Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૮૭
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
૨૮૭
સમયસાર હાથમાં આવ્યું ત્યારે.....
ગુરુદેવના હાથમાં પહેલીવાર સં.
૧૯૭૮માં જ્યારે સમયસાર આવ્યું ને
જરાક વાંચ્યું ત્યાં એવો ભણકાર આવ્યો
કે અહો, આ સમયસારમાં અશરીરી
થવાની વાત છે. અશરીરી એવા
સિદ્ધપદનો માર્ગ આમાં બતાવ્યો છે.
અંતરમાંથી સિદ્ધપદના ભણકાર કરતી
સંતોની આ વાણી આવી છે. આ
સમયસારમાં જ્ઞાયકસ્વરૂપ બતાવીને
સિદ્ધપદનો અલૌકિક માર્ગ બતાવ્યો છે.
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૩ ભાદરવો (લવાજમ: ત્રણ રૂપિયા) વર્ષ ૨૪ : અંક ૧૧

PDF/HTML Page 3 of 53
single page version

background image
ક્ષમાપના
શ્રી પંચપરમેષ્ઠી ભગવંતો, જિનવાણીમાતા, અને રત્નત્રયધર્મ–કે જેઓ જગતના
મહા ઉપકારી છે, તેમના પ્રત્યે કદી કાંઈપણ અવિનયાદિ અપરાધ થયો હોય તો અતિ
નમ્રભાવે ભક્તિપૂર્વક ક્ષમાપના ચાહું છું. જેઓનો આ બાલકના જીવનમાં, તેમજ
આત્મધર્મના સર્વે પાઠકો ઉપર મહાન ઉપકાર છે એવા કૃપાળુ ગુરુદેવ, તેમજ બંને
ભગવતી માતાઓ પ્રત્યે પણ જે કાંઈ અપરાધ થયા હોય તે સર્વેની અત્યંત વિનય–
ભક્તિપૂર્વક ક્ષમાપના ચાહું છું. આ ઉપરાંત સમસ્ત સાધર્મી બંધુઓમાં પણ કોઈનું દિલ
દુભાયું હોય તે બદલ હાર્દિક વિનય ને વાત્સલ્યપૂર્વક ક્ષમાપના ચાહું છું. –હરિ.
આજના યુવાનો
સમાજમાં કેટલાક લોકો તેમજ પત્રકારો પણ ઘણીવાર કહે છે કે આજના યુવકો
ધર્મમાં રસ લેતા નથી–પણ અમે નમ્રતાપૂર્વક કહીશું કે એ વાત સાચી નથી; આજના
આપણા હજારો સુશિક્ષિત જૈન યુવક બંધુઓ ધર્મમાં ઘણા ઉત્સાહથી રસ લઈ રહ્યા છે.
માત્ર દર્શન–પૂજન જ નહિ, તે ઉપરાંત ધર્મના તત્ત્વજ્ઞાનમાં પણ ઊંડો રસ લઈ રહ્યા છે,
તત્ત્વચર્ચા કરે છે, ઉત્તમ શાસ્ત્રોનું વાંચન–શ્રવણ કરે છે. માત્ર આત્મધર્મના
બાલવિભાગમાં જ ૬૦૦ ઉપરાંત કોલેજિયન યુવાનો ઉત્સાહથી ધર્મચર્ચામાં ભાગ લઈ
રહ્યા છે, કોલેજના ભણતરની સાથે જ તેઓ ધર્મમાં પણ રસ લઈ રહ્યા છે, તેમજ
મેટ્રિકની આસપાસના પણ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ આમાં ઉત્સાહથી રસ લઈ રહ્યા
છે.–આ ઉપરથી ખ્યાલ આવશે કે આજના યુવકો ધર્મમાં કેટલો રસ લ્યે છે! ખરૂં જોતાં
ગાંધીજીના જમાનામાં યુવાનોમાં જે રાજકીય રંગ હતો તે રાજકીય ઉત્સાહ હવે ઓસરી
રહ્યો છે ને તેને બદલે આપણા જૈનયુવાનોનું વલણ ધાર્મિક ઉત્સાહ તરફ ઝૂકી રહ્યું છે,
વળી આજના યુવાનો અંધશ્રદ્ધાથી નથી દોરવાતા પરંતુ તત્ત્વજ્ઞાનની કસોટીથી પરીક્ષા
કરીને ધર્મનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરે છે–તે પણ સારી વાત છે. આપણે ઈચ્છીએ કે
જૈનસમાજના સમસ્ત યુવાનો અને બાળકો ધર્મમાં વધુ ને વધુ ઉત્સાહથી ભાગ લ્યે,
તેમને તે પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવે–અને તેઓ જૈનશાસનના પ્રભાવને
ઉન્નતિના શિખરે પહોંચાડીને વિશ્વમાં તેનો ધર્મધ્વજ ફરકાવે.
–બ્ર. હ. જૈન.

PDF/HTML Page 4 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ
વીર સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા ભાદરવો
* વર્ષ ૨૪ : અંક ૧૧ *
_________________________________________________________________
શાંતિનો હિમાલય
અહો, જગતમાં આ ચૈતન્યસ્વભાવ એ તો શાંતિનો
ડુંગર છે. ‘હિમાલય’ એટલે બરફનો ડુંગર; તેમ આ
ચૈતન્યસ્વભાવ આત્મા પરમ શાંતરસનો હિમાલય છે. જેમ
ઉનાળાની ગરમીમાં હિમાલયની વચ્ચે જઈને બેસે તો કેવી
ઠંડક લાગે! તેમ પરભાવોની આકુળતાથી બળબળતા આ
સંસારમાં જો શાંતરસના હિમાલય એવા આત્મસ્વરૂપમાં
જઈને બેસે તો ઉપશાંતરસની પરમ ઠંડક એટલે કે નિરાકુળ
શાંતિ વેદાય. પ્રભુ! એકવાર આવા તારા ગુણમાં નજર તો
કર. તારા ગુણના કાર્યને ઓળખીને એની શાંતિનો સ્વાદ
એકવાર ચાખ તો ખરો!–પછી તને તારા એ શાંતરસ પાસે
આખો સંસાર નીરસ લાગશે,–બળબળતા તાપ જેવો
લાગશે. જેમ બરફ એ ઠંડકનો ઢીમ છે તેમ આ ચૈતન્યપ્રભુ
એકલા આનંદનો ઢીમ છે; શાંતરસનો સાગર એનામાં ભર્યો
છે. આવા તારા સ્વભાવમાં જઈને નજર તો કર; વિકારનો
આતાપ એમાં છે જ નહીં. વિકારનો સ્પર્શ પણ તારા
સ્વભાવમાં નથી. આવા સ્વભાવની શાંતિમાં સન્તો વસે છે,
ને જગતને માટે તેમણે આવો સ્વભાવ પ્રસિદ્ધિમાં મુક્્યો છે:
અરે જગતના જીવો! તમારા આવા અદ્ભુત આત્મવૈભવને
તમે જાણો...રે જાણો...જગતના તાપથી બચવા શાંતિના આ
હિમાલયમાં આવો રે આવો.
(–આત્મવૈભવ)

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
* સ્વાનુભવના ચિહ્નરૂપ જ્ઞાનચેતના *
(જ્ઞાનીના હૃદયની વાત)
સં. ૧૯૯૨ ની એટલે કે આજથી ૩૧ વર્ષ પહેલાંની વાત છે. તે વખતે ગુરુદેવ
પાસે સ્વાનુભવની એક અત્યંત મહત્ત્વની ચર્ચા થયેલી. કોઈકવાર પ્રસન્નતાથી ને ઘણા
ગંભીર ભાવથી તે ચર્ચાનો પ્રસંગ યાદ કરીને જ્યારે ગુરુદેવ સંભળાવે છે ત્યારે
જિજ્ઞાસુના રોમેરોમ પુલકિત થઈને જ્ઞાનીના સ્વાનુભવ પ્રત્યે ઉલ્લસી જાય છે. તે
ચર્ચામાં ગુરુદેવે પૂછેલું કે જ્ઞાનચેતનાનું ફળ શું? જ્ઞાનચેતના ઉઘડે એટલે બધા
શાસ્ત્રોના અર્થનો ઉકેલ કરી નાંખેને?
ઉત્તર:– જ્ઞાનચેતના તો અંતરમાં પોતાના આત્માને ચેતનારી છે. જ્ઞાનચેતનાના
ફળમાં શાસ્ત્રના ઉકેલ થવા માંડે–એવું તેનું ફળ નથી, પણ આત્માના અનુભવનો ઉકેલ
પામી જાય એવી જ્ઞાનચેતના છે. જ્ઞાનચેતનાનું ફળ તો એ છે કે પોતાના આત્માને ચેતી
લ્યે. શાસ્ત્રના ભણતર ઉપરથી જ્ઞાનચેતનાનું માપ નથી. જ્ઞાનચેતના તો અંતરમાં
આત્માને ચેતે છે, જ્ઞાનસ્વરૂપ આત્માને જે ચેતે–અનુભવે તે જ્ઞાનચેતના છે.
જ્ઞાનચેતનાનું કાર્ય અંતરમાં આવે છે, બહારમાં નહીં. કોઈ જીવ શાસ્ત્રના અર્થની ઝપટ
બોલાવે માટે તેને જ્ઞાનચેતના ઉઘડી ગઈ એમ તેનું માપ નથી; કેમકે કોઈકને તે
પ્રકારનો ભાષાનો યોગ ન પણ હોય, ને કદાચ તેવો પરનો વિશેષ ઉઘાડ પણ ન હોય;
અથવા કદાચ બહારનો તેવો વિશેષ ઉઘાડ હોય તોપણ કાંઈ જ્ઞાનચેતનાની નિશાની તે
નથી. જ્ઞાનચેતનાનું કાર્ય તો અંતરની અનુભૂતિમાં છે. જ્ઞાનને અંતરમાં વાળીને જેણે
રાગથી ભિન્ન સ્વરૂપને અનુભવમાં લઈ લીધું છે તે જીવને અપૂર્વ જ્ઞાનચેતના અંતરમાં
ખીલી ગઈ છે. એની ઓળખાણ થવી જીવોને કઠણ છે.
જ્ઞાનચેતના એટલે શુદ્ધાત્માને અનુભવનારી ચેતના, તે ચેતના મોક્ષમાર્ગ છે. આ
જ્ઞાનચેતનાનો સંબંધ શાસ્ત્રના ભણતર સાથે નથી. જ્ઞાનચેતના તો અંતર્મુખ થઈને
આત્માના સાક્ષાત્કારનું કાર્ય કરે છે. ઓછું–વધારે જાણપણું હો તેની સાથે સંબંધ નથી,
પણ જ્ઞાનાનંદસ્વભાવની સન્મુખ થતાં જ્ઞાનચેતના પ્રગટે છે. તે જ્ઞાનચેતનામાં આત્મા
અત્યંત શુદ્ધપણે પ્રકાશે છે. આવી જ્ઞાનચેતના ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. જ્ઞાની
આવી જ્ઞાનચેતનાવડે કેવળજ્ઞાનને બોલાવે છે.
(આ પ્રશ્ન–ઉત્તરમાં જ્ઞાનીનું હૃદય ભર્યું છે. આના ભાવો સ્વાનુભવ માટે ખૂબ
ઊંડેથી મનનીય છે. ગુરુદેવ આ ચર્ચાનો ઘણો મહિમા કરે છે.)

PDF/HTML Page 6 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
તારા સમ્યક્ત્વાદિ–કાર્યના
કારણને ક્્યાં શોધીશ?

આત્માના અંતરમાં જે વૈભવ ભર્યો છે તેનું
આ વર્ણન છે. અરે, ચૈતન્યદરબારમાં કેવો અનંત
રત્નોનો સાગર ભર્યો છે! કેવો અચિંત્ય
ચૈતન્યવૈભવ અંદર ભર્યો છે! તે સન્તોએ બતાવ્યો
છે. અહો, આવા નિજવૈભવને કોણ ન દેખે? કોણ ન
લ્યે? કોણ ન અનુભવે? હે જીવો! તમે તમારા
આવા આત્મવૈભવને દેખો, અનુભવો; તમને પરમ
આનંદ થશે.
આ જ્ઞાનસ્વરૂપી આત્મદ્રવ્ય એવું છે કે અન્ય વડે તે કરાયેલું નથી એટલે
‘અકાર્ય’ છે; અને પોતે કોઈ અન્યને કરતું નથી એટલે ‘અકારણ’ છે. આ રીતે
જ્ઞાનસ્વભાવી આત્મા અકાર્યકારણપણારૂપ ધર્મથી સહિત છે. જેમ આત્મદ્રવ્ય પરના
કાર્ય–કારણપણા વગરનું છે તેમ તેના સર્વે ગુણો ને પર્યાયો પણ પર સાથેના કાર્ય–કારણ
વગરનાં છે.
આત્મા પરનું કારણ નથી ને પરનું કાર્ય પણ નથી. આત્માનો સ્વભાવ એવો
સ્વાધીન છે કે પરથી કરાતો નથી; વિકલ્પ કર્તા થઈને આત્માના સ્વભાવનું કાર્ય કરે–
એવો આત્મા નથી. તેમજ આત્મા કારણરૂપ થઈને રાગને કરે–એવો પણ તેનો સ્વભાવ
નથી. આત્માનો સ્વભાવ એવા અકાર્યરૂપ છે કે અન્ય કોઈ કારણોની અપેક્ષા તેને નથી.
નિજસ્વભાવ સિવાય અન્ય કોઈ કારણોને તે પોતાના કારણપણે સ્વીકારતો નથી.
તેમજ કર્મ વગેરે અન્ય પદાર્થનું કારણ થાય એવું કારણપણું પણ આત્માના સ્વભાવમાં
નથી. ત્રિકાળીસ્વભાવમાં તો નથી ને તે સ્વભાવ તરફ ઝુકેલી નિર્મળપર્યાયમાં પણ કોઈ
પરભાવો સાથે કારણ–કાર્યપણું નથી. આત્માની કોઈ શક્તિ (ગુણ) પોતે જો વિકારનું
કારણ થાય તો તો વિકાર સદા થયા જ કરે.–પણ એમ નથી.

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
સ્વભાવ તરફ ઝુકતાં તો વિકાર ટળી જાય છે માટે વિકાર તે સ્વભાવનું કાર્ય નથી.
તેમજ વિકારીભાવો (શુભરાગ) કારણ થઈને આત્માના સમ્યગ્દર્શનાદિ કાર્યને કરે
એમ પણ નથી. જ્ઞાનાદિ નિજશક્તિથી આત્મા સ્વયં નિર્મળ કાર્યરૂપે પરિણમે છે.
આત્માની એક્કેય શક્તિ એવી નથી કે નિજકાર્ય માટે બીજાનું અવલંબન લ્યે. જ્ઞાન
પોતાના કાર્ય માટે બીજાનું અવલંબન લ્યે અથવા તો જ્ઞાન પરિણમીને બીજાનું કાર્ય
કરે–એવું અન્ય સાથે કાર્ય–કારણપણું જ્ઞાનમાં નથી. આત્માની જ્ઞાનશક્તિને
જ્ઞાનાવરણકર્મની સાથે ખરેખર કારણ–કાર્યપણું નથી. આત્માની આવી અકારણ–
કાર્યશક્તિ સર્વગુણોમાં વ્યાપેલી છે એટલે જ્ઞાનની જેમ શ્રદ્ધા, આનંદ વગેરે કોઈ
પણ ગુણને કે તેની પર્યાયને પર સાથે કારણ–કાર્યપણું નથી. શુભ–રાગ કારણ
થઈને સમ્યગ્દર્શનાદિ કાર્યને કરી દ્યે–એમ બનતું નથી. રાગમાંથી સમ્યગ્દર્શનાદિ કાર્ય
આવે તો તો આત્મા રાગમય થઈ ગયો; કેમકે કારણ અને કાર્ય જુદી જાતના ન
હોય.
આત્માની દરેક શક્તિમાં સ્વયં કારણ–કાર્યપણું સમાય છે, પર સાથે એનો
સંબંધ નથી. આનંદનું કારણ કોણ? કે આત્માની આનંદશક્તિ જ આનંદનું કારણ
છે. જ્ઞાનનું કારણ કોણ? કે જ્ઞાનશક્તિ જ જ્ઞાનનું કારણ છે. એમ અનંત ગુણોમાં
પોતપોતાના કાર્યનું કારણ થવાની તાકાત છે. પર સાથે કારણ–કાર્યપણું નથી.
આત્માના અનંતગુણો સદા એકક્ષેત્રે રહેલા છે, ગુણોને ક્ષેત્રભેદ નથી. દ્રવ્ય–ગુણને
સદા એકક્ષેત્રપણું છે ને તેની પર્યાય પણ સ્વક્ષેત્રમાં જ વ્યાપક છે. આત્માના આવા
દ્રવ્ય–ગુણ કે પર્યાયમાં અન્યનું કારણ–કાર્યપણું જરાપણ નથી. જ્યાં અકારણ–
કાર્યસ્વભાવી આવું દ્રવ્ય દ્રષ્ટિમાં લીધું ત્યાં સ્વદ્રવ્યને જ કારણ બનાવીને
નિર્મળપર્યાયરૂપ કાર્ય થાય છે. શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, આનંદમાં બધા
ગુણોની નિર્મળપર્યાયમાં સ્વશક્તિ જ કારણરૂપ છે, બીજું કોઈ કારણ નથી. બીજાને
પોતાનું કારણ બનાવે એવું પરાધીનપણું આત્માના સ્વભાવમાં જ નથી. સ્વ–કારણ–
કાર્યની સ્વાધીન પ્રભુતામાં ભગવાન આત્મા બિરાજી રહ્યો છે.
ભગવાન! તારી શાંતિ માટે, સુખ માટે બીજું કોઈ કારણ છે જ નહીં,
તારામાં જ તારી શાંતિનું, સુખનું કારણ થવાનો સ્વભાવ છે. શ્રી રામચન્દ્રજી જ્યારે
લક્ષ્મણના શરીરને ખભે ઉપાડીને ફરતા, ને જ્યારે સીતાની શોધમાં

PDF/HTML Page 8 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : પ :
વન–જંગલમાં ઘૂમતા, ત્યારે પણ તેઓ આત્માની આવી પ્રભુતાને જાણતા હતા; ને તે
વખતના રાગ સાથે પોતાના સ્વભાવનું કારણ–કાર્યપણું સ્વીકારતા ન હતા. તે વખતેય
પરના કે રાગના કારણ વગર જ તેમના આત્મામાં સમ્યગ્દર્શનાદિ કાર્ય થતું હતું. જ્ઞાનાદિ
નિર્મળભાવોના જ કારણ–કાર્યપણે તેમનો આત્મા પરિણમતો હતો. એ જ રીતે
સીતાજીને પણ વનવાસ વખતે અંદર આવા આત્માનું ભાન હતું. મારા આત્માના જીવન
માટે કોઈ અન્ય કારણ નથી, મારા જ્ઞાનને કે મારા સુખને અન્ય સાથે કારણ–કાર્યપણું
નથી; પરની સાથે કારણ–કાર્યસંબંધ વગરનો મારો નિરપેક્ષ આત્મા જ મારું શરણ છે;
મારા આનંદમાં બીજું કોઈ કારણ થાય તેમ નથી. મારો આનંદ સ્વભાવ જ સ્વયં
પરિણમીને આનંદરૂપ કાર્ય કરે છે. દરેક આત્માનો આવો જ સ્વભાવ છે પણ એને જે
લક્ષમાં લ્યે તેને તે પર્યાયમાં પ્રગટે છે, ને ત્યારે ભગવાન આત્મા પોતાના અનેકાન્ત–
વૈભવથી પ્રસિદ્ધ થાય છે. આત્મામાં નિર્મળ પર્યાયના ઉત્પાદ–વ્યય થાય છે તે તો
સ્વભાવ છે, તેમાં કોઈ બીજું કારણ નથી. તેમજ આત્મા પોતાની પર્યાયવડે કારણ
થઈને બીજાના કાર્યને કરે એમ પણ બનતું નથી. આત્માની જ્ઞાનપર્યાયને પોતાની
જ્ઞાનશક્તિ સાથે જ કાર્ય–કારણપણું છે, જ્ઞાનાવરણાદિ પર સાથે તેને કારણ–કાર્યપણું
નથી.
લોકો કહે છે કે કારણને શોધો.–પણ ભાઈ! તું કારણને ક્્યાં શોધીશ?–તારામાં
કે પરમાં? પરમાં તો તારું કારણ છે જ નહીં, એટલે એમાં શોધવું નકામું છે. તારો
સહજસ્વભાવ જ તારા કારણરૂપે પરિણમીને તને કેવળજ્ઞાન આપે એવો છે.
પ્રવચનસારમાં આચાર્યદેવ કહે છે કે જ્ઞાનસ્વભાવને જ કારણપણે ગ્રહવાથી તુરત જ
કેવળજ્ઞાન પ્રગટે છે. નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી–કે જેથી
શુદ્ધઆત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો
નકામા પરતંત્ર થાય છે.
પોતે કારણરૂપ થઈને બીજાનું કાર્ય કરે નહિ એવો ‘અકારણ’ સ્વભાવ, અને
બીજાને કારણ તરીકે સ્વીકારીને પોતે તેનું કાર્ય ન થાય એવો ‘અકાર્ય’ સ્વભાવ; આવો
અકારણ–કાર્યસ્વભાવ આત્મામાં ત્રિકાળ છે; તે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે,
એટલે જેમ ત્રિકાળી દ્રવ્ય–ગુણ અન્યથી કરાતા નથી તેમ પર્યાય પણ અન્યથી કરાતી
નથી. વાહ! કેટલી સ્વાધીનતા!

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
આત્માને પોતાના ધર્મની પરિણતિ માટે દેહાદિની ક્રિયા સાધન થાય એમ માને તેને
આત્માના સ્વભાવની ખબર નથી. પરમેશ્વરપણું પોતામાંથી પ્રાપ્ત થાય ને બીજાની
ઓશીયાળ ન રહે એવી આ વાત છે. આવો જ આત્માનો વૈભવ છે. આ વસ્તુ
લક્ષમાં લ્યે તો ઉપાદાન–નિમિત્ત કે નિશ્ચય–વ્યવહાર વગેરે બધા તત્ત્વોનો નિર્ણય
થઈ જાય. અરે આત્મા! તારામાં પ્રભુતાનું પરમ સામર્થ્ય ભર્યું છે પછી તારે બીજા
કોની મદદ લેવી છે? તારી શક્તિમાં એવી કોઈ અધૂરાશ ક્્યાં છે કે તારે બહારમાં
બીજા કારણને શોધવા પડે? અરે, સ્વશક્તિમાં મહાન સામર્થ્ય છે તેને ભૂલીને,
નિમિત્તકારણ પાસે દીનતા કરીને તું કેમ અટક્યો? પરને કારણે આત્મામાં હીનતા
થાય એ વાત તો દૂર રહો, ને પોતાની પર્યાયને કારણે હીનતા થાય તે પણ
આત્માના સ્વભાવમાં નથી. દીનતા કે હીનતા વગરનો આત્મસ્વભાવ છે તેની
શક્તિમાંથી તો પૂરો વિકાસ જ પ્રગટે, અને તે પણ અન્ય કારણ વગર જ પ્રગટે
એવો આત્માનો સ્વભાવ છે. સ્વભાવનો આવો વૈભવ તારામાં ભર્યો જ છે, તેમાં
નજર કર એટલી જ પ્રગટવાની વાર છે.
સમયસાર ગા. ૭૨માં આત્મા અને આસ્રવોની ભિન્નતાનું વર્ણન કરતાં
આચાર્યદેવ કહે છે કે–આસ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે;
અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા–સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ
કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ છે. આત્મા પોતે નિજસ્વભાવથી
દુઃખનું કારણ હોઈ શકે નહિ, દુઃખનું કારણ તો નવા આગન્તુક મલિન આસ્રવભાવો
છે. આત્માનો સ્વભાવ દુઃખનું કારણ નથી. ગુણસ્વભાવ આત્મા પોતાના ગુણોના
કાર્યનું કારણ થાય છે, પણ અન્યનું કારણ થતો નથી. જો બીજા સાથે કારણ–
કાર્યપણું કરવા જાય તો ત્યાં આકુળતા ને દુઃખની ઉત્પત્તિ થાય છે. આ રીતે પર
સાથે એકત્વબુદ્ધિરૂપ આસ્રવ તે દુઃખનું કારણ છે ને ભગવાન આત્મા સ્વયમેવ
સુખરૂપ હોવાથી દુઃખનું કારણ નથી.– આમ ભિન્નતા જાણીને, ક્રોધાદિથી ભિન્ન
આત્મસ્વભાવનો અનુભવ કરતાં આત્મા નિર્મળ સુખરૂપે પરિણમે છે, ને દુઃખરૂપ
એવા આસ્રવભાવો છૂટી જાય છે.
આ ચૈતન્યદરિયામાં અનંત ગુણરત્નો ભર્યા છે, એકેક રત્ન મહાન છે;

PDF/HTML Page 10 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
આવો મહા ચૈતન્ય–રત્નાકર આત્મા જગતમાં સૌથી શ્રેષ્ઠ રત્ન છે. આવા શ્રેષ્ઠ ચૈતન્ય–
રત્નોનો મહા મોટો ભંડાર તું પોતે, ને બીજેથી તું સુખ લેવા જા એ તો, મીઠા પાણીના
દરિયામાં રહેતું માછલું પોતાની તરસ છીપાવવા બીજા પાસે પાણી માંગે એના જેવું છે.
જેમ ચક્રવર્તીરાજા બીજા પાસે ભીખ માંગે એ શોભે નહીં; તો ચક્રવર્તી પણ જેને સેવે
એવો આ મોટો ચૈતન્ય–ચક્રવર્તી, તે પોતાનું સુખ બીજા પાસે માંગે એ તેને શોભતું
નથી. આત્મા પોતે પોતાના સ્વભાવના સેવનથી જ શોભે છે. હે જીવ! તારું રૂપ તો
સ્વાધીનપણે પરિપૂર્ણ છે તેને બદલે પરને લઈને મારામાં ગુણ થાય એમ તું માને છે તે
તો તને મોહનું ભૂત વળગ્યું છે.
તારા કારણ–કાર્ય તારામાં છે–એ વાત સમજાવીને સંતોએ અપૂર્વ
સ્વાધીનતાનું જ્ઞાન કરાવ્યું છે. સ્વાધીન હોવા છતાં પોતે પોતાને પરાધીન માની
બેઠો હતો. ભાઈ, તારા કાર્યનું કારણ તારામાં જ છે, પરની સાથે તારા કોઈ પણ
ગુણને કારણ–કાર્યપણું છે જ નહિ, પછી બીજે શોધવાનું ક્્યાં રહ્યું? અંતર્મુખ થઈને
પોતાના સ્વભાવને જ સાધન બનાવ. સ્વભાવને સાધનપણે અંગીકાર કરતાં,
આત્મા પોતે સાધન થઈને કેવળજ્ઞાનાદિ કાર્યરૂપે પરિણમી જાય છે. પરના
અવલંબને કે રાગના અવલંબને આત્મામાં કેવળજ્ઞાનાદિ કાર્ય થાય–એવો આત્માનો
સ્વભાવ નથી. તેમજ પરવસ્તુમાં પણ એવો સ્વભાવ નથી કે તેઓ આત્માને કાંઈ
આપે, અથવા આત્માનું સાધન થાય.
અહા, કેટલો સ્વાધીન સ્વભાવ! કેટલી નિરાકુળતા ને કેટલી શાંતિ!
અનંત ગુણના વૈભવવાળા આ આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જે રાગને
કરે ને કર્મને કારણરૂપ થાય. અને આત્મગુણના આશ્રયે જે નિર્મળ પરિણતિ પ્રગટી
તે પણ અન્યને (રાગને કે કર્મને) કારણરૂપ થતી નથી કે અન્યને પોતાનું કારણ
બનાવતી નથી. ધર્મીનો આત્મા કારણ થઈને રાગને કરે કે મકાન વગેરેની રચના
કરે–એમ નથી. જે શુભરાગ થાય તે રાગનું કારણ થવાનો આત્માનો સ્વભાવ નથી;
તેમજ પોતાના સ્વભાવકાર્યમાં રાગને કારણ બનાવે એવો પણ આત્માનો સ્વભાવ
નથી. આવો સ્વભાવ જેણે પ્રતીતમાં લીધો તેને અકારણ–કાર્ય–સ્વભાવનું સમ્યક્
પરિણમન પ્રગટ્યું, એટલે રાગાદિના કર્તૃત્વરહિત જ્ઞાનભાવપણે જ રહેતો તે મોક્ષને
સાધે છે.

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
શરીરાદિના કોઈપણ કાર્યનું કારણ થાય એવો કોઈ સ્વભાવ આત્માના દ્રવ્યમાં
ગુણમાં કે પર્યાયમાં નથી. તેમજ શરીરાદિને કારણ બનાવીને આત્મા તેનાથી કાંઈ ધર્મ
કરે–એવો પણ સ્વભાવ નથી. આત્માને કાંઈ આપે એવો સ્વભાવ જડમાં નથી, ને
જડમાંથી કાંઈ લ્યે એવો સ્વભાવ આત્મામાં નથી. આત્માને પરની સાથે કારણ–
કાર્યપણાનો અભાવ છે. કારણ–કાર્યની વાત કાઢી નાંખીને પરની સાથેનો સંબંધ જ
તોડી નાખ્યો, એટલે હવે પોતાના ત્રિકાળી દ્રવ્ય–ગુણ સાથે જ પર્યાયનો સંબંધ થયો,
પર્યાય પરથી પાછી વળીને સ્વદ્રવ્ય તરફ વળી; પોતાના શુદ્ધ દ્રવ્યગુણમાં એકાગ્ર થતાં
પર્યાય પણ તેવી નિર્મળ થઈ. તે પર્યાયમાં પરની સાથે (રાગની સાથે) કારણ–
કાર્યપણાનો કાંઈ સંબંધ નથી. આનું નામ ધર્મ, ને આ મોક્ષનો માર્ગ.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે
છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ,
નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.
છૂટે રાગ–અધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ,
નહીં ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ.
દેહ હું, રાગ હું, ને તે મારું કાર્ય એવી જે રાગ સાથે એકત્વબુદ્ધિ, તેને લીધે
અજ્ઞાની રાગાદિનો કર્તા થાય છે; હું તો જ્ઞાન છું, રાગ હું નથી, ને રાગ મારા જ્ઞાનનું
કાર્ય નથી–એવી ભિન્નતાના ભાન વડે જ્યાં રાગ સાથે એકતાબુદ્ધિનો અધ્યાસ છૂટી
ગયો ત્યાં ધર્મીજીવ જ્ઞાનરૂપે જ પરિણમે છે, તે રાગાદિનો કર્તા–ભોક્તા થતો નથી.
આવી દશા પ્રગટે તેનું નામ ધર્મ છે.
અશુદ્ધઉપયોગના નાશને માટે ધર્મી જીવ કેવી મધ્યસ્થ–ભાવના પ્રગટ કરે છે તેનું
હું દેહ નહીં, વાણી ન, મન નહીં, તેમનું કારણ નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. (૧૬૦)
જેને દેહાદિનાં કાર્યો પ્રત્યે કર્તૃત્વબુદ્ધિ હોય તેને તેમાં મધ્યસ્થતા રહી શકે જ
નહીં. ધર્મી જાણે છે કે હું દેહાદિનો આધાર નથી, કર્તા નથી, કારણ

PDF/HTML Page 12 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
નથી; મારા આધાર વિના જ, મારા કર્તૃત્વ વિના જ, મારા કારણ થયા વિના જ, તેઓ
સ્વતંત્રપણે પરિણમી રહ્યાં છે; માટે તેના પક્ષપાત રહિત હું અત્યંત મધ્યસ્થ છું.
જ્ઞાનસ્વરૂપ આત્માનો આવો મધ્યસ્થ સ્વભાવ છે.
ધર્મીએ આવો આત્મા જાણ્યો છે. બધાય આત્માનો આવો જ સ્વભાવ છે
પણ અજ્ઞાની તેને જાણતો નથી, વિપરીત માને છે; ને જ્ઞાની તેને યથાર્થ જાણે છે.
આત્મા બીજાનું કાંઈ કરી ન શકે તો તો તે શક્તિહીન થઈ ગયો–એમ અજ્ઞાનીને
લાગે છે, પણ ભાઈ! તારી સ્વશક્તિ તો તારામાં કામ કરે કે પરમાં? જો તારો
આત્મા પરનાં કામ કરે ને પર ચીજ તારા આત્માનું કામ કરે,–તો તારા કાર્ય માટે
તારે પર સામે જ જોવાની ઓશીયાળ રહી,–એ તો મહા વિપરીતતા છે,
પરાધીનતા છે, દુઃખ છે. તારી સ્વશક્તિ તારામાં, તે સ્વાધીનપણે નિજકાર્ય કરે છે,
પોતાના કાર્ય માટે તેને પરની જરાય અપેક્ષા નથી. આવું અકારણ–કાર્યપણું તારા
આત્મામાં છે, તેમજ બધાય પદાર્થોમાં છે. તારા અકારણ–કાર્ય સ્વભાવને લીધે
તારા બધા ગુણોમાં ને તેની પર્યાયોમાં અકારણ–અકાર્યપણું છે, તારા એક્કેય
ગુણમાં કે એક્કેય પર્યાયમાં પર સાથે કારણ–કાર્યપણું નથી. તારો સ્વભાવ કારણ
ને તારી પર્યાય કાર્ય; શુદ્ધસ્વભાવરૂપ જે કારણ તેનું કાર્ય પણ શુદ્ધ છે, અશુદ્ધતા તે
ખરેખર શુદ્ધશક્તિનું કાર્ય નથી. અશુદ્ધતાનું કારણ થવાનો કોઈ ગુણ આત્મામાં
નથી. આવી શુદ્ધ શક્તિવાળા જ્ઞાનમાત્ર આત્માને (–શુદ્ધકાર્ય સહિત) સમ્યગ્દ્રષ્ટિ
દેખે છે.
મહાત્મા કહે છે કે અરે આત્મા! ભગવાન તીર્થંકરદેવે આવો આત્મા જાણીને
કહ્યો છે, સંતોએ પોતાના અંતરમાં આવો આત્મા અનુભવ્યો છે. તારા આવા
આત્માને ભૂલીને તું ચાર ગતિમાં રખડયો ને તેં મહા દુઃખ ભોગવ્યા. તારો
સ્વભાવ મોટો છે ને તારા દુઃખની વીતકકથા પણ મોટી છે; તે દુઃખ મટાડવાની, ને
આત્મસુખ પ્રાપ્ત કરવાની આ વાત છે. તારા સ્વવૈભવને સંભાળતાં તેમાં દુઃખ
ક્્યાંય છે જ નહીં. જૈનશાસનમાં વીતરાગી સન્તોએ આવા આત્મવૈભવની પ્રસિદ્ધિ
કરી છે.
(આત્મવૈભવનું એક પ્રકરણ: વધુ આવતા અંકે)
* * *

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
(અંક ૨૮૬ થી ચાલુ) * (લેખાંક પ૪)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
દેહ અને આત્માનો સંયોગ દેખીને અજ્ઞાની તે બંનેની ક્રિયાઓ એકબીજામાં
ભેળવી દ્યે છે, બંનેના ભિન્ન લક્ષણોને જાણતો નથી ને બંનેની ભિન્ન ક્રિયાઓ ઓળખતો
નથી–એ વાત ૯૧ મી ગાથામાં કરી. હવે ૯૨ મી ગાથામાં કહે છે કે–દેહ અને આત્માનો
સંયોગ હોવા છતાં, ભેદજ્ઞાની અંતરાત્મા તેમને ભિન્ન ભિન્ન સમજે છે ને એકબીજામાં
ભેળવતો નથી–
द्रष्टभेदो यथा द्रष्टिं पंगोरन्धे न योजयेत्।
तथा न योजयेत् देहे द्रष्टात्मा द्रष्टिमात्मनः।।९२।।
જેણે દ્રષ્ટિવંત પંગુ અને દ્રષ્ટિહીન અંધ એ બંને વચ્ચે ભેદ જાણ્યો છે એટલે કે
દેખવાનું કામ તો પંગુનું છે ને ચાલવાનું કામ અંધનું છે એમ ભિન્નતા જાણે છે તે જીવ
પંગુની દ્રષ્ટિને અંધમાં આરોપતો નથી; તેમ જેણે ચેતનવંત એવો જીવ અને ચેતનહીન
એવું જડ–શરીર એ બંને વચ્ચે ભેદ જાણ્યો છે, જાણવાનું કાર્ય તો જીવ કરે છે, ને
શરીરની ચેષ્ટાઓ તો જડની છે–એમ બંનેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જેણે જાણ્યું છે તે
ચેતનના ભાવને જડમાં ખતવતો નથી, આત્માને દેહની ક્રિયામાં જોડતો નથી એટલે કે
દેહની ક્રિયા આત્મા કરે છે–એમ તે દેખતો નથી, પણ દેહ અને આત્મા બંનેની ક્રિયાને
ભિન્ન ભિન્ન જ દેખે છે.–આવી ભિન્નતા દેખનાર અંતરાત્મા છે.
જુઓ, ઇંદ્રિયોમાં કાંઈ જાણવાની તાકાત નથી. કોઈને જાતિસ્મરણ થતાં પૂર્વના
અનેક ભવો દેખાય,–તે શું આંખથી દેખાય છે? જ્ઞાનથી જ તે દેખાય છે. અવધિજ્ઞાનીને
અહીં બેઠા બેઠા સ્વર્ગ–નરક સાક્ષાત્ દેખાય, તે શું આંખની તાકાત છે?–નહિ, જ્ઞાનની
જ જાણવાની તાકાત છે. આંખ તો એકકોર બહાર રહી જાય છે. સર્વજ્ઞ પરમાત્મા
આંખના અવલંબન વગર આત્મામાં જ એકાગ્રતાથી આખા જગતને સાક્ષાત્ દેખે છે–
જાણે છે. જાણવું તે ઈન્દ્રિયોની ક્રિયા નથી, જાણવું તે તો જ્ઞાનની ક્રિયા છે,–એમ ધર્મી
બંનેને ભિન્ન ભિન્ન ઓળખે છે.
દેહ અને આત્મા સંયોગમાં રહ્યા ત્યાં અજ્ઞાનીને એમ થાય છે કે દેહનાં કામ જાણે
આત્મા જ કરે છે; અથવા આ આંખ વગેરે

PDF/HTML Page 14 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
જડ ઈન્દ્રિયો જાણવાનું કામ કરે છે. પણ જડ અને ચેતનની ભિન્ન ભિન્ન ક્રિયાને તે
ઓળખતો નથી. ભાઈ, જાણવાનું કામ કાંઈ આ આંખ નથી કરતી, જાણવાનું કામ તો
અંદર જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કરે છે. ધર્મી–અંતરાત્મા જાણે છે કે જ્ઞાતાદ્રષ્ટા તો હું છું,
મારો જ્ઞાન–દર્શનસ્વભાવ આ દેહમાં નથી, દેહથી તો હું તદ્ન જુદો છું. પોતાના
જ્ઞાનસ્વરૂપ આત્માને શરીરાદિ પદાર્થોથી અત્યંત ભિન્ન તે અનુભવે છે.
ભાઈ, શરીર ને આત્મા તો અત્યંત ભિન્ન છે; સંયોગે રહ્યા હોવા છતાં બંનેના
સ્વભાવ વચ્ચે અત્યંત અભાવરૂપી મોટો પર્વત ઊભો છે; એકબીજાનો અંશ પણ
એકબીજામાં ભેળસેળ થતો નથી. એક રૂપી, બીજો અરૂપી; એક જડ બીજો ચેતન, એમ
બંનેના સ્વભાવની તદ્ન ભિન્નતાને જ્ઞાની જાણે છે. જ્યાં પોતાના જ્ઞાનમાં રાગના
અંશનેય નથી ભેળવતા ત્યાં જડને તો પોતામાં જ્ઞાની કેમ માને? દેહથી ને રાગથી
પોતાના આત્માને અત્યંત જુદો અનુભવે છે.
[વીર સં. ૨૪૮૨: શ્રાવણ સુદ ૯]
ભેદજ્ઞાની જીવ જડ–ચેતનની ભિન્નતા જાણે છે; ને અજ્ઞાની તે બંનેને એક માને
છે; તે વાત અહીં લંગડા ને આંધળાના દ્રષ્ટાંતથી સમજાવી છે. આંધળાના ખભા ઉપર
લંગડો બેઠો હોય, ને લંગડો માર્ગ જાણે તે પ્રમાણે આંધળો ચાલે,–ત્યાં અજ્ઞાનીને ભ્રમથી
તે બંનેની એક ક્રિયા લાગે છે, પણ ખરેખર ત્યાં જાણવાની ક્રિયા લંગડાની છે, ને
ચાલવાની ક્રિયા આંધળાની છે. તેમ શરીર અને આત્મા એક ક્ષેત્રમાં રહ્યા છે ત્યાં
આત્માની ક્રિયા તો જાણવાની જ છે, ને શરીર ચાલે–બોલે કે સ્થિર રહે તે બધી ક્રિયાઓ
શરીરની જ છે. છતાં અજ્ઞાની ભ્રમથી દેહની ક્રિયાઓને જ આત્માની માને છે, જ્ઞાની તો
બંનેની ક્રિયાઓને સ્પષ્ટ ભિન્નભિન્ન જાણે છે. આ જાણવાની

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
ક્રિયા તો મારી છે, ને આ શરીરની ક્રિયાઓ મારી નથી પણ જડની છે–આમ જાણનાર
ભેદજ્ઞાની ધર્માત્માને શરીરાદિમાં પોતાપણાની કલ્પના કદી થતી નથી. ચેતનાગુણ તો
આત્માનો છે, તે કાંઈ શરીરનો નથી, શરીર તો ચેતનારહિત જડ છે,–એવું જાણનાર જ્ઞાની
પોતાની જ્ઞાનક્રિયાને શરીરમાં નથી જોડતા, આ ઈન્દ્રિયો વડે હું જાણું છું–એમ નથી માનતા,
તેમજ શરીરની ક્રિયાઓ મારાથી થાય છે–એમ પણ કદી માનતા નથી. શરીરને અને
આત્માને ભિન્નભિન્ન જાણીને આત્મામાં જ જ્ઞાનને જોડે છે–તેમાં જ એકતા કરે છે.
આત્મા જાણનાર અંદર બેઠો છે માટે આત્માને લીધે દેહાદિની હાલવા–ચાલવા–
બોલવાની ક્રિયાઓ વ્યવસ્થિત થાય છે–એમ નથી. આત્મા જાણનાર–દેખનાર છે તે
શરીરાદિની ક્રિયાઓ પણ જાણનાર જ છે, પણ તેની ક્રિયાનો કરનાર આત્મા નથી.
પ્રશ્ન:– આત્મા ન હોય ત્યારે કેમ શરીરની ક્રિયા થતી નથી?
ઉત્તર:– આત્મા ન હોય ત્યારે શરીર સ્થિર રહેલું છે તે પણ તેની એક ક્રિયા જ
છે, તે વખતે પણ તેનામાં અનંતા રજકણો ક્ષણે ક્ષણે આવે છે ને જાય છે. જેમ ચાલવું તે
એક ક્રિયા છે તેમ સ્થિર રહેવું તે પણ એક ક્રિયા છે. આત્મા હોય ત્યારે પણ શરીરની
ક્રિયા શરીરથી થાય છે, ને આત્મા ન હોય ત્યારે પણ શરીરની ક્રિયા શરીરથી જ થાય
છે. આત્મા તો જ્ઞાનક્રિયાનો જ કરનાર છે. આત્મા હોય ને ભાષા બોલાય, ત્યાં ખરેખર
આત્મા તે ભાષાનો જાણનાર જ છે, પણ અજ્ઞાની ભ્રમથી એમ માને છે કે “હું ભાષા
બોલ્યો.” જ્ઞાની પોતાની જ્ઞાનક્રિયા સિવાય દેહાદિની કોઈ ક્રિયાને પોતાની માનતા નથી;
તે તો જ્ઞાનસ્વભાવને જ પોતાનો જાણીને તેમાં જ એકાગ્રતા કરે છે.
।। ૯૨।।
અજ્ઞાની બહિરાત્માની બધી અવસ્થાઓ ભ્રમરૂપ છે, ને જ્ઞાની અંતરાત્મા સર્વ
અવસ્થાઓમાં ભ્રાંતિરહિત જ છે,–એમ હવે કહે છે–
सुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमोऽनात्मदर्शिनाम्।
विभ्रमोऽक्षीणदोषस्य सर्वावस्थाऽऽत्मदर्शिनः।।९३।।
બહિરાત્માને એમ લાગે છે કે સુપ્ત કે ઉન્મત્ત અવસ્થા તે જ ભ્રમરૂપ છે, જાગૃત
દશા વખતે તેને ભ્રમ લાગતો નથી; પણ જ્ઞાની તો જાણે છે કે જે બહિરાત્મા છે તેની
બધી જ અવસ્થા ભ્રમરૂપ છે; તે ભલે ભણેલો–ગણેલો ને ડાહ્યો હોય, જાગતો હોય,
તોપણ પોતાને દેહાદિરૂપ માનતો હોવાથી તે ભ્રમમાં જ પડેલો છે, મોહથી તે ઉન્મત્ત જ
છે. જગત કહે છે કે ડાહ્યો છે, જ્ઞાની કહે છે કે ગાંડો છે. હું ચૈતન્ય છું એવું જેને ભાન
નથી ને દેહને જ પોતાનો માની રહ્યા છે તે ગાંડા જ છે.
અને તેથી ઊલટું લઈએ તો, જ્ઞાની ધર્માત્માની બધી અવસ્થાઓ ભ્રમરહિત જ
છે. કદાચિત ઉન્મત્ત જેવા દેખાય કે ઊંઘમાં

PDF/HTML Page 16 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
હોય તોપણ તે વખતે ય જ્ઞાનીની દશા ભ્રમરૂપ નથી, પણ ચૈતન્યસ્વરૂપમાં તે જાગૃત જ
છે, દેહાદિમાં પોતાપણાનો ભ્રમ તેને થતો નથી. જુઓ, સીતાનું હરણ થતાં તેના
વિયોગમાં રામચંદ્રને મૂર્છા આવી જાય છે, ને ઝાડને તથા પર્વતને પણ પૂછે છે કે ક્્યાંય
જાનકીને દેખી?–તો શું તે વખતે ગાંડા છે? કે ભ્રમવાળા છે?–ના; તે વખતેય જ્ઞાની છે,
અંતરમાં તે વખતેય નિઃશંક ભાન વર્તે છે કે અમે તો ચૈતન્યસ્વરૂપ આત્મા છીએ, સીતા
કે સીતા પ્રત્યેનો રાગ તે અમે નથી. આ રીતે જ્ઞાની સર્વ અવસ્થાઓમાં ભ્રાંતિરહિત છે,
આત્મા સંબંધી ભ્રાંતિ તેમને થતી નથી. ને અજ્ઞાની, કદાચિત સ્ત્રી વગેરે મરવા છતાં
રુએ નહિ તોપણ તે ઉન્મત્ત અને ભ્રાન્ત છે. સત્–અસતને જુદા જાણ્યા વગર એટલે કે
સ્વ–પરને જુદા જાણ્યા વગર, અજ્ઞાનપણે પોતાને ફાવે તેમ બંનેને એકમેક માને છે,
એવા અજ્ઞાનીનું બધું જ્ઞાન ને બધી ચેષ્ટાઓ ઉન્મત્તવત્ છે તેથી મિથ્યા છે,–એમ
મોક્ષશાસ્ત્રમાં ઉમાસ્વામીએ પણ કહ્યું છે.
રાગ અને દેહાદિની બધી અવસ્થા મારી છે–એમ અજ્ઞાનીને સર્વ અવસ્થામાં
ભ્રમ વર્તે છે, ને જ્ઞાની તો તે સર્વ અવસ્થાથી પોતાના આત્માને ભિન્ન જાણે છે,
જ્ઞાનાનંદ સ્વરૂપે જ તે પોતાના આત્માને દેખે છે, તેથી સર્વ અવસ્થામાં તે ભ્રાંતિરહિત
જ છે. ઊંઘ વખતેય તે ભ્રાંતિરહિત છે. અને અજ્ઞાની જાગૃતદશામાંય ભ્રાંતિસહિત છે.
દેહાદિની અવસ્થાને જે પોતાની માને છે તેને જ્ઞાનીઓ ‘ગાંડા–ઉન્મત્ત’ જાણે છે. અને
જ્ઞાની લડાઈ વગેરેમાં હોય, સ્ત્રીના વિયોગથી મૂર્છિત થઈ જાય–ત્યાં અજ્ઞાનીને એમ
લાગે છે કે આની દશા ભ્રમરૂપ છે;–પણ ના, તે મૂર્છાદિ વખતેય જ્ઞાની ચિદાનંદસ્વરૂપમાં
ભ્રાંતિરહિત જાગૃત જ છે. જ્ઞાનીની અંર્તદશાને અજ્ઞાની ઓળખતો નથી. અંતરાત્મા
અને બહિરાત્માની ઓળખાણ બાહ્યદ્રષ્ટિથી થતી નથી. કોઈ અજ્ઞાની રોગાદિ પ્રતિકૂળતા
આવે છતાં ઉંકારો પણ ન કરે, ત્યાં બાહ્યદ્રષ્ટિને તો એમ લાગે કે આ મોટો જ્ઞાની છે!–
પણ જ્ઞાની કહે છે કે તેની ચેષ્ટા ઉન્મત્ત જેવી છે. અને જ્ઞાનીને રોગાદિ પ્રસંગે કદાચ
વેદનાની ભીંસ લાગે ત્યાં બાહ્યદ્રષ્ટિ જીવોને એમ લાગે છે કે આ અજ્ઞાની હશે! પણ તે
વેદનાની ભીંસ વખતે (–મોઢામાંથી ઉંકારા થતો હોય તે વખતેય) અંતરમાં
જ્ઞાનસ્વભાવ ઉપર જ જ્ઞાનીની મીટ છે,–જ્ઞાનસ્વરૂપમાં તે નિર્ભ્રાત છે; તે દશાને અજ્ઞાની
ઓળખી શકતા નથી.
જુઓ, પં. બનારસીદાસજી જ્યારે છેલ્લી સ્થિતિમાં હતા, મરણની તૈયારી હતી
ત્યારે ભાષા બંધ થઈ ગઈ હતી, પણ હજી પ્રાણ છૂટતા ન હતા, ત્યારે આસપાસ
ઊભેલા લોકોને એમ લાગ્યું કે આનો જીવ ક્્યાંક મમતામાં રોકાણો છે, તેથી દેહ છૂટતો
નથી. પરંતુ પંડિતજી તો અન્તકાળ નજીક સમજીને પોતાની ભાવનામાં હતા. લોકોની
મૂર્ખતા દેખીને

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
તેનું નિરાકરણ કરવા માટે તેમણે ઈશારાથી પાટી–પેન મંગાવ્યા અને તેમાં લખ્યું કે–
ज्ञानकुतक्का हाथ मारी अरि मोहना
प्रगट्यो रूप स्वरूप अनंत सु सोहना।
यह पर्ययका अन्त सत्यकर मानना,
चले बनारसीदास फेर नहीं आवना।
જુઓ, આ જ્ઞાનીની જાગૃતદશા! બાહ્યથી જોનારને એમ લાગે કે આ મુર્છાયેલા
છે; પણ અંદર એમનું જ્ઞાન જાગૃત છે તેને અજ્ઞાની જાણતો નથી. ને અજ્ઞાની બહારથી
મોટીમોટી વાતો કરતો હોય, રોગ વખતે ધીરજ રાખતો હોય, છતાં અંતરમાં ભિન્ન
ચૈતન્યના વેદન વગર, રાગમાં જ જ્ઞાનને જોડીને મુર્છાયેલો છે.
આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની અંર્તદશાનો મોટો ફેર છે, બહારથી તેનું માપ
નથી. ચિદાનંદ સ્વરૂપની દ્રષ્ટિમાં જ્ઞાની સદાય સર્વ પ્રસંગે નિઃશંક વર્તે છે; ને અજ્ઞાની
મૂઢપ્રાણી બહિરાત્મદ્રષ્ટિથી શરીરાદિની અવસ્થાને પોતાની માનીને સદાય ભ્રમરૂપ જ વર્તે
છે. અંતરમાં જે દ્રષ્ટિ પડી છે તે સર્વ અવસ્થામાં પોતાનું કાર્ય કર્યા જ કરે છે.
।। ૯૩।।
સ્વાધીનપણે શોભે તે શેઠ
‘શેઠ’ કોણ છે?
સમ્યગ્દ્રષ્ટિ તે સાચા શેઠ (એટલે કે શ્રેષ્ઠ) છે; કેમકે શ્રેષ્ઠ એવા
પોતાના આત્મસ્વરૂપને તે જાણે છે, ને અન્ય પાસેથી કાંઈ લેવા માંગતો
નથી, માટે તે શેઠ છે. અન્ય પાસેથી મારે કાંઈ જોઈતું નથી, હું પોતે જ
સર્વસાધનસમ્પન્ન છું–એવી સ્વાશ્રિતબુદ્ધિને લીધે તે શેઠપણે શોભે છે.
‘ભિખારી’ કોણ છે?
મિથ્યાદ્રષ્ટિ તે ભિખારી છે; કેમકે પોતાના શ્રેષ્ઠ એવા
આત્મસ્વરૂપને તો તે જાણતો નથી ને અન્ય પાસેથી ભીખ માંગે છે–માટે
તે ભિખારી છે. અન્ય મને સુખ આપશે–એવી પરાશ્રિતબુદ્ધિને લીધે તે
ભિખારી છે, હીન છે, તે શોભતો નથી. શોભા તો સ્વાધીનપણામાં છે,
પરાધીનપણામાં શોભા નથી.

PDF/HTML Page 18 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
* સંતોની છાયામાં જ્ઞાન–વૈરાગ્યનું સીંચન *
ગતાંકમાં ૪૦ ને બદલે ૬૪ પાનાં આપવા છતાં સ્થળસંકોચને કારણે જે લેખો વગેરે બાકી રહી
ગયેલ તેમાંથી આ વૈરાગ્યમય વચનામૃત અહીં આપીએ છીએ–જે જિજ્ઞાસુને આત્માર્થનો ઉલ્લાસ પ્રેરશે.
શૂરવીર થા
સંસારનો કેડો છોડીને તું સિદ્ધનો કેડાયતી થા...સિદ્ધિપથનો પથિક થા. દીન ન
થા...હતાશ ન થા...શૂરવીર થઈને ઉત્સાહથી આત્માને સાધ.
સુખી મુનિવરા
આ સંસારમાં માત્ર તે મુનિઓ જ પરમ સુખી છે કે જેઓ સર્વ પ્રકારની ચિન્તાને છોડીને
ધ્યાનવડે આત્મિક સુખને અનુભવી રહ્યા છે. જગતમાં તે મુનિરાજ ધન્ય છે કે જેઓ આત્માના
અંતર–સરોવરમાંથી ધ્યાનરૂપી અંજલિ ભરીભરીને ઉત્તમ આનંદામૃતને સદા પીએ છે.
આત્મિક સુખ
જો આ જગતની બાહ્ય વિભૂતિમાં કંઈ પણ સુખ હોત તો ભરતાદિ ચક્રવર્તીઓ તે
વિભૂતિને છોડીને મુનિ કેમ થાત? સંસારના વૈભવમાં ક્્યાંય સુખ નથી; સુખી તો
આત્મધ્યાની મુનિવરો છે,–કે જેમને પોતાના આત્મિકસુખ માટે બહારની કોઈ
વિષયસામગ્રીની અપેક્ષા નથી.
ધર્માત્માનું અનુકરણ
દેહથી ભિન્ન આત્મા છે; તે આત્માને મરણ જ નથી પછી મૃત્યુનો ભય કેવો? આત્માને
શરીર નથી પછી રોગ કેવો? આત્માને રોગ નથી પછી વેદના કેવી? હે બંધુ! આ જરાક જેટલા
શારીરિક દુઃખથી કાયર થઈને તું પ્રતિજ્ઞાથી જરાપણ ચ્યૂત થઈશ નહીં, આત્મિક ભાવનાથી જરાપણ
ડગીશ નહીં...દ્રઢચિત્ત થઈને આરાધનાને ઉગ્ર કરજે. પાંડવ–મુનિરાજ, સુકુમાર વગેરે ધીરવીર
ધર્માત્માઓનું ઉત્તમ ચરિત્ર યાદ કરીને તેમનું અનુકરણ કરજે.
–તૈયાર થા
રે જીવ! ભવની મૂર્તિ એવા શરીરને આત્મભાવનાપૂર્વક છોડ તો ભવનો અભાવ
થવાનું તને નક્કી થઈ જશે. અનંતા જીવો શરીર છોડીને સિદ્ધપદને પામ્યા છે...એવા
સિદ્ધપદને સાધવા માટે હવે તું તૈયાર થા...તૈયાર થા.
આટલું કર
* આત્માને સાધવા દુનિયાને ભૂલ.
* સિદ્ધપદને સાધવા સંસારની ઉપેક્ષા કર.
* દુઃખની વેદનાથી છૂટવા ચૈતન્યનું વેદન કર.
* મરણથી છૂટવા તારા જીવત્વને જાણ.
* તારું સ્વસંવેદન એ જ તારું શરણ છે, માટે સ્વસંવેદન કર.

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
જીવનની સફળતા
અરે, જગતના જીવો પોતાના ચૈતન્યસુખને ભૂલીને વિષય–કષાયમાં સુખ માની રહ્યા
છે; પરંતુ પોતાનું જે ચૈતન્યસુખ છે તેની સંભાળ કરવાનો અવકાશ લેતા નથી; તેમનું તો
જીવન વિષયોમાં વેડફાઈ જશે ને નકામું ચાલ્યું જશે. વિષયોથી વિરક્ત થઈને આત્મિક
સુખના અભ્યાસમાં જે જીવન વીતે છે તે જીવન સફળ છે.
અરિહંતોની આરાધના
સર્વજ્ઞને ઓળખવા માટે આત્મસ્વભાવની સન્મુખ થવું પડે છે. સર્વજ્ઞને કેમ
ઓળખવા તેની પણ અજ્ઞાનીને ખબર નથી. ભાઈ, સર્વજ્ઞ એટલે તારો જ્ઞાનસ્વભાવ,
સર્વજ્ઞને તે વ્યક્તરૂપ છે, તારામાં તે શક્તિરૂપ છે; તે શક્તિની સન્મુખતા વડે સર્વજ્ઞતા વ્યક્ત
થશે. માટે તારી શક્તિની સન્મુખ થઈને તેની પ્રતીત કર તો તને સર્વજ્ઞની ખરી પ્રતીત થાય,
તેનો ખરો મહિમા જાગે; ને એ જ અરિહંતોની આરાધના છે.
બ્રહ્મજીવન
આત્મામાં જ સાચું સુખ છે–એમ સમજીને આત્માના અતીન્દ્રિય સુખની જેને
અભિલાષા જાગી છે અને બાહ્ય વિષયોમાં ક્્યાંય સુખ નથી એમ સમજીને સર્વ વિષયો જેને
વિરસ લાગ્યા છે;–મારા અસંગ ચૈતન્યતત્ત્વને કોઈ પરદ્રવ્યનો સંગ નથી, પરના સંગથી
મારામાં સુખ નથી પણ પરના સંગ વગર મારા સ્વભાવથી જ મારું સુખ છે– એમ જે જીવે
પોતાના અતીન્દ્રિય સુખસ્વભાવની રુચિ ને લક્ષ કર્યું છે અને ચૈતન્યના રંગથી સર્વે
ઈન્દ્રિયવિષયનો રંગ ઊડી ગયો છે–એવા જીવને ખરું બ્રહ્મજીવન ખરું આત્મજીવન પ્રગટે છે.
આવા આત્મલક્ષી બ્રહ્મજીવન વડે સર્વે ગુણોની ખીલવટ થાય છે.
સ્વભાવના આંગણે–
જેણે અરિહંત જેવા પોતાના આત્માને મન વડે જાણી લીધો તે જીવ સ્વભાવના આંગણે
આવ્યો છે. પરંતુ આંગણે આવ્યા પછી હવે સ્વભાવનો અનુભવ કરવામાં અનંત અપૂર્વ પુરુષાર્થ
છે. આ ચૈતન્યભગવાનના આંગણે આવ્યા પછી–એટલે કે મન વડે આત્મસ્વભાવને લક્ષમાં લીધા
પછી ચૈતન્યસ્વભાવની અંદર ઢળીને અનુભવ કરવા માટે અનંત પુરુષાર્થ કરે તે જ ચૈતન્યમાં
ઢળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે.(બ્રહ્મચર્ય અંક ૧ માંથી)
બાલકપણમાં ધર્મસેવન
શાંતિનાથ ભગવાન પૂર્વે પંચમભવે જ્યારે વજ્રયુધચક્રવર્તી હતા, ત્યારે કનકશાંતિ
નામનો તેમનો પૌત્ર વૈરાગ્ય થતાં વિચારે છે કે–
ચતુરપુરુષોએ બાળકપણથી જ ધર્મનું સેવન કરવું જોઈએ, કેમકે યમરાજ ક્્યારે
તેડવા આવશે–તે કહી શકાતું નથી. (શાંતિનાથ પુરાણ)

PDF/HTML Page 20 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
ક્ષમારૂપી મજબુત ઢાલ
દુષ્ટ જીવો દ્વારા ગમે તેટલો ઉપદ્રવ થાય પરંતુ, જેને કદી ક્રોધ જ ઉત્પન્ન થતો નથી
એવા ક્ષમાવંત ધર્માત્માઓનું તે દુષ્ટ જીવો કાંઈ પણ બગાડી શકતા નથી. ક્ષમારૂપી ઉત્તમ
ઢાલની સામે ગમે તેવા ઉપદ્રવનો પ્રહાર વ્યર્થ જાય છે. માટે આત્માની શુદ્ધતાની સિદ્ધિ અર્થે
સદા ઉત્તમ ક્ષમા ધારણ કરવી અને દુષ્ટ–શત્રુ ઉપર પણ કદી ક્રોધ ન કરવો, –તે ઉત્તમ પુરુષોનું
કર્તવ્ય છે.
અંધ
જાણનાર તત્ત્વને જે નથી જાણતો તે અંધ છે.
આ તરફ આવો
ચૈતન્યતત્ત્વને અનુભવવામાં જે જાગૃત નથી ને રાગના જ અનુભવમાં લીન થઈને
સૂતા છે–ઊંઘે છે, એવા અંધ પ્રાણીઓને જગાડીને આચાર્યદેવ કહે છે કે અરે જીવો! તમે
જાગો...ને તમારા ચૈતન્યમય તત્ત્વને રાગથી અત્યંત ભિન્ન દેખો રાગમાં તમારું નિજપદ
નથી, તમારું નિજપદ ચૈતન્યમાં જ છે, તેને તમે દેખો...દેખો. રાગ તરફ અનાદિથી દોડી રહ્યા
છો, ત્યાંથી પાછા વળો...પાછા વળો, ને આ અંતરના ચૈતન્યપદ તરફ આવો...આ તરફ
આવો. તમારા આ શુદ્ધ ચૈતન્યપદને દેખીને આનંદિત થાઓ.
સુખી સન્ત
રાગી–દ્વેષી જીવોને સુખ કેવું? સુખ તો વીતરાગી સન્તોને છે. આત્માથી જ ઉત્પન્ન થયેલા
સત્ય સુખને અજ્ઞાની જીવો ઓળખી શકતા નથી, એટલે બાહ્ય પદાર્થોમાંથી સુખ લેવા માંગે છે.
બ્રહ્મ–ઔષધિ
ભોગોપભોગની સામગ્રીથી જીવને કાંઈ લાભ નથી; એ તો ઊલટા તૃષ્ણા વધારનાર
છે. કામજ્વરનો નાશ બ્રહ્મરૂપી ઉત્તમ ઔષધિના સેવન વડે જ થાય છે, વિષયભોગો વડે
નહિ. માટે સૂજ્ઞ મનુષ્યોએ બ્રહ્મપદ–સિદ્ધપદ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મનું સેવન કરવું જોઈએ.
અંતર્મુખી માર્ગ
બહિર્મુખ કોઈ ભાવ વડે આત્મા પમાતો નથી. અંતર્મુખ શોધવડે જ આત્મા પમાય છે.
સમ્યક્ત્વાદિનો માર્ગ અંતર્મુખ છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–‘તો પામે સમકિત તે...વર્તે
અંર્તશોધ.’ સદગુરુનો ઉપદેશ પામીને જે જિજ્ઞાસુ જીવ અંર્તશોધમાં વર્તે છે તે જીવ સમકિત
પામે છે. સદ્ગુરુએ ઉપદેશમાં પણ શુદ્ધઆત્મા બતાવીને તેમાં અંતર્મુખ થવાનું જ કહ્યું હતું. તે
ઉપદેશ–અનુસાર જે શિષ્ય અંતર્મુખ થયો તે સમ્યગ્દર્શન પામ્યો. અંતર્મુખ થયા વિના બીજા
કોઈ ઉપાયે જીવ સમ્યગ્દર્શન પામતો નથી. બહિર્મુખવૃત્તિ તે સંસાર છે, ને મોક્ષમાર્ગ
અંતર્મુખવૃત્તિમાં છે. અંતર્મુખવૃત્તિ તે જ કરી શકે કે જેણે ગુરુઉપદેશઅનુસાર આત્મસ્વરૂપનો
યથાર્થ નિર્ણય પોતાના જ્ઞાનમાં કર્યો હોય.