Atmadharma magazine - Ank 033
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૩૩
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ ત્રીજું સંપાદક અષાઢ
રામજી માણેકચંદ દોશી
અંક નવ વકીલ ૨૪૭૨
વીરશાસન જયંતિ મહોત્સવ
આ માસમાં આષાઢ વદ ૧ ના સુપ્રભાતે
જગતકલ્યાણકારી શ્રી વીરશાસન જયંતિના ૨૫૦૧
વર્ષ પૂર્ણ થાય છે અને તે દિવસે શાસનનું ૨૫૦૨ મું
વર્ષ બેસે છે.
શ્રી મહાવીર ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ્યા
પછી દિવ્યધ્વનિના અખંડ પ્રવાહ છૂટયા, શ્રી ગૌતમ
પ્રભુએ ગણધરપદ શોભાવ્યું અને પરમાગમ શાસ્ત્રની
રચના થઈ–એ પવિત્ર પ્રસંગોનો મહાન દિવસ એટલે
આષાઢ વદ એકમ....
અહો! આજના જ દિવસે વીર શાસનનો
દિવ્યધ્વનિ છૂટયો.... પોતાના જ્ઞાનમાં કેવળજ્ઞાન
સાથેની સંધિ કરીને જીવો એકાવતારી થઈ જાય એવો
આજનો દિવસ છે. આજે વીરશાસનનો જીવંત દિવસ
છે.... ઠેઠ કેવળજ્ઞાનથી પરંપરા ચાલી આવતી વાણી
મહાભાગ્યે આજે પણ સાંભળવા મળે છે....
અનેકાન્તનું પ્રયોજન
“બાહ્ય વ્યવહારના ઘણા વિધિનિષેધના
કર્તૃત્વના મહાત્મ્યમાં કંઈ કલ્યાણ નથી; એમ અમને તો
લાગે છે. આ કંઈ એકાન્તિક દ્રષ્ટિએ લખ્યું છે અથવા
અન્ય કંઈ હેતુ છે એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે
વચનોથી અંતરમુખ વૃત્તિ થવાની પ્રેરણા થાય તે
કરવાનો વિચાર રાખવો એ જ સુવિચારદ્રષ્ટિ છે..........
બાહ્ય ક્રિયાના અંતર્મુખદ્રષ્ટિ વગરના વિધિ નિષેધમાં
કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી.......... અનેકાંતિક
માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ
કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ
જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપા બુદ્ધિએ, નિરાગ્રહથી
નિષ્કપટતાથી, નિર્દંભતાથી અને હિતાર્થે લખ્યું છે; એમ
જો તમે યથાર્થ વિચારશો તો દ્રષ્ટિગોચર થશે....”
[શ્રીમદ્ રાજચંદ્ર, ગુજરાતી આવૃત્તિ બીજી, પા – ૩૪૬ – ૩૪૭]
વાર્ષિક લવાજમ છુટક અંક
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
મુખ્યપણે અજ્ઞાનતાના કારણે પ્રાપ્ત
થતી યોનિ અને કૂળનું સ્વરૂપ તથા
૧. જે સ્થાનમાં રહીને જીવની ઉત્પત્તિ થાય તે આધારને યોનિ કહેવામાં આવે છે. જે પરમાણુઓ સ્વયં
જીવના શરીરમય પરિણમે તેને કૂળ કહેવામાં આવે છે.
(જુઓ તત્ત્વાર્થસાર અધ્યાય ૨ સૂત્ર ૧૦૫–૧૦૬, તથા ૧૧૨ થી ૧૧૬ સૂત્રની ટીકા, પાનું ૮૭–૮૮)
૨. યોનિ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–યૌતિ મિશ્રરૂપ થવું; ઔદારિકાદિક નોકર્મ વર્ગણારૂપ
પુદ્ગલોની સાથે જીવનો સંબંધ જે સ્થાનમાં થાય તે સ્થાનને યોનિ કહે છે. ટૂંકામાં કહીએ તો જીવના
ઉત્પત્તિસ્થાનો તે યોનિ છે. (ગોમટ્ટસાર–જીવકાંડ ગાથા ૮૧ ટીકા, પાનું ૨૦૩) જીવને ઉપજવાના આધારભૂત
પુદ્ગલસ્કંધનું નામ યોનિ છે.
૩. ટુંકામાં યોનિના ભેદ પાડવામાં આવે તો નીચે મુજબ નવ ભેદ પડે છે–
યોનિના ભેદ તે ભેદ કોને હોય? યોનિના ભેદ તે ભેદ કોને હોય?
(૧) સચિત્ત... ... ... ... સાધારણ શરીર (૬) શીતોષ્ણ... ... ... દેવ, નારકી
(૨) અચિત્ત... ... ... દેવ, નારકી (૭) સંવૃત્ત... ... દેવ, નારકી, એકેન્દ્રિય
(૩) સચિત્તાચિત્ત... ... ... ગર્ભજ (૮) વિવૃત્ત... ... ... વિકલેન્દ્રિય
(૪) શીત...તેજસ્કાયિક અને દેવ–નારકીઓને છોડીને (૯) સંવૃત્તવિવૃત... ... ... ગર્ભજ
(૫) ઉષ્ણ... ... ... તેજસ્કાયિક
૪. એ નવ ભેદનો વિસ્તાર કરતાં નીચે મુજબ ૮૪ લાખ ભેદ પડે છે.
(૧) નિત્યનિગોદ (૨) ઈતરનિગોદ (૩) પૃથ્વિકાય (૪) જલકાય (૫) તેજસકાય તથા (૬)
વાતકાયિક–આ છ સ્થાનમાં દરેકની સાત લાખ યોનિ છે; (૭) પ્રત્યેક વનસ્પતિની દસ લાખ યોનિ છે; (૮)
બેઇંન્દ્રિય (૯) ત્રણ ઈન્દ્રિય અને (૧૦) ચૌરેન્દ્રિય એ દરેકની બબે લાખ યોનિ છે, (૧૧) દેવ, (૧૨) નારકી
અને (૧૩) પંચેન્દ્રિયતિર્યંચ એ દરેકની ચાર ચાર લાખ યોનિ છે; અને (૧૪) મનુષ્યની ચૌદ લાખ યોનિ છે; એ
રીતે બધી મળીને સંસારી જીવની ૮૪ લાખ યોનિ છે.
(ગોમટ્ટસાર જીવકાંડ ગાથા ૮૯ ટીકા, પાનું ૨૧૨)
૫. પ્રશ્ન:– સર્વે જીવોને એક જ પ્રકારની યોનિ હોવી જોઈએ?
ઉત્તર:– ના, તેમ નથી; કારણકે, જુદા જુદા આત્માઓને ભિન્ન ભિન્ન સુખ–દુઃખનો અનુભવ હોય છે, જુદા
જુદા આત્માઓના શુભાશુભ પરિણામ ભિન્ન ભિન્ન છે અને તે પરિણામના નિમિત્તે થતો કર્મબંધ પણ વિચિત્ર
છે; અને તે વિચિત્ર કર્મબંધના ઉદયમાં જોડાતાં સુખ–દુઃખના અનુભવના કારણરૂપ યોનિનો સંયોગ પણ જુદા
જુદા પ્રકારનો હોવો જોઈએ.
(જુઓ તત્ત્વાર્થરાજવાર્તિક અધ્યાય ૨ સૂત્ર ૩૨ નીચેની કારિકા ૧૭–૧૮)
૬. પ્રશ્ન:– એ નવ પ્રકારની યોનિઓના ૮૪ લાખ ભેદ કઈ અપેક્ષાએ પડે છે?
ઉત્તર:– સંસારી આત્માઓને કર્મોના ઉદયના ભેદ જુદા જુદા પ્રકારના છે તે ભેદના કારણે યોનિઓના
ચોરાશી લાખ ભેદ પડે છે.
યોનિના બે પ્રકાર છે– (૧) આકાર યોનિ અને (૨) ગુણયોનિ. આ ચોરાશી લાખ ભેદો ગુણયોનિની
અપેક્ષાએ છે અર્થાત્ યોનિના સ્પર્શ, વર્ણ, રસ અને ગંધની તારતમ્યતાની અપેક્ષાએ આ ૮૪ લાખ ભેદ પડે છે.
કેવળજ્ઞાની પોતાના દિવ્યજ્ઞાનથી આ ભેદોને પ્રત્યક્ષ જાણે અને અલ્પજ્ઞાની આગમ દ્વારા જાણે છે,
(રાજવાર્તિક કારિકા ૨૮, પાનું ૭૧૦–૭૧૧)
૭. પ્રશ્ન:– મનુષ્યની યોનિ સચિત્તાચિત્ત (–મિશ્ર) શા માટે કહેવામાં આવે છે?
ઉત્તર:– જે જીવ ગર્ભજ છે તેની યોનિ મિશ્ર જાણવી, કેમ કે માતાના ગર્ભમાં વીર્ય અને લોહી છે તે
અચેતન છે અને ત્યાં યોનિસ્વરૂપ આત્મપ્રદેશ છે તે ચેતન છે માટે તે મિશ્ર છે. આ યોનિના ભેદો
મનુષ્યિણીઓની સંખ્યાના કારણે નથી પણ યોનિના નવ પ્રકારોમાં સ્પર્શાદિકની તારતમ્યતાના કારણે આ ભેદો
પડે છે. આ પ્રમાણે તે ગુણયોનિના ભેદો છે.
૮. પ્રશ્ન:– આકારયોનિના કેટલા ભેદો છે?
ઉત્તર:– આકારયોનિના ત્રણ પ્રકાર છે– (૧) શંખાવૃત (૨) કુર્મોન્નત અને (૩) વંશપત્ર. પહેલાં
પ્રકારમાં ગર્ભ રહેતો નથી, અગર જો રહે તો નષ્ટ થઈ જાય છે. બીજા પ્રકારની યોનિમાં તીર્થંકર, ચક્રવર્તી,
વાસુદેવ, પ્રતિવાસુદેવ તથા બળભદ્ર જન્મે છે. ત્રીજી વંશપત્રયોનિમાં બાકીના ગર્ભજ જીવો જન્મે છે.
શંખાવૃત=શંખ જેવા આકારની;
(વધુ માટે જુઓ પાનું છેલ્લું)

PDF/HTML Page 4 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૫૯ :

વર્ષ ત્રીજું : સળંગ અંક : અષાઢ
અંક નવ : ૩૩ : ૨૪૭૨
() ત્ર્ િરુદ્ધ ણ્
૧. ઘણા જીવો ધર્મ કરવા માગે છે, પણ તેમનો મોટો ભાગ ધર્મનો અર્થ સમજતા નથી, અને કૂળ–ધર્મમાં
ચાલતા ક્રિયાકાંડ તથા ધર્મની માન્યતાઓને, વિચાર કે પરીક્ષા કર્યા વગર, સાચી માની લઈને તે મુજબ
ક્રિયાકાંડ કર્યા કરે છે; શરીરની ક્રિયા પોતે કરી શકે છે એમ માને છે તેથી શરીરની ક્રિયા અમુક પ્રકારની હોય તો
ધર્મ થાય અને શરીરની ક્રિયા અમુક પ્રકારની હોય તો પાપ થાય એમ તે માને છે; પણ શરીરની ક્રિયા જીવ કદી
કરી શકતો જ નથી, શરીરના એકેએક રજકણોની લાયકાત અનુસાર જીવથી ભિન્નપણે સ્વતંત્ર તેની ક્રિયા થાય
છે, અને તે શરીરની કોઈ ક્રિયાથી જીવને કોઈ પ્રકારનું લાભ–નુકસાન થતું નથી, પણ તે વખતે જીવના પોતાના
ભાવ અનુસાર જીવને લાભ–નુકસાન થાય છે. આ વાત તે અજ્ઞાનીઓ સમજતા નથી.
૨. વળી કેટલાક જીવો દાન, પૂજા, દયા, યાત્રા વગેરેથી ધર્મ થાય એમ માને છે અને તેમાં પણ દાન
વખતે પૈસા વગેરે પોતા પાસેથી પર પાસે જવાની ક્રિયા થઈ તે જડની ક્રિયાથી દાન થયું અને તેનાથી ધર્મ થયો
એમ માને છે.
૩. ભગવાનની પૂજામાં–તે વખતે પૂજાની સામગ્રી તરીકે ગણાતી અક્ષત વગેરે વસ્તુઓ સારી હોય, સારા
અવાજે રાગ નીકળ્‌યો હોય તથા શરીરની ઊઠ–બેસની, અભિષેકની વગેરે ક્રિયાઓથી પૂજા થઈ અને તેનાથી ધર્મ
થયો એમ માને છે.
૪. દયામાં–તે વખતે સામા જીવનું મરણ ન થયું તેમાં પોતાના શરીરાદિની જે ક્રિયા થઈ અને સામો જીવ
ન મર્યો તેથી દયા થઈ અને તેનાથી ધર્મ થયો એમ માને છે.
૫. યાત્રામાં–જે ડુંગર વગેરે સ્થળને પોતે પવિત્ર માનતા હોય તેના ઉપર ચડવા–ઉતરવાની કે જવા–
આવવાની શરીરની ક્રિયા થાય તેને જાત્રા માને છે અને તેનાથી ધર્મ થયો એમ માને છે.
૬. પ્રથમ તો, શરીર વગેરેની કોઈ પણ ક્રિયાથી જીવને કદી પણ ધર્મ કે અધર્મ થાય જ નહીં. જો તે વખતે
જીવને મંદ કષાય હોય તો પુણ્ય થાય, અને જો મંદ કષાય ન હોય પણ અભિમાન કે કુતૂહલભાવ વગેરે
અશુભભાવ હોય તો પાપ થાય.
૭. વળી તે અજ્ઞાની જીવોના ઉપાદાનની વર્તમાન લાયકાત એવી હોય છે કે, ‘શરીરની જે જે ક્રિયાઓ
થાય છે તે જીવ કરી શકે છે અને તે ક્રિયાથી તથા પુણ્યથી ધર્મ થાય છે’ એમ મનાવનારા ઉપદેશકોના ઉપદેશનું
નિમિત્ત પણ તેમને સ્વયં મળી રહે છે.
૮. –પણ, શરીરની ક્રિયા જીવ કરી શકે અને પુણ્યથી ધર્મ થાય–એ માન્યતા ધર્મ વિરુદ્ધ છે. શરીરાદિની
ક્રિયા જીવ કરી શકતો નથી અને મંદ કષાયરૂપ પુણ્યની પ્રવૃત્તિથી ધર્મ થતો જ નથી તેમ જ તે પુણ્ય પ્રવૃત્તિ
વર્તમાનમાં કે ભવિષ્યમાં ક્યારેય પણ ધર્મમાં સહાયક થતી જ નથી. વળી, રસપૂર્વક તે પુણ્ય ક્રિયા કરતાં કરતાં
શુદ્ધ પરિણામરૂપ ધર્મ થશે એવી માન્યતા પણ સર્વાંશે ખોટી છે.
૯. ‘પુણ્યથી ધર્મ થાય’ એ મિથ્યા માન્યતા ટાળવા માટે ‘પુણ્યથી ધર્મ કદી પણ ન થાય, તેમજ પુણ્ય
ધર્મને સહાયક ન થાય’ આવી સાચી માન્યતા કરવાનું જ્યારે કહેવામાં આવે છે ત્યારે કેટલાક ઊંધા જીવો એમ
કહે છે કે ‘ત્યારે શું અમારે પુણ્ય છોડીને પાપ કરવું? ’ અરે! તેઓ એટલી વાત પણ સમજી શક્તા નથી કે, જે
પિતા તેના બાળકોને લીંબોળી કડવી છે માટે તે ખાવાની ના કહે છે તે પિતા હળાહળ ઝેર ખાવાનું તો કેમ કહે?
‘પિતા લીંબોળી છોડીને હળાહળ ઝેર ખાવાનું કહે છે’ એમ તો કોઈ બાળક પણ માની લે નહિ; તો પછી શ્રી
સર્વજ્ઞ વીતરાગ પ્રભુ ધર્મપિતા છે તેઓ ‘પુણ્યથી ધર્મ થાય છે’ એવી માન્યતા છોડવાનું કહે તે પુણ્યને છોડીને
પાપ કરવાનું કદી પણ કહે એમ બને જ નહિ, કેમકે પાપ તે તો પુણ્યથી પણ વિશેષ ખરાબ છે. પરંતુ જીવ જ્યાં
સુધી પોતાની ઊંધાઈ છોડે નહિ ત્યાંસુધી તેની ઊંધી માન્યતા છૂટે નહિ, કેમકે ઊંધાઈમાં પણ તે સ્વતંત્ર છે; તેથી
‘પુણ્યથી ધર્મ નથી’ એમ સાંભળીને તેને તેવા ભાવ (પુણ્ય

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૬૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૨ :
છોડીને પાપ કરવાના ઊંધા ભાવ) આવે તો તે જીવનો પોતાનો જ દોષ છે, પરંતુ ધર્મપિતા સર્વજ્ઞ વીતરાગ
પ્રભુનો કે અન્ય જ્ઞાની ઉપદેશકનો તેમાં દોષનથી.
૧૦. સર્વજ્ઞ ભગવાન તેમજ જ્ઞાનીઓ તો જાણે છે કે, જ્યાં સુધી જીવ વીતરાગતા પ્રગટ ન કરે ત્યાં સુધી
તેને શુભ તેમજ અશુભ ભાવ થયા વગર રહેશે જ નહિ. તેમાં અશુભભાવ તો કરવા જેવા છે જ નહિ અને જે
શુભભાવ થાય તેને ધર્મ માનતો હોય તો તે માન્યતા ખોટી છે, તે ખોટી માન્યતા ટાળીને, ‘શુભભાવથી ધર્મ
થાય નહિ’ એવી સાચી માન્યતા કરતાં તે જીવ અશુભ તેમજ શુભભાવને પણ ટાળીને શુદ્ધભાવ પ્રગટ કરવા
પ્રયત્ન કરશે; અને ક્રમેક્રમે શુદ્ધતા પ્રગટ કરી સંપૂર્ણ શુદ્ધ થઈ જશે. સંપૂર્ણ શુદ્ધતા પ્રગટ થયા પહેલાંં અંશે શુદ્ધ
અને અંશે શુભભાવ રહેશે; પરંતુ શુભમાં પણ તે ધર્મ નહિ માનતો હોવાથી તેને શુદ્ધમાં વધારો થતો જશે.
૧૧. સમ્યગ્દર્શનરૂપ શુદ્ધભાવથી જ ધર્મની શરૂઆત થાય છે, સમ્યગ્દર્શન તે ધર્મનો એકડો છે;
સમ્યગ્દર્શનની સાથે સમ્યગ્જ્ઞાન હોય જ છે અને ક્રમેક્રમે સમ્યક્ચારિત્ર વધતાં પૂર્ણ પવિત્રતા પ્રગટે છે. આ રીતે
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન તથા સમ્યક્ચારિત્ર તે જ મોક્ષનું કારણ છે અને પુણ્ય બંધનું કારણ છે.
૧૨. આ વસ્તુસ્થિતિ સ્પષ્ટ સમજવા માટે, શાસ્ત્રોમાં ધર્મને કેવા વિશેષણોથી ઓળખાવે છે અને પુણ્યને
કેવા વિશેષણોથી ઓળખાવે છે તે અહીં આપવામાં આવે છે:–
ક્રમ સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મનાં પુણ્યનાં વિશેષણો શાસ્ત્ર–આધાર
વિશેષણો
સુશીલ કુશીલ સમયસાર, ગાથા ૧૪૫, ૧૪૭
મંગલ અશુભ સ. ગા. ૧૪૫ ટીકા
સુકૃત્ય દુષ્કૃત્ય સ. કલશ–૨૨૫ પછી ની ટીકા,
અમૃતકુંભ વિષકુંભ સ. ગા. ૩૦૬
અનાકુળતા ઉપજાવનાર આકૂળતાને ઉપજાવનાર સ. ગા. ૭૨
સુખ દુઃખ સ. ગા. ૭૪
વીતરાગ રાગ સ. ગા. ૧૫૦
નિર્વિકાર વિકાર સ. ગા. ૧૪૫ ટીકા
શુદ્ધ અશુદ્ધ સ. ગા. ૧૮૬
૧૦ સ્વભાવ વિભાવ સ. નાટક પુ. પા. એકત્વદ્વાર સારાંશ–૧૧
૧૧ આત્મસ્વભાવની વૃદ્ધિ આત્મસ્વભાવનો સ. ૧૯ ટીકા. પ્રવ. ૭૭ ટીકા
કરનાર તિરસ્કાર કરનાર
૧૨ પ્રશંસનીય નિંદ્ય બાર ભાવના પા. ૪૦
૧૩ ગુણ દોષ સ. ગા. ૩૮૫
૧૪ સ્વપદ અપદ સ. ગા. ૨૦૩
૧૫ ધર્મ પાપ સ. કલશ ૧૩૭ ભાવાર્થ; ગા. ૧૬૧–
૧૬૨–૧૬૨ જયસેન–ટીકા.
૧૬ પવિત્ર અશુચિ સ. ગા. ૭૨ ટીકા
૧૭ શરણભૂત અશરણ સ. ગા. ૭૪
૧૮ આરાધ્ય હેય સ. કલશ ૧૦૪; ગા. ૪૧૧
૧૯ નિર્દોષ અપરાધ સ. ગા. ૩૦૪
૨૦ ધર્મચક્ર કર્મચક્ર સ. ગા. ૧૫૪ ટીકા
૨૧ સ્વસમય પરસમય સ. ગા. ૩૯૦ થી ૪૦૪ ટીકા
૨૨ ભૂતાર્થ અભૂતાર્થ સ. ગા. ૨૭૫ ટીકા
૨૩ શુદ્ધ જીવ અજીવ સ. ગા. ૫૦ થી ૫૫ ટીકા; ગા. ૨૦૨ ટીકા

PDF/HTML Page 6 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૬૧ :
ક્રમ સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મનાં પુણ્યનાં વિશેષણો શાસ્ત્ર–આધાર
વિશેષણો
૨૪ ચેતન અચેતન સ. ગા. ૫૦ થી ૫૫ ટીકા.
૨૫ ચૈતન્ય સ્વભાવપણું જડસ્વભાવપણું સ. ગા. ૨૩–૨૪–૨૫ ટીકા; ગા. ૭૨ ટીકા.
૨૬ ચૈતન્ય પરિણામ પુદ્ગલ પરિણામ સ. ગા. ૫૫
૨૭ શુદ્ધાત્મા અણાત્મા સ. ગા. ૨૦૨ ટીકા; કલશ ૨૨
૨૮ નિર્મોહ મોહ સ. ગા. ૮૭ ટીકા
૨૯ આત્મસ્વભાવની જાગૃતિ આત્મસ્વભાવનું સ. ગા. ૮૭ ટીકા
અસાવધાનીપણું
૩૦
ભાવધર્મ ભાવકર્મ સ. ગા. ૯૨ ટીકા
૩૧ સ્વદ્રવ્ય પરદ્રવ્ય સ. કલશ ૧૮૫
૩૨ નિર્જરા આસ્રવ સ. ગા. ૧૬૫ ટીકા
૩૩ સહજ ઉપાધિ સ. ગા. ૩૪ ટીકા
૩૪ સ્વભાવ ભાવ ઉદયભાવ સ. ગા. ૧૩૩, ૧૬૩
૩૫ અરૂપી રૂપી સ. ગા. ૧૫૬ ટીકા
૩૬ મોક્ષ હેતુ સંસારગમનહેતુ સ. ગા. ૧૫૪
૩૭ અબંધ ભાવ ભાવબંધ સ. કલશ ૧૦૫
૩૮ પરમ મિત્રરૂપ ભાવ વિપરીતભાવ સ. ગા. ૭૨
૩૯ ધુ્રવ અધુ્રવ સ. ગા. ૭૪
૪૦ નિત્ય અનિત્ય સ. ગા. ૭૪
૪૧ સુખફળ દુઃખફળ સ. ગા. ૭૪
૪૨ સમતા કલેશ સ. કલશ ૧૪૨
૪૩ અકષાય કષાય સ. ગા. ૧૩૩, ૧૬૩
૪૪ ધર્મ ઉદ્યોત કર્મવિપાક સ. ગા. ૧૯૮, ૧૯૯, ૨૦૦
૪૫ નિરંજન સાંજન (અંજન સહિત) સ. ગા. ૯૦ ટીકા
૪૬ પરમ હિત અહિત સ. નાટક સંવરદ્વાર–૨; સ.
કલશ ૨૨૬ ભાવાર્થ.
૪૭ સહજ સ્વાભાવિક કૃત્રિમ સ. ગા. ૯૭ ટીકા.
૪૮ શુદ્ધ ચૈતન્ય આસ્વાદ બેસ્વાદ સ. ગા. ૯૭ ટીકા; ગા. ૧૦૨ ટીકા.
૪૯ અભેદ ભાવ ભેદભાવ સ. કલશ ૧૪૦ ભાવાર્થ
૫૦ જ્ઞપ્તિ ક્રિયા કરોતિક્રિયા સ. કલશ ૯૭
૫૧ મોક્ષહેતુ બંધહેતુ સ. કલશ ૧૦૫
૫૨ સ્વાધીનતા પરાધીનતા સ. ગા. ૧૪૭
૫૩ પ્રશંસવા યોગ્ય કુત્સિત સ. ગા. ૧૫૦
૫૪ સૂક્ષ્મ અંતરંગ અત્યંત સ્થૂલ સ. ગા. ૧૫૪ ટીકા
શુદ્ધ પરિણામ વિશુદ્ધ પરિણામ
૫૫ પરમ નિષ્કર્મ ભાવ કર્મકાંડ સ. ગા. ૧૫૪ ટીકા
૫૬ સ્વદ્રવ્ય સ્વભાવ અન્ય દ્રવ્ય સ્વભાવ સ. ગા. ૧૫૬ ટીકા
૫૭ સકળ મેલકલંકને ધોઈ નાંખનાર કષાય મેલ સ. ગા. ૧૫૯
૫૮ તત્ સ્વભાવ અતત્ સ્વભાવ સ. ગા. ૨૦૩
૫૯ સુનિશ્ચલ અવસ્થા અનિયત અવસ્થા સ. ગા. ૨૦૩

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૬૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૨ :
ક્રમ સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મનાં પુણ્યનાં વિશેષણો શાસ્ત્ર–આધાર
વિશેષણો
૬૦ એક અનેક સ. ગા. ૨૦૩
૬૧ નિત્ય ક્ષણિક સ. ગા. ૨૦૩
૬૨ પરમ બ્રહ્મરૂપ વ્યભિચારી સ. ગા. ૨૦૩ ટીકા.
૬૩ સ્થિર અસ્થાયી સ. ગા. ૨૦૩ ટીકા.
૬૪ સ્વરૂપ સંપદા; સમસ્ત વિપદા સ. કલશ ૧૩૯
વિપત્તિઓનું અપદ
૬૫ એક જ પ્રકારનો રસ દ્વંદમયસ્વાદ સ. કલશ ૧૪૦
૬૬ પરમ સત્ય અસત્ય સ. ગા. ૨૦૬ ટીકા.
૬૭ કલ્યાણ અકલ્યાણ સ. ગા. ૨૦૬ ટીકા
૬૮ સ્વયમેવ પરના ત્યાગરૂપ; પરિગ્રહ સ. ગા. ૨૧૦
નિષ્પરિગ્રહ.
૬૯
નિશ્ચયભાવ વ્યવહારભાવ સ. નાટક બંધદ્વાર–૩૨
૭૦ જ્ઞાન ચેતના કર્મચેતના સ. ગા. ૩૮૭–૮૯ ટીકા
૭૧ સ્વરૂપમાં પરમ ઉત્સાહભાવ પ્રમાદભાવ સ. કલશ ૨૨૮ ભાવાર્થ
૭૨ જ્ઞાનરૂપી અમૃતવેલડીનાં કંદ. કર્મરૂપી વિષયવૃક્ષનાં ફળ સ. કલશ ૨૩૦
૭૩ નિર્વિકલ્પ ઉપયોગ અણઉપયોગ સ. ગા. ૨૩–૨૫ ટીકા; સ. ગા.
૫૮–૬૦ ટીકા
૭૪ મોક્ષલક્ષ્મીના સ્વયંવર ધૂર્ત્ત અભિસારિકા સમાન પ્રવ. ગા. ૭૯
સમાન ઉત્સવ; શિવસુંદરી
૭૫ નિવૃત્તિ પ્રવૃત્તિ સ. કલશ ૧૮૮
૭૬ પરમ શાંત રસ ધામ તૃષ્ણાયતન પ્રવ. ગા. ૭૪ ટીકા
૭૭ સ્વરસ, ચૈતન્યરસ પરરસ સ. ગા. ૯૭ ટીકા
૭૮ નિજભાવ; સ્વભાવ પરભાવ સ. ગા. ૬૯–૭૦ ટીકા
૭૯ એકરૂપ રહેનાર ઉત્પન્નધ્વંસી સ. ગા. ૨૧૬ ટીકા
૮૦ સાધક બાધક સ. ગા. ૧૬૧–૧૬૩ ભાવાર્થ;
સ. નાટક પુણ્યદ્વાર–૧૩
૮૧ જૈનધર્મ જૈનધર્મ નથી અષ્ટપાહુડ–ભાવપાહુડ–૮૩
૮૨ આરાધના વિરાધના સ. પા. ૩૦૪–૩૦૫ ફૂટનોટ
૮૩ પ્રસન્નતા; પરમ આનંદ અપ્રસન્નતા સ. પા. ૩૦૪–૩૦૫ ફૂટનોટ
૮૪ સકલ જ્ઞાયકદેવની કૃપા અકૃપા સ. પા. ૩૦૪–૩૦૫ ફૂટનોટ
૮૫ સિદ્ધિની પ્રાપ્તિ અસિદ્ધિ સ. પા. ૩૦૪–૩૦૫ ફૂટનોટ
૮૬ પૂર્ણતાની પ્રાપ્તિ કરાવનાર પૂર્ણતાની ડખલ સ. પા. ૩૦૪–૩૦૫ ફૂટનોટ
૮૭ અંતરમુખ બહિરમુખ સ. નાટક મંગલ–ઉત્થાનિકા–૪૦
૮૮ અસંયોગીભાવ સંયોગીભાવ નિયમસાર ગા. ૧૦૨; ભાવપાહુડ ગા. ૫૯
૮૯ જાગૃત ચૈતન્ય સમુદ્ર અંધકૂપ સ. નાટક પુણ્યદ્વાર–૬
૯૦ જન્મ મરણ રહિત કર્મરોગ સ. નાટક પુણ્યદ્વાર–૭
૯૧ ધર્મ અધર્મ સ. ગા. ૨૬૦–૨૬૧ ટીકા.
(નોટ–બંધક હોવાથી અધર્મ છે)
૯૨ સમાધિ અસમાધિ દ્રવ્યસંગ્રહ ગા. ૩૫ ટીકા;
સમાધિતંત્ર ગા. ૧૦૫ સંસ્કૃત ટીકા

PDF/HTML Page 8 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૬૩ :
ક્રમ સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મનાં પુણ્યનાં વિશેષણો શાસ્ત્ર–આધાર
વિશેષણો
૯૩ સ્થિર ઉપયોગ; નિર્વિકલ્પ ઉપયોગ. ચપલ ઉપયોગ સ. નાટક પુણ્યપાપ એકત્વદ્વાર–૧૨
૯૪ સ્થિર અસ્થિર સ. ગા. ૨૦૩
૯૫ જ્ઞાનધારા કર્મધારા સ. નાટક પુણ્યદ્વાર–૧૪
૯૬ પરમ નૈષ્કર્મ્યભાવ આરંભ સ. કલશ ૨૨૫
૯૭ આત્મસ્વરૂપની વૃદ્ધિ આત્મસ્વરૂપની હિંસા સ. કલશ ૧૬૯
૯૮ મુક્તિભાવ સંસરણભાવ પ્રવ. ગા. ૧૨૦
૯૯ સ્વાશ્રયભાવ પરાશ્રયભાવ સ. ગા. ૨૭૨ ટીકા
૧૦૦ શુદ્ધ ચિત્સ્વરૂપ ચિદાભાસ સ. ગા. ૧૬૪–૧૬૫ ટીકા
૧૦૧ સુગતિ–મોક્ષગતિ–પંચમગતિ દુર્ગતિ મોક્ષ પાહુડ ગા. ૧૬
૧૦૨ સુખકારણ દુઃખકારણ સ. ગા. ૭૨
૧૦૩ પ્રશંસવા યોગ્ય ઉપહાસ કરવા યોગ્ય નિયમસાર ગા. ૧૦૯ ટીકા
૧૦૪ આદર કરવા યોગ્ય નિષેધવાયોગ્ય સ. ગા. ૧૫૬
૧૦૫ જન્મ–મરણથી ઉગારનાર ઘાતક સ. ગા. ૭૪ ટીકા
૧૦૬ સ્વાધીનતાની પ્રાપ્તિ સ્વાધીનતાનો નાશ સ. ગા. ૧૪૭
૧૦૭ નિરંતર અનુભવનીય અસત્ય અનુભવનીય સ. ગા. ૨૦૬ ટીકા
૧૦૮ મોક્ષની નીસરણી મોક્ષપંથની કતરણી સ. નાટક પુણ્યદ્વાર–૧૨
૧૦૯ શુદ્ધાત્મ ધર્મપણું અણાત્મધર્મપણું પ્રવ. ગા. ૭૭ ટીકા
૧૧૦ પ્રજ્ઞાછીણી; પ્રજ્ઞાકરવત બેડી સ. નાટક
૧૧૧ સ્વભાવ પરિણતિ પરવૃત્તિ સ. કલશ ૧૧૬
૧૧૨ મોક્ષફળ સંસારફળ સ. નાટક ઉત્થાનિકા–૪૦
૧૧૩ અધ્યાત્મ પદ્ધત્તિ બંધપદ્ધતિ સ. નાટક પુણ્ય–પાપ એકત્વદ્વાર–૭
૧૩. ‘ધર્મ’ તે જીવની શુદ્ધ પર્યાય
છે, તે સમ્યગ્દર્શન–જ્ઞાન અને
ચારિત્રરૂપ છે, તેને શાસ્ત્રમાં
(બૃહત્દ્રવ્યસંગ્રહ પા. ૨૦૫) નીચેના
૧૧ શુદ્ધાત્માનું દર્શન
૧૨ પરમ ઉત્કૃષ્ટ અવસ્થા સ્વરૂપ
૧૩ પરમાત્માનું દર્શન
૧૪ શુદ્ધાત્મજ્ઞાન
૧૫ ધ્યાન કરવા યોગ્ય શુદ્ધ
પારિણામિકભાવ સ્વરૂપ
૧૬ ધ્યાનભાવસ્વરૂપ
૧૭ શુદ્ધ ચારિત્ર
૧૮ અંતરંગનું તત્ત્વ
૧૯ પરમ ઉત્કૃષ્ટ તત્ત્વ
૨૦ શુદ્ધઆત્મદ્રવ્ય
૨૧ પરમ જ્યોતિ (જ્ઞાન)
૨૨ શુદ્ધ આત્માની અનુભૂતિ
૨૩ આત્માની પ્રતીતિ
૨૪ આત્માની સંવિત્તિ (સાક્ષાત્કાર)
૨૫ નિજ આત્મસ્વરૂપની પ્રાપ્તિ
૨૬ નિત્યપદાર્થની પ્રાપ્તિ
૨૭ પરમસમાધિ
૨૮ પરમ આનંદ
૨૯ નિત્ય આનંદ
૩૦ સ્વભાવથી ઉત્પન્ન આનંદ
૩૧ સદાનંદ
૩૨ શુદ્ધ આત્મપદાર્થના પઠનરૂપ
સ્વરૂપનો ધારક
૩૩ પરમ સ્વાધ્યાય
૩૪ નિશ્ચય મોક્ષનો ઉપાય
૩૫ એકાગ્ર ચિંતા નિરોધ (–ધ્યાન)
૩૬ પરમ જ્ઞાન
૩૭ શુદ્ધઉપયોગ
૩૮ પરમ યોગ
૩૯ ભૂતાર્થ
(વધુ માટે જાુઓ પાન ૧૬૭)

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૬૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૨ :
।। ङ्क।।
શ્રી પુષ્પદંત આચાર્યદેવને નમસ્કાર
પરમ પૂજ્ય કાનજી સ્વામીનું પ્રવચન
શ્રીધરસેનાચાર્યદેવને નમસ્કાર હો.
શ્રુતપંચમી જયવંત હો
શ્રી ભૂતબલિ આચાર્ય દેવને નમસ્કાર
તા. ૫ – ૬ – ૪૬ ના પ્રવચનો ટૂંક સાર
આજે શ્રુતપંચમી છે–૧. આજના મંગળ દિવસે શ્રી સમયસાર શાસ્ત્રનું સાતમી વાર વાંચન પૂરું થાય છે–
૨. અને આઠમી વાર શરુ થાય છે–૩. એ રીતે ત્રણ પ્રકારે આજે માંગળિક છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો
૧–સમયસાર–પ્રવચનો ભાગ–૧ ૩–૦–૦ મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦–૦
૨–સમયસાર–પ્રવચનો ભાગ–૩ ૩–૦–૦ આત્મસિદ્ધિ–પ્રવચનો ૩–૦–૦
૩–પૂજા–સંગ્રહ ૦–૬–૦ અપૂર્વ અવસર–પ્રવચનો ૦–૮–૦
૪–છહ–ઢાળા ૦–૧૨–૦ મોક્ષની ક્રિયા ૦–૧૦–૦
૫–સમવસરણ–સ્તુતિ ૦–૩–૦ સત્તાસ્વરૂપ ૦–૯–૦
૬–અમૃતઝરણાં ૦–૬–૦ સર્વસામાન્યપ્રતિક્રમણ ૦–૮–૦
૭–જિનેન્દ્રસ્તવનાવલી ૦–૬–૦ દ્રવ્યસંગ્રહ ૦–૭–૦
૮–નિયમસાર–પ્રવચનો ભાગ–૧ ૧–૮–૦ સમયસાર [ગુટકો] ૦–૫–૦
૯–સમયસાર–પ્રવચનો ભાગ–૨ ૧–૮–૦ બારભાવના (કુંદકુંદાચાર્યકૃત) ૦–૪–૦
૧૦–જૈનસિદ્ધાંતપ્રવેશિકા ૦–૮–૦ આત્મધર્મ–ફાઈલ વર્ષ–૧ ૩–૪–૦
૧૧–આત્મસિદ્ધિશાસ્ત્ર (શબ્દાર્થ સાથે) ૦–૪–૦ આત્મધર્મ–ફાઈલ વર્ષ–૨ ૩–૪–૦
૧૨–આત્મસિદ્ધિશાસ્ત્ર (સ્વાધ્યાયમાટે) ૦–૨–૦ આત્મધર્મ–માસિક (ગુજરાતી) લવાજમ ૨–૮–૦
૧૩–મુક્તિકામાર્ગ (અમૃતઝરણાં હિંદી) ૦–૧૦–૦ આત્મધર્મ–માસિક (હિંદી) લવાજમ ૩–૦–૦
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવને નમસ્કાર

PDF/HTML Page 10 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૬૫ :
શ્રી સદ્ગુરુદેવશ્રી કહાન પ્રભુને નમસ્કાર
સર્વજ્ઞ ભગવાન શ્રી તીર્થંકરદેવની વાણીની જે પરંપરા હતી તે આજે શ્રુતરૂપે ગૂંથાણી છે. અંકલેશ્વરમાં
આજે તે શ્રુતનો મહાન મહોત્સવ થયો હતો તેથી આજનો દિવસ શ્રુત–પંચમી તરીકે ઉજવાય છે. સર્વજ્ઞદેવની
પરંપરાથી શ્રુતની અત્રૂટધારા અત્યારે ચાલે છે. નિર્ગ્રંથ સંતો–મુનિઓએ સત્ય શ્રુતજ્ઞાનને પોતાની પર્યાયમાં
અત્રૂટપણે ટકાવી રાખ્યું અને શાસ્ત્રરૂપે ગૂંથીને મહાન ઉપકાર કર્યો છે. તે શ્રુત વડે અંતર સ્વભાવની સંધિ થાય
છે. મહાન સંતોએ શ્રુતવડે પોતાના સ્વભાવ સાથે કેવળજ્ઞાનની અત્રૂટ સંધિ કરી અને બહારમાં પણ શ્રુતને
અવિચ્છિન્ન રાખ્યું. તે શ્રુતજ્ઞાન અવિચ્છિન્ન રહેશે. પરમાર્થથી શ્રુતજ્ઞાન વડે આત્મસ્વભાવ સમજે તેના
આત્મામાં શ્રુતજ્ઞાનના મંગળિક મહોત્સવ ઉજવાય છે–તેનો આત્મા જ મંગળિકરૂપ છે, અને એવા
આત્મસ્વભાવને બતાવનાર આ સમયસાર છે તે પણ શ્રુત છે અને તેનો પણ આજે મહોત્સવ છે. શ્રુતનો આશય
સમજીને પોતાના આત્મામાં શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા કરવાં તે જ અપૂર્વ જ્ઞાનની ઉજવણી છે. લગભગ ૨૦૦૦ વર્ષ
પહેલાંં શ્રી પુષ્પદંત–ભૂતબલિ આચાર્યોએ રચેલા ‘ષટ્ખંડાગમ’ વ્યવહારનાં શાસ્ત્રો છે, તેમાં પર્યાયની મુખ્યતાએ
કથન આવે છે; અને શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસારાદિ શાસ્ત્રો રચ્યાં તે નિશ્ચયની મુખ્યતાએ છે; તે સમયસાર
અત્યારે વંચાય છે, છેલ્લો– (૨૭૮ મો) કળશ ચાલે છે.
ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે–આ ટીકા મેં કરી નથી, પુદ્ગલો જ સ્વયમેવ શબ્દોરૂપે
પરિણમ્યા છે. ત્રણકાળમાં કેવળી ભગવાન કે કોઈ પણ જીવ એક પરમાણુ માત્રને ફેરવવા સમર્થ નથી, મેં પણ
આ સમયસારની ટીકાની રચના કરી નથી. આ જ યથાર્થ વસ્તુસ્વરૂપ છે. માત્ર નમ્રતા ખાતર જ કહ્યું છે–એમ
નથી પરંતુ વસ્તુ સ્વરૂપ જ એમ છે.
જ્ઞાન તો જાણે, પણ પરમાં કાંઈ કરે નહિં. વાચ્યભાવને દર્શાવનારા (વાચક) તો શબ્દો છે; શબ્દો જ
વાચ્યને બતાવે છે, પરંતુ જ્ઞાન તો જાણનાર જ છે. જ્ઞાનને પર સાથે જ્ઞેયજ્ઞાયક સંબંધ છે પણ વાચ્ય વાચક
સંબંધ જ્ઞાનને નથી. વાચ્ય વાચક સંબંધ તો વાણીને અને ભાવને છે. ભાવ તે વાચ્ય છે અને વાણી તેની વાચક
છે. જ્ઞાન તો બંનેને જાણનારૂં જ્ઞાતા છે.
અહીં આચાર્યદેવે વસ્તુ સ્વરૂપ જાહેર કર્યું અને પોતાની નિર્માનતા દર્શાવી. અજ્ઞાની કર્તૃત્વનાં અભિમાન
કરે તો પણ તે વાણી વગેરેનો કર્તા તો નિમિત્તપણે પણ નથી, અજ્ઞાનભાવે માત્ર અહંકારનો કર્તા છે.
શ્રી સમયસારની ઘણી જ અદ્ભુત ટીકા રચાણી છે; છતાં ‘અહો, મેં કેવી સુંદર ટીકા લખી’ –એમ
આચાર્યદેવને વિકલ્પ નથી ઊઠતો, પરંતુ તેઓ કહે છે કે હું તો મારા અમૃત સ્વરૂપમાં લીન છું, આ ટીકા શબ્દોએ
રચી છે, શબ્દો જ સ્વયં તે રૂપે પરિણમ્યા છે.
કોઈ એમ કહે કે, જો આચાર્યદેવે આ ટીકા નથી કરી એમ માનશું તો આચાર્યદેવનો વિનય કોઈ નહિ કરે.
તો તેનું સમાધાન:– ભાઈ, આચાર્યદેવે સત્ય વસ્તુ સ્વરૂપ જ જાહેર કર્યું છે અને તે સત્ય સમજવું એ સમજણમાં
જ આચાર્ય પ્રભુનો ખરો વિનય છે. સાચું સમજતાં નિશ્ચયથી પોતાના આત્માનો વિનય છે, અને વ્યવહારથી
તેમાં આચાર્યદેવનો વિનય પણ છે. પરનો વિનય તે જ વ્યવહાર છે. સાચું સમજ્યા વગર વિનય હોઈ શકે નહિ.
‘હું તો જ્ઞાતા જ છું, આ ટીકા મેં રચી નથી’ એમ નિર્માનતાપૂર્વક વસ્તુ સ્વરૂપ જાહેર કરીને આચાર્યદેવે
પૂર્ણતા કરી: હવે જયચંદ્ર પંડિત તેનાં ભાવાર્થમાં સ્પષ્ટીકરણ કરે છે: અમૃતચંદ્ર આચાર્યદેવને આ ટીકા રચવાનો
વિકલ્પ હતો તેથી વ્યવહારથી આ ટીકા અમૃતચંદ્રાચાર્ય કૃત કહેવાય છે, માટે તેના સમજનારા, સાંભળનારા,
વાંચનારાઓએ તેમનો વિનય કરવો યોગ્ય છે. જ્યારે આ ટીકા રચાણી તે વખતે વિકલ્પનું નિમિત્ત હતું, એ
વિકલ્પની હાજરીનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારે એમ પણ કહી શકાય કે અમુક કાર્ય અમુક વ્યક્તિએ કર્યું. એ
ન્યાયે આ ટીકા પણ અમૃતચંદ્રાચાર્ય કૃત જ છે. એમ વ્યવહારથી કહી શકાય છે અને તેથી સમયસારનું વાંચન–
શ્રવણ કરનારાઓએ તેમનો ઉપકાર માનવો યોગ્ય છે. નૈમિત્તિક–

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૬૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૨ :
કાર્ય થાય તે વખતે હાજર રહેલા નિમિત્તમાં આરોપ આવે. આ સમયસારની ટીકા થઈ ત્યારે અમૃતચંદ્રાચાર્ય
દેવના વિકલ્પની હાજરી હતી, તેથી આરોપ આવ્યો કે અમૃતચંદ્રાચાર્યદેવે ટીકા રચી... પરંતુ ખરી રીતે તો ટીકા
રચવાનો જે વિકલ્પ ઉઠયો તેનું કર્તૃત્વ પણ તેમને તો નથી, તો પછી જડ શબ્દોના કર્તા તેઓ કેમ હોય? છતાં
જ્યારે વિનય–બહુમાન કરવાનું હોય ત્યારે તો અમૃતચંદ્રાચાર્યદેવનેજ વ્યવહારે કર્તા કહીને તેમનો વિનય–સત્કાર
કરવો યોગ્ય છે.
આ મહાન શાસ્ત્રના શ્રવણથી–વાંચનથી–મનનથી પારમાર્થિક આત્માની પ્રાપ્તિ થાય છે–અર્થાત્ સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન પ્રગટે છે. પરમાર્થે જેઓ પોતે આત્મામાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરે તેઓને ‘આ શાસ્ત્રવડે પારમાર્થિક
આત્માની પ્રાપ્તિ થઈ’ એમ ઉપચારથી કહેવાય છે, શાસ્ત્ર તો નિમિત્ત છે. પરંતુ પોતે પરમાર્થ સ્વરૂપ સમજ્યા
વગર ગમે તેટલા વર્ષો વાંચે તોપણ સાચું જ્ઞાન ન થાય. પરંતુ જેઓ પારમાર્થિક સ્વભાવને સમજે તેમને આ
સત્શાસ્ત્ર નિમિત્ત થાય છે, માટે આ પરમાગમગ્રંથનો નિરંતર અભ્યાસ, શ્રવણ, મનન કરવા યોગ્ય છે.
આ શાસ્ત્રમાં ગંભીર રહસ્ય રહેલાં છે; ગુરુગમ વગર સમજાય તેવું નથી. જયચંદ્રજી પંડિત કહે છે કે ‘આ
ગ્રંથનો ગુરુ સંપ્રદાય (–ગુરુપરંપરાનો) વ્યુચ્છેદ થઈ ગયો છે. ’ આ કથન તો ૧૫૦ વર્ષ પહેલાંનું છે. પરંતુ
અત્યારે તે વ્યુચ્છેદ ફરીને અત્રૂટપણે સંધાઈ ગયો છે, ગુરુપરંપરા અવિચ્છિન્નપણે ચાલે છે. શ્રી કુંદકુંદાચાર્યદેવની
કૃપાથી–સેવાથી આ આત્માને ભાવશ્રુત મળ્‌યું છે અને તેથી તેમની કૃપાએ આજે આ સમયસારની પરંપરા સંધાઈ
ગઈ છે. સીમંધર ભગવાનની ધ્વનિના લાભથી અને કુંદકુંદપ્રભુની કૃપાથી તેમજ પોતાની પાત્રતાથી, મુમુક્ષુ
જીવોના મહાભાગ્યે આ સમયસારની પરંપરા ચાલુ થઈ છે અને આચાર્યદેવશ્રીનો આશય જળવાઈ રહ્યો છે. એ
રીતે શ્રુતધારા અચ્છિન્ન છે... સમ્યગ્જ્ઞાન જયવંત વર્તે છે... આ રીતે શ્રી સમયસારજીશાસ્ત્રનું પૂર્ણમંગળ થયું.
(શ્રી સમયસારજીનું સાતમીવાર વાંચન પૂર્ણ)
હવે શ્રુતપંચમી સંબંધમાં:
આજે શ્રુતપંચમીનો દિવસ છે અને આ સમયસારજી દ્વારા શ્રુતપરંપરા અચ્છિન્ન વર્તે છે. આજના (જેઠ
સુદ પ) મહાન દિવસે પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યોને અપાર શ્રુતજ્ઞાન પ્રત્યે આહલાદ આવી ગયો હતો અને
ઉત્સાહમાં હરખથી શ્રુતની પ્રતિષ્ઠા કરી હતી. પોતાને ધરસેનાચાર્ય દેવ પાસેથી જે અવિચ્છિન્ન શ્રુતજ્ઞાન મળેલું
તેની શાસ્ત્રરૂપે રચના કરી હતી અને તે રચના પૂરી થતાં શ્રુત પ્રત્યેની અપાર ભક્તિથી આજે ઉત્સવ પૂર્વક તેનું
પૂજન કર્યું હતું. અંતરમાં તો શ્રુતજ્ઞાનવડે પોતાના સ્વરૂપની અવિચ્છિન્ન સંધિ કરી છે, જે પવિત્ર શ્રુતજ્ઞાન
પ્રગટ્યું તે વચ્ચે ત્રૂટ પડ્યા વગર અવિચ્છિન્નધારાએ કેવળજ્ઞાન પ્રગટ થાવ, એવી ભાવના છે અને બહારમાં
શ્રુતની અવિચ્છિન્ન પરંપરા ટકી રહે એવો વિકલ્પ ઉઠયો છે.
સૌરાષ્ટ્રદેશમાં ગીરનાર પર્વતની ચન્દ્રગૂફામાં મહામુનિ શ્રી ધરસેનાચાર્યદેવ બિરાજતા હતા, તેઓ અંગ–
પૂર્વના એકદેશ જ્ઞાતા હતા. અલ્પાયુષ્ય બાકી રહેતાં એકવાર તેમને વિકલ્પ ઉઠયો કે હવે કોઈ અંગ–પૂર્વના
જાણકાર છે નહિ તેથી અંગશ્રુતનો વિચ્છેદ થશે... આ સાથે તેમને શ્રુતને અચ્છિન્ન રાખવાની ભાવના થઈ અને
દક્ષિણમાંથી બે મુનિઓને બોલાવ્યા... તે બે મુનિઓ જ્યારે આવતા હતા ત્યારે શ્રી ધરસેનમુનિને સ્વપ્ન આવ્યું
કે–બે અત્યંત સફેદ બળદો વિનયપૂર્વક પોતાનાં ચરણમાં પડે છે. આ શુભસ્વપ્ન જોઈને તેઓ સંતુષ્ઠ થયા અને
ઉત્સાહમાં એવું વાક્ય બોલ્યા કે “
जय हो श्रुतज्ञाननो.”
તે જ દિવસે બે મુનિઓ આવી પહોંચ્યા અને વંદન કરી વિનયપૂર્વક આજ્ઞા માગી. ધરસેનાચાર્યદેવે
તેમની પરીક્ષા કરી અને પછી સંતુષ્ટ થતાં, સર્વજ્ઞ પરંપરાથી ચાલ્યું આવતું શ્રુતજ્ઞાન તેમને આપ્યું. તે બે
મુનિરાજનાં નામો ભૂતબલિ અને પુષ્પદંત આચાર્ય હતા ત્યાર પછી તે બે આચાર્યદેવોએ શ્રીષટ્ખંડાગમની
રચના કરી, અને શ્રુતપ્રવાહ અચ્છિન્નપણે વહેતો રાખ્યો...
એ પ્રમાણે ‘ષટ્ખંડાગમ’ ની રચના પુસ્તકારૂઢ કરીને જેઠ સુદ પ ના રોજ ચતુર્વિધ સંઘ સાથે શ્રી
ભૂતબલિ આચાર્યદેવે શ્રુતની પૂજા ઉત્સાહથી કરી હતી, તેથી તે શ્રુતપંચમીના રોજ આજે પણ જૈનો શ્રુતની
આરાધના કરે છે.
આ રીતે શાસનના સ્થંભ મહાન આચાર્યોએ દિવ્ય ધ્વનિના ધોખ પ્રવાહને વહેતો રાખ્યો છે... દિવ્ય શ્રુત
જ્ઞાનનો પ્રવાહ અચ્છિન્નપણે વહેવામાં આ સૌરાષ્ટ્ર દેશ પણ કારણ છે.
(આ ‘ષટ્ખંડાગમ’ શાસ્ત્રો મૂડબિદ્રિનગરમાં તાડપત્રી ઉપર લખેલાં સચવાઈ રહ્યા હતાં અને શાસનના મહા–

PDF/HTML Page 12 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૬૭ :
ભાગ્યે હાલમાં તે પરમાગમ, ટીકા તથા હિંદી અનુવાદ સહિત છપાઈને પ્રસિદ્ધ થાય છે, તેનાં સાત પુસ્તકો આવી
ગયાં છે.)
જે શ્રુત વડે આત્મભાન કરીને એકાવતારી થઈ શકાય એવું શ્રુત આજે પણ જયવંત વર્તે છે.
આજે આઠમીવાર આ સમયસારજીના વાંચનની શરુઆત થાય છે. સભામાં પ્રવચનરૂપે આઠમી વાર
વંચાય છે, અંદર પોતાના સ્વાધ્યાય માટે લગભગ વીસ વાર વંચાઈ ગયું છે; પરંતુ એ કાંઈ વધારે નથી. આખી
જિંદગી સુધી આ સમયસારના ભાવોને ઘૂંટયા કરે તો પણ તેના ભાવો પૂરા ન પડે એવું ગૂઢ રહસ્ય તેમાં ભરેલું
છે. કેવળજ્ઞાન થાય ત્યારે સમયસારના ભાવ પૂરા પડે. સમયસારના ભાવનો આશય સમજીને પોતે એકાવતારી
થઈ જાય–એટલું કરી શકે. પરંતુ વાણીદ્વારા ભાવ પૂરા પડે તેમ નથી. શ્રુતકેવળી પણ વાણી દ્વારા વિવેચનથી આ
સમયસારનો સંપૂર્ણ સાર ન કહી શકે–એવા મહાન ભાવો ભરેલા છે. આ ગ્રંથાધિરાજ છે તેમાં બ્રહ્માંડના ભાવો
ભરેલા છે. તેની અંતરના આશયને સમજીને શુદ્ધાત્માની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા વડે પોતાના સમયસારની પૂર્ણતા
કરી શકાય છે. ભલે, અત્યારે વિશેષ પડખાંના જાણપણાનો વિચ્છેદ હોય, પરંતુ યથાર્થ તત્ત્વજ્ઞાન સમજવા પૂરતા
જ્ઞાનનો વિચ્છેદ નથી, તત્ત્વ સમજવાની તાકાત અત્યારે પણ છે. જે યથાર્થ તત્ત્વજ્ઞાન કરે તેને એકાવતારીપણાનો
નિઃસંદેહ નિર્ણય થઈ શકે છે. કુંદ–કુંદાચાર્યદેવે મહાન ઉપકાર કર્યા છે. સં. ૧૯૭૮ માં આ સમયસાર હાથમાં
આવ્યું–વાંચ્યું અને અભ્યાસ કરતાં અલૌકિક ભાવો નીકળ્‌યા. આ સમયસાર આ કાળે ભવ્ય જીવોનો મહાન
આધાર છે; લોકો ક્રિયાકાંડી અને વ્યવહારના પક્ષકાર છે, તત્ત્વના વિરહા થઈ પડ્યા છે, નિશ્ચય–સ્વભાવ ગૂલ
થઈ ગયો છે–ઢંકાઈ ગયો છે, ત્યારે આ સમયસાર શુદ્ધાત્મ તત્ત્વને બતાવીને તત્ત્વના વિરહ ભૂલાવી દે છે અને
નિશ્ચય સ્વભાવને પ્રગટ કરે છે.
સમયસાર શરૂ કરતાં પ્રથમ જ શ્રી કુંદકુંદાચાર્યદેવે મંગળિક કર્યું છે કે– ‘वंदितु सव्व सिद्धे’ અનંત સિદ્ધ
ભગવંતોનો આદર કરું છું; બધું ભૂલી જઈને મારા આત્મામાં હું સિદ્ધપણું સ્થાપું છું. આ રીતે સિદ્ધપણાનો જ
આદર કર્યો છે. જેને જે વંદન કરે તેને તેનો દ્રષ્ટિમાં આદર આવ્યા વગર સાચું વંદન હોઈ શકે નહિ.....
અનંત સિદ્ધ થયા, પહેલાંં સિદ્ધ દશા ન હતી પછી પ્રગટ કરી, દ્રવ્ય એવું જ ટકી રહ્યું, પર્યાય બદલી ગઈ–
આમ બધં લક્ષમાં લઈને પોતાના આત્મામાં સિદ્ધપણાની સ્થાપના કરી છે–પોતાની સિદ્ધદશાનું પ્રસ્થાનું મૂકયું છે.
હું મારા આત્મામા અત્યારે પ્રસ્થાનું મૂકું છું કે હું સિદ્ધ છું અલ્પકાળે સિદ્ધ થવાનો છું, આ પ્રસ્થાનાં પાછા નહિ
ફરે... સિદ્ધ છું એવી શ્રદ્ધાની ભીંસ લાગતાં આત્મામાંથી વિકારનો નાશ થઈને સિદ્ધભાવ જ રહી જાઓ! હવે
સિદ્ધ સિવાયના ભાવોનો આદર નથી.... આ સાંભળીને હકાર લાવનાર પણ સિદ્ધ છે. હું સિદ્ધ અને તું પણ
સિદ્ધ–એમ આચાર્યદેવ સિદ્ધપણાથી જ મંગળ શરુઆત કરે છે.
[આ પ્રમાણે આઠમીવાર શ્રી સમયસારજી ના વાંચનની શરુઆતનું મહા મંગળિક થયું.]
(અનુસંધાન પાન ૧૬૩ થી ચાલુ)
૪૦ પરમાર્થ
૪૧ નિશ્ચયનયના અનુસાર જ્ઞાન–
દર્શન–ચારિત્ર–તપ વીર્ય એ
પાંચ પ્રકારના આચાર સ્વરૂપ.
૪૨ સમયસાર
૪૩ અધ્યાત્મરસ
૪૪ સમતાદિરૂપ નિશ્ચયનયથી છ
આવશ્યક છે તે સ્વરૂપ
૪૫ અભેદ રત્નત્રયરૂપ
૪૬ વીતરાગ સામાયિક
૪૭ પરમ શરણ ઉત્તમ મંગલ
૪૮ કેવળજ્ઞાન ઉત્પત્તિનું કારણ
૪૯ સમસ્ત કર્મોના નાશનું કારણ
૫૦ નિશ્ચયનયની અપેક્ષાથી જે દર્શન
જ્ઞાન–ચારિત્ર અને તપના ભેદથી ચાર
પ્રકારની આરાધના છે તે સ્વરૂપ
૫૧ પરમાત્માની ભાવનારૂપ
૫૨ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન જે
સુખ તેની અનુભૂતિ રૂપ પરમકળા
૫૩ દિવ્ય કળા
૫૪ પરમ અદ્વૈત
૫૫ અમૃતસ્વરૂપ પરમ ધર્મધ્યાન
૫૬ શુક્લધ્યાન
૫૭ રાગાદિ વિકલ્પો રહિત ધ્યાન
૫૮ નિષ્કલ ધ્યાન
૫૯ પરમ સ્વાસ્થ્ય
૬૦ પરમ વીતરાગતારૂપ
૬૧ પરમ સમતારૂપ
૬૨ પરમ એકત્વ
૬૩ પરમ ભેદજ્ઞાન
૬૪ પરમ સમરસીભાવ
૧૪. સંપૂર્ણ રાગાદિ વિકલ્પોની
ઉપાધિથી રહિત અને પરમ આહ્લાદ
સુખરૂપ લક્ષણનું ધારક જે ધ્યાન છે
તે સ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગના
કહેનારા આ સિવાય બીજા પણ ઘણા
જીવ–પર્યાયી નામો છે, ધર્માત્મા
જીવને પ્રગટેલા ધર્મને આ બધાં
નામો લાગુ પડે છે–એમ જાણવું.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૬૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૨ :
। ङ्क।
શ્રી સનાતન જૈન શિક્ષણ વર્ગ – સોનગઢ
– શુક્રવાર – નિબંધ – તા. ૩૧ – ૫ – ૪૬ –
“સમ્યગ્દ્રષ્ટિ જીવ નરકમાં પણ સુખી છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વર્ગમાં પણ
દુઃખી છે” આ વિષય ઉપર નિબંધ લખવા માટે વઢવાણના ભાઈશ્રી મગનલાલ
તલકશી તરફથી સૂચન આવેલ અને શ્રેષ્ઠ નિબંધ લખનાર વિદ્યાર્થીને રૂા. ૧૦ નાં
પુસ્તકો ઈનામ આપવાનું ઠરાવેલ હતું. તે સુચનાનુસાર ૨૯ વિદ્યાર્થીઓએ નિબંધ
લખેલ હતો; તેમાં રાજકોટના ભાઈ બિપિનચંદ્ર લાભશંકર મહેતાને શ્રેષ્ઠ નિબંધનું
ઈનામ મળ્‌યું હતું. મળેલા નિબંધોમાંથી બે નિબંધ અહીં આપવામાં આવે છે.
[૧]
વિષય:– સમકિતિ નરકમાં હોવા છતાં સુખી છે અને મિથ્યાદ્રષ્ટિ દેવલોકમાં હોવા છતાં દુઃખી છે.
દુઃખ એટલે શું? દુઃખ એટલે મમતા. દુઃખ ક્ષેત્રમાં નથી પરંતુ આત્મસ્વભાવને ભૂલીને પરમાં રુચિ અને
મમતા કરવી તે છે. નવમી ગ્રૈવેયકનો દેવ હોય પરંતુ તે સમકિતિ નથી તેથી તેને દુઃખ છે તેને પર ઉપર રુચિ
અને મમતા છે. જ્યારે નરકના સમકિતિને પર ઉપરથી રુચિ છૂટી ગઈ છે. તેને ખાત્રી છે કે તે બે ત્રણ ભવ પછી
અલૌકિક અને અપૂર્વ અને આનંદ સ્વરૂપ કેવળજ્ઞાન પામીને મોક્ષ જશે. દાખલા તરીકે એક કેદી અને એક રાજા
હોય અને જો કેદીને એમ કહેવામાં આવે કે તને એક વર્ષ પછી રાજા બનાવશું અને રાજાને કેદી; તો કેદીને સુખ
છે કારણકે તેને ખબર છે કે એક વર્ષ પછી તો સુખ છે અને તેથી તેનું એક વર્ષ ક્યાં પસાર થઈ જાય છે તેની
તેને ખબર પડતી નથી અને રાજા તે વર્ષ દુઃખમાં જ કાઢે છે કારણકે તેને એ જ વિચાર આવે છે કે એક વર્ષ પછી
તો હું કેદી બનીશ. તેવી જ રીતે કેદીને નરકનો સમકિતિ લેખો અને રાજાને મિથ્યાદ્રષ્ટિ દેવ.
નારક સમકિતિને અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનો ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ વર્તે છે. બહારનો
અનંતો પ્રતિકૂળ સંયોગ હોવા છતાં અંતરમાં કષાયનો અભાવ વર્તે છે. તેના અંતરમાં સમાધિ વર્તે છે. સુખ અને
દુઃખ તે અંતરંગ કષાયને આધીન છે, નહિ કે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોને આધીન. નવમી ગ્રૈવેયકના દેવને
ઘણા અનુકૂળ સંયોગો હોય છે તો પણ તે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વની આકુળતાથી બળીઝળીને દુઃખી
થાય છે. બહારથી તે સુખી દેખાય છે પરંતુ તે ખરેખર તો દુઃખી જ છે કારણકે તેને મિથ્યાત્વ વર્તે છે. બાહ્ય સુખ
અને દુઃખ તે તો કલ્પના જ છે. તે ખરૂં સુખદુઃખ નથી. સુખ અને દુઃખ તે તો અંતરની આકુળતા કે નિરાકુળતાને
આધીન છે. તેથી મિથ્યાદ્રષ્ટિ દેવ એકાંતે દુઃખી છે.
સમકિતિ ધર્માત્માને પોતે ચિદાનંદ આનંદકંદ; વીતરાગ આનંદ, અનેક ગુણોના આનંદ સહિત, રસપિંડ,
નિર્મળાનંદ અભેદ, અખંડ અને છુટો ગોળો અનંત પરથી ભિન્ન એવી દ્રઢ પ્રતીતિ નિરંતર હોય છે. સમ્યક્જ્ઞાન
રૂપી ધારા નિરંતર વહ્યા જ કરે છે. તેણે જગતના બીજા પદાર્થોના સ્વાદ કરતાં જુદો, અનંતો ઉપમારહિત,
આત્માના સુખ ગુણ અને આનંદ ગુણનો, અંશે સિદ્ધ પરમાત્મા જેવો સ્વાદ લીધો છે. તેથી જ તે સુખી છે.
દેવ તે સમકિતિ ન હોવાથી દુઃખી છે જ વ્યવહારે કારણકે તે બીજા દેવોના વૈભવ જોઈને અંતરથી બળી
ઊઠે છે. તથા મંદારમાળાના કરમાઈ જવાથી આભૂષણો વગેરે ઝાંખાં દેખાવાથી તેને ખબર પડી જાય છે કે તેનું
મરણ થોડા વખતમાં થવાનું છે; તેથી તે ઘણી હાયવોય કરે છે અને ઘણો જ દુઃખી થાય છે તે ઉપરાંત
અવધીજ્ઞાનથી જોવાથી પોતે હલકી કોટિમાં જન્મ લેવાનો છે તે ખબર પડતાં પણ ઘણો દુઃખી થાય છે.
(નોંધ:– આ નિબંધ રાજકોટના વિદ્યાર્થી બિપિનચંદ્ર લાભશંકર મહેતાનો લખેલ છે.)
[૨]
સમ્યગ્દ્રષ્ટિ નરકમાં હોવા છતાં તે સુખી છે કારણકે સુખ દુઃખનો આધાર સ્થાનપર હોતો નથી પરંતુ
ભાન (સમજણ) પર હોય છે. મિથ્યાદ્રષ્ટિ સ્વર્ગનો દેવ હોવા છતાં તે દુઃખી છે. સુખ દુઃખ જો

PDF/HTML Page 14 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૬૯ :
સ્થાનમાં હોત એટલે કે નરકમાં જો દુઃખ જ હોત તો જ્યારે જીવ કેવળી સમુદ્ઘાત કરે છે ત્યારે તે કેવળી
ભગવાનના આત્મપ્રદેશો સમસ્ત (બધા) લોકમાં ફેલાય જાય છે. એટલે કે નરકમાં પણ ફેલાય જાય છે. કેવળી–
સમુદ્ઘાત વખતે ભગવાન અરિહંત મહાન સુખનો ભોગવટો નરકક્ષેત્રમાં પણ કરી રહ્યા છે ત્યારે અજ્ઞાની
નારકી જીવો દેહ અને આત્માનું ભેદ વિજ્ઞાન નહિ હોવાથી મહાન દુઃખનો ભોગવટો કરી રહ્યાં છે. જુઓ! સ્થાન
તો બન્નેને એક જ છે પરંતુ ભાનમાં ફેર છે. વળી
મોક્ષમાં સિદ્ધ શિલાના સ્થાનમાં સુખ છે–એમ નથી. કારણકે તે સિદ્ધ શિલાનું સ્થાન સુખ દેનારું હોત તો
તે સિદ્ધ શિલામાં એકેન્દ્રિય જીવો (પૃથ્વીકાયિક) છે, તો તે એકેન્દ્રિયને પણ મહાન સુખ હોત, પરંતુ એમ નથી.
માટે સુખ કંઈ સ્વર્ગોમાં છે એવું નથી. મિથ્યાદ્રષ્ટિ સ્વર્ગોમાં છે ત્યાં તે દેહ અને આત્માને એક માને છે એટલે કે
દેહને પોતાનો માને છે એટલે દેહને સગવડતા આપવા વાળી સામગ્રી ઉપર તેને રાગ ભાવ છે અને પ્રતિકૂલ
સામગ્રી ઉપર દ્વેષ કરે છે એટલે તે રાગી દ્વેષી છે. વળી તે મિથ્યાત્વને સેવે છે અને મિથ્યાત્વ જ અનંત સંસારનું
મૂળ છે અને અનંત દુઃખનું કારણ છે કારણકે મિથ્યાત્વનું ફળ નિગોદ છે; જેના ફળમાં દુઃખ છે તેના કારણમાં
પણ દુઃખ હોય છે માટે મિથ્યાત્વમાં અનંતુ દુઃખ હોવાથી પર વસ્તુથી લાભ માનનારો અને આકૂળતા સહીત
મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાત્વના સેવનથી અનંતુ દુઃખ તેજ ક્ષણે ભોગવી રહ્યો છે ત્યારે સમ્યગ્દ્રષ્ટિ નરકમાં છે છતાં
તે મહાન સુખનો સ્વાદ લઈ રહ્યો છે. તે જાણે છે કે સામગ્રીમાં સુખ દુઃખ છે જ નહિ. આત્મ સ્વભાવમાં સુખ છે
માટે તે આકૂળતા ટાળી સ્વભાવ દર્શન કરી રહ્યો છે. વળી તે જાણે છે કે આત્માના ભાને ભવનો અભાવ અને
અભાને ભવની વૃદ્ધિ છે, માટે તેને અનંતા ભવરૂપ દુઃખ તો ટળી ગયું છે અને સમ્યગ્દર્શન પ્રગટાવ્યું હોવાથી
અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે. તે સ્વભવમાંથી સુખ લેવા પ્રયત્ન કરે છે માટે તેની વિપરીતતા પણ
ટળી ગઈ છે અને તે પર સંયોગો (નરક વગેરે) નું લક્ષ છોડી સ્વભાવમાં ઠરી અનંત સુખનો ભોગવટો કરે છે.
અહા!
ધન્ય છે એવા જીવોને કે જેણે ગમે તેવા તુચ્છ વિષયોમાં પ્રવેશ્યા છતાં આત્માનો વેગ સ્વ તરફ જ વાળ્‌યો છે.
નોંધ:– આ નિબંધ લાઠીના વિદ્યાર્થી પ્રવીણચંદ્ર શામજી પારેખનો લખેલ છે.
પરીક્ષા
સમય: સવારના ૯ – ૩૦થી ૧ તા. ૩૧ – ૫ – ૪૬ શુક્રવાર
પ્રશ્ન – ૧
(ક) અર્થપર્યાય અને વ્યંજનપર્યાયની વ્યાખ્યા લખો.
(ખ) ત્રિકાળ સ્વભાવવ્યંજનપર્યાય કયા દ્રવ્યોને હોય?
(ગ) પ્રદેશોની સંખ્યાની અપેક્ષાએ કયા કયા દ્રવ્યો સરખાં છે?
(ઘ) અરૂપી દ્રવ્યો કયા કયા ને તેમાં જડ, ચેતન કયા કયા?
(ડ) સાદિ અનંત સ્વભાવઅર્થપર્યાય કોને હોય?
ઉત્તર – ૧
(ક) અર્થપર્યાય=પ્રદેશત્વ ગુણ સિવાયના અન્ય સમસ્ત ગુણોના ફેરફારને (–પરિણમનને) અર્થપર્યાય કહેવાય છે.
વ્યંજનપર્યાય=પ્રદેશત્વ ગુણના ફેરફારને વ્યંજનપર્યાય કહેવાય છે.
(ખ) ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોને ત્રિકાળ સ્વભાવવ્યંજનપર્યાય હોય છે.
(ગ) જીવ, ધર્મ અને અધર્મ એ ત્રણ દ્રવ્યોને અસંખ્ય પ્રદેશો સમાન છે; કાળ અને પુદ્ગલ એ બંને દ્રવ્યો એક પ્રદેશી છે.
(ઘ) જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ દ્રવ્યો અરૂપી છે, તેમાં જીવ ચેતન છે અને બાકીના બધા જડ છે.
(ડ) સિદ્ધોને સાદિ–અનંત સ્વભાવઅર્થપર્યાય હોય છે.
પ્રશ્ન – ૨
(ક) અંતરાત્મા, નિકલ પરમાત્મા અને સકલ પરમાત્માને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મમાંથી શું શું હોય?
(ખ) બહિરાત્મા તથા અંતરાત્માનું સ્વરૂપ લખો; તેમાં કોઈના ભેદ હોય તો તે પણ લખો અને તેનું સ્વરૂપ સમજાવો.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૭૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૨ :
ઉત્તર – ૨
(ક) અંતરાત્માને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ ત્રણે હોય છે; નિકલ પરમાત્માને દ્રવ્યકર્મ ભાવકર્મ કે નોકર્મ
એકે હોતાં નથી; અને સકલ પરમાત્માને ચાર અઘાતિ દ્રવ્યકર્મ તથા નોકર્મ હોય છે, ભાવકર્મ હોતા નથી.
(ખ) બહિરાત્મા=બહારથી આત્માનું માપ કરનાર; જેને ભેદવિજ્ઞાન નથી અને શરીર તથા આત્માને એક માને
છે, તેને અવિવેકી અથવા મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે, તે બહિરાત્મા છે. તેના પેટા ભેદ નથી.
અંતરાત્મા=અંતરમાં ભેદવિજ્ઞાનથી શરીર અને આત્માને જુદા જાણે છે એટલે કે આત્માને પરદ્રવ્યોથી જુદો
જાણે છે તે અંતરાત્મા છે.
અંતરાત્માના ત્રણ ભેદ છે–ઉત્તમ, મધ્યમ અને જધન્ય.
ઉત્તમઅંતરાત્મા–અંતરંગ અને બહિરંગ પરિગ્રહ રહિત, ૭ થી ૧૨ ગુણસ્થાન સુધીમાં વર્તતા, શુદ્ધોપયોગી
અધ્યાત્મયોગી દિગંબર મુનિને ઉત્તમઅંતરાત્મા કહેવાય છે.
મધ્યઅંતરાત્મા–ગૃહાદિરહિત, છઠ્ઠા ગુણસ્થાનવર્તી શુભોપયોગી દિગંબર મુનિને તેમ જ વ્રતધારી પાંચમાં
ગુણસ્થાનવર્તી શ્રાવકને મધ્યમઅંતરાત્મા કહેવાય છે.
જઘન્યઅંતરાત્મા–ચોથા ગુણસ્થાનવર્તી વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિ જીવને જઘન્ય અંતરાત્મા કહેવાય છે.
પ્રશ્ન – ૩
(ક) સાત તત્ત્વોનાં નામ લખી, સંવર તથા નિર્જરા તત્ત્વની બાબતમાં મિથ્યાદ્રષ્ટિ શી ભૂલ કરે છે તે લખો.
(ખ) મિથ્યાત્વ અને રાગાદિ પ્રગટ દુઃખ આપનાર છે, છતાં તેનું સેવન કરવામાં કોણ સુખ માને છે, અને તે
કયા તત્ત્વની ભૂલ છે?
(ગ) ત્રસ એટલે ચાલી શકે તે અને સ્થાવર એટલે ન ચાલી શકે તે, એવી જો વ્યાખ્યા કરીએ તો શો દોષ
આવે તે દ્રષ્ટાંત આપી સમજાવો.
ઉત્તર – ૩
(ક) જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. (પુણ્ય અને પાપનો સમાવેશ
આસ્રવ અને બંધમાં થાય છે.)
સંવર તત્ત્વમાં મિથ્યાદ્રષ્ટિની ભૂલ–સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર તથા તે પૂર્વકનો વૈરાગ્ય, તેમજ અજ્ઞાન
અને રાગ–દ્વેષ છોડવારૂપ સંવર આત્માને લાભદાયક છે છતાં તેને કષ્ટદાયક માનવાં તે સંવર તત્ત્વની ભૂલ છે.
નિર્જરા તત્ત્વમાં મિથ્યાદ્રષ્ટિની ભૂલ–આત્મસ્વભાવના ભાનસહિત શુભાશુભ ઈચ્છાઓને રોકવી તે તપ છે અને
તે તપથી નિર્જરા થાય છે, છતાં તે અજ્ઞાનીને કષ્ટદાયક લાગે છે અને આત્માના જ્ઞાનાદિ ગુણને ભૂલી જઈને પાંચ
ઈન્દ્રિયોના વિષયોનું સેવન કરે છે અને તેમાં સુખ માને છે તે નિર્જરા તત્ત્વની ભૂલ છે.
(ખ) મિથ્યાત્વ અને રાગાદિ આત્માને પ્રગટ દુઃખ દેનારાં છે છતાં મિથ્યાદ્રષ્ટિ જીવ તેનું સેવન કરવામાં સુખ માને
છે, તે આસ્રવતત્ત્વની ભૂલ છે. કેમકે મિથ્યાત્વાદિ આસ્રવ પ્રગટ દુઃખદાયક હોવા છતાં તેને સુખદાયક માને છે.
(ગ) ‘ત્રસ એટલે ચાલી શકે તે અને સ્થાવર એટલે ન ચાલી શકે તે’ –એવી જો વ્યાખ્યા કરીએ તો
અતિવ્યાપ્તિ દોષ આવે છે. જેમકે (૧) પવન, પાણી વગેરે સ્થાવરો પણ ચાલે છે તેથી તેને ત્રસ ગણતાં અતિવ્યાપ્તિદોષ
આવે છે. અને (૨) અયોગી કેવળી ત્રસ છે પણ તે ચાલતાં નથી તેથી તેને સ્થાવર ગણતાં અતિવ્યાપ્તિ દોષ આવશે,
માટે ઉપર કહેલી વ્યાખ્યા સાચી નથી; પરંતુ, એકેન્દ્રિય તે સ્થાવર અને બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ત્રસ છે–એવી
ત્રસ–સ્થાવરની વ્યાખ્યા છે.
પ્રશ્ન – ૪
(ક) શરીરોનાં નામ આપો અને કયા જીવને એક, બે, ચાર અને પાંચ શરીર હોય?
(ખ) અગૃહીત મિથ્યાત્વ, પ્રતિજીવી ગુણ, બંધ, ભાવહિંસા અને સમુદ્ઘાતની ફક્ત વ્યાખ્યા લખો.
ઉત્તર – ૪
(ક) ૧. ઔદારિક, ૨. વૈક્રિયિક, ૩. આહારક, ૪. તૈજસ અને ૫. કાર્માણ એ પાંચ શરીરો છે.
એક શરીર કોઈ પણ જીવને હોતું નથી.
બે શરીર વિગ્રહગતિમાં રહેલા જીવને હોય છે અર્થાત્ જ્યારે જીવ એક ભવમાંથી બીજા ભવમાં જતો હોય ત્યારે
તેને તૈજસ અને કાર્માણ એ બે શરીર હોય છે.
ચાર શરીર છઠ્ઠાગુણસ્થાનવર્તી કોઈ મુનિને હોય છે (ઔદારિક, તૈજસ, કાર્મણ અને આહારક).
પાંચ શરીરો કોઈ પણ જીવને હોતાં નથી.

PDF/HTML Page 16 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૭૧ :
(ખ) અગૃહિતમિથ્યાત્વ= જે મિથ્યાત્વ અનાદિ કાળથી ચાલ્યું આવતું હોય તેને અગૃહિતમિથ્યાત્વ કહેવાય છે.
પ્રતિજીવીગુણ= વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે–જેમકે નાસ્તિત્વ.
બંધ=અનેક ચીજોમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળા સંબંધ વિશેષને બંધ કહે છે.
ભાવહિંસા=આત્મામાં અજ્ઞાન, રાગ, દ્વેષ આદિ વિકારી ભાવો થાય તે ભાવહિંસા છે.
સમુદ્ઘાત=મૂળ શરીરને છોડયા વગર આત્મપ્રદેશોનું બહાર નીકળવું તે સમુદ્ઘાત છે.
પ્રશ્ન – ૫
નીચેનું દરેક વાક્ય સમજપૂર્વક કહેનાર, દ્રવ્યના સામાન્ય ગુણોમાંથી કયા ગુણનો સ્વીકાર કરે છે તે લખો:–
(૧) સુખ પ્રાપ્ત કરવું તે દરેક જીવનું પ્રયોજન છે.
(૨) હું નાનો હતો ત્યારે મારામાં ઓછું જ્ઞાન હતું, પણ ધીમે ધીમે તેમાં વિકાસ થઈ રહ્યો છે.
(૩) સિદ્ધત્વને પ્રાપ્ત થયેલ દરેક આત્માને પોતાનો આકાર હોય છે.
(૪) ગમે તેવો આકરો રોગ શરીરમાં આવી પડે છતાં મારા એક પણ ગુણનો તે નાશ કરી શકે નહિ.
(૫) વિકાર ક્ષણિક હોવાથી તેને ટાળીને હું નિર્વિકારી થઈ શકું છું.
(૬) આ જગતનો કોઈ પણ કર્તા નથી.
(૭) કર્મનો તીવ્ર ઉદય હોવા છતાં આત્માનો જ્ઞાનગુણ ક્યારેય પણ સર્વથા નાશ પામતો નથી.
(૮) મારો આત્મા મારું જ્ઞેય છે તેથી હું મને જાણી શકું.
ઉત્તર – ૫
(૧) ‘સુખ પ્રાપ્ત કરવું તે દરેક જીવનું પ્રયોજન છે’ એમ સમજનાર વસ્તુત્વગુણને સ્વીકારે છે.
(૨) ‘હું નાનો હતો ત્યારે મારામાં ઓછું જ્ઞાન હતું, પણ ધીમે ધીમે તેમાં વિકાસ થઈ રહ્યો છે’ એમ સમજનાર
દ્રવ્યત્વગુણને સ્વીકારે છે.
(૩) ‘સિદ્ધત્વને પ્રાપ્ત થયેલ દરેક આત્માને પોતાનો આકાર હોય છે’ એમ સમજનાર પ્રદેશત્વગુણને સ્વીકારે છે.
(૪) ‘ગમે તેવો આકરો રોગ શરીરમાં આવી પડે છતાં મારા એક પણ ગુણનો તે નાશ કરી શકે નહિ’ એમ
સમજનાર અગુરુ લઘુત્વગુણને સ્વીકારે છે.
(૫) ‘વિકાર ક્ષણિક હોવાથી તેને ટાળીને હું નિર્વિકારી થઈ શકું છું’ એમ સમજનાર દ્રવ્યત્વગુણને સ્વીકારે છે.
(૬) ‘આ જગતનો કોઈ પણ કર્તા નથી’ એમ સમજનાર અસ્તિત્વગુણને સ્વીકારે છે.
(૭) ‘કર્મનો તીવ્ર ઉદય હોવા છતાં આત્માનો જ્ઞાન ગુણ ક્યારેય પણ સર્વથા નાશ પામતો નથી’ એમ
સમજનાર અગુરુલઘુત્વગુણને સ્વીકારે છે.
(૮) ‘મારો આત્મા મારું જ્ઞેય છે તેથી હું મને જાણી શકું’ એમ સમજનાર પ્રમેયત્વગુણને સ્વીકારે છે.
(નોંધ:– અહીં આપવામાં આવેલા ઉત્તરો નીચેના વિદ્યાર્થીઓ તરફથી મળેલા જવાબોમાંથી આપવામાં આવ્યા છે.)
૧. પ્રાણલાલ પોપટલાલ શાહ લાઠી માર્ક ૪૭
૨. પ્રવીણચંદ્ર શામજી પારેખ લાઠી માર્ક ૪૭
૩. બિપિનચંદ્ર લાભશંકર મહેતા રાજકોટ માર્ક ૪૬
૪. મહાસુખ ભાઈચંદ શાહ વીંછીયા માર્ક ૪૬
નાના વિદ્યાર્થીઓ માટે કુલ માર્ક–૪૦
પ્ર. (૧) દ્રવ્યનાં ભેદ કેટલાં છે, તેનાં નામ આપો.
ઉ. (૧) દ્રવ્યનાં છ ભેદ છે, ૧. જીવ ૨. પુદ્ગલ ૩. ધર્માસ્તિકાય ૪. અધર્માસ્તિકાય ૫. આકાશ અને ૬. કાળ.
પ્ર. (૨) મુખ્ય સામાન્યગુણોનાં નામ લખો.
ઉ. (૨) અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ એ મુખ્ય સામાન્યગુણો છે.
પ્ર. (૩) વર્ગણા કેટલા પ્રકારની છે, તેમાંની મુખ્ય વર્ગણાનાં નામ જણાવો.
ઉ. (૩) વર્ગણા બાવીસ પ્રકારની છે, તેમાં આહાર–વર્ગણા, તૈજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને
કાર્મણવર્ગણા મુખ્ય છે.
પ્ર. (૪) અસ્તિકાય દ્રવ્યો કયા કયા છે?
ઉ. (૪) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યો અસ્તિકાય છે.
પ્ર. (૫) પરિણમનહેતુત્વ કયા દ્રવ્યનો વિશેષગુણ છે?
ઉ. (૫) પરિણમનહેતુત્વ એ કાળદ્રવ્યનો વિશેષગુણ છે.
પ્ર. (૬) જે દ્રવ્યમાં બધાં બાકીનાં દ્રવ્યો રહેતાં હોય તેનું નામ જણાવો.
ઉ. (૬) આકાશદ્રવ્યમાં બધાં દ્રવ્યો રહે છે. ખરેખર તો દરેક દ્રવ્ય પોત પોતામાં જ રહ્યું છે, કોઈ દ્રવ્ય બીજા
દ્રવ્યમાં રહેતું નથી, પણ વ્યવહારે બોલાય છે.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permison of the Baroda Govt. Regd. No. B. 4787
Order No. 30 - 24 date 31 - 10 - 4
પ્ર. (૭) દરેક દ્રવ્યમાં એવો ક્યો ગુણ છે–જેથી તે
જણાય છે?
ઉ. (૭) દરેક દ્રવ્યમાં પ્રમેયત્વ ગુણ હોવાથી તે જણાય
છે.
પ્ર. (૮) આકાર વિનાની કઈ વસ્તુ છે? તમારા
જવાબનું કારણ આપો.
ઉ. (૮) આકાર વિનાની કોઈ વસ્તુ નથી કેમકે દરેક
દ્રવ્યમાં ‘પ્રદેશત્વ’ ગુણ રહેલો છે તેથી વસ્તુનો કોઈને કોઈ
આકાર અવશ્ય હોય છે.
નોંધ:– અહીં આપેલા જવાબો નીચેના વિદ્યાર્થીઓ
તરફથી મળેલા છે:–
૧. કિશોરચંદ્ર શાંતિલાલ દેસાઈ સોનગઢ માર્ક ૪૦
૨. કાન્તિલાલ રામજી શાહ લાઠી માર્ક ૪૦
૩. ચંદ્રકાન્ત ચંદુલાલ શાહ મોરબી માર્ક ૪૦
(અનુસંધાન પાન ૧૫૮ થી ચાલુ)
કુર્મોન્નત=કાચબા જેવા આકારની; વંશપત્ર=વાંસના
પાંદડા જેવા આકારની.
૯. કૂળનું સ્વરૂપ અને તેના ભેદોની સંખ્યા
જે પુદ્ગલો સ્વયં જીવના શરીરમય પરિણમે તે
શરીરના આકારાદિને કૂળ કહેવાય છે. જેમ કે પંચેન્દ્રિય
તિર્યંચોમાં શરીરના પુદ્ગલોના આકારાદિના ભેદથી હાથી,
ઘોડા વગેરે ભેદ છે તેને કૂળ કહી શકાય. તેમ અન્યત્ર આ
ભેદો યથાસંભવ જાણવા, આવી રીતે શરીરના આકારાદિના
કુલ ભેદો નીચે પ્રમાણે છે:–
(૧) પૃથ્વીકાય
૨૨ લાખ કરોડ
(૨) જળકાય ,, ,,
(૩) અગ્નિકાય ,, ,,
(૪) વાયુકાય ,, ,,
(પ) વનસ્પતિકાય ૨૮ ,, ,,
(૬) બેઈન્દ્રિય ,, ,,
(૭) ત્રેઈન્દ્રિય ,, ,,
(૮) ચતુરેન્દ્રિય ,, ,,
(૯) પંચેન્દ્રિય જળચર તિર્યંચો ૧૨।। ,, ,,
(૧૦) ભૂમિમાં રહેનારા સર્પાદિક ૯ ,, ,,
(૧૧) ગાય વગેરે પશુઓ ૧૦ ,, ,,
(૧૨) પક્ષીઓ ૧૨ ,, ,,
(૧૩) મનુષ્યો ૧૨ ,, ,,
(૧૪) દેવો ૨૬ ,, ,,
(૧૫) નારકી ૨૫ ,, ,,
બધાં મળીને ૧૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦ એક ક્રોડા–ક્રોડી
અને તે ઉપરાંત સતાણું લાખ પચાસ હજાર કરોડ (અર્થાત્
બે ક્રોડાક્રોડીમાં અઢી હજર અબજ ઓછા.)
તાત્પર્ય
શ્રી વીતરાગની વાણી વીતરાગતા પ્રગટ કરવાનું
સાધન છે, માટે આ કથનને પણ મુમુક્ષુઓએ વીતરાગતાનું
સાધન બનાવવું જોઈએ.
જીવ અનાદિથી મિથ્યાદર્શનરૂપ પોતાના મહા ભયંકર
દોષના કારણે પોતાના સ્વરૂપની અન્યથા પ્રતીતિ કરી
રહ્યો છે. જ્યાં સુધી એ દોષ રાખ્યા કરે ત્યાં સુધી તે
ચોરાશી લાખ યોનિના ચક્રમાં જન્મ ધારણ કરીને અનંત
દુઃખ ભોગવે છે.
આ બધા ચોરાશીના જન્મનું દુઃખ ટાળવાનો ઉપાય
પુણ્ય છે–એમ અજ્ઞાની માને છે; દયા, દાન, જાત્રા, ભક્તિ,
સેવા, પૂજા, જપ, તપ વગેરેમાં શુભભાવ કરવાથી
આત્માનું કલ્યાણ થઈ જશે એમ પણ અજ્ઞાનીઓ માને છે,
અને કદાચ તે પુણ્ય વડે હાલમાં તુરત કલ્યાણ નહિ થાય
તો પણ પુણ્ય કરતાં કરતાં કાળાંતરે કલ્યાણ થઈ જશે એમ
તેઓ માને છે તેમજ તેઓની તે મિથ્યા માન્યતાઓને
અજ્ઞાની ઉપદેશકો અનેક પ્રકારે પોષે છે તથા શાસ્ત્રોનાં
નામે અનેક કુયુક્તિઓ, દ્રષ્ટાંતો આપે છે; પરંતુ આત્માનું
સ્વરૂપ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી ચોરાશીના અવતાર
ટળે જ નહિ. પુણ્ય તે રાગ છે–વિકાર છે તેથી તે પણ
ચોરાશીના અવતારનું જ કારણ છે. ઘણા જીવો
પુણ્યભાવથી સંતોષ માની લે છે અને આત્માના પરમાર્થ
તત્ત્વનું જ્ઞાન કરતા નથી, તેમને મિથ્યાત્વનું મોટામાં મોટું
પાપ છે અને તે જ ચોરાશીના અવતારની જડ છે. પુણ્ય તો
વિકારી ભાવ છે અને ધર્મ તો આત્માનો અવિકારીભાવ
છે; વિકાર કરતાં કરતાં કદી પણ અવિકારીપણું પ્રગટે જ
નહિ એટલે કે પુણ્ય વડે કદી પણ ધર્મ થાય જ નહિ.
ચોરાશી લાખ યોનિઓમાં થતાં જન્મનું મુળ અજ્ઞાન
છે અને તે ટાળવાનો ખરો ઉપાય સૌથી પ્રથમ
મિથ્યાદર્શનરૂપ પાપને ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે
જ છે. સમ્યગ્દર્શન એ જ ધર્મનું મૂળ છે અને તે જ
સંસારના નાશનો મૂળ ઉપાય છે; સમ્યગ્દર્શનથી જ ધર્મની
શરૂઆત થાય છે અને સંસારચક્ર તૂટી જાય છે. સમ્યગ્દર્શન
થતાં કેટલાક જીવો તે જ ભવે મોક્ષ પામે છે અને કેટલાક
અલ્પભવમાં મોક્ષ પામે છે. માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રની એકતા વડે સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરીને ચોરાશી
લાખમાં જન્મ, મરણનો નાશ કરી જન્મ–મરણ રહિત સિદ્ધ
દશા પ્રગટ કરવા માટે દરેક મુમુક્ષુઓએ પ્રથમ સમ્યગ્દર્શન
પ્રગટ કરવાનો પુરુષાર્થ નિરંતર કરવો જોઈએ.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, તા. ૨૮ – ૬ – ૪૬
પ્રકાશક: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. કાઠિયાવાડ.