Atmadharma magazine - Ank 202
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૨૦૨
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૧૦ મો સંપાદક: રામજી માણેકચંદ દોશી શ્રાવણ: ૨૪૮૬
____________________________________________________________________________
આ ત્મ ર ક્ષ ક બ ન્ધુ
નિયમસાર ગા. ૭૭ થી ૮૧: આ પાંચ રત્નોદ્વારા આચાર્યદેવે સમસ્ત વિભાવ
પર્યાયોનો ત્યાગ કરાવીને શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનું ગ્રહણ કરાવ્યું છે. આ પાંચ રત્નોનું
તાત્પર્ય સમજીને જે જીવ અંતર્મુખ થઈને સ્વતત્ત્વમાં ચિત્તને એકાગ્ર કરે છે અને એ
સિવાયના સમસ્ત બાહ્ય વિષયોના ગ્રહણની ચિંતા છોડે છે તે જીવ મુક્તિ પામે છે.
–આ રીતે સ્વભાવ અને વિભાવના ભેદનો અભ્યાસ તે મુક્તિનું કારણ છે.
આવા સ્વતત્ત્વનો આશ્રય કરવો તે જ આત્માની રક્ષા કરનાર બંધુ છે.
ચૈતન્યસ્વભાવનો આશ્રય કરીને વિભાવોના ઉપદ્રવથી આત્માની રક્ષા કરવી તે જ સાચું
રક્ષાપર્વ છે. વિષ્ણુકુમાર મુનિને અકંપનાચાર્ય આદિ ૭૦૦ મુનિવરોની રક્ષાનો ભાવ
આવ્યો તે ધર્મના વાત્સલ્યનો શુભભાવ હતો, તે શુભ ભાવથી પાર એવા
ચિદાનંદસ્વભાવનું વાત્સલ્ય પણ તે વખતે સાથે વર્તતું હતું. રાગથી પણ આત્માની રક્ષા
કરવી (–ભેદજ્ઞાન કરવું) તે ‘આત્મરક્ષા’ છે. આત્માને સમ્યગ્દર્શનરૂપી દોરો બાંધતા
સમસ્ત પરભાવોથી તે આત્માની રક્ષા કરે છે, એટલે તે જ સાચું ‘રક્ષાબંધન’ છે.
સમ્યગ્દર્શનપરિણતિરૂપી બહેન, પોતાના અનાદિ ચૈતન્યબંધુને આવું રક્ષાબંધન કરીને
કહે છે કે હે ચૈતન્યબંધુ! તું સમસ્ત પરભાવોથી મારી રક્ષા કરજે. જેટલે અંશે રાગાદિ છે
તેટલે અંશે આત્માના ગુણો હણાય છે અને તે રાગાદિ ભાવો આત્માની શાંતિમાં ઉપદ્રવ
કરનારા છે, તે ઉપદ્રવકારી ભાવોથી આત્માને બચાવવો,–કઈ રીતે બચાવવો? કે
સમસ્ત વિભાવોથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વતત્ત્વમાં પ્રવેશીને ઉપદ્રવકારી ભાવોથી
આત્માને બચાવવો તે આત્મરક્ષા છે.
(–શ્રાવણ સુદ પૂર્ણિમા–રક્ષાબંધન પર્વ દિને પૂ. ગુરુદેવના પ્રવચનના આધારે) વીર સં. ૨૪૮પ
–૨૦૨–

PDF/HTML Page 3 of 17
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
પરમપૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે,
તેઓશ્રીની તબીયત સારી છે, આંખે પણ બરાબર
આરામ છે, ને સંતોષકારક રૂઝ તથા પ્રકાશ આવી
ગયેલ છે. ગુરુદેવની આંખના મોતિયા બાબત
ભક્તોમાં ખૂબ ચિંતા રહેતી હતી, પરંતુ ડો. ચીટનીસ
અને ડો. મનસુખભાઈ દ્વારા સફળ ઓપરેશન થતાં હવે
ચિંતાનો અંત આવ્યો છે.
જેઠ વદ ત્રીજના રોજ મોતિયો ઉતારવામાં આવ્યો.
ત્યાર બાદ અઠવાડિયા પછી (જેઠ વદ ૧૧ના રોજ)
જ્યારે આંખનો પાટો છોડી નાંખવામાં આવ્યો અને પૂ.
ગુરુદેવ પહેલવહેલાં સભામાં પાટ ઉપર પધાર્યા ત્યારે
સૌ ભક્તોએ ખૂબ જ આનંદિત થઈને ભાવભીની
સ્તુતિ કરી હતી; ડો. મનસુખલાલભાઈએ પણ હર્ષિત
થઈને તે દિવસે પ્રભાવના કરી હતી, ને પોતાને આવી
સેવાનો લાભ મળ્‌યો તે બદલ પ્રમોદ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ ગુરુદેવની આંખમાં વધુ ને વધુ સુધારો
થતો ગયો અને આંખમાં બરાબર સંતોષકારક રૂઝ
આવી જતાં આ શ્રાવણ સુદ એકમના રોજ ચશમાના
નંબર કાઢવાનું નક્કી થયું; સાથે સાથે ડો. ચીટનીસ
અને ડો. મનસુખલાલભાઈ બંનેએ કાંઈ પણ ફી લીધા
વગર અત્યંત ચીવટપૂર્વક આ કાર્ય કરી આપ્યું તે માટે
તેમને બંનેને માનપત્ર આપવાનું પણ નક્કી થયું. આ
માટે ડો. ચીટનીસ શ્રાવણ સુદ એકમને રવિવારે
મુંબઈથી સોનગઢ આવ્યા.
સવારમાં સભાસ્થાન ચિક્કાર હતું. ગુરુદેવ
ભરસભામાં બિરાજેલા, તે વખતનું વાતાવરણ
આનંદમયી હતું. ગુરુદેવના પ્રભાવથી સ્વાધ્યાય
મંદિરનો દેખાવ આજે વિશેષ રળિયામણો લાગતો હતો.
સૌ ભક્તોએ હર્ષપૂર્વક ગુરુદેવની સ્તુતિ કરી.
ડો. ચીટનીસ પહેલાં તો સવારમાં આવી જવાના હતા,
પરંતુ મુંબઈથી ઉપડેલું એરોપ્લેન વાદળના ધૂમ્મસને
કારણે ભાવનગર ઉતરી ન શકવાથી તેઓ ફરીને
બપોરમાં એરોપ્લેનમાં આવ્યા. લગભગ સાડાચાર
વાગે સભામાં આવી પહોંચતા તરત જ મંગલાચરણ
અને ગુરુદેવની સ્તુતિ થઈ; ત્યારબાદ શેઠ પ્રેમચંદભાઈ
તથા શેઠ ખીમચંદભાઈએ સંક્ષિપ ભાષણો કર્યો. પછી
વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે વિદ્વત્તાભર્યું
પ્રસંગોચિત ભાષણ કરીને બંને ડો. સાહેબોનો પરિચય
આપ્યો અને તેમણે કરેલી સેવા બદલ આભાર માન્યો;
પછી બંને ડોકટરોના માનપત્રો વાંચ્યા અને
રજતની ફ્રેઈમવાળા તે માનપત્રો (ટી–સેટ સહિત)
પ્રમુખ શ્રી રામજીભાઈના હસ્તે બંને ડોકટર સાહેબોને
ભેટ આપવામાં આવ્યા. ડો. ચીટનીસ સાહેબે
માનપત્રના જવાબરૂપે સુંદર ભાષણ (ઈંગલીશમાં) કર્યું
ને તેનો સાર ભાઈશ્રી હિંમતલાલભાઈએ ગુજરાતીમાં
કહ્યો. ડો. ચીટનીસે, ડો. મનસુખલાલભાઈ દ્વારા પોતાને
આવા મહાપુરુષની સેવાનો લાભ મળ્‌યો....એમ કહીને
ગુરુદેવ પ્રત્યે પ્રમોદ વ્યક્ત કર્યો અને કહ્યું કે ગુરુજીને
માટે ઓપરેશન ઉપરાંત બીજી કોઈ સેવા આપ મને
બતાવશો તો હું ખુશી થઈશ. માનપાત્ર બાદ ડો.
સાહેબોએ ગુરુદેવની આંખ તપાસીને બરાબર સંતોષ
વ્યક્ત કર્યો. આ માનપત્ર પ્રસંગ બહુ આનંદથી થયો
હતો. ગુરુદેવની આંખે બરાબર સારું થઈ જવાથી
ભક્તોને પ્રસન્નતા હતી; એની ખુશાલીરૂપે તે દિવસે
આખા સંઘનું જમણ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે
બહારગામથી પણ અનેક મહેમાનો આવ્યા હતા ને
ગામના પણ પ્રતિષ્ઠિત માણસોને આમંત્રણ આપવામાં
આવ્યું હતું.–જાણે કે ઉત્સવ હોય એવું આજના દિવસનું
વાતાવરણ હતું. વિશેષ હર્ષની વાત એ છે કે ગુરુદેવ હવે
વાંચન શરૂ કરી શકશે, ને લગભગ શ્રાવણ સુદ પુનમે
ગુરુદેવના પ્રવચનો શરૂ થશે. આ રીતે, ગુરુદેવની આંખે
જલદી સારું થઈ જવાની ભક્તોની હાર્દિક ભાવના
સફળ થઈ છે.....ને હવે ગુરુદેવની મંગળ વાણી દ્વારા
આત્મબોધ પામવાની આપણી ભાવના પણ શીઘ્ર–
તિશીઘ્ર પૂરી થાઓ –એ જ ભાવના.
દસલક્ષણી પર્યુષણ પર્વ– ભાદરવા સુદ ૪ ને
શુક્રવાર તા. ૨૬–૮–૬૦ થી શરૂ કરીને ભાદરવા સુદ ૧૪
ને રવિવાર તા. ૪–૯–૬૦ સુધીના દસદિવસો દસલક્ષણી
પર્યુષણપર્વ તરીકે ઊજવાશે. આ દિવસો દરમિયાન દસ–
લક્ષણ મંડલનું પૂજન, તેમજ દસલક્ષણધર્મો ઉપર પૂ.
ગુરુદેવના ખાસ પ્રવચનો થશે. (વચ્ચે સુદ ૯ ઘટતી
હોવાથી દસલક્ષણપર્વ એક દિવસ વહેલા શરૂ થાય છે.)
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો
શ્રાવણ વદ ૧૨ ને શુક્રવાર તા. ૧૯–૮–૬૦ થી શરૂ
કરીને ભાદરવા સુદ ૪ ને શુક્રવાર તા. ૨૬ સુધીના આઠ
દિવસો દરમિયાન પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક
ભાદરવા સુદ બીજને બુધવાર તા. ૨૪–૮–૬૦ ના રોજ
શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક મળશે;
સૌ સભ્યોને હાજર રહેવા વિનંતિ છે.

PDF/HTML Page 4 of 17
single page version

background image
શ્રાવણ: ૨૪૮૬ : ૩ :
રક્ષાબંધન પર્વ: ધર્મવાત્સલ્યનું મહાન પ્રતીક
રક્ષાબંધન પર્વ એ જૈનનું એક મહાન ઐતિહાસિક પર્વ છે. ૭૦૦
મુનિવરોની રક્ષાનો પ્રસંગ અને ધર્મરક્ષાની મહાન ભાવના આ પર્વ સાથે
જોડાયેલા છે. ૭૦૦ મુનિઓના સંઘના અધિપતિ આચાર્ય અકંપનસ્વામીએ
ઊજ્જૈનનગરીમાં સંઘના મુનિઓને મૌન રહેવાની આજ્ઞા કરી....અને પછી
શ્રુતસાગર મુનિને વાદવિવાદના સ્થાને જઈને સંઘની રક્ષા ખાતર આખી રાત
ધ્યાનમાં ઊભા રહેવાની આજ્ઞા કરી, એમાં તેમના હૃદયમાં વહી રહેલું વાત્સલ્યનું
ઝરણું દેખાઈ આવે છે, સંઘ ઉપર ઉપદ્રવનો સંભવ જણાતાં સંઘની રક્ષા ખાતર
તેમના હૃદયમાં ભરેલો ધર્મવત્સલતાનો સમુદ્ર સહેજે ઉલ્લસી જાય છે.
પછી, મધરાતે દુષ્ટ મંત્રીઓ જ્યારે મુનિ ઉપર પ્રહાર કરવા તૈયાર થાય
છે ત્યારે જૈનધર્મનો ભક્ત યક્ષદેવ મુનિરક્ષા કરીને, ધર્મ અને ધર્માત્મા પ્રત્યેનું
પોતાનું ભક્તિભર્યું વાત્સલ્ય પ્રસિદ્ધ કરે છે.
પછી, એ વત્સલતા પોતાનું સામ્રાજ્ય ફેલાવતી, મિથિલાપુર આવીને
આચાર્ય શ્રુતસાગરને પોતાને આધીન કરે છે......વત્સલતાને આધીન થયેલું
તેમનું હૃદય, મુનિઓ ઉપરનો ઉપદ્રવ જોતાં જ મુનિસંઘ પ્રત્યેની વત્સલતાના
પૂરથી એવું ઉભરાય છે કે મૌનરૂપી કિનારો તોડીને ‘હા!’ એવા ઉદ્ગારદ્વારા તે
વત્સલતા બહાર આવે છે.....પછી તો મહામુનિ વિષ્ણુકુમાર પણ એ વત્સલતાના
પૂરમાં તણાય છે......ને ૭૦૦ મુનિઓની રક્ષા કરવા તત્પર બને છે.
તો બીજી તરફ હસ્તિનાપુરના શ્રાવકો પણ, જ્યાંસુધી મુનિવરોનો
ઉપદ્રવ દૂર ન થાય ત્યાંસુધી અન્નજળનો ત્યાગ કરીને, ધર્મ અને ધર્માત્મા
પ્રત્યેની પોતાની અજબ વત્સલતા વ્યક્ત કરે છે–અને અંતે એ વત્સલતાનો
એવો મહાન વિજય થયો કે જેના પ્રતાપે ૭૦૦ મુનિવરોની રક્ષા થઈ....
જૈનધર્મની મોટી પ્રભાવના થઈ....અને મુનિરક્ષાનો એ દિવસ વાત્સલ્યના
મહાન પ્રતીક તરીકે પ્રસિદ્ધ થયો.
આજે પણ ઠેરઠેર એ દિવસ ઊજવાય છે....બહેન ભાઈના હાથે જે
રાખડી બાંધે છે તે પણ વાત્સલ્યનું જ એક પ્રતીક છે. જ્યાં વાત્સલ્ય હોય ત્યાં
રક્ષાની ભાવના હોય જ. આ ઉપરાંત “અમારા ધર્મની રક્ષા કરો” એવી
ભાવનાપૂર્વક ભક્તજનો જિનમંદિર આદિ ધર્મસ્થાનોએ પણ રાખડી બાંધે છે,
તેમજ ધર્મ અને ધર્માત્માઓ પ્રત્યે આદરપૂર્વક વાત્સલ્ય વ્યક્ત કરે છે.
ધર્માત્માને કે ધર્મની પ્રીતિવાળા જિજ્ઞાસુને, ધર્મ પ્રત્યે અને ધર્મધારક
ધર્માત્માઓ પ્રત્યે પરમપ્રીતિ જરૂર હોય છે, એટલે આવી પ્રીતિરૂપ વાત્સલ્ય તે
સમ્યક્ત્વનું એક ખાસ અંગ છે.
આ રીતે વાત્સલ્ય સાથે સંકળાયેલા ધર્મપ્રસંગોને અને ધર્માત્માઓને
યાદ કરીને મુમુક્ષુઓએ ભારતભરમાં પરમ વાત્સલતાના પૂર વહાવવા
જોઈએ.
ધર્મવત્સલ સર્વે સંતોને નમસ્કાર હો!

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૦૨
–પરમ શાંતિ દાતારી–
અધ્યાત્મ ભાવના
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત
‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ
શ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવના
ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
(‘આત્મધર્મ’ ની સહેલી લેખમાળા: અંક ૧૯૬થી ચાલુ)
(વીર સં. ૨૪૮૨ અષાડ સુદ એકમ સોમવાર: સમાધિશતક ગા. ૪૩)
સ્વરૂપથી ચ્યૂત થઈને પરમાં આત્મબુદ્ધિથી બહિરાત્મા ચોક્કસ બંધાય છે, અને સ્વરૂપમાં જ
આત્મબુદ્ધિવાળા અંતરાત્મા મુક્ત થાય છે–એમ હવે કહે છે–
परत्राहम्मतिः स्वस्माच्च्युती बध्नात्यसंशयम्।
स्वस्मिन्नहम्मतिच्युत्वा परस्मान्मुच्यते बुधः।।४३।।
સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન હું જ્ઞાયકસ્વરૂપ છું–એમ નિર્ણય કરીને જ્ઞાયકસ્વરૂપ તરફ જે વળતો
નથી, ને દેહ–રાગાદિમાં જ આત્મબુદ્ધિ કરીને વર્તે છે તે જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો બંધાય છે–એમાં
સંશય નથી; અને બુધધર્માત્મા પોતાના જ્ઞાનાનંદસ્વરૂપમાં જ આત્મબુદ્ધિથી વર્તે છે, ને પરથી ચ્યૂત
થઈને સ્વરૂપમાં ઠરે છે તેથી તે નિયમથી મુક્ત થાય છે.
જુઓ, સ્વતત્ત્વ ને પરતત્ત્વ બે ભાગ પાડીને ટૂંકામાં સમજાવ્યું. સ્વદ્રવ્ય તરફ જે વળ્‌યો તે મુક્ત
થાય છે, ને જેણે પરદ્રવ્યને ઉપાદેય માન્યું તે બંધાય છે. પરદ્રવ્યાશ્રિત બંધન અને સ્વદ્રવ્યાશ્રિત મુક્તિ,
આ ટૂંકો સિધ્ધાંત છે.
સાતતત્ત્વોમાં જીવ તે સ્વતત્ત્વ, અજીવ તે પરતત્ત્વ; આસ્રવ ને બંધ તે અજીવના આશ્રયે થતા
હોવાથી તે અજીવ સાથે અભેદ થયા; ને સંવર–નિર્જરા–મોક્ષરૂપ પર્યાયો તે શુધ્ધ જીવસ્વભાવના આશ્રયે
થતો હોવાથી જીવ સાથે અભેદ થઈ. આ રીતે શુદ્ધ પર્યાય સહિત જીવતત્ત્વ તે સ્વદ્રવ્ય છે ને તે જ
ઉપાદેય છે. અશુદ્ધતા ને અજીવ તે બધા પરદ્રવ્ય છે ને તે હેય છે. આમ બે ભાગ પાડીને સ્પષ્ટ
સમજાવ્યું છે. તેમાં ઉપાદેયરૂપ સ્વતત્ત્વમાં જે જે આત્મબુદ્ધિ કરે છે તે તો અજીવથી–આસ્રવથી ને
બંધનથી ચ્યૂત થઈને મુક્તિ પામે છે; અને હેયરૂપ પરતત્ત્વમાં (દેહાદિમાં–રાગાદિમાં) જે આત્મબુદ્ધિ કરે
છે તે નિજસ્વરૂપથી ચ્યૂત થઈને સંસારમાં રખડે છે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
શ્રાવણ: ૨૪૮૬ : પ :
બહિરાત્માની દ્રષ્ટિ જ બહારમાં છે; બાહ્ય પદાર્થો ઉપેક્ષાયોગ્ય (હેય) હોવા છતાં તેમાં તે
ઉપાદેયબુદ્ધિ કરે છે, પણ અંતરનાં જ્ઞાનાનંદસ્વરૂપને ઉપાદેય કરતો નથી–તે તરફ વળતો નથી; આ રીતે
હિતકારી સ્વતત્ત્વને તો હેય કરે છે, ને હેય એવા પરતત્ત્વોને ઉપાદેય કરે છે, તેથી તે જીવ રાગ–દ્વેષ
મોહથી બંધાય જ છે, અસમાધિપણે જ વર્તે છે ને અહિત જ પામે છે. જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ
સિવાય બીજા કોઈને ઉપાદેય માનતા નથી, એક શુદ્ધ સ્વતત્ત્વને જ ઉપાદેય માનીને તેને ઉપાસે છે–તેના
શ્રધ્ધા–જ્ઞાન–ચારિત્ર કરે છે ને તેથી તે કર્મબંધનથી છૂટીને મુક્તિ પામે છે.
રમતા રમતા ઊર્ધ્વતા જ્ઞાયકતા સુખભાસ
વેદકતા ચૈતન્યતા યે સબ જીવ વિલાસ.
અને
તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ
ગુરુતા લઘુતા ગમનતા એ અજીવકે ખેલ.
જ્ઞાની જાણે છે કે આ તન–મન–વચન વગેરે તો જડ અજીવના ખેલ છે, તે કોઈ મારાં કાર્ય નથી,
તેની સાથે મારે સંબંધ નથી. હું તો તન–મન–વચન રહિત, જ્ઞાન–દર્શન–સુખનો પિંડ છું; મારો વિલાસ તો
ચૈતન્યરૂપ છેે. ચૈતન્યવિલાસ જ મારું સ્વતત્ત્વ છે ને દેહાદિક જડનો વિલાસ તે પરતત્ત્વ છે. આમ સ્વ–
પરતત્ત્વોને ભિન્ન ભિન્ન જાણીને જ્ઞાની પોતાના સ્વતત્ત્વને જ ઉપાદેય કરીને તેમાં એકાગ્ર થાય છે, ને
પરતત્ત્વોને હેય જાણીને તેની ઉપેક્ષા કરે છે.–આવા જ્ઞાની તો સ્વતત્ત્વના આશ્રયે મુક્તિ પામે છે. ને મૂઢ
બહિરાત્મા તો દેહાદિક પરદ્રવ્યોને જ ઉપાદેય માનીને પોતાના સ્વરૂપથી ચ્યૂત થઈને બંધાય છે.
નિજસ્વરૂપમાં એકત્વથી જીવ મુક્તિ પામે છે; ને પર પદાર્થોમાં એકત્વથી જીવ બંધાય છે,–
भेदविज्ञानतः सिद्धाः ये किल केचन।
तस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
સ્વતત્ત્વ શું, પરતત્ત્વ શું,–એવા સ્વ–પરના ભેદવિજ્ઞાન વગર જીવની મતિ પરમાં જ રહ્યા કરે પણ
સ્વહિતને સાધે નહિ. મતિ એટલે બુદ્ધિ ક્્યાં વર્તે છે તેના ઉપર બંધ–મોક્ષનો આધાર છે. જેની મતિ અંતર્મુખ
થઈને શુધ્ધઆત્મામાં વર્તે છે તે મોક્ષ પામે છે, ને જેની મતિ બહિર્મુખ પરમાં જ વર્તે છે તે બંધાય છે.
જીવ, અજીવાદિ તત્ત્વોને જાણવાનું તાત્પર્ય પણ એ જ છે કે સ્વદ્રવ્યમાં સન્મુખ થવું ને
પરદ્રવ્યોથી પરાંગ્મુખ થવું; હિતકારી તત્ત્વોને ઉપાદેય માનવા, ને અહિતકારી તત્ત્વોને હેય જાણીને
જાણીને શુદ્ધાત્માનો તો આશ્રય કરવો; અને આસ્રવ–બંધ તે અહિતકારી તત્ત્વો છે, તે પરના આશ્રયે
થાય છે માટે સાતતત્ત્વોને જાણીને તે અજીવનો આશ્રય છોડવો. આમ સાતતત્ત્વો જાણીને તેમાં હેય–
ઉપાદેયરૂપ પ્રવૃત્તિથી જીવના હિત પ્રયોજનની સિધ્ધિ થાય છે.ાા ૪૩ાા
અજ્ઞાનીને બાહ્યદ્રષ્ટિ હોવાથી, બહારમાં દેખાતા આ ત્રણ લિંગરૂપ શરીરોને જ આત્મા તરીકે જાણે
છે; અને જ્ઞાની તો અંર્તદ્રષ્ટિવડે તે સ્ત્રી–પુરુષના શરીરથી જુદો આત્મા જાણે છે–એમ હવે કહે છે–
दश्यमानमिदं मूढस्त्रिलिंगमवबुध्यते।
इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम्।।४४।।
મૂઢ અજ્ઞાની બહિરાત્મા બાહ્યમાં દ્રશ્યમાન એવા સ્ત્રી–પુરુષ આદિ શરીરને જ દેખે છે, એટલે
તેને જ આત્મા માને છે, આત્મા જ ત્રણલિંગના ત્રણભેદરૂપ છે એમ તે માને છે; પણ જ્ઞાની તો
શરીરથી ભિન્ન અનાદિસ્વયંસિધ્ધ આત્માને એકરૂપ જાણે છે.
જે જીવ રાગને જ આત્મા માને છે, રાગથી લાભ માને છે, તે જીવ ખરેખર શરીરને જ આત્મા
માને છે, કેમ કે શરીર તે રાગનું ફળ છે. જ્ઞાની જાણે છે કે આ દેહ હું નથી, જેનાથી આ દેહ મળ્‌યો તે
ભાવ પણ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાયકશરીરી અશરીરી છું. અતીન્દ્રિયજ્ઞાન જ હું છું. અજ્ઞાની
દ્રશ્યમાન દેહને જ દેખે છે, ચૈતન્ય તો તેને અદ્રશ્ય જ લાગે છે જ્ઞાની જાણે છે કે દ્રશ્યમાન

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૦૨
એવા દેહાદિ હું નથી, પણ તેનો જે દ્રષ્ટા છે તે જ હું છું. હું પુરુષ નથી, હું તો આત્મા છું, હું સ્ત્રી નથી, હું
તો આત્મા છું. ઈન્દ્રિયના કોઈ ચિહ્નો હું નથી, ને તે ચિહ્નો વડે હું ઓળખાતો નથી; હું તો શરીરના
ચિહ્નોથી પાર અલિંગ છું, મારો આત્મા ઈંદ્રિયાદિ લિંગોથી અગ્રાહ્ય છે એટલે અલિંગગ્રાહ્ય છે.
(૨૪૮૨: અસાડ સુદ બીજ)
આ શરીર આકૃતિઓને કારણે જીવને વિકાર થાય છે–એમ જે માને છે તે જીવ પોતાને સ્ત્રી–
પુરુષ વગેરે શરીરરૂપે જ માને છે. ઈંદ્રિય વગેરેના અવલંબન વડે જ્ઞાન થાય–એમ જે માને છે તે પણ
ખરેખર ઈંદ્રિયોથી ભિન્ન આત્માને નથી માનતો પણ ઈંદ્રિયોને જ આત્મા માને છે. પાંચ ઈંદ્રિયો કે તેના
કોઈ પણ વિષયો તેમાં જે સુખ માને તે પણ ઈંદ્રિયને અને શરીરને જ આત્મા માને છે. અતીન્દ્રિય
આત્મા જ્યાં સુધી લક્ષમાં–પ્રતીતમાં ને અનુભવમાં ન આવે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે શરીરમાં
આત્મબુદ્ધિ વેદાતી જ હોય. અંતરાત્મપણું થાય તો બહિરાત્મપણું ટળે, એટલે અંતર્મુખ થાય તો
બહિરાત્મપણું ટળે, એટલે અંતર્મુખ થઈને દેહાદિથી પાર આત્માને ઓળખે તો તેમાં જ મમત્વબુદ્ધિ
થાય, ને દેહાદિમાં મમત્વબુદ્ધિ ટળે–પછી ગમે તેવા સુંદર દેહમાં પણ તેને સ્વપ્નેય સુખની કલ્પના ન
થાય.
સમ્યગ્દ્રષ્ટિ જીવ વસ્તુ સ્વરૂપનો જ્ઞાતા છે, દેહથી ભિન્ન પોતાનું ચૈતન્યસ્વરૂપ તેની પ્રતીતમાં
આવી ગયું છે, તેથી તે પોતાને ચૈતન્યસ્વરૂપે જ અનુભવે છે, સ્ત્રી વગેરેના કે પશુ વગેરેના દેહરૂપે તે
પોતાને માનતો નથી.
જુઓ, આ ભેદજ્ઞાનની બુદ્ધિ! આ ઉપલક ધારણાની વાત નથી પણ અંતરના વેદનની વાત છે. દેહ
અને રાગ બંનેથી પાર થઈને દ્રષ્ટિએ અંતરમાં અતીન્દ્રિય આનંદવાળું ચૈતન્ય તત્ત્વ દેખી લીધું છે, તે દ્રષ્ટિ
હવે આખા જગતને પોતાથી બાહ્યપણે જ દેખે છે–અને બાહ્યવસ્તુમાં સુખ કેમ હોય? તેથી કહ્યું છે કે–
સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન,
તે કહીએ જ્ઞાનીદશા બાકી વાચા–જ્ઞાન.
આ સંસારમાં જીવને દેહ–સ્ત્રી વગેરેના સંયોગો અનંતવાર આવ્યા ને ગયા, એ રીતે સંયોગપણે
અનંતવાર ભોગવાઈ ગયા હોવાથી તે બધા પદાર્થો ચૈતન્યને માટે એઠ જેવા છે, એઠને કોણ ફરીને
મુખમાં નાંખે? તેમાં કોણ સુખ માને? એ રીતે જ્ઞાનીને ચૈતન્યથી બાહ્ય આખા જગતમાં ક્્યાંય સુખની
કલ્પના નથી માટે તેને તો તે એઠ સમાન જ છે. અને, જગતના પદાર્થો જગતમાં છે, પરંતુ પોતે
અંતર્મુખ થઈને જ્યાં પોતાના આત્મામાં વળ્‌યો, ત્યાં તે સ્વતત્ત્વમાં જગત ભાસતું નથી માટે તેને સ્વપ્ન
સમાન કહ્યું.
અહા! આવા ચૈતન્યતત્ત્વના અનુભવની ધૂનમાં જગતની અનુકૂળતા–પ્રતિકૂળતા ક્્યાં જોવી?
ચૈતન્યની ધૂન આડે જગતની અનુકૂળતા–પ્રતિકૂળતા જોવામાં જ્ઞાની રોકાતા નથી, એટલે ગમે તેવા
પ્રસંગમાં પણ ચૈતન્યની સમાધિ તેને વર્ત્યા જ કરે છે. સમ્યગ્દર્શનમાં જ મહાન સમાધિની તાકાત છે.
સમ્યગ્દર્શન ગમે ત્યારે ગમે તેવા પ્રસંગમાં પણ સ્વવસ્તુને ભૂલતું નથી, સ્વવિષયમાં તેને ભ્રાંતિ થતી જ
નથી, એટલે તેને શાંતિ અને સમાધિ થાય છે. આ સિવાય જેને દેહાદિની ક્રિયામાં કર્તાપણું વર્તે છે એવા
અજ્ઞજીવોને કદી પણ સમાધિ કે શાંતિ થતી નથી.
ભ્રાંતિ હોય ત્યાં શાંતિ નહિ,
શાંતિ હોય ત્યાં ભ્રાંતિ નહિ.

PDF/HTML Page 8 of 17
single page version

background image
જ્ઞાનવિદ્યાનો સતત અભ્યાસ કરો
શ્રી સમયસાર ગાથા ૨૦૬ ઉપરનું પૂ. ગુરુદેવનું આ
પ્રવચન અષાડ વદ ૮ ના રોજ રેકોર્ડિંગદ્વારા ફરીને
સાંભળવા મળ્‌યું. આ પ્રવચનમાં આત્માના અનુભવની
સરસ પ્રેરણા મળે છે, તેથી રેકોર્ડિંગ–પ્રવચનનો સાર અહીં
આપવામાં આવ્યો છે. તે વાંચતાં ખ્યાલ આવશે કે
ગુરુદેવના રેકોર્ડિંગ–પ્રવચનમાં પણ કેટલી મીઠાસ છે!
નિજપદની પ્રાપ્તિ કેમ થાય? પૂર્ણપદ અર્થાત્ મોક્ષ કેમ પમાય? તે વાત આચાર્યદેવ સમજાવે છે.
આ જ્ઞાનસ્વરૂપ નિજપદ છે તે જ્ઞાનકળાથી જ પ્રાપ્ત થાય છે, ભેદજ્ઞાનરૂપ કળાના અભ્યાસથી જ
મોક્ષપદ પમાય છે. માટે હે જીવો! જ્ઞાનકળાવડે નિજપદને અનુભવવાનો તમે સતત અભ્યાસ કરો. આ
જ્ઞાનકળા સિવાય બીજી કોઈ રીતે મુક્તિ પમાતી નથી. હે મોક્ષાર્થી જીવો! રાગથી અને જડથી પાર
એવા સહજજ્ઞાનની કળાવડે ચિદાનંદ નિજપદના અનુભવનો તમે સતત્–નિરંતર પ્રયત્ન કરો. આ જ્ઞાન
કળાનો અભ્યાસ તે જ રાગના અને કર્મના નાશનો ઉપાય છે.
અંતર્મુખ થઈને ચિદાનંદ ભગવાનના દર્શન કરતાં જ કર્મરૂપી પહાડના કટકે કટકા થઈ જાય છે.
હે જીવ! તારે તારા જ્ઞાનાનંદસ્વરૂપને અનુભવવું હોય તો જ્ઞાનરૂપી વિદ્યાગૃહમાં પ્રવેશ કરીને
જ્ઞાનવિદ્યાનો અભ્યાસ કર.
એ જ ઉપદેશ આચાર્યદેવ હવેની ગાથામાં કહે છે–
આમાં સદા પ્રીતિવંત બન,
આમાં સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત,
તુજને સુખ અહો! ઉત્તમ થશે. (૨૦૬)
હે ભવ્ય! તારે સુખી થવું હોય, તારે નિજપદ પામવું હોય તો તું આ જ્ઞાનસ્વરૂપ આત્માની
પ્રીતિ કર.–કેટલી પ્રીતિ કર?–કે ઉત્તમ પ્રીતિ કર; ક્્યાં સુધી?–કે નિરંતર! ચૈતન્યની પ્રીતિ છોડીને
એક ક્ષણ પણ રાગની પ્રીતિ ન કર. નિરંતર–સતત તું જ્ઞાનસ્વભાવની જ પ્રીતિ કર....અને તેમાં જ
તું સંતુષ્ટ થા. અહો, મારું સુખ, મારો આનંદ મારા નિજપદમાં જ છે,–એમ તું તારામાં જ સંતુષ્ટ થા.
જેટલું જ્ઞાનપદ છે તેટલું જ સત્ય આત્મસ્વરૂપ છે, રાગ છે તે ખરેખર આત્માનું સાચું સ્વરૂપ
નથી. જેટલું જ્ઞાન છે તેટલો જ આત્મા છે ને તેટલું જ અનુભવીય છે. જ્ઞાનપણે તારા આત્માને
અનુભવ, પણ રાગપણે ન અનુભવ. રાગનો અનુભવ તો અનાદિથી કરી રહ્યો છે પણ તેમાં સંતોષ ન
મળ્‌યો–સુખ ન મળ્‌યું–ધર્મ ન થયો. પણ જો આ જ્ઞાનપણે આત્માને અનુભવ તો તે જ ક્ષણે તને સંતોષ
થશે–તૃપ્તિ થશે–સુખ થશે–ધર્મ થશે.
મૂઢ લોકો બહારમાં અનેક પ્રકારની દેવીઓને માતાજી તરીકે ભજે છે, ને તે કાંઈક કલ્યાણ
કરી દેશે–

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૦૨
એમ માનીને મફતના ખુવાર થાય છે; પણ આ ‘જ્ઞાન શક્તિ’ તે જ ખરી શક્તિ માતા છે, તે માતાનું
સેવન કર તો સુખ મળ્‌યા વગર રહે નહિ. જ્ઞાનશક્તિરૂપ માતાને ઓળખીને તેની સેવા કર તો અપૂર્વ
કલ્યાણ થાય. માટે હે ભવ્ય! તું તારા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને તેની પ્રીતિ કર, તેમાં સંતુષ્ટ થા
ને તેમાં તૃપ્ત થા.–તેનું પરિણામ શું આવશે?–કે તને પરમ સુખનો અનુભવ થશે.–આ જ સાચી
સફળતા છે; આવા આત્માની ઓળખાણ વગર લૌકિક ભણતરની ગમે તેટલી ડીગ્રી (–ઉપાધિ) મેળવે
તો પણ તે નિષ્ફળ છે, તેનાથી સુખ પમાતું નથી–માટે જેને પાસ થવું હોય–સફળ થવું હોય–સુખી થવું
હોય તેઓ જ્ઞાનવિદ્યાનો સતત્ અનુભવ કરો.
હે જીવ! તને આત્માની તરસ લાગી હોય, આત્મતૃષા જાગી હોય, ને તેની તૃપ્તિ કરવા માંગતો હો
તો આ જ્ઞાનરૂપી અમૃતનું પ્રીતિથી સેવન કર.–એનાથી જ તૃપ્તિ થશે, એ સિવાય રાગની પ્રીતિથી તૃપ્તિ
નહિ થાય, રાગના સેવનથી તો આકુળતા અને અતૃપ્તિ જ થશે. મુનિભગવંતો ચિદાનંદ સ્વરૂપમાં લીન
થઈને આનંદ રસના અનુભવથી તૃપ્ત–તૃપ્ત છે. બાહ્યવિષયના સેવનથી તૃપ્તિ થતી નથી. રાગ તે પણ
ખરેખર આત્મા નથી, તે રાગ અનુભવનીય નથી, તે તો પારકી ચીજ છે, તેનાથી તૃપ્તિ કેમ થાય? જેમ
લૌકિકમાં કહેવાય છે કે પૈસાથી બધી વસ્તુ ભલે મળે પરંતુ પૈસાથી કાંઈ માબાપ મળે? જનેતા કાંઈ
પૈસાથી મળે?–ન મળે; તેમ ચૈતન્યના સુખનો અનુભવ શું રાગથી થાય? રાગના વેદનથી તો આકુળતા
થાય ને તેનાથી બહારના વિષયોનો સંબંધ મળે, પરંતુ આત્માની તૃપ્તિ તેનાથી કદી ન મળે. આત્માની
તૃપ્તિ તો વિષયાતીત છે. તારે આવી તૃપ્તિ અને અતીન્દ્રિયસુખનો અનુભવ કરવો હોય તો તું આત્મામાં
પ્રીતિ કર, તેમાં સંતુષ્ટ થઈને ઠર!–આમ કરવાથી તરત જ તને તારા આત્માના અચિંત્યસુખનો અનુભવ
થશે.–પોતાને જ એવો આનંદ અનુભવાશે કે બીજાને પૂછવું નહિ પડે. અહા! ભગવાન આત્માનું નિજપદ
તે જ એક પ્રીતિ કરવા જેવું છે, તે જ અનુભવ કરવા જેવું છે, જ્ઞાનકળાવડે સતતપણે તેનો જ અભ્યાસ
કરવા જેવો છે. માટે હે જીવો! તમે સતતપણે તેના અનુભવનો અભ્યાસ કરો.
* * *
આનંદનો સમુદ્ર
જ્ઞાન જ્ઞાનને જાણે ત્યાં
આનંદ અમૃતરસનો સમુદ્ર
પ્રગટે. આનંદનો પ્રવાહ
નિજ–અવલોકનથી થાય છે;
નિર્વિકલ્પરસમાં ભેદભાવ–
વિકલ્પ કંઈ નથી;
નિર્વિકલ્પરસ એવો છે કે ત્યાં
વિકલ્પ નથી.
(પરમાત્મ પુરાણ પાનું ૮)

PDF/HTML Page 10 of 17
single page version

background image
શ્રાવણ: ૨૪૮૬ : ૯ :
“શું જોયું?”
બાહુબલી ભગવાનના દર્શન–યાત્રા બાદ એક પંડિતજીએ ગુરુદેવને પૂછયું: મહારાજ! આપે ત્યાં
શું જોયું?
ગુરુદેવે ઘણાજ પ્રમોદથી કહ્યું: અહા! પુણ્ય અને પવિત્રતા બંનેની અદ્ભૂતતા મેં જોઈ. એમનો
દેદાર એવો અચિંત્ય છે કે એકવાર તો નાસ્તિકને પણ શ્રદ્ધા ઉપજાવી. દ્યે......એની મુદ્રમાંથી ને એકે એક
અવયવમાંથી પુણ્ય અને પવિત્રતા નીતરી રહ્યાં છે. વિશ્વની એ એક અજાયબી છે–એનું ઘડતર પણ
આશ્ચર્યકારી થઈ ગયું છે. ઉભા ઉભા કેવળજ્ઞાનની સાધના કઈ રીતે કરી–તે એમની મુદ્રા ઉપર દેખાઈ
રહ્યું છે. ત્રણ દિવસ સુધી દોઢ–દોઢ કલાક નીહાળવા છતાં એમ થતું કે હજી જોયા જ કરીએ.–એવી
અચિંત્ય એ મુદ્રા છે.
–એ પૂછનાર હતા પં સુમેરુચન્દજી દીવાકર; ગુરુદેવનો ઉત્તર સાંભળીને તેઓ અતિ આનંદ ને
આશ્ચર્ય પામ્યા....ને તેમને લાગ્યું કે મહારાજજીના આ શબ્દો લખીને પ્રસિદ્ધ કરવા જેવા છે.
આજે એક વર્ષ બાદ પણ જ્યારે જ્યારે એ પ્રસંગની વાત નીકળે છે ત્યારે ત્યારે ગુરુદેવ એવા
જ પ્રમોદથી ઉપરની વાત કહે છે....ને જાણે બાહુબલી ભગવાનની સન્મુખ જ અત્યારે પોતે ઉભા હોય–
એમ તેનું વર્ણન કરે છે.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૦૨
આ ત્મા ને ક્્યાં શો ધ વો?
તોહીમેં હૈ તોહી સુઝત નાંહી
રે રુચિવંત પચારિ કહે ગુરુ,
તુ અપનોં પદ બુઝત નાંહી.
ખોજું હિયે નિજ ચેતન લક્ષન,
હૈ નિજમેં નિજ ગુઝત નાંહી..

શુદ્ધ શુદ્ધ સદા અતિ ઉજ્જલ,
માયાકે ફંદ અરુઝત નાંહી.
તેરો સરૂપ ન દુંદકી દોહીમેં,
તોહીમેં હૈ તોહી સુઝત નાંહી
(બંધદ્વાર : ૪૭)
શ્રી ગુરુ સંબોધન કરીને કહે
છે કે હે ભવ્ય! તું તારા સ્વરૂપને
પહિચાનતો નથી; તારા અંતરમાં
ચૈતન્ય ચિહ્નને ઢૂંઢ! તે તારામાં જ
છે, તારાથી ગુપ્ત નથી. તું શુદ્ધ,
સ્વાધીન અને અત્યંત નિર્વિકાર
છો. તારી આત્મસત્તામાં માયાનો
પ્રવેશ નથી. તારું સ્વરૂપ ભ્રમજાળ
કે દુવિધાથી રહિત છે.–તે તારામાં
જ છે પણ તને સુઝતું નથી.
મોહીમેં હૈ મોહી સુઝત નીકે
કેઈ ઉદાસ રહેં પ્રભુ કારન,
કેઈ કહેં ઉઠિ જાંહી કહીંકે.
કેઈ પ્રણામ કરેં ગઢિ મૂરતિ,
કેઈ પહાર ચઢેં ચઢિ છીકેં.
કેઈ કહેં અસમાંનકે ઉપરિ,
કેઈ કહે પ્રભુ હેઠિ જમીંકે.
મેરો ધની નહિ દૂર દિસન્તર,
મોહીમેં હૈ મોહી સુઝત નીકે..
(બંધદ્વાર : ૪૭)
આત્માને જાણવા માટે અર્થાત્
ઈશ્વરની ખોજ કરવા માટે કોઈ તો
બાવાજી બની ગયા છે, કોઈ બીજા
ક્ષેત્રમાં યાત્રા આદિ કરે છે, કોઈ
પ્રતિમા બનાવીને નમન–પૂજન કરે
છે. કોઈ છીંકા ઉપર બેસીને પહાડ
ચઢે છે, કોઈ કહે છે કે ઈશ્વર
આકાશમાં છે. કોઈ કહે છે કે
પાતાળમાં છે; પરંતુ અનુભવી જ્ઞાની
કહે છે કે મારો પ્રભુ! મારો આત્મા
ક્્યાંય દૂર દેશમાં નથી; તે મારામાં
જ છે અને મને બરાબર અનુભવમાં
આવે છે.
આત્મા પોતે પોતામાં જ છે ને અંર્તદ્રષ્ટિથી તે બરાબર સુઝે છે, એ
સિવાય બહારના કોઈ ઉપાયથી તે સુઝતો નથી.–આ સંબંધી કેવું સુંદર અને
સરળ કથન ઉપરના બે કવિતામાં બનારસીદાસજીએ કર્યું છે!

PDF/HTML Page 12 of 17
single page version

background image
શ્રાવણ: ૨૪૮૬ : ૧૧ :
પંચપરમેષ્ઠી
પ્રત્યે બહુમાન
(શ્રી નિયમસાર ગાથા ૭૧ થી ૭પ
ઉપરનાં પ્રવચનોમાંથી)

ધર્માત્માને પોતાને ચિદાનંદસ્વરૂપના આદરપૂર્વક ભગવાન પંચ પરમેષ્ઠી પ્રત્યે બહુમાન હોય છે.
સાધકને પોતાના આત્મા સ્વાનુભવથી કાંઈક પ્રત્યક્ષ છે અને કંઈક પરોક્ષ છે. નિશ્ચય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં તો પોતાના પરમદ્રષ્ટિ એવા ચૈતન્યસ્વભાવને જ નમે છે ને તેનો જ
આદર કરે છે; તેને વ્યવહારસંબંધી રાગ છે તેમાં ભગવાન અરિહંતદેવ વગેરે પંચપરમેષ્ઠીનું બહુમાન–
વિનય હોય છે. અહીં તે પંચપરમેષ્ઠીનું સ્વરૂપ કુંદકુંદાચાર્યદેવ વર્ણવે છે,–તેઓ પોતે ત્રીજા પરમેષ્ઠી
પદમાં વર્તી રહ્યા છે ને પંચપરમેષ્ઠીના બહુમાનપૂર્વક તેનું સ્વરૂપ દર્શાવે છે.
(૧) કેવા છે અરિહંત–પંચમેષ્ઠી?
ઘનઘાતિકર્મ વિહીન ને
ચોત્રીશ અતિશય યુક્ત છે,
કૈવલ્યજ્ઞાનાદિ પરમગુણ
યુક્ત શ્રી અર્હંત છે. ૭૧
પહેલાં અજ્ઞાનદશામાં અથવા છદ્મસ્થદશામાં આત્મા પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મોવડે પોતાના
જ્ઞાનાદિ ગુણનો ઘાત કરતો હતો અને તે ગુણઘાતમાં ઘાતિકર્મો નિમિત્ત હતા. પરંતુ ભગવાન
અરિહંતદેવે પોતાના ચિદાનંદસ્વરૂપમાં પ્રવેશીને સમસ્ત ભાવકર્મોનો નાશ કરીને પોતાના કેવળ
જ્ઞાનાદિ ચતુષ્ટય પ્રગટ કર્યા, ને ઘાતિકર્મોનો ઘાત કર્યો. આ રીતે આત્માને પરમ ઈષ્ટરૂપ એવા ચતુષ્ટય
પ્રગટ કરીને તેઓ પરમેષ્ઠી થયા.
તે અરિહંતપરમેષ્ઠી જ્ઞાનાવરણાદિ ચાર ઘનઘાતિ કર્મોથી રહિત છે, અને કેવળજ્ઞાનાદિ ચાર
પરમગુણોથી સહિત છે. કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય કેવા છે?–કે ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત છે. અહા!
કેવળજ્ઞાનનો અચિંત્યમહિમા ત્રણલોકને આશ્ચર્ય પમાડનાર છે; અથવા તીર્થંકર ભગવાનને જ્યારે
કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે ત્રણલોકમાં આનંદમય ખળભળાટ છવાઈ જાય છે. આવા કેવળજ્ઞાનમય
અરિહંત પરમેષ્ઠીને ઓળખ્યા વગર વ્યવહારચારિત્ર પણ હોઈ શકતું નથી.
કેવળજ્ઞાનાદિ ચતુષ્ટ તે તો અરિહંતદેવના પરમાર્થ અતિશય છે, ને વ્યવહારથી સ્વેદરહિતપણું
વગેરે ૩૪ અતિશયો છે. અરિહંતદેવના કેવળજ્ઞાનાદિનું બહુમાન તે

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૦૨
સર્વજ્ઞની વ્યવહારસ્તુતિ છે, અને પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થવું તે સર્વજ્ઞની નિશ્ચયસ્તુતિ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિશ્ચયસ્તુતિ છે તે સર્વજ્ઞતાનો ઉપાય છે.
અરિહંત ભગવાન તીર્થંકરદેવને જન્મે ત્યારથી જ મલ–મૂત્રનો અભાવ ઈત્યાદિ દસ અતિશયો
હોય છે, ત્યાર પછી કેવળજ્ઞાન થતાં તેમને ઉપસર્ગનો અભાવ, કવલાહારનો અભાવ, વીસ હજાર હાથ
ઊંચે આકાશ ગમન ઈત્યાદિ દસ અતિશયો હોય છે; અને ગંધોદક વૃષ્ટિ, ધર્મચક્ર, અષ્ટમંગળ વગેરે ૧૪
અતિશયો દેવકૃત હોય છે.–આમ કુલ ૩૪ અતિશયો હોય છે.
આવા ચોત્રીસ અતિશયને જે ન ઓળખે અને અરિહંતદેવને પણ આહાર–મળ–રોગ વગેરે
મનાવે તે તો વ્યવહારથી પણ અરિહંત પરમેષ્ઠીને ઓળખતો નથી, એટલે અરિહંત પરમેષ્ઠી પ્રત્યે તેને
સાચી ભક્તિ પણ હોતી નથી. તો પછી તેને ચારિત્ર વગેરે તો ક્્યાંથી હોય?
અહીં તો નિશ્ચય રત્નત્રયની આરાધના પૂર્વક પંચપરમેષ્ઠીના ગુણોને ઓળખીને તેમની સ્તુતિ
કરે છે. પ્રદ્મપ્રભમુનિરાજ પ્રદ્મપ્રભજિનરાજની સ્તુતિ કરતાં કહે છે કે–આત્મગુણોનાં ઘાતક એવા
ઘનઘાતિ કર્મો તેને અર્હંત ભગવાને હણી નાખ્યા છે, અને ઘાતિકર્મોના નાશથી તે ભગવાન કેવળજ્ઞાન
આદિ ચતુષ્ટયને પ્રાપ્ત થયા છે. કેવા છે તે કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય? શ્રી મુનિરાજ કહે છે કે અહો! તે
કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત છે; તીર્થંકરને કેવળજ્ઞાન થતાં ત્રણ લોકમાં
આનંદમય ખળભળાટ થાય છે. આવા કેવળજ્ઞાનમય અરિહંત ભગવાનનો જે નિર્ણય કરે તેને પોતાના
અસંખ્ય આત્મપ્રદેશોમાં પણ આનંદનો ખળભળાટ થાય છે.
જુઓ, આમાં સ્તુતિ કરનાર અને સ્તુત્ય એ બંને પરમેષ્ઠી છે.–મુનિપરમેષ્ઠી અરિહંતપરમેષ્ઠીની
સ્તુતિ કરે છે, પાંચમા પરમેષ્ઠી પહેલા પરમેષ્ઠીની સ્તુતિ કરે છે. એક અરિહંત ભગવાન બીજા અરિહંત
ભગવાન વગેરેની સ્તુતિ ન કરે, કેમ કે તેઓ તે પૂર્ણ સ્વરૂપને પામી ગયેલા છે. પરંતુ આચાર્ય–
ઉપાધ્યાય–કે સાધુ–જેઓ હજી સાધક છે, તેઓ અરિહંત વગેરે પંચપરમેષ્ઠીની સ્તુતિ કરે છે. અહીં
સ્તુતિકાર પદ્મપ્રભમુનિરાજ પદ્મપ્રભુભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે–
સુસીમા માતાના સુપુત્ર શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર જયવંત છે.–કેવા છે તે જિનેન્દ્ર?–પ્રખ્યાત
તેમનું શરીર છે, એ વાત પ્રસિદ્ધ છે કે તીર્થંકર ભગવાનનું શરીર રોગ રહિત પરમ ઔદારિક છે,
ખોરાક વગર પણ તે હજારો લાખો વર્ષો સુધી એવું ને એવું રહે છે. વળી પ્રફુલ્લિત કમળ જેવાં
તેમનાં નેત્ર છે, અંતરમાં તો કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી અતીન્દ્રિય ચક્ષુ ખીલી ગયાં છે, ને
શરીરનાં ચક્ષુ પણ મહાસુંદર પ્રફુલ્લિત છે. સર્વોત્કૃષ્ટ પુણ્યરૂપ જે તીર્થંકરપદ તેનું તે રહેઠાણ છે.
પંડિત એટલે કે સાધક જીવોને વિકસાવવા માટે તે ભગવાન સૂર્યસમાન છે, જેમ સૂર્યને ઉદય થતાં
કમળ ખીલી ઊઠે છે તેમ સર્વજ્ઞનો નિર્ણય થતાં સાધકજીવના શ્રદ્ધા–જ્ઞાનકમળ ખીલી ઊઠે છે.
મુનિજનોરૂપી વનને ખીલવવા માટે તેઓ વસંતઋતુ જેવા છે. તથા કર્મની સેનાના તેઓ શત્રુ છે,
અને સર્વ જીવોને હિતરૂપ તેમનું ચરિત્ર છે. જો કે કોઈ જીવોનું હિત કરું–એવી રાગવૃત્તિનું ઉત્થાન
ભગવાનને નથી, પણ જે જીવ ભગવાનના વીતરાગી ચારિત્રને ઓળખે છે તે જીવનું હિત થાય છે,
તેથી ભગવાનનું ચારિત્ર તેને હિતરૂપ થયું–એમ કહેવાય છે. આ રીતે ભગવાનને ઓળખીને
સ્તુતિકાર કહે છે કે આવા પદ્મપ્રભ તીર્થંકર જયવંત છે.
પદ્મપ્રભમુનિરાજે પાંચ શ્લોક વડે પ્રદ્મપ્રભ પરમેષ્ઠીની સ્તુતિ કરી છે; બીજા શ્લોકમાં કહે છે કે
હે નાથ! સર્વ ગુણોનો સમૂહ આપનામાં એકઠો થયો છે તેથી આપ સર્વગુણના હ્યમાજ છો. કામદેવરૂપી
હાથીને નષ્ટ કરવામાં આપ સિંહ જેવા છો. દુષ્ટ કર્મોને આપે નષ્ટ કર્યા છે, ને સમસ્ત વિભાવરૂપી
સંસારનો ત્યાગ કર્યો છે. વળી હે નાથ! આપ સર્વ વિદ્યાઓનાં પ્રકાશક છો, આપનો આત્મા સ્વયં
સુખરૂપે પરિણમી ગયો છે; વિદ્વાનોનો સમૂહ આપના ચરણો પાસે ઢળી પડે છે. મૂર્ખ જીવો ભગવાનને

PDF/HTML Page 14 of 17
single page version

background image
શ્રાવણ: ૨૪૮૬ : ૧૩ :
ન ઓળખે ને ન નમે તેની કાંઈ ગણતરી નથી. પણ જે વિદ્વાન છે, ભેદજ્ઞાની છે, ધર્માત્મા છે તેઓ
ભગવાનને ઓળખીને ભગવાનના ચરણોમાં ઢળી પડે છે.
હે પદ્મપ્રભ જિનેન્દ્ર! આપનો મોક્ષ પ્રસિદ્ધ છે. આપનું કેવળજ્ઞાન અને મુક્તિ અમારા જ્ઞાનમાં
પ્રસિદ્ધ થઈ ગયા છે. તત્ત્વવિજ્ઞાનમાં આપ દક્ષ છો–ચતુર છો; અને બધુજનોને આપે મોક્ષની શિખામણ
આપી છે....આપની શિખામણ–આપનો ઉપદેશ મોક્ષને માટે જ છે અમારા જેવા મુનિઓ પણ આપના
ચરણે નમે છે ને આપે ઉપદેશેલા સ્વાશ્રયી મોક્ષમાર્ગને અનુસરીને મોક્ષને સાધે છે, તેથી આપ મોક્ષમાર્ગના
નેતા છો, કર્મના ભેદનાર છો, ને વિશ્વના જ્ઞાતા છો. આ રીતે અરિહંત ભગવાનને ઓળખીને તેમની
સ્તુતિ કરી.–આવા અરિહંત ભગવાન જગતમાં જયવંત છે,–સદાકાળ બિરાજમાન છે.
આ રીતે અરિહંત પરમેષ્ઠીનું સ્વરૂપ બતાવ્યું; હવે સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ બતાવે છે:
(૨) કેવા છે સિદ્ધ પરમેષ્ઠી?
છે અષ્ટકર્મ વિનષ્ટ,
અષ્ટ મહાગુણે સંયુક્ત છે;
શાશ્વત, પરમ ને લોક–
અગ્ર બિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨.
આ વાત તો છે મોક્ષમાર્ગની; અંતરના શુદ્ધસ્વભાવના આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પ્રગટ કરીને જે મોક્ષમાર્ગને સાધી રહ્યો છે તેને સાધકપણામાં સમિતિ–ગુપ્તિ વગેરે વ્યવહાર
ચારિત્ર કેવું હોય તેનું આ વર્ણન છે. તે વ્યવહાર ચારિત્રમાં ભગવાન પંચ પરમેષ્ઠી પ્રત્યે બહુમાનનો
ભાવ હોય છે, તેથી અહીં પંચપરમેષ્ઠીનું સ્વરૂપ પાંચ ગાથાઓમાં વર્ણવ્યું છે.
સિદ્ધભગવંતો મોહાદિ આઠેય કર્મોથી રહિત છે ને સમ્યક્ત્વ આદિ મહાગુણોથી સહિત છે; તે
સિદ્ધભગવંતો લોકની ટોચે બિરાજમાન છે. તેઓ પરમ–ઉત્કૃષ્ટ અને નિત્ય છે.
હવે ટીકાકાર કહે છે કે અહો! આવા ભગવંત સિદ્ધપરમેષ્ઠી સિદ્ધિના પરંપરા હેતુભૂત છે.
સિદ્ધિનો પરંપરાહેતુ કોને?–કે સમ્યગ્દ્રષ્ટિને; અંશે સાક્ષાત્ કારણ (સમ્યગ્દર્શન આદિ) જેણે પ્રગટ કર્યું
હોય તેને જ પરંપરાહેતુનો આરોપ બીજામાં આવી શકે. જેને સિદ્ધપદના સાચા હેતુની જ ખબર નથી
અને વિપરીતહેતુ માને છે તેને માટે તો કોઈ પરંપરાહેતુ પણ કહેવાતું નથી અને સિધ્ધભગવાનને પણ
તે ઓળખતો નથી. સિદ્ધભગવાનને જે ખરેખર ઓળખે તે તો સ્વસન્મુખ થાય, અને સ્વસન્મુખ થઈને
મોક્ષમાર્ગ પ્રગટ કરતાં તેને સિદ્ધભગવાન પણ પરંપરા મોક્ષના હેતુ થયા. સિદ્ધભગવાનને જે ઓળખતો
જ નથી તેને તો સાક્ષાત્ કે પરંપરા એકેય પ્રકારે સિદ્ધિનો માર્ગ પ્રગટ્યો જ નથી. અને વાસ્તવિકપણે
સિદ્ધભગવાનને જે ઓળખે છે તેને અંતર્મુખ વલણ થઈને સિદ્ધિનો માર્ગ પ્રગટ્યા વગર રહેતો નથી, ને
તેમાં તેને સિદ્ધભગવાન નિમિત્ત છે ‘નિમિત્તરૂપ’ હોવા છતાં તે સિદ્ધભગવાન શું કાંઈ કરે છે?–ના;
પોતાના ભાવથી જ મોક્ષમાર્ગરૂપે પરિણમતા જીવોને તેઓ માત્ર નિમિત્ત છે.
સિદ્ધ ભગવાનનો આત્મા પણ પહેલાં સંસારદશામાં આઠ કર્મથી સહિત હતો, પછી આઠ કર્મને
નષ્ટ કરીને તેઓ સિદ્ધ પરમાત્મા થયા–તેમણે આઠ કર્મનો નાશ કઈ રીતે કર્યો–કે નિરવશેષપણે
અંતર્મુખાકાર, ધ્યાનધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી તેમણે આઠ કર્મનો
નાશ કર્યો. જુઓ, આમાં સિદ્ધભગવાનની ઓળખાણ કરાવતાં સાથે સાથે તે સિદ્ધ પદનો ઉપાય પણ
બતાવે છે. સિદ્ધપદનો ઉપાય કોઈ રાગાદિ બહિર્મુખભાવો નથી, પણ સંપૂર્ણપણે અંતર્મુખ એવું પરમ
શુક્લ ધ્યાન જ સિદ્ધપદનો ઉપાય છે. સહજ ચિદાનંદસ્વરૂપમાં અંતર્મુખ થઈને તેનું નિર્વિકલ્પ ધ્યાન તે
જ સિદ્ધપદનો ઉપાય છે. આવા ઉપાયથી તે સિદ્ધ ભગવંતોએ અષ્ટ કર્મોને નષ્ટ કર્યા છે.
અષ્ટ કર્મોને નષ્ટ કરીને તેમણે શું પ્રાપ્ત કર્યું છે! કે તે સિદ્ધ ભગવંતો ક્ષાયિક સમ્યક્ત્વ આદિ
અષ્ટ મહાગુણોથી સંયુક્ત છે; આઠ મહાગુણોથી તેઓ સંતુષ્ટ

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૦૨
છે–તૃપ્ત છે–સુખી છે. શક્તિપણે જે ગુણો હતા તે ગુણો સિદ્ધ ભગવાનને પર્યાયરૂપે વ્યક્ત થઈ ગયા
છે....અનંતગુણોની શક્તિથી ચૈતન્યકમળ પૂર્ણપણે ખીલી ગયું છે, ચૈતન્યશક્તિનો પૂર્ણ વિકાસ થઈ
ગયો છે. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એમ ત્રણ પ્રકારના જે આત્મા છે તેમાં સિદ્ધભગવંતો
પરમાત્મા છે, પરમ આત્મા એટલે ઉત્કૃષ્ટ આત્મા; ઉત્કૃષ્ટ ગુણો તેમને ખીલી ગયા છે તેથી તેઓ
પરમાત્મા છે.–તેઓ ક્્યાં રહે છે? ભાવથી તો પોતાના અનંતગુણ સમૂહમાં રહે છે, અને આકાશક્ષેત્રની
અપેક્ષાએ તેઓ લોકના ઉત્કૃષ્ટસ્થાને (લોકાગ્રે) બિરાજમાન છે. સિદ્ધ ભગવાન લોકમાં સર્વોત્કૃષ્ટ છે
ને તેમનું સ્થાન પણ લોકમાં સૌથી ઊંચું છે. તે સિદ્ધભગવંતો અભૂતપૂર્વ એવી સિદ્ધદશાને પામ્યા તે
પામ્યા....હવે અનંતકાળે પણ તેમાંથી ચ્યૂત થઈને સંસારમાં નહીં આવે, તેઓ તો સદાય સિદ્ધપણે જ
રહેશે. અરિહંત હોય તે સદાય અરિહંતપણે ન રહે અલ્પકાળે સિદ્ધ થઈ જાય, પરંતુ સિદ્ધ તો સદાય
સિદ્ધપણે જ રહે છે.
જેમ ઊંચા જિનમંદિરમાં સોનાના શિખર ઉપર સુંદર મણિ જડયો હોય ને શોભી ઊઠે, તેમ
સિદ્ધભગવંતો આ ત્રણલોકરૂપી મંદિરના શિખર ઉપર ચૂડામણિ જેવા શોભી રહ્યા છે. સિદ્ધભગવાન
વ્યવહારથી જ લોકાગ્રે છે, નિશ્ચયથી તો તે પરમદેવ પોતાના સહજ પરમ ચૈતન્ય ચિંતામણિસ્વરૂપ
નિત્ય શુદ્ધ નિજરૂપમાં જ વસે છે. તે ભગવાન સર્વે દોષોને નષ્ટ કરીને દેહમુક્ત અશરીરી પરમાત્મા
થયા છે; એકલો અસંખ્યપ્રદેશી ચૈતન્ય પિંડ જ્ઞાનદર્શનથી યુક્ત છે.–આવા સિદ્ધિભગવંતો જગતમાં
અનંત છે. જગતમાં મનુષ્યો કરતાં સિદ્ધભગવંતો અનંતગણા છે. ત્રણલોકમાં ઉત્તમ હોય તો આ
સિદ્ધપદ જ છે, એનાથી બીજું કાંઈ ઉત્તમ નથી. શ્રી મુનિરાજ કહે છે કે અહા! આવા સિદ્ધપદની પ્રાપ્તિ
અર્થે હું સિદ્ધભગવાનને નમું છું ‘
नमो सिद्धाणं’ –નિજ સ્વરૂપમાં સ્થિત એવા તે સિદ્ધભગવંતોને હું
ફરી ફરીને વંદું છે.
આ રીતે સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ઓળખીને તેમની સ્તુતિ કરી. બાકીના ત્રણ પરમેષ્ઠીનું સ્વરૂપ
હવે કહેશે.
જગતથી જુદો.........જગતનો જાણનાર
જગતથી જુદો એવો આ જીવ પોતે પોતાની સામે ન જોતાં
બહારમાં જગતની સામે જ જુએ છે, તેથી તે દુઃખી થાય છે. જગતનો
જાણનાર તો પોતે છે, જો પોતે પોતાની સામે જુએ તો દુઃખ ટળે ને
આત્મશાંતિ વેદાય. માટે, જગતનો મોહ છોડીને આત્માની સામે જોવાનો
ઉપદેશ આપતાં નાટક–સમયસારમાં કહે છે કે:–
ए जगवासी यह जगत इन्हसों तोहि न काज।
तेरे घटमें जग बसे तामें तेरो राज।।४५।। [
બંધદ્વાર]
હે ભવ્ય! આ સંસારી જીવોથી કે આ સંસારથી તારે કંઈ સંબંધ
નથી; તારા જ્ઞાનઘટમાં આખું જગત વસે છે, તેમાં જ તારું રાજ છે.
આખું જગત જ્ઞેયપણે તારા જ્ઞાનમાં ઝળકી રહ્યું છે, માટે જગતનો સંબંધ
છોડીને તારા જ્ઞાન સાથે સંબંધ જોડ, જ્ઞાનની સન્મુખ થા...તેમાં જ તારી
શોભા છે.

PDF/HTML Page 16 of 17
single page version

background image
[दक्षिण तीर्थंयात्रा प्रसंगे]
आत्मार्थी परम सन्त पूज्य श्री कानजीस्वामीकी सेवामें
सादर समर्पित
सन्मान–पत्र
सन्त श्रेष्ठ,
अनादिबद्ध द्रढ मोहपरंपराके दुर्भेध तमको चीरकर आपने जिस
आत्मतत्त्वको लक्ष कर अभियान किया है उससे एक प्रशस्त पन्थका निर्माण हुआ
है जिससे अनेकों भव्यात्मा आत्मनिधिका लाभ लेनेमें समर्थ हो रहे हैं।
प्रातःस्मरणीय पूज्य कुन्दकुन्ददेवकी अमृतवाणीका पान करके और कराके
भवसंताप को भेटनेका जो निरंतर अध्धवयास किया है वह स्तुत्य एवं
अनुकरणीय है।
आत्मतत्त्वाम्बुज–रसिक,
आत्मतत्त्वके अनिर्वचनीय स्वानुभवगम्य रसास्वादन के हेतु आत्माकी
जिस उपादान शक्तिका एवं निश्चयधर्म का निर्विवादरूपसे प्रकाश किया है उसीसे
निमित्तको नैमित्तकता एवं व्यवहारको व्यवहारत्व प्राप्त हुआ है, आपकी इस
परीक्षा–प्रधानताने धर्मके उभयमार्ग में सच्चा सामज्जस्य स्थापित किया है।
अतिथिवर,
आपके समागम दर्शनका अपूर्व लाभ लेनेमें पूज्य क्षु० गणेशप्रसादजी
वर्णीजी महाराजका सहसा स्मरण हो आता है। जिस संस्थाके प्रांगणमें आपके
स्वागतका अवसरलाभ ले रहे है एैसी अगणित सांस्कृतिक शिक्षा संस्थाऐं
स्थापित कर उस महात्माने धर्म और संस्कृतिका उधोत किया है, आप और उन
जैसे महान सन्तोंकी अमृतवाणीका पान करने का हम लोग निरंतर अवसर प्राप्त
करते रहें यही भावना है।
अध्यात्मप्रवक्ता,
आपकी वाणीमें ओज एवं प्रभाव है, हृदयसे आत्माकी विभा फुटी पड रही
है, मूर्तिमें सौम्य है, तेजस्वितासे दीप्तिमान हैं इसीसे प्रभावित होकर हम और
समस्त आत्मश्रद्धानी जन आपसे प्रभावित हो अभिनन्द करनेको विवश हो रहे
है।
तिथि चैत्र शुक्ला ११ हम है आपके विनम्र श्रद्धालु
दिनांक २०–४–५९ जनता हाइस्कूल एवं समाज
बडामलहरा [छतरपुर, म
. प्र.]
शत् शत् स्वागत

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA Reg. No. B. 4787
____________________________________________________________________________
સમ્યગ્દર્શન
(પુસ્તક બીજું)
સમ્યગ્દર્શનનો મહિમા અને તેનો ઉપાય દર્શાવનારા વિધવિધ લેખોનો સંગ્રહ
આ પુસ્તકમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. જિજ્ઞાસુ જીવોને ખાસ ઉપયોગી છે. અનેક
જિજ્ઞાસુઓએ આ પુસ્તક વાંચીને હાર્દિક પ્રસન્નતા વ્યક્ત કરી છે. આ પુસ્તકની કુલ
૨૭પ૦ નકલો છાપવામાં આવી છે. ને આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવામાં આવ્યું છે.
ગ્રાહકોને પોતાનું ભેટપુસ્તક શ્રાવણસુદ એકમ સુધીમાં મેળવી લેવા માટે અગાઉ સૂચના
આપવામાં આવી હતી, છતાં હજી પણ જે ગ્રાહકોએ પોતાનું ભેટપુસ્તક ન મેળવ્યું હોય
તેમને આ છેલ્લી સૂચના આપવામાં આવે છે કે આપના ગ્રાહક નંબર સાથે
પોસ્ટખર્ચના ૩પ નયા પૈસાની ટિકિટો મોકલી શ્રાવણ સુદ પૂર્ણિમા સુધીમાં આપનું
ભેટપુસ્તક મેળવી લેવાની વ્યવસ્થા કરશો; ત્યાર પછી ભેટપુસ્તકો મોકલવાનું બંધ થશે.
કલકત્તા, મુંબઈ તથા તેના પરાં, અમદાવાદ અને રાજકોટના ગ્રાહકોએ પોતાનું પુસ્તક
ગતાંકમાં જણાવેલા તે તે ગામના સરનામેથી શ્રાવણ સુદ પૂર્ણિમા સુધીમાં મેળવી લેવું.
છુટક વેચાણમાં પણ આ પુસ્તક મળી શકે છે.
સમ્યગ્દર્શન સંકલનકાર: બ્ર હરિલાલ જૈન. કિંમત: રૂા. ૧–૦૦
પોસ્ટેજ: ૦૦–૩પ
સમ્યગ્દર્શન (પુસ્તક પહેલું) પૃ. સંખ્યા ૧૬૬. કિંમત એક રૂપીયો
પોસ્ટેજ ૦૦–૩પ
પ્રાપ્તિસ્થાન–શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)
_________________________________________________________________
દ્રવ્યસંગ્રહ
(ગુજરાતી નવી આવૃત્તિ)
તત્ત્વાર્થસૂત્રની જેમ દ્રવ્યસંગ્રહ પણ લગભગ દરેક જૈન પાઠશાળાઓમાં
શીખવાય છે. અત્યારસુધીમાં દ્રવ્યસંગ્રહની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ ગઈ છે. આ
છેલ્લી નવી આવૃત્તિ હાલમાં પ્રગટ થઈ છે. વિદ્યાર્થીઓને તેમજ જિજ્ઞાસુઓને ઉપયોગી
થાય તેવી શૈલિથી આ નવું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. પૃષ્ઠ ૨૨૦; કિંમત ૮૩
નવા પૈસા; પોસ્ટેજ ૨૦ પૈસા (નોંધ: આ પુસ્તકની કિંમત ઘટાડવામાં રાજકોટના
ભાઈશ્રી નૌત્તમલાલભાઈના પુત્રો તરફથી મળેલ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે;
ગયા અંકમાં ગણતરીની ભૂલથી ૬૦ નવાપૈસા કિંમત છપાયેલ છે, તેને બદલે ૮૩ પૈસા
કિંમત સમજવી; પોસ્ટેજ ૨૦ પૈસા અલગ.)
પ્રાપ્તિસ્થાન:
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિ. પ્રેસ–ભાવનગર