Atmadharma magazine - Ank 002
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૦૨
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
O soul ! What foolishness
has entered thy head that thou
engagest thyself in Vyavahara
(good and bad actions, etc.)
which is the cause of Samara-
paribrahmana (transmigratory
condition) know thy Shuddha
Atman, which is devoid of all
Pra-pancha ( worldly turmoils )
and is described by the word
Brahma, and make thy mind
steady-
PARMATMA-PRAKASH
આ અંકના લેખો
૧ શ્રી જિનવાણી–સ્તવન (કાવ્ય)
૨ અનેકાન્ત ધર્મ
૩ અહિંસાનું સ્વરૂપ
૪ તીર્થંકર પ્રકૃતિ ઉપાદેય નથી.
૫ સભામાં અધ્યાત્મ ઉપદેશ.
૬ બે મિત્રો વચ્ચે ગંભીર સંવાદ
૭ પુણ્યને આદરવા યોગ્ય અને પાપને ત્યાગવા
યોગ્ય કોણ જાણે છે?
૮ સામાયિક
૯ મહાન ઉપકારી ભગવાન કુંદકુંદ આચાર્ય.
૧૦ ભક્તિનું સ્વરૂપ
૧૧ શુધ્ધ, શુભ અને અશુભનો વિવેક
૧૨ જૈનધર્મ
૧૩ મોક્ષની ક્રિયા
૧૪ ધર્મ સાધન
વાર્ષિક લવાજમ છુટક નકલ
રૂપિયા ૨–૮–૦ ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
આત્મધર્મ
વર્ષ ૧ લું અંક ૨ પોષ ૨૦
દર મહિનાની શુદ ૨ ના પ્રગટ થાય છે.
શરૂ થતા નવા મહિનાથી જ ગ્રાહક થઈ શકાય છે.
વાર્ષિક લવાજમ રૂા. ૨–૮–૦ છુટક નકલ ૪ આના. પરદેશનું વા. લ. ૩–૨–૦ ગ્રાહકો તરફથી સૂચના આવ્યા
વગર નવા કે જૂના ગ્રાહકોને વી. પી. કરવામાં આવતું નથી.
લવાજમ પૂરૂં થયે લવાજમ પૂરૂં થયાની સ્લીપ છેલ્લા અંકમાં ચોંટાડી ગ્રાહકને જાણ કરવામાં આવે છે.
ગ્રાહક તરીકે ચાલુ રહેનારે કાં તો મની–ઓર્ડરથી લવાજમ મોકલી આપવું અથવા વી. પી. થી લવાજમ વસુલ
કરવાની સૂચના લખી જણાવવી.
મ. ઓ. કે વી. પી. કરવાની સૂચના નહિ આવે તો ગ્રાહક તરીકે ચાલુ રહેવા નથી ઈચ્છતા એમ સમજી માસિક
મોકલવું બંધ કરવામાં આવશે.
નમુનાની નકલ મફત મોકલવામાં આવતી નથી. માટે નમુનાની નકલ મંગાવનારે ચાર આનાની ટિકિટો મોકલવી.
સરનામાનો ફેરફાર અમોને તુરત જણાવવો કે જેથી નવો અંક નવા સરનામે મોકલાવી શકાય.
ગ્રાહકોએ પત્રવહેવાર કરતી વખતે પોતાનો ગ્રાહક નંબર અવશ્ય જણાવવા વિનંતિ છે.
વર્ષના કોઈ પણ મહિનાથી ગ્રાહકો નોંધવામાં આવતા હોવાથી, મહિના કરતાં અંકના પૂંઠા ઉપર મોટા અક્ષરે
છાપવામાં આવતા સંખ્યાંકની જ ગણતરી રાખવામાં આવે છે. જેટલામાં અંકથી લવાજમ ભરવામાં આવે તે અંકથી
ગણીને બાર અંક ગ્રાહકોને મોકલવામાં આવે છે. એટલે, ગ્રાહકોએ પણ મહિનાની નહિ પણ અંકોની સંખ્યાની જ
ગણતરી રાખવી.
સોલ એજન્ટ શિષ્ટ સાહિત્ય ભંડાર – વિજયાવાડી, મોટા આંકડિયા કાઠિયાવાડ
અનેકાન્ત ધર્મ સર્વજ્ઞનો મત અનેકાન્ત છે.
અનેકાન્ત=એક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.
(સમયસાર પા. ૪૮૮) અથવા બીજી રીતે અનેકાંતનું સ્વરૂપ કહીએ તો બે વિરોધ શક્તિઓને પ્રકાશે અને વસ્તુને
સિદ્ધ કરે તે અનેકાંત છે.
ભગવાને બે નય કહ્યા છે.
૧–નિશ્ચયનય–૨–વ્યવહારનય નિશ્ચયનય–તે સ્વભાવ આશ્રિત છે, વ્યવહારનય તે પરાશ્રિત–નિમિત્ત આશ્રિત છે.
તે બન્નેને જાણીને નિશ્ચય સ્વભાવના આશ્રયે પરાશ્રિત વ્યવહારનો નિષેધ તે અનેકાંત છે. પણ
(૧) કોઈવાર સ્વભાવથી ધર્મ થાય અને કોઈવાર વ્યવહારથી પણ ધર્મ થાય એમ કહેવું તે અનેકાંત નથી
એકાંત છે,
(૨) સ્વભાવથી લાભ થાય અને કોઈ દેવ, ગુરુ, શાસ્ત્ર પણ ધર્મ કરાવી દીયે એમ માન્યું તેણે બે તત્ત્વો એક
માન્યા–અર્થાત્ એકાંતવાદ માન્યો છે.
વ્યવહાર અને નિશ્ચય બન્ને નય છે ખરા, પણ તેમાં એકને (વ્યવહારને) માત્ર ‘છે’ એમ જાણવું, અને બીજા
(નિશ્ચય) ને આદરણીય માની તેનો આશ્રય કરવો તે જ અનેકાંત છે. આત્માનું સ્વરૂપ અનેકાંત છે.
સ્વભાવે શુધ્ધ નિત્ય; પર્યાયે અશુધ્ધ અનિત્ય તેમાં પર્યાય ઉપર દ્રષ્ટિ તે વ્યવહાર છે, અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ
તે નિશ્ચય છે, બન્નેને માનીને નિશ્ચયને આદરવો તે અનેકાંત છે. અને તે નિશ્ચય સ્વભાવના જોરે જ ધર્મ થાય છે.
(પૂજ્ય સદ્ગુરુદેવના તા. ૧૪–૧૨–૪૩ ના વ્યાખ્યાન ઉપરથી.
ક્ષમા :– ‘આત્મધર્મ’ નો બીજો અંક બહુ જ મોડો પ્રગટ થાય છે. પરંતુ ટાઈપો, રજીસ્ટર નંબર તથા બ્લોક
વગેરેની તૈયારીમાં અનિવાર્ય ઢીલ થઈ છે, તે બદલ ગ્રાહક બંધુઓ દરગુજર કરશે એવી આશા છે. પ્રકાશક
સમાચાર :– તા. ૭ ડિસેમ્બર ૧૯૪૩ થી તા. ૧૨ સુધી રાજકોટ મુકામે રામકૃષ્ણ આશ્રમ તરફથી બધા ધર્મોની
પરિષદ ભરવામાં આવેલ હતી, તેમાં જૈન ધર્મ ઉપરના વિચારો દર્શાવવા આ સંસ્થાના પ્રમુખઃશ્રી રામજી
માણેકચંદ દોશીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે પરિષદમાં તેમણે તે વિષય ઉપર પોતાના વિચારો
જણાવ્યા હતા, તે પ્રસંગે તેમણે પોતાનું ભાષણ લેખીત તૈયાર કરેલું હતું. તે આ પત્રમાં અનુકૂળતા પ્રમાણે
પ્રસિદ્ધ કરવામાં આવશે.
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય વિજયાવાડી, મોટા આંકડિયા. કાઠિયાવાડ.
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય ટ્રસ્ટ સોનગઢ, વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દિનકર નિવાસ વિજયાવાડી,
મોટા આંકડિયા, કાઠિયાવાડ.

PDF/HTML Page 4 of 17
single page version

background image
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ ૧: : અંક ૨
પોષ : : ૨૦૦૦
શ્રી જિનવાણી – સ્તવન
[શાંતિ જીનેશ્વર સાચો સાહીબ × + + એ રાગ]
મહિમા હૈ અગમ જિનાગમકી, મહિમા હૈં અગમ જિનાગમકી ।। ટેક।।
જાહિ સુનત જનભિન્ન પિછાની, હમ ચિનમૂરતિ આતમકી. મહિમા. ।। ।।
રાગાદિક દુઃખકારન જાને ત્યાગ બુદ્ધિ દીની ભ્રમકી મહિમા–
જ્ઞાન જોતી જાગી ઉર અંતર રુચિ બાઢી પુનિ શમ દમકી મહિમા– –
।। ।।
કર્મ બંધકી ભઈ નિર્જરા કારણ પરંપરાક્રમકી મહિમા–
ભાગર્ચાંદિ શવ લાલચ લાગ્યો, પહુંચ નહીં હૈ જહું જમકી મહિમા– –
।। ।।
(જિનેન્દ્ર સ્તવન મંજરી પાનું ૩૬૦ સ્તવન–૩૩૮)
અર્થ– જૈન આગમની અગમ્ય મહિમા છે. મેં
તેને સાંભળી ને હું (ચિનમૂરતિ (જ્ઞાનમૂર્તિ) આત્મા
સર્વથી ભિન્ન છું એમ સમજ્યો. ૧
ભ્રમણા રૂપ બુદ્ધિ હતી તેને ત્યાગી રાગાદિકને
દુઃખનાં કારણ જાણ્યા. તેથી મારા અંતરમાં જ્ઞાન
જ્યોતિ જાગી. સ્વરૂપની રુચિ વૃદ્ધિ પામી
[સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક] શમ [શુધ્ધ ચારિત્ર]
પ્રગટ્યું, અને તેથી વિભાવી ભાવનું દમન થયું. ૨
પરમ પુરુષાર્થના કારણે કર્મબંધની નિર્જરા
થઈ. જ્યાં મરણ પહોંચી શકે નહીં ત્યાંની એટલે શીવ
[મોક્ષ] અભિલાષા થઈ એમ ભાગચંદ્રજી કહે છે. ૩

PDF/HTML Page 5 of 17
single page version

background image
અહિંસાનું સ્વરૂપ
પૂજ્ય સદ્ગુરુદેવના માગશર વદ ૮ સોમવાર તારીખ ૨૦–૧૨–૪૩ ના વ્યાખ્યાન ઉપરથી
‘અહિંસા પરમો ધર્મ’ એ વાકયનો અર્થ એવો થાય છે કે, આત્મા શુધ્ધ જ્ઞાયક સ્વભાવે અખંડ છે. તેની
અંતરશ્રદ્ધા કરી તેમાં એકાગ્ર રહેવું તેનું નામ અહિંસા અને તે જ પરમધર્મ છે.
પરને મારવાનું કે જીવાડવાનું કોઈ કરી શકતું જ નથી, માત્ર તેવા ભાવ કરે, પરને મારવાના ભાવ તે
અશુભ–પાપભાવ છે; અને પરને જીવાડવાના ભાવ તે શુભ ભાવ–પુણ્ય છે, પણ તે ખરી અહિંસા નથી; કારણ કે
પોતે પરને મારી કે જીવાડી શકતો નથી, છતાં હું પરને મારી કે જીવાડી શકું એમ માન્યું એટલે પોતાને પરનો
કર્તા માન્યો તેમાં જ સ્વભાવની હિંસા છે. લોકો પરની દયા પાળવી તેને અહિંસા કહે છે તે ખરેખર તો અહિંસા
જ નથી.
હિંસા–અહિંસાની સાચી વ્યાખ્યા જ ઘણા ભાગે લોકો જાણતા નથી; તેની સાચી વ્યાખ્યા નીચે મુજબ છે:–
લોકો જડ શરીર અને ચૈતન્ય આત્માને જુદાં પાડવાં તેને હિંસા કહે છે, પણ તે વ્યાખ્યા ખરી નથી.
કારણકે શરીર અને આત્મા તો કાયમ જુદાં જ હતાં, તેને જુદાં પાડવાં એમ કહેવું તે ઉપચાર માત્ર છે. આત્મા
પોતાના શુધ્ધ જ્ઞાયક શરીરે અભેદ છે, તે પુણ્ય પાપની વૃત્તિ વિનાનો ચૈતન્ય જ્ઞાનમૂર્તિ છે, તેવા સ્વરૂપને ન
માનતા પુણ્ય–પાપને પોતાના માન્યાં તેણે ચૈતન્ય આત્માને તેના જ્ઞાયક શરીરથી જુદો પાડ્યો, (જુદો માન્યો)
તે જ સ્વહિંસા છે; અથવા તો પોતાને ભૂલીને જેટલી પરમાં સુખ બુદ્ધિ માની તેટલી સ્વહિંસા જ છે. પરની હિંસા
કોઈ કરી શકતું નથી.
તીર્થંકર પ્રકૃતિ ઉપાદેય નથી.
સમ્યગ્દ્રષ્ટિ જીવ રત્નત્રય રૂપ પરિણત થયેલા આત્માને જ મોક્ષ માર્ગ જાણે છે.
તેમને જો કે સમ્યક્ત્ત્વાદિ ગુણની ભુમિકામાં રાગના કારણે તીર્થંકર નામ પ્રકૃતિ આદિ
શુભ
[પુણ્ય] પ્રકૃતિઓનો (કર્મોનો) અવાંછિત વૃત્તિથી બંધ થાય છે, તો પણ તેને તે
ઉપાદેય માનતો નથી. કર્મ પ્રકૃતિઓને ત્યાગવા યોગ્ય જ સમજે છે. [પરમાત્મ પ્રકાશ–]

આત્મા સ્વતંત્ર વસ્તુ છે. જે વસ્તુ હોય તે ત્રિકાળ પોતાના આધારે ટકે; તેથી આત્મા પોતાના સ્વભાવથી
જ ટકે છે. હવે આત્મા સ્વથી ટકે છે છતાં તેને પુણ્ય કે રાગાદિનો આશ્રય માનવો. અર્થાત્ રાગાદિને પોતાનાં
માનવાં એટલે કે સ્વભાવને ન માનવો–(સ્વભાવનો ઘાત કરવો) તે હિંસા છે કે અહિંસા?
આત્માના સંગથી ખસીને અને પર દ્રવ્યના સંગથી અથવા જ્યારે સ્વભાવથી ચ્યૂત થઈને પર ઉપર લક્ષ
કર્યું ત્યારે જ પુણ્ય–પાપની વૃત્તિ થાય છે, તે વૃત્તિને પુણ્ય–પાપ રહિત સ્વભાવમાં ખતવવી, અગર તેનાથી
સ્વભાવને કાંઈ પણ લાભ માનવો તે જ ચૈતન્યના સ્વભાવનું ખૂન (માન્યતામાં) કર્યું છે; અને તે જ પોતાની
ખરી હિંસા છે. અને તે પુણ્ય પાપને પોતાના ન માનતાં માત્ર જ્ઞાયકપણે પોતાને જુદો ‘છે તેવા સ્વભાવે’ રાખ્યો
તે જ સાચી અહિંસા છે.
ચૈતન્યતત્ત્વ પરથી તદ્ન નિરાળું છે તે સ્વથી ટકે છે. છતાં ચૈતન્યતત્ત્વને પરાધીન માનવું કે પરની
મદદની જરૂર માનવી તે જ હિંસા છે, અને તે પરાધીન માન્યતાનું ટળવું તે અહિંસા છે.
પ્રશ્ન:– અનાદિથી ચાલી આવતી ઊંધી માન્યતાનો નાશ કરવો તે ખૂન ન કહેવાય?
ઉત્તર:– યોગીન્દ્રદેવે એક વખત કહ્યું છે કે, અહો! અનાદિના સાથે રહેલા બાંધવોનો (વિકાર અજ્ઞાનનો)
જ્ઞાનીઓએ ઘાત કર્યો, તે બંધુનો ઘાત કર્યો છે, પણ તે હિંસા નથી, કારણ કે તે બાંધવોનો તો નાશ કરવા યોગ્ય
છે. તે જ અહિંસા છે.
આ પ્રમાણે હિંસા–અહિંસાનું યથાર્થ સ્વરૂપ છે. હિંસા–અહિંસા પરમાં નથી, પણ પોતાના ભાવમાં જ છે.
લોકો હિંસા–અહિંસા બહારથી જુએ છે, અને માને છે, તે યથાર્થ નથી.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૭ :
સભામાં અધ્યાત્મ ઉપદેશ
લેખાંક ૨ જો
ભગવાન યોગીન્દ્રદેવ શું કહે છે?
સભામાં નિશ્ચયમોક્ષમાર્ગનો ઉપદેશ આપે તે ‘ઉપાધ્યાય’ પરમેષ્ટી છે. એવી વ્યાખ્યા પરમાત્મ પ્રકાશની
ગાથા ૭ ની ટીકામાં (પાનું–૧૨) કરવામાં આવી છે. આ વિષયને લગતી સંસ્કૃત ટીકા નીચે મુજબ છે:–
पञ्चास्तिकाय षट् द्रव्य सप्त तत्त्व नव पदार्थेषु मध्ये शुध्ध जीवास्तिकाय शुध्ध जीव द्रव्य शुध्ध
जीव तत्त्व शुध्ध जीव पदार्थ संज्ञं स्वशुध्धात्मभावमुषादेयं तस्माच्यान्यद्धेयं कथयंति। शुध्धात्म स्वभाव
सम्यक् श्रध्धान झानानुं चरणरूपामेदरत्नत्रयात्मक निश्चय मोक्ष मार्गं चये कथयन्ति ते भवन्त्यु
पाध्यायास्तानहं बन्दे।।
અર્થ:– પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થો મધ્યે શુધ્ધ જીવાસ્તિકાય, શુધ્ધ જીવ દ્રવ્ય,
શુધ્ધ જીવ તત્ત્વ અને શુધ્ધ જીવ પદાર્થથી ઓળખાતો શુધ્ધ આત્મ ભાવ ઉપાદેય છે, અને તેથી બીજું તે હેય
(છોડવા લાયક) છે; એમ જે ઉપદેશ આપે છે, તથા શુધ્ધાત્મ સ્વભાવ જે સમ્યક્ શ્રધ્ધા, સમ્યગ્જ્ઞાન, સમ્યક્
અનુચરણ (સ્વરૂપ સ્થિરતા) રૂપ અભેદ રત્નત્રય બતાવનારો નિશ્ચય મોક્ષમાર્ગનો જે ઉપદેશ આપે છે તે
‘ઉપાધ્યાય’ છે, તેને હું વંદુ છું.
પંડિત જ્યચંદ્રજી કહે છે કે, આત્માનું સેવન કરવાનો ઉપદેશ આપવો.
શ્રી સમયસારમાં તે સંબંધે નીચે પ્રમાણે કહ્યું છે:–
‘દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણે આત્માની જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી; તેથી સાધુ પુરુષોએ એક
આત્માનું જ સેવન કરવું એ નિશ્ચય છે; અને વ્યવહારથી [એટલે કે સ્વરૂપમાંસ્થિર ન રહી શકાય ત્યારે]
અન્યને પણ એ જ ઉપદેશ અપવો.’ (પા. ૪૦)
એ ઉપરથી સિધ્ધ થાય છે કે, સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવાનો ઉપદેશ આપવો.
મુમુક્ષુઓને શ્રી સમયસાર નિરંતર સંભળાવવો, તથા નિરંતર તેનો અભ્યાસ કરવો.
શ્રી સમયસાર અધ્યાત્મ ગ્રંથ છે, તેની હિંદીમાં ભાષાવચનિકા પંડિત જ્યચંદ્રે સં–૧૮૬૪ માં કરી છે, તે
વચનિકા પૂરી કરતાં તેમણે નીચે પ્રમાણે જણાવ્યું છે:–
‘આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્ર આચાર્ય કૃત છે જ; તેથી તેને વાંચનારા તથા
સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો યુક્ત જ છે, કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક
આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, અને મિથ્યાજ્ઞાન શ્રદ્ધાન તથા આચરણ દૂર
થાય છે. અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે; મુમુક્ષુએ આનો નિરંતર અભ્યાસ કરવો યોગ્ય છે.’
(જુઓ સમયસાર પા. પ૧૯)
અલ્પ બુદ્ધિમાટે શ્રી સમયસાર છે.
વળી તે જ પાને, તેઓએ ટીકા પૂર્ણ કરતાં અંતિમ મંગળ કવિત રૂપે કર્યું છે, તેમાં ત્રીજું પદ નીચે પ્રમાણે છે:–
‘દેશકી વચનિકામેં લિખિ જ્યચંદ્ર પઢે સંક્ષેપ અર્થ, અલ્પ બુદ્ધિકું પાવનું;’
અર્થ:– અલ્પ બુદ્ધિ જીવ સમજી શકે માટે દેશ ભાષામાં સંક્ષેપ અર્થ લખ્યા છે. (પા. ૫૧૯)
સમ્યગ્દ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિઓની સભાને શ્રી સમયસાર સમજાવે છે, તેથી મિથ્યાદ્રષ્ટિઓ સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે:–
શ્રી સમયસારમાં પહેલી ૩૮ ગાથાઓ
[જીવ–અજીવ અધિકારમાં] પૂર્વરંગ રૂપ છે; તે સમાપ્ત કરતાં
પંડિતજી જણાવે છે કે, ‘અહીં પ્રથમ રંગભૂમિ સ્થળ કહ્યું, ત્યાં જોનારા તો સમ્યગ્દ્રષ્ઠિ પુરુષ છે, તેમ જ બીજા
મિથ્યાદ્રષ્ટિ પુરુષોની સભા છે. તેમને બતાવે છે. નૃત્ય કરનારા જીવ–અજીવ પદાર્થો છે, અને બન્નેનું એકપણું,
કર્તાકર્મપણું આદિ તેમના સ્વાંગ છે. તેમાં તેઓ પરસ્પર અનેક રૂપ થાય છે; આઠ રસ રૂપ થઈ પરિણમે છે, તે
નૃત્ય છે. ત્યાં સમ્યગ્દ્રષ્ટિ જોનાર જીવ–અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી
શાંત રસમાં જ મગ્ન છે, અને મિથ્યાદ્રષ્ટિ જીવ–અજીવનો

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ : ૨૦૦૦
ભેદ નથી જાણતા; તેથી આ સ્વાંગોને જ સાચા જાણી તેમાં લીન થઈ જાય છે. તેમને સમ્યગ્દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ
બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંત રસમાં તેમને લીન કરી સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે.’
(પાન ૭૦)
ઉપરનું અવતરણ સિદ્ધ કરે છે કે, સભામાં મિથ્યાદ્રષ્ટિ જીવોને સમ્યગ્દ્રષ્ટિ અધ્યાત્મનું સ્વરૂપ સમજાવે છે,
અને તેઓ યથાર્થ સમજે છે અને તે હેતુ માટે શ્રી સમયસાર શાસ્ત્ર છે.
સર્વ વાંચે, પઢે તે માટે હિંદી વચનિકા લખી છે, એમ પંડિત જ્યચંદ્રજી જણાવે છે.
શ્રી સમયસારની હિંદી વચનિકા કરવી કે નહીં તે પંડિત જ્યચંદ્રજીએ વિચાર્યું હતું. તે વિચારી જણાવે છે
કે, ‘સર્વે આ અધ્યાત્મ ગ્રંથ વાંચે પઢે’ તે માટે તેમણે ભાષા વચનિકા કરી છે, તેમણે વિચારેલ વાંધો અને તેનો
જે નકાલ કર્યો તેનો સાર નીચે મુજબ છે.
વાંધો:– આ સમયસાર અધ્યાત્મગ્રંથ છે. તેને દેશની ભાષામાં લખશો તો લોકો ભ્રષ્ટ થઈ જશે, સ્વછંદી
થશે, પ્રમાદી થશે, શ્રદ્ધા વિપર્યય થઈ જશે; માટે પહેલાંં મુનિ થાય, દ્રઢ ચારિત્ર પાળે અને વ્યવહાર માત્રથી જ
સિદ્ધિ થશે એવો તેનો આશય થઈ ગયો હોય તો શુધ્ધાત્મા સન્મુખ કરવા માટે તેને આ શાસ્ત્ર સંભળાવવું
જોઈએ; માટે દેશભાષા વચનિકા કરવી વ્યાજબી નથી.
ઉપરના વાંધાનો નિકાલ :– આ શાસ્ત્રમાં શુધ્ધનયનું કથન મુખ્યપણે છે, વ્યવહારનયનું પણ ગૌણતાએ છે.
આચાર્યે તે સ્વરૂપ જે રીતે સમજાવ્યું તે રીતે સમજતાં શ્રદ્ધાન વિપર્યય ન થાય, પણ જે બગડવાને પાત્ર છે તે તો
શુધ્ધનય સાંભળે કે અશુધ્ધનય સાંભળે. વિપર્યય જ સમજશે, તેને સર્વ ઉપદેશ નિષ્ફળ છે.
ચાર પ્રયોજનો :– એ વાંધાનો નિકાલ કરી આ ગ્રંથ દેશભાષામાં લખવાના ચાર પ્રયોજનો જણાવ્યાં છે. તેનો
સાર નીચે પ્રમાણે છે.
૧ જૈનો કર્મવાદી નથી. :– ૧:–બીજા દર્શનવાદીઓ માને છે કે, જૈનો કર્મવાદી છે. તેમનામાં આત્માની કથની
નથી, અને આત્મા જાણ્યા વના મોક્ષ થાય નહીં, માટે જો આ કથની પ્રગટ ન થાય તો ભોળા જીવો અન્ય
દર્શનીઓનું સાંભળે ત્યારે ભ્રમ ઉપજે, અને આ કથન પ્રગટે તો શ્રધ્ધાથી ખસે નહીં.
૨ ભ્રમટળે :– ૨:–આ ગં્રથની વચનિકા [પંડિત રાજમયજીકૃત સમયસાર કલશ ટીકા હીંદી] આગળ પણ થઈ
છે. તેને અનુસરી બનારસીદાસે કલશના કવિત રચ્યાં છે, તે જૈન તથા બીજા દર્શનીઓમાં પ્રસિધ્ધ થયા છે, તેનો
લોક સામાન્ય અર્થ સમજે છે. પણ ખુલાસાવાર ન સમજે તો પક્ષપાત થઈ જાય. તેથી આ વચનિકામાં નય
વિભાગનો અર્થ સ્પષ્ટ ખુલ્લો કરવામાં આવ્યો છે, કે જેથી ભ્રમ ટળે.
૩ બધાં વાંચે–જાણે :– ૩:– કાળદોષથી બુધ્ધિની મંદતાને કારણે પ્રાકૃત સંસ્કૃતના ભણવાવાળા થોડા છે; વળી
સ્વપરમતનો વિભાગ સમજી યથાર્થ તત્ત્વના સમજનારા થોડા છે; જૈન ગં્રથોની ગુરુ આમ્નાય કમી થઈ રહી છે,
સ્યાદ્વાદના મર્મની વાત કહેવાવાળા ગુરુઓની વ્યુચ્છિતિ દેખાય છે; માટે શ્રી સમયસારની વચનિકા વિશેષ
અર્થરૂપ થાય તો સર્વે વાંચે–ભણે અને કાંઈ ભ્રમ થયો હોય તો મટી જાય. આ શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન થઈ જાય તો
અર્થમાં વિપર્યય થઈ શકે નહીં.
૪ ઉપદેશ સાંભળી બંધનો અભાવ કરે. :– ૪:– શ્રી સમયસારમાં શુધ્ધ નયનો વિષય જે શુધ્ધાત્મા તેની
શ્રધ્ધાને સમ્યગ્દર્શન એક જ પ્રકારે નિયમથી કહ્યું છે. લોકમાં આ કથન બહુધા પ્રસિદ્ધ નથી, તેથી વ્યવહારને જ
લોક સમજે છે. શુભનો જ પક્ષ પકડવામાં આવે તો શુભથી મોક્ષમાર્ગ માને, અને તેથો તો મિથ્યાત્વ જ દ્રઢ થયું.
વ્યવહાર શુભાશુભરૂપ છે, તે બંધનું કારણ છે. તેમાં તો પ્રાણી અનાદિ–કાળથી પ્રવર્તે છે; શુધ્ધનયરૂપ કદી થયો
નહીં, તેથી તેનો ઉપદેશ સાંભળી તેમાં લીન થાય તો વ્યવહારનું અવલંબન છોડે ત્યારે બંધનો અભાવ કરી શકાય.
ઉપરના કથનનો સાર :– ઉપરનું કથન બરાબર લક્ષમાં લેવાની જરૂર છે, તે ઉપરથી ખાતરી થશે કે:–
(૧) જીવો મંદ બુદ્ધિ હોઈ પોતાની ભાષામાં શાસ્ત્ર હોય તો સર્વ વાંચે–ભણે.
(૨) જૈનધર્મનું યથાર્થ સ્વરૂપ સમજે તો અન્ય દર્શનીઓનું સાંભળી ભ્રમ થાય નહીં.
(૩) ખુલ્લા સ્પષ્ટ અર્થ સમજે.
(૪) આ ઉપદેશ સાંભળી તેમાં લીન થાય તો સમ્યગ્દર્શન

PDF/HTML Page 8 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૯ :
પ્રાપ્ત કરી બંધનો અભાવ કરી શકે. એ ચાર હેતુ લક્ષમાં રાખી આ શાસ્ત્ર પંડિતજીએ પ્રગટ કરેલું હતું. (જુઓ
સમય પ્રાભૃત નવી આવૃત્તિ પા. પથી૯ શ્રીમદ્રાયચંદ્ર શાસ્ત્રમાળામાં પ્રસિદ્ધ થયેલ શ્રી સમયસારની પંડિત
મનોહરલાલની પ્રસ્તાવના જેમાં પંડિત જ્યચંદ્રજીના વિચારોનું અવતરણ કર્યું છે. (પાનાં ૪ થી ૭) ત્યાં પણ આ
પ્રમાણે જણાવ્યું છે,
શ્રી જ્યસેન આચાર્ય શું કહે છે. :– શ્રીમાન જ્યસેન આચાર્ય આ સંબંધમાં નીચેની મતલબે પ્રશ્ન ઉત્તર રૂપે કહે છે:–
પ્રશ્ન:–આ પ્રાભૃત શાસ્ત્ર (સમયસાર) જાણીને કરવું શું?
ઉત્તર:–સહજ શુધ્ધ જ્ઞાનાનંદ સ્વભાવ, નિર્વિકલ્પ, ઉદાસીન નિત્ય નિરંજન શુધ્ધાત્મ સમ્યક્ શ્રધ્ધા–જ્ઞાન
ચારિત્રરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી પ્રગટતા વીતરાગ સહજાનંદરૂપ સુખની અનુભૂતિ તે માત્ર
મારું લક્ષણ છે; હું સ્વસંવેદનથી જાણી શકાય તેવો છું. પ્રાપ્ત કરવા લાયક છું. મારી અવસ્થાથી ભરપુર છું.
મિથ્યાશલ્ય રાગ દ્વેષ ક્રોધાદિ તમામ વિભાવ પરિણામથી રહિત હું છું, એમ શુધ્ધ નિશ્ચયનય વડે ત્રણે જગતમાં
ત્રણે કાળમાં કૃત કારિત અને અનુમત છે, એમ સર્વ જીવોએ નિરંતર ભાવના કરવી એ જ કર્તવ્ય છે. (હિંદી
સમયસાર પાનું પપ૭ થી ૫૬૭)
વળી તેઓ શ્રી (પાને ૩૦ મેં) જણાવે છે કે, પ્રથમની બાર ગાથા સાંભળી આસન ભવ્યજીવ હેય–
ઉપાદેય તત્ત્વજાણી વિશુધ્ધ જ્ઞાન–દર્શન સ્વભાવમય પોતાના સ્વરૂપની ભાવના કરે છે. વિસ્તારથી વર્ણન
કરવામાં આવે ત્યારે સમજી શકે તેવા જીવો શ્રી સમયસારના જે નવ અધિકારો છે. તે જાણી પોતાના વિશુધ્ધ
જ્ઞાન–દર્શન સ્વભાવમય પોતાના સ્વરૂપની ભાવના કરે છે.
હવે પછી :– ભગવાન શ્રી અમૃતચંદ્રાચાર્ય તથા ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ કહે છે કે, અત્યંત અજ્ઞાની માટે
આ શાસ્ત્ર છે. તે હવે પછી જણાવવામાં આવશે.
બે મિત્રો
વચ્ચે ગંભીર સંવાદ
લેખક :– દોશી રામજીભાઈ માણેકચંદ
પહેલો મિત્ર :– મારા નાના ભાઈ કહે છે કે, આપણે ચોવીશ કલાક રોટલા ન ખાઈએ અને પાણી ન પીઈએ
તો આપણને ધર્મ થાય?
બીજો મિત્ર :– મારા મોટાભાઈ કહે છે કે, તેમ હોઈ શકે નહીં; તમે કહ્યું તેમ થાય અને તેમાં શુભ ભાવ
રાખીએ તો તે શુભ ભાવ વડે પુણ્ય બંધાય–ધર્મ થાય નહીં કેમકે ધર્મ તો અબંધ છે.
પહેલો મિત્ર :– પણ નાના ભાઈ કહે છે કે, પહેલાંં મેં જણાવ્યું હતું તેમ કરીએ તો તપ થાય; અને તપથી
નિર્જરા થાય એમ શાસ્ત્રોમાં કહ્યું છે. માટે તમારા મોટાભાઈની ભૂલ થતી તો નહીં હોયને?
બીજો મિત્ર :– મેં મારા મોટા ભાઈ સાથે આ વાત ખૂબ ચર્ચી છે અને તે તો કહે છે કે, તપથી નિર્જરા થાય તે
વાત સાચી પણ તે સમ્યક્ (યથાર્થ) કે અસમ્યક્? એમ મને પૂછયું, ત્યારે મેં વિચારી જવાબ
આપ્યો કે તે સમ્યક્ તપ જ હોવો જોઈએ.
પહેલો મિત્ર :– મારા નાના ભાઈ કહે છે કે, ભાઈ જુઓ! આપણને રોટલા પાણી બધું મળ્‌યું છે, અને આપણે
પોતે રોટલા આપણી છતી શક્તિથી સ્વવશે છોડીએ તેથી ધર્મ થાય, સમ્યક્તપ થાય. જેને
ખાવા ન મળે અને તેથી પરવશે રોટલા ન ખાય તેને ધર્મ ન થાય.
બીજો મિત્ર :– અરે! મારા મોટાભાઈ કહે છે કે, સમ્યક્દ્રષ્ટિને તપ હોય છે. બીજાને નહીં. તમારા નાના ભાઈ
કહે છે તેને ભગવાને સમ્યક્ તપ કહ્યો નથી. અને તેની વ્યાખ્યા ‘
इच्छा निरोध तपः’ એમ કરે
છે, અને તે વ્યાખ્યામાં તમે કહેલી વાત આવતી નથી–માટે તે તપ ન કહેવાય.
પહેલો મિત્ર :– મારા નાના ભાઈ કહે છે કે, જુઓ! તેમાં રોટલા ખાવાની અને પાણી પીવાની ઈચ્છા રોકી,

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : પોષ : ૨૦૦૦
માટે તે વ્યાખ્યા પ્રમાણે તો ખરો તપ થયો?
બીજો મિત્ર :– મારા મોટા ભાઈ કહે છે કે, જુઓ! તેમાં રોટલા ન ખાવાની ઈચ્છા કરી એટલે ઈચ્છા તો આવી
તેથી તે તપ ન કહેવાય; પણ તે તો શુભ ભાવ હોય તો પુણ્ય કહેવાય. મને તે વાત સાચી લાગે છે.
પહેલો મિત્ર :– મારા નાના ભાઈ કહે કે, અરે! એ તો કેવળીને લાગુ પડે, આપણે અપૂર્ણ પ્રાણીઓને લાગુ પડે?
બીજો મિત્ર :– મારા મોટા ભાઈ કહે છે કે કેવળીને તપ હોય નહીં.
તપ તો સાધક–અપૂર્ણ દશામાં હોય!
પહેલો મિત્ર :– તો અપૂર્ણ દશામાં શુભ અને અશુભ બન્ને ઈચ્છા કેમ રોકાય? એ તો સમજાતું નથી.
બીજો મિત્ર :– હું મારા મોટા ભાઈને પૂછી બરાબર સમજીને પછી તમોને જવાબ આપીશ. આપણે આજે સુંદર
ચર્ચા કરી છે, હવે તમે કહેશો ત્યારે ફરી મળીશું. એમ કહી બન્ને જુદા પડ્યા.
પ્રસંગ બીજો :– (બે મિત્રો ફરીથી મળે છે.)
પહેલો મિત્ર :– કેમ ભાઈ આપણે તપ સંબંધી ચર્ચા આગળ ચલાવીશું? તમે તમારા ભાઈ પાસેથી બરાબર
સમજ્યા છો?
બીજો મિત્ર :– હા; પણ આપણો વિષય આગળ ચલાવતાં પહેલા મારે તમારી પાસેથી થોડું બીજું જાણવું છે,
માટે તમે કહો તો પૂછું.
પહેલો મિત્ર :– ભલે ખુશીથી પૂછો.
બીજો મિત્ર :– તમે તો મોટા છો, તમારા નાના ભાઈને ધર્મની વાતો શા માટે પૂછો છો?
પહેલો મિત્ર :– મારો નાનો ભાઈ ઉત્સાહી યુવક છે. વળી તે ધર્મના સંગઠ્ઠનમાં માને છે, ધર્મનું જાણપણું ધરાવે
છે. એવી તેની સમાજમાં પ્રતિષ્ઠા છે. અને તે ડાહ્યો છે. તેની ઉંમર નાની છે, એ ખરૂં પણ
ઉંમરને ડહાપણ સાથે સંબંધ નથી, તેથી તેને પૂછું છું.
બીજો મિત્ર :– તમારું કહેવું જાણ્યું; હવે આપણો વિષય આગળ ચલાવીએ
પહેલો મિત્ર :– સાધક અવસ્થામાં શુભ અને અશુભ ઈચ્છા કેમ ટળતી હશે? એ તમે મને કહો.
બીજો મિત્ર :– જુઓ ભાઈ! ભગવાને કહ્યું છે કે:– ‘સર્વ જીવ છે સિદ્ધસમ જે સમજે તે થાય.’ એ ઉપરથી એમ
નક્કી થયું કે પ્રથમ જીવ પોતે ‘સિધ્ધસમ’ કેવી રીતે છે તે સમજવું જોઈએ, જે સમજે તે ‘ઈચ્છા
રહિત’ થાય.
પહેલો મિત્ર :– ઠીક: પણ એ વસ્તુ વધારે સ્પષ્ટ થવાની જરૂર છે, કેમકે તમે કહ્યું તેમાં પણ જીવે પોતાનું સ્વરૂપ
સમજવાની ઈચ્છા કરવાનું તો આવ્યું?
બીજો મિત્ર :– ભાઈ સાંભળો ઈચ્છા રહિત થવાની રીત તમને કહું. તે રીત એ છે કે, જીવ પોતાનું સ્વરુપ
સમજવા માટે પુરુષાર્થ કરે ત્યારે પ્રથમ રાગ (ઈચ્છા) આવે છે. પણ જીવે ‘પોતાનું સ્વરૂપ
ચેતનામય છે અને ઈચ્છા મારું સ્વરૂપ નથી.’ એમ નકી કરવું જોઈએ. અને તે નક્કી કરતાં
રાગ મિશ્રિત વિચાર આવે પણ તે રાગ મારો નથી, એવી પ્રતીતિ કરી તેથી અંશે પાછો પોતે
ફરી શકે છે.
પહેલો મિત્ર :– એ બરાબર છે, પણ ઈચ્છા મારું સ્વરૂપ નથી એટલું જ નક્કી કરે તો ચાલે કે નહીં?
બીજો મિત્ર :– તે ન ચાલે કેમકે પોતાનું ‘હકાર’ (Positive) સ્વરૂપ સમજાય નહીં ત્યાં સુધી ‘નકાર’
(Negative) સ્વરૂપ સમજાય નહીં તેને બીજી રીતે કહીએ તો જ્યાં સુધી જીવ પોતાનું
‘અસ્તિ’ સ્વરૂપ જાણે નહીં ત્યાં સુધી ‘નાસ્તિ’ સ્વરૂપ યથાર્થ પણે જાણે નહીં. યથાર્થ જાણતાં
‘અસ્તિનાસ્તિ’ બરાબર સમજાય અને જ્યાં સુધી બંને પડખાં ન સમજાય ત્યાં સુધી પોતાનું
અસ્તિત્વ (હૈયાતિ) બરાબર સમજાય નહીં.
પહેલો મિત્ર :– એ વાત હું સ્વીકારું છું, પણ તેમાં ‘ઈચ્છા નિરોધ’ શી રીતે થયો?
બીજો મિત્ર :– જુઓ તે આ રીતે થયું. પોતાનું અસ્તિત્વ જેણે નક્કી કર્યું, તેણે એમ નક્કી કર્યું કે, હું સ્વપણે

PDF/HTML Page 10 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૦ આત્મધર્મ : ૨૧ :
છું, અને પરપણે નથી. જીવનું સ્વભાવપણું તે ચૈતન્યસ્વભાવ છે; એમ તેને સમજવામાં આવે,
ત્યારે પોતે પરપણે નથી, એટલે જડપણે નથી; ‘ઈચ્છા’ પણે નથી એમ પણ નક્કી કર્યું.
પહેલો મિત્ર :– તમારી એ વાત સાચી, પરંતુ તેમાં પણ ઈચ્છા હૈયાત છે!
બીજો મિત્ર :– ભાઈ, તમારો પ્રશ્ન બરાબર છે, પણ મેં મારું કથન પૂરૂં કર્યું નથી. તમને આ શંકા આવી અને
પ્રશ્ન પૂછ્યો તે બરાબર છે, પણ મારું કથન ક્રમે ક્રમે સાંભળશો તો તેમાં તમે માગેલો ખુલાસો
આવી જશે, માટે હવે મારો વિષય આગળ ચલાવું?
પહેલો મિત્ર :– ભાઈ, અત્યારે મોડું થયું છે, મારે બીજી જગાએ જવું છે માટે ફરી મળીશું.
બીજો મિત્ર :– ઘણી ખુશીથી, ભલે આપણે સગવડે ફરી મળીશું.
(બન્ને જુદા પડે છે.)
પ્રસંગ ત્રીજો :– બન્ને મિત્રો ફરી મળે છે.
પહેલો મિત્ર :– ભાઈ, આપણો સમ્યક્તપનો વિષય આપણે આજે આગળ ચલાવીએ.
બીજો મિત્ર :– બહુ સારું, હું કહું તે બરાબર લક્ષમાં રાખશો. મેં તમને પ્રથમ કહ્યું હતું કે, જીવે પોતાનું ‘અસ્તિ’
અને ‘નાસ્તિ’ સ્વરૂપ પ્રથમ નક્કી કરવું જોઈએ, અને પોતાનું અસ્તિ સ્વરૂપ નક્કી કરતાં
‘ઈચ્છા’ મારું સ્વરૂપ નથી, તે ક્ષણિક છે, તેને ટાળતાં ટાળી શકાય છે. એમ રાગ સહિત પ્રથમ
વિચારમાં નક્કી કર્યા પછી જીવ જ્યારે પોતાનું લક્ષ પર ઉપરથી પાછું હઠાવી પોતાના ત્રિકાળી
‘અસ્તિ’ સ્વરૂપ તરફ લક્ષ વાળે છે ત્યારે તેને પોતાના સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે, અને હું
ત્રિકાળી શુધ્ધ અખંડ ચેતન સ્વરૂપ છું, એવી પ્રતીતિ છતાં રાગ (ઈચ્છા) હોવા છતાં તે ઉપરનું
સ્વામિત્વ અભિપ્રાયમાંથી નીકળી જાય છે. કેમ સમજ્યા?
પુણ્યને આદરવાયોગ્ય અને પાપને ત્યાગવાયોગ્ય કોણ જાણે છે?
નિજ શુધ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન જે વીતરાગ સહજાનંદ એકરૂપ સુખ રસનો આસ્વાદ છે.
તેની રુચિરૂપ સમ્યગ્દર્શન, નિજ શુધ્ધાત્મામાં વીતરાગ નિત્યાનંદ સ્વસંવેદનરૂપ સમ્યગ્જ્ઞાન અને
વીતરાગ પરમાનંદ પરમ સમરસી ભાવથી આત્મામાં નિશ્ચય સ્થિરતારૂપ સમ્યક્ચારિત્ર એ ત્રણે સ્વરૂપે
પરિણત થયેલ આત્માને, જે જીવ મોક્ષનું કારણ નથી જાણતો, તે જ પુણ્યને આદરવાયોગ્ય જાણે છે અને
પાપને ત્યાગવાયોગ્ય જાણે છે.
(પરમાત્મ પ્રકાશ અધ્યાય ૨ ગાથા પપ ટીકા પાનું ૧૯૫)
પહેલો મિત્ર :– હા: વિચાર કરતાં એ વાત સમજાય છે. અને તે સાચી હોવાનું સ્વીકારૂં છું. માટે આગળ ચલાવો.
બીજો મિત્ર :– ઉપર બતાવ્યા પ્રમાણે જે જીવને યથાર્થ પ્રતીતિ થાય છે, તે જીવ પોતાની પ્રતીતિનું બળવાન
ઘૂંટણ કર્યા કરે, ત્યારે તેને સમ્યગ્દર્શન પ્રગટે છે. તેવા સમ્યગ્દ્રષ્ટિ જીવને ગૃધ્ધિ પણું ન હોય,
અને તે હંમેશાં પરાવલંબન ટાળવા તત્પર રહે છે. તેથી શક્તિ પ્રમાણે તપ કરવાનો વિચાર કરી
ચોવીશ કલાક સુધી આહાર વગેરે નહીં લેવાની પ્રતિજ્ઞા કરે છે. તે વખતે તેની માન્યતા નીચે
પ્રમાણે હોય છે.
(૧) આહાર નહીં લેવાનો જે રાગ મિશ્રિત વિચાર આવે છે, તે શુભ ભાવ છે; અને તેનું ફળ પુણ્ય
બંધન છે, હું તેનો સ્વામી નથી.
(૨) આહાર–પાણી પર વસ્તુ હોઈને તે છોડવા કે મૂકવા તે મારો અધિકાર નથી, પણ જ્યારે સમ્યગ્દ્રષ્ટિ
પર વસ્તુ ઉપરનું આલંબન છોડવાનું નક્કી કરે છે, ત્યારે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ (પુદ્ગલ પરાવર્તનના નિયમ
પ્રમાણે) એવો હોય છે કે, તેટલો વખત આહાર–પાણી સાથે સંયોગ તેને હોતો નથી. આહાર–પાણીનો સંયોગ ન
થયો તેથી ધર્મ પણ થતો નથી, તેમ બંધ પણ થતો નથી.
(૩) રાગના અસ્વામીત્વનો મારો જે અભિપ્રાય છે તે દ્રઢ થાય છે. અને તેથી જે આહાર વગેરે લેવાનો
અશુભ રાગ સાચા અભિપ્રાય પૂર્વક જે ટાળ્‌યો તે ધર્મનો અંશ છે. એટલે કે વીતરાગતાનો અંશ છે, અને આહાર ન

PDF/HTML Page 11 of 17
single page version

background image
સામાયિકના ચાર ભેદ છે (૧) નામ સામાયિક, (૨) સ્થાપના
સામાયિક, (૩) દ્રવ્ય સામાયિક, (૪) ભાવ સામાયિક.
: ૨૨ : આત્મધર્મ : પોષ : ૨૦૦૦
લેવાના શુભવિકલ્પનું સ્વામિત્વ નથી. અંશ છે તેથી તેટલે દરજ્જે શુભાશુભ ઈચ્છાનો નિરોધ થયો તેટલો ભાવ
સમ્યક્ તપ છે.
પહેલો મિત્ર :– તમે કહ્યું તે વસ્તુ ઊંડું મનન માગે છે મનન કરવાનો મને અભ્યાસ છે, માટે હું બરાબર મનન
કરીશ તે વાત બરાબર છે કે નહીં તેની પરીક્ષા કરી નક્કી કરી લેવા માગું છું
બીજો મિત્ર :– તમારી આ વાતને હું અનુમોદન આપું છું, કેમકે, ભગવાનની આજ્ઞા પણ એવી જ છે કે; જે કોઈ
તત્ત્વની વાત પ્રતિપાદન કરે તેનો બધે પડખેથી વિચાર કરી, પરીક્ષા કરી, નિર્ણય કરે તો જ જૈનધર્મનું યથાર્થ
સ્વરૂપ સમજાય. માટે તમે બરાબર વિચાર કરી તમારો નિર્ણય જણાવશો. પછી આપણે મળીશું.
(એમ કહી બન્ને જુદાં પડે છે.)
પ્રસંગ ચોથો
પહેલો મિત્ર :–
ભાઈ, તમે કહ્યું તે મેં ખૂબ વિચાર્યું છે, તે મને બરાબર લાગે છે. સર્વ પ્રકારની ઈચ્છાનું સ્વામિત્વ
અભિપ્રાયમાંથી નીકળી ગયું હોવાથી ચારિત્રના દોષ પુરતી ઈચ્છા રહી હતી. તેમાં આહાર–પાણી નહીં લેવાની પ્રતિજ્ઞા
દ્વારા જે શુભ વિકલ્પ થયો, તેનો જે નકાર વર્તે છે, અને જે આહાર લેવાનું અશુભ ભાવને રોક્યો તે શુભાશુભ
ઈચ્છાનો નિરોધ અંશે થયો, અને તેથી તે સમ્યક્ તપ થયો, એમ બરાબર સમજાયું, પણ એક પ્રશ્ન ઊઠે છે કે:–
‘તો પછી શાસ્ત્રમાં બાર પ્રકારના તપ કેમ કહ્યા?
બીજો મિત્ર :– શાસ્ત્રનું કથન ઉપાદાન અને નિમિત્ત એ બે અપેક્ષાએ હોય છે. નિમિત્તો જુદા જુદા હોવાથી
નિમિત્તોમાં ભેદ પડે, પણ ઉપાદાન તો આત્માનો શુધ્ધ ભાવ હોવાથી તેમાં ભેદ પડે નહીં. એટલે નિમિત્ત
અપેક્ષાએ એ બાર ભેદ વ્યવહાર શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે.
પહેલો મિત્ર :– ત્યારે નિશ્ચય શાસ્ત્રમાં સમ્યક્ તપનું સ્વરૂપ શું કહ્યું છે, તે કહેશો?
બીજો મિત્ર :– શ્રી પ્રવચનસારમાં તેની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે.
‘स्वरूप विश्रान्तनिस्तरंग चैतन्यप्रतपनात् च तपः’।।
અર્થ:–સ્વરૂપની સ્થિરતા રૂપ નિસ્તરંગ (તરંગ વગરનું, નિર્વિકલ્પ) ચૈતન્યનું પ્રતપન (દેદીપ્યમાન
થવું) તે તપ છે એટલે તે જ ખરૂં તપ છે.
આ વિષયમાં આત્મધર્મ પત્રમાં મોક્ષની ક્રિયાનો લેખ પ્રસિદ્ધ થાય છે. તેમાં આવશે તે પણ વાંચજો.
એટલું લક્ષમાં રાખજો કે સમ્યગ્દ્રષ્ટિને ઉપાદાન અને નિમિત્તના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય છે.
પહેલો મિત્ર :– તમે કહો છો તે લેખ હું વાંચી મનન કરીશ.
બીજો મિત્ર :– સારું; પણ શરૂઆતમાં પ્રશ્ન કરતાં ‘સ્વવશે આહાર અમે છોડીએ તેથી આત્માનું સ્વરૂપ અમે ન
જાણતા હોઈએ તો પણ નિર્જરા કેમ ન થાય?’ એમ તમે પૂછેલું, તેનો ખુલાસો પણ ગર્ભિત રીતે આવી ગયો એ
તમે સમજ્યા છો?
પહેલો મિત્ર :– તે વસ્તુ વધારે સ્પષ્ટતા માગે છે.
બીજો મિત્ર :– સારું, ત્યારે આપણે એ વિષય હવે પછી ચર્ચીશું. (એમ કહી બંને મિત્રો જુદા પડ્યા.)
સામાયિક
૧–નામ સામાયિક–જાતિ, ગુણ, ક્રિયા વગેરેની અપેક્ષા વિના કોઈ પણ જીવાદિ પદાર્થનું ‘સામાયિક’ તે
નામ સામાયિક છે.
૨ સ્થાપના સામાયિક–સર્વ પાપોનો ત્યાગ કરવાવાળા પરિણામમાં પરિણત એવા આત્માના શરીરનો જે
આકાર સામાયિક કરતી વખતે હોય તેવો જ સાદશ્ય આકાર જેમાં હોય એવા ચિત્ર, ફોટો વગેરે પદાર્થમાં ‘આ
સામાયિક છે’ એવી સ્થાપના કરવી તે સ્થાપના સામાયિક છે.
૩–દ્રવ્ય સામાયિક–સામાયિકરૂપ આત્માના પરિણામનો અનુભવ જેને થઈ ચૂકયો છે, પરંતુ વર્તમાનમાં
જે સામાયિકરૂપ જ્ઞાનથી પરિણત નથી થયો તેને દ્રવ્ય સામાયિક કહેવામાં આવે છે.
૪–ભાવ સામાયિક–સામાયિકરૂપ આત્માનું જ્ઞાન જે વર્તમાનમાં ઉપયોગ પણે છે, તે ભાવ સામાયિક છે.
(ભગવતિ આરાધના)

PDF/HTML Page 12 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૦ આત્મધર્મ : ૨૩ :
મહાન ઉપકારી ભગવાન કુંદકુંદ આચાર્ય
પૂજ્ય સદ્ગુરુદેવના માગશર વદ ૮ ને સોમવારના વ્યાખ્યાનમાંથી

આજે ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવને ‘આચાર્ય પદવી’ મળવાનો માંગલિક દિવસ છે. તેઓના વખતમાં
પુણ્યના યોગે સાક્ષાત્ તીર્થંકરની વાણી સાંભળવાનો પ્રસંગ બની આવ્યો. તેઓશ્રી–કુંદકુંદ–આચાર્ય દેવ–મહાવિદેહ
ક્ષેત્રમાં જ્યાં સાક્ષાત્ તીર્થંકર શ્રી સીમંધર સ્વામી બિરાજમાન છે તેમની પાસે ગયા અને તેઓની સાક્ષાત્ વાણી
આઠ દિવસ સુધી સાંભળીને ભરત ક્ષેત્રે પાછા આવ્યા. આ વિક્રમ સંવત્ના પ્રથમ સૈકામાં બન્યું હતું.
મહાવિદેહથી આવીને પોતે જે સાક્ષાત્ પ્રભુની દિવ્યધ્વનિમાં સાંભળ્‌યું તથા અહીં ગુરુ પરંપરા થી જે જ્ઞાન
મળ્‌યું હતું અને પોતે જે અંતર સ્વભાવનું અનુભવન કર્યું તેના બળવડે–અનુભવની કલમવડે શ્રી સમયસાર,
શ્રીપ્રવચન સાર, શ્રી પંચાસ્તિકાવ્ય, નિયમસાર, અષ્ટપાહુડ વગેરે શાસ્ત્રોની રચના કરી. તે શાસ્ત્રો ઘણા ભવ્ય
જીવોના ઉદ્ધારનું કારણ થાય છે. અને ભવિષ્યમાં પણ થશે.
આજે (શાસ્ત્ર પ્રમાણે પોષ વદી ૮ એટલે ચાલુ માગશર વદ ૮ ના રોજ) ભગવાનશ્રી કુંદ કુંદ પ્રભુને
‘આચાર્ય પદ’ એટલે ‘શાસનના રક્ષક’ ની પદવી મળ્‌યાનો માંગલિક દિવસ છે. તેઓશ્રીએ આચાર્યપદે આ
કાળના હિસાબે તો તીર્થંકરપદ જેવું મહાન કાર્ય કર્યું છે, અપૂર્વ અનુભવને સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણવીને
શાસનનો ખરેખર ઉદ્ધાર કર્યો છે. એવા મહાન ઉપકારી શ્રી કુંદ કુંદ પ્રભુના ‘આચાર્ય પદ’ નો માંગલિક દિવસ
આજે છે. આજે શાસનનો મહાન દિવસ છે. જેને સ્વભાવનું મહાત્મ્ય આવ્યું તેને નિમિત્તનું–દેવ–ગુરુ–શાસ્ત્રોનું
બહુમાન આવ્યા વગર રહેજ નહીં ગુરુગમ વિના ધર્મ સમજાય નહીં કારણકે, જગતને સત્ વસ્તુનો અનાદિથી
અપરિચય છે. અજાણપણું છે. પ્રથમ સત્ સમજવા માટે સત્ નિમિત્ત જોઈએ. ઉપકારનો આરોપ તો વર્તમાન
નિમિત્ત ઉપર જ હોય. જેવી જેની યોગ્યતા હોય તેને તે યોગ્ય સંયોગ (નિમિત્ત) મળ્‌યા વગર રહે જ નહીં. અને
જ્યારે પોતે સમજે ત્યારે નિમિત્તનો ઉપકાર (વીતરાગ થતા સુધી) ગાયા વગર રહે નહીં.
શ્રી કુંદ કુંદ આચાર્ય ભગવાને જે વસ્તુ કહે છે તેથી મહાન ઉપકાર થયો છે. ગુરુગમ વિના તે સમજાય
તેમ નથી.
‘બૂઝી ચહત જો પ્યાસકો, હય બૂઝનકી રીત;
પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.’
(શ્રીમદ્ રાજચંદ્ર)
અંતરમાં સત્ સમજવાની જિજ્ઞાસા જાગે અને સત્ના નિમિત્ત ન મળે તેમ બને જ નહીં, પોતે સત્ સમજે
ત્યારે સત્ના નિમિત્તનું બહુમાન કર્યા વગર રહે નહીં. શ્રી કુંદકુંદાચાર્ય ભગવાને વસ્તુ સ્વભાવનું અચિંત્ય વર્ણન
અપૂર્વ રીતે કર્યું છે. આત્મ વસ્તુમાં કર્મના નિમિત્તનો સંગ લ્યો તો બંધ–મોક્ષ એવી અવસ્થાના ભેદ પડે છે. પણ
જો એકલી વસ્તુને જ લક્ષમાં લ્યો તો વસ્તુ તો જ્ઞાયક સ્વભાવે જ છે. તેઓશ્રીએ કહ્યું છે કે, – –
‘નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ છે;
એ રીત ‘શુધ્ધ’ કથાય, ને જે જ્ઞાતા તે તો તેજ છે. ।।।।
આચાર્ય દેવ શ્રી સમયસાર શાસ્ત્રની ઉપર કહેલી છઠ્ઠી ગાથામાં એકલા સ્વભાવનું વર્ણન કર્યું છે. તેમાં
‘જ્ઞાયક’ શબ્દ વાપર્યો છે. સામાન્ય પરિણામિક ભાવને જ જ્ઞાયક કહ્યો છે. કારણ કે, તે શાસ્ત્ર ભાષાનો
પરિણામિક શબ્દ લોકો ન સમજી શકે માટે આચાર્યદેવનો સહજ શબ્દ જ્ઞાયક આવ્યો છે તે એકલા જ્ઞાયક
સ્વભાવનું છઠ્ઠી ગાથામાં અપૂર્વ વર્ણન કર્યું છે. ત્યાંથી સમયસારની શરૂઆત થાય છે.
ધર્માત્મા શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન છઠ્ઠી, સાતમી ભૂમિકાએ પ્રમત્ત–અપ્રમત્ત દશામાં ઝુલતા હતા. તે
અવસ્થામાં અંદરથી નકાર આવ્યો કે આ અપ્રમત્ત પ્રમત્તના ભેદ શા? આચાર્ય દેવ પોતે જે ભૂમિકાએ ઝુલતા
હતા ત્યાંથી જ તેનો (અપ્રમત્ત પ્રમત્તના ભેદનો નકાર આવ્યો છે) હું તો ત્રિકાળ એક રૂપ જ્ઞાયક છું એવા
જોરમાં વર્તમાન સ્થિતિનો પણ

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : પોષ : ૨૦૦૦
નકાર કરીને એકલા જ્ઞાયક સ્વભાવનું જ અચિંત્ય વર્ણન છઠ્ઠી ગાથામાં કર્યું છે.
અહો! આચાર્ય દેવે સમયસારમાં વસ્તુનું એવું અલૌકિક વર્ણન કર્યું છે કે, ૪૧૫ ગાથામાં તો જિન
ભગવંતની સાક્ષાત્ ધ્વની ઊતારી દીધી છે. એવો વસ્તુનો સ્વભાવ જેણે જાણ્યો તેને ભવનો અંત આવ્યા વગર
રહે જ નહીં.
વસ્તુ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે, તેને બંધન નથી, મોક્ષ અવસ્થા તે પણ પર્યાય છે. ‘મારી પૂર્ણ નિર્મળ
પર્યાય કયારે ઊઘડશે.’ એવો વિકલ્પ પણ વસ્તુ દ્રષ્ટિમાં રહેતો નથી, પણ વસ્તુદ્રષ્ટિના જોરમાં નિર્મળ પર્યાય
અલ્પકાળે સહેજ ઊઘડી જાય છે. દ્રવ્ય દ્રષ્ટિએ વસ્તુ સ્વભાવ અપરિણામી છે. પર્યાય દ્રષ્ટિએ પરના લક્ષે જે
શુભા–શુભ ભાવ થાય છે પણ તેથી સ્વભાવ તે રૂપ થઈ જતો નથી.
વસ્તુનો પરિણામિક સ્વભાવ છે, તેને જ્ઞાયકપણે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યે વર્ણવ્યો છે. આવું વસ્તુનું
સ્વરૂપ જે જાણે છે તે જ્ઞાની રાગાદિને પોતાના સ્વભાવમાં ખતવતો નથી, અને તેથી તેને બંધન થતું નથી. તેની
અલ્પ કાળમાં મુક્તિ જ છે.
શ્રી કુંદકુંદ ભગવાને મહાવિદેહ ક્ષેત્રે જઈને સાક્ષાત તીર્થંકર પ્રભુની દિવ્ય ધ્વની સાંભળી ને તે વાણી
શાસ્ત્ર દ્વારા ભરત ક્ષેત્રને આપીને તે ક્ષેત્રના અનેક ભવ્ય જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે એવા પરમ ઉપકારી
શાસન ઉદ્ધારક શ્રી કુંદકુંદ ભગવાનને નમસ્કાર હો! • • • •
િક્ત સ્રૂ

સમ્યક્ત્વ પૂર્વક જે દેવ, ગુરુ, શાસ્ત્રની ભક્તિ કરે છે તેને મુખ્ય તો પુણ્ય જ થાય છે, સાક્ષાત્ મોક્ષ થતો
નથી. અને પરંપરાએ એટલે કે ક્રમે ક્રમે શુભ ભાવ ટાળતાં મોક્ષ થાય છે. જે સમ્યક્ત્વ રહિત મિથ્યાદ્રષ્ટિ છે. તેને
ભાવ ભક્તિ તો નથી, લૌકિક બાહ્ય ભક્તિ હોય છે. (જેવો શુભ ભાવ હોય તેવો) તેને પુણ્યનો જ બંધ છે,
કર્મનો
ક્ષય નથી. (પરમાત્મ પ્રકાશ અધ્યાય ૨ ગાથા ૬૧ પાનું ૨૦૩)
શાસ્ત્રમાં એવું વચન છે કે,
भवि भवि जिण पुज्जिउ वंदिउ
અર્થાત્ ભવભવમાં આ જીવે જિનવરને પૂજ્યા, ગુરુને વંદયા છતાં તેમ કેમ કહો છો કે આ જીવ ભવ
વનમાં ભમતાં જિનરાજ સ્વામીને પામ્યો નહીં? એવો શિષ્યે પ્રશ્ન કર્યો, ત્યારે સદ્ગુરુ તેનું સમાધાન કરે છે કે:–
ભાવ ભક્તિ તેને કદી થઈ નથી. ભાવ ભક્તિ તો સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, અને બાહ્ય (લૌકિક) ભક્તિનું ફળ
તો સંસાર છે, તેથી તે ગણત્રીમાં નથી, તે નિઃસાર છે. ભાવ જ કારણ થાય અને ભાવ ભક્તિ મિથ્યાદ્રષ્ટિને હોતી
નથી. જ્ઞાની જીવ જ જિનરાજના દાસ છે, તેથી સમ્યક્ત્વ વિના ભાવ ભક્તિના અભાવથી જિન સ્વામી જીવ
પામ્યો નથી. એ નિઃસંદેહ છે. આ સંસારી જીવ અનાદિ કાળથી આત્મજ્ઞાનની ભાવનાથી રહિત છે, આ જીવ
સ્વર્ગ, નરક, રાજ્યાદિક બધું પામ્યો, પણ બે વસ્તુઓ તેને ન મળી. એક સમ્યગ્દર્શન ન પામ્યો, બીજા જિનરાજ
સ્વામી ન પામ્યો. મિથ્યાદ્રષ્ટિપણું રહે ત્યાં સુધી જિનરાજ સ્વામી મળ્‌યા કહેવાય જ નહીં.
(પા. ૨૮૮ પરમાત્મ પ્રકાશ.)
સમ્યક્ત્વને ભક્તિ પણ કહેવામાં આવે છે. સમ્યગ્દ્રષ્ટિ જ્યારે પોતાના શુધ્ધ આત્મ તત્ત્વભાવના રૂપ હોય
છે, ત્યારે તેને ‘નિશ્ચય ભક્તિ’ કહેવાય છે. અને સમ્યગ્દ્રષ્ટિ નિર્વિકલ્પ ન રહી શકે ત્યારે પંચ પરમેષ્ટિની
આરાધનામાં હોય તેને ‘વ્યવહાર ભક્તિ’ કહેવામાં આવે છે. (હિંદી સમયસાર પાનું ૨૫૦ જયસેનાચાર્યટીકા)
કોઈ જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે પણ તે તો જેમ અન્યમતિ
ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું; ભક્તિ તો રાગરૂપ છે, અને રાગથી બંધ છે માટે તે મોક્ષનું
કારણ નથી. રાગનું ઉદય આવતાં જો ભક્તિ ન કરે તો પાપાનુરાગ થાય, એટલા માટે–અશુભરાગ છોડવા માટે
જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે; વા મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્ત માત્રપણું જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેય પણું માની
સંતુષ્ટ થતો નથી, પણ શુધ્ધ ઉપયોગનો ઉદ્યમી રહે છે.
(અનુસંધાન પા. ૧૩ કોલમ ત્રીજી)

PDF/HTML Page 14 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૦ આત્મધર્મ : ૨૫ :
શુધ્ધ, શુભ અને અશુભનો વિેક

પ્રશ્ન–શાસ્ત્રમાં શુભ–અશુભને સમાન કહ્યા છે, માટે અમારે તો વિશેષ જાણવું યોગ્ય નથી.
ઉત્તર–જે જીવ શુભોપયોગને મોક્ષનું કારણ માની ઉપાદેય માને છે. તથા શુધ્ધોપયોગને આળખતો નથી,
તેને અશુધ્ધતાની અપેક્ષા વા બંધકારણની અપેક્ષા શુભ–અશુભ બંનેને સમાન બતાવીએ છીએ. પણ શુભ–
અશુભનો પરસ્પર વિચાર કરીએ તો શુભભાવોમાં કષાય મંદ થાય છે, તેથી બંધ પણ હીન થાય છે, તથા અશુભ
ભાવોમાં કષાય તીવ્ર થાય છે અને તેથી બંધ પણ ઘણો થાય છે. એ પ્રમાણે વિચાર કરતાં સિદ્ધાંતમાં અશુભની
અપેક્ષાએ શુભને ભલો પણ કહે છે.
જેમ–રોગ તો થોડો વા ઘણો બૂરોજ છે, પરંતુ ઘણા રોગની અપેક્ષાએ થોડા રોગને ભલો પણ કહીએ
છીએ, માટે શુધ્ધોપયોગ ન હોય ત્યારે અશુભને છોડી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને છોડી અશુભમાં
પ્રવર્તવું તો યોગ્ય નથી.
પ્રશ્ન––કામાદિક વા ક્ષુધાદિક મટાડતાં અશુભરૂપ પ્રવૃત્તિ તો થયા વિના રહેતી નથી, તથા શુભ પ્રવૃત્તિ
ઈચ્છા કરી કરવી પડે છે, હવે જ્ઞાનીને ઈચ્છા કરવી નથી, માટે શુભનો ઉદ્યમ ન કરવો?
ઉત્તર–શુભ પ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી કામાદિક હીન થાય છે,
ક્ષુધાદિકમાં પણ સંકલેશ થોડો થાય છે, માટે શુભોપયોગનો અભ્યાસ કરવો યોગ્ય છે. ઉદ્યમ કરવા છતાં પણ
કામાદિક વા ક્ષુધાદિક રહે, તો તેના અર્થે જેથી થોડું પાપ લાગે તે કરવું પણ શુભોપયોગને છોડી નિઃશંક પાપરૂપ
પ્રવર્તવું તો યોગ્ય નથી. વળી તું કહે છે કે–– ‘જ્ઞાનીને ઈચ્છા નથી, અને શુભોપયોગ ઈચ્છા કરવાથી થાય છે.’
પણ જેમ કોઈ પુરુષ કિંચિત્માત્ર પણ પોતાનું ધન આપવા ઈચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણું દ્રવ્ય જતું જાણે, ત્યાં
ઈચ્છાપૂર્વક અલ્પદ્રવ્ય આપવાનો ઉપાય કરે છે; તેમ જ્ઞાની કિંચિત્માત્ર પણ કષાય રૂપ કાર્ય કરવા ઈચ્છતો નથી.
પરંતુ જ્યાં ઘણા કષાય રૂપ અશુભ કાર્ય થતું જાણે, ત્યાં ઈચ્છા કરીને પણ અલ્પકષાયરૂપ શુભ કાર્ય કરવાનો
ઉદ્યમ કરે છે. એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ કે જ્યાં શુધ્ધોપયોગ થતો જાણે ત્યાં તો શુભ કાર્યનો નિષેધ જ છે,
પણ જ્યાં અશુભોપયોગ થતો જાણે, ત્યાં તો શુભ કાર્ય ઉપાય વડે અંગીકાર કરવા યોગ્ય છે.
શ્રી પંચાસ્તિકાયની ગાથા
૧૩૬ ની વ્યાખ્યામાં પણ કહ્યું છે કે:– अयं हि स्थूल लक्षतया केवल भकितप्राधान्यस्य ज्ञानीनो
भवति। उपरित न भूमिकायामलव्धा सादस्यास्थानराग निषेधार्थं तीव्ररागज्वरविनोदार्थं वा
कदाचिज्झानिनोऽपि भवतीति
.
અર્થ:– આ ભક્તિ, ‘કેવળ ભક્તિ જ છે પ્રધાન જેને’ એવા અજ્ઞાની જીવોને જ હોય છે; તથા તીવ્ર રાગ
જ્વર મટાડવા અર્થે વા અસ્થાનનો રાગ નિષેધવા અર્થે કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.
પ્રશ્ન:–જો એમ છે, તો જ્ઞાની કરતા અજ્ઞાનીને ભક્તિની વિશેષતા થતી હશે?
ઉત્તર:–યથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને જ સાચી ભક્તિ છે, અજ્ઞાનીને નહીં; તથા રાગ ભાવની
અપેક્ષાએ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી, અજ્ઞાનીની શ્રદ્ધામાં અતિ અનુરાગ છે; પણ જ્ઞાનીની શ્રદ્ધામાં તેને
શુભ બંધનું કારણ જાણવાથી તેવો અનુરાગ નથી. હવે બાહ્યથી કદાચ જ્ઞાનીને ઘણો અનુરાગ થાય છે તો
કદાચિત્ અજ્ઞાનીને પણ થાય છે. એમ જાણવું.
(મોક્ષ માર્ગ પ્રકાશક પા. ૨૧૬–૨૧૭)
જૈનધર્મ
જૈનધર્મ કોઈ વ્યકિતના કથન પુસ્તક, ચમત્કાર કે વિશેષ વ્યકિત પર નિર્ભર નથી. તે તો સત્યનો
અખંડ ભંડાર, વિશ્વનો ધર્મ છે. અનુભવ તેનો આધાર છે. યુકિતવાદ તેનો આત્મા છે. એ ધર્મને
કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં પેદાર્થોના સ્વરૂપનો તે પ્રદર્શક છે. ત્રિકાળ અબાધિત સત્યરૂપ
છે. વસ્તુઓ અનાદિ અનંત છે, તેથી તેનું સ્વરૂપ પ્રકાશક તત્ત્વજ્ઞાન પણ અનાદિ અનંત છે.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : પોષ : ૨૦૦૦
મોક્ષની ક્રિયા
લેખક:– દોશી રામજીભાઈ માણેકચંદ
પ્રકરણ – છઠ્ઠું
કરોતિ ક્રિયા ભાગ ૧
૧:–‘કરોતિ ક્રિયા’નું થોડું સ્વરૂપ આગળ પ્રકરણ ૨–૩ માં કહેવામાં આવ્યું છે, આ ક્રિયા વડે આત્મા
સંસારને વધારે છે. તેથી તેનું સ્વરૂપ અહીં આપવામાં આવે છે.
૨:–જીવના અજ્ઞાન પૂર્વક થતા શુભાશુભ ભાવને ‘કરોતિ ક્રિયા’ કહેવામાં આવે છે, તેને છેદવામાં આવે
તો મોક્ષ થાય અને તેને અંગીકાર કરવામાં આવે તો જીવ સંસારી રહે આ બાબતમાં શ્રીમદ્ રાજચંદ્ર શ્રી
આત્મસિદ્ધિ શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહે છે:–
‘વિત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ.’।। ૯૦।।
અર્થ:–જીવે શુભાશુભ ભાવરૂપ ‘ભાવકર્મ’ કર્યા; તેથી અનંતકાળ નકામો ગયો; તે શુભાશુભ ભાવને જો
જીવ છેદે તો જ મોક્ષ સ્વભાવ (પવિત્રતા) પ્રગટ થાય. ૯૦ વળી તેઓ કહે છે કે:– ‘શુભાશુભ અને શુધ્ધાશુધ્ધ
પરિણામ ઉપર બધો આધાર છે;’
[જુઓ વ્યાખ્યાનસાર–શ્રીમદ્રાજચંદ્ર મોટું પુસ્તક પાનું–૬૮૩૫ા૨ા૧૫૨)
એટલે જીવના શુભાશુભભાવ તે અશુધ્ધ પરિણામ છે, અને તે જ ‘કરોતિ ક્રિયા’ છે.
૩:–આ સંબંધમાં બે ખોટી માન્યતાઓ પ્રચલિત છે; તે એ છે કે:–
(૧) જીવને સમ્યક્દર્શન થયું છે કે કેમ તે જીવને પોતાને ખબર પડે નહીં, કેવળજ્ઞાનીને જ ખબર પડે;
માટે રૂઢિગત જેમ ક્રિયાઓ આપણે કરીએ છીએ તેમ કર્યા કરવી અને તેથી કોઈ વખતે ભવિષ્યમાં આત્મા
શુધ્ધપણે પ્રગટશે.
(૨) સામાન્ય માણસો તો આત્મા સમજે નહિ, કેમકે તે સમજવો આ કાળે દુર્ધટ છે; માટે જે રૂઢિગત
(નામનિક્ષેપે) સામાયક, પ્રતિક્રમણ, ઉપવાસ વગેરે આપણે કરીએ છીએ તે કર્યા જવું અને તેથી આત્માને
ભવિષ્યમાં મોક્ષનો લાભ થશે, કેમકે તે ‘સામાયક વગેરે ક્રિયાઓ’ સંવર નિર્જરારૂપ છે.
૪:–આ સંબંધમાં પહેલી માન્યતા ખોટી છે એ બતાવવામાં આવે છે:– શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે:– ‘લોકો
કહે છે કે સમકિત છે કે નહીં તે કેવળજ્ઞાની જાણે; પણ પોતે આત્મા છે તે કેમ ન જાણે? કાંઈ આત્મા ગામ ગયો
નથી; અર્થાત્ સમકિત થયું છે કે નહિ તે આત્મા પોતે જાણે; જેમ કોઈ પદાર્થ ખાવામાં આવ્યે તેનું ફળ આપે છે,
તેમજ સમકિત આવ્યે ભ્રાંતિ ટળ્‌યે તેનું ફળ પોતે જાણે; જ્ઞાનનું ફળ જ્ઞાન આવે જ. પદાર્થનું ફળ પદાર્થ લક્ષણ
પ્રમાણે આવે જ. આત્મામાંથી કર્મ જવું–જવું થયાં હોય તેની પોતાને ખબર કેમ ન પડે? અર્થાત્ ખબર પડે જ.
સમકિતીની દશા છાની રહે નહીં. કલ્પિત સમકિત માને તે પિત્તળની હીરા–કંઠીને સોનાની હીરાકંઠી માને તેની
પેઠે.’ (જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર મોટું પુસ્તક–ઉપદેશ છાયા–પા.–૫૪૮.)
પ:– શ્રી સમયસાર (ગુજરાતી) ની ગાથા ૭૫–૧૯૮ અને ૨૦૦ માં જ્ઞાનીના ચિહ્ન બતાવ્યાં છે, હવે જો
જીવ પોતાને સમ્યક્દર્શન થવાનું જાણી શકતો ન હોય તો તેનું જ્ઞાન જ સમ્યક્ નથી. કેમકે તેનું જ્ઞાન પોતાના
જ્ઞાનની પર્યાયને યથાર્થપણે જાણતો નથી. આ સંબંધમાં ગાથા ૭૫ માં નીચે પ્રમાણે કહ્યું છે:–‘હવે પૂછે છે કે
આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન કહો. તેના ઊત્તરરુપ ગાથા કહે છે:–
‘પરિણામ કર્મતણું અને નોકર્મનું પરિણામ જે,
તે નવકરે જે માત્ર જાણે તેજ આત્મા જ્ઞાની છે.।। ૭૫।।
ગાથા ૧૮૯ થી ૨૦૦ માં નીચે પ્રમાણે કહ્યું છે.–
‘હવે પ્રથમ સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે. એમ ગાથામાં કહે છે:–
‘કર્મો તણો વિવિધ ઉદય વિપાક જિનવર વર્ણવ્યો,
તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયકરુપ છું.’।। ૧૯૮।।

PDF/HTML Page 16 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૦ આત્મધર્મ : ૨૭ :
હવે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે:–
‘પુદ્ગલ કરમરૂપ રાગનો જે વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહિ મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયક ભાવ છું.’
આ રીતે સમ્યગ્દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાન–વૈરાગ્ય સંપન્ન હોય છે
એમ હવેથી ગાથામાં કહે છે:–
‘સુદ્રષ્ટિ એ રીત આત્મને જ્ઞાયક સ્વભાવ જ જાણતો.
ને ઉદય કર્મ વિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો’।। ૨૦૦।।
આ બાબતમાં વધારે આધારો હવે પછીના પ્રકરણમાં આપવામાં આવશે.
પ્રકરણ – ૭ મું
કરોતિ ક્રિયા ભાગ – ૨
૧:‘કરોતિ ક્રિયા’ ના આગલા પ્રકરણમાં બે ખોટી માન્યતાઓ ચાલી રહી છે; તેમાં સમ્યગ્દર્શન પોતાનું
થયું છે એ છદ્મસ્થ જીવ પોતે જાણી શકે નહિ, પણ કેવળી ભગવાન જ જાણી શકે એવી એક માન્યતા છે, તે
ખોટી છે; એમ કેટલાક શાસ્ત્રોથી બતાવ્યું છે, તે અહીં વિશેષ બતાવવામાં આવે છે.
૨:–‘નય’ છે તે શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે, શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, તેથી આ નય પણ
પરોક્ષ જ જણાવે છે. શુધ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષયભૂત બધ્ધસ્પૃષ્ટાદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્યશક્તિ
માત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ; વળી તેની વ્યક્તિ કર્મસંયોગથી મતિ શ્રુતાદિ જ્ઞાનરૂપ છે, તે
કથંચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષ પણ કહેવાય છે, (ગુજરાતી સમયસાર પાનું–૩૫.) એ રીતે તો પોતે
પોતાનું સમ્યગ્જ્ઞાન પરોક્ષપણે જાણે, તેમ અનુભવ ગોચરપણાથી પ્રત્યક્ષપણે જાણે છે; અને સમ્યગ્જ્ઞાન અને
દર્શન અવિનાભાવી હોવાથી સમ્યગ્દર્શનને પણ છદ્મસ્થ જાણે છે. શુધ્ધ નયના વિષયરૂપ આત્માનો અનુભવ
કરો, એમ ઉપદેશ છે. આ ઉપદેશ પણ છદ્મસ્થને જો સમ્યગ્જ્ઞાનની ખબર ન પડતી હોય તો વૃથા જાય.
(ગુજરાતી સમયસાર પાનું–૩પ)
૩:–સમયસારની ગાથા પ માં આચાર્ય ભગવાન કહે છે કે, તે એકત્વ–વિભક્ત આત્માને હું આત્માના
નિજવૈભવ વડે દેખાડું છું, જો હું દેખાડું તો પ્રમાણ કરવું તેની ટીકા કરતાં આચાર્ય ભગવાન અમૃતચંદ્રસુરી કહે છે
કે, એમ જે પ્રકારે મારા જ્ઞાનનો નિજવિભવ છે, તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે
જ) પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું આગળ જતાં જણાવે છે કે, આચાર્ય આગમનું સેવન,
યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના
જ્ઞાનવિભવથી એકત્વ–વિભક્ત શુધ્ધઆત્માનું સ્વરૂપ દેખાડે છે, તેને સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના
સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, પોતાને સમ્યકત્વ થયું છે, તે સ્વસંવેદન પ્રત્યક્ષથી
પ્રમાણ
[સાચા જ્ઞાન] વડે ખબર પડે છે. (ગુજરાતી સમયસાર પાનું–૧૩)
૪:–સમયસારના કલશ ૯ માં આચાર્ય અમૃતચંદ્રદેવ જણાવે છે:– उदयति न नय श्रीरस्तुमेति प्रमाणम्
कवचिदपि च न विह्मो याति निक्षेपचक्रम् किम परमभिदध्मो धाम्नि सर्व कषेऽस्मिन्ननु भवमुपयाते भाति
न द्वैतमेव।। ९।।
અર્થ:–આચાર્ય શુધ્ધ નયનો અનુભવ કરી કહે છે કે:– આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુધ્ધનયનો
વિષયભૂતચૈતન્ય ચમત્કાર માત્ર તેજઃપુંજ આત્મા તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ
અસ્તને પ્રાપ્ત થાય છે, અને નિક્ષેપોનો સમૂહ કયાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ?
દ્વૈત જ પ્રતિભાસતું નથી.
ભાવાર્થ:– × × × શુધ્ધ અનુભવ થતાં દ્વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
આ ઉપરથી પણ સિદ્ધ થાય છે. ચોથે ગુણસ્થાને પણ આત્માને પોતાને પોતાના સમ્યગ્જ્ઞાનનો શુધ્ધ અનુભવ
થાય છે. સમયસારમાં લગભગ દરેક ગાથામાં આ અનુભવ થાય છે; માટે અનુભવ કરવાનો ઉપદેશ કર્યો છે.
પ:–શ્રીમદ્રાજચંદ્ર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ કહે છે કે:–
‘વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત,
વૃત્તિ રહે નિજભાવમાં; પરમાર્થે સમકિત.।। ૧૧૧।।

PDF/HTML Page 17 of 17
single page version

background image
[પૂજ્ય સદ્ગુરુદેવના તા. ૧૪ –
૧૨ – ૪૩ ના વ્યાખ્યાન ઉપરથી]
આ ગાથા પણ કહે છે કે છદ્મસ્થને પોતાના નિજ સ્વભાવનો અનુભવ થાય છે, અને તે પરમાર્થે સમકિત છે.
નોટ:–કેવળજ્ઞાની અને છદ્મસ્થ વચ્ચે ફેર માત્ર એટલો જ છે કે કેવળી પ્રત્યક્ષ જાણે છે, છદ્મસ્થ
ભાવશ્રુતજ્ઞાન વડે પરોક્ષપણે જાણે છે, અને અનુભવથી પ્રત્યક્ષ જાણે છે. પરોક્ષ જ્ઞાન તે સાચું જ્ઞાન છે કેમકે
સમ્યગ્જ્ઞાન પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારના હોય છે; એટલે સમ્યગ્જ્ઞાન જે પ્રગટ કરે તેને ‘કરોતિ ક્રિયા’
હોય જ નહીં.
ધર્મ – સાધન
ધર્મ માટે મુખ્યત્વે બે વસ્તુની જરૂર છે.
[] ક્ષેત્રવિશુધ્ધિ [] યથાર્થ બીજ
ક્ષેત્ર વિશુધ્ધિ:–સંસારના અશુભ નિમિત્તો પ્રત્યેની આસક્તિમાં મંદતા બ્રહ્મચર્યનો રંગ, કષાયની મંદતા,
દેવ ગુરુ પ્રત્યેની ભક્તિ, સત્ની રુચિ આદિનું હોવું તે ક્ષેત્ર વિશુદ્ધિ છે. તે પ્રથમ હોય જ.
પણ માત્ર ક્ષેત્ર વિશુદ્ધિથી જ ધર્મ થઈ જતો નથી. ક્ષેત્ર વિશુદ્ધિ તો દરેક જીવે અનેક વાર કરી; ક્ષેત્ર
વિશુદ્ધિ તે (ભાન સહિત હોય તો) બાહ્ય સાધન છે. વ્યવહાર સાધન છે.
પ્રથમ ક્ષેત્ર વિશુદ્ધિ વગર કદી ધર્મ થાય નહીં, પણ ક્ષેત્ર વિશુદ્ધિ હોય અને યથાર્થ બીજ ન હોય તો પણ
ધર્મ થઈ શકતો નથી.
યથાર્થ બીજ:–‘મારો સ્વભાવ નિરપેક્ષ બંધ મોક્ષના ભેદ રહિત, સ્વતંત્ર, પરનિમિત્તના આશ્રયરહિત છે,
સ્વાશ્રય સ્વભાવના જોરે જ મારી શુધ્ધતા પ્રગટે છે,’ એમ અખંડ નિરપેક્ષ સ્વભાવની નિશ્ચય શ્રદ્ધા થવી તે
યથાર્થ બીજ છે. તે જ અંતર સાધન અર્થાત્ નિશ્ચય સાધન છે.
જીવ અનાદિ કાળમાં કદી નથી, સ્વભાવની નિશ્ચય શ્રદ્ધા કરી નથી, તે શ્રદ્ધા વિના બાહ્ય સાધન
અનેકવાર કર્યાં છતાં ધર્મ થયો નથી.
તેથી ધર્મમાં મુખ્ય સાધન તે યથાર્થ શ્રદ્ધા છે, અને યથાર્થ શ્રદ્ધા હોય ત્યાં બાહ્ય સાધન સહજ હોય છે.
યથાર્થ શ્રદ્ધા વગરના બાહ્ય સાધનથી કદી ધર્મ નથી...
તેથી દરેક જીવનું પ્રથમ કર્તવ્ય આત્માના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરવી તે જ છે. અનંતકાળે દુર્લભ મનુષ્ય
દેહ તેમાં ઉત્તમ જૈનધર્મ અને સત્ સમાગમનો જોગ, આટલું મળ્‌યા છતાં જો સ્વભાવના જોરે સત્ની શ્રદ્ધા ન કરી
તો ચોરાશીના જન્મમરણમાં ફરી આવો ઉત્તમ મનુષ્ય દેહ મળવો દુર્લભ છે.
આચાર્ય મહારાજ કહે છે કે, એકવાર સ્વાશ્રયની શ્રદ્ધા લાવી હા પાડ કે, ‘પરનો આશ્રય નહીં’
સ્વાશ્રયની શ્રદ્ધા કરી કે, તારી મુક્તિ જ છે. બધા આત્મા પ્રભુ છે. જેણે પોતાની પ્રભુતા માની તે પ્રભુ થઈ ગયા.
આ રીતે દરેક જીવનું પ્રથમમાં પ્રથમ કર્તવ્ય સત્સમાગમે સ્વભાવની યથાર્થ શ્રદ્ધા [સમ્યગ્દર્શન] કરવાનું
જ છે. ધર્મનું [મુક્તિનું] નિશ્ચયથી પ્રથમ સાધન તે જ છે...
ATMADHARMA Regd No. B. 4787
ખુશખબર :– ‘ભાઈ લાભશંકર છગનલાલ ઉ. વર્ષ ૩૩. તથા તેના ધર્મપત્ની કમળાબેને ઉ. વર્ષ ૩૦ આજે પરમ
પૂજ્ય સદ્ગુરુ દેવ કાનજી સ્વામી પાસે બ્રહ્મચર્યવૃત ધારણ કર્યું છે. તે એજન્સી સેક્રેટરીયટમાં ટાઈપીસ્ટની નોકરી
ઉપર છે. તેમના પિતા ભાઈ છગનલાલ જશવીર–એજન્સીના પેન્શનર છે. ભાઈ લાભશંકર તથા તેમના પત્ની
પૂજ્ય મહારાજ સાહેબ અહીં પધાર્યા ત્યારથી હમેશાં તેમના ઉપદેશનો લાભ લે છે.’
તા. ૨૬–૧૨–૪૩
ભલામણ :– ‘આત્મધર્મ’ નો પહેલો અંક ખૂબ ઉતાવળે તૈયાર કરેલો એથી એમાં દરેક જિજ્ઞાસુને સંતોષ થાય
એવું લખાણ નહોતું આપી શકાયું.
પરંતુ આ અને હવે પછીના અંકો વાંચકોને સત્દેવ, સદ્ગુરુ, ને સદ્ધર્મ, પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવામાં
ઉત્તમ નિમિત્ત બને એવી રીતે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવશે.
એથી :– ‘આત્મધર્મ’ ના પ્રત્યેક ગ્રાહકને સવિનય ભલામણ કરવાની છે કે તેઓ પોતાના સ્નેહી સ્વજનો, મિત્રો
અને ઓળખીતાઓમાંથી ફક્ત પાંચ જ નવા ગ્રાહક બનાવી તેમના નામ અને લવાજમ મોકલી આપે.