Atmadharma magazine - Ank 021
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૨૧
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
ધર્મનું મૂળ દર્શન છે.
વર્ષ : ૨ : સંપાદક : જેઠ
અંક : ૯ રામજી માણેકચંદ દોશી ૨૦૦૧
વકીલ
સમ્યગ્દ્રષ્ટિનું અંતર પરિણમન
ચિન્મૂરત દિગ્ધારીકી મોહિ, રીતિ લગત હૈ અટાપટી... ચિન્મૂ.
બાહિર નારકિકૃત દુઃખ ભોગે, અંતર સુખરસ ગટાગટી
રમત અનેક સુરનિ સંગપૈતિસ, પરનતિતૈં નિત હટાહટી... ચિન્મૂ. ૧
જ્ઞાન વિરાગ શક્તિ તૈં વિધિફલ, ભોગતપૈ વિધિ ઘટાઘટી
સદન નિવાસી તદપિ ઉદાસી, તાતૈં આસ્રવ છટાછટી... ચિન્મૂ. ૨
જે ભવહેતુ અબુધકે તે તસ, કરત બન્ધકી ઝટાઝટી
નારક પશુ તિય ષટ વિકલત્રય, પ્રકૃતિનકી હ્વૈ કટાકટી... ચિન્મૂ. ૩
સંયમ ધર ન સકૈ પૈ સંયમ, –ધારનકી ઉર ચટાચટી
તાસુ સુયશ ગુનકી દૌલત કો, લગો રહે નિત્ત રટારટી... ચિન્મૂ. ૪
[તા. ૪ તથા પ ના રોજ શ્રીમંત શેઠ સર હુકમીચંદજીએ ગાયેલું સ્તવન]
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
આત્મધર્મ કાર્યાલય (સુવર્ણપુરી) સોનગઢ કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
: : : પહેલાં નક્કી કર કે તારે કરવું છે શું? : : :
આત્મહિત કે કજીયા!
૧– ‘ઊંહું’ તારું ક્યાંથી
ઉપડ્યું તે જો... અર્થાત્ ‘જ્ઞાન સ્વરૂપ
આત્માનો નકાર કયા જ્ઞાનમાંથી
ઉપડ્યો તે તપાસ કર. જે જ્ઞાન,
જ્ઞાનસ્વરૂપ આત્માનો નકાર કરે છે
તે જ્ઞાન પોતે જ જ્ઞાનસ્વરૂપી આત્મા
છે... માટે તું તારા જ્ઞાનસ્વરૂપની હા
પાડ અને ‘ઊંહું’ તારું છોડી દે...
[કલશ ૩૪]
૨–જ્ઞાયક સ્વરૂપનો સાચો
નિર્ણય થઈ ગયો કે–પુણ્ય–પાપ મારૂં
સ્વરૂપ નથી, હું તો જ્ઞાયક છું, આ
નિર્ણય થતાં પુરુષાર્થ સમ્યક્રૂપે
પરિણમી જાય છે અને પુરુષાર્થ દ્વારા
ક્રમેક્રમે જ્ઞાયક સ્વરૂપની દ્રઢતા થતાં
પુણ્ય–પાપનો અભાવ થઈ જાય છે,
અને જ્ઞાયકસ્વરૂપની પૂર્ણતા પ્રગટી
જાય છે... [કલશ–૩૪]
તીવ્ર રાગ કે મંદરાગ એ કોઈ,
આત્માનો સ્વભાવ નથી; આત્માનો
સ્વભાવ તો તીવ્રરાગ કે મંદરાગ
બન્નેથી પાર વીતરાગ સ્વરૂપ જ્ઞાયક છે.
૩–નજીક કે દૂર રહેલ પરવસ્તુ
કે પરભાવો માત્ર તારે જ્ઞાન કરવા માટે
છે. પુણ્ય–પાપના ભાવ પણ ક્ષણ પુરતા
સંયોગરૂપે છે, તેનો પણ તું જાણનાર જ
છો; અને તારા જ્ઞાયક સ્વરૂપનો જ તું
ભોગવનાર છો, ક્ષણિક પુણ્ય–પાપ થાય
તેને તારા જ્ઞાયકસ્વભાવ વડે જાણી
લેજે અને તારા જ્ઞાયક સ્વરૂપમાં દ્રઢ
રહેજે. [કલશ–૩૪]
૪–રાગ–દ્વેષ ક્ષણિક છે,
આત્માના ત્રિકાળી સ્વરૂપમાં તે નથી,
રાગદ્વેષથી તારૂં ત્રિકાળી સ્વરૂપ
દબાઈ જતું નથી માટે રાગ–દ્વેષ થાય
છતાં તે વખતે પણ તારા જ્ઞાયક
સ્વરૂપમાં શંકા લાવીશ નહિ. રાગ–
દ્વેષને પણ સ્વરૂપના જોરે જાણી લેજે.
[ગાથા–૪પ]
પ–એકલું આત્મદ્રવ્ય સંસારનું
કારણ છે જ નહિ; આત્મદ્રવ્યમાં
એકપણ ભવ કે ભવનો ભાવ
નથી–એવી ભેદજ્ઞાન શક્તિનો
વિકાસ તે જ મુક્તિનું કારણ છે.
જેના જ્ઞાનમાં આત્માનો સ્વીકાર
થયો તેને ભવની અને સંસારની
શંકા ઊડી જ ગઈ. ત્રિકાળી
સ્વભાવની દ્રષ્ટિ કર તો ભવનો
અંત આવે. [ગાથા–૭૨]
૬–પહેલાંં નક્કી કર કે તારે
આત્મહિત કરવું છે કે કજીયા જ
કરવા છે? જો તારે કજીયા કરવા
હોય તો અહીં તે વાત નથી. અને
જો તારે આત્મહિત કરવું હોય તો
તારી બધી પૂર્વની માન્યતા છોડીને
જ્ઞાનીઓ કહે છે તે રીતે તારા
આત્મસ્વરૂપને માનીને તેમાંજ
નિશ્ચળ થા અને તેની જ નિઃશંક
શ્રદ્ધા કર. આમ કરવાથી જ તારું
આત્મહિત થશે અને અલ્પ કાળમાં
જ તારી મુક્તિ થશે.
[કલશ–૩૪]
૭–શુદ્ધ જ્ઞાયક સ્વરૂપની
રમણતારૂપ અખંડ ચારિત્ર
જવાલાની હોળીમાં હિંસા કે દયા–
ભક્તિના સમસ્ત વિભાવભાવરૂપી
લાકડાં સળગી જવાનાં છે. માટે એ
વિભાવભાવમાં આત્માની શોભા
માનવી રહેવા દે!
[ગાથા–૯૧]
૮–અરે! આત્મા! રાગને
તારો માની રહ્યો છો તેમાં આખા
જ્ઞાયક સ્વભાવના ખૂનનું કલંક
આવે છે! તું તારા જ્ઞાન સ્વભાવની
શુદ્ધિને જો; આ રાગભાવ તો ઉપાધિ
છે–કલંક છે. અનંત–અનંત જ્ઞેયો છે
તેનો મહિમા નથી, પણ તે અનંત
અનંત જ્ઞેયોને વિકલ્પ રહિત, શંકા
રહિત જાણનાર જ્ઞાન સ્વભાવનો
મહિમા છે. [ગાથા–૯૧]
૯–પર વસ્તુઓ અનંતી
હોવાથી, જેણે પરનો કર્તા પોતાને
માન્યો તેનું અનંત વીર્ય પર
લક્ષમાં રોકાઈ ગયું, અને તેણે
અનંતા પર પદાર્થના કર્તૃત્વનો
અહંકાર કર્યો તેથી તે અનંત
સંસારમાં રખડશે; અને જેણે
પરથી ભિન્ન પોતાનું જ્ઞાયક સ્વરૂપ
જાણીને પરનું કર્તૃત્વ ઊડાડી દીધું
તેનું અનંત વીર્ય પર તરફથી
ખેંચાઈને સ્વ તરફ ઢળ્‌યું એટલે
સ્વની અનંત દ્રઢતા થઈ; સ્વની
અનંત દ્રઢતા થતાં અલ્પકાળમાં જ
તેની મુક્તિ છે.
[કલશ–પપ]
ભગવાન કહે છે કે વિચાર
કર! વિચાર કર! અનાદિ
સંસારમાં રખડતાં એકેન્દ્રિયાદિ
પર્યાયમાં તેં કેવા કેવા દુઃખો સહન
કર્યા તેની તને ખબર નથી, પણ
અમે જાણીએ છીએ; ભાઈ! એ
દુઃખો કહ્યાં જાય તેમ નથી. હવે
મનુષ્ય થયો છો તો ધ્યાન
રાખજે–સ્વરૂપ સમજી લેજે. આ
અપૂર્વ અવસર ન ચૂકીશ. જો
સ્વરૂપની દરકાર ન કરી તો તારા
દુઃખોનો અંત નથી. નિગોદથી
ઊંચે ચડયો છો તો હવે તારા સિદ્ધ
સ્વરૂપનો સત્ત્વર આધાર લઈ લે,
જો સ્વરૂપનો આધાર ન લીધો તો
પાછો હેઠો પડીને જઈશ
નિગોદમાં! અને જો સ્વરૂપનો
આશ્રય લઈશ તો અનંત–અક્ષય
સુખની પ્રાપ્તિ થશે–આવી
ભગવાનની ભલામણ છે; ચેત,
ચેત, પ્રભુ ચેત! આત્માનો
સ્વભાવ પૂર્ણ જાણવા–દેખવાનો
છે, પૂર્ણ જાણવું–દેખવું હોય ત્યાં
પૂર્ણ સુખ હોય જ... માટે સ્વભાવ
એ જ સુખ છે... સુખ માટે
સ્વભાવની શ્રદ્ધા કરવી.
[મોક્ષમાર્ગ પ્રકાશક]

PDF/HTML Page 4 of 17
single page version

background image
આત્મધર્મ
વષ : ૨ જઠ
અક : ૯ ૨૦૧
જન્મ–મરણના અનંત–અનંત ભવનો અભાવ કરવા માટેના આ મહાન ટાણાંને આ જ ક્ષણે
સફળ બનાવો... આયુષ્ય ઘટતું જાય છે... જીવનની પળો ઘટતી જાય છે. પ્રતિક્ષણે જીવન ટુંકુ જ થઈ
રહ્યું છે... હવે વિલંબ ન કરો...
જગતની દરકાર છોડીને આજ ક્ષણે પરમ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી તેનું શરણ કરો,
શાંતિદાયક તે જ છે. દેહ નિરોગ છે માટે આયુષ્ય લાંબુ છે એમ સ્વપ્નેય ન માનો. આ જ ક્ષણે
દેહથી ભિન્ન છું અને દેહ છોડીને આજ ક્ષણે જવાનું બને તો પણ મારી સ્વરૂપની શાંતિ મારામાં
પ્રગટ કરી શકું એવી નિઃશંક શ્રદ્ધા કરો.
આ જીવનદીપ બૂઝાઈ જાય તે પહેલાંં જાગૃત થઈને, અંતર મંથન દ્વારા પરમ ચૈતન્ય
જ્યોતનો આશ્રય કરો, અંતરના ભગવાનને આ સમયે જ ઓળખી લ્યો...
ઘણું જીવન ચાલ્યું ગયું છે––અને–સમાધિના વખત અતિ–અતિ નીકટ આવ્યા છે––હવે તો
ચેતીને જાગો...
બે દિવસમાં બે પ્રસંગ બની ગયા છે– (૧) વઢવાણ–કરાંચીવાળા મગનલાલ ત્રીભોવન
ચુડગર. તેઓ ત્રણ વર્ષ થયા કરાંચીથી સોનગઢ આવેલા, અને ત્રણ વર્ષ સત્સમાગમનો લાભ
લીધો. ચૈત્ર સુદ–૬ ની સાંજે તેઓ કામ પ્રસંગે કરાંચી જવા માટે રવાના થયા. અને છેલ્લા, સાંજે–
૭ વાગે પૂ. ગુરુદેવ પાસે દર્શન કરવા આવ્યા. પરંતુ, દર્શન કરતાં ખૂબ ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડ્યા,
સત્સમાગમનો વિરહ થતો હતો તે તેમનાથી સહન થઈ શકતો ન હતો. એટલે ધ્રુસકે ધ્રુસકે રોઈ
પડ્યા–અને સીધી છાતીમાં ચોટ લાગી. પછી તો સાંજે ટ્રેઈનમાં કરાંચી જવા માટે રવાના પણ થયા.
તદ્ન નિરોગ અને તંદુરસ્ત! સુદ–૭ ના રોજ સવારે પાંચ વાગે જ્યાં વીરમગામ સ્ટેશન આવ્યું ત્યાં
દેહ છૂટી ગયેલો... હાર્ટ ફેઈલને કારણે દેહ છૂટી ગયો હતો... જુઓ તો ખરા જીવનદીપ! હજી સાંજે
તો સત્સમાગમના વિરહની વેદનાથી રડે છે, અને સવારે તો દેહ છૂટીને બીજા ભવમાં અવતાર પણ
થઈ ગયો... તેઓ તો સત્ની ઝંખના લઈને ગયા છે... પણ જેણે જીવનમાં સત્સમાગમ કર્યો નથી,
સત સમજવાની દરકાર પણ કદી કરી નથી... એવાઓ દેહ છોડીને ક્યાં શરણ લેશે? ? ?
બીજો પ્રસંગ
‘સમિતિનો એક મહાન સ્થંભ પડી જાય છે’
ભક્તિની ઝંખના લઈને ભગવાન પાસે જાય છે.
સનાતન જૈન ધર્મપ્રેમી, તત્ત્વજ્ઞાનના પિપાસુ અને ઉદાર ચિત્ત પારેખ લીલાધર ડાહ્યાભાઈ ચૈત્ર સુદ ૮
ની સવારે ૮–૦ વાગે દેહ છોડીને સ્વર્ગમાં ગયા. આગલી રાત્રે (સુદ ૭) પૂ. ગુરુદેવને આહારની વિનંતી કરે છે;
બહારગામથી આવેલા મહેમાનોને સગવડતા વગેરે માટે વ્યવસ્થા કરે છે, અને સુદ ૮ ની સવારે ચર્ચામાં આવે
છે, કદી પણ સવારે તેઓ આવતા નહીં પરંતુ આજે સવારે આવેલા; સવારે ચર્ચામાં કદી સ્તુતિ ભક્તિ થતી
નથી, પરંતુ ખાસ આજે તેમણે પૂ. ગુરુદેવ પાસે ભક્તિ કરાવી.
“અહો–અહો શ્રી સદ્ગુરુ, કરુણા સિંધુ અપાર આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર” ...
ભક્તિ ખૂબ ઉલ્લાસથી કરાવી, અને ભક્તિ પછી આહારની પૂ. ગુરુદેવને વિનંતી કરી. આ વખતે
લગભગ ૭–૧પ થયા હતા. ચર્ચા પુરી થઈ; પછી શ્રી સીમંધર ભગવાનના દર્શન કર્યા, દર્શન કરીને ઘરે ગયા;
આગલા દિવસે મગનભાઈ સંબંધી ખૂબ વૈરાગ્યની વાતો વ્યાખ્યાનમાં આવેલી, તેથી એકદમ વૈરાગ્યનો રસ
ચડેલો અને પાછી તે રોજ ભક્તિનો ખૂબ ઉલ્લાસ ચડેલો, એ ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં હતા. ઘરે ગયા ત્યારે ૭–
૪પ થયા હતા. ઘરે જઈને હજી આહારાદિની ગોઠવણ કરે છે, મહેમાનોની સગવડ કરવાની માણસને ભલામણ
કરે છે, અને ‘ત્રંબક! તું મહેમાન પાસે જા...’ એમ હજી તો મૂખમાંથી બોલે છે, તેજ ક્ષણે પડી ગયા અને દેહ
છૂટી ગયો. (૮–૦) ઘરના ઓરડામાં એક બાજુ જમીન ઉપર ચત્તાપાટ સૂતા હતા. મરણ પહેલાંં બીજું કાંઈ આડું
અવળું થયું ન હતું. જાણે જીવંત માણસ આરામ કરવા સૂતો હોય તેમ સૂતા હતા, હજી અડધી કલાક પહેલાંં
ભક્તિનો ઉલ્લાસ અને અડધી કલાક પછી તો

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૩૨ : આત્મધર્મ જેઠ : ૨૦૦૧
બીજો ભવ થઈ ગયો... જુઓ જીવન! હવે તો જાગો!
કેટલું શાંત મરણ! મરણ વખતે પણ ભક્તિનો ઉલ્લાસ! આરાધક ભાવ સહિતની સમાધિ!
પ્રશ્ન:– આ જાણવાનું શું કામ છે?
ઉત્તર:– દેહ દ્રષ્ટિ છોડો, સંયોગનું લક્ષ છોડો, પ્રતિકૂળતાનો ભય છોડો, અનુકૂળતાની રુચિ છોડો; સંસાર
પ્રત્યેનો રાગભાવ છોડો. અને સ્વરૂપની સાવધાની કરો. સ્વરૂપની પ્રાપ્તિનાં આવાં ટાણાં હવે ફરી મળવાં મોંઘા
છે. અરે! તમે તમારૂં પરમાનંદ શાંત સ્વરૂપ નહિ સમજો તો શું કરશો? શાંતિ ક્યાંથી લાવશો? દેહ છુટતાં શરણ
કોનું કરશો? અને સ્વરૂપથી ખસીને ઉભા ક્યાં રહેશો? જ્યાં જશો ત્યાં તમારી સંભાળ કોણ કરવા આવશે?
જીવનનો ભરોસો નથી, આયુષ્ય ટુંકું છે. જીવન–નાવ હરકોઈ ક્ષણે તુટી જાય તેવું છે. એ નાવ તુટીને
સંસાર સમુદ્રમાં ડુબી જવાનો પ્રસંગ બને તે પહેલાંં જ પરમ શાંતિ સ્વરૂપ ભગવાન આત્માનાં શરણાં લઈ લો!
એના સિવાય સંસાર સમુદ્રમાં ડુબતાં બચાવવા બીજું કોઈ સમર્થ નથી... હવે ચેતશો?
હજી જીવન છે... જીવનની પળો હજી બાકી છે, એ જીવનની પળોમાં જીવન પછીની પળોની સંધિ કરી
લેજો. આ દેહ હું નથી, સંયોગ મારાં નથી અને રાગ હું નથી–હું તો આત્મા છું, મારૂં જ્ઞાન છે એમ સ્વ સાથે
જીવનની સંધિ કરી લેજો એટલે તમને ત્રિકાળી પરમ આનંદમય જીવનની પ્રાપ્તિ થશે, કે જેથી ફરીને મરણનાં
ટાણાં જ કદિ નહિ આવે.
જીવનમાં જુદાઈ જાણી લેજો; આત્માને ઓળખી લેજો, શરીરાદિનું થાવું હોય તે થાય, પણ મારે તો
આત્માની શાંતિ પ્રગટ કરવી છે... “આ ભવવણ ભવ છે નહિ–હું તો અશરીરી સિદ્ધ આત્મા છું” એમ
નિર્ભયપણે શ્રદ્ધા કરી લેજો...
મનુષ્યત્વ મોંઘુ છે, જીવન ટુંકુ છે, સત્સમાગમ મોંઘો છે, દુર્લભ છે. સત્ની જિજ્ઞાસા તેથી પણ દુર્લભ છે,
સત્ સ્વરૂપની સમજણ અને શ્રદ્ધા તો તેથી પણ પરમ દુર્લભ છે–અપૂર્વ છે.. અને સહજ આત્મસ્વરૂપની સ્થિરતા
કરી શાંતિનો પરમાનંદમય અનુભવ કરતાં દેહ છોડી–અશરીરી થઈ જવા માટે સમાધિ કરવી એ ટાણાં તો પરમ–
પરમ અપૂર્વ છે––તે પળને ધન્ય છે!! !
જેને જ્ઞાનસ્વરૂપી આત્માનું ભાન છે તે નિઃશંક છે. આવો! આવો! સહજ સમાધિ આ જ ક્ષણે આવો.
મારી અપૂર્વ સ્વરૂપ શાંતિમાં હું આજ ક્ષણે લીન થાઉં છું–ભલે દેહ જાવ! હું દેહ રહિત છું–હું ભગવાન છું–મારે દેહ
નથી, કુટુંબ નથી, દેશ નથી, રાગ નથી, એમ પરમાત્મ સ્વરૂપનાં શરણ કરી અપૂર્વ સમાધિ માટે તૈયાર રહો...!
ભગવાન્ સમય હો ઐસા, જબ પ્રાણ તનસે નિકલે,
આતમ્ સે લો લગી હો, જબ પ્રાણ તનસે નિકલે.
જિનેન્દ્ર સ્તવન મંજરી પાનું ૨૦૭
સમયસાર (પાન ૨પ૯) માં શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધી જાગૃત કરે છે કે–હે અંધ પ્રાણીઓ!
અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે––ઊંઘે છે તે
પદ અર્થાત્ સ્થાન અપદ છે–અપદ છે! તે તમારૂં પદ નથી–એમ હે જીવો! તમે સમજો. કરૂણાભાવ વરસાવતા શ્રી
કુંદકુંદભગવાન સંબોધન કરીને જગાડે છે અને પ્રેરણા કરી ઉલ્લસિત કરે છે કે–ઓ ભવ્ય આત્માઓ! આ તરફ
આવો! આ તરફ આવો! તમારૂં પદ આ છે. આ પદ તમારૂં છે–આ પદ તમારૂં છે. જ્યાં શુદ્ધ–અત્યંત શુદ્ધ ચૈતન્ય
ધાતુ નિજરસની–શાંતિસ્વરૂપની–અતિશયતાને લીધે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે–અર્થાત્ સ્થિર છે–અવિનાશી છે;
એ અવિનાશી પદ તમારૂં છે. સંસાર તરફના વલણને છોડી દઈને હવે અવિનાશી સ્વરૂપ તરફનું વલણ કરો.
આત્મા એ જ પરમ શાંતિનું સત્તાધામ છે. આ આત્મા સર્વ પર દ્રવ્યોથી જુદો અને સર્વ રાગાદિ પર ભાવોથી
જુદો છે. તેથી તે પરમ શુદ્ધ છે, પોતે સ્વત: સિદ્ધસ્વરૂપ છે તેને પરની કાંઈ જ જરૂર નથી. પર સાથે સંબંધ નથી.
અહો! પરમાનંદી ભગવાન આત્માની શાંતિના આજ ક્ષણે શરણ કરો શરણ કરો! [સમયસાર પાનું–૨પ૯–૬૦
આસપાસનું વાંચી લેજો]
દેહ તો અનંત જડ રજકણમય છે. એના એકે એક પરમાણુ સ્વતંત્રપણે ફરે છે અનંત પરમાણું સ્વતંત્રપણે
બદલીને દેહરૂપ થયા છે, અને તેઓજ સ્વતંત્રપણે બદલીને રાખ રૂપ થાય છે, કાંઈ આત્મા દેહરૂપ કે રાખરૂપ
થતો નથી. આત્મા તો જ્ઞાનમય છે અને જ્ઞાન જ કરે છે... એમ જેણે જાણ્યું છે તેને મરણનો ભય શેનો? મરણ છે
જ કોને? તમે આત્મા છો તમારૂં સુખ તમારામાં છે–બીજામાં નથી; એમ સ્વાધીનતા જાણીને હવે જાગૃત થાવ...!

PDF/HTML Page 6 of 17
single page version

background image
જેઠ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૩૩ :
સુખ અને તેનું સાધન
સમયસારજી તા. ૧૯ – ૪ – ૪પ નું
કર્તાકર્મ અધિકાર વ્યાખ્યાન
આ કર્તાકર્મ અધિકારમાં આચાર્યદેવ કહે છે કે, ભાઈ! તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, અને આ કર્મો તથા
શરીરાદિ તો જડ છે, તે જડનો તું કર્તા નથી. જડ કર્મથી તો તારૂં સ્વરૂપ જુદું છે જ, પરંતુ અમારે તો તને, જે
ભાવે કર્મ બંધાય તે ભાવથી પણ તારૂં સ્વરૂપ ભિન્ન છે એમ બતાવવું છે. પહેલાંં તું તારા આત્માને શરીરાદિથી
અને જડ કર્મોથી જુદો માન, જડ કર્મથી જુદો માનતાં ‘કર્મ શુભાશુભ ભાવ કરાવે’ એ માન્યતા ટળી જશે,
એટલે પહેલાંં તારા પરિણામોની જવાબદારી તો તું લે. શુભાશુભ ભાવ જડ કર્મ નથી કરાવતાં, પણ તું તારા
ઊંધા ભાવે કરે છે, એમ પહેલાંં તારા પરિણામને તો જો પછી તને જણાશે કે શુભાશુભ પરિણામ જેટલો પણ તું
નથી, તારા ત્રિકાળી સ્વરૂપમાં ક્ષણિક શુભાશુભ ભાવ નથી, ક્ષણિક શુભાશુભ ભાવ થાય તે પરમાર્થે તારૂં કર્તવ્ય
નથી; તે શુભાશુભ પરિણામમાં આત્માનું સુખ નથી. શુભાશુભ પરિણામ રહિત નિરાકૂળ આત્મસ્વભાવને
જાણીને તેમાં ઠર તો તને આત્માનું સુખ અનુભવમાં આવે. માટે પહેલાંં નક્કી કર કે મારૂં સુખ સ્વભાવ ભાવમાં
છે, જડમાં કે વિભાવ ભાવમાં મારૂં સુખ નથી.
ભાઈ રે! તારે સુખી થવું છે ને! તું જે સુખ ઈચ્છે છે તે સુખ તારા આત્મામાં હોય કે શરીરાદિ પરમાં
હોય? આત્માનું સુખ પરમાં ન હોય, પણ આત્મામાં જ હોય. અને એ સુખ પ્રગટાવવાનો ઉપાય પણ આત્મામાં
જ હોય. જ્યાં સુખ હોય ત્યાં જ તેનો ઉપાય હોય, સુખ આત્મામાં અને ઉપાય પરમાં–એમ હોય નહિ. સુખ અને
સુખનો ઉપાય બંને આત્મામાં જ છે તેથી શરીરાદિ જતાં કરીને પણ આત્મા સુખનો ઉપાય કરવા માગે છે. સુખ
માટે, દ્વેષ કર્યા વગર શરીર જતું કરવા પણ તૈયાર છે. જો આત્માનું સુખ અને તેનો ઉપાય આત્મામાં છે એમ
શ્રદ્ધા કરે તો આત્માના સુખ માટે પરને સાધન ન માને. આ શરીર તો સુખનું સાધન નથી. પણ રાગ દ્વેષના જે
ભાવ થાય તે કોઈ પણ ભાવ સુખનું સાધન નથી, પર ચીજથી તો આત્મા જુદો જ છે, એટલે પૈસા, શરીર વગેરે
કોઈ પર વસ્તુ આત્માના સુખનું સાધન નથી, પરંતુ પુણ્ય–પાપનું સાધન પણ પૈસા વગેરે પરચીજ નથી. પોતાના
પરિણામથી પુણ્ય–પાપ છે. હવે જો સુખ જોઈતું હોય તો પહેલાંં જ્યાં સુખ છે. એવા આત્મસ્વભાવને જાણવો
જોઈએ. બહારની વસ્તુને તો સુખના સાધન ન માન, પરંતુ અંતરમાં દયા કે ભક્તિના શુભરાગ ભાવોને પણ
આત્માના સુખનું સાધન ન માન. આત્મામાં સુખ ભર્યું છે અને એ સુખ સ્વરૂપ આત્માની શ્રદ્ધાજ્ઞાન એ જ
સુખનો ઉપાય છે.
સમાધિ ટાણે જો સ્વરૂપનું લક્ષ હશે તો શાંતિ આવશે. આત્માની શાંતિ માટે શરીર તો કામ કરે તેમ નથી
પણ પુણ્યનો વિકલ્પ પણ આત્માની શાંતિ આપવા સમર્થ નથી. સુખ માટે શરીર દ્વેષ રહિત જતું કરવું જોઈએ.
શરીર મારા સુખનું સાધન નથી. એમ જાણતાં શરીર ઉપરનો રાગ ટળી જવો જોઈએ. જો શરીર જતું થવાના
પ્રસંગે દ્વેષ થઈ આવે તો તેને શરીરમાં સુખબુદ્ધિ ટળી નથી; તેમજ શરીર જતું થઈને સમાધિના ટાણાં આવ્યાં
હોય ત્યારે બહારમાં લક્ષ જાય કે અમુક ભક્તિ–પ્રભાવનાનાં કાર્યો બાકી રહી ગયાં, એમ જો શરીર જતાં પર લક્ષ
થાય તો તેને પણ અંતરની આત્મ શાંતિ નહિ ઊગે. બહારનાં કાર્યોમાં નિમિત્ત તો શરીર છે, એટલે જેને
બહારનાં કાર્યોનું લક્ષ છે તેને હજી શરીર ટકાવી રાખવાના ભાવ છે એટલે તેણે પોતાના સુખનું સાધન શરીરને
માન્યું છે––તેથી તેને પણ આત્માની શાંતિ નહિ આવે.
શરીરનાં પરમાણુઓ છૂટી જાય તે તેના કારણે પરિણમે છે, શરીરના પરિણમન સાથે આત્માના
સુખને સંબંધ નથી. શરીરાશ્રિત કાર્યો કે તે તરફના ભાવમાં આત્માનું સુખ નથી. શરીર જતાં જો અણગોઠતો
ભાવ થાય તો તે શાંતિને રોકનાર છે. શરીર તો જે ક્ષેત્રે જે ટાણે જવાનું હશે તે જ ટાણે છૂટી જવાનું છે,
પરંતુ એ ટાણાં આવ્યાં પહેલાંં આત્મામાં એમ નક્કી કરવું જોઈએ કે આ શરીર તો મારાથી ભિન્ન જ છે અને
શરીર તરફના લક્ષે થતાં અણગમાના ભાવ કે ભક્તિ પ્રભાવનાના ભાવ તે બધા વિકાર મારૂં સ્વરૂપ નથી,
શુભ વિકલ્પ ઊઠે તે પણ મને

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૩૪ : આત્મધર્મ જેઠ : ૨૦૦૧
લાભદાયક નથી, વિકાર રહિત મારૂં સ્વરૂપ એ જ મને લાભદાયક છે, એમાં જ મારૂં સુખ છે––એવું ભાન કર્યા વગર
સ્વરૂપમાંથી નિરાકૂળ શાંતિ નહિ ઊગે.
ભાઈ! તારે સુખ જોઈએ છે ને? તો પહેલાંં એ નક્કી કર કે તારૂં સુખ તારામાં છે કે પરમાં? અને તે સુખનું
સાધન તારામાં છે કે પરમાં? પહેલાંં તો આત્માનું સુખ આત્માથી જુદું હોઈ શકે નહિ. એટલે કે આત્માનું સુખ
આત્મામાં જ છે અને તે સુખનો ઉપાય પણ આત્મામાં જ છે, કેમકે જ્યાં સુખ હોય ત્યાં જ તેનો ઉપાય હોય.
અંતરના સુખનું સાધન શરીરાદિ પર તો થાય જ નહિ, પરંતુ બહારના વલણે થતા શુભભાવ પણ અંતરના સુખનું
સાધન નથી. આ રીતે સ્વાશ્રય સ્વભાવની દ્રષ્ટિ કરીને પરાશ્રય ભાવ ઉપર કાપ મૂક, દ્રષ્ટિનું જોર ફેરવી નાખ. મારૂં
સુખ અને સાધન મારામાં છે, કોઈ પરમાં મારૂં સુખ અને સાધન નથી. પર લક્ષે જે વૃત્તિ ઊઠે તે પરાશ્રય ભાવ છે,
તેમાં મારૂં સ્વાશ્રયી સુખ નથી, એમ અંતરથી નક્કી કરતાં દ્રષ્ટિમાં સર્વ પરનો આશ્રય ટળી ગયો, અને પરાશ્રય
ભાવ દ્રષ્ટિમાંથી ટળી ગયો.
આ શરીરમાં તો ક્યાં શાંતિ હતી? શાંતિ તો આત્મામાં છે. જુઓને! આ શરીર તો ક્ષણમાં છૂટી જાય છે,
ક્ષણે ક્ષણે જગતનાં જીવોનાં મરણ થઈ જ રહ્યાં છે. જગતનાં જીવોનાં મરણ જોઈને ધર્માત્માને તો સંસાર પ્રત્યે
વૈરાગ્ય આવે, સ્વરૂપની પૂર્ણતાની ભાવનાની વૃદ્ધિ થાય. આ ચાર્ય ભગવાન કહે છે કે–અહો! આ સંસાર
(શુભાશુભ વૃત્તિઓ) ક્ષણિક છે એમાં આત્મ–શાંતિ નથી. એક ક્ષણ પણ અમે સંસારભાવમાં રહેવા માગતા નથી.
આ જ ક્ષણે સંસારના સર્વ ભાવોથી છૂટીને અમે અમારા સ્વરૂપમાં લીન થઈ જવા માગીએ છીએ. [જ્ઞાનીઓને
સમસ્ત સંસાર પ્રત્યે વૈરાગ્ય આવે છે એટલે તેઓ સંસારના કોઈ ભાવ ઈચ્છતા નથી, સ્વર્ગ જે ભાવે મળે તેને પણ
તેઓ ઈચ્છતા નથી. અને અજ્ઞાનીને નરકાદિ ગતિનાં દુઃખના ભયથી વૈરાગ્ય થાય છે એટલે તેને અંતરમાં સ્વર્ગાદિ
ગતિની રુચિ ટળતી નથી, તેથી તેનો વૈરાગ્ય સાચો હોતો નથી. સાચો વૈરાગ્ય હોય તો જે ભાવે સંસાર ફળે અને
કેવળજ્ઞાન રોકાય તે ભાવનો આદર ન હોય.]
પુરુષાર્થની સ્વતંત્રતા
જીવની પળોમાં મરણની પળને ભેળવીને જે સંધિ કરે છે તેને મરણ
ટાણે સમાધિ જ હોય છે.
પહેલાનાં જે સંસ્કાર નાખ્યા હોય તે સંસ્કારને વર્તમાનમાં ઝીલતો આવે તો
પહેલાનાં સંસ્કારે લાભ કર્યો એમ વ્યવહારે કહેવાય, ખરેખર તો વર્તમાન પુરુષાર્થ
ઉપર જ આધાર છે. વર્તમાનમાં પોતાને મંદ કે તીવ્ર પુરુષાર્થરૂપ પ્રણમવું તે
પોતાની વર્તમાન રુચિને આધારે છે. વર્તમાન પુરુષાર્થને પહેલાનાં સંસ્કાર ખરેખર
કાંઈ લાભ નુકશાન કરતા નથી, કેમકે વર્તમાન પર્યાયનો ઉત્પાદ, પૂર્વની પર્યાયના
વ્ય સહિત છે. આ ન્યાયમાં પુરુષાર્થની સ્વતંત્રતા બતાવી.
જમીનમાં શાકનું બી વાવે ત્યાં તેને એમ લાગે છે કે આપણને હવે
શાકની ઓશીયાળ ટળી ગઈ; તેમ આત્માની શ્રદ્ધા – દર્શનાદિરૂપ બીજડાં રોપ્યાં
ત્યાં જ એમ નિશંક થાય કે હવે અલ્પ કાળમાં પુર્ણ પર્યાય પ્રગટવાની જ.
અંતર સ્વરૂપના ભાન સહિત જ્ઞાનીઓ ગૃહસ્થ દશામાં હોય ત્યારે અસ્થિરતાના કારણે શુભાશુભ વૃત્તિઓ
થઈ જાય તેને જ્ઞાનીઓ ઈચ્છતા નથી. પણ તે છોડીને સ્વરૂપમાં સંપૂર્ણપણે ઠરવાની જ ભાવના હોય છે. ક્ષણ પહેલાંં
ભક્તિ, પ્રભાવના, દાન વગેરેના ભાવ અને ઉલ્લાસ હોય અને એક કલાકમાં તો દેહ છોડીને બીજો ભવ થઈ ગયો
હોય–આવાં વૈરાગ્યનાં નિમિત્તો જોઈને ધર્માત્માને પૂર્ણતાની ભાવના ઊછળી જાય કે–અરેરે! અમારા કેવળજ્ઞાનના
વિરહ પડ્યા છે! અમારી પરિપૂર્ણ સિદ્ધદશાના વિરહા છે! હવે આ સમસ્ત સંસાર છોડી અમે અમારા પૂર્ણાનંદને
સાધશું. અમારૂં પરિપૂર્ણ સાધ્ય અને સાધન બન્ને અંતરમાં છે, અમારી સાધના અંતરમાં સમાય છે. અંતર સાધન
વડે અમે અમારા સાધ્યની સિદ્ધિ કરીશું. અહા આ સંસાર! ધિકકાર છે આ સંસાર ભાવને! અમારૂં પરમ પવિત્ર
પરમાત્મપદ અંતરમાં પડ્યું છે તેની રુચિ અને ભાન છતાં આ અસ્થિરતા શી!! અરે! અમને અમારા સિદ્ધપદના વિરહ
શું! એમ ધર્માત્મા પોતાની સિદ્ધદશાના વિરહથી અંતરમાં કળકળી ઊઠે છે, ––પરિપૂર્ણ પુરુષાર્થની ભાવના કરે છે.
અરે! અમારા પરિપૂર્ણ સ્વરૂપમાં આ વિકલ્પ ન હોય! અમારા સ્વરૂપમાં આંતરા શા? અરે આ સંસાર તો
ક્ષણભંગુર જ છે તેમાં સંયોગ–વિયોગ થયા જ કરે, આ શરીરનો વિયોગ થાય તેમાં શી નવાઈ? પણ અમને

PDF/HTML Page 8 of 17
single page version

background image
જેઠ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૩૫ :
અમારા પૂર્ણાનંદ સ્વરૂપના વિરહા પાલવતા નથી. [ધર્માત્માને શરીરના વિયોગનું જરાય દુઃખ નથી, પરંતુ
પોતાની પૂર્ણાનંદ સિદ્ધદશાના વિરહનું વેદન છે.]
સ્વભાવની દ્રઢતા
“મારૂં સુખ મારામાં જ છે, મારા સુખ માટે કોઈ પર વસ્તુની મારે જરૂર
નથી” એમ અંતરની દ્રઢતા કરતાં પર ઉપરની મતા છૂટી જાય છે; જે પરને
પોતાના માને છે તે ચોરાશીમાં રખડવાના દુ:ખને નોતરે છે.
સ્વભાવની રુચિ, શ્રદ્ધા, દ્રઢતા વિના ત્રણકાળમાં ધર્મ થશે નહિ. જો તારે
ધર્મ કરવો હોય તો કોઈ પણ પર વસ્તુ તારી ચીજ નથી. એમ સ્વની દ્રઢતા
કરતાં પરની દ્રઢતા ખસી જાય છે.
અત્યાર સુધીના અનંતકાળમાં જીવ કોઈનું ભલું – બૂરું કરી શક્યો નથી પોતાથી
માત્ર પોતાનું નુકશાન કર્યું છે. જો નુકશાન ન કર્યું હોત તો જન્મ મરણ હોત
નહિ. સત્ની રુચિ વિના સ્વભાવની રુચિ આવે નહિ ને પરની રુચિ જાય નહિ;
અને જેને સ્વભાવની રુચિ નથી તેને પરની ભાવના થયા વિના રહે નહિ.
અમારા સુખનું સાધન શરીર તો નહિ, પરંતુ પુણ્ય–પાપના વિકલ્પ ઊઠે તે પણ અમારા સુખનું સાધન
નથી. અમારૂં પૂર્ણાનંદી સાધ્ય અને તેનું સાધન બન્ને અમારા અંતરમાં છે. અમારૂં સાધ્ય–સાધન બંને અંતરમાં
જ હોવા છતાં, આ સાધ્ય સાધન વચ્ચે અંતર એ પાલવતું નથી. આમ ધર્માત્માને મોક્ષદશા માટે અંતરમાં
કળકળાટ થાય છે. અજ્ઞાની શરીરના વિયોગે કળકળાટ કરે છે, જ્ઞાનીને મોક્ષદશાના વિરહના કલબલાટ થાય છે.
આત્મસ્વરૂપના ભાન પછી જ્ઞાનીઓને પણ અસ્થિરતાને કારણે કોઈવાર અશુભભાવ આવી જાય અને
અશુભભાવથી બચવા માટે દેવ–ગુરુ–ધર્મની ભક્તિ–પ્રભાવનાની શુભવૃત્તિ પણ ઊઠે, પરંતુ તે અશુભ કે શુભ
બેમાંથી એકેયમાં અમારા આત્માના સુખનું સાધન નથી, પરંતુ તે બંને પ્રકારની વૃત્તિઓ અમારા સ્વરૂપના
સુખને રોકનાર છે. અમારા અંતર સ્વરૂપનું સાધન બહિરમુખ વલણ તરફના ભાવમાં નથી, પરંતુ અમારા અંતર
સ્વભાવમાં જ છે; એ સ્વભાવના જોરે પૂર્ણ સાધન પ્રગટાવી અમારૂં પરિપૂર્ણ સાધ્ય–અશરીરી સિદ્ધ દશા પ્રગટ
કરશું. પુણ્ય–પાપ બંનેમાં આકૂળતા છે, મૂંઝવણ છે, તેમાં મારૂં સાધન નથી; મારૂં સાધન તો ધર્મ સ્વરૂપ જ્ઞાયક
અમૂંઝવણ નિરાકૂળ ભગવાન આત્મા જ છે–આ પ્રમાણેના શ્રદ્ધા–જ્ઞાન વગર બીજી કોઈ ચીજનું અવલંબન
આત્માને–પોતાના સુખ માટે નથી.
અરે! અનંતકાળે આવાં મનુષ્યદેહ મળ્‌યાં, અને અહીં સુધી આવ્યો–સાચા દેવ–ગુરુ–ધર્મ મળ્‌યાં અને હવે
ચિદાનંદ જ્ઞાનમૂર્તિ આત્માનું ભાન કરીને ભવનો અભાવ ન થાય–જન્મ–મરણનો અંત ન આવે તો મનુષ્ય
અવતાર પામીને તેં શું કર્યું? ભાઈ! સ્વાધીન આત્મ સ્વરૂપની શ્રદ્ધા, અનુભવ અને અંતરવેદન સિવાય બીજા કોઈ
પણ ભાવ કે શરીર કુટુંબ વગેરે કોઈ પર ચીજ શરણભૂત થાય તેમ નથી, શરીર તો અનંત જડ રજકણનો પિંડ છે,
તેના એકે એક પરમાણુનું પરિણમન સ્વતંત્ર છે; કોને કહેવા શરીર ને કોને કહેવું કુટુંબ? જડનાં પરિણમનમાં
સંયોગ વિયોગ તો થયા જ કરે, એ તો એનો સ્વભાવ છે. કોઈનું પરિણમન પરને તાબે ત્રણકાળમાં નથી.
શુભાશુભ લાગણી થાય તે કોઈ કર્મ કે શરીર કરાવતાં નથી, પણ પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય
છે. આત્મા પોતે તે લાગણી પરલક્ષે ઊભી કરે છે; એમ તું તારા પરિણામ તરફ જો, તો તને જણાશે કે કોઈ પણ
શુભ કે અશુભ લાગણી એક સરખી ટકતી નથી, ગમે તેવી લાગણી હોય તો પણ તે ક્ષણમાં ફરી જાય છે, અને
નવી ઊભી થાય છે. અંતરમાં જે શુભ કે અશુભ–લાગણી થાય છે તે ઓછી વધતી થયા જ કરે છે, અને તે
લાગણીઓને જાણનાર આત્માનું જ્ઞાન તો સળંગ એકરૂપ રહે છે. જ્ઞાન સદાય આત્મા સાથે રહે છે અને પુણ્ય–
પાપની લાગણી ક્ષણે ક્ષણે ફરી જાય છે, માટે જ્ઞાની જાણે છે કે:– જ્ઞાન મારૂં સ્વરૂપ છે અને તેમાં જ મારૂં સુખ છે;
પરંતુ શુભાશુભ લાગણી થાય તે મારૂં સ્વરૂપ નથી અને તેમાં મારૂં સુખ કદિપણ નથી. પુણ્ય–પાપની લાગણી
વિકારી, ખંડખંડરૂપ છે અને મારો જ્ઞાનસ્વભાવ સળંગ નિર્વિકારી અખંડ છે, અને એ જ મારા સુખનું સાધન છે.
મારા સુખના સાધન માટે મારે શરીરની કે કોઈ પણ શુભાશુભ વૃત્તિની મદદ નથી, હું જ મારા સુખનું સાધન છું
અને મારામાં જ મારૂં સુખ છે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૩૬ : આત્મધર્મ જેઠ : ૨૦૦૧
ભૈયા ભગવતીદાસજી કૃત ઉપાદાન – નિમિત્તનો સંવાદ
દોહરા
પાદ પ્રણમિ જિનદેવકે, એક ઉક્તિ ઉપજાય;
ઉપાદાન અરુ નિમિત્તકો, કહું સંવાદ બનાય. ૧.
અર્થ:– જિનદેવના ચરણે પ્રણામ કરી, એક અપૂર્વ
કથન તૈયાર કરું છું; ઉપાદાન અને નિમિત્તનો સંવાદ
બનાવીને તે કહું છું. ૧.
પ્રશ્ન.
પૂછત હૈ કોઊ તહાં, ઉપાદાન કિહ નામ;
કહો નિમિત્ત કહિયે કહા, કબકે હૈં ઈહ ઠામ. ૨.
અર્થ:– ત્યાં કોઈ પૂછે છે કે–ઉપાદાન કેનું નામ?
નિમિત્ત કેને કહીએ? અને કયારથી તેમનો સંબંધ છે તે
કહો. ૨.
ઉત્તર.
ઉપાદાન નિજશક્તિ હૈ, જિયકો મૂલ સ્વભાવ;
હૈ નિમિત્ત પરયોગતેં, બન્યો અનાદિ બનાવ. ૩.
અર્થ:– ઉપાદાન પોતાની શક્તિ છે, તે જીવનો
મૂળ સ્વભાવ છે; અને પરસંયોગથી નિમિત્ત છે. તેમનો
સંબંધ અનાદિથી બની રહ્યો છે. ૩.
નિમિત્ત.
નિમિત્ત કહૈં મોકો સબૈ, જાનત હૈં જગ લોય;
તેરો નાવ ન જાનહીં, ઉપાદાન કો હોય. ૪.
અર્થ:– નિમિત્ત કહે છે કે–જગતના સર્વે લોકો
મને જાણે છે; ઉપાદાન કોણ તેનું નામ પણ જાણતા
નથી. ૪.
ઉપાદાન.
ઉપાદાન કહૈ રે નિમિત્ત, તુ કહા કરૈં ગુમાન;
મોકોં જાને જીવ વે, જો હૈં સમ્યકવાન. પ.
અર્થ:– ઉપાદાન કહે છે–અરે નિમિત્ત તું
અભિમાન શા માટે કરે છે, જે જીવ સમ્યક્જ્ઞાની
(આત્માના સાચા જ્ઞાની) હોય તે મને જાણે છે. પ.
નિમિત્ત.
કહૈ જીવ સબ જગતકે, જો નિમિત્ત સોઈ હોય;
ઉપાદાનકી બાતકો, પૂછૈ નાહીં કોય. ૬.
અર્થ:– નિમિત્ત કહે છે–જગતના સર્વ જીવ કહે છે
કે જો નિમિત્ત હોય તો (કાર્ય) થાય; ઉપાદાનની વાતનું
કોઈ કાંઈ પૂછતું નથી. ૬.
ઉપાદાન.
ઉપાદાન બિન નિમિત્ત તુ, કર ન સકૈ ઈક કાજ;
કહા ભયો જગ ના લખૈ, જાનત હૈ જિનરાજ. ૭.
અર્થ:– ઉપાદાન કહે છે–અરે નિમિત્ત! એક પણ
કાર્ય ઉપાદાન વિના થઈ શકતું નથી. જગત ન જાણે તેથી
શું થયું? જિનરાજ તે જાણે છે. ૭.
નિમિત્ત.
દેવ જિનેશ્વર ગુરુ યતી, અરુ જિન આગમ સાર;
ઈહિ નિમિત્તતેં જીવ સબ, પાવત હૈ ભવપાર. ૮.
અર્થ:– નિમિત્ત કહે છે–જિનેશ્વરદેવ, નિર્ગ્રંથગુરુ
અને વીતરાગનાં આગમ ઉત્કૃષ્ટ છે; એ નિમિત્તો વડે
સર્વે જીવ ભવનો પાર પામે છે. ૮.
ઉપાદાન.
યહ નિમિત્ત ઈહ જીવાકે, મિલ્યો અનંતી બાર;
ઉપાદાન પલટયો નહીં, તૌં ભટક્યો સંસાર. ૯.
અર્થ:– ઉપાદાન કહે છે–એ નિમિત્તો આ જીવને
અનંતીવાર મળ્‌યાં, પણ ઉપાદાન– (જીવ પોતે) પલટયું
નહીં તેથી તે સંસારમાં ભટક્યો. ૯.
નિમિત્ત.
કૈં કેવલી કૈં સાધુ કૈં નિકટ ભવ્ય જો હોય;
સો ક્ષાયક સમ્યક લહૈ, યહ નિમિત્ત બલ જોય. ૧૦.
અર્થ:– નિમિત્ત કહે–જો કેવળી ભગવાન અગર
શ્રુતકેવળી મુનિ પાસે ભવ્ય જીવ હોય તોજ ક્ષાયિક
સમ્યક્ત્વ પ્રગટે છે એ નિમિત્તનું બળ જુઓ! ૧૦.
ઉપાદાન.
કેવલી અરુ મુનિરાજકે, પાસ રહૈં બહુ લોય;
પૈ જાકો સુલટયો ધની, ક્ષાયક તાકો હોય. ૧૧.
અર્થ:– ઉપાદાન કહે–કેવળી અને શ્રુતકેવળી
મુનિરાજ પાસે ઘણા લોકો રહે છે, પણ જેનો ધણી
(આત્મા) સવળો થાય તેને જ ક્ષાયિક (સમ્યક્ત્વ)
થાય છે. ૧૧.
નિમિત્ત.
હિંસાદિક પાપન કિયે, જીવ નર્કમેં જાહિ;
જોનિમિત્તનહિં કામકો, તો ઈમ કાહે કહાહિં. ૧૨.
અર્થ:– નિમિત્ત કહે–જે હિંસાદિક પાપ કરે છે તે
નર્કમાં જાય છે. જો નિમિત્ત કામનું ન હોય તો એમ શા
માટે કહ્યું? ૧૨.
ઉપાદાન.
હિંસામેં ઉપયોગ જિહં, રહૈં બ્રહ્મકે રાચ;
તેઈ નર્કમેં જાત હૈં, મુનિ નહિં જાહિં કદાચ. ૧૩.
અર્થ:– હિંસામાં જેનો ઉપયોગ (ચૈતન્યનાં
પરિણામ) હોય અને જે આત્મા તેમાં રાચી રહે, તે
નર્કમાં જાય છે, (ભાવ) મુનિ કદાપિ નર્કમાં જતા
નથી. ૧૩.

PDF/HTML Page 10 of 17
single page version

background image
જેઠ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૩૭ :
નિમિત્ત.
દયા દાન પૂજા કિયે, જીવ સુખી જગ હોય;
જો નિમિત્ત ઝુંઠો કહો, યહ કયોંમાનૈ લોય. ૧૪.
અર્થ:– નિમિત્ત કહે–દયા, દાન, પૂજા કરે તો જીવ
જગતમાં સુખી થાય છે. જો નિમિત્ત, તમે કહો છો તેમ,
જુઠું હોય તો લોકો તેને કેમ માને? ૧૪.
ઉપાદાન.
દયા દાન પૂજા ભલી, જગતમાહિ સુખકાર;
જહં અનુભવકો આચરન, તહં યહ બંધ વિચાર. ૧પ.
અર્થ:– ઉપાદાન કહે–દયા, દાન, પૂજા શુભ ભાવ
જગતમાં બાહ્ય સગવડ આપે, પણ અનુભવના
આચરણનો વિચાર કરતાં, એ બધા બંધ છે,
[ધર્મ
નથી] ૧પ.
નિમિત્ત.
યહ તો બાત પ્રસિદ્ધ હૈં, શોચ દેખ ઉરમાહિ;
નર દેહી કે નિમિત્ત બિન, જિય કયોંમુક્તિ ન જાહિં.
૧૬.
અર્થ:– નિમિત્ત કહે–અંતરમાં વિચાર કરી જોતાં
[તમે કહી] એ વાત તો પ્રસિદ્ધ છે; પણ નરદેહના
નિમિત્ત વિના જીવ કેમ મુક્તિ પામતો નથી? ૧૬.
ઉપાદાન.
દેહ પીંજરા જીવકો, રોકે શિવપર જાત;
ઉપાદાનકી શક્તિસોં, મુક્તિ હોત રે ભ્રાત. ૧૭.
અર્થ:– ઉપાદાન નિમિત્તને કહે છે–અરે ભાઈ!
દેહનું પીંજરું તો જીવને શિવપુર [મોક્ષ] જતાં રોકે છે;
પણ ઉપાદાનની શક્તિથી મોક્ષ થાય છે.
નોંધ:– અહીં દેહનું પીંજરું જીવને રોકે છે એમ
કહ્યું છે તે વ્યવહારકથન છે, જીવ શરીર ઉપર લક્ષ કરી
મારા પણાની પકકડ કરી, પોતે વિકારમાં રોકાય છે,
ત્યારે શરીરનું પીંજરું જીવને રોકે છે એમ ઉપચારથી
કહેવાય છે. ૧૭.
નિમિત્ત.
ઉપાદાન સબ જીવપૈ, રોકન હારો કૌન;
જાતે કયોં નહિ મુક્તિમેં, બિન નિમિત્તકે હોન. ૧૮.
અર્થ:– નિમિત્ત કહે–ઉપાદાન તો બધા જીવોને છે,
તો પછી તેને રોકનારો કોણ? મુક્તિમાં કેમ જતા નથી?
નિમિત્ત નથી મળતું તેથી તેમ થાય છે. ૧૮.
ઉપાદાન.
ઉપાદાન સુઅનાદિકો, ઉલટ રહ્યો જગમાહિ;
સુલટતહી સુધે ચલે, સિદ્ધ લોકકો જાહિં. ૧૯.
અર્થ:– ઉપાદાન કહે–જગતમાં ઉપાદાન
અનાદિથી ઊલટું થઈ રહ્યું છે. સૂલટું થતાં સાચું જ્ઞાન
અને ચારિત્ર થાય છે અને તેથી સિદ્ધલોકમાં તે જાય છે.
(મોક્ષ–પામે છે.) ૧૯.
નિમિત્ત.
કહું અનાદિ બિન નિમિ–તહી, ઉલટ રહ્યો ઉપયોગ;
ઐસી બાત ન સંભવૈ, ઉપાદાન તુમ જોગ. ૨૦.
અર્થ:– નિમિત્ત કહે–શું અનાદિથી નિમિત્ત વગર
જ ઉપયોગ (જ્ઞાનનો વ્યાપાર) ઊલટો થઈ રહ્યો છે?
માટે હે ઉપાદાન! તારી એ વાત વ્યાજબી સંભવતી
નથી. ૨૦.
ઉપાદાન.
ઉપાદાન કહૈ રે નિમિત્ત, હમપૈ કહી ન જાય;
ઐસે હી જિન કેવલી, દેખૈ ત્રિભુવનરાય. ૨૧.
અર્થ:– ઉપાદાન કહે, અરે નિમિત્ત! નિમિત્ત છે
એમ જિન કેવળી ત્રિભુવનરાય દેખે છે તો ‘નિમિત્ત
નથી’ એમ મારાથી કેમ કહેવાય?
નોંધ:– અહીં કહે છે કે–ઉપાદાનમાં કાર્ય થાય
ત્યારે નિમિત્ત સ્વયં હાજર હોય પણ ઉપાદાનને તે કાંઈ
કરી શકતું નથી એમ અનંત જ્ઞાનીઓ તેમના જ્ઞાનમાં
દેખે છે. ૨૧.
નિમિત્ત.
જો દેખ્યો ભગવાન ને, સોહી સાંચો આહિ;
હમ તુમ સંગ અનાદિકે, બલી કહોગે કાહિ. ૨૨.
અર્થ:– નિમિત્ત કહે–ભગવાને જે દેખ્યું છે તે જ
સાચું છે એ ખરું, પણ મારો અને તારો સંબંધ
અનાદિનો છે, માટે આપણામાંથી બળવાન કોને કહેવો?
(બન્ને સરખા છઈએ એમ તો કહો.) ૨૨.
ઉપાદાન.
ઉપાદાન કહૈ વહ બલી, જાકો નાશ ન હોય;
જો ઉપજત બિનશત રહૈ, બલી કહી તેં સોય. ૨૩.
અર્થ:– ઉપાદાન કહે કે જેનો નાશ ન થાય તે
બળવાન; જે ઊપજે અને વિણસે તે બળવાન કેવી રીતે
હોઈ શકે? (ન જ હોય).
નોંધ:– ઉપાદાન ત્રિકાળી અખંડ એકરૂપ વસ્તુ
પોતે છે, તેથી તેનો નાશ નથી. નિમિત્ત તો સંયોગરૂપ
છે, આવે ને જાય તેથી નાશરૂપ છે તેથી ઉપાદાન જ
બળવાન છે. ૨૩.
નિમિત્ત.
ઉપાદાન તુમ જોર હો, તો કયોં લેત અહાર;
પરનિમિત્તકે યોગસોં, જીવત સબ સંસાર. ૨૪.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૩૮ : આત્મધર્મ જેઠ : ૨૦૦૧
અર્થ:– નિમિત્ત કહે–ઉપાદાન, તારૂં જો જોર છે.
તો તું આહાર શા માટે લે છે? સંસારના બધા જીવો પર
નિમિત્તના યોગથી જીવે છે. ૨૪.
ઉપાદાન.
જો અહારકે જોગસોં, જીવત હૈ જગમાહિં;
તો વાસી સંસારકે, મરતે કોઉ નાહિં. ૨૫.
અર્થ:– ઉપાદાન કહે–જો આહારના જોગથી
જગતના જીવો જીવતા હોત તો સંસારવાસી કોઈ જીવ
મરત નહીં. ૨પ.
નિમિત્ત.
સુર સોમ મણિ અગ્નિકે, નિમિત્ત લખૈં યે નૈન;
અંધકારમેં કિત ગયો, ઉપાદાન દગ દૈન. ૨૬.
અર્થ:– નિમિત્ત કહે–સૂર્ય, ચંદ્ર, મણિ કે અગ્નિનું
નિમિત્ત હોય તો આંખ દેખી શકે છે, ઉપાદાન જો
દેખવાનું (કામ) આપતું હોય તો અંધકારમાં તે ક્યાં
ગયું? (અંધકારમાં કેમ આંખેથી દેખાતું નથી?) ૨૬.
ઉપાદાન.
સુર સોમ મણિ અગ્નિ જો, કરે અનેક પ્રકાશ;
નૈન શક્તિ બિનના લખૈ, અન્ધકારસમ ભાસ. ૨૭.
અર્થ:– ઉપાદાન કહે–જો કે સૂર્ય, ચંદ્ર, મણિ કે
અગ્નિનું નિમિત્ત હોય તો આંખ દેખી શકે છે, ઉપાદાન જો
દેખવાનું (કામ) આપતું હોય તો અંધકારમાં તે ક્યાં
ગયું? (અંધકારમાં કેમ આંખેથી દેખાતું નથી?) ૨૬.
ઉપાદાન.
સુર સોમ મણિઅગ્નિ જો, કરૈ અનેક પ્રકાશ;
નૈન શક્તિ બિન ના લખૈ, અન્ધકારસમ ભાસ. ૨૭.
અર્થ:– ઉપાદાન કહે–જો કે સૂર્ય, ચંદ્ર, મણિ અને
અગ્નિ અનેક પ્રકારનો પ્રકાશ કરે છે તો પણ દેખવાની
શક્તિ વિના દેખાય નહીં, બધું અંધકાર જેવું ભાસે છે. ૨૭.
નિમિત્ત.
કહૈ નિમિત્ત વે જીવ કો? મો બિન જગ કે માહિ;
સબૈ હમારે વશ પરે, હમ બિન મુક્તિ ન જાહિં. ૨૮.
અર્થ:– નિમિત્ત કહે–મારા વિના જગતમાં જીવ
કોણ માત્ર? બધા મારે વશ પડ્યા છે. મારા વિના મુક્તિ
થતી નથી. ૨૮.
ઉપાદાન.
ઉપાદાન કહૈ રે નિમિત્ત, ઐસે બોલ ન બોલ;
તાકો તજ નિજ ભજત હૈં, તેહી કરૈં કિલોલ. ૨૯.
અર્થ:– ઉપાદાન કહે–અરે નિમિત્ત એવાં વચનો
ન બોલ. તારા ઉપરની દ્રષ્ટિ તજી જે જીવ પોતાનું ભજન
કરે છે તે જ કલોલ (આનંદ) કરે છે. ૨૯.
નિમિત્ત.
કહૈં નિમિત્ત હમકો તજે, તે કસેં શિવ જાત;
પંચમહાવ્રત પ્રગટ હૈં, ઔર હુ ક્રિયા વિખ્યાત. ૩૦
અર્થ:– નિમિત્ત કહે–અમને તજવાથી મોક્ષ કેવી
રીતે જવાય? પાંચ મહાવ્રત પ્રગટ છે; વળી બીજી ક્રિયા
પણ વિખ્યાત છે. (તેને લોકો મોક્ષનું કારણ માને છે.) ૩૦
ઉપાદાન.
પંચમહાવ્રત જોગ ત્રય, ઔર સકલ વ્યવહાર;
પરકો નિમિત્ત ખપાયકે, તબ પહુચેં ભવપાર. ૩૧.
અર્થ:– ઉપાદાન કહે–પાંચ મહાવ્રત, મન, વચન
અને કાય એ ત્રણ તરફનું જોડાણ, વળી બધો વ્યવહાર
અને પર નિમિત્તનું લક્ષ જ્યારે જીવ છોડે ત્યારે
ભવપારને પહોંચી શકે છે. ૩૧.
નિમિત્ત.
કહૈ નિમિત્ત જગ મૈં બડો, મોતૈં બડો ન કોય;
તીન લોકકે નાથ સબ, મો પ્રસાદતૈં હોય. ૩૨.
અર્થ:– નિમિત્ત કહે–જગતમાં હું મોટો છું,
મારાથી મોટો કોઈ નથી; ત્રણ લોકનો નાથ પણ મારી
કૃપાથી થાય છે.
નોંધ:– સમ્યક્દર્શનની ભૂમિકામાં જ્ઞાની જીવને
શુભ વિકલ્પ આવતાં તીર્થંકર નામકર્મ બંધાય છે, તે
દ્રષ્ટાંત રજુ કરી, પોતાનું બળવાનપણું ‘નિમિત્ત’
આગળ ધરે છે. ૩૨.
ઉપાદાન.
ઉપાદાન કહૈ તુ કહા, ચહું ગતિમેં લે જાય;
તો પ્રસાદતૈં જીવ સબ, દુખી હોહિં રે ભાય. ૩૩.
અર્થ:– ઉપાદાન કહે તું કોણ? તું તો જીવને ચારે
ગતિમાં લઈ જાય છે. ભાઈ તારી કૃપાથી સર્વે જીવો
દુઃખી જ થાય છે.
નોંધ:– નિમિત્તાધીન દ્રષ્ટિનું ફળ ચારે ગતિ
એટલે સંસાર છે. નિમિત્ત પરાણે જીવને ચાર ગતિમાં
લઈ જાય છે એમ સમજવું નહીં. ૩૩.
નિમિત્ત.
કહૈ નિમિત્ત જો દુઃખ સહૈ, સો તુમ હમહિ લગાય;
સુખી કૌનતૈ હોત હૈ, તાકો દેહુ બતાય. ૩૪.
અર્થ:– નિમિત્ત કહે–જીવ દુઃખ સહન કરે છે તેનો
દોષ તું અમારા ઉપર લગાવે છે તો જીવ સુખી શાથી
થાય છે તે બતાવી દે! ૩૪.
ઉપાદાન.
જો સુખકો તુ સુખ કહૈં, સો સુખ તો સુખ નાહિં;
યે સુખ, દુઃખકે મૂલ હૈ, સુખ અવિનાશી માંહિ. ૩પ.
અર્થ:– ઉપાદાન કહે જે સુખને તું સુખ કહે છે તે
સુખ જ નથી. એ સુખ તો દુઃખનું મૂળ છે. આત્માના
અંતરમાં અવિનાશી સુખ છે. ૩પ.

PDF/HTML Page 12 of 17
single page version

background image
જેઠ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૩૯ :
નિમિત્ત.
અવિનાશી ઘટ ઘટ બસૈ, સુખ કયોં વિલસત નાહિં;
શુભ નિમિત્તકે યોગ બિન, પરે પરે વિલલાહિં. ૩૬.
અર્થ:– નિમિત્ત કહે–અવિનાશી (સુખ) તો ઘટ
ઘટ (દરેક જીવ) માં વસે છે, તો જીવોને સુખનો વિલાસ
(ભોગવટો) કેમ નથી? શુભ નિમિત્તના યોગ વગર
જીવ ક્ષણેક્ષણે દુઃખી થઈ રહ્યો છે. ૩૬.
ઉપાદાન.
શુભ નિમિત્ત ઈહ જીવકો, મિલ્યો કઈ ભવસાર.
પૈ ઈક સમ્યક દર્શ બિન, ભટકત ફિર્યો ગંવાર. ૩૭.
અર્થ:– ઉપાદાન કહે–શુભ નિમિત્ત આ જીવને
ઘણા ભવોમાં મળ્‌યું, પણ એક સમ્યગ્દર્શન વિના આ
જીવ ગમારપણે (અજ્ઞાનભાવે) ભટકયા કરે છે. ૩૭.
નિમિત્ત
સમ્યક દર્શ ભયે કહા, ત્વરિત મુક્તિમેં જાહિં;
આગે ધ્યાન નિમિત્ત હૈં, તે શિવકો પહુંચાહિં. ૩૮.
અર્થ:– નિમિત્ત કહે–સમ્યગ્દર્શન થયે શું થયું? શું
તેથી તુરત જ મુક્તિમાં જવાય છે? આગળ પણ ધ્યાન
નિમિત્ત છે, તે શિવ (મોક્ષ) પદમાં પહોંચાડે છે. ૩૮.
ઉપાદાન
છોર ધ્યાનકી ધારના, મોર યોગકી રીતિ;
તોર કર્મકે જાલકો જોર લઈ શિવપ્રીતિ. ૩૯.
અર્થ:– ઉપાદાન કહે–ધ્યાનની ધારણા છોડીને,
યોગની રીતિને સમેટી લઈને, કર્મની જાળને તોડી,
પુરુષાર્થ વડે શિવપદની પ્રાપ્તિ જીવ કરે છે. ૩૯.
નિમિત્તનો પરાજ્ય.
તબ નિમિત્ત હાર્યો તહાં, અબ નહિં જોર બસાય;
ઉપાદાન શિવ લોકમેં, પહુંચ્યો કર્મ ખપાય. ૪૦.
અર્થ:– ત્યારે નિમિત્ત ત્યાં હાર્યું. હવે તે કાંઈ જોર
કરતું નથી. ઉપાદાન શિવલોકમાં (સિદ્ધપદમાં) કર્મનો
ક્ષય કરી પહોંચ્યું. ૪૦.
ઉપાદાનની જીત.
ઉપાદાન જીત્યો તહાં, નિજબલ કર પરકાસ;
સુખ અનંતધ્રુવ ભોગવૈં, અંત ન બરન્યો તાસ. ૪૧.
અર્થ:– ઉપાદાન ત્યાં જીત્યું, પોતાના બળનો
પ્રકાશ કર્યો, ત્યાં અનંત સુખ ધ્રુવ (નિશ્ચળ) પણે
ભોગવે છે. તેના વર્ણનનો અંત આવી શકે નહીં ૪૧.
.
ઉપાદાન અરુ નિમિત્ત યે, સબ જીવનપૈ વીર;
જો નિજશક્તિ સંભારહીં, સો પહુંચે ભવતીર ૪૨.
અર્થ:– ઉપાદાન અને નિમિત્ત એ બધા જીવોને
હોય છે પણ જે વીર છે તે નિજશક્તિને સંભાળી લે છે
અને ભવનો પાર પામે છે. ૪૨.
આત્માનો મહિમા.
ભૈંયા મહિમા બ્રહ્મકી, કૈસે બરની જાય;
વચનઅગોચર વસ્તુ હૈ, કહિબો બચન બનાય. ૪૩.
અર્થ:– (ભગવતીદાસ) ભૈયા કહે છે–બ્રહ્મની
[આત્માની] મહિમા કેમ વર્ણવી જાય? તે વસ્તુ
વચનથી અગોચર છે–કયા વચનો વડે બતાવાય? ૪૩.
સરસ સંવાદ.
ઉપાદાન અરુ નિમિત્ત કો, સરસ બન્યો સંવાદ;
સમદ્રષ્ટિકો સુગમ હૈં, મૂરખકો બકવાદ. ૪૪.
અર્થ:– ઉપાદાન અને નિમિત્તનો આ સુંદર
સંવાદ બન્યો છે. સમ્યગ્દ્રષ્ટિને તે સહેલો છે, મૂર્ખને
બકવાદરૂપ લાગશે. ૪૪.
આત્માના ગુણને ઓળખે તે આ સ્વરૂપ જાણે.
જો જાનૈ ગુણ બ્રહ્મકે, સો જાનૈ યહ ભેદ;
સાખ જિનાગમકો મિલૈ, તો મત કીજ્યો ખેદ. ૪પ.
અર્થ:– આત્માના ગુણને જે જાણે તે આનો મર્મ
જાણે. સાક્ષી જિનાગમથી મળે છે, માટે ખેદ કરવો નહિ.
આગ્રામાં સંવાદ રચ્યો.
નગર આગરો અગ્રહૈ, જૈની જનકો બાસ;
તિહંથાનક રચનાકરી, ‘ભૈયા’ સ્વમતિ પ્રકાસ. ૪૬.
અર્થ:– આગ્રા શહેર જૈની જનોના વાસ માટે
અગ્ર છે. તે ક્ષેત્રે આ રચના (ભગવતીદાસ) ભૈયાએ
પોતાના જ્ઞાનના પ્રકાશ માટે કરી છે. ૪૬.
વર્ષ
સંવત વિક્રમ ભૂપ કો, સત્રહસૈ પંચાસ;
ફાલ્ગુણ પહિલે પક્ષમેં, દશોં દિશા પરકાશ. ૪૭.
અર્થ:– વિક્રમ રાજાના સંવત ૧૭પ૦ ના
ફાગણના પ્રથમ પક્ષમાં દશે દિશામાં (સુદ ૧પ ના
રોજ) આનો પ્રકાશ થયો. ૪૭.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૪૦ : આત્મધર્મ જેઠ : ૨૦૦૧
અસ્તિ નાસ્તિનું સુદર્શન ચક્ર ધારણ કરનાર
જૈન શું માને છે?
જૈનો કર્મવાદી નથી.
કર્મ તો જડ છે, જૈનો જડવાદી નથી, પણ આત્મસ્વભાવને માનનારા છે. આત્માનો ચૈતન્ય સ્વભાવ છે, તે
સ્વભાવમાં જડ કર્મ તો નથી પરંતુ રાગદ્વેષ પણ નથી. એટલે જૈનો જડ કર્મવાદી તો નથી જ, અને જે પુણ્યપાપના
વિકારભાવ થાય તેને પણ જૈનો આત્માનો સ્વભાવ માનતા નથી. એ રીતે જૈનો વિકારવાદી પણ નથી. જૈનો તો
પરિપૂર્ણ પવિત્ર ચૈતન્ય આત્મ સ્વભાવને માનનારા છે, અને તે આત્મ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે જ
ધર્મ છે, શુભ કે અશુભ વિકલ્પ ઊઠે તે ધર્મ નથી. પુણ્ય–પાપ તે પરાશ્રય છે અને ધર્મ તો સ્વાશ્રય સ્વભાવ છે;
પરાશ્રયભાવમાં ધર્મ માનવો તેને ભગવાને મિથ્યાત્વ કહ્યું છે. [તા. ૧૬–૪–૪પ ચર્ચાના આધારે]
કર્મ આત્માને પુરુષાર્થ કરતાં રોકી શકે નહિં.
કયું કાર્ય જડ કરે અને કયું કાર્ય ચેતન કરે એ નહિ સમજનારા જીવો સામાન્ય રીતે બે પ્રકારની ભૂલ કરે
છે. (૧) હું પરવસ્તુનું કાર્ય કરી શકું અને (૨) કર્મ આત્માને પુરુષાર્થ કરતાં રોકે. જડ વસ્તુઓનું કાર્ય હું કરી
શકું અને હું પુરુષાર્થથી તેમને મેળવી કે છોડી શકું–એટલે કે જડનાં કાર્યોમાં આત્માનો પુરુષાર્થ ચાલે–એમ જે
માને છે તે ‘જડવાદી’ છે, કેમકે તે આત્માને જડનો કર્તા માને છે. તે જીવ જૈનધર્મનું સ્વરૂપ જાણતો નથી.
આપણા ભવિતવ્યમાં મુક્તિ હોય તો પુરુષાર્થ જાગે, કર્મનું જોર ઓછું થાય તો આત્મામાં પુરુષાર્થ જાગે
અને કર્મના ઉદય અનુસાર પુરુષાર્થ થાય–એમ માનનાર અજ્ઞાની જીવ છે કેમકે આત્માનો પુરુષાર્થ તથા મુક્તિ
જડ કર્મને આધીન તે માને છે–તે ‘કર્મવાદી’ છે. અને કર્મ જડ હોવાથી તેઓ પણ ‘જડવાદી’ છે
આત્મસ્વભાવવાદી નથી, જૈન નથી.
ક્યાં જડ કાર્ય કરે અને ક્યાં ચૈતન્યનો પુરુષાર્થ કાર્ય કરે તેનું સ્વરૂપ જેઓ નથી જાણતા તેઓ અજ્ઞાની
છે. કર્મ અને પુરુષાર્થનું સ્વરૂપ શું તથા તેઓ ક્યાં કઈ રીતે કાર્ય કરી શકે છે તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે:–
કર્મ= પૂર્વે આત્માએ કરેલા શુભાશુભ ભાવનું નિમિત્ત પામીને જડ પરમાણુઓનો આત્મા સાથે
અમુકકાળ સંયોગ રહે છે, તે પરમાણુઓને ‘કર્મ’ કહેવામાં આવે છે, તે જડ છે.
પુરુષાર્થ= આત્માના વીર્ય ગુણની અવસ્થા તે આત્માનો પુરુષાર્થ છે.
કઈ ક્રિયા આત્માના પુરુષાર્થને આધીન છે અને કઈ ક્રિયા કર્મને આધીન છે તેનો ખુલાસો––
સંસારમાં થતા પર વસ્તુના સંયોગ–વિયોગના કાર્યો કર્મના ઉદય અનુસારે થાય છે, એટલે કે પૈસા
મળવા, સ્ત્રી મળવી, શરીર અનુકુળ રહેવું એ વગેરે જડના સંયોગ વિયોગના કાર્ય અઘાતી કર્મના ઉદય અનુસાર
થાય છે, આત્મા તે કાર્યો કરી શકતો નથી. બહારની સામગ્રી હું મારા વર્તમાન પુરુષાર્થથી મેળવી શકું કે હું તેને
સરખી રાખી શકું–એમ જે માને છે તે જીવ પોતાનો પુરુષાર્થ જડમાં થઈ શકે એમ માને છે–તેથી તે ‘જડવાદી’ છે.
તેને વસ્તુના સ્વભાવની ખબર નથી.
મોક્ષ પામવા માટે આત્માનો પુરુષાર્થ કાર્ય કરી શકે છે. મોક્ષ સાધનમાં પુરુષાર્થ તે ઉપાદાન છે અને
પુરુષાર્થ કરે ત્યારે સમ્યગ્જ્ઞાની પુરુષોનો ઉપદેશ અને સત્સમાગમ નિમિત્તરૂપે હોય છે. મોક્ષ તો આત્માના
સ્વતંત્ર પુરુષાર્થથી જ થાય છે. જે સત્ય પુરુષાર્થ કરે તેની મુક્તિ થાય, જે સત્ય પુરુષાર્થ ન કરે તેની મુક્તિ ન
થાય. સત્યપુરુષાર્થ કરતાં આત્માનું શુદ્ધતારૂપી જે કાર્ય પ્રગટે તે જ ભવિતવ્ય છે. મોક્ષ સંબંધી કાર્ય પુરુષાર્થ
પ્રમાણે થાય છે, તેમાં કર્મનું કાંઈ ચાલતું નથી. આત્માનો પુરુષાર્થ સ્વતંત્ર છે. પુરુષાર્થ ન કરે ત્યાં ભવિતવ્ય પણ
હોય નહિ. મુક્તિરૂપી કાર્ય પુરૂષાર્થથી જ પ્રગટે છે. [ચર્ચાના આધારે] જે પુરુષાર્થને નથી માનતા તે આત્માને
જ માનતા નથી.
આજીવન બ્રહ્મચર્ય
આ સંસ્થાના એક આગળ પડતા કાર્યકર રાણપુરના શેઠ નારણદાસ કરસનજી [ઉંમર વર્ષ ૪૨] તથા
તેમનાં ધર્મપત્ની સમતાબેન [ઉંમર વર્ષ ૪૧] તેઓએ સજોડે વૈશાખ વદ ૮ તા. ૪–૬–૪પ રવિવારના રોજ
પૂજ્ય સદ્ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે.

PDF/HTML Page 14 of 17
single page version

background image
જેઠ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૪૧ :
આત્મામાં અનંત ગુણો છે, તેમાં વીર્ય–પુરુષાર્થ પણ એક ગુણ છે; વીર્ય ગુણ અનાદિ–અનંત છે, આત્મા
ત્રિકાળ વીર્ય સ્વરૂપ છે; તે પુરુષાર્થ ગુણ દરેક સમયે પોતાનું કાર્ય કરી જ રહ્યો છે; એટલે કે દરેક સમયે સવળો
કે ઊંધો પુરુષાર્થ તો કર્યા જ કરે છે. જો એક સમય પણ પુરુષાર્થ વગર જતો હોય તો ત્રિકાળી દ્રવ્યના જ
અભાવનો પ્રસંગ આવી પડે છે. એક સમય પણ જો પુરુષાર્થરૂપી અવસ્થા ન હોય તો અવસ્થાના અભાવમાં
ગુણનો અભાવ થયો, અને ગુણનો અભાવ થતાં આખું દ્રવ્ય જ ન રહ્યું; આ રીતે જે પુરુષાર્થને સ્વીકારતો નથી
તે આખા દ્રવ્યને જ સ્વીકારતો નથી; કેમકે દ્રવ્ય ત્રિકાળ છે, તેમાં પુરુષાર્થ ગુણ ત્રિકાળ છે, અને તે ગુણ દરેક
સમયે પોતાનું કાર્ય કરી જ રહ્યો છે. અવસ્થા ગુણ વગર હોય નહિ અને ગુણ ગુણી વગર હોય નહિ, જે જીવ
અવસ્થાનો નકાર કરે છે તે ગુણનો નકાર કરે છે; અને ગુણના અભાવમાં ગુણીનો પણ અભાવ આવી પડે છે.
તેથી જે સ્વતંત્ર પુરુષાર્થને નથી સ્વીકારતો અને કર્મને આધીન પુરુષાર્થ માને છે તે આખા ત્રિકાળી દ્રવ્યનો જ
નકાર કરે છે. આખા દ્રવ્યના નકારનું ફળ અનંત સંસાર જ છે, તેથી જે પુરુષાર્થને નથી સ્વીકારતો તે જીવ
અનંત સંસારી છે. જૈનધર્મ વસ્તુના પરિપૂર્ણ સ્વભાવને સ્વીકારે છે, અને વસ્તુના પરિપૂર્ણ સ્વભાવમાં પુરુષાર્થ
પણ પરિપૂર્ણ જ છે, એટલે જૈનો પરિપૂર્ણ પુરુષાર્થને માનનારા–સ્વભાવવાદી–છે.
[મોક્ષમાર્ગ પ્રકાશકના વ્યાખ્યાનમાંથી]
જૈનો ત્યાગ પ્રધાની નથી
કેટલાકો માત્ર ત્યાગ ઉપરથી જૈનધર્મની મહત્તા માને છે, પરંતુ તે માન્યતા બરાબર નથી. જૈનધર્મ ત્યાગ
પ્રધાની નથી, પણ અનેકાંત માર્ગ એજ જૈન ધર્મની મુખ્યતા છે, ત્યાગ તે તો નાસ્તિ છે, અસ્તિસ્વરૂપ વગર
નાસ્તિ હોય નહિ એટલે કે પહેલાંં હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એ જાણ્યા વગર ત્યાગ કોનો? પર વસ્તુના ત્યાગનું
કર્તાપણું આત્માને નથી કેમકે પર વસ્તુ તો આત્માથી જુદી જ છે. હવે આત્માના સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન અને
સ્થિરતારૂપ અસ્તિના જોરે પરભાવરૂપ વિકારનો ત્યાગ તેનું નામ નાસ્તિ છે. આત્માના અસ્તિસ્વરૂપના ભાન
વગર રાગાદિની નાસ્તિ થાય નહિ. અસ્તિ–નાસ્તિ સ્વરૂપ અનેકાંત એ જ જૈનધર્મની પ્રધાનતા છે. એટલે કે
માત્ર ત્યાગ તે જૈનધર્મની પ્રધાનતા નથી, પણ વસ્તુ સ્વરૂપની સ્વથી પરિપૂર્ણતા, દરેક દ્રવ્યનું જુદાપણું––સ્વથી
અસ્તિપણું અને પરથી નાસ્તિપણું એવો સ્વભાવ એ જ જૈનધર્મની પ્રધાનતા છે.
[૨૯ – પ – ૪પ ના વ્યાખ્યાનમાંથી]
जय समयसर
“બનાવું પત્ર કુંદનનાં, રત્નોનાં અક્ષરો લખી;
તથાપિ કુંદસુત્રોનાં; અંકાયે મૂલ્ય ના કદી.”
૧–વૈશાક વદ ૮ તે શ્રી સમયસારજી શાસ્ત્રની પ્રતિષ્ઠાનો માંગલિક દિવસ છે; તે માંગલિક દિવસે જસાણી
કાળીદાસ રાઘવજીના સુપુત્રો તરફથી ચાંદીનું સમયસાર– (જેમાં ચાંદીના પાનાંઓ ઉપર શ્રી કુંદકુંદ ભગવંતની
મૂળ ગાથાઓ કોતરેલી છે) જેની કિંમત લગભગ રૂા. ચાર હજાર છે તે, શ્રી જૈન સ્વાધ્યાય મંદિરને ભેટ
આપવામાં આવ્યું છે. આ ભેટ ઇંદોરના સર હુકમીચંદજી શેઠના હસ્તકે આપવામાં આવી હતી.
૨–ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયપ્રાભૃતની રચના કરી, અમૃતચંદ્રાચાર્યદેવે તેના ઉપર ભગવતી
આત્મખ્યાતિ ટીકા કરી અને સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીએ, આચાર્યદેવોએ વર્ણવેલા સમયપ્રાભૃતના ગૂઢ
રહસ્યોને અત્યંત વિસ્તૃત પ્રવચનો દ્વારા ખુલ્લાં કર્યાં છે; અને એ પ્રવચનો ‘સમયસાર પ્રવચન’ તરીકે છપાઈને
પ્રગટ થાય છે.
આ સમય પ્રાભૃતને આચાર્યદેવે નાટકરૂપે ગુથ્યું છે. આ પરમાગમ શાસ્ત્રના રચનાર, ટીકાકાર અને
પ્રવચનકાર એ ત્રણે કરાર કરે છે કે આ ૪૧પ ગાથામાં ગુંથાયેલા નાટક દ્વારા, નાટક જોનારને, જેવો કેવળી
ભગવાને પૂર્ણ આત્મા જોયો છે તેવો જ દર્શાવી દેશું; એટલે આ સમય પ્રાભૃતશાસ્ત્ર એક વાર પણ યથાર્થ
સાંભળનાર જીવ આત્માના પૂર્ણ સ્વરૂપને અવશ્ય પામશે જ. આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા ઈચ્છતા મુમુક્ષુ જીવોને
આ સમયસાર–પ્રવચનોનો અભ્યાસ કરવો જરૂરી છે. તેનો પહેલો ભાગ અગાઉ બહાર પડી ગયો છે–જેની કિંમત
રૂા. ૩ છે. અને તેનો ત્રીજો ભાગ [ગાથા–૨૩ થી ૬૮] વૈશાક વદ ૮ ના મંગળ દિને બહાર પડ્યો છે–આ
ભાગનાં પાનાં લગભગ ૭૦૦ છે–તેની કિંમત રૂા. ૩–૦–૦ છે.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૪૨ : આત્મધર્મ જેઠ : ૨૦૦૧
શ્રી સનાતન જૈન શિક્ષણ વર્ગ
સનગઢ
પરીક્ષા
તા. ૩૦ – પ – ૧૯૪પ
સમય: સવરન ૯ – ૩૦ થ ૧










સુવર્ણપુરીમાં દર વર્ષે
ઉનાળાની રજા દરમિયાન જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી
એક શિક્ષણ વર્ગ ખોલવામાં
આવે છે અને તેમાં જૈન
દર્શનના સિદ્ધાંતોનું શિક્ષણ
આપવામાં આવે છે. આ વર્ષે
ખોલવામાં આવેલા વર્ગમાં
૧પ૦ વિદ્યાર્થીઓ દાખલ થયા
હતા. તેમને શ્રી જૈન સિદ્ધાંત
પ્રવેશિકા અધ્યાય–૨, છહ ઢાળા
તથા આત્મસિદ્ધિશાસ્ત્ર
શીખવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓનો સમજવાનો પ્રેમ
અને ઉત્સાહ, શિક્ષકોની
સમજાવવાની શૈલી, અને પૂજ્ય
ગુરુદેવશ્રી તરફથી વારંવાર
મળતી ઉત્સાહવર્ધક
પ્રેરણાઓથી અભ્યાસક્રમ ઘણી
જ સુંદર રીતે ચાલ્યો હતો. વર્ગ
પૂરો થતાં પરીક્ષા લેવામાં આવી
હતી–તેમાં પૂછાયેલ પ્રશ્ન–પત્ર
બાજુમાં દર્શાવ્યા મુજબ હતું...
ગમે તે ત્રણ પ્રશ્નોના જવાબ લખો.
૧. (ક) સંસારવૃક્ષનું મૂળિયું શું છે અને તે મૂળને છેદવા મુમુક્ષુએ શું કરવું
તે સ્પષ્ટ રીતે સમજાવો.
(ખ) ધર્મ કરવો કોને સહેલો પડે–ધનવાનને કે નિર્ધનને? શા માટે?
(ગ) શ્રી સમયસારનો કોઈ કળશ અર્થ સાથે લખો.
૨. (ક) નીચેના પદાર્થોમાંથી દ્રવ્યો, ગુણોને પર્યાયો ઓળખી કાઢો. ૧૬
(૧) કેવળજ્ઞાન, (૨) ગળપણ, (૩) નિશ્ચયકાળ, (૪) અરૂપીપણું,
(પ) તાવ, (૬) તાવ ઉપર દ્વેષ, (૭) સમુદ્ઘાત, (૮) ગતિહેતુત્વ.
(ખ) ઉપરના આઠ પદાર્થોમાં જે દ્રવ્યો હોય તેમનાં મુખ્ય લક્ષણ કહો.
(ગ) ઉપરના પદાર્થોમાં જે ગુણ હોય તે કયા દ્રવ્યોના છે તે લખો.
(ઘ) ઉપરના પદાર્થોમાં જે પર્યાયો હોય તે કયા ગુણોની છે તે જણાવો.
૩. (ક) નિશ્ચયચારિત્ર એટલે શું? ચારિત્રને ‘વેળુના કોળિયા’ જેવું કેમ
કહેવામાં આવે છે?
(ખ) જઘન્ય, મધ્ય ને ઉત્તમ અંતરાત્મા કોને ગણવામાં આવે છે?
મહાકષ્ટથી વેળુના કોળિયા જેવું ચારિત્ર પાળનાર પંચમહાવ્રતધારી
મુનિ અંતરાત્માના ત્રણ ભેદોમાંથી કયા ભેદમાં સમાય?
(ગ) આઠ કર્મના નામ લખો. જ્ઞાનાવરણીય કર્મ આત્મા પર જોર
કરીને તેના જ્ઞાનને રોકે છે કે નહિ તે સમજાવો.
(ઘ) ત્રીંદ્રિય જીવોને કયા કયા દ્રવ્યપ્રાણ હોય? નવ દ્રવ્યપ્રાણ કયા
જીવને હોય? કયા જીવને એક્કે દ્રવ્યપ્રાણ ન હોય?
(ડ) નિકલ પરમાત્મા કોને કહેવામાં આવે છે? તેમને કોઈ પરદ્રવ્યનો
સંગ નહિ હોવા છતાં સુખ કેમ હોય?
સંબંધી શી ભૂલો થાય છે તે દાખલાઓ આપી સ્પષ્ટ કરો.
(ખ) કેટલાં દ્રવ્યો અનાદિ અનંત છે? કયા ગુણને લીધે? જીવના
અનુજીવી વિશેષ ગુણોમાંથી પાંચનાં નામ લખો.
(ગ) આંખથી શ્રી સીમંધર ભગવાનનાં દર્શન કરવાં તે દર્શનચેતનાનો
વ્યાપાર છે કે જ્ઞાનચેતનાનો? દર્શનચેતનાના ચાર ભેદોમાંથી અથવા
જ્ઞાનચેતનાના પાંચ ભેદોમાંથી ક્યો ભેદ તે વખતે વર્તે છે?
(ઘ) ‘અનેકાન્ત’ સમજાવવા બે દાખલા આપો.
આત્મા કોઈ પણ પુદ્ગલને ન હલાવી શકે એમ માનવાથી એકાંત થઈ
જાય છે; આત્મા સૂક્ષ્મ પુદ્ગલને–પરમાણુને–ન હલાવી શકે, પરંતુ સ્થૂલ–
પુદ્ગલરૂપ ડુંગરાઓને તો ખોદી શકે એમ માનવું તે અનેકાન્તની સાચી
માન્યતા છે’ આ કથન ખરું છે કે નહિ તે સમજાવો.

PDF/HTML Page 16 of 17
single page version

background image
(છેલ્લાં પાનથી ચાલુ)
मैं फेर कहता हूं के यह संस्थाकी उन्नत्तिके लीये
मेरे तरफसे रु
. १२५०१ बारह हजार पांचसो एक
और घरमेंसे [शेठाणीजी तरफसे] रु. १२५०१ आ
संस्थाको अर्पण करता हूं.”
આ ઉપરાંત તે જ વખતે શેઠાણીજી પ્યારકુંવરજી
તરફથી રૂા. ૧૦૦૧ ની રકમ શેઠજીએ જાહેર કરી, પરંતુ
તે રકમ વધારીને શેઠાણીજીએ પોતા તરફથી રૂા.
પ૦૦૧ જાહેર કર્યા.
શેઠજી બરાબર ધ્યાન પૂર્વક ઉત્સાહથી
વ્યાખ્યાન સાંભળતા હતા. મોક્ષમાર્ગ પ્રકાશકના
નિશ્ચય–વ્યવહારની સંધીનું વ્યાખ્યાન સાંભળીને તેઓ
વ્યાખ્યાન વચ્ચે જોસથી બોલી ઉઠયા હતા કે––
महाराजजी! कोइ लोग तो कहते थे के आप
व्यवहारका लोप करते हो, लेकिन मैं समझता हुं
के आप तो निश्चय–व्यवहारका सच्चाज्ञान
दीखलाते हो
“કર્મ તો જડ ચીજ છે, તે આત્માને કાંઈ કરી
શકે નહિ, આત્માનો પુરુષાર્થ સ્વતંત્ર છે, કર્મ તેને રોકી
શકતા નથી; આ વાત તો જેને અનંત ભવનો નાશ
કરીને એક બે ભવમાં મુક્તિ લેવી હોય તેને માટે છે”
આમ જ્યારે વ્યાખ્યાનમાં પૂ. ગુરુદેવ પુરુષાર્થની વાત
જોરપૂર્વક કહેતા ત્યારે શેઠજી ખૂબ ઊછળી જતા અને
એકવાર તો સભા વચ્ચે ખૂબ જોસથી બોલી ઉઠયા કે
हमने जरुर मोक्ष लेना है–महाराजजी!
पुरुषार्थ से ही मुक्ति होती है, हमारा महान पुण्यसे
ही आपका जन्म हुआ है
.
શેઠજીની ખાસ માગણીથી વદ–૭, ના રોજ રાત્રે
ભક્તિ રાખવામાં આવી હતી અને ‘સીમંધર મુખથી
ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે... ’ એ સ્તવન
શેઠજીના કહેવાથી ગાવામાં આવ્યું હતું કે જે સાંભળતા
શેઠજી ઘણા ખુશ થયા હતા. તે ઉપરાંત બીજાં પણ ત્રણ
સ્તવનો ગવાયાં હતાં.
ત્રીજી તારીખના રોજ સવારે વ્યાખ્યાન પહેલાંં
આત્મધર્મ માસિકના પ્રચાર માટે રૂા. ૧૦૦૧ ભેટ
આપતાં તેઓએ કહ્યું હતું કે–– ‘
महाराजजी का यह
अद्भुत तत्त्वज्ञान तमाम दुनियामें सब भाषामें
प्रचार होवे ऐसी हमारी भावना है, और हिंदी
भाषा का बहोत प्रचार है इसलिये महाराजजी का
वचन का गुजरातीमें जो पत्र नीकलता है और
उनका जो हिंदीमें कोपी नीकलता है उनका
प्रचार के लीये रु
. १००१ में मदद करता हूं.’
વ્યાખ્યાન પછી તેઓ હંમેશ એક સ્તવન
બોલતા. વૈશાક વદ ૮ ના રોજ શ્રી સમયસારજી
પ્રતિષ્ઠાનો વાર્ષિક મહોત્સવ હોવાથી સવારે શ્રી
સમયસારજીની રથયાત્રા નીકળી હતી તેમાં શેઠજી
સાથે ફર્યા હતા; તથા પૂ. ગુરુદેવ જ્યારે આહાર લેવા
પધાર્યા હતા ત્યારે રાણપુરના શેઠ નારણદાસ
કરસનજીના ઘેર શેઠજીએ આહાર દાનનો લાભ લીધો
હતો. બપોરે વ્યાખ્યાન પછી શેઠજીએ તથા શેઠણીજીએ
સાથે મળીને જ્ઞાનપૂજા ભણાવી હતી, પૂજામાં તેમનો
ઘણો ઉલ્લાસ હતો.
તા. ૪ ની સાંજે તથા તા. પ ની સવારે તેઓ,
સમ્યગ્દ્રષ્ટિ જીવનું પરિણમન કેવું થઈ ગયું હોય છે–તે
સંબંધી એક સ્તવન બોલ્યા હતા–જે આ અંકમાં
અન્યત્ર આપવામાં આવ્યું છે.
હમેશાં તાત્ત્વિક ચર્ચા પણ થતી હતી; તે ચર્ચા
ચાલતાં તા–૪ ના રોજ શેઠજી એકદમ ઉલ્લાસ પૂર્વક
બોલી ઉઠયા હતા કે “
मेरेमें तो आटला [इतना]
ज्ञान नहि हैं, शास्त्रका ऐसा रहस्य मैं नहि जानता
हूं, लेकिन अंतःकरणसे मैं कह देता हूं की आपकी
बात ही सच्ची हैं
. मैं आपकी बात तो पहेले
आत्मधर्मसे सूनता था, किन्तु जब सभामें आया
तब अबी मुझे निश्चय हो गया है कि आप कहता
है सोही सच्च है–और अपूर्व है
.
સર શેઠજી હુકમીચંદજી સાહેબનું સુવર્ણપુરીમાં પૂજ્ય
સદ્ગુરુદેવ પાસે આગમન અને પરિચય તે સનાતન જૈનધર્મની
મહાન પ્રભાવનાનું કારણ થયું છે.
મુદ્રક– પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી,
શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ. તા. ૯–૬–૪પ

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARAM With the permissdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31-10-44
સુવર્ણપુરીમાં મહા માંગલિક મહોત્સવ
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી છેલ્લાં દસ વર્ષ થયા સનાતન જૈનધર્મની અદ્ભુત પ્રભાવના
કરી રહ્યા છે, તેમના દ્વારા અધ્યાત્મજ્ઞાનનો ઘણો જ પ્રચાર થયો છે, તે પ્રચારથી હિંદભરમાં ઘણાં ભવ્યજીવોને
લાભ થયો છે અને તેથી ઘણા મુમુક્ષુઓ તેમના પ્રત્યક્ષ દર્શન તથા સત્સંગનો લાભ લે છે. સનાતન જૈનધર્મના
ખાસ અનુયાયી ઇંદોરના ધર્મપ્રેમી શ્રીમંત શેઠ સર હુકમીચંદજી એ પણ પૂ. ગુરુદેવ સંબંધે સાંભળ્‌યું હતું તેમ જ
‘આત્મધર્મ’ માસિક પત્ર દ્વારા તેમના વ્યાખ્યાનો વગેરે વાંચ્યા હતા, તેથી તેમને પૂ. ગુરુદેવનો પ્રત્યક્ષ પરિચય
કરવાની ઘણા વખતથી ભાવના હતી. ગત ચૈત્ર માસમાં તેઓ આવવાના હતા પરંતુ સંજોગવશાત્ આવવાનું
બન્યું ન હતું. આખરે વૈશાક વદ–૬
[તા. ૧–૬–૪પ] ના રોજ પરોઢીયે લગભગ ચાર વાગે તેઓ મોટર દ્વારા
સોનગઢ પધાર્યા. [વૈશાક વદ ૬ તથા ૮ ના દિવસોમાં વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગ હોવાથી તથા શેઠજી
આવવાના સમાચાર સાંભળવાથી બહારગામથી લગભગ એક હજાર માણસો આવ્યા હતા.] શેઠજી સાથે
દાનશીલા શેઠાણીજી કંચન બેન, દાનશીલા શેઠાણીજી પ્યાર કુંવરજી [શેઠજીના સ્વ. બંધુ કલ્યાણમલ્લજીના ધર્મ
પત્ની], શેઠ ફત્તેચંદ્રજી, શેઠ નાથાલાલજી, પં૦ જીવનધરજી, પં૦ નાથુલાલજી, સેક્રેટરી શ્રીયુત ગુલાબચંદજી તથા
હજારી મલજી–મુનિમ વગેરે હતાં; તેઓ આવ્યા તે દિવસે સવારે પહેલી જ વાર પૂ. ગુરુદેવના દર્શન કરતાં તેઓ
ઘણા આનંદમાં આવી ગયા હતા, અને સવારનું પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન સાંભળતાં તેમના ઉપર જુદી જ
જાતની અસર થઈ હતી વ્યાખ્યાનમાં તેઓ બોલી ઉઠયા હતા કે–“
कुंदकुंद भगवानने तो शास्त्रोमें सब कहा
है, किन्तु उसका रहस्य समजाने के लिये आपकाथ जन्म है.” જ્યારે વ્યાખ્યાનમાં સમ્યગ્દ્રષ્ટિ સંબંધી વાત
આવતી ત્યારે તેઓ ખૂબ આનંદમાં આવી જતાં અને વારંવાર ઉત્સાહથી બોલી ઉઠતાં કે “सम्यग्द्रष्टि के बिना
कोई यह बात नहि समज सक्ता, मिथ्याद्रष्टि–अज्ञानी जीव आपकी बात नहि स्वीकार सक्ता, सम्यग्द्रष्टि
जैसा जीवो ही आपकी बात समज सक्ता है, हमने बहोत आनंद होता है
” આ વાક્ય તો તેઓ હમેશાં
વ્યાખ્યાનમાં અનેકવાર જુસ્સાથી બોલતા હતા.
સોનગઢમાં આવ્યાને હજુ તેમને છ કલાક થયા હતા અને પૂ. ગુરુદેવશ્રીનો એક કલાકનો જ પરિચય
થયો હતો, એટલા ટુંક વખતમાં તા–૧ ના રોજ વ્યાખ્યાન પછી તેમણે પોતા તરફથી રૂા. પ૦૦૧ ની સખાવત
સ્વાધ્યાય મંદિરને જાહેર કરી હતી. તથા તેમની સાથેના શેઠજી ફત્તેચંદજીએ રૂા. પ૦૧ જાહેર કર્યા હતા.
હમેશાં વ્યાખ્યાન પછી પોતે કોઈ ને કોઈ અધ્યાત્મનું પદ ગાતાં હતાં. તા. ૧ ના રોજ વ્યાખ્યાન પછી
દેરાસરજી, સમોસરણ મંદિર વગેરે જોયાં હતાં. સમવસરણમાં ‘શ્રી સીમંધર ભગવાન સન્મુખ શ્રી કુંદકુંદ
ભગવાન હાથ જોડીને વંદન કરતાં ઉભા છે’
તે દ્રશ્ય જોઈને આનંદિત થયા હતા અને આવું જ એક
સમવસરણ ઇંદોરમાં બનાવવાનું તેઓએ નક્કી કર્યું છે, તે માટે અહીંના સમવસરણનું માપ તથા ફોટો લઈ
લીધાં છે.
વૈશાખ વદ–૬ ના રોજ શ્રી સમવસરણ મંદિરની પ્રતિષ્ઠાનો વાર્ષિક મહોત્સવ હોવાથી પ્રભુશ્રીની રથયાત્રા
નીકળેલ હતી તેમાં તેઓ પધાર્યા હતા, ત્યાં પ્રભુશ્રીનું પૂજન વગેરે થયાં હતાં.
તા. –૨ [વૈ–વદ–૭] સવાર સુધીમાં પૂ. ગુરુદેવશ્રીના ત્રણ વ્યાખ્યાનો સાંભળ્‌યાં ત્યાં તો તેમના અંતરમાં
અપૂર્વ પ્રભાવ પડી ગયો, અને આવા અધ્યાત્મ જ્ઞાનની પ્રભાવના માટે જે થાય તે ઓછું છે એમ તેમને લાગી
આવ્યું અને ગઈ કાલે જાહેર કરેલ રૂા. પ૦૦૧ ની રકમમાં મોટો વધારો કરવાનો તેઓએ નિર્ણય કર્યો, વ્યાખ્યાન
પછી તેઓએ કહ્યું કે–“
अहो सभाजनो! आपका बडा भाग्य हैं कि आप सत्पुरुषके अध्यात्म उपदेशका बडी
रुचिसे नित्य लाभ ले रहा हो. मैं तो तुच्छ आदमी हूं, आप तो बडे भाग्यवान हो। हमतो अल्प लाभ ले
सका हूं तौ भी हमारे आनंदका क्या कहूं? यदि यह अध्यात्म ज्ञान के लीये मेरा सब कुछ अर्पण किया
जाय तौ भी कम है
. मैंने जो रकम कल कही है उनके लीये
(વધુ માટે જુઓ પાછળનું પાનું)