Atmadharma magazine - Ank 013
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૧૩
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
નૂતન વર્ષે
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.
૧ વિશ્વની કોઈપણ શક્તિ
સત્યને રોકવા સમર્થ નથી.
૨ જૈનધર્મ એ વસ્તુસ્વરૂપ
બતાવનાર વિશ્વધર્મ છે.
૩ સર્વસિદ્ધિની પ્રાપ્તિ
પુરુષાર્થથી જ છે.
૪ જૈનો કર્મવાદી નથી,
પણ સ્વભાવવાદી છે.
પ આત્મધર્મની ઉન્નતિ
હો! ઉન્નતિ હો!
૬ ધર્મ તો વસ્તુનું સ્વતંત્ર
સ્વરૂપ છે, ધર્મ પરાધીન નથી.
૭ જેણે શાસનનો
જયજયકાર વરતાવી દીધો છે, એવા
સ્વરૂપસ્થિત શ્રી સદ્ગુરુદેવનો
પ્રભાવના ઉદય જગતનું કલ્યાણ
કરો! જયવંત વર્તો!
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
‘પરથી મને લાભ થાય અથવા કર્મ મને રખડાવે’
એ માન્યતા જ જન્મ મરણનું કારણ છે.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું વ્યાખ્યાન. લાઠી ચૈત્ર સુદ ૧૪

ત્રિકાળ અબાધિત સિદ્ધાંત છે કે એક તત્ત્વની બીજા તત્ત્વમાં દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવે નાસ્તિ છે. ‘આત્મા
છે’ એમ કહેતાં અનંત પરની (રાગ–દ્વેષ અને કર્મ એ પણ પર છે તેની પણ) આત્મામાં નાસ્તિ છે–એમ થયું. જે
પરપણે પોતે નથી તે પોતાને લાભ–નુકશાન કેમ કરી શકે? જે આત્માને પરથી કાંઈપણ લાભ નુકશાન માને
તેને પરથી જુદા આત્મતત્ત્વની શ્રદ્ધા જ નથી.
પ્રશ્ન:– ઉપર કહ્યું કે એક તત્ત્વની બીજા તત્ત્વમાં નાસ્તિ છે, પણ જો આત્મામાં કર્મ ન હોય તો આત્મા
રઝળે કેમ?
ઉત્તર:– કર્મની તો આત્મામાં ત્રિકાળ નાસ્તિ જ છે. પણ આત્માની ક્ષણિક વિકારી માન્યતા છે કે ‘પરથી
મને લાભ થાય અથવા તો કર્મ મને રખડાવે’ એ માન્યતા જ જન્મ–મરણનું કારણ છે. પોતાની ઊંધી માન્યતાથી
જ આત્મા રઝળ્‌યો છે. કર્મે રઝળાવ્યો નથી. આત્માના સ્વભાવમાં જન્મ–મરણની નાસ્તિ છે, આત્માને લાભ
કરનાર પોતાનો અંતર સ્વભાવ અને નુકશાન કરનાર ક્ષણિક વિકારી પર્યાય છે. નુકશાન ક્ષણિક પર્યાયમાં છે.
સ્વરૂપમાં નુકશાન નથી. આત્માને પરથી તો લાભ–નુકશાન છે જ નહીં.
પ્રશ્ન:– જો પરથી નુકશાન નથી અને સ્વરૂપમાં નુકશાન છે નહીં; તો નુકશાનનું કારણ કોણ?
ઉત્તર:– પોતાનો સ્વતંત્ર સ્વભાવ ન માનતાં કોઈ પર હોય તો મને લાભ થાય, વૃષભનારાચ
સંહનનવાળું શરીર હોય તો કેવળજ્ઞાન થાય એવી ઊંધી માન્યતાનો ક્ષણિક અવસ્થા પૂરતો વિકારી ભાવ
નુકશાનનું કારણ છે. તો પણ ક્ષણિક અવસ્થા પૂરતા રાગ–દ્વેષ તે ત્રિકાળી સ્વભાવને નુકશાન કરવા સમર્થ નથી.
પ્રશ્ન:– આત્માને સંસાર પરિભ્રમણ કેમ છે?
ઉત્તર:– પર મને લાભ–નુકશાન કરે એવી ‘નાસ્તિની અસ્તિ’ અને મને મારું સ્વરૂપ જ લાભ કરે છે
એવી ‘અસ્તિની શ્રદ્ધાની નાસ્તિ’ એ માન્યતા જ પરિભ્રમણનું કારણ છે.
રાગદ્વેષ ક્ષણિક છે, બે સમયના રાગ–દ્વેષ કદી ભેગા થતા નથી. એક સમયના રાગ–દ્વેષ બીજે સમયે નાશ
પામે છે, અને ત્રિકાળ સ્વભાવ તો નિરંતર પડ્યો જ છે. ક્ષણિક રાગદ્વેષ ભાવ ત્રિકાળ સ્વરૂપનો નાશ ન કરી
શકે–અને ત્રિકાળ સ્વરૂપ તે ક્ષણિક વિકારનો નાશ કરનાર છે, એ ત્રિકાળ સ્વરૂપની દ્રષ્ટિ તે જ સમ્યગ્દર્શન!
નિત્યના જોરે અનિત્યનો નાશ થઈ શકે છે, પણ અનિત્ય કદી નિત્યને નુકશાન પહોંચાડી શકતું નથી.
પ્રભુ! તારી પ્રભુતાની વાત એકવાર કાને તો પડવા દે? તેં તારી પ્રભુતા જાણી નથી, અને અનાદિનું જોર
ક્ષણિક ભાવ ઉપર રાખ્યું છે. નિત્ય સ્વરૂપ ઉપર જોર જ નથી લાવ્યો એ જ જન્મ–મરણની જડ અર્થાત્ મૂળીયું છે.
સ્વભાવમાં જન્મ–મરણ નથી અને જન્મ–મરણનું કારણ એવા રાગ–દ્વેષ ભાવ પણ સ્વભાવમાં નથી.
જન્મનું કારણ આત્માનો સ્વભાવ નથી તેમજ જન્મનું કારણ પરવસ્તુ પણ નથી; જન્મ–મરણનું કારણ ક્ષણિક
અવસ્થામાં ભ્રાંતિ હતી તે હતું, તે ભ્રાંતિ તૂટી કે ભવ અને ભવનો ભાવ મારા સ્વરૂપમાં નથી. એવી શ્રદ્ધામાં
જ્યાં ભ્રાંતિનો નાશ થયો ત્યાં જન્મ–મરણ છે જ નહીં.
જગત માને કે ન માને પણ આ ત્રિકાળ સત્ય છે; સત્ય કોઈને આશ્રયે ટકયું નથી, પણ વસ્તુનો સ્વભાવ
જ એવો છે. સમકિતીને હા આવી છે સ્વભાવની અને ના આવી છે વિભાવની! હું સચ્ચિદાનંદ શાંતિ સ્વરૂપ
અનંતગુણોના પિંડરૂપ એક છું–તે એકરૂપની જેને શ્રદ્ધા છે તેને જન્મ–મરણના નાશની શંકા રહેતી નથી, અર્થાત્
તેને જન્મ–મરણ હોતાં જ નથી.
પ્રભુ! તારા પ્રભુત્ત્વની હા તો પાડ! આ ટાણે તારા સ્વરૂપને નહીં સમજ તો આંખો મીંચાતા ક્યાં ચાલ્યો
જઈશ! સાચી સમજણનાં આવાં ટાણાં દુર્લભ છે. માટે આ ટાણે સ્વરૂપને ઓળખી લે!

PDF/HTML Page 4 of 17
single page version

background image
: કારતક : ૨૦૦૧ આત્મધર્મ : ૩ :
વીર પ્રભુજી મોક્ષ પધાર્યા ગૌતમ કેવળજ્ઞાન રે,
વીરજીનું શાસન ઝુલે રે.
દેવ દેવેન્દ્ર મહોત્સવ કરે જ્યાં દિન દિવાળી ઉજવાય રે,
વીરજીનું શાસન ઝુલે રે.
શૈલેશી કરણે ચડયા પ્રભુજી અયોગી પદ ધર્યું આજ રે,
વીરજીનું શાસન ઝુલે રે.
સર્વે કર્મનો ક્ષય કરીને સિદ્ધપદ પ્રાપ્ત થાય રે,
વીરજીનું શાસન ઝુલે રે.
પાવાપુરી સિદ્ધક્ષેત્ર પ્રભુજી સમશ્રેણી કહેવાય રે,
વીરજીનું શાસન ઝુલે રે.
પંચ કલ્યાણક સુરપતિ ઉજવે સ્વર્ગેથી ઉતરી આજ રે,
વીરજીનું શાસન ઝુલે રે.
અખંડાનંદ સ્વરૂપ પ્રગટાવી પહોંચ્યા શિવપુર ધામ રે,
વીરજીનું શાસન ઝુલે રે.
દેવદુદુંભી વાજીંત્ર વાગે નિર્વાણ મહોત્સવ થાય રે,
વીરજીનું શાસન ઝુલે રે.
ત્રીસ વર્ષ પ્રભુ દિવ્ય ધ્વનિનો અપૂર્વ છુટયો ધોધ રે,
વીરજીનું શાસન ઝુલે રે.
ધ્વનિ સૂણીને ભવ્ય જીવોના હૃદયપટ પલટાય રે,
વીરજીનું શાસન ઝુલે રે.
વીરના વારસ કહાન પ્રભુજી વર્તાવે જય જયકાર રે,
વીરજીનું શાસન ઝુલે રે.
(જિનેન્દ્ર સ્તવન મંજરી પાનું – ૨૬૨)

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૪ : આત્મધર્મ ૨૦૦૧ : કારતક :
ક્રમબદ્ધ પર્યાયનું સ્પષ્ટીકરણ
(આત્મધર્મના પર્યુષણ અંક ૧૦–૧૧ માં આવેલા ‘ક્રમબદ્ધ પર્યાય’ લેખનું સવિશેષ સ્પષ્ટીકરણ)
પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવના શ્રી સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર
ગાથા ૩૦૮ થી ૩૧૧ ના વ્યાખ્યાનમાંથી
(માગશર સુદ ૩ સંવત્ ૨૦૦૦)
જે કાંઈ કાર્ય થાય તે કર્તાને આશ્રયે હોય, અને કર્તા તે કાર્યને આશ્રયે હોય, કાર્યને અવલંબીને કર્તા
હોય, પણ કાર્ય ક્યાંક થાય, અને કર્તા ક્યાંક રહી જાય એમ ન બને. જડની અવસ્થાને આશ્રયે જડ અને
આત્માની અવસ્થાને આશ્રયે આત્મા હોય, કર્તા જુદો રહી જાય અને અવસ્થા જુદી રહી જાય તેમ ન બને. કર્તા
અને કાર્ય ચૈતન્યના ચૈતન્યમાં, અને જડના જડમાં, સ્વતંત્ર છે કોઈ પરદ્રવ્ય કોઈ પરદ્રવ્યની હાલત ફેરવવા
સમર્થ નથી.
જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું જીવ જ છે અજીવ નથી. ભગવાન આત્મામાં
ક્રમબદ્ધ એક સમય પછી બીજા સમયની પર્યાય અને બીજા સમય પછી ત્રીજા સમયની પર્યાય એમ ક્રમેક્રમે
ઉત્પન્ન થાય છે, એક સમયમાં બધી ત્રણેકાળની પર્યાય આવી જતી નથી. આત્મા અનાદિ અનંત છે તેમાં
અનાદિકાળની જેટલી અવસ્થા થાય છે તે એક પછી એક થાય છે, વસ્તુમાંથી ક્રમબદ્ધપણું છૂટતું નથી. આત્મામાં
જ્ઞાનાદિ અનંતગુણો છે તેમાં એક ગુણની એક સમયમાં એક અવસ્થા હોય છે, અનંતાગુણોની થઈને એક
સમયમાં અનંતી અવસ્થા હોય છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અસ્તિત્વ, વસ્તુત્વ, આદિ આત્મામાં અનંતગુણો છે,
દરેક ગુણ સમય સમયમાં બદલે છે; ગુણ બદલે નહીં તેમ બને નહીં માટે દરેક ગુણો સમય સમયે ક્રમબદ્ધ બદલે
છે. પણ ગુણોની ત્રણેકાળની બધી અવસ્થા એક સાથે આવી જતી નથી.
અનંતગુણનો પિંડ તે વસ્તુ છે. વસ્તુમાં જે અવસ્થા થાય છે તે એક પછી એક થાય છે, ક્રમબદ્ધ થાય છે,
ક્રમસર થાય છે, ક્રમવાર થાય છે.
આત્મામાં જે અવસ્થા થાય છે તેમાં આત્મા પોતે ક્રમસર પરિણમતો થકો પોતે જ છે, બીજી કોઈ ચીજ
પરિણમતી નથી. કર્તા આત્મા અને એની અવસ્થા તે એનું કાર્ય, તે કાર્ય આત્મામાં ક્રમસર થાય છે, જોડેવાળો
બીજો માણસ કરે શું? બીજો બીજાની અવસ્થાને કરે તો વસ્તુ પરાધીન થઈ જાય. જોડે તીર્થંકર ઊભા હોય તો
પણ શું કરે? પોતાની રુચિ પોતા વડે જો સ્વભાવમાં ગઈ તો સ્વભાવની ક્રમબદ્ધ અવસ્થા થાય છે, અને પોતાની
રુચિ જો પરમાં ગઈ તો વિકારની ક્રમબદ્ધ અવસ્થા થાય છે તેમાં બીજો શું કરે?
પોતે પોતાની અવસ્થાથી ઉપજતો થકો પોતે જ છે બીજો કોઈ નથી. કર્મ કારણ અને આત્મા કાર્ય છે
એમ નથી, પોતે જ પોતાનું કારણ અને પોતે જ પોતાનું કાર્ય છે.
જડમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે. જેમ માટીમાંથી ઘડો થવાની પર્યાય જે થાય છે તે ક્રમબદ્ધ થાય છે,
તેમાં કુંભાર કાંઈ કરી શકતો નથી. માટે અજીવનો કર્તા જીવ નથી, પણ અજીવ પોતાની અવસ્થાથી એક પછી
એક ઉપજતું થકું અજીવ જ છે.
પોતાની ક્રમસર અવસ્થા થાય છે એવી જેને પ્રતિતી થઈ તેને પર મારું કરી દે છે એવો ભાવ ટળી જાય
છે. એમાં અનંતા જીવ અને અનંતા જડ મારું કરી દે છે એવી પરાધિનતાની દ્રષ્ટિ ટળી જાય છે. આ મહા સૂક્ષ્મ
વાત છે. આ કર્તા–કર્મનો મહા સિદ્ધાંત છે.
વસ્તુમાં પર્યાય એક પછી એક ક્રમસર થાય છે તેનો કર્તા બીજો કોઈ નથી પોતે જ છે. બંધ ટાણે મુક્તિ
ન હોય અને મુક્તિ ટાણે બંધ ન હોય, તે પર્યાય એક પછી એક હોય, પરંતુ બન્ને સાથે ન હોય. વસ્તુ તો કાયમ
એકરૂપ છે તેમાં એક પછી એક એવો ક્રમ પડતો નથી. માટે વસ્તુ તે અક્રમ છે; અને પર્યાય તે ક્રમરૂપ છે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: કારતક : ૨૦૦૧ આત્મધર્મ : ૫ :
કેવળજ્ઞાનની પર્યાય પહેલાંં આવે અને સમ્યગ્દર્શનની પર્યાય પછી આવે, એમ આડી અવળી પર્યાય ન
પ્રગટે પણ સમ્યગ્દર્શન પહેલાંં થાય અને કેવળજ્ઞાન પછી જ થાય એમ ક્રમસર પર્યાય પ્રગટે એવો વસ્તુનો
સ્વભાવ જ છે.
પુરુષાર્થને સ્વીકાર્યા વગર, પુરુષાર્થને ઉપાડ્યા વિના, મોક્ષમાર્ગ તરફની ક્રમબદ્ધ પર્યાય થતી નથી અને
મોક્ષની પણ ક્રમબદ્ધ પર્યાય થતી નથી.
જેના જ્ઞાનમાં પુરુષાર્થનો સ્વીકાર નથી તે પુરુષાર્થને પોતાવડે ઉપાડતો નથી અને તેથી તેને પુરુષાર્થ
વિના સમ્યકદર્શન નહીં થાય અને કેવળજ્ઞાન પણ નહીં થાય. જે પુરુષાર્થને સ્વીકારતો નથી તેને નિર્મળ ક્રમબદ્ધ
પર્યાય નહીં થાય, પણ વિકારી ક્રમબદ્ધ પર્યાય થયા કરશે.
જે અવસ્થા જે વસ્તુમાંથી થાય તે વસ્તુ ઉપર દ્રષ્ટિ મૂકવાથી મુક્તિ થાય છે, પર દ્રવ્ય મારી અવસ્થા કરી
દેશે, એવી દ્રષ્ટિ તૂટી જવાથી, વસ્તુ ઉપર દ્રષ્ટિ મૂકવાથી રાગ થતો નથી વસ્તુની ક્રમબદ્ધ અવસ્થા થાય છે એમ
દ્રષ્ટિ થતાં પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, અને જ્ઞાતા દ્રષ્ટાના જોર વડે અસ્થિરતા છૂટીને સ્થિર થઈ અલ્પ કાળે
મુક્તિ થાય છે. આમાં અનંતો પુરુષાર્થ છે.
પુરુષાર્થ વડે સ્વરૂપ દ્રષ્ટિ કરવાથી અને તે દ્રષ્ટિ વડે સ્વરૂપમાં રમણતા કરવાથી ચૈતન્યમાં શુદ્ધ ક્રમબદ્ધ
પર્યાય થાય છે, તે શુદ્ધ ક્રમબદ્ધ પર્યાય પ્રયત્ન વિના થતી નથી.
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે તેમાં પણ ચૈતન્યના વીર્યની ઉગ્રતાનું કારણ છે, પરંતુ અંતર્મુહૂર્તમાં પણ
બધી પર્યાય ક્રમસર જ થાય છે. કોઈ પર્યાય આડી અવળી થતી નથી, પહેલાંં થવાની હોય તે પર્યાય પછી થાય,
અને પછી થવાની હોય તે પર્યાય પહેલાંં થાય તેમ બનતું નથી. જેમકે પહેલાંં કેવળજ્ઞાન થાય અને પછી
વીતરાગતા થાય તેમ બનતું નથી, પરંતુ જે પર્યાય જેમ થવાની હોય તેમ જ થાય છે; તેમ બધી પર્યાય એક સાથે
પણ થતી નથી સમ્યગ્દર્શનની પર્યાય અને કેવળજ્ઞાનની પર્યાય વચ્ચે અંતર્મુહૂર્તનું આંતરૂં તો પડે જ છે, પરંતુ
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થયું તે કોઈએ કરી દીધું નથી; એની મેળે કાળલબ્ધિ પાકી તેથી થયું તેમ નથી. પરંતુ
ચૈતન્યના ઉગ્ર પુરુષાર્થનું તે કાર્ય છે.
ચૈતન્યના એક ક્ષણના પુરુષાર્થની ઉગ્રતામાં પાંચે સમવાય આવી જાય છે. વસ્તુ ઉપર યથાર્થ દ્રષ્ટિ થઈ તે
પુરુષાર્થ વડે થઈ તે પુરુષાર્થ–૧. તે પુરુષાર્થ વડે જે સ્વભાવ હતો તે પર્યાય પ્રગટી તે સ્વભાવ–૨. જે વખતે
પર્યાય પ્રગટી તે સ્વકાળ એટલે કે કાળ–૩. અને પુરુષાર્થ વડે જે પર્યાય થવાની હતી તે થઈ તે નિયત–૪. અને
સ્વભાવ પર્યાય પ્રગટતી વખતે જે કર્મનો અભાવ થયો તે કર્મ–પ. ચાર સમવાય અસ્તિરૂપે પોતામાં આવી જાય
છે અને છેલ્લું કર્મનો અભાવ તે નાસ્તિ પરિણમનરૂપે પોતામાં આવી જાય છે. આમાં બધા સિદ્ધાંત આવી ગયા.
વસ્તુની પર્યાય પ્રગટવામાં પાંચ કારણ હોય છે તે બધામાં પુરુષાર્થ મુખ્ય છે. જેવી વીર્યની ઉગ્રતા કે
મંદતા હોય છે તે પ્રમાણે કાર્ય આવે છે.
જે પુરુષાર્થ કરે તેને બીજા ચારે કારણો આવી જાય છે, જે પુરુષાર્થને સ્વીકારતો નથી એને એકે કારણ
લાગુ પડતા નથી.
પ્રથમ સમ્યગ્દર્શન થવામાં અનંતો પુરુષાર્થ છે. સમ્યગ્દર્શન થતાં અનંતો સંસાર કાપી નાખ્યો, સમ્યગ્દર્શન
થ્યું ત્યાં અનંતુ પરાક્રમ પ્રગટ્યું, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ છે. વસ્તુદ્રષ્ટિના જોરમાં અવશ્ય વીતરાગ થવાનો છે,
અવશ્ય કેવળજ્ઞાન લેવાનો છે. વસ્તુદ્રષ્ટિના જોરમાં પ્રયત્ન વડે સ્થિર થાય છે, અને પછી–વીતરાગ થાય છે.
વસ્તુની પર્યાયનો આધાર દ્રવ્ય છે તેમાં પરનો આધાર નથી, એવી જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં જે ઠેકાણેથી
પર્યાય થાય છે ત્યાં જોવાનું રહ્યું. પર વડે મારી પર્યાય થાય છે એવા રાગનો વિકલ્પ ટળ્‌યો, વીતરાગ દ્રષ્ટિ થઈ,
અનંતી પર્યાયનો પિંડ ભરચક દ્રવ્ય પડ્યું છે તેના ઉપર દ્રષ્ટિ જતાં વિકારની દ્રષ્ટિ ટળી જાય છે, પરાશ્રય દ્રષ્ટિ
ટળતાં અંદર ક્રમબદ્ધ પર્યાયથી ભરચક દ્રવ્ય છે તેના ઉપર મીટ માંડતા પુરુષાર્થ વડે ક્રમબદ્ધ પર્યાય ઉઘડયા કરે
છે. ઉગ્ર વીર્ય કે મંદ વીર્યના કારણ પ્રમાણે જે વખતે જે પર્યાય થઈ તેનો તે સ્વકાળ છે. બીજો કોઈ કાળ ચૈતન્યને
અટકાવતો નથી. કોઈ કહેશે કે કોઈ ઉગ્ર પુરુષાર્થ કરે કોઈ મંદ પુરુષાર્થ કરે તેનું શું કારણ? તેનું કારણ ચૈતન્યનું
પોતાનું છે. ઉગ્ર કે મંદ પુરુષાર્થે પોતે પરિણમ્યો છે, પુરુષાર્થને

PDF/HTML Page 7 of 17
single page version

background image
આત્મધર્મની પ્રભાવના કરો
: ૬ : આત્મધર્મ ૨૦૦૧ : કારતક :
ઉગ્ર કરવો કે મંદ કરવો તેમાં ચૈતન્ય પોતે સ્વતંત્ર છે, તેમાં કર્મનું કારણ નથી, કોઈ પરનું કારણ નથી, કાળનું
કારણ નથી, અકારણ પારિણામીક દ્રવ્યને કોઈનું કારણ લાગુ પડતું નથી. કર્મ તો નિમિત્ત માત્ર છે. પોતે અકારણ
પારિણામીક દ્રવ્ય છે તેમાં કોઈનું કારણ લાગુ પડતું નથી. કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને અટકાવતું નથી, જો અટકાવે તો
દ્રવ્ય પરાધીન થઈ જાય.
દ્રવ્યમાં અનંતગુણો છે અને તેની અનંતી પર્યાય છે તે બધી પર્યાય સમય સમયે ક્રમબદ્ધ થાય છે, તેવા
દ્રવ્ય સ્વભાવની શ્રદ્ધા તે પુરુષાર્થ વડે થાય છે, તેવા શ્રદ્ધા, જ્ઞાન થતાં પુરુષાર્થ સ્વભાવ તરફ વળ્‌યો પરાશ્રય ટળી
ગયો, કર્મનો, કાળનો, ગુરુનો, દેવનો અને પુસ્તકનો આશ્રય દ્રષ્ટિમાંથી છૂટી ગયો અને મારી અવસ્થા મારામાં
મારા કારણે થાય છે. એમ પ્રતિત થઈ. આત્મામાં પર્યાય એક પછી એક પોતામાંથી થાય છે એમ પ્રતિત થતાં
પરદ્રવ્યનો આશ્રય ટળ્‌યો તે પુરુષાર્થ થયો, તે પુરુષાર્થ દ્વારા જે સ્વભાવ પ્રગટ્યો તે સ્વભાવ, વગેરે પાંચે
સમવાય એક પુરુષાર્થ કરતાં આવી જાય છે.
પોતાના દ્રવ્યમાં બધી ક્રમસર અને ક્રમવાર અવસ્થા થાય છે આડી અવળી થતી નથી એમ પ્રતિત થઈ
એટલે દુશ્મનનો અને મિત્રનો પરાશ્રય ગયો. વસ્તુ ઉપર દ્રષ્ટિ જતાં અનંત પરાક્રમ ખીલ્યું. જેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ
છે તે વસ્તુમાં અને પર્યાયમાં ભેદ ભાળતો નથી, વસ્તુ ને વસ્તુની પર્યાય વચ્ચે ભેદનો વિકલ્પ રહેતો નથી. વસ્તુ
ઉપર દ્રષ્ટિ જતાં મુક્તિ ક્યારે થશે તેવો આકુળતા અને ખેદનો વિકલ્પ ટળી જાય છે, વિકલ્પ ગયો પછી દ્રવ્ય
અને પર્યાયમાં ભેદ ભાળતો નથી; તેમાં જ્ઞાતા દ્રષ્ટાનું અનંતુ પરાક્રમ આવ્યું. તે જ્ઞાતા દ્રષ્ટાના જોરમાં સ્વરૂપમાં
સ્થિર થઈ મુક્તિની પર્યાય લેશે.
મોક્ષની પર્યાય અને મોક્ષના માર્ગમાં પરાશ્રયપણું નથી, મારામાં જે અવસ્થા થાય છે તે ક્રમસર થાય છે
એમ પરાશ્રય દ્રષ્ટિ ટળી અને સ્વાશ્રય દ્રષ્ટિ થઈ તે અનંતો પુરુષાર્થ થયો. વસ્તુ ઉપર દ્રષ્ટિ જતાં મોક્ષ અને
મોક્ષમાર્ગની પર્યાયમાં ભેદ અને વિકલ્પ રહેતો નથી, આમાં અનંતુ પરાક્રમ છે.
ભગવાન આત્મામાં અનંતાગુણો ભર્યા છે તેમાં દરેક સમયે અવસ્થા ક્રમસર, ક્રમવાર, ક્રમબદ્ધ થાય છે તે
અવસ્થા શરીર કે પર વગેરે કોઈ કરતું નથી એવી સ્વાશ્રય દ્રષ્ટિ થઈ અને ઓશિયાળી દ્રષ્ટિ ટળી ગઈ તે અનંતો
પુરુષાર્થ થયો. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતાં આકુળતાનો વિકલ્પ તૂટી જાય છે, અને જ્ઞાતા દ્રષ્ટાની તીખાશ વડે સ્થિર
થઈ મોક્ષપર્યાયને પામે છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે એટલે તેના જોરમાં મુક્તિની પર્યાય ઝટ થઈ જાય છે, આકુળતાનો
વિકલ્પ તૂટયો એટલે મુક્તિની પર્યાય ઝટ થઈ જાય છે. એક બે ભવમાં મુક્તિ લેવાનો છે.
અજ્ઞાનીને ઊંધી દ્રષ્ટિ છે ત્યાં પણ એની પર્યાય ક્રમસર થાય છે. આવું સમજાય તેને અવળાઈ રહે નહીં.
સાચી સમજણ થઈ ત્યાં આણે આમ કર્યું અને આણે તેમ કર્યું એવા પરના વાંક કાઢવા મટી ગયા. વસ્તુ સામું
જુએ તો વસ્તુમાં રાગ–દ્વેષ નથી. પણ નવો નવો જે રાગ–દ્વેષ થાય છે તે પોતાના ઊંધા પુરુષાર્થ વડે થાય છે,
તેમાં બીજાનો વાંક નથી. જીવની ક્રમબદ્ધ પર્યાયનું ભાન થ્યું એટલે જડની ક્રમબદ્ધ પર્યાયનું પણ ભાન થાય છે.
હવે જડની ક્રમબદ્ધ પર્યાય કહેવાય છે.
શરીરમાં રોગ આવવાનો હોય ત્યારે આવે છે. શરીરમાં રોગ જ્યારે જ્યારે આવે તે તેની ક્રમબદ્ધ
અવસ્થા પ્રમાણે જ આવે છે, તેને ફેરવવા કોઈ સમર્થ નથી.
મકાનની અવસ્થા જેમ ગોઠવાવાની હોય તેમ જ ગોઠવાય છે, એક માળ પછી બીજો માળ, પછી ત્રીજો
માળ તે ક્રમસર જેમ થવાના હોય તેમ થાય છે. આરસ પથરાવાના હોય તો આરસ પથરાય અને કાચ
પથરાવાના હોય તો કાચ પથરાય, તેની અવસ્થા જેમ થવાની હોય તેમ ક્રમબદ્ધ થાય છે.
દૂધમાં ક્રમવાર ખટાશ થવાનું ટાણું હતું ત્યારે તે તેના કારણે થાય છે, કોઈએ ખટાશ કરી નથી. છાશ
આવી માટે ખટાશ થવા માંડી તેમ નથી, પણ તે વખતે દૂધમાં દહીંની અવસ્થા ક્રમસર તે થવાની હતી તેથી તેને
નિમિત્ત મળી જાય છે. દરેકે દરેક પરમાણુ સ્વતંત્ર કાર્ય કરી રહ્યા છે. એક પરમાણુને બીજો પરમાણુ પરિણમાવી

PDF/HTML Page 8 of 17
single page version

background image
: કારતક : ૨૦૦૧ આત્મધર્મ : ૭ :
શકે નહીં. આમાં સ્વતંત્રતાની જાહેરાત કરે છે.
ઉપાદાન દ્રષ્ટિ તે યથાર્થ દ્રષ્ટિ છે. એક વસ્તુ સ્વતંત્ર છે તેમાં બીજો કરી શું શકે? માટીમાંથી ઘડો થાય છે
તે ક્રમ પૂર્વક માટીમાંથી પર્યાય આવે છે. ક્રમપૂર્વક ઘડાની પર્યાય થવાનું ટાણું આવે ત્યારે કુંભાર હોય, છતાં
માટીમાંથી ક્રમબદ્ધ પર્યાય થાય તે તેના માટીના પોતાના કારણે થાય છે; નહીં કે કુંભારને કારણે
પ્રશ્ન:– કોઈ કહે કે કુંભાર હાજર ન હોય તો?
ઉત્તર:– ઘડો ન થવાનો હોય ને માટીનો પિંડ રહેવાનો હોય તો તે પણ ક્રમસર જ છે. તે ક્રમ તોડવાને
અજ્ઞાની, જ્ઞાની કે તીર્થંકર કોઈની તાકાત નથી.
કાંઈ અકસ્માત થાય તો કોઈને એમ થાય કે આ અકસ્માત કેમ થયું? પણ અકસ્માત્ કાંઈ થતું જ નથી.
તે તેના ક્રમબદ્ધ અવસ્થાના નિયમ પ્રમાણે જ થાય છે. આવો વસ્તુનો નિયમ સમજે તેને વીતરાગ દ્રષ્ટિ થયા
વગર રહેજ નહીં વીતરાગ સ્વભાવ સમજે તેને વીતરાગતાનું કાર્ય આવ્યા વગર રહે જ નહીં.
પરનું હું કાંઈ કરી શકું નહીં, અને પર મારું કાંઈ કરી શકે નહીં, બધા આત્માની અને જડની એક પછી
એક ક્રમસર અવસ્થા થાય છે એમાં હું શું કરૂં? તેમ સમજતાં ફટ શાંતિ થાય છે. અહીંયા તો કહેવું છે કે પર
ઉપરનું વલણ છોડ, કારણકે જ્યાં જેની દ્રષ્ટિ ત્યાં તે તરફની તેની ક્રમબદ્ધ પર્યાય થાય છે. બીજાનું કર્તાપણું
છોડતાં અનંતો પુરુષાર્થ આવી જાય છે.
ઓળખી લેજો
અનેકાન્તવાદ અને ફુદડીવાદ.
૧. આત્મા પોતાપણે છે અને પરપણે નથી એનું નામ અનેકાન્તવાદ.
આત્મા પોતાપણે છે અને પરપણે પણ છે એનું નામ ફૂદડીવાદ.
૨. આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું નથી કરી શકતો એનું નામ અનેકાન્તવાદ.
આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું પણ કરી શકે છે એનું નામ ફૂદડીવાદ.
૩. આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી ધર્મ ન થાય એનું નામ અનેકાન્તવાદ.
આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી પણ ધર્મ થાય એનું નામ ફૂદડીવાદ.
૪. નિશ્ચયના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય એનું નામ અનેકાન્તવાદ.
નિશ્ચયના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય એનું નામ ફૂદડીવાદ.
પ. વ્યવહારનો અભાવ થતાં નિશ્ચય પ્રગટે તેનું નામ અનેકાન્તવાદ.
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે તેનું નામ ફૂદડીવાદ.
૬. આત્માને પોતાના ભાવથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ ન થાય એનું નામ અનેકાન્તવાદ.
આત્માને પોતાના ભાવથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય એનું નામ ફૂદડી વાદ.
૭. એક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે અનેકાન્તવાદ.
એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને બે વસ્તુને એક બતાવે તે ફૂદડીવાદ.
૮. સ્યાદ્વાદ દ્વારા બધી વસ્તુઓના સ્વરૂપને સત્યરૂપે બતાવનારૂં સર્વજ્ઞ ભગવાનનું અબાધિત સાધન તે અનેકાન્તવાદ.
અસત્યાર્થ કલ્પનાથી એક વસ્તુના સ્વરૂપને બીજા પણે બતાવનારૂં મિથ્યાવાદીઓનું સાધન તે ફૂદડીવાદ.
૯. જૈનશાસનનો ‘ટ્રેઈડમાર્ક’ એટલે અનેકાન્તવાદ. જૈનશાસનનો કટ્ટર દુશ્મન એટલે ફૂદડીવાદ.
૧૦. વસ્તુનું સ્વયમેવ પ્રકાશતું સ્વરૂપ એટલે અનેકાન્તવાદ. વસ્તુના સ્વરૂપમાં મિથ્યાકલ્પના વાદીઓએ
માનેલી કલ્પના એટલે ફૂદડીવાદ.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૮ : આત્મધર્મ ૨૦૦૧ : કારતક :
સુપ્રભાત મંગલિક
પ્રાત: સ્મરણીય
પૂજ્ય સદ્ગુરુદેવના સં. ૨૦૦૦ની દીપોત્સવીના મંગળિકનો ટૂંકસાર
૧–સુપ્રભાતની વ્યાખ્યા:–
પ્રભાત તો ઘણાં ઊગે છે, પણ આ પ્રભાત (કેવળજ્ઞાન પ્રકાશ) ઊગે છે; તે કદી અસ્ત ન થાય એવી
દશા પ્રગટે છે–તે જ ખરૂં સુપ્રભાત છે. કેવળજ્ઞાનનો પ્રકાશ (ઉદય) એ જ આત્માને માટે સુપ્રભાતનો સાદિ–
અનંતકાળ છે.
૨–આત્મામાં અનંતજ્ઞાનાદિ સ્વચતુષ્ટયની ‘અસ્તિ’ અને રાગ–દ્વેષ–મોહની ‘નાસ્તિ’ તે સ્યાદ્વાદ છે.
૩–જ્ઞાનનો સ્વભાવ સુખ, આનંદ સ્વરૂપ અને જગતના ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં
સમાધાન કરવાનો છે. જ્ઞાન સ્વભાવને જાણવામાં કાંઈ પણ અનુકૂળ–પ્રતિકૂળ હોઈ શકે નહીં. જ્ઞાનથી
જ્ઞાનસ્વભાવને જાણતાં રાગદ્વેષનો નાશ થાય છે તે જ જ્ઞાન અને જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન પોતે દુઃખ નથી. જો
જ્ઞાન પોતે દુઃખરૂપ હોય તો દુઃખ ટાળવાનો ઉપાય કયો? જ્ઞાન અંદર અને જ્ઞાનની ક્રિયા બહાર થાય એવું નથી.
આત્માનું જ્ઞાન અને જ્ઞાનની ક્રિયા બધું આત્મામાં જ છે.
૪–અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંતઆનંદ એ આત્માના સ્વચતુષ્ટય છે.
(
) અનંતદર્શન–તે સમ્યક્શ્રદ્ધાના ફળમાં પ્રગટે છે.
() અનંતજ્ઞાન–જેણે સત્ સમાગમે આત્માની સત્તાનું ભાન કર્યું–તેનો આશ્રય કર્યો; તેના ફળમાં પ્રગટે
છે તે અનંતજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન.
() અનંતઆનંદ–જે આત્માની યથાર્થ શ્રદ્ધા કરીને તેમાં ટકી રહ્યો (સ્વભાવમાં એકાગ્ર થવા રૂપ ચારિત્ર)
તેના ફળમાં અનંતકાળ રહેનાર અસ્ખલિત, જેમાં કોઈપણ રીતે અડચણ નહીં એવો અનંતઆનંદ પ્રગટે છે.
() અનંતવીર્ય–સમ્યક્શ્રદ્ધા પછી પુરુષાર્થના ફળમાં આત્માનું બેહદ સામર્થ્ય છે તે પ્રગટે છે.
પ–આત્માની જ્યોત (કેવળજ્ઞાન) અચળ છે, તે એકવાર પ્રગટ્યા પછી કદીપણ નાશ પામવાની નથી,
તેથી સાદી–અનંત (શરૂઆતવાળી અને અંત વગરની) કહેવાય છે. એવી કેવળજ્ઞાન જ્યોતમાં સ્વચતુષ્ટયનું
એકપણું છે.
૬–આત્મા શુદ્ધ, તેના અનંતગુણો શુદ્ધ અને આત્માના ગુણની જે અવસ્થા તે પણ શુદ્ધ–ત્રિકાળ શુદ્ધ–પૂર્ણ
શુદ્ધ લક્ષમાં લેનાર સમ્યગ્દર્શન છે. નિશ્ચયથી દરેક આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાયે ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે.
૭–જેમ આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ સ્વતંત્ર પદાર્થો છે અને પોતાની અવસ્થા
સ્વતંત્રપણે રહીને બદલે છે–શુદ્ધ જ રહે છે, તથા એક છૂટો પરમાણુ પણ શુદ્ધ પદાર્થ છે અને પોતાની અવસ્થા
સ્વતંત્રપણે બદલનાર છે, તેવી જ રીતે હું–આત્મા પણ શુદ્ધ અને સ્વતંત્રપણે ત્રિકાળ ટકનાર દ્રવ્ય છું અને મારી
અવસ્થા સ્વતંત્રપણે શુદ્ધ રહીને હું જ બદલાવી શકું છું. આમ દરેકે દરેક વસ્તુ પોતાના ગુણ પર્યાયથી શુદ્ધ
चित्पिंड चंडिम विलासि विकासहासः
शुद्धप्रकाश भरनिर्भर सुप्रभातः।
आनंदसुस्थित सदास्खलितैकरूप–
स्तस्यैव चायमुदय त्यचलार्चिरात्मा।।
(સમયસાર કલશ ૨૬૮)
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुद्धस्वभावमहिमन्युदिते मयीति।
किं बंधमोक्ष पथपातिभिरन्यभावै–
र्नित्योदयः परमयं स्फुरतु स्वभावः।।
(સમયસાર કલશ ૨૬૯)

PDF/HTML Page 10 of 17
single page version

background image
તમારી નકલ પાંચ ને વંચાવો
: કારતક : ૨૦૦૧ આત્મધર્મ : ૯ :
અને પરિપૂર્ણ છે. દરેક આત્મા પણ શુદ્ધ સિદ્ધ ભગવાન સમાન પરિપૂર્ણ છે; આમ જે સ્વભાવની સ્વતંત્રતા
ઉપર–શુદ્ધતા ઉપર દ્રષ્ટિ કરીને પરભાવને ટાળે છે તેને અનંતદર્શન–જ્ઞાનાદિ સ્વચતુષ્ટય પ્રગટે છે.
૮–આજના મંગળ પ્રભાત બાબત શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે:–
‘રાત્રિ વ્યતીત થઈ, પ્રભાત થયું; દ્રવ્ય નિદ્રાથી જાગૃત થયા હવે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરો’ મોહ
અંધકાર ટાળી સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ ફેલાવો.
૯–આજના મંગળ પ્રભાત બાબત શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે:– જેમ પરમાં ઊંધી માન્યતાથી સુખનો
ભરોસો કર્યો છે તેમ પોતામાં અનંતજ્ઞાન દર્શન ભર્યા છે તેની શ્રદ્ધા કરે તો ચૈતન્ય નિરર્ગલ (જેમાં કોઈ જાતનો
મેલ નથી, આગળીયો નથી, વિઘ્ન નથી.) એવા વિલસતા (વિકાસરૂપ) ચૈતન્ય સ્વભાવનું ખીલવું અર્થાત્
વિકસવું થાય છે. તે ચૈતન્ય જ્યોતરૂપ સુમંગળ ખીલ્યું તે ખીલ્યું–તે કદી પણ અસ્ત થવાનું નથી એવા સાદિ
અનંત મંગળ પ્રભાતને (કેવળજ્ઞાનને) જ્ઞાનીઓ બેસતું વર્ષ અથવા ‘સુમંગળ પ્રભાત’ કહે છે.
અનંતજ્ઞાનનું પ્રગટવું એટલે કે જેનો પ્રકાશ અનંત છે એવા કેવળજ્ઞાનનું પ્રગટવું તે જ સુપ્રભાત છે.
૧૦–શ્રી પદ્મનંદી આચાર્ય સુપ્રભાતનું વર્ણન કરતાં કહે છે કે:– જેમ રાત્રિનો અંત આવતાં અંધકારનો
નાશ થઈ પ્રભાતનો પ્રકાશ પ્રગટે છે તેમ આત્મામાં રાગ–દ્વેષ–મોહરૂપી અનાદિના અંધકારનો ચૈતન્ય સ્વભાવ
વડે અંત આવે છે. હું ચૈતન્યમૂર્તિ ઝળહળતી પૂર્ણ પ્રકાશમાન સ્વ–પર પ્રકાશક જ્ઞાનજ્યોત છું એવી શ્રદ્ધાના જોરે
એકાગ્રતામાં વધતાં વધતાં છેવટ પૂર્ણ કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત ઉદય પામે છે, તે કેવળજ્ઞાનના ઝળહળતા
પ્રકાશમાં અજ્ઞાનરૂપી કોઈપણ અંધકાર કે કર્મના આવરણ એક ક્ષણમાત્ર રહી શકતા નથી–નાશ જ થઈ જાય છે.
(પદ્મનંદી પંચવિંશતિકા પાનું ૪૪૨)



૧૧–ઉપર કહ્યું તેવા સુપ્રભાતની પ્રાપ્તિ અર્થે વંદના:–
અનંત વીર્યના વિઘ્નરૂપ વીર્યાવરણ કર્મનો નાશ કરવાથી જેને અનંતવીર્ય પ્રગટ્યું છે, અને
ચારિત્રમોહનીય આદિ આવરણોનો નાશ કરતાં જેને અનંતદર્શન, અનંતજ્ઞાન અને અનંતઆનંદરૂપ ચક્ષુઓ
ઊઘડી ગયાં છે અર્થાત્ જેઓ કર્મના આવરણોને ભેદીને–નાશ કરીને કેવળજ્ઞાનરૂપી સુપ્રભાતના સંપૂર્ણ પ્રકાશને
પામ્યા છે તે ભગવંતોને તેવા પ્રકાશની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરૂં છું; સુપ્રભાતના સુપ્રકાશની પ્રાપ્તિ અર્થે (જ્યાં
સુધી તેવી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી) ફરી ફરી નમસ્કાર કરૂં છું.
વીર ભગવાનની મુક્તિ (સિદ્ધપદની પ્રાપ્તિ) અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન એક જ સમયે થયા હતા. જગત
કહે ‘ભગવાન નિર્વાણ પામ્યા’ જ્યારે જ્ઞાનીઓ કહે ‘ભગવાન જીવન પામ્યા’ કેમકે સિદ્ધદશા એ જ જીવન છે.
૧૨–સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રાપ્તિ અર્થે વંદના જેમ પ્રભાતનો પ્રકાશ થતાં રાત્રિના અંધકારનો
સંપૂર્ણ નાશ થાય છે, અને નિદ્રિત પ્રાણીઓના નિદ્રા ત્યાગીને બે ચક્ષુઓ ખૂલી જાય છે તેમ–જ્ઞાનાવરણીય અને
દર્શનાવરણીય એવા જે બે કર્મો છે તે કર્મોરૂપી મોહનિદ્રાને ટાળીને જે જ્ઞાનીઓ–મહાત્મા પુરુષો સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનરૂપી બે ચક્ષુઓ ખોલીને સ્વભાવમાં જાગૃત થયા છે એવા જે મુનિશ્વરો–જ્ઞાની મહાત્માઓ તેઓને તેવા
પદની પ્રાપ્તિ અર્થે નમસ્કાર! જ્યાં સુધી તે પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ફરી ફરી અનંતવાર નમસ્કાર હો!
૧૩–શ્રી આનંદઘનજી પોતાના જ આત્માને વંદન કરીને ધન્ય કહે છે–
અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે
અમિત ફળ દાતારની, જેથી ભેટ થઈ તૂજ રે!
અહો અહો!... (અમિત=અમર્યાદિત, બેહદ)
૧૪– શ્રીમદ્ રાજચંદ્ર પોતાને વંદન કરતાં કહે છે કે:–
‘અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે ‘શ્રી રાયચંદ’ તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર. ’ મારા
આત્માને શું કહું? મારા આત્માને તો બસ! નમસ્કાર હો, વંદન હો, વિનય હો.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૦ : આત્મધર્મ ૨૦૦૧ : કારતક :
આ રીતે મહાપુરુષો જેમને પોતાના આત્માનું ભાન થયું તેઓને પોતાના જ આત્માનું માહાત્મ્ય થાય છે.
૧પ–શ્રી આનંદઘનજી પોતાના આત્માને સંબોધતાં–પુરુષાર્થ જગાડવા જિનેશ્વર પ્રત્યે કરાર કરે છે–
ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર, બીજો મન મંદિર આણું નહીં એ અમ કુળવટ રીત!
હો જિનેશ્વર...ધર્મ.....
હે ચૈતન્ય! તું તારા ભાનમાં ઊઠ્યો, તું જાગૃત થયો, તેમાં તું બીજાનો આદર કેમ આવવા દઈશ?
૧૬–અનેકાંતવાદ:– હું મારા સ્વરૂપમાં પૂર્ણ છું એવી શ્રદ્ધા અને પરનું મારામાં કાંઈ નથી તેનું નામ
અસ્તિ–નાસ્તિ–એ જ અનેકાન્તવાદ.
૧૭–છેવટ શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે:– ચૈતન્ય સ્વરૂપના અવલંબને જેણે સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરી
તેને ઝગઝગાટ મારતું જેનું સંપૂર્ણ તેજ છે, જેને કદી ઓપ આપવો પડતો નથી, જેનો પ્રકાશ સ્વત: સંપૂર્ણ
પ્રકાશમાન છે એવું જે કેવળજ્ઞાન તેનો ઉદય થાવ! ઉદય થાવ!
મારા સ્વભાવનો પ્રકાશ નિત્ય જેનો ઉદય રહે છે એવી કેવળજ્ઞાન જ્યોત અનંત સ્વચતુષ્ટયો મારા
સ્વરૂપમાં સાદિ–અનંત સ્ફૂરાયમાન રહો! પ્રકાશમાન રહો!
ઓ જગતનાં જીવો! માનો માનો!
अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमंजसा।
स्यात्कर्तात्मात्म भावस्य परभावस्य न क्वचित्।।
६१।।
(સમયસાર કલશ)
અર્થ:– આ રીતે ખરેખર પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, પર
ભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો કદી નથી.
એ જ વાતને દ્રઢ કરે છે:–
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२।।
(સમયસાર કલશ)
અર્થ:– આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે (આત્મા) જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પર
ભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે.
ભાઈ રે! તું જ્ઞાન સ્વરૂપ છો, જાણવું એ જ તારું કાર્ય છે, જાણવા સિવાય બીજું કાંઈ પણ કરવાનું તારું
સ્વરૂપ નથી; આ દેહ તારો નથી, દેહની ક્રિયા તારી નથી, દેહની ક્રિયા તું કરી શકતો નથી, અરે! પ્રભુ! તારા
જાણક સ્વભાવમાં પાપ તો નથી અને પુણ્ય પણ નથી, પુણ્ય ભાવ પણ તારા જાણક સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે–
માટે તે પુણ્યમાં તું ધર્મ ન માન! પુણ્યથી આત્માનું કલ્યાણ થતું નથી–આ વાત દુનિયામાં કોણ માનશે?...
‘જ્ઞાનીઓ કહે છે કે હે આત્મા! તું જ્ઞાન સ્વરૂપ છો, તું તને સમજ! તું તારા આત્માને પ્રભુ સ્થાપ, અને
બીજા ભાવોનો આદર છોડ! તારી મુક્તિ જ છે. આ સમયસારજીની પહેલી જ ગાથામાં આચાર્યદેવે સ્થાપ્યું છે
કે–હું અને તું સિદ્ધ છીએ, મારા અને તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપું છું એટલે સિદ્ધને જે ભાવો ન હોય તે
ભાવોનો આદર છોડી દે. તારો આત્મા સિદ્ધ જેવડો જ છે, અને તેમાં સિદ્ધપણું સ્થાપ્યું–તો હવે તેમાં બીજા ભાવો
(સિદ્ધને ન હોય તેવા ભાવો) સમાશે નહીં–માટે બીજા ભાવોનો આદર છોડી દે! ’ (પૂ. શ્રી કાનજી સ્વામીના
સમયસાર કલશ ૪ ના વ્યાખ્યાનમાંથી) આ સિદ્ધપણાની વાત દુનિયા કેમ માનશે?
‘આ સંસાર મહા ભયાનક દુઃખથી ભરેલો છે, આત્મધર્મ વિના–આત્માને ઓળખ્યા વિના આ સંસાર
ભ્રમણનો અંત નથી, તેથી સર્વ દુઃખના આત્યંતીક ક્ષયને અર્થે એક ધર્મને જ સેવો!
દરેક આત્મા પૂર્ણ જ્ઞાન–આનંદ સ્વરૂપ સ્વતંત્ર છે, વીતરાગ સ્વરૂપ છે, સિદ્ધ સમાન છે, જેવું સિદ્ધ

PDF/HTML Page 12 of 17
single page version

background image
: કારતક : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧ :
ભગવંતનું સ્વરૂપ છે એવું જ તારું સ્વરૂપ છે, એવા તારા સ્વરૂપની ઓળખાણ કરીને તેમાં જ ઠરી જા–એ
મોક્ષ છે. તારું સ્વરૂપ તો ક્યારેય પણ ઊણું–અધૂરૂં છે જ નહીં, પણ તને તારા સ્વરૂપની ખબર નથી તેથી
તને તારા સ્વરૂપના આનંદનો અનુભવ પ્રગટ નથી, માટે જ જ્ઞાનીઓ તને તારા સ્વરૂપની ઓળખાણ
કરવાનું કહે છે.
તું તારા સ્વરૂપથી છો, પરના સ્વરૂપથી તું નથી. પર સ્વરૂપને તારું સ્વરૂપ માનીને હે જીવ! અનાદિથી તું
સંસારમાં રખડી રહ્યો છો. સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું જ્ઞાયક છો. જાણવા સિવાય તારું સ્વરૂપ નથી, રાગ–દ્વેષ
તારું સ્વરૂપ નથી, પણ તું રાગ–દ્વેષનો જ્ઞાતા જ છો; શરીરમાં રોગ આવે તેનો તું જાણનાર જ છો, શરીર તારું
છે જ નહીં. ત્રણકાળ ત્રણલોકની પ્રતિકૂળતા આવે તો તેનો પણ તું જાણનાર જ છો, તારા જ્ઞાયક સ્વભાવને કોઈ
રોકી શકવા સમર્થ નથી. આવા તારા જ્ઞાયક સ્વભાવને જાણ અને તેમાં ઠર તો તને દુઃખ રહેશે નહીં–અને તારા
સ્વરૂપનું અપૂર્વ સુખ તારા અનુભવમાં આવશે. તારા અપૂર્વ આત્મીક સુખ પાસે ઈન્દ્રપદ કે ચક્રવર્તીનું રાજ્ય
સડેલાં તરણાં સમાન છે, તારું સ્વરૂપ તો આનંદની લહેરોથી ઊછાળા મારી રહ્યું છે, એ આનંદ દરેક ક્ષણે
તારામાં જ ભર્યો છે તેને ભોગવ, પરને ભોગવવાની ઈચ્છા મૂકી દે!
હે ભવ્ય! હે વત્સ! તું તને પોતાને ઘોર દુઃખરૂપી સંસાર સમુદ્ર વિષે ન ડુબાડ! તારા અજ્ઞાનમય ક્રૂર
પરિણામનું ફળ તને જ મહાદુઃખકારી અને અનિષ્ટ થઈ પડશે, અજ્ઞાનભાવે હાસ્ય કરતાં બાંધેલ પાપ કર્મનું ફળ
રડતાં પણ નહીં છૂટે, માટે એવા અજ્ઞાનમય દુષ્કૃત્ય છોડ રે છોડ! હવે સાવધાન થા! સાવધાન થા! સર્વજ્ઞ
જિનપ્રણિત ધર્મ અંગીકાર કર, અને શ્રી જિનધર્માનુસારી થઈને આત્મભાન કરી લે! ’
ભાઈ રે! તું ઉત્તમ જીવ છો, અત્યંત ભવ્ય છો, તારી મુક્તિનાં ટાણાં નજીક આવ્યાં છે–તેથી જ શ્રી
ગુરુઓનો આવો ઉપદેશ તને પ્રાપ્ત થયો છે. અહા! કેવો પવિત્ર નિર્દોષ અને મધુર ઉપદેશ છે!! આવા પરમ
હિતકારી ઉપદેશને કોણ અંગીકાર ન કરે! કોણ ન માને?
દુનિયા ન માને! દુનિયા ન માને! જેને દુનિયામાં રહેવું છે, જેને જન્મ–મરણ કરવાં છે જેને પુણ્ય–
પાપરૂપી સંસારચક્રમાં ભીંસાવું છે–તે આ વાત નહીં માને! પણ જેને દુનિયાથી પાર થવું છે, જન્મ–મરણ રહિત
થવું છે અને આત્મસ્વરૂપની જેને દરકાર છે તે તો આ વાત જરૂર માનવાના! આ વાત માન્યે જ છૂટકો છે.
દુનિયા ન માને કે માને, આજે માને, કાલે માને કે ચાહે તો વર્ષો પછી માને–પણ દુનિયાથી પાર એવા
અનંત જ્ઞાનીઓએ આ વાત સ્વીકારી છે; જેને દુનિયામાં રહેવું છે, સંસારની રુચિ છે, જન્મ–મરણનો ભય નથી
એવા અજ્ઞાનીની દુનિયા આ વાત નહીં માને! અને આ વાત જે માનશે તે અજ્ઞાની નહીં રહે!
દુનિયા ન માને તેથી કાંઈ સત્ય ફરી જતું નથી, સત્ય તો ત્રણેકાળ સત્ય જ છે. સત્ તે વસ્તુના આધારે
ટકેલું છે, વસ્તુ ત્રિકાળ છે તેથી સત્ પણ ત્રિકાળ છે. ઓછા માણસો માનનારા હોય તેથી સત્ને નુકસાન
પહોંચતું નથી, કેમકે સત્ને સંખ્યાની જરૂર નથી. વળી કાળ કે ક્ષેત્ર ફરતાં સત્ ફરી જતું નથી, કેમકે સત્ કાળ
કે ક્ષેત્રને આધારે નથી.
સત્ને માનનારની સંખ્યા ત્રણેકાળ ઓછી જ હોય; અને એકવાર પણ યથાર્થપણે સત્ને માને તો તે જીવ
આ સંસારમાં દીર્ઘકાળ રહે જ નહીં. ભગવાન કુંદકુંદાચાર્ય દેવ સમયસારજીમાં ભવ્ય જીવોને ભલામણ કરે છે કે:–
णाणगुणेण विहीणा एयं तु पयं बहु विणलहंते।
तं गिण्ह नियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं।।
२०६।।
બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ જો કર્મ મોક્ષેચ્છા તને. ૨૦પ.
અન્વયાર્થ:– જ્ઞાનગુણથી રહિત ઘણાય લોકો (ઘણાં પ્રકારનાં કર્મો કરવાં છતાં) આ જ્ઞાન પદને પામતાં
નથી; માટે હે ભવ્ય! જો તું કર્મથી સર્વથા મુક્ત થવા ઈચ્છતો હો તો નિયત એવા આને (જ્ઞાનને) ગ્રહણ કર.
ટીકા:– કર્મમાં (કર્મ કાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહીં હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી;
જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક)

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૨ : આત્મધર્મ ૨૦૦૧ : કારતક :
જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણાં પ્રકારનાં) કર્મ કરવાથી પણ આ
જ્ઞાન પદને પામતા નથી અને આ પદને નહીં પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા
ઈચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે.
ભાવાર્થ:– જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહીં; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.
एदह्मि रदो णिच्चं संतुट्ठी होहि णिच्च मेदह्मि।
एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं।।
२०६।।
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬
અન્વયાર્થ:– (હે ભવ્ય પ્રાણી!)
તું આમાં (જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા. આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા;
(આમ કરવાથી) તને ઉત્તમ સુખ થશે.
ટીકા:– (હે ભવ્ય!) એટલો જ સત્ય (પરમાર્થ સ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે–એમ નિશ્ચય
કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય (–પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે–એમ નિશ્ચય
કરીને આ જ્ઞાન માત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવા યોગ્ય) છે જેટલું
આ જ્ઞાન છે–એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ
અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે,
બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?)
ભાવાર્થ:– જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું––એ
પુણ્યની હદ માત્ર પાપથી બચવા પૂરતી છે, ગમે તેવા ઊંચા પુણ્ય બાંધે
તોપણ પુણ્યથી કદી ધર્મ થતો નથી, પણ બાહ્યમાં જડનો સંયોગ મળે છે.

પુણ્યની
હદ ક્યાં સુધીની છે તે જાણવા પ્રથમ પુણ્ય એટલે શું તે જાણવું પડશે. પુણ્ય તે આત્માનો
વિકારી ભાવ છે,
શુદ્ધ ભાવ અથવા ધર્મ
ભાવ
અશુદ્ધ ભાવ શુભ અથવા પુણ્ય
અશુભ અથવા પાપ
ઉપરના કોઠા પરથી જણાશે કે પુણ્ય તે ધર્મ નથી, પણ આત્માનો અશુદ્ધ ભાવ છે, પર લક્ષે થતા
આત્માના શુભ ભાવ તે પુણ્ય છે, અને અશુભભાવ તે પાપ છે; અને તે બન્ને રહિત આત્માના શુદ્ધ સ્વભાવ
આશ્રિત જે ભાવ તે ધર્મ છે. પુણ્ય–પાપ બાહ્ય શરીરાદિની ક્રિયાથી થતા નથી, પણ આત્માના ભાવથી થાય છે.
ઉપવાસ કર્યો (અન્નનો ત્યાગ કર્યો) તે પુણ્યનું કારણ નથી, પણ તેમાં જેટલી કષાયની મંદતા કરી તેટલું પુણ્ય
છે. બહારમાં અન્નનો ત્યાગ તે ખરેખર આત્માના હાથની વાત નથી. વળી જો બાહ્ય ક્રિયાથી પુણ્ય–પાપ હોય તો
કોઈ ડોકટર ઓપરેશન કરતો હોય તેને પાપ જ

PDF/HTML Page 14 of 17
single page version

background image
: કારતક : ૨૦૦૧ આત્મધર્મ : ૧૩ :
થવું જોઈએ–પણ તેમ નથી; ઓપરેશન વખતે જેવા ભાવ તે અનુસાર પુણ્ય કે પાપ છે, શરીરાદિની કોઈ ક્રિયા
આત્મા કરી શકતો નથી, માત્ર ભાવ કરી શકે છે; આથી નક્કી થયું કે પુણ્ય–પાપ બન્ને આત્માના જ વિકારી
ભાવ છે. હવે પુણ્યની હદ કેટલી? તે વિચારીએ.
પુણ્ય તે વિકારી ભાવ છે, ધર્મ તો આત્માનો અવિકારી સ્વભાવ છે. વિકારી ભાવથી અવિકારીપણું થાય
નહીં, એટલે કે પુણ્યથી ધર્મ થાય નહીં; તેમજ ધર્મમાં મદદગાર પણ થઈ શકે નહીં. ‘પુણ્યનું ફળ સંસાર છે’
પુણ્યના ફળમાં જડ વસ્તુઓનો સંયોગ મળે, જડ વસ્તુથી ચૈતન્ય આત્માનું હિત કે મદદ થઈ શકે નહીં, પણ તે
સંયોગાધીન વિકાર ભાવ જીવ કરે તો થઈ શકે, અને તેનું ફળ સંસાર મળે. પાપથી છૂટવા માટે પુણ્યનો આશ્રય
લેવો તેની ના નથી, પણ દ્રષ્ટિમાં તેનો આદર ન હોવો જોઈએ. સાચી ઓળખાણ થયા પછી વીતરાગ થયા
પહેલાંં વચ્ચે પુણ્યના શુભભાવ આવ્યા વગર રહે નહીં. વચ્ચે પુણ્ય આવ્યા વગર કોઈ સીધો વીતરાગ થઈ જાય
નહીં, આથી ધર્મમાં પુણ્ય મદદગાર છે એમ નથી કહેવું, પણ જ્યારે તે પુણ્યભાવનો અભાવ કરે ત્યારે જ
વીતરાગ થઈ શકે, એટલે ઊલટો પુણ્ય ભાવ તો વીતરાગતામાં વિઘ્નકર્તા છે.
આથી એમ કહેવાનો આશય નથી કે તમે પુણ્ય કરવું જ છોડી દ્યો. પાપથી છૂટવા પૂરતો પુણ્યનો નિષેધ
નથી પણ ‘પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે’ એવી માન્યતાનો નિષેધ છે. પ્રથમ ‘પુણ્યથી ધર્મ નથી, પુણ્યથી આત્માનું
હિત નથી. ’ એવો દ્રષ્ટિમાં પુણ્યનો તદ્ન અસ્વીકાર થયા વગર કદી ધર્મની શરૂઆત પણ થાય નહીં.
આથી નક્કી થાય છે કે:– –
(૧) પુણ્ય તે ધર્મ નથી, ધર્મનું અંગ નથી કે ધર્મમાં મદદ કરનાર પણ નથી.
(૨) જ્યાં સુધી અંતરમાં પુણ્યની ઈચ્છા પડી છે ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી, એથી પુણ્યની
રુચિ ધર્મમાં વિઘ્નકર્તા છે.
(૩) પુણ્યની હદ માત્ર પાપથી બચવા પૂરતી છે, ગમે તેવા ઊંચા પુણ્ય બાંધે તોપણ પુણ્યથી કદી ધર્મ
થતો નથી, પણ બાહ્યમાં જડનો સંયોગ મળે છે એટલે કે પુણ્યનો અંતર સ્વરૂપમાં પ્રવેશ નથી, પણ તે આત્માના
સ્વરૂપની બહાર છે; અને તેથી તેના ફળમાં પણ બાહ્યનો જ સંયોગ મળે છે.
ઉપદેશમાં નિમિત્તનું જ્ઞાન
• શા માટે બતાવ્યું? •

ક્યાં ચૈતન્ય ભગવાન આત્માનો સ્વભાવ! અને ક્યાં જડ કર્મનો સ્વભાવ! આત્માના સ્વભાવના
સામર્થ્યનું જ્ઞાન ન કરે અને માત્ર જડ કર્મને માને તો બંધનનો નાશ કોના જોરે કરશે? જેને કર્મ પ્રકૃતિનું લક્ષ છે
તેને સ્વભાવની પ્રતિત નથી, જ્યાં અંદરના સ્વભાવની પ્રતિત થઈ અને નિમિત્તનો નકાર થયો (અવલંબન
છૂટયું) ત્યાં ભવનો અભાવ જ છે, પણ માત્ર નિમિત્તનું લક્ષ કરે અને ઉપાદાનને ન જાણે તો મુક્તિ થાય નહીં.
અને જો ઉપાદાનનું લક્ષ કરે તો ચૈતન્ય શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા તેનું જ જ્ઞાન અને તેમાં સ્થિરતા કરવાથી બંધનો
નાશ અવશ્ય થાય છે. માત્ર બંધને જાણવાથી કે તેનો વિચાર કર્યા કરવાથી બંધન કપાતું નથી.
× × × × બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધ નથી. છૂટવાનું કારણ નથી, પણ બંધનમુક્ત થવાના પૂર્ણ
સામર્થ્યની દ્રષ્ટિના જોરે પુરુષાર્થ તે જ બંધનથી મુક્તિનું કારણ છે. × × × નિકાચીત કર્મ પણ જડ છે, તે
આત્માના પુરુષાર્થને રોકે નહીં; જે વીર્યે ઊંધુંં થઈને કર્મ બાંધ્યું, તે જ વીર્ય સવળું થાય તો તે કર્મને ક્ષણમાત્રમાં
તોડી નાંખે. કર્મ લાંબા કે તું? કોની સ્થિતિ વધારે? પ્રભુ! બધી શક્તિ તારી પાસે જ ભરી છે, પણ અનાદિથી તેં
પરની વાત માંડી છે; તેથી સ્વાશ્રયની પ્રતીતિ નથી. ઘરે લગ્ન વખતે ‘ભંગીઆ જમી ગયા કે નહીં’ એમ
ભંગીઆને યાદ કરે પણ ‘ભાઈઓ જમી ગયા કે નહીં’ તે યાદ ન કરે એ કેવું? ભાઈઓને ભૂલીને ભંગીઆને
યાદ કરે છે તે મૂર્ખાઈ જ છે, તેમ અનંતગુણનો પિંડ જે બંધુરૂપે સદાય સાથે રહેનાર

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૪ : આત્મધર્મ ૨૦૦૧ : કારતક :
છે તેવા ચૈતન્ય ભગવાનને જે સંભારતો નથી, તેની ઓળખાણ કરતો નથી અને એક સમય પૂરતા કર્મની સાથે
જેણે ઓળખાણ માંડી છે તે બધા મૂર્ખ જ છે, અજ્ઞાની છે, તેઓ મુક્તિ પામતા નથી.
તને જે નિમિત્તનું જ્ઞાન બતાવ્યું તે નિમિત્ત (કર્મ) નું તારા ઉપર જોર બતાવવા કહ્યું નથી, પણ તે
નિમિત્તઆધીન થતો વિકાર તારું સ્વરૂપ નથી એમ કહીને તારો પુરુષાર્થ ઉપાડવા તને કહ્યું હતું, ત્યાં નિમિત્તને
વળગી બેઠો? માટે તે નિમિત્ત કર્મની દ્રષ્ટિ છોડ! અને સ્વભાવ તરફ દ્રષ્ટિ કર! ભગવાનનો ઉપદેશ ધર્મની વૃદ્ધિ
માટે છે તેમ ન લેતાં ઊંધુંં માને તો તેને વીતરાગની વાણીના નિમિત્તનું પણ ભાન નથી. ‘સવી જીવ કરૂં શાસન
રસી’ એવા શુભભાવે બંધાયેલ તીર્થંકર નામકર્મનો ઉદય થતાં વીતરાગની ધ્વનિ નીકળે છે તે સ્વભાવ–ધર્મની
વૃદ્ધિ માટે છે; તે ધ્વનિ કહે છે કે ‘જાગ! જાગ! તારી મુક્તિ અલ્પકાળમાં જ છે, તારો સ્વભાવ પરિપૂર્ણ
પુરુષાર્થથી ભરેલો છે;’ આ રીતે નિમિત્ત–ઉપાદાનની સંધિ તૂટતી નથી તે માટે તો ઉપદેશ છે.
પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુ દેવના શ્રી સમયસાર મોક્ષ અધિકાર ગાથા–૨૮૮–૮૯–૯૦ પર
પ્રવચનોમાંથી સં. ૧૯૯૯ માગશર વદ ૯ રાજકોટ.
– : આત્મધર્મ માસિક: –
ગયા અંકમાં જણાવેલું કે આવતા વર્ષથી આત્મધર્મ પાક્ષિક થશે, પરંતુ તે પછીથી વિચારતા કેટલાક
કારણોસર હાલ તુરત પાક્ષિક કરવાનું મુલતવી રાખેલ છે; એથી હવે આત્મધર્મ માસિક જ રહેશે, અને તેનું
લવાજમ રૂા. ૨–૮–૦ અઢી જ રહેશે.
• આચાર્યદેવ કહે છે કે, આવી અપૂર્વ વાતને પામ્યા વિના •
પંચમકાળના જીવો કેમ રહી શકે?
પૂ. સદ્ગુરુદેવના શ્રી સમયસારજી ગાથા ૩ પર પ્રવચનોમાંથી
* સંવત્ ૧૯ આસો સુદ ૧ *

ધર્મ તેનું નામ કે ધર્મ જાણ્યો, માન્યો, પછી પ્રતિકૂળ પ્રસંગ આવે ત્યારે સમજે કે તે તેનામાં ને હું મારામાં,
તેનામાં મારો હાથ નહીં ને મારામાં તેનો હાથ નહીં; પણ હજી જ્યાં સુધી પોતાની નબળાઈ છે ત્યાંસુધી
અશુભરાગ ટાળીને શુભરાગ હોય, તે શુભરાગ પણ હદનો આવે છે કારણકે સ્વરૂપની હદ ચૂકીને તે શુભરાગ
પણ થતો નથી, પણ અહીં તો તે હદના શુભરાગને પણ ટાળવાની વાત છે.
સમયસારજીમાં આચાર્ય દેવ કહે છે કે:– શરીર, મન, વાણી, પુણ્ય–પાપના ભાવ તારું કાંઈ પણ કરી
શકતા નથી. તું એનાથી પર છો, તારાથી અત્યંતપણે તે જુદા છે. તારામાં પર નથી એમ અત્યંતપણે નિષેધ્યું છે.
જેણે પરથી જુદાપણું જાણ્યું છે તેણે પરથી એકપણું ઉખેડ્યું છે, એવા મુનિઓએ પર સાથેના એકપણાને અત્યંત
નિષેધ્યું છે તો હવે કયા પુરુષને જ્ઞાન તત્કાળ ન થાય? અવશ્ય થાય જ. × × × ×
ભાઈ! પુણ્ય–પાપના વિકારી ભાવ તે નાશવાન છે. તેનાથી તારું અવિનાશી સ્વરૂપ જુદું છે. તે
અવિનાશી સ્વરૂપ અમે પ્રગટ કરીને બેઠા છીએ, તે તને કહીએ છીએ તો તને કેમ ન સમજાય? જરૂર સમજાય.
જરૂર ભાન થાય જ. આ વસ્તુ તને કાને પડે, તારી સાચી જિજ્ઞાસા હોય, રુચિ હોય ને તને કેમ ન સમજાય?
આચાર્યદેવ કહે છે કે અમે અનેક પડખાંથી આત્માને જુદો બતાવ્યો, તો હવે તત્કાળ ભાન કેમ ન થાય? તત્કાળ
આબાલવૃદ્ધ સૌને ભાન થાય જ. × × × ×
તે જ્ઞાન કેવું થઈને પ્રગટ થાય છે? પોતાના નિજરસથી ખેંચાઈને એકરસ થતું પ્રગટ થાય છે. હું
આનંદમૂર્તિ છું એમ શ્રદ્ધાવડે તેમાં એકાગ્ર થાય તો જ્ઞાન કેવું પ્રગટ થાય? એકલું જ્ઞાન નહીં પણ (સાથે) આનંદને
લેતું પ્રગટ થાય, આકુળતા અને પરાધીનતાને ટાળતું પ્રગટ થાય; ભાન થતાં શાંતિ થાય, આનંદ થાય. ભાન થતાં
આકુળતા ન ટળે અને શાંતિ ન થાય એવું આ શાસ્ત્રમાં છે નહીં. + × + (૧૯૯૯ આસો સુદ ૨ શુક્ર)

PDF/HTML Page 16 of 17
single page version

background image
આચાર્યદેવ કહે છે કે, અમારી કહેલી વાત સાંભળીને કયા પુરુષને યથાર્થ જ્ઞાન ન થાય? થાય જ. કોણ
કથનાર છે અને કોને કહેવાય છે તે વાત અહીં બતાવાય છે. કહેનાર જ્ઞાની અને સમજનાર પાત્ર છે તો કેમ ન
સમજાય? અવશ્ય સમજાય. શરીર, મન વાણી, તે મારાં નથી, તે તરફ થતી લાગણી તે મારી નથી, એમ વીર્ય
પરમાંથી અટક્યું અને મારું જ્ઞાન–આનંદનું વીર્ય મારામાં છે એમ જાણ્યું તો કયા પુરુષને યથાર્થ ભાન શીઘ્ર–
તત્ત્કાળ ન થાય? થાય જ. જેણે પાત્ર થઈને સાંભળ્‌યું તે યથાર્થપણાને કેમ ન પામે?
આચાર્યદેવ કહે છે કે, જરૂર અમારી કહેલી વાત જગતને મોક્ષ આપશે. અમે શરીર અને આત્માના
ભિન્નપણાનાં ગાણાં ગાયાં છે, પૃથક્પણાને પીંખી પીંખીને બતાવ્યું છે, તો હવે એવો ક્યો પુરુષ છે કે જડ–
ચૈતન્યની વહેંચણી ન પામે?
આચાર્યદેવ કહે છે કે, આવી અપૂર્વ વાતને પામ્યા વિના પંચમકાળના જીવો કેમ રહી જાય? એમ
પંચમકાળમાં આવો શાસ્ત્ર રચવાનો વિકલ્પ અમને આવ્યો અને શાસ્ત્ર રચાયું તો ક્યો પુરુષ સ્વરૂપ ન પામે?
આ વાત સાંભળીને એવો ક્યો જીવ હોય કે જેને આત્માનું ભાન ન થાય? થાય જ.
સ્વસત્તાની સન્મુખ થયેલો સ્વરૂપને ઓળખે છે, અને પર સત્તામાં રહેલો સ્વરૂપને ચૂકે છે. આચાર્યદેવ
કહે છે કે, પંચમકાળમાં જીવો ક્રિયાકાંડમાં સલવાઈ ગયા છે. અમને આ પુસ્તક રચવાનો વિકલ્પ ઊઠ્યો તો
જગત કેમ નહીં સમજે? અવશ્ય સમજશે. શું કહીએ સમયસારની વાત! એ તો જેને સમજાયું હોય તેને ખબર
પડે. જેમાં કેવળી તીર્થંકરના પેટ ભર્યા છે, જે ખરું જિન શાસન છે. આચાર્યદેવે અદ્ભુત કરુણા વરસાવી છે. આ
સમયસાર કોઈ નિમિત્ત–ઉપાદાનના બળવાન યોગે રચાયું છે.
આચાર્યદેવ કહે છે કે, અમે અમારા સ્વસ્વભાવના જોરથી કહીએ છીએ, તો પછી અમારું નિમિત્ત જ એવું
છે કે જીવો યથાર્થ તત્ત્વને અવશ્ય પામશે, એવો કોલકરાર કર્યો છે. કેવું જ્ઞાન યથાર્થપણાને પામશે? પોતાના
નિજરસથી ખેંચાઈને, અજ્ઞાનમાં જે રાગ અને આકુળતાના રસનું વેદન હતું તે વેદનને તોડીને, પોતાના જ્ઞાન
અને આનંદ રસથી ખેંચાઈને પ્રગટ થાય છે, આવો પ્રભુ શાંત મીઠા, મધુર રસથી ભરપૂર છે. સમ્યગ્દર્શન પ્રગટ
થતાં પુણ્ય–પાપના આકુળતાવાળા ભાવ તેને અંશે નાશ કરતો પોતામાં એકાગ્ર થતો નિજરસ પ્રગટે છે, આનું
નામ સમ્યગ્દર્શન–આનું નામ સમક્તિ, બાકી બધી સૌની માનેલી વાડાની વાત.
વ્યવહાર એટલે પરાશ્રિત દ્રષ્ટિ તેનાથી આત્માને જુદો બતાવ્યો. તે પરાશ્રિત દ્રષ્ટિથી કદી પુરુષાર્થ પમાતો
નથી. એમ વહેંચણી કરી આત્માને જુદો બતાવ્યો. વ્યવહારથી પરમાર્થ કોઈ દિવસ પમાતો નથી તેમ વિભાગ
બતાવ્યો, તો એવું જાણીને એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ. આચાર્યદેવથી પંચમકાળના
પ્રાણીની પાત્રતા જોઈને શાસ્ત્ર લખાયાં છે. પંચમકાળના પાત્ર જીવો જડ–ચૈતન્યની વહેંચણી કરીને જરૂર સ્વરૂપને
પામવાના છે, એકાવતારી થવાના છે. આ તો પ્રથમમાં પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની વાત છે કે જે ધર્મનો
મૂળ પાયો છે અને મોક્ષનું બીજ છે. વીતરાગ થઈ ગયા તેની આ વાત નથી, આ તો ચોથી ભૂમિકાની વાત છે.
શરીર, મન, વાણીની ક્રિયા તે હું નહીં અને સંસારના બહાનાની થતી વૃત્તિઓ ને ધર્મના બહાનાની થતી
વૃત્તિઓ તે બધી પર તરફની થતી વૃત્તિઓ, તે પણ હું નહીં ; હું તો એક ચૈતન્યમૂર્તિ અખંડ જ્ઞાનસ્વરૂપ છું, એમ
પરથી ભિન્નપણાનું ભાન અહીં બતાવ્યું છે. કોઈ દીર્ઘ સંસારી હોય તેની તો અહીં વાત જ નથી, તે તેને ઘરે રહ્યો;
અહીં તો આ ભાન થઈને એક બે ભવે મોક્ષ જવાના છે તેની વાત છે. જેણે આત્માનો અનંત પુરુષાર્થ દેખ્યો નથી
તેને અનંત સંસાર રખડવાનો છે. કોઈ કહે કે કર્મ નડે છે, કાળ નડે છે, જડ મને અવગુણ કરાવે છે, તેમ
માનનાર પાખંડદ્રષ્ટિ અનંત સંસારી છે, તેની અહીં વાત નથી.
સત્શાસ્ત્રની નવી આવૃત્તિઓ
આત્મસિદ્ધિ શાસ્ત્રપર
પ્રવચન ૩–૭–૦
મોક્ષમાર્ગ પ્રકાશક
૩–૦–૦
જૈનસિદ્ધાંત પ્રવેશિકા ૦–૮–૦
સર્વ સામાન્ય પ્રતિક્રમણ ૦–૮–૦
(ટપાલ ખર્ચ જુદું.)

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
• પ્રશ્નોત્તર •
પ્રશ્ન:– સંસારી જીવોને પુણ્ય ભલું–આત્માને સહાયક–લાભદાયક કેમ લાગે છે?
ઉત્તર:– આસ્રવનું શું સ્વરૂપ છે અને તેનું લક્ષણ શું છે તે અનાદિથી આત્માએ જાણ્યું નથી તેથી.
પ્રશ્ન:– ક્રોધાદિભાવ મારું કાર્ય (–કર્મ) છે, એમ કોણ માને છે?
ઉત્તર:– સંસારી અજ્ઞાની જીવ માને છે કે હું કર્તા અને ક્રોધાદિ ભાવ મારું કાર્ય.
પ્રશ્ન:– ક્રોધાદિભાવ મારું કાર્ય એમ અજ્ઞાની જીવ માને છે, એમ શા ઉપરથી કહો છો?
ઉત્તર:– અજ્ઞાની જીવો માને છે કે, ઘરમાં જરા સર્પફુંફાડો (કડકાઈ) રાખીએ તો સ્ત્રી, પુત્ર, નોકરાદિ સરખાં
ચાલે. નહીં તો ગણકારે નહીં.
પ્રશ્ન:– તે માન્યતા ખોટી કેમ કહો છો; અમે એમ કરીએ છીએ ત્યારે એ બધાં સરખાં ચાલે છે એવો અમને
અનુભવ છે, અને તમે તેને ખોટું કહો તે કેમ મનાય?
ઉત્તર:– એ સર્પફુંફાડાને તમે વીતરાગતા કહો છો કે કષાય કહો છો?
પ્રશ્નકાર કહે છે–તેને વીતરાગતા કહી શકાય નહીં, તેને તો કષાય જ કહેવો જોઈએ.
ઉત્તરચાલુ–એ સર્પ ફુંફાડો પાપ છે, અને પાપનું ફળ બહારનો લાભ મળે એમ માનવું તે મહાદોષ
છે. જો પાપથી બહારની સગવડ કે લાભ મળતો હોય તો સર્વથી સર્વાત્કૃષ્ટ પાપીને બહારની સર્વોત્કૃષ્ટ
સગવડતા હોવી જોઈએ. પાપનું ફળ સગવડ મળે એમ બને જ નહીં.
પ્રશ્ન:– ત્યારે અમારી માન્યતામાં શું ભૂલ છે?
ઉત્તર:– સંસારની સગવડતા તે પૂર્વના પુણ્યનું ફળ છે. સંસારની સરખી વ્યવસ્થા પૂર્વના પુણ્યનું ફળ છે.
મિથ્યાદ્રષ્ટિનું પુણ્ય જ પાપાનુબંધી પુણ્ય હોય છે, તેથી તેને સંસારની પણ સરખી વ્યવસ્થા હોય જ નહીં.
પૂર્વે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું, અને અજ્ઞાન ભાવ ટાળ્‌યો નહીં તેથી તે પુણ્યનું ફળ ભોગવતી વખતે તેને
ક્રોધ વગેરે પાપ કરવાના ભાવ આવે છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, સંસારની સગવડ–અગવડ તે
વર્તમાન ધર્મ કરવામાં લાભદાયક કે નુકશાનકારક નથી. બહારના સંજોગો તો પોતપોતાના કારણે
નિયમસર બને છે; અજ્ઞાની પોતે માને છે કે, મેં મારી હુશિયારીથી તે બહારની વસ્તુને સરખી રાખી.
એ રીતે ક્રોધાદિ કાર્ય મારું છે, એમ અજ્ઞાની માને છે એ સિદ્ધ થયું.
પ્રશ્ન:– ‘ક્રોધાદિ ભાવ’ માં ક્રોધ તમે કોને કહો છો?
ઉત્તર:– આત્માનું સ્વરૂપ સમજવાની અરુચિ તે ક્રોધ છે.
પ્રશ્ન:– ક્રોધાદિમાં ‘ક્રોધ’ નો અર્થ કહ્યો. હવે ‘આદિ’ માં શેનો સમાવેશ થાય છે?
ઉત્તર:– ‘ક્રોધાદિ’ શબ્દનો અર્થ મિથ્યાત્વ (મોહ) અને રાગ દ્વેષ થાય છે, એટલે આદિ શબ્દમાં મિથ્યાત્વ અને
રાગનો સમાસ થાય છે.
પ્રશ્ન:– જે જીવ ક્રોધાદિભાવ મારું કાર્ય (કર્તવ્ય, કર્મ) માને તે જીવને શાસ્ત્રની પરિભાષામાં શું કહે છે?
ઉત્તર:– (૧) અજ્ઞાની (૨) પર્યાય બુદ્ધિ (૩) દીર્ઘ સંસારી (૪) મિથ્યાદ્રષ્ટિ.
પ્રશ્ન:– જે આત્માના ચૈતન્ય સ્વરૂપને અને ક્રોધાદિ ભાવને ભિન્ન ભિન્ન લક્ષણથી પિછાન કરી યથાર્થ જાણે તેને
શાસ્ત્રની પરિભાષામાં શું કહે છે?
ઉત્તર:– (૧) જ્ઞાની (૨) અલ્પ સંસારી (૩) સમ્યગ્દ્રષ્ટિ (૪) આત્મજ્ઞાની.
પ્રશ્ન:–
What is the cause of continuous cycle of existence? (સંસારમાં ચાલુ ભવભ્રમણના ચક્રનું કારણ શું?
ઉત્તર:– It is wrong belief and errorfeeding passions which are the cause of continuous cycle of
existences.
ભવચક્રના ભ્રમણનું કારણ ખોટી માન્યતા અને ભૂલપોષક કષાય છે. (ભૂલપોષક કષાયને
શાસ્ત્રની પરિભાષામાં અનંતાનુબંધી કષાય કહે છે.)
– : નિવેદન: –
જે ગ્રાહકોએ રૂા. પ લવાજમ ભરેલું છે તેમને બે વર્ષ સુધી એટલે ૩૬ માં અંક સુધી માસિક મોકલવામાં આવશે. અથવા બીજા
એક ગ્રાહકનું નામ મોકલી આપી રૂા. ૨ાા એ ગ્રાહક પાસેથી વસુલ લઈ લેવા અને તે બન્ને વસ્તુઓ અનુકૂળ ન હોય તો બાકી
રહેલ રૂા. ૨ાા પોસ્ટકાર્ડ લખી પાછા મંગાવી લેવા કૃપા કરશો.
જમુ રવાણી
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ તા. ૧૮–૧૦–૪૪
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ મોટા આંકડિયા (કાઠિ)