Atmadharma magazine - Ank 320
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 52
single page version

background image
૩૨૦
ઉ.....પ.....કા.....ર
અંર્તસ્વભાવની સન્મુખતા કરાવે ને
પરથી વિમુખતા–ઉપેક્ષા કરાવે, એવો
હિતોપદેશ જે સંતોએ આપ્યો, તે સંતોના
ઉપકારને મુમુક્ષુ–સત્પુરુષો ભૂલતા નથી.
“હે જીવ! સ્વભાવ તરફ જવાથી જ
તને શાંતિ થશે, બહારના લક્ષે શાંતિ નહિ
થાય; પરદ્રવ્ય તને શાંતિનું દાતાર નથી,
સ્વદ્રવ્ય જ તને શાંતિનું દાતાર છે...માટે પરથી
પરાંગ્મુખ થઈને સ્વમાં અંતર્મુખ થા.”
–અહા! આવો ઉપદેશ ઝીલીને જે
અંતર્મુખ થયો, તે મુમુક્ષુ તે ઉપદેશના દેનારા
સંતોના ઉપકારને ભૂલતો નથી.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ જેઠ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ: ૨૭: અંક ૮

PDF/HTML Page 2 of 52
single page version

background image
“વિશ્વની શ્રેષ્ઠ નિધિઓ કરતાં પણ સમ્યક્ત્વ મહાન છે”
“મનુષ્યને નિધિ, સ્ત્રી અને વાહન વગેરેની પ્રાપ્તિ તો જગતમાં સુલભ છે.”
પરંતુ સમ્યગ્દર્શનરૂપી રત્ન તો સામ્રાજ્ય કરતાંય દુર્લભ છે.”
–કોણ કહે છે ઉપરનાં વચન? સતી સીતા કહે છે.
–ક્યારે કહે છે? જ્યારે રામચંદ્રજીની આજ્ઞાથી તેને ભીષણ વનમાં છોડી દેવામાં
આવે છે ત્યારે વનમાંથી સતી સીતા કૃતાન્તવક્ર સેનાપતિ મારફત મહારાજ રામચંદ્રજીને
સન્દેશમાં કહેવડાવે છે કે “તમે લોકનિંદાના ભયથી મને તો ગર્ભાવસ્થામાં ભીષણવનમાં
છોડી દીધી પરંતુ એ પ્રમાણે ક્યાંક તે લોકનિંદાના ભયથી સમ્યગ્દર્શનને કે જિનેન્દ્રદેવની
ભક્તિને ન છોડી દેશો. કેમકે–
नरस्य सुलभं लोके निधि–स्त्री–वाहनादिकम्।
सम्यग्दर्शनरत्नं तु साम्राज्यादपि दुर्लभम्।।४२।।
(પદ્મપુરાણ પર્વ ૯૯)
* * *
મુ મુ ક્ષુ નો સિ દ્ધાં ત
એક વખત સત્સમાગમમાં વસતા એક ગરીબ જિજ્ઞાસુની મુલાકાત થઈ...
ચારેકોરની પ્રતિકૂળતાથી ઘેરાયેલા તે જિજ્ઞાસુને એક સાધર્મીએ કોમળતાથી કહ્યું–ભાઈ,
ચાલો અમારી સાથે અમુક શહેરમાં, તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ત્યારે તે
જિજ્ઞાસુએ લાગણીપૂર્વક વૈરાગ્યથી જવાબ આપ્યો: ભાઈ, આપની લાગણી માટે આભાર!
પરંતુ થોડીક સગવડ ખાતર આવો અલભ્ય સત્સમાગમ છોડવાનું હું કદી વિચારી શકું તેમ
નથી. એક મુમુક્ષુ તરીકે મારો સિદ્ધાંત છે કે ગમે તેવાં અપમાન કે ગમે તેવી પ્રતિકૂળતા હો
તોપણ સત્સમાગમ છોડવો નહિ, સંતજનોના સમાગમ ખાતર ગમે તેવું અપમાન કે
પ્રતિકૂળતાઓ સહેવી તે કાંઈ મોટી વાત નથી. તે ભાઈ આ ઉત્તરથી પ્રસન્ન થયા અને કહ્યું
કે ખરેખર આત્માર્થી જીવની આવી જ ભાવના હોવી જોઈએ. સત્સમાગમે આત્માર્થીતા
સાધવા ખાતર મરણ જેટલા કષ્ટ સહન કરવા પણ તેણે તૈયાર રહેવું જોઈએ.
સંતો કહે છે કે હે જીવ! તું મરીને પણ તત્ત્વનો કૌતુહલી થા...મરણ જેટલા કષ્ટ
આવી પડે તોપણ તેની ઉપેક્ષા કરીને સંતજનોના સમાગમમાં રહીને આત્માને સાધવામાં
તત્પર થા.

PDF/HTML Page 3 of 52
single page version

background image
: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૬
લવાજમ જેઠ
ચાર રૂપિયા 1970 June
* વર્ષ ૨૭: અંક ૮ *
________________________________________________________________
જયવત વર્તો
વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ!
(શાસ્ત્રોનું હૃદય પરમ વીતરાગતામાં સમાય છે)

વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં જે વીતરાગી શાસ્ત્રો, તે સર્વે શાસ્ત્રોનું
તાત્પર્ય વીતરાગભાવ છે; વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે; શાસ્ત્રોનું સમસ્ત હૃદય પરમ
વીતરાગતામાં જ રહેલું છે, એટલે રાગથી જુદો પડીને જ્ઞાનઅનુભૂતિવડે જ શાસ્ત્રનું
હૃદય ઓળખી શકાય છે. આવું વીતરાગપણું જ મોક્ષમાર્ગમાં અગ્રેસર છે; માટે મુમુક્ષુએ
સર્વથા વીતરાગભાવ જ કર્તવ્ય છે, રાગ જરાય કર્તવ્ય નથી.–
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨
અહો, આ વીતરાગપણું જયવંત વર્તો કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર છે.
વીતરાગતા કેમ થાય? કે પોતાના સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં
રાગની ઉત્પત્તિ થતી નથી, એટલે સાક્ષાત્ મોક્ષમાર્ગરૂપ વીતરાગતા થાય છે. આ રીતે
ભવ્ય જીવો વીતરાગ થઈને ભવસાગરને તરે છે; માટે મોક્ષાભિલાષી જીવો ક્યાંય પણ,
જરા પણ રાગ ન કરો. અરિહંતો પ્રત્યેનો રાગ પણ મોક્ષનો બાધક છે, માટે તે રાગને
પણ મુમુક્ષુ આદરણીય નથી માનતા. તેનાથી પાર એવો જે પૂર્ણ જ્ઞાનસ્વભાવ, શુદ્ધ
આનંદ અમૃતથી ભરેલો સમુદ્ર તેમાં ડુબકી મારીને મુમુક્ષુ વીતરાગતા વડે ભવસાગરને
તરી જાય છે. અહો, આવો વીતરાગમાર્ગ જયવંત વર્તો!

PDF/HTML Page 4 of 52
single page version

background image
: ૨ : આત્મધર્મ જેઠ : ૨૪૯૬
વીતરાગતારૂપી અમૃતથી ભરેલો ચૈતન્યસમુદ્ર, તેમાંથી બહાર નીકળીને
અરિહંતાદિ પરમ ઉપકારી પુરુષો પ્રત્યેનો શુભરાગ, તે પણ ચંદનવૃક્ષના અગ્નિની માફક
અંતરમાં દાહને જ ઉત્પન્ન કરે છે. રાગ કાંઈ શાંતિ નથી આપતો, રાગ તો આકુળતારૂપી
દાહ ઉત્પન્ન કરે છે. વીતરાગી પરમાત્મા એવો પોતાનો સ્વભાવ, તેને છોડીને બહારમાં
બીજા વીતરાગ પુરુષો પ્રત્યેનો રાગ તે પણ મોક્ષને માટે પાલવતો નથી; તેને પણ
છોડીને જ્યારે જીવ વીતરાગ થાય ત્યારે જ તે મુક્તિ પામે છે.
શુભરાગના પુણ્ય વડે ભલે ઈન્દ્રસંપદા મળે તોપણ તેના લક્ષે જીવને રાગની
બળતરા જ થાય છે. સ્વદ્રવ્યના આશ્રયને છોડીને જરાપણ પરદ્રવ્યનો આશ્રય થાય તેમાં
રાગની બળતરા જ છે. અરે, જ્યાં આત્મા સિવાય અન્ય વીતરાગી પંચપરમેષ્ઠી
ભગવંતોના આશ્રયનું બાહ્ય વલણ તેમાં પણ રાગ અને બળતરા છે, તો ઈન્દ્રની વિભૂતિ
વગેરે પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રત્યેના રાગની બળતરાનું તો શું કહેવું? ભાઈ! તારા
આત્માનું જે શુદ્ધ પૂર્ણાનંદી સ્વરૂપ તેમાં જ તારી પરમ શાંતિ છે, તેમાં જ તારો મોક્ષમાર્ગ
છે. એનાથી બહાર ક્યાંય જરાય શાંતિ કે હિત નથી.
રાગમાં જેને બળતરા ન લાગે ને તેમાં હિત લાગે તેને વીતરાગી મોક્ષમાર્ગની
ખબર નથી, ચૈતન્યની શાંતિની તેને ખબર નથી; તે રાગને છોડીને વીતરાગમાર્ગને
ક્યાંથી સાધશે? આચાર્ય ભગવાન સ્પષ્ટ કહે છે કે હે મોક્ષાર્થી જીવો! કોઈ પણ રાગમાં
તમે રોકાશો નહીં, ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને, સર્વત્ર કિંચિત પણ રાગ કરવાનું
છોડીને વીતરાગભાવ વડે જ તમે ભવસાગરને તરશો. માટે તે જ કર્તવ્ય છે; તે જ
શાસ્ત્રોનું પરમ હૃદય છે. મોક્ષાર્થીને આવા વીતરાગભાવ સિવાય બીજું કાંઈ પણ તાત્પર્ય
નથી. રાગની અનુભૂતિથી તદ્ન ભિન્ન એવી જે જ્ઞાનઅનુભૂતિ, તે તાત્ત્વિક આનંદથી
ભરેલી છે, અને એવી જ્ઞાનઅનુભૂતિ વડે શીઘ્ર પરમ આનંદમય મોક્ષદશા પ્રગટે છે.–આ
રીતે મહાજનો મહાપુરુષો વીતરાગભાવ વડે મોક્ષને પામે છે.
રાગમાં ધર્મ માનીને જેઓ રોકાઈ ગયા છે તેઓ મહાજન નથી પણ તેઓ તો
તૂચ્છ જન છે. મહાજન મહાપુરુષ તો ખરેખર તે છે કે જે રાગને સર્વથા છોડીને
વીતરાગભાવવડે મોક્ષને સાધે છે. રાગમાં મોટાઈ નથી, મોટાઈ તો વીતરાગભાવમાં છે.
વીતરાગભાવને જે આદરે છે તે જ ખરા મહાજન છે. તે મહાભાગ ભગવંતો અપુનર્ભવ
એવા મોક્ષને માટે નિત્ય ઉદ્યમી છે. તેઓ ચેતનાવડે શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થતા જાય
છે, એટલે રાગ છોડીને વીતરાગ થતા જાય છે; એ રીતે અત્યંત સ્થિર જ્ઞાનઅનુભૂતિ વડે
તાત્ત્વિક આનંદથી ભરપૂર મોક્ષને સાધે છે. આ રીતે વીતરાગભાવ વડે જ ભવસાગરને
તરાય છે. માટે આવો વીતરાગભાવરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગ જયવંત વર્તો!
(પંચાસ્તિકાય ગા. ૧૭૨)

PDF/HTML Page 5 of 52
single page version

background image
: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૩ :
પરમ વૈરાગ્ય–પરિણતિરૂપ વીતરાગચારિત્ર તે માર્ગ છે,
તે પરમેશ્વરની આજ્ઞા છે.
આત્માના જ્ઞાન–દર્શન સ્વભાવમાં અસ્તિત્વરૂપ જે વીતરાગચારિત્ર તે મોક્ષનો
હેતુ છે. આવું ચારિત્ર રાગ વગરનું હોવાથી અનિંદિત છે એમ જિનભગવાને કહ્યું છે.
જીવનો સ્વભાવ જ્ઞાનદર્શન છે. જ્ઞાન–દર્શન જીવથી અનન્ય છે. તેઓ જીવથી જ
રચાયેલા છે, એટલે કે જીવ પોતે જ્ઞાન–દર્શનસ્વરૂપ છે. આવા સ્વરૂપમાં જ ઉત્પાદ–
વ્યય–ધ્રુવતારૂપ વર્તન તે ચારિત્ર છે, તે મોક્ષમાર્ગ છે, તેમાં રાગનો અભાવ છે, તેથી તે
પ્રશંસનીય છે.
રાગનો અભાવ હોવાથી આ ચારિત્રને પ્રશંસનીય–અનિંદિત કહ્યું, એટલે જેમાં
રાગનો સદ્ભાવ છે તે નિંદિત છે, તે મોક્ષમાર્ગ નથી–એમ તેમાં આવી ગયું. રાગમાં
વર્તનરૂપ ચારિત્ર તેને પરસમય કહ્યું છે; તેના વગરનું સ્વભાવમાં પ્રવૃત્તિરૂપ જે ચારિત્ર
છે તે સ્વસમય છે; તેને જ સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે ધારણ કરવું.
જીવે સાક્ષાત્ મોક્ષના કારણરૂપ આ વીતરાગ ચારિત્રને જાણ્યું નહીં ને રાગાદિ
પરભાવને જ મોક્ષનું કારણ સમજીને તેના સેવનથી સંસારમાં જ રખડ્યો.
ભાઈ! પ્રથમ તો નક્કી કર કે જીવનું સ્વરૂપ શું છે? રાગ કાંઈ જીવનું અનન્ય
સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો જ્ઞાન–દર્શનમય છે તે જ્ઞાન–દર્શનસ્વરૂપમાં પ્રવૃત્તિ તે
ચારિત્ર છે, તેમાં રાગનો અભાવ છે. આવું રાગ વગરનું ચારિત્ર તે મોક્ષનું કારણ છે.
તેને જ પરમ વૈરાગ્ય કહેવાય છે.
આનંદથી સમૃદ્ધ એવા ભગવાન આત્મામાં વિશ્રાંતિ તે ચારિત્ર છે, તેમાં
મોક્ષસુખનો અનુભવ છે; તેમાં રાગાદિ આકુળતાનો અભાવ છે. આવું વીતરાગી ચારિત્ર
જ મોક્ષમાર્ગ છે. ખરેખર વીતરાગપણું તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગમાં અગ્રેસર છે. અહો,
સ્વતત્ત્વમાં વિશ્રાંતિ, તે પરમ આનંદથી ભરપૂર છે ને રાગનો તેમાં અત્યંત અભાવ છે.
–આવી સ્વતત્ત્વમાં વિશ્રાંતિ તે જ મોક્ષનો માર્ગ છે.

PDF/HTML Page 6 of 52
single page version

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
માર્ગ એટલે પરમ વૈરાગ્ય, કરાવનારી, પરમેશ્વરની પરમ આજ્ઞા. અહો, રાગનો
અંશ પણ જેમાં નથી એવા પરમ વૈરાગ્યરૂપ સ્વરૂપચારિત્ર તે જ જિનપરમેશ્વરની પરમ
આજ્ઞા છે, તે જ ભગવાનનો માર્ગ છે. રાગ તે માર્ગ નથી, તે ભગવાનની આજ્ઞા નથી.
રાગ તો પરસમય છે, તે ભગવાનની આજ્ઞા કેમ હોય? શુભરાગને જે મોક્ષમાર્ગ માને
છે તે જીવ ભગવાનની આજ્ઞાને જાણતો નથી. સ્વસમયમાં પ્રવૃત્તિરૂપ પરમ વૈરાગ્ય–
પરિણતિ–કે જે આનંદથી ભરપૂર છે તે જ ભગવાનની આજ્ઞા છે, ને તે જ માર્ગ છે.
ચારિત્રના બે પ્રકાર–એક સ્વચારિત્ર; બીજું પરચારિત્ર
સ્વસમયરૂપ સ્વચારિત્ર છે. પરસમયરૂપ પરચારિત્ર છે.
નિજ સ્વભાવમાં વર્તવારૂપ સ્વચારિત્ર છે. પરભાવમાં અવસ્થિત એવું
પરચારિત્ર છે.
શુભરાગ પણ પરભાવમાં અવસ્થિતરૂપ પરચારિત્ર છે, પરસમય છે, તે માર્ગ
નથી. સ્વભાવમાં અવસ્થિતરૂપ જે સ્વચારિત્ર છે તે, પરચારિત્રથી ભિન્ન છે એટલે
રાગથી ભિન્ન છે, તેથી તે અનિંદિત છે. આવા પરમ વીતરાગ ચારિત્રને ભગવાને
સાક્ષાત્ મોક્ષમાર્ગ કહ્યો છે. તેની ભાવના કરવા જેવી છે.
અરેરે, મોક્ષના કારણરૂપ શુદ્ધ વીતરાગચારિત્રને જાણ્યા વગર, રાગને મોક્ષનું
સાધન માનીને અનંતકાળ અત્યાર સુધી મિથ્યાત્વ અને રાગાદિમાં જ લીનપણે
વીત્યો,...હવે તો સ્વભાવમાં નિયત એવા વીતરાગચારિત્રની જ નિરંતર ભાવના કરવા
જેવી છે.
ઉપયોગ રાગવડે રંજિત થાય, ચંચળ થાય તે પરસમય છે. શુભરાગને ધારણ
કરનાર જીવ પણ સ્વચારિત્રથી ભ્રષ્ટ છે ને પરચારિત્રને આચરે છે. મોક્ષના કારણરૂપ
ચારિત્રમાં શુભરાગ આવતો નથી, મોક્ષના કારણરૂપ ચારિત્ર તે તો સ્વચારિત્ર છે, ને
શુભરાગ તો પરચારિત્ર છે, બંને ભિન્ન છે. પોતાના જ્ઞાન–દર્શન–સ્વભાવમાં નિયત–
નિશ્ચલ–સ્થિર પરિણામરૂપ ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. આ સિવાયની જેટલી અશુભ કે
શુભ પ્રવૃત્તિ છે તે પરચારિત્રરૂપ છે તેથી બંધનું કારણ છે અને તે મોક્ષનું કારણ હોવાનો
ભગવાને નિષેધ કર્યો છે.
શુભભાવરૂપ વિકાર તે પુણ્યાસ્રવ છે, અશુભભાવરૂપ વિકાર તે પાપાસ્રવ છે,
બંને ભાવો આસ્રવ છે, પણ તે કોઈ ધર્મ નથી; તે બંધનું જ સાધન છે, મોક્ષનું સાધન
નથી. મોક્ષનું સાધન તો રાગથી ભિન્ન એવું સ્વચારિત્ર છે; અને તે સ્વચારિત્ર પોતાના
ઉપયોગ સ્વભાવના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેમાં નિશ્ચલ એકાગ્રતા વડે પ્રગટે છે.–
આવો મોક્ષમાર્ગ તે જ સાચો વીતરાગી મોક્ષમાર્ગ છે.
(પંચાસ્તિકાય ગા. ૧૪પ)

PDF/HTML Page 7 of 52
single page version

background image
: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : પ :
મોક્ષહેતુ અને સંસારહેતુ
સમયસાર બંધઅધિકાર ઉપરનાં પ્રવચનોમાંથી
રાગ વગરના શુદ્ધ આત્માના સ્વાનુભવમાં જેની પરિણતિ જોડાયેલી નથી તેની
પરિણતિ રાગ અને પુણ્યફળના ભોગવટામાં જ જોડાયેલી છે.
અસ્તિ–નાસ્તિના ન્યાયે સમજાવે છે કે જ્યાં શુદ્ધાત્માનો ભોગવટો નથી ત્યાં
રાગનો ભોગવટો છે. જ્યાં મોક્ષમાર્ગ નથી ત્યાં બંધમાર્ગ છે, અને બંધમાર્ગમાં
તો વ્યવહારનો એટલે કે અશુદ્ધઆત્માનો અનુભવ છે; જો શુદ્ધઆત્માનો
અનુભવ હોય તો મોક્ષમાર્ગ હોય.
અજ્ઞાની શુદ્ધાત્માના અનુભવ વગર જે કાંઈ કરે છે તેમાં રાગનો જ અનુભવ છે
એટલે તે સંસારનું જ કારણ છે. ભલે તે વ્રત–તપનો શુભરાગ કરે, શાસ્ત્રો ભણે,
છતાં રાગના અનુભવ સિવાય બીજું કાંઈ તે કરતો નથી, એટલે તેનું બધુંય
સંસારહેતુ જ છે, મોક્ષહેતુ જરાપણ નથી. રાગથી પાર એવા શુદ્ધાત્માનો અનુભવ
તે જ મોક્ષહેતુ છે.
કેવો અનુભવ તે સંસારનું કારણ છે?
અશુદ્ધઆત્માનો અનુભવ તે ભવનું બીજ છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે પુરુષાર્થસિદ્ધિ
ઉપાયમાં એમ કહ્યું છે કે–આ આત્મા કર્મકૃત અશુદ્ધ ભાવોથી અસંયુક્ત હોવા
છતાં, બાલિશ જીવોને એટલે કે અજ્ઞાનીઓને તે રાગાદિથી સંયુક્ત જેવો અશુદ્ધ
પ્રતિભાસે છે; તેમનો આ પ્રતિભાસ જ ખરેખર ભવનું બીજ છે. (ગા.–૧૪)
બીજી રીતે કહીએ તો એકલા વ્યવહારનો આશ્રય કરીને આત્માને જે અશુદ્ધ જ
અનુભવે છે તે જીવ સંસારમાં જ રખડે છે. અને વ્યવહારનો આશ્રય છોડીને
શુદ્ધનય વડે શુદ્ધઆત્માને જે અનુભવે છે તે મોક્ષ પામે છે.–આ મહાન જૈન
સિદ્ધાંત છે.
આત્માની પરિણતિને માટે બે બાજુ છે–
કાં તો અંતર્મુખ થઈને શુદ્ધસ્વભાવમાં ઝુકે એટલે શુદ્ધઆત્માને અનુભવે; અને
કાં તો બીજી બાજુ રાગાદિ પરભાવોમાં ઝુકે એટલે અશુદ્ધતાને અનુભવે.

PDF/HTML Page 8 of 52
single page version

background image
: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
એક તરફ જ્ઞાનાનંદથી પરિપૂર્ણ શુદ્ધસ્વભાવ છે, બીજી તરફ રાગ–દ્વેષ–ક્રોધ–
અજ્ઞાન આદિ પરભાવો છે. જે તરફ રુચિ કરીને તન્મયતા કરે તેવી પરિણતિ
થાય સ્વભાવની રુચિ કરીને તેમાં તન્મય થતાં આનંદમય મોક્ષદશા થાય છે;
રાગાદિની રુચિ કરીને તેમાં તન્મયપણું માનતાં દુઃખરૂપ સંસારદશા થાય છે.
એક નિજપદ છે, એક પરપદ છે; એક શુદ્ધ છે, એક અશુદ્ધ છે,–જ્યાં રુચે ત્યાં
જાવ. અરે જીવ! જ્યાં સુધી તારા શુદ્ધસ્વભાવનો તું સ્વીકાર નહીં કર (શ્રદ્ધા–
જ્ઞાન–અનુભવ નહીં કર) ત્યાં સુધી બીજું ગમે તે કરવા છતાં તું મોક્ષ નહીં પામ,
સંસારમાં જ રખડીશ. જો તું મોક્ષને ચાહતો હો તો શુદ્ધ ચૈતન્યમય
કેવળજ્ઞાનસ્વભાવી એવા તારા આત્માને જાણ.
જ્ઞાન તેને કહેવાય કે જે જ્ઞાનસ્વભાવનો જ આશ્રય કરીને વર્તે. રાગનો કે પરનો
આશ્રય કરીને વર્તે તે ખરેખર જ્ઞાન નથી; જ્ઞાનનું ફળ તો એ છે કે પરથી ભિન્ન
વસ્તુભૂત જ્ઞાનમય શુદ્ધઆત્મા અનુભવમાં આવે. આવો જ્યાં અનુભવ નથી
ત્યાં સાચું જ્ઞાન નથી.
જેટલો પરાશ્રિત ભાવ છે તે બધો બંધનું કારણ હોવાથી મોક્ષના સાધનમાં તેનો
નિષેધ છે. જે અજ્ઞાની કુદેવ, તથા રાગને હિંસાને ધર્મ મનાવનારા કુગુરુ–
કુશાસ્ત્રો તેનો આશ્રય કરવામાં તો મહા મિથ્યાત્વ પાપનું પોષણ છે, તેને તો
વ્યવહારમાં પણ ગણતા નથી. અહીં તો જિનભગવાને કહેલા વ્યવહારની વાત
છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કે જેઓ આત્માનું સત્ય સ્વરૂપ બતાવનારાં છે, તેમના
તરફ ઢળતો જેટલો રાગાદિ પરાશ્રયભાવ છે તે પણ મોક્ષનું સાધન થતો નથી,
તે માત્ર પુણ્યબંધનું કારણ છે.–તે મિથ્યાત્વ નથી તેમજ તે મોક્ષનું કારણ પણ
નથી; તે પુણ્યનું એટલે કે સંસારનું કારણ છે. જો તે પરાશ્રિત રાગભાવને મોક્ષનું
કારણ માને તો મિથ્યાત્વ થાય છે. સમ્યક્ત્વની ભૂમિકામાં એવો શુભરાગ હો
પણ તેને મોક્ષનું સાધન સમકિતી માનતા નથી. શુદ્ધઆત્માના આશ્રયે જે શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર છે તે જ મોક્ષનું સાધન છે.
પરના આશ્રયરૂપ વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર ભલે હો, પણ જો
શુદ્ધાત્માના અનુભવરૂપ નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર ન હોય તો ત્યાં
મોક્ષમાર્ગ નથી; જો નિશ્ચય–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધઆત્માનો સદ્ભાવ
હોય તો જ મોક્ષમાર્ગ છે.
જ્યાં શુદ્ધાત્માના આશ્રયરૂપ મોક્ષમાર્ગ છે ત્યાં નવતત્ત્વ વગેરેના વિકલ્પરૂપ

PDF/HTML Page 9 of 52
single page version

background image
: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૭ :
વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર ન હોય તોપણ મોક્ષમાર્ગ ટકી રહે છે, કેમકે
મોક્ષમાર્ગ શુદ્ધઆત્માના જ આશ્રયે છે, વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી.
એટલે શુદ્ધ આત્માના આશ્રયરૂપ મોક્ષમાર્ગ તે એક જ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ
મોક્ષમાર્ગ નથી.
આ રીતે શુદ્ધઆત્માનો જ આશ્રય કરાવનારો શુદ્ધનય ઉપાદેય છે–કેમકે તે
મોક્ષનું કારણ છે; અને પરના આશ્રયરૂપ અશુદ્ધનય તે છોડવાયોગ્ય છે,
કેમકે તે સંસારનું કારણ છે.–આવો જૈનસિદ્ધાંત સમજીને હે જીવો! તમે
* * *
પરાશ્રિત બધાય વ્યવહારનો નિષેધ
પ્રશ્ન:– અજ્ઞાનીનો વ્યવહાર તો ભલે મોક્ષનું કારણ ન હોય, પણ જ્ઞાનીનો
વ્યવહાર તો મોક્ષનું કારણ છે ને?
ઉત્તર:– ના; વ્યવહાર એટલે પરાશ્રિત ભાવ; જેટલો પરાશ્રયભાવ છે તે બંધનું
કારણ છે;– પછી અજ્ઞાનીનો હો કે જ્ઞાનીનો, પણ કોઈ પરાશ્રયભાવ મોક્ષનું
કારણ થતો નથી.
જ્યાં શુદ્ધઆત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે ત્યાં પણ
નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્ર તરફનું જ્ઞાન કે છકાય જીવોની રક્ષાનો
શુભરાગ એવા જે વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના પરાશ્રિતભાવો હોય તે
બંધના જ કારણ છે, ને તેના આશ્રયે મોક્ષમાર્ગ નથી, મોક્ષમાર્ગ તો
શુદ્ધઆત્માના જ આશ્રયે છે. માટે શુદ્ધઆત્માનો જ આશ્રય કરનારો નિશ્ચય જ
મુમુક્ષુને આદરણીય છે, ને પરાશ્રયરૂપ વ્યવહાર બંધનું કારણ હોવાથી તે
નિષેધવા યોગ્ય છે.
નિર્વિકલ્પ અનુભવરૂપી ચૈતન્યગિરિ–ગૂફામાં જઈને નિશ્ચયરૂપ શુદ્ધઆત્માને
ધ્યાવતાં, સમસ્ત પરાશ્રયરૂપ વ્યવહાર છૂટી જાય છે. આ રીતે નિશ્ચયનો આશ્રય
કર્યો ત્યાં વ્યવહારનો આશ્રય ન રહ્યો, એટલે નિશ્ચયવડે વ્યવહારનો નિષેધ થઈ
જાય છે. ‘આ વ્યવહાર છે ને તેનો નિષેધ કરૂં’–એમ વ્યવહાર સામે જોઈને તેનો
નિષેધ નથી થતો, પણ વ્યવહારથી વિમુખ થઈ, પરનો આશ્રય છોડી, જ્યાં
શુદ્ધસ્વભાવની સન્મુખ થઈને તે નિશ્ચયનો આશ્રય કર્યો ત્યાં પરસાથે
એકતાબુદ્ધિ છૂટી ને સમસ્ત પરાશ્રયરૂપ વ્યવહાર છૂટી ગયો આ રીતે નિશ્ચયના
આશ્રયમાં પરાશ્રિત વ્યવહારનો નિષેધ જાણવો.

PDF/HTML Page 10 of 52
single page version

background image
: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
પ્રશ્ન:– શું કોઈ વ્યવહાર તે મોક્ષનું કારણ થાય?
ઉત્તર:– હા; એક વ્યવહાર એવો પણ છે કે જે મોક્ષનું કારણ છે. ક્યો વ્યવહાર?
–‘આત્માના સ્વભાવની ભાવના તે આત્મ સ્વભાવરૂપ હોય છે, અને તે જ
આત્મવ્યવહાર છે, અને તે વ્યવહાર જ આત્માને મુક્તિનું કારણ છે, બીજો વ્યવહાર
મુક્તિનું કારણ નથી.’
એ જ શબ્દો કહાનગુરુના હસ્તાક્ષરમાં વાંચો–




–આ વ્યવહારને મોક્ષનું કારણ કહ્યું તે નિશ્ચયથી મોક્ષકારણ છે એટલે કે ખરેખર
તે મોક્ષનું કારણ છે. આ સિવાય પરાશ્રિતભાવરૂપ બીજો કોઈ વ્યવહાર તે મોક્ષનું કારણ
નથી. અને મોક્ષના કારણરૂપ આવો વ્યવહાર પણ શુદ્ધ નિશ્ચયસ્વભાવના આશ્રયે જ
પ્રગટે છે; માટે તે નિશ્ચયસ્વભાવ જ આશ્રય કરવાયોગ્ય છે.
ચાલો જાણીએ–શાસ્ત્રની અવનવી વાતો
સર્વાર્થસિદ્ધિદેવમાં અસંખ્યાતવર્ષે એકાદ જીવ ઊપજે છે.
દેવલોકમાં સર્વાર્થસિદ્ધિના જીવો કરતાં તીર્થંકર થનાર જીવો અસંખ્યાત ગુણા છે.
તીર્થંકર સરેરાશ દર આઠ વર્ષે એક થાય છે, જ્યારે સર્વાર્થસિદ્ધિનાદેવ અસંખ્યાત
વર્ષે એક થાય છે.
દેવગતિમાં સર્વાર્થસિદ્ધિના દેવો સંખ્યાતા જ છે; જ્યારે ત્યાંથી નીકળીને સીધા
તીર્થંકરપણે અવતરનારા જીવો અસંખ્યાતા છે.
દેવલોકમાં અને નરકમાં દરરોજ અસંખ્યાત જીવો ઊપજે છે, ને અસંખ્યાત જીવો
મરે છે.
દેવલોકમાંથી અને નરકમાંથી મરીને, મોટા ભાગના જીવો તો તિર્યંચ ગતિમાં જ
અવતરે છે, મનુષ્ય તો કોઈક જ થાય છે.

PDF/HTML Page 11 of 52
single page version

background image
: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
અરિહંત પરમાત્માની
સાચી સ્તુતિ
ભાવનગર શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે
સમયસાર ગાથા ૩૧ તથા ઋષભજિન–સ્તોત્ર ઉપરનાં પ્રવચનોમાંથી
દોહન કરેલા ૮૧ બોલ પૂ. ગુરુદેવની ૮૧ મી જન્મજયંતિના ઉપલક્ષમાં
ગતાંકમાં આપવાના હતા; પણ માત્ર દશ બોલ જ આવી શક્યા હતા
તેથી અહીં એક સાથે ૮૧ બોલ આપવામાં આવ્યા છે. – બ્ર. હ. જૈન
૧. અહીં જિનેન્દ્રભગવાન સર્વજ્ઞ પરમાત્માની સ્થાપનાનો ઉત્સવ થાય છે.
સર્વજ્ઞભગવાનને ઓળખીને તેમની પરમાર્થ–સ્તુતિ કેમ થાય? તે વાત
આચાર્યદેવ આ સમયસારની ૩૧મી ગાથામાં સમજાવે છે. દરેક આત્મા
સર્વજ્ઞસ્વભાવથી પરિપૂર્ણ છે, તેનું ભાન કરીને એકાગ્રતા દ્વારા જેઓ સર્વજ્ઞ
પરમાત્મા થયા, તેમની વાણીમાં આત્માનું જેવું શુદ્ધસ્વરૂપ કહ્યું, તેવું
વીતરાગીસંતોએ જાતે અનુભવીને શાસ્ત્રમાં કહ્યું છે. એવું આ સમયસાર શાસ્ત્ર
છે, તેના લિખિતંગ શ્રી કુંદકુંદાચાર્ય અને સાક્ષી સર્વજ્ઞપરમાત્મા
સીમંધરભગવાનની!
૨. સર્વજ્ઞદશા પ્રગટ થવાની તાકાત દરેક આત્મામાં છે. એવી સર્વજ્ઞદશા પ્રગટ થતાં
શરીર પણ એવું સ્ફટિક જેવું પરમ ઔદારિક થઈ જાય છે કે તેમાં જોતાં જોનારને
સાતભવ દેખાય છે એ સર્વજ્ઞને ક્ષુધા હોતી નથી, રોગ થતો નથી કે ખોરાક
હોતો નથી; હોઠના હલનચલન વગર સહજપણે દિવ્ય વાણી નીકળે છે. આવી
અલૌકિક વીતરાગદશા પામેલા સર્વજ્ઞપરમાત્મા અત્યારે પણ વિદેહક્ષેત્રમાં
બિરાજે છે. એવા સીમંધરપરમાત્મા પાસે અહીંથી કુંદકુંદાચાર્યદેવ ગયા હતા. આ
વાત સાક્ષાત્ સિદ્ધ થયેલી છે. બે હજાર વર્ષ પહેલાં થયેલા આવા આચાર્યદેવે આ
સમયસાર શાસ્ત્ર રચ્યું છે. જૈનશાસનનું આ અલૌકિક શાસ્ત્ર છે. તેમાં આત્માની
વાર્તા છે.
૩. આત્માના સ્વભાવની વાત જીવે અંદરના પ્રેમપૂર્વક કદી સાંભળી નથી; રાગ–દ્વેષ
અને પુણ્ય–પાપની વાત સાંભળીને તેનો આદર કર્યો છે. અહીં દેહથી

PDF/HTML Page 12 of 52
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
ભિન્ન, રાગાદિથી ભિન્ન અને ખંડખંડ જ્ઞાનથી પણ પાર એવો અખંડ
જ્ઞાયકસ્વભાવી આત્મા આચાર્યદેવ ઓળખાવે છે. આવા આત્માનો અનુભવ તે
સર્વજ્ઞપરમાત્માની ખરી સ્તુતિ છે. રાગમાં ઊભો રહીને સર્વજ્ઞપરમાત્માની સ્તુતિ
થઈ શકતી નથી, સર્વજ્ઞપરમાત્માની જાતમાં ભળીને, એટલે કે તેમના જેવો અંશ
પોતામાં પ્રગટ કરીને જ સર્વજ્ઞભગવાનની નિશ્ચયસ્તુતિ થાય છે. એવી સાચી
સ્તુતિનું સ્વરૂપ આ ૩૧મી ગાથામાં કહે છે–
જીતી ઈન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને.
૪. સર્વજ્ઞભગવાનની સાચી સ્તુતિ એટલે કે આત્માના જ્ઞાનસ્વભાવની સન્મુખ
થઈને તેના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરવા તે; પરમાર્થે આ આત્મા સર્વજ્ઞભગવાન
જેવો છે. સમયસાર ગા. ૭૨ વગેરેમાં આત્માને જ ભગવાન કહ્યો છે. ગુરુના
ઉપદેશથી પોતાના પરમેશ્વર આત્માને જાણ્યો એમ ગા. ૩૮માં કહ્યું છે. આસ્રવો–
પુણ્ય–પાપ તે તો અશુચી–અપવિત્ર છે ને ભગવાન આત્મા તો અત્યંત પવિત્ર
છે–એમ ગા. ૭૨માં કહ્યું છે. આ રીતે જ્ઞાનાનંદસ્વભાવી આત્મા પોતે જ
મહિમાવંત છે, ને કેવળજ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા થવાની તેનામાં જ તાકાત
છે. આવા ભગવાન આત્માને સ્વાનુભવથી ઓળખવો તે અરિહંત પરમાત્માની
પ્રથમ સાચી સ્તુતિ છે.
૫. આત્માનો સ્વભાવ ભગવાન થવાનો છે; પામર રહ્યા કરે ને કોઈકની ભક્તિ
કર્યા કરે એવો એનો સ્વભાવ નથી, પણ પામરતા તોડીને, ભક્તિ વગેરેનો રાગ
પણ તોડીને પોતે વીતરાગ સર્વજ્ઞપરમાત્મા થાય એવો આત્માનો સ્વભાવ છે.
આવા સ્વભાવની સન્મુખ થયા વગર સર્વજ્ઞભગવાનની સાચી સ્તુતિ થતી નથી
એટલે કે સમ્યગ્દર્શન થતું નથી.
૬. આ શરીરની પર્યાયરૂપ જડ દ્રવ્યેન્દ્રિયો, તે ઈન્દ્રિયો તરફ વળેલું ખંડખંડ જ્ઞાન તે
ભાવેન્દ્રિયો, અને તે ઈન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ બાહ્યપદાર્થો,–એ ત્રણેને જીતીને
એટલે કે તે ત્રણેને આત્માથી ભિન્ન જાણીને, એક જ્ઞાયકસ્વભાવપણે પોતાને
અનુભવવો તેનું નામ જીતેન્દ્રિયપણું છે. ઈન્દ્રિયોને જે પોતાનું સ્વરૂપ માને તેને
જીતેન્દ્રિયપણું થાય નહીં; એટલે અતીન્દ્રિયજ્ઞાનમય એવા અરિહંતની પરમાર્થ
ઉપાસના તેને હોય નહીં.

PDF/HTML Page 13 of 52
single page version

background image
: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧ :
૭. णमो अरिहंताणं એમ ઘણા બોલે છે, તે અરિહંત પરમાત્માની પરમાર્થ ઉપાસના
કેમ થાય તેનું આ વર્ણન છે. અરિહંતનો ભક્ત કેવો હોય, તેને આત્માનું જ્ઞાન
કેવું હોય? તે આચાર્યદેવે અલૌકિક રીતે બતાવ્યું છે. રાગથી ભિન્ન એવા
આનંદના સ્વાદરૂપે આત્માને અનુભવે તેનું નામ સર્વજ્ઞની સ્તુતિ છે. આ
નિશ્ચયસ્તુતિ છે. નિશ્ચયસ્તુતિમાં પોતાના આત્માનું જ અવલંબન છે, તેમાં પરનું
અવલંબન નથી.
૮. આવી નિશ્ચયસ્તુતિ જેને પ્રગટી હોય એટલે કે આત્માને રાગથી જુદો જેણે
અનુભવ્યો હોય. તેને રાગના વિકલ્પ વખતે બહારમાં પણ સર્વજ્ઞ–વીતરાગ
પરમાત્માની આદર–સ્તુતિનો ભાવ હોય, સર્વજ્ઞ–વીતરાગ પરમાત્મા સિવાય
બીજા કોઈને તે આદરે નહીં; રાગવાળા, પરિગ્રહવાળા એવા કુદેવને તે કદી ભજે
નહીં. સાચા સર્વજ્ઞ–વીતરાગ પરમાત્મા પ્રત્યેનો સ્તુતિનો ભાવ તે પણ રાગ છે,
પુણ્યબંધનું કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી; પોતાના સર્વજ્ઞસ્વભાવ
તરફનું અંતર્મુખ વલણ તે જ મોક્ષનું કારણ છે; તે જ સર્વજ્ઞની પરમાર્થસ્તુતિ છે.
૯. આત્માનો ચૈતન્યસ્વભાવ છે, તે અતિ સૂક્ષ્મ છે. તેની પાસે પુણ્ય–પાપ પણ
સ્થૂળ છે, ને જડ ઈન્દ્રિયો તો અત્યંત સ્થૂળ છે. નિર્મળ ભેદજ્ઞાનની પવિત્રતાવડે
અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવનો અનુભવ કરતાં જડ ઈન્દ્રિયોને જીવ પોતાથી સર્વથા
જુદી જાણે છે. આ જડ શરીર આત્માથી સર્વથા જુદું છે. આત્મા સદાય
ચૈતન્યપણે રહ્યો છે, શરીર સદાય અજીવ થઈને રહ્યું છે, તે કદી જીવરૂપ થયું
નથી. આવું ભેદજ્ઞાન જેણે કર્યું તે જીવ સર્વજ્ઞના માર્ગમાં આવ્યો, તે અરિહંતનો
સાચો અનુયાયી થયો, તે જૈન થયો.
૧૦. અહો, આવો અવસર પામીને આત્મા અને શરીરની ભિન્નતા ઓળખવી જોઈએ;
જ્ઞાનમાં વારંવાર તેનો અભ્યાસ કરવો જોઈએ. બીજા પોથાં તો ઘણા ભણ્યો,
પણ પરથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદસ્વભાવનો સાચો અભ્યાસ કર તો જ તારો
ભવથી છૂટકારો થશે.
૧૧. આત્માના ભાન વગર ચારે ગતિમાં અનંત અવતાર જીવે કર્યા છે. ભગવાન તો
કહે છે કે સંસારમાં રખડતા જીવે ચારગતિમાં નરકના અવતાર કરતાં પણ
સ્વર્ગના અવતાર અસંખ્યાતગુણા વધારે કર્યાં છે. સ્વર્ગમાં ક્યારે જાય? પુણ્ય
કરે ત્યારે. એટલે પુણ્યભાવ અનંતવાર જીવ કરી ચુક્યો છતાં જરાપણ સુખ તે ન
પામ્યો.

PDF/HTML Page 14 of 52
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
તો વિચાર કરવો જોઈએ કે સુખનો માર્ગ કાંઈક બીજો છે. પુણ્યથી પાર આત્મા
છે; તેનું ભાન કરવું તે જ સુખી થવાનો રસ્તો છે.
૧૨. આત્મા પોતે જ્ઞાન અને સુખસ્વરૂપ છે, તે રાગરૂપ કે દેહરૂપ નથી. સુખસ્વરૂપ
આત્માને રાગસ્વરૂપ માનવો તે ભગવાન આત્માનો તિરસ્કાર છે. અરિહંતોએ
તો રાગથી ધર્મ ન થાય, વીતરાગભાવથી જ ધર્મ થાય એમ કહ્યું છે, ને અજ્ઞાની
કહે છે કે શુભરાગથી ધર્મ થાય,–તો તેણે અરિહંતની સ્તુતિ ન કરી પણ
અરિહંતોના વીતરાગમાર્ગનો અનાદર કરીને અસ્તુતિ કરી. રાગનો જેણે આદર
કર્યો તેણે અરિહંતોનો અનાદર કર્યો. આ તો અરિહંતોનો અલૌકિક
વીતરાગમાર્ગ છે.
૧૩. ભગવાન કહે છે કે તારે મારી પરમાર્થસ્તુતિ કરવી હોય તો મારા સામે ન જો,
પણ તારા જ્ઞાનસ્વભાવની સન્મુખ જો. મારા સામે જોયે મારી પરમાર્થસ્તુતિ
નહીં થાય પણ તારા સ્વભાવ સામે જોઈને જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કર, તો
તું પણ અમારા જેવો થઈશ. આ રીતે સ્વસન્મુખ અતીન્દ્રિય ભાવ વડે જ
સર્વજ્ઞના માર્ગની આરાધના થાય છે; તે જ મોક્ષમાર્ગરૂપ ધર્મ છે.
૧૪. વન–જંગલમાં વસનારા ને આત્માના અતીન્દ્રિય આનંદમાં ઝુલનારા એવા
પદ્મનંદિ મુનિરાજે બનાવેલા આ પંચવિંશતિકા શાસ્ત્રમાં ભગવાન ઋષભદેવની
સ્તુતિનો એક અધિકાર છે. અહીં પંચકલ્યાણક ઉત્સવમાં પણ ભગવાન
ઋષભદેવના પંચકલ્યાણકનાં દ્રશ્યો થવાના છે. અરિહંત પરમાત્મા કેવા હોય?
તેના આત્માની સાચી ઓળખાણ કરતાં આત્માના સ્વરૂપની ઓળખાણ થાય છે
ને મોહનો નાશ થઈને સમ્યગ્દર્શન થાય છે.–એ વાત પ્રવચનસારમાં ૮૦ મી
ગાથામાં સમજાવી છે.
૧૫. જગતમાં અનંત આત્માઓ છે, તે દરેક આત્મા જ્ઞાનસ્વભાવી છે. તેની
અવસ્થામાં ત્રણ પ્રકારો પડે છે: (૧) જે બહારની વસ્તુને કે રાગાદિ
બાહ્યભાવોને આત્મારૂપે અનુભવે છે તે બહિરાત્મા છે. (૨) જે પરથી ભિન્ન
પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને અંતરમાં દેખે છે ને તેને સાધે છે તે અંતરાત્મા છે.
(૩) આત્માનું પરમ સ્વરૂપ જાણીને તેવું પરિપૂર્ણ જેમણે પ્રગટ કર્યું છે તે
પરમાત્મા છે. આવા પરમાત્માની ઓળખાણ અને ભક્તિનું આ વર્ણન છે.
આત્માને ઓળખ્યા વગર પરમાત્માની સાચી ઓળખાણ થતી નથી. ને
ઓળખાણ વગરની સ્તુતિને સાચી સ્તુતિ કહેવાય નહીં. તેથી સમન્તભદ્ર સ્વામી
કહે છે કે હે પ્રભો! રાગની ગ્રંથિવાળા

PDF/HTML Page 15 of 52
single page version

background image
જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
મિથ્યાદ્રષ્ટિ જીવોનું ચિત્ત આપને ભજી શકશે નહીં. સમ્યગ્દ્રષ્ટિ જ આપને ખરેખર
ભજે છે.
૧૬. સવારે સમયસાર ગા. ૩૧ માં ભગવાનની નિશ્ચયસ્તુતિની વાત છે, તે
નિશ્ચયસ્તુતિ તો રાગ વગરની છે, આત્માના અનુભવરૂપ છે; અને આ પદ્મનંદી
પચ્ચીસીમાં ઓળખાણપૂર્વકની વ્યવહારસ્તુતિનું વર્ણન છે; તે વ્યવહારસ્તુતિ
શુભરાગરૂપ છે, તેમાં પરનો આશ્રય છે. ધર્મીજીવને સર્વજ્ઞ ભગવાન પ્રત્યે
આદર–ભક્તિનો ભાવ આવે છે.
૧૭. સર્વજ્ઞ ભગવાન કેવા હોય? ને આ આત્માનું સ્વરૂપ કેવું છે? તેની ઓળખાણ
કરવી જોઈએ. નાનપણથી જ આત્મામાં તેના સંસ્કાર નાંખવા જોઈએ. ૧૬
વર્ષની વયમાં શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે–
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારૂં ખરૂં?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત–તત્ત્વો અનુભવ્યાં.
ભાઈ, આવો મનુષ્ય અવતાર પામીને આત્મતત્ત્વનો વિચાર તો કર.
૧૮. શ્રીમદ્ રાજચંદ્રજી આ પદ્મનંદીશાસ્ત્રને ‘વનશાસ્ત્ર’ કહેતા હતા. વનમાં વસનારા
વીતરાગી મુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે. મુનિરાજ અંદર આનંદના ધામમાં
વારંવાર જઈને નિર્વિકલ્પ આનંદનો સ્વાદ લેતા હતા.–એવા દિગંબર મુનિરાજ,–
જાણે કે અત્યારે જ ઋષભદેવ ભગવાન અરિહંતપદે સમવસરણમાં બિરાજમાન
હોય ને તેમની સમીપમાં પોતે તેમની સ્તુતિ કરતા હોય! એવા ઉત્તમ ભાવથી
ભગવાનની સ્તુતિ કરે છે.
‘जय ऋषभ नाभिनन्दन.......
૧૯. વીતરાગ ભગવાનની સ્તુતિ કોણ કરે?
જેણે રાગથી ભિન્નતાનું ભાન કર્યું હોય તે જ વીતરાગની સ્તુતિ સાચી કરે. જેણે
રાગથી ભિન્નતાનો અનુભવ ન હોય તે વીતરાગની સ્તુતિ કરી શકે નહીં, કેમ કે
વીતરાગતાને તે ઓળખતો જ નથી. આ તો સાચી ઓળખાણ પૂર્વકની ભક્તિ છે.

PDF/HTML Page 16 of 52
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
૨૦. ભગવાન કેવા છે એને પણ ઘણા લોકો ઓળખતા નથી. ભગવાન તે તો
સર્વજ્ઞપદને પામેલા આત્મા છે. તેઓ જગતના પદાર્થોના ત્રણકાળના જ્ઞાતા છે,
પણ પદાર્થોના કર્તા નથી. વસ્તુ અનાદિઅનંત સ્વયંસિદ્ધ છે, તેનો કોઈ
બનાવનાર નથી.
૨૧. કોઈ એમ કહે કે અમુક વસ્તુને (જીવ કે અજીવને) મેં નવી બનાવી;–તો એનો
અર્થ એ થયો કે તેના પહેલાં તે વસ્તુનું જે અસ્તિત્વ હતું તે તેણે જાણ્યું નથી,
એટલે તે સર્વજ્ઞ નથી. આ રીતે વસ્તુનું કર્તાપણું માને તેને વસ્તુના અનાદિ–
અનંત અસ્તિત્વની ખબર નથી એટલે તે સર્વજ્ઞ નથી. પરની કર્તાબુદ્ધિ હોય ત્યાં
સર્વજ્ઞપણું તો ન હોય, ને સર્વજ્ઞના સ્વરૂપની સાચી ઓળખાણ પણ ન હોય.
રાગાદિ પરભાવનો જે જાણનાર છે તે તેનો કર્તા નથી અને જે કર્તા થાય છે તે
જાણનાર નથી.
૨૨. સર્વજ્ઞ ભગવાનને અનંત ગુણનો પૂર્ણ વૈભવ ખીલી ગયો છે; તેમને ઓળખીને
પોતામાં તેનો થોડોક અંશ પ્રગટ કરવો તે જ ભગવાનની સ્તુતિ છે; એટલે કે
સમ્યગ્દર્શન તે જ સર્વજ્ઞની પ્રથમ સ્તુતિ છે.
૨૩. સ્તુતિકાર કહે છે કે હે ભગવાન! ઈન્દ્રો આપના ચરણમાં જ્યારે નમ્યા ત્યારે
આપના ચરણના નખની પ્રભા વડે તેમના મુગટ ઝગમગી ઊઠ્યા; એટલે
ઈન્દ્રના મુગટની શોભા પણ આપનાં ચરણ વડે જ છે, ખરી શોભા મુગટની નહિ
પણ આપના ચરણની છે; એટલે કે આપના વીતરાગી ચરણ પાસે ઈન્દ્રાદિ
પુણ્યફળ પણ અમને તુચ્છ લાગે છે. અહો, ઈન્દ્રો પણ ભક્તિથી જેને પૂજે એના
મહિમાની શી વાત! આવો મહિમા ઓળખીને વીતરાગ ભગવાનને જે ભજે છે
તે ધન્ય છે.
૨૪. ‘નમો અરિહંતાણં’–અરિહંતોને નમસ્કાર હો આ નમસ્કાર તે ગુણવાચક છે
આત્માના સર્વજ્ઞતાદિ ગુણો પ્રગટ કરીને જેમણે રાગ–દ્વેષ મોહરૂપ અરિને હણ્યા
તે અરિહંત છે. અનંતા જીવોમાંથી જે કોઈ જીવ સર્વજ્ઞતાદિ ગુણો પ્રગટ કરે તેને
અરિહંત કહેવાય છે, તે જ પરમેશ્વર છે, તે જ સાચા દેવ છે. એવા વીતરાગ
દેવનું સ્વરૂપ ઓળખીને તેમની સ્તુતિ કેમ થાય તેનું આ વર્ણન છે.
૨૫. ભાઈ, આ જન્મ–મરણથી મુક્ત થવાની ને આનંદમય મોક્ષપદ પામવાની કોઈ
અલૌકિક રીત છે. સંસારના રાગના રસની આડમાં જીવને પોતાનું સત્ય સ્વરૂપ
લક્ષમાં આવ્યું નથી. આત્માનું સ્વરૂપ પામેલા સાચા દેવ કેવા હોય? તેને

PDF/HTML Page 17 of 52
single page version

background image
: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૧પ :
સાધનારા ગુરુ કેવા હોય? ને તે કહેનારા શાસ્ત્ર કેવા હોય? એની
ઓળખાણ કરવી જોઈએ. નમસ્કાર મંત્રમાં તે દેવ–ગુરુને નમસ્કાર કર્યા છે.
પાંચે પરમેષ્ઠીપદ તે આત્માની શુદ્ધદશા છે, તે વીતરાગવિજ્ઞાનમય છે તેની
ઓળખાણ પણ વીતરાગવિજ્ઞાનવડે જ થાય છે.
૨૬. આત્માની દિવ્યશક્તિને પ્રગટ કરે તે દેવ; આત્માના શુદ્ધ સ્વરૂપને સાધે–
અનુભવે તે સાધુ. આત્માના જ્ઞાન વગર સાધુપણું હોય નહીં. સાધુ એટલે
મોક્ષનો સાધક, આત્માના શુદ્ધસ્વરૂપનો સાધક. તેઓ અંતર્મુખ થઈને
ચૈતન્યના આનંદનો સ્વાદ લ્યે છે.
૨૭. અજ્ઞાનીને નથી આત્માના આનંદનો સ્વાદ, કે નથી જડનો સ્વાદ એ તો
અદ્ધરથી રાગ–દ્વેષની કલ્પનાઓ કરીને વિકારનો–ઝેરનો સ્વાદ લ્યે છે, તે
દુઃખ છે, સંસાર છે. સંસાર એ કાંઈ બહારની કોઈ વસ્તુ નથી, શરીરમાં–
ઘરમાં જીવનો સંસાર નથી, જીવનો અજ્ઞાનમય ભાવ તે જ સંસાર છે. અને
ભેદજ્ઞાન વડે શુદ્ધ જ્ઞાનઆનંદદશા પ્રગટે તે જ મોક્ષ છે. સંસાર અને મોક્ષ
બંને જીવની જ દશામાં છે.
૨૮. સ્વરૂપની અપ્રાપ્તિ તે સંસાર; સ્વરૂપની પ્રાપ્તિ તે મોક્ષ. અનાદિથી સ્વરૂપની
પ્રાપ્તિ કેમ ન થઈ, ને હવે સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય? તે વાત સંતોએ
શાસ્ત્રમાં બતાવી છે. જડ–ચેતનનું ભેદજ્ઞાન કરીને જેમાં આનંદની છોળ
ઊછળે એવા જ્ઞાનને જ સાચું જ્ઞાન કહેવાય છે. ભેદજ્ઞાન વગર બહારના
એકલા જાણપણામાં જીવને શાંતિ કે આનંદ નથી, અને જેમાં આનંદ ન હોય
તેને સાચું જ્ઞાન કહેતા નથી.
૨૯. દેહથી ભિન્ન આત્માનો આનંદ જેણે દેખ્યો નથી એને દીક્ષા કેવી? દીક્ષા એ
તો ઘણી વીતરાગી અનુભવદશા છે. મુનિવરો વારંવાર અંતરમાં ઉપયોગને
એકાગ્ર કરીને નિજાનંદને અનુભવે છે. આત્મા જ્ઞાનપ્રકાશનો પૂંજ છે,
રાગાદિ પરભાવોથી એની ભિન્નતાના તીવ્ર અભ્યાસ વડે ભેદવિજ્ઞાન પ્રગટ
થાય, પછી તેમાં ઘણી એકાગ્રતા થતાં દેહ ઉપર વસ્ત્રાદિ ધારણા કરવાનો
મોહ પણ છૂટી જાય, એવી વીતરાગદશા થાય ત્યારે મુનિદીક્ષા હોય છે. તે
મહા આનંદરૂપ છે. બાકી આત્માના જ્ઞાન વગર તો શુભરાગ કરીને–
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજઆતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.

PDF/HTML Page 18 of 52
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
આત્માના જ્ઞાન વગર શુભરાગ કરીને સ્વર્ગમાં જઈને પણ જીવ દુઃખી થયો,
જરા પણ સુખ ન પામ્યો. સુખનો અનુભવ ત્યારે થાય કે જ્યારે રાગથી જુદો
પડીને જ્ઞાનચેતના પ્રગટ કરે.
૩૦. જુઓ, આ શેનો ઉત્સવ છે? અનંત આનંદને પામેલા જે પરમાત્મા, તેમને
ઓળખીને આ પ્રતિમામાં તેમની પ્રતિષ્ઠા થાય છે; તેમ પોતાનો આત્મા
પરમેશ્વર થવાની તાકાતવાળો છે તેની ઓળખાણ કરીને તેમાંથી પરમાત્મપદ
પ્રગટ કરવાની આ વાત છે. આત્માને જ પરમેશ્વર બનાવવાની આ વાત છે.
૩૧. સર્વજ્ઞ પરમાત્માની ઘણા પ્રકારે સ્તુતિ કરતાં કરતાં છેવટે મુનિરાજ કહેશે કે હે
ભગવાન! વિકલ્પમાં ને વાણીમાં તો આપના ગુણો કેટલા આવે? અનંત
ગુણના નિધાન એવા આપની સ્તુતિ તો જ્યારે વિકલ્પ તોડીને આત્માના
અનુભવમાં એકાગ્ર થશું ત્યારે જ પૂરી થશે. પ્રભો! બહારના આ ચામડાના
ચક્ષુથી પણ આપને દેખતાં ઘણો હર્ષ થાય છે, તો અંતરના જ્ઞાનચક્ષુથી આપને
દેખતાં જે પરમ આનંદ થાય તેની તો શી વાત!
૩૨. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને રત્ન કહ્યાં છે; તો તેના ફળરૂપે જે કેવળજ્ઞાનાદિ
પ્રગટ્યા તે મહા રત્ન છે. આવા અનંત રત્નોની ખાણ આત્મા છે તેથી તે મહા
ચૈતન્ય– રત્નાકર છે. આવો રત્નાકર પોતે હોવા છતાં જીવને પોતાની ખબર
નથી, ને બહારની લક્ષ્મી વગેરેથી મોટાઈ મનાવે છે. પોતામાં જ અરિહંતપદનું
ધ્યાન કરતાં જે આનંદ થાય છે તેને તો ધર્મી જ જાણે છે.
૩૩. અરિહંતદશા તો આત્મામાં પ્રગટ નથી, છતાં તેનું ધ્યાન કેમ?–તો કહે છે કે
અરિહંતપણું આત્માના સ્વભાવમાં વિદ્યમાન જ છે, તે સ્વભાવને ધ્યાવતાં
આનંદ પ્રગટે છે. અંદર જે સત્ સ્વભાવ છે તેનું ધ્યાન સાર્થક છે, તે જૂઠું નથી.
એટલે ‘હું સિદ્ધ છું– હું અરિહંત છું’ એમ નિજસ્વભાવનું જે ધ્યાન છે તે સત્ય
છે. જો તે સત્ય ન હોય તો તેના ફળમાં આનંદ કેમ આવે?
૩૪. અરિહંત–સિદ્ધ જેવા શુદ્ધસ્વભાવે પોતાના આત્માને ધ્યાવવો તે જ અરિહંત અને
સિદ્ધની સાચી ભક્તિ છે. આ સિવાય રાગના વિકલ્પો તે કાંઈ મૂળવસ્તુ નથી,
અને બહારની ક્રિયાઓ તે તો જડની ક્રિયાઓ છે. તે જડક્રિયાઓ કે રાગ કાંઈ
મોક્ષનું કારણ નથી. ‘પરમાત્મસ્વરૂપ હું જ છું’–એવું નિજસ્વરૂપનું ધ્યાન જ
મોક્ષનું કારણ છે.
(વિશેષ માટે જુઓ પાનું ૨૨)

PDF/HTML Page 19 of 52
single page version

background image
: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
સોનગઢમાં વૈશાખ સુદ પાંચમે કહાન–સોસાયટીના
ઉદ્ઘાટન પ્રસંગે પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
(સમયસાર ગાથા ૨૭૨)
ચૈતન્યમાં નિવાસ કરીને વીતરાગભાવ પ્રગટ કરવો તે
અપૂર્વ વાસ્તુ છે. સમ્યગ્દર્શન અલૌકિક વસ્તુ છે; લોકોને તેના
મહિમાની ખબર નથી. સમ્યગ્દર્શન થયું તેના ઘરમાં
આત્માનો જે શુદ્ધસ્વભાવ, પરની ભેળસેળ વગરનો છે તે નિશ્ચય છે; અને
પરાશ્રિત ભાવો તે વ્યવહાર છે. મોક્ષને સાધવા માટે મુમુક્ષુએ તે વ્યવહારનો આશ્રય
છોડવા જેવો છે ને નિશ્ચયનો આશ્રય કરવા જેવો છે.
શુદ્ધનય પોતે પર્યાય છે, પણ તે અંતરમાં આશ્રય કરે છે નિશ્ચયસ્વભાવનો; તેથી
અધ્યાત્મશૈલીમાં શુદ્ધનય અને તેનો વિષય શુદ્ધઆત્મા–તે બંને અભેદ છે. આવી અભેદ
દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન બહુ દુર્લભ ચીજ છે. જેમ ઝવેરાતની દુકાન અને
તેના ગરાગ હંમેશા થોડા જ હોય છે તેમ જગતમાં સમ્યગ્દ્રષ્ટિજીવો થોડા જ હોય છે,
બહુભાગ તો વ્યવહારમૂઢ મિથ્યાદ્રષ્ટિ જીવોનો જ છે. સમ્યગ્દ્રષ્ટિ ભલે થોડા, પણ જેણે
આત્માનું કલ્યાણ કરવું હોય ને આ સંસારના અનંતદુઃખથી છૂટવું હોય તેણે આત્માનું
ભાન કરીને સમ્યગ્દર્શન કરવું તે પ્રથમ કર્તવ્ય છે. તે સમ્યગ્દર્શન થવાની રીત અહીં
આચાર્યદેવ બતાવે છે.
શુદ્ધનયનો વિષય શુદ્ધ અભેદ આત્મા છે. નય તે અંશ છે; પણ આ અંશ, અને
આ ધ્રુવ–એવો ભેદ અધ્યાત્મદ્રષ્ટિમાં નથી; અધ્યાત્મદ્રષ્ટિમાં અભેદ આત્મા એક જ છે.
તેમાં ગુણગુણીભેદ પણ નથી, તો પછી રાગની કે જડની ક્રિયાની વાત તો ક્યાં રહી?
પરથી ભિન્ન, રાગાદિથી ભિન્ન, એવા શુદ્ધાત્માનો આશ્રય તે નિશ્ચય છે; અને એવી
નિશ્ચયદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ છે.
વસ્તુ અબંધ, તેના ગુણો અબંધ; અને તેની સન્મુખ જે પરિણતિ વળી તે પણ
અબંધ; વચ્ચે જે રાગાદિ બંધભાવ બાકી રહ્યા તે વ્યવહારમાં ગયા, તેનો આશ્રય ધર્મીને
નથી, ધર્મી તેમાં એક્તા માનતા નથી. સમ્યગ્દર્શન થતાં આત્મામાંથી જ ભણકારા

PDF/HTML Page 20 of 52
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
આવી જાય છે કે હવે અલ્પકાળમાં જ સિદ્ધદશા થશે. સ્વાનુભવથી શરૂઆત થઈ ચુકી છે
ને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મદશા ખીલી જશે.–આવા ભણકાર જેને ન આવે ને શંકા
રહે તેને સમ્યગ્દર્શનની ખબર જ નથી. સમ્યગ્દર્શન અલૌકિક ચીજ છે, લોકોને તેના
મહિમાની ખબર નથી. સમ્યગ્દર્શન થયું તેના ઘરમાં (આત્મામાં) પરમાત્મા આવીને
વસ્યા...તે પરમાર્થ વાસ્તુ થયું.
મોક્ષ કોણ પામે છે?
જેઓ પોતાના શુદ્ધાત્માને જાણીને તે સ્વદ્રવ્યનો આશ્રય કરે છે તેઓ જ
નિયમથી મોક્ષ પામે છે. જેઓ આવા શુદ્ધ આત્માનો આશ્રય નથી કરતા ને રાગાદિ
પરભાવમાં અટકે છે તેઓ કર્મથી છૂટતા નથી. વ્યવહારના આશ્રય વડે બંધન છે;
શુદ્ધનયના આશ્રય વડે મોક્ષ છે,–આ જૈનસિદ્ધાંતનો નિયમ છે.
અરે, પોતાના વસ્તુસ્વભાવને જાણ્યા વગર જીવો બહારના ક્રિયાકાંડમાં એટલે
જડક્રિયામાં ને શુભરાગમાં ધર્મ માનીને સાચો મોક્ષમાર્ગ ભૂલી રહ્યા છે, એવા જીવો
ઉપર જ્ઞાનીને કરુણા આવે છે; અને કહે છે કે હે ભાઈ! તારા ચૈતન્યની અનંત ગુણની
સંપદા તારા ધામમાં જ છે. રાગમાં કે દેહની ક્રિયામાં તારા ગુણની સંપદા નથી. તારી
ચૈતન્યસંપદાને તું સંભાળ. ચૈતન્યસંપદા ને દેખતાં જ આનંદ અને મોક્ષમાર્ગ થશે.
દેવ–ગુરુ–શાસ્ત્ર, વ્રતાદિ, તે સંબંધી જેટલા શુભભાવ ભગવાને કહ્યા છે, તે બધા
પરાશ્રિતભાવો છે, અને તેને ભગવાને બંધનું જ કારણ કહ્યું છે, તે મોક્ષનું કારણ નથી.
મોક્ષનું કારણ તો સ્વાશ્રિત એવો વીતરાગભાવ જ છે. ચૈતન્યમાં નિવાસ કરીને આવો
વીતરાગભાવ પ્રગટ કરવો તે અપૂર્વ વાસ્તુ છે.
* * * * *
(વાસણા ચોધરીવાળા બ્ર. કેશવલાલજી જેઓ ગુજરાતમાં સારો ધર્મપ્રચાર કરે
છે, તેમણે લખેલું અધ્યાત્મભજન (સુધારા સાથે) અહીં આપવામાં આવે છે:–)
ચેતનરૂપ હું આત્મા ચિદાનંદ ભગવાન, શુદ્ધ–બુદ્ધ ચૈતન્ય છું, જડથી જુદું રૂપ,
અજર અમર અવિનાશી ને જ્ઞાનપૂંજનું ધામ. (૧) પુદ્ગલ કે પુણ્ય–પાપથી ભિન્ન હું ચેતન ભૂપ. (૪)
સિદ્ધ સ્વરૂપ હું આતમા નિરંજન ભગવાન,
ચેતન લક્ષણ માહરું શુદ્ધ ઉપયોગી જાણ,
અખંડભાવ જ્ઞાયક સદા ગુણઅનંત ભગવાન. (૨) નિજાનંદ ભરપૂર હું ચેતનરૂપ ભગવાન, (પ)
અનંત બળ છે મુજમાં અનંત દર્શન જ્ઞાન, રાગ દ્વેષથી ભિન્ન છું નિશ્ચય જ્ઞાનસ્વરૂપ,
અવ્યાબાધસ્વરૂપ હું સહજાનંદ ભગવાન, (૩) જે અનુભવશે એહને તે થાશે ભગવાન. (૬)