Atmadharma magazine - Ank 203
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૨૦૩
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૧૧ મો સંપાદક: રામજી માણેકચંદ દોશી ભાદ્રપદ : ૨૪૮૬
____________________________________________________________________________
ઉત્તમ ક્ષમા ધર્મ
આજ ભાદરવા સુદ ચોથથી દસલક્ષણીપર્વની શરૂઆત થઈ. તે પ્રસંગે બારસ્સ–
અનુપ્રેક્ષામાંથી પૂ. ગુરુદેવે ઉત્તમક્ષમાધર્મ ઉપર પ્રવચન કર્યું...તેનો સાર અહીં આપ્યો છે.
આજે દસલક્ષણધર્મનો પહેલો દિવસ છે. ઉત્તમક્ષમાદિ જે દસ ધર્મો છે તે
સમ્યકત્વપૂર્વકના ચારિત્રના ભેદો છે. સમ્યગ્દર્શન વગર તો ઉત્તમક્ષમાદિ કોઈ પણ ધર્મ હોતો
નથી. જેને ચૈતન્યનું ભાન નથી ને દેહમાં એકત્વબુદ્ધિ છે તેને પ્રતિકૂળતા આવતાં ક્રોધ થયા
વગર રહેશે નહિ. એટલે તેને ક્ષમા હોય નહિ.
આજે ઉત્તમક્ષમાધર્મનો દિવસ છે. ચિદાનંદતત્ત્વના ભાનપૂર્વક તેમાં એકાગ્ર થતાં
જગતના બાહ્યપદાર્થો ઉપરથી રાગ–દ્વેષ છૂટી જાય છે, એટલે ગમે તેવા પ્રતિકૂળ બાહ્ય
સંયોગોના ઢગલા આવી પડે તોપણ તેમને ક્રોધ થતો નથી. વીતરાગભાવ ટકી રહે છે, તેનું
નામ ઉત્તમક્ષમા છે. ‘બારસ્સઅનુપ્રેક્ષા’માં ઉત્તમક્ષમાધર્મનું વર્ણન કરતાં કહે છે કે–
ક્રોધ ઉત્પન્ન થવાને સાક્ષાત્ બાહ્ય કારણ મળવા છતાં જે અલ્પ પણ ક્રોધ કરતો નથી
તેને ઉત્તમક્ષમાધર્મ થાય છે. શાંત–અકષાય ચિદાનંદ તત્ત્વની જ્યાં દ્રષ્ટિ થઈ, ને દ્રષ્ટિ ઉપરાંત
સ્થિરતા થઈ, ત્યાં ધર્માત્મામુનિ ગમે તેવા બાહ્ય કારણો એટલે કે પ્રતિકૂળ સંયોગો ઊભા થાય
તોપણ ક્રોધ થવા દેતા નથી, તેમને ઉત્તમ ક્ષમાધર્મ થાય છે. આવા ધર્મોની આરાધનાના
દિવસો (દસ લક્ષણીપર્વ) આજે શરૂ થાય છે ને ભાદરવા સુદ ૧૪ને દિવસે પૂરા થશે. આ જ
સનાતન જૈનમાર્ગમાં પર્યુષણ છે. ધર્મની આરાધના તો ગમે તે દિવસે થઈ શકે છે પણ આ દસ
દિવસો ખાસ પર્વના છે.–આવા ધર્મની આરાધના કરવા માટે પહેલાં તો અનંતશક્તિસંપન્ન
ચૈતન્ય તત્ત્વ શું છે તે ઓળખવું જોઈએ.
–૨૦૩–

PDF/HTML Page 3 of 25
single page version

background image
સમાચાર
પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. જેઠ સુદ પૂનમ પછી પહેલું પ્રવચન શ્રાવણ સુદ
પૂનમે થયું હતું. એ દિવસે વાત્સલ્યનો મહાન દિવસ હતો તેથી મુહૂર્ત તરીકે ગુરુદેવે એક વખત પ્રવચન
કર્યું હતું (જે આ અંકમાં આપવામાં આવ્યું છે.) ગુરુદેવનું પ્રવચન શરૂ થવાના પ્રસંગે સૌને ઘણો જ
હર્ષ હતો. ચારે કોર આનંદનું વાતાવરણ હતું. પ્રવચન માટે ગુરુદેવ પાટ ઉપર પધારતાં જ હર્ષભર્યા જય
જય કારથી અને વાજિંત્રનાદથી સ્વાધ્યાયમંદિર ગાજી ઊઠયું હતું. ત્યારબાદ સમયસારની ૪૧૩મી ગાથા
ઉપર પૂ. ગુરુદેવે ધીર–ગંભીર શૈલીથી વૈરાગ્યભર્યું પ્રવચન કર્યું હતું. પ્રવચન બાદ થોડીવાર હર્ષભરી
ભક્તિ તેમજ પ્રભાવના થયેલ.
ત્યારબાદ શ્રાવણ વદ ૧૨થી સવારે ૪૭ શક્તિ ઉપર અને બપોરે ઋષભજિન ભક્તિ ઉપર પૂ.
ગુરુદેવના પ્રવચનો થયાં...ગુરુદેવના સુમધુર–શાંતરસપૂર્ણ પ્રવચનો સાંભળીને તરસ્યા જિજ્ઞાસુઓનાં
હૈયાં તૃપ્ત થયા...સવાર–બપોર–સાંજ આખો દિવસ અધ્યાત્મના નાદ ગાજી ઊઠયા સોનગઢનું વાતાવરણ
પ્રસન્ન–પ્રફૂલ્લ ને હર્ષમય બન્યું. સવારે પ્રવચન પૂરું થતાં ઉલ્લાસપૂર્ણ ભક્તિદ્વારા બેનશ્રી–બેને પ્રમોદ
વ્યક્ત કર્યો...ને બપોરે પૂ. ગુરુદેવના મુખેથી ભક્તિનું પ્રવચન સાંભળ્‌યા પછી તો જાણે ભક્તિનાં પૂર
ચડયા...જિનમંદિરમાં પૂ. બેનશ્રીબેને રોમ–રોમ ઉલ્લસી જાય ને ઘેર ઘેર આનંદમંગળ થાય એવી
અદ્ભુત ભક્તિ કરાવી.
આ પ્રસંગે બહારગામથી પ૦૦ જેટલા મહેમાનો ગુરુદેવના પ્રવચનોનો લાભ લેવા માટે આવેલ;
ભાદરવા સુદ ૪થી દસલક્ષણી પર્યુષણ પર્વનો પ્રારંભ થયો તે દિવસે જિનમંદિરમાં દસલક્ષણ મંડળમાં
ઉત્તમક્ષમાધર્મનું પૂજન થયું...અને પૂ. ગુરુદેવે બારસ્સઅનુપ્રેક્ષામાંથી ઉત્તમક્ષમાદિ દશધર્મો ઉપર
પ્રવચનો શરૂ કર્યા...તે દિવસે જ્ઞાનપૂજન પણ થયું. દસલક્ષણ ધર્મ દરમિયાન પણ પૂ. ગુરુદેવના
પ્રવચનો ચાલુ રહેેશે.
હાલ દસલક્ષણીપર્વનો ઉત્સવ આનંદપૂર્વક ઊજવાઈ રહ્યો છે. ભાદરવા સુદ પાંચમની સવારે શ્રી
જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી. આ દિવસો દરમિયાન દક્ષિણ તીર્થયાત્રા (બાહુબલી
ભગવાન વગેરે) ની ફિલ્મ પણ બતાવવામાં આવી હતી, તેમાં અનેક તીર્થોના સાક્ષાત્સદ્રશ દર્શન
કરતાં સૌને ઘણો હર્ષ થતો હતો. ભગવાન બાહુબલીસ્વામીની મુદ્રા અને કુંદકુંદ પ્રભુની પવિત્ર ભૂમિ તો
ભક્તોના હૃદયને ફરી ફરીને આકર્ષતી હતી.
જિન ભાવના
હે જીવ! જિનભાવના વિના, ભીષણ નરકગતિમાં તેમજ
તિર્યંચગતિમાં તું તીવ્ર દુઃખ પામ્યો...માટે હવે તું જિનભાવના
ભાવ, એટલે કે શુદ્ધઆત્મતત્ત્વની ભાવના કર...કે જેથી તારું
સંસારભ્રમણ મટે.

PDF/HTML Page 4 of 25
single page version

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : :
સુખ શાંતિનું ધામ
ચૈતન્યનિધાન
આત્મા
(શ્રાવણ વદ ૧૨નું પૂ. ગુરુદેવનું પ્રવચન)
જેમ શ્રાવણ માસમાં નવીન મેઘવૃષ્ટિ થતાં,
પાણીતરસ્યા મોલ એકદમ તે મેઘજળ ઝીલીને પ્રફુલ્લ થઈને
ઊછરવા લાગે છે...તેમ અનેક દિવસોથી શ્રુત–તરસ્યા
જિજ્ઞાસુ જીવોનાં હૈયાં આ શ્રાવણ માસમાં ગુરુગગનેથી
વરસેલી નવીન શ્રુતઅમૃતની વર્ષા ઝીલીને આનંદવિભોર
બનીને ખીલી ઊઠયા હતા. અમૃતરસની ધારાવડે ગુરુદેવે
તૃષાતૂર જીવોને તૃપ્ત કર્યા હતા.–
વર્ષાવીને નવીન મેઘતણી જ ધારા...પ્રાણી તણો પૂરણ હર્ષ વધારનારા...
શ્રીગુરુનાં ચરણમાં મધુકર બનીને...રહેવું ગમે અહર્નિશે અમને રમીને.

PDF/HTML Page 5 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૩
આ જ્ઞાનસ્વરૂપ આત્મતત્ત્વમાં અનંત શક્તિઓ રહેલી છે, તેનો અનુભવ કરતાં સમ્યગ્દર્શન
અને સમ્યગ્જ્ઞાન થાય છે. તે આત્મતત્ત્વનું દોહન કરીને અહીં તેની ૪૭ શક્તિઓનું અદ્ભુત વર્ણન
આચાર્યદેવે કર્યું છે.
દેહથી ને વિકારથી જુદું આત્મતત્ત્વ શું ચીજ છે? તેનું યથાર્થ ભેદજ્ઞાન કરતાં જીવને
અનાદિકાળમાં આવડયું નથી. પ્રથમ તો આત્મા સિવાયના અનંત પરપદાર્થો આ આત્માથી અત્યંત
ભિન્ન છે, મારો આત્મા તે કોઈ પણ પદાર્થના કારણરૂપે નથી, ને તે કોઈ પણ પદાર્થ મારા કારણરૂપે
નથી;–આવો નિર્ણય કર્યો એટલે બધાય પર પદાર્થોમાંથી ઊઠીને દ્રષ્ટિને સ્વમાં એકમાં જ આવવાનું
રહ્યું. જેમ સમુદ્રની વચ્ચે ભરદરિયે વહાણ ચાલ્યું જતું હોય તેમાં પંખી બેઠું હોય, તે પંખી ઊડી ઊડીને
અંતે તો તે વહાણ ઉપર જ બેસવાનું છે, બીજો કોઈ આશ્રય છે જ નહિ તેમ પરથી ભિન્ન આત્માનો
નિર્ણય કરનાર જીવને આ સંસારસમુદ્રમાં બીજે કયાંય શરણ ભાસતું નથી, એક પોતાના આત્માનો જ
આશ્રય છે એટલે તેના શ્રદ્ધા–જ્ઞાનને ફરી–ફરીને એક આત્માને જ અવલંબવાનું રહ્યું.
આત્મામાં પણ જે રાગાદિ આસ્રવભાવો છે તે આત્માના ચિદાનંદસ્વભાવથી ભિન્ન છે. આસ્રવ તે
આત્માની શક્તિમાં નથી. શુભાશુભભાવો ચૈતન્યશક્તિને સ્પર્શતા નથી. આવા ચૈતન્યતત્ત્વની
શક્તિઓનું વર્ણન કરવાનું છે. પ્રથમ તો જેની શક્તિઓનું જ્ઞાન કરવાનું છે તેને પરથી ને વિકારથી
ભિન્ન જાણવો જોઈએ. કેમકે ચૈતન્યના સર્વ ગુણો ચૈતન્યમાં જ છે.–
જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ, કેવળી બોલે એમ,
પ્રગટ અનુભવો આતમા, નિર્મળ કરો સપ્રેમ રે
ચૈતન્યપ્રભુ! પ્રભુતા તારી ચૈતન્યધામમાં
ભગવાન સર્વજ્ઞપરમાત્મા કહે છે કે હે જીવ! તારા ગુણો–તારી શક્તિઓ તારા ચૈતન્યધામમાં જ
છે, તારો કોઈ ગુણ બહારમાં નથી. ચૈતન્યની અશાંતિ પણ બહારમાં નથી ને ચૈતન્યની શાંતિ પણ
બહારમાં નથી, અંદરમાં શાંતિસ્વભાવ ભર્યો છે તેમાંથી જ શાંતિ પ્રગટે છે. જુઓ, આ શાંતિમાં નવે
તત્ત્વો સમાઈ જાય છે.
જેમાં શાંતિ ત્રિકાળ ભરી છે ને જેના આશ્રયે શાંતિ પ્રગટે છે તે જીવતત્ત્વ છે. જીવને ભૂલીને
અજીવના આશ્રયે શાંતિ લેવા માંગે છે તે અજ્ઞાન છે–ભ્રમ છે. આસ્રવ–બંધ તેમજ પુણ્ય–પાપના
પરિણામ તે આકુળતારૂપ છે, તે ચારેયનો સમાવેશ ‘અશાંતિ’માં થાય છે. ચિદાનંદ સ્વભાવ તરફ વળતાં
જે અંશે શાંતિ પ્રગટી ને જેટલી અશાંતિ ટળી તથા ક્ષણે ક્ષણે જે શાંતિ વધતી જાય છે ને અશાંતિ ટળતી
જાય છે–તેમાં સંવર–નિર્જરા તત્ત્વ આવી જાય છે. ને અશાંતિનો સર્વથા અભાવ થઈને સંપૂર્ણ શાંતિ પ્રગટે
તેનું નામ મોક્ષ છે. આ સિવાય બહારના બીજા સાધનથી શાંતિ લેવા માંગે તો તે કદી મળી શકતી નથી.–
કયાંથી મળે? કેમકે “જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ.” પરમાં આત્માની શાંતિ છે જ નહિ તો ત્યાંથી તે કેમ
મળે? ચૈતન્યના સર્વગુણ–શાંતિ–સુખ–આનંદ–પ્રભુતા વગેરે ચૈતન્યમાં જ છે, ત્યાં શોધે તો જ તે મળે.
ભાઈ, તારી શાંતિનું સાધન કોણ? તારો ચૈતન્યસ્વભાવ જ તારી શાંતિનું સાધન છે. આ હાથ–
પગ આંખ–કાન તે કાંઈ તારા અવયવો નથી ને તે કાંઈ તારા સુખનાં સાધનો નથી. સિદ્ધભગવંતોને
હાથ પગ નથી તેથી શું તે કાંઈ દુઃખી છે?–ના; હાથ–પગ વગર જ તેઓ સુખી છે, કેમકે હાથ પગ તે
કાંઈ આત્માના સુખનું સાધન નથી.
સિદ્ધભગવાનની જેમ નિગોદિયાને હાથ પગ નથી; પરંતુ, શું હાથ પગ ન હોવાને કારણે તે
દુઃખી છે? ના, તે પોતાના મોહભાવથી જ દુઃખી છે. એ જ રીતે કોઈ જીવને (પતિયા રોગી વગેરે) હાથ
પગ વગેરે અવયવ તૂટી ગયા હોય, તો શું તે અવયવ તુટયા તેને કારણે તે દુઃખી છે? ના; “આ હાથ
પગ મારા અવયવ હતા ને તે મારા સુખના સાધન હતા” એવી પરના સાધનપણાની જે મિથ્યા
કલ્પના કરી રાખી છે તેને લીધે જ તે દુઃખી છે. સમકિતી–ધર્માત્માને હાથ પગ વગેરે

PDF/HTML Page 6 of 25
single page version

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : પ :
બધા અવયવો હોય તો પણ તે અવયવોને તે પોતાનું સ્વરૂપ માનતા નથી, તેને પોતાનું સાધન માનતા
નથી; એ રીતે તેમાંથી સાધનપણાની દ્રષ્ટિ છૂટી ગઈ હોવાથી તેની દ્રષ્ટિમાં (શ્રદ્ધામાં) તો સંથારો જ થઈ
ગયો છે. તે જાણે છે કે મારા અવયવો તો જ્ઞાનાદિ અનંત ગુણો જ છે. ને તે જ મારા સુખના સાધન છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખાવવા માટે અહીં તેની શક્તિઓનું વર્ણન કરે છે.
સમયસારમાં આત્માને “જ્ઞાનસ્વરૂપ” કહીને ઓળખાવ્યો છે; જો કે જ્ઞાન સાથે તેના અવિનાભાવી
બીજા અનંત ધર્મો પણ છે તેથી જ્ઞાનમાત્ર આત્માને “અનેકાંતપણું” સ્વયમેવ પ્રકાશે છે. આ વાત
સાંભળીને જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન ઊઠે છે કે પ્રભો! અનંતધર્મોવાળા આત્માને ‘જ્ઞાનમાત્રપણું’ કઈ રીતે
છે? જે જીવ આત્માને લક્ષમાં લઈને તેનો અનુભવ કરવા માંગે છે તેને પ્રસિદ્ધરૂપ જ્ઞાનલક્ષણદ્વારા
આત્માની પ્રસિદ્ધિ કરાવવામાં આવે છે. ખરેખર કાંઈ લક્ષણ અને લક્ષ્ય જુદા નથી, જ્ઞાન અંતરમાં વળ્‌યું
ત્યાં તેણે પોતે લક્ષણરૂપ થઈને લક્ષ્યને પ્રસિદ્ધ કર્યું. જે જીવ આવા આત્માને અનુભવે છે તેને તો કાંઈ
લક્ષ્ય–લક્ષણના ભેદ પાડીને કહેવાની જરૂર નથી. પણ જે અનુભવ કરવા માંગે છે તેને ‘જ્ઞાનમાત્ર
આત્મા’ એમ કહીને ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરાવે છે. અનંતગુણનો નિધાન આત્મા છે, તે નિધિને
પોતાના અંતરમાં દેખીને જ્ઞાની તેને ભોગવે છે. જેમ કોઈ મનુષ્ય મોટું નિધાન પ્રાપ્ત કરીને પછી
એકાંતમાં તેને ભોગવે છે, તેમ ધર્માત્મા પોતાના અંતરમાં ચૈતન્યનિધાન પ્રાપ્ત કરીને પછી એકાંતમાં
એટલે અંતર્મુખ થઈને તેને આનંદથી ભોગવે છે–વારંવાર અનુભવે છે.
–આવા આનંદના અનુભવની જે જીવને જિજ્ઞાસા જાગી છે તે જીવ પાત્ર થઈને જિજ્ઞાસાથી પૂછે
છે કે પ્રભો! આત્મામાં અનંતધર્મો છે, છતાં તેને જ્ઞાનમાત્ર જ કેમ કહો છો? એવા જિજ્ઞાસુ શિષ્યને
સમજાવવા આચાર્યદેવ કહે છે કે ભાઈ, સાંભળ! આત્માની જે જ્ઞપ્તિક્રિયા થાય છે તેમાં અનંતધર્મોનો
સમુદાય ભેગો જ પરિણમે છે. એકલું જ્ઞાન જુદું નથી પરિણમતું પરંતુ તે જ્ઞાનની સાથે સાથે જ આનંદ,
શ્રદ્ધા, જીવત્વ વગેરે અનંત ગુણોનું પરિણમન ભેગું જ છે. એક જ્ઞાનગુણને જુદો લક્ષમાં લઈને ધર્મી
નથી પરિણમતો પરંતુ જ્ઞાન સાથેના અનંત ધર્મોને અભેદપણે લક્ષમાં લઈને ધર્મીજીવ એક જ્ઞપ્તિમાત્ર
ભાવરૂપે પરિણમે છે. અનંતધર્મોને પોતામાં સમાવીને એક જ્ઞપ્તિક્રિયાપણે પરિણમતો હોવાથી આત્માને
સ્વયમેેવ જ્ઞાનમાત્રપણું છે. આવી જ્ઞાનક્રિયાપણે આત્મા પ્રકાશે છે. શરૂઆતમાં જ “नमो
समयसाराय દ્વારા શુદ્ધાત્માને નમસ્કાર કરતાં કહ્યું હતું કે તે શુદ્ધાત્મા સ્વાનુભૂતિરૂપ ક્રિયા વડે
પ્રકાશમાન છે; રાગવડે કે વાણીવડે આત્મા પ્રકાશમાન થતો નથી,–પ્રસિદ્ધ થતો નથી, પણ અંતર્મુખ
સ્વાનુભૂતિવડે એટલે કે જ્ઞપ્તિક્રિયા વડે જ ભગવાન આત્મા પ્રકાશમાન થાય છે, પ્રસિદ્ધ થાય છે,
અનુભવમાં આવે છે.
આત્માની જ્ઞપ્તિક્રિયામાં સ્વયમેવ અનંતશક્તિઓ ઊછળે છે, આત્માના અનુભવમાં એકસાથે
અનંતશક્તિઓ પરિણમે છે, નિર્મળપણે ઊછળે છે.–કેવી કેવી શક્તિઓ ઊછળે છે તેનું વર્ણન હવે કરશે.
ગુરુદેવનું શાંતરસઝરતું અદ્ભુત પ્રવચન
સાંભળીને સૌ શ્રોતાજનો આનંદવિભોર બન્યા
હતા...અમૃતરસની વર્ષાથી સૌનાં હૃદય તૃપ્ત અને
પ્રસન્ન હતા...પ્રવચન પૂરું થતાં જ હર્ષભર્યા જય
જયકારપૂર્વક પૂ. બેનશ્રીબેને નીચેની ભક્તિ ગવડાવી
હતી–
આજ મંગળમય દિન ઊગ્યો
આજ અમૃત વરસ્યા મેહરે...ગુરુજીની વાણી છૂટી રે

PDF/HTML Page 7 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૩
જયેષ્ઠ માસથી વાદળ ચડયા...
આજ શ્રાવણે વરસ્યા મેહરે...ગુરુજીની વાણી છૂટી રે
તરસ્યા ચાતક સહુ સેવક જનોની
તત્ત્વ–પિપાસા છિપાય રે...ગુરુજીની વાણી છૂટી રે
મોંઘો મારગ જ્યાં મુક્તિ તણો
ત્યાં જીવોનાં જૂથ ઊભરાય રે...ગુરુજીની વાણી છૂટી રે
દેવદુદુંભી નાદ ગગડીયા...
આનંદ ઓચ્છવ આજ થાય રે...ગુરુજીની વાણી છૂટી રે
સ્યાદ્વાદ કેરી બંસરી બજાવી...
હલાવ્યું આખું હિંદ રે...ગુરુજીની વાણી છૂટી રે
પરમાગમમાં સૂત્રો બતાવ્યાં
એનું રહસ્ય સમજાવે ગુરુદેવ રે...ગુરુજીની વાણી છૂટી રે
ધન્ય દિવસ આજ ધન્ય ઘડી
ધન્ય ધન્ય આ કહાન ગુરુદેવ રે...ગુરુજીની વાણી છૂટી રે
આવો આવો સૌ ભવ્ય જીવો
તમે સુણવા કહાનગુરુ વાણ રે...ગુરુજીની વાણી છૂટી રે
આવો આવો સૌ ભવ્ય જીવો
તમે સુણવા અનુભવ વાણી રે...ગુરુજીની વાણી છૂટી રે
સોળ કળાએ સૂર્ય પ્રકાશ્યો
પ્રકાશ્યો ચૈતન્યદેવ રે...ગુરુજીની વાણી છૂટી રે
અમૃતરસ ભરી વાણી વરસતી
સુણતાં તૃપ્તિ ન થાય રે...ગુરુજીની વાણી છૂટી રે
જયવંત વર્તો કહાન ગુરુજી
જયવંતગુરુજીની વાણ રે...ગુરુજીની વાણી છૂટી રે
આજ સુવર્ણમય દિન ઊગ્યો
આજ અમૃત વરસ્યા મેહ રે...ગુરુજીની વાણી છૂટી રે

PDF/HTML Page 8 of 25
single page version

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : ૭ :



શ્રાવણ સુદ પૂનમ એ ૭૦૦ મુનિવરોની
રક્ષાનો અને વાત્સલ્યનો મહાન દિવસ; તે
દિવસે પૂ. ગુરુદેવે સમયસારની ૪૧૩મી
ગાથા ઉપર પ્રવચન કર્યું. જેઠ સુદ પૂનમ બાદ
આ શ્રાવણ સુદ પૂનમે ગુરુદેવનું પહેલ–વહેલું
પ્રવચન સાંભળતાં, બે માસના તૃષાતૂર
જિજ્ઞાસુઓ ખૂબ હર્ષિત થયા હતા. તે પ્રવચન
અહીં આપવામાં આવ્યું છે. બબે માસથી
તરસતા જિજ્ઞાસુઓને આ પ્રવચનદ્વારા
ધર્મરસનું પાન કરાવીને તૃપ્ત કર્યા
છે...પ્રવચનમાં ગુરુદેવની ધર્મવત્સલતા દેખીને
પ્રમોદ થાય છે. પરમ વત્સલતાથી ગુરુદેવ
ભવ્ય જીવોને ધર્મમાં જોડે છે કે : હે વત્સ!
શુદ્ધ આત્મસ્વરૂપને જાણીને તેની શ્રદ્ધા–જ્ઞાન–
રમણતામાં જ તું તારા આત્માને જોડ.
સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને
તે મોક્ષમાર્ગમાં જ તારા આત્માને સ્થાપ. રે
ચૈતન્યપ્રભુ! તારી પ્રભુતા તારા ચૈતન્ય–
ધામમાં જ છે...તેમાં અંતર્મુખ થા: ત્યાં જ
તારા સર્વ ગુણો છે...ને ત્યાં જ તારો
મોક્ષમાર્ગ છે...એનાથી બહાર બીજે કયાંય
તારો મોક્ષમાર્ગ નથી.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૩
આત્મા એકલો જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપ ત્રિકાળ છે; તેની અવસ્થામાં જે વિકાર કે સંયોગ છે તે
તેનું મૂળ સ્વરૂપ નથી. આચાર્યદેવ કહે છે કે હે જીવ! આવા આત્મસ્વરૂપને જાણીને, તેની જ શ્રદ્ધા–
જ્ઞાન–રમણતામાં તારા આત્માને જોડ...સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને તે મોક્ષમાર્ગમાં
તારા આત્માને સ્થાપ. કેમકે તેના સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. અંતરમાં આવા આત્મસ્વરૂપને
જાણ્યા વગર વ્રતાદિ શુભ ક્રિયાઓને કે દેહની ક્રિયાઓને જે ધર્મ માને છે તેને મોક્ષમાર્ગની ખબર નથી;
તે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં નથી જોડતો પણ વ્યવહારમાં–રાગમાં જોડે છે એટલે કે સંસારમાર્ગમાં
જ જોડે છે; તેઓ પોતાના આત્માને અનુભવતા નથી એટલે તેમને ધર્મ કે મુનિદશા હોતી નથી. એ
વાત આચાર્યદેવ સમયસારની ૪૧૩મી ગાથામાં સમજાવે છે–
બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે
મમતા કરે, તેણે નથી જાણ્યો ‘સમયના સાર’ ને
જેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક શ્રાવક છું’ એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા
અહંકાર કરે છે, એટલે કે વ્રત–મહાવ્રતના વિકલ્પો અને દેહની ક્રિયાઓમાં મમકાર કરીને તેને જ જેઓ
મોક્ષમાર્ગ માને છે, ને તેને લીધે જ પોતાને મુનિ અગર શ્રાવક માને છે તેઓ અનાદિરૂઢ એવા
વ્યવહારમાં જ મૂઢ વર્તે છે, પ્રૌઢવિવેકવાળા નિશ્ચય ઉપર તેઓ અનારૂઢ વર્તે છે એટલે કે સ્વ–પરનું
ભેદજ્ઞાન કરાવનારા નિશ્ચયસ્વરૂપને તેઓ ઓળખતા નથી; આવા જીવો પરમાર્થસત્ય એવા ભગવાન
સમયસારને દેખતા નથી–જાણતા નથી–અનુભવતા નથી, એટલે તેમને મોક્ષમાર્ગ હોતો નથી. મોક્ષમાર્ગ
તો આત્માના સ્વભાવના આશ્રયે છે, કાંઈ વ્રતના વિકલ્પોના આશ્રયે મોક્ષમાર્ગ નથી, કે દેહની
દિગંબરદશા વગેરેના આશ્રયે મોક્ષમાર્ગ નથી.
અહા, આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! એક વિકલ્પ પણ તને લાભરૂપ નથી, તે તને આશ્રયરૂપ
નથી. તારો આશ્રય તારા અનંતગુણમાં છે, તેમાં અંતર્મુખ થા...તેમાં જ તારો મોક્ષમાર્ગ છે. કેમકે–
જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ કેવળી બોલે એમ, –જિનવર બોલે એમ,
પ્રગટ અનુભવો આતમા...નિર્મળ કરો સપ્રેમ...રે ચૈતન્યપ્રભુ?
પ્રભુતા તારી ચૈતન્યધામમાં....
હે ચૈતન્યપ્રભુ! તારી પ્રભુતા તારા ચૈતન્યધામમાં છે. તારો મોક્ષમાર્ગ પણ તારા ચૈતન્યધામમાં
જ છે. તારો કોઈ ગુણ કે મોક્ષમાર્ગ કયાંય બહાર બીજાના આશ્રયે નથી. જ્યાં ચૈતન્ય છે ત્યાં જ તેના
સર્વ ગુણો છે. ચૈતન્યના ગુણો ચૈતન્યમાં છે, રાગમાં વિકલ્પમાં કે દેહની ક્રિયામાં ચૈતન્યના કોઈ ગુણો
નથી. ભાઈ, ત્યાં તું નથી; જ્યાં તું નથી ત્યાં તારા ગુણ કેમ હોય? ત્યાં તારા ગુણને ન શોધ.
ચૈતન્યમાં અંતર્મુખ થઈને ત્યાં જ તારા ગુણને શોધ. ચૈતન્યમાં જ તું છો, ને તારા સર્વે ગુણો તારામાં જ
છે. આમ જાણીને–
પ્રગટ અનુભવો આતમા...નિર્મળ કરો સપ્રેમ
અનંતગુણ સ્વરૂપ ચૈતન્યમૂર્તિ આત્માનો નિર્મળ પ્રેમ કરીને એટલે કે વીતરાગી રુચિ કરીને તેને
પ્રગટપણે અનુભવો.
આજે તો અકંપન આચાર્ય વગેરે ૭૦૦ મુનિઓની રક્ષાનો મોટો દિવસ છે. વિષ્ણુકુમાર મુનિએ
મોક્ષમાર્ગ પ્રત્યેના પરમ વાત્સલ્યથી ૭૦૦ મુનિઓની રક્ષા કરી હતી. તે મુનિઓ કેવા? કે ઉપર કહ્યો
તેવો આત્મ–અનુભવ કરીને અંતરમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મને સાધનારા. અરે, મોક્ષમાર્ગને
સાધનારા મુનિવરો ઉપર આવો ઉપદ્રવ! તે દેખતાં વાત્સલ્યના રાગને લીધે એક મુનિરાજના મુખથી
‘હા..’એવો ઉદ્ગાર નીકળી પડયો...એક ક્ષુલ્લકે વિષ્ણુકુમાર મુનિને એ ઉપદ્રવની વાત કરી. અને સાથે
સાથે એમ પણ કહ્યું કે આપને વિક્રિયાઋદ્ધિ પ્રગટી છે તેથી આપ તે મુનિવરોની રક્ષા કરવાને સમર્થ
છો. શ્રી વિષ્ણુકુમાર મુનિને તો હજી ખબર પણ ન હતી કે પોતાને વિક્રિયાઋદ્ધિ પ્રગટી છે. અહા
મુનિવરો તો ચૈતન્યના આનંદમાં

PDF/HTML Page 10 of 25
single page version

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : :
મશગુલ છે; આનંદધામમાં પડેલા તે મુનિવરોને બહારની ઋદ્ધિની દરકાર પણ કયાં છે? ચૈતન્યની
અચિંત્યઋદ્ધિ પાસે બહારની ઋદ્ધિનો શું મહિમા! ઋદ્ધિ પ્રગટવાની અને ૭૦૦ મુનિઓ ઉપરના ઘોર
ઉપદ્રવની વાત સાંભળતાં, આંગળી લંબાવીને ઋદ્ધિની પરિક્ષા કરી અને પછી વાત્સલ્યની પ્રધાનતાને
લીધે ઠીંગણા બ્રાહ્મણનું રૂપ લઈને ૭૦૦ મુનિવરોની રક્ષા કરી તે રક્ષાનો આજે દિવસ છે.
જુઓ, વિષ્ણુકુમારમુનિને મોક્ષમાર્ગસાધક મુનિવરો પ્રત્યે પ્રમોદ અને વાત્સલ્યનો ભાવ આવ્યો
ને મુનિઓની રક્ષા થઈ તે અપેક્ષાએ તેની પ્રસંશા થાય; પરંતુ તેમાં જે શુભરાગ થયો તે કાંઈ મોક્ષમાર્ગ
નથી, તે રાગ કાંઈ પ્રશંસનીય નથી. ચૈતન્યના આનંદધામમાંથી બહાર નીકળીને જે રાગની વૃત્તિ ઊઠી
તેને સારી કેમ કહેવાય? તે વિષ્ણુકુમાર ધર્માત્મા પોતે પણ તે વૃત્તિને ભલી કે મોક્ષના સાધનરૂપ
માનતા ન હતા; એટલે તો પાછળથી તેનું પ્રાયશ્ચિત કર્યું, ને તે વૃત્તિ તોડીને, સ્વરૂપમાં લીનતાવડે
કેવળજ્ઞાન પામ્યા. તેઓ પોતે તે વૃત્તિ તોડીને કેવળજ્ઞાન પામ્યા, તેને બદલે જે જીવો વિષ્ણુકુમારમુનિના
ઉપરના દ્રષ્ટાંત ઉપરથી એમ કહે છે કે ‘આવો શુભરાગ તે ધર્મ છે.–કેમ કે વિષ્ણુમુનિને પણ એવો
શુભરાગ આવ્યો હતો માટે તે ધર્મ છે.’–તો એમ માનનારા જીવોએ નથી તો વિષ્ણુકુમારમુનિને
ઓળખ્યા, નથી તો મોક્ષમાર્ગને ઓળખ્યો, કે નથી ધર્મને ઓળખ્યો. મોક્ષને સાધતાં વચ્ચે રાગની વૃત્તિ
આવી પડી–તે જુદી વાત છે, અને તે રાગની વૃત્તિને મોક્ષનો માર્ગ કે મોક્ષનું સાધન માનવું તે જુદી
વાત છે. જેમ મુનિને દેહની દિગંબરદશા જ હોય છે, પણ તે દિગંબરદેહ કાંઈ મોક્ષમાર્ગ નથી, એ જ રીતે
વચ્ચે શુભવૃત્તિ આવે તે કાંઈ મોક્ષમાર્ગ નથી. જે જીવ તેને મોક્ષમાર્ગ માને છે તેણે આત્માને જાણ્યો
નથી, તેણે નિશ્ચયને જાણ્યો નથી, તેને ભેદજ્ઞાન થયું નથી, આચાર્યદેવ કહે છે કે તે જીવ અનાદિના
રૂઢિગત એવા વ્યવહારમાં જ મૂઢ છે, અનાદિની રૂઢીથી બહાર નીકળીને તેણે નવું કાંઈ નથી કર્યું.
અહા, મોક્ષમાર્ગ તો શુદ્ધઆત્માના જ આશ્રયે છે, તેને બદલે મૂઢ જીવો મોહને લીધે રાગમાં ને
દેહની ક્રિયામાં મોક્ષમાર્ગ માને છે. સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે અરે જીવો! તમારો સ્વભાવ એક સમયમાં
પરિપૂર્ણ, બહેદ ગુણોથી ભરેલો છે, જેટલા ગુણો અમારામાં (–સર્વજ્ઞમાં) પ્રગટયા તેટલા બધાય ગુણો
તમારામાં પણ ભર્યા જ છે; તેને ઓળખો, તેનો નિર્મળ પ્રેમ કરો અને તેમાં ઠરો...એમાં જ વિસામો છે
ને એમાં જ મોક્ષમાર્ગ છે. વચ્ચે વિકલ્પ આવે તેમાં વિસામો નથી, તે શરણરૂપ નથી, તે મોક્ષનું કારણ
નથી. શુદ્ધઆત્માના જ આશ્રયે મોક્ષમાર્ગ છે–એમ હે જીવો! તમે જાણો.
–આવા આત્માશ્રિત મોક્ષમાર્ગને જાણીને, આત્માના જ્ઞાન–ધ્યાનમાં મસ્ત ૭૦૦–૭૦૦ મુનિવરો
જ્યારે એક સાથે વિચરતા હશે–એ કાળ કેવો હશે!! એવા ૭૦૦ મુનિઓના સંઘ ઉપર બલિરાજાએ
જ્યારે ઉપદ્રવ કર્યો ત્યારે વાત્સલ્યને લીધે વિષ્ણુમુનિને તેમની રક્ષાનો વિકલ્પ આવ્યો...ને યુક્તિથી
મુનિઓની રક્ષા કરી, બલિરાજા વગેરેએ પણ માફી માંગી ને જૈનધર્મ ધારણ કર્યો. એ રીતે આજે
મુનિરક્ષાનો મોટો દિવસ છે, તેથી આજના મૂરત માટે આ પ્રવચન છે.
આ ૪૧૩મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે મુનિને મહાવ્રતનો વિકલ્પ ઊઠે તે પણ દ્રવ્યલિંગ
છે, ને તે વિકલ્પમાં મમત્વ કરીને તેને જે મોક્ષમાર્ગ માને તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે; મિથ્યાદ્રષ્ટિને અહીં
વ્યવહારમૂઢ કહ્યો છે. નિશ્ચયનય પ્રૌઢવિવેકવાળો છે, એટલે કે તેનાથી પરમાર્થ વસ્તુસ્વરૂપ ઓળખતાં
સ્વ–પરનું ભેદજ્ઞાન થાય છે ને મોક્ષમાર્ગ પ્રગટે છે. માટે ભગવાનનો અને સંતોનો ઉપદેશ છે કે હે
જીવો! નિશ્ચયનય અનુસાર આત્માના પરમાર્થ–સ્વરૂપને જાણીને તેમાં આરૂઢ થાઓ...ને અનાદિના રૂઢ
એવા વ્યવહારમાં મૂઢતા છોડો. વિકલ્પ તે દ્રવ્યલિંગ છે, તેમાં મમત્વ કરે, તેનાથી લાભ માને, તે
અનાદિથી સંસારમાં જ્યાં હતો ત્યાંને ત્યાં જ ઊભો છે, તે સંસારમાર્ગમાંથી નીકળીને મોક્ષપંથમાં
આવ્યો નથી. ચેતનના ગુણ ચેતનમાં જ છે, ચેતનના ગુણ વિકારમાં નથી. કેમકે–
જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ, કેવળી ભાખે એમ;

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૦૩
પ્રગટ અનુભવ આપણો,
નિર્મળ કરો સપ્રેમ રે ચૈતન્ય પ્રભુ! પ્રભુતા તમારી ચૈતન્યધામમાં..
(પૂ. ગુરુદેવના શ્રીમુખે અધ્યાત્મની મસ્તીપૂર્વક વૈરાગ્યભરેલી હલકથી ગવાતું આ પદ
સાંભળતાં શ્રોતાજનો મુગ્ધતાથી ડોલતા હતા.)
હે જીવો! તમારા ચૈતન્યમાં જ તમારી પ્રભુતા છે, તેની પ્રીતિ કરીને અનુભવ કરવો તે કર્તવ્ય
છે. રાગ તો તુચ્છ છે. તમારી મોટપ, તમારી મહત્તા, તમારી પ્રભુતા તો ચૈતન્યમાં જ છે; સુખ–શાંતિ–
આનંદ જે કહો તે બધું તમારા ચૈતન્યમાં જ ભરેલું છે. અહા! આવું ચૈતન્યધામ એ જ ખરું
વિશ્રામસ્થાન છે. દેહમાં કે રાગમાં કયાંય વિસામો નથી, તેમાં ચૈતન્યના કોઈ ગુણ નથી. માટે અંતર્મુખ
થઈને ચૈતન્યધામમાં દ્રષ્ટિ કરો, તેની નિર્મળ પ્રીતિ કરો ને તેનો અનુભવ કરો. તમારા ચૈતન્યની પ્રભુતા
તમારા અનુભવમાં લ્યો.
જેને પૈસાની રુચિ હોય તેની દ્રષ્ટિ કયાં હોય?–કે જ્યાંથી પૈસા મળતા હોય ત્યાં તેની દ્રષ્ટિ અને
પ્રીતિ હોય; તેમ જેને ધર્મની રુચિ હોય તેની દ્રષ્ટિ કયાં હોય? કે જ્યાંથી ધર્મ મળતો હોય ત્યાં; ધર્મ મળવાનું
સ્થાન કયું? ધર્મનું ધામ આત્મા છે તેના ઉપર ધર્મીની દ્રષ્ટિ હોય છે ને તેનો જ ધર્મીને પ્રેમ હોય છે; રાગના
વિકલ્પનો પ્રેમ ધર્મીને હોતો નથી. જેને રાગનો પ્રેમ છે તેને ધર્મનો પ્રેમ નથી. રાગનો પ્રેમ કહો કે
વ્યવહારમૂઢતા કહો. શુદ્ધઆત્મા તે કારણપરમાત્મા છે, તેને કારણ સમયસાર પણ કહેવાય; અને તેના
આશ્રયે મોક્ષના કારણરૂપ જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે તે રત્નત્રયપરિણત આત્માને પણ
કારણસમયસાર કહેવાય છે. જે જીવ નિશ્ચયસ્વભાવને જાણતો નથી ને વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ માને
છે તે જીવ ભલે દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈને પંચમહાવ્રતાદિ પાળતો હોય તોપણ તેણે હજી
કારણસમયસારને જાણ્યો નથી, તેને મોક્ષમાર્ગની ખબર નથી. અને જ્યાં કારણસમયસારની ખબર નથી ત્યાં
કાર્યસમયસારની પ્રાપ્તિ કયાંથી થાય? મોક્ષમાર્ગની જ જ્યાં ખબર નથી ત્યાં મોક્ષની પ્રાપ્તિ કયાંથી થાય?
૭૦૦ મુનિઓની રક્ષા થઈ તે હિસાબે વાત્સલ્યના વિકલ્પની પ્રશંસા કરી; પણ તે
વિષ્ણુકુમારમુનિને મુનિદશામાંથી ઊતરીને જે રાગ થયો તે કાંઈ પ્રશંસનીય નથી. વિષ્ણુકુમાર પોતે તે
રાગને પ્રશંસનીય માનતા ન હતા, એટલે તો પાછળથી તેનું પ્રાયશ્ચિત કરીને ફરી મુનિ થયા ને વિકલ્પ
તોડી, સ્વરૂપમાં ઠરી કેવળજ્ઞાન પામી, સિદ્ધ થયા. વાત્સલ્યના વિકલ્પવડે નહીં, પરંતુ વિકલ્પને છેદીને
સ્વરૂપમાં ઠરીને તેઓ પરમાત્મા થયા. આ જ મોક્ષનો ઉપાય છે, બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી.
કારણસમયસાર એટલે શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલો આત્મા, તેના વગર
કાર્યસમયસારની પ્રાપ્તિ થતી નથી. મોક્ષનું કારણ ત્રિકાળી ચિદાનંદસ્વભાવના આશ્રયે જ પ્રગટે છે,
તેના સિવાય બીજા કોઈ વિકલ્પના આશ્રયે કે દેહની ક્રિયાના આશ્રયે મોક્ષનું કારણ પ્રગટતું નથી.
ભગવાને આવો (શુદ્ધાત્માના આશ્રયરૂપ) મોક્ષમાર્ગ સાધ્યો ને એ જ માર્ગ જગતને દેખાડયો: હે
જીવો! મોક્ષનો માર્ગ આ જ છે, બીજો નથી. જેમ ભગવાનનો આત્મા અને આ આત્મા સ્વભાવે સરખા
છે તેમ મોક્ષનો ઉપાય પણ બંનેને માટે સરખો જ છે.
અરૂપ એવો આતમા તનમાં કરે નિવાસ.
તે જ શુદ્ધ પરમાતમા, બીજો ભેદ ન ખાસ.
આ જડ દેહની મધ્યમાં અરૂપી ચૈતન્યમૂર્તિ આત્મા શુદ્ધ પરમાત્મા જેવો બિરાજી રહ્યો છે;
સિદ્ધપરમાત્મામાં અને આ જીવમાં પરમાર્થે કાંઈ ભેદ નથી, ખાસ કાંઈ ભેદ નથી. પર્યાયમાં જે ભેદ છે તે
ગૌણ છે એટલે કે ખાસ–મુખ્ય નથી. ભાઈ! અંતરના સ્વભાવથી જો તારામાં ને સિદ્ધપરમાત્મામાં
જરાય ફેર નથી. સિદ્ધ ભગવાન જેવો જ આત્મા આ દેહમાં વસી રહ્યો છે, પણ દેહથી તે તદ્ન જુદો છે.
જડ દેહના અવયવો આત્માને નથી. હાથ–પગ–આંખ કાન વગેરે જડ શરીરના અવયવો છે, તે કાંઈ
આત્માના અવયવો નથી, ને આત્મા તે અવયવોથી કાંઈ કામ લેતો નથી. આત્માના અવયવો તો જ્ઞાન,
શ્રદ્ધા, આનંદ વગેરે છે, ને તે અવયવોનોં ઉપભોગ આત્મા કરે છે. અસંખ્ય પ્રદેશો ને જ્ઞાનાદિ અનંત
ગુણોરૂપ જે અવયવો તેનો અવયવી

PDF/HTML Page 12 of 25
single page version

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : ૧૧
:આત્મા છે. હાથ–પગ વગેરે જડ અવયવોનો અવયવી આત્મા નથી. અરૂપી આત્માના અવયવો રૂપી
કેમ હોય?–ન જ હોય. અવયવ અને અવયવી એક જ જાતના હોય. અરે, વિકલ્પ તે પણ ખરેખર
ચૈતન્યમૂર્તિ આત્માનો અવયવ નથી. જે જેનો ખરો અવયવ હોય તે તેનાથી છૂટો કેમ પડે? વિકાર તો
આત્માથી છૂટો પડી જાય છે, અને વિકાર છૂટો પડી જવા છતાં આત્મા તો અખંડ રહે છે. તેનું કોઈ અંગ
ખંડિત થઈ જતું નથી. માટે વિકાર તે આત્માનું ખરું અંગ નથી. જો વિકાર તે આત્માનું અંગ હોય તો
તેનો નાશ થતાં આત્માને હીનાંગપણું (અધૂરાંપણું) થઈ જવું જોઈએ.–પણ એમ થતું નથી, કેમકે વિકાર
તે આત્માના સ્વભાવનું અંગ નથી, તે તો છઠ્ઠી આંગળી જેવો ઉપાધિરૂપ છે.
જે પોતાના જ્ઞાનાદિ અંગોને જાણતો નથી ને વિકલ્પ કે ઈંદ્રિયો વગેરે પરના આશ્રયથી લાભ
લેવા જાય છે તે ખરેખર પોતાને અપંગ–નમાલો માને છે. લાકડી વગેરેનો આશ્રય કોણ લ્યે?–કે જેના
અંગમાં તાકાત ઓછી હોય તે; તેમ મોક્ષમાર્ગને માટે પરનો આશ્રય કોણ માને? કે જે પોતાના
આત્માને શક્તિહિન માનતો હોય તે; પોતાના આત્માને હીનશક્તિવાળો માને ને પરના આશ્રયે
મોક્ષમાર્ગ સાધવા માંગે તેને કદી મોક્ષમાર્ગ સધાય નહિ. અનંતગુણથી પરિપૂર્ણર્ ચૈતન્ય ભગવાન છે
તેના આશ્રયે જ મોક્ષમાર્ગની સિદ્ધિ થાય છે.
ચિદાનંદસ્વરૂપ આત્માને તો જેઓ જાણતા નથી ને તેનાથી બહાર રાગમાં કે દેહની ક્રિયામાં
પોતાપણું માનીને તેમાં મિથ્યા અહંભાવ કરે છે અથવા તેને મોક્ષનું સાધન માને છે (અને જેને
પોતાના મોક્ષનું સાધન માને તેમાં મમત્વ કર્યા વગર રહે જ નહિ, એટલે દેહાદિની ક્રિયાને કે રાગને
મોક્ષનું સાધન માનનારા તેમાં મમત્વ કરે જ છે) તેઓ મોક્ષમાર્ગથી બહાર, વ્યવહારમાં મિથ્યાદ્રષ્ટિ છે.
આચાર્યપ્રભુ સમજાવે છે કે અરે ભાઈ, તારી પ્રગટ દશાનો વિલાસ તારા ગુણમાંથી આવે કે બહારથી?
શું શરીરના અવયવોમાંથી તારી નિર્મળ દશા આવે? શરીર તો જડ છે, એની તો રાખ થાય છે. તેમાંથી
તારી દશા આવે નહિ.–તો શું રાગમાંથી તારી નિર્મળ દશા આવે?–ના; રાગ તો આકુળતા છે, દોષ છે,
એ તો નવો આગંતુક ભાવ છે, એ કાંઈ સ્વભાવના ઘરનો ભાવ નથી; એમાંથી સ્વભાવદશા આવે
નહિ. પ્રભુ! તારી પ્રગટ દશા ચૈતન્યમાંથી જ ઉલ્લસે અને વિલસે એવો તું છો. તારા ચૈતન્યમાં જ એવી
અચિંત્ય તાકાત છે કે તેને કોઈની ઓશયાળ કરવી પડે એવું નથી. એને બદલે તું રાગમાંથી કે દેહમાંથી
તારી ચૈતન્યદશા ઉલ્લસાવવા કે વિલસાવવા માંગ–તે તો તારી ખોટી ભ્રમણા છે.
જુઓ, આ દેહ કે ઈન્દ્રિયો તે કોઈ પણ આત્માને સાધન નથી. તે આત્માથી અત્યંત જુદા છે,
એટલે આત્મા હાથ–પગ વગેરેને હલાવી શકે કે તેને પોતાના સુખનું સાધન બનાવી શકે–એમ બનતું
નથી. હાથ–પગ વગેરે ન હોય તો તે ન હોવાને કારણે જીવ દુઃખી છે–એમ નથી, અને હાથ–પગ વગેરે
હોય તો તે કાંઈ સુખનું સાધન થાય છે–એમ પણ નથી. જેમકે–
સિદ્ધભગવાનને હાથ–પગ વગેરે અવયવો નથી, તો શું તે ન હોવાને કારણે તેઓ કાંઈ દુઃખી
છે?–ના; કેમ કે હાથ–પગ વગેરે અવયવો કાંઈ આત્માનાં નથી, અને તે કાંઈ આત્માના સુખના સાધન
નથી, કે તેના અભાવમાં આત્માને દુઃખ થાય. સિદ્ધભગવંતો હાથ–પગ વગર જ સ્વયમેવ સુખી છે.
નિગોદના જીવને પણ હાથ–પગ–આંખ વગેરે અવયવો નથી; જેમ સિદ્ધભગવંતોને હાથ–પગ
વગેરે ન હોવા તે કાંઈ તેમના દુઃખનું કારણ નથી, તેમનો મોહ જ તેમના દુઃખનું કારણ છે.
કોઈના હાથ–પગ વગેરે અવયવો કોઈ રોગો વગેરેના કારણે ગળી ગયા હોય, કે કપાઈ ગયા
હોય તો શું તે અવયવો કપાયા તે કારણે તેને દુઃખ છે? અને તે અવયવો હોત તો તેને સાધન
બનાવીને સુખી થાત એમ છે? ના, તે જડ અવયવો આત્માના સાધન હતા જ નહિ. તે અવયવોનો
સંયોગ હો કે ન હો, બંને પરિસ્થિતિમાં તે આત્માના સુખનું સાધન છે જ નહીં.
ઈન્દ્ર વગેરે દેવો અગર મનુષ્યો, જેમને હાથ–પગ વગેરે અવયવો બરાબર છે તેને પણ શું તે અવયવો
સુખના સાધન થાય છે? ના; અજ્ઞાની ભ્રમથી જ માને છે કે આ મારા અવયવો છે ને હું તેનો ઉપયોગ

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૦૩
કરીને સુખનું સાધન બનાવું. પરંતુ તે હાથ–પગ–આંખ વગેરે અવયવો તો અજીવ છે, તે કાંઈ આત્માના
અંગ નથી, તેમજ તે અજીવ અવયવો આત્માના સુખના સાધન નથી. સમકિતી ધર્માત્મા જાણે છે કે આ
અવયવો જડની રચના છે, તે કાંઈ મારું સાધન નથી. આ રીતે ખરેખર ધર્મીની શ્રદ્ધામાં દેહાદિનો
સંથારો જ થઈ ગયો છે, કેમકે તેની દ્રષ્ટિમાંથી દેહનું સ્વામીત્વ ઊડી ગયું છે.
આ રીતે નિગોદથી માંડીને સિદ્ધ સુધીના સમસ્ત જીવો દેહ અને દેહના અવયવોથી અત્યંત
ભિન્ન, જ્ઞાનાનંદ સ્વરૂપી છે.
વળી, દેહના અવયવોની જેમ રાગાદિ ભાવો તે પણ ખરેખર આત્માના અવયવો નથી, તે
આત્માને મોક્ષનું કે ધર્મનું કિંચિત્ સાધન નથી, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે જે આત્માના જ અંગભૂત
અવયવો છે તે જ આત્માને મોક્ષનું ને સુખનું સાધન છે. પરંતુ તેને પ્રાપ્ત નહિ કરનારા મૂઢ અજ્ઞાની
જીવો રાગને ધર્મનું સાધન માને છે. ચૈતન્યમાં દ્રષ્ટિ કર્યા વગર, રાગને જ સાધન માનીને જે રાગ
અનાદિથી અજ્ઞાની કરી રહ્યો છે તે તો તેનો અનાદિ...રૂઢ વ્યવહાર છે, ને મૂઢતાથી અજ્ઞાની તેમાં જ
મૂર્છાઈ રહ્યો છે એટલે વ્યવહારમૂઢ થઈને મોક્ષમાર્ગથી દૂર વર્તી રહ્યો છે. જડ–ચેતનનું ને સ્વભાવ–
વિભાવનું ભેદજ્ઞાન કરાવીને મોક્ષમાર્ગની સિદ્ધિ કરનારો જે નિશ્ચયનય તેને તો તે અજ્ઞાનીઓ જાણતા
પણ નથી, જડ અને ચેતનનો સંયોગ તથા તે સંયોગના લક્ષે થતો વિકાર, તે તો અનાદિથી ચાલી રહ્યો
છે, તેમાં કોઈ મોક્ષમાર્ગ નથી. નિશ્ચયસ્વભાવના ભાનપૂર્વક મોક્ષમાર્ગ પ્રગટ કર્યા વગર અનાદિના રૂઢ
વ્યવહારને ઉપચારથી પણ મોક્ષમાર્ગ કહેવાતો નથી. ચૈતન્ય જ્ઞાતાપ્રભુ છે તેના ભાન વગર તો વ્યવહાર
મોક્ષમાર્ગ પણ હોતો નથી. એકલા રાગરૂપ વ્યવહાર તો અજ્ઞાનીને અનાદિનો રૂઢીગત ચાલ્યો આવે છે
તેમાં જે મમત્વ કરે છે (તેને જરાપણ મોક્ષનું સાધન માને છે) તે તો વ્યવહારમૂઢ છે. નિશ્ચય–
સ્વભાવનું જેને ભાન નથી અને વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં જ મોક્ષ માનીને જે અટકયા છે તે પણ
વ્યવહારમૂઢ છે. ધર્માત્મા જ્ઞાની પોતાના શુદ્ધ આત્માના જ આશ્રયે મોક્ષમાર્ગ જાણતા થકા
‘કારણસમયસાર’ને (શુદ્ધ રત્નત્રયરૂપે પરિણમેલા આત્માને) પ્રાપ્ત કરે છે ને તેઓ વ્યવહારમાં મૂર્છાતા
નથી, તેને મોક્ષમાર્ગ માનીને તેમાં અટકતા નથી.
ભાઈ, વિકલ્પમાં કાંઈ પરમ આનંદ કે શાંતિ નથી તે વિકલ્પની પાછળ ચૈતન્યતત્ત્વ છે તે પરમ
આનંદનું ને શાંતિનું ધામ છે...તે ચૈતન્યની સન્મુખ થઈને તેના શ્રદ્ધા–જ્ઞાન ને એકાગ્રતા તે જ મોક્ષમાર્ગ
છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
ભગવાન! તું તો ‘સ...મ...ય...સા...ર’ છો. સર્વે પદાર્થોમાં સારભૂત એવો ઉત્તમ પદાર્થ શુદ્ધ
આત્મા તું જ છો...જ્ઞાન ને આનંદરૂપે તારો આત્મા જ પરિણમે છે, કોઈ બીજું તારા જ્ઞાન કે આનંદરૂપે
પરિણમતું નથી. કોઈ વિકલ્પમાં એવી તાકાત નથી કે જ્ઞાન આનંદરૂપે પરિણમે.
જ્ઞાનાનંદસ્વભાવનું ભાન થયા પછી ધર્માત્માને સાધકદશામાં વ્યવહાર હોય છે. પણ તેમને
નિશ્ચયનું ભાન હોવાથી ‘વ્યવહારમૂઢતા’ હોતી નથી. ને અજ્ઞાનીને તો નિશ્ચયનું ભાન નહિ હોવાથી
વ્યવહારમૂઢતા હોય છે. આ રીતે, આત્માના મોક્ષમાર્ગની ભૂમિકામાં જ્ઞાનીને જે વ્યવહાર હોય તે જુદો, ને
અજ્ઞાનીને જે વ્યવહાર છે તે જુદો; જ્ઞાનીને જે વ્યવહાર છે તે કાંઈ અનાદિરૂઢ નથી, ને તેમાં તે મૂઢ નથી,
અજ્ઞાનીનો નિશ્ચય વગરનો વ્યવહાર તો અનાદિનો રૂઢ છે ને તે રાગાદિ વ્યવહારને જ મોક્ષનું સાધન
માનીને અજ્ઞાની તેમાં મૂઢપણે વર્તે છે. આચાર્યદેવ કહે છે કે જેઓ અનાદિરૂઢ વ્યવહારમાં જ વિમૂઢ છે
અને પ્રૌઢ વિવેકવાળા–ભેદજ્ઞાન કરાવનારા–નિશ્ચયમાં જેઓ આરૂઢ નથી તેઓ પરમાર્થસ્વરૂપ ભગવાન
સમયસારને જાણતા નથી, દેખતા નથી, અનુભવતા નથી; એટલે કે તેઓ મોક્ષમાર્ગમાં આવ્યા નથી.
નિશ્ચય એટલે કે સત્યાર્થ આત્મસ્વરૂપ, તેને જાણવાથી જ અપૂર્વ ભેદજ્ઞાન અને મોક્ષમાર્ગ પ્રગટે
છે. પરંતુ, જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તો જેઓ જાણતા નથી, તેઓ રાગાદિમાં
એકત્વબુદ્ધિથી અનાદિના વ્યવહારમાં જ મૂઢ વર્તે છે તેઓ મોક્ષમાર્ગમાં આવ્યા નથી પણ હજી
(–વ્યવહાર રત્નત્રયનું પાલન કરતા હોય તોપણ) સંસારમાર્ગમાં જ ઊભા છે, તેને સંસારતત્વ જ
જાણવું. જેઓ નિશ્ચયને એટલે કે આત્માના શુદ્ધ પરમાર્થ સ્વરૂપને જાણે છે તેઓ જ

PDF/HTML Page 14 of 25
single page version

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : ૧૩ :
સમયસારને–એટલે કે શુદ્ધ આત્માને જાણતા–દેખતા–અનુભવતા થકા મોક્ષમાર્ગને પામે છે, તેઓ
મોક્ષમાર્ગી છે, ધર્મી છે.
વિકલ્પ તે ચૈતન્યધામની મૂળ ચીજ નથી; ચૈતન્યધામ તે કાંઈ વિકલ્પની ઉત્પત્તિનું સ્થાન નથી,
તે તો આનંદની ઉત્પત્તિનું સ્થાન છે. વિકલ્પનું ઉત્થાન ચૈતન્યધામના આશ્રયે નથી થતું, તે વિકલ્પ
ચૈતન્યની ચીજ નથી, તે ચૈતન્યનું અંગ નથી ને તેના વડે ચૈતન્યતત્ત્વ પમાતું નથી; વિકલ્પની પક્કડ
કરનારો ચૈતન્યતત્વને પકડી શકતો નથી. ચૈતન્યને પકડવાનું સાધન તો નિર્વિકલ્પ એવો શુદ્ધનય છે, તે
ચૈતન્યનું જ અંગ છે. પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય વડે ભેદજ્ઞાન કરીને, ચૈતન્ય અને વિકલ્પને જુદા કરી
નાંખવા,–તેમને જુદા કરીને ચૈતન્યમાં તો એકાગ્ર થવું ને વિકલ્પને છોડી દેવો, તે મોક્ષમાર્ગ સાધવાની
રીત છે.
ઇંદ્રના વૈભવનો ઉપયોગ તે ઈંદ્રે કરી શકતો નથી કેમકે તે તો આત્માથી બહારની ચીજ છે.
જગતનો કોઈ પણ જીવ આત્મા સિવાય બહારની ચીજનો ઉપયોગ કરી શકતો નથી. ઈંદ્રને બહારનો
વૈભવ ઘણો છે માટે તે સુખી છે ને નારકીને વૈભવ નથી માટે દુઃખી છે એમ નથી. બંનેમાંથી કોઈપણ
આત્માને તે બહારની ચીજો સુખનું કે દુઃખનું સાધન નથી. તે ઉપરાંત અહીં તો કહે છે કે જે વિકલ્પ છે
તે પણ આત્માના ચિદાનંદસ્વભાવથી બહારની ચીજ છે. ને તે બહારની ચીજ અંતરમાં ચૈતન્યસુખનું
સાધન થઈ શકતી નથી.
ભાઈ, તારા સુખનું સાધન તો તારા ચૈતન્યમાં છે. તારા મોક્ષમાર્ગની શરૂઆત તારા
ચૈતન્યમાંથી જ થાય છે, બહારથી કે રાગમાંથી તારા મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી. આત્માના
મોક્ષમાર્ગનું સાધન બહારમાં તો નથી, રાગમાં પણ નથી, દ્રવ્યલિંગમાં એટલે કે વ્રત–મહાવ્રતના
વિકલ્પોમાં પણ મોક્ષમાર્ગનું સાધન નથી. મોક્ષમાર્ગનું સાધન એક જ છે કે શુદ્ધનયદ્વારા
પરમાર્થચૈતન્યસ્વરૂપને જાણવું. આ ચિદાનંદી ચૈતન્યતત્વને જાણ્યા વગર કિંચિત્ પણ સુખ–શાંતિ–
સ્વતંત્રતા–ધર્મ કે મોક્ષનું સાધન થાય નહીં. ભગવાન સમયસારનું દર્શન જ્ઞાન અને અનુભવન તો
નિશ્ચય પર આરૂઢ થવાથી જ થાય છે, તેના સિવાય બીજા કોઈ સાધનથી ભગવાન સમયસારનું
દર્શન–જ્ઞાન કે અનુભવન થતું નથી. માટે–
મોક્ષાર્થી જીવોએ અંતરમાં
શુદ્ધનયનાં અત્યંત અભ્યાસવડે ભગવાન
સમયસાર શુદ્ધ–આત્માને જાણવો–શ્રદ્ધવો
ને અનુભવવો. એમ કરવાથી મોક્ષના
ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે.
પૂ. ગુરુદેવનું પ્રવચન પૂરું થતાં જ હર્ષભર્યા જયનાદ ઊઠયા :
ચૈતન્યરસભરપૂર જ્ઞાનસુધાઝરતી ગુરુવાણીનો જય હો.
તૃષાતુરની તૃષા છીપાવનાર અમૃતઝરતી ગુરુવાણીનો જય હો.

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૦૩
રટન...અને...ભાવના...
પૂ. ગુરુદેવ ઘણીવાર અધ્યાત્મરસની મસ્તીપૂર્વક અતિ વૈરાગ્ય ભરેલી હલકથી નીચેના પદ ફરી
ફરીને ગાય છે–
જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ...કેવળી ભાખે એમ...
પ્રગટ અનુભવ આપણો...નિમળ કરો સપ્રેમ...રે...
–ચૈતન્યપ્રભુ! પ્રભુતા તમારી ચૈતન્યધામમાં...
–જિનવરપ્રભુ! પધાર્યા સમોસરણધામમાં...
ગુરુદેવને આ પદ ઘણું પ્રિય છે...ઘણી વખત એકલા એકલા તેઓ આ પદ બોલતા હોય છે ને
તેના ભાવોનું ઊડું રટણ કરતા હોય છે. એકવાર તો બહાર ખુલ્લા મેદાનમાં એકાંતમાં બેઠા બેઠા
બપોરે આ પદની ધૂન જમાવી હતી; તેમાં “કેવળી ભાખે એમ.”...એ પદને સ્થાને નીચે મુજબ પદ
ફેરવી ફેરવીને તેનું રટણ કરતા હતા–
“જિનવર બોલે એમ...” “તીર્થંકર ભાખે એમ”
“સર્વજ્ઞ ભણે છે એમ” “પ્રભુજી બોલે છે એમ”
“ભગવંત ભાખે એમ” “દિવ્યધ્વનિ કહે છે એમ...”
“અરિહંત કહે છે એમ” “મુનિવરો કહે છે એમ...”
–આ પદનું મંથન કરતાં કરતાં ગુરુદેવના હૃદયમાં એક બીજી ભાવના પણ જાગી ઊઠી : એ
ભાવના હતી–મુનિવરોના દર્શનની! ‘અહા! અત્યારે કોઈ મુનિરાજના દર્શન થાય તો કેવું સારું! કોઈ
પરમ દિગંબર સંતમુનિ અત્યારે ઉપરથી નીચે પધારીને દર્શન આપે તો કેવા મહાભાગ્ય! કુંદકુંદભગવાન
જેવા કોઈ મુનિરાજ કયાંકથી આકાશમાર્ગે અહીં આવી ચડે ને તેમના દર્શન થાય–તો કેવું ધનભાગ્ય!!–
આવી ઘણી ઘણી ભાવનાઓ ગુરુદેવના અંતરમાં ઉલ્લસતી હતી.–એ દિવસ હતો–શ્રાવણ સુદ પાંચમ.
તા દિનકી બલિહારી
કવિ : ભૂધરદાસજી રાગ : મલ્હાર
વે મુનિવર કબ મિલિ હૈ ઉપગારી...ાાટેકાા
સાધુ દિગંબર નગન નિરમ્બર, સંવર ભૂષણધારી...વે મુનિ...(૧)
કંચન–કાચ બરાબર જિનકે, જ્યોં રિપુ ત્યોં હિતકારી,
મહલ મસાન, મરન અરૂ જીવન, સમ ગરિમા અરૂ ગારી...વે મુનિ...(૨)
સમ્યક્જ્ઞાન પ્રધાન પવન બલ, તપ પાવક પરજારી,
શોધત જીવ–સુવર્ણ સદા જે, કાય–કારિમા ટાળી...વે મુનિ...(૩)
જોરી જુગલ કર ભૂધર વિનવે, તિન પદ ઢોક હમારી,
ભાગ ઉદય દરસન જબ પાઉં, તા દિનકી બલિહારી...વે મુનિ...(૪)

PDF/HTML Page 16 of 25
single page version

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : ૧પ :
અનંત શક્તિસંપન્ન
ચૈતન્યધામ
તેને ઓળખી, તેનો અચિંત્ય
મહિમા લાવી, તેની સન્મુખ થાઓ
ચૈતન્યમાં બેહદ તાકાત છે, અનંત શક્તિ
સંપન્ન તેનો અચિંત્ય મહિમા છે; તેની શક્તિઓને
ઓળખે તો તેનો મહિમા આવે, ને જેનો મહિમા
આવે તેમાં સન્મુખતા થયા વિના રહે નહીં.–આ રીતે
સ્વસન્મુખતા થતાં અપૂર્વ સુખ–શાંતિ ને ધર્મ થાય
છે. આવી સ્વસન્મુખતા કરાવવા માટે આચાર્ય
ભગવાને ચૈતન્યશક્તિઓનું અદ્ભુત વર્ણન કર્યું છે.
તેના ઉપર પૂ. ગુરુદેવના અધ્યાત્મરસભીનાં
પ્રવચનોનું દોહન અહીં આપવામાં આવ્યું છે. આ ૪૭
શક્તિઓનાં વિસ્તૃત પ્રવચનો “આત્મપ્રસિદ્ધિ”
નામના પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે, જિજ્ઞાસુઓને
તે વાંચવા ભલામણ છે.
(વીર સં. ૨૪૮૬ ના શ્રાવણ વદ ૧૩ થી શરૂ)
* દેહથી આત્મા ભિન્ન જે આ ચૈતન્યતત્ત્વ છે તેના સ્વરૂપની મહત્તા જીવે કદી જાણી નથી;
પોતાની મહત્તાને ભૂલીને, નિજશક્તિને ભૂલીને વિકારમાં અને પરમાં પોતાનું કર્તવ્ય માની રહ્યો છે, તે
ઊંધીદ્રષ્ટિ જ દુઃખની ખાણ છે. આત્માનું વાસ્તવિકસ્વરૂપ સમજે તો તે છૂટે; તે માટે આચાર્યદેવ તેની
ઓળખાણ કરાવે છે.
* ભાઈ, પર ચીજોના કાર્યમાં તારો અધિકાર નથી, અને તારા કાર્યમાં પરચીજનો કાંઈ
અધિકાર નથી. તે ઉપરાંત તારા પોતામાં પણ જે શુભાશુભવિકલ્પોનું ઉત્થાન થાય તેમાં પણ તારું સુખ
નથી, તે પણ તારું ખરું કર્તવ્ય નથી, તારો ચિદાનંદસ્વભાવ તેનાથી જુદો છે.
* એ રીતે પરથી જુદો ને વિકારથી પણ જુદો

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૦૩
એવો તારો આત્મા છે,તેની સ્વભાવશક્તિઓ કેવી છે અને તેનું વાસ્તવિક કર્તવ્ય શું છે તેની આ વાત
છે. અનંતશક્તિઓ તારા ચૈતન્યધામમાં ભરી છે.–પણ તેને ભૂલીને તું દુઃખી થઈ રહ્યો છે.
આત્મસિદ્ધિની શરૂઆતમાં જ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે
જે સ્વરૂપ સમજ્યા વિના...પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
જુઓ, કેમ દુઃખ પામ્યો?–કે સ્વરૂપને ન સમજ્યો તેથી; દુઃખનું બીજું કોઈ કારણ નથી. પૈસા
વિના દુઃખ પામ્યો એમ ન કહ્યું, સ્ત્રી વિના દુઃખ પામ્યો એમ ન કહ્યું, પુણ્ય વિના દુઃખ પામ્યો એમ પણ
ન કહ્યું, સ્વરૂપ સમજ્યા વિના જ દુઃખ પામ્યો. તે દુઃખ કેમ ટળે! કે સ્વરૂપ સમજે તો. આત્માનું
વાસ્તવિક સ્વરૂપ શું છે તે સમજવા માટેની આ વાત છે.
* અરે પ્રભુ! તારી મોટપ તારા ચિદાનંદસ્વભાવથી જ છે, રાગથી તારી મોટપ નથી. દેહાદિ
સંયોગથી તારી મોટપ નથી, લાખો–કરોડોની મિલકતથી તારી મોટપ નથી; પરમ મહિમાવંત એવો જે
વિશુદ્ધજ્ઞાનસ્વભાવ તેનાથી જ તારી મોટપ છે. આવા સ્વભાવને જ્ઞાનલક્ષણવડે અંતરમાં પકડતાં
જ્ઞાનની નિર્મળપરિણતિ થાય છે, તે નિર્મળ જ્ઞાનપરિણતિમાં આનંદ, શ્રદ્ધા વગેરે અનંત શક્તિઓ પણ
ભેગી જ પરિણમે છે. આવા જ્ઞાનસ્વભાવને જાણ્યા વગર જીવ બીજું બધું અનંતવાર કરી ચુકયો પણ
તેનાથી લેશમાત્ર સુખ પામ્યો નહિ.–
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.
મિથ્યાદ્રષ્ટિ માટેનું ઊંચામાં ઊંચું સ્થાન દેવલોકમાં નવમી ગ્રેવેયક છે; અજ્ઞાન સહિત વ્રત–તપ
કરીને અનંતવાર નવમી ગ્રૈવેયક સુધી જીવ ગયો પરંતુ આત્મજ્ઞાન વગર ત્યાં પણ તે કિંચિત્ સુખ ન
પામ્યો. અનંત શક્તિસંપન્ન ચૈતન્યસ્વભાવને ક્ષણિક રાગની વૃત્તિમાં વહેંચી દીધો, ને રાગનો આદર
કરીને સંસારમાં જ રખડયો.
* અંતરમુખ સ્વભાવને ઓળખીને તેનો મહિમા આવે તો તેની સન્મુખ થવાનો પ્રયત્ન ઉપડે.
પણ જ્યાં બહારનો જ મહિમા વર્તતો હોય કે રાગનો મહિમા વર્તતો હોય ત્યાં સ્વસન્મુખતાનો પ્રયત્ન
કેમ ઉપડે? જ્યાં મહિમા ભાસે ત્યાંથી કેમ ખસે? ચૈતન્યમાં બેહદ તાકાત છે, અનંતશક્તિસંપન્ન તેનો
અચિંત્ય મહિમા છે, તેની શક્તિઓને ઓળખે તો તેનો મહિમા આવે, ને જેનો મહિમા આવે તેમાં
સન્મુખતા થયા વિના રહે નહિ; આ રીતે સ્વસન્મુખ થતાં અપૂર્વ સુખ–શાંતિને ધર્મ થાય છે. આવી
સ્વસન્મુખતા કરાવવા માટે અહીં આચાર્યભગવાન ચૈતન્યની શક્તિઓનુંં વર્ણન કરે છે;
* પહેલી જીવત્વ શક્તિ છે. શરૂઆતમાં બીજી ગાથામાં જીવનું વર્ણન કર્યું હતું. સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રમાં સ્થિત એવો જીવ તે સ્વસમય છે, ને એ જ જીવનું ખરું જીવત્વ છે. અહીં ચૈતન્ય ભાવ
પ્રાણરૂપ જીવત્વ કહીને જીવત્વશક્તિ ઓળખાવે છે.
* ભાઈ, તું આત્મદ્રવ્ય છો...તું સદાય ચૈતન્યપ્રાણને ધારણ કરનાર છો. તે ચૈતન્યપ્રાણથી જ
તારું જીવત્વ છે. આ દેહના સંયોગથી તારું જીવત્વ નથી, દસ પ્રકારના પ્રાણવડે પણ તારું જીવત્વ નથી,
તેના વગર પણ તારું જીવત્વ ટકી રહે છે. દેહ વિના, આયુ વગેરે પ્રાણ વિના અને રાગ વિના પણ તારું
જીવત્વ ટકી રહે–એવી તારી અચિંત્ય જીવત્વશક્તિ છે. જીવત્વશક્તિ એવી છે કે સદાય ચૈતન્યભાવને
ધારણ કરે છે. ચૈતન્યભાવપ્રાણ કદી કોઈથી હણી શકાતા નથી. આવા ચૈતન્યપ્રાણરૂપ જીવત્વને જેણે
ઓળખ્યું તેણે ખરૂં જીવતર જીવ્યું...તેણે અંતરમાં પોતાના નિધાન પ્રાપ્ત કર્યા
* અહા, સંતોએ ચૈતન્યનિધાન ખુલ્લાં કર્યા છે, હવે કયાં ભવ્ય જીવ આવા ચૈતન્યનિધાનને ન
લ્યે? બાહ્ય નિધાનોને તરણાં જેવા તૂચ્છ સમજીને તેને

PDF/HTML Page 18 of 25
single page version

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : ૧૭ :
છોડીને આવા ચૈતન્યનિધાનને કોણ અંગીકાર ન કરે? ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં
પદ્મનંદીમુનિરાજ કહે છે કે અહા નાથ! કેવળજ્ઞાન પામીને દિવ્યધ્વનિવડે આપે ચૈતન્યનાં નિધાન
ખુલ્લાં કરીને અમને બતાવ્યા, જગત પાસે આપે ચૈતન્યનિધાન ખુલ્લાં મુકયા.–તો હવે કયો બુદ્ધિમાન
ભવ્યાત્મા છે કે જે રાજ્ય વગેરે વૈભવને તૂચ્છ તરણાં જેવા સમજીને ન છોડે? એવો કોણ છે કે જે
આવા ચૈતન્યનિધાનને છોડીને બાહ્યવૈભવનો આદર કરે? બાહ્યવૈભવ છોડીને આવા અચિંત્ય
ચૈતન્યનિધાનને કોણ અંગીકાર ન કરે? પ્રભો! આપે બતાવેલા ચૈતન્યનિધાનને ઓળખતાં તેમાં
સન્મુખતા થાય છે, ચૈતન્યનિધાનની મહત્તા પાસે જગત આખાનો વૈભવ તૂચ્છ ભાસે છે.
* જેને સ્વતંત્ર થવું હોય, સુખી થવું હોય તેણે સુખના ધામ એવા આત્મતત્ત્વને જાણવું જોઈએ.
આત્મા પોતે જ સુખનું ધામ છે કેમકે તેનામાં સુખશક્તિ છે. સુખ વગેરે અનંતશક્તિનો ધરનાર આત્મા
છે, તેની શક્તિઓનું આ વર્ણન છે.
* દસપ્રાણથી જીવવું તે વ્યવહાર જીવત્વ છે, તે ખરેખર આત્માનો સ્વભાવ નથી, વ્યવહાર
જીવત્વ જેટલો આત્મા નથી. આત્મા તો ચૈતન્યપ્રાણથી ત્રિકાળ જીવનાર છે, તે જ તેનું ખરૂં જીવત્વ છે.
રાગથી આત્માને લાભ માનવો તે તો આત્માને રાગમય માનીને તેના ચૈતન્યજીવનને હણવા જેવું છે.
અને, ચૈતન્યસ્વભાવરૂપ જીવત્વને જે જાણે છે તે ધર્માત્મા ચૈતન્યમય જીવન જીવે છે ને રાગને હણી
નાંખે છે. આવું જીવન તે જ સાચું જીવન છે. નેમિનાથ પ્રભુની સ્તુતિમાં કહે છે કે
તારું જીવન ખરું તારું જીવન...
જીવી જાણ્યું નેમનાથે જીવન...
–કેવું જીવન? ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને જ્ઞાન–આનંદમય વીતરાગી જીવન; એ જ ખરું
જીવન છે ને તે જ પ્રશંસનીય છે. ભગવંતો એવું જીવન જીવે છે; ને દરેક આત્મામાં એવા જીવત્વની
શક્તિ છે. (ચાલુ)
તારાથી થઈ શકે તેવી આ વાત છે
જ્ઞાનીઓ કહે છે કે આત્માની સમજણ કરો...ત્યાં
એમ ન જાણો કે, અરે! હજી તો હું બાળક છું, અમે તો
મંદબુદ્ધિ છીએ, અમે તો વૃદ્ધ થઈ ગયા, અમે તો હજી
જુવાન છીએ, અમારા માથે ઘણાં કામનો બોજો છે–તેથી
અત્યારે આત્માની સમજણ કયાંથી થાય?–ભાઈ રે! બધા
આત્મા સ્વભાવે સરખાં છે, કોઈ આત્મા નાનો કે મોટો
નથી, અને પરનાં કામનો બોજો કોઈ આત્મા ઉપર છે જ
નહિ. કેમકે આત્મા પરનાં કામ કરી જ શકતો નથી;
આત્માની સમજણ કરવી એ જ સૌએ કરવા જેવું મુખ્ય
કામ છે, ને જીવ જ્યારે કરવા માંગે ત્યારે થઈ શકે એવું
એ કામ છે. માટે “અમારાથી આ ન થઈ શકે” એવી બુદ્ધિ
છોડીને, અંદરથી આત્માની સમજણનો જિજ્ઞાસુ થઈને
તેનો પ્રયત્ન કર,–જેથી જન્મમરણના દુઃખસમુદ્રમાંથી તારો
ઉદ્ધાર થાય...
–પોરબંદરના પ્રવચનમાંથી

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૦૩
એક ઉપયોગી ચિઠ્ઠી
અમદાવાદના શ્રીમંત શેઠશ્રી મણિલાલ જેસંગભાઈને પૂ.
ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ છે. થોડા વખત અગાઉ જ્યારે તેમના
એક પૌત્ર અમેરિકામાં મોટર અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને તે
કારણે તેમનું મન વિશેષ ઉદ્વિગ્ન રહ્યા કરતું હતું ત્યારે તેમણે પૂ.
ગુરુદેવ પાસે કાંઈક આશ્વાસનવચનો લખી આપવાની માંગણી
કરી. તે વખતે ગુરુદેવે પોતાના હસ્તાક્ષરે એક ચિઠ્ઠી લખી
આપી હતી...વૈરાગ્યભરેલી ગુરુદેવની આ આશ્વાસન–ચિઠ્ઠી
બધા જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવી
છે–
સહજાનંદ આત્માનું સ્મરણ કરવું.
કોઈ પદાર્થ કોઈ પદાર્થનો કર્તા–ભોક્તા થઈ શકતો નથી.
સંયોગની ગોદમાં વિયોગ પડયો છે. માતાએ પુત્રને ગોદમાં લેવા પહેલાં પુત્ર અનિત્યતાની
ગોદમાં પડેલો જ છે. માટે–
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી,
આરાધ્ય આરાધ્ય! પ્રભાવ આણી.
અનાથ એકાંત સનાથ થાશે,
એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
ઉપરોક્ત ચિઠ્ઠી લખી આપ્યા બાદ, કેટલાક વખત પછી ફરીને પણ મણિલાલભાઈ તરફથી
આશ્વાસન માટેના બે શબ્દોની માંગણી આવતાં ગુરુદેવે નીચે મુજબ કહ્યું હતું–
‘સહજ આત્મઆશ્રય તે સુખરૂપ છે.
તેની આરાધના કરવી”
અહા, દુઃખમય સંસારના શોકસાગરમાં ડુબેલા જીવોને ઉદ્વેગથી છોડાવીને, ધર્માત્માનાં વચનો
શાંત–વૈરાગ્યરસનું કેવું મધુર સીંચન કરે છે. અને તેને આરાધનાનો કેવો ઉત્સાહ જગાડે છે! તે આ
વચનામૃતનું મનન કરતાં જણાઈ આવે છે. ખરૂં જ છે કે–
વચનામૃત વીતરાગનાં...
પરમ શાંત રસમૂળ”
યથાર્થ વસ્તુસ્થિતિનું અવલંબન તે જ ખરા આશ્વાસનનો અને શાંતિનો ઉપાય છે. સંસારના
કોઈ પણ પ્રસંગે જિજ્ઞાસુ–આત્માર્થી જીવે વસ્તુસ્થિતિનું સ્વરૂપ વિચારીને તેનું અવલંબન લેવું–એ કર્તવ્ય
છે. એ જ વાત ગુરુદેવે ઉપરની ચિઠ્ઠીમાં બતાવી છે.

PDF/HTML Page 20 of 25
single page version

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : ૧૯ :
શક્તિના
ભાનપૂર્વકની
ભક્તિ
પદ્મનંદિપચ્ચીસીના ઋષભજિનસ્તોત્ર
ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
વીર સં. ૨૪૮૬ શ્રાવણ વદ ૧૨
ભગવાનની ભક્તિ કરતાં પ્રમોદથી સાધક કહે છે
કે અહા નાથ! આપને મારા ઉપર વાત્સલ્ય છે; મારા
ઉપર આપને એવું વાત્સલ્ય છે કે આપ મારી મુક્તિને
આપના જ્ઞાનમાં દેખી રહ્યા છો. હે ભગવાન! અમે
આપના પુત્ર છીએ. અનંતગુણના નિધાન આપે ખુલ્લા
કર્યા છે...આપને ઓળખતાં અમને અનંત ગુણનો નિધાન
આત્મા દેખાણો.. એટલે આપના પ્રસાદથી જ અમને
નિજધામની પ્રાપ્તિ થઈ.
આ ઋષભદેવ ભગવાનની સ્તુતિ છે. આત્મામાં અનંત શક્તિ છે તે વ્યક્ત કરીને જે પરમાત્મા
થયા–તેમની ભક્તિનું આ વર્ણન છે.
શાસ્ત્રમાં તો કહે છે કે સર્વજ્ઞ ભગવાનની કૃપાનું ફળ મોક્ષ છે.–કઈ રીતે? ભગવાન સર્વજ્ઞ
પરમાત્માને ઓળખતાં અંતરમાં પોતાના ચૈતન્યનિધાનની પણ ઓળખાણ થઈ, એટલે સર્વજ્ઞ
પરમાત્મા પ્રત્યેની ભક્તિથી ધર્માત્મા કહે છે કે હે નાથ! અમારા ઉપર આપની કૃપા થઈ, આપની
કૃપાના પ્રસાદથી અમને ચૈતન્યનિધાન મળ્‌યાં, આપના પ્રસાદથી જ અમે ધર્મ અને મોક્ષમાર્ગ પામ્યા. હે
નાથ! અમારા જેેવા પ્રાણીઓ ઉપર આપ પરમ વત્સલતાના ધારક છો.–આ રીતે ધર્માત્માને નિજ
શક્તિની ઓળખાણપૂર્વક ભગવાનની ભક્તિ હોય છે. આમ “શક્તિ” અને “ભક્તિ”ની સંધિ છે.
આપણે પણ સવારે ૪૭ શક્તિ અને બપોરે આ ઋષભદેવની ભક્તિ–એમ બરાબર મેળ છે.
ચૈતન્યશક્તિનું જેને ભાન થાય તેને સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ભક્તિ આવ્યા વિના રહે નહિ. શ્રી
પદ્મપ્રભમલધારીદેવ નિયમસારમાં કહે છે કે, ભવભયને હરનારા એવા ભગવાન પ્રત્યે જેને ભક્તિ
નથી તે ભવસમુદ્રની મધ્યમાં