Atmadharma magazine - Ank 023
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૨૩
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વર્ષ: ૨
અંક: ૧૧ શ્રાવણ ૨૦૦૧
• ધર્મનું મૂળ દર્શન છે •
: સં પા દ ક :
રામજી માણેકચંદ દોશી
વકીલ
• ભવ્ય જીવન પ્રરણ •
– : માલિની : –
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्।
इह कथमपि नात्मानात्मना साकमेकः
किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम्।।
(સમયસર કલશ ૨)
અર્થ:– જગત અર્થાત્ જગતના જીવો અનાદિ સંસારથી માંડીને આજ
સુધી અનુભવ કરેલા મોહને હવે તો છોડો અને રસિક જનોને રુચિકર, ઉદય થઈ
રહેલું જે જ્ઞાન તેને આસ્વાદો; કારણ કે આ જગતમાં આત્મા છે તે ખરેખર કોઈ
પ્રકારે અનાત્મા (પર દ્રવ્ય) સાથે કોઈ કાળે પણ તાદાત્મ્યવૃત્તિ (એક પણું)
પામતો નથી, કેમકે આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એકતારૂપ થતો નથી.
ભાવાર્થ:– આત્મા પર દ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને
પામતો નથી. એ રીતે આચાર્યે, અનાદિથી પર દ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું
ભેદ વિજ્ઞાન કરાવ્યું છે અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને હવે છોડો
અને જ્ઞાનને આસ્વાદો. મોહ છે તે વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે.

વાર્ષિક લવાજમ
છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય (સુવર્ણપુરી) સોનગઢ કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
જ્ઞાની અને અજ્ઞાનીમાં આકાશ પાતાળ જેટલો મહાન તફાવત છે
આત્મા પોતાના ઉપયોગને જ કરી શકે છે, પર દ્રવ્યનું કાંઈ પણ કરી જ શકતો નથી–એ સિદ્ધાંતને શ્રી
સમયસારજીના કર્તાકર્મ અધિકારમાં અત્યંત સ્પષ્ટ અને સચોટ રીતે બહુજ સુંદર સમજાવવામાં આવેલ છે–ત્યાં કહ્યું છે
કે:–
૧– [ગાથા ૮૬ ભાવાર્થ:–] “આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો
તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગલની–બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે.
જડ–ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય–એ મોટો દોષ ઉપજે.” [પાનું–૧૨૬]
૨– [કલશ પ૩ ભાવાર્થ:–] બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને
પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી–એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક
થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.”
[કલશ પ૪ અર્થ:–] “એક દ્રવ્યના બે કર્તા ન હોય વળી એક દ્રવ્યનાં બે કર્મ ન હોય અને એક દ્રવ્યની બે ક્રિયા
ન હોય, કારણકે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.” [પાનું–૧૨૭]
૩– [કલશ–પ૬ અર્થ:–] “આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે અને પરદ્રવ્ય પરના ભાવોને કરે છે; કારણ કે
પોતાના ભાવો છે તે તો પોતે જ છે અને પરના ભાવો છે તે પર જ છે (એ નિયમ છે).” [પાનું–૧૨૮]
૪– [કલશ–૬૧–અર્થ:–] “આ રીતે ખરેખર પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો પોતાના જ ભાવોનો જીવ
કર્તા છે, પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો કદી નથી.”
[કલશ ૬૨–અર્થ:–] “આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા
પરભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે.” (પાનું–૧૪૩)
આ રીતે જીવ પરની ક્રિયા કરી શકતો નથી, પણ પોતાની ક્રિયાનો જ જીવ કર્તા છે. –જીવ પોતે કઈ ક્રિયા કરી
શકે અને કઈ ક્રિયા ન કરી શકે એ જો તે જાણે તો, ––પર દ્રવ્યની કોઈ ક્રિયા પોતે નહિ કરી શકતો હોવાથી, –પર દ્રવ્યના
કર્તૃત્વપણાનો મહા અહંકાર ટળે, અને પોતાની પરિણામ ક્રિયાને જોતાં શીખે, જ્યારે જીવ પોતાની પરિણામ ક્રિયાને
જોતાં શીખે ત્યારે પોતાનાં જે પરિણામોથી પોતાને નુકસાન થતું જાણે તે પરિણામોને છોડે અને પોતાનાં જે
પરિણામોથી પોતાને લાભ થતો જાણે તે પરિણામોને આદરે; અને એમ કરતાં દુઃખ ટળીને સુખ થાય. પરંતુ જ્યાં સુધી
જીવ પોતે શું કરી શકે છે અને શું કરી શકતો નથી–એ ન જાણે ત્યાં સુધી તે પોતાના સુખનો સાચો ઉપાય કરી શકે નહિ.
આ સંબંધમાં પૂ. ગુરુદેવશ્રી અનેક વખત ભાર દઈને કહે છે કે–
૧–અનાદિથી માંડીને આજ સુધી કોઈ પર જીવને કે જડને કિંચિત્ માત્ર લાભ કે નુકશાન તેં કર્યું જ નથી.
૨–આજ સુધી કોઈ પર જીવે કે જડે તને કિંચિત્ માત્ર લાભ કે નુકશાન કર્યું જ નથી.
૩–આજ સુધી તેં તારા માટે સતત્ એકલો નુકશાનનો જ ધંધો કર્યો છે, અને જ્યાં સુધી તું સાચી સમજણ નહિ
કર ત્યાં સુધી તે નુકશાનનો ધંધો ચાલશે જ.
૪–તેં જે નુકશાન કર્યું છે તે નુકશાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે–તારી ત્રિકાળી વસ્તુમાં થયું નથી.
પ–તારી ચૈતન્ય વસ્તુ ધ્રુવ અવિનાશી છે, તે સ્વભાવ તરફ લક્ષ કર તો શુદ્ધતા પ્રગટે અને અશુદ્ધતા ટળે–એટલે
નુકશાન ટળે અને અટળ લાભ થાય.
ઉપરના પાંચ બોલોમાં મહાન સિદ્ધાંત રહેલો છે. જીવ અનાદિથી આજ સુધી રખડયો–તેમાં તેણે શું કર્યું અને હવે
શું કરે તો તે રખડપટ્ટી ટળે એ ઉપરના બોલોમાં બતાવ્યું છે. મુમુક્ષુ જીવોએ એ પાંચે બોલોને હૃદયમાં નિરંતર કોતરી
રાખવા જોઈએ–અને તેનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. શ્રી જૈન સ્વાધ્યાય મંદિરમાં જે સિદ્ધાંત–સૂત્રો ચોડેલાં છે તેમાં
પણ એકસિદ્ધાંત છે કે–“ચૈતન્ય પદાર્થની ક્રિયા ચૈતન્યમાં હોય–જડમાં ન હોય.”
વળી આ બાબત આત્મધર્મના પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં એવી મતલબે લખ્યું છે કે –“કોઈ આત્મા જ્ઞાની કે
અજ્ઞાની–એક પરમાણુ માત્રને હલાવવાનું સામર્થ્ય ધરાવતો નથી, તો પછી દેહાદિની ક્રિયા આત્માના
હાથમાં ક્યાંથી હોય? જ્ઞાનીને અજ્ઞાનીમાં આકાશ–પાતાળના અંતર જેવડો મહાન તફાવત છે, અને તે એ
છે કે–અજ્ઞાની પરદ્રવ્યોનો તથા રાગ–દ્વેષનો કર્તા થાય છે. અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો તેમનો
કર્તા થતો નથી. તે કર્તૃત્વપણાની માન્યતા છોડવાનો મહા પુરુષાર્થ દરેક જીવે કરવાનો છે. તે કર્તૃત્વ બુદ્ધિ
સમ્યકજ્ઞાન વિના છૂટશે નહિ–માટે તમે જ્ઞાન કરો! ”

PDF/HTML Page 4 of 17
single page version

background image
પરમ પજ્ય
સદ્ગુરુદેવ
શ્રી
કાનજી
સ્વામીનું
વ્યાખ્યાન
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
: અત્મધમ :
• ધર્મ અને પુણ્ય •
જગતમાં અજ્ઞાની પ્રાણીઓ પુણ્યવંતનો
આદર કરે છે, અને ઈન્દ્ર–ચક્રવર્તી વગેરે પુણ્યવંત
આત્માઓ ધર્મી જીવનો (તે પુણ્ય હીન હોય તો
પણ તેનો) આદર કરે છે; તો હવે વિચારો કે
આમાં મહિમા કોનો થયો? ધર્મનો કે પુણ્યનો?
ધર્મનો જ મહિમા થયો છે. આથી સિદ્ધ થાય છે કે
જે ભાવે ઈન્દ્રપદ કે ચક્રવર્તીપદ મળ્‌યું તે
શુભભાવનો પણ ધર્મમાં આદર નથી, હેય છે.
પુણ્ય કરતાં ધર્મ ચીજ જુદી છે તેથી જ પુણ્યવંત
પ્રાણીઓ ધર્મી જીવનો આદર કરે છે. પુણ્ય ઉપરથી
ધર્મીનું માપ પણ નથી પણ ધર્મીનું માપ કઈ રીતે
છે તેનું સ્વરૂપ કહેવાય છે.
ધર્માત્મા મુનિ કોઈ પૂર્વના કારણે ઘાણીમાં
પીલાતા હોય અને ઈન્દ્રને હજારો દેવો સેવા કરતાં
હોય છતાં ઈન્દ્ર આવીને ધર્માત્મા મુનિને નમસ્કાર
કરે કે–“અહો! ધન્ય ધર્માત્મા! ધન્ય મુનિ! તારા
પવિત્ર ચરણ કમળમાં મારું મસ્તક નમે છે.” આ
નમસ્કાર ધર્મ દ્રષ્ટિએ છે. વંદન કરનારની દ્રષ્ટિ જો
પુણ્ય–પાપ ઉપર હોત તો તે ધર્માત્મા મુનિને વંદન
કરત નહિ. ધર્માત્મા મુનિને પાપનો ઉદય વર્તે છે
અને ઈંદ્રને પુણ્યનો ઉદય વર્તે છે પરંતુ ઈન્દ્રની દ્રષ્ટિ
પુણ્ય–પાપ ઉપર નથી પણ ધર્મ ઉપર છે, તેથી
મુનિને અંતરમાં વિશેષ ધર્મ પ્રગટયો છે તે ધર્મને
નમસ્કાર કરે છે.
(પાછળ)
ધોળા તારીખ
જંકશન
૧૩–૪–૪૪

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૭૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૦૦૧ :
બાહ્ય સામગ્રી છોડી માટે ધર્મી–એમ ધર્મીનું સ્વરૂપ નથી. પોતે પુણ્યવંત હોય અને કોઈ ધર્માત્મા બહુ
પુણ્યવંત ન હોય છતાં પોતે ધર્માત્માને વંદન–નમસ્કાર કરે છે એટલે કે તે ધર્માત્મા પાસે પુણ્ય કરતાં જુદી જાતની
કોઈ ચીજ છે કે જે પુણ્ય કરતાં ઊંચી છે–તેને લીધે જ તે ધર્માત્મા વંદનીય છે. આ રીતે ધર્મ પાસે પુણ્ય હેય છે, અને
ધર્મીને પુણ્યનો આદર નથી. જો શ્રદ્ધામાં પુણ્યનો આદર હોય તો તે ધર્મી નથી. શ્રદ્ધામાં પુણ્યનો આદર ક્યારે ટળે?
કે– ‘હું જ્ઞાનસ્વરૂપ શુદ્ધ આત્મા છું, પુણ્ય–પાપ બંને વિકાર છે તે મારૂં સ્વરૂપ નથી’ આવું ભાન હોય તો શ્રદ્ધામાંથી
પુણ્યનો આદર ટળે એટલે જેને આત્માની ઓળખાણ હોય તે ધર્મી છે અને તે જ વંદનીય છે. કોઈ જીવ બાહ્યમાં
ત્યાગી હોય પરંતુ શ્રદ્ધામાં પુણ્યભાવનો આદર હોય તો તે ધર્મી નથી અને તેથી તે વંદનીય નથી.
તું જેને વંદન કરે છે તેનામાં અને તારામાં શું ફેર છે–કઈ રીતે સામા વંદનીક છે તે નક્કી કરવું જોઈએ.
સામો બાહ્ય ત્યાગી થયો માટે વંદનીક–એમ નથી. જે ભાવે બાહ્ય સામગ્રી મળે તે ભાવનો જો શ્રદ્ધામાં આદર
હોય તો તે ત્યાગી જ નથી–ધર્મી નથી, પણ તારા જેવો જ છે. ધર્મી તો તે કહેવાય કે જેને સામગ્રી કે સામગ્રીનું
કારણ જે પુણ્ય–પાપ તેનો આદર ન હોય. ભવ અને ભવનું કારણ પુણ્ય પાપના વિકાર ભાવ તેનો આદર
ધર્માત્માને ન હોય. આ રીતે પરીક્ષાથી ધર્માત્માને ઓળખ્યા વગર, માત્ર બાહ્ય સામગ્રીનો ત્યાગ જોઈને જે
આદર કરે છે તે ધર્મનો આદર નથી પણ બાહ્ય ત્યાગનો આદર કરે છે, તેને ધર્મના સ્વરૂપની ઓળખાણ નથી.
પોતે બાહ્ય સગવડો છોડી શકતો નથી અને સામાને બાહ્ય સામગ્રીનો ત્યાગ દેખાય છે તેથી તે બાહ્ય ત્યાગનો
આદર કરી રહ્યો છે. પરંતુ અંદરમાં શું ફેર છે તે જાણતો નથી. બાહ્યમાં ત્યાગ હોવા છતાં જે શુભભાવથી લાભ
થવો માને છે તેને અંદરમાં જે ભાવે બાહ્ય સામગ્રી મળે તે પુણ્યભાવનો આદર છે–અને જેને પુણ્યનો આદર છે
તેને પુણ્યના ફળનો પણ આદર હોય જ. માટે તે જીવ ધર્માત્મા નથી.
ધર્મ ચીજ અપૂર્વ છે, પુણ્ય–પાપથી પાર છે. પુણ્યપાપ બંને સરખાં છે, ધર્મી જીવ શ્રદ્ધામાં તે બંનેને સરખાં
ગણે છે અર્થાત્ તે બંનેને હેય ગણે છે–પણ પાપ ખરાબ અને પુણ્ય સારૂં એમ તેઓ માનતા નથી. ધર્મીને પાપી
જીવ ઉપર તિરસ્કાર નથી તેમ જ પુણ્યવંત જીવને દેખીને ધર્મી રાજી થતા નથી–કેમકે તે બંને વિકારનું ફળ છે;
ધર્માત્માએ પુણ્ય–પાપને વિકારી તરીકે અંતરમાં જાણ્યા છે, તેથી વિકાર ભાવના કરનાર અને તેના ફળને
ભોગવનાર બંને ઉપર સમભાવ છે. તેમ જ અસ્થિરતાના કારણે પોતાને પુણ્ય–પાપના ભાવ થઈ જાય તેનો પણ
ધર્મીને આદર હોતો નથી. જો કે તેઓ પાપભાવથી બચવા શુભભાવ કરે છે પરંતુ તે ભાવનો તેમને અંતરથી
આદર નથી. આ જ ધર્મીનું લક્ષણ છે કે તેઓ પુણ્ય–પાપ રહિત આત્માના શુદ્ધ જ્ઞાયક સ્વભાવને જાણતા હોવાથી
પુણ્ય કે પાપ ભાવનો તેમને આદર હોતો નથી.
ધર્માત્માને વંદન કરવામાં ઉપરનું સ્વરૂપ સમજવાની જવાબદારી વંદન કરનારની છે. જો ઉપર પ્રમાણે
ધર્મનું સ્વરૂપ સમજ્યા વિના વંદન કરે તો તે વંદન ધર્માત્માને કર્યું નથી, કેમકે ધર્માત્માનું સ્વરૂપ સમજ્યા વિના
તેને વંદન કેવી રીતે કરે?
ઉપરના લખાણનો ટૂંક સાર
૧–પુણ્ય કરતાં ધર્મ જુદી ચીજ છે. ૨–બાહ્ય ત્યાગ તે ધર્માત્માનું લક્ષણ નથી.
૩–જેને વંદન કરે તેનું સ્વરૂપ જાણવું જોઈએ. ૪–પુણ્ય–પાપ બંને ધર્મ દ્રષ્ટિમાં સમાન છે. કેમકે બંને વિકાર છે.
પ–વંદનીક અને વંદન કરનાર એ બંનેને શ્રદ્ધામાં પુણ્યનો આદર હોવો જોઈએ નહિ, તો જ તે સાચું વંદન હોઈ શકે.
૬–ધર્માત્માનું અંતર સ્વરૂપ જાણ્યા વગરના નમસ્કાર સાચા હોઈ શકે નહિ.
• પર્યુષણ પર્વ •
મુમુક્ષુઓની સગવડતા ખાતર, સુવર્ણપુરીમાં દર વર્ષે જે રીતે
પર્યુષણ ઉજવાય છે તે રીતે શ્રાવણ વદ ૧૩ થી
ભાદરવા સુદ પ સુધી ઉજવાશે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૭૩ :
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીનાં વ્યાખ્યાનમાંથી
વ્યખ્યન સમયસર
૨૦ – ૪ – ૪પ ગાથા ૧૪૨
સમ્યગ્દર્શન શું અને તેને કોનું અવલંબન
સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધા ગુણની નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે
છે; સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે.
આ સમ્યગ્દર્શન જ આત્માના સર્વ સુખનું કારણ છે. ‘હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું, બંધ રહિત છું’ આવો વિકલ્પ
કરવો તે પણ શુભરાગ છે, તે શુભરાગનું અવલંબન પણ સમ્યગ્દર્શનને નથી; તે શુભ વિકલ્પને અતિક્રમતાં
સમ્યક્દર્શન થાય છે. સમ્યક્દર્શન પોતે રાગ અને વિકલ્પ રહિત નિર્મળ ગુણ છે તેને કોઈ વિકારનું અવલંબન
નથી–પણ આખા આત્માનું અવલંબન છે––આખા આત્માને તે સ્વીકારે છે.
એકવાર વિકલ્પ રહિત થઈને અખંડ જ્ઞાયક સ્વભાવને લક્ષમાં લીધો ત્યાં સમ્યક્ભાન થયું. અખંડ
સ્વભાવનું લક્ષ એ જ સ્વરૂપની શુદ્ધિ માટે કાર્યકારી છે. અખંડ સત્ય સ્વરૂપને જાણ્યા વિના––શ્રદ્ધા કર્યા વિના,
‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, અબદ્ધસ્પૃષ્ટ છું’ એ વગેરે વિકલ્પો પણ સ્વરૂપની શુદ્ધિ માટે કાર્યકારી નથી. એકવાર
અખંડ જ્ઞાયક સ્વભાવનું લક્ષ કર્યું પછી જે વૃત્તિ ઊઠે તે વૃત્તિઓ અસ્થિરતાનું કાર્ય કરે પરંતુ તે સ્વરૂપને રોકવા
સમર્થ નથી, કેમકે શ્રદ્ધામાં તો વૃત્તિ–વિકલ્પ રહિત સ્વરૂપ છે તેથી વૃત્તિ ઊઠે તે શ્રદ્ધા ફેરવી શકે નહિ... જો
વિકલ્પમાં જ અટકી જાય તો તે મિથ્યાદ્રષ્ટિ છે. વિકલ્પ રહિત થઈને અભેદનો અનુભવ કરવો તેજ સમ્યગ્દર્શન છે
અને તેજ સમયસાર છે–એમ ગાથામાં કહે છે:–
कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं।
पक्खातिक्कंतो पुण भण्णदि जो सो समयसारो।।
१४२।।
છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે;
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. ૧૪૨.
‘આત્મા કર્મથી બંધાયેલો છે કે આત્મા કર્મથી બંધાયેલો નથી’ એવા બે પ્રકારના ભેદના વિચારમાં રોકાવું
તે તો નયનો પક્ષ છે; ‘હું આત્મા છું, પરથી જુદો છું’ એવો વિકલ્પ તે પણ રાગ છે, એ રાગની વૃત્તિને–નયના
પક્ષને ઓળંગે તો સમ્યગ્દર્શન પ્રગટે. “હું બંધાયેલો છું અથવા હું બંધ રહિત મુક્ત છું” એવી વિચાર શ્રેણીને
ઓળંગી જઈને જે આત્માનો અનુભવ કરે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે અને તે જ સમયસાર અર્થાત્ શુદ્ધાત્મા છે.
‘હું અબંધ છું, બંધ મારૂં સ્વરૂપ નથી’ એવા ભંગની વિચાર શ્રેણીના કાર્યમાં અટકે તો અજ્ઞાની છે, અને
તે ભંગના વિચારને ઓળંગીને અભંગ સ્વરૂપને સ્પર્શી લેવું [અનુભવી લેવું] તે જ પહેલો આત્મધર્મ એટલે કે
સમ્યક્દર્શન છે. ‘હું પરાશ્રય રહિત, અબંધ, શુદ્ધ છું’ એવા નિશ્ચયનયના પડખાંનો વિકલ્પ તે રાગ છે, અને તે
રાગમાં રોકાય
[રાગને જ સમ્યગ્દર્શન માની લ્યે પણ રાગરહિત સ્વરૂપને ન અનુભવે] તો તે મિથ્યાદ્રષ્ટિ છે.
ભેદના વિકલ્પ આવે ખરા છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી.
અનાદિથી આત્મસ્વરૂપનો અનુભવ નથી, પરિચય નથી, તેથી આત્માનો અનુભવ કરવા જતાં પહેલાંં તે
સંબંધી વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. અનાદિથી આત્માના સ્વરૂપનો અનુભવ નથી તેથી વૃત્તિઓનું ઉત્થાન
થાય છે કે–હું આત્મા કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું, આમ બે નયોના બે વિકલ્પ ઉઠે છે;
પરંતુ... ‘કર્મના સંબંધવાળો કે કર્મના સંબંધ વગરનો એટલે કે બદ્ધ છું કે અબદ્ધ છું’ એવા બે પ્રકારના ભેદનો
પણ એક સ્વરૂપમાં ક્યાં અવકાશ છે? સ્વરૂપ તો નય પક્ષની અપેક્ષાઓથી પાર છે. એક પ્રકારના સ્વરૂપમાં બે
પ્રકારની અપેક્ષાઓ નથી. હું શુભાશુભ ભાવરહિત છું એવા વિચારમાં અટકવું તે પણ પક્ષ છે, તેનાથી પણ પેલે
પાર સ્વરૂપ છે, સ્વરૂપ તો પક્ષાતિક્રાંત છે, એ જ સમ્યગ્દર્શનનો વિષય છે એટલે કે તેના જ લક્ષે સમ્યગ્દર્શન
પ્રગટ થાય છે, તે સિવાય બીજો કોઈ સમ્યગ્દર્શનનો ઉપાય નથી.
સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું? દેહની કોઈ ક્રિયાથી તો સમ્યગ્દર્શન નથી, જડ કર્મોથી નથી, અશુભ રાગ કે
શુભરાગ થાય તેના લક્ષે પણ સમ્યગ્દર્શન નહિ અને ‘હું પુણ્ય–પાપના પરિણામોથી રહિત જ્ઞાયક સ્વરૂપ છું.’

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૭૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૦૦૧ :
એવો જે વિચાર તે પણ સ્વરૂપનો અનુભવ કરાવવા સમર્થ નથી. ‘હું જ્ઞાયક છું’ એવા વિચારમાં અટક્યો તે
ભેદના વિચારમાં અટક્યો છે, પરંતુ સ્વરૂપ તો જ્ઞાતાદ્રષ્ટા છે તેનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. ભેદના
વિચારમાં અટકવું તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નથી.
જે વસ્તુ છે તે પોતાથી પરિપૂર્ણ સ્વભાવે ભરેલ છે. આત્માનો સ્વભાવ પરની અપેક્ષા વિનાનો એકરૂપ
છે, કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું એવી અપેક્ષાઓથી તે સ્વભાવનું લક્ષ થતું નથી; જો કે
આત્મસ્વભાવ તો અબંધ જ છે, પરંતુ ‘હું અબંધ છું’ એવા વિકલ્પને પણ છોડીને નિર્વિકલ્પ જ્ઞાતાદ્રષ્ટા નિરપેક્ષ
સ્વભાવનું લક્ષ કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટે છે.
પ્રભુ! તારી પ્રભુતાનો મહિમા અંદર પરિપૂર્ણ છે, અનાદિથી તેની સમ્યક્ પ્રતીતિ વગર તેનો અનુભવ
નથી. અનાદિથી પરલક્ષ કર્યું છે પણ સ્વભાવનું લક્ષ કર્યું નથી. શરીરાદિમાં તો તારૂં સુખ નથી, શુભરાગમાં તારૂં
સુખ નથી અને ‘શુભરાગ રહિત મારૂં સ્વરૂપ છે’ એવા ભેદના વિચારમાં પણ તારૂં સુખ નથી, માટે તે ભેદના
વિચારમાં અટકવું તે પણ અજ્ઞાનીનું કાર્ય છે. અને તે નય–પક્ષના ભેદનું લક્ષ મૂકી દઈને અભેદ જ્ઞાતા સ્વભાવનું
લક્ષ કરવું તેજ સમ્યગ્દર્શન છે અને તેમાં જ સુખ છે. અભેદ સ્વભાવનું લક્ષ કહો, જ્ઞાતા સ્વરૂપનો અનુભવ કહો,
સુખ કહો, ધર્મ કહો કે સમ્યગ્દર્શન કહો–તે આ જ છે.
વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ.
અખંડાનંદ અભેદ આત્માનું લક્ષ નય દ્વારા થતું નથી. કોઈ મહેલમાં જવા માટે મોટર ગમે તેવી દોડાવે,
પણ તે બંગલાના બારણા સુધી આવી શકે, મોટર સહિત બંગલામાં પેસી શકાય નહિ, ગમે ત્યાં સુધી આગળ
લઈ જાય પણ છેવટે તો મોટરમાંથી ઉતરીને જાતે અંદર જવું પડે. તેવી રીતે નય–પક્ષના વિકલ્પો રૂપી મોટર ગમે
તેટલી દોડાવે, ‘હું જ્ઞાયક છું, અભેદ છું, શુદ્ધ છું’ એવા વિકલ્પ કરે તો પણ તે વિકલ્પ સ્વરૂપના આંગણા સુધી
લઈ જવાય, પરંતુ સ્વરૂપનો અનુભવ કરવા ટાણે તો તે બધા વિકલ્પ છોડી જ દેવા પડે. વિકલ્પ રાખીને
સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. નય પક્ષોનું જ્ઞાન તે સ્વરૂપના આંગણે આવવા માટે જરૂરનું છે. “હું સ્વાધીન
જ્ઞાન સ્વરૂપી આત્મા છું, કર્મો જડ છે, જડ કર્મો મારા સ્વરૂપને રોકી શકે નહિ, હું વિકાર કરૂં તો કર્મોને નિમિત્ત
કહેવાય, પણ કર્મો મને વિકાર કરાવે નહિ કેમકે બંને દ્રવ્યો જુદાં છે, તે કોઈ એક બીજાનું કરી શકે નહિ. હું જડનું
કાંઈ ન કરૂં, જડ મારૂં કાંઈ ન કરે, રાગ–દ્વેષ થાય છે તે કર્મ કરાવતું નથી તેમ જ પર વસ્તુમાં થતા નથી પણ
મારી અવસ્થામાં થાય છે, તે રાગદ્વેષ મારો સ્વભાવ નથી, નિશ્ચયથી મારો સ્વભાવ રાગ રહિત જ્ઞાન સ્વરૂપ
છે.” આ પ્રમાણે બધાં પડખાંનું (નયોનું) જ્ઞાન પહેલાંં કરવું જોઈએ, પરંતુ આટલું કરે ત્યાં સુધી પણ ભેદનું લક્ષ
છે, ભેદના લક્ષથી અભેદ આત્મ સ્વરૂપનો અનુભવ થતો નથી, છતાં પહેલાંં તે ભેદ જાણવા જોઈએ. એટલું જાણે
ત્યારે તે સ્વરૂપના આંગણાં સુધી આવ્યો છે. પછી જ્યારે અભેદનું લક્ષ કરે ત્યારે ભેદનું લક્ષ છૂટી જાય અને
સ્વરૂપનું અનુભવન થાય એટલે કે અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે. આ રીતે જો કે સ્વરૂપમાં ઢળતા પહેલાંં નય–પક્ષના
વિચારો હોય છે ખરા, પરંતુ તે નય–પક્ષના કોઈપણ વિચારો સ્વરૂપના અનુભવમાં મદદગાર પણ નથી.
[વ્યાખ્યાન– તા–૧૭–પ–૪પ મોક્ષમાર્ગ પ્રકાશક –પાનું ૨પ૬]
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનો સંબંધ કોની સાથે છે?
સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્ય ગુણ છે, તેને એકલા નિશ્ચય–અખંડ સ્વભાવ સાથે જ સંબંધ છે, અખંડ
દ્રવ્ય જે ભંગ–ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે; સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી, પણ સમ્યગ્દર્શન
સાથે રહેતું જે સમ્યગ્જ્ઞાન છે તેનો સંબંધ નિશ્ચય–વ્યવહાર બંને સાથે છે એટલે કે નિશ્ચય–અખંડ સ્વભાવને તથા
વ્યવહારમાં પર્યાયના જે ભંગ–ભેદ પડે છે તે બધાને સમ્યગ્જ્ઞાન જાણી લે છે.
સમ્યગ્દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ ‘હું એક નિર્મળ પર્યાય છું’ એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું
નથી. સમ્યગ્દર્શનનો અખંડ વિષય એક જ દ્રવ્ય છે, પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી.
પ્રશ્ન:– સમ્યગ્દર્શનનો વિષય અખંડ છે અને તે પર્યાયને સ્વીકારતું નથી તો પછી સમ્યગ્દર્શન વખતે
પર્યાય ક્યાં ગઈ? સમ્યગ્દર્શન પોતે જ પર્યાય છે, શું પર્યાય દ્રવ્યથી જુદી જ પડી ગઈ?
ઉત્તર:– સમ્યગ્દર્શનનો વિષય તો અખંડ દ્રવ્ય જ છે. સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ
નથી, દ્રવ્ય–ગુણ–પર્યાયથી અભેદ વસ્તુ તે

PDF/HTML Page 8 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૭૫ :
જ સમ્યગ્દર્શનને માન્ય છે. (અભેદ વસ્તુનું લક્ષ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટી તે સામાન્ય વસ્તુ સાથે અભેદ
થઈ જાય છે) સમ્યગ્દર્શન રૂપ જે પર્યાય છે તેને પણ સમ્યગ્દર્શન સ્વીકારતું નથી. એક સમયમાં અભેદ પરિપૂર્ણ
દ્રવ્ય તે જ સમ્યગ્દર્શનને માન્ય છે, એકલા આત્માને સમ્યગ્દર્શન પ્રતીતમાં લ્યે છે... પરંતુ સમ્યગ્દર્શન સાથે
પ્રગટયું સમ્યગ્જ્ઞાન સામાન્યવિશેષ સર્વને જાણે છે. સમ્યગ્જ્ઞાન છે તે પર્યાયને અને નિમિત્તને પણ જાણે છે.
સમ્યગ્દર્શનને પણ જાણનારૂં તો સમ્યગ્જ્ઞાન જ છે.
શ્રદ્ધા અને જ્ઞાન ક્યારે સમ્યક થયાં?
ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયકભાવ એ કોઈ સમ્યગ્દર્શનનો વિષય નથી કેમકે તે બધી પર્યાય છે.
સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે તે પર્યાયને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી, એકલી વસ્તુનું જ્યારે લક્ષ કર્યું ત્યારે
શ્રદ્ધા સમ્યક્ થઈ, પરંતુ જ્ઞાન સમ્યક ક્યારે થયું? જ્ઞાનનો સ્વભાવ સામાન્ય–વિશેષ સર્વને જાણવાનો છે. જ્યારે
જ્ઞાને આખા દ્રવ્યને, ઉઘડેલી પર્યાયને અને વિકારને જેમ છે તેમ જાણીને, ‘પરિપૂર્ણ સ્વભાવ તે હું, વિકાર રહ્યો તે હું
નહિ’ એમ વિવેક કર્યો ત્યારે તે સમ્યક થયું છે. સમ્યગ્દર્શનરૂપ ઉઘડેલી પર્યાયને (૧) અને સમ્યગ્દર્શનના
વિષયભૂત પરિપુર્ણ વસ્તુને (૨) અને અવસ્થાની ઊણપને (૩) એ ત્રણેને જેમ છે તેમ સમ્યગ્જ્ઞાન જાણે છે.
અવસ્થાનો સ્વીકાર જ્ઞાનમાં છે. આ રીતે સમ્યક્ દર્શન તો એક નિશ્ચયને જ
[અભેદ સ્વરૂપને જ] સ્વીકારે છે, અને
સમ્યગ્દર્શનનું અવિનાભાવી [સાથે જ રહેતું] સમ્યગ્જ્ઞાન નિશ્ચય અને વ્યવહાર બંનેને બરાબર જાણીને વિવેક કરે
છે, જો નિશ્ચય વ્યવહાર બંનેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ (સમ્યક્) થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે તો દ્રષ્ટિ ખોટી
ઠરે છે અને જો વ્યવહારને જાણે જ નહિ તો જ્ઞાન ખોટું ઠરે છે. જ્ઞાન નિશ્ચય–વ્યવહારનો વિવેક કરે છે તેથી તે સમ્યક
છે અને દ્રષ્ટિ વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચયને અંગીકાર કરે તો તે સમ્યક્ છે.
સમ્યગ્દર્શનો વિષય શું? – મોક્ષનું પરમાર્થ કારણ કોણ?
સમ્યગ્દર્શનના વિષયમાં મોક્ષપર્યાય અને દ્રવ્ય એવા ભેદ જ નથી, દ્રવ્ય જ પરિપુર્ણ છે તે સમ્યગ્દર્શનને
માન્ય છે. બંધ–મોક્ષ પણ સમ્યગ્દર્શનને માન્ય નથી. બંધ–મોક્ષની પર્યાય, સાધક દશાના ભંગ ભેદ એ બધાને
સમ્યગ્જ્ઞાન જાણે છે.
સમ્યગ્દર્શનનો વિષય પરિપુર્ણ દ્રવ્ય છે તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. પંચમહાવ્રતાદિને કે વિકલ્પને
મોક્ષનું કારણ કહેવું તે તો સ્થૂળ વ્યવહાર છે, અને સમ્યક્દર્શન જ્ઞાનચારિત્રરૂપ સાધક અવસ્થાને મોક્ષનું કારણ
કહેવું તે પણ વ્યવહાર છે કેમકે તે સાધક અવસ્થાનો પણ જ્યારે અભાવ થાય છે ત્યારે મોક્ષદશા પ્રગટે છે, એટલે
તે પણ અભાવરૂપ કારણ છે માટે વ્યવહાર છે.
ત્રિકાળી અખંડ વસ્તુ છે તે જ મોક્ષનું નિશ્ચય કારણ છે. પરંતુ પરમાર્થે તો વસ્તુમાં કારણ–કાર્યના ભેદ
પણ નથી, કાર્ય–કારણના ભેદ પણ વ્યવહાર છે. એક અખંડ વસ્તુમાં કાર્ય–કારણના ભેદના વિચારથી વિકલ્પ
આવે છે તેથી તે પણ વ્યવહાર છે; છતાં વ્યવહારપણે પણ કાર્ય–કારણ એવા ભેદ છે ખરા, જો કાર્ય–કારણ ભેદ
સર્વથા ન જ હોય તો મોક્ષ દશા પ્રગટાવવાનું પણ કહી શકાય નહિ. એટલે અવસ્થામાં સાધક–સાધ્યના ભેદ છે,
પરંતુ અભેદના લક્ષ વખતે વ્યવહારનું લક્ષ હોય નહિ કેમકે વ્યવહારના લક્ષમાં ભેદ આવે છે અને ભેદના લક્ષે
પરમાર્થ–અભેદ સ્વરૂપ લક્ષમાં આવતું નથી; તેથી સમ્યગ્દર્શનના લક્ષ્યમાં ભેદ આવતાં નથી, એકરૂપ અભેદ
વસ્તુ જ સમ્યગ્દર્શનનો વિષય છે.
સમ્યગ્દર્શન એ જ શાંતિનો ઉપાય છે.
અનાદિથી આત્માના અખંડ રસને સમ્યગ્દર્શન વડે જાણ્યો નથી એટલે પરમાં અને વિકલ્પમાં જીવ રસ
માની રહ્યો છે. પણ હું અખંડ એક રૂપ સ્વભાવ છું તેમાં જ મારો રસ છે, પરમાં ક્યાંય મારો રસ નથી એમ
સ્વભાવ દ્રષ્ટિના જોરે એકવાર બધાને નિરસ બનાવી દે. શુભવિકલ્પ ઊઠે તે પણ મારી શાંતિનું સાધન નથી,
મારી શાંતિ મારા સ્વરૂપમાં છે, આમ સ્વરૂપના રસના અનુભવમાં સમસ્ત સંસારને નિરસ બનાવી દે.–તને
સહજાનંદ સ્વરૂપના અમૃતરસની અપૂર્વ શાંતિનો અનુભવ પ્રગટ થશે. તેનો ઉપાય સમ્યગ્દર્શન જ છે.
સંસારનો અભાવ સમ્યગ્દર્શનથી જ થાય છે.
અનંતકાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંતકાળમાં અનંત જીવો સમ્યગ્દર્શનવડે પુર્ણ
સ્વરૂપનું ભાન કરીને મુક્તિ પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે પરંતુ સિદ્ધનો પક્ષ કદી
ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ કરીને, પોતાના સિદ્ધસ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાના ટાણાં
આવ્યાં છે... અને તેનો ઉપાય એક માત્ર સમ્યગ્દર્શન જ છે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૭૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૦૦૧ :
: જીજ્ઞાસુએ ધર્મ કેવી રીતે કરવો? :
તા. ૩–પ–૪પ સમયસાર ગાથા ૧૪૪, પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં યાખ્યાનો
જે જીવ જીજ્ઞાસુ થઈ સ્વભાવ સમજવા આવ્યો તે સુખ લેવા આવ્યો છે અને દુઃખ ટાળવા આવ્યો છે. સુખ
પોતાનો સ્વભાવ છે અને વર્તમાનમાં જે દુઃખ છે તે ક્ષણિક છે તેથી ટળી શકે છે. વર્તમાન દુઃખ અવસ્થા ટાળીને
સુખરૂપ અવસ્થા પોતે પ્રગટ કરી શકે છે; આટલું તો, જે સત્ સમજવા માટે આવ્યો તેણે સ્વીકારી જ લીધું છે.
આત્માએ પોતાના ભાવમાં પુરુષાર્થ કરી વિકાર રહિત સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. વર્તમાન વિકાર હોવા છતાં
વિકાર રહિત સ્વભાવની શ્રદ્ધા કરી શકાય છે એટલે કે આ વિકાર અને દુઃખ મારૂં સ્વરૂપ નથી એમ નક્કી થઈ શકે છે.
પાત્ર જીવનું લક્ષણ
જિજ્ઞાસુ જીવોને સ્વરૂપનો નિર્ણય કરવા માટે પહેલી જ જ્ઞાન ક્રિયા શાસ્ત્રોએ બતાવી છે. સ્વરૂપનો નિર્ણય
કરવા માટે બીજું કાંઈ દાન, પૂજા, ભક્તિ કે વ્રત–તપાદિ કરવાનું કહ્યું નથી, પરંતુ શ્રતજ્ઞાનથી આત્માનો નિર્ણય કરવાનું
જ કહ્યું છે. કુદેવ–કુગુરુ અને કુશાસ્ત્ર તરફનો આદર અને તે તરફનું વલણ તો ખસી જ જવું જોઈએ તથા વિષયાદિ પર
વસ્તુમાં સુખબુદ્ધિ ટળી જવી જોઈએ, બધા તરફથી રુચિ ટળીને પોતાની તરફ રુચિ વળવી જોઈએ અને દેવ, ગુરુ,
શાસ્ત્રને યથાર્થપણે ઓળખી તે તરફ આદર કરે અને આ બધું જો સ્વભાવના લક્ષે થયેલ હોય તો તે જીવને પાત્રતા થઈ
કહેવાય. આટલી પાત્રતા તે હજી સમ્યગ્દર્શનનું મૂળ કારણ નથી, સમ્યગ્દર્શનનું મૂળ કારણ તો ચૈતન્ય સ્વભાવનું લક્ષ
કરવું તે છે, પરંતુ પ્રથમ તો કુદેવાદિનો સર્વથા ત્યાગ તથા સત્દેવ–ગુરુ–શાસ્ત્ર અને સત્સમાગમનો પ્રેમ તો પાત્ર જીવોને
હોય જ. એવા પાત્ર થયેલા જીવોએ આત્માનું સ્વરૂપ સમજવા શું કરવું તે આ સમયસારજીમાં સ્પષ્ટ બતાવ્યું છે.
સમ્યગ્દર્શના ઉપાય માટે સમયસારમાં બતાવેલી ક્રિયા
“પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ
પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઈન્દ્રિયોદ્વારા અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તેમને મર્યાદામાં
લાવીને જેણે મતિજ્ઞાન તત્ત્વને આત્મસન્મુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના પક્ષોના આલંબનથી થતાં અનેક
વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન–તત્ત્વને પણ
આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ...પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે
છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે [અર્થાત્ શ્રદ્ધાય છે] અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન
અને જ્ઞાન છે.” [સમયસાર ગાથા–૨૪૪ ટીકા] આ પારીગ્રાફ ઉપર સ્પષ્ટીકરણ થાય છે.
શ્રુતજ્ઞાન કોને કહેવું.?
“પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો” આમ કહ્યું છે. શ્રુતજ્ઞાન કોને
કહેવું? સર્વજ્ઞ ભગવાને કહેલું શ્રુતજ્ઞાન અસ્તિ–નાસ્તિ દ્વારા વસ્તુ સ્વરૂપને સિદ્ધ કરે છે, અનેકાન્ત સ્વરૂપ
વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી’ એમ જે વસ્તુને સ્વતંત્ર સિદ્ધ કરે છે તે શ્રુતજ્ઞાન છે.
ત્યાગ તે શ્રુતજ્ઞાનું લક્ષણ નથી.
પર વસ્તુને છોડવાનું કહે અથવા પર ઉપરના રાગને ઘટાડવાનું કહે–એ કાંઈ ભગવાને કહેલા શ્રુતજ્ઞાનનું
લક્ષણ નથી. એક વસ્તુ પોતાપણે છે અને તે વસ્તુ અનંત પર દ્રવ્યોથી છૂટી છે આમ અસ્તિ–નાસ્તિરૂપ પરસ્પર
વિરૂદ્ધ બે શક્તિઓને પ્રકાશીને વસ્તુ સ્વરૂપને જે બતાવે તે અનેકાન્ત છે અને તે જ શ્રુતજ્ઞાનનું લક્ષણ છે. વસ્તુ
સ્વપણે છે અને પરપણે નથી–એમાં વસ્તુ કાયમ સિદ્ધ કરી છે.
શ્રુતજ્ઞાનું વાસ્તવિક લક્ષણ – અનેકાન્ત
એક વસ્તુમાં ‘છે’ અને ‘નથી’ એવી પરસ્પર વિરૂદ્ધ બે શક્તિઓ જુદી જુદી અપેક્ષાથી પ્રકાશીને વસ્તુનું
પરથી ભિન્ન સ્વરૂપ બતાવે છે. આ જ શ્રુતજ્ઞાન ભગવાને કહેલ શાસ્ત્ર છે. આ રીતે, આત્મા સર્વ પરદ્રવ્યોથી
જુદી વસ્તુ છે એમ પ્રથમ શ્રુતજ્ઞાનથી નક્કી કરવું જોઈએ.
અનંત પરવસ્તુથી આ આત્મા જુદો છે એમ સિદ્ધ થતાં હવે પોતાના દ્રવ્ય–પર્યાયમાં જોવાનું આવ્યું. મારૂં
ત્રિકાળી દ્રવ્ય તે એક સમય પૂરતી અવસ્થારૂપે નથી. એટલે કે વિકાર ક્ષણિક પર્યાયપણે છે પરંતુ ત્રિકાળી
સ્વરૂપપણે વિકાર નથી––આમ વિકાર રહિત સ્વભાવની સિદ્ધિ પણ અનેકાંતવડે જ થાય છે. ભગવાનના કહેલાં
સત્શાસ્ત્રોની મહત્તા અનેકાંતથી જ છે. ભગવાને પર

PDF/HTML Page 10 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૭૭ :
જીવોની દયા પાળવાનું કહ્યું કે અહિંસા બતાવી કર્મોનું વર્ણન કર્યું––એ કાંઈ ભગવાનને કે ભગવાનના કહેલા
શાસ્ત્રને ઓળખવાનું ખરૂં લક્ષણ નથી.
ભગવાન પણ બીજાનું કરી શક્યા નહિ.
ભગવાને પોતાનું કાર્ય પૂરેપૂરૂં કર્યું અને બીજાનું ભગવાને કાંઈ કર્યું નહિ કેમકે એક તત્ત્વ પોતાપણે છે
અને પરપણે નથી તેથી તે કોઈ બીજાનું કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય જુદાં જુદાં સ્વતંત્ર છે કોઈ કોઈનું કાંઈ કરી
શકે નહિ––આમ જાણવું તે જ ભગવાનના શાસ્ત્રની ઓળખાણ છે, તે જ શ્રુતજ્ઞાન છે... આ તો હજી સ્વરૂપને
સમજનારની પાત્રતા કહેવાય છે.
જૈન શાસનમાં કહેલું પ્રભાવનાનું સાચું સ્વરૂપ
પ્રભાવના કોઈ પરદ્રવ્યની કરી શકતું નથી, પરંતુ જૈનધર્મ એટલે કે આત્માનો વીતરાગ સ્વભાવ તેની
પ્રભાવના ધર્મી જીવો કરે છે. આત્માને જાણ્યા વગર આત્માના સ્વભાવની વૃદ્ધિરૂપ પ્રભાવના કેવી રીતે કરે?
પ્રભાવના કરવાનો વિકલ્પ ઉઠે તે પણ પરના કારણે નથી, બીજા માટે કાંઈ પણ પોતામાં થાય એમ કહેવું તે જૈન
શાસનની મર્યાદામાં નથી. જૈનશાસન તો વસ્તુને સ્વતંત્ર સ્વાધીન પરિપૂર્ણ સ્થાપે છે.
પર જીવની દયા પાળવાનું ભગવાને કહ્યું નથી.
ભગવાને બીજા જીવોની દયા સ્થાપી–એ વાત ખોટી છે. પર જીવની ક્રિયા આ જીવ કરી જ શકતો નથી
તો પછી તેને બચાવવાનું ભગવાન કેમ કહે? ભગવાને તો આત્માના સ્વભાવને ઓળખીને કષાય ભાવથી
પોતાના આત્માને બચાવવો તે કરવાનું કહ્યું છે; તે જ ખરી દયા છે. પોતાના આત્માનો નિર્ણય કર્યા વગર તે શું
કરશે? ભગવાનના શ્રુતજ્ઞાનમાં તો એમ કહે છે કે–તું તારાથી પરિપૂર્ણ વસ્તુ છો. દરેક તત્ત્વો પોતાથી જ સ્વતંત્ર
છે, કોઈ તત્ત્વને બીજા તત્ત્વનો આશ્રય નથી–આ પ્રમાણે વસ્તુના સ્વરૂપને છૂટું રાખવું તે અહિંસા છે અને એક
બીજાનું કરી શકે એમ વસ્તુને પરાધીન માનવી તે હિંસા છે.
આનંદ પ્રગટાવાની ભાવનાવાળો શું કરે?
જગતના જીવોને સુખ જોઈએ છે, સુખ કહો કે ધર્મ કહો. ધર્મ કરવો છે એટલે આત્મશાંતિ જોઈએ છે,
સારૂં કરવું છે. સારૂં ક્યાં કરવું છે? આત્માની અવસ્થામાં દુઃખનો નાશ કરીને વીતરાગ આનંદ પ્રગટ કરવો છે.
એ આનંદ એવો જોઈએ કે જે સ્વાધીન હોય–જેના માટે પરનું અવલંબન ન હોય... આવો આનંદ પ્રગટાવવાની
જેને યથાર્થ ભાવના હોય તે જિજ્ઞાસુ કહેવાય. પોતાનો પુર્ણાનંદ પ્રગટાવવાની ભાવનાવાળો જિજ્ઞાસુ પહેલાંં એ
જુએ કે એવો પુર્ણાનંદ કોને પ્રગટ્યો છે? પોતાને હજી તેવો આનંદ પ્રગટ નથી કેમકે જો પોતાને તેવો આનંદ
પ્રગટ હોય તો પ્રગટાવવાની ભાવના ન હોય. એટલે પોતાને હજી તેવો આનંદ પ્રગટ્યો નથી પણ પોતાને જેની
ભાવના છે તેવો આનંદ બીજા કોઈકને પ્રગટ્યો છે અને જેમને તે આનંદ પ્રગટ્યો છે એવાઓના નિમિત્તથી પોતે
તે આનંદ પ્રગટાવવાનો સાચો માર્ગ જાણે–એટલે આમાં સાચાં નિમિત્તોની ઓળખાણ પણ આવી ગઈ. આટલું
કરે ત્યાં સુધી હજી જિજ્ઞાસુ છે.
પોતાની અવસ્થામાં અધર્મ–અશાંતિ છે તે ટળીને ધર્મ–શાંતિ પ્રગટાવવી છે. તે શાંતિ પોતાને આધારે
અને પરિપુર્ણ શાંતિ જોઈએ છે. આવી જેને જિજ્ઞાસા થાય તે પ્રથમ એમ નક્કી કરે છે કે–હું એક આત્મા મારૂં
પરિપુર્ણ સુખ પ્રગટાવવા માગું છું, તો તેવું પરિપુર્ણ સુખ કોઈને પ્રગટ્યું હોવું જોઈએ; જો પરિપુર્ણ સુખ–આનંદ
પ્રગટ ન હોય તો દુઃખી કહેવાય. જેને પરિપુર્ણ અને સ્વાધીન આનંદ પ્રગટ્યો હોય તે જ સંપુર્ણ સુખી છે; તેવા
સર્વજ્ઞ છે... આ રીતે જિજ્ઞાસુ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરે છે. પરનું કરવા–મૂકવાની વાત તો છે જ
નહિ–જ્યારે પરથી જરા છૂટો પડ્યો ત્યારે તો આત્માની જિજ્ઞાસા થઈ છે. આ તો પરથી ખસીને હવે જેને પોતાનું
હિત કરવાની ઝંખના જાગી છે એવા જિજ્ઞાસુ જીવની વાત છે. પર દ્રવ્ય પ્રત્યેની સુખ બુદ્ધિ અને રુચિ ટાળી તે
પાત્રતા, અને સ્વભાવની રુચિ અને ઓળખાણ થવી તે પાત્રતાનું ફળ છે.
દુઃખનું મૂળ ભૂલ છે. જેણે પોતાની ભૂલથી દુઃખ ઉત્પન્ન કર્યું છે તે પોતાની ભૂલ ટાળે તો તેનું દુઃખ ટળે...
બીજા કોઈએ ભૂલ કરાવી નથી તેથી બીજો કોઈ પોતાનું દુઃખ ટાળવા સમર્થ નથી.
શ્રુતજ્ઞાનું અવલંબન – એજ પહેલી ક્રિયા
જે આત્મકલ્યાણ કરવા તૈયાર થયો છે એવા જીજ્ઞાસુએ પ્રથમ શું કરવું–તે બતાવાય છે. આત્મકલ્યાણ

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૭૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૦૦૧ :
એની મેળે થઈ જતું નથી પણ પોતાના જ્ઞાનમાં રુચિ અને પુરુષાર્થથી આત્મ કલ્યાણ થાય છે. પોતાનું કલ્યાણ
કરવા માટે, જેઓને પુર્ણ કલ્યાણ પ્રગટ્યું છે તે કોણ છે, તેઓ શું કહે છે, તેઓએ પ્રથમ શું કર્યું હતું–એનો
પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો પડશે; એટલે કે સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને તેમના કહેલા શ્રુતજ્ઞાનના અવલંબનથી
પોતાના આત્માનો નિર્ણય કરવો જોઈએ, એ જ પ્રથમ કર્તવ્ય છે. કોઈ પરના અવલંબનથી ધર્મ પ્રગટતો નથી.
છતાં જ્યારે પોતે પોતાના પુરુષાર્થથી સમજે છે ત્યારે સામે નિમિત્ત તરીકે સત્દેવ–ગુરુ જ હોય છે.
આ રીતે પહેલો જ નિર્ણય એ આવ્યો કે કોઈ પુર્ણ પુરુષ સંપુર્ણ સુખી છે અને સંપુર્ણ જ્ઞાતા છે; તે જ
પુરુષ પુર્ણ સુખનો પુર્ણ સત્ય માર્ગ કહી શકે છે; પોતે તે સમજીને પોતાનું પુર્ણ સુખ પ્રગટ કરી શકે છે અને પોતે
સમજે ત્યારે સાચા દેવ–ગુરુ શાસ્ત્રો જ નિમિત્તરૂપ હોય છે. જેને સ્ત્રી, પુત્ર, પૈસા, વગેરેની એટલે કે સંસારના
નિમિત્તો તરફની તીવ્ર રુચિ હશે તેને ધર્મનાં નિમિત્તો–દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યેની રુચિ નહિ થાય એટલે તેને
શ્રુતજ્ઞાનનું અવલંબન ટકશે નહિ અને શ્રુતજ્ઞાનના અવલંબન વગર આત્માનો નિર્ણય થાય નહિ. કેમકે
આત્માના નિર્ણયમાં સત્ નિમિત્તો જ હોય પરંતુ કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર એ કોઈ આત્માના નિર્ણયમાં નિમિત્ત રૂપ
થાય જ નહિ. જે કુદેવાદિને માને તેને આત્મનિર્ણય હોય જ નહિ.
બીજાની સેવા કરીએ તો ધર્મ થાય–એ માન્યતા તો જિજ્ઞાસુને હોય જ નહિ. પણ યથાર્થ ધર્મ કેમ થાય તે
માટે પ્રથમ પુર્ણ જ્ઞાની ભગવાન અને તેમનાં કહેલાં શાસ્ત્રોના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય
કરવાનો ઉદ્યમી થાય. ધર્મની કળા જ જગત સમજ્યું નથી. જો ધર્મની એક કળા પણ શીખે તો તેનો મોક્ષ થયા
વગર રહે નહિ.
જિજ્ઞાસુ જીવ પહેલાંં સુદેવાદિનો અને કુદેવાદિનો નિર્ણય કરીને કુદેવાદિને છોડે છે, અને સદ્દેવ–ગુરુની
એવી લગની લાગી છે કે–સત્પુરુષો શું કહે છે તે સમજવાનું જ લક્ષ છે, એટલે અશુભથી તો હઠી જ ગયો છે. જો
સાંસારિક રુચિથી પાછો નહિ હઠે તો શ્રુતના અવલંબનમાં ટકી શકશે નહિ.
ધર્મ ક્યાં છે અને કેમ થાય?
ઘણા જિજ્ઞાસુઓને આ જ પ્રશ્ન ઊઠે છે કે ધર્મ માટે પ્રથમ શું કરવું? શું ડુંગરા ઉપર ચડવું, કે સેવા–પુજા
કર્યા કરવી કે ગુરુની ભક્તિ કરીને તેમની કૃપા મેળવવી કે દાન કરવું? તો તેના જવાબમાં કહે છે કે એમાં ક્યાંય
આત્માનો ધર્મ નથી. ધર્મ તો પોતાનો સ્વભાવ છે, ધર્મ પરાધીન નથી, કોઈના અવલંબને ધર્મ થતો નથી, ધર્મ
કોઈનો આપ્યો અપાતો નથી, પણ પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે. જેને પોતાનો પુર્ણાનંદ જોઈએ છે તેણે
પુર્ણઆનંદનું સ્વરૂપ શું છે, તે કોને પ્રગટ્યો છે તે નક્કી કરવું જોઈએ. જે આનંદ હું ઈચ્છું છું તે પુર્ણ અબાધિત
ઈચ્છું છું એટલે કોઈ આત્માઓ તેવી પુર્ણાનંદ દશા પામ્યા છે અને તેઓને પુર્ણાનંદ દશામાં જ્ઞાન પણ પુર્ણ જ છે;
કેમકે જો જ્ઞાન પુર્ણ ન હોય તો રાગ–દ્વેષ રહે અને રાગ–દ્વેષ રહે તો દુઃખ રહે, જ્યાં દુઃખ હોય ત્યાં પુર્ણાનંદ ન
હોઈ શકે. માટે જેમને પુર્ણાનંદ પ્રગટ્યો છે એવા સર્વજ્ઞ ભગવાન છે તેમનો, અને તેઓ શું કહે છે તેનો
જિજ્ઞાસુએ નિર્ણય કરવો જોઈએ. તેથી જ કહ્યું છે કે પ્રથમ, શ્રુત–જ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય
કરવો... આમાં ઉપાદાન–નિમિત્તની સંધિ રહેલી છે. જ્ઞાની કોણ છે, સત્ વાત કોણ કહે છે–એ બધું નક્કી કરવા
માટે નિવૃત્તિ લેવી જોઈએ. જો સ્ત્રી–કુટુંબ–લક્ષ્મીનો પ્રેમ અને સંસારની રુચિમાં ઓછપ નહિ થાય તો તે
સત્સમાગમ માટે નિવૃત્તિ લઈ શકશે નહિ. શ્રુતનું અવલંબન લેવાનું કહ્યું ત્યાં જ તીવ્ર અશુભ ભાવનો તો ત્યાગ
આવી ગયો, અને સાચા નિમિત્તોની ઓળખાણ કરવાનું પણ આવી ગયું...
સુખનો ઉપાય – જ્ઞાન અને સત્સમાગમ.
તારે સુખ જોઈએ છે ને? જો તારે સુખ જોઈતું હોય તો તું પહેલાંં સુખ ક્યાં છે અને તે કેમ પ્રગટે તેનો
નિર્ણય કર, જ્ઞાન કર. સુખ ક્યાં છે અને કેમ પ્રગટે છે તેના જ્ઞાન વગર સૂકાઈ જાય તો પણ સુખ ન મળે––ધર્મ
ન થાય. સર્વજ્ઞ ભગવાનના કહેલા શ્રુતજ્ઞાનના અવલંબન વડે એ નિર્ણય થાય છે અને તે નિર્ણય કરવો એ જ
પ્રથમ ધર્મ છે. જેને ધર્મ કરવો હોય તે ધર્મીને ઓળખી તેઓ શું કહે છે તેનો નિર્ણય કરવા માટે સત્સમાગમ કરે.
સત્સમાગમે જેને શ્રુતજ્ઞાનનું અવલંબન થયું કે અહો! પરિપુર્ણ આત્મવસ્તુ, આ જ ઉત્કૃષ્ટ મહિમાવંત છે, આવું
પરમ સ્વરૂપ મેં અનંતકાળમાં

PDF/HTML Page 12 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૭૯ :
સાંભળ્‌યું પણ નથી–આમ થતાં તેને સ્વરૂપની રુચિ જાગે અને સત્સમાગમનો રંગ લાગે, એટલે તેને કુદેવાદિ કે
સંસાર પ્રત્યેની રુચિ તો હોય જ નહિ.
જો વસ્તુને ઓળખે તો પ્રેમ જાગે અને તે તરફનો પુરુષાર્થ વળે. આત્મા અનાદિથી સ્વભાવને ચૂકીને
પરભાવરૂપી પરદેશમાં રખડે છે, સ્વરૂપની બહાર–સંસારમાં રખડતાં રખડતાં પરમ પિતા સર્વજ્ઞ પરમાત્મા અને
પરમ હિતકારી શ્રી પરમ ગુરુ ભેટયાં, અને તેઓ પુર્ણ હિત કેમ થાય તે સંભળાવે છે અને આત્માના સ્વરૂપની
ઓળખાણ કરાવે છે. પોતાનું સ્વરૂપ સાંભળતા કયા ધર્મીને ઉલ્લાસ ન આવે? આવે જ. આત્મસ્વભાવની વાત
સાંભળતાં જીજ્ઞાસુ જીવોને મહિમા આવે જ... અહો! અનંતકાળથી આ અપૂર્વ જ્ઞાન ન થયું, સ્વરૂપની બહાર
પરભાવમાં ભમીને આ અનંતકાળ દુઃખી ગયો, આ અપૂર્વ જ્ઞાન પુર્વે જો કર્યું હોત તો આ દુઃખ ન હોત... આમ
સ્વરૂપની ઝંખના લાગે, રસ આવે, મહિમા જાગે... અને એ મહિમાને યથાર્થપણે ઘૂંટતાં સ્વરૂપનો નિર્ણય કરે.
આ રીતે જેને ધર્મ કરીને સુખી થવું હોય તેણે પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને આત્માનો નિર્ણય કરવો.
ભગવાનની શ્રુતજ્ઞાનરૂપી દોરીને દ્રઢપણે પકડીને તેના અવલંબનથી સ્વરૂપમાં પહોંચી જવાય છે, શ્રુતજ્ઞાનનું
અવલંબન એટલે શું? સાચા શ્રુતજ્ઞાનનો જ રસ છે, અન્ય કુશ્રુતજ્ઞાનનો રસ નથી, સંસારની વાતોનો તીવ્રરસ
ટળી ગયો છે અને શ્રુતજ્ઞાનનો તીવ્ર રસ લાગ્યો છે–આ રીતે શ્રુતજ્ઞાનના અવલંબન વડે જ્ઞાનસ્વભાવી
આત્માનો નિર્ણય કરવા જે તૈયાર થયો છે તેને અલ્પકાળમાં આત્મભાન થશે... સંસારનો તીવ્ર લોહવાટ જેના
હૃદયમાં ઘોળાતો હોય તેને તો આ પરમ શાંત સ્વભાવની વાત સમજવાની પાત્રતા નહિ જાગે... અહીં જે ‘શ્રુતનું
અવલંબન’ મૂકયું છે તે અવલંબન તો સ્વભાવના લક્ષે છે, પાછા ન ફરવાના લક્ષે છે. સમયસારજીમાં અપ્રતિહત
શૈલિથી જ વાત છે. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા માટે જેણે શ્રુતનું અવલંબન ઉપાડ્યું તે
આત્મસ્વભાવનો નિર્ણય કરે જ કરે. પાછો ફરે એવી વાત જ સમયસારમાં લીધી નથી.
સંસારની રુચિ ઘટાડીને આત્માનો નિર્ણય કરવાના લક્ષે જે અહીં સુધી આવ્યો તેને શ્રુતજ્ઞાનના
અવલંબને નિર્ણય થવાનો જ, નિર્ણય ન થાય તેમ બને જ નહિ, શાહુકારના ચોપડે દિવાળાંની વાત જ ન હોય,
તેમ અહીં દીર્ઘ સંસારીની વાત જ નથી. અહીં તો એક–બે ભવમાં અલ્પકાળે મોક્ષ જનાર જીવોની જ વાત છે.
બધી વાતની હા જી હા ભણે અને એકેય વાતનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરે નહિ એવા ‘ધજાની પૂંછડી’ જેવા
જીવોની વાત નથી લીધી. ટંકણખાર જેવી વાત છે. જે અનંતકાળના સંસારનો અંત લાવવા માટે પુર્ણ સ્વભાવના
લક્ષે શરૂઆત કરવા નીકળ્‌યો છે એવા જીવોની શરૂઆત પાછી નહિ ફરે–એવાની જ અહીં વાત છે. આ તો
અપ્રતિહત માર્ગ છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. પૂર્ણતાના લક્ષે ઉપડેલી શરૂઆત પાછી
ન ફરે.. પૂર્ણતાના લક્ષે પૂર્ણતા થાય જ.
જે તરફની રુચિ તે તરફનું ઘોલન
આમાં એક ને એક વાત ફેરવી ફેરવીને વારંવાર કહેવાય છે, તેથી રુચિવંત જીવને કંટાળો ન આવે.
નાટકની રુચિવાળો નાટકમાં ‘વન્સમોર’ કરીને પણ પોતાની રુચિવાળી વસ્તુને વારંવાર જુએ છે; તેમ જે
ભવ્યજીવોને આત્માની રુચિ થઈ અને આત્માનું કરવા માટે નીકળ્‌યા તે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે–ખાતાં,
પીતાં, ચાલતાં, સૂતાં, બેસતાં, બોલતાં, વિચારતાં–નિરંતર શ્રુતનું જ અવલંબન. સ્વભાવના લક્ષે કરે છે; તેમાં કોઈ
કાળ કે ક્ષેત્રની મર્યાદા કરતો નથી. શ્રુતજ્ઞાનની રુચિ અને જિજ્ઞાસા એવી જામી છે કે ક્યારેય પણ તે ખસતી નથી.
અમુક કાળ અવલંબન કરવું–પછી મૂકી દેવું એમ નથી કહ્યું પરંતુ શ્રુતજ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય
કરવાનું કહ્યું છે. જેને સાચા તત્ત્વની રુચિ થઈ છે તે બીજા સર્વ કામોની પ્રીતિને ગૌણ જ કરે છે.
પ્રશ્ન:– ત્યારે શું સત્ની પ્રીતિ થાય એટલે ખાવા પીવાનું અને ધંધા–વેપાર બધું છોડી દેવું? શ્રુતજ્ઞાન
સાંભળ્‌યા જ કરવું–પરંતુ સાંભળીને કરવું શું?
ઉત્તર:– સત્ની પ્રીતિ થાય એટલે તરત જ ખાવા પીવાનું બધું છૂટી જ જાય એવો નિયમ નથી. પરંતુ તે
તરફની રુચિ તો અવશ્ય ઘટે જ. પરમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય અને બધામાં એક આત્મા જ આગળ હોય એટલે
નિરંતર આત્માની જ ધગશ અને ઝંખના હોય. માત્ર ‘શ્રુતજ્ઞાન સાંભળ્‌યા જ કરવું’ એમ કહ્યું નથી, પરંતુ
શ્રુતજ્ઞાન દ્વારા આત્માનો નિર્ણય કરવો, શ્રુતના અવલંબનની ધૂન ચડતાં ત્યાં દેવ, ગુરુ, શાસ્ત્ર, ધર્મ, નિશ્ચય,
વ્યવહાર વગેરે અનેક પડમાંથી વાતો આવે

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૮૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૦૦૧ :
તે બધાં પડખાં જાણીને એક જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો જોઈએ. આમાં ભગવાન કેવાં, તેનાં શાસ્ત્રો
કેવાં અને તેઓ શું કહે છે એ બધાનું અવલંબન એમ નિર્ણય કરાવે છે કે તું જ્ઞાન છો, આત્મા જ્ઞાન સ્વરૂપી જ
છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ તું કરી શકતો નથી.
દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં હોય અને તે દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને તેમનું અવલંબન લેનાર પોતે શું
સમજ્યો હોય તે આમાં બતાવ્યું છે. ‘તું જ્ઞાન સ્વભાવી આત્મા છો, તારો સ્વભાવ જાણવાનો જ છે, કાંઈ પરનું
કરવું કે પુણ્ય–પાપના ભાવ કરવા તે તારૂં સ્વરૂપ નથી’ આમ જે બતાવતા હોય તે સાચાં દેવ–ગુરુ–શાસ્ત્ર છે,
અને આ પ્રમાણે જે સમજે તે જ દેવ–ગુરુ–શાસ્ત્રના અવલંબને શ્રુતજ્ઞાનને સમજ્યો છે. પણ જે રાગથી ધર્મ
મનાવતા હોય, શરીરાશ્રિત ક્રિયા આત્મા કરે એમ મનાવતા હોય, જડ કર્મ આત્માને હેરાન કરે એમ કહેતા હોય
તે કોઈ દેવ–ગુરુ–શાસ્ત્ર સાચાં નથી.
જે શરીરાદિ સર્વ પરથી ભિન્ન જ્ઞાનસ્વભાવી આત્માનું સ્વરૂપ બતાવતાં હોય અને પુણ્ય–પાપનું કર્તવ્ય
આત્માનું નથી એમ બતાવતાં હોય તે જ સત્શ્રુત છે, તે જ સાચા દેવ છે અને તે જ સાચા ગુરુ છે. જે પુણ્યથી
ધર્મ બતાવે, શરીરની ક્રિયાનો કર્તા આત્મા છે એમ બતાવે અને રાગથી ધર્મ બતાવે તે બધા કુદેવ, કુગુરુ,
કુશાસ્ત્ર છે. કેમકે તેઓ જેમ છે તેમ વસ્તુ સ્વરૂપના જાણકાર નથી અને તેથી ઊલ્ટું સ્વરૂપ બતાવે છે. વસ્તુ
સ્વરૂપ જેમ છે તેમ ન બતાવે અને જરાપણ વિરૂદ્ધ બતાવે તે કોઈ દેવ, કોઈ ગુરુ કે કોઈ શાસ્ત્ર સાચાં નથી.
શ્રુતજ્ઞાના અવલંબનું ફળ – આત્મઅનુભવ
‘હું આત્મા તો જ્ઞાયક છું, પુણ્ય–પાપની વૃત્તિઓ મારૂં જ્ઞેય છે, તે મારા જ્ઞાનથી જુદી છે’ આમ પહેલાંં
વિકલ્પ દ્વારા, દેવ–ગુરુ–શાસ્ત્રના અવલંબને યથાર્થ નિર્ણય કરે છે, હજી જ્ઞાન સ્વભાવનો અનુભવ થયો નથી ત્યાર
પહેલાંંની વાત છે. જેણે સ્વભાવના લક્ષે શ્રુતનું અવલંબન લીધું છે તે અલ્પકાળમાં આત્મઅનુભવ કરશે જ. પ્રથમ
વિકલ્પમાં એમ નક્કી કર્યું કે પરથી તો હું જુદો, પુણ્ય–પાપ પણ મારૂં સ્વરૂપ નહિ, મારા શુદ્ધ સ્વભાવ સિવાય દેવ–
ગુરુ–શાસ્ત્રનું પણ અવલંબન પરમાર્થે નહિ, હું તો સ્વાધીન જ્ઞાન સ્વભાવી છું;–આમ જેણે નિર્ણય કર્યો તેને
અનુભવ થયા વગર રહેશે જ નહિ. અહીં શરૂઆત જ એવી જોરદાર ઉપાડી છે કે પાછા પડવાની વાજ જ નથી.
પુણ્ય–પાપ મારૂં સ્વરૂપ નથી, હું જ્ઞાયક છું આવી જેણે નિર્ણય દ્વારા હા પાડી એટલે તેનું પરિણમન પુણ્ય–
પાપ તરફથી પાછું ખસીને જ્ઞાયક સ્વભાવ તરફ ઢળ્‌યું એટલે તેને પુણ્ય–પાપનો આદર ન રહ્યો તેથી તે
અલ્પકાળમાં પુણ્ય–પાપ રહિત સ્વભાવનો નિર્ણય કરીને અને તેની સ્થિરતા કરીને વીતરાગ થઈ પૂર્ણ થઈ જશે.
પૂર્ણની જ વાત છે–શરૂઆત અને પૂર્ણતા વચ્ચે આંતરો પાડયો જ નથી. શરૂઆત થઈ છે તે પૂર્ણતાને લક્ષમાં
લઈને જ થઈ છે. સંભળાવનાર અને સાંભળનાર બંનેની પૂર્ણતા જ છે. જેઓ પૂર્ણ સ્વભાવની વાત કરે છે તે
દેવ–ગુરુ અને શાસ્ત્ર એ ત્રણે તો પવિત્ર જ છે, તેના અવલંબને જેણે હા પાડી તે પણ પૂર્ણ પવિત્ર થયા વગર રહે
જ નહિ... પૂર્ણની હા પાડીને આવ્યો છે તે પૂર્ણ થશે જ... આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિ સાથે જ છે.
સમ્યગ્દર્શન થયા પહેલાં.
આત્માનંદ પ્રગટ કરવા માટેની પાત્રતાનું સ્વરૂપ કહેવાય છે. તારે ધર્મ કરવો છે ને! તો તું તને ઓળખ.
પહેલામાં પહેલાંં સાચો નિર્ણય કરવાની વાત છે. અરે, તું છો કોણ? શું ક્ષણિક પુણ્ય–પાપનો કરનાર તે જ તું
છો? ના, ના. તું તો જ્ઞાન કરનાર જ્ઞાનસ્વભાવી છો. પરને ગ્રહનાર કે છોડનાર તું નથી, જાણનાર જ તું છો.
આવો નિર્ણય તે જ ધર્મની પહેલી શરૂઆતનો (સમ્યગ્દર્શનનો) ઉપાય છે. શરૂઆતમાં એટલે કે સમ્યગ્દર્શન
પહેલાંં આવો નિર્ણય ન કરે તો તે પાત્રતામાં પણ નથી. મારો સહજ સ્વભાવ જાણવાનો છે–આવો શ્રુતના
અવલંબને જે નિર્ણય કરે છે તે પાત્ર જીવ છે. જેને પાત્રતા પ્રગટી તેને અંતર અનુભવ થવાનો જ છે. સમ્યગ્દર્શન
થયા પહેલાંં જિજ્ઞાસુ જીવ, ધર્મ સન્મુખ થયેલો જીવ, સત્સમાગમે આવેલો જીવ શ્રુતજ્ઞાનના અવલંબને
જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે.
હું જ્ઞાનસ્વભાવી જાણનાર છું, જ્ઞેયમાં ક્યાંય રાગ–દ્વેષ કરી અટકવું તેવો મારો જ્ઞાનસ્વભાવ નથી. પર
ગમે તેમ હો, હું તો તેનો માત્ર જાણનાર છું, મારો જાણનાર સ્વભાવ પરનું કાંઈ કરનાર નથી. હું જેમ
જ્ઞાનસ્વભાવી છું તેમ જગતના બધા આત્માઓ જ્ઞાનસ્વભાવી છે, તેઓ પોતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય
ચૂકયા છે તેથી દુઃખી છે, તેઓ જાતે નિર્ણય કરે તો તેઓનું દુઃખ ટળે. હું કોઈને ફેરવવા સમર્થ નથી. પર જીવોનું
દુઃખ હું ટાળી

PDF/HTML Page 14 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૮૧ :
શકું નહિ કેમકે દુઃખ તેઓએ પોતાની ભૂલથી કર્યું છે અને તેઓ પોતાની ભૂલ ટાળે તો તેમનું દુઃખ ટળે. કોઈ
પરના લક્ષે અટકવાનો જ્ઞાનનો સ્વભાવ નથી.
પ્રથમ શ્રુતનું અવલંબન બતાવ્યું તેમાં પાત્રતા થઈ છે. એટલે કે શ્રુતના અવલંબનથી આત્માનો અવ્યક્ત
નિર્ણય થયો છે, ત્યારપછી પ્રગટ અનુભવ કેમ થાય તે હવે કહે છે.
સમ્યગ્દર્શન પહેલાંં શ્રુતજ્ઞાનના અવલંબનના જોરે આત્માના જ્ઞાનસ્વભાવને અવ્યક્તપણે લક્ષમાં લીધો
છે, હવે પ્રગટરૂપ લક્ષમાં લ્યે છે––અનુભવ કરે છે––આત્મ સાક્ષાત્કાર અર્થાત્ સમ્યગ્દર્શન કરે છે તે કઈ રીતે?
તેની વાત મૂકે છે. “... પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈન્દ્રિય અને
મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તેમને મર્યાદામાં––લાવીને જેણે મતિજ્ઞાન તત્ત્વને આત્મ સન્મુખ કર્યું છે એવો...”
અપ્રગટરૂપ નિર્ણય થયો હતો તે હવે પ્રગટરૂપ કાર્ય લાવે છે. જે નિર્ણય કર્યો હતો તેનું ફળ પ્રગટે છે.
આ નિર્ણય જગતના બધા આત્માઓ કરી શકે છે. બધા આત્માઓ પરિપૂર્ણ ભગવાન જ છે, તેથી બધા
પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરી શકવા સમર્થ છે. જે આત્માનું કરવા માગે તેને તે થઈ શકે છે. પરંતુ
અનાદિથી પોતાની દરકાર કરી નથી. ભાઈરે! તું કોણ વસ્તુ છો તે જાણ્યા વિના તું કરીશ શું? પહેલાંં આ જ્ઞાન
સ્વભાવી આત્માનો નિર્ણય કરવો જોઈએ. એ નિર્ણય થતાં અવ્યક્તપણે આત્માનું લક્ષ આવ્યું પછી પરનું લક્ષ
અને વિકલ્પથી ખસીને સ્વનું લક્ષ પ્રગટપણે અનુભવપણે કેમ કરવું તે બતાવે છે.
આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે ઈન્દ્રિય અને મનથી જે પર લક્ષ જાય છે તેને ફેરવીને તે મતિજ્ઞાનને સ્વમાં
એકાગ્ર કરતાં આત્માનું લક્ષ થાય છે એટલે કે આત્માની પ્રગટપણે પ્રસિદ્ધિ થાય છે; આત્માનો પ્રગટરૂપ
અનુભવ થવો તે જ સમ્યગ્દર્શન છે અને સમ્યગ્દર્શન એ જ ધર્મ છે.
(સમયસાર વ્યાખ્યાન, ગાથા–૧૪૪ રાજકોટ) તા. ૨૬–૧૧–૪૩.
ધર્મ માટે પહેલાં શું કરવું
આ કર્તાકર્મ અધિકારની છેલ્લી ગાથા છે, આ ગાથામાં જિજ્ઞાસુને માર્ગ બતાવ્યો છે. માણસો કહે છે કે
આત્માનું કાંઈ ન સમજાય તો પુણ્યના શુભભાવ તો કરવા કે નહિ? તેને ઉત્તર–પ્રથમ સ્વભાવ સમજવો તે જ
ધર્મ છે. ધર્મ વડે જ સંસારનો અંત છે, શુભભાવથી ધર્મ થાય નહિ અને ધર્મ વગર સંસારનો અંત આવે નહિ.
ધર્મ તો પોતાનો સ્વભાવ છે, માટે પહેલાંં સ્વભાવ સમજવો જોઈએ.
પ્રશ્ન:– સ્વભાવ ન સમજાય તો શું કરવું? સમજતાં વાર લાગે અને એકાદ ભવ થાય તો શું અશુભ ભાવ
કરીને મરી જવું?
ઉત્તર:– પ્રથમ તો આ વાત ન સમજાય એમ બને જ નહિ. સમજતાં વાર લાગે ત્યાં સમજણના લક્ષે
અશુભભાવ ટાળી શુભભાવ કરવાની ના નથી, પરંતુ શુભભાવથી ધર્મ થતો નથી–એમ જાણવું. જ્યાં સુધી કોઈ
પણ જડ વસ્તુની ક્રિયા અને રાગની ક્રિયાને જીવ પોતાની માને ત્યાં સુધી સાચી સમજણના માર્ગે નથી.
સુખનો રસ્તો સાચી સમજણ; વિકારનું ફળ જડ.
જો આત્માની સાચી રુચિ થાય તો સમજણનો રસ્તો લીધા વગર રહે નહિ; સત્ય જોઈતું હોય, સુખ
જોઈતું હોય તો આ જ રસ્તો છે. સમજતાં ભલે વાર લાગે, પરંતુ માર્ગ તો સાચી સમજણનો લેવો જોઈએ ને!
સાચી સમજણનો માર્ગ લ્યે તો સત્ય સમજાયા વગર રહે જ નહિ. જો આવા મનુષ્ય દેહમાં અને સત્સમાગમના
યોગે પણ સત્ય ન સમજે તો ફરી આવા ટાણાં સત્યના મળતાં નથી. હું કોણ છું તેની જેને ખબર નથી અને અહીં
જ સ્વરૂપ ચૂકીને જાય છે તે જ્યાં જશે ત્યાં શું કરશે? શાંતિ ક્યાંથી લાવશે? આત્માના ભાન વગર કદાચ
શુભભાવ કર્યા હોય તો પણ તે શુભનું ફળ જડમાં જાય છે, આત્મામાં પુણ્યનું ફળ આવતું નથી. આત્માની
દરકાર કરી નથી. અને અહીંથી જ જે મૂઢ થઈ ગયો છે તેણે કદાચ શુભભાવ કર્યા તો રજકણો બંધાણા અને તે
રજકણોના ફળમાં પણ રજકણોનો જ સંયોગ મળવાનો, રજકણોનો સંયોગ મળે તેમાં આત્માને શું? આત્માની
શાંતિ તો આત્મામાં છે પરંતુ તેની તો દરકાર કરી નથી.
અસાધ્ય કોણ? અને શુદ્ધાત્મા કોણ?
અહીં જ જડનું લક્ષ કરીને જડ જેવો થઈ ગયો છે, મરતાં જ પોતાને ભૂલીને સંયોગ દ્રષ્ટિથી મરે છે,
અસાધ્યપણે વર્તે છે એટલે ચૈતન્ય સ્વરૂપનું ભાન નથી તે જીવતાં જ અસાધ્ય જ છે. ભલે, શરીર હાલે, ચાલે,
બોલે, પણ એ તો જડની ક્રિયા છે, તેનો ધણી થયો પણ અંતરમાં સાધ્ય જે જ્ઞાનસ્વરૂપ તેની જેને ખબર નથી તે
અસાધ્ય
[જીવતું મડદું] છે. વસ્તુનો સ્વભાવ યથાર્થપણે સમ્યગ્દર્શન પૂર્વકના જ્ઞાનથી ન સમજે તો

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૮૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૦૦૧ :
જીવને સ્વરૂપનો કિંચિત લાભ નથી; સમ્યક્દર્શન–જ્ઞાનવડે સ્વરૂપની ઓળખાણ અને નિર્ણય કરીને જે ઠર્યો તેને
જ ‘શુદ્ધ આત્મા’ એવું નામ મળે છે, અને શુદ્ધાત્મા એ જ સમ્યકદર્શન તથા સમ્યગ્જ્ઞાન છે. ‘હું શુદ્ધ છું’ એવો
વિકલ્પ છૂટીને એકલો આત્મઅનુભવ રહી જાય તે જ સમ્યક્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે, સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન એ કાંઈ આત્માથી જુદાં નથી.
સત્ય જેને જોઈતું હોય તેવા જિજ્ઞાસુ સમજુ જીવને કોઈ અસત્ય કહે તો તે અસત્યની હા પાડી દે નહિ––
અસત્નો સ્વીકાર ન કરે. જેને સત્સ્વભાવ જોઈતો હોય તે સ્વભાવથી વિરુદ્ધભાવની હા ન પાડે–તેને પોતાનાં ન માને.
વસ્તુનું સ્વરૂપ શુદ્ધ છે તેનો બરાબર નિર્ણય કર્યો અને વૃત્તિ છૂટી જતાં જે અભેદ શુદ્ધ અનુભવ થયો તે જ સમયસાર
છે, અને તેજ ધર્મ છે. આવો ધર્મ કેવી રીતે થાય, ધર્મ કરવા માટે પ્રથમ શું કરવું? તે સંબંધી આ કથન ચાલે છે.
ધર્મની રુચિવાળા જીવ કેવા હોય?
ધર્મને માટે પહેલામાં પહેલા શ્રુતજ્ઞાનનું અવલંબન લઈ શ્રવણ–મનનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય
કરવો કે હું એક જ્ઞાન સ્વભાવ છું, જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન સિવાય કાંઈ કરવા–મૂકવાનો સ્વભાવ નથી. આ
પ્રમાણે સત સમજવામાં જે કાળ જાય છે તે પણ અનંતકાળે નહિ કરેલો એવો અપૂર્વ અભ્યાસ છે. જીવને સત્
તરફની રુચિ થાય એટલે વૈરાગ્ય જાગે અને આખા સંસાર તરફની રુચિ ઊડી જાય. ચોરાશીના અવતારનો
ત્રાસ થઈ જાય કે ‘આ ત્રાસ શા? સ્વરૂપનું ભાન નહિ અને ક્ષણે ક્ષણે પરાશ્રય ભાવમાં રાચવું આ તે કાંઈ
મનુષ્યનાં જીવન છે? તિર્યંચ વગેરેનાં દુઃખની તો વાત જ શી, પરંતુ આ મનુષ્યમાં પણ આવા જીવન? અને
મરણ ટાણે સ્વરૂપના ભાન વગર અસાધ્ય થઈને મરવું? ’ આ પ્રમાણે સંસારનો ત્રાસ થતાં સ્વરૂપ સમજવાની
રુચિ થાય. વસ્તુ સમજવા માટે જે કાળ જાય તે પણ જ્ઞાનની ક્રિયા છે, સત્નો માર્ગ છે.
જિજ્ઞાસુઓએ પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો; હું એક જાણનાર છું, મારૂં સ્વરૂપ જ્ઞાન છે,
તે જાણવાવાળું છે, પુણ્ય–પાપ કોઈ મારા જ્ઞાનનું સ્વરૂપ નથી, પુણ્ય–પાપના ભાવ કે સ્વર્ગ નરક આદિ કોઈ મારો
સ્વભાવ નથી––એમ શ્રુતજ્ઞાનવડે આત્માનો પ્રથમ નિર્ણય કરવો તે જ પ્રથમ ઉપાય છે.
ઉપાદાન – નિમિત્ત અને કારણ – કાર્ય
૧–સાચા શ્રુતજ્ઞાનના અવલંબન વિના અને ૨–શ્રુતજ્ઞાનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા વિના
આત્મા અનુભવમાં આવે નહિ. આમાં આત્માનો અનુભવ કરવો તે કાર્ય છે, આત્માનો નિર્ણય તે ઉપાદાન
કારણ છે અને શ્રુતનું અવલંબન તે નિમિત્ત છે. શ્રુતના અવલંબનથી જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો તેનું ફળ,
તે નિર્ણય અનુસાર આચરણ અર્થાત્ અનુભવ કરવો તે છે. આત્માનો નિર્ણય તે કારણ અને આત્માનો અનુભવ
તે કાર્ય–એ રીતે અહીં લીધું છે, એટલે જે નિર્ણય કરે તેને અનુભવ થાય જ એમ વાત કરી છે.
અંતર અનુભવનો ઉપાય અર્થાત્ જ્ઞાની ક્રિયા.
હવે, આત્માનો નિર્ણય કર્યા પછી તેનો પ્રગટ અનુભવ કઈ રીતે કરવો તે બતાવે છે:– નિર્ણય અનુસાર
શ્રદ્ધાનું આચરણ તે અનુભવ છે. પ્રગટ અનુભવમાં શાંતિનું વેદન લાવવા માટે એટલે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ
માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણને છોડી દેવા જોઈએ. પ્રથમ ‘હું જ્ઞાનાનંદ સ્વરૂપી આત્મા છું’ એમ નિશ્ચય કર્યા
પછી આત્માના આનંદનો પ્રગટ ભોગવટો કરવા
[–વેદન કરવા–અનુભવ કરવા] માટે, પર પદાર્થની પ્રસિદ્ધનાં
કારણો–જે ઈન્દ્રિય અને મનદ્વારા પરલક્ષે પ્રવર્તતું જ્ઞાન તેને સ્વ તરફ વાળવું. દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પર પદાર્થ
તરફનું લક્ષ તથા મનના અવલંબને પ્રવર્તતી બુદ્ધિ અર્થાત્ મતિજ્ઞાન તેને સંકોચીને–મર્યાદામાં લાવીને પોતા તરફ
વાળવું તે અંતર અનુભવનો પંથ છે, સહજ શીતળ સ્વરૂપ અનાકુળ સ્વભાવની છાયામાં પેસવાનું પગથિયું છે.
પ્રથમ આત્મા જ્ઞાન સ્વભાવ છું એવો બરાબર નિશ્ચય કરીને, પછી પ્રગટ અનુભવ કરવા માટે પર તરફ
વળતા ભાવ જે મતિ અને શ્રુતજ્ઞાન તેમને સ્વ તરફ એકાગ્ર કરવા, જે જ્ઞાન પરમાં વિકલ્પ કરીને અટકે છે, તે
જ જ્ઞાનને, ત્યાંથી ખસેડીને સ્વભાવમાં વાળવું. મતિ અને શ્રુતજ્ઞાનના જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે,
પરંતુ પહેલાંં તે પર તરફ વળતાં, હવે તેને આત્મ સન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં
એકાગ્ર થવાના આ ક્રમસર પગથિયા છે.
જ્ઞાનમાં ભવ નથી.
જેણે મનના અવલંબને પ્રવર્તતા જ્ઞાનને મનથી છોડાવી સ્વ તરફ વાળ્‌યું છે અર્થાત્ મતિજ્ઞાન પર તરફ
વળતું તેને મર્યાદામાં લઈને આત્મ સન્મુખ કર્યું છે તેના જ્ઞાનમાં અનંત સંસારનો નાસ્તિભાવ અને
જ્ઞાનસ્વભાવનો અસ્તિભાવ છે. આવી સમજણ અને આવું જ્ઞાન કરવું

PDF/HTML Page 16 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૮૩ :
તેમાં અનંત પુરુષાર્થ છે. સ્વભાવમાં ભવ નથી તેથી જેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ઊગ્યો તેને ભવની શંકા
રહેતી નથી. જ્યાં ભવની શંકા છે ત્યાં સાચું જ્ઞાન નથી અને જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ભવની શંકા નથી–આ રીતે
‘જ્ઞાન’ અને ‘ભવ’ ની એક બીજામાં નાસ્તિ છે.
પુરુષાર્થ વડે સત્સમાગમથી એકલા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો પછી ‘હું અબંધ છું કે બંધવાળો
છું, શુદ્ધ છું કે અશુદ્ધ છું, ત્રિકાળ છું કે ક્ષણિક છું’ એવી જે વૃત્તિઓ ઊઠે તેમાં પણ હજી આત્મશાંતિ નથી, તે
વૃત્તિઓ આકુળતામય–આત્મશાંતિની વિરોધીની છે. નયપક્ષોના અવલંબનથી થતા મન સંબંધી અનેક પ્રકારના
વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને અર્થાત્ તે વિકલ્પોને રોકવાના પુરુષાર્થ વડે શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ
કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનને આત્મ સન્મુખ કરવા તે જ સમ્યગ્દર્શન છે.
ઈન્દ્રિય અને મનના અવલંબને મતિજ્ઞાન પર લક્ષે પ્રવર્તતું તેને, અને મનના અવલંબને શ્રુતજ્ઞાન અનેક પ્રકારના
નય પક્ષોના વિકલ્પોમાં અટકતું તેને–એટલે કે પરાવલંબને પ્રવર્તતા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને–
અંતર સ્વભાવ સન્મુખ કરીને, તે જ્ઞાનોદ્વારા એક જ્ઞાન સ્વભાવને પકડીને
[લક્ષમાં લઈને] નિર્વિકલ્પ થઈને
તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા શુદ્ધાત્માનો અનુભવ કરવો, તે અનુભવ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
આ રીતે અનુભવમાં આવતો શુદ્ધાત્મા કેવો છે તે કહે છે:– આદિ–મધ્ય–અંત રહિત ત્રિકાળ એકરૂપ છે,
તેમાં બંધ–મોક્ષ નથી અનાકુળતા સ્વરૂપ છે, ‘હું શુદ્ધ છું કે અશુદ્ધ છું’ એવા વિકલ્પથી થતી જે આકુળતા તેનાથી
રહિત છે. લક્ષમાંથી પુણ્ય–પાપનો આશ્રય છૂટીને એકલો આત્મા જ અનુભવરૂપ છે, કેવળ એક આત્મામાં પુણ્ય–
પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખાય વિશ્વ ઉપર તરતો હોય એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો
હોય તેવો ચૈતન્ય સ્વભાવ છૂટો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય–પાપની ઉપર
તરતો છે, તરતો એટલે તેમાં ભળી જતો નથી, તે રૂપ થતો નથી પરંતુ તેનાથી છૂટો ને છૂટો રહે છે. અનંત છે
એટલે કે જેના સ્વભાવમાં કદી અંત નથી, પુણ્ય–પાપ તો અંતવાળા છે, જ્ઞાનસ્વરૂપ અનંત છે; અને વિજ્ઞાનઘન
છે–એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા જ્ઞાનપિંડમાં રાગ–દ્વેષ જરાપણ નથી. રાગનો અજ્ઞાનભાવે કર્તા હતો પણ
સ્વભાવ ભાવે રાગનો કર્તા નથી. અખંડ આત્મસ્વભાવનો અનુભવ થતાં જે જે અસ્થિરતાના વિભાવો હતા તે
બધાથી છૂટીને જ્યારે આ આત્મા, વિજ્ઞાનઘન એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે નહિ એવા જ્ઞાનનો
નિવડ પિંડરૂપ પરમાત્મસ્વરૂપ સમયસારને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શન સ્વરૂપ છે.
નિશ્ચય – અને – વ્યવહાર
આમાં નિશ્ચય–વ્યવહાર બંને આવી જાય છે. અખંડ વિજ્ઞાનઘન સ્વરૂપ જ્ઞાનસ્વભાવી આત્મા તે નિશ્ચય છે
અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે વ્યવહાર છે. મતિશ્રુતજ્ઞાનને સ્વતરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય
તે વ્યવહાર છે, અને અખંડ આત્મસ્વભાવ તે નિશ્ચય છે. જ્યારે મતિ–શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળ્‌યા અને આત્માનો
અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે–શ્રદ્ધાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટવા વખતની વાત કરી છે.
સમ્યગ્દર્શન થતાં શું થાય?
સમ્યગ્દર્શન થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે.
આત્મીક આનંદનો ઊછાળો આવે છે; અંતરમાં આત્મશાંતિનું વેદન થાય છે. આત્માનું સુખ અંતરમાં છે તે
અનુભવવામાં આવે છે; એ અપૂર્વ સુખનો રસ્તો સમ્યગ્દર્શન જ છે. ‘હું ભગવાન આત્મા સમયસાર છું’ એમ જે
નિર્વિકલ્પ શાંતરસ અનુભવાય છે તે જ સમયસાર અને સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાન છે. અહીં તો સમ્યગ્દર્શન
અને આત્મા બંને અભેદ લીધા છે. આત્મા પોતે સમ્યગ્દર્શન સ્વરૂપ છે.
વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો.
સૌથી પહેલાંં આત્માનો નિર્ણય કરીને પછી અનુભવ કરવાનું કહ્યું છે–પહેલામાં પહેલા, ‘નિશ્ચય
જ્ઞાનસ્વરૂપ છું, બીજું કાંઈ રાગાદિ મારૂં સ્વરૂપ નથી’ એવો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચા શ્રુતજ્ઞાનને
ઓળખીને તેનો પરિચય કરવો, સત્શ્રુતના પરિચયથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી મતિ–શ્રુતજ્ઞાનને
તે જ્ઞાનસ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો, નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આ જ પ્રથમનો એટલે કે
સમ્યક્ત્વનો માર્ગ છે. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે, બહારમાં કાંઈ કરવાનું ન
આવ્યું પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં
એકાગ્ર થયો ત્યાં તે જ વખતે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપે આ આત્મા–પ્રગટ થાય છે. આ જ

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permisson of the Borada Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
જન્મ મરણ ટાળવાનો ઉપાય છે. એકલો જાણકસ્વભાવ છે તેમાં બીજું કાંઈ કરવાનો સ્વભાવ નથી. નિર્વિકલ્પ
અનુભવ થયા પહેલાંં આવો નિશ્ચય કરવો જોઈએ. આ સિવાય બીજું માને તો વ્યવહારે પણ આત્માનો નિશ્ચય
નથી. અનંત ઉપવાસ કરે તોય આત્માનું જ્ઞાન ન થાય, બહારમાં દોડાદોડી કરે તેનાથી પણ જ્ઞાન ન થાય, પણ
જ્ઞાનસ્વભાવની પક્કડથી જ જ્ઞાન થાય. આત્મા તરફ લક્ષ અને શ્રદ્ધા કર્યા વગર સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થાય
ક્યાંથી? પહેલાંં દેવ–ગુરુ–શાસ્ત્રના નિમિત્તોથી અનેક પ્રકારે શ્રુતજ્ઞાન જાણે અને તે બધામાંથી એક આત્માને તારવે
પછી તેનું લક્ષ કરી પ્રગટ અનુભવ કરવા માટે, મતિ–શ્રુતજ્ઞાનની બહાર વળતી પર્યાયોને સ્વસન્મુખ કરતાં તત્કાળ
નિર્વિકલ્પ નિજસ્વભાવરસ આનંદનો અનુભવ થાય છે. પરમાત્મ સ્વરૂપનું દર્શન જે વખતે કરે છે તે જ વખતે
આત્મા પોતે સમ્યગ્દર્શનરૂપ પ્રગટ થાય છે; આત્માની પ્રતીત જેને આવી ગઈ છે તેને પાછળથી વિકલ્પ આવે ત્યારે
પણ જે આત્મદર્શન થઈ ગયું છે તેનું તો ભાન છે, એટલે કે આત્માનુભવ પછી વિકલ્પ ઊઠે તેથી સમ્યગ્દર્શન ચાલ્યું
જતું નથી. કોઈ વેશમાં કે વાડામાં સમ્યગ્દર્શન નથી પણ સ્વરૂપ એજ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
સમ્યગ્દર્શનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કર્યા પછી પણ શુભભાવ આવે ખરા, પરંતુ આત્મહિત
તો જ્ઞાનસ્વભાવનો નિશ્ચય કરવાથી જ થાય છે. જેમ જેમ જ્ઞાનસ્વભાવની દ્રઢતા વધતી જાય તેમ તેમ શુભભાવ
પણ ટળતા જાય છે. બહારના લક્ષે જે વેદન થાય તે બધું દુઃખરૂપ છે, અંદરમાં શાંતરસની જ મૂર્તિ આત્મા છે
તેના લક્ષે જે વેદન તે જ સુખ છે. સમ્યગ્દર્શન તે આત્માનો ગુણ છે, ગુણ તે ગુણીથી જુદો ન હોય. એક અખંડ
પ્રતિભાસમય આત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે.
છેલ્લી ભલામણો
આ આત્મકલ્યાણનો નાનામાં નાનો (બધાથી થઈ શકે તેવો) ઉપાય છે. બીજા બધા ઉપાય છોડીને આ
જ કરવાનું છે. હિતનું સાધન બહારમાં લેશ માત્ર નથી, સત્સમાગમે એક આત્માનો જ નિશ્ચય કરવો. વાસ્તવિક
તત્ત્વની શ્રદ્ધા વગર અંદરના વેદનની રમઝટ નહિ જામે. પ્રથમ અંતરથી સતનો હકાર આપ્યા વગર સત
સ્વરૂપનું જ્ઞાન થાય નહિ અને સત સ્વરૂપના જ્ઞાન વગર ભવબંધનની બેડી તૂટે નહિ. ભવબંધનના અંત
વગરનાં જીવન શા કામના? ભવના અંતની શ્રદ્ધા વગર કદાચ પુણ્ય કરે તો તેનું ફળ રાજપદ કે ઈન્દ્રપદ મળે
પરંતુ તેમાં આત્માને શું? આત્માના ભાન વગરના તો એ પુણ્ય અને એ ઈન્દ્રપદ બધાંય ધૂળધાણી જ છે, તેમાં
આત્માની શાંતિનો અંશ પણ નથી. માટે પહેલાંં શ્રુતજ્ઞાનવડે જ્ઞાનસ્વભાવનો દ્રઢ નિશ્ચય કરતાં પ્રતીતમાં ભવની
શંકા જ રહેતી નથી. અને જેટલી જ્ઞાનની દ્રઢતા થાય તેટલી શાંતિ વધતી જાય છે.
ભાઈ પ્રભુ! તું કેવો છો, તારી પ્રભુતાનો મહિમા કેવો છે એ તેં જાણ્યો નથી. તારી પ્રભુતાના ભાનવગર
તું બહારમાં જેનાં તેનાં ગાણાં ગાયા કરે તો તેમાં કંઈ તને તારી પ્રભુતાનો લાભ નથી. પરનાં ગાણાં ગાયા પણ
પોતાના ગાણાં ગાયા નહિ; ભગવાનની પ્રતિમા સામે કહે કે ‘હે નાથ, હે ભગવાન! આપ અનંત જ્ઞાનના ધણી
છો’ ત્યાં સામો પણ એવો જ પડઘો પડે કે ‘હે નાથ, હે ભગવાન! આપ અનંતજ્ઞાનના ધણી છો’ ... અંતરમાં
ઓળખાણ હોય તો એ સમજેને! ઓળખાણ વગરના અંતરમાં સાચો પડઘો
[નિઃશંકતા] જાગે નહિ.
શુદ્ધાત્મ સ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો–જે કહો
તે આ એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે. તેને જ જુદા જુદા નામથી
કહેવાય છે. કેવળીપદ, સિદ્ધપદ કે સાધુ પદ એ બધા એક આત્મામાં જ સમાય છે. સમાધિમરણ આરાધના એ
વગેરે નામો પણ સ્વરૂપની સ્થિરતા જ છે. આ પ્રમાણે આત્મસ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે અને એ
સમ્યગ્દર્શન જ સર્વ ધર્મનું મૂળ છે, સમ્યગ્દર્શન જ આત્માનો ધર્મ છે...
આત્મધર્મના ત્રીજા વર્ષના ગ્રાહકોને અમૃતઝરણાં નામનું ભેટ પુસ્તક સ્વ. પારેખ લીલાધર
ડાહ્યાભાઈના સ્મરણાર્થે તેમના ધર્મ પત્ની શ્રી જયાબેન પારેખ તરફથી આપવાનું નક્કી
થયું છે તો નવા વર્ષનું લવાજમ સવેળા મોકલાવી આપશો કે જેથી પર્યુષણ વખતે આપને
ભેટ પુસ્તક મળી જાય.
[આત્મધર્મ કાર્યાલય સુવર્ણપુરી–સોનગઢ કાઠિયાવાડ] પ્ર કા શ ક
મુદ્રક – પ્રકાશક: – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી.
શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ. તા. ૮ – ૭ – ૪પ