Atmadharma magazine - Ank 003
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૦૩
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
આ અંકના લેખો.
૧ મોક્ષના સાધનમાં પુરુષાર્થની મુખ્યતા
૨ સ્તવન
૩ આત્માને ઓળખો
૪ સાચી સામાયિક
પ જૈનધર્મ
૬ દાનની વિગત
૭ મિથ્યાત્વ સહિત અહિંસાદિનું ફળ
૮ વેશધારી ઉપદેશક
૯ આત્માનું હિત એક મોક્ષ જ છે.
કોઈ આત્મા–જ્ઞાની
કે અજ્ઞાની–એક પરમાણુ
માત્રને હલાવવાનું સામર્થ્ય
ધરાવતો નથી, તો પછી
દેહાદિની ક્રિયા આત્માના
હાથમાં ક્યાંથી હોય? જ્ઞાની
ને અજ્ઞાનીમાં આકાશ–
પાતાળના અંતર જેવડો
મહાન તફાવત છે, અને તે
એ છે કે અજ્ઞાની પરદ્રવ્યનો
તથા રાગદ્વેષનો કર્તા થાય
છે. અને જ્ઞાની પોતાને શુદ્ધ
અનુભવતો થકો તેમનો
કર્તા થતો નથી. તે કર્તૃત્વ
છોડવાનો મહાપુરુષાર્થ દરેક
જીવે કરવાનો છે. તે કર્તૃત્વ
બુદ્ધિ જ્ઞાન વિના છૂટશે નહિ
માટે તમે જ્ઞાન કરો.”
પૂજ્ય સદ્ગુરુદેવ
શ્રી. કાનજી સ્વામી
વાર્ષિક લવાજમ છુટક નકલ
રૂપિયા ૨–૮–૦ ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
આત્મધર્મના પાંચ નવા ગ્રાહકોના
નામ મોકલી આપશો?
“આત્મધર્મ” ના ગ્રાહકોને વિનતિ
આત્મધર્મ માસિક સંબંધે તમારો દરેક
પત્ર વ્યવહાર ગ્રાહક નંબર સહિત
મોટા આંકડિયા કરશોજી.
મોક્ષના સાધનમાં
પુરુષાર્થની મુખ્યતા
પ્રશ્ન–મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે, કે મોહાદિકનો ઉપશમાદિ થતાં બને છે,
કે પોતાના પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરતા બને છે? તે કહો. જો પહેલાંં બે કારણો મળતાં બને છે તો તમે અમને
ઉપદેશ શા માટે આપો છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ પુરુષાર્થ કરી
શકે છે તથા કોઈ નથી કરી શકતાં તેનું શું કારણ?
મોક્ષ સાધનમાં પુરુષાર્થની મુખ્યતા
ઉત્તર–એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણે કારણો મળે
છે. તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતા, પૂર્વોક્ત ત્રણ કારણ કહ્યા તેમાં કાળલબ્ધિ તથા જે કાર્ય
થયું તેજ ભવિતવ્ય. વળી કર્મનાં ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે તેનો કર્તા હર્તા આત્મા નથી, તથા
પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરવામાં આવે છે તે આત્માનું પોતાનું કાર્ય છે, માટે આત્માને પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરવાનો
ઉપદેશ આપીએ છીએ. હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય
કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ તથા જે કારણથી કાર્ય સિદ્ધિ થાય અથવા ન પણ
થાય તે કારણ રૂપ ઉદ્યમ કરે તો ત્યાં અન્ય કારણ મળે તો કાર્ય સિદ્ધિ થાય ન મળે તો ન થાય, હવે જિનમતમાં
જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ. માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર
પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે. તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચુક્યાં તથા કર્મના ઉપશમાદિ
થયાં છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વકારણો મળે
છે, અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે; એવો નિશ્ચય કરવો. તથા જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરતો
નથી તેને તો કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી, અને કર્મના ઉપશમાદિ થયાં નથી તેથી તે ઉપાય પણ કરતો
નથી માટે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કોઈ પણ કારણ મળતાં નથી તથા તેથી મોક્ષની
પ્રાપ્તિ પણ થતી નથી, એવો નિશ્ચય કરવો. વળી તું કહે છે કે––ઉપદેશ તો સર્વ સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો
ઉપાય કરી શકે છે અને કોઈ નથી કરી શકતા તેનું શું કારણ? તેનું કારણ આ છે કે–જે ઉપદેશ સાંભળીને
પુરુષાર્થ કરે છે તે તો મોક્ષનો ઉપાય કરી શકે છે. પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય કરી શકતો
નથી. ઉપદેશ તો શિક્ષા માત્ર છે, પણ ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે.
પ્રશ્ન––દ્રવ્યલિંગીમુનિ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે છે ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો છતાં
કાર્ય સિદ્ધ ન થયું. માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિદ્ધિ નથી.
ઉત્તર––અન્યથા પુરુષાર્થ કરી ફળ ઈચ્છે પણ તેથી કેવી રીતે ફળસિદ્ધિ થાય? તપશ્ચરણાદિ વ્યવહાર
સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો શાસ્ત્રમાં શુભબંધ કહ્યું છે, અને આ તેનાથી મોક્ષ ઈચ્છે છે તે કેવી
રીતે સિદ્ધ થાય? એ તો એક ભ્રમ છે.
પ્રશ્ન––એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે?
ઉત્તર––સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે, આ તેવો પુરુષાર્થ કરતો નથી કે જેથી ભ્રમ દૂર
થાય અને તેથી જ ભ્રમ રહે છે. પણ નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહ કર્મ તેનો પણ
ઉપશમાદિ થતાં ભ્રમ દૂર થઈ જાય છે. કારણ કે નિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થવાથી મોહનો સ્થિતિ–
અનુભાગ પણ ઘટે છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક)

PDF/HTML Page 4 of 17
single page version

background image
He who does
not regard Punya
(virtue or good
deeds)and papa
(evil or bed deeds)
as equal, such a
one being under
the influence of
Moha (ignorance or
illusion) will wander
in the samsara for a
long time and
remain unhappy.
Parmatma Prakash
માહ : ૨૦૦૦ આત્મધર્મ : ૩૧ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
આત્મધર્મ
સ્તવન
રગ. ખ્યલ.
મૈં નેમિજીકા બંદા, મૈં સાહિબજી કા બંદા. । મૈં નેમિજી। ટેક
નૈન ચકોર દરસકો તરસૈ, સ્વામી પુનમ ચંદા. ,, ૧
છ હોં દરબમેં સાર બતાયો, આતમ આનંદ કંદા
તાકો અનુભવ નિતપ્રતિ કરતે, નાસે સબ દુઃખ દંદા. ,, ૨
દેત ધરમ ઉપદેશ ભવિક પ્રતિ, ઈચ્છા નાહિં કરંદા;
રાગરોષ મદ મોહ નહીં, નહીં ક્રોધ લોભ છલ છંદા. ,, ૩
જાકો જસ કહિ શકે ન કયોં હી, ઈન્દ્ર ફનિંદ્ર નરિંદા;
સુમરન ભજનસાર હૈ દ્યાનત, અવર બાત સબ ફંદા. ,, ૪
જિનેન્દ્ર સ્તવન મંજરી પાનું – ૩૮૭ સ્તવન નં. – ૩૭૧
અર્થ–હું ભગવાન નેમિનાથનો દાસ
છું. ભગવાનનો દાસ છું. મારી દ્રષ્ટિ ચકોર
પક્ષીની માફક આપના દર્શન માટે તલસે છે.
આપ પુનમના ચંદ્ર જેવા પૂર્ણ છો–૧
છ દ્રવ્યોમાં સાર આત્મા આનંદ કંદ
છે, એમ આપે બતાવ્યું, તેનો અનુભવ
નિત્ય કરતાં–સર્વે દુઃખ અને દ્વંદ્વનો નાશ
થાય છે. ––૨
આપ ઈચ્છા કરતા નથી તો પણ
ભવ્ય જીવને ધર્મનો ઉપદેશ આપો છો.
આપને રાગ, દ્વેષ, મદ અને મોહ નથી; તેમ
ક્રોધ, કપટ, લોભ, છળ કે સ્વચ્છંદ નથી. –૩
આપના ગુણઈન્દ્ર, ફનિન્દ્ર કે નરેન્દ્ર
કોઈ ગાઈ શકે નહીં, આપનું વીતરાગતાનું
સ્મરણ તેજ ભજનનો સાર છે, બાકી બધી
વાત ફંદ છે, એમ દ્યાનતરામજી કહે છે. –૪

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૩૨ : આત્મધર્મ માહ : ૨૦૦૦
ધર્મી જીવને જ્ઞાનીનો ઉપદેશ છે કે
આત્માને ઓળખો
પૂજ્ય સદ્ગુરુ દેવશ્રી કાનજી સ્વામીના
ત્િિદ્ધસ્ત્ર પ્ર



શાસ્ત્રમાં મોક્ષ માર્ગનું કથન હોય ત્યાં એમજ આવે છે કે પુણ્ય પરિણામ સર્વથા હેય (ત્યાગવા યોગ્ય)
છે. પાંચ મહાવ્રત આદિ સર્વ શુભ પરિણામ તે આસ્રવ છે, કર્મ ભાવ છે, માટે છોડવા યોગ્ય છે. પણ હજી જે જીવ
પરમાર્થ તત્ત્વને પામ્યો નથી, રાગ, દ્વેષ, અજ્ઞાન ભાવમાં ટક્યો છે અને મંદ કષાયનો પુરુષાર્થ છોડીને સ્વછંદ
અનાચારમાં વર્તે છે તેને મુમુક્ષુપણું પણ સંભવે નહિ. વળી ધર્માત્મા સાધકને હજી ચારિત્રની અધુરાશ છે,
અભિપ્રાયમાં રાગાદિ અસ્થિરતા સર્વથા હેય (ત્યાગવા યોગ્ય) છે, પણ વચ્ચે શુભ પરિણામ અને શુભ નિમિત્ત
આવે જ. પણ જે આ શુભનો નિરોધ કરી અશુભમાં વર્તે છે તે કંઈ સમજ્યો નથી. જે મુમુક્ષુ–મોક્ષમાર્ગી છે તે
સાધક સ્વભાવનો પરમાર્થભૂત વ્યવહાર એટલે નિશ્ચય સ્વરૂપને લક્ષે રાગ ટાળવાનો પુરુષાર્થ કરે જ છે. અને
જ્યાં જેમ ઘટે તેમ જ સાચું સમજે છે. શાસ્ત્ર કથનમાં અનેક ઠેકાણે કદાચ કથનમાં વિરોધ જેવું દેખાય તો તેનો
પરમાર્થ આશય નયની અપેક્ષાથી સમજી લે. ક્યાંય મુંઝાય નહિ.
વળી શાસ્ત્ર જ્ઞાનમાં શુભ પરિણામથી બંધ થાય છે એમ કહ્યું છે માટે મારે શુભ પરિણામ [મંદ કષાય]
ન કરવા; દેવ ગુરુ ધર્મની ભક્તિ એ વહેવારના વિકલ્પથી પુણ્યબંધ છે, એમ એકાંત પક્ષને પકડીને કહે કે મારે
તો આત્માનું ધ્યાન કરવું છે; હું વિકલ્પ કરૂં, શાસ્ત્ર વાંચુ અથવા પ્રભાવના આદિ કાર્યમાં જોડાઉં તો મારા જ્ઞાન
ધ્યાનમાં ખલેલ પડે પણ સાચી દ્રષ્ટિનું લક્ષ તારામાં નથી. અંતર સ્થિરતા વિના જોગની સ્થિરતાથી તું શું
કરવાનો છો? ત્યાં આગળ જયસેન આચાર્ય ટીકામાં કહે છે કે તું ગૃહસ્થ હો, કદી મુનિ હો હજી તને તારા દેહ
માટે સગવડતાની સાવધ વૃત્તિ આવતી હોય, તને રોગથી ક્ષુધાથી પીડા તથા આકુળતા થતી હોય, કોઈ મારી
સેવા કરે એ આદિ ભાવ હોય તો દેહ ઉપર તને વહાલપ વર્તે છે, અને બીજા મુનિની સેવા, વૈયાવૃત્ય ભક્તિમાં
તને ઉત્સાહ નથી તો તું પાપી છો. ધર્માત્મા નથી. કદી તું વીતરાગી થઈ ઠરી ગયો હો તો કંઈ વ્યવહારનો પ્રશ્ન
રહેતો નથી; પણ જે રાગમાં અટક્યો છો છતાં વિવેકહિન થઈને દેવ–ગુરુ–ધર્મ તથા મુનિ વગેરે પર પદાર્થ છે,
પુણ્યથી બંધ થાય છે માટે તે હેય છે એમ માનીને શુભ નિમિત્તને ટાળતો અશુભમાં પ્રવર્તે છે. તેથી તે મિથ્યાદ્રષ્ટિ
છે, કારણ કે તેને વીતરાગ ધર્મનું બહુમાન નથી. જ્યાં લગી પોતાની સગવડતા ટકી રહે એવા વિષય કષાયના
સંસારભાવ ઉભા છે ત્યાં લગી જિન–શાસન ટકી રહો, દેવ ગુરુ–ધર્મ, સત્ સ્વરૂપ જયવંત વર્તો એવો અપૂર્વ
ભાવ લાવી ઈષ્ટ નિમિત્તની ભક્તિ, ભક્તિનો ઉત્સાહ રહેવો જોઈએ. સ્ત્રી, ઘર, કુટુંબ આદિ વ્યાપારમાં રાગ બુદ્ધિ
છે, તે સંસારનો રાગ પાપ બુદ્ધિ છે. તેમાંથી નિવૃત્તિ લઈને સત્ દેવ ગુરુ ધર્મની ભક્તિ, સુપાત્રે દાન, વીતરાગ
શાસનની પ્રભાવના, જિન પૂજા, દાનાદિ ભક્તિ અને વૈયાવૃત્યને યોગ્ય સાધર્મી આત્માની સેવા કરવાનો ભાવ
જેને નથી તે અધર્મી છે. હજી દેહાદિ સ્ત્રી પુત્રાદિ વગેરેમાં પ્રેમ છે અને પરમાર્થ નિમિત્તમાં પ્રેમ–આદર નથી, તેને
ધર્મની રુચિ નથી. પાપની રુચિને પોષણ આપે છે. અને પવિત્ર ભાવનાને પોષણ આપનારા સાચા દેવ, ગુરુ,

PDF/HTML Page 6 of 17
single page version

background image
માહ : ૨૦૦૦ આત્મધર્મ : ૩૩ :

ધર્મ વિષે આદર નથી. તે જીવ ધર્મ સ્નેહ, પ્રશસ્ત રાગનો નિરોધ પાપમાં ટકીને કરનારો છે. સત્ ધર્મની ઉન્નતિ
ઈચ્છતા નથી. તેથી તે પાપી જીવ છે. જે મુમુક્ષુ છે તેને યથા યોગ્ય વિવેક હોય. પરમાર્થ અને પરમાર્થભૂત
વહેવાર તથા નિમિત્તભૂતવ્યહવાર તેને જેમ છે તેમ જાણે. હિત અહિત, હેય ઉપાદેય બરાબર સમજે અને ભક્તિ
વિનય, સત્સમાગમ વૈરાગ્ય વગેરે જ્યાં જેમ ઘટે તેમ વિવેક કરે. વીતરાગી પવિત્ર તત્ત્વની દ્રષ્ટિ હોય અને ભુંડા
રાગની
[સંસારની] દિશા, રાગની રુચિ ન બદલાય તે કેમ બને? જ્યાં લગી નિર્ગ્રંથ મુનિપણું અને જ્ઞાનની
સ્થિરદશા નથી ત્યાં આત્મધર્મની ઉન્નતિમાં ઈષ્ટ નિમિત્તની ભક્તિ, પ્રભાવના વગેરે શુભ પ્રસંગ મેળવવાનો પ્રેમ
આવ્યા વિના ન રહે; જો પરમાર્થને પામ્યો હો તો આત્માની પવિત્ર વીતરાગ દશામાં ઠરી જા. પણ જ્યાં લગી
અપ્રશસ્ત રાગ સંસારનો પ્રેમ છે અને સાચા પરમાર્થને અનુકુળ નિમિત્તનો અનાદર (અનુત્સાહ) રાખે એ તો
મહા અજ્ઞાનતા છે. કોઈ એકાંત દ્રષ્ટિ પકડીને દેહાદિ ક્રિયા કાંડમાં અટક્યા છે. કોઈ સાચા નિમિત્તને નિષેધવામાં
નિંદા કરવામાં, કોઈ મનની ધારણામાં કર્મ ભાવમાં અટક્યા છે. લોકોને ભૂલવાના સ્થાન જ્યાં ત્યાં ઘણા છે.
અનાદિથી ઉંધી દ્રષ્ટિ જ્ઞાનની (સત્ સ્વરૂપની) વિરાધના અને સાચી પરીક્ષાનો અભાવ તેથી ધર્મઘેલા જીવોને
ઠામઠામ ઉંધું સમજાવનારાનો યોગ સાંપડે છે. પોતાની સગવડતા રાખવી છે, પોતાની નિંદા થાય એ ગોઠતું
નથી, અને સુપાત્ર મુનિ કે કોઈ સાધર્મી ભાઈની સેવામાં ભાગ કેમ લેતો નથી તથા વીતરાગ ધર્મની
પ્રભાવનાની નિંદા થતી કેમ ગોઠે છે? માટે ધર્મની રુચિ હોય ત્યાં સંસારનો દેહાદિનો અશુભ રાગ છોડવા માટે
શુભ પરિણામ કરવાની ના પાડી નથી, કારણકે સત્ની રુચિ હોય તેને પ્રશસ્ત રાગ થયા વિના રહેશે નહિ. છતાં
તે રાગનો રાગ નથી. વળી પરમાર્થ મોક્ષમાર્ગમાં (આત્મધર્મમાં) શુભ ભાવ
[પુણ્યપાપ? પરિણામ] નો નિષેધ
છે. પણ ક્યારે કે આત્મજ્ઞાન સહિત પુરુષાર્થ વડે અંતરંગ અભિપ્રાયમાંથી શુભ અશુભ બેઉ વિકારી ભાવનો
નિષેધરૂપ અબંધભાવ ઊભો રાખે તો વળી ધર્માત્માને અધુરૂં ચારિત્ર છે, ત્યાં લગી નિશ્ચય સ્વરૂપના લક્ષે ધર્મની
પંભાવનાના ભાવો થાય છે. પણ શુભ પરિણામથી તથા દેહની ક્રિયાથી ધર્મ માનતો નથી. છતાં અકષાયના લક્ષે
તીવ્ર કષાય ટાળવાનો પુરુષાર્થ તે અકષાયમાં જવા માટે નિમિત્ત છે, તેમ જાણે છે. માટે પુરુષાર્થને પોતાનો
માને છે. વળી કોઈ નિશ્ચય સ્વરૂપના અનુભવ વિના માત્ર દેવ, ગુરુ, ધર્મની ભક્તિ દેહાદિ ક્રિયા વગેરે વ્યવહાર
ધર્મને જ ઉપાદેય માને, જોગની ક્રિયાથી સાધન માને અને પુણ્ય પરિણામમાં રોકાઈ જાય તો સાચો પુરુષાર્થ
નથી. નિશ્ચયના લક્ષ વિના મંદ કષાય તે વાસ્તવિક મંદ કષાય (એટલે પ્રશસ્ત રાગ) નથી. છતાં જેને
સ્વાનુભવ દશા પ્રાપ્ત નથી, તેને આ શુભ ભાવ છોડી અશુભમાં જવું એમ કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. દેવ, ગુરુ,
ધર્મ એ ત્રણે વીતરાગ સ્વરૂપ છે. તેનો પરમાર્થ ગ્રહીને સ્વતત્ત્વ સંબંધી રુચિ વધારે; સાચું સમજવાનો પુરુષાર્થ
થતાં સાથે શુભ પરિણામના વિકલ્પ અને શુભ નિમિત્ત આવે જ. તેનો નિષેધ કરે અને સંસારના અશુભ
રાગાદિમાં વર્તે તેને પાત્રતા (ઊંચ ભૂમિકા) જોઈતી નથી. અશુભ આચારનો આદર કરીને જશે કયા? તેને
પવિત્ર ધર્મની રુચિ જ નથી. દેહાદિ સંસાર રાખવાની રુચિ છે. ૨પ૦૦૦) નું મકાન કરવું હોય તો બરાબર
વ્યવસ્થા રાખવાના ભાવ કરે, ટાઈમની કાળજી રાખે, જાતે પણ દેખરેખ રાખે. મજુર વગેરે શું કરે છે? કાંકરી
સારી છે? ચુનો ચીકણો નહિ હોય તો આ હજીરો (મકાન) વહેલો પડી જશે. એના પાયા મજબૂત અને ઉંડા
કરવા વગેરે કાળજી (રુચિ) રાખે પણ મારા સત્ સ્વરૂપની શ્રદ્ધાના પાયાનું શું? પવિત્ર દેવ, ગુરુ, ધર્મની
ભક્તિ, પ્રભાવનામાં, ભક્તિ વડે આદર કર્યો નથી તો મરીને ક્યાં ઉતારા કરશે? સત્ દેવ, સત્ ગુરુ, સત્ ધર્મની
ભક્તિ પ્રભાવનાના નિમિત્તો મેળવવા પ્રત્યે અરુચિ રાખનારા આરંભ સમારંભના બહાના બતાવે છે અને
પોતાના ઘેર લગ્ન આદિ પ્રસંગમાં તે રુચિ રાખે છે. તેનો અર્થ ભુંડા રાગની રુચિ છે. ઈષ્ટ નિમિત્તોની શોભા
(દેવ, ગુરુ, ધર્મની પ્રભાવના) ભક્તિ એ પ્રશસ્ત રાગ છે. ને પરમાર્થે હોય છે. પણ હજુ હું કોણ છું, કેવડો છું
તેનું જ્ઞાન નથી. તે શુભનો નિષેધ કરીને જાશે ક્યાં? જેને સ્વરૂપની દ્રષ્ટિ થાય તેને રાગની દિશા બદલાયા વિના
ન રહે. કારણ કે સાધક દશા છે ત્યાં લગી રાગ થઈ જાય. પવિત્ર જિન શાસનની શોભા

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૩૪ : આત્મધર્મ માહ : ૨૦૦૦
જિન પ્રતિમાની ભક્તિ અને દેવ, ગુરુ, ધર્મનું બહુમાન થાય તેવી ભાવના થવી જોઈએ. જો મનની વૃત્તિ તૂટીને
વીતરાગ દશામાં સ્થિર થઈ ગયો હોય તો તેને કોઈ કહેતું નથી કે તું વિવેક લાવ.
વળી જેને સાચી દ્રષ્ટિ છે તે નિત્ય શાસ્ત્ર વાંચન, મનન, શ્રવણ અથવા જ્ઞાન, ધ્યાન અને સત્ પુરુષની
ભક્તિમાં જિન આજ્ઞામાં વર્તતો હોય જ. તેને જ્યાં જ્યાં જે જે પરમાર્થ ઘટે તેની સમજણ અને સમજણનો વિવેક
હોય જ.
અંતરંગ અભિપ્રાયમાં એમ સમજે કે હું પૂર્ણ શુદ્ધ વીતરાગ છું, રાગનો અંશ માત્ર મારામાં નથી. આ
પરમાર્થ દ્રષ્ટિમાં સ્થિર થવા ટાણે તો શુભ વિકલ્પનો પણ નિષેધ હોય. અને સ્થિરતાનો પુરુષાર્થ (રાગ
ટાળવાનો પુરુષાર્થ) કરતાં મંદ કષાય (શુભભાવ) સાથે થઈ જાય છે. અશુભમાં ઉભેલા શુભનો નકાર કરે તો
તે આત્માર્થી નથી.
ગૃહસ્થ પ્રસંગમાં ઘરબાર છોકરાના લગ્ન વગેરે પ્રસંગોમાં ઘણી કાળજી રાખવાની વૃત્તિ રાખે છે, સંસારનું
રૂડું દેખાડવાની ઈચ્છા છે અને પવિત્ર વીતરાગ ધર્મની શોભા જિન શાસનની ઉન્નતિ અર્થે તન, મન, ધન
ખર્ચવામાં સંકોચ કરે તેને સત્નો અનાદર છે. કદી તું એમ કહે કે આત્મા શુદ્ધ છે, અકષાય છે. તેને જ્ઞાની કહે છે
કે તારે માટે તે નથી કારણ કે પવિત્ર જ્ઞાયક રહે તો ઠીક છે. પણ જ્યાં જ્યાં ધર્મ પ્રભાવના ભક્તિના નિમિત્તોની
જરૂર જણાય ત્યાં તે રૂડા નિમિત્તના બ્હાને લોભ કષાય ઘટાડવો જોઈએ. તેને બદલે કોઈ લોભ વધારે અને કહે કે
શું કરીએ? અમે સંસારી વહેવારમાં બેઠા છીએ અમારે ઘર વહેવારમાં તો ધન ખર્ચવું જોઈએ. આમ ધર્મ
પ્રભાવના પ્રત્યે દુર્લક્ષ કરનારને આત્માની રુચિ નથી.
આત્મજ્ઞાન દશા પામ્યો હોય તે પણ જ્યાં લગી નિર્વિકલ્પ સ્થિર ઉપયોગમાં ન ટકી શકે ત્યાં સુધી શાસ્ત્ર,
અભ્યાસ, સ્વાધ્યાય, દેવ, ગુરુ, ધર્મની ભક્તિનું પરમાર્થને લક્ષે આલંબન લે છે. ધર્મની પ્રભાવના નિમિત્તે
યથાશક્તિ બધું કરે છે. પોતાને અકષાય
[પૂર્ણ પવિત્ર થવું છે] સ્વભાવમાં જવું છે તેથી કષાય ઘટાડવાના
નિમિત્તો પુરુષાર્થ વડે મેળવશે. ઈષ્ટ નિમિત્તો ધર્મ સાધનમાં ધન ખર્ચીને અથવા પોતાનો વીતરાગ (દેવ, ગુરુ,
ધર્મ) પ્રત્યેનો પ્રેમ વધારીને પણ ધર્મની પ્રભાવના કરશે. આત્માર્થી પોતાનો પુરુષાર્થ
[શક્તિ] ગોપવે નહિ,
શુભથી ડરે નહિ. વર્તમાન ઘણા લોકો નિશ્ચયાભાસમાં વર્તે છે, અશુભમાં વર્તે છે તે કદી ધર્મની વાતો કરતા ભલે
હોય પણ તેને સંસારનું પોસાણ છે, મોક્ષ સ્વભાવનું પોસાણ નથી. કારણકે તેઓ એવું માને છે કે અમે પુણ્યને
સંસારનું ફળ માનીએ છીએ. પુણ્યથી ધર્મ નથી, પણ ભાઈ રે! ઊભો રહે, વિચાર કર કે હું ક્યાં ઊભો છું? કોના
તરફ વલણ છે? કોની રુચિ છે? તેનો વિવેક
[સમજણ અથવા ભેદજ્ઞાન] હોવો જોઈએ. ધર્મી જીવને જ્ઞાનીનો
ઉપદેશ છે કે આત્માને ઓળખો. પરમાર્થના લક્ષે વિષયકષાય ઘટાડો, સ્વભાવની મોટાઈ જાણો અને ધર્મની રુચિ
વધારવાના નિમિત્તે દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, પ્રભાવના કરો. તીવ્ર કષાય ઘટાડી મંદ કષાયનો પુરુષાર્થ કરવા
શુભનો ઉપદેશ પણ દીએ આત્માર્થીને જ્યાં જે નિમિત્ત દેખાય તેનો પરમાર્થ, સમજી લે છે. દ્રવ્ય સ્વભાવને શુદ્ધ,
અબંધ, નિરપેક્ષ છે તેમજ માને, અનેકાંત ન્યાયદ્રષ્ટિને યથાસ્થાને સમજે, પુરુષાર્થને ઉથાપે નહિ. પુરુષાર્થ હેતુ
વહેવારનો ઉપદેશ પણ પરમાર્થને લક્ષે પ્રેમથી સાંભળે, નિત્ય સ્વાધ્યાય, બાર ભાવના, વાંચન મનન તથા સત્
સ્વરૂપની ભાવના વડે રાગ દ્વેષ, પ્રમાદ ટાળવાનો ઉપદેશ ગ્રહણ કરે. હું અકષાયી છું, અસંયોગી છું પરધર્મથી
ભિન્ન અખંડ જ્ઞાનમાત્ર છું; એમાં સ્થિર રહેવા માટે
[અનુસંધાન પાન ૧પ મું]
સાચી સામાયિક
એક સામાયિક કરે અને ક્રોડ સોના મહોરનું રોજ રોજ દાન કરે પણ તેનાથી એક
સામાયિકનું ફળ અનંતગણું છે. પણ તે કઈ સામાયિક! આત્મા શુદ્ધ, અવિકારી, વીતરાગી
છે, પુણ્ય, પાપ, વિકલ્પ રહિત અરાગી છે એવી શ્રદ્ધા જ્ઞાન અને તે અભેદ સ્વરૂપમાં
સ્થિરતા વર્તે છે તેજ ખરી સામાયિક છે. અને તે સામાયિકનું ફળ અનંત મણ સોનાના
દાનના ફળ સાથે પણ સરખાવી ન શકાય. કારણ જાત જુદી છે. પણ કાંઈ યથાર્થ અભ્યાસ
નહિ અને પોતાનો આગ્રહ છોડવો નથી તેવા જીવોને સાચી સામાયિક ક્યાંથી હોય!

PDF/HTML Page 8 of 17
single page version

background image
માહ : ૨૦૦૦ આત્મધર્મ : ૩૫ :
તારીખ ૭ મી ડિસેમ્બર ૧૯૪૩ થી તા. ૧૨ સુધી રાજકોટ મુકામે રામકૃષ્ણ આશ્રમ
તરફથી બધા ધર્મોની પરિષદ ભરવામાં આવેલી હતી, તેમાં જૈનધર્મ ઉપરના વિચારો
દર્શાવવા શ્રી રામજી માણેકચંદ દોશીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે તેઓએ
જે વ્યાખ્યાન આપેલું તે અહીં રજુ કરવામાં આવેલ છે.
જૈનધર્મ
લેખક: – રામજીભાઈ માણેકચંદ દોશી
આ વિષયને નીચેના પાંચ વિભાગોમાં વહેંચવાથી સમજવાનું સ્પષ્ટ થશે.
(૧) ‘જૈનધર્મ’ એ પદનો અર્થ.
(૨) જૈનતત્ત્વ સંક્ષેપ.
(૩) જૈન શાસ્ત્રોની કથન પદ્ધતિ. (૪) જૈન દર્શનનું અનાદિ અનંતપણું.
(પ) સૌરાષ્ટ્રનો જૈન ધર્મ પ્રત્યેનો ફાળો.
૧ જૈનધર્મ એ પદનો અર્થ.
‘જૈનધર્મ’ એ બે શબ્દોનું બનેલું એક પદ (Phraze) છે. ‘वत्थु सहावो धम्मो’ તેનું સંસ્કૃત વાક્ય
‘વસ્તુ સ્વભાવ: ધર્મ:’ જીવ સ્વતંત્ર સ્વયંસિદ્ધ જ્ઞાનમય વસ્તુ છે, તેથી ‘જીવનો સ્વભાવ તે ધર્મ’ એવો ‘ધર્મ’
શબ્દનો અહીં અર્થ થાય છે. એ ધર્મની પહેલાંં ‘જૈન’ વિશેષણ લગાડવામાં આવેલ છે. ‘જૈનનો’ અર્થ
‘જિતનારો’ એવો થાય છે; એ ઉપરથી સિદ્ધ થાય છે કે પોતાનો સ્વભાવ (ધર્મ) પ્રગટ કરવામાં કંઈક જીતવાનું
હોય છે, જો જીતવાનું ન હોય તો ‘જૈન’ એવો શબ્દ બને નહીં. જે જીતવાનું છે તે જીવની અનાદિથી પોતે પોષેલી
પોતાના સ્વરૂપની ભ્રમણા–ઊંધી માન્યતા છે તે, અને તે ભ્રમણાના કારણે થતી પર વસ્તુ પ્રત્યેની ઈષ્ટ–
અનિષ્ટપણાની કલ્પના જીવે જીતવાનાં છે. જે પોતાના દોષોને જીતવાનાં છે તેને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને
મિથ્યાચારિત્ર એ નામથી ઓળખવામાં આવે છે. તે દોષોને જીતનારો આત્માનો જે સ્વભાવ તે ‘જૈનધર્મ’ છે.
‘જૈનધર્મ’ તે કોઈ સંપ્રદાય કે વાડો હોઈ શકે નહીં, કેમકે આત્માનું (પોતાનું) શુદ્ધ સ્વરૂપ તે જૈનધર્મ છે.
(આત્મા અને જીવ એક જ અર્થમાં જૈન શાસ્ત્રોમાં વાપરવામાં આવે છે.)
ઉપરનો અર્થ કરવાથી ફલિત થયું કે આત્મા પોતાના દોષને ટાળે અને પૂર્ણ પવિત્રતા (વીતરાગતા)
પ્રગટ કરે તેનું નામ આત્માનો સ્વભાવ એટલે કે જૈન ધર્મ છે; તેથી જે આત્માઓ વીતરાગતા પ્રાપ્ત કરે તેઓ
સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે.
આ સંબંધમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે:– –
‘જીવ એક અખંડ દ્રવ્ય હોવાથી, તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય.’
. ત્ત્ ક્ષ
(૧) અનંત આકાશ છે. (૨) તેમાં જડ–ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. (૩) વિશ્વ મર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી
છે. જેને ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. (૪) જીવ અને પરમાણુ પુદ્ગલ એ બે દ્રવ્યો એક ક્ષેત્રેથી
બીજે ક્ષેત્રે જઈ શકે છે. (પ) સર્વદ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે. (૬) અનંત જીવ છે. (૭) અનંતાનંત પરમાણુ પુદ્ગલ
છે. (૮) ધર્માસ્તિકાય એક છે. (૯) અધર્માસ્તિકાય એક છે. (૧૦) કાળદ્રવ્ય અસંખ્યાત (કાળાણુ) છે. (૧૧)
વિશ્વ પ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એવો એકેક જીવ છે. (શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ પ તા. ૨૨૭–૨૨૮)
ઉપર જે તત્ત્વ સંક્ષેપમાં જણાવ્યું તેમાં આ જગતમાં છ દ્રવ્યો (દ્રવ્ય=અનંત ગુણોનો ત્રિકાળી અખંડ
પિંડ) છે, એમ જણાવ્યું તે નીચે પ્રમાણે છે.
(૧) જીવ અનંત:– તેનું લક્ષણ જ્ઞાન છે. તેના બે વિભાગ છે. સંસારી અને સિદ્ધ. (જે જ્ઞાન સ્વરૂપ દશા
પામ્યા છે, તે અને સર્વ દોષોથી મુક્ત થયા તે.)
(૨) પુદ્ગલ અનંતાનંત:– તેના બે વિભાગ છે. પરમાણુ અને સ્કંધ (Molecules) બન્ને અનંતાનંત
છે, તેના વિશેષ ગુણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે. તેને મૂર્તિક પણ કહેવામાં આવે છે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૩૬ : આત્મધર્મ માહ : ૨૦૦૦
(૩) ધર્માસ્તિકાય:– એક જ દ્રવ્ય છે, અમૂર્તિક છે. જીવ પુદ્ગલ ગતિ કરે તેને ઉદાસીન નિમિત્ત છે.
(૪) અધર્માસ્તિકાય:– એક જ દ્રવ્ય છે. જીવ પુદ્ગલ ગતિ કરતાં અટકી સ્થિર થાય તેને ઉદાસીન
નિમિત્ત છે.
(પ) કાળ:– લોક પ્રમાણ અસંખ્યાત દ્રવ્ય છે. તે બધાં દ્રવ્યોને વર્તનામાં નિમિત્ત છે.
(૬) આકાશ:– દ્રવ્ય એક છે, તેના બે વિભાગ છે. (૧) લોકાકાશ જેમાં આ છએ દ્રવ્ય જોવામાં આવે
છે. (૨) અલોકાકાશ જેમાં એક આકાશ જ છે; તેમાં લોકાકાશ બધાને ક્ષેત્રાવગાહપણે છે.
તેમાં નાં. ૨ થી ૬ સુધી બધાં અચેતન દ્રવ્યો છે, એટલે તેને સુખ––દુઃખ નથી. જીવ દ્રવ્ય જેની સંખ્યા
અનંત છે તેનું લક્ષણ ચેતન છે. જીવનો એક વિભાગ સિદ્ધ છે. તેમણે સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરી હોવાથી સંપૂર્ણ
સુખી છે; બાકી રહ્યા સંસારી જીવ તેના પણ બે વિભાગ છે.
[] કેવળી [] છદ્મસ્થ– [અપૂર્ણ જ્ઞાનવાળા]
તેમાં જે કેવળી છે તે સંપૂર્ણ સુખી છે, કેમકે તેમણે પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળી સંપૂર્ણ રાગ–દ્વેષનો નાશ કર્યો
છે, અને તેને પરિણામે સંપૂર્ણ જ્ઞાન અને સુખ પ્રગટ કર્યાં છે. બાકી રહ્યા ‘છદ્મસ્થ’ તેમના સંબંધે અહીં જણાવવા
જરૂર છે, કેમકે સર્વ જીવ સુખને ઈચ્છે છે અને તે સુખ શાશ્વત રહે તેમ ઈચ્છે છે, છતાં તેને શાશ્વત સુખ મળતું
નથી. માટે દુઃખ થવાનું શું કારણ છે અને શાશ્વત સુખ શી રીતે પ્રાપ્ત થાય તે અહીં જણાવવામાં આવશે.
જીવ અનાદિથી શરીરને પોતાનું માને છે, અને તેથી દુઃખી થાય છે, તેને પોતાના સ્વરૂપની ભ્રમણા જો
ટળે તો જ દુઃખ ટળે અને શાશ્વત સુખ પ્રગટે. સુખ જીવનો પોતાનો ગુણ છે. તેથી સુખ જીવમાં જ હોઈ શકે. પણ
જીવ પોતાનું સ્વરૂપ સમજતો નહીં હોવાથી જ્યાં સુધી ભ્રમણા ન ટળે ત્યાં સુધી તે દુઃખી જ રહે છે, અને પરની
સગવડતાને સુખ માને છે. તેથી જીવે પોતાનું સ્વરૂપ સમજવું જોઈએ. પોતાનું સ્વરૂપ સમજવામાં પોતા સિવાય
પર (બીજી) વસ્તુઓ (દ્રવ્યો) શું છે તે સમજવું જોઈએ; પોતાને સમજતાં, પોતાની ભ્રમણા રૂપ અવસ્થાનું શું
કારણ છે, અને તે વિકારી અવસ્થા ટળી અવિકારી અવસ્થા કેમ પ્રગટે; આત્મા પરનું કાંઈ કરી શકે કે કેમ, પર–
આત્માનું કાંઈ કરી શકે કે કેમ? એ વગેરે યથાર્થપણે સમજવું જોઈએ.
ઉપરના વિષયો જૈનશાસ્ત્રોમાં અનેક દ્રષ્ટિથી અને વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. તે બધા અહીં
કહી શકાય નહીં, તેથી તેના મૂળભૂત થોડા સિદ્ધાંતો નીચે આપવામાં આવે છે:–
[१] [.]
અર્થ:– દ્રવ્યનું લક્ષણ સત્તા (હોવાપણું Existence) છે.
[२] [.]
અર્થ:– નવી અવસ્થા પ્રગટવી, જૂની અવસ્થા ટળી જવી અને વસ્તુપણે ટકી રહે તે સત્ કહેવાય છે, દરેક
વસ્તુનું કાયમ પણું (Permancy) ટકીને તેની અવસ્થા બદલે છે. (with a change) કોઈપણ વસ્તુનો
સર્વથા નાશ થતો નથી, માત્ર તેનું રૂપાંતર થાય છે. (No substance is destroyed, every substance
changes its form.)
[३] गुण पर्यय वद्र द्रव्यम् (અધ્યાય પ સૂત્ર ૩૮ શ્રી તત્ત્વાર્થ સૂત્ર)
અર્થ:– દ્રવ્ય ગુણ અને પર્યાય વાળું હોય છે. એટલે કે જગતમાં કોઈ પણ વસ્તુ તેના ગુણ અને તે ગુણોની
અવસ્થા વગરનું હોતું નથી. (Every substance has it' s qualities and condition)
[४] द्रव्याश्रया निर्गुणा गुणाः અધ્યાય પ સૂત્ર ૪૧ શ્રી તત્ત્વાર્થ સૂત્ર)
અર્થ:– જે દ્રવ્યને નિત્ય આશ્રિત રહે અને પોતે ગુણોથી રહિત હોય તે ગુણ છે. બીજા શબ્દોમાં––જે
દ્રવ્યના સર્વ ભાગમાં અને સર્વ અવસ્થામાં રહે તે ‘ગુણ’ છે.
[५] तम्दावःपरिणामः (અધ્યાય પ સૂત્ર ૪૨ શ્રી તત્ત્વાર્થ સૂત્ર)
અર્થ:– ગુણોનું ભાવરૂપ પરિણામ [તે પર્યાય] છે.
[६] उपयोगो लक्षणं (અધ્યાય ૨ સૂત્ર ૮ શ્રી તત્ત્વાર્થ સૂત્ર)
અર્થ:– જીવનું લક્ષણ ઉપયોગ [બોધરૂપ–જ્ઞાનરૂપ–વ્યાપાર] છે.

PDF/HTML Page 10 of 17
single page version

background image
મૂળ:–
સંસ્કૃત–
હરિગીત:–
(શ્રી સમયસાર)
[૧૦]
[સમયસાર કળશ]
[૧૨]
[સમયસાર]
[૧૩]
(૪)
માહ : ૨૦૦૦ આત્મધર્મ : ૩૭ :
७ सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः (અધ્યાય ૧ સૂત્ર ૧ શ્રી તત્ત્વાર્થ સૂત્ર,) અર્થ:– આત્માના
સ્વરૂપની યથાર્થ પ્રતીતિ, યથાર્થ જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતા રૂપ ચારિત્ર તે મોક્ષ (પવિત્રતાનો) માર્ગ છે.
(૮) સમ્યગ્દર્શનની વ્યાખ્યા નીચે પ્રમાણે છે.
भूयत्थेणा भिगदा जीवा जीवा य पुण्य पापंच।
अस्रव संवर णिज्जर वंधो मोकखो य सम्म त्त।।
१३।।
भूतार्थे नामिगता जीवाजीवौ च पुण्यं पापं च।
आस्रव संवर निर्जरा बंध मोक्षश्च सम्यक्त्वम।।
१३।।
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપને
આસ્રવ, સંવર, નિર્જરા, બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩
અર્થ:– ભૂતાર્થનયથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય, પાપ તથા આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ
એ નવ તત્ત્વ સમ્યક્ત્વ છે. ખુલાસો: અજીવ પાંચ પ્રકારના છે. તેમાંથી એક પુદ્ગલ જીવની વિકારી અવસ્થામાં
નિમિત્ત થાય છે. પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ એ ચાર જીવના વિકારી ભાવો છે. તેમાં પુણ્ય જીવનો મંદ
વિકારી ભાવ છે, ૫ાપ તે જીવનો મંદ વિકારી ભાવ છે, આસ્રવ તે જીવનો પ્રગટ થતો નવો વિકારી ભાવ છે,
(તેમાં પુણ્ય–પાપ બન્ને સમાઈ જાય છે.) જીવનું વિકારમાં અટકવું તે બંધ છે. સંવર, નિર્જરા અને મોક્ષ તે
જીવની અવિકારી અવસ્થા છે; નવો વિકાર અટકવો અને અંશે શુદ્ધતા પ્રગટ થવી તેને સંવર કહે છે. જુના
વિકારોઅંશે ટળી જવા તેને નિર્જરા કહે છે. સંપૂર્ણ વિકારથી મુક્ત થવું તે મોક્ષ છે.
જે આ નવ ભાવો કહેવામાં આવ્યા તેનું સ્વરૂપ આત્માના સ્વરૂપના યથાર્થ જ્ઞાની પાસેથી સાંભળી તેનું
મનન કરી તેના સ્વરૂપનો પોતે યથાર્થ નિર્ણય કરવો જોઈએ. તેવો નિર્ણય કર્યા પછી તે નવ તત્ત્વનો વિકલ્પ ટાળી
પોતાના ધ્રુવ સ્વરૂપ તરફ આત્મા વળતાં પોતાના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે.
(૯) આત્માના સ્વરૂપની ખોટી માન્યતાને જૈનશાસ્ત્રમાં મિથ્યાત્વ કહેવામાં આવે છે અને તે મિથ્યાત્વ સંસારની
(એટલે કે, આત્માના શુદ્ધ સ્વરૂપમાંથી સરી જવાની) જડ છે, તે જ જીવને દુઃખનું કારણ છે; પર સુખ, દુઃખના કારણ
નથી. પણ જીવ પરને અવલંબી સુખ દુઃખ કલ્પે છે. સમ્યગ્દર્શન તે મોક્ષની (આત્માની પૂર્ણ પવિત્રતાની) જડ છે.
आत्मा ज्ञानं स्वयंज्ञानं ज्ञानादन्यत्करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽपं व्यवहारिणाम्।।
६२।।
અર્થ:– આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પર ભાવનો
કર્તા છે એમ માનવું તે વ્યવહારી જીવોનો મોહ [અજ્ઞાન] છે. [૧૧] અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક
મોક્ષ નથી. સમ્યગ્જ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન અસમ્યક્ કહેવાય છે. વસ્તુની
જે સ્વભાવે સ્થિતિ છે તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજવી તેને સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન–
જ્ઞાનથી પ્રતીત થયેલા તથા જાણેલા આત્મામાં આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે, તે ત્રણેની એકતાથી મોક્ષ થાય.
जीवो चरित्तदंसणणाणठ्ठिउ तं हि ससमयंजाण।
पुग्गल कम्मपदेस ठ्ठिय च तं जाण पर समयं।।
२।।
જીવ ચરિત્ત દર્શનજ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો;
સ્થિત કર્મ પુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો.।। ।।
અર્થ:– જે જીવ દર્શન, જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને ખરેખર સ્વસમય [શુદ્ધ આત્મા:] જાણ;
અને જે જીવ પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તે પરસમય [અશુદ્ધ આત્મા] જાણ.
ववहारोडभुयत्थो देसिदो दु सुद्वणओ।
भुयत्थमस्सिदो खलु सम्माइठ्ठी हव इ जीवो।।
११।।
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂયાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.
।। ૧૧।।
અર્થ:– વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો
આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે. [નયનો અર્થ દ્રષ્ટિ–View point છે.]
अहभिक्को खलु सुध्धो दंसणणाणमइओ सदारूपी।
णवि अत्थि मज्झ किं चिवि अणं परमाणुमितपि।। ३८।।

PDF/HTML Page 11 of 17
single page version

background image
મૂળગાથા:–
: ૩૮ : આત્મધર્મ માહ : ૨૦૦૦
હું એક શદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે! ૩૮
અર્થ:– દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમેલો છે, આત્મા એમ જાણે છે કે, ખરેખર હું એક છું, શુદ્ધ છું, દર્શન
જ્ઞાનમય છું, સદા અરૂપી છું, કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર મારું નથી એ નક્કી છે.
(૧પ) આત્મા કર્તા–ભોક્તા પોતાના ભાવનો છે. પરના ભાવોનો નથી એમ બતાવવામાં આવે છે.
જીવ કર્મ ગુણ કરતો નથી; નહિ જીવગુણ કર્મો કરે;
અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉતણાં બને. ૮૧
એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી
પુદ્ગલ કરમકૃત સર્વભાવોનો કદી કર્તા નથી. ૮૨
અર્થ:– જીવ કર્મના ગુણને કરતો નથી, તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી
બન્નેના પરિણામ જાણો આ કારણે આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, પરંતુ પુદ્ગલ કર્મથી કરવામાં આવેલ સર્વ
ભાવોનો કર્તા નથી.
આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનયતણું;
વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું.।। ૮૩।।
અર્થ :– ખરી દ્રષ્ટિએ આત્મા પોતાના જ ભાવને કરે છે, અને પોતાનાજ ભાવને ભોગવે છે. એમ તું ખરેખર જાણ.
જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહિ અન્ય દ્રવ્યે સંક્રમે; અણસંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩.
અર્થ:– જે વસ્તુ જે દ્રવ્ય અને ગુણપણે વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી. અન્ય રૂપે
સંક્રમણ નહિ પામી થકી તે (વસ્તુ) અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? (૧૬) પુણ્ય પાપનું સ્વરૂપ:–
છે કર્મો અશુભ કુશીલને જાણો સુશીલ શુભ કર્મને,
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે ૧૪પ
અર્થ:– અશુભ કર્મ કુશીલ [ખરાબ] છે અને શુભ કર્મ શુશીલ (સારું) છે એમ તમે જાણો છો! પણ તે શુભ
સુશીલ કેમ હોય કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે?
પરમાર્થ બાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો,
અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. ૧પ૪
અર્થ:– જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહીં જાણતા થકા–જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે તો
પણ અજ્ઞાનથી પુણ્યને [મોક્ષનો હેતુ જાણીને] ઈચ્છે છે. (૧૭) જીવના વિકારી ભાવોનું સ્વરૂપ.
અશુચિપણું વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે.
।। ૭૨।।
અર્થ:– આસ્રવોનું [વિકારી ભાવોનું] અશુચિપણું, વિપરીતપણું તથા તેઓ દુઃખનાં કારણો છે એમ જાણીને જીવ
તેમનાથી નિવૃત્તિ કરે છે.
આ જીવ જ્યારે આસ્રવોનું તેમ નિજ આત્માતણું,
જાણે વિશેષાંતર તદા બંધન નહિ તેને થતું.।। ૭૧।।
અર્થ:– જ્યારે આ જીવ પોતાના આત્માના અને આસ્રવોના તફાવતને જાણે છે, ત્યારે તેને બંધ થતો નથી
(આત્મા અને જીવ એક જ અર્થમાં વપરાય છે.)
(૧૮) જીવના થતા શુભાશુભ ભાવોને અટકાવનારૂં [સંવરનું] સ્વરૂપ–
જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે
અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે.
।। ૧૮૬।।
અર્થ:– શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે, અને અશુદ્ધ આત્માને જાણતો
અનુભવતો જીવ અશુદ્ધ આત્માને પામે છે.
પુણ્યપાપ યોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી,
દર્શન અને જ્ઞાને ઠરી પરદ્રવ્ય ઈચ્છા પરિહરી.
।। ૧૮૭।।
જે સર્વસંગવિમુક્ત ધ્યાયે આત્મને આત્માવડે,
નહિ કર્મ કે,નોકર્મ ચેતક ચેતતો એકત્વને
।। ૧૮૮।।
તે આત્મ ધ્યાતો જ્ઞાન દર્શનમય અનન્યમયી ખરે, બસ અલ્પકાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે.
અર્થ:– આત્માને આત્માવડે બે પુણ્ય–પાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન જ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય
[વસ્તુ] ની ઈચ્છાથી વિરમીને જે આત્મા [ઈચ્છા રહિત થવાથી] સર્વ સંગરહિત થયો થકો, પોતાના આત્માને આત્માવડે

PDF/HTML Page 12 of 17
single page version

background image
માહ : ૨૦૦૦ આત્મધર્મ : ૩૯ :
ધ્યાયે છે, કર્મ અને નોકર્મને [શરીરને] ધ્યાવતો નથી. દેખનાર જાણનાર (ચેતયિતા) હોવાથી એકત્વને જ ચિંતવે છે. ચેતે છે.
અનુભવે છે. તે આત્માને ધ્યાતો દર્શનજ્ઞાનમય થઈને અને બીજા રૂપ નહીં થઈને અલ્પકાળમાં વિકારથી રહિતપણું પામે છે.
(૧૯) પૂર્વના વિકારી ભાવોને ટાળવાનું (નિર્જરાનું) સ્વરૂપ.
કર્મો તણો જે વિવિધ ઉદય વિપાક જિનવર વર્ણવ્યો;
તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયક ભાવ છું.
।। ૧૯૮।।
અર્થ:– કર્મોના ઉદયનો વિપાક [ફળ] જિનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે, તે મારા સ્વભાવો નથી, હું તો એક
જ્ઞાયકભાવ છું.
સુદ્રષ્ટિ એ રીતે આત્મને જ્ઞાયક સ્વભાવ જ જાણ તો,
ને ઉદય કર્મ વિપાકરૂપ એ તત્ત્વ જ્ઞાયક છોડતો.
।। ૨૦૦।।
અર્થ:– આ રીતે સમ્યગ્દ્રષ્ટિ આત્માને [પોતાને] જ્ઞાયકસ્વભાવ જાણે છે, અને તત્ત્વને (યથાર્થ સ્વરૂપને) જાણતો
થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે.
[૨૦] બંધ:– –મિથ્યાઅભિપ્રાયપૂર્વકના રાગદ્વેષથી થાય છે.
જે માનતો––હું મારું ને પર જીવ મારે મુજને,
તે મૂઢ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭
વળી નવ મરે નવ દુઃખી બને તે કર્મના ઉદયે ખરે,
મેં નવ હણ્યો, નવ દુઃખી કર્યો તુજ મત શું નહિ મિથ્યા ખરે.
આ બુદ્ધિ જે તુ જ ‘દુઃખિત તેમ સુખી કરૂં છું જીવને’
તે મૂઢ મતિ તારી અરે! શુભ–અશુભ બાંધે કર્મને.૨પ૯
અર્થ:– જે એમ માને છે કે હું પર જીવોને મારું છું (હણું છું) અને પર જીવો મને મારે છે, તે મૂઢ છે, અજ્ઞાની છે.
અને આનાથી વિપરીત [અર્થાત્ આવું નથી માનતો] તે જ્ઞાની છે.।। ૪૭।।
વળી જે નથી મરતો અને દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે; તેથી ‘મેં ન માર્યો મેં ન દુઃખી
કર્યો. ’ એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી?।। ૨પ૮।।
તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને સુખી દુઃખી કરૂં છું, તે તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) શુભાશુભ કર્મને
બાંધે છે. ।। ૨પ૯।।
(૨૨) સંપૂર્ણ વિકારી ભાવ ટાળવાથી મોક્ષ થાય છે:–
બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો;
જે બંધમાંહી વિરક્ત થાયે કર્મ મોક્ષ કરે અહો! ૨૯૩
અર્થ:– બંધોનો સ્વભાવ અને આત્માનો સ્વભાવ જાણીને જે બંધ ભાવથી વિરક્ત થાય છે તે વિકારી ભાવથી મુક્ત
થાય છે.
–સત્ [વાસ્તવિક] અસત્ [અવાસ્તવિક] ના ભેદને જાણ્યા વિના જેમ ઠીક પડે તેમ માનવાવાળું જ્ઞાન તે વિચાર
શુન્યતાની ઉપલબ્ધિ છે, અને તે ઉન્મત્તવત્ હોવાથી અજ્ઞાન છે.
પ બીજી રીતે કહીએ તો જીવને અનાદિની સાત ભૂલો છે; તે સમજ્યા વિના બીજું ગમે તેટલું જ્ઞાન મેળવે અને
બીજું ગમે તે કરે તો જીવ કદી સુખી થાય જ નહીં. તેથી તે સાત ભૂલો કઈ કઈ છે તે જણાવવામાં આવે છે:–
૧ શરીરને જીવ જાણવો–શરીરની કોઈ ક્રિયા જીવ કરી શકે છે તેમ માનવું તે. [જીવ તત્ત્વની મિથ્યા શ્રદ્ધા.]
૨ શરીર ઉપજતાં પોતે ઉપજ્યો અને શરીરનો વિયોગ થતાં પોતાનો નાશ માનવો તે. (અજીવ તત્ત્વની મિથ્યા શ્રદ્ધા.)
૩ રાગાદિ પ્રગટ દુઃખ આપે છે. છતાં તેને સુખ માની સેવવાં. (આસ્રવ તત્ત્વની મિથ્યા શ્રદ્ધા.)
૪ શુભના ફળમાં રાજી થવું અને અશુભના ફળમાં નારાજી થવું તે.
[બંધ તત્ત્વની મિથ્યાશ્રદ્ધા.]
પ આત્મ હિતનો હેતુ સ્વરૂપનું જ્ઞાન અને તેવા જ્ઞાનપૂર્વક વૈરાગ્ય છે, તેને કષ્ટદાયક માનવો તે. [સંવર તત્ત્વની
મિથ્યા શ્રદ્ધા.]
૬ શુભાશુભ ભાવની ઈચ્છા ન રોકવી તે. [નિર્જરા તત્ત્વની ઊંધી શ્રદ્ધા.]
૭ નિરાકુળતાને મોક્ષનું સ્વરૂપ ન માનવું તે. [મોક્ષ તત્ત્વની ઊંધી શ્રદ્ધા.]
આ બધી માન્યતાની ભૂલો એક સાથે જ જાય છે; અને તે ટળ્‌યા સિવાય કોઈને સુખ થાય નહીં; માટે આ વસ્તુ
બરાબર સમજવી જોઈએ. (પંડિત દૌલતરામજી કૃત ‘છહ ઢાલા’ ઉપરથી ઢાળ ૨ જી ગાથા ૨ થી ૮ પાનું ૨૩ થી ૨૮)
તે જ હકીકત પ્રકારાંતરે કહેવા માગીએ તો કહી શકાય કે, જીવને અનાદિના સાત વાસ્તવિક વ્યસનો છે, તે જીવ
ટાળે તો જ તે સુખી થાય છે. તેથી તે વ્યસનોનું સ્વરૂપ અહીં ટુંકામાં આપવામાં આવે છે:–
૧. અશુભમાં હાર અને શુભમાં જીત માનવી તે જુગાર છે.
૨. શરીરમાં લીનપણું
[એકત્વબુદ્ધિ] તે માંસભક્ષણ છે.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૪૦ : આત્મધર્મ માહ : ૨૦૦૦
. ભ્રમણાથી મૂર્છિત થઈ, સ્વસ્વરૂપનું ભૂલવું તે મદિરા પાન છે.
૪. કુબુદ્ધિના માર્ગે ચાલવું તે વેશ્યા સેવન છે.
પ. કઠોર પરિણામથી પ્રાણઘાત કરવો (ભાવમરણ કરવું) તે શિકાર છે.
૬. દેહ–રાગાદિમાં એકત્વ બુદ્ધિ
[આત્મબુદ્ધિ] રાખવી તે પરનારીનો સંગ છે.
૭. અનુરાગ પૂર્વક પરપદાર્થોને ગ્રહણ કરવાની અભિલાષા તે ભાવચોરી છે.
જે આત્મા શુદ્ધ સ્વરૂપને ઓળખે તે જ આ સાત વ્યસનોને ટાળી શકે અને તે જ સુખી થાય.
‘અહિંસા પરમો ધર્મ’ એ લોકમાં પ્રચલિત સૂત્ર છે. સામાન્ય લોકો ત્યાં અહિંસાનો અર્થ ‘પર જીવનું મરણ ન
કરવું’ એવો કરે છે. પણ તે અર્થ સ્થુલ છે, અહિંસાનો ખરો અર્થ નીચે પ્રમાણે થાય છે:–
૧:– આત્માના શુદ્ધોપયોગ રૂપ પરિણામને ઘાતવાવાળો ભાવ તે હિંસા છે, તેથી પોતાના આત્માનો શુદ્ધ
ઉપયોગ તે અહિંસા છે, તે અહિંસા એ પરમ ધર્મ છે. તત્ત્વ જ્ઞાનની દ્રષ્ટિથી અહિંસાનો બીજો અર્થ સંભવતો નથી.
[પુરુષાર્થ સિદ્ધિઉપાય ગાથા ૪૨]
૨:– ખરેખર, રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે, અને રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે.
એવું જૈન શાસનનું ટૂંકું રહસ્ય છે. (પુ. સિ. ઉ. ગાથા ૪૪)
જીવ સ્વાશ્રય અને પરાશ્રય એમ બે પ્રકારના ભાવો કરી શકે છે. સ્વાશ્રય ભાવ તે શુદ્ધ છે, અને તે જ ધર્મ છે.
પરાશ્રય (પરાધીન) ભાવ બે પ્રકારના છે (૧) શુભ (૨) અશુભ તે બન્ને સંસારનું કારણ છે. લોકોમાં પણ કહેવત
ઉપર પ્રમાણે કરે છે.
પરાશ્રય ભાવ તે હમેશાંં પરનું આલંબન માગે છે, જેમકે કોઈને મારવાનો વિચાર થયો, તો તે પર તરફ લક્ષ
આપ્યા વગર થાય નહીં, કોઈને સગવડ આપવાનો ભાવ પણ પર તરફના વલણ વગર થાય નહીં માટે તે બન્ને વિકારી
છે. હવે તેમાંથી જૈન ‘પાપ’ (અશુભભાવ) કરવાની બધા જીવોને મનાઈ કરે છે અને બધા પાપોમાંથી પોતાના
સ્વરૂપની ભ્રમણા તે મહાપાપ છે. તે ટાળ્‌યા સિવાય કોઈ જીવને ધર્મ થાય નહીં અને તેથી મિથ્યાત્વની ટૂંકી વ્યાખ્યા
નીચે કરવામાં આવે છે.
૧:– સ્વપર એકત્વનો અભિપ્રાય, એટલે કે આત્મા અને રાગ (પછી તે પુણ્યનો હોય કે પાપનો હોય) તથા દેહ
વગેરેની એકત્વ બુદ્ધિ. (સમયસાર પા. ૩૨૨)
૨:– જીવની જે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માન્યતા મિથ્યાત્વ છે.
[સમયસાર પા. ૩૧૪]
૩:– પોતાના સ્વરૂપનો જુઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ છે. [સમયસાર પા. ૩૨૦]
જ્યારે જીવને મિથ્યાત્વ એટલે કે ભ્રમણા હોય છે ત્યારે તેને નિમિત્ત પણ કુદેવ, કુગુરુ કે કુશાસ્ત્ર હોય છે. પણ
જેને તે નિમિત્ત સાચાં હોય તે સમ્યગ્દ્રષ્ટિ હોય જ છે–એમ જાણવાનું નથી. તેથી કુદેવ અને કુગુરુ કોણ કહેવાય તે
સમજવા માટે સુદેવ અને સુગુરુનું સ્વરૂપ શું છે? તે જાણવું જોઈએ. તેનું સ્વરૂપ જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ ‘નમસ્કાર મંત્ર’
છે તેમાં જણાવ્યું છે, તે:–
“નમો અરિહંતાણં; નમો સિધ્ધાણં; નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં; નમો લોએ સવ્વસાહૂણં;” છે. તેમાં
પહેલાં બે પદ સુદેવનું સ્વરૂપ સંપૂર્ણ વીતરાગતા બતાવે છે, અરિહંત સશરીરિ વીતરાગ છે અને સિદ્ધ અશરીરિ વીતરાગ
છે. છેલ્લા ત્રણ પદ સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જેણે અંશે વીતરાગતા પ્રગટ કરી હોય અને પૂરેપૂરી થોડા વખતમાં પામવાને
લાયકાત મેળવી હોય–તે છે. પહેલાંંને ‘આપ્ત’ પણ કહેવામાં આવે છે. ‘જૈનધર્મ વીતરાગપ્રણિત છે’ તે આગળ કહેવાશે;
તેનું ‘રહસ્ય’ એક શબ્દમાં કહીએ તો તે ‘વીતરાગતા’ છે; માટે તે ગુણ પ્રગટ કર્યા હોય તે સુદેવ અને સુગુરુ થઈ શકે,
અને આપ્ત પુરુષે પ્રણિત કરેલાં શાસ્ત્રોને સુશાસ્ત્ર કહેવાય છે. જીવે પાત્રતા મેળવી આ વસ્તુ યથાર્થ સમજી લેવાની
જરૂર છે. તે ઉપરથી એમ પણ જણાશે કે જૈન ધર્મ ગુણપૂજા સ્વીકારે છે; વ્યક્તિપૂજા નહિ.
ગુણ ગુણી વગર હોતો નથી
તેથી ગુણીની પૂજા તે જ જૈન શાસ્ત્રને માન્ય છે.
ધર્માત્માને પોતાના સ્વરૂપનું ભાન થયા પછી પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત ન થઈ હોય ત્યારે તે સ્વરૂપમાં
રહેવાનો પુરુષાર્થ કરે છે, પણ તે જ્યારે રહી શકે નહીં ત્યારે અશુભ ભાવ ટાળવા શુભ ભાવમાં આવે છે, પણ તે
શુભભાવને કદી ધર્મ માનતા નથી. (અપૂર્ણ)

PDF/HTML Page 14 of 17
single page version

background image
માહ : ૨૦૦૦ આત્મધર્મ : ૪૧ :
દાની વિગત
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના ઉપદેશનો લાભ લેનારા મુમુક્ષુભાઈ–બહેનો દાન (લોભ–કષાય પાતળો
પાડવો તે) નો પ્રવાહ નિરંતર ચાલુ રાખ્યા કરે છે, તે મુજબ સાં–૧૯૯૯ ના ફાગણ સુદ ૨ થી સાં–૨૦૦૦ ના માગસર વદ–૮
સુધીમાં મુમુક્ષુ ભાઈ–બહેનોએ દાનનો જે પ્રવાહ ચલાવ્યો તેની વિગત નીચે મુજબ છે:–
૧૬૦૧/–પર્યુષણમાં રાજકોટની પાંજરાપોળ માટેની રકમો––
૩પ૦૭/–રાજકોટની પાંજરાપોળને કાયમની તિથિઓમાં ભરાયેલી રકમો–
૧૦૦૨/–જસાણી અમૃતલાલ વીરચંદ તરફથી.
પ૦૧/–તેમના પિતાશ્રીની તિથિ.
પ૦૧/–તેમના માતુશ્રીની તિથિ.
૧૦૦૨/–તુરખીયા જેચંદ ઝકાભાઈ તથા ઉમેદચંદ ઝકાભાઈ તરફથી.
પ૦૧/–તેમના પિતાશ્રી તુરખીયા ઝકાભાઈ ગોકળના નામની તિથિ. ૧
પ૦૧/–તેમના માતુશ્રી પ્રેમબાઈના નામની તિથિ. ૧
૧૦૦૨/–અ. સૌ. જયાકુંવર બેન; તે પારેખ લીલાધર ડાયાભાઈના ધર્મપત્ની, તેમના તરફથી તિથિ–૨
પ૦૧/–પારેખ ડાયાભાઈ ઓધવજીની તિથિ–૧
પ૦૧/–માતુશ્રી મોઘીબાઈની તિથિ–૧
પ૦૧/–જસાણી પુંજાભાઈ ભવાન તરફથી તેમના પુત્ર અમુલખ પુંજાભાઈના સ્મરણાર્થે તિથિ–૧.
૩પ૦૭/–
પ૦પ/–જસાણી પુંજાભાઈ ભવાન તરફથી તેમના પુત્ર અમુલખ પુંજાભાઈના સ્મરણાર્થે બીજી રકમો મળી તે નીચે મુજબ–
૧પપ/–રાજકોટ શહેર દેરાસરમાં કાયમની તિથિ–૨ આયંબીલ તપ તથા આંગી–પૂજા.
૧૦૦/–શ્રી રાજકોટ દશાશ્રીમાળી વણીક દવા. શાળાને મદદમાં–
૧૦૦/–રાજકોટ જૈન સસ્તા અનાજ માટે મદદમાં––
૧૦૦/–રાજકોટ દશાશ્રીમાળી બોર્ડિંગને મદદમાં–
પ૦/–રાજકોટ સ્મશાન ભૂમિ મદદમાં–
પ૦પ/–
૩૪૩૩/–સૌ. જ્યાકુંવર તે લીલાધર ડાયાભાઈના ધર્મપત્ની તરફથી નીચે મુજબ બીજી રકમો મળી:–
૧૦૦૧/–રાજકોટ દશાશ્રીમાળી જૈન વણીક બોર્ડિંગ હાઉસને–
૧૦૦૧/–રાજકોટના પારેખ પીતાંબર દેવરાજ સહાયક ફંડમાં–
પ૦૧/–રાજકોટ દશાશ્રીમાળી વણીક અનાજ સહાયક ફંડમાં–
પ૦૧/–શ્રી રાજકોટ દશાશ્રીમાળી વણીક દવાશાળાની મદદમાં–
૧૦૧/–રાજકોટ દશાશ્રીમાળી વણીક ભોજનાલયને–
૨૦૧/–રાજકોટમાં ઉનાળામાં, છાશ આપવા માટે માંડવી ચોક કમીટીને–
પ૧/–રાજકોટ દશાશ્રીમાળી સ્ત્રીઉદ્યોગ શાળામાં.
પ૧/–રાજકોટ સ્મશાન ભૂમિને મદદમાં–
૨પ/–પારેવાની જાર. માંડવી ચોકનો ચબુતરો રાજકોટ.
૩૪૩૩/–
૮પપ૩/–પુસ્તક પ્રકાશન માટે આવેલી રકમો–
૧૦૦૧/–દેશાઈ ચંદુલાલ વલમજી અને ભાઈઓ તરફથી–રાજકોટ–
પપપ/–દેસાઈ ચંદુલાલ વલમજી–રાજકોટ.
૩૦૦/–અ. સૌ. જડાવ બેન, તે ઝવેરી નાનાલાલ કાળીદાસના ધર્મપત્ની–રાજકોટ.
પ૦૧/–ભાવનગરના એક ગૃહસ્થ તરફથી
૨૦૧/–દીવાળી બહેન, તે દફતરી મનસુખલાલ ગુલાબચંદની ધર્મપત્ની રાજકોટ.
પ૦૧/–એક ગૃહસ્થ તરફથી. હા. નેમીદાસ ખુશાલચંદ્ર–પોરબંદર–
૧૦૦૦/–એક બહેન તરફથી. હા. જસાણી મોહનલાલ કાળીદાસ
૩પ૨/–અમૃતલાલ વીરચંદ જસાણી તરફથી
૨૦૧/–છબલબેન, તે ફુલચંદ પરશોત્તમ તંબોલીના ધર્મપત્ની–રાજકોટ.
૩૯૪૧/–પરચુરણ જુદા જુદા ગૃહસ્થો અને બહેનો તરફથી.
૮પપ૩/

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૪૨ : આત્મધર્મ માહ : ૨૦૦૦
૨૪૯૩ ભગવાનની આરતીના ઘીના.
૨૩૯૩ ફાગણ થી આસો સુધી.
૧૦૦ કારતક થી માગશર સુદ–૧પ સુધી.
૧૧પ૦ શ્રી જ્ઞાન ખાતામાં.
૧૧પ૦ શાસ્ત્ર પૂજન તથા પરચુરણ.
૨૦૦૧ શ્રી સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને મકાન ફંડ માટે–
૧૦૦૧ પારેખ લીલાધર ડાયાભાઈના ધર્મપત્ની જયાકુંવર બેન તરફથી.
૧૦૦૦ જસાણી પુંજાભાઈ ભવાનભાઈ તરફથી
૨૩૪૯ શ્રી સમયસાર પ્રવચનોના ગ્રાહકની અગાઉથી આવેલી રકમના–
૨૧૯૦ શ્રી ગુજરાતી પ્રવચનસારના ગ્રાહકોની અગાઉથી આવેલી રકમના–
૧૨૬૪ શ્રી સનાતન જૈન બ્રહ્યચર્ય આશ્રમ માટે
૧૦૦૧ દેસાઈ ચંદુલાલ વલમજી અને ભાઈઓ તરફથી–
૨૬૩ પરચુરણ–
૧૨૬૪
૧૧૦૦ શ્રી વ્યાખ્યાન હોલમાં બેઠક ઉપરના છોડ માટે.
૧૧૦૦ છબલબેન, તે ફુલચંદ પરસોતમ તંબોલીના ધર્મપત્ની તરફથી
૩૦૧૪૬ એકંદર ટોટલ. ત્રીસ હજાર એકસો છેંતોલીસ રૂપિયા ત્રણ આના–
આ ઉપરાંત રાજકોટમાં આવેલા મહેમાનોના ખર્ચ માટે આપેલ રકમો, શ્રી સોનગઢ જૈન અતિથિ સેવા
સમિતિને આપેલ રકમો, સભ્ય તરીકે લવાજમના તથા ‘આત્મધર્મ’ ના લવાજમ તરીકે સોનગઢ સરકારી
દવાખાનાને, સોનગઢ રાહત સમિતિ વગેરેને મુમુક્ષુ ભાઈ–બહેનો તરફથી જે રકમો આવી છે તે જુદી છે.
શ્રી સનાતન જૈન બ્રહ્મચર્યાશ્રમ
(૧) આ આશ્રમમાં જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવે છે. (૨) વિદ્યાર્થીઓનું રહેવાનું તથા જમવાનું
ખર્ચ આ આશ્રમ તરફથી આપવામાં આવે છે. (૩) વિદ્યાર્થીની ઉંમર ૧૪ વર્ષ અગર તેથી ઉપરની હોવી જોઈએ. (૪)
અભ્યાસ ક્રમ ત્રણ વર્ષ સુધીનો છે. (પ) જેને દાખલ થવા ઈચ્છા હોય તેણે નીચેને ઠેકાણે પત્ર વ્યવહાર કરી છાપેલું
ફોર્મ મંગાવી લેવું. શ્રી પ્રમુખ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ. સોનગઢ (કાઠિયાવાડ)
મિથ્યાત્વસહિત અહિંસાદિનું ફળ
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ એ જો મિથ્યાત્વયુક્ત હોય તો કડવી તુંબડીમાં રાખેલા દૂધની માફક
તે વ્યર્થ જાય છે. કડવી તુંબડીમાં રાખેલું દૂધ પિત્તોપશમ કરવા, મીઠાશ વગેરે ગુણોથી રહિત થઈ જાય છે. એટલે કે તે દૂધમાં
અફળતા આવે છે. તેમ જ અહિંસાદિ મિથ્યાત્વ સહિત હોય તો આત્માનો સ્વર્ગમાં (દેવગતિમાં) જન્મ થાય; પણ લોકાંતિક
દેવાપણું પ્રાપ્ત થવું એવા એવા સાતિશય ફળ પ્રાપ્ત થતાં નથી. મિથ્યાત્વ દુષિત અહિંસાદિકથી ફક્ત ફળાતિશય મળતું નથી,
એટલું જ નહીં પણ તે આત્મામાં રહીને મહાદોષોની પણ ઉત્પત્તિ કરે છે.
ઔષધ જો કે ગુણ કરવાવાળું હોય છે, તો પણ વિષ મિશ્રિત થઈ ગયું હોય તો તે દોષયુક્ત જ થાય છે. તેવી
રીતે અહિંસાદિ મિથ્યાત્વથી યુક્ત હોય છે, ત્યારે તે ગુણ થવાને બદલે સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવવાવાળા
દોષોને ધારણ કરે છે, અથવા મિથ્યાદ્રષ્ટિને એ અહિંસાદિ પાપાનુબંધિ સ્વલ્પ ઈન્દ્રિય સુખની પ્રાપ્તિ કરી દીએ છે, પરંતુ
તેને બહુ આરંભ અને પરિગ્રહમાં આસક્ત કરીને નરકમાં લઈ જાય છે. તેથી મિથ્યાત્વદુષિત અહિંસાદિ દોષોને ઉત્પન્ન
કરે છે, એમ સમજવું જોઈએ. વિષ મિશ્રિત ઔષધથી લાભ નથી થતો તેમ જ મિથ્યાત્વ સહિત અહિંસાથી મોક્ષની પ્રાપ્તિ
થતી નથી. (ભગવતિ આરાધના પ્રા. ૧૮૪–૧૮પ)*
વેષધારીધર્મોપદેશક
જેના રાગ, દ્વેષ, અજ્ઞાન સર્વથા ટળી ગયા છે, એવા વીતરાગ જિનેશ્વર સર્વજ્ઞદેવ, તીર્થંકર આદિનો પરૂપેલો
ન્યાય ધર્મ, લોકોત્તર માર્ગ ઓળખ્યા વિના ઘણા લોકો ધર્મઉપદેશક વેશધારી થઈને બધા ધર્મનો સમન્વય કરે છે. કજાત
અને સજાત એટલે લૌકિક માર્ગ અને અલૌકિક સન્માર્ગરૂપ અપૂર્વ ધર્મનો સમન્વય કરે છે. આલપાકના કપડા સાથે
કંતાન સાંધીને કહે છે કે બંને સરખાં છે. એમ સ્વછંદે પોતાની મતિકલ્પનાથી સર્વજ્ઞ પરમાત્માના ન્યાયને અલ્પજ્ઞ જીવો
બીજા લૌકિક ધર્મ સાથે સરખાવે છે. ક્યાં આગીયાનું તેજ અને ક્યાં સૂર્યનું તેજ? એનો સમન્વય કરનાર સૂર્યને ઢાંકવા
પ્રયત્ન કરે છે; એ બધા આત્મજ્ઞાનથી અજાણ છે.
(આત્મસિદ્ધિશાસ્ત્ર પર પ્રવચનો)*

PDF/HTML Page 16 of 17
single page version

background image
વર્ષ ૧ લું અંક ૩ માહ ૨૦૦૦
(અનુસંધાન પાન ૬ નું ચાલુ)
વર્તમાન અવસ્થામાં રાગાદિ કષાય ઘટાડવાનો પુરુષાર્થ ઠેઠ પૂર્ણ વીતરાગ થાય ત્યાં લગી રહે છે.
ચાર જ્ઞાનના સ્વામી ગણધર તથા જ્ઞાની ધર્માત્માઓ પણ સત્પુરુષનો ઉપદેશ સાંભળે છે. ઉપદેશમાં નિમિત્તની
ભાષા આવે કે રાગદ્વેષ પ્રમાદનો નાશ કરો, અલ્પ પણ પ્રમાદ કરો નહિ. અભિપ્રાયમાં જાણે છે કે પરામાર્થે મારા
સ્વભાવમાં રાગદ્વેષ પ્રમાદ નથી, પણ હજી વર્તમાન અધુરી અવસ્થામાં પરના નિમિત્તે મલીનતા થઈ જાય છે, એમ
નિશ્ચય અને વ્યવહાર બેઉ ન્યાય ધર્માત્મા જ્યાં જેમ ઘટે તેમ સમજે છે. પરમાર્થને લક્ષે પુરુષાર્થ એકને મુખ્ય અને એક
દ્રષ્ટિને ગૌણ એમ યથાસ્થાને વિવેક કોણ કરે? બધી સમજણ પોતાને જ કરવી પડશે.
ગોર પરણાવી દે પણ સંસાર ચલાવી ન દે. તેમ શ્રીગુરુ સાચા પરમાર્થની દશા બતાવે પણ કોઈ જીવ અજીવને
પરિણમાવી ન શકે. કારણકે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. ગુરુગમનો મહિમા પોતાની સમજણમાં ઉતારવો જોઈએ
પરભાવનો ત્યાગ, સંસાર પરિગ્રહથી, દેહાદિ વિષયોથી વૈરાગ્ય એ ત્યાગ વૈરાગ્યનો પુરુષાર્થ પરમાર્થ લક્ષે થવો જોઈએ.
અંતરંગ જ્ઞાનની સ્થિરતાનો ‘પુરુષાર્થ વીતરાગ દ્રષ્ટિની દ્રઢતા માટે જોઈએ. તેમાં પાત્રતા અને સત્સમાગમનું બળ જોઈએ.
(અનુસંધાનપાન પાછળનું ચાલું)
એનો ઉદય છે તે મોહનો ઉદય થતાં આકુળતાને સહકારી કારણ થાય છે. પણ મોહના ઉદયનો નાશ થતાં એનું
બળ નથી. અંતર્મુહુર્તમાં આપોઆપ તે નાશ પામે છે. અને સહકારી કારણ પણ દૂર થઈ જાય ત્યારે પ્રગટરૂપ નિરાકુળ
દશા ભાસે ત્યાં કેવળજ્ઞાની ભગવાન અનંત સુખ રૂપ દશાને આપ્ત કહીએ છીએ.
અઘાતિ કર્મોના ઉદયના નિમિત્તથી શરીરાદિકનો સંયોગ થાય છે. મોહ કર્મનો ઉદય થતાં શરીરાદિકનો સંયોગ
આકુળતાને બાહ્ય સહકારી કારણ છે. અંતરંગ મોહના ઉદયથી રાગાદિક થાય અને બાહ્ય અઘાતિ કર્મોના ઉદયથી
રાગાદિકના કારણરૂપ શરીરાદિકનો સંયોગ થાય ત્યારે આકુળતા ઉપજે છે. મોહનો ઉદય નાશ થવાં છતાં પણ અઘાતિ
કર્મોનો ઉદય રહે છે. પણ તે આકુળતા ઉપજાવી શકતો નથી. પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણ રૂપ હતો. માટે એ
અઘાતિ કર્મોનો નાશ પણ આત્માને ઈષ્ટ જ છે. કેવળી ભગવાનને એના હોવા છતાં પણ કાંઈ દુઃખ નથી માટે તેના
નાશનો ઉદ્યમ પણ નથી, પરંતુ મોહનો નાશ થતાં એ સર્વ કર્મો આપોઆપ થોડા જ કાળમાં નાશને પ્રાપ્ત થઈ જાય છે.
એ પ્રમાણે સર્વ કર્મોનો નાશ થવો એ જ આત્માનું હિત છે. અને સર્વ કર્મોના નાશનું જ નામ મોક્ષ છે. માટે આત્માનું
હિત એક મોક્ષ જ છે, અન્ય કાંઈ નથી, એવો નિશ્ચય કરવો.
(મોક્ષમાર્ગ પ્રકાશક)
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
અત્મધમ
દર મહિનાની શુદ ૨ ના પ્રગટ થાય છે. શરૂ થતાં નવા મહિનાથી જ ગ્રાહક થઈ શકાય છે.
વાર્ષિક લવાજમ રૂા. ૨–૮–૦ છુટક નકલ ૪ આના. પરદેશનું વા. લ. ૩–૨–૦ ગ્રાહકો તરફથી સૂચના આવ્યા
વગર નવા કે જૂના ગ્રાહકોને વી. પી. કરવામાં આવતું નથી.
લવાજમ પૂરૂં થયે લવાજમ પૂરૂં થયાની સ્લીપ છેલ્લા અંકમાં ચોંટાડી ગ્રાહકને જાણ કરવામાં આવે છે.
ગ્રાહક તરીકે ચાલુ રહેનારે કાં તો મનીઓર્ડરથી લવાજમ મોકલી આપવું અથવા વી. પી. થી લવાજમ વસુલ
કરવાની સુચના લખી જણાવવી.
મ. ઓ. કે વી. પી. કરવાની સૂચના નહિ આવે તો ગ્રાહક તરીકે ચાલુ રહેવા નથી ઈચ્છતા એમ સમજી માસિક
મોકલવું બંધ કરવામાં આવશે.
નમુનાની નકલ મફત મોકલવામાં આવતી નથી. માટે નમુનાની નકલ મંગાવનારે ચાર આનાની ટિકિટો
મોકલવી.
સરનામાનો ફેરફાર અમોને તુરત જણાવવો કે જેથી નવો અંક નવા સરનામે મોકલાવી શકાય.
ગ્રાહકોએ પત્રવહેવાર કરતી વખતે પોતાનો ગ્રાહક નંબર અવશ્ય જણાવવા વિનંતિ છે.
વર્ષના કોઈ પણ મહિનાથી ગ્રાહકો નોંધવામાં આવતા હોવાથી, મહિના કરતાં અંકના પૂંઠા ઉપર મોટા અક્ષરે
છાપવામાં આવતા સંખ્યાંકની જ ગણતરી રાખવામાં આવે છે. જેટલામાં અંકથી લવાજમ ભરવામાં આવે તે અંકથી ગણીને
બાર અંક ગ્રાહકોને મોકલવામાં આવે છે. એટલે, ગ્રાહકોએ પણ મહિનાની નહિ પણ અંકોની સંખ્યાની જ ગણતરી રાખવી.
સોલ એજન્ટ શિષ્ટ સાહિત્ય ભંડાર
વિજયાવાડી, મોટા આંકડિયા કાઠિયાવાડ

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
• આત્માનું હિત એક મોક્ષ જ છે. •
આત્માને નાના પ્રકારની ગુણપર્યાયરૂપ અવસ્થા થાય છે. તેમાં અન્ય તો ગમે તે અવસ્થા થાઓ; પણ
તેથી આત્માનો કંઈ બગાડ સુધાર નથી. પરંતુ એક દુઃખ સુખ અવસ્થાથી તેનો બગાડ–સુધાર છે. અહીં કાંઈ હેતુ
દ્રષ્ટાંતની જરૂર નથી. પ્રત્યક્ષ એમ જ પ્રતિભાસે છે. લોકમાં જેટલા આત્માઓ છે, તેમને આ એક જ ઉપાય
જોવામાં આવે છે કે, –– ‘દુઃખ ન થાય–સુખ જ થાય’ તેઓ અન્ય જેટલા ઉપાય કરે છે, તેટલા એક એ જ
પ્રયોજન અર્થે કરે છે બીજું કાંઈ પ્રયોજન નથી. તેઓ જેના નિમિત્તથી દુઃખ થતું જાણે તેને દૂર કરવાનો ઉપાય
કરે છે. તથા જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે. વળી સંકોચ–વિસ્તારઆદિ અવસ્થા
પણ આત્માને થાય છે. અનેક પરદ્રવ્યનો પણ સંયોગ મળે છે, પરંતુ જેનાથી સુખ દુઃખ થતું ન જાણે તેને દૂર
કરવાનો વા હોવાનો કંઈ પણ ઉપાય કોઈ કરતું નથી. અહીં આત્મદ્રવ્યનો એવો જ સ્વભાવ જાણવો. અન્ય તો
બધી અવસ્થાઓને તે સહન કરી શકે છે, પરંતુ એક દુઃખને સહન કરી શકતો નથી. પરવશપણે દુઃખ થાય તો
આ શું કરે? તેને ભોગવે, પણ સ્વવશ પણે તો કિંચિત્ પણ દુઃખને સહન કરી શકતો નથી. તથા સંકોચ–વિસ્તાર
આદિ અવસ્થા જેવી થાય તેવી થાય, તેને સ્વવશપણે પણ ભોગવે છે. ત્યાં સ્વભાવમાં તર્ક નથી, આત્માનો
એવો જ સ્વભાવ છે એમ સમજવું જુઓ! દુઃખી થાય ત્યારે સુવા ઈચ્છે છે જો કે સુવામાં જ્ઞાનાદિક મંદ થઈ જાય
છે, પરંતુ જડ જેવો બનીને પણ દુઃખને દૂર કરવા ઈચ્છે છે. વા મરવા ઈચ્છે છે. હવે મરવામાં પોતાનો નાશ માને
છે, પરંતુ પોતાનું અસ્તિત્વ ગુમાવીને પણ દુઃખ દૂર કરવા ઈચ્છે છે. માટે એક દુઃખરૂપ પર્યાયનો અભાવ કરવો
એ જ તેનું કર્તવ્ય છે. હવે દુઃખ ન થાય એ જ સુખ છે. કારણકે–આકુળતા લક્ષણ સહિત દુઃખ છે, તેનો જે અભાવ
થવો એ જ નિરાકુળતા લક્ષણ સહિત સુખ છે. અને એ પણ પ્રત્યક્ષ જણાય છે કે, બાહ્ય કોઈ પણ સામગ્રીનો
સંયોગ મળતાં જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી જ છે. તથા જેને આકુળતા નથી તે સુખી છે. વળી
આકુળતા થાય છે તે રાગાદિક કષાયભાવ થતાં થાય છે, કારણકે રાગાદિભાવો વડે આ જીવ તો સર્વ દ્રવ્યોને
અન્ય પ્રકારે પરિણમાવવા ઈચ્છે છે. અને તે સર્વ દ્રવ્યો અન્ય પ્રકારે પરિણમે છે. ત્યારે આને આકુળતા થાય છે.
હવે કાં તો પોતાને રાગાદિભાવ દૂર થાય અથવા પોતાની ઈચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો આકુળતા મટે.
હવે સર્વ દ્રવ્યો તો આના આધિન નથી પણ કોઈ વેળા કોઈ દ્રવ્ય આની ઈચ્છા હોય તેમ જ પરિણમે તો પણ
આની આકુળતા સર્વથા દૂર થતી નથી. સર્વ કાર્ય આની ઈચ્છાનુસાર જ થાય અન્યથા ન થાય, ત્યારે જ આ
નિરાકુળ રહે; પણ એમ તો થઈ જ શકતું નથી, કારણકે–કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી, પણ
પોતાના રાગાદિભાવ દૂર થતાં નિરાકુળતા થાય છે; અને તે કાર્ય બની શકે એમ છે. કારણકે રાગાદિભાવો
આત્માના સ્વભાવ ભાવ તો છે નહિ. પણ ઔપાધિક ભાવ છે. પરનિમિત્તથી થયા છે, અને એ નિમિત્ત
મોહકર્મનો ઉદય છે, તેનો અભાવ થતાં સર્વ રાગાદિભાવ નાશ પામી જાય ત્યારે આકુળતાનો પણ નાશ થતાં
દુઃખ દૂર થઈ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મોહ કર્મનો નાશ જ હિતકારી છે.
વળી તે આકુળતાને સહકારી કારણ જ્ઞાનાવરણાદિનો ઉદય છે, જ્ઞાનાવરણ–દર્શનાવરણના ઉદયથી
જ્ઞાનદર્શન સમ્પૂર્ણ પ્રગટ થતાં નથી, અને તેથી આને દેખવા જાણવાની આકુળતા થાય છે. અથવા વસ્તુનો
સ્વભાવ યથાર્થ સંપૂર્ણ જાણી શકતો નથી ત્યારે રાગાદિરૂપ થઈ પ્રવર્તે છે. ત્યાં આકુળતા થાય છે.
વળી અંતરાયના ઉદયથી ઈચ્છાનુસાર દાનાદિ કાર્ય ન બને ત્યારે પણ આકુળતા થાય છે.
(અનુસંધાન પાછળને પાને)
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, વિજયાવાડી, મોટા આંકડિયા, કાઠિયાવાડ તા. ૨૭–૧–૪૪
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વિજયાવાડી, મોટા આંકડિયા કાઠિ.