Atmadharma magazine - Ank 222
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૨૨
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૬) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (ચૈત્ર : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ભગવાન મહાવીર
(૨૨૨)

PDF/HTML Page 3 of 25
single page version

background image
ભલે સો ઈન્દ્રોના તુજ ચરણમાં શિર નમતા,
ભલે ઈન્દ્રાણીનાં રતનમય સ્વસ્તિક બનતા;
નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા
સ્વરૂપે ડુબેલા નમન તુજને ઓ જિનવરા.

PDF/HTML Page 4 of 25
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૬) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (ચૈત્ર : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* મ.....હા.....વી......ર *
(બ્ર. હરિલાલ જૈન)

ચૈત્ર સુદ તેરસ......અંતિમ તીર્થંકરના જન્મકલ્યાણકનો મંગલ દિવસ. વિશ્વને જેણે સન્દેશ આપ્યો–
આત્મહિતના વીરમાર્ગનો, ને ધર્મની વૃદ્ધિ કરી.....એમનું મૂળ નામ વર્દ્ધમાન. આત્મ–સાધના વૃદ્ધિગત કરતા
કરતા તેઓ મહાવીર થયા.
ન લલચાયા તેઓ સંસારના કોઈ વૈભવથી.....કે ન ડર્યા તેઓ જગતની કોઈ પ્રતિકૂળતાથી; હા તેઓ
લલચાયા ખરા–ચૈતન્યના આનંદના અતીન્દ્રિય સ્વાદમાં, અને તેઓ ડર્યા–આ અસાર સંસારના
ભવભ્રમણથી.–અને છતાં તેઓ ‘વીર’ હતા....સામાન્ય વીર નહિ પણ મહાવીર હતા. વીતરાગી વીરતાવડે
રાગાદિ શત્રુઓને અત્યંતપણે જીતીને તેઓ વિજેતા હતા–જિન થયા.....અને તેઓશ્રીએ જગતને હાકલ કરી
વીરતાના માર્ગની. એ વીરહાક સુણીને અનેક ભવ્યો જાગ્યા....ગૌતમ જેવા ગણધર જાગ્યા.....ને શ્રેણીક જેવા
રાજવી જાગ્યા....ચંદનાસતી જેવી બહેનો જાગ્યા ને અભય જેવા રાજકુમારો પણ જાગ્યા.
એવા વીર પ્રભુના મંગલજન્મનો કલ્યાણકારી દિવસ ચૈત્ર સુદ તેરસે ભારતના ભક્તો આનંદથી
ઊજવશે.
સામાન્ય ભક્તજનતા તો માત્ર ચૈત્ર સુદ તેરસ જેવા દિવસોએ જ વીરપ્રભુનું સ્મરણ અને ગુણગાન
કરશે; પરંતુ ધર્માત્મા સમ્યગ્દ્રષ્ટિ જીવોએ તો આત્માના અસંખ્ય પ્રદેશોમાં વીરત્વ પ્રગટ કરીને–વીરપ્રભુને
અંતરમાં અભેદભાવે પધરાવ્યા છે. એટલે માત્ર ચૈત્ર સુદ તેરસે નહિ પણ સદાય–પ્રત્યેક ક્ષણે ને પ્રત્યેક સમયે
તેમના આત્મામાં વીરનાથનો મહિમા અને ગુણગાન કોતરાયેલા છે. એ રીતે આત્મધામમાં વીરપ્રભુને
બિરાજમાન કરીને વીરમાર્ગે તેઓ પ્રયાણ કરી રહ્યા છે–તેઓ છે ખરા ‘વીરપુત્ર!’
–એવો વીરમાર્ગે પ્રયાણનો એક ધન્ય પ્રસંગ ચૈત્રસુદ તેરસે સં. ૧૯૯૧માં બન્યો.....એ દિવસે
સોનગઢમાં પૂ. શ્રી કહાનગુરુએ સંપ્રદાય પરિવર્તન કરીને મહાવીરના શુદ્ધ દિગંબરમાર્ગે વીરતાપૂર્વક પ્રયાણ
કર્યું. તેમણે દરકાર ન કરી લોકાપવાદની, કે દરકાર ન કરી હજારો લાખો માનનારાઓની. એક જ દરકાર હતી
તેમને કે બસ, મારે તો વીરપ્રભુનો માર્ગ જોઈએ....જે પંથે વીરપ્રભુએ આત્મકલ્યાણ સાધ્યું–તે જ પંથ મારે
જોઈએ. અને તેમણે વીરમાર્ગના સત્યપંથની વીરહાક સુણાવી. એ વીરહાક સુણતાં જ હજારો જિજ્ઞાસુઓ
વીરની વાટે દોડી આવ્યા. સુનો પડેલો વીરમાર્ગ ફરીને આનંદ ભરેલા કોલાહલથી શોભી ઊઠયો....ને
વીરમાર્ગ પ્રકાશક કહાનગુરુના જયજયકારથી ભારત ગાજી ઊઠયું.
( “સુવર્ણ સન્દેશ” માંથી સાભાર)
* * * * * * *

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૨૨૨
* માનસ્તંભ–સ્તોત્ર *
દસ વર્ષ પહેલાં જ્યારે માનસ્તંભનું
ચણતરકામ ચાલતું હતું ત્યારે એ અજાયબી
ભરેલી મંગલ નવરચના દેખીને, તેમજ
માનસ્તંભ પ્રત્યે ગુરુદેવ વગેરેનો વિશિષ્ટ
પ્રમોદ દેખીને, ૬૩ કડીનું એક
માનસ્તંભસ્તોત્ર બનાવવાની ભાવના
થયેલી, પરંતુ ૬૩ને બદલે માત્ર ૨પ કડી
ભાંગીતૂટી ભાષામાં લખાયેલ, તે
“માનસ્તંભ પચ્ચીશી” આજે માનસ્તંભના
દસવર્ષીય મહાભિષેક પ્રસંગે ભક્તિપૂર્વક
અહીં આપવામાં આવી છે.
૧ ચાલો રે જીવો! જોવા વૈભવ ધર્મનો,
દૂરથી દીસે ગગનવિહારી નાથ જો.....
દર્શાવે એ વૈભવ શ્રી જૈન ધર્મનો
બિરાજે છે માનસ્તંભ મોઝાર જો
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૨ અતિશય ઉન્નત ધર્મનો છે સ્તંભ એ
જાણે એ તો પહૂંચે સિદ્ધપ્રભુ પાસ જો,
માનસ્તંભના શરણે આવી જે નમે
અવશ્ય પામે ઉન્નતિ મુક્તિધામ જો.....
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.

૩ જેના પ્રતાપે પથર પણ જનીક બન્યા....
–તીર્થંકરના મહિમાની શું વાત રે!!
પ્રભુજી સંગે પથર પણ પૂજાય તો–
આશ્ચર્ય શું ત્યાં આત્મ બને પરમાત્મ જો
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૪ માનસ્તંભ પુકારે જગના જીવને.....
–આવો! આવો! સર્વજ્ઞદેવને નીહાળવા
(આવો આવો સીમંધરનાથ નીહાળવા)
જેને નીરખતાં મિથ્યામાન તૂટી પડે
હૃદયે ઊછળે પ્રભુજીનાં સન્માન જો.....
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.
પ અહો! વૈભવ કેવો આ ભગવંતનો!
જેને જોતાં સંશય છુટી જાય રે.....
અચિંત્ય મહિમા આત્મ તણો હૃદયે વસી
દેખાડે એ ચૈતન્યનાં નિધાન જો.....
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૬ દેખો રે દેખો! વૈભવ શ્રી ભગવંતના
વર્તે છે જ્યાં ધર્મલબ્ધિનાં કાળ જો.....
ગાળી–ગાળી માન અનાદિ કાળનાં
જીવો પામે રત્નત્રય નિધાન જો.....
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.

PDF/HTML Page 6 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : પ :
૭ અદ્ભુત વૈભવ છે આ ધર્મના સ્તંભનો,
જુએ તેને ભાગ્યવંત ગુણવંત જો.....
ઓળંગીને ચાલો અંદર દેખીએ,
કેવો છે એ દિવ્ય પ્રભુ દરબાર જો.....
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૮ ઊંચે ઊંચે અંતરિક્ષ નીહાળજો.....
જાણે ગગને વિચરે છે ભગવાન જો.....
ભક્તો ઉપર કૃપા વરસે એહની,
ભક્ત મટીને ભગવંત એ થઈ જાય રે....
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.
૯ ઊંચા ઊંચા માનસ્તંભને શિખરે
બિરાજે છે ચૌદિશ સીમંધર નાથ જો.....
દેખો દેખો રે! પ્રભુજીની વીતરાગતા!
જેને જોતાં સંતો ઉલ્લસી જાય રે....
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૧૦ પ્રભુ દર્શનમાં ભક્તો સૌ ઘેલા બન્યા,
અંતર ખોલી કરતાં એની વાત જો;
પળે પળે એ પ્રભુજીને નિહાળતાં
લગની એમાં લાગી છે દિન રાત જો,
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.
૧૧ માનસ્તંભનો મહિમા હું શું કહી શકું?
એનો વૈભવ જગમાં અપરંપાર જો.....
માનસ્તંભે નિત્ય વસે છે નાથ રે......
મહાવિદેહના પ્રભુ સીમંધરદેવ જો.....
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૧૨ માનસ્તંભે આવી જે ભાવે નમે,
અંધની પણ ત્યાં આંખો ખૂલી જાય રે....
દેખે સન્મુખ ચૈતન્યનાં નિધાનને,
ઊંડા ઊંડા અંતર ઊતરી જાય રે.....
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.
૧૩ ઊન્નત ધર્મનો સ્તંભ ગુરુજી પ્રતાપથી
રોપાયો છે તીર્થધામની માંય જો
ભવ્યજીવો એ માનસ્તંભને આશરે
કરે છે નિજ આત્મકેરાં કલ્યાણ જો.....
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૧૪ માનસ્તંભ મોટું તીર્થનું ધામ છે,
દેવ–ગુરુનો વર્તે છે જ્યાં સંગ જો.....
આવી સેવે મૂકી સર્વે માનને
તેને મટતો મોટો ભવનો રોગ જો.....
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.
૧પ વિદેહક્ષેત્રે દિવ્ય બાર સભામહીં
બિરાજે છે સીમંધરપ્રભુજી નાથ જો.....
અનંતચતુષ્ટયથી જીતીને ચારને
રોપ્યા છે ત્યાં ચાર વિજયના સ્તંભ જો.....
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૧૬ જ્ઞાનવિજયનો પહેલો છે એ થાંભલો
બીજો દર્શનવિજયનો છે સ્તંભ જો.....
ત્રીજો છે સ્તંભ મોહમલ્લના નાશનો
ચોથો છે સ્તંભ વીર્ય અનંત પ્રકાશનો,
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.
૧૭ ભક્તિપૂર્વક નમે છે જે ભાવથી
ગળી જાય છે એનાં સૌ ગુમાન જો
ગૌતમનાં ગુમાન સર્વે ગળી ગયાં
થઈ ગયા તે વીરપ્રભુજી સમાન જો.....
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૧૮ વીરપ્રભુના દિવ્ય એ માનસ્તંભનો
જુઓ, જગમાં વર્તે જય જયકાર રે
જેણે મૂકાવ્યાં ગૌતમ કેરા ગર્વને,
સ્થાપી ગણધર, કીધાં આપ સમાન જો.....
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૨૨૨
૧૯ માનસ્તંભના મહિમાને જે જાણીને
આવી નમે પ્રભુ ચરણ, મુકીને માન જો,
તે થઈ સાધક રહે પ્રભુની પાસમાં
પ્રભુજી શરણે પામે પદ પરમાત્મ જો.....
–નમું નમું હું માનસ્તંભને ભાવથી.
૨૦ કુંદપ્રભુએ વિદેહ જઈને નીહાળીયા
સીમંધરપ્રભુનાં વૈભવ એ પ્રત્યક્ષ જો.
‘જેનાં હૃદયે વસે વિદેહનાથ રે.....
ધન્ય એવા સંતો આ જગમાંય જો.’
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.
૨૧ મહાંવિદેહથી વૈભવસ્તંભ પધારીયા,
સીમંધરપ્રભુજી પધાર્યા છે અમ દ્વાર જો.....
ભક્તજનો સૌ વધાવે પ્રભુજી ભાવથી
આવો....પધારો! ભક્તવત્સલ ભગવંત જો.....
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.
૨૨ આવ્યા....આવ્યા....પ્રભુજી અમારા ધામમાં,
આનંદરસમાં થયું જીવન તરબોળ જો.....
આવો, આવો, ભક્તો સીમંધરનાથના,
કરીએ સાથે ભક્તિરસનું પાન જો.....
–નમું નમું હું ભાવેથી માનસ્તંભને.
૨૩ અરે, અરેરે! પ્રભુજીનાં વિરહા હતા!
ગુરુજી પ્રતાપે દીઠાં દિવ્ય દેદાર જો.....
અહો, અહો, કૃપા શ્રી સીમંધરનાથની......
વિનતિ સ્વીકારી ભરતે પધાર્યા નાથ જો.....
–નમું નમું ભાવોથી શ્રી ભગવંતને.
૨૪ પ્રભુ પધાર્યા આજ અમારે આંગણે
ઉલ્લાસ આજે રોમેરોમ ન માય જો.....
ભક્તિરસની મસ્તીથી નાચી રહ્યા,
કરીએ....કરીએ પ્રભુજીનાં સન્માન જો.
–નમું નમું ભાવેથી શ્રી ભગવંતને.
૨પ અહો! અહો! આ ધન્ય ભારતના સંતને
ભેટો કરાવ્યો જેણે શ્રી ભગવંતનો.
ભક્તહૃદયના પ્યારા છે આ નાવિકો
સીમંધરપ્રભુના લાડકવાયા નંદ જો.....
–નમું નમું હું ભાવેથી એ સંતને.
માનસ્તંભ–પચ્ચીસી આ, ભક્તિ પુષ્પની માળ,
જિનધર્મના ભક્તને હો સદા સુખકાર.
દેવ–ગુરુ ને ધર્મની મીઠી મધુરી છાંય,
દાસ હરિને હો સદા મંગલમય સુખદાય.
મોક્ષનો ઉપાય ક્્યાંથી કાઢશો?
સર્વે જીવો મોક્ષ ચાહે છે.
તે મોક્ષનું કારણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ક્્યાંથી કાઢશો?
જ્યાં અખૂટ શક્તિનો ભંડાર ભર્યો છે તેમાંથી.
આત્મસ્વભાવ જ અખૂટ શક્તિનો ભંડાર છે, તેનો આશ્રય કરતાં
પર્યાય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ થઈ જાય છે. માટે–
અંતર્મુખ થઈને શુદ્ધઆત્મસ્વભાવમાં એકાગ્રતા કરવી તે મોક્ષનો
ઉપાય છે.

PDF/HTML Page 8 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : ૭ :
મા....ન....સ્તં....ભ
મ.....હો.....ત્સ.....વ.....નાં
મ...ધુ...ર
સં..
ભા..
ર..
ણાં
સં. ૨૦૦૯ના ચૈત્ર સુદ દસમે સોનગઢમાં આરસના આ ભવ્ય
માનસ્તંભની પ્રતિષ્ઠા થઈ....પ્રતિષ્ઠાનો એ મહોત્સવ અદ્ભુત હતો,
માનસ્તંભ પણ અદ્ભુત છે...આ ચૈત્ર સુદ સાતમે એની પ્રતિષ્ઠાને દસમું
વર્ષ બેસે છે ને તેનો મહા–અભિષેક થઈ રહ્યો છે ત્યારે એના થોડાક મધુર
સંભારણાં અહીં તાજા કર્યા છે.
(બ્ર. હરિલાલ જૈન)
* * આ માનસ્તંભ ૬૩ ફૂટ ઊંચો છે; તેમાં ઉપરના તેમજ નીચેના ભાગમાં ચાર દિશામાં
સીમંધરનાથ ભગવાન બિરાજમાન છે. જાણે મહાવિદેહનો જ એક માનસ્તંભ અહીં આવ્યો હોય–એવી
ઉર્મિઓ માનસ્તંભના દર્શનથી જાગે છે. માનસ્તંભમાં. ઊંચે ઊંચે બિરાજમાન ગગનવિહારી વિદેહીનાથને
નીહાળતાં ભક્તોનું હૃદય અતિ પ્રસન્ન થાય છે. અમુક ઋતુમાં માનસ્તંભની છાયા ઠેઠ ભક્તોના આંગણા
સુધી પહોંચે છે, માનસ્તંભની મધુર છાયામાં શાંત શાંત ઉર્મિઓથી હૃદય વિશ્રામ પામે છે.
* * સૌરાષ્ટ્રભરમાં અત્યારે આ એક જ માનસ્તંભ છે. સોનગઢમાં માનસ્તંભ કરવાની ભાવના તો
ખાસ ભક્તોના હૃદયમાં ઘણા વર્ષોથી ઘોળાતી હતી....ને એ ભાવના પૂરી થવાનો ધન્ય અવસર આવ્યો.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૨૨૨
* * સં. ૨૦૦૮ના ફાગણ સુદ પાંચમે શ્રી વૃજલાલભાઈ જે. શાહ (એન્જીનીયર) વગેરેની સાથે પૂ.
બેનશ્રીબેન જયપુર પધાર્યા ને ત્યાં ફાગણ સુદ ૧૪ના રોજ રૂા. પપ૦૦૦) માં માનસ્તંભની કારીગરીનો
ઓર્ડર આપ્યો.
* * ચૈત્ર સુદ ૧૩ના મંગલદિને પૂ. બેનશ્રીબેને માનસ્તંભનો પાયો ખોદવાની શરૂઆત કરી. ૨૦ ફૂટ
લાંબો, ૨૦ ફૂટ પહોળો ને ૧૦ ફૂટ ઊંડો નક્કર પાયો અંદર સળિયા ગોઠવીને તૈયાર થયો.
* * ઉપરની ત્રણે પીઠિકાનું ચણતરકામ સેંકડો ભક્તોએ હાથોહાથ બગડિયા ભરી ભરીને ઉમંગપૂર્વક કર્યું.
* * જયપુરથી વેગન ભરી ભરીને માનસ્તંભનો સામાન આવવાની શરૂઆત થઈ....વેગનના
સમાચાર આવતાં આનંદ થતો; ને નાનો મોટો સામાન સૌ નીરખી નીરખીને જોતા.
* * સં. ૨૦૦૯ના કારતક સુદ બીજે એક સાથે બે વેગન આવવાની વધાઈ મળતાં ઘણો હર્ષ થયો.
* * કારતક સુદ ત્રીજે ઘણા ઉલ્લાસપૂર્વક પ્રતિમાજીનો ગ્રામપ્રવેશ થયો.....તેમજ તે જ દિવસે પૂ.
બેનશ્રીબેનના સુહસ્તે માનસ્તંભનો પહેલવહેલો આરસ સ્થાપિત થયો.
* * માનસ્તંભની ચાર દેરી ઉપર, સાથીયાવાળો એક મોટો અખંડ ૨પ૦ મણનો પથર છે,
કેરિયરમાંથી તે નીચે ઊતારતી વખતનો પ્રસંગ આજે પણ ભૂલાતો નથી.
* * માગસર સુદ એકમે ભગવાનની દેરીનું સ્થાપન થયું; બરાબર તે જ દિવસે ગુરુદેવને સ્વપ્નમાં
વિદેહક્ષેત્રના ભવ્ય ભગવાનના અતિ આનંદકારી દર્શન થયા.
* * એક બાજુ માનસ્તંભનું ચણતર ચાલી રહ્યું હતું ને બીજી બાજુ મહોત્સવ માટેની અનેકવિધ
તૈયારીઓ ચાલી રહી હતી. માનસ્તંભ કઈ રીતે તૈયાર થાય છે તે નીરખી નીરખીને ભક્તો આનંદ પામતા.
કોઈ કહેતા: “માનસ્તંભ તૈયાર થયા પછી તેની યાત્રા કરવી તે તો ધનભાગ્ય છે જ, પણ અત્યારે
માનસ્તંભને તૈયાર થતો નજર સમક્ષ નીહાળવો તે પણ અહોભાગ્ય છે.
* * એક તરફ પ્રતિષ્ઠાના દિવસો નજીક આવી રહ્યા હતા ત્યાં માનસ્તંભના સામાનનું પાંચમું વેગન
ગૂમ થયું.....ચારે કોર શોધ ચાલી....તેની શોધ માટે કલાકે કલાકે તાર ઉપર તાર છૂટતા....તે પ્રસંગ પણ
ભૂલાય તેવો નથી.
* * બહારગામના જે લોકો આવે તેમને પૂ. ગુરુદેવ માનસ્તંભ બતાવતા, અને તેના ચિત્રોની
સમજણ આપતા; કોઈ ગામડિયા જેવા માણસો આવે તો ગુરુદેવ તેને કહે કે આ ‘ધર્મનું ટાવર’ છે. ધર્મનો
સ્તંભ, ખુલ્લું જિનમંદિર, ધર્મનો વૈભવ–વગેરે નામોથી પણ ઓળખાવતા.
* * માનસ્તંભની એવી લગની લાગી હતી કે ભક્તો માનસ્તંભની આસપાસ ફર્યા કરતા.....નાના
મોટા દરેક કાર્યનું અવલોકન કરતા...ક્રેઈન દ્વારા એક એક મોટા પથર ઉપર ચડે ત્યારે અચૂકપણે હાજર રહેતા.
* * માનસ્તંભનું કામ પૂરું થવા આવ્યું ને પ્રતિષ્ઠા મહોત્સવના મૂરત ઢૂકડા આવ્યા....ચૈત્ર સુદ દસમનું
મંગલમુહૂર્ત નક્કી થયું.
* * બરાબર એ જ અરસામાં બાહુબલી ભગવાનનો મહા મસ્તકાભિષેક (બાર વર્ષે) થઈ રહ્યો
હતો, તેથી હજારોની સંખ્યામાં યાત્રિકો તે તરફ જતાં કે આવતા વચ્ચે સોનગઢ ઊતરતા...એ રીતે બે માસમાં
વિવિધ પ્રાંતના લગભગ ૧૨૦૦ યાત્રિકો સોનગઢ આવ્યા હશે.
* * પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો....ને ગામેગામથી સેંકડો ભક્તોના ટોળા સોનગઢ ઉતર્યા.....લગભગ છ
હજાર જેટલા ભક્તોએ ઉત્સવમાં ભાગ લીધો.

PDF/HTML Page 10 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : ૯ :
* * હાલ જ્યાં “સુવર્ણ સન્દેશ કાર્યાલય” છે ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા વેદી હતી....ને તેની સામેનો
આખોય ચોક પ્રતિષ્ઠામંડપથી ભરાઈ ગયો હતો. સડક ઉપર બજાર ભરાણી હતી....
* * એ દિવસોમાં સુવર્ણપુરીની શોભા અદ્ભુત હતી. જેમ સ્વપ્નમાં અતિ સુંદર નગરીની અલૌકિક
રચના દેખાય તેમ અહીં તદ્ન નવી જ મોટી નગરી રચાણી હતી. એ નગરીનું નામ રાખ્યું હતું. વિ....દે.....
હ....ધા.....મ.’–ત્યાંના વાતાવરણમાં આવનારને જાણે વિદેહધામમાં જ આવ્યા હોઈએ–એવો આનંદ થતો.
* * વિદેહધામમાં અંતર્ગત બીજી અનેક નગરીઓ હતી, તેમાં સૌથી સુશોભિત ‘સીમંધરનગર’ હતું,–
પ્રતિષ્ઠામંડપ સીમંધરનગરમાં જ હતો, ત્યાં અનેક જિનેન્દ્ર ભગવંતો બિરાજતા હતા. આ સિવાય
વિજયાનગરી, અયોધ્યાનગરી, સુસીમાનગરી, પુંડરીકિણીનગરી, કુંદકુંદનગર, કહાનનગર વિગેરેથી
‘વિદેહધામ’ શોભતું હતું. અનેક દરવાજાઓ તેમજ ઘરે ઘરે ધજા–વાવટા તોરણો ને મંગલસૂત્રો શોભતા હતા.
* * ફાગણ વદ ૧૩ થી પ્રતિષ્ઠાવિધિનો મંગલ પ્રારંભ થયો....પ્રતિષ્ઠા મંડપમાં જિનેન્દ્રદેવ પધાર્યા ને
ઝંડારોપણ થયું.
* * “સિદ્ધચક્રમંડલ” વિધાન સોનગઢમાં આ પ્રસંગે પહેલું વહેલું જ થયું, જે પાંચ દિવસ ચાલ્યું.
દિલ્હીથી આવેલી સોનાચાંદીની ગંધકૂટિમાં અભિષેક થયો. ભગવાનને ઝુલાવવાનું પારણું પણ દિલ્હીથી આવ્યું
હતું.
* * ચૈત્ર સુદ પાંચમે ‘ઈન્દ્રપ્રતિષ્ઠા’ થઈ; કલકત્તાથી શ્રી વછરાજજી શેઠ સૌ ધર્મેન્દ્ર થયા હતા. વિદ્વાન
ભાઈશ્રી હિંમતલાલ જે. શાહ કુબેર થયા હતા....તેઓ જન્મ કલ્યાણક વગેરે પ્રસંગે ભક્તિ ભરેલા ઉદ્ગારોવડે
આનંદ ફેલાવતા હતા. બીજા આઠ ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ તેમજ બળદેવ–વાસુદેવ પણ હતા. માતાપિતાના સ્થાને
સૌ. શ્રી જડાવબેન તથા શેઠશી નાનાલાલભાઈ હતા. જલયાત્રા તથા ઈન્દ્રપ્રતિષ્ઠાના જુલૂસ સુશોભિત હતા.
* * ઈન્દોરના પ્રસિદ્ધ પ્રતિષ્ઠાચાર્ય પંડિતશ્રી નાથુલાલજી શાસ્ત્રી (સંહિતાસૂરિ) એ પ્રતિષ્ઠાચાર્ય
તરીકે બધી વિધિ ઘણી સરસ રીતે કરાવી હતી. અજમેરની ભજનમંડળીએ પણ મહોત્સવને શોભાવ્યો હતો.
* * ઈન્દ્રો દ્વારા ‘યાગ મંડલવિધાન’ માં ત્રણ ચોવીશીના તીર્થંકરો, વીસવિહરમાન તીર્થંકરો, તેમજ
આચાર્ય–ઉપાધ્યાય–સાધુ વગેરેનું પૂજન થયું હતું.
* * ચૈત્ર સુદ પાંચમની રાત્રે નેમનાથ પ્રભુના પંચકલ્યાણકના દ્રશ્યોનો મંગલ પ્રારંભ થયો–જેમાં
કુમારિકા બ્ર. બહેનોએ નેમનાથ પ્રભુની સ્તુતિ–“તારું જીવન ખરું....તારું જીવન, જીવી જાણ્યું નેમનાથે
જીવન.....” વડે મંગલાચરણ કર્યું.
* * સૌ ધર્મેન્દ્રની સભા....ભરતક્ષેત્રના બાવીસમા તીર્થંકરના ગર્ભકલ્યાણક માટે સૌ ધર્મેન્દ્રે કુબેરને
આજ્ઞા કરી....કુમારિકાદેવીઓ શિવાદેવી માતાજીની સેવા કરવા આવી....વિવિધ પ્રશ્નોત્તરવડે માતાજી સાથે
તત્ત્વચર્ચા કરી.....શિવાદેવી માતાના ૧૬ સ્વપ્નોનું સુંદર દર્શન.
* * ચૈત્ર સુદ છઠ્ઠ: સુપ્રભાતમાં મંગલગીત; નેમનાથ પ્રભુનું ગર્ભાવતરણ; માતાની સ્તુતિ. બપોરે
માનસ્તંભની વેદી તથા કલશ અને ધ્વજની શુદ્ધિ થઈ હતી.....નીચે–ઉપરની વેદીશુદ્ધિ પૂ. બેનશ્રીબેનના
સુહસ્તે ઘણા પ્રમોદ અને ભક્તિભાવથી થઈ હતી....એ પ્રસંગ ઘણો હર્ષકારી હતો.
* * ચૈત્ર સુદ સાતમ: સુપ્રભાતમાં મંગલ વાજિંત્રોના નાદ વચ્ચે નેમનાથ જન્મની મંગલ વધાઈ!
ચારે બાજુ આનંદ....આનંદ. સ્વર્ગમાં પણ આનંદ.....સૌધર્મેન્દ્રની સભામાં જન્મકલ્યાણકનો હર્ષ.....

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨૨:
ઐરાવત હાથી લઈને ઈન્દ્ર આવી પહોંચે છે ને સીમંધરનગરને ત્રણ પ્રદક્ષિણા કરે છે....ઈન્દ્રાણી નેમકુંવરને
દેખીને પરમ હર્ષિત થાય છે ને ભગવાનને ગોદીમાં તેડીને સૌધર્મેન્દ્રને આપે છે...એ બધા દ્રશ્યો કેવા મધુર
હતા!! અને પછી ગામના એક છેડાથી બીજા છેડા સુધી ફેલાયેલ જન્માભિષેકની ગજયાત્રા કેવી અદ્ભુત
હતી! ગામ નાનું ને રથયાત્રા મોટી–એવું એ દ્રશ્ય હતું. હાથી પણ આનંદથી સુંઢમાં ચમર લેતો હતો.
* * નદી કિનારે મેરુની રચના....ત્રણ પ્રદક્ષિણા....ઈન્દ્રો દ્વારા મહાન અભિષેક.....અહા....કેવો એ
પાવન પ્રસંગ, કેવી એ વખતની ભક્તિ! કેવા એ ભજન ને કેવા એ નૃત્ય! એ વખતે આકાશનું કુદરતી દ્રશ્ય
પણ આશ્ચર્યકારી હતું. ઈન્દ્રોએ તાન્ડવ નૃત્ય સહિત આનંદ મનાવ્યો.
* * બપોર થયું પા....ર....ણા....ઝૂ....લ....ન. હૈયાનાં હેતથી ભક્તોએ ભગવાનને ઝૂલાવ્યા! ધન્ય એ
માતૃ વાત્સલ્યતા! ધન્ય એ જિનનાથને ઝૂલાવનારા પાવન હાથ! “ગોદી લેલે”......નું દ્રશ્ય પણ આનંદકારી
હતું.
* * રાત્રે રાજસભા.....હરિવંશ મહિમા.....વસંતઋતુ.....શ્રીકૃષ્ણની રાણીદ્વારા નેમકુમારનું વસ્ત્ર
ધોવાની ના, નેમકુમારનું અચિંત્ય બળ, શ્રીકૃષ્ણની ચિંતા અને નેમકુમારના લગ્નની તૈયારી....મોટા મોટા
રાજા–મહારાજાઓ સાથે નેમકુમારની જાનનું ભવ્ય દ્રશ્ય. જાનમાં નેમકુમારના રથની શોભા! જુનાગઢ આવ્યું
નજીક.
* * જુનાગઢ....એક બાજુ નેમકુમારના રથનો દિવ્ય દેદાર....ને બીજી બાજુ પાંજરે પુરાયેલા
પશુઓના કરુણક્રંદનનો ચિતાર! ધ્રૂજતા પશુઓનો પોકાર સાંભળીને નેમકુમાર રથ ઊભો રાખે છે.....
લગ્નપ્રસંગ નિમિત્તે જીવહિંસાની વાત સાંભળીને વૈરાગ્ય પામે છે–રથ પાછો વાળે છે....
“અરે સારથિ! રથને પાછો વાળ....પાછો વાળ! હું હવે દીક્ષા લઈશ.”
સારથી આંસુભિની આંખે વિનવે છે....પ્રભો! દીક્ષા ન લ્યો....એકવાર ઘેર પાછા પધારો....આપના
વિના શિવાદેવી માતા પૂછશે કે મારા નેમકુમાર ક્્યાં?–તો માતાને હું શો જવાબ આપીશ!! ‘નેમકુમાર
દીક્ષિત થઈ ગયા’ એમ હું કહીશ તો તે સાંભળતાં શિવાદેવી માતા મૂર્છા ખાઈને જમીન પર ગીર પડશે” .....
એમ કહેતાં કહેતાં સારથી પોતે પણ મૂર્છિત થઈને ભગવાનના ચરણમાં ઢળી પડે છે......અહા, એ વખતનું
કરુણ વૈરાગ્યદ્રશ્ય હજારો સભાજનોના હૈયાને હચમચાવી દેતું હતું.....છતાં નેમકુમાર તો પોતાના
વૈરાગ્યભાવનામાં અચલ જ હતા....
અહા, કેવા હતા એ અદ્ભુત દ્રશ્યો!!
કેવા હતા એ વૈરાગ્યના પ્રસંગો!!
કેવા હતા એ પશુપોકારના કરુણ દ્રશ્યો!!
કેવો હતો એ ભગવાનના વૈરાગ્યનો દેદાર!!
* * આ તરફ રાજમહેલમાંથી રાજીમતી ભગવાનના રથની શોભા નીહાળી રહી હતી–ને અચાનક
રથ પાછો ફરતો દેખીને, તથા ભગવાનના વૈરાગ્યના સમાચાર સાંભળીને પોતે પણ વૈરાગ્ય ભાવના ભાવે છે
– એ દ્રશ્યો સંવાદ અને કાવ્ય દ્વારા પડદા પાછળથી રજુ કરવામાં આવ્યા હતા....એ પ્રસંગે ગવાયેલું વૈરાગ્ય
ઝરતું કાવ્ય સાંભળીને ગુરુદેવ સહિત હજારો શ્રોતાજનો વૈરાગ્યથી ગદ્ગદ થઈ ગયા હતા–
ઓ....સાંવરિયા નેમિનાથ! શાને ગયા ગીરનાર....
ઓ....તીનભુવનકે નાથ! શાને ગયા ગીરનાર....
યહ આભૂષણ મેરે અંગ પર...અબ સોહે ના લગાર....
પ્રભુ ગયા ગીરનાર.....
છોડું શણગાર બનું અર્જિકા, રહું ચરણ સંત છાંય....
પ્રભુ ગયા ગીરનાર.....

PDF/HTML Page 12 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : ૧૧ :
(પૂરા ગાયન માટે જુઓ, “માનસ્તંભ મહોત્સવ અંક” )
* * પછી તો લૌકાન્તિકદેવોએ આવીને સ્તુતિપૂર્વક ભગવાનના વૈરાગ્યની અનુમોદના કરી. ઈન્દ્રો
અને દેવો દીક્ષાકલ્યાણક ઊજવવા પાલખી લઈને આવ્યા....ભગવાન સહસ્રામ્રવનમાં પધાર્યા....અહા,
સોનગઢનું આમ્રવન ભગવાનના દીક્ષા પ્રસંગથી પાવન થયું....ભગવાનનો કેશલોચ, ધ્યાન....
મનઃપર્યયજ્ઞાન....અને એ દીક્ષાવનમાં ગુરુદેવનું વૈરાગ્યભર્યું પ્રવચન! મુનિભક્તિ! ક્ષીરસમુદ્રમાં કેશક્ષેપન.
ભગવાનના વૈરાગ્યના એ દ્રશ્યો અદ્ભુત હતા.
* * બપોરે તથા રાત્રે મુનિભક્તિ; તથા અજમેર ભજન–મંડળી દ્વારા નેમકુમાર અને સારથી વચ્ચેનો
સંવાદ; તથા રાજુલ અને તેના પિતાજી વચ્ચેનો સંવાદ. બંને સંવાદ વૈરાગ્યપ્રેરક હતા.
* * ચૈત્ર સુદ ૯ : અહા, નેમનાથ મુનિરાજના પ્રથમ આહારદાન પ્રસંગની શી વાત! મુનિરાજ
નેમપ્રભુ આહાર માટે નગરીમાં પધાર્યા....હૈયાના ઉમળકાથી ને શુદ્ધભાવથી પૂ. ચંપાબેન–શાંતાબેને
ભક્તિપૂર્વક પ્રભુને પડગાહન કર્યું.....પ્રદક્ષિણા કરી....પૂજા કરી.....નવધા ભક્તિપૂર્વક નેમમુનિરાજને
પ્રથમ આહારદાન કર્યું.–એ મહા આનંદકારી પ્રસંગના સુસ્મરણો અત્યારે પણ હૃદયમાં આનંદ ઉપજાવે
છે. એ પ્રસંગે જયજયનાદ થયા.....રત્નવૃષ્ટિ થઈ. એ ધન્યપ્રસંગની વાત નીકળતાં જ બંને બહેનો
અત્યંત પ્રમોદ અને ઉલ્લાસથી ગદગદ થઈને કહે છે કે અહો, અમારી ઘણા વખતની ભાવના હતી તે
પૂરી થઈ....ભગવાનને આહારદાન દેતી વખતે તો જાણે સાક્ષાત્ તીર્થંકર ભગવાન જ આંગણે
પધાર્યા હોય–એમ થતું હતું, ને સહેજે સહેજે અંતરના ભાવો ઉલ્લસી જતા હતા....અહો,
રત્નત્રયધારક સાક્ષાત્ મોક્ષમાર્ગ અમારે આંગણે આવ્યો.....અમારા આંગણે તીર્થંકરના પગલા
થયા.....મુનિરાજના પવિત્ર ચરણથી અમારું આગણું પાવન થયું. ભગવાનને આહાર દેવાથી
અમારા હાથ પાવન થયા....અમારું જીવન કૃતાર્થ થયું...જીવનમાં વિરલ જ આવે એવો એ ધન્ય
પ્રસંગ હતો.”
* * હજારો ભક્તો એ દ્રશ્ય નીહાળીને ભક્તિથી અનુમોદના કરીને મહાપુણ્યોપાર્જન કરી રહ્યા હતા.
* * આહારવિધિ પ્રસંગે પૂ. બેનશ્રીબેનના ઘરમાં પધારીને પ્રભુજીએ ઘરને પાવન કર્યું. ગુરુદેવ પણ
પ્રભુજીની પાસે બેઠા હતા; પ્રભુચરણનું ગંધોદક શિરે ચડાવ્યું હતું. આહારદાન પછીની અસાધારણ ભક્તિના
સ્મરણો આજેય કાનમાં ગુંજારવ પેદા કરે છે.
* * બપોરે હર્ષભર્યા વાતાવરણ વચ્ચે ગુરુદેવનો પવિત્ર હસ્તે ૩૨ જિનબિંબો ઉપર અંકન્યાસવિધાન
થયું....સુવર્ણશલાકા વડે ઘણા ભાવથી ગુરુદેવે અંકન્યાસ કર્યું.
* * પછી ભગવાન નેમનાથને કેવળજ્ઞાન થયું....સમવસરણની સુંદર રચના થઈ....દિવ્યધ્વનિ
તરીકેનું પ્રવચન થયું....સમવસરણને પ્રદક્ષિણાપૂર્વક ભક્તિ થઈ....રાત્રે વજ્રબાહુ વૈરાગ્યનો સંવાદ થયો.
* * ધર્મવૃદ્ધિના આ મહોત્સવમાં દસમની તિથિ વૃદ્ધિગત હતી. અંકૂરા પણ ખૂબ જ વૃદ્ધિગત થઈને
ખીલ્યા હતા.
* * પહેલી દસમની સવારમાં નેમિનાથપ્રભુના નિર્વાણ–કલ્યાણકમાં ગીરનારનું દ્રશ્ય તથા
ધર્મશાળા, કુવો વગેરેનાં દ્રશ્યો આનંદકારી હતા....ભક્તોને ગીરનાર ઉપર જવાનું મન થઈ જતું હતું.....
* * આજે ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી તથા વલ્લભીપુર નરેશ ગંભીરસિંહજી મહોત્સવ જોવા
આવ્યા હતા, ને પ્રસન્ન થયા હતા.

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૨૨
* * પ્રતિમાજી સ્થાપના કરવા માટે પ્રતિષ્ઠિત ભગવંતોને માનસ્તંભ ઉપર લઈ જતા હતા તે
વખતનો ઉમંગ અદ્ભુત હતો.
* * ચૈત્ર સુદ દસમ (બીજી) આજના સુપ્રભાતે સુવર્ણપુરીનું વાતાવરણ કોઈ અનેરું હતું. સવારમાં
૭–૨૦ થી ૭–પપ સુધીના મંગલમુહૂર્તમાં માનસ્તંભમાં ઉપર તેમજ નીચેની દેરીમાં ચારે દિશામાં વિદેહીનાથ
ભગવાન સીમંધર પ્રભુની ગુરુદેવના સુહસ્તે સ્થાપના થઈ. અહા, એ વખતના હર્ષોલ્લાસની શી વાત?
માનસ્તંભની આસપાસનો ચોક છ હજાર માનવમેદનીથી છવાઈ ગયો હતો....સૌની નજર ઊંચે ઊંચે
માનસ્તંભની ટોચ ઉપર હતી.
* * સ્થાપના પછી ઘણા જ ભક્તિભાવથી માનસ્તંભસ્થ ભગવંતોનું પ્રથમ પૂજન કરવામાં
આવ્યું.....અભિષેક પણ થયો.
* * બપોરે શાંતિયજ્ઞ પછી મહોત્સવની પૂર્ણતાના હર્ષોલ્લાસમાં મહાન આનંદપૂર્વક ભગવાનની
રથયાત્રા નીકળી....જેની શરૂઆતમાં હાથી ઉપર ધર્મધ્વજ લઈને પૂ. બેનશ્રી તથા પૂ. બેન વગેરે બેઠા હતા.
અહા, એ રથયાત્રા ઘણા જ ભવ્ય ઠાઠમાઠ સહિત નીકળી હતી.
* * બપોરે બાલિકાઓએ રામ વનવાસ, કૈકેયી વગેરેની દીક્ષા વગેરે સંબંધી નાટિકા કરી હતી.
* * રાત્રે માનસ્તંભના ચોકમાં ભક્તિ થઈ હતી.
* * પ્રતિષ્ઠા મહોત્સવ ઘણા આનંદોલ્લાસપૂર્વક પૂર્ણ થયો હતો. ઉત્સવમાં રૂા. સવા લાખ ઉપરાંત
આવક અને લગભગ ૯૦ હજારનો ખર્ચ થયો હતો,
* * ગ્રીષ્મઋતુમાં ઠંડા પાણીની સગવડ ઘણી સરસ હતી....જેને આજે પણ યાત્રિકો યાદ કરે છે. એ
વખતે સોનગઢમાં વીજળી આવી ન હતી. ખાસ મશીનો ગોઠવીને વીજળીના ઝગમગાટથી ઉત્સવ શોભાવ્યો
હતો. માનસ્તંભની ચારેકોર પણ વીજળીનો ઝગમગાટ હતો.....ઉપર મોટો “કાર હતો.
* * માનસ્તંભના આ મહોત્સવમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ દિલ્હી અને કલકત્તા, મદ્રાસ અને
મુંબઈ, મારવાડ અને રાજસ્થાન, બરમા અને આફ્રિકા વગેરે દૂર દૂર વસનારા હજારો ભક્તજનોએ
ભાગ લીધો હતો; અનેક ત્યાગીઓ પણ આવ્યા હતા. ચારે તરફથી લોકોના મુખે આનંદ–આનંદ
સુરનાદ નીકળતા. કોઈ કહે: અમે ધર્મપુરીમાં આવ્યા છીએ, કોઈ કહે અમે વિદેહધામમાં આવ્યા હોઈએ
એવું લાગે છે.
* * માનસ્તંભ–પ્રતિષ્ઠા થઈ ગયા પછી હજી મંચ બાંધેલો હતો....તેથી ભક્તજનો અવારનવાર
મંચદ્વારા માનસ્તંભની યાત્રા કરતા ઘરના પગથિયા ચડતા પણ હાંફી જતા હોય એવા વૃદ્ધો પણ હોંસે
હોંસે ઠેઠ માનસ્તંભ ઉપર ઊંચે ઊંચે પહોંચી જતા, જાણે તીર્થયાત્રા કરવા ડુંગર ઉપર ચડતા હોય–એવું
લાગતું.
* * ગુરુદેવ પણ અવારનવાર માનસ્તંભ ઉપર પધારતા.....ને ભક્તિ કરાવતા. ત્યાંના શાંત–શાંત
વાતાવરણમાંથી નીચે આવવાનું મન થતું ન હતું. કેટલીકવાર પૂ. બેનશ્રીબેન પણ ઉપર જઈને પૂજન–ભક્તિ
કરાવતા એકવાર તો અદ્ભુત આશ્ચર્યકારી ભક્તિ કરાવી હતી.
* * જેઠ સુદ પાંચમે મહાઅભિષેક બાદ જેઠ સુદ પુનમ લગભગમાં માનસ્તંભનો મંચ છૂટી ગયો હતો
અને પહેલી વાર જ ખુલ્લા માનસ્તંભની અદ્ભુત શોભા દર્શનથી ભક્તોને ઘણો હર્ષ થયો હતો.
* * માનસ્તંભના કાર્યમાં તેમજ મહોત્સવની તૈયારીમાં અનેક મહિનાઓ સુધી પૂ. બેનશ્રી– બેનની
અદ્ભુત લગની અને અવિરત કાર્યશક્તિ જોઈને આશ્ચર્ય ઉપજતું હતું. માનસ્તંભ વગેરેના નાના–મોટા
કાર્યોમાં તેઓશ્રીએ જે લગની અને પ્રેરણાપૂર્વક

PDF/HTML Page 14 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : ૧૩ :
સંભાળ કરી છે તે મહાન વસ્તુનો ઉલ્લેખ નાની કલમ દ્વારા થઈ શકે તેમ નથી. તેઓશ્રીના શ્રીમુખેથી
માનસ્તંભ મહોત્સવ વગેરેના ઉલ્લાસમય સંસ્મરણો સાંભળવા તે પણ એક મહાન સૌભાગ્ય છે.
* * વૈશાખ સુદ દસમે માનસ્તંભની માસિકતિથિ તેમજ મહાવીરપ્રભુના કેવળજ્ઞાનકલ્યાણકનો
દિવસ હોવાથી સહજ ઉલ્લાસમાં આવી જતા પૂ. બેનશ્રી–બેને આશ્રમમાં અદ્ભુત ભક્તિ કરાવેલી– જે
ત્રણ કલાક ચાલી હતી.....સોનગઢમાં બારવર્ષમાં કદી ન થઈ હોય એવી એ ભક્તિ હતી–એમ ઘણા
કહેતા હતા.
* * એ વૈશાખ માસમાં ગુરુદેવે ત્રણ વખત માનસ્તંભની યાત્રા કરી હતી.....ગુરુદેવ સાથે
માનસ્તંભની યાત્રા તથા ભક્તિના પ્રસંગથી ભક્તજનોને બહુ આનંદ થતો.

માનસ્તંભની યાત્રાના અને ભક્તિના એ મંગલ દિવસો નવ વર્ષ બાદ ફરીને આવી રહ્યા છે.
જય માનસ્તંભ
જય વિદેહીનાથ
* * * * * * *
‘આત્મધર્મ’ (માસિક) ની માલિકી અને તેને અંગેની અન્ય માહિતી
ફોર્મ નં. ૪ (જુઓ રૂલ નં. ૮)
(૧) પ્રકાશન સ્થળ– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
(૨) પ્રકાશનની સામાયિકતા– માસિક
(૩) મુદ્રકનું નામ–
હરિલાલ દેવચંદ શેઠ
રાષ્ટ્રિયતા– હિન્દી
સરનામું– આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, સુતારવાડ, ભાવનગર
(૪) પ્રકાશકનું નામ– હરિલાલ દેવચંદ શેઠ
રાષ્ટ્રિયતા– હિન્દી
સરનામું– આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, સુતારવાડ, ભાવનગર
(પ) તંત્રીનું નામ– જગજીવન બાઉચંદ દોશી
રાષ્ટ્રિયતા– હિન્દી
સરનામું– સ્વાધ્યાય મંદિર–સોનગઢ
હું જગજીવન બાઉચંદ દોશી આથી જાહેર કરૂં છું કે ઉપર દર્શાવેલી વિગતો મારી જાણ અને માન્યતા
મુજબ તદ્રન સાચી છે.
જગજીવન બાઉચંદ દોશી
દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૨૨
ધા..રા..વા..હી..
જ્ઞા..ન
ભેદજ્ઞાની ધર્માત્માને ધારાવાહીજ્ઞાન કેવું હોય છે–તેનું
અચિંત્ય મહિમાવંત સ્વરૂપ સંવર અધિકારમાં ઘણું જ સરસ
સમજાવ્યું છે. તેના ઉપરના પ્રવચનમાંથી આ દોહન કર્યું છે.
સાથે સાથે, એવું ભેદજ્ઞાન પ્રગટ કરવા માટે મુમુક્ષુજીવે
સતતપણે કેવો પ્રયત્ન કરવો–તે પણ પ્રવચનમાં દર્શાવ્યું છે.

આ દેહમાં રહેલો ચૈતન્યપ્રભુ, બેહદ જ્ઞાન–આનંદની પ્રભુતાથી ભરેલો, તેનું અંતરભાન કરીને,
રાગથી ભિન્ન ચૈતન્યભગવાનના ભેટા કરવા તે અપૂર્વ સંવરધર્મ છે. જ્યાં આવું અંતરભાન કર્યું ત્યાં
જ્ઞાનીને ધર્મધારા ચાલી, તે ધારા એવી અતૂટ છે કે શુભાશુભ પરિણામ વખતેય જ્ઞાનધારા છૂટતી નથી.
શુભાશુભ વખતેય તેનાથી ભિન્નપણે જ જ્ઞાનધારાનો પ્રવાહ ધર્મીને ચાલ્યો જાય છે. શુદ્ધઉપયોગ ન
હોય ત્યારે પણ ધર્મીને જ્ઞાનધારા તો ચાલુ જ છે, તેનું જ્ઞાન અજ્ઞાનરૂપ થઈ ગયું નથી. અને પછી જ્યારે
ઉપયોગ અંતરમાં ઠરે ને શ્રેણી માંડે ત્યારે તો શુદ્ધોપયોગની ધારા ચાલે છે, ને અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન
પ્રગટે છે.
સમ્યગ્દર્શન થયું ત્યારથી જ જ્ઞાનની ધારા સમ્યક્પણે વર્તે છે, રાગ અને વિકલ્પ હોવા છતાં તેનાથી
ભિન્નપણે જ્ઞાનધારા વર્તે છે. આવી જ્ઞાનધારામાં અશુદ્ધતાનો અને કર્મનો અભાવ છે.
‘હું શુદ્ધજ્ઞાન છું’–એવા જ્ઞાનમયભાવપણે જે જ્ઞાન પરિણમ્યું તેમાં હવે વચ્ચે રાગાદિ નહિ આવે. રાગ
જુદા જ્ઞેયપણે રહેશે પણ જ્ઞાન તેમાં તન્મય નહિ થાય. આ રીતે જ્ઞાનીને જ્ઞાનમયભાવો જ થાય છે. અજ્ઞાનમય
એવા રાગાદિ તે ખરેખર જ્ઞાનીનું કાર્ય નથી. જ્ઞાનીનું કાર્ય તો જ્ઞાનમય જ હોય, જ્ઞાનીનું કાર્ય રાગમય કેમ
હોય? જ્ઞાનીને શુદ્ધાત્માના અનુભવપૂર્વક જે જ્ઞાનધારા પ્રગટી તે ધારા હવે જ્ઞાનને અજ્ઞાનરૂપ થવા દેતી નથી.
સ્વરૂપમાં નિર્વિકલ્પ ઉપયોગ તો ગણધરદેવ જેવાને પણ અંતર્મુહૂર્ત કરતાં વધારે રહેતો નથી. પણ જ્ઞાનની
સમ્યક્ધારા તો સવિકલ્પદશામાંય સતત ચાલુ રહે છે; સમકિતી ગૃહસ્થનેય જ્ઞાનધારા સતત વર્તે છે.
નિર્વિકલ્પ ઉપયોગની શ્રેણી (સાતમા ગુણસ્થાનથી ઉપરની દશા) અહીં આ કાળના જીવોને નથી,
પણ સમ્યગ્જ્ઞાનની અપ્રતિહતધારા અત્યારના કોઈ–કોઈ જીવોને છે; એવું ધારાવાહી જ્ઞાન કે વચ્ચે અજ્ઞાન
આવ્યા વિના કેવળજ્ઞાન લીધે છૂટકો.–એવી દશા સમકિતી ગૃહસ્થને કે સ્ત્રીને પણ હોય છે. ને આવી
જ્ઞાનધારા તે સંવર છે, તેનાથી બંધન અટકી જાય છે.
સંવર કયા પ્રકારે થાય છે, જેને સંવર પ્રગટ્યો હોય તે આત્માની દશા કેવી હોય છે?–એ સમજવાની
જેને ધગશ છે એવા જીવને આચાર્યદેવ સમજાવે છે: ભેદજ્ઞાનની શક્તિવડે નિજસ્વરૂપના મહિમામાં લીન
થવાથી શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે; ને એવી અનુભૂતિ થતાં આત્મા સમસ્ત પરદ્રવ્યો અને સમસ્ત
પરભાવોથી દૂર વર્તે છે; અચલિતપણે જ્ઞાનમહિમામાં રહેતાં

PDF/HTML Page 16 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : ૧પ :
એવા તે આત્માને જરાપણ કર્મબંધન થતું નથી ને કર્મથી છૂટકારો થાય છે. આ રીતે સર્વકર્મના સંવરનું મૂળ
ભેદજ્ઞાન જ છે. પહેલાં તો જ્ઞાન અને શુભાશુભભાવો વચ્ચેનું અત્યંત ભેદજ્ઞાન કરવું જોઈએ.
શુભાશુભરાગના એક અંશને પણ જ્ઞાન સાથે ન ભેળવવો, જ્ઞાનને સમસ્ત રાગથી અત્યંત જુદું અનુભવવું,–
આવા ભેદજ્ઞાન વગર શુભાશુભઆસ્રવો કદી અટકે નહીં.
શુભાશુભની ઉત્પત્તિનું મૂળ કાંઈ જ્ઞાન નથી, જ્ઞાનમાંથી શુભાશુભભાવોની ઉત્પત્તિ થતી નથી.
શુભાશુભની ઉત્પત્તિ તો રાગદ્વેષમોહથી જ થાય છે, તેથી રાગદ્વેષમોહ તે જ શુભાશુભની ઉત્પત્તિનું મૂળ છે.
અને ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ છે તે તો જ્ઞાન–આનંદમય ભાવોની ઉત્પત્તિનું મૂળ છે, તેના અવલંબનને
શુદ્ધજ્ઞાનમયભાવોની જ ઉત્પત્તિ થાય છે. જેમ આંબા અને આકોલિયા બંનેના મૂળિયા જ જુદા છે, તેમ
અમૃતરૂપ જ્ઞાન અને આકૂળતારૂપ આસ્રવો એ બંનેના મૂળિયા જ જુદા છે.–એમ મૂળમાંથી બંનેનું અત્યંત
ભેદજ્ઞાન કરીને, જ્યારે આત્મા આત્માના જ અવલંબનમાં સ્થિર થાય છે ત્યારે સહજ એક જ્ઞાનને જ
અનુભવતો થકો તે આત્મા રાગાદિ પરભાવોથી અત્યંત દૂર વર્તે છે–અત્યંત જુદો વર્તે છે, એટલે રાગાદિના
અભાવમાં તેને શુભાશુભઆસ્રવનો નિરોધ થાય છે, ને તે આત્મા સર્વ કર્મથી મુક્ત થાય છે. આ રીતે
ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માનું અવલંબન કરવું તે જ સંવરની રીત છે. સમ્યગ્દર્શન થયું ત્યારથી આવા સંવરની ધારા
શરૂ થઈ ગઈ.
જુઓ, આ મિથ્યાત્વના ઝેર ઉતારવાના મંત્રો! અહો, આ ‘સમયસાર’ એટલે વર્તમાનમાં સાક્ષાત્
તીર્થંકરદેવના દિવ્યધ્વનિનો સાર! એમાં તો મંત્રો ભર્યાં છે....જે મંત્ર એક ક્ષણમાં જ્ઞાન અને રાગની એકતાને
તોડીને અત્યંત જુદા કરી નાખે. સાધકની જ્ઞાનધારા કેવી હોય તે અલૌકિક રીતે આચાર્યદેવે ઓળખાવ્યું
છે.
રાગ અને જ્ઞાનના એકત્વની બુદ્ધિથી જીવ શુભાશુભભાવોને જ કરતો થકો સંસારમાં પરિભ્રમણ કરી
રહ્યો છે. પણ જ્યાં પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કરીને જ્ઞાન અને રાગને અત્યંત જુદા પાડયા ત્યાં એક
જ્ઞાનમયભાવને જ પોતાનો અનુભવતો થકો ધર્મીજીવ રાગાદિપરભાવોને જરાપણ પોતાના અનુભવતો નથી,
તેનાથી ભિન્ન જ્ઞાનધારાપણે જ તે પરિણમે છે. તે જ્ઞાનધારામાં કર્મનો પ્રવેશ નથી. આ રીતે જ્ઞાનધારાવડે જ
સંવર થાય છે. જ્યાં સુધી પોતાના અનુભવમાંથી રાગાદિ આસ્રવોને જુદા ન પાડે ત્યાં સુધી આસ્રવો અટકે
નહિ ને સંવર થાય નહિ.
અપૂર્વ પુરુષાર્થથી જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું છે–એવા જ્ઞાનીનું જ્ઞાન રાગાદિકથી જુદું જ પરિણમે છે;
તેનું જ્ઞાન કદી રાગ સાથે એકમેક થતું નથી. તેની જ્ઞાનધારા અપ્રતિહતભાવે આગળ વધીને કેવળજ્ઞાન લેશે.
જ્ઞાનીનો જે ભાવ ચિદાનંદસ્વભાવ તરફ વળ્‌યો તે ભાવ જ્ઞાનમય છે, તેમાં રાગ–દ્વેષ–મોહ નથી. સ્વભાવ
તરફના પરિણમનની ધારામાં વિભાવ કેમ હોય? રાગથી છુટો પડ્યો ત્યારે તો ઉપયોગ અંતરમાં વળ્‌યો.
અંતરમાં વળીને ઉપયોગે રાગ સાથેની એકતા તોડી તે તોડી, હવે ફરીને (બહારમાં ઉપયોગ જાય ત્યારે પણ)
કદી તે એકતા થવાની નથી. જેમ વીજળી પડે ને પર્વતના કટકા થાય–તે ફરીને સંધાય નહિ તેમ ભેદજ્ઞાનરૂપી
વીજળીના ઝબકારાવડે જ્ઞાનીને જ્ઞાન અને રાગની એકતા તૂટી તે ફરીને સંધાવાની નથી. અહા, અંતરમાં
ભેદજ્ઞાનવડે જ્યાં પરમાત્માનો ભેટો થયો ત્યાં હવે પામર જેવા પરભાવો સાથે સંબંધ કોણ રાખે? રાગથી
જુદી જ્ઞાનધારા ઉલ્લસી તે ઉલ્લસી, હવે પરમાત્મપદને ભેટયે છુટકો.
જુઓ તો ખરા, સ્વભાવદ્રષ્ટિનું જોર! પંચમકાળના મુનિરાજે પણ ક્ષાયિક જેવા અપ્રતિહત ધારાવાહી
ભેદજ્ઞાનીની આરાધના બતાવી છે. જ્ઞાનીની જ્ઞાનધારામાં વચ્ચે આસ્રવ નથી. અહા, આવા અંતરમાં
વીરતાથી કબુલાત આપવી જોઈએ. જ્ઞાની ઉગ્રધારાવડે જે મોહનો નાશ કરવા ઊભો થયો તેના પગ ઢીલા
હોય નહીં, તેને પુરુષાર્થમાં સંદેહ પડે નહિ, એ વીરહાકથી મોક્ષને સાધવા નીકળ્‌યો, તેની આરાધના વચ્ચે તૂટે
નહિ. એકવાર પરિણતિ અંતરમાં વાળીને ચૈતન્યમાં ભળી ને

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૨૨
રાગથી જુદી પડી, પછી તેમાં સદાય રાગથી જુદું અબંધપરિણમન જ વર્ત્યા કરે છે.
અરે, આવી ચૈતન્યઅનુભૂતિનો કેટલો મહિમા છે ને એવો અનુભવ કરનાર ધર્માત્માની શી સ્થિતિ છે
તેની લોકોને ખબર નથી; એણે પોતાના આત્મામાં મોક્ષના માંડવા નાખ્યા છે, એ અનુભવીના અનુભવમાં
બારે અંગનો સાર સમાઈ ગયો છે; બારઅંગરૂપ શ્રુતસમુદ્રમાં રહેલું ચૈતન્યરત્ન તેણે પ્રાપ્ત કરી લીધું છે;
સંસારનું મૂળ તેને છેદાઈ ગયું છે. અનંત જ્ઞાનધારામાંથી જે ચૈતન્ય કણિયા ફુટયા તે ચૈતન્યભાવમાં કિંચિત્
પણ રાગાદિભાવાસ્રવ નથી; પૂર્ણાનંદથી ભરેલા જ્ઞાનધામ તરફ જ્ઞાનધારાનો જે પ્રવાહ વહેવા માંડયો તેને
વચમાં કોઈ રોકનાર નથી.
અરે જીવ! ભેદજ્ઞાનવડે એકવાર પણ તારા જ્ઞાનને રાગથી જુદું અનુભવમાં લે તો રાગ સાથે તને
સ્વપ્નેય જ્ઞાનની એકતા ભાસે નહિ. ભેદજ્ઞાન થયું ત્યાં ભાન થયું કે મારું જ્ઞાન રાગ સાથે કદી એકમેક હતું જ
નહિ, ને કદી એકમેક થવાનું પણ નથી. જુદો....જુદો ને જુદો. જાહેર થાવ કે જ્ઞાનીની જ્ઞાનધારા તે મુક્તસ્વરૂપ
જ છે....સમ્યગ્દ્રષ્ટિ મુક્ત છે.....મિથ્યાત્વ તે જ સંસાર છે, સમ્યક્ત્વ થયું ત્યાં મુક્તિ જ છે. જીવના પરિણામના
બંધ અને મોક્ષ એવા બે ભાગ પાડો તો સમ્યક્ત્વપરિણામ તે મોક્ષસ્વરૂપ જ છે, તેમાં જરાય બંધન નથી;
અને મિથ્યાત્વ પરિણામ તે બંધનસ્વરૂપ જ છે, મિથ્યાત્વસહિતનો ભાવ જરાપણ મોક્ષનું કારણ નથી. આથી
કહ્યું છે કે ‘ભેદજ્ઞાન તે જ્ઞાન છે, બાકી બૂરો અજ્ઞાન’ .
અરે જીવ! આચાર્યભગવાન જ્ઞાનને સ્પષ્ટ જુદું બતાવીને કહે છે કે આવો જ્ઞાનમયભાવ તે જ ખરેખર
આત્મા છે. એકવાર તો જ્ઞાનભાવવડે તારા આત્માને રાગથી જુદો દેખ! એકવાર તો જ્ઞાનના સ્વાશ્રયે ઊભો
થા! ભેદજ્ઞાનરૂપી વજ્રવડે એકવાર તો જ્ઞાન અને રાગ વચ્ચેની સંધિ તોડી નાખ. ભેદજ્ઞાનરૂપી વજ્રવડે જ્ઞાન
અને રાગથી સંધિ જ્યાં તૂટી તે ફરીને સંધાય નહિ; બંને જુદા પડીને જ્ઞાનની પૂર્ણતા ને રાગનો અભાવ થયે
જ છુટકો.
જ્ઞાનીની જ્ઞાનધારાનો પ્રવાહ અંતરમાં વળ્‌યો છે; તે જ્ઞાનધારા મિથ્યાત્વાદિ મેલને ધોઈ નાંખીને
આગળ વધતી વધતી હવે કેવળજ્ઞાનસમુદ્રમાં ભળી જશે.
આગમથી યુક્તિથી તેમજ સ્વાનુભવના પ્રમાણથી ચૈતન્યતત્ત્વનું રાગાદિથી અત્યંતભિન્નપણું
બતાવીને આચાર્યભગવાન કહે છે કે હે ભવ્ય! હે આત્માના શોધક! અંતરમાં આ જ્ઞાનસ્વરૂપ આત્માને
અનુભવવા માટે, બીજો કોલાહલ છોડીને એકધારો છ મહિના પ્રયત્ન કર; અંતરંગમાં ભેદજ્ઞાનનો તીવ્ર
અભ્યાસ કર, નિશ્ચલપણે–લગની પૂર્વક અંતરમાં અભ્યાસ કર. એમ કરવાથી તારા અંતરમાં જ દેહાદિથી
ભિન્ન ચૈતન્યતત્ત્વ તને અનુભવમાં આવશે; હું ચૈતન્યમય છું. એવું સ્વસંવેદન થશે. છ મહિનાના સાચા
અભ્યાસવડે જરૂર આત્મપ્રાપ્તિ થશે.
છ મહિના સુધી આત્માની લગનીમાં લાગ્યો રહે ને તેમાં ભંગ ન પડવા દ્યે તો નિર્મળઅનુભૂતિ
(સમ્યગ્દર્શન) થયા વગર રહે નહીં. એક શરત મુકી છે કે ‘બીજો નકામો કોલાહલ છોડીને.’ ‘અરે, મારું
ચૈતન્યતત્ત્વ શું છે!’ એમ અંદર કુતૂહલ કરીને, અને એ સિવાય આખા જગત સંબંધી ચિંતા કે કોલાહલ
છોડીને, અનુભવનો અભ્યાસ કરતાં છ મહિનામાં (–વધુમાં વધુ છ મહિનામાં) જરૂર આત્માનો અનુભવ
થશે, પોતાનાં અંતરમાં જ ચૈતન્યતત્ત્વ રાગાદિથી ભિન્ન વિલસતું દેખાશે.....આનંદ સહિત પોતાને તે
સ્વાનુભવમાં આવશે.
આત્માર્થીના પરિણામમાં ચૈતન્યનો એવો તીવ્ર રસ છે કે આત્માના અનુભવના અભ્યાસની ધારાને
તે તોડતો નથી. જગતની, કુટુંબની કે શરીરની ચિંતાના કોલાહલને એકકોર મુકીને, ચૈતન્યને સાધવા માટે
તેણે ધારા ઉપાડી છે.–આવો તૈયાર થઈને આત્માને સાધવા નીકળ્‌યો તેને આત્મા જરૂર સધાશે જ.
અરે જીવ! ચૈતન્યને સાધવા તેના મહિમાનું ઘોલન કર. બહિર્મુખની ચિંતા છોડીને અંતર્મુખ થવાનો છ
મહિના એકધારો પ્રયત્ન કર. બીજી બધી ચિંતા છોડીને એકવાર સતતપણે તારા આત્માના પ્રયત્નમાં લાગ.
ઉપયોગને ચૈતન્યચિંતનમાં જોડીને છ મહિના ધારાવાહી

PDF/HTML Page 18 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : ૧૭ :
પ્રયત્નથી જરૂર તને આનંદ સહિત તારો આત્મા રાગાદિથી અત્યંત જુદો અનુભવમાં આવશે.
અહા, જુઓ તો ખરા! આચાર્યદેવે કેવું સરસ સમજાવ્યું છે!! આત્માના અનુભવની કેવી સરસ
પ્રેરણા આપી છે! ભાઈ, તારી વસ્તુ તારા અંતરમાં છે, તેની સન્મુખ પ્રયત્ન કરતાં તે પ્રાપ્ત થયા વગર
રહે નહિ.
હે ભાઈ! તું બહારની ચિંતા કર તોપણ તેનું જે થવાનું છે તે જ થવાનું છે, ને તું તેની ચિંતા ન
કર તોપણ તેનું કાંઈ અટકી જવાનું નથી. માટે તેની ચિંતા છોડીને ચૈતન્યના ચિંતનમાં તારા ઉપયોગને
જોડ. બહારના અનંતકાળના પ્રયાસે કાંઈ હાથ ન આવ્યું, એક રજકણ પણ તારો ન થયો છતાં તેમાં જ
લાગ્યો રહે છે ને આકુળતાના દુઃખને ભોગવે છે–એ તો મોટા દરિયા ભરાઈ એવડી મુર્ખાઈ છે.
બહારના પ્રયત્નનો અનંતકાળ નિષ્ફળ ગયો, પણ જો અંતરમાં ચૈતન્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરે તો
અંતર્મુહૂર્તમાં તેની પ્રાપ્તિ થાય, ને સાદિ અનંતકાળ સુખનું વેદન થાય. સ્વસન્મુખ અભ્યાસ વડે
સ્વરૂપની પ્રાપ્તિ જરૂર થાય છે. પરની તો પ્રાપ્તિ ન થાય, અને પ્રાપ્તિ થાય તોપણ તેમાંથી સુખ તો
પ્રાપ્ત થતું જ નથી; પોતાની વસ્તુ પોતાની પાસે છે, જો ચેતીને–જાગૃત થઈને જુએ તો પોતાનું સ્વરૂપ
મોજુદ છે તે પોતાના વેદનમાં આવે છે, ને તે સ્વસંવેદન આનંદરૂપ છે. ભાઈ, આનંદની પ્રાપ્તિનો ઉપાય
તો આ છે ઉત્કૃષ્ટભાવથી પ્રયત્ન કરતાં અંતર્મુહૂર્તમાં અજ્ઞાનનો પડદો તોડી નાંખીને, સ્વસ્વરૂપના
અનુભવવડે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તો પછી સમ્યગ્દર્શન તો સુગમ છે. પણ શિષ્યને બહુ કઠણ લાગતું
હોય તો વધુમાં વધુ છ મહિનાનો સમય લાગવાનું કહ્યું છે. નિષ્પ્રયોજન કોલાહલ છોડીને સ્વરૂપના
પ્રયત્નમાં લાગવાથી છ મહિનામાં જરૂર તેની પ્રાપ્તિ થાય છે.–બધાને છ મહિના લાગે એમ નથી, કોઈ
૪૯ દિવસમાં પણ પામી જાય છે, ને પામનારા અંતર્મુહૂર્તમાં પણ પામ્યા છે. અંતર્મુખ સમ્યક્ પ્રયત્ન કરે
કે તત્કાળ તેની પ્રાપ્તિ થાય છે. જીવમાં અચિંત્ય તાકાત છે, જ્યારે પોતાની તાકાતને ફોરવીને તે
અંતર્મુખ થાય છે ત્યારે સમ્યગ્દર્શનાદિ પામે છે, તેમાં બીજું કોઈ કારણ નથી, તે અકારણીય છે. અંતરમાં
જ પરમાત્માપદ બિરાજી રહ્યું છે પણ પોતાની નજરની આળસે (દ્રષ્ટિના દોષે) પોતે પોતાને દેખતો
નથી. આચાર્યદેવ અને જ્ઞાની સંતો ફરી ફરીને મીઠાસથી કહે છે કે હે ભવ્ય! બીજી બધી ચિંતાને છોડીને
એક ચિદાનંદતત્ત્વની પ્રાપ્તિના પ્રયત્નમાં તારા ઉપયોગને જોડ....કે જેથી તુરતમાં જ તને તારો આત્મા
અનુભવમાં આવશે. પ્રવચનસારમાં તો છેલ્લે કહે છે કે અહો જીવો! આ જ્ઞાનાનંદસ્વરૂપ તત્ત્વને તમે
આજે જ દેખો.....આજે જ આવા આત્માને અનુભવો.
જ્ઞાન–આનંદમય ભેદજ્ઞાનજ્યોતિ સદાય વિજયવંત છે, તે સાદિઅનંત જયવંત વર્તે છે. જેણે
ભેદજ્ઞાન પ્રગટ કર્યું તેણે આત્મામાં વિજયના માણેકસ્થંભ રોપ્યા.
અંતરમાં આત્માર્થીપણું ઊગ્યા વગર ચૈતન્યના પત્તા ખાય નહિ. ભાઈ, ચૈતન્યથી જ કોઈ
અચિંત્ય છે; તારી ચૈતન્યસત્તા રાગમાં ઢંકાઈ ગઈ નથી, રાગથી જુદી ને જુદી તારી ચૈતન્યસત્તા છે.
અજ્ઞાનથી ચૈતન્યનું ને રાગનું એકપણું ભાસ્યું હતું પણ ભેદજ્ઞાનના અભ્યાસવડે બંનેની અત્યંત
ભિન્નતા અનુભવમાં આવે છે. જ્ઞાન અને રાગની ભિન્નતાના તીવ્ર અભ્યાસવડે ભેદજ્ઞાન થાય ત્યારે
જીવને અતીન્દ્રિય આનંદસહિત એમ અનુભવાય છે કે આ જ્ઞાન છે તે જ હું છું, ને જે રાગાદિ છે તે જડ
તરફનો ભાવ છે, મારા ચૈતન્યભાવ સાથે તેને જરાપણ આધાર આધેયપણું નથી. ચૈતન્યભાવ તો શાંત–
અનાકુળ છે ને રાગ તો આકુળતા–કલેશરૂપ છે.–આવું ભેદજ્ઞાન તે સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય છે. સંવર
અધિકારની શરૂઆતમાં તેને અભિનન્દીને,–તેની પ્રશંસા કરીને આચાર્યદેવે ભેદજ્ઞાનનો મહિમા કર્યો છે,
અને કહ્યું છે કે અહો, આવું ભેદજ્ઞાન અછિન્નધારાથી નિરંતર ભાવવા યોગ્ય છે. ભેદજ્ઞાની ધર્માત્મા
પોતાના જ્ઞાનને રાગથી ભિન્ન જ અનુભવે છે, અણુ માત્ર પણ રાગ તેને સ્વભાવપણે અનુભવતો નથી.
આવું ભેદજ્ઞાન થતાં નિજભાવને પામીને આત્મા પરમ આનંદિત થાય છે, કદી નહિ થયેલું એવું રાગથી
ભિન્ન જ્ઞાનનું અપૂર્વ વેદન થયું તે આનંદરૂપ છે. આનંદમાં ઝૂલતા આચાર્યદેવ કહે છે કે હે સત્પુરુષો!
આવું ભેદજ્ઞાન

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૨૨
કરીને તમે મુદિત થાઓ.....રાગથી અત્યંત ભિન્ન ચૈતન્યના અનુભવવડે આનંદિત થાઓ.
જીવે જ્યાં ભેદજ્ઞાન કર્યું ત્યાં તેને ‘સન્ત’ કહ્યો: હે સન્તો! આવા ભેદજ્ઞાનવડે હવે તમે મુદિત થાઓ,
પ્રસન્ન થાઓ, આનંદિત થાઓ. ચૈતન્યના અનુભવમાં સન્તોને (અવિરત સમ્યગ્દ્રષ્ટિ પણ સન્ત છે તેને
પણ) અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો છે. આવું ભેદજ્ઞાન અને આવી અનુભૂતિ તે અપૂર્વ મંગળ છે.
જેને આવી દશા પ્રગટી છે તે સન્તો પણ મંગળરૂપ છે, ને અન્ય જીવોને પણ તે મંગળનું કારણ છે.
ભેદજ્ઞાની નિઃશંક જાણે છે કે હું જ્ઞાન જ છું. ગમે તેવા પ્રચંડ કર્મોદયનો ઘેરો આવે તો પણ હું મારા
જ્ઞાનમયપણાને કદી છોડતો નથી, મારો જ્ઞાનભાવ કદી રાગ સાથે તન્મય થતો નથી, જ્ઞાન કદી અજ્ઞાનરૂપ
થતું નથી. શત્રુંજય ઉપર પાંડવો જેવા ધર્માત્મા જ્યારે ધ્યાનમાં છે ત્યારે દુર્યોધનનો ભાણેજ વૈરબુદ્ધિથી
તેમને ધગધગતા અંગારા ઝરતા લોહાભૂષણો પહેરાવે છે, શરીર સળગી ઊઠે છે,–એવા વખતે પણ પાંચે
પાંડવોને અંતરમાં ભાન છે અમે તો જ્ઞાન છીએ, શરીર સળગે તોપણ અમારું જ્ઞાન જ્ઞાનત્વને છોડતું
નથી.–આવા ભાન ઉપરાંત ચૈતન્યધ્યાનમાં લીનતાની શ્રેણી વડે ત્રણ પાંડવો તો ત્યાં જ ઘાતિ કર્મોને
ભસ્મ કરીને કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામે છે. બહારના અગ્નિ વડે નોકર્મ–શરીર સળગે છે તે જ
વખતે અંતરમાં શુક્લધ્યાનરૂપી અગ્નિવડે કર્મોની ભસ્મ થાય છે. ગમે તેવા ઉપસર્ગમાં કે પરિષહમાં
જ્ઞાનીને (ગૃહસ્થી–સમ્યગ્દ્રષ્ટિને પણ) પોતાના જ્ઞાનસ્વભાવની પ્રતીત છુટતી નથી. હજાર કારણો ભેગા
થવા છતાં જ્ઞાનની જ્ઞાનસ્વભાવથી છોડાવવા અશક્ત છે. જેમ ગમે તેવા અગ્નિમાં તપ્ત થવા છતાં સોનું
તો સોનું જ રહે છે. તે પોતાના સુવર્ણપણાને છોડતું નથી. તેમ જ્ઞાની ગમે તેવી પ્રતિકૂળતા કે
અનુકૂળતાના ઘેરા વચ્ચે પણ પોતાના જ્ઞાનપણાને છોડતા નથી, તે જ્ઞાનમય જ રહે છે. હજાર કારણો કે
દુનિયાના અનંત કારણો ભેગા થાય, અનંતી પ્રતિકૂળતા થાય, વીજળી પડે કે વજ્ર પડે તોપણ જ્ઞાનીને
પોતાના જ્ઞાનસ્વભાવમાં કદી સન્દેહ પડતો નથી, ‘મારું જ્ઞાન રાગ સાથે ભળી ગયું’–એવો સન્દેહ તેને
પડતો નથી, તે જ્ઞાનમયસ્વભાવપણે જ પરિણમે છે; ભેદજ્ઞાનજ્યોતિ જાગી તે હવે જ્ઞાનને અને રાગને
એક થવા દેતી નથી; જ્ઞાનીને જ્ઞાનમય પરિણમનથી છોડાવવા કોઈ સમર્થ નથી.
બાહ્યી, સીતાજી, રાજીમતી, ચંદના, અંજના, ‘વગેરે’ અનેક ધર્માત્મા સતીઓ ઉપર ગમે તેવાં
પ્રસંગ આવવા છતાં તેઓ પોતાના જ્ઞાનસ્વભાવમાં નિઃશંકપણે જ્ઞાનપણે જ વર્તતા હતા; અચિંત્ય
જ્ઞાનધારાનો પ્રવાહ તેમને વહેતો હતો. જ્ઞાની સમકિતીને પ્રતિકૂળતાના ગંજ આવે તોપણ તેનું જ્ઞાન
રાગથી ભિન્નપણે પોતાના જ્ઞાનસ્વભાવમાં જ એકતાપણે વર્તે છે, ક્ષણે ક્ષણે તેને શુદ્ધતા વધતી જાય છે;
એનું નામ પરિષહ અને ઉપસર્ગ સહ્યા કહેવાય, ને એને નિર્જરા થાય.
કોઈ કહે કે કેટલું સહન કરવું?–તો.....કહે છે કે અરે ભાઈ! જ્ઞાનસ્વભાવમાં આખા જગતથી
જુદાપણે ટકી રહેવાની તાકાત છે, જ્ઞાન ઉદાર છે, ધીર છે; ઘણા પ્રતિકૂળ સંયોગ ભેગા થાય તેથી જ્ઞાનને
બગાડી દ્યે કે જ્ઞાનને અજ્ઞાન કરી નાંખે–એ વાત અશક્્ય છે. જ્ઞાની જ્ઞાનભાવમાં પરિણમ્યો ને જ્ઞાનધારા
ઊપડી તે જ્ઞાનની અચ્છિન્નધારાને તોડવાની કોઈની તાકાત નથી. જ્ઞાનધારાની સહનશીલતાને કોઈ હદ
કે મર્યાદા નથી; ‘આટલી પ્રતિકૂળતા હોઈ ત્યાં મારું જ્ઞાન ટકી શકે પણ તેથી વધારે પ્રતિકૂળતામાં મારું
જ્ઞાન ન ટકે’–એમ જ્ઞાનીને કદી થતું નથી. જ્ઞાનની તાકાત અમર્યાદ છે, તેની સહનશીલતા પણ અમર્યાદ
છે, તેથી જ્ઞાન ધીર છે, ઉદાર છે.
આવી જ્ઞાનદશા પ્રગટ કરવા માટે અંતરમાં ઘણી પાત્રતા ને ઘણો પ્રયત્ન જોઈએ. અહા, કેટલી
તૈયારી! કેટલી ધગશ! કેટલી જાગૃતિ! ભેદજ્ઞાનવડે જાગ્યો ત્યાં બંધભાવ ભાગ્યો, ને જ્ઞાન
રાગાદિભાવોથી જુદું પડીને સ્વભાવ સાથે અભેદપણે પરિણમવા લાગ્યું; તે જ્ઞાનીની ધારાને તોડવાની
કોઈની તાકાત નથી. અરે, નરકમાં તો કેટલી પ્રતિકૂળતા છે છતાં ત્યાં પણ શ્રેણિક જેવા અસંખ્યાતા
ધર્માત્માજીવો છે તે બધાય જ્ઞાનપણે જ રહે છે, રાગથી

PDF/HTML Page 20 of 25
single page version

background image
ચૈત્ર : ૨૪૮૮ : ૧૯ :
ભિન્નપણે જ તેમનું જ્ઞાન પરિણમ્યા કરે છે. આ અંતરના પરિણમનની ચીજ છે, આ કાંઈ શબ્દોની
ગોખણપટ્ટીની ચીજ નથી. જ્ઞાનીને ભેદજ્ઞાન કાંઈ ગોખવું નથી પડતું, પણ તેમની પરિણતિ જ રાગથી
ભિન્ન જ્ઞાનભાવે પરિણમી ગઈ છે, ભેદજ્ઞાનના બળે એવી પરિણતિ તેમને વર્ત્યા જ કરે છે. અહો, ગમે
તે પ્રસંગમાં જ્ઞાનીનું જ્ઞાન પોતાના આનંદ સ્વભાવે રહેતું થકું ને રાગાદિથી જુદું જ વર્તતું થકું પોતાનું
કાર્ય કરે છે. તેને એમ ઘંટા નથી ગણવા પડતા કે ‘અરે, આ પ્રતિકૂળતા ક્્યારે ટળે!’ પ્રતિકૂળતાના
કાળે જ તેનું જ્ઞાન તો જ્ઞાનભાવપણે જ વર્તે છે, તે જરાપણ અજ્ઞાનરૂપ કે પરભાવરૂપ થતું નથી. આવી
અપૂર્વ દશાનું નામ ભેદજ્ઞાન છે, તે જ સંવરનિર્જરા છે, તે જ મોક્ષનો પંથ છે, તે જ ધર્મ છે, ને તે જ
મંગળરૂપ મહિમાવંત છે. આવા ભેદજ્ઞાનનો સતત અભ્યાસ કરવા જેવો છે, આવું ભેદજ્ઞાન અતીવ
ભાવ્ય છે.
* * * * * * *
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ – સોનગઢ (સૌરાષ્ટ્ર)
આપ આપનાં બાળકોને ઉપરોક્ત બોર્ડિંંગમાં દાખલ કરો.
માસિક ભોજનનું લવાજમ આગામી વર્ષથી રૂા. પ) ઘટાડવામાં આવ્યું
છે. પુરી ફીના રૂા. ૨પ) તથા ઓછી ફીના રૂા. ૧પ) માસિક લેવામાં આવશે,
ખોરાક શુદ્ધ અને સાત્ત્વિક આપવામાં આવે છે.
ઉપરાંત વિદ્યાર્થીઓને સુવા પલંગ તથા બીજી બધી સગવડો પણ
આગામી વર્ષથી આપવાનું વિચારવામાં આવેલ છે.
અહીં વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં એસ. એસ. સી. (મેટ્રિક) સુધીના
શિક્ષણ ઉપરાંત ધાર્મિક અભ્યાસનો તથા પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના સત્સમાગમ
તથા વ્યાખ્યાન શ્રવણનો પણ લાભ મળશે.
રૂા. ૦–૧પ ન. પૈ. ની ટિકિટો મોકલી તા. ૨૦મી એપ્રિલ સુધીમાં
પ્રવેશપત્ર તથા નિયમો મંગાવી તા. ૧પમી મે સુધીમાં તે વિગતવાર ભરી
પરત મોકલવો.
મોહનલાલ વાઘજી મહેતા
મંત્રી
શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ – સોનગઢ (સૌરાષ્ટ્ર)

‘આત્મધર્મ’ ના ગતાંકમાં (ફાગણ માસના અંકમાં) ભૂલથી અંક નં. (૨૩૦) છપાયેલ છે.
તેને બદલે (૨૨૧) સુધારવો.