Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 44
single page version

background image
૩૦૬
તારા પગલે પગલે નાથ, વહે છે આતમરસની ધાર
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ ચૈત્ર (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ: ૨૬ : અંક ૬

PDF/HTML Page 2 of 44
single page version

background image
મહાવીર–જન્મની
મંગલ વધાઈ
(સંપાદકીય)
ચૈત્ર સુદ તેરસ.....
વીરજન્મની મંગલ વધાઈ!
તીર્થંકરના જન્મની એ વધાઈ ક્ષણમાત્રમાં વિશ્વભરમાં
પ્રસરી ગઈ, ને ત્રણલોકના જીવો ક્ષણભર સુખ પામ્યા....જેના
જન્મના પ્રભાવથી જગતમાં અજવાળા થયા એ આત્માના
દિવ્યમહિમાનું ચિંતન કરતાં ઘણાય જીવોના અંતરમાં જ્ઞાનના અજવાળાં પ્રગટયા.....ધર્મની
ધારા વર્દ્ધમાન થવા માંડી. તેથી એમનું નામ પડ્યું ‘વર્દ્ધમાન.’
બિહારની વૈશાલી અને કુંંડગ્રામ ધન્ય બન્યા.....માતા પ્રિયકારિણી અને સિદ્ધાર્થરાજા
જગતના માતા–પિતાનું બિરુદ પામ્યા......મોક્ષમાર્ગી હોવાની તેમને મહોર લાગી.
પ્રભુ વર્દ્ધમાન આરાધક તો હતા જ, સિંહના ભવથી માંડીને દસ–દસ ભવથી પુષ્ટ કરેલી
આત્મસાધના આ ભવે પૂર્ણ કરવાની હતી. દર્શનઆરાધના અને જ્ઞાન આરાધના તો જન્મથી જ
સાથે લાવ્યા હતા, એ આરાધના વર્દ્ધમાન કરતાં કરતાં ત્રીસ વર્ષની વયે તો સંસારથી વિરક્ત
થઈને પ્રભુએ ચારિત્રપદ ધારણ કર્યું, ને ‘પરમેષ્ઠી’ બન્યા....માતા–પિતા બિરાજમાન, છતાં એમના
મોહમાં એ ન રોકાયા. આત્મસાધક વીરને મોહનાં બંધન કેમ પાલવે? મોહના બંધન તોડીને પ્રભુ
નિર્મોહી બન્યા. તેમની આત્મસાધના ઉગ્ર બની.....અનેક પરિસહો આવ્યા, અનેક ઉપદ્રવો
આવ્યા....દેવોએય એમને ડગાવવા પ્રયત્ન કર્યો......પણ એ તો વીર હતા..... સ્વરૂપની સાધનાથી
એ ન ડગ્યા તે ન ડગ્યા....સાધકભાવની ધારાને વર્દ્ધમાન કરી કરી તેમણે કેવળજ્ઞાન સાધ્યું. ને ફરી
એકવાર કેવળજ્ઞાનકલ્યાણકના દિવ્યપ્રકાશથી વિશ્વના પ્રાણીઓ ઝબકી ઊઠ્યા....જિનમહિમા સર્વત્ર
પ્રસરી ગયો. રાજગૃહીમાં વિપુલાચલ પર દિવ્યધ્વનિના ધોધ વહ્યા ત્યારે એ વીરવાણી ઝીલીને
અનેકજીવો આત્મિકવીરતા પ્રગટ કરીને વીરમાર્ગે વિચર્યા......કોઈ ગણધર થયા તો કોઈ મુનિ
થયા, કોઈ અર્જિકા થયા, કોઈ શ્રાવક કે શ્રાવિકા થયાં, ઘણાય જીવો સમ્યક્ત્વ પામ્યા.–આમ–
સ્વપરમાં ધર્મવૃદ્ધિ કરીને વર્દ્ધમાને પોતાનું નામ સાર્થક કર્યું.....જીવન સાર્થક કર્યું.
એ મહાવીરનો આદર્શ ઝીલીને મુમુક્ષુજીવો આજેય વીરતાપૂર્વક એ વીરનાથના
વીતરાગીમાર્ગે વિચરી રહ્યા છે. આપણે પણ એ જ વીર–માર્ગે જઈએ.... ‘જય મહાવીર’

PDF/HTML Page 3 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૧ :
આ અંકનો ખાસ વધારો
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા ચૈત્ર
વર્ષ ૨૬ : અંક ૬
રાજકોટમાં મંગલ–પ્રવચન
શુદ્ધાત્મરસની અમીધાર વરસાવતો
મેહૂલો મધુર નાદે ગાજે છે ને હજારો તરસ્યા
જીવોની તૃષા છીપાવે છે)
પૂ. ગુરુદેવ ચૈત્ર સુદ પાંચમ ને રવિવાર તા. ૨૩–૩–૬૯ ના રોજ
સોનગઢથી મંગલપ્રસ્થાન કરીને રાજકોટ પધાર્યા......ને જિનમંદિરમાં
સીમંધરનાથના દર્શન કરીને અર્ઘ ચડાવ્યો. જિનમંદિરની વેદીનું દ્વાર પૂરું
ખૂલી ગયું હોવાથી અહીંનો દેખાવ પણ સોનગઢ જેવો લાગે છે. નિજમંદિર
આરસની કારીગરીથી શોભે છે. મંડપમાં ગુરુદેવના સ્વાગતની વિધિ
બાદ, નિયમસારની ૩૮ મી ગાથા ઉપર પ્રવચન શરૂ કરતાં ગુરુદેવે કહ્યું કે–
નિયમસારની આ ૩૮ મી ગાથા મોક્ષમાર્ગને માટે માંગળિક છે. આ ભગવાન
આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેને શરીરાદિ સંયોગો તો શરણ નથી. પુણ્ય–પાપના સંકલ્પ–
વિકલ્પો પણ એને શરણ નથી. જેના લક્ષે શાંતિ થાય, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય એવો
ધુ્રવ આત્મસ્વભાવ જ શરણરૂપ ને ઉપાદેય છે. સંવર–નિર્જરા વગેરે એક સમયની પર્યાય
જેટલો પણ પરમાર્થ જીવ નથી; પરમાર્થ જીવ કેવો છે તે વાત જીવે અંતરમાં રુચિ કરીને
સાંભળી પણ નથી. જીવનું એ પરમાર્થ સ્વરૂપ આચાર્યદેવે આ ગાથામાં બતાવ્યું છે.
શરીરાદિ સંયોગો તો કદી આત્માના થઈને રહ્યા નથી; રાગાદિ વિકારી ભાવો પણ
આત્માના સ્વભાવરૂપ થઈને રહ્યા નથી; અને અંતરમાં સંવર–

PDF/HTML Page 4 of 44
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
નિર્જરારૂપ જે વીતરાગ પર્યાય થાય, જે ક્ષાયકાદિ ભાવ થાય તે પણ પર્યાયપણે રહ્યા છે,
પણ તે ધુ્રવ સ્વભાવરૂપ થયા નથી. આવો જે એકરૂપ ધુ્રવસ્વભાવ છે તે નિશ્ચયથી શુદ્ધભાવ
છે, તે જ પરમાર્થ જીવ છે, અને તે જ ઉપાદેય છે. અંતરમાં તેને લક્ષગત કરીને ઉપાદેય
કરવો તે અપૂર્વ મંગળ છે.
ફત્તેપુર પછી ૧૧ દિવસ બાદ આજે ગુરુદેવનાં પ્રવચનો ફરી શરૂ થતાં સૌને હર્ષ
થયો હતો. શુદ્ધાત્મરસની અમીધાર વરસાવતો મેહૂલો મધુર નાદે ગાજે છે, ને હજારો
તરસ્યા જીવોની તૃષા છીપાવે છે.
બપોરના સમયે નિવૃત્તિથી સ્વાધ્યાય કરતાં–કરતાં વચ્ચે વૈરાગ્યના અનેક પ્રસંગોને
યાદ કરીને ગુરુદેવે કહ્યું કે અરે, છખંડના રાજને છોડીને ચક્રવર્તી ધર્માત્મા મુનિ થતા હશે–
એ દશા કેવી! ભેદજ્ઞાન કરીને અંતરમાં ભિન્ન આત્માને જાણ્યો; ત્યાં ‘અમારું છે તે અમે
સાથે લઈને જઈએ છીએ; ને જે અમારું હતું જ નહિ તેને અમે અહીં છોડીને જઈએ છીએ,
અમારા જ્ઞાન ને આનંદમાં અમે જઈએ છીએ. –એમ ધુ્રવસ્વભાવમાં એકાગ્રતા વડે જ્ઞાન ને
આનંદ એકસાથે પ્રગટે છે.
આ વાત ભાષા માત્ર નથી, અંદર ભાવ પ્રગટવો જોઈએ. ખરી કસોટીનો પ્રસંગ
આવે ત્યારે અંદરના કસની ખબર પડે. આમ ગુરુદેવ પાસે વૈરાગ્યપૂર્ણ વિવિધ ચર્ચાઓ
થતી હતી. ‘જ્ઞાનચક્ષુ’ પુસ્તક માટે હસ્તાક્ષર કરી આપતાં ગુરુદેવે લખ્યું કે–
“જ્ઞાન છે તે અવિનાભાવી આનંદવાળું છે, તેથી ધુ્રવસ્વરૂપનો આશ્રય કરતાં જ્ઞાન
અને આનંદ એકીસાથે પ્રગટ થાય છે.”
બપોરના પ્રવચનમાં પંચાસ્તિકાયની ૧૬૩ મી ગાથા વંચાણી હતી. તેમાં
સર્વજ્ઞસ્વભાવનો અપાર મહિમા સમજાવતાં ગુરુદેવે કહ્યું કે–આત્માનો સ્વભાવ પૂર્ણ જ્ઞાન
ને આનંદથી ભરેલો છે. એવો દ્રવ્યસ્વભાવ છે ને તેનો આશ્રય કરતાં જ્ઞાન ને આનંદ
પર્યાયમાં એકસાથે પ્રગટે છે. ધુ્રવસ્વભાવ જેવો છે તેવો તેનો અનુભવ–લક્ષ–શ્રદ્ધા
ભવ્યજીવને જ હોય છે, અભવ્યજીવોને તેનો અનુભવ હોતો નથી. અંતરમાં
જ્ઞાનાનંદસ્વભાવની સન્મુખ થતાં પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદની પ્રતીત ને અનુભવ થાય છે;
ને ત્યારે સર્વજ્ઞની ખરી ઓળખાણ થાય છે.
અહો! દરેક આત્મા સર્વજ્ઞસ્વભાવે પૂરો છે. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી
તેનું જ્ઞાનસામર્થ્ય પરિપૂર્ણ છે, અંતર્મુખ થઈને તેનો પૂરો આશ્રય લેતાં

PDF/HTML Page 5 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
સર્વજ્ઞપદ પ્રગટે છે. ત્યારે તે જીવ સર્વ પદાર્થોને જાણે છે અને પૂર્ણ સુખને અનુભવે છે.
આવા સર્વજ્ઞપદને ભવ્ય જીવો જ ઓળખે છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન–દર્શન છે. તે સ્વભાવની પ્રતિકૂળતા તે દુઃખ છે, અને તે
સ્વભાવમાં પ્રતિકૂળતાનો અભાવ તે સુખ છે. સ્વભાવની પ્રતિકૂળતા અથવા સ્વભાવનો
પ્રતિઘાત–એટલે શું? જ્ઞાન–દર્શન પોતે અતીન્દ્રિય સ્વભાવવાળા હોવા છતાં, વિષયોમાં
પ્રતિબદ્ધપણું થતાં તેનો સ્વભાવ હણાય છે, એનું નામ સ્વભાવની પ્રતિકૂળતા છે.
અમર્યાદિત સમસ્ત જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવા છતાં, તે સ્વભાવનો આશ્રય ન લીધો
ને પરાશ્રયમાં અટકી ગયો, એટલે સ્વભાવને ન અનુસરતાં પરને અનુસર્યો તેની
સર્વજ્ઞસ્વભાવથી પ્રતિકૂળતા થઈ, પર્યાયમાં રૂકાવટ થઈ; અંર્તસ્વભાવના આશ્રયે એકાગ્ર
થતાં તે રૂકાવટ ગઈ એટલે પ્રતિકૂળતા ટળી, અને પૂર્ણ જ્ઞાન પ્રગટ્યું; તે જ્ઞાન
અવિનાભાવી આનંદ વાળું છે.
આત્મા પરિપૂર્ણ જ્ઞાન–આનંદ સ્વભાવી છે; તેનો પૂરો આશ્રય કરતાં સ્વભાવનો
પ્રતિબંધ રહે નહિ. સ્વભાવનો પ્રતિઘાત થાય નહિ, એ જ પૂર્ણ સુખ છે. અને સ્વભાવનો પૂરો
આશ્રય ન લીધો ત્યારે રાગવાળું ક્ષાયોપશમિક જ્ઞાન પોતે જ્ઞેયોમાં પ્રતિબદ્ધ થયું, એટલે
જ્ઞાનના પૂર્ણ સ્વભાવનો પ્રતિઘાત થયો; કોઈ બીજાએ નથી રોકયું પણ જ્ઞાને પોતે સ્વભાવનો
પૂરો આશ્રય ન લીધો એટલે તે જ પોતે જ્ઞેયોમાં અટકતું થકું પ્રતિબદ્ધ– વાળું થયું.
આત્મા સર્વજ્ઞસ્વભાવથી પૂરો પ્રભુ છે, તેનામાં પ્રભુત્વશક્તિ છે; એની
પ્રભુત્વશક્તિનો પૂર્ણ વિકાસ કરતાં પર સમયની પ્રવૃત્તિ છૂટી જાય છે. અર્હંતાદિ પ્રત્યેના
રાગમાં રોકાવું તે પણ જ્યાં પરસમય પ્રવૃત્તિ અને કલેશ છે, ત્યાં કુદેવાદિનાં સેવનરૂપ
મિથ્યાપ્રવૃત્તિની તો વાત જ શી! અહીં તો કહે છે કે પૂર્ણ જાણવાના સામર્થ્યરૂપ
સર્વજ્ઞસ્વભાવ અલ્પ મર્યાદામાં રોકાઈ જાય તે પણ પ્રતિબંધ અને દુઃખ છે. સ્વભાવનો પૂર્ણ
આશ્રય ત્યાં નથી તેથી દુઃખ છે. સ્વભાવનો પૂર્ણ આશ્રય લેતાં રાગાદિના પ્રતિબંધનો
અભાવ થાય છે ને પૂર્ણ જ્ઞાન સહિત પૂર્ણ આનંદ પ્રગટે છે.
બાપુ! આ મનુષ્ય અવતાર તો ક્ષણમાં વીંખાઈ જશે; તેમાં આ આત્માની પ્રભુતાનું
ભાન કરવા જેવું છે. બાળ–બચ્ચાંના શરીરમાં પણ ભગવાન આત્મા એવો ને એવો વર્તે છે,
તે કાંઈ દેહરૂપ થતો નથી. અંદર ચૈતન્યતત્ત્વ પરમાત્મશક્તિથી પૂરું છે; પણ બહારમાં
વિષયોમાં આનંદ માનનારા વિષયાનંદી જીવો તો મહા ઝેરને સેવે છે.

PDF/HTML Page 6 of 44
single page version

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
અરે, તારી પ્રભુતાનું ભાન તને નહીં! ને પરમાં તારા જ્ઞાનને તું પ્રતિબદ્ધ કરી દે, –તો તેમાં
દુઃખ છે, તારા સ્વભાવની રુકાવટ છે. તે રુકાવટ, તે દુઃખ કેમ ટળે? કે સર્વજ્ઞસ્વભાવને
ઓળખીને તેનો પૂર્ણ આશ્રય કરે ત્યારે દુઃખ મટે, ને પૂર્ણ સુખ પ્રગટે. ત્યાં સ્વભાવની
પ્રતિકૂળતાનો અભાવ છે. –આવી મોક્ષદશા છે, તેમાં અચલિતપણે પરમાર્થસુખનો અનુભવ
છે.–આવા આત્માની શ્રદ્ધા કરનારા ભવ્યજીવો મોક્ષમાર્ગને યોગ્ય છે.
આવો મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે અપૂર્વ મંગળ છે.
* * * * *
રાજકોટમાં ગુરુદેવના બંને પ્રવચનનોની થોડી થોડી પ્રસાદી આપે ચાખી; હવે સાથે
સાથે રાતની તત્ત્વચર્ચામાંથી પણ થોડો અધ્યાત્મરસ ચાખો:–
એક પ્રશ્નકારનો પ્રશ્ન થયો કે– ‘સત્પુરુષની સેવાથી કલ્યાણ થાય છે, એ વાત કેટલા
ટકા સાચી?
જરાય વિલંબ વગર ગુરુદેવે કહ્યું કે સોએ સો ટકા સાચી;–પણ, સત્પુરુષ એટલે
પરમાર્થે પોતાનો આત્મા એમ સમજવું. (સત્પુરુષો પણ એમ જ કહે છે કે તું તારા સત્
આત્માને ઓળખીને તેનું સેવન કર.)
શુદ્ધનય અને તેના વિષય સંબંધમાં કેટલાય પ્રશ્નોત્તર થયા; એક પ્રશ્ન એમ થયો કે
અનુભવમાં જ્યારે નિર્વિકલ્પ શુદ્ધનય હોય ત્યારે તેનો વિષય શું?
ગુરુદેવે અંદરની ગંભીરતાથી કહ્યું કે અધ્યાત્મદ્રષ્ટિથી નય અને નયના વિષયમાં ભેદ
નથી; નય અને નયનો વિષય બંનેને અભેદ ગણીને શુદ્ધજીવને (ભૂતાર્થ આત્માને) જ શુદ્ધનય
કહ્યો છે. અભેદદ્રષ્ટિમાં શુદ્ધનયને જ ‘ભૂતાર્થસ્વભાવ’ કહ્યો શુદ્ધનયનો વિષય ‘ભૂતાર્થ’, અને
ભૂતાર્થ તે શુદ્ધનય–એમ અધ્યાત્મમાં નય અને નયનો વિષય અભેદ છે; તેમાં ભેદ કે વિકલ્પ
નથી. પર્યાયે અંર્તસ્વભાવમાં ઝુકીને તેને વિષય બનાવ્યો ત્યારે શુદ્ધનય પ્રગટ થયો.
આમ ગુરુદેવના શ્રીમુખથી આત્મરસની મધુરી ધારા વરસાવતો મંગલ મેહુલિયો
વરસી રહ્યા છે, ને હજારો જીવો તે અમૃતરસનું પાન કરી રહ્યા છે....ચાલો, આપણે પણ
ત્યાં જઈએ, ને ગુરુદેવ દ્વારા પીરસાતા અનુભવરસનો સ્વાદ ચાખીએ. जय जिनेन्द्र
આત્મધર્મનો આગામી અંક વૈશાખ સુદ બીજના સમાચારો સહિત પ્રગટ
કરવાનો હોવાથી પાંચ દિવસ વિલંબથી, એટલે કે ત્રીસમી તારીખે પોસ્ટ થશે.

PDF/HTML Page 7 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૫ :
વીરપ્રભુનો જન્મોત્સવ

પાંચ વર્ષ પહેલાં–અમદાવાદનું આંગણું ને ચૈત્ર સુદ તેરસનો દિવસ.....ત્યારે ૨પ૬૨
વર્ષને ઓળંગીને ગુરુદેવે પ્રવચનમાં વીરપ્રભુના જન્મોત્સવનો સાક્ષાત્કાર
કરાવ્યો....વીરપ્રભુના જીવનનું ભાવભીનું દર્શન કરાવ્યું.....ને વીરહાકથી વીરપ્રભુનો સન્દેશ
સંભળાવ્યો.
ઘડીકમાં, ગદ્યથી તો ઘડીકમાં પદ્યથી, ઘડીકમાં વીરપ્રભુના જન્મનું હાલરડું
સંભળાવતા, તો ઘડીકમાં વીરપ્રભુની વીરહાક સંભળાવતા, એવી એ પ્રવચનની ધારા
અદ્ભુત હતી....તે સાંભળતા ત્રણ–ચાર હજાર શ્રોતાજનો વીરપ્રભુ પ્રત્યેની પરમ ભક્તિથી
ડોલી રહ્યા હતા....તે દિવસનું પ્રવચન અહીં આપ્યું છે.
આજ ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો મંગલ દિવસ છે. તેમણે આ ભવ
પહેલાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર કરેલો, પછી ઉન્નતિક્રમમાં આગળ વધતાં
વધતાં આ ભવમાં તેઓ પરમાત્મા થયા.
પૂર્વનાં ભવોમાં હજી તેમને કેવળજ્ઞાન થયું ન હતું પણ સર્વજ્ઞસ્વભાવી આત્માનું
ભાન હતું, અનુભવ હતો; તે ભૂમિકામાં આત્માને સાધતાં સાધતાં, ને તેની પૂર્ણતાની
ભાવના ભાવતાં ભાવતાં વચ્ચે એવી વૃત્તિ ઊઠી કે અહો, આવું ચૈતન્યતત્ત્વ જગતના બધા
જીવો પણ સમજે; ધર્મવૃદ્ધિ સાથેના આવા શુભવિકલ્પથી તીર્થંકરપ્રકૃતિ બંધાણી. જેમ ઊંચા
અનાજ પાકે ત્યાં ઘાસ પણ ઘણા પાકે છે, તેમ ધર્મ તે તો કસ છે, તે ધર્મની સાથે સાથે
સાધકદશામાં પુણ્ય પણ અલૌકિક પાકે છે. એવા અલૌકિક પુણ્ય સાથે ભગવાન મહાવીરનો
આત્મા આ ચૈત્ર સુદ તેરસે ભરતક્ષેત્રમાં અવતર્યો. સ્વર્ગમાંથી ત્રિશલા માતાની કુંખે
આવ્યા ત્યારે જ ત્રણ જ્ઞાન ને સમ્યગ્દર્શન તો સાથે જ લાવ્યા હતા. આત્માના શાંતરસના
અનુભવની દશા તો માતાની કુંખમાં આવ્યા ત્યારે પણ વર્તતી હતી.
નાની દસ વરસની ઉંમરે ભજન શીખેલા, તેમાં આવતું કે–

PDF/HTML Page 8 of 44
single page version

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
ત્રિશલા ઘેર મહાવીર જન્મ્યા રે...... એ ચૈતર તેરસ અજવાળી......
ત્યાં બહુ દેવ–દેવી આવે રે........ચૈતર તેરસ અજવાળી........
પાંસઠ વર્ષ પહેલાં આ ભજન ગાતા. ત્રિશલાની કુંખે અવતરીને જગતના
પ્રાણીઓને ધર્મનો સન્દેશ આપ્યો. કુદરતનો અનાદિ નિયમ છે કે જ્યાં જગતના ઘણા જીવો
ધર્મની તૈયારીવાળા થાય ત્યાં તીર્થંકર જેવા મહાત્મા પણ પાકે. કાંઈ જગતના ઉદ્ધાર ખાતર
કોઈ પરમાત્મા નવો અવતાર ધારણ કરતા નથી, પણ પરમાત્મપદનો સાધક કોઈ વિશિષ્ટ
આત્મા ઉન્નતિક્રમમાં આગળ વધતો પોતે પરમાત્મા થાય છે, ને તેના નિમિત્તે અનેક જીવો
પણ ભવથી તરે છે.
અરે, ભગવાન જન્મે ત્યારે તો ઈન્દ્ર–ઈન્દ્રાણી આવીને અલૌકિક ભક્તિથી મોટો
મહોત્સવ કરે છે. એનાં પુણ્યની શી વાત! ઈન્દ્ર અને ઈન્દ્રાણી અભિષેક પછી માતાજીને
સોંપતા પ્રાર્થના કરે છે કે હે માતા!
પુત્ર તમારો ધણી અમારો.....તરણા તારણ જહાજ રે......
માતા જતન કરીને રાખજો....તમ પુત્ર અમ આધાર રે.....
અહો, માતા! આપનો પુત્ર તે જગતનો તારણહાર છે......હે માતા! તું એકલા
મહાવીરની માતા નહિ પણ અમારી–આખા જગતની માતા છો. હે રત્નકૂંખધારિણી માતા!
આપને પણ અમે નમસ્કાર કરીએ છીએ. ભગવાનની માતા પણ એકભવે મોક્ષ પામનારી
છે, ઈન્દ્ર–ઈન્દ્રાણી પણ એક ભવતારી છે, ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાના છે. એવા ઈન્દ્ર
વગેરે પણ પરમ ભક્તિથી ભગવાનના જન્મનો મહોત્સવ કરે છે. એવા ભગવાનનો
જન્મદિવસ આજે છે.
પછી ભગવાને ૩૦ વર્ષની કુમાર અવસ્થામાં જ મુનિપણું પ્રગટ કર્યું, ચૈતન્યમાં
ઝૂલતી અપ્રમત્તદશા પ્રગટ કરી, ને ચાર જ્ઞાન પ્રગટ્યા.......પછી સ્વરૂપમાં લીન થઈ, શ્રેણી
ચડી, કેવળજ્ઞાન પ્રગટ કરી પરમાત્મા થયા, અરિહંત થયા....ને પછી સહજપણે, ઈચ્છા
વગર, જગતના ભવ્યજીવોના મહાન ભાગ્યે, ભગવાનની દિવ્યવાણી છૂટી....તે સાંભળીને
ઘણા જીવો ધર્મ પામ્યા....
ભગવાન મહાવીરે દિવ્યવાણીમાં શું કહ્યું? ‘अहिंसा परमो धर्म’ –અહિંસા એ પરમ
ધર્મ છે.....આ વીરનો ઉપદેશ છે. ચૈતન્યસ્વભાવ આત્મામાં રાગદ્વેષના ભાવો’ ઉત્પન્ન જ ન
થાય ને વીતરાગભાવ રહે–તે જ વીરની અહિંસા છે, ને તે જ ધર્મ છે–

PDF/HTML Page 9 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
વીર એવો જે આત્મા, તે અંતરના પુરુષાર્થની વીરતા વડે વીરના વીતરાગમાર્ગે ચડે, તે જ
વીરનો માર્ગ છે, એવો વીરનો માર્ગ અફરગામી છે...વીરના માર્ગે જે ચડયો તે વીતરાગ
થયે છૂટકો.....
ભગવાનના ભક્ત કહે છે કે અહો, વીરજિનેશ્વર! તારા ચરણે લાગું ને તારા માર્ગને
સાધું...અંતરમાં ચૈતન્યરસની ભરેલો અસંખ્યપ્રદેશી દરિયો, તેને સાધ્યો ત્યાં મોહ ભાગ્યો,
ને જીતનગારા વાગ્યા......અહો, આવું વીરપણું તો આત્મામાં જ છે. કાયરને આ વાત
આકરી લાગે છે, ને બાહ્યદ્રષ્ટિની–પરાશ્રયની વાત સહેલી લાગે છે. પણ હવે નાથ! અમે તો
આપણી વાણીથી જાણ્યું કે વીરપણું તો આત્મામાં જ છે. જ્ઞાન–ચારિત્રની શક્તિદ્વારા
અંદરના આ ધુ્રવપદની પ્રાપ્તિ થાય છે. અરે પ્રભુ! તારામાં રહેલી તારી પ્રભુતાને તેં કદી
જાણી નથી. અનંતી તારી શક્તિ, તેને પહિચાન્યા વગર, અનાદિ પરભાવોમાં ધર્મ માનીને
તેં તારા આત્માની હિંસા કરી છે, તે અધર્મ છે. અને રાગથી પાર ચૈતન્ય સ્વભાવ છે, તેને
શુભાશુભથી પાર ઓળખવો ને રાગાદિ પરભાવોથી ચૈતન્યપ્રાણને જરાપણ હણાવા ન
દેવા–તે ખરી અહિંસા છે, એ જ વીરની અહિંસા છે........એ જ વીરની હાક છે.
સંતો તે સર્વજ્ઞના પ્રતિનિધિ છે, તેઓ સર્વજ્ઞનો સન્દેશ જગતને સંભળાવે છે કે અરે
જીવો! પ્રતીત તો કરો.......તમારામાંય આવું સર્વજ્ઞપદ ભર્યું છે.....જગતના પદાર્થો વગર જ
પોતે પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે, પણ “મારે અમુક પરવસ્તુ વગર ચાલે નહિ” એમ
પરાધીનદ્રષ્ટિથી માન્યું છે ને તેથી જ પરાશ્રયથી સંસારમાં રખડયો છે. ખરેખર તો પરના
વગર જ (એટલે કે પરના અભાવથી જ) પોતે પોતાથી ટકેલો છે. દરેક તત્ત્વ પોતાની
અસ્તિથી ને પરની નાસ્તિથી જ ટકેલું છે. પોતાના અનંતગુણ પોતામાં છે–
જ્યાં ચેતન ત્યાં અનંતગુણ, કેવળી ભાખે એમ,
પ્રગટ અનુભવ આતમા.......નિર્મળ કરો સપ્રેમ રે......
ચૈતન્યપ્રભુ.....પ્રભુતા તમારી ચૈતન્યધામમાં.....
વીરપ્રભુએ કહેલી આ વાણી પાત્ર જીવોએ ઝીલી.....ને અંતર્મુખ થઈને
સમ્યગ્દર્શનાદિ પામ્યા વીરપ્રભુની વાણીના ધોધ સંતોએ ઝીલ્યા ને શાસ્ત્રોમાં સંઘર્યા. અહા,
એ વાણી સાંભળતાં વાઘના વક્રસ્વભાવ છૂટી ગયા......સર્પ અને નોળિયાના વેર છૂટી
ગયા,

PDF/HTML Page 10 of 44
single page version

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
ઝેરી નાગના ઝેર સ્વભાવ છૂટી ગયા. મોટા રાજકુમારો એ વાણી ઝીલી આત્મજ્ઞાન
પામ્યા.....નિર્વિકલ્પ ચૈતન્યતત્ત્વ શું ચીજ છે–તેનો ઉપદેશ ભગવાનની વાણીમાં આવ્યો.
તેનો પ્રવાહ આજેય ચાલ્યો આવે છે. અંતરમાં વિચાર–મનન કરે તો પોતાના પુરુષાર્થથી
તેની પ્રાપ્તિ થાય છે. ને સ્વાશ્રયના વીતરાગભાવરૂપ જે વીરમાર્ગ, તે વીરમાર્ગને સાધીને
આત્મા પોતે પરમાત્મા થાય છે.–આ છે મહાવીરનો સન્દેશ.
બોલિયે....ભગવાન....મહાવીર કી જય.....
મહાવીર–માર્ગ પ્રકાશક સન્તોંકી જય....
“દેહ તો ક્ષણભંગુર છે”
“દેહ તો ક્ષણભંગુર છે, સંસારના
સંયોગી પદાર્થનો વિયોગ અવશ્ય થાય છે.
મુખ્ય એક જ્ઞાયકસ્વભાવ છે તેનું શરણ કરવા
જેવું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે, તેથી સર્વે
સમાધાન થઈ શકે છે.”
આ ઉદ્ગારો છે ભાઈશ્રી જગુભાઈના–
જે તેમણે ઈસ્પિતાલમાં એક દરદીને માહ
માસમાં કહેલા, અને ફાગણ માસમાં તો પોતે
ચાલ્યા ગયા!

PDF/HTML Page 11 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
અમે જિનવરનાં સંતાન (નવા સભ્યોનાં નામ)
૨૨૮૭ શ્રી હર્ષદભાઈ દેવજીભાઈ જૈન સોનગઢ
૨૨૮૮ શ્રી સબોધચંદ્ર એમ. જૈન અમદાવાદ
૨૨૮૯ શ્રી પંકજકુમાર જૈન મુંબઈ–૨૨
૨૨૯૦ શ્રી મનીષકુમાર કાંતિલાલ જૈન અમદાવાદ
૨૨૯૧ શ્રી પંકજકુમાર રમણીકલાલ જૈન રખિયાલ સ્ટેશન
૨૨૯૨ શ્રી અરવિંદકુમાર છોટાલાલ જૈન ”
૨૨૯૩ શ્રી સુરેખાબહેન જૈન
૨૨૯૪ શ્રી ભારતીબહેન જૈન રખિયાલ સ્ટેશન
૨૨૯પ શ્રી પ્રજ્ઞાબહેન ઈશ્વરલાલ જૈન રાજકોટ
૨૨૯૬ A શ્રી આશાબહેન મહેન્દ્રલાલ જૈન દાહોદ
૨૨૯૬ B શ્રી સુધાબહેન એમ. જૈન દાહોદ
૨૨૯૭ શ્રી સંગીતાબહેન જૈન અમદાવાદ
૨૨૯૮ શ્રી હર્ષદભાઈ જૈન સુરેન્દ્રનગર
૨૨૯૯ શ્રી મિલનકુમાર જૈન સુરેન્દ્રનગર
૨૩૦૦ શ્રી નવીનભાઈ શાંતિલાલ જૈન મુંબઈ–૧૧
૨૩૦૧ A શ્રી નિર્મળાબહેન જૈન અમદાવાદ
૨૩૦૧ B શ્રી જયાબહેન જૈન અમદાવાદ
૨૩૦૨ શ્રી મગનલાલ ભીમજીભાઈ જૈન સોનગઢ
૨૩૦૩ શ્રી બીપીનકુમાર દેવશંકર જૈન સોનગઢ
૨૩૦૪ શ્રી હેમંતકુમાર મનસુખલાલ જૈન સોનગઢ
૨૩૦પ શ્રી ભરતકુમાર કાંતિલાલ જૈન સોનગઢ
૨૩૦૬ શ્રી નિર્મળાબહેન જૈન મહેસાણા
૨૩૦૭ A શ્રી વિનોદરાય કાંતિલાલ જૈન મહેસાણા
૨૩૦૭ B શ્રી સાધનાબહેન બી. જૈન મહેસાણા
૨૩૦૮ A શ્રી મુકેશકુમાર બી. જૈન મહેસાણા
૨૩૦૮ B શ્રી વર્ષાબહેન બી. જૈન મહેસાણા
બધા બાલસભ્યોને જણાવવાનું કે પૂ.
ગુરુદેવ પ્રત્યેની ‘ઉપકાર–અંજલિ’ નો આપણો
હસ્તલિખિતઅંક વૈશાખ સુદ બીજને બદલે થોડો
વિલંબથી તૈયાર થઈ શકશે. ઘણા સભ્યો પરીક્ષાની
તૈયારીમાં છે તેથી લખાણ મોકલી શકયા નથી; તો
પરીક્ષા પછી તેઓ પણ લખાણ મોકલી આપે.
વૈશાખ સુદ બીજે ‘ઉપકાર–અંજલિ’ ને બદલે
ગુરુદેવનું જીવનચરિત્ર પ્રગટ થશે; તમે તે જરૂર
વાંચજો; એમાંથી તમને ઘણું જાણવાનું મળશે, ને
આત્માને ઉત્તમ પ્રેરણાઓ મળશે.
* નગીનભાઈ અને વીંછીયાના
સભ્યો; તમારા તરફથી ઉપકાર–અંજલિની ત્રણ
બુક મળી છે. ભાવપૂર્વક સુંદર સંકલન કરવા
માટે ધન્યવાદ!
* આકોલાથી અમીચંદભાઈ વગેરે
ગુરુદેવ પ્રત્યે એક કાવ્ય–અંજલિ સાથે લખે છે
કે–ગુરુદેવ પંચમઆરાના પારસમણિ,
રત્નચિંતામણિ છે. “આત્મવૈભવ” સંપૂર્ણ
વંચાવીને તેમાંના ભાવોનું રહસ્ય સમજતાં જે
આત્મશાંતિ થઈ છે, ને આત્માના પ્રભાવ–
પ્રભુતા વગેરે શક્તિના વર્ણનમાં અમૂલ્ય ભાવો
ભર્યા છે, તેનું વર્ણન લખી શકાતું નથી.
* દેવજીભાઈ! તમારું ‘ચક્ર’ મળ્‌યું, પરંતુ એ
ચક્કરમાં સુધારાની જરૂર છે. બાકી તમારી ભાવના
વ્યક્ત કરતાં તમે લખ્યું તે યોગ્ય છે કે ગુરુદેવે
બતાવેલા જ્ઞાન મારગડે ચાલતાં મુમુક્ષુને મહાન
આનંદ થાય છે; આત્મધર્મમાં તેમનાં અમૃતપ્રવચન
વાંચતા જ્ઞાન–વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
વીતરાગમાર્ગનો મર્મ એટલે કે આત્માનું સ્વરૂપ
બતાવીને ગુરુદેવે મહાન ઉપકાર કર્યો છે.

PDF/HTML Page 12 of 44
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
વિનુભાઈનો સ્વર્ગવાસ
દસ વર્ષ પહેલાં (સં. ૨૦૧૪માં) સોનગઢમાં અકલંક–નિકલંકના નાટકમાં, જૈનધર્મને
ખાતર બલિદાન આપનાર નિકલંકનો પાઠ ભજવનાર ભાઈશ્રી વિનોદરાય શિવલાલ ગાંધી
આજે આપણી વચ્ચે નથી; તા. ૨૧–૩–૬૯ ચૈત્ર સુદ ૩ ની રાત્રે મુંબઈ મુકામે તેમનો
સ્વર્ગવાસ થઈ ગયો. કેટલાક વખતથી તેમને હૃદયના વાલ્વની (શ્વાસ લેવાની) ગંભીર
તકલીફ હતી, ને તેની સારવાર અર્થે મુંબઈ ગયેલા. દોઢ બે માસ જીવન–મરણ વચ્ચે ઝોલા
ખાતાં ખાતાં અંતે ૨૭–૨૮ વર્ષની ભરયુવાન વયે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
તેમનું કુટુંબ સોનગઢમાં રહે છે, તેથી તેમણે પણ લાંબો વખત સોનગઢમાં રહીને
ગુરુદેવના સત્સંગનો ને તત્ત્વઅભ્યાસનો લાભ લઈને આત્મામાં ધાર્મિક સંસ્કાર રેડ્યા છે.
ગંભીર માંદગી વખતે પણ તેઓ અવારનવાર ગુરુદેવને યાદ કરતા ને સ્વાધ્યાય
સાંભળતા. ગુરુદેવ રણાસણ હતા ત્યારે મુંબઈથી પત્ર આવતાં ગુરુદેવે “શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન
સ્વયંજ્યોતિ સુખધામ” એના વિચાર કરવાનું તેમના પ્રત્યે લખાવ્યું હતું.
તેમની માંદગી વખતે કરાતા ઓપરેશનોની જે વિગત પત્રદ્વારા સોનગઢ આવતી તે
વાંચતા એમ લાગતું કે જેમ લાકડામાં કાપકૂપ કરે તેમ શરીરમાં વારંવાર કાપકૂપ થતી
હતી. શરીરની આ સ્થિતિ સાંભળીને ગુરુદેવના મુખથી વારંવાર તીક્ષ્ણ વૈરાગ્યના ઉદ્ગારો
નીકળતા અરે! શરીર ને સંસાર તો આવા અશરણ છે! ચૈતન્યતત્ત્વ અંદર જુદું છે.
વિનોદભાઈએ મરતાં મરતાં પણ બહાદુરીપૂર્વક નિકલંકને શોભે એવા વીરઉદ્ગારો કાઢ્યા
હતા. ડોકટરો અને બીજાઓ જ્યારે દર્દની ગંભીરતા (સીરીયસ) કહેતા, ત્યારે વિનુભાઈ કહેતા કે
હું આનંદમાં છું. એકવાર તેમની નસનો કટકો કાપવાનું ઓપરેશન કરવાનું હતું ને તે માટે બેભાન
કરવાની દવા સુંઘાડવા દાકતરો તૈયારી કરતા હતા ત્યારે તે કહે કે, દવા સુંઘાડવાની જરૂર નથી
એમને એમ નસ કાઢી લ્યો, મેં દેહનું લક્ષ છોડી દીધું છે! તાજેતરમાં જ લગ્ન થયેલા એક સુશિક્ષિત
નવયુવાન મરતાં–મરતાંય આવા વીર ઉદ્ગારો કાઢી શકે છે, તે ગુરુદેવે આપેલા જડ–ચેતનની
ભિન્નતાના સંસ્કારનું બળ છે. અહા, અનુભવરૂપ ભેદજ્ઞાનના અચિંત્ય અપાર સામર્થ્યની તો શી
વાત! પરંતુ તે ભેદજ્ઞાનને લક્ષગત કરીને તેના થોડાક સંસ્કાર પણ જીવને કેટલું બળ આપી શકે
છે! તે દેખીને જીવોએ સાક્ષાત્ ભેદજ્ઞાનની સતત જોસદાર ભાવના કરવા જેવી છે.
સ્વર્ગસ્થ વિનુભાઈએ, જૈનધર્મની સેવાની જ ઉત્તમ ભાવનાઓ ભાવી છે, ને
ગુરુદેવના પ્રતાપે ભેદજ્ઞાનના અભ્યાસના જે સંસ્કારો મેળવ્યા છે તેના પ્રતાપે તેઓ
આત્માનું પરમહિત સાધે અને આ રોગધામ એવા શરમજનક શરીરોથી છૂટે–એ જ ભાવના

PDF/HTML Page 13 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
દેહ–અંતકે સમયમેં તુમકો ન ભૂલ જાઉં
દસ વર્ષ પહેલાં સોનગઢમાં અકલંક–નિકલંકનું ધાર્મિક નાટક
વિદ્યાર્થીઓએ ભજવ્યું હતું. તેમાં અકલંક અને નિકલંક જ્યારે જેલમાં હતા
અને જીવનનો પણ સંદેહ હતો, ત્યારે બંને ભાઈઓ ભાવના ભાવે છે કે–
દિનરાત મેરે સ્વામી.....મૈં ભાવના યે ભાવું;
દેહ અંત કે સમયમેેં....તુમકો ન ભૂલ જાઉં....... દિનરાત૦
શત્રુ અગર કો હોવે સંતુષ્ટ ઉનકો કરદું;
સમતાકા ભાવ ધરકે સબસે ક્ષમા કરાઉં..... દિનરાત૦
ત્યાગું અહાર પાની ઔષધે વિચાર અવસર,
તુટે નિયમ ન કોઈ દ્રઢતા હદયમેં ધારું.... દિનરાત૦
જાગે નહિ કષાયેં નહિ વેદના સતાવે;
તુમસે હી લો લગી હો, દુર્ધ્યાનકો હટાઉં..... દિનરાત૦
આત્મસ્વરૂપકા ચિંતન આરાધના વિચારું;
અરહંત–સિદ્ધ–સાધુ રટના યહી લગાઉં..... દિનરાત૦
ધર્માતમા નિકટ હો ચરચા ધરમ સુનાવે,
વો સાવધાન રકખેં ગાફલ ન હોને દેવે..... દિનરાત૦
જીનેકી હો ન વાંછા મરનેકી હો ન ખ્વાહિશ
પરિવાર મિત્ર જનસેં મેં મોહકો ભગાઉં..... દિનરાત૦
ભોગ્યા જો ભોગ પહલે ઉનકા ન હોવે સુમરન
મૈં રાજસંપદા યા પદ ઈન્દ્રકા ન ચાહું..... દિનરાત૦
સમ્યક્ત્વ કા હો પાલન હો અંતમેં સમાધિ,
શિવરામ પ્રાર્થના યહ જીવન સફલ બનાઉં..... દિનરાત૦
(એ અકલંક અને નિકલંકના પાત્ર ભજવનારા ધીરેન્દ્ર અને
વિનોદ બંને યુવાન ભાઈઓ આજે તો દિવંગત થઈ ગયા છે.....)

PDF/HTML Page 14 of 44
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
વૈ રા ગ્ય સ મા ચા ર
સાવરકુંડલાના ભાઈશ્રી જગજીવન બાવચંદ દોશી ફાગણ સુદ દસમના રોજ
સ્વર્ગવાસ પામી ગયા. તેઓ આપણા આત્મધર્મના તંત્રી અને સંસ્થાની વહીવટ કમિટિના
સભ્ય તેમજ જિનમંદિરની વ્યવસ્થા કમિટિના અધ્યક્ષ હતા, ને સંસ્થાની સેવાના કાર્યોમાં
અનેક પ્રકારે ઉત્સાહથી ભાગ લેતા હતા. તેઓ વિશેષ વખત સોનગઢ રહીને લાભ લેતા
હતા. છેલ્લા દોઢેક માસથી એકાએક તેમને પેટમાં કેન્સર જેવું કોઈ દરદ થઈ ગયું. મુંબઈ
ઉપચાર માટે ગયેલા, ત્યાંથી ગુરુદેવના ખાસ દર્શન કરવા માટે સોનગઢ આવી ગયા,
ઉલ્લાસપૂર્વક પૂ. ગુરુદેવની ને પૂ. બેનશ્રીબેનની વાણી સાંભળી, આહારદાન વગેરેનો પણ
લાભ લીધો ને પાછા મુંબઈ ગયા....પણ દરદ કાબુમાં આવી ન શક્્યું. સ્વર્ગવાસના
આઠદસ દિવસ પહેલાં ફરી મુંબઈથી કુંડલા તરફ જતાં વચ્ચે અમદાવાદ સ્ટેશને પૂ.
ગુરુદેવના તેમજ બેનશ્રી–બેનના દર્શન કર્યા, આત્માની જાગૃતિ માટેના હિતવચનો
ઉલ્લાસથી સાંભળ્‌યા ને ભક્તિ વ્યક્ત કરી. “શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ”
એનું રટણ કરવાનું ગુરુદેવે કહ્યું હતું. સાવરકુંડલા ગયા પછી પણ છેવટ સુધી એનું જ રટણ
ને ભાવના કરતાં કરતાં ફાગણ સુદ દસમના રોજ તેઓ દેહ છોડીને ચાલ્યા ગયા. માંદગી
દરમિયાન તેમની પાસે સ્વાધ્યાયાદિનું ઉલ્લાસભર્યું વાતાવરણ રહેતું હતું.
તાજેતરમાં જ તેમને જે. પી. નો ઈલ્કાબ મળ્‌યો હતો. સમાજમાં તેઓ એક સારા
પ્રતિષ્ઠિત આગેવાન હતા; પૂ. ગુરુદેવ સાવરકુંડલા પધારવાના હોવાથી તેમને સ્વાગત માટે
ઘણી હોંશ હતી; બધાયને તેઓ કહેતા ‘સાવરકુંડલા જરૂર આવજો......મારે ભવ્ય સ્વાગત
કરવું છે’ –પરંતુ તે ભાવનાને સાથે જ લઈને તેઓ સ્વર્ગવાસ પામી ગયા. દેવ–ગુરુ–ધર્મની
સેવાના પ્રતાપે, અને સંતોના અનુગ્રહણથી મળેલ શુદ્ધાત્માના ઉપદેશના સંસ્કારના બળે
આગળ વધીને તેમનો આત્મા આત્મહિતને સાધે એમ જિનેન્દ્રદેવને પ્રાર્થના કરીએ છીએ.
નાઈરોબી (આફ્રિકા) થી હજી થોડા જ દિવસ પહેલાં ભાઈશ્રી પ્રેમચંદ કેશવજીના
સ્વર્ગવાસના સમાચાર આવેલા, ત્યારબાદ બીજા જ અઠવાડિયે તેમના બનેવી દેવસીભાઈ
નથુ માલદે તા. ૬–૨–૬૯ ના રોજ નાઈ રોબીમાં સ્વર્ગવાસ પામ્યા. નાઈરોબી
મુમુક્ષુમંડળના તેઓ એક ઉત્સાહી સભ્ય હતા. ગત વર્ષે તેઓ સોનગઢ આવીને છએક માસ
રહી ગયા હતા. સોનગઢ આવીને પૂ. ગુરુદેવના સત્સમાગમમાં રહેવાની તેમની

PDF/HTML Page 15 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
ભાવના હતી. –પણ ક્ષણભંગુર સંસારે તેમની ભાવના પૂરી થવા ન દીધી....તેઓ સત્સંગની
ભાવનાના પ્રતાપે દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
* વડીયાના ભાઈશ્રી ટપુલાલ જસરાજ (–તે ઉત્તમચંદભાઈના બંધુ) ફાગણ વદ ૧
તા. પ–૩–૬૯ ના રોજ હાર્ટની બિમારીથી સ્વર્ગવાસ પામ્યા છે.
* સુરેન્દ્રનગરના ભાઈશ્રી ન્યાલચંદ ધનજીભાઈ દોશી તા. ૨–૩–૬૯ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સુરેન્દ્રનગર દિ. જૈનસંઘના એક ઉત્સાહી આગેવાન કાર્યકર
હતા. સુરેન્દ્રનગરના મુમુક્ષુમંડળના વિકાસમાં તેમનો મહત્ત્વનો સહયોગ હતો. ગુરુદેવ પ્રત્યે
ખૂબ પ્રેમથી અવારનવાર તેઓ સોનગઢ આવીને લાભ લેતા.
* જામનગરવાળા સુરેશ (બાબુ) ભાઈ ખેતસીના ધર્મપત્ની રંજનબેન (–તે શ્રી
ખેતસીભાઈ પોપટના પુત્રવધુ) ફાગણ વદ ૧૪ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. સ્વર્ગસ્થની
ઉંમર પચીસેક વર્ષની હતી.
ધારગણી (સાવરકુંડલા) ના વતની શ્રી બચુભાઈ ચિત્રાભાઈ દરબાર તા. પ–૩–
૬૯ ના રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવીને
લાભ લેતા હતા. કાનાતળાવ મુમુક્ષુમંડળને તેમનો સારો સાથ હતો.
* વાંકાનેરના ભાઈશ્રી લાલચંદભાઈ વકીલ ફાગણ સુદ દસમના રોજ વાંકાનેર
મુકામે હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા છે. વાંકાનેર મુમુક્ષુમંડળમાં તેઓ એક ઉત્સાહી
આગેવાન હતા. અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા હતા.
–સ્વર્ગસ્થ આત્માઓ દેવ–ગુરુ–ધર્મની આરાધના વડે આત્મહિત પામો.
જૈનદર્શન–શિક્ષણવર્ગ
સોનગઢમાં દરવર્ષની માફક જૈન વિદ્યાર્થીભાઈઓ માટેનો ધાર્મિક
શિક્ષણવર્ગ વૈશાખ વદ ૧૦ ને રવિવાર તા. ૧૧–પ–૬૯ થી જેઠ સુદી ૧૪ તા.
૩૦–પ–૬૯ સુધી પૂ. ગુરુદેવની મંગલછત્રછાયામાં વીસ દિવસ સુધી ચાલશે. આ
શિક્ષણવર્ગનો લાભ લેવા ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે પત્ર લખવો:–
શિક્ષણવર્ગ: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 16 of 44
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
ઋષભદેવ–સ્તુતિ
આ ઋષભદેવ તીર્થંકરની સ્તુતિ છે.
અનંતા તીર્થંકરો થયા તેમના જેવો સર્વજ્ઞસ્વભાવી આત્મા છે; તેની ઓળખાણપૂર્વક
સર્વજ્ઞપદને સાધવા જે તૈયાર થયો તે જીવને, સર્વજ્ઞપદ પામેલા તીર્થંકરો પ્રત્યે બહુમાનનો ભાવ
આવે છે.
જ્યાં સુધી સર્વજ્ઞ જેવી સ્વવસ્તુની કિંમત ન આવે ને રાગની કિંમત ભાસે ત્યાંસુધી
સર્વજ્ઞની સ્તુતિ સાચી ન થાય. સર્વજ્ઞ જેવા પોતાના આત્માને જાણીને રાગથી જુદો પડ્યો તે
જીવે સર્વજ્ઞની પરમાર્થસ્તુતિ કરી, તે અરહિંતનો સાચો અનુયાયી થયો.
અહો, શુદ્ધચિદાનંદતત્ત્વની વાર્તા સાંભળવા માટે સ્વર્ગના ઈન્દ્રો પણ ત્યાંથી આ મનુષ્યલોકમાં
ભગવાનના સમવસરણમાં આવે છે. દેવોના ઈન્દ્રના વૈભવ કરતાંય આ ચૈતન્યતત્ત્વ મહિમાવંત છે; તેની
કથા સાંભળતા ઈન્દ્રોને ઈન્દ્રપદનો વૈભવ પણ તૂચ્છ લાગે છે. જેની કથા પણ દુર્લભ–તે ચૈતન્યના
અનુભવની તો શી વાત! એને તો કોઈ વિરલા જ જાણે છે; ને તે સાંભળનારા પણ વિરલા જ હોય છે.
અહા, ચૈતન્યતત્ત્વની કથા વીતરાગરસથી ભરેલી છે, તેમાં રાગનો પોષાક રસ નથી.
સામાન્ય પ્રાણીઓને તે નીરસ લાગે છે કેમકે તેમને તો રાગનો પ્રેમ છે, ચૈતન્યરસની એને ખબર
નથી. જેને ચૈતન્યના શાંતરસની ખબર નથી તે રાગાદિ વિકારરૂપી અગ્નિમાં સેકાઈ રહ્યા છે છતાં
અજ્ઞાનથી તેમાં સુખ માને છે. બાપુ! રાગ તો આકુળતાની ભઠ્ઠી છે.
ભગવાનની સ્તુતિ કરનાર અંર્તચક્ષુવડે પોતામાં જ ભગવાનને નીહાળીને પોતે પણ ભગવાન
જેવો થઈ જાય છે. ને બહારમાં ભગવાનને ભક્તિપૂર્વક નીહાળતાં જે પુણ્યફળ આવે છે તે પણ અપાર છે.
હે સર્વજ્ઞ પ્રભો! આપની સ્તુતિ કરનાર જ્ઞાનનું જ બહુમાન કરે છે ને રાગનો આદર
કરતો નથી. વીતરાગને ભજે તે રાગને કેમ આદરે? આપની સર્વજ્ઞતાને ઓળખતાં રાગ અને
જ્ઞાનનું પૃથક્કરણ થાય છે.
આ સર્વજ્ઞભગવાનની સ્તુતિમાં પણ ભેગો ધર્મ છે. –કઈ રીતે? તે કહેવાય છે. ભગવાન જેવો
પોતાનો આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો જે પ્રત્યક્ષ સ્વસંવેદનરૂપ છે તેનું ભાન કરતાં જે
વીતરાગભાવ પ્રગટ્યો તે ધર્મ છે, ને તે ભગવાનની પરમાર્થભક્તિ છે. સર્વજ્ઞની પરમાર્થસ્તુતિનો સંબંધ
પોતાના સર્વજ્ઞસ્વભાવની સાથે છે, રાગ સાથે કે પર સાથે એનો સંબંધ નથી.
ભગવાનનો આત્મા પણ પહેલેથી ભગવાન ન હતો, પહેલાં તો તે પણ અજ્ઞાનીપણે
સંસારમાં હતો; પછી આત્માનું ભાન કર્યું કે અહો! હું તો ચૈતન્યવસ્તુ છું, રાગથી ને દેહથી અત્યંત
ભિન્ન મારું સ્વરૂપ છે. –આવું અપૂર્વ ભાન કરીને તે આત્મા સાધક થયો; પછી અનુક્રમે આગળ
વધતાં ભગવાને છેલ્લા અવતારમાં આત્મસાધના પૂર્ણ કરી. આવા ભગવાનને ઓળખીને ભક્તિ
કરનારને ભેદજ્ઞાન થયા વિના રહે નહીં.

PDF/HTML Page 17 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૧૫ :
રાજકોટ પછીનો કાર્યક્રમ
ચૈત્ર સુદ તેરસ રવિવાર: રાજકોટમાં ઉજવીને બીજે દિવસે પ્રસ્થાન.
સુરેન્દ્રનગર.......... ચૈત્ર સુદ ૧૪–૧પ સોમ–મંગળ (તા. ૧–૨ એપ્રીલ)
અમદાવાદ.......
ચૈ. વદ ૧ બુધ તા. ૩
પાલેજ........ ચૈ. વદ ૨ થી પ ગુરુ થી રવિ તા. ૪ થી ૭
સુરત........ ચૈ. વદ ૬–૭ (તા. ૮ અને ૯)
રસ્તામાં વિશ્રામ ચૈત્ર વદ ૯ (આઠમ નથી)
થાણા...... ચૈત્ર. વદ ૧૦ શુક્રવાર તા. ૧૧
મુંબઈ પ્રવેશ.... ચૈત્ર વદ ૧૧ શનિવાર (તા. ૧૨–૪–૬૯)
* વૈશાખ સુદ બીજ તા. ૧૮ એપ્રીલ રત્નચિંતામણિ જન્મજયંતિ
*પંચકલ્યાણક–મહોત્સવ વૈશાખ સુદ બીજથી સાતમ સુધી.
વૈશાખ સુદ સાતમ બે છે–પહેલી સાતમે મલાડમાં અને બીજી સાતમે ઘાટકોપરમાં
જિનબિંબવેદી–પ્રતિષ્ઠા થશે.
* મુંબઈ પછી તા. પ–પ–૬૯ ની સાંજે ગુરુદેવ પ્લેનદ્વારા ઈન્દોર પધારશે, ને છઠ્ઠી
તારીખે ત્યાં રહેશે.
* તા. ૭ અને ૮ મીએ મક્ષીપાર્શ્વનાથ પધારશે. ત્યાં આઠમી તારીખે (વૈશાખ વદ
સાતમે) પાર્શ્વનાથપ્રભુના ભવ્ય–વિશાળ–વીતરાગી જિનબિંબની વેદીપ્રતિષ્ઠા નૂતન દિગંબર
જિનમંદિરમાં થશે. આ જિનબિંબની પંચકલ્યાણક પ્રતિષ્ઠા રણાસણ મુકામે પૂ. ગુરુદેવના
સુહસ્તે અંકન્યાસપૂર્વક થયેલી છે.
* મક્ષીથી એક દિવસ ઈન્દોર થઈને પ્લેનદ્વારા તા. ૯ મીએ પુન: મુંબઈ, અને
ત્યાંથી પ્લેન દ્વારા તા. ૧૦મીએ પુનઃસોનગઢ પધારશે–એમ હાલનો કાર્યક્રમ
ગોઠવાયેલો છે.

PDF/HTML Page 18 of 44
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
વહાલા વાંચકો અને સાધર્મી બંધુઓ! આ વિભાગ આપણે સાધર્મીઓને એકબીજાના
સંપર્કમાં આવીને વાત્સલ્યની વૃદ્ધિ કરાવે છે, અનેકવિધ નવા વિચારો ને ચર્ચાઓ આ વિભાગ
દ્વારા જાણવા મળે છે; સુગમ અને સૌને પ્રિય એવો આ વિભાગ હમણાં ગુરુદેવ સાથે પ્રવાસ
વગેરે કારણે વ્યવસ્થિત આપી શકાતો નથી; કેટલાય સાધર્મીઓના પત્રો ભેગા થઈ ગયેલા, એ
૨૦૦–૩૦૦ પત્રોમાંથી થોડાકના જ જવાબો હવેના અંકમાં આપી શકીશું. આમ છતાં આપના
દરેકના પત્ર ઉપર પૂરતું લક્ષ આપવામાં આવે છે. એક ખાસ સૂચના લક્ષમાં રાખવા વિનતિ કે,
આ વિભાગને લગતા પત્રોની સાથે, બીજા કાર્યો (પુસ્તકો મંગાવવાનાં, આત્મધર્મના અંક
મંગાવવાના કે લવાજમ વગેરે સંબંધી બીજા કાર્યો) સંપાદક ઉપર ન લખશો, કેમકે એ બધા
કાર્યો માટે વ્યવસ્થા વિભાગ જુદો છે, તેનું સરનામું (મેનેજર, આત્મધર્મકાર્યાલય સોનગઢ) એ
પ્રમાણે છે. આત્મધર્મના લેખન–સંપાદન સંબંધી કે બાલવિભાગ સંબંધી પત્રવ્યવહાર– (સંપાદક
આત્મધર્મ, બ્ર, હરિલાલ જૈન, સોનગઢ) એ સરનામે કરવો. ગુરુદેવ સાથે પ્રવાસ દરમિયાન
ગામેગામ ઘણાય બાલસભ્યો સાધર્મી બંધુઓ મળ્‌યા ને સૌએ ઉલ્લાસથી ધર્મપ્રેમ બતાવ્યો; –તે
સૌને ધન્યવાદ! વિશેષ આવતા અંકે. (जयजिनेन्द्र) –સંપાદક
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ: સોનગઢ
આ વિદ્યાર્થીગૃહ ૧૭ વર્ષથી ચાલે છે ને જૈન વિદ્યાર્થીઓને ભેદભાવ વગર દાખલ
કરવામાં આવે છે. સોનગઢ ગુરુકુલ–હાઈસ્કૂલમાં ધોરણ પ થી ૧૧ (એસ. એસ. સી)
સુધીના અભ્યાસની સગવડ છે. ૧૦ થી ૧૮ વર્ષના બાળકોને બોર્ડિંગમાં દાખલ કરવામાં
આવે છે.
માસિક પૂરી ફી–રૂા. ૪૦ (ચાલીસ) છે અને ઓછી ફી રૂા. ૨પ (પચીસ) છે.
વિદ્યાર્થીઓને સ્કૂલના અભ્યાસ ઉપરાંત ધાર્મિક તત્ત્વજ્ઞાન પણ શીખવાય છે, તથા
ગુરુદેવના પ્રવચનોનો પણ લાભ મળે છે.
બોર્ડિંગનું સત્ર (ટર્મ) તા. ૧પ જુન ૧૯૬૯ થી શરૂ થશે. દાખલ થવા ઈચ્છનારે
પંદર પૈસાની ટીકીટ મોકલીને ફોર્મ મંગાવી લેવું, ને વાર્ષિક પરિક્ષાના પરિણામની સાથે તા.
૧પ મી સુધીમાં ભરીને મોકલવું.
મંત્રી: જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 19 of 44
single page version

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
પરમસ્વભાવની ભાવનાથી સિદ્ધપદ પમાય છે.
અંર્તસ્વભાવને અવલંબતા મોક્ષમાર્ગ
ઊઘડી જાય છે. –તે મોક્ષમાર્ગ રાગ વગરનો છે.
અહો! આ અધ્યાત્મવસ્તુ ઓળખવા જેવી છે. ચૈતન્યના અગમ ખજાના અંદર
ભર્યા છે. અંતરના અનંત પ્રયત્નવડે જેનો પત્તો ખાય ને અનુભવમાં આવે એવી આ ચીજ
છે; બહારના વિકલ્પોથી એનો પત્તો ખાય તેમ નથી. વિકલ્પનું ઉત્થાન ચૈતન્યસ્વરૂપમાં
નથી, ચૈતન્યસ્વરૂપમાં વિકલ્પ હોય તો ટળે નહિ. ચૈતન્યભાવ અને વિકલ્પ–રાગભાવ એ
બંનેની જાત જ જુદી છે. ચૈતન્યવસ્તુને ધુ્રવસ્વભાવપણે જુઓ તો તે મોક્ષસ્વરૂપ જ છે, તેને
શક્તિરૂપ મોક્ષ કહેવાય છે; (સર્વ જીવ છે સિદ્ધસમ; અથવા સિદ્ધસમાન સદા પદ મેરો.....)
તે સ્વભાવની સન્મુખ થતાં પર્યાયમાંથી રાગદ્વેષ–મોહરૂપ બંધનનો અભાવ થઈને
વીતરાગી મોક્ષદશા પ્રગટે છે તે વ્યક્તિરૂપ મોક્ષ છે. અહીં તેના કારણરૂપ શુદ્ધપર્યાયની
વિચારણા છે. મોક્ષના કારણરૂપ જે શુદ્ધપર્યાય છે તેમાં આનંદનું વેદન છે ને રાગનો અભાવ
છે, તે ધુ્રવસ્વભાવને અવલંબનારી છે. જીવને પોતાના અસલી ચિદાનંદસ્વભાવની કિંમત
ભાસે તો તેને રાગાદિ પરભાવોની કિંમત ઊડી જાય, ને બહારના અલ્પ જાણપણાનો
મહિમા છૂટી જાય, એટલે તેનાથી વિમુખ થઈને અંતરમાં ચૈતન્યચમત્કારની સન્મુખ થાય.
અસ્થિર ભાવોમાં દ્રષ્ટિ થંભતી નથી, મહિમાવંત એવો પોતાનો સ્થિર સ્વભાવ તેમાં દ્રષ્ટિ
કરે તો ત્યાં દ્રષ્ટિ થંભે ને પરમઆનંદના વેદનરૂપ દશા પ્રગટે. –આવી દશા તે મોક્ષનું કારણ
છે. મોક્ષના આવા માર્ગને અનાદિથી જીવે જાણ્યો નથી. –સાધે તો ક્યાંથી? અંદર પોતાની
વસ્તુમાં કેટલી તાકાત ને કેટલો આનંદ ભર્યો છે તેનું માપ કાઢતાં જીવને આવડયું નથી. તે
માપ કઈ રીતે નીકળે? અંતર્મુખ જ્ઞાનપર્યાયવડે તેનું માપ નીકળે, વિકલ્પ વડે એનું માપ ન
નીકળે. અંદરમાં આનંદની અખૂટ ખાણ ભરી છે તેને અવલંબીને જે ભાવ થાય તે જ
પૂર્ણાનંદરૂપ મોક્ષદશાનું કારણ થાય તેને શુદ્ધઉપાદાનકારણ પણ કહેવાય છે. ત્રિકાળીદ્રવ્યને
પણ શુદ્ધઉપાદાન કહેવાય છે, ને તેના આશ્રયે થયેલી શુદ્ધપર્યાયને પણ શુદ્ધઉપાદાન કહેવાય
છે; અને કોઈવાર પૂર્વ પર્યાયરૂપ વર્તતા દ્રવ્યને ઉત્તરપર્યાયનું ઉપાદાન કહેવાય છે.
દ્રવ્યપર્યાયરૂપ વસ્તુમાં જે

PDF/HTML Page 20 of 44
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
વખતે જે વિવિક્ષા હોય તે સમજવી જોઈએ. દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુને જાણ્યા વગર કાર્ય–સિદ્ધિ
થઈ શકે નહિ. પર્યાય વગરનું એકલું ધુ્રવ માનનારને દુઃખ બદલીને આનંદનો અનુભવ
પ્રગટવાનું બની શકતું નથી. અને ધુ્રવ વગરની એકલી અવસ્થા માનનારને પણ દુઃખીમાંથી
સુખી થવાનું બનતું નથી, કેમકે બીજા સમયે તો તેનું અસ્તિત્વ જ નથી રહેતું–તો સુખી કોણ
થાય? માટે દ્રવ્યપર્યાય બંનેરૂપ વસ્તુ છે તેના સ્વીકારથી જ બધી સિદ્ધિ થાય છે. કલ્પના વડે
કોઈ જીવ ધર્મના નામે ગમે તેમ વિપરીત માની લ્યે તેથી કાંઈ વસ્તુસ્થિતિ તેવી નથી થઈ જતી,
પણ તેના જ્ઞાન શ્રદ્ધા મિથ્યા થાય છે ને તેથી તે જીવ દુઃખી થાય છે, અરે, આનંદનું ધામ
ચૈતન્યવસ્તુ આત્મા....એને દુઃખ કેમ ગમે? ભાઈ! આનંદથી ભરેલા તારા ધુ્રવધામમાં દ્રષ્ટિ
કરતાં તારી પર્યાય પણ આનંદરૂપ થઈ જશે. –તેને ભગવાન મોક્ષનું કારણ કહે છે.
સમ્યગ્દર્શન શુદ્ધપારિણામિક પરમભાવને વિષય કરે છે, તેને શ્રદ્ધામાં લઈને તેમાં અભેદ
થાય છે તેનું નામ ભાવના છે. એ જ રીતે સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર પણ તેને જ અવલંબીને
અભેદ થાય છે. આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું અવલંબન શું? –પોતાનો
પરમસ્વભાવ જ તેનું અવલંબન છે. રાગ કે નિમિત્ત તે કોઈ મોક્ષમાર્ગનું અવલંબન નથી.
કલિયુગમાં તો આગમ અને જિનબિંબનો આધાર છે–એ વાત વ્યવહારની છે. ત્રણેકાળે
ભગવાન આત્મા ચૈતન્યબિંબ પોતે પોતાના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને અવલંબન દેનાર છે.
* સમ્યગ્દર્શનપર્યાયને દ્રવ્યનું અવલંબન છે, રાગનું અવલંબન નથી.
* સમ્યગ્જ્ઞાનપર્યાયને દ્રવ્યનું અવલંબન છે, રાગનું અવલંબન નથી.
* સમ્યક્ચારિત્રને દ્રવ્યનું અવલંબન છે, રાગનું અવલંબન નથી.
* ક્ષાયિકભાવને દ્રવ્યનું અવલંબન છે, રાગનું અવલંબન નથી.
* ઉપશમભાવને દ્રવ્યનું અવલંબન છે, રાગનું અવલંબન નથી.
* સમ્યક્ક્ષયોપશમભાવને દ્રવ્યનું અવલંબન છે, રાગનું અવલંબન નથી.
* શુદ્ધપરિણતિરૂપ ભાવનાને દ્રવ્યનું અવલંબન છે, રાગનું અવલંબન નથી.
–આમ મોક્ષમાર્ગના બધા નિર્મળભાવોમાં પોતાના શુદ્ધ આત્મદ્રવ્યનું જ અવલંબન
છે, બીજા કોઈનું અવલંબન તેમાં નથી, અવલંબન લેવું એટલે તેમાં અભેદ થઈને તેને
ભાવવું–ધ્યાવવું; તે જ ભાવના છે. આવી અભેદભાવના તે મોક્ષમાર્ગ છે, તેમાં રાગનો
વિકલ્પ નથી. આવી જે રાગ વગરની ભાવના છે તે ઉપશમાદિભાવોરૂપ છે.
પારિણામિકભાવ પોતે ભાવનારૂપ પણ નથી, ભાવનાના