Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 69
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૫૫
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 69
single page version

background image
૩પ
પરમાગમ દ્વારા આનંદના દાતાર
હું આત્માના નિજવૈભવથી શુદ્ધાત્મા દેખાડું છું.
તે તમે સ્વાનુભવથી પ્રમાણ કરજો.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૯ વૈશાખ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૦: અંક ૭

PDF/HTML Page 3 of 69
single page version

background image
દીવડા ઝગમગ ઝગમગ થાય. શ્રદ્ધા – જ્ઞાનાં તેજ રેલાય
આ દીવડાના ચૈતન્ય – તે જે ચેતનપ્રભુ દેખાય. દીવડો ઝગમગ.
મંગલજયંતિ ચોરાશીમી
કહાનગુરુ – ઉજવાય
પરમાગમનાં મંગલકાર્યો
આજે પૂરા થાય.
અહો, અદ્ભુત ભાવો કેવા
ચેતનમાં ઝળકાય
જ્ઞાન શ્રદ્ધાનાં દીવડા પ્રગટે
આત્માનંદ પમાય...
પરમાગમના દીવડા શોભે
સુવર્ણ – તીરથધામ,
ભક્તજનો સૌ આવો આવો
લ્હાવો લ્યો તમામ.
સુંદર અવસર આવ્યો રૂડો
આત્મલાભ લેવાય,
ચક્કર ચૂરી ચોરાશીનાં
સિદ્ધપદ શીઘ્ર પમાય.
પરમાગમના અભ્યાસ દ્વારા ભાવશ્રુતમાં કેલિ
અહા, કેવી મજાની ચૈતન્ય શાંતિ છે! સંતોના હૃદયમાં ભરેલી આવી મધુર
શાંતિના સમુદ્રમાંથી નીકળેલા પરમાગમ ચૈતન્યની શાંતિ પમાડે છે.
આવા પરમાગમના મંથન દ્વારા સર્વજ્ઞના સર્વ કથનનો સાર કાઢીને ગુરુદેવ
પોતાના હસ્તાક્ષરમાં જ બતાવે છે –
(ગુરુદેવના હસ્તાક્ષર નથી છપાયા)
(અહો, ગુરુદેવ! સર્વજ્ઞના સર્વ કથનના સારરૂપ ભાવશ્રત – પરિણમન કરાવીને
આપે અમને સર્વજ્ઞના માર્ગમાં લીધા.... ને ચોરાશીલાખના ચક્કરથી છોડાવ્યા...... તે
આપનો અચિંત્ય ઉપકાર છે. – હરિ.)

PDF/HTML Page 4 of 69
single page version

background image
વાર્ષિક વીર સં. ૨૪૯
લવાજમ વૈશાખ
ચર રૂપય MAY 1973
* વર્ષ : ૩૦ અંક ૭ *
• ગુરુ મહિમા •
શ્રી ગુરુ–મહિમા અપાર છે. શ્રી ગુરુમહિમાનો સાચો
ખ્યાલ જીવને ત્યારે જ આવી શકે છે કે– ગુરુએ બતાવેલું મહા
આનંદમય શુદ્ધાત્મતત્ત્વ જ્યારે પોતાને લક્ષગત થાય. અને એવા
શુદ્ધાત્મતત્ત્વનો આનંદ વેદનમાં આવ્યા પછી ગુરુપ્રત્યે–જ્ઞાનીઓ
પ્રત્યે જે ઉપકારબુદ્ધિ ઉર્મિઓ જાગે તે અપૂર્વ હોય છે..... કેમકે
ગુરુમહિમાના સાચા જ્ઞાનપૂર્વક, તેમના ઉપકારને પોતે ઝીલ્યો છે.
ગુરુ એ કોઈ વ્યક્તિનું નામ નથી પરંતુ ચૈતન્યની
શુદ્ધતારૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે વીતરાગીગુણો જેમને
પ્રગટ્યા છે તે બધા જીવો ગુરુ છે. એવા ગુણથી ગુરુને જે
ઓળખે તેને જ ગુરુની સાચી સેવા અને સાચી ભક્તિ હોય; ને
એવી સાચી ગુરુસેવાના ફળમાં સમ્યક્ત્વાદિ નિજગુણની પ્રાપ્તિ
થાય જ.
અહા, જેને ગુરુ મળ્‌યા તેને નિજગુણ મળ્‌યા; અને જેને
નિજગુણ મળ્‌યા તેણે જ ગુરુને ઓળખ્યા. –કેવી મજાની સંધિ છે
ગુરુ–શિષ્યના ગુણોની! શ્રી ગુરુઓએ બતાવેલા ભેદજ્ઞાનવડે
અંતર્મુખ થઈને જેણે નિજગુણની અનુભૂતિ કરી તેના ઉપર
પંચપરમેષ્ઠી વગેરે શ્રીગુરુઓ પ્રસંન્ન છે; સંસારની પંક્તિમાંથી
બહાર નીકળીને તે જીવ પંચપરમેષ્ઠીની નાતમાં બેઠો છે. અહો,
આ શ્રીગુરુનો ઉપકાર છે કે આનંદમય આત્મતત્ત્વમાં લઈ જઈને
જીવને દોષથી છોડાવી, ગુણરૂપ ને આનંદરૂપ બનાવી દે છે.

PDF/HTML Page 5 of 69
single page version

background image
: ૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
• પરમગમન મગલ ઉત્સવ •
યાદ આવે છે–એ ગીરનારના અને અંકલેશ્વરના મહાન શ્રુતઉત્સવો
અહો, આ પરમાગમોમાં તો વીતરાગી સંતોની પ્રસાદી
છે..... વીતરાગી સંતોએ આત્માના આનંદના અનુભવની મીઠી
પ્રસાદી આ પરમાગમોમાં ભરીને ભવ્ય જીવોને પીરસી છે. તે
આજે અહીં કહાનગુરુ આપણને પીરસી રહ્યા છે: આવો રે
આવો, સાધર્મીજનો! વીતરાગી સંતોના આનંદની આ પ્રસાદી
ચાખો.
ચૈત્રવદ પાંચમે પરમાગમોની આરસમાં કોતરણીની
પૂર્ણતાની તૈયારીના ઉપલક્ષમાં સોનગઢમાં આનંદોત્સવ મનાયો
હતો. તે દિવસે બંને વખત પ્રવચનો પરમાગમમંદિરમાં થયા
હતા. સવારે પૂજન બાદ શ્રીકુંદકુંદસ્વામી રચિત, પંચપરમેષ્ઠી
જેવા પંચ પરમાગમો (સમયસાર–નિયમસાર–પ્રવચનસાર–
પંચાસ્તિકાય અને અષ્ટપ્રાભૃત) વાજતેગાજતે પરમાગમ
મંદિરમાં પધાર્યા; ને અત્યંત ઉલ્લાસપૂર્વક ગુરુદેવનું પ્રવચન થયું.
(જે થોડુંક કોતરકામ બાકી હતું તે, બે દિવસબાદ ચૈત્રવદ સાતમે,
જાણે કુંદપ્રભુ સાક્ષાત્ પધારીને પોતાના સ્વહસ્તે જ પરમાગમની
પૂર્ણતા કરતા હોય–એવા ભાવભીના વાતાવરણ વચ્ચે પૂર્ણ થયું
હતું. પરમાગમનો અદ્ભુત મહિમા દેખીને મુમુક્ષુઓની આંખોમાં
હર્ષાશ્રુ આવી જતા હતા. અહા, ધન્ય ધન્ય કુંદકુંદ પ્રભુનાં
પરમાગમ....કે જેણે આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવીને તેની
અનુભૂતિ કરાવી છે. ચૈત્રવદ પાંચમના પ્રવચનનો સાર અહીં
આપ્યો છે.
આજે આ પરમાગમ–મંદિરમાં નિયમસારની પ૦ મી
ગાથા વંચાય છે. શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસાર–નિયમસાર–
પ્રવચનસાર–પંચાસ્તિકાય – અષ્ટપ્રાભૃત

PDF/HTML Page 6 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૩ :
–એ પાંચ મહા પરમાગમ રચીને, આનંદસ્વરૂપ
આત્માનો વૈભવ દેખાડ્યો છે. આત્માને આનંદ કેમ થાય? તેની
આમાં વાત છે. અહો, આત્મામાં અતીન્દ્રિય આનંદ છે, તે મંગળ
છે. આવા આત્માના આનંદની નિજભાવના માટે મેં આ
પરમાગમની રચના કરી છે–એમ શ્રી કુંદકુંદપ્રભુ નિયમસારમાં
કહે છે; એટલે મુમુક્ષુ શ્રોતાઓએ પણ પરમાગમના અભ્યાસવડે
સ્વસન્મુખ થઈને નિજઆત્માની ભાવના કરવા જેવી છે.
સ્વસન્મુખ થઈને ધર્મીજીવ એમ અનુભવે છે કે હું આ
શુદ્ધઅનુભૂતિસ્વરૂપ છું. ધ્રુવસ્વરૂપ હું છું, ને તેની સન્મુખ થઈને જે
આનંદની અનુભૂતિ થઈ–તે અનુભૂતિસ્વરૂપ પણ હું છું. આનંદનું જે
વેદન થયું તે આત્મા જ છે.–આવા આત્માને ધર્મી જ અનુભવે છે.
અહો, દુનિયાની વિકથાથી પાર આ આત્માના ધર્મની
કથા છે.–આવી ધર્મકથા, આત્માના આનંદસ્વભાવની કથા કોઈ
મહા ભાગ્યે સાંભળવા મળે છે......ને અંદર લક્ષગત કરીને તેની
અનુભૂતિ થતાં જે આનંદ થાય છે–તેની તો શી વાત! શુદ્ધદ્રવ્ય ને
તેમાં અભેદ પરિણમેલી શુદ્ધપર્યાય બંનેનું જ્ઞાન તેમાં આવી જાય
છે.–આવી અનુભૂતિમાં જે આનંદનું વેદન થયું તે આનંદની
અનુભૂતિરૂપે આત્મા જ પરિણમ્યો છે, તેથી તે અનુભૂતિસ્વરૂપ
આત્મા જ છે. તે અનુભૂતિમાં પોતાનો શુદ્ધ પરમસ્વભાવ જ
ઉપાદેય છે. તે પરમ સ્વભાવને ઉપાદેય કરતાં, એટલે તેની
સન્મુખ થઈને અનુભૂતિ કરતાં જે આનંદના વેદન સહિત
નિર્મળદશા પ્રગટી, તેમાં આત્મા અભેદ હોવાથી તે આત્મા જ છે.
અહો, આજે તો પરમાગમ–મંદિરમાં પંચપરમેષ્ઠી જેવા
પાંચ પરમાગમ પધરાવ્યા... પરમાગમના અક્ષર આરસમાં
કોતરાયા, તે આત્માનો અક્ષર–સ્વભાવ (ખરે નહિ–નાશ પામે
નહિ એવો અક્ષર સ્વભાવ) બતાવે છે, તે ‘અક્ષર’ને નિર્મળ
જ્ઞાનશિલામાં કોતરવો–તે ભાવપરમાગમની પ્રતિષ્ઠા છે. અહો, જે
પરમાગમનો આટલો અદ્ભુત મહિમા છે, તે પરમાગમ
આત્માના જ મહિમાને પ્રસિદ્ધ કરે છે. અહો, આવો પરમ
જ્ઞાયકસ્વભાવ–તેની સન્મુખતારૂપ નિજભાવના તે મહા
આનંદરૂપ છે, ને એવી નિજભાવના માટે જ વીતરાગી
પરમાગમોની રચના છે. અંતર્મુખ થઈને જેણે નિજસ્વભાવને
ઉપાદેય કર્યો તે જ પરમાગમના સારને

PDF/HTML Page 7 of 69
single page version

background image
: ૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
સમજ્યો છે. તેણે ભવના અભાવનો રસ્તો લીધો. અરે, એકવાર આવા સ્વભાવનો મહિમા
સમજીને તેની ભાવના તો કરો.–તો ભવનો અંત આવી જશે.
અહો, આ તો શુદ્ધાત્માને દેખાડનારા પરમાગમનો મહોત્સવ છે. તે પરમાગમમાં જે
વાત દેખાડી છે તેને તું તારા આત્મામાં કોતરી લે. બે હજાર વર્ષ પહેલાંં ગીરનારમાં ધરસેન
સ્વામીએ ષટ્ખંડાગમનું જ્ઞાન પુષ્પદંત–ભૂતબલિ મુનિઓને આપ્યું, તે જ્યારે પૂરું થયું
ત્યારે દેવોએ આવીને તે શ્રુતધર મુનિઓની પુજા કરીને જ્ઞાનનું બહુમાન કર્યું. પછી જ્યારે
તે પરમાગમો લખાઈને પુસ્તકારૂઢ થયા ત્યારે અંકલેશ્વરમાં પણ શ્રુતજ્ઞાનનો મોટો ઉત્સવ
ચતુર્વિધ સંઘે કર્યો. તે દિવસે પાંચમ (જેઠ સુદ પાંચમ) હતી; આજે પણ પાંચમ છે, ને
આપણે અહીં સોનગઢમાં કુંદકુંદાચાર્યના પરમાગમો કોતરવાનું કામ હવે પૂરું થાય છે.
શ્રુતજ્ઞાનની પૂજાના તે પ્રસંગો બેહજાર વર્ષ પહેલાંં (ગીરનાર અને અંકલેશ્વરમાં) થયા તે
ગુજરાતમાં જ થયા, ને આજે આ પરમાગમનો મહોત્સવ પણ ગુજરાતમાં–સૌરાષ્ટ્રમાં જ
થાય છે. અહો, આ પરમાગમોમાં તો વીતરાગી સંતોની પ્રસાદી છે. વીતરાગી સંતોએ
આત્માના આનંદના અનુભવની મીઠી પ્રસાદી આ પરમાગમો દ્વારા ભવ્ય જીવોને પીરસી
છે. તે આજે અહીં મંગળમાં પીરસાય છે. આવા આનંદનો અનુભવ તે જ ધર્મ, તે જ
સંતોની પ્રસાદી, ને તે જ પરમાગમનો સાર છે; તે જ જૈનશાસન છે.
આચાર્યદેવ કહે છે કે અહો! સર્વ વિભાવ ગુણ–પર્યાયોથી રહિત શુદ્ધ
અંર્તતત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. આવા સ્વદ્રવ્યને સ્પર્શીને, તેને ઉપાદેય કરીને જે જ્ઞાન
થયું તે જ્ઞાન પરમઆનંદ સહિત છે. આવું અનુભૂતિસ્વરૂપ જ્ઞાન જ હું છું,–એમ ધર્મી
અનુભૂતિસ્વરૂપ આત્માને અનુભવે છે,–એ વાત પ્રવચનસારની ૧૭૨ મી ગાથામાં બતાવી
છે; અહીં એ જ આચાર્યદેવ કહે છે કે શુદ્ધ અંતઃતત્ત્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે;–એમાં કાંઈ
એકબીજાથી વિરોધ નથી. એક ધર્મ શુદ્ધ અનુભૂતિસ્વરૂપ અને એક ધર્મ શુદ્ધદ્રવ્યસ્વરૂપ,–
એમ આત્માના બંને ધર્મો (બંને ભાગલા, બંને સ્વભાવ) સમજાવીને આચાર્યદેવે શુદ્ધ
આત્મા ઉપાદેય દેખાડ્યો છે. અહો, આવો શુદ્ધઆત્મા તે સમયસાર છે. તેને ઉપાદેય કરતાં
નિયમથી મોક્ષના કારણરૂપ એવા શુદ્ધ રત્નત્રય પ્રગટ્યા, તેને નિયમસાર કહેવાય છે,
અંતરમાં નિર્મળ ભાવશ્રુતમાં, અને બહારમાં આરસની શિલામાં આવા સમયસાર–
નિયમસારાદિ વીતરાગી પરમાગમ કોતરવાનો આ મંગલ ઉત્સવ છે.

PDF/HTML Page 8 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૫ :
અહો, આત્માના પરમસ્વભાવના મહિમાની શી વાત? પરમાગમને
વલોવી–વલોવીને સંતોએ ચૈતન્ય પરમતત્ત્વ બહાર કાઢ્યું છે, દેવ–ગુરુ
શાસ્ત્રોએ આ પરમસ્વભાવનો મહિમા ગાયો છે. આવા પરમ સ્વભાવને
પોતાના અંતરમાં ભેદજ્ઞાનરૂપ તીક્ષ્ણબુદ્ધિવડે ઉપાદેય કરીને ધર્મી જીવો તેની
ભાવના કરે છે. જેની બુદ્ધિ તીક્ષ્ણ થઈ છે,–રાગથી જુદી થઈને અતીન્દ્રિયરૂપે
પરિણમીને અંતરસ્વભાવમાં ઘૂસી ગઈ છે–તે જીવને તે તીક્ષ્ણબુદ્ધિમાં પોતાનો
પરમ આત્મા જ ઉપાદેય છે. રાગબુદ્ધિવાળા જીવો આવા સ્વભાવને ઉપાદેય
કરી શકતા નથી.
અહો, મારું પરમાત્મતત્ત્વ સદાય આનંદરસઝરતું છે, શુદ્ધોપયોગ વડે જ
તેની ભાવના થાય છે. શુદ્ધોપયોગ વડે નિજ પરમાત્મતત્ત્વની સમ્યક્ભાવનામાં
તત્પર જીવને નિયમથી મોક્ષમાર્ગ હોય છે. એને સદાય સુપ્રભાત છે એટલે
આનંદની ધારા સદાય વર્તે છે. અંતરમાં અતીન્દ્રિય આનંદના સ્વાદ વગર,
બહારમાં તો બેસતા વર્ષ અનંતવાર બેઠા, છતાં જીવ દુઃખી જ રહ્યો. જ્યાં સુધી
જ્ઞાનપ્રભાત ઊગે નહિ ને અજ્ઞાનઅંધારા ટળે નહિ ત્યાં સુધી જીવ સુખી થાય
નહીં. ભાઈ, અંતર્મુખ થઈને તારા ચૈતન્યતત્ત્વની ભાવના કર. ચૈતન્યભાવનાથી
જે આનંદમય નવું વર્ષ બેઠું, તે એવું બેઠું કે ફરી કદી અંધારું થાય નહિ કે દુઃખ
આવે નહીં. આવા પરમસ્વભાવી આત્માને દ્રષ્ટિમાં લઈને તેની ભાવના કરતાં
મોક્ષમાર્ગ પ્રગટ્યો અને તેમાં દેવ–ગુરુ–શાસ્ત્રની વીતરાગી આજ્ઞા પણ આવી
ગઈ. જેણ આવી ભાવના કરી તેણે મોક્ષપુરીનો મંગલકુંભ સ્થાપ્યો.
સહજ એક જ્ઞાયકસ્વભાવરૂપ જે પોતાનું પરમ તત્ત્વ, તેમાં અંતર્મુખ
શ્રદ્ધા જ્ઞાન–લીનતા વડે અભૂતપૂર્વ સિદ્ધદશા થાય છે. આ અંતર્મુખ ભાવોમાં
ક્્યાંય રાગનું કે પરનું અવલંબન નથી; એકલા સ્વતત્ત્વમાં તે સમાય છે.
ભાઈ, આ તારા અપૂર્વ હિતની વાત છે. અંતરમાં ઊતરીને જેણે
આત્માને શોધી લીધો છે તે ધર્મીજીવ આખા જગતથી ઉદાસ થઈ, રાગથીયે
ઉદાસ થઈ, અંતરમાં ભવદુઃખથી છૂટવા મોક્ષસુખને સાધે છે. હે જીવ!
અનંતકાળના ભવદુઃખની ભયંકર પીડા, તેનાથી છૂટવા ને ચૈતન્યની સાચી
શાંતિ પામવા તું તારા અંતરમાં રાગ વગરના પરમ ચૈતન્યતત્ત્વને દેખ. અનંત
શુદ્ધતાનો ગંજ અંદર છે તેના વેદનસહિતની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
અરે જીવ! તારા તત્ત્વનો મહિમા કોઈ પરમ અદ્ભુત છે; સિદ્ધભગવાન જેવો

PDF/HTML Page 9 of 69
single page version

background image
: ૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
મહિમા તારા આત્મામાં છે, પુણ્યથી તેનો પાર પમાય તેમ નથી. એની ગંભીરતા ને
ગહનતા, અંતરના સ્વાનુભવવડે જ પાર પમાય તેવા છે. ચૈતન્યના બાગમાં જ્યાં
અતીન્દ્રિય આનંદના ફૂવારા ઊછળે છે–તેમાં પ્રવેશીને, આનંદધામમાં અવિચળપણે
ધર્મીજીવ મોક્ષને સાધે છે. તે અતીન્દ્રિય ચૈતન્યરસનો સ્વાદીયો થયો છે, ત્યાં બાહ્ય
વિષયોના સ્વાદમાં ક્્યાંય તેને ચેન પડતું નથી; વિષયોનું વેદન તો વિષ જેવું લાગે છે.
ચૈતન્યના પરમ અચિંત્ય આનંદ પાસે તેને દુનિયાનો પ્રેમ ઊડી ગયો છે. તેની અંતરની
મીઠી–મધુરી સમ્યક્દષ્ટિ નિઃશંકપણે પ્રતીત કરે છે કે ત્રિકાળ સહજ સ્વભાવમાં મને
સહજ જ્ઞાન–સહજ દ્રષ્ટિ અને સહજ ચારિત્ર સદાય જયવંત વર્તે છે; અને સહજ શુદ્ધ
ચેતના પણ અમારા પરમતત્ત્વમાં સુસ્થિતપણે સદા જયવંત વર્તે છે. અમારા આત્મામાં
આવા સહજ ચેતનાને અમે સદા જયવંત દેખીએ છીએ, તેમાં ક્્યાંય રાગાદિ પરભાવો
જયવંત નથી. આત્માનો પરમ ગંભીર મહિમા જેવો છે તેવો જ સંતો બતાવે છે. જે સત્
‘છે’ તેનાથી વધારે કાંઈ નથી કહેતા. અહા, ચૈતન્યના મહિમાની શી વાત! અંતરના
અનુભવ વગર એના મહિમાનો પાર પમાય તેમ નથી. આત્માનો સાક્ષાત્ અનુભવ
થતાં પર ભાવો જુદા રહી જાય છે, ચૈતન્યની શાંતિના અનુભવમાં તે એકમેક થતાં
નથી, કેમકે તેની જાત તદ્ન જુદી છે, તેના અંશો તદ્ન જુદા છે, આવી અપૂર્વ
આત્મશાંતિનું વેદન તે જિનવાણીના અભ્યાસનું ફળ છે.
(વચનામૃત વીતરાગનાં........ પરમ શાંતરસ–મૂળ.)
વીતરાગ સર્વજ્ઞપરમાત્માએ કહેલાં પરમાગમ આત્માના શાંત ચૈતન્યરસથી
ભરેલાં છે. ભવ્યજીવોએ પીવાયોગ્ય અમૃત તે પરમાગમમાં ભર્યું છે;–કેમકે તે પરમાગમ
રાગાદિથી અત્યંત જુદું પરમ નિરપેક્ષ ચૈતન્યતત્ત્વ દેખાડે છે, તે તત્ત્વની સન્મુખ થતાં જ
અંદર આનંદના અમૃતની લહેરો ઊઠે છે. તેથી તેમાં નિમિત્તરૂપ જિનવાણીને પણ
અમૃતથી ભરેલી કહી છે. અહો, વીતરાગી પરમાગમ તો ખોબા ભરી ભરીને
ચૈતન્યરસના ઘૂંટડા પીવડાવે છે.–પણ ભાવશ્રુતવડે તેનું રહસ્ય જે સમજે તેને તે
ચૈતન્યરસનો સ્વાદ આવે; એકલા શબ્દોમાંથી ચૈતન્યરસનો સ્વાદ ન આવે.
સ્વસંવેદન પ્રત્યક્ષ થયેલા મતિ–શ્રુતજ્ઞાનના બળથી ધર્મી જીવ નિઃશંક થઈ ગયો
છે કે હવે હું મારા જ્ઞાન–શ્રદ્ધાના બળવડે ભવસાગરને તરી રહ્યો છું. મધુર ચૈતન્યરસનો
સ્વાદ લેતો–લેતો મારો આત્મા મોક્ષને સાધી જ રહ્યો છે. કેવળજ્ઞાનમાં જ

PDF/HTML Page 10 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૭ :
નિઃશંકતા થાય ને શ્રુતજ્ઞાનમાં સાધકને નિઃશંકતા ન થાય–એમ નથી. સાધકના મતિ–
શ્રુતજ્ઞાન પણ આત્માના સ્વાનુભવવડે કેવળજ્ઞાનની જેમ જ આત્મામાં નિઃશંક વર્તે છે કે
આ આત્મા ધર્મી થયો છે ને મોક્ષને સાધી રહ્યો છે. આ રીતે મતિ–શ્રુતજ્ઞાનની તાકાત
પણ કોઈ અચિંત્ય–અદ્ભુત છે. ભલે છદ્મસ્થ હો–ગૃહસ્થ હો, પણ એના સ્વસંવેદન
મતિ–શ્રુતજ્ઞાનમાં કેટલી તાકાત છે! તેની લોકોને ખબર નથી. પરમાત્માની વાણી એવો
અદ્ભુત ચૈતન્યસ્વભાવ દેખાડે છે કે જે સ્વભાવને જાણતા ધર્મી જીવ સંસારને તરી જાય
છે, ઉદયના તરંગો તેને ડુબાડી શકતા નથી; એનું જ્ઞાન તો તરતું છે..... વિષમતાના
પહાડ એને રોકી શકતા નથી.
અહો, આત્માના અમૃતનું પાન કરાવનારી વીતરાગની વાણીના પ્રવાહરૂપી
પરમાગમ આ કાળે પણ વિદ્યમાન છે. વીતરાગી સંતોએ અંદર શાંતરસના દરિયામાં
ડુબકી મારીને જે ચૈતન્યરસનો સ્વાદ ચાખ્યો તે વાણી દ્વારા જગતને દેખાડ્યો; તેને
સમજીને મુમુક્ષુ જીવો ચૈતન્યના વીતરાગી અમૃતનું પાન કરે છે. ભગવાનની વાણી
સમજે ને આત્માનું જ્ઞાન ન થાય એમ બને નહિ. જેણે પાત્ર થઈને ભગવાનની વાણી
સાંભળી તે જીવ સ્વલક્ષ કરશે જ અને આત્માના આનંદને પામશે જ. અહો, જિનવાણી
વિશ્વના નવે તત્ત્વોનું જ્ઞાન કરાવીને જીવને મોક્ષ તરફ લઈ જાય છે, ને ચૈતન્યના શાંત–
રસનું પાન કરાવે છે.
અરે જીવ! પરમાગમે દેખાડેલા તારા ચૈતન્યદરિયામાં છલોછલ ભરેલા આ
અમૃતને એકવાર પી તો ખરો. ચૈતન્યના આનંદનો એકવાર સ્વાદ તો લે. ચૈતન્યના
અમૃતની શાંતિ પાસે રાગ તો તને આગ જેવો લાગશે. અહો, અમૃતમાર્ગ! એની
બલિહારી છે; એમાં રાગનો કોઈ ક્લેશ નથી. વીતરાગી શુદ્ધોપયોગપૂર્વક સમ્યગ્દર્શન
થતાં આત્મામાં આવો અમૃતમાર્ગ શરૂ થાય છે. આવો આનંદમાર્ગ પ્રગટે તે પરમાગમનું
ફળ છે. શુભરાગ તે કાંઈ ખરેખર પરમાગમનું ફળ નથી. આત્મામાં વીતરાગતા ને
આનંદ થાય તે જ પરમાગમનું ફળ છે;–કેમકે પરમાગમે સ્વ–પરનું ભેદજ્ઞાન કરાવીને
સ્વ–સન્મુખ થવાનું કહ્યું હતું,–એમ કરતાં પરમ આનંદ પ્રગટ્યો, મોક્ષમાર્ગ પ્રગટ્યો. જે
આવો માર્ગ પ્રગટ કરે તેણે જ ખરેખર પરમાગમને જાણ્યા છે.
અહો! વીતરાગી સંતોએ આવા પરમાગમદ્વારા અમને શુદ્ધાત્મા આપ્યો.....
અમારા આત્માનો અનંત વૈભવ અમને દેખાડ્યો. એને જાણતાં જે અમૃત મળ્‌યું તેની

PDF/HTML Page 11 of 69
single page version

background image
: ૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
શી વાત! જેમ પૂરણપોળી ઘીથી રસબોળ હોય તેમ પરમાગમ તો સર્વત્ર વીતરાગી–
ચૈતન્યરસથી તરબોળ છે....વીતરાગરસથી ભરેલો આત્મા તે લક્ષગત કરાવે છે, ને પર
પ્રત્યેથી પરમ વૈરાગ્ય કરાવીને ચૈતન્યના આનંદરસનો સ્વાદ ચખાડે છે.
[શ્રી ગુરુપ્રતાપે આવા પરમાગમ સોનગઢના પરમાગમ–મંદિરમાં
આરસની શિલામાં કોતરાઈ ગયા છે....ને ભવ્ય જીવો તેના ભાવને આત્મામાં
કોતરીને પરમ આનંદને પામે છે. અહો, પરમાગમમાં ભરી–ભરીને આત્માના
પરમાનંદની ભેટ દેનારા વીતરાગી સંતો જયવંત વર્તો.]
બે વારતા – કઈ સાચી?
(૧)
એક હતો રાજા.
તેની પાસે એક ગીધ અને એક
કબુતર આવ્યું.
ગીધે કહ્યું–હે રાજા! હું ભૂખ્યું છું;
તું મને આ કબુતર ખાવા આપી દે.
અથવા તેના જેટલું માંસ તારા
શરીરમાંથી કાપી દે.
રાજાએ કબુતર ન આપ્યું પણ
પોતાના શરીરનું માંસ કાઢીને તેને આપી દીધું.
દેવોએ રાજાનાં વખાણ કર્યાં.
(૨)
એક હતો રાજા.
તેની પાસે એક ગીધ અને એક
કબુતર આવ્યું.
ગીધે કહ્યું–હે રાજા! હું ભૂખ્યું છું;
તું મને આ કબુતર ખાવા આપી દે.
અથવા તેના જેટલું માંસ તારા
શરીરમાંથી કાપી દે.
રાજાએ કબુતર ન આપ્યું, ને
પોતાના શરીરનું માંસ પણ ન આપ્યું.
દેવોએ રાજાનાં વખાણ કર્યાં.
–આ બંને વાર્તા તમે વાંચી...બોલો હવે બંધુઓ! તમને કઈ વાર્તા ગમી? તમારી
પસંદગી સાચી છે કે ખોટી? તે નક્કી કરવા માટે, આ અંકમાં ૨૨મા પાને આપેલી બે
વાર્તા વાંચો.

PDF/HTML Page 12 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૯ :
આજે મહાવીરનું શાસન જયવંત વર્તી રહ્યું છે.
– ક્્યાં? સાધક જીવોની પર્યાયમાં.
[ચૈત્રસુદ ૧૩નું મંગલપ્રવચન (વીર સં. ૨૪૯૯) નિયમસાર ગા. ૪૭]
ભગવાન મહાવીરે પરમાત્મા થઈને એમ પ્રસિદ્ધ કર્યું કે બધા
જીવો પરમાત્મસ્વરૂપી છે. આવા ભગવાન મહાવીર પરમાત્માનું શાસન
અત્યારે ચાલી રહ્યું છે.–કઈ રીતે ચાલી રહ્યું છે? કે ભગવાને કહેલા
આત્માનું સ્વરૂપ ઓળખીને તેના શ્રદ્ધા–જ્ઞાન–શાંતિમાં જે જીવો વર્તી
રહ્યા છે તે જીવોની પર્યાયમાં મહાવીરનું શાસન વર્તી રહ્યું છે.....મહાવીર
પ્રભુએ સાધેલા માર્ગમાં તે જીવો રહ્યા છે.
હે ભવ્ય જીવો! તમારે પણ જો મહાવીરપ્રભુના શાસનમાં આવવું
હોય, મહાવીરના શાસનને જીવંત રાખવું હોય, તો પ્રભુએ કહેલા તમારા
આત્મસ્વરૂપને તમે ઓળખો.–એ જ વીરપ્રભુનો મહોત્સવ છે, એ જ
વીરનાથનું શાસન છે, એ જ અવતારની સફળતા છે.
આજે ભગવાન મહાવીર પરમાત્માના જન્મકલ્યાણકનો મંગલ દિવસ છે.
આત્માનું સાધન કરતાં–કરતાં આ ભવમાં સાધના પૂરી કરીને જન્મ–મરણનો અંત
લાવ્યા, ને અપૂર્વ એવી સાદિ–અનંત સિદ્ધપર્યાય મહાઆનંદરૂપ દશા પ્રાપ્ત કરી, તેથી
ભગવાનના જન્મને કલ્યાણક કહેવાય છે. ભગવાનનો જન્મ પોતાના આત્માની સાધના
પૂરી કરવા માટે છે.
જેવો ભગવાનનો આત્મા છે તેવા જ બધાય આત્માઓ પૂર્ણ જ્ઞાનાનંદ–સ્વભાવી
છે–બધા આત્મા આવા પરમાત્મસ્વરૂપી છે એમ જ્ઞાનમાં લેતાં વીતરાગી સમભાવ થાય
છે, કોઈ પ્રત્યે રાગ–દ્વેષનો અભિપ્રાય રહેતો નથી.

PDF/HTML Page 13 of 69
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
ભગવાને પોતાના આત્માની પૂર્ણતા સાધી, અને ઉપદેશમાં બધા આત્માનું
પૂર્ણાનંદસ્વરૂપ પ્રસિદ્ધ કર્યું. પર્યાયમાં રાગાદિ હોવા છતાં, રાગ વગરનો ચેતનસ્વભાવ
છે, તે સ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતા વડે અજ્ઞાનને તથા રાગ–દ્વેષને જીતીને ભગવાન
‘જિન’ થયા. આવું જે કરે તે જૈન કહેવાય. બધા જીવોનો સ્વભાવ ભગવાન જેવો છે,
તેને ઓળખતાં મોહને જીતીને જૈનપણું થાય છે.
ભગવાન મહાવીર પરમાત્માનું શાસન અત્યારે ચાલી રહ્યું છે. કઈ રીતે ચાલી
રહ્યું છે? કે ભગવાને કહેલા આત્માનું સ્વરૂપ ઓળખીને તેના શ્રદ્ધા–જ્ઞાન–શાંતિમાં જે
જીવો વર્તી રહ્યા છે તે જીવોની પર્યાયમાં મહાવીરનું શાસન વર્તી રહ્યું છે. મહાવીર
પ્રભુએ સાધેલા માર્ગમાં તે જીવો ચાલી રહ્યા છે.
આત્માનું સ્વરૂપ રાગાદિથી પાર, ચિદાનંદસ્વરૂપ છે, તેનો અનુભવ કરીને
આત્માની સાધક દશા તો ભગવાનના જીવે પૂર્વ ભવોમાં જ શરૂ કરી હતી. આગળ
વધતાં–વધતાં આત્માની પૂર્ણદશાની પ્રાપ્તિ માટે આ અવતાર હતો. તેઓ સંસારથી તો
થાકેલા હતા ને ચૈતન્યની અપૂર્વ શાંતિનું વેદન કરીને સહજ વૈરાગ્યચિત્તવાળા થયા
હતા......તેઓ ચૈતન્યમાં લીન થઈને વીતરાગ થયા, પછી સર્વજ્ઞ થયા ને પછી
દિવ્યધ્વનિ વડે જગતને ઉપદેશ આપ્યો. તે ઉપદેશમાં એમ કહ્યું કે–
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમ–મરણાદિ હીન ને અષ્ટગુણ સંયુક્ત છે.
અહા! જુઓ, આ વીરનાથનો ઉપદેશ! ધર્મી જાણે છે કે સિદ્ધભગવાન જેવા જ
ગુણોથી ભરેલો હું છું. આવા આત્માનું ભાન કરતાં જેને સમ્યગ્દર્શન થયું, આત્માનો
અનુભવ થયો, ક્લેશ વગરની સહજ શાંતિનો સ્વાદ ચાખ્યો તે જીવનું ચિત્ત સહજ
વૈરાગ્યપરાયણ હોય છે. અનાદિથી અજ્ઞાનભાવે રાગમાં જ રક્ત હતો, તે હવે ચૈતન્યનો
સ્વાદ ચાખીને તેમાં જ અનુરક્ત થયો, ને રાગાદિથી તેનું ચિત્ત વિરક્ત થયું;–એવા જીવો
આસન્ન ભવ્ય છે; ને તેમાં પણ અતિ આસન્ન ભવ્ય જીવો તે ભવમાં જ સિદ્ધદશાને
સાધે છે.
આ સંસારમાં પરિભ્રમણમાં પરભાવોના દુઃખવેદનથી જેને થાક લાગ્યો હોય,
ભવનો ત્રાસ લાગ્યો હોય તે જીવ અંતરમાં ચૈતન્યને શોધીને તેમાં વિસામો લ્યે છે.

PDF/HTML Page 14 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૧ :
અરે, આ જીવ હવે ભવદુઃખથી થાક્્યો છે, ચારે ગતિના ભવમાં આકુળતાનો ત્રાસ છે,
ચાર ગતિના ભવમાં ભમતાં મેં પૂર્વે કદી ચૈતન્યની શાંતિનો સ્વાદ ચાખ્યો નહીં; હવે
આવા અજ્ઞાનમય સંસારથી બસ થાઓ, આ ભવદુઃખથી બસ થાઓ; હવે અમે અમારા
આનંદમંદિરમાં પ્રવેશ કર્યો છે, ને તેમાં જ લીન થવા માટે અત્યંત વૈરાગ્યચિત્તવાળા
થઈને હવે મુનિ થવા માંગીએ છીએ.–આવા સહજ વૈરાગ્યચિત્તવાળા જીવો પરમગુરુના
પ્રસાદથી દ્રવ્યલિંગ અને ભાવલિંગ ધારણ કરીને મુનિ થાય છે, એટલે પરિણતિ
સહજપણે અંતરમાં ઊતરી જાય છે.
વાહ રે વાહ! જુઓ આ વીરપ્રભુના શાસનની વીતરાગી વાત! અહા, એ
મુનિદશાની શી વાત! ‘સર્વ જીવ છે સિદ્ધસમ’ એટલે મારો આત્મા સિદ્ધભગવાન જેવો
છે એવી દ્રષ્ટિ ને અનુભવ થયો છે, આનંદનો અનુભવ પ્રગટ્યો છે, પછી તે આનંદના
તરંગના મોટા હિલોળા ઊઠતાં મુનિદશા થાય છે. ભગવાન મહાવીરે ત્રીસ–વર્ષની
યુવાન વયે આવી મુનિદશા પ્રગટ કરી હતી. જુઓ, આ વીરનો માર્ગ! સંસારથી થાકીને
વિરક્ત થયા ને આત્માની સાધના પૂરી કરવા મુનિ થયા. જીવનમાં કરવાનું કામ તો
આ છે. આત્માને ભવથી તારવો ને પૂર્ણાનંદ પામવો તે માટે પ્રભુનો અવતાર છે. કાંઈ
બીજાને તારવા માટે તેમનો અવતાર ન હતો. બીજા જે જીવોએ ભગવાનનો માર્ગ લીધો
તેઓ ભવથી તર્યા. સમ્યગ્દર્શન થયું ત્યારથી જ આત્માને સ્વસંવેદન–પ્રત્યક્ષ કરતાં અંદર
આનંદના ઊભરા શરૂ થયા... . તે જ સ્વભાવમાં લીનતારૂપ પરમાગમના અભ્યાસવડે
વીતરાગ થઈને સિદ્ધપદ પામ્યા. આવો માર્ગ વીરભગવાને પોતે સાધ્યો ને આવો માર્ગ
જગતને બતાવ્યો. અનંતા જીવો આવા માર્ગે સિદ્ધપદ પામ્યા છે, તેઓ કેવળજ્ઞાન–
કેવળદ્રર્શન– કેવળસુખ અને કેવળવીર્યસ્વરૂપ થયા છે એટલે તેઓ કાર્ય–શુદ્ધ પરમાત્મા
(કાર્યસમયસાર) છે; ને શુદ્ધ નિશ્ચયથી બધા સંસારી જીવો પણ તેવા જ છે, બધા જીવો
કારણસમયસાર છે, કારણપરમાત્મા છે.–એવા સ્વભાવને ઓળખતાં તેના આશ્રયે
આસન્નભવ્યજીવો સિદ્ધ પરમાત્મા થાય છે. આ રીતે શુદ્ધ કારણને ઓળખીને તેના
સેવનથી શુદ્ધકાર્ય થઈ જાય છે.
સિદ્ધભગવાનને જેવા અનંતગુણો પ્રગટ્યા તેવા અનંતગુણો મારામાં પણ વર્તી
જ રહ્યા છે; સિદ્ધભગવાનને જેવું પૂર્ણ આનંદરૂપ કાર્ય પ્રગટ્યું તેવા કાર્યનું કારણ
મારામાં પણ વિદ્યમાન છે, – એટલે શુદ્ધનયથી મારામાં ને સિદ્ધમાં કાંઈ ફેર નથી, એમ
ધર્મી પોતાના આત્માને શુદ્ધપણે અનુભવે છે; પર્યાયમાં હજી વિભાવ હોવા છતાં, હું

PDF/HTML Page 15 of 69
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
તેનાથી રહિત શુદ્ધ પરમાત્મસ્વરૂપ છું.–એમ ધર્મી અનુભવે છે. આવો અનુભવ તે જ
વીરનો માર્ગ છે. વીરમાર્ગમાં પરમાત્માનો પોકાર છે કે હે જીવો! તમારા પોતાના
પરમાત્મસ્વભાવના આશ્રયે જ તમને સમ્યગ્દર્શન વગેરે થાય છે, એ સિવાય બીજા
કોઈના આશ્રયે કદી સમ્યગ્દર્શનાદિ થતાં નથી. વીરનો માર્ગ એટલે સિદ્ધિનો માર્ગ
આત્માના જ આશ્રયે છે, કોઈ પરના આશ્રયે વીરનો માર્ગ નથી, કોઈ પરના આશ્રયે
થતો ભાવ સિદ્ધિનું કારણ નથી.–અહો, આવા સુંદર વીરમાર્ગને મહા ભાગ્યે પામીને હે
જીવો! તમે આત્માના પરમાનંદને પામો.
આ તો સિદ્ધપ્રભુના દેશમાં જઈને વસવાની વાત છે. લોકોને પરદેશમાં જવાની
વાત ગમે છે–પણ આ તો સ્વદેશમાં રહીને સાચા સુખી થવાની વાત છે. સિદ્ધદશા તે જ
આત્માનો સાચો સ્વદેશ છે, તેમાં આત્માનો સાચો વૈભવ છે, તેમાં જ પરમસુખ છે.
અહો! અમારા શ્રીગુરુઓએ પ્રસન્ન થઈને અમને આવો અદ્ભુત વૈભવ બતાવ્યો.–આમ
પરમગુરુના પ્રસાદથી ‘પરમાગમના અભ્યાસ વડે’ એટલે પરમાગમે દેખાડેલા
જ્ઞાનસ્વરૂપના અભ્યાસવડે વૈરાગ્યવંત આસન્નભવ્ય જીવો સિદ્ધક્ષેત્રને પામ્યા....પોતાના
અસંખ્ય પ્રદેશમાં સિદ્ધદશાના મહાઆનંદરૂપે પરિણમ્યા, કેવળજ્ઞાનાદિ આઠ મહાગુણોના
વૈભવથી આનંદમય થયા; – એવો આનંદમય વૈભવ જગતના દરેક જીવોમાં છે–એમ
વીર ભગવાને બતાવ્યું છે; ને ભગવાને કહેલી આ વિધિથી તે આનંદમય સિદ્ધપદ સધાય
છે. હે જીવો! વીરશાસનમાં તમે આવા આનંદમય સિદ્ધપદને સાધો....આજે જ સાધો.
ધર્માત્માનો સંગ
સત્સંગનું વિધાન કરતાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે:
લૌકિકજનના સંગથી સંયત પણ અસંયત થાય છે; તેથી જો શ્રમણ
દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતો હોય તો તે સમાન ગુણવાળા શ્રમણના
અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો–
તેથી શ્રમણને હોય જો દુઃખમુક્તિ કેરી ભાવના.
તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં.
(૨૭૦)
અહા, મુનિઓને સંબોધીને પણ આ સત્સંગનો ઉપદેશ છે, તો
બીજા જિજ્ઞાસુઓની તો શી વાત! તેણે તો આત્માર્થ સાધવા માટે જરૂર
ધર્માત્મા–ગુણીજનોના સત્સંગમાં રહેવું આવશ્યક છે.

PDF/HTML Page 16 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૩ :
અત્યંત વહાલી ચૈતન્યવસ્તુનો અદ્ભુત મહિમા ચિંતવી–ચિંતવીને
અંતે તેનો સાક્ષાત્ અનુભવ કરે છે
(૮)
અહો! મારી ચૈતન્યવસ્તુનો કોઈ અચિંત્ય–અપૂર્વ મહિમા છે;
એની નિર્વિકલ્પ પ્રતીતને કોઈ રાગનું આલંબન નથી. શુભભાવો પૂર્વે
અનંતવાર કર્યા છતાં આ ચૈતન્યવસ્તુ લક્ષમાં ન આવી, માટે તે બધા
રાગથી પાર ચૈતન્યવસ્તુ કોઈ અંતરની અદ્ભુત ચીજ છે–કે જેની
સન્મુખના વિચાર પણ આવી શાંતિ આપે છે,–તો એ વસ્તુના સાક્ષાત્
વેદનની શી વાત!
જીવ અનાદિકાળથી પોતાના સ્વરૂપને ભુલી સંસારમાં રખડી રહ્યો છે. જીવને
ધર્મ પામવાનો મુખ્ય અવસર મનુષ્યપણામાં છે. મનુષ્ય થઈને પણ જો જીવ ધર્મ સમજે
તો જ સુખી થાય ને તેનું દુઃખ મટે, અરે, મનુષ્યભવ પામીને પણ ઘણા જીવો તો ધર્મની
જિજ્ઞાસા પણ કરતા નથી. કદાચ જિજ્ઞાસા કરે તો અનેક પ્રકારના મિથ્યામાર્ગમાં ધર્મ
માનીને, મિથ્યા માન્યતાથી ધર્મના બહાને પણ અધર્મ જ સેવતા હોય છે, અને કુદેવ–
કુગુરુ–કુધર્મમાં જ ફસાઈ રહે છે; અથવા તો ‘બધા ધર્મો સરખાં છે’–એમ માની લઈને
સત્–અસત્ વચ્ચે વિવેક કરતા નથી, અને ઉલ્ટા એવી અવિવેકી બુદ્ધિને વિશાળબુદ્ધિ
માનીને તેઓ અસત્માર્ગને જ દ્રઢ કરે છે. ક્્યારેક મહાભાગ્યથી જીવને સુદેવ–સુગુરુ
અને સુશાસ્ત્ર મળ્‌યા અને તેમનું બાહ્ય–સ્વરૂપ સમજ્યો, તોપણ પોતાનું ખરૂં સ્વરૂપ ન
સમજે ત્યાંસુધી તેને સમ્યગ્દર્શન થતું નથી, ને સમ્યગ્દર્શન વગર ફરીફરીને તે
સંસારચક્રમાં રખડે છે. માટે હે જીવ! તું એમ વિચાર કે અત્યારે સમ્યગ્દર્શન પામીને
ભવભ્રમણના દુઃખથી છૂટવાનો મહાન અવસર આવ્યો છે. તો આ અવસરમાં સર્વ
પ્રકારે જાગૃત થઈને હું મારું આત્મહિત કરી લઉં.
આત્મહિતના મૂળ કારણરૂપ સમ્યગ્દર્શન, એ આત્માના શ્રદ્ધા ગુણની નિર્વિકારી

PDF/HTML Page 17 of 69
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
શુદ્ધપર્યાય છે. અંતરમાં અખંડ આત્મતત્ત્વ જેવું છે તેવું લક્ષગત કરતાં સમ્યગ્દર્શન પ્રગટે
છે. સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ વિકલ્પાતીત ચૈતન્ય–સ્વભાવના
અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે. આ સમ્યગ્દર્શન જ આત્માના સર્વ સુખનું કારણ છે. ‘હું
જ્ઞાનસ્વરૂપ આત્મા છું, બંધ રહિત છું’–એવા શુભરાગમય વિકલ્પનું અવલંબન પણ
સમ્યગ્દર્શનમાં નથી; તે શુભવિકલ્પને અતિક્રમીને જ્ઞાન–અનુભૂતિવડે આત્માને પકડતાં
સમ્યગ્દર્શન થાય છે. આ રીતે સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું છે–તે બરાબર જાણવું જોઈએ.
દેહની કોઈ ક્રિયાથી તો સમ્યગ્દર્શન નથી; શુભરાગથી પણ સમ્યગ્દર્શન નથી; હું જ્ઞાયક
છું, પુણ્ય–પાપથી જુદો છું–એવા વિચારો પણ સમ્યગ્દર્શન કરાવવા સમર્થ નથી. જે
વિચારમાં અટક્્યો તે ભેદના વિકલ્પમાં અટક્્યો છે; તેનાથી આગળ વધીને સ્વરૂપનો
સીધો અનુભવ અને પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે.
– આવું અપૂર્વ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટેની તૈયારીવાળા જીવની યોગ્યતા પણ
જેવી તેવી નથી હોતી. હજી ભલે એ મિથ્યાત્વમાં છે છતાંય સામાન્ય મિથ્યાદ્રષ્ટિ કરતાં
એ જુદો છે. સમ્યગ્દર્શનની તૈયારીવાળા જીવને કષાયરસની ઘણી મંદતા, તથા
ચૈતન્યસન્મુખ થવા માટે પરપ્રત્યે વૈરાગ્યપરિણતિ હોય છે; તેના અંતરમાં ચૈતન્યનો રસ
વધતો જાય છે ને રાગનો રસ ઘટતો જાય છે. આવો જીવ સ્વરૂપ પ્રગટ કરવા માટે
સત્સમાગમે શ્રુતજ્ઞાનથી આત્માનો નિર્ણય કરવાની જ્ઞાનક્રિયા કરે છે. તેને કુદેવ–કુગુરુ–
કુધર્મ તરફનો આદર અને તે તરફનું વલણ તો છૂટી જ ગયું છે, તથા વિષયાદિ
પરવસ્તુમાં સુખબુદ્ધિ પણ છૂટતી જાય છે, ને ચૈતન્યસુખની મીઠાસ ભાસતી જાય છે.
એટલે બધા તરફથી રુચિને હટાવી, પોતાના સ્વભાવ તરફ રુચિ વાળે છે; વીતરાગી
દેવ–ગુરુને બરાબર ઓળખી તેમણે કહેલા આત્મસ્વરૂપનો આદર કરે છે. તેને આ બધું
સ્વભાવના લક્ષે થયેલ હોય છે. તેને સત્ દેવ–ગુરુની એવી લગની લાગી છે કે સત્પુરુષો
મારું સ્વરૂપ શું કહે છે તે સમજવાનું જ લક્ષ છે. અહા, અલ્પકાળે મોક્ષ જનાર આત્માર્થી
જીવની જ આ વાત છે. બધી વાતની હા–જી–હા ભણે પણ અંદર એક્કેય વાતનો
પોતાના જ્ઞાનમાં નિર્ણય કરે નહીં એવા અનિર્ણયી–ડામડોળ જીવો આત્માને સાધી
શકતા નથી. જેમ નાટકના પ્રેમવાળો જીવ નાટકમાં પોતાની પ્રિય વસ્તુને વારંવાર જુએ
છે, તેમાં કંટાળતો નથી, તેમ જે ભવ્યજીવને આત્મા વહાલો લાગ્યો છે, આત્માની રુચિ
થઈ છે ને આત્માનું હિત કરવા માટે જાગ્યો છે તે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે સૂતાં–
બેસતાં, ખાતાં–પીતાં, બોલતાં–ચાલતાં, વાંચતા–વિચારતાં નિરંતર અત્યંત વહાલા એવા
ચૈતન્યતત્ત્વને જ દેખવાની ને અનુ–

PDF/HTML Page 18 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૫ :
ભવવાનની ભાવના કરે છે; સ્વભાવના મહિમાનું લક્ષ એક ક્ષણ પણ તેને છૂટતું નથી,
તેને માટે કોઈ કાળની કે ક્ષેત્રની મર્યાદા કરતો નથી. ગમે ત્યાં ને ગમે ત્યારેે એ જ
વસ્તુનો મહિમા વર્તે છે. સાચા તત્ત્વની રુચિને લીધે તેને બીજા સર્વે કાર્યોની પ્રીતિ ગૌણ
થઈ જાય છે, ને એક આત્માને અનુભવવારૂપ કાર્યને જ મુખ્ય ગણીને તેમાં સર્વ
શક્તિને જોડે છે.–અરે, આવા જીવને વિષય–કષાયનો રસ ક્યાંથી રહે? કુદેવાદિ પ્રત્યેનો
રાગ કે વિષય–કષાયોનો તીવ્ર અશુભરાગ ટાળીને, સાચા દેવ–ગુરુ પ્રત્યેની ભક્તિ
આદિનો શુભરાગ કરવાનું પણ જે જીવને ઠેકાણું નથી તે જીવ તદ્ન રાગરહિત
આત્મસ્વરૂપનો અનુભવ કઈ રીતે કરશે? વીતરાગી ચૈતન્યતત્ત્વ તરફ વળવા માટે
ઉદ્યમી જીવને સહેજે તીવ્ર વિષય–કષાયો છૂટીને પરિણામ એકદમ શાંત થતા જાય છે.
–સમ્યક્ત્વસન્મુખ થયેલા તે જીવને પોતાની પર્યાયમાં પામરતા ભાસે છે ને
સ્વભાવનો કોઈ અચિંત્ય મહિમા ભાસે છે....તે સ્વભાવને પકડવા માટે એકાંતમાં
શાંતચિત્તે વારંવાર અંતર્મથન કરે છે: અહો! મારી ચૈતન્યવસ્તુનો કોઈ અચિંત્ય–અપૂર્વ
મહિમા છે; એની નિર્વિકલ્પ પ્રતીતિને કોઈ રાગનું આલંબન નથી; શુભભાવો પૂર્વે
અનંતવાર કર્યા છતાં આ ચૈતન્યવસ્તુ લક્ષમાં ન આવી, માટે તે બધા રાગથી પાર
ચૈતન્યવસ્તુ કોઈ અંતરની અદ્ભુત ચીજ છે,–કે જેની સન્મુખના વિચાર પણ આવી
શાંતિ આપે છે,–તો એ વસ્તુના સાક્ષાત્ વેદનની શી વાત!–આમ અત્યંત ચાહનાપૂર્વક
ચૈતન્યવસ્તુને પકડવાનો ઉદ્યમી વર્તે છે....ને પરિણામને શાંત કરીને આત્મામાં એકાગ્ર
કરે છે.–આ સમ્યગ્દર્શનની રીત છે.
પ્રથમ તો આત્માનું કલ્યાણ કરવાની બુદ્ધિ જાગવી જોઈએ કે કોઈપણ રીતે મારે
મારા આત્માનું હિત કરવું છે. તે માટે સત્ય ધર્મની શોધ, સંસારના અશુભ નિમિત્તો
પ્રત્યેની આસક્તિમાં મંદતા, બ્રહ્મચર્યાદિનો રંગ, કુદેવાદિના સેવનનો ત્યાગ, સાચા દેવ–
ગુરુ–ધર્મ પ્રત્યે ઉલ્લાસ–ભક્તિ, સાધર્મીઓનો પ્રેમ–આદર, સત્ય ધર્મની પરમ રુચિ અને
આત્માની તીવ્ર જિજ્ઞાસા,–આવા ભાવોની ભૂમિકા તે સમ્યકત્વ માટેની ક્ષેત્રવિશુદ્ધિ છે;
અને અંતરમાં રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને વારંવાર તેનું ઘોલન તે
સમ્યકત્વ માટેનું બીજ છે. જીવોની દયા પાળવી વગેરે શુભપરિણામવાળા ઘણા જીવો
હોય છે પણ તેઓ બધા કાંઈ આત્મજ્ઞાન પામતા નથી, માટે દયા વગેરે શુભપરિણામ તે
કાંઈ સમ્યગ્જ્ઞાનનું કારણ નથી.–તો હિંસા અસત્ય વગેરે પાપ–ભાવોમાં ડુબેલા જીવોને
તો આત્મહિતનો વિચાર જ ક્યાં છે?

PDF/HTML Page 19 of 69
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
ભાઈ, આત્માનું હિત તો અશુભ ને શુભ બધાય રાગથી પાર, અંતરના જ્ઞાનાનંદ
સ્વભાવના આશ્રયે છે.
સમ્યક્ત્વ–સન્મુખ જીવ જાણે છે કે, રાગ મારી પર્યાયમાં હોવા છતાં એટલો જ હું
નથી, ભૂતાર્થસ્વભાવથી જોતાં રાગ વગરના ચિદાનંદસ્વભાવનો મને અનુભવ થશે. જે
વખતે ક્ષણિક પર્યાયમાં રાગાદિ છે તે વખતે જ ત્રિકાળીસ્વભાવ આનંદથી પરિપૂર્ણ છે,
તે સ્વભાવનો સ્વીકાર અને સત્કાર કરતાં પર્યાયમાં પણ રાગ અને જ્ઞાનની ભિન્નતા
અનુભવાય છે; ત્યાં એકલો રાગ નથી વેદાતો, રાગથી જુદું અતીન્દ્રિયજ્ઞાન ને સુખ પણ
અનુભવાય છે રાગ હોય તે અલ્પ દોષ છે, રાગ વગરના સ્વભાવનો આદર હોવાથી તે
રાગ છૂટી જશે પણ રાગને મોક્ષમાર્ગ માને તો તેમાં વીતરાગ– સ્વભાવનો અનાદર
થાય છે એટલે તે તો મિથ્યાત્વરૂપ મહા દોષ છે. રાગને જ મોક્ષમાર્ગ માન્યો તો તે
રાગથી છૂટો પડીને વીતરાગસ્વભાવને કઈ રીતે સાધશે? માટે પ્રથમ રાગથી અત્યંત
જુદા ચૈતન્યસ્વભાવને જાણીને ભેદજ્ઞાન કરવું ને વારંવાર અંતરમાં તેની જુદાઈનો
અભ્યાસ અભ્યાસ કરવો, તે મુમુક્ષુનું કર્તવ્ય છે, આવો જીવ અંતરમાં ચૈતન્યના
અનુભવનો એકધારો અભ્યાસ કરતાં અંતર્મુહૂર્તમાં, અથવા વધુમાં વધુ છ મહિનામાં
જરૂર આત્માના આનંદને પામે છે. તે જીવ જગતની નકામી પંચાયતમાં ક્યાંય રોકતો
નથી, મારા આત્માને હું કેમ દેખું–એમ એક આત્માનો જ અર્થી થઈને તેની જ
લગનીવડે ઝડપથી મોહ છોડીને ચૈતન્યવિલાસી આત્માને અનુભવે છે.
ભાઈ, દુનિયા શું માને, ને શું કરે,–એ વાત એના ઘરે રહી; આ તો દુનિયાની
દરકાર છોડીને પોતે પોતાના આત્માનું હિત કરી લેવાની વાત છે. જેને આત્માની ધૂન
લાગે એનું મન દુનિયામાં ક્્યાંય ઠરે નહીં. આત્માના અનુભવ વિના ક્્યાંય એને જંપ
ન વળે. દુનિયાનો રસ છૂટીને આત્મરસની એવી ધૂન ચડી જાય કે ઉપયોગ ઝડપથી
પોતામાં એકાગ્ર થઈને સમ્યગ્દર્શન કરી લ્યે. અહાહા! સમ્યગ્દર્શન થતાં આત્મામાં જે
મહા આનંદનું વેદન થયું તેની શી વાત! અનંત ગુણની અતીન્દ્રિય શાંતિનો દરિયો
આત્માના વેદનમાં ઉલ્લસે છે.
ધન્ય છે એવું સ્વરૂપ સાધનારા જીવોને.
(લેખક: કુમુદચંદ્ર કે. દોશી, અમદાવાદ)

PDF/HTML Page 20 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૬–A :
‘વાહ! મારી વસ્તુ સંતોએ મને આપી’
[નિયમસાર ગાથા ૪૭–૪૮ ના પ્રવચનોમાંથી]
‘સર્વ સંસારી જીવો પણ શુદ્ધનયથી સિદ્ધપરમાત્મા જેવા જ
છે.’–અહો! આમ કહીને સંતોએ આત્માનો પરમસ્વભાવ બતાવ્યો
છે. આવા પરમસ્વભાવનો સ્વીકાર કરનારા જીવને પર્યાયમાં પણ
સિદ્ધદશાના સાધનરૂપ સમ્યક્ત્વાદિ ભાવો વિદ્યમાન છે.–આ જ
વીરનાથનો માર્ગ છે ને આ જ પરમાગમનો સાર છે.
કેવળજ્ઞાનાદિ શુદ્ધકાર્ય જેમને પ્રગટ છે એવા સિદ્ધ પરમાત્મા જેવો જ આ આત્મા
છે. આવા આત્મા તરફ પર્યાય વળીને તેનો જ્યાં સ્વીકાર થયો ત્યાં ‘આ શુદ્ધકારણ ને
આ શુદ્ધ કાર્ય’ એવા કારણ–કાર્યના ભેદ પણ રહેતા નથી. શુદ્ધપણે આત્માને
અનુભૂતિમાં લીધો ત્યાં કૃતકૃત્યતા જ થઈ ગઈ. સિદ્ધભગવંતોને જેવું શુદ્ધકાર્ય થયું છે
તેવો જ દરેક આત્માનો સ્વભાવ છે. આવો સ્વભાવ જેના જ્ઞાનમાં બેઠો તેનું જ્ઞાન
પરભાવોથી છૂટું પડીને સિદ્ધપરમાત્મા જેવું થઈ ગયું. આવા શુદ્ધસ્વભાવનો વિશ્વાસ
કરનારી પર્યાય તેના જેવી થઈને તેમાં અભેદ થઈ ગઈ. શુદ્ધકાર્ય દ્વારા શુદ્ધ કારણનો
સ્વીકાર થયો ત્યાં કારણ–કાર્યનો ભેદ પણ રહેતો નથી. કાર્ય પોતે કારણસ્વભાવસન્મુખ
અભેદ થઈને એમ અનુભવે છે કે ‘આ હું છું. ’ આ કારણ છે ને આ કાર્ય છે–એવા ભેદ
ત્યાં રહેતા નથી.
અહો! આ શ્રદ્ધાની તાકાત કોઈ અજબ છે! રાગથી એનો પાર ન પમાય. કાર્ય
શુદ્ધ થયું ત્યારે કારણની ખબર પડી કે અહો! મારો આખો સ્વભાવ આવો છે. અશુદ્ધતા
કે ભવ તે હું નહિ; જેવું શુદ્ધકાર્ય પ્રગટ્યું તેવો શુદ્ધ મારો સ્વભાવ છે. અહો! આવો
ચૈતન્યભાવ એકવાર અંદર જ્ઞાનમાં સ્પર્શી જાય તેને ભવભ્રમણ ખલાસ થઈ જાય. અરે,
અંદર ઢૂંઢી–ઢૂંઢીને તારા ભગવાનને શોધ. અંદર તું પોતે ભગવાન બેઠો જ છે....નજરમાં
લે એટલી જ વાર છે. સિદ્ધભગવાનના ગુણોમાં ને તારામાં કાંઈ ફેર નથી.