Atmadharma magazine - Ank 143a
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૨
સળંગ અંક ખાસ અંક
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ બારમુંઃ સમ્પાદકઃ બીજો ભાદરવો
રા મ જી મા ણે ક ચં દ દો શી ૨૪૮૧
જુદો–જુદો– ને જુદો
આત્મા અમૂર્તિક ચૈતન્યમૂર્તિ છે, તેનાથી આ જડ પુદ્ગલમય દેહ ભિન્ન
છે. ચૈતન્યમૂર્તિ આત્માથી આ અચેતન દેહ જુદો જ હતો, જુદો જ છે, ને જુદો જ
રહેશે. જુદો.....જુદો....ને જુદો....ત્રણેકાળ જુદો! ચેતનને અને જડને એકમેક પણું
કદી છે જ નહિ, બંને ત્રિકાળ જુદાં જ છે. અરે જીવ! જડથી ભિન્ન એવું મારું
ચેતનસ્વરૂપ છે–એવી ભિન્નતાનો બોધ તો કર. જીવનમાં ભિન્નતાનો બોધ કર્યો
હશે તો દેહના વિયોગ ટાણે ચૈતન્યનાં લક્ષે સમાધિ રહેશે. જેને જડથી ભિન્નતાનું
ભાન નથી તે તો દેહમાં ને રાગમાં એકત્વ બુદ્ધિથી ભીંસાઈ જશે. ભાઈ! જડથી
ને વિકારથી હું જુદો ચૈતન્યમૂર્તિ છું–એવું ભાન કરીને જીવનમાં તેની ભાવના તો
કર. એ ભિન્નતાની ભાવનાથી આત્મામાં એકતાના જોરે આનંદમાં મશગૂલ થઈને
ઉત્તમ સમાધિમરણ થશે.
(–પ્રવચનમાંથી.....નિયમસાર ગા. ૯૨)
વાર્ષિક લવાજમ ખાસ અંક છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
दस लक्षण धर्म
दंसण मूलो धम्मो
સોનગઢમાં બીજા ભાદરવા સુદ પાંચમ ને બુધવાર તા. ૨૧–૯–પપ થી ભાદરવા સુદ
ચૌદસ ને શુક્રવાર તા. ૩૦–૯–પપ સુધીના દસ દિવસો દસલક્ષણી પર્વ તરીકે ઉજવાશે.
ભાદરવા સુદ પાંચમથી શરૂ થતાં પર્યુષણ તે જૈનશાસનમાં ધર્મની આરાધનાના પર્વ તરીકે
પ્રસિદ્ધ છે; આ પર્વને ‘દસ લક્ષણી પર્વ’ કહેવામાં આવે છે. ‘પર્યુષણ’ એટલે સર્વપ્રકારે આત્માની
ઉપાસના; મુખ્યપણે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રપૂર્વક ઉત્તમક્ષમાદિ દસધર્મના ધારક મુનિ
ભગવંતોને હોય છે, તેથી મુનિવરોની પ્રધાનતાથી આ આરાધના પર્વ ‘દસલક્ષણી પર્વ’ તરીકે
પ્રસિદ્ધ છે. આ રીતે દસ લક્ષણી પર્વ તે ખરેખર રાગનું પર્વ નથી પણ સમ્યગ્દર્શનપૂર્વકની
વીતરાગી આરાધનાનું પર્વ છે. આ મહામંગલપર્વ પ્રસંગે વીતરાગી આરાધનાના આરાધક
સંતોના ચરણોમાં અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર કરીને, આપણે પણ સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક એ
પવિત્ર આરાધનામાં આત્માને જોડીએ.....

PDF/HTML Page 4 of 21
single page version

background image
‘સૌ ભૂતમાં સમતા મને,
કો સાથ વેર મને નહીં’
[શ્રી નિયમસાર ગા. ૧૦૪ ઉપર પૂ. ગુરુદેવના ભાવવાહી સુંદર પ્રવચનોમાંથી. આ ગાથા ઉપર ત્રણ
વખત પ્રવચનો થયા, તે ત્રણે સંયુક્ત કરીને અહીં આપવામાં આવ્યા છે.]
સહજ વૈરાગ્ય પરિણતિવાળા મુનિવરોને મૃત્યુનો ભય નથી. હું તો
છે?
જુઓ આ વીતરાગમાર્ગના મુનિઓની સમાધિ! આવી દશામાં
વર્તતા મુનિરાજ કહે છે કે અમે તો સાક્ષીસ્વરૂપ ચૈતન્યમૂર્તિ છીએ. અમારા
જ્ઞાનાનંદ સ્વભાવ સાથે સંબંધ જોડીને, જગત સાથેનો સંબંધ અમે તોડી
નાંખ્યો છે, તેથી અમને કોઈ આશા નથી પણ સ્વભાવની સમાધિ વર્તે છે.
જગતના સર્વ જીવોમાં અમને સમતા છે. આત્મામાં આવી દશા પ્રગટે તે
જ શાંતિ અને શરણરૂપ છે.
“ અહો! આવા નિર્ગં્રથ મહાત્માઓના વીતરાગ માર્ગે અમે કયારે
વિચરીએ? હું કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતોના પગલે વિચરીએ–એવો
ધન્ય અવસર કયારે આવે!!”
– પૂ. ગુરુદેવ.
* * *
આ નિયમસારની ૧૦૪મી ગાથા વંચાય છે. અંતર્મુખ પરમ તપોધનની ભાવશુદ્ધિ કેવી હોય? અર્થાત્
મોક્ષમાર્ગના સાધક મુનિવરોને સમતા તથા સમાધિ કેવી હોય તે કહે છે–
सम्मं मे सव्वभूदेसु वेरं मज्झं ण केणवि ।
आसाए वोसरित्तां णं समाहि पडीवज्जए ।। १०४।।
સૌ ભૂતમાં મમતા મને,
કો સાથ વેર મને નહીં ;
બીજો ભાદરવોઃ ૨૪૮૧ ઃ ૨૭૩ઃ

PDF/HTML Page 5 of 21
single page version

background image
આશા ખરેખર છોડીને
પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪
સર્વ પ્રાણીઓ પ્રત્યે જેને સમભાવ હોય ને કોઈની સાથે વેરભાવ ન હોય એવા જીવની દશા કેવી હોય તે
અહીં બતાવે છે. ચૈતન્યમાં એકાગ્ર થતાં આ મારા મિત્ર કે આ મારો શત્રુ એવી રાગદ્વેષરૂપ પરિણતિ જ જેને થતી
નથી એવા જીવને કોઈની પ્રત્યે વેર હોતું નથી. પરજીવો તો મારાથી જુદા છે, ને આ પાંચ જડ ઈન્દ્રિયો પણ મારાથી
જુદી છે, ઇન્દ્રિયો તરફના ખંડખંડ જ્ઞાન જેટલો પણ હું નથી. હું તો અખંડ જ્ઞાયકતત્ત્વ છું. આવું જેને ભાન થયું હોય
તેને કોઈ પરને શત્રુ કે મિત્ર માનીને રાગદ્વેષ થતા નથી ને પછી વિશેષ લીનતા થતાં પરિણિતિનો જ અભાવ થઈ
જવાથી કોઈ પ્રત્યે મિત્રતા કે શત્રુતાનો ભાવ હોતો નથી, એટલે તેને જ ખરેખર સર્વે જીવો પ્રત્યે સમભાવ છે;
મુનિવરોને એવો સમભાવ હોય છે.
અહીં મુનિરાજ કહે છે કે અમારો ઉપયોગ તો અમે અતીન્દ્રિય આત્મામાં જોડયો છે, ને સમસ્ત ઈંદ્રિયોના
વ્યાપારને અમે છોડયો છે; અતીન્દ્રિયસ્વભાવના વેદનમાં અમને બીજા ધર્માત્માઓ કે અજ્ઞાનીઓ તે બધાય પ્રત્યે
સમતા છે. જુઓ આમાં બીજા જીવોને ખમાવવાની વાત નથી લીધી, બીજાને ખમાવવાનો વિકલ્પ તે પણ રાગ છે.
અહીં તો કહે છે કે અતીન્દ્રિય ચૈતન્ય તરફના ઉપયોગને લીધે અમને સમતા છે, ને સમતા હોવાથી કોઈ પ્રત્યે
વેરભાવ નથી, એકનો આદર અને બીજાનો અનાદર એવો રાગ–દ્વેષનો ભાવ જ મને થતો નથી. જુઓ આવા
વિકલ્પની વાત નથી, પણ મુનિઓને અંતરમાં આવી સહજ પરિણતિ થઈ ગઈ હોય છે.
‘ચૈતન્યને સાધી રહેલા ધર્માત્માઓ અમારા સાધર્મી છે–માટે અમારે તેના પ્રત્યે પ્રેમ કરવો જોઈએ. અને
અમુક જીવો ધર્મના વિરોધી છે માટે તેના પ્રત્યે દ્વેષ કરવો જોઈએ.’ એમ તો સમકીતિ પણ માનતા નથી. સમકીતિને
ભૂમિકા પ્રમાણે સાધર્મી ધર્માત્મા ઉપર ઉલ્લાસ અને વાત્સલ્યનો ભાવ આવે, પણ પરને કારણે તે ભાવ નથી તેમ જ
તે ભાવ સદા કર્યા કરું એવી પણ તેની બુદ્ધિ નથી. કેમ કે ઇન્દ્રિયો તરફનો વેપાર છૂટી ગયો છે એટલે ઈન્દ્રિયોથી
રહિત મારું અસ્તિત્વ છે એમ તેણે જાણ્યું છે. ઈંદ્રિયવિષયોની બુદ્ધિ જ જેને છૂટી ગઈ છે તેને કોઈ પણ જીવ શત્રુ કે
મિત્રરૂપે દેખાતો નથી, હું તો જ્ઞાન છું. ધર્માત્મા હો કે મિથ્યાદ્રષ્ટિ હો, પણ તે કોઈ મને રાગનું કે દ્વેષનું કારણ નથી,
આવી બુદ્ધિ હોવાથી ધર્મીને પર પ્રત્યે મિત્ર કે શત્રુની બુદ્ધિથી રાગ–દ્વેષ થતા નથી. અહીં તો તે ઉપરાંત મુનિદશાના
સમભાવની વાત છે. મુનિરાજ કહે છે કે હું તો જ્ઞાનપણે જ રહેવા માગું છું, મે સમસ્ત ઈંદ્રિયવિષયનો વેપાર છોડયો
છે, પર પ્રત્યે મારી પરિણતિ જ જતી નથી તેથી જગતના બધા જીવો પ્રત્યે મને સમતા જ છે. પરમાત્મા હો કે પામર
હો, બધા જીવો પ્રત્યે મને સમતા છે. ભગવાન પ્રત્યે કે ગુરુ પ્રત્યે ભક્તિનો પ્રમોદ આવે તેનો સમકિતી જ્ઞાતા જ છે.
આ પ્રાણી મને ઠીક, ને આ પ્રાણી મને અઠીક–એવું સમકીતિની દ્રષ્ટિમાં નથી.
મુનિઓને પણ કોઈવાર એવો ખેદ થાય કે અરેરે! આત્માના હિતની આવી વાત અજ્ઞાની જીવો કેમ
સમજતા નથી! આટલો વિકલ્પ આવે તે પણ સાધકભાવમાં વચ્ચે બાધકરૂપ છે, તેનાથી ભિન્નતાનું ભાન વર્તે છે.
ભેદજ્ઞાન વગર અજ્ઞાની જીવ સમતા રાખે ને કોઈ બાળી નાંખે તોય ક્રોધ ન કરે ને ક્ષમાનો શુભભાવ રાખે, તોપણ
તેને ખરેખર સમભાવનો છાંટોય નથી; કેમ કે સમભાવ કરનારો એવો જે જ્ઞાનસ્વરૂપ આત્મા તેની તો તેને ખબર
નથી ને ઈંદ્રિયવિષયોનો વેપાર તેણે છોડયો જ નથી. અતીન્દ્રિયસ્વરૂપ આત્માના લક્ષ વગર ઈંદ્રિયવિષયોનો વેપાર
છૂટે નહિ, ને ઈન્દ્રિયવિષયનો વેપાર છૂટયા વગર પર પ્રત્યે રાગદ્વેષ છૂટે જ નહિ, એટલે તેને સમતા હોય જ નહિ;
‘મહાવીર’ એવું નામ બોલતાં બોલતાં દેહ છોડે તો પણ તેને સમભાવ નથી. મુનિઓએ તો ભેદજ્ઞાન કરીને
ઈંદ્રિયોનો વેપાર છોડયો છે ને પરિણતિને આત્મામાં જોડી છે તેથી તેમને સમભાવ જ છે; કોઈ પ્રત્યે રાગ–દ્વેષની
પરિણતિ જ થતી નથી. પોતે તો પોતાના જ્ઞાનમાં લીન છે–આનંદના જ વેદનમાં પરિણતિને જોડી દીધી છે,–ત્યાં
જગતમાં કોણ મિત્ર, ને કોણ શત્રુ? વીતરાગશાસનનો મોટો વેરી હોય તો પણ તેના પ્રત્યે શત્રુતારૂપ વેરભાવ થતો
નથી, ને મહા ધર્માત્માઓ પ્રત્યે મિત્રતાનો રાગભાવ થતો નથી. આત્મા તો જ્ઞાયક છે, તેનો સ્વભાવ જાણવાનો
ઃ ૨૭૪ઃ
આત્મધર્મ ખાસ અંક

PDF/HTML Page 6 of 21
single page version

background image
છે; તે કોને ન જાને? બધાને જાણવાનો સ્વભાવ છે, કોઈના પ્રત્યે રાગ દ્વેષની વૃત્તિ કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી.
માટે જ્ઞાન સ્વભાવમાં જેણે ઉપયોગને જોડયો છે તેને કોઈ પ્રત્યે રાગ–દ્વેષ થતા નથી. આનું નામ સર્વ જીવોમાં
સમભાવ, ને કોઈ સાથે વેર નહિ.
મુનિઓને રાગ–દ્વેષરહિત આવી સહજ વૈરાગ્યપરિણતિ હોય છે, તેથી કોઈપણ આશા વર્તતી નથી. આ ચીજ
આમ હોય તો ઠીક ને આ ચીજ આમ ન હોય તો ઠીક એવી કોઈ પરપદાર્થની આશા મુનિઓને નથી કેમકે ચૈતન્યની
પરિણતિમાં સહજ વૈરાગ્ય વર્તે છે. ભગવાનનો સાક્ષાત્ ભેટો થાય તો ઠીક, ને શત્રુઓ દૂર થાય તો ઠીક આવી આશા
મુનિવરોને સહજ વૈરાગ્ય પરિણમતિમાં હોતી નથી, તેમને તો પરમ સમરસીભાવનાં વેદનમાં પરમસમાધિનો જ
આશ્રય વર્તે છે. સમકિતને હજી અલ્પ રાગદ્વેષ પરિણતિ થતી હોવા છતાં તેની અંર્તદ્રષ્ટિમાં તો ચૈતન્યસ્વભાવનો
આશ્રય વર્તે છે, ને પરપ્રત્યે રાગદ્વેષનો અભિપ્રાય તેને છૂટી ગયો છે. અહીં તો સમ્યગ્દર્શન ઉપરાંત મુનિદશામાં શુદ્ધ
પરિણતિ થતાં કેવી સમાધિ વર્તે છે તેની આ વાત છે. આવા મુનિવરોને અને ધર્માત્માઓને મૃત્યુ પણ મહોત્સવ છે....
ચૈતન્યની સમાધિનો ત્યાં મહોત્સવ મંડાય છે; તેમને મૃત્યુનો ભય નથી. જગતના મૂઢ જીવોને મરણની બીક છે, પણ
હું તો જ્ઞાનાનંદસ્વભાવ છું–એવા સ્વભાવના ભાનમાં ધર્માત્માને મૃત્યુ વખતે પણ શાંતિ અને સમાધિનો મહોત્સવ
છે; એને મરણનો ભય નથી. જુઓ, આ સુકોશલ મુનિના શરીરને વાઘ ફાડી ખાય છે, પણ એ મુનિરાજને કોઈ પ્રત્યે
વેરભાવ નથી, આત્માના સ્વભાવમાં લીન થઈને તેને પરમસમરસીભાવ ઝરે છે, તેમાં સર્વ જીવો પ્રત્યે સમભાવરૂપ
પરમસમાધિ વર્તે છે, આવી સહજ વૈરાગ્યપરિણતિમાં કોઈ મિત્ર કે શત્રુ છે જ નહીં. આત્માની સમાધિમાં મુનિવરોને
અનાકુળ આનંદનું જ વેદન છે; બીજો કોઈ વિકલ્પ કે ચિંતાની આકુળતા તેમાં નથી. શરીરને ફાડી ખાનાર સિંહ–વાઘ
ઉપર દ્વેષ નથી, આ મારો શત્રુ એવી દ્વેષની વૃત્તિ પણ ઊઠતી નથી. અરે! એવી આત્માના આનંદમાં લીનતા જામી
ગઈ છે કે ‘આ સિંહ છે ને શરીરને ખાય છે’ એટલું જ પણ પરલક્ષ જ્યાં થતું નથી,–આવી ઉત્તમ સમાધિ છે, ને તેનું
ફળ મોક્ષ છે. આનું નામ–‘શત્રુ મિત્ર પ્રત્યે વરતે સમદર્શિતા.’
*
બધા આત્મા જ્ઞાનસ્વભાવી જ છે–એવી દ્રષ્ટિમાં કોના ઉપર રાગ કે કોના ઉપર દ્વેષ? બધાય આત્મા
જ્ઞાનસ્વભાવે પરિપૂર્ણ ભગવાન છે, કોણ કોની સાથે વેર કરે? ને કોણ કોની સાથે મિત્રતા કરે? યોગીન્દ્ર મુનિરાજ
કહે છે કે–
કોણ કોની મૈત્રી કરે, કોની સાથે કલેશ,
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધબુદ્ધ જ્ઞાનેશ.
અહો, શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી જોતાં બધાય આત્મા શુદ્ધ જ્ઞાનની જ મૂર્તિ છે; સ્વભાવમાં નાના મોટાપણું છે
જ નહિ; આવા શુદ્ધઆત્મસ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાનીને રાગદ્વેષ અભિપ્રાય નથી. ચોથા ગુણસ્થાને પણ સમકીતિને
આવો વીતરાગી અભિપ્રાય તો થઈ ગયો છે, છતાં હજી રાગદ્વેષની અલ્પવૃત્તિ અસ્થિરતાને લીધે થાય છે. અને
મુનિઓને તો અભિપ્રાય ઉપરાંત રાગરહિત એવી સ્થિરતા થઈ ગઈ છે કે કોઈ પ્રત્યે શત્રુ–મિત્રપણાની વૃત્તિ જ
ઊઠતી નથી. તેમની સમીપમાં બીજા જીવો તો વેરભાવ છોડે કે ન છોડે, પણ તેમને પોતાને કોઈના પ્રત્યે વેરભાવ
થતો જ નથી. આનું નામ વીતરાગી અહિંસા છે, તેનું ફળ બહારમાં નથી આવતું, પણ અંતરમાં પોતાને અનાકુળ
શાંતિનું વેદન થાય છે–એ જ તેનું ફળ છે. પછી ત્યાં સમીપમાં બીજા જીવો હિંસાના પરિણામ કરે તો તેથી કાંઈ આ
મુનિરાજની વીતરાગી અહિંસામાં દોષ નથી.
શરીરને ફાડી ખાનાર સિંહ ઉપર દ્વેષ નથી, આ મારો શત્રુ–એવી દ્વેષની વૃત્તિ પણ ઊઠતી નથી; અરે!
સમાધિમાં સ્થિત મુનિઓને, આ સિંહ છે ને શરીરને ખાય છે–એટલું પણ પરલક્ષ ક્યાં છે? તેમ જ ચક્રવર્તીરાજા
આવીને ચરણમાં નમસ્કાર કરતા હોય ત્યાં રાગની વૃત્તિ પણ થતી નથી; આવી વીતરાગપરિણતિનું નામ સમાધિ છે.
આ સિવાય આત્માના ભાન વગર હઠજોગ લ્યે કે જીવતો જમીનમાં ડટાય તે કાંઈ સમાધિ નથી, તેમાં તો આત્માની
અનંતી અસમાધિ છે. અહીં તો જ્ઞાનમાં એકાગ્ર થઈને આનંદના વેદનમાં પડયા છે એવા મુનિવરોની સમાધિની વાત
છે. આવી પરિણતિમાં મુનિઓને કોઈ આશા નથી, પણ પરમ ઉદાસીનતારૂપ સમાધિ એટલે કે આત્માના શાંતરસમાં
લીનતા વર્તે છે.
બીજો ભાદરવો ઃ ૨૭પઃ

PDF/HTML Page 7 of 21
single page version

background image
આધિ વ્યાધિ ને ઉપાધિ એ ત્રણેથી રહિત આત્માની પરિણતિ તે સમાધિ છે; શરીર સંબંધી ચિંતા, મન
સંબંધી ચિંતા, કે સ્ત્રી–પુત્રાદિ ભિન્ન પદાર્થોની ચિંતા,–એ ત્રણે પ્રકારની ચિંતાથી પાર જ્ઞાનસ્વભાવનું જ ચિંતન
એટલે કે એકાગ્રતા તેનું નામ સમાધિ છે; તે સમાધિમાં અનાકુળ આનંદનું જ વેદન છે, બીજા કોઈ વિકલ્પ કે ચિંતાની
આકુળતા તેમાં નથી.
આ આત્માનો મિત્ર કે શત્રુ જગતમાં બીજો કોઈ નથી. આત્માનો મિત્ર એવો જે પોતાનો પરમસ્વભાવ તેમાં
લીન થઈ ગયા છે તેથી બહારમાં કોઈ પ્રત્યે ‘આ મારો મિત્ર’ એવો રાગનો વિકલ્પ મુનિઓને થતો નથી; અને શત્રુ
એવો જે મોહભાવ, તેનો તો નાશ થઈ ગયો છે તેથી બહારમાં કોઈ પ્રત્યે ‘આ મારો શત્રુ’ એવી દ્વેષની વૃત્તિ પણ
થતી નથી; આવી મુનિઓની દશા છે. સિંહ આવીને શરીરને ફાડી ખાતા હોય ત્યાં મુનિ એમ વિચારે કે મારે શરીર
જોઈતું નથી ને આ સિંહ આવીને તેને લઈ જાય છે તો તે મારો મિત્ર છે,–આમ સમજાવવા માટે કહેવાય, બાકી તો
દેહ પ્રત્યેનો કે સિંહ પ્રત્યેનો એટલો શુભવિકલ્પ ઊઠે તો તે પણ ખરેખર સમાધિમાં ભંગ છે. સમાધિમાં લીન
મુનિઓને તો એટલો શુભવિકલ્પ પણ નથી ઊઠતો. અહો! મુનિ તો આનંદના દરિયામાં પડયા છે.....આનંદના
દરિયામાંથી બહાર નીકળીને પરલક્ષ કરવાનો અવકાશ જ કયાં છે? જુઓ, આ વીતરાગ માર્ગના મુનિઓની
સમાધિ! ‘આ શરીર તથા કુટુંબ પુત્ર વગેરે બધા જીવના દુશ્મનો છે માટે તેનો ત્યાગ કરો’–એમ પરને શત્રુ માનીને
છોડવા માંગે તે તો મિથ્યાદ્રષ્ટિ છે, તેને સમભાવ નથી પણ પરપ્રત્યે મોટો વેરભાવ છે. વળી, ‘રાજા જુલ્મી હોય તો
તેનો વિરોધ કરવો જ જોઈએ’ એવી જેની માન્યતા છે તેને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જુલ્મી રાજા પાકે ત્યાં ત્યાં
અને ત્યારે દ્વેષભાવ કરવાનો જ અભિપ્રાય થયો, વીતરાગતાનો તો અભિપ્રાય ન થયો; તેને તો સમભાવ બિલકુલ
હોય જ નહિ. જ્ઞાનીને કોઈકવાર દ્વેષભાવ થઈ જાય પણ ત્યાં દ્વેષ કરવો જ જોઈએ એવો એનો અભિપ્રાય નથી
અથવા રાજા જુલ્મી છે માટે મારે દ્વેષ કરવો પડે છે એવો પણ અભિપ્રાય નથી, એટલે દ્રષ્ટિમાં તો તેને સમભાવ જ
વર્તે છે. તે ઉપરાંત અહીં તો રાગદ્વેષરહિત વીતરાગી સમભાવની વાત છે.
સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક વીતરાગી સમાધિરૂપે પરિણમેલા મુનિઓ કહે છે કે આ જગતમાં અમારે કોઈ મિત્ર કે
શત્રુ નથી, તેથી અમને કોઈની આશા નથી. શ્રદ્ધાએ એમ સ્વીકાર્યું છે કે ‘હું તો પરિપૂર્ણ જ્ઞાયકમૂર્તિ જ છું,’–તેમાં
બીજા કોઇની આશા નથી, જ્ઞાને એવું ભેદજ્ઞાન કર્યું છે કે ‘જગતના બધા પદાર્થોથી મારો જ્ઞાનાનંદસ્વભાવ જુદો છે,’
તેથી તેમાં પણ કોઈની આશા નથી; અને ચારિત્રે અંર્તસ્વરૂપમાં લીન થઈને રાગ–દ્વેષની વૃત્તિ જ તોડી નાખી છે,
તેથી તેમાં પણ કોઈની આશા નથી. આ રીતે મુનિઓ આશા રહિત થઈને રત્નત્રયની એકતારૂપ સમાધિપણે
પરિણમી ગયા છે.
કોઈ પણ જાતની ઈચ્છા આત્માની પવિત્રતાને (વીતરાગતાને) રોકનાર છે; જે ઈચ્છા આત્માની
વીતરાગતા ન થવા દે તેને જ્ઞાની કેમ ઇચ્છે? આત્મા ઈચ્છા કરે તેથી કાંઈ બહારનું (શરીરની નીરોગતા વગેરે) થઈ
જતું નથી, એટલે ઈચ્છા પરમાં પણ નકામી છે, ને પોતામાં પવિત્રતાને રોકનાર છે, તો જ્ઞાની તેને કેમ ઇચ્છે?
ઈચ્છાથી મારો જ્ઞાનસ્વભાવ જુદો જ છે એવા ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાનમાં એકાગ્ર થઈને મુનિઓએ ઈચ્છાને છોડી દીધી
છે, તેનું નામ સમાધિ છે. તેથી કહ્યું કે ‘આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની.’ આવી મુનિઓની
અંતરદશા હોય છે. હજી તો જેને એવું અભિમાન હોય કે હું મારી ઈચ્છા વડે દેહાદિની ક્રિયા કરું છું, તે જીવ પરના
અહંકારમાં રોકાણો છે, તે તો મિથ્યાદ્રષ્ટિ છે તેને આશા છૂટે નહિ ને સમાધિ થાય નહિ.
‘સૌ ભૂતમાં મમતા મને, કો સાથ વેર મને નહી;
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની.’
–જુઓ, આ મુનિઓના ભાવની શુદ્ધતા! ‘સર્વે જીવો પ્રત્યે મને સમતા છે, મારે કોઈ સાથે વેર નથી.
ખરેખર આશાને છોડીને હું સમાધિને પ્રાપ્ત કરું છું’ મુનિઓને આવી પરિણતિ થઈ ગઈ હોય છે.
અહો! હું તો જ્ઞાનસ્વભાવી ચૈતન્યવસ્તુ છું, હું કોઈનો મિત્ર કે શત્રુ નથી, ને કોઈ મારા મિત્ર કે શત્રુ નથી,
પર સાથેનો સંબંધ તોડીને મારા સ્વભાવ સાથે મેં સંબંધ જોડયો છે તેથી મને કોઈ પ્રત્યેની આશા નથી, સર્વ
ઃ ૨૭૬ઃ
આત્મધર્મ ખાસ અંક

PDF/HTML Page 8 of 21
single page version

background image
પ્રકારની આશા છોડીને ચૈતન્યમાં લીન થાઉં છું. આચાર્ય કુંદકુંદ ભગવાન કહે છે કે અમે રાગ–દ્વેષ રહિત પરમ
સમાધિમાં સ્થિર થયા છીએ, અને હે જગતના જીવો! એમ કર્યું તે પ્રમાણે તમે પણ કરો.
મુનિરાજ કહે છે કે, અજ્ઞાની હો કે ભેદજ્ઞાની હો તેના પ્રત્યે મને સમતા છે, એટલે ખરેખર તો બહિર્મુખ
વલણ જ જતું નથી. બહિર્મુખ વલણ છોડીને હું તો મારા ચૈતન્યમાં જ અંતર્મુખ થાઉં છું, તેથી બહારમાં મને કોઈ
પ્રત્યે રાગ કે દ્વેષ નથી. અપૂર્વ અવસરમાં એમ કહ્યું છે કે–
‘શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા.......’
અને અહીં કહે છે કે જ્ઞાની કે અજ્ઞાની પ્રત્યે સમતા છે. જગતના જીવો પોતપોતાના પરિણમન–પ્રવાહમાં વહી
રહ્યા છે, પોતાના પરિણમનમાંથી બહાર નીકળીને બીજાનું કાંઈ સુધારવા કે બગાડવા કોઈ સમર્થ નથી. હું તો મારા
વીતરાગી આનંદના પ્રવાહમાં લીન થાઉં છું, તેથી મારે કોઈ સાથે શત્રુતા કે મિત્રતા નથી. હું જ્ઞાયક, જ્ઞાયકપણે જ રહું
છું, રાગ–દ્વેષપણે પરિણમતો નથી; એટલે જ્ઞેયમાં પણ એક ઇષ્ટ ને બીજું અનીષ્ટ એવા ભાગલા પાડતો નથી.
મુનિ જ્યાં નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થાય ત્યાં કેવળજ્ઞાની ભગવાન પ્રત્યેનો વંદનાદિનો વિકલ્પ પણ રહેતો
નથી, તેમ જ શાસનના વિરોધી મૂઢ જીવો પ્રત્યે દ્વેષાદિનો વિકલ્પ પણ હોતો નથી;–આવી તો છદ્મસ્થ મુનિની દશા છે,
તો પછી કેવળજ્ઞાન થયા પછી ભગવાન કોઈને વંદનાદિ કરે એ વાત તો કયાં રહી? એ તો ઘણી જ વિપરીત વાત છે.
કોઈ દુષ્ટ જીવ આવીને વેરભાવથી મોટો ઉપસર્ગ કરે કે ચક્રવર્તી રાજા આવીને ભક્તિથી ચરણમાં પડે,
તોપણ સમાધિવંત મુનિઓને રોમરાયમાં દ્વેષ કે રાગ થતો નથી, એક મારો શત્રુ ને બીજો મારો મિત્ર,–એવી વૃત્તિ
થતી નથી. વળી શરીરમાં મોટો રોગ થાય, કે પછી મહાન ઋદ્ધિઓ પ્રગટે તો પણ મુનિઓને સમભાવ છે, એક
અનીષ્ટ ને બીજું ઇષ્ટ એવો રાગ–દ્વેષ નથી. અમે તો અમારા ચૈતન્યની કેવળજ્ઞાનઋદ્ધિને સાધનારા છીએ, ત્યાં આ
જડ જડઋદ્ધિનો આદર કેમ હોય? અશરીરી સિદ્ધપદને સાધનારા છીએ ત્યાં આ શરીર ઉપર રાગ કેમ હોય? આ રીતે
મુનિઓને સમભાવ હોયછે.
‘બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો,
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો,
– અપૂર્વ અવસર એવો કયારે આવશે....’
અહો! આવા નિર્ગ્રંથ મહાત્માઓના વીતરાગમાર્ગે અમે ક્યારે વિચરીએ, એ ધન્ય અવસર અમને કયારે
આવે!–એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ ભાવના ભાવી છે. ‘વિચરશું કવ મહત્પુરુષને પંથ જો’...એ મહાન પુરુષોના પંથે
એટલે કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતોના પગલે અમે કયારે વિચરશું!–આવી ભાવના ભાવી છે. જ્યારે આ
શાસ્ત્રકાર અને ટીકાકાર મુનિવરો તો એવી દશામાં વર્તી જ રહ્યા છે; તેથી કહે છે કે અહો! અમે તો ચૈતન્યમૂર્તિ
સાક્ષીસ્વરૂપ છીએ. અમારા જ્ઞાનાનંદસ્વભાવ સાથે સંબંધ જોડીને, જગત સાથેનો સંબંધ અમે તોડી નાખ્યો છે તેથી
અમને કોઈ આશા નથી પણ સ્વભાવની સમાધિ વર્તે છે, જગતના સર્વે જીવોમાં અમને સમતા છે. જુઓ, આ
દશા!! આત્મામાં આવી દશા પ્રગટે તે જ શાંતિ અને શરણરૂપ છે, એ સિવાય જગતમાં બીજું કોઈ શરણભૂત નથી.
ભાઈ! જગતના ચેતન કે જડ બધા પદાર્થો એના પરિણમન પ્રવાહપણે જ બદલ્યા કરશે, તું તેમાં શું કરીશ? તું તારા
જ્ઞાનસ્વભાવને સંભાળીને જ્ઞાતાપણે રહે, તો તને સમતા અને શાંતિ થાય.
નમસ્કાર હો....સહજવૈરાગ્યપરિણતિવાળા એ વીતરાગી સંતોનો!
બીજો ભાદરવો ઃ ૨૭૭ઃ

PDF/HTML Page 9 of 21
single page version

background image
“આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?”
[૨૨]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે તેના ઉપર પૂ. ગુરુદેવના વિશિષ્ટ–અપૂર્વ પ્રવચનોનો સાર.
(અંક ૧૪૩ થી ચાલુ)
આ લેખાંકની વિશેષતા
ક્રિયાનયથી તેમ જ જ્ઞાનનયથી આત્માનું સ્વરૂપ શું છે–તેનું વર્ણન આ
લેખમાં છે; આ બાબતમાં ઘણા જીવો અનેક પ્રકારના ગોટા વાળે છે, તેથી પૂ.
ગુરુદેવે ઘણા પ્રકારે ખૂબ જ સ્પષ્ટીકરણ કરીને આ વિષય સમજાવ્યો છે; અને
સાથે સાથે પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથાનું રહસ્ય પણ સમજાવ્યું છે. તે
ગાથાની ટીકામાં શ્રી આચાર્યદેવે નિશ્ચય–વ્યવહાર સંબંધી ખુલાસો કરીને
વીતરાગભાવને જ તાત્ત્પર્ય કહ્યું છે; પણ યથાર્થ ગુરુગમના અભાવે, અને
પોતાની ઊંધી દ્રષ્ટિને લીધે કેટલાક જીવો તે ગાથાનું તથા ટીકાનું રહસ્ય
સમજ્યા વિના ઊંધા અર્થ કરીને માત્ર પોતાની વિપરીત દ્રષ્ટિને જ પોષે છે.
તેથી જિજ્ઞાસુ જીવોના હિતને માટે પૂ. ગુરુદેવે આ પ્રવચનોમાં નિશ્ચય–વ્યવહાર
બાબતમાં પણ ઘણો જ સુંદર ખુલાસો કરીને, એમ સમજાવ્યું છે કે સાધકપણામાં
નિશ્ચયની સાથે સાથે વ્યવહાર પણ હોય છે. છતાં સાધકનું (અને સર્વ
શાસ્ત્રોનું) તાત્પર્ય તો વીતરાગભાવ જ છે, ને તે વીતરાગભાવ નિશ્ચયના
આશ્રયે જ થાય છે, માટે નિશ્ચયના આશ્રયે જ ખરેખર મોક્ષમાર્ગ છે; સાધકને
શુભરાગરૂપ વ્યવહાર હોય છે પણ તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તેને મોક્ષમાર્ગ
તરીકે કહેવો તે તો માત્ર ઉપચાર છે.
– આ વિષયનું ખાસ સ્પષ્ટીકરણ તે આ લેખની વિશેષતા છે.
ઃ ૨૭૮ઃ આત્મધર્મ ખાસ અંક

PDF/HTML Page 10 of 21
single page version

background image
[૪૨] ક્રિયાનયે આત્માનું વર્ણન
[પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં કહેલા નિશ્ચય–વ્યવહારનો ખુલાસો પણ આમાં આવી જાય છે.]
‘આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે.’ જેમ કોઈ અંધપુરુષને પત્થરના
થાંભલા સાથે માથું ફોડવાથી માથામાંના લોહીનો વિકાર દૂર થવાને લીધે આંખો ખૂલી જાય અને નિધાન પ્રાપ્ત થાય,
તેમ ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય એવો આત્મા છે.
અહીં ક્રિયાનયમાં અનુષ્ઠાનની પ્રધાનતા કહી છે, ને હવે ૪૩ માં જ્ઞાનનયમાં વિવેકની પ્રધાનતા રહેશે;
આચાર્યદેવે આ ૪૨ અને ૪૩ નયોમાં ‘પ્રધાનતા’ શબ્દ વાપર્યો છે, તે એમ બતાવે છે કે ગૌણપણે બીજું પણ વર્તે છે;
અહીં ૪૨ મા ક્રિયાનયમાં અનુષ્ઠાનની એટલે કે શુભની પ્રધાનતા કહી છે તે એમ બતાવે છે કે ગૌણપણે તે જ વખતે
સમ્યગ્જ્ઞાનનો વિવેક પણ વર્તે છે. શુભરાગની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એમ ક્રિયાનયથી કહ્યું તે જ વખતે, ગૌણપણે
શુદ્ધતા છે તેનું જ્ઞાન ભેગું હોય તો જ, ક્રિયાનય સાચો કહેવાય. શાસ્ત્રમાં કયાંક વ્યવહારની પ્રધાનતાનું કથન આવે
ત્યાં અજ્ઞાની જીવો તેનો ઊંધો અર્થ કરે છે કે વ્યવહાર (શુભરાગ) કરતાં કરતાં તેના આશ્રયે પરમાર્થની પ્રાપ્તિ થઈ
જશે.–પરંતુ શાસ્ત્રનો એવો આશય નથી.
આશંકાઃ– પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં તો એમ કહ્યું છે કે ભિન્ન સાધ્યસાધનરૂપ વ્યવહારને ન માને
તો મિથ્યાદ્રષ્ટિ છે–તેનો અર્થ શું છે?
સમાધાનઃ– સાધક અવસ્થામાં શુદ્ધતાના અંશની સાથે ભૂમિકા પ્રમાણે શુભરાગ પણ આવે છે તેનું ત્યાં જ્ઞાન
કરાવ્યું છે, અને ઉપચારથી તે રાગને વ્યવહાર સાધન કહ્યું છે. તે વ્યવહારના આશ્રયે નિશ્ચય પમાય એવો તેનો
આશય નથી પણ સાધકને તે બંને સાધન એક સાથે વર્તે છે તેનું જ્ઞાન કરાવવા માટે તે કથન છે. સાધકને તે બંને
વર્તે છે એમ ન માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે એમ સમજવું, પણ રાગાદિ વ્યવહારસાધનના અવલંબનથી નિશ્ચયસાધન
પમાઈ જશે એમ ન સમજવું. જેને નિશ્ચયનું ભાન નથી, અને ભિન્ન સાધ્ય–સાધનને પણ માનતો નથી, સ્વચ્છંદપણે
પાપમાં પ્રવર્તે છે, એવા જીવને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. અને સાથે સાથે ત્યાં જ એમ પણ કહ્યું છે કે જે નિશ્ચયને તો
જાણતા નથી ને કેવળ વ્યવહારઅવલંબી છે તે એકલા ભિન્ન સાધ્યસાધનભાવને જ અવલોકનારા સદા ખેદખીન્ન
વર્તે છે ને શુભરાગરૂપ વ્યવહારસાધનમાં જ વર્તે છે તે જીવો દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતાપરિણતિ રૂપ
જ્ઞાનચેતનાને કોઈ કાળે પામતા નથી, પણ કલેશની પરંપરાને પામીને સંસારમાં જ ભ્રમણ કરે છે.
પંચાસ્તિકાયની ૧૭૨મી ગાથા આ પ્રમાણે છે.
तह्मा णिव्वुदिकामों रागं सवत्थ कुणदि मा किंचि ।
सो तेण वीदरागो भवियो भवसायरं तरदि ।।
–એટલે કે, રાગ તે સાક્ષાત્ મોક્ષના અંતરાયરૂપ છે માટે જે મોક્ષના કામી છે તે સર્વત્ર કિંચિત્ પણ રાગ ન
કરો, જેથી તે ભવ્ય વીતરાગ થઈને ભવસાગરને તરી જાય છે. એમ કહીને ત્યાં વીતરાગતાને જ તાત્પર્ય બતાવ્યું છે.
મૂળ સૂત્રમાં એકદમ વીતરાગતાની વાત કરી, પણ હજી સાધકને રાગ તો થાય છે તેથી, ટીકામાં આચાર્યદેવે ભિન્ન
સાધ્યસાધનની વાત કરીને તે રાગનું જ્ઞાન કરાવ્યું છે. ‘કયાંય જરા પણ રાગ ન કર’–એમ કહ્યું, પણ સાધકને રાગ
તો થાય છે તેનું શું? તો કહે છે કે તે રાગને ભિન્ન સાધન માન, એટલે કે આત્માના વીતરાગી રત્નત્રયરૂપ જે
પરમાર્થ સાધન છે તેનાથી તે રાગને ભિન્ન જાણ.
પહેલાં તો વીતરાગતા તે જ તાત્પર્ય છે–એ વાત સ્થાપીને પછી રાગનું જ્ઞાન કરાવવા તેને ભિન્ન સાધન
કહ્યું છે; ‘ભિન્નસાધન’ કહેતાં જ તે ખરું સાધન નથી એમ તેમાં આવી જાય છે. સાક્ષાત્ કારણ તો વીતરાગભાવ જ
છે. નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ જે વીતરાગભાવ છે તે જ મોક્ષનું કારણ છે, રાગ તો અંતરમાં દાહને
ઉત્પન્ન કરનાર છે. જેમ ચંદનનો સ્વભાવ તો સુગંધી અને શીતળ છે, પણ તે ચંદનના વનમાં અગ્નિ પ્રવેશ કરતાં
દાહ ઉત્પન્ન કરે છે, તેમ વીતરાગભાવરૂપ જે ચંદનવન, તેમાં રાગરૂપી અગ્નિ દાહ (બળતરા) ઉત્પન્ન કરે છે; માટે
‘ઉત્તમ પુરુષોએ’ તે રાગને તાત્પર્ય ન માનવું પણ તેને હેય જાણવો, અને વીતરાગભાવને જ તાત્પર્ય માનવું. તથા
તે વીતરાગભાવ શુદ્ધ આત્મદ્રવ્યના અવલંબનથી થાય છે માટે શુદ્ધ આત્મા જ ઉપાદેય છે–એમ જાણવું. સાધકને વચ્ચે
રાગ આવ્યા વિના રહેતો નથી, પણ તેને ભિન્નસાધન કહીને સ્વભાવથી જુદો બતાવ્યો છે. રાગને જે તાત્પર્ય માને
બીજો ભાદરવો
ઃ ૨૭૯ઃ

PDF/HTML Page 11 of 21
single page version

background image
છે તે ‘ઉત્તમપુરુષ’ નથી એટલે કે સમ્યગ્દ્રષ્ટિ નથી, પણ પામર–મિથ્યાદ્રષ્ટિ છે.
ચૈતન્યસ્વભાવની જે શાંત–અનાકુળ અમૃતધારા વહે છે તેમાં વચ્ચે રાગ થયો તે તો ઉલટી દશા છે–
આકુળતા છે–અશાંતિ છે. અહો! અંતરમાં વીતરાગી આનંદથી ભરેલું આખું ચૈતન્યપૂર વહી રહ્યું છે, તેમાં રાગના
અંશથી લાભ થાય એમ માનવું તે વિપરીતતા છે. જેણે આખા ચૈતન્યપૂરનો અનાદર કરીને રાગનો સત્કાર કર્યો તે
કલેશ પામીને સંસારમાં જ રખડશે. આત્માના અરાગી સ્વભાવમાં રાગથી જેણે લાભ માન્યો તેણે ચંદનના વનમાં
આગ લગાડવા જેવું કર્યું છે. રાગને વ્યવહારસાધન કહ્યું–પણ કયારે? કે અંતરમાં નિશ્ચયસાધન વર્તી રહ્યું છે ત્યારે.
રાગ આવ્યો તેને વ્યવહાર કહેનાર કોણ છે?–આરોપ કરનાર કોણ છે? જ્યારે ત્રિકાળી ચૈતન્યપૂરની દ્રષ્ટિથી
વીતરાગી પરમાર્થ સાધન પ્રગટયું છે ત્યારે સાથે વર્તતા રાગમાં ઉપચાર કરીને તેને વ્યવહારસાધન કહ્યું છે. જ્યાં
ત્રિકાળી ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ નથી ત્યાં રાગને વ્યવહારસાધન પણ કહેતા નથી. આ રીતે રાગને
વ્યવહારસાધનપણાનો આરોપ પણ નિશ્ચયદ્રષ્ટિવંત સમકિતીને જ લાગુ પડે છે, મિથ્યાદ્રષ્ટિને નહીં. જ્યાં રાગને
વ્યવહારસાધન કહ્યું ત્યાં પણ, શુદ્ધ દ્રવ્યના આશ્રયે જે વીતરાગભાવ થાય તે જ તાત્પર્ય છે, જે રાગ રહ્યો છે તે
તાત્પર્ય નથી. માટે આચાર્યભગવાન કહે છે કે મોક્ષમાર્ગનો સાર, અને શાસ્ત્રના તાત્પર્યભૂત, એવો વીતરાગભાવ
જયવંત વર્તો! આ વીતરાગભાવ તે જ સાક્ષાત્ સાધન છે. અને તે વીતરાગભાવ વસ્તુસ્વભાવની દ્રષ્ટિ વગર થતો
નથી. વસ્તુસ્વભાવની દ્રષ્ટિ રાખીને જ બધી વાત છે, વસ્તુસ્વભાવમાં દ્રષ્ટિ નહિ જામે તો કાંઈ હાથ આવે તેમ નથી.
અહીં ૪૨ માં ક્રિયાનયમાં અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધ થવાનું કહ્યું છે તેની સાથે સંધિવાળી આ વાત છે
તેથી અહીં તેનું વિવેચન કર્યું છે. શુભરાગરૂપ અનુષ્ઠાનની પ્રધાનતાથી આત્માની સિદ્ધિ સધાય–એમ ક્રિયાનયમાં
વ્યવહારની વાત કરી છે,–પણ ઉપર પ્રમાણે વીતરાગીતાત્પર્ય લક્ષમાં રાખીને એટલે કે વસ્તુસ્વભાવ ઉપર દ્રષ્ટિ
રાખીને તેનું તાત્પર્ય સમજે તો જ ક્રિયાનય સાચો કહેવાય. જો રાગના જ આશ્રયથી લાભ માની લ્યે તો તેને
ક્રિયાનય પણ સાચો નથી.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું વર્ણન ચાલતું હોય ત્યાં, પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ તે સાધ્ય છે ને
અધૂરી શુદ્ધ પર્યાયરૂપ મોક્ષમાર્ગ તેનું સાધન છે. તે અધૂરીદશાની સાથે રાગ પણ વર્તે છે માટે તે અધૂરી પર્યાયને
જાણતાં રાગને પણ જાણવો જોઈએ. દ્રવ્યદ્રષ્ટિના વિષયમાં તો શુદ્ધ એકાકાર આત્મદ્રવ્ય જ સાધ્ય છે; અને જ્ઞાનપ્રધાન
અધિકારમાં પૂર્ણ શુદ્ધપર્યાયને પણ સાધ્ય કહેવાય છે, અધૂરી શુદ્ધપર્યાય તેનું સાધન છે, અને ત્યાં વ્યવહારરત્નત્રયનો
જે શુભરાગ વર્તે છે તેને પણ ઉપચારથી સાધન કહેવાય છે; કેમ કે સાધકને નિશ્ચય–વ્યવહાર બંને સાથે હોય છે તે
બતાવવું છે. સાધકને રાગનું પરિણમન પણ છે, જો ન હોય તો સાધક ન રહે; અને તે જ વખતે જો અવિકારી
જ્ઞાનચેતનાનું પરિણમન ન હોય તો પણ સાધકપણું ન રહે. પૂર્ણ શુદ્ધતા નથી થઈ પણ કંઈક અંશે શુદ્ધતા ઉઘડી છે, ને
તેથી સાથે કંઈક રાગાદિ અશુદ્ધ અંશ પણ વર્તે છે, જો તે રાગને ન જ જાણે ને શુદ્ધતાના અંશને આખી શુદ્ધતા માની
લ્યે, તો તેને મોક્ષની, સાધકભાવની કે બાધકભાવની ઓળખાણ નથી. સાધકને જેટલી શુદ્ધતા પ્રગટી છે તે નિશ્ચય
સાધન છે ને તે નિર્જરાનું કારણ છે, તથા જે રાગ રહ્યો છે તેને વ્યવહારસાધન કહ્યું છે, તે ખરેખર મોક્ષનું કારણ નથી
પણ બંધનું જ કારણ છે. અંશે શુદ્ધતા અને અંશે રાગ–એમ સાધકને બંને ભાવો એક સાથે હોય છે. નિશ્ચયસાધન
પ્રગટ કરે નહિ ને એકાંત રાગને જ સાધન માનીને તેનાથી લાભ માને તો તે એકલા બંધભાવમાં જ પડેલો
મિથ્યાદ્રષ્ટિ છે–એમ જાણવું.
પરમશુદ્ધ નિશ્ચયનયથી એટલે કે દ્રવ્યદ્રષ્ટિથી તો, શુદ્ધ દ્રવ્ય જે કારણપરમાત્મા છે તે જ મોક્ષનું નિશ્ચય કારણ
છે ને તે જ સાધ્ય છે. જ્ઞાનપ્રધાન કથનમાં, જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધપર્યાયરૂપ થઈ તે નિશ્ચય કારણ છે
અને જે શુભરાગ રહ્યો તે ઉપચારથી વ્યવહાર કારણ છે. આ રીતે ત્રણ પ્રકારનાં કારણ થયાં–
(૧) શુદ્ધદ્રવ્ય કારણપરમાત્મા
(૨) સમ્યગ્દર્શનાદિ શુદ્ધપર્યાય
(૩) સાધકદશામાં વર્તતો શુભરાગ
નિશ્ચયસ્વભાવ એક સમયમાં પરિપૂર્ણ છે તેને સાધન બનાવીને, એટલે કે તેનો આશ્રય કરીને જે નિશ્ચય
ઃ ૨૮૦ઃ આત્મધર્મ ખાસ અંક

PDF/HTML Page 12 of 21
single page version

background image
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટયાં તે મોક્ષનું નિશ્ચયસાધન છે ને તેની સાથેના રાગમાં ઉપચાર કરીને તેને વ્યવહાર
સાધન કહેવાય છે. સમ્યગ્દર્શનમાં ધ્યેયરૂપ તો શુદ્ધદ્રવ્ય જ છે એટલે તે જ સાધ્ય છે. પર્યાય અપેક્ષાએ મોક્ષ સાધ્ય છે,
પરંતુ તે મોક્ષનું સાધન પણ દ્રવ્યના જ આશ્રયે થાય છે. દ્રવ્યનું અવલંબન કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટી તે પર્યાય
દ્રવ્યમાં જ એકાગ્ર થઈ ગઈ, એટલે દ્રવ્યની દ્રષ્ટિમાં સાધન ને સાધ્યનો ભેદ રહેતો નથી, દ્રવ્ય જ સાધન છે ને દ્રવ્ય જ
સાધ્ય છે,–સાધ્ય–સાધનના ભેદનો વિકલ્પ પણ દ્રષ્ટિમાં નથી. આત્મામાં એક કારણશક્તિ ત્રિકાળ છે, એટલે આત્મા
પોતે જ સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષદશાનું સાધન થાય છે એવો તેનો સ્વતંત્ર સ્વભાવ છે. અભેદ અપેક્ષાએ આત્મા
પોતે જ સાધ્યસાધન છે. પર્યાય અપેક્ષાએ મોક્ષ તે સાધ્ય, ને નિર્વિકલ્પ રત્નત્રય તે સાધન છે, તથા વ્યવહાર
રત્નત્રય તે ઉપચારથી સાધન છે, પરને સાધન કહેવું તે નિમિત્તની અપેક્ષાએ કથન છે, પરનો તો આત્મામાં અભાવ
છે. શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ તો નિશ્ચયરત્નત્રય તે પણ વ્યવહાર સાધન છે. નિશ્ચયરત્નત્રય પણ દ્રવ્યના જ આશ્રયે
પ્રગટે છે માટે દ્રવ્ય જ નિશ્ચયકારણ છે. ‘સાધન’ ના નામે લોકો બહુ ગોટા વાળે છે; જડની ક્રિયા અથવા તો
શુભરાગ તે સાધન તો છે ને?–એમ કહે છે. પણ અરે ભાઈ! જેને પરમાર્થ સાધનની ખબર નથી તેના રાગાદિને તો
ઉપચારથી પણ સાધન કહેવાતું નથી; તેના શુભરાગને તો કલેશની પ્રાપ્તિનું અને સંસારમાં પરિભ્રમણનું કારણ
આચાર્યોએ કહ્યું છે. આ સમજે તો શાસ્ત્રનો મર્મ સમજાય.
શાસ્ત્રોનું તાત્પર્ય શું છે?
–વીતરાગતા.
તે વીતરાગતા કેમ પ્રગટે?
–શુદ્ધદ્રવ્યના આશ્રયે જ વીતરાગતા પ્રગટે
માટે શુદ્ધદ્રવ્યનો આશ્રય કરવો તે જ શાસ્ત્રોનો સાર થયો. શાસ્ત્ર ભણી ભણીને, જો શુદ્ધદ્રવ્ય તરફ ન વળે
તો તેણે શાસ્ત્રનું તાત્પર્ય જાણ્યું નથી. ભલે કયાંક વ્યવહારથી રાગને સાધન કહ્યું, પણ ત્યાં તાત્પર્ય શું છે?–રાગનું
તાત્પર્ય છે કે વીતરાગતાનું? રાગને તો ‘ભિન્નસાધન’ કહ્યું તો તે વખતે ‘અભિન્નસાધન’ શું છે?
શુદ્ધદ્રવ્યસ્વભાવનો આશ્રય કરીને જે નિર્વિકલ્પ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટયા તે અભિન્ન સાધન છે–તે જ
પરમાર્થસાધન છે, પણ હજી સાધકને તેની સાથે વિકલ્પ પણ વર્તે છે તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહારસાધન
અથવા ભિન્નસાધન કહ્યું છે. પરંતુ, તે શુભરાગ છે માટે અરાગી સમ્યક્ત્વવાદિ છે–એમ નથી. રાગ કારણ અને
વીતરાગતા તેનું કાર્ય–એમ નથી. રાગને લીધે જો મોક્ષમાર્ગ હોય તો રાગ અને મોક્ષમાર્ગ બંને એક થઈ જાય છે,
એટલે રાગરહિત નિશ્ચયમોક્ષમાર્ગ જુદો રહેતો નથી, તેનો તો અભાવ થઈ જાય છે. આ રીતે રાગથી મોક્ષમાર્ગ માને
તેની પર્યાયમાં રાગરહિત એવા રત્નત્રયરૂપ મોક્ષમાર્ગનો અભાવ થઈ જાય છે. નિશ્ચયરત્નત્રયરૂપ વીતરાગી
મોક્ષમાર્ગ છે તેની સાથેના રાગને ઉપચારથી જ સાધન કહ્યું છે, ખરેખર તો રાગ તે બંધમાર્ગ જ છે.
વળી નિશ્ચયરત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગ છે તે પણ પર્યાયના આશ્રયથી પ્રગટતો નથી, પણ ત્રિકાળીદ્રવ્યના
આશ્રયે પ્રગટે છે; તેથી મોક્ષમાર્ગનું મૂળ કારણ તો દ્રવ્ય છે. તેના જ આશ્રયે અભિન્ન સાધન–સાધ્ય પ્રગટી જાય છે.
–આવો નિર્ણય કરીને દ્રવ્યના અવલંબનને જેને નિશ્ચયસાધનની શરૂઆત થઈ છે પણ હજી દ્રવ્યનું પૂરું અવલંબન
નથી તેથી રાગ પણ વર્તે છે, ત્યાં તેને ઉપચારથી સાધન કહેવાય છે. ગુરુગમે આ મૂળ વસ્તુને લક્ષમાં લીધા વગર
શાસ્ત્રનું તાત્પર્ય સમજાય નહિ. અહીં ૪૨ માં ક્રિયાનયમાં અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થવાનું કહ્યું છે તેનો અર્થ
કોઈ ઊંધો ન લ્યે તે માટે આ ચોખવટ થાય છે. પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં પણ વ્યવહારસાધનની વાત કરી
છે તેનો કેટલાક લોકો ઊંધો અર્થ લ્યે છે તેથી તેનો પણ ખુલાસો અહીં આવી જાય છે.
(૧) ત્યાં તો, જે અજ્ઞાની વસ્તુસ્વભાવની દ્રષ્ટિ કરતો નથી તેમ જ પર્યાયના રાગને જાણતો નથી ને સ્વચ્છંદપણે
પાપમાં પ્રવર્તે છે–એવા એકાંત નિશ્ચયાભાસી જીવને બંને પડખાં સમજાવવા માટે વ્યવહારસાધનની વાત કરી છે.
(૨) પણ જે એકલા વ્યવહારસાધનને જ (–શુભઅનુષ્ઠાનને જ) સાધન માને છે ને દ્રવ્યસ્વભાવના
અવલંબને નિશ્ચયસાધન પ્રગટ કરતો નથી તે જીવ એકાંત વ્યવહારાભાસી મિથ્યાદ્રષ્ટિ છે.
બીજો ભાદરવો
ઃ ૨૮૧ઃ

PDF/HTML Page 13 of 21
single page version

background image
(૩) સાધક ધર્માત્માને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શનાદિ નિશ્ચયસાધન તો પ્રગટયું છે પણ
હજી દ્રવ્યસ્વભાવનો પરિપૂર્ણ આશ્રય લઈને વીતરાગતા થઈ નથી એટલે રાગ થાય છે; ત્યાં શુભરાગ અશુભથી બચાવે છે
તેથી તેને વ્યવહાર–સાધન કહ્યું. રાગરહિત દ્રષ્ટિનું જોર સાથે વર્તે છે તેથી તે શુભમાં વ્યવહારનો આરોપ આવ્યો.
(૪) અશુભથી બચવા માટે શુભરાગ થાય છે એમ કહેવું તે પણ વ્યવહાર છે, ખરેખર તો તે વખતે તે
શુભનો જ કાળ છે, અશુભ રાગ થવાનો હતો ને તેનાથી શુભરાગે બચાવ્યો–એમ નથી. તેમ જ તે શુભને સાધન કહ્યું
માટે તેનાવડે નિશ્ચય પ્રગટશે–એમ પણ નથી. જો રાગને ખરેખર નિશ્ચયનું સાધન માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે, ને
મિથ્યાદ્રષ્ટિના રાગને તો વ્યવહારસાધન પણ કહેવાતું નથી.
અહીં તો સાધકની વાત છે; સાધકને સ્વભાવની દ્રષ્ટિ છે ને દ્રવ્યનો આશ્રય પૂરો નથી ત્યાં દેવ–ગુરુ–શાસ્ત્ર
પ્રત્યે બહુમાનનો ઉલ્લાસ તેમ જ વ્રતાદિનો ભાવ આવે છે પણ અંતરની દ્રષ્ટિમાં ખરેખર જ્ઞાનાનંદસ્વભાવ સિવાય
કોઈનું બહુમાન નથી. સ્વભાવમાં તદ્ન અભેદતા થઈ જાય તો દ્રવ્ય અને મોક્ષપર્યાય વચ્ચે ભેદ રહે નહિ, ને રાગ
પણ ન રહે. પણ હજી સ્વભાવમાં તદ્ન અભેદતા થઈ નથી તેથી નીચલી દશામાં રાગ થાય છે–તેને જ્ઞાની જાણે છે,
અને ક્રિયાનયથી તે રાગમાં મોક્ષસાધનનો આરોપ પણ કરે છે. પણ તે ક્રિયાનય વખતે જ જ્ઞાનનયનું ભાન ભેગું વર્તે
છે એટલે ચૈતન્યસ્વભાવનું અવલંબન રાખીને વ્યવહારના અવલંબનને (શુભઅનુષ્ઠાનને) ઉપચારથી સાધન કહ્યું
છે; ચૈતન્યસ્વભાવના અવલંબન વગર એકલા વ્યવહારનું અવલંબન તે તો વ્યવહારે પણ સાધન નથી. રાગના કાળે
ધર્મીને એકલો રાગ જ વર્તતો નથી, રાગના કાળે પણ દ્રષ્ટિમાં તો શુદ્ધ ચૈતન્યદ્રવ્યનો જ આશ્રય ઊભો છે એટલે
રાગરહિત રમણતા પણ વર્તે છે; જો તેવી દશા ન હોય તો સાધકપણું રહેતું નથી.
જેમ આંકડા વગર ગમે તેટલાં મીંડા મૂકે તેની કિંમત શૂન્ય જ છે, તેમ જ્ઞાયકદ્રવ્ય....એક સમયમાં પરિપૂર્ણ
પ્રભુતાથી ભરપૂર છે તેના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાનના આંકડા મુકયા વિના વ્યવહારના બધા રાગ તે મીંડા સમાન છે,–
તેમાં મોક્ષ સાધન જરા પણ નથી. જ્ઞાયક સ્વભાવને દ્રષ્ટિમાં મોક્ષસાધનની શરૂઆત થઈ, ત્યારપછી કઈ ભૂમિકામાં
કેવો વ્યવહાર હોય તેને જ્ઞાની જાણે છે. જ્ઞાની જાણે છે કે એક સમયમાં પરિપૂર્ણ મારો જ્ઞાનાનંદસ્વભાવ છે તેના જ
આશ્રયે મારું મોક્ષસાધન છે, રાગના આશ્રયે મારું મોક્ષસાધન નથી. શુદ્ધચૈતન્યદ્રવ્યમાં એકાગ્રતાથી જ નિર્વિકલ્પ
શાંતદશા પ્રગટે છે; પરના આશ્રયે, રાગના આશ્રયે કે પર્યાયના આશ્રયે નિર્મળદશા પ્રગટતી નથી. માટે જ્ઞાયકદ્રવ્યને
દ્રષ્ટિમાં લઈને તેમાં એકાગ્ર થવું–એ જ ધર્મની મૂળચાવી (
master key) છે, એના સિવાય બીજું જે કાંઈ ધર્મનું
સાધન કહેવાતું હોય તે બધું ઉપચારથી છે–એમ સમજવું.
*
અહીં પ્રમાણપૂર્વકના નયોથી આત્માનું વર્ણન ચાલે છે, તેમાં અત્યારે ‘ક્રિયાનય’ થી વર્ણન ચાલે છે. આ
નય પણ આત્મા તરફ વળીને આત્માના ધર્મને જાણે છે. ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ કહી તેનો અર્થ
એમ છે કે, અંર્તસ્વભાવના આશ્રયે સાધકને અંશે શુદ્ધતા ખીલી છે ને તેની સાથે શુભરાગરૂપ અનુષ્ઠાન પણ વર્તે
છે, તે રાગને જાણતી વખતે, જે અરાગ પરિણમન છે તેને ગૌણ રાખીને, અનુષ્ઠાનની પ્રધાનતાથી કથન કર્યું છે ને
તેમાં સાધનનો ઉપચાર કર્યો છે. તે વખતે સાધકને ભાન છે કે દ્રવ્યની પ્રધાનતાથી જ મુક્તિ છે. સાધકની દ્રષ્ટિમાં
નિરંતર શુદ્ધદ્રવ્યની જ પ્રધાનતા વર્તે છે. દ્રષ્ટિમાંથી કોઈ પણ વખતે જો દ્રવ્યની પ્રધાનતા છૂટીને પર્યાયની કે રાગની
મુખ્યતા થઈ જાય તો ત્યાં સમ્યગ્દર્શન રહેતું નથી. માટે શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ સળંગપણે એકધારી રાખીને જ આ બધી
વાત છે. ક્રિયાનયમાં અનુષ્ઠાનની પ્રધાનતા વખતે શુદ્ધતાની ગૌણતા છે, પરંતુ દ્રષ્ટિમાં તો તે વખતેય
શુદ્ધચૈતન્યસ્વભાવની જ મુખ્યતા છે.
જેમ બારભાવનાને સંવર કહ્યો; ત્યાં ‘શરીરાદિ અનિત્ય છે, સંસાર આખોય અશરણ છે’–ઇત્યાદિ પ્રકારે
બારભેદના અવલંબનમાં તો પરલક્ષ અને રાગ થાય છે, તે કાંઈ સંવર નથી; પણ તે વખતે અંતરમાં
ચિદાનંદસ્વભાવની દ્રષ્ટિ વર્તે છે ને તે દ્રષ્ટિના જોરે રાગ તૂટીને વીતરાગતા વધતી જાય છે તે સંવર છે, ત્યાં
નિમિત્તથી બારભાવનાને પણ સંવર કહ્યો છે. તેમ અહીં પણ વિકલ્પ તોડીને સ્વભાવનો આશ્રય
ઃ ૨૮૨ઃ આત્મધર્મ ખાસ અંક

PDF/HTML Page 14 of 21
single page version

background image
કરવો તે જ સાચું મોક્ષસાધન છે, સ્વભાવમાં વળતાં પહેલાં શુભઅનુષ્ઠાનનો વિકલ્પ હતો તેને પણ આરોપથી સાધન
કહી દીધું છે. પણ એવો આરોપ કોને લાગુ પડે? કે તે રાગનો નિષેધ કરીને અભેદસ્વભાવ તરફ વળે તેને જ તેવો
આરોપ લાગુ પડે. રાગના અવલંબનથી જ લાભ માનીને ત્યાં જે રોકાઈને જાય તેને તો રાગમાં સાધનનો આરોપ
પણ લાગુ પડતો નથી. યથાર્થ વસ્તુ પ્રગટયા વિના આરોપ કોનો?
ક્રિયાનયના દ્રષ્ટાંતમાં એમ કહ્યું હતું કે આંધળાનું માથું પત્થર સાથે ભટકાતાં, તેનો ‘લોહીનો વિકાર દૂર
થયો’ ને તેની ‘આંખો ખૂલી ગઈ’ તથા તેને ‘નિધાન મળ્‌યું.’ એ ઉપરથી એકાંત પકડીને કોઈ આંધળો થાંભલા
સાથે માથું ભટકાવે, તો તે કાંઈ નિધાનપ્રાપ્તિનો ઉપાય નથી, તેને તો માથું ફૂટીને લોહી નીકળે. ભાઈ! અંદરથી
લોહીનો વિકાર દૂર થયો ત્યારે આંખો ખૂલી ને નિધાન મળ્‌યાં છે. તેમ અહીં અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થવાનું
કહ્યું, તેથી કોઈ અજ્ઞાની જીવ એકાંત પકડીને શુભરાગના જ અવલંબનથી દ્રષ્ટિ ખૂલી જવાનું ને ચૈતન્યનિધાન પ્રાપ્ત
થવાનું માને, તો તેને મોક્ષનું સાધન થતું નથી પણ મિથ્યાત્વનું સેવન થઈને સંસાર ભ્રમણ જ થાય છે. આંધળાને
લોહીનો વિકાર દૂર થયો ત્યારે દ્રષ્ટિ ખૂલી ને નિધાન મળ્‌યાં છે, તેમ હે ભાઈ! તું રાગાદિ વિકારની રુચિ છોડ ને
શુદ્ધચૈતન્યદ્રવ્યનો આશ્રય કર, તો તેના આશ્રયે તારી દ્રષ્ટિ ખૂલે ને તને તારા ચૈતન્યનિધાન દેખાય. આંધળાને
ખરેખર તો લોહીનો વિકાર ટળવાથી આંખો ખૂલીને નિધાન મળ્‌યું, ત્યારે થાંભલા સાથે માથું ભટકાવાને પણ નિમિત્ત
તરીકે તેનું કારણ કહ્યું છે, તેમ સ્વભાવના આશ્રયે ‘રાગની રુચિરૂપી વિકાર ટળીને’ ‘અરાગી દ્રષ્ટિ ખૂલતાં’
ચૈતન્યના નિધાન દેખાયા,’ ત્યાં શુભઅનુષ્ઠાનને પણ નિમિત્ત તરીકે ઉપચારથી સાધન કહ્યું, એમ જાણવું તે ક્રિયાનય
છે. ખરેખર દ્રવ્યના આશ્રયે જ દ્રષ્ટિ ખૂલે છે, રાગના અવલંબને દ્રષ્ટિ ખુલતી નથી. આવા જ્ઞાનવગર ક્રિયાનય પણ
સાચો હોતો નથી.
નય વખતે પ્રમાણ ભેગું જ હોય છે; જો પ્રમાણ ન હોય તો નય સાચો નથી. ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતા
કરીને તેને સાધન કહ્યું, તે જ વખતે અભેદ સ્વભાવના આશ્રયે રાગરહિત શુદ્ધતાનો અંશ પ્રગટયો છે–તે
નિશ્ચયસાધન છે, તેનું જ્ઞાન પણ ભેગું વર્તે છે. જો તેમ ન હોય તો પ્રમાણ થતું નથી. વ્યવહાર સાધન વખતે દ્રવ્યના
આશ્રયવાળું નિશ્ચયસાધન પણ છે, જો નિશ્ચયસાધનને ન જાણે ને એકલા રાગથી–વ્યવહારસાધનથી જ કલ્યાણ માને
તો એકાંત મિથ્યાત્વ થઈ જાય છે.
પ્રવચનસારના આ પરિશિષ્ટમાં (૪૩૮ મા પાને) શરૂઆતની ભૂમિકામાં જ કહ્યું છે કે આત્મા પ્રમાણપૂર્વક
સ્વાનુભવ વડે જણાય છે. અને છેલ્લે (૪૪૮મા પાને) પણ કહેશે કે સ્યાદ્વાદઅનુસાર નયોવડે જુઓ કે પ્રમાણ વડે
જુઓ તો પણ સ્પષ્ટ અનંતધર્મોવાળું નિજ આત્મદ્રવ્ય અંદરમાં શુદ્ધ ચૈતન્યમાત્ર દેખાય છે. કોઈપણ નયથી જોવાનું
તાત્પર્ય શુદ્ધચૈતન્યદ્રવ્યને જાણવું તે જ છે. ક્રિયાનયનું ફળ પણ એ જ છે કે અંતરમાં રાગથી પાર શુદ્ધચૈતન્યસ્વભાવને
દેખવો. એકલા શુભરાગને જ જુએ ને શુદ્ધચૈતન્યસ્વભાવને તે જ વખતે દ્રષ્ટિમાં ન દેખે તો તેનો ક્રિયાનય પણ મિથ્યા છે.
વસ્તુસ્વરૂપ પોતે જ એવો પોકાર કરે છે કે અમે એક સમયમાં અનંતધર્મથી ભરપૂર છીએ; ક્ષણિક રાગ
જેટલા જ અમે નથી, અનંત ધર્મોથી ભરેલી અમારી ચૈતન્યપ્રભુતા છે. આવી ચૈતન્ય વસ્તુને જાણીને તેનો સ્વાનુભવ
કરે તો ‘આત્મા કોણ છે’ તે જણાય, અને તેની પ્રાપ્તિનો ઉપાય હાથ આવે. અહીં એકેક ધર્મની મુખ્યતાથી વર્ણન
કર્યું છે, પણ એક ધર્મની મુખ્યતા વખતે અનંતધર્મવાળી ચૈતન્યવસ્તુને સાથે લક્ષમાં રાખીને આ વાત સમજવાની છે.
ભગવાન આત્મા જડથી ભિન્ન ચૈતન્યમૂર્તિ છે, તેમાં એક સાથે અનંતાધર્મોને ધારણ કરવાની તાકાત છે,
તેમ જ જ્ઞાનમાં એક સાથે અનંતા ધર્મોને જાણવાની તાકાત છે, પણ છદ્મસ્થની વાણીમાં એક સાથે અનંત ધર્મો કહી
શકાતા નથી. કેવળી ભગવાનને વાણી સાથે એવો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે કે વાણીમાં પણ એક સાથે પૂરું આવે
છે; પરંતુ છદ્મસ્થને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે વાણીમાં પણ એક સાથે પૂરું નથી આવતું. સાધકને પ્રતીતમાં
તો પૂરું આવ્યું છે પણ હજી જ્ઞાન પૂરું ખીલ્યું નથી એટલે નિમિત્તપણે વાણીમાં પણ પૂરું આવતું નથી.–ભલે ઓછું
આવે પણ તેમાં વિપરીતતા આવતી નથી. જ્ઞાની હોવા છતાં વાણીનો યોગ ન હોય એમ બને, પણ
બીજો ભાદરવો
ઃ ૨૮૩ઃ

PDF/HTML Page 15 of 21
single page version

background image
જો વાણી હોય તો તેમાં યથાર્થ પ્રરૂપણા જ આવે, પ્રયોજનભૂત તત્ત્વોની વિપરીત પ્રરૂપણા આવે જ નહિ–એવો
નિયમ છે. પ્રગટપણે જેની વાણીમાં મૂળતત્ત્વોની વિપરીત પ્રરૂપણા આવે છે તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે એમ જાણવું.
અજ્ઞાનીને જ્ઞાનનો ઉઘાડ ગમે તેટલો હોય તો પણ તેનું બધું જ્ઞાન મિથ્યા જ છે કેમ કે તેણે મૂળવસ્તુને જાણી નથી;
અને જ્ઞાનીને જ્ઞાનનો ઉઘાડ કદાચ ઓછો હોય તોપણ તેનું બધું જ્ઞાન સમ્યક્ છે કેમ કે મૂળભૂત ચૈતન્યવસ્તુને યથાર્થ
પણે સ્વાનુભવથી તેણે જાણી છે. માટે અંતરમાં આનંદસ્વભાવથી ભરેલી ચૈતન્યવસ્તુને જ્ઞાનમાં લેવાનો મૂળભૂત
પ્રયત્ન કરવો તે જ કર્તવ્ય છે.
અહીં આચાર્યદેવ જિજ્ઞાસુ જીવને આત્માનું સ્વરૂપ સમજાવે છે. જેને આત્માનું સ્વરૂપ સમજવાની ખરી
જિજ્ઞાસા જાગી છે એવા આત્માર્થીને આ વાત ન સમજાય–એમ બને નહિ. આત્મામાં અનંતા ધર્મો છે તે બધાય
ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત છે, એટલે તેના કોઈપણ ધર્મને જાણતી વખતે ચૈતન્ય સામાન્યનું ભાન રહેવું જ જોઈએ.
એક સમયમાં અનંતધર્મોવાળો આત્મા છે તે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત છે, એટલે આત્મા જાગૃત સ્વભાવવાળો છે.
નય હો કે પ્રમાણ હો, તે બંનેમાં આવી જાગૃત ચૈતન્યસત્તાને દેખવી તે જ પ્રયોજન છે. સ્વાનુભવપ્રમાણ વડે
અનંતધર્મવાળા આત્માને જાણ્યા પછી તેના એકેક ધર્મનું જ્ઞાન કરવું તે નય છે. નયથી એકેક ધર્મનું જ્ઞાન કરીને પછી
તે બધા નયોનું જ્ઞાન એકઠું થઈને પ્રમાણ થાય છે–એમ નથી, પણ અનંત ધર્મથી અભેદરૂપ એવી ચૈતન્યવસ્તુને
જાણતાં જે પ્રમાણજ્ઞાન થયું, તે પ્રમાણપૂર્વક વસ્તુના એક ધર્મને પ્રધાન કરીને જાણે તે નય છે. ક્ષણિકપર્યાયનો વિકાર,
અને તે જ વખતે અનંતધર્મસ્વરૂપ એવું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય–એમ બંનેનો અસ્તિત્વ જાણતાં પ્રમાણજ્ઞાન થઈને
આત્માનો સ્વાનુભવ થાય છે. જે જ્ઞાને ક્ષણિકરાગને અને ત્રિકાળી શુદ્ધદ્રવ્યને–બંનેને જાણ્યા તે જ્ઞાન ત્રિકાળી
શુદ્ધદ્રવ્યનો જ મહિમા કરીને તેની સન્મુખ એકાગ્ર થઈ જાય છે એટલે શુદ્ધઆત્માનો સ્વાનુભવ થાય છે.
પ્રમાણજ્ઞાનપૂર્વક આવો સ્વાનુભવ થાય ત્યારે જ ખરેખર આત્માને જાણ્યો કહેવાય, અને પછી જ તેને સાચા નય
હોય. પ્રમાણથી આત્માને જાણ્યા વગર એકલા રાગને જાણવા જાય તો તે રાગ સાથે એકત્વબુદ્ધિ થઈને એકાંત થઈ
જાય છે, તે મિથ્યાત્વ છે. ધર્મીને આખી આત્મવસ્તુનું જ્ઞાન હોવાથી રાગને જાણતી વખતે રાગ સાથે એકત્વબુદ્ધિ થતી
નથી, પણ અનંતધર્મના પિંડરૂપશુદ્ધચૈતન્ય સાથે જ એકત્વબુદ્ધિ રહે છે.
ધર્મી જાણે છે કે ક્રિયાનયથી જોતાં અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવો આત્મા છે. હજી પોતાની
પર્યાયમાં વ્યવહારરત્નત્રય વગેરેનો શુભરાગ વર્તે છે,–શુદ્ધચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે તો સાથે છે જ, તે
દ્રષ્ટિપૂર્વક ઘણો રાગ તો ટળી ગયો છે, ને બાકી રહેલો રાગ પણ ક્રમે ક્રમે ટળીને શુદ્ધતા થઈ જશે, તેથી ધર્મીના તે
શુભઅનુષ્ઠાનને નિમિત્ત ગણીને તેની પ્રધાનતાથી સિદ્ધ થવાનું કહ્યું છે. આવો પણ આત્માનો એક ધર્મ છે–એમ, શુદ્ધ
ઉપાદાન ઉપર દ્રષ્ટિ રાખીને ધર્મીજીવ જાણે છે. સામાન્યચૈતન્યસ્વભાવ ઉપરની દ્રષ્ટિને કાયમ રાખીને ધર્મીજીવ નયમાં
ધર્મોને મુખ્ય–ગૌણ કરીને જાણે છે, અને એ જાણીને પણ વસ્તુની શુદ્ધતાને જ સાધે છે.
સાધકને શુભરાગ છે તે પણ આત્માની પર્યાયનો અંશ છે, અશુદ્ધનિશ્ચયથી તે રાગ આત્માનો છે.
શુદ્ધનિશ્ચયરૂપ દ્રવ્યના આશ્રયે સાધક પોતાનું કલ્યાણ સાધી રહ્યો છે, ત્યાં અશુદ્ધનિશ્ચયરૂપ શુભ રાગને જાણતાં તેની
પ્રધાનતાથી સિદ્ધિ થવાનું ઉપચારથી કહેવાય છે, કેમ કે વીતરાગીદ્રષ્ટિપૂર્વક તે શુભ વખતે અશુભરાગ ટળ્‌યો તે
અપેક્ષાએ શુભને પણ સાધન કહી દીધું.–એવું નયવિવક્ષાનું કથન છે. પરંતુ–અંતરના શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ વગર
એકલા શુભરાગથી સિદ્ધિ થઈ જાય–એમ કદી બનતું નથી, એ મુખ્ય વાત ભૂલવી ન જોઈએ.
આત્માના પરમાર્થસ્વભાવનો આશ્રય લેવો તે જ સિદ્ધિનું સાધન છે, પણ સાધકને રાગ વખતે અશુભથી
બચવા (અર્થાત્ અશુભવંચનાર્થે) વ્યવહારરત્નત્રય વગેરેનો શુભરાગ હોય છે, તેથી ક્રિયાનયમાં વ્યવહાર
પ્રધાનતાથી એમ પણ કહેવાય કે વ્યવહારરત્નત્રય તે સાધન ને નિશ્ચયરત્નત્રય તે સાધ્ય; ક્રિયાનયથી આવા ધર્મને
જાણતી વખતે શુદ્ધચૈતન્યદ્રવ્યના અવલંબને નિશ્ચય સાધનનું પરિણમન પણ ભેગું જ વર્તી રહ્યું છે. આ રીતે ક્રિયાનય,
સાધકદશામાં નિશ્ચયસહિત વ્યવહારરત્નત્રય વર્તે છે તેનું જ્ઞાન કરે છે. હવે પછીના બોલમાં જ્ઞાનનયથી વર્ણન કરશે.
ઃ ૨૮૪ઃ
આત્મધર્મ ખાસ અંક

PDF/HTML Page 16 of 21
single page version

background image
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં અનંત ધર્મો છે. નય ભલે તે ધર્મોને મુખ્ય ગૌણ કરીને જાણે, પણ વસ્તુમાં કાંઈ
તે ધર્મો મુખ્ય ગૌણપણે રહેલા નથી, વસ્તુમાં તો બધા ધર્મો એક સાથે રહેલા છે. શુદ્ધ સ્વભાવનું અવલંબન લઈને જ્યાં
સાધકદશા પ્રગટી ત્યાં શુભરાગ હોય છે, ને રાગ ઘટતાં ઘટતાં શુદ્ધ આત્મારૂપ નિધાનની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યાં
શુભની પ્રધાનતાથી સિદ્ધ થવાનું કહેવાય છે એવો પણ આત્માનો એક ધર્મ છે, ને તેને જાણનાર ક્રિયાનય છે.
ક્રિયાનયમાં શુભની પ્રધાનતા કીધી ત્યાં તેની સાથે ગૌણપણે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપ શુદ્ધતા પણ પડી જ છે. જો
તે શુદ્ધતા ન હોય ને એકલો શુભરાગ જ હોય તો તે શુભની ‘પ્રધાનતા’ કહેવાનું બની શકતું નથી. ‘પ્રધાનતા’ શબ્દ
જ બીજાનું અસ્તિત્વ બતાવે છે. ક્રિયાનયથી શુભઅનુષ્ઠાનની પ્રધાનતા કરી તે વખતે જ બીજા અનંત ધર્મો આત્મામાં
રહેલા છે. ‘કોઈક આત્માને શુભરાગની પ્રધાનતાથી સિદ્ધિ થાય ને બીજા કોઈક આત્માને જ્ઞાનની પ્રધાનતાથી સિદ્ધિ
થાય’–એમ એકેક ધર્મ જુદા જુદા આત્માના નથી, પણ એક જ આત્મામાં એક સાથે આ ધર્મો રહેલા છે. ક્રિયાનયથી
જોતાં આત્માને શુભઅનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થઈ એમ લક્ષમાં આવે છે, અહીં એકલા એકેક ધર્મને જાણવાનું
તાત્પર્ય નથી, પણ અનંતધર્મના પિંડરૂપ ચૈતન્યવસ્તુનો યથાર્થ નિર્ણય કરીને તેનો સ્વાનુભવ કરવાનું તાત્પર્ય છે. એકેક
ધર્મની પ્રધાનતાથી કહેવું તે વચન વિલાસ છે ને તેમાં રાગનો વિકલ્પ છે. એક ધર્મને લક્ષમાં લેતાં મુક્તિ નથી થતી,
મુક્તિ તો અનંત ધર્મના પિંડરૂપ આત્મદ્રવ્યની સન્મુખ જોઈએ તેમાં એકાગ્ર થવાથી જ થાય છે. આત્મા કાંઈ એક જ
નયના વિષય જેટલો નથી, આત્મામાં તો અનંતધર્મો હોવાથી તે અનંત નયોનો વિષય થાય છે, એટલે અનંતનયસ્વરૂપ
જે શ્રુતજ્ઞાન પ્રમાણ છે તેના વડે આત્માનો સ્વાનુભવ થાય છે. આવા પ્રકારે આત્માને જાણ્યા વિના એકલા ક્રિયાનયના
વિષય જેટલો જ આત્મા માની લ્યે તો તે એકાંત છે. પ્રમાણ આખા આત્માને જુએ છે; ને નય તેના એકધર્મને પ્રધાન
કરીને જુએ છે. પ્રમાણપૂર્વક જ નય હોય છે; સાથે રહેલા બીજા અનંતધર્મોને માન્યા વગર એકાંત એકધર્મને જ માને
તો તે નય મિથ્યા છે. આ સંબંધમાં ૪૪૭ મા પાને આચાર્યદેવ કહેશે કે ‘પરસમયોનું એટલે કે મિથ્યામતીઓનું વચન
સર્વથા (એકાંત) કહેવામાં આવતું હોવાથી ખરેખર મિથ્યા છે; અને જૈનોનું એટલે કે સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાનીનું વચન
કવચિત્ (અપેક્ષા સહિત) કહેવામાં આવતું હોવાથી ખરેખર સમ્યક્ છે.’
પ્રશ્નઃ– આત્માના અનંત ધર્મોમાંથી એક ધર્મને લક્ષમાં લઈને પુરુષાર્થ કરે તો?
ઉત્તરઃ– અનંતધર્મના પિંડરૂપ ધર્મના લક્ષમાં લીધા વગર તેના એક ધર્મનું પણ સાચું જ્ઞાન ન થાય, ને એક
ધર્મના લક્ષે મોક્ષનો પુરુષાર્થ ન થાય. એક ધર્મને યથાર્થપણે લક્ષમાં લેવા જાય ત્યાં ધર્મી એવું આત્મદ્રવ્ય લક્ષમાં
આવી જાય છે, ને તે શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માના આશ્રયે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગનો પુરુષાર્થ થઈ જાય છે. એકેક
ધર્મના ભેદને જોતાં ધર્મનો વિકાસ થતો નથી, પણ અનંત ધર્મોથી અભેદ એવો આત્મા શુદ્ધચૈતન્ય સ્વરૂપ છે તેની
સન્મુખ જોતાં બધા ધર્મ નિર્મળપણે ખીલી જાય છે. અનંત ધર્મવાળું આખું દ્રવ્ય લક્ષમાં લઈને અનેકાન્ત–પ્રમાણ થયા
વિના દ્રવ્યના એક અંશનું (–એકધર્મનું) જ્ઞાન પણ સાચું થતું નથી. જો પ્રમાણના વિષયરૂપ આખી વસ્તુને ઓળખે
તો જ તેના અંશના જ્ઞાનને સાચો નય કહેવાય; પ્રમાણ વગર નય સમ્યક્ હોતો નથી. અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ
થાય–એમ જ્યારે ક્રિયાનય જાણે છે ત્યારે તે નયની સાથેનું પ્રમાણજ્ઞાન અનંતધર્મવાળા શુદ્ધઆત્મદ્રવ્યને પણ જુએ
છે. નય સાથે પ્રમાણજ્ઞાન છે તે એક ધર્મને જ નથી જોતું અનંત ધર્મોના પિંડરૂપ શુદ્ધચૈતન્યદ્રવ્યને જુએ છે. જો
શુદ્ધઆત્મદ્રવ્યને ન જુએ ને એકલા રાગને જ જુએ તો ત્યાં પ્રમાણજ્ઞાન નથી પણ મિથ્યાજ્ઞાન છે, ને તેનો નય પણ
મિથ્યા છે.
આ બધા ધર્મો કહ્યા તે દરેક અંશ છે, ને બધા ધર્મોનો ધરનાર તો ભગવાન આત્મા છે; ભાવશ્રુતપ્રમાણથી
તે આત્માના જ્ઞાનપૂર્વક તેના એક ધર્મનું જ્ઞાન તે નય છે. જેમ સોનાની ઓળખાણ પૂર્વક તેની પીળાશનું જ્ઞાન કરે તો
તે સાચું છે, પણ સોનાના જ્ઞાન વગર એકલી પીળાશને જાણવા જાય તો પીળું તો પીત્તળ વગેરે પણ છે.–માટે
સોનાને જાણ્યા વિના તેની પીળાશનું જ્ઞાન પણ
બીજો ભાદરવો
ઃ ૨૮પઃ

PDF/HTML Page 17 of 21
single page version

background image
સાચું થતું નથી સોનું તે વસ્તુ છે ને પીળાશ તેનો એક ધર્મ છે. તેમ આત્મવસ્તુમાં અનંત ધર્મો છે તેના જ્ઞાનપૂર્વક
એક ધર્મનું જ્ઞાન થાય છે, પણ આખા આત્માના લક્ષ વગર એક જ ધર્મ ઉપર વજન આપવા જાય તો ત્યાં મિથ્યાનય
થઈ જાય છે.
જુઓ, ‘જ્ઞાન તે આત્મા’ એમ જ્ઞાનનો ભેદ પાડીને લક્ષમાં લ્યે, પણ જ્ઞાન તો બીજા આત્માઓમાં પણ છે
એટલે તેમાં બીજાં આત્માથી પોતાનું ભિન્નપણું તો લક્ષમાં ન આવ્યું, પણ ‘જ્ઞાન કોનું?’ કે મારું જ્ઞાન છે તે મારા
આત્મા સાથે અભેદપણું ધરાવે છે,–એ રીતે જ્ઞાનને આત્મા સાથે અભેદ કરીને આત્માનું સ્વસંવેદન કરતાં આત્મા
યથાર્થપણે જણાય છે. અને એ રીતે આત્માને જાણ્યા પછી તેના ધર્મોનું સાચું જ્ઞાન થાય છે. આખી ચીજના જ્ઞાન
વગર ‘આ અંશ આનો છે’ એવું જ્ઞાન થાય નહિ. અંશ કોનો?–કટકો કોનો? કે આખી વસ્તુનો. તેમ આ ધર્મ
કોનો? કે આખા આત્માનો; આ રીતે પ્રમાણથી આત્માને જાણ્યા વગર નય હોય નહિ ધર્મીના જ્ઞાન વગર તેના
ધર્મની સાચી ઓળખાણ થાય નહિ. ધર્મની ઓળખાણ વગર ‘આ ધર્મ કોનો છે?’ તેની ખબર પડે નહિ એટલે ત્યાં
એકાંત મિથ્યાનય હોય છે. ધર્મીના લક્ષપૂર્વક (એટલે કે વસ્તુની દ્રષ્ટિપૂર્વક) તેના કોઈ એક ધર્મને પ્રધાન કરીને જાણે
તો તે સમ્યક્ નય છે.
એક આત્માને વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય ને બીજા આત્માને વિવેક વગર શુભઅનુષ્ઠાનની
પ્રધાનતાથી સિદ્ધિ થાય એમ નથી, પણ એક જ આત્મામાં બધા ધર્મો એક સાથે રહેલા છે. તેમાં નય એક ધર્મને મુખ્ય
કરીને જુએ તે વખતે પ્રમાણરૂપ વસ્તુનું જ્ઞાન પણ ગૌણપણે રહેલું છે. એક ધર્મ એકલો રહેતો નથી પણ બીજા
અનંતધર્મોની સાથે રહેલો છે, તેનું ભાન થયા વિના એક ધર્મનું જ્ઞાન સાચું થતું નથી.
‘ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી જેની સિદ્ધિ સધાય છે....એવું છે.’–એવું કોણ છે?–એવો એક ધર્મ નથી
પણ એવું આત્મદ્રવ્ય છે; તે આત્મદ્રવ્યનો આ તો એક ધર્મ છે, બીજા અનંતાધર્મો તેની સાથે જ ગૌણપણે પડયા છે.
જો તે ગૌણપણે ન હોય તો ‘અનુષ્ઠાનની પ્રધાનતા’ એમ કહેવાય નહિ. એક ને પ્રધાન કહેતાં બીજું ગૌણપણે રહેલું
જ છે,–આવીનયના વર્ણનની શૈલી છે. માટે વસ્તુના જ્ઞાન વગર એક જ ધર્મને લક્ષમાં લઈને વિકાસ કરવા માગે તો
ત્યાં મિથ્યાનય છે, તેને ધર્મનો વિકાસ થતો નથી. શુદ્ધચૈતન્યવસ્તુ આત્મા અનંત ધર્મનો પિંડ છે, તે વસ્તુનો આશ્રય
કરતાં બધા ધર્મો નિર્મળપણે વિકસી જાય છે.
બધા જીવોને માટે આ સામાન્ય અબાધિત નિયમ છે કે શુદ્ધચૈતન્યવસ્તુના આશ્રયે જ ધર્મનો વિકાસ થાય છે;
સમ્યગ્દર્શનની શરૂઆતથી માંડીને કેવળજ્ઞાન સુધીનો પૂર્ણવિકાસ ચૈતન્યસ્વભાવરૂપ શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે જ થાય છે.
એક જીવને ક્રિયાની પ્રધાનતાથી મુક્તિ થાય ને બીજા જીવને જ્ઞાનની પ્રધાનતાથી મુક્તિ થાય–એમ ભિન્ન
ભિન્ન આત્માના જો ભિન્ન ભિન્ન ધર્મો હોય તો તે બંને આત્મા એક જાતના ન રહ્યા, આત્મા જ જુદી જુદી જાતનાથઈ
ગયા; તેમ જ એક આત્માના બધા ધર્મો ન રહ્યા, પણ ધર્મદીઠ આત્મા ભિન્ન ભિન્ન થઈ ગયા.–પણ એવી વસ્તુસ્થિતિ
નથી. જગતના જીવોમાં જેમ ‘ભવ્યસ્વભાવ’ અને ‘અભવ્ય સ્વભાવ’ એમ બે પ્રકારના ભિન્નભિન્ન સ્વભાવવાળા
જીવો છે, તેમ કાંઈ અમુક જીવ શુભક્રિયાની પ્રધાનતાથી મુક્તિ પામે એવા સ્વભાવવાળો, ને અમુકજીવ જ્ઞાનની
પ્રધાનતાથી મુક્તિ પામે એવા સ્વભાવવાળો–એવા ભિન્નભિન્ન સ્વભાવવાળા જીવો નથી. અનુષ્ઠાનની પ્રધાનતાથી
સિદ્ધિ થાય છે–એમ ક્રિયાનયે જે આત્માને લક્ષમાં લીધો, તે જ આત્માને જ્ઞાનનયથી જુઓ તો જ્ઞાનની પ્રધાનતાથી
સિદ્ધિ થાય એવો તેનો ધર્મ છે. આ રીતે ક્રિયાનય તેમ જ જ્ઞાનનય એ બંને નયોના વિષયરૂપ બંને ધર્મો એક સાથે
એક આત્મામાં રહેલા છે. જુદા જુદા નયો જુદા જુદા ધર્મોદ્વારા એક શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્યને જ જુએ છે.
પ્રમાણપૂર્વક સ્વાનુભવથી આત્મદ્રવ્યને પ્રમેય થાય છે, ને તેના અનંતધર્મોને જાણનારા અનંત નયો છે. એકેક ધર્મના
ક્રમથી અનંતધર્મોને જાણવા જાય તો અનંતકાળ લાગે એટલે કે એકલા ભેદના લક્ષથી વસ્તુસ્વરૂપ કદી જાણી શકાય
નહિ. પણ ધર્મ અને ધર્મીના અભેદરૂપ વસ્તુનો અનુભવ કરતાં પ્રમાણજ્ઞાન ખીલી જાય છે ને અનંતાધર્મો પ્રતીતમાં
આવી જાય છે. પછી સાધકદશામાં પોતાનું વિશેષ પ્રયોજન સાધવા માટે સાધક જીવ નયદ્વારા ધર્મોને મુખ્ય ગૌણ
કરીને વસ્તુને સાધે છે. એક ધર્મને મુખ્ય કરીને જાણતાં
ઃ ૨૮૬ઃ આત્મધર્મ ખાસ અંક

PDF/HTML Page 18 of 21
single page version

background image
આખી વસ્તુને પણ સાથે લક્ષમાં રાખે છે. અજ્ઞાની તો એક ધર્મને જાણતાં આખી વસ્તુને લક્ષમાંથી છોડી દે છે એટલે
તેને એકાંત–મિથ્યાનય થઈ જાય છે.
અહીં આત્મા કઈ રીતે પ્રમેય થાય એટલે કે કઈ રીતે જણાય તેની આ વાત છે. આત્મા અનંતધર્મવાળું એક
દ્રવ્ય છે. ધર્મો અનંત છે પણ પ્રમેયરૂપ આત્મા એક છે; બધા ધર્મોદ્વારા પ્રમેય થવા યોગ્ય આત્મા તો એક જ છે. ધર્મો
અનંત ભિન્ન ભિન્ન છે પણ તે બધા ધર્મોને ધારણ કરનાર ધર્મી આત્મા એક છે, તે એકના લક્ષે પ્રમાણજ્ઞાન થઈને
આત્મા પ્રમેય થાય છે.
ચૈતન્યમૂર્તિ આત્મા અનંત શક્તિસંપન્ન છે; તેમાં સર્વથા ભેદ પાડીને એકેક શક્તિને જ જોતાં તો આત્મા
ખંડખંડરૂપ થઈ જાય છે પણ વાસ્તવિકપણે જણાતો નથી; અનંત શક્તિના એક પિંડરૂપ શુદ્ધ ચૈતન્યદ્રવ્યપણે આત્માને
પ્રતીતમાં લેતાં, તેની અનંત શક્તિઓ સહિત તે યથાર્થપણે જણાય છે. સમયસારના ૨૭૦માં કલશમાં આચાર્યદેવ કહે
છે કે ‘અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા નયોની દ્રષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં
તત્કાળ નાશ પામે છે, માટે હું એમ અનુભવું છું કે–જેમાંથી ખંડોને નિરાકૃત (દૂર) કરવામાં આવ્યા નથી છતાં જે
અખંડ છે, એક છે, એકાંત શાંત છે અને અચળ છે એવું ચૈતન્યમાત્ર તેજ હું છુ.’ આવા અનુભવપૂર્વક નય હોય તો
તે સાચા છે. તે નય ભલે એક ધર્મને મુખ્ય કરીને જાણે પરંતુ ત્યાં પ્રમાણ ખસતું નથી એટલે નય વખતે પણ શુદ્ધ
ચૈતન્યદ્રવ્યની દ્રષ્ટિ ધર્મીને છૂટતી નથી. જો અખંડ આત્મદ્રવ્યની દ્રષ્ટિ છોડીને એકલા નયોથી એકેક ધર્મને જોવા જાય
તો ત્યાં એકલી ભેદ દ્રષ્ટિથી આત્મા છિન્નભિન્ન થઈ જાય છે એટલે કે ત્યાં સમ્યક્ આત્માનો અનુભવ થતો નથી
પણ એકલા વિકલ્પો જ થાય છે.
આગળ (પ્રવચનસાર પૃ. પ૪૭માં) આચાર્યદેવ કહેશે કે વસ્તુના અનંતધર્મોને ‘અતદ્ભાવપણામાત્ર’ વડે
જુદા પાડવા અશક્ય છે, એટલે કે એક વસ્તુમાં રહેલા અનંતધર્મોમાં ‘જે એકધર્મ છે તે બીજા ધર્મ રૂપ નથી’ એવું
પરસ્પરઅતદ્ભાવપણું છે પરંતુ એટલા માત્રથી કાંઈ ધર્મો જુદા પડી જતા નથી,–વીંખાઈ જતા નથી, કેમકે વસ્તુપણે
તો એકતા છે. ભિન્નભિન્ન અનંતધર્મો હોવા છતાં, અનંતધર્મસ્વરૂપ વસ્તુ તો એક છે. નયોની પદ્ધતિમાં એકધર્મને
મુખ્ય ને બીજાને ગૌણ કરવામાં આવે તેથી કાંઈ તે ધર્મ વસ્તુથી જુદો પડી જતો નથી. વસ્તુમાંથી એકધર્મને જુદો
પાડીને વિકાસ કરવા જાય તો ત્યાં મિથ્યાત્વ થઈ જાય છે. ધર્મો અનંત છે પણ ધર્મી એક છે, તે ધર્મી સાથે બધા ધર્મો
અભિન્ન છે, તે ધર્મીની દ્રષ્ટિથી તેના બધા ધર્મોનો વિકાસ થઈ જાય છે. એક ધર્મને મુખ્ય કરીને લક્ષમાં લેનારો નય
પણ તે ધર્મસ્વરૂપે શુદ્ધચૈતન્યદ્રવ્યને દેખે છે. જો શુદ્ધચૈતન્યદ્રવ્યની દ્રષ્ટિ ન હોય તો નય પણ મિથ્યા છે ને વચન પણ
મિથ્યા છે.
આત્મામાં બધા ધર્મો એક સાથે આત્માના જ આશ્રયે રહેલા છે, ને તે બધા એક સાથે પોતપોતાનું કાર્ય કરે
છે. આત્મદ્રવ્ય પલટતાં તેનાં બધાં ધર્મો પણ ક્ષણેક્ષણે પરિણમી રહ્યાં છે. એક ક્ષણે એક ધર્મ, ને બીજો ધર્મ બીજી
ક્ષણે–એમ ક્રમક્રમથી આ ધર્મો નથી.
* એક જીવ ગર્ભકાળથી શરૂ કરીને આઠ વર્ષની ઉમરે આત્મજ્ઞાન પૂર્વક મુનિ થઈને, અંતર્મુહૂર્તમાં જ
શુક્લધ્યાનથી કેવળજ્ઞાન પામીને સિદ્ધિ સાધે છે.
* બીજો જીવ આત્મજ્ઞાનપૂર્વક મુનિ થયા બાદ કરોડો અબજો વર્ષો સુધી ચારિત્ર પાળે છે ને પછી
શુક્લધ્યાનથી કેવળજ્ઞાન પામીને સિદ્ધિ સાધે છે.
–તો ત્યાં આઠ વર્ષે મુક્તિ પામનાર જીવમાં જ્ઞાનપ્રધાનતાથી સિદ્ધ થવાનો ધર્મ, અને કરોડો વર્ષનું ચારિત્ર
પાળીને પછી મુક્તિ પામનાર જીવમાં ક્રિયાની પ્રધાનતાથી સિદ્ધિ થવાનો ધર્મ,–એમ નથી. પરંતુ બંને જીવમાં તે બંને
ધર્મો રહેલા છે, પણ નય તેને મુખ્ય ગૌણ કરીને જાણે છે. અહીં તો ખરેખર નય વડે પોતે પોતાના આત્માને જ
જોવાની જ વાત છે. પ્રમાણ વડે કે નય વડે પોતે પોતાના આત્માને શુદ્ધચૈતન્યસ્વરૂપે અંતરમાં દેખવો તે જ ખરું
તાત્પર્ય છે.
આત્માના શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપનું ભાન રાખીને, અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થવાનું કહે તો તે ક્રિયાનય
સાચો છે; પણ જો સાક્ષીપણું વગેરે ધર્મોને તોડીને એકલા અનુષ્ઠાનથી–શુભરાગથી જ સિદ્ધિ થવાનું માને તો તે
બીજો ભાદરવો
ઃ ૨૮૭ઃ

PDF/HTML Page 19 of 21
single page version

background image
ક્રિયાનય પણ મિથ્યા છે; કેમકે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય–એવા એક જ ધર્મને લક્ષમાં લીધો તો તે વખતે
રાગનો અકર્તા–સાક્ષી રહે એવો અકર્તૃધર્મ (સાક્ષીસ્વરૂપ ધર્મ) કયાં ગયો? વિકારનો અભોક્તા રહે એવો
અભોક્તાધર્મ કયાં ગયો? સ્વભાવની મોટપમાં રાગને મોટપ ન આપે એવો અનીશ્વરધર્મ અથવા પ્રભુત્વ ધર્મ ક્યાં
ગયો? રાગના કારણ વગર પોતે સ્વતંત્રપણે મોક્ષને કરે એવો કર્તાધર્મ ક્યાં ગયો? અન્ય સાધન વગર પોતે
સ્વભાવથી જ મોક્ષનું સાધન થાય એવો કરણધર્મ ક્યાં ગયો? માટે અનંત ધર્મોવાળા શુદ્ધચિન્માત્ર આત્મદ્રવ્ય
પ્રમાણપૂર્વક સ્વાનુભવથી ન જાણે તો તેના એકેય ધર્મનું સાચું જ્ઞાન થતું નથી.
સાધકદશામાં શુભરાગરૂપ અનુષ્ઠાન પણ હોય છે અને ક્રિયાનયથી તે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થવાનું
કહેવાય છે એવો એક ધર્મ છે.–પણ તે ક્રિયાનય કોને જુએ છે? તે ધર્મ આત્માનો છે તેથી ક્રિયાનય એકલા રાગને જ
નથી જોતો, પણ શુદ્ધચિન્માત્ર આત્મદ્રવ્યના જ્ઞાન સહિત રાગને પણ જાણે છે. એ રીતે આત્મદ્રવ્યને જોતાં તેના
અવલંબન વડે સાધકને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે ધર્મો ખીલતાં જાય છે ને મુક્તદશા પ્રગટી જાય છે. સમ્યક્
નયોથી આત્માને જોવાનું તે ફળ છે.
–આ રીતે ૪૨ મા ક્રિયાનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
[૪૩] જ્ઞાનનયે આત્માનું વર્ણન
જ્ઞાનનયથી જોતાં, વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય છે–એવું આત્મદ્રવ્ય છે. જેમ કોઈ રત્નનો પારખુ વેપારી
ઘરના ખૂણામાં બેઠો હોય ને ભરવાડને મૂઠી ચણા આપીને તેની પાસેથી ચિંતામણી ખરીદી લ્યે; તેમ આત્મા વિવેક વડે
એટલે કે સમ્યગ્જ્ઞાન વડે ચૈતન્યચિંતામણી ભગવાને આત્માને ઓળખીને તેમાં અંતરએકાગ્રતા વડે ક્ષણમાત્રમાં સિદ્ધિ
પ્રાપ્ત કરે છે. ત્યાં વિવેકની પ્રધાનતાથી એટલે કે સમ્યગ્જ્ઞાનની પ્રધાનતાથી આત્માની સિદ્ધિ થઈ–એમ જ્ઞાનનય જાણે
છે. જ્ઞાનની પ્રધાનતાથી મુક્તિ થઈ એમ જોનારો જ્ઞાનનય, કે ક્રિયાની પ્રધાનતાથી મુક્તિ થઈ એમ જોનારો ક્રિયાનય,
તે બંને નય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ જુએ છે, ને જ્ઞાનને આત્મા તરફ વાળીને એકાગ્ર કરે છે.
એકલા જ્ઞાનધર્મને માનવાથી મુક્તિ થઈ જતી નથી પણ જ્ઞાનની સાથે જ આનંદ વગેરે બીજા અનંતધર્મો
આત્મામાં છે, એવા આત્મસ્વભાવની દ્રષ્ટિ કરીને તેના અવલંબનથી જ મુક્તિ થાય છે. ત્યાં જ્ઞાનનય વખતે એમ કહેવાય
કે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે. પણ તે જ્ઞાનનય ક્યારે હોય?–કે આખા આત્માની દ્રષ્ટિ થઈ હોય ત્યારે. આખા
આત્મસ્વભાવના જ્ઞાનપૂર્વક જ ‘જ્ઞાનનય’ સિદ્ધ થાય છે, તે સિવાય જ્ઞાનનય સિદ્ધ થતો નથી. અજ્ઞાનીને એકપણ નય
હોતો નથી, કેમકે આ બધા નયો તે પ્રમાણ જ્ઞાનના અંશો છે, પ્રમાણ વગર નય સાચા હોય નહિ. જેને અનંતધર્મોવાળી
શુદ્ધ ચૈતન્ય વસ્તુનું પ્રમાણજ્ઞાન થયું નથી તેને તેના એકેક ધર્મનું જ્ઞાન પણ સાચું હોતું નથી.
આ ક્યો વિષય ચાલે છે?....જેને સ્વર્ગાદિ સંયોગને પ્રાપ્ત કરવાની ભાવના નથી પણ આત્માનું સ્વરૂપ
જાણીને તેની જ પ્રાપ્તિ કરવાની ભાવના છે, એવા જિજ્ઞાસુ શિષ્યે પૂછયું કે હે ભગવાન! આ આત્મા કેવો છે...અને
કઈ રીતે તેની પ્રાપ્તિ થાય છે? તે સમજાવો. પ્રભો! અનાદિથી નહિ જાણેલા એવા આત્માનું સ્વરૂપ જાણીને હું તેની
પ્રાપ્તિ કરું, અને સંસાર પરિભ્રમણનો અંત આવીને મારી મુક્તિ થાય–એવું સ્વરૂપ મને બતાવો. આવી
જિજ્ઞાસાવાળા શિષ્યને આચાર્યદેવ આત્માનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે, તેનું આ વર્ણન ચાલે છે.
જો આત્માના વાસ્તવિક સ્વરૂપને ઓળખે તો તેમાં એકાગ્ર થઈને તેની પ્રાપ્તિ કરે એટલે મુક્તિ થાય. આત્માનું
સ્વરૂપ જાણે નહિ તો તેની પ્રાપ્તિ ક્યાંથી થાય? માટે જેણે સંસાર પરિભ્રમણમાંથી છૂટવું હોય ને આત્માની મોક્ષદશા
પ્રાપ્ત કરવી હોય તેણે આત્મસ્વરૂપને ઓળખવું જોઈએ.
આત્મામાં એકસાથે અનંતધર્મો છે; અનંતધર્મો હોવા છતાં તે બધાય ચૈતન્યસામાન્યથી વ્યાપ્ત છે, એટલે
શુદ્ધચૈતન્યસ્વરૂપે આત્માનો અનુભવ કરતાં તે યથાર્થ પ્રકારે જણાય છે. અનંતધર્મોને ધારણ કરનારો શુદ્ધચૈતન્ય
મૂર્તિ આત્મા છે, તેના જ અવલંબને મોક્ષમાર્ગરૂપ ધર્મ થાય
ઃ ૨૮૮ઃ
આત્મધર્મ ખાસ અંક

PDF/HTML Page 20 of 21
single page version

background image
છે, એના સિવાય બીજા કોઈના અવલંબને ધર્મ થતો નથી. આત્માના સ્વરૂપનો બધા પડખેથી અવિરુદ્ધ નિર્ણય
કરીને, શ્રુતજ્ઞાનને અંતર્મુખ વાળીને સ્વાનુભવ વડે આત્માને જાણતાં, તેમાં એકાગ્રતાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
થઈને મુક્તિ થાય છે, તેનું નામ શુદ્ધાત્માની પ્રાપ્તિ છે, શ્રદ્ધા અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને પણ
શુદ્ધઆત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે–તેની પ્રતીતિમાં શુદ્ધ આત્મા આવી ગયો છે. પણ સંપૂર્ણ શુદ્ધ આત્માની પ્રાપ્તિ તો
મુક્ત દશામાં છે. તેની પ્રાપ્તિ માટે સાધકજીવ વારંવાર શુદ્ધચૈતન્યદ્રવ્યની સન્મુખ એકાગ્ર થઈને ઉદ્યમ કરે છે. તે
સાધકજીવ કેવા કેવા નયથી આત્માને કેવો જાણે છે–તેનું આ વર્ણન છે. તે પ્રમાણથી જુએ કે નયથી જુએ, પણ
અંતરમાં પોતાના આત્માને શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપે દેખે છે, ને તેના જ આશ્રયે શુદ્ધતાને પામે છે–આ વાત ઘણી વાર
સ્પષ્ટ કહેવાઈ ગઈ છે.
સાધકને ક્રિયાનયનો ઉપયોગ હોય તે વખતે પણ ‘જ્ઞાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય’ એવા આ ધર્મનું જ્ઞાન
પણ સાથે જ વર્તે છે, ને શુદ્ધચૈતન્યદ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ વર્તે છે –એ બાબત ૪૨ મા નયના વિસ્તારમાં ઘણી વિસ્તારથી
કહેવાઈ ગઈ છે તે પ્રમાણે બધે ઠેકાણે સમજી લેવું.
–અહીં ૪૩ મા જ્ઞાનનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
* શ્રી જિનમંદિર અને જન્મોત્સવ ફંડ *
પરમ પૂજ્ય ગુરુદેવના ૬૬ મા જન્મોત્સવ પ્રસંગે શરૂ થયેલા આ ફંડમાં નાના–મોટા સૌ ભક્તો હોંશપૂર્વક
ભાગ લઈ રહ્યા છે. ફંડની વિશેષ વિગત નીચે મુજબ છે–
પ૧૩૨૩।। આત્મધર્મ અંક ૧૪૨માં જણાવ્યા મુજબ.
૧૦૦૧ શેઠ મગનલાલ માણેકચંદની કાું., મુંબઈ
૭૦૧સદ્ગત માસીબા સમરતબેન ભવાન,સોનગઢ
શેઠ ફૂલચંદ,
સુરેન્દ્રનગર
૨પ૧જગજીવન ચતુરભાઈ,સુરેન્દ્રનગર
પ૦૦શાહ એન્ડ સન્સ, હા.ફૂલચંદ કરમશી,નાઈરોબી
પ૦૦શ્રી હરિયા કેશ સ્ટોર્સ, નાઈરોબી
૪૦૦શા. ઝવેરચંદ પુનમચંદ, નાઈરોબી
૪૦૦શાહ ભગવાનજી કચરાભાઈ, કીટાલે(આફ્રિકા)
૨પ૧શાહ પ્રેમચંદ કેશવજી, નાઈરોબી
૨૦૦શાહ વેલજી મેપા રૂપા, મોંબાસા
૨૦૦શાહ સુંદરજી હેમરાજ, નાઈરોબી
૧૦૧ભાઈ દેવસી નથુ, નાઈરોબી
૧પ૧શ્રીમતી દેવી તથા શ્રી ગુણવતીદેવી, દિલ્હી
૧પ૨ઘડીયાળી જયંતીલાલ ત્રિભુવનદાસ તથા
તેમના ધર્મપત્ની સુશીલાબેન,
મોરબી
૧૦૧શેઠ શુકનરાજ હીરાચંદજી, શીવગંજ
૧૦૧દોશી મગનલાલ લેરાભાઈ,સુરેન્દ્રનગર
૧૦૧શ્રી ગટુલાલજી રાખન... ગુના (રાજસ્થાન)
૧૦૦હેમકુંવરબેન રામજી
૧૦૧શેઠ કેશરીમલજી..... લાડૂન
૧૦૧નવલકુંવર અમૃતલાલ, રાજકોટ
૧૦૧શેઠ દયાચંદશા પુનાશા જન.... ખંડવા
૧૦૧શેઠ નેમચંદ કેશવલાલ, તલોદ
૧૦૧છબલબેન ફૂલચંદ પારેખ.., રાજકોટ
૧૩૨ઝવેરી કેશવલાલ વાલજીભાઈ તથા
તેમના ધર્મપત્ની..,
લાઠી
૬૬એક મુમુક્ષુ બહેન હા. મોહનલાલ
કાળીદાસ,
રાજકોટ
૬૬સૌ. જસુમતી મણિયાર, મુંબઈ
૬૬ગાંધી રતિલાલ મોતીચંદ, રાજકોટ
૬૬ધીરજલાલ હરજીવન (ફાવાભાઈ), સોનગઢ
૬૬દુધીબેન (ધીરજલાલ હરજીવન), સોનગઢ
૬૬પ્રભુલાલ નીમચંદ મહેતા.., રાજકોટ
૬૬વેરસી હેમરાજ, નાઈરોબી (આફ્રિકા)
૬૬કુંવરબેન, નાઈરોબી
૬૬ડો. ધરમચંદ જૈન(હા.શેઠ બાલચંદજી)ખંડવા
૬૬શાહ પોપટલાલ કેસવજીમોટી, મોણપરી
૬૬ભાયાણી હીરાલાલ ચુનીલાલ, ભાવનગર
૬૬ગંગાબેન છગનલાલ, જામનગર
૬૬લક્ષ્મીબેન, જામનગર
૬૬નવલચંદ છગનલાલ, જામનગર
૬૬મંછાબેન, જામનગર
૬૬શેઠ ચીમનલાલ ચુનીલાલ, મુંબઈ
૬૬સુશીલા ચીમનલાલ શેઠ,મુંબઈ
૬૬વિજયકુમાર ચુનીલાલ શેઠ,મુંબઈ
૬૬નવલકુંવર અમૃતલાલ, રાજકોટ
૬૬ત્રંબકલાલ મગનલાલ સાયલાવાળા, કલકત્તા
૬૬દેસાઈ પ્રાણલાલ રામજી, અમરેલી