Atmadharma magazine - Ank 031
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૩૧
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ ત્રીજું : સંપાદક : વૈશાખ
રામજી માણેકચંદ દોશી
અંક સાત વકીલ ૨૪૭૨
ર્
પોતે ત્યાગ કરી શકે નહીં. અને બ્હાનાં કાઢે કે મારે અંતરાયો ઘણા છે. ધર્મનો
પ્રસંગ આવે ત્યારે “ઉદય” છે એમ કહે. “ઉદય ઉદય” કહ્યા કરે, પણ કાંઈ કુવામાં
પડતો નથી. ગાડામાં બેઠો હોય અને ઘાંચ આવે તો સાચવી સંભાળીને ચાલે. તે વખતે
ઉદય ભૂલી જાય. અર્થાત્ પોતાની શિથિલતા હોય તેને બદલે ઉદયનો દોષ કાઢે છે.
લૌકિક અને લોકોત્તર ખુલાસો જૂદો હોય છે. ઉદયનો દોષ કાઢવો એ લૌકિક
ખુલાસો છે. અનાદિકાળનાં કર્મો બે ઘડીમાં નાશ પામે છે. કર્મનો દોષ કાઢવો નહીં
આત્માને નિંદવો. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વકર્મના દોષની વાત આગળ કરે
છે. પુરુષાર્થ કરવો શ્રેષ્ટ છે. પુરુષાર્થ પહેલો કરવો. મિથ્યાત્વ, પ્રમાદ અશુભયોગ
મૂકવા.
કર્મ ટાળ્‌યા વગર ટળવાનાં નથી. તેટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્ત્રો વર્ણવ્યા
છે. શિથિલ થવાને સાધનો બતાવ્યાં નથી. પરિણામ ઉંચા આવવાં જોઈએ; કર્મ ઉદય
આવશે એવું મનમાં રહે તો કર્મ ઉદયમાં આવે! બાકી પુરુષાર્થ કરે, તો તો કર્મ ટળી
જાય. ઉપકાર થાય તે જ લક્ષ રાખવો.
કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાની પુરુષ તો સામટો ગોટો વાળી
નાશ કરે છે.
વિચારવાને બધાં આલંબનો મૂકી દઈ, આત્માના પુરુષાર્થનો જય થાય તેવું
આલંબન લેવું. કર્મબંધનું આલંબન લેવું નહીં.
[શ્રીમદ્ રાજચંદ્ર; આવૃત્તિ બીજી, પાનું–૪૧૬, વર્ષ ૨૯ મું]
વાર્ષિક લવાજમ છુટક અંક
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા(કાઠિયાવાડ) •

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૧૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૭૨ :
– જ્ઞાન ગોષ્ટિ –
[વીર સં. ૨૪૭૧ માં ઉનાળાની રજા દરમિયાન જૈનદર્શન શિક્ષણવર્ગના વિદ્યાર્થીઓએ કરેલા
પ્રશ્નોત્તર: આ પહેલાંંનાં ૧ થી ૬૮ પ્રશ્નોત્તર આત્મધર્મ અંક ૨૯ માં આપવામાં આવ્યા છે.]
૬૯. પ્રશ્ન–કુદેવ–કુગુરુની ભક્તિ કરવાથી જીવને શું લાભ થાય?
ઉત્તર–કુદેવ–કુગુરુની ભક્તિ કરવાથી જીવને કાંઈ જ લાભ ન થાય પણ મહાન અજ્ઞાનને લીધે
મિથ્યાત્વને પોષણ આપીને અનંત સંસારમાં રખડે.
૭૦. પ્ર–અગૃહીત મિથ્યાત્વનું ફળ શું? અને ગૃહીત મિથ્યાત્વનું ફળ શું?
ઉ–બંનેનું ફળ સંસાર જ છે; અગૃહીત મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે, ગૃહીત મિથ્યાત્વ નવું ગ્રહણ
કરેલું છે. અને તે ગૃહીત મિથ્યાત્વ અગૃહીત મિથ્યાત્વને પોષણ આપે છે.
પ્ર–મિથ્યાજ્ઞાન અને સમ્યગ્જ્ઞાન વચ્ચે શું તફાવત છે?
ઉ–મિથ્યાજ્ઞાન તે સંસારનું કારણ છે, સમ્યગ્જ્ઞાન તે મોક્ષનું કારણ છે. અનાદિથી જીવને મિથ્યાજ્ઞાન છે, જે
જીવ સાચી સમજણ કરે તેને સમ્યગ્જ્ઞાન થઈને અલ્પ કાળમાં મોક્ષ થાય. મિથ્યાજ્ઞાની જીવ સદાય ‘પુણ્યથી ધર્મ થાય
અને શરીરાદિનું હું કરી શકું’ એમ માને છે પણ સમ્યગ્જ્ઞાની જીવ કદાપી ‘પુણ્યથી ધર્મ થાય કે શરીરાદિની ક્રિયા હું
કરી શકું’ એમ માનતા નથી, આ જ મિથ્યાત્વ અને સમ્યગ્જ્ઞાન વચ્ચે આકાશ–પાતાળ જેવડો મહાન તફાવત છે.
૭૨. પ્ર–જેને સુચારિત્ર હોય અને જેને કુચારિત્ર હોય તેમને ગૃહીત મિથ્યાત્વ હોય કે નહિ?
ઉ–જેને સુચારિત્ર હોય તેને તો મિથ્યાત્વ હોય જ નહિ, અને જેને કુચારિત્ર હોય તેમાં કોઈને ગૃહીત
મિથ્યાત્વ હોય અને કોઈને ન પણ હોય.
૭૩. પ્ર–ગૃહીત મિથ્યાત્વ છુટવાથી સમ્યગ્દર્શન થઈ શકે કે નહિ?
ઉ–ના, ફક્ત ગૃહીત મિથ્યાત્વ છુટવાથી જ સમ્યગ્દર્શન થઈ શકતું નથી, પહેલાંં ગૃહીત મિથ્યાત્વ છોડીને
જો આત્માની સાચી સમજણ કરે તો જ સમ્યગ્દર્શન થાય છે. ગૃહીત મિથ્યાત્વ છોડીને પણ જો સાચા દેવ–ગુરુ–
શાસ્ત્ર તરફ જ રોકાઈ જાય પણ પોતાના આત્માની સાચી સમજણ ન કરે તો તેને સમ્યગ્દર્શન થતું નથી. અને
અગૃહીત મિથ્યાત્વ ટળતું નથી. ગૃહીત અને અગૃહીત બંને મિથ્યાત્વ ટાળે તેને જ સમ્યગ્દર્શન થાય છે.
૭૪. પ્ર–પહેલાંં ગૃહીત મિથ્યાત્વ ટળે કે અગૃહીત?
ઉ–પહેલાં ગૃહીત મિથ્યાત્વ ટાળ્‌યા વગર કદી પણ અગૃહીત મિથ્યાત્વ ટળે નહિ. કોઈને ગૃહીત અને
અગૃહીત બંને સાથે પણ ટળી જાય; પરંતુ અગૃહીત ટળે અને ગૃહીત ન ટળે એમ તો કદાપી ન બને; જેને ગૃહીત
મિથ્યાત્વ હોય તેને અગૃહીત મિથ્યાત્વ પણ હોય જ.
૭૫. પ્ર–એક જીવ કોમળ વસ્તુ વડે પૂંજે છે અને એમ માને છે કે મને આ ક્રિયાથી ધર્મ થાય છે, તે જ
વખતે બીજો જીવ લડાઈ લડે છે અને તેને આત્માની ઓળખાણ છે કે પુણ્ય–પાપ મારૂં સ્વરૂપ નથી–તો આ બે
જીવોમાંથી તે વખતે કોને વધારે પાપ થતું હશે?
ઉ–જે જીવ પૂંજવાની ક્રિયાથી ધર્મ માને છે તે જીવને વધારે પાપ છે કેમકે પૂંજણી તે તો જડની ક્રિયા છે
અને જડની ક્રિયાનો પોતાને કર્તા માને છે તેથી તેને તે વખતે મિથ્યાત્વનું મહાપાપ બંધાય છે. પરની ક્રિયાનો હું
કર્તા નથી અને પુણ્ય–પાપથી મને ધર્મ નથી એમ સમજનાર જ્ઞાની જીવને લડાઈ વખતે પણ મિથ્યાત્વનું મહાપાપ
તો બંધાતું જ નથી; સાચી શ્રદ્ધા હોવાને લીધે લડાઈ વખતે પણ તેને આત્મભાન વર્તે છે અને અજ્ઞાનીને સાચી
શ્રદ્ધા નહિ હોવાથી પૂંજતી વખતે પણ તે સંસાર જ વધારી રહ્યો છે. સાચી સમજણ વગર આત્માને કોઈ રીતે
લાભ થાય નહિ અને આત્માની અણસમજણ જેટલું નુકશાન આત્માને બીજી કોઈ રીતે થતું નથી.
૭૬. પ્ર–“આ શરીર જીવને દુઃખી કરે છે” આ વાક્યમાં કાંઈ ભૂલ છે?
ઉ–તે વાક્ય ખોટું છે. ખરેખર શરીર જીવને દુઃખી કરતું જ નથી પણ શરીર પ્રત્યેનો જીવનો મોહભાવ છે
તે જ જીવને દુઃખી કરે છે. જીવને સુખ–દુઃખ પોતાનાં જ ભાવથી થાય છે, પણ શરીરથી સુખ–દુઃખ થતું નથી.
૭૭. પ્ર–રાગદ્વેષ વધારે નુકશાન કરે કે રાગ–દ્વેષને પોતાનાં માનવાં તે?
ઉ–રાગ–દ્વેષને પોતાનાં માનવાં તે જ સૌથી વધારે નુકશાનનું કારણ છે. રાગ–દ્વેષ તે તો ચારિત્રનો દોષ
છે અને રાગ–દ્વેષને પોતાનાં માનવા તે શ્રદ્ધાનો દોષ છે, શ્રદ્ધાનો દોષ સર્વ દોષનું મૂળ છે.
અનુસંધાન પાન–૧૨૯

PDF/HTML Page 4 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૨૭ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ ત્રીજું વૈ શા ખ
અંક સાત ૨ ૪ ૭ ૨
શ્રદ્ધા – જ્ઞાન – ચારિત્ર
સમ્યક્દર્શનનું પરમ માહાત્મ્ય છે. દ્રષ્ટિનું માહાત્મ્ય કરવા માટે સમ્યગ્દ્રષ્ટિના ભોગને પણ નિર્જરાનું કારણ
કહ્યું છે. સમયસાર ગાથા–૧૯૩ માં કહ્યું છે કે–સમ્યગ્દ્રષ્ટિ જીવ જે ઈન્દ્રિયો વડે ચેતન તથા અચેતન દ્રવ્યનો
ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે; અને તેમાં જ મોક્ષઅધિકારમાં છઠ્ઠા ગુણસ્થાને મુનિને જે
પ્રતિક્રમણાદિની શુભવૃત્તિ ઉઠે તેને વિષકુંભ કહેલ છે. સમ્યગ્દ્રષ્ટિની અશુભ લાગણી તે નિર્જરાનું કારણ અને
મુનિની શુભ લાગણી તે ઝેર–આનો મેળ કઈ રીતે છે?
જ્યાં સમ્યગ્દ્રષ્ટિના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે ત્યાં ‘ભોગ સારાં છે’ એમ બતાવવું નથી પણ દ્રષ્ટિનું
મહાત્મ્ય બતાવવું છે. અબંધસ્વભાવની દ્રષ્ટિનું જોર બંધને સ્વીકારતું નથી–તેનો મહિમા કર્યો છે એટલે કે દ્રષ્ટિ
અપેક્ષાએ તે વાત કરી છે.
જ્યાં મુનિની વ્રતાદિની શુભ લાગણીને ઝેર કહ્યું છે ત્યાં ચારિત્ર અપેક્ષાએ વાત કરી છે. અરે, મુનિ! તેં
શુદ્ધાત્મચારિત્ર અંગીકાર કર્યું છે, પરમ કેવળજ્ઞાનની ઉત્કૃષ્ટ સાધકદશા પ્રાપ્ત કરી છે અને હવે જે વ્રતાદિની
લાગણી ઉઠે તે તારા શુદ્ધાત્મ ચારિત્રને અને કેવળજ્ઞાનને રોકનાર છે માટે તે ઝેર છે.
સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવદ્રષ્ટિનું જોર છે તે નિર્જરાનું કારણ છે, અને દ્રષ્ટિમાં તેઓ બંધને પોતાનું સ્વરૂપ
માનતા નથી, રાગના કર્તા પોતે થતા નથી તેથી તેમને અબંધ કહ્યા છે, પરંતુ ચારિત્ર અપેક્ષાએ તો તેમને બંધન
છે. જો ભોગથી નિર્જરા થતી હોય તો વધારે ભોગથી વધારે નિર્જરા થાય!! એમ તો હોય નહિ. સમ્યગ્દ્રષ્ટિને જે
રાગની વૃત્તિ ઉઠે છે તેને દ્રષ્ટિ અપેક્ષાએ તો તે પોતાની માનતા જ નથી, જ્ઞાન અપેક્ષાએ ‘પોતાના પુરુષાર્થની
નબળાઈ છે તેથી રાગ થાય છે’ એમ જાણે છે અને ચારિત્ર અપેક્ષાએ તે રાગને ઝેર માને છે, દુઃખ–દુઃખ લાગે છે.
આ રીતે દર્શન–જ્ઞાન અને ચારિત્રમાંથી જ્યારે દર્શનની મુખ્યતાથી વાત ચાલતી હોય ત્યારે સમ્યગ્દ્રષ્ટિના ભોગને
પણ નિર્જરાનું જ કારણ કહેવાય છે. સ્વભાવદ્રષ્ટિના જોરે સમયે સમયે તેની પર્યાય નિર્મળ થતી જાય છે એટલે
ક્ષણે ક્ષણે તે મુક્ત જ થતા જાય છે. રાગ થાય છે તેને જાણે છે ખરા, પરંતુ સ્વભાવમાં તેને અસ્તિપણે માનતા
નથી; અને આ માન્યતાના જોરે જ રાગનો સર્વથા અભાવ કરે છે. તેથી સાચી દ્રષ્ટિનો અપાર મહિમા છે.
સાચી શ્રદ્ધા હોવા છતાં જે રાગ થાય છે તે રાગ ચારિત્રને નુકશાન કરે છે પરંતુ સાચી શ્રદ્ધાને નુકશાન
કરતો નથી, માટે શ્રદ્ધાઅપેક્ષાએ તો સમ્યગ્દ્રષ્ટિને રાગ થાય તે બંધનું કારણ નથી પણ નિર્જરાનું જ કારણ છે–
એમ કહેવામાં આવે છે, પરંતુ શ્રદ્ધા સાથે ચારિત્રની અપેક્ષા ભૂલવી ન જોઈએ.
ચારિત્ર અપેક્ષાએ છઠ્ઠાગુણસ્થાને વર્તતા મુનિની શુભવૃત્તિને પણ ઝેર કહ્યું તો પછી સમ્યગ્દ્રષ્ટિના
ભોગના અશુભભાવની તો વાત જ શું? અહો! પરમ શુદ્ધસ્વભાવના ભાનમાં મુનિની શુભવૃત્તિને પણ જે ઝેર
માને તે અશુભ લાગણીને તો સારી કેમ માને? જેણે સ્વભાવના ભાનમાં શુભવૃત્તિને પણ ઝેર માન્યું છે તે જીવ
સ્વભાવના જોરે શુભવૃત્તિને તોડીને પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરશે, પરંતુ અશુભને તો કદાપિ આદરણીય નહિ માને.
સમ્યગ્દ્રષ્ટિ જીવ શ્રદ્ધા અપેક્ષાએ તો પોતાને પૂર્ણ પરમાત્મા જ માને છે; છતાં ચારિત્ર અપેક્ષાએ, અધૂરી
પર્યાય હોવાથી તરણાંતુલ્ય માને છે એટલે કે હજી અનંત અધૂરાશ છે એમ જાણીને સ્વભાવની સ્થિરતાના
પ્રયત્નવડે તે ટાળવા માંગે છે, જ્ઞાન અપેક્ષાએ, જેટલો રાગ છે તેનો સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાતા છે પણ રાગને નિર્જરા કે
મોક્ષનું કારણ માનતા નથી, અને જેમ જેમ પર્યાયની શુદ્ધતા વધારતાં રાગ ટળતો જાય છે તેમ તેમ તેનું જ્ઞાન
કરે છે. આ રીતે શ્રદ્ધા–જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે અપેક્ષાએ આ સ્વરૂપ સમજવું જોઈએ.
(સં. ૨૦૦૨ માગસર સુદ–૯ સમયસાર)

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૭૨ :
સમ્યકત્વ અરધન
જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોનો યથાવત્ નિશ્ચય, આત્મામાં
તેનો વાસ્તવિક પ્રતિભાસ તે જ સમ્યગ્દર્શન છે. પંડિત અને બુદ્ધિમાન મુમુક્ષુને મોક્ષસ્વરૂપ પરમ સુખસ્થાને
નિર્વિઘ્ન પહોંચાડવામાં એ પ્રથમ પગથીઆરૂપ છે. જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે સમ્યકત્વ સહિત હોય તો જ
મોક્ષાર્થે સફળ છે, વંદનીય છે, કાર્યગત છે. અન્યથા તે જ (જ્ઞાન, ચારિત્ર અને તપ) સંસારના કારણરૂપપણે જ
પરિણમ્યે જાય છે. ટુંકામાં સમ્યકત્વ રહિત જ્ઞાન તે જ અજ્ઞાન, સમ્યકત્વ રહિત ચારિત્ર તે જ કષાય અને
સમ્યકત્વ વિનાનું તપ તે જ કાયકલેષ છે. જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે ગુણોને ઉજ્વળ કરનાર એવી એ
સમ્યકશ્રદ્ધા પ્રથમ આરાધના છે. બાકીની ત્રણ આરાધના એક સમ્યકત્વના વિદ્યમાનપણામાં જ આરાધક–ભાવે
પ્રવર્તે છે. એ પ્રકારે સમ્યકત્વનો કોઈ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિરૂપ સમ્યગ્દર્શનને,
આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે હે ભવ્યો! તમે ભક્તિપૂર્વક અંગીકાર
કરો, સમયે સમયે આરાધો.
[શ્રી આત્માનુશાસન–પાનું ૯]
ચાર આરાધનામાં સમ્યકત્વ આરાધનાને પ્રથમ કહેવાનું શું કારણ? એવો શિષ્યને પ્રશ્ન થતાં શ્રી આચાર્ય
તેનું સમાધાન કરે છે:–
शम बोध वृत्त तपसां, पाषाणस्यैवगौरवंपुषः
पूज्यं महामणेरिव, तदेवसम्यक्त्व संयुक्तम्।।
१५।।
આત્માને મંદ કષાયરૂપ ઉપશમભાવ, શાસ્ત્રાભ્યાસરૂપ જ્ઞાન, પાપના ત્યાગરૂપ ચારિત્ર અને
અનશનાદિરૂપ તપ એનું જે મહત્પણું છે તે સમ્યકત્વ સિવાય માત્ર પાષાણબોજ સમાન છે, આત્માર્થ ફળદાતા
નથી. પરંતુ જો તે જ સામગ્રી સમ્યકત્વ સહિત હોય તો મહામણિ સમાન પૂજનીક થઈ પડે, અર્થાત્ વાસ્તવ્ય
ફળદાતા અને ઉત્કૃષ્ટ મહિમા યોગ્ય થાય.
પાષાણ તથા મણિ એ બંને એક પત્થરની જાતિનાં છે અર્થાત્ જાતિ અપેક્ષા તો એ બંને એક છે. તોપણ
શોભા, ઝલક આદિના વિશેષપણાને લઈને મણીનો થોડો ભાર ગ્રહણ કરે તોપણ ઘણી જ મહત્વતાને પામે, પણ
પાષાણનો ઘણો ભાર માત્ર તેના ઉઠાવનારને કષ્ટરૂપ જ થાય છે, તેવી જ રીતે મિથ્યાત્વક્રિયા અને
સમ્યકત્ત્વક્રિયા એ બંને ક્રિયા અપેક્ષાએ તો એક જ છે; તથાપિ અભિપ્રાયના સત્ અસત્પણાના તથા વસ્તુના
ભાન–બેભાનપણાના કારણને લઈને મિથ્યાત્વસહિત ક્રિયાનો ઘણો ભાર વહન કરે તોપણ વાસ્તવ્ય મહિમાયુક્ત
અને આત્મલાભપણાને પામે નહિ. પરંતુ સમ્યકત્વ સહિત અલ્પ પણ ક્રિયા યથાર્થ ‘આત્મલાભદાતા’ અને અતિ
મહિમા યોગ્ય થાય.
(શ્રી આત્માનુશાસન પાનું–૧૧)
બે નયોનું ફળ
“શુદ્ધનય કતકફળના સ્થાને છે તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક્
અવલોકન કરતા (હોવાથી) સમ્યગ્દ્રષ્ટિ છે પણ બીજા (જેઓ અશુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ)
સમ્યગ્દ્રષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.”
[શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કૃત ટીકા. સમયસાર ગાથા–૧૧. ગુજરાતી સમયસાર પાનું–૨૦]
“અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય–ગૌણ કરીને
કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે. વળી જિનવાણીમાં
વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે.
શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે–ક્યાંક ક્યાંક છે, તેથી
ઉપકારી શ્રીગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી)
દીધો છે કે– ‘શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે;
એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાંસુધી આત્માના જ્ઞાનશ્રદ્ધાનરૂપ
નિશ્ચયસમ્યક્ત્વ થઈ શકતું નથી.’ એમ આશય જાણવો.”
[ભાવાર્થ, ગાથા–૧૧, પાનું–૨૧]

PDF/HTML Page 6 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૨૯ :
• । दसण मल धम्म। •
‘ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે’
શુભભાવ તે ધર્મનું કારણ છે એમ અજ્ઞાનીઓની મિથ્યા માન્યતા છે, પરંતુ શુભભાવ તો વિકાર છે, તે
ધર્મનું કારણ નથી; સમ્યગ્દર્શન પોતે ધર્મ છે અને તે જ ધર્મનું મૂળ કારણ છે.
અજ્ઞાનીને શુભભાવ તે અશુભનું પગથિયું છે, અને જ્ઞાનીને શુભનો અભાવ તે શુદ્ધતાનું પગથિયું છે.
અશુભમાંથી સીધો શુદ્ધભાવ કોઈ જ જીવને ન થઈ શકે, પણ અશુભ છોડીને પ્રથમ શુભભાવ હોય અને તે
શુભને છોડીને શુદ્ધમાં જવાય છે, તેથી શુદ્ધભાવની પૂર્વે શુભભાવની જ હૈયાતિ હોય છે; આવું જ્ઞાનમાત્ર કરાવવા
શાસ્ત્રમાં શુભભાવને શુદ્ધનું કારણ ઉપચારથી જ કહ્યું છે–પરંતુ શુભભાવ તે શુદ્ધનું કારણ જો ખરેખર માને તો તે
જીવને શુભભાવની રુચિ હોવાથી તેનો શુભ તે પાપનું જ મૂળ છે...શુભભાવથી ધર્મ માનીને જે જીવ શુભભાવ
કરે છે તે જીવને તે શુભ વખતે જ મિથ્યાત્વનું સૌથી મહાપાપ બંધાય છે, એટલે કે તેને મુખ્યપણે તો અશુભબંધ
જ થાય છે; અને જ્ઞાની જીવ એમ જાણે છે કે આ શુભનો અભાવ કરવથી જ શુદ્ધતા થાય છે તેથી તેમને કદાપિ
શુભની રુચિ હોતી નથી એટલે તેઓ અલ્પ કાળમાં શુભનો પણ અભાવ કરીને શુદ્ધભાવરૂપ થઈ જાય છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ પુણ્યની રુચિપૂર્વક શુભભાવ કરીને નવમી ગ્રૈવેયકે ગયો છતાં ત્યાંથી નીકળીને
નિગોદાદિમાં ગયો, કેમકે અજ્ઞાનસહિતનો શુભભાવ તે જ પાપનું મૂળ છે. શુભભાવ તે મોહરાજાની કઢી છે,
જેઓ તે શુભરાગની રુચિ કરે છે તેઓ જ મોહરાજાની જાળમાં ફસાઈને સંસારમાં રખડે છે. જીવ મુખ્યપણે
અશુભમાં તો ધર્મ માને જ નહિ પરંતુ શુભમાં ધર્મ માનીને તે જીવ અજ્ઞાની થાય છે. જે પોતે અધર્મરૂપ છે એવો
રાગ ભાવ તે ધર્મને તો કઈ રીતે મદદ કરી શકે? ધર્મનું કારણ તો ધર્મરૂપ ભાવ હોય, કે ધર્મનું કારણ અધર્મરૂપ
ભાવ હોય? અધર્મભાવનો છેદ તે જ ધર્મભાવનું કારણ છે એટલે કે અશુભ તેમજ શુભ ભાવનો છેદ તે જ
ધર્મભાવનું કારણ છે.
શુભભાવ તે ધર્મનું પગથિયું નથી, પણ સમ્યક્–સમજણ તે જ ધર્મનું પગથિયું છે; કેવળજ્ઞાનદશા તે સંપૂર્ણ
ધર્મ છે અને સમ્યક્સમજણ તે અંશે ધર્મ (શ્રદ્ધારૂપી ધર્મ) છે, તે શ્રદ્ધારૂપી ધર્મ એ જ ધર્મનું પહેલું પગથિયું છે.
આ રીતે ધર્મનું પગથિયું તે ધર્મરૂપ જ છે–પણ અધર્મરૂપ એવો શુભભાવ તે કદાપિ ધર્મનું પગથિયું નથી.
શ્રદ્ધાધર્મ પછી જ ચારિત્ર ધર્મ હોઈ શકે છે તેથી જ શ્રદ્ધારૂપી ધર્મ તે ધર્મનું પગથિયું છે–ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે ‘
दंसण मूलो धम्मो–ધર્મનું મૂળ દર્શન છે.’

જે કોઈ લજ્જા, ભય અને મોટાઈથી પણ કુત્સિત્દેવધર્મલિંગને વંદન કરે છે, તે મિથ્યાદ્રષ્ટિ છે. માટે જે
મિથ્યાત્વનો ત્યાગ કરવા ઈચ્છે છે, તે કુદેવકુગુરુકુધર્મનો પહેલાંં જ ત્યાગી થાય, સમ્યક્ત્વના પચ્ચીસ મળદોષોના
ત્યાગમાં પણ અમૂઢદ્રષ્ટિ વા છ આયતનમાં પણ તેનો જ ત્યાગ કરાવ્યો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો. વળી
એ કુદેવાદિકના સેવનથી જે મિથ્યાત્વભાવ થાય છે, તે હિંસાદિ પાપોથી પણ મહાનપાપ છે. કારણ કે–એના
ફળથી નિગોદ–નર્કાદિપર્યાય પ્રાપ્ત થાય છે, ત્યાં અનંતકાળ સુધી મહાસંકટ પામે છે, તથા સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ
પણ મહાદુર્લભ થઈ જાય છે.
[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું–૧૯૮]
(જ્ઞાનગોષ્ટિ અનુસંધાન પા – ૧૨૬ થી)
૭૮. પ્ર–એક જૈન નિર્ગ્રંથ મુનિ છે તે એમ માને છે કે– ‘મારા ઉપદેશ વડે હું બીજાને ધર્મ પમાડી શકું;’ તો
તે મુનિ સમ્યગ્દ્રષ્ટિ છે કે મિથ્યાદ્રષ્ટિ? તમે કેમ નક્કી કર્યું?
ઉ–તે મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે હું પર જીવોને સમજાવી શકું એમ તેની મિથ્યા માન્યતા છે; એક જીવ બીજા
જીવને કંઈ કરી શકતો નથી છતાં તે પરનું કર્તૃત્વ માને છે તેથી એમ નક્કી થાય છે કે તે મિથ્યાદ્રષ્ટિ જ છે.

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૭૨ :
શ્રશ્રરુ ન્િ
વૈશાખ સુદ–૨.......... આજે ભક્તમંડળના હૃદય આનંદથી ઉલ્લસી
રહ્યાં છે...બધાની મૂદ્રા ઉપર ભક્તિ રેલાઈ રહી છે......આજે ભક્તોને આટલો
બધો ભક્તિતો ઉલ્લાસ કેમ છે?...અહા, આજે તો સંપૂર્ણ આત્મસ્વરૂપની
પ્રાપ્તિનો અપ્રતિહતમાર્ગ દર્શાવનારા શ્રી સદ્ગુરુજીનો ભેટો થયો
છે...આજના દિવસે તેઓશ્રીએ ભારતભુમિને પાવન કરી છે...


હે સ્વરૂપદાન દાતાર પરમ કૃપાળુ દયાનિધિ શ્રી સદ્ગુરુદેવ! આજના મહા પવિત્ર મંગળિક પ્રસંગે
આપશ્રી પ્રત્યે વિનયપૂર્વક અર્પણતા કરીએ છીએ–ભાવ–અંજલિ અર્પિએ છીએ....
શુદ્ધાત્મસ્વરૂપમાં આપશ્રીનો ઉત્સાહભાવ, જ્ઞાયકસ્વરૂપ પ્રત્યેની આપની ભક્તિ અને પવિત્ર કરુણાથી
ભરપૂર આપનો શાસનપ્રેમ–એ સર્વે ગુણો પર અમારૂં શીર નમી પડે છે.
હે ગુરુદેવ! આપશ્રીના ઉપકારોને કેવી રીતે વર્ણવીએ? જ્યારે જ્યારે આપશ્રીના ઉપકારોને સ્મરણમાં
લઈએ છીએ ત્યારે ત્યારે આપશ્રીના પાવનકારી સાક્ષાત્ દર્શનના મહાભાગ્યને લીધે અમારૂં હૃદય હર્ષથી ખીલી
ઊઠે છે. આપશ્રીના પવિત્ર યોગે, આજે શ્રી કુંદકુંદપ્રભુજીના જીવંત અક્ષરદેહરૂપ “સમયસાર” ચેતનવંત થઈને,
ભવ્યાત્માઓને શુદ્ધાત્માનું દર્શન કરાવે છે... અમસારીખડાં અનેક જીવો પર આપશ્રીના પરમ ઉપકારની અપાર
ભક્તિથી અમે–સમસ્ત ભક્ત મંડળ આપશ્રીને ભાવ–અંજલિ અર્પિએ છીએ.
અહા! આપ તો સ્વરૂપ–જીવન જીવનારા છો. એ અધ્યાત્મજ્ઞાનથી ઊછળતા આપશ્રીના આત્મજીવનને–
આપશ્રીના સ્વરૂપ–જીવનને અમે કઈ રીતે વર્ણવીએ? નાથ! આપશ્રી સ્વયં જ જ્ઞાની પુરુષોનું પવિત્ર જીવન–
રહસ્ય અમને અહર્નિશ દર્શાવી રહ્યા છો–એ અંતર્જીવનને ઓળખવાની અમોને શક્તિ પ્રગટો!
હે ગુરુદેવ! આપે વહાવેલી અધ્યાત્મજ્ઞાનની સરિતાએ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પ્યું છે અને
આજે અર્પે છે. ઘણા વર્ષોના દુષ્કાળ પછી અમૃતવર્ષા વરસતાં તૃષાતૂર જીવોને કેટલો આનંદ થાય અને કેટલી
હોંશથી તે અમૃતવર્ષા ઝીલે...?...તેમ–અનાદિ અનાદિ કાળથી બેભાનદશામાં અમૃતસ્વરૂપ પરમશુદ્ધાત્માના વિરહ
પડ્યા, સ્વરૂપના પાન વગર વર્ષોનાં વર્ષો અને ભવોનાં ભવો વીતી ગયાં...અનંત કાળથી જન્મ–મરણના આતાપમાં
રખડતાં ક્યાંય સ્વરૂપના પાનનો છાંટોય ન મળ્‌યો અને જીવન શોષાવા લાગ્યું...દુઃખનું અસહ્યવેદન થઈ
પડ્યું...હવે...શાંતિસ્વરૂપના પાનની અતિ ઝંખના જાગૃત થઈ...એવા ટાણે...,હે ગુરુદેવ! આપશ્રી પવિત્ર વાણીદ્વારા
સ્વરૂપાનુભવના ધોધમાર વરસાદ વરસાવીને આત્મતૃષિત જીવોને સંપૂર્ણ સ્વરૂપામૃતનું પાન કરાવી રહ્યાં છો!....
હે પરમ ઉપકારી શ્રી સદ્ગુરુદેવ! અનંત સંસારમાં રખડતા જીવોને આપ અપૂર્વ કરુણાપૂર્વક આત્મસ્વરૂપનો
ભેટો કરાવો છો....સ્વરૂપને ભેટતાં કયા જીવને ઉલ્લાસ ન જાગે? કોણ જીવ સ્વરૂપનું પાન ન કરે? અમ જીવોને
વર્તમાનકાળે દિવ્યધ્વનિના સંદેશનો બોધ આપનાર આપ જ છો. સંસારના થાકથી થાકેલા જગતના ભવકલાંત
જીવોને આપ વિસામારૂપ છો...અને જ્ઞાનામૃતના પાનદ્વારા તેમને શાંતિ આપીને સ્વરૂપના અમૃતમાર્ગમાં આપે જ
સ્થિત કર્યાં છે,–આપ સ્થિત કરો છો. આપશ્રીના પુનિત પ્રતાપે આજે શાસનનો જયકાર વર્તી રહ્યો છે.
હે ગુણભંડાર ગુરુદેવ! અમે પામર જીવો આપશ્રીની શું સ્તવના કરીએ? અમારી કોઈ વાણી વડે,
અમારા કોઈ શબ્દો વડે કે અમારા અલ્પજ્ઞાન વડે આપની સ્તવના થઈ શકે તેમ નથી. આપશ્રીના પવિત્ર ગુણો
પ્રત્યે અત્યંત ઉલ્લાસ આવતાં હૃદયમાં ભક્તિ ઉછળ્‌યા વગર રહી શકતી નથી–તેથી–આપશ્રીની કંઈક અંશે
સ્તવના કરીએ છીએ.
આત્મઉન્નતિનો સુમધુર માર્ગ દર્શાવીને અપૂર્વ સ્વરૂપસંપદાનું દાન આપનાર
દિવ્ય દાનેશ્વરી હે સદ્ગુરુદેવ! આપશ્રીને પરમભક્તિએ નમસ્કાર કરીએ છીએ...
આપશ્રીના પવિત્ર ઉપકારોની વિમલ યાદીમાં ફરી ફરી નમસ્કાર કરીએ છીએ.

PDF/HTML Page 8 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૩૧ :
લેખાંક – ત્રીજો “ શ્રીપ્રવચનસારજી ગાથા ૮૦
અરિહંત સૌ જયવંત વર્તો
[પરમ પજ્ય સદગરુદવશ્રન વ્યખ્યન. પષ વદ ૨. ૨૪૭૨]
જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. ૮૦.
[જે જીવ અરિહંતને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને
તેનો મોહ ક્ષય પામે જ છે, અરિહંતનું સ્વરૂપ સર્વ પ્રકારે શુદ્ધ છે તેથી શુદ્ધ આત્મસ્વરૂપના
પ્રતિબિંબ સમાન શ્રી અરિહંતનો આત્મા છે. અરિહંત જેવો જ આ આત્માનો શુદ્ધ
સ્વભાવ સ્થાપીને તેને જાણવાની વાત કરી છે. એકલા અરિહંતની જ વાત નથી પણ
પોતાના આત્માને ભેળવીને (–પ્રતીત કરીને) જાણવાનું છે, કેમકે અરિહંતમાં અને આ
આત્મામાં નિશ્ચયથી તફાવત નથી. જે જીવ પોતાના જ્ઞાનમાં અરિહંતનો નિર્ણય કરે તે
જીવના ભાવમાં અરિહંતપ્રભુ હાજરાહજુર મૌજુદ બિરાજે છે, તેને અરિહંતનો વિરહ નથી.
આ રીતે પોતાના જ્ઞાનમાં અરિહંતની સાચી પ્રતીત કરતાં પોતાના આત્માનું ભાન થાય
છે અને તેનો મોહ અવશ્ય ક્ષય પામે છે. આ પૂર્વે, (આત્મધર્મ અંક ૨૯–૩૦ માં)
કહેવાયેલા કથનનો ટુંક સાર છે. હવે દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ વિશેષપણે બતાવે છે અને
તે જાણ્યા પછી અંતરંગમાં કેવા પ્રકારની ક્રિયા કરવાથી મોહ ક્ષય પામે છે–તે કહેવાય છે.]

જે જીવ પોતાના પુરુષાર્થ વડે આત્માને જાણે છે તે જીવનો મોહ ક્ષય પામે જ છે–એમ કહ્યું છે, પરંતુ
મોહકર્મનું જોર ઓછું થાય તો આત્માને જાણવાનો પુરુષાર્થ પ્રગટી શકે–એમ કહ્યું નથી, કેમકે મોહકર્મ કંઈ
આત્માને પુરુષાર્થ કરવામાં રોકતું નથી. જીવ પોતાના જ્ઞાનમાં સાચો પુરુષાર્થ કરે ત્યારે મોહ ક્ષય થાય જ છે.
જીવનો પુરુષાર્થ સ્વતંત્ર છે; ‘પહેલાંં તું જ્ઞાન કર તો મોહ ક્ષય પામે’–આમાં ઉપાદાનથી કાર્ય થાય એમ સિદ્ધ કર્યું
છે. પરંતુ ‘પહેલાંં મોહ ક્ષય થાય તો તને આત્માનું જ્ઞાન પ્રગટે’ એમ ઊંધેથી (–નિમિત્ત તરફથી) લીધું નથી,
કેમકે નિમિત્તને લઈને જીવમાં કાંઈ પણ થતું નથી.
અરિહંત ભગવાનના સ્વરૂપમાં દ્રવ્ય, ગુણ, પર્યાય કઈ રીતે છે તે કહે છે. “ત્યાં અન્વય તે દ્રવ્ય છે,
અન્વયનું વિશેષણ તે ગુણ છે, અન્વયના વ્યતિરેકો (–ભેદો) તે પર્યાયો છે.” [ગાથા ૮૦ ટીકા, લાઈન ચોથી]
શરીર તે અરિહંત નથી પણ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ આત્મા તે અરિહંત છે. અનંત અરિહંત અને અનંત
આત્માઓનું દ્રવ્ય–ગુણ–પર્યાયપણે શું સ્વરૂપ છે તે આમાં બતાવ્યું છે.
– દ્રવ્ય –
અહીં મુખ્યપણે અરિહંત પ્રભુના દ્રવ્ય–ગુણ–પર્યાયની વાત છે. અરિહંત પ્રભુના સ્વરૂપમાં અન્વય તે દ્રવ્ય
છે. ‘અન્વય તે દ્રવ્ય’ એટલે શું? જે અવસ્થા પલટે છે તે કંઈક કાયમ રહીને પલટે છે; જેમ પાણીમાં મોજાં ઊઠે
છે તે પાણી અને શીતળતા કાયમ રહીને ઊઠે છે, પાણી વગર અધરથી મોજાં ઊઠે નહિ, તેમ આત્મામાં
પર્યાયરૂપી મોજાં (ભાવ) બદલાય છે; તે બદલાતા એકેક ભાવ જેટલો આત્મા નથી પણ બધા ભાવોમાં
સળંગપણે ટકી રહેનારો આત્મા છે, ત્રિકાળ ટકી રહેનાર આત્મદ્રવ્યના આધારે પર્યાયો પરિણમે છે. પહેલાંં અને
પછી બધાં પરિણામોમાં કાયમ રહે તે દ્રવ્ય છે. પરિણામો તો દરેક સમયે એક પછી એક નવા નવા થાય છે, બધાં
પરિણામોમાં સળંગપણે એક સરખું રહેનાર દ્રવ્ય છે; પહેલાંં પણ તે જ હતું અને પછી પણ તે જ છે–એમ પહેલાંં–
પછીનું એકપણું તે અન્વય છે, અને અન્વય તે દ્રવ્ય છે.
અરિહંતના સંબંધમાં; પૂર્વે અજ્ઞાનદશા હતી, પછી જ્ઞાનદશા પ્રગટી, આ અજ્ઞાન અને જ્ઞાન બંને દશામાં

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૩૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૭૨ :
અરિહંતને જે ટકી રહેલ છે તે આત્મદ્રવ્ય છે. જે આત્મા પહેલાંં અજ્ઞાનરૂપ હતો તે જ અત્યારે જ્ઞાનરૂપ છે–આવી
પહેલાંં–પછીની જોડરૂપ જે પદાર્થ તે દ્રવ્ય છે. પર્યાયો પહેલાંં–પછીની જોડરૂપ નથી, અવસ્થા તો પહેલાંં–પછીની
છૂટી છૂટી (વ્યતિરેકરૂપ) છે, અને દ્રવ્ય પહેલાંં–પછીના સંબંધરૂપ (અન્વયરૂપ) છે. એક અવસ્થા તે બીજી નહિ,
બીજી અવસ્થા તે ત્રીજી નહિ–આમ અવસ્થામાં જુદાપણું છે, પણ જે દ્રવ્ય પહેલા સમયે હતું તે જ બીજા સમયે
છે, બીજા સમયે હતું તે જ ત્રીજા સમયે છે–આમ દ્રવ્યમાં સળંગ સદશપણું છે.
જેમ સોનાની અવસ્થાના ઘાટ અનેક પ્રકારના થાય છે, તેમાં વીંટીરૂપ ઘાટ વખતે કુંડળ ન હોય, કુંડળરૂપ
ઘાટ વખતે કડું ન હોય–એમ દરેક પર્યાયના ઘાટનું જુદાપણું છે, પણ જે સોનું વીંટીરૂપે હતું તે જ સોનું કુંડળરૂપે
છે, જે કુંડળરૂપે હતું તે જ કડારૂપે છે–બધા ઘાટમાં સોનું તો એક જ છે, કયા ઘાટ વખતે સોનું નથી? બધી
અવસ્થા વખતે સોનું છે, તેમ અજ્ઞાનદશા વખતે સાધકદશા ન હોય, સાધકદશા વખતે સાધ્યદશા ન હોય–આ
રીતે દરેક પર્યાયનું જુદાપણું છે. પણ જે આત્મા અજ્ઞાનદશામાં હતો તે જ સાધકદશામાં છે, અને જે સાધકદશામાં
હતો તે જ સાધ્યદશામાં છે, બધી અવસ્થામાં આત્મદ્રવ્ય તો એક જ છે, કઈ અવસ્થામાં આત્મા નથી? બધી
અવસ્થામાં કાયમ સાથે રહીને ગમન કરનાર આત્મદ્રવ્ય છે.
પહેલાંં અને પછી જે ટકી રહે તે દ્રવ્ય છે. અરિહંત પ્રભુનો આત્મા પોતે જ પહેલાંં અજ્ઞાનદશામાં હતો
અને અત્યારે અરિહંતદશામાં પણ તે જ છે–આ પ્રમાણે અરિહંતના આત્મદ્રવ્યને ઓળખવું. આ ઓળખાણ કરતાં
એમ પ્રતીત થાય છે કે અત્યારે અધૂરી દશા હોવા છતાં પૂર્ણ અરિહંતદશામાં પણ હું જ ટકી રહેવાનો છું, આમાં
આત્માનું ત્રિકાળીપણું લક્ષમાં આવ્યું.
– ગુણ –
‘અન્વયનું વિશેષણ તે ગુણ છે.’ પહેલાંં દ્રવ્યની વ્યાખ્યા કરીને હવે ગુણની વ્યાખ્યા કરે છે. કડું–કુંડળ
અને વીંટી બધી અવસ્થામાં રહેનાર સોનું તે દ્રવ્ય છે એમ તો કહ્યું, પરંતુ સોનું કેવું છે? સોનું પીળું છે, સોનું
ભારે છે, સોનું ચીકણું છે–એમ પીળાશ, વજન અને ચીકાશ વિશેષણો સોનાને લાગુ પાડ્યાં, તેથી તે પીળાશાદિ
સોનાના ગુણ છે, તેમ અરિહંતની પૂર્વ–પછીની અવસ્થામાં જે ટકી રહે તે આત્મદ્રવ્ય છે એમ કહ્યું, પરંતુ
આત્મદ્રવ્ય કેવું છે? આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આત્મા દર્શનસ્વરૂપ છે, આત્મા ચારિત્રસ્વરૂપ છે–એમ જ્ઞાન, દર્શન,
ચારિત્ર વિશેષણો આત્મદ્રવ્યને લાગુ પડે છે માટે જ્ઞાનાદિ આત્મદ્રવ્યના ગુણ છે. દ્રવ્યની શક્તિને ગુણ કહેવાય
છે. આત્મા તે ચેતનદ્રવ્ય છે અને ચૈતન્ય તેનું વિશેષણ છે. પરમાણુમાં જે પુદ્ગલ તે દ્રવ્ય છે અને વર્ણ, ગંધ
વગેરે તેના વિશેષણો–ગુણો છે. વસ્તુમાં કાંઈક વિશેષણ તો હોય જ. જેમ કડવાશ તે અફીણનું વિશેષણ છે,
ગળપણ તે ગોળનું વિશેષણ છે, તેમ આત્મદ્રવ્યનું વિશેષણ શું? અરિહંત ભગવાન આત્મદ્રવ્ય કઈ રીતે છે તે
પૂર્વે કહ્યું છે, અરિહંતમાં રાગ જરાપણ નથી, અને પૂરેપુરૂં જ્ઞાન છે એટલે કે જ્ઞાન તે આત્મદ્રવ્યનું વિશેષણ છે.
અહીં મુખ્યપણે જ્ઞાનથી વાત કરી છે, તેવી રીતે દર્શન, ચારિત્ર, વીર્ય, અસ્તિત્વ વગેરે અનંત ગુણો છે તે બધા
આત્માના વિશેષણો છે. અરિહંત તે આત્મદ્રવ્ય છે અને તે આત્મામાં અનંત સહવર્તી ગુણો છે, તેવો જ હું પણ
આત્મદ્રવ્ય છું અને મારામાં તે બધા ગુણો વર્તી રહ્યા છે. આમ જે અરિહંતના આત્માને દ્રવ્ય–ગુણ પણે જાણે તે
પોતાના આત્માને પણ દ્રવ્ય–ગુણપણે જાણે, દ્રવ્ય–ગુણને જાણતાં હવે પર્યાયમાં શું કરવું તે પોતે સમજે છે અને
તેથી તેને ધર્મ થાય છે. દ્રવ્ય–ગુણ તો જેવા અરિહંતને છે તેવા જ બધા આત્માને સદા એકરૂપ છે, દ્રવ્યગુણમાં તો
ફેર નથી, અવસ્થામાં સંસાર–મોક્ષ છે. દ્રવ્ય–ગુણમાંથી પર્યાય પ્રગટે છે તેથી પોતાના દ્રવ્ય–ગુણને ઓળખીને તે
દ્રવ્ય–ગુણમાંથી પર્યાયનો જેવો ઘાટ પોતે ઘડે તેવો કરી શકાય છે.
આ રીતે દ્રવ્યપણે અને ગુણપણે આત્માની ઓળખાણ કરાવી, તેમાં ગુણ છે તે દ્રવ્યને જ ઓળખાવનાર છે.
– પર્યાય –
‘અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે’–આમાં પર્યાયોની વ્યાખ્યા છે. દ્રવ્યના જે ભેદો તે પર્યાયો છે. દ્રવ્ય
તો ત્રિકાળ છે, તે દ્રવ્યને ક્ષણક્ષણના ભેદપણે (એટલે કે ક્ષણક્ષણવર્તી હાલતપણે) લક્ષમાં લેવું તે પર્યાય છે.
પર્યાયનો સ્વભાવ વ્યતિરેકરૂપ છે એટલે એક પર્યાય વખતે બીજી પર્યાય હોય નહિ. ગુણો અને દ્રવ્ય સદા સાથે
હોય પણ પર્યાય એક પછી એક હોય છે. અરિહંતપ્રભુને કેવળજ્ઞાન પર્યાય છે તે વખતે પૂર્વની અધૂરી જ્ઞાનદશા
હોતી નથી. વસ્તુના જે એક એક સમયના જુદા જુદા

PDF/HTML Page 10 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૩૩ :
ભેદો તે પર્યાય છે, કોઈ પણ વસ્તુ પર્યાય વગર હોઈ શકે નહિ.
આત્મદ્રવ્ય કાયમ રહીને તેની અવસ્થા બદલ્યા કરે છે. દ્રવ્ય અને ગુણ તો એકરૂપ છે તેમાં ભેદ નથી પણ
અવસ્થામાં અનેક પ્રકારે ફેરફાર થાય છે તેથી અવસ્થમાં ભેદ છે. પહેલાંં દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જુદું જુદું
ઓળખાવીને પછી ત્રણેને અભેદદ્રવ્યમાં સમાવી દેશે. આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાયની વ્યાખ્યા પૂરી થઈ.
– શરુઆતનું કર્તવ્ય –
અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને બરાબર જાણવા તે જ ધર્મ છે. અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–
પર્યાયને જાણનાર જીવ પોતાના આત્માને પણ જાણે છે; આ જાણ્યા વગર દયા, ભક્તિ, પૂજા, વ્રત, તપ, બ્રહ્મચર્ય
કે શાસ્ત્ર અભ્યાસ તે બધું કરવા છતાં ધર્મ થતો નથી, અને મોહ ટળતો નથી; માટે પહેલાંં પોતાના જ્ઞાનવડે
અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયનો નિર્ણય કરવો જોઈએ, આ જ ધર્મ કરવા માટે શરુઆતનું કર્તવ્ય છે...
[ – પોષ વદ ૨. તા. ૧૯ – ૧ – ૧૯૪૬ – ]
પૂર્વે દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ બતાવ્યું. અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણનાર જીવ પોતાના દ્રવ્ય–
ગુણપર્યાયમય આત્માને જાણી લે છે–એમ હવે કહે છે.
“સર્વત: વિશુદ્ધ એવા તે ભગવાન અર્હંતમાં (અર્હંતના સ્વરૂપનો ખ્યાલ કરતાં) જીવ ત્રણે પ્રકરના
સમયને (દ્રવ્યગુણપર્યાયમય નિજ આત્માને) પોતના મનવડે કળી લે છે–સમજી લે છે–જાણી લે છે.”
[ગાથા ૮૦ ટીકા, લાઈન – ૫]
અરિહંતભગવાનનું સ્વરૂપ સર્વત: વિશુદ્ધ છે એટલે કે તેઓ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ છે
તેથી દ્રવ્ય–ગુણ–પર્યાયપણે તેમના સ્વરૂપને જાણતાં પોતાનું સ્વરૂપ દ્રવ્યથી–ગુણથી અને પર્યાયથી કેવું છે તે
જીવને ખ્યાલમાં આવે છે.
આ આત્માનું અને અરિહંતનું સ્વરૂપ પરમાર્થે સમાન છે, તેથી જે અરિહંતના સ્વરૂપને જાણે તે પોતાના
સ્વરૂપને જાણે. અને જે પોતાના સ્વરૂપને જાણે તેના મોહનો ક્ષય થાય છે.
– સમ્યકત્વસન્મુખ દશા –
જેણે પોતાના જ્ઞાનવડે અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને લક્ષમાં લીધા તે જીવને અરિહંતનો ખ્યાલ કરતાં
પરમાર્થે પોતાનો જ ખ્યાલ આવે છે. અરિહંતના દ્રવ્યગુણ પૂરા છે અને તેમની અવસ્થા સંપૂર્ણ જ્ઞાનમય છે, તદ્ન
વિકારરહિત છે એમ નિર્ણય કરતાં પોતાના દ્રવ્ય–ગુણ પૂરા છે અને અવસ્થા સંપૂર્ણ જ્ઞાનરૂપ, વિકારરહિત હોવી
જોઈએ એમ પ્રતીત થાય છે. જેવા ભગવાન અરિહંત તેવો જ હું એમ, અરિહંતને જાણતાં સ્વસમયને મનવડે
જીવ કળી લે છે. અહીં સુધી હજી અરિહંતના સ્વરૂપ સાથે પોતાના સ્વરૂપની સરખામણી કરે છે, એટલે
અરિહંતમાં લક્ષે પોતાના આત્માનું સ્વરૂપ નક્કી કરવા માંડ્યું છે, અહીં પરલક્ષે નિર્ણય હોવાથી મનવડે પોતાના
આત્માને કળી લે છે એમ કહ્યું છે. ભલે, અહીં વિકલ્પ છે તોપણ વિકલ્પ દ્વારા જે નિર્ણય કરી લીધો છે તે
નિર્ણયરૂપ જ્ઞાનમાંથી જ મોક્ષમાર્ગની શરુઆત થવાની છે. મનવડે વિકલ્પથી જ્ઞાન કર્યું છે તોપણ નિર્ણયના જોરે
જ્ઞાનમાંથી વિકલ્પ તોડીને સ્વલક્ષે સાચું સમજી મોહક્ષય કરવાનો જ છે–એવી શૈલિ છે. જેણે મનવડે આત્માનો
નિર્ણય કર્યો તેને સમ્યકત્વસન્મુખ દશા થઈ છે.
– અરિહંત સાથે સરખામણી –
અરિહંતને દ્રવ્ય–ગુણ પર્યાયપણે જાણનાર જીવ દ્રવ્યગુણ–પર્યાયસ્વરૂપ પોતાના આત્માને કેવી રીતે કળી
લે છે તેનું સ્વરૂપ હવે બતાવે છે. અરિહંતને જાણનાર જીવ પોતાના જ્ઞાનમાં પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયને આ
પ્રમાણે વિચારે છે–
‘આ ચેતન છે’ એવો જે અન્વય તે દ્રવ્ય છે, અન્વયને આશ્રિત રહેલું ‘ચૈતન્ય’ એવું જે વિશેષણ તે ગુણ
છે અને એક સમયની મર્યાદાવાળુ જેનું કાળપરિમાણ હોવાથી પરસ્પર અપ્રવૃત્ત એવા જે અન્વયવ્યતિરેકો (એક
બીજામાં નહિ પ્રવર્તતા એવા જે અન્વયના વ્યતિરેકો) તે પર્યાયો છે–કે જેઓ ચિદ્દવિવર્તનની (આત્માના
પરિણમનની) ગ્રંથિઓ છે.
[ગાથા ૮૦ ટીકા, લાઈન ૮]
પહેલાંં અરિહંત ભગવાનને સામાન્યપણે જાણીને હવે તેમના સ્વરૂપને લક્ષમાં રાખીને દ્રવ્ય–ગુણ–
પર્યાયથી વિશેષપણે વિચારે છે. “આ અરિહંત આત્મા છે” એમ દ્રવ્યને જાણ્યું, જ્ઞાનને ધરનાર જે કાયમી દ્રવ્ય તે
જ આત્મા છે, આ રીતે અરિહંત સાથે આત્માને મેળવે છે.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૭૨ :
ચેતન દ્રવ્ય આત્મા છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, ચૈતન્યગુણ આત્મદ્રવ્યને આશ્રિત રહેલ છે; કાયમ
ટકનાર આત્મદ્રવ્યના આશ્રયે જ્ઞાન રહેલું છે, દ્રવ્યના આશ્રયે રહેલ હોવાથી જ્ઞાન તે ગુણ છે. અરિહંતોના ગુણને
જોઈને પોતે આત્માના ગુણો કેવા છે તે નક્કી કરે છે. જેવો અરિહંતનો સ્વભાવ છે તેવો જ મારો સ્વભાવ છે.
દ્રવ્ય–ગુણ ત્રિકાળી છે, તેના ક્ષણક્ષણવર્તી ભેદો તે પર્યાયો છે. પર્યાયની મર્યાદા એક જ સમય પૂરતી છે,
એક જ સમયની મર્યાદા હોવાથી બે પર્યાયો કદી ભેગી થતી નથી. પર્યાયો એકબીજામાં અપ્રવૃત્ત છે, એક પર્યાય
બીજી પર્યાયમાં આવતી નથી; આથી પહેલી પર્યાય વિકારરૂપ હોવા છતાં બીજી પર્યાય મારા સ્વભાવથી હું
નિર્વિકારી કરી શકું છું. એટલે વિકાર એક સમય પૂરતો છે અને વિકારરહિત સ્વભાવ ત્રિકાળ છે. પર્યાય એક
સમય પૂરતી જ છે એમ જાણતાં વિકારનું ક્ષણિકપણું છે એમ પ્રતીત થાય છે. આ પ્રમાણે અરિહંત સાથે
સરખામણી કરીને પોતાના સ્વરૂપમાં તેની મેળવણી કરે છે.
ચેતનની એક સમયવર્તી પર્યાયો તે બધી જ્ઞાનની જ ગાંઠો છે, પર્યાયનો સંબંધ ચૈતન્ય સાથે છે, ખરેખર
રાગ તે ચૈતન્યની પર્યાય નથી કેમકે અરિહંતની પર્યાયમાં રાગ નથી. જેટલું અરિહંતની પર્યાયમાં હોય તેટલું જ
આ આત્માની પર્યાયનું સ્વરૂપ છે.
અવસ્થા સમય સમયની મર્યાદાવાળી છે, એક અવસ્થાનો બીજા સમયે નાશ થાય છે તેથી એક
અવસ્થામાંથી બીજી અવસ્થા આવે નહિ, પણ દ્રવ્યમાંથી જ અવસ્થા આવે છે, માટે પહેલાંં દ્રવ્યનું સ્વરૂપ
બતાવ્યું; અવસ્થામાં વિકાર તે સ્વરૂપ નથી પણ ગુણ જેવી જ નિર્વિકાર અવસ્થા જોઈએ, એથી પછી ગુણનું
સ્વરૂપ બતાવ્યું; રાગ કે વિકલ્પમાંથી પર્યાય પ્રગટતી નથી કેમકે પર્યાયો એક બીજામાં પ્રવર્તતી નથી. પર્યાયને
ચિદ્દવિવર્તનની ગ્રંથિ કેમ કીધી? પર્યાય પોતે તો એક સમય પૂરતી છે પરંતુ એક સમયની પર્યાયવડે ત્રિકાળી
દ્રવ્યને જાણવાનું સામર્થ્ય છે. એક જ સમયની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનો નિર્ણય સમાય છે–એવું પર્યાયનું સામર્થ્ય
બતાવવા તેને ચિદ્દવિવર્તનની ગ્રંથિ કીધી છે.
અરિહંતને કેવળજ્ઞાનદશા વર્તે છે, કેવળજ્ઞાનદશા તે ચિદ્દવિવર્તનની ખરી ગ્રંથિ છે, અધૂરૂં જ્ઞાન તે સ્વરૂપ
નથી. કેવળજ્ઞાન થતાં એક જ પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન સમાય છે, મતિ–શ્રુતપર્યાયમાં પણ ઘણા ઘણા
ભાવોનો નિર્ણય સમાય છે.
ભલે પર્યાય પોતે એક સમયની છે તોપણ તે એક સમયમાં સર્વજ્ઞના પરિપૂર્ણ દ્રવ્ય–ગુણ–પર્યાયને પોતાના
જ્ઞાનમાં સમાવી દે છે, આખા અરિહંતનો નિર્ણય એક સમયમાં કરી લેતી હોવાથી પર્યાય તે ચૈતન્યની ગાંઠ છે.
અરિહંતની પર્યાય સર્વત: વિશુદ્ધ છે, એ વિશુદ્ધ પર્યાયને ખ્યાલમાં લીધી તે વખતે પોતાને તેવી પર્યાય
વર્તમાન વર્તતી નથી છતાં ‘મારી અવસ્થાનું સ્વરૂપ અનંત જ્ઞાન શક્તિરૂપ સંપૂર્ણ છે, રાગાદિ તે મારી પર્યાયનું
મૂળ સ્વરૂપ નથી’ આમ નિર્ણય થાય છે.
આ રીતે અરિહંતના લક્ષે દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપે પોતાના આત્માને શુભવિકલ્પ વડે જાણ્યો. આ રીતે
દ્રવ્ય–ગુણ–પર્યાયના સ્વરૂપને એક સાથે જાણી લેતો જીવ પછી શું કરે છે અને તેનો મોહ ક્યારે નાશ પામે છે તે
હવે કહે છે.
“હવે એ રીતે.........અવશ્યમેવ પ્રલય પામે છે.” (ગાથા૮૦ ટીકા, પાનું ૧૧૯)
દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ સ્વરૂપ જાણતાં ત્રિકાળીક દ્રવ્યને એક કાળમાં જીવ નક્કી કરી લે છે; આત્મા
ત્રિકાળી હોવા છતાં એક કાળમાં તેના ત્રિકાળી સ્વરૂપને જીવ કળી લે છે. અરિહંતને દ્રવ્ય–ગુણ–પર્યાયથી જાણતાં
પોતામાં શું ફળ પ્રગટ્યું તે બતાવે છે. જેવા અરિહંત પ્રભુ ત્રિકાળી આત્મા છે તેવો જ હું ત્રિકાળી આત્મા છું એમ
ત્રિકાળી પદાર્થને લક્ષમાં લે છે. ત્રિકાળી પદાર્થને જાણતાં ત્રિકાળ જેટલો વખત લાગતો નથી પણ વર્તમાન એક
પર્યાયદ્વારા ત્રિકાળીનો ખ્યાલ આવી જાય છે. આ ક્ષાયકસમકિત કેમ થાય તેની વાત છે, શરુઆતની ક્રિયા આ
જ છે, આ જ ક્રિયાવડે મોહનો ક્ષય થાય છે.
જીવને સુખ જોઈએ છે, આ જગતમાં સંપૂર્ણ સ્વાધીન સુખી તો શ્રી અરિહંત છે, માટે ‘સુખ જોઈએ છે’
એનો અર્થ એ થયો કે અરિહંતને જે દશા છે તે દશારૂપે પોતાને થવું છે. જેણે અરિહંત જેવો પોતાનો આત્મા
માન્યો હોય તે જ અરિહંત જેવી દશારૂપે થવાની ભાવના કરે. જેણે પોતાને અરિહંત જેવો માન્યો તેણે અરિહંત
જેવા દ્રવ્ય–ગુણ–પર્યાય સિવાય બીજું બધું પોતાના આત્મામાંથી

PDF/HTML Page 12 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૩૫ :
કાઢી નાંખ્યું. (અહીં પહેલાંં માન્યતા–શ્રદ્ધા કરવાની વાત છે.) પર દ્રવ્યનું કરવાની માન્યતા, શુભરાગથી ધર્મ
થાય એવી માન્યતા, નિમિત્તથી લાભ–નુકશાન થાય એવી માન્યતા, આ બધું ટળી ગયું કેમકે અરિહંતના
આત્માને તે કાંઈ નથી.
દ્રવ્ય – ગુણ – પર્યાયનું સ્વરૂપ જાણ્યા પછી શું કરવું?
અરિહંતના આત્માને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે જાણનાર જીવ ત્રિકાળી આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપને
એક ક્ષણમાં કળી લે છે; બસ! અહીં આત્માને કળી લેવા સુધીની વાત કરી ત્યાંસુધી વિકલ્પ છે, વિકલ્પવડે
આત્મલક્ષ કર્યું છે. હવે તે વિકલ્પ તોડીને, દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદને છોડીને અભેદ આત્માનું લક્ષ કરવાની વાત
કરે છે. આ અભેદનું લક્ષ કરવું તે જ અરિહંતને જાણવાનું ખરું ફળ છે, અને અભેદનું લક્ષ કરે તે જ ક્ષણે મોહનો
ક્ષય થાય છે.
જે અવસ્થાવડે અરિહંતને જાણીને ત્રિકાળિક દ્રવ્યનો ખ્યાલ કર્યો તે અવસ્થામાં જે વિકલ્પ વર્તે છે તે પોતાનું
સ્વરૂપ નથી, પણ જે ખ્યાલ કર્યો છે તે ખ્યાલ પોતાનો સ્વભાવ છે. ખ્યાલ કરનાર જે જ્ઞાન છે તે સમ્યગ્જ્ઞાનની
જાતનું છે; પણ હજી પરલક્ષ છે તેથી અહીં સુધી સમ્યગ્દર્શન પ્રગટરૂપ નથી. હવે તે ખ્યાલરૂપ અવસ્થાને પર લક્ષથી
ખસેડીને સ્વભાવમાં સંકેલે છે, –ભેદનું લક્ષ છોડી અભેદના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટરૂપ કરે છે.
જેમ મોતીનો હાર ઝુલતો હોય, તે ઝુલતા હારને લક્ષમાં લેતાં તેના પહેલેથી છેલ્લે સુધીના બધા મોતીઓ
તે હારમાં જ સમાઈ જાય છે, પણ હાર અને મોતીનો ભેદ લક્ષમાં આવતો નથી. એકેક મોતી છૂટું છે પણ જ્યારે
હારને જોવામાં આવે ત્યારે એકેક મોતીનું લક્ષ છૂટી જાય છે. પરંતુ પહેલાંં હારનું સ્વરૂપ જાણવું જોઈએ કે હારમાં
અનેક મોતીઓ છે, તેમજ હાર ધોળો છે; આ રીતે પ્રથમ હાર, હારનો રંગ અને મોતી એ ત્રણેનું સ્વરૂપ જાણ્યું
હોય તો તે ત્રણેને ઝુલતા હારમાં સમાવીને હારને એકપણે લક્ષમાં લઈ શકાય, મોતીઓનું સળંગપણું તે હાર છે.
પ્રત્યેક મોતી તે હારનું વિશેષ છે, અને તે વિશેષોને એક સામાન્યમાં સંકેલવામાં આવે તો હાર લક્ષમાં આવે છે.
હારની જેમ આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયોને જાણીને પછી બધી પર્યાયોને અને ગુણોને એક ચૈતન્યદ્રવ્યમાં જ
અંતર્ગત કરતાં દ્રવ્યનું લક્ષ થાય છે–આ જ ક્ષણે સમ્યગ્દર્શન થઈને મોહક્ષય પામે છે.
અહીં ‘ઝૂલતો હાર’ કેમ લીધો છે? કેમકે વસ્તુ કુટસ્થ નથી પણ સમયે સમયે ઝુલી રહી છે એટલે કે
પર્યાયે પર્યાયે દ્રવ્યમાં પરિણમન થઈ રહ્યું છે. જેમ હારના લક્ષે મોતીનું લક્ષ છૂટે છે તેમ દ્રવ્યના લક્ષે પર્યાયનું
લક્ષ છૂટી જાય છે. પર્યાયોમાં બદલનારો તો એક આત્મા છે, બદલનાર ઉપરના લક્ષે બધા પરિણામોને તેમાં
અંતર્ગત કરવામાં આવે છે. પર્યાયપણે એકેક પર્યાય જુદી જુદી છે પરંતુ જ્યારે દ્રવ્યને જોવામાં આવે ત્યારે બધા
પર્યાયો તેમાં અંતર્ગત થઈ જાય છે, આ રીતે આત્મદ્રવ્યને ખ્યાલમાં લેવું તે જ સમ્યગ્દર્શન છે.
પ્રથમ આત્મા દ્રવ્ય, આત્માના ગુણો અને આત્માની અનાદિઅનંત કાળની પર્યાયો એ ત્રણેનું વાસ્તવિક
સ્વરૂપ (અરિહંતના સ્વરૂપ સાથે સરખાવીને) નક્કી કર્યું હોય તો પછી તે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને એક
પરિણમતા દ્રવ્યમાં સમાવીને દ્રવ્યને અભેદપણે લક્ષમાં લઈ શકાય. પહેલાંં સામાન્ય–વિશેષ (દ્રવ્ય–પર્યાય)
જાણીને પછી વિશેષોને સામાન્યમાં અંતર્ગત કરવામાં આવે છે; પરંતુ જેણે સામાન્ય–વિશેષનું સ્વરૂપ જાણ્યું ન
હોય તે વિશેષને સામાન્યમાં અંતર્લીન કેવી રીતે કરે?
પ્રથમ અરિહંત જેવા દ્રવ્ય–ગુણ–પર્યાયપણે પોતાના આત્માને લક્ષમાં લઈને પછી જે જીવે ગુણ–પર્યાયોને
એક દ્રવ્યમાં સંકેલ્યા તેણે આત્માને સ્વભાવમાં ધારી રાખ્યો, જ્યાં આત્માને સ્વભાવમાં ધારી રાખ્યો ત્યાં મોહને
રહેવાનું સ્થાન ન રહ્યું એટલે મોહ નિરાશ્રયપણાને લીધે તે જ ક્ષણે ક્ષય પામે છે, પહેલાંં અજ્ઞાનને લીધે દ્રવ્ય–
ગુણ–પર્યાયના ભેદ પાડતો તેથી તે ભેદના આશ્રયે મોહ રહ્યો હતો. પરંતુ જયાં દ્રવ્ય–ગુણ–પર્યાયને અભેદ કર્યા
ત્યાં દ્રવ્ય–ગુણ–પર્યાયનો ભેદ ટળી જતાં મોહ ક્ષય પામે છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતા તે જ ધર્મ છે અને દ્રવ્ય–
ગુણ–પર્યાય વચ્ચે ભેદ તે જ અધર્મ છે.
છૂટા છૂટા મોતી તે વિસ્તાર છે કેમકે તેમાં અનેકપણું આવે છે, અને બધા મોતીઓના અભેદપણારૂપ એક
હાર તે સંક્ષેપ છે. જેમ પર્યાયના વિસ્તારને દ્રવ્યમાં સંકેલી દીધો તેમ વિશેષ્ય–વિશેષણપણાની વાસનાને પણ દુર
કરીને–ગુણને પણ દ્રવ્યમાં જ અંતર્હિત કરીને એકલા આત્માને જ જાણવો, અને એ પ્રમાણે આત્માને જાણતાં
મોહ ક્ષય પામે છે. પહેલાંં ‘મનવડે

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૭૨ :
જાણી લે છે’ એમ કહ્યું હતું, તે જાણપણું વિકલ્પસહિત હતું, અહીં જે જાણવાની વાત કરી છે તે વિકલ્પરહિત
અભેદનું જાણપણું છે, આ જાણવા વખતે પરલક્ષ તેમ જ દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનું લક્ષ છુટી ગયું છે.
અહીં (મૂળ ટીકામાં) દ્રવ્ય–ગુણ–પર્યાયને અભેદ કરવા સંબંધી પર્યાય અને ગુણના ક્રમથી વાત કરી છે.
પહેલાંં કહ્યું છે કે ‘ચિદ્દવિવર્તોને ચેતનમાં જ સંક્ષેપીને’ અને પછી કહ્યું છે કે ‘ચૈતન્યને ચેતનમાં જ અંતર્હિત
કરીને’ આમાં પહેલાં બોલમાં પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરવાની વાત છે અને બીજામાં ગુણને દ્રવ્ય સાથે અભેદ
કરવાની વાત છે. આ રીતે પર્યાયને અને ગુણને દ્રવ્યમાં અભેદ કરવાની વાત ક્રમથી સમજાવી છે, પણ અભેદનું
લક્ષ કરતાં તે ક્રમ પડતા નથી. જે ક્ષણે અભેદ દ્રવ્ય તરફ જ્ઞાન ઢળ્‌યું તે જ ક્ષણે પર્યાયભેદ અને ગુણ–ભેદનું લક્ષ
એક સાથે ટળી જાય છે, સમજાવવામાં તો ક્રમથી જ વાત આવે.
જેમ ઝુલતા હારને લક્ષમાં લેતી વખતે ‘આ હાર ધોળો છે’ એવો વિકલ્પ હોતો નથી અર્થાત્ ધોળાશને
ઝુલતા હારમાં જ અલોપ કરી દેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યમાં ‘આ આત્મા અને જ્ઞાન તેનો ગુણ અથવા
આત્મા જ્ઞાનસ્વભાવી છે’ એવા ગુણ–ગુણી ભેદની કલ્પના દૂર કરીને ગુણને દ્રવ્યમાં જ અદ્રશ્ય કરવા. એકલા
આત્માને લક્ષમાં લેતાં જ્ઞાન અને આત્માના ભેદ સંબંધી વિચાર અલોપ થઈ જાય છે, ગુણ–ગુણી ભેદનો વિકલ્પ
તુટીને એકાકાર ચેતન્યસ્વરૂપનો અનુભવ થાય છે–આ જ સમ્યગ્દર્શન છે.
હારમાં પહેલાંં તો મોતીની કિંમત, તેની ચમક અને હારની ગુંથણીને જાણે, પછી મોતીનું લક્ષ છોડીને
‘આ હાર ધોળો’ એમ ગુણગુણી ભેદથી હારને લક્ષમાં લ્યે અને પછી તો મોતી, ધોળાશ અને હાર એ ત્રણે
સંબંધી વિકલ્પો છૂટીને–મોતી અને ધોળાશને હારમાં જ અદ્રશ્ય કરીને એકલા હારનો જ અનુભવ કરવામાં આવે
છે, તેમ પહેલાંં અરિહંતનો નિર્ણય કરીને દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપને જાણે કે આવી પર્યાય મારૂં સ્વરૂપ છે,
આવા મારા ગુણો છે અને હું અરિહંત જેવો જ આત્મા છું; આમ વિકલ્પ દ્વારા જાણ્યા પછી પર્યાયોના
અનેકભેદનું લક્ષ છોડીને ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા’ એમ ગુણ–ગુણી ભેદવડે આત્માને લક્ષમાં લ્યે અને પછી તો
દ્રવ્ય, ગુણ કે પર્યાય એ ત્રણે સંબંધી વિકલ્પો છોડીને એકલા આત્માનો અનુભવ કરવા ટાણે તે ગુણગુણી ભેદ
પણ ગુપ્ત થઈ જાય છે–અર્થાત્ જ્ઞાન ગુણ આત્મામાં જ સમાઈ જાય છે, આ રીતે કેવળ આત્માનો અનુભવ કરવો
તે સમ્યગ્દર્શન છે.
[ફુટનોટ–પ્રવચનસારજી પા. ૧૧૯]–“હાર ખરીદનાર માણસ ખરીદ કરતી વખતે તો હાર,
તેની ધોળાશ અને તેના મોતી એ બધાયની પરીક્ષા કરે છે પરંતુ પછી ધોળાશ અને મોતીઓને હારમાં જ
સમાવી દઈને–તેમના પરનું લક્ષ છોડી દઈને કેવળ હારને જ જાણે છે. જો એમ ન કરે તો હાર પહેર્યાની સ્થિતિમાં
પણ ધોળાશ વગેરેના વિકલ્પો રહેવાથી હાર પહેર્યાનું સુખ વેદી શકે નહિ.” તેમ આત્મસ્વરૂપ સમજનાર
સમજતી વખતે તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેનું સ્વરૂપ વિચારે છે પરંતુ પછી ગુણ અને પર્યાયને દ્રવ્યમાં જ સમાઈ
દઈને–તેમના પરનું લક્ષ છોડી દઈને કેવળ આત્માને જ જાણે છે. જો એમ ન કરે તો દ્રવ્યનું સ્વરૂપ ખ્યાલમાં
આવવા છતાં પણ ગુણ–પર્યાય સંબંધી વિકલ્પ રહેવાથી દ્રવ્યનો અનુભવ કરી શકે નહિ.
હાર તે આત્મા, ધોળાશ તે જ્ઞાન ગુણ અને મોતીઓ તે પર્યાયો–એ પ્રમાણે દ્રષ્ટાંત અને સિદ્ધાંતનો સંબંધ
સમજવો. દ્રવ્ય–ગુણ–પર્યાયના સ્વરૂપને જાણ્યા પછી એકલા અભેદસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે જ ધર્મની
પહેલી ક્રિયા છે, આ જ ક્રિયાથી અનંતા અરિહંત–તીર્થંકરો ક્ષાયકસમ્યગ્દર્શન પામીને કેવળજ્ઞાન અને મોક્ષદશાને
પ્રાપ્ત થયા છે, વર્તમાનમાં પણ મુમુક્ષુઓને માટે આ જ ઉપાય છે અને ભવિષ્યમાં અનંત તીર્થંકરો થશે તે બધા
આ જ ઉપાયથી થવાના છે.
સર્વ જીવોને સુખી થવું છે, સુખી થવા માટે સ્વાધીનતા જોઈએ; સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ
સ્વાધીનતાનું સ્વરૂપ જાણવું જોઈએ. સંપૂર્ણ સ્વાધીન તો અરિહંત પ્રભુ છે, માટે અરિહંતનો ખ્યાલ કરવો જોઈએ;
જેવા અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવા જ પોતાના છે; અરિહંતને રાગ–દ્વેષ નથી, શરીરનું કાંઈ કરતા નથી,
પરનું કાંઈ કરતા નથી, તેમ જ દયા કે હિંસાની વિકારી લાગણીઓ તેમને નથી, તેઓ એકલું જ્ઞાન જ કરે છે તેમ
હું પણ જ્ઞાન કરનાર જ છું, બીજું કાંઈ મારૂં સ્વરૂપ નથી; વર્તમાન મારા જ્ઞાનમાં કચાશ છે તે મારી અવસ્થાના
દોષને કારણે છે, અવસ્થાનો દોષ તે પણ

PDF/HTML Page 14 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૩૭ :
મારૂં ખરૂં સ્વરૂપ નથી. આ પ્રમાણે પ્રથમ ભેદ દ્વારા નક્કી કરવું જોઈએ, પણ પછી ભેદના વિચારને છોડીને
એકલા આત્માને જાણવાથી સ્વાધીનતાનો ઉપાય પ્રગટે છે.
– દ્રવ્ય – ગુણ – પર્યાયનું સ્વરૂપ જાણવાનું ફળ –
પર્યાયોને અને ગુણોને એક દ્રવ્યમાં અંતર્લીન કરીને કેવળ આત્માને જાણતાં તે વખતે અંતરમાં શું થાય
છે તે હવે કહે છે:–...“કેવળ આત્માને જાણતાં, તેની ઉત્તરોત્તર ક્ષણે કર્તા–કર્મ–ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો
હોવાથી, નિષ્ક્રય ચિન્માત્રભાવને પામે છે;”
[ગાથા ૮૦ ટીકા, પાનું–૧૧૯]
દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનું લક્ષ છોડીને અભેદ સ્વભાવ તરફ ઢળતાં કર્તા–કર્મ–ક્રિયાના ભેદનો વિભાગ
ક્ષય પામતો જાય છે અને જીવ નિષ્ક્રિય ચિન્માત્રભાવને પામે છે–આ જ સમ્યગ્દર્શન છે.
હું આત્મા, જ્ઞાન મારો ગુણ અને આ મારી પર્યાય–એવા ભેદની ક્રિયારહિત, પુણ્ય–પાપના વિકલ્પ રહિત
નિષ્ક્રિય ચૈતન્યભાવનો અનુભવ કરવો તેમાં અનંત પુરુષાર્થ છે, પોતાનું આત્મબળ સ્વમાં વળે છે, કર્તા–કર્મ–
ક્રિયાના ભેદનો વિભાગ ક્ષય પામે છે. પહેલાંં વિકલ્પ વખતે હું (દ્રવ્ય) કર્તા અને પર્યાય મારૂં કાર્ય એમ કર્તા
કર્મના ભેદ પડતા પણ જ્યારે પર્યાયને દ્રવ્યમાં જ ભેળવી દીધી ત્યારે દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદ ન રહ્યો એટલે દ્રવ્ય
કર્તા અને પર્યાય તેનું કાર્ય એવા ભેદનો અભેદના અનુભવ વખતે ક્ષય થાય છે. પર્યાયોને અને ગુણોને
અભેદપણે આત્મદ્રવ્યમાં જ સમાવીને પરિણામી, પરિણામ અને પરિણતિ
[કર્તા, કર્મ અને ક્રિયા] ને અભેદમાં
સમાવીને અનુભવ કરવો તે અનંત પુરુષાર્થ છે. અને તે જ જ્ઞાનનો સ્વભાવ છે; ભંગ ભેદમાં જતાં જ્ઞાન અને
વીર્ય ઓછાં થતાં જાય છે, અને અભેદનો અનુભવ કરતાં ‘ઉત્તરોત્તર ક્ષણે’ કર્તા–કર્મ–ક્રિયાનો વિભાગ ક્ષય
પામતો જાય છે. ખરેખર તો જે ક્ષણે અભેદ સ્વભાવ તરફ ઢળ્‌યો તે જ ક્ષણે કર્તા–કર્મ–ક્રિયાનો ભેદ તૂટી જાય છે
છતાં અહીં ‘ઉત્તરોત્તર ક્ષણે ક્ષય પામે છે’ એમ કેમ કહ્યું છે? અનુભવ કરવા ટાણે પર્યાય દ્રવ્ય તરફ અભેદ થઈ
છે પરંતુ હજી સર્વથા અભેદ થઈ નથી, જો સર્વથા અભેદ થાય તો તે જ ક્ષણે કેવળજ્ઞાન થાય; પરંતુ જે ક્ષણે
અભેદના અનુભવ તરફ ઢળ્‌યો તે ક્ષણથી પ્રત્યેક પર્યાયમાં ભેદનો ક્રમ તૂટવા માંડયો અને અભેદનો ક્રમ વધવા
માંડયો છે. જ્યારે પર લક્ષ હતું ત્યારે પરના લક્ષે ઉત્તરોત્તર ક્ષણે ભેદરૂપ પર્યાય થતી–અર્થાત્ ક્ષણેક્ષણે પર્યાય
હીણી થતી; જ્યારે પરનું લક્ષ છોડીને સ્વમાં અભેદના લક્ષે એકાગ્ર થયો ત્યારે સ્વલક્ષે ઉત્તરોત્તર ક્ષણે પર્યાય
અભેદ થવા માંડી અર્થાત્ ક્ષણેક્ષણે પર્યાયની શુદ્ધતા વધવા માંડી છે. સમ્યગ્દર્શન થયું ત્યાં ક્રમેક્રમે–પર્યાયે પર્યાયે
શુદ્ધતાની વૃદ્ધિ થઈને કેવળજ્ઞાન જ થાય છે, વચ્ચે પડી જાય એ વાત જ નથી. બસ! સમ્યકત્વ કર્યું તે કયું, હવે
ઉત્તરોત્તર ક્ષણે દ્રવ્ય–પર્યાય વચ્ચેના ભેદને સર્વથા તોડીને કેવળજ્ઞાન લીધા વગર અટકે નહિ.
અહો! જ્ઞાનરૂપી અવસ્થાના કાર્યમાં અનંત કેવળજ્ઞાનીઓનો નિર્ણય સમાઈ જાય છે, એકેક પર્યાયનું
આવું સામર્થ્ય છે. જે જ્ઞાનની પર્યાયે અરિહંતનો નિર્ણય કર્યો તે જ્ઞાનમાં પોતાનો નિર્ણય કરવાની તાકાત છે.
પર્યાયનું સામર્થ્ય ગમે તેટલું હોવા છતાં તે પર્યાય ક્ષણિક છે, એક પછી એક અવસ્થાનું લક્ષ કરતાં તેમાં ભેદનો
વિકલ્પ ઊઠે છે; કેમકે અવસ્થામાં ખંડ છે તેથી તેના લક્ષે ખંડનો વિકલ્પ ઊઠે છે, અવસ્થાના લક્ષમાં અટકનાર
વીર્ય અને જ્ઞાન બંને રાગવાળાં છે, જ્યારે પર્યાયનું લક્ષ છોડીને ભેદના રાગને તોડીને અભેદ સ્વભાવ તરફ
વીર્યને ઢાળીને ત્યાં જ્ઞાનની એકાગ્રતા કરે ત્યારે નિષ્ક્રિય ચિન્માત્રભાવનો અનુભવ થાય છે, આ અનુભવ તે જ
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
અહીં ચિન્માત્રભાવને ‘નિષ્ક્રિય’ કેમ કહ્યો? ત્યાં પરિણતિરૂપ ક્રિયા તો છે પરંતુ ખંડરૂપ–રાગરૂપ ક્રિયાનો
અનુભવ નથી. કર્તા–કર્મ અને ક્રિયાના ભેદ નથી તેમ જ કર્તા–કર્મ–ક્રિયા સંબંધી વિકલ્પ નથી એ અપેક્ષાએ
‘નિષ્ક્રિય’ કહેલ છે, પરંતુ અનુભવ વખતે અભેદપણે પરિણતિ તો થયા જ કરે છે. પહેલાંં પરલક્ષે દ્રવ્ય–પર્યાય
વચ્ચે ભેદ પડતા ત્યારે વિકલ્પરૂપ ક્રિયા હતી પણ સ્વદ્રવ્યના લક્ષે એકાગ્રતા કરતાં દ્રવ્ય પર્યાય વચ્ચેનો ભેદ
તુટીને બંને અભેદ થયા એ અપેક્ષાએ ચૈતન્યભાવને નિષ્ક્રિય કહ્યો છે. જાણવા સિવાય જેની બીજી કોઈ ક્રિયા
નથી એવા જ્ઞાનમાત્ર નિષ્ક્રિયભાવને આ ગાથામાં કહેલા ઉપાય વડે જ જીવ પામે છે.
.મોહાંધકાર જરૂર ક્ષય પામે છે.
અભેદ અનુભવ વડે ‘ચિન્માત્રભાવને પામે છે’ તે વાત અસ્તિથી કરી; હવે, ચિન્માત્રભાવને પામતાં ‘મોહ
નાશ પામે છે’ એમ નાસ્તિથી વાત કરે છે. ચિન્માત્રભાવની પ્રાપ્તિ અને મોહનો ક્ષય એ બંને એક જ સમયમાં છે.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૩૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૭૨ :
“એ રીતે મણિની જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપપણે પ્રવર્તે છે એવા તે (ચિન્માત્ર ભાવને પામેલા)
જીવને મોહાંધકાર નિરાશ્રયપણાને લીધે અવશ્યમેવ પ્રલય પામે છે.” [ગાથા ૮૦, ટીકા, પાનું ૧૧૯]
અહીં શુદ્ધ સમ્યકત્વની વાત છે તેથી મણિનું દ્રષ્ટાંત આપ્યું છે. દીવાનો પ્રકાશ તો કંપે છે, તે એક સરખો
રહેતો નથી, પણ મણિનો પ્રકાશ તો અકંપપણે એકધારો વર્ત્યા જ કરે છે, તેનો પ્રકાશ ઓલવાઈ જતો નથી, તેમ
અભેદ ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મામાં લક્ષ કરીને ત્યાં જ એકાકારપણે પ્રવર્તતા તે જીવને ચૈતન્યનો અકંપ
પ્રકાશ પ્રગટતાં મોહઅંધકારને રહેવાનું કોઈ સ્થાન રહ્યું નહિ એટલે તે મોહાંધકાર નિરાશ્રય થયો થકો
અવશ્યમેવ ક્ષય પામે છે. જ્યારે ભેદ તરફ ઢળતો ત્યારે અભેદચૈતન્યસ્વભાવનો આશ્રય ન હોવાથી ચૈતન્યપ્રકાશ
પ્રગટ ન હતો અને અજ્ઞાનના આશ્રયે મોહઅંધકાર ટકી રહ્યો હતો, હવે અભેદ ચૈતન્યના આશ્રયમાં પર્યાય ઢળી
ગઈ અને સમ્યગ્જ્ઞાન પ્રકાશ પ્રગટ્યો પછી મોહ કોના આશ્રયે રહે? મોહનો આશ્રય અજ્ઞાન હતું તેનો તો નાશ
થયો છે, સ્વભાવના આશ્રયે મોહ રહી શકે નહિ માટે તે ક્ષય જ પામે છે. જ્યારે પર્યાયનું લક્ષ પરમાં હતું ત્યારે તે
પર્યાયમાં ભેદ હતો અને તે ભેદનો આશ્રય મોહને હતો, પણ જ્યારે તે પર્યાય સ્વલક્ષમાં વળી ત્યારે તે અભેદ
થઈ અને અભેદ થતાં મોહને કાંઈ આશ્રય ન રહ્યો તેથી આશ્રય રહિત થયેલો તે મોહ જરૂર ક્ષય પામે છે.
– શ્રદ્ધારૂપી સામાયિક અને પ્રતિક્રમણ –
આ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય દર્શાવાય છે. સમ્યગ્દર્શન થતાં એમ ભાન થાય છે કે પુણ્ય અને
પાપ એ બંને પરલક્ષે–ભેદના આશ્રયે છે, અભેદના આશ્રયે પુણ્ય–પાપ નથી માટે પુણ્ય–પાપ મારૂં સ્વરૂપ નથી,
બંને વિકાર છે આમ જાણીને પુણ્ય–પાપ બંનેમાં સમભાવ થઈ જાય છે તે જ શ્રદ્ધારૂપી સામાયિક છે. પુણ્ય સારૂં
અને પાપ ખરાબ એમ માનીને જે પુણ્યને આદરણીય ગણે છે તેના ભાવમાં પુણ્ય પાપ વચ્ચે વિષમભાવ છે, તેને
સાચી શ્રદ્ધારૂપી સામાયિક નથી. સાચી શ્રદ્ધા થતાં મિથ્યાત્વભાવથી પાછો ફરી ગયો તે જ પ્રથમમાં પ્રથમ
પ્રતિક્રમણ છે. સૌથી મોટો દોષ મિથ્યાત્વ છે અને સૌથી પહેલાંં તે મોટાદોષથી જ પ્રતિક્રમણ થાય છે, મિથ્યાત્વથી
પ્રતિક્રમણ કર્યા વગર કોઈ જીવને સાચું પ્રતિક્રમણાદિ કાંઈ હોય નહિ.
– સમ્યગ્દર્શન અને વ્રત – મહાવ્રત –
જ્યાં સુધી અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયનું લક્ષ હતું ત્યાં સુધી ભેદ હતો, જયારે દ્રવ્ય–ગુણ–પર્યાયના
ભેદને છોડીને અભેદ સ્વભાવમાં ઢળ્‌યો અને ત્યાં એકાગ્રતા કરી ત્યારે, ત્રિકાળી સ્વભાવમાં મોહ નથી તેથી, મોહ
નિરાશ્રય થઈને નાશ પામ્યો, અને એ રીતે અરિહંતને જાણનાર જીવને સમ્યગ્દર્શન થયું.
વસ્તુનું સ્વરૂપ જેવું હોય તેવું માને તો વસ્તુસ્વરૂપ અને માન્યતા બંને એક થતાં સમ્યક્ શ્રદ્ધા અને
સમ્યગ્જ્ઞાન થાય છે. વસ્તુનું ખરૂં સ્વરૂપ શું છે તે જાણવા માટે અરિહંતને જાણવાની જરૂર છે કેમકે અરિહંત
ભગવાન દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપે સંપૂર્ણ શુદ્ધ છે, જેવા અરિહંત છે તેવો જ્યાંસુધી આ આત્મા ન થાય ત્યાંસુધી
તેની પર્યાયમાં દોષ છે–અશુદ્ધતા છે. અરિહંત જેવી અવસ્થા ક્યારે થાય? પહેલાંં અરિહંત ઉપરથી પોતાના
આત્માનું શુદ્ધ સ્વરૂપ નકકી કરે અને તે શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરીને, ભેદને તોડી, અભેદ સ્વભાવનો આશ્રય
કરતાં પરાશ્રય બુદ્ધિ નાશ થાય છે, મોહ ટળે છે અને ક્ષાયકસમ્યકત્વ થાય છે, ક્ષાયકસમ્યકત્વ થતાં અંશે
અરિહંત જેવી દશા પ્રગટી; અરિહંત થવા માટે શરૂઆતનો ઉપાય સમ્યગ્દર્શન જ છે. અભેદ સ્વભાવના ભાનદ્વારા
સમ્યગ્દર્શન થયા પછી જેમ જેમ તે સ્વભાવમાં એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ રાગ ટળતો જાય છે, અને જેમ
જેમ રાગ ટળતો જાય છે તેમ તેમ વ્રત, મહાવ્રતાદિ આવતાં જાય છે; પણ અભેદ સ્વભાવના ભાન વગર કદી
પણ વ્રત કે મહાવ્રત હોતાં નથી. પોતાના આત્માનો આશ્રય લીધા વગર આત્માના આશ્રયે પ્રગટનારી
નિર્મળદશા (શ્રાવકદશા, મુનિદશા વગેરે) હોઈ શકે નહિ, અને નિર્મળદશા પ્રગટ્યા વગર ધર્મનું એકેય અંગ
હોય નહિ. અરિહંતની ઓળખાણ થતાં પોતાની ઓળખાણ થાય છે અને પોતાની ઓળખાણ થતાં મોહક્ષય પામે
છે, માટે અરિહંતની સાચી ઓળખાણ તે મોહક્ષયનો ઉપાય છે.
– સ્વભાવની નિ:શંકતા –
હવે આચાર્ય ભગવાન પોતાની નિઃશંકતાની સાક્ષી ભેળવીને કહે છે કે–“જો આમ છે તો મોહની સેનાને
જીતવાનો ઉપાય મેં મેળવ્યો છે.” એકલા

PDF/HTML Page 16 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૩૯ :
અરિહંતને જાણવાની વાત નથી પણ અરિહંત જેવું જ મારૂં સ્વરૂપ છે એમ પોતાના સ્વભાવને ભેળવીને જ્ઞાન
કરવાની વાત છે. પોતાના સ્વભાવની નિઃશંકતા ન આવે તો અરિહંતના સ્વરૂપનો યથાર્થ નિર્ણય નથી. આચાર્ય
ભગવાન પોતાના સ્વભાવની નિઃશંકતાથી કહે છે કે ભલે આ કાળે ક્ષાયકસમ્યકત્વ અને સાક્ષાત્ શ્રી અરિહંતનો
જોગ નથી તોપણ મેં મોહની સમસ્ત સેનાને જીતવાનો ઉપાય મેળવ્યો છે. પંચમકાળે મોહનો સર્વથા ક્ષય નથી–
એ વાત ન લીધી પરંતુ મેં તો મોહક્ષયનો ઉપાય મેળવ્યો છે. પછી મોહક્ષયનો ઉપાય થશે–એમ નહિ પરંતુ
વર્તમાન જ મોહક્ષયનો ઉપાય મેં મેળવી લીધો છે. અહો! સંપૂર્ણ સ્વરૂપી આત્માનો સાક્ષાત્ અનુભવ છે તો પછી
શું નથી? આત્માનો સ્વભાવ એ જ મોહનો નાશક છે અને એ સ્વભાવની પ્રાપ્તિ તો મને થઈ છે, તેથી મોહનો
ક્ષય થશે તેમાં શંકા પડતી નથી. આત્મામાં બધું જ છે તેના જ જોરે દર્શનમોહ અને ચારિત્રમોહ બંનેનો સર્વથા
ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રગટ કરીને સાક્ષાત્ અરિહંતદશા પ્રગટ કરશું. આવી સંપૂર્ણ સ્વભાવની નિઃશંકતાનું જોર
ન આવે ત્યાં સુધી મોહ ટળે નહિ.
– સાચી દયા અને હિંસા –
મોહનો નાશ કરવા માટે પરજીવની દયા કે પૂજા–ભક્તિ કરવાનું ન કહ્યું પરંતુ અરિહંતનો અને પોતાના
આત્માનો નિર્ણય કરવો તે જ મોહક્ષયનો ઉપાય છે એમ કહ્યું છે, પહેલાંં આત્માના અભાનને લીધે પોતાની
અનંતી હિંસા કરતો, હવે સાચું ભાન કરતાં પોતાની સાચી દયા પ્રગટી અને સ્વહિંસાનું મહાપાપ ટળી ગયું.
ઉપસંહાર – પુરુષાર્થની પ્રતિ –
પ્રથમ હારના દ્રષ્ટાંતે દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ બતાવ્યું; જેમ હારમાં મોતી એક પછી એક હોય છે તેમ
દ્રવ્યમાં પર્યાય એક પછી એક હોય છે. જ્યાં સર્વજ્ઞનો નિર્ણય કર્યો ત્યાં ત્રણે કાળની ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય
થયો. કેવળજ્ઞાનગમ્ય ત્રિકાળ અવસ્થાઓ એક પછી એક થયા જ કરે છે. ખરેખર તો મારા સ્વભાવમાં જે
ક્રમબદ્ધ અવસ્થા છે તે જ કેવળજ્ઞાનીએ જાણી છે. (આ અભિપ્રાયનું જોર સ્વભાવ તરફ ઢળે છે) –આવો જેણે
નિર્ણય કર્યો તેણે પોતાના સ્વભાવની પ્રતીતિ કરી છે, સ્વભાવની પ્રતીતિ હોય તેને પોતાની પર્યાયની શંકા ન
પડે, કેમકે અવસ્થા તો મારા સ્વભાવમાંથી ક્રમબદ્ધ આવે છે, કોઈ પર દ્રવ્ય મારી અવસ્થાને બગાડવા સમર્થ
નથી; “ઘણા કર્મનો તીવ્ર ઉદય આવે તો હું પડી જઈશ” આવી શંકા જ્ઞાનીને કદાપી ન હોય. જ્યાં પાછા પડવાની
શંકા છે ત્યાં સ્વભાવની પ્રતિત નથી; અને જ્યાં સ્વભાવની પ્રતિત છે ત્યાં પાછા પડવાની શંકા નથી. જેણે
અરિહંત જેવા જ પોતાના સ્વભાવનો ભરોસો કરીને ક્રમબદ્ધ–પર્યાય અને કેવળજ્ઞાનને સ્વભાવમાં સમાડયા તેને
ક્રમબદ્ધ પર્યાયમાં કેવળજ્ઞાન થાય છે.
જે દશા અરિહંત ભગવાનને પ્રગટી છે તેવી જ દશા મારા સ્વભાવમાં છે, અરિહંતને જે દશા પ્રગટી છે તે
તેમને પોતાના સ્વભાવમાંથી જ પ્રગટી છે, મારો સ્વભાવ પણ અરિહંત જેવો છે તેમાંથી જ મારી શુદ્ધદશા
પ્રગટવાની છે. આમ જેને પોતાની અરિહંતદશાની પ્રતીત ન આવે તો તેને પોતાના આખા દ્રવ્યની પ્રતીત નથી. જો
દ્રવ્યની પ્રતીત હોય તો દ્રવ્યની ક્રમબદ્ધદશા ખીલીને અરિહંતદશા થાય છે તેની પ્રતીતિ હોય. મારા દ્રવ્યમાંથી
અરિહંતદશા આવવાની છે તેમાં પરનું વિઘ્ન નથી, કર્મનો તીવ્ર ઉદય આવીને મારા દ્રવ્યની શુદ્ધ દશાને રોકવા સમર્થ
નથી, કેમકે મારા સ્વભાવમાં કર્મની નાસ્તિ જ છે. ‘આગળ જતાં તીવ્ર કર્મ ઉદયમાં આવશે તો પડી જવાશે’ આવી
જેને શંકા છે તેણે અરિહંતનો સ્વીકાર કર્યો નથી. અરિહંતો પોતાના પુરુષાર્થના જોરે કર્મનો ક્ષય કરીને પૂર્ણદશા
પામ્યા છે તેમ હું પણ મારા પુરુષાર્થના જોરે કર્મનો ક્ષય કરીને પૂર્ણદશા પામવાનો છું, વચ્ચે કોઈ વિઘ્ન નથી....
જે અરિહંતની પ્રતીત કરે તે અરિહંત થાય જ છે. [ગાથા–૮૦ ટીકા–પૂર્ણ]
• સહર્ષ સ્વીકારજો પ્રભુ – કુંદના સંદેશને •
– સમયસાર – પ્રવચનો ભાગ – ૨ –
આ ભાગમાં ગાથા ૧૪ થી ૨૨ તથા ૩૧ મી ગાથાનાં પ્રવચનોનો સમાવેશ થાય
છે–એ રીતે સમયસાર–પ્રવચનના પહેલા અને ત્રીજા ભાગ વચ્ચે આ પુસ્તક સંધિ કરે છે.
આ ભાગમાં કેવળી વીતરાગ ભગવાનની નિશ્ચયસ્તુતિ અને વ્યવહારસ્તુતિનું યથાર્થસ્વરૂપ
સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. પુષ્ટ ૨૪૧ કિંમત ૨–૦–૦ પ્રકાશન–દિન વૈશાખ સુદ–૨.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No 30-24 date 31-10-44
ગ્રંથ – પ્રકાશન
શ્રસ્ત્ર
પુષ્પ–૧. સમયસાર–પ્રવચનો ભાગ–૧ ... ૩–૦–૦
પુષ્પ–૨. સમયસાર–પ્રવચનો ભાગ–૩ ... ૩–૦–૦
પુષ્પ–૩. પૂજા–સંગ્રહ (ગુજરાતી) ... ૦–૬–૦
પુષ્પ–૪. છહ–ઢાળા (ગુજરાતી) ... ૦–૧૨–૦
પુષ્પ–પ. સમવસરણ–સ્તુતિ ... ૦–૩–૦
પુષ્પ–૬. અમૃતઝરણાં (સત્તાસ્વરૂપ–પ્રવચનો) ૦–૬–૦
પુષ્પ–૭. જિનેન્દ્રસ્તવનાવલી ... ૦–૬–૦
પુષ્પ–૮. નિયમસાર–પ્રવચનો ભાગ–૧ ... ૧–૮–૦
પુષ્પ–૯. સમયસાર–પ્રવચનો ભાગ–૨ ... ૨–૦–૦
સમયસાર–પ્રવચનો ભાગ–૪ છપાય છે.
મોક્ષશાસ્ત્ર–ગુજરાતી ટીકા છપાય છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર [શબ્દાર્થ સાથે] છપાય છે.
સમ્યગ્જ્ઞાન–દીપિકા [ગુજરાતી] છપાય છે.
मुक्तिका मार्ग (हिंदी) છપાય છે.
– :અન્ય પ્રકાશનો: –
મોક્ષમાર્ગ પ્રકાશક (બીજી આવૃત્તિ) ... ૩–૦–૦
આત્મસિદ્ધિ–પ્રવચનો [બીજી આવૃત્તિ] ... ૩–૦–૦
અપૂર્વ અવસર–પ્રવચનો ... ૦–૮–૦
મોક્ષની ક્રિયા ... ૦–૧૦–૦
સત્તાસ્વરૂપ (ગુજરાતી) ... ૦–૯–૦
જૈનસિદ્ધાંતપ્રવેશિકા [ત્રીજી આવૃત્તિ] ... ૦–૮–૦
સર્વસામાન્યપ્રતિક્રમણ (બીજી આવૃત્તિ) ... ૦–૮–૦
દ્રવ્યસંગ્રહ [ગુજરાતી] ... ૦–૭–૦
સમયસાર [ગુટકો] ... ૦–૫–૦
બારભાવના (કુંદકુંદાચાર્યકૃત) ... ૦–૪–૦
આત્મધર્મ–ફાઈલ વર્ષ–૧ ... ૩–૪–૦
આત્મધર્મ–ફાઈલ વર્ષ–૨ ... ૩–૦–૦
આત્મધર્મ–માસિક [હિંદી લવાજમ] ... ૩–૦–૦
– : શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ : –
: સુવર્ણપુરી – સમાચાર : –
૧. પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી સુખશાંતિમાં બિરાજે છે.
૨. હાલમાં સવારના વ્યાખ્યાનમાં શ્રી પ્રવચનસારજી–જ્ઞેય અધિકાર વંચાય છે, તેની ૧૨૩ ગાથાઓ વંચાઈ
ગઈ છે. ગુજરાતી પ્રવચનસારજીની ૧૨૬ ગાથાઓ છપાઈ ગઈ છે, આ માસમાં તેનું વાંચન પૂર્ણ થઈને
શ્રી અષ્ટપાહુડનું વાંચન શરૂ થશે.
૩. બપોરે શ્રી સમયસારજી વંચાય છે, તેમાં ‘અનેકાન્ત’ સંબંધી છેલ્લું પરિશિષ્ટ ચાલે છે. સભામાં પ્રવચન રૂપે
આ સાતમી વખતનું વાંચન પૂર્ણ થઈને આઠમી વખતનું વાંચન આ માસમાં શરૂ થશે; સાથે સાથે આ જ
માસમાં (વૈશાખ વદ ૮ ના રોજ) શ્રી સમયસારશાસ્ત્રજીનો મહા મંગળ પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે.
૪. વૈશાખ વદ ૬ ના રોજ શ્રી સમવસરણનો મંગલ પ્રતિષ્ઠામહોત્સવ આવે છે.
૫. વૈશાખ સુદ ૨ ના રોજ પરમ પૂ. સદ્ગુરુદેવશ્રીનો મંગળ જન્મ–દિવસ છે...
૬. વૈ. સુ. ૩. શ્રી ઋષભદેવભગવાનને શ્રેયાંસકુમારે વિધિપૂર્વક આહારદાન કરાવ્યું, સર્વોત્કૃષ્ટ પાત્ર અને
સર્વોત્કૃષ્ટ દાતાર વડે આહારદાનનો પવિત્ર પ્રસંગ ભરતક્ષે્રત્રમાં સૌથી પ્રથમ આ હતો.
૭. વૈ. સુ. ૧૦. શ્રી મહાવીરપ્રભુજીને કેવળજ્ઞાન પ્રગટ્યું–પવિત્ર જીવન્મુક્તદશા પ્રગટી. તે કલ્યાણિકનો દિવસ છે.
– : નિવેદન : –
એક વર્ષના અનુભવ પછી બધી રીતે વિચાર કરતાં જણાયું કે ‘આત્મધર્મ કાર્યાલય’ મોટાઆંકડિયા રહે
તો સારું; એથી વીર સંવત ૨૪૭૨ ના વૈશાખ સુદ ૨ થી આત્મધર્મ હિંદી તેમજ ગુજરાતીની વ્યવસ્થા
મોટાઆંકડિયાથી જ થશે, માટે હવે પછી ગ્રાહકોએ આત્મધર્મ અંગેનો સઘળો પત્ર વ્યવહાર નીચેને સરનામે
કરવો. જમુ રવાણી
વ્યવસ્થપક : –
આત્મધર્મ કાર્યાલય, મોટાઆંકડિયા (કાઠિયાવાડ)
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
પ્રકાશક: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૨૮–૪–૪૬