Atmadharma magazine - Ank 197
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 19
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૧૯૭
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.


PDF/HTML Page 3 of 19
single page version

background image
: ૨ : આત્મધર્મ: ૧૯૭
વિ...હા...ર...સ...મા...ચા...ર
વડીઆ, જેતપુર અને ગોંડલ શહેરમાં
જિનબિંબ વેદી–પ્રતિષ્ઠા મહોત્સવ
અને રાજકોટ શહેરમાં ગુરુદેવનું સ્વાગત
પરમપૂજ્ય ગુરુદેવના પ્રતાપે જિનશાસનની અનેકવિધ પ્રભાવના થઈ રહી છે, અનેક સ્થળોએ
વીતરાગી જિનમંદિરો બંધાયા છે ને જિનબિંબપ્રતિષ્ઠા થઈ છે. આ માહ માસમાં વડીયા, જેતપુર અને
ગોંડલ શહેરમાં પૂ. ગુરુદેવની મંગલ છાયામાં વેદીપ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાયો, વડીઆમાં મહા સુદ ૪–પ–
૬, જેતપુરમાં મહા સુદ ૯–૧૦–૧૧ અને ગોંડલમાં મહા સુદ ૧૨–૧૩–૧૪ એમ ત્રણ દિવસ વેદીપ્રતિષ્ઠાનો
કાર્યક્રમ હતો. જાપપ્રારંભ, મંડપમાં જિનેન્દ્રદેવને બિરાજમાન, ઝંડારોપણ, વીસ વિહરમાન તીર્થંકર
મંડલવિધાન, ઈન્દ્રપ્રતિષ્ઠા, આચાર્યઅનુજ્ઞા, યાગમંડલવિધાન, જલયાત્રા, વેદીશુદ્ધિ, કળશ–ધ્વજ વગેરેની
શુદ્ધિ, ગુરુદેવના સુહસ્તે સ્વસ્તિક, જિનબિંબસ્થાપન, શાંતિયજ્ઞ અને રથયાત્રા વગેરે કાર્યક્રમો ત્રણે
શહેરમાં થયા હતા. પ્રતિષ્ઠા સંબંધી વિધિવિધાન પૂ. બેનશ્રીબેનની દોરવણી અનુસાર વિદ્વાન ભાઈશ્રી
હિંમતલાલભાઈએ તથા બ્રહ્મચારીભાઈઓએ કરાવેલ હતા. વડીયામાં ઉત્તમચંદભાઈ વગેરે ભાઈઓએ
ઉલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો હતો અને પ્રતિષ્ઠાની ખુશાલીમાં નવકારશી–જમણ કર્યું હતું.
જિનમંદિરમાં મૂળનાયક ભગવાન નેમિનાથ છે. જેતપુરમાં કાગદી જટુભાઈએ, દેસાઈ ભાઈઓએ, તેમજ
ભૂરા ભાઈ શેઠના પુત્રો વિગેરેએ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અહીં પણ
નવકારશીજમણ થયું હતું. છેલ્લી રથયાત્રા વખતે હાથી પણ આવેલા હોવાથી રથયાત્રા ઘણી પ્રભાવક
બની હતી. અહીંના જિનમંદિરનો દેખાવ ભવ્ય છે. મૂળનાયક ભગવાન શ્રેયાંસનાથ છે. ગોંડલ શહેરમાં
શેઠશ્રી વછરાજભાઈ વગેરેએ ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવ્યો હતો. અહીં પણ હાથી આવેલ હતો.
અહીંનું શિખરબંધ જિનમંદિર સુંદર અને ભવ્ય છે. જિનમંદિરમાં મૂળનાયક શાંતિનાથ ભગવાન, ઉપરાંત
સીમંધર ભગવાન અને અનંતનાથ ભગવાન બિરાજે છે. ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ આનંદથી
ઊજવવા માટે વડીયા, જેતપુર અને ગોંડલ ત્રણે શહેરના મુમુક્ષુઓને ધન્યવાદ ઘટે છે. વડીઆ, જેતપુર
અને ગોંડલ ત્રણે શહેરથી ગિરનાર સિદ્ધિધામનાં નીકટથી દર્શન થાય છે, એ સિદ્ધિધામ નીહાળતાં, ને
તેને વંદન–પૂજન કરતાં ભક્તોને હર્ષ થતો હતો. પૂ. ગુરુદેવ પણ વિહાર વખતે રસ્તામાં ગિરનાર
સિદ્ધક્ષેત્રનાં દર્શન કરતા હતા. વિહાર વખતે ગિરનારજી તીર્થના એવા સ્પષ્ટ દર્શન થતા કે જાણે તેની
આસપાસ પ્રદક્ષિણા કરતા હોઈએ, એમ લાગતું હતું.
ત્રણે શહેરના પ્રતિષ્ઠા મહોત્સવ બાદ માહ વદ બીજ ને રવિવાર પૂ. ગુરુદેવ રાજકોટ શહેર
પધાર્યા...રાજકોટના દિગંબર જૈન સંઘે અને ગામેગામના મુમુક્ષુઓએ ઉલ્લાસભર્યું ભવ્ય સ્વાગત કર્યું.
સ્વાગત બાદ સ્વ. નૌતમભાઈની યાદીમાં “આત્મપ્રસિદ્ધિ” નામના પુસ્તકનું પ્રકાશન થયું. પૂ. ગુરુદેવ
રાજકોટમાં લગભગ એક મહિનો (ફાગણ વદ બીજ સુધી) રહેવાના છે. રાજકોટ શહેરના દિગંબર
જિનમંદિરની પ્રતિષ્ઠાને આ ફાગણ સુદ ૧૨ના રોજ દસ વર્ષ પૂરાં થાય છે, તે નિમિત્તે મહોત્સવ ફા. સુ.
૨થી ફા. સુ. ૧૨ સુધી ચાલી રહ્યો છે. રાજકોટ શહેરનું જિનમંદિર ઘણું ભવ્ય છે, મૂળનાયક શ્રી સીમંધર
ભગવાન બિરાજે છે. રાજકોટ પછી પૂ. ગુરુદેવ ફાગણ વદ ત્રીજ ને બુધવારે સોનગઢ પધારશે.

PDF/HTML Page 4 of 19
single page version

background image
ફાગણ: ૨૪૮૬ : પ:
રાજકોટ શહેરમાં પૂ. ગુરુદેવનાં
પ્રવચનોનો થોડોક નમૂનો
(રાજકોટ શહેરમાં સમયસાર ગા. ૯૨ અને પછીની ગાથા ઉપરનાં વચનોમાંથી)
(૧) કર્તાકર્મપણું
આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ આત્માને વાસ્તવિક કર્તાકર્મપણું કોની સાથે છે તેની
ઓળખાણ વિના, અજ્ઞાનને લીધે રાગાદિ પરભાવો સાથે એકતા માનીને તેના જ કર્તાકર્મપણે
પરિણમતો થકો જીવ સંસારપરિભ્રમણ કરી રહ્યો છે. તે સંસારભ્રમણ કેમ ટળે? તે માટે આચાર્યદેવ
આત્માનું વાસ્તવિક કર્તાકર્મપણું સમજાવે છે.
(૨) દશાંતર થાય...દ્રવ્યાંતર ન થાય
આ જગતમાં અનંતા જીવ અને અજીવ દ્રવ્યો છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્ય
પલટીને બીજા દ્રવ્યરૂપે થઈ જતું નથી. દ્રવ્યપણે નિત્યટકીને તેની દશા પલટાયા કરે છે. એટલે દ્રવ્યનું
દ્રવ્યાંતર થતું નથી પણ દશાંતર થાય છે. જેમકે જીવ દ્રવ્યમાં તેની અજ્ઞાનદશા પલટીને જ્ઞાનદશા થાય,
સંસારદશા પલટીને સિદ્ધદશા થાય, એ રીતે દશાંતર થાય, પણ જીવી પલટીને અજીવ થઈ જાય એમ ન
બને, અર્થાત્ દ્રવ્યાંતર ન થાય.–આ રીતે ભિન્ન ભિન્ન દ્રવ્યો પોતપોતાની દશા પલટતા હોવા છતાં ભિન્ન
ભિન્ન સ્વરૂપે જ રહે છે.
(૩) ધર્મનું મૂળ છે–ભેદજ્ઞાન
જ્ઞાનસ્વરૂપ આત્મા કર્તા થઈને જ્ઞાનભાવને કરે તે તો તેનું વાસ્તવિક કર્તાકર્મપણું છે; પરંતુ
જ્ઞાનસ્વરૂપ આત્મા કર્તા થઈને રાગાદિ પરભાવોને કરે તો તે તેનું વાસ્તવિક કર્તાકર્મપણું નથી, પરંતુ
અજ્ઞાનથી જ તે કર્તાકર્મપણું ઊભું થયું છે. જ્ઞાનરૂપ નિજભાવને અને રાગાદિ પરભાવને ભિન્ન ભિન્ન
ઓળખીને ભેદજ્ઞાન કરવાથી રાગાદિનું કર્તાપણું છોડીને જીવ પોતાના જ્ઞાન–આનંદભાવનો જ કર્તા
થાય છે, તેનું નામ ધર્મ છે. આ રીતે ભેદજ્ઞાન તે ધર્મનું મૂળ છે.
(૪) અજ્ઞાન જ સંસારનું મૂળ છે.
અહીં આચાર્યદેવ એમ સમજાવે છે કે અજ્ઞાનથી જ આત્મા કર્મનો કર્તા થાય છે; જ્યારે તેને
ભેદજ્ઞાન થાય છે ત્યારે પોતાના જ્ઞાનભાવમાં જ તન્મયપણે પરિણમતો થકો તે કર્મનો કર્તા થતો નથી.
જેને પોતાના સ્વભાવથી ભિન્ન જાણ્યા તેમાં તન્મય કેમ થાય? અને જેમાં તન્મય ન થાય, એટલે કે
જેનાથી જુદો રહે તેનો કર્તા કેમ થાય?–ન જ થાય. આ રીતે જ્યાંસુધી આત્મસ્વભાવનું અને રાગાદિનું
ભેદજ્ઞાન નથી ત્યાંસુધી જ અજ્ઞાનને લીધે કર્મનું કર્તાપણું છે, અને ત્યાંસુધી જ સંસાર છે. એટલે
અજ્ઞાન જ સંસારનું મૂળ છે.
(પ) રાગ તે જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનનું કાર્ય નથી
ધર્મીજીવ એમ જાણે છે કે જે જ્ઞાન થાય છે તે મારા સ્વભાવથી અભિન્ન છે, અને જે રાગાદિ
પરભાવો છે તે મારા સ્વભાવથી ભિન્ન છે. જે રાગાદિ ભાવો છે તે મારા જ્ઞાનમાં જ્ઞેયપણે નિમિત્ત છે,
પણ તે મારા જ્ઞાનના કાર્યપણે નથી. અજ્ઞાની તો, જ્ઞાનમાં રાગ જણાય ત્યાં તેને જ્ઞાનનું કાર્ય માની લે
છે, એટલે રાગથી જુદું કોઈ કાર્ય તેને ભાસતું નથી; રાગ જ હું છું, એમ માનતો થકો રાગનો કર્તા
થઈને પરિણમતો થકો તે કર્મને બાંધે છે. જ્ઞાની તો રાગને જાણતી વખતે પણ તે રાગને પોતાથી ભિન્ન
જાણતો થકો, તેને જ્ઞાનનું કાર્ય માનતો નથી એટલે રાગથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપને જાણીને, તે
જ્ઞાનભાવરૂપે જ પરિણમતો થકો કર્મને બાંધતો નથી.–આ મોક્ષનો ઉપાય છે.
(૬) કોને સમજાવે છે આ વાત? સ્વભાવના અભિલાષીને
આ વાત કોને સમજાવે છે?–જેના અંતરમાં બંધનથી છૂટકારાની ધગશ જાગી છે, અને શ્રીગુરુ

PDF/HTML Page 5 of 19
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૧૯૭
પાસે આવીને આત્માનું સ્વરૂપ સમજવાનો અભિલાષી થયો છે, તેને આ વાત સમજાવે છે. અને
આચાર્યદેવને લક્ષમાં છે કે આવી પાત્રતાવાળો જીવ જરૂર આ વાત સમજી જશે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે
ભગવાન મહાવીરના બોધને પાત્ર કોણ?–કે સદૈવ સૂક્ષ્મબોધનો અભિલાષી હોય તે; તે સૂક્ષ્મબોધ એટલે
આત્માના સ્વભાવનો બોધ; સ્થૂળબોધ અર્થાત્ પુણ્ય–પાપની વાત તો જીવે અનંતકાળથી સાંભળી છે, પણ
પુણ્ય–પાપ રહિત ચિદાનંદ સ્વભાવની સૂક્ષ્મ વાત પૂર્વે કદી સાંભળી નથી–લક્ષમાં લીધી નથી. હવે જેને
અંતરમાં એમ થયું છે કે આ રાગની આકુળતાથી પાર મારું ચિદાનંદ સ્વરૂપ શું છે તેને હું સમજું!–આવી
જિજ્ઞાસાવાળા સૂક્ષ્મબોધના અભિલાષીને આચાર્યદેવ આ વાત સમજાવે છે, અને તે જિજ્ઞાસુ જીવ જરૂર
સમજી જાય છે.
(૭) અંતર્મુખદ્રષ્ટિના અભાવે......
આત્મા જ્ઞાનનો સમુદ્ર છે; તે જ્ઞાન સાથે આનંદ પણ છે. પોતામાં સ્વસન્મુખ થઈને જ્ઞાનનું
જ્ઞાનત્વ પ્રગટ કરવાને બદલે, બહિર્મુખપણે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે, તેનું નામ સંસાર છે.
અંતરમાં આનંદનો સમુદ્ર છે, પણ અંતર્મુખ દ્રષ્ટિના અભાવે જ આનંદનો અભાવ છે. ભાઈ! અંતર્મુખ
દ્રષ્ટિમાં આત્માને જ ધ્યેય બનાવીને જ્ઞાન–આનંદરૂપે પરિણમવું તે તારો સ્વભાવ છે.
(૮) અજ્ઞાનીનું કર્તાપણું
હું પરિપૂર્ણ જ્ઞાન ને આનંદપણે છું–એવું પોતાનું અસ્તિત્વ ન ભાસતાં, ક્ષણિક રાગ–દ્વેષની
વૃત્તિઓમાં જ ‘આ હું.....’ એમ પોતાનું અસ્તિત્વ માને છે, તે અજ્ઞાની જીવ પોતાને રાગી જ માનતો
થકો રાગનો કર્તા થાય છે. અજ્ઞાનીનું આ કર્તાપણું તે જ સંસારનું મૂળ છે.
(૯) જેની રુચિ તેનું કર્તૃત્વ
જેને જે રુચે છે તે તેને પોતાનું કાર્ય બનાવે છે. જેને રાગની જ રુચિ છે એવો અજ્ઞાની જીવ રાગને
જ પોતાનું કાર્ય બનાવે છે, રાગની રુચિ આડે તેને ચૈતન્યની પ્રીતિ નથી. અને જે જીવ આત્માર્થી છે, જેને
ચૈતન્યની પ્રીતિ છે તે જીવ ચૈતન્યથી વિરુદ્ધ એવા રાગાદિને પોતાનું કાર્ય બનાવતો નથી.
(૧૦) કર્તાપણાની મર્યાદા અને તેનું ફળ
જીવના કર્તાપણાની મર્યાદા પોતાના પરિણામમાં જ છે, પોતાના પરિણામની બહાર કોઈ પણ
પરદ્રવ્યનું કર્તાંપણું તો જ્ઞાનીને કે અજ્ઞાનીને કોઈને કદી નથી. અજ્ઞાની વિકારને જ પોતાનું કર્તવ્ય
માનતો થકો તેનો કર્તા થાય છે ને તેના આકુૃૃળ સ્વાદને અનુભવે છે. જ્ઞાની તો જ્ઞાન અને રાગનું
ભેદજ્ઞાન કરીને, જ્ઞાનને જ પોતાનું કાર્ય જાણતો થકો રાગનો કર્તા થતો નથી પણ જ્ઞાનનો જ કર્તા
થઈને નિરાકુળસ્વાદને અનુભવે છે. આત્માના નિરાકુળ આનંદનો સ્વાદ એવો છે કે જગતના કોઈ પણ
પદાર્થમાં–ઈંદ્ર પદના વૈભવમાં પણ તે સ્વાદની ગંધ નથી.
(૧૧) અરે જીવ! તું જાગ! તું તો જ્ઞાન છો
જેમ કોઈ માણસ ભ્રમથી પારકું વસ્ત્ર લાવીને, તેને પોતાનું માનીને, ઓઢીને સૂતો હોય.....ત્યાં
કોઈ સજ્જન જાણકાર આવીને તેને જગાડે અને કહે કે અરે ભાઈ! તું જાગ! આ વસ્ત્ર તારું નથી પણ
પારકું છે, માટે તેને પારકું જાણીને તું છોડ!–એ રીતે કહેવાથી, જાગીને તે વસ્ત્રને નિઃશંકપણે પારકું
જાણતાં જ તે તેને છોડી દે છે. તેમ અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને ભૂલીને, રાગાદિ
પરભાવોને જ પોતાના માનતો થકો, રાગથી લાગણીનું ઓઢણું ઓઢીને સૂતો છે, રાગની લાગણીના
ઓઢણામાં જ્ઞાનસ્વભાવને ઢાંકી દીધો છે; ત્યાં કોઈ સંતજન ધર્માત્મા તેને જગાડતાં કહે છે કે અરે જીવ!
તું જાગ! તું તો જ્ઞાન છો. આ રાગાદિની લાગણીઓ તે તારા સ્વભાવરૂપ નથી પણ પરભાવરૂપ છે,
માટે તેને તારા સ્વભાવથી ભિન્ન જાણીને તું છોડ! આ રીતે કહેવાથી, જાગીને એટલે કે અંતરમાં
ભેદજ્ઞાન કરીને, તે રાગાદિને નિશંકપણે પોતાના સ્વભાવથી ભિન્ન જાણતાં જ તે જીવ જ્ઞાની થયો થકો
રાગાદિનું કર્તૃત્વ છોડી દે છે. આ રીતે રાગાદિનું અકર્તાપણું થતાં તે આત્માને બંધન થતું નથી, પણ
મોક્ષ થાય છે.

PDF/HTML Page 6 of 19
single page version

background image
ફાગણ: ૨૪૮૬ : ૭ :
ચેતના ગુણની તાકાત
આત્માને વિભાવથી જુદો રાખે છે
સમસ્ત વિભાવોથી ભિન્ન એવો શુદ્ધઆત્મા શુદ્ધચેતનાવડે અંતરમાં સદા પ્રકાશમાન છે.
ચેતનાગુણની એવી તાકાત છે કે કોઈ પણ વિભાવભાવોને આત્માના સ્વભાવમાં તે પ્રવેશવા દેતો
નથી, શુદ્ધઆત્માને વિભાવથી જુદો ને જુદો જ રાખે છે.
મિથ્યા માન્યતાઓને દૂર કરે છે
શુદ્ધ આત્માને પ્રકાશનારો તે ચેતનાગુણ સમસ્ત વિરુદ્ધ માન્યતાઓનો નાશ કરનાર છે. દેહ તે
જીવ, રાગ તે જીવ, કર્મવાળો જીવ,–ઈત્યાદિ પ્રકારે જીવના સ્વભાવને વિપરીત માનવારૂપ જે અનેક
પ્રકારની ઊંધી માન્યતા, તેને ચેતનાગુણ નાશ કરે છે; ‘જીવ તો ચેતનાસ્વરૂપ છે’–એમ પ્રકાશતો થકો
ચેતનાગુણ મિથ્યા માન્યતાઓને દૂર કરી નાંખે છે.
શુદ્ધ જીવને પ્રકાશમાન કરે છે
‘શુદ્ધ ચેતનામય જીવ’ એમ જ્યાં લક્ષમાં લીધું ત્યાં ચેતના અંતર્મુખ થઈ, સમસ્ત રાગાદિથી
જુદી પડીને જીવ સાથે તેની એકતા થઈ, એટલે સમસ્ત રાગાદિથી ભિન્ન શુદ્ધ જીવને તે ચેતનાએ
પ્રકાશમાન કર્યો. અ રીતે ચૈતન્યજ્યોતિમાં આખાં જીવને પ્રકાશિત કરવાની તાકાત છે.
શાંતિ આપવાની તાકાત છે.
રાગમાં એવી તાકાત નથી કે શુદ્ધ આત્માને દર્શાવે. શુદ્ધ આત્માને દર્શાવવાની તાકાત ચેતનામાં
જ છે. આત્મા દેહનો કર્તા, આત્મા રાગનો કર્તા, તે રાગાદિથી આત્માને લાભ, –આમ માનીને, દેહની
ક્રિયામાં ને રાગાદિમાં જે જીવ શુદ્ધ આત્મા ગોતશે તેને તેમાંથી શુદ્ધ આત્મા કદી નહિ મળે, પણ તેની
પર્યાયમાં મિથ્યાત્વરૂપી કલેશ ઊભો થશે. “ચેતનસ્વરૂપ જીવ” એમ માનીને ચેતનામાં જીવને શોધતાં
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે, ને વિપરીત માન્યતારૂપ કલેશ શાંત થઈ જશે. આ રીતે ચેતનામાં કલેશ દૂર
કરીને શાંતિ આપવાની તાકાત છે.
તેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે
આ ચેતનાગુણ કેવો છે? તે રાગાદિ કોઈ પણ પરભાવોને આધીન થતો નથી, પરંતુ તેણે
પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. ‘શુદ્ધ આત્મા’ તે ચેતનાનું સર્વસ્વ છે. ચેતનાના
સર્વસ્વરૂપ એવો શુદ્ધ આત્મા, ભેદજ્ઞાની જીવોએ સ્વસંવેદનવડે પ્રાપ્ત કર્યો છે. અહા! જ્ઞાની કહે છે કે
ભેદજ્ઞાનમાં ચેતનાગુણે મને આખો આત્મા આપ્યો...જ્યાં ચેતનાસ્વરૂપ આત્માનું સ્વસંવેદન થયું ત્યાં
સમસ્ત વિભાવોથી ભિન્ન આખોય શુદ્ધ આત્મા અનુભવમાં આવી ગયો; ચેતનાએ પોતાનું સર્વસ્વ તે
ભેદજ્ઞાનીને સોંપી દીધું. આખો આત્મા ભેદજ્ઞાની જીવોને સોંપ્યો ને રાગાદિ સમસ્ત પરભાવોને
આત્મામાંથી બહાર કાઢી નાંખ્યા.–આ રીતે ભેદજ્ઞાનવડે અનુભવમાં આવતો શુદ્ધચૈતન્યરૂપ જીવ તે જ
પરમાર્થસ્વરૂપ જીવ છે.
માટે, ચૈતન્ય સિવાયના સમસ્ત પરભાવોને જુદા કરીને ચૈતન્યસ્વરૂપ શુદ્ધ જીવનો અંતરમાં
અભ્યાસ કરો......તેનો સાક્ષાત્ અનુભવ કરો.

PDF/HTML Page 7 of 19
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૧૯૭
ચેતનાના સ્વસંવેદનમાંથી “આ હું... આ હું” એવો ધ્વનિ ઊઠે છે
જીવ પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણવડે સદા અંતરમાં પ્રકાશમાન છે. પોતાના વેદનમાં
‘હું...હું’ એવો જે સ્વપણાનો ધ્વનિ ઊઠે છે તે ચૈતન્યમાંથી ઊઠે છે, રાગમાંથી નથી આવતો. આવા
ચૈતન્યભાવમાં હું–પણે જીવતત્ત્વ પ્રકાશમાન છે. પણ અજ્ઞાનીને રાગ તે જ હું એમ થઈ ગયું છે, તે
રાગમાં હું–પણાથી જીવતત્ત્વ નથી પ્રકાશતું, તેમાં તો અજ્ઞાન અને દુઃખ પ્રકાશે છે. રાગના વેદનમાં
જીવના સ્વભાવનું (–સુખનું) વેદન નથી, માટે તે જીવનો સ્વભાવ નથી. ચૈતન્યસ્વભાવના વેદનમાં જ
જીવના સ્વભાવનું વેદન છે, માટે તે જ જીવનો સ્વભાવ છે. આ રીતે ચેતનાગુણવડે પરમાર્થરૂપ જીવને
ઓળખવો.
કોઈની મદદ કે ટેકા વગર જ મોક્ષમાર્ગને સાધવાની ચેતનાની તાકાત છે
મોક્ષમાર્ગમાં રાગની કંઈ મદદ ખરી? જરાક ટેકો ખરો? તો કહે છે કે: અરે ભાઈ! મોક્ષમાર્ગ તો
શુદ્ધચેતનાસ્વરૂપ છે, અને તે ચેતના તો રાગનો નાશ કરનારી છે. જે જેનો નાશ કરનાર હોય તેને તે
મદદ કરનાર કેમ હોય?–માટે મોક્ષમાર્ગને રાગની મદદ કે ટેકો નથી. જ્યાં રાગની પણ મદદ કે ટેકો
નથી, ત્યાં દેહની ક્રિયાની કે બીજા પરદ્રવ્યની મદદ કે ટેકો ક્્યાંથી હોય? બધાથી સ્વતંત્રપણે (કોઈના
પણ ટેકા કે મદદ વગર) એકલી ચેતનામાં જ મોક્ષમાર્ગ સમાય છે. ચેતનાથી બહારના કોઈ પણ
ભાવમાં મોક્ષમાર્ગ નથી. સમ્યક્શ્રદ્ધા, સમ્યક્ચારિત્ર વગેરે બધા નિર્મળ ભાવો તો ચેતનામાં જ અંતર્ગત
છે, તે ચેતનાથી બહાર નથી. નિર્મળ ભાવોને પોતામાં સમાવી દેવાની, ને વિભાવોને પોતામાંથી બહાર
કાઢી નાંખવાની ચેતનાની તાકાત છે.
ચૈતન્યસ્વરૂપને પ્રાપ્ત કરવાનો અધિકાર ભેદજ્ઞાની જીવોને જ છે
ચેતનાગુણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે; એટલે કે ધર્મીજીવને ભેદજ્ઞાનમાં
એમ ભાન થયું છે કે જ્ઞાયક છે તે જ હું છું, બીજા કોઈ ભાવો તે હું નથી. આ રીતે ભેદજ્ઞાનવડે
ધર્માત્માએ પોતાનું સર્વસ્વ પ્રાપ્ત કરી લીધું છે, માટે કહ્યું કે ચેતનાએ પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને
સોંપી દીધું છે. ચેતનાએ પોતાનું કંઈપણ રાગને નથી સોપ્યું, પણ ભેદજ્ઞાનને પોતાનું સર્વસ્વ સોંપી દીધું
છે. ભેદજ્ઞાનીને સ્વસંવેદનમાં આખો આત્મા આવી ગયો છે. ચૈતન્યસ્વરૂપ ઉપર દ્રષ્ટિ પડતાં ‘આ
આનંદકંદ ચૈતન્ય જ મારું સર્વસ્વ છે’ એમ ધર્માત્માએ જાણી લીધું છે. અંતરમાં ભેદજ્ઞાન સિવાય
બીજાને આ ખબર પડે તેમ નથી. ચૈતન્યસ્વરૂપને પ્રાપ્ત કરવાનો અધિકાર ભેદજ્ઞાનીને જ છે. આ
ગાથાનો ભાવ બહુ અપૂર્વ છે. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ પાસેથી આવેલ તે દિવ્ય ધ્વનિ છે,
પરંપરાએ આવેલા આગમમાં ભગવાનની આવેલી દિવ્યધ્વનિ છે. કુંદકુંદાચાર્યદેવે તેની અદ્ભુત રચના
કરી છે...ને અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં તેના અદ્ભુત ગંભીર ભાવો ખોલ્યાં છે.
ચેતના અતીન્દ્રિય આનંદના અનુભવથી તૃપ્ત–તૃપ્ત વર્તે છે
કેવો છે આ ચેતનાગુણ? કે પોતાનુ સર્વસ્વ એટલે કે આખો આત્મા તેણે ભેદજ્ઞાની જીવોને
સોંપી દીધો છે, અર્થાત્ ચેતનાલક્ષણવડે આખો આત્મા રાગથી ભિન્ન લક્ષિત થાય છે અને તે ચેતના
અંતર્મુખ થઈને આત્માના અતીન્દ્રિય સુખના સંવેદનથી તુપ્ત–તૃપ્ત વર્તે છે ચેતનાપર્યાય અંતર્મુખ થઈ
તેની આ વાત છે. અંતર્મુખ થયેલી ચેતનાપરિણતિમાં અભેદપણે આખો આત્મા આવી ગયો છે, ને
આત્મા સાથે અભેદપણાને લીધે આનંદના અનુભવથી તે તુપ્ત–તુપ્ત થઈ ગઈ છે...હવે તે ચેતના
નિજસ્વરૂપથી જરાપણ ચલાયમાન થતી નથી, સ્વરૂપમાં જ નિશ્ચળ રહે છે. આ ચેતનાનો વિકાસ થતાં
સમસ્ત લોકાલોકને તે એકસાથે કોળિયો કરી લ્યે એવી તેની તાકાત છે, અર્થાત્ ચેતના પોતાના
કેવળજ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોકને એક સાથે જાણી લ્યે એવી તેની તાકાત છે.
–આવા ચેતનાસ્વરૂપ ભગવાન આત્માને જે ઓળખે તે જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પામીને,
પોતાના સ્વરૂપસુખમાં જ તૃપ્ત વર્તતો થકો મોક્ષદશા પામે છે, માટે હે જીવો! તમે આત્મામાં જ તેના
અનુભવનો અભ્યાસ કરો. (સમયસાર ગાથા ૪૯ ઉપરનાં પ્રવચનોમાંથી)

PDF/HTML Page 8 of 19
single page version

background image
ફાગણ: ૨૪૮૬ : ૯ :
રાજકોટ શહેરમાં
પ્રવચનસાર ઉપરનાં
પ્રવચનોનો થોડોક નમૂનો
(રાજકોટ શહેરમાં પ્રવચનસાર ગા. ૧૭૨ ઉપરનાં પ્રવચનોમાંથી)
‘આત્માનું અસાધારણ ચિહ્ન શું છે, કે જેનાવડે આત્મા વાસ્તવિકરૂપે જણાય? ’–આમ જેને પ્રશ્ન
ઊઠ્યો છે તેને આચાર્યદેવ આત્માનું અસાધારણ ચિહ્ન ઓળખાવે છે.
જે આત્માને જાણ્યા વિના અનંત દુઃખ ભોગવ્યું અને જેને જાણવાથી અતીન્દ્રિય સુખનો
અનુભવ થાય, એવા આત્માને જાણવાની જેને ખરેખરી જિજ્ઞાસા જાગી છે તેને આચાર્યદેવ કહે છે કે
સાંભળ ભાઈ! ચૈતન્યલક્ષણવાળો તારો આત્મા છે તે કોઈ બાહ્મચિહ્નવડે જણાય તેવો નથી પણ તારી
ચેતનાને અંતર્મુખ કરતાં તે ચિહ્નવડે આત્મા અનુભવાય છે.
આત્માને સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી જુદો જાણવા માટે તેની અસાધારણ ચેતના જ
સાધન છે, તેનાથી ભિન્ન બીજું કોઈ સાધન નથી. જેમ શરીરના અંતભૂત એવી આંગળીવડે આખા
શરીરના સ્પર્શનો ખ્યાલ આવે છે, પણ નખવડે કે લાકડાવડે તેના સ્પર્શનો ખ્યાલ આવતો નથી કેમકે
તે તેનો અવયવ નથી. તેમ ચૈતન્યશરીરી આત્માના સ્વરૂપનો ખ્યાલ તેના અવયવરૂપ એવા
મતિશ્રુતજ્ઞાનવડે આવે છે, પરંતુ નખ જેવા રાગદ્વેષવડે કે લાકડા જેવી ઈંદ્રિયોવડે આત્માના સ્વરૂપનો
ખ્યાલ આવતો નથી કેમકે તે તેના અવયવરૂપ નથી.
જેમ લાકડું જડ છે તેમ શરીરની ક્રિયાઓ પણ જડ છે; અને જેમ નખ તે શરીરનો ભાગ નથી
પણ વધારાની ઉપાધિ છે, તેમ રાગાદિ ભાવો તે ચૈતન્યના સ્વભાવનો ભાગ નથી પણ બહારની
ઉપાધિ છે. ચૈતન્યમૂર્તિ આત્મામાં તે જડની ક્રિયાનો કે રાગનો પ્રવેશ નથી; એટલે તેમનાવડે
ચૈતન્યસ્વરૂપ આત્માની ઓળખાણ કે ધર્મ થાય નહીં.
ચૈતન્યની ચેતના તે જાગૃતસ્વરૂપ છે એટલે કે તે સ્વપરને જાણનારી છે; અને પુણ્ય–પાપ તો
અજાગૃત છે, તે સ્વને કે પરને જાણતાં નથી. આ રીતે ચેતનાને અને પુણ્ય–પાપ ભિનેન્નપણું છે. માટે
પુણ્ય–પાપને આત્માના સ્વરૂપમાંથી બાદ કરીને, માત્ર શુદ્ધ ચેતનારૂપે આત્મસ્વરૂપને લક્ષિત કરવું.–આ
આત્માને જાણવાની રીત છે.
જુઓ ભાઈ, આત્માને જાણવાની આ રીત સાંભળતાં પણ અંદર ચૈતન્યનો ઉત્સાહ આવવો
જોઈએ. અનંત કાળના પરિભ્રમણના દુઃખથી છૂટીને ચૈતન્ય ઘરમાં આવીને આનંદનો અનુભવ
કરવાની આ વાત છે, તે અવસરે આત્માર્થીને ઉલ્લાસ આવે છે.

PDF/HTML Page 9 of 19
single page version

background image
: ૧૦: આત્મધર્મ: ૧૯૭
જેમ આખા દિવસની મજૂરીથી થાકીને સાંજે ઘરભણી આવતાં બળદને એવો ઉત્સાહ હોય છે કે
દોડતા દોડતા આવે છે. ખેતરમાં જતી વખતે તો ધીમે ધીમે જાય પણ સાંજે ઘેર આવતી વખતે તો
દોડતો આવે, કેમ કે તેને ખબર છે કે હવે મજૂરીથી છૂટીને ઘરે શાંતિથી ઘાસ ખાવાનું છે. તેમ
અનંતકાળના ભવભ્રમણથી થાકીને હવે સ્વભાવ સમજવાનો અવસર આવતાં આત્માર્થીને એવો
ઉત્સાહ હોય છે કે અંતરમાં તેનો પુરુષાર્થ ઉલ્લસે છે–પરિણતિ દોડતી દોડતી સ્વ–ઘર તરફ વળે છે.
સંસારભ્રમણ વખતે તો પુરુષાર્થ હણાઈ ગયો હતો પણ સ્વભાવને સાધવાનો અવસર આવતાં
આત્માર્થીનો પુરુષાર્થ વેગપૂર્વક અંતરમાં વળે છે; કેમ કે તેને ખબર છે કે હવે અનંતકાળના
ભવભ્રમણના દુઃખથી છૂટીને સ્વભાવના પરમ આનંદનો શાંતિથી અનુભવ કરવાનો છે.–આ રીતે
પોતાના સ્વભાવકાર્યને સાધવા માટે અંતરમાં ઉત્સાહ આવવો જોઈએ.
આત્મસ્વભાવને સાધવા માટે જેના અંતરમાં આવો ઉત્સાહ જાગ્યો છે, તેની જ જેને લગની
લાગી છે, અને શ્રીગુરુ પાસે આવીને વિનયથી તેનો ઉપાય પૂછે છે, તેને અનુગ્રહપૂર્વક શ્રી આચાર્યદેવ
વીશ બોલથી વિધવિધ પ્રકારે અલૌકિક રીતે આત્માનું સ્વરૂપ સમજાવે છે.
દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેને દેહ જ નથી તો ઈંદ્રિયો ક્્યાંથી હોય? આત્મા
અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે, તે ઈન્દ્રિયોવડે જાણતો નથી. પાંચ ઈન્દ્રિયોરૂપ જે લિંગ તેના વડે પદાર્થોનું
ગ્રહણ એટલે કે જાણવું જેને થતું નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્માને અલિંગગ્રહણ કહેતાં
અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપે તે લક્ષમાં આવે છે.
આત્માની ચેતના ઈંદ્રિયોને આશ્રિત નથી પણ સ્વદ્રવ્યને આશ્રિત છે. રાગનો કે ઈન્દ્રિયોનો
આશ્રય કરીને જાણે એવું ચેતનાનું સ્વરૂપ નથી, પણ ઈંદ્રિયોથી ને રાગની ભિન્ન રહીને અતીન્દ્રિયપણે
જાણે એવું ચેતનાનું સ્વરૂપ છે. આવી અતીન્દ્રિયચેતનાસ્વરૂપ આત્મા છે, તેને જ અહીં ‘અલિંગગ્રહણ’
કહીને ઓળખાવ્યો છે.
ઈન્દ્રિયો જડસ્વરૂપ છે, આત્મા ચેતનસ્વરૂપ છે. ઈંદ્રિયો તો આત્મા નથી, ને ઈંદ્રિયોના સંબંધથી
ઓળખાય તે પણ આત્મા નથી. ઈન્દ્રિયોના સંબંધ વગરનો અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ આત્મા છે.
જેમ જડ તે ચેતનથી વિરુદ્ધ છે, તેમ ઈંદ્રિયો અતીન્દ્રિય આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળી છે. તેના
વડે આત્માને ઓળખાવવો કે ઈન્દ્રિયોવાળો આત્મા, ઈન્દ્રિયોવડે જાણનારો આત્મા ‘–તો તે આત્માની
વાસ્તવિક ઓળખાણ નથી. અને આત્માની વાસ્તવિક ઓળખાણ વગર સર્વજ્ઞની કે સંતોની પણ સાચી
ઓળખાણ કે સ્તુતિ થતી નથી.
સમયસાર ગાથા ૩૧માં સર્વજ્ઞભગવાનની પરમાર્થસ્તુતિનું સ્વરૂપ સમજાવતાં કુંદાકુંદાચાર્યદેવ
કહે છે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, અને તેમના વિષયભૂત બાહ્ય પદાર્થો–એ ત્રણેથી ભિન્ન અતીન્દ્રિય
જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માને જાણવો તે સર્વજ્ઞ ભગવાનની નિશ્ચયસ્તુતિ છે. આ રીતે સ્વસન્મુખ
થઈને આત્માની સાચી ઓળખાણ કરવાથી જ સર્વજ્ઞની અને સંતજ્ઞાનીઓની સાચી ઓળખાણ થાય
છે, ને એવી ઓળખાણ થાય ત્યારે જ તેમની સાચી સ્તુતિ હોય છે. ઓળખ્યા વગર સ્તુતિ કોની?
‘ઈન્દ્રિયોવડે જાણે તે આત્મા’–તો કહે છે કે ના; આત્મા તો સર્વજ્ઞસ્વભાવી છે. ‘ઈન્દ્રિયોવડે
જાણે તે આત્મા’ એમ માનતાં તેના સર્વજ્ઞસ્વભાવનો અપવાદ થાય છે. તેમજ તેમાં સર્વજ્ઞનો પણ
અપવાદ થાય છે. સર્વજ્ઞનું જ્ઞાન અતીન્દ્રિય છે, તેને ઈન્દ્રિયનું અવલંબન જરા પણ નથી. આવા
અતીન્દ્રિયસ્વરૂપે આત્માને લક્ષમાં લેવો તે જ સર્વજ્ઞની ખરી સ્તુતિ છે. અતીન્દ્રિય આત્માને ઈંદ્રિયવડે
જાણનાર માનવો તેમાં સર્વજ્ઞની સ્તુતિ નથી પણ સર્વજ્ઞનો અપવાદ છે.

PDF/HTML Page 10 of 19
single page version

background image
ફાગણ: ૨૪૮૬ : ૧૧:
અંતર્મુખ થઈને જેમણે અતીન્દ્રિય આત્માને લક્ષમાં લીધો છે, ને તેમાં લીનતાવડે અતીન્દ્રિય
આનંદના અનુભવમાં ઝૂલી રહ્યા છે એવા વીતરાગી દિગંબર સંત કુંદકુંદાચાર્યદેવનું આ કથન છે; તેમણે
વિદેહક્ષેત્રે જઈને સીમંધરનાથ તીર્થંકરના સાક્ષાત્ દર્શન કર્યા હતા. તેમના અંતર અનુભવમાંથી
નીકળેલું આ પરમ સત્ય છે.
ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાન ને આનંદથી ભરેલો છે, ને રાગ તથા જડથી તે ખાલી છે.–આવા
ચૈતન્યતત્ત્વને જાણવાની ખરી જરૂરિયાત જીવને લાગી નથી, તેની ખરી ધગશ જાગી નથી. જો ખરી
ધગશ જાગે ને ખરી જરૂર લાગે તો તે તરફ પ્રયત્ન વળ્‌યા વગર રહે નહિ જેમ જગતમાં જેને જે
ચીજનો તીવ્ર પ્રેમ હોય તેને દિનરાત તેનું રટણ ચાલે છે, તેમ જેને ચૈતન્યનો ખરો પ્રેમ હોય તેને
દિનરાત તેનું રટણ રહ્યા કરે છે, તેનો પ્રયત્ન દિનરાત તે તરફ વળ્‌યા કરે છે, ને તે તેને પ્રાપ્ત કરે જ છે.
ઈન્દ્રિયોનો અભાવ થવા છતાં જ્ઞાનનો અભાવ થતો નથી, કેમ કે જ્ઞાનસ્વરૂપ આત્મા
અતીન્દ્રિય છે, તેનું જ્ઞાન ઈન્દ્રિયોના આધારે નથી. આવા આત્માને જે ધ્યેય બનાવે તેને ઈન્દ્રિયો તથા
બાહ્ય વિષયો પ્રત્યેથી રુચિ છૂટી જાય. અંતરમાં અતીન્દ્રિય આત્માને અવલંબીને જે નિર્વિકલ્પ પ્રતીત
અને આનંદનો અનુભવ થાય તે સમ્યગ્દર્શન અને ધર્મ છે.
અતીન્દ્રિય ચેતનાસ્વરૂપ આત્મા છે, તે ઈન્દ્રિયોવડે જાણનાર નથી. તેમજ તે ઈન્દ્રિયોદ્વારા
જણાતો નથી. અંતર્મુખ થયેલું જે અતીન્દ્રિયજ્ઞાન તેનાવડે જ આત્મા જણાય છે. સાધકના અંતર્મુખ
થયેલા મતિશ્રુતજ્ઞાન પણ અંશે અતીન્દ્રિય છે, તેનાથી આત્મા જણાય છે. એ સિવાય રાગાદિ ભાવો તો
બાહ્યવૃત્તિ છે, તેનાથી આત્મા જણાતો નથી.
આત્માને જાણવાની વિધિ શું છે તેની આ વાત છે. પોતે અતીન્દ્રિય થઈને આત્માને જાણે ત્યારે
અતીન્દ્રિય થયેલા જ્ઞાનની સાચી ઓળખાણ થાય. ઈન્દ્રિયજ્ઞાનથી તો ઈન્દ્રિયોની ચેષ્ટા દેખાશે, તેનાથી
જ્ઞાનીનો અતીન્દ્રિય આત્મા ઓળખાય નહીં. જ્ઞાનીની ઓળખાણ બહુ ઊંડી છે.
જડ વિષયોને જાણવામાં ઈન્દ્રિયો નિમિત્ત થાય છે, પરંતુ અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વને જાણવામાં
ઈન્દ્રિયો નિમિત્ત થતી નથી; અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વ તો જ્ઞાનવડે જ જણાય છે.–કયું જ્ઞાન? કે ઈન્દ્રિયોથી
પાર થઈને અંતરમાં જે જ્ઞાન વળ્‌યું તે જ્ઞાનવડે જ આત્મા જણાય છે. ઈન્દ્રિયોવડે તે જણાતો નથી માટે
તે ‘અલિંગગ્રહણ’ છે.
ધન્ય તે ઘર
અહો, જે ઘરમાં પવિત્ર
જૈનધર્મનો વાસ છે, જે ઘર પવિત્ર
ધર્માત્માના ચરણથી પાવન થયું છે, તે
ઘરની ધૂળ પણ ધન્ય છે; મુમુક્ષુઓને
તે ઘર અનેક પાવનકારી પ્રેરણાઓનું
મંગલ જન્મસ્થાન છે.
(શ્રી કહાનગુરુ જન્મધામમાંથી)

PDF/HTML Page 11 of 19
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૧૯૭
પોષ વદ છઠ્ઠે પૂ. ગુરુદેવે સૌરાષ્ટ્રમાં વેદીપ્રતિષ્ઠા નિમિત્તે મંગલવિહાર
કર્યો ત્યાર પહેલાં પોષ વદ પાંચમના રોજ સુવર્ણપુરીમાં થયેલું આ
પ્રવચન છે....તેમાં સાધકદશાની સુંદર ઓળખાણ આપી છે.
૧ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેની મુક્તિનું કારણ પણ જ્ઞાનસ્વરૂપ જ હોય; પુણ્ય–પાપ તો સ્વયં
બંધ સ્વરૂપ છે, તે મુક્તિનું કારણ કેમ હોય? ન જ હોય.
૨. આ રીતે જ્ઞાન તે મોક્ષનું કારણ અને પુણ્ય–પાપ તે બંધનું કારણ,–આમ હોવા છતાં તે બંને
એક સાથે કેમ હોઈ શકે? એવી શિષ્યની આશંકા છે.
૩. તે આશંકાનું સમાધાન કરતાં આચાર્યદેવ કહે છે કે સાંભળ, હે શિષ્ય! સાધકદશામાં મોક્ષનું
કારણ એવું જ્ઞાન, અને બંધનું કારણ એવા પુણ્ય–પાપ, એ બંનેને સાથે હોવામાં કોઈ વિરોધ નથી.
૪. સાધકને જ્યાં સુધી જ્ઞાનની વિરતિ પૂરી થઈ નથી ત્યાં સુધી ધર્મધારા અને કર્મધારા બંને
સાથે વર્તે છે; તે બંને સાથે વર્તતા હોવા છતાં, તેઓ એક સ્વરૂપપણે નથી વર્તતા, પણ ભિન્નભિન્નપણે
વર્તે છે.
પ. સમ્યગ્જ્ઞાન હોય ત્યાં મિથ્યાજ્ઞાન ન હોય એ વાત બરાબર છે. પરંતુ સમ્યગ્જ્ઞાન હોય ત્યાં
પુણ્ય–પાપ જ હોય–એવો કોઈ નિયમ નથી.
૬. આ રીતે સાધકદશામાં જ્ઞાન સાથે પુણ્ય પરિણામ પણ વર્તતા હોવા છતાં, ત્યાં પણ મોક્ષનું
કારણ તો જ્ઞાન જ છે, પુણ્યપરિણામ તે મોક્ષનું કારણ નથી પણ બંધનું જ કારણ છે.
૭. તે બંધના કારણને જો મોક્ષનું કારણ માને તો તો ત્યાં સમ્યગ્જ્ઞાન પણ હોતું નથી. તેમજ
જ્ઞાનની સાથે રાગ વર્તે છે માટે જ્ઞાન મોક્ષનું કારણ ન થાય–એમ પણ નથી.
૮. જુઓ, આમાં કેવું સરસ ભેદજ્ઞાન કરાવ્યું!
જ્ઞાન થયું માટે ત્યાં રાગ ન જ હોય એમ નથી.
જ્ઞાન સાથે રાગ છે માટે જ્ઞાન મોક્ષનું કારણ ન થાય–એમ નથી.
જ્ઞાન સાથે રાગ છે માટે તે રાગ પણ મોક્ષનું કારણ થાય–એમ નથી.
જ્ઞાન અને રાગ સાથે ભલે હો, પરંતુ જ્ઞાન તો મોક્ષનું જ કારણ થાય છે ને રાગ તો બંધનું જ
કારણ થાય છે.
૯. આ રીતે જ્ઞાન અને રાગ બંને ભિન્નભિન્ન સ્વભાવે વર્તે છે. જેમ જીવ અને શરીર બંને સાથે
વર્તતા હોય તો પણ બંને ભિન્નભિન્ન સ્વભાવે જ વર્તે છે. તેમ જ્ઞાન અને રાગ બંને સાથે વર્તતા હોય
તોપણ બંને ભિન્નભિન્ન સ્વભાવે જ વર્તે છે.–જુઓ, આ ભેદજ્ઞાન!
૧૦. આવો ભેદજ્ઞાની જીવ કદાચ બળદ પર્યાયમાં વર્તતો હોય તો પણ ભેદજ્ઞાનના બળે ક્ષણેક્ષણે
બંધન તોડતો જાય છે...ને...મોક્ષને સાધતો જાય છે. રાગથી ભિન્નપણે જ પોતાના જ્ઞાનને પરિણમાવતો
થકો, જ્ઞાનને તો સ્વભાવમાં એકતારૂપ કરતો જાય છે ને રાગથી દૂર થતો જાય છે. આ રીતે ભેદજ્ઞાનના
બળે રાગથી જ્ઞાનની જ્યારે સંપૂર્ણ વિરતિ થઈ જાય છે ત્યારે ત્યાં જ્ઞાન પૂર્ણતાને પામે છે, પછી ત્યાં
રાગાદિ બંધભાવ જરા પણ હોતો નથી.–સાધકદશામાં જ્ઞાન અને રાગનું જે ભેદજ્ઞાન કર્યું હતું તેનું આ
મંગલ ફળ છે. (સમયસાર કળશ ૧૧૦ ઉપરના પ્રવચનમાંથી)

PDF/HTML Page 12 of 19
single page version

background image
ફાગણ: ૨૪૮૬ : ૧૩ :
(શ્રી સમયસાર ગા. ૬૯ થી ૭૨ ઉપરના પ્રવચનોનું દોહન: ગતાંકથી ચાલુ)
ભેદજ્ઞાન થતાં આત્માની અંર્તપરિણતિ
એવી અલૌકિક થઈ જાય છે–જાણે કે આખો
આત્મા જ પલટી ગયો. જ્ઞાન અને વૈરાગ્ય એ
બે સમ્યગ્દ્રષ્ટિની ખાસ શક્તિઓ છે કે જેને લીધે
તેને બંધન થતું નથી, પણ નિર્જરા જ થાય છે.
સમ્યગ્દ્રષ્ટિનું હૃદય ઊંડુ છે, ઘણી પાત્રતા વગર
તે પકડાતું નથી. અહા! જ્ઞાની તો મહાવૈરાગ્યનું
પૂતળું છે...એના રોમે રોમે–ચૈતન્યના પ્રદેશે
પ્રદેશે રાગથી ઉદાસીનતા પરિણમી ગઈ છે. તે
સમકિતી હંસ આત્મ–આરામમાં–ચૈતન્ય બાગમાં
નિજાનંદની કેલી કરે છે. એવી દશા કેમ પ્રગટે
તેની આ વાત છે.
(૧૩૪) ભેદજ્ઞાન કેવું હોય, અને તે ભેદજ્ઞાન થતાં આત્માની કેવી દશા થાય, તેનું આ વર્ણન
છે. આત્મા અને રાગાદિને જુદા જાણનારું ભેદજ્ઞાન રાગાદિથી છુટૂં પડેલું છે. ભેદજ્ઞાન થયા પછી એવા
ને એવા રાગદ્વેષ રહેતા નથી. જ્ઞાને તે રાગાદિને પોતાથી જુદા જાણ્યા હોવાથી તે રાગાદિનું જોર અનંતું
ઘટી ગયું છે. આ કોઈ બહારની ક્રિયાની વાત નથી પણ આત્માની અંતરપરિણતિની વાત છે. ભેદજ્ઞાન
થતાં આત્માની અંતરપરિણતિ એવી અલૌકિક થઈ જાય છે–જાણે કે આખો આત્મા જ પલટી ગયો....
આત્માની આખી દશા જ બદલી જાય છે...પહેલાંની અને અત્યારની દશામાં આકાશ–પાતાળ જેટલું
મોટું અંતર છે.
(૧૩પ) ભેદજ્ઞાનની અપૂર્વ કળા જેના હૃદયમાં જાગી છે તે ધર્માત્મા જગતમાં સહજ વૈરાગી
હોય છે; ભેદજ્ઞાન થાય અને છતાં વિષયસુખોમાં એવી ને એવી મગ્નતા રહ્યા કરે એવું કદી બનતું નથી.
‘ज्ञानकला जिसके घट जागी ते जगमांही सहज वैरागी।
ज्ञानी मगन विषयसुखमांही यह विपरीत संभवे नांही।।’
પાંચ ઈંદ્રિયના વિષયમાં એવી ને એવી મીઠાસ વેદતો હોય, જાણે કે તેમાંથી સુખના સડકા
આવતા હોય–એવી મગ્નતાથી વિષયોમાં વર્તતો હોય, રુચિ પણ ન પલટે, ઈંદ્રિયવિષયોમાંથી વિરકતતા
જરાય ન થાય, રાગ–દ્વેષ કાંઈ પણ ન ઘટે અને એમ કહે કે મને જ્ઞાન થયું છે–હું સમ્યગ્દ્રષ્ટિ છું, તો એ
તો માત્ર શુષ્કજ્ઞાની છે, સમ્યગજ્ઞાનીની દશા કેવી હોય તેની એને ગંધ પણ નથી.

PDF/HTML Page 13 of 19
single page version

background image
: ૧૪: આત્મધર્મ: ૧૯૭
(૧૩૬) સમ્યગ્દ્રષ્ટિ નિયમથી જ્ઞાન અને વૈરાગ્યસંપન્ન હોય છે. ‘सम्यग्दृष्टेर्भवति नियतं
ज्ञानवैराग्य शक्तिः’ જ્ઞાન અને વૈરાગ્ય એ બે સમ્યગ્દ્રષ્ટિની ખાસ શક્તિઓ છે કે જેને લીધે તેને બંધન
થતું નથી પણ નિર્જરા જ થાય છે. આત્મસ્વભાવ તરફ જ્ઞાન વળે અને રાગાદિથી વિરક્ત ન થાય–
એમ બને જ કેમ? જ્ઞાનીનું હૃદય વિષયોથી ને રાગની અત્યંત વિરકત હોય છે, તેને (રાગાદિને કે
વિષયોને) પોતાના આત્મા સાથે જાણે સ્વપ્નેય લાગતુંંવળગતું ન હોય–એમ તેનાથી આત્માની અત્યંત
ભિન્નતા પ્રતિભાસે છે. જ્ઞાનીને જરાક રાગાદિ થતા દેખાય ત્યાં સ્થૂળ અજ્ઞાનીને એમ થઈ જાય છે કે
આ જ્ઞાનીને પણ આપણી જેમ જ રાગાદિ થાય છે.–પણ રાગ વખતે સમ્યગ્દ્રષ્ટિનું હૃદય બીજું કાર્ય કરે
છે–કે જે રાગથી તદ્ન જુદું છે, તેને તે અજ્ઞાની ઓળખી શકતો નથી. સમ્યગ્દ્રષ્ટિનું હૃદય ઊંડુ છે; ઘણી
પાત્રતા વગર તે પકડાતું નથી. અહા! જ્ઞાની તો મહાવૈરાગ્યનું પૂતળું છે...એના રોમે રોમે ચૈતન્યના
પ્રદેશે પ્રદેશે રાગથી ઉદાસીનતા પરિણમી ગઈ છે...રાગથી તેનું હૃદય અત્યંત વિરક્ત છે...સમ્યગ્દ્રષ્ટિનું
હૃદય આખા જગતથી ઉદાસ છે, તેથી જ કહ્યું કે:
‘દાસ ભગવંતકો....ઉદાસ રહે જગતસોં,
સુખિયાં સદૈવ એસે...જીવ સમકિતી હૈ.’
(૧૩૭) પોતાના ચૈતન્યસ્વરૂપને પવિત્ર જાણતો થકો, રાગથી પૃથક્ થઈને સમકિતી–હંસ
પોતાના આત્મ–આરામમાં....ચૈતન્યબાગમાં નિજાનંદ કેલિ કરે છે. વચ્ચે રાગ આવે તે દુર્ગંધ જેવો
અપવિત્ર ભાસે છે, તેના વેદનની તેને હોંશ નથી. તેને ચૈતન્યસ્વભાવ તરફનો જ ઉત્સાહ છે, રાગ
તરફનો ઉત્સાહ તેને તૂટી ગયો છે. તેથી ઉત્સાહ વગરનો જે થોડોક રાગ રહ્યો છે તેની કાંઈ ગણતરી
નથી; સ્વભાવ તરફના ઉત્સાહના વેગને લીધે તેને બંધન તૂટતાં જ જાય છે. માટે કહ્યું કે ભેદજ્ઞાન થયા
પછી જ્ઞાનીને બંધન થતું નથી.
(૧૩૮) જ્ઞાનીની પરીક્ષા કરવાની ને ઓળખાણ કરવાની રીતે પણ જગતના જીવોને આવડતી
નથી, એટલે પોતાની કલ્પના અનુસાર માપ કાઢે છે. પહેલા નંબરના અજ્ઞાની એવા છે કે માત્ર
બહારના વેષથી પરીક્ષા કરે છે. બીજા નંબરના અજ્ઞાની એવા છે કે બહારની ક્રિયા દેખીને પરીક્ષા કરે
છે. ત્રીજા નંબરના અજ્ઞાની એવા છે કે કષાયની મંદતા ઉપરથી માપ કાઢે છે. પણ તે કોઈ જ્ઞાનીને
ઓળખવાની ખરી રીત નથી. જે સાચો જિજ્ઞાસુ છે તે તો અંતરની તત્ત્વદ્રષ્ટિથી પરીક્ષા કરે છે કે સામા
જીવને શ્રદ્ધા–જ્ઞાન કેવાં છે? તેને સ્વાશ્રય ચૈતન્યભગવાનની શ્રદ્ધા છે કે નહીં? રાગથી ભિન્નચૈતન્ય
સ્વભાવની પ્રતીત છે કે નહીં? રાગ થાય તેનાથી લાભ માને છે કે તેનાથી જુદો રહે છે?–એની રુચિનું
જોર કઈ તરફ કામ કરે છે? એના વેદનમાં શેની મુખ્યતા છે? આ રીતે અંતરના શ્રદ્ધા–જ્ઞાન ઉપરથી
જ્ઞાની ધર્માત્માને જે જીવ ઓળખે છે તે સુપાત્ર છે.
(૧૩૯) કોઈ જ્ઞાની હોય છતાં પુણ્યયોગે બહારમાં સંયોગ ઘણો હોય, કોઈ અજ્ઞાની હોય છતાં
બહારમાં સંયોગ થોડો હોય;–તેથી સંયોગ ઉપરથી જ્ઞાની–અજ્ઞાનીનું માપ થતું નથી.
કોઈ જીવે વસ્ત્રાદિ છોડીને મુનિનું દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય છતાં અભિપ્રાયમાં મિથ્યાત્વ
સેવાતું હોય એમ પણ બને, અને કોઈ જીવ વસ્ત્રાદિ સહિત ગૃહસ્થપણામાં હોય છતાં અંતરમાં
સમ્યગ્દ્રષ્ટિ હોય;–માટે બાહ્યવેષ ઉપરથી પણ જ્ઞાની–અજ્ઞાનીની પરીક્ષા થઈ શકતી નથી.
કોઈ અજ્ઞાની જીવ મંદકષાયને લીધે એવો શાંત દેખાતો હોય કે કોઈ બાળી મૂકે તોય ક્રોધ ન
કરે, છતાં અંતરમાં કષાયથી ભિન્ન ચિદાનંદ આત્માનું ભાન તેને ન હોય; તે બંધમાર્ગમાં જ પડ્યો છે,
મોક્ષમાર્ગની તેને ખબર પણ નથી. અને કોઈ જ્ઞાનીને અસ્થિરતાજનિત ક્રોધ થતો હોય પણ ‘મારો
ક્ષમાવંત વીતરાગી ચૈતન્ય સ્વભાવ આ ક્રોધથી જુદો છે’ એવું ભાન તેના અંતરમાં વર્તે છે એટલે
ખરેખર તે બંધમાર્ગમાં નથી પણ મોક્ષમાર્ગમાં વર્તે છે.–આ રીતે માત્ર કષાયની મંદતા ઉપરથી પણ
જ્ઞાની–અજ્ઞાનીની સાચી ઓળખાણ થતી નથી.

PDF/HTML Page 14 of 19
single page version

background image
ફાગણ: ૨૪૮૬ : ૧પ:
પહેલાં પોતે ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન શું ચીજ છે તે ઓળખે તો તેને અનુસાર જ્ઞાની–
અજ્ઞાનીની ઓળખાણ કરી શકે. એ સિવાય પોતે અજ્ઞાનમાં ઊભો રહીને જ્ઞાનીની વાસ્તવિક ઓળખ
ક્્યાંથી કરી શકે?
(૧૪૦) ઋષભદેવ ભગવાનના પુત્રો ભરત અને બાહુબલી બંને ભાઈઓ સમકિતી ધર્માત્મા
હતા ને બંને ચરમશરીરી હતા. લડાઈમાં બંને ભાઈઓ એકબીજા સામે લડયા....તેમાં ભરત જીતી
શક્્યા નહિ એટલે ક્રોધમાં આવીને છેવટે બાહુબલી ઉપર ચક્ર છોડયું. ચારેકોર હા–હા કાર થઈ ગયો.
પરંતુ બાહુબલી તો ભરતના ભાઈ, અને વળી ચરમશરીરી, તેથી તેના ઉપર ચક્ર ચાલ્યું નહિ. ગોત્રના
માણસો ઉપર કે ચરમશરીરી જીવો ઉપર ચક્ર ચાલી શકતું નથી. એટલે ભરતે છોડેલું ચક્ર બાહુબલીને
કાંઈ ન કરી શક્્યું. –પણ બાહુબલીને એ પ્રસંગે સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યો કે અરે, આ શું? આવા
ક્ષણભંગુર રાજ્યને માટે ભરતને મારા ઉપર ચક્ર છોડવું પડે!! ધિક્કાર આ રાજને! ધિક્કાર આ
મોહને! આ જીવનમાં રાજને માટે આ શું? –આમ વૈરાગ્ય પામી, મુનિ થઈ, એક વર્ષ અડગપણે ધ્યાન
કરીને કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. સાધારણ જીવોને તો એમ લાગે કે અરે, જ્ઞાની થઈને લડાઈ કરે–
આ શું! આ રીતે બાહ્યબુદ્ધિવાળા સાધારણ જીવોને એટલું જ દેખાય છે કે બંને સામસામા લડાઈ કરે
છે; પરંતુ, તે વખતેય પોતાના શુદ્ધ પવિત્ર આનંદઘન જ્ઞાતાસ્વભાવનું બંનેને ભાન વર્તે છે, ભેદજ્ઞાનના
બળે તે વખતેય તેમની પરિણતિ લડાઈના ભાવથી જુદી જ્ઞાતાભાવે પરિણમી રહી છે, તેને તે
બાહ્યબુદ્ધિ જીવો દેખી શકતા નથી. લડાઈ વખતે પણ ભરત અને બાહુબલી એ બંનેનું જ્ઞાન, ‘હું
ચિદાનંદ આત્મા, પરથી ભિન્ન છું’ એવા જ્ઞાનપણે પરિણમે છે,–કે ‘હું ક્રોધ છું’ એમ લડાઈના ભાવપણે
પરિણમે છે?–એ કોણ નક્કી કરશે? જેને ક્રોધ અને જ્ઞાનનું ભેદજ્ઞાન હશે તે જ તેનો નિર્ણય કરી શકશે.
મીંદડી જે મોઢેથી પોતાના બચ્ચાંને પકડે છે તે જ મોઢેથી ઊંદરને પકડે, પણ ‘પક્કડ પક્કડ મેં ફેર હૈ.’
તેમ બહારની ક્રિયા જ્ઞાની અને અજ્ઞાનીને એકસરખા જેવી દેખાતી હોય તો પણ તેમના અંતરના
પરિણમનમાં મહાન આંતરો હોય છે. અજ્ઞાની તો રાગમાં જ લયલીન વર્તે છે, રાગ વખતે તેનાથી
જરાય ભિન્નતા તેને રહેતી નથી; ત્યારે જ્ઞાનીને તો રાગથી અત્યંત ભિન્નતાનું ભેદજ્ઞાન ઉદય પામ્યું છે,
એટલે તેને રાગથી ભિન્નતા જ રહે છે.
(૧૪૧) આત્માનો જ્ઞાનસ્વભાવ, અને ક્રોધાદિ પરભાવ, એ બંનેને જુદાં પાડતું ભેદજ્ઞાન ઉદય
પામ્યું છે. કેવી રીતે ભેદજ્ઞાન ઉદય પામ્યું છે?–કે ‘ચિદાનંદ સ્વભાવ તે હું’ એમ સ્વભાવની અખંડતાને
સાધતું, અને ‘આ રાગાદિ પરભાવો તે હું નહિ’ એમ પરપરિણતિને છોડતું, ભેદજ્ઞાન ઉદય પામ્યું છે. વળી
જ્ઞાન કર્તા અને ક્રોધાદિ તેનું કર્મ,–એવો જે કર્તા–કર્મનો ભેદ તેને તોડી પાડતું અત્યંત પ્રચંડપણે તે જ્ઞાન
ઉદય પામ્યું છે. અત્યંત પ્રચંડ એટલે તીખું જ્ઞાન, જ્યાં સ્વભાવને સાધતું ઝગઝગાટ કરતું પ્રગટ થયું ત્યાં
રાગાદિ સાથે કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ ક્યાંથી હોય?–અને કર્મનું બંધન પણ કેમ થાય? ‘હું આત્મા
નિર્મળ ચિદાનંદમૂર્તિ છું ને રાગાદિ ભાવો મારા સ્વરૂપથી બહાર છે’–આમ સ્વભાવની અખંડતાને સાધતું
ને પરપરિણતિને છોડતું જે ભેદજ્ઞાન ઉદય પામ્યું તેમાં પરભાવો સાથે કર્તાકર્મપણું હોતું નથી તેમજ કર્મનું
બંધન પણ થતું નથી. સ્વભાવમાં પરિણમતું અને પરભાવને છોડતું તે જ્ઞાન કર્મબંધનને છેદીને આત્માને
મુક્તિ પમાડે છે. આ રીતે ભેદજ્ઞાન તે જ બંધનથી છૂટવાનો ઉપાય છે.
નોંધ:– ગાથા ૬૯ થી ૭૨ ઉપરના પૂ. ગુરુદેવના સુંદર પ્રવચનોના આ દોહનમાં, પૂ.
બેનશ્રીબેનલિખિત પ્રવચનોમાંથી ણપ કેટલોક ભાગ ઉમેર્યો છે, તેની સાભાર નોંધ લઈએ છીએ.
–: સં પૂ ર્ણ:–

PDF/HTML Page 15 of 19
single page version

background image
: ૧૬: આત્મધર્મ: ૧૯૭
સંતોની વાણી આત્માને જગાડે છે
૧. સમ્યગ્દર્શનમાં આત્મશાંતિનું વેદન છે. જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં શાંતિ હોય જ; જ્યાં શાંતિ
હોય ત્યાં સમ્યગ્દર્શન હોય જ. સમ્યગ્દર્શન થાય ને શાંતિનું વેદન ન થાય–એમ બને નહીં અને
સમ્યગ્દર્શન વગર કોઈને શાંતિનું વેદન થાય એમ બને નહિ.
૨. હે જીવ! જેમાંથી સમ્યગ્દર્શન પ્રગટે, જેમાંથી પરમ આનંદ પ્રગટે, જેમાંથી સિદ્ધપદ પ્રગટે
એવા અચિંત્ય ચૈતન્યવિધાન તારા આત્મસ્વભાવમાં જ ભરેલા છે, તેમાં અંતર્મુખ થઈને
શોધ....બહારમાં શોધ્યે મળે તેમ નથી.
૩. સિદ્ધપદ વગેરે જેમાંથી પ્રગટે છે એવો પરમપારિણામિક સ્વભાવી આત્મા ક્્યાં રહ્યો છે?–
પોતાના સહજજ્ઞાનરૂપી કિલ્લામાં તે રહ્યો છે; તે સહજજ્ઞાનરૂપી કિલ્લામાં મોહનું કોઈ ધાંધલ નથી,
તેમાં કોઈ વિધ્ન નથી. અંર્તદ્રષ્ટિરૂપી દરવાજાથી તે સહજજ્ઞાન કિલ્લાની અંદર પ્રવેશતાં સર્વ
આત્મપ્રદેશે ચિદાનંદથી ભરેલા આત્માનું દર્શન થાય છે....ચેતન્યભગવાનનો ભેટો થાય છે...અને પછી
તે જીવ પોતે પરમાત્મા થઈ જાય છે.
૪. ચૈતન્યસ્વભાવી પરમતત્ત્વમાં પ્રવેશ કરનારને ચાર ગતિમાં પુનરાગમન રહેતું નથી, કેમકે
ચૈતન્યસ્વભાવી પરમતત્ત્વ પોતે ચાર ગતિથી રહિત છે.
પ. શ્રી આચાર્યદેવ કરુણાપૂર્વક કહે છે કે અરે જીવ! રાગાદિ ભાવો તો તારે માટે અપદ છે...અપદ છે
તેને તું તારું પદ ન માન...તારું પદ તો શુદ્ધચૈતન્યમય છે, તેને તું દેખ. તારું શુદ્ધ ચૈતન્યપદ તારામાં જ છે,
છતાં અંધ થઈને તેને તું દેખતો નથી.. ને રાગમાં તારું પદ માની રહ્યો છે...તે અંધમાન્યતા હવે છોડ...ને
તારા જ્ઞાનચક્ષુ ખોલીને તારા શુદ્ધચૈતન્ય પદને દેખ...તેને દેખતાં જ તું આનંદિત થઈશ.
૬. અંધ પ્રાણીઓને દેખતા કરવા માટે સન્તો કરુણાથી કહે છે કે અરે પ્રાણીઓ! તમે તમારા
શુદ્ધ ચૈતન્યપદને દેખો...આ તરફ આવો રે...આ તરફ આવો. અનાદિથી રાગ તરફ જઈ રહેલા ને
રાગમાં જ અંધપણે સૂતેલા જીવોને જગાડીને આચાર્યદેવ પાછા વાળે છે; અરે જીવો! રાગ તરફના
વેગથી હવે પાછા વળો....ને આ શુદ્ધચૈતન્ય તરફ આવો. તમારું આ ચૈતન્યપદ પરમ આનંદરસથી
ભરેલું છે.
૭. જેમ રાજાનું સ્થાન સુર્વણના સિંહાસન ઉપર હોય, ધૂળમાં ન હોય; તેમ હે ભાઈ! તું ચૈતન્ય–
રાજા! તારું સ્થાન તો શુદ્ધચૈતન્ય–સિંહાસને છે, વિકારમાં તારું સ્થાન નથી, માટે તું જાગ... જાગીને
તારા નિજપદને જો.....
૮. ધર્મમાં બુદ્ધિમાન તેને કહેવાય કે જે પોતાના સ્વભાવનો જ આશ્રય લઈને મુક્તિને સાધે છે.
જે જીવ એમ નથી કરતો ને પરાશ્રયથી લાભ માનીને સંસારમાં રખડે છે તે જીવ ભલે ગમે તેટલું ભણ્યો
હોય તો પણ બુદ્ધિમાનો તેને બુદ્ધિમાન કહેતા નથી કેમકે તેનામાં ધર્મની બુદ્ધિ પ્રગટી નથી, ધર્મની રીત
કઈ છે તે તેને આવડતું નથી.
૯. ધર્મની રીતે એટલે કે મોક્ષને સાધવાની રીત આ છે કે, સદાય મુક્ત એવા સહજ સ્વભાવનો
આશ્રય કરવો. મુક્ત સ્વભાવના આશ્રયે જ મુક્તિ થાય....રાગાદિ બંધભાવ છે તે બંધભાવના આશ્રયે
તો બંધન થાય પણ મુક્તિ ન થાય.
૧૦. માટે જે જીવ બુદ્ધિમાન છે....જેણે પોતાની બુદ્ધિ ધર્મમાં જોડી છે એવો મુમુક્ષુ જીવ અંતર્મુખ
થઈને પોતાને સહજ સ્વભાવના આશ્રયે રત્નત્રયધર્મને આરાધીને એકલો જ મોક્ષમાર્ગમાં શોભે છે.
સંતોની વાણી આવ મોક્ષમાર્ગની પ્રેરણા આપીને આત્માને જગાડે છે.....એ સંતોનો મહા
ઉપકાર છે.
(નિયમસાર ગા. ૧૭૮ ના પ્રવચનમાંથી વીર સં. ૨૪૮૬, પોષ સુદ બીજ)

PDF/HTML Page 16 of 19
single page version

background image
ફાગણ: ૨૪૮૬ : ૧૭:
આચાર્ય ભગવાન મોક્ષનું સાધન બતાવે છે
(મલકાપુરમાં પૂ. શ્રી કાનજીસ્વામીનું પ્રવચન: તા. ૩૧–૩–પ૯)
આત્માને બંધનથી છૂટવાનું સાધન શું, મોક્ષનું સાધન શું તે વાત ચાલે છે. જિજ્ઞાસુ શિષ્ય પૂછે
છે: પ્રભો! આ આત્માને રાગાદિ સાથે એકતારૂપ જે બંધન છે તે દુઃખદાયક છે, તે બંધનથી છૂટકારો કેમ
થાય? કયા સાધનવડે આત્મા અને બંધન જુદા પડે? આચાર્ય–મહારાજ તેનો ઉત્તર આપે છે કે હે
શિષ્ય! સાંભળ! આત્મા ચૈતન્યલક્ષણવાળો છે ને બંધ તો રાગાદિક લક્ષણવાળો છે, એ રીતે ભિન્નભિન્ન
લક્ષણવડે બંનેને જુદા ઓળખીને, પ્રજ્ઞાને અંતરમાં જ્ઞાન–સ્વભાવમાં એકાગ્ર કરતાં બંધન વગરનો–
રાગ વગરનો જ્ઞાન–સ્વભાવી આત્મા અનુભવમાં આવે છે ને રાગાદિ જુદા પડી જાય છે. આ રીતે
પ્રજ્ઞારૂપી સાધનવડે આત્મા અને બંધન જુદા પડી જાય છે.
રાગાદિ પરભાવો સાથે એક્તા કરીને આત્મા પોતાના સ્વભાવથી ખસ્યો તેનું નામ સંસાર છે;
બહારના સંયોગમાં કે દેહમાં સંસાર નથી, સંસાર તો જીવની મલિન અવસ્થા છે. અને મોક્ષ પણ
બહારમાં નથી, મોક્ષ તે જીવની પૂર્ણ શુદ્ધ અવસ્થા છે. આ રીતે સંસાર અને મોક્ષ જીવમાં જ છે, ને તેનું
સાધન પણ જીવમાં જ છે. મોક્ષનું સાધન બહારમાં નથી, તેમ સંસારનું કારણ પણ બહારમાં નથી.
મોક્ષનું સાધન અંતરમાં છે, તેને ભૂલીને જીવે બહારના જ લક્ષે બધું કરીને તેને મોક્ષનું સાધન
માન્યું છે. જીવે શું શું કર્યું? તો કહે છે કે–
યમ નિયમ સંયમ આપ કિ્્યો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો;
વનવાસ લહ્યો મુખ મૌન રહ્યો
દ્રઢ આસન પદ્મ લગાય દિયો.
જપ ભેદ જપે તપ ત્યોંહી તપે
ઉરસેંહી ઉદાસી લહી સબપેં,
સબ શાસ્ત્રનકે નય ધારી હિયે,
મત મંડન ખંડન ભેદ લિયે;
મન પૌન નિરોધ સ્વરબોધ કિ્્યો,
હઠ જોગ પ્રયોગ સુતાર ભયો.
વહ સાધન બાર અનંત કિ્્યો,
તદતિ કછુ હાથ હજુ ન પર્યો;
અબ કયોં ન વિચારતા હૈ મનમેં
કછુ ઓર રહા ઉન સાધનમેં.
અરે જીવ! તું જરાક વિચાર તો કર કે આટલા આટલા સાધન પૂર્વે અનંતવાર કરી ચૂક્્યો છતાં
હિત કેમ ન થયું? હિતનું ખરું સાધન કયું બાકી રહી ગયું? આચાર્યદેવ કહે છે કે રાગાદિથી ભિન્ન
આત્મસ્વરૂપ શું ચીજ છે તેનું યથાર્થ જ્ઞાન (ભેદજ્ઞાન) તેં પૂર્વે કદી એક ક્ષણ પણ નથી કર્યું, અને તે
ભેદજ્ઞાન જ મોક્ષનું સાધન છે.
અહીં આચાર્યદેવ જિજ્ઞાસું શિષ્યને એ જ સાધન સમજાવે છે: હે જીવ! પ્રજ્ઞાછીણી એટલે કે
આત્મા અને રાગનું ભેદજ્ઞાન તે જ મોક્ષનું સાધન છે.
આવા ભેદજ્ઞાન માટે પહેલાં આત્માની લગની લાગવી જોઈએ. જેમ માતાની આંગળીથી વિખૂટું
પડેલું બાળક પોતાની માતાને જ રટે છે; કોઈ પૂછે કે તારું નામ શું? તો કહે કે “મારી બા!” કોઈ પેંડો
આપે તો ન લ્યે ને કહે કે “મારી બા!” માતાની લગની આડે તે બીજું કાંઈ જોતું નથી. તેમ ચૈતન્ય
સ્વભાવથી વિખૂટો પડેલો બાળક જેવો શિષ્ય પોતાના ચૈતન્યસ્વભાવનો અનુભવ કરવા ઝંખે છે, તેનું
જ રટણ કરે છે, તેના રટણ

PDF/HTML Page 17 of 19
single page version

background image
: ૧૮: આત્મધર્મ: ૧૯૭
આડે જગતના વિષયકષાયોથી ઉદાસ થયો છે ને શ્રીગુરુ પાસે જઈને વિનયથી પૂછે છે: પ્રભો! મને
મારા આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય? મારા આત્માના અનુભવનો ઉપાય શું? આવા જિજ્ઞાસુ શિષ્યને
આચાર્યદેવે અહીં આત્માના અનુભવનો ઉપાય સમજાવ્યો છે.
ભાઈ, તારા આત્મામાં વર્તમાન વિકાર હોવા છતાં તે તારા આત્માનું લક્ષણ નથી, તારા
આત્માનું લક્ષણ તો ચૈતન્ય છે. તે ચૈતન્ય લક્ષણવડે તારા આત્માને લક્ષમાં લઈને અનુભવ કરતાં તને
રાગથી ભિન્ન તારો આત્મા અનુભવમાં આવશે ને તારી અતીન્દ્રિય શાંતિનું તને વેદન થશે. અમે
અમારા આત્મામાં આ જાતનો અનુભવ કરીને તને કહીએ છીએ કે આ ઉપાયથી જરૂર આત્મા અને
બંધન છૂટા પડી જાય છે ને બંધન વગરનો શુદ્ધ આત્મા અનુભવમાં આવે છે. અમે આ સાધનથી
અમારા આત્માને બંધનથી છૂટો અનુભવ્યો છે, અને તું પણ આ સાધનથી તારા આત્માને બંધનથી
છૂટો અનુભવ કર. આ ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે. આ રીતે આચાર્ય ભગવાને શિષ્યને મોક્ષનું
સાધન બતાવ્યું.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જાણે છે કે ‘ચેતનરૂપ અનુપ અમૂરત....સિદ્ધ સમાન સદા પદ મેરો...’
આવા આત્મસ્વભાવમાં અભેદ થયેલું જ્ઞાન તે જ મોક્ષનું કારણ છે. રાગ તો આત્માના સ્વભાવથી
બાહ્ય વસ્તુ છે, તે આત્માના મોક્ષનું સાધન નથી. સ્વભાવ સન્મુખ થતાં જે જ્ઞાનકળા પ્રગટી તેનાથી
શિવમાર્ગ સધાય છે ને ભવવાસ મટી જાય છે.
હંસ
સમસ્ત મુનિજનોના હૃદય કમળનો હંસ એવો
જે આ શાશ્વત, કેવળજ્ઞાનની મૂર્તિ રૂપ, સકળ વિમળ
દ્રષ્ટિમય, શાશ્વત આનંદરૂપ, સહજ
પરમચૈતન્યશક્તિમય પરમાત્મા તે જયવંત છે.
(નિયમસાર કળશ: ૧૨૮)
સમકિતી–હંસ
આત્માના ચૈતન્ય સરોવરના શાંત જળમાં
કેલિ કરનાર સમકિતી હંસને ચૈતન્યના શાંતરસ
સિવાય બહારમાં પુણ્ય–પાપની વૃત્તિની કે
ઈન્દ્રિયવિષયોની રુચિ ઊડી ગઈ છે; ચૈતન્યના શાંત
આનંદરસનો એવો નિર્ણય (વેદન સહિત) થઈ ગયો
છે કે બીજા કોઈ રસના વેદનમાં તેને સ્વપ્નેય સુખ
લાગતું નથી. આવો સમકિતી હંસ–નિરંતર
શાંતરસના સરોવરમાં કેલી કરે છે.

PDF/HTML Page 18 of 19
single page version

background image
ફાગણ: ૨૪૮૬ : ૧૯:
વૈરાગ્ય સમાચાર
(૧) રાજકોટના શેઠ શ્રી બેચરદાસ કાળીદાસ જસાણીના
ધર્મપત્ની હરકોરબેન મુંબઈ મુકામે મહા વદ ૧૪ના રોજ લગભગ
૮૦ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વખતથી
તેઓ બિમાર હતા. જસાણી કુટુંબ પહેલેથી જ ધાર્મિક કાર્યોમાં
અગ્રગણ્ય ભાગ લઈ રહ્યું છે; શ્રી હરકોરબેન પણ તેમાં સાથે
ભાગ લેતા. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો.
અવારનવાર લાંબો વખત સોનગઢ રહીને તેઓ લાભ લેતા. દેવ–
ગુરુ–ધર્મના પ્રેમમાં આગળ વધીને તેઓ આત્મહિત સાધે એ જ
ભાવના.....
(૨) મોરબીના ભાઈશ્રી જયંતિલાલ અમૃતલાલ (બ્ર.
હરિભાઈના નાના ભાઈ) મુંબઈ મુકામે મહા વદ પાંચમના રોજ
૩૨ વર્ષની વયે આકસ્મિક સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે
તેમને ભક્તિભાવ હતો. ત્રણ મહિના પહેલાં જ તેઓ સોનગઢ
આવીને લગભગ એક મહિનો રહી ગયેલા....ને શાંત
વાતાવરણથી પ્રસન્ન થઈને કહેલું કે હવેથી દર વર્ષે હું સોનગઢ
આવીશ. પરંતુ તેઓ અકસ્માત સ્વર્ગવાસ પામ્યા. આ અસાર
સંસારમાં તેઓ દેવ–ગુરુ–ધર્મનું શરણ પામીને આત્મહિત સાધે...
એ જ ભાવના.....
જૈન દર્શન શિક્ષણ વર્ગ
ઉનાળાની રજાઓ દરમિયાન વિધાર્થીઓ માટે
સોનગઢમાં જૈન દર્શન શિક્ષણ વર્ગ ચાલશે; વૈશાખ
સુદ ૧૪ ને મંગળવાર તા. ૧૦–પ–૬૦ થી આ વર્ગ શરૂ
થશે ને જેઠ સુદ ૬ તા. ૩૧–પ–૬૦ સુધી ચાલશે. આ
શિક્ષણ વર્ગ ચાર વર્ષ બાદ ખુલી રહ્યો છે, તો દરેક
જિજ્ઞાસુ વિધાર્થીઓ ધાર્મિક શિક્ષણનો લાભ લઈને
રજાઓનો સદ્પયોગ કરે–એવી ખાસ ભલામણ છે.
વિદ્યાર્થીઓ માટે રહેવા–જમવાની વ્યવસ્થા સંસ્થા
તરફથી થશે.
–શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ

PDF/HTML Page 19 of 19
single page version

background image
ATMADHARMA Reg. No. B. 4787
____________________________________________________________________________
ચૈતન્યમાં ભરેલો ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી
ચૈતન્યસ્વરૂપ આત્મામાં કેવળજ્ઞાન અને સિદ્ધપદનાં સામર્થ્ય ભર્યાં છે, તે ચૈતન્યના ગુપ્ત
ચમત્કારને જીવો લક્ષમાં લેતા નથી...જો ચૈતન્યને લક્ષમાં લ્યે તો તેનો અચિંત્ય ચમત્કાર પ્રગટ થાય.
કેવળજ્ઞાનનો મહાઆર્શ્ચયકારી ચમત્કાર જગતને આનંદ પમાડનારો છે, અને તે ચમત્કાર ચૈતન્યમાં જ
રહેલો છે. ધ્રુવ ચૈતન્યસ્વભાવને લક્ષમાં લઈને તેના અવલંબને જેણે કેવળજ્ઞાનરૂપ પૂર્ણ ચૈતન્યચમત્કાર
પ્રગટ કર્યો તેનું આ વર્ણન છે. તે ચૈતન્ય ચમત્કાર પૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલો છે. જગતના ત્રણ
કાળ ત્રણ લોકના સમસ્ત પદાર્થોનો એક સમયમાં રાગ વગર જે તાગ મેળવી લ્યે છે, –આવી તાકાત
જેનામાંથી સાદિ અનંત પ્રગટ્યા કરે તેના બેહદ સામર્થ્યની શી વાત? જે જ્ઞાનમાં આવું ચૈતન્યનું બેહદ
સામર્થ્ય બેઠું તે જ્ઞાન પણ સ્વભાવ તરફ વળીને સમ્યક્ થયું; એ સમ્યગ્જ્ઞાન તે મોક્ષમાર્ગનો એક
અવયવ છે. તેની પણ બેહદ તાકાત છે કે અચિંત્ય કેવળજ્ઞાનને તે પોતાના નિર્ણયમાં લઈ લ્યે છે, અને
તે કેવળજ્ઞાનનું સામર્થ્ય જેમાં ગુપ્તપણે ભર્યું છે એવા ધુ્રવ ચૈતન્યના ચમત્કારે પણ તે જાણી લ્યે છે.
અરિહંતના કેવળજ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય છે, તેનું જ્ઞાન કરતાં આત્માનું જ્ઞાન થાય છે.
પ્રવચનસારની ૮૦મી ગાથામાં એ વાત કરી છે. અહા! અંદરમાં ચૈતન્યચમત્કાર ભર્યાં છે.....તેને નહિ
દેખનારા જીવો બહારના મહિમામાં અટવાય છે....અરે ચેતન! તારા ભંડારમાં શી ખામી છે કે તું બહાર
શોધે છે? આખો લોક ને અલોક તો તારા જ્ઞાનમાં ઝળકી રહ્યો છે. તે જ્ઞાનમાં તન્મય રહીને તું
લોકાલોકને તારાથી ભિન્નપણે જાણ. કેવળજ્ઞાની પરમાત્મા પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં તે તન્મય થઈને
તેને નિશ્ચયથી જાણે છે, ને લોકાલોકને વ્યવહારથી એટલે કે તેમાં તન્મય થયા વગર, પોતાના
સામર્થ્યથી જાણે છે. –જિનનાથના તત્ત્વવિચારમાં નિપુણ જીવ કેવળજ્ઞાનનો આ રીતે નિર્ણય કરે છે.
કેવળજ્ઞાન તો જિનનાથે કહેલા તત્ત્વોમાં મૂળ વસ્તુ છે; તેના સ્વરૂપમાં જેને સન્દેહ છે તે જીવ
તત્ત્વવિચારમાં નિપુણ નથી.
ભગવાનની સર્વજ્ઞતાનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરીને, સ્તુતિ કરતાં શ્રી સમન્તભદ્રસ્વામી
‘સ્વયંભૂ–સ્તોત્ર’ માં કહે છે કે હે જિનેન્દ્ર! તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે; ‘ચરાચર જગત પ્રતિક્ષણ ઉત્પાદ–
વ્યય–ધ્રૌવ્યલક્ષણવાળું છે.’ એવું આ તારું વચન તારી સર્વજ્ઞતાનું ચિહ્ન છે. પ્રભો! તારી શ્રેષ્ઠ વાણીથી
વસ્તુસ્વરૂપનો અને તારી સર્વજ્ઞતાનો નિર્ણય કરીને હું તારી સ્તુતિ કરું છું.
જુઓ, આ રીતે સર્વજ્ઞની ઓળખાણપૂર્વક જ સર્વજ્ઞની સ્તુતિ થાય છે. સર્વજ્ઞની નિશ્ચયસ્તુતિનું
વર્ણન કરતાં સમયસારની ૩૧મી ગાથામાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવે પણ અલૌકિક વાત કરી છે કે
રાગાદિથી ભિન્ન એવા જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જે પોતાના જ્ઞાયકસ્વરૂપ આત્માને અનુભવે છે
તેને જ સર્વજ્ઞભગવાનની નિશ્ચયસ્તુતિ છે. આમાં સર્વજ્ઞનો નિર્ણય પણ ભેગો જ છે. આવા નિર્ણયમાં
પણ ચૈતન્યચમત્કારી પ્રગટતાનો અપૂર્વ આનંદ અનુભવાય છે.
(નિયમસાર ગા. ૧૬૯ ઉપરના પ્રવચનમાંથી)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રી પ્રેસ ભાવનગર