Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૫૯
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
૩પ૯
પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેન
જેમની ૬૦ મી જન્મજયંતી સોનગઢમાં શ્રાવણ વદ
બીજના દિને અત્યાનંદોલ્લાસ સહિત ઊજવવામાં આવી.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ર૪૯૯ ભાદરવો (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૦: અંક ૧૧

PDF/HTML Page 3 of 49
single page version

background image
ભવ્યોનાં દિલમાં દીવડા પ્રગટાવનાર
(પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના જન્મોત્સવનું ગીત)
જન્મવધાઈના રે કે સૂર મધુર ગાજે સાહેલડી,
તેજબાને મંદિરે રે કે ચોઘડિયાં વાગે સાહેલડી;
કુંવરીનાં દર્શને રે કે નરનારી હરખે સાહેલડી,
વીરપુરી ધામમાં રે કે કુમકુમ વરસે સાહેલડી.
(સાખી)
સીમંધર–દરબારના બ્રહ્મચારી ભડવીર;
ભરતે ભાળ્‌યા ભાગ્યશ્રી, અતિશય ગુણગંભીર.
નયનોના તેજથી રે કે સૂર્યતેજ લાજે સાહેલડી,
શીતળતા ચંદ્રની રે કે મુખડે વિરાજે સાહેલડી;
ઉરની ઉદારતા રે કે સાગરના તોલે સાહેલડી,
ફૂલની સુવાસતા રે કે બેનીબાના બોલે સાહેલડી... જન્મ
(સાખી)
જ્ઞાનાનંદસ્વભાવમાં, બાળવયે કરી જોર;
પૂર્વારાધિત જ્ઞાનનો, સાંધ્યો મંગલ દોર.
જ્ઞાયકના બાગમાં રે કે બેનીબા ખેલે સાહેલડી,
દિવ્ય મતિ–શ્રુતનાં રે કે જ્ઞાન ચડયાં હેલે સાહેલડી;
જ્ઞાયકની ઉગ્રતા રે કે નિત્ય વૃદ્ધિ પામે સાહેલડી,
આનંદધામમાં રે કે શીઘ્ર શીઘ્ર જામે સાહેલડી... જન્મ
(સાખી)
સમવસરણ–જિનવર તણો, દીધો દ્રષ્ટ ચિતાર;
ઉરમાં અમૃત સીંચીને, કર્યો પરમ ઉપકાર.
સીમંધર–કુંદની રે કે વાત મીઠી લાગે સાહેલડી,
અંતરના ભાવમાં રે કે ઉજ્જવળતા જાગે સાહેલડી;
ખમ્મા મુજ માતને રે કે અંતર ઉજાળ્‌યાં સાહેલડી,
ભવ્યોનાં દિલમાં રે કે દીવડા જગાવ્યા સાહેલડી... જન્મ

PDF/HTML Page 4 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧ :
મંગલમૂર્તિ સ્વાનુભૂતિસંપન્ન અધ્યાત્મયુગપ્રવર્તક પરમકૃપાળુ પરમપૂજ્ય ગુરુદેવ
શ્રી કાનજીસ્વામીનાં અનન્ય ભક્ત પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ૬૦
મી જન્મજયંતીનો મંગલ મહોત્સવ સુવર્ણપુરીમાં સૌ મુમુક્ષુ ભક્તજનો દ્વારા અતિ
આનંદોલ્લાસ સાથે ઊજવવામાં આવ્યો હતો.
જન્મજયંતીના મંગલ આગમનનો શુભ સંદેશ સુંદર નિમંત્રણ–પત્રિકા છપાવીને
ભારતવ્યાપી સમગ્ર મુમુક્ષુમંડળોને તથા પરદેશોમાં વસતા મુમુક્ષુઓને સમયસર
પહોંચાડવામાં આવ્યો હતો.
‘૬૦ મી જન્મજયંતી આવી દોડાદોડ’ એ મધુરું ગીત ગાઈને મુમુક્ષુબહેનોએ એક
સપ્તાહ પૂર્વ સુવર્ણપુરીનું વાતાવરણ મંગલ મહોત્સવની પ્રતીક્ષાથી ગુંજતું કરી દીધું હતું.
પૂજ્ય ગુરુદેવે પણ પૂ. બહેનશ્રીની જન્મજયંતીના શુભાગમનનું ગીત સાંભળી પોતાનો
આશીર્વાદયુક્ત, સંમતિપૂર્ણ સૂર પૂર્યો કે– “બહેનોએ ઠીક ગાયું, બહેનનો જન્મદિવસ
આવે છે, બધાંને જાગતા કર્યાં... ’ વગેરે વગેરે...
જન્મજયંતીનો આ પુનિતોત્સવ ત્રણ દિવસ ઊજવવામાં આવ્યો હતો. આ મંગલ
જન્મોત્સવની શુભ કામના અર્થે શ્રી જિનમંદિરમાં ત્રણ દિવસ માટે રાજકોટ નિવાસી ડો.
પ્રવીણભાઈ દોશી વગેરે તરફથી પંચપરમેષ્ઠી–મંડલવિધાનપૂજા રાખવામાં આવી હતી.
શ્રાવણી પૂર્ણિમા આ શુભોત્સવના પ્રારંભનો પાવન દિવસ. વહેલા પરોઢથી ત્રણે
દિવસ ગોગીદેવી બ્ર. આશ્રમના ગગનમાં ગુંજતું ચોઘડિયાંવાદન મુમુક્ષુ હૃદયોને
હર્ષપુલકિત કરતું હતું. આ શુભ પ્રસંગને દીપાવવા શ્રી જિનમંદિર તથા બ્રહ્મચર્યાશ્રમ
વિદ્યુતશણગારથી અલંકૃત કરવામાં આવ્યાં હતાં. મંગલસૂચક વિદ્યુત–સ્વસ્તિક તથા
રંગબેરંગી વિદ્યુત–શલાકાથી સુશોભિત જિનમંદિરનું મનોહર દ્રશ્ય મુમુક્ષુઓનાં મનને
પ્રસન્ન કરતું હતું. આશ્રમની દિવાલ ઉપર ગોઠવેલો ‘૬૦’ નો ચિત્તાકર્ષક વિદ્યુત આંક
સૌને મુદિત કરતો હતો.
શ્રાવણ વદ બીજ તે, મહોત્સવનો મુખ્ય દિવસ–પ્રશમમૂર્તિ ભગવતી જગદમ્બા
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની જન્મજયંતીનો મંગલ દિવસ: વહેલા પ્રભાતથી આનંદ ભેરી
સાથ જન્મવધાઈનાં સુમધુર ગીતોથી તથા જયકારનાં મંગલ નાદોથી આશ્રમનું

PDF/HTML Page 5 of 49
single page version

background image
: ર : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
વાતાવરણ આનંદવિભોર થઈ ગયું હતું. પૂજ્ય ગુરુદેવના આજના મંગલ પ્રવચન પહેલાંં
બ્રહ્મચારી બહેનોએ–
“સખિ! દીઠું કૌતુક આજ માતા ‘તેજ’ ઘરે,
એક આવ્યા વિદેહી મહેમાન નીરખી નેન ઠરે.”
–ગીત દ્વારા તેમના અનન્યશરણ એકમાત્ર પરમાધાર પૂજ્ય બહેનશ્રી પ્રત્યે
શ્રદ્ધા–ભક્તિ અભિવ્યક્ત કરીને આજના મંગલ મહોત્સવનું મંગલાચરણ કર્યું હતું.
પૂજ્ય બહેનશ્રી પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં પધાર્યા તે શુભ પ્રસંગે શ્રી ચંપકલાલ
મોહનલાલ ડગલી–બરવાળાવાળા–નાં ધર્મપત્ની શ્રી પ્રભાબેને પૂજ્ય બહેનશ્રીના વિશાળ
લલાટમાં કેસરનું તિલક કરી, ભક્તિપૂર્વક સવિનય મીઠડાં લીધાં હતાં. અને હીરાથી
વધાવી, પૂજ્ય ગુરુદેવના મંગલ સાન્નિધ્યમાં વિશાળ મુમુક્ષુસભાની ઉપસ્થિતિમાં પૂજ્ય
બહેનશ્રીનું બહુમાન કર્યું હતું. આ ધન્ય પ્રસંગ અભૂતપૂર્વ હતો. આ મનોહારી ભક્તિપૂર્ણ
હૃદયદ્રાવક દ્રશ્ય જોઈ અનેક મુમુક્ષુઓનાં નયનો આનંદાશ્રુથી ભરાઈ આવ્યાં હતાં,
મંગલ ગીતો તથા જયકારના ઊંચા મધુરા નાદોથી મુમુક્ષુસમાજે ગગન ભરી દીધું હતું,
બધાંનાં હૈયાં હેલે ચડ્યાં હતાં. સર્વત્ર આનંદ અને પ્રસન્નતા દ્રષ્ટિગોચર થતાં હતાં.
‘વર્તમાન પર્યાયને જાણતાં જ્ઞાનીને ત્રિકાળ પર્યાયનું જ્ઞાન તેમાં સાથે આવી જાય છે’ તે
ગહન વિષયને વ્યક્ત કરતાં પૂજ્ય ગુરુદેવે પણ પ્રવચનમાં બહેનશ્રીના આજના
જન્મોત્સવને બે–ત્રણ વાર ઉર્મિભર્યા ભાવે યાદ કર્યો હતો.
પ્રવચન પછી શ્રદ્ધાંજલિ–સમર્પણ–સમારોહમાં શ્રી ખીમચંદભાઈ શેઠ, શ્રી
ચંપકલાલ મોહનલાલ ડગલી તથા શ્રી ધન્નાલાલજી–ગ્વાલિયરવાળાએ શ્રદ્ધા–ભક્તિપૂર્ણ
ભાવભીની અંજલિ સમર્પિત કરી હતી. ત્યાર પછી જન્મજયંતીની ખુશાલીમાં ‘૬૦’
આંકના એકમથી રૂા. ર૪૦૦૦ ઉપરાંતની રકમો શ્રી મહાવીર–કુંદકુંદ દિગંબર જૈન
પરમાગમમંદિર ખાતે જાહેર થઈ હતી.
જન્મજયંતીના માંગલિક દિને પૂજ્ય બહેનશ્રી–બહેનના ઘરે કૃપાસાગર પૂજ્ય
ગુરુદેવના આહારાદાનનો મંગલ પ્રસંગ તથા તે પ્રસંગે પૂજ્ય બહેનશ્રી બહેનની વિશિષ્ટ
ગુરુભક્તિ ઉપસ્થિત જનોને પ્રમુદિત કરતી હતી. ત્યાર પછી આશ્રમના સ્વાધ્યાય–
ભવનમાં સમસ્ત મુમુક્ષુ ભાઈ–બહેનો પૂજ્ય બહેનશ્રીના દર્શન કરવા આવ્યાં

PDF/HTML Page 6 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૩ :
હતાં. આ પ્રસંગે પણ ભક્તિગીતો તથા જયનાદોના ગુંજારવથી વાતાવરણને
પ્રસન્નતાયુક્ત કરતો હતો. અનન્ય ધર્મમાતા પ્રત્યે સર્વસ્વાર્પણભાવે હાવભાવથી શ્રદ્ધા–
ભક્તિ દ્વારા બ્રહ્મચારી બહેનોનો આનંદ ઉત્સવની સુંદરતામાં સુગંધ પૂરતો હતો.
આ શુભોત્સવની ખુશાલીમાં શ્રાવણ વદ બીજે–પૂ. બહેનશ્રીના મંગલ જન્મદિને
રાજકોટ નિવાસી શ્રી મરઘાબેન ધીરજલાલ શાહના સુપુત્રો તરફથી ‘સાધર્મીવાત્સલ્ય’
હતું. તદુપરાન્ત પૂ. ગુરુદેવનાં બંને પ્રવચન પછી, પૂજ્ય બહેનશ્રીને આશ્રમના
સ્વાધ્યાયભવનમાં મુમુક્ષુસમાજ દ્વારા અભિનંદન–સમર્પણ પ્રસંગે તથા રાત્રે પૂજ્ય
બહેનશ્રી–બહેનના વાંચન પછી, એમ દરેક પ્રસંગે જુદી–જુદી વ્યક્તિઓ તરફથી
પ્રભાવના થઈ હતી.
બપોરના પ્રવચન પછી આરતીની ઉછામણીમાં શ્રી સીમંધરભગવાનની પ્રથમ
આરતીની ઉછામણી પ્રસંગે શ્રી વ્રજલાલ ભાઈલાલ ડેલીવાલા–સૂરત–નાં ધર્મપત્ની શ્રી
સવિતાબહેને સુવર્ણપુરીના ઈતિહાસમાં અભૂતપૂર્વ અનેરા ઉત્સાહથી ભાગ લીધો હતો.
પૂજ્ય બહેનશ્રીની મંગલ જન્મજયન્તી પ્રસંગે લહાવો લેવો તેમને માટે ધન્ય પ્રસંગ હતો.
જન્મજયંતીના આ મંગળ દિવસે સાંજે મેઘરાજે, એક મહિનાની ચિર પ્રતીક્ષા
બાદ, ધોધમાર વર્ષા દ્વારા, સમસ્ત જનતાને આનંદિત કરી ઉત્સવની શોભામાં
અભિવૃદ્ધિ કરી હતી.
રાત્રે મહિલામુમુક્ષુસમાજમાં પૂજ્ય બહેનશ્રીનું અધ્યાત્મરસઝરતું વાંચન થયું હતું.
અંતત: બ્રહ્મચારી બહેનો વગેરે દ્વારા ગવાયેલાં પ્રસંગોચિત્ માંગલિક ભક્તિગીતો
ઈત્યાદિપૂર્વક મહોત્સવ પૂર્ણતાને પામ્યો હતો.
આ રીતે આત્માર્થીજનોને આનંદકારી એવો આ મંગલમય ઉત્સવ સુવર્ણપુરીમાં
જયજયકારપૂર્વક ઉજવાઈ ગયો.

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
[પૂ. બહેનશ્રી ચંપાબેનના જન્મોત્સવનું મંગલ–ગીત]
મંગલકારી * ‘તેજ’ દુલારી પાવન મંગલ મંગલ હૈ,
મંગલ તવ ચરણોંસે મંડિત અવની આજ સુમંગલ હૈ... મંગલકારી
શ્રાવણ દૂજ સુમંગલ ઉત્તમ, ×વીરપુરી અતિ મંગલ હૈ.
મંગલ માતપિતા, કુલ મંગલ, મંગલ ધામ રુ આંગન હૈ;
મંગલ જન્મમહોત્સવકા યહ અવસર અનુપમ મંગલ હૈ... મંગલકારી
મંગલ શિશુલીલા અતિ ઉજ્જવલ, મીઠે બોલ સુમંગલ હૈ,
શિશુવયકા વૈરાગ્ય સુમંગલ, આતમ–મંથન મંગલ હૈ;
આતમલક્ષ લગાકર પાયા અનુભવ શ્રેષ્ઠ સુમંગલ હૈ... મંગલકારી
સાગર સમ ગંભીર મતિ–શ્રુત જ્ઞાન સુનિર્મલ મંગલ હૈ,
સમવસરણમેં કુંદપ્રભુકા દર્શન મનહર મંગલ હૈ;
સીમંધર–ગણધર–જિનધુનિકા સ્મરણ મધુરતમ મંગલ હૈ... મંગલકારી
શશિ–શીતલ મુદ્રા અતિ મંગલ, નિર્મલ નૈન સુમંગલ હૈં,
આસન–ગમનાદિક કુછ ભી હો, શાંત સુધીર સુમંગલ હૈ,
પ્રવચન મંગલ, ભક્તિ સુમંગલ, ધ્યાનદશા અતિ મંગલ હૈ... મંગલકારી
દિનદિન વૃદ્ધિમતી નિજ પરિણતિ વચનાતીત સુમંગલ હૈ,
મંગલમૂરતિ–મંગલપદમેં મંગલ–અર્થ સુવંદન હૈ;
આશિષ મંગલ યાચત બાલક, મંગલ અનુગ્રહદ્રષ્ટિ રહે,
તવ ગુણકો આદર્શ બનાકર હમ સબ મંગ
લમાલ લહેં... મંગલકારી
* તેજબા = પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં માતુશ્રી
× વીરપુરી = પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું જન્મસ્થાન વર્ધમાનપુરી (વઢવાણ શહેર)

PDF/HTML Page 8 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૯
લવાજમ ભાદ્રપદ
ચાર રૂપિયા Sept. 1973
વર્ષ: ૩૦ અંક ૧૧
ઊંડેથી આત્માની હા પાડ
હે ભાઈ! તારા આત્માની વાત તેં ઊંડેથી નથી માની,
ઉપર–ઉપરથી સાંભળીને હા પાડી, પણ ઊંડેથી એટલે કે
અંતર્મુખ થઈને તેં આત્માનો સ્વીકાર ન કર્યો. તેં આત્માને
રાગમાં જોડીને હા પાડી, પણ રાગથી આધો ખસીને,
આત્માને આનંદમય નિર્મળપર્યાયમાં જોડીને તેં હા ન પાડી.
જો એકવાર અંતરમાં ઊંડો ઊતરીને ચૈતન્યભાવને સ્પર્શીને
તેની હા પાડ તો તારો બેડો પાર થઈ જાય.
અહા, ચૈતન્યનો અપાર અનંત મહિમા, તેનો સ્વીકાર
તો પર્યાયમાં થાય છેને? બાપુ! આવા આત્મામાં સ્વસન્મુખ
પર્યાય તે તારો માર્ગ છે; બહારમાં બીજે ક્યાંય તારો માર્ગ
નથી. માટે તારા આત્માને તારી પરમ સમરસી પર્યાયમાં જોડ.
તારા શુદ્ધ દ્રવ્યમાં પરિણતિને જોડ, ને શુદ્ધપરિણતિમાં દ્રવ્યને
જોડ, –એટલે બંને અભેદ થયા; આ રીતે હે જીવ! તારા
આત્માને આત્મામાં જ જોડીને તું સ્વદ્રવ્યની રક્ષા કર. આનું
નામ ભગવાનની ભક્તિ છે. આનું નામ ગુરુની આજ્ઞા છે.
આ જ પરમાગમનું રહસ્ય છે. જેણે આમ કર્યું તેણે સત્યની
રક્ષા કરી, તેણે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં જોડયો.

PDF/HTML Page 9 of 49
single page version

background image
: ર : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :


શ્રીગુરુના સાન્નિધ્યમાં રહેલો જીવ શું પ્રાપ્ત કરે છે? અને
ખરેખર શ્રીગુરુનું સાન્નિધ્ય કોણે કર્યું કહેવાય? તે વાત અદ્ભુત
રીતે ગુરુદેવ આ પ્રવચનમાં સમજાવે છે.
[નિયમસાર કળશ ર૩૪]
જેને ભવછેદક નિર્વાણભક્તિ પ્રગટી છે, એટલે કે જેને રત્નત્રયની આરાધના
વર્તે છે એવા ધર્માત્મા કહે છે કે અહો! શ્રી ગુરુના સાન્નિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મ
અમે પ્રાપ્ત કર્યો છે, અને ચૈતન્યના અગાધ મહિમાને જાણનારા જ્ઞાનવડે સમસ્ત મોહનો
મહિમા નષ્ટ થઈ ગયો છે. –આવો હું રાગદ્વેષરહિત શુદ્ધ ધ્યાન વડે શાંતચિત્તથી
આનંદમય નિજતત્ત્વમાં ઠરું છું, નિજપરમાત્મામાં લીન થાઉં છું.
જુઓ, શ્રીગુરુના સાન્નિધ્યનું ફળ શું? કે નિર્મળ સુખકારી ધર્મની પ્રાપ્તિ થઈ તે
શ્રીગુરુના સાન્નિધ્યનું ફળ છે. શ્રીગુરુનો ઉપદેશ પણ એ જ છે કે રાગથી પાર
ચૈતન્યતત્ત્વની અનુભૂતિ કરવી. જેણે આવી અનુભૂતિ કરી તેણે જ ખરેખર શ્રીગુરુને
ઓળખીને તેમનું સાન્નિધ્ય સેવ્યું છે. શ્રીગુરુના ઉપદેશના સારરૂપ આનંદમય
આત્મઅનુભૂતિ તેણે પ્રાપ્ત કરી લીધી.
માત્ર શુભરાગ તે કાંઈ શ્રીગુરુના ઉપદેશનો સાર ન હતો. જે રાગમાં અટક્યો છે
ને રાગથી પાર ચૈતન્યની સમીપતા નથી કરતો, તે શ્રીગુરુની નજીક નથી પણ દૂર છે.
ચૈતન્યની સમીપતા કરીને જેણે નિર્મળ સુખકારી ધર્મ પ્રાપ્ત કર્યો તેણે જ ખરેખર
શ્રીગુરુની સમીપતા કરી, અને મોહના જોરને જ્ઞાનબળથી નષ્ટ કર્યું.
એકલા શાસ્ત્રથી નહિ પણ જ્ઞાની ગુરુના સાન્નિધ્યથી આત્મતત્ત્વને જાણતાં
નિર્મળ સુખરૂપ ધર્મ પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનાદિ વીતરાગપરિણતિ તે સુખરૂપ ધર્મ છે,
સમીપતા છે ને નિમિત્તરૂપે ગુરુની સમીપતા છે.

PDF/HTML Page 10 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૩ :
ગુરુ કેવા છે? –કે જેઓ ચૈતન્યતત્ત્વનો મહિમા બતાવીને તેમાં દ્રષ્ટિ કરવાનું કહે
છે. શ્રીગુરુની સમીપતાથી આવા આત્મતત્ત્વની દ્રષ્ટિ કરીને, જ્ઞાનના મહિમાવડે સમસ્ત
મોહનો મહિમા નષ્ટ કરી નાંખ્યો છે. ચૈતન્યનો મહિમા પ્રગટ્યો ત્યાં મોહનો મહિમા
તૂટયો. હજી સમ્યગ્દર્શન થતાં વેંત સમસ્ત મોહ નષ્ટ ન થઈ જાય, પણ તે મોહનો
મહિમા તો નષ્ટ થઈ ગયો છે, તેનું અનંતુ જોર તૂટી ગયું છે.
સમીપમાં જા... ત્યાં ચૈતન્યનો પરમ મહિમા જ્ઞાનમાં આવતાં જ પરભાવનો મહિમા
છૂટી જશે. આવા તત્ત્વને અંતરમાં અનુભવવું તે શ્રીગુરુના સાન્નિધ્યમાં કરવાનું
છે, તે જ શ્રીગુરુની આજ્ઞા છે. હજી રાગ–દ્વેષ હોવા છતાં, ધર્મીને સમ્યગ્દર્શનમાં
ચૈતન્યપરમેશ્વરની પ્રાપ્તિ થતાં તેના મહિમામાં જ્ઞાન લીન થયું, તે જ્ઞાનધારા
સમસ્ત રાગાદિ પરભાવોથી છૂટી પડી ગઈ, તેમાં આનંદકંદ આત્માનો જ મહિમા
રહ્યો. –આનું નામ નિર્વાણ માર્ગની ભક્તિ છે.
અહો, શ્રીગુરુએ મને એમ કહ્યું કે તું તારા આનંદમય પરમાત્મતત્ત્વ પાસે જા. એ
રીતે શ્રીગુરુના ઉપદેશથી પરમાત્મતત્ત્વ પાસે જતાં (અંતર્મુખ પરિણતિ કરતાં)
આનંદકારી ધર્મદશા મને પ્રગટી, તેમાં હવે રાગાદિનો મહિમા રહી શકે નહીં. જેને પરનો
કે શુભરાગનો પણ મહિમા લાગે તેને પોતાના વીતરાગી આનંદમય તત્ત્વનો મહિમા
આવતો નથી ને સુખકારીધર્મ તેને પ્રગટતો નથી, તે તો રાગના દુઃખને જ અનુભવે છે.
શ્રીગુરુએ તો એમ સંભળાવ્યું કે જ્ઞાનમાં ચૈતન્યભાવનો મહિમા લાવીને સ્વસન્મુખ થા.
ગુરુએ એમ ન કહ્યું કે તું અમારી વાણીનું જ લક્ષ કરીને અટકી રહેજે, કે અમારા ઉપર
શુભરાગ કરીને અટકી રહેજે–એમ ન કહ્યું, પણ શ્રીગુરુએ તો એમ કહ્યું કે તારો
પરમાત્મા તારા અંતરમાં તારી સમીપ જ બિરાજે છે, તેને અનુભવમાં લે. વાણીનું ને
રાગનું લક્ષ છોડીને, પરનો મહિમા છોડીને, આત્માના પરમસ્વભાવનો મહિમા લક્ષમાં
લે–એ જ બાર અંગનો સાર છે. જ્ઞાન આનંદમય આત્માની અનુભૂતિ જ સર્વ સિદ્ધાંતનો
સાર છે, તે જ ગુરુનું પરમાર્થ સાન્નિધ્ય છે, તે સિદ્ધની નિશ્ચયભક્તિ છે, ને તે જ
નિર્વાણનો આનંદમય માર્ગ છે.
શુદ્ધાત્માની અનુભૂતિ જ દ્વાદશાંગનો સાર છે; તે જ સર્વે ગુરુઓના ઉપદેશનો
સાર છે. જેણે સ્વાનુભૂતિ કરી તેણે સર્વ સિદ્ધાંતનો સાર જાણી લીધો; પછી ત્યાં એવી
કોઈ અટક નથી કે બાર અંગ ભણે તો જ આત્માની અનુભૂતિ થાય. તેને
શાસ્ત્રભણતરનું બંધન નથી કે આટલા શાસ્ત્રો વાંચવા જ પડશે. જેણે સર્વ શાસ્ત્રના

PDF/HTML Page 11 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
રહસ્યભૂત આત્માનું ભણતર ભણી લીધું, –તેની અનુભૂતિ કરી લીધી, તેણે આખા
સર્વજ્ઞ પરમાત્મા પોતામાં પ્રાપ્ત કરી લીધા. –તે ભક્ત છે, તે આરાધક છે, તે મોક્ષનો
પંથી છે. અરે, આત્મઅનુભૂતિના મહિમાની લોકોને ખબર નથી, અને બહારના શાસ્ત્ર
ભણતર વગેરે પરલક્ષી જાણપણામાં તેઓ અટકી જાય છે. પણ શાસ્ત્રોએ કહેલું
ચૈતન્યતત્ત્વ અંતરમાં બિરાજી રહ્યું છે–તેની સન્મુખતા કર્યાં વગર શાસ્ત્રનું રહસ્ય પણ
સમજાય નહિ.
શ્રીગુરુના સાન્નિધ્યથી જે આનંદમય સ્વાનુભૂતિ પ્રગટી તે અદ્ભુત છે; અહા,
અંદર શાંતરસના શેરડા છૂટે છે. આવી અનુભૂતિ તે જ નિર્મળ સુખકારી ધર્મ છે. આવો
ધર્મ મેં પ્રાપ્ત કર્યો છે અને આવા આનંદમય આત્મતત્ત્વના જ્ઞાનવડે સમસ્તમોહનો
મહિમા મેં નષ્ટ કર્યો છે; જ્ઞાનતત્ત્વનો અગાધ મહિમા પ્રગટ્યો ત્યાં મોહનો મહિમા છૂટી
ગયો. આ રીતે શ્રીગુરુની સમીપતામાં મારા પરમતત્ત્વને પ્રાપ્ત કરીને, હવે હું તેમાં જ
લીન થાઉં છું. બધા તીર્થંકરોએ આમ કર્યું છે ને હું પણ તે તીર્થંકરોના માર્ગે જાઉં છું. –
આવી દશાનું નામ પરમભક્તિ છે. આ ભક્તિ ભવને છેદનારી છે ને આ ભક્તિમાં
ચૈતન્યના આનંદરસના ફૂવારા ઊછળે છે.
આ શરીર તો મળ–મૂત્રનો પિંડલો, અને ચૈતન્યપ્રભુ આત્મા તો સુંદર
આનંદરસઝરતા અનંતગુણનો પિંડ–આવા સુંદર આનંદતત્ત્વમાં જેનું ચિત્ત લોલુપ થયું
છે– તેમાં જ ઉત્સુક થઈને લાગ્યું છે તેનું ચિત્ત ઈંદ્રિયવિષયોમાં લોલુપ રહેતું નથી. અહા,
ચૈતન્યના અસંખ્ય અંગમાંથી તો આનંદરસ ઝરે છે, ને શરીરના અંગોમાંથી તો મળ–
મૂત્રાદિ દુર્ગંધ ઝરે છે. જુઓ તો ખરા, ચૈતન્યતત્ત્વની સુંદરતા! આનંદઝરતું આ ઉત્તમ
તત્ત્વ જગતમાં સૌથી સુંદર છે, તેની સન્મુખ થતાં પર્યાયમાં આનંદ ઝરે છે. અરે જીવ!
એકવાર બાહ્ય વિષયોની લોલુપતા છોડીને અંદર આવા સુંદર આનંદમય મહાન તત્ત્વનો
લોલુપ થા... તેને જાણવાની ઉત્સુકતા કર. આવા તત્ત્વને જાણીને તેની અપૂર્વ ભાવનાથી
મોક્ષસુખનો સ્વાદ તને અહીં જ અનુભવાશે.
આહા! જુઓ આ પંચમઆરાના સંતની વાણી! એ તો લાવ્યા છે વિદેહની
વાણી! એના ભાવ અંદર લક્ષમાં લ્યે તો આત્માને ઊંચો કરી દ્યે, ને રાગના
વિકલ્પથી છૂટો પડીને ચૈતન્યની વીતરાગી શાંતિનું વેદન થઈ જાય, –એવી અપૂર્વ
આ વીતરાગી સંતોની વાણી છે. જે સાંભળતાં પણ મુમુક્ષુના રોમ–રોમ હર્ષથી
ઉલ્લસે છે, તેના અતીન્દ્રિયઅનુભવના આનંદની તો શી વાત!

PDF/HTML Page 12 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૫ :
નિજસ્વભાવને અવલંબતા જ્ઞાનમાં પરજ્ઞેયને જાણવાની આકુળતા રહેતી નથી.
[શ્રાવણમાસના ખાસ પ્રવચનોમાંથી દોહન]
મારો આત્મા સર્વજ્ઞસ્વભાવી વસ્તુ છે–એવો નિર્ણય
કરીને જેણે અંતર્મુખ જ્ઞાનમાં પોતાના આત્માને સ્વજ્ઞેય
બનાવ્યો તે સાધકજીવની રાગથી જુદી પડેલી જ્ઞાનપર્યાયમાં
કેટલું અગાધ સામર્થ્ય છે! કેટલી અગાધ શાંતિ છે! તેને
ઓળખતાં પણ આત્મામાં સાધકભાવની ધારા ઉલ્લસી જાય!
એવું સુંદર વર્ણન આપ આ પ્રવચનમાં વાંચશો.
સાધકની વર્તમાન પર્યાયમાં ત્રણકાળના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણવાની તાકાત
છે. ધર્મીને જેમ પોતાની વર્તમાન–પર્યાયની તાકાતનો વિશ્વાસ છે, તેમ ભવિષ્યની
પર્યાયની તાકાતનો પણ વિશ્વાસ છે... એટલે ભવિષ્યને માટે અત્યારે ધારણા કરી લઉં–
એમ ધારણા ઉપર તેનું જોર જાતું નથી. ભવિષ્યમાં મારી જે પર્યાય થશે ત્યારે તે પર્યાય
પોતાના તે વખતના વિકાસના બળે ભૂત–ભવિષ્યને જાણી જ લેશે. એટલે ભવિષ્યની
પર્યાય માટે અત્યારે ધારણા કરી લઉં કે બહારનો ક્ષયોપશમ વધારી લઉં એમ ધર્મીનું
લક્ષ નથી; તે–તે વખતની ભવિષ્યની પર્યાય અતીન્દ્રિયસ્વભાવના અવલંબનના બળે
જાણવાનું કાર્ય કરશે. અહો, આત્માની અનુભૂતિમાં જ્ઞાન એકાગ્ર થયું ત્યાં ધર્મીને બીજું
કાંઈ જાણવાની આકુળતા નથી. જ્યાં જ્ઞાયકસ્વભાવ આખોય અનુભૂતિમાં સાક્ષાત્ વર્તે
છે ત્યાં થોડા થોડા પરજ્ઞેયોને જાણવાની આકુળતા કોણ કરે? એ વાત પ્રવચનસારની
૩૩ મી ગાથામાં કરી છે. – “વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ; સ્વરૂપ–નિશ્ચળ જ
રહીએ છીએ.”
સ્વભાવને અવલંબીને જે જ્ઞાન કામ કરે તેની મહત્તા પાસે શાસ્ત્રના
અવલંબનરૂપ ધારણાની મહત્તા રહેતી નથી. જેને બીજા જાણપણામાં મહત્તા ભાસે છે તે
જીવ નિજસ્વભાવને જાણવા તરફનું જોર ક્યાંથી લાવશે? એને મહત્તા તો બહારના
જાણપણામાં વર્તે છે. વર્તમાન જ્ઞાન અંદર જ્ઞાનસ્વભાવમાં ઊતરી જાય–તેની ખરી કિંમત છે;

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
તે પર્યાયમાં અનંત ચમત્કારીક તાકાત છે... તે રાગથી સર્વથા જુદી પડીને ચૈતન્યના
અનંતગુણની ગૂફામાં ઘૂસી ગઈ છે. તે પર્યાય વર્તમાન પોતાની અગાધ તાકાતને જાણે
છે, તેમજ ભવિષ્યની તે–તે પર્યાયમાં સ્વભાવના અવલંબને જે અગાધ તાકાત છે તેનો
પણ વિશ્વાસ અત્યારે તેને આવી ગયો છે. ભલે અમુકક્ષેત્રમાં ને અમુક સમયમાં
કેવળજ્ઞાનાદિ થશે–એમ જુદું પાડીને તે ન જાણે, પણ સ્વભાવના અવલંબને તેને પ્રતીત
થઈ ગઈ છે કે જેમ અત્યારે મારી સ્વસન્મુખ પર્યાય રાગથી જુદી રહીને
અતીન્દ્રિયસ્વભાવના અવલંબને મહાન આનંદમય કામ કરી રહી છે, તેમ ભવિષ્યમાં
પણ મારી પર્યાયો મારા અતીન્દ્રિય સ્વભાવને જ અવલંબીને અચિત્ય–ચમત્કારિક
તાકાતથી કેવળજ્ઞાનાદિ કાર્ય કરશે. આવા સ્વભાવનું અવલંબન મને વર્તે જ છે પછી
‘વધારે જાણું’ એવી આકુળતાનું શું કામ છે? સર્વને જાણવાના સામર્થ્યવાળો જે
સર્વજ્ઞસ્વભાવ, તેનું જ અવલંબન લઈને પર્યાય જ્ઞાનરૂપે પરિણમી રહી છે, ત્યાં
લોકાલોકને જાણવાની આકુળતા રહેતી નથી; સ્વસન્મુખી જ્ઞાનમાં પરમ ધીરજ છે,
આનંદની લીલાલહેર છે.
ઘણા અંગ–પૂર્વ જાણી લઉં તો મને આનંદ વધારે થાય–એમ વિશેષ જાણવા ઉપર
જ્ઞાનીનું જોર નથી, પરંતુ મારો જે જ્ઞાનસ્વભાવ છે–તેમાં ઠરું તેટલી મને શાંતિ છે. અહો,
જ્ઞાન તો કાંઈ આકુળતા કરે? ના; જ્ઞાન તો નિર્વિકલ્પ થઈને અંદર ઠરે.
અંતરમાં સ્વસંવેદન જ્ઞાન ખીલ્યું ત્યાં પોતાને તેનું વેદન થયું, પછી તેને બીજા
જાણે કે ન જાણે–તેની કાંઈ જ્ઞાનીને અપેક્ષા નથી. જેમ સુગંધી–ફૂલ ખીલે છે તેની સુગંધ
બીજા કોઈ લ્યે કે ન લ્યે, તેની અપેક્ષા ફૂલને નથી, તે તો પોતે પોતામાં જ સુગંધથી
ખીલ્યું છે. તેમ ધર્માત્માને પોતાનું આનંદમય સ્વસંવેદન થયું છે તે કોઈ બીજાને
દેખાડવા માટે નથી; બીજા જાણે તો પોતાને શાંતિ થાય–એવું કાંઈ ધર્મીને નથી; એ તો
અંદર એકલો–એકલો પોતાના એકત્વમાં આનંદરૂપે પરિણમી જ રહ્યો છે.
બૌદ્ધો આત્માને સર્વથા ક્ષણિક (વર્તમાન પર્યાય જેટલો જ) માનનારા
ક્ષણિકવાદી કહેવાય છે. પરંતુ ખરેખર તો દ્રવ્યસ્વભાવની તાકાતને જાણ્યા વગર તેની
એક પર્યાયનું પણ સાચું જ્ઞાન થતું નથી. કેમકે એક શુદ્ધ પર્યાયમાં પણ એટલી તાકાત છે
કે અનાદિઅનંત દ્રવ્યને, તેના અનંતગુણોને તેમજ ત્રણેકાળની પર્યાયોને જાણી લ્યે. હવે
એક પર્યાયની આટલી તાકાતનો સ્વીકાર કરવા જાય તેમાં તો ત્રિકાળી દ્રવ્ય–ગુણ–
પર્યાયનો પણ સ્વીકાર આવી જ જાય છે. એના વગર શુદ્ધ પર્યાયની તાકાતનો પણ
સ્વીકાર થતો નથી.

PDF/HTML Page 14 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૭ :
અરે, જ્ઞાનીની જ્ઞાનપર્યાયમાં પણ કેટલી તાકાત છે તેની જગતને ખબર
નથી. પર્યાયની અગાધ તાકાતનો નિર્ણય કરવા જાય તો ત્યાં પણ જ્ઞાન રાગથી
છૂટું પડીને અંદર સ્વભાવમાં ઘૂસી જાય. પર્યાયે–પર્યાયે જ્ઞાનીનું જ્ઞાન રાગથી છૂટું જ
કાર્ય કરે છે.
અહા, ત્રણકાળને વર્તમાનમાં જાણી લ્યે–આવી જ્ઞાનપર્યાયની તાકાત જેના
વિશ્વાસમાં આવી ગઈ, તેને બહારનો ક્ષયોપશમ વધારવાની આકુળતા રહેતી નથી,
તેની જ્ઞાનપર્યાય રાગથી છૂટી પડીને, અખંડ જ્ઞાનસ્વભાવના આશ્રયે કામ કરે છે, ને એ
જ રીતે ભવિષ્યમાં પણ તે–તે કાળની પર્યાયમાં સ્વભાવના આશ્રયે ત્રણકાળને
જાણવાની તાકાત ખીલશે, તેનો ભરોસો અત્યારે સ્વસન્મુખ થયેલી વર્તમાન પર્યાયમાં
આવી ગયો છે.
ત્રિકાળી દ્રવ્ય–ગુણ તથા ત્રણકાળની પર્યાયો–તે બધા જ્ઞેયોને સ્વીકાર્યા વગર, તે
જ્ઞેયોને જાણવાના સામર્થ્યવાળી જ્ઞાનપર્યાયનો પણ સ્વીકાર થઈ શકે નહિ એટલે
જ્ઞાનની એક શુદ્ધ પર્યાયનો પણ જો ખરો સ્વીકાર કરવા જાય તો તે પર્યાયના જ્ઞેયરૂપ
સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયનો પણ સ્વીકાર થઈ જાય છે. દ્રવ્યના અસ્વીકારપૂર્વક
અનિત્યપર્યાયનું પણ સાચું જ્ઞાન થઈ શકતું નથી.
અરે ભાઈ, તારી એક પર્યાયની પૂરી તાકાતનો સ્વીકાર કર તો તેના અપાર
સામર્થ્યમાં ત્રણકાળની સમસ્ત પર્યાયો અને દ્રવ્ય–ગુણો જ્ઞેયપણે સમાયેલા છે, –તેને
સ્વીકાર કરનારું જ્ઞાન રાગથી છૂટું પડીને કામ કરે છે પછી પરસન્મુખી જ્ઞાનના
જાણપણાને વધારવાનો મહિમા તેને રહેતો નથી. એનું જ્ઞાન તો સ્વસન્મુખ એકાગ્ર
થઈને પોતાનું કામ કરે છે, ને આનંદનું વેદન કરતું–કરતું મોક્ષને સાધે છે.
એક વર્તમાન પર્યાય ત્રણકાળને જાણે તેથી કાંઈ તેને ઉપાધિ લાગી જતી નથી, કે
તેમાં અશુદ્ધતા થઈ જતી નથી. તેમજ આત્મા ત્રિકાળ ટકે તેથી કાંઈ તેને. કાળની
ઉપાધિ કે અશુદ્ધતા થઈ જતી નથી, નિત્યપણું તો સહજ સ્વભાવ છે. જેમ અનિત્યપણું
છે તેમ નિત્યપણું પણ છે–એ બંને સ્વભાવવાળો આત્મા છે.
વર્તમાનમાં જે આત્મા છે તે ભૂતકાળમાં હતો ને ભવિષ્યકાળમાં રહેશે–એમ
વસ્તુસ્વરૂપ છે, ત્રણેકાળને સ્પર્શનારી વસ્તુ છે, તેને કાંઈ ત્રિકાળ ટકવામાં બોજો કે
અશુદ્ધતા નથી. આવા દ્રવ્યસ્વભાવના સ્વીકારપૂર્વક તેમાં એકાગ્ર થઈને
અતીન્દ્રિયભાવરૂપે પરિણમેલી પર્યાય રાગથી જુદું કાર્ય કરે છે; અને તે જ સ્વભાવના
આશ્રયે કેવળજ્ઞાન થાય ત્યારે તે પર્યાય એકેક સમયને જુદો પાડીને પકડી શકે. એક
સમયને પકડવાનું

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
કામ છદ્મસ્થનો સ્થૂળ ઉપયોગ કરી શકે નહીં, તેનો ઉપયોગ અસંખ્યસમયે કાર્ય કરે
એવો સ્થૂળ છે. બોદ્ધ જેવા ભલે આત્માને સર્વથા ક્ષણિક એક સમયનો જ માને, પરંતુ
તેનું જ્ઞાન કાંઈ એકેક સમયની પર્યાયને પકડી શકતું નથી, તે પણ અસંખ્યસમયની
સ્થૂળ પર્યાયને જ જાણી શકે છે.
દ્રવ્ય શું, પર્યાય શું, પર્યાયની તાકાત કેટલી? –તે એક્કેય વાતનો નિર્ણય
અજ્ઞાનીને હોતો નથી. તે ગમે તે વસ્તુને ગમે તે પ્રકારે અંધાધુંધ આંધળાની જેમ માની
લ્યે છે. અરે, દ્રવ્ય–ગુણ–પર્યાય એમાંથી એકપણ વસ્તુનો સાચો નિર્ણય કરવા જાય તો તે
જ્ઞાનમાં સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયનો, ત્રણકાળ–ત્રણલોકનો નિર્ણય સમાઈ જાય, ને તે
જ્ઞાન રાગથી જુદું પડીને અંદરના સ્વભાવ તરફ વળી જાય; તેમાં તો અનંતગુણોના
સુખનો રસ ભર્યો છે. અહા, ધર્મીની એક જ્ઞાનપર્યાયમાં કેવી અચિંત્ય તાકાત ભરી છે ને
તેમાં કેવો અદ્ભુત આત્મવૈભવ પ્રગટ્યો છે, તેની જગતને. ખબર નથી. જગતને તો
ખબર પડે કે ન પડે પણ તે જ્ઞાની પોતે પોતામાં તો પોતાના ચમત્કારીક વૈભવને
અનુભવી જ રહ્યા છે.
હે ભાઈ! તારી વર્તમાનપર્યાયમાં આનંદતો છે નહિ; ને જો તું આ પર્યાય જેટલો
જ ક્ષણિક આત્મા માનીશ તો આનંદ લાવીશ ક્યાંથી? આત્માને સર્વથા ક્ષણિક માનતાં
તને કદી આનંદ થશે નહિ. નિત્યસ્વભાવ જે આનંદથી સદા ભરેલો છે, તેની સન્મુખ
થઈને પરિણમતાં અનિત્ય એવી પર્યાયમાં પણ તને આનંદરૂપી અમૃતના ધોધ વહેશે.
નિત્ય–અનિત્યરૂપ સંપૂર્ણ વસ્તુના સ્વીકાર વગર આનંદનો અનુભવ થઈ શકે નહિ.
નિત્યઅંશ અને અનિત્યઅંશ–બંનેરૂપ અખંડ વસ્તુસ્વભાવ છે, તે અનેકાન્તમય
વસ્તુસ્વરૂપને પ્રકાશનાર જૈનશાસન જયવંત છે.
૮ ૯૯ ૯૯ ૯૯૭
તમે કોઈ મુનિને માનો છો? ... હા.
અહો, મુનિ એ તો સાક્ષાત્ મોક્ષમાર્ગ, એના મહિમાની શી વાત?
એવા આઠ કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો સત્તાણું (૮, ૯૯, ૯૯,
૯૯૭ તીનઘાટી નવક્રોડ) મુનિભગવંતો આ મનુષ્યલોકમાં વર્તે છે, તે સર્વ
મુનિભગવંતોને પરમભક્તિથી માનીએ છીએ, નમસ્કાર કરીએ છે... ને તે
પદની ભાવના કરીએ છીએ. (આ ઉપરાંત કુંદકુંદાચાર્ય દેવ આદિ અનેક
મુનિવરો પૂર્વે થયા, ને ભવિષ્યમાં થશે–તે સૌને પણ યાદ કરીને નમસ્કાર
કરીએ છીએ.)

PDF/HTML Page 16 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૯ :
મોક્ષને માટે મુમુક્ષુએ અવશ્ય કરવા યોગ્ય સ્વાધીન કાર્ય
જિનેશ્વરભગવંતોએ સ્વાધીન–આત્મવશ સુંદર
મોક્ષમાર્ગ દેખાડ્યો છે. મહાભાગ્યે આવા સુંદર માર્ગને પ્રાપ્ત
કરીને હે જીવ! તું તારા પરમ આનંદમય પરમાત્મતત્ત્વને ભજ.
‘વાહ રે વાહ! આત્મા! તારા મારગડા તારા અંતરમાં સમાય
છે. વાણી જ્યાં પહોંચી શકતી નથી, વિકલ્પ જેમાં પ્રવેશી
શકતો નથી, એવો નિરાલંબી સ્વાશ્રિતમાર્ગ છે. નમસ્કાર હો
આવા સ્વાશ્રિત સુંદર માર્ગને અને તે માર્ગ પ્રસિદ્ધ કરનારા
વીતરાગ સંતોને.
ધર્માત્માજીવો પરમ જિનમાર્ગના આચરણમાં કુશળ છે. જિનમાર્ગ કેવો છે? –કે
આત્મવશ છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર આત્મવશ છે–સ્વવશ છે એટલે કે
શુદ્ધઆત્મામાં અંતર્મુખતાથી જ તે પ્રગટે છે. તેમાં ક્યાંય બીજાનું શરણ નથી, બીજાનો
આશ્રય નથી. નિજ પરમ શુદ્ધાત્મતત્ત્વમાં અંતર્મુખતારૂપ સ્વવશપણું તે ધર્માત્માનું પરમ
આવશ્યક કાર્ય છે, તે જ નિર્વાણનો માર્ગ છે. અહો, અશરીરી થવાનો માર્ગ વીતરાગી
સંતોએ જગતમાં પ્રસિદ્ધ કર્યો છે.
સર્વજ્ઞભગવાન કહે છે કે અહો ભવ્ય જીવો! આત્માને આધીન એવા મોક્ષમાર્ગ
રૂપ શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે નિયમથી કરવા યોગ્ય સારભૂત કર્તવ્ય છે. મોક્ષને
માટે તમે આવા શુદ્ધ રત્નત્રયમાર્ગને આરાધો, અને બીજા અન્યવશ પરાશ્રિત ભાવોને
છોડો. –અશરીરી થવાનો આ અફર ઉપાય છે.
અરે, પૂર્ણ સ્વાધીનતારૂપ મોક્ષ, એનો ઉપાય તે કાંઈ પરના આશ્રયે હોય?
પરના આશ્રયે તો પરાધીનતા થાય; સ્વાધીનતા તો સ્વદ્રવ્યના જ આશ્રયે થાય. માટે

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
હે ભાઈ! જિનશાસનમાં ભગવાને કહેલા આવા સ્વાશ્રિતમાર્ગને તું ઓળખ. અને
આનાથી વિપરીત એવા સમસ્ત પરાશ્રિત ભાવોની શ્રદ્ધા છોડ. રાગ ભલે શુભ હો
તોપણ તે પરાશ્રિત ભાવ છે; આત્માના સ્વભાવના અવલંબને કાંઈ રાગની ઉત્પત્તિ
થતી નથી માટે કહે છે કે અહો! જિનનાથના માર્ગમાં સ્વાધીન–આત્મવશ એવા
વીતરાગભાવથી જ જીવ શોભે છે. સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવ વિનાનો જીવ
જિનમાર્ગમાં શોભતો નથી. પરના આશ્રયે કલ્યાણ માનનારા જીવો તો પરવશ છે, તે
પરવશ જીવો તો નોકર જેવા છે, સ્વાધીન જિનમાર્ગમાં તે શોભતા નથી.
મોક્ષનો માર્ગ તો પરની અપેક્ષા વગરનો, અત્યંત નિરપેક્ષ, સંપૂર્ણ અંતર્મુખ છે,
શુદ્ધદ્રવ્યના જ આશ્રયે આનંદમય મોક્ષમાર્ગ છે. હે જીવ! આવા સાચા મોક્ષમાર્ગનું
સ્વરૂપ નક્કી કરીને તું તરત જ સ્વદ્રવ્યમાં અંતર્મુખ થા... ને સ્વદ્રવ્યની અનુભૂતિ કર.
મોક્ષમાર્ગ એટલે સ્વદ્રવ્યની અનુભૂતિ; સ્વદ્રવ્યની અનુભૂતિ તો સ્વદ્રવ્યના જ આશ્રયે
થાય ને! કાંઈ પરના આશ્રયે સ્વદ્રવ્યની અનુભૂતિ થાય? સ્વાશ્રિત સ્વાત્મલબ્ધિરૂપ
આવો મોક્ષમાર્ગ તીર્થંકરોએ સાધ્યો અને વીતરાગ સંતોએ પરમાગમમાં તે માર્ગ પ્રસિદ્ધ
કર્યો છે. – આજે પણ ધર્મીના અંતરમાં તે માર્ગ જયવંત વર્તે છે; ને એવો જીવ ધર્માત્મા–
સંતોની મંડળીમાં શોભે છે.
વાહ, મારો આત્મા જ મારા અનંત સ્વભાવથી પૂરા સામર્થ્યવાળો છે, –તેના જ
અનુભવથી મોક્ષનો પરમ આનંદ સધાય છે. –આમ સ્વદ્રવ્ય તરફ ઝુકીને પોતાના
આત્મામાં જેણે પૂર્ણતા દેખી તે પોતાના સિવાય બીજાનો આશરો કેમ લ્યે? જે બીજાને
આશ્રયે મોક્ષનું સાધન કરવા માંગે છે તેણે પોતાના પૂર્ણ સ્વભાવને જાણ્યો જ નથી.
પોતાના પૂર્ણ સ્વભાવને જે જાણે તે બીજા પાસે ભીખ માગે નહિ, રાગમાં મોક્ષમાર્ગ
માને નહીં. શુદ્ધ આનંદની ઉપલબ્ધિરૂપ મોક્ષ, તેનો ઉપાય શુદ્ધઆત્માના જ અવલંબને
છે, – એમ સ્વાશ્રિત જિનમાર્ગને પામીને હે જીવ! હે ભવ્યશાર્દૂલ! તું શીઘ્ર તારી મતિને
તારા આત્મામાં જોડ. ધર્માત્માઓની મોક્ષમંડળીમાં તો આવા સ્વવશ ધર્માત્માઓ જ
શોભે છે, પરવશ ગુલામ તેમાં શોભતા નથી. અહો, આવો અલૌકિક જિનમાર્ગ! તેની
પ્રાપ્તિથી ધર્માત્મા શોભે છે.
“અવશ” એટલે જે બીજાને વશ નથી, આત્માને જ વશ છે, –તે જીવ મોક્ષ
માટેની આવશ્યક ક્રિયા કરનારો છે. ચૈતન્યતત્ત્વમાં સ્વાધીન દ્રષ્ટિ કરતાં જ
અનંતભવનો અભાય થઈ ગયો; અને પછી તેમાં લીન થતાં તો સાક્ષાત્ અશરીરીપણું
થાય છે.
શુદ્ધોપયોગ વડે આત્મા સ્વયં ધર્મ થયો, ધર્મ થતાં આત્મામાં સર્વત્ર આનંદ

PDF/HTML Page 18 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧૧ :
રસ પ્રસરી ગયો. આવી અપૂર્વ સ્વાધીન સુખદશા શુદ્ધોપયોગ વડે જ થાય છે, એ
સિવાય રાગાદિ કોઈ ભાવો વડે આવી દશા થતી નથી. –આવી દશા થતાંવેંત દેહાતીત
ચૈતન્યભાવ અહીં જ અનુભવાય છે, ને તેના ફળમાં દેહાતીત–અશરીરી સિદ્ધપદ પ્રગટે
છે. ધર્માત્મા કહે છે કે અહો! મારા આત્માના આશ્રયે આવો પરમ નિર્વાણમાર્ગ પ્રગટ
કરીને, હું આત્માના કોઈ અદ્ભુત નિર્વિકલ્પ આનંદને અનુભવું છું.
જુઓ, આ ધર્મીના આવશ્યકનું અલૌકિક વર્ણન! આત્મા સિવાય બીજા કોઈને
જે વશ નથી તે અવશ છે; એવા જીવનું જે સ્વાશ્રિત કાર્ય છે તે મોક્ષ માટેનું આવશ્યક
છે. – આ જ યુક્તિથી અને આ જ ઉપાયથી અશરીરી થવાય છે.
અહો, સ્વાશ્રયે જે કાર્ય થાય, જેમાં પરનો આશ્રય ન હોય, તે તો શુદ્ધભાવ જ
હોય, સ્વાશ્રયે કાંઈ રાગની ઉત્પત્તિ ન થાય. શુભરાગ પણ કાંઈ આત્માના આશ્રયે ન
થાય, તે પણ પરના આશ્રયે થાય છે એટલે તે પરવશ ભાવ છે, તે મોક્ષનો ઉપાય નથી.
મોક્ષનો ઉપાય તો આત્માના આશ્રયે થતું શુદ્ધભાવરૂપ કાર્ય જ છે. તેનાથી જ જીવ
અવયવ રહિત શરીરરહિત સિદ્ધપદ પામે છે.
જુઓ, આ સમયસાર તો અશરીરી ચૈતન્યભાવથી ભરેલું છે. આત્માના
ચિદાનંદસ્વભાવના આશ્રયે જે કોઈ સમ્યક્ત્વાદિભાવ પ્રગટ્યા તે બધાય અતીન્દ્રિય
અશરીરી છે.
જે જીવ સ્વહિતમાં લીન હોય તે પોતાના શુદ્ધ જીવાસ્તિકાય સિવાય બીજાને વશ
થાય નહિ, શુભરાગને વશ થાય નહિ, પુણ્યને વશ થાય નહિ, સંયોગને વશ થાય નહિ.
અરે, બહિર્મુખવૃત્તિમાં તો પરની વશતા છે, પરાધીનતામાં તો સુખ ક્યાંથી હોય?
સ્વાધીન ચૈતન્યતત્ત્વ પોતે પોતામાં જ પૂરું છે, તેમાં અંતર્મુખવૃત્તિને જગતમાં બીજા
કોઈની અપેક્ષા નથી, તેમાં જ અતીન્દ્રિય સ્વાધીન સુખ છે, ને તે જ શરીર રહિત
થવાની યુક્તિ છે, તે જ મોક્ષનો ઉપાય છે.
અરે, મોક્ષ માટે આવું કામ કરવા જેવું છે–એમ એકવાર નિર્ણય તો કરો! એવો
નિર્ણય કરતાં પરભાવોથી છૂટો પડીને અંતરના ચૈતન્યસ્વભાવમાં ઉપયોગ વળી જાય
છે, ને સ્વાધીન એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય પ્રગટે છે; તે જ મોક્ષ માટેનું
આવશ્યક કાર્ય છે, તે જ મુમુક્ષુએ નિયમથી ચોક્કસ કરવા જેવું કાર્ય છે.
ભાઈ, મોક્ષમાટેનું જરૂરી કાર્ય તારા ચૈતન્યના અસંખ્ય પ્રદેશોમાં જ થાય છે,
બીજે ક્યાંય થતું નથી; તેથી તે તારું સ્વવશ કાર્ય છે, તે અન્ય વશ નથી. સમ્યગ્દર્શન
પણ તારા અસંખ્ય પ્રદેશી ચૈતન્યમાં થાય છે, અતીન્દ્રિયઆનંદ તેમાં પ્રસરેલો છે.

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
કહેવાના શબ્દો થોડા, પણ અંદર એના ગુણના મહિમાનો કોઈ પાર નથી; અનંતગુણના
પકવાન્ન મધુર ચૈતન્યરસ તારામાં ભર્યા છે, તેનો સ્વાદ લે. –તે જ અશરીરી થવાની
રીત છે. આ ઉપાયથી જરૂર સિદ્ધ થવાય છે.
અશુભરાગ તો અન્યવશ છે ને શુભરાગ પણ અન્ય વશ છે. અશુભમાં વર્તે છે
તેને તો આવશ્યક નથી, પરંતુ શુભરાગ પણ મોક્ષ માટેનું આવશ્યક કાર્ય નથી, તે
શુભરાગ તો મોક્ષકાર્યથી વિમુખ છે; મોક્ષ માટેનું આવશ્યક કાર્ય તો શુદ્ધભાવ જ છે, તે
જ આત્મવશ ભાવ છે. અરે, મોક્ષનું કામ તે કાંઈ રાગવાળું હોય? બીજાને વશ વર્તનારો
તો નોકર કહેવાય; નોકર તે કાંઈ શોભે? જિનમાર્ગ તો સ્વાધીન સ્વવશ ભાવથી જ
શોભે છે, અન્યવશપણું તેમાં શોભતું નથી. સ્વવશ યોગીઓ જ વીતરાગરત્નત્રયવડે
જિનમાર્ગમાં શોભે છે. ચોથાગુણસ્થાને જે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ છે તેટલું તો રાગ
વગરનું સ્વવશપણું છે, તે જિનમાર્ગમાં શોભે છે. રાગવડે જિનમાર્ગમાં શોભા નથી,
વીતરાગભાવવડે જ શોભા છે, તે જ જિનમાર્ગ છે, તે જ મોક્ષનો ઉપાય છે ને તે જ
ધર્માત્માની આવશ્યક ક્રિયા છે.
જિનમાર્ગમાં રત્નત્રયરૂપ વીતરાગકાર્ય કરનારા મુનિવરો સુકૃતી છે. સમ્યગ્દ્રષ્ટિને
પણ સુકૃતી કહેવાય છે, સુકૃત એટલે ઉત્તમ કૃત્ય; સમ્યગ્દર્શનરૂપી ઉત્તમ કાર્ય જેણે કર્યું છે
તે ધર્માત્મા સુકૃતી છે. અત્યારે આ કળિકાળમાં પણ કોઈક વિરલા સુકૃતી જીવો
સમ્યગ્દર્શનનાદિ સહિત જોવામાં આવે છે. અને સમ્યગ્દર્શન તે સદ્ધર્મની રક્ષા કરનાર
મણિ છે. જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં ગમે તેવી આપત્તિ વચ્ચે પણ જીવના ધર્મની રક્ષા
થાય છે. સંસારની સર્વ આપત્તિથી રક્ષા કરનાર સમ્યગ્દર્શન રક્ષામણિ સમાન છે. અને
આવા સમ્યગ્દર્શન ઉપરાંત જેને મુનિદશા થઈ તેની તો શી વાત! આવા મુનિભગવંતો
ધર્મના રક્ષક છે, તેઓ રાગના રક્ષક નથી પણ વીતરાગભાવરૂપ સત્ધર્મના રક્ષક છે–
એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના રક્ષક છે. સમ્યગ્દ્રષ્ટિ પણ સત્ધર્મના રક્ષક ને
પોષક છે, તે રાગના રક્ષક કે પોષક નથી.
અહો, મુનિની શી વાત! એ તો સ્વ–વશ છે, ને જિનેશ્વરભગવાન કરતાં જરાક
જ ન્યૂન છે; એ પોતે ધર્મના રક્ષક ચૈતન્યમણિ છે. જગતમાં એવા મણિ થાય છે કે જેના
હાથમાં તે મણિ હોય તેને સર્પાદિનું ઝેર ચડે નહિ ને બહારની કોઈ આપત્તિ આવે નહિ;
તેમ આત્મામાં સ્વવશપણું તે એવો મણિ છે કે જેની પાસે તે ચૈતન્યમણિ છે તેને
મિથ્યાત્વાદિ ઝેર ચડતું નથી, ને તેના સમ્યગ્દર્શનાદિની રક્ષા થાય છે, એટલે સંસારની
કોઈ આપત્તિ તેને આવતી નથી. મુનિ પોતે વીતરાગમૂર્તિ છે અને

PDF/HTML Page 20 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧૩ :
વીતરાગસ્વરૂપનો જ વારંવાર ઉપદેશ આપે છે. મુનિનો કે સમકિતીનો ઉપદેશ રાગનો
પોષક હોઈ શકે નહિ. વીતરાગસ્વરૂપ આત્મા બતાવીને તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ
ધર્મની રક્ષા કરનારા ધર્માત્મા છે. એવા ધર્મત્માઓ આત્માને આધીનપણે આવશ્યક
ક્રિયા કરનારા છે. તે આવશ્યક અશરીરી એવી સિદ્ધદશાનું કારણ છે. અશરીરી થવાનો
આવો સુંદર માર્ગ વીતરાગી સંતોએ જિનમાર્ગમાં પ્રસિદ્ધ કર્યો છે.
સ્વાધીન ચૈતન્યમાંથી પ્રગટેલું જે આત્માનું સુખ, તે ધર્મી જીવોને પ્રાણપ્યારું છે.
ચૈતન્યસુખ પાસે જગતમાં બીજું કાંઈ તેને પ્યારું નથી. અહા, ચૈતન્યના સ્વભાવમાં
અંતર્મુખ થઈને પ્રગટેલી સમ્યક્ત્વાદિ અપૂર્વ આનંદમય વીતરાગીદશા, તે જ અમને
પ્રાણપ્યારી છે, તે જ અમારી વહાલામાં વહાલી વસ્તુ છે. અહા, અમારા આવા આનંદ
પાસે લોકપ્રશંસાની શી કિંમત છે? અરે, સો ઈન્દ્રોને ત્રણ જગતના જીવો પ્રશંસા કરે
તોપણ જે સુખનું માપ ન થઈ શકે એવું વચનાતીત અતીન્દ્રિય આત્મિકસુખ અમારા
આત્મામાં વેદાય છે, અમારા આ આત્મરસ પાસે આખા જગતના રસ ફિક્કા છે, એમાં
ક્યાંય કિંચિત્ સુખ અમને ભાસતું નથી.
જુઓ તો ખરા, આ ધર્માત્માની વૈરાગ્યપરિણતિ! આત્મામાં સર્વથા અંતર્મુખ
આવી પરિણતિ તે જ મોક્ષમાર્ગ છે. આવા માર્ગરૂપે પરિણમીને વીતરાગમાર્ગી સંતોએ
પરમાગમોમાં તે માર્ગ પ્રસિદ્ધ કર્યો છે. આવા સ્વાધીન માર્ગનો નિર્ણય કરતાં મોક્ષના
દરવાજા ખૂલી જાય છે.
મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર એ ત્રણે કાર્ય આનંદદાયક છે,
એના વડે આનંદસહિત મોક્ષ સધાય છે. અહો, અતીન્દ્રિયસુખના સાધનરૂપ આ શ્રેષ્ઠ–
સુંદર શુદ્ધરત્નત્રયકાર્ય, તે જ મોક્ષાર્થી જીવનું મોક્ષ માટેનું આવશ્યક કાર્ય છે; મોક્ષ માટે
તે ચોક્કસ કરવા જેવું કાર્ય છે. એ જ મોક્ષ પામવાની યુક્તિ છે; ને તે જ જિનેશ્વરોનો
માર્ગ છે. આવા સુંદર માર્ગને સંતો સાધે છે ને જગતને દેખાડે છે.
મહાભાગ્યે આવા માર્ગને પ્રાપ્ત કરીને હે જીવ! અંતર્મુખપણે તું તારા પરમ
આનંદમય પરમાત્મતત્ત્વને ભજ. ‘વાહ રે વાહ! આત્મા! તારા મારગડા તારા અંતરમાં
સમાય છે. ’ –વાણી જ્યાં પહોંચી શકતી નથી, વિકલ્પ જેમાં પ્રવેશી શકતો નથી, એવો
નિરાલંબી સ્વાશ્રિતમાર્ગ છે.
નમસ્કાર હો આવા સ્વાશ્રિત સુંદર માર્ગને.. અને
તે માર્ગ પ્રસિદ્ધ કરનાર વીતરાગ સંતોને.