Atmadharma magazine - Ank 288
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૮૮
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
ર૮૮
વીરનો માર્ગ
અહો, અંદરથી શ્રદ્ધાના રણકાર
કરતો આત્મા જાગી જાય – એવો આ
વીરમાર્ગ છે. જેમ રણે ચડેલા રાજપૂતની
વીરતા છાની ન રહે, તેમ ચૈતન્યની
સાધનાના પંથે ચડેલા ને વીરપ્ર્રભુના
માર્ગે વળેલા ધર્માત્માની વીરતા છાની
રહે નહિ; એનો વૈરાગ્ય, એની શ્રદ્ધાનુ
જોર, એનો સ્વભાવનો પ્રેમ એનો
આત્માનો ઉત્સાહ – એ બધું મુમુક્ષુથી
છાનું ન રહે. જ્ઞાનીની દશા ખરેખર
અદ્ભુત છે.
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ર૪૯૩ આસો (લવાજમ: ત્રણ રૂપિયા) વર્ષ ર૪: અંક ૧ર

PDF/HTML Page 3 of 45
single page version

background image
આવી રહ્યો છે – મુક્તિનો મહોત્સવ

આસો વદ અમાસ...દીપાવલી...એટલે ભગવાન મહાવીરની મુક્તિનો મંગલ
મહોત્સવ. ભગવાન મહાવીર એ દિવસે મોક્ષ પામ્યા...અનાદિ સંસારનો અંત થઈને
અભૂતપૂર્વ એવી સિદ્ધદશાનો પ્રભુજીને પ્રારંભ થયો...અહા ધન્ય તે સમય...ધન્ય તે
આત્મદશા! એ આત્મદશાને અભિનંદવા કરોડો જીવો દેવો ને મનુષ્યો પાવાપુરીમાં
આવી પહોંચ્યા...લાખો દીપકોની માળાવડે એ પાવાપુરી ઝગમગી ઊઠી...એટલે
ભગવાનની મુક્તિના આ મંગલ ઉત્સવનું નામ પડ્યું ‘દીપ–માલિકા’ .
દીપમાલિકા–દીપાવલી એ ભારતનું ને તેમાંય જૈનધર્મનું વિશિષ્ટ પર્વ છે. એ
પુનિતપર્વ આપણને ભગવાનના મોક્ષગમનનું સ્મરણ કરાવે છે, સિદ્ધપદની ભાવના
જગાડે છે. ને ભગવાનના પંથને તાજો કરીને તે માર્ગે જવાની પ્રેરણા આપે છે. અહા, જે
માર્ગે અમારા ભગવાન સિદ્ધાલયમાં સિદ્ધાવ્યા તે જ માર્ગે અમે પણ સિદ્ધપદને
સાધીએ,–આવી અંતરની ઉર્મિપૂર્વક ભક્તજનો પ્રભુના મોક્ષનો મહોત્સવ ઉજવે છે.
“ભગવાન તો મોક્ષ પધાર્યા, એટલે ભરતક્ષેત્રને તો તીર્થંકરનો વિરહ
પડ્યો...અને છતાં એનો ઉત્સવ!!”–હા...પણ એ કાંઈ ભગવાનના વિરહનો ઉત્સવ
નથી, એ તો મોક્ષની પ્રાપ્તિનો ઉત્સવ છે.. તેમાં પોતાના મનોરથ પ્રત્યેના ઉલ્લાસનો
આનંદ છે. સાધકનો મનોરથ છે–સિદ્ધપદ. એ સિદ્ધપદના સ્મરણ માત્રથી પણ સાધકનું
અંતર પુલકિત બને છે. તો ભગવાનને એવું સિદ્ધપદ પામતાં દેખીને એને આનંદ કેમ ન
થાય! ને એ સિદ્ધપદની અનુમોદનારૂપે તે ઉત્સવ કેમ ન ઊજવે! એ સાધકના
જ્ઞાનહૃદયમાં સિદ્ધપદ કોતરાઈ ગયું છે...સાધકના જ્ઞાનમાં સર્વજ્ઞનો કદી વિરહ નથી.
આ રીતે સિદ્ધપદને અભિનંદવાનું ને મોક્ષનો ઉત્સવ ઉજવવાનું મહાપર્વ નજીક
આવી રહ્યું છે... આપણે પણ રત્નત્રયના પવિત્ર દીવડા પ્રગટાવીને એ મંગલ પર્વ
ઉજવીએ...ને વીરપ્ર્રભુના મોક્ષપંથે જઈએ.
जय महावीर.

PDF/HTML Page 4 of 45
single page version

background image
વાર્ષિક લવાજમ
વીર સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા આસો
* વર્ષ ૨૪ : અંક ૧૨ *
_________________________________________________________________
શ્રી મહાવીર ભગવાન (પાવાપુરી)
(આ વર્ષે ફાગણ માસમાં ગુરુદેવ સાથે આપણે જેમની આનંદકારી યાત્રા કરી)
હે વીરનાથ ભગવાન! શુદ્ધઆત્માની ઉપાસના વડે રત્નત્રયરૂપ જે
માર્ગે આપ અનંત સુખધામ એવા સિદ્ધપદને પામ્યા...ને અમને
પણ જે માર્ગ ઉપદેશ્યો તે માર્ગને અનુસરીને અમે પણ આપના
પગલે પગલે આપની પાસે સિદ્ધાલયમાં આવીએ...એવી
ભાવનાપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ.

PDF/HTML Page 5 of 45
single page version

background image
* ખરેખરો જ્ઞાયકવીર *
(સંતોએ અંતરમાં શ્રુતજ્ઞાનના સાદ પાડીને કેવળજ્ઞાનને બોલાવ્યું છે.)
ચૈતન્યસાધનાના પંથે ચડેલા સાધકને જગતની કોઈ
પ્રતિકૂળતા ડગાવી શકતી નથી કે મુંઝવી શકતી નથી. નિજ–
આત્માને દ્રષ્ટિમાં લઈને તેમાં લીનતા વડે જેણે શાંતદશા પ્રગટ કરી,
તેની શાંતિને જગતના મહાસંવર્તક–વાયરા પણ ડગાવી શકે નહીં.
અત્યારે પંચમકાળની પ્રતિકૂળતાના ઘણા પ્રસંગો હોવાથી તેના
સમાધાન માટે બહુ અટકવું પડે છે એટલે અત્યારે આત્માની સાધના
થઈ શકતી નથી,– આમ કોઈ કહે તો કહે છે કે અરે ભાઈ! એવું
નથી; અત્યારે પણ પ્રતિકૂળતાના ગંજ વચ્ચેય આત્માની પવિત્ર
આરાધનાવાળા ને જાતિસ્મરણજ્ઞાનવાળા આત્માઓ અહીં નજરે
દેખાય છે; જગતની કોઈ પ્રતિકૂળતા એમને આરાધનામાં નડતી
નથી. અંતર્મુખ થઈને ચૈતન્યગૂફામાં જે પ્રવેશી ગયા તેમને
ચૈતન્યગૂફામાં વળી પ્રતિકૂળતા કેવી? કોઈ પ્રતિકૂળતાના ભાર નથી
કે ચૈતન્યની અંદર પ્રવેશી શકે. ચૈતન્યસિંહની શૂરવીરતા સામે
પ્રતિકૂળતા તો ન ટકે, પરભાવો પણ ન ટકી શકે.–
“બહિરભાવો તે સ્પર્શે નહીં આત્મને,
ખરેખરો એ જ્ઞાયકવીર ગણાય જો.”
ચૈતન્યસિંહ જ્ઞાયકવીર પોતાના પરાક્રમની વીરતાથી જ્યાં
જાગ્યો ત્યાં તેની પર્યાયના વિકાસને કોઈ રોકી શકે નહીં. અહો,
સન્તોએ આત્મશક્તિનાં આવા રહસ્યો ખોલીને ગજબ કામ કર્યા
છે...ને મુમુક્ષુ જીવો ઉપર મહા ઉપકાર કર્યો છે. એમણે તો અંતરમાં
શ્રુતજ્ઞાનના સાદ પાડીને કેવળજ્ઞાનને બોલાવ્યું છે, શ્રુતજ્ઞાનમાં
કેવળજ્ઞાનનો નિર્ણય આવી જાય છે. કેવળજ્ઞાનનો નિર્ણય ન હોય
તો તે શ્રુતજ્ઞાન જ સાચું નથી. જ્યાં પોતાના સર્વજ્ઞસ્વભાવમાં
સ્વસન્મુખ થતું શ્રુતજ્ઞાન જાગ્યું ત્યાં સર્વજ્ઞપદ પ્રગટ્યા વગર રહે
નહિ. આવા સ્વભાવને જાણતાં જીવને સમ્યગ્દર્શન થાય ને
સ્વસન્મુખ થઈને તે વેલોવેલો મોક્ષમાં જાય.

PDF/HTML Page 6 of 45
single page version

background image
: આસો : ર૪૯૩ આત્મધર્મ : ૩ :
આત્માનો સ્વાધીન સ્વભાવ
આત્માના કારણ–કાર્ય પોતામાં છે,
પર સાથે કારણ–કાર્યપણું નથી
(લેખાંક બીજો ગતાંકથી ચાલુ)
હે જીવ! તારે જે સમ્યગ્દર્શનાદિ કાર્ય કરવું છે, તે કાર્યનું કારણ
તારામાં છે, પરમાં તેનું કારણ નથી; પરવસ્તુ તારા કાર્યને કરતી
નથી, ને તું પરના કાર્યને કરતો નથી. આ રીતે
અકારણકાર્યસ્વભાવ પર સાથે કારણ–કાર્યપણાની બુદ્ધિ
છોડાવીને આત્માનો સ્વાધીન સ્વભાવ બતાવે છે, ને
મહાત્મા કહે છે કે અરે આત્મા! ભગવાન તીર્થંકરદેવે આવો આત્મા જાણીને કહ્યો
છે, સંતોએ પોતાના અંતરમાં આવો આત્મા અનુભવ્યો છે. તારા આવા આત્માને
ભૂલીને તું ચાર ગતિમાં રખડ્યો ને તેં મહા દુઃખ ભોગવ્યા. તારો સ્વભાવ મોટો છે ને
તારા દુઃખની વીતકકથા પણ મોટી છે; તે દુઃખ મટાડવાની, ને આત્મસુખ પ્ર્રાપ્ત કરવાની
આ વાત છે. તારા સ્વ–વૈભવને સંભાળતાં તેમાં દુઃખ ક્યાંય છે જ નહીં. જૈનશાસનમાં
વીતરાગી સન્તોએ આવા આત્મવૈભવની પ્રસિદ્ધિ કરી છે.
* * *
અનેકાન્તસ્વરૂપ આત્માની અકારણ–કાર્યશક્તિ એમ બતાવે છે કે તારું કાર્ય
કરવા માટે પર સાથે કાંઈ સંબંધ નથી; જ્ઞાનસ્વરૂપ આત્મામાં પોતામાં એવી તાકાત છે
કે પોતાના કાર્યનું કારણ પોતે જ થાય. આત્મામાં એવો સ્વભાવ છે કે તેનું કાર્ય બીજાથી
કરાતું નથી, ને પોતે બીજાના કાર્યનું કારણ થતો નથી. પર સાથે જેને કર્તાકર્મની કે
કારણ–કાર્યની બુદ્ધિ

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : આસો : ર૪૯૩
છે તેને તો પોતાના અકર્તા–જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી. જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે
ત્યાં પર સાથે કર્તૃત્વબુદ્ધિ રહે નહીં. આત્મામાં જે અનંત ગુણો છે તે બધાય
પોતપોતાનું કાર્ય કરે છે, કોઈનું કાર્ય પરથી થતું નથી. હું કારણરૂપ થઈને પરનાં
કામ કરું ને પર ચીજને મારા કાર્યનું કારણ બનાવું–એમ અજ્ઞાની માને છે, તેને
પોતાના કે પરના સ્વભાવની ખબર નથી, આત્માનો વૈભવ તેણે જોયો નથી.
આત્માનો સ્વભાવ સમુદ્ર જેવો ગંભીર છે. અનંત ગુણનો વૈભવ તો આત્મા
સિવાય બીજા જડ પદાર્થોમાં પણ છે, પણ તે પદાર્થોને પોતાના વૈભવની ખબર
નથી; તેમના વૈભવને પણ જાણનારો તો આત્મા છે. આત્મા પોતાના જ્ઞાનવૈભવ વડે
સર્વ પદાર્થોને જાણે છે, તે જ્ઞાનવૈભવ મહાન છે, તે સારરૂપ છે, તેને જાણતાં પરમ
સુખ થાય છે.
નિજગુણનો વૈભવ ધરનાર આત્મા શું કરે? ને કઈ રીતે તેનું કાર્ય થાય તેની
અજ્ઞાનીને ખબર નથી. આત્માના નિજગુણનું કાર્ય એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
વગેરે નિર્મળ પર્યાયો, તે અન્યથી થતા નથી એટલે બીજો તેનું કારણ નથી. તેમજ
તે સમ્યગ્દર્શનાદિ પ્રગટીને બીજામાં કાંઈ કરી દ્યે એવું પણ તેનામાં નથી. આ રીતે
આત્મા બીજાનું કાર્ય નથી, ને પોતે બીજાનું કારણ નથી. અજ્ઞાની પરથી કાર્ય થવાનું
માને છે,–માને ભલે પણ તેમ થતું નથી. એ જ રીતે પરના કાર્ય કરવાનું માને છે,
માને ભલે પણ કરી શકતો નથી. નથી થતું છતાં માને છે–તે અજ્ઞાન છે. પોતાની
અવસ્થાનું કાર્ય પરથી થવાનું માને છે ત્યાંસુધી તે પરની સામે જ જોયા કરે છે.
પરમાંથી તેની દ્રષ્ટિ (–એકત્વબુદ્ધિ) હટતી નથી ને તેનું મિથ્યાત્વ મટતું નથી. મારા
આત્માની કોઈ શક્તિ કે તેની અવસ્થા પરથી થતી નથી, ને પરમાં કાંઈ કરતી
નથી, પરની સાથે મારે કાંઈ જ કારણ–કાર્યપણું નથી–એમ પોતાના સ્વભાવનો
નિર્ણય કરે તો પરમાંથી દ્રષ્ટિ હટીને સ્વભાવ તરફ વળે, એટલે સ્વભાવનું નિર્મળ
કાર્ય (સમ્યગ્દર્શનાદિ) પ્રગટે, ને મિથ્યાત્વ ટળે.
‘જ્ઞાનમાત્ર ભાવ’ કહેતાં દ્રવ્ય–ગુણ–પર્યાયનો જેટલો સમૂહ લક્ષિત થાય છે
તે બધોય એક આત્મા છે. અકારણ–કાર્ય સ્વભાવ પણ તેમાં સમાઈ જાય છે. પણ
રાગ તેમાં સમાતો નથી. કેમકે રાગાદિભાવો કાંઈ જ્ઞાનલક્ષણ વડે

PDF/HTML Page 8 of 45
single page version

background image
: આસો : ર૪૯૩ આત્મધર્મ : પ :
પોતે સર્વજ્ઞ જેટલા વૈભવથી પૂરો પરમાત્મા છે; રાગાદિ વિકલ્પ તે તેનું
આત્માને પરની સાથે જરાપણ કારણ–કાર્યપણું નથી. ત્યારે કોઈ એમ કહે છે કે,
તો અહીં આચાર્યદેવ કહે છે કે ભાઈ! તને આત્માના અકારણ–કાર્યસ્વભાવની
ખબર નથી. અકારણ કાર્યસ્વભાવ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે, એટલે જેમ
દ્રવ્ય–ગુણ અન્ય વડે કરાતા નથી તેમ તેની પર્યાય પણ અન્યવડે કરાતી નથી. દ્રવ્ય–ગુણ
અન્ય વડે ન થાય ને પર્યાય અન્ય વડે થાય–એમ માને તો તેણે અકારણ–કાર્ય શક્તિને
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક ન માની. પણ, જેમ આત્મામાં જ્ઞાનશક્તિ હોવાથી
તેના દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેય જ્ઞાનમય છે, તેમ આત્મામાં અકારણ–કાર્યશક્તિ
હોવાથી તેના

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : આસો : ર૪૯૩
દ્રવ્યગુણ ને પર્યાય ત્રણેય અન્ય વડે કરાતા નથી. પર્યાય કાર્ય છે–એ ખરું, પણ
તેથી કાંઈ તે બીજાવડે કરાય છે–એમ નથી. કાર્ય કદી કારણ વગર ન હોય,–પણ તે
કારણ પોતામાં કે પરમાં? કાર્ય પોતામાં ને કારણ પરમાં–એમ હોય નહિ. જો
કારણ પરમાં હોય તો તે કાર્ય પોતાનું ન રહ્યું પણ પરનું થઈ ગયું. પોતાના કાર્યનું
કારણ પોતામાં જ છે, પરની સાથે તેને કારણ–કાર્યપણું નથી, એવો જ વસ્તુનો
સ્વભાવ છે.
વળી, જે નિર્મળજ્ઞાનાદિ કાર્ય છે તેનું કારણ રાગ પણ નથી. જો રાગ તેનું કારણ
હોય તો તે જ્ઞાન આત્માનું કાર્ય ન રહ્યું પણ તે રાગનું કાર્ય થઈ ગયું. કારણ અને કાર્ય
એક જાતના હોય, વિરુદ્ધ જાતના ન હોય, તેમજ કારણ અને કાર્ય એક વસ્તુમાં જ હોય.
ભિન્ન–ભિન્ન વસ્તુમાં ન હોય; આ વસ્તુસ્વભાવના ત્રિકાળી નિયમો છે, તેને કોઈ ફેરવી
શકે નહીં.
દ્રવ્ય–ગુણ તો પરથી ન થાય ને પર્યાય પરથી થાય–એમ તું કહે છે, પણ
ભાઈ! દ્રવ્ય–ગુણમાં તો કાર્ય થવાપણું છે જ ક્યાં? કાર્ય થવાપણું તો પર્યાયમાં જ
છે. તે પર્યાયને પર સાથે કારણ–કાર્યપણું નથી–એવો આત્માનો સ્વભાવ છે. તે
પર્યાયનું કારણ આત્મામાં જ છે. આત્માનો આનંદસ્વભાવ છે એટલે તે આનંદની
પર્યાય પરથી ન થાય; પરવસ્તુ કારણ થઈને આત્માને આનંદ આપે એમ કદી બનતું
નથી. એ જ રીતે જ્ઞાન પણ આત્માનો સ્વભાવ છે. તે જ્ઞાનની પર્યાય પરથી ન
થાય; પરવસ્તુ કારણ થઈને આત્માના જ્ઞાનકાર્યને ઉપજાવે એમ કદી બનતું નથી.
એ રીતે આત્માના અનંતગુણમાંથી એક્કેય ગુણનું કાર્ય પરથી થતું નથી. તથા
ગુણની પર્યાય પ્રગટીને પરમાં કાંઈ કરે એમ બનતું નથી, આ રીતે ભગવાન
આત્માના આનંદમાં જ્ઞાનમાં શ્રદ્ધામાં ક્યાંય પરનુ કાર્ય નથી; આત્મા પરદ્રવ્ય વગર
એકલો પોતાનું કાર્ય કરી શકે છે. આ રીતે ધર્મીજીવ પોતાના કાર્ય માટે પોતાની
સામે જુએ છે ને સ્વાશ્રયે નિર્મળકાર્ય પ્રગટ કરે છે.
જોકે રાગાદિ વિકારમાં પણ પરનું કારણપણું નથી; પણ અત્યારે આત્માની
શક્તિના વૈભવની વાત છે એટલે તેમાં નિર્મળકાર્યની જ વાત આવે, વિકારની વાત
એમાં ન આવે. વૈભવમાં વિભાવ નથી. જગતમાં

PDF/HTML Page 10 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
જો આત્મા પરનાં કાર્ય કરે તો પોતાનું કામ કરવા નવરો ક્્યારે થાય?
અને જો આત્માનું કાર્ય બીજો કરે તો પોતે પોતાનું હિત ક્યારે કરે?
અરે, તું પોતે અનંતશક્તિસમ્પન્ન ભગવાન, ને તારું કાર્ય બીજો કરે? શું તું
રાજા રામ જેવા મહાપુરુષ ધર્માત્મા છ માસ સુધી લક્ષ્મણના મૃત શરીરને
સાથે લઈને ફર્યા, તે વખતેય એ ધર્માત્માને અંતરમાં નિજવૈભવનું ભાન હતું,
લક્ષ્મણ પ્રત્યેના રાગની સાથેય પોતાના સ્વભાવનું કારણ–કાર્યપણું સ્વીકારતા ન
હતા. અને એ વખતે રામચંદ્રજીના બે કુમારો સંસારથી વિરક્ત થઈને રજા માંગે છે
કે હે પિતાજી! આ અસાર સંસારથી હવે અમારું મન વિરક્ત થયું છે. અમે હવે
પરમ સારભૂત અમારા અસંયોગી તત્ત્વને સાધવા જઈએ છીએ. આ દુઃખમય
સંસારનો નાશ કરનાર ને પરમ આનંદને ઉપજાવનાર એવો જે અમારો
ચૈતન્યસ્વરૂપ આત્મા, તેને સાધવા અમે જઈએ છીએ. અમે હવે નિજવૈભવને
સાધશું ને સિદ્ધની પંક્તિમાં જઈને રહીશું. અમારા અંતરમાં અમારો નિજવૈભવ
અમે સ્વાનુભવદ્વારા જોયો છે. જોયેલા વૈભવને હવે અમે અંતરમાં એકાગ્ર થઈને
સાધશું. આમ કહીને, પિતાજીને પ્રણામ કરી તેઓ વનમાં ચાલ્યા ગયા, ને મુનિ
થઈને આત્મધ્યાનવડે કેવળજ્ઞાનને સાધ્યું, પછી પાવાગઢથી સિદ્ધપદને પામ્યા.
આવી શક્તિ દરેક આત્મામાં છે ને દરેક આત્મા આવા નિજપદને સાધી શકે છે.
સીતાજી જેવા પણ અગ્નિપરીક્ષા પછી સંસાર છોડીને આવા નિજપદને સાધવા
વૈરાગ્યથી ચાલી નીકળ્‌યા: અરે! આવો સંસાર! તેનાથી હવે બસ થાઓ...બસ થાઓ.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
અહા, અંતરના ભાનપૂર્વક આવા વૈરાગ્યભાવથી સીતાજી જ્યારે માથાના વાળનો
લોચ કરીને દીક્ષિત થતા હશે ત્યારે એ દેખાવ કેવો હશે!! રામ તો મુર્છિત થઈ જાય
છે, પ્રજાજનો હા–હાકાર કરતા રડે છે...ને સીતાજી સંસારથી ઉદાસ થઈને અર્જિકા
બને છે. સીતાજી પ્રત્યેના રાગથી મુર્છિત થયા તે વખતેય રામચંદ્રજી અંતરની
આત્મશક્તિના ભાનમાં છે, તે વખતેય નિજશક્તિને ભૂલ્યા નથી, ને મોહનો જરાક
વિકલ્પ વર્તે છે તેને આત્મશક્તિનું કાર્ય ખરેખર માનતા નથી; તે વખતેય તેમનો
આત્મા નિર્મળભાવોના જ કારણ–કાર્યરૂપે પરિણમી રહ્યો છે.–આ તો મોટા પ્રસિદ્ધ
પુરુષોનાં નામ લઈને દ્રષ્ટાન્ત આપ્યા. બાકી તો બધાય ધર્માત્માના અંતરમાં આવું
જ પરિણમન વર્તી રહ્યું છે. ભગવાન આત્મા અંર્તદ્રષ્ટિથી દ્રવ્ય–ગુણ–પર્યાયની
એકતારૂપ પરિણમ્યો ત્યાં સ્વકારણથી નિર્મળપર્યાય જ પરિણમે છે; તેમાં બીજા કોઈ
સાથે કારણ–કાર્યપણું નથી. નિર્મળભાવરૂપે પરિણમતો તે આત્મા જ્યાં વિકારકાર્યનો
પણ કર્તા નથી ત્યાં પરનો કર્તા તો ક્યાંથી થાય? આત્માને પરની સાથે કારણ–
કાર્યપણું તો ત્રણકાળમાં નથી, માત્ર પ્ર્રમાતા–પ્રમેયપણાનો સંબંધ છે તે વાત હવેની
(પંદરમી) શક્તિમાં બતાવશે.
દેહ કે ભાષાની ક્રિયા તેનો કર્તા આત્મા નથી, તેનું કારણ આત્મા નથી;
ઈચ્છાનું કારણ થવાનો સ્વભાવ પણ આત્માની શક્તિમાં નથી. આવા આત્માનું
ભાન થતાં પરના કાર્યમાંથી દ્રષ્ટિ છૂટી જાય છે, ને સ્વકાર્યના કારણરૂપ
નિજસ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે એટલે સમ્યગ્દર્શન વગેરે નિર્મળ કાર્ય થાય છે.
ભાઈ! આત્માની શાન્તિ માટે તારા આવા સ્વભાવને દ્રષ્ટિમાં લે. તારી શાંતિ માટે
કોઈ પરદ્રવ્ય તને કારણ થાય–એમ નથી. તારો આનંદસ્વભાવ જ તારી શાંતિનું
કારણ છે, તારો આનંદસ્વભાવ દુઃખને કે રાગને ઉત્પન્ન કરે નહિ, તેમજ રાગ તારા
આનંદને ઉત્પન્ન કરી શકે નહીં. તારો આનંદ, તારી શાંતિ કે જ્ઞાન તે કાર્યમાં તારી
બીજા કોઈની જરૂર નથી. તારી શાંતિ વગેરે પરના અકાર્ય–અકારણરૂપ છે, પરનું
જરાપણ કાર્ય–કારણપણું તેમાં નથી.
પોતાના આવા સ્વભાવને દ્રષ્ટિમાં લેતાં પર્યાયમાં જ્ઞાનાદિનું નિર્મળ પરિણમન
પ્રગટ્યું, ત્યારે તેમાં આત્મા પ્રસિદ્ધ થયો, અને ત્યારે જ ખરેખર આત્માને જાણ્યો ને
અનુભવ્યો કહેવાય. શક્તિ જો નિર્મળ પર્યાયરૂપ ન પરિણમે

PDF/HTML Page 12 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
તો તેનું કાર્ય શું? શક્તિનું નિર્મળ કાર્ય પર્યાયમાં પ્ર્રગટે છે, તેને પરની સાથે કારણ–
કાર્યપણું નથી. વસ્તુનો સ્વભાવ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે. દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે સત્ છે. દ્રવ્ય–ગુણનો લાભ પર્યાયમાં આવે ત્યારે દ્રવ્યની સાચી શ્રદ્ધા કહેવાય.
આવી શ્રદ્ધા તે મોક્ષનું બીજ છે. નિર્મળ પર્યાયપૂર્વક જ દ્રવ્ય પ્રતીતમાં આવે છે. એકલી
મલિનતારૂપે પરિણમતો હોય ને તે પર્યાયમાં દ્રવ્યની પ્રતીત થઈ જાય–એમ બનતું નથી.
મલિનતામાં એવી તાકાત નથી કે શુદ્ધ દ્રવ્યસ્વભાવને ઝીલી શકે. સ્વસન્મુખ થયેલી
નિર્મળ પર્યાયમાં જ એ તાકાત છે. દ્રવ્યસન્મુખ થઈને તેને પ્રતીતમાં લેતાં જ પર્યાય
નિર્મળ થઈ જાય છે.
શુદ્ધદ્રવ્ય અમને પ્રતીતમાં આવ્યું છે પણ પર્યાયમાં શુદ્ધતા જરાય દેખાતી નથી,
એમ કોઈ કહે તો તેની વાત ખોટી છે. શુદ્ધદ્રવ્યની તેની પ્રતીત પણ કલ્પનારૂપ છે.
શુદ્ધદ્રવ્ય પ્રતીતમાં લ્યે ને પર્યાયમાં તેની પ્રસિદ્ધિ (પરિણમન) ન થાય એમ બને નહીં.
નિર્મળ પર્યાય વગર દ્રવ્યને પ્રતીતમાં લીધું કોણે? નિર્મળપર્યાય વગરનું એકલું દ્રવ્ય
પ્રતીતમાં આવતું નથી. સ્વસન્મુખ થઈને શુદ્ધઆત્માની પ્રતીત કરતાં નિર્મળ પર્યાયપણે
આત્મા પરિણમી જાય છે, એટલે અનંત ગુણનો વૈભવ કોઈના કારણ–કાર્ય વિના જ
પ્રસિદ્ધ થાય છે.
*
सन्तकी पहचान मुझे आनन्द देती है।
હે ચૈતન્યદ્રષ્ટિધારક સમ્યગ્દ્રષ્ટિ સંત! તારી અંર્તદ્રષ્ટિ કોઈ અનેરી છે,
તારી આત્મપરિણતિની રીત અટપટી છે; ઈન્દ્રિયથી અગોચર એવી તારી
અંતરપરિણતિની ઓળખાણ બાહરની દ્રષ્ટિવડે થતી નથી, એકલી
બહારની ચેષ્ટાઓવડે તારી અંર્તદ્રષ્ટિના ભાવો ઓળખાતા નથી.
ગૃહવાસમાં વસતા છતાં તારી આત્મસ્પર્શી પરિણતિ ગૃહથી અલિપ્ત છે.
બહારના સંયોગમાં કદાચ અસાતાજન્ય દુઃખ દેખાય પણ તારી
અંતરપરિણતિ તો ચૈતન્યના સુખરસને ગટગટાવી રહી છે. તારી
પરિણતિમાં વિકારથી જુદી જ એક ઉપશાંત–જ્ઞાનધારા સદાય વર્તી રહી
છે,–જેના બળે તું સંયોગથી ને વિભાવોથી સદાય અલિપ્ત રહે છે. વાહ રે
વાહ, સંત! તારી અંતરની એ ધારાને ઓળખાતાં મારો આત્મા પણ
જાણે સર્વે પરભાવોથી જુદો પડી જાય છે...ને આનંદની મધુર ઉર્મિઓ
જાગે છે.–તારા ચરણમાં બહુ ભક્તિથી મારો આત્મા નમી પડે છે.

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો : ર૪૯૩
(અનેકાન્તજ્ઞાનનું ફળ સ્વભાવસન્મુખતા)
(લેખાંક બીજો ગતાંકથી ચાલુ)
“અનેકાન્તિકમાર્ગ પણ સમ્યક્–એકાન્ત એવા નિજપદની
પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા–અન્ય હેતુએ ઉપકારી નથી.”
શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપરોક્ત વાક્યમાં રહેલા જૈનસિદ્ધાંતના ઊંડા રહસ્યને પૂ.
શ્રી કાનજીસ્વામીએ પ્રવચનમાં પ્રગટ કર્યું છે. સં. ૨૦૦૬ ના માહ વદ ત્રીજે પૂ.
ગુરુદેવ જ્યારે મોરબીથી વવાણીયા પધાર્યા તે વખતે ‘શ્રીમદ્ રાજચંદ્ર–
જન્મસ્થાનભુવન’ માં થયેલું આ પ્રવચન છે. આગામી માસમાં તેઓશ્રીની
‘જન્મશતાબ્દિ’ આવી રહી છે ત્યારે તેમના વચન ઉપર તેમની જન્મભૂમિમાં જ થયે
આ પ્રવચન સર્વે જિજ્ઞાસુઓને આનંદિત કરશે. ‘અનેકાન્ત’ નું રહસ્ય ન સમજવાને
કારણે સમન્વય વગેરેના નામે જે ગોટાળા ચાલે છે તે દૂર કરીને, અનેકાન્ત દ્વારા
નિજપદની પ્રાપ્તિ કરવાનું તાત્પર્ય સમજાવ્યું છે. તેમાં, શુદ્ધતા–અશુદ્ધતા, તથા
ઉપાદાન–નિમિત્ત એ બંને પ્રકારનું અનેકાન્તજ્ઞાન ક્યારે સાચું કહેવાય તે વાત
ગંતાકમાં આવી ગઈ છે. હવે નિશ્ચય–વ્યવહાર તથા દ્રવ્ય–પર્યાય સંબંધી અનેકાન્તનું
રહસ્ય સમજાવીને, તેનું જ્ઞાન ક્્યારે સાચું થાય તે બતાવે છે. (બ્ર. હ. જૈન)
અખંડ ચૈતન્યસ્વભાવ તરફ વળતાં પહેલાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા છે ને તેઓ
આત્માનું સ્વરૂપ કેવું કહે છે?–એવો પરસન્મુખ વિચાર હોય છે, તેમાં સાથે શુભરાગ છે;
પણ તે શુભરાગ તરફનું લક્ષ છૂટીને ભગવાને બતાવેલા પોતાના અખંડ જ્ઞાયકસ્વભાવ
તરફ વળ્‌યા વિના નિશ્ચય–વ્યવહાર બંનેનું યથાર્થ જ્ઞાન થતું નથી. નિશ્ચયસ્વભાવ તરફ
ઢળતાં રાગાદિ વ્યવહારનો આશ્રય તૂટે ત્યારે અનેકાંત થાય છે. અખંડ જ્ઞાનસ્વભાવ તે
નિશ્ચય, અને શુભરાગ તે વ્યવહાર નિશ્ચયજ્ઞાનસ્વભાવ તરફ વળતાં સ્વ–પરપ્રકાશક
જ્ઞાનસામર્થ્ય ખીલ્યું, તે જ્ઞાન શુભરાગને વ્યવહાર તરીક્ે જાણી લ્યે છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
(૧) સમજવા ટાણે પર્યાયમાં અશુદ્ધતા હોય છતાં સ્વભાવ શુદ્ધ છે, તે શુદ્ધસ્વભાવનો
આશ્રય કરે તો સમજાય.
(ર) ઉપાદાનની સમજવાની તૈયારી વખતે નિમિત્ત હોય છે, પણ સમજનાર પોતે છે.–
એમ જાણીને, નિમિત્તનું લક્ષ છોડીને ઉપાદાન તરફ વળે તો યથાર્થ સમજાય.
(૩) સત્ સમજવાની પાત્રતા વખતે શુભરાગરૂપ વ્યવહાર હોય, પણ તે વ્યવહારના
આશ્રયે કલ્યાણ નથી. તે વ્યવહારનો આશ્રય છોડીને, પરમાર્થ–સ્વભાવનો
આશ્રય કરે તો સત્ સમજાય.
–એ પ્રમાણે બબ્બે પડખાં જાણીને એક સ્વભાવ તરફ વળે ત્યારે અનેકાંત થાય
છે; બંનેને પકડી રાખે તો અનેકાંત થતું નથી. અજ્ઞાનીઓ અનેકાંતના નામે ઝઘડા કરે
છે. પણ અહીં ‘સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ હેતુએ
અનેકાંતમાર્ગ ઉપકારી નથી’ એમ કહીને તે બધા ઝઘડાનો નિકાલ કરી નાંખ્યો છે.
(૧) જીવ સમજે ત્યારે અશુદ્ધતા હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી, પણ
શુદ્ધસ્વભાવના આશ્રયે જ કલ્યાણ થાય છે.
(ર) જીવ સમજે ત્યારે શુભરાગ–વ્યવહાર હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી
પણ રાગરહિત નિશ્ચયસ્વભાવના આશ્રયે જ કલ્યાણ થાય છે.
સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનદ્વારા જગતના પદાર્થોને જેમ છે તેમ જાણીને, વસ્તુના
અનેક ધર્મોનું વર્ણન કર્યું છે.
(૧) ત્રિકાળી શુદ્ધ ને વર્તમાન અશુદ્ધતા.
(ર) ઉપાદાન પોતાની તાકાતથી સમજે અને તે વખતે પર નિમિત્ત હોય પણ
તે કાંઈ કરે નહિ.
(૩) સમજવા ટાણે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા વગેરે શુભરાગરૂપ
વ્યવહાર હોય, પણ ધર્મ તો નિશ્ચયભાવના આશ્રયે જ થાય છે.
–એ પ્રમાણે બબ્બે પડખાં હોવા છતાં, અશુદ્ધતા–નિમિત્ત કે રાગ હું નહિ, શુદ્ધ
ઉપાદાન–નિશ્ચયસ્વભાવ તે હું–એવી શ્રદ્ધા કરીને સ્વાશ્રયભાવ પ્રગટ કરવો તે ધર્મ છે.
અનેકાંતિક માર્ગ હોવા છતાં સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ માટે જ તે ઉપકારી છે.
બબ્બે બોલ હોવા છતાં, તેને જાણીને એક શુદ્ધ–નિશ્ચય તરફ વળે તેનું નામ સમ્યક્ એકાંત છે.
શુદ્ધતા અને અશુદ્ધતા બંને હોવા છતાં જો શુદ્ધસ્વભાવ ઉપર દ્રષ્ટિ નહિ કરે તો
અશુદ્ધતાને જાણશે કોણ? ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્‌યા
વગર નિમિત્તનુ યથાર્થ જ્ઞાન કરશે કોણ? શુદ્ધસ્વભાવ અને રાગ, અથવા નિશ્ચય અને
વ્યવહાર બંને હોવા છતાં, નિશ્ચયસ્વભાવ તરફ દ્રષ્ટિ કર્યા વગર વ્યવહારને વ્યવહાર
કહેશે કોણ? નિર્મળ સ્વભાવ તરફના વલણ

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
વગર સ્વ–પરને જાણવાનો વિવેક ઉઘડશે નહીં. અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ
અનેકાંતનું પ્રયોજન છે. અભેદ સ્વભાવ તરફ ઢળવું એમ કહો કે ‘સમ્યક્ એકાંત’ કહો,
તેમાં મોક્ષમાર્ગ આવી જાય છે.
અહીં
‘સમ્યક્ એકાંત’ કહીને નિમિત્ત, રાગ અને વ્યવહારને ઉડાડી દીધા છે
અર્થાત્ તે હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ નથી પણ નિજસ્વભાવના આશ્રયે જ
કલ્યાણ છે એમ સમજાવ્યું છે. દયા, દાન કે વ્રત વગેરે શુભરાગ તે દુઃખ છે–આકુળતા છે.
અને હિંસા, વિષય–કષાય વગેરે અશુભ લાગણીઓ તીવ્ર દુઃખ છે–આકુળતા છે. તે
શુભ–અશુભ લાગણીઓ આત્માની અવસ્થામાં થાય છે ખરી, પણ તે ત્રિકાળી સ્વરૂપ
નથી. અવસ્થામાં પુણ્ય–પાપ ને અજ્ઞાન છે, તેની જો ના પાડે તો સમજવાનો પ્ર્રયત્ન
કરવાનું રહે નહિ; અને ત્રિકાળી સ્વભાવમાં તે પુણ્ય–પાપ કે અજ્ઞાન નથી–એમ જો ન
સમજે તો ત્રિકાળી સ્વભાવના આશ્રય વગર પુણ્ય–પાપ વગેરે ટળે નહીં. વ્યવહાર,
નિમિત્ત ને રાગ છે તેની જ્ઞાનીઓ ના નથી પાડતા, પણ તેના વડે ધર્મ થશે, કે તે કરતાં
કરતાં ધર્મ થશે–એમ માનવાની ના પાડે છે.
જીવોએ આ વાત કદી રુચિપૂર્વક સાંભળી નથી. સંસારમાં જીવે અનંત
મનુષ્યભવ કર્યા અને સત્ સંભળાવનાર જ્ઞાની અનંતવાર મળ્‌યા, સાક્ષાત્ સર્વજ્ઞ
પરમાત્માની સભામાં જઈને દિવ્યધ્વનિ સાંભળ્‌યો પણ અંતરમાં નિજપદને પામવાની
લાયકાત પોતે પ્રગટ કરી નથી. નિજપદને ભૂલીને પરપદમાં જ અટકી ગયો છે. કાં તો
આત્માને એકાંત શુદ્ધ જ માન્યો, કાં સર્વથા અશુદ્ધ માની લીધો, કાં નિમિત્તથી કલ્યાણ
થશે એમ માન્યું, કાં વ્યવહારના આશ્રયથી લાભ માનીને રાગમાં જ અટક્યો. પણ રાગ
અને નિમિત્ત વગરના નિજસ્વભાવ તરફ કદી વલણ કર્યું નહિ. સ્વભાવ તરફ ઢળતો
નિશ્ચય છે; પર તરફ ઢળતો વ્યવહાર છે. વસ્તુનો સ્વભાવ તે ઉપાદાન છે અને પર
સંયોગ તે નિમિત્ત છે.
(૧) અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં આત્મા સ્વભાવથી શુદ્ધ છે.
(ર) પર નિમિત્ત હોવા છતાં આત્મા સ્વસંવેદ્ય છે.
(૩) રાગ–વ્યવહાર હોવા છતાં નિશ્ચયના અવલંબને ધર્મ છે. માટે હે ભાઈ!
તું શુદ્ધસ્વભાવસન્મુખ થઈને તેનું જ્ઞાન કર તો તારું જ્ઞાન અશુદ્ધતાને યથાર્થ
જાણશે.
સ્વ–ઉપાદાનની દ્રષ્ટિ કર તો પર નિમિત્તને જોવાની આંખ ઉઘડશે.
સ્વભાવસન્મુખ થઈને નિશ્ચય પ્રગટ કર તો વિભાવને–વ્યવહારને જાણવાની
તાકાત ખીલશે. અને–

PDF/HTML Page 16 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
(૪) દ્રવ્ય તથા પર્યાય એવા બે બોલ છે; તેમાં દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કર તો પર્યાયનું
યથાર્થ જ્ઞાન થાય.
આ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ, ઉપાદાન અને નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર તથા
દ્રવ્ય અને પર્યાય–એવા ચાર જોડકાના આઠ બોલ થયા; આ આઠે બોલ જાણવા જેવા
છે, પણ તે જાણીને એક સ્વભાવ તરફ વળ્‌યા વિના અનેકાંતનું સાચું જ્ઞાન થતું નથી.
શુદ્ધસ્વભાવ કહો, ઉપાદાન કહો, નિશ્ચય કહો કે દ્રવ્ય કહો,–તે તરફ ઢળ્‌યા વગર
અશુદ્ધતાનું–નિમિત્તનું–વ્યવહારનું કે પર્યાયનું યથાર્થ જ્ઞાન થતું નથી. અનેકાંતનું ફળ
સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ છે–એટલે સમ્યક્ એકાંત એવા નિજપદ તરફ
ઝુક્યા વગર યથાર્થ અનેકાંત હોય નહીં.
‘મૂળ માર્ગ રહસ્ય’ કાવ્યમાં શ્રીમદ્ કહે છે કે–
છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ...મૂળ
એમ જાણે સદ્ગુરુ–ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મૂળ
અંર્તસ્વભાવ તરફ વળીને જ્ઞાતા આનંદકંદ ત્રિકાળ ઉપયોગસ્વરૂપ અવિનાશી
આત્માનું જ્ઞાન કરે તેને જ અહીં સમ્યગ્જ્ઞાન કહ્યું છે. પર્યાય અને નિમિત્ત વગેરેને જ
જાણવામાં રોકાય પણ સ્વસન્મુખ થઈને શુદ્ધ સ્વભાવને ન જાણે તો સમ્યગ્જ્ઞાન થાય નહીં.
વળી સમ્યગ્દર્શનસંબંધમાં કહે છે કે–
જે જ્ઞાને કરીને જાણીયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ
કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકીત...મૂળ
ઈન્દ્રિયોથી કે રાગથી જાણવાની વાત ન કરી, પણ જ્ઞાનથી જાણવાની વાત કરી.
ઇંદ્રિયો અને રાગના અવલંબન વગર અતીન્દ્રિય જ્ઞાનવડે જે આત્મસ્વભાવને જાણ્યો
તેની શુદ્ધ પ્રતીતિ વર્તે છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. પહેલાં નિમિત્તરૂપે જ્ઞાનીનો ઉપદેશ
હોય છે ખરો, પણ તે ઉપદેશવડે આત્મા જણાય છે એમ નથી. જ્ઞાનીનો ઉપદેશ
સાંભળીને પછી સ્વસન્મુખ અતીન્દ્રિયજ્ઞાનવડે પોતે એમ સમજ્યો કે અહો! હું આત્મા
અખંડ ઉપયોગી અવિનાશી છું. તે નિમિત્તથી જાણ્યું નથી, રાગથી જાણ્યું નથી,
વ્યવહારથી કે ભેદથી જાણ્યું નથી, પણ સ્વતરફ વળતા જ્ઞાનથી જાણ્યું છે. જુઓ,
શ્રીમદ્ના આ કાવ્યમાં કેટલું રહસ્ય ભર્યું છે! કોઈ રેકર્ડની જેમ માત્ર શબ્દ બોલી જાય,
પણ તેથી કાંઈ અંદરનો આશય સમજમાં આવે નહિ. જેમ રેકર્ડ બોલે છે પણ તે રેકર્ડને
હૃદય નથી, તેમ અજ્ઞાનીઓ ભાષા ગોખીને રેકર્ડની જેમ બોલી જાય, પણ અંદરમાં તેને
ભાવની સમજણ નથી. પહેલાં અજ્ઞાનપણે બીજી રીતે જાણવાનું માનતો હતો.–શાસ્ત્રથી,
ઈન્દ્રિયોથી કે રાગથી

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
જાણવાનું માનતો હતો તેથી અહીં કહ્યું કે ‘જ્ઞાને કરીને જાણીયું રે...’–શું જાણ્યું? હું શુદ્ધ
ઉપયોગસ્વરૂપ અવિનાશી આત્મા છું–એમ જાણ્યું; અને એમ જાણ્યું એટલે, ‘હું રાગી છું,
હું્ર પર નિમિત્તથી સમજું છું’ એવી જે મિથ્યામાન્યતા હતી તે ટળી ગઈ. અને અવસ્થામાં
રાગાદિ હોવા છતાં તેટલો જ પોતાને ન સ્વીકારતાં ‘હું શુદ્ધ ઉપયોગમય શાશ્વત છું–એમ
સ્વીકારીને પોતાના સ્વભાવ તરફ વળ્‌યો, એટલે બંને પડખાનું જ્ઞાન થઈને
સ્વસન્મુખતારૂપ સમ્યક્ એકાંત થયું. રાગ અને જ્ઞાનસ્વભાવ બંનેને જાણ્યા ખરા, પણ
રાગ તે હું નહિ ને જ્ઞાન તે જ હું–એમ જ્ઞાન તરફ ઢળતાં સમ્યક્ એકાંત થયું.
નીચલી અવસ્થામાં રાગ તદ્ન ટળી જતો નથી, રાગાદિ ભાવો થાય છે ખરા.
પણ તે રાગાદિ હોવા છતાં તેનાથી આત્માને જાણ્યો નથી, પણ જ્ઞાનથી જ જાણ્યો છે.
રાગથી જુદો પડીને જ્ઞાનને પોતાના સ્વભાવમાં એકત્વ કર્યુંં તે સમ્યક્ એકાંત છે, તે
મોક્ષમાર્ગ છે, તે ધર્મ છે. અવસ્થામાં રાગ છે, રાગના નિમિત્તો છે, વ્યવહાર છે, પરંતુ તે
બધાને જાણીને શુદ્ધ અભેદ સ્વભાવ તરફ વળવું તે જ પ્રયોજન છે. અહીં શુદ્ધ–અશુદ્ધ,
ઉપાદાન–નિમિત્ત, નિશ્ચય–વ્યવહાર અને દ્રવ્યપર્યાય એવા ચાર પ્રકારે બબ્બે બોલ
સમજાવીને આત્માને સ્વભાવની એકતા તરફ વાળ્‌યો છે.
અહીં કોઈ કહે કે આ બધા પ્રકારો જાણીને પછી શું કરવું? તો તેને એમ
સમજાવ્યું છે કે આ બધું જાણીને સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરવા માટે–
(૧) અશુદ્ધતાનો આશ્રય છોડીને શુદ્ધ આત્માનો આશ્રય કરવો.
(ર) નિમિત્તના આશ્રયને છોડીને ઉપાદાનનો આશ્રય કરવો.
(૩) વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચયનો આશ્રય કરવો.
(૪) પર્યાયનો આશ્રય છોડીને દ્રવ્યનો આશ્રય કરવો.
વચ્ચે રાગ–નિમિત્ત કે વ્યવહાર ભલે હો, પણ ધર્મીનું વલણ તો શરૂઆતથી જ
સમ્યક્ એકાંત એવા શુદ્ધપદની પ્રાપ્તિ ઉપર જ છે. સાધકદશાની શરૂઆતથી માંડીને પૂર્ણ
પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સુધી આવું જ વલણ હોય છે. વચ્ચે રાગાદિ વ્યવહાર અને
ભંગભેદ આવે તે જાણવા માટે છે, પણ તેમાં રુચિ કરીને અટકવા માટે તે નથી. આ
પ્રમાણે નિત્ય–અનિત્ય, એક–અનેક, અભેદ–ભેદ વગેરે બધા બોલમાં સમજી લેવું. પૂર્ણ
પરમાત્મપદ પ્રગટી ગયા પછી એક તરફ ઢળવાનું રહેતું નથી, તેમ જ તેમને નય પણ
હોતો નથી; ત્યાં તો દ્રવ્ય–પર્યાય બંને અભેદ થઈને શુદ્ધપણે જ પરિણમી રહ્યા છે.
વસ્તુ અનંતગુણનો પિંડ છે. તે વસ્તુ તો

PDF/HTML Page 18 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
છે છે ને છે, ત્રિકાળ છે. તે વસ્તુ કાંઈ નવી પ્રાપ્ત થતી નથી; પરંતુ તેનું ભાન થઈને
સમ્યગ્દર્શન– જ્ઞાન–ચારિત્રવડે પૂર્ણ પરમાત્મપદ પ્રગટે તેનું નામ નિજપદની પ્રાપ્તિ છે.
‘મૂળમાર્ગ’ માં કહે છે કે–
તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ...મૂળ
તેહ મારગ જિનનો પામીયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ...મૂળ
જ્યારે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર એ ત્રણે અભેદપરિણામે
આત્મારૂપ વર્તે ત્યારે તે જીવ જિનનો માર્ગ પામ્યો એટલે કે નિજસ્વરૂપને પામ્યો.
જિનનો માર્ગ કહો કે નિજસ્વરૂપ કહો–તે કાંઈ જુદા નથી. લોકો બહારમાં જિનનો માર્ગ
માની બેઠા છે, પણ જિનનો મારગ બહારમાં નથી, પોતાનું આત્મસ્વરૂપ જે ભાવથી
પમાય તે જ જિનનો માર્ગ છે.
૧– અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં શુદ્ધ ઉપર દ્રષ્ટિ,
૨– પર નિમિત્ત હોવા છતાં સ્વદ્રવ્યનો આશ્રય,
૩– વ્યવહાર હોવા છતાં નિશ્ચયનું અવલંબન,
૪– ક્ષણિક પર્યાયના ભેદો હોવા છતાં અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, અથવા પર્યાયોની
અનેકતા હોવા છતાં સ્વભાવની એકતાનો આશ્રય,
–આવો નિજપદની પ્રાપ્તિરૂપ સમ્યક્ એકાંત છે અને એની પ્રાપ્તિ કરાવવી તે જ
અનેકાંતનું પ્રયોજન છે. નિશ્ચયના અવલંબનથી ધર્મ થાય ને વ્યવહારના અવલંબનથી
પણ ધર્મ થાય–એનું નામ અનેકાંત નથી, તે તો મિથ્યા એકાંત છે. નિશ્ચયના આશ્રયે
ધર્મ થાય ને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય–એવો અનેકાંત છે, અને તે જાણીને
નિશ્ચય તરફ ઢળવું તેનું નામ સમ્યક્ એકાંત છે. મોક્ષમાર્ગમાં વચ્ચે ક્્યાંય વ્યવહારનું
અવલંબન છે જ નહીં. વચ્ચે વ્યવહાર હોવા છતાં તેના અવલંબને ધર્મ ટકતો નથી,
મોક્ષમાર્ગ તો નિશ્ચયના અવલંબને જ ટક્યો છે.
ભાઈ, શાસ્ત્રોમાં નિશ્ચયના તેમ જ વ્યવહારના, ઉપાદાનના તેમ જ નિમિત્તના,
દ્રવ્યના તેમ જ પર્યાયના, અભેદના તેમ જ ભેદના તથા શુદ્ધના તેમ જ અશુદ્ધના કથનો
ભલે હો, પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ એ જ સર્વનો સાર છે. એ બધું જાણીને
જો સ્વભાવ તરફ ન વળે તો જીવને સમ્યગ્દર્શન પ્રગટે નહિ ને કલ્યાણ થાય નહિ. જો
સ્વભાવની રુચિ ન કરે અને ભેદની વ્યવહારની–નિમિત્તની કે પર્યાયની રુચિ કરે તો
મિથ્યા એકાંત થઈ જાય છે. શાસ્ત્રના લક્ષે અનેક પડખાં જાણીને જો સ્વભાવ તરફનું વલણ
ન કરે તો જીવને શું લાભ? નિજપદની પ્રાપ્તિ ન કરે તે જ્ઞાનને અનેકાન્ત કહેવાય નહીં.
હું જ્ઞાતા દ્રષ્ટા ત્રિકાળ છું, પૂર્ણાનંદ પ્રગટ

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
કરવાની તાકાત મારામાં ભરી છે, જ્ઞાનદર્શનની વીતરાગી ક્રિયાનો જ હું કર્તા છું, જડની
ક્રિયાનો હું કર્તા નથી તેમ જ પુણ્ય–પાપ પણ મારી સ્વાભાવિક ક્રિયા નથી. કોઈ પર મને
રખડાવતું નથી અને કોઈ પર મને સમજાવવાની તાકાતવાળું નથી. હું મારી ભૂલે
રખડ્યો છું; ને મારા પુરુષાર્થે સાચી સમજણ કરીને મુક્તિ પામું છું. અનંત સર્વજ્ઞો–સંતો
પૂર્વે થઈ ગયા, પણ હું મારી પાત્રતાના અભાવે ન સમજ્યો. મારા નિજપદની પ્રાપ્તિ
સ્વસન્મુખ પુરુષાર્થથી થાય છે. વર્તમાનમાં હું મારા પૂર્ણાનંદમય સ્વપદની પ્રાપ્તિ કરવા
માંગું છું તો તેવો પૂર્ણાનંદ પ્રગટ કરનારા અનંત જીવો પૂર્વે થઈ ગયા છે, અત્યારે વિચરે
છે અને ભવિષ્યમાં પણ અનંત થશે. સર્વજ્ઞતા વગર પૂર્ણાનંદ ન હોય. સર્વજ્ઞતા પ્રગટ
કરીને પૂર્ણાનંદ પામનારા જીવો સમ્યક્ એકાંત એવા નિજપદનો જ આશ્રય લઈને
પામ્યા છે–પામે છે ને પામશે; એ સિવાય રાગ–નિમિત્ત કે વ્યવહાર–એ બધા પરપદ છે–
તેના આશ્રયે કોઈ નિજપદને પામ્યા નથી–પામતા નથી ને પામશે નહીં. ત્રણેકાળે આ
એક જ ભવના અંતનો ને મુક્તિની પ્રાપ્તિનો ઉપાય છે.
શ્રીમદ્ના વચનોમાં જ્યાં હોય ત્યાં ભવના અંતનો પડકાર છે; તેઓ લખે છે કે:–
‘કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા–
નિગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.’
સ્વસન્મુખ થઈને સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરીને તેમાં લીનતા કરવી તે જ
ભવના અંતનો ઉપાય છે. ભવના અંતનો પંથ ક્યાંથી શરૂ થાય?–શું ભવના કારણનો
આશ્રય લેવાથી ભવના અંતની શરૂઆત થાય?–કે ભવરહિત સ્વરૂપનો આશ્રય લેવાથી
ભવના અંતની શરૂઆત થાય? ધર્મ માટે આત્માના સ્વભાવ સિવાય પરનો આશ્રય
સ્વીકારવો તે બંધનો પંથ છે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
જે જે કારણ બંધના તેહ બંધનો પંથ;
તે કારણ છેદકદશા મોક્ષપંથ, ભવ અંત.
શુભાશુભભાવની રુચિ ને પર્યાયબુદ્ધિ તે બંધનનો એટલે કે સંસારનો પંથ છે.
અને તેનો છેદ તે ભવના અંતનો એટલે કે મોક્ષનો પંથ છે. પણ તેનો છેદ કઈ રીતે
થાય? ‘આ શુભાશુભનો છેદ કરું’ એમ તેની સામે જોયા કરવાથી (અર્થાત્
પર્યાયબુદ્ધિથી) તેનો છેદ થાય નહિ, પણ આત્માના શુદ્ધ ચૈતન્યસ્વભાવની રુચિ કરીને
તેમાં એકાગ્ર થતાં પર્યાયબુદ્ધિનો અને રાગનો છેદ થઈ જાય છે–અર્થાત્ તેની ઉત્પત્તિ જ
થતી નથી. એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવની રુચિ કરીને તેમાં એકાગ્રતા કરવી તે જ
મોક્ષનો ને ભવના અંતનો પંથ છે.
શાસ્ત્રોમાં નિશ્ચય તેમ જ વ્યવહાર બંનેની વાત છે, પણ મોક્ષને માટે આશ્રય તો એક

PDF/HTML Page 20 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
નિશ્ચયનો જ બતાવ્યો છે. જ્ઞાન કરવા માટે પર ચીજ છે ખરી, પણ કલ્યાણ તો સ્વના
આશ્રયે જ થાય છે. અભેદના આશ્રયે–નિશ્ચયના આશ્રયે–શુદ્ધદ્રવ્યના આશ્રયે–અથવા તો
શુદ્ધ ઉપાદાનના આશ્રયે કલ્યાણ છે, એ સિવાય ભેદના આશ્રયે–વ્યવહારના આશ્રયે–
પર્યાયના આશ્રયે કે નિમિત્તના આશ્રયે કલ્યાણ નથી. શાસ્ત્રોમાં નિશ્ચય–વ્યવહાર વગેરે
બબ્બે પડખાનું જ્ઞાન કરાવ્યું છે, પણ તે બે પડખાંને જાણીને એક તરફ વળવા માટે આ
ઉપદેશ છે.
બાહ્યસંયોગ અને નિમિત્તો હો ભલે, પણ તે આત્માના ધર્મનું સાધન નથી. અરે
પ્રભુ! તું ચૈતન્યભગવાન એવો નમાલો નથી કે તને પર સંયોગની અનુકૂળતાએ લાભ
થાય. તારા કલ્યાણને માટે પરના આશ્રયની જરૂર પડે એવું તારું સ્વરૂપ નથી. નિમિત્ત
ભલે હો પણ તે તારા આત્માથી પર છે. અને નિમિત્તને લક્ષે વ્યવહાર–શુભરાગ–થાય તે
પણ તારા સ્વભાવથી પર છે, એ પ્રમાણે જાણીને સ્વભાવ તરફ વળવું તે જ
પરમાત્મપદનો ઉપાય છે. આ પ્રમાણે સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય
અન્ય હેતુએ અનેકાંત ઉપકારી નથી. પર્યાયમાં અશુદ્ધતા છે ખરી, પણ તેના આશ્રયે
નિજપદની પ્રાપ્તિ થતી નથી. સ્વભાવ તરફ ઢળ્‌યા વિના, પર્યાયના આશ્રયે કલ્યાણ
થાય–એવું અનેકાંતમાર્ગમાં એટલે કે વસ્તુના સ્વભાવમાં છે જ નહીં. તું તને સમજીને,
તારા સ્વભાવનો મહિમા કર અને તારા સ્વભાવ તરફ વળ–એ જ કલ્યાણનો માર્ગ છે.
નિજપદની પ્રાપ્તિ એટલે કે પરમાત્મદશાની પ્રાપ્તિ સ્વના આશ્રયે થાય છે, પરના આશ્રયે
નિજપદની પ્રાપ્તિ થતી નથી; ઉપાદાનના આશ્રયે નિજપદની પ્રાપ્તિ થાય છે, નિમિત્તના
આશ્રયે નિજપદની પ્રાપ્તિ થતી નથી.
નિજપદની પ્રાપ્તિ જીવથી થઈ શકે છે, તેનો આ ઉપદેશ છે. અનંતકાળથી જીવે
પોતાના નિજપદની સંભાળ કરી નથી, અને નિમિત્ત તથા વ્યવહારના આશ્રયે કલ્યાણ
માનીને પરપદની જ પ્રાપ્તિ કરી છે. સ્વપદ–ચૈતન્યસ્વભાવને ભૂલીને પરના આશ્રયે તો
પરપદની–રાગની–કર્મની ને શરીરના સંયોગની પ્રાપ્તિ થાય છે, ને ચાર ગતિના અવતાર
ટળતા નથી. રાજપદ હો કે દેવપદ હો તે બધા પરપદ છે, અને તેના કારણરૂપ પુણ્યભાવ
પણ પરપદ છે, ચૈતન્યભગવાન આત્માનું તે પદ નથી. નિજપદ તો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ
છે, તેના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાન–રમણતા કરતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. એ સિવાય
પરના આશ્રયે રાગ ઊઠે તેનાથી પરપદની પ્રાપ્તિ થાય છે. અનેકાંત પોતાના
સ્વભાવપદની પ્રાપ્તિ અર્થે જ ઉપકારી છે.–આવું અનેકાન્તનું રહસ્ય છે.
શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એકદમ આંતરિક હતું. તેમને સંયમદશા થઈ ન હતી
પણ અંતરસ્વભાવની દ્રષ્ટિ પ્રગટી હતી, પૂર્ણ–