Atmadharma magazine - Ank 337
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૩૭
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
૩૩૭
સુખમય સુપ્રભાત
અહો, આત્માનું સુખ, જે રાગથી પાર છે તેનો
સ્વાદ જીવે પૂર્વે કદી ચાખ્યો ન હતો. સમ્યગ્દર્શનરૂપી
ચૈતન્ય–પ્રભાતે ઊગ્યું ત્યારે આત્માના અનુભવમાં તે અપૂર્વ
આહ્લાદરૂપ સુખનો સ્વાદ પહેલીવાર આવ્યો. ને પછી
તેમાં લીનતાવડે શુદ્ધોપયોગી કેવળજ્ઞાન થતાં તો તે સુખ
અતિશયપણે અનુભવમાં આવ્યું, આખો સુખનો દરિયો જ
ઉલ્લસ્યો. એ સુખની શી વાત! ભગવાન કુન્દકુન્દસ્વામી
જેવા સંત જેની અત્યંત પ્રશંસા કરે છે, તેવું સુખ આત્માના
સ્વભાવમાં ભર્યું છે. અરે, પ્રસન્નતાથી એની પ્રતીત તો કરો.
પ્રતીત કરતાં તે પ્રગટ થશે. નાસ્તિમાંથી અસ્તિ ક્યાંથી
આવશે? સત્ છે તેની અસ્તિનો સ્વીકાર કરતાં તે
અનુભવમાં આવે છે ને સુખમય સુપ્રભાત ખીલી જાય છે.
વીર સં. ૨૪૯૮ કારતક (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૯: અંક ૧

PDF/HTML Page 3 of 49
single page version

background image
વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવજમ કરતક
ચર રૂપય OCTO. 1971
* વષ: ૨૯ અક ૧ *
આપણું ઉત્તમ ધ્યેય
સાધર્મી બંધુઓ, દીવાળીના મંગલ પર્વમાં ગુરુદેવે પીરસેલા
ઉત્તમ અધ્યાત્મ તત્ત્વની આનંદકારી બોણી આત્મધર્મના આ અંક દ્વારા
આપ મેળવી રહ્યા છો. આ એવી અલૌકિક બોણી છે કે જેના વડે
મુક્તિનો ઉત્તમ લાભ થાય છે. અહા! આત્માનો લાભ થાય–એના જેવું
ઉત્તમ બીજું શું હોય!
ગુરુદેવ જૈનશાસનના મર્મરૂપે આપણને નિરંતર કહે છે કે હે
ભવ્ય! આનંદથી ભરેલા તારા આત્માની તું અનુભૂતિ કર
અંર્તતત્ત્વની આવી અનુભૂતિ કરવી તે જ જીવનની સફળતા છે.
રાગથી પાર આત્માની અનુભૂતિરૂપ ઉત્તમ ધ્યેયવાળું જ
મુમુક્ષુનું જીવન હોય છે. અને જ્યાં આવું ઉત્તમ ધ્યેય છે ત્યાં
આત્મામાંથી ઉત્તમ શાંતિના ફુવારા ફૂટે છે, ત્યાં સંસારનો કોલાહલ
રહેતો નથી. જગતના કોલાહલથી અત્યંત દૂર–દૂર, ચૈતન્યતત્ત્વના પરમ
શાંતરસમાં ઊંડી શોધ કરીને મુમુક્ષુજીવો પોતાના ઉત્તમધ્યેયને પામીને
આનંદમય સુપ્રભાત ઉગાડો...
(–બ્ર. હ. જૈન)

PDF/HTML Page 4 of 49
single page version

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
આત્મામાં નિર્વાણમાર્ગના મંગળ દીવડા પ્રગટ્યા
એ જ સાચી દીપાવલી
[વીર સં. ૨૪૯૭ આસોવદ ૧૪ નિયમસાર ગાથા ૧૩૭]
આત્મામાં ચૈતન્ય–દીવડા, અને ભગવાન મહાવીર
જે માર્ગે નિર્વાણ પામ્યા તે નિર્વાણમાર્ગ આ આત્મામાં
પણ પ્રગટે... એ રીતે સાચી દીવાળી ઊજવાય તેની રીત
ગુરુદેવે આ પ્રવચનમાં બતાવી છે. ધર્મી જાણે છે કે મારી
ચેતનાપરિણતિમાં મારું પરમાત્મતત્ત્વ બિરાજે છે.
ચૈતન્યદીવડાથી બહાર નીકળીને પરભાવરૂપી અંધકારમાં
મારું તત્ત્વ જતું નથી. ચેતનાપરિણતિમાં અખંડ તત્ત્વના
આનંદનો સદ્ભાવ તે અજોડ દશા છે. અનંત
ચૈતન્યદીવડાથી શોભતું આનંદમય સુપ્રભાત તેને ઊગ્યું.
ભગવાનનો માર્ગ એટલે કે આત્માની મુક્તિનો માર્ગ અત્યંતપણે
અંતર્મુખ છે, સમસ્ત રાગાદિ બાહ્યભાવોનો તેમાં સર્વથા અભાવ છે.
આનંદ સ્વરૂપ જે પોતાનું પરમાત્મતત્ત્વ, તેમાં જોડાઈને જે ઉપયોગ
અંતર્મુખ થયો તેમાં રાગાદિ સમસ્ત પરભાવોનો અભાવ છે; અહો!
આવી અંતર્મુખ પરિણતિમાં દુઃખ નથી, ભવ નથી, દ્વેત નથી, તે તો
આનંદરૂપ છે, મુક્ત છે, આનંદમય કારણપરમાત્મા સાથે તે જોડાયેલી છે.
અંતરમા આનંદના સમુદ્રના તળીયાને સ્પર્શીને જે પરિણતિ
આવે તે પરિણતિ અત્યંત આનંદરૂપ છે, તે પરિણતિ સાથે આત્માને
એકાકારપણે જોડવો તે શુદ્ધોપયોગભક્તિ છે, તે નિર્વાણની ભક્તિ છે.
જેના અસંખ્ય પ્રદેશો અતીન્દ્રિય આનંદરસમાં તરબોળ છે એવા
પોતાના આત્મામાં અત્યંત અંતર્મુખ થતાં જે પરમ આનંદ પરિણતિ
પ્રગટી તેમાં રાગ–દ્વેષ–મોહાદિ છે જ નહીં. અરે, આવા આનંદથી ભરપૂર

PDF/HTML Page 5 of 49
single page version

background image
: ૨ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
અંર્તતત્ત્વને છોડીને બહારમાં વિષય–કષાયોમાં ડોકિ્્યાં કોણ કરે?
સુખના દરિયામાંથી બહાર નીકળીને દુઃખમાં કોણ જાય?
અખંડ સ્વરૂપના આશ્રયે પ્રગટેલી પરિણતિ પણ અખંડ છે, અખંડ
આત્મસ્વરૂપમાં જે પર્યાય એકાગ્ર થઈ તે પર્યાય પણ અખંડ છે રાગાદિ
આનંદનો સદ્ભાવ છે, તે અજોડ દશા છે; તેની સાથે વ્યવહારના ભાવોની
તૂલના થઈ શકે નહીં. તે પર્યાયમાં તો આનંદમય પ્રભુ પધાર્યા છે.
કારણપરમાત્મારૂપ શુદ્ધદ્રવ્ય, પોતાની અંતર્મુખ પરિણતિમાં થંભી
ગયું છે; તેથી આગળ નીકળીને બહારના પરભાવોમાં તે જતું નથી.
અહા! પોતાની ચેતનાપરિણતિમાં પોતાનું પરમાત્મતત્ત્વ બિરાજે છે;
પોતાની પરિણતિ સાથે દ્રવ્ય જોડાય છે, ને પરિણતિ પોતાના દ્રવ્યમાં
જોડાય છે, આ રીતે દ્રવ્ય–પર્યાયનું અદ્વૈત છે, તેમાં દ્વૈત નથી, તેમાં ક્યાંય
રાગાદિ પરભાવ નથી. ચૈતન્યતત્ત્વમાં જોડાયેલી પરિણતિ રાગાદિમાં
જરાય જોડાતી નથી. અરે, ચેતનાપરિણતિમાં જો ચેતનપ્રભુ ન આવે તો
એને ચેતન પરિણતિ કોણ કહે?
સિદ્ધભગવાન જેમ રાગમાં નથી રહ્યા, પોતાના આનંદમાં જ
રહ્યા છે; તેમ સાધકની અંતર્મુખ પરિણતિ પણ રાગાદિ પરભાવમાં નથી
વર્તતી, તે તો પરમ તત્ત્વના આનંદથી ભરેલી છે. આવી પરિણતિરૂપે
આત્મા પરિણમ્યો તે જ સાચી દીવાળી; તેનામા અનંત ચૈતન્યદીવડા
પ્રગટ્યા, ને આનંદમય સુપ્રભાત તેને ઊગ્યું.
અરે, સંસારના પ્રપંચમાં ને લક્ષ્મી વગેરે વૈભવમાં જેને સુખ
ઉપયોગને કેમ જોડે? અને મોક્ષનું સુખ તેને ક્યાંથી મળે? અહા!
,
તેમાં ઉપયોગને જોડતાં જે આનંદદશા પ્રગટે છે તે અજોડ છે, તેની પાસે
સંસારના બધા સુખો તો પ્રપંચરૂપ છે, તેમાં ક્્યાંય સાચું સુખ છે જ
નહીં. સાચું સુખ તો અંતરના સુખનિધાનમાંથી નીકળે છે.
અંતરના સુખના નિધાનમાં જેણે પોતાનો ઉપયોગ જોડ્યો છે એવા

PDF/HTML Page 6 of 49
single page version

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
સમ્યગ્દ્રષ્ટિ–યોગીજનો જ પોતાના અખંડ અદ્વત પરમઆનંદને અનુભવે
છે. આવો આનંદનો અનુભવ પ્રગટે તે જ ચૈતન્યના દીવડાથી
ઝગઝગતી દીવાળી છે.
અહા, આવું અપૂર્વ ચૈતન્યસુખ, તે બાહ્યદ્રષ્ટિવાળા બીજા જીવોને
ક્યાંથી હોય? ઉપયોગને રાગથી છૂટો કરીને અંતરમાં જે જોડે તેને જ
આવું અપૂર્વ ચૈતન્યસુખ અનુભવાય છે. આવી દશા તે જ ભવના
અંતનો પંથ છે, તે જ મહા આનંદનો માર્ગ છે. આવી દશાવડે જ
આત્મામાં સાચી આનંદમય દીવાળી ઉજવાય છે.
ચૈતન્યન પરિણતિને પોતાના કારણપરમાત્મા સાથે જ મેળ ખાય
છે, એ સિવાય દુનિયાના પ્રપંચ સાથે એને મેળ ખાય તેમ નથી. માટે
દુનિયાના કોઈ અજ્ઞ જીવો કદાચ તારા સત્માર્ગની નિંદા કરે તોપણ તું
માર્ગ પ્રત્યેની પરમભક્તિને કે ઉત્સાહને છોડીશ નહીં. અહા, આ જ મારા
સુખનો માર્ગ છે–એમ પરમ નિઃશંકપણે અંતરમાં તારા માર્ગે ચાલ્યો જાજે.
આવો અંતરનો માર્ગ બહારના શુભાશુભ પ્રપંચમાં રોકાયેલા જીવોને
ક્યાંથી હોય? દુનિયા દુનિયામાં રહી, મારો માર્ગ તો મારામાં સમાય છે.
ચૈતન્ય ચમત્કારની ભક્તિ વડે આત્મા મુક્તિ પામે છે. તે ભક્તિ
કેમ થાય? કે મહાશુદ્ધ રત્નત્રયસ્વભાવી આત્મા છે તેમાં પોતાને સમ્યક્
પરિણામવડે સ્થાપવો તે નિશ્ચયભક્તિ છે, તે મુક્તિનું કારણ છે.
ભાઈ, તારા સુખના પંથ તારા આત્મામાંથી નીકળે છે; જેમાં
મહાન સુખ ભરેલું છે એવો તું પોતે તારા આત્મામાં એકાગ્ર થઈને
સુખનો અનુભવ કર, તે જ તારા સુખનો પંથ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિર્મળ પર્યાય તે રૂપે પોતાનો
આત્મા પરિણમે છે. રત્નત્રયસ્વભાવ આત્મામાં ત્રિકાળ છે, તે મહા–શુદ્ધ
રત્નત્રયવાળા સ્વભાવને તારી નિર્મળ પર્યાયમાં સ્થાપ. આત્માને
રાગમાં ન સ્થાપ; સ્વસન્મુખ ચૈત્નયપરિણતિમાં આત્માને સ્થાપ.
અરે, આત્માની શાંતિથી બહાર નીકળીને ચોરાશીના ચક્કરમાં દુઃખી
થઈને ડોલી રહેલો આ આત્મા, તેને તેમાંથી બહાર કાઢવા માટે, દુઃખની
ભડભડતી અગ્નિમાંથી આત્માને બચાવવા માટે, હે જીવ! અંદર મહાન

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
શાંતિનું સરોવર છે, તેમાં તારા આત્માને તરબોળ કર; સ્વભાવની
સન્મુખ થઈને સમ્યક્ પરિણામમાં તારા આત્માને સ્થાપ તે જ ચૈતન્યની
પરમ ભક્તિ છે, તેનું ફળ મુક્તિ છે.
વાહ! મુક્તિનો માર્ગ... તેનો પણ કોઈ પરમ અચિંત્ય મહિમા તો
જે આત્મસ્વભાવમાંથી આવો માર્ગ પ્રગટે છે તેના મહિમાની શી વાત!
આવા સ્વભાવને લક્ષગત કરતાં તેના પરમ મહિમારૂપ ભક્તિ જાગે છે,
ને પરિણામ તેમાં એકાગ્ર થઈને તેને જ ભજે છે; તે ભક્તિવડે જીવ
આનંદમય મોક્ષઘરને પામે છે.
આત્માનું ચૈતન્યઘર મહાન આનંદથી અતિશય શોભી રહ્યું છે;
આ ચૈતન્યઘરથી ઊંચું બીજું કાંઈ જગતમાં નથી. અરે જીવ! તારા ઘરમાં
આવીને તારા આત્માની શોભા તો જો! અદ્ભુત–અલૌકિક આનંદ તેમાં
ભરેલો છે... ચૈતન્યભગવાન તેમાં વસે છે... ભગવાનપણું તારા ઘરમાં
જ ભરેલું છે; ને કોઈ વિભાવનો કચરો તેમાં નથી, કોઈ વિપદા તેમાં
નથી. પરમ ભક્તિથી આવા ચૈતન્યચમત્કાર–આનંદમય સ્વઘરમાં
આત્માને સ્થિર કરતા તારો આત્મા અતિશય આનંદથી શોભી ઉઠશે...
દીવાળીના ચૈતન્ય દીવડા આત્મામાં ઝગઝગી ઊઠશે.
હું તીર્થંકરોના પંથે જાઉં છું
અરે જીવ! ભવચક્રમાં તું દુઃખથી રખડી રહ્યો છો; એકવાર આનંદમૂર્તિ પોતાના
આત્માને લક્ષમાં લઈને તેનો અનુભવ કર તો તારા બધાય ભવ ટળી જશે, ને મોક્ષનો
માર્ગ તારામાં જ પ્રસિદ્ધ થશે. અરે, મનુષ્યપણું પામીનેય જો મોક્ષનો ઉપાય ન કર્યો તો
તેં શું કર્યું? આ મનુષ્યઅવતારમાં કરવા જેવું કામ તો આ એક જ છે. બીજા શુભ–
અશુભ હોય તે કાંઈ ચૈતન્યની ચીજ નથી. જ્ઞાનને અંતર્મુખ કરીને સીધો જ્ઞાનાનંદસ્વરૂપ
સાથે સંબંધ કર. –તેમાં તને આત્મલબ્ધિરૂપ મુક્તિ થશે. મોક્ષનો મહા આનંદ તને તારા
આત્મામાં જ અનુભવાશે; માટે ઉપયોગને આત્મામાં જોડીને અનુત્તમ સૌથી શ્રેષ્ઠ એવી
યોગભક્તિ કર. બધાય તીર્થંકર ભગવંતો આવી ઉત્તમ યોગભક્તિવડે જ નિર્વાણને
પામ્યા છે, હું પણ આવી યોગભક્તિ વડે મુક્તિના માર્ગમાં તે તીર્થંકરોના પંથે જાઉં છું.

PDF/HTML Page 8 of 49
single page version

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
“ મંગલ દીપાવલી–પ્રવચન “
મોક્ષ માટેની યોગ – ભક્તિ
જેના વડે તીર્થંકરો મોક્ષ પામ્યા, તું પણ તેમાં આત્માને જોડ!
[મહાવીરનિર્વાણ મંગલદિન: વીર સં. ૨૪૯૮ પ્રારંભ: નિયમસાર ગા. ૧૩૮]
આજે ભગવાન મહાવીર પરમાત્મા મોક્ષ પામ્યા તેનો મંગળ દિવસ છે; એવા
મોક્ષની ભક્તિ એટલે કે મોક્ષની આરાધના કેમ થાય તેની આ વાત છે.
ભાઈ, આ તારી મુક્તિના માર્ગ બતાવાય છે; તારા સુખની રીત બતાવાય
છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગને જોડતાં વીતરાગી સમરસ પ્રગટે છે તે જ
મોક્ષની ભક્તિ છે, તે જ નિશ્ચય યોગભક્તિ છે. આવી ભક્તિવડે ઉત્તમ પુરુષો
મુક્તિને પામ્યા છે.
આત્માને ક્યાં જોડવો? કેવો અનુભવવો? તે વાત છે. અજ્ઞાની પોતાના
આત્માને રાગમાં જોડીને રાગને ભજે છે; તેને બદલે રાગથી ભિન્ન જે અતિ અપૂર્વ
નિરૂપરાગ ચૈતન્યપરિણતિ, તે પરિણતિમાં આત્માને જોડવો, તેમાં મોહ–રાગ–દ્વેષાદિ
રત્નત્રયભાવ તેમાં વર્તે છે. આવી અતિ–અપૂર્વ પરિણતિમાં આત્માનું પરિણમન તે મોક્ષ
માટેની યોગભક્તિ છે–એમ આ સૂત્રમાં કહ્યું છે.
અહો, કુંદકુંદાચાર્ય દેવ વગેરે સંતો તો વીતરાગ ભગવંતો હતા, તેમના રચેલાં
આ સૂત્રો તે પણ વીતરાગી સૂત્રો છે. તેમાં કહે છે કે હે ભવ્ય? મોક્ષને માટે તારા
આત્માને તારી અતિ અપૂર્વ વીતરાગ ચૈતન્યપરિણતિમાં જોડ; તેમાં આનંદમય સમરસ
છે, પણ તેમાં વિકલ્પ નથી, રાગ નથી, દુઃખ નથી, આવી નિર્વિકલ્પ ચૈતન્ય વિલાસરૂપ
રત્નત્રય–પરિણતિમા આત્માને જોડીને એટલે કે આત્માને તે રૂપે પરિણમાવીને
ભગવાન મહાવીર મોક્ષપદને પામ્યા. માટે હે ભવ્ય જીવો! હે મહાજનો! તમે પણ નિજ
આત્માને વીતરાગી સ્વપરિણતિમાં જોડીને, પરમ વીતરાગસુખ દેનારી આવી
યોગભક્તિ કરો.

PDF/HTML Page 9 of 49
single page version

background image
: ૬ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
અહા, આનંદમય શાંત ચૈતન્યધામ! તેમાં વિકલ્પનો શોરબકોર કેવો? શાંતિના
દરિયામાં અશાંતિ કેવી? ધર્મીને પર્યાયેપર્યાયે પોતાનો કારણપરમાત્મા અભેદ વર્તી રહ્યો
છે; કારણપરમાત્માને પોતામાં અભેદ રાખીને જ ધર્મીનું પરિણમન વર્તી રહ્યું છે, એટલે
તેણે પોતાને રાગથી જુદો કરીને પોતાની શુદ્ધ–નિર્વિકલ્પ–આનંદમય–ચૈતન્યપરિણતિમાં
સ્થાપ્યો છે. –આનું નામ ઉત્તમ યોગભક્તિ, અને આ જ મોક્ષ માર્ગ! ઋષભથી માંડીને
મહાવીર સુધીના તીર્થંકર ભગવંતો આવી યોગભક્તિ વડે નિર્વાણને પામ્યા છે, માટે તું
પણ આવા ઉત્તમ યોગરૂપી ભક્તિ કર.
અહા, તે ભગવંતો સર્વ આત્મપ્રદેશે અત્યંત આનંદરૂપી પરમ સુધારસના પાનથી
પરિતૃપ્ત થયા. સમ્યગ્દર્શન થયું ત્યારે પણ આત્મા સર્વપ્રદેશે આનંદમય પરમ સુધારસના
પાનથી તૃપ્ત–તૃપ્ત થયો છે; ને તેના ફળમાં મોક્ષના સાદિઅનંત આનંદમય અનંત
ચૈતન્યરસમાં આત્મા પરિતૃપ્ત થયો. મોક્ષનો માર્ગ તો આનંદમય છે.
ધર્માત્મા જાણે છે કે અહા, મારો પરમ આનંદમય આત્મા જ્યાં મારા અનુભવમાં
બિરાજે છે ત્યાં હવે કેવળજ્ઞાન અને મોક્ષદશા પણ મને નજીક જ વર્તે છે. અનંતકાળના
ભવદુઃખનો તો હવે અંત આવી ગયો. સમ્યગ્દર્શન થતાં રાગ વગરની ચૈતન્ય શાંતિનું
વેદન થયું. શુદ્ધ દ્રવ્ય–ગુણનો સ્વીકાર થયો ત્યાં આત્મા શુદ્ધ પર્યાયરૂપે પરિણમ્યો, એટલે
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેયથી શુદ્ધપણે આત્મા પરિણમ્યો, રાગના અંધારા દૂર કરીને
ચૈતન્યદીવડાનો પ્રકાશ પ્રગટ્યો આ સાચી દીવાળી છે. દીવાળીમાં આત્માએ પોતે
પોતાને પરમ આનંદની બોણી આપી.
આત્માનું સ્વરૂપ સર્વથા અંતર્મુખ છે; તેને પોતાની અંદર પોતાની શુદ્ધઆનંદ
પરિણતિનો જ સથવારો છે, બીજા કોઈનો સથવારો તેને નથી; રાગ તો બહાર રહી જાય
છે. અહો, આ તો સંતોના માર્ગનું અમૃત છે. થોડુંક પણ અમૃત પરમ આનંદને આપે છે ને
અનંતકાળનું દુઃખ મટાડે છે. ધર્માત્માને જ્યાં અંતર્મુખ પરિણામ થયા ત્યાં તેની પરિણતિમાં
હવે નિર્મળતા જ વહે છે, કારણ પરમાત્માપ્રભુ તેની દશામાં બિરાજે છે, તેમાં હવે રાગને કે
ભવને સ્થાન જ નથી. ભાઈ! તારા આત્માને આવા સ્વભાવ તરફ ઉલ્લસાવ! અરે,
નિજાનંદથી ભરપૂર આવા પોતાના તત્ત્વને ભૂલીને બીજે ક્યાંય પણ ઉલ્લસાવ કરીને
રોકાઈ જાય–તે અંતર્મુખ ક્યાંથી થાય? મુક્તિનો માર્ગ ત સર્વથા અંતર્મુખ જ છે.
ભાઈ, તારા મોક્ષને માટે તારી શુદ્ધપરિણતિ જ તને અનુકૂળ છે, ને રાગાદિ
પ્રતિકૂળ છે. બીજું કોઈ તને અનુકૂળ કે પ્રતિકૂળ નથી.

PDF/HTML Page 10 of 49
single page version

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
મોક્ષમાર્ગમાં તારી પોતાની જે અતિ–અપૂર્વ શાંત પરિણતિ છે તે જ તારી
સાથીદાર છે, તે પરિણતિમાં જ તું કારણપરમાત્માં બિરાજી રહ્યો છો. અહા, હું
કારણપરમાત્માં જેમાં બિરાજું તેમાં મોહ–રાગદ્વેષ કેમ રહે? ન જ રહે. મારા આત્માને
શુદ્ધતામાં પરિણામવ્યો ત્યાં હવે અશુદ્ધતા છે જ નહીં. આનું નામ મોક્ષ માટેની સાચી
યોગભક્તિ છે. આવી ભક્તિ વડે જ તીર્થંકર ભગવંતો નિર્વાણના મહા આનંદને પામ્યા
છે, માટે તું પણ તારા આત્માને આવી યોગભક્તિમાં જોડ.... તને પણ મહા આનંદ
સહિત મોક્ષમાર્ગ પ્રગટશે.
આત્મામાં મોક્ષમાર્ગના દીવડા પ્રગટ્યા એ જ સાચી દીવાળી.
અહો, ઋષભાદિ મહાવીરપર્યંત સમસ્ત જિનવર ભગવંતો
આવી પરમ યોગભક્તિ વડે જ મુક્તિને પામ્યા છે. અહા, મોક્ષ એ
તો પરમઆનંદથી તૃપ્ત દશા છે. પરમ આનંદમય તત્ત્વમાં જે પરિણતિ
ઢળી ગઈ તે પોતે આનંદરૂપ થઈ ગઈ, ને ભવદુઃખથી તે છૂટી ગઈ.
માટે હે મોક્ષસુખના અભિલાષી ભવ્યજન! તું પણ તારી પરિણતિને
આત્મામાં જોડીને આવી યોગભક્તિ કર. આ યોગભક્તિ તને પરમ
વીતરાગ સુખ દેનારી છે.
અહો, સુંદર આનંદઝરતું મારું આ તત્ત્વ પરમ ઉત્તમ છે, તેની
ભાવનાથી અપૂર્વ સુખ ઊપજે છે. અહા, આવું સહજ સુખરૂપ મારું
તત્ત્વ, તેની ભાવનામાં તત્ત્પર એવા મને હવે જગતના બીજા ક્યાં
પદાર્થની સ્પૃહા છે? તેથી–
“ગુરુના સાન્નિધ્યમાં નિર્મળસુખકારી ધર્મને પ્રાપ્ત કરીને,
જ્ઞાનવડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે એવો હું, હવે
રાગ–દ્વેષની પરાંપરારૂપે પરિણત ચિત્તને છોડીને, શુદ્ધ ધ્યાનવડે
શાંત–એકાગ્ર કરેલા સમાહિત મનથી મારા આનંદાત્મક તત્ત્વમાં
સ્થિર રહું છું–પરમબ્રહ્મ પરમાત્મામાં લીન રહું છું.”
(નિયમસાર)

PDF/HTML Page 11 of 49
single page version

background image
: ૮ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
સમ્યક્ ચૈતન્યપ્રભાતનો ઉદય જયવંત રહો.
અત્મલબ્ધન ઉત્તમ અવસર
(કારતક સુદ એકમ સુપ્રભાતનું મંગલપ્રવચન નિયમસાર કળશ ૧૨૯)
બેસતા વર્ષના સુપ્રભાતમાં મંગલરૂપે આત્મામાં પંચપરમેષ્ઠીપણું
બતાવતાં ગુરુદેવે કહ્યું કે સિદ્ધભગવંતો, અરિહંતભગવતો વગેરે
પરમેષ્ઠીપદ છે તે આત્મામાં જ છે; પંચપરમેષ્ઠીસ્વરૂપ આત્મા જ છે તેથી
આત્મા પોતે મંગળ છે. આવા આત્માના ધ્યાનથી અંદર અપૂર્વ શાંતિનું
વેદન થાય છે. ભગવાનપણું આત્મામાં વિદ્યમાન છે તે સત્ છે, તેથી તેને
ધ્યાવતા અંદર શાંતિનું વેદન થાય છે. આવા આત્મસ્વરૂપને લક્ષમાં લેતાં
સમ્યક્વાદિ સુપ્રભાત પ્રગટે છે ને તેના ફળમાં અનંત ચતુષ્ટયસ્વરૂપ
મહાન આનંદમય સુપ્રભાતમ પ્રગટે છે તે સાદિઅનંત રહે છે.
મંગલપ્રવચનમાં નિયમસાર કળશ ૧૨૯ વાંચતા ગુરુદેવે કહ્યું કે–આત્મા પોતે
ત્રિકાળપ્રકાશમાન ચૈતન્યસૂર્ય છે તે ત્રિકાળ મંગલ છે; તેની સન્મુખતા વડે
સમ્યગ્દર્શનાદિ ચૈતન્યપ્રભાત પ્રગટે છે તે આનંદરૂપ છે; અને કેવળજ્ઞાન–કેવળદર્શન–
અનંતસુખ ને અનંતવીર્ય ખીલી જાય છે તે મહાન મંગળ છે.
મંગળ પ્રભાત કહો કે સુખમય આત્માની લબ્ધિ કહો. તે કેમ પ્રગટે? આત્મામાં
ઉપયોગને જોડતાં કોઈ ભેદવિકલ્પ રહેતા નથી, આ જ સૌથી શ્રેષ્ઠ યોગ–ભક્તિ છે. આવી
સર્વોત્તમ યોગભક્તિવડે, એટલે કે અન્તર્મુખ ઉપયોગ વડે આત્મલબ્ધિરૂપ મુક્તિ થાય છે.
અહો, મંગળવર્ષામાં આત્મલબ્ધિની વાત આવી છે. આત્માની પ્રાપ્તિ થાય
અનુભૂતિ થાય એના જેવો બીજો કોઈ લાભ જગતમાં નથી. બાપુ! સંસારમાં તું
કષાયોના દાવાનળમાં જલી રહ્યો હતો, તેનાથી છૂટીને આ ચૈતન્યની અપૂર્વ શાંતિમાં
સ્વભાવથી ભરેલ વસ્તુ, તેની અનુભૂતિમાં ભેદનો અભાવ છે, ને અભેદચૈતન્યમાં પરમ
આનંદનું વેદન છે. અહા, ચૈતન્યવસ્તુ તો આનંદરૂપ જ હોય ને! વસ્તુ કાંઈ દુઃખરૂપ
હોય? આત્મા તો અતીન્દ્રિય આનંદનો મોટો પહાડ છે. આવા આત્માની પ્રાપ્તિમાં
આનંદનું વેદન છે, પણ તેમાં કોઈ ભેદ–વિકલ્પ નથી. આવી અભેદઅનુભૂતિ પ્રગટે તે જ
ચૈતન્યદીવડાથી શોભતી અપૂર્વ દીવાળી છે.
(બાકીનો ભાગ આવતા અંકે)

PDF/HTML Page 12 of 49
single page version

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
“जाकी मौज महिमा अपार अद्भुत है”
ત્મત્ત્ િ પ્રિદ્ધ
જેનો મહિમા દુનિયામાં પ્રસિદ્ધ છે એવા અદ્ભુત મહિમાવંત
ચૈતન્યતત્ત્વને હે જીવો! તમે તમારામાં અનુભવો. જગતમાં અનંત
સંતોએ આવો મહિમાવંત આત્મા પ્રસિદ્ધ કર્યો છે. આવું મહિમાવંત
આનંદથી ભરેલું તારું ચૈતન્યતત્ત્વ, તું જ્યાં જા ત્યાં તારી સાથે ને
સાથે જ છે, તેને દેખ તો જ તને આનંદ થશે; પોતાના આનંદસ્વરૂપને
દેખ્યા વગર જગતમાં ક્યાંક લેશમાત્ર સુખ મળવાનું નથી.
(૨૪૯૭ આસો સુદ ૧૧, સમયસાર નાટક પાનું ૩૫૯–૩૬૦)
અહો, આ મારું ચૈતન્યતત્ત્વ! એનો કોઈ અદ્ભુત મહિમા છે. તેના આનંદનો
મહિમા અપાર છે, જગતમાં તે સર્વશ્રેષ્ઠ શિરોમણિ છે. અનંત ગુણ–પર્યાયો હોવા છતાં
નિશ્ચયદ્રષ્ટિમાં એકરૂપ આત્મતત્ત્વ અનુભવાય છે. વિકાર હોવા છતાં આવા નિર્વિકાર
ચૈતન્યતત્ત્વનો અનુભવ થાય છે. ચૈતન્યતત્ત્વ પરમ શાંત છે.
પર્યાયમાં અમુક વિભાવ પરિણામ છે તોપણ શુદ્ધચૈતનાશક્તિથી પરિપૂર્ણ
શાંતરસનો પિંડ હું છું–એમ સાધકને પોતાના આત્માનું ભાન વર્તે છે. સ્વભાવમાં ઊંડે
ઊતરતાં પરમ શાંતરસનું વેદન થાય છે. આવું ઊંડું ચૈતન્યતત્ત્વ વીતરાગદેવે બતાવ્યું છે,
તેને પોતામાં દેખવું તે ધર્મ છે.
અહો, મારું પરમ ચૈતન્યપણું તો પરભવથી છૂટું ને છૂટું છે, કર્મથી તે મુક્ત
જ છે; સ્વક્ષેત્રમાં જ લોકાલોકનું જ્ઞાન સમાય છે; આવી ચૈતન્ય સ્વસત્તાને લક્ષગત
કરતાં જે આત્મવસ્તુ દેખાય છે તેનું કૌતુક મહાન છે, કોઈ અચિંત્ય આશ્ચર્યકારી
વસ્તુ છે. અરે, આવી આત્મવસ્તુનો મહિમા અને ગુણગાન સંતો અનાદિથી કરતા
આવ્યા છે ને જગતમાં અનંતકાળ સુધી તેનો મહિમા ગવાશે. જગતમાં મહિમાવંત
વસ્તુુ આ ચૈતન્યસ્વરૂપ આત્મા જછે. એનો મહિમા અનુભવ્યા પછી જગતમાં બીજી
કોઈ વસ્તુ મહિમા–

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
વંત લાગતી નથી. આવી વસ્તુ હું પોતે જ છું એમ અંતરમાં પોતાના સ્વરૂપનો વારંવાર
પરિચય કરવા જેવો છે. ચૈતન્યતત્ત્વમાં ભવ નથી; એટલે એના પરિચયથી, એના
અનુભવથી ભવનો અભાવ થઈ જાય છે. અરે, તું મહિમાવંત છો, તારા મહિમાને તું
જાણ તો ખરો. આત્મા તો આનંદદાયક વસ્તુ છે; આત્માને જાણવામાં આનંદનો
અનુભવ થાય છે. એની મોજ એટલે અતીન્દ્રિય આનંદ, એના મહિમાનું શું કહેવું? અને
એકલો આનંદ નહિ પણ આનંદ જેવા બીજા અનંત ભાવો (જ્ઞાન–શ્રદ્ધા વગેરે) જેમાં
ભર્યા છે–તે આત્માની કીર્તિ આ જગતમાં ત્રણેકાળ ફેલાયેલી છે; આત્માની મહાનતા
જગતમાં ત્રણેકાળ વર્તે છે. જેણે આવા આત્માનો આનંદ અનુભવ્યો તે જગતમાં ગમે
ત્યાં હો તોપણ આત્માની મહિમાને જાણતો થકો આનંદને વેદે છે. નરકના સંયોગમાં
રહેલો સમ્યગ્દ્રષ્ટિ પણ અંતરમાં આત્માની મુક્તિના આનંદને સ્પર્શે છે. એક તરફથી
ભવનું દુઃખ પણ દેખાય છે ને બીજી તરફ અંતરમાં પરમઆનંદથી ભરેલું મુક્તસ્વરૂપ
પણ દેખાય છે. અજ્ઞાની જીવ મોટા સ્વર્ગમાં જાય તોપણ ત્યાં આત્માના સુખને લેશમાત્ર
તે દેખતો નથી. અરે ભાઈ! તું ગમે ત્યાં જા, પણ અંતરમાં આનંદથી ભરેલું તારું સ્વરૂપ
તારી સાથે તારામાં જ છે, તેને દેખ તો જ તને આનંદ થશે. પોતાના આનંદસ્વરૂપને
દેખ્યા વગર જગતમાં ક્યાંય તને લેશમાત્ર સુખ મળવાનું નથી.
અહા, આવો આત્મા જગતમાં અનંતા સંતોએ પ્રસિદ્ધ કર્યો છે, અનંતા સંતોએ
તેનાં ગુણગાન પ્રસિદ્ધ કર્યા છે. આત્માનો અદ્ભુત મહિમા દુનિયામાં સર્વત્ર વિજયવંત
વર્તે છે, અરે, આવો તું પોતે છો! એકવાર આવા સ્વરૂપે તું તને અનુભવમાં તો લે.
આવા ચેતનનો પોતાનો મહિમા જેને ભાસ્યો તેને કોઈ વિકલ્પની, કોઈ સંયોગની
મહત્તા ભાસે નહીં. ચૈતન્યની આવી મહત્તા જાણીને અનુભવવડે તેની પ્રસિદ્ધિ કરનારા
જીવો અનાદિઅનંત ચારે ગતિમાં સદા વિજયવંત છે; આત્માનો અનુભવ કરીને તેને
પ્રસિદ્ધ કરનારા ધર્માક્ષ જ્ઞાનીઓ અનાદિ–અનંત થયા જ કરે છે; ચારેગતિમાં એવા જીવો
સદાય હોય જ છે. ચૈતન્યપ્રભુનો અદ્ભુત મહિમા છૂપો નથી, દુનિયામાં પ્રસિદ્ધ છે.
આવા પ્રસિદ્ધ મહિમાવંત અદ્ભુત તત્ત્વને હે જીવો! તમે તમારામાં અનુભવો.
અનુભવમાં પ્રસિદ્ધ થયેલો આત્મા ખરેખર અદ્ભુત છે.

PDF/HTML Page 14 of 49
single page version

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
સમ્યગ્દ્રષ્ટિનાં આઠ અંગનું સુંદર વર્ણન
આખુંય ચૈતન્યતત્ત્વ જેમાં ઉલ્લસે છે એવા સમ્યકત્વનો અદ્ભુત મહિમા
અહા, ચૈતન્યમાં અનંત સ્વભાવો ભર્યા છે, તેનો મહિમા
અદ્ભુત છે. તેની સન્મુખ થઈને રાગરહિત નિર્વિકલ્પ પ્રતીત
કરતાં અતીન્દ્રિય આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન થાય છે;
તેમાં અનંત ગુણોના નિર્મળ ભાવો સમાય છે, તે મોક્ષમાર્ગ છે.
આવા સમ્યક્ત્વની સાથે ધર્મીજીવને નિઃશંકતાદિ આઠ ગુણ
કેવા હોય છે તેનું આનંદકારી વર્ણન આપ અહીં વાંચશો. આ
વર્ણન પૂ. ગુરુદેવના છહઢાળા–પ્રવચનમાંથી લીધું છે. (સં.)



પરદ્રવ્યોથી ભિન્ન પોતાના શુદ્ધ એકત્વસ્વરૂપની રુચિ–પ્રતીત–શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે. તેનો અદ્ભુત મહિમા છે. એવા સમ્યગ્દર્શનની સાથે શંકાદિ આઠ દોષોના
અભાવરૂપ નિઃશંકતા વગેરે આઠગુણ હોય છે, તેનું આ વર્ણન છે–
૧. જિનવચનમાં શંકા ન કરવી.
૨. ધર્મના ફળમાં સંસારસુખની વાંછા ન કરવી.
૩. મુનિનું મલિન શરીર વગેરે દેખીને ધર્મપ્રત્યે ધૃણા ન કરવી.
૪. તત્ત્વ અને કુતત્ત્વ, વીતરાગદેવ અને કુદેવ, વગેરેના સ્વરૂપની ઓળખાણ
કરવી, તેમાં મૂઢતા ન રાખવી.
૫. પોતાના ગુણ તથા અન્ય સાધર્મીના અવગુણને ઢાંકે, અને વીતરાગભાવરૂપ
આત્મધર્મની વૃદ્ધિ કરે, તેનું નામ ઉપગૃહન અથવા ઉપબૃંહણ અંગ છે.
૬. કામવાસના વગેરે કારણે પોતાનો કે પરનો આત્મા ધર્મથી ડગી જવાનો

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૧૨ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
કે શિથિલ થવાનો પ્રસંગ હોય તો વૈરાગ્યભવનાવડે કે ધર્મના મહિમાવડે
ધર્મમાં સ્થિર કરે, દ્રઢ કરે, તે સ્થિતિકરણ છે.
૭. પોતાના સાધર્મીજનો પ્રત્યે ગૌવત્સ સમાન સહજ પ્રેમ રાખવો તે વાત્સલ્ય છે.
૮. પોતાની શક્તિવડે જૈનધર્મની શોભા વધારવી, તેનો મહિમા પ્રસિદ્ધ કરીને
તેને દીપાવવો, તે પ્રભાવના છે.
આવા નિઃશંકતા વગેરે આઠ ગુણોવડે સમ્યગ્દ્રષ્ટિજીવ હંમેશાં શંકા વગેરે આઠ
દોષોને દૂર કરે છે. નિશ્ચય સમ્યગ્દર્શનમાં તો પરથી ભિન્ન પોતાના શુદ્ધઆત્માની
નિઃશંકા શ્રદ્ધા છે, ને એનાથી ભિન્ન સમસ્ત પરભાવોની કે સંસારની વાંછાનો અભાવ
છે;–તેની સાથેના વ્યવહાર આઠઅંગનું આ વર્ણન છે. સમ્યક્ત્વના નિઃશંકતા આદિ આઠ
ગુણ અને શંકાદિક પચીસ દોષને જાણીને, ગુણોનું ગ્રહણ અને દોષોનો ત્યાગ કરવા માટે
આ વર્ણન છે.
૧. નિ:શંકતા – અંગનું વર્ણન
સર્વજ્ઞ જિનદેવે જેવા કહ્યા તેવા જ જીવાદિ તત્ત્વો છે, તેમાં ધર્મીને શંકા હોતી
નથી. સર્વજ્ઞના સ્વરૂપનો નિર્ણય કર્યો છે, એટલે ઓળખાણ પૂર્વકની નિઃશંકતાની આ
વાત છે. ઓળખ્યા વગર માની લેવાની આ વાત નથી. જીવ શું, અજીવ શું, વગેરે તત્ત્વો
તો અરિહંતદેવે કહ્યા તે પ્રમાણે પોતે સમજીને તેની નિઃશંક શ્રદ્ધા કરે; અને કોઈ સૂક્ષ્મ
તત્ત્વ ન સમજાય તે વિશેષ સમજવા માટે જિજ્ઞાસાથી પ્રશ્નરૂપ શંકા કરે, તેથી કાંઈ તેને
જિનવચનમાં સુંદેહ નથી. સર્વજ્ઞકથિત જૈનશાસ્ત્રોમાં કહ્યું છે તે સાચું હશે કે અત્યારના
વિજ્ઞાનીઓ કહે છે તે સાચું હશે! –એવો સંદેહ ધર્મીને રહેતો નથી. અહા, જેને
સર્વજ્ઞસ્વભાવ પ્રતીતમાં આવ્યો, પરમ અતીન્દ્રિય વસ્તુ પ્રતીતમાં આવી તેને સર્વજ્ઞના
કહેલા તત્ત્વો–છ દ્રવ્યો, ઉત્પાદ–વ્યય–ધુ્રવ, દ્રવ્ય–ગુણ–પર્યાય વગેરે (ભલે તે બધા
પોતાને પ્રત્યક્ષ ન થાય છતાં) તેમાં શંકા ન હોય. નિશ્ચયમાં પોતાના જ્ઞાનસ્વભાવરૂપ
આત્માની પરમ નિઃશંકતા છે, ને વ્યવહારમાં દેવ–ગુરુ–ધર્મમાં નિઃશંકતા છે. જૈનધર્મ
એક જ સાચો હશે કે જગતમાં બીજા ધર્મો કહેવાય છે તે પણ સાચાં હશે!–એવી જેને
શંકા છે તેને તો સ્થૂળ મિથ્યાત્વ છે, તેને વ્યવહારધર્મની નિઃશંકતા પણ નથી. વીતરાગી
જૈનધર્મ સિવાય બીજા કોઈ માર્ગની માન્યતા તો ધર્મીને રૂંવાડેય ન હોય.

PDF/HTML Page 16 of 49
single page version

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
જેમ માતાના ખોળામાં બાળશ નિઃશંક છે કે આ માતા મારું હિત કરશે; તેને
શંકા નથી કે કોઈ મારશે તો માતા મને બચાવશે કે નહિં? તેમ જિનવાણી માતાની
ગોદમાં ધર્મી નિઃશંક હોય છે કે આ જિનવાણી મને સત્ય સ્વરૂપ બતાવીને મારું હિત
કરનારી છે, સંસારથી તે મારી રક્ષા કરશે. આવી જિનવાણીમાં તેને સંદેહ પડતો નથી.
પરમેશ્વર વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા, તેમણે કેવળજ્ઞાનમાં વીતરાગભાવે આખા
વિશ્વને સાક્ષાત્ જોયું તે પરમાત્માને ઓળખીને તેમાં નિઃશંક થવું, ને તેમણે કહેલા
માર્ગમાં તથા તેમણે કહેલા તત્ત્વોમાં નિઃશંક થવું, તે નિઃશંકતા ગુણ છે.
રત્નકરંડશ્રાવકાચારમાં સમન્તભદ્રસ્વામીએ આ સમ્યક્ત્વના આઠ અંગના
પાલનમાં પ્રસિદ્ધ આઠ જીવોનું ઉદાહરણ આપ્યું છે; તેમાં નિઃશંકિતઅંગમાં અંજન ચોરનું
દ્રષ્ટાંત આપ્યું છે. (આઠ અંગની આઠ કથાઓ ‘સમ્યક્ત્વકથા’ નામના પુસ્તકમાં,
અથવા તો સમ્યગ્દર્શન ભાગ ચોથામાં આપ વાંચી શકશો.) સમજાવવા માટે એકેક
અંગનું જુદુંજુદું દ્રષ્ટાંત આપ્યું છે, બાકી તો સમ્યગ્દ્રષ્ટિને એક સાથે આઠ અંગનું પાલન
હોય છે. પ્રસંગઅનુસાર તેમાંથી કોઈ અંગને મુખ્ય કહેવાય છે.
૨. નિ:કાંક્ષા – અંગનું વર્ણન
ધર્મીજીવો ધર્મદ્વારા ભવસુખની વાંછા કરતા નથી; એટલે પુણ્યને કે પુણ્યના
ફળને તે ચાહતા નથી; શુભરાગથી મને સ્વર્ગાદિ સુખ મળો એવી વાંછા તે ભવસુખની
વાંછા છે, તેવી વાંછા અજ્ઞાનીને હોય છે. જ્ઞાનીએ તો પોતાના આત્માને જ સુખસ્વરૂપે
અનુભવ્યો છે એટલે હવે બીજે ક્યાંય સુખબુદ્ધિ તેને રહી નથી; તેથી તે નિષ્કાંક્ષ છે.
સમ્યગ્દ્રષ્ટિ નિઃકાંક્ષગુણવડે ભવસુખની વાંછાને નષ્ટ કરે છે. ‘ભવસુખ’ એમ અજ્ઞાનીની
ભાષાથી કહ્યું છે; ખરેખર ભવમાં સુખ છે જ નહિ, પણ અજ્ઞાની દેવાદિના ભવમાં સુખ
માને છે, આત્માના સુખની તો તને ખબર નથી. અરે, સમ્યગ્દ્રષ્ટિ તો આત્માના સુખને
અનુભવનાર, મોક્ષનો સાધક! તે સંસાર–ભોગોને કેમ ઈચ્છે? જેના વેદનથી
અનાદિકાળથી દુઃખી થયો તેને જ્ઞાની કેમ ઈચ્છે? ભવ–તન–ભોગ એ તો તેને
અનાદિકાળની એઠ જેવા લાગે છે, અનંતવાર જીવ તેને ભોગવી ચુક્યો પણ સુખનો
છાંટોય તેમાંથી ન મળ્‌યો.

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
ધર્મનું પ્રયોજન શું? ધર્મનું પ્રયોજન, ધર્મનું ફળ તો આત્મસુખની પ્રાપ્તિ થાય છે–
તે છે; ધર્મનું ફળ કાંઈ બહારમાં નથી આવતું. જેને આત્માના સુખનો સ્વાદ જાણ્યો નથી
તેને ઊંડે ઊંડે સંસાર ભોગની ચાહના પડી છે, તથા તેના કારણરૂપ પુણ્યની ને
શુભરાગની રુચિ પડી છે, તેને સાચું નિઃકાંક્ષપણું હોતું નથી. ભલે રાજ–પાટ–ઘર–કુટુંબ
છોડીને ત્યાગી થયો હોય પણ જ્યાં સુધી રાગથી ભિન્ન ચૈતન્યરસ ચાખ્યો
(અનુભવ્યો) નથી ત્યાં સુધી તેને સંસાર ભોગની વાંછા પડી જ છે. અને સમ્યગ્દ્રષ્ટિ
જીવ રાગ–પાટ–ઘર–કુટુંબાદિ સંયોગમાં વર્તતો હોય, તે પ્રકારનો રાગ પણ વર્તતો હોય,
છતાં અંતરમાં તે બધાયથી પાર પોતાના ચૈતન્યરસનો આનંદ ચાખ્યો છે તેથી તેને તેમાં
ક્યાંય સ્વપ્નેય સુખબુદ્ધિ નથી; એટલે રાગ હોવા છતાં શ્રદ્ધાના બળે તેને નિઃકાંક્ષપણું જ
વર્તે છે. ધર્મીની આ કોઈ અલૌકિક દશા છે, જે અજ્ઞાનીને ઓળખાતી નથી.
લોકો કહે છે કે આપણે ધર્મ કરશું તો પૈસા વગેરે મળશે ને સુખી થશું–એને તો
ધર્મની ખબર નથી ને સુખનીયે ખબર નથી. એ તો શુભરાગને–પુણ્યને ધર્મ માને છે, ને
તેના ફળમાં પૈસા વગેરે મળે તેમાં સુખ માને. છે; એનાથી ભિન્ન આત્માના
અસ્તિત્વની તો તેને ખબર જ નથી. અરે ભાઈ! ધર્મના ફળમાં કાંઈ પૈસા ન મળે. પૈસા
વગેરે મળવા તે કાંઈ ધર્મનું પ્રયોજન નથી; ધર્મનું પ્રયોજન તો આત્માનું સુખ મળે તે
છે; અને તે સુખમાં કાંઈ પૈસા વગેરેની જરૂર પડતી નથી. એ તો સંયોગ વગરનું
સ્વાભાવિક સુખ આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. આવા સુખને જે જાણે તેને સંસારમાં
બીજા કોઈની પણ વાંછા રહે નહીં, –ક્યાંય સુખબુદ્ધિ થાય નહીં.
ધર્મીને ધર્મની સાથેના રાગને લીધે પુણ્ય બંધાય ને તે પુણ્યના ફળમાં બહારનો
વૈભવ મળે, પણ ધર્મીને તેની વાંછા નથી, તેનાથી તો તે પોતાના આત્માને અત્યંત
ભિન્ન જાણે છે. ધર્મના ફળમાં પુત્ર મળે, પૈસા મળે–એવી વાંછા ધર્મીને નથી. ધર્મી જીવ
દેવ–ગુરુ પાસેથી લૌકિકહેતુની આશા રાખે નહિ. શુભરાગ હોય ને વેપાર લગ્ર–વાસ્તુ
વગેરે પ્રસંગે ભગવાનને યાદ કરે તે જુદી વાત છે, તેમાં કાંઈ ભવસુખની વાંછા ધર્મીને
નથી. જે સર્વજ્ઞનો ભક્ત થયો તેને સંસારની વાંછા હોય નહિ. રાગનો એક કણિયો પણ
મારાં જ્ઞાનમાં નથી–એમ જાણનાર જ્ઞાની તે રાગના ફળને કેમ વાંછે? મોક્ષરૂપ જે
પરમસુખ તે સિવાય બીજી કોઈ આશાથી તે ધર્મ સેવે નહિ. ધર્મનું ફળ તો વીતરાગી
સુખ છે, બાહ્યવૈભવ કે ઈન્દ્રાદિ પદ તે કાંઈ ધર્મનું ફળ નથી, તે ત રાગનું

PDF/HTML Page 18 of 49
single page version

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
વિકારનું ફળ છે. તે પુણ્યરૂપ ધર્મને અજ્ઞાની ઈચ્છે છે તેથી તે ભોગહેતુધર્મને
સેવે છે–એમ કહ્યું છે; રાગ વગરના શુદ્ધઆત્માના અનુભવરૂપ મોક્ષહેતુધર્મની તેને
ખબર નથી.
અંતરના અનુભવમાં પોતાના ચૈતન્ય–પરમદેવને સેવનાર ધર્મી જાણે છે કે મારો
આ ચૈતન્ય–ચિંતામણિ આત્મા જ મને પરમ સુખ દેનાર છે. એના સિવાય હું બીજા કોને
વાંછું? અરે, સ્વર્ગનો દેવ આવે તોય મારે એની પાસેથી શું લેવું છે? અજ્ઞાનીને તો
સ્વર્ગનો દેવ આવવાની વાત સાંભળે ત્યાં ચમત્કાર લાગે છે ને તેના મહિમા આડે ધર્મને
ભૂલી જાય છે; કેમકે એને પોતાને સ્વર્ગાદિના ભોગની વાંછા છે. અરે, મૂર્ખ લોકો તો
ભોગની વાંછાથી સર્પ–વાંદરા વગેરે હિંસક પ્રાણીઓને પણ દેવ–દેવીરૂપે પૂજે છે.
જુઓને, જૈન નામ ધરાવનારા પણ ઘણા લોકો ભોગની વાંછાથી–પુત્રાદિની વાંછાથી
અનેક દેવ–દેવલાંને પૂજે છે.–મૂરખને તે કાંઈ વિવેક હોય? ભગવાનનો સાચો ભક્ત
પ્રાણ જાય તોપણ ખોટા દેવ–દેવલાને પૂજે નહીં, માને નહીં. કોઈ કહે–માંગળિક
સાંભળશું તો પૈસા મળશે, –પણ ભાઈ! જૈનોનું માંગળિક એવું ન હોય; જૈનોનું
માંગળિક તો મોક્ષ આપે એવું હોય. માંગળિકના ફળમાં પૈસા મળવાની આશા ધર્મી
રાખે નહીં. એ રીતે ધર્મી નિષ્કાંક્ષ ભાવથી ધર્મને સેવે છે.
પ્રશ્ન:– વેપાર વગેરેમાં પૈસા મળે એવી વાંછા તો ધર્મીને પણ હોય છે, તો તેને
નિષ્કાંક્ષપણું ક્યાં રહ્યું?
ઉત્તર:– તેને હજી તે પ્રકારનો અશુભરાગ છે; પણ આ રાગથી કે પૈસામાંથી મને
સુખ મળશે–એવી મિથ્યાબુદ્ધિરૂપ વાંછા તેને નથી. રાગ અને સંયોગ બંનેથી પાર મારી
ચેતના છે, તેમાં જ મારું સુખ છે, એમ જાણનાર ધર્મી તે ચેતનાના ફળમાં બાહ્યસામગ્રી
વાંછતો નથી, તેથી તે નિષ્કાંક્ષ છે.
તે ધર્માત્મા ઈન્દ્રપદ કે ચક્રવર્તીપદના વૈભવને ભોગવતો દેખાય છતાં તેને વિષય
ભોગોનો રંચમાત્ર આદર નથી. અરે, અમે અતીન્દ્રિય આનંદના પિંડલા, જગતમાં ક્યાંક
અમારો આનંદ છે જ ક્યાં? તેથી તો કહ્યું છે કે–
चक्रवर्तीकी संपदा, इन्द्र सरीखे भोग।
काकवीठ सम गिनत हैं सम्यग्द्रष्टि–लोग।।
(ઈન્દોર હુકમચંદજી શેઠના જિનમંદિરમાં પણ આ દોહરો છે.)
વિષયો તરફના વિકલ્પને ધર્મી જીવ દુઃખ અને જેલ સમાન ગણે છે, એમાં સુખ

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ કારતક: ૨૪૯૮:
બુદ્ધિ નથી એટલે તેની વાંછા નથી. ઉત્તમ વસ્તુ ખાતા–પીતા દેખાય, સ્ત્રી–પુત્રાદિ વચ્ચે
દેખાય, તેથી કરીને ધર્મી તેમાં સુખ માનતા હશે?–ના, એમ બિલકુલ નથી.
આનંદસ્વરૂપ મારો આત્મા જ છે, પરમાં સુખ જરાય નથી–એવા નિઃશંક ભાનમાં
વર્તતા ધર્માત્મા દેવલોકના સુખનેય વાંછતા નથી.–એમાં સુખ છે જ નહીં પછી વાંછા
શેની? ચૈતન્યના અતીન્દ્રિય આનંદની પાસે સ્વર્ગના વૈભવની શી ગણતરી? ઈન્દ્રના
વૈભવમાં તે સુખની ગંધ પણ નથી. (સમ્યગ્દ્રષ્ટિ–ઈન્દ્રને આત્માનું સુખ હોય છે તે જુદી
વાત છે, પણ બહારના વૈભવમાં તો તેની ગંધ પણ નથી, ને તે ઈન્દ્ર પોતે તેમાં સુખ
માનતા નથી.)
અજ્ઞાની બહારથી ભલે વિષયોનો ત્યાગી હોય છતાં અભિપ્રાયમાં તેને
વિષયોની વાંછા છે, કેમકે રાગમાં સુખબુદ્ધિ છે. જેણે ચૈતન્યનું ઈન્દ્રિયાતીત સુખ નથી
દેખ્યું તેને ઊંડે ઊંડે રાગમાં ને વિષયોમાં સુખબુદ્ધિ પડી જ છે; જો તેમાં તેને મીઠાશ ન
હોય તો તેનાથી પાછો વળીને ચૈતન્યસુખમાં કેમ ન આવે? એણે ચૈતન્યપણું દેખ્યું
નથી ને ઈન્દ્રિયવિષયોમાં સુખબુદ્ધિ છે તેથી તેને સાચું નિઃકાંક્ષપણું હોતું નથી. ભલે
સીધી રીતે તે વિષયોની અભિલાષા ન કરે પણ અંદર અભિપ્રાયમાં તો વિષયોની
આકાંક્ષા પડી જ છે.
અને, સમ્યગ્દ્રષ્ટિ તો સિદ્ધનો પુત્ર થઈ ગયો; તે તો અખંડ એક જ્ઞાયકસ્વભાવની
અનુભૂતિ કરીને જીતેન્દ્રિય થઈ ગયો. આત્મા સિવાય જગતમાં ક્યાંય તેને સુખબુદ્ધિ
નથી પાંચઈન્દ્રિયસંબંધી વિષયોની વૃત્તિ આવે તેથી તેમાં તે સુખ માનતા હશે–એમ
બિલકુલ નથી; અંદરના અનાકુળ આનંદની જ ભાવના છે. અહા, ધર્મીની ચેતનાના
ખેલ તો ધર્મી જ જાણે છે. અજ્ઞાની ઉપરટપકે જોઈને ધર્મીનું સાચું માપ કાઢી શકે તેમ
નથી. ધર્મીના અંતર–હૃદય બહારથી દેખાય તેવા નથી. ધર્મી જાણે છે કે મારો ધર્મ તો
મારામાં છે, તેનું ફળ કાંઈ બહારમાં ન આવે. બહારનાં પુણ્યફળ તે તો કમોદના ઉપરનાં
ફોતરાં જેવા છે, લોકો તો તેને જ દેખે છે, અંદરના ખરા વીતરાગી કસને લોકો દેખતા
નથી. ધર્મના બદલામાં લૌકિકફળને ધર્મી ઈચ્છતા નથી, દુનિયાને દેખાડવા માટે તે ધર્મ
કરતા નથી. ધર્મીનો ધર્મ તો પોતાના આત્મામાં જ સમાય છે ને તેનું ફળ પણ આત્મામાં
જ આવે છે.
કોઈ દેવ આવીને સેવા કરે તો ધર્મી તેનાથી લલચાય નહિ, ને કોઈ દેવ આવીને

PDF/HTML Page 20 of 49
single page version

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
ત્રાસ આપે, પૈસા વગેરે ઉપાડી જાય, તો તેનાથી ડરીને ધર્મી પોતાનો ધર્મ છોડે નહિ;
ધર્મબુદ્ધિથી એવા કોઈ દેવને તે માનતા નથી. હું ધર્મ કરું તેથી સ્વર્ગનો કોઈ દેવ પ્રસન્ન
થઈને મને લાભ કરી દેશે–એવી બુદ્ધિ ધર્મીને હોતી નથી, સર્વજ્ઞ–વીતરાગ અરિહંતદેવ
સિવાય બીજા કુદેવો પાસે તે કદી માથું ઝૂકાવતા નથી. હું વીતરાગતાનો સાધક, તો
વીતરાગ સિવાય બીજાને દેવ માનું નહીં. ચૈતન્યના વીતરાગ સ્વભાવ સિવાય પુણ્યની
પણ જ્યાં વાંછા નથી (ધર્મી ન ઈચ્છે પુણ્યને) ત્યાં બહારના પાપ–ભોગોની શી વાત?
જુઓ તો ખરા, આ તો બધું સમ્યગ્દર્શન સાથેના વ્યવહારમાં આવી જાય છે.
સમ્યગ્દર્શનની નિશ્ચયઅનુભૂતિની તો શી વાત!
અરે, લોકો તો બહારના સાધારણ ચમત્કારમાં મોહી પડે છે. પણ એવો ચમત્કાર
તો હલકો અભવ્યદેવ પણ બતાવી શકે. તેમાં આત્માનું હિત શું છે? ધર્મી તો જાણે છે કે
સર્વજ્ઞતા ને વીતરાગતા તે જ મારા ભગવાનનો ખરો ચમત્કાર છે; એ સિવાય બહારના
બીજા કોઈ ચમત્કાર માટે તે ભગવાનને માને નહિ. બહારના સંયોગનું આવવું–જવું તો
પુણ્ય–પાપ અનુસાર બન્યા કરે છે, ધર્મની સાથે એને શું સંબંધ છે? ધર્મી જીવ એવી
બહારની આકાંક્ષા કરતા નથી. જ્યાં રાગથી ભિન્ન આત્માના આનંદને પોતામાં દેખ્યો
ત્યાં ભવસુખની વાંછા ક્યાંથી રહે? ભવ કહેતાં સંસારની ચારેગતિ આવી ગઈ, સ્વર્ગ
પણ તેમાં આવી ગયું, એટલે દેવગતિના સુખનેય ધર્મી વાંછે નહીં. આવું સમ્યગ્દ્રષ્ટિનું
નિઃકાંક્ષા અંગ છે. (આ નિઃકાંક્ષા અંગના પાલનમાં સતી અનંતમતીનું ઉદાહરણ પ્રસિદ્ધ
છે; તે ‘સમ્યક્ત્વકથા’ વગેરેમાંથી જાણી લેવું.) આ રીતે સમ્યગ્દ્રષ્ટિના આઠ ગુણમાંથી
બીજો ગુણ કહ્યો.
(વિશેષ આવતા અંકે)
અહા, સ્વાનુભૂતિરૂપ આ માર્ગ, એ તો અનંત આનંદને
આપનારો માર્ગ છે. અનંત આનંદનો માર્ગ તો આવો અદ્ભુત જ
હોય ને! જગતને આવા માર્ગનું લક્ષ નથી એટલે બહારમાં રાગના
સેવનને માર્ગ માની રહ્યા છે. બાપુ! તારો માર્ગ રાગમાં નથી;
તારો માર્ગ તો તારા ચૈતન્યમાં સમાય છે. ચૈતન્યમાં અગાધ
ગંભીર શાંતિ ને અનંત ગુણના ભંડાર ભર્યા છે, તેમાં જોતાં જ
આનંદના દરિયા તને દેખાશે.