Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૯૬
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
રજતજયંતિનું વર્ષ
૨૯૬
આદર્શ પુત્ર અને આદર્શ માતા
પુત્ર કહે છે–
હે માતા! નિજાનંદનો પ્યાસી મારો આત્મા હવે
આ સંસારની દુઃખવેદનાથી ત્રાસ પામ્યો છે...ચૈતન્યસુખ
સિવાય બીજે ક્યાંય ચેન નથી....આત્માના આનંદમાં જ
ચિત્ત ચોંટયું છે...એના સિવાય ક્યાંય મારું ચિત્ત ચોંટતું
નથી...બહારના નિઃસાર ભાવો અનંતકાળ કર્યા હવે
ત્યાંથી હટીને મારું પરિણમન અંદર ઢળે છે...અંદર જ્યાં
મારો આનંદ ભર્યો છે ત્યાં હું જાઉં છું...તે માટે હે માતા!
આશીર્વાદ સહિત રજા આપ.
માતા કહે છે–
હે પુત્ર! જે તારો માર્ગ છે તે જ મારો પણ માર્ગ
છે. તારો આત્મા ભવદુઃખથી છૂટે ને આત્મીક સુખ પામે
એના જેવું ઉત્તમ શું? માતા હોંશથી પોતાના પુત્રને
સુખપ્રાપ્તિના આશીષ આપે છે.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી – સંપાદક : બ્ર.હરિલાલ જૈન
વીર સં.૨૪૯૪ જેઠ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨પ : અંક ૮

PDF/HTML Page 3 of 45
single page version

background image
દરેક ગામના મુમુક્ષુઓએ ધ્યાનમાં લેવા જેવું
પૂ. ગુરુદેવના પ્રતાપે ઠેરઠેર ગામેગામ ધાર્મિક પ્રભાવના થઈ રહી છે, જિનમંદિરો
પણ ઘણે ઠેકાણે થઈ ગયા છે ને વીતરાગ ભગવાનના દર્શન–પૂજનનો લાભ સેંકડો–
હજારો જિજ્ઞાસુઓ લઈ રહ્યા છે. બાળકો પણ મોટી સંખ્યામાં ઉત્સાહથી ભાગ લ્યે છે.
ગુરુદેવ સાથે હાલના પ્રવાસમાં ઠેરઠેર આવું ઉત્સાહભર્યું વાતાવરણ જોયું.
–પણ એક વસ્તુની અધુરાશ મનમાં ખટકે તેવી છે...બાળકોને ધર્મના અભ્યાસ
માટે નિયમિત પાઠશાળા સૌરાષ્ટ્રમાં લગભગ કયાંય પણ જોવામાં આવતી નથી.
નિયમિત પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ તે બાળકોને માટે અતિશય જરૂરી છે; તેનાથી
સમાજમાં ઘણી જાગૃતિ રહે છે....ને ઘરમાં ધર્મનું વાતાવરણ રહે છે...બાળકોમાં
નાનપણથી જ ધર્મસંસ્કારોનું સીંચન થાય છે. કેટલાક શહેરોમાં તો પચાસ કે ૧૦૦ થી
પણ વધુ બાળકો ઉત્સાહથી ધર્મ અભ્યાસ માટે તૈયાર હોવા છતાં પાઠશાળાની કોઈ
વ્યવસ્થા નથી. ગામેગામના આગેવાનબંધુઓ આ જરૂરીયાતનો ગંભીરતાથી વિચાર
કરીને વહેલામાં વહેલી તકે પાઠશાળાનું મંગલમૂરત કરે એ અત્યંત જરૂરી છે. શિક્ષક
નથી મળતા એવું બહાનું ન કાઢતાં, ગામમાંથી જ વિશેષ અભ્યાસી ભાઈઓએ
પાઠશાળાનું કાર્ય ઉપાડી લેવું જોઈએ. જ્યાં જ્યાં પાઠશાળા ચાલતી હોય ત્યાંની
પ્રવૃત્તિના સમાચાર જણાવશો. જ્યાં નિયમિત પાઠશાળા ચાલતી હોય ત્યાંના સમાચાર
અને પાઠશાળામાં ભણતા બધા વિદ્યાર્થીઓનાં નામ અમને મળશે તો તે અમે
આત્મધર્મમાં પ્રગટ કરીશું.
બાલબંધુઓ! તમારા ગામમાં પાઠશાળા ન ચાલતી હોય તો
તમારા વડીલોને તથા કાર્યકરોને તે માટે પ્રેરણા કરો...કે અમને ધર્મનું
ભણતર ભણાવો. લૌકિક ભણતર કરતાં ધર્મનું ભણતર અમારે વધું
જરૂરનું છે.

PDF/HTML Page 4 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા જેઠ
વર્ષ: ૨પ: અંક ૮
નિજપદને સંભાળ
શ્રી ગુરુ સમજાવે છે કે રે ચૈતન્ય! તું તારા નિજપદને
ભૂલીને રાગાદિ પરપદમાં લીન થઈને સૂતો છે, તેથી તને ધર્મ થતો
નથી. આત્મામાં સર્વજ્ઞશક્તિ છે; તે સર્વજ્ઞતા જેમણે પ્રગટ કરી
તેમની સહજ વાણીમાં એવો ઉપદેશ આવ્યો કે આત્મામાં અનંત
આનંદ છે. શેનો હશે એ આનંદ? –કોઈ બાહ્ય વસ્તુનો એ આનંદ
નથી, રાગનો કે શરીરનો એ આનંદ નથી, એ તો બધા પરપદ છે;
તેમનાથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ નિજપદ છે, તે નિજપદના
અનુભવનો પરમ આનંદ છે. આવા નિજપદને જેઓ જાણતા નથી
ને રાગાદિને જ દેખે છે તેને સન્તો આંધળા કહે છે. અરે ચૈતન્યદેવ!
તું તો જગતનો મહાન પદાર્થ, રાગાદિ અશુદ્ધતામાં તારું પદ નથી.
અનાદિથી તારા શુદ્ધ સ્વરૂપને ભૂલીને જે રાગાદિ અશુદ્ધભાવોરૂપે જ
તું પોતાને અનુભવી રહ્યો છે તે તારું નિજપદ નથી પણ અપદ છે–
અપદ છે, એમ તું જાણ, ને નિજપદને સંભાળ.
(ચોટીલા –પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
મોક્ષના અને બંધના કારણની ઓળખાણ
જ્ઞાન અને રાગ વચ્ચેનું ભેદજ્ઞાન
સમયસાર કળશ ૧૬પ–૬૬–૬૭ ઉપરના પ્રવચનોમાંથી
(સોનગઢ : વૈશાખ વદ એકમથી ચોથ)
જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિની સાચી
ઓળખાણ થતાં જીવને મોક્ષમાર્ગનું તથા બંધમાર્ગનું
ખરૂં સ્વરૂપ સમજાય છે. બંધનું કારણ શું છે ને મોક્ષનું
કારણ શું છે–તેની ઓળખાણમાં જીવની ભૂલ છે, તેથી
બંધથી છૂટવાનો ને મોક્ષને સાધવાનો સાચો ઉપાય પણ
તે કરતો નથી. જ્ઞાની પોતાની કેવી પરિણતિ વડે મોક્ષને
સાધી રહ્યા છે ને અજ્ઞાની કેવી પરિણતિને કારણે
બંધાય છે–તે અહીં સમજાવ્યું છે. તે સમજીને બંધના
કારણરૂપ અશુદ્ધતા છોડવી અને મોક્ષના કારણરૂપ
શુદ્ધપરિણતિ પ્રગટ કરવી–તે મોક્ષાર્થીનું પ્રયોજન છે.

આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધવસ્તુ છે; તેમાં ઉપયોગની એકતાવડે જે
અનુભવનશીલ થયો છે, રાગાદિથી ભિન્ન શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જે પરિણમ્યો છે
એવા ધર્માત્માને બંધન થતું નથી. બંધનું કારણ બાહ્ય સામગ્રી નથી, પણ ઉપયોગની
અશુદ્ધતા એટલે કે રાગાદિ સાથે એકતા તે જ બંધનું કારણ છે.
ધર્મી જીવ પોતાના ઉપયોગને રાગ સાથે ભેળસેળ કર્યા વગર શુદ્ધ આત્માના
આનંદનો અનુભવ કરવામાં ઉપયોગને જોડે છે. જડ પદાર્થો જુદા છે, તેને તો કોઈ જીવ
અનુભવતો નથી; અજ્ઞાની રાગના અનુભવમાં ઉપયોગને જોડે છે તે અધર્મ અને બંધનું
કારણ છે. જ્ઞાની રાગથી ભિન્ન ઉપયોગને શુદ્ધપણે અનુભવે છે તે ધર્મ છે ને તે મોક્ષનું
કારણ છે.

PDF/HTML Page 6 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩ :
ધર્મીનો ઉપયોગ રાગથી ભિન્ન છે એટલે તેને વિભાવ પરિણમન નથી, તે પોતાના
શુદ્ધસ્વરૂપનો અનુભવનશીલ થયો છે. રાગ અને ચેતના બંનેનું સ્વરૂપ ભિન્ન છે; તેના
ભિન્ન સ્વરૂપને જે નથી ઓળખતો ને એકમેક અનુભવે છે તે અશુદ્ધપરિણમનને લીધે
નવા કર્મોથી બંધાય છે. અને જ્યાં લક્ષણભેદ વડે ઉપયોગને રાગથી તદ્ન જુદો જાણ્યો
ત્યાં રાગ વગરના શુદ્ધભાવપણે જ પોતાને અનુભવે છે, તે સમ્યગ્દર્શન છે, તે
શુદ્ધપરિણતિ છે; અને શુદ્ધપરિણમનને લીધે તેને બંધન થતું નથી.
સમ્યગ્દ્રષ્ટિ જીવ રાગાદિને પરજ્ઞેય જાણે છે; તે ઉપયોગને સ્વ જાણે છે, ને
રાગાદિને પર જાણે છે. રાગથી ભિન્ન જ્ઞાનચેતના પરિણમી, તે જ્ઞાનચેતનામાં ધર્મીને
અતીન્દ્રિય આનંદનો અનુભવ છે. તે અનુભવમાં શુભવિકલ્પનોય પ્રવેશ નથી. આવી
શુદ્ધપરિણતિ તે જ મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ બહારમાં બીજે ક્યાંય નથી. એ જ
રીતે બંધનું કારણ પણ બહારમાં બીજું કોઈ નથી, જીવની અશુદ્ધપરિણતિ જ બંધનું
કારણ છે.
ભાઈ! તારું સુખ ને તારો આનંદ તો તારામાં હોય કે બહાર? જેમ મીઠા
પાણીના દરિયામાં રહેતું માછલું તરસથી તરફડે ને બીજા પાસે પાણી માંગે–તે આશ્ચર્ય
છે! ભાઈ, તું પોતે પાણીમાં જ રહેલું છે...એ પાણી પી લેને! બીજે ક્યાં શોધે છે? તેમ
અજ્ઞાની સુખ અને ધર્મ બહારના સાધનમાં શોધે છે. પોતે જ આનંદના દરિયાથી
ભરપૂર છે, તેને ભૂલીને સુખ માટે બહારમાં ઝાંવા નાંખે છે, પણ માછલાના દ્રષ્ટાંતે
સન્તો તેને બોધ આપે છે કે ભાઈ! આનંદનો દરિયો તો તારામાં જ ભર્યો છે, તેમાં
ડુબકી મારીને એકાગ્ર થા....તો તને આનંદનો અનુભવ થશે. બહારમાં ક્યાંય તારો
આનંદ નથી. તારા અનંત ધર્મો તારામાં ભર્યા છે, તે બહારમાં ક્યાંય નથી; માટે બહાર
ન શોધ. તારામાં જ જો.
જેમ બહારની ચીજ જીવને ધર્મનું કારણ નથી, તેમ બહારની ચીજ જીવને બંધનું
કારણ પણ નથી. મન–વચન–કાયા, ચેતન–અચેતન બાહ્ય પદાર્થો તે બંધનાં કારણ નથી;
જો તે બંધના કારણ હોય તો તો રાગ વગરના જીવનેય બંધન થાય. બંધનું કારણ તો
ઉપયોગમાં રાગની ભેળસેળરૂપ અશુદ્ધપરિણતિ જ છે, બીજું કોઈ નહિ. ધર્મીજીવે
પોતાના ઉપયોગમાં વીતરાગી સ્વભાવને જ અપનાવ્યો છે, રાગને જુદો જાણ્યો છે,
એટલે ઉપયોગમાં તેેને હિંસા નથી, અશુદ્ધતા નથી; આવો જે શુદ્ધ ઉપયોગ તે જ મોક્ષનું
કારણ છે.
જ્યાં રાગ નથી ત્યાં બંધન કેવું? અને જ્યાં રાગ છે ત્યાં બંધનું બીજું કારણ

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
શરીરની ક્રિયા જીવને મોક્ષનું કારણ થાય–એ તો જડ–ચેતનની એકતાબુદ્ધિરૂપ
શુદ્ધસ્વરૂપ શું છે તેને અનુભવે નહિ, રાગમાં એકત્વબુદ્ધિ છોડે નહિ ને
અનંત ગુણની શુદ્ધતાથી પરિપૂર્ણ આત્મા જેવી દ્રષ્ટિમાં ને અનુભવમાં આવ્યો તે
ગણધરદેેવે કાંઈ એમ નથી કહ્યું કે જીવ ગમે તેમ સ્વચ્છંદ ભાવે પ્રવર્તે તોપણ
તેને બંધન થતું નથી. પ્રમોદથી ભરેલી નિરંકુશ પ્રવૃત્તિ તો બંધનું જ કારણ છે. જ્ઞાની તો
બધા પરભાવોથી જુદો પડીને જ્ઞાનભાવરૂપ થયો છે તે જ્ઞાનભાવને લીધે જ તેને
અબંધપણું છે. વસ્તુનું સ્વરૂપ તો આવું છે કે શુદ્ધસ્વરૂપના અનુભવને લીધે જ્ઞાનીને
બંધન થતું નથી, ને રાગાદિ અશુદ્ધપણું તો બંધનું જ કારણ છે.

PDF/HTML Page 8 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૫ :
શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જ્ઞપ્તિક્રિયા; અને રાગને કરવારૂપ કરોતિક્રિયા એ બંને
ક્રિયા તો પરસ્પર વિરુદ્ધ છે, તે એક સાથે હોઈ શકતી નથી. જ્ઞાનીને જ્ઞપ્તિક્રિયા જ્ઞાનરૂપ
છે તેમાં કરોતિક્રિયાનો અભાવ છે. અજ્ઞાનીને રાગના કર્તૃત્વરૂપ કરોતિક્રિયા છે તેમાં
જ્ઞાનરૂપ જ્ઞપ્તિક્રિયાનો અભાવ છે. જ્ઞપ્તિક્રિયા મોક્ષનું કારણ છે, કરોતિક્રિયા બંધનું કારણ
છે. માટે જ્ઞાનીને બંધન નથી ને અજ્ઞાનીને બંધન છે.
ભાઈ, બંધના કારણને તો પ્રેમથી સેવી રહ્યો છો ને કહે છે કે મને બંધન નથી,
–એ તો તારો તીવ્ર અજ્ઞાનરૂપ સ્વચ્છંદભાવ છે. અશુદ્ધભાવરૂપ રહેવું ને કહેવું કે મને
બંધન નથી, –એને તો મૂઢતાને લીધે પોતાના પરિણામનુંય ભાન નથી. અહા, જ્ઞાનરૂપ
થાય એની તો આત્મદશા જ ફરી જાય. એ તો ભગવાનના માર્ગમાં ભળ્‌યો...
શુદ્ધસ્વરૂપની અનુભૂતિમાં શુભવિકલ્પનોય અભાવ છે ત્યાં અશુભની તો શી વાત?
જ્યાં રાગની રુચિ છે, બાહ્યસામગ્રીનો અંતરથી પ્રેમ છે ત્યાં તો અશુદ્ધભાવ છે, તે તો
બંધનું જ ઠેકાણું છે. શ્રી ગણધરદેવે તો શુદ્ધ સ્વરૂપના અનુભવશીલને અબંધ કહ્યો છે.
એનું જ્ઞાન તો રાગાદિથી જુદું જ પરિણમે છે. રાગથી જુદું પરિણમતું જ્ઞાન તે તો બંધનું
અકારણ જ છે, એટલે કે મોક્ષનું જ કારણ છે.
જ્ઞાની નિર્મળ દ્રવ્ય–ગુણ–પર્યાયને જ સ્વજ્ઞેય માને છે, રાગાદિ પરભાવોને
સ્વજ્ઞેયમાં નથી માનતા પણ સ્વથી ભિન્ન પરજ્ઞેયપણે જાણે છે. જ્ઞાનનો સ્વભાવ અને
રાગનો સ્વભાવ એક નથી પણ જુદો છે. તેમને કર્તા–કર્મપણાનો સંબંધ નથી. અરે, જ્ઞાન
અને રાગને પણ જ્યાં કર્તાકર્મપણું નથી ત્યાં જ્ઞાન જડ શરીરાદિનાં કાર્ય કરે એ વાત તો
ક્યાં રહી? જડથી પણ જ્ઞાનની ભિન્નતા જેને ન ભાસે તે રાગથી ભિન્ન જ્ઞાનનો
અનુભવ ક્યાંથી કરે? ને રાગથી ભિન્ન થયા વિના કર્મબંધન કેમ અટકે?
ધર્મીને જેટલો રાગ છે તેટલું બંધન છે, પણ તે રાગ અને બંધન એ બંનેથી
ભિન્ન જ્ઞાનપણે જ તે પોતાને અનુભવે છે; તેથી એવો અનુભવશીલ જ્ઞાનભાવ બંધનું
કારણ નથી, માટે જ્ઞાનીને અબંધ કહ્યા છે. અજ્ઞાનીને રાગથી જુદા જ્ઞાનનો કોઈ
અનુભવ નથી, તે તો મીઠાસપૂર્વક રાગમાં જ તન્મય વર્તે છે, તે રાગનો કર્તા છે ને
તેથી તેને જરૂર બંધન થાય છે. જે રાગનો કરનાર છે તે શુદ્ધસ્વરૂપનો જાણનાર નથી;
જે જાણનાર છે તે રાગનો કરનાર નથી. જાણનારને બંધન નથી; રાગના કરનારને
બંધન છે. આ રીતે જ્ઞાનભાવ અને રાગનો કર્તાભાવ એ બંને ભાવો એકબીજાથી
વિરુદ્ધ છે. તેના દ્વારા જ્ઞાની–

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
ધર્મીને આત્માના આનંદનો અનુભવ છે. ધર્મી તેને જ કહેવાય કે જે આનંદની
પ્રાપ્તિના અને દુઃખના નાશના પંથે ચડેલો છે; આત્માના આનંદનો સ્વાદ ચાખ્યો ત્યારે
જીવ ધર્મી થયો. જે એકલા રાગાદિ અશુદ્ધભાવના અનુભવમાં પડેલો છે તે જીવ ધર્મી
નથી. ધર્મ તો અપૂર્વ ચીજ છે; ધર્મ તો આનંદમય છે. દુઃખથી છૂટકારાનો ઉપાય જે ધર્મ
તે દુઃખરૂપ કેમ હોય? ધર્મ તો પૂર્ણ આનંદની પ્રાપ્તિનું સાધન છે ને તે પોતે આનંદના
અનુભવરૂપ છે. –આવો અનુભવ તે જૈનધર્મ છે આવો અનુભવ કરે તે જૈન છે.
જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપને અનુભવે છે તે સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મની
ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી; અને જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મની વિચિત્ર
સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે તે મિથ્યાદ્રષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપ જીવને
જાણતો નથી.–
करे करम सोई करतारा, जो जाने सो जाननहारा ।
जो कर्ता नहि जाने सोई, जाने सो करता नहि होई ।।२३।।
મિથ્યાદ્રષ્ટિ જીવને શુદ્ધ આત્મસ્વરૂપનું જાણપણું હોતું નથી, એટલે તે રાગાદિના
કર્તાપણામાં અટકેલો છે. ધર્મી જીવ પોતાને શુદ્ધસ્વરૂપે અનુભવતો થકો રાગાદિનો
જાણનાર જ રહે છે, કર્તા થતો નથી. માટે જ્ઞાનીને બંધન નથી; અજ્ઞાની જ પોતાને
અશુદ્ધપણે અનુભવતો થકો બંધાય છે. રાગના એક અંશને પણ જે પોતાના સ્વરૂપપણે
અનુભવે છે તે રાગ વગરના શુદ્ધસ્વરૂપને જરાય જાણતો નથી; અને જે પોતાના શુદ્ધ–
જ્ઞાનસ્વરૂપને રાગથી ભિન્નપણે અનુભવે છે તે જ્ઞાતા રાગના એક અંશને પણ પોતાપણે
કરતો નથી. રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન ન કરવું તે જ બંધનું કારણ છે. રાગ અને
જ્ઞાનની ભિન્નતાના અનુભવ વડે અશુદ્ધતા અટકે છે ને કર્મનો સંવર થાય છે. આ રીતે
જ્ઞાનનો અનુભવ જ મોક્ષનું કારણ છે. ઉપયોગ સાથે રાગની એકતારૂપ ચીકણા મિથ્યાત્વ
પરિણામ તે જ બંધનું કારણ છે.
વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન તીર્થંકરપણે બિરાજે છે; લગભગ બે હજાર વર્ષ
પહેલાં કુંદકુંદાચાર્યદેવ અહીંથી વિદેહમાં પધાર્યા હતા ને દિવ્યધ્વનિનું સીધું શ્રવણ કર્યું હતું;
તેમણે આ સમયસારાદિ શાસ્ત્રો રચ્યા છે; આત્માના અનુભવના

PDF/HTML Page 10 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૭ :
શાસ્ત્રના શ્રવણાદિથી અજ્ઞાની ભલે શુદ્ધઆત્માનો વિચાર કરે, પણ શુદ્ધ
રાગનો એક નાનો અંશ પણ મારો છે કે મને મોક્ષસાધનમાં મદદગાર છે એવી
અજ્ઞાની જીવ અજ્ઞાનથી ભલે એમ માને કે હું પરને જીવાડી દઉં કે મારું, અથવા
સુખ–દુઃખ આપું; પણ તેની માન્યતાની હદ કેટલી? કે પોતામાં તેવું અજ્ઞાન કરે તેટલી જ
તેની મર્યાદા છે, પરમાં તો કાંઈ તે કરી શકતો નથી. જીવાડવાની શુભ ઈચ્છા હોવા છતાં
સામો જીવ મરી પણ જાય છે, સુખી કરવાની શુભઈચ્છા હોવા છતાં સામો જીવ દુઃખી
પણ થાય છે; એ જ પ્રમાણે સામાને મારવાની કે

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
દુઃખ દેવાની પાપઈચ્છા હોવા છતાં સામો જીવ મરતો નથી કે દુઃખી થતો નથી. આ રીતે
પરમાં આત્માનું અકર્તાપણું હોવા છતાં જે અજ્ઞાનથી કર્તાપણું માને છે તે જીવને
જ્ઞાનક્રિયા કદી હોતી નથી એટલે કે ધર્મ હોતો નથી. એવી જ રીતે અંતરમાં શુભરાગ તે
મોક્ષસાધન ન હોવા છતાં તેને જે મોક્ષનું સાધન માને છે તે પણ રાગમાં
એકત્વબુદ્ધિવાળો અજ્ઞાની છે, રાગથી જુદો પડીને મોક્ષમાર્ગમાં તે આવતો નથી, એટલે
તેને પણ ધર્મ થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિનેય શુભ–અશુભ રાગ હોય છે પણ તે પોતાના જ્ઞાનભાવથી રાગને
ભિન્ન જાણે છે; તેમજ તે રાગવડે પરના કામ હું કરી દઉં એમ તે માનતા નથી. આ રીતે
રાગને રાગપણે જ જાણે છે, ને પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપને તે રાગથી ભિન્નપણે જ
અનુભવે છે, એટલે રાગ વખતે ભેદજ્ઞાન તેને વર્તે છે. આવું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ
છે. આવી જ્ઞાનપરિણતિદ્વારા જ્ઞાનીને ઓળખવા તે સાચી ઓળખાણ છે.
અમને વહાલી ગુરુજીની વાણી
પ્રવાસ દરમિયાન બે મુમુક્ષુઓ મળ્‌યા....ગુરુદેવ પ્રત્યે ભક્તિ–
પ્રમોદ વ્યક્ત કરીને પછી તેમણે કહ્યું–સોનગઢ ઓછા આવી શકીએ
છીએ પણ નિયમિત ‘આત્મધર્મ’ વાંચીને આનંદિત થઈએ
છીએ...આત્મધર્મ આવતાં વેંત પહેલું કામ તે વાંચવાનું કરીએ છીએ.
કોઈવાર જમવા બેસવાની તૈયારી હોય, થાળી પીરસાઈ ગઈ હોય,
એવામાં જો પોસ્ટમેન ‘આત્મધર્મ’, આપી જાય, તો જમવાની થાળી
ઢાંકીને પહેલાં ‘આત્મધર્મ’ જોઈ લઈએ. (મારા ભોજનીયા અટકી
જાય) –એવો પ્રમોદ ‘આત્મધર્મ’ વાંચીને થાય છે. આ રીતે ઠેરઠેર
સેંકડો જિજ્ઞાસુ ભાઈ–બહેનો ‘આત્મધર્મ’ પ્રત્યે પોતાનો હાર્દિક પ્રેમ
વ્યક્ત કરતા હતા. ખરેખર, ગુરુદેવની વાણી દ્વારા વીતરાગરસનું
પાન કરવું કોને ન ગમે? પોતાના જ સ્વરૂપની વાત સાંભળીને કોને
આનંદ ન થાય? સોનગઢમાં બેઠા બેઠા પણ ગુરુદેવની વાણી
ભારતના હજારો જિજ્ઞાસુઓ ઉપર મોટો ઉપકાર કરી રહી છે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૯ :
અનેકાન્તવડે અર્હન્તદેવે જ્ઞાનસ્વરૂપ આત્માનો
અનુભવ કરાવ્યો છે
(સમયસાર–પરિશિષ્ટમાં અનેકાન્તના ૧૪ બોલ ઉપરના પ્રવચનનો સાર:)
(સોનગઢ : વૈશાખ સુદ ૧પ થી વૈ. વદ ૩)
‘અનેકાન્ત’ કે જે અરિહંતદેવના શાસનનો પ્રાણ છે,
તે અનેકાન્ત વડે અર્હંત ભગવાને જ્ઞાનસ્વભાવી આત્મા
દેખાડ્યો છે; જ્ઞાનસ્વભાવી આત્માની પ્રાપ્તિ–અનુભૂતિ તે
અનેકાન્તનું ફળ છે, તે જ સર્વજ્ઞશાસનનું રહસ્ય છે. –એ
વાત અહીં ગુરુદેવે સમજાવી છે.
અનેકાન્તવડે જ્ઞાનમાત્ર આત્મવસ્તુ પ્રસિદ્ધ થાય છે; સર્વજ્ઞ ભગવાને
અનેકાન્તવડે જ્ઞાનમાત્ર આત્મા દેખાડ્યો છે–તેનું આ વર્ણન છે.
આ વિશ્વ છે તે સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલું છે. તેમાં સર્વ ભાવો
પોતપોતાના સ્વભાવથી અદ્વૈત છે, છતાં દ્વૈતનો એટલે અન્ય વસ્તુનો નિષેધ કરવો તે
અશક્ય છે. જેમ જીવ જગતમાં સ્વતંત્ર છે તેમ અજીવ પણ સ્વતંત્ર છે. તેમાં જીવ
પોતાના જીવસ્વરૂપે છે ને અજીવસ્વરૂપે નથી–એ રીતે દરેક પદાર્થને સ્વરૂપમાં પ્રવૃત્તિ છે
ને પરરૂપથી વ્યાવૃત્તિ છે. –આમ દરેક વસ્તુને અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્તપણું છે તે
સર્વજ્ઞદેવે પ્રકાશ્યું છે.
જ્યાં જીવ અને અજીવને અત્યંત ભિન્નતા છે, બંનેની એકતાનો નિષેધ છે એટલે
એકની બીજામાં પ્રવૃત્તિ નથી, ત્યાં કોઈ એકબીજાનું કાર્ય કરે એમ બનતું નથી. છતાં જીવ
અજીવમાં કાંઈ કરે કે અજીવથી જીવમાં કાંઈ જ્ઞાનાદિ થાય એમ માને તેેને સ્વ–પરની
એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે. એ જ રીતે જ્ઞાનને અને રાગને પણ એકબીજામાં નાસ્તિપણું
છે, એટલે રાગ કરતાં કરતાં જ્ઞાનભાવ પ્રગટે કે રાગ તે મોક્ષમાર્ગનું સાધન થાય એમ
માનવું તે પણ સ્વભાવ અને પરભાવની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે.

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
વસ્તુનો સ્વભાવ ભિન્ન–ભિન્ન હોવા છતાં અજ્ઞાની પોતાના ભિન્ન જ્ઞાનને
અનુભવતો નથી, સંયોગ સાથે એકતાબુદ્ધિથી દેખનારા જીવો પોતાના સ્વભાવની
સ્વતંત્રતાને દેખી શકતા નથી. ચશ્મા જડ છે, જ્ઞાન જીવનો ભાવ છે; ત્યાં ચશ્માના
સંયોગને જોનાર, અને સંયોગથી ભિન્ન પોતાના જ્ઞાનને જે દેખતો નથી તે જડ–
ચેતનની એકત્વબુદ્ધિથી એમ માને છે કે ચશ્માથી જ્ઞાન થયું. ભાઈ! ચશ્માના સંયોગ
વખતેય જ્ઞાનનું પરિણમન ચશ્માને કારણે નહિ પણ પોતાના સ્વભાવથી જ છે. –આવી
સ્વતંત્રતાને સર્વજ્ઞભગવાને અનેકાન્તવડે પ્રસિદ્ધ કરી છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ છે; તે જ્ઞાન પોતાના સ્વભાવથી જ પરિણમતું થકું
જગતના સર્વ જ્ઞેયોને જાણે છે. આ રીતે જ્ઞાનને પર સાથે જ્ઞાતા–જ્ઞેયપણું છે. પણ બંનેનું
પરિણમન ભિન્ન છે. જ્ઞાન–જ્ઞાનરૂપે રહે છે, જ્ઞેયોજ્ઞેયરૂપે રહે છે. જ્ઞાન કાંઈ જ્ઞેયોને
જાણતાં તેની સાથે એકમેક થઈ જતું નથી. પણ અજ્ઞાની જાણે કે હું જ્ઞેયરૂપ થઈ ગયો
–એમ માને છે, તેને અનેકાન્તની ખબર નથી. પરજ્ઞેયને લીધે જ્ઞાન થાય એમ જે માને
તેને પણ અનેકાન્તની ખબર નથી, તેેણે જ્ઞાનને પરજ્ઞેય સાથે એકમેક માન્યું છે, તે
અજ્ઞાની છે. સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ એકાન્તવડે અજ્ઞાની જ્યારે નાશ પામે છે (એટલે
કે પોતાના ભિન્ન જ્ઞાનને ભૂલી જાય છે) ત્યારે અનેકાન્ત તેને જ્ઞેયોથી ભિન્નતા
બતાવીને જ્ઞાનનો અનુભવ કરાવે છે. આવો અનુભવ કરવો તે અનેકાન્તનું ફળ છે.
પરજ્ઞેયોને જાણતાં અજ્ઞાની એમ માને છે કે તેેને લીધે જ જ્ઞાન થાય છે; પણ
જ્ઞેયથી ભિન્નપણે જ્ઞાનનું સ્વાધીન અસ્તિત્વ છે, –આવા પોતાના સ્વાધીન અસ્તિત્વને
જાણ્યા વગર ધર્મ થાય નહિ. અનેકાન્તના ૧૪ બોલ દ્વારા અહીં જ્ઞાનનું સ્વાધીન
અસ્તિત્વ સમજાવ્યું છે.
જ્ઞાનસ્વભાવી આત્મા દ્રવ્યપણે એક છે, પણ પર્યાયમાં અનેક જ્ઞેયોને જાણવારૂપ
અનેકાકારપણું છે. અનેકજ્ઞેયોને જાણવું તે તો જ્ઞાનનું સામર્થ્ય છે, તે કાંઈ દોષ નથી.
અનેક જ્ઞેયોને જાણતાં જ્ઞાન પણ ખંડખંડરૂપ થઈ ગયું એમ અજ્ઞાનીને ભ્રમ થાય છે, ત્યાં
દ્રવ્યસ્વભાવથી જ્ઞાનનું એકરૂપપણું બતાવીને અનેકાન્ત તે ભ્રમ મટાડે છે. એ જ રીતે
સર્વથા એકપણું માનીને પર્યાયના સામર્થ્યને ન જાણે તો તેને પર્યાયઅપેક્ષાએ અનેકપણું
બતાવીને અનેકાન્ત તેનો ભ્રમ મટાડે છે.
મારી પર્યાયમાં ઘણા જ્ઞેયો જણાય છે તેથી અનેકપણું છે માટે તે અનેકપણું
મટાડવા પરજ્ઞેયોના જ્ઞાનને કાઢી નાંખું–એમ અજ્ઞાની પોતાની જ્ઞાનપર્યાયને જ છોડી
દેવા માંગે છે. પણ ભાઈ! પરચીજ જણાય તે તો તારા જ્ઞાનનું સામર્થ્ય છે. એકપણું તથા
અનેકપણું બંને તારા જ્ઞાનમાં રહેલા છે, તેને કાઢી નાંખતાં જ્ઞાન જ નહિ રહે. પોતાના
સ્વભાવના આશ્રયે જ્ઞાન જ અનેક નિર્મળપર્યાયોરૂપે પરિણમે છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧ :
જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે; તેમાં ચેતન પણ જણાય ને જડ પણ જણાય,
સિદ્ધ પણ જણાય ને સંસારી પણ જણાય, શુદ્ધતા પણ જણાય ને રાગ પણ જણાય, ત્યાં
જ્ઞાન તો જ્ઞાનરૂપ જ રહે છે, જ્ઞાન કાંઈ જડરૂપ કે રાગરૂપ થતું નથી. વળી વિવિધ
પ્રકારનું જ્ઞાન થાય એટલે જ્ઞાન પર્યાયમાં પણ તેવી વિવિધતા થાય છતાં જ્ઞાનમાં દ્રવ્ય–
સ્વભાવથી એકપણું કદી છૂટી જતું નથી. વિશેષ જ્ઞાન વખતેય સામાન્ય જ્ઞાનસ્વભાવ
ધર્મીની પ્રતીતમાં વર્તે છે, એટલે પર્યાયભેદથી હું સર્વથા ભેદરૂપ થઈ ગયો એવો ભ્રમ
એને થતો નથી.
આ જ્ઞાતાદ્રવ્ય પોતાના સ્વભાવથી સર્વ જ્ઞેયોને જાણે છે; ત્યાં અજ્ઞાની પરદ્રવ્યને
લીધે જ જ્ઞાનનું અસ્તિત્વ માને છે, આ પરદ્રવ્ય છે તો તેનું જ્ઞાન થાય છે–એમ બંનેને
એકપણે અજ્ઞાની માને છે; પણ જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાનથી છે ને પરનું અસ્તિત્વ જ્ઞાનમાં
નથી–એમ સ્વદ્રવ્ય–પરદ્રવ્યની ભિન્નતાને અનેકાન્તવડે સર્વજ્ઞદેવે પ્રસિદ્ધ કરી છે.
આત્માનું જ્ઞાન આત્મપ્રમાણ સ્વક્ષેત્રમાં જ છે; પરક્ષેત્રમાં તે જતું નથી, ને પરક્ષેત્ર
જ્ઞાનમાં આવતું નથી. પરક્ષેત્રમાં રહેલા પદાર્થોને જાણવા છતાં જ્ઞાન કાંઈ પરક્ષેત્રમાં જતું
નથી; સ્વક્ષેત્રમાં રહીને સર્વને જાણી લેવાનું જ્ઞાનનું સામર્થ્ય છે. બહારમાં દૂરના પરક્ષેત્રને
જાણતાં હું પણ પરક્ષેત્રમાં ચાલ્યો જઈશ, –માટે પરને જાણવું નહિ–એમ અજ્ઞાની ભ્રમથી
માનીને સ્વક્ષેત્રે રહેલા જ્ઞાનાકારોના સામર્થ્યને ભૂલી જાય છે. પરક્ષેત્રથી નાસ્તિરૂપ
રહીને, સ્વક્ષેત્રમાં બેઠોબેઠો જ સર્વ લોકાલોકને જાણી લ્યે એવી જ્ઞાનની તાકાત છે.
પરક્ષેત્રે રહેલી વસ્તુનો સ્વક્ષેત્રમાં અભાવ છે. પરને જાણે છતાં તેનાથી નાસ્તિપણે
ભિન્ન અસ્તિત્વમાં રહે–એવું જ્ઞાનનું સામર્થ્ય છે, તેને અનેકાન્ત પ્રસિદ્ધ કરે છે.
અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં રહીને જ પરક્ષેત્રગત જ્ઞેયોના જ્ઞાનરૂપે પરિણમે એવી જ્ઞાનની
સ્વાધીન તાકાત છે. તીર્થ–સમ્મેદશિખર વગેરે પરક્ષેત્રના કારણે અહીં જ્ઞાન થાય છે એમ
નથી, સમ્મેદશિખરમાં તીર્થંકરો–સિદ્ધો વગેરેનું સ્મરણ થાય તે પોતાના કારણે પોતાના
સ્વક્ષેત્રના જ અસ્તિત્વમાં થાય છે. સમવસરણાદિ સુક્ષેત્રના કારણે જ્ઞાન થઈ જાય, કે
નરકાદિ કુક્ષેત્રના કારણે જ્ઞાન હણાઈ જાય–એમ જે માને છે તે પરક્ષેત્રથી જ્ઞાનનું
અસ્તિત્વ માને છે, પરક્ષેત્રથી ભિન્ન જ્ઞાનની તેને ખબર નથી. અનેકાન્ત વડે સર્વજ્ઞદેવ
કહે છે કે ભાઈ! જ્ઞાનનું અસ્તિત્વ તારા સ્વક્ષેત્રથી છે, તેમાં પરક્ષેત્રથી નાસ્તિત્વ છે; માટે
સ્વાધીન સ્વક્ષેત્રમાં જ્ઞાનનું અસ્તિત્વ જાણીને સ્વસન્મુખ પરિણમવું તે તાત્પર્ય છે.
બહુ દૂરના પદાર્થને જાણવા માટે જ્ઞાનને દૂર જવું પડે એમ નથી; અહીં પોતાના
સ્વક્ષેત્રમાં જ રહીને દૂરના પદાર્થોને પણ જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે. સ્વક્ષેત્રમાં
રહેવા માટે પરક્ષેત્રનું જાણપણું છોડી દેવું પડતું નથી, કેમકે પરક્ષેત્રનું જાણપણું તો
પોતાની પર્યાયમાં, પોતાના સ્વક્ષેત્રમાં જ છે.

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
વળી જ્ઞાનનું અસ્તિત્વ પોતાના સ્વકાળથી છે, પરકાળથી તેનું નાસ્તિત્વ છે. પૂર્વે
જાણેલા જ્ઞેયનો નાશ થતાં જ્ઞાનનો કાંઈ નાશ થઈ જતો નથી, જ્ઞાન તો પોતાના
સ્વકાળના અસ્તિત્વમાં વર્તી રહ્યું છે. સમવસરણમાં બેઠા બેઠા દિવ્યધ્વનિ સાંભળતો હોય
ત્યારે દિવ્યધ્વનિના કાળને લીધે અહીં જ્ઞાનનું અસ્તિત્વ છે એમ નથી પણ જ્ઞાનના
સ્વકાળથી જ જ્ઞાનનું અસ્તિત્વ છે. ચશ્માના અવલંબને જ્ઞાન થયું ત્યાં કાંઈ ચશ્માના
કારણે જ્ઞાનનો સ્વકાળ નથી, ચશ્મામાં તો જ્ઞાનની નાસ્તિ છે. જ્ઞાનની સ્વકાળમાં અસ્તિ
છે, સ્વકાળથી જ તેે જ્ઞાન થયું છે, ચશ્માથી નહિ. ચશ્માને કારણે જ્ઞાન થયું એમ માનવું
તે તો સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ એકાંત છે, સ્વ–પરની ભિન્નતારૂપ અનેકાન્તની તેને
ખબર નથી.
અહો, પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી જ્ઞાનની સ્વાધીનતા છે, તેને લોકો
ઓળખતા નથી. સર્વજ્ઞભગવાને અનેકાન્તવડે સ્વાધીન જ્ઞાનસ્વભાવ પ્રસિદ્ધ કર્યો છે.
જીવમાં કેવળજ્ઞાનરૂપ પરિણમન હોય ને શરીરમાં તે કાળે વજ્રસંહનનરૂપ પરિણમન હોય,
છતાં એક બીજાના કારણે તેમનું હોવાપણું નથી, એકની બીજામાં નાસ્તિ છે, એ જ રીતે
જીવમાં મુનિદશા હોય ને શરીરમાં તે કાળે દિગંબરદશા હોય, છતાં બંને સ્વતંત્ર છે, કોઈના
કારણે કોઈ નથી; શરીરની જે દિગંબરદશા છે, તે જડ છે, જીવની મુનિદશામાં તેની નાસ્તિ
છે; અને તે શરીરમાં મુનિદશાની નાસ્તિ છે. સ્વકાળથી દરેક પદાર્થ સત્ છે ને પરકાળથી તે
અસત્ છે. આવી ભિન્નતામાં સ્વાધીનતા છે; ને સ્વાધીનતામાં જ સ્વાશ્રયરૂપ
વીતરાગભાવ એટલે કે ધર્મ છે. તે અનેકાન્તનું ફળ છે. જ્યાં જડ–ચેતનની ભિન્નતા અને
સ્વાધીનતાનું ભાન નથી ને સ્વ–પરની એકતારૂપ એકાંતબુદ્ધિ છે ત્યાં સ્વાશ્રયરૂપ
વીતરાગભાવ થતો નથી, ત્યાં તો અજ્ઞાન અને રાગદ્વેષ જ થાય છે, તે અધર્મ છે.
અનેકાન્તનું ફળ સ્વવસ્તુની પ્રાપ્તિ છે, એટલે કે નિજપદની પ્રાપ્તિ તે
અનેકાન્તનું ફળ છે.
પરજ્ઞેયના આશ્રયે મારું જ્ઞાન છે એમ માનનાર, જ્ઞેયો પલટતાં જ્ઞાનનો પણ નાશ
માને છે. ભાઈ જ્ઞેયોના અવલંબને તારા જ્ઞાનનું અસ્તિત્વ નથી. જ્ઞેયો પલટી જવા છતાં
જ્ઞાન પોતાના જ્ઞાનસ્વભાવના આશ્રયે સ્વકાળરૂપ પરિણમ્યા કરે છે. પરજ્ઞેયને
અવલંબવાના કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ છે–એમ નથી, પરજ્ઞેયથી અસત્પણે પોતાના
સ્વભાવને જ અવલંબીને જ્ઞાન પોતાના સ્વકાળમાં (સ્વપર્યાયમાં) અસ્તિપણે વર્તે છે.
હવે ભાવમાં અનેકાન્ત એમ પ્રસિદ્ધ કરે છે કે જ્ઞાયકભાવપણે જ્ઞાનનું અસ્તિત્વ છે
ને પરભાવોપણે જ્ઞાનનું નાસ્તિત્વ છે. પરભાવને જાણતાં જ્ઞાન પોતે કાંઈ પરભાવ– રૂપ
થઈ જતું નથી, તે તો સ્વ–ભાવપણે જ રહે છે. રાગને જાણતાં અજ્ઞાની એમ

PDF/HTML Page 16 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૩ :
માને છે કે જ્ઞાન રાગરૂપ થઈ ગયું, મલિન ભાવને જાણતાં જ્ઞાન પણ મલિન થઈ ગયું–
એમ સ્વ–પરની એકતાનો ભ્રમ અજ્ઞાનીને છે, તે અનેકાન્તવડે દૂર થાય છે. પરભાવો
જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય ત્યાં જ્ઞાયકભાવ કાંઈ તે પરભાવરૂપ થઈ ગયો નથી. અગ્નિને
જાણતાં જ્ઞાન બળી જતું નથી, કે બરફને જાણતાં જ્ઞાન ઠરી જતું નથી, જ્ઞાન તો
અરૂપીપણે પોતાના સ્વભાવમાં રહે છે; એ જ રીતે રાગદ્વેષાદિ પરભાવો જ્ઞાનમાં જણાય
ત્યાં જ્ઞાન પોતે તેમાં તન્મય થઈ જતું નથી, ભિન્નપણે પોતાના ભાવમાં રહે છે. પણ
આવી ભિન્નતાનું જેને ભાન નથી તે રાગને અને જ્ઞાનને ભેળસેળ કરીને એકપણે
અનુભવે છે, તે જ એકાન્ત છે, અજ્ઞાન છે. અનેકાન્તવડે ભગવાન તેને સમજાવે છે કે
ભાઈ! તું તો જ્ઞાન છો, અન્ય ભાવો તારા જ્ઞેયો છે, તે રૂપે તું નથી. આવી ભિન્નતા
જાણીને જ્ઞાનપણે જ આત્માને શ્રદ્ધામાં–અનુભવમાં લેવો તે ધર્મ છે.
જીવ જ્યારે એકલી પર્યાયને જ દેખે છે ને નિત્યતારૂપ સામાન્યસ્વભાવને નથી
દેખતો એટલે કે એકાન્ત પર્યાયમૂઢ થઈ જાય છે, ત્યારે અનેકાન્તવડે તેને વસ્તુસ્વરૂપ
સમજાવે છે કે ભાઈ! પર્યાયઅપેક્ષાએ અનિત્યતા હોવા છતાં તારામાં જ્ઞાનસામાન્ય–
રૂપથી નિત્યપણું છે, ક્ષણિક પર્યાય જેટલો જ તું આખો નથી. વળી કોઈ જીવ એકલી
નિત્યતાને જ માને ને જ્ઞાનવિશેષરૂપ પર્યાયને ન માને, પર્યાયને માનીશ તો હું ખંડિત
થઈ જઈશ–એમ અજ્ઞાનથી માને છે, તેેને પણ અનેકાન્તવડે સમજાવે છે કે ભાઈ!
દ્રવ્યઅપેક્ષાએ નિત્યતા હોવા છતાં તારામાં જ્ઞાનવિશેષઅપેક્ષાએ અનિત્યતા પણ છે.
નિત્યતા ને અનિત્યતા તે બંને તારું સ્વરૂપ છે–એમ અનેકાન્તવડે વસ્તુસ્વરૂપ
ઓળખાવ્યું છે. અનેકાન્તના એક પડખાને કાઢી નાંખે તો વસ્તુસ્વરૂપ સિદ્ધ ન થાય.
જ્ઞાનની વિશેષ પર્યાયો થવી તે પણ પોતાનું સ્વરૂપ છે; તે જ્ઞાનવિશેષો કાંઈ
પરને લીધે થતા નથી. પરને લીધે જ્ઞાન માને તો તેણે આત્માના અનિત્યસ્વભાવને
જાણ્યો નથી, અનેકાન્તને જાણ્યો નથી. વસ્તુમાં સામાન્ય અને વિશેષ બંને પોતાના
સ્વભાવથી જ છે, કોઈ બીજાને કારણે નથી. જ્ઞાનમાત્ર આત્મામાં તત્–અતત્પણું, એક–
અનેકપણું, દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી સત્–અસત્પણું અને નિત્ય–અનિત્યપણું એવો
અનેકાન્ત સ્વભાવથી જ પ્રકાશે છે. આવો જ્ઞાનમાત્ર આત્મા પરથી અને રાગથી ભિન્ન
કરીને અનેકાન્તવડે સર્વજ્ઞદેવે ઓળખાવ્યો છે. આવા આત્માનો અનુભવ કરવો તે
સર્વજ્ઞ–અરિહંતદેવનો માર્ગ છે.
जय अनेकान्त

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
મિથ્યાત્વથી થતું ભાવમરણ
તે ભાવમરણના ભયંકર દુ:ખ થી છૂટવાનો ઉપાય: ભેદજ્ઞાન
(સમયસારકલશ ૧૬૮ થી ૧૭૨ ઉપરના પ્રવચનોમાંથી)
સોનગઢ વૈશાખ વદ ૬–૭–૮ (૨૪૯૪)
જગતના જીવો જે ભૂલને લીધે ભાવમરણ કરી રહ્યા છે તે
ભૂલનો પ્રકાર સમજાવીને અને તેનાથી છૂટવાનો ઉપદેશ
આપીને વીતરાગી સન્તોએ જીવોને ભાવમરણથી ઉગાર્યા છે.
ભાઈ! સૌથી પહેલાં એટલું નક્ક્ી કર કે તારું કાર્યક્ષેત્ર
તારામાં જ છે, તારાથી બહારમાં તારું કાર્ય જરાપણ નથી. –
આમ પરથી અત્યંત ભિન્નતા સમજીને તારા નિજસ્વરૂપને તું
સંભાળ.–આ જ ભાવમરણથી છૂટવાનો ને પરમ આનંદની
પ્રાપ્તિનો ઉપાય છે.

જગતમાં સદાય સર્વે જીવોને જીવન કે મરણ, સાતા કે અસાતા સંયોગ કે વિયોગ
તે પોતપોતાના કર્મના ઉદય અનુસાર થાય છે, બીજો માને કે હું તેને કરું–તો તે માત્ર તેનું
અજ્ઞાન છે. અને એવો અજ્ઞાનમય મિથ્યાભાવ જ (પછી તે શુભ હો કે અશુભ–) તે
ભાવહિંસા છે, અધર્મ છે. ભાઈ! સામા જીવનું આયુષ પૂરું થયા વિના કોઈ તેને મારવા
સમર્થ નથી; સામા જીવનું આયુષ ન હોય તો કોઈ તેને જીવાડવા સમર્થ નથી; તેના
સાતાના ઉદય વિના કોઈ તેને સુખ દેવા સમર્થ નથી, તેના અસાતાના ઉદય વિના કોઈ
તેને દુઃખ દેવા સમર્થ નથી. આ રીતે જીવને પોતે કરેલા ભાવોના ફળઅનુસાર જીવન–
મરણ સુખ–દુઃખ–થાય છે. ત્યાં બીજો મને જીવાડે–મારે કે સુખ–દુઃખ

PDF/HTML Page 18 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૫ :
આપે, અથવા હું બીજાને જીવાડું–મારું કે સુખ–દુઃખ આપું–એવો જેને ભ્રમ છે તે જીવ
નિઃશંકપણે મિથ્યાદ્રષ્ટિ જ છે. જગતના જીવોનો મોટો ભાગ (જીવરાશિ) આવી
મિથ્યાબુદ્ધિથી અજ્ઞાની છે. જે કોઈ જીવ પરમાં કર્તૃત્વની આવી મિથ્યાબુદ્ધિ કરે છે તે જીવ
ચોક્ક્સ મિથ્યાદ્રષ્ટિ જ છે એમ જાણવું.
ભાઈ! તું તો જ્ઞાન છો. જ્ઞાનતત્ત્વ શુભાશુભ વિકલ્પનુંય કર્તા નથી ત્યાં પરનું
કર્તૃત્વ તારામાં કેવું? તું તારા જ્ઞાનનો જ માલિક છો, પરનો માલિક તું નથી. પરવસ્તુના
કાર્યની માલિક (કર્તા) તે વસ્તુ જ છે, તેને બદલે તું તેનો માલિક (કર્તા) થવા જાય છે
તો તે અન્યાય છે, અજ્ઞાન છે. તારા કાર્યનો માલિક બીજો નથી ને બીજાના કાર્યનો
માલિક તું નથી. સ્વાધીનપણે જગતના પદાર્થો પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે.
આવા વસ્તુસ્વરૂપને જે જાણતા નથી ને મોહથી અન્ય જીવને અન્ય જીવદ્વારા
સુખ–દુઃખ, જીવન–મરણ કે બંધ–મોક્ષ થવાનું માને છે તે મિથ્યાત્વરૂપ અશુદ્ધપણે
પરિણમ્યા છે. બીજો જીવ મને રાગ કરાવીને બાંધે અગર બીજો જીવ મને જ્ઞાન આપીને
તારે–એવી સ્વ–પરમાં કર્તાકર્મની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે, તે મિથ્યાદ્રષ્ટિ જીવ તીવ્ર
મોહવડે પોતાના ચૈતન્યપ્રાણને હણે છે, પોતે પોતાના આત્મજીવનને હણે છે, તે જ મોટી
ભાવહિંસા છે.
આ મારો મિત્ર, આ મારો શત્રુ, આ મને સુખ દેનાર, આ મને દુઃખ દેનાર,
અથવા હું બીજાનો મિત્ર, હું બીજાનો શત્રુ, મેં બીજાને સુખ દીધું, મેં બીજાને દુઃખ
દીધું–એવી મિથ્યાબુદ્ધિથી અજ્ઞાની રાગ–દ્વેષને જ કરે છે, પર સાથે કર્તૃત્વબુદ્ધિ હોય
ત્યાં રાગ–દ્વેષનું કર્તૃત્વ છૂટે જ નહિ. રાગ–દ્વેષ–મોહરૂપ અશુદ્ધતા વડે જીવના શુદ્ધ
ચૈતન્યપ્રાણ હણાય છે–તે જ આત્મહિંસા છે. આ રીતે અજ્ઞાની પોતે પોતાના
આત્માનો ઘાત કરે છે તેથી આત્મઘાતક છે, ને આ આત્મઘાત તે મહા પાપ છે; તેમાં
ભાવમરણનું ભયંકર દુઃખ છે.
અરે, મારો આત્મા તો જ્ઞાન છે. જ્ઞાનને કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી; જ્ઞાન
સુખી–દુઃખી બધાને જાણે છે પણ જ્ઞાન કોઈને સુખ દેતું નથી, જ્ઞાન કોઈને દુઃખ દેતું નથી,
બીજો કોઈ પદાર્થ જ્ઞાનને દુઃખ દેનાર નથી, બીજો કોઈ પદાર્થ જ્ઞાનને સુખ દેનાર નથી.
જ્ઞાનસ્વરૂપ જ હું છું, જ્ઞાનમાં રાગના શુભવિકલ્પનુંય કર્તવ્ય નથી–એમ પોતે પોતાને
જ્ઞાનપણે અનુભવતા જ્ઞાની–ધર્માત્મા, જગતના કોઈ પણ પરભાવને જરાપણ પોતાના
કરતા નથી; પોતાથી ભિન્ન જાણીને તેના જ્ઞાતા જ રહે છે.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
અરે જ્ઞાનમાં પરના કર્તૃત્વનો બોજો કેવો? ને જ્ઞાનમાં પર કારણની પરાધીનતા
કેવી? આવું જ્ઞાન સ્વયં નીરાકુળ શાંતરસથી ભરેલું છે, તે જ સ્વયં વીતરાગી આનંદ–
રૂપ છે.
શરીરબુદ્ધિથી હું દેવ, હું મનુષ્ય ઈત્યાદિ પ્રકારે વર્તે છે તે પણ અજ્ઞાની છે. પરની
ક્રિયા કરી શકતો નથી છતાં કરવાનો અભિપ્રાય કરે છે, એટલે જ્ઞાનભાવપણે ન
પરિણમતાં અજ્ઞાનભાવપણે પરિણમે છે–તેનું નામ મિથ્યાત્વ છે. મોક્ષ તો જ્ઞાનના
આશ્રયે થાય છે, જ્ઞાનરૂપ શુદ્ધાત્માના અનુભવથી મોક્ષ થાય છે, તેને બદલે શુભવિકલ્પને
કરવાના અહંકારથી જે શુભને મોક્ષનું સાધન માને છે, તેને કહે છે કે અરે મૂઢ!
શુભરાગમાં એકત્વબુદ્ધિથી તારા જ્ઞાનજીવનની હિંસા થાય છે. રાગ સ્વયં બંધભાવ છે તે
મોક્ષનું કારણ કેમ હોય?
જગતમાં અનંતા જીવ વસે છે, તે બધાય જીવો સ્વાધીન છે ને અસહાય છે એટલે
કે બીજાની સહાય વગર જ ટકનારા છે, તેમાં કોઈ કોઈનો સ્વામી નથી. પરનું જીવન
પોતાને આધીન ન હોવા છતાં, હું પરને જીવાડું એવી મિથ્યાબુદ્ધિમાં પોતાનું ભાવમરણ
થાય છે. અરે, પરને જીવાડવાની બુદ્ધિમાં પોતાનું મરણ થાય છે–ભાવપ્રાણ હણાય છે,
તેને અજ્ઞાની દેખતો નથી. તારા આત્માને તે ભાવમરણથી બચાવવા અને સાચું જીવન
પમાડવા હે જીવ! તું ભેદજ્ઞાન કર, ભેદજ્ઞાન વડે પરથી તારી ભિન્નતા જાણ. ભેદજ્ઞાન
વગર ભાવમરણ મટશે નહિ.
ભાઈ, તારા વિકલ્પ વગર પણ સામા જીવને સુખ–દુઃખ, જીવન–મરણ તો તેના
પોતાના ભાવથી થાય જ છે, તો તેમાં તે શું કર્યું? અને તારો વિકલ્પ હોવા છતાં તે
અનુસાર સામા જીવમાં નથી થતું; તારો કોઈ જીવને મારવાનો અભિપ્રાય હોય છતાં તે
બચી જાય છે, તારો બચાવવાનો અભિપ્રાય હોય છતાં તે મરી જાય છે; એ તો એના
પોતાના કારણે થાય છે, તારા કારણે થતું નથી; છતાં તું કર્તાપણું માને છે તે તારો
મિથ્યાભાવ છે; ને તે તારો મિથ્યાભાવ તને દુઃખનું કારણ છે. આ જીવ દુઃખમાં પીલાઈ
રહ્યો છે તેમાંથી છૂટવા માટેની વાત છે. જ્ઞાનભાવ વડે જીવ કર્મોથી છૂટે છે, અજ્ઞાનભાવ
વડે જીવ કર્મોથી બંધાય છે; એ સિવાય કોઈ બીજો તેને બાંધનાર કે છોડનાર નથી.
જીવ પોતે જો રાગાદિ બંધભાવોને ન કરે તો જગતમાં બીજા કોઈ પદાર્થમાં એવી
શક્તિ નથી કે જીવને બંધન કરાવે. વીતરાગભાવ પ્રગટ કરીને જીવ પોતે મુક્ત થાય

PDF/HTML Page 20 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૭ :
ત્યાં તેને રોકવા કોઈ સમર્થ નથી. –આમ બંધમાં કે મોક્ષમાં જીવ એકલો જ છે, પોતે જ
સ્વતંત્રપણે પોતાના બંધ–મોક્ષને કે સુખ–દુઃખને કરે છે. આવી સ્વાધીનદ્રષ્ટિવડે પરનું
કર્તૃત્વ છૂટે ને પર મારું કરે એવી પરાધીનબુદ્ધિ છૂટે, –ભેદજ્ઞાન થઈને પોતે પોતાના
જ્ઞાનભાવપણે પરિણમે–એ જ સુખ છે, એ જ મોક્ષનો ઉપાય છે.
અરે જીવ! તારી સામે મરણ ઊંભુ છે ને છતાં તને કેમ બાહ્યવિષયોમાં હરખ
થાય છે! આ દેહનો સંયોગ તો છૂટી જશે–એ નજર સામે દેખાય છે છતાં કેમ તું
આત્માની દરકાર નથી કરતો! જીવન તો ક્ષણમાં ફૂ થઈને ઊડી જશે પછી કયાં જઈશ–
એની કાંઈ ચિન્તા ખરી? કે એકલા બાહ્ય વિષયોમાં જ જીવન વેડફી રહ્યો છે! આ દેહાદિ
સર્વે સંયોગથી આત્મા જુદો છે, ને અંદરના રાગથી પણ જુદો છે, –જેને પર સાથે કાંઈ
સંબંધ નથી, પછી પરની હોંશ શી? રાગનો ઉત્સાહ શો?
અરે, પરના કર્તૃત્વમાં ને રાગના રસમાં જીવ પોતાનું સ્વરૂપ ભૂલી રહ્યો છે.
પરન્તુ આત્મા પરનું કરે અને પુણ્યથી ધર્મ થાય એ વાત સર્વજ્ઞદેવના જૈનશાસનની
હદથી બહાર છે. તારી ચૈતન્યહદમાં રાગનો પ્રવેશ કેવો? ને તેમાં જડનાં કામ કેવા?
પરનું કરવાનું બુદ્ધિથી તો તારું પોતાનું અહિત થાય છે.
૧. આજ સુધી તેં કોઈ બીજાનું કાંઈ કાર્યું નથી.
૨. કોઈ બીજા તારું કાંઈ કરતા નથી.
૩. તારા આત્માને ભૂલીને તારી પર્યાયમાં તેં અજ્ઞાન અને રાગ–દ્વેષ કર્યા છે,
તેનાથી તારું ભાવમરણ છે.
૪. તે અજ્ઞાન અને રાગ–દ્વેષ પણ તારા આત્માનો કાયમી સ્વભાવ નથી; તારો
આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. તેનું ભાન કરતાં અજ્ઞાન ટળે ને જ્ઞાનભાવ
પ્રગટે, તે ધર્મ છે, તે જ તારું હિત છે.
અજ્ઞાનથી તું તારા આત્માનો હિંસક હતો; ભેદજ્ઞાન વડે તે હિંસારૂપ ભાવમરણ
ટળીને જ્ઞાન–આનંદમય જીવન પ્રગટે છે. આત્મા તો જગતનો સાક્ષી જ્ઞાનચક્ષુ છે, તે
જ્ઞાનચક્ષુ જાણવા સિવાય બહારમાં શું કરે? જ્ઞાનચક્ષુ પાસે બહારનાં કામ કરવાનું જે
માને છે તે તો આંખ પાસે પથરા ઉપડાવવા જેવું કરે છે.