Atmadharma magazine - Ank 256
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૫૬
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
તંત્રી : જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૨ : અંક ૪ : વીર સં. ૨૪૯૧ માહ
_________________________________________________________________
ગુણનો સ્વભાવ
ગુણનો સ્વભાવ ગુણરૂપ રહેવાનો છે,
ગુણનો સ્વભાવ દોષરૂપ થવાનો નથી. જ્ઞાનગુણનો
સ્વભાવ જ્ઞાનરૂપ રહેવાનો છે. અજ્ઞાનરૂપ થવાનો
એનો સ્વભાવ નથી; સુખનો સ્વભાવ સુખરૂપ
રહેવાનો છે. દુઃખરૂપ થવાનો એનો સ્વભાવ નથી,
પ્રભુત્વનો સ્વભાવ પ્રભુતારૂપ રહેવાનો છે, પામર
થવાનો પ્રભુત્વનો સ્વભાવ નથી.–એમ આત્માના
દરેક ગુણનો સ્વભાવ ગુણરૂપ–શુદ્ધતારૂપ થવાનો
છે. પણ દોષ કે અશુદ્ધતારૂપ થવાનો કોઈ ગુણનો
સ્વભાવ નથી. એટલે મલિનતા–વિકાર કે દોષ : તે
ખરેખર આત્માના ગુણનું કાર્ય નથી તેથી તેને
ખરેખર આત્મા કહેતા નથી. સ્વશક્તિસન્મુખ
થઈને નિર્મળ ભાવરૂપ પરિણમ્યો તે જ ખરેખર
આત્મા છે.
૨પ૬

PDF/HTML Page 3 of 29
single page version

background image
અત્યંત સ્પષ્ટપણે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરીને, તેનું જ સેવન કરવાની
મોક્ષાર્થીને ભલામણ કરતાં શ્રી અમૃતચંદ્રસ્વામી સમયસારમાં કહે છે કે–
सिद्धान्तोऽयमुदारचित्तचरितैर्मोक्षार्थिमिः सेव्यताम्
शुद्धंश्चिन्मयमेकमेवपरमं ज्योतिसदैवास्म्यहं।
एतेयेतु समुल्लसंति विविधाः भावाः पृथग्लक्षणाः
तेहं नास्मि यतोत्र ते मम परद्रव्यं समग्रा अपि।।
જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત (ઊજ્જવળ) છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું
સેવન કરો કે–
હું તો શુદ્ધ ચેતન્યમય પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા
વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણકે તે બધાય મને પરદ્રવ્ય છે.
સર્વથા ચિદ્ભાવ જ એક ગ્રહણ કરવા યોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવા
યોગ્ય છે–એવો સિદ્ધાંત છે.
આવા સિદ્ધાંતનું સેવન કરનાર સિદ્ધ થાય છે.
– એક સિદ્ધાંત –
મોક્ષમાર્ગને માટે આ એક સિદ્ધાંત છે કે, મોક્ષમાર્ગ આત્માના આશ્રયે છે; એટલે
આત્મારૂપ જે ભાવ થયો હોય તે જ ભાવ મોક્ષમાર્ગ છે. હવે આત્માનો સ્વભાવ શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર છે, તે સ્વભાવરૂપ થયેલો ભાવ (એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
થયેલો નિર્મળ ભાવ) તે જ મોક્ષમાર્ગ છે; પણ તેનાથી વિરૂદ્ધભાવો તે મોક્ષમાર્ગ નથી.
જેમ મિથ્યાત્વ તે માર્ગ નથી. અજ્ઞાન તે માર્ગ નથી, તેમ રાગ તે પણ માર્ગ નથી, કેમકે
તે ભાવો આત્માના સ્વભાવરૂપ નથી. તે ખરેખર આત્મારૂપ નથી પણ અનાત્મારૂપ છે.
આત્માના સ્વભાવ સાથે જેની જાત મળે નહિ તે મોક્ષમાર્ગ કેમ કહેવાય? આત્માને
સાધનારા પરિણામ આત્મારૂપ હોય; અનાત્મારૂપ ન હોય. આ રીતે મોક્ષમાર્ગમાં શુદ્ધ
આત્મા જ ઉપાદેય છે, શુદ્ધ આત્માને ઉપાદેય કરનાર જ મોક્ષમાર્ગને સાધે છે, બીજા કોઈ
મોક્ષને સાધતા નથી. રાગનો આદર કરનાર કદી મોક્ષને સાધી શકતા નથી.–આ રીતે
કયા ભાવથી મોક્ષ સધાય છે એનો આ સિદ્ધાંત બતાવ્યો.
(પરમાત્મપ્રકાશ–પ્રવચનમાંથી)

PDF/HTML Page 4 of 29
single page version

background image
FEB : 1965 : વર્ષ ૨૨ : અંક ચોથો
જેને સ્વભાવનો રંગ લાવ્યો....
જેને સ્વભાવનો રંગ લાગ્યો તેને પરભાવની
વાત રુચે નહીં. વ્યવહારની–નિમિત્તની–રાગની વાત
આવે ત્યાં જેને એમ ઉલ્લાસ આવે કે ‘જુઓ...આ
અમારી વાત આવી?’ તેને કહે છે કે અરે ભાઈ! આ
વ્યવહારની–રાગની–નિમિત્તની એવી પરાશ્રયની વાતો
તને તારી લાગે છે, ને એનો તો તને ઉલ્લાસ આવે છે,
પણ શુદ્ધાત્માની (નિશ્ચયની સ્વાશ્રયની–શુદ્ધ ઉપાદાનની
એવી) વાત આવે તે તને પોતાની કેમ નથી લાગતી?
‘અહો, આ મારા સ્વભાવની વાત આવી!’ એમ એનો
ઉલ્લાસ તને કેમ નથી આવતો?–તને રાગની વાતમાં
ઉત્સાહ આવે છે ને સ્વભાવની વાતમાં ઉત્સાહ આવતો
નથી, તો તે એમ સૂચવે છે કે તને રાગની જ રુચિ છે
પણ સ્વભાવની રુચિ નથી. જેના હૃદયમાં આત્માની
રુચિ ખરેખરી જાગી ને જેને સ્વભાવનો રંગ લાગ્યો તે
જીવને સ્વભાવની વાત જ પોતાની લાગે છે ને રાગની
વાત એને પારકી લાગે છે; શુદ્ધ સ્વભાવ જ એક
પોતાનો લાગે છે ને પર ભાવો તે બધા પારકા લાગે છે;
એટલે સ્વભાવનો જ એને ઉલ્લાસ આવે છે, ને રાગનો
ઉલ્લાસ આવતો નથી. આવો જીવ રાગથી ભિન્ન
શુદ્ધસ્વભાવને અનુભવે જ છે–કેમ કે...એને રંગ લાગ્યો
છે સ્વભાવનો.

PDF/HTML Page 5 of 29
single page version

background image
: ૨ : : મહા :
અચિંત્ય મહિમાવંત
આત્મશક્તિ
અનંતશક્તિથી ભરેલા આત્મદ્રવ્યનો કોઈ
અચિંત્યમહિમા છે; તેની એકેક શક્તિનો પણ અપાર
મહિમા છે. સમયસારના પરિશિષ્ટમાં
અમૃતચંદ્રસ્વામીએ જે ૪૭ શક્તિઓનું અદ્ભુત વર્ણન
કર્યું છે તેના ઉપર હમણાં માગશર–પોષ માસમાં
૧૪મી વખત પ્રવચનો થયા. જ્યારે જ્યારે આ
શક્તિઓ વંચાય ત્યારે ત્યારે ગુરુદેવને નવીન
આહ્લાદ આવે છે, ને શ્રોતાજનો પણ ફરીફરી એના
શ્રવણથી ઉલ્લસિત થાય છે. આ વખતનાં
પ્રવચનોમાંથી દોહન કરીને કેટલોક ભાગ અહીં
આપવામાં આવ્યો છે.
(૧) ૪૭ ઘાતિકર્મોની ઘાતક ૪૭ શક્તિ
અનેકાન્તસ્વરૂપ આત્મા અનંતશક્તિના વૈભવથી પરિપૂર્ણ છે. એની મહત્તા
લાવીને જ્ઞાન જ્યાં અંતર્મુખ થઈને પરિણમ્યું ત્યાં તે જ્ઞાનના નિર્મળ પરિણમનની સાથે
જ બીજી અનંત શક્તિઓ પણ નિર્મળ પરિણમનથી ઉલ્લસે છે; તેનું અલૌકિક વર્ણન
અમૃતચંદ્ર સ્વામીએ ૪૭ શક્તિ બતાવીને કર્યું છે. આ ૪૭ શક્તિઓ ઘાતીકર્મોની ઘાતક
છે. ઘાતિકર્મોની પ્રકૃતિ પણ ૪૭ છે. ૪૭ શક્તિદ્વારા અનંત શક્તિસ્વરૂપ આત્માને જે
ઓળખે તેને ૪૭ ઘાતીકર્મોનો નાશ થઈને કેવળજ્ઞાનાદિ અનંત શક્તિઓ ખીલી જાય.
(પ્રવચનસારમાં નયો પણ ૪૭ છે, ને ઉપાદાન નિમિત્તના દોહા પણ ૪૭ છે.)
(૨) ચૈતન્યજીવન
સૌથી પહેલાં તો જ્ઞાન સાથે જીવત્વ પણ છે. સૌથી પહેલું ચૈતન્યજીવન બતાવ્યું.
જ્ઞાનની સાથે ચૈતન્યપ્રાણ વર્તી રહ્યા છે, આવા પ્રાણને ધારણ કરીને આત્મા જીવી રહ્યો
છે. આવી શક્તિ દરેક આત્મામાં છે. તે શક્તિની પ્રતીત કરતાં પર્યાયમાં તે પ્રગટ
પરિણમે છે એટલે સાચું ચૈતન્યજીવન પ્રગટે છે. ચૈતન્યજીવનને ભૂલીને અનાદિનો જડ
પ્રાણોમાં પોતાનું જીવન માની રહ્યો

PDF/HTML Page 6 of 29
single page version

background image
: મહા : : ૩ :
છે, તેને સમજાવે છે કે ભાઈ, તારું જીવન જડથી નથી, તારું જીવન તો તારા ચૈતન્ય–
પ્રાણથી જ છે.
(૩) નિઃશંક શ્રદ્ધારૂપી વિ–શલ્યા
જેમ ‘વિશલ્યા’ આવતાં વેંત, લક્ષ્મણને લાગેલી રાવણની શક્તિ, ભાગી, ને
લક્ષ્મણજી પોતાની શક્તિસહિત જાગ્યા. તેમ આત્મા અનાદિથી નિજ શક્તિઓને ભૂલ્યો
છે, ને મોહશક્તિથી તે બેભાન બન્યો છે, પણ જ્યાં શલ્યથી વિરહિત એવી નિઃશલ્ય–
નિઃશંક શ્રદ્ધારૂપ સમ્યકત્વશક્તિ જાગી ત્યાં મોહશક્તિઓ ભાગી, ને ચૈતન્યલક્ષી
ભગવાન આત્મા પોતાની અનંત શક્તિઓના સમ્યક્ પરિણમનથી જાગી ઊઠયો. તેની
સામે હવે મોહની શક્તિ ટકી શકે નહિ.
(૪) ચૈતન્યનો દરબાર
આત્માના અંતરમાં મોટો ચૈતન્યદરબાર ભર્યો છે, તેમાં અનંત વૈભવસંપન્ન અનંત
શક્તિઓ શોભી રહી છે. અંતરદ્રષ્ટિના દરવાજે જ્યાં આવા ચૈતન્યદરબારમાં પ્રવેશ્યો ત્યાં
તો અનંતગુણસંપન્ન આત્મપ્રભુના સાક્ષાત્કારથી પરમ આનંદનો અનુભવ થયો. આવો
અનુભવ કરવા માટે હે જીવ! સમ્યક્શ્રદ્ધાની ચિનગારીવડે તારી ચૈતન્યશક્તિને
ચેતાવ....પ્રગટાવ. અને એ પ્રકાશ વડે તારા અંતરમાં ચૈતન્યદરબારને દેખ.
(પ) શક્તિની અસ્તિમાં વિકારની નાસ્તિ
આચાર્યદેવે આ ૪૭ શક્તિઓ અસ્તિથી વર્ણવી છે, તેમાં રાગાદિનું નાસ્તિપણું
તો અનેકાન્તના બળે સ્વયમેવ આવી જાય છે. જેમ માંગલિકમાં नमः समयसाराय કહ્યું
ત્યાં તેના ચાર વિશેષણો અસ્તિરૂપ બતાવ્યા–સ્વાનુભૂતિથી પ્રકાશમાન, ભાવસ્વરૂપ,
ચિત્સ્વભાવ અને અન્ય સર્વે ભાવોને જાણનાર, એમ અસ્તિરૂપ ચાર વિશેષણોથી
સમયસારનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં રાગાદિના અભાવનું કથન કર્યું ન હોવા છતાં તેમાં
તેના અભાવની વાત આવી જ જાય છે. સ્વભાવની અસ્તિ કહી તેમાં પરભાવની નાસ્તિ
આવી જ ગઈ, એવું અનેકાન્તનું બળ છે; તેમ અહીં ૪૭ શક્તિમાં જીવત્વ, જ્ઞાન વગેરે
શક્તિઓ અસ્તિરૂપ વર્ણવી તેમાં રાગાદિનો અભાવ તો આવી જ ગયો. જ્ઞાનાદિ
શક્તિઓ રાગાદિ પરભાવની નાસ્તિપણે જ પ્રકાશે છે. એટલે શક્તિઓની પ્રતીત કરવા
જતાં ભૂતાર્થસ્વભાવનો જ આશ્રય થઈ જાય છે.
(૬) સાચો જીવ
જ્ઞાન–દર્શન–સુખ–સત્તા એ આત્માનું જીવન છે. અજ્ઞાન કે રાગાદિભાવો તે
ખરેખર જીવનું જીવન નથી. જીવ તેને કહ્યો કે પોતાના નિર્મળ જ્ઞાનાદિ ભાવોવડે જે
જીવે. એકલા રાગદ્વેષથી કે જડપ્રાણોથી જીવે તેને જીવ નથી કહેતા, એટલે વ્યવહારજીવને
પરમાર્થે જીવ નથી કહેતાં. પરમાર્થજીવ–સાચો જીવ–શુદ્ધજીવ તેને કહીએ કે જે શુદ્ધ
જીવત્વ વડે જીવે. એટલે સમ્યગ્દર્શન થયું ત્યારથી જ શુદ્ધ જીવન જીવનારો થયો ને એને
જ શુદ્ધજીવ કહ્યો વિકારી ભાવને કે ઈન્દ્રિયવાળો વગેરેને

PDF/HTML Page 7 of 29
single page version

background image
: ૪ : : મહા :
ખરેખર જીવ કહેતા નથી. એ સાચો જીવ નથી, જીવનું સાચું સ્વરૂપ એ નથી. જ્ઞાન–દર્શન–
સુખ–સત્તારૂપ ભાવપ્રાણથી જીવન જીવે તે જ સાચો જીવ છે, તે જ જીવનું સાચું સ્વરૂપ છે.
(૭) ‘શક્તિ’માં ચાર ભાવો છે, ઉદયભાવ નથી
આ જીવત્વ વગેરે શક્તિઓ ત્રિકાળ પરમ પારિણામિકભાવે છે; અને તે
પરમસ્વભાવના આશ્રયે તેની જે નિર્મળ પરિણતિ પ્રગટે તેને ક્ષાયિક ક્ષાયોપશમિક
અથવા ઔપશમિક ભાવ કહેવાય છે. વિકાર ઔદયિકભાવે છે તેને ખરેખર શક્તિની
પર્યાય કહેતા નથી, શક્તિની પર્યાય તેને જ કહીએ છીએ કે શક્તિના અવલંબને જે
નિર્મળરૂપે પરિણમે. જ્ઞાનશક્તિની પર્યાય સમ્યગ્જ્ઞાનને જ કહેવાય, અજ્ઞાનને જ્ઞાન–
શક્તિની પર્યાય કેમ કહેવાય? વિકાર એ કાંઈ શક્તિનું કાર્ય નથી. એટલે શક્તિમાં
સામાન્ય અપેક્ષાએ પારિણામિક ભાવ, અને વિશેષ અપેક્ષાએ ત્રણ નિર્મળભાવો લાગુ પડે
છે, પણ ઉદયભાવ તેમાં લાગુ પડતો નથી.
(૮) કેવળજ્ઞાની જેવો શક્તિસંપન્ન
કેવળજ્ઞાનીપ્રભુને એક સાથે અનંતશક્તિઓ છે, તેમ દરેકેદરેક આત્મામાં
અનંતશક્તિઓ એક સાથે વર્તે જ છે એ શક્તિનું ભાન કરતાં તેનું સમ્યક્પરિણમન
થઈને કેવળજ્ઞાનાદિ પ્રગટે છે.
(૯) ચૈતન્યશક્તિનો રસ આવે તો તેમાં એકાગ્ર થાય
આત્મવસ્તુમાં જ્ઞાન અને અનંતશક્તિઓ છે, તેના વગર આત્માનું સ્વરૂપ સિદ્ધ
ન થાય. જેને ચૈતન્યશક્તિનો રસ આવે ને તેની કિંમત ભાસે તે શક્તિમાન એવા
આત્મસ્વભાવ ઉપર મીટ માંડીને તેમાં એકાગ્ર થાય. જેને જેનો રસ હોય તે તેમાં એકાગ્ર
થાય છે; તેમ જેેને ચૈતન્યશક્તિનો રસ છે તે પોતાની ચૈતન્યશક્તિમાં એકાગ્ર થાય છે;
ને એકાગ્ર થતાં ઉપશમ–ક્ષયોપશમ કે ક્ષાયકભાવ પ્રગટ થાય છે, ને ઉદયભાવ છૂટતો
જાય છે. ચૈતન્યશક્તિઓ પારિણામિકભાવે છે અને તેની નિર્મળ વ્યક્તિઓ ક્ષાયિક
ક્ષાયોપશમિક, કે ઔપશમિકભાવે છે, એમાં ઉદયભાવરૂપ રાગ ન આવે. જડના સંબંધની
તો વાત જ કયાં રહી? રાગાદિભાવો તે શક્તિની જાત નથી પણ શક્તિથી વિરુદ્ધભાવ છે.
(૧૦) અસંખ્યપ્રદેશનો ચૈતન્યરાજા
ચૈતન્યભગવાન અસંખ્યપ્રદેશોનો રાજા છે, પોતાના અસંખ્યપ્રદેશોમાં તે શોભે
છે; અસંખ્ય પ્રદેશો એ એનો સ્વદેશ છે; ને તે સ્વપ્રદેશોમાં અનંતગુણોરૂપી અનંતપ્રજા
પરસ્પર સંપીને સહભાવપણે રહેલ છે. એકેક ગુણ સ્વસામર્થ્ય રૂપ વૈભવથી પરિપૂર્ણ
છે....આવા વૈભવસંપન્ન અસંખ્યપ્રદેશોનો રાજા આ ચૈતન્યરાજા છે. તેનો મહિમા
અચિંત્ય છે. આ રાજા પોતાની સ્વશક્તિમાં રાજે છે–શોભે છે.
(૧૧) ‘‘જ્ઞાન’ કળીમાંથી કેવળજ્ઞાન ખીલે
‘‘જ્ઞાન’’ એટલે જાણવું....જાણવું....જાણવું; એ જાણવામાં વચ્ચે રાગદ્વેષ ન આવે,
એટલે વીતરાગભાગરૂપ જ જ્ઞાન રહે; એ જ્ઞાનમાં શાંતિ–સુખ–આનંદ છે. અસંખ્યપ્રદેશ એ

PDF/HTML Page 8 of 29
single page version

background image
: મહા : : પ :
જ્ઞાનનું ઘર છે, જ્ઞાનના ઘરમાં શરીર–રોગ એ કાંઈ પ્રવેશી જતું નથી. જ્ઞાનભાવે પરિણમે
ને રાગાદિભાવે ન પરિણમે તેને જ જ્ઞાન કહીએ છીએ. રાગ એ કાંઈ જ્ઞાનનું કાર્ય નથી.
જ્ઞાનનું કાર્ય જ્ઞાન જ હોય. કમળની કળીમાંથી કાંઈ લીંબોડી ન ખીલે. તેમ ચૈતન્ય–
કમળની કળીમાંથી તો કેવળજ્ઞાનાદિ ચૈતન્યકમળ જ ખીલે, તે ચૈતન્યકળીમાંથી કાંઈ
રાગાદિ કડવા ભાવ ન ખીલે. એકેક શક્તિ નિજસ્વભાવના સામર્થ્યપણે વર્તી રહી છે,
તેની પ્રતીતમાં સમયસારની પ્રસિદ્ધિ છે. સમયસાર એટલે શુદ્ધાત્મા, તેની પ્રતીત કરતાં
તેની શક્તિઓ નિર્મળપણે વ્યક્ત થાય છે–પ્રસિદ્ધ થાય છે.
(૧૨) જ્ઞાનમાં જ સુખ
‘સુખ’ શક્તિથી ભરપૂર આત્મા છે; તેના જ્ઞાન સાથે સુખ પણ ભેગું જ વર્તે છે.
જ્ઞાનમાં આકુળતા નથી, જ્ઞાન જ્યાં જ્ઞાનરૂપ થયું ત્યાં તે નિરાકુળ થયું, એટલે
નિરાકુળતારૂપ સુખ તેમાં સમાઈ ગયું. આવા જ્ઞાન સાથેના સુખને બદલે કયાંય બીજે
બહારના સાધનમાં સુખ ગોતવા જાય તો તે જીવને આત્મગુણોની પ્રતીત નથી; તેને
એકાંતવાદી પશુ કહ્યો છે. જ્ઞાનમાં સુખ ભેગું જ છે; જ્ઞાનથી ભિન્ન કયાંય બીજે સુખ નથી.
(૧૩) શહેનશાહ ભીખ માગે છે તે શરમ છે!
અરે જીવ! તારી શક્તિઓ તને ન ભાસે, ને તું બહારમાં બીજા પાસે તારા
ગુણોની (સુખ વગેરેની) ભીખ માંગ, એ તો જેમ કોઈ શહેનશાહ ભીખ માંગવા નીકળે
એના જેવી શરમ છે. અરે, તું અનંતી અચિંત્ય શક્તિઓનો શહેનશાહ, સુખ ને જ્ઞાનના
નિધાનથી પરિપૂર્ણ, અને ઈન્દ્રિયવિષયો–લક્ષ્મી વગેરે જડ પાસેથી તું તારું સુખ માંગવા
જા–એ તે કાંઈ તને શોભે છે? અને તું બીજા પાસે સુખ માંગ તેથી કાંઈ કોઈ તને સુખ
આપે છે?–ના; એ તો કહે છે કે તારું સુખ કાંઈ અમે લૂંટી નથી ગયા કે તે તને આપીએ.
જેમ તારું સુખ બીજા પાસે નથી, તારામાં જ છે, તેમ તારો સુખમાર્ગ–તારા દર્શન–જ્ઞાન–
ચારિત્ર પણ બીજા પાસે નથી, તારામાં જ છે; ને તારા આશ્રયે જ તે પ્રગટે છે.
(૧૪) સ્વશક્તિનો વિશ્વાસ કર
રે જીવ! મારામાં મારો આનંદ છે એવો વિશ્વાસ તો કર. તને જગતનો વિશ્વાસ
છે પણ તારો પોતાનો વિશ્વાસ નથી! સંતો પોતે અનુભવીને આત્માની શક્તિઓ બતાવે
છે, તેને તું સ્વાનુભવથી જાણીને પ્રતીતમાં લે, તો તારું પરમાં ભટકવાનું મટી જાય, ને
સ્વશક્તિનું સુખ તને અનુભવમાં આવે.
(૧પ) ‘સુખ’–તેમાં દુઃખનો પ્રવેશ નથી
‘સુખ’ તે આત્માનું પ્રયોજન છે. આત્મામાં સુખશક્તિ હોવાથી આત્મા જ સ્વયં
સુખરૂપ થાય છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર એ ત્રણે સુખરૂપ છે. મોક્ષ અને
મોક્ષમાર્ગ સુખરૂપ છે; આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી
સુખશક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે કયાંયથી તને સુખ નહિ મળે. તારો સ્વભાવ
સુખ છે તેમાં દુઃખ નથી, તારો સ્વભાવ જ્ઞાન છે તેમાં અજ્ઞાન નથી.

PDF/HTML Page 9 of 29
single page version

background image
: ૬ : : મહા :
તારી સુખશક્તિ એવી છે કે જ્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. માટે આત્મામાં ડુબકી
મારીને તારી સુખશક્તિને ઉછાળ. ઉછાળ એટલે કે પર્યાયમાં પરિણમાવ, જેથી તારા સુખનો
પ્રગટ અનુભવ તને થશે. તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. ઈન્દ્રપદમાં ય જે સુખ નથી તે
સુખ આત્મામાં છે. આત્માની સુખપરિણતિ જે પ્રગટી તે સદાકાળ આત્મા સાથે રહે છે.
ચૈતન્યશક્તિનો રસ અદ્ભુત છે; એની શાંતિ અપાર છે.
(૧૬) વચનાતીત
આત્માના પ્રદેશો અસંખ્ય, તેમાં અનંતાગુણો; જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંતગુણો
છે. એ અનંતગુણો શબ્દોથી ન કહી શકાય, કેમકે શબ્દો તો સંખ્યાતા જ છે ને ગુણો અનંત
છે. પણ આત્માના સ્વાનુભવમાં બધાય ગુણોનું વેદન એક સાથે થઈ જાય. ચૈતન્યને ભેટતાં
અનંતગુણનો રસ પીવાય છે. આવો અનુભવ એ જ અનેકાન્તનું ફળ છે. એ અનુભવ
વચનમાં ને વિકલ્પમાં પૂરો આવતો નથી, એટલે વચન કે વિકલ્પવડે તે અનુભવ થતો નથી,
શક્તિસ્વભાવની સન્મુખતાથી જ તે અનુભવ થાય છે, તેનો આનંદ વચનાતીત છે. વચનમાં
તો માત્ર ઈશારા આવે.
(૧૭) તદ્રૂપ પરિણમનપૂર્વક પ્રતીત
પરાંગ્મુખ રહીને આત્મશક્તિની પ્રતીત થઈ શકતી નથી. આત્મશક્તિની પ્રતીત
આત્મ સન્મુખતાવડે જ થાય છે. આત્મસન્મુખ થતાં પર્યાયમાં શક્તિનું નિર્મળ પરિણમન
થાય છે; એટલે પર્યાયમાં નિર્મળ પરિણમનપૂર્વક જ આત્મશક્તિઓની પ્રતીત થાય છે.
પર્યાયમાં એકલી મલિનતા રહીને નિર્મળશક્તિની સાચી પ્રતીત થઈ શકતી નથી. અજ્ઞાનરૂપ
રહીને જ્ઞાનશક્તિની પ્રતીત ન થાય, પણ જ્ઞાનરૂપ થઈને જ જ્ઞાનશક્તિની પ્રતીત થાય છે;
એકલા દુઃખરૂપ રહીને સુખશક્તિની પ્રતીત થતી નથી પણ સુખની અનુભૂતિપૂર્વક
સુખશક્તિની પ્રતીત થાય છે. એ રીતે આત્મગુણોમાં તદ્રૂપ પરિણમીને જ ગુણની પ્રતીત થાય
છે, અર્થાત્ શુદ્ધ પરિણતિ વડે જ આખો શુદ્ધાત્મા પ્રતીતમાં આવે છે; એકલા વિકારમાં તદ્રૂપ
રહીને શુદ્ધાત્માની કે તેની શક્તિની પ્રતીત થઈ શકે નહિ.
(૧૮) “બળનું ઝાડ”
આત્મા સ્વવીર્યથી પોતાના અનંત ગુણોની નિર્મળ પર્યાયોને ઉપજાવે છે. અનંતા
ગુણોની નિર્મળ શાખાને ઉપજાવે એવાં બળનું ઝાડ આત્મા છે. ચૈતન્યનું વીર્યવૃક્ષ
કેવળજ્ઞાન–કેવળદર્શન–અનંતસુખ–અનંતવીર્ય વગેરે ઉત્તમ ફળોને નીપજાવે છે. ચૈતન્યવીર્યનું
વૃક્ષ અનંતગુણોની નિર્મળશાખા–પર્યાયોને સ્વાધીનપણે રચે છે–એવું એનું સામર્થ્ય છે. એની
સ્વસન્મુખ પ્રતીત કરતાં મોક્ષવીર્ય પ્રગટે છે એટલે કે નિજસામર્થ્યથી સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પર્યાયોની રચના થાય છે. જીવનો આવો સ્વભાવ છે.
(૧૯) નિર્મળશક્તિસંપન્ન આત્મા તે જ ખરો આત્મા
અહીં વિશેષતા એ બતાવવી છે કે નિર્મળ પર્યાયોની રચનામાં જ આત્મશક્તિઓ કારણ–

PDF/HTML Page 10 of 29
single page version

background image
: મહા : : ૭ :
રૂપ છે, ને નિર્મળ પર્યાયો જ શક્તિનું કાર્ય છે. જે વિકાર છે તેની રચનામાં આત્મશક્તિ
ખરેખર કારણરૂપ નથી, ને વિકાર પર્યાય તે ખરેખર આત્મશક્તિનું કાર્ય નથી. એટલે
નિર્મળ પર્યાયરૂપ પરિણમી તે શક્તિને જ નિશ્ચય–આત્મા (પરમાર્થ આત્મા) કહ્યો, અને
મલિન પર્યાયરૂપ પરિણમનને વ્યવહાર–આત્મા કહ્યો, એટલે તેને ખરેખર આત્મા ન કહ્યો.
આમ વ્યવહારના નિષેધ અને નિશ્ચયના સ્વીકાર પૂર્વક જ શુદ્ધ આત્મશક્તિ પ્રતીતમાં આવે
છે. આવો અનેકાન્ત તે જૈનનીતિ છે. આવી જૈનનીતિને સમ્યદ્રષ્ટિ જીવો જ જાણે છે.
(૨૦) શક્તિઓના જ્ઞાનનું ફળ : શુદ્ધાત્મપ્રસિદ્ધિ
મંદ રાગ તે ચૈતન્યની વીર્યશક્તિનું ખરૂં કાર્ય નથી; ચૈતન્યની વીર્યશક્તિનું ખરૂં
કાર્ય તો વીતરાગી નિર્મળ પર્યાયની રચના કરવાનું છે એટલે આત્મા શુભ રાગને રચે,
કે શુભરાગ વડે આત્માની નિર્મળ પર્યાય રચાય એ વાત રહેતી નથી. રાગની રચના કરે
તેને આત્મા કહેતા નથી, નિર્મળ પર્યાયને રચે એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે
પરિણમે તેને જ શુદ્ધ આત્મા કહીએ છીએ. અને તેની પ્રસિદ્ધિ તે જ આ શક્તિઓના
જ્ઞાનનું ફળ છે.
(૨૧) ઉત્તમ આત્મા...ઉત્તમ શરીર
પ્રભો, જગતમાં જે ઉત્કૃષ્ટ આત્મશક્તિઓ છે તે બધી આત્મશક્તિઓ આપને પ્રગટી
ગઈ છે; આપને પૂરું જ્ઞાન ને પૂરી શાંતિ પ્રગટી ત્યાં જગતના શાંતરસવાળા બધા
પરમાણુઓ પણ આપની પાસે આવીને શાંત–દેહરૂપ પરિણમી ગયા. જુઓ તો ખરા,
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ! આત્માનો કોઈ અદ્ભુત સ્વભાવ છે–એને જાણતાં જ્ઞાનીને આનંદ
થાય છે ને અલૌકિક મહિમા આવે છે. સર્વજ્ઞતા આદિ ઉત્કૃષ્ટ શકિતઓ જે આત્માને પ્રગટી,
ત્યાં જગતના બધા ઉત્કૃષ્ટ પરમાણુઓ તે આત્માના દેહરૂપ પરિણમ્યા; કોઈ પરમાણુ બાકી
ન રહ્યા. જેટલી ઉત્કૃષ્ટ ચૈતન્ય શક્તિઓ હતી તે આત્મામાં પ્રગટી ગઈ, અને જેટલા ઉત્કૃષ્ટ
પરમાણુઓ હતા તે દેહરૂપ રચાઈ ગયા. એવો જ લોકોત્તર મેળ છે. ચૈતન્યનું પરિણમન
ઉત્કૃષ્ટ થયું ત્યાં જગતના રજકણો પણ ઉત્કૃષ્ટ દેહપર્યાયરૂપે પરિણમ્યા.
(૨૨) શક્તિની પ્રતીતદ્વારા સાધકની પરિણતિ ઊભરાય છે ને કેવળજ્ઞાનને તેડાવે છે
જેમ ખોવાયેલો વહાલો પુત્ર આવે ત્યાં તેને દેખતાં જ માતાના હૈયામાં
વાત્સલ્યથી દૂધ ઊભરાય છે. તેમ આત્મશક્તિઓને દર્શાવનારી ભગવાનની વાણી
સાંભળતાં જ મુમુક્ષુના હૈયામાં આત્મશક્તિના અંકુરા જાગે છે...પરિણતિમાં આનંદના
દૂધ ઊભરાય છે. અરે, આત્મશક્તિની આવી વાત સાંભળતાં કોને પર્યાયમાં નિર્મળતા
ન ઉલ્લસે? જેેણે આવી શક્તિઓવાળા આત્માને પ્રતીતમાં લીધો તેણેેે કેવળજ્ઞાનને
પોતાના આંગણે તેડાવ્યું. શક્તિની પ્રતીત કરી ત્યાં ભાન થયું કે અમારા આત્મામાં
કેવળજ્ઞાન જ શોભે....અલ્પજ્ઞતા કે વિકાર તે અમારા આત્મામાં ન
શોભો.....કેવળજ્ઞાનનો જ આદર

PDF/HTML Page 11 of 29
single page version

background image
: મહા : : ૮ :
રહ્યો એટલે તેણે કેવળજ્ઞાનને પોતાના ઘરે બોલાવ્યું. તે ‘સર્વજ્ઞપુત્ર’ થયો...તે
જિનેશ્વરદેવનો લઘુનંદન થયો.
(૨૩) અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર
આત્મા અનંત શક્તિસંપન્ન ચૈતન્ય રત્નાકર છે. જેમ સમુદ્રમાં અનેક રત્નો હોય છે
તેથી તેને ‘રત્નાકર’ કહેવાય છે; તેમ આત્માની એકેક શક્તિ તે અચિંત્ય મહિમાવંત
ગુણરત્ન છે, એવા અનંતા ચૈતન્યરત્નો આ આત્મામાં છે તેથી આત્મા અદ્ભુતનિધિવાળો
ચૈતન્યરત્નાકર છે. પાણીના સમુદ્રમાં રત્નો તો સંખ્યાતા કે બહુ તો અસંખ્યાતા હોય, પણ
આ ચૈતન્યસમુદ્રમાં તો અનંતરત્નો છે. જેનું એકેક રત્ન અપાર મહિમાવાળું છે એવા આ
અદ્ભુત ચૈતન્યરત્નાકરના મહિમાની શી વાત?–એની પ્રભુતાની શી વાત? અહા! મારામાં
જ આવા નિધાન ભરેલા છે પછી પરાશ્રયની પરાધીનતાથી મારે શું પ્રયોજન છે? પોતાના
ચૈતન્યનિધાનની મહત્તા ભાસતાં આખા જગતની મહત્તા ઊડી જાય છે, ને સ્વવીર્યનો વેગ
આત્મા તરફ વળીને આત્માની પ્રભુતાને સાધે છે.
(૨૪) સિદ્ધની પ્રભુતા ને તારી પ્રભુતામાં ફેર નથી
હે જીવ! સિદ્ધભગવંતોને અખંડ પ્રતાપવંતી સ્વતંત્રતાથી શોભીત જેવી પ્રભુતા
પ્રગટી છે તેવી જ પ્રભુતા તારા આત્મામાં છે. તારા આત્માની સ્વતંત્ર પ્રભુતાના
પ્રતાપને કોઈ ખંડિત કરી શકે તેમ નથી. અનાદિથી તેં જ તારી પ્રભુતાને ભૂલીને તેનું
ખંડન કર્યું છે. હવે તારા આત્મસ્વભાવની પ્રભુતાને પ્રતીતમાં લઈને તેનું અવલંબન કર,
તેથી તારી પામરતા ટળી જશે ને અખંડ પ્રતાપવાળી ચૈતન્યપ્રભુતાથી તારો આત્મા
સ્વતંત્રપણે શોભી ઊઠશે...તું પણ અનંતસિદ્ધોની વસ્તીમાં જઈને સાદી–અનંત રહીશ.
(૨પ) સમ્યગ્દર્શનમાં પ્રભુતા
સમ્યગ્દર્શન થતાં જ આત્મામાં પ્રભુતાનો અંશ પ્રગટે છે. સમ્યગ્દર્શન વગરના
જીવો, શક્તિપણે પ્રભુ હોવા છતાં પર્યાયમાં પામર છે. જે જીવ સમ્યગ્દર્શન વડે આત્માની
પ્રભુતાને ઓળખે છે તે જીવ અલ્પકાળમાં ‘પ્રભુ’ થઈ જાય છે. સ્વતંત્રતાથી શોભિત
એવી પ્રભુતાના અખંડ પ્રતાપને કોઈ તોડી શકતું નથી. સમ્યગ્દર્શન થતાં જ આત્માની
પ્રભુતા પ્રગટવા માંડી. રત્નત્રયમાં સમ્યગ્દર્શનને પણ દેવ કહેલ છે.
(૨૬) વીતરાગી વીરની સાચી વીરતા
વીર્યવંત આત્માની સાચી વીરતા તો એમાં છે કે પોતે પોતાના વીતરાગી
શાંતરસની રચના કરે...આવી વીતરાગી વીરતા વડે પોતાની પ્રભુતાને પ્રગટાવે તે જ
સાચો વીર છે. વિકાર વડે સ્વરૂપને હણે એને વીર કેમ કહેવાય? પોતાના નિર્મળ
સ્વરૂપની રચના ન કરી શકે તેને વીર કોણ કહે? રાગને તોડીને પોતાના નિર્મળ
સ્વરૂપને રચે, પોતાની પ્રભુતાને પ્રગટ કરે એ જ ખરો વીર છે. આવી વીરતા એ
આત્માની વીર્યશક્તિનું ખરૂં કાર્ય છે. અને એ જ અદ્ભુત મહિમા છે. વીતરાગી વીરની
એ જ સાચી વીરતા છે કે નિર્મળ વીતરાગભાવની રચના કરે.

PDF/HTML Page 12 of 29
single page version

background image
: મહા : : ૯ :
(૨૭) આનંદમાં આવી જા....
આ ચૈતન્યચક્રવર્તીના અદ્ભુતનિધાનને જ્યાં જીવે જાણ્યા ત્યાં ચક્રવર્તીપદના ૧૪
નિધાનનો આદર પણ ક્ષણમાત્રમાં છૂટી જાય છે. અરે, એકવાર આનંદમાં આવી જા...કે
અહો, આવા નિધાનનો સ્વામી હું! સ્વભાવની શક્તિનો ઉલ્લાસ લાવીને એકવાર પ્રસન્ન
થા...પ્રસન્ન થઈને સ્વશક્તિને સંભાળતાં જ તને અપૂર્વ આનંદ થશે. આ જે આનંદ
આવ્યો એવા પૂરેપૂરા આનંદથી મારું આખું તત્ત્વ ભરેલું છે,–એમ સ્વસંવેદનથી પ્રતીતમાં
આવે છે. ને સમસ્ત રાગનું સ્વામિત્વ ઊડી જાય છે. અહા, જીવ! સંતોએ તને તારા
અચિંત્ય નિધાન દેખાડયા...એેને દેખીને તું હવે આનંદમાં આવી જા.
(૨૮) સિંહ જાગ્યો ને હરણાં ભાગ્યા
જેને પોતાની પ્રભુતાનું ભાન નથી એવો પામર જીવ રાગના એક કણિયાને પણ
છોડી શકતો નથી; પોતાની પ્રભુતાને જાણનાર જ્ઞાની ધર્માત્મા તો ક્ષણમાત્રમાં સર્વ
રાગને છોડે છે. એક સમયમાં સાધકને જ્ઞાન ને રાગ બંને સાથે, છતાં તેમાં જ્ઞાન તો
જ્ઞાનીને સ્વપણે અનુભવાય છે ને રાગ તે સ્વભાવથી પરપણે અનુભવાય છે.–આમ એક
જ પર્યાયમાં વર્તતા બે ભાવો વચ્ચે પણ ધર્મીને ભેદજ્ઞાન વર્તે છે, પોતાની પ્રભુતાને
સંભાળીને જે વીર જાગ્યો તેની સામે વિકારશત્રુઓ ઊભા રહી શકે નહિ, ચૈતન્યસિંહ
પોતાની વીરતાથી જાગ્યો ત્યાં વિકારરૂપી હરણીયાં ભાગ્યા.
(૨૯) ચૈતન્ય રાજાની પ્રભુતા–તેમાં મેલ નથી
‘‘ચૈતન્ય હીરો’’ જેને હાથ આવ્યો તે દુર્ગંધિત એવા વિકારને કેમ પકડે? આ
ચૈતન્યરાજા નિજગુણોમાં રાજે છે–શોભે છે–મ્હાલે છે. એમાં મેલ કેવો? વિકાર કેવો?
જેમ ‘રાજા’ની પ્રભુતા કોઈ ખંડિત કરી ન શકે, તેમ ચૈતન્યરાજાની પ્રભુતાને કોઈ હણી
શકે નહિ; આવી એની પ્રભુતાથી સ્વતંત્રપણે તે શોભે છે. પરાશ્રયમાં–પરાધીનતામાં
શોભા નથી, સ્વાધીનતામાં ને સ્વાશ્રયમાં જ શોભા છે. સ્વભાવશક્તિની પ્રભુતાને
જાણીને જે પર્યાયે તેનો આશ્રય લીધો તે પર્યાય પણ સ્વાધીન પ્રભુતાથી શોભી ઊઠે છે.
ચૈતન્યરાજાની આવી પ્રભુતા ખીલી તેમાં મેલ નથી.
(૩૦) જ્ઞાનવડે ‘જ્ઞાયક’ને જાણ
જ્ઞાન છે તે જણાવાયોગ્ય પરજ્ઞેયોથી ભિન્ન છે, પણ જાણનારથી તે ભિન્ન નથી.
જાણનાર એવો જે જ્ઞાયકસ્વભાવ, તેની સાથે જ્ઞાનની એકતા–તન્મયતા તે ધર્મ છે, તેમાં
શાંતિ છે, તેમાં સ્વપુરુષાર્થ છે, તેમાં આત્માની પ્રભુતા છે રાગાદિમાં ને પરમાં જ્ઞાનનું
એકત્વ માનવું તે તો પામરતા છે. તેમાં અશાંતિ છે, ભાઈ, તું જાણનારને જાણ; જ્ઞાનવડે;
જેનું જ્ઞાન છે તેને જાણ; એટલે કે સ્વસંવેદનથી પોતાને જાણ.
(૩૧) જ્ઞાનનો વિસ્તાર રાગમાં નથી.
પોતે પોતાને સ્વસંવેદનથી જાણતાં રાગાદિભાવો જુદા રહી જાય છે, કેમકે
સ્વભાવમાં તે રાગાદિભાવો અભૂતાર્થ છે એટલે કે અભાવ

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૦ : : મહા :
રૂપ છે. રાગમાં આત્માની પ્રભુતા નથી, જ્ઞાનમાં આત્માની પ્રભુતા છે. પ્રભુનો વિસ્તાર
પોતાના અનંત ગુણોમાં છે, પરંતુ પ્રભુનો વિસ્તાર રાગમાં નથી. માટે રાગથી જુદો પડીને
તારી પ્રભુતાને પ્રતીતમાં લે...તો તારા આત્માના અનંત ગુણોનું પરિણમન પ્રભુતાથી
શોભી ઊઠશે. એ પ્રભુતામાં જ્ઞાનનો વિસ્તાર ફેલાશે, ને રાગનો વિનાશ થઈ જશે.
(૩૨) તું પરને વળગ્યો છો...જ્ઞાનપ્રકાશી સૂર્યમાં અંધારુ નથી
ભાઈ, પર ચીજ કાંઈ તને વળગતી નથી, પણ તું જ સામેથી પરને વળગે છે કે
‘આ ચીજ મને રોકે.’–એમ તારી પોતાની ઊંધાઈથી તું હેરાન થાય છે, પર ચીજ કાંઈ
તને વળગીને હેરાન કરતી નથી. અરે, તું જ્ઞાનપ્રકાશી સૂર્ય...તેમાં વળી અજ્ઞાનના
અંધારા કેવા? તેમાં પરદ્રવ્ય કેવા! જેમ સૂર્યમાં અંધારૂં હોય નહિ; કદી સૂર્ય એમ કહે કે
મને અંધારૂં હેરાન કરે છે! તો કોણ માને? સૂર્ય હોય ત્યાં અંધારૂ હોય નહિ. તેમ તું
ચૈતન્યપ્રકાશી સૂર્ય જગતનો પ્રકાશક જ્ઞાનભાનુ–તે એમ કહે કે મને આંધળા કર્મ વગેરે
પરદ્રવ્યો હેરાન કરે છે!–તો કોણ માને? ભાઈ, તારા ચૈતન્યના પ્રકાશમાં પરદ્રવ્યો કદી
પેસે નહિ. ચૈતન્ય પ્રકાશ ખીલ્યો ત્યાં પરદ્રવ્ય તો બહાર જ દૂર રહે છે. અહા, તારા ચૈતન્ય
સ્વરૂપમાં પ્રવેશ કરતાં મન પણ જ્યાં મરી જાય છે (મનનુંય અવલંબન છૂટી જાય છે) ત્યાં
કર્મોની શી ગતિ? કર્મની કે કોઈની તાકાત નથી કે આ ચૈતન્યની પ્રભુતાના પ્રતાપને
ખંડિત કરે. આવા અખંડિત પ્રતાપથી આત્માની પ્રભુતા શોભી રહી છે.
(૩૩) સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ
જેમ સૂર્યમાં અંધકાર નહિ તેમ પ્રભુતામાં પામરતા નહિ. સમ્યગ્દ્રષ્ટિની નિર્મળ
પરિણતિમાં રાગનો ને સંયોગનો અભાવ વર્તે છે. સમ્યગ્દ્રષ્ટિને રાગ હોય ત્યાં અજ્ઞાની
માત્ર રાગને જ દેખે છે, ને સમ્યગ્દ્રષ્ટિ તે વખતે રાગ જ કરતો હોય–એમ તેને લાગે છે.
પરંતુ તે જ વખતે રાગ વગરનું જે નિર્મળ પરિણમન સમ્યગ્દ્રષ્ટિને વર્તી રહ્યું છે તેને
અજ્ઞાની ઓળખી શકતો નથી. જો એ નિર્મળ ભાવને ઓળખે તો તો સ્વભાવ અને રાગ
વચ્ચેનું ભેદજ્ઞાન થઈ જાય.
(૩૪) ચૈતન્ય–વેપારીની વખારનો ચોકખો માલ
અનંત ગુણોના વૈભવથી ભરપૂર આ ચૈતન્ય વેપારી નિર્મળભાવોનો વેપાર
કરનારો છે. મલિન ભાવોનો વેપાર કરનારો તે નથી. મલિનતા એ માલ ચૈતન્યની
વખારનો નહિ, ચૈતન્યની વખારમાં તો અનંતા નિર્મળગુણોનો માલ ભર્યો છે, પણ
ચૈતન્યની વખારમાં કયાંય વિકાર નથી ભર્યો. આ ચૈતન્યવેપારી ચોખ્ખા માલનો જ
વેપાર કરનાર છે, મલિન કે ભેળસેળવાળો માલ એની વખારમાં નથી; તેમજ ગમે
તેટલો માલ કાઢવા છતાં એના ભંડાર કદી ખૂટતા નથી. આવા અખૂટ ભંડારવાળા
આત્મસ્વભાવને હે જીવ! તું જાણ.
(૩પ) મુમુક્ષુનો ઝણઝણાટ
અહા, પુરુષાર્થની તૈયારીવાળો મુમુક્ષુજીવ

PDF/HTML Page 14 of 29
single page version

background image
: મહા : : ૧૧ :
તો સ્વભાવની અનંતશક્તિ સાંભળતાં અંદરમાં એમ ઉલ્લસી જાય કે–ઝણઝણાટ મારતો
હું અંદર ઊતરું–કે તરત મારા અનંત ગુણોની ખીલવટ કરું. સ્વભાવનો તાગ લેવા ઊંડે
ઊતર્યો ત્યાં વિકલ્પનો રસ રહેતો નથી, વિકલ્પ તૂટીને સ્વભાવના મહિમામાં જ્ઞાન લીન
થઈ જાય છે. આમ નિજશક્તિનો મહિમા સાંભળતાં મુમુક્ષુની પરિણતિ ઝણઝણાટ કરતી
અંતર્મુખ થાય છે.
(૩૬) બહાદુર સાધક
જેમ બહાદુર વીર્યવાન બાળક સિંહથી યે ડરે નહિ, ઊલટો સિંહનું મોઢું ઝાલીને
કહે છે કે ઉઘાડ તારું મોં, મારે તારા દાંત ગણવા છે! તેમ ચૈતન્યને સાધનારો વીર્યવાન
–બહાદૂર સાધક કર્મરૂપી સિંહથી ડરે નહિ, જ્યાં એ પોતાના સ્વરૂપમાં લીન થાય ત્યાં
કર્મો તો કયાંય દૂર ભાગી જાય. ‘શું કરીએ, કર્મો હેરાન કરે છે, પ્રતિકૂળતા ઘણી છે’–
એમ જે ડરપોક છે–કાયર છે તે ચૈતન્યને સાધી શકતો નથી. ચૈતન્યને સાધવા જે
અંતરમાં ઊતર્યો તે વીરને જગતમાં કોઈ રોકી શકે નહિ, એને કોઈનો ભય હોય નહિ.
આ રીતે આત્માને સાધનારા સાધકો બહાદૂર હોય છે, પુરુષાર્થવંત હોય છે, પોતાની
અચિંત્યશક્તિનો તેને ભરોસો છે, તેથી તે નિઃશંક અને નિર્ભય છે.
–વિશેષ આવતા અંકે
તને શરમ નથી આવતી ?
અરે, ચૈતન્યપ્રભુ! તારી શક્તિના એક ટંકારે તું
કેવળજ્ઞાન લે...એવી તારી તાકાત...ને તંું કહે છે કે મને
મારું સ્વરૂપ ન સમજાય....એમ કહેતાં તને શરમ નથી
આવતી? ભવ કરતાં તને શરમ નથી આવતી?–ને
ભવના અભાવની વાત સાંભળતાં તને થાક લાગે છે?
અરે, સાધક દશાના તારા એક વિકલ્પની એટલી તાકાત
કે ઈન્દ્રના ઈન્દ્રાસનનેય એકવાર તો ડોલાવી દ્યે....
જન્મતાં વેંત ત્રણલોકને ક્ષણભર તો ખળભળાવી નાંખે,
આટલી તો જેના એક વિકલ્પની તાકાત...તેના આખા
પવિત્ર સ્વભાવની કેટલી તાકાત? આવી તાકાતવાળો તું
કહે કે મને મારું સ્વરૂપ ન સમજાય !....એમાં તને શરમ
નથી આવતી?

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૨ : : મહા :
नमः समयसाराय
स्वानुभूत्या चकासते
સ્વાનુભૂતિ કરનારો ભાવ, જેનો સ્વાનુભવ કરવાનો છે એના
જેવો શુદ્ધ થાય–એક જાતના થઈને બંને તદ્રૂપ થાય–તો જ સ્વાનુભૂતિ
થઈ શકે.
જેની સ્વાનુભૂતિ કરવાની છે એનાથી વિપરીત ભાવ વડે–ભિન્ન
ભાવ વડે–તેની સ્વાનુભૂતિ થઈ શકે નહિ.
જેમ કે–
રાગની અનુભૂતિ વીતરાગભાવ વડે થઈ શકે નહિ.
રાગની અનુભૂતિ કરનારો ભાવ રાગરૂપ જ હોય.
વીતરાગભાવમાં રાગની અનુભૂતિ ન હોય.
તેમ શુદ્ધાત્માની વીતરાગી અનુભૂતિ રાગભાવ વડે થઈ શકે નહીં.
શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ રાગરૂપ ન હોય,
પણ શુદ્ધાત્માની જાતનો જ વીતરાગભાવ હોય.
રાગભાવમાં વીતરાગભાવની અનુભૂતિ ન હોય.
જ્ઞાનસ્વભાવની અનુભૂતિ જ્ઞાનમય ભાવ વડે જ થાય,
અજ્ઞાનમય (વિકાર) ભાવ વડે તે અનુભૂતિ ન થાય.
આનંદસ્વભાવી આત્માનો અનુભવ આનંદમય ભાવ વડે થાય,
આકુળતાવડે ન થાય.
અહા, વસ્તુ સન્મુખ થઈને તેમાં ડુબી ગયેલો ભાવ જ વસ્તુને અનુભવે છે.
વસ્તુથી બહાર રહેલો કોઈ ભાવ વસ્તુને અનુભવી શકતો નથી.
નિર્વિકલ્પ અનુભૂતિનો જય હો.

PDF/HTML Page 16 of 29
single page version

background image
: મહા : : ૧૩ :
વિ...વિ...ધ...વ...ચ...ના...મૃ...ત
આત્મધર્મનો ચાલુ વિભાગ : લેખાંક–પ :
વિવિધ વચનામૃતનો આ વિભાગ પ્રવચનોમાંથી, વિવિધ શાસ્ત્રોમાંથી
તેમજ રાત્રિચર્ચા વગેરે પ્રસંગો ઉપરથી તૈયાર કરવામાં આવે છે.
(૧૧પ) ધર્માત્માનું બહુમાન
માહાત્મ્ય કરવા યોગ્ય દુનિયામાં કાંઈ હોય તો તે એક માત્ર સર્વજ્ઞપ્રણીત ધર્મ
અને તેને ધરનાર ધર્માત્મા જ છે. તેનું જ બહુમાન કર; તે ધર્માત્મા વર્તમાન કદાચ
નિર્ધનાદિ સ્થિતિમાં હોય તોપણ અલ્પકાળમાં જગતને વંદ્ય, ત્રણ લોકનો નાથ થવાનો
છે; અને વર્તમાનમાં પણ તેની પાસે જે સાધકભાવ છે તેનો ત્રણ લોકના વૈભવ કરતાં
પણ વધારે મહિમા છે. જેેને પોતામાં ધર્મ પ્રિય હોય તેને ધર્માત્મા પ્રત્યે બહુમાન આવે
જ. ધર્માત્માનું બહુમાન તે ધર્મનું જ બહુમાન છે. ધર્મ ધર્માત્માથી જુદો નથી.
(૧૧૬) અલિંગગ્રહણ આત્મા
પ્રવચનસાર ગા.૧૭૨ માં
‘जानीहि अलिंगग्रहणं’ કહીને આત્માનું ઘણું સુંદર
અલૌકિક વર્ણન કર્યું છે; એ અધિકાર દર્શનશુદ્ધિનો છે, ભેદજ્ઞાનના અપૂર્વ રહસ્યો
આચાર્યદેવે એમાં ભર્યાં છે. તે રહસ્ય અપૂર્વપણે વિચારવા જેવાં છે, ‘અલિંગગ્રહણ’
ભગવાન આત્મા અલિંગગ્રહણથી જ એટલે કે વિકલ્પ વગરના સ્વસંવેદનથી જ
અનુભવાય છે. આત્માનો સ્વભાવ રાગમય નથી એટલે રાગવડે તે અનુભવાતો નથી.
આત્માનો સ્વભાવ જ્ઞાનમય છે, જ્ઞાનમય થઈને જ તે અનુભવાય છે.
(૧૧૭) જિનશાસન
નિશ્ચયથી જે શુદ્ધ આત્માની અનુભૂતિ છે તે સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે,
એટલે કે આખુંય જિનશાસન ‘આત્માની અનુભૂતિ’માં આવી જાય છે. આખા
જિનશાસનનો (એટલે કે સર્વે શ્રુતનો) સાર એ જ છે કે પરથી ભિન્ન શુદ્ધ આત્માની
અનુભૂતિ કરવી. આવી અનુભૂતિ વડે જ વીતરાગતા થાય છે.
(૧૧૮) વાહ, આઠ વરસનો છોકરો!
અહા, આઠ વરસનો છોકરો જ્યારે આત્માને જાણીને, વૈરાગ્યથી મુનિ થઈને,
હાથમાં મોરપીંછી ને કમંડળ લઈને નાનકડા પગલે વિચરતો હશે...મોટામોટા શ્રાવકો
એને કોમળ હાથમાં આહાર કરાવતા હશે...પછી સ્વરૂપધ્યાનમાં લીન થઈને એ નાનકડા
મુનિ કેવળજ્ઞાન ઉપજાવતા હશે...એ ધન્ય દેદાર કેવો હશે? અહા, આઠ વરસનો છોકરો
કેવળજ્ઞાનીપણે આકાશમાં વિચરતો હશે...એનો દિવ્ય દેદાર કેવો હશે?

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૪ : : મહા :
(૧૧૯) આત્મા
* જ્ઞાનલક્ષણથી જે લક્ષિત થાય તે આત્મા. * જ્ઞાનલક્ષણથી અનંતગુણસ્વરૂપ
આત્મા લક્ષિત થાય છે. * જ્ઞાનલક્ષણથી રાગ લક્ષિત થતો નથી માટે રાગ તે આત્મા
નથી; જે આત્મા નથી તે અનાત્મા છે.
(૧૨૦) સાથીદાર
હે જીવ! તારા અનંત ગુણો જ તારા સદાયના સાથીદાર છે. આ સાથીદાર જ દુઃખથી
તારી રક્ષા કરનારા ને તને સુખ આપનારા છે. રાગ તો તારો સાથીદાર નથી, એ તો તારો
વિરોધી છે એ તને કાંઈ સુખ આપનાર નથી પણ દુઃખ દેનાર છે, માટે એનો સાથ છોડ.
(૧૨૧) બાળક
સોળ વર્ષ કરતાંય નાની ઉમરમાં એક બાળક લખે છે કે–‘‘રાત્રિ વ્યતિક્રમી ગઈ,
પ્રભાત થયો, નિદ્રાથી જાગૃત થયા; હવે ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.’’
–એ લખનાર હતા શ્રીમદ્ રાજચંદ્ર. આત્માની અનાદિ અજ્ઞાનરૂપ ભાવનિદ્રા કેમ ટળે
અને સમ્યગ્જ્ઞાનરૂપી અપૂર્વ પ્રભાત કેમ ઊગે તે વાત નાના બાળક પણ સમજી શકે તેમ છે.
(૧૨૨) અનુભવજ્ઞાન
લાખો વર્ષના શાસ્ત્રજ્ઞાન કરતાં એકક્ષણનું અનુભવજ્ઞાન ઘણું મહાન છે.
(૧૨૩) સંતોએ ભગવાનના ભેટા કર્યા છે
કુંદકુંદસ્વામીએ અંદરમાં સર્વજ્ઞસ્વભાવના ભેટા કર્યા હતા, તે ઉપરાંત બહારમાં
પણ સીમંધરનાથ સર્વજ્ઞપરમાત્માનો સાક્ષાત્ ભેટો તેમને થયો હતો...ને સર્વજ્ઞની વાણી
સાક્ષાત્ ઝીલી હતી.
અમૃતચંદ્રસ્વામીએ પણ અંદરમાં સર્વજ્ઞ ભગવાનના ભેટા કર્યા હતા.
સર્વજ્ઞસ્વભાવમાં ઊતરીને, સર્વજ્ઞની વાણીના અચિંત્ય રહસ્યો તેમણે ખોલ્યાં છે.
આવા સંતોની વાણી આ સમયસારમાં છે. (–૪૭ શક્તિના પ્રવચનમાંથી)
(૧૨૪) વિલંબ કરીશ નહીં
ભાઈ, સંતોએ તને તારો જે પરમ સ્વભાવ સંભળાવ્યો, ને તેં પ્રસન્નતાથી તેની
હા પાડી...તો હવે તેના અનુભવમાં વિલંબ કરીશ નહીં.
(૧૨પ) બાહુબલી દર્શન
પોષ સુદ ૧૦ ના રોજ પૂ. ગુરુદેવેે સ્વપ્નમાં આકાશમાં બાહુબલીનાથના અદ્ભુત
દેદાર દેખ્યા. સ્વપ્નમાં એ અચિંત્યશક્તિવંત બાહુનાથના અદ્ભુત વૈરાગ્ય દેદારના
સાક્ષાત્ દર્શનથી ગુરુદેવને ઘણો જ આહ્લાદ થયો હતો...અને ગુરુમુખે એ મંગલ
બાહુબલી–દર્શનનું મંગલ વર્ણન સાંભળતાં ભક્તોને પણ હર્ષ થતો હતો.

PDF/HTML Page 18 of 29
single page version

background image
: મહા : : ૧પ :
(૧૨૬) અમૂર્ત....અને ચેતન
* પુદ્ગલ મૂર્ત છે. આત્મા અમૂર્ત છે.
* મૂર્તપણું એ પુદ્ગલનું અસાધારણ લક્ષણ છે
– પરંતુ–
* અમૂર્તપણું એ આત્માનું અસાધારણ લક્ષણ નથી.
*આત્માનું અસાધારણ લક્ષણ તો ચેતના છે.
(૧૨૭) દુઃખ મટાડવાની દવા
હું અન્નપાણી વગેરે દ્વારા સગવડ આપીને બીજાનું દુઃખ મટાડી દંઉ–એમ જે
સંયોગથી દુખ–સુખ માને છે, તેને દુઃખ શું છે અને તેનું કારણ શું છે ? એની જ ખબર
નથી, તો તે દુઃખ કયાંથી મટાડશે? હજી તેનું પોતાનું દુઃખ પણ જે મટાડી નથી શકતો તે
બીજાનું દુઃખ કયાંથી મટાડશે?
જીવોને દુઃખ તો પોતાના મોહનું છે. મોહને જે મટાડે તેનું દુઃખ મટે, મોહને
મટાડવાનો ઉપાય તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે. એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે
જેણે પોતાનો મોહ મટાડયો તેનું દુઃખ મટયું અને જેણે એ રત્નત્રયનો ઉપાય બીજાને
દર્શાવ્યો તેણે જ નિમિત્તપણે બીજાનું દુઃખ મટાડયું કહેવાય. જીવને પ્રતિકૂળ સંયોગનું
કાંઈ દુઃખ નથી, ને અનુકૂળ સંયોગ વડે કાંઈ તેનુ દુઃખ મટી જતું નથી, એટલે બીજાને
અન્ન વગેરે અનુકૂળ સામગ્રી આપીને હું સુખી કરી દંઉ એ વાત રહેતી નથી. સામો પ્રાણી
પોતે સમ્યગ્જ્ઞાન કરે તો તેનું દુઃખ મટે અને જેણે સમ્યગ્જ્ઞાન વડે મોહ દૂર કર્યો તેને
અનુકૂળ સંયોગ હો કે ન હો–તો પણ તે સુખી જ છે. તેથી કહ્યું છે કે–
જ્ઞાન સમાન બીજું કોઈ સુખનું કારણ નથી.
જ્ઞાનનું ફળ
અહો, અવિનશ્વરજ્ઞાન તે જ જ્ઞાનનું પ્રશંસનીય
ફળ છે. પરંતુ, એ મોહનું માહાત્મ્ય છે કે એના સિવાય
બીજું પણ ફળ પ્રાણીઓ ઢૂંઢે છે.–
ज्ञानमेव फलं ज्ञाने ननु श्लाव्यमनश्वरम्
अहो मोहस्य माहात्म्यं यदन्यदपि मृग्यते ।। १ ।।
–ગુણભદ્રસ્વામી

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૬ : : મહા :
આ માસની વિવિધ વાનગી
(ચર્ચા અને પ્રવચનો ઉપરથી : પોષ માસ)
ઓ.....ળ.....ખા.....ણ
ભાઈ, જગત સાથેની ઓળખાણ તને આત્મામાં કામ નહિ આવે; આત્માની
ઓળખાણ જ તને કામ આવશે, માટે એની ઓળખાણ કર. અમારે દુનિયાના મોટામોટા
માણસો સાથે નજીકની ઓળખાણ–પિછાણ છે–એમ માનીને સંતુષ્ટ થઈ જાય ને
આત્માને ભૂલી જાય,–પણ ભાઈ, દુનિયામાં સૌથી મોટો આ આત્મા....એ મોટા પુરુષની
ઓળખાણ વગર દુનિયાની ઓળખાણ તને ક્યાંય શરણરૂપ થવાની નથી. ખરો
શરણરૂપ આત્મા છે–તેની ઓળખાણ કર.
ધ્યાન
* નિજસ્વરૂપ ઉપર મીટ માંડ કે એક ક્ષણમાં મોક્ષ.
* આવા નિજસ્વરૂપના ધ્યાનનો અભ્યાસ હંમેશ કર્તવ્ય છે.
* હે મોક્ષાર્થી! બીજા ઘણા બાહ્ય પદાર્થોથી તારે શું પ્રયોજન છે? આ ચૈતન્ય–
પરમાત્માનું જ તું ધ્યાન કર.
* ચૈતન્યનું વીતરાગી ધ્યાન જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી.
સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે શુદ્ધાત્માના ધ્યાનરૂપ છે.
આનંદનો માર્ગ પણ આનંદરૂપ છે.
મોક્ષ પરમ આનંદધામ છે. એનો માર્ગ પણ આનંદધામમાં જ છે. રાગ તો
આકુળતાનું ધામ છે, તે કાંઈ આનંદનું ધામ નથી, તેથી તેમાં મોક્ષમાર્ગ નથી. જેમ મોક્ષ
આનંદસ્વરૂપ છે તેમ તેનો માર્ગ પણ આનંદસ્વરૂપ છે; એમાં આકુળતાનું સ્થાન નથી,
એમાં રાગનું સ્થાન નથી. રાગ રાગમાં રહ્યો પણ મોક્ષમાર્ગમાં નથી. જે ભાવ
મોક્ષમાર્ગરૂપ છે તેમાં રાગનો અભાવ છે.
મ...હ....ત્ત્વ...નું
શુદ્ધસ્વભાવને ભૂલીને રાગને–વ્યવહારને ધર્મ માનનારા જીવો નિશ્ચય–વ્યવહાર
બંનેને ભૂલી રહ્યા છે; તેઓ વ્યવહારોને તો તેની મર્યાદા કરતાં વધુ મહત્ત્વ આપે છે ને
નિશ્ચયનું જે પરમ મહત્ત્વ છે તેને ભૂલી જાય છે.

PDF/HTML Page 20 of 29
single page version

background image
: મહા : : ૧૭ :
આત્મધ્યાન
અંતર્મુહૂર્ત પહેલાં ચોથા ગુણસ્થાને હોય ને અંતર્મુહૂર્તમાં સિદ્ધાલયમાં પહોંચી
જાય, એવું ઘણા જીવોને બને છે. પ્રથમના ૧૬ તીર્થંકરોની તીર્થંકરપણાની ઉત્પત્તિના
પ્રથમ જ દિવસે અમુક જીવો અંતર્મુહૂર્તમાં જ ચારિત્ર અને કેવળજ્ઞાન પામીને મોક્ષદશા
પામ્યા....આવું ચૈતન્યધ્યાનનું અગાધ સામર્થ્ય છે. માટે હે જીવ! તું પણ આવા
આત્મધ્યાનમાં તત્પર થા.
જડવાદી
ઈન્દ્રિયજ્ઞાનથી આત્મા જણાઈ જશે એમ જે માને છે તે આત્માને જડ માને છે,
કેમકે ઈન્દ્રિયજ્ઞાનથી જે જણાય તે તો રૂપી અને જડ હોય. રાગ એ પણ ઈન્દ્રિયજ્ઞાનની
જ જાત છે; તે રાગવડે આત્મા જણાશે એમ માનનાર પણ ખરેખર આત્માને જડ માને
છે; જડથી ભિન્ન આત્માને તે જાણતો નથી.
ચૈતન્યમૂર્તિ અરૂપી આત્મા તો ઈન્દ્રિયાતીત જ્ઞાનનો વિષય છે, રાગથી પાર છે.
અચિંત્ય આત્મસ્વભાવને જાણનાર જ્ઞાન પણ અચિંત્ય થઈ ગયું છે.
જ્ઞાતા બધાયનો, પણ જ્ઞેય થોડાનો
આત્મા બધા દ્રવ્યોનો જ્ઞાતા છે, પરંતુ આત્મા બધા દ્રવ્યોનું જ્ઞેય નથી. જડ–
ચેતન બધા પદાર્થોને આત્મા જાણે છે તેથી જ્ઞાતા તો બધા દ્રવ્યોનો છે; પરંતુ સામા
ચેતન પદાર્થોનો જ આત્મા જ્ઞેય થાય, અચેતન પદાર્થોનો જ્ઞેય આત્મા થતો નથી, કેમકે
અચેતન પદાર્થોમાં જ્ઞાન નથી.
જ્ઞાતા એક, જ્ઞેય બધાય
જ્ઞેય તો છએ દ્રવ્યો છે પણ જ્ઞાતા એકલું આત્મદ્રવ્ય જ છે. છએ દ્રવ્યોમાં
જ્ઞાતાપણું એક જીવમાં જ છે, જ્ઞેયપણું છએમાં છે. એટલે આત્મા બધા પદાર્થોને જાણે છે,
પણ બધા પદાર્થો કાંઈ આત્માને નથી જાણતા. આ રીતે જ્ઞાયકપણાની વિશિષ્ટશક્તિ
આત્મામાં જ છે.
જિજ્ઞાસવૃત્તિ
હું આત્માને જાણું–જાણું એવી જે જિજ્ઞાસાવૃત્તિનું ઉત્થાન તેનાથી આત્મા
અનુભવમાં આવતો નથી. જ્યારે આત્મા અંતરમાં એકાગ્ર થઈને નિરાલંબીપણે પોતે
પોતાને જાણે અનુભવે ત્યારે એ જિજ્ઞાસાવૃત્તિનું ઉત્થાન મટી જાય છે. જિજ્ઞાસવૃત્તિ હોય
પણ તે વૃત્તિમાં જ અટકી રહે તો આત્મા જણાતો નથી, કેમકે વૃત્તિના અવલંબનથી જ
આત્મા જણાઈ જતો નથી; તે વૃત્તિના અવલંબનથી આઘો ખસી, જ્ઞાનને નિરાલંબી
કરીને અંતરમાં વાળે ત્યારે જ આત્મા સ્વાનુભવથી જાણવામાં આવે છે. અરે
જિજ્ઞાસાવૃત્તિનુંય જ્યાં આલંબન નથી ત્યાં બીજા રાગનું કે બહારના નિમિત્તોનું
આલંબન કયાંથી હોય?