Atmadharma magazine - Ank 322
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 44
single page version

background image
૩૨૨
ધર્માત્માનું જીવન! જ્ઞાનનો કસ!
સૌથી મોટું શાસ્ત્ર!
* આત્મઅનુભવથી મોટું કોઈ શાસ્ત્ર આ જગતમાં નથી.
* શાસ્ત્રભણતરના રહસ્યમાંથી જો રસ અને ફોતરાંનું (એટલે
કે જ્ઞાન અને રાગનું) પૃથક્કરણ કરવામાં આવે તો માત્ર
સ્વાનુભવરૂપી કસ જ બાકી રહે છે; એટલે બધાય શાસ્ત્રોનો
રસ–કસ સ્વાનુભવમાં સમાય છે.
* ભગવાને સ્વાનુભૂતિને સમસ્ત જિનશાસન કહ્યું છે.
* ધર્મનું જીવન અને ધર્મનો પ્રાણ સ્વાનુભૂતિ છે. તારે
ધર્માત્માનું અંતરનું ખરૂં જીવન જાણવું હોય તો તેમની
સ્વાનુભૂતિને ઓળખ.
* સ્વાનુભૂતિમાં આનંદમય સર્વસુખ પમાય છે, તે સર્વદુઃખ
મટે છે.
તંત્રી પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ શ્રાવણ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭ : અંક ૧૦

PDF/HTML Page 2 of 44
single page version

background image
* આત્મધર્મ *
(સંપાદકીય)
ધર્મ પ્રત્યેનું વાત્સલ્ય એ ધર્મીજીવનું ચિહ્ન છે. રત્નત્રયરૂપ જે માર્ગ તેમાં
અભેદબુદ્ધિરૂપ પરમ વાત્સલ્ય, અને તે રત્નત્રયમાર્ગમાં ચાલનારા પોતાના સહધર્મીઓ
પ્રત્યે પણ નિસ્પૃહ વાત્સલ્ય, તે પોતાના ધાર્મિકપ્રેમની નિશાની છે. વીતરાગમાર્ગને
સાધી રહેલા બીજા ધર્માત્માઓને દેખીને, પ્રસન્નતાથી ‘અહો! આ કેવા ઉત્તમ ધર્મને
સાધી રહ્યા છે!’–એવો અંતરનો ઉલ્લાસ આવે છે ને તે ઉલ્લાસવડે પોતે પોતાના
ધાર્મિકભાવને પુષ્ટ કરે છે. મને કે મારા સાધર્મીને ધર્મની સાધનામાં કદી કોઈ વિઘ્ન ન
હો, ને એવો બાહ્ય પ્રસંગ આવી પડે તો તે કેમ દૂર થાય, એવી વાત્સલ્યભાવનાવડે
વિચારક મુમુક્ષુઓનો વિશાળ વાચકવર્ગ ધરાવતું આપણું આ ‘આત્મધર્મ’ પૂ.
ગુરુદેવની મંગલ છાયામાં, સૌ સાધર્મીઓના સહકારપૂર્વક વિકસી રહ્યું છે.....હિંદી–
ગુજરાતી મળીને આજે તેના પાંચહજાર ઉપરાંત ગ્રાહકો છે, અને વર્ષ પૂરું થતાં પહેલાં
જ લગભગ બધા ગ્રાહકો પોતાનું નવું લવાજમ પોતાની મેળે જ મોકલી આપે છે; બીજા
પત્રોને પોતાનું લવાજમ વસુલ કરવા કેટલીયે સૂચનાઓ ને યોજનાઓ ઘડવી પડે છે,
V. P. કરીકરીને લવાજમ મંગાવવા પડે છે, ત્યારે આપણા આત્મધર્મના હજારો
જિજ્ઞાસુઓ સામેથી વેલાસર લવાજમ મોકલી આપે છે.–આવા અધ્યાત્મરસિક વાંચકોનો
સમૂહ તે આત્મધર્મનું ખાસ ગૌરવ છે.....ગુરુદેવે બતાવેલા અધ્યાત્મતત્ત્વ પ્રત્યે
જિજ્ઞાસુઓનો કેટલો પ્રેમ છે! તેની તે પ્રસિદ્ધિ કરે છે. (નવા વર્ષનું લવાજમ રૂા ચાર છે;
અને તે સોનગઢમાં અથવા પોતાના ગામમાં મુમુક્ષુમંડળમાં ભરી શકાય છે. વર્ષની
શરૂઆત દીવાળી–આસો વદ અમાસથી થાય છે. પાછળથી ઘણા અંકો અપ્રાપ્ત થઈ જાય
છે એટલે શરૂઆતથી ગ્રાહક થઈ જવું વધું સારૂં છે.)
આત્મધર્મને માટે લેખ–સમાચાર વગેરે મોકલનાર બંધુઓને સૂચના કે જે કાંઈ
લખાણ મોકલવાનું હોય તે સ્પષ્ટ સુવાચ્ય અક્ષરે, સીધું સંપાદક ઉપર મોકલવું જરૂરી છે.
બીજા ઉપર મોકલાયેલું લખાણ ઘણી વખત સંપાદકને મળતું હોતું નથી, અગર ખૂબ
વિલંબથી મળે છે, તેથી એવા લખાણોને સ્થાન આપવાનું મુશ્કેલ બને છે. આત્મધર્મમાં
પીરસવાનો છે. જિજ્ઞાસુઓ ઉત્તમ સલાહ–સૂચનાઓ વડે આત્મધર્મના વિકાસમાં સહકાર
આપે–એવી ભાવના છે.

PDF/HTML Page 3 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૧ :

દીવાળી સુધીનું
વીર સં. ૨૪૯૬
લવાજમ શ્રાવણ
બે રૂપિયા 1970 Aug
* વર્ષ ૨૭ : અંક ૧૦ *
________________________________________________________________
.....ર્
ધર્મપ્રાપ્તિનો ઉલ્લાસ એ જ સાચું વાત્સલ્ય.
ધર્મપ્રાપ્તિનો ઉગ્ર ઉદ્યમ એ જ ઉત્તમ ઉદ્યોતન.
ધર્મ દ્વારા પરિણતિના પ્રવાહનો સ્વસન્મુખ વેગ
–એ જ સાચોસંવેગ.
ધર્મની આરાધનાના પરિણામમાં પરભાવનો અભાવ
–એ જ નિર્વેદતા.
ધર્મમાં ચિત્તનું જોડાણ એ જ જીવની સાચી અનુકંપા
ધર્મરૂપ સમ્યક્ત્વ–પરિણતિ એ જ પરમ આસ્તિક્યતા.
ધર્મરૂપ નિર્દોષ પરિણતિ એ જ નિઃશંકતા.
ધર્મ દ્વારા સ્વતત્ત્વની અનુભૂતિમાં પ્રવેશ એ જ નિર્ભયતા.
ધર્મ દ્વારા આત્મગુણોનો વિકાસ એ જ મહા પ્રભાવના.
ધર્મ દ્વારા સ્વતત્ત્વમાં સ્થિતિ એ જ સ્થિતિકરણ.
ધર્મરૂપ વીતરાગપરિણતિ તે જ ઉત્તમ ક્ષમાદિક.
ધર્મરૂપ સ્વસમયપણું તે જ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ.
–આમ સ્વભાવધર્મમાં સર્વ ગુણો સમાય છે.
–આવા ધર્મને હે જીવ! તું ઉત્સાહથી આરાધ.

PDF/HTML Page 4 of 44
single page version

background image
: ૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
હે જીવ! ઉત્સાહભાવથી
જિનમાર્ગને આરાધ
*
વીર ભગવાને કહેલા વીતરાગમાર્ગની પ્રસિદ્ધિ
અષાડ વદ એકમની સવારમાં, વિપુલગિરિ પર
સમવસરણમાં બિરાજમાન વર્ધમાન તીર્થંકરના
સ્મરણપૂર્વક, સોનગઢમાં આનંદ–ઉલ્લાસભર્યું વાતાવરણ
હતું. વીરધ્વનિનો સાર સાંભળવા ગામેગામના જિજ્ઞાસુઓ
એકઠા થયા હતા. સવારમાં જિનમંદિરમાં વીરનાથ
જિનેન્દ્રની, સીમંધરનાથ જિનેન્દ્રની, અને જિનવાણી
માતાની ભક્તિપૂર્વક પૂજા થઈ. ત્યારબાદ પ્રવચનના
પ્રારંભમાં વીરનાથની દિવ્યધ્વનિનો ઈતિહાસ સંભળાવતાં
ગુરુદેવે જે ભાવભીનું પ્રવચન કર્યું તે જિનમાર્ગમાં ઉત્સાહિત
કરનારું છે; તેનો સાર અહીં આપ્યો છે.
આજે રાજગૃહીમાં વિપુલાચલ પર્વત ઉપર મહાવીર પરમાત્માની દિવ્ય વાણી
પહેલવહેલી નીકળી. આજે શાસ્ત્રીય શ્રાવણ વદ એકમ છે, શાસનમાં હિસાબે આજે
બેસતું વર્ષ છે. ભગવાનને કેવળજ્ઞાન તો ૬૬ દિવસ પહેલાં વૈશાખ સુદ દસમે ઋજુ
નદીના કિનારે (સમ્મેદશિખરથી દસેક માઈલ દૂર) થયું હતું; પણ તે વખતે ગણધર થવા
યોગ્ય જીવની ઉપસ્થિતિ ન હતી, અહીં વાણીનો યોગ પણ ન હતો, શ્રોતાઓની તેવી
લાયકાત પણ ન હતી, એટલે ૬૬ દિવસ સુધી વાણી ન નીકળી. વાણી નીકળી પણ
જીવો ધર્મ ન પામ્યા–એમ નથી; તીર્થંકરની વાણી નીકળે ને ધર્મ પામનાર જીવો ન હોય–
એમ ન બને. ભગવાનની વાણી ધર્મવૃદ્ધિનું જ કારણ છે. પૂર્વે ધર્મવૃદ્ધિના ભાવે
બંધાયેલી વાણી, અન્યજીવોને ધર્મની વૃદ્ધિનું જ નિમિત્ત છે. ૬૬ દિવસ બાદ આજે
(અષાડ વદ એકમે) જ્યારે ગૌતમ–ઈન્દ્રભૂતિમહારાજ પ્રભુના સમવસરણમાં આવ્યા ને
પ્રભુનો દિવ્ય દેદાર દેખતાં જ તેમનું માન ગળી ગયું, પ્રભુના પાદમૂળમાં પંચમહાવ્રત
ધારણ કર્યા ને મુનિ થયા, ભગવાન મહાવીરની દિવ્યવાણી

PDF/HTML Page 5 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૩ :
પહેલવહેલી આજે છૂટી, ગૌતમસ્વામી તે વાણી ઝીલીને ગણધર થયા અને તે વાણી ૧૨
અંગરૂપે ગૂંથી. તે જ વાણીની પરંપરામાં આ ષટ્ખંડાગમ વગેરે પરમાગમ રચાયાં છે;
તેમજ સમયસાર, અષ્ટપાહુડ વગેરે પરમાગમ પણ જિનવાણી સાંભળીને કુંદકુંદાચાર્યદેવે
રચેલાં છે. કુંદકુંદસ્વામીએ તો આ પંચમકાળમાં પણ વિદેહક્ષેત્રે જઈને તીર્થંકર
પરમાત્માની દિવ્યવાણી સીધી સાંભળી હતી.
તે કુંદકુંદસ્વામી આ અષ્ટપ્રાભૃતમાં કહે છે કે હે જીવ! અંતરમાં તારા વિશુદ્ધ
આત્માને ધ્યેય બનાવીને સમ્યગ્દર્શન પ્રગટ કર, તે જ મોક્ષનું સોપાન છે. સમ્યક્ત્વની
આરાધના વગરનો જીવ સંયમનાં ગમે તેટલાં આચરણ કરે તોપણ તે નિર્વાણને પામતો
નથી. માટે પ્રથમ નિર્મોહપણે સમ્યગ્જ્ઞાન સહિત શુદ્ધ સમ્યક્ત્વની આરાધના કરવી.
જે જીવ સમ્યક્ત્વ વડે આત્માને આરાધે છે તે આરાધક જીવ કેવો હોય તે વાત
અહીં ચારિત્રપ્રાભૃત ગા. ૧૧–૧૨ માં કહે છે–
જે જીવ નિર્મોહપણે જિનસમ્યક્ત્વને આરાધે છે, તે જીવ વાત્સલ્ય, વિનય,
અનુકંપા, સુપાત્રદાનમાં દક્ષપણું, માર્ગના ગુણોની પ્રશંસા, ઉપગૂહન, ધર્મરક્ષા અને
આર્જવભાવ–એવા લક્ષણોથી લક્ષિત થાય છે.
જિનસમ્યક્ત્વ એટલે ભગવાન જિનદેવે શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ જેવું સમ્યક્ત્વ
કહ્યું છે તેવા જિનસમ્યક્ત્વની આરાધના કરનાર જીવને ધર્માત્મા પ્રત્યે વાત્સલ્ય હોય
છે. ભગવાન જિનદેવના વીતરાગમાર્ગ સિવાય બીજા કોઈ કુમાર્ગના દેવી–દેવતાને જે
માને તે તો જિનમાર્ગનો વિરાધક છે, તેને તો જિનસમ્યકત્વની આરાધના હોતી નથી.
વીરપ્રભુના વીતરાગમાર્ગનો આરાધક જીવ નિર્દોષ વાત્સલ્યપૂર્વક ધર્મને સાધે છે. જેમ
ગાયને, પોતાના વત્સ પ્રત્યે કુદરતી વાત્સલ્ય હોય છે, તેમ ધર્માત્માને ધર્માત્માપ્રત્યે
સાધર્મી પ્રત્યે કુદરતી પ્રેમ–વાત્સલ્ય હોય છે. આનંદસ્વભાવનો પ્રેમ જગાડીને તેને જે
સાધે છે એવા સમ્યક્ત્વવંત જીવને ધર્મ પ્રત્યે સહેજે ઉત્સાહ આવે છે, ને જ્યાં ધર્મ દેખે
ત્યાં તેને વાત્સલ્ય ઊભરાય છે.
ધર્મનો જેને પ્રેમ ન હોય તેને ધર્મની આરાધના કેવી? ધર્મીને બીજા વિશેષ
ધર્માત્મા પ્રત્યે વિનય–સત્કાર–બહુમાન હોય છે. રત્નત્રયમાં પોતાથી જે વિશેષ હોય
તેના પ્રત્યે બહુમાન આવે, ઈર્ષા ન આવે. વળી ઉત્તમ દાનમાં તે દક્ષ હોય, અને દુઃખી
જીવો પ્રત્યે અનુકંપા હોય,–કે એ જીવો જિનમાર્ગ વગર દુઃખી થઈ રહ્યા છે,

PDF/HTML Page 6 of 44
single page version

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
જિનમાર્ગને પામવાથી જ જીવો દુઃખથી છૂટી શકે છે. જીવો જિનમાર્ગને કેમ પામે? અને
દુઃખથી કેમ છૂટે? એવો ભાવ ધર્મીને આવે છે.
વળી ધર્મીના અંતરમાં જિનમાર્ગના ગુણોની પરમ પ્રશંસા હોય છે. અહો, આવો
ઉત્તમ જિનમાર્ગ! આવો નિર્ગ્રંથમાર્ગ જ જગતમાં પ્રશંસનીય છે. ધન્ય અવતાર.....કે
આવો જિનમાર્ગ મને મળ્‌યો. જિનમાર્ગના મુનિવરો વીતરાગતાના લ્હાવા લે છે. અહો,
ધન્યમાર્ગ! આવો અપૂર્વ માર્ગ મારે સાધવો છે.–એમ ઉલ્લાસ પૂર્વક જિનમાર્ગને
સમકિતી જીવ સાધે છે; વારંવાર ઉત્સાહથી તેની પ્રશંસા કરે છે.
અહો, નિર્ગ્રંથમાર્ગના દિગંબર મુનિવરો ધન્ય છે, તેઓ કેવળજ્ઞાનની એકદમ
નજીક વર્તે છે, જગતથી ને શરીરથી પણ નિસ્પૃહ છે ને નિજ સ્વરૂપમાં પરમ લીન છે;
આવા મુનિઓ તે પોતે મોક્ષમાર્ગ છે. ધન્ય તેમનું જીવન! તેમનાં દર્શન થાય તે પણ
ધન્ય છે! એમની દિગંબર વીતરાગદશા પરમ પ્રશંસનીય છે. જેને આવા નિર્ગ્રંથસ્વરૂપ
મોક્ષમાર્ગની પ્રશંસાનો ભાવ નથી ને તેની નિંદા કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. અહો,
ચૈતન્યનું પરમ સુખ પામવાનો આ ઉત્તમ માર્ગ......તે જગતમાં અજોડ છે. આ
જિનપંથમાં ચાલનારને સમ્યક્ત્વાદિ ગુણની પ્રાપ્તિ થાય છે; ચક્રવર્તી ને ઈન્દ્રો આ
માર્ગને જ આરાધે છે. આમ સમકિતી જિનમાર્ગના ગુણની અત્યંત પ્રશંસા કરીને તેને
આદરે છે.
વળી સમ્યક્ત્વનો આરાધક જીવ બીજા ધર્માત્માના કિંચિત્ દોષનું ઉપગૂહન
કરીને તે દોષને ટાળે છે, તથા સાધર્મીને સંકટ હોય તો તે દૂર કરીને તેની રક્ષા કરે છે,
ધર્મની રક્ષા કરે છે. અહો, આવો પરમ ઉત્તમ માર્ગ જેને હું આરાધું છું તેને જ આ જીવો
આરાધે છે એટલે તે મારા સાધર્મી છે.–એમ આદરપૂર્વક ધર્માત્માની રક્ષા કરીને તેને
ધર્મમાં સ્થિર કરે છે. બીજાને ધર્મ કરતા દેખીને પોતે ખુશી થાય છે. : વાહ! આ જીવ
પણ ધર્મને કેવા સાધી રહ્યા છે! વળી ધર્મીને સરળભાવ–આર્જવતા હોય છે. સરળપણે
પોતાના ગુણ–દોષ જોઈને ધર્મ પ્રત્યે ઉલ્લાસ કરે છે. આ પ્રકારના ભાવો વડે સમકિતી
જીવ ઓળખાય છે.
જુઓ, આ ભગવાનનો માર્ગ! ભગવાન મહાવીરે આવો ઉત્તમ માર્ગ આજે
રાજગૃહીમાં ઉપદેશ્યો, ને ગૌતમ ગણધરે તે ઝીલીને શાસ્ત્રરૂપ ગુંથ્યો, તે જ માર્ગની આ
વાત છે. આવા માર્ગરૂપ જિનસમ્યક્ત્વની આરાધનાથી જીવ મોક્ષ પામે છે.
જેને અજ્ઞાનથી ભરેલા મિથ્યામાર્ગમાં ઉત્સાહ હોય, ને કુમાર્ગની પ્રશંસા–સેવા–

PDF/HTML Page 7 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૫ :
શ્રદ્ધા કરતો હોય તે જીવને જિનસમ્યક્ત્વ હોતું નથી. સમ્યગ્દ્રષ્ટિ–ધર્મી જીવને પરમ
વીતરાગ એવા જિનમાર્ગમાં જ ઉત્સાહ હોય છે, તેની જ પ્રશંસા–સેવા અને શ્રદ્ધા કરે
છે.–આવો જીવ જિનમાર્ગના મહિમાનું વારંવાર ચિંતન કરીને, સમ્યગ્દર્શન–જ્ઞાન
ચારિત્રમાં પોતાનો ઉત્સાહ વધારે છે એટલે કે રત્નત્રયધર્મની શુદ્ધિ કરે છે; તેની પ્રશંસા
અને મહિમા ફેલાવીને ઉત્તમ પ્રભાવના કરે છે. અહો, આ તો વીરપ્રભુએ વિપુલાચલ
પર ઉપદેશેલો અપૂર્વ વીતરાગમાર્ગ છે. અનાદિથી આવો અપૂર્વ માર્ગ તીર્થંકર ભગવંતો
કહેતા આવ્યા છે ને અનંતા જીવો આવા માર્ગને સાધીને મોક્ષ પામ્યા છે. મારે પણ આ
જ માર્ગ સાધવાનો છે–એમ સમ્યકશ્રદ્ધા વડે મહાન ઉલ્લાસપૂર્વક ધર્મી જીવ મોક્ષમાર્ગને
સાધે છે.
અરે, કુંદકુંદસ્વામી કહે છે કે જૈનના નામે ચાલતાં શ્વેતાંબરાદિક મતો પણ
પ્રશંસનીય નથી, પરમ નિર્ગ્રંથરૂપ વીતરાગ જિનમાર્ગની શ્રદ્ધા કરીને તે જ પ્રશંસનીય
છે. ભાઈ, પહેલાં સાચા માર્ગનો તો નિર્ણય કરો, માર્ગના નિર્ણય વગર મોક્ષને ક્યાંથી
સાધશો? મુનિ હોય ને વસ્ત્ર પહેરે–એવો માર્ગ ભગવાનનો નથી. અરે, જગતમાં
કેટલાય મિથ્યામાર્ગ ચાલે છે તેવા માર્ગને સેવનારા મિથ્યાદ્રષ્ટિ જીવોનો સંગ પણ કરવા
જેવો નથી.
ભગવાને કહેલો માર્ગ વીતરાગ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ છે. અહો!
વીતરાગમાર્ગી મુનિવરોની દશા અંતરમાં ને બહારમાં અલૌકિક હોય છે. અંતરમાં ત્રણ
કષાયના અભાવથી પ્રચુર આનંદનું વેદન, અને બહારમાં નગ્ન દિગંબર દેહ–જેના પર
વસ્ત્રનો તાણો પણ ન હોય,–એક જ વાર નિર્દોષ ભોજન લ્યે,–અંદર જ્ઞાન–ધ્યાન
ભાવનામાં ઘણી એકાગ્રતા હોય–આવી મુનિદશા જિનમાર્ગમાં હોય છે. હે જીવો! સત્ય
જ્ઞાનપૂર્વક જિનમાર્ગની શ્રદ્ધા કરીને તેનો ઉલ્લાસ કરો; તે જ મહા પ્રશંસનીય માર્ગ છે;
આવા માર્ગની શ્રદ્ધા–સેવા–પ્રશંસા–ઉત્સાહરૂપ ભાવ તે સમ્યગ્દ્રષ્ટિનું લક્ષણ છે.
વિપુલાચલ પર વીર ભગવાને (૨પ૨૬ વર્ષ પહેલાં) અષાડ વદ એકમે
દિવ્યધ્વનિ વડે આવા વીતરાગમાર્ગને પ્રસિદ્ધ કર્યો હતો. તે જ પરમસત્ય માર્ગ
કુંદકુંદાચાર્ય વગેરે દિગંબર સંતો દ્વારા આજ સુધી ચાલ્યો આવ્યો છે. અંતર્મુખી જ્ઞાન વડે
આવા વીતરાગમાર્ગને ઓળખીને પરમ મહિમા અને ઉલ્લાસથી તેની આરાધના કરવા
જેવી છે.
जय महावीर........जय दिव्य ध्वनि........जय विपुलाचल
* * * * *

PDF/HTML Page 8 of 44
single page version

background image
: ૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
. भाव प्राभृत
ભગવાન શ્રી કુંદકુંદસ્વામી–રચિત અષ્ટપ્રાભૃતમાંથી પાંચમા ભાવ
પ્રાભૃતની મૂળ ગાથાના અર્થ અહીં આપ્યા છે. શરૂઆતના ચાર પ્રાભૃત
(દર્શનપ્રાભૃત, સૂત્રપ્રાભૃત, ચારિત્રપ્રાભૃત અને બોધપ્રાભૃત) ગતાંકમાં
આપ્યાં હતાં.
આ ભાવપ્રાભૃત ઘણું સુંદર છે. વેરાગ્યભીની શૈલિથી ભાવશુદ્ધિનો
સુંદર ઉપદેશ ૧૬પ ગાથાઓ દ્વારા આચાર્યદેવે આ પ્રાભૃતમાં આપ્યો છે,
અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવશુદ્ધિને આરાધવાની વારંવાર ઉત્તમ
પ્રેરણા કરી છે. અત્યંતપ્રિય એવું આ પ્રાભૃત આત્મધર્મ માં આપવાની ઘણા
વખતથી ભાવના હતી, તે આ અંકમાં પૂરી થાય છે. ભાવપ્રાભૃત ઉપરનાં
કેટલાંક સુંદર પ્રવચનો અગાઉ આત્મધર્મમાં તેમજ સુવર્ણસન્દેશમાં આવેલાં
છે; તદુપરાંત ફરીને પણ ગુરુદેવનાં શ્રીમુખથી સાંભળવા મળે છે. આ
ભાવપ્રાભૃત દ્વારા આચાર્યદેવે આપણને સમ્યક્ત્વાદિ શુદ્ધભાવની જ ભેટ
આપી છે,–એમ સમજીને ભાવથી તેનો ઉદ્યમ કર્તવ્ય છે. બાકીનાં ત્રણ
પ્રાભૃત આગામી અંકમાં આપીશું. – બ્ર. હ. જૈન
૧. નરેન્દ્ર, સુરેન્દ્ર અને ભવનેન્દ્રથી વંદિત જિનવરેન્દ્રોને સિદ્ધોને તથા બાકીનાં
સંયતોને મસ્તક વડે નમસ્કાર કરીને હું ભાવપ્રાભૃત કહીશ.
૨. હે જીવ! ભાવ તે જ પ્રથમ લિંગ છે, દ્રવ્યલિંગને તું પરમાર્થરૂપ ન જાણ, જીવને
ગુણ–દોષોનું કારણ ભાવ જ છે એમ જિનભગવંતો કહે છે.
૩. ભાવવિશુદ્ધિ અર્થે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવામાં આવે છે; જે અભ્યંતર
પરિગ્રહસહિત છે તેને બાહ્યત્યાગ નિષ્ફળ છે.
૪. ભાવરહિત જીવ હાથ લટકતા રાખીને અને વસ્ત્ર છોડીને અનેક ક્રીડાક્રોડી જન્મો
સુધી તપશ્ચરણ કરે તોપણ સિદ્ધિને પામતો નથી.
૫. કોઈ જીવ બાહ્યપરિગ્રહને છોડે છે પણ જો પરિણામ અશુદ્ધ છે, તો ભાવશુદ્ધી
વગરના તે જીવને બાહ્યપરિગ્રહનો ત્યાગ શું કરશે?

PDF/HTML Page 9 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૭ :
૬. હે મોક્ષમાર્ગના પથિક! તું ભાવને પ્રથમ જાણ; ભાવ વગરના દ્રવ્યલિંગથી તને
શું લાભ છે? જિનોપદિષ્ટ શિવપુરીના પંથને પ્રયત્ન વડે તું જાણ.
૭. હે સત્પુરુષ! અનંતસંસારમાં અનાદિકાળથી તેં ભાવરહિતપણે બાહ્યનિર્ગ્રંથ
રૂપોને ઘણીવાર ગ્રહ્યા અને છોડયા.
૮. ભીષણ નરકગતિમાં, તિર્યંચગતિમાં તથા કુદેવ અને કુમનુષ્યગતિમાં તું તીવ્રદુઃખ
પામ્યો; માટે હે જીવ! હવે તું જિનભાવના ભાવ.
૯. હે જીવ! સાત નરકભૂમિમાં ઘણા લાંબાકાળ સુધી દારૂણ–ભીષણ ને અસહ્ય
દુઃખો તેં નિરંતર ભોગવ્યાં, સહન કર્યાં.
૧૦. હે જીવ! ભાવરહિત એવો તું, તિર્યંચગતિમાં ખોદાવું, તપવું, બળવું, વીંઝાવું,
વિછેદન અને નિરોધન વગેરે દુઃખો ચિરકાળ સુધી પામ્યો.
૧૧. હે જીવ! આગંતુક, માનસિક, સહજ અને શારીરિક એવા ચાર પ્રકારનાં દુઃખો
મનુષ્યજન્મમાં તું અનંતવાર પામ્યો.
૧૨. હે મહાશય! શુભભાવના વગરનો તું, દેવલોકમાં દેવ–દેવીના વિયોગકાળે દુઃખી
થયો, તેમ જ તીવ્ર માનસિક દુઃખને પામ્યો.
૧૩. હે જીવ! દ્રવ્યલિંગી એવો તું કાંદર્પી વગેરે પાંચ અશુભાદિ ભાવના ભાવીને
દેવલોકમાં અત્યંત હલકો દેવ થયો.
૧૪. કુભાવનારૂપી ભાવ જેનું બીજ છે એવી ‘પાર્શ્વસ્થ’ વગેરે અશુભ ભાવનાઓ
અનાદિકાળમાં અનેકવાર ભાવીને હે જીવ! તું દુઃખી થયો.
૧૫. પોતે હલકો દેવ થયો ત્યારે બીજા દેવોનાં બહુવિધ ગુણ–વિભૂતિ–ઋદ્ધિ અને
માહાત્મ્ય દેખીને હે જીવ! તું બહુ માનસિક દુઃખ પામ્યો.
૧૬. અશુભ ભાવરૂપ પ્રયોજન સહિત ચાર પ્રકારની વિકથામાં આસક્ત અને મદમત્ત
થઈને તું અનેકવાર કુદેવપણું પામ્યો.
૧૭. હે મુનિપ્રવર! અશુચિમય બીભત્સ અને કલિ–મલથી ભરેલા એવા અનેક
જનનીના ગર્ભવાસમાં તું દીર્ધકાળ સુધી રહ્યો.
૧૮. હે મહાશય! અનંત જન્માંતરોમાં જુદી જુદી જનેતાઓનું એટલું દૂધ તેં પીધું–કે
જે સાગરનાં પાણીથી પણ ઘણું અધિક થાય.
૧૯. તારું મરણ થતાં દુઃખથી રડેલી જુદી જુદી અનેક જનનીનાં નયનોનું નીર
સાગરનાં પાણીથી પણ અધિક છે.
૨૦. હે જીવ! અનંત ભવસાગરમાં છિન્ન ભિન્ન થયેલા તારા નખ–કેશ–નાળ અને
હાડકાંને જો કોઈ દેવ ભેગાં કરે તો મેરુગિરિથી પણ મોટો ઢગલો થાય.

PDF/HTML Page 10 of 44
single page version

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
૨૧. હે જીવ! અનાત્મવશપણે તું ત્રિભુવનમધ્યે જળમાં, સ્થળમાં, અગ્નિમાં, પવનમાં,
આકાશમાં, પર્વત પર, નદીમાં, કોતરમાં, વૃક્ષમાં, તેમ જ વન વગેરેમાં સર્વત્ર
ચિરકાળ સુધી રહ્યો.
૨૨. આ લોકના ઉદરમાં રહેલાં સર્વે પુદ્ગલોને તેં ગ્રસિત કર્યા (ખાધા), ફરી ફરીને
તેને ભોગવ્યાં, તોપણ તું તૃપ્તિ ન પામ્યો.
૨૩. હે જીવ! તૃષાથી પીડિત એવા તેં ત્રણભુવનનું બધું પાણી પીધું તોપણ તારી
તૃષા ન મટી; માટે હવે એવું ચિંતન કર કે જેનાથી ભવમથન થાય.
૨૪. હે ધીર મુનિવર! આ અનંત ભવસાગરમાં તમે જે અનેક કલેવર ગ્રહણ કર્યાં
અને છોડયાં તેનું કોઈ પ્રમાણ નથી.
૨૫–૨૬–૨૭. વિષથી, વેદન–રક્તક્ષય–ભયશસ્ત્રઘાત–સંકલેશથી, કે આહાર તથા
શ્વાસના નિરોધથી આયુનો ક્ષય થાય છે; તેમ જ હિમથી, અગ્નિથી, પાણીથી,
મોટા પર્વત કે ઝાડ ઉપરથી પડતાં, અંગભંગથી, રસવિદ્યાથી, યોગધારણાથી,
તથા વિવિધ પ્રકારનાં બીજા અનેક પ્રસંગોથી મરણ થાય છે;–એ રીતે,
દીર્ઘકાળમાં તીર્યંચ–મનુષ્યજન્મોમાં ઊપજી, હે મિત્ર! આવા અપમૃત્યુના તીવ્ર
મહાદુઃખને તું ઘણીવાર પામ્યો.
૨૮–૨૯. નિકોતવાસમાં (અર્થાત્ લબ્ધિઅપર્યાપ્ત ભવોમાં) અંતર્મુહૂર્તમાં ૬૬૩૩૬
(છાંસઠ હજાર ત્રણસો છત્રીસ) વાર તું મરણ પામ્યો. તેમાંથી વિકલેન્દ્રિયમાં
(દ્વિ–ત્રિ–ચર્તુ–ઈન્દ્રિયમાં) અનુક્રમે એંસી, સાઈઠ તથા ચાલીસ, અને
પંચેન્દ્રિયમાં ચોવીસ–એ પ્રમાણે અંતર્મુહૂર્તમાં ક્ષુદ્રભવ જાણો.
૩૦. હે જીવ! રત્નત્રયની અપ્રાપ્તિને કારણે એ રીતે દીર્ઘસંસારમાં તું ભમ્યો, એમ
જિનવરદેવે કહ્યું છે, માટે તે રત્નત્રયને સમ્યક્પ્રકારે આચર.
૩૧. જે આત્મા આત્મામાં રત હોય તે જીવ પ્રગટપણે સમ્યકદ્રષ્ટિ છે; આત્માને જે જાણે છે
તે સમ્યગ્જ્ઞાન છે, અને આત્મામાં ચરે છે તે ચારિત્ર છે,–આવા રત્નત્રય તે માર્ગ છે.
૩૨. બીજાં અનેક પ્રકારનાં કુમરણ–મરણથી અનેક જન્માંતરોમાં તું મર્યો; હે જીવ!
હવે તો એવા સુમરણ–મરણને ભાવ,–કે જેથી જન્મ–મરણનો વિનાશ થાય.
૩૩. જીવ દ્રવ્યશ્રમણ થવા છતાં પણ, ત્રિલોક પ્રમાણ સર્વક્ષેત્રમાં એક પરમાણુ જેટલી
પણ એવી ખાલી જગ્યા નથી કે જ્યાં તે જન્મ્યો ન હોય ને મર્યો ન હોય.
૩૪. જિનલિંગ પામીને પણ પરંપરા ભાવરહિત એવો જીવ અનંતકાળમાં જન્મજરા–
મરણથી પીડિત દુઃખી જ થયો.

PDF/HTML Page 11 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
૩૫. હે જીવ! અનંત ભવસાગરમાં ભમતાં તેં, પ્રત્યેક પ્રદેશને, પ્રત્યેક સમયને, પ્રત્યેક
પુદ્ગલને, પ્રત્યેક આયુને, પ્રત્યેક પરિણામને, પ્રત્યેક નામને અને પ્રત્યેક કાળને
ઘણીવાર ગ્રહ્યા તથા છોડયા.
૩૬. ત્રણસો તેંતાલીસ રાજુપ્રમાણ જે આ લોકક્ષેત્ર, તેમાં આઠ મધ્યપ્રદેશ છોડીને
એવું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં જીવ ભમ્યો ન હોય.
૩૭. આ મનુષ્યશરીરના એકેક અંગુલમાં છન્નું વ્યાધિઓ થાય છે એમ તું જાણ. તો
પછી આખાય શરીરમાં કેટલા રોગ કહ્યા છે?–તે કહે.
૩૮. હે મહાજશ! તે બધાય રોગ તેં પરવશપણે પૂર્વભવમાં સહ્યાં, અને ભાવશુદ્ધિ
વગર હજી પણ સહીશ,–બહુ કહેવાથી શું?
૩૯. હે જીવ! પિત્ત, આંતરડા, મૂત્ર, મેદ, કાળજું, રૂધિર, પરુ અને કૃમિજાળ–એવી
અશુચીથી ભરેલા ઉદરમાં અનેક વાર નવ–દશ માસ સુધી તું વસ્યો.
૪૦. હે જીવ! માતાએ ખાધેલા એઠા અન્નને આરોગીને, તથા દાંતથી ચાવેલા એઠા
ખોરાક કાચા મળ અને રુધિરની વચ્ચે જનનીના જઠરમાં તું રહ્યો.
૪૧. હે મુનિવર! બાળપણ પામીને, શિશુકાળમાં અજ્ઞાનથી અશુચી વચ્ચે તું ઘણીવાર
આળોટયો, અને મલિન વસ્તુ તેં ખાધી.
૪૨. આ દેહરૂપી ઘડો, માંસ–હાડકાં–શુક્ર–શ્રોણિત–પિત્ત–આંતરડા–સડેલી દુર્ગંધ, કાચા
મળ–મેદ–અને બગડેલું લોહી–એવા મલિન પદાર્થોથી ભરેલો છે.–એમ હે જીવ તું
ચિંતવ.
૪૩. જે ભાવથી વિમુક્ત છે તે જ મુક્ત છે; માત્ર બાંધવાદિ મિત્રોથી જે મુક્ત છે તેને
મુક્ત નથી કહેતા.–આમ ચિંતવીને હે ધીર! તું અભ્યંતર ગંધને છોડ (અર્થાત્
અભ્યંતર ગ્રંથિરૂપ મોહવાસનાને છોડ).
૪૪. જેણે દેહાદિનો સંગ છોડયો છે એવા ધીર બાહુબલીનું ચિત્ત માનકષાયથી
કલુષિત હોવાને લીધે, આતાપનયોગમાં તેમનો કેટલો કાળ વીતી ગયો?–હે
ધીર! એનો તું વિચાર કર.
૪૫. હે ભવ્યનુત! દેહ અને આહારાદિ સંબંધી વ્યાપાર છોડયો હોવા છતાં, મધુપિંગલ
નામના મુનિ માત્ર નિદાનને કારણે શ્રમણપણું ન પામ્યા.
૪૬. વળી વસિષ્ઠ નામના અન્ય મુનિ પણ નિદાન દોષથી દુઃખને પામ્યા; લોકમાં એવું
કોઈ નિવાસસ્થાન નથી કે જ્યાં નિદાનદોષથી જીવ અનેકવાર ભમ્યો ન હોય.
૪૭. શ્રમણ થવા છતાં પણ ભાવરહિત એવો

PDF/HTML Page 12 of 44
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
જીવ ચોરાશીલાખ યોનિવાસમાં સર્વત્ર ભમ્યો;–એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં તે
વારંવાર ભમ્યો ન હોય.
૪૮. જીવ ભાવ વડે જ લિંગી (અર્થાત્ સાધુ) થાય છે, એકલા દ્રવ્યલિંગથી સાધુ
થવાતું નથી. માટે ભાવશુદ્ધિ કર્તવ્ય છે; દ્રવ્યલિંગથી શું કાર્યસિદ્ધિ છે?
૪૯. બાહુ નામના મુનિ બહારમાં જિનલિંગ ધારક હોવા છતાં અંતરના દોષથી સકલ
દંડકનગરને દગ્ધ કરીને તે રૌરવ નરકમાં પડ્યા.
૫૦. બીજા પણ દ્વીપાયન નામના દ્રવ્યશ્રમણ ઉત્તમ દર્શન–જ્ઞાન–ચારિત્રથી અત્યંત
ભ્રષ્ટ થઈને અનંત સંસારી થયા,
૫૧. ધીર અને વિશુદ્ધમતિ એવા શિવકુમાર નામના ભાવશ્રમણ યુવતિઓથી
ઘેરાયેલા હોવા છતાં પરિત સંસારી થયા.
૫૨. કેવળીજિને–પ્રરૂપેલા અગિયાર અંગરૂપ સમસ્ત શ્રુતજ્ઞાન ભણવાં છતાં ભવ્યસેન
નામના મુનિ ભાવશ્રમણપણું ન પામ્યા.
૫૩. શિવભૂતિ નામના મહાનુભાવ ‘તુષમાસ ભિન્ન’ એમ ગોખતા થકા
ભાવવિશુદ્ધિ વડે કેવળજ્ઞાની થયા,–એ વાત પ્રસિદ્ધ છે.
૫૪. ભાવથી નગ્ન તે જ નગ્ન (સાધુ) છે; એકલા બહારના નગ્ન લિંગથી શું સાધ્ય છે?
ભાવસહિતના દ્રવ્યલિંગથી જ કર્મ પ્રકૃતિના સમૂહનો નાશ થાય છે.
૫૫. ભાવરહિત નગ્નપણું તે અકાર્ય છે–કાંઈ કાર્યકારી નથી એમ જિનદેવે કહ્યું છે,–
એમ જાણીને હે ધીર! તું નિત્ય આત્માને ભાવ.
૫૬. જે દેહાદિ પરિગ્રહથી રહિત છે, માનાદિ સમસ્ત કષાયો જેણે છોડયા છે અને
જેનો આત્મા આત્મામાં રત છે, તે ભાવલિંગી સાધુ છે.
૫૭. હું મમત્વને પરિવર્જુ છું અને નિર્મમત્વમાં સ્થિત થાઉં છું; મારો આત્મા જ મારું
આલંબન છે, બીજા બધા ભાવોને હું છોડું છું. (આવા ભાવવાળા ભાવલિંગી
સાધુ હોય છે.)
૫૮. ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે; મારા દર્શન અને ચારિત્રમાં પણ આત્મા છે;
પ્રત્યાખ્યાનમાં પણ આત્મા છે અને સંવર–યોગમાં પણ મારો આત્મા જ છે.
૫૯. શાશ્વત, જ્ઞાનદર્શનલક્ષણરૂપ એક આત્મા જ મારો છે, બાકીનાં સર્વે ભાવો
મારાથી બાહ્ય છે, ને સંયોગલક્ષણવાળા છે.

PDF/HTML Page 13 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧ :
૬૦. હે જીવ! શીઘ્ર ચારગતિથી છૂટીને શાશ્વત સુખને જો તું ઈચ્છતો હો તો,
ભાવશુદ્ધિ વડે સુવિશુદ્ધ–નિર્મળ આત્માને તું ભાવ.
૬૧. હે જીવ સુભાવસંયુક્ત થઈને જીવસ્વભાવને ભાવે છે તે જન્મ–જરામરણનો
વિનાશ કરે છે ને પ્રગટપણે નિર્વાણને પામે છે.
૬૨. જિનદેવથી પ્રજ્ઞપ્ત જીવ જ્ઞાનસ્વભાવ અને ચેતનાસહિત છે; કર્મનો ક્ષય કરવા
માટે આવો જીવ જ્ઞાતવ્ય છે.
૬૩. જેમને જીવસ્વભાવનો સદ્ભાવ છે અને તેનો સર્વથા અભાવ નથી (અર્થાત્
આવા સદ્ભાવરૂપ જીવને જેઓ અનુભવે છે), તેઓ દેહથી ભિન્ન અને
વચનથી અગોચર એવા સિદ્ધ થાય છે.
૬૪. હે ભવ્ય! જીવ રસરહિત, રૂપરહિત, ગંધરહિત, શબ્દરહિત, અવ્યક્તરૂપ,
લિંગગ્રહણથી રહિત, જેનું સંસ્થાન નિર્દિષ્ટ થઈ શકતું નથી એવો, અને
ચેતનાગુણમય છે;–આવા જીવને તું જાણ.
૬૫. હે જીવ! અજ્ઞાનનો શીઘ્ર નાશ કરવા માટે તું પાંચ પ્રકારના જ્ઞાનની ભાવના
ભાવ. એવી ભાવનાના ભાવસહિત તું સ્વર્ગ–મોક્ષના સુખનો ભાજન થઈશ.
૬૬. ભાવ વગરના પઠનથી કે શ્રવણથી શું સાધ્ય છે? ભાવ જ સાગાર કે અણગાર
ધર્મના કારણભૂત છે.
૬૭. દ્રવ્યથી તો બધાય નારકીઓ તેમ જ તિર્યંચો નગ્ન જ છે, વળી જન્મતી વખતે
બધા જીવો નગ્ન જ છે; પણ પરિણામથી અશુદ્ધ હોવાને કારણે તેઓ
ભાવશ્રમણપણું પામતા નથી.
૬૮. જિનભાવનાથી રહિત એવો જીવ દીર્ધ કાળ સુધી નગ્ન રહે તોપણ તે દુઃખ પામે
છે, નગ્ન હોવા છતાં તે સંસાર સાગરમાં ભમે છે, અને નગ્ન હોવા છતાં તે
બોધિલાભ પામતો નથી.
૬૯. હે જીવ! પૈશૂન્ય–હાસ્ય–મત્સર–અને માયાથી ભરેલું તથા પાપથી મલિન એવું
નગ્ન શ્રમણપણું તે તો અપજશનું ભાજન છે, તેનાથી તને શું લાભ છે?
૭૦. દોષથી રહિત એવા અત્યંત શુદ્ધ અંતરંગભાવરૂપ જિનવરલિંગને તું પ્રગટ કર:
અંતરમાં ભાવમળથી મલિન જીવ બાહ્ય પરિગ્રહથી પણ મલિન થાય છે.
૭૧. ધર્મમાં જેનો વાસ નથી અને દોષનું જે ધામ છે તે ઈક્ષુનાં ફૂલ જેવો નિષ્ફળ
અને નિર્ગુણ જીવ નગ્ન રૂપ વડે નટશ્રમણ જેવો લાગે છે.
૭૨. જે જીવો રાગના સંગથી સહિત છે અને જિનભાવનાથી રહિત છે, તેઓ

PDF/HTML Page 14 of 44
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
દ્રવ્યનિર્ગ્રંથ હોય તો પણ વિમલ જિનશાસનમાં સમાધિ કે બોધિને પામતા નથી.
૭૩. જીવ મિથ્યાત્વાદિ દોષોને છોડીને ભાવથી નગ્ન થાય છે; પછી જિનાજ્ઞા–અનુસાર
દ્રવ્યથી મુનિલિંગ પ્રગટ કરે છે.
૭૪. ભાવ જ દિવ્ય–શિવસુખનું ભાજન છે; ભાવથી રહિત શ્રમણ તે તો કર્મમળથી
મલિન ચિત્તવાળા છે, અને પાપ તથા તિર્યંચગતિનાં ભાજન છે.
૭૫. વિદ્યાધરો–દેવો અને મનુષ્યોની હસ્તાંજલિ વડે જેની સ્તુતિ કરવામાં આવે છે એવી
ચક્રધરની વિપુલ રાજલક્ષ્મીને તેમજ બોધિને પણ જીવ ઉત્તમ ભાવ વડે પામે છે.
૭૬–૭૭. જિનવરદેવે કહેલા ભાવ શુભ, અશુભ અને શુદ્ધ–એમ ત્રણ પ્રકારનાં જાણવા,
આર્ત્ત–રૌદ્ર ધ્યાન તે અશુભ છે, ધર્મધ્યાન તે શુભ છે; અને આત્મામાં આત્માના
શુદ્ધસ્વભાવરૂપ ભાવ તે શુદ્ધ છે–તે પણ જ્ઞાતવ્ય છે. આ પ્રમાણે જિનવરદેવે ત્રણ
ભાવો કહ્યાં છે તેમાંથી જે શ્રેયનું કારણ છે તેને હે જીવ! તું સમ્યક પ્રકારે આચર.
૭૮. જેને માનકષાય અત્યંત ગળી ગયો છે, મિથ્યાત્વમોહ અત્યંત ગળી ગયો છે અને
જે સમચિત્ત છે, તે જીવ જિનશાસનમાં ત્રણ ભુવનના સારરૂપ બોધિને પામે છે.
૭૯. વિષયવિરક્ત શ્રમણ સોળ ઉત્તમ કારણોને ભાવીને તીર્થંકર નામકર્મ બાંધે છે
અને અલ્પકાળમાં મુક્ત થાય છે.
૮૦. હે મુનિપ્રવર! બાર પ્રકારનાં તપશ્ચરણને તથા તેર પ્રકારની ક્રિયાઓને ત્રિવિધે
ભાવો, તથા માતેલા હાથી જેવા દુરિતમનને જ્ઞાન–અંકુશ વડે વશમાં રાખો.
૮૧. જેને પંચવિધ વસ્ત્રનો ત્યાગ છે, ભૂમિશયન છે, દ્વિવિધ સંયમ છે, પૂર્વે
શુદ્ધઆત્માના ભાવને ભાવ્યો છે–એવા ભિક્ષુને નિર્મળ શુદ્ધ જિનલિંગ હોય છે.
૮૨. જેમ રત્નોમાં શ્રેષ્ઠ વજ્રરત્ન છે, અને વૃક્ષસમૂહમાં શ્રેષ્ઠ ચંદનવૃક્ષ છે, તેમ
ધર્મોમાં સૌથી શ્રેષ્ઠ જિનધર્મ છે; તેને હે જીવ! ભવના મથન માટે તું ભાવ.
૮૩. પૂજાદિકમાં તથા વ્રતાદિકમાં તો પુણ્ય છે; અને આત્માના મોહ–ક્ષોભ વગરનાં
પરિણામ તે ધર્મ છે, એમ જિનદેવે શાસનમાં કહ્યું છે.
૮૪. અજ્ઞાનીજીવ પુણ્યને શ્રદ્ધે છે, તેની પ્રતીતિ કરે છે, રુચિ કરે છે, તેમજ ફરીફરી
તેનું સ્પર્શન અનુભવન કરે છે;

PDF/HTML Page 15 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
તે પુણ્ય તો ભોગનું કારણ છે, તે કર્મક્ષયનું કારણ નથી.
૮૫. રાગાદિ સમસ્ત દોષોને પરિત્યાગીને જે આત્મા આત્મામાં રત છે તે ધર્મ છે,
અને તે સંસારતરણનો હેતુ છે–એમ જિનદેવે કહ્યું છે.
૮૬. પરંતુ જે પુરુષ આત્માને તો ઈષ્ટ કરતો નથી (–તેનાં શ્રદ્ધા–જ્ઞાનાદિ કરતો
નથી), તે નિરવશેષ (સર્વ પ્રકારનાં) પુણ્યને કરે તોપણ સિદ્ધિને પામતો નથી,
તેને તો સંસારી જ કહ્યો છે.
૮૭. આ કારણે તે આત્માને તમે ત્રિવિધે શ્રદ્ધો, અને પ્રયત્નવડે તેને જાણો,–કે જેથી
તમે મોક્ષ પામશો.
(આ ગાથા ૮૬–૮૭ સૂત્રપ્રાભૃતમાં પણ અક્ષરશ: છે: ગા. ૧પ–૧૬)
૮૮. શાલિસિક્ખ (ચોખા જેવડો) મચ્છ પણ અશુદ્ધભાવને લીધે મહા નરકમાં ગયો;
–આમ જાણીને હે જીવ! તું નિરંતર આત્માને ભાવ, જિનભાવના ભાવ.
૮૯. ભાવરહિત જીવોને બાહ્ય પરિગ્રહનો ત્યાગ, પર્વત પર–નદીકિનારે કે ગુફા–
કંદરામાં આવાસ, અને સમસ્ત ધ્યાન–અધ્યયન, તે બધુંય નિરર્થક છે.
૯૦. હે જીવ! તું પ્રયત્ન વડે ઈન્દ્રિયસેનાનું ભંજન કર, અને મનરૂપી માંકડાને વશ
કર; માત્ર જનરંજન કરવા અર્થે બાહ્યવ્રત–વેષને ધારણ ન કર.
૯૧. હે જીવ! ભાવશુદ્ધિ વડે તું મિથ્યાત્વને તથા નવ નોકષાયના સમૂહને છોડ, અને
જિન–આજ્ઞાનુસાર ચૈત્ય, પ્રવચન તથા ગુરુની ભક્તિ કર.
૯૨. તીર્થંકરદેવે ભાષિત અર્થને ગણધરદેવોએ સમ્યક્પણે શ્રુતજ્ઞાનરૂપે ગૂંથ્યા, તે
અતુલ શ્રુતજ્ઞાનને અત્યંત વિશુદ્ધભાવથી તું અનુદિન ભાવ.
૯૩. આ જ્ઞાનજળને પામીને તેના પાન વડે ભવ્યજીવો તૃષાનો નાશ કરીને દાહશોષથી
ઉન્મુક્ત થાય છે, અને શિવાલયવાસી ત્રિભુવનચૂડામણિ સિદ્ધ થાય છે.
૯૪. હે મુનિ! સૂત્રમાં અપ્રમત્તપણેઅને સંયમનો ઘાત થવા દીધા વિના કાયા વડે
સદાકાળ બાવીસ પરિષહોને સહન કરો.
૯૫. જેમ પત્થર દીર્ધકાળ સુધી પાણીમાં રહેવા છતાં ભીંજાઈ જતો નથી–ભેદાઈ જતો
નથી, તેમ સાધુ પણ ઉપસર્ગ અને પરિષહોની વચ્ચે પણ ભેદાતા નથી.
૯૬. હે જીવ! તું અનુપ્રેક્ષાઓને ભાવ, તેમજ બીજી પચ્ચીસ ભાવનાઓને ભાવ;
ભાવરહિત એવા બાહ્યલિંગથી શું કર્તવ્ય છે?

PDF/HTML Page 16 of 44
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
૯૭. હે મુનિ! તું સર્વવિરત થઈને પણ નવ પદાર્થોનું, સાત તત્ત્વોનું, તથા ચૌદ
જીવસમાસ અને ચૌદ ગુણસ્થાનનાં નામાદિકનું ચિંતન કર.
૯૮. હે જીવ! તું નવવિધ બ્રહ્મચર્યને પ્રગટ કર અને દશવિધ અબ્રહ્મને અત્યંતપણે
છોડ; કેમકે મૈથુનસંજ્ઞામાં આસક્ત થઈને તું ભયંકર ભવાર્ણવમાં ભમ્યો.
૯૯. ભાવશુદ્ધિ સહિત મુનિવરો ચતુર્વિધ આરાધનાને પ્રાપ્ત કરે છે; પણ ભાવરહિત
મુનિવર ચિરકાળ સુધી દીર્ઘ સંસારમાં ભ્રમણ કરે છે.
૧૦૦. ભાવશ્રમણો કલ્યાણની પરંપરા સહિત સુખને પામે છે; અને દ્રવ્યશ્રમણ કુદેવ–
મનુષ્ય–તિર્યંચયોનિમાં દુઃખોને પામે છે.
૧૦૧. હે જીવ! છેંતાલીશ દોષથી દુષિત આહારને ગ્રહણ કરીને અશુદ્ધભાવથી
તિર્યંચગતિમાં અનાત્મવશપણે તું કષ્ટને પામ્યો.
૧૦૨. રે દુર્બુદ્ધિ! ઉદ્ધત્તપણા સહિત અને ગૃદ્ધિપૂર્વક સચિત્ત ભોજન–પાણીને વારંવાર
ભોગવીને અનાદિકાળમાં તું જે તીવ્ર દુઃખ પામ્યો તેનો વિચાર કર.
૧૦૩. કંદ–મૂળ–બીજ–પુષ્પ–પાન વગેરે સચિત વસ્તુઓને માન–ગર્વસહિત ભક્ષણ
કરીને હે જીવ! તું અનંત સંસારમાં રખડયો.
૧૦૪. અવિનયી માણસ મુક્તિ પામતો નથી–એવો ઉપદેશ છે, માટે હે જીવ! તું મન–
વચન–કાયાના ત્રિવિધયોગથી પાંચ પ્રકારના વિનયનું પાલન કર.
૧૦પ. હે મહાજશ! ભક્તિ–અનુરાગપૂર્વક સદાકાળ નિજશક્તિથી તું ઉત્તમ જિનભક્તિ
કર, તથા દશપ્રકારનાં વૈયાવૃત્ય કર.
૧૦૬. મન–વચન–કાયાથી અશુભભાવવડે કરેલા જે કોઈ દોષ હોય તે, મોટાઈ ને
માયા છોડીને ગુરુની સમીપમાં તું પ્રગટ કર,–ગર્હા કર.
૧૦૭. સત્પુરુષ–શ્રમણો દુર્જનનાં નિષ્ઠુર કડવા ચીંટિયા જેવા વચનોને પણ, કર્મમળના
નાશ અર્થે નિર્મમભાવથી સહન કરે છે.
૧૦૮. ક્ષમાવડે પરિમંડિત (શોભિત) ઉત્તમ મુનિવર સમસ્ત પાપને ક્ષય કરે છે, અને
ખેચર–અમર તથા મનુષ્યોવડે અવશ્ય પ્રશંસનીય થાય છે.
૧૦૯. એ પ્રમાણે ક્ષમાગુણને જાણીને સકલ જીવો પ્રત્યે ત્રિવિધે ક્ષમા ધારણ કરો; અને
ચિરસંચિત ક્રોધ–અગ્નિને ઉત્તમ ક્ષમાજળ વડે સીંચીને બુઝાવો.

PDF/HTML Page 17 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૧પ :
૧૧૦. હે જીવ! અવિકારદર્શન વડે વિશુદ્ધ થઈને, અરે સાર–અસારને જાણીને, ઉત્તમ
બોધિને માટે તું દીક્ષાપ્રસંગ વગેરેનું ચિંતન કર.
૧૧૧. અભ્યંતરલિંગની શુદ્ધિથી સંપન્ન થઈને તું ચતુર્વિધ લિંગનું સેવન કર; કેમકે
ભાવરહિત જીવને બાહ્યલિંગ પ્રગટપણે અકાર્યકારી છે.
૧૧૨. આહાર–ભય–પરિગ્રહ અને મૈથુનસંજ્ઞાવડે તું મોહિત થયો, અને અનાત્મવશપણે
અનાદિકાળથી સંસારવનમાં ભમ્યો.
૧૧૩. ભાવવિશુદ્ધ થઈને, પૂજા–લાભની ઈચ્છા વગર, બાહ્યશયન, આતાપન અને
ઝાડ નીચે વાસ વગેરે ઉત્તમ ગુણોનું પાલન કર.
૧૧૪. હે જીવ! તું પ્રથમ–તત્ત્વને તેમજ બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા તત્ત્વને ભાવ;
વળી ત્રિવર્ગને હરનારા અનાદિનિધન આત્માને ત્રિકરણશુદ્ધિ વડે ધ્યાવ.
૧૧૫. જીવ જ્યાંસુધી તત્ત્વની ભાવના કરતો નથી, અને ચિંતનીયને ચિંતવતો નથી,
ત્યાં સુધી તે જરા–મરણ રહિત સ્થાનને પામતો નથી.
૧૧૬. બધાં પાપ જીવના પરિણામ વડે થાય છે; સમસ્ત પુણ્ય પણ પરિણામ વડે જ
થાય છે; જિનશાસનમાં બંધ અને મોક્ષ પરિણામ વડે જ કહેવામાં આવ્યાં છે.
૧૧૭–૧૧૮. જિનવચનથી પરાડ્મુખ જીવ મિથ્યાત્વથી તેમજ કષાય–અસંયમ–યોગ
તથા અશુભલેશ્યાથી અશુભકર્મને બાંધે છે; અને તેનાથી વિપરીત
ભાવશુદ્ધિસમ્પન્ન જીવ શુભકર્મને બાંધે છે. આ રીતે બે પ્રકારનાં કર્મોને જીવ
બાંધે છે તેનું સંક્ષેપથી કથન કર્યું.
૧૧૯. જ્ઞાનાવરણાદિ આઠ કર્મો વડે હું અવરાયેલો છું, હવે તેને દગ્ધ કરીને હું અનંત
જ્ઞાનાદિ ગુણચેતના પ્રગટ કરું છું.
૧૨૦. હે જીવ! બીજા અસત્પ્રલાપનું શું કામ છે?–તું અઢાર હજાર શીલ, તથા ચોરાશી
લાખ ગુણગણ,–તે સર્વેને પ્રતિદિન ભાવ.
૧૨૧. આર્ત્ત અને રૌદ્રધ્યાનને છોડીને, તું ધર્મ અને શુક્લધ્યાનને ધ્યાવ,–આ જીવે રૌદ્ર
અને આર્ત્તધ્યાન તો ચિરકાળ સુધી ધ્યાવ્યા.
૧૨૨. જે કોઈ ઈન્દ્રિયસુખમાં આકુળ એવા દ્રવ્યશ્રમણો છે તેઓ ભવવૃક્ષને છેદતા નથી;
ભાવશ્રમણો ધ્યાનરૂપી કુહાડાવડે ભવવૃક્ષને છેદે છે.
૧૨૩. જેમ ગર્ભગૃહમાં રહેલો દીપક

PDF/HTML Page 18 of 44
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
પવનની બાધા વગર જલે છે, તેમ મુનિનાં અંતરમાં રાગરૂપી પવન વગરનો
ઉત્તમ ધ્યાનદીપક પ્રકાશે છે.
૧૨૪. હે જીવ! તું પંચપરમેષ્ઠિ–ગુરુને ધ્યાવ,–કે જેઓ ચાર મંગલ–શરણ તથા લોકોત્તમરૂપ
છે, નર–સુર અને નભચર વડે પૂજિત છે, આરાધનાના નાયક છે અને વીર છે.
૧૨૫. વિમલ અને શીતળીભૂત એવા જ્ઞાનમય જળને પામીને ભવ્ય જીવ શુદ્ધ ભાવવડે
વ્યાધિ–જરા–મરણ અને વેદનારૂપ દાહથી મુક્ત થઈને શિવરૂપ થાય છે.
૧૨૬. જેમ બીજ બળી જતાં પૃથ્વી પર અંકુરા ફૂટતા નથી તેમ ભાવશ્રમણોને કર્મબીજ
બળી જતાં ભવરૂપી અંકુરા ફૂટતા નથી.
૧૨૭. ભાવશ્રમણ તો સુખને પામે છે અને દ્રવ્યશ્રમણ દુઃખને પામે છે;–આમ બંનેનાં
ગુણ–દોષને જાણીને હે જીવ! તું શુદ્ધભાવથી સંપન્ન થા.
૧૨૮. ભાવશ્રમણો તીર્થંકર–ગણધરાદિના અભ્યુદયની પરંપરાસહિત સુખને પામે છે–
એમ સંક્ષેપથી જિનદેવે કહ્યું છે.
૧૨૯. જેઓ ઉત્તમ દર્શન–જ્ઞાન–ચારિત્રવડે શુદ્ધ–ભાવસહિત છે અને માયા જેમને
અત્યંત નષ્ટ થઈ ગઈ છે તે શ્રમણો ધન્ય છે, તેમને સદા ત્રિવિધે નમસ્કાર હો.
૧૩૦–૧૩૧. જેણે જિનભાવના ભાવી છે તે ધીરપુરુષો, કિંનર–કિંપુરુષ આદિ દેવોએ કે
વિદ્યાધરોએ વિક્રિયા કરેલી અતૂલ ઋદ્ધિ વડે પણ મોહિત થતા નથી.
–તોપછી, ઉજ્વલચિત્તવાળા જે મુનિધવલ પરમસુખરૂપ મોક્ષને જાણે છે–
દેખે છે અને ચિંતવે છે તેઓ, દેવ–મનુષ્યના અલ્પસારવાળા (અસારતૂચ્છ)
સુખોમાં મોહિત કેમ થાય?
૧૩૨. જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આક્રમણ ન કરે, તથા રોગરૂપી અગ્નિ જ્યાં સુધીમાં આ
દેહકૂટિરને દગ્ધ ન કરે અને ઈન્દ્રિયબળ ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધીમાં હે જીવ!
તું આત્મહિત કરી લે.
૧૩૩. હે મુનિવર! મન–વચન–કાયના યોગથી નિત્ય છ–જીવકાયની દયા કરો તથા
(પાપનાં) છ સ્થાનોને પરિહરો, અને અપૂર્વ મહાસત્ત્વને ભાવો.
૧૩૪. હે જીવ! અનંત ભવસાગરમાં ભમતાં ભોગ–સુખને માટે તેં સકલ જીવોના
દશવિધ પ્રાણનું ત્રિવિધે ભક્ષણ કર્યું.
૧૩૫. હે મહાજશ! એવા પ્રાણીવધથી તું ચોરાશીલાખ યોનિમધ્યે ઉપજતો–મરતો
નિરંતર દુઃખને પામ્યો.
૧૩૬. હે મુનિ! કલ્યાણસુખની પરંપરા માટે ત્રિવિધ શુદ્ધિથી પ્રાણી–ભૂત–સત્ત્વ સર્વે
જીવોને અભયદાન દ્યો.

PDF/HTML Page 19 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
૧૩૭. એકસો એંસી ક્રિયાવાદી, ચોરાશી અક્રિયાવાદી, સડસઠ અજ્ઞાનવાદી અને બત્રીસ
વિનયવાદી–એ પ્રમાણે કુલ ૩૬૩ એકાંતવાદી મિથ્યામતો છે, તેનું સેવન છોડ.
૧૩૮. જેમ ગળ્‌યું દૂધ પીવા છતાં સર્પો નિર્વિષ થતા નથી, તેમ જિનધર્મને સારી રીતે
સાંભળવાં છતાં પણ અભવ્ય જીવ તેની પ્રકૃતિને છોડતો નથી.
૧૩૯. મિથ્યાત્વથી જેની દ્રષ્ટિ બીડાઈ ગઈ છે ને દુર્મતના સેવનરૂપ દોષથી જે દુબુદ્ધિ
છે, એવો અભવ્યજીવ જિનપ્રજ્ઞપ્ત ધર્મની રુચિ કરતો નથી.
૧૪૦. જે કુત્સિત એટલે કે નિંદ્ય એવા મિથ્યાધર્મમાં રત છે, કુત્સિત પાખંડીજીવોની
ભક્તિમાં જોડાયેલો છે અને કુત્સિતતપ કરે છે, તે જીવ કુત્સિત એવી હલકી
ગતિને પામે છે.
૧૪૧. આ પ્રમાણે મિથ્યાત્વથી ભરેલા કુનય અને કુશાસ્ત્રોમાં મોહિત જીવ
અનાદિકાળથી સંસારમાં ભમ્યો,–તેનો હે ધીર! તું વિચાર કર.
૧૪૨. હે જીવ! ૩૬૩ પ્રકારનાં પાખંડીમતરૂપ ઉન્માર્ગને છોડીને તારા મનને
જિનમાર્ગમાં એકાગ્ર કર; બીજા અસત્ પ્રલાપનું શું કામ છે?
૧૪૩. જીવરહિત શરીર તે શબ છે, અને જે દર્શનરહિત છે તે ચલ–શબ (ચાલતું કલેવર)
છે, લોકમાં તો શબ અપૂજ્ય છે, અને લોકોત્તર માર્ગમાં ચલ–શબ અપૂજ્ય છે.
૧૪૪. જેમ સમસ્ત તારાઓમાં ચંદ્ર મુખ્ય છે, અને સમસ્ત વનચરોમાં મૃગરાજ
(–સિંહ) મુખ્ય છે, તેમ ઋષિ અને શ્રાવક–એ બંને પ્રકારનાં ધર્મોમાં સમ્યક્ત્વ મુખ્ય છે.
૧૪૫. જેમ ફણિરાજ ફેણમાં રહેલા મણિમાણેકના કિરણોથી પ્રકાશતો થકો શોભે છે,
તેમ વિમલ દર્શનધારક જીવ જિનભક્તિ–પ્રવચન સહિત શોભે છે.
૧૪૬. તપ અને વ્રતથી નિર્મળ એવું દર્શનવિશુદ્ધિસહિતનું જિનલિંગ, નિર્મળ
ગગનમંડળમાં તારાગણ સહિત ચંદ્રબિંબની જેમ શોભે છે.
૧૪૭. એમ ગુણ–દોષને જાણીને, હે જીવ! દર્શનરત્નને તું ભાવથી ધારણ કર;
ગુણરત્નોમાં તે સાર છે અને મોક્ષનું પ્રથમ સોપાન છે.
૧૪૮. જીવ કર્તા, ભોક્તા, અમૂર્ત, શરીરપ્રમાણ, અનાદિનિધન અને દર્શનજ્ઞાન
ઉપયોગરૂપ છે–એમ જિનવરેન્દ્રો વડે નિર્દિષ્ટ છે.
૧૪૯–૧૫૦. સમ્યક્ જિનભાવનાયુક્ત ભવ્યજીવ દર્શનાવરણ–જ્ઞાનાવરણ–મોહનીય ને
અંતરાયકર્મને ખપાવે છે.

PDF/HTML Page 20 of 44
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
ઘાતી–ચતુષ્કનો નાશ થતાં જીવને બળ–સુખ–જ્ઞાન અને દર્શન એ ચારે
ગુણો (–અનંતચતુષ્ટય) પ્રગટ થાય છે, અને તે લોકાલોકને પ્રકાશે છે.
૧૫૧. કર્મથી વિમુક્ત આત્મા તે જ પ્રગટપણે પરમાત્મા છે, વળી જ્ઞાની, શિવ,
પરમેષ્ઠી, સર્વજ્ઞ, વિષ્ણુ, ચતુર્મુખ અને બુદ્ધ પણ તે જ છે.
૧૫૨. આ પ્રમાણે જેઓ ઘાતીકર્મથી મુક્ત છે. અઢાર દોષથી રહિત છે. સકલપરમાત્મા
છે, અને ત્રણભુવનરૂપી ઘરને પ્રકાશનારા દીપક છે,–તે અરિહંતભગવંતો મને
ઉત્તમ બોધિ આપો.
૧૫૩. જે જીવ પરમ ભક્તિઅનુરાગ સહિત જિનવરદેવના ચરણકમળમાં નમે છે તે
ઉત્તમ ભાવરૂપી શસ્ત્રવડે જન્મ–વેલિના મૂળિયાં ઊખેડી નાંખે છે.
૧૫૪. જેમ કમલિની–પત્ર પોતાના નિર્લેપ સ્વભાવરૂપ પ્રકૃતિને લીધે પાણીથી ભીંજાતું
નથી, તેમ શુદ્ધ ભાવને લીધે સત્પુરુષો વિષય–કષાયોથી લેપાતા નથી.
૧૫૫. તે શુદ્ધભાવવાળા સત્પુરુષો–કે જેઓ સંપૂર્ણ કળા તથા શીલ અને સંયમ ગુણોથી
યુક્ત છે,–તેમને જ અમે શ્રમણ કહીએ છીએ; પણ જે ઘણાં દોષોથી ભરેલો છે
અને જેનું ચિત્ત મલિન છે–તે તો શ્રાવકસમાન પણ નથી.
૧૫૬. બળથી ઉદ્ધત, દુર્જય અને પ્રબળ એવા કષાય–ભટને, જેમણે વિસ્ફુરિત ક્ષમા
અને દમનરૂપી ખડ્ગ વડે જીતી લીધા છે તે પુરુષો ધીર અને વીર છે.
૧૫૭. દર્શન અને જ્ઞાનપ્રધાન ઉત્તમ હસ્તો વડે જેમણે, વિષયરૂપી મગરધર–સમુદ્રમાં
પડેલા ભવ્યજીવોને પાર ઉતાર્યા તે ભગવંતો ધન્ય છે.
૧૫૮. મોહરૂપી મહાતરુ પર છવાયેલી અને વિષયોરૂપી ઝેરી ફૂલવડે પુષ્પિત એવી
માયા–વેલીને, મુનિવરો જ્ઞાનશાસ્ત્રદ્વારા નિર્મૂળપણે ઊખેડી નાંખે છે.
૧૫૯. મોહ–મદ–ગારવથી મુક્ત અને કરુણાભાવથી સંયુક્ત એવા મુનિવરો,
ચારિત્રરૂપી ખડ્ગવડે સર્વે દુરિતના સ્તંભને હણે છે.
૧૬૦. જેમ પવનપથમાં તારાઓની હારમાળાથી ઘેરાયેલો પૂર્ણિમાનો ચંદ્ર શોભે છે તેમ
જિનમતરૂપી ગગનમાં ગુણસમૂહરૂપી મણિમાલા સહિત મુનીંદ્ર–ચંદ્ર શોભે છે.
૧૬૧. ચક્રધર, રામ–કેશવ (બળદેવ–વાસુદેવ), સુરેન્દ્ર, જિનેન્દ્ર–તીર્થંકર, ગણધર વગેરે
પદ, તેમ જ મુનિવરોની ચારણાદિ ઋદ્ધિઓ,–તે સુખોને વિશુદ્ધભાવવાળા
મનુષ્યો પામ્યા.
૧૬૨. જેમણે જિનભાવના ભાવી છે તે જીવો