Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૭૩
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
વીર સં. વર્ષ ૩૨
૨૫૦૧ અંક: ૩૭૩
મોક્ષનો મહોત્સવ અપૂર્વ આનંદથી ઉજવીએ.
અહો, વહાલા વીરનાથ! ઈષ્ટ એવો આપનો સુંદર
વીતરાગમાર્ગ અમારા મહાભાગ્યે સંતોની પરંપરામાં આજે પણ
જીવંત વર્તી રહ્યો છે. આપના માર્ગમાં વહેતા વીતરાગી આનંદનાં
વહેણથી અમે પાવન થયા છીએ. સમંતભદ્રસ્વામીએ ખરૂં જ કહ્યું
છે કે મિથ્યાત્વી–ચિત્ત આપને પૂજી શકતું નથી, સમ્યક્ત્વી જ
આપને પૂજે છે. અહા, આપની સર્વજ્ઞતા, આપની વીતરાગતા,
અને શુદ્ધાત્માના આનંદસ્વાદથી ભરેલો આપનો ઈષ્ટ ઉપદેશ,
–એની મહાનતાને જે ઓળખે છે તે તો આપના માર્ગે ચાલવા
માંડે છે, ને તેના ચિત્તમાં આપ બિરાજો છો, તે જ આપને પૂજે
છે. આપની મહાનતાને જે ન ઓળખી શકે તે આપને ક્્યાંથી
પૂજી શકે? પ્રભો? અમે તો આપને ઓળખ્યા છે, તેથી અમે
આપના પૂજારી છીએ; ને આપના નિર્વાણમાર્ગમાં રહીને,
આપના નિર્વાણનો આ અઢીહજારવર્ષીય મહોત્સવ અપૂર્વ
આનંદથી ઊજવીએ છીએ.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક બ્ર.
હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ કારતક (લવાજમ: છ રૂપિયા) વર્ષ ૩૨: અંક ૧

PDF/HTML Page 3 of 53
single page version

background image
નવા વર્ષનું લવાજમ વીર સં. ૨૫૦૧
છ રૂપિયા કારતક:
વર્ષ ૩૨ ઈ. સ. 1974
અંક ૧ NOV.
[સંપાદકીય]
આંગણીયે અવસર આનંદના
[અવસર ચુકશો મા.]
બંધુઓ, અવસર આવ્યો છે મોક્ષને સાધવાનો!
અવસર આવ્યો છે આનંદમય નિર્વાણમહોત્સવનો!
મહાવીરનાથ ફરી પધાર્યા છે મોક્ષનો માર્ગ બતાવવા!
મોક્ષને સાધવાનો આ આનંદમય અવસર ચુકશો મા.

ભગવાન મહાવીર! આપ અઢીહજાર વર્ષથી સિદ્ધાલયમાં બિરાજી
રહ્યા છો. અઢીહજાર વર્ષ પહેલાંં આપ અહીં ભરતભૂમિમાં વિચરતા હતા
ને મોક્ષમાર્ગ ઉપદેશતા હતા...ભવ્યજીવો તે ઈષ્ટ ઉપદેશ ઝીલીને
મોક્ષમાર્ગમાં ચાલતા હતા. તે પ્રસંગને આજે અઢીહજાર વર્ષનું આંતરુ
પડ્યું...છતાં હે ભગવાન! અમને તો એમ જ લાગે છે કે આજેય આપ
અમારી સન્મુખ જ બિરાજી રહ્યા છો ને અમને મોક્ષમાર્ગ ઉપદેશી રહ્યા
છો....અમે તે ઝીલીને આપના માર્ગે આવી રહ્યા છીએ. વાહ! કેવો સુંદર
છે આપનો માર્ગ! વીતરાગતાથી તે આજેય કેવો શોભી રહ્યો છે!
અઢીહજાર વર્ષ વીતવા છતાંય આપનો માર્ગ તો આજેય ચાલુ જ છે.
અહા, આવો અદ્ભુત આનંદમાર્ગ આપે બતાવ્યો તેથી આપના ઉપકારને
અમે કદી ભૂલવાના નથી. હે મોક્ષમાર્ગના નેતા! પરમ ભક્તિભાવભીની
અંજલિવડે આપને પૂજિએ છીએ–વંદીએ છીએ.
–હરિ.

PDF/HTML Page 4 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
પંચાસ્તિકાયમાં મોક્ષમાર્ગનું પ્રકરણ શરૂ કરતાં
કુંદકુંદસ્વામી કહે છે કે અપુનર્ભવના કારણરૂપ એવા મહાવીરને
હું શિરસા અભિનંદુ છું. અહો, કુંદકુંદપ્રભુ પણ જેમને અભિનંદે
એ મહાવીર ભગવાનના દિવ્ય મહિમાની શી વાત! પ્રભો! આપ
તો અપુનર્ભવરૂપ સિદ્ધદશાને પામીને અભીનંદનીય થયા છો....
ને અમને પણ તે માર્ગ બતાવીને અમારા માટે અપુનર્ભવના
કારણ થયા છો. કારણઅનુસાર કાર્ય–એ ન્યાયે આપને
અનુસરીને અમે પણ અપુનર્ભવ થઈશું.

PDF/HTML Page 5 of 53
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
અર્હંતભગવંતોનું મહાનસુખ....એ જ મુમુક્ષુનું પરમ ઈષ્ટ
મહાવીરના માર્ગને સેવો.....ને....મહાન સુખને પામો
અહા, આત્માનું અતીન્દ્રિય સુખ કોને ન ગમે? રાગ
વગરના એ મહાન આનંદની વાર્તા સાંભળતાં કયા મુમુક્ષુના
હૈયામાં આનંદ ન થાય? કોઈ પણ બાહ્યપદાર્થો વગરનું આત્માનું
સુખ સાંભળતાં જ મુમુક્ષુ તેનો હોંશથી સ્વીકાર કરે છે કે વાહ! આ
તો મારું પરમ ઈષ્ટ! આ તો મારા આત્માનો સ્વભાવ! –આ
પ્રમાણે હોંશથી સ્વભાવસુખનો સ્વીકાર કરતો તે મુમુક્ષુ
સમ્યગ્દર્શન પામીને અતીન્દ્રિયસુખનો સ્વાદ ચાખી લ્યે છે. અહા,
કુંદકુંદસ્વામીએ દિલ ખોલીખોલીને જે સુખનાં ગાણાં ગાયા છે–તે
સુખના અનુભવની શી વાત? મહાવીરના માર્ગ સિવાય એવું સુખ
બીજું કોણ બતાવે? હે ભવ્ય જીવો! મહાવીરના માર્ગને સેવો....ને
આત્માના સુખને પામો.
[શ્રી પ્રવચનસાર આનંદઅધિકાર ગા. ૫૩ થી ૬૮]
અતીન્દ્રિયજ્ઞાન તે એકાંતસુખ છે. જ્ઞાનસ્વભાવ જ્યાં છે ત્યાં સુખસ્વભાવ પણ
છે જ; એટલે ગુણભેદ ન પાડો તો અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમેલો આત્મા તે જ
અતીન્દ્રિયસુખરૂપ છે. આત્મામાં જ્ઞાનપરિણમનની સાથે જ સુખપરિણમન પણ ભેગું જ
છે. સુખ વગરનું જ્ઞાન તેને ખરેખર જ્ઞાન કહેતા જ નથી. તેમજ કોઈ કહે કે અમે સુખી
છીએ પણ અમને જ્ઞાન નથી, –તો અતીન્દ્રિયજ્ઞાન વગરનું તેનું સુખ તે સાચું સુખ નથી,
તેણે માત્ર ઈન્દ્રિયવિષયોમાં સુખકલ્પના કરી છે, –તે કલ્પના મિથ્યા છે.
અરે પ્રભુ! તારું જ્ઞાન ને તારું સુખ બંને અચિંત્ય, ઈન્દ્રિયાતીત, અદ્ભુત છે; તેને
ઓળખતાં તારું જ્ઞાન ઈંદ્રિયોથી છૂટું પડીને, અતીન્દ્રિય–મહાન જ્ઞાનસામાન્યમાં વ્યાપી
જશે, –કે જે સ્વભાવ મહાન જ્ઞાન ને સુખરૂપે પોતે જ પરિણમે છે, તેને જ્ઞાનમાં

PDF/HTML Page 6 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
કે સુખમાં બીજા કોઈની અપેક્ષા નથી. સામાન્યજ્ઞાન ને સુખસ્વભાવ છે તે પોતે વિશેષ
જ્ઞાન ને સુખરૂપે સ્વયમેવ થાય છે; તેથી આત્મા પોતે સ્વભાવથી જ જ્ઞાન ને સુખ છે,
તેમાં બીજા કોઈ બાહ્યવિષયો કાંઈ જ કરતા નથી, અકિંચિત્કર છે.
જેમ આકાશમાં સૂર્ય નિરાલંબીપણે જ્યોતિષ–દેવ છે, તે સ્વયં ઉષ્ણ અને
પ્રકાશરૂપ છે; પ્રકાશ માટે કે ઉષ્ણતા માટે તેને બીજા કોઈની જરૂર રહેતી નથી; તેમ દિવ્ય
ચેતના શક્તિવાળો આત્મા પોતે પોતાના સ્વભાવમાં જ રહીને નિરાલંબીપણે મહાન
અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપે પરિણમે છે, તે પોતે જ જ્ઞાન અને સુખ છે; આવી
દિવ્યચેતનારૂપે પરિણમતો હોવાથી આત્મા પોતે દેવ છે.
જેમ સિદ્ધભગવંતો પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપે પરિણમનારા દિવ્ય
સામર્થ્યવાળા દેવ છે, તેમ બધાય આત્માનો સ્વભાવ પણ એવો જ છે. –આહા! આવો
નીરાલંબી મારો જ્ઞાન ને સુખ સ્વભાવ છે–એમ લક્ષમાં લેતાં જ જીવનો ઉપયોગ
અતીન્દ્રિય થઈને તેની પર્યાય જ્ઞાન ને સુખરૂપે ખીલી જાય છે...કોઈ અપૂર્વ, સંસારમાં
પૂર્વે કદી નહિ અનુભવાયેલી ચૈતન્યશાંતિ તેને વેદનમાં આવે છે. –મારામાંથી જ આ
શાંતિ આવી, મારો આત્મા જ આવી શાંતિસ્વરૂપ છે, એમ આનંદનો અગાધસમુદ્ર તેને
પ્રતીતમાં–જ્ઞાનમાં–અનુભૂતિમાં આવી જાય છે; પોતાનું પરમ ઈષ્ટ એવું સુખ તેને પ્રાપ્ત
થાય છે, ને અનિષ્ટ એવું દુઃખ દૂર થાય છે.
–આ છે મહાવીરપ્રભુનો ઈષ્ટ ઉપદેશ! મહાવીર ભગવાને કહેલું વસ્તુસ્વરૂપ
સમજે તેને આવા ઈષ્ટની પ્રાપ્તિ જરૂર થાય જ.
જેમ સૂર્યને આકાશમાં રહેવા માટે કોઈ થાંભલાના ટેકાની જરૂર પડતી નથી,
તેને ઉષ્ણતા માટે કે પ્રકાશ માટે કોઈ કોલસા કે તેલ વગેરે બળતણની જરૂર નથી પડતી.
જ્યોતિષનામકર્મને લીધે સ્વભાવથી જ તે આકાશમાં નીરાલંબી, ઉષ્ણતા ને પ્રકાશવાળો
દેવ છે. તેમ સુખ ને જ્ઞાન જેનો સ્વભાવ છે એવી દિવ્ય શક્તિવાળા આત્માને,
અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપ પરિણમવા માટે રાગ–પુણ્ય કે ઈન્દ્રિયવિષયોની પરાધીનતા
નથી, તે બધાયની અપેક્ષા વગર સ્વભાવથી પોતે જ જ્ઞાન–સુખ ને દેવ છે. –સુખ ને
જ્ઞાન આત્માનો સ્વભાવ જ છે. તે સ્વભાવની પ્રાપ્તિ તે ઈષ્ટ છે. ધર્મીને પોતાનો આવો
જ્ઞાન–આનંદમય સહજ સ્વભાવ તે જ ઈષ્ટ વહાલામાં વહાલો છે, બીજું કાંઈ તેને ઈષ્ટ નથી.
*
મારો અતીન્દ્રિયસ્વભાવ જ મને અનુકૂળ ને ઈષ્ટ છે, તેના અવલંબને જ મને
સુખ છે.

PDF/HTML Page 7 of 53
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
* મારા જ્ઞાન–સુખ માટે મારે ઈંદ્રિયો વગેરે બીજાનું આલંબન લેવું પડે તો તે
પરાધીનતા હોવાથી મને પ્રતિકૂળ છે, તે ઈષ્ટ નથી, પણ અનિષ્ટ છે, દુઃખ છે.
અહો, વીરનાથ! વીતરાગ ઉપદેશવડે આવો સુંદર અમારો ઈષ્ટસ્વભાવ દર્શાવીને
આપે જે અચિંત્ય ઉપકાર કર્યો છે તે યાદ કરતાં પણ અમારું હૃદય આપના પ્રત્યે અર્પાઈ
જાય છે.
અહો, સર્વજ્ઞ અરિહંતોને પ્રગટેલું આત્માનું રાગવગરનું સ્વાધીન અતીન્દ્રિય
મહાનસુખ, તે કોને ન ગમે? આવું સુખ ક્્યો મુમુક્ષુ આનંદથી સંમત ન કરે? સર્વજ્ઞનું
આવું ઈંદ્રિયાતીત સુખ, તે આત્માનો સ્વભાવ જ છે–એમ જાણતાં મુમુક્ષુ ભવ્ય આત્મા
પ્રસન્નતાથી તેનો સ્વીકાર કરે છે, એટલે ઈંદ્રિયવિષયોમાંથી (–ને તેના કારણરૂપ પુણ્ય
તથા શુભ રાગમાંથી) તેને સુખબુદ્ધિ છૂટી જાય છે. –આવા સુખને શ્રદ્ધામાં લેતાં
સ્વભાવના આનંદના વેદનસહિત સમ્યગ્દર્શન થાય છે.
અહો, વીરનાથ પરમ સર્વજ્ઞદેવ! આવા અતીન્દ્રિય જ્ઞાન–સુખરૂપે આપ
પરિણમ્યા છો, ને આપના આવા પરમ–ઈષ્ટ આત્માને ઓળખીને તેનો સ્વીકાર કરતાં,
અમારો પૂર્ણ જ્ઞાનાનંદથી ભરેલો આત્મસ્વભાવ અમને પ્રતીતિમાં આવી જાય છે,
મોક્ષસુખનો નમુનો સ્વાદમાં આવી જાય છે....ને ઈષ્ટપ્રાપ્તિના મહા આનંદપૂર્વક અમે
આપને નમસ્કાર કરીને આપના મંગલમાર્ગમાં આવીએ છીએ.

ધીર, વીર, દ્રઢ બ્રહ્મચારી શ્રી જંબુકુમાર જ્યારે વૈરાગ્યથી દીક્ષા
લેવા તૈયાર થયા છે અને તેની માતા શોકથી વિલાપ કરે છે ત્યારે
જંબુકુમાર કહે છે કે હે માતા! તું જલદી શોકને છોડ....કાયરતાને છોડ.
આ સંસારની બધી અવસ્થા ક્ષણભંગુર છે એમ તું ચિંતન કર. હે માતા!
આ સંસારમાં મેં ઈન્દ્રિયસુખો ઘણીવાર ભોગવ્યા પણ તેનાથી તૃપ્તિ ન
મળી; એવા અતૃપ્તિકારી વિષયોથી હવે બસ થાઓ. હવે તો અમે
અવિનાશી ચૈતન્યપદને જ સાધશું.

PDF/HTML Page 8 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
જ્ઞાની આનંદથી નચાવે છે જ્ઞાનની ચેતનાને
જ્ઞાનચેતના આનંદમય છે...તે મોક્ષનો માર્ગ છે.
અજ્ઞાનચેતના દુઃખમય છે...તે સંસારનો માર્ગ છે.
હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જીવ છું, સર્વ રાગ–દ્વેષ કે હર્ષ–ખેદ વગરનું મારું આનંદમય
સ્વરૂપ મને સ્વાનુભવમાં પ્રત્યક્ષ આસ્વાદવામાં આવે છે;–જ્ઞાનીની આવી અનુભૂતિનું
નામ જ્ઞાનચેતના છે. આચાર્યદેવ મંગલ આશીષરૂપે કહે છે કે અહો જ્ઞાનીજનો! આવી
આનંદમય જ્ઞાનચેતનાને નચાવતા થકા અત્યારથી માંડીને સદાકાળ પ્રશમરસને પીઓ.
જ્ઞાનીની તે જ્ઞાનચેતના રાગ–દ્વેષને કરતી નથી, ને હર્ષ–શોક ભોગવતી નથી;
આથી તે જ્ઞાનચેતનામાં પરભાવનું પ્રતિક્રમણ તથા પ્રત્યાખ્યાન છે. આવી જ્ઞાનચેતનાને
આનંદરૂપ નચાવતા થકા, એટલે કે પોતે આનંદથી એવી જ્ઞાનચેતનારૂપે પરિણમતા
થકા, જ્ઞાની મોક્ષને સાધે છે ને સદાકાળ ચૈતન્યના પ્રશાંત–પ્રશમરસને પીએ છે. અહા,
એ પ્રશમરસના સ્વાદની કલ્પના રાગમાં કે હર્ષમાં ક્્યાંથી આવે?
હર્ષ–ખેદ કે રાગ–દ્વેષના ભાવોમાં જ્ઞાનનું સંચેતન નથી; જ્ઞાનનો સ્વાદ તેમનાથી
સાવ જુદી જાતનો છે તેથી તે હર્ષ–ખેદ કે રાગ–દ્વેષના અનુભવને અજ્ઞાનચેતના કહી છે,
તે અશુદ્ધ છે, તેમાં દુઃખનું વેદન છે, ને તે સંસારનું કારણ છે.
એકકોર ઝેરનું ઝાડ...એકકોર અમૃતનું ઝાડ! ભાઈ, ઝેરનાં ઝાડનાં કડવાં ફળ તો
તેં અનાદિથી ચાખ્યા, ને તેથી તું સંસારમાં દુઃખી જ થયો. અરે, હવે એકવાર તારી
ચેતનાને જ્ઞાનરૂપ કરીને અમૃતના ઝાડનું ફળ તો ચાખી જો! તે મહાન અતીન્દ્રિય
આનંદરૂપ છે ને મોક્ષનું કારણ છે. અરે, આવો ઉપદેશ સાંભળીને મુમુક્ષુ–શાંતિનો
અભિલાષી જીવ તો ફડાક કરતો રાગથી છૂટો પડીને અંદર ચેતનામાં ઊતરી જાય છે.
અરે શુભરાગમાંયે જેને અશાંતિ લાગે તે મુમુક્ષુજીવ અશુભ રાગની ભઠ્ઠીમાં તો કેમ
જાશે? –એ તો શુભરાગની અશાંતિથી પણ છૂટીને ચૈતન્યની વીતરાગીશાંતિમાં આવશે.
–અને આ રીતે

PDF/HTML Page 9 of 53
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
ઊંચે–ઊંચે જવા માટે જ મહાવીર ભગવાનનો ઉપદેશ છે.
ભાઈ, તને આનંદ કેમ આવે? ને તારો આત્મા આ દુઃખના કલેશથી કેમ છૂટે!
તે માટે સંતો તને માર્ગ દેખાડે છે. જેના વેદનમાં આનંદનો ને શાંતિનો સ્વાદ આવે તે તું
છો, તે તારું સાચું રૂપ છે; સાચું રૂપ કહો કે શુદ્ધસ્વરૂપ કહો; અને જેના વેદનમાં શાંતિનો
સ્વાદ ન આવે ને આકુળતા–અશાંતિ થાય તે તારું સાચું રૂપ નથી, એને તું તારી
જ્ઞાનચેતનાથી ભિન્ન જાણ. હું રાજા, હું દેવ, –એવા વેદનમાં કાંઈ સુખ નથી, પણ
ચેતનભાવરૂપે આત્માનું વેદન તે શાંતરસના અમૃતથી ભરેલું છે. એવા સ્વરૂપની
અનુભૂતિરૂપ જ્ઞાનચેતનાને જ્ઞાનીજનો આનંદથી નચાવે છે. અરે, મારી આનંદમય
જ્ઞાનચેતનામાં રાગના કોઈ ભાવનુંય કર્તાપણું–ભોક્તાપણું કે સ્વામીપણું નથી, ત્યાં જડ–
અચેતન ભિન્ન વસ્તુનું સ્વામીપણું કે કર્તા–ભોક્તાપણું મારામાં કેવું? તેથી
જ્ઞાનચેતનામય સ્વદ્રવ્યને છોડીને અન્ય કોઈ પરદ્રવ્યમાં મારી પ્રવૃત્તિ નથી. આ રીતે
જ્ઞાનચેતનાવંત ધર્માત્મા સ્વદ્રવ્યને જ પોતારૂપે સંચેતતો, થકો, અન્ય સમસ્ત ભાવોથી
જુદો જ વર્તે છે. તે ચૈતન્યના પ્રશાંત રસના પાનવડે પોતાના શુદ્ધઆત્મતત્ત્વનું જતન
કરે છે; અરે, આનંદમાં વસનારો હું, તેને પરભાવમાં હું કેમ જવા દઉં? અહો જીવો!
ચેતનાવડે ચૈતન્યના શાંત–પ્રશમરસને સદાકાળ પીધા કરો. –એ જ ભગવાનનું સાચું
ભજન છે. બહારમાં ભગવાન તરફનો જેટલો રાગ છે તેટલી તો કર્મચેતના છે, તે
કર્મચેતનામાં શાંતિ હોતી નથી; તે જ વખતે જ્ઞાની તો ભેદજ્ઞાનના બળથી પોતાની
જ્ઞાનચેતનાને રાગથી જુદી જ સંચેતે છે, તે જ્ઞાનચેતના શાંતરસથી ભરેલી છે.
ચૈતન્યતત્ત્વ અમૃતનો કળશ છે; અમૃતચંદ્રદેવે સમયસારના આ કળશ દ્વારા
આત્માના અમૃતની રેલમછેલ કરી છે. અરે જીવ! અંદર જો તો ખરો, કે આત્મા કેવો
સરસ શાંતરસથી ભરેલો છે! આવા અદ્ભુત આત્માને સમજવા માટે બીજા ભાવોથી
નિવૃત્ત થા. બહારના બીજા પરભાવોથી નવરો પણ ન થાય–તે આત્માને ક્્યારે સમજે?
આત્માની સમજણ અને અનુભવ માટે તો અંદર બીજે બધેથી રસ છૂટીને આત્માનો
કેટલો રસ હોય? કેટલી પાત્રતા હોય? અરે, એ તો જગતથી છૂટો પડી ગયો, ને
પોતાના સ્વદ્રવ્યમાં આવ્યો. એ તો સમસ્ત કર્મ અને કર્મફળથી રહિત એવી કોઈ
અદ્ભુત આનંદમય દશાને પામે છે, ને પોતે પોતામાં જ શાંતિના ભોગવટાથી પરમ તૃપ્ત
રહે છે. આત્માના સ્વરૂપને ચેતનારી જ્ઞાનચેતનાનું પરિણમન મહાન આનંદરૂપ છે.
આવા આનંદસહિત ધર્માત્મા પોતાની જ્ઞાનચેતનાને નચાવતા થકા પ્રશમરસને પીએ છે;
પોતે પોતાના આનંદરૂપ

PDF/HTML Page 10 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
પરિણમનાર ધર્માત્માને, દુનિયામાં બીજા કોઈ માને કે ન માને–તેની સાથે શો સંબંધ
છે? ઘણા જીવો ઓળખે ને બહુમાન કરે તેથી કાંઈ પોતાને શાંતિ મળી જાય, એમ નથી;
તથા દુનિયાના જીવો ન ઓળખે કે આદર–સત્કાર ન કરે તેથી કાંઈ પોતાની શાંતિ ચાલી
જાય–એમ નથી. અંતરમાં ચેતના વાળીને અંદરથી આનંદના નિધાન ખુલ્લા કર્યાં,
–પર્યાયમાં તે નિધાનનું પરિણમન પ્રગટ્યું ત્યાં જીવ પોતે સ્વયં આનંદરૂપ–શાંતરસરૂપ
થયો, તેમાં જગતના કોઈ બીજાની અપેક્ષા નથી. અરે, મારી ચેતનાને જ્યાં રાગ સાથેય
સંબંધ નથી ત્યાં પર સાથે સંબંધ કેવો? એટલે જ્ઞાનચેતનાથી જુદી એવી
અજ્ઞાનચેતનારૂપ જે કર્મચેતના કે કર્મફળચેતના, તેના કોઈપણ અંશને ધર્મીજીવ પોતાની
જ્ઞાનચેતનામાં ભેળવતો નથી, તેથી તેનો તે કર્તા કે ભોક્તા પરમાર્થે નથી;
જ્ઞાનચેતનારૂપે પરિણમતો–પરિણમતો તે મોક્ષને સાધે છે ને સાદિ અનંતકાળ
આનંદરસને પીએ છે.
જેમ વડીલો મંગલપ્રસંગે આશીર્વાદ આપે છે કે તમે સુખી થાઓ, તેમ
એક મજાની વાત!
આજથી અઢી હજારવર્ષપહેલાંં આપણી આ ભરતભૂમિમાં
મહાવીરભગવાન સાક્ષાત્ અરિહંતપદે બિરાજમાન હતા; એ તો આપણે સૌ
જાણીએ છીએ. –પણ બીજી વાત જાણીને તમને આનંદ થશે, –કે તે વખતે
એકલા મહાવીરભગવાન જ નહિ–પરંતુ એમના જેવા જ સર્વજ્ઞપરમાત્મા
બીજા ૭૦૦ (સાતસો) અરિહંતભગવંતો પણ એક સાથે આપણી આ
ભરતભૂમિમાં વિચરતા હતા.
આહા! એક સાથે ૭૦૦ કેવળજ્ઞાની અરિહંત–જિનેન્દ્રભગવંતોનાં
દર્શન થાય અને તે પણ આપણા આ ભારતદેશમાં, –માત્ર અઢીહજાર વર્ષ
પહેલાંં–એ કેવી મજાની વાત! ‘વાહ ભઈ વાહ’!
णमो लोए सव्व अरिहंताणं।

PDF/HTML Page 11 of 53
single page version

background image
: : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
આત્મધર્મ
બત્રીસમા વર્ષનો મંગલ પ્રારંભ
આત્મધર્મનું આ ૩૨ મું વર્ષ એટલે મહાવીરભગવાનના અઢીહજારવર્ષીય
નિર્વાણમહોત્સવનું મહાન વર્ષ! ‘આત્મધર્મ’ નું મહાન ભાગ્ય કે પ્રભુના આવા મહા મંગલ
ઉત્સવમાં આનંદથી ભાગ લેવાનું ને તેનો પ્રચાર કરવાનું પરમ સૌભાગ્ય તેને મળ્‌યું. –એ રીતે,
મોક્ષમાર્ગના દાતાર મહાવીરપ્રભુના પરમ ઉપકારને પ્રસિદ્ધ કરવાનો સોનેરી અવસર મળ્‌યો.
બંધુઓ, (સાથે બહેનો પણ ખરા), અહીં વારંવાર કહ્યું છે કે આ અવસર છે
આત્માને સાધવાનો. અત્યારે વીરશાસનમાં શ્રીગુરુપ્રતાપે આત્માને સાધવાની સર્વ સામગ્રી
સાક્ષાત્ મળી છે, તો હવે આવા ઉત્તમ કાર્યમાં વાર શા માટે લગાડવી? અત્યંત જાગૃત થઈને,
આત્મામાં સમ્યક્ આરાધનાના ચૈતન્યદીવડા પ્રગટાવો ને વીરમાર્ગમાં પ્રવેશી જઈને
વીરપ્રભુનો મહાન ઉત્સવ ઉજવો.
વીરનાથના જિનશાસનમાં, ‘આત્મધર્મ’ દ્વારા આપણે સૌ એક પરિવાર જેવા બની
ગયા છીએ. ગમે તેટલા દૂરના ભિન્નભિન્ન બે પ્રાંતના માણસો મળે, –પણ જો બંને
આત્મધર્મના વાંચનારા હોય તો, જાણે અત્યંત નિકટના પરિચિત એક પરિવારના જ હોય–
એવો પરસ્પર પ્રેમ જાગી ઊઠે છે. આપણો આવો વાત્સલ્યસંબંધ આજકાલનો નહિ પણ ૩૨
વર્ષનો છે. આત્મધર્મના સમસ્ત પાઠકોને પોતાના સગા ભાઈ–બેનથીયે વિશેષ સમજીને
સંપાદકે હંમેશાં તેમના પ્રત્યે નિર્દોષ વાત્સલ્યપ્રેમ વરસાવ્યો છે, ને સામેથી સમસ્ત પાઠકોએ
પણ સંપાદક પ્રત્યે એવી જ લાગણીઓ દર્શાવી છે. ધાર્મિક વાત્સલ્યથી સમસ્ત સાધર્મીઓ
આત્મસાધનામાં એકબીજાને પુષ્ટિ આપીએ–ને સૌ સાથે મળીને વીરશાસનને એવું તો
શોભાવીએ–કે વીરનાથ પ્રભુ આપણને સાક્ષાત્ દર્શન આપે.
બાલવિભાગના બાળમિત્રો! આ મંગલ ઉત્સવ પ્રસંગે તમનેય હું કેમ ભૂલું? તમે સૌ
જે ઉત્સાહથી–હોંશથી ભાગ લઈ રહ્યા છો તે માટે ધન્યવાદ! ને હજી ખૂબ–ખૂબ આગળ વધીને
જૈનશાસનની ઘણી સેવા કરજો. –“જય મહાવીર.” –બ્ર. હ. જૈન
આત્મધર્મ વાર્ષિક લવાજમ છ રૂપિયા છે: આપે ન ભર્યું હોય તો તરત મોકલશો.
“આત્મધર્મ કાર્યાલય” સોનગઢ ()

PDF/HTML Page 12 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
પુણ્ય–પાપના સાચા ન્યાયઅનુસાર
કર્તા–કર્મના સ્વરૂપની સાચી સમજણ
સમ્યગ્જ્ઞાનના ન્યાયથી સાચા કારણ–કાર્યને જે જાણતો
નથી, ને એકલા અધકચરા ઈન્દ્રિયજ્ઞાનથી જ કર્તા–કર્મની કે
કારણ–કાર્યની મિથ્યાકલ્પના કરે છે, તે જીવ મિથ્યાકલ્પના વડે
કેવી ગંભીર ભૂલ કરે છે? ને સાચું જ્ઞાન તેની મિથ્યાકલ્પનાને
કેવી તોડી નાંખે છે! તે આપ આ દ્રષ્ટાંત અને સિદ્ધાંતદ્વારા જોશો.
એક હતો બાદશાહ! તેના ગામમાં એક શેઠ રહેતો હતો, તે નાસ્તિક જેવો હતો,
પરલોકને કે પુણ્ય–પાપને માનતો ન હતો.
તે શેઠને ત્યાં એક બાળકનો જન્મ થયો. બાળક ઘણો સુંદર, અત્યંત કોમળ
શરીરવાળો હતો.
એકવાર શેઠ હોંશે–હોંશે તે બાળકને લઈને બાદશાહ પાસે લઈ ગયો. બાદશાહે
બાળકને દેખીને પ્રસન્નતા વ્યક્ત કરી; પણ બાળકનું અત્યંત કોમળરૂપ દેખીને એકાએક
બાદશાહની બુદ્ધિ ફરી ગઈ...માંસાહારી બાદશાહને તે બાળકનું માંસ ખાવાનું મન થયું;
ને શેઠને કહ્યું: શેઠજી! મને અત્યારે ભૂખ લાગી છે ને આ બાળકનું માંસ રાંધીને
ખાવાની ભાવના થઈ છે, માટે આ બાળક આપી દો.
બાદશાહની વાત સાંભળતાં જ શેઠ તો ધ્રુજી ઊઠ્યો.! અરે, શું મારા આ એકના
એક પુત્રને બાદશાહ ખાઈ જશે? –ના, ના? એ તો બહુ ખોટું થાય એણે તરત
બાદશાહને કહ્યું–
ના, ના, જહાંપનાહ! એ તો બહુ ખોટું થાય! એ કાર્ય તમને ન શોભે.
ત્યારે બાદશાહે કહ્યું–જુઓ શેઠ! પુણ્ય–પાપને કે પરભવને તો તમે માનતા નથી;
ને હું આ બાળકને ખાઈશ તેથી મારી ભૂખ મટીને મને સાતા થશે;–માટે તેમાં ખરાબ શું
થયું? ખરાબ હોય તો તેનાથી મને દુઃખ થવું જોઈએ.–આમાં તો ઉલટું મારું ભૂખનું દુઃખ
મટે છે!

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
બાદશાહની વાત સાંભળીને શેઠ તો ડઘાઈ જ ગયો! તે ઊંડા વિચારમાં પડી
ગયો....ને તેની આંખ ઊઘડી ગઈ. એકાએક નાસ્તિકમાંથી તે આસ્તિક બની ગયો. જો
પુત્રને બચાવવો હોય તો, પૂર્વજન્મને, અને પૂર્વજન્મના પુણ્ય–પાપનાં ફળને સ્વીકાર્યા
સિવાય બીજો કોઈ આરોવારો જ ન રહ્યો. અંતે, જૈનસિદ્ધાંતઅનુસાર સાંભળેલા તત્ત્વનો
તેણે સ્વીકાર કરવો પડ્યો, ને બાદશાહને કહ્યું–સાંભળો જહાંપનાહ! મારા પુત્રને ખાવાથી
તમારું ભૂખનું દુઃખ મટશે–એ તમારી વાત સાચી નથી; જીવને સાતારૂપ સુખ, કે
અસાતારૂપ દુઃખ, તેણે પૂર્વે કરેલા પુણ્ય–પાપ અનુસાર થાય છે; તમે સાતા થવાનું કહો
છો તે પુત્રના માંસભક્ષણથી નહિ, પણ પૂર્વના સાતાકર્મના ઉદયથી થશે. અને વર્તમાન
માંસભક્ષણના તીવ્ર કષાયભાવના ફળથી તો ભયંકર આકુળતા અને ભવિષ્યમાં
નરકાદિની અનંતી અસાતા આવી પડશે. –માટે એવા તીવ્રપાપપરિણામને છોડો.
હે બાદશાહ! તમારી ક્ષુધા મટે છે તે કાંઈ માંસ ખાવાથી નથી મટતી, પણ તે
પ્રકારના સાતાકર્મના ઉદયથી ભૂખ મટે છે; વર્તમાનમાં માંસ ખાવાના પરિણામ તો
મહાન પાપરૂપ છે, તેના ફળમાં તો અશુભકર્મ બંધાશે ને મહાન દુઃખ મળશે. પૂર્વભવમાં
પુણ્ય કર્યા તેનું ફળ અત્યારે દેખાય છે, કાંઈ વર્તમાન પાપનું તે ફળ નથી; વર્તમાન
પાપનું ફળ ભવિષ્યમાં મહાન દુઃખરૂપ સંયોગ મળશે. –આ રીતે જીવ ભૂત–ભવિષ્યમાં
ટકનાર છે ને પોતાના શુભ–અશુભનું ફળ ભોગવનાર છે. માટે હે બાદશાહ! તમે
દુઃખદાયક એવા પાપ ભાવોને છોડો. સાતારૂપ સુખનું કારણ–કાર્યપણું માંસભક્ષણની
સાથે નથી પણ પૂર્વના પુણ્ય સાથે છે. પાપનું ફળ તો દુઃખ જ છે. પાપના ફળમાં કદી
સુખ હોય નહિ. માટે વસ્તુના કારણ–કાર્ય જોવામાં તમારી ભૂલ છે.
ડાહ્યો બાદશાહ તો શેઠની ન્યાયયુક્ત વાત સમજી ગયો ને પાપના ફળથી
ભયભીત થઈને તેણે માંસભક્ષણના દુષ્ટ વિચાર છોડી દીધા.
આ વાત વધુ સ્પષ્ટ સમજવા માટે હજી થોડા દાખલા વિચારીએ–
જેમ કોઈ ચોરને ચોરી કરતાં પૈસા મળે તે કાંઈ ચોરીનું તો ફળ નથી, તે તો
પૂર્વપુણ્યનું ફળ છે. જેમ કસાઈ ગાયો કાપે ને પૈસા મળે તે કાંઈ ગાયો કાપવાનું તો ફળ
નથી; વર્તમાન ચોરી કે હિંસાદિના પાપભાવના ફળથી તો તે જીવને મહાન દુઃખ થશે.
અત્યારે જે પૈસા મળે છે તે તો પૂર્વપુણ્યથી મળ્‌યા છે.
–ચોરી કરવી તે કારણ ને પૈસા મળ્‌યા તે કાર્ય,

PDF/HTML Page 14 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
–હિંસા કરવી તે કારણ ને પૈસા મળ્‌યા તે કાર્ય,
–એમ જો કોઈ માને તો તેને કારણ–કાર્યની ભયંકર ભૂલ છે. સાચાં
કારણ–કાર્યને તે જાણતો નથી.
તેવી જ રીતે–
ભાષા બોલાય, હાથ ઊંચો થાય, પુસ્તક લેવાય–મુકાય, અક્ષર લખાય,–એ બધી
ક્રિયાઓ–કે જે આંખથી દેખાય છે, તે બધા જડનાં કાર્યો છે, અચેતન છે; તે અચેતન
પદાર્થોનાં કાર્યો, ને જીવ તેનો કર્તા,–એમ જે માને છે તે પણ, ઉપરના દ્રષ્ટાંતની જેમ જ,
જીવ–અજીવના કારણ–કાર્યસંબંધમાં ભયંકર ભૂલ કરે છે.
ભાઈ, તે અચેતનકાર્યોમાં, કારણપણે જીવ હોય–એમ તને દેખાતું તો નથી. શું
જીવને તેં તે અચેતનકાર્યો કરતાં દેખ્યો? જીવને તેં દેખ્યો તો નથી, તેનું અસ્તિત્વ કેવું છે
તેને પણ તું જાણતો નથી, તો જીવ કર્તા થયો–એ વાત તેં ક્્યાંથી કાઢી?
જે વસ્તુને તેં દેખી જ નથી તેના ઉપર મફતનો ખોટો આરોપ શા માટે નાંખે છે?
જો જીવને તેં દેખ્યો હોત તો તે તને ચૈતન્યસ્વરૂપ જ દેખાત, ને તે જડની ક્રિયાનો કર્તા
થાય–એમ તું માનત જ નહીં. માટે દેખ્યા વગર તું જીવ ઉપર અજીવના કર્તૃત્વનું મિથ્યા
આળ ન નાંખ...જો ખોટું આળ નાંખીશ તો તને મોટું પાપ લાગશે. (–જેમ રાજાએ માંસ
ખાવાથી સુખ થવાનું માન્યું તેમ.)
કોઈ રાજમહેલમાં ચોરી થઈ...એક સજ્જન માણસ રાજમહેલથી દૂર રહે છે, કદી
રાજમહેલમાં આવ્યો પણ નથી. છતાં બીજો કોઈ માણસ તેના ઉપર કલંક નાંખે કે
ચોરીનો કર્તા આ માણસ છે!
તે કલંક નાંખનારને પૂછીએ છીએ કે–હે ભાઈ!
* શું તે માણસને રાજમહેલમાં ચોરી કરતાં જોયો હતો? –ના;
* શું તે માણસને તું ઓળખે છે? –ના;
* શું તે માણસની પાસે તેં ચોરીનો માલ જોયો છે? –ના.
અરે, દુષ્ટ! જે માણસને તેં ચોરી કરતાં જોયો નથી, જે માણસ રાજમહેલમાં
આવ્યો નથી, જે માણસને તું ઓળખતો પણ નથી, અને જે માણસ પાસે ચોરીનો

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
માલ હોવાની કોઈ નિશાની પણ નથી, એવા સજ્જન માણસ ઉપર ચોરીનું મિથ્યા કલંક
તું નાંખે છે તો તેથી તને મહાન પાપ લાગશે.
તેમ–જડ–અચેતન–પુદ્ગલના મહેલરૂપ આ શરીર, તેમાં કોઈ કાર્ય થયું–હાલવું–
બોલવું–ખાવું વગેરે ક્રિયા થઈ; બીજું ચેતનતત્ત્વ તેનાથી દૂર એટલે કે જુદું રહે છે, તે કદી
પુદ્ગલમાં જતું પણ નથી, –પુદ્ગલરૂપ થતું નથી, છતાં અજ્ઞાની તેના ઉપર કલંક–
આરોપ નાંખે છે કે જડની આ ક્રિયાનો કર્તા જીવ છે.
તે કલંક નાખનારને જ્ઞાની પૂછે છે કે હે ભાઈ!
* શું તે જીવને જડની ક્રિયા કરતો તેં જોયો છે? ...ના.
* શું તે જીવને (અતીન્દ્રિય અરૂપી ચેતનતત્ત્વને) તું ઓળખે છે? ...ના.
* શું જીવની અંદર તેં પુદ્ગલની કોઈ ક્રિયા જોઈ છે? ...ના.
તો પછી અરે અજ્ઞાની! જે જીવતત્ત્વને જડનું કામ કરતાં તું દેખતો નથી, જે
જીવતત્ત્વ શરીરના પુદ્ગલની અંદર આવ્યું નથી, જે જીવતત્ત્વને તું ઓળખતો પણ નથી,
અને જે જીવતત્ત્વમાં અજીવની કોઈ નિશાની પણ નથી–એવા નિર્દોષ સત્ ચૈતન્યતત્ત્વ
ઉપર તું જડ પુદ્ગલ સાથેના સંબંધનો મિથ્યાઆરોપ નાંખે છે–તો તેથી તને મિથ્યાત્વનું
પાપ લાગશે. ચૈતન્યતત્ત્વનો તું અવર્ણવાદ કરી રહ્યો છે, તે મોટો અપરાધ છે.
માટે –
જેમ માંસ ખાવું ને સાતા થવી, તે બંને એકકાળે હોવા છતાં બંનેનાં કારણ–કાર્ય
ભિન્ન–ભિન્ન છે;
જેમ ગાયો કાપવી ને પૈસા મળવા, તે બંનેનાં કાર્ય–કારણ ભિન્ન–ભિન્ન છે;
તેમ જડની ક્રિયા ને જ્ઞાનની ક્રિયા–બંને એકસાથે હોવા છતાં બંનેનાં કારણકાર્ય
તદ્ન ભિન્ન–ભિન્ન છે. દરેક તત્ત્વના સાચા કારણ–કાર્યને જાણ, જીવના કારણ–કાર્યને
જીવમાં જાણ ને અજીવના કારણ–કાર્યને અજીવના જાણ;–આવું ભેદજ્ઞાન તે જૈનધર્મની
ઉત્તમ નીતિ છે; તે જૈન નીતિનું પાલન કરનાર જીવ મોક્ષને સાધે છે; ને જૈન નીતિનું
ઉલ્લંઘન કરનાર (એટલે કે જડ–ચેતનના કારણ–કાર્યને એકબીજામાં ભેળવી દેનાર)
સંસારની જેલમાં પુરાય છે. જડ–ચેતનનું સર્વથા ભેદજ્ઞાન કરો...ને ભવથી છૂટો.

PDF/HTML Page 16 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
માર્ગની શરૂઆત
ધર્મીજીવ જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને
આનંદથી સર્વજ્ઞના માર્ગે ચાલ્યો જાય છે.
(મુમુક્ષુઓને માટે મહત્ત્વની મૂળ વાત)
આત્મકલ્યાણના માર્ગની, મોક્ષના માર્ગની કે જૈનધર્મની શરૂઆત ક્્યારે થાય?
આ બાબતમાં અત્યંત ભારપૂર્વક ગુરુદેવ વારંવાર કહે છે કે: આત્માની સર્વજ્ઞતાને
પામેલા એવા સર્વજ્ઞભગવાન આ જગતમાં વિદ્યમાન છે, અને આત્મામાં એવો
સર્વજ્ઞસ્વભાવ છે, –આમ સર્વજ્ઞસ્વભાવની ઓળખાણ અને પ્રતીત કરે ત્યારે જ જીવને
મોક્ષના માર્ગની કે ધર્મની શરૂઆત થાય છે.–આથી કહ્યું છે કે “ધર્મનું મૂળ સર્વજ્ઞ છે.”
હવે પ્રશ્ન એ થાય છે કે–એવા સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય કઈ રીતે થાય?
તેના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે રાગથી ભિન્ન એવા જ્ઞાનવડે જ
સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થાય છે, રાગ વડે તેનો સાચો નિર્ણય થઈ શકતો નથી,
‘સર્વજ્ઞતા’ નો સ્વીકાર કરવા જતાં જ્ઞાન રાગથી છૂટું પડીને નિર્વિકલ્પ થઈ જાય છે.
સર્વજ્ઞની શ્રદ્ધા કહો, આત્માના સ્વભાવની શ્રદ્ધા કહો, કે મોક્ષતત્ત્વની શ્રદ્ધા કહો,
તેની શ્રદ્ધા વગર ધર્મની શરૂઆત કોઈ રીતે થાય નહિ.
હવે જે સર્વજ્ઞ હોય તે વીતરાગ જ હોય; ને જે વીતરાગ હોય તેનો જ ઉપદેશ
પ્રમાણભૂત હોય; એટલે સર્વજ્ઞની વાણીમાં જે જીવાદિ પદાર્થો કહ્યાં છે તે જ સત્ય છે.
(બીજા સંતો સર્વજ્ઞની વાણી અનુસાર જે ઉપદેશ આપે છે તે સત્ય છે.) જીવ જ્યાંસુધી
સર્વજ્ઞનો નિર્ણય ન કરે ત્યાંસુધી તેને જિનવાણીરૂપ આગમની શ્રદ્ધામાં પણ નિઃશંકતા
આવે જ નહિ, એટલે ‘આ શાસ્ત્રમાં કહ્યું છે તે પરમ સત્ય છે’–એવી દ્રઢતા આવે નહિ,
ને એવા નિર્ણય વગર જ્ઞાન તે માર્ગે આગળ જવાનું કામ કરી શકે નહિ. જે સર્વજ્ઞદેવનો
નિર્ણય ન કરે તે તેમની વાણીરૂપ શાસ્ત્રનો પણ નિર્ણય કરી શકે નહિ.
સર્વજ્ઞની જેને ઓળખાણ નથી તેને દેવ–ગુરુ–શાસ્ત્રની, કે નવતત્ત્વની પણ શ્રદ્ધા
હોતી નથી, તત્ત્વશ્રદ્ધા વગર તે આત્માને સાધી શકે નહિ, તેને સાચું ધ્યાન હોય નહિ,

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
તેને ધર્મની શરૂઆત પણ થઈ શકતી નથી. જેને શુદ્ધજ્ઞાનની પ્રતીત નથી તેને મોક્ષની
પ્રતીત નથી, ને મોક્ષની પ્રતીત વગર મોક્ષમાર્ગ પણ હોતો નથી.
જેના મતમાં સર્વજ્ઞનું સાચું સ્વરૂપ નથી તેને ધર્મનો કોઈ અંશ હોતો નથી. માટે
અત્યંત ભારપૂર્વક સંતો વારંવાર કહે છે કે હે ભવ્ય જીવો! સર્વજ્ઞસ્વભાવી આત્માનો
નિર્ણય કરો. એ નિર્ણયમાં અપૂર્વ આનંદસહિત ધર્મની શરૂઆત થાય છે. એ જ વાત શ્રી
પ્રવચનસારમાં કુંદકુંદસ્વામી કહે છે કે જે અરિહંતના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને
ઓળખે છે તે પોતાના આત્માને પણ તેવો જ ઓળખે છે, ને મોહનો નાશ થઈને તેને
સમ્યગ્દર્શન થાય છે. અહો, સર્વજ્ઞની ઓળખાણમાં તો ઘણી ગંભીરતા છે.
સમયસારની ૩૧ મી ગાથામાં પણ કહ્યું છે કે પોતાના અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વરૂપ
વિજ્ઞાનઘન ભગવાન આત્માને જે અતીન્દ્રિય જ્ઞાનવડે અનુભવે છે, તે જીવ ઈન્દ્રિયોને
જીતનારો છે, એટલે કે ઈન્દ્રિયોથી ભિન્ન અતીન્દ્રિયજ્ઞાનરૂપે પોતાને અનુભવનારો છે; તે
જ સર્વજ્ઞ કેવળીભગવાનને ઓળખીને તેમની પરમાર્થસ્તુતિ (આરાધના) કરનારો છે.
શ્રી કાર્તિકસ્વામી પણ ધર્મઅનુપ્રેક્ષાના પ્રારંભમાં જ કહે છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ
છે. સર્વજ્ઞનો નિર્ણય કરતાં તેમણે કહેલાં જીવાદિ તત્ત્વોનો સાચો નિર્ણય થાય છે, ને
ત્યાંથી માર્ગની શરૂઆત થાય છે. સર્વજ્ઞના સ્વરૂપનો સાચો નિર્ણય કરે ને મોક્ષમાર્ગ શરૂ
ન થાય–એમ બને નહિ. સાધકના જ્ઞાનમાં સર્વજ્ઞદેવ સદા બિરાજી રહ્યા છે; તેના જ્ઞાનમાં
સર્વજ્ઞનો કદી અભાવ નથી, એટલે તેને સર્વજ્ઞનો કદી વિરહ નથી. સર્વજ્ઞ સ્વભાવને સદાય
અંતરમાં (શ્રદ્ધા–જ્ઞાનમાં) રાખીને તે આનંદથી સર્વજ્ઞના માર્ગે ચાલ્યો જાય છે.
પૂર્ણતાના લક્ષે સાચી શરૂઆત
પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ સાચી શરૂઆત છે. પૂર્ણતા એટલે
સર્વજ્ઞતા, તે સર્વજ્ઞતાના નિર્ણયપૂર્વક જ મોક્ષના માર્ગની સાચી શરૂઆત થાય
છે. સર્વજ્ઞસ્વરૂપનો જે નિર્ણય કરે તે રાગને કદી ધર્મ ન માને, કેમકે સર્વજ્ઞતા
સાથે રાગ કદી હોતો નથી, સર્વજ્ઞતા હોય ત્યાં વીતરાગતા જ હોય છે. એટલે
સર્વજ્ઞતાના લક્ષે મોક્ષને સાધવા જે ઉપડ્યો તે સાધક સમસ્ત રાગભાવોથી
છૂટો પડ્યો. સર્વજ્ઞસ્વરૂપનો જે સ્વીકાર નથી કરતો તે પોતાને રાગસ્વરૂપે જ
અનુભવે છે, ને રાગના અનુભવવડે વીતરાગમાર્ગની શરૂઆત કદી થઈ શકતી
નથી. રાગથી જુદી એવી જ્ઞાન અનુભૂતિવડે જ મોક્ષમાર્ગ શરૂ થાય છે.

PDF/HTML Page 18 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
વીરનાથનો માર્ગ
વીરનાથના મોક્ષમાર્ગમાં જ્ઞાનનું લક્ષ્ય નિજ–આત્મા છે.
ભરતક્ષેત્રના જીવો પર કુંદકુંદસ્વામીનો પરમ ઉપકાર છે.
વીરનાથના મોક્ષમાર્ગનું જ્ઞાન કેવું છે? તે બોધ પ્રાભૃતમાં આચાર્યદેવ બતાવે છે.
જે જ્ઞાન અતીન્દ્રિય થઈને આત્મામાં પહોંચી ગયું, રાગથી પાર થઈને, ઈન્દ્રિયોથી પાર
થઈને, અતીન્દ્રિય આનંદમય આત્મા જેણે પ્રત્યક્ષ કર્યો તે અતીન્દ્રિયજ્ઞાન જ
જિનમાર્ગની સાચી મુદ્રા છે–તે જ સાચી નિશાની છે. આવું જ્ઞાન કેમ થાય તે આ
સમયસારાદિમાં આચાર્યદેવે અલૌકિક રીતે સમજાવ્યું છે. અહો, સીમંધર તીર્થંકર પાસે
જઈને આવું અપૂર્વ શ્રુતજ્ઞાન કુંદકુંદસ્વામીએ ભરતક્ષેત્રના જીવોને આપીને અપાર
ઉપકાર કર્યો છે.
મોક્ષમાર્ગમાં ‘જ્ઞાન’ કોને કહેવું?
શુદ્ધ આત્માને જે નિશાન બનાવે, એટલે કે સીધું આત્માની સન્મુખ થઈને તેને
જે સાધે તે જ જ્ઞાન મોક્ષમાર્ગનું જ્ઞાન છે; એના વગરનું એકલું બહારનું શાસ્ત્ર–ભણતર
કે દ્વીપ–સમુદ્ર વગેરેનું જ્ઞાન, તેને ખરેખર જ્ઞાન કહેતા નથી, કેમકે તે જ્ઞાન મોક્ષને સાધતું
નથી, આત્માને નિશાન બનાવતું નથી. મહાવીરાદિ તીર્થંકરદેવની દેશના તો એવી છે કે
જ્ઞાનને સ્વસન્મુખ કરી, આત્માને નિશાન બનાવીને તેને સાધો.
જ્ઞાનનું સ્વરૂપ જાણતાં આત્માનું સ્વરૂપ જણાય છે, કેમકે જ્ઞાનનું લક્ષ્ય આત્મા
છે; જેમ તીર પોતાના લક્ષ્યની સન્મુખ થઈને તેને વેધે છે તેમ સમ્યગ્જ્ઞાનરૂપી
સૂક્ષ્મબાણ, પોતાના લક્ષ્યરૂપ શુદ્ધાત્માની સન્મુખ થઈને તેને વેધે છે–અનુભવે છે. આવું
લક્ષ્યવેધીજ્ઞાન તે મોક્ષનું સાધક છે. તે જ્ઞાન, રાગને પોતાનું નિશાન નથી બનાવતું,
રાગથી પાર થઈને શુદ્ધાત્મામાં પહોંચી જાય છે. માટે હે ભવ્યજીવો! જ્ઞાનનું આવું સ્વરૂપ
જાણીને તેની ભક્તિથી આરાધના કરો આવા જ્ઞાન વગર નથી સંયમ હોતો, કે નથી
ધ્યાન હોતું. ભલે પંચમહાવ્રત કરતો હોય તોપણ જ્ઞાન વગરના જીવને અસંયમી અને
સંસારમાર્ગી જ કહ્યો

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
છે. અને જ્ઞાનવડે જેણે શુદ્ધાત્માને ધ્યેય કર્યો છે તે અસંયમી હોય તોપણ મોક્ષમાર્ગી છે.
णाणम् आदत्थं એટલે આત્મામાં જે સ્થિત છે તે જ જિનમાર્ગમાં સાચું જ્ઞાન છે,
અથવા–આત્મા જેનો અર્થ છે–આત્મા જ જેનું પ્રયોજન છે એવું જ્ઞાન તે જ જિનમાર્ગનું
જ્ઞાન છે. જેમાં આત્માનું પ્રયોજન ન સધાય, નિજસ્વરૂપ ન સધાય, એવા
શાસ્ત્રભણતરને પણ જિનમાર્ગમાં ‘જ્ઞાન’ કહેતા નથી.
જે જાણે તે જ્ઞાન;–કોને જાણે? પોતાના લક્ષ્યરૂપ શુદ્ધાત્માને જાણે, તે જ્ઞાન છે.
જેમ, બાણ તેને કહેવાય કે જે પોતાના લક્ષ્યને વેધે; તેમ, પોતાના પરમાત્મસ્વરૂપને જે
વેધે–જાણે–અનુભવે તેને જ જૈનશાસનમાં જ્ઞાન કહેવાય છે. જેને સાધવાનું છે એવા
નિજસ્વરૂપને જે ન સાધે તેને જ્ઞાન કેમ કહેવાય?
જ્ઞાનનું લક્ષ્ય કાંઈ રાગ નથી; જ્ઞાનથી અભિન્ન એવું આત્મસ્વરૂપ તે જ જ્ઞાનનું
લક્ષ્ય છે. આવા લક્ષ્યને વેધવું–જાણવું તે તો (અર્જુનની જેમ) અત્યંત ધીરાનું કામ છે;
ચંચળમનવડે આત્મા સાધી શકાય નહિ. આત્માને સાધવા જે જ્ઞાન અંતરમાં વળ્‌યું તે તો
અત્યંત ધીર છે–શાંત છે–અનાકુળ છે, અનંતગુણના મધુરસ્વાદને એક સાથે આત્મસાત
કરતું તે જ્ઞાન પ્રગટે છે, ચૈતન્યરસનો અતીન્દ્રિયસ્વાદ તેમાં ભર્યો છે. આવા જ્ઞાનને
ઓળખીને આત્માને સાધવો–તે ભગવાન વીરનાથનો માર્ગ છે.
* * *
જ્ઞાનનું નિશાન શુદ્ધઆત્મા; જ્ઞાનીના વિનયવડે તેને જાણ
જે જીવ પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યે વિનયવંત છે તે મોક્ષમાર્ગના જ્ઞાનને પામે
છે; તે જ્ઞાન પામીને તે જીવ મોક્ષમાર્ગના લક્ષ્યરૂપ પરમ આત્મસ્વરૂપને લખે છે–જાણે
છે–અનુભવે છે. આવું જ્ઞાન જૈનમાર્ગમાં જ્ઞાનીઓની જ પરંપરાથી મળે છે; તેથી જેને
જ્ઞાનીના વિનય–બહુમાન ન હોય તે જીવ સાચા જ્ઞાનને પામી શકતો નથી.
સર્વજ્ઞપરંપરાના જ્ઞાની–આચાર્યોનો વિનય છોડીને જેઓ જૈનમાર્ગથી જુદા પડ્યા તેઓ
મોક્ષમાર્ગનું સાચું જ્ઞાન પામી શકતા નથી.
જ્ઞાનીનો ખરો વિનય પણ ત્યારે થાય કે જ્યારે તેના જ્ઞાનનું સાચું સ્વરૂપ
ઓળખે, ઓળખ્યા વગર બહુમાન કોનું? જ્ઞાનનું ધનુષ ને શ્રદ્ધાના બાણવડે ધર્મીજીવ
પરમાત્મસ્વરૂપને લક્ષ્યરૂપ કરીને મોક્ષમાર્ગને સાધે છે; તે પોતાના લક્ષ્યને ચુકતો નથી.
ભાઈ, તારું લક્ષ્ય તો

PDF/HTML Page 20 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
સાચુ કર. લક્ષ્ય જ જેનું ખોટું તે જીવ તેને ક્્યાંથી સાધી શકે? લક્ષ્ય હોય પૂર્વ તરફ, ને
નિશાન તાકે પશ્ચિમ તરફ, તો તે લક્ષ્યને સાધી શકે નહીં, તેનું નિશાન નકામું જાય; તેમ
મોક્ષમાર્ગમાં લક્ષ્યરૂપ તો રાગવગરનો ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તેના તરફ લક્ષ કરવાને
બદલે તેનાથી વિરુદ્ધ એવા શુભરાગને લક્ષ્ય બનાવે તો તેના લક્ષે મોક્ષમાર્ગનું નિશાન
કદી સાધી શકાય નહીં. માટે હે ભવ્ય! પહેલાંં તો તું જ્ઞાની પાસેથી લક્ષ્યરૂપ
શુદ્ધાત્મસ્વરૂપનું જ્ઞાન કર, ને તેને જ ધ્યેયરૂપ બનાવીને ધ્યાવ. તેના ધ્યેયે તારો
મોક્ષમાર્ગ સધાશે જ્ઞાની પાસેથી સત્ય માર્ગ જાણતાં, માર્ગ સંબંધી તારી મુંઝવણ મટી
જશે; ને તારું જ્ઞાન પોતાના સાચા નિશાન તરફ (એટલે કે શુદ્ધઆત્મા તરફ) ઝુકી
જશે, શુદ્ધાત્માના આશ્રયે સુખેસુખે મોક્ષમાર્ગ તને સધાશે.
જ્ઞાની–ગુરુગમે શુદ્ધાત્મારૂપ લક્ષ્યને જે જાણતો નથી ને રાગ વડે મોક્ષમાર્ગ
સાધવા માંગે છે તેને માર્ગની પ્રાપ્તિ કદી થતી નથી. મોક્ષમાર્ગ તો વીતરાગ–સુખરૂપ છે,
ને રાગ તો દુઃખરૂપ છે; પોતે દુઃખરૂપ એવો રાગ તે મોક્ષસુખનું કારણ કેમ થાય?
બોધસ્વરૂપ આત્માને જે બુઝે–જાણે તે જ સાચો બોધ છે. બોધસ્વરૂપને ન જાણે તેને
બોધ કોણ કહે? રાગમાં કાંઈ એવી તાકાત નથી કે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે
જ્ઞાનસ્વરૂપ આત્મા જેમાં જણાય એવા બોધનો ઉપદેશ મહાવીર ભગવાને મોક્ષમાર્ગમાં
કર્યો છે.
શ્રીગુરુ પાસે જઈ વિનયવંત શિષ્યે પૂછયું–હે પ્રભો! જ્ઞાનની પ્રાપ્તિ કરાવો.
ત્યારે શ્રીગુરુ કૃપા કરીને તેને એમ કહે છે કે હે ભવ્ય! જ્ઞાનની પ્રાપ્તિ અંતર્મુખ
આત્મામાંથી થાય છે માટે તું બહારનું (અમારું પણ) લક્ષ છોડીને તારા આત્માની
સન્મુખ થા. પરને લક્ષ્ય બનાવતાં જ્ઞાનપ્રાપ્તિ નહિ થાય; સ્વ આત્માને લક્ષ્ય બનાવતાં
તને જ્ઞાનપ્રાપ્તિ થશે.
અહો, જૈનશાસનનું અલૌકિક જ્ઞાન, કુંદકુંદાચાર્યદેવે પ્રસિદ્ધ કર્યું છે. અહા,
જૈનગુરુઓ કેવા પરમ નિઃસ્પૃહ છે! તેઓ પોતાનો પણ આશ્રય છોડવાનું કહીને જીવને
નિજસ્વભાવનો જ આશ્રય કરાવે છે. આવા વીતરાગી નિસ્પૃહ ગુરુઓએ બતાવેલા
સત્ય મોક્ષમાર્ગનો આશ્રય છોડીને જેઓએ કુગુરુના કુમાર્ગનો આશ્રય લીધો તેઓ
પોતાના હિતને ચૂકીને પોતાનું અહિત કરી રહ્યા છે. તેવા જીવો ઉપર કરુણા કરીને આ
વીતરાગી સંતોએ સત્ય માર્ગ જગતમાં પ્રસિદ્ધ કર્યો છે. ભાઈ, આ માર્ગની આરાધનાથી
જ તને મોક્ષમાર્ગનું સાચું જ્ઞાન થશે, ને અલ્પકાળમાં તારા ભવદુઃખનો અંત આવી જશે.
માટે જિનમાર્ગને જાણીને ભક્તિથી આત્માની આરાધના કર.