Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૮૩
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૨૮૩
પાર્શ્વનાથ ભગવાન (સમ્મેદશિખર–મધુવન)
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૩ વૈશાખ (લવાજમ: ત્રણ રૂપિયા) વર્ષ ૨૪: અંક ૭

PDF/HTML Page 3 of 45
single page version

background image
स्वागतम्............अभिनन्दनम्
અનેક સ્થળે ભગવાન જિનેન્દ્રદેવની પ્રતિષ્ઠા કરીને, અને
સિદ્ધિધામ સમ્મેદશિખરજી વગેરે તીર્થોની યાત્રા કરીને પુન:
સૌરાષ્ટ્રભૂમિમાં પધારતા પૂ. ગુરુદેવનું સ્વાગત કરીએ છીએ...અને
બોટાદ શહેરમાં જેમનો ૭૮મો મંગલ જન્મોત્સવ ઉજવાયો એવા
ગુરુદેવને હૃદયના ઉમંગથી અભિનંદીએ છીએ.
હે ગુરુદેવ! આપની શીતળ છત્રછાયામાં જે વીતરાગી શાંતિ
વર્તે છે ને અધ્યાત્મરસભીનું જે વૈરાગ્યમય વાતાવરણ વર્તે છે તેની
હવા ચાખનાર મુમુક્ષુજીવોને સહેજે આત્મહિતની સ્ફૂરણા જાગે છે,
આત્મહિત સિવાયના અન્ય કાર્યોમાંથી તેનો રસ ઊડી જાય છે.
અતિશય રસપૂર્વક જે આત્મતત્ત્વનો મહિમા આપ સંભળાવો છો તે
આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે અમારા જેવા અનેક બાળકો આપના
ચરણોમાં જીવન વીતાવી રહ્યા છે. આપ જે પરમ તત્ત્વ બતાવી રહ્યા
છો તેને અત્યંત ઉદ્યમપૂર્વક ઉપાસીએ અને આપની મંગલછાયામાં
પરમ પદને પામીએ એવી ભાવના સાથે અત્યંત ભક્તિપૂર્વક આપનું
સ્વાગત કરીએ છીએ........અભિનંદન કરીએ છીએ.
બોટાદ: વૈશાખ સુદ ૨ – સંપાદક

PDF/HTML Page 4 of 45
single page version

background image
વાર્ષિક લવાજમ
વીર સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા વૈશાખ
* વર્ષ ૨૪ : અંક ૭ *
_________________________________________________________________
પ્રત્યક્ષ–સ્વાનુભવનો ઉપોદ્ઘાત
[રાજકોટ: વૈશાખ સુદ ત્રીજ સં. ૨૦૨૩]
સમયસાર ગા. ૭૩ શરૂ કરતાં ઉપોદ્ઘાતમાં શિષ્યના પ્રશ્નનું વિવેચન કરતાં
ગુરુદેવે કહ્યું કે, ‘કઈ વિધિથી આ આત્મા આસ્રવોથી છૂટે છે?’–એવો શિષ્યનો પ્રશ્ન છે,
તે શિષ્યની જિજ્ઞાસા સૂચવે છે. મારો આત્મા અજ્ઞાનભાવે આસ્રવોમાં અટક્યો છે, તે
દુઃખ છે; તેમાંથી આત્માને કઈ રીતે છોડાવવો? એવી અંતરની જિજ્ઞાસાપૂર્વક શિષ્યે
છૂટકારાનો ઉપાય પૂછયો છે. છૂટવાની જેના અંતરમાં ધગશ છે એવા શિષ્યનો આ પ્રશ્ન
છે. તેને આચાર્યદેવ આસ્રવોથી છૂટવાની રીત બતાવે છે–
છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું.
આવા સ્વાનુભવ વડે જ્ઞાની આસ્રવોને ક્ષય કરે છે,–એમ બતાવીને આચાર્યદેવ
કહે છે કે તારે પણ આસ્રવોનો ક્ષય કરવો હોય તો આ તેની વિધિ છે. આવા
સ્વસંવેદનપ્રત્યક્ષ આત્માને નિર્ણયમાં લઈને તેનો અનુભવ કરતાં તત્ક્ષણે જ આત્મા
આસ્રવોને છોડી દે છે. પહેલાં અજ્ઞાનપણે રાગાદિ આસ્રવોને પકડી રાખતો, તેને બદલે
હવે ભગવાન આત્મા જ્ઞાનસમુદ્રમાં એવો મગ્ન થયો કે આસ્રવોની પકડ છૂટી ગઈ; આનું
નામ ભેદજ્ઞાન, ને આનું નામ ધર્મ. પ્રત્યક્ષઅનુભવ માટેનો વ્યવહાર ક્્યો? કે પહેલાં
જ્ઞાનવડે આત્માના સ્વભાવનો નિર્ણય કરવો. આવા નિર્ણયમાં જ જો ભૂલ હોય તો
આત્માનો સાચો અનુભવ થાય નહિ. રાગને સાધન બનાવીને આત્માનો અનુભવ
કરવા માંગે તો થઈ શકે નહિ. આત્માના પ્રત્યક્ષ અનુભવમાં વચ્ચે બીજું સાધન છે જ
નહિ. આત્માના સ્વભાવને રાગાદિ વિકાર સાથે કારણકાર્યપણું નથી. અહો, આવા
આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો, અને તે પહેલાં તેનો નિર્ણય કરવો–તે કરવા જેવું છે.
રાગ વખતે કાંઈ રાગ તે નિર્ણય કરતો નથી, પણ તે વખતનું જ્ઞાન, પોતાની જાણવાની
શક્તિથી તે નિર્ણય કરે છે. એટલે તે નિર્ણયમાં રાગનું કર્તૃત્વ નથી. તે જ્ઞાનનું જ કાર્ય
છે. આવો નિર્ણય કરવો તે પ્રત્યક્ષ અનુભવ માટેનો ઉપોદ્ઘાત છે.

PDF/HTML Page 5 of 45
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
ગુજરાતમાં
પ્રવેશ્યા ત્યારે
જયપુરમાં ઉત્સવ તથા સમ્મેદશિખરજી વગેરે
તીર્થની યાત્રા કર્યા બાદ પુન: ગુજરાતમાં આવ્યા; ને
ગુજરાતમાં પહેલું પ્રવચન બામણવાડ ગામે થયું.
હજાર ઉપરાંત મુમુક્ષુઓ તેમજ ગ્રામ્યજનો સમક્ષ
ગુરુદેવે અત્યંત સરળ શૈલીમાં રાજાના દ્રષ્ટાંતે
આત્માની સેવા કરવાનો ઉપદેશ આપ્યો.
(ચૈત્ર વદ ૯ તા. ૨–પ–૬૭)
છે; દેહથી ભિન્ન સચ્ચિદાનંદસ્વરૂપ આ જીવરાજા છે. જેમ રાજાને પ્રસન્ન કરવા માટે તેને
ઓળખીને નિઃશંકપણે તેની સેવા કરે છે ને રાજા તેને ધન આપે છે, તેમ આ દેહમાં
રહેલો ચૈતન્યરાજા, તેને ઓળખીને, તેની શ્રદ્ધા કરીને તેમાં એકાગ્રતા દ્વારા તેની સેવા
કરવી.–આ રીતે આત્માની સેવા કરવાથી ધર્મ થાય છે ને સાચું સુખ મળે છે.
અહો, આ તો પંચમકાળમાં સન્તોએ અમૃત વરસાવ્યા છે. ભાઈ, આત્માનું
સ્વરૂપ શું છે તે સમજ્યા વગર પુણ્ય ને પાપ કરી કરીને સ્વર્ગ–નરકાદિ ચાર ગતિમાં તેં
અનંતા અવતાર કર્યા; ભલે તને યાદ નથી પણ તેથી કાંઈ તે વાતનું અસ્તિત્વ મટી ન
જાય. આત્મા તો અનાદિનો છે, તે કાંઈ નવો થયો નથી, તેમજ તેનો નાશ થઈ જતો
નથી. એ તો છે...છે...ને છે...ત્રિકાળી તત્ત્વ છે. અજ્ઞાનભાવે તે સંસારમાં રખડે છે. જો
આત્માનું જ્ઞાન કરીને મોક્ષ પામે તો ફરી તેને ચાર ગતિમાં અવતાર રહે નહીં.
આચાર્યદેવ કહે છે કે ભાઈ! તું તો ચૈતન્યસ્વરૂપ છો, જ્ઞાન–આનંદ વગેરે
અનંતગુણોનો તું ઢગલો છો. તારા ગુણોને ભૂલીને તેં જે અજ્ઞાન અને રાગ–દ્વેષ કર્યા છે,
તે તારો દોષ છે. દેહાદિ પરદ્રવ્ય કાંઈ તારાં થઈ ગયા નથી; એ વસ્તુ તો જુદી છે.
પોતામાં જે રાગ–દ્વેષ–મોહરૂપ મેલ છે તે આત્માની

PDF/HTML Page 6 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
સાચી સમજણ વડે છોડવાના છે. બાકી પર વસ્તુથી પોતાને સુખી માને તે તો ભ્રમણા
છે.
શ્રીમદ્ રાજચંદ્ર નાની ઉંમરમાં કહે છે કે–
આત્મા છે, તે નિત્ય છે,
છે કર્તા નિજકર્મ;
છે ભોક્તા, વળી મોક્ષ છે,
મોક્ષઉપાય સુધર્મ.
* ભાઈ, આત્મા આ દેહથી જુદું જાણનાર તત્ત્વ છે.
* દેહના નાશે તેનો નાશ નથી પણ તે અવિનાશી તત્ત્વ છે.
* તે પોતાના નિજકાર્યનો કર્તા છે, પરનો કર્તા નથી.
* પોતે જે શુભ કે અશુભકર્મ કરે તેના ફળને તે ભોગવે છે.
* શુભાશુભકર્મનો નાશ કરીને શુદ્ધતારૂપ મોક્ષદશા પામે છે.
* અને તે મોક્ષનો ઉપાય સત્ય ધર્મ છે.
સત્ય ધર્મ એટલે શું? આત્માના સ્વરૂપની ઓળખાણ, શ્રદ્ધા અને અનુભવ–તે
ધર્મ છે, ને તે મોક્ષનો માર્ગ છે. માટે મોક્ષાર્થી જીવે અંતરમાં આ રીતે ચૈતન્યરાજાની
ઓળખાણ કરીને તેનું સ્વસંવેદન કરવું. આત્માનું સ્વસંવેદન, એટલે આત્માનો અનુભવ
તે આનંદરૂપ છે. અનુભવનો ઘણો મહિમા છે–
અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોક્ષકા, અનુભવ મોક્ષસ્વરૂપ.
નાની ઉંમરમાં કુવાકાંઠે સાંભળતાં કે–
“અનુભવીને એટલું રે આનંદમાં રહેવું.” ...
ત્યારે એ વાત બહુ ગમતી. આચાર્ય ભગવાને આ સમયસારમાં આત્માના
અનુભવની રીત બતાવી છે. આ રીતથી આત્માને ઓળખીને અનુભવવો–તે મોક્ષનો
ઉપાય છે.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
બોટાદ શહેરના
પ્રવચનોમાંથી ૭૮ પુષ્પો
શ્રી જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા અને
તીર્થયાત્રાના મંગલકાર્યો કરીને ૭૮મી
જન્મજયંતીના ઉત્સવ પ્રસંગે ગુરુદેવ બોટાદ
પધાર્યા ત્યાં આઠ દિવસ રહ્યા, ને સમયસાર
કર્તાકર્મ અધિકાર ઉપર પ્રવચનો થયા. તે
પ્રવચનોમાંથી દોહન કરીને ૭૮ પુષ્પો અહીં
આપવામાં આવ્યા છે. આ પુષ્પોની સૌરભ
મુમુક્ષુના ચિત્તને પ્રસન્ન કરશે.
––બ્ર. હ. જૈન
(૧) દરેક આત્મામાં જીવત્વ નામની શક્તિ છે; આત્માનું ભાન કરીને રાગરહિત
સર્વજ્ઞદશા પ્રગટે, ત્યાં પોતાના જ્ઞાન–આનંદ વગેરે નિર્મળ ભાવો સહિત
આત્મા સાદિ–અનંત જીવન જીવે છે; તે મંગળ છે. સિદ્ધોનું જીવન મંગળ
જીવન છે.
(૨) સર્વજ્ઞસ્વભાવી આત્મા છે, અને તેનું ભાન કરતાં સર્વજ્ઞદશા પ્રગટે છે. એવા
સર્વજ્ઞ પરમાત્મા સીમંધરનાથ અત્યારે વિદેહક્ષેત્રમાં બિરાજી રહ્યા છે.
(૩) તે સીમંધર પરમાત્મા સાથે અમારે પૂર્વ ભવમાં સંબંધ હતો, ને અમારા
ઉપર તેમનો ઉપકાર છે,–તેથી સોનગઢમાં તેમની સ્થાપના કરી છે.
(૪) કુંદકુંદાચાર્યદેવ અહીંથી બે હજાર વર્ષ પૂર્વે સીમંધર પરમાત્મા પાસે વિદેહમાં
પધાર્યા હતા; ને તે વખતે અમે (ગુરુદેવ તથા બહેનોના આત્મા) ત્યાં
મોજુદ હતા, ને કુંદકુંદાચાર્યદેવને સાક્ષાત્ જોયા છે.
(પ) આ રીતે સર્વજ્ઞ ભગવાન પાસેથી જે વાત કુંદકુંદાચાર્યદેવ લાવ્યા, તે જ વાત
ભગવાનની સાક્ષીએ કહેવાય છે.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : પ :
(૬) આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તે જ્ઞાનસ્વરૂપ આત્મા ક્રોધાદિ પરભાવનો કર્તા
થઈને અટકે–તે સંસાર છે, તે અધર્મ છે.
(૭) જ્ઞાન અને ક્રોધાદિ–એ બંનેની ભિન્નતાના ભાન વડે જ્ઞાનમાંથી ક્રોધાદિનું
કર્તૃત્વ છૂટી જાય, ને જ્ઞાનભાવે જ આત્મા પરિણમે તે મોક્ષનું કારણ છે; તે
ધર્મ છે.
(૮) સાધકની દશામાં થોડો રાગનો ભાગ દેખાય, પણ એનો આત્મા રાગમાં
એકત્વપણે નથી વર્તતો, એ તો જ્ઞાનમાં એકત્વપણે જ વર્તે છે.
રાગજ્ઞાનના જ્ઞેયપણે વર્તે છે, પણ જ્ઞાનના કાર્યપણે નહિ. આવું ભેદજ્ઞાન
જ્ઞાનીને વર્તે છે.
(૯) ૪૬ વર્ષ પહેલાં (સં. ૧૯૭૭ માં) અહીં બોટાદમાં ચોમાસું રહેલ, ત્યારે
એક ભાઈએ પૂછેલ કે શ્રીમદ્ રાજચંદ્રને આત્મનું જ્ઞાન હતું તો પછી આ
વેપાર–ધંધા કે સ્ત્રી–પુત્ર વગેરે બધું કેમ? પણ ભાઈ! જ્ઞાનીનો આત્મા
ક્્યાં ઊભો છે તેની તને ખબર નથી. જ્ઞાનીની દશા જોતાં તને નથી
આવડતું; એટલે એ બધું જ્ઞાની કરતા હોય એમ તને ભ્રમથી દેખાય છે.
જ્ઞાની તો જ્ઞાનમાં ઊભા છે, જ્ઞાની રાગમાંય નથી ઊભા, ત્યાં બહારની
તો શી વાત? જ્ઞાનીની દશા રાગથીયે જુદી પરિણમી રહી છે. એ દશા
ઓળખવી જગતને કઠણ પડે છે.
(૧૦) જ્ઞાની તો જ્ઞાન અને રાગ–એ બંને વચ્ચે ભેદ દેખે છે; બંનેનું સ્વરૂપ જુદું
જાણે છે, એટલે તે રાગમાં એકત્વબુદ્ધિથી નથી વર્તતા પણ રાગના અકર્તા
થઈને જ્ઞાનમાં જ તન્મયપણે વર્તે છે.–આનું નામ ભેદજ્ઞાન છે.
(૧૧) અજ્ઞાની રાગ અને જ્ઞાન વચ્ચેના ભેદને જાણતો નથી, એટલે તે તો
જ્ઞાનની જેમ રાગનેય પોતાનું કાર્ય માનીને તેમાં એકત્વબુદ્ધિ કરે છે.–આવું
અજ્ઞાન તે સંસારનું કારણ છે.
(૧૨) ક્રિયાના ત્રણ પ્રકાર: એક જ્ઞાન ક્રિયા; બીજી ક્રોધાદિ ક્રિયા; ને ત્રીજી જડની
ક્રિયા; જ્ઞાની જ્ઞાનક્રિયાના કર્તા છે, અજ્ઞાની ક્રોધાદિ ક્રિયાનો કર્તા છે; જડની
ક્રિયાનો કર્તા કોઈ જીવ નથી.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬: આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
(૧૩) અજ્ઞાનીને રાગથી ભિન્ન ચૈતન્યક્રિયાની ખબર નથી, એટલે તે રાગાદિ
પરભાવની ક્રિયાને નિજસ્વરૂપ માનીને તેના કર્તૃત્વમાં અટકે છે. જ્ઞાન
કર્તા ને રાગ તેનું કાર્ય–એવી જે અજ્ઞાનમય કર્તાકર્મની બુદ્ધિ છે. તે મહા
દુઃખનું કારણ છે. તેને સંસાર કહો, અધર્મ કહો કે પાપ કહો. તે કેમ છૂટે
તેની આ વાત છે.
(૧૪) જ્ઞાન તો આત્માનું નિજસ્વરૂપ છે, ને રાગાદિ તો આસ્રવરૂપ છે, તે
આત્માનું નિજસ્વરૂપ નથી.–આમ બંનેની ભિન્નતા આત્મા જ્યારે ઓળખે
છે ત્યારે તે જ્ઞાનથી ભિન્ન એવા રાગાદિ પરભાવને પોતાના સ્વરૂપમાં
જરાપણ ભેળવતો નથી, પણ જ્ઞાનસ્વરૂપે જ પોતાને અનુભવે છે. એટલે
જ્ઞાનમાંથી રાગાદિ પરભાવોનું કર્તૃત્વ છૂટી જાય છે, ને જ્ઞાનના અતીન્દ્રિય
આનંદનો સ્વાદ આવે છે.–તેને ધર્મ કહો, મોક્ષનો માર્ગ કહો, કે સુખ કહો.
(૧પ) શુભરાગ અને ચૈતન્યભાવ એ બંને જુદા છે, એટલે શુભરાગ વડે
ચૈતન્યભાવ પ્રગટે એવું કારણ–કાર્યપણું તેમને નથી, પણ ચૈતન્યસ્વભાવી
આત્માના આશ્રયે જ ચૈતન્યભાવ (સમ્યગ્દર્શનાદિ) પ્રગટે–એવું કારણ–
કાર્યપણું છે.
(૧૬) ચૈતન્યની અસ્તિમાં રાગની નાસ્તિ, એવું અસ્તિ–નાસ્તિપણું છે; પણ
ચૈતન્યની અસ્તિમાં રાગની પણ અસ્તિ માને તો તેને ચૈતન્યના સાચા
અસ્તિત્વની ખબર નથી, અનેકાન્તની ખબર નથી.
(૧૭) રાગ એ કાંઈ જ્ઞાનનું કાર્ય નથી; જો જ્ઞાન રાગને પણ કરવા માંડે તો
આત્મા જ્ઞાનરૂપ ન રહે પણ રાગરૂપ થઈ જાય. એ જ રીતે આત્મા જો
જડની ક્રિયા કરવા માંડે તો આત્મા જડરૂપ જઈ જાય.–પણ એમ કદી
બનતું નથી. જે જીવ જડના કે રાગના કાર્યને પોતાનું માને છે તેને જડથી
ભિન્ન ને રાગથી ભિન્ન શુદ્ધ આત્મા અનુભવમાં આવતો નથી, એટલે કે
ધર્મ થતો નથી.
(૧૮) જેમ દરિયો અપાર પાણીથી ભરેલો છે ને તેમાં અનેક રત્નો હોય છે, તેમ
આ આત્મા ચૈતન્યરસથી ભરપૂર સમુદ્ર છે ને તેમાં સમ્યગ્દર્શન–
કેવળજ્ઞાન–આનંદ વગેરે અનંત રત્નો ભરેલા છે;–આવો ચૈતન્યરત્નાકર
આત્મા છે. તેનો અપાર મહિમા છે.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
(૧૯) પ્રભો! તારા નિધાન અપાર વૈભવથી ભરેલા છે, જે કદી ખૂટે નહિ.
અહો, આવી વસ્તુને જાણતાં આત્મા પોતે કેવળજ્ઞાનના ભણકાર કરતો
જાગે છે.
(૨૦) ભાઈ, આ તારા પોતાના આત્મ–વૈભવની વાત છે; તે ઝીણી લાગે તોપણ
લક્ષમાં લઈને સમજવાનો પ્રયત્ન કરજે. તારો આત્મવૈભવ લક્ષમાં લેતાં
તને પરમ આનંદ થશે.
(૨૧) જેમ મધુર મોરલીના નાદે સર્પ ડોલી ઊઠે ને ઝેરને ભૂલી જાય, તેમ
સમયસારરૂપી મધુર મોરલીના નાદે આત્માનું સ્વરૂપ બતાવીને સન્તો
કહે છે કે અરે જીવ! તું જાગ...તારી આત્મશક્તિને સંભાળ, ને
મિથ્યાત્વરૂપી ઝેરને ઉતારી નાખ. જેને જાણતાં વિકારરૂપી ઝેર ઉતરી
જાય ને આનંદના અનુભવથી આત્મા ડોલી ઊઠે એવું તારું સ્વરૂપ તને
બતાવીએ છીએ.
(૨૨) જ્ઞાન–આનંદસ્વભાવથી ભરેલો આત્મા, તેના અનુભવથી સર્વજ્ઞપદ જેમણે
પ્રગટ કર્યું એવા ભગવાન અર્હન્તદેવ, તેમની વાણી ઝીલીને અને
આત્મામાં અનુભવીને સન્તોએ તે વાત પ્રસિદ્ધ કરી છે.
(૨૩) આત્માને પરદ્રવ્ય સાથે ને રાગાદિ સાથે કર્તાકર્મની જે મિથ્યાબુદ્ધિ છે તે
સંસારનું કારણ છે–એમ સમજાવ્યું. ત્યારે જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે પ્રભો!
અજ્ઞાનથી ઊભી થયેલી એ કર્તાકર્મની મિથ્યાબુદ્ધિ ક્્યારે છૂટે? કયા
ઉપાયથી એ અજ્ઞાન મટે? તે સમજાવો.
(૨૪) આચાર્યદેવ કહે છે કે જ્યારે જીવને ભેદજ્ઞાન થાય છે ત્યારે એટલે કે હું
ચૈતન્યસ્વરૂપ છું ને રાગાદિ પરભાવો ચૈતન્યથી ભિન્ન છે–તે હું નથી એટલે
હું તેનો રચનાર નથી–એવું ભિન્નસ્વરૂપનું જ્યારે ભાન છે ત્યારે આત્મા તે
પરભાવોને જરાપણ પોતાના કરતો નથી, એટલે અજ્ઞાનજન્ય કર્તાકર્મની
બુદ્ધિ છૂટી જાય છે; ને ત્યારે જ્ઞાનભાવને જ કરતો તે આત્મા મોક્ષમાર્ગને
સાધે છે.
(૨પ) દરેક વસ્તુ પોતાના સ્વભાવથી ભરેલી હોય છે, તેમ આત્મા પોતાના
ચૈતન્યસ્વભાવથી ભરેલો છે. તેનું પોતાના ચૈતન્યભાવરૂપે થવું–પરિણમવું
ને રાગાદિરૂપે ન થવું તે ધર્મ છે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
(૨૬) આત્મગુણોનાં મધુર ગીત ગાઈને જિનવાણી માતા આત્માને જગાડે છે.
અરે જીવ! તું જાગ ને તારા અનંત ગુણનિધાનને સંભાળ.
(૨૭) જેમ જળમાં તેલનો અંદર પ્રવેશ નથી, તે ઉપર ને ઉપર જ તરે છે; તેમ
આત્માના શુદ્ધ ચૈતન્યજળમાં રાગાદિ ચીકણા પરભાવો અંદર પ્રવેશતા
નથી, પણ બહાર જ રહે છે. માટે તેનાથી ભિન્ન તારા ચૈતન્યતત્ત્વને દેખ.
(૨૮) ભગવાન! તારા આવા ચૈતન્યતત્ત્વની પ્રીતિ તેં કદી કરી નથી, ને તેની
વાત પણ પ્રીતિથી સાંભળી નથી. પરભાવની પ્રીતિ કરી છે. એકવાર
આત્માની પ્રીતિ કરીને તેનું શ્રવણ કર, તો અપૂર્વ લાભ થાય.
(૨૯) પાંચલાખની મૂડી હોવા છતાં કોઈ પચીસ લાખ કહે તો ત્યાં લક્ષ્મીની
અધિકતા ગમે છે, તેથી તેની ના નથી કહેતો. અહીં સન્તો ચૈતન્યલક્ષ્મીની
અધિકતા બતાવે છે કે ભાઈ, તારો આત્મા રાગ જેટલો કે અલ્પજ્ઞાન
જેટલો નથી, પણ અનંત જ્ઞાન–આનંદરૂપ ચૈતન્યલક્ષ્મીનો ભંડાર તારામાં
ભર્યો છે.–એમ તારા ચૈતન્યની અધિકતા જાણ, તો તને પરનો પ્રેમ ઊડી
જશે.
(૩૦) આત્મા કેટલો?–કે જેટલું જ્ઞાનનું પરિણમન છે તેટલો જ આત્મા છે;
રાગાદિ પરભાવનું પરિણમન તે ખરેખર આત્મા નથી.
(૩૧) સ્વનું ભવન તે સ્વભાવ છે; આત્માનું ‘સ્વ’ તો જ્ઞાન છે. તે જ્ઞાનનું
રાગથી ભિન્નરૂપે પરિણમવું–તે આત્માનો ધર્મ છે, તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર સમાઈ જાય છે.
(૩૨) જેને જ્ઞાનની પ્રીતિ છે તેને રાગાદિની પ્રીતિ હોતી નથી, એટલે તેનું જ્ઞાન
જ્ઞાનમાં જ તન્મયપણે પરિણમે છે ને રાગમાં તન્મય થતું નથી.–આનું
નામ ભેદજ્ઞાન.
(૩૩) અજ્ઞાની રાગ પરિણમનને જ દેખે છે, રાગથી ભિન્ન જ્ઞાનનું પરિણમન તેને
દેખાતું નથી, એટલે અજ્ઞાનભાવે તે રાગાદિના કર્તાપણે જ પરિણમે છે.
(૩૪) તે કર્તૃત્વ છૂટવાનો ઉપાય ભેદજ્ઞાન છે. આવા ભેદજ્ઞાનનો અભ્યાસ તે
મુમુક્ષુનું પ્રથમ કર્તવ્ય છે.
[વિશેષ માટે જુઓ, પાનું ૨પ]

PDF/HTML Page 12 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
કલકત્તાથી........બોટાદ
તીર્થરાજ સમ્મેદશિખરજીની યાત્રા બાદ રાંચી ધનબાદ વગેરે થઈને કલકત્તા ચાર
દિવસ રહ્યા. કલકત્તાથી તા. ૯ સાંજે ચિન્સૂરા આવ્યા ને બીજે દિવસે ધનબાદ આવ્યા.
થાકને કારણે ગુરુદેવની તબીયત જરા અસ્વસ્થ હોવાથી ધનબાદ બે દિવસ રહ્યા તથા બે
દિવસ ઈસરી રહ્યા. તીર્થરાજની તળેટીના ઉપશાંત વાતાવરણમાં સન્મુખ જ શિખરજીના
દર્શનથી આનંદ થતો હતો, ફરીફરીને તીર્થરાજની યાત્રા કરવાની ભક્તોની ભાવના પૂરી
થતી હતી. તીર્થરાજના પ્રસન્નકારી વાતાવરણમાં બે દિવસ રહેતાં ગુરુદેવની તબીયત
સ્વસ્થ થઈ ગઈ, (ચાર દિવસ દરમિયાન ગયા શહેર, ફત્તેહપુર, મૈનપુરી વગેરેના જે
કાર્યક્રમ હતા ત્યાં ગુરુદેવ પધારી શક્્યા ન હતા. ગયા શહેરમાં તો પાંચ હાથી વગેરે
ઠાઠમાઠ સહિત ભવ્ય સ્વાગતની તૈયારી હતી.) ઈસરીથી ટ્રેઈનદ્વારા કલકત્તા, ત્યાંથી
વિમાન દ્વારા આગ્રા થઈને, તા. ૧પ એપ્રીલ (ચૈત્રસુદ પાંચમ) ના રોજ ગુરુદેવ
ફિરોઝાબાદ પધાર્યા. સંઘના યાત્રિકો કલકત્તાથી ઈસરી, ગયા શહેર, બનારસ, અયોધ્યા
તીર્થ વગેરે થઈને ફિરોઝાબાદ આવી ગયા હતા; ગુરુદેવ પધારતાં ફિરોઝાબાદના સમાજે
તથા યાત્રાસંઘે સ્વાગત કર્યું. શ્રીમાન છદામીલાલજી શેઠે ગુરુદેવ પધારતાં ઉત્સાહ
બતાવ્યો હતો. તેમણે લગભગ વીસ લાખ રૂા. ના ખર્ચે ભવ્ય જિનાલય માનસ્તંભ
વગેરે કરાવેલ છે. માનસ્તંભની કારીગરી સોનગઢના માનસ્તંભને અનુસરતી છે.–આ
જૈન નગરમાં ગુરુદેવનો તથા સંઘનો ઉતારો હતો ને ઉત્તમ વ્યવસ્થા હતી. જિનમંદિરમાં
મહાવીરભગવાનના મોટા પ્રતિમાજી કમળ ઉપર શોભી રહ્યા છે. બીજે દિવસે (તા.
૧૬) બુલંદશહેર આવ્યા; થોડા ઘર છતાં બુલંદ અવાજે ઉત્સાહથી સ્વાગત કર્યું, ને
પ્રવચન, ભક્તિ તેમજ તત્ત્વચર્યાના કાર્યક્રમોમાં ઉલ્લાસથી ભાગ લીધો; ગુરુદેવને
અભિનંદન–પત્ર આપ્યું. આસપાસના ગામેથી પણ સેંકડો લોકો આવ્યા હતા. તા. ૧૭ની
સવારે બુલંદશહેરથી નીકળીને દિલ્હી તરફ આવતાં વચ્ચે ગાઝિયાબાદ તથા શહાદરા
જિનમંદિરે દર્શન કર્યા. અહિંસા મંદિરમાં પણ જઈ આવ્યા. પાટનગર દિલ્હી શહેરમાં
ઉલ્લાસકારી ભવ્ય સ્વાગત (બે હાથી વગેરે સહિત) થયું. શાંતિપ્રસાદજી શાહુ
સ્વાગતાધ્યક્ષ હતા; તેમણે બાલિકાઓના સ્વાગતગીત

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
બાદ ટૂંકું પ્રવચન કરીને ગુરુદેવના પ્રભાવની પ્રશંસા કરી હતી ને પ્રેમ વ્યક્ત કર્યો હતો.
તે ઉપરાંત શ્રી અક્ષયકુમારજી જૈને પણ ઉપાધ્યક્ષ તરીકે સ્વાગત–પ્રવચન કર્યું હતું.
પ્રવચનમાં કર્તાકર્મ અધિકાર વંચાતો હતો ને લાલ કિલ્લા સામે લાલ મંદિરની બાજુમાં
પ્રવચન–મંડપમાં ચાર–પાંચ હજાર શ્રોતાજનો શ્રવણ કરતા હતા.
પ્રથમ દિવસે રાત્રે શેઠ શાંતિપ્રસાદજી શાહુ ગુરુદેવ પાસે આવેલ, ને
ભક્તિપૂર્વક તત્ત્વચર્ચા કરી હતી, આત્માને શાંતિ કેમ મળે તે જિજ્ઞાસાપૂર્વક પૂછતા
હતા. તથા ગુરુદેવને પોતાને ત્યાં ઉતરવા માટે વિંનતિ કરી હતી; તેથી ગુરુદેવ તેમને
ત્યાં પધાર્યા હતા. રાત્રે ચર્ચા થઈ હતી. લાલમંદિરમાં સાંજે ભક્તિ થઈ હતી. તા.
૧૯ના રોજ સવારે પ્રવચન પછી શ્રી જિનેન્દ્ર ભગવાનની ભવ્ય ઉલ્લાસકારી
રથયાત્રા નીકળી હતી; સફેદ અશ્વો સહિત સોનેરી રથ અનેકવિધ કારીગરીથી
શોભતો હતો, ને ભગવાન જિનેન્દ્રદેવના રથના સારથિ તરીકે ગુરુદેવ બેઠા હતા.
ઘણા ઉલ્લાસ અને ભક્તિપૂર્વક રથયાત્રા લાલમંદિરથી શરૂ થઈને વૈઝવાડા–મંદિરે
આવી હતી. બપોરે સમન્તભદ્ર–વિદ્યાલયમાં ગયા હતા; ત્યાં વિદ્યાનંદજી મહારાજ
સાથે મુલાકાત થઈ હતી ને વાત્સલ્યપૂર્વક અનેકવિધ ચર્ચા થઈ હતી; આથી સૌને
વિશેષ પ્રસન્નતા થઈ હતી. શ્રી વિદ્યાનંદજી મહારાજ બપોરે પ્રવચન વખતે પણ
મંડપમાં ઉપસ્થિત હતા; ને પ્રવચન પછી વીસ મિનિટના પ્રવચનમાં પ્રસન્નતા વ્યક્ત
કરી હતી તથા જૈન સમાજમાં શાંતિ વધે એવી પ્રેરણા કરી હતી. ત્યારબાદ વિદ્યાનંદજી
મહારાજના આદેશપૂર્વક શ્રી શાંતિપ્રસાદજી શાહુએ દિલ્હી જૈનસમાજ તરફથી
ગુરુદેવને અભિનંદન–પત્ર અર્પણ કર્યું હતું.
આમ દિલ્હીનો ત્રણ દિવસનો કાર્યક્રમ આનંદપૂર્વક ચાલ્યો હતો, દિલ્હીના
ગૌરવને શોભે એવો ગુરુદેવનો પ્રભાવ હતો. દિલ્હીમાં લગભગ પચીસ જેટલાં
જિનમંદિરો છે, તેમાંથી અનેક મંદિરોના દર્શન યાત્રિકોએ કર્યા. તા. ૧૯ ની સાંજે
યાત્રાસંઘે દિલ્હીથી મથુરા તીર્થધામમાં પ્રસ્થાન કર્યું.
તા. ૨૦ (ચૈત્ર સુદ ૧૧) ના રોજ સવારમાં દિલ્હીથી પ્રસ્થાન કરીને ગુરુદેવ
મથુરા પધાર્યા; મથુરા એ અંતિમ કેવળી ભગવાન જંબુસ્વામીનું મોક્ષધામ છે; તથા
ચોથાકાળમાં ભગવાન રામચંદ્રજીના વખતમાં શ્રી મનુ આદિ સપ્તર્ષિ શ્રુતકેવળી
ભગવંતોના પુનિત ચરણોથી પાવન થયેલું તીર્થધામ છે. આસપાસની ભૂમિમાંથી

PDF/HTML Page 14 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
પ્રાચીન પ્રતિમા વગેરે નીકળી છે. આવા ધામમાં આવતાંવેંત ગુરુદેવ જંબુસ્વામીના
ચરણે ભક્તિથી સ્પર્શ્યા, સપ્તર્ષિમુનિભગવંતોના દર્શન કર્યા; જંબુસ્વામીના
પ્રતિમાજીના પણ દર્શન કર્યા, તથા ભક્તિપૂર્વક પૂ. બેનશ્રી બેને જંબુસ્વામી વગેરેની
પૂજા કરાવી. ધન્ય તે વૈરાગી જંબુસ્વામી–કે જેમણે લગ્નના બીજા જ દિવસે ચાર
સ્ત્રીઓને છોડીને મુનિદીક્ષા ધારણ કરી. અજિતનાથ વગેરે અનેક જિનભગવંતોના
પણ દર્શન કર્યા; ત્યારબાદ જિનમંદિરના ચોકમાં સિદ્ધભગવાનશ્રી જંબુસ્વામીનું
સ્મરણ કરીને ગુરુદેવે ભાવભીનું મંગલ કર્યું; તેમાં કહ્યું કે પ્રભો! આપ તો આ
ભરત ક્ષેત્રના છેલ્લા સર્વજ્ઞ છો ને અત્યારે સિદ્ધાલયમાં (અહીંથી ઉપર
સમશ્રેણીએ) બિરાજી રહ્યા છો. પ્રભો, આપ સર્વજ્ઞ છો, અમે તો આપના બાળક
છીએ, અમારું જ્ઞાન અલ્પ છે, પણ અમારા જ્ઞાનમાં આપને બિરાજમાન કરીને અમે
પણ સિદ્ધપદને સાધીએ છીએ. મથુરા શહેરમાં તથા આસપાસમાં છ–સાત
જિનમંદિરો છે. જંબુસ્વામીવાળા મંદિરની સન્મુખ માનસ્થંભ પણ તૈયાર થઈ ગયો
છે. ગોકુળ અને વૃંદાવન જેવા પ્રસિદ્ધ સ્થાનો પણ આસપાસમાં જ છે. સંઘના
ભોજનની વ્યવસ્થા સૌ. વિમલાબેન ભગવાનદાસ (વછરાજજી શેઠના પુત્રી)
તરફથી તેમના ઘેર થઈ હતી. જંબુસ્વામીના નિર્વાણધામની ને મુનિવરોના ધામની
યાત્રા કરતાં આનંદ થતો હતો. બપોરે સ. ગા. ૬ ઉપર પ્રવચન થયું હતું. તથા રાત્રે
પૂ. બેનશ્રી બેને વૈરાગી જંબુસ્વામી તેમજ સપ્તર્ષિમુનિભગવંતોની ભાવભીની ભક્તિ
કરાવી હતી. સંઘે રાત્રે આગ્રા પ્રસ્થાન કર્યું. ગુરુદેવ બીજે દિવસે સવારમાં
ભાવપૂર્વક જંબુસ્વામી વગેરેના દર્શન કરીને મથુરાથી આગ્રા પધાર્યા; મહાવીર જૈન
કોલેજમાં જિનમંદિરમાં દર્શન કર્યા ત્યારબાદ સ્વાગત થયું, તેમાં આગ્રાની જનતાએ
ઉત્સાહથી ભાગ લીધો હતો. આગ્રા નગરમાં ત્રીસ જેટલા જિનમંદિરો છે. બીજે
દિવસે ચૈત્ર સુદ તેરસનો મહાવીર–જન્મોત્સવ હતો. સવારમાં એક ભવ્ય જુલુસ
નીકળ્‌યું; ખાસ મંડપમાં ગુરુદેવનું પ્રવચન થયું હતું, જેમાં મહાવીર ભગવાનના
અંતરંગ જીવનનું સ્વરૂપ ગુરુદેવે સમજાવ્યું હતું. રાત્રે જિનેન્દ્ર દેવની ભક્તિ થઈ
હતી. બીજે દિવસે સવારમાં આગ્રાથી પ્રસ્થાન કરીને જયપુર પધાર્યા હતા, થાક
અને વિશેષ ગરમીના કારણે ગુરુદેવની તબીયત જરા અસ્વસ્થ હોવાથી આરામ
માટે ચાર દિવસ જયપુર રોકાયા હતા. આથી અજમેર, ચિતોડ, કુણ અને ભીંડરના
કાર્યક્રમો રદ કરવા પડ્યા હતા. તા. ૨૭ના રોજ જયપુરથી સીધા ઉદેપુર એરોપ્લેન
દ્વારા આવ્યા હતા, ને ઉદયપુરથી ૧૨ માઈલ દૂર ડબોક ગામે શાંત વાતાવરણમાં
એક દિવસ આરામ કર્યો હતો, તથા ત્યાંના જુના જિનમંદિરમાં

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
દર્શન કર્યા હતા. (કુણ ગામમાં વેદી–પ્રતિષ્ઠા–મહોત્સવ થયો હતો; તે પ્રસંગે
ગુરુદેવના દર્શન માટે હજારો લોકો એકઠા થયા હતા, પણ ગુરુદેવ પધારી શક્્યા ન
હતા. એ જ રીતે અજમેરમાં પણ ભવ્ય સ્વાગતની તૈયારીઓ હતી) તા. ૨૮ (ચૈત્ર
વદ પાંચમ) ના રોજ ભવ્ય સ્વાગતપૂર્વક ગુરુદેવે ઉદયપુર શહેરમાં પ્રવેશ કર્યો.
પ્રતિષ્ઠા માટેના મંડપમાં ત્રણ–ચાર હજાર માણસોની મેદનીમાં, આત્માનું જીવન
બતાવીને અપૂર્વ માંગળિક કર્યું, ઉદયપુર શહેરના મધ્ય ચોકમાં મુમુક્ષુ ભાઈઓ
તરફથી નવું જિનમંદિર બંધાયુ છે, તેમાં ચંદ્રપ્રભુ વગેરે ભગવંતોની વેદી–પ્રતિષ્ઠાનો
ઉત્સવ ઉજવાયો હતો. આસપાસના અનેક ગામોથી પણ ઘણા લોકો ઉત્સવમાં
આવ્યા હતા, જાણે મેવાડી ને ગુજરાતી બંધુઓનું ધાર્મિક સંમેલન હતું. રાણા
પ્રતાપની આ ઉદયપુર નગરી રળિયામણી છે, ને કુદરતી સૌન્દર્યથી શોભી રહી છે.
જૈનધર્મનું પ્રાચીન ગૌરવ હજી પણ નજરે પડે છે. અહીંના એક મંદિરમાં
સમ્મેદશિખરજી પર્વતની સુંદર આરસની રચના છે. બીજા પણ દશેક જિનમંદિરો છે.
વેદીપ્રતિષ્ઠામાં શાંતિજાપ, જિનબિંબ સ્થાપના, ઝંડારોપણ, પૂજનવિધાન, ઈન્દ્રોની
સ્થાપના, વેદીકળશ–ધ્વજશુદ્ધિ, જલયાત્રા વગેરે બધી વિધિ ઉત્સાહપૂર્વક થઈ હતી.
ગુરુદેવનો ઉતારો ઉદાસીન આશ્રમની સામેના એક મકાનમાં હતો. ચૈત્ર વદ છઠ્ઠની
સાંજે લક્કડવાસ ગામની પાઠશાળાની બાળાઓએ સંવાદ દ્વારા તત્ત્વચર્ચા કરી હતી.
અહીં નાની બાળાઓને પણ છહઢાળા વગેરે મોઢે હતું. આ વખતે એમ થતું હતું કે
જૈનબાળકોમાં ધાર્મિક સંસ્કારો આપવા માટે જેટલી જરૂર જિનમંદિરની છે એટલી
જ જરૂર જૈન પાઠશાળાની છે. આ પ્રત્યે ઘણું વિશેષ લક્ષ આપવાની જરૂર છે.
ઉદયપુરમાં બંને વખત નિયમિતપણે ગુરુદેવના પ્રવચન ચાલતા હતા. ચૈત્ર વદ ૮
તા. ૧–પ–૬૭ ના રોજ સવારમાં જિનમંદિરમાં શ્રી જિનેન્દ્ર ભગવંતોની
મંગલપ્રતિષ્ઠા ઘણા આનંદોલ્લાસપૂર્વક થઈ. મૂળનાયક ભગવાન ચન્દ્રપ્રભુ સ્વામીની
પ્રતિમાના સ્થાપનની ઉછામણી જયપુરના શેઠ શ્રી પૂરણચંદજી ગોદિકાએ રૂા. પંદર
હજાર ને એકમાં લીધી હતી.
સ્વસ્તિક વગેરે કર્યા બાદ ઘણા ભાવપૂર્વક ગુરુદેવે સ્વહસ્તે જિનેન્દ્ર
ભગવંતોને વેદી પર બિરાજમાન કર્યા હતા. ઉદયપુરની જનતાને ઘણો જ ઉલ્લાસ
હતો. પાંચ હજાર કરતાં વધુ મેદની ઉત્સવ જોવા ઊભરાણી હતી. ચંદ્રપ્રભુસ્વામીની
આસપાસ શ્રી નેમિનાથપ્રભુ તથા મહાવીરપ્રભુ બિરાજમાન છે. તથા શાંતિનાથપ્રભુ
અને સિદ્ધપ્રભુ

PDF/HTML Page 16 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
બિરાજે છે. કળશ તથા ધ્વજારોહણ પણ હર્ષથી થયું. તથા જિનવાણી સમયસારની
પણ સ્થાપના થઈ. આમ ગુરુદેવના પ્રતાપે મેવાડમાં રાણા પ્રતાપની રાજધાનીમાં
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા થઈ, તે દેખીને અનેક ભક્તો ભક્તિથી નાચી ઊઠયા
હતા.
જિનેન્દ્રપ્રતિષ્ઠા પછી ગુરુદેવના મંગલ–પ્રવચન બાદ શ્રી જિનેન્દ્રભગવાનની
ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા માટે અજમેરથી એક ખાસ રથ
મંગાવવામાં આવ્યો હતો; આ રથ ૮૦ વર્ષ પહેલાં ૮૦, ૦૦૦ રૂા. માં તૈયાર થયો
હતો, અત્યારે ૪–પ લાખ રૂા. થાય એવો સુંદર ને ભવ્ય સોનેરી રથ હતો. રથમાં
આગળ અંબાડી સહિત બે હાથી તથા બે સફેદ અશ્વ (પ્લાસ્ટરના) ઘણા સુશોભિત
હતા, ને સોનેરી કારીગરીથી શોભતા રથમાં વચ્ચે જિનેન્દ્રદેવ બિરાજતા હતા, બંને
બાજુ ચામર ઢળતા હતા. રથના સારથિ તરીકે ગુરુદેવ બેઠા હતા. આ ઉપરાંત
આગળ હાથી, અજમેર–મંડળી, બેન્ડવાજાં વગેરે અનેક ઠાઠમાઠથી રથયાત્રા શોભતી
હતી. રથયાત્રા લગભગ ત્રણ કલાક સુધી શહેરમાં ફરી હતી, ને આવી ઉલ્લાસકારી
રથયાત્રા દેખીને ઉદયપુરના નગરજનો આશ્ચર્ય પામતા હતા. આ રીતે ઉદયપુરના
મુમુક્ષુ મંડળે આનંદ અને ઉત્સાહપૂર્વક ગુરુદેવની મંગળછાયામાં શ્રી જિનેન્દ્ર
ભગવાનની પ્રતિષ્ઠાનો ઉત્સવ કર્યો હતો. જિનેન્દ્ર ભગવંતોની ભાવભીની પ્રતિષ્ઠા
કરીને બીજે દિવસે (તા. ૨) સવારમાં ઉદયપુરથી બામણવાડા તરફ પ્રસ્થાન કર્યું.
વચ્ચે, ઉદયપુરથી ૪૦ માઈલ પર કેસરીયાજીમાં મંદિરમાં દર્શન કર્યા ને પછી
થોડીવારમાં ગુજરાતમાં પ્રવેશ કર્યો; –પ્રવેશતાંવેંત લખ્યું હતું કે ‘ગુજરાત આપનું
સ્વાગત કરે છે.’ બામણવાડા પહોંચતાં ગુજરાતના ભાઈઓએ તેમ જ ગામની
જનતાએ ઉત્સાહથી સ્વાગત કર્યું. શરૂમાં જ ચૈત્યાલયમાં ભગવાન પાર્શ્વનાથપ્રભુનાં
દર્શન કર્યા...ને માંગળિક પ્રવચન કર્યું. બામણવાળા જોકે નાનું ગામ છે પણ અહીંના
ભાઈશ્રી ચંદુભાઈએ ઉત્સાહપૂર્વક બધી વ્યવસ્થા કરી હતી ને ગુજરાતના સેંકડો
ભાઈઓ પણ આવ્યા હતા. બપોરે પણ આખા ગામની જનતા પ્રવચન સાંભળવા
ઉમટી હતી ને ગુરુદેવે પણ દેશી ગુજરાતી ભાષામાં પ્રસન્નતાપૂર્વક ભાવભીનું
પ્રવચન કર્યું હતું. લગભગ બે માસ બાદ મીઠી ગુજરાતી ભાષામાં ગુરુદેવના
પ્રવચનનો પ્રવાહ મુક્તપણે વહેતો હતો, ને ગ્રામ્યજનતા પણ સમજે એવી સુગમ
શૈલીથી પ્રવચન થયું હતું. પ્રવચન બાદ અહીંના ચૈત્યાલયમાં પૂ. બેનશ્રી–બેને ભક્તિ
કરાવી હતી.–આ

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
રીતે રાજસ્થાન–બિહાર–બંગાળ વગેરે પ્રદેશોની યાત્રા બાદ આજે પુન: ગુજરાત–
પ્રવેશનો જાણે ઉત્સવ થતો હોય!–એવું વાતાવરણ હતું.
બીજા દિવસે સવારમાં ગુરુદેવ ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરમાં પધાર્યા.
અને ત્યાંથી ચૈત્ર વદ દશમ (તા. ૪) ના રોજ બોટાદ શહેરમાં પધાર્યા...જન્મ–જયંતી
ઉત્સવનિમિત્તે ગુરુદેવ પધારતા હોવાથી બોટાદમાં ઉત્સાહભર્યું ભવ્ય સ્વાગત થયું...
મંગળમાં ગુરુદેવે આત્માનું આનંદમય જીવન બતાવ્યું. આત્માને ઓળખતાં પોતાની
જીવત્વ શક્તિની તાકાતથી આત્મા આનંદમય જીવન જીવે છે–તે જીવન માંગળિક છે,
બોટાદનું જિનમંદિર ઊંચું અને વિશાળ છે, મૂળનાયક શ્રેયાંસનાથ ભગવાન, તથા ઉપર
નેમિનાથ ભગવાન વગેરે અનેક જિનભગવંતો બિરાજે છે; જિનમંદિર તેમ જ નગરી
અનેક સુશોભનો વડે શોભે છે અને ગુરુદેવના જન્મોત્સવની ઉત્સાહભરી તૈયારી ચાલી
રહી છે.
एक पिता अपने
पुत्रोंको सीख देता है–
लौकिक योग्यता एवं
सज्जनताके उपरान्त, भगवान
अर्हन्तदेव द्वारा उपदिष्ट रत्नत्रयधर्मको
कभी मत भूलो! शास्त्रज्ञकी संगति
करो। रत्नत्रयसे भूषित सज्जनोंका
आदर व समागम करो। मुनि–
आर्यिका–श्रावक–श्राविका ऐसे चतुर्विध
संघकी जब जब अवसर मिले तब
आदरपूर्वक वन्दना करो
.....और
रत्नत्रयके सेवनमें सदैव तत्पर रहो।

PDF/HTML Page 18 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
ભગવાન ઋષભદેવ
તેમની આત્મિક–આરાધનાની પવિત્ર કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન
[લેખાંક–૧૩]
[ભગવાન ઋષભદેવના દશ ભવની આ ઉત્તમ કથા લગભગ આવતા અંકે પૂરી
થશે. આ પૂરી કથા પુસ્તકરૂપે સુંદર ચિત્રો સહિત છપાઈ ગઈ છે. એ પુસ્તકનું નામ છે–
ભગવાન ઋષભદેવ. ભગવાન ઋષભદેવનો આત્મા મહાબલરાજાના ભવમાં તેના
મંત્રીદ્વારા જૈનધર્મના સંસ્કાર પામ્યો, પછી દેવ થઈને વજ્રજંઘ રાજા થયો, ત્યાં
મુનિરાજને ભક્તિપૂર્વક આહારદાન કરીને ભોગભૂમિમાં અવતર્યો, ને પ્રીતિકર
મુનિરાજના ઉપદેશથી સમ્યક્ત્વ પામ્યો. ત્યાંથી સ્વર્ગમાં જઈને પછી સુવિધિરાજા થયા.
ફરી સ્વર્ગમાં જઈને પછી વજ્રનાભિ ચક્રવર્તી થયા ને તીર્થંકરપ્રકૃતિ બાંધી. ત્યાંથી
સર્વાર્થસિદ્ધિમાં ગયા...ને પછી ઋષભ અવતાર થયો. ઈન્દ્રોએ ગર્ભકલ્યાણક તથા
જન્મકલ્યાણક કર્યા. રાજ વ્યવસ્થા વગેરે દ્વારા પ્રજાપાલન કરીને પછી સંસારથી વિરક્ત
થઈને મુનિ થયા. એક વર્ષ સુધી તપશ્ચર્યા બાદ શ્રેયાંસકુમારના હાથે શેરડીના રસવડે
પારણું કર્યું. અહીં સુધી આપણી કથા પહોંચી છે.)
– * –
આ રીતે ઋષભમુનિરાજને પહેલવહેલું આહારદાન કરીને તેમણે આ ચોવીસીમાં
દાનતીર્થની શરૂઆત કરી. તેમણે નવપ્રકારની ભક્તિ અને શ્રદ્ધા વગેરે સાત ગુણો
સહિત દાન દીધું હતું. મોક્ષના સાધક ધર્માત્માના ગુણો પ્રત્યે આદરપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, જે
દાતા ઉત્તમ દાન દે છે તે મોક્ષપ્રાપ્તિ માટે તત્પર થાય છે. અતિશય ઈષ્ટ તથા સર્વોત્તમ
પાત્ર એવા ભગવાનને શ્રેયાંસકુમારે પૂર્વના સંસ્કારથી પ્રેરિત થઈને નવધાભક્તિથી
પ્રાસુક આહારનું દાન દીધું હતું. ભગવાન ઋષભમુનિરાજ ઊભા ઊભા પોતાના હાથમાં
(કરપાત્રમાં) જ ભોજન કરતા હતા. જે તત્કાળના જન્મેલા બાળક જેવું નિર્વિકાર છે,
સાધારણ મનુષ્ય જેને ધારણ કરી શકતા નથી, જે હિંસાદિથી રહિત છે અને નિર્વાણનું
કારણ છે એવા દિગંબરરૂપને ભગવાન ધારણ કરતા હતા. તેઓ જ્ઞાનદાન દેવા સમર્થ
હતા, ને આહારદાન દેનારને શીઘ્ર સંસારસાગરથી પાર કરનારા હતા. મોક્ષમાર્ગનો
ઉપદેશ દેનારા ભગવાનના બે હાથની અંજલિમાં શ્રેયાંસકુમાર વગેરેએ શેરડીના પ્રાસુક
રસનું (ઈક્ષુરસનું) દાન દીધું. એ દિવસ હતો–વૈશાખ સુદ ત્રીજ.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
એ વખતે આકાશમાંથી દેવો રત્નવૃષ્ટિ કરવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા;
દેવોનાં નગારા ગંભીર નાદથી ગાજવા લાગ્યા, સુગંધી વાયુ વહેવા લાગ્યો ને દેવો હર્ષિત
થઈને “ધન્ય દાન...ધન્ય પાત્ર...ને ધન્ય દાતા...” એવી આકાશવાણી કરવા લાગ્યા.
અહા, દાનની અનુમોદના કરવાથી પણ ઘણા લોકો મહાનપુણ્યને પામ્યા.
અહીં કોઈ આશંકા કરે કે માત્ર અનુમોદના કરવાથી પુણ્યની પ્રાપ્તિ કઈ રીતે
થાય? તો તેનું સમાધાન એ છે કે પુણ્ય અને પાપનું બંધન થવામાં એકલા જીવના
પરિણામ જ કારણ છે, બાહ્યકારણોને તો જિનેન્દ્રદેવે ફક્ત ‘કારણનું કારણ (એટલે કે
નિમિત્ત) કહ્યું છે. જ્યારે પુણ્યના સાધન તરીકે જીવોના શુભ પરિણામ જ પ્રધાનકારણ
છે ત્યારે શુભકાર્યની અનુમોદના કરનાર જીવોને પણ તે શુભફળની પ્રાપ્તિ જરૂર થાય છે.
કૃતકૃત્ય એવા ભગવાન પોતાના આંગણે પધારવાથી અને તેમને આહારદાન
કરવાથી બંને ભાઈઓ પરમ હર્ષથી પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. એ રીતે મુનિઓના
આહારની વિધિ પ્રસિદ્ધ કરીને, અને બંને ભાઈઓને હર્ષિત કરીને ભગવાન પુન: વન
તરફ ચાલ્યા ગયા. કેટલેક દૂર સુધી બંને ભાઈઓ ભક્તિભીનાં ચિત્તે ભગવાનની
પાછળ ગયા, ને પછી રોકાતા રોકાતા પાછા ફર્યા; ક્ષણે ક્ષણે પોતાનું મુખ પાછું વાળીને
તેઓ બંને, નિરપેક્ષપણે વનમાં જઈ રહેલા ભગવાનને ફરીફરીને દેખતા હતા. દૂર દૂર
જઈ રહેલા ભગવાન જ્યાંસુધી દેખાયા ત્યાંસુધી ભગવાન તરફ લાગેલી પોતાની
નજરને તથા ચિત્તવૃત્તિને તેઓ પાછી ખેંચી શક્્યા નહીં. તેઓ વારંવાર ભગવાનની
કથા તથા તેમના ગુણની સ્તુતિ કરતા હતા; ને પૃથ્વીપર પડેલા ભગવાનના ચરણ–
ચિહ્નને (પગલાંને) વારંવાર પ્રેમથી નિહાળીને નમસ્કાર કરતા હતા. નગરજનો આ બે
ભાઈને દેખીને કહેતા કે રાજા સોમપ્રભ મહાભાગ્યવાન છે કે જેમને આવો ઉત્તમ ભાઈ
મળ્‌યો છે. રત્નવૃષ્ટિથી ચારેકોર વેરવિખેર પડેલા રત્નોને નગરજનો એકઠા કરતા હતા.
રત્નોરૂપી પાષાણના ઢગલાથી જે ઊંચુંનીચું થઈ ગયું હતું એવા રાજ–આંગણને
મુશ્કેલીથી ઓળંગીને બંને ભાઈઓ રાજમહેલમાં આવ્યા.
ભગવાન ઋષભદેવને પારણું કરાવવાથી શ્રેયાંસકુમારનો યશ સમસ્ત જગતમાં
પ્રસરી ગયો. મુનિને દાન દેવાની વિધિ સૌથી પહેલાં શ્રેયાંસકુમારે જાણી હતી, ને
ત્યારથી દાનમાર્ગ શરૂ થયો. દાનની આવી વિધિ જાણીને રાજા ભરત વગેરેને મહાન
આશ્ચર્ય થયું; આશ્ચર્યથી તેઓ વિચારવા લાગ્યા કે મૌન ધારણ કરનારા ભગવાનનો
અભિપ્રાય તેણે કેવી રીતે જાણી લીધો? દેવોએ પણ આશ્ચર્ય પામી શ્રેયાંસકુમારનું
સન્માન કર્યું. મહારાજા ભરતે પોતે શ્રેયાંસકુમારને ત્યાં આવીને તેનો આદર

PDF/HTML Page 20 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
કર્યો ને અતિશય હર્ષ વ્યક્ત કરતાં પૂછયું કે હે મહાદાનપતિ! કહો તો ખરા કે
ભગવાનના મનની આ વાત તમે કેવી રીતે જાણી? આ ભરતક્ષેત્રમાં પહેલાં કદી નહિ
દેખેલી એવી આ દાનની વિધિને તમે ન બતાવી હોત તો કોણ જાણી શકત? હે કુરુરાજ!
આજ તમે અમારા માટે ભગવાનસમાન પૂજ્ય બન્યા છો. તમે દાનતીર્થના પ્રવર્તક છો,
મહાપુણ્યવાન છો, આ દાનની બધી વાત અમને કહો.
શ્રેયાંસકુમાર કહે છે: હે રાજન્! આ બધુ મેં ભગવાન સાથેના પૂર્વભવના
સ્મરણથી જાણ્યું છે. જેમ રોગ દૂર કરનારી ઉત્તમ ઔષધિ પામીને રોગી મનુષ્ય પ્રસન્ન
થાય, ને તરસ્યો માનવી પાણીથી ભરેલું સરોવર દેખીને પ્રસન્ન થાય, તેમ ભગવાનના
ઉત્કૃષ્ટ રૂપને દેખીને હું અતિશય પ્રસન્ન થયો, ને તે કારણે મને જાતિસ્મરણ થયું, એટલે
મેં ભગવાનનો અભિપ્રાય જાણી લીધો. પૂર્વે આઠમા ભવમાં જ્યારે ભગવાન વજ્રજંઘ
રાજા હતા ત્યારે વિદેહક્ષેત્રની પુંડરીકિણી નગરીમાં હું તેમની શ્રીમતી નામની રાણી હતી,
અને ત્યારે ભગવાનની સાથે મેં પણ બે ચારણમુનિઓને ભક્તિથી આહારદાન દીધું હતું;
તેના સંસ્કાર યાદ આવતાં આજે પણ મેં એ જ વિધિથી ભગવાનને આહારદાન દીધું.
વિશુદ્ધતા સહિત મુનિવરોને દાન દેવાનો પ્રસંગ મહાન ભાગ્યથી પ્રાપ્ત થાય છે.
દાનનું સ્વરૂપ સમજાવતાં શ્રેયાંસકુમાર ભરતરાજાને કહે છે કે–સ્વ–પરના
ઉપકારને માટે મન–વચન–કાયાની શુદ્ધિપૂર્વક પોતાની વસ્તુ યોગ્ય પાત્રને આપવી તેને
દાન કહે છે. શ્રદ્ધા વગેરે ગુણોસહિત પુરુષ તે દાતા છે; આહાર, ઔષધ, શાસ્ત્ર તથા
અભય એ ચાર વસ્તુઓ દેય (દાનમાં દેવાયોગ્ય) છે. રાગાદિ દોષોથી દૂર ને
સમ્યક્ત્વાદિ ગુણસહિત પુરુષ તે પાત્ર છે. તેમાં જે મિથ્યાદ્રષ્ટિ છે પણ વ્રતશીલસહિત છે
તે જઘન્યપાત્ર છે; અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ મધ્યમ પાત્ર છે; અને વ્રત–શીલ–સહિત સમ્યગ્દ્રષ્ટિ
તે ઉત્તમ પાત્ર છે. વ્રતશીલથી રહિત એવા મિથ્યાદ્રષ્ટિ તે પાત્ર નથી પણ અપાત્ર છે.
મોક્ષના સાધક એવા ઉત્તમ ગુણવાન મુનિરાજને દેવામાં આવેલું આહારદાન
અપુનર્ભવનું (મોક્ષનું) કારણ થાય છે. અહીં જે દિવ્ય પંચાશ્ચર્ય (રત્નવૃષ્ટિ વગેરે) થયા
તે દાનના જ મહિમાને પ્રગટ કરે છે. હવે ભગવાન ઋષભદેવના તીર્થમાં મુનિ વગેરે
પાત્ર સર્વત્ર ફેલાઈ જશે–ઠેર ઠેર મુનિઓ વિચરશે; માટે હે રાજર્ષિ ભરત! આપણે સૌએ
ભક્તિપૂર્વક ઉત્તમદાન દેવું જોઈએ.
આ રીતે દાનનો ઉપદેશ આપીને શ્રેયકુમારે દાનતીર્થનું પ્રવર્તન કર્યું. શ્રેયાંસના
શ્રેયકારી વચનો સાંભળીને ભરતરાજાને ઘણી પ્રીતિ થઈ, ને અત્યંત પ્રસન્નતાપૂર્વક રાજા
સોમપ્રભનું તથા શ્રેયાંસકુમારનું સન્માન કર્યું. પછી ગુરુદેવ–ઋષભનાથના ગુણોનું
ચિન્તન કરતા કરતા તે અયોધ્યાપુરી ગયા.