Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૬
સળંગ અંક ૩૦૩
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
૩૦૩
વિશ્વની વિશાળતા
(તેને જાણનાર જ્ઞાનની મહાનતા)
સર્વજ્ઞ ભગવંતોએ સાક્ષાત્ જોયેલું આ વિશ્વ એટલું
બધું વિશાળ છે કે, સર્વજ્ઞને ન માનનારા જીવો તો તેની
કલ્પના પણ ન કરી શકે! જગતમાં એટલી બધી જીવો–
પુદ્ગલોની સંખ્યા છે, એટલું વિશાળ ક્ષેત્ર છે, એટલો લાંબો
કાળ છે ને એવા ગંભીર ભાવો છે–કે જેને સર્વજ્ઞ જ સાક્ષાત્
જાણી શકે; સર્વજ્ઞને ન અનુસરનારા એની કલ્પના પણ કરી
શકે તેમ નથી. એની કલ્પનાનું ગજું જ એટલું નાનું છે કે તેમાં
વિશ્વની વિશાળતા, કે સર્વજ્ઞપદની મહત્તા સમાઈ શકે નહિ,–
અરે એનો અનંતમો ભાગ પણ ન સમાય! બલિહારી છે
સર્વજ્ઞના સામર્થ્યની કે જેણે આ અનંત વિશ્વને સાક્ષાત્ જાણી
લીધું...ને વાણીદ્વારા જગતને બતાવ્યું. સાથે સાથે એમ પણ
સમજાવ્યું કે સર્વજ્ઞના અને જગતના અસ્તિત્વને જાણનારો
એવો જે આત્મસ્વભાવ તે જ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે.
(ચર્ચા)
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક : બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ પોષ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૬: અંક ૩

PDF/HTML Page 3 of 49
single page version

background image
આજે આપણા સમાજની પરિસ્થિતિ–
(સંપાદકીય)
યુવાન પેઢીની શિથિલતા કે ઉત્સાહ?
(૧)
जैनगझट’ લખે છે કે–“कहा जाता है कि आज का युवान मंदिर नहीं
जाता, देवदर्शन नहीं करता, रात्रिभोजन करता है, धर्मशास्त्रोंके अध्ययनसे मुंह
मोडता है।।......”
એનો અર્થ એ થયો કે, ઉપરોક્ત દેવદર્શનાદિ કાર્યો કરવા માટે યુવકોને
પ્રોત્સાહન આપે એવું સાહિત્ય ત્યાંના પત્રોમાં પીરસાતું નથી.
(૨) હવે બીજી બાજુ જોઈએ તો–સોનગઢનું ‘આત્મધર્મ’ માસિક લખે છે કે–
“આજે હજારો બાળકો જાગ્યા છે, ને ઘરે ઘરે ધાર્મિક સંસ્કારોની સુગંધ રેલાવી રહ્યા છે,
ત્યારે કોણ કહી શકશે કે બાળકોમાં ધર્મસંસ્કાર નથી? દેશભરમાં હજારો બાળકો આજે
જીવ–અજીવના તત્ત્વજ્ઞાનની ચર્ચા કરે છે, ભગવાનના દર્શન કરે છે, બીજા અનેક પ્રકારે
ઉચ્ચ સંસ્કારોથી ધર્મમાં રસ લ્યે છે. એ જ રીતે આજના હજારો કોલેજિયન યુવાનો પણ
જૈનધર્મના ઉત્તમ સંસ્કારો વડે પોતાના જીવનને ઉજ્વળ બનાવવા પ્રયત્નશીલ છે.
ઘણાએ તો રાત્રે ખાવાનું કે સીનેમા જોવાનું પણ છોડી દીધું છે.–બધાય જાગૃત બનીને
ધર્મસંસ્કારનું મહત્ત્વ સમજ્યા છે. –જરૂર છે માત્ર તેમને પ્રોત્સાહન આપવાની.”
જુદી જુદી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા ઉપરના બે લખાણો વાંચવાથી ખ્યાલમાં
આવશે કે ઉપરોક્ત બંને પત્રોની સમાજમાં કેવી અસર છે? આત્મધર્મ દ્વારા આજે
મહાન ધાર્મિક જાગૃતી ફેલાઈ રહી છે.
ખરેખર જ્યાં યુવાનસમાજમાં ઓછા ધર્મસંસ્કારો દેખાતા હોય ત્યાં પણ
મુખ્ય કારણ એ છે કે તે વિભાગના પત્રકારો પોતાના પત્રોમાં એવી કોઈ ધાર્મિક
સામગ્રી રજુ નથી કરતા કે જે યુવકવર્ગને ધર્મ પ્રત્યે આકર્ષિત કરે! પંડિતોના
વાદવિવાદની જ વાતો જેમાં ખૂબ ચર્ચાતી હોય તેમાં યુવકવર્ગને ક્યાંથી રસ આવે?
આપણા સમાજના અનેક જૈનપત્રોમાંથી, આજે બાળકોને કે યુવાનોને ઉત્તમ ધાર્મિક
સંસ્કારો આપે એવું સાહિત્ય કેટલા પત્રો આપે છે? તે વિચારવા જેવું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ‘આત્મધર્મ’ માસિકે (બાલવિભાગ દ્વારા) એ પ્રકારનો થોડો
ઘણો પ્રયત્ન કરી જોયો, અને તેના ફળમાં આજે અઢી હજારથી વધુ બાળકો–યુવાનો
(ગુજરાતી ભાષા જાણનારાઓમાંથી જ) એવા તૈયાર થઈ ગયા છે કે ખૂબજ ઉમંગથી
ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લઈને જૈનસમાજની શોભા વધારી રહ્યા છે. કોલેજના ઉચ્ચ
અભ્યાસની સાથે સાથે નિયમિત ધાર્મિક અભ્યાસ, દેવદર્શન કરે છે, રાત્રિભોજન કે સીનેમા
જેવી વસ્તુ છોડે છે. ‘આત્મધર્મ’ હંમેશા બાળકોની તેમજ યુવાનોની પાસે ઊંચામાં ઊંચા
ધાર્મિક આદર્શો રજુ કરીને પ્રેમથી તેમને બોલાવે છે કે: ‘વહાલા બંધુઓ...
(અનુસંધાન માટે જુઓ–ટાઈટલ પાનું ૩)

PDF/HTML Page 4 of 49
single page version

background image
વાર્ષિક લવાજમ સં. ૨૪૯પ
ચાર રૂપિયા પોષ
_________________________________________________________________
હું સિદ્ધનો સાધર્મી...
સિદ્ધનો મિત્ર
સિદ્ધભગવંતો ને સન્તો કહે છે કે હે જીવ! તું અમારો
મિત્ર થા...આપણે ચેતનસ્વભાવે એક જાતના છીએ...રાગની
જાત તે આપણી જાત નથી, માટે તું રાગની મિત્રતા છોડ ને
અમારી મિત્રતા કર...શુદ્ધતાને પામેલા શુદ્ધાત્માની મિત્રતા કરતાં
તું પણ એના જેવો શુદ્ધ થઈશ.
અહા, સિદ્ધભગવંતો અને સન્તો ‘મિત્ર’ કહીને બોલાવે, તો
એવી સિદ્ધોની મિત્રતા કોને ન ગમે! સંતોની મિત્રતા કોને ન ગમે!
સિદ્ધભગવાન કહે છે કે હે મિત્ર! તું અમારો સાધર્મી
છો...આપણે બંને સમાનધર્મી છીએ (સર્વ જીવ છે સિદ્ધસમ...)
રાગની સાથે તારે સાધર્મીપણું નથી, એ તો તારાથી વિધર્મી છે,
ને અમે (સિદ્ધો તથા સંતો) તારા સાધર્મી છીએ...અમે તારા
મિત્ર છીએ. મિત્રતા સરખેસરખાની શોભે.
વાહ! હે સિદ્ધભગવંતો! હે સંતો! આપના જેવા ઉત્તમ
સાધર્મી ને મિત્ર પામીને હું ન્યાલ થયો....પ્રસન્ન થયો. પ્રભો! આપે
મને સાધર્મી અને મિત્ર કહીને બોલાવ્યો...તો હું પણ આપનો
સાધર્મી થઈ–આપના જેવો થઈને આપની પાસે આવી રહ્યો છું.
(મિત્ર હો તો આવા હો..........સાચું સગપણ આ
સાધર્મીનું.)

PDF/HTML Page 5 of 49
single page version

background image
: ર : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
મોક્ષનગરીમાં
પ્રવેશવાનો અવસર
હે જીવ! ચારગતિના ચક્કરમાંથી છૂટીને
મોક્ષનગરીમાં પ્રવેશવાનો અવસર આવ્યો છે...તો
અંધની જેમ તું આ અવસર ચૂકીશ મા.
અરે, અનંતકાળના પરિભ્રમણમાં રખડતા જીવે ચાર ગતિમાં અવતાર કરી કરીને
મહા દુઃખો ભોગવ્યા; એમાં ક્યારેક માંડમાંડ મનુષ્ય થયો, ને ૮૪ ના ચક્કરમાંથી બહાર
નીકળવાનો અવસર હાથમાં આવ્યો, અત્યારે બેદરકાર થઈને બીજે કાળ ગુમાવીશ તો હે
ભાઈ, તું અવસર ચૂકી જઈશ. (જુઓ ચિત્ર) એક અંધમનુષ્યને શિવનગરીમાં પ્રવેશવું
હતું; નગરીના ગઢને એક જ દરવાજો હતો. કોઈ દયાળુએ તેને માર્ગ દેખાડયો કે આ
ગઢની રાંગે હાથ લગાવીને ચાલ્યા જાઓ, ફરતાં ફરતાં દરવાજો આવે એટલે અંદર પેસી
જાજો, વચ્ચે ક્યાંય પ્રમાદમાં અટકશો નહિ. એ પ્રમાણે ગઢને હાથ લગાડીને તે
અંધમનુષ્ય ફરવા લાગ્યો, પણ વચ્ચેવચ્ચે પ્રમાદી થઈને ઘડીકમાં પાણી પીવા રોકાય,
ઘડીકમાં શરીર ખજવાળવા રોકાય, એમ કરતાં કરતાં

PDF/HTML Page 6 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
જ્યાં દરવાજો આવવાની તૈયારી થઈ કે બરાબર તે જ વખતે ભાઈસાહેબ માથું
ખજવાળતા–ખજવાળતા આગળ ચાલ્યા ગયા, ને દરવાજો તો પાછળ રહી ગયો. આમ
શિવનગરીમાં પ્રવેશવાનો અવસર ચૂકીને પાછો ચકરાવામાં પડ્યો. તેમ આ ચોરાસીના
ચકરાવામાં માંડ મનુષ્યઅવતાર મળ્‌યો, મોક્ષનગરીમાં પ્રવેશવાનો અવસર આવ્યો, ને
મોક્ષનો દરવાજો દેખાડનારા સંત મળ્‌યા; તેમણે કરુણા કરીને માર્ગ દેખાડયો કે અંદરના
ચૈતન્યમય આત્માને સ્પર્શીને ચાલ્યો જા...એટલે મોક્ષનગરીમાં પ્રવેશવાનો
‘રત્નત્રયદરવાજો’ આવશે. હવે એને બદલે અંધમનુષ્યની જેમ જે અજ્ઞાની જીવ રાગમાં
ને દેહની ક્રિયામાં ધર્મ માનીને તેની સંભાળમાં (–દેહબુદ્ધિમાં) રોકાય છે, ને ચૈતન્યને
ઓળખવાની દરકાર કરતો નથી, તે મોક્ષનગરીમાં પ્રવેશવાનો આ અવસર ચુકી જશે ને
પાછો ચોરાસીના ચક્કરમાં પડીને ચારગતિમાં રખડશે. માટે હે જીવ! તે અંધની જેમ તું
આ અવસર ચુકીશ મા. દેહની કે માન–મોટાઈની દરકાર મુકીને આત્માના હિતની
સંભાળ કરજે. અનંતવાર ગાજર–મૂળામાં મફતના ભાવે વેચાણો ત્યાં કોનાં માન
કરવા? એકેન્દ્રિયના અવતારમાં ગાજર કે મૂળામાં અવતર્યો હોય, ને બજારમાં
શાકવાળાને ત્યાં તે ગાજર–મૂળાના ઢગલામાં પડ્યો હોય. શાક લેનારની સાથેનો નાનો
છોકરો શાક સાથે ગાજર કે મૂળો મફત માંગે ને શાકવાળો તે આપે; ત્યારે તેમાં
વનસ્પતિકાયપણે જીવ બેઠો હોય તે પણ મૂળાની સાથે મફતમાં જાય.–એ રીતે મફતના
ભાવે અનંતવાર વેંચાયો. અને અત્યારે મનુષ્ય થઈને તું મફતનો માન–અપમાનમાં
જીવન કેમ ગુમાવે છે! ભાઈ, અલ્પકાળનો આ મનુષ્ય–અવતાર, તેમાં આત્મહિત માટે
શું કરવાનું છે તેની દરકાર કર.
જેમ મનુષ્યોને ચિંતામણિ ક્યારેક મહા પુણ્યે મળે છે, વારંવાર નથી મળતા,
તેમ સંસારમાં જીવોને એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયપણાની તો શી વાત, પણ
બેઈન્દ્રિયપણું મળવું તે પણ ચિન્તામણિ પામવા જેવું દુર્લભ છે. ક્યારેક વિશુદ્ધ
પરિણામના બળથી જીવ એકેન્દ્રિયમાંથી નીકળીને ત્રસમાં આવે છે. અરે, ઈયળ અને
કીડી થવું પણ જ્યાં દુર્લભ ત્યાં મનુષ્યપણાની દુર્લભતાની તો શી વાત? ભાઈ! તું
તો મનુષ્યપણા સુધી આવ્યો છો, તો ભવભીરુ થઈને હવે એવો ઉપાય કર કે આત્મા
ચારગતિમાં દુઃખથી છૂટે.
(આવા ભાવવાહી ચિત્રો અને લખાણોવાળું પુસ્તક–‘વીતરાગવિજ્ઞાન’ ભેટ
મેળવવા માટે તુરત આત્મધર્મના ગ્રાહક બનો.)

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
આચાર્યદેવ અપ્રતિબુદ્ધને પ્રતિબોધે છે
(એવું ભેદજ્ઞાન કરાવે છે કે જે ભેદજ્ઞાન
કરતાંવેંત જીવ આનંદિત થાય)
અપ્રતિબુદ્ધ કોણ છે?
જે અજ્ઞાની, જીવ અને શરીરને એક માને છે, રાગ અને જ્ઞાનને એકપણે
અનુભવે છે, શરીરથી ને રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો બોધ કરતો નથી, તે
અપ્રતિબુદ્ધ છે.
અહીં આચાર્યદેવ કોને સમજાવે છે?
અહીં એવા અપ્રતિબુદ્ધ–અજ્ઞાનીને આચાર્યદેવ ભિન્ન આત્માનું સ્વરૂપ સમજાવે
છે: અરે ભાઈ! આત્મા તો ઉપયોગસ્વરૂપ છે; સર્વજ્ઞભગવાને કેવળજ્ઞાનમાં તો
ઉપયોગસ્વરૂપ જીવ જોયો છે; જીવ ઉપયોગસ્વરૂપ છે, તે કાંઈ જડરૂપ કે રાગરૂપ નથી.
અહો, આવો ઉપયોગસ્વરૂપ આત્મા, તેને તમે ઓળખો, અને પુદ્ગલબુદ્ધિ છોડો.
ચૈતન્યભાવમાં રહેલો આત્મા પોતે પોતાને ભૂલીને, રાગાદિ પરભાવોને–
દુર્ભાવોને પોતાનું સ્વરૂપ માનીને તેમાં એકાગ્ર થયો છે, તે દુરાત્મા છે. પોતાના
સ્વભાવરૂપ ‘ભાવ–નગર’ નો રહેવાસી દુર્ભાવનગરીમાં ચાલ્યો ગયો, રાગાદિ
દુર્ભાવોને જ તે અનુભવે છે. એવા અવિવેકી દુરાત્માને (આત્માથી જે દૂર છે એવા
દુરાત્માને, અથવા રાગાદિ દુર્ભાવરૂપે જ જે પોતાને અનુભવે છે એવા દુરાત્માને)
સમજાવે છે કે અરે દુરાત્મા! તું ઉપયોગસ્વરૂપ પોતાને જડ સાથે એકમેક કેમ માને
છે? જેમ પશુઓ લાડવા અને ઘાસ વચ્ચે વિવેક વગર બંનેને ભેળસેળ કરીને ખાય
છે તેમ તું ઉપયોગને અને રાગને એકમેકપણે અનુભવી રહ્યો છે–તે અવિવેક છે,
આવા અવિવેકને તું છોડ રે છોડ! ભગવાન સર્વજ્ઞદેવે જોયેલો જીવ તો સદા
ઉપયોગસ્વરૂપ છે; ઉપયોગને જીવનું લક્ષણ ભગવાને કહ્યું છે, પણ કાંઈ
રાગલક્ષણવાળો કે દેહવાળો જીવ ભગવાને કહ્યો નથી. અરે, ભગવાને કહેલા જીવને
તું ઓળખતો નથી, ને પુદ્ગલને જ તું જીવ માની રહ્યો છે, તે મોટો અવિવેક છે; તેમાં
આત્માની હિંસા છે, દુર્બુદ્ધિ છે; તેને તું હવે છોડી દે. અજ્ઞાનથી અત્યાર સુધીનો કાળ
તો જડ–ચેતનની એકત્વબુદ્ધિમાં વીત્યો, પણ હવે અમે બંનેનું ભેદજ્ઞાન કરાવ્યું તે
સમજીને તું પ્રતિબુદ્ધ થા, ને બંનેની એકત્વબુદ્ધિ છોડ.
આત્મા ઉપયોગસ્વરૂપે નિત્ય રહેનાર છે; પણ રાગ કાંઈ નિત્ય રહેનાર નથી,
ઉપયોગથી

PDF/HTML Page 8 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : પ :
તેની જાત જુદી છે. જેમ મીઠું ઓગળીને ખારા પાણીરૂપે થાય છે, તેમ ઉપયોગ
ઓગળીને કદી રાગરૂપ કે જડરૂપ થઈ જતો નથી. ઉપયોગ તો સદાય ઉપયોગરૂપે જ રહે
છે.
પ્રવાહીપણાને અને ખારાપણાને વિરોધ નથી, બંને એકપણે સાથે રહી શકે છે,
પણ તેની જેમ ઉપયોગ અને જડ બંને સાથે એકપણે રહી શકતા નથી, તેમને તો
એકપણે રહેવામાં વિરોધ છે. આત્મા તો ઉપયોગરૂપ છે, ને શરીર રાગાદિ તો
અનુપયોગરૂપ છે, આત્માનો ઉપયોગ ઓગળીને કદી જડ કે રાગ સાથે તન્મય થાય
નહિ. માટે પુદ્ગલને અને જીવને એકપણે અનુભવવો તે મિથ્યા છે. જડ ને ચેતન કદી
પણ એક થઈ શકે નહિ, તેથી તું સર્વપ્રકારે પ્રસન્ન થા; ચિત્તને ઊજળું કરીને
સાવધાનપણે સ્વદ્રવ્યને પોતાપણે અનુભવમાં લે. આવું ભેદજ્ઞાન કરતાવેંત આત્મા
આનંદરૂપ–પ્રસન્નરૂપ થશે. દેહબુદ્ધિમાં દુઃખ છે; દેહથી ભિન્ન ઉપયોગસ્વરૂપ હું છું–એવી
આત્મબુદ્ધિમાં સુખ છે.
અરે, દેહ ને જીવ સદાય પોતપોતાના લક્ષણે જુદા જ છે; જુદા છે તેને જુદા
જાણતો નથી ને એક માને છે; એક માને તોપણ તે બંનેને એકપણું કદી થઈ ગયું નથી.
ભાઈ! જુદા છે તેને જુદા જાણ–તો તને તારા સ્વદ્રવ્યની પ્રાપ્તિથી આનંદ થશે–પ્રસન્નતા
થશે.
જગતમાં ચેતન ને જડ ભલે એક સાથે હોય, પણ તે બંને એક થઈ જતા નથી,
પોતપોતાનું સ્વરૂપ છોડતા નથી; પોતપોતાના સ્વરૂપે જ રહ્યા છે. એક કાળે કે એક ક્ષેત્રે
ભલે હો, પણ સ્વરૂપે એક નથી. નિજનિજલક્ષણે બંને જુદેજુદાં જ રહ્યાં છે, તારો ભાગ
જુદો, ને જડનો ભાગ જુદો; ઉપયોગ તે તારો ભાગ છે, ને જડ તે પુદ્ગલનો ભાગ છે.–
એમ તારો ભાગ જુદો લઈને તું ખુશી થા! તારો ભાગ કોઈ લૂંટી ગયું નથી, એવો ને
એવો જુદો જ તારો ભાગ છે. પુદ્ગલના ભાગનો ધણી થવા જઈશ તો દુઃખી થઈશ.
એનાથી ભિન્ન ઉપયોગરૂપ તારો ભાગ છે તેને જ અનુભવમાં લે. તેના અનુભવથી તને
આનંદ થશે.
જડ વડે તારું અસ્તિત્વ જરાય દુભાયું નથી, દબાયું નથી, જડથી જુદું એવું ને
એવું તારું અસ્તિત્વ અનાદિથી છે; માટે ઉલ્લસિત થઈને તારા સ્વદ્રવ્યને દેખ. પુદ્ગલ કે
રાગાદિ તારા ઉપયોગસ્વરૂપમાં ઘૂસી ગયા નથી, બહાર જ રહ્યા છે, માટે આવા
ઉપયોગસ્વરૂપને અનુભવમાં લઈને આનંદિત થા. જેમ ઘણા કાળથી ખોવાઈ ગયેલી
વસ્તુ ઘરમાં જડે ને આનંદિત થાય, તેમ અનાદિથી ભૂલાયેલો, જડ સાથે એકત્વબુદ્ધિથી
ખોવાયેલો, તારો આત્મા તને તારામાં જડથી જુદો બતાવ્યો, તો હવે એવી ને એવી
તારી સ્વવસ્તુને પામીને તું આનંદિત થા.

PDF/HTML Page 9 of 49
single page version

background image
: ૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
શરીરને જ આત્મા માને એ તો સ્થૂળ ભૂલ છે જ; પરંતુ પર તરફના રાગભાવને
જે ઉપયોગ સાથે એકમેક સમજે છે, રાગથી ભિન્ન ઉપયોગને નથી અનુભવતો, તો તે
પણ ખરેખર અજીવને જ આત્મા માને છે, જીવના ઉપયોગગુણને ઓળખીને જીવનાં
ગુણોની સ્તુતિ કરતાં તેને નથી આવડતું, એટલે સર્વજ્ઞ ભગવાનની પણ પરમાર્થ સ્તુતિ
કરતાં તેને આવડતું નથી. ભગવાનના આત્માના ખરા ગુણ (રાગથી જુદા) શું છે તેને
તો તે ઓળખતો નથી, તો તે ભગવાનના ગુણની ઓળખાણ વગર તેમની સાચી સ્તુતિ
ક્યાંથી કરી શકશે? ભગવાનના ગુણની સાચી સ્તુતિ સમ્યગ્દ્રષ્ટિ જ કરે છે. ભગવાન
જેવા પોતાના ગુણને પણ તેણે ઓળખ્યા છે.
આચાર્યદેવ આત્મગુણોની ઓળખાણ કરાવીને કહે છે કે ભાઈ, આત્મા અને
શરીરની એકત્વબુદ્ધિને તું છોડ.....કેમકે આત્માના એક્કેય ગુણ શરીરમાં નથી, આત્મા
કદી પોતાનું ઉપયોગપણું છોડીને શરીરપણે થતો નથી. આત્મા અને શરીર સદાય અત્યંત
જુદા જ છે.
જડ–ચેતનનું આટલું આટલું સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવવા છતાં જે નથી સમજતો, ને
શરીરાદિને જ આત્માપણે અનુભવે છે તેને તેનું અજ્ઞાન છોડાવવા આચાર્યદેવ કહે છે કે
હે દુરાત્મા! તારી આ પશુ જેવી પ્રવૃત્તિને તું છોડ.....છોડ! જેમાં આત્મા હણાય છે એવી
આ મિથ્યાબુદ્ધિને તું છોડ! જેમ પશુઓને લાડવા અને ઘાસ વચ્ચે વિવેક નથી, બંનેને
ભેળસેળ કરીને ખાય છે, તેમ તું પણ ઉપયોગને અને શરીરને એકમેક અનુભવે છે, તે
દુર્બુદ્ધિ છોડી દે. ચૈતન્યસ્વભાવને ભૂલીને શરીરને પોતાનું માન્યું, એટલે આત્માને જડ
માન્યો, તેમાં તારા ચૈતન્યસ્વભાવની હિંસા થાય છે; આવી આત્મહિંસાને તું છોડ, ને
દેહથી ભિન્ન શુદ્ધ ઉપયોગસ્વરૂપ આત્મા છે તેને અનુભવમાં લે.
અત્યંત પુરુષાર્થની જાગૃતિપૂર્વક ભેદજ્ઞાન કરીને આત્માનો અનુભવ કરવા માટે
હજી ફરી ફરી આચાર્યદેવ જોરદાર ઉપદેશ આપે છે...તે સામે પાને વાંચોજી
પહેલું સુખ તે આતમજ્ઞાન,
બીજું સુખ તે ચારિત્રવાન;
ત્રીજું સુખ વીતરાગીધ્યાન,
ઉત્તમ સુખ છે કેવળજ્ઞાન.
* * * * *
ઘડીક વિચાર, તારું સ્વરૂપ;
તો તું પામીશ, સુખ અનુપ.

PDF/HTML Page 10 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
દેહથી ભિન્ન ચૈતન્યભાવે શોભી રહેલો એવો
તારો આત્મા સંતો તને દેખાડે છે, તે દેખીને હે જીવ!
તું પ્રસન્ન થા...આનંદિત થા.
રે ભાઈ, તું કોઈપણ રીતે તત્ત્વનો કૌતૂહલી થા. હિતની શિખામણ આપતાં
આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! ગમે તેમ કરીને તું તત્ત્વનો જિજ્ઞાસુ થા..ને દેહથી
ભિન્ન આત્માનો અનુભવ કર. દેહ સાથે તારે એકતા નથી પણ ભિન્નતા છે...તારા
ચૈતન્યનો વિલાસ દેહથી જુદો છે. માટે તારા ઉપયોગને પર તરફથી છોડીને
અંતરમાં વાળ.
પરમાં તારું નાસ્તિત્વ છે માટે તારા ઉપયોગને પર તરફથી પાછો વાળ.
તારા ઉપયોગસ્વરૂપ આત્મામાં પરની પ્રતિકૂળતા નથી. મરણ જેટલું કષ્ટ (–બાહ્ય
પ્રતિકૂળતા) આવે તોપણ તેની દ્રષ્ટિ છોડીને અંતરમાં જીવતા ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ
કર. “
मृत्वा अपि એટલે કે મરીને પણ તું આત્માનો અનુભવ કર”–આમ કહીને
આચાર્યદેવે શિષ્યને પુરુષાર્થની પ્રેરણા આપી છે. વચ્ચે કંઈ પ્રતિકૂળતા આવે તો
તારા પ્રયત્નને છોડી ન દઈશ. પરંતુ મરણ જેટલી પ્રતિકૂળતા સહન કરીને પણ તું
આત્માનો તાગ લેજે...તેનો અનુભવ કરજે. મારે મારા આત્મામાં જ જવું છે...તેમાં
વચ્ચે પરની ડખલગીરી કેવી? પ્રતિકૂળતા કેવી? બહારની પ્રતિકૂળતાનો આત્મામાં
અભાવ છે–એમ ઉપયોગને પલટાવીને આત્મામાં વાળ,–આમ કરવાથી પર સાથે
એકતાબુદ્ધિરૂપ મોહ છૂટી જશે...ને તને પરથી ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ આનંદના
વિલાસસહિત અનુભવમાં આવશે.
૩૮ ગાથા સુધી પરથી ભિન્ન શુદ્ધજીવનું સ્વરૂપ ઘણાઘણા પ્રકારે સ્પષ્ટ કરીને
સમજાવવા છતાં જે નહિ સમજે અને દેહાદિને આત્મા માનશે, તેને આચાર્યદેવ કડક
સંબોધન કરીને સમજાવશે કે, અમે આટલું આટલું સમજાવ્યું છતાં જે જીવ દેહને–કર્મને
તથા રાગને જ આત્માનું સ્વરૂપ માને છે તે જીવ મૂઢ છે, અજ્ઞાની છે, પુરુષાર્થહીન છે.
પરને જ આત્મા માની માનીને તે આત્માના પુરુષાર્થને હારી બેઠો છે. રે પશુ જેવા

PDF/HTML Page 11 of 49
single page version

background image
: ૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
મૂઢ! તું સમજ રે સમજ! ભેદજ્ઞાન કરીને તારા આત્માને પરથી જુદો જાણ...રાગથી જુદા
ચૈતન્યનો સ્વાદ લે.
–આ રીતે જેમ માતા બાળકને શિખામણ આપે તેમ આચાર્યદેવ શિષ્યને અનેક
પ્રકારે સમજાવે છે...તેમાં તેના હિતનો જ આશય છે.
આચાર્યદેવ કહે છે કે ભાઈ! જડની ક્રિયામાં તારો ધર્મ ગોતવો મુકી દે. આ
ચૈતન્યમાં તારો ધર્મ છે તે કોઈ દિવસ જડ થયો નથી. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યના
ભાગલા પાડીને હું તને કહું છું કે આ ચૈતન્યદ્રવ્ય જ તારું છે. માટે હવે જડથી ભિન્ન
તારા શુદ્ધ ચૈતન્યતત્ત્વને જાણીને તું સર્વ પ્રકારે પ્રસન્ન થા...તારું ચિત્ત ઉજ્જવળ કરીને
સાવધાન થા...અને “આ સ્વદ્રવ્ય જ મારું છે” એમ તું અનુભવ કર. અહા! આવું
ચૈતન્યતત્ત્વ અમે તને દેખાડ્યું... હવે તું આનંદમાં આવ...પ્રસન્ન થા!
જેમ બે છોકરા કોઈ વસ્તુ માટે બાઝે તો માતા વચ્ચે પડીને ભાગ પાડી આપે છે
ને સમાધાન કરાવે છે. તેમ અહીં આચાર્યદેવ જડ–ચેતનના ભાગ પાડીને, બાળક જેવા
અજ્ઞાનીને સમજાવે છે કે લે, આ તારો ભાગ! જો...આ ચૈતન્ય છે તે તારો ભાગ છે ને
આ જડ છે તે જડનો ભાગ છે. તારો ચૈતન્ય ભાગ એવો ને એવો આખેઆખો શુદ્ધ છે,
તેમાં કાંઈ બગડયું નથી; માટે તારો આ ચૈતન્ય ભાગ લઈને હવે તું પ્રસન્ન
થા...આનંદિત થા... તારા મનનું સમાધાન કરીને તારા ચૈતન્યને આનંદથી
ભોગવ...તેના અતીન્દ્રિયસુખના સ્વાદનો અનુભવ કર.
અજ્ઞાનીનું અજ્ઞાન કેમ ટળે, ને તેને ચૈતન્યના સુખનો અનુભવ કેમ થાય, તે
માટે આચાર્યદેવ ઉપદેશ આપે છે. કડક સંબોધન કરીને નથી કહેતા પણ કોમળ સંબોધન
કરીને કહે છે કે હે વત્સ! શું આ જડ દેહ સાથે એકમેકપણું તને શોભે છે? ના, ના. તું તો
ચૈતન્ય છો...માટે જડથી જુદો થા...તેનો પાડોશી થઈને તેનાથી ભિન્ન તારા ચૈતન્યને
દેખ. દુનિયાની દરકાર છોડીને તારા ચૈતન્યને દેખ. જો તું દુનિયાની અનુકૂળતા કે
પ્રતિકૂળતા જોવા રોકાઈશ તો તારા ચૈતન્યભગવાનને તું નહિ જોઈ શકે, માટે દુનિયાનું
લક્ષ છોડી, તેનાથી એકલો પડી અંતરમાં તારા ચૈતન્યને જો...અંતર્મુખ થતાં જ તને
ખબર પડશે કે ચૈતન્યનો કેવો અદ્ભુત વિલાસ છે?

PDF/HTML Page 12 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
જે ગુણોને અને પર્યાયોને
પામે – પ્રાપ્ત કરે તે દ્રવ્ય
– અથવા –
ગુણો અને પર્યાયો વડે જે
પમાય – પ્રાપ્ત કરાય તે દ્રવ્ય
(પ્રવચનસાર ગા. ૮૭ ના પ્રવચનમાંથી)
ગુરુદેવ કહે છે: ‘ઘણું સહેલું...છતાં...ઘણું સરસ’

અહા, વીતરાગમાર્ગમાં જિનેન્દ્રદેવે અલૌકિક વસ્તુસ્થિતિ
પ્રસિદ્ધ કરી છે. દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ સ્વરૂપ ઓળખતાં
આખા જગતની વ્યવસ્થા ઓળખાઈ જાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાય
સ્વરૂપ વસ્તુ સ્વતંત્ર છે; ગુણ–પર્યાયોનો સંબંધ પોતાના દ્રવ્ય
સાથે છે, બીજા સાથે નથી. આવું સ્વરૂપ ઓળખે તો પોતાના
ગુણ–પર્યાય પોતાના દ્રવ્યમાં શોધે, એટલે સ્વસન્મુખ થાય, ને
પરમાં પોતાના ગુણ–પર્યાય ન શોધે એટલે પર સાથે એકતાબુદ્ધિ
દરેક દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયોને પ્રાપ્ત કરે, પણ બીજાના ગુણ–પર્યાયને કોઈ
દ્રવ્ય પ્રાપ્ત કરે નહિ. આત્મદ્રવ્ય પોતાના જ્ઞાનાદિગુણોને તથા કેવળજ્ઞાનાદિ પર્યાયોને
પ્રાપ્ત કરે, પણ આત્મદ્રવ્ય શરીરાદિ કોઈ અન્ય ગુણ–પર્યાયોને પ્રાપ્ત કરે નહિ, તેનાથી
તો સદાય જુદો જ છે. પોતે કર્તા થઈને પોતાના ગુણ–પર્યાયોને પ્રાપ્ત કરે, પણ
બીજાના ગુણ–પર્યાયોનો કર્તા આત્મા થઈ શકે નહિ, તેને પોતામાં પ્રાપ્ત કરી શકે
નહિ.
અને આત્માના ગુણ–પર્યાયોને આત્મા પોતે પ્રાપ્ત કરે છે, કોઈ બીજું તેને
પ્રાપ્ત કરતું નથી, અથવા કોઈ બીજા વડે તે પ્રાપ્ત કરાતા નથી. પરદ્રવ્ય (નિમિત્ત
વગેરે) હોય તો આત્મા પોતાના ગુણ–પર્યાયોને પામી શકે એવી પરાધીનતા નથી,
સ્વયં આત્મદ્રવ્ય

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
જ એવું છે કે પોતે જ પોતાના ગુણ–પર્યાયોને પામે છે. પોતાના ગુણ–પર્યાયો પાસે
આત્મદ્રવ્ય પોતે જાય છે, એટલે તેમાં તન્મય એકરૂપ થઈને પરિણમે છે, પણ આત્મદ્રવ્ય
પોતાના ગુણ–પર્યાયથી બહાર બીજામાં (શરીરાદિમાં) જતું નથી.
બીજા પ્રકારે દ્રવ્યની વ્યાખ્યા એમ છે કે જે ગુણો પર્યાયો છે તેઓ પોતાના દ્રવ્યને
જ પ્રાપ્ત કરે છે, પણ કોઈ બીજાને (નિમિત્તો વગેરેને) તે પ્રાપ્ત કરતા નથી. પર્યાય એક
વખતે એક હોય છે ને ગુણો એક સાથે અનંત હોય છે.–એ બધા ગુણ પર્યાયો દ્રવ્યને
પ્રાપ્ત કરે છે. એટલે એક વસ્તુની પર્યાયો કોઈ બીજા વડે પમાય એમ નથી. પોતાની
પર્યાય (અશુદ્ધ કે શુદ્ધ) તેના વડે પોતાનું દ્રવ્ય પમાય, પણ તે પર્યાય વડે (જ્ઞાનવડે કે
રાગવડે) કોઈ બીજાને આત્મા પ્રાપ્ત કરી શકે એમ નથી.
આત્માના જ્ઞાનાદિગુણો ને શ્રુતજ્ઞાનાદિ પર્યાયો તે કોને પ્રાપ્ત કરે? કે પોતાના
આત્મદ્રવ્યને જ તે પ્રાપ્ત કરે છે. તે પર્યાય કાંઈ બીજી પર્યાયને પ્રાપ્ત કરતી નથી, પણ
દ્રવ્યને જ પ્રાપ્ત કરે છે–તેમાં તન્મય થઈને પરિણમે છે. એટલે પર્યાયના આધારે બીજી
પર્યાય થતી નથી કેમકે પર્યાય તે બીજી પર્યાયને પામતી નથી પણ તે તે કાળે દ્રવ્યને
જ પામે છે. વર્તમાન સમયની પર્યાય વર્તમાન વર્તતા દ્રવ્યને પ્રાપ્ત કરે છે, બીજા
સમયની પર્યાય તે વખતના દ્રવ્યને પ્રાપ્ત કરશે. પર્યાયો ભલે એક પછી એક થાય છે,
પણ દરેક પર્યાય તે તે સમયે સ્વદ્રવ્યને પ્રાપ્ત કરે છે. પર્યાય જડ હો કે ચેતન, અશુદ્ધ
હો કે શુદ્ધ–તેના વડે દ્રવ્ય પમાય છે, પોતપોતાના દ્રવ્યમાં તે જાય છે, બીજા પાસે જતી
નથી. પર્યાયની એકરૂપતા દ્રવ્ય સાથે છે, બીજાની સાથે નથી. માટે બીજા વડે પર્યાય
થતી નથી.
આત્માની કેવળજ્ઞાનપર્યાય પરિણમીને આત્મદ્રવ્યને પ્રાપ્ત કરે છે, પણ તે
કેવળજ્ઞાનપર્યાય પરિણમીને દિવ્યધ્વનિને કે સમવસરણને પ્રાપ્ત કરતી નથી.
જુઓ તો ખરા, આ વીતરાગશાસનની અલૌકિક વસ્તુસ્થિતિ! જિનેન્દ્રદેવના
ઉપદેશમાં આવી વસ્તુવ્યવસ્થા છે. આવી વસ્તુવ્યવસ્થા વિચારમાં લેતાં બધા પ્રકારની
વિપરીતતા મટી જાય છે ને સમ્યગ્જ્ઞાનની ઉજ્વળતા થાય છે. અહો, આ તો લોકાલોકના
પદાર્થનો પ્રકાશક અલૌકિક દીવડો છે. આ ટીકાનું નામ
तत्त्वप्रदीपिका છે.–તત્ત્વોનું
યથાર્થસ્વરૂપ તે પ્રકાશે છે.
[गुणपर्ययवत्द्रव्यं]
અહીં આચાર્યદેવ કહે છે કે દ્રવ્ય જ ગુણ–પર્યાયોને પ્રાપ્ત કરે છે ને ગુણ–પર્યાયોવડે
દ્રવ્ય જ પમાય છે,–એટલે નિમિત્તને લીધે પર્યાય પ્રાપ્ત કરાય એમ નથી.

PDF/HTML Page 14 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
પર્યાયવડે પર્યાય નથી પમાતી પણ પર્યાયવડે દ્રવ્ય પમાય છે, એટલે પૂર્વ
પર્યાયવડે વર્તમાન પર્યાય થઈ એમ નથી. વર્તમાન પર્યાયને વર્તમાનકાળે દ્રવ્યે પ્રાપ્ત કરી
છે, ને તે પર્યાયવડે દ્રવ્ય જ પ્રાપ્ત કરાયું છે. આમ તે તે કાળે પોતપોતામાં જ દ્રવ્ય–
પર્યાયની સંધિ છે, પણ પરની સાથે તેની સંધિ નથી. આવા નિર્ણયમાં સ્વ–પરનું
ભેદજ્ઞાન થઈને સ્વસન્મુખતાવડે સમ્યગ્દર્શનાદિ અપૂર્વ દશા પ્રગટે છે. અહો!
વીતરાગમાર્ગે અલૌકિક વસ્તુસ્થિતિ પ્રકાશીત કરી છે.
ગણધરદેવને ચારજ્ઞાનરૂપ પર્યાય છે તે પર્યાયવડે તેમનું આત્મદ્રવ્ય પમાય છે, ને
તે પર્યાયને તેમના આત્મદ્રવ્યે પ્રાપ્ત કરી છે, પણ તીર્થંકરદેવવડે તે પર્યાય પ્રાપ્ત કરાતી
નથી. ક્ષાયિકસમ્યક્ત્વપર્યાય કેવળી કે શ્રુતકેવળી ભગવાનવડે નથી પમાતી, પણ તે
આત્મદ્રવ્ય પોતે પોતાની તે પર્યાયને પ્રાપ્ત કરે છે, ને તે પર્યાયવડે તેનું પોતાનું
આત્મદ્રવ્ય પમાય છે.
આત્માની પર્યાયવડે આત્મદ્રવ્ય ઓળખાય, ને જડની પર્યાયવડે જડદ્રવ્ય
ઓળખાય.
આત્માની પર્યાયવડે પરદ્રવ્ય ન ઓળખાય, ને પરની પર્યાયવડે આત્મદ્રવ્ય ન
ઓળખાય.
દરેક પર્યાય પોતપોતાના દ્રવ્યને જ પ્રસિદ્ધ કરે છે ‘હું આ દ્રવ્યની પર્યાય છું.’
એક દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યવડે નથી થતા તેમ એક દ્રવ્યની પર્યાય પણ બીજા
દ્રવ્યવડે નથી થતી.
અહો, દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ વસ્તુ કેટલી સ્વતંત્ર છે! આવું સ્વરૂપ ઓળખે તો
પોતાના ગુણ–પર્યાય પોતાના દ્રવ્યમાં શોધે, એટલે સ્વસન્મુખ થાય; ને પરમાં પોતાના
ગુણ–પર્યાય ન શોધે એટલે પર સાથે એકતાબુદ્ધિ છૂટે. આ રીતે અપૂર્વ ભેદજ્ઞાન થાય છે.
દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ સ્વરૂપ ઓળખતાં આખા જગતની વસ્તુસ્થિતિ
ઓળખાઈ જાય છે. ભાઈ તારી કેવળજ્ઞાન પર્યાયને તારા દ્રવ્યમાં શોધ, અન્યમાં ન
શોધ. તારી સમ્યગ્દર્શનપર્યાયને તારા દ્રવ્યમાં શોધ, અન્યમાં ન શોધ; નિમિત્તમાં ન
શોધ, રાગમાં ન શોધ, પૂર્વપર્યાયમાં ન શોધ. કેમકે તારી પર્યાય તારા દ્રવ્યવડે પમાય છે,
પરથી નિમિત્તથી રાગથી કે પૂર્વપર્યાયથી તે પમાતી નથી. તારી એક્કેય પર્યાય કે ગુણ
એવા નથી કે બીજા વડે તે પમાય; તે તારા સ્વદ્રવ્ય વડે જ પમાય છે,–માટે દેખ તારા
દ્રવ્યમાં!
સ્વદ્રવ્યનું અવલોકન કરતાં જ તેના વડે અપૂર્વ આનંદદશા પમાશે.

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
પીળાશ અને કુંડળ વગેરેથી જુદું સોનું નથી, તેમ ગુણો ને પર્યાયોથી જુદું દ્રવ્ય
નથી. દ્રવ્ય પોતે ગુણ–પર્યાયસ્વરૂપ છે, ગુણ–પર્યાયનો આત્મા તે દ્રવ્ય; ગુણપર્યાયાત્મક
દ્રવ્ય–એવું તેનું સ્વરૂપ છે. (गुणपर्ययवत् द्रव्यम्ः તત્ત્વાર્થસૂત્ર)
વસ્તુનો વિસ્તાર ત્રણમાં છે: દ્રવ્ય–ગુણ–પર્યાય.
વસ્તુના વિસ્તારમાં પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય સિવાય બીજું કાંઈ ન આવે; ને
આ વસ્તુ વિસ્તરીને બીજા કોઈમાં જાય નહિ. પોતાના ગુણ–પર્યાય દ્રવ્યને પામે, ને
દ્રવ્ય–ગુણ–પર્યાયને પામે; બસ, તેમાં વસ્તુનું સર્વસ્વ આવી જાય છે.
તારો વિસ્તાર કેટલો? કે તારા જ્ઞાનાદિ અનંત ગુણો ને તેની પર્યાયો, તેમાં તારું
દ્રવ્ય છે; એ દ્રવ્ય વડે જ પોતાના ગુણ–પર્યાય પ્રાપ્ત કરાય છે, અર્થાત્ દ્રવ્ય પોતાના ગુણ
પર્યાયથી જુદું નથી. પરથી જુદું. નિમિત્તથી જુદું, પણ પોતાની પર્યાયથી જુદું નહિ.
પર્યાયની પ્રાપ્તિ પર્યાયમાંથી નથી, પર્યાયની પ્રાપ્તિ દ્રવ્ય વડે જ છે. બસ, આવો નિર્ણય
કરતાં પર્યાયબુદ્ધિ ન રહી, એટલે તે કાળે દ્રવ્ય વડે નિર્મળ પર્યાય પ્રાપ્ત થઈ છે.
આ રીતે અરિહંતદેવના માર્ગમાં દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ સ્વરૂપ ઓળખતાં
જરૂર મોહનો નાશ થઈને સમ્યગ્દર્શનાદિ થાય છે.
હે જીવ! આવો જિનમાર્ગ પામીને તું પરમ ઉદ્યમ કર.
મરણ ટાણે આનંદ
મરણ ટાણે કોઈ શરણ નથી.......પણ જો મરણ આવ્યા
પહેલાં શરણભૂત સ્વભાવને શોધી લ્યે તો આનંદપૂર્વક દેહ છૂટે.
એને મરણ ટાણે દુઃખ નથી, મરણ ટાણે આનંદ છે. દેહથી ભિન્ન
આત્માને જાણ્યો ત્યાં મરણ પોતાનું છે જ ક્યાં? પછી મરણનો
ભય કેવો?
ભાઈ, અત્યારે પણ આત્માને કોણ શરણ છે? પોતાના
સ્વભાવ સિવાય બીજું કોઈ શરણ નથી. અત્યારે, કે મરણ ટાણે, કે
મરણ પછી બીજા ભવમાં, જીવને પોતાના નિજાનંદસ્વરૂપ ચૈતન્ય જ
શરણરૂપ છે, બીજું કોઈ શરણરૂપ નથી–આવું ભાન કરે તેને
અશરણપણે દેહ ન છૂટે પણ આનંદનું વેદન કરતાં કરતાં દેહ છૂટી
જાય...ને સમાધિમરણપૂર્વક આરાધના સાથે લઈને ચાલ્યો જાય.

PDF/HTML Page 16 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
* * * ત્રણ રત્નન
કિંમત સમજીએ * * *
સંસારમાં અનંતાનંત જીવોમાંથી અસંખ્યાતજીવો જ મનુષ્ય હોય છે એટલે
ત્રિરાશીને હિસાબે ગણતાં અનંતજીવોમાંથી માત્ર એકજીવ મનુષ્ય થાય.
આવું દુર્લભ મનુષ્યપણું છે. દ્રષ્ટિગોચર ક્ષેત્રમાં રહેલા કરોડો–અબજો મનુષ્યોમાં
પણ મોટા ભાગના મનુષ્યો તો માંસ–દારૂ ને મધ જેવા અભક્ષ્ય–સેવનના પાપસમુદ્રમાં
એવા ડુબેલા છે કે જેને ધર્મના શ્રવણ જેટલા વિશુદ્ધપરિણામ જ નથી.
હવે બાકી રહેલા થોડાઘણા મનુષ્યોમાંથી પણ મોટા ભાગને તો કુદેવ–કુગુરુ–
કુધર્મના સેવનનું એવુ ભૂત વળગ્યું છે કે કોઈ પણ જાતની વિવેકબુદ્ધિ વગર ગાંડાની
માફક ગમે તે ક્રિયામાં ધર્મ મનાવી રહ્યા છે. અરે, જ્યાં તીર્થંકર ભગવાનના માર્ગની
ધમધોકાર પ્રરૂપણા ચાલે છે એવા સોનગઢની નજીકમાં તેમજ સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં
ને બીજે પણ ધર્મના નામે લાખો લોકોને ગૃહીત–મિથ્યાત્વનું જે ભૂત વળગેલું દેખાય છે
ત્યારે એમ થાય છે કે અરેરે! આ જીવો મનુષ્યપણું તો પામ્યા પણ એમને પંચપરમેષ્ઠી
ભગવાનનું નામ પણ સાંભળવા ન મળ્‌યું...ગૃહીતમિથ્યાત્વના ભૂતે એમને ભરમાવ્યા.
ધન્ય છે જગતમાં પંચપરમેષ્ઠી ભગવંતો,–કે જેમની ભક્તિરૂપ મંત્રના પ્રભાવે
ગૃહીતમિથ્યાત્વનું ભૂત આત્માની પાસે પણ આવી શકતું નથી.
વહાલા સાધર્મી બંધુઓ! જગતમાં અનેકવિધ કુધર્મો તો સદાય રહેવાના જ છે
કેમકે નરકાદિ ગતિ પણ સદાય ભરેલી જ રહેવાની છે, આપણે એવા કુધર્મો સાથે કાંઈ
નીસ્બત નથી. પરંતુ કુધર્મના દરિયાની વચ્ચે પણ આપણને ભવસમુદ્રથી તારીને
આત્માનો આનંદ દેનારા જે “ત્રણ રત્નો” મળ્‌યા છે–તે જગતમાં સર્વશ્રેષ્ઠ છે. આપણને
મળેલા એ વીતરાગી રત્નોને આપણે ઓળખીએ...જીવની જેમ એનું જતન કરીએ, ને
એમના જેવું આપણું જીવન બનાવીએ..તે માટે જરાય પ્રમાદી ન થઈએ, ને પરમ
બહુમાનપૂર્વક આ સાચા ત્રણ રત્નને સેવીએ...એવી ભાવનાથી અહીં પ્રાસંગિક ઉલ્લેખ
કર્યો છે. આપણા વીતરાગી અર્હન્તદેવ, આપણા વીતરાગી નિર્ગ્રંથ ગુરુઓ અને આપણા
વીતરાગીશાસ્ત્રો એ જગતમાં સર્વશ્રેષ્ઠ, સત્ય અને આત્મહિત માટે રત્નત્રય દેનારા
છે...તેનું જ સેવન કરો...ને એ સિવાય બીજા માર્ગ તરફ ભૂલેચૂકે જરાય ઝાંખીને પણ ન
જુઓ.
જયવંત વર્તો એ ‘ત્રણ રત્નો’.......કે જે ‘ત્રણરત્નના દાતાર’ છે.

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
ધર્માત્મા સ્વભાવ ઉપર
દ્રષ્ટિના બળે જ્ઞાને પોષે છે
તારણસ્વામીના સાહિત્ય ઉપર પૂ. ગુરુદેવના અષ્ટપ્રવચન
(બીજા) માંથી થોડોક સાર ગતાંકમાં આપેલો, તેનો બીજો ભાગ અહીં
આપીએ છીએ. કાચબી પોતાના ઈંડાને માત્ર દ્રષ્ટિવડે જ સેવે છે–એ
દ્રષ્ટાંત દ્વારા ધર્માત્માની શુદ્ધદ્રષ્ટિનું મહત્ત્વ બતાવ્યું છે, તે વાત પૂ.
ગુરુદેવે ઘણી સરસ રીતે આ પ્રવચનમાં સમજાવી છે.

શ્રાવકાચારની ગા. ૪૦૦માં કાચબીનું દ્રષ્ટાંત આપીને કહે છે કે જેમ કાચબી
દ્રષ્ટિવડે જ ઈંડાને સેવે છે, તેની નજર ઈંડા ઉપર ચોંટી છે. નિરંતર તેનું ધ્યાન રહે છે ને
એ રીતે ઈંડું વધે છે, તેમ ધર્માત્માએ પાંચઈન્દ્રિયો તરફથી ઉપયોગને સંકોચી લીધો છે ને
અંતરમાં શુદ્ધબોધિબીજસ્વભાવ ઉપર સમ્યગ્દર્શનરૂપી દ્રષ્ટિને એકાગ્ર કરી છે, નજરની
મીટ શુદ્ધઆત્મા ઉપર માંડી છે, આવી શુદ્ધ દ્રષ્ટિના બળે તેનું જ્ઞાન વૃદ્ધિગત થતું જાય છે.
અનેક પ્રકારનું પઠનપાઠન, અનેક પ્રકારની દાનાદિ ક્રિયાઓ, તેના વડે દર્શનશુદ્ધિ થતી
નથી, અને દર્શનશુદ્ધિ વગરની તે બધી ક્રિયાઓ વૃથા છે. શુદ્ધઆત્મા ઉપર દ્રષ્ટિ હોવા
છતાં ધર્મીનેય ભગવાનની પૂજા–ભક્તિ વગેરે શુભભાવો આવે છે. પણ તેને તે
મોક્ષમાર્ગ માનતા નથી. પુણ્યબંધનું કારણ જાણે છે. શુદ્ધાત્માના અનુભવના પ્રતાપે તેનું
જ્ઞાન વધતું જાય છે.–બહારનું જાણપણું વધવાની આ વાત નથી પણ અંદર સ્વભાવને
પકડવાની જ્ઞાનશક્તિ વધતી જાય છે. શાસ્ત્રાદિનું જાણપણું તે વ્યવહારું જ્ઞાન છે, પોતાના
સ્વભાવને જાણવો તે પરમાર્થજ્ઞાન છે, ને તે સ્વભાવના અવલંબને જ કેવળજ્ઞાન થાય
છે.
જુઓ, ‘શ્રાવકાચાર’ માં શ્રાવકને માટે પણ આવો જ ઉપદેશ આપ્યો કે હે
શ્રાવક! તારું જ્ઞાન પણ અંદરથી વધે છે, બહારથી નથી આવતું દ્રષ્ટિના પ્રભાવથી
જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જેમ કાચબીની નજર ઈંડા ઉપર છે તેમ સમ્યગ્દ્રષ્ટિનું લક્ષ
જ્ઞાનસ્વભાવ ઉપર છે. જેના આત્મામાં સમ્યગ્દર્શન વિદ્યમાન છે તે સમ્યકદ્રષ્ટિરૂપી
ચક્ષુદ્વારા શ્રુતજ્ઞાનરૂપ ઈંડાને પોષીને સ્વયં કેવળજ્ઞાન પ્રગટ કરે છે. જુઓ, સમ્યગ્દ્રષ્ટિ
સાધુને શાસ્ત્ર ભણ્યા વગર અંતરથી જ્ઞાનસ્વભાવના અવલંબને બાર અંગનું જ્ઞાન ઉઘડી
જાય છે, પુસ્તકોના ભણતરથી કાંઈ બાર અંગનું જ્ઞાન ન ખીલે. પંખી તો

PDF/HTML Page 18 of 49
single page version

background image
: પોષ : આત્મધર્મ : ૧પ :
પાંખની હૂંફ વડે ઈંડાને પોષે છે, પણ કાચબી તો વગર–પાંખે માત્ર દ્રષ્ટિના બળે ઈંડાને
પોષે છે. તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવ વગર–પાંખે એટલે વગરપઢયે દ્રષ્ટિના બળે પોતાના
જ્ઞાનબીજને પોષે છે. શુદ્ધાત્મામાં દ્રષ્ટિથી તેને ભાવશ્રુત વધતું જાય છે. બાર અંગનું જ્ઞાન
બહારથી ભણાતું નથી પણ અંદરથી જ ખીલે છે, અને તે પણ શુદ્ધાત્મા ઉપર જેને દ્રષ્ટિ
હોય તેને જ ખીલે છે. મિથ્યાદ્રષ્ટિને બાર અંગનું જ્ઞાન કદી ખીલતું નથી. ભલે, ભક્તિ–
પૂજા–સ્વાધ્યાયના શુભભાવ હો, પણ તેની કિંમત કેટલી? કે પુણ્ય બંધાય એટલી; પણ
તેનાથી મોક્ષમાર્ગ ન મળે. મોક્ષમાર્ગરૂપ ધર્મ તે તો આત્માના નિર્વિકલ્પ સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગ પરિણામ છે.
એકેક આત્મા સર્વજ્ઞસ્વભાવી છે તે સ્વભાવ ઉપર મીટ માંડતાં જ્ઞાનપ્રકાશ
વગરપઢયે પણ ખીલતો જાય છે. આવા સ્વભાવની દ્રષ્ટિ કરાવે તે શુદ્ધ ઉપદેશ છે.
બહારથી જ્ઞાન પ્રગટવાનું બતાવે તો તે ઉપદેશ શુદ્ધ નથી. પંડિત પઢીપઢીને પઢે પણ
અંતરનું તો ભાન નહિ, –એવી અંતરદ્રષ્ટિ વગરની પંડિતાઈ તો કણ વગરના ફોતરાં
ખાંડવા જેવી છે.
કાચબીનું ધ્યાન નિરંતર ઈંડા તરફ છે તેમ સમ્યગ્દ્રષ્ટિનું ધ્યાન (દ્રષ્ટિનું જોર)
નિરંતર સ્વ–ધ્યેય ઉપર છે, તેમાં જ તેની ગાઢ રુચિ છે, તેથી નિરંતર તેનું જ્ઞાન પોષાતું
જાય છે. પંખી તો પાંખથી સેવે છે ને કાચબી માત્ર દ્રષ્ટિવડે સેવે છે. તેમ સમ્યગ્દ્રષ્ટિના
પરિણામ શુદ્ધાત્મામાં જ રંજાયમાન છે, પોતાના શુદ્ધાત્મા સિવાય બીજા કોઈ પદાર્થ વડે
તે રંજિત થતા નથી, દ્રષ્ટિ શુદ્ધાત્મા વડે જ રંગાયેલી (રંજિત) છે; આવી અંતરદ્રષ્ટિ વડે
તે જ્ઞાનને સેવે છે. વગર ભણ્યે, વગર વાંચ્યે અંદરની નિર્વિકલ્પ શુદ્ધદ્રષ્ટિ વડે જ તેનું
જ્ઞાન વધ્યા કરે છે. આત્માનું સ્વસંવેદન કરવારૂપ જ્ઞાન–શક્તિ દિનપ્રતિદિન જ્ઞાનીને
વધતી જાય છે. આવું જ્ઞાન ને આવી દ્રષ્ટિવાળા અસંખ્યાતા તિર્યંચજીવો પંચમગુણસ્થાને
બિરાજી રહ્યા છે; નરકમાં ને સ્વર્ગમાંય આવી દ્રષ્ટિવાળા અસંખ્યાતા જીવો
ચોથાગુણસ્થાને વર્તી રહ્યા છે. તિર્યંચને શાસ્ત્રની ભાષા વાંચતાં–લખતાં કે બોલતાં ભલે
ન આવડે પણ અંદરમાં અપૂર્વ ભાવશ્રુતવડે શુદ્ધાત્મા તેણે પકડી લીધો છે, સ્વજ્ઞેયને
જાણી લીધું છે. પરજ્ઞેયસંબંધી જ્ઞાન ઓછું–વધતું હો તે જુદી વાત છે, પણ સ્વજ્ઞેયને
પકડવારૂપ અચિંત્યજ્ઞાનશક્તિ જ્ઞાનીને વધતી જ જાય છે. એ કાંઈ લખ્યામાં ન આવે.
જુઓ, કેવળજ્ઞાન થયા પછી મહાવીર ભગવાનની વાણી રાજગૃહીમાં વિપુલાચલ પર
સમવસરણમાં પહેલીવાર નીકળી ને ગૌતમ ગણધરે તે સાંભળી, પછી બે ઘડીમાં
બારઅંગની રચના કરી. લખ્યે–વાંચ્યે એ બાર અંગનો પાર ન આવે. જેમ અત્યારે
ભણતરમાં પુસ્તકો ગોખીગોખીને શીખે

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
છે, તેમ બારઅંગ કાંઈ પુસ્તક વાંચીને નથી ભણાતા, એ તો અંદરથી ચૈતન્યદરિયો
ઉલ્લસીને બારઅંગનું જ્ઞાન ખીલી જાય છે. અહા, અગાધ ચૈતન્યસાગર પાસે તો
બારઅંગનું જ્ઞાન પણ એક નાના તરંગ જેવું છે; એનાથી અનંતગણી તાકાત
કેવળજ્ઞાનમાં છે. પણ એ જ્ઞાન બહારના સાધનોથી નથી થતું. જેમ બહારથી પાણી
રેડીને દરિયામાં ભરતી લાવી શકાતી નથી, દરિયો પોતે મધ્યબિંદુથી ઉલ્લસતાં
ભરતી આવે છે. તેમ ચૈતન્યસમુદ્ર–આત્મામાં ઈન્દ્રિયો દ્વારા કે રાગદ્વારા જ્ઞાનની
ભરતી લાવી શકાતી નથી, જ્ઞાન પોતે પોતામાં એકાગ્ર થઈને મધ્યબિંદુથી ઉલ્લસતાં
કેવળજ્ઞાનની ભરતી આવે છે; અથવા સમ્યગ્દર્શનરૂપી ચંદ્રમાવડે શ્રુતનો સાગર
ઉછળે છે. અને જેમ સૂર્યનો તીવ્રતાપ પણ સમુદ્રની ભરતીને રોકી શકતો નથી, તેમ
પ્રતિકૂળતાના ગંજ પણ જ્ઞાનના વિકાસને રોકી શકતા નથી, શુદ્ધદ્રષ્ટિના બળે પોતે
પોતામાં એકાગ્ર થઈને જ્ઞાનદરિયો ઉછળવા લાગ્યો તેને કોઈ રોકી શકે નહિ.
આત્માની શુદ્ધદ્રષ્ટિ વગરના જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. કેમકે તેની એકાગ્રતા જ્ઞાનમાં
નથી, તે તો રાગમાં એકાગ્ર થઈને વર્તે છે. એવા બહારના જાણપણાની મોક્ષમાર્ગમાં
કાંઈ કિંમત નથી. જે જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના આત્માને ન સાધે એની શી
કિંમત!–એને તે જ્ઞાન કોણ કહે? શુદ્ધદ્રષ્ટિવડે જ જ્ઞાનનો પાર પમાય છે, ને
મોક્ષમાર્ગ સધાય છે. દર્શનહિન જીવ તપ વગેરે ક્રિયા કરીને પણ (
हिंडंति संसारे)
સંસારમાં જ ભમે છે–એમ તારણસ્વામીએ પણ કહ્યું છે.
આત્મા જિનસ્વરૂપ છે, અરિહંત જેવો જ એનો સ્વભાવ છે; આવા
વિમલસ્વભાવના અવલંબન વડે કર્મબંધનનો ક્ષય કરીને આત્મા સ્વયં અનંત
ચતુષ્ટયસહિત સિદ્ધિ–સંપદા પ્રાપ્ત કરે છે.
જુઓ, આ શુદ્ધઉપદેશ! અહો! સિદ્ધ જેવો એક પ્રકારનો મારો સ્વભાવ છે,
સિદ્ધમાં ને મારામાં કાંઈ ફેર નથી;–આવો શુદ્ધઉપદેશ ભગવાને આપ્યો છે. (–‘સર્વ
જીવ છે સિદ્ધસમ........જે સમજે તે થાય’) શ્રીમદ્રાજચંદ્ર પણ કહે છે કે–
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.
આવા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખવું તે ભગવાનના ઉપદેશનો સાર છે;
સિદ્ધમાં જેમ રાગાદિ નથી તેમ મારા સ્વભાવમાં પણ રાગાદિ નથી; સિદ્ધ
ભગવાનને સ્વભાવના આશ્રયે કર્મ–બંધન છૂટીને સિદ્ધદશા પ્રગટ થઈ છે, તેમ મને
પણ મારા

PDF/HTML Page 20 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
સ્વભાવના આશ્રયે સિદ્ધદશા થાય છે. આ જ સિદ્ધપદ પામવાની રીત છે. આવા
માર્ગનો ઉપદેશ કરવો તે સાચો ઉપદેશ છે. બાકી અજ્ઞાની જીવ લોકોની
અનુકૂળતા મેળવવા ખાતર રાગના પોષણનો ઉપદેશ આપે છે એમાં તો
જનરંજનની કથા છે, જનરંજન માટેની વિકથા છે. એવા ઉપદેશથી લાભ
મનાવનારા જીવો તો જિનદ્રોહી છે,–જિનશાસનના વેરી છે. રાગને મોક્ષનું સાધન
કહેવું તે તો સમ્યગ્દર્શનથી વિરુદ્ધ એવી વિકથા છે, એ વાત આ ઉપદેશશુદ્ધસારમાં
તારણસ્વામીએ લખી છે. રાગથી ધર્મ મનાવીને વિકથા દ્વારા જનરંજન કરે છે
તેને જિનવરદેવે ‘જિનદ્રોહી’ કહ્યા છે, તે જિનમાર્ગના ઉપાસક નથી પણ દ્રોહ
કરનારા છે, અને તે દુર્ગતિમાં પડે છે.
વિજ્ઞાનઘન એવો જે આત્મા તેના જ્ઞાનથી જે રહિત છે તે જીવો રાગમાં જ રક્ત
વર્તતા થકા જનરંજન કરે છે, પણ આત્મરંજન–આત્માને કેમ રાજી કરવો તેની તેને
ખબર નથી, અને જિનમાર્ગના નામે ગરબડ ચલાવે છે, તે જિનમાર્ગના દ્રોહી છે. એનું
ફળ તો નરકાદિનાં મહાન દુઃખ છે. માટે એનાથી બચવા તું સિદ્ધ જેવા તારા આત્માને
જાણ–એમ ભગવાનનો ઉપદેશ છે.
(નોંધ:– આ લેખમાં આપવામાં આવેલ કાચબીનું દ્રષ્ટાન્ત સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ
નથી; પણ બુંદેલખંડમાં તે પ્રકારનું દ્રષ્ટાંત ચાલતું હશે તેથી તારણસ્વામીના પુસ્તકમાં
તેનો ઉલ્લેખ છે. દ્રષ્ટાંત દ્વારા ધર્માત્માની દ્રષ્ટિ સમજાવવી તે તાત્પર્ય છે.)
‘‘પારસનાથ!’’
દસબાર વર્ષની બે બહેનો; તેમાં એકવાર મોટી બહેને નાની
બહેનના હાથમાં ખાવાની કંઈક વસ્તુ આપી; નાની બહેન તે
હાથમાં લેતાં કંઈક શબ્દ બોલી; તેની સામે મોટીબહેને પણ એ જ
શબ્દ કહ્યો, ત્યારપછી નાની બહેને તે વસ્તુ ખાધી. આ વિધિ
સમજાણી નહિ, એટલે પૂછતાં ખુલાસો કર્યો કે બંને બહેનો
‘પારસનાથ’ એમ બોલી હતી. કેમકે તે બહેને એવો નિયમ રાખ્યો
છે કે કંઈપણ વસ્તુ ખાતાં કે પાણી પીતાં પણ, પહેલાં ભગવાનનું
નામ પોતે લ્યે, અને તે જ પ્રમાણે સામી કોઈ વ્યક્તિ પણ
ભગવાનનું નામ લ્યે, ત્યાર પછી જ પોતે ખાય કે પીએ. કોઈવાર
પોતે એકલી હોય ને સામે ભગવાનનું નામ લેનાર બીજું કોઈ
હાજર ન હોય તો ત્યાંસુધી તે ખાય–પીએ નહિ. તે મુંબઈમાં રહે છે.
આખા દિવસમાં ગમે ત્યારે પાણી પીવું હોય તોપણ એ રીતે
પરસ્પર ભગવાનનું નામ લઈને જ પીએ. કેવી મજાની વાત!