Atmadharma magazine - Ank 030
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૩૦
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ : ૩ સંપાદક ચૌત્ર
રામજી માણેકચંદ દોશી
અંક : ૬ વકીલ ૨૪૭૨
સાચું સમજીને કરવું શું?
પ્રશ્ન:– જ્ઞાનીઓ વારંવાર સમજાવે છે કે આત્મા બીજાનું કાંઈ કરી શકતો
નથી, તે સાચું–પરંતુ આ સમજ્યા પછી શું કરવું?
ઉત્તર:– હું બીજાનું કરી શકતો નથી–એમ સાચું સમજ્યા પછી ‘હવે શું કરવું’
એ પ્રશ્ન જ નહિ ઊઠે; કેમકે કોઈ બીજાનું હું નથી કરી શકતો એમ સમજ્યો એટલે
પોતામાં જ કરવાનું રહ્યું, પોતામાં જે રાગ થાય તેને સ્વભાવની એકાગ્રતાવડે
ટાળવાની ક્રિયા (સ્થિરતારૂપ ક્રિયા અર્થાત્ સમ્યક્ચારિત્ર) કરવાનું જ રહ્યું.
પ્રશ્ન:– ચૈતન્યની ઓળખાણ દ્વારા સમ્યગ્દર્શન થયા પછી શું કરવું?
ઉત્તર:– ચૈતન્યનું ગ્રહણ અને બંધભાવનો ત્યાગ કરવો. વચ્ચે વ્યવહાર–
વિકલ્પ વગેરે આવી પડે તેને બંધનભાવપણે જાણીને છોડી દેવા.
પહેલાંં અજ્ઞાનપણે પણ બીજાનું તો કરી શકતો જ ન હતો, માત્ર બીજાની
ચિંતા કરતો હતો. સામી પ્રતિકૂળ વસ્તુને ફેરવવાની ચિંતા કરવાથી કાંઈ તે વસ્તુ
ફરી જતી નથી. ધર્મ પુસ્તકો લેવા કે મૂકવાની ક્રિયા આત્મા કરી શકતો નથી;
અજ્ઞાનથી માત્ર રાગ–દ્વેષ કરતો, હવે સમજણ થતાં જ્ઞાન જ કરવાનું રહ્યું, જ્ઞાન
કરતાં કરતાં રાગ–દ્વેષ ટળીને મુક્તિ થાય છે.
અજ્ઞાની જીવ ક્ષણેક્ષણે રાગ–દ્વેષ કરી સંસાર વધારે છે, સાચી સમજણ થતાં
જીવ ક્ષણેક્ષણે મુક્તિ કરે છે, એટલે સમજણ પછી મોક્ષની ક્રિયા જ કરવાની રહી,
અને વિકારની ક્રિયાને છોડવાની રહી. જડની ક્રિયાને તો કોઈ આત્મા કરી શકતો
જ નથી–માત્ર જાણી શકે છે.
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય સુવર્ણપુરી – સોનગઢ કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
સૌથી મોટામાં
મોટું પાપ,
સૌથી મોટામાં
મોટું પુણ્ય
અને
સૌથી પહેલામાં
પહેલો ધર્મ
રાત્રિર્ચા ઉપરથી
તા. ૨૯ – ૧૨ – ૪૫
: ૧૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૨ :
પ્રશ્ન:– જગતમાં સૌથી મોટામાં મોટું પાપ કયું?
ઉત્તર:– મિથ્યાત્વ એ જ સૌથી મોટામાં મોટું પાપ છે.
પ્રશ્ન:– સૌથી મોટામાં મોટું પુણ્ય કયું?
ઉત્તર:– તીર્થંકર નામકર્મ તે સૌથી મોટામાં મોટું પુણ્ય છે; આ
પુણ્ય સમ્યગ્દર્શન પછીની જ ભૂમિકામાં શુભરાગ વડે બંધાય છે,
મિથ્યાદ્રષ્ટિને આ પુણ્ય હોતાં નથી.
પ્રશ્ન:– સૌથી પહેલાંમાં પહેલો ધર્મ ક્યો?
ઉત્તર:– સમ્યગ્દર્શન એ જ સૌથી પહેલામાં પહેલો ધર્મ છે.
સમ્યગ્દર્શન વગર જ્ઞાન, ચારિત્ર, તપ, દયા, વગેરે એકે ધર્મ સાચા હોતાં
નથી, તે બધા ધર્મો સમ્યગ્દર્શન થયા પછી જ હોય છે, માટે સમ્યગ્દર્શન
એ જ ધર્મનું મૂળ છે.
પ્રશ્ન:– મિથ્યાત્વને સૌથી મોટામાં મોટું પાપ શા માટે કહ્યું?
ઉત્તર:– મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, ખોટી સમજણ. જીવ
પરનું કરી શકે અને પુણ્યથી ધર્મ થાય–એમ જેણે માન્યું, તેની તે ઊંધી
માન્યતામાં એકેક ક્ષણમાં અનંત પાપ આવે છે. કઈ રીતે? તે કહે છે.–
‘પુણ્યથી ધર્મ થાય અને જીવ બીજાનું કરી શકે’ એમ જેણે માન્યું છે તેણે
‘પુણ્યથી ધર્મ ન થાય અને જીવ પરનું કાંઈ ન કરી શકે–એમ કહેનારા
ખોટા’ એમ પણ માન્યું છે, અને તેથી ‘પુણ્યથી ધર્મ ન થાય અને જીવ
પરનું ન કરે’ એમ કહેનારા ત્રણેકાળના અનંત તીર્થંકરો, કેવળી
ભગવંતો, સંત–મુનિઓ અને સમ્યગ્જ્ઞાની જીવો એ બધાયને તેણે એક
ક્ષણમાં ખોટા માન્યા. આ રીતે મિથ્યાત્વના એક સમયના ઊંધા વીર્યમાં
અનંત સત્ના નકારનું મહાપાપ છે.
વળી, જેમ હું–જીવ પરનો કર્તા છું અને પુણ્ય–પાપનો કર્તા છું
તેમ જગતના સર્વે જીવો સદાકાળ પરવસ્તુના અને પુણ્ય–પાપરૂપ
વિકારના કર્તા છે–એમ પણ મિથ્યાદ્રષ્ટિજીવના અભિપ્રાયમાં આવ્યું, એ
રીતે ઊંધી માન્યતાથી તેણે જગતના બધા જીવોને પરના કર્તા અને
વિકારના ધણી ઠરાવ્યા–એટલે કે બધા જ જીવોના શુદ્ધ અવિકાર
સ્વરૂપનું પોતાના ઊંધા અભિપ્રાયવડે ખૂન કર્યું, તે મહા ઊંધી દ્રષ્ટિનું
સૌથી મોટું પાપ છે. ત્રિકાળી સત્નો એક સમયમાં અનાદર તે જ સૌથી
મોટું પાપ છે.
વળી, એક જીવ બીજા જીવનું કરી શકે એટલે કે બીજા જીવો મારૂં
કાર્ય કરે અને હું બીજા જીવોનું કાર્ય કરૂં એમ મિથ્યાત્વી જીવ માને છે,
તેથી જગતના બધા જીવો એક બીજાના ઓશિયાળા પરાધીન છે એમ
માન્યું; એ રીતે પોતાની ઊંધી માન્યતામાં જગતના બધા જ જીવોના
સ્વાધીન સ્વભાવની હિંસા કરી, તેથી મિથ્યામાન્યતા એ જ મહાન
હિંસકભાવ છે અને તે જ મહાનમાં મહાન પાપ છે.
શ્રી પરમાત્મ પ્રકાશમાં કહ્યું છે કે:– સમ્યક્ત્વસહિત નરકવાસ પણ
ભલો છે, અને મિથ્યાત્વસહિત સ્વર્ગવાસ પણ બૂરો છે; આથી નક્કી થાય
છે કે જે ભાવે નરક મળે તે અશુભ પાપભાવ કરતાં પણ મિથ્યાત્વનું પાપ
ઘણું જ મોટું છે. આમ સમજીને જીવોએ સર્વથી પહેલાંં સાચી સમજણ વડે
મિથ્યાત્વનું મોટું પાપ ટાળવાનો ઉપાય કરવો જોઈએ.

PDF/HTML Page 4 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૧૧ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ : ૩ : ચૈત્ર :
અંક : ૨૪૭૨
ક્રમબદ્ધ પર્યાય અને વ્યવહાર
[પરમ પૂજ્ય સદ્ગુરુદેવનાં વ્યાખ્યાનમાંથી
સમયસાર: ૨૪૭૨: માગશર: સુદ ૧૦
]
વસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ થાય છે. ક્રમબદ્ધ પર્યાયમાં ફેર પાડવા કોઈ સમર્થ નથી.
પ્રશ્ન:– વસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ છે ત્યારે પુરુષાર્થ કરવાનો ન રહ્યો ને?
ઉત્તર:– ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કોણે કરી? ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા શા વડે કરી?
ક્રમબદ્ધની શ્રદ્ધા કરનાર જીવ બધાય પદાર્થોથી ઉદાસ થઈ ગયો અને પરનું લક્ષ છોડીને
જ્ઞાનને સ્વમાં એકાગ્ર કર્યું. હવે સ્વ વસ્તુમાં પણ ક્રમબદ્ધ પર્યાય જ છે, તે સ્વની ક્રમબદ્ધ
પર્યાય ક્યાંથી આવે છે? પર્યાયમાંથી આવતી નથી પણ વસ્તુમાંથી આવે છે, તેથી વસ્તુદ્રષ્ટિ
થઈ. વસ્તુદ્રષ્ટિ થયા વગર ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોય નહિ.
ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થતાં પરમાંથી તો ઉદાસ જ થઈ ગયો–જ્ઞાતા જ રહી ગયો,
હવે સ્વની જે ક્રમબદ્ધ પર્યાય થાય છે તે સ્વભાવમાંથી જ આવે છે અને સ્વભાવમાં વિકાર
નથી માટે વિકાર તે મારૂં સ્વરૂપ નથી; આ રીતે વિકારરહિત વસ્તુસ્વભાવની જેને શ્રદ્ધા થઈ
તેને જ ક્રમબદ્ધપર્યાયની વાત બેઠી છે અને તેમાં જ અનંત પુરુષાર્થ છે.
એક ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતમાંથી જ આત્મા આખો ભગવાન સિદ્ધ થઈ થાય છે.
એક ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતને જાણતાં તેમાં બધું આવી જાય છે. ‘ક્રમબદ્ધ’ કહેતાં અનેક
પર્યાય લક્ષમાં આવે છે એટલે બધી પર્યાયોનો પિંડ તે વસ્તુ છે તેમાંથી જ પર્યાય પ્રગટે છે
એમ પ્રતીત કરતાં પર પદાર્થ ઉપર કે વિકાર ઉપર કે પર્યાય ઉપર દ્રષ્ટિ ન રહી, પણ વસ્તુ
ઉપર દ્રષ્ટિ ગઈ. વસ્તુ દ્રષ્ટિમાં અનંત વીર્ય આવે છે અને તે જ વીર્ય આગળ વધીને પૂરૂં થતાં
કેવળજ્ઞાન થાય છે.
ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરવામાં કેટલું વીર્ય આવ્યું? જગતના જેટલા પદાર્થો છે તે
બધાયની પર્યાય ક્રમબદ્ધ થાય છે, તે કોઈ પદાર્થોનું હું કાંઈ ન કરૂં, અને મારી પર્યાય મારા
દ્રવ્યમાંથી ક્રમબદ્ધ થાય છે માટે મારે કોઈ પરદ્રવ્યનો આધાર નહિ; બસ, આ ભેદવિજ્ઞાન
પ્રગટી ગયું.
મારી પર્યાયનો આધાર દ્રવ્ય છે એમ જેને દ્રવ્યદ્રષ્ટિ થઈ તેણે (૧) પરથી પોતાને
જુદો જાણ્યો (૨) વિકારથી મારી પર્યાય પ્રગટતી નથી એમ જાણ્યું અને (૩) સ્વભાવદ્રષ્ટિ
થતાં ઉણીદશા જેટલો પણ હું નહિ એમ પૂરા સ્વભાવનું જ જોર આવ્યું. પૂરા સ્વભાવના જોરે
અલ્પકાળમાં કેવળજ્ઞાન થાય જ; માટે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતમાં તો કેવળજ્ઞાન લેવાનો
પુરુષાર્થ સમાયેલો છે.
આ વાત સ્વભાવની છે, સ્વભાવથી જ આ વાત બેસે તેમ છે, કુતર્કથી બેસે તેમ
નથી. સ્વભાવના પરિણમનમાં જો આ વાત ન બેસે અને ન રુચે તો સ્વની દ્રઢતામાં પુરુષાર્થ
વળ્‌યો નથી; પુરુષાર્થ જ્યારે સ્વની દ્રઢતામાં ન વળ્‌યો ત્યારે તે ક્યાંક પરની રુચિમાં અટક્યો
છે એટલે તેને ભવની શંકા રહે જ છે. સ્વભાવની ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતમાં મોક્ષની
નિઃસંદેહ ખાતરી થઈ જાય છે કેમકે સ્વભાવના પરિણમનથી જ મોક્ષ થાય છે.
[પાછળ]

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૨ :
પ્રશ્ન:– ક્રમબદ્ધ પર્યાયમાં પણ વચ્ચે વ્રત–તપના શુભ વિકલ્પરૂપ વ્યવહાર તો આવે ને?
ઉત્તર:– ભાઈ, જેને ક્રમબદ્ધ પર્યાયની પ્રતીત છે તેની દ્રષ્ટિ વ્રત ઉપર હોતી નથી પણ દ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ
હોય છે. ભલે, વ્રત તે પણ ક્રમબદ્ધપર્યાય જ છે તેથી જ્ઞાની તેને પણ જ્ઞાતાપણે જાણે છે, પરંતુ તેની ભાવના
કરતા નથી. વચ્ચે વ્રત આવે તેની જેને ભાવના છે તેને સ્વરૂપની ભાવના નથી. વચ્ચે રાગ આવે તેને જાણે ભલે
પણ ભાવના તો સ્વરૂપની જ હોય. વ્રતનો રાગ તો આસ્રવ છે. જેણે વ્રતની ભાવના કરી તેણે આસ્રવને સારો
માન્યો એટલે કે સંસારને જ સારો માન્યો, તેણે બંધ અને આત્માને જુદા જાણ્યા જ નથી. આત્મા અને બંધને જે
જુદ જાણે તેને બંધભાવની ભાવના હોય જ નહિ.
ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં દરેક દ્રવ્યની સ્વતંત્રતા સિદ્ધ થાય છે. એક દ્રવ્ય બીજાનું કાંઈ પણ કરે કે પુણ્યથી
આત્માને ધર્મ થાય એ વાત સત્યધર્મના કમ્પાઉન્ડની બહાર છે, સત્યની હદમાં તે નથી.
વસ્તુની ક્રમબદ્ધ પર્યાય થતી વખતે નિમિત્તની હાજરી હોય પણ વસ્તુની પર્યાયમાં તે કિંચિત્ મદદગાર
નથી. વસ્તુદ્રષ્ટિના ભાનમાં ક્રમબદ્ધ શુદ્ધ પર્યાય પ્રગટતાં વચ્ચે જે વિકલ્પરૂપ વ્યવહાર આવે તે પણ શુદ્ધપર્યાયને
મદદગાર નથી માટે તે વ્યવહારનો ખેદ જોઈએ. અમૃતચંદ્રાચાર્ય સમયસાર–કળશમાં કહે છે કે–
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या–मिह निहितपदानां ‘हंत’ हस्तावलंबः।
तदपि परममर्थं चिच्चमत्कारमात्रं परविरहितमंतः पश्यतां नैव किंचित्।।
५।।
અર્થ:– જે વ્યવહારનય છે તે જો કે આ પહેલી પદવીમાં (જ્યાંસુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં
સુધી) જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને અરેરે! હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તો પણ જે પુરુષો
ચૈતન્ય–ચમત્કાર માત્ર, પરદ્રવ્ય ભાવોથી રહિત
[શુદ્ધનયના વિષયભૂત] પરમ ‘અર્થ’ ને અંતરંગમાં અવલોકે
છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે તેમને એ વ્યવહારનય કાંઈ પણ
પ્રયોજનવાન નથી.
વ્યવહારનય વચ્ચે આવી પડે છે તેને ‘हंतः’ કહીને ધૂત્કારી કાઢ્યો છે. વ્યવહાર ઉપર દ્વેષ નથી પણ તેની
ઉપેક્ષા છે, તે તરફ દ્રષ્ટિનું જોર નથી, દ્રષ્ટિ નકાર કરે છે, જ્ઞાન તેને જાણે છે. વચ્ચે વ્યવહાર આવી જાય છે. તે
પણ ક્રમબદ્ધ જ છે. પૂર્ણ થવા જતાં વચ્ચે સાધકદશામાં વ્યવહાર ન આવે તો શું પૂર્ણ થઈ ગયા પછી વ્યવહારનો
વિકલ્પ ઊઠે?
એ તો એની સ્થિતિ જ એવી છે કે સાધકપણામાં વચ્ચે બાધકરૂપ વ્યવહાર આવે જ; પણ જો જીવ તે
વ્યવહારમાં અટકે તો સાધકદશામાં આગળ વધી શકે નહિ પણ મિથ્યાદ્રષ્ટિ થાય. વ્યવહાર આવે છે ખરો, તેની
હૈયાતિની ના નથી પણ વચ્ચે તે આવી પડે છે તેનો ખેદ છે. બસ! ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતનું જોર દ્રવ્ય ઉપર જ
છે, પર્યાય ઉપર તેનું જોર નથી. દ્રવ્ય તરફના જોરે ભંગભેદરૂપ વ્યવહારનો નિષેધ છે.
કુંદકુંદ ભગવાન પડકાર મારીને ચેતવે છે કે ભાઈ રે! ધ્યાન રાખજે, સ્વભાવની સાધક દશામાં વચ્ચે
રાગ આવી પડશે ખરો, મુનિદશામાં પણ વિકલ્પ ઉઠશે ખરો, પણ તેને સાધન ન માનીશ, તેની હોંશ ન કરીશ,
તે બાધક છે, તેને બાધકપણે જાણીને છોડી દેજે અને નિશ્ચય સ્વભાવના જોરે આગળ પગલાં ભરજે, એટલે કે
નિશ્ચયસ્વભાવની દ્રષ્ટિના જોરે જ તારી પર્યાય ક્રમેક્રમે શુદ્ધ થતી જશે.
આ ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતમાં તો અધ્યાત્મસ્વરૂપની વાત છે, તે સમજતાં જેને કંટાળો લાગે છે તેને
આત્માના સ્વરૂપની અરુચિ છે. સ્વરૂપ સમજવાના કંટાળાને લીધે તેને રાગની વાત સહેલી લાગે છે.
અધ્યાત્મપદ્ધતિમાં તો રાગનો ઉપદેશ હોય નહિ, આગમપદ્ધતિમાં રાગ અને વિકલ્પની વાત વ્યવહારથી કરી હોય
તે સાંભળતાં જેને હોંશ આવે છે અને અધ્યાત્મસ્વરૂપની વાત સમજવાની હોંશ આવતી નથી તેને આત્માના
પરમાર્થ સ્વરૂપનો કંટાળો છે, અને સ્વરૂપનો કંટાળો તે જ મિથ્યાત્વ છે.
આચાર્યપ્રભુ કહે છે કે યાદ રાખ! વચ્ચે શુભરાગ આવે છે, તેની જો હોંશ કરીશ તો રાગમાં અને
મિથ્યાત્વમાં અટકી જવાનો છો. વચ્ચે રાગ આવે તેની હોંશ કરીશ નહિ પણ જ્ઞાતાપણે જાણીને છોડી દેજે અને
જ્ઞાનને જ ગ્રહણ કરજે. માટે જ સમયસારની આ ૨૯૬ મી ગાથામાં કહ્યું છે કે પ્રજ્ઞા વડે જ
[સમ્યગ્જ્ઞાનથી જ]
આત્માનું ગ્રહણ કરાય છે, અને પ્રજ્ઞાવડે જ બંધને છેદાય છે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૧૩ :
(લેખાંક બીજો) ।। ।। (પોષ વદ ૧ : ૨૪૭૨)
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન અરિહંત સૌ જયવંત વર્તો શ્રી પ્રવચનસારજી ગાથા ૮૦
જે ખરેખર અર્હંતને જાણે છે તે પોતાના આત્માને જાણે જ છે.
। જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. ૮૦।

ગતાંકમાં કહ્યું હતું કે જે અરિહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે
છે અને તેનો મોહ ક્ષય પામે જ છે. અરિહંતને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે કઈ રીતે જાણવા અને મોહનો નાશ કઈ
રીતે થાય છે તે હવે કહેવાય છે.
શ્રીપ્રવચનસારજીની આ ૮૦–૮૧–૮૨ મી ગાથામાં આખા શાસ્ત્રનો સાર છે. અનંત તીર્થંકરોના ઉપદેશનું
રહસ્ય આમાં સમાઈ જાય છે. આચાર્યપ્રભુ ૮૨ મી ગાથામાં કહેશે કે ૮૦–૮૧ માં કહ્યું તે જ વિધિથી સર્વે
અરિહંતો મુક્ત થયા છે, બધાય તીર્થંકરો આ જ ઉપાયવડે તર્યા છે અને ભવ્યજીવોને એનો જ ઉપદેશ આપ્યો છે,
અત્યારના ભવ્ય જીવોને પણ એ જ ઉપાય વર્તે છે, એ સિવાય બીજો કોઈ ઉપાય મોહનાશ કરવા માટે નથી.
જે આત્માઓને પાત્ર થઈને પોતાની યોગ્યતાના પુરુષાર્થવડે સ્વભાવને મેળવવો છે–અને મોહનો ક્ષય
કરવો છે તે આત્માઓએ શું કરવું? તે અહીં બતાવ્યું છે. પ્રથમ તો અરિહંતને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે જાણવા.
ભગવાન અરિહંતનો આત્મા કેવો હતો, તેના આત્માના ગુણોની શક્તિ–સામર્થ્ય કેવાં હતાં અને તેમની પૂર્ણ
પર્યાયનું શું સ્વરૂપ છે–એના યથાર્થ ભાવને જે નક્કી કરે છે તે ખરેખર પોતાના જ દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપને
નક્કી કરે છે. અરિહંતને જાણતાં એમ પ્રતીત કરે છે કે “આવો જ પૂર્ણ સ્વભાવ છે, આવું જ મારૂં સ્વરૂપ છે.”
અરિહંતના આત્માને જાણતાં પોતાનો આત્મા કેવી રીતે જણાય છે તેનું હવે કારણ બતાવે છે.
‘ખરેખર જે અરિહંતને જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે કેમકે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી.
’ જેવા અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવા જ આ આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય છે. વસ્તુ, તેની શક્તિ અને
તેની હાલત જેવા અરિહંતદેવને છે તેવા જ મારે પણ છે, આમ પોતાના પૂર્ણ સ્વરૂપની જે પ્રતીત કરે તેણેં જ
અરિહંતને યથાર્થપણે જાણ્યા છે. અરિહંતના સ્વરૂપને જાણે અને પોતાના આત્માનું સ્વરૂપ ન જણાય એમ
બને નહિ.
અહીં સ્વભાવની મેળવણી કરીને કહે છે કે અરિહંતનો અને પોતાનો આત્મા સરખો જ છે તેથી જે
અરિહંતને જાણે તે પોતાના આત્માને જરૂર જાણે અને તેનો મોહ ક્ષય પામે. અહીં “અરિહંતને જાણે તે પોતાને
જાણે” એમ અરિહંતના આત્મા સાથે જ આ આત્માને કેમ મેળવ્યો, બીજા સાથે કેમ ન મેળવ્યો? “જે જગતના
આત્માઓને જાણે છે તે પોતાને જાણે છે” એમ ન કહ્યું, પરંતુ “જે અરિહંતના આત્માને જાણે છે તે પોતાના
આત્માને જાણે છે” એમ કહ્યું, તેની હવે વધારે સ્પષ્ટતા કરે છે–“વળી અર્હંતનું સ્વરૂપ, છેલ્લા તાપને પામેલા
સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ (સર્વ પ્રકારે સ્પષ્ટ) છે; તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે.”
જેમ છેલ્લો તાપ આપેલું સોનું તદ્ન ચોકખું હોય છે તેમ ભગવાન અર્હંતનો આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાયથી
સમસ્તપણે શુદ્ધ છે. આચાર્યપ્રભુ કહે છે કે અમારે તો આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવું છે, વિકાર તે આત્માનું
સ્વરૂપ નથી, આત્મા વિકાર રહિત શુદ્ધ પૂર્ણ સ્વરૂપે છે એમ દર્શાવવું છે, અને એ શુદ્ધ આત્મસ્વરૂપના પ્રતિબિંબ
સમાન શ્રી અર્હંતનો આત્મા છે કેમકે તેઓ સર્વ પ્રકારે શુદ્ધ છે. બીજા આત્માઓ સર્વ પ્રકારે શુદ્ધ નથી, * દ્રવ્ય–
ગુણથી બધા શુદ્ધ છે પરંતુ પર્યાયથી શુદ્ધ નથી માટે તે આત્માઓ ન લેતાં અર્હંતનો આત્મા જ લીધો છે.
અરિહંતના આત્માની પૂર્ણ શુદ્ધતા તો તેમની પાસે છે, અને તે શુદ્ધસ્વરૂપને જે જાણે છે તે પોતાના આત્માને
જાણે છે, અને તેનો મોહ ક્ષય પામે છે; એટલે અહીં આત્માનું શુદ્ધસ્વરૂપ જાણવાની જ વાત આવી. આત્માના
શુદ્ધ સ્વરૂપને જાણવા સિવાય મોહક્ષયનો બીજો કોઈ ઉપાય નથી.
* [સિદ્ધ ભગવાનને પણ પૂર્વે અરિહંતદશા
હતી તેથી અરિહંતનું સ્વરૂપ જાણતાં તેઓનું સ્વરૂપ પણ જણાય છે. અરિહંતદશાપૂર્વક જ સિદ્ધદશા હોય છે.]

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૨ :
દ્રવ્ય–ગુણ તો સદાય શુદ્ધ જ છે, પરંતુ પર્યાયની શુદ્ધતા કરવાની છે, પર્યાયની શુદ્ધતા કરવા માટે દ્રવ્ય–
ગુણ અને પર્યાયની શુદ્ધતાનું સ્વરૂપ કેવું છે તે જાણવું જોઈએ. અરિહંત ભગવાનનો આત્મા દ્રવ્ય–ગુણ અને
પર્યાય ત્રણે પ્રકારે શુદ્ધ છે, અને બીજા આત્માઓ પર્યાયપણે પૂર્ણ શુદ્ધ નથી માટે અરિહંતના સ્વરૂપને જાણવાનું
કહ્યું છે. જેણે અરિહંતના દ્રવ્યગુણપર્યાય સ્વરૂપને યથાર્થ જાણ્યાં તેને શુદ્ધસ્વભાવની પ્રતીત થઈ એટલે તેની
પર્યાય શુદ્ધ થવા માંડી અને તેનો દર્શન–મોહ વિનષ્ટ થયો.
સોનામાં સોળવલી શુદ્ધ દશા થવાની તાકાત છે, જ્યારે અગ્નિવડે તાપ આપીને તેની લાલપ દૂર કરવામાં
આવે ત્યારે તે શુદ્ધ થાય છે, અને એ રીતે તાપ આપતાં આપતાં છેલ્લી આંચથી તે સંપુર્ણ શુદ્ધ થાય છે–અને એ
જ સોનાનું મુળ સ્વરૂપ છે; તે સોનું પોતાના દ્રવ્ય–ગુણ પર્યાયથી પૂર્ણતાને પામ્યું છે. તેમ અરિહંતનો આત્મા પૂર્વે
અજ્ઞાનદશામાં હતો, પછી આત્મજ્ઞાન અને સ્થિરતાવડે ક્રમેક્રમે શુદ્ધતા વધારી પૂર્ણ દશા પ્રગટ કરી છે, હવે તેઓ
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેથી પૂર્ણ શુદ્ધ છે અને અનંતકાળ એ પ્રમાણે જ રહેશે, તેમને અજ્ઞાનનો, રાગદ્વેષનો કે
ભવનો અભાવ છે. આમ અરિહંતના આત્માને, તેના ગુણોને અને તેમની અનાદિ અનંત પર્યાયોને જે જાણે છે
તે પોતાના આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે અને તેનો મોહ ક્ષય પામે જ છે. અરિહંતનો આત્મા પરિસ્પષ્ટ
છે–સર્વ પ્રકારે ચોકખો છે, તેમને જાણતાં એમ થાય છે કે, અહો! આ તો મારા શુદ્ધ સ્વભાવનું જ પ્રતિબિંબ છે;
મારૂં સ્વરૂપ આવું જ છે–આમ યથાર્થ પ્રકારે ભાન થતાં શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટ થાય જ છે.
અરિહંતના આત્મા જ પૂર્ણ શુદ્ધ છે, ગણધરદેવ મુનિરાજ વગેરે આત્માઓને પૂર્ણશુદ્ધદશા નથી તેથી
તેમને જાણતાં આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ આવતો નથી. અરિહંત ભગવાનના આત્માને જાણતાં
પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન અનુમાન પ્રમાણ દ્વારા થાય છે અને તેથી શુદ્ધસ્વરૂપની જે ઊંધી માન્યતા
તે ક્ષય પામે છે. “અહો! આત્માનું સ્વરૂપ તો આવું સર્વપ્રકારે શુદ્ધ છે, પર્યાયમાં વિકાર તે પણ મારૂં સ્વરૂપ નથી.
આ અરિહંત જેવી જ પૂર્ણ દશા થવામાં જે કાંઈ બાકી રહી જાય છે તે મારૂં સ્વરૂપ નથી, જેટલું અરિહંતમાં છે
તેટલું જ મારા સ્વરૂપમાં છે.” આમ પોતાની પ્રતીતિ થઈ એટલે અજ્ઞાન અને વિકારનું કર્તૃત્વ ટળીને સ્વભાવ
તરફ વળ્‌યો. અને સ્વભાવમાં દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતા થતાં સમ્યગ્દર્શન થયું. હવે તે જ સ્વભાવના આધારે
પુરુષાર્થ દ્વારા રાગ–દ્વેષનો સર્વથા ક્ષય કરી અરિહંતપ્રભુ જેવી જ પૂર્ણદશા પ્રગટ કરીને મુક્ત થશે. માટે
અરિહંતના સ્વરૂપને જાણવું તે જ મોહક્ષયનો ઉપાય છે.
આ વાત ખાસ સમજવા જેવી છે. તેથી ખૂબ સ્પષ્ટ કરવામાં આવે છે. અરિહંત તરફથી જ ઉપાડ્યું છે.
એટલે ખરેખર તો આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ તરફથી જ ઉપાડ્યું છે. અરિહંત જેવો જ આ આત્માનો પૂર્ણ શુદ્ધ
સ્વભાવ સ્થાપીને, તેને જાણવાની વાત કરી છે, પહેલાંં પૂર્ણ શુદ્ધ સ્વભાવને જે જાણે તેને ધર્મ થાય પણ જે
જાણવાનો પુરુષાર્થ જ ન કરે તેને તો કદી ધર્મ થાય નહિ; એટલે આમાં જ્ઞાન અને પુરુષાર્થ બંને સાથે છે; તથા
સત્ નિમિત્ત તરીકે અરિહંતદેવ જ છે એમ પણ આવી ગયું.
આઠ વલું સોનું અને સોળ વલું સોનું તે બંનેનો સ્વભાવ સરખો છે, પણ વર્તમાન હાલતમાં ફેર છે. આઠ
વલા સોનામાં અશુદ્ધતા છે, તે અશુદ્ધતા કાઢવા માટે તેને સોળવલા સાથે મેળવવું જોઈએ, પણ જો તેને બારવલા
સોના સાથે મેળવે તો તેનું ખરૂં શુદ્ધ સ્વરૂપ ખ્યાલમાં આવે નહિ અને કદી તે શુદ્ધ થાય નહિ. સોળવલા સાથે
મેળવે તો સોળવલું શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે, પણ બારવલા સોનાને જ શુદ્ધ સોનું માની લ્યે તો તે કદી શુદ્ધ સોનું
પામી શકે નહિ, તેમ આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે; પરંતુ વર્તમાન હાલતમાં અશુદ્ધતા છે. અરિહંતને અને
આ આત્માને વર્તમાન હાલતમાં ફેર છે. વર્તમાન હાલતમાં જે અશુદ્ધતા છે તે દૂર કરવાની છે; તે માટે અરિહંત
ભગવાનના પૂર્ણ શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય સાથે મેળવણી કરવી જોઈએ કે ‘અહો! આ આત્મા તો કેવળજ્ઞાન
સ્વરૂપ છે, પૂર્ણ જ્ઞાનસામર્થ્ય છે અને વિકાર જરા પણ નથી, મારૂં સ્વરૂપ પણ આવું જ છે, હું પણ અરિહંત જેવા
જ સ્વભાવવાળો છું.’ આવી પ્રતીત જેણે કરી તેને હવે સ્વદ્રવ્યની પૂર્ણતામાં જ જોવાનું રહ્યું. નિમિત્તો તરફ
જોવાનું ન રહ્યું, કેમકે પોતાની પૂર્ણદશા પોતાના સ્વભાવના પુરુષાર્થમાંથી આવે છે પણ નિમિત્તમાંથી આવતી
નથી; તથા પુણ્ય–પાપ તરફ કે અધૂરીદશા તરફ પણ

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૧૫ :
જોવાનું ન રહ્યું કેમકે તે આત્માનું સ્વરૂપ નથી, બસ હવે પોતાના દ્રવ્ય–ગુણ તરફ જ પર્યાયની એકાગ્રતારૂપ
ક્રિયા કરવાની રહી, એકાગ્રતા કરતાં કરતાં પર્યાય શુદ્ધ થઈ જાય છે. આવી એકાગ્રતા કોણ કરે? જેણે પ્રથમ
અરિહંતના સ્વરૂપ સાથે મેળવીને પોતાના પૂર્ણસ્વરૂપને ખ્યાલમાં લીધું હોય તે અશુદ્ધતા ટાળવા માટે શુદ્ધ
સ્વભાવની એકાગ્રતાનો પ્રયત્ન કરે... પરંતુ જે જીવ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જાણતો નથી અને પુણ્ય–પાપને જ
પોતાનું સ્વરૂપ માની રહ્યો છે તે જીવ અશુદ્ધતા ટાળવાનો પ્રયત્ન કરી શકે નહિ, માટે સૌથી પહેલાંં પોતાનો શુદ્ધ
સ્વભાવ ઓળખવો જોઈએ. આ ગાથામાં આત્માના શુદ્ધસ્વભાવની ઓળખાણની રીત બતાવી છે.
“અરિહંતનું સ્વરૂપ સર્વ પ્રકારે સ્પષ્ટ છે, જેવી તે દશા છે તેવી જ આ આત્માની દશા હોવી જોઈએ” એમ
નક્કી કર્યું એટલે અરિહંતદશામાં ન હોય તેવા ભાવો મારા સ્વરૂપમાં નથી–એમ વિકાર ભાવ અને સ્વભાવને
જુદા જુદા જાણ્યા; આ પ્રમાણે જેણે અરિહંતનો બરાબર નિર્ણય કર્યો અને તેવો જ મારો આત્મા છે એમ પ્રતીત
કરી તેનો દર્શનમોહ નાશ થઈને તેને ક્ષાયકસમકિત થાય છે.
ધ્યાન રાખજો, આ અપૂર્વ વાત છે. આમાં એકલા અરિહંતની વાત નથી, પણ પોતાના આત્માને
ભેળવીને વાત છે. અરિહંતનું જ્ઞાન કરનાર તો આ આત્મા છે. અરિહંતની પ્રતીત કરનાર પોતાનો જ્ઞાનસ્વભાવ
છે, જે પોતાના જ્ઞાનસ્વભાવવડે અરિહંતની પ્રતીતિ કરે તેને પોતાના આત્માની પ્રતીત અવશ્ય થાય જ અને
પછી પોતાના સ્વરૂપ તરફ એકગ્રતા કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે. આ રીતે સમ્યગ્દર્શનથી શરૂ કરીને
કેવળજ્ઞાન પૂર્ણ કરવા સુધીનો અપ્રતિહત ઉપાય બતાવી દીધો છે. ૮૨ મી ગાથામાં કહેશે કે સમસ્ત તીર્થંકરો આ
જ વિધિથી કર્મનો ક્ષય કરીને નિર્વાણ પ્રાપ્ત થયા છે અને આ જ ઉપદેશ કર્યો છે; જેમ પોતાનું મોઢું જોવા માટે
સામે અરિસો રાખે તેમ અહીં આત્માનું સ્વરૂપ જોવા માટે સામે અરિહંત ભગવંતોને રાખ્યા છે. તીર્થંકરોનો
પુરુષાર્થ અપ્રતિહત હોય છે, તેમનું સમકિત પણ અપ્રતિહત હોય છે, અને શ્રેણી પણ અપ્રતિહત હોય છે, અને
અહીં તીર્થંકરોની સાથે મેળવવાના છે તેથી તીર્થંકરોની જેમ અપ્રતિહત સમ્યગ્દર્શનની જ વાત લીધી છે. મૂળ
સૂત્રમાં “
मोहो खलु जादि तस्स लयं” એમ રચના છે તેમાંથી આ ભાવો નીકળે છે.
અરિહંત અને બીજા આત્માઓના સ્વભાવમાં નિશ્ચયથી તફાવત નથી. અરિહંતનું સ્વરૂપ છેલ્લી શુદ્ધ
દશારૂપ છે તેથી અરિહંતનું જ્ઞાન કરતાં બધા આત્માઓના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન પણ થઈ જાય છે. સ્વભાવે બધા
આત્મા અરિહંત જેવા છે પરંતુ પર્યાયમાં ફેર છે. અહીં તો બધા જ આત્માને અરિહંત જેવા કહ્યા છે, અભવીને
જુદા કાઢ્યા નથી. અભવી જીવનું સ્વભાવ સામર્થ્ય તો અરિહંત જેવું જ છે. બધા આત્માનો સ્વભાવ તો પૂરો છે,
પણ અવસ્થામાં પૂર્ણતા પ્રગટ નથી તે તેમના પુરુષાર્થનો દોષ છે, તે દોષ પર્યાયનો છે પણ સ્વભાવનો દોષ નથી.
જો સ્વભાવને ઓળખે તો સ્વભાવના જોરે પર્યાયનો દોષ ટાળે.
ભલે, જીવોને વર્તમાનમાં અરિહંત જેવી પૂર્ણદશા પ્રગટી ન હોય છતાં પણ આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયની
પૂર્ણતાનું સ્વરૂપ કેવું હોય તે પોતે વર્તમાન નક્કી કરી શકે છે.
અરિહંત કેવળીભગવાન જેવી દશા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આત્માનું પૂરૂં સ્વરૂપ નથી. અરિહંતના
પૂરા સ્વરૂપનું જ્ઞાન કરતાં બધા આત્માનું જ્ઞાન થાય છે. બધાય આત્માઓ પોતાના પૂરા સ્વરૂપને ઓળખીને
પૂર્ણદશા કરવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી તેઓ દુઃખી છે. બધા આત્મા શક્તિસ્વરૂપે તો પૂરા છે જ, પણ
વ્યક્તદશાપણે પૂરા થાય તો સુખ પ્રગટે. જીવોને પોતાની જ અપૂર્ણદશાના કારણે દુઃખ છે, તે દુઃખ બીજાના
કારણે નથી માટે બીજો કોઈ જીવનું દુઃખ ટાળી શકે નહિ પણ જીવ પોતે પોત્તાની પૂર્ણતા ઓળખે તો જ તેનું દુઃખ
ટળે. આથી હું કોઈનું દુઃખ ટાળી શકું નહિ અને પર કોઈ મારૂં દુઃખ ટાળી શકે નહિ–આવી સ્વતંત્રતાની પ્રતીત
થઈ અને પરનું કર્તાપણું ટાળીને જ્ઞાતાપણે રહ્યો, આ જ સમ્યગ્દર્શનનો અપૂર્વ પુરુષાર્થ છે.
પૂર્ણસ્વરૂપના અજ્ઞાનને લીધે જ પોતાની પર્યાયમાં દુઃખ છે, તે દુઃખ ટાળવા માટે અરિહંતના દ્રવ્ય ગુણ
પર્યાયનો પોતાના જ્ઞાનવડે નિર્ણય કરવો જોઈએ. શરીર, મન, વાણી, પુસ્તક, કર્મો એ બધાં તો જડ છે–અચેતન
છે, તે તો આત્માથી તદ્ન જુદાં છે, રાગ–દ્વેષ થાય છે તે પણ ખરેખર મારાં નથી કેમકે અરિહંત ભગવાનની

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૨ :
દશામાં રાગદ્વેષ નથી. રાગને આધારે ભગવાનની પૂર્ણદશા થઈ નથી. ભગવાનની પૂર્ણદશા ક્યાંથી આવી?
તેમની પૂર્ણ દશા તેમના દ્રવ્ય–ગુણના જ આધારે આવી છે; જેમ અરિહંતની પૂર્ણદશા તેમના દ્રવ્ય–ગુણના આધારે
પ્રગટી છે તેમ મારી પૂર્ણદશા પણ મારા દ્રવ્ય–ગુણના જ આધારે પ્રગટે છે; વિકલ્પનો કે પરનો આધાર મારી
પર્યાયને પણ નથી. “અરિહંત જેવી પૂરી દશા તે મારૂં સ્વરૂપ છે અને અધૂરી દશા તે મારૂં સ્વરૂપ નથી” આવો મેં
નિર્ણય કર્યો છે તે નિર્ણયરૂપ દશા મારા દ્રવ્યગુણના જ આધારે થઈ છે, આ રીતે જીવનું લક્ષ અરિહંતના દ્રવ્ય–
ગુણ–પર્યાય ઉપરથી ખસીને પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય તરફ વળે છે અને તે પોતાના સ્વભાવને પ્રતીતમાં લ્યે
છે. સ્વભાવને પ્રતીતમાં લેતાં સ્વભાવ તરફ પર્યાય એકાગ્ર થાય છે એટલે મોહને પર્યાયનો આધાર રહેતો નથી;
એ પ્રમાણે નિરાધાર થયેલો મોહ અવશ્ય ક્ષય પામે છે.
સૌથી પહેલાંં અરિહંતનું લક્ષ હોય છે ખરૂં, પણ પછી અરિહંતના લક્ષથી પણ ખસીને સ્વભાવની શ્રદ્ધા
કરતાં સમ્યગ્દર્શન દશા પ્રગટે છે. સર્વજ્ઞઅરિહંત તે આત્મા છે અને હું પણ આત્મા છું–એમ પ્રતીત કર્યા પછી
પોતાની પર્યાયમાં સર્વજ્ઞથી જેટલી અધૂરાશ છે તે ટાળવા માટે સ્વભાવમાં એકાગ્રતાનો પ્રયત્ન કરે છે.
અરિહંતને જાણતાં જગતના બધા આત્માઓનો નિર્ણય થઈ ગયો કે જગતના જીવો પોતપોતાની
પર્યાયથી જ સુખી દુઃખી છે. અર્હંતપ્રભુ પોતાની પૂર્ણ પર્યાયથી જ સ્વયં સુખી છે, તેથી સુખ માટે તેમને આહાર,
પાણી, વસ્ત્ર વગેરે અન્ય કોઈ પદાર્થની જરૂર પડતી નથી અને જગતના જે જીવો દુઃખી છે તેઓ પોતાની
પર્યાયના દોષથી જ દુઃખી છે. પર્યાયમાં ફક્ત રાગદશા જેટલો જ પોતાને માની બેઠા છે અને આખા સ્વભાવને
ભૂલી ગયા છે તેથી રાગનું જ વેદન કરીને દુઃખી થાય છે, પણ કોઈ નિમિત્તના કારણે કે કર્મોના કારણે દુઃખ
નથી, તેમ જ અનાજ, વસ્ત્ર વગેરે ન મળવાના કારણે પણ દુઃખ નથી. દુઃખનું કારણ પોતાની પર્યાય છે, અને તે
દુઃખ ટાળવા માટે અરિહંતને ઓળખવા જોઈએ. અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણીને તેમના જેવડો જ
પોતાને માને કે અહો! હું ફક્ત રાગદશા જેટલો નથી પણ હું તો રાગરહિત પૂરેપૂરા જ્ઞાનસ્વભાવવાળો છું, મારા
જ્ઞાનમાં દુઃખ ન હોઈ શકે–એમ જો પોતાને અરિહંત જેવા જ દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વભાવે માને તો વર્તમાન રાગ
ઉપરથી પોતાનું લક્ષ ખસેડીને દ્રવ્ય–ગુણ સ્વભાવ ઉપર લક્ષ કરે અને પોતાના સ્વભાવની એકાગ્રતા કરીને
પર્યાયનું દુઃખ ટાળે. આમ હોવાથી જગતના કોઈ જીવોને પરાધીનપણું નથી, પર જીવનું કે જડ પદાર્થનું કાંઈ હું
કરી જ શકતો નથી, બધા પદાર્થો સ્વતંત્ર છે, મારે મારી પર્યાયનો ઉપયોગ સ્વ તરફ કરવાનો છે, આ જ સુખનો
ઉપાય છે, આ સિવાય જગતમાં બીજો કોઈ ઉપાય સુખનો નથી.
દેશ વગેરેનાં કાર્યો હું કરી દઉં–એવી માન્યતા તે તો તદ્ન મિથ્યા છે, તે માન્યતામાં તો તીવ્ર આકુળતાનું
દુઃખ છે, જગતના જીવોનું દુઃખ હું ટાળી શકું એ માન્યતા પોતાને જ મહાન દુઃખનું કારણ છે, પરને દુઃખ કે સુખ
કરવા કોઈ સમર્થ નથી. જગતના જીવોને સંયોગનું દુઃખ નથી પણ પોતાના જ્ઞાનાદિ સ્વભાવની પૂર્ણદશાને જાણી
નથી તેનું જ દુઃખ છે. જો અરિહંતના આત્મા સાથે પોતાના આત્માને મેળવે તો પોતાનો સ્વતંત્ર સ્વભાવ
પ્રતીતમાં આવે. અહો! અરિહંતદેવ કોઈ બહારના સંયોગથી સુખી નથી, પણ પોતાના જ્ઞાન વગેરેની પૂર્ણદશાથી
જ તેઓ સંપૂર્ણ સુખી છે, માટે સુખ તે આત્માનું જ સ્વરૂપ છે; આમ સ્વભાવને ઓળખીને રાગદ્વેષ રહિત થઈને
પરમાનંદ દશાને પ્રગટ કરે. અરિહંતના વાસ્તવિક સ્વરૂપને જાણ્યું નથી તેથી પોતાના સ્વરૂપને પણ જાણ્યું નથી,
અને પોતાના સ્વરૂપને બરાબર જાણ્યું નથી માટે જ ભૂલ છે.
મારે પરિપૂર્ણ સ્વતંત્ર સુખદશા જોઈએ છે, સુખ માટે જેવી સ્વતંત્ર દશા હોવી જોઈએ તેવી પૂર્ણ સ્વતંત્ર
દશા આ અરિહંતને છે અને અરિહંત જેવો જ બધાનો સ્વભાવ છે માટે હું પણ તેવા જ પૂર્ણ સ્વભાવવાળો છું
આમ પોતાના સ્વભાવની પ્રતીત પણ સાથે ભેળવીને વાત છે. જેણે પોતાના જ્ઞાનમાં આ નક્કી કર્યું તેને સુખ
માટે પરાધીન દ્રષ્ટિનો અનંત ખદબદાટ શમી ગયો. પહેલાંં અજ્ઞાનથી જ્યાં ત્યાં ખદબદાટ કરતો કે પૈસામાંથી
સુખ લઊં, રાગમાંથી સુખ લઊં દેવ–ગુરુ–શાસ્ત્ર પાસેથી સુખ લઊં કે પુણ્ય કરીને સુખ લઊં–એમ પર લક્ષે સુખ
માનતો તે માન્યતા ટળી ગઈ, અને એકલા પોતાના સ્વભાવને જ સુખનું સાધન માન્યું, આ સમજણ થતાં
સમ્યગ્દર્શન થાય છે.

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૧૭ :
આ ગાથામાં સમ્યક્ત્વ કેમ થાય તેની વાત કરી છે. ભગવાન અરિહંતને પાપ નથી અને પુણ્ય પણ
જરાય નથી, તેઓ પુણ્ય–પાપ રહિત છે, તેમના જ્ઞાન, દર્શન, સુખમાં ઉણપ નથી–તેમ મારા સ્વરૂપમાં પણ પુણ્ય–
પાપ કે ઉણપ નથી–આમ પ્રતીત કરતાં દ્રવ્યદ્રષ્ટિ થઈ. અપૂર્ણત મારું સ્વરૂપ નહિ એટલે હવે અધૂરી અવસ્થા
તરફ જોવાનું ન રહ્યું પણ પૂરી શુદ્ધદશા પ્રગટ કરવા માટે સ્વભાવમાં જ એકાગ્રતા કરવાનું રહ્યું. શું શુદ્ધદશા
બહારથી પ્રગટે છે કે સ્વભાવમાંથી પ્રગટે છે? સ્વભાવમાંથી પ્રગટતી અવસ્થા પ્રગટ કરવા માટે સ્વભાવમાં જ
એકાગ્રતા કરવાની છે. આટલું જાણતાં કોઈ પણ બીજા પદાર્થની મદદથી મારૂં કાર્ય થાય એ માન્યતા ટળી ગઈ,
અને વર્તમાન પર્યાયમાં અધૂરાશ છે તે સ્વભાવની એકાગ્રતાના પુરુષાર્થ વડે પૂર્ણ કરવાનું રહ્યું, એટલે કે એકલા
જ્ઞાનમાં જ ક્રિયા કરવાનું રહ્યું. આમાં પર્યાયે પર્યાયે સમ્યક્ પુરુષાર્થનું જ કાર્ય છે.
કોઈને એમ શંકા થાય કે અત્યારે તો અરિહંત નથી તો પછી અરિહંતને જાણવાની વાત કેમ કરી? તો
તેનું સમાધાન કરે છે. અહીં અરિહંતની હાજરીની વાત કરી નથી પણ અરિહંતનું સ્વરૂપ જાણવાની વાત કરી છે,
અરિહંતની સાક્ષાત્ હાજરી હોય તો જ તેનું સ્વરૂપ જાણી શકાય–એમ નથી. અમુક ક્ષેત્ર અપેક્ષાએ અત્યારે અર્હંત
નથી પણ તેમનું હોવાપણું અન્યત્ર–મહાવિદેહક્ષેત્ર વગેરેમાં તો અત્યારે પણ છે. અરિહંતપ્રભુ સામે સાક્ષાત્
બિરાજતા હોય ત્યારે પણ તેમનું સ્વરૂપ તો જ્ઞાનદ્વારા જ નક્કી થાય છે, ત્યાં અરિહંત તો આત્મા છે તેમના
દ્રવ્ય–ગુણ કે પર્યાય નજરે તો દેખાતા નથી છતાં જ્ઞાનદ્વારા તેમના સ્વરૂપનો નિર્ણય થઈ શકે છે, તોપછી તેઓ
દૂર હોય ત્યારે પણ જ્ઞાનદ્વારા તેમનો નિર્ણય અવશ્ય થઈ શકે છે. સાક્ષાત્ બિરાજતા હોય ત્યારે પણ અરિહંતનું
શરીર દેખાય છે, શું શરીર તે અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય છે? કે શું દિવ્યવાણી તે અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય
છે? ના, એ બધું તો આત્માથી જુદું છે. ચૈતન્યસ્વરૂપ આત્મા દ્રવ્ય, તેના જ્ઞાન–દર્શનાદિ ગુણો અને તેની
કેવળજ્ઞાનાદિ પર્યાય તે અરહિંત છે, તે દ્રવ્ય–ગુણ–પર્યાયને યથાર્થપણે ઓળખે તો અરિહંતનું સ્વરૂપ જાણ્યું
કહેવાય. સાક્ષાત્ અરિહંત પ્રભુની સામે બેસીને સ્તવન કરે પરંતુ તેમના દ્રવ્ય–ગુણ પર્યાયનું સ્વરૂપ ન સમજે તો
તેણે અરિહંતની સ્તુતિ કરી નથી.
ક્ષેત્રથી નજીક અરિહંતની હાજરી હોય કે ન પણ હોય તેની સાથે સંબંધ નથી પણ પોતાના જ્ઞાનમાં
તેમના સ્વરૂપનો નિર્ણય છે કે નહિ તેની સાથે સંબંધ છે. ક્ષેત્રથી નજીક અરિહંત પ્રભુ બિરાજતા હોય પરંતુ તે
વખતે જો જ્ઞાન વડે પોતે તેમના સ્વરૂપનો નિર્ણય ન કરે તો તે જીવને આત્મા જણાય નહિ અને તેના માટે તો
અરિહંત પ્રભુ ઘણા દુર છે. અને અત્યારે ક્ષેત્રથી નજીક અરિહંત પ્રભુ ન હોવા છતાં પણ જો પોતાના જ્ઞાનવડે
અત્યારે પણ અરિહંત પ્રભુના સ્વરૂપનો નિર્ણય કરે તો આત્માની ઓળખાણ થાય અને તેના માટે અરિહંત પ્રભુ
નજીક હાજરાહજુર છે. ક્ષેત્ર અપેક્ષાએ વાત નથી પણ ભાવ અપેક્ષાએ વાત છે. સાચી સમજણનો સંબંધ તો
ભાવ સાથે છે.
અરિહંત ક્યારે છે અને અરિહંત ક્યારે નથી–તે કહ્યું. મહાવિદેહક્ષેત્રમાં અથવા તો ભરતક્ષે્રત્રમાં ચોથા
કાળે સાક્ષાત્ અરિહંત વખતે પણ જે આત્માઓએ દ્રવ્ય–ગુણ–પર્યાયપણે અરિહંતના સ્વરૂપનો ખરો નિર્ણય
પોતાના જ્ઞાનમાં ન કર્યો તે જીવોને માટે તો તે વખતે પણ અરિહંતની હાજરી નથી, અને ભરતક્ષેત્રમાં પંચમકાળે
સાક્ષાત્ અરિહંતની ગેરહાજરીમાં પણ જે આત્માઓએ દ્રવ્ય–ગુણ પર્યાયપણે અરિહંતના સ્વરૂપનો ખરો નિર્ણય
પોતાના જ્ઞાનમાં કર્યો તેઓને માટે તો અરિહંતપ્રભુ સાક્ષાત્ મૌજુદ બિરાજે છે.
સમવસરણમાં પણ જે જીવો અરિહંતના સ્વરૂપનો નિર્ણય કરીને આત્મસ્વરૂપ સમજ્યા તે જીવોને માટે જ
અરિહંતપ્રભુ નિમિત્ત કહેવાણાં, પણ જેઓએ નિર્ણય ન કર્યો તેમને માટે તો સાક્ષાત્ અરિહંતપ્રભુ નિમિત્ત પણ
કહેવાયા નહીં. અત્યારે પણ જે અરિહંતનો નિર્ણય કરીને આત્મસ્વરૂપ સમજે તેને તેના જ્ઞાનમાં અરિહંતપ્રભુ
નિમિત્ત કહેવાય છે.
જેની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે તે ક્ષેત્રને જુએ છે કે અત્યારે આ ક્ષેત્રે અરિહંત નથી; ભાઈ રે! અરિહંત નથી
પરંતુ અરિહંતને નક્કી કરનારૂં તારૂં જ્ઞાન તો છે ને? જેની દ્રષ્ટિ ઉપાદાન ઉપર છે તે પોતાના જ્ઞાનના જોરે
અરિહંતનો નિર્ણય કરીને ક્ષેત્રભેદ કાઢી નાંખે છે. અરિહંત તો નિમિત્ત છે, અહીં અરિહંતનો નિર્ણય કરનાર
જ્ઞાનનો મહિમા છે. મૂળ સૂત્રમાં “
जो जाणदि” એમ કહ્યું છે એટલે જાણનારૂં જ્ઞાન તે મોહક્ષયનું કારણ છે પરંતુ
અરિહંત તો જુદા છે તેઓ આ આત્માનો મોહક્ષય કરતા નથી.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૧૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૨ :
સમોસરણમાં બેસનાર જીવ પણ અરિહંતથી તો દૂર ક્ષેત્રે જ બેસે છે એટલે ક્ષેત્રથી તો તેને પણ દૂર છે
અને અહીં પણ ક્ષેત્રથી વધારે દૂર છે, પરંતુ ક્ષેત્રથી ફેર પડ્યો તેમાં શું? જેણે ભાવમાં અરિહંતને નજીક કર્યા તેને
સદાય નજીક બિરાજે છે અને જેણે ભાવમાં અરિહંતને દૂર કર્યા તેને દૂર છે. ક્ષેત્રે નજીક હો કે ન હો તેથી શું?
ભાવ સાથે મેળ કરીને નજીકપણું કરવું છે. અહો! અરિહંતના વિરહ ભૂલાવી દીધા, કોણ કહે છે–અત્યારે
અરિહંતપ્રભુ નથી!
આ પંચમ આરાના મુનિનું કથન છે, પંચમકાળે આ થઈ શકે છે. જે કોઈ જીવ પોતાના જ્ઞાનવડે
અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે તેનો દર્શનમોહ નાશ થાય છે. હજી અરિહંતના સ્વરૂપને પણ જે
વિપરીતપણે માનતો હોય અને અરિહંતનો યથાર્થ નિર્ણય કર્યા વગર તેમની પૂજા–ભક્તિ કરતા હોય તેમને
મિથ્યાત્વનો નાશ હોઈ શકે નહિ. જેણે અરિહંતનું સ્વરૂપ વિપરીત માન્યું તેણે પોતાના આત્મસ્વરૂપને પણ
વિપરીત જ માન્યું તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. અહીં મિથ્યાત્વ નાશ કરવાનો ઉપાય દર્શાવે છે, જેઓને મિથ્યાત્વ નાશ
થઈ ગયું છે તેઓને આ સમજાવતા નથી પણ જેઓ મિથ્યાત્વનો નાશ કરવા તૈયાર થયા છે તેવા જીવોને માટે
આ કહેવાય છે. અત્યારે–આ કાળે જીવને પોતાના પુરુષાર્થવડે મિથ્યાત્વનો નાશ થઈ શકે છે માટે આ વાત કરી
છે, માટે ‘ન સમજાય’ એ માન્યતા છોડીને સમજવાનો પુરુષાર્થ કરવો.
જો કે, અત્યારે ક્ષાયક સમકિત થતું નથી–પરંતુ તે વાત જ અહીં લીધી છે, આચાર્યપ્રભુ તો કહે છે કે
અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણીને જેણે આત્માના સ્વરૂપનો નિર્ણય કર્યો તે જીવ ક્ષાયકસમકિતની જ
શ્રેણીમાં બેઠો છે, માટે અમે અત્યારથી તેને દર્શનમોહનો ક્ષય કહીએ છીએ. ભલે અત્યારે સાક્ષાત્ તીર્થંકર નથી
તોપણ એવા જોરદાર નિર્ણયના ભાવે ઉપડ્યા છે કે સાક્ષાત્ અરિહંત પાસે થઈને ક્ષાયક સમકિત કરી, ક્ષાયક
શ્રેણીના જોરે મોહનો સર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાન અરિહંતદશા પ્રગટ કરવાના છે. પુરુષાર્થની જ વાત છે, પાછા
ફરવાની વાત છે જ નહીં.
શ્રી અરિહંતનો નિર્ણય કરવામાં આખો સ્વભાવ પ્રતીતમાં આવી જાય છે. અરિહંત ભગવાનને પૂર્ણ નિર્મળ
દશા પ્રગટી તે ક્યાંથી પ્રગટી? જ્યાં હતી ત્યાંથી પ્રગટી કે ન હતી ત્યાંથી પ્રગટી? સ્વભાવમાં પૂર્ણ સામર્થ્ય હતું
તેથી સ્વભાવના જોરે તે દશા પ્રગટી, સ્વભાવ તો મારે પણ પરિપૂર્ણ છે, સ્વભાવમાં કચાશ નથી; બસ! આ યથાર્થ
ભાનમાં દ્રવ્ય–ગુણની પ્રતીત થઈ ગઈ અને દ્રવ્ય–ગુણ તરફ પર્યાય વળી. આત્માના સ્વભાવ સામર્થ્યની દ્રષ્ટિ થઈ
અને વિકલ્પની કે પરની દ્રષ્ટિ ટળી. આ રીતે, આ જ ઉપાયથી સર્વ આત્માઓ પોતાના દ્રવ્ય ગુણ ઉપર દ્રષ્ટિ કરીને
ક્ષાયક સમકિત પામે છે એમ બધા આત્માનું જ્ઞાન આવ્યું; સમકિતનો બીજો કોઈ ઉપાય નથી.
અનંત આત્માઓ છે–તેમાં અલ્પકાળે મોક્ષ જનાર કે ઘણા કાળ પછી મોક્ષ જનાર બધા આત્માઓ આ જ
વિધિથી કર્મક્ષય કરે છે. પૂર્ણદશા પોતાની છતી શક્તિમાંથી આવે છે, અને શક્તિની દ્રષ્ટિ કરતાં પરનું લક્ષ તૂટીને
સ્વમાં એકાગ્રતાનો જ ભાવ રહેતાં ક્ષાયકસમ્યક્ત્વ થાય છે.
આમાં ધર્મ કરવાની વાત છે. કોઈ આત્મા પરદ્રવ્યનું તો કાંઈ કરી શકતો જ નથી. જેમ અરિહંત ભગવાન
બધું જાણે છે પરંતુ પર દ્રવ્યનું કાંઈ જ કરતા નથી તેમ આ આત્મા પણ જાણનાર સ્વરૂપી છે, જ્ઞાન–સ્વભાવની
પ્રતીત તે જ મોહક્ષયનું કારણ છે. ક્ષણિક વિકારી પર્યાયમાં રાગનું કર્તવ્ય માને તો તે જીવે અરિહંતના સ્વરૂપને
માન્યું નથી. જ્ઞાનમાં અનંત પરદ્રવ્યનું કર્તૃત્વ માન્યું તે જ મહા અધર્મ છે અને જ્ઞાનમાં અરિહંતનો નિર્ણય કર્યો ત્યાં
અનંત પરદ્રવ્યનું કર્તૃત્વ ટળી ગયું તે જ ધર્મ છે. જ્ઞાનમાંથી પરનું કર્તૃત્વ ટળ્‌યું એટલે હવે જ્ઞાનમાં જ ઠરવાનું રહ્યું,
અને પર લક્ષે જે વિકારભાવ થાય તેનું કર્તાપણું પણ ન રહ્યું, માત્ર જ્ઞાતાપણે રહ્યો, આ જ મોહક્ષયનો ઉપાય છે.
અરિહંતના સ્વરૂપને જાણ્યું તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે, તેજ જૈન છે. જિનેન્દ્ર અરિહંતનો જેવો સ્વભાવ છે તેવો જ
પોતાનો સ્વભાવ છે એમ નિર્ણય કરવો તે જૈનપણું છે અને પછી સ્વભાવના પુરુષાર્થદ્વારા તેવી પૂર્ણદશા પ્રગટ
કરવી તે જિનપણું છે. પોતાના નિજસ્વભાવને જાણ્યા વિના જૈનપણું હોઈ શકે નહિ.
અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જેણે જાણ્યા તેણે એમ નક્કી કર્યું કે હું મારા દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતા
કરીને, રાગના કારણે પર્યાયની અનેકતા થાય છે તે ટાળીશ ત્યારે જ મને સુખ થશે. આટલું નક્કી કર્યું ત્યાં પરનું
કરી શકું કે વિકારથી ધર્મ થાય એ બધી ઊંધી માન્યતાઓ છૂટી ગઈ. હવે સ્વભાવના જોરે સ્વભાવમાં એકાગ્રતા
કરીને ટકવાનું જ રહ્યું, હવે તેને મોહ ક્યાં ટકે? મોહનો ક્ષય જ થાય છે. મારા

PDF/HTML Page 12 of 17
single page version

background image
[રા. મા. દોશી]
: ચૈત્ર : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૧૯ :
આત્મામાં સ્વભાવનાં લક્ષે જે નિર્મળતાનો અંશ ઉઘડયો તે નિર્મળદશા વધતાં વધતાં કેટલી હદે નિર્મળપણે
પ્રગટે? અરિહંત જેટલી હદે નિર્મળતા પ્રગટે તે મારૂં સ્વરૂપ છે, આમ જાણે તો અશુદ્ધભાવોથી પોતાનું સ્વરૂપ
જુદું છે એમ શુદ્ધ સ્વભાવની પ્રતીત કરીને દર્શનમોહનો તે જ ક્ષણે ક્ષય કરે એટલે કે તે સમ્યગ્દ્રષ્ટિ થાય. માટે
અરિહંત ભગવાનના સ્વરૂપનો દ્રવ્ય ગુણ પર્યાય વડે યથાર્થ નિર્ણય કરતાં આત્માનું ભાન થાય છે અને તે જ
મોહક્ષયનો ઉપાય છે.
[ગાથા ૮૦ ટીકા ચાલુ]क्रमशः–
. . : હવે પછી દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ બતાવવામાં આવશે અને તે દ્રવ્ય, ગુણ,
પર્યાયને કેવા પ્રકારે જાણવાથી મોહક્ષય પામે છે–તે કહેવાશે.
પાત્રતાનું પહેલું પગથિયું : ૨ : :
ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વનો : : :
[આ લેખનો પહેલો ભાગ ‘આત્મધર્મ’ અંક ૨૬ માં આવી ગયો છે, તેમાં જે કહ્યું હતું તેનો ટૂંક સાર]
– મિથ્યાત્વ –
મિથ્યાત્વનો અર્થ ખોટી અગર વિપરીત માન્યતા એમ કર્યો હતો, પરમાં શું ખોટાપણું કે મિથ્યાપણું છે તે
જોવાનું નથી પણ પોતાના આત્મમાં ખોટાપણું શું છે તે સમજીને તે ખોટાપણું ટાળવા માટેની વાત છે. કેમકે
જીવને પોતાનું ખોટાપણું ટાળીને પોતામાં ધર્મ કરવો છે.
મિથ્યાત્વ તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તેના જવાબમાં મિથ્યાત્વ તે શ્રદ્ધાગુણની એક સમયપૂરતી
ઊંધી પર્યાય છે એમ નક્કી કર્યું છે.
મિથ્યાત્વ તે અનંત સંસારનું કારણ છે. આ મિથ્યાત્વ એટલે કે સૌથી મોટામાં મોટી ભૂલની પકકડ જીવ
પોતે જ અનાદિથી કરતો આવે છે.
– મહાપાપ –
આ મિથ્યાત્વને લીધે, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જીવ માનતો નથી પણ ઊંધુંં જ માને છે તેથી મિથ્યાત્વ
એ જ ખરેખર અસત્ય છે, આ મહાન અસત્યનું સેવન કર્યા કરવું તેમાં ક્ષણે ક્ષણે સ્વહિંસાનું મહાપાપ છે.
પ્રશ્ન:– ઊંધી માન્યતા કરી તેમાં કયા જીવને મારવાની હિંસા અને પાપ લાગ્યું?
ઉત્તર:– પોતાના સ્વાધીન ચૈતન્ય આત્માને જેમ છે તેમ ન કબુલ્યો પણ જડ શરીરનું કરનારો માન્યો
(એટલે કે જડરૂપે માન્યો) તે. માન્યતામાં આત્માના અનંત ગુણોનો અનાદર છે તે જ અનંતી સ્વહિંસા છે,
સ્વહિંસા તે જ સૌથી મોટું પાપ છે, તેને ભાવહિંસા અથવા ભાવમરણ પણ કહેવાય છે. શ્રીમદ્રાજચંદ્રજીએ કહ્યું
છે કે “ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?” ત્યાં મિથ્યાત્વને જ ભાવમરણ કહ્યું છે.
– અગૃહીત મિથ્યાત્વ –
(૧) આ શરીર જડ છે, તે પોતાનું નથી, તે જાણવા–દેખવાનું કાંઈ કામ કરતું નથી છતાં તેને પોતાનું
માનવું અને તે સરખું હોય તો જ્ઞાન થાય એમ માનવું તે મિથ્યાત્વ છે.
(૨) શરીરને પોતાનું માનવાથી, વર્તમાન જે દેહરૂપે શરીરનો જન્મ થયો ત્યારથી મરણ સુધીની જ
પોતાના આત્માની હૈયાતિ માનવી અર્થાત્ શરીરનો સંયોગ થતાં આત્માની ઉત્પત્તિ અને શરીરનો વિયોગ થતાં
આત્માનો નાશ માનવો તે મિથ્યાત્વ છે.
(૩) શરીરને પોતાનું માનવાથી, બહારની જે ચીજ શરીરને સગવડતારૂપ છે એમ લાગે તે ચીજથી પોતાને
લાભ માને, અને બહારની સગવડરૂપ માનેલી વસ્તુનો સંયોગ પુણ્યના નિમિત્તથી થાય છે તેથી પુણ્યથી લાભ થાય
છે એમ માને–તે મિથ્યાત્વ છે. જેણે પુણ્યથી લાભ માન્યો તેની દ્રષ્ટિ દેહ ઉપર છે પણ આત્મા ઉપર નથી.
– ગૃહીત મિથ્યાત્વ –
ઉપર કહ્યા તે ત્રણે પ્રકાર અગૃહીતમિથ્યાત્વના છે. આ અગૃહીતમિથ્યાત્વ જીવને મૂળ નિગોદસ્થાનથી જ
(એકેન્દ્રિયપણાથી, અનાદિનું) ચાલ્યું આવે છે. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી તો જીવને હિતાહિતનો
વિચાર કરવાની શક્તિ જ હતી નહિ. સંજ્ઞીપણામાં મંદ કષાયથી જ્ઞાનના ઉઘાડ વડે કંઈક હિતાહિતનો વિચાર
કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. ત્યાં પણ આત્માના હિત– અહિતનો સાચો વિવેક કરવાને બદલે અનાદિની ઊંધી
માન્યતાનો ભાવ ચાલુ જ રાખીને

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૨૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૨ :
બીજી અનેક પ્રકારની નવી ઊંધી માન્યતા ગ્રહણ કરે છે. પોતાની વિચાર શક્તિના દુરુપયોગથી તીવ્ર ઊંધી
માન્યતાવાળા જીવોના સંગમાં આવી અનેક પ્રકારની ઊંધી નવી માન્યતાઓ પકડે છે. આ રીતે વિચાર શક્તિ
ખીલ્યા પછી જે નવી ઊંધી માન્યતા ગ્રહણ કરવામાં આવે તેને ગૃહીતમિથ્યાત્વ કહેવાય છે. તેના મુખ્ય ત્રણ
પ્રકાર છે. દેવ સંબંધી મૂઢતા, ગુરુ સંબંધી મૂઢતા અને ધર્મ સંબંધી મૂઢતા અથવા લોકમૂઢતા.
દેવમૂઢતા– અજ્ઞાની–રાગી–દ્વેષીને દેવ તરીકે માને, લોકનો મોટો માણસ અમુક કુદેવને માનતો હોય તેથી
પોતે પણ તે કુદેવને માને અને તેનાથી કલ્યાણ માનીને તેની પૂજા–વંદનાદિ કરે, તથા બીજા લૌકિક બહાને અનેક
પ્રકારના કુદેવને માને તે દેવમૂઢતા છે.
ગુરુમૂઢતા– જે કુટુંબમાં પોતે જન્મ્યો તે કુટુંબમાં મનાતા કુળગુરુને સમજ્યા વગર માનવા, અજ્ઞાનીને
ગુરુ તરીકે માનવા, અથવા ગુરુના સ્વરૂપને સગ્રંથ માનવું તે ગુરુસંબંધી મહાન ભૂલ (ગુરુમૂઢતા) છે.
ધર્મમૂઢતા– (લોકમૂઢતા) –હિંસા ભાવમાં ધર્મ માનવો તે ધર્મ–મૂઢતા છે. ખરી રીતે, જેમ પાપમાં
આત્માની હિંસા છે તેમ પુણ્યમાં પણ આત્માની હિંસા થાય છે તેથી પુણ્યમાં ધર્મ માનવો તે ધર્મમૂઢતા છે. વળી
ધર્મ માનીને નદી વગેરેમાં સ્નાન કરવું, પશુ હિંસામાં ધર્મ માનવો, એ બધી ધર્મ સબંધી ભૂલ છે તેને લોકમૂઢતા
કહેવાય છે.
ગૃહીતમિથ્યાત્વ તો છોડ્યું પણ– આ ત્રણ પ્રકારની મોટી ભૂલ જીવને મહા નુકશાનનું કારણ છે. પોતે
જે કુળમાં જન્મ્યો તે કુળમાં મનાતા દેવ–ગુરુ–ધર્મ કદાચ સાચા હોય અને પોતે પણ તેને જ માનતો હોય તોપણ
જ્યાં સુધી પોતે જાતે પરીક્ષા કરીને સાચા દેવ–ગુરુ–ધર્મનું સ્વરૂપ નક્કી ન કરે ત્યાં સુધી ગૃહીત–મિથ્યાત્વ છૂટતું
નથી. ગૃહીતમિથ્યાત્વ છોડયા વગર જીવને ધર્મ સમજવાની લાયકાત પણ થતી નથી.
પ્રશ્ન:– આ બે પ્રકારના મિથ્યાત્વમાંથી પહેલાંં કયું મિથ્યાત્વ ટળે?
ઉત્તર:– પ્રથમ ગૃહીત મિથ્યાત્વ ટળે છે; ગૃહીત મિથ્યાત્વ ટાળ્‌યા વગર કોઈ જીવને અગૃહીત મિથ્યાત્વ ટળે
જ નહિ. કોઈ તીવ્ર પુરુષાર્થવાળા જીવને આ બંને મિથ્યાત્વ એક સાથે પણ ટળી જાય છે.
જે અગૃહીત મિથ્યાત્વ ટાળે તેને ગૃહીતમિથ્યાત્વ તો ટળી જ જાય, પરંતુ ગૃહિત મિથ્યાત્વ ટાળવા છતાં
ઘણા જીવોને અગૃહીત મિથ્યાત્વ ટળતું નથી. ખોટા દેવ–ગુરુ–શાસ્ત્ર અને લૌકિક મૂઢતાની માન્યતાનો ત્યાગ
કરીને અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને વ્યવહારૂ સ્થુળ ભૂલનો (ગૃહીતમિથ્યાત્વનો) ત્યાગ તો જીવે
ઘણી વાર કર્યો છે, અસત્ નિમિત્તોનું લક્ષ છોડીને સત્ નિમિત્તોના લક્ષે વ્યવહારશુદ્ધિ કરી પરંતુ અનાદિથી ચાલી
આવેલી પોતાના આત્મા સંબંધીની મહાન ભૂલ જીવે કદી ટાળી નથી. અનાદિનું અગૃહીત મિથ્યાત્વ આત્માની
સાચી સમજણ વગર ટળી શકે નહિ.
ગૃહીતમિથ્યાત્વ છોડી, દ્રવ્યલીંગી સાધુ થઈને જીવે પાંચ મહાવ્રત નિર્દોષપણે અનંતવાર પાળ્‌યાં, પણ તે
મહાવ્રતની ક્રિયાથી અને રાગથી ધર્મ માની લીધો તેથી આત્મા સંબંધી મહાન ભૂલ ટળી નહિ અને સંસારમાં જ
રખડયો.
સાચા નિમિત્તોના સ્વીકાર વડે વ્યવહારનું જુઠાપણું ટાળ્‌યું, પણ પોતાના નિરાલંબી ચૈતન્યસ્વરૂપ
આત્માનો સ્વીકાર કર્યા વગર નિશ્ચયનું જુઠાપણું ટળ્‌યું નહિ. પોતાના સ્વરૂપની ખબર નહિ હોવાથી નિમિત્તના
લક્ષ વડે શુભરાગથી અને દેવ–ગુરુ–શાસ્ત્રથી અજ્ઞાની લાભ માને છે–આ પરાશ્રિતપણાનો અનાદિનો ભ્રમ
મૂળમાંથી ટાળ્‌યા વગર સૂક્ષ્મ ભૂલરૂપ અગૃહીત–મિથ્યાત્વ ટળ્‌યું નહિ. આત્માના ભાન વગર થોડા વખત માટે
ગૃહીતમિથ્યાત્વ ટાળીને શુભરાગવડે સ્વર્ગમાં –નવમી ગ્રૈવેયક સુધી–જીવ ગયો, પણ મૂળ ઊંધી માન્યતાનો
સદ્ભાવ હોવાથી રાગથી લાભ માનીને અને દેવપદમાં સુખ માનીને ત્યાંથી રખડતો રખડતો તીવ્ર અજ્ઞાનપણાને
લીધે એકેન્દ્રિય–નિગોદની તુચ્છદશામાં અનંતકાળ સુધી અનંત દુઃખ પામ્યો. પોતાનું સ્વરૂપ સમજવાની દરકાર
નહિ કરવાથી અને સમ્યગ્જ્ઞાનનો તીવ્ર વિરોધ કરવાથી નિગોદદશા થાય છે કે જ્યાં તે જીવના અસ્તિત્વને બીજા
(સ્થુળ જ્ઞાનવાળા) જીવો પણ ન સ્વીકારે. નિગોદદશામાં કોઈવાર કષાયની કંઈક મંદતા કરીને ત્યાંથી જીવ
મનુષ્ય થયો અને કદાચિત્ ધર્મની જિજ્ઞાસા વડે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખી વ્યવહાર મિથ્યાત્વ ટાળ્‌યું, પણ
આત્મસ્વરૂપને ઓળખ્યા વગર અનંતાનંત કાળથી જીવ ચારે ગતિમાં દુઃખી જ થયા કરે છે. સાચા દેવ–ગુરુ–
શાસ્ત્રને ઓળખીને જો પોતાના આત્માના સ્વરૂપનો સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરે અને સત્સ્વરૂપનો નિર્ણય પોતે કરે
તો જ જીવની મહા ભયંકર ભૂલ ટળે,

PDF/HTML Page 14 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૨૧ :
સુખ થાય અને જન્મ મરણનો અંત આવે.
– મહામિથ્યાત્વ ક્યારે ટળે? –
પોતાના સ્વરૂપની સાચી સમજણ વડે અનાદિની મહાભૂલ ટાળવાનો જેને ઉપાય કરવો હોય તેણે તે માટે
આત્મજ્ઞાની સત્પુરુષ પાસેથી શુદ્ધાત્માનું સ્વરૂપ સીધું સાંભળવું જોઈએ અને તેનો જાતે અભ્યાસ કરવો જોઈએ.
એ ધ્યાન રાખવું કે માત્ર સાંભળ્‌યા કરવાથી અગૃહીત–મિથ્યાત્વ ટળતું નથી, પણ પોતાના સ્વભાવ સાથે
મેળવણી કરીને જાતે નિર્ણય કરવો જોઈએ. જીવ પોતે અનંતવાર તીર્થંકરભગવાનના સમોસરણમાં જઈને તેમનો
ઉપદેશ સાંભળી આવ્યો છે પણ સ્વાશ્રય સ્વભાવની શ્રદ્ધા કર્યા વગર તેને ધર્મ થયો નથી. “આત્મા તો જ્ઞાન
સ્વરૂપ છે, પરનું તે કાંઈ જ કરી શકતો નથી, પુણ્યથી આત્માનો ધર્મ થતો નથી” આવી નિશ્ચયની સાચી વાત
સાંભળીને તેનો હકાર આવવાને બદલે જીવ નકાર કરે છે કે ‘આ વાત આપણા માટે અત્યારે કામની નથી,
કાંઈક પરાશ્રય જોઈએ અને પુણ્ય પણ કરવા જોઈએ, પુણ્ય વિના એકલો આત્મા ટકી શકે?’ આ પ્રમાણે
પોતાની પરાશ્રયની ઊંધી માન્યતાને દ્રઢ કરીને સાંભળ્‌યું. સત્ સાંભળવા છતાં તે તેણે આત્મામાં ગ્રહણ કર્યું નહિ
તેથી મહામિથ્યાત્વ ટળ્‌યું નહીં.
શરૂઆતથી જ આત્માના સ્વાવલંબી શુદ્ધ સ્વરૂપની સમજણ, તેની શ્રદ્ધા અને તેનું જ્ઞાન કરવાનો માર્ગ
છે તે રુચ્યો નહિ પણ પરાશ્રય અનાદિથી રુચ્યો છે તેથી સત્ સાંભળતા ઘણા જીવોને એમ થાય છે કે અરે! જો
આત્માનું આવું સ્વરૂપ માનશું તો સમાજવ્યવસ્થા કેમ નભશે? સમાજમાં રહ્યા છીએ માટે એક બીજાનું કાંઈક
કરવું તો જોઈએ ને! આવી પરાશ્રીત માન્યતાવડે સંસારનો પક્ષ છોડ્યો નહિ અને આત્માની સમજણ કરી નહીં.
– સત્ય સમજણની જરૂર –
સ્વાધીન સત્યનો સ્વીકાર કરવાથી જીવને કદાપી નુકસાન થાય જ નહિ, અને સત્ય તત્ત્વને માનવાથી
સમાજને પણ નુકશાન થાય જ નહિ. સમાજ પોતપોતાની અજ્ઞાનતાથી જ દુઃખી છે અને પોતપોતાની
સમજણથી જ તે દુઃખ ટળી શકે છે, માટે સત્ય સમજણ કરવી જોઈએ. સાચી સમજણ કરવાથી નુકસાન થશે
એમ જે માને છે તે સત્યનો મહાન અનાદર કરે છે. મિથ્યાત્વનું મહાપાપ ટાળવા માટે પ્રથમમાં પ્રથમ સાચા
તત્ત્વની સાચી ઓળખાણનો અભ્યાસ કરવાની જરૂર છે.
સર્વજ્ઞ વીતરાગ દેવ, નિર્ગ્રંથગુરુ અને તેમના કહેલા અનેકાન્તમય સત્–શાસ્ત્રોનો બરાબર નિર્ણય કરવો
જોઈએ. પોતે હિત–અહિતનો નિર્ણય કરીને, સત્ય સમજવાની જિજ્ઞાસાવાળો થઈને જ્ઞાનીઓ પાસેથી
શુદ્ધઆત્માની વાત સાંભળી, વિચારદ્વારા નિર્ણય કરવો જોઈએ; આ જ મિથ્યાત્વ ટાળવાનો ઉપાય છે.
– ભગવાના ઉપદેશનો સાર –
પ્રશ્ન:– ભગવાનનાં ઉપદેશમાં મુખ્ય પણે શું કથન હોય?
ઉત્તર:– ભગવાન પોતે પોતાના પુરુષાર્થવડે સ્વરૂપની સાચી શ્રદ્ધા અને સ્થિરતા કરી પૂર્ણદશા પામ્યા છે
તેથી તેમના ઉપદેશમાં પણ પુરુષાર્થવડે આત્માની સાચી શ્રદ્ધા અને સ્થિરતા કરવાનો ઉપદેશ મુખ્યપણે આવે છે.
ભગવાનના ઉપદેશમાં નવતત્ત્વોનું સ્વરૂપ બતાવવામાં આવે છે; જો ‘આત્મા શુદ્ધ છે’ એમ આત્મા–આત્મા
જ કોઈ કહ્યા કરે તો અજ્ઞાની જીવો કાંઈ સમજી શકે નહિ તેથી આત્માનો શુદ્ધ સ્વભાવ શું, તેની વિકારી કે અવિકારી
દશા શું, આત્માને સુખનું કારણ શું, દુઃખનું કારણ શું, સંસાર માર્ગ શું, મોક્ષમાર્ગ શું, નવ તત્ત્વ શું, દેવ–ગુરુ–શાસ્ત્ર
શું–એ વગેરે સમજાવવામાં આવે છે, પણ તેમાં આત્માનું સ્વરૂપ સમજવાના ઉપદેશની મુખ્યતા હોય છે.
ત્ત્
આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે, પરંતુ અવસ્થામાં વિકારી અને અવિકારી એવા ભેદ છે. પુણ્ય–પાપ તે
વિકાર છે અને તેનું ફળ આસ્રવ તથા બંધ છે. આ ચારે (પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ) જીવને દુઃખનું કારણ
છે, તેથી તે છોડવા જેવા છે, અને આત્મસ્વરૂપની સાચી સમજણ કરીને પુણ્ય–પાપ ટાળીને સ્થિરતા કરવી તે
સંવર–નિર્જરા મોક્ષ છે. આ ત્રણે આત્માને સુખનું કારણ છે, તેથી તે પ્રગટ કરવા યોગ્ય છે. જીવ પોતે જ્ઞાનમય
છે પણ પોતે જ્ઞાનરહિત એવી અજીવ વસ્તુના લક્ષે ભૂલ કરે છે, તેથી જીવ અજીવનું જુદાપણું સમજાવાય છે. આ
રીતે નવ તત્ત્વોનું સ્વરૂપ સમજવું જોઈએ.
– દ્રવ્ય અને પર્યાય –
આત્મા પોતાની શક્તિથી ત્રિકાળ શુદ્ધ છે, પણ વર્તમાન પર્યાય તેની બદલ્યા કરે છે. એટલે કે
શક્તિસ્વભાવે કાયમ ટકીને અવસ્થામાં ફેરફાર (પરિણમન) થયા કરે છે. અવસ્થામાં પોતે પોતાનું સ્વરૂપ ભૂલીને

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૨૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૨ :
મિથ્યાત્વરૂપ મહાભૂલ ઉત્પન્ન કરે છે, તે ભૂલ અવસ્થામાં છે અને અવસ્થા બદલી જતી હોવાથી તે ભૂલ સાચી
સમજણ દ્વારા પોતે ટાળી શકે છે. અવસ્થામાં ભૂલ કરનાર જીવ પોતે જ છે તેથી પોતે જ તે ભૂલ ટાળી શકે છે.
– સાચી સમજણ કરવી –
જીવ પોતાના સ્વરૂપને ભૂલ્યો હોવાથી અજીવને પોતાનું માને છે અને તેથી પુણ્ય, પાપ, આસ્રવ, બંધ
થાય છે. સાચી સમજણ વડે સમ્યગ્દર્શન કરતાં અજીવથી અને વિકારથી ભિન્ન પોતાનું સ્વરૂપ તેના લક્ષમાં આવે
છે અને તેથી પુણ્ય–પાપ–આસ્રવ–બંધ ક્રમે ક્રમે ટળીને સંવર, નિર્જરા, મોક્ષ થાય છે, માટે સૌથી પ્રથમ સ્થૂળ અને
સૂક્ષ્મ બંને પ્રકારના મિથ્યાત્વને સાચી સમજણવડે ટાળીને આત્માના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શન
વડે, પોતાના સ્વરૂપની મહાન ભ્રમણાનો અભાવ કરવો.
– ક્રિયા અને ગ્રહણ – ત્યાગ –
સાચી સમજણ વડે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કરતાં જ સંવર–નિર્જરારૂપ ધર્મ શરૂ થઈ જાય છે; અનંત
સંસારના મૂળરૂપ મિથ્યાત્વનો ધ્વંસ થાય છે; અનંત પર વસ્તુઓથી પોતાને લાભ–નુકસાન થાય એવી માન્યતા
ટળતાં અનંત રાગ–દ્વેષની અસત્ ક્રિયાનો ત્યાગ થયો અને જ્ઞાનની સત્ ક્રિયાનું ગ્રહણ થયું. આ જ સૌથી પ્રથમ
ધર્મની સત્ ક્રિયા છે, આ સમજ્યા વગર ધર્મની ક્રિયા જરાપણ હોઈ શકે નહીં. દેહ તે જડ છે, તે દેહની ક્રિયા
સાથે ધર્મનો કાંઈ સંબંધ નથી.
આત્માનો સ્વભાવ કેવો છે, તેની વિકારી તથા અવિકારી અવસ્થા કેવા કેવા પ્રકારની થાય છે, અને
વિકારી અવસ્થા વખતે કેવા નિમિત્તનો સંયોગ હોય તથા અવિકારી અવસ્થા વખતે કેવા નિમિત્તો છૂટી ગયાં
હોય તે જાણવું જોઈએ; આ માટે સ્વ–પરના ભેદજ્ઞાનપૂર્વક નવતત્ત્વનું જ્ઞાન હોવું જોઈએ.
– સમ્યગ્દર્શન – સમ્યગ્જ્ઞાન –
પ્રશ્ન:– આત્માને સમ્યગ્જ્ઞાન કઈ ઉમરે અને કઈ દશામાં પ્રગટી શકે?
ઉત્તર:– ગૃહસ્થદશામાં આઠવર્ષની ઉમરે પણ સમ્યગ્જ્ઞાન થઈ શકે છે. ગૃહસ્થ દશામાં આત્મભાન કરી શકાય
છે. પહેલાંં તો બરાબર નિઃશંક સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ, સમ્યગ્દર્શન થતાં જ સમ્યગ્જ્ઞાન થાય છે અને
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થયા પછી સ્વભાવના પુરુષાર્થવડે વિકાર ટાળીને અવિકારી દશા જીવ પ્રગટ કર્યા વગર રહે
નહિ, ઓછા પુરુષાર્થના કારણે કદાચ વિકાર ટળતાં વાર લાગે તો પણ તેના દર્શન જ્ઞાનમાં મિથ્યાપણું નથી.
– નિશ્ચય અને વ્યવહાર –
આત્માનું સાચું જ્ઞાન થતાં જીવને એમ નક્કી થાય છે કે–મારો સ્વભાવ શુદ્ધ નિર્દોષ છે છતાં મારી અવસ્થામાં
જે વિકાર અને અશુદ્ધતા છે તે મારો દોષ છે, પણ તે વિકાર મારૂં ખરૂં સ્વરૂપ નથી માટે તે ટાળવા યોગ્ય છે. જ્યાં
સુધી મારૂં લક્ષ કોઈ બીજી વસ્તુમાં કે વિકારમાં રહેશે ત્યાં સુધી અવિકારી દશા થશે નહિ, પણ જ્યારે તે સંયોગ અને
વિકાર ઉપરથી મારૂં લક્ષ ખસેડીને હું મારા શુદ્ધ અવિકારી ધુ્રવસ્વરૂપમાં લક્ષને ટકાવી રાખીશ ત્યારે વિકાર ટળીને
અવિકાર દશા થશે. મારૂં જ્ઞાનસ્વરૂપ નિત્ય છે અને રાગાદિ અનિત્ય છે, એકરૂપ જ્ઞાનસ્વરૂપના આશ્રયમાં રહેતાં
રાગાદિ ટળી જાય છે. અવસ્થા–પર્યાય તો ક્ષણિક છે અને તે ક્ષણેક્ષણે ફરી જાય છે તેથી તેના આશ્રયે જ્ઞાન સ્થિર
રહેતું નથી પણ તેમાં વૃત્તિ ઉઠે છે માટે અવસ્થાનું લક્ષ છોડવું જોઈએ, અને ત્રિકાળી શુદ્ધસ્વરૂપ ઉપર લક્ષ સ્થાપવું
જોઈએ; બીજી રીતે કહીએ તો નિશ્ચય સ્વભાવ ઉપર લક્ષ કરીને વ્યવહારનું લક્ષ છોડવાથી શુદ્ધતા પ્રગટે છે.
– સમ્યગ્દર્શનું ફળ –
ચારિત્રની શુદ્ધતા એક સાથે સંપૂર્ણ પ્રગટી જતી નથી, પણ ક્રમે ક્રમે પ્રગટે છે. જ્યાં સુધી અપૂર્ણ શુદ્ધદશા રહે
છે ત્યાં સુધી સાધકદશા કહેવાય છે. શુદ્ધતા કેટલી પ્રગટે? કે પહેલાંં સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન કરીને જે આત્મસ્વભાવ
પ્રતીતમાં આવ્યો છે તે સ્વભાવના મહિમાવડે જેટલા જોરથી તે સ્વદ્રવ્યમાં એકાગ્રતા કરે તેટલી શુદ્ધતા પ્રગટે છે.
આથી શુદ્ધતાનું પહેલું પગથિયું શુદ્ધાત્માની પ્રતીત અર્થાત્ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન પછી પુરુષાર્થ વડે ક્રમેક્રમે
સ્થિરતા વધારીને અંતે પૂર્ણ સ્થિરતા વડે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરીને મુક્ત થઈ જાય છે અને સિદ્ધદશામાં અક્ષય અનંત
આત્મ સુખનો અનુભવ કર્યા કરે છે. મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શન કર્યું તેનું જ આ ફળ છે.
– ઉત્પાદ – વ્ય – ધુ્રવ –
પ્રશ્ન:– દ્રવ્ય ત્રિકાળી ટકનાર છે તેનો કદી નાશ થતો નથી અને તે કદી બીજા દ્રવ્યમાં ભળી જતું નથી
તેની શું ખાતરી? દૂધ વગેરે વસ્તુઓનો નાશ થતો તો દેખાય છે? અથવા દૂધ વસ્તુ પલટીને દહીં વસ્તુરૂપ થઈ
જાય છે તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં નથી ભળતું એમ કેમ કહી શકાય?
ઉત્તર:– વસ્તુસ્વરૂપનો એવો સિદ્ધાંત

PDF/HTML Page 16 of 17
single page version

background image
આત્મસિદ્ધિ ૭૦
: ચૈત્ર : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૨૩ :
છે કે જે વસ્તુ હોય તેનો કદી નાશ ન થાય, જે વસ્તુ ન હોય તેની કદી ઉત્પત્તિ ન થાય; અને જે વસ્તુ હોય તેમાં
રૂપાંતર થયા જ કરે, અર્થાત્ ટકીને બદલવું (
permanency with a change) તે વસ્તુનું સ્વરૂપ છે.
શાસ્ત્રભાષામાં આ નિયમને ‘उत्पादव्ययत्रौव्ययुकतं सत्” એ રીતે બતાવવામાં આવે છે. ઉત્પાદવ્યય એટલે
કે અવસ્થાનું રૂપાંતર અને ધુ્રવ એટલે વસ્તુનું ટકવું–તે દ્રવ્યનો સ્વભાવ છે.
– અસ્તિ નાસ્તિ –
દ્રવ્ય અને પર્યાય એ બેના સ્વરૂપમાં એવો ફેર છે કે દ્રવ્ય ત્રિકાળ છે તે બદલી જતું નથી, પણ પર્યાય
ક્ષણિક છે. તે ક્ષણેક્ષણે બદલ્યા કરે છે. પર્યાય બદલવા છતાં દ્રવ્યનો નાશ થતો નથી. દ્રવ્ય પોતાના સ્વરૂપે
ત્રિકાળ ટકતું હોવાથી બીજામાં તે કદી ભળી જતું નથી. આને અનેકાંત સ્વરૂપ કહેવાય છે એટલે કે વસ્તુ પોતાના
સ્વરૂપથી છે અને તે બીજાના સ્વરૂપે નથી, જેમ લોઢું તે લોઢા સ્વરૂપે છે અને લોઢું તે લાકડાસ્વરૂપે નથી; જીવ તે
જીવ સ્વરૂપે છે પણ જીવ તે જડ સ્વરૂપે નથી. આવો સ્વભાવ હોવાથી કોઈ વસ્તુ અન્યવસ્તુમાં ભળી જતી નથી,
પણ દરેક પોતપોતાના સ્વરૂપે જુદી જ રહે છે.
– નિત્ય – અનિત્ય –
જીવ પોતાના વસ્તુ સ્વરૂપે ટકીને અવસ્થાથી બદલ્યા કરે છે, પરંતુ જીવ જીવરૂપે જ બદલે છે. જીવની
અવસ્થા બદલતી હોવાથી સંસાર–દશાનો નાશ કરીને સિદ્ધદશા થઈ શકે છે. અજ્ઞાનદશાનો નાશ કરી જ્ઞાનદશા
થઈ શકે છે; અને જીવ નિત્ય હોવાથી સંસારદશાનો નાશ થવા છતાં તે મોક્ષદશાપણે ટકી રહે છે. આ રીતે
વસ્તુથી અને પર્યાયથી નિત્ય–અનિત્ય સ્વરૂપ છે તે સમજવું જોઈએ.મોક્ષશાસ્ત્ર, અધ્યાય પ સૂત્ર ૨૯
પરમાણુમાં પણ તેની અવસ્થા બદલે છે પણ કોઈ વસ્તુનો નાશ થતો નથી. દૂધ વગેરેનો નાશ થતો
દેખાય છે ત્યાં વસ્તુનો નાશ નથી. દૂધ કાંઈ મૂળ વસ્તુ નથી પણ તે તો ઘણા પરમાણુઓની સ્કંધરૂપ અવસ્થા છે
અને તે અવસ્થા બદલીને બીજી દહીં વગેરે અવસ્થા થાય છે–પરંતુ તેમાં પરમાણુ વસ્તુ તો ટકી જ રહે છે. વળી
દૂધ બદલીને દહીં થવાથી વસ્તુ અન્યરૂપે થઈ જતી નથી, પરમાણુ વસ્તુ છે તે તો બધી દશામાં પરમાણુરૂપે જ રહે
છે. વસ્તુ કદી પણ પોતાના સ્વરૂપને છોડતી નથી. શ્રીમદ્રાજચંદ્રજીએ કહ્યું છે કે–
ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ
ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ?
જડ કે ચેતન કોઈ વસ્તુનો સર્વથા નાશ કદી પણ થતો નથી. જો જ્ઞાન સ્વરૂપ ચેતન વસ્તુ નાશ પામે તો
તે શેમાં ભળે? ચેતનનો નાશ થઈને શું તે જડમાં પેસી જાય? એમ કદી ન બને. તેથી ચેતન તે સદાકાળ
ચેતનપણે પરિણમે છે, જડ તે સદાકાળ જડપણે પરિણમે છે, પણ વસ્તુ કદી નાશ પામતી નથી.
પર્યાય બદલતાં વસ્તુનો નાશ માની લેવો તે અજ્ઞાન છે, અને વસ્તુની પર્યાય બીજો બદલાવે એમ માનવું તે
પણ અજ્ઞાન છે, વસ્તુ કદી પર્યાય વગર હોતી નથી અને પર્યાય કદી વસ્તુ વગર હોતી નથી. જે અનેક પ્રકારની
અવસ્થાઓ થાય છે તે નિત્ય ટકતી વસ્તુ વગર ન હોય. જો નિત્ય ટકતો પદાર્થ ન હોય તો અવસ્થા ક્યાંથી આવે?
દૂધ, દહીં, માખણ, ઘી વગેરે સર્વ અવસ્થાઓ છે તેમાં નિત્ય ટકતી મૂળ વસ્તુ પરમાણુ છે. દૂધ વગેરે પર્યાય હોવાથી
તે બદલી જાય છે પણ તે કોઈ પણ અવસ્થામાં પરમાણુ પોતાનું પરમાણુપણું છોડતું નથી, કેમકે તે વસ્તુ છે–દ્રવ્ય છે.
– સામાન્ય – વિશેષ –
દ્રવ્ય એટલે વસ્તુ અને પર્યાય એટલે વસ્તુની વર્તમાન હાલત; દ્રવ્ય તે અંશી (આખી વસ્તુ) છે અને
પર્યાય તેનો અંક અંશ છે. ‘અંશી’ ને સામાન્ય કહેવાય છે અને ‘અંશ’ ને વિશેષ કહેવાય છે, આ સામાન્ય–
વિશેષ મળીને વસ્તુનું હોવાપણું છે. સામાન્ય–વિશેષ વગર કોઈ સત્ પદાર્થ હોતો નથી. સામાન્ય તે ધુ્રવ છે અને
વિશેષ તે ઉત્પાદ વ્યય છે–“उत्पाद व्ययधु्रवयुक्तं सत्
જે વસ્તુ એક સમય છે તે વસ્તુ ત્રિકાળ છે કેમકે વસ્તુનો નાશ નથી પણ રૂપાંતર છે. વસ્તુ પોતાની
શક્તિથી– [સત્તાથી–અસ્તિત્વથી] ટકે છે, તેને કોઈ પરવસ્તુની મદદ નથી, આ નિયમને સહેલી ભાષામાં
કહેવામાં આવે તો ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી.’
છેવટ
પ્રશ્ન:– આ બધું શા માટે સમજવું?
ઉત્તર:– અનાદિથી ચાલ્યું આવતું અનંત દુઃખનું કારણ, મહાપાપરૂપ, મિથ્યાત્વ ટાળવા માટે આ બધું
સમજવું જરૂરી છે. આ સમજતાં આત્મસ્વરૂપની સાચી ઓળખાણ થઈને સમ્યગ્દર્શન થાય છે અને સાચું સુખ
પ્રગટે છે, માટે આ બરાબર સમજવાનો પ્રયત્ન કરવો.
• • • •

PDF/HTML Page 17 of 17
single page version

background image
With the permission of Baroda Govt.
ATMADHARMA order No. 30-24 date 31-10-44 Regd No. B. 4787
શ્ર મહવર જન્મ કલ્યણક મહત્સવ
....ચૈત્ર સુદ ૧૩....પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકનાં વધામણાં....અહા! આજે ભગવાનનો જન્મ થયો...
ભગવાનનું શરીર દીપાયમાન તથા ઉદ્યોતમાન છે....તેમનો જન્મ થતાં આખા વિશ્વમાં પ્રકાશ ફેલાય છે......
........ભગવાનનો જન્મ ફક્ત મનુષ્યોને જ આનંદિત કરે છે એમ નથી પરંતુ તે ત્રણેલોકના પ્રાણીઓને
આનંદિત કરે છે........ પ્રભુશ્રીનો જન્મ કલ્યાણક મહોત્સવને ઉજવવા માટે મોટા મોટા ઈન્દ્રો અને ચક્રવર્તી સર્વ
પરિવાર સહિત આવે છે અને મહોત્સવ ઉજવીને પોતાને ધન્ય માને છે......
તીર્થંકર પ્રભુનો જન્મ જગતના
સર્વ પ્રાણીઓનો ઉદ્ધારક નીવડે છે........
........ જેમ સૂર્ય પ્રગટ થતાં જગતમાં પ્રકાશ ફેલાય છે તેમ પ્રભુશ્રીનો જન્મ થતાં ત્રણ લોકમાં શાંતિનું
સામ્રાજ્ય છવાઈ ગયું હતું....અરે! જાતિવિરોધી પ્રાણી પણ ક્ષણભરને માટે શાંતિમાં ઓતપ્રોત હતાં....
પૂર્વદિશા સૂર્યને જન્મ આપી અંધકારને નષ્ટ કરે છે.... કુંડલપુરના મહારાજા સિદ્ધાર્થ અને મહારાણી
ત્રિશલાદેવીએ ભગવાનમહાવીરરૂપ તીર્થંકર–સૂર્યને જન્મ આપીને.... સૂર્યથી પણ અન્ય પ્રકારે ઘણાં જ અધિક
દિવ્યજ્ઞાનપ્રકાશવડે જગતના જીવોના મહાન અજ્ઞાન અંધકારનો નાશ કરાવ્યો હતો.... તેના જેવો નાશ અનંત
સૂર્યોદ્વારા ત્રણે કાળમાં થવો સર્વથા અશક્ય છે........
ભગવાન મહાવીરપ્રભુના જન્મકલ્યાણકમહોત્સવનો મહિમા જગતના પ્રાણીઓના જન્મોત્સવોથી સર્વથા
લોકોત્તર અનુપમ અને અસાધારણ મંગલકારી છે, પ્રાણીમાત્રના કલ્યાણનું તે કારણ છે.
ભગવાન પોતાના સંપૂર્ણ આત્મસ્વરૂપને જાણીને તેમાં સ્થિર થયા અને દિવ્યવાણીવડે જગતને એજ
ઉપદેશ કર્યો કે આત્માનું સ્વરૂપ સમજો........પોતાનું સ્વરૂપ યથાર્થપણે સમજીને મિથ્યાદર્શન ટાળ્‌યા સિવાય કોઈ
પણ જીવ અહિંસક, સત્યરૂપ, અચૌર્યરૂપ, બ્રહ્મચર્યરૂપ કે અપરિગ્રહરૂપ અંશે કે પૂર્ણતાએ થઈ શકે નહિ....
....આમ જ્યારે તીર્થંકર પ્રભુના દિવ્યધ્વનિવડે સ્પષ્ટપણે જગજાહેર થતું ત્યારે શાસનભક્ત–દેવો દુદુંભીના
નાદથી તેને વધાવી લેતા હતા....
....મુમુક્ષુઓ!....ચાલો, આપણે પણ આત્મસ્વરૂપની સમજણ કરીને પ્રભુશ્રીના દિવ્યધ્વનિને
વ. ધ. વ. અ!
તી ર્થ ક રો જ ગ ત ના જ ય વં ત વ ર્તો
“ કા ર ના દ જિ ન નો જ ય વં ત વ ર્તો
જિ ન ના સ મો સ ર ણ સૌ જ ય વં ત વ ર્તો
ને તી ર્થ–ચા ર જ ગ માં જ ય વં ત વ ર્તો
• आत्मधर्म अंक २९ सुधारो •
પાનું–કોલમ–લાઈન અશુદ્ધ શુદ્ધ
૯૬ ૨૩ આહારનો સંયોગ થયો આહારનો સંયોગ ન થયો
૯૭ ૩૩ ધર્માત્માએ દુઃખ માન્યું ધર્માત્માને દુઃખ માન્યું
૧૦૮ ૨ ૧૬ આત્મા તે નથી આત્મા તેનાથી
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
પ્રકાશક: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૩૧–૩–૪૬