Atmadharma magazine - Ank 193
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૧૯૩
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 23
single page version

background image
હે જિનનાથ! સદ્જ્ઞાનરૂપી નાવમાં
આરોહણ કરીને ભવસાગરને ઓળંગી
જઈને, તું ઝડપથી શાશ્વતપુરીએ
પહોંચ્યો, હવે હું જિનનાથના તે માર્ગે
(–જે માર્ગે જિનનાથ ગયા તે જ માર્ગે)
તે જ શાશ્વતપુરીમાં જાઉં છું. કારણ કે આ
લોકમાં ઉત્તમપુરુષોને તે માર્ગ સિવાય
બીજું શું શરણ છે?
–શ્રી પદ્મપ્રભુ મુનિરાજ.
કાર્તિક અંક: ૧૯૩

PDF/HTML Page 3 of 23
single page version

background image
‘આત્મધર્મ’
માસિક સત્તરમા વર્ષનો પ્રારંભ

નૂતન વર્ષના પ્રારંભમાં, જીવનના પરમ ધ્યેયરૂપ એવા
પંચ પરમેષ્ઠી ભગવંતોને અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર
કરીને તેમને અભિવંદન કરીએ છીએ.......પરમકૃપાળુ પૂ.
ગુરુદેવને પણ અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર કરીને
અભિનંદીએ છીએ. સર્વે ધર્માત્માઓને ભક્તિપૂર્વક નમસ્કાર
કરીને અભિનંદીએ છીએ.......અને સર્વે સાધર્મીઓને તથા
પાઠકોને પણ ધર્મસ્નેહપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ.
“વા.......ત્સ.....લ્ય.....નું પ્ર.....તી.......ક”
સંસારમાં જ્યારે ચારે કોર વિષય–કષાયની ઝેરી હવા ફેલાઈ રહી છે, અને ધર્મના બહાને પણ
મોટા ભાગે કુમાર્ગનું સેવન ચાલી રહ્યું છે, ત્યારે ચિદાનંદ સ્વભાવના આશ્રયે જ ધર્મ થવાનો પરમ
સત્ય પડકાર કરીને પૂ. શ્રી કહાન ગુરુદેવે અનેક જિજ્ઞાસુઓને જાગૃત કર્યા છે ને ધર્મની સન્મુખ કરીને
વિષય–કષાયોની ઝેરી ગુંગળામણથી છોડાવ્યા છે. ગુરુદેવના ચૈતન્યને સ્પર્શીને આવતી આધ્યાત્મિક
હવા જિજ્ઞાસુઓના જીવનને પ્રસન્નતાથી ભરી દે છે–પરિણામે ચારેકોરથી અનેક જિજ્ઞાસુઓ આવી
આવીને ગુરુદેવની ચૈતન્ય છાયામાં પોતાનું જીવન આત્મહિતની ભાવનાપૂર્વક વીતાવે છે.....ગુરુદેવનો
શીતળ વડલો દિનોદિન વધતો જાય છે ને એની વિશાળ છાયામાં આશ્રય લેનારા જીવો પણ દિનોદિન
વધતા જાય છે.
આવા જિજ્ઞાસુઓમાં બહેનોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. આખું જીવન બ્રહ્મચારી રહીને
સત્સમાગમે વીતાવવું–તે વાત બહેનોને માટે સામાન્યપણે મુશ્કેલ ગણાય, છતાં સોનગઢમાં એ વાત
સુગમ બની છે.....પવિત્ર આત્મા પૂ. બેનશ્રીબેન (ચંપાબેન તથા શાંતાબેન) ની વાત્સલ્યભરી છત્ર
છાયામાં અનેક બહેનો પોતાનું જીવન વીતાવી રહ્યાં છે; અને ભારતભરમાં અજોડ,
અધ્યાત્મવાતાવરણથી ગૂંજતો બ્રહ્મચર્યાશ્રમ અહીં શોભી રહ્યો છે. એના પ્રતાપે અત્યાર સુધીમાં ૨૭
કુમારિકા બહેનોએ પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી છે. નાની ઉમરથી જ
આત્મહિતની ભાવનાપૂર્વક સંતોના શરણમાં આ રીતે પોતાનું જીવન અર્પણ કરનારા જીવો પ્રત્યે બીજા
જિજ્ઞાસુ સાધર્મીઓને વાત્સલ્ય ઉભરાય એ સ્વાભાવિક છે.
–આવું પોતાનું વાત્સલ્ય પત્રદ્વારા વ્યક્ત કરતાં નૈરોબી (આફ્રિકા) થી ભાઈશ્રી ઝવેરચંદ પી.
શાહ લખે છે કે–“......ધન્ય છે એ બ્રહ્મચારી બહેનોના જીવનને કે જેમણે જીવન જીવી જાણ્યું.....દરેક
આત્માર્થી જીવે તેમનો ધડો લઈને તેવું જીવન જીવવા જેવું છે......અમને પણ સાક્ષાત્ ગુરુદેવની
વાણીનો લાભ જલદી થાય તેમ ભાવના ભાવીએ છીએ. ભાદરવા સુદ પાંચમ અગર ઉત્તમ બ્રહ્મચર્યના
દિવસે પૂ. ભગવતી બેનશ્રીબહેનોના શુભહસ્તે દરેક બ્રહ્મચારી બહેનને, ઉત્તમ બ્રહ્મચર્ય પ્રગટ થાય એ
ભાવનાની સાથે રૂા. ૧૦૦–૧૦૦ અમારા તરફથી આપશો.” આ પત્ર અનુસાર ભાઈશ્રી ઝવેરચંદ પી.
શાહ તરફથી વાત્સલ્યના પ્રતીક તરીકે દરેક બ્રહ્મચારી બહેનને રૂા. ૧૦૧) (કુલ ૨૭ બહેનોને મળીને
રૂા. ૨૭૨૭) આપવામાં આવ્યા છે. આ પ્રશંસનીય કાર્ય માટે ભાઈશ્રી ઝવેરચંદ પી. શાહને ધન્યવાદ!

PDF/HTML Page 4 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : ૩ :
બંધનથી છૂટકારાનો ઉપાય
બતાવીને આચાર્યદેવ
શિષ્યની જિજ્ઞાસા તૃપ્ત કરે છે
(શ્રી સમયસાર ગા. ૬૯ થી ૭૨ ઉપરનાં પ્રવચનોનું દોહન: ગતાંકથી ચાલુ)
(વીર સં. ૨૪૮પ શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૬)
અરે, ચૈતન્યને ચૂકીને ચોરાશીના અવતારમાં જીવ
એમ ને એમ ચાલ્યો જાય છે......ક્્યાંય શરણ! ક્્યાંય
વિસામો!–તો કહે છે કે હા, આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ
શરણ અને વિસામો છે.......પણ વિકારના વેગથી જરાક
પાછું વાળીને સ્વભાવ તરફ જુએ ત્યારેને!
વિકારના વેગે ચડેલા પ્રાણીઓને પડકાર કરીને
સંતો પાછા વાળે છે કે અરે જીવો! પાછા વળો.....પાછા
વળો! એ વિકાર તમારું કાર્ય નથી......તમારું કાર્ય તો
જ્ઞાન છે. વિકાર તરફના વેગે તમારી તૃષા નહીં છીપે,
માટે તેનાથી પાછા વળો.....પાછા વળો.......જ્ઞાનમાં
લીનતાથી જ તમારી તૃષા શાંત થશે, માટે જ્ઞાન તરફ
આવો રે.....જ્ઞાન તરફ આવો!
ધર્માત્મા જાણે છે કે જીવન વખતે, મરણ વખતે, કે
પરલોકમાં, સર્વત્ર મને મારો આત્મા જ શરણ છે.......

૬૪. સમયસારના આ કર્તાકર્મા–અધિકારની શરૂઆતમાં આચાર્યદેવે એમ સમજાવ્યું કે જીવને
જ્યાં સુધી આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન નથી એટલે કે સ્વભાવ અને વિભાવને જુદા ઓળખતો
નથી ત્યાં સુધી અજ્ઞાનથી તે વિકાર સાથે કર્તાકર્મની પ્રવૃત્તિમાં વર્તે છે અને તેથી જ તે સંસારમાં રખડે
છે. એ વાત સાંભળીને જિજ્ઞાસુ

PDF/HTML Page 5 of 23
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૧૯૩
શિષ્યને આત્મામાંથી પ્રશ્ન ઊઠ્યો કે પ્રભો! સંસારના કારણરૂપ એ અજ્ઞાનનો નાશ ક્્યારે થાય? મારો
આત્મા આ દુઃખરૂપ અજ્ઞાનપ્રવૃત્તિમાંથી ક્્યારે છૂટે?
૬પ. જેમ ‘આત્મસિદ્ધિ’ માં (૯પ ગાથા સુધી) પાંચ બોલ (આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે,
ભોક્તા છે અને તેનો મોક્ષ છે, એ પાંચ બોલ) સાંભળ્‌યા પછી મોક્ષનો ઉપાય સમજવાની ઝંખનાથી
શિષ્ય કહે છે કે પ્રભો!
“પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ;
સમજું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદ્ભાગ્ય.” (૯૬)
ત્યારે શ્રીગુરુ કહે છે કે–
“પાંચે ઉત્તરની થઈ આત્મા વિષે પ્રતીત,
થાશે મોક્ષઉપાયની સહજ પ્રતીત એ રીત.” (૯૭)
–એમ કહીને પછી તેને મોક્ષનો ઉપાય સમજાવે છે, અને શિષ્ય તે સમજી જાય છે.
–એ જ રીતે અહીં, બંધનું કારણ જાણીને તેનાથી છૂટવાનો ઉપાય સમજવાની જેને ઝંખના જાગી
છે એવો શિષ્ય પૂછે છે: પ્રભો! આ બંધનથી છૂટવાનો કોઈ ઉપાય?–કઈ રીતે આ બંધન છૂટે? કઈ રીતે
આ અજ્ઞાન અને દુઃખ મટે? ત્યારે શ્રીગુરુ તેને બંધનથી છૂટવાનો ઉપાય બતાવતાં કહે છે કે:
આ જીવ જ્યારે આસ્રવોનું તેમ નિજ આત્માતણું
જાણે વિશેષાંતર, તદા બંધન નહિ તેને થતું. ૭૧
જ્યારે આ જીવ આત્માના અને આસ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો
નથી.
૬૬. જેને બંધનના દુઃખનો ત્રાસ લાગ્યો હોય ને તેનાથી છૂટવાની ધગશ જાગી હોય એવા
જીવને આ વાત સમજાવે છે. અરે જુઓને! દુનિયાના પ્રાણી કેટલાં સંકટમાં પડ્યા છે, ને કેવા કેવા
દુઃખનું વેદન કરી રહ્યા છે!–છતાં તેના જ ઉપર મીટ માંડીને બેઠા છે.....ચૈતન્ય ઉપર મીટ માંડે તો તો
ક્ષણમાં બધા દુઃખ છૂટી જાય. ચૈતન્યની રુચિ કરીને, દ્રષ્ટિને અંતરમાં વાળીને, ચૈતન્યસ્વભાવ ઉપર મીટ
માંડવા જેવું છે. જીવનના ધ્યેયની પણ જીવોને ખબર નથી, ને એમ ને એમ ધ્યેય વગર સંસારમાં
રખડી રહ્યા છે. અહીં તો જે જીવ અંતરની ધગશથી ચૈતન્યને પોતાના જીવનનું ધ્યેય બનાવવા તૈયાર
થયો છે તેને આચાર્યદેવ ભેદજ્ઞાન કરાવીને ચૈતન્યધ્યેય બતાવે છે.
૬૭. જુઓ ભાઈ, આઠ–આઠ વર્ષનાં બાળકો પણ આ વાત સમજી શકે છે, ને ચૈતન્યને પોતાનું
ધ્યેય બનાવીને તેમાં લીનતાથી પરમાત્મા થઈ જાય છે. નાની નાની ઉમરના સુંદર રાજકુમારો
ભગવાનની સભામાં જાય છે ને ભગવાનની વાણીમાં ચિદાનંદ તત્ત્વની વાત સાંભળતા અંતરમાં
ઊતરી જાય છે: અહો! આવું અમારું ચિદાનંદ તત્ત્વ! તેને જ ધ્યેય બનાવીને હવે તો તેમાં જ ઠરશું, હવે
અમે આ સંસારમાં પાછા નહીં જઈએ......આમ વૈરાગ્ય પામીને માતા પાસે આવીને કહે છે કે: હે
માતા! અમને રજા આપો.....હવે અમે મુનિ થઈને ચૈતન્યના પૂર્ણાનંદને સાધશું. માતા! આ સંસારમાં
તું અમારી છેલ્લી માતા છો, હવે અમે બીજી માતા નહીં કરીએ.......આ સંસારથી હવે અમારું મન
વિરક્ત થયું છે. હે માતા! હવે તો ચૈતન્યના આનંદમાં લીન થઈને અમે અમારા સિદ્ધપદને સાધશું, ને
આ સંસારમાં ફરીને નહિ આવીએ. આ રીતે માતા પાસે રજા લઈને, જેના રોમે રોમે

PDF/HTML Page 6 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : પ :
વૈરાગ્યની છાયા છવાઈ ગઈ છે એવા તે નાનકડા રાજકુમાર મુનિ થાય છે.–અહા, એનો દેદાર! જાણે
નાનકડા સિદ્ધભગવાન હોય! ધન્ય એ દશા! ધન્ય એ જીવન!–એવી દશા પ્રગટ કરવા માટે કેવું
ભેદજ્ઞાન હોવું જોઈએ–તેની આ વાત છે.
૬૮. અજ્ઞાનથી થતું બંધન ક્્યારે અટકે–એમ પૂછનાર શિષ્યને આચાર્યદેવ ઉત્તર આપે છે કે,
જીવ જ્યારે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન કરે ત્યારે તેને બંધન થતું નથી. પ્રથમ આત્મા અને
આસ્રવોની ભિન્નતા કઈ રીતે છે તે ઓળખાવીને ભેદજ્ઞાન કરાવે છે: આ જગતમાં જે વસ્તુ છે તે
સ્વભાવમાત્ર જ છે. જ્ઞાનસ્વભાવી આત્મા પોતાના જ્ઞાનમાત્ર છે, ક્રોધાદિરૂપ નથી; અને ક્રોધાદિભાવો
તે ક્રોધાદિરૂપ છે, જ્ઞાનરૂપ નથી. આ રીતે આત્માનો સ્વભાવ અને ક્રોધાદિનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે.
૬૯. ‘સ્વભાવ એટલે શું?’ સ્વનું ભવન તે સ્વભાવ છે. જ્ઞાનનું પરિણમન તે તો આત્માનો
સ્વભાવ હોવાથી આત્મા જ છે, અર્થાત્ જ્ઞાનપરિણમન તો આત્મા સાથે અભેદ છે. અને ક્રોધાદિભાવનું
જે પરિણમન છે તે તો ક્રોધાદિરૂપ જ છે, તે જ્ઞાનરૂપ નથી. ક્રોધ તે જ્ઞાનનો સ્વભાવ નથી, જ્ઞાન
પરિણમીને ક્રોધરૂપ થતું નથી; અને ક્રોધાદિના પરિણમનમાં જ્ઞાન નથી, જ્ઞાન સાથે તેને અભેદતા નથી
પણ ભિન્નતા છે.–આ રીતે જ્ઞાનને અને ક્રોધને ભિન્નતા છે, એટલે કે આત્માને અને આસ્રવોને ભિન્નતા
છે.
૭૦. જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ અવસ્થા થઈ તે તો
જ્ઞાનનું પરિણમન છે, તેમાં ક્રોધ નથી; અને રાગાદિની સન્મુખ થઈને જે ક્રોધાદિ થાય છે તેમાં જ્ઞાન
નથી. આ રીતે જ્ઞાન જ્ઞાનમાં જ છે, ક્રોધાદિ ક્રોધાદિકમાં જ છે; તેમને એકપણું નથી, તેમનો સ્વભાવ
જુદો છે.–જ્યારે આવું જુદાપણું જાણીને જીવ જ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે, અજ્ઞાનથી થયેલી અનાદિની
કર્તાકર્મની પ્રવૃત્તિનો તેને અભાવ થઈ જાય છે, અને તેનો અભાવ થતાં તેને બંધન પણ છૂટી જાય છે.
આ રીતે જ્ઞાનવડે બંધન અટકે છે.
૭૧. જુઓ, અહીં ‘જ્ઞાન–કોને કહ્યું?–કે અંતરમાં વળીને આત્મસ્વભાવ સાથે જે પર્યાય અભેદ
થઈ તેને ‘જ્ઞાન’ કહ્યું. તે જ્ઞાનમાં (એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ પર્યાયમાં) ક્રોધાદિ
નથી. નિશ્ચયથી જે જ્ઞાનનું થવું તે તો આત્મા છે, અને ક્રોધાદિનું થવું તે ખરેખર આત્મા નથી;–તેની
સાથે આત્માની એક્તા નથી; તેથી તે ક્રોધાદિમાં તો ક્રોધાદિ જ છે, તેમાં જ્ઞાન નથી. આ રીતે જ્ઞાનમાં
ક્રોધ નથી ને ક્રોધમાં જ્ઞાન નથી; જ્ઞાન અને ક્રોધ બંનેનો સ્વભાવ જુદો છે, ને બંનેનું ભિન્નભિન્ન
પરિણમન છે. પણ જીવ તે બંનેને એક માનતો થકો, જ્ઞાનની જેમ જ ક્રોધાદિમાં પણ નિઃશંક–એકપણે–
કર્તાબુદ્ધિથી પ્રવર્તતો થકો અજ્ઞાની હતો ત્યારે તેને બંધન થતું હતું. હવે જ્ઞાન અને ક્રોધનું આવું
ભેદજ્ઞાન કરવાથી જીવ પોતાના જ્ઞાનભાવમાં જ પરિણમે છે, અને ક્રોધાદિને જ્ઞાનથી ભિન્ન જાણતો થકો
તે ક્રોધાદિના કર્તાપણે પરિણમતો નથી, તેથી તેને બંધન થતું નથી. આ રીતે ભેદજ્ઞાનથી જ બંધન અટકે
છે.
૭૨. જુઓ, ભાઈ! જીવનમાં આ વાત લક્ષમાં લઈને આવું ભેદજ્ઞાન કરવા જેવું છે. આ
ભેદજ્ઞાન વગર જગતમાં કોઈ શરણ નથી. ભેદજ્ઞાન વગર જિંદગી ચાલી જશે તો અવતાર નિષ્ફળ જશે.
૭૩. અહીં આચાર્યદેવે અંદરમાં સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન કરાવ્યું છે. આત્મા પરથી તો
જુદો જ છે ને રાગાદિ વિભાવથી પણ આત્માનો સ્વભાવ જુદો છે. આવા સ્વભાવને એક વાર લક્ષમાં
તો લ્યો. આવા સ્વભાવને લક્ષમાં લઈને તેનું બહુમાન–રુચિ–ઘોલન કરવું તે હિતનો ઉપાય છે.

PDF/HTML Page 7 of 23
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૧૯૩
૭૪. સમકિતી–ધર્માત્મા લડાઈમાં દુશ્મન સામે બાણ ઉપર બાણ છોડતા હોય ત્યારે પણ તેનો
આત્મા ખરેખર ક્રોધરૂપે થતો નથી પણ જ્ઞાનરૂપે જ થાય છે; તે વખતે ય આત્મા ક્રોધરૂપે થતો
પ્રતિભાસતો નથી પણ જ્ઞાનરૂપે જ થતો પ્રતિભાસે છે. –આ રીતે બંનેને ભિન્ન ભિન્ન જાણતો થકો તે
વખતે તે જ્ઞાનપણે જ થાય છે, ક્રોધપણે થતો નથી; ભેદજ્ઞાન એક ક્ષણ પણ ખસતું નથી, જ્ઞાન અને
ક્રોધની એકતા જરા પણ થતી નથી. એટલે, જ્ઞાનપણે પરિણમતો તે જ્ઞાની ક્રોધપણે પણ પરિણમે છે–
એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી; કેમકે જ્ઞાનનું જે પરિણમન છે તેમાં ક્રોધાદિનું પરિણમન નથી, સ્વભાવ
તરફ ઢળતી પરિણતિમાં વિભાવનું કર્તૃત્વ હોતું નથી, સ્વભાવની જ્યાં રુચિ છે ત્યાં વિભાવની રુચિ
હોતી નથી, સ્વભાવ સાથે જ્યાં એકતા છે ત્યાં વિભાવ સાથે એકતા રહેતી નથી. આ રીતે સ્વભાવ
તરફ વળેલું જ્ઞાન અને વિભાવરૂપ ક્રોધાદિ, એ બંનેને અત્યંત ભિન્નતા છે. આવી ભિન્નતા હોવાથી
ભેદજ્ઞાની જીવને ક્રોધાદિ સાથેના કર્તાકર્મની પ્રવૃત્તિ હોતી નથી, એટલે તેને બંધન પણ થતું નથી.
૭પ. અરે ભાઈ! એક વાર આવું ભેદજ્ઞાન તો કર.....તો તને ખબર પડે કે ધર્મ શું ચીજ છે!
વિભાવોથી ભિન્નપણે તારા જ્ઞાનસ્વભાવનું અંદરમાં લક્ષ કરતાં તને તારું જ્ઞાન ક્રોધાદિથી જુદું
અનુભવાશે અંતર્મુખ અનુભવમાં ‘હું જ્ઞાન છું’ એમ પ્રતિભાસે છે, પણ ‘હું ક્રોધ છું’ એમ પ્રતિભાસતું
નથી; કેમકે જ્ઞાનમાં ક્રોધ નથી.
૭૬. જ્ઞાનમાં રાગાદિ પરભાવ પણ નથી એટલે જ્ઞાનમાં તેમનું પણ કર્તૃત્વ નથી, તો પછી બાહ્ય
વસ્તુના કર્તૃત્વની તો વાત જ ક્્યાં રહી?
૭૭. પ્રશ્ન:– ‘જ્ઞાનમાં રાગ નથી’ એમ કહ્યું, તો જીવને જ્યાંંસુધી રાગ હોય ત્યાંસુધી તે જ્ઞાની
નથી–એમ થયું?
ઉત્તર:– ભાઈ, જે રાગ છે તે જ્ઞાનીને પોતાના જ્ઞાનભાવથી એકમેક નથી ભાસતો પણ જુદો જ
ભાસે છે, એટલે ‘જ્ઞાની’ ખરેખર રાગમાં નથી પણ જ્ઞાનભાવમાં જ છે.–આ વાત બરાબર સમજાય તો
તને ખબર પડે કે જ્ઞાની શું કરે છે! રાગ વખતે જ્ઞાની રાગ કરે છે કે જ્ઞાન કરે છે તેની ખબર અજ્ઞાનીને
નહિ પડે, કેમકે તેને પોતાને રાગ અને જ્ઞાનની ભિન્નતાનું ભાન નથી. સમકિતીને રાગ થતો હોવા છતાં
તે જ વખતે જ્ઞાનમાં એકતારૂપે પરિણમન હોવાથી, ને રાગમાં એકતારૂપે નહિ પરિણમતા હોવાથી, તે
જ્ઞાની જ છે.
૭૮. અજ્ઞાનીને રાગ વખતે આત્મા તે રાગરૂપે જ પ્રતિભાસે છે, તે રાગથી જુદું જ્ઞાન તેને
પ્રતિભાસતું નથી, તેથી અજ્ઞાનભાવે તે રાગાદિના કર્તાપણે જ પરિણમે છે.
–આ રીતે ભેદજ્ઞાની અને અજ્ઞાનીની અંર્તપરિણતિમાં મોટું અંતર છે.
૭૯. ભેદજ્ઞાનીને સતત જ્ઞાનભવન છે, અજ્ઞાનીને સદા ક્રોધાદિનું ભવન છે; ક્રોધ વખતે તેનાથી
જુદો કોઈ આત્મા અજ્ઞાનીને પ્રતિભાસતો નથી એટલે તે તો ક્રોધરૂપે જ પરિણમે છે. જ્ઞાનીને ક્રોધ
વખતેય પોતાનો જ્ઞાન સ્વભાવી આત્મા તેનાથી જુદો પ્રતિભાસે છે, તેથી તે ક્રોધ વખતેય જ્ઞાનરૂપે જ
પરિણમતા થકા તે જ્ઞાની જ છે.
૮૦. –આવું ભેદજ્ઞાન કરવું તે અપૂર્વ છે; એક ક્ષણનું ભેદજ્ઞાન સિદ્ધપદના સન્દેશા ને મોક્ષના
કોલકરાર આપે છે. ભેદજ્ઞાન થતાં અનંતસંસાર તૂટીને અલ્પકાળમાં મોક્ષ થાય છે.
(ચાલુ)

PDF/HTML Page 8 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : ૭ :
વ્યવહારનો ઉપહાસ!

આત્માના ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને તેનું અવલોકન તે પરમાર્થઆલોચના છે. આવી
પરમાર્થઆલોચનાના વર્ણન બાદ વ્યવહારનો ઉપહાસ કરતાં ટીકાકાર મુનિરાજ ૧પપમા શ્લોકમાં કહે
છે કે:
‘आरातीये परमपुरुषे को विधिः को निषेधः’
અહા, ચિદાનંદસ્વભાવી પરમપુરુષ જ્યાં નિકટ છે, ત્યાં વિધિ શો અને નિષેધ શો? પરિણતિ
જ્યાં અંતર્મુખ થઈને પરમસ્વભાવમાં વળી ત્યાં વ્યવહારના વિકલ્પ કેવા? ‘આ વિધિ ને આ નિષેધ,
આ ગ્રહવું ને આ છોડવું’–આવા વિકલ્પોરૂપ જે વ્યવહાર, તેની મશ્કરી (–ઠેકડી, હાંસી, તિરસ્કાર,
ઉપહાસ) કરતાં મુનિરાજ કહે છે કે આ નિકટ પરમપુરુષમાં વ્યવહાર કેવો?–વિધિ–નિષેધના વિકલ્પો
કેવા? ચૈતન્યસ્વભાવ તરફ જ્યાં પરિણતિ વળી ત્યાં બધા વ્યવહારના વિકલ્પો ક્્યાંય ભાગી જાય છે.
તેથી મુનિરાજ કહે છે કે અરે વ્યવહાર! અમારા ચિદાનંદ સ્વભાવમાં તારું સ્થાન કેવું? અમારો
મોક્ષમાર્ગ તારાથી ઉપેક્ષિત છે, પરમનિરપેક્ષ રત્નત્રયમાં વ્યવહારની અપેક્ષા નથી, વ્યવહારનો આશ્રય
નથી. ‘નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’–એ જ વાત અહીં બીજી રીતે બતાવી છે.
“અમારા ઘરમાં તારો પ્રવેશ નથી”–એમ કહીને જેમ કોઈ સજ્જન પુરુષ દુષ્ટ માણસનો
તિરસ્કાર કરે તેમ અહીં” અમારા ચિદાનંદ સ્વભાવમાં તારો પ્રવેશ નથી” એમ કહીને સંત મુનિરાજે
વિભાવરૂપ વ્યવહારનો તિરસ્કાર કર્યો છે. જેમ વીરપુરુષની સામે નપુંસક માણસ ટકી શકતો નથી, તેમ
ચિદાનંદસ્વભાવનું અવલંબન કરતો ચેતન્યવીર જ્યાં જાગ્યો ત્યાં પરાશ્રિત વ્યવહાર ટકી શકતો નથી,
તેથી મુનિરાજ કહે છે કે અહા! આવો પરમ સ્વભાવ જ્યાં અમારા ચિત્તકમળમાં સ્પષ્ટ થયો....ને તેના
અનુભવમાં પરિણતિ એકાગ્ર થઈ, ત્યાં વિધિનિષેધ કેવા?–ત્યાં વ્યવહારના વિકલ્પો નથી, ત્યાં તો
આત્મપરિણતિ આનંદમાં જ મગ્ન છે.
આનંદમય નિજતત્ત્વમાં જેની પરિણતિ નિમગ્ન થઈ તે જીવને પરમપુરુષ પરમાત્મા નિકટ છે ને
વિધિ–નિષેધના વિકલ્પો દૂર–દૂર છે; તે જીવ સ્વભાવસુખરૂપી સુધાસાગરમાં ડૂબેલો છે,....દુઃખમય
હું સદા અતિઅપૂર્વ રીતે ભાવું છું.
“સંયમ સુધાસાગરને આત્મભાવનાથી ભાવું.”
(–નિયમસાર કળશ ૧પપ–૧પ૬–૧પ૭ ના પ્રવચનોમાંથી.).
ત્રણને ઓળખે તે ત્રણને પામે– આ ત્રણને જે જીવ બરાબર ઓળખે તે
(૧) સ્વભાવનું સામર્થ્ય (૧) જડથી જુદો થાય,
(૨) વિભાવની વિપરીતતા અને (૨) વિભાવથી વિમુખ થાય, અને
(૩) જડનું જુદાપણું (૩) સ્વભાવની સન્મુખ થાય.
–આવા ત્રણ પ્રકાર થતાં જીવ રત્નત્રયને પામે છે.

PDF/HTML Page 9 of 23
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૧૯૩
* –જો કે વ્યવહારનય
અભૂતાર્થ છે તો પણ.. *
–જુઓ, આમાં નિશ્ચય–વ્યવહારની સરસ
સંધિ છે. ‘ભાઈ! તારા આત્માને બંધનથી
છોડાવવા માટે તું મોક્ષનો ઉપાય કર’–આમ
મોક્ષમાર્ગના ગ્રહણનો ઉપદેશ કરવો તે
વ્યવહારનયથી છે.–પરંતુ મોક્ષમાર્ગનું ગ્રહણ કઈ
રીતે થાય?–તે કાંઈ વ્યવહારના અવલંબને થતું
નથી, તે તો નિશ્ચયસ્વભાવના અવલંબને જ થાય
છે, માટે સાર એ છે કે, જાણવા તો નિશ્ચય અને
વ્યવહાર બંનેને,–પણ આશ્રય કરવો એક
નિશ્ચયનો.–આ મોક્ષમાર્ગ સાધવાની રીત છે.
વિશેષ માટે આ પ્રવચન વાંચો.
(વીર સં. ૨૪૮પ: ભાદરવા વદ ૧૪ તથા અમાસ)
આચાર્યદેવે જીવ–અજીવનું ભેદજ્ઞાન કરાવીને, શરીરથી અને રાગથી ભિન્ન શુદ્ધ જીવનું સ્વરૂપ
બતાવ્યું. શરીર કે રાગાદિ તે ખરેખર જીવ નથી, જીવ તો ચૈતન્યમય જ છે, કેમકે ભેદજ્ઞાનીઓ સ્વયં
સ્વાનુભવથી તે શરીર અને રાગથી જુદા ચૈતન્યસ્વરૂપને અનુભવે છે.
–આવું શુદ્ધ જીવનું સ્વરૂપ સાંભળીને વ્યવહારના પક્ષવાળો શિષ્ય, શાસ્ત્રના વ્યવહારકથનનો
આધાર આપીને પૂછે છે: પ્રભો! આ રાગાદિ અને દેહાદિ જો જીવ નથી તો ભગવાનના આગમમાં
તેમને જીવ તરીકે કેમ વર્ણવ્યા છે? રાગી જીવ, દ્વેષી જીવ. એકેન્દ્રિયજીવ, પંચેન્દ્રિયજીવ ઈત્યાદિ કથનોથી
રાગને અને દેહને જીવ તરીકે કેમ કહ્યા છે? તેના ઉત્તરમાં આચાર્યદેવ આ ૪૬મી ગાથા કહે છે:–
વ્યવહાર એ દર્શાવિયો જિનવરતણા ઉપદેશમાં,
આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા.
હે શિષ્ય! પરમાર્થે દેહ અને રાગાદિથી ભિન્ન ચૈતન્યસ્વભાવ હોવા છતાં, ‘રાગી જીવ, પંચેન્દ્રિય
જીવ વગેરે’ કથન જિનવરના આગમમાં કર્યું છે તે, વ્યવહારનયને દર્શાવ્યો છે. એટલે કે પર્યાયમાં તે
પ્રકારનો રાગ અને દેહ સાથેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ છે તેનું પણ જ્ઞાન કરાવ્યું છે.
વ્યવહારનયનું જ્ઞાન કરાવ્યું છે તેથી એમ ન સમજવું

PDF/HTML Page 10 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : ૯ :
કે તે વ્યવહારના આશ્રયે કંઈ લાભ થાય છે. વ્યવહારનય અભૂતાર્થ છે, તેના આશ્રયે કાંઈ લાભ થતો
નથી છતાં ભગવાને તે વ્યવહારનું ‘પણ’ જ્ઞાન કરાવ્યું છે. ‘વ્યવહારનું પણ’ એટલે કે નિશ્ચયથી જીવોને
જે શુદ્ધસ્વભાવ છે તેનું જ્ઞાન કરાવીને, તેની સાથેસાથે પર્યાયના વ્યવહારનું પણ, જ્ઞાન કરાવ્યું છે.
હવે પ્રશ્ન થાય કે જો વ્યવહાર અભૂતાર્થ છે તો તે શા માટે દર્શાવો છો? તો આચાર્યદેવ કહે છે કે
સાંભળ! જો કે વ્યવહારનય અભૂતાર્થ છે તો પણ, વ્યવહારને પણ દર્શાવ્યો છે; કારણ કે તે વ્યવહારનય
વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા
માટે તે દર્શાવવો ન્યાયસંગત જ છે.
જુઓ, આ નિશ્ચય વ્યવહારની સંધિ! શુદ્ધસ્વભાવને જાણનાર ધર્માત્મા પર્યાયમાં અશુદ્ધતા
વગેરેને પણ જાણે તો છે. પર્યાયમાં જેમ હોય તેમ જાણવું તે તો બરાબર ન્યાયસંગત જ છે. વ્યવહારને
અભૂતાર્થ કહ્યો તેનો અર્થ એમ નથી કે તેનું જ્ઞાન પણ ન કરવું.–જ્ઞાન તો કરવું પણ તેનો આશ્રય ન
કરવો, તેને જ જીવનું સ્વરૂપ ન માની લેવું.
જેનું લક્ષ શુદ્ધ જીવ ઉપર નથી પણ રાગ ઉપર અને દેહ ઉપર છે તેને ‘રાગી જીવ, પંચેન્દ્રિય
જીવ, જ્ઞાની જીવ, અજ્ઞાની જીવ’ એવા જીવના ભેદોવડે જીવનું સ્વરૂપ સમજાવે છે, એટલે કે
વ્યવહારદ્વારા પરમાર્થનું પ્રતિપાદન કરવામાં આવે છે. ‘વ્યવહારના અવલંબને પરમાર્થની પ્રાપ્તિ થાય
છે’–એમ નથી કહ્યું, પરંતુ વ્યવહારદ્વારા પરમાર્થનું પ્રતિપાદન થાય છે–એમ કહ્યું છે. આ રીતે ભગવાને
વ્યવહાર કહ્યો હોવા છતાં, આચાર્યદેવે આઠમી ગાથામાં સ્પષ્ટ કહ્યું છે કે તે વ્યવહારનય અનુસરવા
યોગ્ય નથી–‘व्यवहारनयो न अनुसर्त्त व्यः
જિનમતમાં બંને નયો કહ્યા છે, તેને છોડીશ નહિ, એટલે નિશ્ચય અને વ્યવહાર બંને જેમ છે તેમ
જાણજે.–પણ બંનેને જાણીને કરવું શું? કે શુદ્ધસ્વભાવ તરફ ઢળવું, ને વ્યવહારને અભૂતાર્થ જાણીને
તેનો આશ્રય છોડવો.
રાગાદિભાવો જીવનો પરમાર્થસ્વભાવ ન હોવા છતાં તેને જીવની સાથે જેટલો સંબંધ છે તેટલો
જાણવો જોઈએ. પર્યાયમાં રાગ થતો હોય ને એમ જાણે કે અમને પર્યાયમાં પણ રાગ નથી, તો તો તેનું
જ્ઞાન જ મિથ્યા થયું–માટે વ્યવહારનય જાણવો અને કહેવો તે ન્યાયસંગત છે એટલે કે સમ્યગ્જ્ઞાન સાથે
મેળવાળું છે.
પરમાર્થે જીવ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એકાકાર છે, છતાં જીવની પર્યાયમાં ૧૪ ગુણસ્થાનો–
જીવસ્થાનો વગેરે પ્રકારો છે તેને પણ જેમ હોય તેમ જાણવા જોઈએ, તથા દરેક ગુણસ્થાનની જે સ્થિતિ
હોય તે બરાબર જાણવી જોઈએ. ચોથા ગુણસ્થાને સમકિતીને કેવો રાગ છૂટી જાય ને કેવો રાગ રહે,
છઠ્ઠા ગુણસ્થાને મુનિને કેવો રાગ છૂટી જાય ને કેવો રાગ રહે,–તે જાણવું જોઈએ. જીવ તો વસ્ત્રથી જુદો
છે, પછી છઠ્ઠા ગુણસ્થાને મુનિને વસ્ત્ર હોય તો શું વાંધો?–એમ કોઈ માને તો તેને વ્યવહારની કે
નિશ્ચયની એક્કેયની ખબર નથી. અને, મુનિને પંચમહાવ્રત વગેરે શુભવિકલ્પ હોય છે.–એમ બતાવ્યું
ત્યાં તે વિકલ્પના આશ્રયે લાભ થવાનું માની લ્યે તો તેણે વ્યવહારને જ પરમાર્થ માની લીધો, એટલે
તેને પણ નિશ્ચયનું કે વ્યવહારનું એક્કેયનું ભાન નથી. નિશ્ચય અને વ્યવહાર બંને જેમ છે તેમ
ઓળખવા જોઈએ.
શાસ્ત્રોમાં બંધ–મોક્ષનું અને તેનાં કારણોનું જે વર્ણન કર્યું છે તે બધું વ્યવહારનયના વિષયમાં
આવે છે. વ્યવહારે શરીર અને કર્મ સાથે જીવનો સંબંધ, રાગદ્વેષથી જીવને બંધન, વીતરાગતાથી જીવની
મુક્તિ’–આવું દેખાડનારો વ્યવહારનય જો ન માનવામાં આવે તો બંધ અને મોક્ષ બંનેનો અભાવ કરે
છે. બંધન જ ન સ્વીકારે તો પછી મોક્ષનો ઉપાય કેમ કરે?–એટલે વ્યવહારે જીવને બંધન છે, એ જો ન
સ્વીકારવામાં આવે તો મોક્ષમાર્ગનું ગ્રહણ કરવાનું પણ ક્્યાં રહ્યું–અને શાસ્ત્રનો મોક્ષમાર્ગનો ઉપદેશ
પણ નિરર્થક ગયો!–માટે વ્યવહાર દેખાડવો તે ન્યાયસંગત છે.
જુઓને, મારવાનો–હિંસાનો ભાવ ક્્યારે આવે છે? કે જીવ અને શરીરનો સંબંધ સ્વીકારે છે
ત્યારે, એટલે કે

PDF/HTML Page 11 of 23
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૧૯૩
વ્યવહારને લક્ષમાં લ્યે છે ત્યારે જ; નિશ્ચયથી તો દરેક જીવ ‘જ્ઞાયકસ્વભાવી અરૂપી અમર’ છે, તે તો
મરતો નથી, તેમજ ‘જ્ઞાયકસ્વભાવને હું હણું’ એવો વિકલ્પ પણ કોઈને આવતો નથી. સિદ્ધ ભગવાનને
મારું એવો ભાવ શું કોઈને આવે? ન જ આવે. ભરત–બાહુબલીને એક બીજા સામે લડવાનો ભાવ
આવ્યો પણ શું સિદ્ધ ભગવાનની સાથે લડવાનો ભાવ કોઈને આવે?–ના; કેમકે તેમને શરીર સાથે
સંબંધરૂપ વ્યવહાર જ નથી રહ્યો. એટલે હિંસાદિનો ભાવ જ ત્યાં છે કે જ્યાં વ્યવહાર છે. નિશ્ચયમાં તો
હિંસાદિભાવ હોતા નથી, અથવા નિશ્ચયસ્વભાવને લક્ષમાં લઈને તેમાં જે ઠરી ગયો હોય તેને
હિંસાદિભાવો ન હોય. પણ જ્યાં હિંસાદિભાવ છે ત્યાં વ્યવહાર છે, બંધન છે,–એમ જાણવું જોઈએ. અને
જ્યાં બંધન છે ત્યાં તે બંધનથી છૂટવાનો ઉપાય પણ જાણવો જોઈએ. આ રીતે બંધન અને તેનાથી
છૂટવાનો ઉપાય, એ બંને વ્યવહાર વગર સિદ્ધ થતા નથી. માટે ભગવાનના આગમમાં વ્યવહાર પણ
દર્શાવ્યો છે.–ભલે ભગવાને વ્યવહાર દર્શાવ્યો–છતાં તે વ્યવહાર છે તો અભૂતાર્થ! અભૂતાર્થ હોવા છતાં
વ્યવહારી જીવોએ તે વ્યવહારને પણ જાણવો જોઈએ.–એકલા વ્યવહારને જાણવાની વાત નથી, પરંતુ
‘વ્યવહારને પણ’ એમ કહીને નિશ્ચય સહિત વ્યવહારને પણ જાણવાની વાત કરી છે. નિશ્ચયને જાણ્યા
વગર એકલા વ્યવહારમાં જે મશગૂલ છે તે તો વ્યવહારમૂઢ છે, તેને તો વ્યવહારનું કે નિશ્ચયનું એકેયનું
ભાન નથી. અને પર્યાયમાં જે જે પ્રકારનો વ્યવહાર છે તેને જે નથી સ્વીકારતો તે પણ સ્વચ્છંદી
શુષ્કજ્ઞાની છે.
નિશ્ચયના લક્ષવાળો જીવ પોતાની પર્યાયમાં જેવો જેવો વ્યવહાર હોય તેને પણ જાણે છે. નિશ્ચય
અને વ્યવહાર બંનેને જાણવા છતાં તેને સતતપણે નિશ્ચયસ્વભાવનો જ આદર રહે છે. ‘નિશ્ચયથી મારો
આત્મા રાગ–દ્વેષ–મોહ વગરનો છે’ એવું યથાર્થ ભાન હોવા છતાં, પર્યાયમાં જેટલા રાગ–દ્વેષ–મોહ છે
તેને પણ વ્યવહારે પોતાનાં જાણીને તેને ટાળવાનો ઉદ્યમ પણ વર્તે છે. શાસ્ત્રો પણ ઉપદેશ આપે છે કે
“અરે જીવ! રાગ–દ્વેષ–મોહથી તારો આત્મા બંધાય છે માટે તેનું તું છોડ....ને મોક્ષનો ઉપાય અંગીકાર
કર...વીતરાગી મોક્ષમાર્ગની આરાધના કરીને તારા આત્માને બંધનથી છોડાવ!” આ રીતે વ્યવહારે
જીવને બંધન છે તે બતાવીને તેનાથી છૂટવાનો ઉપદેશ ભગવાને કર્યો છે, તે ન્યાયસંગત જ છે.
જુઓ, આમાં નિશ્ચય–વ્યવહારની સરસ સંધિ છે. ‘ભાઈ! તારા આત્માને બંધનથી છોડાવવા
માટે તું મોક્ષનો ઉપાય કર’–આમ મોક્ષમાર્ગના ગ્રહણનો ઉપદેશ કરવો તે વ્યવહારનયથી છે.–પરંતુ
મોક્ષમાર્ગનું ગ્રહણ કઈ રીતે થાય? તે કાંઈ વ્યવહારના અવલંબને થતું નથી, તે તો નિશ્ચયસ્વભાવના
અવલંબને જ થાય છે. માટે સાર એ છે કે, જાણવા તો નિશ્ચય અને વ્યવહાર બંનેને,–પણ આશ્રય
કરવો એક નિશ્ચયનો.–આ મોક્ષમાર્ગ સાધવાની રીત છે.
(આ ૪૬ મી ગાથા ઉપરના પ્રવચનનું ટેપ–રેકોંર્ડીગ કરવાની કલકત્તાના શેઠશ્રી વછરાજજી
ગંગવાલની ખાસ માંગણીથી, તેના ઉપર ફરીને પ્રવચનો થયા હતા....તેમાંથી જિજ્ઞાસુઓને ઉપયોગી
મહત્ત્વનો સાર અહીં પ્રસિદ્ધ કર્યો છે. જેમને વધુ વિસ્તારથી આ ગાથાના પ્રવચનો વાંચવા ઈચ્છા હોય
તેમણે પૂ. બેનશ્રીબેનલિખિત સમયસાર પ્રવચનો ભાગ ૩ માંથી વાંચવા,–તેમાં ૪૦ પાનાનાં વિસ્તારમાં
અને દ્રષ્ટાંત વગેરેથી નિશ્ચય–વ્યવહારનું સ્પષ્ટીકરણ છે આ ઉપરાંત આ ગાથામાં બીજાં કેટલાક
પ્રવચનો આત્મધર્મ અંક ૪૪માં પણ છપાયેલા છે, તે પણ વાંચવા)
વ્યવહારનય અભૂતાર્થદર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧.
સમયસારની આ ગાથામાં જૈનશાસનનું હાર્દ છે.

PDF/HTML Page 12 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : ૧૧ :
(૧૧)
(નિયમસાર ગાથા ૧પ)
‘કારણશુદ્ધપર્યાય’ કે જે નિયમસારનો
એક ખાસ વિષય છે, તેની ઉપરનાં પ્રવચનોની
આ લેખમાળા આ અંકે સમાપ્ત થાય છે. આ
પ્રવચનોનો ઊંડો અભ્યાસ કરનાર જિજ્ઞાસુને
ખ્યાલ આવશે કે કારણ અને કાર્યની સંધિનું કેવું
અદ્ભુત–અંતર્મુખી વર્ણન સંતોએ કર્યું છે? અને
એનું રટણ કરતાં આત્માર્થીને અંતરમાં એવા
ભાવતરંગો સ્ફૂરે છે કે જાણે પરિણતિ ઉલ્લસી
ઉલ્લસીને ‘કારણ’ને ભેટતી હોય! ખરેખર,
પોતાનું હિતકાર્ય કરવાના કામી જીવોને તેનું
વાસ્તવિક કારણ દર્શાવીને સંતોએ મહાન
ઉપકાર કર્યો છે. ‘न हि कृतमुपकारं साधवो
विस्मरन्ति’ એ ઉક્તિ–અનુસાર, તે સંતોના
મહાન ઉપકારનું ફરીફરી સ્મરણ કરીને તેઓને
નમસ્કાર કરીએ છીએ.
*
આત્માની કારણશુદ્ધપર્યાયનું વર્ણન ચાલે છે. જેમાં કર્મની અપેક્ષા નથી એવી આ સ્વભાવપર્યાય
દરેક આત્મામાં ત્રિકાળ રહેલી છે.....તે ત્રિકાળ આનંદમાં ડુબેલી છે. પણ જ્યારે તેને ઓળખે ત્યારે તેને
અનુસરીને સ્વભાવ કાર્ય પ્રગટે છે. કાર્ય ત્રિકાળ નથી હોતુ; કારણ ત્રિકાળ છે, તેને જ્યારે અવલંબે
ત્યારે તે કારણ જેવું નિર્મળ કાર્ય નવું પ્રગટે છે. તેથી એવું કાર્ય પ્રગટ કરાવવા માટે અહીં ‘કારણ’ નો
મહિમા ઓળખાવે છે.

PDF/HTML Page 13 of 23
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૧૯૩
હે જીવ! તું સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીનું જે શુદ્ધ કાર્ય પ્રગટ કરવા માંગે છે તેનું કારણ
થવાની તાકાત તારા આત્મામાં જ છે. બહારના કોઈ પણ પદાર્થમાં તારા સમ્યગ્દર્શનાદિનું કારણ
થવાની તાકાત નથી, તે તાકાત તો તારા આત્મામાં જ વર્તી રહી છે...માટે અંતર્મુખ થઈને એકવાર
એની પ્રતીત કર. તેનું ભાન થતાં જ તને એમ થશે કે અહો! મારું કારણ તો મારામાં જ હતું, પણ
અત્યાર સુધી હું તેને ભૂલ્યો, તેથી મારું કાર્ય ન થયું.....હવે મને કારણના મહિમાની ખબર પડી.–આમ
કારણ–કાર્યની સંધિ થતાં તારા આત્મામાં અચિંત્ય ચૈતન્યતરંગો ઉલ્લસશે.
‘નિયમસાર’ એટલે શુદ્ધ રત્નત્રયરૂપી મોક્ષમાર્ગ; તે નિયમથી કરવાયોગ્ય કાર્ય છે. આ ‘કાર્ય’
તે વર્તમાન પર્યાય છે, તે કાર્યની સાથે તેનું ‘કારણ’ પણ વર્તમાનરૂપ બતાવીને સંતોએ અદ્ભુત વાત
કરી છે. ‘કારણશુદ્ધપર્યાય’ કહો કે ‘કાર્યનું વર્તમાન કારણ’ કહો.
કેવી છે કારણશુદ્ધપર્યાય? આત્માના ત્રિકાળી સ્વભાવભૂત જે સહજ ચતુષ્ટય, તેની સાથે રહેલી
પૂજિત પંચમભાવ–પરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે. અહા, આચાર્યદેવ કહે છે કે આ પરિણતિ પૂજિત છે,
–આદરણીય છે, આશ્રય કરવાયોગ્ય છે. જુઓ, આને ‘પરિણતિ–કહી પણ તે વ્યવહારનયનો વિષય
નથી, એ તો સહજ શુદ્ધ નિશ્ચયનયનો વિષય છે. સહજશુદ્ધ નિશ્ચયનયથી આત્માને લક્ષમાં લેતાં તેમાં
આ કારણશુદ્ધપયાર્ય પણ ભેગી જ છે, એને ગૌણ કરી શકાતી નથી; એ તો દ્રવ્ય સાથે ત્રિકાળ
તન્મયપણે વર્તે છે.
૧–અતીન્દ્રિયસ્વભાવી સહજજ્ઞાન, કે જે અનાદિ અનંત છે.
૨–અતીન્દ્રિયસ્વભાવી સહજદર્શન, કે જે અનાદિ અનંત છે,
૩–અતીન્દ્રિયસ્વભાવી સહજચારિત્ર, કે જે અનાદિ અનંત છે, અને
૪–અતીન્દ્રિયસ્વભાવી સહજ પરમવીતરાગસુખ, કે જે અનાદિઅનંત છે.
–આવા સ્વભાવચતુષ્ટય આત્મામાં ત્રિકાળ છે અને તે આત્માનું શુદ્ધઅંતઃતત્ત્વ છે. આત્માના
અંતરંગતત્ત્વરૂપ જે આ ત્રિકાળી સ્વભાવ–ચતુષ્ટય, તેની સાથે વર્તતી પૂજિત પંચમભાવ પરિણતિ તે
કારણશુદ્ધપર્યાય છે. આ કારણશુદ્ધપર્યાય ઔદયિકાદિ ચાર ભાવોરૂપ નથી પણ પંચમ પારિણામિક
ભાવરૂપ છે, અને કર્મોથી ત્રિકાળ નિરપેક્ષ છે. અનાદિઅનંત આત્મ–આકારે વર્તતી એવી આ
સ્વભાવભૂત કારણપરિણતિ તે નિર્મળકાર્યનું કારણ છે; કારણપરિણતિ કંઈ આત્માથી જુદી નથી,
કારણપરિણતિપણે વર્તતો આખો આત્મા તે જ બધી નિર્મળપર્યાયોનું કારણ છે આવો ભગવાન
કારણપરમાત્મા દરેક જીવને ઉપાદેય છે.....તે કોઈ બીજો જુદો નથી પણ પોતે જ છે. અહો! એકધારાએ
પરમ પારિણામિકભાવની પરિણતિથી શોભિત ચૈતન્યભગવાન બિરાજી રહ્યો છે.....અનાદિઅનંત
એકધારાએ જ્યારે જુઓ ત્યારે પરિપૂર્ણ, વર્તમાન વર્તતો હાજરાહજૂર પરમાત્મા બિરાજી રહ્યો છે–
શોભી રહ્યો છે......હે જીવ! આને જ તું તારું કારણ બનાવ...ને બાહ્ય કારણો શોધવાનું ભ્રમણ છોડ!
અહા, જ્યાં સ્વત: પોતામાં પૂર્ણતા ભરી છે ત્યાં બીજાની અપેક્ષા શું હોય?
જુઓ, આ નિરપેક્ષસ્વભાવ! જેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચારે
દ્રવ્યો ત્રિકાળ શુદ્ધ છે, નિરપેક્ષ એકરૂપે જ સદાય વર્તે છે; તેમ આત્માને પણ જો તેના
નિરપેક્ષસ્વભાવથી જુઓ તો, મોક્ષ વખતે કે સાધકદશા વખતે તે સદાય એકરૂપ શુદ્ધરૂપે જ વર્તે છે....
પોતાના સહજ સ્વભાવચતુષ્ટય સહિત પંચમભાવપરિણતિથી તે સદાય શોભી રહ્યો છે. મુનિરાજ કહે છે
કે આવી પરિણતિથી શોભતો આત્મા પૂજિત છે, કેમ કે તે કેવળજ્ઞાનનો દાતાર છે.–આવા કારણના
અવલંબને કેવળજ્ઞાનકાર્ય ને સાધતાં સાધતાં સાધકસંતોના હૈયામાંથી આ ઉદ્ગાર નીકળ્‌યા છે.
જેમ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં ઉદયાદિની અપેક્ષા

PDF/HTML Page 14 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : ૧૩ :
વગરનું પારિણામિકભાવે સદા પરિણમન છે....તો તેના કરતાં મોટો–મહિમાવંત એવો જે
ચૈતન્યભગવાન આત્મા, તેને પણ કર્મના ઉદયાદિની અપેક્ષા વગરની પરિણતિ (વર્તમાન વર્તવાપણું)
પારિણામિકભાવે વર્તે છે....આ નિરપેક્ષ સ્વભાવપરિણતિનું નામ છે–‘કારણશુદ્ધપર્યાય’ .
જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી જે કેવળજ્ઞાનાદિ પર્યાય પ્રગટી તે પણ સ્વભાવપર્યાય છે અને
તેને ઈંદ્રિયો વગેરેની અપેક્ષા નથી તે અપેક્ષાએ તેને નિરપેક્ષ કહેવાય, પરંતુ કર્મના ક્ષય સાથે તેને
નિમિત્ત–નૈમિત્તિક–સંબંધ છે એટલી અપેક્ષા તેનામાં આવે છે; ત્યારે આ કારણશુદ્ધપર્યાયમાં તો કર્મ
સાથેના નિમિત્ત–નૈમિત્તિક–સંબંધની પણ અપેક્ષા નથી, તે તો દ્રવ્ય સાથે ત્રિકાળ નિરપેક્ષપણે વર્તે છે!
એ ધ્યાનમાં રાખવું કે વર્તમાન પર્યાયમાં અજ્ઞાન–જ્ઞાન, રાગ–વીતરાગતા, સંસાર–મોક્ષ ઈત્યાદિ
કાર્ય જીવોને વર્તે છે તે કાર્યના સ્વીકારપૂર્વકની આ વાત છે. જો તે કાર્ય પર્યાયને ન સ્વીકારે, અશુદ્ધ
કાર્યને ટાળીને શુદ્ધ કાર્ય કરવાનું છે–તેને ન સ્વીકારે તો,–‘કાર્ય વગર કારણ કોનું?’–એટલે પર્યાયમાં
શુદ્ધ–અશુદ્ધ કાર્યના સ્વીકારપૂર્વક જ, શુદ્ધ કાર્યના કારણરૂપ આ ‘કારણશુદ્ધપર્યાય’નો વાસ્તવિક
સ્વીકાર થાય છે. ‘આ મારી શુદ્ધતાનું કારણ”–એમ તે જ કહી શકે છે જેણે તે કારણના આશ્રયે શુદ્ધ
કાર્ય પ્રગટ કર્યું હોય. આ રીતે કાર્ય–કારણની સંધિપૂર્વકની આ વાત છે. (આ ખાસ બાબતનું
સ્પષ્ટીકરણ આ લેખમાળામાં પૂર્વે અનેક વાર આવી ગયું છે.)
આ કારણશુદ્ધપર્યાય વર્તમાનરૂપ છે. જો તે વર્તમાનરૂપ ન હોય તો વર્તમાનકાર્ય પણ શુદ્ધ ન
થઈ શકે. શુદ્ધકાર્ય જેમ વર્તમાનમાં થાય છે તેમ તેનું શુદ્ધકારણ પણ વર્તમાન વર્તે છે. આ રીતે
કારણશુદ્ધપર્યાય પોતાના સ્વાભાવિક–ચતુષ્ટય વૈભવસહિત વર્તમાન વર્તે છે,–પણ તે ઉત્પાદ–વ્યયરૂપ
નથી, ઉત્પાદરૂપે તેનો અનુભવ નથી. જો તેનો ઉત્પાદરૂપ અનુભવ હોય તો તો તે કાર્ય થઈ જાય અને
ત્રણે કાળે અનંતચતુષ્ટયનો પ્રગટ અનુભવ હોય.–પરંતુ એમ તો છે નહીં. અનંતચતુષ્ટયનો પ્રગટ
અનુભવ તો ત્યારે જ થાય છે કે જ્યારે કારણનો આશ્રય કરીને શુદ્ધકાર્ય પ્રગટ કરે. જો આ એકરૂપ
ધારાવાહી કારણશુદ્ધપર્યાય આત્મા સાથે ત્રિકાળ ન હોય તો સ્વભાવનું ત્રિકાળ સામર્થ્ય અને એવું જ
તેનું પરિપૂર્ણ વર્તમાન–તે બંનેના અભેદરૂપ અખંડ પારિણામિકભાવ સાબિત કઈ રીતે થાય? વર્તમાન
પૂર્ણસામર્થ્યની સિદ્ધિ વગર ત્રિકાળ પૂર્ણ સામર્થ્યની સિદ્ધિ ક્્યાંથી થાય? વર્તમાન પૂર્ણ સામર્થ્યરૂપે
વર્તતી જે કારણશુદ્ધપર્યાય તેના આશ્રયે મોક્ષકાર્ય પ્રગટે છે. વર્તમાન પૂર્ણ કાર્ય પ્રગટ કરવા માટે જો
પૂરો આશ્રય વર્તમાન ન હોય તો તો કાર્યને માટે ભૂત–ભવિષ્યમાં દોડવું પડે! પરંતુ વર્તમાન કાર્યને
માટે જેમ પરનો આશ્રય નથી તેમ વર્તમાનકાર્યને ભૂત–ભવિષ્યનો પણ આશ્રય નથી, વર્તમાન કાર્યનો
આશ્રય પણ વર્તમાનરૂપ જ છે–જો બંને વર્તમાનરૂપ ન હોય તો તો કારણ–કાર્યની એક્તા ક્્યાંથી થાય?
એટલે, આત્મા પોતે કારણશુદ્ધપર્યાયપણે વર્તમાન વર્તતો થકો પોતાના શુદ્ધકાર્યનો આશ્રય છે.
કારણશુદ્ધપર્યાયનો વૈભવ કેવો છે? કે ત્રણે કાળે જેમાં સહજજ્ઞાનના ભંડાર ભર્યા છે, ત્રણે કાળે
જેમાં સહજ દર્શનના ભંડાર ભર્યાં છે, ત્રણે કાળે જેમાં સહજચારિત્રના ભંડાર ભર્યા છે અને ત્રણે કાળે
જેમાં સહજવીતરાગસુખના ભંડાર ભર્યા છે અહા! આવા સહજ–ચતુષ્ટયના ભંડારથી પરિપૂર્ણ એવી
પૂજિત પંચમભાવપરિણતિ (કારણશુદ્ધપર્યાય) આત્મામાં વર્તે છે. હે જીવ! તારા આ ભંડારમાંથી તું
કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટય પ્રગટ કર.....અનંતકાળ સુધી તું તેમાંથી કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટય
કાઢયાં કર તો પણ કદી ખૂટે નહિ એવો અખૂટ એ ભંડાર છે. આવો ભંડાર તારી પાસે છે તો પછી તારે
પરાશ્રયની ભીખ શા માટે માંગવી જોઈએ?–શા માટે બાહ્ય કારણોને શોધવા જોઈએ?–અંતર્મુખ થા ને
તારા ચૈતન્યભંડારને દેખ! અહો! મુનિવરોએ વસ્તુના વૈભવને પ્રસિદ્ધ કર્યો છે.
અહીં સ્વભાવચતુષ્ટયમાં જે ‘સહજ પરમ વીતરાગ સુખ’ કહ્યું તેમાં ‘વીતરાગ’ કહેતાં એમ ન
સમજવું કે

PDF/HTML Page 15 of 23
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૧૯૩
પહેલાં રાગ હતો ને પછી ટળ્‌યો. પરંતુ તે તો સ્વભાવથીજ સદાય રાગરહિત છે. ચૈતન્યભગવાન પોતાના
સ્વભાવ અનંતચતુષ્ટયની સહજપરિણતિ સાથે જ ત્રણેકાળે બિરાજી રહ્યો છે, એક સમય પણ તે પરિણતિનો
તેને વિરહ નથી.–આવી તેની સ્વરૂપ–પરિણતિ સહિત તે પૂજનીક છે–ઉપાદેય છે–સેવ્ય છે. નિર્મળ
પરિણતિવડે જ તેની યથાર્થ પૂજા–ઉપાસના–સેવા થાય છે, કાર્યવડે કારણની સેવા થાય છે....કારણના સેવન
અનુસાર કાર્યની નિર્મળતા થાય છે. જે શુદ્ધ કારણને સેવે તેને શુદ્ધ કાર્ય (સમ્યક્ત્વાદિ) થાય છે. અને જે
અશુદ્ધ કારણને (રાગાદિને) સેવે તેને અશુદ્ધકાર્ય (મિથ્યાત્વાદિ) થાય છે.
જેવો ત્રિકાળ સ્વભાવ તેવું જ તેનું વર્તમાન, જેવું ત્રિકાળ સામાન્ય તેવું જ તેનું વર્તમાન
વિશેષ–આ રીતે પરમપારિણામિક સ્વભાવે આત્મા સદા વર્તી રહ્યો છે. એકલા સ્વભાવની જ
અપેક્ષાવાળી જે એકરૂપ ધારાવાહી પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે અને તે પૂજનીય છે.
ત્રિલોકનાથ અર્હંત અને સિદ્ધભગવંતો પણ આ પરમ પારિણામિક ભાવની પૂજિત પરિણતિનું સેવન
કરીકરીને જ અર્હંત અને સિદ્ધ થયા છે. માટે, મુનિરાજ કહે છે કે હે ભવ્ય જીવો! તમે પણ તેનું જ
સેવન કરો. પોતે તેના સેવનવડે સિદ્ધપદને સાધતાં સાધતાં કહે છે કે હે સખા! તું પણ આનું સેવન
કરીને..... ચાલને મારી સાથે મોક્ષમાં!
જેમ દરિયો, દરિયાનું પાણીનું દળ અને તેની એકરૂપ પાણીની સપાટી, તે એકરૂપ છે ને ઉપર
મોજાંનાં તરંગો વિવિધ ઊઠે છે ને પાછા શમે છે. તેમ આત્મામાં ત્રિકાળી દ્રવ્ય, તેનાં ગુણો અને
પારિણામિકભાવે વર્તતી તેની પરિણતિ તે એકરૂપ છે ને જે ઉત્પાદ–વ્યયરૂપ પર્યાયો છે તે વિવિધ છે,
તેમાં ઉદયાદિભાવો હોય છે, તે ઉત્પન્ન થઈને બીજી ક્ષણે લય પામે છે, જ્યારે કારણશુદ્ધપર્યાયમાં તો
પારિણામિક ભાવરૂપ એક જ પ્રકાર છે, તે કદી લય પામતી નથી, એકધારાએ સદાય વર્તે છે.
આ કારણપર્યાય સદા શુદ્ધ છે. કાર્યપર્યાયમાં શુદ્ધ ને અશુદ્ધ એવા ભેદો છે પણ કારણ તો સદા
શુદ્ધ જ છે, તેમાં શુદ્ધ ને અશુદ્ધ એવા પ્રકાર નથી, તેમજ તેને અશુદ્ધતાનું કારણપણું પણ નથી. પ્રગટ
પર્યાયમાં અશુદ્ધતા હોય તો પણ કારણશુદ્ધપર્યાયમાં અશુદ્ધતા નથી. કારણશુદ્ધપર્યાય તો શુદ્ધતાનું જ
કારણ છે. એનામાં ‘પર્યાય’ શબ્દ આવે છે તેથી એમ ન સમજવું કે તે પર્યાયદ્રષ્ટિનો વિષય છે. તે
પર્યાય દ્રવ્ય સાથે સદા તન્મયપણે વર્તતી થકી દ્રવ્યદ્રષ્ટિના વિષયમાં સમાય છે. ત્રિકાળી આખા દ્રવ્યનો
એક વર્તમાન ભેદ હોવાથી તેને માટે ‘પર્યાય’ શબ્દ વાપર્યો છે....ને વર્તમાન કાર્ય (મોક્ષમાર્ગ) કરવા
માટે તેનું વર્તમાન કારણ બતાવ્યું છે. આ કારણ ઉપર જેની દ્રષ્ટિનું જોર છે તેને સમ્યગ્દર્શનાદિ કાર્ય
થાય છે.
સર્વે પદાર્થોને જાણનારો ને સર્વોત્તમ મહિમાવાળો આ ચૈતન્યમૂર્તિ આત્મા છે, તેના અંતરમાં
વર્તમાનમાં શું–શું વર્તી રહ્યું છે તેની આ વાત છે. કોઈને આ વાત તદ્ન નવી લાગે ને ઝટ ન સમજાય
તો પણ એવા લક્ષથી સાંભળવું કે આ મારા સ્વભાવસામર્થ્યનો કોઈ અચિંત્ય મહિમા ગવાય છે.
સ્વભાવના બહુમાનના સંસ્કાર પણ મોહને અત્યંત મંદ કરી નાંખે છે.
આ ‘કારણશુદ્ધપર્યાય’ કહીને સન્તો અને જ્ઞાનીઓ એમ બતાવે છે કે અરે જીવ! સમયે સમયે
તારામાં પરિપૂર્ણતા વર્તી રહી છે, શુદ્ધતાનું પૂર્ણ કારણ જ્યારે જો ત્યારે તારામાં હાજર જ પડ્યું છે,
બહારમાં કારણ શોધવા જવું પડે તેમ નથી.–માટે અંતર્મુખ થા! અંતર્મુખ થઈને તે કારણના આશ્રયે
તારા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્યને પ્રગટ કર. એ જ નિયમથી કર્તવ્ય છે.
ચૈતન્યભગવાન પાસે તેની, તૈયારી સજેલી તરવાર જેવી,–કારણશુદ્ધપરિણતિ હાજર જ પડી છે,
તેની સામે જોઈને હાથમાં લ્યે એટલી જ વાર છે....તે કારણને હાથમાં લેતાંવેંત (–તેનો આશ્રય
કરતાવેંત) અનંતસંસાર કટ થઈ જાય છે. ભગવાન કારણપરમાત્મા પોતાની કારણશુદ્ધપરિણતિરૂપ
સિંહાસને સદાય બિરાજી રહ્યો છે,–કારણપરિણતિથી પરિપૂર્ણપણે સદાય શોભી રહ્યો છે.–આવી
પૂર્ણતાને માનશે તે પૂર્ણતાને પામશે....અધૂરો જ માનશે તે અધૂરો

PDF/HTML Page 16 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : ૧પ :
જ રહેશે.
સ્વભાવભૂત જે કારણશુદ્ધપર્યાય તેના આશ્રયે પ્રગટતું પૂર્ણ કાર્ય કેવું છે, અર્થાત્ સ્વભાવભૂત
કાર્યશુદ્ધપર્યાય કેવી છે તે હવે કહે છે: કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને કેવળશક્તિ–આવા
અનંતચતુષ્ટય સહિતની પરમોત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે. જેમ ‘કારણ’ માં
ચતુષ્ટય લીધા હતા તેમ આ ‘કાર્ય’ માં પણ ચતુષ્ટય લીધા, પણ બંનેમાં તે ચાર ગુણની સાથે બીજા
અનંતા ગુણોની વાત પણ ભેગી જ સમજી લેવી.
કારણશુદ્ધપર્યાયમાં જે ચતુષ્ટય કહ્યા તે અનાદિઅનંત હતા, અને આ કાર્યશુદ્ધપર્યાયમાં જે
ચતુષ્ટય કહ્યા તે સાદિઅનંત છે. કારણશુદ્ધપર્યાય ત્રણે કાળ કર્મની ઉપાધિથી રહિત છે ને કાર્યશુદ્ધપર્યાય
પ્રગટ્યા પછી સદાય કર્મની ઉપાધિથી રહિત છે. કારણશુદ્ધપર્યાય સહજશુદ્ધનિશ્ચયનયનો વિષય છે ને
આ કાર્યશુદ્ધપર્યાય શુદ્ધસદ્ભૂત વ્યવહારનયનો વિષય છે.
જુઓ, આ કારણ–કાર્યની અદ્ભુત વાત! આ શા માટે સમજાવે છે?–કે આવું પૂર્ણ શુદ્ધ કાર્ય
પ્રગટ કરવું તે કર્તવ્ય છે.......અને તે કાર્ય, કારણસ્વભાવના આશ્રયે પ્રગટે છે.–આમ જાણીને, બીજા
બધાનો આશ્રય છોડીને એક કારણસ્વભાવનો આશ્રય કરવો–તે આ ઉપદેશનું તાત્પર્ય છે.
અહો! જંગલમાં બેઠાબેઠા મુનિવરોએ સિદ્ધપરમાત્મા જેવો જે પોતાનો કારણપરમાત્મા....તેની
સાથે ધ્યાનની કેલિ કરતાં કરતાં આનંદના દરિયા ઊછળ્‌યા છે,
આ રીતે કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય–એમ બે પ્રકારે જીવની સ્વભાવપર્યાયનું વર્ણન
કર્યું. અને હવે છએ દ્રવ્યની અપેક્ષાથી સ્વભાવપર્યાય કહે છે: છએ દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા
અર્થપર્યાયો તે શુદ્ધ છે; તે સૂક્ષ્મઋજુસૂત્રનયનો વિષય છે અને ષટ્ગુણવૃદ્ધિહાનિ સહિત છે. આ રીતે
પહેલાં જીવની સ્વભાવપર્યાયોનું, અને પછી છએ દ્રવ્યોની સ્વભાવપર્યાયનું વર્ણન કર્યું.
નર–નારકાદિ પર્યાયો તે જીવની વિભાવપર્યાયો છે. જે જીવ પર્યાયબુદ્ધિવાળો છે એટલે કે
વિભાવપર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, તે જીવ વિભાવપર્યાયોરૂપે પરિણમતો થકો નવાનવા શરીર
ધારણ કરીને ચાર ગતિમાં રખડે છે. જ્ઞાની તો ચિદાનંદી કારણ પરમાત્મા તે જ હું છું–એમ જાણીને તેની
જ ભાવનાવડે નિર્મળપર્યાયોરૂપે પરિણમતો થકો સિદ્ધપદને પામે છે.
શ્લોકદ્વારા પદ્મપ્રભમુનિરાજ કહે છે કે બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમતત્ત્વના અભ્યાસમાં
જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદ્રષ્ટિવાળો પુરુષ, ‘સમયસારથી અન્ય કાંઈ નથી’ એમ માનીને, શીઘ્ર
મુક્તિ પામે છે. જુઓ, આ નિશ્ચય–વ્યવહારની સંધિ! ‘...વિભાવ હોવા છતાં.....’ એમ કહીને પર્યાયમાં
વ્યવહાર છે તેનો સ્વીકાર કર્યો, પણ ‘સમયસારથી અન્ય કાંઈ નથી’ એમ કહીને શુદ્ધદ્રષ્ટિમાં તેનો અભાવ
બતાવ્યો. આ રીતે શુદ્ધ દ્રષ્ટિના જોરે વિભાવનો નિષેધ કરીને ધર્મી જીવ મુક્તિ પામે છે.
પ્રવીણ કોણ?–કે જેની બુદ્ધિ સહજ પરમતત્ત્વના અભ્યાસમાં લાગેલી છે તે; વિભાવમાં જેની
બુદ્ધિ લાગેલી છે તે પ્રવીણ નથી.
પરમતત્ત્વનો અભ્યાસ” તે ચારિત્ર સૂચવે છે;
“પ્રવીણબુદ્ધિ” તે સમ્યગ્જ્ઞાન સૂચવે છે;
“શુદ્ધદ્રષ્ટિ” તે સમ્યગ્દર્શન સૂચવે છે;
–આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવાળો પુરુષ, વિભાવનો નિષેધ કરીને ચિદાનંદ સ્વભાવના
આશ્રયે મુક્તિ પામે છે.
અહો! ‘જિન’ અને ‘જીવ’ સરખા છે:
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
પ્રત્યેક આત્મા સિદ્ધસમાન પરિપૂર્ણ સ્વભાવી છે....અજ્ઞાની ભલે પોતાને વિભાવપર્યાય જેટલો
જ માને, પણ જ્ઞાની તો કહે છે કે તે વ્યવહારથી જ વિભાવપર્યાયરૂપ થયો છે, નિશ્ચયથી તો તે સિદ્ધ
જેવો જ છે, માટે હે જીવ!

PDF/HTML Page 17 of 23
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૧૯૩
તું શુદ્ધદ્રષ્ટિથી તારા આત્માને આવો દેખ. શુદ્ધસ્વભાવને દ્રષ્ટિમાં લઈને તેની ભાવના કરતાં તું પણ
કાલે સિદ્ધ પરમાત્મા બની જઈશ.
***
‘કારણશુદ્ધપર્યાય’ની લેખમાળામાં ખાસ કરીને એ દેખાડયું છે કે જીવના હિતકાર્યનું સાક્ષાત્
કારણ જીવમાં પોતામાં જ વર્તમાન વર્તી રહ્યું છે; ‘કારણ’ બીજે ક્્યાંય શોધવા જવું પડે એમ નથી.
જીવને પુરુષાર્થવડે વિશેષ કાર્ય કરવાનું છે વર્તમાનમાં, તો જેના આધારે જોર કરવાનું છે તે પણ સામે
કારણપણે વર્તમાન પૂરું ન હોય તો કોના અવલંબને કાર્ય પ્રગટે? ‘કારણશુદ્ધપર્યાયે’ આખા દ્રવ્યને
વર્તમાનમાં ઝીલી રાખ્યું છે, તે વર્તમાન નિકટનું કારણ છે,–મોઢા આગળ તે છે એટલે તેની મુખ્યતા ને
વિભાવોની ગૌણતા કરતાં કાર્યની સિદ્ધિ થાય છે.
કાર્યની સિદ્ધિ થયા પછી પણ તેનું કારણ ભેગું જ વર્તે છે, એવું આ ધુ્રવકારણ છે. ચાર અધૂરા
જ્ઞાન તો પાછળ રહી જાય છે–છૂટી જાય છે, ત્યાં પણ કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયની સાથે કારણશુદ્ધપર્યાય તો
પંચમભાવે વર્તી જ રહી છે, સદાય સાથે ને સાથે જ રહેતી એવી કારણશુદ્ધપર્યાય તે જ નવા નવા
કાર્યનું કારણ છે. જુઓ, આ સદાય સાથે રહેનાર સાથીદાર. સંયોગો, વિભાવો ને અધૂરી પર્યાયો તો
જીવનો સાથ છોડી દે છે, તો જે સાથ છોડી દે–એનો વિશ્વાસ શો? માટે અંતર્મુખ થઈને અખંડ
કારણપણે સદાય સાથે વર્તતા એવા તારા સ્વભાવનો જ વિશ્વાસ કર...મોક્ષમાં જવા માટે તેનો જ સાથ
લે. સિદ્ધપદમાં પણ તે સદાય સાથે ને સાથે જ રહેશે.
જુઓ, આ દ્રવ્યાનુયોગનો અતિ સૂક્ષ્મ વિષય. મોક્ષનું કારણ જે નિશ્ચયરત્નત્રય, તેનું પણ
મૂળકારણ અહીં બતાવ્યું છે; મોક્ષમાર્ગ અને મોક્ષ બંને તેના આધારે પ્રગટે છે.
પ્રશ્ન:– આપ કારણશુદ્ધપર્યાયનો ઘણોઘણો મહિમા કરો છો, પરંતુ અમારે તે શું ઉપયોગી?
ઉત્તર:– તે વર્તમાન કારણરૂપ છે, તેથી જેને વર્તમાન કાર્ય (સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ કાર્ય)
પ્રગટ કરવું હોય તેને તે ઉપયોગી છે, કેમ કે તે કારણનો આશ્રય કરતાં કાર્ય પ્રગટી જાય છે. દ્રવ્યથી તે
કારણશુદ્ધપર્યાય કાંઈ જુદી નથી. દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું પૂરેપૂરું વર્તમાનમાં વર્તી રહ્યું છે. અરે જીવ!
તું જ્યારે જો ત્યારે વર્તમાન કારણપણે પૂરું દ્રવ્ય તારી પાસે જ છે......તે તું જ છે.....માત્ર તારા નયનની
આળસે તેં તારા કારણને જોયું નથી તેથી જ તારું કાર્ય અટક્યું છે–હવે તો અંતરમાં નજર કરીને આ
કારણને દેખ....આ કારણનો સ્વીકાર કરીને તેનો આશ્રય કરતાં તારું નિર્મળકાર્ય થઈ જશે. દ્રવ્યગુણનો
વર્તમાન વર્તતો સ્વ–આકાર તે કારણશુદ્ધપર્યાય છે, બીજા કારણોનો આશ્રય છોડીને, આ સ્વ–આકાર
કારણના સ્વીકારથી જ સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે.
આ કારણશુદ્ધપર્યાય અનાદિઅનંત એકરૂપે પ્રત્યેક જીવને વર્તે છે.
(૧) જગતમાં સંસારપર્યાય સામાન્યપણે અનાદિ અનંત છે, પરંતુ તેમાંથી જે કોઈ જીવ પોતાનું
ભાન કરીને મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટ કરે તેને માટે સંસાર ‘અનાદિસાંત’ છે.
(૨) મોક્ષપર્યાય પણ જગતમાં સામાન્યપણે અનાદિઅનંત છે, પરંતુ પ્રત્યેક જીવની અપેક્ષાએ
જે જીવ જ્યારથી મોક્ષ પામ્યો ત્યારથી તેને માટે મોક્ષ ‘સાદિ–અનંત’ છે.
(૩) હવે જે કારણશુદ્ધપર્યાય છે તે તો પ્રત્યેક જીવને, સંસારમાં કે મોક્ષમાં, અનાદિઅનંત વર્તે
છે. પણ તેની ખબર નવી પડી છે.....જ્યારે તેની ખબર પડે ત્યારે તેનું કાર્ય (સમ્યગ્દર્શનાદિ) પ્રગટે છે.
જેમ ઘરમાં એક નિધાન તો પહેલેથી પડ્યું હોય, પણ જ્યારે તેનું ભાન થઈને તે ઉપભોગમાં આવે
ત્યારે તે નિધાન કામમાં આવ્યું કહેવાય. તેમ કારણસ્વભાવરૂપ નિધાન તો આત્મામાં અનાદિઅનંત છે,
પણ તેનું ભાન કરીને શ્રદ્ધા–જ્ઞાને જ્યારે તેને પોતાનું કારણ બનાવ્યું ત્યારે તે કારણનું કારણપણું સફળ
થયું. “અહો! આ કારણ તો મારામાં પહેલેથી જ હતું”–એવો ખ્યાલ કાર્ય થયું ત્યારે આવ્યો. ‘કારણ’
નો ખ્યાલ કરનાર કારણ પોતે નથી, ખ્યાલ કરનાર તો

PDF/HTML Page 18 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : ૧૭ :
‘કાર્ય’ છે. કાર્ય એટલે સમ્યગ્દર્શનાદિ કરનારને જ તેના કારણનું ખરું સ્વરૂપ અને મહિમા સમજાય છે.
વાહ, કારણ–કાર્યની કેવી સંધિ છે!
જુઓ, આ કારણ!
લોકો કહે છે કે તમે ‘કારણ’ ને માનો છો કે નહીં? –હા, ભાઈ હા! કારણને માનીએ છીએ.
પણ અમે તને પૂછીએ છીએ કે હે ભાઈ! ખરું કારણ તો કાર્ય આપવાની તાકાતવાળું હોય, કે તાકાત
વગરનું? જેનામાં કાર્ય આપવાની તાકાત ન હોય તેને ખરું કારણ કેમ કહેવાય? નિમિત્તકારણની અને
વ્યવહાર–કારણની વાત તો દૂર રહો,–તેમનામાં તો કાર્ય આપવાની તાકાત છે જ નહિ; અને નિશ્ચય
મોક્ષમાર્ગરૂપ જે કારણ છે તેનામાં પણ મોક્ષ આપવાની પૂરી તાકાત નથી, અંશે તાકાત છે; એટલે તે
મોક્ષમાર્ગ પણ મોક્ષનું ખરું કારણ નથી. મોક્ષનું મૂળ કારણ આત્માની પંચમભાવપરિણતિ છે, અર્થાત્
પંચમભાવપરિણતિ સહિત વર્તતો આત્મસ્વભાવ જ મોક્ષનું સાક્ષાત્ મૂળ કારણ છે, તેનામાં જ મોક્ષ
આપવાની તાકાત છે જેનામાં જે કાર્ય આપવાની તાકાત હોય તેને જ તેનું ખરું કારણ કહેવાય ને!
મોક્ષ માટે બહારનું કારણ જુટાવવાનું રહેતું નથી, અંદરમાં સાક્ષાત્ કારણ પડ્યું છે તેનું અવલંબન
કરતાં બાહ્યકારણો તો ત્યાં સ્વયમેવ હોય જ છે.
‘કારણશુદ્ધપર્યાય’ ના વર્ણનદ્વારા અહીં જે આત્માનું ‘નીકટ કારણ’પણું બતાવવું છે તે માટેનું
સામાન્ય દ્રષ્ટાંત આ પ્રમાણે છે: જેમ રેતી અને લીંડીંપીપર બંનેમાં રસગુણ હોવા છતાં, ચોસઠપોરી તીખાસ
આપવા માટે નીકટનું કારણ લીંડીપીપરમાં છે. તેમ કાર્ય પ્રગટવા માટે આત્મામાં ત્રિકાળ સામર્થ્ય હોવા
છતાં વર્તમાન વર્તતું તેનું કારણપણું (–જેને અહીં કારણશુદ્ધપર્યાય તરીકે વર્ણવ્યું છે) તે સીધું–નીકટનું
કારણ છે. અને આ નીકટનું કારણ બધાય જીવોમાં વર્તી રહ્યું છે.–જેમ નીકટના કારણની અપેક્ષાએ
લીંડીપીપર અને રેતીમાં ભેદ પાડયા, તેમ જીવોમાં બે ભેદ પડતા નથી કે એક જીવમાં કારણ નજીક, ને
બીજામાં નહીં, ‘કારણ’ તો બધા જીવોને નજીકમાં જ (વર્તમાનમાં જ) છે.–એને કારણ તરીકે સ્વીકારે
એટલી જ કાર્ય પ્રગટવાની વાર છે. છે તો નજીક...પણ અજ્ઞાનના પડદાને લીધે દૂર થઈ પડ્યું છે!–તે
અજ્ઞાનનો પડદો તોડીને સીધા કારણ સાથે સંબંધ કરીને નિર્મળકાર્ય પ્રગટ કરવાની આ વાત છે.
જુઓ, ટીકાકારે અદ્ભુત વાત કરી છે. આ ટીકાકાર મુનિરાજ પંચપરમેષ્ઠિપદમાં ભળેલા છે
એટલે તેઓ પણ ‘ભગવાન’ છે. પંચ પરમેષ્ઠીભગવંતોને નમસ્કાર કરતાં આ મુનિરાજને પણ
નમસ્કાર પહોંચી જાય છે. તેઓ કહે છે કે પ્રભો! તારા કેવળજ્ઞાનનું કારણ તારી નજીકમાં તારી પાસે જ
છે....તે પૂજિત છે, આદરણીય છે; તેનું શરણ લેતાં સર્વ મનોરથની સિદ્ધિ થઈ જાય છે.–કયા મનોરથ?
કે મોક્ષનાં: મુમુક્ષુને મોક્ષ સિવાય બીજા શેના મનોરથ હોય?
ત્રિકાળી દ્રવ્ય–ગુણ ને કારણશુદ્ધપર્યાયનું જે સ્વરૂપ કહ્યું તેની જે ભાવના કરશે તેને
સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીનાં શુદ્ધ કાર્યો થશે...અને પોતાના સર્વ મનોરથના સ્થાનભૂત એવી
પરમાનંદસ્વરૂપ મોક્ષદશાને તે પામશે–આમ સંતોના આશીર્વાદપૂર્વક આ લેખમાળા સમાપ્ત થાય છે.
[આ લેખમાળા પૂ. ગુરુદેવના અનેક વખતના પ્રવચનોમાંથી મહત્વનો સાર તારવીને ખૂબ જ
ચીવટપૂર્વક તૈયારી કરી છે; છતાં આ વિષય સૂક્ષ્મ અને ગહન હોવાથી મારી અલ્પબુદ્ધિને કારણે
લખાણના ભાવોમાં ક્્યાંય પણ દોષ રહી ગયો હોય તો જ્ઞાનીજનો અને શ્રુતદેવીમાતા પાસે નમ્રતાપૂર્વક
ક્ષમા માંગું છું–બ્ર હરિલાલ જૈન.
]
કારણ–કાર્યની સાક્ષાત્ સંધિસ્વરૂપ એવા સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર હો.
કારણ સાથે સંધિપૂર્વક જેઓ નિજકાર્યને સાધી રહ્યા છે એવા સાધક સંતોને નમસ્કાર હો.
નિજકાર્યના હેતુભૂત સાક્ષાત્ કારણ દર્શાવનાર શ્રી સદ્ગુરુદેવને નમસ્કાર હો.
(નોંધ:– આ ‘કારણશુદ્ધપર્યાય’ની લેખમાળાના ૧૧ લેખો આત્મધર્મમાં અનુક્રમે અંક ૧૩૯, ૧૪૦, ૧૪૧,
૧૪૨, પ્રથમ ભાદરવાનો ખાસ અંક, ૧૪૬, ૧૮૮, ૧૮૯, ૧૯૦, ૧૯૧, ૧૯૨ અને ૧૯૩ માં છપાયેલ છે.)

PDF/HTML Page 19 of 23
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૧૯૩
અંતરીક્ષ પાર્શ્વનાથ ક્ષેત્રમાં
પૂ. ગુરુદેવનું પ્રવચન
શિરપુરમાં અંતરિક્ષ પાર્શ્વનાથ મંદિરમાં
પૂ. શ્રી કાનજીસ્વામીનું પ્રવચન તા. ૧–૪–પ૯
દરેક આત્મા દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છે, અને તેનામાં સર્વજ્ઞ થવાની તાકાત છે.
આત્મા અને પરમાણુ એ જગતના સત્ તત્ત્વો છે; તે સત્નો કદી નાશ થતો નથી, તેમજ તેની
કદી નવી ઉત્પત્તિ થતી નથી, ત્રણે કાળે તે છે–છે ને છે; ત્રિકાળ સત્પણે ટકીને ક્ષણેક્ષણે તે પોતાની
અવસ્થાનું રૂપાંતર કરે છે. દરેક પદાર્થ સ્વતંત્રપણે પોતપોતાની અવસ્થાનું રૂપાંતર કરે છે, કોઈ બીજો
તેનો કર્તા નથી.
આત્મા અનાદિનો છે, તેણે અત્યારે સુધી શું કર્યું? –કે પોતાના સ્વભાવને ભૂલીને વિકારના
કર્તાપણે ચાર ગતિમાં તે રખડયો; અનેક જીવો પોતાના સ્વભાવને ઓળખીને પૂર્ણાનંદ પ્રગટ કરીને
પરમાત્મા પણ થયા. જેવા સર્વજ્ઞ પરમાત્મા થયા તેવી તાકાત આ આત્મામાં પણ છે. જેમ
લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાસની તાકાત ભરી છે તેમ આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ
પ્રગટવાની તાકાત ભરી છે. તે શક્તિ પોતાના સ્વભાવના અવલંબને જ ખીલે છે, બહારથી નથી
આવતી. આત્માનો નિરાલંબી સ્વભાવ છે. તીર્થંકર ભગવાન સમવસરણમાં અંતરીક્ષ–આકાશમાં–નીચે
બીજા કોઈ અવલંબન વગર બિરાજે છે, તેમ આત્માનો સ્વભાવ પણ નિરાલંબી છે, તે સ્વભાવ
પ્રગટવા માટે બહારનું કે રાગનું અવલંબન નથી.
આવા નિરાલંબી ચૈતન્ય સ્વભાવની સન્મુખ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે; જેમ
કાચા ચણાનો સ્વાદ તૂરો આવે છે, તેમ ચૈતન્ય સ્વભાવના ભાન વગર અજ્ઞાનરૂપી કચાસથી આત્માને
કષાયના તૂરા સ્વાદનું વેદન આવે છે; પણ જેમ કાચા ચણાને શેકી નાંખતા તેના મીઠા સ્વાદનું વેદન
થાય છે તેમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી તાપથી આત્માને શેકતાં તેના મીઠાસ્વાદનું એટલે કે
અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. જેમ કાચો ચણો વાવતાં ઊગે છે તેમ અજ્ઞાનરૂપી કચાસથી આત્મા
ચોરાસીના અવતારમાં ફરીફરી ભવ ધારણ કરે છે, અને જેમ ચણો શેકી નાંખતાં તે ફરીને ઊગતો નથી
તેમ સમ્યગ્દર્શન થતાં આત્મા અલ્પકાળે મુક્તિ પામે છે, પછી તે ભવ ધારણ કરતો નથી.
અહીં આઠમાં અધ્યાયના ચોથા શ્લોકમાં શ્રી જ્ઞાન–ભૂષણ મહારાજ કહે છે કે:
स्वात्मध्यानामृतं स्वच्छं विकल्पानपसार्य सत्।
पिबन्ति क्लेशनाशाय जलं शैवालवत् सुधी।।
જેમ તીવ્ર તાપના કલેશથી સંતપ્ત પ્રાણી તરસની શાંતિ માટે સેવાળ દૂર કરીને સ્વચ્છ મધુર જળ
પીએ છે, તેમ જે બુદ્ધિમાન જીવ સંસારના દુઃખથી છૂટીને આત્મશાંતિ ચાહે છે તે ભેદજ્ઞાનવડે સમસ્ત
સંસારના વિકલ્પ–

PDF/HTML Page 20 of 23
single page version

background image
કારતક: ૨૪૮૬ : ૧૯ :
રૂપ સેવાળને છોડીને આત્મધ્યાનરૂપી સ્વચ્છ અમૃતનું પાન કરે છે, શુદ્ધ આત્મા સિવાય પરદ્રવ્યની
ચિંતા તરફ તે પોતાના ચિત્તને ઝૂકવા દેતો નથી.
જીવે ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને એક સેકંડ પણ ધર્મ કર્યો નથી. જો એક સેંકડ પણ
ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને ધર્મ કરે તો અનંતકાળના જન્મ મરણનો આરો આવી જાય....ને
અનંતકાળમાં કદી નહિ થયેલ એવો અપૂર્વ આનંદનો અનુભવ થાય. જેમ તૃષાતુર મનુષ્ય સેવાળને દૂર
કરીને સ્વચ્છ જળના પાનવડે પોતાની તૃષા દૂર કરે છે ને શાંતિ અનુભવે છે; તેમ મોક્ષાર્થી ધર્માત્મા
અંતરમાં સ્વાત્મધ્યાનવડે રાગાદિ વિકારને દૂર કરીને, શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપ આત્માના અનુભવથી પરમ
શાંત ચૈતન્યરસનું પાન કરીને આત્માને સંસારતાપથી છોડાવે છે. આ સિવાય બીજા કોઈ ઉપાયથી
જીવને શાંતિ થતી નથી.
જુઓ, ભાઈ! આ મનુષ્ય અવતાર મળ્‌યો તે દુર્લભ છે, પરંતુ તેમાં જો આત્માના હિતનો ઉપાય
કરે તો જ તેની સાર્થકતા છે. જો, આત્માના હિતની દરકાર ન કરી તો આ મનુષ્ય દેહ ધારીને શું લાભ
મેળવ્યો? બે હાથ, બે પગ, મોઢું, બે આંખ–વગેરે તો વાંદરાને પણ મળ્‌યા છે, તો તેનામાં અને
મનુષ્યમાં શું ફેર પડ્યો? ઊલ્ટું તે વાંદરાને તો હાથ–પગ ઉપરાંત એક લાંબું પૂછડું પણ મળ્‌યું છે.....
માટે શરીરના અવયવો મળ્‌યા તેથી કાંઈ આત્માને લાભ નથી; આત્મા વિવેક કરીને, સત્સમાગમે
પોતાના સ્વરૂપની ઓળખાણ કરે અને ભવભ્રમણથી છૂટવાનો ઉપાય કરે તો જ તેના અવતારની
સફળતા છે.
ભાઈ, આ શરીર તો જડ છે, તે જડના સંયોગથી કાંઈ તારો મહિમા નથી. તારો મહિમા તો
તારા ચૈતન્યસ્વભાવથી છે. અરેરે, અમૃતસ્વરૂપ આ ચૈતન્યમૂર્તિઆત્મા પોતાને ભૂલીને મૃતક કલેવર
એવા આ જડ શરીરમાં મૂર્છાઈ પડ્યો.....શરીર અને શરીરનીક્રિયા તે જ હું–એવી મિથ્યા માન્યતાથી તે
મુર્છિત (મોહી–અજ્ઞાની) થઈ રહ્યો છે. પરંતુ વીતરાગી સંતોની વાણી તેને તેના ચિદાનંદસ્વરૂપનું ભાન
કરાવીને અતીન્દ્રિય આનંદરૂપ અમૃતનો અનુભવ કરાવે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ;
ઔષધ જે ભવરોગનાં, (પણ) કાયરને પ્રતિકૂળ.
અહો! અંતર્મુખ સ્વભાવને બતાવનારા વીતરાગનાં વચનો પરમ શાંત રસનો અનુભવ કરાવે
છે, ને ભવરોગનો નાશ કરનાર મહા ઔષધ છે. પરંતુ રાગાદિથી લાભ માનનાર બર્હિમુખી અજ્ઞાની
જીવને એ વીતરાગની વાણી પ્રતિકૂળ પડે છે. બર્હિમુખપણાથી જે લાભ માને છે તેને અંતર્મુખ થવાની
વાત ક્યાંથી ગોઠે? વીતરાગી સંતો કહે છે કે અરે જીવો! શાંતરસનો અનુભવ કરવા માટે તમે તમારા
ચૈતન્યસ્વભાવની સન્મુખ થાઓ....ચૈતન્યસ્વભાવની સન્મુખતા સિવાય જગતમાં બહાર ક્્યાંય શાંતિ
નથી. જેમ હીરા–માણેક બધી વસ્તુને પારખતાં શીખીને મોટો ઝવેરી થયો, પણ જો ચૈતન્ય–હીરાને ન
પારખ્યો તો તેનું કાંઈ હિત થતું નથી; જગતની કિંમત કરનારો પોતે પોતાના આત્માની કિંમત ન જાણે
તો તેનું બધું જાણવું વ્યર્થ છે, માટે હે ભાઈ! તારો આત્મા શું ચીજ છે તેને તું ઓળખ. અરે ભગવાન્!
તારો આત્મા સિદ્ધપરમાત્મા જેવો, તેને એક વાર લક્ષમાં તો લે. પાપ અને પુણ્યના ભાવ આવે, પણ
મારો આત્મા તે પાપ અને પુણ્ય જેટલો નથી, મારો આત્મા તો પાપ–પુણ્ય વગરનો ચિદાનંદસ્વરૂપ છે–
એમ એક વાર અંતર્મુખ થઈને લક્ષમાં તો લે....તેને લક્ષમાં લઈને તેનું ધ્યાન કરતાં જ અંતરના
અમૃતસાગરમાં તારો આત્મા ડૂબી જશે, ને તારા અનાદિના ભવકલેશનો નાશ થઈ જશે. દુઃખનો નાશ
કરીને અપૂર્વ આત્મશાંતિ પ્રાપ્ત કરવાનો આ ઉપાય છે.