Atmadharma magazine - Ank 198
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૧૯૮
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
સોનગઢનું જિનમંદિર અને માનસ્તંભ
વર્ષ: ૧૭
અંક: ૬
લવાજમ
ચાર રૂપીયા
ચૈત્ર
સળંગ અંક:
૧૯૮
આ માનસ્તંભની મંગલ પ્રતિષ્ઠાને ચૈત્ર સુદ દસમે
સાત વર્ષ પૂરા થઈને આઠમું વર્ષ બેસે છે.

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૨: આત્મધર્મ: ૧૯૮
વિ...વિ...ધ
સ...મા...ચા...ર

પૂ. ગુરુદેવે સોનગઢથી પોષ વદ છઠ્ઠે પ્રસ્થાન કરેલું, ત્યારબાદ વડીયા, જેતપુર અને ગોંડલ
શહેરમાં જિનેન્દ્રભગવંતોની વેદીપ્રતિષ્ઠાનો ઉત્સવ કરીને માહ વદ બીજે રાજકોટ પધાર્યા....તે
સમાચાર આત્મધર્મના ગતાંકમાં આવી ગયા છે. રાજકોટમાં પૂ. ગુરુદેવ એક મહિનો રહ્યા. તે
દરમિયાન ત્યાંના મુમુક્ષુઓએ ઉત્સાહથી લાભ લીધો. આખા મહિના દરમિયાન બહારગામથી
આવેલા મહેમાનો માટે પણ સુ્રંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. બધી વ્યવસ્થામાં રાજકોટના
આગેવાનો સીધી દેખરેખ રાખતા હતા. બધી વ્યવસ્થામાં રાજકોટના આગેવાનો સીધી દેખરેખ
રાખતા હતા. પ્રવચનમાં પ્રવચનસારની ૧૭૨મી ગાથા તેમજ સમયસારની ૯૧થી ૧૦૧ ગાથા
અને ૧૪૨–૪૩–૪૪ ગાથાઓ વંચાણી હતી. ગુરુદેવના અધ્યાત્મરસઝરતાં પ્રવચનો સાંભળીને
જિજ્ઞાસુ જનતા મુગ્ધ બનતી. રાત્રે તત્ત્વચર્ચા પણ સુંદર થતી. ફાગણ સુદ ૧૨ના રોજ
જિનમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના દસ વર્ષ પૂરા થતા હોવાથી તેના ઉપલક્ષમાં ફાગણ સુદ ૨ થી
૧૨ સુધી ઉત્સવ ઉજવાયો હતો. સુંદર રોશનીથી ઝગમગતું જિનમંદિરનું શિખર દૂરદૂરથી
જિજ્ઞાસુઓને આકર્ષતું હતું. ફા. સુ. ના રોંજ શાસ્ત્રજીની રથયાત્રા નીકળી હતી. આ ઉત્સવ
દરમિઆન અજમેરની ભજનમંડળી પણ આવેલ; ફા. સુ. ૧૨ના રોજ શ્રી જિનેન્દ્રભગવાનની
ભવ્ય રથયાત્રા નીકળી હતી ને જ્યુબીલી બાગમાં અભિષેક–પૂજા–ભક્તિ થયા હતા. રથયાત્રા
દરમિયાન ભજનમંડળીના કાર્યક્રમને લીધે રથયાત્રા વિશેષ શોભતી હતી. આ દિવસે સાધર્મી
વાત્સલ્યનું સંઘજમણ પણ થયું હતું. ફા. સુ. ૮થી ૧પ સુધી અષ્ટાહિનકા ઉત્સવ નિમિત્તે નંદીશ્વર
મંડલવિધાનનું મંડલ રચીને ઉત્સાહપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું; પૂજનની પૂર્ણતા થતાં
અભિષેકાદિ કરવામાં આવ્યા હતા. છેલ્લા દિવસોમાં “બાહુબલી–યાત્રા”ની ફીલ્મનો કેટલોક ભાગ
બતાવવામાં આવ્યો હતો. –આમ વિવિધ પ્રકારે ઉત્સાહપૂર્વક રાજકોટનો ઉત્સવ ઉજવાયો હતો.
ત્યારબાદ ફાગણ વદ ત્રીજ ને બુધવારે રાજકોટથી પ્રસ્થાન કરીને પૂ. ગુરુદેવ સોનગઢ પધાર્યા છે.
પરમ પૂજ્ય ગુરુદેવ અનેક મંગલકાર્યો કરીને સોનગઢ પધારતાં ભક્તોએ ઉમંગપૂર્વક સ્વાગત કર્યું
હતું્ર. હાલ સવારમાં પ્રવચનસાર ઉપર અને બપોરે સમયસાર ઉપર પ્રવચનો ચાલે છે. પૂ. ગુરુદેવ
સોનગઢ પધાર્યા તે મંગલપ્રસંગે “સમ્યગ્દર્શન” (પુસ્તક બીજું) પ્રકાશિત થયેલ, તે ગુરુદેવના
કરકમળમાં અર્પણ કરવામાં આવ્યું હતું તથા શેઠશ્રી ભૂરાલાલભાઈના સુપુત્રો તરફથી નૌકારશી
જમણ રાખવામાં આવ્યું હતું. ગુરુદેવ પધારતાં સોનગઢના વાતાવરણમાં આનંદ છવાઈ ગયો હતો.
આવતા વૈશાખમાસમાં સુદ બીજે પૂ. ગુરુદેવનો ૭૧મો મંગલ જન્મદિવસ છે. આ વખતે
ગુરુદેવની જન્મજયંતિ જન્મધામ ઉમરાળામાં ઉજવવાની ત્યાંના ભક્તોની ભાવના છે; તેથી આ વખતે
વૈશાખ સુદ ૧–૨–૩ ત્રણ દિવસો ઉમરાળામાં જન્મજયંતિનો ઉત્સવ ઉજવાશે, ને આ ત્રણ દિવસ પૂ.
ગુરુદેવ ઉમરાળા પધારશે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
ચૈત્ર: ૨૪૮૬ : ૩:
आत्मधमર્
____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૬ છઠ્ઠો સંપાદક: રામજી માણેકચંદ દોશી ચૈત્ર: ૨૪૮૬
____________________________________________________________________________
મુ....મુ....ક્ષુ....ની વિ....ચા....ર....ણા
હે જીવ! તને એમ અંતરમાં લાગવું જોઈએ કે
આત્માને ઓળખ્યા વગર છૂટકો નથી. આ
અવસરમાં જો હું મારા આત્માનો અનુભવ કરીને
સમ્યગ્દર્શન પ્રગટ નહિ કરું તો મારો ક્્યાંય
છૂટકારો નથી. અરે જીવ! વસ્તુના ભાન વગર તું
કયા જઈશ?–તને સુખશાંતિ ક્્યાંથી મળશે? તારી
સુખશાંતિ તારી વસ્તુમાંથી આવશે કે બહારથી?
તું ગમે તે ક્ષેત્રે જા, તું તો તારામાં જ રહેવાનો,
અને પરવસ્તુ પરવસ્તુમાં જ રહેવાની. પરમાંથી
ક્્યાંયથી તારું સુખ નથી આવવાનું. સ્વર્ગમાં
જઈશ તો ત્યાંથી પણ તને સુખ નથી મળવાનું.
સુખ તો તને તારા સ્વરૂપમાંથી જ મળવાનું છે,
માટે સ્વરૂપને જાણ. તારું સ્વરૂપ તારાથી કોઈ કાળે
જુદું નથી, માત્ર તારા ભાનના અભાવે જ તું દુઃખી
થઈ રહ્યો છે. તે દુઃખ દૂર કરવા માટે ત્રણે કાળના
જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે “આત્માને
ઓળખો”
–આ પ્રમાણે અંર્ત વિચારણા દ્વારા મુમુક્ષુ જીવ
પોતામાં સમ્યગ્દર્શનની લગની લગાડીને પોતાના
આત્માને તેના ઉદ્યમમાં જોડે છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪: આત્મધર્મ: ૧૯૮
પાંચ કરોડ મુનિવરોના મુક્તિધામ
પાવાગઢ–સિદ્ધક્ષેત્રમાં
પૂ. ગુરુદેવનું પ્રવચન
(વીર સં. ૨૪૮પ: પોષ સુદ આઠમ)
દક્ષિણ તીર્થયાત્રા નિમિત્તે પૂ. ગુરુદેવે સોનગઢથી મંગલ
પ્રસ્થાન કર્યા બાદ સૌથી પહેલું તીર્થ શ્રી પાવાગઢ–સિદ્ધક્ષેત્ર
આવેલું. પાંચ કરોડ મુનિવરોનું મુક્તિ ધામ પાવાગઢ......ત્યાંનું
આ પ્રવચન છે. સાધક સંતો પ્રત્યેની તીવ્ર ભક્તિ, વૈરાગ્યની ધૂન
અને તીર્થયાત્રાનો ઉલ્લાસ પૂ. ગુરુદેવના આ પ્રવચનમાં તરી
આવે છે. પાવાગઢ–સિદ્ધક્ષેત્રથી સિદ્ધ થયેલા લવ–કુશકુમારની
અંતરંગદશાનું વર્ણન કરતાં ગુરુદેવ આ પ્રવચનમાં કહે છે કે:
ચૈતન્યના વિશ્વાસપૂર્વક બંને રાજપુત્રો પોતે અંતરમાં દેખેલા
માર્ગે ચાલ્યા ગયા...અહા, જુઓ તો ખરા...એ ધર્માત્માની દશા!
પહાડનો દેખાવ પણ કેવો છે!! અહીં આવતાં રસ્તામાંથી
પાવાગઢ–પર્વત દેખાયો ત્યારથી લવ–કુશનું જીવન નજરે તરવરે
છે....ને એના જ વિચાર આવે છે. અહા! ધન્ય એમની મુનિદશા!
ધન્ય એમનો વૈરાગ્ય! ને ધન્ય એમનું જીવન! જન્મીને પોતાનો
અવતાર તેઓએ સફળ કર્યો.
અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા આત્માને શાંતિ કેમ થાય અને તે મુક્તિ કેમ પામે
તેની આ વાત છે. સિદ્ધપદ તે આ આત્માનું ધ્યેય છે. ચિદાનંદસ્વરૂપ આત્મતત્ત્વ શું ચીજ છે તેને
જાણીને, ને તેનું ધ્યાન કરીકરીને અનંતા જીવો સિદ્ધપદ પામ્યા છે. તેનો ખરો સ્વીકાર કરતાં. “આ
મારા આત્મામાં પણ એવું સિદ્ધપદ પ્રગટ કરવાની તાકાત છે.’–એમ પોતાના સ્વભાવની પણ પ્રતીત
થઈ જાય છે.
જુઓ ભાઈ, જીવનમાં કરવા જેવું હોય તો આ જ છે કે આ આત્મા ભવસમુદ્રમાંથી કેમ તરે?
ભવભ્રમણના દુઃખોમાં ડૂબેલો આત્મા જે રીતે તરે એટલે કે મુક્તિ પામે તે જ ઉપાય કર્તવ્ય છે.
ચૈતન્યસ્વભાવના આશ્રયે થતું જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ તીર્થ તેના વડે ભવસમુદ્રથી તરાય છે.
આવા તીર્થની આરાધના કરીકરીને અનંતા જીવો તર્યા છે ને મુક્તિ પામ્યા છે. મુનિસુવ્રત ભગવાનના
તીર્થકાળમાં શ્રી રામચંદ્રજીના બે પુત્રો–

PDF/HTML Page 6 of 21
single page version

background image
ચૈત્ર: ૨૪૮૬ : પ:
લવ અને કુશ કુમારો–આવા રત્નત્રયતીર્થને આરાધીને આ પાવાગઢસિદ્ધક્ષેત્રથી મુક્તિ પામ્યા છે.
રામચંદ્ર અને લક્ષ્મણ એ બંને ભાઈઓ બળદેવ અને વાસુદેવ હતા, બંનેને પરસ્પર અપાર સ્નેહ
હતો....એક વાર ઈન્દ્રસભામાં તે બંનેના પરસ્પરના સ્નેહની પ્રશંસા થતાં બે દેવો તેની પરીક્ષા કરવા
આવ્યા....ને લક્ષ્મણના મહેલની આસપાસ રામચંદ્રના મરણનું કૃત્રિમ વાતાવરણ ઊભું કરીને લક્ષ્મણને
કહ્યું કે “શ્રી રામ સ્વર્ગવાસ પામ્યા છે.” એ શબ્દો કાને પડતાં જ “હા! રા....મ” કહેતાંક લક્ષ્મણજી ત્યાં
ને ત્યાં સિંહાસન ઉપર ઢળી પડ્યા ને મૃત્યુ પામ્યા. –જુઓ, આ સંસારની સ્થિતિ! હજી રામચંદ્રજી તો
જીવતા હતા પરંતુ તેના મરણની વાત સાંભળતાં તીવ્ર સ્નેહને લીધે લક્ષ્મણજી મૃત્યુ પામ્યા. આચાર્યદેવ
કહે છે કે અહા, આવા આ ક્ષણભંગુર અશરણ સંસારમાં જેનું ધ્યાન એક જ શરણ અને શાંતિદાતાર છે
એવા પરમ ચૈતન્યતત્ત્વને હું પ્રણમું છું....ચૈતન્યમાં વળીને તેના ધ્યાનવડે સર્વ કર્મોને શાંત કરી નાંખું
છું.
લક્ષ્મણના સ્વર્ગવાસ પછી જ્યારે રામચંદ્રજી તે વાત સાંભળે છે ત્યારે તુરત જ ત્યાં આવે છે ને
લક્ષ્મણના મૃતદેહને નીહાળીને જાણે કે તે જીવતા જ હોય–એમ માનીને તેની સાથે વાતચીત કરે છે......
સ્નેહીજનો ઘણા ઘણા પ્રકારે લક્ષ્મણના દેહનો અગ્નિસંસ્કાર કરવા માટે સમજાવે છે, પણ રામચંદ્રજી
કોઈની વાત સાંભળતા નથી, ને લક્ષ્મણના મૃતક શરીરને ખભે ઉપાડીને સાથે ને સાથે ફેરવે છે....તેને
ખવરાવવાની–નવરાવવાની–સુવડાવવાની ને બોલાવવાની અનેક ચેષ્ટાઓ કરે છે, –જો કે રામચંદ્રજીને
આત્માનું્ર ભાન છે પરંતુ અસ્થિરતાના મોહને લીધે આ બધી ચેષ્ટાઓ થાય છે.....એ રીતે ચેષ્ટા કરતાં
કરતાં દિવસોના દિવસો વીતી રહ્યા છે.
પોતાના કાકાનું મૃત્યુ ને પિતાની આવી દશા નીહાળીને રામચંદ્રજીના પુત્રો લવ અને કુશ એ
બંનેને સંસારથી વૈરાગ્ય થાય છે. બંને રાજકુમારો નાની ઉમરનાં છે, ચૈતન્યતત્ત્વને જાણનારા છે, ને
મહાવૈરાગ્યવંત છે. અરે, સંસારની આ સ્થિતિ! ત્રણ ખંડના ધણીની આ દશા!! એમ વિચારી વૈરાગ્ય
પૂર્વક બંને કુમારો દીક્ષા લેવા તૈયાર થાય છે....સોનાની પૂતળી જેવા બંને કુમારો પિતાજી પાસે રજા
માંગવા આવે છે. રામચંદ્રના ખભે તો લક્ષ્મણનો દેહ પડ્યો છે ને બંને કુમારો આવીને અતિ
વિનયપૂર્વક હાથ જોડીને વૈરાગ્ય ભરેલી વાણીથી રજા માંગે છે: હે પિતાજી! આ ક્ષણભંગુર અસાર
સંસારને છોડીને હવે અમે દીક્ષા લેવા માંગીએ છીએ...અમે દીક્ષા લઈને ધુ્રવ ચૈતન્યતત્ત્વને ધ્યાવશું ને
તેના આનંદમાં લીન થઈને આ જ ભવે સિદ્ધપદને સાધશું. માટે અમને દીક્ષા લેવાની રજા

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬: આત્મધર્મ: ૧૯૮
આપો. હે તાત! જિનશાસનના પ્રતાપે સિદ્ધપદને સાધવાનો જે અંતરનો માર્ગ તે અમે જોયો છે, તે
અંતરના જોયેલા માર્ગે હવે અમે જશું. આમ કહીને, જેમના રોમે રોમે–પ્રદેશે પ્રદેશે વૈરાગ્યની ધારા
ઉલ્લાસી છે. એવા....તે બંને રાજકુમારો મુનિદીક્ષા લેવા માટે રામચંદ્રજીને નમન કરીને વનમાં ચાલ્યા
જાય છે.
વાહ, એ રાજકુમારોની દશા! આજ તો આ પાવાગઢ ઉપર નજર પડી ત્યારથી તેમનું જીવન
નજરે તરવરે છે....ને એમના જ વિચાર ઘોળાય છે. અહા, ધન્ય એમની મુનિદશા! ધન્ય એમનો
વૈરાગ્ય! ને ધન્ય એમનું જીવન! જન્મીને પોતાનો અવતાર તેમણે સફળ કર્યો.
અંતરમાં આત્મભાન કર્યું ત્યારથી જ બંનેએ અંતરમાં ચૈતન્યની મુક્તિનો માર્ગ નીહાળ્‌યો હતો....આ
સંસારમાં ક્્યાંય સુખ નથી, અમારું સુખ ને અમારી મુક્તિનો માર્ગ અમારા અંતરમાં જ છે,–આવું ભાન તો
પહેલેથી હતું...તેઓ હવે જોયેલા માર્ગે ચૈતન્યના આનંદને સાધવા માટે અંતરમાં વળ્‌યા. જુઓ, એમ ને એમ
આંધળિયા (માર્ગ જાણ્યા વગર) દીક્ષા કે સાધુપણું માની લ્યે–એની આ વાત નથી; આ તો નિઃશંકપણે
અંતરમાં જોયેલા–જાણેલા ને અનુભવેલા માર્ગે મુક્તિપદ સાધવા માટે જેનું પ્રયાણ છે–એવી મુનિદશાની વાત
છે. બંને કુમારોને દીક્ષા લેતાં પહેલાં વિશ્વાસ છે કે અમારા ચૈતન્યપદમાં દ્રષ્ટિ કરીને અમારી મુક્તિનો માર્ગ
અમે નીહાળ્‌યો છે, તે ચૈતન્યપદમાં ઊંડા ઊતરીને–તેમાં લીન થઈને અમે આ ભવમાં જ અમારા મોક્ષપદને
સાધશું. અમારો માર્ગ અપ્રતિહત છે, તે માર્ગમાં અમને શંકા નથી, તેમજ અમે પાછા ફરવાના નથી,
અપ્રતિહતભાવે અંર્તસ્વરૂપમાં વળ્‌યા ને વળ્‌યા...હવે મોક્ષપદ લીધે જ છૂટકો.
–આવા ભાવથી મુનિ થઈને તે બંને મુનિવરો વનજંગલમાં વિચરે છે ને આત્મધ્યાનમાં
અતીન્દ્રિય આનંદનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાન સાથે કેલિ કરે છે.
ધન્ય લવ–કુશ મુનિ આતમહિતમેં છોડાસબ સંસાર
––કિ તુમને છોડા સબ સંસાર......
બળદેવ છોડા, વૈભવ સબ છોડા, જાના જગત અસાર
–કિ તુમને જાના જગત અસાર
–આવા તે લવ–કુશ મુનિવરો વિચરતાં વિચરતાં આ પાવાગઢ ક્ષેત્રે પધાર્યા... “અહા! જાણે
અત્યારે જ અહીં મુનિવરો વિચરતા હોય!” એવા ભાવથી ગુરુદેવ કહે છે: જુઓ, લવ–કુશ મુનિવરો
આ પાવાગઢ ક્ષેત્રે પધાર્યા...ને આ પર્વત ઉપર ધ્યાન કર્યું...ધ્યાન કરતાં કરતાં ચૈતન્યરસમાં એવા લીન
થયા કે ક્ષપકશ્રેણી માંડી...એમ કરતાં કરતાં શું થયું? ... કે–
ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ ‘અહીં’
ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો;
સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા,
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.....
આ પાવાગઢ પર્વત ઉપર ચૈતન્યનું ધ્યાન કરતાં કરતાં એ બંને મુનિવરો કેવળજ્ઞાન પામ્યા...
કૃત્યકૃત્ય પરમાત્મા થયા....
(તે પરમાત્માને અમારા નમસ્કાર હો.)
કેવળજ્ઞાન થયા પછી અલ્પકાળે અહીંથી જ તેઓ મોક્ષ પામ્યા....તેમનું આ સિદ્ધિધામ તીર્થ
છે....કાલે તેની જાત્રા કરવાની છે. આપણે તો હજી ઠેઠ દક્ષિણમાં બાહુબલી ભગવાનની જાત્રા કરવા
જવાનું છે......તેમાં વચ્ચે આવા અનેક તીર્થો પણ આવશે. આ તો હજી પહેલવહેલુ્રં મૂરત છે.
મણિ–રત્નની પૂતળી જેવા રાજકુમારોએ વૈરાગ્ય પામીને મુનિદીક્ષા લીધી, ને ‘પવિત્રધામ’માં
જઈને...કયું પવિત્ર ધામ?–નિર્મળ ચૈતન્યસ્વભાવરૂપ પવિત્ર ધામ; તેમા જઈને.....અંતરમાં ઊંડા ઉતરીને,
એકાંત–એકાંત શાંતધામમાં તેમણે ચૈતન્યની પરમાત્મદશાને આ પાવાગઢ ક્ષેત્રમાં સાધી છે; તે ઉપરાંત
લાટદેશના નરેન્દ્ર અને પ, ૦૦, ૦૦૦૦૦ (પાંચ કરોડ) મુનિવરો અહીંથી અપૂર્વ સિદ્ધપદ પામ્યા છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
ચૈત્ર: ૨૪૮૬ : ૭:
લવાંકુશ અને મદનાંકુશ (ટુંકું નામ–લવ અને કુશ) એ બંને રામ–સીતાના પુત્રો હતા....બંને
ચરમશરીરી હતા...બંને સાથે જન્મ્યા હતા...બંનેએ સાથે દીક્ષા લીધી હતી...ને બંને મોક્ષ પણ અહીંથી
પામ્યા હતા. એક વાર યુદ્ધમાં તેમણે રામ–લક્ષ્મણને પણ થકાવી દીધા હતા....બંનેને ચૈતન્યનું ભાન હતું
ને ચૈતન્યના પરમઆનંદનો માર્ગ અંતરમાં દેખ્યો હતો....અંતરમાં દેખેલા માર્ગે ચાલીને તેઓ અહીંથી
સિદ્ધપરમાત્મા થયા. સવારથી એ લવ–કુશને યાદ કરતાં કરતાં અહીં આવ્યા છીએ. આ પાવાગઢ
સિદ્ધક્ષેત્રમાં જીવનમાં પહેલવહેલા આવ્યા છીએ....આ પાવાગઢ પવિત્ર ક્ષેત્ર છે...રસ્તામાં દૂર દૂરથી
તેના દર્શન કરીને, લવ–કુશને યાદ કરતા કરતા આવ્યા છીએ. અંતરના ચિદાનંદસ્વરૂપ પરમાત્મામાં
લીન થઈને તેમણે પોતાની આત્મશાંતિને સાધી. અહીં પણ આપણે મંગળ તરીકે એવા ચિદાનંદસ્વરૂપ
પરમાત્માને નમસ્કાર કરવાની વાત આવી છે.
चिदानंदैक सद्भावं परमात्मानभव्ययं।
प्रणमामि सदा शान्तं शान्तये सर्वकर्मणाम्।।४।।
(પદ્મનંદી–એકત્વ અધિકાર)
જ્ઞાન ને આનંદરૂપે જેનું અસ્તિત્વ છે એવો જે અવિનાશી પરમ આત્મસ્વભાવ, તેને હું પ્રણમું
છું.–તેનો આદર કરીને તેના તરફ ઝૂકું છું;– કેમ કે સદા શાંત એવો તે આત્મસ્વભાવ સર્વ કર્મોની
શાંતિનું કારણ છે, તેથી સર્વે કર્મોને શાંત કરવા માટે હું મારા પરમ શાંત આત્મસ્વરૂપને પ્રણમું છું.
જુઓ, આ રીતે પોતાના આત્મસ્વરૂપને જાણીને, તેનો આદર કરીને, તેના તરફ વળવું–પ્રણમવું તે
અપૂર્વ મંગલ છે, તે જ મોક્ષ તરફની અપૂર્વ યાત્રા છે.
‘જેનામાં ઠાંસી–ઠાંસીને આનંદ ભરેલો છે એવો અમારો ચિદાનંદસ્વભાવ છે’–આવા
ભાનસહિત લવ–કુશ કુમારો રામચંદ્રજીને કહે છે: હે પિતાજી! અમને આજ્ઞા આપો....અમે હવે અમારા
ચિદાનંદ સ્વરૂપમાં સમાઈ જવા માંગીએ છીએ....આ સંસારમાં બહારના ભાવ અનંતકાળ કર્યા, હવે
આ સંસારને અમે સ્વપ્નેય ઈચ્છતા નથી....હવે તો મુનિ થઈને અમે અમારી પૂર્ણ અતીન્દ્રિય પરમ
આનંદદશાને સાધશું. પિતાજી! આ જીવે ચારે ગતિના અવતાર સંસારભ્રમણમાં અનંતવાર કર્યા છે,
એકમાત્ર સિદ્ધપદ કદી પ્રાપ્ત કર્યું નથી; હવે તો અમે અમારા ચિદાનંદસ્વરૂપમાં સમાઈ જશું ને અભૂતપૂર્વ
એવા સિદ્ધપદને પામશું.
પુણ્ય પામે સ્વર્ગપદ, પાપે નરકનિવાસ;
બે તજી જાણે આત્મને, તે પામે શિવવાસ.
લવ–કુશ કુમારો કહે છે: પુણ્ય અને પાપ બંનેથી ભિન્ન અમારા જ્ઞાનાનંદસ્વરૂપને અમે જાણ્યું છે,
અને હવે તેમાં લીન થઈને અમે અમારા શિવપદને સાધશું. હવે અમે સંસારથી (–પાપ અને પુણ્ય
બંનેથી) વિરક્ત થઈને અમારા ચૈતન્યસ્વરૂપમાં સમાઈ જશું. રામચંદ્રજી ધર્માત્મા હોવા છતાં
બંધુપ્રેમના મોહથી લક્ષ્મણનું મડદુ કાંધે ફેરવી રહ્યા છે, તે દેખીને બંને પુત્રો વૈરાગ્ય પામે છે; અરે,
સંસારની આ સ્થિતિ! આત્માનું ભાન હોવા છતાં ચારિત્રમોહથી આ દશા! અરે, શરીરની આ
ક્ષણભંગુરતા! –તેનો વિશ્વાસ શો? સંધ્યાના આથમતા રંગ જેવો આ સંસાર! –તેને છોડીને હવે અમે
અમારા જાણેલા અંતરના માર્ગે જઈશું.
આમ વૈરાગ્યથી પિતાની રજા લઈને બંને કુમારો મહેન્દ્ર–ઉદ્યાનમાં ગયા અને અમૃતેશ્વર
મુનિરાજના સંઘમાં દીક્ષા લીધી, પછી આત્મધ્યાનપૂર્વક વિચરતાં વિચરતાં અહીં પાવાગઢ પર્વત ઉપર
આવ્યા ને ધ્યાનમાં લીને થઈને કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષપદ પામ્યા. આ રીતે શુદ્ધરત્નત્રયરૂપ જે
પરમાર્થ તીર્થ તેના વડે સંસારને તરીને અહીંથી તેઓ સિદ્ધપદ પામ્યા, તેથી આ ક્ષેત્ર પણ વ્યવહારે તીર્થ
છે. નિશ્ચયતીર્થ જે શુદ્ધરત્નત્રય તેના સ્મરણ માટે અને તેના બહુમાન માટે આ તીર્થયાત્રા છે. જાત્રાનો
આવો ભાવ જ્ઞાની–ધર્માત્માને(–મુનિવરોને પણ) આવે છે, અને તે ભાવની મર્યાદા કેટલી છે તે પણ
તેઓ જાણે છે.
અહા, સવારમાં આ પાવાગઢ–સિદ્ધક્ષેત્રે આવ્યા

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮: આત્મધર્મ: ૧૯૮
ત્યારથી લવકુશ જ યાદ આવે છે....એમનું જીવન જાણે નજરે તરવરે છે...બંને રામપુત્રો પરણેલા હતા,
પણ અંતરમાં ભાન હતું કે અરે, આ ક્ષણભંગુર સંસારમાં કોણ કોનો પતિ, ને કોણ કોની પત્ની? કોણ
પુત્ર ને કોણ માતા? પુત્રને માતાએ ગોદમાં લીધો ત્યારપહેલાં તો અનિત્યતાએ તેને પોતાની ગોદમાં
લીધો છે. માતા ગોદમાં લઈને પુત્રનું મુખ જુએ ત્યારપહેલાં જ તેને અનિત્યતા લાગુ પડી ગઈ છે,–
ક્ષણે ક્ષણે તેનું આયુષ્ય ઘટવા માંડયું છે. આવો તો અનિત્ય સંસાર છે...સંયોગોની સ્થિતિ જ આવી છે,
તેમાં ક્્યાંય શરણ નથી; માતાની ગોદ પણ અશરણ છે, ત્યાં બીજાની શી વાત!–અમે તો હવે અમારા
નિત્યચિદાનંદ સ્વભાવની ગોદમાં જશું....તે જ અમારું શરણ છે, ને તેમાં જ અમારો વિશ્વાસ છે. જ્યાં
અમારો વિશ્વાસ છે ત્યાં જ અમે જઈશું. અનિત્ય–સંયોગોનો વિશ્વાસ અમને નથી, તેથી તેમાં અમે નહિ
રહીએ...સંયોગ તરફનું વલણ છોડીને અમે અસંયોગી સ્વભાવમાં ઠરશું....અમને નિઃશંક વિશ્વાસ છે કે
સ્વભાવમાં જ અમારું સુખ છે ને સંયોગમાં સુખ નથી. અનાદિથી અમારી સાથે રહેનારો એવો જે
અમારો નિત્ય ચિદાનંદસ્વભાવ, તેનો જ વિશ્વાસ કરીને હવે તેની પાસે જ અમે જઈશું....સંયોગથી દૂર
જશું ને સ્વભાવની સમીપ થશું.....
તે સ્વભાવનો માર્ગ અમે જોયેલો છે....તે જાણેલા
માર્ગમાં અમે જઈશું....ને મુક્તિને વરશું.
જુઓ, આ નિઃશંકતા! ધર્માત્માને અંતરમાં નિઃશંક ભાન હોય છે કે અમે માર્ગ જોયો છે....ને તે
માર્ગે ચાલી રહ્યા છીએ. “આ માર્ગ હશે કે બીજો માર્ગ હશે! આત્મા સમ્યગ્દર્શન પામ્યો હશે કે નહિ
પામ્યો હોય!” આવો કોઈ સંદેહ ધર્મીને હોતો નથી, અમે અમારા સ્વાનુભવથી માર્ગ જોયેલા છે, અને
તે જોયેલા માર્ગે અમારો આત્મા ચાલી રહ્યો છે–એમ ધર્માત્માને નિઃશંક દ્રઢતા હોય છે. માર્ગના આવા
નિઃશંક નિર્ણયપૂર્વક બંને રાજકુમારો દીક્ષા લઈને ચૈતન્યમાં એવા લીન થયા કે કેવળજ્ઞાન પ્રગટ કરીને
મોક્ષ પામ્યા. આ પાવાગઢમાં જે ઠેકાણેથી મુક્ત થયા તેની બરાબર ઉપર અત્યારે તેઓ
સિદ્ધભગવાનપણે બિરાજે છે. ઉપર અનંત સિદ્ધભગવંતોની પંક્તિ બેઠી છે. તે સિદ્ધભગવંતોનું સ્મરણ–
બહુમાન કરવામાં આ સિદ્ધક્ષેત્ર નિમિત્ત છે.
લવ–કુશ કુમારો, લાટદેશના નરેન્દ્ર અને પાંચ કરોડ મુનિવરો તે બધાય અહીંથી સિદ્ધ થઈને
અત્યારે ઉપર લોકાગ્રે બિરાજે છે; આવા સિદ્ધભગવાનને વાસ્તવિકપણે ઓળખતાં સંસારનો વિશ્વાસ
ઊડી જાય ને સિદ્ધભગવાન જેવા ચિદાનંદસ્વભાવનો વિશ્વાસ થાય, એટલે સિદ્ધિનો પંથ હાથ આવે.
આનું નામ તીર્થયાત્રા. આવી તીર્થયાત્રા કરનાર જીવ સંસારથી તર્યા વગર રહે નહીં.
લવ–કુશ વગેરે ભગવંતો અહીંથી મુક્તિનગરમાં પહોચ્યા....મુક્તિનગરમાં કાંઈ ગઢ કે બંગલા
વગેરે નથી, પણ ચૈતન્યનો પૂર્ણાનંદ સ્વભાવ ખીલી ગયો છે, તેનું જ નામ મુક્તિનગર છે. ત્યાં તેઓ
ઈન્દ્રિયવિષયોથી પાર અતીન્દ્રિય સ્વભાવસુખને નિરંતર અનુભવે છે.
ચૈતન્યસ્વભાવને પામેલા પરમાત્મા દુનિયાના જીવોને દર્શાવે છે કે અરે જીવો! તમે પણ અમારા
જેવા પરમાત્મા છો, તમારામાં અમારા જેવી જ પૂર્ણ જ્ઞાન ને આનંદની તાકાત ભરી છે. તેનો વિશ્વાસ
કરો...ને તેમાં અંતર્મુખ થાઓ....એમાં જ તમારું સુખ છે. બાહ્યઈન્દ્રિવિષયોમાં કે બાહ્ય વૃત્તિમાં ક્્યાંય
તમારું સુખ નથી.
સંતો પરમ કરુણાપૂર્વક સર્વજ્ઞભગવાનનો સંદેશ જગતના જીવોને સંભળાવે છે: અરે જીવો! તમારા
ચિદાનંદ તત્ત્વને ઓળખીને તેમાં ઠરો....આ મુદની વાત છે....બીજી વાત તો અનાદિથી કરતા આવ્યા છો,
તેમાં કાંઈ હિત નથી. અનંતકાળમાં પૂર્વે કદી નહિ કરેલી અને જેનાથી અપૂર્વ હિત થાય–એવી મુદની વાત
તો આ જ છે કે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ઓળખવો. જગતની બીજી બધી ચીજોનો મહિમા અને માહાત્મ્ય
ઊડાડી દઈને, અને ચૈતન્યસ્વભાવનો મહિમા અને માહાત્મ્ય બરાબર સમજીને તેમાં વળવું, તે જ
પરમાત્માને ખરા નમસ્કાર છે, તે જ રત્નત્રયતીર્થની ખરી યાત્રા છે ને તે જ સિદ્ધિનો પંથ છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
ચૈત્ર: ૨૪૮૬ : ૯:
મુનિરાજ કહે છે કે અમારું ચિદાનંદતત્ત્વ શાંતિ અને આનંદથી ભરેલું છે, બહારના પુણ્યના
ઠાઠમાં પણ ક્્યાંય અમારી શાંતિ કે આનંદ નથી, માટે અમે તો હવે અમારા ચૈતન્યમાં જ નમીએ છીએ,
તેના તરફ જ અમારી પરિણતિનું વલણ છે. અમે ચિદાનંદસ્વભાવને જ સદા પ્રણમીએ છીએ,
ચિદાનંદસ્વભાવ સિવાય બીજે ક્્યાંય અમને મહિમા કે માહાત્મ્ય નથી...અંતરના ચિદાનંદસ્વરૂપમાં
નમસ્કાર છે. અંતર્મુખ પરિણતિવડે જ પરમાત્મતત્ત્વને ખરા પ્રણામ થાય છે, બહિર્મુખ પરિણતિવડે
પરમાત્મતત્ત્વને ખરા પ્રણામ થતા નથી.
શ્રી મુનિરાજ કહે છે કે “....परमात्मानं प्रणमामि सदा....” હું સદાય પરમાત્મતત્ત્વને પ્રણમું છું.
પૂર્વે અનંતકાળમાં જેનો ખ્યાલ ન હતો એવો અમારો ચૈતન્યસ્વભાવ, તેને હવે લક્ષમાં લઈને, તેમાં
ઊતરીને અમે અમારા ચિદાનંદસ્વરૂપના અતીન્દ્રિય આનંદનો જ સ્વાદ લઈએ છીએ, એ સિવાય
જગતના કોઈ પદાર્થમાં અમને અમારો સ્વાદ ભાસતો નથી. રાગમાં કે સંયોગમાં અમે નથી ઊભા,
અમે તો તેનાથી ખસીને અમારા ચૈતન્યમાં જ ઊભા છીએ. રાગમાં કે સંયોગમાં જ્યાં અમે નથી ત્યાં
અમને માનશો તો તમારી માન્યતાની ભૂલ થશે. અમે તો અમારા ચૈતન્યમાં જ છીએ. ચૈતન્યનો ધર્મ
ચૈતન્યસ્વરૂપના પ્રવાહમાં જ પાકે છે, રાગના કે સંયોગના પ્રવાહમાં ચૈતન્યનો ધર્મ પાકતો નથી.–આવા
ભાનપૂર્વક ચૈતન્યના આશ્રયે લવ–કુશ મુનિઓએ પોતાની મોક્ષદશા સાધી.
જુઓ, આમાં સમ્યગ્દર્શન કેમ કરવું ને મોક્ષમાર્ગી કેમ થવું–તેની વાત છે, તેની સાથે સાથે લવ–
કુશના આત્માઓ કઈ રીતે અહીંથી મોક્ષ પામ્યા તે વાત પણ ભેગી આવી જાય છે. લવ–કુશ વગેરે
મુનિવરો અહીંથી મુક્તિ પામ્યા તે આ રીતે મુક્તિ પામ્યા છે ને આ જ મુક્તિનો માર્ગ છે; આ જ ખરું
મંગળ છે, આ જ ઉત્તમ છે ને આ જ શરણરૂપ છે.
ધર્માત્મા મુનિવરોને પોતાનો ચિદાનંદ સ્વભાવ એક જ વહાલો લાગ્યો છે, અને પોતાને જે
વસ્તુ વહાલી છે તેનું જગતને નિમંત્રણ કરે છે કે હે જીવો! તમે પણ આવા ચિદાનંદસ્વરૂપી જ છો, તમે
પણ તેના જ આશ્રય કરીને અતીન્દ્રિયઆનંદનાં જમણ જમો. જેમ તીર્થમાં સંઘનું જમણ કરે અથવા
લગ્ન પછી હરખજમણ કરે તેમ અહીં મોક્ષને સાધતાં સાધતાં મોક્ષમાર્ગી સંતો જગતને અતીન્દ્રિય
આનંદનાં જમણ જમાડે છે....મોક્ષના મંડપમાં આખા જગતને નિમંત્રણ કરે છે કે હે જીવો! આવો
રે....આવો.... અમારી જેમ તમે પણ તમારા આત્મામાં અંતર્મુખ થઈને અતીન્દ્રિયઆનંદનાં જમણ જમો,
તેનો સ્વાદ લ્યો.
આજે જાત્રાનો પહેલો દિવસ છે...સોનગઢથી નીકળ્‌યા પછી પહેલી જાત્રા આ પાવાગઢ–
સિદ્ધક્ષેત્રની થાય છે; તેમાં અહીંથી મોક્ષ પામેલા લવ–કુશ મુનિને યાદ કરીને તેઓ કઈ રીતે મોક્ષ
પામ્યા તે બતાવ્યું. તે માર્ગ સમજીને અંતરમાં ઊતરવું તે સિદ્ધભગવંતોને ભાવ નમસ્કાર છે, તે
સિદ્ધિધામની નિશ્ચયજાત્રા છે; અને તેઓ જ્યાંંથી મોક્ષ પામ્યા એવા આ સિદ્ધક્ષેત્ર વગેરે તીર્થોની
જાત્રા–વંદનાનો ભાવ તે દ્રવ્યનમસ્કાર છે, તે વ્યવહાર જા્રત્રા છે. આવા નિશ્ચય–વ્યવહારની સંધિ
સાધકના ભાવમાં હોય છે.
–પાવાગઢ સિદ્ધક્ષેત્રનું પ્રવચન પૂર્ણ

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૧૯૮ :
ભરતના
ભાઈઓનો વૈરાગ્ય
આદિનાથ પ્રભુના પુત્ર ભરતરાજને એક સાથે
ત્રણ વધામણી આવી...સૌથી પહેલાં કેવળજ્ઞાન પ્રાપ્ત
આદિનાથ પ્રભુનું પૂજન કરીને તેઓ ષટ્ખંડનો
દિગ્વિજય સાધવા નીકળ્‌યા...સાઠ હજાર વર્ષે
દિગ્વિજય કરીને પાછા ફરતાં કૈલાસયાત્રા કરીને
ભગવાન આદિનાથ પ્રભુનાં દર્શન કર્યા. તે સંબંધી
વિસ્તૃત વર્ણન “આત્મધર્મ” અંક ૧૯૧માં આવી
ગયું છે. કૈલાસયાત્રા બાદ હવે ભરતચક્રવર્તી
અયોધ્યાનગરી તરફ આવી રહ્યા છે.....અયોધ્યા
નજીક આવતાં શું બન્યું? તે જાણવા માટે આ લેખ
વાંચો.
ભગવાન શ્રી આદિનાથ પ્રભુના દર્શન કર્યા બાદ કૈલાસ પર્વત ઉપરથી ઊતરીને ધર્માત્મા
ચક્રવર્તી ભરતે અયોધ્યાનગરી તરફ પ્રસ્થાન કર્યું. અયોધ્યાની સમીપ આવી પહોંચ્યા બાદ
નગરીમાં પ્રવેશ કરતી વખતે તેનું ચક્ર નગરદ્વારમાં પ્રવેશ ન કરી શક્્યું, બહાર જ અટકી ગયું. ચક્ર
અટકી જવાથી આખી સેનામાં આશ્ચર્ય ફેલાઈ ગયું. ચક્રાધિપતિ ભરત પણ આશ્ચર્યથી વિચારવા
લાગ્યા કે અરે આ શું! ચક્ર કેમ અટક્યું? આખા ભરતક્ષેત્રની બધી દિશાઓમાં જરા પણ રોકટોક
વગર જેણે આક્રમણ કર્યું એવું આ ચક્ર મારી અયોધ્યાનગરીના જ દરવાજે કેમ અટક્યું? મારા
ઘરનાં આંગણામાં જ તે કેમ નથી પ્રવેશતું? ભરતરાજે નિમિત્તજ્ઞાની પુરોહિતને ચક્ર અટકવાનું
કારણ પૂછયું, ત્યારે પુરોહિતે કહ્યું: હે સ્વામી! ઘર–આંગણે ચક્રનું અટકી જવું એમ સૂચવે છે કે
હજી આપનો દિગ્વિજય અધૂરો છે, ઘરમાં જ કોઈ જીતવાયોગ્ય બાકી રહ્યું છે.–અને તે છે આપના
ભાઈઓ. તેઓ હજી આપના પ્રત્યે નમ્યા નથી. આપના ૯૯ ભાઈઓ મહાબળવાન છે, તેમનામાં
પણ અતિશય યુવાન ધીર, વીર અને બળવાન બાહુબલી મુખ્ય છે. તે આપના ભાઈઓ એવો
નિશ્ચય કરી બેઠા છે કે ભગવાન આદિનાથ સિવાય બીજા કોઈને અમે નમીશું નહીં.–માટે હે
ચક્રધર! આ બાબતમાં આપે કાંઈક ઉપાય કરવો જોઈએ. કાં તો અહીં આવીને તેઓ આપને
પ્રણામ કરે, અથવા તો જગતની રક્ષા કરનાર જિનેન્દ્રદેવના શરણમાં જાય,–એ સિવાય તેમની
ત્રીજી કોઈ ગતિ નથી. તેમને માટે બે જ ગતિ છે–કાં તો આપની છાવણીમાં પ્રવેશ કરે, અગર તો
મૃગોની માફક વનમાં પ્રવેશ કરે (–અર્થાત્ મુનિ થઈને વનમાં ચાલ્યા જાય.)
પુરોહિતની આ વાત સાંભળીને ભરતમહારાજા ક્ષણભર ક્રોધિત થઈને કઠોર વચન કહેવા
લાગ્યા: અરે, ખેદ છે કે તે ભાઈઓ મને પ્રણામ કરવા નથી ચાહતા; વિના કારણ જ તેમણે આ વેર
ઊભું કર્યું છે; તેઓના મનમાં એમ છે કે અમે બધા એક જ કૂળમાં ઉત્પન્ન થયા હોવાથી અવધ્ય છીએ
(કેમકે ચક્રરત્નવડે સગોત્ર–વધ થતો નથી)

PDF/HTML Page 12 of 21
single page version

background image
ચૈત્ર: ૨૪૮૬ : ૧૧:
ઠીક છે–તેમને યૌવનનો ઉન્માદ અને યોદ્ધાપણાનો અહંકાર છે, તો હું તેનો ઉપાય કરીશ. પિતાજીએ
આપેલી પૃથ્વીનો કર દીધા વગર જ તેઓ ઉપભોગ કરવા ચાહે છે, પરંતુ તે નહિ બની શકે. ક્્યાં
ષટ્ખંડવિજેતા હું! અને ક્્યાં મારા ઉપભોગ્યક્ષેત્રમાં રહેનારા તેઓ? છતાં પણ, જો તેઓ મારી
આજ્ઞાનુસાર રહે તો રાજ્યમાં તેમનો પણ હિસ્સો થઈ શકે. અહા! મહાખેદની વાત છે કે અતિશય
બુદ્ધિમાન, બંધુપ્રેમ રાખનાર અને કાર્યકુશળ એવો તે બાહુબલી પણ મારા પ્રત્યે વિકૃતિ પામી રહ્યો છે!
બાહુબલી સિવાયના બીજા બધા રાજપુત્રો કદાચ નમસ્કાર કરે તો પણ તેથી શું લાભ? અને પોદનપુર
વગરનું આ સમસ્ત રાજ્ય શા કામનું? પરાક્રમથી શોભી રહેલો બાહુબલી જો મારે વશ ન થાય તો આ
બધા સેવકો અને યોદ્ધાઓથી મારે શું પ્રયોજન છે?
–જ્યારે ભરતમહારાજા ક્રોધવશ આ પ્રમાણે બોલવા લાગ્યા, ત્યારે પુરોહિતે તેને શાંત પાડતાં
કહ્યુ; હે દેવ! ‘જીવતા યોગ્ય બધાયને મેં જીતી લીધા છે’ એવી ઘોષણા કરવા છતાં આપ ક્રોધના વેગથી
કેમ જીતાઈ ગયા? જિતેન્દ્રિય પુરુષોએ ક્રોધને તો પહેલાં જ જીતવો જોઈએ. આપના ભાઈઓ તો
બાલક છે એટલે બાલસ્વભાવથી તેઓ તો ગમે તેમ વર્તે, પરંતુ આપે તો ક્રોધ ન કરવો જોઈએ. જે
મનુષ્ય ક્રોધરૂપી અંધકારમાં ડુબેલા પોતાના આત્માનો ઉદ્ધાર નથી કરતો તે પોતાના કાર્યની સિદ્ધિમાં
હંમેશાં સશંક રહે છે. જે રાજા પોતાના અંતરંગમાંથી ઉત્પન્ન થતા ક્રોધાદિ શત્રુઓને નથી જીતી શકતો,
તેમજ પોતાના આત્માને નથી જાણતો તે કાર્ય–અકાર્યને ક્્યાંથી જાણી શકે? માટે હે દેવ! જો આપ
વિજય ચાહતા હો તો આ ક્રોધશત્રુથી દૂર રહો–કેમકે જિતેન્દ્રિય પુરુષો કેવળ ક્ષમાદ્વારા જ પૃથ્વીને વશ
કરી લ્યે છે. અતીન્દ્રિય આત્માના જ્ઞાનવડે જેણે ઈન્દ્રિયસમૂહને જીતી લીધો છે, શાસ્ત્રરૂપી સંપદાનું જેણે
સારી રીતે શ્રવણ કર્યું છે અને જે પરલોકને જીતવાની ઈચ્છા રાખે છે–એવા પુરુષોને માટે સૌથી
ઉત્તમસાધન ક્ષમા જ છે. સ્વામી! જે કાર્ય એક ચિઠ્ઠીદ્વારા પણ બની શકે તેવું છે તેમાં અધિક પરિશ્રમ
શા માટે કરવો? માટે આપ શાંત થાઓ, અને દૂતો મારફત ભેટસહિત સન્દેશ મોકલો, તેઓ જઈને
આપના ભાઈઓને કહે કે ‘ચાલો, તમારા મોટાભાઈની સેવા કરો; તમારા મોટા ભાઈ પિતાતુલ્ય છે,
ચક્રવર્તી છે અને લોકોદ્વારા પૂજ્ય છે.’
એ પ્રમાણે પુરોહિતના વચનો સાંભળીને ચક્રવર્તીનો ક્રોધ શાંત થયો....બરાબર છે કે
મહાપુરુષોના ચિત્તની વૃત્તિ અનુકૂળ વચનો કહેવાથી જ ઠીક થઈ જાય છે. ‘પ્રયત્નથી પણ જેને વશ કરી
શકાય એમ નથી–એવા બાહુબલીની વાત હમણાં દૂર રહો, પહેલાં તો બાકીના ભાઈઓના હૃદયની
પરીક્ષા કરું’–આમ વિચારીને ચક્રવર્તીએ ચતુર દૂતોને પોતાના ભાઈઓ પાસે મોકલ્યા. તે દૂતોએ જઈને
તેઓને ચક્રવર્તીનો સન્દેશ સંભળાવ્યો.
દૂતનાં વચનો સાંભળીને તે ભાઈઓએ કહ્યું: આદિરાજા ભરત કહે છે તે જો કે ઠીક છે, કેમકે
પિતા ન હોય ત્યારે મોટા ભાઈ જ નાનાભાઈઓવડે પિતાતુલ્ય પૂજ્ય હોય છે:– પરંતુ આખા જગતને
જાણનાર–દેખનાર અમારા પિતાજી (ઋષભદેવ) પ્રત્યક્ષ બિરાજમાન છે, તેઓ જ અમારા પૂજ્ય ગુરુ
છે અને તેઓ જ અમને પ્રમાણ છે; અમારો આ વૈભવ તેમણે જ દીધેલો છે તેથી આ બાબતમાં અમે
પિતાજીના ચરણકમલને આધીન છીએ. આ સંસારમાં અમારે ભરતેશ્વર પાસેથી નથી તો કાંઈ લેવાનું
કે નથી કાંઈ દેવાનું:– આ રીતે જવાબ આપીને દૂતોને વિદાય કર્યા.
ત્યારબાદ તે રાજકુમારો આ કાર્યનો નિર્ણય કરવા માટે પિતાજી પાસે પહોચ્યાં....કૈલાસપર્વત
ઉપર બિરાજમાન જગતપિતા ભગવાન ઋષભદેવના દર્શન કર્યા અને પૂજનાદિ વિધિ બાદ કહ્યું: હે દેવ!
અમે આપનાથી જ જન્મ પામ્યા છીએ, અને આપનાથી જ આ ઉત્કૃષ્ટ વિભૂતિ અમને મળી છે, તથા
હજી પણ અમે આપની જ પ્રસન્નતા

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨: આત્મધર્મ: ૧૯૮
ચાહીએ છીએ; આપના સિવાય બીજા કોઈની પણ ઉપાસના કરવા અમે નથી ચાહતા. ‘આ
ગુરુજનોનો પ્રસાદ છે અથવા આ પિતાજીનો પ્રસાદ છે’–એમ આ જગતમાં લોકો ઉપચારથી બોલે
છે, પરંતુ આપના પ્રસાદથી અમે તો તેનો અનુભવ કરી ચૂકયા છીએ. આપને પ્રણામ કરવામાં
તત્પર, આપની પ્રસન્નતા ચાહનારા અને આપના વચનોના કિંકર એવા અમારું ગમે તે થાઓ
પરંતુ અમે બીજા કોઈની ઉપાસના કરવા ચાહતા નથી.–આમ હોવા છતાં ભરત અમને પ્રણામ
કરવા માટે બોલાવે છે, તો આમાં તેનો મદ કારણ છે કે બીજું કાંઈ, તે અમે જાણતા નથી. હે દેવ!
સદાય આપને જ ભક્તિપૂર્વક પ્રણામ કરવાના અભ્યાસના રસથી અમારું શિર મસ્ત થઈ રહ્યું છે,
તે હવે બીજા કોઈને પ્રણામ કરવામાં માનતું નથી.–શું માનસરોવરમાં રહેનારો રાજહંસ કદી
ખોબોચિયાનું સેવન કરશે? આકાશગત સ્વચ્છ જળને પીનારો ચાતક પ્યાસો હોવા છતાં શું સુકા
સરોવરનું મલિન જળ પીશે?–નહીં; તેમ આપના ચરણકમળના પરાગથી જેનું મસ્તક રંગાયેલું છે
એવા અમે, આપનાથી ભિન્ન (આપ્ત સિવાય) બીજા કોઈને પ્રણામ કરવા સમર્થ નથી.
ઋષભદેવપ્રભુના પુત્રો કહે છે: હે સ્વામી! જેમાં બીજા કોઈને પ્રણામ નથી કરવા પડતા, અને જે
ભયથી રહિત છે એવી વીરદીક્ષા–જિનદીક્ષા લેવા માટે અમે આપની સમીપ આવ્યા છીએ. માટે હે
દેવ! જે માર્ગ અમને હિતકર હોય અને સુખદાતાર હોય તે બતાવો. જેથી આ લોકમાં તેમજ
પરલોકમાં પણ અમારી વાસના આપની ભક્તિમાં અત્યંત દ્રઢ થઈ જાય. હે નાથ! માનભંગના
ભયથી રહિત યોગીઓ જેમ નિર્ભયપણે વનમાં સિંહ સાથે વિચરે છે તેમ અમે વિચરીએ, અને
માનભંગના ભયથી દૂર એવી આપની પદવીને અમે પામીએ–એવો માર્ગ અમને બતાવો.–આમ
કહીને તે બધા રાજકુમારો વિનયપૂર્વક પ્રભુસન્મુખ હાથ જોડીને ઊભા.
તે રાજકુમારોને મોક્ષમાર્ગમાં સ્થિત કરતા થકા ભગવાન ઋષભદેવ દિવ્ય ધ્વનિ દ્વારા આ
પ્રમાણે હિતોપદેશ દેવા લાગ્યાં: હે પુત્રો! ઉત્તમ શરીર અને ઉત્તમ ગુણોને ધારણ કરનારા એવા તમે
બીજાના સેવક ક્્યાંથી થઈ શકો? આ વિનાશી રાજ્યથી અને ચંચળ જીવનથી શું સાધ્ય છે? આ
ઐશ્ચર્ય અને સેના વગેરેને શું કરવું છે? ઈંધન સમાન ધનથી, કે વિષ જેવા વિષયોથી શું પ્રયોજન છે?
હે પુત્રો! સંસારમાં તમે જેનું કદી આસ્વાદન ન કર્યું હોય એવો શું કોઈ પણ વિષય બાકી છે?–આ
બધુંય તમે અનેકવાર ભોગવી લીધું છે,–એનાથી કદી તૃપ્તિ થવાની નથી. શસ્ત્ર તો જેમાં મિત્ર છે, પુત્ર
વગેરે જેમાં શત્રુ થઈ જાય છે અને સર્વભોગ્ય એવી પૃથ્વી જેમાં સ્ત્રી છે–એવા રાજ્યને ધિક્કાર હો!
જ્યાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી રાજશ્રેષ્ઠ ભરત આ ભરતક્ષેત્રનું રાજ્ય કરશે, અંતે તો ભરત
પણ આ વિનશ્વર રાજ્યનો ત્યાગ કરશે. માટે આવા અસ્થિર રાજ્યને અર્થે કલેશ કરવો વ્યર્થ છે. તમે
ધર્મરૂપી મહાવૃક્ષના એ રત્નત્રયરૂપી ફૂલને ધારણ કરો કે જે કદી કરમાતાં નથી અને જેના ઉપર
મોક્ષરૂપી મહાફળ આવે છે. જે બીજાની આરાધનારૂપ દીનતાથી રહિત છે,–ઉલટું બીજા પુરુષોવડે જેની
આરાધના કરાય છે એવી આ મુનિદશા જ તમારા જેવા ઉત્તમ પુરુષોના માનની રક્ષા કરનાર છે; જેમાં
દીક્ષા એ જ રક્ષા છે, ગુણો એ જ સેવક છે અને શુદ્ધપરિણતિરૂપ પ્રાણપ્યારી સ્ત્રી છે–એ રીતે સર્વ
પ્રશંસનીય સામગ્રીવાળું તપરૂપી રાજ્ય જ ઉત્કૃષ્ટ રાજ્ય છે,–માટે હે પુત્રો! બીજા રાજ્યનો મોહ છોડીને
આ તપરૂપી રાજ્યને જ તમે ધારણ કરો.
ભગવાનના આવા વચનો સાંભળીને તે બધાય રાજકુમારો પરમ વૈરાગ્ય પામ્યા...અને સાક્ષાત્
ભગવાન ઋષભદેવ દ્વારા મહાદીક્ષા ધારણ કરીને મુનિ થયા...નૂતન દીક્ષાથી તે મુનિવરો અતિશય
શોભતા હતા. શુદ્ધનયવડે સમીપ આવેલી એ દીક્ષારૂપી સખીને પામીને તે રાજકુમારો અંતઃકરણમાં
સુખ પામ્યા. ત્યારબાદ તે રાજર્ષિઓ જિનકલ્પ નામના સામાયિક ચારિત્રમાં સ્થિર થયા....તેમના
જ્ઞાનની વિશુદ્ધતા વધવા લાગી....વૈરાગ્યની ચરમ સીમાને પામેલા તે તરુણ રાજર્ષિઓએ રાજલક્ષ્મી
છોડીને તપલક્ષ્મીને વશ કરી....મોક્ષ–

PDF/HTML Page 14 of 21
single page version

background image
ચૈત્ર: ૨૪૮૬ : ૧૩:
લક્ષ્મીના ધ્યાનમાં લીન તેઓ રાજલક્ષ્મીને બિલકુલ ભૂલી ગયા...ઉત્કૃષ્ટ તપોભાવનાપૂર્વક તેઓએ
બાર અંગનું અધ્યયન કર્યું...પરમસંવેગને પામેલા તે મુનિરાજો જૈનશાસ્ત્રોમાં ઉત્કૃષ્ટ ભક્તિ રાખતા
હતા..... અને સમસ્ત શ્રુતજ્ઞાનનું રહસ્ય તેઓએ જાણી લીધું હતું–અર્થાત્ તેઓ શ્રુતકેવળી થયા હતા.
શ્રુતજ્ઞાન જ તેમના નેત્ર હતા....ગ્રીષ્મઋતુમાં તો તેઓ પર્વતના શિખર ઉપર ધ્યાનારૂઢ
થતા....વર્ષાઋતુમાં વૃક્ષ નીચે ધ્યાનમાં રાત્રિ વીતાવતા.....જ્યારે વાદળો ધોધમાર પાણી વરસાવતા
ત્યારે, ધ્યાનરૂપી ગૂફામાં ધૈર્યરૂપી ઓઢણી ઓઢીને તે મહામુનિવરો સ્થિર રહેતા...બહારમાં જ્યારે
જોસદાર જલવર્ષા થતી ત્યારે અંતરમાં અસંખ્ય ચૈતન્યપ્રદેશે તેમને આનંદની વર્ષા થતી....ઠંડીના
દિવસોમાં તે નગ્ન મુનિવરો મૌનપૂર્વક ખુલ્લા આકાશમાં રહેતા...અને અવ્યગ્રપણે મોક્ષમાર્ગમાં દ્રઢ
રહેતા હતા. સંસારથી વિરક્ત થયેલા તે મુનિવરો મોક્ષના કારણભૂત જિનેન્દ્રમાર્ગમાં–રત્નત્રયમાર્ગમાં
પરમ સંતુષ્ટ હતા....તે મોક્ષાભિલાષી મુનિવરો મોક્ષને માટે કમ્મર કસીને ઉદ્યમી થયા હતા. મમતા
રહિત, પરિગ્રહ રહિત અને શરીરરૂપી લાકડા પ્રત્યે પણ જેમણે મમત્વ છોડી દીધું છે એવા તે મુનિવરો
જિનેન્દ્ર ભગવાને કહેલા મોક્ષમાર્ગની આરાધના કરતા હતા. બાલની એક અણી જેટલો પણ પરિગ્રહ
તેઓ ઈચ્છતા ન હતા. સિંહ–વાઘથી ભરેલા વન–જંગલમાં તેઓ નિર્ભયપણે વસતા હતા...ને ગિરિ–
ગૂફામાં ચૈતન્યધ્યાન કરતા હતા. સ્વાધ્યાય અને ધ્યાનમાં આસક્ત તે મુનિવરો રાત્રે પણ સૂતા ન
હતા...તત્ત્વચિંતનમાં તત્પરપણે તેઓ સદા જાગતા રહેતા હતા. સર્વત્ર નિરપેક્ષ અને નિષ્કાંક્ષ એવા તે
દયાળુ મુનિવરો પૃથ્વી પર વિહરતા થકા સમસ્ત પ્રાણીઓને પુત્ર તુલ્ય માનતા હતા ને તેઓની સાથે
માતા તુલ્ય વ્યવહાર કરતા હતા. રત્નત્રયની શુદ્ધિ માટે તેઓ ઉદ્યમી હતા....તે પરમ શાંત મુનિવરોનું
હૃદય દીનતાથી તો રહિત હતું ને પરમ ઉપેક્ષાથી સહિત હતું. મોક્ષની પ્રાપ્તિ એ જ તેમનો ઉદ્દેશ હતો.
તેઓ સદાય જિનેન્દ્રદેવની આજ્ઞા અનુસાર ચાલતા હતા....તેમનું હૃદય સંસારથી ઉદાસીન હતું.
ગર્ભવાસ, બુઢાપો કે મૃત્યુ–એનાથી તેઓ સદા ભયભીત રહેતા,–એટલે ફરીને બીજી માતાના ગર્ભમાં
ન આવવું પડે તે માટે તેઓ સદા ઉદ્યમી રહેતા, શ્રુત જ્ઞાનનેત્રવડે પરમાર્થને સારી રીતે જાણનાર તે
ચતુર મુનિવરો જ્ઞાનીદીપિકાવડે અવિનાશી પરમાત્મપદનો સાક્ષાત્કાર કરતા હતા. તે મુનિવરો પ્રાણ
જાય તો પણ નિષિદ્ધ (અશુદ્ધ કે ઉદ્દિષ્ટ) આહાર લેવાની ઈચ્છા કરતા ન હતા, તેઓ માત્ર
પ્રાણધારણ અર્થે જ શુદ્ધ આહાર લેતા હતા અને કેવળ ધર્મસાધન કરવા માટે જ તેઓ પ્રાણ ધારણ
કરતા હતા આહાર ન મળે કે મળે, સ્તુતિ કે નિંદા, સુખ કે દુઃખ માન કે અપમાન, એ બધાને તેઓ
સમાનરૂપ દેખતા હતા...અનેકવિધ તપને કારણે તે મુનિઓના શરીરમાં જો કે શિથિલતા આવી હતી
તથાપિ સમીચીન ધ્યાનની સિદ્ધિ માટેની તેમની પ્રતિજ્ઞા શિથિલ થઈ ન હતી, તેઓ પરિષહોવડે
પરાજીત થયા ન હતા. પરંતુ પરિષહો જ તેમનાવડે પરાજીત થઈ ગયા હતા. તેમને ઉપવાસાદિ
સમસ્ત બાહ્યસાધનો કેવળ આત્મશુદ્ધિ માટે જ હતા, તેઓ ધ્યાનની ઉત્કૃષ્ટ વિશુદ્ધતા ધારણ કરતા
હતા, અને યોગના પ્રભાવથી તેમને અનેક મહાન ઋદ્ધિઓ પ્રગટી હતી. ધ્યાનવડે પ્રજ્વલિત
તપાગ્નિમાં તેઓ અષ્ટવિધ વિધિને હોમતા હતા.
–આ પ્રમાણે તે ઋષભનંદન મુનિવરો, મુનિપણાની ઉત્કૃષ્ટ પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરતા
હતા,–એ ઠીક જ છે કેમકે મહાપુરુષોનો એવો સ્વભાવ જ હોય છે. ભગવાન ઋષભદેવના તે પુત્રો
અમારું કલ્યાણ કરો–કે જેઓ પુરાણપુરુષ ભગવાન આદિનાથ પાસેથી રત્નત્રયની પ્રાપ્તિ કરીને તેમના
તીર્થરૂપી માનસરોવરના પ્રિય રાજહંસ થયા હતા; ભરતરાજને નમસ્કાર નહીં કરવાની ઈચ્છાથી
રાજ્યમોહ છોડીને જેઓ દીક્ષિત થયા હતા; “ત્રસ અને સ્થાવર સમસ્ત જીવોના ગુરુ અને ઈન્દ્રોદ્વારા
પૂજ્ય એવા ભગવાન ઋષભદેવને નમસ્કાર કર્યા બાદ હવે અમે બીજા કોઈને પ્રણામ નહીં કરીએ”–
એવા વિચારથી જેમણે ઉત્કૃષ્ટદીક્ષા ધારણ કરી અને તપવિભૂતિવડે મોક્ષભાવના

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪: આત્મધર્મ: ૧૯૮
પ્રગટ કરી, તથા જિનેન્દ્ર ભગવાનની સેવા કરવામાં જેઓ સૌથી મુખ્ય હતા, એવા ભગવાન
ઋષભદેવના પુત્રો અમારું સર્વેનું કલ્યાણ કરો. તે પ્રસિદ્ધ શ્રીમાન્ ભરત પોતાના દૂતો દ્વારા જેમને
નમાવી ન શક્્યો અને જેઓએ નિર્વાણસામ્રાજ્યની પ્રાપ્તિ માટે પોતાના પિતા શ્રી જિનેન્દ્રદેવનો
આશ્રય લીધો તે મુનિવરો અમારા સર્વેના પાપોનો નાશ કરો.
ત્યારબાદ તે બધા મુનિવરો ચૈતન્યધ્યાનમાં લીનતાવડે કેવળજ્ઞાન પ્રગટ કરે છે, અને તે જ ભવે
મોક્ષસામ્રાજ્ય પ્રાપ્ત કરે છે....તેમને અમારા નમસ્કાર હો.
આ રીતે બાહુબલી સિવાયના બીજા ભાઈઓએ તો જિનેન્દ્રદેવના શરણમાં જઈને દીક્ષા લઈ
લેવાથી તેમની સાથેનો પ્રશ્ન તો ઉકેલાઈ ગયો. હવે બાકી રહેલા બાહુબલી સાથેનો પ્રશ્ન ઉકેલવા ભરત
શું કરે છે.....અને તેનું અંતિમ પરિણામ શું આવે છે?–તે હવે પછી જોઈશું.
(–મહાપુરાણના આધારે)
આત્મા દેહથી ને વિકારથી
છૂટા રહે છે પણ પોતાના
સ્વભાવરૂપ જ્ઞાનમાત્ર ભાવને તે
કદી છોડતો નથી. જેમ સાકર
મેલને છોડે છે પણ મીઠાસને નથી
છોડતી, જેમ અગ્નિ ધૂમાડાને છોડે
છે પણ ઉષ્ણતાને નથી છોડતો,
તેમ ચૈતન્યમૂર્તિ આત્મા રાગાદિ
વિકારભાવોને છોડે તે પણ
પોતાના જ્ઞાનભાવને કદી છોડતો
નથી. માટે જ્ઞાનભાવવડે તારા
આત્માને લક્ષમાં લઈને આત્માની
પ્રસિદ્ધિ કર......આત્માનો અનુભવ
કર.
નિજભવને છોડે નહિ, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે જુએ જે સર્વ તે હું,–એમ જ્ઞાની ચિંતવે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
ચૈત્ર: ૨૪૮૬ : ૧પ:
ધર્માત્માની અનુભવદશાનું
વર્ણન અને
તે અનુભવનો ઉપાય
રાજકોટ શહેરમાં સમયસાર ગા. ૧૪૨–૪૩–૪૪
ઉપરનાં મહત્વનાં પ્રવચનોનો સાર
સ્વભાવનું અવલંબન લઈને
આત્માની શુદ્ધતાનો અનુભવ કરે
ત્યારે સાધકપણું અને કૃતકૃત્યતા થાય
છે. ભાઈ, વિકલ્પોના અવલંબનમાં
ક્્યાંય મોક્ષમાર્ગ નથી; માટે તેનું
અવલંબન છોડ, તેનાથી જુદો થા, ને
જ્ઞાનસ્વભાવમાં તારા ઉપયોગને
જોડ....અંતર્મુખ થઈને અતીન્દ્રિય
આનંદરસના ઘૂંટડા પી.–આવી
ધર્માત્માની અનુભવદશા છે, ને આ
જ તે અનુભવનો ઉપાય છે.

૧. જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરીને તેનો રાગથી
ભિન્ન અનુભવ કરવો, તે જ ઉપાય છે. જ્યાં સુધી જીવ આવો અનુભવ ન કરે અને વિકલ્પોના વેદનમાં
અટકી રહે ત્યાં સુધી તે આત્માના ગમે તેવા વિકલ્પો કર્યા કરે તો પણ તેથી શું?–તે વિકલ્પોથી કાંઈ
સિદ્ધિ નથી, માટે તે વિકલ્પોની જાળને ઓળંગીને જ્ઞાનસ્વભાવનો અનુભવ કરો;–એમ આચાર્યદેવ
ઉપદેશ કરે છે.
છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે,
–પણ પક્ષથી અતિક્રાન્ત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. (૧૪૨)
૨. ‘મારી પર્યાયમાં કર્મનું બંધન છે’ એવા વિચારમાં કોઈ જીવ અટકે તો તેથી કાંઈ તેને
બંધનરહિત આત્માનો અનુભવ થતો નથી; તેમજ ‘મારો સ્વભાવ કર્મબંધનથી રહિત છે–એવા
વિચારમાં કોઈ

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬: આત્મધર્મ: ૧૯૮
જીવ અટકે તો તેને પણ કાંઈ શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. બંને પ્રકારના વિકલ્પોથી જુદો
પડીને, જ્ઞાનને જ્યારે અંતર્મુખ કરે ત્યારે જ શુદ્ધાત્માનો સાક્ષાત્કાર થાય છે.
૩. જુઓ, આમાં શું કહ્યું? આચાર્યદેવે આમાં ઘણું સરસ રહસ્ય ભર્યું છે. સ્વભાવનું અવલંબન
લઈને આત્માની શુદ્ધતાનો અનુભવ કરે ત્યારે સાધકપણું અને કૃતકૃત્યતા થાય છે. જ્યાં સુધી આવું
સ્વભાવનું અવલંબન ન લ્યે, ને વ્યવહારનું કે વિકલ્પોનું અવલંબન લઈને અટકે ત્યાં સુધી જીવને
સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી.
૪. નિશ્ચયમાં આરૂઢ ન થયો અને વ્યવહારરૂપ વિકલ્પો કરવામાં અટક્યો,–તો ‘તેથી શું?’–
આમ કહીને આચાર્યદેવ તે વ્યવહાર–વિકલ્પોને મોક્ષ માર્ગમાંથી બહાર કાઢી નાંખે છે. ભાઈ, એ
વિકલ્પોના અવલંબનમાં ક્્યાંય મોક્ષમાર્ગ નથી; માટે તેનું અવલંબન છોડ, તેનાથી જુદો થા, ને
જ્ઞાનસ્વભાવમાં તારા ઉપયોગને જોડ. અંતર્મુખ થઈને અતીન્દ્રિય આનંદરસના ઘૂટડાં પી.
પ. દેહમાં રહેલો દરેક આત્મા ભિન્નભિન્ન, પોતાના શાંતિ સ્વભાવથી ભરેલો છે; તે અજ્ઞાનથી
પોતાની શાંતિ બહારમાં માનીને પરનો કર્તા થાય છે; બહારમાં જે શાંતિ શોધે છે તે પોતે જ શાંતિથી
ભરેલો છે; પોતામાં જ પોતાની શાંતિ છે, તે શાંતિ કેમ શોધવી તેની આ વાત છે.
૬. અંતર્મુખ થઈને શોધતાં શાંતિ મળે છે, એ સિવાય બહારમાં તો શાંતિ નથી, ને અંતરના
વિકલ્પોમાં પણ શાંતિ નથી. ‘હું બંધાયેલો છું’ એવા વિકલ્પના શાંતિ નથી; ‘હું અબંધ છું’ એવી
વિકલ્પમાંય શાંતિ નથી. અબંધપણાના વિચાર કર્યા કરવાથી શાંતિ ન મળે પણ અબંધભાવે
પરિણમવાથી શાંતિ મળે છે.
૭. આવી શાંતિ કોણ શોધે? ચારે ગતિના જન્મમરણથી જે થાક્્યો હોય, ચારે ગતિના ફેરા જેને
ટાળવા હોય, જે આત્માનો શોધક હોય, તે જીવ અંતર્મુખ થઈને શાંતિને શોધે. સંસારમાં જેને મજા
લાગતી હોય, ને દુઃખ જ ન ભાસતું હોય, તે તેનાથી છૂટવાનો ઉપાય કેમ કરે?
૮. ભાઈ, બહારમાં વલણ જાય તે જ દુઃખ છે, પછી અશુભવૃત્તિ હો કે શુભવૃત્તિ હો, બંનેમાં
દુઃખ જ છે. ચિદાનંદતત્ત્વ નિર્વિકલ્પ છે તેની પ્રાપ્તિ વિકલ્પવડે કેમ થાય? વિકલ્પવડે ચૈતન્યતત્ત્વને
સ્પર્શાતું નથી. ચૈતન્યસત્તાને વિકલ્પનું શરણ નથી. જ્ઞાની વિકલ્પનું શરણું લેતા નથી.
૯. જે જીવ વિકલ્પનું શરણ માને છે તે જીવ તે વિકલ્પનો જ કર્તા થઈને રોકાઈ જાય છે, એટલે
નિર્વિકલ્પ ચૈતન્યની શાંતિનું તેને વેદન થતું નથી. વિકલ્પનું શરણું માને છે તે વિકલ્પથી આઘો ખસતો
નથી, વિકલ્પને ઓળંગીને સ્વભાવમાં આવતો નથી; વિકલ્પમાં જ તેને શાંતિ લાગે છે એટલે વિકલ્પના
વેદનમાં જ તન્મય થઈને તેના કર્તૃત્વમાં રોકાય છે, એટલે ચૈતન્ય ઘન નિર્વિકલ્પ આત્માનું સમ્યગ્દર્શન
તેને થતું નથી.
૧૦. “હું જ્ઞાનસ્વભાવ જ છું” એમ પોતાના જ્ઞાનમાં દ્રઢપણે નિર્ણય કરે, અને અંતરના સૂક્ષ્મ
વિકલ્પમાં પણ અશાંતિ ભાસે એટલે તે વિકલ્પને પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે, તે જીવ વિકલ્પને
ઓળંગીને ચૈતન્યસ્વભાવમાં પ્રવેશે છે, ને તેને ભગવાન આત્માનું સમ્યક્દર્શન થાય છે, તેનું નામ
આત્માની પ્રસિદ્ધિ છે, તે જ પ્રથમ ધર્મ છે, તે જ મોક્ષનું દ્વાર છે.
૧૧. જેમ વિકલ્પમાં શાંતિ માનીને તેના કર્તૃત્વમાં અટકનાર તેનાથી આઘો ખસીને
આત્મશાંતિને પામતો નથી, તેમ જે જીવ પરમાં શાંતિ માને છે ને પરનું કર્તૃત્વ માને છે તે જીવ પરથી
પરાંગ્મુખ થતો નથી ને આત્મશાંતિ પામતો નથી. ચૈતન્યસ્વભાવી આત્મા પરથી ભિન્ન અને વિકલ્પથી
પણ ભિન્ન છે એટલે તેને પરનું કે વિકલ્પનું કર્તૃત્વ

PDF/HTML Page 18 of 21
single page version

background image
ચૈત્ર: ૨૪૮૬ : ૧૭:
નથી,–એમ નિર્ણય કરીને જ્ઞાનસ્વભાવની સન્મુખ જે જીવ થાય છે તે જ આત્મશાંતિને પામે છે.
૧૨. ચૈતન્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે સમજ્યા વિના અજ્ઞાનને લીધે જીવ ચારે ગતિમાં
અનંત દુઃખ પામ્યો....તે દુઃખનો જેને ત્રાસ લાગ્યો છે, ચૈતન્યતત્ત્વ સિવાય જગતના બીજા કોઈ
પદાર્થમાં જેને સુખ ભાસતું નથી, તે જીવ ચૈતન્યસ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાનને સ્વસન્મુખ કરે છે,
વચ્ચે આવતા વિકલ્પોને જ્ઞાનથી ભિન્ન જાણીને ઓળંગી જાય છે. આ રીતે વિકલ્પથી જુદો થઈને
જ્ઞાનસ્વભાવની નિર્વિકલ્પ પ્રતીત કરે છે તે “સમયસાર” છે, તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
આવી પ્રતીત કરવી તે ચાર ગતિના અનંત દુઃખથી છૂટકારાનો ઉપાય છે.
૧૩. ચૈતન્યતત્ત્વ વિકલ્પમાંય નથી આવતું, તો વાણીમાં કેમ આવે?–એ તો જ્ઞાનના
સ્વસંવેદનથી અનુભવગમ્ય છે. જેણે અંતર્મુખ થઈને સ્વસંવેદનથી આત્માનો પરમ આનંદ અનુભવ્યો
છે એવા ધર્માત્મા પણ વાણીથી તેનું વર્ણન કરી શકતા નથી; વાણીમાં માત્ર તેની ઝાંઈ આવે, પણ તે
આનંદ તો વાણી અને વિકલ્પ બંનેથી પાર છે.
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્્યા નહીં તે પણ શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.....
૧૪. વિકલ્પ અને વાણી બંને ચિદાનંદતત્ત્વથી બાહ્ય છે. જેને ચિદાનંદતત્ત્વનું લક્ષ હોય તેને
વિકલ્પોમાં દુઃખ અને આકુળતા લાગે છે, એટલે તેમાં તે અટકતો નથી પણ તેનાથી દૂર થઈને–જુદો
પડીને ચૈતન્યમાં પ્રવેશ કરે છે.
૧પ. વનજંગલમાં વસતા ને આત્માના આનંદના સ્વાદમાં ઝૂલતા વીતરાગી દિગંબર સંત
પોતાના સ્વાનુભવને પ્રસિદ્ધ કરે છે કે અહો! ચૈતન્યની સન્મુખતાથી અનુભવાતું આ અતીન્દ્રિયસુખ
કોઈ વિકલ્પમાં ન હતું, કોઈ બાહ્ય પદાર્થોમાં આ સુખની ગંધ પણ ન હતી. અનંતકાળના શુભાશુભ
વિકલ્પોમાં કદી આવું સુખ અનુભવાયું ન હતું. ચૈતન્યનું જેને લક્ષ પણ નથી તેને સુખ શું અને દુઃખ શું
તેની પણ ખબર નથી, તો પછી દુઃખ ટાળવાનો અને સુખ પામવાનો સાચો ઉપાય તો તેને ક્્યાંથી
હોય?
૧૬. અરે જીવ! આવો અવતાર પામીને જો ભવભ્રમણના દુઃખથી છૂટવાની કળા તેને ન આવડી
તો તેં આ અવતાર પામીને શું કર્યું? સુખનો ઉપાય એટલે કે ભેદજ્ઞાનની કળા જાણ્યા વગર બીજું જે
કાંઈ કરે તે બધું રણમાં પોકની જેમ ફોગટ છે. જે ભેદજ્ઞાન કરે તેને અંતરમાંથી ભવઅંતના ભણકાર
આવી જાય...સિદ્ધપદના સન્દેશ આવી જાય...કે હવે ભવનો નાશ કરીને સિદ્ધપદ અલ્પકાળમાં પામશું.
જે જીવ આત્માનો ખરો જિજ્ઞાસુ થઈને તેના અનુભવનો પ્રયત્ન કરવા મથે છે...તેને શું
થાય છે?–તે સંબંધી સુંદર વિવેચન જાણવા માટે આવતા અંકમાં આ લેખનો બાકીનો ભાગ
વાંચો.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮: આત્મધર્મ: ૧૯૮
જેતપુરના જિનમંદિરની વેદી
અને
શ્રેયાંસનાથ ભગવાન
જૈન દર્શન શિક્ષણ વર્ગ
સોનગઢમાં વિદ્યાર્થીઓ માટે ઉનાળાની
રજાઓ દરમિયાન વૈશાખ સુદ ૧૪ ને
મંગળવાર તા. ૧૦–પ–૬૦ થી શરૂ કરીને જેઠ
સુદ ૬ ને મંગળવાર તા. ૩૧–પ–૬૦ સુધી જૈન
દર્શન શિક્ષણ વર્ગ ચાલશે. આ શિક્ષણવર્ગ ચાર
વર્ષ બાદ ખુલી રહ્યો છે; તો દરેક જિજ્ઞાસુ
વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણનો લાભ લઈને
રજાઓનો સદુપયોગ કરે એવી ખાસ ભલામણ
છે. વિદ્યાર્થીઓ માટે રહેવા–જમવાની વ્યવસ્થા
સંસ્થા તરફથી થશે.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 20 of 21
single page version

background image
ચૈત્ર: ૨૪૮૬ : ૧૯:
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
શ્રી જૈન વિધાર્થીગૃહ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
અત્રે ઉપરોક્ત બોર્ડીંગ છેલ્લાં ૯ વર્ષથી ચાલે છે. તેમાં ૧૦ વર્ષથી વધુ ઉમરના ગુજરાતી પમી
શ્રેણીથી ૧૧ મી શ્રેણી (મેટ્રીક) સુધી અભ્યાસ કરતા જૈન વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે છે.
માસિક પૂરી ફીનું લવાજમ રૂા. ૨પ) તથા ઓછી ફીનું લવાજમ રૂા. ૧પ) લેવામાં આવે છે.
અત્રે મેટ્રિક (એસ.એસ.સી.) સુધીના અભ્યાસ માટે હાઈસ્કુલ છે.
વિદ્યાર્થીઓને રહેવા માટે સંસ્થાનું સ્વતંત્ર, વિશાળ, હવા–ઉજાસવાળું સુંદર મકાન છે.
સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓને દરરોજ નિયમિત પોણો કલાક શ્રી જૈન દર્શનનો ધાર્મિક અભ્યાસ
કરાવવામાં આવે છે. ઉપરાંત રજાના દિવસોમાં વિદ્યાર્થીઓને જિનમંદિરમાં સમૂહપૂજનનો તેમજ પૂજ્ય
શ્રી કાનજીસ્વામીનાં તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો અને ભક્તિ વિગેરેનો અમૂલ્ય લાભ મળે છે.
આથી જે વિદ્યાર્થીઓને આ સંસ્થામાં અભ્યાસ અર્થે દાખલ થવા ઈચ્છા હોય તેમણે તા. ૨પ–૪–
૬૦ સુધીમાં ૦–૧પ ન. પૈ. ની પોષ્ટની ટીકીટો બીડી પ્રવેશપત્ર, ધારાધોરણ અને નિયમો મંગાવી તે
વિગતવાર ભરી પોતાના વાર્ષિક પરીક્ષાના પરિણામ સાથે તા. ૨૦–પ–૬૦ સુધીમાં પરત મોકલવાં. તે
પછી આવેલ પ્રવેશપત્રો સ્વીકારવામાં આવશે નહિ.
લી.
(સહી) મોહનલાલ કાળીદાસ જસાણી
મોહનલાલ વાઘજી મહેતા
(કરાંચીવાળા)
મંત્રીઓ, શ્રી ન વિદ્યાર્થીગૃહ–સોનગઢ (સૌરાષ્ટ્ર)
“આત્મધર્મ” નું ભેટ પુસ્તક
સ....મ્ય....ગ્દ....ર્શ....ન
(પુસ્તક બીજું)
સમ્યગ્દર્શન સંબંધી વિવિધ લેખોનો સંગ્રહ ધરાવતું આ બીજું પુસ્તક
પ્રસિદ્ધ થયું છે. જિજ્ઞાસુઓને આ પુસ્તક બહુ ઉપયોગી છે. જેમના હૃદયમાં
સમ્યગ્દર્શનનો અને સમ્ગગ્ધારક સંતોનો પરમ મહિમા નિરંતર વર્તી રહ્યો
છે.....અને સમકિતી સંતોની મહામંગલ છાયામાં જેઓ નિરંતર સમ્યક્ત્વની
ભાવના ભાવી રહ્યા છે...એવા સાધર્મીઓને આ પુસ્તક સમર્પણ કરવામાં આવ્યું
છે. જુદા જુદા પાંચ ભાઈઓની સહાયતાથી આ પુસ્તક આત્મધર્મના ચાલુ
વર્ષના ગ્રાહકોને ભેટ આપવામાં આવશે. થોડા દિવસોમાં પુસ્તકો તૈયાર થતાં
સંગાથ મારફત સોનગઢથી દરેક ગામ પહોંચાડવા પ્રયત્ન થશે, અથવા તો
ગ્રાહકોએ સંગાથ મારફત સોનગઢથી આ પુસ્તક મેળવી લેવા વ્યવસ્થા કરવી.
પૃષ્ઠ સંખ્યા: ૧૬૬ સંગ્રહકાર: બ્ર હરિલાલ જૈન
પ્રાપ્તિસ્થાન: શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ (સૌરાષ્ટ્ર)