Atmadharma magazine - Ank 251
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨૫૧
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૧ : અંક ૧૧ : વીર સં. ૨૪૯૦ : ભાદરવો
શ્રા વ ક નું જી વ ન
ભગવાન આદિનાથ મુનિરાજ ચૈતન્યમસ્તીમાં ઝૂલતા
ઝૂલતા હસ્તિનાપુર પધાર્યા. એમને જોતાં જ શ્રેયાંસકુમારને
જાતિસ્મરણ જાગ્યું ને રોમરોમ ભક્તિથી ઉલ્લસી ગયા...અહા.
મોક્ષનું કલ્પવૃક્ષ મારા આંગણે ફળ્‌યું... સાક્ષાત્ મોક્ષમાર્ગ મારા
આંગણે આવ્યો...એમ હર્ષ–ભક્તિથી શેરડીના રસનું આહારદાન
કર્યું. આ ચોવીસીમાં મુનિરાજને આહારદાનનો એ પહેલો પ્રસંગ
બન્યો. એમાં આહાર લેનાર અને દેનાર બંને ચરમશરીરી હતા.
આ રીતે આહારદાન, જિન–પૂજા વગેરેનો શુભભાવ એ
શ્રાવકની ભૂમિકામાં હોય જ છે. એટલે તેને શ્રાવકનો ધર્મ કહ્યો
છે. આથી એમ ન સમજી લેવું કે એ શુભરાગ જ મોક્ષનું કારણ
થઈ જાય છે. મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
અને તે જ ખરેખર ધર્મ છે. ગૃહસ્થશ્રાવકનેય તે ધર્મની ઉપાસના
અંશે હોય છે. મોક્ષ–માર્ગનું પ્રધાન અંગ સમ્યગ્દર્શન છે અને
તેની આરાધના ગૃહસ્થનેય હોઈ શકે છે. સમ્યગ્દર્શનના ઉપાસક
ગૃહસ્થને પણ ધન્ય અને કૃતાર્થ કહ્યો છે. એવા ધર્મી ગૃહસ્થનું
જીવન કેવું હોય, તેના શુભભાવો કેવા હોય? તેને દેવ–ગુરુ–
શાસ્ત્રની ઉપાસના કેવી હોય–તેનું વર્ણન ‘ઉપાસક–સંસ્કાર’
નામના અધિકારમાં પદ્મનંદીસ્વામીએ કર્યું છે.
(એ અધિકાર ઉપર બે વખત ગુરુદેવના પ્રવચનો થયા છે,
જે હવે પછી ગુજરાતી તેમજ હિંદીમાં પ્રગટ થશે.)
[૨૫૧]


PDF/HTML Page 4 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧ :
* આ રા ધ ના નું મહાન પર્વ *
પ.ય.ષ.ણ
સમસ્ત શક્તિથી ધર્મની ઉપાસનાના પ્રતીકરૂપ મહાપર્વ એટલે
પર્યુષણ. ધર્મની આરાધનાની જાગૃતી આપતું આ પવિત્ર પર્વ અનાદિ
અકૃત્રિમ છે. દીપાવલીપર્વ, અક્ષયત્રીજ વગેરે પર્વો તો કોઈ મહાપુરુષના
જીવનપ્રસંગો નિમિત્તે શરૂ થયેલા છે,–અને નંદીશ્વર અષ્ટાહ્નિકા તથા
દસલક્ષણીપર્યુષણ જેવા પર્વો અનાદિ અકૃત્રિમ છે–તેમાં અષ્ટાહ્નિકાપર્વ એ
જિનભક્તિપ્રધાન છે, ત્યારે પર્યુષણપર્વ તે આરાધનાપ્રધાન છે. આ
દિવસોમાં જૈનમાત્રમાં અનોખી જાગૃતિ આવી જાય છે. આવું આ
જાગૃતપર્વ અત્યારે ચાલી રહ્યું છે. તે પ્રસંગે ઉત્તમ–ક્ષમા, માર્દવ, આર્જવ,
શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય–એ
વીતરાગીધર્મોનું સ્વરૂપ ઓળખીને, તેની ઉત્તમ આરાધનાની ભાવના એ
આપણું કર્તવ્ય છે.
શ્રી પદ્મનંદીસ્વામી કહે છે કે ત્રણલોકના સ્વામી ઈન્દ્રોથી પણ જે
વંદનીક છે એવા આ ઉત્તમ દશધર્મોનું સ્વરૂપ સાંભળીને, તે ધારણ
કરવાનો કોને ઉત્સાહ નહિ થાય? કોણ તેને હર્ષથી ધારણ નહિ કરે?
બધાય મોક્ષાર્થી જીવો આ ઉત્તમધર્મોનું સ્વરૂપ સાંભળતાં આનંદિત થશે ને
હર્ષથી તેનું પાલન કરશે. આ દશધર્મોની ઉત્તમ આરાધના મુનિદશામાં
હોય છે. મુનિદશા તે મોક્ષમહેલની સીડી છે; તેની એક તરફ તો વૈરાગ્ય
અને બીજી તરફ ત્યાગ–એમ બે બાજુ બે સુંદર મજબુત કઠોડા લાગેલા
છે, અને દશધર્મરૂપી દશ વિશાલ પગથિયા છે. મોક્ષમહેલમાં ચઢવાની
ભાવનાવાળા પુરુષોએ આવી સીઢી ચઢવા યોગ્ય છે. અર્થાત્ સમ્યગ્દર્શન–
જ્ઞાનપૂર્વક જે જીવ આવા ઉત્તમક્ષમાદિભાવરૂપ ધર્મોને વૈરાગ્યથી આરાધે
છે તે જીવ મુક્તિ પામે છે. અહો, મોક્ષાર્થી જીવને આવા દશધર્મોની
આરાધના પ્રત્યે ઉત્સાહ જાગે છે. ધન્ય તે ઉત્તમક્ષમાવંત મુનિવરો, કે
જેઓને

PDF/HTML Page 5 of 29
single page version

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો :
ઘોર ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્રોધની વૃત્તિ ઊઠતી નથી ને
રત્નત્રયની આરાધનાથી જેઓ ડગતા નથી. આવા વીતરાગીધર્મોનો
મહિમા સાંભળતાં જગતના સમસ્ત જીવો હર્ષિત થશે; બધાય જીવોને
ચૈતન્યસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાનસહિત ઉત્તમ મુનિધર્મની
આકાંક્ષા થશે.
આત્માનો સ્વભાવ ચેતના છે; અને તે ચેતનાનું નિર્વિકારરૂપે
પરિણમવું તે ધર્મ છે. જેટલા અંશે ચેતના નિર્વિકારરૂપ (રાગરહિત)
પરિણમે તેટલો ધર્મ છે. ને તેટલો જ મોક્ષમાર્ગ છે. રાગરહિત
ચેતનાપરિણામમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તથા ઉત્તમક્ષમાદિક બધા
કર્મો સમાઈ જાય છે. આત્મા ક્રોધાદિ કષાય ભાવોરૂપ ન પરિણમે ને
પોતાના સ્વભાવમાં સ્થિર રહીને વીતરાગભાવરૂપ પરિણમે–તે
ઉત્તમક્ષમાદિ ધર્મ છે. પહેલાંં અનંતાનુબંધી ક્રોધનો અભાવ સમ્યગ્દર્શનવડે
થાય છે; એ રીતે સમ્યગ્દર્શનવડે અનંતાનુબંધી ક્રોધનો અભાવ કર્યા
પહેલાંં ઉત્તમક્ષમાદિ ધર્મની આરાધના અંશમાત્ર હોઈ શકે નહિ. આ રીતે
ઉત્તમક્ષમાદિ ધર્મોનું મૂળ સમ્યગ્દર્શન છે (‘दंसणमूलो धम्मो’
કુંદકુંદસ્વામીનું સૂત્ર છે.)
પ્રશ્ન:–ઉત્તમક્ષમાદિ દશધર્મ–એ તો મુનિઓના ધર્મ છે, તેમાં અમારે
શ્રાવકોને શું?
ઉત્તર:–ઉત્તમક્ષમાદિ દશધર્મોની ઉત્કૃષ્ટ આરાધના મુનિવરોને હોય
છે–એ ખરૂં, પરંતુ શ્રાવક ધર્માત્માને પણ તે ધર્મની આરાધના અંશે હોય
છે. શાસ્ત્રમાં કહે છે કે જેટલા મુનિઓના ધર્મો છે તે બધાય ધર્મો
આંશિકરૂપે શ્રાવકોને પણ હોય છે. સમ્યગ્દર્શનપૂર્વક અનંતાનુબંધી
ક્રોધાદિનો જેટલો અભાવ થયો ને જેટલો વીતરાગભાવ પ્રગટ્યો તેટલો
ધર્મ છે, ને તે મોક્ષનું કારણ છે. માટે શ્રાવકે પણ ઉત્તમક્ષમાદિ ધર્મોનું
સ્વરૂપ જાણીને તેની આરાધનાની ભાવના કરવી.
ઉત્તમક્ષમાદિ દશધર્મોનું સ્વરૂપ ટૂંકમાં આ પ્રમાણે છે–
(૧) કોઈપણ જીવદ્વારા વધ, બંધન, નિંદા વગેરે ઉપદ્રવ થતા
છતાં પોતાની ચૈતન્યભાવનામાં લીનતાથી એવો વીતરાગભાવ રહેવો કે
ક્રોધ પરિણામની ઉત્પત્તિ જ ન થાય એનું નામ ઉત્તમક્ષમા છે.
મોક્ષમાર્ગના પથિક સંતોને માટે આ ઉત્તમક્ષમા સાચી સહાયક છે અર્થાત્
તે સાધકની સહચરી છે. ક્રોધની ઉત્પત્તિ પોતાના સાધકભાવમાં બાધા
કરનારી છે, એમ સમજીને તેને દૂરથી જ છોડવો જોઈએ.

PDF/HTML Page 6 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૩ :
(૨) દેહાદિથી ભિન્ન પોતાનો આત્મા જ જગતમાં સર્વોત્તમ પદાર્થ
છે એમ જાણીને, દેહાશ્રિત કોઈ વસ્તુનો–રૂપ, બળ, જાતિ વગેરેનો કે
જ્ઞાનાદિનો પણ મદ ન થવો,–એવા વીતરાગભાવને ઉત્તમ માર્દવધર્મ કહે છે.
[એ ધ્યાનમાં રાખવું કે એક વીતરાગભાવમાં દશેય ધર્મો સમાઈ
જાય છે; અને વીતરાગભાવ વગર એક્કેય ધર્મ હોતો નથી.]
(૩) પરમાર્થે આત્માના જ્ઞાનભાવમાં વિકારનું થવું તે જ વક્રતા
છે; આત્માના જ્ઞાનની એવી આરાધના પ્રગટે કે દેહ જવાનો પ્રસંગ આવે
તોપણ હૃદયમાં માયાચાર કે કપટભાવ ન થાય; અને પોતાના રત્નત્રયમાં
લાગેલા દોષો ગુરુસમીપમાં સરળતાથી પ્રગટ કરીને તે દોષોને દૂર કરવા
એનું નામ ઉત્તમ આર્જવધર્મ છે.
(૪) ભેદજ્ઞાનની ભાવનાના બળથી દેહાદિ પરદ્રવ્યો પ્રત્યે
સ્પૃહારૂપ મલિનતા જેને નથી, અને રત્નત્રયની પવિત્ર આરાધનામાં જે
સદાય તત્પર છે તેને ઉત્તમ શૌચધર્મ છે.
(પ) સત્રૂપ એવો જે જ્ઞાનસ્વભાવ તેને સાધવામાં જે તત્પર છે,
અને કદી વચન બોલે તો તે વસ્તુસ્વભાવને અનુસાર તથા જિનવાણી
અનુસાર સ્વપરહિત–કારી સત્ય વચન જ બોલે છે. અસત્ય બોલવાની
વૃત્તિ જ થતી નથી; સત્ય વસ્તુસ્વભાવને જે જાણે છે, તેને જ આવા
સત્યધર્મની આરાધના હોય છે.
(૬) સંસારમાં મનુષ્યત્વ દુર્લભ છે પરંતુ સંયમરૂપ મુનિદશા તો
ઉત્તરોત્તર અતીવ દુર્લભ છે. સમ્યગ્દ્રષ્ટિને પણ સંયમધર્મની ભાવના રહ્યા કરે
છે. ચૈતન્યમાં લીનતાથી એવો અકષાયભાવ પ્રગટ થાય કે ઈન્દ્રિયવિષયો
પ્રત્યે ઝુકાવ જ ન થાય, અને કોઈ પણ પ્રાણીને દુઃખ દેવાની વૃત્તિ જ ન
થાય, સમિતિ–ગુપ્તિનું પાલન હોય, ત્યાં સંયમધર્મ હોય છે.
(૭) વિષયકષાયરૂપી ચોરોથી પોતાના રત્નત્રયરૂપી ધનને
બચાવવા માટે તપરૂપી યોદ્ધો રક્ષક સમાન છે. ગમે તેવો ઉપદ્રવ આવે તો
પણ, પોતાના ચૈતન્યના ચિંતનથી ચ્યૂત ન થવું ને વિષયકષાયોમાં
ઉપયોગ ન જવો તે ઉત્તમ તપ છે. અહા, મુનિઓના રત્નત્રયની રક્ષા
કરનાર આ તપ પરમ આનંદનો દાતાર છે.

PDF/HTML Page 7 of 29
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો :
(૮) આત્માનો જે જ્ઞાનભાવ છે તે પરભાવના ત્યાગસ્વરૂપ જ
છે; ‘હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું, દેહાદિ કંઈ પણ મારું નથી’–એમ સર્વત્ર
મમત્વના ત્યાગરૂપ પરિણામથી ચૈતન્યમાં લીન થઈને મુનિરાજ ઉત્તમ
ત્યાગધર્મની આરાધના કરે છે. સમ્યક્ શ્રુતનું વ્યાખ્યાન કરવું તથા
બહુમાનપૂર્વક સાધર્મીઓને પુસ્તક, સ્થાન વગેરે દેવું તે પણ ત્યાગધર્મનો
પ્રકાર છે.
(૯) ‘શુદ્ધ ચૈતન્ય એક જ મારો છે, એનાથી ભિન્ન કંઈ પણ મારું
નથી’ એમ જાણીને ચૈતન્યભાવનાના બળથી દેહાદિ સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે
મમત્વ પરિણામનો પરિત્યાગ તે જ ઉત્તમ આકિંચન્યધર્મ છે.
(૧૦) મારું સુખ મારા અતીન્દ્રિય આત્મામાં જ છે, સ્ત્રી–
શરીરાદિ કોઈ પણ બાહ્યવિષયોમાં મારું સુખ નથી, એવી વિશુદ્ધમતિના
બળથી એવા નિર્વિકાર પરિણામ થઈ જાય કે સ્ત્રી આદિને દેખીને કે
દેવીદ્વારા લલચાવવા છતાં પણ વિકારની વૃત્તિ જ ન થાય. સ્ત્રીને માતા–
બહેન કે પુત્રીવત નિર્વિકારભાવના રહે, તેને જ સાચા બ્રહ્મચર્યધર્મની
આરાધના હોય છે.
આ પ્રમાણે ઉત્તમક્ષમાદિ દશધર્મોની ઉત્કૃષ્ટ આરાધના બતાવી.
અહીં એમ ન સમજવું કે આ ધર્મોની આરાધના ફક્ત દશલક્ષણ પર્વના
દિવસોમાં હોય છે, પરંતુ સદૈવ આ ધર્મોની આરાધના હોય છે. આ
ધર્મોની આરાધનારૂપ વીતરાગ ભાવ જેણે પ્રગટ કર્યો તેના આત્મામાં
સદૈવ પર્યુષણ જ છે; ક્ષણે ક્ષણે તે ધર્મની ઉપાસના કરી જ રહ્યા છે.
આવા ધર્મના ઉપાસક સંતમુનિવરોના ચરણોમાં
ભક્તિ સહિત શતશત પ્રણામ.
ઉત્તમક્ષમાદિ વીતરાગી ધર્મોનું સ્વરૂપ દર્શાવનાર
જિનશાસન જયવંત હો.
વીતરાગધર્મની પરિ–ઉપાસનાના પ્રેરક દશલક્ષણી
પર્યુષણપર્વ જગતને મંગળરૂપ હો.

PDF/HTML Page 8 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૫ :
જ્ઞાનતત્ત્વમાં પરનું અકર્તૃત્વ
[શ્રાવણ તથા ભાદરવા માસ દરમિયાન સમયસાર–સર્વવિશુદ્ધઅધિકારના પ્રવચનોમાંથી]
‘વિકારનો કર્તા કોણ?’ અને ધર્માત્માના શ્રદ્ધા–જ્ઞાન કેવાં
હોય–એ સંબંધી સુંદર સ્પષ્ટીકરણ શ્રાવણ–ભાદરવામાં આવેલ,
તેમાંથી સારભૂત ભાગ અહીં આપ્યો છે. તેમાં ગુરુદેવ કહે છે કે જેમ
મુનિઓ લૌકિક કાર્યોનો બોજો માથે રાખતા નથી, તેમ જ્ઞાની
ધર્માત્મા વ્યવહારના અવલંબનનો બોજો રાખતા નથી એટલે કે આ
વ્યવહારના અવલંબનથી મને લાભ થશે કે આ વ્યવહારના
અવલંબનમાં મારે લાંબો કાળ રોકાવું પડશે–એવી ભાવના જ્ઞાનીને
નથી; મારા એક પરમાર્થ સ્વભાવમાં જ હું તત્પર છું, તેના જ
અવલંબનમાં હોંશ–ઉત્સાહ ને ભાવના છે.
ધર્મ કેમ થાય? ને ધર્માત્માના શ્રદ્ધા–જ્ઞાન કેવાં હોય? તે અહીં સમજાવે છે.
મારો જ્ઞાનસ્વભાવી આત્મા ચૈતન્યસૂર્ય છે, તેમાં પરદ્રવ્યનો સંબંધ અંશમાત્ર
નથી; અરે, રાગનો એક કણિયો પણ મારા સ્વભાવનો છે–એમ જ્ઞાની સ્વપ્નેય માનતા
નથી. કોઈ પણ પ્રકારે જ્ઞાની પરદ્રવ્યને પોતાનું માનતા નથી અને નિજસ્વભાવમાં
વ્યવહારના રાગના કણમાત્રને પણ સ્વીકારતા નથી. પરના સંબંધથી છૂટો ને રાગથીયે
પાર એવા સર્વ પ્રકારથી વિશુદ્ધ જ્ઞાનસ્વભાવને એકને જ ધર્મીજીવ પોતાપણે અનુભવે
છે. તે સ્વાનુભવમાં વ્યવહારનું જરાય અવલંબન નથી.
જેમ જગતના વ્યવહારમાં ‘આ મારું ગામ, આ મારો દેશ’ એમ બોલાય, ત્યાં
ખરેખર કોઈ ગામનો કે દેશનો સ્વામી પોતાને માને તો લોકમાં તે મૂર્ખ છે. તેમ
પરદ્રવ્યને કે પરભાવને જે જીવ પોતાના સ્વભાવના માને–તે જીવ પરમાર્થમાં મૂર્ખ છે.
જ્ઞાની નિજસ્વભાવમાં પરભાવને જરાય આદર આપતા નથી. વ્યવહારનો–પરાશ્રયનો
જરાય આદર કરવા જાય તો જ્ઞાનસ્વભાવનો અનાદર થાય છે.
અરે ભાઈ, તું શુદ્ધજ્ઞાનતત્ત્વ; તારે અને આસ્રવને વળી એકતા કેવી? હું તો
જ્ઞાનતત્ત્વ છું, આસ્રવતત્ત્વ જ્ઞાનથી જુદું છે, તે હું નથી–આમ જ્ઞાની બંનેનો ભેદ જાણે છે;
આવો ભેદ જાણીને જ્ઞાનસ્વભાવનો આશ્રય અને ઉપાસના કરવી તે ધર્મ છે.

PDF/HTML Page 9 of 29
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો :
ચિદાનંદસ્વભાવની શ્રદ્ધા કે અનુભવ કરવામાં મને પરદ્રવ્ય કાંઈ પણ મદદરૂપ છે
કે વ્યવહારનો આશ્રય કંઈ મદદરૂપ છે–એમ કોઈ માને તો તે જીવ નિઃશંકપણે
મિથ્યાદ્રષ્ટિ છે. હું તો જ્ઞાનસ્વભાવ જ છું ને જ્ઞાનસ્વભાવના અવલંબનથી જ તેની શ્રદ્ધા
ને અનુભવ થાય છે, તેમાં બહારનું બીજું કોઈનું અવલંબન નથી.
જેમ ધૂળના ઢગલાની વચ્ચે શુદ્ધ સ્ફટિકમણિ પડ્યો હોય–ત્યાં કાંઈ તે સ્ફટિકમણિ
ધૂળના ઢગ સાથે એકમેક થઈ ગયો નથી; તેમ ધૂળના ઢગ જેવો જે આ પુદ્ગલનો પિંડ
(શરીર) તેની વચ્ચે ચૈતન્યચિંતામણિ પડ્યો છે, તે કાંઈ પુદ્ગલના પિંડ સાથે એકમેક થયો
નથી. સંયોગના ઢગલા વચ્ચે ચૈતન્યભગવાન કાંઈ ઢંકાઈ ગયો નથી. એક પરમાણુ કે
ત્રિલોકનાથ પરમાત્મા, એ બધાય પરદ્રવ્યોથી મારો આત્મા જુદો છે; અરે, સૂક્ષ્મ રાગની
વૃત્તિઓ (ગુણભેદના વ્યવહારની વૃત્તિઓ) તેનાથી પણ ચિદાનંદસ્વભાવ જુદો ને જુદો છે–
આવા આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે તે જ જ્ઞાની છે. આઠમી ગાથામાં કહ્યું છે કે દર્શન–જ્ઞાન–
ચારિત્રના ભેદરૂપ વ્યવહાર વચ્ચે આવે છે પણ તે અનુસરવાયોગ્ય નથી, વ્યવહારના
અનુસરણથી કાંઈ પરમાર્થનો અનુભવ થતો નથી. માટે કહે છે કે બુધજનોએ આત્મજ્ઞાન
સિવાયના બીજા કાર્યમાં તત્પર ન થવું. વ્યવહાર વચ્ચે આવે પણ એ વ્યવહાર કાંઈ લંબાવવા
જેવો નથી, તેની હોંશ કરવા જેવી નથી. જેમ મુનિઓ લૌકિક કાર્યોનો બોજો માથે રાખતા નથી,
તેમ જ્ઞાની ધર્માત્મા વ્યવહારના અવલંબનનો બોજો રાખતા નથી એટલે કે આ વ્યવહારના
અવલંબનથી મને લાભ થશે કે આ વ્યવહારના અવલંબનમાં મારે લાંબો કાળ રોકાવું પડશે–
એવી ભાવના જ્ઞાનીને નથી. મારા એક પરમાર્થ સ્વભાવમાં જ હું તત્પર છું, તેના જ
અવલંબનમાં હોંશ–ઉત્સાહ ને ભાવના છે.
જે સમ્યગ્દર્શન રહિત છે તે જ પરભાવની હોંશ કરે છે ને તે જ ‘પરદ્રવ્ય મારું’ એમ
માને છે. અરે, ચૈતન્યગોળો પવિત્ર શુદ્ધ, તેમાં અજ્ઞાની રાગની ચીકાશ ચોંટાડે છે. અરે, મારા
ચૈતન્યમાં રાગની ચીકાશ નથી; મારા ચૈતન્યતત્ત્વ ઉપર પરભાવનો બોજો નથી, આવી શ્રદ્ધા
કરીને સ્વસન્મુખ થાય તો આત્મા તદ્ન હળવો થઈ જાય. જ્યાં અકર્તાપણું પ્રગટ્યું ને આત્મા
સાક્ષીપણે–જ્ઞાતાભાવે જ પરિણમ્યો–ત્યાં તેને શી ચિન્તા? અને શેનો બોજો? બધોય બોજો
એના માથેથી ઊતરી ગયો....ને છૂટકારાની હવા એને સ્પર્શી.
અરે જીવ! સંતોએ તને તારી જ્ઞાનનિધિ બતાવી, હવે તું એકલો એકાંતમાં
(એટલે કે સ્વભાવની ગૂફામાં) જઈને તે જ્ઞાનનિધિને ભોગવજે. કેમકે જગતમાં તો
અનેક પ્રકારના વિધવિધ પ્રકૃતિના જીવો છે; કોઈને રુચે, કોઈને ન રુચે, ત્યાં તું કોઈની
સાથે વાદવિવાદમાં પડીશ નહિ, ને સ્વઘરમાં બેઠોબેઠો અંતરમાં તારી જ્ઞાનનિધિને
ભોગવજે... સ્વભાવ–સન્મુખ થવામાં તત્પર થજે; જગત સામે જોવા રોકાઈશ નહિ.

PDF/HTML Page 10 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૭ :
આત્મા ભૂલે તો શું કરે? કે પોતે પોતાના જ્ઞાન–આનંદનો અનુભવ છોડીને
વિકારને અનુભવે; ને રાગદ્વેષનો કર્તા થાય; પણ પોતાના ભાવની ભૂમિકાથી બહાર તો
તે કાંઈ ન કરે. આત્મા રાગદ્વેષ કરે ને તેને કર્મો બંધાય–ત્યાં તે નિમિત્ત–નૈમિતિક સંબંધ
દેખીને તેમાં અજ્ઞાની કર્તાકર્મપણું માની લ્યે છે. ભાઈ, વસ્તુસ્વભાવનો એવો નિયમ છે
કે એકનું કાર્ય બીજામાં થાય નહિ.
અરે, આવા વસ્તુસ્વભાવને જે જાણતા નથી ને પરમા કર્તૃત્વ માને છે તે જીવો
બિચારા પુરુષાર્થને હારી ગયા છે; નિજસ્વભાવના વેદનમાં તેમનો પુરુષાર્થ વળતો નથી,
ને પરિણતિ બહારમાં જ ભમ્યા કરે છે. રાગમાંય ભળવાનો જ્ઞાનનો સ્વભાવ નથી.–
આવા સ્વભાવને ભૂલીને તું તારા ચૈતન્ય તેજને અજ્ઞાનમાં કાં ડુબાડી દે?
મિથ્યાદ્રષ્ટિ જીવને સંબોધીને આચાર્યદેવ કરુણાથી કહે છે કે અરે જીવ! તું તારા
આત્માને અકર્તા દેખ....તારું જ્ઞાન પરનું કર્તા નથી–એવા જ્ઞાનને તું દેખ. તારું કર્તૃત્વ
તારા ભાવમાં દેખ પણ પરમાં ન દેખ. ચેતનનું કર્તૃત્વ ચેતનમાં હોય, જડમાં ન હોય.
ચેતનનું જે કાર્ય હોય તે ચેતન જ હોય.
આત્મામાં જે મિથ્યાત્વાદિ ભાવો થાય છે તેનો કર્તા તે આત્મા જ છે; પુદ્ગલનું
તેમાં કાંઈ જ કર્તૃત્વ નથી. વિકારમાં ૫૦ ટકા આત્માનું કર્તૃત્વ અને પ૦ ટકા કર્મનું
કર્તૃત્વ–એમ બે કર્તા નથી. જો બંને ભેગા થઈને કરે તો તેનું ફળ પણ બંને ભોગવે,
પરંતુ અચેતન કર્મને તો કાંઈ દુઃખ–સુખનો ભોગવટો નથી.
વળી જીવ જેમ વિકારભાવને કરે છે તેમ જો જડ કર્મને પણ કરે તો, ચેતનનું
કાર્ય ચેતન જ હોય–એ ન્યાયે, તે જડકર્મને ચેતનપણાનો પ્રસંગ આવી પડે.
અહીં અસ્તિ–નાસ્તિથી યુક્તિવડે આચાર્યદેવ આત્મા અને જડની સ્પષ્ટ વહેંચણી
કરીને, પરસ્પર કર્તાકર્મપણાનો અત્યંત નિષેધ કર્યો છે. અજ્ઞાનભાવની પણ મર્યાદા
એટલી છે કે તે પોતાના વિકારભાવને કરે પણ જડમાં તો કાંઈ જ ન કરે.
જીવ નિજસ્વભાવને ચૂકીને પુદ્ગલકર્મના આશ્રયે પરિણમે છે ત્યારે જ
મિથ્યાત્વાદિભાવો થાય છે, ને તે ભાવકર્મનો કર્તા જીવ પોતે છે. તથા ત્યારે પુદ્ગલદ્રવ્ય
જીવના વિકારી પરિણામનો આશ્રય કરીને (તેના નિમિત્તે) મિથ્યાત્વાદિ કર્મરૂપે
પરિણમે છે, તે અચેતન છે, તેનો કર્તા અચેતન છે. જીવના ભાવનો કર્તા જીવ, ને
અજીવના ભાવનો કર્તા અજીવ.

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદરવો :
ભાઈ, વિકારભાવનો સંબંધ આત્મા સાથે છે, આત્માના અસ્તિત્વમાં તે ભાવ
થાય છે; માટે તે વિકારભાવ કોઈ બીજો કરાવતો નથી પણ તું જ તારા અપરાધથી તેનો
કર્તા છો, એમ તું સ્વીકાર; ને તે વિકાર તારા સ્વભાવભૂત નથી એમ જાણીને તેમાંથી
એકત્વબુદ્ધિ છોડ.
કર્મ આત્માને વિકાર કરાવે–એ વાત તો મૂળમાંથી કાઢી નાંખી; આત્મા અને
જડની અત્યંત ભિન્નતા છે. તેમના કાર્યની અત્યંત ભિન્નતા છે–એનો જેને નિર્ણય નથી તે
તો પરથી જુદો પડી સ્વભાવસન્મુખ ક્યારે આવશે? હજી પોતામાંય જ્ઞાનભાવ અને
રાગભાવ બંનેનું સ્વરૂપ ભિન્નભિન્ન છે–એનો નિર્ણય તો બહુ સૂક્ષ્મ છે.
અરે, આ તત્ત્વનિર્ણય એ મૂળ વસ્તુ છે, એના વગર જીવને શાંતિ થાય જ નહિ.
જ્યાં તત્ત્વનિર્ણયમાં જ ભૂલ હોય ને બુદ્ધિ બહિર્મૂખપણે બહાર જ ભટકતી હોય ત્યાં
આત્મશાંતિ ક્યાંથી મળે?
આચાર્યદેવ કહે છે કે ભાઈ પર સાથે તું આટલો બધો સંબંધ માને છે કે પર મારું
હિત–અહિત કરે; પરંતુ પરદ્રવ્ય તો તને સ્પર્શતુંયે નથી, એ તો તારા સ્વરૂપથી બહાર ને
બહાર જ રહે છે. ભાઈ, તારો ઉપયોગ તું તત્ત્વનિર્ણયમાં જોડ પરદ્રવ્ય મને રોકે છે એમ
માનીને જો તું અટકી જતો હો તો એવી જિનની આજ્ઞા નથી. જિનઆજ્ઞા તો એવી છે કે
તું તારા સ્વભાવનો પુરુષાર્થ કર ત્યાં કર્મ સ્વયમેવ ખસી જશે. તારા ગુણ–દોષનો
ઉત્પાદક કોઈ બીજો નથી. અજ્ઞાનભાવે તું તારા દોષનો કર્તા છો, અને જ્ઞાનભાવે તે
વિકારનું કર્તૃત્વ ટળી જાય છે, એટલે જ્ઞાનભાવે આત્મા વિકારનો અકર્તા છે; પરના
કર્તૃત્વની તો વાત જ નથી.
આચાર્યદેવ કરુણાથી કહે છે કે હે ભાઈ? આત્માના ભાવને બીજો કરે એમ જો
તું માન, ને આત્માને સર્વથા અકર્તા જ માન તો તેમાં જિનવાણીથી વિરુદ્ધ માન્યતાવડે
તું જ તારા આત્માનો ઘાત કરે છે; તેમાં તીવ્ર મિથ્યાત્વના સેવનથી આત્માના ગુણો
હણાય છે. આવા આત્મઘાતથી તારે બચવું હોય ને તારા ગુણની રક્ષા કરવી હોય તો તું
જિનવાણી અનુસાર વસ્તુસ્થિતિને જાણ.
આત્મા પોતેજ પોતાના વિકારી કે નિર્મળ ભાવોના કર્તા છે. જે ઔદયિક ભાવો
છે તે ભાવોને સ્વતંત્રપણે આત્મા જ કરે છે. ધર્મરૂપ જે ઔપશમિક આદિ ભાવો, તે
ભાવોનો કર્તા પણ આત્મા પોતે જ પોતાના છ કારકોથી છે, તેમાં કોઈ બીજા કારકોની
અપેક્ષા નથી. અહા, આવી સ્વતંત્રતાનો જે નિર્ણય કરે તે પોતે પોતાનો ઘાત કેમ કરશે?
તે એકલા વિકારના કર્તૃત્વમાં કેમ રહેશે? એ તો સ્વાશ્રયે જ્ઞાનભાવથી વિકારનું કર્તૃત્વ
છોડીને સમ્યગ્દર્શનાદિ ભાવરૂપે પરિણમશે.

PDF/HTML Page 12 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૯ :
આ....નં....દ....નો દિ....વ....સ
(શ્રાવણ વદ બીજના વિશિષ્ટ આનંદકારી પ્રવચનમાંથી વીણેલા એકાવન મોતી)
૧. આત્મા જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વરૂપ છે; તેની સમ્યગ્દર્શનાદિ
પરિણતિ તો સંવર–નિર્જરા–મોક્ષનું જ કારણ છે.
૨. વિકલ્પરૂપ જે વ્યવહાર છે, તે ખરેખર આશ્રય કરવા યોગ્ય નથી;
તે પોતે પરાશ્રિત છે.
૩. નિશ્ચયમોક્ષમાર્ગ સ્વાશ્રિત છે; ને તેનાથી જ બંધન છેદાય છે.
૪. સ્વાશ્રિત ભાવને મોક્ષમાર્ગ કહેવો તે ભૂતાર્થ મોક્ષમાર્ગ છે,
ખરેખરો મોક્ષમાર્ગ છે.
૫. પરાશ્રિત જે ભાવો છે તે અભૂતાર્થ છે, તે ખરેખર મોક્ષમાર્ગ નથી.
૬. જ્ઞાની ધર્માત્મા સ્વ–પરને ભિન્ન જાણીને સ્વાશ્રયે મોક્ષમાર્ગ સાધે છે.
૭. મોક્ષમાર્ગને પરનો આશ્રય જરાપણ નથી; પરથી તે અત્યંત
નિરપેક્ષ છે.
૮. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણેય રત્નત્રય, અત્યંત સ્વાશ્રિત
છે, ને પરથી અત્યંત નિરપેક્ષ છે. આવા રત્નત્રય તે ધર્મીનું
કર્તવ્ય છે.
૯. તે નિર્મળ રત્નત્રયપર્યાયના ષટ્કારક આત્મામાં જ છે; આત્મા જ
પોતાની શક્તિથી ષટ્કારક રૂપ થઈને, રત્નત્રયરૂપ પરિણમે છે.
૧૦. અશુદ્ધતાના પણ ષટ્કારક આત્મામાં છે,–પણ તે ક્ષણિકપર્યાય
પૂરતા જ છે; તેનું કર્તૃત્વ પરમાર્થે ધર્મીને નથી.
૧૧. બીજી સૂક્ષ્મ વાત અહીં એ છે કે જે પરાશ્રિત વ્યવહાર છે તે
વ્યવહારને પણ નિશ્ચયનું કારકપણું નથી, સાધનપણું ખરેખર નથી.
૧૨. પર્યાયમાં જે અભેદ સાધન–સાધ્ય કહેવાય તેમાં પણ સજાતિય
સાધન–સાધ્ય છે, સાધન અને સાધ્ય એક જાતના છે.

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો :
૧૩. શુદ્ધતાનું સાધન પણ શુદ્ધ જ હોય. અશુદ્ધતા સાધન થઈને
શુદ્ધતાને સાધે એમ ખરેખર બનતું નથી.
૧૪. ખરેખર તો જે શુદ્ધરત્નત્રયપર્યાય થઈ તે રૂપે પરિણમેલો આત્મા
જ તેનો કર્તા છે. પર્યાયનો ભેદ પાડીને પૂર્વપર્યાયને
(–શુદ્ધપર્યાયને) સાધન કહેવું તેમાં પણ ભેદરૂપ વ્યવહાર છે.
પણ બંનેની જાત એક છે, તેથી અભેદ સાધન–સાધ્ય કહેવાય.
૧૫. આમાં રાગની કે પરના સાધનની તો વાત ક્યાં રહી? એકલા
સ્વદ્રવ્યનું અભેદ અવલંબન તે જ સાધ્યની સિદ્ધિનો ઉપાય છે; એ જ
સાધન છે, બીજું કોઈ ભિન્ન સાધન મોક્ષને સાધવા માટે નથી.
૧૬. ધર્માત્માને સ્વાશ્રયે જેટલો રત્નત્રયભાવ પ્રગટ્યો તેટલું
શુદ્ધસાધન છે.
૧૭. ધર્માત્મા પોતાના જ સાધનદ્વારા અંતરમાં પોતાનું અવલોકન કરે છે.
૧૮. શુદ્ધાત્મામાં પ્રવૃત્તિરૂપ જે ચારિત્ર તે નિશ્ચયમોક્ષમાર્ગ છે.
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન તો તેના પેટામાં સમાઈ જ ગયા.
૧૯. સમ્યગ્દર્શન ઉપરાંત ચૈતન્યના આનંદમાં મશગૂલ થઈ જવું તે
મોક્ષમાર્ગ છે.–ત્યાં એવોય વિકલ્પ નથી કે હું આનંદમાં મશગૂલ થાઉં.
૨૦. છઠ્ઠાગુણસ્થાનેય નિશ્ચય સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન તો વર્તે જ
છે; પણ શુદ્ધોપયોગી ચારિત્ર નથી–તે અપેક્ષાએ ત્યાં હજી
વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય; ને જ્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગી
થઈને પરિણમે ત્યારે રત્નત્રયની અભેદતા ગણીને ત્યાં
નિશ્ચયમોક્ષમાર્ગ કહ્યો.
૨૧. નિશ્ચયસમ્યગ્દર્શનની શરૂઆત તો ચોથાગુણસ્થાનથી જ થઈ ગઈ છે;
ત્યાં કાંઈ એકલો વ્યવહાર નથી. એકલા વ્યવહારથી કાંઈ મોક્ષમાર્ગ
હોતો નથી. નિશ્ચયનો અંશ હોય ત્યાંજ મોક્ષમાર્ગ શરૂ થાય છે.
૨૨. ચૈતન્યમૂર્તિ આત્મા સુખથી ભરેલો છે; તેને સુખના અભાવનું
કારણ સ્વભાવનો પ્રતિઘાત છે.
૨૩. ચૈતન્યનો સ્વભાવ જ્યાં પૂરો ખીલી જાય ત્યાં પૂરું સુખ પ્ર્રગટી જાય છે.
૨૪. ચૈતન્યમાં આનંદના અનુભવનો જ્યાં અભાવ છે ત્યાં તેને
જ્ઞાનદર્શન સ્વભાવમાં પ્રતિકૂળતાનો સદ્ભાવ છે, આવરણ છે.

PDF/HTML Page 14 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧૧ :
૨૫. અને જ્યાં ચૈતન્યનો આનંદ નિર્વિઘ્નપણે ખીલી જાય છે ત્યાં
સામે પ્રતિકૂળતાનો અભાવ છે, આવરણનો નાશ છે.
૨૬. જ્ઞાન–દર્શનપર્યાયરૂપે આત્મા સ્વયમેવ પરિણમે છે, કાંઈ જ્ઞેયોને
અવલંબીને તે નથી પરિણમતો... પછી કેવળજ્ઞાન હો, મતિજ્ઞાન
હો કે ચક્ષુદર્શન હો.
૨૭. અહીં તો જ્ઞાનદર્શનસ્વભાવને અને સુખને અવિનાભાવપણું
બતાવ્યું. જે સર્વને જાણે–દેખે છે તેને જ સંપૂર્ણ સુખ છે.
૨૮. જે સર્વને જાણતો–દેખતો નથી તેને જ્ઞાનદર્શનસ્વભાવ પૂરો
ઊઘડ્યો નથી ને તેને પૂર્ણાનંદનો અનુભવ નથી.
૨૯. આત્માનો જ્ઞાનસ્વભાવ હોવા છતાં તેણે પૂરું કેમ ન જાણ્યું? –તે
એમ સૂચવે છે કે તેને કંઈક પ્રતિકૂળતા છે.
૩૦. એ પ્રતિકૂળતા કાંઈ બહારની નથી, પણ જ્ઞાનદર્શનનો ઉપયોગ
કોઈક ક્ષેત્રમાં અટકી ગયો એટલે કે વિષયપ્રતિબદ્ધતા થઈ તે જ
પ્રતિકૂળતા છે, તે જ પ્રતિબંધ છે.
૩૧. જ્ઞાનસ્વભાવમાં પૂર્ણ સામર્થ્ય છે ને કાર્ય પૂરું નથી આવતું તો તે
જ્ઞાન ક્યાંક જાણવામાં અટકેલું છે. ને જ્ઞાન વિષયોમાં અટક્યું
ત્યાં પૂરું સુખ પણ નથી.
૩૨. કારણ જેવું હોય તેવું જ કાર્ય હોવું જોઈએ; ન હોય તો તેમાં
કાંઈક પ્રતિબંધ અને દુઃખ છે.
૩૩. ધર્માત્મા સ્વાશ્રયે પૂર્ણસ્વભાવની પ્રતીત કરીને, અંતરમાં ઢળતો
પૂર્ણતાને સાધતો જાય છે, ને પરાશ્રયરૂપ પ્રતિબંધને તોડતો
જાય છે. જ્ઞાનદર્શનનો પ્રતિબંધ તૂટતાં આનંદની પૂર્ણતા થાય છે.
૩૪. પહેલાંં અલ્પજ્ઞદશામાંય ધર્મીએ રાગનો ને અલ્પતાનો આશ્રય
છોડીને પૂર્ણ–અંશે સ્વભાવના આશ્રયે પૂર્ણતાની પ્રતીત કરી છે.
૩૫. ધર્માત્માને અંતરમાં ચૈતન્યસૂર્ય ઝબકી ઊઠ્યો છે.
૩૬. અજ્ઞાનીને એકલું દુઃખ છે; પરમાત્માને પૂરું સુખ છે; ને
સાધકધર્માત્માને અમુક સ્વાધીન અતીન્દ્રિયસુખ પ્રગટ્યું છે,–ને
તે પૂર્ણતાને સાધી રહ્યા છે.
૩૭. જુઓ, સુખનું કારણ બાહ્યવિષયો તો નહિ, પણ જ્ઞાનનું
અંતર્મુખપરિણમન તે જ સુખનું કારણ છે.

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૨: આત્મધર્મ : ભાદરવો:
૩૮. સમ્યગ્દ્રષ્ટિએ પોતાના પરમેશ્વરપદને અંતરમાં દેખ્યું છે, ને તેને
પર્યાયમાં પ્રભુતા ખીલ્યા વગર રહેતી નથી.
૩૯. અંતરમાં પ્રભુતાને દેખી ને પર્યાયમાં પ્રભુતા ન પ્રગટે એમ બને નહિ.
૪૦. આજનો દિવસ પ્રભુતા પ્રગટ કરવા માટેનો છે. આજે તો
આનંદનો દિવસ છે. આજના દિવસની વિશેષતા છે....(અહીં
ગુરુદેવે જે આનંદકારી વાત કરી તેથી સભામાં હર્ષાનંદનું
વાતાવરણ છવાઈ ગયું હતું.)
૪૧. જ્ઞાનીને પુણ્યની સામગ્રીમાં પ્રીતિ નથી, ને પ્રતિકૂળ સામગ્રીમાં ભય
નથી. પરદ્રવ્યો જુદા છે ને પરભાવો હેય છે, જ્ઞાનીને તેમાં રુચિ નથી.
૪૨. ધર્માત્માને લગની લાગી છે–જ્ઞાયકસ્વભાવ પ્રત્યે.
૪૩. જ્ઞાનીને કદાચ બહારમાં ચક્રવર્તીરાજનો સંયોગ હોય ને
અજ્ઞાનીને કદાચ બહારમાં કાંઈ પરિગ્રહ ન દેખાય, તોપણ
અંતરમાં અજ્ઞાનીને પરિગ્રહનો પ્રેમ છે, ને જ્ઞાનીને પરિગ્રહની
પ્રીતિ છૂટી ગઈ છે–કેમકે તેમાં સ્વપ્નેય પોતાનું ભોકતૃત્વ
ભાસતું નથી, તેમાં ક્્યાંય સુખબુદ્ધિ નથી. ભોકતૃત્વ તો
સ્વભાવના આનંદનું જ છે.
૪૪. જ્ઞાની જાણે છે કે આનંદનું ઝરણું મારા આત્મામાં વહે છે. એ
આનંદના ઝરણામાં કોઈ મલિનતા નથી, પરભાવ નથી.
૪૫. જ્ઞાની ધર્માત્માને દેવ–ગુરુની અપૂર્વ ઓળખાણ થઈ છે તેથી
ભક્તિ–વિનયના ભાવો પણ તેને અપૂર્વ હોય છે. છતાં તેમાં જે
રાગાંશ છે તે રાગની મહત્તા ચૈતન્ય પાસે ભાસતી નથી.
૪૬. ભગવાન આત્મા તો ચૈતન્યરસથી ભરપૂર છે, તેને ચૂસતાં
(અનુભવતાં) આનંદનો સ્વાદ આવે છે.
૪૭. ધર્માત્મા વિકારને ચૂસતા નથી, તેનો સ્વાદ લેતા નથી, પણ
જ્ઞાનવડે ચૈતન્યના આનંદ રસને જ તે ચૂસે છે.
૪૮. આનંદને અને રાગને એકમેકપણું કદી નથી. આનંદને અને
જ્ઞાનને એક મેકપણું છે.
૪૯. ભગવાન આત્મા આનંદની મૂર્તિ, અને રાગ તો આકુળતાની
મૂર્તિ; તો જેણે અંતર્મુખ થઈને આનંદનો સ્વાદ ચાખ્યો તે
રાગના સ્વાદનો ભોક્તા કેમ થાય?

PDF/HTML Page 16 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧૩ :
૫૦. જ્ઞાનીને જેમ જગતની પ્રતિકૂળતાનો ભય નથી તેમ જગતની
અનુકૂળતાની પ્રીતિ પણ નથી. જગતના પદાર્થોની સાથે જ્યાં
કર્તાભોક્તાપણાનો અભાવ છે ત્યાં તેમાં ઈષ્ટઅનિષ્ટપણું ક્યાં
રહ્યું? ને જ્યાં ઈષ્ટઅનિષ્ટપણું નથી ત્યાં રાગદ્વેષ પણ ક્યાં રહ્યા?
એટલે જ્ઞાનીને રાગદ્વેષનું કર્તૃત્વ પણ જ્ઞાનમાંથી નીકળી ગયું છે.
૫૧. ચૈતન્યરસનો રસગુલ્લો તો આત્મા છે. ભગવાન્! દૂધપાકમાં ને
રસગુલ્લામાં તારો સ્વાદ નથી, તારો સ્વાદ ને આનંદ તો તારા
ચૈતન્યરસમાં ભરેલા છે. એ ચૈતન્યનું લક્ષ કરાવીને જ્ઞાની તને
તારા ચૈતન્યના દૂધપાક ને ચૈતન્યના રસગુલ્લા જમાડે છે....
તેનો સ્વાદ લે. એના સ્વાદમાં અપૂર્વ આનંદ છે.
એવા આનંદાનુભવી સંતોને નમસ્કાર
જિનવચનને ગ્રહીને
શુદ્ધરત્નત્રયરૂપ આત્મસ્વભાવ તે શીલ છે; એવા શીલની આરાધનાવડે
સિદ્ધાલયની પ્રાપ્તિ થાય છે. જે ધીર મહાત્માઓ આવા શીલના ધારક છે તેમનો જન્મ
ધન્ય છે. આવા શીલધર્મની પ્રાપ્તિ જિનવચનથી થાય છે. ભગવંતકુંદકુંદસ્વામી
શીલપ્રાભૃતમાં કહે છે કે–
जिनवचनगृहीतसारा विषयविरक्ताः तपोधना धीरा।
शीलसलिलेन स्नाताः ते सिद्धालयसुखं यांति।।३८।।
જિનવચનવડે જેણે સારને ગ્રહણ કર્યો છે અર્થાત્ જેણે જિનવચનના સારને
ગ્રહણ કર્યો છે,–સાર શું?–કે શુદ્ધ આત્મા અથવા શુદ્ધ રત્નત્રય તે જ જિનવચનનો સાર
છે; એવો સાર જેણે ગ્રહણ કર્યો છે, અને તેનું ગ્રહણ કરીને વિષયોથી વિરક્ત થયા છે,
એવા ધીર તપોધન–કે જેઓ શીલરૂપી પવિત્ર જળવડે સ્નાન કરીને વિશુદ્ધ થયા છે તેઓ
સિદ્ધાલય–સુખને પામે છે.
જુઓ, આ જિનવચનના ગ્રહણનું ફળ! જિનવચન શુદ્ધાત્માનું ગ્રહણ કરાવે છે
ને વિષયોથી વિરક્તિ કરાવે છે. સ્વ સન્મુખ થઈને જેણે શ્રદ્ધામાં, જ્ઞાનમાં ને ચારિત્રમાં
શુદ્ધ આત્માનું ગ્રહણ કર્યું તેણે જિનવચનના સારનું ગ્રહણ કર્યું. જિનવચનના જ્ઞાન વગર
સત્ય સાર હાથમાં આવે નહિ. પોતાના નિજસ્વરૂપની પ્રાપ્તિ તે જિનવચનનો સાર છે, તે
જ શીલ, આરાધના અને મોક્ષમાર્ગ છે, એના વગરનું બધુંય નિસ્સાર છે. આ પ્રકારે
જિનવચનનો સાર જે ગ્રહણ કરે છે તે સિદ્ધાલયના સુખને પામે છે. (પ્રવચનમાંથી)

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો :
સ્વભાવના વેદનમાં પરભાવના વેદનની અશક્યતા
જ્ઞાનીધર્માત્મા વિકારને નિજભાવપણે વેદે એ અશક્ય છે.
જેમ આર્યસજ્જનને અભક્ષ્યનું ભક્ષણ અશક્ય છે, જેમ
બ્રહ્મચારીપુરુષને વેશ્યાનો સંગ અશક્ય છે, જેમ સતીસ્ત્રીને
પરપુરુષનો સંગ અશક્ય છે તેમ ભેદજ્ઞાની ધર્માત્માને
એકત્વબુદ્ધિથી પરભાવનો સંગ તે પણ અશક્ય છે; તે તો અસંગ
એકત્વસ્વભાવની ભાવનામાં રત છે ને જગતથી ઉદાસીન છે.
(સમયસાર–સર્વવિશુદ્ધ જ્ઞાનઅધિકાર ઉપરના પ્રવચનમાંથી: ભાદ્રમાસ)
જ્ઞાનીની વિચિક્ષણતા
આત્મા ચૈતન્યસ્વભાવી પવિત્ર વસ્તુ છે, તે શરીરાદિ પરદ્રવ્યથી પૃથક છે. પરની
પૃથકતા છે, વિભાવોની વિપરીતતા છે, ને સ્વભાવનું અપાર સામર્થ્ય છે. આવા
આત્માને જે જાણે છે તે જ વિચિક્ષણ જ્ઞાની છે. આ સિવાય જગતની બીજી વિચિક્ષણતા
ન આવડે કે આવડે તેની વાત અહીં નથી. જગતની વિચિક્ષણતા ને ડહાપણ કાંઈ
આત્માને જાણવામાં કામ નથી આવતું; ને જગતની બહારની વિચિક્ષણતા ન હોય તેથી
કાંઈ આત્માને જાણવાનું કામ અટકતું નથી. જીવને પોતાના અસ્તિત્વનો સ્વીકાર યથાર્થ
આવવો જોઈએ. પોતાનું અસ્તિત્વ વિકારમાં જ માને કે પરમાં પોતાનું અસ્તિત્વ માને–
તો તેની બુદ્ધિ વિચિક્ષણ નથી પણ સ્થૂળ છે–મિથ્યા છે. ચૈતન્યને જગતથી જુદો
જાણનારા જ્ઞાની જ સૂક્ષ્મબુદ્ધિવંત વિચિક્ષણ છે. જ્ઞાનીની અપૂર્વ વિચિક્ષણતાને અજ્ઞાની
ઓળખી શકતો નથી.
જ્ઞાનીને પરભાવના વેદનની અશક્યતા
જ્ઞાનદર્શનથી ભરેલો આનંદસ્વભાવ જ્યાં અનુભવમાં આવ્યો ત્યાં પરિણતિ
વિકારથી જુદી પડી; હવે તે જ્ઞાની વિકલ્પને સ્વભાવમાં અપનાવતો નથી. તે વિકલ્પને
નિજસ્વભાવથી વિપરીત સમજે છે, એટલે તે વિકારને એ જ્ઞાની નિજભાવપણે વેદે–એ
વાત અશક્ય છે. જેમ આર્ય સજ્જનને માંસનો આહાર એ અશક્ય છે, તેમ સ્વભાવને
માટે અભક્ષ્ય એવા જે પરભાવો–તેને નિજસ્વભાવપણે જ્ઞાની વેદે એ વસ્તુ અશક્ય છે.
માંસનો પિંડલો એવું જે આ શરીર તેને જે પોતાનું માને છે તેને પરમાર્થમાં માસભક્ષણ
સમાન ગણ્યું છે. જેમ બ્રહ્મચારી પુરુષને વેશ્યાનો સંગ અશક્ય છે, જેમ સતસ્ત્રીને
પરપુરુષનો સંગ અશક્ય છે, તેમ સંતધર્માત્માને એકત્વબુદ્ધિથી પરભાવોનો સંગ તે પણ
અશક્ય છે. હું જ્ઞાનભાવ તે, જ્ઞાનભાવમાં મને પરભાવોનું કર્તૃત્વ કે ભોકતૃત્વ નથી.

PDF/HTML Page 18 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧૫ :
અજ્ઞાની વિકારને જ વેદે છે
ભગવાન આત્મા તો ચૈતન્યભાવથી ભરેલો સારભૂત પદાર્થ છે, પવિત્ર અને
સુંદર છે, ને વિકારી પરભાવો તો અશુદ્ધ–મલિન ને અસાર છે.–આમ જાણતા થકા જ્ઞાની
નિજસ્વભાવમાં નીરત–લીન થાય છે ને વિભાવોથી તે વિરત થાય છે, વિરમે છે. જ્યારે
અજ્ઞાની તો નિજસ્વભાવને ભૂલીને પ્રકૃતિના સ્વભાવમાં એટલે સંયોગમાં ને રાગાદિ
પરભાવોમાં જ લીનપણે આત્મબુદ્ધિથી વર્તે છે. તેથી તે મિથ્યાદ્રષ્ટિ સદાય વિકારનો જ
વેદ્રક છે. સ્વભાવના આનંદનું વેદન તેને નથી.
રાગાદિ ભાવો છે તે સ્વભાવની અંતરની વસ્તુ નથી પણ આગંતૂક ભાવો છે, તે
ક્ષણમાં ચાલ્યા જાય છે. તેના મૂળીયા સ્વભાવમાં ઊંડાં નથી. પણ અજ્ઞાની એ વિકારના
વેદનમાં એકાકાર વર્તતો થકો, જાણે કે હું પરને વેદું છું–દેહની વેદના વેદું છું–એમ માને
છે, અને કદાચ મંદરાગથી સહન કરે તો જાણે કે હું આ દેહાદિની વેદનાને સહન કરું છું–
એમ માને છે, જ્ઞાની તો જાણે છે કે બહારના સંયોગો મને સ્પર્શતા જ નથી, પછી તેનું
વેદન મને કેવું?
સિદ્ધ ભગવંતોની પંક્તિમાં
અમૃતસ્વાદથી છલોછલ ભરેલો ચૈતન્યકળશ હું છું–એવા ચૈતન્યમહિમાની મહત્તા
પાસે જ્ઞાનીને જગતમાં બીજા કોઈની મહત્તા આવતી નથી. જેવું સિદ્ધભગવંતનું સમકિત,
એવું જ ચોથા ગુણસ્થાનવર્તી જીવનું સમકિત, સ્વભાવની પ્રતીતમાં બંનેને કાંઈ ફેર
નથી. જેવો સ્વભાવ સિદ્ધપ્રભુની પ્રતીતમાં છે તેવો જ સ્વભાવ ચોથા ગુણસ્થાનીને
પ્રતીતમાં છે, તેમાં રંચમાત્ર ફેર નથી.–અહા, સાધક નિજસ્વભાવની પ્રતીતના જોરે
સિદ્ધભગવંતોની પંક્તિમાં બેઠો છે, પ્રતીતમાં પૂર્ણચૈતન્યસ્વભાવને સ્થાપીને એ
સિદ્ધપદને સાધી રહ્યો છે.
ચૈતન્યમહેલમાં વસે છે–જ્ઞાની
ભાઈ, બહારના બંગલામાંથી તો તારે બહાર નીકળવું પડશે; તું અંદરના
ચૈતન્ય–બંગલામાં પ્રવેશ કર–તે તારું અવિનાશી વિશ્રામસ્થાન છે. ચૈતન્યરસથી
ભરપૂર આત્મા જ ધર્મીનું રહેઠાણ છે, તેના સ્વાદનો અનુભવ એ જ ધર્મીનો ખોરાક
છે. આચાર્યદેવ કહે છે કે હે નિપુણ પુરુષો! જ્ઞાનમાં વિકારનું વેદન નથી–એમ નક્કી
કરીને તમે અજ્ઞાનીપણાને છોડો, વિકારના વેદનને છોડો ને શુદ્ધ જ્ઞાનના વેદનમાં
ઉપયોગને જોડો. એ જ

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદરવો :
ચારે અનુયોગનું તાત્પર્ય છે. જ્ઞાની ચૈતન્યમહેલમાં પ્રવેશીને નિજાનંદને વેદે છે.
અજ્ઞાની ચૈતન્યસ્વરૂપ નિજઘરને ભૂલીને બહાર પરભાવોમાં ભટકે છે ને દુઃખને વેદે છે.
શુદ્ધાત્મભાવરૂપ ભાવશ્રુત
શાસ્ત્રો જ્ઞાનસ્વભાવમાં એકતા કરવાનું કહે છે ને રાગમાં એકતા છોડવાનું કહે
છે, ભાવશ્રુતવડે શુદ્ધચૈતન્યનું વેદન કરવું ને વિકારનું વેદન છોડવું.–આવું દર્શાવનારા
દ્રવ્યશ્રુત તે જ સાચા દ્રવ્યશ્રુત છે; કોઈ જીવ આવા દ્રવ્યશ્રુતને તો ભણે, ‘શાસ્ત્રો આમ
કરવાનું કહે છે’ એમ તો જાણે, પરંતુ પોતે ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમીને શુદ્ધાત્માનું
સંચેતન ન કરે, અનુભવ ન કરે તો શુદ્ધાત્મજ્ઞાનના અભાવથી તે અજ્ઞાની જ છે, ને
અજ્ઞાનથી તે વિકારનો કર્તા–ભોક્તા જ છે. જ્ઞાનીને શુદ્ધાત્મજ્ઞાનરૂપ ભાવશ્રુત પ્રગટ્યું
છે, ને તેથી તેને સમસ્ત કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવ વર્તે છે, માટે તે કર્મફળનો
અભોક્તા જ છે. ભાવશ્રુતજ્ઞાનમાં એવી યોગ્યતા નથી કે વિકારને વેદે. જેમ
વિકારભાવમાં એવી યોગ્યતા નથી કે તે મોક્ષનું કારણ થાય; તેમ જ્ઞાનીના ભાવશ્રુતમાં
એવી યોગ્યતા નથી કે તે વિકારનું વેદન કરે.
મોક્ષનું સાધક ભાવશ્રુત
શુદ્ધાત્મજ્ઞાનને અહીં ભાવશ્રુત કહ્યું, તેમાં મોક્ષમાર્ગ સમાય છે; સમ્યગ્દર્શન–
સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર એ ત્રણેય શુદ્ધાત્માના અનુભવરૂપ ભાવશ્રુતમાં આવી જાય
છે.–આવું ભાવશ્રુત તે મોક્ષનું સાધક છે. આવું ભાવશ્રુત તે શુદ્ધાત્માના આશ્રયે છે;
જેટલો સ્વાશ્રયભાવ છે તેટલું જ મોક્ષનું કારણ છે; જરાપણ પરાશ્રયભાવ તે મોક્ષનું
કારણ નથી.
સમ્યગ્દર્શનમાં જ્ઞાનીનો ઉપકાર
સમ્યગ્દર્શન પામવાની જેની યોગ્યતા છે તેને સાક્ષાત જ્ઞાનીનો આત્મા અને
તેમની વાણી તે નિમિત્ત છે. સમ્યગ્દર્શન તો પોતે ભાવશ્રુતરૂપે પરિણમીને શુદ્ધાત્માનો
અનુભવ કરે ત્યારે થાય છે, પણ તેમાં નિમિત્તની પણ એ વિશેષતા છે કે નિમિત્તરૂપે
પણ ભાવશ્રુતરૂપે પરિણમેલા આત્માની જ દેશના હોય. આ રીતે જ્ઞાનીના ભાવશ્રુતની
ઓળખાણ તે ભાવશ્રુતનું કારણ છે. આવા ભાવશ્રુત વગરનું તો બધુંય ભારરૂપ છે.
શાંતિનું વેદન ક્યારે?
જ્ઞાનના વેદનમાં જ શાંતિ છે; દુનિયાની આકુળતાના વિકલ્પો ઓછા થાય ને
રાગની

PDF/HTML Page 20 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧૭ :
જરીક મંદતા થાય ત્યાં તે મંદરાગના વેદનમાં (સાતાના વેદનમાં) એકાકાર
થઈને તેને અજ્ઞાની શાંતિનું વેદન માને છે, પણ એ કાંઈ શાંતિ નથી, એ તો રાગનું જ
વેદન છે. રાગ પોતે આકુળતારૂપ–અશાંત છે, તો તેના વેદનમાં શાંતિ કેવી? રાગથી
જુદો પડીને જ્ઞાનના વેદનમાં આવે તો જ શાંતિનું વેદન થાય. રાગથી ભિન્નતાનું ભાન
પણ જેને નથી તેને શાંતિનું વેદન કેવું? ભેદજ્ઞાન કરીને રાગથી ભિન્ન જ્ઞાનમાં ઉપયોગને
જોડે તો જ સ્વભાવની અતીન્દ્રિય અપૂર્વ શાંતિનું વેદન થાય.




અશુદ્ધિ
આત્મધર્મ અંક ૨૫૦ માં જે ૧૦૧ પ્રશ્નના ઉત્તરો આપ્યા છે તેમાં નીચે મુજબ
અશુદ્ધિ રહી ગઈ છે તે સુધારવા વિનંતિ છે–
* ઉત્તર (૪૦) માં પારિણામિકભાવ પ્રેસની ભૂલથી છપાઈ ગયેલ છે.
અનાદિશાંતભાવો બે જ છે–ઉદયભાવ અને ક્ષયોપશમભાવ.
* ઉત્તર (૮૫) માં ગણધરદેવને પાંચે ભાવો હોઈ શકે એમ લખેલ છે, તે
સંબંધમાં રાત્રિચર્ચામાં ગુરુદેવે કહ્યું કે ગણધરદેવ ઉત્કૃષ્ટ ઋદ્ધિઓના સ્વામી છે, તેમને
ઉપશમશ્રેણી ન હોય પણ ક્ષપકશ્રેણી જ હોય. (આ સંબંધી વિશેષ શાસ્ત્રાધાર મળશે તો
હવે પછી આપીશું.)
* ઉત્તર નં. (૧૨) માં બધા છદ્મસ્થ જીવોને ઉદય અને ક્ષયોપશમ લખેલ છે,
તેમાં જરા વધુ સ્પષ્ટતા આ પ્રમાણે છે: બધા છદ્મસ્થ જીવોને ક્ષયોપશમભાવ હોય છે ને
છદ્મસ્થ સિવાયના જીવોને તે ભાવ હોતો નથી, એ વિવક્ષાના લક્ષે આ પ્રશ્ન લખાયો
હતો. ક્ષયોપશમ ઉપરાંત ઉદય અને પારિણામિકભાવ પણ જો કે બધા છદ્મસ્થ જીવોને
હોય છે, પરંતુ છદ્મસ્થ સિવાયના બીજા જીવોને પણ તે ભાવો હોય છે.
(ઉપરોક્ત ચર્ચાઓ પ્રત્યે ધ્યાન ખેંચનાર વડીલ સાધર્મીઓનો ‘આત્મધર્મ’
આભાર માને છે.)