Atmadharma magazine - Ank 190
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૯૦
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
___________________________________________________________________________________
વર્ષ સોળમુંઃ અંક ૧૦ મો સંપાદકઃ રામજી માણેકચંદ દોશી શ્રાવણઃ ૨૪૮પ.
___________________________________________________________________________________
“ જયવંત વર્તો”
અહો, તે પવિત્ર આત્મા જયવંત વર્તો, જે
સમ્યક્ત્વની પ્રભુતા સહિત છે, જેનું જ્ઞાન પાવન
છે, જેની ચૈતન્યમુદ્રા ઉપર અતીન્દ્રિય આનંદ
વ્યાપી ગયો છે અને જે વૈરાગ્યરૂપી ગંભીર
સમુદ્રમાં નિમગ્ન છે.
(શ્રી ઉજમબા જૈન સ્વાધ્યાયગૃહઃ ઉમરાળા)
“સમ્યગ્દર્શન”
પરમ કલ્યાણકારી સમ્યગ્દર્શનનો અપૂર્વ
મહિમા સમજાવીને, તેની પ્રાપ્તિનો અમોઘ
ઉપાય દર્શાવનાર શ્રી કહાનગુરુદેવના
ચરણકમળમાં અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર
હો.... નમસ્કાર હો.........
(શ્રી ઉજમબા જૈન સ્વાધ્યાયગૃહઃ ઉમરાળા)
૧૯૦

PDF/HTML Page 3 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક શ્રાવણ
અંક ૧૦ મો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
આત્મધર્મ
(માસિક)
મુમુક્ષુ જીવોને મુક્તિનો રાહ દેખાડે છે.
પરમપૂજ્ય ગુરુદેવના પ્રવચનોમાંથી પસંદ કરેલા ઉત્તમ આધ્યાત્મિક
લેખો, ઉપરાંત તીર્થયાત્રા વગેરેના સમાચારો–સંસ્મરણો–ચિત્રો વગેરે પ્રસિદ્ધ
કરતું આ માસિક આપ જરૂર વાંચો અને આપ ગ્રાહક ન હો તો–
જરૂર ગ્રાહક બનો
વાર્ષિક લવાજમ ચાર રૂપિઆ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ– (સૌરાષ્ટ્ર)
ચાલુ ગ્રાહકોને બે વાત
(૧) આપ નવા વર્ષમાં ગ્રાહક તરીકે ચાલુ રહીને બીજા જિજ્ઞાસુઓને
પણ ગ્રાહક થવાની ભલામણ કરશો. ચાલુ ગ્રાહકોમાંથી એક પણ ઓછા ન
થાય, એવી આશા રાખીએ છીએ.
(૨) –આપનું ગ્રાહક તરીકેનું લવાજમ બની શકે તો પર્યુષણ
દરમિયાન, અથવા તો છેવટ દિવાળી પહેલાં જરૂર ભરી દેશો.
સુર્વણપુરી–સમાચાર
સોનગઢમાં શ્રાવણ સુદ પાંચમથી પ્રૌઢ શિક્ષણવર્ગ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર
અને ગુજરાત ઉપરાંત ઈંદોર, ઉજ્જૈન, અશોકનગર, કોટા, ગ્વાલીઅર, પરતવાડા,
દિલ્હી, ભોપાલ, સનાવદ, નારાયણગંજ, ગુના મલકાપુર, મંદસોર, શિવગંજ વગેરે
અનેક ગામોથી આવેલા જિજ્ઞાસુઓ ઉત્સાહ– પૂર્વક તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી
રહ્યા છે. હંમેશા બે વખત ગુરુદેવના પ્રવચનો, બે વખત શિક્ષણ– વર્ગ, રાત્રે
તત્ત્વચર્ચા, ઉપરાંત સવારમાં જિનેન્દ્રપૂજન અને સાંજે ભક્તિ, એમ ભરચક
કાર્યક્રમ રહે છે, તે સિવાયના વખતમાં પણ પરસ્પર ચર્ચાવાર્તા ચાલુ જ હોય છે.
ગામોગામના મુમુક્ષુઓનો મેળો ભેગો થયો હોવાથી અને ભરચક ધાર્મિક
પ્રવૃત્તિઓથી સોનગઢનું વાતાવરણ કંઈક અંશે પર્યુષણ જેવું જ લાગે છે. ઈંદોરના
સર હુકમીચંદજી શેઠના પુત્રી સા. ચંદ્રાવતીબેન સોનગઢ આવીને લાભ લઈ રહ્યા
છે. તેમના પિતાજીની માફક તેઓ પણ સોનગઢના વાતાવરણથી ખૂબ પ્રસન્ન થયા
છે, ને ઘણા ભાવપૂર્વક લાભ લઈ રહ્યા છે. આ રીતે ગામોગામથી બીજા પણ
અનેક જિજ્ઞાસુઓ સોનગઢ આવીને લાભ લઈ રહ્યા છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
શ્રાવણઃ ૨૪૮પઃ ૩ઃ
સમકિત–શ્રાવણ આયો રે...
સમ્યગ્દર્શન થતાં આત્મામાં ચૈતન્યરસની ધારા વરસે છે,
અજ્ઞાનદશાનાં તીવ્ર આતાપો શમી જાય છે...અનુભવરૂપી
ઝબકારા થાય છે.....આત્મભૂમિમાં સાધકભાવરૂપી અંકૂરા જાગે
છેે....... ભ્રમણારૂપી ધૂળ ઊડતી નથી ને અસંખ્ય આત્મપ્રદેશે
સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે.–ઇત્યાદિ પ્રકારે સમ્યગ્દર્શનને
શ્રાવણ માસની–વર્ષાઋતુની ઉપમા આપીને કવિ ભુધરદાસજી કેવું
ભાવવાહી વર્ણન કરે છે તે નીચેના કાવ્યથી માલૂમ પડશે.
(શ્રાવણ માસમાં પ્રસિદ્ધ થતું આ કાવ્ય અધ્યાત્મરસિકોને વિશેષ
પ્રિય લાગશે.)
અબ મેરે સમકિત–સાવન આયો.....બીતિ કુરીતિ–મિથ્યામતિ ગ્રીષમ,
પાવસ સહજ સુહાયો.......અબ મેરે સમકિત–સાવન આયો,
આજ અમારે સમ્યક્ત્વરૂપી શ્રાવણ આવ્યો છે; કુરીતિ
અને મિથ્યામતિરૂપી ગ્રીષ્મકાળ હવે વીતી ગયો છે અને
આત્મિકરસની સહજ વર્ષા શોભી રહી છે.–આજે મારે એવો
સમ્યક્ત્વરૂપી શ્રાવણ આવ્યો છે.
અનુભવ–દામિની દમકન લાગી, સુરતિ ઘટા ઘન છાયો.
બોલે વિમલ વિવેક–પપીહા, સુમતિ સુહાગિન ભાયો.....
..... અબ મેરે સમકિત–સાવન આયો........
સમ્યક્ત્વરૂપી શ્રાવણ આવતાં, આત્મ–અનુભવીરૂપી
વીજળી ઝબકવા લાગી છે અને સમ્યક્રુચિરૂપી ઘનઘોર ઘટાથી
આત્મિક આકાશ છવાઈ ગયું છે; વિમળ વિવેકરૂપી પપૈયા ‘પીયુ
પીયુ’ બોલે છે અને તેનો પીયુ પીયુ મધુરધ્વનિ સુમતિરૂપી
સુહાગિનીને બહુ પ્રિય લાગે છે.–આજે અમારે એવો સમ્યક્ત્વરૂપી
શ્રાવણ આવ્યો છે.
ગુરુ ધુનિ–ગરજ સુનત સુખ ઉપજત, મોર–સુમન વિહસાયો..........
સાધક ભાવ–અંકૂર ઊઠે બહુ, જિન તિત હરષ સવાયો.......
અબ મેરે સમકિત–સાવન આયો............
સમ્યક્ત્વરૂપી વર્ષાઋતુમાં, શ્રી વીતરાગ ગુરુના ધ્વનિરૂપ
મેઘગર્જના સાંભળીને સુખ ઊપજે છે અને સુબુદ્ધિજનોના
ચિત્તરૂપી મયૂર વિકસિત થયો છે; આત્મક્ષેત્રમાં સાધક

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૯૦
ભાવરૂપી અંકૂરા ઊગ્યા છે અને અસંખ્યપ્રદેશી ચૈતન્યભૂમિમાં
સર્વત્ર આનંદ–આનંદ છવાઈ ગયો છે....અહો! આજે મારા
સમ્યક્ત્વરૂપી શ્રાવણ આવ્યો છે.
આવી આનંદકારી સમ્યક્ત્વરૂપી વર્ષાઋતુમાં સદા લયલીન
રહેવાની ભાવનાપૂર્વક અંતિમ કડીમાં કવિ કહે છે કે–
ભૂલ–ધૂલ કહીં મૂલ ન સૂઝત, સમરસ–જલ ઝર લાયો;
‘ભૂધર’ કર્યો નીકસે અબ બાહિર, જિન નિરચૂ ઘર પાયો......
...... અબ મેરે સમકિત–સાવન આયો.......
આત્મામાં સમ્યક્ત્વરૂપી વર્ષા થતાં, ભૂલરૂપી ધૂળ ક્યાંય
ઊડતી દેખાતી નથી અને સર્વત્ર સમરસરૂપી ઝરણાં ફૂટી નીકળ્‌યા
છે. માટે, કલાકાર કવિ (ભૂધરદાસજી) કહે છે કે, હવે ભૂ–ધર
બહાર કેમ નીકળશે?–હવે અમે અમારા નિજઘરથી બહાર નહિ
નીકળીએ, કેમકે ‘
निरचू’ કદી પણ નહિ ચુંવે એવું ઘર–
અવિનશ્વર આધ્યાત્મિક સ્થાન અમે પ્રાપ્ત કરી લીધું છે; તેથી હવે
તો ત્યાં જ રહીને અમે સમ્યક્ત્વરૂપી શ્રાવણનો આનંદ ભોગવશું.
–આજ અમારે સમ્યક્ત્વરૂપી શ્રાવણ આવ્યો છે.
––
તેનો જન્મ સફળ છે
मुक्त्वा कायविकारं यः शुद्धात्मानं मुहुर्मुहः।
संभावयति तस्यैव सफलं जन्म संसृतौ।।
(નિયમસાર કળશ ૯૩)
કાર્યવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના
(સમ્યક્ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે.
પહેલાં તો કાયાથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપનું ભાન કર્યું છે, તે
ઉપરાંત કાયાથી ઉપેક્ષિત થઈને વારંવાર અંતરમાં શુદ્ધાત્માની
સન્મુખ થઈને તેની ભાવના ભાવે છે, તે ધર્માત્માનો અવતાર
સફળ છે; તેણે જન્મીને આત્મામાં મોક્ષનો ધ્વનિ પ્રગટાવ્યો,
આત્મામાં મોક્ષના રણકાર પ્રગટ કર્યાં....તેથી તેનો જન્મ સફળ છે.
અજ્ઞાનપણે તો અનંત અવતાર કર્યાં. , તે બધા નિષ્ફળ ગયા, તેમાં
આત્માનું કંઈ હિત ન થયું. ચિદાનંદસ્વરૂપનું ભાન કરીને જે
અવતારમાં આત્માનું હિત થયું તે અવતાર સફળ છે.

PDF/HTML Page 6 of 21
single page version

background image
શ્રાવણઃ ૨૪૮પઃ પઃ
નિજપદ દેખાડીને આચાર્યદેવ જગાડે છે
હે જીવો! હવે તો જાગો
(દક્ષિણયાત્રા દરમિયાન અમરાવતીમાં
પૂ. ગુરુદેવનું પ્રવચનઃ તા. પ–૪–પ૯)
અનાદિકાળથી પોતાના સ્વરૂપને ભૂલીને આજસુધી જીવે અજ્ઞાનથી સંસારભ્રમણ કર્યું છે, રાગમાં
તન્મય થઈને સૂતેલા તે જીવને જાગૃત કરતાં આચાર્યદેવ કહે છે કે અરે જીવો! અજ્ઞાનથી અંધ થઈને
રાગને જ પોતાનું પદ માનીને તેમાં તમે સૂતા છે, પરંતુ તે તમારું પદ નથી....નથી....માટે હવે તો તમે
જાગો.....ને રાગ વગરનું શુદ્ધ ચૈતન્યપદ તમારું છે–તેને ઓળખો. રાગને નિજપદ માનીને અત્યાર સુધીનો
કાળ સંસારપરિભ્રમણમાં ગુમાવ્યો....પરંતુ હવે તો જાગો.........ને આ શુદ્ધચૈતન્યમય જે નિજપદ છે તેને
સંભાળો.–
आसंसारात् प्रतिपदमिदं रागिणो नित्यमत्ताः
सुप्त यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधा।
एतैतेतः पदमिदमिदं शुद्धचैतन्यघातोः
शुद्ध शुद्ध स्वरसभरतः स्थायिभावत्वमेति।।
(શ્રી સમયસાર કળશ ૧૩૮)
નિજ પદને ચૂકીને જીવને બહારનો ને રાગનો મહિમા આવ્યો છે, પણ ચિદાનંદસ્વભાવરૂપ નિજપદ
રાગથી અને સંયોગથી પાર છે તેનો મહિમા કદી આવ્યો નથી.
આચાર્યદેવ કહે છેઃ અરે આત્મા! અત્યારસુધી તેં શું કર્યું? જેમ કોઈ મોટો રાજા દારૂના ઘેનમાં
મસ્ત બનીને ઉકરડા જેવી મલિન જગ્યામાં સુએ ને તેમાં આનંદ માને....પણ તે કાંઈ રાજાનું પદ નથી,
રાજાનું પદ તો સોના–રત્ને જડેલું સિંહાસન છે. તેમ ત્રણ લોકનો શ્રેષ્ઠ પદાર્થ એવો આ ચૈતન્યરાજા
નિજચૈતન્યપદને ભૂલીને, રાગાદિને જ પોતાનું સ્વરૂપ માનતો થકો તે રાગના ઘેનમાં મસ્ત થઈને
ઉકરડાની જેમ વિકારી ભાવોમાં સૂતો છે ને તેમાં સુખ માને છે....પણ તે રાગાદિ કાંઈ ચૈતન્યરાજાને
રહેવાનું ખરૂં પદ નથી. ચૈતન્ય રાજાનું ખરું પદ તો શુદ્ધચૈતન્યધાતુનું બનેલું, ને આનંદરૂપી રત્નોથી જડેલું
છે. આચાર્યદેવ તે પદ બતાવીને જીવને જગાડે છે કે–
અરે અજ્ઞાની અંધ પ્રાણીઓ! અનાદિ સંસારથી માંડીને આજસુધી રાગને નિજપદ માનીને તમે
મોહનિદ્રામાં સુતા...હવે તો જાગો! મનુષ્ય થયા ને આંખો મળી, પરંતુ અંતરના ચૈતન્યચક્ષુ ખોલીને નિજપદને જે
દેખતો નથી તે છતી આંખે અંધ છે.....આચાર્યદેવ કહે છે કે અરે અંધ પ્રાણીઓ! હવે તો તમારાં જ્ઞાનચક્ષુને
ખોલીને તમારા ચૈતન્યનિધાનને નીહાળો!
રાગ અને ચૈતન્યનું ભેદજ્ઞાન કરાવીને આચાર્યદેવ કહે છે કે અરે જીવો! આ બાજુ આવો..... આ બાજુ
આવો....રાગ તરફ ન જાઓ.......પણ ચૈતન્ય તરફ આવો.....રાગ તમારું પદ નથી, તેમાં તમારી શોભા નથી. આ
રાગ વગરનું શુદ્ધચૈતન્ય તે જ તમારું પદ છે ને તેમાં જ તમારી શોભા છે.... માટે તમે આ શુદ્ધ ચૈતન્યને જ
નિજપદ તરીકે દેખો.....ને આ તરફ આવો......આ તરફ આવો. અંતરમાં તમારા ચૈતન્યપદને દેખતાં જ તમારા
જન્મમરણનો અંત આવી જશે ને અપૂર્વ સિદ્ધપદની પ્રાપ્તિ થશે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૯૦
સિદ્ધપદની અપૂર્વ શાંતિ
દ ક્ષિ ણ યા ત્રા દ ર મિ યા ન
ખેરાગઢમાં શાંતિનાથ પ્રભુની વેદીપ્રતિષ્ઠા પ્રસંગે
પૂ. ગુરુદેવનું પ્રવચનઃ તા. ૯–૪–પ૯
જે જીવ આત્માર્થી હોય તેને
ચૈતન્યસુખનો રંગ લાગે, ને બાહ્ય
વિષયોનો રંગ ઉડી જાય. જેને
ચૈતન્યસુખનો રંગ નથી ને વિષયોના
સુખમાં જે રંગાયેલો છે, એવા જીવને
આત્મજ્ઞાનની પાત્રતા નથી. માટે પહેલાં
સત્સમાગમે ચૈતન્યસુખનો રંગ લગાડવો
અને વિષયસુખોની રુચિ છોડી દેવી તે
પાત્રતા છે. આવી પાત્રતાવાળો જીવ
અવશ્ય સિદ્ધપદની અપૂર્વ શાંતિ પામે છે.
જંગલમાં વસનારા પદ્મનંદીમુનિરાજ, તેમણે પોતાના આત્માનું હિત તો સાધ્યું હતું ને જગતના
પ્રાણીઓનું હિત કેમ થાય તેનો ઉપાય બતાવવા માટે આ શાસ્ત્ર રચ્યું છે. સૂર્યનાં કિરણો પણ જે અજ્ઞાન–
અંધકારનો નાશ કરી શકતા નથી તેનો નાશ જ્ઞાની–સંતમુનિઓના વચનોવડે થઈ જાય છે. શ્રી મુનિરાજ
કહે છે કેઃ અરે જીવો! તમારો ચૈતન્યસ્વભાવ જ સુખથી ભરેલો છે, તેને ભૂલીને અને વિષયોમાં સુખ
માનીને અનંતકાળથી આત્મા દુઃખ ભોગવી રહ્યો છે. આ સંસારમાં જન્મ–મરણ–રોગ સંબંધી જે દુઃખ છે
તેની વાત તો દૂર રહો, પરંતુ સંસારના વિષયો સંબંધી જે સુખ છે તે પણ ખરેખર દુઃખ જ છે.
ચૈતન્યસ્વભાવથી બાહ્ય વિષયોમાં વૃત્તિનું ભ્રમણ તે દુઃખ છે. શાંતિ તો ચૈતન્યસ્વભાવમાં છે, તેની
સન્મુખતાથી જ સાચી શાંતિ થાય છે.
જુઓ, અહીં દિગંબર જિનમંદિરમાં શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થાય છે, તેમાં આત્માની શાંતિ કેમ
પમાય–તેની આ વાત છે. અનંતકાળના પરિભ્રમણના પ્રવાહમાં જીવે ચૈતન્યની સાચી શાંતિનો અનુભવ
ક્ષણમાત્ર કર્યો નથી, અનુકૂળ વિષયોમાં સુખની કલ્પના કરી છે, પણ તે ખરેખર સુખ નથી. સંપૂર્ણ સુખ અને
શાંતિ મોક્ષમાં છે, અને તે મોક્ષનો ઉપાય ચૈતન્યસ્વરૂપમાં છે, ચૈતન્ય સ્વરૂપથી બાહ્ય કોઈ વિષયોમાં સુખ કે
મોક્ષમાર્ગ નથી. ચૈતન્યના અતીન્દ્રિય સુખને અનુભવનારા વનવાસી સંત કહે છે કે અરે પ્રાણીઓ! વિષયોમાં
કલ્પેલું જે સુખ છે તે સુખ નથી પણ દુઃખ જ છે. ચક્રવર્તીના વૈભવમાં કે ઈંદ્રપદના વૈભવમાં પણ કિંચિત્ સુખ
નથી. સુખ તો અતીન્દ્રિય ચૈતન્યમાં છે.
અતીન્દ્રિય સ્વરૂપમાં સુખ છે તે સમજ્યા વિના જીવ અનંતકાળથી દુઃખ પામ્યો છે; શ્રી ગુરુ તેને તેનું

PDF/HTML Page 8 of 21
single page version

background image
શ્રાવણઃ ૨૪૮પઃ ૭ઃ
ચૈતન્યપદ સમજાવીને સુખનો ઉપાય બતાવે છે. શ્રીમદ્ રાજચંદ ‘આત્મસિદ્ધિ’ ની શરૂઆતમાં જ કહે છે કે–
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.
જુઓ, આ ધર્મ! ધર્મ કહો કે આનંદનો ઉપાય કહો! ચૈતન્યસ્વરૂપની અણસમજણ તે દુઃખ છે, ને
ચૈતન્યસ્વરૂપની સમજણ કરવી તે જ અપૂર્વ સુખ અને ધર્મની શરૂઆત છે.
રે જીવ! એક વાર તો વિષયોમાંથી સુખબુદ્ધિ છોડીને તારા ચૈતન્ય પદની પ્રીતિ કર, તો અનંતકાળમાં
નહિ મળેલા એવા અતીન્દ્રિયસુખનો સ્વાદ તને આવશે. આવા અતીન્દ્રિયસુખના અનુભવ માટે પહેલાં
સત્સમાગમે પાત્રતા કરવી જોઈએ; કેમ કે–
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિકજ્ઞાન,
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
“મતિમાન” એટલે ચૈતન્યસ્વરૂપમાં મતિને જોડીને, બ્રહ્મચર્ય સેવવું તેને પાત્રતા કહી છે, ને તે
આત્મજ્ઞાન પામવાને પાત્ર છે. ચૈતન્યસ્વરૂપમાં જેણે મતિ જોડીને તેની રુચિ કરી, તેને ચૈતન્યસુખનો રંગ લાગ્યો
અને બાહ્ય વિષયોનો રંગ ઊડી ગયો, વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ, એટલે બ્રહ્મચર્ય વગેરેનો રંગ તેને સહેજે
હોય છે; આવો જીવ આત્મજ્ઞાન પામવાને પાત્ર છે. જેને ચૈતન્યસુખનો રંગ નથી ને વિષયોના સુખમાં જે
રંગાયેલો છે એવા જીવને આત્મજ્ઞાનની પાત્રતા નથી, માટે પહેલાં સત્સમાગમે રુચિ પલટાવીને ચૈતન્ય
સ્વભાવનો રંગ લગાડવો ને વિષયસુખની રુચિ છોડી દેવી તે પાત્રતા છે.
જીવને બહારનો સંયોગ મળવો તે પૂર્વનાં પુણ્યપાપ અનુસાર છે, તેમાં જીવનો કાંઈ પુરુષાર્થ નથી. પરંતુ
ધર્મ (–આત્મજ્ઞાન અને સ્થિરતા) તો વર્તમાન અપૂર્વ પુરુષાર્થથી થાય છે. જીવને અનુકૂળ સંયોગો અનંતવાર
મળ્‌યા, બાહ્ય વિષયોની વાત તેણે અનંતવાર સાંભળી પરંતુ આચાર્યદેવ કહે છે કે જીવે પોતાના શુદ્ધ સ્વરૂપની
પ્રાપ્તિ કે તેનું યથાર્થ શ્રવણ પૂર્વે ક્ષણમાત્ર કર્યું નથી તેથી તે મહાદુર્લભ છે.
અરે ભગવાન! પરમાં તું સુખ માને છે અને તેના વગર ન ચાલે એમ માને છે, પરંતુ શું તારો આત્મા
એવો પરાધીન છે કે પરવસ્તુ વગર તેને ન ચાલે!! ભાઈ, તારો આત્મા સ્વાધીન છે, તે પોતે પોતાથી સુખરૂપ
છે, પોતાના સુખને માટે જગતના કોઈ બાહ્ય વિષયોની અપેક્ષા રાખે એવો તે પરાધીન નથી. એક વાર અંતર્મુખ
થઈને તારા ચૈતન્યસ્વભાવની પ્રતીતિ અને અનુભવ કર. તેના અનુભવથી તારા જન્મમરણનો અંત આવી જશે
ને સિદ્ધપદની અપૂર્વ શાંતિ તને પ્રાપ્ત થશે.
શાંતિદાતાર શાંતિનાથ ભગવાનનો જય હો...
સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાતાનો વિચાર અને આચાર
પં. બનારસીદાસજી ‘પરમાર્થવચનિકા’ માં લખે છે કેઃ
જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે પણ મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ......બાહ્યક્રિયા કરતો
થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા–જે
અંર્તદ્રષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહિ, કારણ અંર્તદ્રષ્ટિના અભાવથી અંર્તક્રિયા
દ્રષ્ટિગોચર આવે નહિ; તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગ સાધવાને અસમર્થ છે.
..... સમ્યગ્દ્રષ્ટિ જીવ અંર્તદ્રષ્ટિવડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે.......સમ્યગ્જ્ઞાન અને
સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો....મૂઢ જીવ બંધપદ્ધતિને સાધતો થકો તેને
મોક્ષમાર્ગ કહે તે વાત જ્ઞાતા માને નહિ; કેમકે બંધને સાધવાથી બંધ સધાય પણ મોક્ષ સધાય
નહિ. જ્યારે જ્ઞાતા કદાચિત બંધપદ્ધતિનો વિચાર કરે ત્યારે તે જાણે કે આ બંધપદ્ધતિથી મારું દ્રવ્ય
અનાદિકાળથી બંધરૂપ ચાલ્યું આવ્યું છે, હવે એ પદ્ધતિનો મોહ તોડી વર્તે! આ પદ્ધતિનો રાગ
પૂર્વની જેમ હે નર! તું શા માટે કરે છે? તે ક્ષણમાત્ર પણ બંધપદ્ધતિમાં મગ્ન થાય નહિ. તે જ્ઞાતા
પોતાનું સ્વરૂપ વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે. શ્રવણ કરે, તથા નવધા ભક્તિ, તપ, ક્રિયા
પોતાના શુદ્ધસ્વરૂપસન્મુખ થઈને કરે, એ જ્ઞાતાનો આચાર છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૯૦
* વીતરાગી મોક્ષમાર્ગ *
રખિયાલ ગામમાં પૂ. ગુરુદેવનું પ્રવચનઃ વૈશાખ સુદ પ મંગળવાર
આ નિયમસારની ત્રીજી ગાથા વંચાય છે, તેમાં આચાર્યદેવ કહે છે કે
છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને,
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે.
માર્ગ એટલે રત્નત્રય–નિરપેક્ષ આત્મતત્ત્વના આશ્રયે પ્રગટતા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય તે
મોક્ષનો માર્ગ છે. ને પૂર્ણ જ્ઞાનાનંદની પ્રાપ્તિ તે તેનું ફળ છે. શુદ્ધ આત્મતત્ત્વના ભાન વગર ચારે ગતિમાં જીવે
અનંતા અવતાર કર્યા છે. અને નવા નવા દેહ ધારણ કર્યા છે... દેહ તો વિનાશી છે, આત્મા અવિનાશી
છે.....અનંત શરીરો આવ્યા ને ગયા પણ આત્મા તો તેનો તે જ અવિનાશી રહ્યો છે.
અરે આત્મા! તારા અવિનાશી સ્વરૂપના ભાનવગર શુભરાગથી મુનિવ્રત પણ તેં અનંતવાર પાળ્‌યા, પણ
ચૈતન્યનો અતીન્દ્રિય આનંદ તને અંશમાત્ર ન મળ્‌યો. આત્માના સમ્યગ્જ્ઞાન વગર ક્યાંય જગતમાં શાંતિનો અંશ
પણ નથી, સ્વર્ગની ઈંદ્રાણી વગેરે વૈભવમાં પણ સુખ નથી. તેથી છહઢાળામાં પં. દોલતરામજી કહે છે કે
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઊપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.
દુઃખનું કારણ કોઈ બીજું નથી પણ પોતાના સ્વરૂપનું અજ્ઞાન જ અનંતદુઃખનું કારણ છે.
‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત’
અનંતદુઃખ કેમ પામ્યો? કે પોતાનું સ્વરૂપ ન સમજ્યો તેથી; તે દુઃખથી છૂટવાનો માર્ગ શો? કે માર્ગ તો
શુદ્ધરત્નત્રય છે. શુદ્ધરત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રય, વીતરાગી રત્નત્રય; સાથે જે અશુદ્ધતા અથવા
વ્યવહારરત્નત્રયરૂપ રાગ છે તે મોક્ષમાર્ગ ખરેખર નથી; મોક્ષમાર્ગની સાથે હોવા છતાં તે ખરેખર મોક્ષમાર્ગ
નથી. પાંચ તોલા સોનાની અંદર ત્રણ તોલા લાખ ભરી હોય તો આઠ તોલાનો દાગીનો એમ કહેવાય, પણ ત્યાં
દાગીનાની કિંમત કરતી વખતે પાંચ તોલા સોનાની જ કિંમત ગણાય છે, સાથેની ત્રણ તોલા લાખની કિંમત
ગણાતી નથી; તેમ મોક્ષમાર્ગરૂપી જે દાગીનો, તેમાં નિશ્ચયરત્નત્રયની સાથેના રાગને પણ વ્યવહારરત્નત્રય કહ્યા,
પરંતુ મોક્ષમાર્ગનું વાસ્તવિક સ્વરૂપ વિચારતાં તો નિશ્ચયરત્નત્રય જ મોક્ષમાર્ગ છે, જે રાગ છે તેની કિંમત
મોક્ષમાર્ગમાં નથી અર્થાત્ તે રાગની ગણતરી મોક્ષમાર્ગમાં નથી, એટલે વ્યવહારરત્નત્રય તે ખરો મોક્ષમાર્ગ
નથી, શુદ્ધરત્નત્રય તે જ સાચો મોક્ષમાર્ગ છે.
–આવો મોક્ષમાર્ગ કઈ રીતે પ્રગટે?
શું રાગથી તે મોક્ષમાર્ગ પ્રગટે? ના;
શું દેહની ક્રિયાથી તે મોક્ષમાર્ગ પ્રગટે? ના;
મોક્ષમાર્ગ તો શુદ્ધ આત્માના આશ્રયે જ પ્રગટે છે; તે સિવાય પરથી તે નિરપેક્ષ છે, વ્યવહારના રાગથી
પણ તે નિરપેક્ષ છે. આ રીતે પરભાવોથી અત્યંત નિરપેક્ષ હોવાથી મોક્ષમાર્ગ પરમ વીતરાગ છે.
ભાઈ, સંસારના કલેશમાં આત્માની સાચી શાંતિ પામવી હોય તો આ જ તેનો રસ્તો છે. ધીરો થઈને
અંતરમાં આ માર્ગનો તું વિચાર કર.....આ સિવાય બીજા ઉપાયે ક્યાંય તારો આરો આવે તેમ નથી. જેમ
આંધળો દોટ મૂકે ને ફરીફરીને હતો ત્યાં આવીને ઊભો રહે, તેમ દેહની ક્રિયાથી ને રાગથી ધર્મ થશે એમ માનીને
અજ્ઞાનથી અંધ જીવે અનાદિથી દોટ મૂકી છે પણ હજી સુધી તેના હાથમાં કાંઈ આવ્યું નથી, જ્યાં હતો ત્યાં
સંસારમાં ને સંસારમાં જ તે ઊભો છે.
આચાર્યદેવ કહે છે કેઃ હે ભાઈ! તું જરાક જ્ઞાનચક્ષુ ખોલીને જો તો ખરો કે તારી શાંતિ ક્યાં છે? શું જડ
દેહમાં તારી શાંતિ ભરી છે? શું રાગમાં તારી શાંતિ ભરી છે? ના, ભાઈ! બહારમાં ક્યાંય તારી શાંતિ નથી, ને
બહિર્મુખવલણમાં પણ ક્યાંય તારી શાંતિ નથી; તારી શાંતિ તારા સ્વભાવમાં છે, તે સ્વભાવમાં અંતર્મુખ થવું તે
જ શાંતિનો ઉપાય છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
શ્રાવણઃ ૨૪૮પઃ ૯ઃ
(૮)
(નિયમસાર ગા. ૧૧–૧૨ ચાલુ)
અહો! મુનિઓના આત્મામાંથી અમૃત ઝર્યા
છે........અંતરમાં ‘કારણ’ ના સેવનથી સિદ્ધપદરૂપ
કાર્યને સાધતાં સાધતાં આ રચના થઈ છે....તેમાં
‘કારણ’ પ્રત્યેનો અચિંત્ય આહ્લાદ પ્રસિદ્ધ કર્યો
છે....જેણે અંતર્મુખ થઈને સમ્યગ્દર્શનરૂપ કાર્ય પ્રગટ કર્યું
અને આત્માના આનંદનો જરાક સ્વાદ ચાખ્યો તેને તેના
કારણના અચિંત્ય મહિમાની ખબર પડી.–અહો! આવા
આનંદનું કારણ મારો આત્મા જ છે ને આ જ મારે
ઉપાદેય છે....જેના અંતરમાં આ સહજસ્વભાવનો મહિમા
આવી ગયો તેના આત્મામાં મોક્ષનાં બીજ રોપાઈ ગયા.
જેનાં મહાભાગ્ય હોય તેને આ વાત કાને પડે તેવી
છે.....અને જેના અંતરમાં આ વાત બેસી ગઈ–તેની તો
વાત જ શી! એનો તો બેડો પાર થઈ ગયો.
હે આત્માર્થી જીવો! અંતર્મુખ થઈને તમારા
સહજસ્વભાવને ઉપાદેય કરો.–આવો સંતોનો ઉપદેશ છે.
જ્ઞાનના પ્રકારોમાં ઉપાદેય જ્ઞાન કયું છે તેનું વર્ણન
આ નિયમસારની ૧૧–૧૨મી ગાથા ચાલે છે; તેમાં, આત્મા ઉપયોગસ્વરૂપ છે, તેના જ્ઞાનઉપયોગ પ્રકારો
કહ્યા. પછી તેમાંથી કયા પ્રકારો કોને હોય છે તે કહ્યું, અને પછી તેમાં પ્રત્યક્ષ–પરોક્ષપણાનું વર્ણન કર્યું.
“વળી વિશેષ એ છે કે ઉપર કહેલાં જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ પરમતત્ત્વમાં સ્થિત એવું એક
સહજજ્ઞાન જ છે; તેમજ તે સહજજ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૯૦
હોવાથી, સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.”
જુઓ, આ ઉપાદેયતત્ત્વનું વર્ણન! ઉપાદેય શું છે કે જેના આશ્રયે મુક્તિ થાય? તેની આ વાત છે.
જડ દેહાદિની ક્રિયા તો ઉપાદેય નથી, રાગ તો ઉપાદેય નથી ને જ્ઞાનાદિના ક્ષણિકભાવો પણ ઉપાદેય નથી
એટલે કે તે ભેદોનો આશ્રય કરવા યોગ્ય નથી, કેમકે તેનો આશ્રય કરવાથી રાગ થાય છે પણ મુક્તિ થતી
નથી. આત્માના પરમસ્વભાવરૂપ જે સહજજ્ઞાન છે તે જ ઉપાદેય છે, તેના આશ્રયે કેવળજ્ઞાન અને મોક્ષદશા
થઈ જાય છે, તેથી તે જ મોક્ષનું મૂળ છે; અને તે જ્ઞાન આત્માના પરમ તત્ત્વમાં સદાય વર્તી રહ્યું છે. અહીં
તો મહામુનિરાજ સ્પષ્ટ કહે છે કે અહો! આવા જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આ સહજજ્ઞાનનો
આશ્રય કરવો તે જ સાક્ષાત્ મોક્ષનું મૂળ છે; આ સિવાય વ્યવહારનો–રાગનો–નિમિત્તનો આશ્રય કરવો તે
મોક્ષનું કારણ નથી પણ સંસારનું કારણ છે.
અહીં સહજજ્ઞાનને જ મોક્ષનું મૂળ કારણ કહ્યું, કેમકે તેમાં લીનતાથી જ મોક્ષ થાય છે. નીચેના
ચારજ્ઞાનોને મોક્ષનું કારણ ન કહ્યું કેમકે તેમનો તો અભાવ થઈને કેવળજ્ઞાન થાય છે, તેથી તેઓ પરમાર્થે મોક્ષનું
કારણ નથી. અને કેવળજ્ઞાન તો પોતે મોક્ષસ્વરૂપ છે; પરંતુ સાધકને તે કેવળજ્ઞાન હોતું નથી. સહજજ્ઞાન સદાય
પારિણામિકસ્વભાવે વર્તી રહ્યું છે, તે ત્રિકાળ મોક્ષસ્વરૂપ છે, ને તેમાં લીન થઈને ઉપાદેય કરતાં મોક્ષપર્યાય
પ્રગટી જાય છે. આ રીતે મોક્ષના મૂળરૂપ એવું આ સહજજ્ઞાન જ ઉપાદેય છે.
વીતરાગી મુનિરાજ ઉપદેશ આપે છે કે–હે ભવ્ય! આવું સહજજ્ઞાન તારો પરમસ્વભાવ છે; માટે
અંતર્મુખ થઈને તેને જ તું ઉપાદેય કર. આ સહજજ્ઞાન તારો પારિણામિકસ્વભાવ છે, તે ક્યારેય તારાથી જુદું
પડતું નથી. જેનો કદી વિરહ નથી એવું આ સ્વરૂપપ્રત્યક્ષ સહજજ્ઞાન જ સાક્ષાત્ મોક્ષનું મૂળ છે, તેનામાં જ
મુક્તિ આપવાનું સામર્થ્ય છે, માટે તારા શ્રદ્ધા–જ્ઞાનમાં તેને જ તું ઉપાદેય કર. કેવળજ્ઞાન તો વર્તમાનદશામાં
છે નહિ, તે તો પ્રગટ કરવાનું છે, સાધકને સમ્યગ્મતિ શ્રુતજ્ઞાન છે તે પરંપરા મોક્ષનું કારણ છે પણ તે
સાક્ષાત્ મોક્ષનું કારણ નથી. તો સાક્ષાત્ મોક્ષના કારણરૂપે કયું જ્ઞાન વિદ્યમાન છે–તે અહીં બતાવે છે.
પારિણામિકભાવે આત્માના નિજતત્ત્વમાં ત્રિકાળ લવલીન વર્તતું એવું સહજજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત્ કારણ
છે, માટે તે જ ઉપાદેય છે. જેમ નિશ્ચય વ્યવહારના અનેક પડખાં જાણીને તેમાં શુદ્ધ નિશ્ચય જ ઉપાદેય છે,
તેમ અહીં જ્ઞાનના અનેક પ્રકારો બતાવીને મુનિરાજ પ્રદ્મપ્રભ ભગવાન કહે છે કે જ્ઞાનના બધા પ્રકારોમાં આ
પરમસ્વભાવરૂપ સહજજ્ઞાન જ ઉપાદેય છે, એ સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. જ્ઞાનના ક્ષણિકભાવો ઉપાદેય
નથી, પણ તે સિવાય જ્ઞાનનો એક એવો સહજભાવ છે કે જે સદાય સદ્રશરૂપ વર્તે છે, ધુ્રવરૂપ છે,
પરમસ્વભાવરૂપ છે; આવો પરમસ્વભાવભાવ જ ઉપાદેય છે
અત્યારે અહીં જ્ઞાનનું વર્ણન ચાલે છે તેથી તેની વાત કરી છે; પણ તે જ્ઞાનની જેમ શ્રદ્ધા–આનંદ વગેરે
બધા ગુણોમાં પણ જે સહજસ્વભાવરૂપ ભાવ વર્તે છે તે જ પરમ ઉપાદેય છે–એમ સમજવું. આત્માના જ્ઞાન–
દર્શન–આનંદ–વીર્ય–સુખ–ચારિત્ર વગેરે બધા ગુણોમાં પોતપોતાનો સહજભાવ એકરૂપ સદ્રશ પરિણતિથી
અનાદિઅનંત વર્તે છે, અને તે ‘વર્તમાન વર્તતો સહજભાવ’ જ તે તે ગુણની પૂર્ણદશાનો દાતાર છે. ચોથા
ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં જે સહજ આનંદનું વેદન થયું, તથા તેરમા ગુણસ્થાને તેવા પરિપૂર્ણ આનંદનું વેદન
થયું, તે આનંદનો દાતાર કોણ? ‘આનંદનો જે સદાય એકરૂપ સહજભાવ વર્તે છે તે જ પ્રગટ આનંદનો દાતાર
છે. આનંદનો જે આ સહજભાવ ત્રિકાળ વર્તે છે તે પોતે વેદનરૂપ નથી પણ તેના આશ્રયથી આનંદનું વેદન નવું
પ્રગટે છે, તેથી તે સહજભાવ આનંદનું મૂળ છે.
–આ પ્રમાણે આનંદની માફક શ્રદ્ધા વગેરે બધા ગુણોમાં પણ સમજી લેવું, આત્માનો આવો સહજસ્વભાવ
જ ઉપાદેય છે. અહો! આ કોઈ અદ્ભુત વાત છે. જેના અંતરમાં આ સહજ સ્વભાવનો મહિમા આવી ગયો
તેના આત્મામાં મોક્ષનાં બીજ રોપાઈ ગયાં.
આત્મામાં પારિણામિક ભાવે સ્થિત, સહજભાવે સદા વર્તતું એવું સ્વરૂપ પ્રત્યક્ષજ્ઞાન તે મોક્ષનું મૂળ છે; તે
પોતે મોક્ષમાર્ગરૂપ નથી પણ તેનો આશ્રય કરવાથી મોક્ષમાર્ગ તથા મોક્ષપર્યાય પ્રગટી જાય છે. મતિજ્ઞાન વખતે
કે કેવળજ્ઞાન વખતે તે સદા એકરૂપે વર્તે છે, તેનું પરિણમન સદ્રશરૂપ છે, તેનામાં હીનાધિકતા થતી

PDF/HTML Page 12 of 21
single page version

background image
શ્રાવણઃ ૨૪૮પઃ ૧૧ઃ
નથી. પરિણમન હોવા છતાં તે કાર્યરૂપ નથી પણ કારણરૂપ છે. ‘પરિણમન’ કહીને અહીં ઉત્પાદ–વ્યય નથી
સૂચવવા, પણ તેનું દરેક સમયે વર્તમાન વિદ્યમાનપણું સમજવું છે.
અહો! મુનિઓના આત્મામાંથી અમૃત ઝર્યાં છે. આ અચિંત્ય અપૂર્વ વાત છે..... હિંદુસ્તાનને માટે
અત્યારે આ વાત તદ્ન નવી છે. જેનાં મહાભાગ્ય હોય તેને આ વાત કાને પડે તેવી છે.....અને જેના
અંતરમાં આ વાત બેસી ગઈ–તેની તો વાત જ શી!! એનો તો બેડો પાર થઈ ગયો.
(આખી સભાએ મહાહર્ષપૂર્વક જયજયકારથી પૂ. ગુરુદેવની આ વાતને વધાવી લીધી....ને
ગદ્ગદભક્તિથી ગુરુદેવના અનંત ઉપકારને પ્રસિદ્ધ કર્યો)
આ તો અંતરના સૂક્ષ્મ રહસ્યની વાત છે....આમાં દ્રષ્ટાંત પણ શું આપવું? દ્રષ્ટાંત આપીને સમજાવવા
જતાં સ્થૂળતા થઈ જાય છે, છતાં સાધારણપણે લીંડીપીપરનું દ્રષ્ટાંત લઈએ–
જેમ લીંડીપીપરનો તીખો સ્વભાવ છે, તે સ્વભાવનું ૬૪ પહોરી તીખાસની શક્તિરૂપ પરિણમન તો
સદાય ચાલુ જ છે, વ્યક્તરૂપે ભલે ૧ પહોરી તીખાસ હો કે ૬૪ પહોરી હો, પણ ચોસઠ પહોરી તીખાસની શક્તિ
તો પરિણમી જ રહી છે. પુદ્ગલોમાં જે રસ ગુણ છે તે તો સામાન્ય છે, પણ લીંડીપીપરમાં જે ચોસઠ પહોરી
તીખાસની શક્તિરૂપ પરિણમન છે તે એક ખાસ ભાવ છે. તેમ આત્મામાં જ્ઞાનસ્વભાવ છે, તે જ્ઞાનસ્વભાવમાં
સર્વજ્ઞતાની શક્તિરૂપ પરિણમન તો સદાય ચાલુ જ છે. જો તે શક્તિરૂપ પરિણમન ન હોય તો સર્વજ્ઞતાની
વ્યક્તિ શેમાંથી થાય! અહીં વર્તમાન કાર્યનો આધાર પણ વર્તમાન જ છે–તે બતાવવું છે. વ્યક્તરૂપે ભલે
મતિજ્ઞાન હો કે કેવળજ્ઞાન હો, પણ સર્વજ્ઞતાની શક્તિ તો જ્ઞાનમાં પરિણમી જ રહી છે. જ્ઞાનગુણ ત્રિકાળ
સામાન્ય લેવો, ને તે જ્ઞાનમાં સર્વજ્ઞતાનું કારણ થવાની તાકાત વર્તમાન પણ વર્તી રહી છે તે અહીં બતાવવું છે.
જ્ઞાનનો આ સહજભાવ સદા પરિણમનપણે વર્તી જ રહ્યો છે. પર્યાયના ઉત્પાદ–વ્યયરૂપ જે પરિણમન છે–તેની
આ વાત ન સમજવી, પણ જ્ઞાનનો સહજભાવ જે સદા સદ્રશરૂપે વર્તે છે તેની આ વાત છે.
ભવ્ય જીવોને આ સહજજ્ઞાન જ ઉપાદેય છે; આત્માના પરમ પારિણામિક સ્વભાવરૂપ એવા આ
સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ખરેખર ઉપાદેય નથી. જો કેવળજ્ઞાનપર્યાયનું ઉપાદેય કરવા જાય તો તે પર્યાય
વર્તમાનમાં પોતાને તો છે નહિ, તો દ્રષ્ટિને ક્યાં થંભાવશે? કેવળજ્ઞાનનો જે આધાર છે એવો વર્તમાન
સહજસ્વભાવરૂપ ઉપયોગ કે જે અત્યારે પણ એકરૂપ પરિપૂર્ણ સામર્થ્ય સહિત વર્તી રહ્યો છે, તેના ઉપર મીટ
માંડવા જેવું છે; તેના ઉપર મીટ માંડતાં સાધકદશા થઈને કેવળજ્ઞાન ખીલી જાય છે. આ રીતે આ સહજજ્ઞાન જ
મોક્ષનું મૂળ હોવાથી ઉપાદેય છે.
જુઓ, આ મોક્ષનું મૂળ!
શરીરાદિ તો જડ છે, પુણ્ય–પાપ તો વિકાર છે ને મતિ–શ્રુત જ્ઞાન તો અધૂરા છે, તે કોઈનામાં એવી
તાકાત નથી કે મોક્ષપદ આપે,–માટે તે કોઈ મોક્ષનું મૂળ નથી. હવે કેવળજ્ઞાનપર્યાય ઉપર મીટ માંડવા જાય તો,
પોતાને તે પર્યાય નથી તેથી ‘કેવળજ્ઞાન નથી ને પ્રગટ કરું’ એવી આકુળતા થાય છે, ને આકુળતા તો
કેવળજ્ઞાનને અટકાવનાર છે; માટે કેવળજ્ઞાન પર્યાય ઉપર મીટ માંડવી તે પણ કેવળજ્ઞાનનો ઉપાય નથી એટલે કે
તે પણ મોક્ષનું મૂળ નથી.–તો કોના ઉપર મીટ માંડવી? તારા જ્ઞાનના ધુ્રવઆધારરૂપ સહજજ્ઞાનસ્વભાવ અત્યારે
પણ તારામાં વર્તી રહ્યો છે ને તે જ મોક્ષનું મૂળ છે, માટે તેના ઉપર જ મીટ માંડ!–તેના ઉપર મીટ માંડતાં તારું
કેવળજ્ઞાન ખીલી જશે.
અહો! આ સમજે તેની બુદ્ધિ અંતરસ્વભાવમાં વળી જાય.....અંર્તસ્વભાવ સિવાય જડની ક્રિયાનો,
રાગનો કે અધૂરી દશાનો આદર તેની બુદ્ધિમાં રહે નહિ. જેણે આવા અંર્તસ્વરૂપે જ ઉપાદેય તરીકે સ્વીકાર્યું તે
કેવળજ્ઞાનના પંથે ચડી ગયો.......હવે અલ્પકાળમાં તે કેવળજ્ઞાન પામી જશે.
જડની ને વિકારની વાત તો ક્યાંય ઊડી ગઈ! પણ સમ્યક્ મતિ–શ્રુતજ્ઞાનને કેવળજ્ઞાનનું કારણ કહેવું તે
પણ વ્યવહારથી છે. પરમાર્થે તો ત્રિકાળ કારણ સ્વભાવજ્ઞાન જ કેવળજ્ઞાનનું કારણ છે; અને તે જ મોક્ષનું મૂળ
હોવાથી પરમ ઉપાદેય છે. સમ્યગ્દર્શનને મોક્ષનું મૂળ કહેવાય છે તે પણ પર્યાય અપેક્ષાએ વ્યવહારથી છે; એક
વારપણ જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે જીવ અલ્પકાળમાં અવશ્ય મોક્ષ પામશે,–એ પ્રકારે સમ્યગ્દર્શનનો મહિમા
સમજાવવા માટે તે સમ્યગ્દર્શનને મોક્ષનું મૂળ કહેવાય છે. પણ તે સમ્યગ્દર્શન

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૯૦
ક્યારે થાય? કે આત્માના સહજજ્ઞાનરૂપ પરમસ્વભાવને ઉપાદેય કરે ત્યારે. આ રીતે આત્માના
સહજજ્ઞાનરૂપ પરમસ્વભાવને ઉપાદેય કરવાથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને મોક્ષ થાય છે, તેથી તે
પરમ સ્વભાવ જ મોક્ષનું મૂળ છે–એમ જાણવું, અને મોક્ષની જેમ સમ્યગ્દર્શનાદિનું પણ મૂળ તે જ છે, એમ
સમજવું.
જુઓ, આ મૂળકારણની વાત! શાસ્ત્રોમાં વ્યવહારકારણોનાં અનેક કથન આવે, ત્યાં તેના આશ્રયથી જ
લાભ થવાનું જેણે માન્યું હોય તેની પંડિતાઈ ઉપર પાણી ફરી જાય–એવી આ વાત છે. જ્યાં અંતરના જ્ઞાયકતત્ત્વ
ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં બહારના બધાય કારણો ઉપર પાણી ફરી વળે છે– અર્થાત્ બહારનું કોઈ પણ કારણ પોતાના
કારણ તરીકે દેખાતું નથી. તિર્યંચ–દેડકા વગેરેનો જીવ હો કે આઠ વર્ષના બાળકનો જીવ હો,–અંર્તસ્વરૂપના
અવલંબને જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં તેને આવું ભાન થાય છે કે અહો! આ મારો સહજસ્વભાવ જ મારા
સમ્યગ્દર્શનાદિ કાર્યોનું કારણ છે, ને આ જ મારે સર્વથા ઉપાદેય છે, આ સિવાય બીજું કોઈ કારણ મારે ઉપાદેય
નથી.
અજ્ઞાની જીવો કારણ–કારણ કરે છે, ‘નિમિત્તકારણથી થાય ને વ્યવહારકારણથી થાય’–એમ માનીને
પરાશ્રયબુદ્ધિથી તેઓ ભવભવમાં ભટકે છે. અહીં વીતરાગી સંતોએ અંતરનું ધુ્રવકારણ બતાવીને બધાય
બાહ્ય કારણોના અવલંબનનો ભુક્કો ઉડાડી દીધો છે, ને અંતરમાં મોક્ષનું મૂળ કારણ બતાવીને તેનું
અવલંબન કરાવ્યું છે.
અહો! અજબ વાત કરી છે......અંતરમાં આવા કારણના સેવનથી સિદ્ધપદને સાધતાં સાધતાં આ
રચના થઈ છે.....‘અહો! આ મારા સિદ્ધપદનું કારણ!–આમ કારણ પ્રત્યેનો અચિંત્ય આહ્લાદ પ્રસિદ્ધ કર્યો
છે.–તેના અવલંબને કાર્ય સધાઈ રહ્યું છે. ‘કાર્ય’ વગર ‘કારણ’ ના મહિમાની ખબર ન પડે.
જેમ
લીંડીપીપરની એક પહોરી તીખાસ જેટલો જરાક પણ સ્વાદ ચાખે તો ખબર પડે કે આવી ચોસઠ પહોરી
(પરિપૂર્ણ) તીખાસ પ્રગટવાની તાકાત આ લીંડીપીપરમાં ભરી છે–તેમ જેણે અંતર્મુખ થઈને સમ્યગ્દર્શનરૂપ
કાર્ય પ્રગટ કર્યું અને આત્માના આનંદનો જરાક સ્વાદ ચાખ્યો ત્યાં તેને તેના કારણના અચિંત્ય મહિમાની
ખબર પડી કે ‘
અહા આવા પરિપૂર્ણ આનંદનું કારણ મારો આત્મા જ છે......મારા આત્મામાં આવા આનંદનું
કારણ સદાય વર્તી રહ્યું છે..... ને આ જ મારે ઉપાદેય છે.’
મોક્ષનું મૂળ એવું સહજજ્ઞાન ત્રિકાળ પારિણામિકભાવરૂપ સ્વભાવવાળું છે; કેવળજ્ઞાન
ક્ષાયિકભાવરૂપ છે, મતિજ્ઞાન વગેરે ક્ષાયોપશમિકભાવરૂપ છે, ને આ સ્વરૂપપ્રત્યક્ષ સહજજ્ઞાન તો
પારિણામિકભાવરૂપ છે, તથા તે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી તે ઉપાદેય છે. ભવ્યને તેનું ભાન થાય છે
માટે ‘ભવ્યનો પરમ સ્વભાવ’ કહ્યો. અભવ્યને આવા સ્વભાવનું ભાન થતું નથી. ભવ્યનો પરમ સ્વભાવ
હોવાથી આ સહજજ્ઞાન સિવાય કાંઈ ઉપાદેય નથી. જેમ મેરૂપર્વત નીચે સોનું છે પણ તે શા કામનું? તેમ
અભવ્યને પણ આવો સ્વભાવ તો છે પણ ભાન વગર તે શા કામનો? ‘કારણ’ તો છે પણ મિથ્યાદ્રષ્ટિ તેનું
અવલંબન લઈને કાર્ય પ્રગટ કરતો નથી. કારણના અવલંબને કાર્ય થાય છે. સમ્યગ્દ્રષ્ટિને પોતાના
પરમપારિણામિક સ્વભાવરૂપ જે સહજજ્ઞાન છે તે જ ઉપાદેય છે, એ સિવાય સમ્યગ્દ્રષ્ટિ બીજું કાંઈ ઉપાદેય
માનતા નથી. જે જીવો પરમ આનંદના અભિલાષી હોય......જેઓ આત્માર્થી હોય...જેઓ મોક્ષાર્થી
હોય.....તેઓ પોતાના એક પરમ જ્ઞાનસ્વભાવને જ ઉપાદેય કરો.....તે અંર્તસ્વભાવની ખાણમાંથી
જ સમ્યગ્દર્શનાદિ રત્નો નીકળે છે, તેથી તે જ ઉપાદેય છે.
જ્ઞાન–આનંદના સહજવિલાસરૂપ આ પરમાર્થસ્વભાવ સિવાય બીજું કાંઈ ધર્મીને ઉપાદેય નથી.
આ રીતે જ્ઞાનના પ્રકારોમાં પરમ સ્વભાવરૂપ સહજજ્ઞાનને ઉપાદેય બતાવ્યું. હવે, ‘તે સહજજ્ઞાનના
વિલાસરૂપે જ આત્માને ભાવવો’–એમ કહેશે.
(–આ ગાથાઓના જે છ વિષયો કહ્યા છે તેમાંથી ચોથો વિષય અહીં પૂરો થયો.)

PDF/HTML Page 14 of 21
single page version

background image
શ્રાવણઃ ૨૪૮પઃ ૧૩ઃ
* આત્માને કેવો ભાવવો–તેનું વર્ણન *
આત્માના પરમસ્વભાવરૂપ સહજજ્ઞાનનો પરમ મહિમા બતાવીને, તથા તે જ ઉપાદેય છે–એમ સમજાવીને, હવે
કહે છે કે–
“આ સહજચિદ્વિલાસરૂપે.....સ્વભાવ–અનંતચતુષ્ટયથી જે સનાથ છે.....એવા આત્માને.... ભાવવો.”
આત્માના સ્વભાવ–અનંતચતુષ્ટય કેવા છે? તે કહે છે–
(૧) સદા સહજ પરમ વીતરાગ સુખામૃત
(૨) અપ્રતિહત નિરાવરણ પરમ ચિત્શક્તિનું રૂપ
(૩) સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ પરમ ચારિત્ર, અને
(૪) ત્રણે કાળે અવિચ્છિન્ન હોવાથી નિકટ એવી પરમ ચૈતન્યરૂપની શ્રદ્ધા.
–આવા સ્વભાવ–અનંતચતુષ્ટયથી આત્મા સનાથ છે, અને અનાથ એવી મુક્તિસુંદરીનો તે નાથ છે; આવા
આત્માને સહજજ્ઞાનના વિલાસરૂપે ભાવવો.
અહીં જે સુખ, વીર્ય, ચારિત્ર અને શ્રદ્ધાએ ચતુષ્ટય લીધા છે તે ત્રિકાળની વાત છે. આત્માને ‘સહજ
ચિદ્વિલાસરૂપ’ કહીને જ્ઞાનની વાત તો પહેલાં જ લીધી. અને સ્વભાવ અનંતચતુષ્ટયમાં–
(૧) આનંદને સદા વીતરાગ કહ્યો,
(૨) ચિત્શક્તિરૂપ બળને નિરાવરણ અપ્રતિહત કહ્યું,
(૩) ચારિત્રને સદા અંતર્મુખ સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ કહ્યું, અને
(૪) શ્રદ્ધાને ત્રિકાળ અવિચ્છિન્નરૂપે સદા નિકટ બતાવી.
–આવા સ્વભાવ–ચતુષ્ટયથી જે સનાથ છે અને મુક્તિસુંદરીનો નાથ છે–એવા ભગવાન આત્માને
સહજચૈતન્યવિલાસરૂપે ભાવવો. આ ‘ભાવના’ તે મોક્ષમાર્ગ છે; ‘ભાવના’ કહેતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે તેમાં
આવી જાય છે. ને આવી ભાવનાથી જ ભવનો અભાવ થાય છે.
જુઓ, આ મોક્ષ માટેની ભાવના! જેણે આત્માની મોક્ષદશા પ્રગટ કરવી હોય તેણે આવા આત્માને જ ભાવવો.
જડની ક્રિયાના વિલાસરૂપે આત્માને ન ભાવવો; રાગના વિલાસરૂપે આત્માને ન ભાવવો, તેમજ અલ્પજ્ઞતાના વિલાસરૂપે
આત્માને ન ભાવવો; પણ અનંત ચતુષ્ટયસહિત સહજજ્ઞાનના વિલાસરૂપે સદા આત્માને ભાવવો. સહજજ્ઞાનના
વિલાસસ્વરૂપ આત્મા સદા કારણચતુષ્ટય સહિત બિરાજી રહ્યો છે, તેની ભાવના કરતાં કાર્યચતુષ્ટય પ્રગટે છે. કારણની
ભાવનાથી કાર્ય થાય છે. અહીં કારણરૂપ જે સહજજ્ઞાન, તેના વિલાસની સાથે સ્વભાવ–ચતુષ્ટયને ભેળવીને, તે
ચતુષ્ટયસહિત આત્માની ભાવના કરવાનું કહ્યું, તેનું ફળ મુક્તિ છે.
જુઓ, આ સહજચૈતન્યનો વિલાસ! આમાં જ આત્માનો ખરો વિલાસ છે, આ વિલાસમાં જ આત્માનો આનંદ
છે. બહારના વિલાસમાં તો દુઃખ છે, ને આત્માના વિલાસમાં આનંદ છે. ચૈતન્યમૂર્તિ આત્માનો આ ત્રિકાળ વિલાસ
અમૃતમય છે, આનંદમય છે, તેમાં જ આત્માની મોજ છે; માટે તેની જ ભાવના ભાવવી–એવો સંતોનો ઉપદેશ છે.
જડનો વિલાસ જુદો છે,
વિકારનો વિલાસ દુઃખરૂપ છે, ને
પર્યાયનો વિલાસ ક્ષણિક છે;
આત્માના સહજ ચૈતન્યનો વિલાસ આનંદમય છે, ધુ્રવ છે, સદા પોતાથી અભિન્ન છે,–માટે તે વિલાસરૂપે
આત્માની ભાવના ભાવવી. પરમ પારિણામિકભાવે ત્રિકાળ વિલસતો આત્મા તે જ સમ્યગ્દર્શનનું ધ્યેય છે, તેના જ
આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય છે. આવો જે ચૈતન્યનો સહજ વિલાસ છે તેને કદી આવરણ નથી, તેમાં કોઈ બાધા નથી,
પીડા નથી, દુઃખ નથી; તે સદા નિરાવરણ છે, નિર્બાધ છે, અવિચ્છિન્નધારારૂપ છે, અમૃતમય છે, આનંદમય છે,
વીતરાગસ્વરૂપ છે,–અહો! આવા આત્માની ભાવના તે જ ધર્માત્માનું કર્તવ્ય છે.
ઓહો! આ ભગવાનના શાસ્ત્રમાં કેવી અલૌકિક વાત ભરી છે! જુઓ તો ખરા, આ તો ભાગવતશાસ્ત્ર છે. અંદર
ધુ્રવસ્વભાવ પૂરા આનંદથી સદા પરિપૂર્ણ ભર્યો છે તેના ઉપર જ શાસ્ત્રકાર સંતોએ મીટ માંડી છે. જેણે આવા ત્રિકાળી
પરમ સત્નો આદર કર્યો તેને સ્વપ્ને પણ અસત્નો (–રાગાદિ વ્યવહારનો) આદર હોય જ નહિ.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ તે પર્યાય છે, તે નિશ્ચય મોક્ષમાર્ગ છે; પણ તે કેમ પ્રગટે?
આત્મસ્વભાવના અવલંબને તે પ્રગટે છે, તેથી

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૯૦
આત્માનો પરમસ્વભાવ જ મોક્ષનું નિશ્ચયકારણ છે, ને નિશ્ચયરત્નત્રય મોક્ષમાર્ગ તે મોક્ષનું વ્યવહારકારણ છે.
આત્મા સહજજ્ઞાનના વિલાસરૂપ છે; તેનો વિલાસસદા આનંદરૂપ છે. સમ્યગ્દર્શન થતાં કે કેવળજ્ઞાન થતાં
જે આનંદનું વેદન થયું તે આનંદ ક્યાંથી આવ્યો? પરમ વીતરાગ આનંદ સાથે આત્મા સદા એકમેક છે તેમાંથી
જ આનંદ પ્રગટયો છે. એ જ પ્રમાણે પરમ ચૈતન્યશક્તિરૂપ વીર્ય પણ આત્મામાં અપ્રતિહતપણે ત્રિકાળ
નિરાવરણ છે. તે જ પૂર્ણ આત્મબળનું દાતાર છે. વળી યથાખ્યાત ચારિત્રનું દાતાર એવું પરમ ચારિત્ર આત્મામાં
સદા અંતર્મુખપણે વર્તી જ રહ્યું છે અને ‘શ્રદ્ધા’ પણ ત્રિકાળ અવિચ્છિન્નપણે આત્મામાં સદા નિકટ રહેલી છે–
તેનો કદી વિરહ નથી, તે નિકટવર્તી શ્રદ્ધાશક્તિ જ સમ્યક્ત્વની દાતાર છે. આ રીતે ભગવાન આત્મા
અનંતચતુષ્ટયનો નાથ છે. આ અનંત ચતુષ્ટયના નાથને સહજજ્ઞાનરૂપે વિલસતો ભાવવો. આવા સ્વભાવની
ભાવના તે મોક્ષમાર્ગ છે, ને તેનું ફળ મોક્ષ છે.
આ રીતે અનંત ચતુષ્ટયના નાથ ભગવાન આત્માને સહજજ્ઞાનના વિલાસરૂપે ભાવવાનો સંતોનો ઉપદેશ
છે. હવે ‘આ ઉપદેશ કેવો છે–તે કહેશે.
(આ ગાથાઓના છ વિષયોમાંથી પાંચમો વિષય અહીં પૂરો થયો.)
* બ્રહ્મોપદેશ *
જ્ઞાયકમૂર્તિ આત્માના સ્વભાવરૂપ જે કારણસ્વભાવ જ્ઞાન છે તે સહજ છે, સ્વરૂપ–પ્રત્યક્ષ છે, સાક્ષાત્
મોક્ષનું મૂળ છે, જીવના પરમસ્વભાવરૂપ છે, અને તે જ ઉપાદેય છે; માટે આવા સહજજ્ઞાનના વિલાસરૂપે
અનંતચતુષ્ટયના નાથ આત્માને ભાવવો–એવો સંતાનો ઉપદેશ છે.
જુઓ, આ વીતરાગી સંતોનો બ્રહ્મોપદેશ! કેવો છે આ બ્રહ્મોપદેશ! કે સંસારરૂપી લતાનું મૂળ છેદી
નાંખનારો છે. જેમ દાતરડું વેલાના મૂળને છેદી નાંખે છે તેમ ચૈતન્યવિલાસરૂપ આત્માની ભાવનાનો આ
બ્રહ્મોપદેશ સંસારરૂપી લતાના મૂળને છેદી નાંખવા માટે દાતરડા જેવો છે. જે જીવ આ ઉપદેશ ગ્રહણ કરીને
આત્માની ભાવના ભાવે છે તેનો સંસાર છેદાઈ જાય છે, ને પહેલાં જે અનાથ હતી એવી મુક્તિસુંદરીનો તે નાથ
થાય છે.
બાર ગાથા ટીકા કરતાં કરતાં ટીકાકાર પ્રદ્મપ્રભ મુનિરાજને આત્માના સહજ સ્વભાવની ભાવનાનો
આહ્લાદ આવતાં કહે છે કે–“આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ
કર્યો” બ્રહ્મોપદેશમાં શું કહ્યું? સ્વભાવ–ચતુષ્ટયથી સહિત એવા કારણ પરમાત્માને ભાવવો–એમ કહ્યું. આ
કારણપરમાત્મા તે મુક્તિસુંદરીનો નાથ છે; મોક્ષ વગેરે નિર્મળ પર્યાયોનો બીજો કોઈ નાથ નથી, બીજા કોઈનું
તેને અવલંબન નથી; આત્મા જ તેનો નાથ છે, આત્માનું જ તેને અવલંબન છે.–આવા આત્માને ભાવવો–એમ
વીતરાગી સંતોનો બ્રહ્મોપદેશ છે. આનાથી વિરુદ્ધ રાગની કે વ્યવહારની ભાવના કરવાનો જે ઉપદેશ છે તે
બ્રહ્મોપદેશ નથી પણ મિથ્યાદ્રષ્ટિનો ભ્રમોપદેશ છે. અહીં તો ભ્રમણા છેદવાનો બ્રહ્મોપદેશ કર્યો કે રાગ કે વ્યવહાર
તે કોઈ ઉપાદેય નથી, માટે તેની ભાવના છોડાવી, ને અંતર્મુખ થઈને સહજ ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવના
કરવી. ભાવના એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન ને લીનતા, તેના વડે સંસારનું મૂળ છેદાઈ જાય છે, સંસારનું મૂળ
ભ્રમણા છે, તે ભ્રમણા આ બ્રહ્મોપદેશવડે છેદાઈ જાય છે.
જેમ સમયસારમાં ૧૨ ગાથા સુધી પીઠિકા છે ને પછી પંદર ગાથા સુધી અલૌકિક વાત છે.... પંદરમી
ગાથામાં તો ‘જિનશાસન’ ની અલૌકિક વાત કરી છે; તેમ આ નિયમસારમાં પણ ૧૨ ગાથા પૂરી થતાં ટીકાકાર
મહામુનિ કહે છે કે ‘.....આ બ્રહ્મોપદેશ કર્યો....” હજી પંદરમી ગાથા સુધી કારણશુદ્ધપર્યાય સંબંધ સરસ વાત
આવશે...પંદરમી ગાથામાં તો કારણશુદ્ધપર્યાયની અલૌકિક વાત કહેશે. અહો! સંતોના હૃદય બહુ ઊંડા છે.
‘આમાં બહુ સૂક્ષ્મ ઉપદેશ છે’ એમ બતાવવાના આશયથી ટીકાકારે આને ‘બ્રહ્મોપદેશ’ કહ્યો છે. બ્રહ્મ–
આનંદસ્વરૂપ જે આત્મા તેની ભાવનાનો આ ઉપદેશ છે. આ બ્રહ્મોપદેશ સમજીને જે જીવ આત્મસ્વભાવની
ભાવના કરશે તેને સંસારનું મૂળ છેદાઈ જશે......ને તે મુક્તિ પામશે.
વીતરાગી સંતોનો બ્રહ્મોપદેશ જયવંત વર્તો

PDF/HTML Page 16 of 21
single page version

background image
શ્રાવણઃ ૨૪૮પઃ ૧પઃ
આત્માની ધર્મકથા
તા. ૨૯–૩–પ૯ના રોજ જલગાંવ (ખાનદેશ) માં પૂ. ગુરુદેવનું પ્રવચન
આ ચિદાનંદસ્વરૂપ આત્માની ધર્મકથા છે. દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે; તેણે પોતાના સ્વરૂપને
ભૂલીને પૂર્વે અનાદિકાળમાં ચાર ગતિના અનંત ભવો કર્યા છે. આ દેહ તો જડ છે, તેનામાં જ્ઞાન નથી,
જ્ઞાનસ્વરૂપ આત્મા તેનાથી ભિન્ન વસ્તુ છે. જો દેહ અને આત્મા એક હોય તો, મોટા જાડા દેહમાં ઝાઝી બુદ્ધિ ને
નાના દેહમાં થોડી બુદ્ધિ–એમ હોવું જોઈએ, પરંતુ એમ તો દેખાતું નથી. કોઈને પાતળો નાનો દેહ છતાં વિશેષ
બુદ્ધિ હોય છે, કોઈને મોટો સ્થૂળ દેહ છતાં અલ્પ બુદ્ધિ હોય છે. આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા દેહથી તદ્ન ભિન્ન
વસ્તુ છે.
જ્ઞાનસ્વરૂપ આત્મામાં સર્વજ્ઞ થવાની ને પૂર્ણ આનંદ પ્રગટવાની તાકાત છે; તેની ઓળખાણ કરવી તે
અપૂર્વ પુરુષાર્થ છે. એ સિવાય બહારના સંયોગ મળવા તે તો પૂર્વના પુણ્ય–પાપનું ફળ છે. બહારની અનુકૂળ–
પ્રતિકૂળ સામગ્રી સાથે કાંઈ ધર્મનો સંબંધ નથી. આચાર્યમહારાજ કહે છેઃ અરે ભાઈ! દેહથી ભિન્ન તારા
આત્મતત્ત્વને જાણવાનો પ્રયત્ન તેં પૂર્વે કદી એક સેકંડ પણ કર્યો નથી. સ્વર્ગમાં અનંતવાર તું ગયો, ને તીવ્ર
દુરાચારથી નરકના અવતાર પણ તેં અનંતવાર કર્યા; મનુષ્ય ને ઢોરના અવતાર પણ તેં અનંતવાર કર્યા, પણ
ચૈતન્યતત્ત્વના ભાનવગર આત્માની શાંતિ તું કદી ન પામ્યો.
શ્રીમદ્ રાજચંદ્ર જેઓ સૌરાષ્ટ્રમાં થઈ ગયા, અને સાત વર્ષની વયે તો જેમને આત્મા પૂર્વભવે ક્યાં હતો
તેનું જ્ઞાન (જાતિસ્મરણ) થયું હતું, તેઓ ૧૬ વર્ષની વયે કહે છે કે–
બહુ પુણ્ય કેરા પૂંજથી શુભદેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહીં એકે ટળ્‌યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો,
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો?
સોળ વર્ષની ઉમર તો દેહની અપેક્ષાએ છે, આત્મા તો બધાય અનાદિથી અત્યારસુધી આવેલા સરખા છે.
અનંતા જીવો આત્માનું ભાન કરી કરીને પૂર્ણ જ્ઞાન આનંદ પ્રગટ કરીને મુક્ત થયા. તેઓ ક્યાંથી થયા?
આત્મામાં તાકાત છે તેમાંથી જ થયા છે, પણ આત્માને ભૂલીને અનાદિથી ચાર ગતિના ચકરાવામાં જીવ ભમી
રહ્યો છે. તેમાં આવો દુર્લભ મનુષ્ય અવતાર ને સત્સમાગમ મળ્‌યો, તો હે જીવ! હવે ભવચક્રનો આંટો ટળે એવું
કાંઈક કર.
દેહથી ભિન્ન આત્માને લક્ષમાં લઈને શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે અરે ભાઈ, ભવચક્રમાં રખડતાં રખડતાં તું
આવો મનુષ્ય અવતાર પામ્યો, અને તેમાં ભવભ્રમણ ટાળવાનો ઉપાય જો તું ન કર તો તેં શું કર્યું? બહારમાં
સુખ નથી, સુખ તો આત્માના સ્વભાવમાં છે. બહારમાં સુખ માનતાં આત્માના સ્વભાવનું સુખ ભુલાય છે; માટે
હે જીવ! આ વાત તું જરાક લક્ષમાં તો લે.....કે બહારમાં સુખ નથી, અંતરમાં જ સુખ છે. અંતરમાં આત્માને
ભૂલીને બહારમાં સુખ માનતાં ક્ષણે ક્ષણે ભાવમરણ થાય છે, એટલે કે આત્માના ગુણો ક્ષણેક્ષણે હણાઈને દુઃખ
ઊભું થાય છે. એ ક્ષણેક્ષણે થતા ભાવમરણથી બચવા માટે ને આત્માનું વાસ્તવિક સુખ પામવા માટે તું વિચાર
કરીને તારા વાસ્તવિક સ્વરૂપને લક્ષમાં તો લે.
જ્ઞાનસ્વરૂપ આત્મા સંયોગોથી જુદો છે, ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ સમાધાન કરીને તે શાંતિ
રાખી શકે છે. માન–અપમાનનું તીવ્ર દુઃખ થતાં દેહ છોડીને (આપઘાત કરીને) પણ તે દુઃખથી છૂટવા માંગે છે;–

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૯૦
એટલે તેમાં એ વાત સિદ્ધ થાય છે કે દેહ વગર પણ આત્માને સુખ થઈ શકે છે, અર્થાત્ દેહમાં કે સંયોગમાં સુખ
નથી પણ દેહથી ભિન્ન અને સંયોગથી ભિન્ન એવા આત્મસ્વરૂપમાં સુખ છે; તેનું લક્ષ કરીને તેમાં ઠરવું તે જ
સુખનો વાસ્તવિક ઉપાય છે.
આ ચિદાનંદસ્વરૂપ આત્માની સમજણ કેમ થાય તેની ધર્મકથા છે. બહારમાં લક્ષ્મી કે અધિકાર ભલે હો કે
કુટુંબ–પરિવાર ઘણો હોય,–પણ તેથી આત્માને શું લાભ થયો? શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તેતો કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો,
–એનો વિચાર અહોહો, એક પળ તમને હવો
લક્ષ્મી–અધિકાર કે કુટુંબ–પરિવારના વધવાથી મારા આત્મામાં કાંઈ વધ્યું કે મને કાંઈ લાભ થયો–એમ
માનવું તે તો ભ્રમણા છે, તેનાથી સંસાર વધે છે, ને મનુષ્ય ભવ હારી જવાય છે. અરે જીવો! તમે એક ક્ષણ તો
આનો વિચાર કરો! કેમ આત્માનું અહિત થઈ રહ્યું છે, ને કેમ આત્માનું હિત થાય–તેનો વિચાર તો કરો. શું
વિચાર કરવો–તો કહે છે કે–
હું કોણ છું? ક્યાંથી થયો?
શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનના સિદ્ધાંતતત્ત્વો અનુભવ્યા.
જેમ કાચો ચણો તુરો લાગે છે ને વાવવાથી ઊગે છે, તેમ અજ્ઞાનભાવે જીવને આકુળતાના સ્વાદનું વેદન છે
ને તે ચાર ગતિના અવતારમાં રઝળે છે; પરંતુ જેમ ચણાને સેકી નાંખતાં તેનો સ્વાદ મીઠો લાગે છે ને તે ફરીને
ઊગતો નથી, તેમ ચિદાનંદસ્વરૂપ આત્માનું ભાન કરીને તેમાં ઠરતાં આત્માને પોતાના અતીન્દ્રિય આનંદરસનો
સ્વાદ આવે છે, ને સંસારમાં તે ફરીને ભવ ધારણ કરતો નથી. માટે આ મનુષ્યજીવનમાં આત્માનું ભાન કરવાનો
સત્સમાગમે પ્રયત્ન કરવો જોઈએ. અનંતકાળથી ભ્રાંતિમાં પડીને ભ્રમણ કરતો જીવ પોતે પોતાના આત્માને દુઃખી
કરી રહ્યો છે, બીજો કોઈ તેને દુઃખ આપનાર નથી. કોઈ માથું કાપનાર હોય તેનું દુઃખ ખરેખર આત્માને નથી.
અનેક સંતમુનિઓ જેઓ વનજંગલમાં વસતા ને આત્માના ધ્યાનમાં મસ્ત હતા, તેઓને મહાઉપદ્રવ આવી પડયા–
સિંહવાઘે ફાડી ખાધા કે ઘાણીમાં ઘાલીને કોઈએ પીલી નાંખ્યાં, છતાં તેઓ ચિદાનંદસ્વરૂપમાં લીન થઈને શાંતિનું
વેદન કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા છે. માટે બહારની પ્રતિકૂળતા તે કાંઈ દુઃખ નથી. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા શું
ચીજ છે તેનું શ્રવણ–મનન કરીને તેની ઓળખાણનો પ્રયત્ન કરવો જોઈએ. જીવોને બીજા કાર્ય માટે સમય મળે છે,
પણ ચિદાનંદસ્વરૂપ આત્મા શું ચીજ છે તેનું શ્રવણ–મનન કરવા માટે સમય લેતા નથી. અરે, સ્વર્ગના દેવો પણ
સ્વર્ગ છોડીને આ મનુષ્યલોકમાં ધર્મની વાત સાંભળવા તીર્થંકરભગવાનની સભામાં આવે છે. અત્યારે વિદેહક્ષેત્રે
સીમંધરાદિ તીર્થંકરભગવંતો બિરાજે છે, તેમની ધર્મસભામાં સ્વર્ગના ઈંદ્રો પણ ધર્મનું શ્રવણ કરવા માટે આવે છે,
માટે પ્રલ્હાદ લાવીને ઉત્સાહથી ચૈતન્યની વાતનુ્રં શ્રવણ કરવું જોઈએ ને તેની સમજણનો પ્રયત્ન કરવો જોઈએ. એક
ક્ષણ પણ આત્માનું ભાન કરતાં અનંતકાળના જન્મમરણનો અંત આવી જાય છે, ને અનાદિથી કદી નહિ અનુભવેલ
એવી અપૂર્વ શાંતિનું વેદન થાય છે.
‘આત્મધર્મ’ અંક ૧૮૯નું શુદ્ધીપત્રક
પાનુંકોલમલાઈનઅશુદ્ધશુદ્ધ
૨પનિર્ભાવરૂપે ઉપલબ્ધિ થાય છે.નિર્બાધરૂપે ઉપલબ્ધિ થાય છે.
૧૨–નીચેની બીજી લાઈનઅંક ૧૮૧ માં છે.અંક ૧૮૨માં છે.
૧૬૧૬, ૧૭नं आत्मध्यात परो सौख्यंन आत्मध्यानात् परो सौख्यं

PDF/HTML Page 18 of 21
single page version

background image
શ્રાવણઃ ૨૪૮પઃ ૧૭ઃ
દક્ષિણ દેશના તીર્થધામોની યાત્રા કરીને
પાછા ફરતાં ચૈત્ર વદ પાંચમે પૂ. ગુરુદેવ
સંઘસહિત ચાંદખેડી પધાર્યા હતા. અહીં એક
વિશાળ જિનાલય છે.....નદીકિનારે રળિયામણા
વાતાવરણમાં મંદિર છે; મંદિરના ભોંયરામાં
સવા છ ફૂટ વિશાળ પદ્માસને આદિનાથ પ્રભુ
બિરાજે છે, તેમજ મહાવીરાદિ ભગવંતો બિરાજે
છે. આ પ્રાચીન જિનબિંબોની મુદ્રા ખૂબ જ
ઉપશાંત ભાવવાહી છે. આ ઉપરાંત વિદેહીનાથ
સીમંધરપ્રભુના સમવસરણની રચના તેમજ
તેમાં ઉપસ્થિત શ્રી કુંદકુંદાચાર્યદેવના પ્રતિમાજી
છે. આવા ચાંદખેડી ક્ષેત્રમાં પૂ. ગુરુદેવનું આ
પ્રવચન છે. ગુરુદેવ પધારતાં આસપાસના
અનેક ગામોથી સેંકડો જિજ્ઞાસુઓ આવ્યા હતા.
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ અનાદિઅનંત છે, તે દેહથી ભિન્ન છે. તેની શ્રદ્ધા અને જ્ઞાન કરીને તેની
સ્વાનુભૂતિ વડે અતીન્દ્રિયઆનંદનું ભોજન કરવું તે ચાર ગતિના ભ્રમણથી છૂટવાનો માર્ગ છે.
नमः समयसाराय
स्वानुभूत्या चकासते’
સ્વાનુભૂતિથી પ્રકાશમાન એવો જે શુદ્ધઆત્મા તેને નમસ્કાર હો...વિકારમાં અનાદિથી નમતો હતો એટલે
કે તે તરફ ઢળતો–પરિણમતો હતો, તેને બદલે સ્વસન્મુખ થઈને ચૈતન્યસત્તાનો સ્વીકાર કરીને તેમાં નમ્યો એટલે
કે સ્વભાવ તરફ ઢળ્‌યો, તેમાં પરિણમ્યો, તે મોક્ષમાર્ગ છે, તે અપૂર્વમંગળ છે.
અનાદિકાળથી આત્મા ચાર ગતિના પરિભ્રમણમાં રખડી રહ્યો છે, પોતાની ભૂલથી જ તે રખડે છે, કોઈ
બીજાએ તેને રખડાવ્યો નથી. ચાર ગતિના દુઃખથી છૂટકારો કેમ થાય તેની આ વાત છે. દુઃખ તે સ્વાભાવિક
ભાવ નથી, પણ આત્માના આનંદસ્વભાવનો વિભાવ તે દુઃખ છે. પોતે વિભાવ જીવે પોતે કર્યો છે; જડમાં સુખ
નથી તેમ તેના વિભાવરૂપ દુઃખ પણ નથી. જીવે અજ્ઞાનપણે પોતાના વિભાવથી દુઃખ ઊભું કર્યું છે. પોતાની જ
ભૂલથી પોતે દુઃખી હોવા છતાં બીજા ઉપર દોષ ઢોળવો કે કર્મોએ મને દુઃખી કર્યો એમ માનવું–તે અનીતિ છે. જો
જૈનશાસનને સમજે તો એવી અનીતિ સંભવે નહીં. આચાર્યભગવાન કહે છે કે અરે જીવ! રાગ–દ્વેષ–મોહવડે
મલિનચિત્તથી જ તું સંસારભ્રમણ કરી રહ્યો છે. તારો ચિદાનંદસ્વભાવ પવિત્ર છે, તે રાગ–દ્વેષમોહરહિત
સ્વભાવનું તેં કદી લક્ષ પણ કર્યું નથી. એકવાર ચિદાનંદસ્વભાવને લક્ષમાં લઈને તેનું ચિંતન કર, તો તને તારા
અતીન્દ્રિયઆનંદનો અનુભવ થશે.
જીવે યથાર્થપણે–રુચિ પ્રગટ કરીને–ચિદાનંદસ્વરૂપની વાત પણ કદી સાંભળી નથી..... સાંભળવા મળ્‌યું
ત્યારે તેની રુચિ ન કરી; કામ–ભોગ–બંધનની જ રુચિ રાખી

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૯૦
છે. ચૈતન્યસ્વરૂપની રુચિ કરીને એક વાર પણ તેનું શ્રવણ કરે તો અપૂર્વ ભેદજ્ઞાન થયા વિના રહે નહીં.
દિવ્યધ્વનિદાતાર ભગવાન તીર્થંકરપરમાત્મા અત્યારે વિદેહક્ષેત્રેમાં સાક્ષાત્ બિરાજે છે. અહીંથી ૨૦૦૦
વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય દેવ ત્યાં ગયા હતા ને ભગવાનની દિવ્યવાણી સાંભળી હતી. (અહીં પણ મંદિરમાં તેનો
દેખાવ છે, ને અમારે સોનગઢમાં પણ તેની રચના છે.) વિદેહથી પાછા આવ્યા બાદ આચાર્યદેવે સમયસાર વગેરે
શાસ્ત્રો રચ્યાં છે; તેમા કહે છે કે–
શ્રુત–પરિચિત–અનુભૂત સર્વને
કામ–ભોગ–બંધનની કથા,
પરથી જુદા એકત્વની
ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪.
જીવોએ અનાદિથી રાગ અને તેના ફળની રુચિ કરી છે ને તેનો જ અનુભવ કર્યો છે, પણ પરથી ભિન્ન ને
સ્વભાવથી એકત્વરૂપ એવા જ્ઞાનાનંદસ્વરૂપની રુચિ કે અનુભવ કદી કર્યો નથી. આચાર્ય ભગવાન સમયસારમાં
એકત્વ–વિભક્ત આત્માનું સ્વરૂપ બતાવીને તેનાં શ્રદ્ધા–જ્ઞાન–આચરણનો ઉપદેશ આપે છે.
અરે જીવ! તારો જ્ઞાયક સ્વભાવ તો પવિત્ર છે ને રાગાદિ ભાવો તો મલિન છે; માટે સ્વભાવનો ઉલ્લાસ
લાવીને તેનું શ્રવણ કર.....રાગ અને રાગના ફળની રુચિ છોડ. સર્વજ્ઞતાની તાકાત તારા જ્ઞાયક સ્વભાવમાં ભરી
છે, રાગમાં તેવી તાકાત નથી. રાગના સેવનથી સર્વજ્ઞતા કે અતીન્દ્રિય આનંદ નહીં આવે, જ્ઞાયક સ્વભાવની
સન્મુખ થઈને તેના સેવનથી જ સર્વજ્ઞતા અને અતીન્દ્રિય આનંદ આવશે. જેમ લીંડીપીપરમાં તાકાત છે તેમાંથી જ
ચોસઠપોરી તીખાસ પ્રગટે છે, તેમ આત્માના સ્વભાવમાં તાકાત છે તેમાંથી જ સર્વજ્ઞતા ને પૂર્ણાનંદ ખીલે છે, ક્ય
ાંય બહારથી નથી આવતા.
શુભ રાગ કરતાં કરતાં જાણે કે આનાથી કાંઈક લાભ થઈ જશે–એમ શુભરાગની રુચિમાં રંગાયેલા જીવનું
ચિત્ત મિલન છે; રાગની રુચિથી રંગાયેલું તેનું મિલન ચિત્ત કર્મબંધનનું કારણ છે, અને રાગથી પાર ચિદાનંદ
સ્વરૂપની રુચિનો રંગ લગાડીને ચિત્તને ચૈતન્યસ્વરૂપમાં જોડવું તે કર્મબંધનથી છૂટકારાનો ઉપાય છે. સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે, ‘ચૈતન્યસ્વરૂપમાં ચિત્તને જોડવું’ તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ
સમાઈ જાય છે. ચૈતન્યમાં ચિત્ત ક્યારે જોડાય? કે રાગની રુચિ છોડીને ચૈતન્યસ્વરૂપની રુચિ કરે ત્યારે; જે જીવ
રાગથી લાભ માને તે તેની રુચિ કેમ છોડે? અને જેની રુચિથી ચિત્ત રંગાયેલું હોય તેનાથી તે કેમ છૂટે? માટે
રાગની રુચિથી જેનું ચિત્ત મલિન છે તે જીવ રાગથી પોતાના ચિત્તને ખસેડતો નથી ને ચૈતન્યસ્વરૂપમાં પોતાના
ચિત્તને જોડતો નથી, તે જીવ મલિન ચિત્તવાળો વર્તતો થકો કર્મથી બંધાય છે. અને જે જીવ પવિત્ર ચૈતન્યસ્વરૂપમાં
ચિત્તને જોડીને રાગથી વિમુખ વર્તે છે તે જીવ નિઃસંદેહપણે કર્મોથી મુકાય છે. આ રીતે, ઉપયોગનું રાગમાં જોડાણ
તે બંધનું કારણ છે ને ઉપયોગનું સ્વભાવમાં જોડાણ તે મોક્ષનું કારણ છે.
આત્મપંથ તે મોક્ષમાર્ગ છે, ને મન–પંથ તે બંધમાર્ગ છે; ઉપયોગનું આત્મસ્વભાવમાં જોડાણ થતાં
મોક્ષમાર્ગ થાય છે, અને મનના સંબંધમાં જોડાણ થતાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે તે બંધનું કારણ છે. માટે
આચાર્યદેવ કહે છે કે–અરે, મનનો માર્ગ તો દુઃખ કરનાર છે, ચૈતન્યમાર્ગ જ અમૃતસ્વરૂપ મોક્ષ દેનાર છે. અરે
મન! મૃગજળની છાયા જેવા વિષયસુખોથી તું વિમુખ થા..... તેનાથી વિરક્ત થઈને તારા ઉપયોગને ચૈતન્યમાં
જોડ. શુભ કે અશુભ એ બંને મનનો પંથ છે, ચૈતન્યનો પંથ નથી; ચૈતન્યના પંથમાં તો વીતરાગતા છે, ને
વીતરાગતા જ મોક્ષમાર્ગ છે.
આચાર્ય ભગવાન ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવાનો ઉપદેશ
આપે છે. જેમ કોઈ પુરુષ આંબાના વૃક્ષ પાસે આવ્યો પણ તેની છાયામાં બેસીને જ સંતુષ્ટ ગયો, તો બીજો કોઈ
ડાહ્યો પુરુષ તેને સમજાવે છે કે અરે ભાઈ! તું આ વૃક્ષની છાયામાં જ સંતુષ્ટ ન થા, પણ આ આબાંનો સ્વાદે લે.
તેમ સુખની છાયા જેવા (સુખાભાસ) એવા શુભમાં જે સંતુષ્ટ છે તેને આચાર્યદેવ કહે છે કે અરે જીવ! તું
રાગમાં સંતુષ્ટ ન થા, શુભના ફળમાં પણ ખરું સુખ નથી, માટે અમૃતના વૃક્ષસમાન ચૈતન્યના સ્વભાવની
સન્મુખ થઈને તારા અતીન્દ્રિય આનંદનો સ્વાદ લે. તેનાથી નિઃસંદેહ તારા જન્મ–મરણનો નાશ થઈ જશે; આ
જ જન્મમરણ મટાડવાની જડીબુટી છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
બંધ–મોક્ષનો ટૂંકો સિદ્ધાંત
(પ્રવચનસાર ગા. ૧૮૯ થી ૧૯૧ ના પ્રવચનો ઉપરથી)
(૧) પ્રશ્નઃ– બંધનનો ટૂંકો સિદ્ધાંત શું છે?
ઉતરઃ– મોહ–રાગ–દ્વેષભાવથી જીવ એકલો જ બંધાય છે–આ પ્રમાણે બંધનો ટૂંકો સિદ્ધાંત અર્હંતદેવે કહ્યો છે.
(૨) પ્રશ્નઃ– અર્હંતદેવે આમ કહ્યું છે–એ વાતની કુંદકુંદાચાર્યને ક્યાંથી ખબર પડી?
ઉત્તરઃ– મહાવિદેહમાં અત્યારે સીમંધર પરમાત્મા બિરાજે છે ત્યાં જઈને કુંદકુંદાચાર્યદેવે સર્વજ્ઞપરમાત્માની
વાણીમાં સાક્ષાત્ સાંભળ્‌યું; તેમજ ગુરુપરંપરાથી પણ તેમને ઘણું જ્ઞાન મળ્‌યું હતું; તેમને પોતાના સ્વાનુભવથી
પણ તેમના જ્ઞાનમાં ઘણી નિર્મળતા થઈ હતી.
(૩) પ્રશ્નઃ– આત્મા શેનાવડે બંધાયેલો છે?
ઉત્તરઃ– નિશ્ચયથી મોહ–રાગ–દ્વેષરૂપે પોતાના ભાવબંધવડે જ આત્મા બંધાયેલો છે. જ્યાં આવું નિશ્ચય
બંધન છે ત્યાં નિમિત્ત તરીકે કર્મનું બંધન છે તે વ્યવહાર છે.
(૪) પ્રશ્નઃ– કર્મને લીધે આત્માને ભાવબંધ છે એ વાત સાચી?
ઉત્તરઃ– ના; એ વાત વિપરીત છે. જો કર્મને લીધે ભાવબંધ થયા જ કરે તો તો આત્મા ખરેખર પરાધીન
થઈ ગયો, બંધનથી છૂટવાનો કોઈ અવસર જ તેને ન રહ્યો.
(પ) પ્રશ્નઃ– તો ખરેખર જીવને બંધન કઈ રીતે છે?
ઉત્તરઃ– ખરેખર જીવને પોતાના મોહ–રાગ–દ્વેષ ભાવથી જ બંધન છે. જે જીવ પોતે પોતાના અપરાધથી
મોહ–રાગ–દ્વેષરૂપે પરિણમે છે તે જ બંધાય છે; જે જીવ–મોહ–રાગ–દ્વેષ નથી કરતો તે જીવ બંધાતો નથી. કર્મ તો
બીજી ચીજ છે. તેનું બંધન આત્માને કહેવું તે તો વ્યવહારથી છે.
(૬) પ્રશ્નઃ– ભાવબંધનો કર્તા દ્રવ્યકર્મ જ છે કે બીજો કોઈ?
ઉત્તરઃ– ભાવબંધનો કર્તા દ્રવ્યકર્મ નથી, પણ મોહ–રાગ–દ્વેષરૂપે પરિણમતો જીવ પોતે જ પોતાના ભાવબંધનો
કર્તા છે. જીવ પોતે એકલો જ પોતાના બંધ કે મોક્ષનો કર્તા છે, બીજો કોઈ તેના બંધ કે મોક્ષનો કર્તા નથી.
(૭) પ્રશ્નઃ– નિશ્ચયનયે આત્મા પોતાના બંધ–મોક્ષનો કર્તાં છે એમ કહ્યું, અને વ્યવહારનયે આત્મા
કર્મના બંધમોક્ષનો કર્તા છે–એમ કહ્યું, તો આ બે નયોમાંથી અહીં ક્યો નય ગ્રહણ કરવો?
ઉત્તરઃ– અહીં નિશ્ચયનય સાધકતમ હોવાથી તે ગ્રહણ કરવામાં આવ્યો છે. વ્યવહારનય તો પર સાથે સંબંધ
બતાવતો હોવાથી તેના ગ્રહણવડે પરથી ભિન્ન આત્માનું ગ્રહણ થતું નથી; અને નિશ્ચયનય આત્માને પરના સંબંધ
વગરનો બતાવતો હોવાથી તેના ગ્રહણવડે પરથી ભિન્ન આત્માનું ગ્રહણ થાય છે, માટે નિશ્ચયનય ગ્રહણ કરવો.
(૮) પ્રશ્નઃ– અહીં નિશ્ચયનયને સાધકતમ કહ્યો, તો તેનું સાધ્ય શું છે?
ઉત્તરઃ– પરદ્રવ્યોથી આત્માને ભિન્ન જાણવો તે અહીં સાધ્ય છે. આત્માને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન
જાણતાં, સ્વદ્રવ્યની સન્મુખતાથી શુદ્ધતાની પ્રાપ્તિ છે.
(૯) પ્રશ્નઃ– જે જીવ વ્યવહારને જ ગ્રહણ કરે છે તેને શું થાય છે?
ઉત્તરઃ– વ્યવહારનય આત્માને પર સાથે સંબંધવાળો બતાવે છે, તેથી વ્યવહારનયને જ ગ્રહણ કરે છે તેને
પર સાથે સંબંધવાળા અશુદ્ધ આત્માનું જ ગ્રહણ થાય છે, પણ પરથી ભિન્ન શુદ્ધ આત્માનું ગ્રહણ તેને થતું નથી.
એટલે વ્યવહારનયનું જ જે ગ્રહણ કરે છે તેને પરપ્રત્યે મોહ ઊપજે છે.
(૧૦) પ્રશ્નઃ– નિશ્ચયનય અનુસાર પરથી ભિન્ન આત્માને જે જાણતો નથી ને વ્યવહારનયને પકડીને
આત્માને પર સાથે સંબંધવાળો જ માને છે તે જીવ કેવો છે?
ઉત્તરઃ– આચાર્યદેવ કહે છે કે તે જીવ પરદ્રવ્યમાં મમત્વવાળો છે, અને તે અશુદ્ધ આત્મપરિણતિરૂપ
ઉન્માર્ગનો જ આશ્રય કરે છે. તે પરથી ભિન્ન શુદ્ધ આત્માને પ્રાપ્ત નથી કરતો, પણ પર સાથે સંબંધવાળા અશુદ્ધ
આત્માને જ પ્રાપ્ત કરે છે.
(૧૧) પ્રશ્નઃ– તો શુદ્ધ આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય છે?
ઉત્તરઃ– ‘હું પરનો નથી, પર મારાં નથી, હું એક જ્ઞાન છું–એમ નિર્ણય કરીને જે જીવ પરથી ભિન્ન
આત્માને ધ્યાવે છે તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ એટલે કે અનુભવ થાય છે. અને એ રીતે શુદ્ધાત્માને અનુભવતો થકો
તે જીવ અલ્પકાળે મુક્તિ પામે છે.