Atmadharma magazine - Ank 352
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૫૨
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
૩૫૨
જિનપ્રવચનની ખૂબી... અદ્ભુત ચૈતન્યમહિમા!
જિનપ્રવચનનું જે રહસ્ય આજે આપણને શ્રી
ગુરુદેવના મુખેથી સાંભળવા મળે છે–તેમાં એક ખૂબી છે...
એવી સુંદર ખૂબી છે કે જ્યાં સુધી એ પ્રવચન સાંભળીએ
ત્યાં સુધી સતતપણે ચૈતન્ય પરમવસ્તુ જ જગતમાં
સર્વોત્કૃષ્ટ મહિમાવંત લાગે છે ને એના સિવાય બીજા કોઈ
રાગાદિભાવો કે સંયોગો મહિમાવંત લાગતા નથી. –
જિનપ્રવચન વડે જે પરમસ્વભાવના મહિમાને લક્ષગત કરે
છે તેની રુચિમાં મહાન પલટો થઈ જાય છે. અને
ચૈતન્યતત્ત્વમાં તેની રુચિ એવી ઘૂસી જાય છે કે અંતરમાં
ઊંડે પ્રવેશીને ચૈતન્યના અનંત નિર્મળ ભાવોને બહાર
કાઢીને આનંદથી તેને વેદે છે. આવા ચૈતન્યમહિમાની
વીતરાગી ધારા ગુરુદેવના પ્રવચનમાં સદાય વહે છે... તેને
ઝીલીને હે જીવો! અંતરમાં અદ્ભુત ચૈતન્યમહિમાનો
સાક્ષાત્કાર કરો... ત્યારે જ જિનપ્રવચનનું પરમગંભીર
રહસ્ય ખરેખરૂં સમજાશે.

PDF/HTML Page 3 of 29
single page version

background image
બંધુઓ, આજે આપના હાથમાં આત્મધર્મનો હંમેશાં કરતાં નાનો
આ અંક મુક્તાં જોકે થોડો સંકોચ તો થાય છે છતાં પણ નાનકડા અંક
દ્વારાય ગુરુદેવના તાજા પ્રવચનોની મધુરી પ્રસાદી થોડીઘણી પણ અમે
આપને પહોંચાડી શકીએ છીએ તેથી સંતોષ માનીએ છીએ; ને આપને પણ
તે વાંચીને જરૂર પ્રસન્નતા થશે.
આમ તો સંપાદકની તબીયતને કારણે આ અંક બંધ રાખવાનો
વિચાર કરેલ, પણ ઘણા જિજ્ઞાસુઓ તરફથી લાગણીપૂર્વક એવી સલાહ થઈ
કે હજારો જિજ્ઞસુઓ આત્મધર્મ વાંચવા ઈંતેજાર હશે માટે કોઈપણ રીતે
અંક બહાર પડે તો સારૂં. –અમને પણ એ વ્યાજબી લાગ્યું; તેથી જેવડો
બની શકે તેવડો અંક પણ બહાર પાડવો એમ વિચારીને માત્ર ર૪ પાનાંનો
આ અંક આપના હાથમાં આપીએ છીએ. ત્રીસ વર્ષના નિયમિત પ્રકાશનમાં
આત્મધર્મનો અંક બંધ રહેવાનો પ્રસંગ માત્ર એકજ વાર બન્યો છે. આ
નાનો અંક આપ એકને બદલે બે વાર વાંચશો તો ઓછા પાનાનું સાટું વળી
જશે; તેમજ અમે પણ હવે પછીના અંકોમાં વિશેષ સામગ્રી આપીને અધૂરા
પાનાંની ખોટ પૂરી કરીશું.
પરમ પૂજ્ય ગુરુદેવની મંગલ છાયામાં આનંદ–મંગલપૂર્વક
આત્મધર્મ વધુને વધુ પ્રગતિ સાધી રહ્યું છે. આ વર્ષની શરૂઆતથી જ
આપણી ગ્રાહક સંખ્યા ત્રણ હજારનો આંકડો વટાવી ચુકી છે–જે અત્યાર
સુધીના ૩૦ વર્ષમાં સૌથી વધુ છે. માત્ર ચાર રૂપિયાના લવાજમમાં આપને
ભેટપુસ્તક પણ મળે છે; ને આત્મધર્મ દ્વારા જૈનધર્મના જે ઉત્તમ વીતરાગી
સંસ્કારો મળે છે તે તો જિજ્ઞાસુઓમાં ઘરેઘરે પ્રસિદ્ધ છે. આપ પણ
આત્મધર્મ વાંચો... તેમાં કહેલાં તત્ત્વને સમજો અને ઉત્તમ વીતરાગી
ધર્મસંસ્કાર વડે ભવભ્રમણથી છૂટવાનો માર્ગ પ્રાપ્ત કરો... આત્મધર્મના
ઉત્તમ સંસ્કારો તમને જરૂર આત્માનો મહાન આનંદ આપશે.
जय जिनेन्द्र

PDF/HTML Page 4 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ર૪૯૯
લવાજમ માહ
ચાર રૂપિયા ફેબ્રુઆરી 1973
સુવર્ણપુરીના મંગલ સમાચાર
સુવર્ણપુરીમાં પૂ. ગુરુદેવની મંગલછાયામાં મુમુક્ષુ જીવોને આત્મલાભનો સોનેરી
અવસર છે. આ કાળે સંતોની આવી મંગલછાયા પ્રાપ્ત થવી તે મુમુક્ષુ જીવોના મહા
ભાગ્ય છે. ગુરુદેવના પ્રતાપે સોનગઢમાં રોજ રોજ ધર્મવૃદ્ધિના મંગલપ્રસંગો બન્યા કરે
છે, તે પ્રસંગોમાંથી પરમાગમના સારરૂપ પોતાના નિજાત્માની અપૂર્વ ભાવના પ્રાપ્ત
કરીને ‘આત્મલાભ’ તે મુમુક્ષુનું કર્તવ્ય છે. અહો, ગુરુદેવની મંગલછાયામાં ધર્મવૃદ્ધિના
પ્રસંગો સુવર્ણપુરીમાં નિતનિત બન્યા કરે છે... તેના સમાચાર આપતાં આનંદ થાય છે.
આવો આત્મલાભ દેનારા ગુરુ મળ્‌યા તે ધન્ય પ્રસંગ છે.
પરમ પૂજ્ય ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજમાન છે. મહાસુદ પાંચમથી સવારના
પ્રવચનમાં શ્રી નિયમસાર–પરમાગમનું વાંચન પુન: (કુલ દશમી વખત) પહેલેથી શરૂ
થયું છે. નિયમસારની રચના આચાર્ય ભગવાને ‘નિજભાવના’ અર્થે કરી છે... પરમ
ગંભીર ચૈતન્ય પરમદેવની અંતર્મુખ ભાવનાનું તેમાં વારંવાર ઊંડું ઊંડું ઘોલન કર્યું છે...
ને વીતરાગરસને પુષ્ટ કર્યો છે. એવા આ પરમાગમ દ્વારા નિજાત્મભાવનાનું ફરી–ફરીને
ઘોલન કરતાં ગુરુદેવ પણ પ્રસન્નચિત્તથી વધુને વધુ ખીલતા જાય છે, ને
અધ્યાત્મરસઝરતાં પ્રવચનો સાંભળતાં મુમુક્ષુ શ્રોતાજનો પણ નિજાત્માની
સમ્યક્ભાવના પ્રાપ્ત કરીને આનંદિત થાય છે.

PDF/HTML Page 5 of 29
single page version

background image
: ર : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
પ્રવચનનો મંગલ પ્રારંભ કરતાં જ ગુરુદેવે કહ્યું કે આ નિયમસાર બહુ ઊંચી
વસ્તુ છે; તેના દ્વારા પોતાના શુદ્ધાત્માની ભાવના વારંવાર કરવા જેવી છે, સર્વજ્ઞ
પરમાત્માનો નિર્દોષ ઉપદેશ જાણીને, મેં નિજભાવના માટે આ શાસ્ત્ર રચ્યું છે.. એટલે
બીજા શ્રોતાજનોએ પણ આ શાસ્ત્ર દ્વારા વારંવાર નિજભાવના કર્તવ્ય છે. એવી ભાવના
માટે આ નિયમસાર ફરીફરીને વંચાય છે.
પ્રસન્નતાથી ગુરુદેવ કહે છે કે–
આજે (માહ સુદ પાંચમે) દશલક્ષણધર્મનો પહેલો દિવસ છે. વીતરાગી
દશલક્ષણધર્મ વર્ષમાં ત્રણવાર (મહા ચૈત્ર અને ભાદરવા માસમાં) આવે છે. તેમાં માહ
માસના દસલક્ષણ પર્વનો આજે પહેલો દિવસ છે... તેથી મંગલ દિવસ છે, અને આજે
આપણે પણ અહીં લાભચોઘડીયે પરમાગમ–પ્રવચનસાર કોતરવાનો પ્રારંભ થાય છે.
મંગળમાં લોકો લખે છે કે ‘લાભ સવાયા. ’ –આપણે પણ લાભનો જ પ્રસંગ છે.
આત્મ–લાભ તે મોક્ષ છે. આત્માની પૂર્ણ શુદ્ધદશાની પ્રાપ્તિરૂપ મોક્ષને
‘આત્મલાભ’ કહેવાય છે. –આ પર્યાયઅપેક્ષાએ લાભ છે.
અને દ્રવ્ય ત્રણેકાળે પારિણામિકભાવે પ્રાપ્ત છે, તેને ‘દ્રવ્ય–આત્મલાભ’
કહેવાય છે.
આજે લાભચોઘડીયે પરમાગમના કોતરકામમાં પ્રવચનસારની કોતરણીનો
મંગલ પ્રારંભ થાય છે. આ રીતે ધર્મના લાભનો આ પ્રસંગ છે.
સમયસારનું કોતરકામ આજે સમાપ્ત થાય છે, ને પ્રવચનસારના કોતરકામનો
પ્રારંભ થાય છે; પંચાસ્તિકાયનું કોતરકામ પહેલાંં પૂરું થઈ ગયું છે. ને નિયમસારના
પ્રવચનોની આજે ફરી મંગલ શરૂઆત થાય છે. આ રીતે પરમાગમની પ્રભાવનાનો
અવસર છે. અંતર્મુખ થઈને નિજાત્માની ભાવના એટલે કે અનુભૂતિ કરવી તે વીતરાગી
પરમાગમોનું તાત્પર્ય છે.
મંગળમાં જિનવાણીરૂપ “ ના મહિમાપૂર્વક ગુરુદેવે કહ્યું કે અહા! સમવસરણમાં
તીર્થંકર ભગવાનના સર્વાંગેથી જે ધ્વનિ છૂટતો હશે–તે કેવો હશે? એની શી વાત! એ
વાણીમાં જે શુદ્ધાત્મા કહ્યો છે તેની ફરીફરીને ભાવના આચાર્યદેવે આ નિયમસારમાં
કરી છે.
મંગળમાં ટીકાકાર શ્રી પદ્મપ્રભમુનિરાજ સર્વજ્ઞપરમાત્માને નમસ્કાર કરતાં કહે છે

PDF/HTML Page 6 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૩ :
કે હે જિનપરમાત્મા! અમારા અંતરમાં આપ બિરાજો છો... ત્યાં જગતના બીજા કોઈ
મોહી દેવોને અમે કેમ નમીએ? જ્ઞાનદર્શનસંપન્ન સ્વસંવેદન–પ્રત્યક્ષ એવો હું આત્મા,
મોક્ષનો સાધક–તે વીતરાગ સર્વજ્ઞપરમાત્મા સિવાય બીજા સંસારી–મોહમુગ્ધ જીવોને
કેમ નમું?
અહો, અમારા જ્ઞાનમાં સર્વજ્ઞપરમાત્મા વસે છે; તેમાં રાગનો કણિયો પણ ન
સમાય ત્યાં બીજા મોહી–અજ્ઞાની જીવોને અમે કેમ માનીએ? અમારા દેવ પરમ–
વીતરાગ સર્વજ્ઞ જ છે કે જેમણે ભવોને જીતી લીધા છે... અમે મોક્ષને સાધનારા, તો
અમારા ઈષ્ટદેવ પણ એવા છે કે જેમણે આત્માની વીતરાગતાવડે ભવને જીતી લીધા છે.
–આવા પરમાત્માને ઓળખીને તેમને જ હું વંદું છું.
માહ સુદ પાંચમની બપોરે લગભગ સવાબાર વાગે પૂ. ગુરુદેવના હસ્તે મશીન
પર પ્રવચનસાર કોતરાવાનો મંગલ પ્રારંભ થયો. તેમાં પ્રથમ “ તથા ટીકાનો પહેલો
મંગળ શ્લોક
[सर्वव्याप्येक...) ગુરુદેવના સુહસ્તે ઉત્સાહભર્યા વાતાવરણમાં કોતરાયો હતો.
જ્ઞત્ત્ ક્ષ
આત્માના આનંદસ્વભાવ સિવાય બીજે ક્યાંય, કોઈ પદાર્થમાં જેને
ઉત્સાહ નથી, હર્ષ–શોક પ્રત્યે જેના વીર્યનો ઉલ્લાસ નથી, ઉલ્લાસ એકમાત્ર
આત્માની પ્રાપ્તિનો છે; –આવો જીવ મોક્ષનો અર્થી છે; ને મોક્ષને અર્થે તે
અનુભૂતિસ્વરૂપ પોતાના આત્માનું સેવન કરે છે.
શરીરસંબંધી અનુકૂળ ઈંદ્રિયવિષયોમાં જેટલો રાગ છે તેટલો
પ્રતિકૂળતાનો દ્વેષ પણ ઊભો જ છે. એ જ રીતે પ્રતિકૂળતા પ્રત્યે જેટલો દ્વેષ છે
તેટલો અનુકૂળ વિષયોમાં રાગ પણ ઊભો જ છે. અરે, એક જ્ઞાયકતત્ત્વ, તેમાં
વળી રાગ–દ્વેષ કેવા? આ અનુકૂળ ને આ પ્રતિકૂળ એ વાત જ્ઞાનતત્ત્વમાં કેવી?
નિંદાની ઝપટ બોલે કે પ્રશંસાના પુષ્પ વેરાય–જ્ઞાનને તે અડતા નથી.
આવા જ્ઞાનતત્ત્વને સાધનાર મુમુક્ષુજીવ જગતના પ્રતિબંધ વગર નિજાનંદને
સાધે છે.

PDF/HTML Page 7 of 29
single page version

background image
: ૪ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
શ્રી સમયસાર–પરમાગમ અને નિયમસાર–પરમાગમ
એ બંને ઉપર પ્રવચનો દ્વારા ગુરુદેવ ચૈતન્યના શાંત–
અધ્યાત્મરસની ધારા વરસાવી રહ્યા છે. સમયસારમાં
આસ્રવઅધિકાર દ્વારા, જ્ઞાનીને જ્ઞાનમય ભાવને લીધે કેવું
નિરાસ્રવપણુ છે–તે બતાવ્યું છે; અને નિયમસારમાં શુદ્ધભાવ
અધિકાર દ્વારા જ્ઞાનીના અંતરમાં ઉપાદેયરૂપ શુદ્ધ પરમ
ચૈતન્યતત્ત્વ કેવું છે–તે બતાવ્યું છે. તેમાંથી આનંદમય
શુદ્ધતત્ત્વને અનુભવગમ્ય કરાવે એવી થોડીક પ્રસાદી અહીં
આપી છે. (સં.)
સમ્યગ્દ્રષ્ટિને પોતાના કારણ–કાર્ય બંને શુદ્ધ છે. અને તે સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે
બીજા જીવોમાં કારણતત્ત્વ સદા શુદ્ધ છે. પરિણતિની અશુદ્ધતા કાંઈ દ્રવ્ય–ગુણમાં પ્રવેશી
નથી ગઈ એટલે દ્રવ્ય–ગુણ અશુદ્ધ થઈ ગયા નથી.
અજ્ઞાનીના આત્મામાંય કારણતત્ત્વ સદાય શુદ્ધ છે. પણ તેને પોતાના શુદ્ધ
કારણસ્વભાવની ખબર નથી. જો કારણતત્ત્વની શુદ્ધતાને જાણે તો તેને કાર્ય પણ શુદ્ધ
થાય જ.
દેખાતું નથી. જ્ઞાનીએ જ્યાં શુદ્ધ કારણતત્ત્વને જાણ્યું ત્યાં પર્યાય પણ તેના આશ્રયે શુદ્ધ
થઈને પરિણમી છે, એટલે જ્ઞાનીને તો કારણ–કાર્ય બંને શુદ્ધ છે. પછી જે અલ્પરાગાદિ
અશુદ્ધતા હોય તે શુદ્ધતાથી બહાર છે–જુદી છે; તે ખરેખર જ્ઞાનીનું કાર્ય નથી.
અહો, આવા કારણ–કાર્યને સમ્યગ્દ્રષ્ટિજીવ પરમાગમના અનુપમ રહસ્ય વડે
જાણે છે; અહો, એકત્વસ્વરૂપ શુદ્ધ આત્મા બધા જીવોમાં શોભે છે. એવા શુદ્ધતત્ત્વને
દેખનારી દ્રષ્ટિ તે દ્રવ્યદ્રષ્ટિ છે; ને આવી દ્રવ્યદ્રષ્ટિવાળો જીવ સમ્યગ્દ્રષ્ટિ છે.
સમ્યગ્દ્રષ્ટિ પોતાના શુદ્ધ તત્ત્વને જાણે છે, શુદ્ધ પર્યાય થઈ છે તેને પણ જાણે છે.
અને કંઈક અશુદ્ધતા બાકી રહી છે તેને પણ જાણે છે.

PDF/HTML Page 8 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૫ :
ધર્મીએ ચૈતન્યની વીતરાગી શાંતિ વેદી છે; તે ચૈતન્યની શાંતિ પાસે શુભરાગનો
કષાયકણ પણ તેને અગ્નિ જેવો લાગે છે. ચૈતન્યની શાંતિમાંથી બહાર નીકળ્‌યો ત્યારે
રાગની અશાંતિ ઊભી થઈ. પણ ચૈતન્યની શાંતિ જેણે દેખી નથી તેને શુભરાગ અગ્નિ
જેવો લાગતો નથી. અહા, ચૈતન્યની શાંતિનો સ્વાદ જેણે ચાખ્યો તે તો રાગથી છૂટો પડી
ગયો–પછી રાગ શુભ હો કે અશુભ, તે બધાય રાગ અશાંતિ છે– ઘોર સંસારનું મૂળ છે.
અરે, રાગમાં તે ચૈતન્યની શાંતિ કેમ હોય?
અહા, પરમાગમના રહસ્યને વલોવી વલોવીને વીતરાગી સંતોએ ચૈતન્યની
શાંતિ રૂપ માખણ કાઢ્યું છે. ભાઈ! પરમાગમને વલોવીને તેમાંથી તું શુભાશુભ રાગ ન
કાઢીશ; શુભરાગ તે કંઈ પરમાગમનો સાર નથી. પરમાગમનો સાર, પરમાગમનું
માખણ, પરમાગમનું રહસ્ય તો અંતરમાં શાંતિનો સાગર આત્મા છે, તેને અનુભવમાં
લે. અહો, અકષાયશાંતિનો સાગર આત્મા છે; એ અમૃતના દરિયામાંથી રાગના ઝેરનો
કણિયો ન નીકળે.
ચૈતન્યના સ્વભાવમાંથી સિદ્ધપદ અને કેવળજ્ઞાનની શુદ્ધતા નીકળે ત્યારે પણ
શક્તિમાં શુદ્ધતા એવી ને એવી પુરેપૂરી છે, શક્તિ કાંઈ ઓછી નથી થઈ ગઈ. તેમ જ
પર્યાયમાં ઓછી શુદ્ધતા હોય ત્યારે દ્રવ્યમાં શક્તિરૂપે વધારે છે–એમ પણ નથી. તેમ જ
અજ્ઞાનદશા વખતેય શુદ્ધ સ્વભાવ શક્તિપણે એવો ને એવો જ હતો–પણ તે વખતે તેનું
ભાન પોતાને ન હતું, ભાન થતાં હવે ખબર પડી કે અહા, જેવું શુદ્ધ તત્ત્વ અત્યારે
અનુભવમાં–શ્રદ્ધામાં આવ્યું એવું જ શુદ્ધ તત્ત્વ પૂર્વે પણ મારામાં હતું જ. –હવે તેનું ભાન
થતાં પર્યાય પણ શુદ્ધ થઈ. અહો, જેણે આવું શુદ્ધ તત્ત્વ પ્રતીતમાં લીધું–અનુભવમાં લીધું
તે સમ્યગ્દ્રષ્ટિને ધન્ય છે... મુનિઓ પણ તેની પ્રશંસા અને અનુમોદના કરે છે. આવા
તત્ત્વને અનુભવનારા મુનિવરો વંદનીય છે, ને સમ્યગ્દ્રષ્ટિઓ પણ પ્રશંસનીય છે.
અહા, આવું શુદ્ધ ચૈતન્યતત્ત્વ જોરશોરથી સંતોએ તને સંભળાવ્યું, તો હવે આજે
જ તું આવા ચૈતન્યતત્ત્વને અનુભવમાં લેજે. આજથી જ શરૂઆત કરી દેજે. આત્માના
લાભનો આ અવસર છે. ભાઈ, તું મુંઝાઈશ નહીં... અજ્ઞાનમાં ગમે તેટલો કાળ વીત્યો
પણ તારો સ્વભાવ મેલો થઈ ગયો નથી, તે તો એવો ને એવો શુદ્ધ છે; તેનું ભાન કરતાં
અજ્ઞાન ટળ્‌યું ને પરમ શાંતિ પ્રગટી; ત્યાં ધર્મી પોતાના કારણકાર્ય બંનેને શુદ્ધ જાણે છે.
અશુદ્ધતા તો ઉપર–ઉપરની છે. ઉપર–ઉપર એટલે શું? કાંઈ અસંખ્ય પ્રદેશ–

PDF/HTML Page 9 of 29
single page version

background image
: ૬ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
માંથી ઉપરના થોડાક પ્રદેશમાં છે અને અંદરના પ્રદેશોમાં નથી–એમ નથી, પર્યાય તો
સર્વ પ્રદેશોમાં છે પણ તે અશુદ્ધ પર્યાય અંદર ઊંડે એટલે કે દ્રવ્ય–ગુણમાં પ્રવેશતી નથી,
દ્રવ્ય–ગુણ અશુદ્ધ થયા નથી, માટે અશુદ્ધતાને ઉપર–ઉપરની કહી છે. તે અશુદ્ધતા વખતે
અંતરદ્રષ્ટિથી ધર્માત્મા પોતાના શુદ્ધ દ્રવ્યગુણસ્વભાવને જાણે છે, તેમ જ પર્યાયમાં જેટલી
શુદ્ધતા વર્તે છે તેને પણ જાણે છે. ને અશુદ્ધતા વિદ્યમાન છે તેને પણ (સ્વભાવથી
ભિન્નપણે) જાણે છે. બધાને જાણવા છતાં, પરમાગમના સારરૂપ શુદ્ધતત્ત્વને જ તે
અંતરમાં ઉપાદેયપણે અનુભવે છે. અહો, શુદ્ધતત્ત્વના રસિક જીવો! આવા પરમતત્ત્વને
જાણીને આજે જ તેનો અનુભવ કરો. (સમયસાર ગાથા ૧૬૮)
સમ્યગ્દર્શન થયું ત્યાં પૂર્ણાનંદસ્વરૂપ આત્મા ધર્મીના અનુભવમાં આવ્યો, ત્યાં
રાગ સાથેનો સંસર્ગ તેને છૂટી ગયો... તેની જ્ઞાનપર્યાયમાં રાગાદિનું કર્તૃત્વ ન રહ્યું, તેમાં
એકતાબુદ્ધિ ન રહી; એટલે રાગાદિ સાથે નહિ મળેલો એવો જ્ઞાનમયભાવ તેને પ્રગટ્યો;
તે જ્ઞાનમયભાવમાં રાગનું મિશ્રપણું નથી, જ્ઞાનમયભાવ રાગથી જુદો જ છે, રાગ
વગરનો જ છે. અને જ્ઞાનીનો આવો જ્ઞાનમયભાવ બંધનું જરા પણ કારણ નથી; એ તો
પોતાને રાગથી ભિન્ન સ્વભાવપણે જ પ્રકાશે છે.
અહો, પૂર્ણઆનંદધામ આત્મા જ્યાં ધ્યેયમાં આવ્યો ત્યાં ધર્મીને જ્ઞાનમય દશા
થઈ ને રાગ તેનાથી છૂટો પડી ગયો, તે ફરીને જ્ઞાન સાથે કદી એકમેક થતો નથી. જેમ
ઝાડમાંથી ખરેલું ફળ ફરીને ઝાડ સાથે ચોટતું નથી, તેમ ચૈતન્યદ્રષ્ટિથી
પૂર્ણાનંદસ્વભાવને પ્રતીતમાં લીધો ત્યાં ધર્મીના જ્ઞાનભાવથી રાગાદિભાવો છૂટા પડી
ગયા– ફળની જેમ ખરી ગયા; હવે ફરીથી કદી તે રાગાદિભાવો જ્ઞાન સાથે એક થાય
નહીં, ધર્મીનું જ્ઞાન રાગમાં કદી તન્મય થાય નહીં. સર્વજ્ઞભગવાને જેવો આત્મા જોયો
તેવો જ ધર્મીજીવ પોતાના સ્વસંવેદન–પ્રત્યક્ષ અનુભવપૂર્વક જુએ છે. અહા, અતીન્દ્રિય
આનંદના વેદનમાં રાગ કેવો? જેમ કેવળજ્ઞાનમાં રાગ નથી, તેમ સાધકના જ્ઞાનમાં પણ
રાગ નથી; રાગ હોવા છતાં તેનું જ્ઞાન રાગથી જુદું ને જુદું જ વર્તે છે. તે રાગથી ભિન્ન
પોતાના પરમ ચૈતન્યસ્વભાવને અતીન્દ્રિય આનંદસહિત અનુભવે છે; તેમાં રાગાદિ
દુઃખમય ભાવો પ્રવેશતા નથી પણ ખરી જાય છે.
અરે, ધર્મીના ચૈતન્યભાવમાં રાગનો કલેશ કેવો? અતીન્દ્રિય ચૈતન્યની શાંતિમાં
રાગની અશાંતિ કેવી? શુભ રાગ તેનું સાધન પણ થઈ શકતો નથી. અરે બાપુ! રાગ
તો દુઃખ છે, તે તારી શાંતિનું સાધન કેમ થાય? તારી શાંતિનું ખરૂં સાધન તો તારામાં
અનંત શાંતિનો સમુદ્ર ભર્યો છે– તે જ છે. આવી શાંતિના વેદન પૂર્વક

PDF/HTML Page 10 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૭ :
ધર્મીને અપ્રતિહતભાવે જ્ઞાન અને રાગ ભિન્ન થયા તે હવે ફરીને કદી એક થાય નહીં;
રાગનો કોઈ અંશ ધર્મીને કદી પોતાના ચૈતન્યભાવપણે ભાસે નહિ. ચૈતન્યભાવરૂપ
પોતાને સદાય રાગથી જુદો ને જુદો અનુભવે છે– આવી સમ્યગ્દ્રષ્ટિની દશા છે. ભલે
અત્યારે ક્ષાયોપશમિકભાવે સમ્યક્ત્વ હોય પણ ધર્મીને તેમાં એવું જોર છે કે ક્ષાયિકભાવ
સાથે અપ્રતિહતપણે તેની જોડણી કરી દ્યે–આવી નિઃશંકતાના જોરથી આચાર્યદેવ કહે છે
કે અમારું જ્ઞાન રાગથી છૂટું પડ્યું છે તે હવે ફરીને કદી રાગ સાથે એક થવાનું નથી.
સરાગ ભૂમિકામાં પણ ધર્મીનો સમ્યક્ત્વભાવ તો રાગથી જુદો જ છે.
સમ્યક્ત્વાદિ જ્ઞાનમય ભાવો છે તે બધાય વીતરાગ જ છે; ને રાગાદિ ભાવો તો ચેતનથી
વિલક્ષણ હોવાથી અજ્ઞાનમય છે, તેઓ કાંઈ ચૈતન્યના સ્વભાવો નથી ધર્મીનો ચૈતન્ય
ભાવ તે અચેતન (રાગાદિ) ભાવોથી એવો જુદો પડ્યો કે અંશમાત્ર ભેળસેળ થાય
નહિ; જ્ઞાનનો કોઈ અંશ રાગમાંન ભળે ને રાગનો કોઈ અંશ જ્ઞાનમાં ન ભળે. જેમ
ચેતન–અચેતનને એકપણું કદી ન થાય, તેમ જ્ઞાન અને રાગને એકપણું કદી નથી. જ્ઞાન
રાગથી તદ્ન જુદું પડ્યું ત્યારે તો સમ્યક્ત્વ થયું. બધા વિકલ્પોથી ભિન્ન નિર્વિકલ્પ
ચૈતન્યની અનુભૂતિ થયા વગર સમ્યક્ત્વ થાય નહિ. ચૈતન્યની નિર્વિકલ્પ શાંતિમાં
રાગનો કોઈ વિકલ્પ સમાય નહીં.
પરમાગમનો સાર એ છે કે અંતરમાં પરભાવોથી ભિન્ન પોતાની શુદ્ધ
ચૈતન્યવસ્તુને જ્ઞાનમાં–શ્રદ્ધામાં–અનુભવમાં લેવી. ચૈતન્યચમત્કાર તે પરમ તત્ત્વ છે;
વ્યવહારના વિકલ્પો તે કાંઈ પરમ તત્ત્વ નથી; પરમ તત્ત્વના અનુભવમાં–જ્ઞાનમાં–
શ્રદ્ધામાં તે વિકલ્પોનો અભાવ છે. સમ્યગ્દ્રષ્ટિ આવા અદ્ભુત તત્ત્વને અંતરમાં દેખે છે...
તેમાં કોઈ ભેદ–વિકલ્પ–રાગ કે પરનો સંબંધ દેખાતો નથી... દ્રવ્યમાં–ગુણમાં–પર્યાયમાં
શુદ્ધતા અનુભવાય છે; જે અશુદ્ધતા છે તે શુદ્ધ તત્ત્વના અનુભવથી બહાર છે. આવા
તત્ત્વને શુદ્ધ તત્ત્વરસિક જીવો અનુભવે છે. આ તત્ત્વમાં એકલી શાંતિ જ છે... એકલી
શાંતિનો સાગર આત્મા, તેમાં વિકલ્પોની અશાંતિ કેમ હોય? અરે જીવ! આવા શાંત
શુદ્ધ તત્ત્વનો રસિક થઈને તેને અનુભવમાં લે. આ એક જ તત્ત્વરસિક જીવોનું નિરંતર
કર્તવ્ય છે.
શુદ્ધ ચૈતન્યમય એક ભાવ જ હું છું, ને તેનાથી ભિન્ન રાગાદિ સર્વે ભાવો તે હું
નથી. ઉજ્વળ જ્ઞાનવડે ધર્મી જીવો આવા તત્ત્વને અનુભવે છે; ને તે જ સર્વ સિદ્ધાંતનો
સાર છે.

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૮ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
મારા ચૈતન્યની અનુભૂતિથી ભિન્ન જે કોઈ ભાવો છે તે બધાય પર–સ્વભાવો છે,
તે હું નથી. – અહો મોક્ષાર્થી જીવો! ચૈતન્યના આવા પરમ સ્વભાવને ઉદારચિત્તથી
સેવો. ચૈતન્યથી ભિન્ન જે કોઈ પરભાવો છે તે આત્મા નથી, સહજ એક ચૈતન્યભાવ
પણે જે પોતામાં અનુભવાય છે તે પરમ તત્ત્વ જ આત્મા છે. –તે જ હું છું–એમ ધર્મી
અનુભવે છે. – આવો અનુભવ તે સર્વ સિદ્ધાંતનો સાર છે.
ચૈતન્યની વીતરાગી શાંતિ જેણે વેદી છે તેને શુભરાગમાં પણ અશાંતિ અને
કલેશ લાગે છે. ધર્મીજીવને સવિકલ્પદશા હો કે નિર્વિકલ્પદશા હો, –ત્યાં જે જ્ઞાનપરિણતિ
છે તે તો રાગથી જુદી જ છે, તે કાંઈ બંધનું કારણ નથી; ત્યાં જે રાગ છે તે જ બંધનું
કારણ છે. એટલે જ્ઞાન બંધનું કારણ થતું ન હોવાથી જ્ઞાનીને બંધન જ નથી એમ કહ્યું
છે. જ્ઞાનભાવ બંધનું કારણ નથી અને રાગભાવ બંધનું કારણ છે–એમ બંનેની તદ્ન
ભિન્નતા છે. જ્ઞાનભાવનો કર્તા જ્ઞાની રાગભાવનો કર્તા થતો નથી. જ્ઞાનભાવ બંધનું
કારણ નહિ પણ મોક્ષનું જ કારણ થાય છે, ને રાગભાવ મોક્ષનું કારણ નહિ પણ બંધનું
જ કારણ થાય છે. – એ બંનેની જાત જ જુદી છે. અને રાગનું અસ્તિત્વ તો જ્ઞાનની
હીણી દશા વખતે જ હોય છે, એટલે જઘન્ય જ્ઞાનદશા વખતે જે બંધન થાય છે તેમાં
જ્ઞાનનો કાંઈ દોષ નથી. જઘન્ય જ્ઞાનપરિણમનને બંધનું કારણ કહ્યું ત્યાં એમ સમજવું કે
ખરેખર જ્ઞાનપરિણામ કાંઈ બંધનું કારણ નથી પણ તે જ્ઞાન વખતે વર્તતો રાગ જ
બંધનું કારણ છે. સાધકને આ રીતે જ્ઞાન અને રાગ બંને સાથે રહેવામાં કાંઈ વિરોધ
નથી, પણ તેમાં જે રાગ છે તે જ બંધનું કારણ છે, અને જે જ્ઞાન છે તે બંધનું કારણ થતું
નથી–આમ બંનેની ભિન્નતા ઓળખવી જોઈએ. તેમાંથી જ્ઞાનભાવને જ જ્ઞાનીનું કાર્ય
કહ્યું, ને તેથી તેને અબંધ કહ્યો. રાગને તો જ્ઞાનથી ભિન્ન બંધભાવમાં રાખ્યો. –તે
જ્ઞાનીનું કાર્ય નથી.
આવા ભેદજ્ઞાનવડે જ્ઞાનીએ પોતાના આત્માને અનંત ચૈતન્યભાવસહિત
અનુભવ્યો છે. તેણે રાગથી ભિન્નતા તો જાણી છે, અને હજી જે અબુદ્ધિપૂર્વક, એકત્વબુદ્ધિ
વગરના રાગાદિ બાકી છે તેને પણ છોડવા માટે વારંવાર ઉપયોગને અંતરમાં એકાગ્ર
કરીને. સ્વશક્તિને અનુભવે છે. નીચલી દશામાં નિર્વિકલ્પદશા ક્યારેક–ક્યારેક આવે છે,
ને પછી મુનિને તો વારંવાર નિર્વિકલ્પદશા થયા કરે છે... રાગથી તદ્ન જુદો
ચૈતન્યગોળો મહા આનંદ સહિત અનુભવે છે. અહો, આવો અનુભવ તે વીતરાગમાર્ગ
છે. વીતરાગમાર્ગ તો અલૌકિક માર્ગ છે, જગતથી જુદી જાતનો વીતરાગમાર્ગ છે.
(વિશેષ માટે જુઓ પાનું: ૧૬)

PDF/HTML Page 12 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૯ :
શંકા અને ક્રોધ વડે જીવના ભાવમાં એક ક્ષણમાં કેવું
પરિવર્તન થઈ જાય છે, અને એ જ જીવ ક્ષણમાત્રમાં પોતાના
ભાવોને પલટીને કેવો ઉજ્જવળ થઈ જાય છે–તેનું સુંદર
આલેખન આ નાનકડી ધર્મકથામાં આપ વાંચશો. (સં.)
કૌશાંબી નગરીમાં પ્રસિદ્ધ એક કલાકાર હતો; એનું નામ ‘અંગારક. ’ તે ઘણો
કુશળ કલાકાર હોવા ઉપરાંત ધર્મનો પ્રેમી અને ઉદાર પણ હતો; કળા સાથે આ બે ગુણો
હોવાથી તેની પ્રતિષ્ઠા ઝળકી ઊઠી હતી. આભૂષણોમાં કિંમતી હીરામાણેક જડવા તે તેનું
મુખ્ય કાર્ય હતું અને તેમાં તે ઘણો જ કુશળ હતો. કિંમતી રત્નો વડે જીવનમાં અનેક
આભૂષણોને તે શણગારી ચૂક્યો હતો પરંતુ રત્નત્રયરૂપી રત્નો વડે પોતાના આત્માને
હજી સુધી તે શણગારી શક્યો ન હતો.
આજે કલાકારનું નિવાસસ્થાન પદ્મરાગ–મણિની રક્તપ્રભાથી ઝગમગ ઝગમગ
થઈ રહ્યું છે. તે પદ્મમણિની સામે નજર માંડીને અંગારક વિચારી રહ્યો છે કે “આ
કિંમતી મણિને આભૂષણમાં કઈ રીતે બેસાડવો? કેમકે આ કોઈ સાધારણ ચીજ નથી,
આ તો કૌશાંબીના મહારાજા ગંધર્વસેને આભૂષણમાં બેસાડવા માટે આપેલ મહા કિંમતી
પદ્મરાગમણિ છે. મારી કલા ઉપર વિશ્વાસ મુકીને મહારાજાએ મને આ કામ સોંપ્યું છે;
માટે આભૂષણમાં તે એવી ઉત્તમ રીતે જડવો જોઈએ કે તેની શોભા એકદમ ઝળકી
ઊઠે.” આ વિચારથી કલાકાર તે પદ્મમણિને ઘડીકમાં દાગીનાની એક તરફ ગોઠવતો, ને
ઘડીકમાં બીજી તરફ ગોઠવતો, વળી ઘડીકમાં ત્યાંથી ફેરવીને વચ્ચે ગોઠવતો. એમ
વારંવાર ફેરવતાં ફેરવતાં ઘણા પરિશ્રમ બાદ જ્યારે ઈચ્છિત સ્થાને તે મણિ બરાબર
ગોઠવાઈ ગયો ત્યારે તેની શોભા જોઈને એનું મન હર્ષથી ગદગદ થઈ ગયું: વાહ! મારી
કલાનો આ એક સર્વોત્તમ નમુનો બનશે, અને મહારાજા તે દેખીને ખૂબ જ પ્રસન્ન થશે.

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
એ પ્રમાણે સંતોષનો શ્વાસ લઈને જ્યાં માથું ઊંચું કરે છે ત્યાં તો આંગણામાં
એક દિગંબર મુનિરાજને દેખ્યા... અહા! એ યોગીની પવિત્ર આંખોમાંથી જાણે પરમ
શાંતરસ વરસી રહ્યો છે... એની ભવ્યમુદ્રા ઉપર વીતરાગતા છવાઈ ગઈ છે... એના
સમસ્ત પાપો ગળી ગયાં છે. અહો! એના આત્માની પવિત્રતાની તો શી વાત! –પરંતુ
એના દેહના ચરણથી સ્પર્શાયેલી રજ પણ એવી પવિત્ર છે કે અસાધ્ય રોગને પણ તે
નષ્ટ કરી નાંખે છે. એમના દર્શન માત્રથી માનવીનું મન પવિત્ર થઈ જાય છે ને તેના
હૃદયમાં પાપો ધોવાઈ જાય છે. એ રત્નત્રયધારક યોગીરાજના આત્મતેજ પાસે આ
પદ્મરાગમણિના તેજ ઝાંખા લાગતા હતા.
આવા ઋદ્ધિધારી મહા મુનિરાજ ગોચરીવૃત્તિથી ગમન કરી રહ્યા છે... તેમને
દેખતાં જ અંગારકનું મસ્તક તેમના ચરણોમાં ઝૂકી ગયું... અને સહસા તેના મુખમાંથી
ઉદ્ગાર નીકળી ગયા; “અહા! આજે મારા ભાગ્ય ખીલ્યાં છે. આજે હું કૃતાર્થ થયો
છું...” “હે પ્રભો! હે મહામુનિરાજ! આપના ચરણકમળથી આજે હું પાવન થયો... મારું
ઘર પવિત્ર થયું... મારા ભવોભવના પાપ ધોવાઈ ગયા. હે નાથ! પધારો... પધારો...
પધારો...” એમ મુનિરાજને પડગાહન કરીને નવધાભક્તિપૂર્વક અંગારકે આહારદાન
કર્યું. આહારદાન વખતે ઘરમાંથી એક ઝબકારો ઊડીને આકાશ તરફ ચાલ્યો, પણ તેનું
તેને લક્ષ ન રહ્યું. આહાર બાદ શ્રી મુનિરાજ તો પાછા ઉદ્યાનમાં ચાલ્યા ગયા ને
આત્મધ્યાનમાં લીન થયા. આવા પવિત્રાત્મા, વિશુદ્ધોપયોગી સાધુશિરોમણીને
આહારદાન દેવાથી આજે અંગારક ખરેખર કૃતાર્થ થયો... ધન્ય થયો... તેનું ચિત્ત ઘણું
પ્રસન્ન થયું.
આહારદાન બાદ, તે કલાકાર આભૂષણમાં પદ્મરાગમણિને જડવાનું પોતાનું કાર્ય
પૂરું કરવા માટે આવ્યો. અરે! પણ આ શું? પદ્મરાગમણિ ગૂમ! પદ્મરાગમણિને નહિ
દેખવાથી તેની આંખે એકદમ અંધારા આવી ગયા.. તેનું મગજ જાણે ચક્કર ચક્કર ફરવા
લાગ્યું... અરે, પણ એટલી વારમાં એ પદ્મરાગમણિ જાય ક્્યાં? શું એને પાંખ આવીને
એ ઊડી ગયો? શું કોઈ એને ચોરી ગયું? –નહિ, એ મુનિરાજ સિવાય બીજું તો કોઈ
ઘરમાં આવ્યું જ નથી. તો એ મણિ ગયો ક્યાં? કાંઈ સમજમાં નથી આવતું કે એ મણિ
એકાએક ક્્યાં ગૂમ થઈ ગયો?
પદ્મમણિના ગૂમ થવાથી અંગારક બેબાકળો થઈને ઘરમાં ઘૂમવા લાગ્યો...

PDF/HTML Page 14 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૧૧ :
એક ક્ષણ પહેલાંં મણિના તેજથી ઝગામગતા તેના ઘરમાં અત્યારે અંધકાર છવાઈ ગયો.
જાણે પૃથ્વી કંપવા લાગી... મણિ જતાં જાણે પોતાની પ્રતિષ્ઠા પણ ચાલી ગઈ એમ તેને
લાગ્યું. તેને ચિંતા થતી હતી કે અરે! મહારાજાને હું શો જવાબ આપીશ? હે ભગવાન,
હવે શું થશે? નિરાશાથી ઘેરાયેલો તે એકાએક ક્રોધથી રાતો–પીળો થઈ ગયો. બસ! ગમે
તેમ કરીને એ મણિનો પત્તો મેળવવો જ જોઈએ. તેણે ફરીને વિચાર કરવા માંડ્યો: અરે,
હજી હમણાં જ જ્ઞાનસાગર મુનિરાજને આહારદાન દેવા માટે પદ્મને મેં આ પેટી ઉપર
મુક્્યો હતો. ને તે મુનિરાજ આહાર કરીને પાછા જાય છે ત્યાં તો પદ્મ ગુમ! એના
સિવાય બીજી કોઈ વ્યક્તિ મારા ઘરમાં આવી જ નથી... માટે? માટે... જરૂર એ મુનિનો
જ આમાં હાથ હોવો જોઈએ. બસ, થઈ ચૂકયું! ઉપરનો વિચાર આવતાં જ જે યોગીરાજ
પ્રત્યે એક ક્ષણ પહેલાંં તો અંગારકને અત્યંત ભક્તિ અને શ્રદ્ધાનો અગાધ દરિયો
ઊછળતો હતો તે જ મુનિ પ્રત્યે હવે ભયંકર ક્રોધથી અંગારક અંગારા જેવો બની ગયો...
જરૂર, તે મુનિ નહિ પણ મુનિવેષમાં કોઈ ચોર હશે; એ ઢોંગીનું જ આ કામ લાગે છે!
છતાં, તાજેતરમાં જ નીહાળેલી એ વીતરાગી મુનિરાજની ભવ્ય ઉપશાંત મુદ્રા
અને અંતરંગમાં રહેલી જૈનધર્મ પ્રત્યેની ભક્તિ, તેને લીધે કળાકારના અંતરમાંથી
અવાજ ઊઠ્યો: આ શું? શું તું પાગલ થઈ ગયો છે? જેણે ઈન્દ્ર જેવા વૈભવને છોડ્યો છે
ને સંસારને તરણાંતૂલ્ય જાણીને ત્યાગી દીધો છે, જગતના પદાર્થોમાં ઈષ્ટ–અનિષ્ટ
વૃત્તિઓને ઓળંગીને જેઓ ઘણા આગળ વધી ગયા છે એવા એ મુનિરાજ શું આ તારો
પથ્થરનો ટૂકડો ચોરશે? સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર જેવા વિશ્વવંદ્ય રત્નથી
જેમનો આત્મા શોભી રહ્યો છે તે શું આ જડરત્નથી મોહિત થશે? અરે, એણે તો
સ્વાત્મસ્થિત ચૈતન્યમણિ પ્રાપ્ત કરી લીધો છે, તે આ અચેતન મણિને શું કરે?
એક ક્ષણ તો તેને આવા વિચારો આવી ગયા... પણ, મણિ ન દેખવાથી તેને ફરી
પ્રશ્ન ઊઠ્યો: તો એ જાય ક્યાં? મણિના મોહથી પાગલ જેવો થઈને આખરે તેણે નક્કી
કર્યું કે–નહિ, નહિ, એ મુનિ નથી પણ કોઈક માયાવી છે, તેનું જ આ કાળું કામ છે. એ
ઠગારા–માયાવીએ મંત્રના પ્રભાવથી મણિ ચોરી લઈને ગૂમ કરી દીધો છે... પણ મારાથી
છટકીને તે ક્યાં જવાનો હતો? મુનિવેષમાં રહીને આવું કામ કરે છે એને તો હું બરાબર
શિક્ષા દઈશ. ગમે ત્યાંથી હમણાં જ તેને પકડી પાડું. –એમ ધારીને ક્રોધથી રાતો–પીળો
થતો અંગારક તે મુનિને શોધવા ઉદ્યાન તરફ ઝડપથી ચાલ્યો.

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧ર : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
એકાંત શાંત ઉદ્યાનમાં શ્રી જ્ઞાનસાગર મુનિરાજ આત્મધ્યાનમાં નિમગ્ન છે.
જગતની માયાજાળથી ઘણે દૂર–દૂર, સંસારના વિષમ વાતાવરણથી પાર, અને પરમ
આનંદસ્વરૂપ સિદ્ધ ભગવંતોની એકદમ નજીક તેઓ વર્તી રહ્યા છે... અનંત સુખમય
આત્માના ધ્યાનમાં તેઓ વધુને વધુ એકાગ્ર થતા જાય છે.
આ તરફ ક્રોધથી ધમધમતો અંગારક હાથમાં લાઠી લઈને મુનિને શોધવા દોડ્યો
આવે છે. ધ્યાનસ્થ મુનિને દૂરથી દેખતાં જ તે ગર્જ્યો –અરે પાખંડી! જલ્દી બોલી નાખ
કે મારો મણિ ક્યાં છે? –પણ કોણ જવાબ આપે! મુનિ તો ધ્યાનસ્થ છે. જોકે તે
મુનિરાજ અવધિજ્ઞાની હતા, પણ સ્વરૂપમાંથી બહાર આવીને અવધિનો ઉપયોગ મુકે તો
ને? –એ તો આત્મસાધનામાં તલ્લીન હતા.
તેમના મૌનથી વધારે ક્રોધિત થઈને અંગારકે કહ્યું, –અરે ધૂર્ત! ધોળા દિવસે
ચોરી કરીને પાછો ઢોંગ કરે છે? તું જાણતો નહિ કે હું તને એમને એમ છોડી દઈશ.
જલ્દી બોલી દે કે ક્્યાં છે મારો મણિ!
પણ એ વીતરાગી મુનિરાજની ક્ષમારૂપી ઢાલ ઉપર તે ક્રૂર વચનોરૂપી બાણ કંઈ
અસર ન કરી શક્્યા... મુનિરાજ તો અડગપણે ધ્યાનસ્થ જ હતા.
અંગારકે જોયું કે મારા વચનથી આના ઉપર કંઈ અસર થતી નથી, પણ જરૂર
મણિ એણે ક્યાંક સંતાડયો છે. તેથી જ તે મૌન છે. “–કેમ, સીધી રીતે બોલે છે કે નહિ?
... કે આ... નો સ્વાદ ચખાડું?” – એમ કહીને તેણે મુનિરાજ ઉપર લાઠી ઉગામી...
અરે! એક ક્ષણ પહેલાંં તો જેના પાવન ચરણકમળમાં પોતે શ્રદ્ધાપૂર્વક શિર
ઝુકાવતો હતો તેના જ શીર ઉપર અત્યારે પ્રહાર કરવા અંગારક તૈયાર થયો છે. જીવનાં
પરિણામની કેવી વિચિત્રતા છે!!
મુનિરાજ તો ન બોલ્યા... તે ન જ બોલ્યા... ધ્યાનથી ન ડગ્યા તે ન જ ડગ્યા!
અંગારકે લાકડી ઊંચી કરીને મુનિ ઉપર વીંઝી... પણ... રે! એ લાકડી મુનિરાજના શિર
સુધી પહોંચે ત્યારપહેલાંં તો ઉપર ઝાડની ડાળે બેઠેલા મોરલાની ડોક ઉપર લાગી ને
તરત જ કરૂણ ચિત્કાર સાથે તે મોરના કંઠમાંથી એક વસ્તુ નીચે સરી પડી. રાતા
પ્રકાશથી પૃથ્વી ઝગમગી રહી... જાણે કે મુનિરાજનું રક્ષણ થવાથી પૃથ્વી આનંદથી હસી
રહી...

PDF/HTML Page 16 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૧૩ :
–એ હતો પદ્મરાગમણિ! અંગારક તો એ મણિને જોતાં આશ્ચર્યથી આભો જ
બની ગયો... તેની આંખે ફરીને અંધારા આવી ગયા... લાકડી હાથમાંથી પડી ગઈ. ને
ધ... બ કરતો તેનો દેહ મુનિરાજના ચરણોમાં પડ્યો. પદ્મરાગમણિ ગૂમ થવાનું રહસ્ય
હવે ખૂલી ગયું હતું, ને એ કલાકાર પોતાના અવિચારી કર્તવ્યથી પશ્ચાત્તાપના સાગરમાં
બેભાન થઈને પડ્યો હતો. ધ્યાનસ્થ મુનિરાજને તો બહારમાં શું બની રહ્યું છે તેની
દરકાર જ ક્યાં હતી?
શ્રી મુનિરાજે “નમો સિદ્ધાણ” કહીને જ્યારે ધ્યાન પૂરું કર્યું ને આંખો ખોલી...
ત્યારે જોયું કે ક્ષણ પહેલાંં અત્યંત પ્રસન્ન એવો આ અંગારક પોતાના પગ પાસે
પશ્ચાત્તાપથી ધ્રૂસકે–ધ્રૂસકે રડી રહ્યો છે... એકબાજુ પદ્મમણિ ધૂળમાં રગદોળાતો પડ્યો
છે. થોડે દૂર લાકડી પડી છે. ઉપર બેઠેલો મયુર મણિ તરફ ટગટગ નીહાળી રહ્યો છે...
શ્રી મુનિરાજ બધી પરિસ્થિતિ સમજી ગયા... તેમણે અંગારકને આશ્વાસન આપતાં મહા
કરૂણાથી કહ્યું: વત્સ અંગારક! દુઃખી ન થા; ક્ષોભ છોડી દે! આબરૂનો અને લક્ષ્મીનો
મોહ એવો જ છે કે જીવને અવિચારી બનાવી દે છે. ભાઈ, જે થઈ ગયું તે થઈ ગયું...
હવે શોક છોડી દે.. ને આત્મહિત સાધવા માટે તત્પર થા.
પશ્ચાત્તાપથી બળતા અંગારકના હૈયામાં મુનિરાજના વચનોએ અમૃત સીચ્યું.
તેણે હાથ જોડીને મુનિરાજને કહ્યું–“પ્રભો! મને ક્ષમા કરો... મોહથી અંધ થઈને મેં
મહાઅનુચિત કામ કર્યું... ક્રોધથી હું અવિચારી બની ગયો... પ્રભો! મને ક્ષમા કરીને આ
ભયંકર પાપથી મારો ઉદ્ધાર કરો. નાથ, આપશ્રીના આહારદાન વખતે મેં આ મણિ પેટી
ઉપર મુકેલો, ને તે વખતે ઉપર બેઠેલ આ મયુર તેને ખાવાની વસ્તુ સમજીને ઉપાડી
ગયો. પણ તે મણિ તેના ગળામાં સલવાઈ રહ્યો... મેં વગર જોયે વગર વિચાર્યે આપના
ઉપર શંકા કરી.. આપને પ્રહાર કરવા લાકડી ઊગામી, પણ પ્રભો! સદ્ભાગ્યે તે મોર
આપની પાછળ–પાછળ આવીને અહીં જ ઝાડ ઉપર બેઠો હતો ને તેની ડોક ઉપર લાકડી
લાગતાં જ ડોકમાંથી મણિ સરી પડ્યો... આ રીતે આપના પ્રાણ બચી ગયા. મયુરના
પણ પ્રાણ બચી ગયાને મારા આ પાપી હસ્તે એક વીતરાગી યોગીની હિંસા થતી બચી
ગઈ.” આમ બોલતાં–બોલતાં પશ્ચાત્તાપથી અંગારકના પાપો પાણી–પાણી થઈને
આંખમાંથી અશ્રુધારારૂપે બહાર નીકળી જતા હતા. થોડી વાર થાક ખાઈને તેણે કહ્યું:
“પ્રભો! આપના વચનથી આજે હું નવજીવન પામ્યો છું. નાથ! આ પાપમય સંસારથી
હવે મારો ઉદ્ધાર

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
કરો... અત્યારે જ મને નિર્ગ્રંથ મુનિદીક્ષા આપો... ને મારું કલ્યાણ કરો.”
મુનિરાજે કહ્યું: બંધુ, તારા ભાવ ઉત્તમ છે... પરંતુ પહેલાંં આ પદ્મમણિ લઈને
રાજાને પાછો સોંપી આવ...
પ્રભો! એ પદ્મમણિનો સ્પર્શ કરતાં પણ હવે મારા હાથ ધ્રૂજે છે.
‘વત્સ! એમ સમજ કે એ મણિના નિમિત્તે જ આજે તારામાં મહાન પરિવર્તન
થઈ રહ્યું છે... ’
અંગારકે ધ્રૂજતે હાથે મણિ ઉપાડ્યો... ને મુનિરાજના ચરણે નમસ્કાર કરીને
રાજદરબાર તરફ ચાલ્યો.
“લીજિયે, મહારાજ! આપનો આ પદ્મરાગ મણિ” અંગારકે કંપતા હાથે મણિ
મહારાજા તરફ ધર્યો.
મણિ એમને એમ પાછો આવેલો જોઈને રાજાએ વિસ્મયથી પૂછયું–કેમ કલાકાર,
મણિ શા માટે પાછો આપી રહ્યા છો?
રાજન્! આ મણિને આભુષણોમાં જડવાનું કામ હવે મારાથી થઈ શકે તેમ નથી.
અરે! શું કહો છો, અંગારક? તમારા જેવો કુશળ કલાકાર જો આ કામ નહિ કરી
શકે તો બીજું કોણ કરી શકશે? –રાજાએ પૂછ્યું.
અંગારકે કહ્યું: રાજન્! આવા મણિ–રત્નો જડી–જડીને અનેક આભૂષણોને મેં
શોભાવ્યા... ને એમાં જ જીંદગી વીતી ગઈ... પરંતુ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને
સમ્યક્ચારિત્રરૂપ રત્નોથી મેં મારા આત્માને હજી સુધી આભુષિત ન કર્યો... મહારાજ!
હવે તો જીવનમાં એ રત્નોને જડીને તેનાથી આત્માને શોભાવવો છે.
કલાકારને એકાએક આ શું થઈ ગયું તેની રાજાને કંઈ સમજ ન પડી... એટલે
તેણે પૂછ્યું: પણ કલાકાર, છે શું તે તો કહો?
અંગારકે કહ્યું: રાજન્! આપના આ મણિના નિમિત્તે જ આજે એક એવી ઘટના બની
ગઈ કે જે મારાથી કહી શકાય તેવી નથી. પણ આ મણિને આભૂષણમાં જડવાથી મને જે
પુરસ્કાર મલત તેના કરતાં વિશિષ્ટ કોઈ અનંતો પુરસ્કાર આજે મને મલી રહ્યો છે.
રાજન્! હવે હું રત્નત્રય–મણિથી મારા આત્માને શણગારવા જાઉં છું...

PDF/HTML Page 18 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૧૫ :
“પણ મારા એક આ મણિને જડવાનું કામ તો પૂરું કરી આપો.”
નહિ રાજન્! હવે આ અંગારક એવો પહેલાંંનો કલાકાર નથી રહ્યો, હવે તો તે
પોતાના આત્મામાં જ સમ્યક્ત્વાદિ મણિ જડવા માટે જાય છે... એમ કહીને અંગારક
ચાલતો થયો.
રાજા તો દિગ્મૂઢ બનીને જોઈ જ રહ્યો. ઘણો વિચાર કરવા છતાં આ ઘટનાનું
રહસ્ય તે ઉકેલી ન શક્યો.
બીજે દિવસે, જ્યારે નગરીના લોકો જ્ઞાનસાગર મુનિરાજના દર્શને આવ્યા ત્યારે
તેમની સાથે બીજા એક નૂતન મુનિરાજને દેખીને નગરજનો વિસ્મિત થયા ને સૌએ
ભક્તિથી તેમના ચરણમાં પણ શીશ ઝુકાવ્યું. પણ અરે! આ તો કલાકાર અંગારક!
પોતાની નગરીના એક નાગરિકને આ રીતે મુનિદશામાં દેખીને સૌને આશ્ચર્ય થયું ને
ક્ષણમાત્રમાં આખી નગરીમાં એ વાત ફેલાઈ ગઈ.
રાજાને ખબર પડતાં જ તે શીઘ્રતાથી આવી પહોંચ્યો... મુનિરાજને વંદનાદિ
કરીને રાજાએ પૂછ્યું: પ્રભો! કાલનો કલાકાર આજ અચાનક અધ્યાત્મયોગી બની જાય
છે, –આમાં શું રહસ્ય છે તે જાણવા અમે સૌ આતુર છીએ.
શ્રી જ્ઞાનસાગર મુનિરાજે મણિ ગૂમ થવાની, અને તે પ્રાપ્ત થવાની બધી વાત
સવિસ્તાર કરીને રહસ્યનું ઉદ્ઘાટન કર્યું, અને કહ્યું–રાજન્! હવે તેણે પોતાના આત્મામાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી મણિ જડી દીધા છે; જ્ઞાનમણિના પ્રકાશથી તેનો આત્મા
ઝળહળી રહ્યો છે ને એતો અજ્ઞાનઅંધકાર નષ્ટ થઈ ગયો છે. હવે તે જડ–પથ્થરનો
કલાકાર મટીને, ચૈતન્યમણિનો કલાકાર બન્યો છે.
કલાકારની રહસ્યભરી કથા સાંભળતાં રાજા અને નગરજનો ખૂબ જ વિસ્મિત
અને હર્ષિત થયા. સૌએ એક સ્વરથી “રત્નત્રય–કલાકારકી જય, અંગારક મુનિરાજકી
જય” બોલીને આકાશ ગજાવી દીધું... ને રાજાએ એ પદ્મરાગમણિ વડે અંગારકમુનિના
ચરણોની પૂજા કરી... કલાકારે જે મણિ છોડી દીધો તે જ ફરીને તેના ચરણોમાં
ઝગમગી રહ્યો.

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
પરમાગમના રહસ્યની પ્રસાદી
(પૃષ્ઠ ૮ થી ચાલુ)
જ્ઞાનીનું જ્ઞાન ભલે જઘન્ય હોય–નાનામાં નાનો અંશ હોય, –તો પણ તે જ્ઞાનમાં
રાગની ભેળસેળ નથી, રાગથી અત્યંત જુદું સ્વસંવેદનસહિતનું જ્ઞાન છે, તે જ્ઞાન
મોક્ષમાર્ગને સાધે છે; તે કાંઈ બંધનું કારણ થતું નથી. અહો, તે જ્ઞાન તો વીતરાગી
શાંતિને વેદનારું છે. અહો, ચૈતન્યનો મહા આનંદ અને વીતરાગી શાંતિ... એની શી
વાત? તે શાંતિમાંથી ખસ્યો ત્યારે રાગની ઉત્પત્તિ થઈ, તે તો અશાંતિ અને કલેશ છે;
શાંતિના બરફ પાસે તો તે અગ્નિની ભઠ્ઠી જેવો જ છેને!
અહો, ચૈતન્યતત્ત્વ, તેના પરમ ભાવની શી વાત! તે જ ધર્મીને અંતરમાં ઉપાદેય
છે. આત્માના પરમ સ્વભાવમાં સહજ સુખ–જ્ઞાનાદિ અનંત ભાવો છે–તેઓ સ્વતત્ત્વપણે
ઉપાદેય છે.
અહો! ઉપાદેય–તત્ત્વની આ મીઠી–મધુરી, ચૈતન્યરસવાળી વાત છે. આત્મામાં
ત્રિકાળ સહજ આનંદસ્વરૂપ છે. સહજજ્ઞાન–સહજદર્શન–સહજચારિત્ર અને સહજસુખ
એવા પરમ ભાવસ્વરૂપ સ્વદ્રવ્ય છે; તેનો આધાર એકરૂપ પરમપારિણામિકભાવ છે, તે
જ કારણસમયસાર છે. તેને ઉપાદેયપણે અનુભવમાં લેતાં શુદ્ધદશારૂપ કાર્યસમયસાર
પ્રગટે છે.
એકરૂપ સહજ અંતરતત્ત્વ, તેમાં જ્ઞાનાદિ અનંત સહજ સ્વભાવો રહેલા છે.
સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાયો તે કાર્ય છે, ને તેનું ‘કારણ’ આત્મામાં ત્રિકાળ છે. અંતર્મુખ
થઈને તે ત્રિકાળી સ્વભાવને ઉપાદેય કરતાં પર્યાય પોતે સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્યરૂપ
થઈ ગઈ છે. તે પર્યાયે અંતરમાં શુદ્ધ કારણપરમાત્માને ઉપાદેય કર્યો–એમ કહેવાય છે.
વર્તમાન પર્યાયમાં ચિદાનંદસ્વભાવનું પરમ માહાત્મ્ય આવતાં પર્યાય તેમાં ઢળી
ગઈને તેના આનંદના અપૂર્વ વેદન સહિત અનુભૂતિ થઈ તે સમ્યગ્દર્શન છે; તેની સાથે
અનંતગુણની નિર્મળતાનો સ્વાદ છે. વિભાવ ગુણપર્યાયોથી પાર જે એકરૂપ સહજ સુખ–
જ્ઞાનાદિ અનંત સ્વભાવોથી ભરેલ પરમસ્વભાવ–કારણપરમાત્મા તે ધર્મીની દ્રષ્ટિમાં
ધ્યેયપણે સમાય છે. અંદર મોટો ચૈતન્યભંડાર છે; તેમાંથી સમ્યગ્દર્શન–કેવળજ્ઞાનાદિ
નિધાન પ્રગટે છે.

PDF/HTML Page 20 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૧૭ :
જ્ઞાનને ઉદાર અને ઉજ્વળ કરીને, એટલે રાગથી અત્યંત જુદું કરીને મોક્ષાર્થી
જીવો આનંદમય શુદ્ધ ચૈતન્યજ્યોતિનું જ સદાય સેવન કરો. શુદ્ધ ચૈતન્યભાવપણે મને
અનુભવમાં આવતું તત્ત્વ તે જ હું છું; ને ચૈતન્યથી જુદા અન્ય લક્ષણવાળા જે કોઈ
રાગાદિ અન્ય ભાવો નવા નવા પ્રગટ થાય છે–તે કોઈ હું નથી, તે ભાવો મારી
ચૈતન્યશાંતિથી જુદી જ જાતના છે.
રાગના વેદનમાં હું નથી, મતિ–શ્રુતજ્ઞાનમાં સ્વસંવેદન–પ્રત્યક્ષ થયો તે હું છું.
મારા જ્ઞાનના સ્વસંવેદનથી બહાર જે કોઈ રાગાદિ ભાવો છે તે હું નથી, તે મારાથી
પરદ્રવ્ય છે. આમ ભેદજ્ઞાનવડે ધર્મીજીવ શુદ્ધઆત્માને સ્વસંવેદનમાં લ્યે છે. એ સિવાય
બીજા કોઈ વિકલ્પો મારા દ્રવ્ય–ગુણ–પર્યાયમાં નથી. સ્વસંવેદનમાં જે
શુદ્ધઅનુભૂતિપર્યાય થઈ તેમાં રાગનો અનુભવ નથી, માટે જ્ઞાનીની શુદ્ધપર્યાય થઈ તેમાં
રાગાદિ નથી. રાગદશા જેટલી છે તેટલી ધર્મી જાણે છે પણ ચૈતન્યપરિણતિથી તેને જુદી
જાણે છે. શાંતિના વેદનની સાથે રાગાદિની અશાંતિના વેદનને તે ભેળવતો નથી, તેને
પરદ્રવ્ય જેવા જુદા જાણે છે. જગત જગતમાં રહ્યું. મારામાં જગત નથી.
અરે, આ ચોરાશીના અવતાર કરતા જીવે અજ્ઞાનથી વિકારના પડખા જ સેવ્યા
છે. તે પડખું છોડીને જ્ઞાનના પડખે આવવાની આ વાત છે. રાગથી ભિન્ન શુદ્ધાત્માનું
સેવન કરતાં જ્ઞાનમાં અપૂર્વ સ્વસંવેદનસહિત શાંતિ પ્રગટે છે. તે શાંતિના વેદન પાસે
રાગાદિ ભાવોને ધર્મી પોતાથી ભિન્ન, અગ્નિની ભઠ્ઠી જેવા જાણે છે.
અમારું શુદ્ધ જીવાસ્તિકાય અસંખ્ય પ્રદેશે મહા આનંદથી ભરેલું છે. અસંખ્યપ્રદેશે
અનંત શાંતિથી ભરેલું અમારું ચૈતન્યતત્ત્વ છે, તેનાથી અન્ય પુદ્ગલસંબંધી જે કોઈ
ભાવો છે તે ખરેખર અમારા નથી. રાગાદિભાવો પુદ્ગલદ્રવ્ય સાથે સંબંધવાળા છે, તે
અમારા ચૈતન્યભાવ સાથે સંબંધવાળા નથી;– આમ તત્ત્વવેદી જીવ સ્પષ્ટપણે પોતાના
શુદ્ધતત્ત્વને અનુભવે છે, અને તે અપૂર્વ આનંદસહિત સિદ્ધિને પામે છે.
અહો, વીતરાગી સંતોએ ચૈતન્યનો ગરભલો તૈયાર કરીને આપ્યો છે એટલે કે
ચૈતન્યના આનંદનું રહસ્ય ખુલ્લું કરીને બતાવ્યું છે; હવે તે લક્ષગત કરીને અંદરમાં
પચાવવું–અનુભવમાં લેવું તે પોતાના હાથમાં છે. જ્ઞાનના ઉપયોગને અંતર્મુખ કરીને
આવા શુદ્ધ જીવાસ્તિકાયને અનુભવમાં લેતાં અતિ અપૂર્વ એવા સિદ્ધપદના આનંદનો
મહા સ્વાદ આવે છે... તે મહા આનંદનો સ્વાદ લેતો–લેતો મુમુક્ષુ જીવ અલ્પકાળમાં જ
અતિ–અપૂર્વ સિદ્ધિને પામે છે.