Atmadharma magazine - Ank 014
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૧૪
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image








સાક્ષાત્ તીર્થંકર ભગવાનથી આવેલ ઉપદેશ
પરમ ગુરુઓથી પરંપરાએ આવેલ, તે સંતોએ
અનુભવમાં ઉતારીને જેનાથી જન્મ–મરણ ટળે એવી
શુદ્ધ દ્રષ્ટિથી અજ્ઞાનરૂપી અંધકાર મટાડવાનો ઉપાય
શુદ્ધનય છે તેમ જાણી સંસારી જીવનાં ભાવ મરણો
ટાળવા અકષાય કરુણા કરી શુદ્ધનયને જ મુખ્ય
કરીને તેનો પ્રગટ ઉપદેશ ખૂબ જોર પૂર્વક કર્યો છે.
જડ કર્મના બંધન રહિત, પરમાં કાર્ય–કારણ
વિનાનો પૂર્ણ જ્ઞાનઘનસ્વભાવ આત્મા છે તેને યથાર્થ
જાણી તેનું શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું અર્થાત્
વર્તમાન સંયોગી અવસ્થાને પોતાનું સ્વરૂપ ન માનવું
અને
પરમાં–કર્તાપણાની મિથ્યાબુદ્ધિના ફળમાં
અનાદિથી રખડે છે, માટે તે ભૂલનો ત્યાગ કરી
વર્તમાન અવસ્થા જેટલો જ હું નથી, પણ હું વિકારી
અવસ્થાનો નાશક છું એમ શુદ્ધનય વડે પૂર્ણ
કેવળજ્ઞાન સ્વભાવી આત્માનો સ્વીકાર કરવો તે
સાચી શ્રદ્ધાનો વિષય છે.
પૂર્ણ સ્વરૂપ શુદ્ધ આત્માના યથાર્થ નિર્ણય
વિના સાચી શ્રદ્ધા હોઈ શકે નહીં અને સ્વરૂપની
સાચી શ્રદ્ધા વિના યથાર્થ ચારિત્ર અને કેવળજ્ઞાન
થઈ શકે નહીં.
(અમૃતવાણીમાંથી)
૧. બીજા વર્ષના ગ્રાહકોને અમૃત
વાણી માગશર સુદ ૯ પહેલાંં મળી જશે.
તે પહેલાંં કોઈ ફરિયાદ ન કરે.
૨. બીજા વર્ષના ગ્રાહકો વર્ષની
શરૂઆતથી જ એટલે કારતકથી આસો
સુધી નોંધવામાં આવશે, વચમાં ગમે
ત્યારે ગ્રાહક નોંધાય તેને આગલા અંકો
આપવામાં આવશે.
૩. દરેક ગ્રાહક એકજ નવા
ગ્રાહકનું નામ અને લવાજમ મોકલી આપે
તો માગશર સુદ ૯ સુધીમાં ખુશીથી
આત્મધર્મના બે હજાર ગ્રાહક થાય.
અત્યારે આત્મધર્મની ૨૦૦૦ નકલ
છપાય છે.
૪. આત્મધર્મ માસિક ગુજરાતી
તેમજ હિંદીમાં છાપવાની વડોદરા
રાજ્યની પરવાનગી મળી ગઈ છે. હિંદી
અનુવાદ તૈયાર થયેથી હિંદી માસિક જુદું
પ્રગટ થશે.
પ. કોઈ પણ પ્રકારની ફરિયાદ કે
સૂચના કરતી વખતે ગ્રાહક નંબર અવશ્ય
લખવો. ગ્રાહક નંબર વિનાના પત્રોનો
જવાબ આપવો ખૂબ મોંઘો પડે છે.
વાર્ષિક લવાજમ
અઢી રૂપિયા
છુટક નકલ
ચાર આના

PDF/HTML Page 3 of 17
single page version

background image
. તો અવતાર એળે જાશે!
ભૃગુ પુરોહિતના બે છોકરાઓ કહે છે કે, હે માતા! અમારે હવે બીજો ભવ કરવાનો નથી.
अज्जेव धम्मं पडिवज्जयामो जहिं पवन्ना न पुणभ्भवामो।
अणागयं ने वय अत्थि किं चि सद्धाखमं नेविण इत्तूरागं।।
બે છોકરાઓ નાની ઉંમરના છે, તેને અવધિજ્ઞાન નથી, પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, આત્માનું જ્ઞાન
થયું છે. તે બન્ને છોકરાઓ વૈરાગ્ય પામીને માબાપને કહે છે કે:–
“હે માતા! હે જનેતા! હે પિતા! અમે આજે જ આત્માની નિર્મળ શક્તિને અંગીકાર કરીશું. માતા!
કોલકરાર કરીને કહીએ છીએ કે ફરીને ભવ કરવાનો નથી, ફરીને શરીર લઈને આવવું નથી. માતા!
આત્મશક્તિના જોરથી કહીએ છીએ કે, હવે અવતાર કરવો નથી; આત્માના શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનું જ્યાં ભાન
થયું ત્યાં ફરીને ભવ કરવાનો નથી. માતા! કોલકરાર કરીને કહીએ છીએ કે, હવે બીજો ભવ કે બીજી માતા
કરવાના નથી. બીજી માતાને હવે રોવડાવવી નથી. માતા! એક તને દુઃખ થશે, હવે બીજી માતા નહીં
રોવડાવીએ, અમે અશરીરી સિદ્ધ થઈ જશું. ફરીને અમે આવવાના નથી.” આ કોણ કહે છે? છદ્મસ્થ કહે છે.
કેવળજ્ઞાન થયું નથી પણ સમ્યગ્દર્શનના જોરથી કહે છે.
માતા કહે છે કે:– દીકરાઓ! નાના છો માટે સંસારના સુખ ભોગવી–ભુક્તભોગી થઈ પછી જાજો, આપણે
સાથે નીકળીશું. માતા કહે છે કે બેટા! વિષયો જોયા નથી, તુષ્ણા રહી જશે માટે ભુક્તભોગી થઈ પછી નીકળો.
છોકરાઓ કહે છે–“જનેતા! જગતમાં અણપામેલી એવી કઈ ચીજ રહી ગઈ છે? માત્ર આત્મ–સ્વભાવ
સિવાય અણપામેલ એવું કિંચિત્ માત્ર પણ નથી રહ્યું. અણપામેલ એક આત્મા રહી ગયો છે. અહમેંદ્રાદિ પદ પણ
મળ્‌યા વિના રહ્યાં નથી. હે માતા! રજા આપ, અમારા પ્રત્યેનો રાગ તોડીને શ્રદ્ધા કરવી તે તમારા આત્માને શ્રેયનું
કારણ છે. અમારા પ્રત્યેની રાગની લાળ છોડીને આત્માની શ્રદ્ધા કરવી તે તમને ક્ષેમકુશળ થવાનું કારણ છે, માતા!
શ્રદ્ધા કરો! ” કોણ બોલે છે? છોકરાઓ જાગીને બોલે છે. આત્માનું કરવા ઊઠયા તે રોકાશે નહીં. રણે ચડયા
રજપૂત છૂપે નહીં; છોકરાઓ કહે છે કે માતા! માતા! રજા આપ, અમે આજે જ ધર્મને અંગીકાર કરશું.
જે પહેલેથી કહે છે કે આત્મા શું કરે, કર્મ નડે છે, કર્મ મારગ આપે ત્યારે ધર્મ થાય, એમ જે પોક મૂકે છે
તે મર્યા જ પડ્યા છે, તે હાર્યા જ પડ્યા છે. પણ અરે ભાઈ! તું ચૈતન્યમૂર્તિ, અનંત શક્તિનો ધણી, તને કર્મની
રાંકાઈની વાત શોભે નહીં, આચાર્યદેવ કહે છે કે અમે જે આ સમયસારમાં ભેદજ્ઞાનની વાત કહી છે–નિર્ભય અને
નિઃશંક થવાની વાત કહી છે તે ત્રણકાળમાં ફરે નહીં એવી અપ્રતિહતપણાની આ વાત છે. તે સાંભળીને અંતરથી
શ્રદ્ધા બેસે તેને ભવની શંકા રહે નહીં, તેનો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે નહીં.
આ મનુષ્ય જીવનમાં આત્માનું કરી લે. આ રાતી–પીળી પચરંગી દુનિયામાં મોહ કરતો ફરે છે પણ
ભાઈ! શરીરનું એક રજકણ ફરશે ત્યારે તું તેને અટકાવી નહીં શકે. તું એમ માને છે કે હું તેને અટકાવી દઉં છું.
પણ તે તારી મૂઢતાને તું સેવે છે. રજકણની જે કાળે જે અવસ્થા થવાની તે નહીં ફરે. આને તો જ્યાં હજાર–
પાંચસોનો પગાર થાય ત્યાં ‘હું પહોળો ને શેરી સાંકડી’ એમ રાતો–પીળો થઈને ફરે, પણ અરે પ્રભુ! ધુમાડાના
બાચકા ન ભરાય, વેળુના ગઢ ન થાય ટાટના કોથળામાં પવન ન ભરાય તેમ પરને પોતાનું કરી રાતુ–પીળુ ન
ફરાય; ચૈતન્ય ભગવાન અનંત શક્તિનો પિંડ તેને ભૂલીને પરને પોતાનું કરે છે તો અવતાર જાશે એળે! આવો
સમાગમ મળ્‌યો છે, માટે આત્માનું કરીને ચાલ્યો જા.
–માગશર– પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની દીક્ષાજયંતી
સુદ શુક્ર તા. ૧૭ નવે. (દીક્ષા સાં. ૧૯૭૦)
,, પ સોમ ૨૦ ,, સુદ ૧૧ રવિ ૨૬ નવે
,, ૮ ગુરુ ૨૩ ,, ,, ૧૪ મંગળ ૨૮ ,,
,, ૯ શુક્ર ૨૪ ,, ,, ૧૫ બુધ ૨૯ ,,
શ્રી પાર્શ્વનાથ જન્મદિન વદ શુક્ર ડિસે.
,, ૧૧ સોમ ૧૧ ડિસે. ,, ૫ સોમ ૪ ,,
,, ૧૪ ગુરુ ૧૪ ,, ,, ૮ શુક્ર ૮ ,,
,, ૦)) શુક્ર ૧૫ ,, ,, ૧૦ રવિ ૧૦ ,,

PDF/HTML Page 4 of 17
single page version

background image
: માગશર : ૨૦૦૧ આત્મધર્મ : ૧૯ :
આત્મ સ્વરૂપની ઓળખાણ
એમ ઢુંઢતાં રે ધર્મ સોહામણો,
મિલિયા સદ્ગુરુ એક;
તેણે સાચો રે મારગ દાખવ્યો,
આણી હૃદય વિવેક...
શ્રી સીમંધર સાહિબ! સાંભળો–૧.
• • •
પરઘર જોતાં રે ધર્મ તુમે ફરો,
નિજઘર ન લહો રે ધર્મ;
જિમ નવિ જાણે રે મૃગ કસ્તૂરીઓ,
મૃગમદ પરિમલ મર્મ... શ્રી.–૨.
• • •
જિમ તે ભૂલો રે મૃગ દિશિદિશિ ફરે,
લેવા મૃગમદ ગંધ;
તિમ જગ ઢૂંઢેરે બાહિર ધર્મને,
મિથ્યાદ્રષ્ટિ રે અંધ.... શ્રી.–૩.
• • •
જાતિ અંધનો રે દોષ ન આકરો,
જે નવિ દેખે રે અર્થ;
મિથ્યાદ્રષ્ટિ રે તેહથી આકરો,
માને રે અર્થ અનર્થ..... શ્રી.–૪.
• • •
આપ પ્રશંસે રે પરગુણ ઓલવે,
ન ધરે ગુણનો લેશ;
તે જિનવાણી રે નવિ શ્રવણે સૂણે,
દિએ મિથ્યા ઉપદેશ.... શ્રી. –પ.
• • •
જ્ઞાન પ્રકાશે રે મોહ તિમિર હરે,
જેહને સદ્ગુરુ સૂર;
તે નિજ દેખેરે સત્તા ધર્મની,
ચિદાનંદ ભરપૂર... શ્રી. –૬.
• • •
જિમ નિરમલતા રે રતનસ્ફટિક તણી,
તિમ એ જીવ સ્વભાવ;
તે જિનવીરે રે ધર્મ પ્રકાશીઓ,
પ્રબલ કષાય અભાવ... શ્રી. –૭.
હે! સીમંધર ભગવાન!
સાચાધર્મની શોધ કરતાં કરતાં એક સાચા
ગુરુ મળ્‌યા, અને તેમણે હૃદયમાં
સમ્યગ્જ્ઞાનરૂપી વિવેકને ધારણ કરીને
સાચો માર્ગ બતાવ્યો.
જેમ કસ્તુરી–મૃગ પોતાની ડૂંટીમાં
રહેલી કસ્તુરીને જાણે નહીં અને તે સુગંધ
બહારથી આવતી માને તેમ અજ્ઞાની જીવ
પોતાના સ્વરૂપમાં જ ધર્મ છે તે ન જાણતાં
બહારથી પરવસ્તુથી ધર્મ માને છે.
જેમ પોતાની કસ્તુરીનો ભૂલેલો
મૃગ કસ્તુરીની સુગંધ પરમાં માનીને
દિશાઓ તરફ દોડે છે, તેમ સમ્યગ્જ્ઞાનરૂપી
નેત્રથી અંધ, મિથ્યાદ્રષ્ટિ જગત બહારથી
ધર્મ કરવા મથે છે.
મિથ્યાદ્રષ્ટિ કરતાં જન્મથી જ ન
દેખનારનો દોષ વધારે નથી; કેમકે જન્મથી
અંધ તો વસ્તુને દેખે નહીં, પણ મિથ્યાદ્રષ્ટિ
તો વસ્તુને હોય તેના કરતાં વિપરીતપણે
માને છે; માટે તે જ દોષ મોટો છે.
જે પોતાના માનની ખાતર
બીજાના ગુણને ઢાંકે છે અને ગુણને
જરાપણ જોતો નથી, તે જીવ ભગવાનની
વાણીનો ઉપદેશ સાંભળવાને લાયક નથી,
અને તેને ઉપદેશ દેવો નકામો છે.
સદ્ગુરુરૂપી સૂર્યને પામીને જે
જ્ઞાનના પ્રકાશ દ્વારા મિથ્યાત્વમોહરૂપી
અંધકારનો નાશ કરે છે તે જીવ સમ્યગ્જ્ઞાન
પ્રકાશ દ્વારા પોતાના જ્ઞાન આનંદથી
ભરેલા સ્વરૂપમાં જ ધર્મ દેખે છે.
જેમ સ્ફટિકમણી સ્વભાવે નિર્મળ
સફેદ છે તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધ જ
છે, એને જાણવું તેને, શ્રી જિન ભગવાન કે
જેમને કષાયનો તદ્ન અભાવ છે તેઓએ,
ધર્મ કહ્યો છે.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૨૦ : આત્મધર્મ ૨૦૦૧ : માગશર :
જીમ તે રાતે રે ફૂલે રાતડું,
શ્યામ ફૂલથી રે શ્યામ;
પાપ પુણ્યથી રે તિમ જગિ જીવને,
રાગદ્વેષ–પરિણામ..... શ્રી. –૮.
• • •
ધર્મ ન કહિએ રે નિશ્ચે તેહને,
જેહ વિભાવ વડવ્યાધિ;
શ્રી સદ્ગુરુએ રે એણી પેરે ભાખિયું,
કરમે હોએ ઉપાધિ... શ્રી. –૯.
• • •
જે જે અંશે રે નિરુપાધિકપણું
તે તે જાણો રે ધર્મ;
સમ્યગ્દ્રષ્ટિ રે ગુણઠાણા થકી,
જાવ લહે શિવધર્મ.... શ્રી. –૧૦.
• • •
એમ જાણીને રે જ્ઞાનદશા ભજી,
રહીએ આપ સ્વરૂપ;
પરપરિણતિથી રે ધર્મ ન છાંડીએ,
નવિ પડિએ ભવકૂપ... શ્રી. –૧૧.
જેમ તે સ્ફટિકમણી રાતા ફૂલના સંયોગે રાતો
ને કાળાફૂલના સંયોગે કાળો થાય છે તેમ મિથ્યાદ્રષ્ટિ
જીવને પુણ્ય–પાપના ભાવથી અશુદ્ધતા આવે છે, અને
તે રાગદ્વેષ પરિણામ છે.
સાચી દ્રષ્ટિથી જોતાં જે પુણ્ય–પાપરૂપી
જેટલે અંશે ઉપાધિ રહિતપણું એટલે કે
ભાવકર્મનો જેટલે અંશે અભાવ તેટલો ધર્મ જાણો! તે
ધર્મ આત્માની સાચી ઓળખાણથી (સમ્યગ્દ્રષ્ટિ
ગુણસ્થાનથી) શરૂ થઈને મોક્ષસુધી હોય છે–અર્થાત્
આત્મસ્વરૂપની ઓળખાણ વગર ધર્મની શરૂઆત
થતી નથી.
૧૦
એ પ્રમાણે ધર્મનું સ્વરૂપ જાણીને
સમ્યગ્જ્ઞાનની સ્થિરતામાં ટકી પોતાના સ્વરૂપમાં
રહેવું; અને એ ધર્મને છોડીને વિકારમાં જોડાવું નહીં–
અને ભવરૂપી કૂવામાં પડવું નહીં.
૧૧
• અનકન્તન નમસ્કર •
શાસનોપકારી સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનું વ્યાખ્યાન
શ્રી સમયસાર ગુજરાતી પાનું ૪૯૫ તા. ૧૧–૭–૪૪ મંગળ
– : શાર્દૂલવિક્રીડિત: –
सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः
स्वद्रव्य भ्रमतः पशुः किलपरद्रव्येषु विश्राम्यति।
स्वाद्वादी तु समस्त वस्तुषु, परद्रव्यात्मना नास्तितां
जानन्निर्मल शुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत्।।
२५३।।
દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી તે અનેકાન્ત છે. આત્મા પર સ્વરૂપે નથી; પર, આત્માના
સ્વરૂપે નથી; બન્ને વસ્તુ અનાદિ અનંત જુદી છે. એક વસ્તુને બીજી ચીજનો આશ્રય માનવો તે જ સંસારનું
કારણ છે, તથા જુદી ચીજને જુદી માનીને આત્મામાં એકાગ્ર થવું તે મોક્ષનું કારણ છે. દરેક વસ્તુ અને તેના ગુણ
પર્યાય પોતાવડે છે અને પરથી અભાવ–સ્વરૂપ છે. પરનું પરપણે હોવાપણું છે અને આત્માપણે અભાવપણું છે;
આ રીતે આત્મા આત્માપણે છે, પરપણે નથી. જેપણે પોતે નથી તેપણે પોતાને માને તે એકાંતવાદી છે–આચાર્ય
દેવે આ કલશમાં એકાંતવાદીને પશુ અર્થાત્ ઢોર કહ્યા છે, તેઓ ચોરાશીમાં રખડનારા છે.
આ અનેકાન્તના ચૌદ બોલમાં તો જૈનદર્શનનું રહસ્ય મૂકી દીધું છે. દરેક વસ્તુનો અસ્તિ–નાસ્તિ સ્વતંત્ર
સ્વભાવ છે; દરેક વસ્તુ પોતાથી છે, પરથી નાસ્તિરૂપ છે. એક વસ્તુને બીજી વસ્તુની કાંઈપણ મદદ માને તે
એકાંતવાદી અર્થાત્ જૈનદર્શનનું ખૂન કરનાર છે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: માગશર : ૨૦૦૧ આત્મધર્મ : ૨૧ :
શ્રી મહાવીર ભગવાન પ્રરૂપિત
સ્વરૂપ
અનેકાન્ત ધર્મનું વાસ્તવિક

કુનયની વાસનાથી વાસિત થયો થકો એકાંતવાદી અજ્ઞાની માને છે કે ‘શરીરાદિ સારાં રહે, પૈસા વગેરેની
સગવડતા હોય. કુટુંબ અનુકૂળ હોય તો ધર્મ થાય’ એમ માન્યું તેણે આત્માનો ધર્મ પરને આધીન માન્યો છે
એટલે આત્માને અને પર વસ્તુને એક માની લે, તેને આચાર્યદેવે અહીં પશુ કહ્યા છે.
આત્મા પરની અપેક્ષાએ નાસ્તિરૂપ છે અને પર આત્માની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. આ પ્રમાણે અનેકાંત
ન માનતાં જે પર વસ્તુમાં પોતાના આત્માની હયાતી માનીને–આત્માનો સ્વભાવ પરને આશ્રિત માનીને અને
પરદ્રવ્યમાં સ્વપણાના ભ્રમથી પર દ્રવ્યોમાં લક્ષ કરીને અટકે છે એવા સ્વ–પરનો ખીચડો કરનાર જીવ
એકાંતવાદી પશુ છે, એમ આ કલશમાં કહ્યું છે.
એક દ્રવ્યને બીજાથી મદદ મળે એમ જેણે માન્યું, તેણે બધા દ્રવ્યોમાં એકપણું માન્યું છે. પરવસ્તુથી
પોતાને કાંઈપણ ગુણ કે દોષ માને છે તે મૂઢ છે. પરવસ્તુ ગમે તેમ હો પણ તે વસ્તુ મને લાભ–અલાભ કરવા
સમર્થ નથી–આવું જેને ભાન નથી અને પર વસ્તુ અનુકૂળ હોય તો મને લાભ થાય એમ માનીને જે પરમાં
રોકાઈ ગયો છે તે મૂઢ પશુ જેવો છે. એમ આચાર્ય દેવ કહે છે.
પર વસ્તુ આત્માને આધીન નથી, આત્મા પર વસ્તુને આધીન નથી તેથી પર વસ્તુથી આત્માને કાંઈ
પણ લાભ–નુકસાન નથી. મારો સ્વભાવ મારામાં, મારાથી જ છે એવી જેને શ્રદ્ધા બેસતી નથી તે આત્માનો ધર્મ
પર વસ્તુમાં માનીને–પોતાનો સ્વભાવ પરને આધારે છે એમ માનીને પરદ્રવ્યમાં સ્વપણું માને છે તે એકાંતવાદી
છે; અને અનેકાંતવાદી જ્ઞાની જાણે છે કે:– મારા સ્વભાવમાં પર નથી, પરવસ્તુમાં હું નથી, તો જે ચીજનો
અભાવ છે તે ‘અભાવ–ચીજ’ કોઈને લાભ નુકસાન કરે એમ બને નહીં, ‘અભાવ ચીજ’ થી જો કોઈને કાંઈ
થાય તો ‘સસલાંના શિંગડા લાગવાથી અમુક માણસ મરી ગયો’ એવો વખત આવે, પણ મારા આત્મમાં કર્મ
નહીં, કર્મમાં હું નહીં; શરીરમાં આત્મા નહીં, આત્મામાં શરીર નહીં, બન્ને વસ્તુ જુદી છે બન્નેનો એક બીજામાં
અભાવ છે આમ જાણતા અનેકાંતવાદી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા સમસ્ત પરવસ્તુપણે પોતાનો અભાવ માને છે અને
પોતાપણે પરનો અભાવ માને છે તેથી તે પરવસ્તુથી કાંઈ પણ લાભ–નુકસાન માનતા નથી, પણ દરેક ચીજનું
એક બીજામાં નાસ્તિપણું છે તેથી મારો સ્વભાવ મારાથી છે, સ્વભાવની શુદ્ધશ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર તે પણ
મારાથી જ છે આમ માને છે, અને જેનો શુદ્ધ જ્ઞાન મહિમા નિર્મળ છે એવા સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. દરેક
દ્રવ્યો અનાદિ અનંત જુદાં રહીને સૌ પોત પોતાની અવસ્થામાં કાર્ય કરી રહ્યાં છે, કોઈ કોઈને સહાયકારી થતું
નથી. આમ જાણતો ધર્માત્મા પર દ્રવ્યનો આશ્રય કેમ કરે?
ભાવાર્થ:– હું પરપણે નથી, મારા પણે છું એમ ન માનનાર પશુ સમાન એકાંતવાદી, આત્માને બધા
પરદ્રવ્યોપણે માને છે, તેને પોતાના જુદા સ્વભાવની ખબર નથી. જુદાપણાની શ્રદ્ધા, જુદાપણાનું જ્ઞાન અને
જુદાની સ્થિરતા વગર જુદો (મુક્ત) થાય નહીં. જે વસ્તુ મારામાં નથી તે મને શું કરે? મારામાં અભાવરૂપ
વસ્તુ કાંઈ પણ કાર્ય મારામાં કરે જ નહીં. આત્મા પરમાં અભાવરૂપ હોવાથી, તે પરમાં કાંઈ પણ કરે નહીં, અને
પરવસ્તુ આત્માની અપેક્ષાએ આત્મામાં અભાવરૂપ હોવાથી પરવસ્તુ આત્માનું કાંઈ કરી શકે નહીં. કર્મ તે
આત્માથી પર વસ્તુ છે, તેથી તે આત્માને હેરાન કરી શકે નહીં.
આ અનેકાન્ત તો જૈનદર્શનનું મૂળિયું છે; આ સિદ્ધાંત અનાદિથી જગતના (સંસારી જીવન) ખ્યાલમાં
આવ્યો નથી. આત્મામાં પરનો અભાવ છે અને પરમાં આત્માનો અભાવ છે; દરેકે દરેક વસ્તુ સ્વથી અસ્તિ અને
પરથી નાસ્તિરૂપ છે,

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૨૨ : આત્મધર્મ ૨૦૦૧ : માગશર :
આ ન માનનાર એકાંતવાદી છે તેને પરથી જુદા સ્વરૂપની ખબર નથી.
સ્વ–પણે છે અને પરપણે નથી એમ કહેતાં બીજી વસ્તુની પણ સિદ્ધિ થઈ જાય છે. જો બધી થઈને એક જ
વસ્તુ હોય તો એકમાં વિકાર થાય નહીં, કેમકે સ્વભાવમાં વિકાર નથી; જો એકલી વસ્તુમાં વિકાર થાય તો
વિકાર સ્વભાવ થઈ જાય; તેથી વિકાર વખતે બીજી ચીજની હાજરી હોય છે તેનું લક્ષ કરીને આત્મા પોતે
પોતામાં વિકાર કરે છે. બધી વસ્તુઓ છે, પણ દરેક પોતાપણે જ છે, કોઈ વસ્તુ પરપણે નથી. એક વસ્તુને
‘સ્વપણે છે’ એમ કહેતાં જ ‘પરપણે નથી’ એમ અનેકાન્ત સ્વયમેવ જ પ્રકાશે છે. વસ્તુ સ્વપણે છે, એમ કહેતાં
તેમાં પરનો અભાવ છે. સ્વમાં જેનો અભાવ છે તે વસ્તુ સ્વને લાભ કે અલાભ કરે નહીં. શરીરની કોઈ ચેષ્ટાથી
આત્માને લાભ કે નુકસાન થાય નહીં કેમકે આત્માની અપેક્ષાએ શરીર આત્મામાં અભાવ વસ્તુ છે; તેવી જ રીતે
આત્માની ઈચ્છાથી શરીરની અવસ્થા થતી નથી, કેમકે ઈચ્છાનો શરીરમાં અભાવ છે. આ અનેકાંતની જેને ખબર
નથી તેને આચાર્યદેવે પશુ ઠરાવ્યા છે. આત્મા શરીરનું કાંઈ કરવાની ઈચ્છા કરે, પણ તે ઈચ્છાનો શરીરમાં
અભાવ છે, તેથી જે ઈચ્છા શરીરમાં અભાવરૂપે છે તે શરીરનું કરે શું? ઈચ્છા તે રાગ છે, તેનો આત્માની
અવસ્થામાં સદ્ભાવ છે, પણ શરીરમાં તો રાગનો અભાવ છે. અભાવ છે તે કરે શું? તેવી જ રીતે ઈચ્છામાં
શરીરનો, કર્મનો અભાવ છે તેથી શરીર કે કર્મ ઈચ્છામાં શું કરે? અર્થાત્ શરીર કે કર્મ ઈચ્છા કરાવતાં નથી.
ઈચ્છામાં કર્મની નાસ્તિ છે, તો કર્મ ઈચ્છાને કરે શું? કર્મ નિમિત્ત છે અને નિમિત્તનો ઈચ્છામાં અભાવ છે, તેથી
કર્મના કારણે ઈચ્છા નથી.
પરનો ઈચ્છામાં અભાવ છે, અને ઈચ્છાનો પરમાં અભાવ છે. ઈચ્છા તે આત્માની વિકારી ક્ષણિક અવસ્થા
છે, તેમાં કર્મનો અભાવ છે, તો કર્મ ઈચ્છામાં શું કરે? આ રીતે અનેકાન્તને જાણનાર જ્ઞાની સર્વ પરથી પોતાનું
નાસ્તિત્ત્વ માનીને સ્વદ્રવ્યમાં રહે છે.
પર દ્રવ્યનો વિષય છોડીને આવીએ અંદર! હવે રહી ઈચ્છા. ઈચ્છા તે આત્મામાં થતી વિકારી ક્ષણિક
અવસ્થા છે, તે ક્ષણિક જેટલો આત્મા નથી. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ ક્ષણિક ઈચ્છાનો અભાવ છે અને
ઈચ્છામાં ત્રિકાળી સ્વભાવનો અભાવ છે. આ રીતે સ્વભાવમાં ઈચ્છા નહીં, ઈચ્છામાં સ્વભાવ નહીં. ક્ષણિક ઈચ્છા
થાય તેને પોતાની માનવી એ જ સંસાર છે.
વસ્તુદ્રષ્ટિએ વિકારનો અભાવ છે, તેથી વસ્તુદ્રષ્ટિમાં સંસાર
નથી; ફક્ત ‘ઈચ્છા મારી’ એવી દ્રષ્ટિની ઊંધી માન્યતામાં સંસાર છે.
દરેક વસ્તુ પોતાપણે છે, પરપણે નથી. જો વસ્તુ પરપણે પણ અસ્તિરૂપે હોય તો બે વસ્તુ એક થઈ જાય,
પણ બન્ને વસ્તુ જુદી હોવાથી એકની બીજામાં નાસ્તિ છે. દેવ–ગુરુ અને શાસ્ત્ર પણ પર છે, તેનો મારામાં
અભાવ છે. તે અભાવ વસ્તુને આધારે (દેવ–ગુરુ શાસ્ત્રને આધારે) મારો ધર્મ નથી મારો સ્વભાવ મારાપણે છે
અને મારા ધર્મનો સંબંધ મારી જ સાથે છે, આ રીતે પરથી જુદા પોતાના સ્વભાવના આશ્રયે જ ધર્મ છે.
પ્રથમ તારે ધર્મ કરવો છે કે નહીં તે નક્કી કર! જો ધર્મ કરવો હોય તો ‘પરને આશ્રયે મારો ધર્મ નથી’
એવી શ્રદ્ધા દ્વારા પરાશ્રય ઉપર કામ મૂક! પરથી જે જે પોતામાં થતું માન્યું છે તે માન્યતાને સાચા ભાન વડે
બાળી નાંખ. ‘મારો સ્વભાવ મારામાં છે, તે કદી પરમાં ગયો નથી’ એમ શ્રદ્ધા કરીને સ્વદ્રવ્યમાં જ ઠર, એ જ
ધર્મ છે.
જગતની અપેક્ષાએ આત્મા અસત્ છે, આત્માની અપેક્ષાએ જગત અસત્ છે, પણ આત્માની અપેક્ષાએ
આત્મા અને જગતની અપેક્ષાએ જગત એમ તો બન્ને સત્ છે, આમ પરથી અસત્ અને સ્વથી સત્ એવા
પોતાના સ્વરૂપને જાણીને જ્ઞાન સ્વદ્રવ્યમાં વિશ્રામ કરે છે, જ્યારે પોતાના સ્વરૂપને પરપણે માનનાર અજ્ઞાનીને
ક્યાંય વિશ્રામ સ્થાન નથી.
આ રીતે કલશ ૨૫૩ માં પરદ્રવ્યથી અસત્ પણાનો ભંગ કહ્યો;
હવે કલશ ૨૫૪ માં સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહે છે:–

PDF/HTML Page 8 of 17
single page version

background image
: માગશર : ૨૦૦૧ આત્મધર્મ : ૨૩ :
– : શાર્દૂલવિક્રીડિત: –
भिन्न क्षेत्र निषण्ण बोध्यनियत व्यापारनिष्ठ सदा
सीदत्येव बहिः पतंतभितः पश्यन्पुमांसं पशुः।
स्वक्षेत्रस्तिया निरुद्धरभसः स्वाद्धादवेदी पुन–
स्तिष्ठत्यात्मनिखात बोध्यनियत व्योपार शक्तिर्मवन्।।
२५४।।
દરેક વસ્તુ અનેકાન્તાત્મક છે, છતાં વસ્તુના એક જ પડખાંને માનીને, બધાં પડખાંને ન જોનાર એવો
એકાંતવાદી એક અપેક્ષા પકડીને તેટલી જ વસ્તુ માની બેસે છે તે વસ્તુના સ્વરૂપથી અજ્ઞાત છે. એકવાર ચાર
જન્માંધ કે જેમણે કદી હાથીને નજરે જોયો ન હતો તેવાઓ હાથી કેવો હોય તે નક્કી કરવા બેઠા; તેમાં એકના
હાથમાં હાથીનું પૂછડું આવ્યું તે પૂછડાને જ હાથી માનીને કહે કે ‘હાથી દોરડી જેવો છે, ’ બીજાના હાથમાં
હાથીનો પગ આવ્યો, તેને જ હાથી માનીને કહે કે ‘હાથી થાંભલા જેવો છે’ ત્રીજાના હાથમાં હાથીનો કાન
આવ્યો તેને જ હાથી માનીને તે કહે કે ‘હાથી સૂપડા જેવો છે;’ ચોથાના હાથમાં હાથીની સૂંઢ આવી તેને જ હાથી
માનીને તે કહે કે ‘હાથી સાંબેલા જેવો છે. ’ આ રીતે હાથીના સાચા સ્વરૂપથી અજાણ એવા બધા આંધળાઓ
હાથીના એક અંગને જ આખો હાથી માની બેઠા; તેમ અજ્ઞાની–આત્મસ્વરૂપનો અજાણ એવો જીવ એક અપેક્ષાને
જ આખી વસ્તુનું સ્વરૂપ માની બેસે છે, જેમકે–વસ્તુ પરપણે નાસ્તિરૂપ છે એમ કહેતાં પોતાપણે પણ નાસ્તિરૂપ
માની બેસે છે, સ્વપણે છે એમ કહેતાં પરપણે પણ છે એમ માની બેસે છે, પરની પોતાપણે નાસ્તિ છે. એમ
કહેતાં પરની સર્વથા નાસ્તિ માની બેસે છે અથવા સામી વસ્તુ તેના પણે છે એમ કહેતાં પોતામાં પણ પરની
અસ્તિ માની બેસે છે એ પ્રકારે એક અપેક્ષાને પકડીને તે પ્રમાણે આખી વસ્તુનું સ્વરૂપ માની બેસે છે તે વસ્તુના
ખરા સ્વરૂપથી અજાણ છે, એકાંતવાદી છે, આચાર્યે તેને આ કળશમાં પશુ કહ્યો છે.
આત્મા સદાય પોતાના અસંખ્ય પ્રદેશે જ છે. સર્વથા એકાંતવાદી, પરક્ષેત્રે રહેલા જ્ઞેય પદાર્થોનો આત્મા
માત્ર જાણનાર છે છતાં ‘આ પરક્ષેત્ર મારું છે’ એમ પરક્ષેત્રોને સ્વક્ષેત્રપણે માનીને પોતાનો નાશ કરે છે;
શરીરાદિ પરજ્ઞેયોપણે પોતાને માનીને અજ્ઞાની પરલક્ષે પ્રવર્તે છે, પોતાના જ્ઞાનનો સ્વ–પર પ્રકાશક સ્વભાવ
હોવાના કારણે જ્ઞાનમાં પર વસ્તુ જણાય છે ત્યાં ‘મારું અસ્તિત્વ જાણે પરમાં ગયું હોય’ એમ માનીને પરદ્રવ્ય
તરફના લક્ષમાં પડીને પોતાનો નાશ કરે છે; પણ આત્મામાં પર વસ્તુનો આકાર પેસી ગયો નથી, તેમજ
આત્માનો આકાર પરમાં પેસી ગયો નથી, આત્મા તો સદાય સ્વક્ષેત્રમાં જ છે તેની અજ્ઞાનીને ખબર નથી.
શુભ સમાચાર
શ્રી ડાહ્યાભાઈ સોમચંદે આ
(ઉ. વ. ૨૩. રહેવાશી દહેગામ, જ્ઞાતે નાગર વાણીઆ) કારતક શુદી ૧૫ (તા. ૩૧–૧૦–૪૪) ના રોજ
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું છે.
તેમણે એલ. એલ. બી. ના બીજા વર્ષના કોર્સ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની જ્ઞાતીમાં કન્યાની ઘણી
છત છે અને તેમનું ખાનદાન કુટુંબ હોવાથી ઘણા સારા ખાનદાન કુટુંબની કન્યા મળે તેમ છે, પરંતુ તેમને
વીતરાગી વિજ્ઞાન તરફ રુચિ થવાથી સદ્ગુરુદેવના દિવ્યજ્ઞાનનો લાભ લેવા માટે સોનગઢ કેટલાક વખતથી
આવી રહ્યા છે. અને વૈરાગ્ય પ્રગટ થતાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું છે. એ રીતે બાળબ્રહ્મચારી તરીકે તત્ત્વજ્ઞાનનો
અભ્યાસ વધારી સદ્ગુરુદેવ સમીપ તેમણે આખું જીવન ગાળવાનું પસંદ કર્યું છે.

પહેલાંં–૨૫૩–મા કળશમાં દ્રવ્યની વાત હતી, આમાં ક્ષેત્રની વાત છે. પરક્ષેત્રના આકારને જાણવાનો તો
આત્માનો સ્વભાવ છે; જ્ઞાનમાં પરક્ષેત્ર જણાય તે પરક્ષેત્રને પોતાનું માનીને પરમાં પડતો થકો–પોતાને પરપણે
માનીને એકાંતવાદી પોતાના સ્વરૂપનો નાશ કરે છે.
આત્મા તો નિત્ય અસંખ્ય પ્રદેશી છે, તેના એકેક પ્રદેશમાં અનંતા ગુણો છે, તેનું ક્ષેત્ર પોતામાં

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૨૪ : આત્મધર્મ ૨૦૦૧ : માગશર :
જ છે. બાપુ! તારું ક્ષેત્ર તારામા છે, તારા અસંખ્ય પ્રદેશાકારે તારું ક્ષેત્ર છે આ પ્રમાણે જુદો ન માનતાં જે પરક્ષેત્રે
એકપણું માને છે તેને આચાર્ય ભગવાને આ કળશમાં એકાંતવાદી પશુ કહ્યો છે. સ્યાદ્વાદનો જાણકાર જ્ઞાની
સ્વક્ષેત્રથી પોતાની અસ્તિ જાણે છે તેથી પરક્ષેત્રમાં પોતાપણાની માન્યતા નથી, એટલો પર તરફનો વેગ તો
રોકાઈ ગયો છે. સ્વક્ષેત્રે અસંખ્ય પ્રદેશોનો પિંડ છું એમ માનતો જ્ઞાની સ્વક્ષેત્રમાં વર્તતો થકો, આત્મામાં જ
આકારરૂપ થયેલા પરજ્ઞેયો સાથે એકપણું માનતો નથી. પણ–મારા જ્ઞાનમાં જ પરને જાણવાની શક્તિ છે એમ
જાણીને સ્વદ્રવ્યમાં જ રહે છે. પર વસ્તુ મારા જ્ઞાનમાં જ્ઞેય છે, પર વસ્તુ તે હું નથી પણ મારું જ્ઞાન તે જ હું છું
એમ પોતાના જ્ઞાનના નિશ્ચય–વ્યાપારરૂપ શક્તિવાળો થઈને, સ્વદ્રવ્યમાં ટકીને પોતાને જીવતો રાખે છે,
સ્વરૂપમાં જ રહે છે.
વીતરાગ થયા પહેલાંં શુભરાગ આવે અને શુભરાગના નિમિત્ત દેવ–ગુરુ વગેરે પણ હોય છે, પણ તે રાગ
કે રાગના નિમિત્તો મારાં નથી, હું પરક્ષેત્રથી જુદો છું, મારો ધર્મ મારા સ્વક્ષેત્રમાં જ છે, આમ ન માનનારા
અજ્ઞાની સ્વભાવને પરપણે માનીને પોતાનો નાશ કરે છે; અને આવું જાણનારા જ્ઞાની પરપણે ન માનતાં
સ્વપણે જ પોતાને ટકાવીને નાશ પામવા દેતા નથી.
પ્રભુ! તારું ક્ષેત્ર તારી પાસે છે, પરક્ષેત્ર તારાથી જુદું છે. પરક્ષેત્રને જાણવાનો તારો સ્વભાવ છે, પણ
કોઈ પર તારામાં આવી જતાં નથી, તેમ જ તારું ક્ષેત્ર કોઈ પરવસ્તુમાં જતું નથી, આત્મા આત્માના જ ક્ષેત્રમાં
છે. અજ્ઞાની પરક્ષેત્રમાં પોતાનું અસ્તિત્વ માનીને પોતાનો નાશ કરે છે, જ્ઞાની સ્વક્ષેત્રમાં પરની નાસ્તિ
માનીને સ્વમાં ટકી રહે છે. આ પ્રમાણે અનેકાન્ત તે વસ્તુનું સ્વરૂપ છે, આવું તત્ત્વનું સ્વરૂપ નહીં સમજે તેને
નિગોદમાં જવું પડશે, અને જે સમજશે તેઓ સિદ્ધ ભગવાન ત્રણલોકના નાથ થશે જ. મુખ્ય ગતિ જ સિદ્ધ
અને નિગોદ છે. શુદ્ધ નિશ્ચયગતિ સિદ્ધ છે અને અશુદ્ધ નિશ્ચય ગતિ નિગોદ છે, વચલી ચાર ગતિ તે વ્યવહાર
છે, તેનો કાળ અલ્પ છે.
– : શાર્દૂલવિક્રીડિત: –
स्वक्षेत्र स्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात्
तुच्छीभूय पशुः प्रण्श्यति चिदाकारान् सहाथैर्वमन्।
स्याद्बादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां
त्यत्कार्थोऽपि न तुच्छतामनुभववत्याकारकर्षी परान्।।
२५५।।
જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે તેથી પરવસ્તુ જણાય છે ત્યાં અજ્ઞાની ‘જાણે કે પરવસ્તુ જ્ઞાનમાં ઘૂસી
ગઈ હોય’ એવા ભ્રમથી, જ્ઞાનમાં જે પરવસ્તુનો આકાર જણાય છે તે કાઢી નાખું; એટલે કે જ્ઞાનની અવસ્થાને
કાઢી નાખું તો એકલું જ્ઞાન રહી જાય એમ માનીને તુચ્છ થયો થકો નાશ પામે છે. અજ્ઞાની એમ માને છે કે
જ્ઞાનમાં ઘર, બાયડી, છોકરાં વગેરે યાદ આવે છે તેથી મને રાગ થયા વિના રહેતો નથી; પણ ઘર તરફનો મમત્વ
ભાવ તે રાગનું કારણ છે; તેથી ઘર આદિનું એ વાત તદ્ન ખોટી છે. ઘરને જાણવું તે રાગનું કારણ નથી, જ્ઞાન
ભલે થાય, પણ ‘આ ઘર મારું’ એવી માન્યતાને ભૂલી જવાની છે. જ્ઞાનને તું કેવી રીતે ભૂલીશ? ભાઈ!
જાણવાનો તો તારો સ્વભાવ છે, તેમાં પરવસ્તુ સહેજે જણાય છે, પરવસ્તુને ભૂલી જવાની નથી પણ ‘પર મારાં’
એવી માન્યતા કાઢી નાખ! પરનું જ્ઞાન તે રાગદ્વેષનું કારણ નથી, પણ પર મારાં એવી માન્યતા જ રાગદ્વેષનું
કારણ છે. તે માન્યતા જ ફેરવવાની છે; તેને બદલે અજ્ઞાની પર વસ્તુને જાણવારૂપ પોતાના જ્ઞાનની અવસ્થાને
કાઢવા માગે છે, પણ તે કાઢશે કોને? ભાઈ! જ્ઞાન તો તારો સ્વભાવ છે, તેની ક્ષણે ક્ષણે અવસ્થા બદલાય છે,
અને તે જ્ઞાનની અવસ્થાનો સ્વભાવ જ એવો છે કે, પર પદાર્થ જણાય; ત્યાં અજ્ઞાની માને છે કે પરવસ્તુનું જ્ઞાન
જ ભૂલી જઉં–એટલે કે મારું જ્ઞાન જ કાઢી નાખું! આ રીતે જ્ઞેય પદાર્થથી મારા જ્ઞાનની અવસ્થા જુદી છે, એમ ન
માનતો અજ્ઞાની જ્ઞાનની અવસ્થાને છોડવા માગે છે; જ્યારે અનેકાન્તધર્મનો જાણનાર જ્ઞાની જાણે છે કે–પર
પદાર્થને જાણવા છતાં મારા જ્ઞાનની અવસ્થા તેનાથી જુદી છે, મારા જ્ઞાનમાં જ્ઞેય પદાર્થ પેસી જતાં નથી–એમ
પરથી નાસ્તિત્વ જાણતો, પર વસ્તુથી

PDF/HTML Page 10 of 17
single page version

background image
: માગશર : ૨૦૦૧ આત્મધર્મ : ૨૫ :
પોતાને ખેંચીને, સ્વક્ષેત્રમાં રહેતો, રાગ–દ્વેષ છોડતો, સ્વક્ષેત્રમાં જ જ્ઞાનને એકાગ્ર કરે છે.
પરક્ષેત્ર જણાય તે તો મારા જ્ઞાન સ્વરૂપનું સામર્થ્ય છે; જાણવું તે મારું સ્વરૂપ છે; પરક્ષેત્ર તે મારું સ્વરૂપ
નથી એમ જાણતો જ્ઞાની, જ્ઞાનમાં પરપદાર્થ જણાય છતાં જ્ઞાનને તુચ્છ માનતો નથી પણ જ્ઞાનનું સામર્થ્ય માને
છે. વળી જ્ઞાનીને નિર્ણય છે કે મારા જ્ઞાનનો સ્વભાવ તો એક સમયની એક પર્યાયમાં ત્રણકાળ ત્રણલોકને
જાણવાનો છે, જ્ઞાનનું સ્વરૂપ જ જાણવાનું છે, જાણવાના કારણે રાગ નથી, પણ ‘પરમાં હું છું અથવા પર
મારામાં છે’ એવી માન્યતા જ રાગદ્વેષનું કારણ છે; અજ્ઞાની સ્વ–પરનો ખીચડો માનીને રાગદ્વેષ કર્યા કરે છે.
પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોના આકારે જ્ઞાનની અવસ્થા થાય છે. પણ ‘તે અવસ્થાને જો હું મારી
માનીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે હું પરક્ષેત્રમાં ચાલ્યો જઈશ’ એમ માનીને અનેકાન્તને નહીં જાણનાર
અજ્ઞાની પરવસ્તુની સાથેસાથે પોતાના જ્ઞાનની અવસ્થાને પણ છોડી દે છે અને એ રીતે પોતે, ચૈતન્યના
આકારો–જ્ઞાનની અવસ્થા–થી રહિત તુચ્છ થઈને નાશ પામે છે; અને સ્યાદ્વાદનો જાણનાર જ્ઞાની પરક્ષેત્રમાં
જ્ઞાનની નાસ્તિ જાણતો થકો જ્ઞેય પદાર્થોને છોડવા છતાં પણ પોતાના જ્ઞાનની અવસ્થાને છોડતો નથી, તેથી તે
તુચ્છ થતો નથી, પણ સ્વક્ષેત્રમાં જ ટકી રહે છે. તે જાણે છે કે પરને જાણવાનો મારો સ્વભાવ છે, પરમાં હું નથી,
અને પરને જાણવારૂપ મારા જ્ઞાનની અવસ્થાથી હું જુદો નથી, જે અવસ્થા તે મારું જ્ઞાન જ છે એમ જાણીને તે
સ્વભાવમાં જ સ્થિર રહે છે. આ પ્રમાણે જાણીને સ્વભાવમાં ઠરવું તેજ ધર્મ છે.
।। ૨૫૫।।
पुर्वालंबित बोध्य नाशसमये ज्ञानस्य नाशं विदन्
सीदत्येव न किंचनापि कलयन्नत्यं ततुच्छः पशुः।
अस्तित्वं निज कालतोडस्य कलयन् स्याद्बाद वेदी पुनः
पूर्ण स्तिष्ठति बाह्य वस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।।
२५६।।
કળશ ૨૫૬ તા. ૧૨–૭–૪૪
અનેકાન્તની વાત ચાલે છે. આત્મા દેહથી જુદું તત્ત્વ છે. દેહ અને આત્મા એક ચીજ નથી પણ જુદી છે.
એક આત્માથી દેહ–મન વાણી–કર્મ તથા પર આત્માઓ ત્રિકાળ જુદાં છે. દરેક આત્માનું તત્ત્વ જુદું છે, જડ પણ
જુદી વસ્તુ છે. દરેક વસ્તુ જુદી છે અને જુદી વસ્તુની શક્તિ પણ જુદી જ છે, અને દરેકની અવસ્થા પણ જુદી
જુદી છે. આત્માની અવસ્થા આત્મામાં થાય છે, શરીરની અવસ્થા શરીરમાં થાય છે. દેહ અને આત્મા એક ક્ષેત્રે
હોવા છતાં બન્નેની અવસ્થા જુદી પોત પોતાથી થાય છે. આ નહીં જાણતો એકાંતવાદી–અજ્ઞાની દેહને આધારે
પોતાનું જ્ઞાન માને છે; એટલે કે જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી હું રહું અને દેહ નાશ પામતાં હું પણ ભેગો નાશ
પામું એમ જ્ઞેય પદાર્થથી જુદા એવા પોતાના જ્ઞાનનું અસ્તિત્વ નહીં જાણતો થકો અત્યંત તુચ્છ થઈને નાશ પામે
છે. પણ જ્ઞેયની હાલતો નાશ પામતાં, જ્ઞાનની હાલતો નાશ પામતી નથી. આત્મા દેહથી નિરાળી વસ્તુ છે, તેમાં
જ્ઞાન, દર્શન, અસ્તિત્વ વગેરે ગુણો છે તેની સમયે સમયે હાલતો થયા કરે છે. શરીર તે જડ રજકણોનું બનેલું છે.
રજકણ પણ વસ્તુ છે. તે રજકણપણે કાયમ રહીને તેની અવસ્થા બદલ્યા જ કરે છે.
આત્મા ચૈતન્યજ્ઞાનમૂર્તિ છે, શરીર જડ છે; તેમાં તેની અવસ્થા સમયે સમયે બદલાય છે તે જ્ઞાનમાં
જણાય છે; ત્યાં આત્મસ્વભાવનો અજાણ અજ્ઞાની જીવ જ્ઞેયની અવસ્થા પલટતાં જાણે હું પલટી ગયો એમ માને
છે. શરીર નબળું થઈ જાય, કૃશ થઈ જાય, ત્યાં જાણે કે હું આત્મા કૃશ થઈ ગયો, તથા શરીર–ઈન્દ્રિય બળ વધતાં
જાણે કે મારી શક્તિ વધી ગઈ; આવું માનનાર અજ્ઞાની શરીરથી જુદું આત્મતત્ત્વ માનતો નથી, તેથી તે વસ્તુનું
ખૂન કરે છે. પરની હાલત બદલતાં જાણે આત્મા આખો બદલાઈ જતો હોય એમ માનીને પોતાના જુદા
અસ્તિત્વને જે માનતો નથી તે વસ્તુનું ખૂન કરનાર છે.
જ્યાં ઈન્દ્રિય શિથિલ થાય, શરીર મોળું પડે ત્યાં હું મોળો પડ્યો એમ માનનાર આત્માની સ્વતંત્ર શક્તિ
શરીરથી જુદી છે એમ માનતો નથી. શરીરાદિ સરખાં રહે તો હું સરખો રહું એમ માનનાર જ્ઞાનની સ્વાધીન
અવસ્થાનો નાશ કરે છે.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૨૬ : આત્મધર્મ ૨૦૦૧ : માગશર :
આત્મા સ્વાભાવિક ત્રિકાળ સ્વતંત્ર વસ્તુ છે, તેમાં શ્રદ્ધા, જ્ઞાન, અસ્તિત્વ વગેરે અનંત ગુણો છે, તે
ગુણની અવસ્થા સમયે સમયે તેમાં થાય છે, છતાં મારી અવસ્થા પરથી થાય, જ્ઞેયના આધારે મારા જ્ઞાનની
અવસ્થા થાય એમ માનનાર પોતાના આત્માને પરાધીન માને છે. ત્રિકાળ સ્વાધીન તત્ત્વને પરાધીન માનવું તે
જ અનંત સંસારનું મૂળિયું છે. પહેલાંં જાણેલા જ્ઞેય પદાર્થોનો (સામી વસ્તુની અવસ્થાનો) પછીના કાળમાં નાશ
થતાં તેની સાથે જાણે કે મારું જ્ઞાન પણ નાશ પામી જતું હોય! એમ માનનાર પોતાના જ્ઞાનની જુદી સત્તા, જુદું
અસ્તિત્વ માનતો નથી. સામી વસ્તુની અવસ્થા સમયે સમયે બદલાય તે પોતાના જ્ઞાનમાં જણાતાં ‘આ
બદલાતાં જાણે હું પણ બદલાઈ જતો હોઊં’ એમ માનનાર પોતાના જ્ઞાનની સ્વતંત્ર અવસ્થાને માનતો નથી,
મારામાં તો કાંઈ તાકાત જ નથી, મારી જાણવાની તાકાત પરવસ્તુને લઈને હતી એમ તે જ્ઞાનની સ્વતંત્ર
તાકાતને માનતો નથી, એટલે પોતાની જુદી હયાતી સ્વીકારતો નથી. શરીરમાં યુવાની હો કે વૃદ્ધતા હો પણ મારું
જ્ઞાન તો તેનાથી જુદું છે એમ ન માનનાર એકાંતવાદી પશુ છે એમ આચાર્ય ભગવાન કહે છે.
ભાઈ! તારું તત્ત્વ પરથી જુદું છે તેના ભાન વિના તું શું કરીશ? પૂર્વના પુણ્યને લઈને કદાચ વર્તમાન
બાહ્ય સામગ્રી મળી હોય તો તે તારા વર્તમાન ડહાપણનું ફળ નથી, પણ પૂર્વના પુણ્ય બળી ગયાં ત્યારે સામગ્રી
મળી છે; તે સામગ્રી જડ છે. તારાથી જુદી છે તે તારાથી રાખ્યું રહેવાનું નથી, ક્ષણમાં ફૂ થઈને ઊડી જશે, કેમકે તે
તત્ત્વ સ્વતંત્ર છે, તું સ્વતંત્ર છો. તારી અવસ્થા તેને લઈને નથી, તેની અવસ્થા તારે લઈને નથી.
આત્મા સ્વતંત્ર તત્ત્વ છે. સ્વતંત્ર વસ્તુની અવસ્થા પરને લઈને થાય એમ માનનાર એકાંતવાદી પોતાની
સ્વાધીનતાનું ખૂન કરે છે. સ્યાદ્વાદનો જાણકાર અનેકાન્તવાદી જાણે છે કે:– આત્મામાં સમયે સમયે જ્ઞાનની જે
અવસ્થા થાય છે તે મારે લઈને થાય છે; આંખ મોળી પડે, ઈન્દ્રિયો શિથિલ થાય, શરીર નબળું પડે તો પણ મારું
જ્ઞાન મોળું પડતું નથી. મારી અવસ્થાથી મારું અસ્તિત્વ છે, પરની અવસ્થા મારાથી જુદી છે એમ સ્વકાળથી
પોતાનું અસ્તિત્વ જાણતો જ્ઞાની જ્ઞેય વસ્તુની અવસ્થાના નાશથી પોતાનો નાશ માનતો નથી, પણ પોતે સ્વથી
પૂર્ણ રહે છે. મારી હાલત મારાથી છે, જ્ઞેયની અવસ્થા ભલે ગમે તે થાય છતાં તેનાથી મારી હાલત બદલાતી
નથી, બહારની વસ્તુ બદલાવા છતાં મારું જ્ઞાન તો પૂર્ણ જ રહે છે.
સમય બદલતાં બુદ્ધિ બદલાઈ જાય એ વાત માનનાર ગાંડા છે. સમય પ્રમાણે ધર્મ બદલાય એમ
ત્રણકાળમાં બનતું નથી તે દુનિયાના ગપ્પાં છે. પૈસા વગેરે જતાં જગત કહે છે કે ‘હાય હાય!! અમારું બધું
ચાલ્યું ગયું, અમારે હતું ત્યારે બધું હતું’ પણ તારે શું હતું? પૈસા તો ધૂળ છે તે તારાં હતાં જ ક્યારે? ત્યાં
સંસારની રુચિ છે તેથી ધૂળના ઢગલાને સંભારે છે. પણ તીર્થંકર ભગવાનને સંભારતો નથી કે ‘ભરતમાં પણ
તીર્થંકર ભગવાન વિચરતા હતા. અને ધોખ માર્ગ પ્રવર્તતો હતો. અહો! તે ધર્મકાળ હતો! ’
અનેકાંતમાં તો ચૌદ પૂર્વનું રહસ્ય છે. ઈન્દ્રિય પુષ્ટ થાય, શરીર જાડું થાય, પૈસા ખૂબ વધે તેથી કાંઈ
આત્માના શ્રદ્ધા–જ્ઞાન જાડાં જતાં નથી. પોતાનું સ્વરૂપ કોઈ પણ પ્રકારના દોષવાળું ન માનતાં, મારું સ્વરૂપ
નિર્દોષ વીતરાગ સિદ્ધ સમાન છે એમ શ્રદ્ધા કરીને ઠરે તો આત્મા પોતે જાડો થાય છે અર્થાત્ શરીરાદિ મોળા પડે
છતાં જ્ઞાનની ઉગ્રતા રહે છે. મારે પર સાથે ત્રણકાળમાં સંબંધ નથી, પર વસ્તુ મારાથી ભિન્ન છે, ત પર
પલટાતાં હું પલટાઈ જતો નથી, હું તો જાણનાર જ અખંડ છું. જાણવામાં પર અનુકૂળ હોય તો રાગ અને પર
પ્રતિકૂળ હોય તો દ્વેષ થાય, એવું મારું સ્વરૂપ નથી.
ખશ ખબર
વીંછીયાના ભાઈ શ્રી દલીચંદ રાયચંદ ડગલી ઉ. વ. ૩૫ તેમણે કારતક વદ–૪ તા. ૪–૧૧–૪૪ ના
રોજ પૂજ્ય સદ્ગુરુદેવ સમીપે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે.

PDF/HTML Page 12 of 17
single page version

background image
: માગશર : ૨૦૦૧ આત્મધર્મ : ૨૭ :
ગોળનું ગળપણ કોઈપણ વખતે ગોળથી જુદું ન હોય તેમ મારું જ્ઞાન મારાથી જુદું નથી. છે તો આવું જ સ્વરૂપ!
પણ અજ્ઞાની બીજું માની બેઠો છે. સામી ચીજ બદલાતાં હું પણ બદલાઈ જાઊં છું એમ માનનાર બે વસ્તુને એક
માને છે, તે આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરતો નથી.
પરનો નાશ થઈ જાય છતાં પણ મારી અવસ્થા મારાથી છે એમ જાણનાર પોતાનું અસ્તિત્વ પોતાથી જ
જાણતો થકો, જ્ઞેય પદાર્થના નષ્ટ થવાથી પોતે નષ્ટ થતો નથી. પરને આધારે આત્માના જ્ઞાનની અવસ્થા માને
છે તે આત્માને નમાલામાં નમાલી–પરાધીન વસ્તુ માને છે; મારી હાલત ક્ષણે ક્ષણે મારાથી થાય છે તેમાં પરની
અવસ્થા નથી, પરની અવસ્થામાં મારી અવસ્થા નથી એમ નહીં જાણતો એકાંતવાદી જ્ઞેય પદાર્થોના નાશથી
જ્ઞાનનો પણ નાશ માને છે, અને અનેકાન્તવાદી જ્ઞાની તો સ્વકાળ અર્થાત્ પોતાની અવસ્થાથી પોતાનું અસ્તિત્વ
માનતો થકો પોતામાં જ ટકી રહે છે.
।। ૨૫૬।।
હવે પરની અવસ્થાથી આત્મા અસત્ છે એ કહે છે–
– : શાર્દૂલવિક્રીડિત: –
अर्थालं बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि–
र्ज्ञेयालंबन लालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति।
नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्बादवेदी पुन–
स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुंजी भवन्।।
२५७।।
પરને જોનારો પણ પોતાને ન જોનારો એકાંતવાદી જ્ઞાનમાં જ્યાં સુધી પરવસ્તુ જણાય ત્યાંસુધી જ
જ્ઞાનનું અસ્તિત્વ માને છે અને જ્ઞેય સારાં રહે તો હું સારો રહું એમ જ્ઞેયને આધીન જ્ઞાન માને છે, પણ
પરવસ્તુથી હું અસત્ છું, મારાથી પરવસ્તુ અસત્ છે એમ તે જાણતો નથી.
દરેક તત્ત્વ છે; ‘છે’ કહેતાં જ તે પરપણે નથી. જે પરપણે પોતે નથી તે પર ઉપર લક્ષ ગયું છે તેથી જ કહે
છે કે:– ‘ભાઈ! તું તારાથી છો–પરથી તું નથી; તું તને સમજ, તારા સ્વરૂપને તું જાણ’ પરંતુ. આ પ્રમાણે ‘મારી
અવસ્થા મારાથી છે, પરથી નથી’ એમ ન માનતાં પરજ્ઞેયો કાયમ રહે તો મારું જ્ઞાન તાજું રહે એમ માને છે,
તેથી પર વિષયમાં એકાગ્ર થાય છે. વિષયનો અર્થ શું? શરીરાદિ તો જડ વસ્તુ છે–રૂપી છે. આત્મા ચૈતન્ય અરૂપી
છે તે રૂપી વસ્તુનો ભોગવટો કરતો નથી, પણ તે તરફ લક્ષ કરીને રાગમાં એકાગ્ર થાય છે તે જ વિષય છે.
આત્મા અરૂપી ચૈતન્ય સ્વરૂપ સર્વ પરથી ભિન્ન તત્ત્વ છે. પર વસ્તુ મારા જ્ઞાન સન્મુખ હોય તો હું સરખો રહું
એમ માનનાર પોતાના જુદા જ્ઞાન સ્વભાવને માનતો નથી.
જ્ઞાન કરે શું? લક્ષ કરે; ઈચ્છા થાય તો તે ઈચ્છાને પણ જ્ઞાને તો જાણી. જાણવામાં રાગ કરીને રોકાણો
ત્યાં માની બેઠો કે મેં વિષય ભોગવ્યો, પણ તે વખતે જ્ઞાનમાં લક્ષમાં તે આવ્યું છે, અને તેની ઈચ્છા થઈ છે તે જ
વિષય છે. બહારની વસ્તુ તેને કારણે આવે જાય છે, તે આત્માને આધીન નથી. જ્યારે આત્મા પોતાના સ્વરૂપને
ભૂલ્યો ત્યારે પરને રાખવાની ઈચ્છા થઈ, અને એ ઈચ્છાની પ્રવૃત્તિમાં રોકાણો તેને ‘વિષય’ કહે છે; અજ્ઞાની
તેમાં સુખ માને છે તે પોતાના સ્વાધીન સુખ સ્વભાવને માનતો નથી, બસ! આ જ સંસાર!
શરીરાદિ સરખાં હોય તો હું સરખો રહું એટલે તેનો અર્થ એવો થયો કે મારામાં તો સુખ છે જ નહીં, હું
તો પાંગળામાં પાંગળો, પરાધીન નમાલો છું. શરીર પાંગળું હોય તેને તો બે લાકડીનો ટેકો જોઈએ પણ
માન્યતામાં પાંગળાને તો અનંતી પરવસ્તુરૂપ લાકડીના ટેકાનો પાર નથી. અહા! હું કોણ છું? આત્મા શું વસ્તુ
છે? સ્વ શું–પર શું? એના ભાન ન મળે તેના જન્મ મરણના ક્યાં અંત? સંપૂર્ણ સ્વાધીન તત્ત્વને પરાધીન માની
બેઠા એના બે છેડા ક્યાંય મળતા નથી. તારા જ્ઞાન તત્ત્વને જ્ઞેયની લાલસા ન હોય! પરવસ્તુની અવસ્થા ટકી
રહે તો હું ટકીશ, નહિતર મારી અવસ્થા ચાલી જશે; આમ જે પરની લાલસા રાખે છે તે સ્વતંત્ર આત્મતત્ત્વને
અઠીકમાં અઠીક માને છે તથા પરવસ્તુને ઠીકમાં ઠીક માને છે; એવો મૂઢ આત્મા બહારની ચીજ સરખી રહે તો હું
સરખો રહું એમ બહારની ચીજનો પોતાને રખોપિયો માને છે, પણ બહારની ચીજ ક્યાં એના બાપની છે કે તેની
રાખી રહે! પરપદાર્થનો સંયોગ તો અનંતવાર આવ્યો અને ગયો.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૨૮ : આત્મધર્મ ૨૦૦૧ : માગશર :
અનંતવાર મોટો રાજા થયો અને અનંતવાર ભિખારી પણ થયો. કોઈ પણ પરવસ્તુનું પરિણમન આત્માને
આધીન નથી. શરીર પણ આયુષ્યને લઈને તેની સ્થિતિ પ્રમાણે ટકે છે, આત્મા શરીરને રાખી શકતો નથી. કોઈ
રીતે બહારની સ્ત્રી, પૈસા, છોકરાં વગેરેની સરખાઈ આવે તો મને સરખાઈ રહે એમ માનીને અજ્ઞાની જીવ
બહારની વસ્તુની અવસ્થાની વ્યવસ્થા સરખી રાખવામાં ચિત્ત ભમાવ્યા કરે છ અને પોતાનું લક્ષ ચૂકી જાય છે.
મારી અવસ્થા મારાથી થાય છે, મારે અને પરને કાંઈ સંબંધ નથી, એમ ન માનનાર આત્માની હિંસા કરે છે.
પ્રશ્ન:– કોઈ જીવને માર્યો તો નથી તો હિંસા કોની કરી?
ઉત્તર:– પર જીવ મરે કે ન મરે તેની સાથે હિંસા–અહિંસાનો સંબંધ ત્રણકાળમાં નથી. પણ પર વસ્તુની
અવસ્થા આ પ્રમાણે રહે તો ઠીક અને આ પ્રમાણે રહેતો અઠીક એમ માન્યું. તેણે પર વસ્તુનું પરિણમન પોતાને
આધીન માન્યું છે એજ અનંતી હિંસા છે. પરવસ્તુની પ્રતિકૂળ અવસ્થા છે તે ટાળું તો મને ઠીક રહે એમ માન્યું
પણ મારો રાગ ટાળું તો ઠીક રહે એમ પોતાના તત્ત્વને જુદું ન માન્યું તેમાં જ હિંસા આવી ગઈ છે.
પરકાળ એટલે કે પરની અવસ્થાથી હું નાસ્તિપણે છું અને સ્વકાળથી–સ્વપર્યાયથી અસ્તિપણે છું; તેથી
પર બદલાઈ જતાં હું બદલી જતો નથી એમ જાણતો ધર્માત્મા પોતાના આત્મામાં દ્રઢપણે રહેલા નિત્ય સહજ
જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો ટકે છે–નાશ પામતો નથી.
મારો સ્વભાવ અવિનાશી એકરૂપ શુદ્ધ જ્ઞાયક છે, પરની અવસ્થા બદલાય છતાં હું એકરૂપ નિત્ય છું, પર
વસ્તુમાં મારું અહંપણું નથી. આવી શ્રદ્ધાના ભાનમાં પરવસ્તુ પ્રત્યે રાગદ્વેષ ન થવો તે જ સ્થિરતા છે. પરથી
જુદા આત્માની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. તેનાથી ઊંધી શ્રદ્ધા અને ઊંધુંં વર્તન તે સંસાર, અને સવળી શ્રદ્ધા અને
સવળું વર્તન તે મોક્ષ છે. જે માત્ર પરને જોનારો છે સ્વને જોનારો નથી તે પરની હયાતીએ પોતાની હયાતી
માનનાર એકાન્તવાદી છે.
જગતના વેપારમાં લોકો ‘ખેલો’ કરે છે, ‘આખા મુંબઈ શહેરના બધા તજ–એલચી વગેરે ભેગા કરી
એકહથ્થુ કરીને પછી ફાવે તે ભાવે વેચશું, એમ માને છે પણ બહારનું આવવું કે ન આવવું તે તો પુણ્યને આધીન
છે, તેમાં આત્માની સત્તા નથી, છતાં હું કરી શકું છું એમ માનીને સંસારમાં રખડવાનો ‘ખેલો’ કરે છે.
પરવસ્તુમાં જરાક ફેરફાર થતાં ‘હાય! હાય! હવે મારું શું થશે? ’ એમ પર વસ્તુની કિંમત કરી કરીને
પોતાને તદ્ન નમાલો માની બેઠો છે; પણ તું મોંઘો છો કે સોંઘો? તારામાં કાંઈ માલ છે કે ખાલી બારદાન છો? તું
ગુણવાળી વસ્તુ છો કે ગુણ વગરની? બાપુ! તારામાં અનંતી શક્તિ છે; પર તો બધું વિષ્ટાના વહિવટ સમાન છે.
સમજ! સમજ! તું સ્વતંત્ર તત્ત્વ છો, શાંતિસ્વરૂપ છો જ્ઞાન સ્વરૂપ છો, તારે પરની ઓશિયાળ પડે એવો તું નથી.
ઘરના ગોળામાં પાણી ખૂટે તો તળાવ ઘરે ન આવે, પણ ગોળો લઈને તળાવે ભરવા જવું પડે; તેમ જેને
આત્માની ગરજ હોય, સત્ સમજવાની ધગશ હોય, જિજ્ઞાસા જાગે તે સત્ શોધીને સાંભળવા જાય. સત્
સમજવા માગે અને સત્ ન મળે એમ બને જ નહીં. પણ આત્માના ભાન વિના આ જગતની હો–હા અને
હરીફાઈમાં મરી ગયો. તેમાંથી છૂટીને સત્ સમજવા માગે તો સત્ના નિમિત્તો પણ મળી જ રહે.
જેમ ગીરના જંગલમાં અનેક પ્રકારની લીલોતરી પાકે છે–તે આયુષ્ય લઈને આવે છે, તેથી તેને વધવું છે
એટલે તેને બહારમાં વરસાદનું નિમિત્ત આવ્યા વગર રહે નહીં; તેમ સત્ સમજવા તૈયાર થયો તેને સત્નાં
નિમિત્તો મળ્‌યા વગર રહે નહીં. પણ અત્યારે તો રળવું, રળવું ને રળવું! ગરીબોને
અમૃતવાણી
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના શ્રી સમયસારજી ગાથા ૧૪ ઉપર અપાએલ પ્રવચનો ‘અમૃતવાણી’ તરીકે
જુદા પુસ્તકાકારે પ્રગટ કરવામાં આવેલ છે.
તે પુસ્તિકા બોટાદવાળા ભાઈ જગજીવન જસરાજે તેમના ધર્મપત્ની શ્રી મોંઘીબાઈના સ્મરણાર્થે બીજા
વર્ષથી થયેલા આત્મધર્મના ગ્રાહકોને પ્રભાવનારૂપે ભેટ આપેલ છે.
‘અમૃતવાણી’ એ ખરેખર અમૃત જ છે. એથી જે ભાઈ બહેનો હજુ સુધી આત્મધર્મના નવા વર્ષના
ગ્રાહક ન થયા હોય એ સત્ત્વર ગ્રાહક બને, કારણકે અમૃતવાણીની ભેટ આપવાની સંખ્યા મર્યાદિત છે.

PDF/HTML Page 14 of 17
single page version

background image
: માગશર : ૨૦૦૧ આત્મધર્મ : ૨૯ :
રળવું અને પૈસાવાળાને પણ રળવું. રળવામાંથી જરા નિવૃત્તિ લ્યે ત્યારે આત્માને સમજવાની દરકાર કરે ને!
પૈસામાં શાંતિ ક્યાં છે? તારી શાંતિ ક્યાંય બહારમાં નથી પણ તારામાં જ ભરી છે. તારા સ્વભાવની શાંતિ માટે
પર ની જરૂર નથી. અજ્ઞાનીને એમ થાય છે કે પરવસ્તુ અનુકૂળ રહે તો મને શાંતિ રહે, એ માન્યતા જ તેને
શાંતિ થવા દેતી નથી. જ્ઞાનીને પણ નીચલી દશામાં અસ્થિરતા હોય, પણ તે જાણે છે કે આ અસ્થિરતા મારા
સ્વભાવમાં નથી, તેમ જ પરવસ્તુને કારણે અસ્થિરતા નથી, માત્ર વર્તમાન અવસ્થાની ભૂમિકા અનુસાર
પુરુષાર્થની નબળાઈને લઈને અસ્થિરતા આવી જાય છે.
પરવસ્તુ ગમે તેમ પરિણમે પણ હું તેનાથી જુદો છું તો તે મને શું નુકશાન કરે? એમ જ્ઞાની તો સહજ
જ્ઞાનસ્વરૂપપણે જ પોતાને ટકાવી રાખે છે. અજ્ઞાની શું કરે છે? કોઈ પરનું તો કિંચિતમાત્ર અજ્ઞાની પણ કરી
શકતો નથી, માત્ર જાણે છે અને જાણવામાં ઊંધી માન્યતાના ઘોડા દોડાવે છે. શરીર મોળું પડે, નાડીની ગતિ
ધીમી પડે ત્યાં ‘મારો જીવ ઊંડો ઊતરી જાય છે. ’ એમ કહે છે, પણ આ તો હજી શું છે! શરીર છૂટું પડતાં
દેહદ્રષ્ટિવાળાને શાંતિ કેમ રહેશે! શરીર ઉપરની દ્રષ્ટિ હોવાથી શરીર મોળું પડતાં જાણે કે આત્મા જ મોળો પડી
જતો હોય એમ અજ્ઞાની માને છે; તેથી કહે છે કે ‘જીવ ઊંડે ઊંડે ઉતરી જાય છે. ’ પણ જીવ ક્યાં ઊંડો ઉતરે?
આત્મા તો શરીર પ્રમાણે ૩
।। હાથનું અમૂર્તિક તત્ત્વ છૂટું પડ્યું છે. પર વસ્તુ ભલે ફરે પણ તેથી કાંઈ હું મોળો
પડી જતો નથી આમ જાણે અને શ્રદ્ધા કરે તો એક બાજુ શરીર પડે મોળું અને બીજી બાજુ આત્માનો આનંદ
વધતો જાય. પણ જીવનની અંદર પ્રથમથી શ્રદ્ધા–જ્ઞાન કર્યા હોય તો છેલ્લા ટાણે દ્રઢતા રહેને! ભાન વગર દ્રઢતા
કોની કરશે? પ્રથમ ઓળખાણ કરી હોય તો સરવાળે તે આવીને ઊભી રહે. દેહાદિ પરવસ્તુની ગમે તે
અવસ્થાઓ થાઓ પણ મારો સ્વભાવ તો મારામાં છે એમ જાણતો ધર્માત્મા પરથી પોતાનું નાસ્તિત્વ જાણતો
થકો પોતાનો નાશ થવા દેતો નથી, આત્મામાં દ્રઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો
સ્વપણે ટકી રહે છે.
પ્રભુ! તું તારા ગુણોથી પરિપૂર્ણ પડ્યો છો! પણ તને તારા સ્વભાવની ખબર નથી, તેથી તારા
ગુણ પરથી માનીને અનાદિથી રખડી રહ્યો છો; પણ તારો ધર્મ તારામાં છે, તારો સ્વભાવ તારાથી છે
પરમાં તારી નાસ્તિ છે. પરને આધારે તારો ધર્મ નથી, આમ ન માનતાં જે મૂઢ–અજ્ઞાની–એકાન્તવાદી જીવ
પરવસ્તુથી કે પુણ્યથી કે રાગથી ધર્મની આશા રાખે છે તે ભિખારી છે, તેને અનેકાન્તની ખબર નથી.
આત્મધર્મ અંક નં. : ૧૦–૧૧, પાનું ૧૮૦, “સર્વત્ર
જ્ઞાનનું જ ચમકવું છે” એ લેખનું વિશેષ સ્પષ્ટિકરણ.
ज्ञानाद्बिना गुणाः सर्वे प्रोत्काः सल्लक्षणांकिताः।
सामान्याद्वा विशेषाद्वा सत्यं नाकारमात्रकाः।।
३९५।।
અન્વયાર્થ:– (ज्ञानात् विना) જ્ઞાન સિવાય (सर्वे गुणाः) બાકીના બધા ગુણ (सल्लक्षणांकिता
प्रोक्ताः) કેવળ સત્રૂપ લક્ષણથી જ લક્ષિત થાય છે માટે (सामान्यत् वा विशेषात् वा) સામાન્ય અથવા વિશેષ
બન્ને અપેક્ષાથી (सत्यं आकारमात्रकाः न) ખરેખર અનાકાર રૂપ જ હોય છે અર્થાત્ અર્થવિકલ્પાત્મક હોતું નથી.
ભાવાર્થ:– કેવળ જ્ઞાનગુણ જ અર્થવિકલ્પાત્મક હોવાથી, સાકાર કહેવાય છે; અને જ્ઞાન સિવાય બાકીના
બધા ગુણો અર્થવિકલ્પાત્મક નહીં હોવાથી અનાકાર કહેવાય છે, તેથી ખરેખર જ્ઞાન સિવાય બાકીના બધા ગુણો
સામાન્યરૂપથી અને વિશેષ રૂપથી કેવળ અનાકારરૂપ છે.
ततो वक्तुमशक्यत्वात् निर्विकल्पस्य वस्तुनः।
तदुल्लेखं समालेख्यं ज्ञानद्वारा निरूप्यते।।
३९६।।
અન્વયાર્થ:– (ततः) માટે (निर्विकल्पस्य वस्तुनाः) નિર્વિકલ્પ વસ્તુનું કથન અનિર્વચનીય હોવાને
કારણે (ज्ञानद्वारा तदुल्लेखं समालेख्य) જ્ઞાનદ્વારા તે સામાન્યાત્મક ગુણોનો ઉલ્લેખ કરીને (निरूप्यते) તેમનું
નિરૂપણ કરવામાં આવે છે.
ભાવાર્થ:– જ્ઞાન સિવાય બાકીના બધા ગુણો અનાકારરૂપ હોવાથી નિર્વિકલ્પ છે, અને નિર્વિકલ્પક વસ્તુ
કહી શકાતી નથી, માટે એ સામાન્યાત્મક ગુણોને અવિનાભાવી જ્ઞાનની પર્યાયોમાં તે ગુણોનો આરોપ કરીને
જ્ઞાનદ્વારા તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે.
પંચાધ્યાયી, ભાગબીજો ગાથા ૩૯૫, ૩૯૬.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૩૦ : આત્મધર્મ ૨૦૦૧ : માગશર :
મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્દ્રષ્ટિના ત્યાગ ગ્રહણનો
દર્શાવનાર તફાવત રામજીભાઈ મા. દોશી
મિથ્યાદ્રષ્ટિની માન્યતા તથા ત્યાગ ગ્રહણ.
વિષય સુખાદિનાં ફળ નર્કાદિક છે, શરીર અશુચિમય છે અને વિનાશીક છે, પોષણ કરવા યોગ્ય નથી
તથા કુટુંબાદિક સ્વાર્થના સગાં છે. ઈત્યાદિ પરદ્રવ્યોનો દોષ વિચારી, તેનો તો ત્યાગ કરે છે.
તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ, મોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર ફળનાં આપનાર છે, એ વડે શરીર શોષવા યોગ્ય
છે, તથા દેવગુરુ શાસ્ત્રાદિ હિતકારી છે. ઈત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર (ગ્રહણ) કરે છે.
ઈત્યાદિ પરદ્રવ્યોને બુરાં જાણી તે અનિષ્ટરૂપ શ્રદ્ધા કરે છે. તથા કોઈ પર દ્રવ્યોને ભલાં જાણી ઈષ્ટરૂપ
શ્રદ્ધા કરે છે.
તેમની ઉદાસીનતામાં ભુલ.
હવે પર દ્રવ્યોમાં ઈષ્ટ અનિષ્ટરૂપ શ્રદ્ધા કરવી એ મિથ્યા છે, અને એજ શ્રદ્ધાથી તેની ઉદાસીનતા પણ
દ્વેષબુદ્ધિરૂપ હોય છે; કારણકે–કોઈને બુરાં જાણવા તેનું નામ દ્વેષ છે. એ રીતે માન્યતા ખોટી હોવાથી તેનો ત્યાગ
દ્વેષરૂપ છે, અને અંગીકાર (ગ્રહણ) રાગરૂપ છે. તેથી તે જીવને કદી પણ ધર્મનો અંશ થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિની માન્યતા તથા ત્યાગ ગ્રહણ.
પ્રશ્ન–સમ્યગ્દ્રષ્ટિ પણ પર દ્રવ્યોને બુરાં જાણીને ત્યાગ કરે છે ને?
ઉત્તર:– સમ્યગ્દ્રષ્ટિ પર દ્રવ્યોને બુરાં જાણતો નથી, પણ પોતાના રાગ ભાવને બુરો જાણે છે. પોતે
સરાગભાવ છોડે છે, તેથી તેના કારણનો પણ ત્યાગ થાય છે. વસ્તુ દ્રષ્ટિથી વિચારતાં કોઈ પર દ્રવ્ય ભલાં બુરાં
તો છે જ નહીં.
પ્રશ્ન–પરદ્રવ્ય ભલા બુરાનું નિમિત્ત માત્ર તો છે?
ઉત્તર–પરદ્રવ્ય બળાત્કારથી તો ક્યાંય બગાડતું નથી. પોતાના ભાવ પોતે પોતાથી બગાડે ત્યારે, જે
પરદ્રવ્ય ઉપર લક્ષ કરી પોતે પોતાનો ભાવ બગાડે તે પર–દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત પર દ્રવ્ય છે.
એક પર–દ્રવ્ય બીજા દ્રવ્યમાં અકિંચિત્કર છે. –કાંઈપણ કરી શકતું નથી.
વળી એ નિમિત્ત (પર દ્રવ્યની હાજરી) વિના પણ ભાવ તો જ્યારે જીવ બગાડે ત્યારે બગડે છે. માટે પર
દ્રવ્ય નિયમરૂપ નિમિત્ત (હાજરપણે) પણ નથી.
એ પ્રમાણે પરદ્રવ્યોનો દોષ જોવો એ તો મિથ્યાભાવ છે. રાગાદિક જ બુરાં છે એવી મિથ્યાદ્રષ્ટિ જીવને
સમજણ નથી, તે તો પરદ્રવ્યોના દોષ માની તેમાં દ્વેષરૂપ ઉદાસીનતા કરે છે તેથી તે ખોટી ઉદાસીનતા છે.
તેમની યથાર્થ ઉદાસીનતા
સાચી ઉદાસીનતા તો તેનું નામ છે, કે કોઈ પણ પરદ્રવ્યોના ગુણ વા દોષ ભાસે નહીં, અને તેથી તે
કોઈને પણ બૂરાભલા જાણે નહીં. પોતાને પોતારૂપ જાણે, પરને પરરૂપ જાણે. પર સાથે મારું કોઈ પ્રયોજન નથી.
એવું પ્રથમ પોતાની માન્યતામાં નક્કી કરે, એ પ્રથમ દ્રષ્ટિમાં સાચી ઉદાસીનતા છે. એવી સાચી માન્યતા (દ્રષ્ટિ,
અભિપ્રાય) થતાં તે સરાગ ભાવ છોડે છે. અને જેટલો રાગ–દ્વેષ છુટે છે તેટલો જ ચારિત્રમા પરદ્રવ્યો પ્રત્યે
સાક્ષી ભૂત રહે છે. એનું નામ સાચી ઉદાસીનતા છે.
એ પ્રમાણે સમ્યગ્દ્રષ્ટિને ગૃહસ્થા દશામાં અભિપ્રાયમાં સંપૂર્ણ સાચી ઉદાસીનતા હોય છે, અને ચારિત્રમાં
અંશે ઉદાસીનતા હોય છે.
અભિપ્રાય (માન્યતામાં) સંપૂર્ણ સાચી ઉદાસીનતાનું જોર હોવાથી ચારિત્રમાં રાગદ્વેષનો નાશ થતો જાય છે
અને તેથી ક્રમે ક્રમે તે ઉદાસીનતા વધતાં ગૃહસ્થ દશા છુટી, સાધુની સાચી ઉદાસીનતા પ્રગટે છે અને તે વધતાં
વધતાં, સમ્યગ્જ્ઞાની જીવ ચારિત્રમાં સંપૂર્ણ ઉદાસીનતા પ્રગટ કરે છે તેને સંપૂર્ણ વીતરાગતા પણ કહેવામાં આવે છે.

PDF/HTML Page 16 of 17
single page version

background image
: માગશર : ૨૦૦૧ આત્મધર્મ : ૩૧ :
આ લધુલેખનો સારાંશ
મિથ્યાદ્રષ્ટિ પરદ્રવ્યોનો દોષ માની તેનો ત્યાગ કરે છે, તેથી તે દ્વેષરૂપ ત્યાગ છે. પરદ્રવ્યો લાભદાયક છે
એમ ગણી તે પ્રત્યેનો રાગ અંગીકાર કરે છે; માન્યતામાં દોષ હોવાથી ત્યાગ–ગ્રહણમાં દોષ આવે છે, એટલે કે
ખોટી માન્યતા અને ખોટા ચારિત્રનું અનાદિનું ગ્રહણ તથા સાચી માન્યતા અને સાચા ચારિત્રનો અનાદિનો
ત્યાગ તેને છે તે ચાલુ રહે છે. સમ્યગ્દ્રષ્ટિ પર દ્રવ્યોથી લાભ નુકસાન માનતા નથી, અને પોતાના સ્વરૂપની
સાચી માન્યતા કરે છે; તેથી તેની માન્યતા સાચી હોવાથી ખોટી માન્યતાનો ત્યાગ કરે છે અને સાચી માન્યતાને
ગ્રહણ કરે છે. વળી માન્યતા સાચી હોવાથી અંશે રાગ–દ્વેષનો ત્યાગ અને ચારિત્રની શુદ્ધતાનું અંશે ગ્રહણ પ્રથમ
અવસ્થામાં થાય છે, અને તે શુદ્ધતા વધતાં સંપૂર્ણ શુદ્ધતા તે પ્રગટ કરે છે.
ગતિ તેવી મતિ નહીં પણ મતિ તેવી ગતિ થાય.
(પરમ પૂજ્ય સદ્ગુરુ દેવના સમયસારજી ગાથા–૩૪–પર પ્રવચનોમાંથી)
એક મોક્ષ અવસ્થા અને બીજી નિગોદ અવસ્થા, બે સામસામી ઊલટ પાલટ અવસ્થા છે. મોક્ષદશા સાદિ–
અનંત છે, ને નિગોદમાંથી પણ અનંત અનંત–કાળે નીકળવું મુશ્કેલ છે, માટે જો તત્ત્વની ઓળખાણ ન કરી તો
નિગોદમાંથી અનંતકાળે યેળ થવું પણ મુશ્કેલ પડશે, તત્ત્વ સમજે તો મોક્ષ અને તત્ત્વ ન સમજે તો નિગોદ, વચ્ચે
રહ્યો ત્રસનો કાળ તે કાઢી નાંખો તો સીધો નિગોદ જ છે અને તત્ત્વ સમજ્યા પછી એક–બે ભવ થાય તે કાઢી
નાંખો તો સીધો સિદ્ધ જ છે.
નરક કરતાં નિગોદમાં અનંતગણું દુઃખ છે, કારણ કે બહારનો સંયોગ તે દુઃખનું કારણ નથી પણ જ્ઞાનની
મૂઢતા તે જ દુઃખ છે. અગ્નિમાં સેકાઈ જવું તે દુઃખ નથી, પણ તે પ્રતિકૂળતા મને થઈ જાય છે એમ મોહ કરવો તે
દુઃખ છે, તેમ અનુકૂળતામાં બહારની સગવડતાના સાધન મળ્‌યા એટલે સુખ થતું નથી, પણ તેમાંથી મને સુખ
થાય છે એમ મોહથી કલ્પના કરે છે, પરંતુ તે સુખ નથી પણ દુઃખ છે.
મોટા હજીરા હોય, તેમાં હીંડોળા ખાટે હીંચકતો હોય, માથે પંખા ફરતા હોય ને સુખ માણે, જાણે કે બધું
સુખ આમાં આવી ગયું, પણ ભાઈ! માથે ચાર ગતિના પંખા ફરે છે, પંખાને જેમ ચાર પાંખડા હોય તેમ ચાર
ગતિના ચાર પાંખડાનો પંખો માથે ફરે છે, માટે તેમાં સુખ માનવું રહેવા દે! અને કર આત્માની ઓળખાણ!
નહિતર ચાલ્યો જઈશ નિગોદમાં કે ક્યાંય પત્તો ખાવો પણ મુશ્કેલ થઈ પડશે.
એક અભિપ્રાય એવો છે કે, પૂર્વ અવયવ એટલે અનાદિના કર્મ બાંધેલા છે તે હવે ક્યાંથી છુટે? પણ
ભાઈ! તે કર્મ તારી ભૂલને લઈને બંધાયા છે, તારી ભૂલને લઈને તું રખડયો છે, ચોરાશીના અવતાર થયા તે
તારી ભૂલને લઈને થયા છે, માટે તારી ભૂલને તું ટાળ તો કર્મ છૂટી જશે. રખડવામાં કર્મ તો નિમિત્તમાત્ર છે.
તારી ભૂલ તેં અનાદિની છોડી નથી, તેથી તું રખડયો છે; પણ જેને પોતાની ભૂલનું ભાન નથી તે એમ માને છે કે
આ કર્મ મને રખડાવે છે, કર્મ મને પરાધીનતા કરાવે છે. પોતે કર્મરૂપ પત્થરાને વળગી પડ્યો છે અને કહે છે કે
કર્મ મને હેરાન કરે છે, કર્મને કહે છે કે ‘હવે તું ખસી જા. ’ પણ તું કર્મને વળગી પડ્યો છે તે તો જો, તે કર્મ તો
ખસ્યા જ પડ્યા છે, તું તારી ઊંધી માન્યતાથી ખસી જાને! કર્મ તને નડે જ નહીં કારણકે એક તત્ત્વ બીજા
તત્ત્વને ત્રણકાળમાં નુકસાન કરવા સમર્થ નથી.
હવે ભવિષ્યના અવયવની વાત કહે છે–કેટલાક કહે છે કે ‘કોણ જાણે કેટલા કાળ સુધી કર્મ મને
રખડાવશે? ’ તેમ બોલનાર પુરુષાર્થહીન નપુંસક છે “કર્મ મને રઝળાવશે, ને કર્મે મને રઝળાવ્યો’ એલા! જડ
તને રઝળાવે? શું તું બોલે છે? જરા વિચારતો ખરો! તારી સત્તામાં પર સત્તા કોઈ દી’ પેસે? કે તને હેરાન કરે
કે રઝળાવે? એકલા કર્મ જ છે કે,

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permisson of Broda Govt. Regd No. B. 4787
Order No. 30/24 date 31-10-44
તારી કાંઈ હયાતિ છે? તારામાં કાંઈ માલ છે કે નહીં? તારી હાજરી છે કે એકલા કર્મ જ છે? તું ઊંધાઈથી ખસી
જા, એટલે કર્મ ખસેલાં જ પડ્યાં છે. આ શરીરનું કારણ જે કર્મના રજકણો હતા તે ખસી જાય ત્યારે આ શરીર
પણ ખસી જાય છે. જે ખસવા જેવું છે તે બધું ખસે છે, એકલો ચિદાનંદ જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેથી શરીરાદિ
તથા ક્રોધાદિ વગેરે પર બધું ખસવા જેવું છે તે ખસે છે.
શરીરમાં રોગ આવે તે કોઈ કર્મનું કાર્ય છે. ને રોગ ખસ્યો ત્યારે તેનું કારણ કર્મ પણ ખસી ગયું હોય છે.
પોતે રાગ–દ્વેષ, કામ, ક્રોધ ન કરે ત્યારે તેનું કારણ કર્મ પણ ખસી જાય છે ને એકલો જુદો આત્મા રહી જાય છે.
કર્મનું નામ તો શાસ્ત્રમાંથી સાંભળ્‌યું ત્યાં કહેવા લાગ્યો કે કર્મને લઈને ગતિ મળે, ને જેવી ગતિ તેવી
મતિ થાય તેમ ઊંધુંં–માર્યું, પણ જેવી ‘મતિ તેવી ગતિ થાય’ તેમ કહેવું જોઈએ તેને બદલે ‘જેવી ગતિ તેવી
મતિ’ એમ આત્માના ભાન વગર ઊંધુંં બોલે.
અજ્ઞાની બાળતપ–અજ્ઞાન કષ્ટ કરે તેમાં શુભભાવ હોય તો પુણ્ય બાંધે પણ તેની દ્રષ્ટિ પર ઉપર છે માટે
શુભ બદલીને અશુભ થઈ જશે, કારણકે પુણ્ય પરિણામ કરતી વખતે ‘પુણ્ય તે હું છું’ એવો ઊંધો અભિપ્રાય
હોવાથી પુણ્યની સાથે દર્શનમોહ પણ ભેગું બંધાયું છે. તે ઊંધી માન્યતાના જોરમાં પુણ્યની સ્થિતિ તોડી
અશુભભાવ કરી નરક–નિગોદમાં ચાલ્યો જશે.
જ્ઞાની સમજે છે કે હું આ રાગ–દ્વેષનો ઉત્પાદક નથી, અલ્પ શુભરાગ થાય છે પરંતુ તેનો હું ઉત્પાદક નથી, પણ
મારા સ્વભાવનો હું ઉત્પાદક છું એમ જ્ઞાનીની દ્રષ્ટિ શુદ્ધ ઉપર પડી છે તેથી તે પુણ્યની સ્થિતિ તોડીને શુદ્ધમાં ચાલ્યો જશે.
ભગવાન આચાર્યદેવ કહે છે કે, જે જીવો કર્મને જ આત્મા માને છે તેને કર્મને તોડી કર્મનો ભૂક્કો કરી
વીતરાગતા પ્રગટ કરનાર હું છું તેવી ખબર નથી, તેથી તે જીવો સંસારમાં જ રઝળવાના છે.
પ્રશ્નોત્તર – રજાુ કરનાર રા. મા. દોશી
પ્રશ્ન:– અમારા ગામમાં કેળવણી પામેલા, સમાજમાં ડાહ્યા અને હુશિયાર તરીકે પ્રતિષ્ઠા પામેલ માણસો
આત્માનું સ્વરૂપ–અગર તો ધર્મ કેમ થાય એ સંબંધમાં જે કાંઈ કહે તે માની લેવું કે કેમ?
ઉત્તર–સાચા ધર્મની તો એ પદ્ધત્તિ છે કે–પરીક્ષા કર્યા વિના અને યુક્તિના બળથી તેની તુલના અને
સાચા ખોટાનો નિર્ણય કર્યા વગર માનવું નહીં, પણ તેને બરાબર ચકાસી સત્ય હોય તો જ સ્વીકારવું. શાસ્ત્રમાં
કહેલા કથનો પણ પ્રયોજન ભૂત બાબતોમાં ચકાસી જોઈ ખાત્રી કરવી એવી આજ્ઞા છે. આ બાબતમાં શ્રીમદ્
રાજચંદ્ર કહે છે કે:–
‘કરી જોજો વચનની તુલના રે– જોજો શોધીને જિન સિદ્ધાંત મૂળ મારગ સાંભળો જિનનો રે.’
પ્રશ્ન–ત્યારે તો એમ થયું કે–કથન કરનાર ઘણાને માન્ય હોય, કેળવણી પામેલો હોય, શાસ્ત્રનો અભ્યાસી
હોય, જ્ઞાની હોય કે આગમ હોય એ તમામના કથનને પ્રયોજનભૂત બાબતોમાં પરીક્ષા કરીને પછી જો સત્ય હોય
તો ગ્રહણ કરવું એમ થયું?
ઉત્તર–હા, છે તો તેમજ. લૌકિક કામમાં પણ પોતે વિચાર કરી પોતાને લાભદાયક અને સત્ય લાગે તો જ
ગ્રહણ કરે છે.
પ્રશ્ન–આ બાબતમાં શ્રીમદ્ રાજચંદ્ર સિવાય બીજા કોઈ શાસ્ત્રાધારો છે?
ઉત્તર–હા. આ બાબતમાં શ્રી જયધવલામાં નીચે પ્રમાણે લખ્યું છે. (પા. ૮)
‘જે શિષ્ય યુક્તિની અપેક્ષા કર્યા વિના માત્ર ગુરુ વચનને અનુસાર પ્રવૃત્તિ કરે છે તેને પ્રમાણાનુસારી
માનવામાં વિરોધ આવે છે.’
શ્રી સત્તાસ્વરૂપમાં નીચે પ્રમાણે લખ્યું છે.
‘આગમમાં લખેલું હોવાથી જ માની લઈએ તો પોતાના જ્ઞાનમાં એ વિષય આવ્યો નથી માત્ર અન્યના
વચનથી માની લીધું; ત્યાં તેને વસ્તુનું યથાર્થ જ્ઞાન તો ન થયું, કેવળ વચન શ્રવણ થયું. એવા માત્ર
આજ્ઞાપ્રધાનીને અષ્ટ સહસ્ત્રી આદિ ગ્રંથોમાં અજ્ઞાની કહ્યો છે.
માટે પ્રયોજન ભૂત જે વાતો આગમમાં કહી છે તેનો પ્રત્યક્ષ અનુમાનાદિથી પોતાના જ્ઞાનમાં નિશ્ચય કરી
આગમ ઉપર પ્રતીતિ લાવવા યોગ્ય છે.’
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ. તા. ૧૩–૧૧–૪૪
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ, મોટા આંકડિયા (કાઠિ.)