Atmadharma magazine - Ank 173
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ
સળંગ અંક ૧૭૩
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૧પ મું
અંક પ મોે
ફાગણ
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭૩
ભગવાનનો માર્ગ
ભગવાનનો માર્ગ અંતર્મુખ છે;
શ્રુતજ્ઞાનના ઉપયોગને અંતર્મુખ એકાગ્ર કર્યા
વગર ભગવાનના માર્ગ સાથે આત્માની
પરિણતિનો મેળ બેસે નહિ. શ્રુતજ્ઞાનને અંતર્મુખ
કરીને આત્મસ્વભાવમાં એકાગ્ર થવાનો જ
ભગવાનનો ઉપદેશ છે; આ માર્ગ વિના મોક્ષ
નથી. ભગવાનના માર્ગ સાથે અને શાસ્ત્રોના
કથન સાથે આત્માની પરિણતિનો મેળ મળવો
જોઈએ, તો જ ભગવાનના માર્ગની આરાધના
કરી કહેવાય, અને તો જ ભગવાને કહેલા
શાસ્ત્રોનું ભાવશ્રવણ કર્યું કહેવાય.
–પૂ. ગુરુદેવઃ ચર્ચામાંથી

PDF/HTML Page 3 of 25
single page version

background image
શ્રી પંચાસ્તિકાયનું પ્રકાશન
જિજ્ઞાસુઓ ઘણા વખતથી જેની રાહ જોતા હતા તે,
કુંદકુંદપ્રભુનું ચોથું રત્ન શ્રી પંચાસ્તિકાય માહ વદ તેરસના
રોજ પ્રસિદ્ધ થઈ ગયું છે. પ્રકાશન પ્રસંગે ભક્તજનોએ આ
શાસ્ત્રરત્નને ભક્તિપૂર્વક વધાવ્યું હતું ને પૂજા કરી હતી.
સમયસાર, પ્રવચનસાર અને નિયમસારની જેમ આ
પંચાસ્તિકાયનો ગુજરાતી અનુવાદ પણ વિદ્વાન ભાઈશ્રી
હિંમતલાલ જેઠાલાલ શાહે કર્યો છે. આ રીતે કુંદકુંદ પ્રભુના “
રત્નચતુષ્ટય” ના ગુજરાતી અનુવાદનું એક મહાન મંગલકાર્ય
તેઓશ્રી એ પૂરું કર્યું છે, ને આ માટે આ પ્રસંગે આપણે તેમનું
અભિનંદન કરીએ છીએ.
પૂ. ગુરુદેવના વિહારના કાર્યક્રમ
લીંબડી શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
નિમિત્તે પૂ. ગુરુદેવ ફાગણ સુદ ત્રીજ ને શુક્રવારે સોનગઢથી
મંગલપ્રસ્થાન કરીને જે જે ગામે પધારવાના છે તેનો કાર્યક્રમ
નીચે મુજબ છે.
સોનગઢથી લીમડા, ઢસા, લાઠી, મોટા આંકડિયા,
વડીઆ, જેતલસર, ઉપલેટા, કુતિયાણા તથા રાણાવાવ થઈને
પોરબંદર ફા. સુ. તેરસે પધારશે. ત્યાં આઠેક દિવસ રોકાઈ,
વચ્ચેના ગામો થઈને ફાગણ વ. ૧૨ના રોજ રાજકોટ
પધારશે. વાંકાનેર ચૈ. સુ. ૧૨ના રોજ પધારશે; ત્યાંથી ચૈ. વદ
ત્રીજે મોરબી પધારશે. ત્યારબાદ ધ્રાંગધ્રા, ગુજરવદી,
જોરાવરનગર
વગેરે ગામો થઈને સુરેન્દ્રનગર પધારશે.
(વૈશાખ સુદ બીજ સુરેન્દ્રનગર ઉજવાશે.) ત્યારબાદ વઢવાણ
શહેર પધારશે ને
વૈશાખ સુદ આઠમે લીંબડી શહેર
પધારશે; (લીંબડીમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત વૈશાખ સુદ તેરસનું છે.)
ત્યારબાદ ચુડા, રાણપુર, બોટાદ, વીંછીયા ને ગઢડા થઈને જેઠ
સુદ ત્રીજે ઉમરાળા પધારશે ને ત્યારબાદ સોનગઢ પધારશે.
ફાગણ સુદ સાતમ
ગત વર્ષે ફાગણ સુદ સાતમે પૂ. ગુરુદેવે અને ગુરુદેવની સાથે હજારો ભક્ત યાત્રિકોએ
શાશ્વત તીર્થાધિરાજ શ્રી સમ્મેદશિખરજી ધામની મહાન ઉલ્લાસપૂર્વક યાત્રા કરી હતી. આ
ફાગણ સુદ સાતમે તેના વાર્ષિક મહોત્સવ નિમિત્તે, એ પાવન તીર્થધામને યાદ કરીને ગુરુદેવ
સહિત આપણે સૌ અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ.
અનંત તીર્થંકરો અને સંતોના પુનિત ચરણોથી સ્પર્શાયેલા પાવન તીર્થરાજ શ્રી
સમ્મેદશિખરજી સિદ્ધિધામને નમસ્કાર હો.
વાર્ષિક લવાજમ રૂપિયા ચારઃ છૂટક નકલ પાંચ આના

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ પંદરમું સંપાદક ફાગણ
અંક પાંચમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
સોનગઢથી દોઢ માઈલ દૂર અમરગઢમાં ક્ષયની મોટી
ઈસ્પિતાલ છે; ત્યાંના અનેક જિજ્ઞાસુ દરદીઓને દર્શન આપવા
માટે પૂ. ગુરુદેવ કોઈ કોઈવાર ત્યાં પધારે છે. ત્યાંથી આવ્યા
બાદ વૈરાગ્યભર્યા ઉદ્ગારો કાઢતાં એક વાર ગુરુદેવે કહ્યુંઃ
અરે, જુઓને! ક્ષયની ઈસ્પિતાલમાં કેવા કેવા
જુવાનજોધ માણસો છે! જુવાન શરીર હોય, વીસ–પચીસ
વર્ષની ઉંમર હોય, ચડતું લોહી હોય, છતાં ક્ષણમાં ક્ષય લાગુ
પડી જાય છે,–ત્યાં આત્મા શું કરે? શું આત્માને તેવી ભાવના
છે?–ના. પણ જીવની ઇચ્છા શરીરમાં શું કામ આવે? જીવ કાં
તો દેહની સામે જોઈને દુઃખી થાય, ને કાં તો આત્માની સામે
જોઈને સમાધાન કરે. અજ્ઞાની દેહની સામે જોઈને તેમાં જ
પોતાનું શરણ માને છે, એટલે દેહમાં ક્ષયાદિ થતાં, જાણે કે
પોતાનું સર્વસ્વ ચાલ્યું જતું હોય–એમ હતાશ અને દુઃખી થાય
છે. ભાઈ રે! તું તો કાયમી ચિદાનંદ તત્ત્વ છો, ને આ દેહ તો
જડ ક્ષણિક સંયોગરૂપ છે, એ દેહ તારો નથી, દેહમાં તારું શરણ
નથી, એ દેહનો એક રજકણ પણ તારી સાથે નહિ રહે. માટે
દેહની દ્રષ્ટિ છોડ, ને દેહથી ભિન્ન આત્માની દ્રષ્ટિ કર. દેહને
સાચવવા જતાં આત્માના ગુણમાં ક્ષય લાગુ પડી જાય છે–
તેનો વિચાર કર. દેહના ક્ષયની ચિંતા કરવા કરતાં આત્મામાં
કર્મોનો ક્ષય કેમ થાય, ને ગુણોનો ક્ષય થતો કેમ અટકે–તેનો
વિચાર કર. અક્ષયસ્વરૂપ ચૈતન્યના લક્ષે કર્મોનો ક્ષય કરતાં,
તને ભાવ આરોગ્યમય એવા સિદ્ધપદની પ્રાપ્તિ થશે, ને પછી
તે પદનો કદી ક્ષય નહિ થાય.–માટે એનું લક્ષ કરીને એની જ
ભાવના કર.

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૭૩
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
(૪૧)
કર્મશક્તિ
‘કર્મશક્તિ’ કહેતાં જડ કર્મની
શક્તિની આ વાત નથી, પરંતુ પોતાના
સમ્યગ્દર્શનાદિ કર્મરૂપે (કાર્યરૂપે) પોતે
પરિણમે એવી આત્માની કર્મશક્તિ છે;
તે શક્તિનું આ વર્ણન છે. પૂ. ગુરુદેવનું
આ પ્રવચન મુમુક્ષુજીવોને ખાસ
મનનીય છે.
ક્રિયાશક્તિમાં આત્માના સ્વાભાવિક છ કારકો બતાવ્યા; હવે છ શક્તિઓમાં તે સ્વભાવિક છએ કારકોનું જુદું
જુદું વર્ણન કરીને આચાર્યદેવ વધારે સ્પષ્ટતા કરે છે.
“પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે–મયી કર્મશક્તિ છે.”
વ્યાકરણમાં છ કારકો અને એક સંબંધ એમ સાત વિભક્તિ આવે છે, તે સાતે વિભક્તિઓને અહીં સાત
શક્તિરૂપે વર્ણવીને આત્માનું એકત્વ–વિભક્ત સ્વરૂપ બતાવ્યું છે. પરમાર્થ વિભક્તિ તેને કહેવાય કે જે આત્માને પરથી
વિભક્ત કરે. સ્વમાં એકત્વ ને પરથી વિભક્ત એવો આત્માનો સ્વભાવ છે. કર્તા–કર્મ–કરણ વગેરે છ કારક અને એક
સંબંધ એ સાતે વિભક્તિ આત્માને પરથી વિભક્ત–જુદો બતાવે છે. છેલ્લી સંબંધશક્તિ કહેશે તે સંબંધશક્તિ પણ કાંઈ
આત્માનો પર સાથે સંબંધ નથી બતાવતી, પણ પોતામાં જ સ્વ–સ્વામી સંબંધ બતાવીને પર સાથેનો

PDF/HTML Page 6 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ પઃ
સંબંધ તોડાવે છે; એ રીતે પરથી ભિન્ન આત્માને બતાવે છે. આવા વિભક્ત આત્માને જાણ્યા વગર “આ
શબ્દની આ વિભક્તિ ને ફલાણા શબ્દની ફલાણી વિભક્તિ” એમ વ્યાકરણ ભણી જાય તેથી કાંઈ કલ્યાણ ન
થાય. જેણે બધાથી વિભક્ત આત્માને જાણ્યો તેણે બધી વિભક્તિ જાણી લીધી. આત્માને પરની સાથે
કર્તાકર્મપણું માને, પરને સાધન માને કે પરને આધાર માને તેણે આત્માની વિભક્તિને (–પરથી ભિન્નતાને)
જાણી નથી.
પ્રાપ્ત કરાતો એવો સિદ્ધરૂપભાવ એટલે નક્કી થયેલો ભાવ, સાબિત થયેલો ભાવ, પ્રગટેલો ભાવ, તે આત્માનું
કર્મ છે, ને તે કર્મરૂપે આત્મા પોતે થાય છે, એવી તેની કર્મશક્તિ છે. અહીં પહેલાં કર્મ એટલે કે કાર્ય બતાવીને પછી તેના
કર્તા–કરણ વગેરે બતાવશે. વર્ણનમાં તો ક્રમથી કથન આવે, વસ્તુમાં કાંઈ છ કારકો ક્રમે ક્રમે નથી, વસ્તુમાં તો એક
સાથે જ છએ કારકરૂપ પરિણમન છે.
અનંતસ્વભાવના પિંડ આત્મા ઉપર દ્રષ્ટિ કરતાં, તે તે સમયની નિશ્ચિત નિર્મળપર્યાય કાર્યરૂપે પ્રાપ્ત
કરાય છે તે આત્માનું કર્મ છે. ‘કર્મ’ કહેતાં અહીં જડ કર્મની કે રાગાદિ ભાવકર્મની વાત નથી, પણ ચૈતન્ય
સ્વભાવમાંથી જે સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાયરૂપ કાર્ય પ્રાપ્ત કરવામાં આવે તેની વાત છે. શુદ્ધ દ્રવ્ય સ્વભાવનું
અવલંબન લેતાં ક્ષણે ક્ષણે નવો નવો નિર્મળભાવ પ્રાપ્ત થાય છે; તે પ્રાપ્ત થતો ભાવ સિદ્ધરૂપ છે એટલે કે પ્રસિદ્ધ
થઈ ગયેલો છે–પ્રગટેલો છે. વસ્તુમાં શક્તિપણે તો અનાદિથી હતો પણ હવે તે ભાવ પ્રસિદ્ધ થયો–પર્યાયમાં
વ્યક્ત થયો એટલે તેને સિદ્ધરૂપ ભાવ કહ્યો છે. ‘સિદ્ધરૂપ ભાવ’ માં એકલી સિદ્ધદશા ન લેવી પણ
સમ્યગ્દર્શનાદિ બધી નિર્મળપર્યાયો સિદ્ધરૂપ ભાવમાં આવી જાય છે. તે પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ તે કર્મ છે,
આત્મા પોતાની શક્તિથી તે રૂપ થાય છે એવી તેની કર્મશક્તિ છે. આ શક્તિ આત્મામાં ત્રિકાળ છે. પણ તેનું
ભાન થતાં નિર્મળપર્યાયરૂપ કાર્યની (–કર્મની) પ્રાપ્તિ નવી થાય છે, પહેલાં નિમિત્તાધીન બાહ્યદ્રષ્ટિ વખતે
નિર્મળભાવની પ્રાપ્તિ ન હતી ને શક્તિનું પણ ભાન ન હતું; હવે સ્વભાવશક્તિનું ભાન થતાં તેના આશ્રયે
સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવને કર્મપણે પ્રાપ્ત કર્યો. દ્રવ્યની શક્તિમાં તો તે ભાવ અનાદિથી સિદ્ધ થયેલો હતો પણ
પર્યાયમાં તેની પ્રાપ્તિ નવી થઈ...પર્યાયમાં કર્મપણે વ્યક્ત થતાં તેને સિદ્ધરૂપ ભાવ કહ્યો. તે તે સમયની સિદ્ધરૂપ
નિર્મળપર્યાયરૂપે થવાની તાકાત દ્રવ્યમાં પડી છે, તે દ્રવ્ય સ્વભાવના આશ્રયે આત્મા નિર્મળ કર્મરૂપે જ પરિણમે
છે,–વિકારી કર્મરૂપે પરિણમતો નથી, એવો જ આત્માનો સ્વભાવ છે. દ્રવ્યદ્રષ્ટિવડે જ આવા સ્વભાવની પ્રતીત
થાય છે. અને આવા સ્વભાવની પ્રતીત કરતાં તેની સન્મુખતાથી અનંતગુણો પોતપોતાના નિર્મળ કાર્યરૂપ
પરિણમી જાય છે. જે નિર્મળ કાર્ય કરવું છે તે કાર્યરૂપ થવાની તાકાત પોતામાં ત્રિકાળ છે. કર્મશક્તિથી આત્મા
પોતે નિર્મળ–નિર્મળભાવરૂપે પ્રાપ્ત થાય છે–નિર્મળભાવરૂપ કર્મપણે પોતે જ પરિણમે છે.
ભાઈ! તારું કર્મ તારાથી ભિન્ન નથી; તે તે સમયના નિર્મળ કર્મની સાથે આત્મા પોતે તન્મય થઈને પરિણમે,
એટલે કે આત્મા પોતે પોતાના કર્મરૂપ થાય એવી તેની કર્મશક્તિ છે; માટે તારું કાર્ય બીજો કોઈ આપશે–એમ નથી.
તારી સ્વભાવશક્તિને સંભાળતાં તું પોતે જ તન્મયપણે તારા સમ્યગ્દર્શનાદિ કાર્યરૂપે પરિણમી જઈશ, એવી તારી
કર્મશક્તિ છે.
જુઓ, આ આત્માનું કર્મ! અજ્ઞાનીઓ કરમ–કરમ કરે છે, પણ અહીં જડ કર્મથી ભિન્ન આત્માનું કર્મ
બતાવે છે. જડ કર્મમાં એવી શક્તિ નથી કે આત્માનું કાંઈ કરે. આત્મામાં એવી કર્મ શક્તિ છે કે તે પોતાના
સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીના ભાવોને પ્રાપ્ત કરીને તન્મયપણે પરિણમે છે, એટલે કે પોતાના કર્મપણે
પોતે જ થાય છે. જે જીવ આત્માની આવી કર્મશક્તિની પ્રતીત કરે તેને જડ કર્મના સંબંધનો અભાવ થયા વિના
રહે નહિ.
કર્મ સંબંધમાં ચાર પ્રકાર છે–
(૧) જડરૂપ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ
(૨) રાગ–દ્વેષ–મોહાદિ વિકારરૂપ ભાવકર્મ
(૩) સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયરૂપ કર્મ
(૪) આત્માના ત્રિકાળ સ્વભાવરૂપ કર્મશક્તિ
(૧) દ્રવ્યકર્મ તે પર છે, (૨) ભાવકર્મ તે વિભાવ

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૭૩
છે, (૩) નિર્મળ પર્યાયરૂપ કર્મ તે ક્ષણિક–સ્વભાવ છે, અને (૪) કર્મશક્તિ તે ત્રિકાળ શુદ્ધ સ્વભાવે છે. તે ત્રિકાળી
સ્વભાવના આધારે વર્તમાન નિર્મળ પર્યાયરૂપ કર્મ પ્રગટે છે, ને ભાવકર્મ તથા દ્રવ્યકર્મ છૂટી જાય છે.
સમ્યગ્દર્શનાદિ ધર્મરૂપ નિર્મળકર્મ ક્યાંય બહારથી નથી આવતું પણ આત્મામાં જ તે–રૂપ થવાની શક્તિ છે;
આત્માના સ્વભાવનું અવલંબન કરતાં આત્મા પોતે તેવા નિર્મળ કાર્યરૂપે પ્રસિદ્ધ થાય છે. જુઓ, આ આત્માની
કાર્યશક્તિ! આત્માની કાર્યશક્તિ એવી નથી કે જડનું કાંઈ કરે; વિકાર કરે તે પણ ખરેખર આત્માની શક્તિનું કાર્ય
નથી; પણ શુદ્ધ જ્ઞાન–દર્શન–આનંદ વગેરે ભાવો આત્માનું ખરું કર્મ છે.
શરીર–કર્મ–ભાષા વગેરે પરમાણુની અવસ્થા છે તે પરમાણુનું કાર્ય છે, કેમકે તે તેમાં તન્મય છે.
રાગ–દ્વેષ–પુણ્ય–પાપ વગેરે વિકારી ભાવરૂપ અવસ્થા તે મિથ્યાદ્રષ્ટિનું કાર્ય છે, કેમકે તે તેમાં તન્મય છે.
સમકિતી તો પોતાના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–આનંદરૂપ ભાવોમાં તન્મય થાય છે, અને તે જ આત્માનું
વાસ્તવિક કાર્ય છે; તથા તે જ આત્માવડે પ્રાપ્ત કરાય છે. આત્મા વડે કર્મરૂપે પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ
સાધકભાવ (–તે તે સમયે પ્રસિદ્ધ થયેલો સાધકભાવ) તે જ ધર્માત્માનું કર્મ છે; તેના વડે આત્માની કર્મશક્તિ
ઓળખાય છે. રાગ તે ખરેખર આત્માનું સ્વભાવિક કર્મ નથી તેથી તેના વડે કર્મશક્તિવાળો આત્મા
ઓળખાતો નથી.
શું આઠ જડ કર્મો તે આત્માનું કર્મ છે?–ના.
શું રાગાદિ ભાવકર્મ તે આત્માનું કર્મ છે?–ના; તે રાગાદિ ભાવો આત્માની પર્યાયમાં થતા હોવા છતાં,
આત્માનો સ્વભાવ તેમાં તન્મય થઈને પરિણમતો નથી માટે સ્વભાવદ્રષ્ટિમાં તે આત્માનું કર્મ નથી.
તો આત્માનું ખરું કર્મ શું છે?–આત્મા પોતે તન્મય થઈને જેને પ્રાપ્ત કરે તે આત્માનું ખરું કર્મ છે. પોતાની
નિર્મળ પર્યાયોમાં તન્મય થઈને તેને આત્મા પ્રાપ્ત કરે છે–તે પર્યાયોને પહોંચી વળે છે–તેથી તે નિર્મળપર્યાય જ આત્માનું
કર્મ છે, ને તે જ ધર્મ છે.
ભાઈ રે! પરનાં કાર્યો તારા આત્મામાં નથી; અને રાગ–દ્વેષ–મોહનાં કાર્યો પણ તારા સ્વભાવમાં નથી, પણ
તારી શક્તિમાંથી નિર્મળ અવસ્થાને પ્રાપ્ત કર તે જ તારું કાર્ય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીનાં પદો પ્રાપ્ત
કરવાની તાકાત તારા આત્મામાં છે, ને તે જ તારાં કાર્ય છે; એ સિવાય બહારમાં મોટા રાજપદ કે ઇન્દ્રપદ વગેરે પ્રાપ્ત
થાય તે કાંઈ તારા આત્માનું કાર્ય નથી. ધર્મી જાણે છે કે હું તો મારા જ્ઞાન–આનંદ સ્વભાવમય છું ને તેમાંથી પ્રાપ્ત થતી
અવસ્થા જ મારું કાર્ય છે, એ સિવાય રાગાદિ વિચારો પણ મારું કાર્ય નથી તો પછી તે વિકારના ફળરૂપ બાહ્ય
સંયોગોમાં તો મારું કાર્ય કેમ હોય? મારા સ્વભાવમાંથી સિદ્ધપદ પ્રગટે તે જ મારું પ્રિય કાર્ય છે. ‘કર્તાનું ઇષ્ટ તે કર્મ’–
ધર્મી–કર્તાનું ઇષ્ટ તો પોતાની નિર્મળ પરિણતિ જ છે; રાગાદિ તે ધર્મીનું ઇષ્ટ નથી તેથી તે તેનું કર્મ નથી. શ્રદ્ધામાં
પરમશુદ્ધ એવા ચિદાનંદ સ્વભાવને જ ઇષ્ટ કરીને તેમાંથી સમ્યગ્દર્શનાદિ નિર્મળદશા પ્રાપ્ત કરીને સિદ્ધપદ તરફ પગલાં
માંડયાં છે, તે જ ધર્માત્માનું ઇષ્ટ–કાર્ય છે.
જુઓ, આ સિદ્ધપદનો રસ્તો..આ મોક્ષનો પંથ! આત્માના સ્વભાવને ઇષ્ટ–વહાલો કરીને તેના આશ્રયે
નિર્મળપર્યાયરૂપ કાર્ય કરવું તે સિદ્ધપદનો રસ્તો છે. અહો! આવા આત્માને તો ઇષ્ટ કરે નહિ ને બીજા કાર્યોને ઇષ્ટ માને
તે તો સત્ના રસ્તે પણ આવ્યો નથી, તો તેને સત્ના ફળરૂપ મોક્ષની પ્રાપ્તિ તો ક્યાંથી થશે? રાગાદિ હોવા છતાં જેણે
અંતર્મુખ થઈને પોતાના ચિદાનંદ સ્વભાવને જ ઇષ્ટ કર્યો છે તે તો સત્ના રસ્તે ચડેલો સાધક છે, અને તે સત્ના
ફળરૂપ સિદ્ધપદને અલ્પકાળમાં જરૂર પામશે.
અહો! મારું સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્ય બહારથી લાવવું પડે તેમ નથી, મારા આત્મામાં જ એવી શક્તિ છે કે હું
સ્વયં તે કાર્યરૂપ પરિણમી જઉં.–આવો સ્વશક્તિનો નિર્ણય કર્યો ત્યાં નિજકાર્યને માટે બહારના સાધનોની ચિંતા નથી
રહેતી. આ રીતે નિશ્ચિંત પુરુષોવડે આ આત્મા સધાય છે; કેમ કે આત્માને સાધવા માટે બહારનું કોઈ સાધન છે જ
નહિ, અંતરમાં આત્મા પોતે જ સર્વસાધનસંપન્ન છે, તેથી બાહ્યસાધનોની ચિંતા વ્યર્થ છે. પોતે પોતાના સ્વભાવના
ચિંતનથી જ આ આત્મા સધાય છે, બહારની ચિંતા વડે તે સધાતો નથી, માટે નિશ્ચિત પુરુષોવડે જ આત્મા સધાય છે.
નિમિત્ત વગેરે બાહ્યસાધનોની

PDF/HTML Page 8 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ ૭ઃ
ચિંતા છોડીને, અંતર્મુખ થઈને આત્મસ્વભાવમાં એકતાન થતાં, આત્મા પોતે પોતાને સાધે છે. જેના ચિંતનમાં એકલા
જ્ઞાનાનંદમૂર્તિ આત્મા સિવાય અન્ય કોઈ નથી એવા નિશ્ચિંત પુરુષોવડે જ ભગવાન આત્મા સાધ્ય છે, તેઓ જ તેને
અનુભવે છે. પોતાની કર્મશક્તિથી જ આત્મા પોતાના કાર્યને સાધે છે,–પ્રાપ્ત કરે છે.
આત્મામાં કર્મશક્તિ ત્રિકાળ છે, એટલે કર્મ વિનાનો (અર્થાત્ પોતાના કાર્ય વિનાનો) તે કદી ન હોય. જડ કર્મ
વિનાનો આત્મા ત્રિકાળ છે, પણ પોતાના ભાવરૂપ કર્મ વગરનો આત્મા કદી ન હોય. હા, અજ્ઞાનદશામાં તે વિપરીત
(રાગદ્વેષમોહાદિ) કર્મરૂપે પરિણમે છે, ને સ્વભાવનું ભાન થતાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્યરૂપે પરિણમે છે. પણ અહીં
એટલી વિશેષતા છે કે જેને પોતાની સ્વભાવશક્તિનું ભાન થયું છે એવા સાધક તો સ્વભાવના અવલંબને નિર્મળ
કર્મરૂપે જ પરિણમે છે; મલિન કાર્યને તે પોતાના સ્વભાવમાં સ્વીકારતા નથી કેમ કે તે મલિન ભાવ સ્વભાવના આધારે
થયેલા નથી, ને સ્વભાવ સાથે તેની એકતા નથી. શુદ્ધસ્વભાવના આધારે તો નિર્મળ કાર્ય જ થાય છે અને તેને જ
ખરેખર આત્માનું કાર્ય સ્વીકારવામાં આવે છે.
જુઓ, વિકાર કેમ ટળે એ વાત પણ આમાં આવી જાય છે. હું વિકાર ટાળું–એમ વિકારને ટાળવાની
ચિંતા કરવાથી તે ટળતો નથી, વિકાર સામે જોઈને ઇચ્છા કરે કે મારે આ વિકારને ટાળવો છે, તો તે ઇચ્છા
પોતે પણ વિકાર છે, તે ઇચ્છાથી કાંઈ વિકાર ટળી જતો નથી, પરંતુ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવ
પરમપારિણામિકભાવે સદાય વિકાર રહિત જ છે, તે સ્વભાવ સન્મુખ થઈને તેની સાથે જ્યાં એકતા કરી ત્યાં
પર્યાય પોતે નિર્વિકારરૂપે પરિણમી, ને વિકાર છૂટી ગયો. ગુણી સાથે એકતા કરતાં ગુણનું નિર્મળકાર્ય પ્રગટે ને
વિકાર ટળે.
ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પંચમ–પારિણામિક એ પાંચ, જીવના અસાધારણભાવો છે.
દ્રવ્ય–ગુણ ત્રિકાળ પારિણામિકભાવે શુદ્ધ છે, તેમાં કદી વિકાર નથી. તેનો આશ્રય કરતાં ઔપશમિક–ક્ષાયિકાદિ
નિર્મળભાવો પ્રગટી જાય છે. ઔદયિકભાવ પરના આશ્રયે થાય છે, પણ અંતર્મુખસ્વભાવના આશ્રયે તેની ઉત્પત્તિ થતી
નથી તેથી તે આત્માના સ્વભાવનું કાર્ય નથી. આત્માની બધી શક્તિઓ પારિણામિકભાવે છે, તેને પરની અપેક્ષા નથી.
જેમ આત્મામાં શુદ્ધ આનંદસ્વભાવ તથા જ્ઞાનસ્વભાવ પારિણામિકભાવે ત્રિકાળ સ્વતઃસિદ્ધ છે તેમ કર્તાસ્વભાવ–
કર્મસ્વભાવ–કરણસ્વભાવ–પ્રભુતાસ્વભાવ વગેરે પણ પારિણામિકભાવે ત્રિકાળ સ્વતઃસિદ્ધ છે; અંતર્મુખ થઈને તેનું
ભાન કરતાં જ તેના આધારે નિર્મળ કાર્ય પ્રગટી જાય છે. પરમપારિણામિકભાવને આશ્રયે જે કાર્ય પ્રગટયું તે પણ એક
અપેક્ષાએ તો (–પરની અપેક્ષા ન લ્યો તો) પારિણામિકભાવે જ છે, અને કર્મના ક્ષય વગેરેની અપેક્ષા લઈને તેને
ક્ષાયિક વગેરે કહેવામાં આવે છે.
પરમપારિણામિકભાવસ્વરૂપ આત્મા ‘કારણ શુદ્ધ જીવ’ છે, તેમાં અનંતશક્તિઓ છે, તેનું આ વર્ણન છે.
આત્માની બધી શક્તિઓ એવા સ્વભાવવાળી છે કે તેના આશ્રયે નિર્મળતા જ પ્રગટે; એક પણ શક્તિ એવા
સ્વભાવવાળી નથી કે જેના આશ્રયે વિકાર થાય. જો સ્વભાવના આધારે વિકાર થાય તો તો તે ટળે કઈ રીતે?
સ્વભાવના આધારે જો વિકાર થાય તો તો વિકાર પોતે જ સ્વભાવ થઈ ગયો, તેથી તે ટળી જ શકે નહિ. પરંતુ
સ્વભાવનો આશ્રય કરતાં તો વિકાર ટળી જાય છે. માટે વિકારને ઉત્પન્ન કરે એવો કોઈ સ્વભાવ આત્મામાં છે જ નહિ.
આમ અંતરમાં સ્વભાવ અને વિકારની ભિન્નતાનો નિર્ણય કરીને, સ્વભાવ સન્મુખ થતાં વિકાર ટળી જાય છે, ને
નિર્મળતા પ્રગટ થાય છે.–તેનું નામ ધર્મ છે.
જેમ આંબાના ઝાડમાં તો કેરી જ પાકે એવો સ્વભાવ છે, આંબાના ઝાડમાં કાંઈ લીંબોડી ન પાકે; તેમ આ
આત્મા ચૈતન્ય–આંબો છે, તેમાં રાગાદિ વિકાર પાકે એવો સ્વભાવ નથી, તેના આધારે તો નિર્મળતા જ પાકે એવો
સ્વભાવ છે. જો ચૈતન્યમાં સિદ્ધપદની શક્તિ ન હોય તો સિદ્ધદશા પાકશે ક્યાંથી? કેરીના ગોટલામાં આંબા થવાના
બીજ પડયાં છે તેમાંથી આંબા પાકે છે, કાંઈ લીમડામાં કે બોરડીમાં આંબા ન પાકે. તેમ ચૈતન્યમાં જ કેવળજ્ઞાન અને
સિદ્ધપદની તાકાત પડી છે તેમાંથી જ તે પ્રગટે છે, શરીરમાંથી કે રાગમાંથી તે નથી પ્રગટતું. આત્મામાં
પરમપારિણામિકભાવે ત્રિકાળ પ્રભુતા છે, તેના આશ્રયે પ્રભુતા થઈ જાય છે. આત્માની શક્તિઓ એવી સ્વતંત્ર છે કે
પોતાની પ્રભુતારૂપ કાર્ય માટે તેને કોઈ બીજાનો

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૭૩
ટેકો લેવો પડતો નથી.–આવા આત્મસ્વભાવને જાણે તો સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્ય પ્રગટે.
આત્માનો સ્વભાવ નિર્મળ છે ને તે સ્વભાવના આશ્રયે નિર્મળભાવને પોતાના કર્મપણે પ્રાપ્ત કરે એવી
આત્માની ત્રિકાળ શક્તિ છે. શરીર–મન–વાણી વગેરે પરને પોતાના કર્મપણે પ્રાપ્ત કરે એવી શક્તિ આત્મામાં ત્રણ
કાળમાં નથી; અને પુણ્ય–પાપરૂપ વિકારભાવોને પોતાના કર્મપણે પ્રાપ્ત કરે એવો પણ આત્માનો ત્રિકાળ સ્વભાવ
નથી; નિર્મળ સ્વભાવ–ભાવને પ્રાપ્ત કરે એવો જ આત્માનો સ્વભાવ છે. અજ્ઞાની એક સમયના વિકારને પોતાના
કર્મપણે પ્રાપ્ત કરે છે, તે તેની પર્યાયની યોગ્યતા છે, પણ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં તો વિકારને પ્રાપ્ત કરવાની યોગ્યતા
નથી, જો દ્રવ્ય સ્વભાવમાં જ વિકારને પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય તો તે કદી ટળી શકે નહિ. આત્માનો શુદ્ધ સ્વભાવ
તો નિર્મળ ભાવને જ કર્મપણે પ્રાપ્ત કરવાનો છે, એટલે તે સ્વભાવના આશ્રયે નિર્મળભાવ પ્રાપ્ત કરીને અનંત જીવો
વિકાર રહિત સિદ્ધ પરમાત્મા થઈ ગયા છે, ને એ પ્રમાણે સદાય બીજા જીવો પણ સિદ્ધ થયા જ કરશે.–આ જ સિદ્ધિનો
પંથ છે.
પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલીને, પરાશ્રયબુદ્ધિથી મિથ્યાત્વ–રાગાદિને પોતાના કર્મપણે અજ્ઞાની પ્રાપ્ત કરે છે તે
સંસાર છે. ને શક્તિના અવલંબને સમ્યગ્દર્શનાદિને પોતાના કર્મપણે જ્ઞાની પ્રાપ્ત કરે છે, તે સિદ્ધિનો માર્ગ છે.
પ્રશ્નઃ– પહેલા સમયે સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્ય નથી તો બીજા સમયે તે ક્યાંથી પ્રાપ્ત થશે?
ઉત્તરઃ– પહેલા સમયે ન હોય ને બીજા સમયે નિર્મળ કાર્યરૂપે આત્મા સ્વયં પરિણમી જાય,–પોતે
પોતામાંથી જ નિર્મળ કાર્યને પ્રાપ્ત કરે એવી તેની કર્મશક્તિ છે. સ્વભાવનો આશ્રય કરતાં વર્તમાન જે નિર્મળભાવ
વર્તે છે તે તે સમયનો સિદ્ધ થયેલો ભાવ છે; પહેલાં–પછીના ભાવની કે પરની તેને અપેક્ષા નથી.
જેમાંથી નિર્મળતાની પ્રાપ્તિ થાય એવો આત્માનો સ્વભાવ છે, પણ વિકારની પ્રાપ્તિ થાય એવો આત્માનો
સ્વભાવ નથી. વિકાર કાંઈ આત્માના સ્વભાવમાંથી પ્રાપ્ત નથી થતો, તે તો અદ્ધરથી (–પરાશ્રયે) ઊભી થયેલી
ક્ષણિક લાગણી છે, તેનો તો નાશ થઈ જાય છે. પરંતુ તેનો નાશ થવાથી કાંઈ આત્માનો નાશ નહિ થઈ જાય.
પુણ્યની લાગણીમાંથી આત્માની શુદ્ધતા પ્રાપ્ત ન થઈ શકે, પણ શુદ્ધ જીવતત્ત્વ કાયમ ટકનારું છે તેના જ આધારે
આત્માની શુદ્ધતા પ્રાપ્ત થાય છે, અને તે જ આત્માનું કર્મ છે. એવા નિર્મળ કર્મને પ્રગટ કરીને તેની સાથે એકતા
કરે એવો આત્માનો સ્વભાવ છે, પણ શુભાશુભ વિકારી લાગણીઓ સાથે એકતા કરીને તેને પોતાના કર્મરૂપ
બનાવે–એવો આત્માનો સ્વભાવ નથી. આ રીતે, નિર્મળ ભાવને પ્રાપ્ત કરવાની દ્રવ્યની શક્તિ કીધી; અને તે
પ્રમાણે દ્રવ્યના બધા ગુણોમાં પણ એવો જ સ્વભાવ છે કે પોતપોતાની નિર્મળ પર્યાયને કર્મરૂપે પ્રાપ્ત કરે ને
વિકારને પ્રાપ્ત ન કરે.
જેમ કે જ્ઞાનગુણનો એવો સ્વભાવ છે કે પોતાના સમ્યગ્જ્ઞાનરૂપ કાર્યને કર્મપણે પ્રાપ્ત કરે; પણ અજ્ઞાનને,
વિકારને કે જડને પોતાના કર્મપણે પ્રાપ્ત કરે એવો જ્ઞાનશક્તિનો સ્વભાવ નથી.
એ જ પ્રમાણે શ્રદ્ધાગુણમાં એવો સ્વભાવ છે કે પોતાના સ્વભાવની પ્રતીતિરૂપ કાર્યને (–સમ્યગ્દર્શનને)
પોતાના કર્મપણે પ્રાપ્ત કરે; પણ મિથ્યાત્વને, વિકારને કે જડને પોતાના કર્મપણે પ્રાપ્ત કરે એવો શ્રદ્ધાશક્તિનો સ્વભાવ
નથી.
એ જ પ્રમાણે આનંદગુણમાં એવો સ્વભાવ છે કે પોતાના અતીન્દ્રિય–અનાકુળ–આહ્લાદના વેદનને પોતાના
કાર્યપણે પ્રાપ્ત કરે, પણ આકુળતા, દુઃખ કે ઇન્દ્રિયવિષયોને પોતાના કર્મપણે પ્રાપ્ત કરે એવો આત્માની આનંદશક્તિનો
સ્વભાવ નથી.
એ પ્રમાણે આત્માના બધા ગુણોમાં સમજી લેવું.
–આત્માના આવા સ્વભાવને લક્ષમાં લઈને જ્યાં એકાગ્ર થયો ત્યાં તે સ્વભાવના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાન–
આનંદ વગેરેનું નિર્મળ કાર્ય વર્તે જ છે–એટલે તે કાર્ય સિદ્ધ થયેલું જ છે, તેથી ‘હું નિર્મળ કાર્ય પ્રાપ્ત કરું’ એવી
પણ આકુળતાબુદ્ધિ (–ભેદબુદ્ધિ) ત્યાં રહેતી નથી કેમકે પોતાની કર્મશક્તિથી પોતે સ્વયમેવ નિર્મળ કાર્યરૂપે થઈ
જ ગયો છે.
સ્વયં કાર્યરૂપ થવાના આત્માના આવા સ્વભાવને જે ઓળખે તે કોઈ ઈશ્વરને કે બીજાને પોતાના કાર્યનો કર્તા
ન માને; આ આત્મા કોઈનું કાર્ય છે–એમ તે

PDF/HTML Page 10 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ ૯ઃ
ન માને, તેમજ આ આત્માનું કાર્ય પોતાથી ભિન્ન ક્યાંય પરમાં હોવાનું ન માને. આ રીતે પર સાથેનો સંબંધ
તૂટીને સ્વમાં જ એકતારૂપ અભેદ પરિણમન થતાં ત્યાં વિકારરૂપ કાર્ય પણ રહેતું નથી, સ્વભાવમાં અભેદરૂપ
નિર્મળ ભાવ જ ત્યાં વર્તે છે.–આવા વર્તતા સિદ્ધરૂપ ભાવને કાર્યપણે પ્રાપ્ત કરે એવી આત્માની કર્મશક્તિ છે.
જેણે જડના કામને કે વિકારને–શુભ–વિકલ્પને પોતાના કાર્ય તરીકે માન્યું તેણે આત્માના સ્વભાવને જાણ્યો
નથી, તેથી તેને ધર્મકાર્ય થતું નથી–અધર્મ જ થાય છે. ધર્મી–સાધકને ય દયા–ભક્તિ–પૂજા–જાત્રા વગેરેનો શુભ
રાગ થાય છે પરંતુ તે રાગને પોતાના સ્વભાવનું પ્રાપ્ય માનતા નથી, તેને સ્વભાવનું કાર્ય માનતા નથી...તે
વખતે સ્વભાવમાં એકતાથી જેટલી નિર્મળતા વર્તે છે તેને જ તે પોતાના કાર્ય તરીકે સ્વીકારે છે;–એ જ ધર્મીનો
ધર્મ છે.
નિર્મળપર્યાયરૂપ કર્મપણે થવાની શક્તિ આત્માની છે, એટલે તે નિર્મળ કાર્ય પ્રગટ કરવા માટે ક્યાંય બહારમાં
જોવાનું નથી રહેતું પણ આત્મામાં જ જોવાનું રહે છે; આત્મસ્વભાવના અંર્ત–અવલોકનથી જ નિર્મળ કાર્યની સિદ્ધિ
થાય છે, બીજી કોઈ રીતે તેની સિદ્ધિ થતી નથી.
જડમાં કે વિકારમાં એવી તાકાત નથી કે તે નિર્મળપર્યાયને પોતાના કર્મ તરીકે ઉપજાવી શકે.
નિર્મળપર્યાયમાં પણ એવી તાકાત નથી કે બીજી નિર્મળપર્યાયને પોતાના કર્મ તરીકે ઊપજાવી શકે. પૂર્વપર્યાયને
કારણ કહેવાય છે તે તો ઉપચારથી છે, ખરેખર તેનો તો અભાવ થઈ જાય છે તેથી તે બીજી પર્યાયનું કારણ નથી,
પણ પૂર્વ પર્યાયમાં વર્તતું અખંડ દ્રવ્ય જ પોતે પરિણમીને બીજા સમયે બીજી પર્યાયને કર્મપણે પ્રાપ્ત કરે છે–પોતે
જ અભેદપણે તે કર્મરૂપે થાય છે; એ રીતે નિર્મળપર્યાયરૂપ કર્મ કરવાની તાકાત દ્રવ્યમાં જ છે, દ્રવ્યમાં જ
શુદ્ધતાનો ભંડાર ભર્યો છે; તેના આશ્રયે જ શુદ્ધતા થાય છે. તેનો આશ્રય ન કરે ને નિમિત્ત વગેરેનો આશ્રય
કરીને શુદ્ધતા થવાનું માને તે જીવ પોતાની આત્મશક્તિને નહિ માનનારો મિથ્યાદ્રષ્ટિ છે. સ્વભાવશક્તિના
આશ્રયે જ નિર્મળતા થાય છે, એટલે કે નિશ્ચયના આશ્રયે જ ધર્મ થાય છે ને વ્યવહારના આશ્રયે ધર્મ થતો જ
નથી–એવો અનેકાંત–નિયમ આમાં આવી જાય છે. આચાર્યભગવાને આ શક્તિઓના વર્ણનમાં અદ્ભુત રીતે
જૈન શાસનના રહસ્યની સિદ્ધિ કરી છે. પૂર્વે અનંતા તીર્થંકરો–ગણધરો–સંતો–સમકિતીઓએ આવો જ માર્ગ
જાણીને આદર્યો છે ને કહ્યો છે; વર્તમાનમાં પણ મહાવિદેહક્ષેત્રે સીમંધરાદિ વીસ તીર્થંકરો બિરાજમાન છે, તે
તીર્થંકરો તેમજ ગણધરો–સંતો વગેરે પણ આવો જ માર્ગ જાણીને આદરી રહ્યા છે ને કહી રહ્યા છે; ભરતક્ષેત્રમાં
પણ આવો જ માર્ગ છે, ને ભવિષ્યમાં પણ જે તીર્થંકરો–સંતો થશે તે બધાય આવા જ માર્ગને આદરશે ને કહેશે.
અહો! એક જ સનાતન માર્ગ છે.–આ માર્ગનો નિશ્ચય કરે ત્યાં મુક્તિની શંકા રહે નહિ. આ માર્ગ નક્કી કર્યો ત્યાં
એમ આત્મા સાક્ષી આપે કે બસ! હવે અમે અનંતા તીર્થંકરોના–સંતોના–જ્ઞાનીઓના માર્ગમાં ભળ્‌યા! હવે
સંસારનો છેડો આવી ગયો ને સિદ્ધિના માર્ગમાં ભળ્‌યા.
આત્મામાં જ એવી તાકાત છે કે પોતાના સ્વભાવમાંથી સમ્યગ્દર્શનાદિ કાર્યને પ્રાપ્ત કરે; એ સિવાય કોઈ
પણ પુણ્યરાગમાં એવી તાકાત નથી કે તે સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરે. કર્તા પોતે પરિણમીને જે કાર્યરૂપ થાય તે
તેનું કર્મ છે. આત્મા જ પરિણમીને સમ્યગ્દર્શનાદિરૂપ થાય છે, રાગ કે નિમિત્તો પરિણમીને કાંઈ તે–રૂપ થતા
નથી. અહો! મારા નિર્મળ કર્મરૂપે થવાની કર્મશક્તિ મારામાં જ છે–એમ પોતાના આત્માને પ્રતીતમાં લઈને તેની
સન્મુખ થતાં આત્મા પોતે પરિણમીને પોતાના નિર્મળ કર્મરૂપ થઈ જાય છે. સમ્યગ્દર્શનરૂપ કાર્ય, સમ્યગ્જ્ઞાનરૂપ
કાર્ય, સમ્યક્ચારિત્રરૂપ કાર્ય– એ કર્મરૂપે આત્મા પોતે પોતાની કર્મશક્તિથી થાય છે; પણ મહાવ્રતાદિ વિકલ્પોના
આધારે કે શરીરની દિગંબરદશાના આધારે કાંઈ સમ્યગ્ કાર્ય થતું નથી. ‘કર્મશક્તિ’ કોઈ પરના આધારે કે
વિકલ્પના આધારે નથી એટલે તે કોઈ આત્માના કર્મરૂપે થતા નથી; એકલી પર્યાયના આધારે પણ કર્મશક્તિ
નથી એટલે પર્યાયના આશ્રયે નિર્મળ કર્મ પ્રાપ્ત થતું નથી અથવા પર્યાય પોતે બીજા સમયના કર્મપણે થતી નથી.
કર્મશક્તિ તો આત્મદ્રવ્યની છે, તેથી આત્મદ્રવ્યના આશ્રયે આત્મા પોતે નિર્મળ કર્મરૂપે પરિણમી જાય છે. આ
રીતે આત્મા અને તેનું કર્મનું અભેદપણું છે. એ અભેદના આશ્રયે જ કર્મશક્તિની યથાર્થ પ્રતીત થાય છે. આમાં
વ્યવહારના આશ્રયે નિર્મળ કાર્ય થાય–

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ૧૭૩
એ વાત તો ફોતરાંની જેમ ફૂ થઈને ઊડી જાય છે. અનંતશક્તિથી અભેદ ચૈતન્યદ્રવ્ય છે તેના જ આશ્રયે બધા
ગુણનું નિર્મળ કાર્ય થાય છે, એ સિવાય શ્રદ્ધા વગેરે ગુણનો ભેદ પાડીને તે ભેદના લક્ષે સમ્યગ્દર્શનાદિ કાર્ય
કરવા માંગે તો તેમ થતું નથી. ગુણભેદને લક્ષમાં લઈને આશ્રય કરતાં ગુણો સમ્યક્રૂપે પરિણમતા નથી,
અભેદદ્રવ્યને લક્ષમાં લઈને આશ્રય કરતાં શ્રદ્ધા વગેરે બધાય ગુણો પોતપોતાના નિર્મળ કાર્યરૂપે પરિણમવા
માંડે છે.
આત્માનું આવું સૂક્ષ્મસ્વરૂપ સમજે નહિ ને દાન–દયા વગેરે બાહ્ય–સ્થૂળતામાં ધર્મ માની લ્યે તે કાંઈ
જૈનધર્મનું સ્વરૂપ નથી, તે તો મૂઢ જીવોએ માનેલો, મિથ્યા ધર્મ છે. જેમ કડવા કરીયાતાની કોથળી ઉપર ‘સાકર’
એવું નામ લખી નાંખે પણ તેથી કાંઈ કરીયાતું કડવું મટીને મીઠું ન થઈ જાય. તેમ દાન–દયા વગેરે કડવા–
વિકારી–ભાવો ઉપર ‘ધર્મ’ એવું નામ આપીને કુગુરુઓ મૂઢ જીવોને છેતરી રહ્યા છે, પણ તેથી કાંઈ દયા–
દાનાદિનો રાગ તે ધર્મ ન થઈ જાય. ધર્મની પ્રાપ્તિ તો પોતાના આત્મામાંથી શુદ્ધચૈતન્યસ્વભાવના આશ્રયે જ થાય
છે. ધર્મ તે આત્માનું કર્મ છે ને તેની પ્રાપ્તિ આત્મામાંથી જ થાય છે. સમ્યગ્દર્શન જો કે શ્રદ્ધાગુણનું કાર્ય છે, પણ તે
શ્રદ્ધાગુણ અનંતગુણના પિંડથી જુદો પડીને કાર્ય નથી કરતો..જુદા જુદા ગુણદીઠ જુદી જુદી ‘કર્મશક્તિ’ (–
કાર્યરૂપ થવાની શક્તિ) નથી, પણ અખંડ આત્મદ્રવ્યની એક જ કર્મશક્તિ છે, તે બધા ગુણોમાં વ્યાપીને પોતાનું
કાર્ય કરે છે. એટલે બધા ગુણોનું નિર્મળ કાર્ય અખંડ દ્રવ્યના જ આશ્રયે થાય છે. કેવળજ્ઞાન પણ આત્માનું કર્મ છે
અને આઠ કર્મરહિત એવી સિદ્ધદશા તે પણ આત્માનું કર્મ છે. આત્મા પોતાની શક્તિથી જ તે કર્મરૂપ પરિણમે છે,
કાંઈ બહારથી તે કર્મ નથી આવતું.
“આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે..” એટલે શું? કેવળજ્ઞાનરૂપી કાર્ય જીવ બહારથી નથી લાવતો,
પણ પોતાના આત્મસ્વભાવની ભાવના કરતાં કરતાં આત્મા પોતે જ કેવળજ્ઞાનરૂપ થઈ જાય છે. ‘આતમભાવના
ભાવતાં..” એમ ગોખ્યા કરે, પણ આત્મા શું ને તેની ભાવના શું તે જાણે નહિ ને બહારથી કે આ બોલવાના રાગથી
મને લાભ થઈ જશે એમ માને તેને કેવળજ્ઞાન થતું નથી, તે તો અજ્ઞાની જ રહે છે. કેવળજ્ઞાન કેમ થાય? કે આત્માની
ભાવનાથી. આત્મા કેવો? કે જ્ઞાનાદિ અનંતગુણોથી પરિપૂર્ણ; એવા આત્માની ભાવના એટલે તેની સન્મુખ થઈને તેના
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેમાં લીનતા, તે કેવળજ્ઞાનનો ઉપાય છે. જેને નિમિત્તની કે પુણ્યની ભાવના છે તેને આત્માની
ભાવના નથી.
આ આત્માને શાંતિ જોઈએ છે. આત્માનું શાંતિરૂપી કાર્ય ક્યાં છે તેની આ વાત છે. આ આત્માનું
શાંતિરૂપી કાર્ય શુદ્ધસ્વભાવ સિવાય બીજા કોઈ વિકલ્પમાં, દેવ–ગુરુ–શાસ્ત્રમાં કે ગૂફા–પર્વત વગેરેમાં નથી,
માટે ભાઈ! બાહ્યદ્રષ્ટિ છોડીને તારા આત્મામાં જ શાંતિ શોધ. જેમ સાકર પોતે ગળી છે, લીંબું પોતે ખાટું છે,
કોલસો પોતે કાળો છે, અગ્નિ પોતે ઉનો છે, તેમ આત્મા પોતે શાંતિસ્વરૂપ છે. ભાઈ! આવા તારા આત્મા
સામે જોતાં તારો આત્મા પોતે શાંતિરૂપ થઈ જશે. આ સિવાય બહારમાં જે શાંતિ શોધે કે બહારના સાધનવડે
શાંતિ મેળવવા માંગે તે પોતાના આત્માને કે પોતાના આત્માની શક્તિને માનતો નથી, ને તેને શાંતિ મળતી
નથી.
જેમ કોઈ માણસ ચક્રવર્તીને ઓળખીને તેની સેવા કરે તો તો તેને લક્ષ્મી વગેરેનો લાભ મળે; પણ ચક્રવર્તીને તો
ઓળખે નહિ ને ગરીબ ભીખારીને ચક્રવર્તી માનીને તેની સેવા કરે તો તેને કાંઈ લાભ ન મળે,–માત્ર તે દુઃખી જ થાય;
તેમ ચૈતન્ય ચક્રવર્તી આત્માને ઓળખીને તેનું જે સેવન કરે તેને તો સમ્યગ્દર્શનાદિ રત્નત્રયરૂપ લક્ષ્મીનો લાભ મળે.
પણ ચૈતન્યચક્રવર્તીને તો ઓળખે નહિ ને રાગની તુચ્છ વૃત્તિઓને જ ચૈતન્યસ્વભાવ માનીને સેવે તેને રત્નત્રયનો
લાભ મળે નહિ પણ તે દુઃખી જ થાય.
‘તમે પુણ્યથી ધર્મ નથી માનતા, માટે તમે પુણ્યને ઊડાડો છો”–એમ કેટલાક લોકો અણસમજણને લીધે
ફરિયાદ કરે છે. પણ ખરેખર તો જેઓ પુણ્યને ધર્મ માને છે તેઓ જ પુણ્યને ઉડાડે છે; પુણ્યને જ ધર્મ માન્યો એટલે
પુણ્યતત્ત્વનું જુદું અસ્તિત્વ તેની માન્યતામાં રહ્યું જ નહિ. જ્ઞાની તો પુણ્યને પુણ્યરૂપે જાણે છે, ને ધર્મને તેનાથી ભિન્ન
ધર્મરૂપે જાણે

PDF/HTML Page 12 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
છે, એટલે તેની માન્યતામાં પુણ્ય અને ધર્મ બંનેનું ભિન્ન ભિન્ન અસ્તિત્વ જેમ છે તેમ રહે છે. જ્ઞાની તો પુણ્યને
પુણ્યરૂપે સ્થાપે છે, ને અજ્ઞાની પુણ્યને પુણ્યરૂપે ન સ્થાપતાં તેને ઉથાપે છે.
જેમ લીલી લીંબોડીને કોઈ નીલમણિ માની લ્યે તો તે લીંબોડીને પણ નથી ઓળખતો ને નીલમણિને
પણ નથી ઓળખતો; કાચના કટકાને કોઈ હીરો માની લ્યે તો તે કાચને પણ નથી ઓળખતો ને હીરાને પણ
નથી ઓળખતો, બિલાડીને જ વાઘ માની લ્યે તો તે બિલાડીને પણ નથી ઓળખતો ને વાઘને પણ નથી
ઓળખતો; તેમ રાગને જ જે વીતરાગધર્મ માની લ્યે તે રાગને પણ નથી ઓળખતો ને ધર્મને પણ નથી
ઓળખતો. વ્યવહારના આશ્રયે નિશ્ચય પ્રગટવાનું માને તે વ્યવહારને પણ નથી જાણતો ને નિશ્ચયને પણ નથી
જાણતો. નિમિત્ત ઉપાદાનનું કાંઈ કાર્ય કરે એમ માને તે નિમિત્તને પણ નથી જાણતો ને ઉપાદાનને પણ નથી
જાણતો. સ્વનું કાર્ય પરના આશ્રયે થાય એમ જે માને તે સ્વને પણ નથી જાણતો ને પરને પણ નથી જાણતો.
દેવ–ગુરુ–શાસ્ત્રનો ઉપદેશ તો એવો છે કે તારા આત્માના આશ્રયે જ તારો ધર્મ છે, પરાશ્રયે શુભરાગની
લાગણી થાય તે તારો ધર્મ નથી;–છતાં જે પુણ્યને ધર્મ માને છે તેણે દેવ–ગુરુ–શાસ્ત્રને, પુણ્યને કે ધર્મને કોઈને
માન્યા નથી, નિશ્ચય–વ્યવહારને કે દ્રવ્ય–ગુણ–પર્યાયને પણ જાણ્યા નથી. સંતો કેવા હોય, ધર્માત્મા કેવા હોય–
સાચા વૈરાગ્યની–ત્યાગની કે વ્રતાદિની ભૂમિકા કેવી હોય, તેની તેને ખબર નથી. અહો! મૂળભૂત
ચૈતન્યસ્વભાવ જેની પ્રતીતમાં ન આવ્યો તેનામાં કોઈ પણ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવાની તાકાત નથી.
પોતાના ચૈતન્યસ્વભાવનો આશ્રય કરતાં જ જ્ઞાનની સ્વ–પરપ્રકાશક શક્તિ ખીલી જાય છે અને તે સ્વ–પરને
યથાર્થ જાણે છે. એકલા પર તરફ ઝૂકેલું જ્ઞાન સ્વને કે પરને કોઈને યથાર્થ જાણતું નથી, અને સ્વભાવ તરફ
વળેલું જ્ઞાન સ્વને તેમજ પરને યથાર્થ જાણે છે. અહો! આમાં જૈનશાસનમાં ઊંડું રહસ્ય છે. આ રહસ્ય સમજ્યા
વગર જૈનશાસનના મૂળનો પત્તો લાગે તેમ નથી. જ્યાં સ્વભાવ–સન્મુખ થયો ત્યાં પોતાનાં સ્વભાવમાં જ્ઞાન–
આનંદ વગેરેનું પરિપૂર્ણ સામર્થ્ય છે તેને જાણ્યું, વર્તમાન પર્યાયમાં કેટલા જ્ઞાન–આનંદ પ્રગટયા છે તે પણ
જાણ્યું, કેટલા બાકી છે તે પણ જાણ્યું, જ્ઞાન–આનંદ પ્રગટવામાં નિમિત્તો (દેવ–ગુરુ વગેરે) કેવા હોય તે પણ
જાણ્યું, જ્ઞાન–આનંદ પ્રગટયા તેની સાથે (સાધકપણામાં) કઈ ભૂમિકાએ કેવો વ્યવહાર હોય ને કેવા રાગાદિ
છૂટી જાય તે પણ જાણ્યું. બીજા જ્ઞાની–મુનિઓની અંર્તદશા કેવી હોય તે પણ જાણ્યું. આ રીતે શુદ્ધ
આત્મસ્વભાવની સન્મુખ થઈને તેને જાણતાં આખું જૈન શાસન જાણ્યું. અને જેણે આવા આત્મસ્વભાવને ન
જાણ્યો તેણે જૈનશાસનના એકેય તત્ત્વને વાસ્તવિકપણે જાણ્યું નથી.
જુઓ, આ ધર્મ અને ધર્મની રીત કહેવાય છે.
ધર્મ શું છે?–આત્માની નિર્મળપર્યાય;
ધર્મ કેમ થાય?–શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે;
શુદ્ધ સ્વભાવને જાણે નહિ ને બીજાના આશ્રયે જે ધર્મ માને તેણે ધર્મનું સ્વરૂપ કે ધર્મની રીત જાણી નથી.
શુભરાગને ધર્મનું પરંપરા કારણ શાસ્ત્રોમાં ક્યાંય કહ્યું હોય તો તે ઉપચારથી છે એમ સમજવું; જ્યારે તે રાગનો આશ્રય
છોડીને શુદ્ધ સ્વભાવનો આશ્રય કર્યો ત્યારે જ ધર્મ થયો, અને પૂર્વના રાગને ઉપચારથી કારણ કહ્યું;–પણ વાસ્તવિક
કારણ તે નથી; વાસ્તવિક કારણ તો શુદ્ધસ્વભાવનો આશ્રય કર્યો તે જ છે.
સાધક જીવ પોતાના શુદ્ધસ્વભાવનો આશ્રય કરીને પોતાના નિર્મળ જ્ઞાનાદિ કાર્યરૂપે થાય છે. ત્યાં
સ્વાશ્રયે સમ્યગ્જ્ઞાનપણે પરિણમતાં, તે તે ભૂમિકામાં વર્તતા રાગાદિને પણ તે જ્ઞેયપણે જાણે છે. તે રાગને
જાણતી વખતે પણ તેને જાણનારું જે જ્ઞાન છે તે જ ધર્મીને પોતના કર્મપણે છે, પણ જે રાગ છે તેને તે પોતાના
કર્મપણે સ્વીકારતા નથી, તેને તો જ્ઞાનથી ભિન્ન જાણે છે. રાગને જાણતી વખતે પણ શ્રદ્ધામાં રાગરહિત
સ્વભાવનું જ અવલંબન વર્તે છે; એટલે આવી સ્વભાવદ્રષ્ટિમાં જ્ઞાનીને રાગ તો ‘અસદ્ભુત’ થઈ ગયો. રાગને
જાણતાં તેનું જોર રાગ ઉપર નથી જતું, તેનું જોર તો જ્ઞાનસ્વભાવ ઉપર જ રહે છે, તે જ્ઞાનસ્વભાવના આશ્રયે
નિર્મળપર્યાય જ તેને ‘સદ્ભુત’પણે વર્તે છે, રાગાદિને તે ‘અસદ્ભુત’ જાણે છે. મિથ્યાદ્રષ્ટિ રાગથી ભિન્ન શુદ્ધ
સ્વભાવને નથી જાણતો, તે તો રાગને સ્વભાવ સાથે એક–મેકપણે જ જાણે છે, એટલે તેને તો ‘અસદ્ભુત’
એવા રાગનું પણ યથાર્થ

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૭૩
જ્ઞાન થતું નથી. આ રીતે શુદ્ધ સ્વભાવરૂપ નિશ્ચયના જ્ઞાન વગર રાગાદિ વ્યવહારનું જ્ઞાન સમ્યક્ થતું નથી; નિશ્ચયના
જ્ઞાનપૂર્વક જ વ્યવહારનું જ્ઞાન સમ્યક્ થાય છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા અનંતગુણનો પિંડ છે, તેને ઓળખાવવા માટે તેની શક્તિઓનું આ વર્ણન છે. અંતર્મુખ
જ્ઞાનવડે ભગવાન આત્માને લક્ષમાં લેતાં અનંત શક્તિના એકરૂપ સ્વાદથી તે અનુભવમાં આવે છે. તે અનંતશક્તિમાં
એક એવી કર્મશક્તિ છે કે પોતાના સ્વભાવમાંથી પ્રગટ થતા નિર્મળભાવમય થઈને, આત્મા પોતે પોતાનું કર્મ થાય છે.
આવી શક્તિવાળા આત્માને જાણવો તે ધર્મનું મૂળ છે.
પ્રશ્નઃ– આપ આત્માને જાણવાનું કહો છો, પણ પરિગ્રહ છોડવાની વાત તો કરતા નથી!
ઉત્તરઃ– હું મારી જ્ઞાનાદિ અનંતશક્તિઓથી ભરેલો છું ને પરનો એક અંશ પણ મારામાં નથી–એમ ભેદજ્ઞાન
કરીને, પોતાના અનંતશક્તિસંપન્ન આત્માની પક્કડ થતાં (–શ્રદ્ધાજ્ઞાનમાં તેને પકડતાં) બાહ્ય પદાર્થોની અને
પરભાવોની પક્કડ છૂટી જાય છે, એટલે શ્રદ્ધા–જ્ઞાન અપેક્ષાએ ત્યાં સર્વ પરિગ્રહને ત્યાગ થઈ જાય છે.–આવો ત્યાગ
થતાં અનંત સંસાર છૂટી જાય છે. મિથ્યાત્વને લીધે રાગાદિ એકત્વબુદ્ધિરૂપ જે પક્કડ છે તે જ અનંતસંસારના કારણરૂપ
મોટો પરિગ્રહ છે, તે પરિગ્રહનો ત્યાગ કેમ થાય તેની આ વાત છે. મિથ્યાત્વનો ત્યાગ થયા પછી જ અવિરતિ વગેરેનો
ત્યાગ થાય છે. અંતરમાં અનંતગુણના પિંડની જેને પક્કડ નથી અને બાહ્યમાં ત્યાગી થઈને એમ માને છે કે મેં પરિગ્રહ
છોડયો,–પણ અંતરમાં રાગની રુચિને લીધે બધાય પરિગ્રહની પક્કડ તેને પડી છે, તેથી તેણે જરા પણ પરિગ્રહ છોડયો
એમ જિનેન્દ્ર ભગવાનના માર્ગમાં સ્વીકારવામાં આવતું નથી. અહીં તો કહે છે કે આત્મા પોતાના સ્વભાવથી નિર્મળ
કાર્યરૂપે પરિણમે છે, તે નિર્મળ કાર્યમાં વિકારી કાર્યનો અભાવ છે, એટલે વિકારના નિમિત્તરૂપ પરિગ્રહની પક્કડ પણ
ત્યાં છૂટી જ ગઈ છે. એ રીતે નિર્મળ કાર્યમાં પરિગ્રહ–ત્યાગ પણ આવી જ જાય છે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મા બાહ્ય પદાર્થોથી તો જુદો જ છે, ને રાગથી પણ ખરેખર જુદો છે; રાગ સાથે
તન્મય થવાનો તેનો સ્વભાવ નથી, જ્ઞાનાદિ સાથે જ તન્મય થવાનો તેનો સ્વભાવ છે. સ્વસન્મુખ થયેલું જ્ઞાન
આત્મા સાથે તન્મય થઈને આત્માને જાણે છે; અને રાગને જાણનારું જ્ઞાન રાગમાં તન્મય થયા વગર જ તેને
જાણે છે. જ્ઞાન જો સ્વસન્મુખ થઈને આત્મામાં તન્મય ન થાય તો તે આત્માને યથાર્થપણે જાણી શકતું નથી.
અને જ્ઞાન જો રાગમાં તન્મય થઈ જાય તો તે રાગને જાણી શકતું નથી; રાગથી જુદું રહે તો જ તે રાગને જાણી
શકે છે. જ્ઞાન સ્વને તો તન્મય થઈને જાણે છે ને પરને–રાગાદિને તન્મય થયા વિના જ જાણે છે,–આવો જ
જ્ઞાનનો સ્વભાવ છે. આવા નિર્મળ જ્ઞાનરૂપ કાર્યને પ્રાપ્ત કરીને, તેમાં તન્મય થઈને, આત્મા પોતે પોતાના
કર્મરૂપ થાય છે–એવી તેની કર્મશક્તિ છે.
૪૧ મી કર્મશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
પરમ પારિણામિક સ્વભાવ
આત્માનો સ્વભાવ પરમ પારિણામિક ભાવરૂપ
ત્રિકાળ છે; તે સ્વભાવને પકડવાથી જ મુક્તિ થાય છે. તે
સ્વભાવ કઈ રીતે પકડાય? રાગાદિ ઔદયિક ભાવવડે તે
સ્વભાવ પકડાતો નથી; ઔદયિક ભાવો તો બહિર્મુખ છે ને
પારિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે, તે બહિર્મુખ ભાવવડે
અંતર્મુખ ભાવ પકડાય નહિ. હવે જે અંતર્મુખી ઉપશમ–
ક્ષયોપશમ કે ક્ષાયકભાવ છે તેના વડે તે પારિણામિક
સ્વભાવ જો કે પકડાય છે, પરંતુ તે ઉપશમાદિ ભાવોના
વિકલ્પવડે તે નથી પકડાતો. અંતર્મુખ થઈને એ પરમ
સ્વભાવને પકડતાં ઉપશમાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. તે
ભાવો પોતે કાર્યરૂપ છે, ને પરમ પારિણામિક સ્વભાવ
કારણરૂપ પરમાત્મા છે.
(–પ્રવચનમાંથી)

PDF/HTML Page 14 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ ૧૩ઃ
લક્ષ્મી કોઈની રાખી રહેતી નથી
(૧) અ...નિ...ત્ય...ભા...વ...ના
દ્વાદશઅનુપ્રેક્ષામાંથી અનિત્યભાવના
ઉપરના પૂ. ગુરુદેવના પ્રવચનો ઉપરથી,
વૈરાગ્યપ્રધાન સુંદર અને હળવો લેખ,
સવારમાં જેને રાજસિંહાસન ઉપર
દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ
થતો દેખાય છે–આવા પ્રસંગો તો સંસારમાં
અનેક દેખાય છે, છતાં મોહમૂઢ જીવોને
વૈરાગ્ય નથી આવતો. બાપુ! સંસારને
અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ..એક
વાર તારા આત્મા તરફ જો. બહારના
ભાવો અનંત કાળ કર્યા છતાં શાંતિ ન
મળી, માટે હવે તો અંતર્મુખ થા. આ સંસાર
કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઇચ્છવા
જેવા નથી, અંતરનું એક ચિદાનંદ તત્ત્વ
ભાવના કરવા જેવું છે.
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, આત્માને પોતાનું જ્ઞાનસ્વરૂપ જ ધ્રુવ રહેનાર છે, એ સિવાય લક્ષ્મી વગેરે કાંઈ પણ
ધ્રુવ નથી, લક્ષ્મી વગેરેનો સંયોગ ક્ષણિક છે, તે ક્ષણમાત્રમાં છૂટી જાય છે, કોઈ જીવ તેને રોકી શકતો નથી. લક્ષ્મી
વગેરેને સ્થિર રાખવાનું કોઈ અભિમાન કરે તો તે મિથ્યા છે, કેમકે પુણ્યવંત એવા ચક્રધરોને પણ જે લક્ષ્મી શાશ્વતરૂપ
નથી રહેતી તે લક્ષ્મી બીજા પુણ્યહીન જીવોમાં રતિ કેમ પામશે? કુલીન કે ધીર, પંડિત કે સુભટ, પૂજ્ય, ધર્માત્મા કે
રૂપવાન, સુજન કે મહાપરાક્રમી વગેરે કોઈ પણ પુરુષમાં લક્ષ્મી રાચતી નથી,–એકરૂપ રહેતી નથી.
(૧) “અમે તો કુલીન છીએ, અમારે તો દસ દસ પેઢીથી ઘણી લક્ષ્મી ચાલી આવે છે તો હવે અમારી પાસેથી તે
ક્યાં જવાની છે!”–આમ કોઈ અભિમાન કરે તો તે વૃથા છે. અરે ભાઈ! લક્ષ્મીનો સ્વભાવ જ અધ્રુવ છે, વંશપરંપરાથી
ચાલી આવતી લક્ષ્મી પણ ક્ષણમાત્રમાં ચાલી જાય છે, ત્યારે તેને કોઈ રોકી શકતું નથી. જેના બાપદાદા કોટયાધિપતિ
શ્રીમંત હોય છતાં બે ટંક ભોજન મળવું પણ જેને

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૭૩
મુશ્કેલ થઈ પડયું હોય–એવા દાખલા શું જગતમાં નથી દેખાતા? માટે તેનું અભિમાન છોડ. કદાચિત્ પુણ્યોદય
અનુસાર લક્ષ્મીનો સંયોગ રહે તોય તેમાં કાંઈ સુખ નથી, તે તો અધ્રુવ ને અશરણ જ છે. (અહીં લક્ષ્મીની
મુખ્યતાથી વાત કરી છે, લક્ષ્મીની માફક શરીર, પુત્ર, સ્ત્રી, મિત્ર, મકાન વગેરેમાં પણ યોગ્ય સમજી લેવું.)
(૨) વળી કોઈ એમ માને કે હું તો ધૈર્યવાળો છું, તો મારી લક્ષ્મી હું કેમ ગુમાવીશ? પણ અરે ભાઈ!
તારું ધૈર્ય તારી પર્યાયમાં રહેશે, લક્ષ્મી જવા ટાણે તારું ધૈર્ય તેને નહિ રોકી શકે. તું ધૈર્ય રાખ માટે લક્ષ્મીનો
વિયોગ ન થાય–એમ નથી. માટે એને અધ્રુવ જાણીને તેમાંથી સુખબુદ્ધિ છોડ ને ધ્રુવચૈતન્યની ભાવના કર.
(૩) વળી કોઈ એમ માને કે હું પંડિત અને ડાહ્યો છું તેથી મારી બુદ્ધિથી હું લક્ષ્મીને ટકાવી રાખીશ, તેને જવા
નહિ દઉં.–તો તેને કહે છે કે અરે ભાઈ! એ પણ તારી ભ્રમણા છે. શું તારી વિદ્યાને કારણે લક્ષ્મી જતી અટકી જશે?–
ના. એના સંયોગનો કાળ પૂરો થતાં તત્ક્ષણ તે ચાલી જશે, તારી લાખ બુદ્ધિ કે ડહાપણ પણ ત્યાં કામ નહિ આવે. મોટા
મોટા ભણેલા–બુદ્ધિવાળા પણ આજીવિકા માટે રખડતા જોવામાં આવે છે છતાં તેમને લક્ષ્મી નથી મળતી, અને બુદ્ધિના
બારદાન અભણ માણસોને પણ લાખો રૂપિયાની પેદાશ થતી જોવામાં આવે છે–માટે બુદ્ધિ વડે લક્ષ્મીની રક્ષા થઈ શકશે
એ પણ ભ્રમણા છે. ભાઈ રે, લક્ષ્મી તો પુણ્ય હશે ત્યાં સુધી રહેશે, તેમાં તારી બુદ્ધિ જોડવા કરતાં આત્મા હિતમાં તારી
બુદ્ધિ જોડને!
(૪) વળી, કોઈ એમ અભિમાન કરે કે હું તો મોટો બળવાન સુભટ છું, કોની તાકાત છે કે મારી લક્ષ્મી લઈ
શકે! તો તેને કહે છે કે–અરે મૂઢ! પુણ્ય ખૂટતાં લક્ષ્મી ચાલી જશે ત્યાં તારું બળ કામ નહિ આવે. જતી લક્ષ્મીને તારું
બળ નહિ રોકી શકે. મોટા મોટા રાજના ધણી મહાબળવાન રાજાઓ પણ ક્ષણમાં પાયમાલ થઈ ગયા, માટે એ બળનું
અભિમાન છોડ ને ચૈતન્યને સાધવામાં તારું બળ–પુરુષાર્થ જોડ. લક્ષ્મી ચાલી જતી હશે ત્યાં તારું શરીરનું બળ કામ નહિ
આવે; હા, જો જ્ઞાનબળ હશે તો તે આત્માની શાંતિ માટે કામ આવશે. લક્ષ્મી રહો કે જાઓ તેમાં મારું બળ નથી,–તે તો
અનિત્ય સ્વભાવવાળી જ છે એટલે તેનો કાળ પૂરો થતાં તે ચાલી જશે. આમ જાણીને હે જીવ! તું તારા જ્ઞાનસ્વરૂપની
ભાવના ભાવ. એ ભાવના આનંદની જનની છે.
(પ) વળી કોઈ એમ માને કે, હું તો પૂજ્ય છું, લોકો મને બહુમાન આપે છે, માટે મારી લક્ષ્મીને કોણ લ્યે?
આમ લક્ષ્મીને ધ્રુવ માની રહ્યા છે–તે પણ અજ્ઞાની છે. લક્ષ્મી તો અધ્રુવ છે, હરકોઈ પ્રકારે તેનો સંયોગ છૂટી જશે. અરે,
પોતાના સગા હાથે જમીનમાં લક્ષ્મી દાટી હોય, અને જ્યાં કાઢવા જાય ત્યાં કોયલા નીકળે! કોઈ લઈ ગયું ન હોય પણ
લક્ષ્મી પોતે જ કોલસારૂપે પરિણમી જાય. આવું પણ બને છે.
(૬) વળી કોઈ એમ માને કે હું ધર્મી છું, હું વ્રતાદિ પુણ્ય કરું છું, તો મારી લક્ષ્મી ક્યાં જશે? પુણ્યથી
તો લક્ષ્મી મળે. તો તેને કહે છે કે–અરે ભાઈ! જ્ઞાનસ્વભાવની ભાવના ભાવ, ને લક્ષ્મીની કે પુણ્યની ભાવના
છોડ. લક્ષ્મી પુણ્યથી મળે છે–એ વાત ખરી, પરંતુ પુણ્ય પોતે પણ અધ્રુવ છે ને તેનું ફળ પણ અધ્રુવ છે. વળી
પુણ્ય કરીને લક્ષ્મી મેળવવાની જે ભાવના છે તે તો પાપ છે. જો પૂર્વના પુણ્ય ખૂટયાં તો, વર્તમાન શુભ
પરિણામ હોવા છતાં લક્ષ્મી ચાલી જાય છે, માટે હે ભાઈ, તું સમજ કે એ વસ્તુ જ આત્માને આધીન નથી,
આત્માને આધીન તો પોતાનો જ્ઞાનાનંદસ્વભાવ છે, માટે તે સ્વભાવની જ ભાવના કરવા જેવી છે. જડ લક્ષ્મી
કાંઈ આત્માને સુખની દાતાર નથી, આત્માનો જ્ઞાનસ્વભાવ જ આત્માને સુખનો દાતાર છે.–જે ખરેખર ધર્મી
છે તે તો આમ જાણીને સ્વભાવની જ ભાવના ભાવે છે. પણ જે ધર્મી ન હોવા છતાં, કંઈક દાનાદિના
શુભપરિણામથી પોતાને ધર્મી માને છે ને લક્ષ્મીને ધ્રુવ માનીને તેની ભાવના કરે છે–એવા અજ્ઞાનીને અહીં
સમજાવ્યું છે.
(૭) વળી કોઈ એમ અભિમાન કરે કે હું રૂપવાન છું માટે મારી લક્ષ્મી નહિ જાય, તો તે પણ વ્યર્થ છે. ભાઈ!
લક્ષ્મી ક્યાં રૂપ–કુરૂપ જુએ છે? કુરૂપવાળાને ત્યાં પણ લક્ષ્મીના ઢગલા થાય છે, ને રૂપવાન પણ દરિદ્રી દેખાય છે.
શરીરના અવયવોમાં

PDF/HTML Page 16 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ ૧પઃ
ખામી નથી તો લક્ષ્મીમાં ખામી કેમ પડશે? એ વાત મિથ્યા છે. ભાઈ, શરીર ને શરીરનું રૂપ પણ એક વાર રાખ થઈ
જશે ત્યાં લક્ષ્મીની શી વાત?
(૮) વળી કોઈ એમ માને છે કે હું તો સજ્જન પરોપકારી છું માટે મારી લક્ષ્મી ધ્રુવ ટકી રહેશે, તો એ વિચાર
પણ મિથ્યા છે. લક્ષ્મીનો સ્વભાવ જ અસ્થિર છે.
(૯) કોઈ એમ કહે કે હું મહાપરાક્રમી છું માટે લક્ષ્મીને જવા નહિ દઉં–તો એનું અભિમાન પણ મિથ્યા છે. અરે
ભાઈ, પરદ્રવ્યના પરિણમનમાં તારું પરાક્રમ શું કામ આવે? જ્યાં એનું પરિણમન ફર્યું ત્યાં જોતજોતામાં તે વિલય પામી
જાય છે, તે કોઈથી રાખી શકાતી નથી, માટે તેને સ્થિર રાખવાનું અભિમાન છોડ, તેને અનિત્ય જાણ, અશરણ જાણ; ને
તારી ચૈતન્ય સંપદાને ધ્રુવરૂપ, શરણરૂપ જાણીને તેની ભાવના કર.
–આ રીતે લક્ષ્મીની જેમ શરીર, મકાન, સ્ત્રી, પુત્રાદિ બધા સંયોગો અધ્રુવ છે, અરે! વિકાર પણ અધ્રુવ છે, ધ્રુવ
તો મારો જ્ઞાનાનંદસ્વભાવ છે.–આમ જાણીને ધ્રુવ ચિદાનંદસ્વભાવ તરફ વળવું તે અનિત્ય ભાવનાનું ફળ છે.
ધ્રુવસ્વભાવની સન્મુખ ઝુકાવ કર્યા વગર ‘લક્ષ્મી વગેરે અનિત્ય છે’ એમ કહી, તેને છોડીને ભાગે તે કાંઈ અનિત્ય
ભાવના નથી ને તેમાં ખરો વૈરાગ્ય પણ નથી. અનિત્ય સંયોગોની ભાવનાથી પાછો વળીને નિત્યાનંદસ્વભાવ તરફ
વળ્‌યો તેને જ સાચો વૈરાગ્ય અને સાચી ભાવના હોય છે.
અહીં લક્ષ્મીનું અનેક પ્રકારે અનિત્યપણું બતાવ્યું. હવે, જેને આરાધક પુણ્ય હોય તેને લક્ષ્મી વગેરે જો કે વધતી
જાય છે, પરંતુ તે આરાધક જીવ તે લક્ષ્મી વગેરેના સંયોગોને અધ્રુવ અને પોતાથી ભિન્ન જાણીને, તેની ભાવના
ભાવતા નથી, ભાવના તો પોતાના ધ્રુવ ચિદાનંદસ્વભાવની જ ભાવે છે.
જે જીવ ચૈતન્યની ભાવના તો ભાવતો નથી ને એકલી લક્ષ્મીની મમતામાં જ જીવન ગુમાવી રહ્યો છે તેના
ઉપર કરુણાથી શાસ્ત્રકાર કહે છે કેઃ જે પુરુષ લક્ષ્મીની મમતા કરીને તેને સંઘરી રાખવા જ માંગે છે ને
સુપાત્રદાન, જાત્રા, ભક્તિ, પ્રભાવના વગેરે કાર્યોમાં તેને વાપરતો નથી તે પુરુષ તીવ્ર મમતાભાવને લીધે પોતે
પોતાના આત્માને જ છેતરે છે, લક્ષ્મીની મમતા ખાતર તે મનુષ્યભવ હારી જાય છે–તેની એને ખબર નથી. અરે,
આવો મનુષ્યઅવતાર મળ્‌યો, તેમાં આત્માની ચૈતન્ય લક્ષ્મીને ભૂલીને જડ લક્ષ્મીમાં જે મોહી પડયો તે જીવ
પોતાના આત્માને છેતરી રહ્યો છે. અહા, ચૈતન્યની અસાધારણ સંપદા પાસે આ જડ લક્ષ્મીની શી કિંમત છે? જેને
જ્ઞાન–આનંદરૂપ સંપદાથી ભરપૂર ચૈતન્યના ધ્રુવ ચિદાનંદનો ચમત્કાર ભાસ્યો છે, તેનો અનુભવ થયો છે, તેનું
લક્ષ પણ થયું છે, તેને ચૈતન્ય સ્વભાવની સંપદા કરતાં જગતમાં બીજી કોઈ ચીજ મહિમાવંત ભાસતી નથી,
ચૈતન્યની પ્રીતિ કરતાં જગતના કોઈ પદાર્થ પ્રત્યે વિશેષ પ્રીતિ તેને આવતી નથી, ચૈતન્યના આનંદ નિધાન પાસે
ઇન્દ્રની સંપદા પણ તેને તરણાંતુલ્ય ભાસે છે.
હવે, જેને ચૈતન્યસ્વભાવની ભાવના હોય ને લક્ષ્મીને અનિત્ય જાણતો હોય એવા જીવને, ધર્મના
છે.

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૩
જે પુરુષ પોતાના પરિણામમાં મમતા ઘટાડીને લક્ષ્મીનો સદુપયોગ નથી કરતો, ને સંઘરી રાખે છે, તે પુરુષ
ખરેખર લક્ષ્મીનો પોતે સ્વામી નથી પણ રખોપિયો છે; તેને માટે તો તે પારકી લક્ષ્મી સમાન જ છે. તે જીવ લક્ષ્મી તો
પુત્ર વગેરેને માટે અહીં મૂકી જશે ને પોતાની મમતાના પાપ પરિણામ ભેગા લઈ જશે.
અહા, જે જીવ લક્ષ્મીમાં જ આસક્ત થઈને દિનરાત કષ્ટપૂર્વક તેનું જ ઉપાર્જન કરવામાં લાગ્યો રહે છે ને
આત્માના હિતના વિચારનો પણ અવકાશ લેતો નથી તે મૂઢ જીવ ફક્ત રાજાનું કે કુટુંબાદિનું જ કાર્ય સાધી રહ્યો છે,
અર્થાત્ તેની લક્ષ્મી કાં તો રાજા લઈ જશે ને કાં તો કુટુંબ વગેરેમાં ચાલી જશે તેના હાથમાં તો પાપ સિવાય કાંઈ નહિ
આવે.
જે દિનરાત લક્ષ્મીની જ ચિંતામાં લાગ્યા રહે છે, લક્ષ્મી કેમ મેળવું ને તેને કેમ સાચવું–એવી ચિંતા આડે
આત્માની ચિંતાનો અવકાશ પણ જેને નથી, લક્ષ્મીને ખાતર તીવ્ર પાપપરિણામ કરતાં પણ જે, અચકાતા નથી, ને સુખે
સૂતા પણ નથી તે પામર જીવો તો લક્ષ્મીના દાસ છે, ચોવીસે કલાક પૈસાના ભીખારી થઈને તે જીવન વ્યર્થ ગુમાવે છે.
ધર્મી તો જાણે છે કે હું મારી અનંત ચૈતન્ય લક્ષ્મીનો સ્વામી છું, તેથી તે જગત પ્રત્યે ઉદાસ છે, ને એવા ધર્મી જ આ
જગતમાં સુખી છે. કવિ બનારસીદાસજી કહે છે કે–
રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા,
અંતર કી લક્ષી સો અજાચી લક્ષપતિ હૈ,
દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સોં,
સુખીયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.
જગતમાં પૈસાવાળા સુખી છે–એમ નથી કહ્યું પણ અંતરની લક્ષ્મીનું જેને લક્ષ છે–એવા સમકિતી ધર્માત્મા આ
જગતમાં સદા સુખીયા છે.
ધર્મનો જેને પ્રેમ છે તેને ધર્મકાર્યોમાં લક્ષ્મી વાપરવાનો ઉમંગ આવ્યા વિના રહેતો નથી, અને તેની જ લક્ષ્મી
સફળ છે. ધર્માત્મા હંમેશ ધર્મના નવા નવા મહોત્સવો કરીને ધર્મપ્રભાવનામાં પોતાની લક્ષ્મીનો ઉપયોગ કરે. લક્ષ્મી
ખરચવાથી ખૂટતી નથી, ને પુણ્ય ખૂટે તો રહેતી નથી. માટે કહે છે કે ભાઈ, લક્ષ્મીને અનિત્ય જાણીને, તારા પરિણામમાં
તેના પ્રત્યેનો મોહ ઘટાડ, ને ધ્રુવચિદાનંદ સ્વભાવ તરફ તારો પ્રેમ કર.
જુઓ, ભાવલિંગી નિર્ગ્રંથ સંતોની આ વાણી છે. તેમની પાસે કાંઈ પરિગ્રહ હોતો નથી, વારંવાર તેઓ
નિર્વિકલ્પ થઈને આત્માના આનંદમાં લીન થાય છે,–એવા લીન થાય છે કે જાણે સિદ્ધ બેઠા હોય! ભાઈ, આવા વીરાગી
સંતોને કાંઈ તારી લક્ષ્મીની જરૂર નથી; અરે! લક્ષ્મી તો શું, પણ વસ્ત્રનો એક તાણોય તેઓ રાખતા નથી. એવા સંતો
જગત ઉપર કરુણા કરીને આ વસ્તુસ્થિતિ પ્રગટ કરે છે; લક્ષ્મીની તીવ્ર મમતાવડે લોભરૂપી ઊંડા કુવાની ભેખડમાં
ભરાયેલા જીવોને તેમાંથી બહાર કાઢવા માટે, લક્ષ્મીની અનિત્યતા બતાવીને દાનાદિનો ઉપદેશ આપે છે. આમાં ધર્મના
લક્ષપૂર્વકની મુખ્ય વાત છે. ધર્મની ખરી પ્રીતિવાળા જીવને મુનિઓ વગેરે ધર્માત્માને આહારાદિ દાનમાં, જિનમંદિર
વગેરેમાં ને ધર્મને શોભા વધે એવા સર્વ પ્રસંગમાં લક્ષ્મી ખરચવાનો ઉમંગ આવ્યા વિના રહેતો નથી, અને લૌકિક
પ્રસંગ તથા ધર્મપ્રસંગ વચ્ચે તે વિવેક કરે છે. લૌકિક ભણતરમાં કે ચૂંટણી વગેરે પ્રસંગમાં તો લાખો રૂપિયા ખરચી નાંખે
ને જિનમંદિર–પ્રતિષ્ઠા–જ્ઞાનનો પ્રચાર વગેરે ધર્મપ્રસંગમાં કાંઈ ઉલ્લાસને બતાવે–સો બસો રૂપિયા તેમાં ખરચવા હોય
તો પણ ભારે પડે,–તો એને ધર્મનો વિવેક ન કહેવાય. અરે, દીકરા–દીકરીના લગ્નપ્રસંગે નાચ–ગાન વગેરેમાં લાખો
રૂપિયા હોંસથી ખરચે, ને ધર્મના પ્રસંગમાં સામે પણ ન જુએ,–તો એને ધર્મનો પ્રેમ કેમ કહેવાય? અહા, ધર્મનો જેને
રંગ લાગ્યો હોય તેને ધર્મના પ્રસંગમાં કેટલો ઉલ્લાસ હોય?–એને શીખડાવવું ન પડે, પણ ધર્મનો પ્રસંગ આવતા તેને
પોતાનો જ જાણીને ‘આ તો મારું જ કામ’ એમ ઉલ્લાસ આવી જાય છે. જેમ દીકરાના લગનમાં હોંસ કરવાનું માતાને
શીખડાવવું ન પડે, પણ પુત્ર પ્રત્યેના રાગને લીધે માતાને તેવી હોંસ આવી જ જાય; તેમ ધર્મીને પણ ધર્મ પ્રત્યેના રંગને
લીધે ધર્મના પ્રસંગમાં હોંસ આવી જ જાય છે. ધર્મના પ્રસંગમાં ધર્મીની હોંસ છૂપી ન રહે,–જેમ રણે ચડયા રજપૂત છૂપા
ન રહે તેમ.

PDF/HTML Page 18 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ ૧૭ઃ
એ પ્રમાણે, આત્માના સ્વભાવને ધ્રુવ જાણીને, અને લક્ષ્મીને અધ્રુવ જાણીને, જે જીવ આત્માનો પ્રેમ કરે છે ને
લક્ષ્મીનો પ્રેમ છોડે છે, અને ધર્મના વાત્સલ્યપૂર્વક પોતાની લક્ષ્મીનું દાન કરે છે તેનું જીવન સફળ છે. પોતે તો ધર્મયુક્ત
વર્તે છે ને બીજા ધર્માત્માને દેખીને પ્રમોદથી નિરપેક્ષપણે (–કોઈ પણ જાતના બદલાની આશા વગર) લક્ષ્મીનું દાન કરે
છે, તેનું જીવન સફળ છે. મોક્ષમાર્ગસાધક મુનિવરોને કે ધર્માત્માને જોતાં જ ધર્મીને એવા ભાવો ઉલ્લસે છે કે વાહ! આ
જીવ મોક્ષમાર્ગને સાધી રહ્યા છે, હું જે મોક્ષમાર્ગને સાધવા માંગુ છું તેને જ આ સાધી રહ્યા છે, એનું જીવન ધન્ય છે; ને
એવી સેવામાં મારી લક્ષ્મી વપરાય તેમાં મારું જીવન પણ ધન્ય છે.–આમ ભક્તિથી ઉલ્લસિત થઈને આહારદાન,
શાસ્ત્રદાન વગેરેમાં પોતાની લક્ષ્મી ધર્મી જીવ હોંસથી વાપરે છે.
જુઓ તો ખરા, છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મુનિઓનો આ ઉપદેશ છે...એ મુનિવરો તો જગતથી નિઃસ્પૃહ
અને નિરપેક્ષ મહાસંતો હતા; પોતે વૈરાગ્યભાવનાઓમાં ઝૂલતા ઝૂલતા આ વૈરાગ્યભાવનાઓનો ઉપદેશ
નીકળ્‌યો છે. તેઓ પોતે તો લક્ષ્મી વગેરેના સર્વસ્વત્યાગી છે; પણ જે જીવ ધર્માત્મા છે ને હજી લક્ષ્મી વગેરેનો
સર્વથા ત્યાગ નથી કરી શકતો, ગૃહસ્થપણામાં વર્તે છે; એવા જીવને જિનમંદિર બંધાવવાનો, ભગવાનની પૂજા–
પ્રતિષ્ઠા કરાવવાનો, મોટી મોટી રથયાત્રાનો, તીર્થોની જાત્રાનો, શાસ્ત્રોના પ્રચારનો, સાધર્મી પ્રત્યેના
વાત્સલ્યનો વગેરે ભાવ આવે છે, મુનિઓ પણ ગૃહસ્થોને તેવા કાર્યોનો ઉપદેશ આપે છે, ને તેવા કાર્યોમાં
ગૃહસ્થો પોતાની લક્ષ્મીનો ઉપયોગ કરે છે.
શ્રી વસુબિંદુઆચાર્ય–કે જેઓ કુંદકુંદાચાર્યદેવના શિષ્ય હતા અને જેમનું બીજું નામ જયસેન હતું–તેઓ
પ્રતિષ્ઠાપાઠમાં કહે છે કે–જેને પોતાની લક્ષ્મી ધાર્મિક કાર્યમાં ખરચવાની ભાવના જાગી છે એવો શ્રાવક કોઈ
મુનિ પાસે કે પ્રતિષ્ઠાચાર્ય પાસે જઈને વિનયપૂર્વક વંદન કરીને કહે કેઃ હે અકારણ બાંધવ! પૂર્વોપાર્જિત પુણ્યના
પ્રભાવથી હું આવું સુંદર કુળ, શુભ ગોત્ર, આર્ય દેશ તથા મનુષ્યભવ અને જિનધર્મ પામ્યો છું. અને મારા
પિતાએ ન્યાયપૂર્વક મેળવેલું ધન મને આપ્યું છે તથા મેં પણ મેળવ્યું છે, તેમાંથી કેટલુંક ધન મારા આત્મહિતને
માટે સ્ત્રી–પુત્ર–મિત્રાદિની સંમતિપૂર્વક હું સત્કાર્યમાં ખરચવા ચાહું છું. હે સ્વામી! હું આ લક્ષ્મીને કુલટા સ્ત્રી
સમાન જાણું છું; અરે! ચક્રવર્તીની સંપદા પણ સ્થિર નથી તો મારી સંપદાની શી વાત? તેથી હે સ્વામી! આ
લક્ષ્મીવડે શ્રી અરહંતદેવના પંચકલ્યાણક કરવાની મારી અભિલાષા છે..સ્વર્ગ–મોક્ષના કારણરૂપ જિનબિંબ તેને
હું સ્થાપવા ચાહું છું, માટે હે સ્વામી! મને આજ્ઞા આપો!
ત્યારે શ્રી ગુરુ પણ જિનેશ્વરદેવની પ્રતિષ્ઠાના ઉત્તમ કાર્યની પ્રશંસાપૂર્વક તેને ધન્યવાદ આપે છે.
–અહીં એમ બતાવવું છે કે, જેને ચૈતન્યનું લક્ષ હોય ને લક્ષ્મી વગેરેને અનિત્ય જાણતો હોય, તેને ધર્મપ્રસંગમાં
લક્ષ્મી વાપરવાનો આ રીતે ઉલ્લાસ આવે છે.
અહા, આ અનિત્ય ભાવનાના મૂળ પણ ઊંડા છે; એકલી અનિત્યતાના આધારે અનિત્યભાવના નથી હોતી,
પણ ધ્રુવ ચૈતન્યભાવના આધારે વાસ્તવિક અનિત્યભાવના હોય.
આચાર્યદેવ કહે છે કેઃ અરે, આ ધન, યૌવન ને જીવન–એ બધું પાણીના પટપોટા જેવું ક્ષણિક છે–એમ
દેખતા હોવા છતાં જીવો તેને નિત્ય માની રહ્યા છે–એ ખરેખર તેમના મોહનું જ અતિબળવાનપણું છે! ધન ચાલ્યું
જાય છે, જુવાની પણ ચાલી જાય છે ને બુઢ્ઢાપો આવી જાય છે, તથા જીવન પણ ક્ષણભરમાં ચાલ્યું જાય છે, ૨૦–
૨પ વર્ષની જુવાનજોધ વયમાં પણ ઘણાના જીવન પૂરા થઈ જાય છે,–આમ પ્રત્યક્ષપણે ધન–યૌવન અને જીવનને
ક્ષણભંગુર દેખવા છતાં, મોહને લીધે જીવ તેને નિત્ય માનીને તેમાં જ મોહિત થઈ રહ્યો છે, ને પોતાના
ચિદાનંદતત્ત્વને ભૂલી રહ્યો છે–એ ખેદની વાત છે. એવા જીવોને વૈરાગ્યથી સમજાવે છે કે અરે જીવો! આ ધન,
યૌવન કે જીવન ક્ષણભંગુર છે, એ કોઈ જીવની સાથે નથી રહેવાના, પાણીના પરપોટાની જેમ ક્ષણમાં તે નષ્ટ થઈ
જશે, માટે તેનો મોહ છોડો, ને અવિનાશી ચૈતન્ય પદમાં પ્રીતિ જોડો, તેની ભાવના કરો.–એ જ દુઃખમય
સંસારથી છૂટીને આનંદની પ્રાપ્તિનો ઉપાય છે.
સવારમાં જેને રાજસિંહાસન ઉપર દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો દેખાય છે,–આવા પ્રસંગો તો
સંસારમાં અનેક દેખાય છે, છતાં મોહમૂઢ

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૭૩
જીવોને વૈરાગ્ય નથી આવતો. અરે બાપુ! સંસારને અનિત્ય જાણીને તું અંતર તરફ વળ..એક વાર
તારા આત્મા તરફ જો. બહારના ભાવો અનંત કાળ કર્યા છતાં શાંતિ ન મળી, માટે હવે તો અંતર્મુખ
થા. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઇચ્છવા જેવા નથી, અંતરનું એક ચિદાનંદ તત્ત્વ
ભાવના કરવા જેવું છે.
તારા ચૈતન્યતત્ત્વને નિત્યરૂપ ભાવ, ને લક્ષ્મી વગેરે સંયોગને અનિત્યપણે ભાવ, એટલે કે
તેની અનિત્યતાનું ચિંતન કર.–જેને અનિત્ય જાણે તેનો મોહ કેમ રહે? ન જ રહે. એટલે લક્ષ્મી વગેરેને જે ખરેખર
અનિત્ય જાણે છે તેને તેનો મોહ છૂટીને, અંતરમાં નિત્ય ચિદાનંદ તત્ત્વ તરફ વલણ થાય છે ને તેમાં જ લીનતાની
ભાવના થાય છે.
એ જ ઉપદેશ આ અનિત્ય અધિકારની છેલ્લી ગાથામાં આપે છે–
त्यक्त्त्वा महामोहं विषयान् श्रृत्वा भंगुरान् सर्वान्।
निर्विषयं कुरुष्व मनः येन सुखं उत्तमं लभते।।२२।।
હે જીવ! સંસારમાં ધન, યૌવન કે જીવન વગેરે બધું ક્ષણભંગુર છે એમ સાંભળીને, તે વિષયો પ્રત્યેના
મહામોહને તું છોડ, અને તારા ચિત્તને નિર્વિષય કરીને ચૈતન્યની ભાવનામાં જોડ;–આમ કરવાથી તું ઉત્તમ સુખને
પામીશ. અમારો આ વૈરાગ્ય ઝરતો ઉપદેશ સાંભળીને, હે જીવ! અનાદિથી જેની પ્રીતિ કરી છે એવા વિષયોની પ્રીતિ
છોડ, ને અનાદિથી જેની પ્રીતિ નથી કરી એવા ચૈતન્ય તત્ત્વ સાથે પ્રીતિ જોડઃ ચૈતન્યસ્વભાવની ભાવનાથી તારો
આત્મા પરમ સુખમય બનશે, પરમ આનંદમય અવિનાશી સિદ્ધપદની તને પ્રાપ્તિ થશે.
નૃત્ય કરતી નીલંજસા દેવીનું મૃત્યુ દેખીને
જેઓ સમસ્ત સંસારથી અત્યંત વિરક્ત થયા..ને
ચિદાનંદસ્વરૂપમાં મગ્ન થયા–એવા પરમ વૈરાગી
શ્રી આદિનાથ જિનેન્દ્રદેવને નમસ્કાર હો.
બુદ્ધિની રક્ષા
રાજસભામાં રાજાઓને બુદ્ધિની રક્ષાનો ઉપદેશ આપતાં ચક્રવર્તી
ભરત કહે છે કેઃ–
આ લોક તથા પરલોક સંબંધી પદાર્થોમાં હિત–અહિતનું જ્ઞાન
હોવું તે ‘બુદ્ધિ’ છે. એ બુદ્ધિનું પાલન અર્થાત્ રક્ષણ કઈ રીતે થઈ શકે
છે? જો તે જાણવા ચાહતા હો તો તેનો ઉત્તર એ છે કે–અવિદ્યાનો નાશ
કરવાથી જ તે બુદ્ધિનું રક્ષણ થઈ શકે છે. મિથ્યાજ્ઞાનને અવિદ્યા કહે છે,
અને અતત્ત્વોમાં તત્ત્વબુદ્ધિ હોવી તે મિથ્યાજ્ઞાન છે. અરહંતદેવના કહેલા
હોય તે જ તત્ત્વ છે, અને અરહંત પણ તે જ હોઈ શકે કે જેઓએ દોષ
અને આવરણોનો ક્ષય કર્યો હોય. તેથી, પોતાના મનનો મેલ (અર્થાત્
બુદ્ધિનો દોષ) દૂર કરવા માટે અરહંત દેવના મતનો અભ્યાસ કરવો
જોઈએ.
જિનેન્દ્રદેવનો કહેલો માર્ગ જ સંસારસમુદ્રથી તરવાનો ઉપાય છે.
(મહાપુરાણ સર્ગ ૪૨)

PDF/HTML Page 20 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨, જેઠ સુદ ચોથ, સમાધિશતક ગા. ૧૪–૧પ–૧૬)
તથા શ્રુત પંચમીનું પ્રવચન
આત્માને સમાધિ કેમ થાય એટલે કે શાંતિ કેમ થાય, આનંદ કેમ થાય, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કેમ થાય–
તેની આ વાત છે.
દેહથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્મા છે–તેના જ અવલંબને શાંતિ–સમાધિ થાય છે, દેહ તે જ હું છું–એમ
શરીરમાં આત્મબુદ્ધિ કરે છે ને અંતરના ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ કરતો નથી તેથી જીવને શાંતિ–સમાધિ થતી નથી.
ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો જ શાંતિ–સમાધિ થાય. જેમ ઘરમાં મહાવૈભવ ભર્યો હોય પણ જો ઘરમાં
પ્રવેશ ન કરે–તે તરફ મુખ પણ ન ફેરવે ને બીજી તરફ મુખ રાખે તો તેને તે વૈભવ ક્યાંથી દેખાય? તેમ આત્માના
ચૈતન્યઘરમાં જ્ઞાન–આનંદ–શાંતિનો અચિંત્ય વૈભવ ભર્યો છે પણ જીવ તેમાં પ્રવેશ નથી કરતો–તે તરફ મુખ પણ નથી
કરતો ને બહિર્મુખ રહે છે તેથી તેને પોતાના નિરાકુળ આનંદનો સ્વાદ આવતો નથી; પોતાની ચૈતન્યસંપતિનું તેને ભાન
નથી ને બહારની જડસંપત્તિને જ આત્માની માને છે, તેથી તે દુઃખી છે.
બહારમાં સંપત્તિ વધે ત્યાં જાણે કે મારી વૃદ્ધિ થઈ, ને સંયોગ છૂટે ત્યાં જાણે મારો આત્મા હણાઈ ગયો–આ
પ્રમાણે અજ્ઞાનીને બહારમાં જ આત્મબુદ્ધિ છે. હું તો બધાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું, મારી સંપત્તિ મારામાં જ
છે–એમ નિજસ્વભાવની દ્રઢતા કરે તો મિથ્યાત્વ ટળીને પહેલાં સમ્યગ્દર્શનરૂપી સમાધિ થાય; પછી પોતાના
ચિદાનંદસ્વરૂપમાં એવો લીન થાય કે જગતને ભૂલી જાય (એટલે કે તેનું લક્ષ છૂટી જાય) ને રાગદ્વેષ ટળી જાય ત્યારે
ચારિત્ર–અપેક્ષાએ વીતરાગી સમાધિ થાય છે. આ સિવાય બહારમાં પોતાપણું માને તેને સમાધિ થતી નથી, પણ સંસાર
થાય છે.
આચાર્યદેવ બહિરાત્માઓ ઉપર કરુણાબુદ્ધિથી કહે છે કે हा! हतं जगत् અરેરે! આ બહિરાત્મ જીવો હત છે કે
ચૈતન્યને ચૂકીને બહારમાં જ આત્મબુદ્ધિ કરીને તેના સંયોગ–વિયોગમાં હર્ષ–વિષાદ કરે છે..બાહ્યદ્રષ્ટિથી જગતના જીવો
ક્ષણેક્ષણે ભાવમરણ કરીને હણાઈ રહ્યા છે. અરેરે! ખેદ છે કે આ જીવો હણાઈ