Atmadharma magazine - Ank 194
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 19
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૧૯૪
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 19
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ સત્તરમું: અંક ૨ જો સંપાદક: રામજી માણેકચંદ દોશી માગશર: ૨૪૮૬
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ઝણઝણાટ
પરથી ભિન્ન ચિદાનંદ તત્ત્વની વાત
સાંભળતાં ઘણાને ઝણઝણાટ ઊઠે છે કે–
‘આ શું!’ પરંતુ ભાઈ! સત્ય તો આ જ
વાત છે, આ સમજ્યા વિના ભવનો અંત
આવવાનો નથી. અને ખરેખર તો આ
વાત સાંભળતાં આત્માર્થી જીવને અંદરથી
સ્વભાવનો ઝણઝણાટ ઊઠવો જોઈએ કે
અહો! આવો મારો સ્વભાવ!–આ
સ્વભાવ જ મારે સાધવા જેવો છે.
અત્યાર સુધી તો મારો આવો સ્વભાવ
મારા લક્ષમાં નહોતો આવ્યો, હવે હું મારા
આવા સ્વભાવને સર્વ પ્રયત્નથી જરૂર
સાધીશ.–આ રીતે સ્વભાવની પ્રાપ્તિ માટે
જેના અંતરમાં ઝણઝણાટ જાગે તે જીવ
તેને પ્રાપ્ત કરીને જ જંપે.
માગશર અંક : ૧૯૪

PDF/HTML Page 3 of 19
single page version

background image
જામનગર શહેરમાં દિ જિનમંદિરના
શિલાન્યાસનું મુહૂર્ત
પરમપૂજ્ય ગુરુદેવના પ્રતાપે દિગંબર જૈનધર્મની
પ્રભાવના દિનોદિન વધતી જાય છે...અને ઠેરઠેર દિ. જિનમંદિરો
બંધાતા જાય છે. સૌરાષ્ટ્રના મુખ્ય–મુખ્ય શહેરોમાં દિ.
જિનમંદિરો હતા, એક જામનગર બાકી હતું...ત્યાં પણ હવે દિ.
જિનમંદિરના પાયા નંખાઈ ગયા છે. કારતક સુદ આઠમના
રોજ શેઠ ભગવાનજી કચરાભાઈના સુહસ્તે જામનગરમાં દિ.
જિનમંદિરનું શિલાન્યાસ થયું. જામનગરમાં દિ. જિનમંદિર
બાંધવાની ત્યાંના મુમુક્ષુઓને ઘણા વખતથી ભાવના હતી.
આફ્રિકાથી શેઠ ફૂલચંદ કરમશીએ રૂા. ૬પ૦૦૦) તથા શેઠ
ભગવાનજી કચરાભાઈએ રૂા. પ૦૨પ૧) જિનમંદિર માટે
આપીને જામનગરના મુમુક્ષુઓની ભાવનાને શીઘ્ર મૂર્તસ્વરૂપ
આપ્યું છે. શિલાન્યાસવિધિ પ્રસંગે સૌરાષ્ટ્રના અનેક મુમુક્ષુઓ
ઉપરાંત સ્થાનિક ભાઈઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો
હતો. અને આ પ્રસંગે રૂા. ૭૦૦૦) ઉપરાંત ફાળો થયો હતો.
આ ઉપરાંત અગાઉ જામનગરના મુમુક્ષુઓ તરફથી ભરાયેલી
રકમો સહિત જામનગરના દિ. જિનમંદિર માટે કુલ ફંડ રૂા.
૧,પ૨૦૦૦) ઉપર થયેલ છે. જામનગરનું મંદિર ઘણું ભવ્ય
થશે. શિલાન્યાસ વિધિ બાદ જિનેન્દ્રદેવની રથયાત્રા શહેરમાં
ફરી હતી. જામનગરના મુમુક્ષુઓએ આ પ્રસંગ ઉત્સાહથી
ઊજવ્યો હતો. આ મંગલ અવસર માટે ત્યાંના મુમુક્ષુઓને
અભિનંદન!
સોનગઢમાં ચોવીસ તીર્થંકર વિધાન
અઢી વર્ષ પહેલાં પૂ. ગુરુદેવની સંઘસહિત સમ્મેદશિખર
તીર્થયાત્રા બાદ સોનગઢમાં સિદ્ધચક્રવિધાન પૂજન ઉલ્લાસપૂર્વક
કરવામાં આવ્યું હતું, એ જ રીતે બાહુબલીસ્વામી આદિ
દક્ષિણતીર્થોનીયાત્રા બાદ આ કારતક માસની અષ્ટાહ્નિકા દરમિયાન
૨૪ તીર્થંકરભગવંતોનું મંડલ કરીને ઉલ્લાસપૂર્વક પૂજન કરવામાં
આવ્યું હતું. પૂજનવિધાન પૂર્ણ થતાં શ્રી સીમંધર જિનેન્દ્રનો
ભક્તિપૂર્વક અભિષેક કરવામાં આવ્યો હતો.
પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે અને નિયમસાર તથા
સમયસાર ઉપર સવાર–બપોરે સુંદર પ્રવચનો ચાલે છે.

PDF/HTML Page 4 of 19
single page version

background image
आत्मधमર્
____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૨ જો સંપાદક: રામજી માણેકચંદ દોશી માગશર : ૨૪૮૬
____________________________________________________________________________
આત્માર્થી–સંબોધન
આત્માર્થ માટેની સાચી તત્પરતા–
જગતના નાનામોટા અનેકવિધ પ્રસંગોમાં જીવ કયારેક અટવાઈ જાય
છે...ને તેથી તે મુંઝાય છે...અને તેના જ વિચારવમળમાંથી બહાર નીકળી
શકતો નથી...એના પરિણામે તે આત્મપ્રયત્નમાં આગળ વધી શકતો નથી.
તેને જાગૃતિ અર્થેના સંબોધનનો એક પ્રકાર અહીં રજુ કરવામાં આવ્યો છે.
હે જીવ!
જેને તારા આત્માર્થની સાથે સંબંધ નથી એવી
નાનીનાની બાબતમાં તું અટકીશ તો તારા મહાન
આત્મપ્રયોજનને તું કયારે સાધી શકીશ? જગતમાં અનુકૂળ
ને પ્રતિકૂળ પ્રસંગો તો બન્યા જ કરવાના, તીર્થંકરો અને
ચક્રવર્તીઓને પણ એવા પ્રસંગો ક્યાં નથી બન્યા?
મોટામોટા મુનિઓ અને ધર્માત્માઓ ઉપર પણ એવા
પ્રસંગો કયાં નથી આવ્યા? માન ને અપમાન, નિંદા ને
પ્રસંશા, સુખ ને દુઃખ, સંયોગ ને વિયોગ, રોગ ને નિરોગ–
એવા અનેક પરિવર્તનશીલ પ્રસંગો તો જગતમાં બન્યા જ
કરવાના.–પણ તારા જેવો આત્માર્થી જો એવા નાનાનાના
પ્રસંગોમાં જ આત્માને રોકી દેશે તો આત્માર્થના મહાન
કાર્યને તું કયારે સાધી શકશે?
–માટે, એવા પ્રસંગોથી અતિશય ઉપેક્ષિત થા...તેમાં
તારી જરા પણ શક્તિને ન વેડફ. તે પ્રસંગોને તારા
આત્માર્થ સાથે કાંઈ જ સંબંધ નથી એમ નક્કી કરીને
આત્માર્થની સિદ્ધિ જે રીતે થાય તે રીતે જ તું પ્રવર્ત! ને
આત્માર્થની સિદ્ધિમાં બાધક થાય એવા પરિણામોને
અત્યંતપણે છોડ...ઉગ્ર પ્રયત્નવડે છોડ!
વિધવિધ પરિણામવાળા જીવો પણ જગતમાં વર્ત્યા
જ કરશે...માટે તેનો પણ ખેદ–વિચાર

PDF/HTML Page 5 of 19
single page version

background image
: : આત્મધર્મ : ૧૯૪
છોડ...ને ઉપરોક્ત સંયોગોની માફક જ તેમની સાથે પણ આત્માર્થનો સંબંધ નથી એમ સમજીને તે પ્રત્યે
ઉપેક્ષિત થા...ને આત્માર્થસાધનામાં જ ઉગ્રપણે પ્રવર્ત!
ગમે તેમ કરીને, મારે મારા આત્માર્થને સાધવો–એ એક જ આ જગતમાં મારું કાર્ય છે–એમ
અતિદ્રઢ નિશ્ચયવંત થા. મારા આત્માર્થ ખાતર જે કાંઈ પણ સહન કરવું પડે તે સહન કરવા હું તૈયાર
છું, પરન્તુ કોઈ પણ પ્રકારથી હું મારા આત્માર્થના કાર્યથી ડગીશ નહીં, તેમાં જરા પણ શિથિલ નહીં
થાઉં...આત્મા પ્રત્યેના મારા ઉત્સાહમાં હું કદી ભંગ નહીં પડવા દઉં.–મારી બધી શક્તિને, મારા બધા
જ્ઞાનને, મારા બધા વૈરાગ્યને, મારી શ્રદ્ધાને, ભક્તિને, ઉત્સાહને,–મારા સર્વસ્વને હું મારા આત્માર્થમાં
જોડીને...જરૂર મારા આત્માર્થને સાધીશ.–આમ દ્રઢ પરિણામવડે આત્માર્થને સાધવા માટે તત્પર થા!
આત્માર્થ સાધવા માટેની તારી આવી સાચી તત્પરતા હશે તો જગતમાં કોઈની તાકાત નથી કે
તારા આત્મકાર્યમાં વિઘ્ન કરી શકે. જ્યાં આત્માર્થની સાચી તત્પરતા છે ત્યાં આખું જગત તેને
આત્માર્થની પ્રાપ્તિમાં અનુકૂળ પરિણમી જાય છે, ને તે જીવ જરૂર આત્માર્થને સાધી લ્યે છે.
માટે હે જીવ! જગતમાં બીજું બધું ભૂલીને તું તારા આત્માર્થ માટેની સાચી તત્પરતા કર.
એક શરત
આત્મપ્રાપ્તિના અભ્યાસનો કોર્સ
કેટલો?–વધુમાં વધુ છ મહિના! જેમ
મેટ્રિકના અભ્યાસનો કોર્સ ૧૦–૧૧ વર્ષનો
હોય છે, બી.એ. ના અભ્યાસનો કોર્સ ૪
વર્ષનો હોય છે, તેમ અહીં ધર્મના
અભ્યાસમાં બી.એ. નો એટલે કે બ્રહ્મસ્વરૂપ
આત્માના અનુભવનો કોર્સ કેટલો?–
આચાર્યદેવ કહે છે કે વધુમાં વધુ છ મહિના!
છ મહિના અભ્યાસ કરવાથી તને
બ્રહ્મસ્વરૂપ આત્માનો અનુભવ જરૂર
થશે...પણ અભ્યાસ માટેની એક શરત!
“ કઈ શરત?” તે જાણવા માટે
આવતા અંકમાં પ્રસિદ્ધ થનારું પૂ ગુરુદેવનું
પ્રવચન વાંચો.

PDF/HTML Page 6 of 19
single page version

background image
મોક્ષમાર્ગની સિદ્ધિ માટે મુમુક્ષુએ શું કરવું?
પ્રશ્ન:–ધર્મ શું છે?–અર્થાત્ સાક્ષાત્ મોક્ષમાર્ગ શું છે?
ઉત્તર:–चरितं खलु धम्मो અર્થાત્ ચારિત્ર તે
ખરેખર ધર્મ છે, તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન:–ચારિત્ર એટલે શું ?
ઉત્તર:–શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચરવું–
પ્રવર્તવું તે ચારિત્ર છે.
પ્રશ્ન:–આવા ચારિત્ર માટે પહેલાં શું હોવું જોઈએ?
ઉત્તર:–ચારિત્ર માટે પ્રથમ તો સ્વ–પરના
યથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમ કે જેમાં
એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા
વગર તેમાં સ્થિર ક્યાંથી થાય? માટે પ્રથમ જેમાં સ્થિર
થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ.
પ્રશ્ન:–વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કયા પ્રકારે કરવો?
ઉત્તર:–વસ્તુના સ્વરૂપનો આ પ્રમાણે નિશ્ચય
કરવો કે–આ જગતમાં હું સ્વભાવથી જ્ઞાયક જ છું; અને
મારાથી ભિન્ન આ જગતના જડ–ચેતન સમસ્ત પદાર્થો
તે મારાં જ્ઞેયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર
જ્ઞેયજ્ઞાયકસંબંધથી વિશેષ કંઈ પણ સંબંધ મારે નથી.
કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈનાં કાર્યનો કર્તા
નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવસામર્થ્યથી જ
ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યસ્વરૂપે પરિણમી રહ્યો છે, તેની સાથે
મારે કાંઈ જ સંબંધ નથી.
જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો
સંબંધ તોડીને નિજસ્વરૂપમાં ઉપયોગને જોડે, એટલે તેને
જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર
માટે પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ.
પ્રશ્ન:–જે જીવ વસ્તુસ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી કરતો
તેને શું થાય છે?
ઉત્તર:–જે જીવ વસ્તુસ્વરૂપનો નિશ્ચય નથી કરતો તેનું
ચિત્ત ‘વસ્તુસ્વરૂપ કઈ રીતે હશે!’ એવા સંદેહથી સદાય
ડામાડોળ–અસ્થિર રહ્યા કરે છે. વળી સ્વ–પરના
ભિન્નભિન્ન સ્વરૂપનો તેને નિશ્ચય નહિ હોવાથી
પરદ્રવ્યને કરવાની ઈચ્છાથી તેનું ચિત્ત સદાય આકુળ
રહ્યા કરે છે, તેમજ પરદ્રવ્યને ભોગવવાની બુદ્ધિથી તેમાં
રાગ–દ્વેષ કરીને તેનું ચિત્ત સદાય કલુષિત રહ્યા કરે છે.–
આ રીતે, વસ્તુસ્વરૂપના નિશ્ચય વગર જીવનું ચિત્ત
સદાય ડામાડોળ અને કલુષિત વર્તતું હોવાથી, તેને
સ્વદ્રવ્યમાં સ્થિરતા
થઈ શકતી નથી. જેનું ચિત્ત ડામાડોળ અને કલુષિતપણે
પરદ્રવ્યમાં જ ભમતું હોય તેને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ
ચારિત્ર કયાંથી થાય?–ન જ થાય, માટે જેને પદાર્થના
સ્વરૂપનો નિશ્ચય નથી તેને ચારિત્ર હોતું નથી.
પ્રશ્ન:–પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરનાર જીવ
કેવો હોય છે?
ઉત્તર:–તે જીવ પોતાના આત્માને કૃતનિશ્ચય,
નિષ્ક્રિય અને નિર્ભોગ દેખે છે. સ્વ–પરના સ્વરૂપ
સંબંધી તેને સંદેહ ટળી ગયો છે, પરદ્રવ્યની કોઈ પણ
ક્રિયાને તે આત્માની માનતો નથી તેમજ પોતાના
આત્માને પરદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ ક્રિયાથી રહિત–નિષ્ક્રિય
દેખે છે, અને પરદ્રવ્યના ભોગવટા રહિત નિર્ભોગ દેખે
છે. આવા પોતાના સ્વરૂપને દેખતો થકો તે જીવ, સંદેહ
અને વ્યગ્રતાથી રહિત થયો થકો નિજસ્વરૂપમાં એકાગ્ર
થાય છે, નિજસ્વરૂપની ધૂનનો ધૂની થઈને તેમાં તે ઠરે
છે. આ રીતે વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરનારને જ
ચારિત્ર હોય છે.
પ્રશ્ન:– મોક્ષમાર્ગને સાધનારી મુનિદશા કોને હોય છે?
ઉત્તર:–ઉપર મુજબ વસ્તુસ્વરૂપનો નિશ્ચય
કરીને તેમાં જે એકાગ્ર થાય છે તેને જ શ્રામણ્ય એટલે
કે મુનિપણું હોય છે.
પ્રશ્ન:–શ્રામણ્યનું (મુનિપણાનું) બીજું નામ શું છે?
ઉત્તર:–શ્રામણ્યનું બીજું નામ મોક્ષમાર્ગ છે.
જ્યાં મોક્ષમાર્ગ છે ત્યાં જ શ્રામણ્ય છે; જેને મોક્ષમાર્ગ
નથી તેને શ્રામણ્ય પણ નથી.
પ્રશ્ન:–શ્રામણ્ય કેવું છે?
ઉત્તર:–શ્રામણ્ય શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ છે.
સ્વ–પરની ભિન્નતાનો નિશ્ચય કરીને, સ્વરૂપમાં
એકાગ્રતાવડે શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિ કરવી તે શ્રામણ્ય
છે; તે જ મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન:–આવા મોક્ષમાર્ગને સર્વ પ્રકારે સિદ્ધ કરવા માટે
મુમુક્ષુએ શું કરવું?
ઉત્તર:–મોક્ષમાર્ગની સર્વ પ્રકારે સિદ્ધિ કરવા માટે
મુમુક્ષુએ, ભગવાન સર્વજ્ઞદેવે સ્વયં જાણીને કહેલા
અનેકાંતમય શબ્દબ્રહ્મમાં (અર્થાત્ આગમના
અભ્યાસમાં) નિષ્ણાત થવું, એટલે કે આગમમાં જે
પ્રમાણે વસ્તુસ્વરૂપ કહ્યું છે તે પ્રમાણે નિશ્ચય કરવો..
આવો નિશ્ચય કરીને પછી સ્વદ્રવ્યને એકને જ અગ્ર
કરીને એકાગ્રપણે તેમાં પ્રવર્તવું.–આ મોક્ષમાર્ગની
સિદ્ધિનો ઉપાય છે.(પ્રવચનસાર ગા. ૨૩૨ના
પ્રવચનમાંથી)

PDF/HTML Page 7 of 19
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૧૯૪
વિદેહક્ષેત્રમાં ગયેલા કુંદકુંદાચાર્યદેવ
તેમણે સમજાવેલી ભેદજ્ઞાનની અપૂર્વ વાત
વીસ વિદેહી ભગવંતોના ધામ
દહીંગાંવમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
(વીર સં. ૨૪૮પ માહ સુદ દસમ)
પૂ. ગુરુદેવની ‘દક્ષિણયાત્રા’માં પહેલું મુખ્યસ્થાન આવ્યું દહીંગાંવ;
ખરબચડા ને વાંકાચૂંકા રસ્તાના પ્રવાસથી થાકેલા યાત્રિકોને દહીંગાંવમાં
સીમંધરાદિ વીસવિહરમાન ભગવંતોના એક સાથે દર્શન થતાં ઘણો આનંદ
થયો...વિદેહના વીસ ભગવંતોને ભારતમાં એક સાથે દેખીને ભક્તોનું હૃદય
પ્રસન્નતાથી નાચી ઊઠયું.–ત્યાંનું આ પ્રવચન છે,–જેમાં સીમંધરાદિ વીસ
ભગવંતોને યાદ કરીને ગુરુદેવ પણ પોતાનો પ્રમોદ વ્યક્ત કરે છે.
આ સમયસાર શાસ્ત્ર વંચાય છે. આ ભરતક્ષેત્રમાં સં. ૪૯ લગભગમાં
કુંદકુંદાચાર્ય મુનિરાજ થયા; તેઓ મહાપવિત્ર ઋદ્ધિધારી સંત હતા, ને મહાવિદેહ
ક્ષેત્રમાં બિરાજમાન સીમંધર પરમાત્મા પાસે ગયા હતા, તેમણે આ સમયસારશાસ્ત્ર
રચ્યું છે.
મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે ૨૦ તીર્થંકરો સાક્ષાત્ બિરાજે છે; અહીં પણ ભોંયરામાં
તે સીમંધરાદિ વીસ તીર્થંકરોની સ્થાપના છે. એક સાથે સીમંધર, યુગમંધર, બાહુ,
સુબાહુ વગેરે વીસ તીર્થંકરો અહીં પહેલવહેલા જ જોયા; વીસ તીર્થંકરોની એક સાથે
આવી સ્થાપના બીજે ક્યાંય જોઈ નથી. ( દહીંગાંવ પછી યાત્રામાં આગળ જતાં
કચનેરા ગામે ધાતુના વીસ વિહરમાન ભગવંતોનાં દર્શન થયા હતા.) તે વીસ તીર્થંકરો
અત્યારે સાક્ષાત્્ સર્વજ્ઞપદે દેહસહિત સમવસરણમાં બિરાજે છે. “અરે! આ ભરતક્ષેત્રે
સાક્ષાત્ તીર્થંકરનાથનો વિરહ છે...વિદેહમાં સાક્ષાત્ તીર્થંકર બિરાજે છે...”–એમ
અંતરમાં વિદેહક્ષેત્રના તીર્થંકરનું સ્મરણ કરીને, કુંદકુંદાચાર્ય તેમનું ધ્યાન કરતા હતા;
ત્યાં સીમંધર તીર્થંકરના શ્રીમુખથી
‘सद्धर्मवृद्धिः अस्तु’ એવા આશીર્વાદ દિવ્યધ્વનિદ્વારા
નીકળ્‌યા...ને કુંદકુંદાચાર્ય અહીંથી ત્યાં સીમંધર પ્રભુની ધર્મસભામાં પધાર્યાં...વિદેહના
માનવી તો પ૦૦ ધનુષ ઊંચા ને ભરતના કુંદકુંદાચાર્ય તો એક જ ધનુષ ઊંચા; એટલે
ચક્રવર્તી આશ્ચર્યપૂર્વક ભગવાનને પૂછે છે કે હે નાથ! આ કોણ છે? ત્યારે ભગવાનની
વાણીમાં એમ આવ્યું કે: તેઓ ભરતક્ષેત્રમાં

PDF/HTML Page 8 of 19
single page version

background image
માગશર : ૨૪૮૬ : ૭ :
ધર્મની વૃદ્ધિ કરનારા મહાન આચાર્ય છે.–આવી વાત ભગવાનના શ્રીમુખથી સાંભળીને ચક્રવર્તી
વગેરે સભાજનોને હર્ષ થયો...આવા મહાપવિત્ર કુંદકુંદ આચાર્યદેવે ભગવાનની વાણી સાંભળીને
આ સમયસારશાસ્ત્ર રચ્યું છે, તેમાં આત્માનું જ્ઞાન કેમ થાય–તે વાત મુખ્યપણે સમજાવી છે.
અનંત અનંત કાળથી આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, પરંતુ આત્માનું
વાસ્તવિક સ્વરૂપ તેણે કદી જાણ્યું નથી. અનંતવાર પુણ્ય–પાપ કરીને સ્વર્ગ તેમજ નરકમાં
અનંતવાર ગયો. અજ્ઞાનીપણે વ્રતાદિ કરીને સ્વર્ગમાંય અનંતવાર ગયો પણ તેનું સંસારભ્રમણ
ન ટળ્‌યું.
मुनि व्रतधार अनंतवार ग्रीवक उपजायो,
पै निजआतमज्ञान विन सुख लेश न पायो।
જીવ સંસારમાં ભ્રમણ કરતાં આત્મજ્ઞાન વગર મોટો દેવ પણ થયો ને નરકનો નારકી
પણ થયો, મોટો રાજા પણ થયો ને રંક ભીખારી પણ થયો. જગતની બાહ્યવિદ્યા પણ
અનંતવાર ભણ્યો, પરંતુ અંતરમાં ચૈતન્યવિદ્યા કદી ભણ્યો નથી. રાગથી ભિન્ન
ચિદાનંદસ્વરૂપ આત્મા છે. આવું જ્યાં સમ્યગ્ભેદજ્ઞાન થાય છે ત્યાં તે ક્ષણે જ જ્ઞાન
રાગાદિથી વિરતિ પામે છે...ભેદજ્ઞાન થતાંવેંત જ જ્ઞાન અંર્તસ્વભાવમાં વળી જાય છે ને
રાગથી તે છૂટું પડી જાય છે. આવું ભેદજ્ઞાન તે અપૂર્વ ચીજ છે; એક ક્ષણનું ભેદજ્ઞાન અનંત
સંસારનો નાશ કરી નાંખે છે...વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા બિરાજે છે, તેમની સભામાં
મોટામોટા રાજકુમારો તેમજ આઠ–આઠ વર્ષનાં બાળકો, ને તિર્યંચો પણ આવું અપૂર્વ
ભેદજ્ઞાન પ્રગટ કરીને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા થાય છે.
તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જાણે છે કે–
“ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદા પદ મેરો”...
આત્માનું જ્યાં ભાન થયું ત્યાં ધર્મી નિઃશંકપણે જાણે છે કે એમને હવે સમ્યગ્જ્ઞાનરૂપી કળા
પ્રગટી છે, અમારા આત્માને અમે પરભાવોથી ભિન્ન, અનુપમ, ચૈતન્યમૂર્તિ, સિદ્ધસમાન જાણ્યો
છે, ને હવે અમારા ભવનો અંત નજીક આવ્યો છે.
સાધક વર્તમાનદશામાં અંશે નિર્મળતા તેમજ અંશે મલિનતા, એમ બંને ભાવો વર્તે છે,
છતાં તેને ભેદજ્ઞાન વર્તે છે કે આ મલિનતા તે મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી, મારું
વાસ્તવિક સ્વરૂપ તો પવિત્ર ચૈતન્યરૂપ છે. આવા ભેદજ્ઞાનની ક્રિયાવડે સિદ્ધપદ સધાય છે.
સિદ્ધપદ ન થાય ને રાગ હોય ત્યાં સુધી ધર્માત્માને પૂજા–પ્રતિષ્ઠા–જાત્રા–ભક્તિ વગેરેનો ભાવ
આવે છે, પણ ધર્મી તે ભાવને પુણ્યબંધનું કારણ સમજે છે. પુણ્યબંધના કારણરૂપ રાગભાવ,
અને મોક્ષના સાધનરૂપ આત્મજ્ઞાન–એ બંને ભાવો સાધકને એક સાથે રહી શકે છે; એક સાથે
હોવા છતાં તે બંને ભાવો એક નથી પણ ભિન્ન ભિન્ન જાતના છે. જેમ, વિપરીત જ્ઞાન અને
સમ્યગ્જ્ઞાન–એ બંને એક સાથે રહી શકતા નથી, પરંતુ રાગ અને જ્ઞાનનું તેમ નથી, અર્થાત્
અવિરતિ સંબંધી રાગ તેમજ આત્માનું જ્ઞાન–એ તો બંને સાથે પણ રહી શકે છે. પરંતુ ત્યાં સાધક
તે રાગનો જ્ઞાતા છે. રાગનું કર્તાપણું અને જ્ઞાતાપણું એ બંને એક સાથે રહી શકતા નથી. જે જીવ
જ્ઞાતા છે તે જીવ રાગાદિ વિકારભાવને પોતાનું કર્તવ્ય માનીને કર્તા થતો નથી, પણ પોતાના
જ્ઞાનને, રાગથી ભિન્ન જાણતો થકો જ્ઞાતા જ રહે છે. અજ્ઞાની જીવ રાગમાં એકત્વપણે વર્તતો થકો
તેનો કર્તા થાય છે, તે જ્ઞાતા રહી શકતો નથી; કેમકે–

PDF/HTML Page 9 of 19
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૧૯૪
करे करम सोही करतारा, जो जाने सो जाननहारा;
जाने सो करता नहि होइ, करे सो जाने नहीं कोइ।
ભગવાન કહે છે: અરે જીવ! તારા જ્ઞાનસ્વભાવની વાત એક વાર સાંભળ તો ખરો!
ધર્માત્મા જાણે છે કે હું ગમે ત્યાં હોઉં પણ ‘હું તો શુદ્ધ ચિદ્રૂપ છું–‘शुद्धचिद्रूपोऽहं;’ શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ સિવાય બીજું કાંઈ પણ મારું નથી. જેમ લીંડીપીપરના એકેક દાણામાં ચોસઠપોરી
પરિપૂર્ણ તીખાસની તાકાત છે, તેમ દરેક આત્મામાં પરિપૂર્ણ સર્વજ્ઞતાની તાકાત છે, તેને
ઓળખીને તેમાં એકાગ્રતાવડે સર્વજ્ઞતા ને પૂર્ણાનંદ પ્રગટે છે. સર્વજ્ઞતા કે પૂર્ણાનંદ ક્યાંય
બહારથી કે રાગમાં એકાગ્રતાથી પ્રગટતા નથી. મારા સ્વભાવમાં જ પૂર્ણાનંદને સર્વજ્ઞતા
પ્રગટવાની તાકાત છે–એવા અંતર્વિશ્વાસથી સમ્યગ્દર્શન પ્રગટ કરતાં જ અનંતભવનું મૂળ કપાઈ
જાય છે; જેમ ઝાડનું મૂળ કપાઈ ગયા પછી ડાળ–પાન લાંબો વખત રહેતા નથી પણ અલ્પકાળમાં
જ સુકાઈ જાય છે, તેમ સમ્યગ્દર્શન થતાં જ્યાં સંસારનું મૂળ છેદાઈ ગયું ત્યાં ધર્મીને લાંબો સંસાર
રહેતો નથી; તે અલ્પકાળમાં મુક્તિ પામે છે. આવું સમ્યગ્દર્શન દરેક જીવે કરવા જેવું છે.
જ્ઞાન દીવડા
જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મામાં જેણે પ્રકાશ
કર્યો...જ્ઞાનના દીવડાથી આત્માને પ્રકાશિત કર્યો તે
જીવ ખરેખર ‘ધર્મ–દીવાકર’ છે...તે જ ‘જ્ઞાનદીવાકર’
છે; તેને આત્માના અસંખ્ય પ્રદેશે જ્ઞાનદીવડા પ્રગટી
ગયા છે ને અજ્ઞાન–અંધકારનો નાશ થઈ ગયો છે.
હજી તો જેને જ્ઞાનપ્રકાશી આત્માનું ભાન પણ નથી,
આત્મામાં જ્ઞાનદીવડો પ્રગટાવ્યો નથી ને અજ્ઞાનનું
અંધારું ટાળ્‌યું નથી તે ‘ધર્મદીવાકર’ શેનો?
ચિદાનંદતત્ત્વમાં સમ્યક્શ્રદ્ધાની ચીનગારીવડે જેમણે
અતીન્દ્રિય જ્ઞાનથી ઝગમગતા દીવડા પ્રગટાવ્યા
એવા ધર્માત્મા જ ખરેખરા ધર્મદીવાકર છે.

PDF/HTML Page 10 of 19
single page version

background image
માગશર : ૨૪૮૬ : ૯ :
પોતાના અંતરમાં અપૂર્વ અતીન્દ્રિય શાંતરસનો અનુભવ કરીને સંત–
ધર્માત્મા આમંત્રણ આપે છે: કોને આમંત્રણ આપે છે? આખા જગતને
આમંત્રણ આપે છે: શેનું આમંત્રણ આપે છે? શાંતરસનો સ્વાદ લેવાનું.
પોતાના અંતરમાં શાંતરસનો સમુદ્ર ઉલ્લસી રહ્યો છે તેના અનુભવપૂર્વક
ધર્માત્મા–સંત જગતના બધા જીવોને આમંત્રણ આપે છે કે હે જગતના
જીવો! આવો...આવો...અહીં ભગવાન જ્ઞાનસમુદ્રમાં શાંતરસ ઊછળી રહ્યો
છે...તેમાં મગ્ન થઈને તેનો અનુભવ કરો. દૂધપાક–જાંબુ વગેરેનો રસ તે તો
જડ છે, તેના અનુભવમાં તો અશાંતિ છે, ને તે તો અનંતવાર ભોગવાઈ
ગયેલી એઠ છે...માટે એવા જડના સ્વાદની રુચિ છોડો...ને આ ચૈતન્યના
શાંતરસને આસ્વાદો. આ શાંતરસનો દરિયો એટલો બધો ઊછળ્‌યો છે કે
આખા લોકને પોતામાં ડુબાડી દ્યે...માટે જગતના બધાય જીવો એકસાથે
આવીને આ શાંતરસમાં નિમગ્ન થાઓ...બધાય જીવો આવો...કોઈ બાકી
રહેશો નહીં–આમ આખા જગતને આમંત્રણ આપીને ખરેખર તો ધર્માત્મા
પોતાની શાંતરસમાં લીન થવાની ભાવનાને મલાવે છે.
मज्जतु निर्भरममी सममेव लोका
आलोकमुच्छलति शांतरसे समस्ताः।
आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण
प्रोन्मग्न एष भगवान अवबोधसिंधुः ।।३२।।

આચાર્ય ભગવાને મોક્ષમાર્ગ ખુલ્લો કરીને સમજાવ્યો...શાંતરસનો સમુદ્ર દેખાડ્યો...તે સમજીને
ચૈતન્યના શાંતરસના સમુદ્રમાં નિમગ્ન થયેલો શિષ્ય પોતાનો પ્રમોદ પ્રસિદ્ધ કરતાં કહે છે કે: અહો! આ
જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી દૂર કરીને પોતે સર્વાંગ પ્રગટ થયો છે;
તેથી હવે સમસ્ત લોક તેના શાંતરસમાં એકીસાથે જ મગ્ન થાઓ. આ શાંતરસ આખા લોકપર્યંત
ઊછળી રહ્યો છે.

PDF/HTML Page 11 of 19
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૧૯૪
જુઓ, આ આમંત્રણ! શાંતરસમાં નિમગ્ન થવાનું આમંત્રણ કોણ ન સ્વીકારે? ચૈતન્યના
અસંખ્યપ્રદેશે શાંતરસનો સમુદ્ર ઊછળી રહ્યો છે તે આચાર્યભગવાને દેખાડયો...તેમાં કોણ ડુબકી ન
મારે? અહીં તો કહે છે કે આખું જગત આવીને આ શાંતરસમાં ડુબકી મારો.
અહાહા! આવો ભગવાન આત્માનો શાંતરસ!–એમ ભગવાન આત્માનો અદ્ભુત સ્વભાવ
દેખીને ધર્માત્માનો ભાવ ઊછળી ગયો છે કે અહો! આત્માનો આવો શાંતરસ બધાય જીવો પામો. બધા
જીવો આવો! ધગધગતા અંગારા જેવા વિકારમાંથી બહાર નીકળીને આ શાંતરસમાં મગ્ન
થાઓ...અત્યંત મગ્ન થાઓ...જરાય બાકી રાખશો નહીં. આ શાંતરસ થોડો નથી પણ આખા લોકમાં
ઊછળી રહ્યો છે...શાંતરસનો અપાર સમુદ્ર ભર્યો છે. તેમાં લીન થવા માટે ઢંઢેરો પીટીને આખા જગતને
આમંત્રણ છે.
પોતાના ભાવમાં જે રુચ્યું તેનું બીજાને પણ આમંત્રણ આપે છે. કેટલાક શ્રાવકો સાધર્મીને
જમાડે છે, તેમાં કેટલાકના એવા ભાવ હોય છે કે કોઈ પણ સાધર્મી રહી જવો ન જોઈએ...કારણ કે
આટલા બધામાંથી કોઈ જીવ એવો રૂડો હોય કે ભવિષ્યનો તીર્થંકર થનાર હોય, કોઈ કેવળી થનાર
હોય, કોઈ અલ્પકાળમાં મુક્ત થનાર હોય, તો એવા ધર્માત્માને પેટે મારો કોળીયો જાય તો મારો ધન્ય
અવતાર! કોણ ભવિષ્યમાં તીર્થંકર થનાર છે, કોણ અલ્પકાળમાં મુક્તિમાં જનાર છે, તેની ભલે ખબર
ન હોય પણ જમાડનારનો ભાવ એવો છે કે અલ્પકાળમાં મુક્તિ જનાર કોઈ ધર્માત્મા રહી જવો ન
જોઈએ.–એનો અર્થ એમ છે કે જમાડનારને ધર્મનો અને મુક્તિનો પ્રેમ છે; જમાડનારના ભાવ જો
આત્મભાવનાપૂર્વક યથાર્થ હોય તો પોતાને અલ્પકાળમાં મુક્તિ લેવાના ભાવ છે, તેથી બીજા
ધર્માત્માઓ પ્રત્યે ભાવ ઊછળી જાય છે.
અહીં જેણે ચૈતન્યના શાંતરસનો સ્વાદ ચાખ્યો છે એવા સંત–ધર્માત્મા આખા જગતને સાગમટે
આમંત્રણ આપે છે, આ શાંતરસનો સ્વાદ ચાખ્યા વગર કોઈ જીવ રહી જવો ન જોઈએ, આખું જગત
એકસાથે આવીને આ શાંતરસને આસ્વાદો...તેમાં નિમગ્ન થાઓ.–આમાં ખરેખર તો પોતાને જ ભગવાન
આત્માના શાંતરસમાં ડુબી જવાની તીવ્રભાવના ઉપડી છે. અહો! સમયસારની એકેક ગાથામાં
આચાર્યદેવે અદ્ભુત રચના કરી છે, અલૌકિક ભાવો ભર્યા છે; શું કહીએ! જેને સમજાય તેને ખબર પડે.
દેહરૂપી ખોળિયામાં પ્રભુચૈતન્ય બાલભાવે સુતો છે પ્રવચનમાતા ચૈતન્યના હાલરડાં ગાઈને તેને
જગાડે છે. લૌકિકમાતા તો બાળકને ઊંઘાડવા માટે હાલરડાં ગાય છે; અને આ પ્રવચનમાતા તો, શરીર
અને રાગને પોતાનું સ્વરૂપ માનીને સુતેલા બાલજીવોને જગાડવા માટે હાલરડાં ગાય છે: અરે જીવ! તું
જાગ. જડથી ને રાગથી જુદો પડીને તારા ચૈતન્યના શાંતરસનું પાન કર...શાંતરસમાં નિમગ્ન થા.
જેમ મોરલીના મધુર નાદે સર્પ ઝેરને ભૂલી જાય છે ને મોરલીના નાદમાં એકાગ્ર થઈને ડોલી
ઊઠે છે; તેમ આ સમયસારની વાણીરૂપ આચાર્યદેવની મધુર મોરલીના નાદે કયો આત્મા ન ડોલે?
ચૈતન્યના શાંતરસના રણકાર સાંભળીને કયા જીવનું ઝેર(–મિથ્યાત્વ) ન ઊતરી જાય? ને કોણ ન
જાગે? બધાય જાગે...બધાય ડોલે. અહા! આત્માની અદ્ભુત વાત સાંભળતાં અસંખ્યપ્રદેશે
ઝણઝણાટથી આત્માર્થી જીવ ડોલી ઊઠે છે ને ચૈતન્યના શાંતરસમાં મગ્ન થાય છે.
જુઓ, આ ચૈતન્યરાજાને પ્રસન્ન કરવાનું ભેટણું! આવી અંર્તપરિણતિરૂપી ભેટણું આપ્યા વગર
આત્મરાજા કોઈ રીતે રીઝે એવો નથી. પરિણતિને અંતરમાં અકાગ્ર કરતાં ચૈતન્યના અસંખ્યપ્રદેશે
શાંતરસનો સમુદ્ર ઉલ્લસે છે, તે શાંતરસમાં નિમગ્ન થવા માટે આખા જગતના જીવોને આમંત્રણ છે:
બધા આવો..બધા આવો! મને આવો શાંતરસ પ્રગટયો અને જગતનો કોઈ જીવ રહી જવો ન જોઈએ.
સમયસાર–કલશ ૩૨ ઉપરનાં પ્રવચનોમાંથી.

PDF/HTML Page 12 of 19
single page version

background image
માગશર : ૨૪૮૬ : ૧૧ :
બંધનથી છૂટકારાનો ઉપાય બતાવીને
આચાર્યદેવ શિષ્યની જિજ્ઞાસા તુપ્ત કરે છે.
(શ્રી સમયસાર ગા. ૬૯ થી ૭૨ ઊપરનાં પ્રવચનોનું દોહન : ગતાંકથી ચાલુ)
ભાઈ! આવા ટાણાં મળ્‌યા, હવે તો તારા સ્વભાવને લક્ષમાં લે.
પરભાવોના પ્રેમમાં તેં તારા આત્માની દરકાર કદી ન કરી. એક વાર
સ્વભાવને જરાક લક્ષમાં લેતાં જ તને એમ થશે કે ‘અહો! આ જ મારે
આદરણીય છે...આ સ્વભાવની દરકાર વિના અત્યારસુધીનો કાળ મેં વ્યર્થ
ગુમાવ્યો.’
ન સમજાય ત્યાંસુધી આ જ પ્રયત્ન કર્યા કરવો. ‘જીવનમાં આ જ
એક કરવા જેવું છે’ એમ બહુમાનપૂર્વક તેનો જ પ્રયત્ન કર્યા કરવો. આ
ભેદજ્ઞાન સિવાય બીજો તો કોઈ હિતનો ઉપાય નથી. એકવાર જેને ભેદજ્ઞાન
થયું તેને તે મોક્ષપદ પમાડશે.
(૮૧) ભેદજ્ઞાન શું ને અજ્ઞાન શું તેની આ વાત છે. જ્ઞાન અને રાગને ભિન્ન ઓળખીને
જ્ઞાનમાં વર્તવું તે ભેદજ્ઞાન છે; અને જ્ઞાન ને રાગની ભિન્નતા ન ઓળખતાં તેમને એકમેક માનીને
રાગમાં વર્તવું તે અજ્ઞાન છે. ભેદજ્ઞાન તો મોક્ષનું મૂળ છે, ને અજ્ઞાન તે સંસારનું મૂળ છે.
(૮૨) ભેદજ્ઞાનમાં જ્ઞાનસ્વરૂપનો આદર છે, અજ્ઞાનમાં રાગનો આદર છે. જ્ઞાનસ્વરૂપ આત્માનો
જ્યાં આદર છે ત્યાં પુણ્ય–પાપનો આદર નથી. જ્ઞાનસ્વરૂપનો આદર છોડીને જે વિકારનો આદર કરે છે
ને વિકારના કર્તાપણે પ્રવર્તે છે તેને તે વિકારની પ્રવૃત્તિમાં જ્ઞાનરૂપ પરિણમન નથી થતું, પણ અજ્ઞાન
થાય છે. આ રીતે અજ્ઞાનમય એવી ક્રોધાદિ પ્રવૃત્તિને અને જ્ઞાનસ્વરૂપ આત્માને ભિન્નતા છે. આવી
ભિન્નતાનું જ્યારે ભાન થાય છે ત્યારે જીવ જ્ઞાની થયો થકો ક્રોધાદિની પ્રવૃત્તિથી જુદો પડીને જ્ઞાનમાં જ
પ્રવર્તે છે; અને ત્યારે તેને બંધન થતું નથી. આ રીતે બંધનથી છૂટવાની વિધિ ભેદજ્ઞાન જ છે.
(૮૩) જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જ્યારે જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમ્યો,
ત્યારે તેણે રત્નત્રયધર્મની ઉપાસના કરી એટલે તેને તો ‘પર્યુષણ’ જ છે. પર્યુષણ અર્થાત્ આરાધના
અમુક જ દિવસોમાં થાય ને બીજા દિવસોમાં ન થાય એમ નથી. જે ક્ષણે જીવ ચૈતન્યસ્વભાવની સન્મુખ
થઈને તેની ઉપાસના–આરાધના કરે તે ક્ષણ તેને માટે પર્યુષણ જ છે.
(૮૪) કેટલાક લોકો તો મૂળ આરાધનાને ભૂલીને પર્યુષણના દિવસની તકરારમાં પડયા છે.
અરે, જેની ઉપાસના કરવાની છે તેનું તો ભાન નથી તો પર્યુષણ કોનાં?–આરાધના કોની? સ્વભાવને
બદલે વિભાવની આરાધના (આદર) કરે તો તો તેમાં ધર્મની વિરાધના થાય છે. ભલે પર્યુષણના
દિવસો હોય,–પણ જેને ભેદજ્ઞાન નથી, આત્માનો સ્વભાવ અને ક્રોધાદિની ભિન્નતાનું ભાન નથી ને
વિકારના કર્તૃત્વમાં જ વર્તે છે, તેને તો તે દિવસો પણ વિરાધનાના જ છે. પણ લોકો અંદરની મૂળ
વસ્તુને ભૂલીને બહારના દિવસોને જ વળગ્યા!
(૮પ) અહીં ભેદજ્ઞાનધર્મની અપૂર્વ વાત આચાર્યદેવ સમજાવે છે. જેણે આવું ભેદજ્ઞાન પ્રગટ
કર્યું તે જીવ નિરંતર ચૈતન્યસ્વભાવની આરાધનારૂપે જ પરિણમતો હોવાથી તેને તો સદાય ‘પર્યુષણ’
જ છે,–ધર્મની ઉપાસના તેના આત્મામાં સદાય વર્ત્યા જ કરે છે.

PDF/HTML Page 13 of 19
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૧૯૪
(૮૬) પહેલાં વસ્તુની સાચી ભૂમિકા સમજવી જોઈએ. ધર્મની કઈ ભૂમિકા છે, ને અધર્મની
કઈ ભૂમિકા છે? આત્માને ક્રોધાદિ સાથે એકત્વ પ્રવૃત્તિરૂપ જે અજ્ઞાન છે તે જ અધર્મની ભૂમિકા છે,–તે
જ સંસારનું મૂળ છે. અને, આત્મા અને ક્રોધાદિનું ભેદજ્ઞાન કરવું તે જ ધર્મની ભૂમિકા છે,–તે
ભેદજ્ઞાનરૂપી ભૂમિકા વગર ધર્મનું ઝાડ ઊગી શકતું નથી.
(૮૭) અરે જીવ! પરભાવોના પ્રેમમાં તેં તારા સ્વભાવની દરકાર કદી ન કરી...ભાઈ! આવા
ટાણાં મળ્‌યા...હવે તો તારા સ્વભાવને લક્ષમાં લે. એકવાર સ્વભાવને જરાક લક્ષમાં લેતાં જ તને એમ
થશે કે અહો! આ જ મારે આદરણીય છે...આ સ્વભાવની દરકાર વિના અત્યારસુધીનો કાળ મેં વ્યર્થ
ગુમાવ્યો...હવે તો મારે આ જ કરવા જેવું છે.
(૮૮) આત્મા જ્ઞાનસ્વભાવી છે. જ્ઞાનસ્વભાવ તરફના જેટલા પરિણામ છે તે જ્ઞાન જ છે; તે
ક્રોધાદિથી ભિન્ન છે. અને ક્રોધાદિના કર્તૃત્વવાળા જે પરિણામ છે તે ક્રોધાદિ જ છે, તે જ્ઞાનથી ભિન્ન છે.–
આમ બંનેની ભિન્નતા છે. તેમાંથી જે જ્ઞાનમાં પ્રવર્તે છે તે તો જ્ઞાની છે, ને જે ક્રોધાદિમાં પ્રવર્તે છે તે
અજ્ઞાની છે. અજ્ઞાનથી થયેલી કોધાદિની પ્રવૃત્તિ અનાદિથી ચાલી આવે છે,–પણ ભેદજ્ઞાનવડે
જ્ઞાનસ્વભાવમાં પ્રવૃત્તિ થતાં જ, અજ્ઞાનથી થયેલી તે ક્રોધાદિની પ્રવૃત્તિનો નાશ થઈ જાય છે ને તેનો
નાશ થતાં બંધન પણ છૂટી જાય છે.
–આ રીતે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.ાા ૭૧ાા
(૮૯) જુઓ, ભેદજ્ઞાન માટે તૈયાર થયેલા શિષ્યને આચાર્યદેવ આ વાત સમજાવે છે. શિષ્ય
ધીરો થઈને જિજ્ઞાસાથી આ વાત સમજે છે. આચાર્યદેવે એમ સમજાવ્યું કે આત્મા અને આસ્રવોના
ભેદજ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે. તે સાંભળીને જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે પ્રભો! જ્ઞાનમાત્રથી
જ બંધનો નિરોધ કઈ રીતે થાય છે? જ્ઞાનના બહુમાનપૂર્વક શિષ્ય પૂછે છે કે અહો ! આ જ્ઞાન કેવું...કે
જેનાથી બંધનો નિરોધ થઈ જાય છે! જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થઈ જાય–એ કઈ રીતે? તેના
ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે–
અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨
આસ્રવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખનાં કારણ છે એમ જાણીને જીવ
તેમનાથી નિવૃત્તિ કરે છે.
(૯૦) ભગવાન ચૈતન્યમૂર્તિ આત્માનો સ્વભાવ તો પવિત્ર છે–નિર્મળ છે, જ્ઞાનમય છે, સુખથી
ભરેલો છે, અને આસ્રવો કેવા છે?–તેઓ તો અશુચિરૂપ છે–મલિન છે, જ્ઞાનથી વિપરીત છે અને
દુઃખમય છે.–આમ બંનેના ભિન્નભિન્ન સ્વભાવને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાન, આસ્રવોથી પાછું વળીને
આત્મસ્વભાવ તરફ ઝૂકી જાય છે, દુઃખના કારણરૂપ આસ્રવોથી પાછું વળીને સ્વભાવના સહજસુખમાં
નિમગ્ન થાય છે: આ રીતે તે જ્ઞાન સ્વયં આસ્રવોથી નિવર્તેલું હોવાથી, જ્ઞાનમાત્રથી જ બંધન અટકી
જાય છે. આવા જ્ઞાન સિવાય બીજી કોઈ વિધિથી બંધન અટકતું નથી. ‘જ્ઞાનમાત્ર’ કહેતાં જ્ઞાન સાથેના
સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર વગેરે તો તેમાં ભેગાં જ છે; ‘જ્ઞાનમાત્ર’માં જ્ઞાનથી વિરુદ્ધ ભાવોનો નિષેધ
છે પણ જ્ઞાન સાથેના અવિરુદ્ધભાવો (શ્રદ્ધા–ચારિત્ર વગેરે) નો નિષેધ નથી.
(૯૧) જુઓ ભાઈ! શ્રવણમાં–વિચારમાં–મનનમાં ને અંતરના મંથનમાં ચારે બાજુથી આ જ
વાત નક્કી કરવી. ન સમજાય ત્યાંસુધી આ જ પ્રયત્ન કર્યા કરવો. ‘જીવનમાં આ જ એક કરવા જેવું
છે’ એમ બહુમાનપૂર્વક નિરંતર તેનો જ પ્રયત્ન કર્યા કરવો. કેમ કે આ સિવાય બીજો તો કોઈ હીતનો
ઉપાય નથી. જેને સંસારના દુઃખોથી આત્માનો છૂટકારો કરવો હોય તેણે આ સમજ્યે જ છૂટકો છે.
આનું બહુમાન કરનાર પણ બહુ ભાગ્યશાળી છે...ને જે સમજે તે તો ન્યાલ થઈ જશે, કેમકે જે ભેદજ્ઞાન
થયું તે સતત ચાલુ રહીને તેને મોક્ષપદ પમાડશે. (ચાલુ)

PDF/HTML Page 14 of 19
single page version

background image
માગશર : ૨૪૮૬ : ૧૩ :
–પરમ શાંતિ દાતારી–
અધ્યાત્મ ભાવના
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ
શ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
(‘આત્મધર્મ’ ની અધ્યાત્મરસ ભરપૂર સહેલી ચાલુ લેખમાળા)

૩૮મી ગાથામાં કહ્યું કે જેનું ચિત્ત ચૈતન્યમાં સ્થિર નથી તેને જ માન–અપમાનના વિકલ્પો
સતાવે છે; પરંતુ જેનું ચિત્ત ચૈતન્યમાં સ્થિર છે તેને માન–અપમાનના વિકલ્પો થતા નથી. હવે તે માન–
અપમાન સંબંધી વિકલ્પો કઈ રીતે દૂર કરવા? તે કહે છે–
यदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः।
तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ।।३९।।
માન–અપમાન સંબંધી રાગદ્વેષ થવાનો પ્રસંગ આવતાં, તે જ ક્ષણે બહારથી ચિત્તને પાછું
વાળીને અંતરમાં સ્વસ્થ આત્માને–શુદ્ધ આત્માને ભાવવો. શુદ્ધ આત્માની ભાવનાથી ક્ષણમાત્રમાં
રાગદ્વેષ શાંત થઈ જાય છે.
પહેલાં તો રાગાદિથી રહિત, ને પરથી રહિત શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ઓળખાણ કરવી
જોઈએ, પછી વિશેષ સમાધિની આ વાત છે. શુદ્ધ આત્માની ભાવના સિવાય રાગદ્વેષ ટાળવાનો ને
સમાધિ થવાનો બીજો કોઈ ઉપાય નથી. અંતર્મુખ થઈને ચૈતન્યને સ્પર્શતાં જ રાગાદિ અલોપ થઈ જાય
છે...ને ઉપશાંત રસની જ ધારા વહે છે. આનું નામ વીતરાગ સમાધિ છે.
(૨૪૮૨ જેઠ વદ ૧૧)
રાગ–દ્વેષ, ક્રોધ–માન–માયા–લોભની ઉત્પત્તિનું મૂળ કારણ અજ્ઞાન છે. જ્યાં મૂળમાં અજ્ઞાન
પડયું છે ત્યાં રાગ–દ્વેષાદિ વિભાવનું ઝાડ ફાલ્યા વિના રહેશે નહિ. ભેદવિજ્ઞાનવડે દેહ અને આત્માને
ભિન્ન ભિન્ન જાણીને આત્માની ભાવના કરવી તે જ રાગ–દ્વેષાદિ વિભાવોના નાશનો ઉપાય છે.
સમકિતીને રાગ–દ્વેષના કાળે પણ તેનાથી ભિન્ન ચૈતન્યનું ભેદજ્ઞાન તો સાથે વર્તી જ રહ્યું છે. તે
ભેદજ્ઞાન ઉપરાંત, અસ્થિરતાના રાગદ્વેષ ટાળવા માટે જ્ઞાની ચૈતન્યસ્વભાવનું ચિંતન કરે છે.
અરે! પહેલાં અંદરમાં આત્માની ખટક જાગવી જોઈએ કે મારા આત્માને કઈ રીતે શાંતિ થાય!!
મારા આત્માને કોણ શરણરૂપ છે!! સંતો કહે છે કે આ દેહ કે રાગ કોઈ તારું શરણ નથી. પ્રભો! અંદર
એક સમયમાં જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ભરેલો તારો આત્મા જ તને શરણ છે; તેને ઓળખ ભાઈ!
બે સગા ભાઈ હોય, બેય નરકમાં એક સાથે હોય, એક સમકિતી હોય ને બીજો મિથ્યાદ્રષ્ટિ
હોય! ત્યાં સમકિતીને તો નરકની ઘોર પ્રતિકૂળતામાં પણ ચૈતન્યના આનંદનું અંશે વેદન પણ સાથે
વર્તી રહ્યું છે. મિથ્યાદ્રષ્ટિ એકલા સંયોગોની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે...તેના ભાઈને પૂછે
છે કે ‘અરે ભાઈ! કોઈ

PDF/HTML Page 15 of 19
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૧૯૪
શરણ!! આ ઘોર દુઃખમાં કોઈ સહાયક!! કોઈ આ વેદનાથી છોડાવનાર!! હાય! આ અસહ્ય વેદનાથી
કોઈ બચાવનાર!! ’ ત્યાં સમકિતી ભાઈ કહે છે કે અરે બંધુ! કોઈ સહાયક નથી, અંદરમાં ભગવાન
ચૈતન્ય જ આનંદથી ભરેલો છે, તેની ભાવના જ આ દુઃખથી બચાવનાર છે, ચૈતન્ય ભાવના વિના
બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, બીજું કોઈ સહાયક નથી. આ દેહ ને આ પ્રતિકૂળ સંયોગો એ
બધાયથી પાર ચૈતન્યસ્વરૂપી આત્મા છે.–આવા ભેેદજ્ઞાનની ભાવના સિવાય જગતમાં બીજું કોઈ
દુઃખથી બચાવનાર નથી, કોઈ શરણ નથી. માટે ભાઈ! એક વાર સંયોગને ભૂલી જા...ને અંદર
ચૈતન્યતત્ત્વ આનંદસ્વરૂપ છે તેની સન્મુખ જો. તે એક જ શરણ છે. પૂર્વે આત્માની દરકાર કરી નહિ ને
પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ તેથી આ નરકમાં અવતાર થયો...હવેં તો આ જ સ્થિતિમાં હજારો
વર્ષનું આયુષ્ય પૂરું કર્યે જ છૂટકો...સંયોગ નહિ ફરે, તારું લક્ષ ફેરવી નાંખ...સંયોગથી આત્મા જુદો છે
તેના પર લક્ષ કર.
સંયોગમાં તારું દુઃખ નથી; તારા આનંદને ભૂલીને તેં જ મોહથી દુઃખ ઊભું કર્યું છે, માટે એક વાર
સંયોગને અને આત્માને ભિન્ન જાણીને, સંયોગની ભાવના છોડ ને ચૈતન્યની ભાવના કર. હું તો
જ્ઞાનમૂર્તિ–આનંદમૂર્તિ છું, આ સંયોગ અને આ દુઃખ બંનેથી મારો આત્મસ્વભાવ જુદો જ્ઞાન–આનંદની
મૂર્તિ છે–આવા આત્માનો નિર્ણય કરીને તેની ભાવના કરવી તે જ દુઃખના નાશનો ઉપાય છે. ચૈતન્યની
ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. “ જ્યાં દુઃખ કદી ન પ્રવેશી શકતું ત્યાં નિવાસ જ રાખીએ...”
ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં આનંદનું વેદન છે, તેમાં દુઃખનો પ્રવેશ નથી...એવા ચૈતન્યમાં એકાગ્ર
થઈને નિવાસ કરવો તે જ દુઃખથી છૂટકારાનો ઉપાય છે. કષાયોથી સંતપ્ત આત્માને પોતાના શુદ્ધસ્વરૂપનું
ચિંતન જ તેનાથી છૂટવાનો ઉપાય છે. માટે ‘જિનેન્દ્રબુદ્ધિ’ શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે હે અંતરાત્મા!
રાગદ્વેષાદિ વિભાવોની ઉત્પત્તિ અટકાવવા માટે સ્વસ્થ થઈને તારા શુદ્ધ આત્માની ભાવના કર...તેના
ચિંતનથી તારા વિભાવો ક્ષણમાત્રમાં શાંત થઈ જશે. અજ્ઞાની જીવોને સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પણ
ચૈતન્યની ભાવના કરવી એ જ ઉપાય છે.
જેમ ધોમ તડકાથી સંતપ્ત પ્રાણીઓ વૃક્ષની શીતળ છાયાનો આશ્રય લે છે, તેમ આ સંસારના ઘોર
સંતાપથી સંતપ્ત જીવોને ચિદાનંદસ્વભાવની શીતળ છાયા જ શરણરૂપ છે, તેના આશ્રયે જ શાંતિ થાય છે.
ધર્મી જાણે છે કે અહો! મારા ચૈતન્યવૃક્ષની છાયા એવી શાંત–શીતળ છે કે તેમાં મોહસૂર્યનાં સંતપ્ત
કિરણો પ્રવેશી શકતા નથી. માટે મોહજનિત વિભાવોના આતાપથી બચવા હું મારા શાંત–શીતળ–ઉપશાંત–
આનંદ ઝરતા ચૈતન્યતત્ત્વની છાયામાં જ જાઉં છું–ચૈતન્યસ્વભાવની જ ભાવના કરું છું.ાા ૩૯ાા
રાગ–દ્વેષના વિષયરૂપ જે શરીર તેનો પ્રેમ છોડીને, તેનાથી ભિન્ન એવા જ્ઞાયકશરીરી આત્મામાં પ્રેમ
જોડ, એમ હવે ઉપદેશ કરે છે–
यत्र काये मुनेः प्रेम ततः प्रच्याव्य देहिनम्।
बुद्ध्या तदुत्तमे काये योजयेत्प्रेम नश्यति।।४०।।
જે શરીર, શિષ્ય વગેરેમાં મુનિને જરાક પ્રેમ હોય તેનાથી ભેદજ્ઞાનની બુદ્ધિ વડે પોતાના આત્માને
ભિન્ન કરીને, જ્ઞાનાનંદસ્વરૂપ ઉત્તમ કાર્યમાં એટલે કે શુદ્ધ જીવાસ્તિકાયમાં પોતાનું ચિત્ત જોડે; આ રીતે
શુદ્ધાત્મસ્વરૂપમાં ચિત્ત જોડતાં તેનાથી બાહ્ય એવા શરીરાદિ પ્રત્યેનો સ્નેહ નષ્ટ થઈ જાય છે. ચૈતન્યના
આનંદમાં જેનું ચિત્ત લાગ્યું તેનું ચિત્ત જગતના કોઈ પણ વિષયોમાં લાગતું નથી. ચૈતન્યના અતીન્દ્રિય
આનંદરસ પાસે જગતના બધાય રસ તેને નીરસ લાગે છે; ચૈતન્યના ઉત્સાહ પાસે દેહાદિની ક્રિયા તરફનો
ઉત્સાહ ઊડી જાય છે. જ્યાં સુધી આ જીવને પોતાના નિજાનંદમય નિરાકુળ શાંત ઉપવનમાં ક્રીડા કરવાનો
અવસર નથી મળતો ત્યાંસુધી જ તે મળ–મૂત્ર અને માંસથી ભરેલા એવા આ અપવિત્ર શરીરમાં ને
ઈન્દ્રિયવિષયોમાં આસક્ત રહે છે;

PDF/HTML Page 16 of 19
single page version

background image
માગશર : ૨૪૮૬ : ૧પ
પરંતુ પુરુષાર્થના અપૂર્વ અવસરે જ્યારે તે સમ્યગ્દર્શન પામે છે અને તેનું વિવેકજ્ઞાન જાગૃત થાય છે
ત્યારે તે પોતાના ઉપશાંત ચૈતન્ય–ઉપવનમાં નિજાનંદમય સુધારસનું પાન કરવા લાગે છે, અને બાહ્ય
ઈન્દ્રિયવિષયોને અત્યંત નીરસ, પરાધીન અને હેય સમજીને તેમનાથી અત્યંત ઉદાસીન થઈ જાય છે.
વારંવાર ચૈતન્યના અનુભવમાં ઉપયોગ જોડતાં, બાહ્ય પદાર્થો પ્રત્યેનો પ્રેમ સર્વથા છૂટીને તે વીતરાગ
થઈ જાય છે, ને પછી પૂર્ણ પરમાનંદ પ્રગટ કરીને પરમાત્મા થઈ જાય છે. માટે કહે છે કે હે મુમુક્ષુ! તું
તારા ચિત્તના ઉપયોગને વારંવાર તારા ચૈતન્યસ્વરૂપમાં જોડ.
જુઓ, ભાવલિંગી સંતમુનિને સમાધિમરણનો અવસર હોય, આસપાસ બીજા મુનિઓ બેઠા
હોય...ત્યાં તે મુનિને કોઈવાર તૃષાથી કદાચ પાણી પીવાની જરાક વૃત્તિ ઊઠી જાય ને પાણી
માંગે...કે...‘પાણી!’ ત્યાં બીજા મુનિઓ તેને વાત્સલ્યથી સંબોધે છે કે અરે મુનિ!! અંતરમાં નિર્વિકલ્પ
રસના પાણી પીઓ! અંતરમાં અતીન્દ્રિય આનંદના સાગરમાંથી આનંદના અમૃત પીઓ...ને આ
પાણીની વૃત્તિ છોડો...અત્યારે સમાધિનો અવસર છે...અનંતવાર દરિયા ભરાય એટલા જળ
પીધાં...છતાં તૃષા ન છીપી...માટે એ પાણીને ભૂલી જાઓ...ને અંતરના નિર્વિકલ્પ અમૃતનું પાન
કરો...નિર્વિકલ્પ આનંદમાં લીન થાઓ...
निर्विकल्पसमुत्पन्नं ज्ञानमेव सुधारसम्।
विवेकमंजुलिं कृत्वा तत् पिबंति तपस्वीनः।।
તે મુનિ પણ તરત પાણીની વૃત્તિ તોડીને નિર્વિકલ્પ થઈને અતીન્દ્રિય આનંદના અમૃતને પીએ
છે...ને એ રીતે અખંડ આરાધનાપૂર્વક સમાધિથી દેહ છોડે છે.
જિનવરનો માર્ગ
* જિનવરનો માર્ગ શું છે?
નિજ આત્મામાં રત થવું તે જિનવરનો માર્ગ છે.
* જિનવરના માર્ગને પામીને પંડિત શું કરે છે?
પંડિત એટલે ભેદજ્ઞાની–ધર્માત્મા, તે જિનવરના માર્ગને
પામીને નિજ આત્મામાં રત થાય છે.
* જે જીવ રાગમાં રત થાય છે અર્થાત્ રાગથી લાભ
માને છે તે જીવ જિનમાર્ગને પામ્યો નથી; નિજ
આત્મામાં જે રત થાય છે તે જ જિનમાર્ગને પામ્યો છે,
ને તે જ મોક્ષને પામે છે. નિજ આત્મામાં રત થયા
સિવાય બીજો કોઈ જિનમાર્ગ કે મોક્ષમાર્ગ નથી.
* નિજ આત્મામાં રત થઈને શુદ્ધ રત્નત્રય પ્રગટ કરવાં
તે જ જિનમાર્ગમાં કર્તવ્ય છે, રાગાદિ ભાવો તે
જિનમાર્ગમાં કર્તવ્ય નથી.
(–નિયમસાર કલશ ૯ ના પ્રવચનમાંથી.)

PDF/HTML Page 17 of 19
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૧૯૪
શુદ્ધોપયોગી જીવની પરિણતિ
જે જીવ શુદ્ધોપયોગી છે, અંતર્મુખ થઈને આત્માનું અવલોકન કરનાર છે, તેની પરિણતિનું
વર્ણન કરતાં આચાર્યદેવ કહે છે કે તે જીવ માધ્યસ્થને ભાવીને એટલે કે રાગ–દ્વેષરહિત થઈને, સમસ્ત
કર્મથી અત્યંત ભિન્ન અને નિર્મળ ગુણોના ધામ એવા આતમરામને ધ્યાવે છે. તેની આ
નિર્વિકારપરિણતિ સમસ્ત કર્મોને છેદી નાંખવા સમર્થ છે.
આવી પરિણતિવાળો શુદ્ધોપયોગી જીવ કેવો છે?–‘રાજહંસ’ છે...સમ્યગ્દર્શનાદિ અનેક ગુણરૂપી
ખીલેલાં કમળોથી શોભતું જે ચૈતન્યસરોવર તેમાં તે રાજહંસ કેલિ કરે છે...કર્મકલંકરૂપી કાદવને તે
રાજહંસ ગ્રહણ કરતો નથી.
અહા! પરિણતિ અંતરમાં મગ્ન થઈ અને શુદ્ધભાવરૂપી અમૃતનો સમુદ્ર જ્યાં ઊછળ્‌યો ત્યાં
પાપકલંક તેમાં કેમ રહી શકે? શુદ્ધોપયોગી રાજહંસને જે અમૃતઆનંદનો સાગર ઊછળ્‌યો છે તે સમસ્ત
કર્મકલંકને ધોઈ નાંખે છે; અને તેને પ્રગટેલી જ્ઞાનજ્યોતિનો પ્રકાશ સમસ્ત અંધકારને દૂર કરે છે.
જુઓ, આ શુદ્ધોપયોગી જીવની દશાનું વર્ણન! એક કોર આનંદનો સમુદ્ર ઉલ્લસ્યો છે...એક કોર
જ્ઞાન–સૂર્ય ઝળહળી રહ્યો છે...ને એકકોર ચૈતન્યસરોવરમાં સમ્યગ્દર્શન વગેરે કમળો ખીલી ઊઠયાં છે!–
આ બધું ધર્મીની પરિણતિમાં સમાય છે. તેની પરિણતિ શાંત–શાંત થઈ ગઈ છે.–આવી પરિણતિ તે
મુમુક્ષુનો માર્ગ છે...મુમુક્ષુ જીવો શુદ્ધોપયોગવડે આવી પરિણતિ કરી કરીને જ મોક્ષમાં ગયા
છે...ને...મુનિરાજ કહે છે કે હું પણ એ જ મુમુક્ષુમાર્ગે જાઉં છું. ખરેખર મુનિના અંતરમાં આવી પરિણતિ
વર્તી જ રહી છે...આવી પરિણતિવડે તેઓ મોક્ષના માર્ગે ચાલ્યા જાય છે.
અરે, આ શરીર તો ભવની મૂર્તિ છે, અસ્થિર છે. આ પુદ્ગલમય શરીર મારું નથી, હું તો
જ્ઞાનશરીરી છું, જ્ઞાન જ મારું શરીર છે, તે સ્થિર છે. તેથી હું પુદ્ગલમય દેહનો આશ્રય છોડીને, મોક્ષને
સાધવા માટે મારા જ્ઞાનશરીરનો આશ્રય કરું છું.–આમ ધર્મી જીવ પોતાની પરિણતિને જ્ઞાનસ્વભાવમાં
એકાગ્ર કરીને આતમરામને ધ્યાવે છે...ને પરમ આનંદનો અનુભવ કરતા કરતા મોક્ષને સાધીને
અશરીરી થાય છે.
–આ રીતે અંતર્મુખ થઈને, શુભ–અશુભથી રહિત એવા શુદ્ધ ચૈતન્યની ભાવના તે
અનાદિના ભવરોગને મટાડવાનું ઉત્તમ ઔષધ છે. “ઔષધ વિચાર...ધ્યાન”–શુદ્ધચૈતન્યસ્વરૂપને
વિચાર–મનનવડે જાણીને, તેનાં ધ્યાનમાં એકાગ્ર થતાં અનાદિનો ભવરોગ ક્ષણમાત્રમાં દૂર થઈ
જાય છે. ચૈતન્યના ધ્યાનરૂપી આ અમોઘ ઔષધ કદી નિષ્ફળ જતું નથી. માટે, શ્રી ગુરુનાં વચન
પામીને હે જીવ! તું આવી શુદ્ધપરિણતિવાળો થા...શુદ્ધ પરિણતિવાળો થઈને ચૈતન્યના ધ્યાનવડે
શુદ્ધોપયોગી થા. તારા શુદ્ધોપયોગમાં પરમ ચૈતન્યતત્ત્વ આનંદસહિત સ્ફૂરાયમાન થશે...ને તે તને
મુક્તિ આપશે. મુનિઓના મનમાં પણ આ શુદ્ધતત્ત્વ વસેલું છે...વિષયસુખમાં રત જીવો ભલે આ
સુખસમુદ્રને ન દેખે...પણ ધર્માત્મા તો વિષયોથી વિમુખ થઈને, અંતર પરિણતિવડે પરમ
સુખસમુદ્રમાં મગ્ન થાય છે. જગતના કોઈ પણ વિષયમાં જે સુખનો અંશ પણ નથી એવું પરમસુખ
શુદ્ધોપયોગી જીવો ચૈતન્યના ધ્યાનમાં અનુભવે છે...પરમસુખના સાક્ષાત્ સમુદ્રમાં તેમની પરિણતિ
લીન થાય છે.
અહા, જુઓ તો ખરા...આ ધર્માત્માની પરિણતિ! આને ઓળખે તોય અંતરમાં ભેદજ્ઞાન થઈ
જાય છે તેવું છે. આવી શુદ્ધપરિણતિવાળો આત્મા જયવંત વર્તે છે...તેને હું પ્રતિદિન ભાવું છું.
(–નિયમસાર ગા. ૧૧૧ તથા તેની ઉપરના ૯ શ્લોકના પ્રવચનમાંથી.)

PDF/HTML Page 18 of 19
single page version

background image
વૈરાગ્ય સમાચાર
પોરબંદરના શેઠશ્રી ભૂરાલાલ ભુદરજી કારતક વદ એકમના
રોજ ૬પ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા પાંચેક માસથી
પક્ષઘાતને લીધે તેઓ પથારીવશ હતા. સં. ૨૦૧૦માં પોરબંદરમાં
પંચકલ્યાણકમહોત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવના સમાગમથી તેઓ દિ.
જૈનધર્મ પ્રત્યે આકર્ષાયા હતા અને ઉત્સવમાં તેમણે પ્રેમપૂર્વક ભાગ
લીધો હતો. તેમાં પણ પ્રતિષ્ઠા વખતે તેઓએ જ્યારે
જિનેન્દ્રપ્રતિમાને પોતાના શિર પર ચઢાવીને મંદિરમાં બિરાજમાન
કર્યા ત્યારે ભગવાન પ્રત્યેનો તેમનો ભક્તિભાવ દેખીને સૌને
પ્રસન્નતા થતી હતી. ત્યારપછી તેઓ અવારનવાર સોનગઢ આવીને
લાભ લેતા. શિખરજી યાત્રા અને દક્ષિણયાત્રા બંનેમાં તેઓએ
ઉત્સાહથી ભાગ લીધો હતો. અને શિખરજીયાત્રાના ફંડમાં તેમણે
ઉત્સાહપૂર્વક રૂા. ૧૦,૦૦૦) આપ્યા હતા. તેઓ ઉદાર અને ઉત્સાહી
હતા. પોતાના વિશાળ કુટુંબમાં પણ તેઓ ધાર્મિક સંસ્કાર સિંચતા
ગયા છે. તેમની માંદગી દરમિયાન પૂ. ગુરુદેવ અનેકવાર તેમને યાદ
કરતા અને દેહનું અકર્તાપણું સમજાવવા તેમનું દ્રષ્ટાંત આપતા.
સં. ૨૦૧૪માં તેમના ખાસ આગ્રહથી પૂ. ગુરુદેવ પોરબંદર
પધાર્યા, ત્યારે તે સંબંધી બધું ખર્ચ તેમણે આપેલું. તેમના સ્વર્ગવાસથી
પોરબંદરને તેમજ આખા સૌરાષ્ટ્રનાં દિ. જૈનસંઘને એક સારા
આગેવાનની ખોટ પડી છે. તેમનું આખું કુટુંબ ધાર્મિક પ્રેમ ધરાવે છે.
તેઓ પોતાના કુટુંબને માટે ધાર્મિકપ્રેમનો જે વિશિષ્ટ વારસો સોંપીને
ગયા છે તે વારસો સંભાળીને તેમના કુટુંબીજનો તેમાં વૃદ્ધિ કરે અને
તેમણે પોતાના કુટુંબમાં વાવેલા ધર્મપ્રેમનાં બીજ ફૂલે–ફળે એવી આશા
રાખીએ છીએ. શ્રી ભૂરાલાલભાઈનો આત્મા સત્દેવગુરુધર્મની
ઉપાસનામાં આગળ વધીને આત્મહિત સાધે...એ જ ભાવના.
હવે બસ!
હે આત્મા! હવે બસ!! નર્કનાં અનંત દુઃખો, જે સાંભળતાં પણ
હૃદયમાં કંપારી ઊઠે એવા દુઃખો અનંતકાળમાં અનંતવાર તેં સહન કર્યા...પણ
હજી સુધી સુખ કે શાંતિનો એક અંશ પણ તેં અનુભવ્યો નથી...કેમકે તારા
સ્વરૂપનું સાચું ભાન એક ક્ષણ પણ કદી તેં નથી કર્યું. અજ્ઞાનનું સેવન
કરીકરીને તારા આત્માને તેં દુઃખમાં જ ધકેલ્યો છે...હે આત્મા! હવે બસ કર!
બસ કર! આ ઉત્તમ મનુષ્યભવમાં અનંત કાળના અનંતદુઃખો ટાળવાનો, ને
સાચું સુખ પામવાનો અવસર આવ્યો છે...અત્યારે જો તારું સ્વરૂપ જાણવાનો
સાચો ઉપાય તું નહિ કર તો ફરી ચોરાસીના ચક્કરમાં ભ્રમણ કરવું
પડશે...આવા અવસરમાં તારા આત્માને આ ચોરાસીના ચક્કરમાંથી નહિ
છોડાવ તો પછી કયારે છોડાવીશ! માટે હે આત્મા! હવે તું જાગ...અને તારા
આત્મહિતને માટે સાવધાન થા.

PDF/HTML Page 19 of 19
single page version

background image
ATMADHARMA Reg. No. B. 4787
“ત્રિમૂર્તિનો અવતાર!”
ધવલા, જયધવલા અને મહાપુરાણ એ ત્રણ મહાન સાહિત્યની રચના, શ્રી
વીરસેનાચાર્ય, શ્રી જિનસેનાચાર્ય અને શ્રી ગુણભદ્રાચાર્ય–એ ત્રણ મહાન સંતોદ્વારા
થઈ છે.
(૧) પ્રથમ શ્રી વીરસેનસ્વામીએ ષટ્ખંડાગમ ઉપર ૭૨,૦૦૦ શ્લોકપ્રમાણ
ધવલા ટીકા રચી; અને ત્યાર પછી તેમણે કષાયપ્રાભૃત ઉપર જયધવલા ટીકા
લખવાનો પ્રારંભ કર્યો; પરંતુ હજી તેની ૨૦,૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા થઈ હતી ત્યાં તો
તેમનો સ્વર્ગવાસ થયો...ને અધૂરી રહેલી જયધવલા ટીકાને પૂરી કરવાનું કાર્ય તેમના
સુયોગ્ય શિષ્ય શ્રી જિનસેનાચાર્ય ઉપર આવ્યું.
(૨) શ્રી જિનસેનાચાર્યે ૪૦,૦૦૦ શ્લોક રચીને (ઈ. સ. ૮૩૮માં) જયધવલા
ટીકા પૂર્ણ કરી; અને મહાપુરાણ રચવાનો પ્રારંભ કર્યો; પરંતુ વચ્ચે જ તેમનો
સ્વર્ગવાસ થતાં મહાપુરાણની રચના અધૂરી રહી ગઈ ને તે પૂર્ણ કરવાનું કાર્ય તેમના
સુશિષ્ય ગુણભદ્રસ્વામી ઉપર આવ્યું.
(૩) જિનસેનસ્વામીની અધૂરી રહેલી રચના તેમના શિષ્ય શ્રી
ગુણભદ્રસ્વામીએ (ઈ. સ. ૮૯૭માં) પૂરી કરી. મહાપુરાણના લગભગ ૨૦,૦૦૦
શ્લોક છે; તેમાંથી ૧૦,૦૦૦ શ્લોક જિનસેનસ્વામીની રચના છે; ને બાકીની
ગુણભદ્રસ્વામીની રચના છેે.
આ રીતે વીરસેન–જિનસેન–ગુણભદ્ર એ ત્રણ મહાન આચાર્યોએ એકબીજાની
સંધિપૂર્વક અવિચ્છિન્ન પરંપરાથી ધવલા, જયધવલા ને મહાપુરાણ એવા ત્રણ મહાન
સાહિત્યની રચના કરી. આ ઘટના ઉપરથી જાણે કે એ ત્રણ મહાન સાહિત્યનિધિની
ઉત્પત્તિ કરવા માટે જ એ અસાધારણ ત્રિમૂર્તિનો અવતાર હોય!
વંદન હો એ ત્રિમૂર્તિને...અને તેમના અપાર શ્રુતને!
મહાપુરાણ
શ્રી જિનસેન અને ગુણભદ્ર જેવા બે મહાન આચાર્યોદ્વારા રચિત “મહાપુરાણ”
એ ભારતીય કથાસાહિત્યમાં સૌથી મહાન અને મહત્વરૂપ છે. તેમાં જૈનધર્મના ૨૪
તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળભદ્રો, ૯ નારાયણો અને ૯ પ્રતિનારાયણો–એ પ્રમાણે
૬૩ શલાકા પુરુષોનાં જીવનચરિત્રનું વર્ણન મુખ્ય છે, તે ઉપરાંત તેમની સાથે સંબંધ
ધરાવતા બીજા પણ અનેક મોક્ષગામી જીવોના જીવનનું વર્ણન છે. આ મહાપુરાણમાં તે
તીર્થંકર વગેરેના ફક્ત એક જ જીવનકાળનું વર્ણન નથી પરંતુ તેમના અનેક પૂર્વ
જન્મોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે, તેથી તેઓની ધાર્મિક કે આધ્યાત્મિક ઉન્નતિનો
માર્ગ સ્પષ્ટપણે પ્રતિભાસિત થાય છે. યથાર્થમાં તો આ જીવનચારિત્રોદ્વારા ધર્માનુરાગી
જીવો સમક્ષ અનેક આત્માઓના આધ્યાત્મિક વિકાસના વિધવિધ દ્રશ્યો ઉપસ્થિત થાય
છે, જેથી પાઠકના હૃદયમાં ધાર્મિક શ્રદ્ધા અને આધ્યાત્મિક આદર્શ ઉપસ્થિત થાય છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક : હરિલાલ દેવચંદ શેઠ : આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર