Atmadharma magazine - Ank 204a
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 5
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૨૦૪A
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 5
single page version

background image
આત્મધર્મના અંકનો ખાસ વધારો
શ્રી જિનવાણીદાતાર ગુરુદેવાય નમ:
પરમ આનંદના પિપાસુ
જીવને સંતો ચૈતન્યનો–
અધ્યાત્મરસ પીવડાવે છે.
આસો સુદ પૂર્ણિમા: આજે જિજ્ઞાસુઓને માટે
આનંદનો સોનેરી દિવસ છે...ગુરુદેવના મંગલમય
પ્રવચનોની શ્રુતધારા આજે શરૂ થાય છે...આ પ્રવચનો
દ્વારા ગુરુદેવ પિપાસુ જીવોને આનંદમય અધ્યાત્મરસનું
પાન કરાવીને તેઓની તૃષા મટાડે છે...અંતરમાં
જયનાદપૂર્વક શ્રોતાજનો અધ્યાત્મરસને ઝીલીને તૃપ્ત
થાય છે...ભારતના હજારો જિજ્ઞાસુઓનાં હૈયાં જેની રાહ
જોઈ રહ્યા હતા તે અધ્યાત્મરસનાં ઝરણાં ગુરુદેવે
વહેવડાવવા શરૂ કર્યા છે. “આત્મધર્મ” ના આ ખાસ
વધારાદ્વારા જિજ્ઞાસુઓને તેની પ્રસાદીનું રસપાન કરતાં
જરૂર આનંદ થશે આ મંગલ પ્રસંગે ગુરુદેવને અતિશય
ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. જય હો.....ભવછેદક
ગુરુ–વાણીનો!

PDF/HTML Page 3 of 5
single page version

background image
: ૨ : આત્મધર્મ: ૨૦૪
આ પ્રવચનસારની ૭૨મી ગાથા છે. આ પ્રવચનસારના કર્તા ભગવાન
કુંદકુંદાચાર્યદેવ છે, તેમના સંબંધમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે તેમને ભવસમુદ્રનો
કિનારો અત્યંત નજીક આવી ગયો છે, અલ્પકાળમાં તેઓ ભવને છેદીને મોક્ષ પામવાના
છે.–આવા ભવછેદક પુરુષની વાણી છે, તે વાણી પણ ભવછેદક છે. ભવનો છેદ કરવાનો
ઉપાય આ વાણી બતાવે છે.
જ્ઞાનાનંદસ્વભાવને નમસ્કાર કરીને, તથા અનેકાન્તમય વાણીને નમસ્કાર કરીને
પ્રવચનસારની શરૂઆત કરતાં આચાર્યદેવ કહે છે કે પરમાનંદરૂપી સુધારસના પિપાસુ
ભવ્યજીવોને માટે આ પ્રવચનસારની ટીકા રચાય છે. જેને ચૈતન્યના પરમઆનંદની જ
પિપાસા છે, જગતની બીજી કોઈ લપ જેનાં અંતરમાં નથી, અરે! અમારા ચૈતન્યનું
અમૃત અમારા અંતરમાં જ છે–એમ જેની જિજ્ઞાસાનો દોર આત્મા તરફ વળ્‌યો છે, એવા
ભવ્યજીવોના આનંદ માટે–હિતને માટે આ ટીકા રચવામાં આવે છે. જુઓ, આ શ્રોતાની
જવાબદારી બતાવી; શ્રોતા કેવો છે? કે ચૈતન્યના પરમાનંદરૂપી અમૃતનો જ પિપાસુ છે,
એ સિવાય સંસારની કોઈ ચીજનો, માનનો, લક્ષ્મીનો, પુણ્યનો, કે રાગાદિનો પિપાસુ જે
નથી, આવા જિજ્ઞાસુશ્રોતાને માટે આ “તત્ત્વપ્રદીપિકા” રચાય છે. તરતા પુરુષની આ
વાણી ભવછેદક છે.
કામ એક આત્માર્થનું,
બીજો નહિ મન રોગ.
જેના અંતરમાં એક આત્માર્થ સાધવા સિવાય બીજી કોઈ તમન્ના નથી, આત્માને
સાધવાની જ તમન્ના છે, એવા આત્માર્થી જીવોને માટે આચાર્યભગવાન આ શાસ્ત્ર રચે
છે. આ શાસ્ત્રદ્વારા આચાર્યદેવ પરમાનંદના પિપાસુ ભવ્યજીવને યથાર્થ તત્ત્વોનુ સ્વરૂપ
સમજાવે છે, –જ્ઞાન અને જ્ઞેય તત્ત્વોનું યથાર્થસ્વરૂપ સમજતાં ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટે છે
ને જીવ પરમ આનંદને પામે છે.
આટલા ઉપોદ્ઘાત પછી હવે મૂળ અધિકાર શરૂ થાય છે.
(જેઠ સુદ ૧૪ના રોજ પ્રવચનસાર ગા. ૭૧ સુધી વંચાયેલ, ત્યારબાદ આજે
આસો સુદ ૧પના રોજ પ્રવચનસાર ગા. ૭૨થી શરૂ થાય છે.)
જગતના છ દ્રવ્યોમાં આ આત્મા જ્ઞાનતત્ત્વ છે, વિશુધ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી
આત્મા છે તેના સ્વભાવમાં જ વાસ્તવિક સુખ છે; એ સિવાય શુભ કે અશુભ
પરિણામમાં વાસ્તવિક સુખ નથી. પરમાનંદરૂપ જે જ્ઞાનતત્ત્વ છે તેમાં શુભ કે અશુભ

PDF/HTML Page 4 of 5
single page version

background image
આસો: ૨૪૮૬ : ૩ :
પરિણામનો અભાવ છે–પછી અજ્ઞાનીના શુભ હો કે જ્ઞાનીના હો,–પણ તે શુભ
પરિણામમાં કિંચિત્ સુખ કે મોક્ષમાર્ગ નથી. ચોથા ગુણસ્થાનથી મોક્ષમાર્ગની શરૂઆત
થઈ હોવા છતાં જે શુભોપયોગ છે તે કંઈ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ રાગ વગરની જે
શુદ્ધતા પ્રગટી તેમાં જ છે. એ સિવાય અશુભ કે શુભ (સમ્યદ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ) તે
બંનેમાં દુઃખનું સાધનપણું સમાનપણે છે, જેમ પાપને ઉત્પન્ન કરનાર અશુભ ઉપયોગ તે
દુઃખનું જ કારણ તેમ પુણ્યને ઉત્પન્ન કરનાર શુભઉપયોગ પણ તે અશુભોપયોગની
માફક જ દુઃખનું સાધન છે.–એમ ૭૨મી ગાથામાં સમજાવે છે.
કોને સમજાવે છે?–કે જે જીવ ચૈતન્યના પરમ આનંદનો પિપાસુ છે તેને સમજાવે છે–
તિર્યંચ–નારક–સુર–નરો જો દેહગત દુઃખ અનુભવે
તો જીવનો ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે? ૭૨.
આચાર્યદેવ કહે છે કે, અરે જીવ! તું વિચાર તો ખરો કે, જો શુભ અને અશુભ
બંનેમાં જોડાયેલા જીવો દુઃખ જ પામે છે, તો તે બંનેમાં શો ફેર છે?–બંનેમાં સુખનો
અભાવ છે, બંને આત્માના શુદ્ધોપયોગથી વિલક્ષણ છે, બંને અશુદ્ધ છે, સ્વાભાવિક સુખ
તો શુદ્ધોપયોગમાં જ છે. જેને રાગમાં–પુણ્યમાં–શુભમાં સુખ લાગતું હોય તે જીવ ખરેખર
પરમાનંદનો પિપાસુ નથી. સમ્યગ્દર્શનમાં પ્રાપ્ત થતું જે પરમસુખ તેની તેને ખબર નથી.
શુભના ફળરૂપ જે પુણ્ય–તેમાં ઝંપલાવીને જેઓ પોતાને સુખી માને છે તેવા જીવોને
ચૈતન્યના પરમાનંદની ખબર નથી, ચૈતન્યના પરમાનંદને ભૂલીને કાયરતાથી તેઓ
ઈંદ્રિયવિષયોમાં ઝંપાપાત કરે છે, તેઓ દુઃખમાં જ પડ્યા છે. નરકનો નારકી કે સ્વર્ગનો
દેવ–એ બંને જીવો ઈન્દ્રિયવિષયોથી જ દુઃખી છે.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો,
એનો વિચાર નહિ અહોહો, એક પળ તમને હવો!
અરે જીવ! લક્ષ્મી વગેરે વધતાં તેમાં આત્માને શું વધ્યું? તેમાં આત્માને શું સુખ
મળ્‌યું?–એનાથી આત્માની કાંઈ અધિકતા નથી. આત્માની અધિકતા

PDF/HTML Page 5 of 5
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૦૪
તો જ્ઞાનસ્વભાવથી જ છે. જ્ઞાનસ્વભાવવડે અધિક એવા આત્માને જાણ તો તારો
ભવનો છેદ થાય. ભાઈ, આવો મનુષ્ય અવતાર મળ્‌યો તેમાં જો તેં ભવના છેદનો ઉપાય
ન કર્યો તો તેં શું કર્યું? આ ભવ, ભવના છેદ માટે જ મળેલો છે. ચાર ગતિના ભવનો
અભાવ કરવા માટે જ આ અવતાર છે; પરમ આનંદની પ્રાપ્તિનો પિપાસુ થઈને તું
ભવછેદનો ઉપાય કર.
જ્ઞાની, અથવા તો પરમાનંદનો પિપાસુ જીવ એમ જાણે છે કે મારા વિશુદ્ધ
ચૈતન્ય સ્વભાવમાં શુભ કે અશુભ નથી, મારા અતીન્દ્રિય આનંદ સ્વભાવમાં
ઈંદ્રિયવિષયનો અભાવ છે.–આમ જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જેણે દ્રવ્યેન્દ્રિયો
ભાવેન્દ્રિયો તથા તે ઈંદ્રિયના વિષયો–એ બધાથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને
અનુભવ્યો તે જીવ જીતેન્દ્રિય છે, તે જિનેન્દ્રદેવનો ખરો ભક્ત છે, તે જીવ આત્માના
પરમ આનંદને અનુભવનાર છે.
અમૃતઝરણી.....
શાંતિદાતારી.......
ભવ તારણહારી......
ગુરુદેવની મંગલ વાણીનો
(આ મંગલ–પ્રવચન પછી પૂ. બેનશ્રીબેને
હર્ષોલ્લાસપૂર્વક ભક્તિ કરાવી હતી.)
આત્મધર્મના ગ્રાહક બનો
લવાજમ તુરત મોકલાવો