાનભાવને લીધે અનાદિકાળથી આ આત્મા ભવસાગરમાં રખડી
રહ્યો છે. અરે જીવ! તું વિચાર તો કર કે હવે આ સંસાર પરિભ્રમણ કેમ મટે?
અંતરમાં જે વાસ્તવિક સાધન છે તેને ભૂલીને બહારનાં બીજા સાધન કર્યા,
પણ તેનાથી ભવભ્રમણનો અંત ન આવ્યો. ગુરુગમે પાત્ર થઈને પોતાના
જ્ઞાનસ્વભાવને ઓળખી તેમાં અંર્તદ્રષ્ટિ કરતાં અપૂર્વ અતીન્દ્રિય આનંદ
પ્રગટે છે ને ભવભ્રમણનો અંત આવે છે.
તત્ત્વજ્ઞાનતરંગિણીનો પાંચમો અધ્યાય વંચાય છે, તેના અગિયારમાં શ્લોકમાં કહે છે કે––
शौचसंयमशीलानि दुर्घराणि तपांसि च।
शुद्धचिद्रूपसद्ध्यानमंतराधृतवाहनम्।।
જેને આત્માનું હિત કરવાની જિજ્ઞાસા છે એવો જીવ અંતરમાં વિચારે છે કે મેં મનુષ્ય અવતાર પામીને
શુદ્ધઆત્માના ભાન વગર પૂર્વે અનંતવાર શુભભાવથી શીલ અને સંયમ પાળ્‌યા, દુર્ધર તપ કર્યા, –પણ તેનાથી
મારા ભવનો આરો આવ્યો નહિ.
જિજ્ઞાસુ જીવ વિચારે છે કે અરે, મારો આત્મા અનાદિકાળથી આ ભવસાગરમાં રખડી રહ્યો છે, અજ્ઞાનને
લીધે ભાવમરણ કરી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ વર્ષની વયે કહે છે કે ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો!
રાચી રહો? ’ આત્માની ઓળખાણ વિના, બહારમાં મારું સુખ છે એવી મિથ્યા માન્યતાને લીધે જીવ ક્ષણે ક્ષણે
ભાવમરણે મરી રહ્યો છે, તેમાં જ રાચી રહ્યો છે. વિચાર પણ કરતો નથી કે આ સંસાર પરિભ્રમણ હવે કેમ મટે?
આવું મનુષ્યપણું મળ્‌યું, સત્સમાગમ મળ્‌યો, તો હવે મારું ભવભ્રમણ કેમ અટકે? તેનો વિચાર તો કર.
‘બહુ પુણ્ય કેરા પૂંજથી શુભદેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહીં એકે ટળ્‌યો.
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?’
પૂર્વના પુણ્યથી આવો મનુષ્ય અવતાર મળ્‌યો, તો હવે ભવભ્રમણ કેમ મટે તેનો એક ક્ષણ અંતરમાં
વિચાર તો કરો.
‘હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં,
તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.
અરે, આ દેહનો સંયોગ તો ક્ષણિક છે, તે અલ્પકાળમાં છૂટી જશે; દેહથી ભિન્ન મારો આત્મા શું ચીજ છે? મારું
સ્વરૂપ શું છે? એનું અંતરમાં લક્ષ તો કરો. આત્માનું વાસ્તવિક જ્ઞાનાનંદ સ્વરૂપ શું છે. તેનો વિચાર કરીને ઓળખાણ
કરો. આત્મા આ શરીરથી જુદો જ્ઞાનાનંદ સ્વરૂપ છે, સર્વજ્ઞ થવાની તાકાત તેનામાં ભરી છે. જેઓ સર્વજ્ઞ થયા તેઓ
ક્યાંથી થયા? બહારમાંથી સર્વજ્ઞતા આવી નથી પણ અંતરમાં જ્ઞાન સ્વભાવનું પરિપૂર્ણ સામર્થ્ય ભર્યું છે તેમાં
એકાગ્રતા કરતાં સર્વજ્ઞતા પ્રગટે છે, અંતરમાં શક્તિ ભરી છે તેમાંથી જ પ્રગટે છે. શરીર–મન–વાણી વગેરે જડ છે, તે
તો હું નહિ, ને અંતરમાં શુભ–અશુભ વૃત્તિઓ ઊઠે તે પણ મારું વાસ્તવિક સ્વરૂપ નથી, તેમજ વર્તમાનમાં જ્ઞાનનો
અલ્પવિકાસ છે, તે અલ્પજ્ઞતા જેટલો પણ હું નથી, અલ્પજ્ઞતા વખતે પણ મારામાં પરિપૂર્ણ જ્ઞાન સામર્થ્ય વિદ્યમાન છે;
આવા પોતાના પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવની પ્રતીત કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે અપૂર્વ ધર્મ છે.
જુઓ, ધર્મ અપૂર્વ ચીજ છે, અનંતકાળમાં એક સેકંડ પણ ધર્મ કર્યો નથી, તો તેનું સ્વરૂપ શું હશે તે
સમજવું જોઈએ. અજ્ઞાનીઓ બાહ્ય સાધનથી આત્માનો ધર્મ થવાનું મનાવે છે, ત્યાં પરીક્ષા કરીને જાતે નિર્ણય
કરવો જોઈએ. કોઈ આવીને કહે કે “મેં તારા બાપને પચીસ હજાર રૂપિયા આપ્યા હતા તે લાવ.” તો ત્યાં નક્કી
કર્યા વગર એમ ને એમ માની લેતો નથી. તો ધર્મ શું ચીજ

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૭૦ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
છે તેનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. એક ક્ષણ પણ જેનું સેવન કરવાથી અનંત કાળનું ભવભ્રમણ ટળી
જાય એવા ધર્મનું સ્વરૂપ શું છે તે કદી સમજ્યો નથી. ધર્મના ભાન વગર પાપ અને પુણ્ય કરીને જીવ ચારે
ગતિમાં રઝળી રહ્યો છે. મહાપાપ કરીને નરકમાં પણ અનંતવાર ગયો છે ને પુણ્ય કરીને સ્વર્ગમાં પણ
અનંતવાર ગયો છે; આડોડાઈ કરીને ઢોર પણ અનંતવાર થયો ને સરળતા કરીને મનુષ્ય અવતાર પણ
અનંતવાર પામ્યો; પણ મારો આત્મા શું ચીજ છે એનું ભાન કદી એક ક્ષણ પણ કર્યું નથી. મારો ધર્મ મારા
આત્માના અવલંબને છે, બહારના અવલંબને મારો ધર્મ નથી આવું એકવાર પણ ભાન કરે તો ભવનો
નાશ થયા વિના રહે નહિ. કાચો ચણો વાવો તો ઊગે ને ખાવ તો તૂરો લાગે, પણ તે સેકાતાં ઊગતો નથી
ને સ્વાદમાં મીઠો લાગે છે; તે મીઠાશ ક્યાંથી આવી? ચણાના સ્વભામાં જ તે મીઠાશ હતી, તે જ પ્રગટી છે.
તેમ આત્મા અજ્ઞાનભાવરૂપી કચાશને લીધે ચાર ગતિના જન્મ–મરણમાં ઊગે છે ને આકુળતારૂપી તૂરા
સ્વાદને ભોગવે છે; પણ અંતરમાં જ્ઞાનાનંદ સ્વરૂપી પરમ સત્યનો સ્વીકાર કરતાં જન્મ–મરણરૂપી ઝાડ
ઊગતું નથી ને અંતરના અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રગટે છે. તે આનંદ ક્યાંથી આવ્યો? અંતરના
સ્વભાવમાં પૂર્ણ આનંદની તાકાત ભરી છે તે જ વ્યક્ત થાય છે. બહારના સંયોગમાંથી તે આનંદ નથી
આવ્યો, પણ સ્વભાવમાં જે આનંદ શક્તિરૂપે હતો તેમાં એકાગ્ર થતાં તે વ્યક્ત થયો છે. જેવો સિદ્ધ
ભગવાનનો આનંદ છે તેવો જ આનંદ દરેક આત્મામાં શક્તિરૂપે ભર્યો છે, તેનો અંતરમાં વિશ્વાસ કરીને
તેમાં એકાગ્રતા કરતાં તે આનંદનો અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે.
અંતરમાં આત્માનું ભાન કરીને અતીન્દ્રિય આનંદનો અંશે અનુભવ તિર્યંચ પણ કરી શકે છે,
સાતમી નરકના નારકી પણ અંર્તસ્વભાવની દ્રષ્ટિ કરીને અપૂર્વ સમ્યગ્દર્શન પામે છે ને અતીન્દ્રિય આત્મ–
શાંતિના અંશનું વેદન કરે છે. કોઈ સંયોગમાં આત્માની શાંતિ નથી, ને પુણ્યના પરિણામ કરે તેમાં પણ
આત્માની શાંતિ નથી, શાંતિનો સમુદ્ર ભગવાન આત્મા છે, તેમાં ડુબકી મારતાં શાંતિનો અનુભવ પ્રગટે છે.
બહારમાં પૈસા મળવા, આબરૂ મળવી તે તો પૂર્વના પ્રારબ્ધથી મળી જાય છે, પણ ધર્મ તો વર્તમાન અપૂર્વ
પ્રયત્નથી થાય છે, અંતરમાં સ્વભાવના પ્રયત્ન વગર ધર્મ થાય નહિ. સંયોગ આવે કે જાય તેમાં જીવનું
વર્તમાન ડહાપણ કે પ્રયત્ન કામ આવે નહિ, જીવ રાગ–દ્વેષ કરે–ઈચ્છા કરે, પણ પરનું કામ કરી શકે નહિ.
અને સંયોગથી પાર ચિદાનંદ સ્વભાવનું ભાન પોતાના સમ્યક્ પ્રયત્નથી થાય છે. ભાઈ! તારી ઈચ્છાનો
પ્રયત્ન આ શરીર ઉપર પણ ચાલતો નથી, તારી ઈચ્છા પ્રમાણે શરીરની અવસ્થા રહેતી નથી. અને પુણ્યની
કે પાપની લાગણી થાય તે ક્ષણિક છે, તે ક્ષણે ક્ષણે નવી નવી થાય છે ને નાશ પામી જાય છે, આત્માના
સ્વરૂપ સાથે તે કાયમ રહેતી નથી; તેનું જ્ઞાન રહે છે પણ તે લાગણીઓ રહેતી નથી. માટે તે પુણ્ય–પાપની
લાગણી રહિત જ્ઞાન સ્વરૂપ છે તેની ઓળખાણ કરવી જોઈએ. અહો! સમ્યગ્દર્શન તરફની દિશા શું છે તેની
પણ જગતને ખબર નથી અને બહારના ઉપાયો માને છે. ભાઈ! તારા આત્મામાં પૂર્ણ જ્ઞાન અને આનંદની
તાકાત પડી છે, તારી પ્રભુતા તારામાં ભરી છે તેનું લક્ષ કરીને પ્રતીત કરતાં આત્મામાંથી અતીન્દ્રિય
આનંદનો ઓડકાર આવે એનું નામ ધર્મ છે. આવા આત્માની અંર્તદ્રષ્ટિ વગર બહારથી ધર્મ માનીને
શુક્લલેશ્યાના શુભ પરિણામ પણ તે અનંતવાર કર્યા, પણ લેશમાત્ર ધર્મ ન થયો. આત્મજ્ઞાન વગર
દ્રવ્યસંયમ લીધા, શુભરાગથી પંચમહાવ્રત પાળ્‌યા, પણ આત્માના લક્ષ વગર તારા ભવ અટવીના આરા ન
આવ્યા. ગુરુગમે આત્માના બોધ વગર સ્વચ્છંદે બીજા સાધન અનંતવાર કર્યા, પણ હજી સુધી જરાપણ
કલ્યાણ થયું નહિ. કેમ કલ્યાણ ન થયું? કારણ કે મૂળ સાધન બાકી રહી ગયું. અંતરમાં જે વાસ્તવિક
સાધન છે તેને ઓળખ્યા વગર બહારના સાધન કર્યા પણ તેનાથી ભવભ્રમણનો અંત ન આવ્યો. ગુરુગમે
પાત્ર થઈને પોતાના જ્ઞાન સ્વભાવને ઓળખી તેમાં અંર્તદ્રષ્ટિ કરતાં અપૂર્વ અતીન્દ્રિય આનંદ પ્રગટે છે ને
ભવભ્રમણનો અંત આવે છે.
[ચૂડા ગામમાં પરમ પૂજ્ય ગુરુદેવનું પ્રવચન, વીર સં. ૨૪૮૦, વૈશાખ સુદ ૯]

PDF/HTML Page 8 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૭૧ :
* આત્માનો
અતીન્દ્રિય આનંદ *
જે જીવ ધર્મી–નામ ધરાવે છે પણ ધર્મપ્રસંગમાં જેને ઉલ્લાસ
નથી આવતો, તે જીવ ધર્મી નથી પણ માયાચારી છે.
* વીર સં. ૨૪૮૦, વૈશાખ વદ સાતમના રોજ બોટાદ શહેરમાં
ભગવાનની વેદી–પ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવનું પ્રવચન. *
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેનો નિર્ણય કરવો તે આનંદદાયક છે. આત્માના
શાંતસ્વરૂપના નિર્ણય વિના અનંતકાળ સંસારભ્રમણમાં વીતી ગયો. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં
મારું સુખ છે એવું અંતરલક્ષ કર્યા વગર પુણ્ય–પાપ અનંતવાર કર્યા, પણ તેમાં આત્માનો
આનંદ ન આવ્યો. ધર્મ કરે અને આત્માનો અતીન્દ્રિય આનંદ ન પ્રગટે એમ બને નહિ આત્મા
સુખને ચાહે છે પણ તે સુખ ક્યાં છે તેનો તે નિર્ણય કરતો નથી. સુખ પોતાનો સ્વભાવ છે તેને
ભૂલીને બહારમાં સુખ માને છે. જેમ કસ્તૂરી મૃગની ડૂંટીમાં સુગંધ ભરી છે પણ તેને પોતાનો
વિશ્વાસ નથી તેથી બહારમાં દોડે છે; તેમ ભગવાન આત્મા પોતે અતીન્દ્રિય આનંદ સ્વભાવથી
ભરેલો છે, પણ તેને ભૂલીને બહારમાં સુખ છે એમ માને છે તેથી બહારમાં ભટકે છે. ધર્મ કહો
કે અતીન્દ્રિય આનંદ કહો. ધર્મ એટલે ચૈતન્યમૂર્તિ આત્માની પ્રતીત કરીને તેમાં એકાગ્રતા કરતાં
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. એ સિવાય ક્યાંય સંયોગમાં કે પુણ્ય–પાપમાં આત્માનો
આનંદ નથી. ધર્મના જિજ્ઞાસુને સાચા દેવ–ગુરુ–ધર્મની ભક્તિ અને બહુમાનનો શુભભાવ આવે,
પણ મારું સુખ અને ધર્મ તો આત્માના સ્વભાવના અવલંબને છે એવી દ્રષ્ટિની શૂરતા તે ચૂકે
નહિ. ધર્માત્માને ધર્મની પ્રભાવનાનો ભાવ આવ્યા વિના રહે નહિ, પણ તે ભાવ પરને કારણે
થયો નથી. જેમ લૌકિક પ્રસંગમાં લક્ષ્મી વગેરે વાપરવાનો ભાવ આવે છે તેમ ધર્મની
પ્રભાવનાના પ્રસંગમાં લક્ષ્મી વગેરે વાપરવાનો ભાવ જેને નથી આવતો અને તેમાં આળસ કરે
છે, ને ધર્મીપણાનું નામ ધરાવે છે તો તે ખરેખર ધર્મી નથી પણ માયાચારી છે. હજાર વર્ષ
પહેલાંં પદ્મનંદી મુનિરાજ દિગંબર સંત થયા, તેઓ આત્માના આનંદકુંડમાં ઝૂલતા હતા, તેઓ
પદ્મનંદીપંચવિંશતિના દાનઅધિકારમાં કહે છે કે––
मन्दायते य इह दानविघौ घनेऽपि
सत्यात्मनो बदति धार्मिकताञ्च यत्तत्।
माया हृदि स्फुरति सा मनुजस्य तस्य
या जायते तडिदमुत्र सुखाचलेषु।।३१।।
“जो मनुष्य घन के होते भी दान देने में आलस करता है तथा अपने को धर्मात्मा
कहता है वह मनुष्य मायाचारी है अर्थात् उस मनुष्य के हृदय में कपट भरा हुआ है तथा
उसका वह कपट दूसरे भव में उसके समस्त सुखों का नाश करनेवाला है।”
ધર્મ પ્રસંગમાં ધર્મીને ઉલ્લાસ આવ્યા વિના રહેતો નથી. આવો શુભભાવ આવે છતાં
ધર્મીની દ્રષ્ટિમાં અંતરના ચિદાનંદ સ્વભાવનું બહુમાન વર્તે છે, રાગનું બહુમાન નથી. પ્રભુ!

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૭૨ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
તારી પ્રભુતા રાગમાં કે સંયોગમાં નથી. પદ્મનંદી મુનિરાજ વનજંગલમાં વસનારા, હાથમાં જ
આહાર લેનારા નિસ્પૃહ દિગંબર સંત હતા, તેઓ કરુણાથી ઉપદેશ આપતાં કહે છે કે હે જીવો!
સંસારના પ્રસંગમાં દીકરા–દીકરીના લગ્નમાં કરિયાવરમાં, મકાન–વસ્ત્ર વગેરેમાં લક્ષ્મી
વાપરવાનો ભાવ આવે છે તે તો પાપ ભાવ છે, તેના કરતાં ધર્મપ્રસંગમાં ભગવાનની પ્રતિષ્ઠા
વગેરેમાં લક્ષ્મી વાપરવાનો ઉલ્લાસ આવવો જોઈએ. જે એમ કહે છે કે હું ધર્મી છું–મને ધર્મની
રુચિ છે, પણ ધર્મના પ્રસંગમાં ક્યાંય તન–મન–ધન વાપરવાનો ઉલ્લાસ આવતો નથી, તો
આચાર્યદેવ કહે છે કે તેને ધર્મની રુચિ જ નથી, તે તો માયાચારી–દંભી છે. અહીં તો હજી એ
વાત સમજાવવી છે કે ભાઈ! બહારના સંયોગના કારણે તારો ભાવ થતો નથી, તેમજ જે
શુભભાવ થયો તેટલામાં પણ તારું કલ્યાણ નથી. અંદરમાં ચિદાનંદ સ્વભાવ પરિપૂર્ણ છે, જેવા
ભગવાન થયા તેવું જ સામર્થ્ય તારા આત્મામાં ભર્યું છે તેની પ્રીતિ કર––શ્રદ્ધા કર, તો સિદ્ધ
ભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય, તેનું નામ ધર્મ છે, ને તે જ કલ્યાણ છે.
અંતરમાં ચિદાનંદ સ્વરૂપની આવી દ્રષ્ટિ પ્રગટ્યા પછી સમ્યગ્દ્રષ્ટિને બહારમાં સ્ત્રીઆદિનો
સંયોગ પણ વર્તતો હોય, અમુક પુણ્ય–પાપના ભાવ પણ થતા હોય છતાં અંતરની દ્રષ્ટિમાં તે
બધાયથી ન્યારો છે. જેમ ધાવમાતા બાળકને ખેલાવે પણ “આ દીકરો મારો છે” એવી બુદ્ધિ
તેને નથી, તેમ બહારના સંયોગમાં ધર્મી ઊભેલા દેખાય પણ ધાવમાતાની જેમ તેને કોઈ
સંયોગમાં આત્મબુદ્ધિ રહી નથી. સંયોગમાં ક્યાંય મારું સુખ છે એમ તે માનતા નથી. હું પોતે
અતીન્દ્રિય સુખનો ભંડાર છું, સંયોગમાં ક્યાંય મારું સુખ નથી; સંયોગના પ્રમાણમાં રાગ થાય
એમ નથી, અને રાગ જેટલો મારો આત્મા નથી, સંયોગથી ને રાગથી પાર મારું ચૈતન્યતત્ત્વ છે,
આવી અંતરદ્રષ્ટિ ધર્મીને એક ક્ષણ પણ ખસતી નથી. અજ્ઞાનીને ક્ષણિક વિકારની કે રાગની જ
મહત્તા ભાસે છે, પણ રાગ વખતે અંતરમાં ચૈતન્યનું અખંડ સામર્થ્ય પડ્યું છે તેની મહત્તા
ભાસતી નથી. ધર્મી જાણે છે કે મારા ચૈતન્યસ્વભાવની મહત્તા છે, હું ધ્રુવ સામર્થ્યનો પિંડ છું,
પુણ્ય–પાપની વૃત્તિઓ ક્ષણિક છે તેની મહત્તા નથી આમ પોતાના ચિદાનંદ સ્વભાવનો મહિમા
એક ક્ષણ પણ જીવે લક્ષમાં લીધો નથી. વિકાર અને સંયોગો હોવા છતાં, તે વખતે અંતરના
સ્વભાવની સન્મુખ થઈને ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવનો નિશ્ચય કરવો તેનું નામ ધર્મ છે. આવો ધર્મ
કરે તેને તે જ ક્ષણે અંતરમાં આત્માના અતીન્દ્રિય આનંદનો અંશ અનુભવમાં આવે છે.
સમકિતીનો પુરુષાર્થ
જેણે સમ્યગ્દર્શન પ્રગટાવવાનો પૂર્વે કદી નહિ કરેલો
એવો અપૂર્વ સમ્યક્ પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું
છે, અને એ રીતે સંપૂર્ણ સ્વરૂપનો સાધક થયો છે તે જીવ
કોઈ પણ સંયોગમાં, ભયથી, લજ્જાથી, લાલચથી કે કોઈ
પણ કારણથી અસત્ને પોષણ નહિ જ આપે. ગમે તેવી
પ્રતિકૂળતા આવી પડે તોપણ સત્ની શ્રદ્ધાથી તે ચ્યુત નહિ
થાય. ને અસત્નો આદર કદી નહિ કરે. આ રીતે
સ્વરૂપના સાધક સમકિતી નિઃશંક અને નિડર હોય છે.
પોતાના સત્ સ્વભાવની શ્રદ્ધાના જોરમાં તેને કોઈ
પ્રતિકૂળતા જગતમાં છે જ નહિ.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૭૩ :
સ્વરૂપની પ્રાપ્તિ સુગમ છે,
પરને પોતાનું કરવું અશક્ય છે


આ દેહદેવળમાં રહેલો ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા શું ચીજ છે તે વાત જીવે કદી જાણી નથી, અને
એને જાણ્યા વિના ચાર ગતિના અવતાર કર્યા છે. પોતાના સ્વરૂપનું વિસ્મરણ કરીને પરને જ જાણવામાં કાળ
ગાળ્‌યો છે, પણ પર ચીજ પોતાની થઈ શકતી નથી. શરીરાદિક પર ચીજ છે તેમાંથી કદી આત્મસ્વરૂપની પ્રાપ્તિ
થતી નથી. ક્ષણિક પુણ્ય–પાપની વૃત્તિમાંથી પણ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ થાય તેમ નથી. ચિદાનંદસ્વરૂપ ત્રિકાળ
પરિપૂર્ણ સામર્થ્યથી ભરપૂર છે તેના અવલંબને જ પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. આ અપેક્ષાએ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ
સુગમ છે, ને પરની પ્રાપ્તિ કરવી તે તો અશક્ય છે. આવું યથાર્થ જ્ઞાન જીવે પૂર્વે કદી કર્યું નથી ને પરચીજને
પોતાની કરવા મથ્યો છે, પણ એક રજકણને પણ પોતાનો કરી શક્યો નથી. અંતરમાં પોતાની ચીજ છે તેમાં
નજર કરે તો ન્યાલ થઈ જાય તેવું છે. જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ આત્મામાં પણ તરંગ ઊઠે છે; પણ
અનાદિથી ચૈતન્યસ્વરૂપને ભૂલીને પુણ્ય–પાપ વિકાર તે હું એમ માનીને ક્ષણિક વિકારના જ તરંગ ઉત્પન્ન કર્યા
છે, પરંતુ “હું પુણ્ય–પાપથી પાર જ્ઞાનાનંદ સ્વરૂપ છું” એવા સમ્યગ્જ્ઞાનના તરંગ કદી પ્રગટ કર્યા નથી. જો
ચૈતન્યસ્વરૂપને જાણીને એકવાર પણ સમ્યગ્જ્ઞાનરૂપી તરંગ પ્રગટ કરે તો અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે
નહિ.
જીવે પોતાના ચૈતન્યસ્વરૂપને જાણવાનો ઉદ્યમ કર્યો નથી અને બહારમાં પરચીજને પોતાની માનીને તેમાં
ઉથલપાથલ કરવાનું અભિમાન કર્યું છે. જેમ મોટો બળદ ઉકરડાના ઢગલાને ઉથામીને તેમાં પોતાનું જોર માને છે,
તેમ અજ્ઞાની જીવ પરચીજનું અભિમાન કરીને તેમાં પોતાનું જોર માને છે ને પરને માટે પ્રયત્ન કરીને શુભ–
અશુભ વૃત્તિઓ કરે છે, તે વિકારી તરંગ છે. પરનું અભિમાન અનાદિથી કર્યું છે પણ પરચીજના એક રજકણને
પણ પોતાનો કરી શક્યો નથી. પોતાના સ્વભાવની પ્રાપ્તિનો ઉદ્યમ કરે તો ક્ષણમાં તેની પ્રાપ્તિ થઈ શકે છે, પણ
પરચીજ કદી પોતાની થઈ શકતી નથી. જેમ લીંડીપીપરમાં ચોસઠપોરી તીખાશ થવાનો સ્વભાવ ભર્યો છે તેથી
તેમાંથી તે ચોસઠ પોરી તીખાશ પ્રગટી શકે છે, પણ તે લીંડીપીપરમાંથી સાકર ન આવે, કેમકે તેમાં તેવો સ્વભાવ
નથી. તેમ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં સર્વને જાણવા–દેખવાનો સ્વભાવ પરિપૂર્ણ ભર્યો છે, તેથી તેમાંથી
સર્વને જાણે–દેખે એવી સર્વજ્ઞતા અને સર્વદર્શીપણું પ્રગટ થઈ શકે છે. પણ શરીરાદિક પર ચીજો આત્માથી ભિન્ન
છે. તે શરીરાદિકના સંયોગને આત્મા પોતાના કરી શકતો નથી. ભૂતકાળમાં અમુક શરીર વગેરેનો સંયોગ વર્તતો
હતો––તે શરીરાદિકનું અત્યારે જ્ઞાન થઈ શકે છે, પણ તે શરીરાદિકના સંયોગને અત્યારે જીવ મેળવી શકતો નથી.
એ જ પ્રમાણે વર્તમાનમાં શરીર–ઈન્દ્રિયો વગેરે મોળાં પડે તેને પણ જ્ઞાન જાણે પણ તેની અવસ્થાને રોકી શકે
નહિ. આ રીતે આત્માનો સ્વભાવધર્મ સર્વને જાણવા દેખવાનો જ છે, પણ પરને પોતાનું કરે કે પોતે પરનો થાય
એવો એનો સ્વભાવ નથી. પદાર્થોની ત્રણકાળની હાલતને જાણવાની જ્ઞાનની તાકાત છે એવા
જ્ઞાનાનંદસ્વભાવની સન્મુખ થઈને તેની પ્રતીત અને અનુભવ કરતાં આત્મામાં અપૂર્વ જ્ઞાન–આનંદના તરંગ ઊઠે
તેનું નામ ધર્મ છે.
જગતની કોઈ પર ચીજ મારી નથી ને હું જગતમાં કોઈનો નથી, ક્ષણિક પુણ્ય–પાપની લાગણી થાય
તેટલો પણ હું નથી, હું તો જ્ઞાનાનંદસ્વભાવ છું, ત્રણકાળને જાણવાનું પરિપૂર્ણ સામર્થ્ય મારામાંથી જ પ્રગટે છે.
વર્તમાનમાં પ્રગટ જ્ઞાન થોડું હોવા છતાં અંદરમાં પરિપૂર્ણ જ્ઞાનશક્તિ પડી છે. પરિપૂર્ણ જ્ઞાનશક્તિ અંદર ન ભરી
હોય તો આ અલ્પજ્ઞાન પણ ક્યાંથી આવે? થોડું જ્ઞાન વ્યક્ત છે તો અનુમાનથી નક્કી થઈ શકે છે કે આ
વસ્તુમાં પૂરું જાણે

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૭૪ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
એવો જ્ઞાનસ્વભાવ ભર્યો છે. જડમાં જાણવાનો સ્વભાવ નથી તેથી તે બિલકુલ જાણતું નથી. જેનામાં જે સ્વભાવ
હોય તે પરિપૂર્ણ જ હોય, અધૂરો ન હોય; લીંડીપીપરમાં થોડી તીખાશ પ્રગટ થઈ હોય, પણ ત્યાં નક્કી થાય છે કે
આ ચીજમાં તીખાશનો સ્વભાવ પરિપૂર્ણ ભર્યો છે તેમાંથી આ તીખાશ પ્રગટી છે. પણ ઊંદરની લીંડીને ગમે
તેટલી ઘસો તોપણ જરાય તીખાશ નથી પ્રગટતી, કેમકે તેનામાં તીખાશનો સ્વભાવ જ નથી. જેનામાં જે
સ્વભાવ ભર્યો હોય તેમાંથી તેની પ્રાપ્તિ થાય. ભાઈ! તારા આત્મામાં જ્ઞાનસ્વભાવ છે, તેમાંથી પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ
થઈ શકે છે માટે તેની પ્રતીત કર. એ સિવાય પરચીજ તારી નથી માટે તેમાંથી અહંપણું છોડ. મારા જ્ઞાનનો અલ્પ
વિકાસ વર્તમાનમાં છે પણ મારો સ્વભાવ પૂર્ણજ્ઞાનની તાકાત ધરાવે છે. અલ્પજ્ઞાન જેટલો જ હું નથી, પણ
પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવની તાકાતવાળો હું છું. પૂર્વે ક્રૂર વિકારભાવો કર્યા હોય તે અત્યારે જ્ઞાનમાં યાદ આવે છે,
પણ તેનું જ્ઞાન કરતા અત્યારે જ્ઞાન સાથે તે વિકાર આવી જતો નથી. માટે તે વિકાર પોતાનો સ્વભાવ નથી,
પણ વિકારને જાણવાનો પોતાનો સ્વભાવ છે. ત્રણ કાળને જાણવાનો પોતાનો સ્વભાવ છે. આવા
જ્ઞાનસ્વભાવને જાણીને તેની પ્રાપ્તિ કરવી તે સુગમ છે, કેમકે સમ્યક્ પ્રયત્નથી અલ્પકાળમાં તેની પ્રાપ્તિ થઈ શકે
છે. અને પર ચીજ તો પોતાની અનંતકાળમાં પણ થઈ શકતી નથી, તેને પોતાની કરવાનો ઉદ્યમ તો વ્યર્થ છે.
ચૈતન્યસ્વભાવની પ્રાપ્તિનો ઉદ્યમ કરે અને તેની પ્રાપ્તિ ન થાય એમ કદી બને નહિ. માટે સ્વરૂપની પ્રાપ્તિ સુગમ
છે. આવા સ્વરૂપની રુચિ થવી ને પરનો અહંકાર છૂટવો તથા પુણ્ય–પાપની રુચિ છૂટવી તે સમ્યગ્દર્શનનો ઉપાય
છે.
ભાઈ! તું વિચાર તો કર કે તારું સ્વરૂપ શું છે? આ જગતમાં તારાથી શું કાર્ય થઈ શકે છે, ને શું કાર્ય
તારાથી નથી થઈ શકતું? ભાઈ, તું તો જ્ઞાન છો, જ્ઞાન સિવાય પર ચીજ તારી નથી ને તે પર ચીજનું તું કાંઈ
કરી શકતો નથી. તારું જ્ઞાનસ્વરૂપ છે તેની તું પ્રતીત કર. અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વરૂપને ભૂલીને ‘પર મારાં’
એમ મફતનો અભિમાન કરે છે. જેમ કોઈ ગાંડો માણસ નદી કિનારે બેઠો હતો, ત્યાં રાજાનું લશ્કર ત્યાં આવ્યું
અને નદી કિનારે પડાવ નાખ્યો. ગાંડો માણસ તેને જોઈને કહે કે ‘આ મારો હાથી, આ મારું લશ્કર.. ’ થોડીવાર
થઈ ત્યાં રાજાનું લશ્કર ત્યાંથી ચાલવા માંડ્યું. ત્યારે ગાંડો કહે છે કે “અરે, તમે મારી રજા વગર ક્યાં ચાલ્યા
જાવ છો? ” પણ ભાઈ! એ તો બધું એના કારણે આવ્યું હતું ને એના કારણે ચાલ્યું જાય છે. તારા કારણે તે કોઈ
આવ્યાં ન હતાં ને તારાથી તે રોકાય તેમ નથી, તું તો મફતનો તેનું અભિમાન કરે છે. તેમ અજ્ઞાની જીવ પરને
પોતાનું માનીને ગાંડા માણસની જેમ તેનું અભિમાન કરે છે, શરીર મારું, શરીરની ક્રિયા મારી એમ અજ્ઞાનથી
માને છે. શરીર વગેરે પર ચીજોનો સંયોગ–વિયોગ તો તેના કારણે થાય છે. તેને જાણતાં અજ્ઞાની જીવ મફતનો
અભિમાન કરે છે. પણ ભાઈ! તું તો જ્ઞાન છો, પદાર્થોને જાણવાનો તારો સ્વભાવ છે, પણ પર ચીજને મેળવે કે
દૂર કરી શકે એવી તાકાત તારામાં નથી. તારો વહાલો દીકરો મરતો હોય અને તેને બચાવવાની તારી ઈચ્છા
હોય, છતાં તું તેને બચાવી શકતો નથી, તો બીજાને તું બચાવી દે એવી તારી તાકાત નથી, જીવને ઈચ્છા થાય
પણ તે ઈચ્છાને લીધે પરનું કાર્ય થતું નથી. અને ઈચ્છા થઈ તે પણ ખરેખર જીવનો સ્વભાવ નથી. જીવનો
સ્વભાવ તો જાણવાનો છે. આવા જાણનાર સ્વભાવને ઓળખીને તેની પ્રાપ્તિ કરવા માગે તો તે થઈ શકે છે,
માટે ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ સુગમ છે.
સધનપણું હો કે નિર્ધનપણું હો તેને જીવ જાણે છે, પણ નિર્ધનતા વખતે સધનતા લાવી દ્યે એવી જીવની
તાકાત નથી. સધનતા વખતે નિર્ધનતાનું જ્ઞાન થાય, ને નિર્ધનતા વખતે સધનતાનું જ્ઞાન થાય, બંને દશાનું
જ્ઞાન એકસાથે થઈ શકે, પણ તે બંને દશાને જીવ ભેગી ન કરી શકે. નિર્ધનતા તે કાંઈ દોષ નથી પણ ‘હું નિર્ધન’
એવી દીનબુદ્ધિ થવી તે દોષ છે. ‘હું તો જ્ઞાન છું, સંયોગ મારો નથી, હું તો સંયોગનો જાણનાર જ્ઞાનાનંદસ્વભાવ
છું’ આવું અંર્તભાન કરવું તે પ્રથમ ધર્મ છે.
[ચૂડા ગામમાં પૂ. ગુરુદેવનું પ્રવચન, વીર સં. ૨૪૮૦, વૈશાખ સુદ ૮]

PDF/HTML Page 12 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૭૫ :
આત્માનું સ્વભાવસામર્થ્ય
ભગવાન! તારા આત્મામાં ચૈતન્યની પ્રભુતા ભરી છે; જો અંતરમાં
ચૈતન્યની પ્રભુતા નહિ હોય તો ક્યાંથી આવશે? આત્માના સ્વભાવમાં
પ્રભુતાનું સામર્થ્ય છે તેને ઓળખીને તેની પ્રતીત કરવી તે અપૂર્વ પ્રયત્ન છે, એ
સિવાય લૌકિક વિદ્યાનું જાણપણું હોય તે કાંઈ અપૂર્વ નથી.
આ સમયસારની તેરમી ગાથા વંચાય છે, તેમાં સમ્યગ્દર્શન કેમ થાય તે વાત કહે છે. સમ્યગ્દર્શન થવાની
રીત શું છે તે વાત જીવ પૂર્વે અનંતકાળમાં સમજ્યો નથી, અને તેના વિના કિંચિત કલ્યાણ થાય નહિ, તેથી અહીં
આચાર્યદેવ સમ્યગ્દર્શનની રીત સમજાવે છે.
આ આત્મા દેહથી ભિન્ન, જ્ઞાનસ્વરૂપ છે. શરીર મોટું હોય છતાં જ્ઞાન થોડું હોય, ને કોઈને શરીર નાનું
હોય છતાં બુદ્ધિ ઘણી હોય એમ જોવામાં આવે છે; માટે જ્ઞાનસ્વરૂપ આત્મા શરીરથી જુદો છે. નવતત્ત્વો છે તેમાં
જ્ઞાનસ્વરૂપઆત્મા તે જીવતત્ત્વ છે, અને શરીર તે અજીવ તત્ત્વ છે. શરીર અને જીવ એક હોય તો શરીર પ્રમાણે
જ જ્ઞાન હોવું જોઈએ, પણ તેમ બનતું નથી. શરીર નાનું હોય છતાં જ્ઞાનની ઘણી ઊગ્રતા હોય, અને શરીર ઘણું
મોટું હોય છતાં જ્ઞાન ઓછું હોય આવું બને છે, કેમકે જ્ઞાન ચીજ શરીરથી જુદી છે.
એકેક આત્મા જ્ઞાનસ્વરૂપ છે, દરેક આત્મામાં પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્ય ભર્યું છે. જેમ લીંડીપીપરના એકેક
દાણામાં ચોસઠપોરી તીખાશ થવાની તાકાત છે; ઘસતાં જે તીખાશ પ્રગટે છે તે ક્યાંથી આવી? બહારથી નથી
આવી, પણ તેના સ્વભાવમાં જે તીખાશ ભરી છે તે જ પ્રગટ થાય છે. ઊંદરની લીંડીને ઘસો તો તેમાં તીખાશ
નહિ આવે, કેમકે તેનામાં તેવો સ્વભાવ નથી. તેમ શરીર જડ છે, તે શરીરની ક્રિયામાં જ્ઞાન નથી. આત્મા
જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેના સ્વભાવમાં જ કેવળજ્ઞાન થવાની તાકાત છે. અંતરના જ્ઞાનસ્વરૂપની પ્રતીત કરીને તેમાં
એકાગ્ર થતાં કેવળજ્ઞાન પ્રગટી જાય છે. તે કેવળજ્ઞાન બહારથી કે પુણ્ય પાપમાંથી આવ્યું નથી પણ આત્મામાં
સ્વભાવસામર્થ્ય હતું તેમાંથી જ તે પ્રગટ થયું છે. આવા સ્વભાવસામર્થ્યને ઓળખીને તેની પ્રતીત કરવી તે પ્રથમ
ધર્મ છે, ને તે જ સમ્યગ્દર્શનની રીત છે.
આત્માના જ્ઞાનાનંદસ્વરૂપને જાણીને તેની પ્રતીત કરવી તે અપૂર્વ પ્રયત્ન છે. એ સિવાય લૌકિક વિદ્યાનું
જાણપણું હોય તે કાંઈ અપૂર્વ નથી. વકીલાત કે દાક્તરપણું વગેરેમાં જે ઉઘાડ છે તે તો પૂર્વનો ઉઘાડ લઈને
આવ્યો છે, અને પૈસા વગેરે મળવા તે પણ પૂર્વના પુણ્યનું ફળ છે, વર્તમાન ડહાપણને લીધે પૈસા મળે છે એમ
નથી. બહારના જડના કામ મારી બુદ્ધિને લઈને થાય એમ અજ્ઞાની માને છે, તે તેનો ભ્રમ છે. આત્મા
જ્ઞાનાનંદસ્વરૂપ છે, તે જડથી ભિન્ન છે, જડનાં કામ આત્મા કરે એમ કદી બનતું નથી. જીવ પોતાના ભાવમાં
શુભ–અશુભ પરિણામ કરે, પણ તેના પરિણામને લીધે પરનાં કામ થઈ જાય એમ બનતું નથી. જડની અવસ્થા
જડના કારણે થાય છે. મારે લીધે જડની અવસ્થા થાય છે એમ માનવું તે જડ સાથે એકપણાની મિથ્યાબુદ્ધિ છે;
તેમજ જડ પદાર્થોને લીધે મને તેનું જ્ઞાન થાય છે એમ માનવું તે પણ જડચેતનની એકત્વબુદ્ધિ છે. હું તો જ્ઞાન છું,
મારો સ્વભાવ જ જાણવાનો છે, સ્વ–પરને જાણવાની મારા સ્વભાવની તાકાત છે આવા પોતાના સ્વભાવની
પ્રતીત કરીને તેમાં એકાગ્ર થતાં પરિપૂર્ણ જ્ઞાન પ્રગટી જાય છે ને રાગાદિનો અભાવ થઈ જાય છે, પછી તેને
સંસારપરિભ્રમણ રહેતું નથી.
પહેલાંં જગતમાં જીવ–અજીવ તત્ત્વો સ્વતંત્ર છે એ વાત સમજવી જોઈએ. શરીરાદિક પણ જગતના
સ્વતંત્ર અજીવ તત્ત્વો છે, તે અજીવનાં કામ તેના પોતાથી સ્વતંત્રપણે

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૭૬ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
જ થાય છે, આત્મા તેમની અવસ્થાને કરતો નથી. જગતનો દરેક આત્મા અને દરેક પરમાણુ સ્વતંત્ર તત્ત્વ છે, તે
દરેક તત્ત્વ પોતે જ ક્ષણે ક્ષણે રૂપાંતર થઈને પોતાના કાર્યને કરે છે. જગતમાં જે તત્ત્વ હોય તે પોતે કાયમ ટકીને
સમયે સમયે પોતાની હાલતનું રૂપાંતર કરે છે, કોઈ બીજો તેને ટકાવનાર કે બદલાવનાર નથી. ધર્મી આમ જાણે
છે કે હું તો જ્ઞાનસ્વરૂપ જીવ છું, સ્વ–પરને જાણવાનું મારું કાર્ય છે, એ સિવાય પરજીવોનું કાર્ય મારું નથી, અને
શરીર વગેરે જડ તત્વોનું કાર્ય પણ મારું નથી. શરીરની હાલત થાય તેનો હું જાણનાર છું, પણ તે અવસ્થાને થતી
રોકવાની કે તેને બદલાવવાની મારી તાકાત નથી. હજી તો જીવ–અજીવ વગેરે તત્ત્વોનું ભિન્ન–ભિન્ન સ્વરૂપ શું
છે તેને ઓળખવાની આ વાત છે. જીવ–અજીવ વગેરે તત્ત્વોને જેમ છે તેમ જાણીને, તે નવ–તત્ત્વોના ભેદનો
વિકલ્પ પણ છોડીને, જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની સન્મુખ થઈને તેની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે.
ભગવાન! તારા આત્મામાં ચૈતન્યની પ્રભુતા ભરી છે, તારા ચૈતન્યની પ્રભુતા તારામાં જ ભરી છે, તે જ
બહાર આવે છે. જો અંતરમાં પ્રભુતા નહિ હોય તો ક્યાંથી આવશે? બહારમાંથી તારી પ્રભુતા નહિ આવે.
પ્રભો! તારા સ્વભાવમાં પ્રભુતાની તાકાત પડી છે તેની પ્રતીત કર. અંતરમાં પૂર્ણજ્ઞાન સ્વભાવ પડ્યો છે તેની
જેને પ્રતીત અને ઓળખાણ નથી તે જીવ એમ માને છે કે પરજ્ઞેયોને લીધે મને જ્ઞાન થાય છે; પણ જ્ઞાન તો
અંતરની શક્તિમાંથી ખીલે છે એમ તે માનતો નથી. બહારની ચીજોમાંથી મારું કાંઈક હિત આવશે, બહારના
પદાર્થોમાંથી મારું જ્ઞાન આવશે એવા ભ્રમને લીધે અનાદિથી જીવ સંસારમાં રખડે છે. અંતરમાં પોતાનો
જ્ઞાનાનંદસ્વભાવ છે, તેની સન્મુખ થઈને તેને જાણતાં અંશે નિર્વિકારી શાંતિનો અનુભવ થાય છે; ત્યારે ધર્મની
શરૂઆત થાય છે. ને પછી તે જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્ર થતાં પૂર્ણજ્ઞાન અને આનંદ ખીલી જાય તેનું નામ
પરમાત્મદશા છે. એ પરમાત્મદશા થઈ જાય પછી આહારાદિ હોતા નથી, શરીર પણ અશુચિરહિત મહાસુંદર
પરમઔદારિક થઈ જાય છે. આવી પરમાત્મદશા પ્રગટ્યાં પહેલાંં, ધર્મની શરૂઆતમાં જ જીવાદિ તત્ત્વોની કેવી
ઓળખાણ હોય તેની આ વાત છે.
નવતત્ત્વોમાં જીવતત્ત્વ તો જ્ઞાનસ્વરૂપ છે, અને શરીરાદિ જડ તે અજીવતત્ત્વ છે. ત્રીજું પુણ્યતત્ત્વ છે.
ભગવાનની પૂજા–ભક્તિ–દાન–દયા વગેરેના શુભપરિણામ થાય તે પુણ્ય છે. ધર્મ ચીજ જુદી છે, પણ અજ્ઞાનીને
દયાદિના શુભભાવ થાય તેને કોઈ પાપ મનાવતું હોય તો તે વાત જૂઠી છે. દયા–દાનાદિના ભાવ તે પાપ નથી
પણ પુણ્ય છે. શાસ્ત્રોમાં તીવ્ર પાપભાવોથી જીવોને છોડાવવા માટે દાન–દયા વગેરેનો ઉપદેશ પણ આપે છે.
પદ્મનંદીપંચવિંશતિમાં દાનઅધિકારમાં મુનિરાજ દાનનો ઉપદેશ આપતાં કહે છે કે અરે ભાઈ! પૂર્વના પુણ્યને
લીધે તને આ લક્ષ્મી વગેરેનો સંયોગ મળ્‌યા છે, તો અત્યારે દેવ–ગુરુ–ધર્મની ભક્તિ–પ્રભાવના વગેરે
શુભકાર્યોમાં તેનો ઉપયોગ કર. સંસારના કામોમાં લક્ષ્મી વાપરે તે તો પાપનું કારણ છે. ભાઈ, દાઝેલી ખીચડીના
ઉકડીયા કાગડાને મળે, ત્યાં તે કાગડો પણ કો.. કો કરીને બીજા કાગડાને ભેગા કરીને ખાય છે; તો પૂર્વે તારા
ગુણ દાઝીને વિકાર થયો ત્યારે પુણ્યનો રાગ થયો ને પુણ્ય બંધાયા, તે પુણ્યના ફળમાં તને આ લક્ષ્મી મળી, તે
લક્ષ્મી તું દાનાદિકમાં ન વાપર ને એકલો ખા, તો પેલા કાગડા કરતાંય તું ગયો!! માટે ભાઈ! દયા–દાન,
દેવગુરુ–ધર્મની પ્રભાવના વગેરેમાં તારી લક્ષ્મીનો ભાગ કાઢ. આવો શુભરાગનો ઉપદેશ શાસ્ત્રમાં આવે. ત્યાં
કોઈ એમ કહે કે ભૂખ્યા પ્રાણીને ભોજન દેવાનો ભાવ તે પાપ છે તો તેને પુણ્યતત્ત્વની ખબર નથી. અહીં
પુણ્યતત્ત્વને ઓળખાવવું છે, પુણ્યથી ધર્મ થાય છે એમ અહીં નથી બતાવવું. પુણ્ય તે ધર્મ નથી, તેમજ પુણ્ય તે
પાપ પણ નથી. દયાદિના શુભભાવ તે પુણ્યતત્ત્વ છે, ને હિંસાદિના અશુભભાવ તે પાપતત્ત્વ છે.
સંસારના ભોગ ખાતર લક્ષ્મી વાપરે તેમાં તો તીવ્રરાગનો પાપભાવ છે, અને ધર્મપ્રભાવના વગેરેમાં
લક્ષ્મી વાપરવાનો ભાવ તેમાં મંદરાગ છે તે પુણ્ય છે. અજ્ઞાનીને પુણ્યભાવ થાય, તેમજ ધર્મીને પણ પુણ્યભાવ
થાય. જો પુણ્ય–પાપના ભાવ છૂટીને સ્વરૂપમાં નિર્વિકલ્પપણે એકાગ્ર રહે તો તો અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈ
જાય. પણ નીચલી દશામાં તેવી વિશેષ એકાગ્રતા રહી શકે નહિ એટલે ત્યાં ભક્તિ, દાન વગેરેના શુભપરિણામ
પણ થાય છે, તે પુણ્ય છે.
ભગવાન! અનાદિ કાળમાં કદી નહિ પ્રગટેલ એવી અપૂર્વ શાંતિનું વેદન કેમ પ્રગટે... સમ્યગ્દર્શન કેમ
થાય
(અનુસંધાન પાના નં. ૧૭૭ ઉપર)

PDF/HTML Page 14 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૭૭ :
અપૂર્વ અહિંસા ધર્મ
અને
આત્માનું ભગવાનપણું
અનાદિ કાળથી એક ક્ષણ પણ જે અહિંસાધર્મનું પાલન
જીવે કર્યું નથી તે અહિંસાધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે–તે
અહીં પૂ. ગુરુદેવે સમજાવ્યું છે; આત્મામાં પોતામાં જ ભગવાન
થવાની તાકાત છે––એવું આત્માનું ભગવાનપણું સ્વીકાર્યા
વિના કદી સાચી અહિંસા કે ધર્મ હોતો નથી.
આ સમયસારની તેરમી ગાથા વંચાય છે, તેમાં સમ્યગ્દર્શન કેમ થાય તેની વાત છે. અનાદિકાળથી
સંસારમાં પરિભ્રમણ કરતો જીવ અનંતવાર બીજું બધું કરી ચૂક્યો છે––વ્રત, તપ, ત્યાગ વગેરે કર્યાં ને
સ્વર્ગમાં ગયો, પણ વાસ્તવિક ધર્મ શું છે? આત્માની અહિંસા શું છે? તે વાત પૂર્વે એક સેકંડ પણ સમજ્યો
નથી. અહિંસા કોને કહેવી? હું પરને ન મારું એવો શુભભાવ છે, તે શુભભાવ તો જીવ અનંતવાર કરી
ચૂક્યો છે, તે કાંઈ ખરી અહિંસા નથી; રાગથી આત્માને લાભ માન્યો તેમાં જ આત્માની હિંસા છે.
સર્વજ્ઞદેવે કહેલી અહિંસાનું રહસ્ય તો એ છે કે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની રાગરહિત શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન
કરવું ને તેમાં એકાગ્રતા કરવી. આવા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રનું નામ સાચી અહિંસા છે, ને તે જ ધર્મ
છે. આવી અહિંસા જીવે કદી એક ક્ષણ પણ કરી નથી.
હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, પર જીવો મારાથી ભિન્ન છે, તે પર જીવને મારવો કે બચાવવો તે ક્રિયા
મારાથી (અનુસંધાન પાના નં. ૧૭૮ ઉપર)
(પાના નં. ૧૭૬ થી ચાલુ)
તેની આ વાત છે. ભાઈ! અનંતકાળના અજાણ્યા પંથ... તે સત્સમાગમ વગર સમજાય તેવા નથી. તારા
ચૈતન્યમાં જીવનશક્તિ પડી છે... સર્વજ્ઞતાની શક્તિ તારામાં પડી છે... આનંદના નિધાન તારી શક્તિમાં
ભર્યાં છે, તેની સન્મુખ થઈને એકવાર તેની પ્રતીત કર, તો અપૂર્વ અતીન્દ્રિય શાંતિનો અંશ પ્રગટે. કોઈ
બહારની ક્રિયાના કારણે, કે અંદરના શુભપરિણામ થયા તેના અવલંબને અપૂર્વશાંતિ પ્રગટે એમ બનતું
નથી. તારા જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વભાવને જાણતાં તે અપૂર્વશાંતિ પ્રગટે છે, પુણ્યભાવ હોય તેને જ્ઞાન
જાણે, પણ ત્યાં તે પુણ્યના કારણે જ્ઞાન થયું એમ નથી, અને જ્ઞાનને કારણે પુણ્ય પરિણામ થયા એમ પણ
નથી. જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરને જાણવાનો છે, તે જ્ઞાન પુણ્યથી જુદું છે. ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાં
એમ આવ્યું કે અરે આત્મા! પૂર્વના અનંતકાળમાં તને તારા આત્માનું સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એક
સેકંડ પણ થયું નથી, જો એક સેકંડ પણ સમ્યગ્દર્શન કરે તો આ સંસાર પરિભ્રમણનો નાશ થયા વિના રહે
નહિ. ભગવાન! તેં તારા ચૈતન્યની જાતને જાણ્યા વિના, ધર્મીપણાનું અભિમાન કર્યું છે, પુણ્ય પરિણામ
કરીને મેં ધર્મ કર્યો એમ તેં માન્યું છે ને જડની ક્રિયા મારાથી થાય છે એવું પરનું અભિમાન કર્યું છે, પણ
જડથી ભિન્ન ને પુણ્ય–પાપથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ શું છે તેને તેં કદી ઓળખ્યું નથી તે ચૈતન્યતત્ત્વની
ઓળખાણ વગર સમ્યગ્દર્શન થાય નહિ ને ભવભ્રમણ મટે નહિ. માટે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને
સમ્યગ્દર્શન કેમ થાય તેની રીત આચાર્યદેવ સમજાવે છે.
[વીર સં. ૨૦૧૦ : ચૈત્ર વદ પાંચમના રોજ વઢવાણ શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન]

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૭૮ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
(પાના નં. ૧૭૭ થી ચાલુ)
થતી નથી, મારા શુભરાગને લીધે પરજીવ બચી જાય એમ નથી, પર જીવોની ક્રિયા સ્વતંત્ર છે; અને પર
જીવને બચાવવાનો જે શુભરાગ થયો, તે રાગથી મારો ધર્મ થતો નથી. હું પરને બચાવી શકું કે રાગથી
મને લાભ થાય એવી જેની માન્યતા છે તે જીવ રાગનો આદર કરીને આત્માના સ્વભાવની હિંસા કરે છે,
જેણે રાગનો આદર કર્યો તેણે રાગરહિત જ્ઞાનાનંદ સ્વભાવનો અનાદર કર્યો, આત્માના અનંતગુણનો
અનાદર કર્યો તે જ અનંતી હિંસા છે, ને તેનું ફળ અનંત સંસાર છે.
શુભરાગ તો સંતો–મુનિઓને પણ હોય, પણ તેમને અંતરમાં જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન છે, ને તેમાં
ઘણી લીનતા છે, રાગ થાય છે તે મારા સ્વભાવથી વિરુદ્ધભાવ છે, જેટલો રાગ છે તેટલી હિંસા છે, ને
મારા જ્ઞાનાનંદ સ્વરૂપના આશ્રયમાં જેટલી વીતરાગદશા પ્રગટી તેટલી અહિંસા છે. મારો આત્મા
અતીન્દ્રિય આનંદના સ્વાદથી ભરેલો છે; એક શુભરાગનો વિકલ્પ ઊઠે તે પણ મારા અતીન્દ્રિય આનંદને
રોકનાર છે. અહો! આત્માનો અતીન્દ્રિય આનંદ તો રાગથી ને વિષયોથી પાર છે. ઈન્દ્રોના વૈભવમાં પણ
તે આનંદનો અંશ પણ નથી. હું ચૈતન્યમૂર્તિ જ્ઞાનપ્રકાશ છું, અતીન્દ્રિય આનંદનો સાગર છું એવો
અંર્તઅનુભવ થતાં અંદરથી અતીન્દ્રિય આનંદનાં ઝરણાં પ્રગટે એનું નામ સમ્યગ્દર્શન છે, તે અહિંસા છે,
ને તે જ ધર્મ છે. આવો ધર્મ આત્મામાં પ્રગટ્યા પછી દેવ–ગુરુ–ધર્મના બહુમાનનો ભાવ આવે છે, સાચા
દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે ભક્તિ અને પ્રેમનો ઊછાળો ધર્મીને આવ્યા વિના રહેતો નથી. તે ભૂમિકામાં એવો
શુભભાવ હોય છે, અને તે વખતે ભગવાનનું જિનમંદિર, વીતરાગ પ્રતિમા, તેની પ્રતિષ્ઠા, પ્રભાવના
વગેરે ઉપર લક્ષ જાય છે. નીચલી દશામાં દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે ભક્તિ અને બહુમાનનો આવો ભાવ જેને
નથી આવતો તેને તો હજી ધર્મના નિમિત્તોનો પણ વિવેક નથી. ધર્માત્માને એવો શુભભાવ આવે છે ને
તેના નિમિત્ત ઉપર લક્ષ જાય છે, પણ તેની દ્રષ્ટિમાંથી રાગનું અવલંબન છૂટી ગયું છે. રાગના
અવલંબનથી જે લાભ માને છે તે મોટી હિંસા સેવે છે.
ભગવાન! આ તારા આત્માના સ્વભાવની વાત છે. તારો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા
રાગરહિત છે, તેને રાગના અવલંબનથી લાભ નથી. જુઓ, આત્માને ‘ભગવાન’ કહીને સંબોધન કરીને
આચાર્યદેવ સમજાવે છે. ૭૨ મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ
ચૈતન્યમાત્ર સ્વભાવપણે જ્ઞાયક છે, તેથી તે અત્યંત શુચિ છે––પવિત્ર છે––ઉજ્જવળ છે. પણ ઘણા
અજ્ઞાનીને આત્માની આવી વાત સાંભળતા તે ગોઠતી નથી. આત્માને ભગવાન કહ્યો એ વાત પણ તેને
ગોઠતી નથી. પણ ભાઈ! ભગવાન થયા તે બધા ક્યાંથી થયા? આત્મામાં ભગવાન થવાની તાકાત હતી
તેમાંથી ભગવાનપણું વ્યક્ત થયું. જો આત્મામાં જ ભગવાન થવાની તાકાત ન હોય તો બહારથી આવશે
ક્યાંથી? માટે આત્મામાં ભગવાન થવાની તાકાત છે તેનો વિશ્વાસ કરો, તેનું બહુમાન કરો. જુઓ,
એકવાર શ્રીમદ્ રાજચંદ્ર જંગલમાં જતા હતા ત્યાં તેમની મુદ્રા વગેરે જોઈને ભરવાડ જિજ્ઞાસાથી તેની
સામે જોઈ જ રહ્યા. ઘણી વારે પાછા આવ્યા ત્યારે પણ ભરવાડ જિજ્ઞાસાથી ઊભા હતા. તેમની અનુકરણ
વૃત્તિ જોઈને શ્રીમદ્ રાજચંદ્રને વિચાર થયો કે આના કાને ઉત્કૃષ્ટ વચન નાખું. એટલે તેમણે કહ્યું––
ભાઈઓ! તમે આંખો મીંચી જાઓ અને અંદરમાં ‘હું પરમેશ્વર છું’ એમ તમારા આત્માને ચિંતવો. તરત
જ ભરવાડ આંખો મીચી ગયા અને તેનું અનુસરણ કર્યું. જુઓ, ના ન પાડી, પણ અનુકરણ કર્યું, એટલે
તેમની પાત્રતા હતી. આત્માને ભગવાન કહ્યો તે વાત સાંભળવી પણ જેને નથી ગમતી તે અંતરમાં
આત્માના સ્વભાવનો અનુભવ ક્યાંથી કરશે? આચાર્યદેવ અને સંતો કહે છે કે અરે જીવો! તમે વિકાર
જેટલા પામર નથી, તમે ભગવાન છો, તમારા આત્મામાં જ ભગવાન થવાની તાકાત ભરી છે, તેની તમે
ઓળખાણ કરો––તેની દ્રષ્ટિ કરો. સંયોગો પર છે, તે પૃથક્ છે; પુણ્ય–પાપ વિકાર છે, તે મારા સ્વભાવથી
વિપરીત છે, અને મારો જ્ઞાનસ્વભાવ છે, તે સ્વભાવમાં ભગવાન થવાનું સામર્થ્ય છે; આ રીતે (૧)
સંયોગની પૃથકતા, (૨) વિભાવોની વિપરીતતા અને (૩) સ્વભાવની સામર્થ્યતા––એ ત્રણેને
ઓળખીને, ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિ કરવી તે અપૂર્વ ધર્મ છે. ભગવાન આત્માનું અવલંબન તે
જ સમ્યગ્દર્શનનું કારણ છે, એ સિવાય રાગાદિ કોઈ ભાવો સમ્યદર્શનનું કારણ નથી. ભગવાન આત્મા તે
રાગનું કારણ નથી, અને રાગ થાય તે આત્માના ધર્મનું કારણ નથી. આ રીતે રાગાદિ આસ્રવોને અને
ભગવાન

PDF/HTML Page 16 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૭૯ :
આત્માના સ્વભાવને ભિન્નપણું છે. એ વાત સમજાવતાં ૭૨ મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે––
અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને, વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે.
આ ગાથાની ટીકામાં આચાર્યદેવે ત્રણવાર આત્માને ભગવાન કહ્યો છે. ભગવાન આત્મા પવિત્ર છે.
ભગવાન આત્મા ચેતક છે, ભગવાન આત્મા દુઃખનું અકારણ છે. આવો ભગવાન આત્મા છે તેની ઓળખાણ
જીવે કદી કરી નથી. અરે, પહેલાંં આ વાત સાંભળીને તેનો પક્ષ તો કરો, સત્યનો પક્ષ પણ જે ન કરે તે તેનું લક્ષ
કરીને અનુભવ ક્યારે કરશે? આ કોની વાત છે? જે ભગવાન થઈ ગયા તેમની આ વાત નથી, પણ એકેક
આત્મામાં ભગવાન થવાની તાકાત છે, તેની આ વાત છે. પહેલી જ ગાથામાં આચાર્યદેવ કહે છે કે હું સિદ્ધ છું ને
તું સિદ્ધ છો, એમ આત્મામાં સિદ્ધપણું સ્થાપીને હું આ વાત કહું છું; તો હે શ્રોતાજનો! તમે પણ તમારા આત્મામાં
સિદ્ધપણું સ્થાપીને, એટલે કે આત્માનો સ્વભાવ પણ સિદ્ધ સમાન છે એવું અંર્તલક્ષ કરીને આ વાતની હા
પાડજો. જુઓ, આ નવતત્ત્વમાં જીવતત્ત્વની ઓળખાણ! આ વાત સાંભળવામાં સરળતા હોવી જોઈએ,
મધ્યસ્થતા હોવી જોઈએ, સત્ય શું છે તે સમજીને મારે મારા આત્માનું હિત કરવું છે એમ સરળતા જોઈએ; અને
જીતેન્દ્રિયપણું હોવું જોઈએ, એટલે આત્માના સ્વભાવ સિવાય ઈન્દ્રિયવિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી જવી જોઈએ,
મારા અતીન્દ્રિય આત્મા સિવાય બહારના કોઈ ઈન્દ્રિયવિષયોમાં મારું સુખ નથી એવું લક્ષ થતાં વિષયોની તીવ્ર
લોલુપતા રહેતી નથી; અને વિશાળબુદ્ધિ, એટલે કે આત્માનો જેવો સ્વભાવ જ્ઞાની સંભળાવે છે તે સમજવા
જેટલી જ્ઞાનમાં વિશાળતા હોય; આવી પાત્રતા વગર સત્ સમજાય નહિ.
અહીં આચાર્યદેવ કહે છે કે અહો, ભૂતાર્થદ્રષ્ટિથી જોતાં નવે તત્ત્વોમાં એક ભગવાન આત્મા જ પ્રકાશમાન
છે. રાગ વખતે જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવની જ અધિકતાને દેખે છે, તેને જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ છૂટતી નથી ને
રાગની અધિકતા થતી નથી. એ રીતે સ્વ–પરપ્રકાશક જ્ઞાનમાં નવે તત્ત્વોને જ્ઞાની જાણે છે, પણ તેમાં ક્યાંય
રાગાદિની અધિકતા થતી નથી, પોતાના સ્વભાવની જ અધિકતા વર્તે છે, માટે જ્ઞાનીને નવે તત્ત્વોનું જ્ઞાન કરતાં
એક ભગવાન આત્મા જ પ્રકાશમાન છે. જ્ઞાનનું સ્વ–પરપ્રકાશક સામર્થ્ય ખીલ્યું તેમાં નવે તત્ત્વોને જાણવા છતાં
જ્ઞાનીને ચિદાનંદ સ્વભાવનું એકનું જ અવલંબન મુખ્ય વર્તે છે. આવી સ્વ–પરપ્રકાશક ચૈતન્ય સત્તાની સંભાળ
જીવે પૂર્વે કદી કરી નથી; વ્રત–મહાવ્રત પાળ્‌યાં, સાધુ ને આચાર્યપદનું નામ ધરાવ્યું, પણ અંતરમાં હું જ્ઞાનસ્વભાવ
છું એવી ઓળખાણ ન કરી––તેની રુચિ પણ ન કરી, તેથી સંસારમાં જ રખડયો. અરે ભાઈ! આ તારી વાત છે,
પ્રભુ! સાંભળ તો ખરો, ધીરો થઈને અંતરમાં વિચાર તો કર, કે તારું વાસ્તવિક સ્વરૂપ શું છે? આ વાત
સમજ્યા વિના તારા આરા આવે તેમ નથી. જુઓ, જ્ઞાનીની રમત પણ જુદી હોય છે. રામચંદ્રજીને તે ભવે મોક્ષ
જવું છે, તે નાનકડા બાળક હતા ત્યારે રમતમાં એકવાર એવો વિચાર જાગ્યો કે ઉપર સોળ કળાનો ચંદ્ર પ્રકાશે
છે, તે ઉતારીને ગજવામાં નાખું. દિવાનજી તેના વિચાર સમજી ગયા, એટલે હાથમાં દર્પણ આપીને તેમાં ચંદ્ર
બતાવ્યો. ચંદ્ર જોઈને રામચંદ્રજીએ તે ખિસ્સામાં નાંખ્યો. તેમ ઉપર લોકાગ્રે અશરીરી સિદ્ધ ભગવંતો બિરાજે છે;
ધર્મીને સિદ્ધ થવું છે એટલે કહે છે કે હું મારા આત્મામાં સિદ્ધ ભગવંતોને સ્થાપું છું. સિદ્ધભગવંતો ઉપરથી નીચે
આવે તેમ નથી, પણ સિદ્ધ ભગવાન જેવા પોતાના આત્માને દ્રષ્ટિમાં લઈને પોતે પોતાના આત્માની સિદ્ધ દશાને
સાધે છે, ને અલ્પકાળમાં મુક્તિ પામે છે. આ રીતે આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપને લક્ષમાં લઈને તેનું બહુમાન કરવું
અને રાગરહિત અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે.
[સુરેન્દ્રનગરમાં વેદી પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે વૈશાખ સુદી ત્રીજના મંગલદિને પૂ. ગુરુદેવનું પ્રવચન]
* બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા *
સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર દરમિયાન પૂજ્ય
ગુરુદેવ વીંછીયા મુકામે પધાર્યા ત્યારે વૈશાખ વદ
તેરસના રોજ ત્યાંના ભાઈશ્રી જીવરાજ જેચંદ વોરા
તથા તેમના ધર્મપત્ની અંબાબેન––એ બંનેએ સજોડે
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તે માટે
તેમને ધન્યવાદ.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૮૦ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
* ભવનો અભાવ કેમ થાય? *
[ઉમરાળા નગરીમાં જેઠ સુદ ચોથના રોજ
ભગવાનની પ્રતિષ્ઠા પ્રસંગે પરમ પૂજ્ય ગુરુદેવનું પ્રવચન]
ભવનો અભાવ કેમ થાય તેની આ વાત છે. ભાઈ! આવો
મનુષ્ય અવતાર મળ્‌યો તેમાં હવે ભવનો અભાવ થઈ જાય એવો અપૂર્વ
ભાવ તારા આત્મામાં જો પ્રગટ ન કર તો તેં આ મનુષ્ય અવતાર
પામીને શું કર્યું? આત્માના ભાન વગર પુણ્ય–પાપ તો અનંત કાળથી
કરતો જ આવ્યો છે, તે કાંઈ નવું નથી.
આજે અહીં સીમંધર પરમાત્માની પ્રતિષ્ઠાનો દિવસ છે. ભગવાનને એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન અને
આનંદરૂપ શુદ્ધ દશા પ્રગટી, તે શુદ્ધતા ક્યાંથી પ્રગટી? આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ ત્રિકાળ છે, તે
શુદ્ધ સ્વભાવનું અવલંબન લઈને તેના ધ્યાનવડે ભગવાનને પૂર્ણ શુદ્ધદશા પ્રગટી. આત્માની શુદ્ધતામાં રાગનું કે
નિમિત્તોનું અવલંબન નથી, પણ પોતાના શુદ્ધ સ્વભાવનું જ અવલંબન છે. આ પ્રમાણે ઓળખીને ભગવાનની
જેમ પોતે પોતાના આત્માના અવલંબને અંશે શુદ્ધપણું જે પ્રગટ કરે તેણે પરમાર્થે ભગવાનને પોતાના આત્મામાં
સ્થાપ્યા છે. અને વ્યવહારથી ભગવાન પ્રત્યે બહુમાનનો ભાવ આવતાં બહારમાં ભગવાનની સ્થાપના કરે છે,
તેમાં શુભભાવ છે.
અનંતકાળથી આત્મા ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ શું અને તે કેમ ટળે તેની આ વાત
છે––
शुद्धात्शुद्धमशुद्धं ध्यायन्नाप्नोत्यशुद्धमेव स्वम्।
जनयति हेम्नो हैमं लोहाल्लोहं नरः कटकम् ।।१८।।
જગતમાં જેમ સોનામાંથી સોનાના દાગીના થાય છે ને લોઢામાંથી લોઢાના દાગીના થાય છે; તેમ જે જીવ
પોતાના આત્માને શુદ્ધસ્વભાવપણે ધ્યાવે છે તેને શુદ્ધતા પ્રગટે છે, અને જે જીવ અશુદ્ધ આત્માને ધ્યાવે છે તેને
અશુદ્ધતા થાય છે.
આત્માનો સ્વભાવ શુદ્ધજ્ઞાનાનંદ સ્વરૂપ છે, ને પુણ્ય–પાપના વિકાર થાય તે અશુદ્ધભાવો છે. તેમાં જે
શુદ્ધાત્માનું લક્ષ કરીને તેનું ધ્યાન કરે તેને શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે, અને જે જીવ પુણ્ય–પાપ વગેરે અશુદ્ધતાનું
ધ્યાન કરે છે એટલે કે તેનાથી લાભ માને છે તેને અશુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. જેમ સોનામાંથી સોનાના
દાગીનાની ઉત્પત્તિ થાય છે, અને લોઢામાંથી લોઢાના દાગીનાની ઉત્પત્તિ થાય છે, તેમ શુદ્ધતાના ધ્યાનથી
શુદ્ધભાવોની ઉત્પત્તિ થાય છે ને અશુદ્ધતાના ધ્યાનથી અશુદ્ધતાની ઉત્પત્તિ થાય છે. જીવ અનાદિકાળથી ધ્યાન તો
કરી રહ્યો છે; ધ્યાન એટલે એકાગ્રતા; આત્માનો જ્ઞાનાનંદ સ્વભાવ છે તેને ભૂલીને, રાગથી મને લાભ થાય,
શરીરની ક્રિયાથી મને લાભ થાય, અનુકૂળ સંયોગમાં મારું સુખ છે એમ માનીને તેમાં એકાગ્રતા કરે છે તે ઊંધુંં
ધ્યાન છે ને તેનું ફળ સંસાર છે. પણ હું તો દેહથી પાર, ને પુણ્ય–પાપના વિકારથી પણ પાર, શુદ્ધ જ્ઞાનાનંદ
સ્વરૂપ છું એમ શુદ્ધ આત્માને ઓળખીને તેની પ્રીતિ અને એકાગ્રતા કરવી તે શુદ્ધઆત્માનું ધ્યાન છે અને તે
મુક્તિનું કારણ છે. જેને જેની પ્રીતિ હોય તેને તેમાં એકાગ્રતા થયા વિના રહે નહિ. જેને શુદ્ધ આત્માની પ્રીતિ છે
તેને તેમાં એકાગ્રતારૂપી ધ્યાન થાય છે, અને જેને રાગની ને સંયોગની પ્રીતિ છે તેને વિકારમાં

PDF/HTML Page 18 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૮૧ :
એકાગ્રતારૂપી ધ્યાન થાય છે સમ્યગ્દર્શન પણ એક પ્રકારનું ધ્યાન છે. મારો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે,
એમ શુદ્ધ આત્માની પ્રીતિ કરીને તેમાં એકાગ્ર થવાથી જ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર પ્રગટે છે. આ સિવાય
બહારમાં બીજું કરતાં કરતાં ધર્મ થશે એમ અજ્ઞાની લોકો માને છે, પણ અંતરમાં આનંદકંદ આત્મા છે
તેની પ્રીતિ કરીને તેમાં એકાગ્રતા કરવી તે સિવાય બહારમાં બીજો કોઈ હિતનો ઉપાય નથી. જેમ દૂધમાંથી
માવો થાય છે તે ક્યાંથી આવ્યો? અંદર દૂધમાં જ માવો થવાની તાકાત પડી છે. તેમ આત્મામાં પૂર્ણ જ્ઞાન–
આનંદરૂપ પરમાત્મદશા પ્રગટે છે તે ક્યાંથી આવે છે? આત્મામાં જ પરમાત્મા થવાની તાકાત ભરી છે; તે
પરમાત્મસ્વભાવનો મહિમા લાવીને તેનું ધ્યાન કરતાં કરતાં તેમાંથી જ પરમાત્મદશા પ્રગટી જાય છે.
દુનિયાના અજ્ઞાની જીવો અનાદિથી પોતાના સ્વભાવના મહિમાને ભૂલીને, સંયોગનો ને રાગનો મહિમા કરે
છે ને વિકારમાં લીન થઈને સંસારમાં રખડે છે.
જેમ લીંડી પીપરના એકેક દાણામાં ચોસઠપોરી તીખાશની પૂરી તાકાત ભરી છે, તેમ આત્મામાં પરિપૂર્ણ
જ્ઞાન–આનંદની તાકાત ભરી છે પણ તેની ઓળખાણ અને વિશ્વાસ કર્યા વગર, બહારનો મહિમા કરીને
અનંતકાળથી જીવ રખડી રહ્યો છે. ચિદાનંદ સ્વભાવના ભાન વગર ભવનો ભાવ ટળે નહિ, ને ચારે ગતિનું
પરિભ્રમણ મટે નહિ. જેને પુણ્યની રુચિ છે તેને ભવની રુચિ છે. અને જેને ભવની રુચિ છે તેને નરકના
અવતારનો ભાવ પણ પડ્યો જ છે. ભવનો અભાવ કેમ થાય તેની આ વાત છે. ભાઈ! આવો મનુષ્ય અવતાર
મળ્‌યો, તેમાં હવે ભવનો અભાવ થઈ જાય એવો અપૂર્વ ભાવ તારા આત્મામાં જો પ્રગટ ન કર તો તેં આ મનુષ્ય
અવતાર પામીને શું કર્યું? આત્માના ભાન વગર પુણ્ય–પાપ તો અનંતકાળથી કરતો જ આવ્યો છે, તે કાંઈ નવું
નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે––
યમ નિયમ સંયમ આપ ક્યિો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો;
વનવાસ રહ્યો મુખ–મૌન રહ્યો,
દ્રઢ આસન પદ્મ લગાય દીયો.
××× ×××
વહ સાધન વાર અનંત ક્યિો,
તદપિ કછૂ હાથ હજુ ન પર્યો;
અબ કયોં ન વિચારત હૈ મનમેં
કછૂ ઓર રહા ઉન સાધનસે.
અનંત અનંતકાળથી જે ઉપાય કરી રહ્યો છે તેમાં કાંઈક યથાર્થ ઉપાય બાકી રહી જાય છે, તેથી જીવનું
કલ્યાણ થયું નહિ. ભાઈ! તું વિચાર તો ખરો કે અનંત અનંત કાળથી તેં ધર્મનું સાધન માનીને જેટલા ઉપાયો
કર્યા તે બધા ઉપાયો ફોગટ ગયા ને તારું ભવભ્રમણ તો ઊભું જ રહ્યું. ભવભ્રમણનો નાશ થાય એવો શું ઉપાય
બાકી રહી ગયો તેનો પત્તો મેળવ. અનંતા જીવો સર્વજ્ઞ પરમાત્મા થઈ ગયા તેઓ કયા સાધનથી થયા?
બહારના સાધનથી કે રાગના સાધનથી તેઓ પરમાત્મા નથી થયા, પણ અંતરની સ્વભાવશક્તિને ધ્યાવી–
ધ્યાવીને તેમાંથી જ પરમાત્મપણું પ્રગટ કર્યું છે. આવી પરમાત્મશક્તિ તારામાં પણ પડી છે; તેની પ્રતીત વિના
પૂર્વે તેં જે ઉપાયો કર્યા તે બધા નિષ્ફળ ગયા છે. અંતરમાં મારો આત્મા જ પરમાત્મા થવાની તાકાતવાળો છે
એમ સ્વભાવ શક્તિનો વિશ્વાસ કરીને તેનું અવલંબન કર તો ભવનો અભાવ થઈને પરમાત્મદશા પ્રગટ થયા
વિના રહે નહિ.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮૨ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
પૂ. ગુરુદેવના જન્મધામ ઉમરાળા નગરીમાં
જિનબિંબ વેદી પ્રતિષ્ઠા મહોત્સવ


જૈન શાસનના મહાન પ્રભાવક પરમ પૂજ્ય ગુરુદેવના સૌરાષ્ટ્રમાં વિહાર દરમિયાન અનેક ગામોમાં
જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠાના મહોત્સવો ઊજવાયા; તેમાં ભગવાનની વેદી પ્રતિષ્ઠાનો છેલ્લો ઉત્સવ ગુરુદેવની
જન્મભૂમિ ઉમરાળા નગરીમાં ઊજવાયો. જેઠ સુદ બીજથી ચોથ સુધી આ ઉત્સવ ઘણા ઉલ્લાસપૂર્વક ભવ્ય રીતે
ઊજવાયો હતો. જે ઘરમાં પૂ. ગુરુદેવનો જન્મ થયો હતો. તે ઘરના ઉપરના ભાગમાં આસરનું નાનું સુંદર
ચૈત્યાલય થયું છે, તે ઘણું સુશોભિત કારીગરીવાળું અને આકર્ષક છે; અને તેમાં બિરાજમાન થયેલા સીમંધર
ભગવાનના પ્રતિમાજી પણ અતિશય સુંદર, પ્રશાંતમુદ્રાધારક છે, તે જોનાર ભક્તોનાં હૈયાને પોતાના તરફ
આકર્ષી લે છે.
જેઠ સુદ બીજથી વેદી પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ; જન્મધામના નીચેના ચોકમાં વેદી પ્રતિષ્ઠા
માટેનો ખાસ મંડપ કરવામાં આવ્યો હતો. પ્રથમ રથયાત્રા કાઢીને શ્રી જિનેન્દ્રભગવાનને વેદીમંડપમાં
બિરાજમાન કર્યા હતા અને ઝંડારોપણ થયું હતું, તેમજ વીસવિહરમાન પૂજનનો પ્રારંભ થયો હતો. પૂજ્ય ગુરુદેવ
પણ આ દિવસે જ ઉમરાળામાં પધાર્યા હતા, ગુરુદેવનું સ્વાગત કરવા માટે ભક્તોનો ઉમંગ સમાતો ન હતો.
સાંજે વીસવિહરમાન પૂજનની પૂર્ણાહૂતિ બાદ જિનેન્દ્ર અભિષેક થયો હતો.
જેઠ સુદ ત્રીજના રોજ વેદી પ્રતિષ્ઠા માટે આચાર્યઅનુજ્ઞા વિધિ થઈ; તેમાં ઉમરાળાના ભક્તજનોએ
વેદીપ્રતિષ્ઠા ઉત્સવ માટે પૂ. ગુરુદેવની આજ્ઞા લીધી હતી, તેમજ ગુરુદેવના પરમ પ્રતાપે ઉમરાળાના આંગણે
જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો આવો સુઅવસર પ્રાપ્ત થયો તે માટે ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો; ત્યાર પછી
ઈન્દ્રપ્રતિષ્ઠા થયા બાદ પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું, ગુરુદેવનું પ્રવચન સાંભળવામાં ઉમરાળાની ગ્રામ્યજનતા
પણ ઉમળકાભેર રસ લેતી હતી. ઉમરાળાના ખેડૂત લોકો પણ ગુરુદેવ પાસે આવી આવીને પોતાનો આનંદ
વ્યક્ત કરતા હતા. પ્રવચન બાદ જલયાત્રા નીકળી હતી. બપોરે યાગમંડલવિધાન પૂજા થઈ, આ પૂજનમાં
કેટલોક વખત પૂ. ગુરુદેવ પણ પધાર્યા હતા, તેથી ભક્તોને ઘણો હર્ષ થયો હતો. સાંજે જિનમંદિર–વેદી–કલશ
તથા ધ્વજની શુદ્ધિ પૂ. બેનશ્રીબેનજીના પવિત્ર હસ્તે થઈ હતી. પૂ. બેનશ્રીબેને શુદ્ધિની ક્રિયા ઘણા ઉમંગ અને
ભક્તિભાવપૂર્વક કરી હતી; એ દ્રશ્ય જોઈને ભક્તોને પણ ઘણો આનંદ થયો હતો.
પરમ પૂ. ગુરુદેવના મંગલ જન્મથી જે સ્થાન પાવન થયું છે તે સ્થાનમાં એક ઘણું ભવ્ય સુશોભિત
ગુલાબી અખંડ પાષાણનું કમળ સ્થાપિત કરવામાં આવ્યું છે, તે કમળ ઉપર મંગલકારી સ્વસ્તિક કોતરેલ છે.
ઉપરની વેદીશુદ્ધિ બાદ, પૂ. બેનશ્રીબેને પોતાના પવિત્ર કરકમળથી આ કમળ તથા સ્વસ્તિકની પણ શુદ્ધિ ઘણા
ઉલ્લાસપૂર્વક કરી હતી.
જેઠ સુદ ચોથના રોજ સવારે પરમ પૂજ્ય ગુરુદેવના મંગળ કરકમળથી, જન્મધામના ચૈત્યાલયમાં
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા થઈ. આ પ્રસંગે ભક્તજનોને ઘણો જ આનંદ અને ઉલ્લાસ થતો હતો. એક તો
ગુરુદેવનું જન્મધામ, અને તેમાં સીમંધરનાથની પધરામણી! સીમંધરનાથના લાડકવાયા લઘુનંદન કહાનગુરુદેવ
અત્યંત ભક્તિપૂર્વક ભગવાનને પોતાના આંગણે પધરાવતા હતા. અહો! ભક્તના ઘરે ભગવાન પધાર્યા...
ગુરુદેવના આંગણે ભગવાન પધાર્યા... એ પ્રસંગના ઉલ્લાસનું શું કહેવું? ભક્તજનો રત્નવૃષ્ટિ કરીને ભગવાનને
વધાવતા હતા. (રત્નવૃષ્ટિ કરવા માટે શ્રી. મહેન્દ્રકુમારજી ઝવેરી મુંબઈથી રત્નો વગેરે પોતાની સાથે લાવ્યા
હતા.) ગુરુદેવે પણ ભક્તિનાં ઉલ્લાસપૂર્વક હાથમાં રત્નો લઈને, હૈયાના હાર પ્રભુજીને ભાવપૂર્વક વધાવ્યા
હતા... આ ભક્તિભર્યું દ્રશ્ય જોઈને ભક્તોના હૈયાં ભક્તિથી ઉલ્લાસી જતાં હતાં. એ રીતે ઘણા જ

PDF/HTML Page 20 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૮૩ :
ઉલ્લાસ અને ભક્તિપૂર્વક ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી. ઉમરાળામાં શ્રી સીમંધર ભગવાન ઉપરાંત બીજા શ્રી
આદિનાથભગવાનના પ્રતિમાજી બિરાજમાન છે.
ઉપરના ભાગમાં ચૈત્યાલયમાં જિનેન્દ્રભગવંતોની મંગલ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ, નીચેના ભાગમાં પૂ.
ગુરુદેવના જન્મસ્થાને મંગલ કમળ તથા સ્વસ્તિકનું સ્થાપન અત્યંત ભક્તિપૂર્વક પૂ. બેનશ્રીબેનના હસ્તથી થયું
હતું; આ પ્રસંગે અપાર ભક્તિદ્વારા ગુરુદેવના પરમ ઉપકારને ભક્તજનો વ્યક્ત કરી રહ્યા હતા.
પ્રતિષ્ઠા બાદ શ્રી જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા ઘણી જ ભવ્ય હતી,
આસપાસના અનેક ગામોના લોકો આ રથયાત્રા જોવા માટે ઉમરાળા આવ્યા હતા. રથયાત્રામાં હાથી ઉપર
બિરાજમાન જિનેન્દ્રદેવ અને ઉપર આકાશમાં વિમાન ફરતું હતું––એ અદ્ભુત દ્રશ્ય જોઈને ભક્તોને ઘણો આનંદ
થતો હતો. પૂ. ગુરુદેવ પણ રથયાત્રામાં સાથે પધાર્યા હતા. સાંજે ખાસ ભક્તિ કરવામાં આવી હતી. “ઉજમબા
સ્વાધ્યાય ગૃહ” માં ભગવાનને પધરાવીને ત્યાં પ્રથમ માંગળિક રૂપે ગુરુદેવે ભક્તિ કરાવી હતી. ત્યારબાદ પૂ.
બેનશ્રીબેને ઘણી ઉલ્લાસ ભરી ભક્તિ કરાવી હતી. આ ભક્તિ બાદ જન્મભૂમિસ્થાનમાં પણ પૂ. બેનશ્રીબેને
અદ્ભુત ભક્તિ કરી હતી સાંજે શાંતિયજ્ઞ પણ થયો હતો. જેઠ સુદ પાંચમના રોજ શ્રુત પંચમી નિમિત્તે શ્રુતપૂજન
થયું હતું.
આ રીતે ઉમરાળા નગરીમાં ઘણા ઉલ્લાસપૂર્વક ભગવાનનો વેદી પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. આ
માટે ઉમરાળાના ભાઈઓ––ખાસ કરીને કુંવરજીભાઈ, આણંદજીભાઈ તથા ધીરજલાલભાઈ (ફાવાભાઈ)
વગેરેને ધન્યવાદ ઘટે છે.
ઉમરાળામાં પૂ. ગુરુદેવ એકંદર ચાર દિવસ રહ્યા હતા. જેઠ સુદ છઠ્ઠના રોજ સવારમાં ભગવાનની મંગલ
સ્તુતિ બાદ, ઉમરાળાથી વિહાર કરીને પૂજ્ય ગુરુદેવ તીર્થધામ સોનગઢ પધાર્યા... એ રીતે અનેક મંગલકાર્યોપૂર્વક
આ વિહારની પૂર્ણતા થઈ.
અત્યાર સુધી શું કર્યું?
ભગવાન સર્વજ્ઞદેવ કહે છે કે અરે આત્મા! પૂર્વના અનંત
અનંત કાળના સંસાર પરિભ્રમણમાં તેં તારા આત્માનું
સમ્યક્દર્શન અને સમ્યગ્જ્ઞાન એક સેકંડ પણ કર્યું નથી. જો
એક સેકંડ પણ આત્માનું સમ્યક્દર્શન કરે તો આ સંસાર
પરિભ્રમણનો નાશ થયા વિના રહે નહિ. ભગવાન! તેં તારા
ચૈતન્યની જાતને જાણ્યા વિના, ધર્મીપણાનું અભિમાન કર્યું છે,
પુણ્ય પરિણામ કરીને મેં ધર્મ કર્યો એમ તેં માન્યું છે ને જડની
ક્રિયા મારાથી થાય છે એવું પરનું અભિમાન કર્યું છે, પણ
જડથી ભિન્ન ને પુણ્ય–પાપથી ભિન્ન તારું જ્ઞાનાનંદસ્વરૂપ શું
છે તેને તેં કદી ઓળખ્યું નથી. તે ચૈતન્ય તત્ત્વની ઓળખાણ
વગર સમ્યગ્દર્શન થાય નહિ ને સમ્યગ્દર્શન વગર ભવભ્રમણ
મટે નહિ. માટે જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માને જાણીને સમ્યગ્દર્શન
કેમ થાય તેનો ઉપાય કરવો જોઈએ.